સંવત 1918ના અષાઢ સુદિ દશમીને દિવસે સ્વામીએ વાત કરી જે,
(1)
તત્રૈવ ગંગા યમુના ત્રિવેણી ગોદાવરી સિંધુ સરસ્વતી ચ ।
સર્વાણિ તીર્થાનિ વસન્તિ તત્ર યત્રાચ્યુતોદારકથાપ્રસંગ ॥
(પાંડવગીતા : 38)
અર્થ : જ્યાં શ્રી અચ્યુત ભગવાનનો ઉદાર કથાપ્રસંગ-સત્સંગ ચાલતો હોય ત્યાં જ ગંગા, યમુના, ત્રિવેણી, ગોદાવરી, સિંધુ, સરસ્વતી વગેરે નદીઓ અને સર્વ તીર્થો વસે છે.
અચ્યુત એવા જે ભગવાન તેની ઉદાર એવી જે કથા તેના પ્રસંગમાં સર્વ તીર્થ મૂર્તિમાન પવિત્ર થાવા આવે છે. વહેવાર મારગમાં નથી ચાલવું તો પણ ચલાય છે ને ભગવાનને મારગે ચાલવું છે તો પણ નથી ચલાતું ને વિચાર વિનાનું તો કાંઈનું કાંઈ થઈ જાય. તે સયાજીરાવે ત્રણસેં રૂપિયાની અત્તરની શીશી ન રાખી ને મશ્કરીમાં કહ્યું જે, ‘જા, લલુ બાદર રાખશે.’ ત્યારે અત્તરવાળો લલુભાઈને ત્યાં ગયો, ત્યારે લલુભાઈ કહે, ‘લાવ,’ તે લઈ પોતે નહાતા હતા તે માથે ઢોળીને નાહી નાખ્યું ને તેને ત્રણસેં રૂપિયા આપ્યા; એમ કરતાં દ્રવ્ય ખૂટી ગયું; તે અંતે બાપની મિલકત પણ બધી ઉડાવી દીધી પછી લલુભાઈના અલુભાઈ કહેવાણા; માટે વિચાર રાખવો ને પ્રભુ ભજવા.
અર્થ : ધન, સંપત્તિ.
અચ્યુત : અવિચલિત-અખંડ.
(2) જ્યાં વસ્તીનો બહુ ધસારો હોય ત્યાં ઝાડ હોય નહિ તેમ ભૂંડાં માણસનો જોગ થાય ત્યારે આવું ને આવું અંતર રહે નહિ, માટે સાધુના જોગ વિના સત્સંગ રહેવો બહુ કઠણ છે. આપણે પ્રભુ ભજવા આવ્યા છીએ પણ જોગ વિના ન ભજાય. તે ઉપર વાત કરી જે, ‘અમે પીપલાણે ગયા; ત્યારે આખાના હરિજનો દર્શને આવ્યા તે ઊભા થઈ રહ્યા ને પીપલાણાનાં છોકરાં દંડવત્ કરવા મંડી પડ્યાં. તે શું ? જે, આખામાં મંદિર નથી તો હરિજનને દંડવત્ કરતાં આવડ્યા નહિ ને પીપલાણામાં મંદિર છે તો ત્યાં છોકરાં સોતને દંડવત્ આવડે છે એમ જોગ વિના કાંઈ થાતું નથી.’
સોતને : સુધ્ધાંને.
(3) આજ જેને પ્રભુ ભજવા હોય તેને જેવું મહારાજ છતાં હતું તેવું જ છે પણ આ સત્સંગ તો કોઈને ગમતો નથી ને આજીવિકા પણ સત્સંગ રહેવા દે એવી નથી. બાબરિયાવાડમાં બારપટોળીના ખીમા વાઘને ઘેર ડોશી આગળ એક ગુજરાતી બ્રાહ્મણે ટીપણું જોઈને કહ્યું જે, ‘તમારા ધણીને તો સાડી સાતી પનોતી બેઠી છે.’ પછી તે બાઈએ પૂછ્યું જે, ‘શું થાય ?’ તો કહે, ‘ગામતરાં કરવાં પડે.’ ત્યારે બાઈ કહે, ‘મારો ધણી તો ભેંશનું દૂધ ને બાજરાનો રોટલો જમીને ઝાડને છાંયે સૂતા છે ને પનોતી તો તને બેઠી છે તે સો ગાઉથી રઝળતો રઝળતો આંહીં આવ્યો છું. અમે તો તુંને સત્સંગી જાણીને ઊતરવા દીધો પણ હવે સવારે ચાલવા માંડજે.’ એમ સત્સંગથી બીજાની આજીવિકા તૂટે છે.
તોરીનો કરસનજી સત્સંગીમાં રાનેલ તેડતો પણ આત્માનંદસ્વામીએ રાનેલનો અર્થ કર્યો જે, ‘છતે ધણીએ જ્યાં ત્યાં એકલી રખડે તે સ્ત્રીને રાનેલ કહે છે, તેમ આ પણ તેના પતિ જે સૂર્ય તેને મૂકીને એકલી પૂજાય છે માટે તેને સૌ રાનેલ કહે છે તે જે રાનિયાં હોય તે તેને ઘરમાં બેસારે, પણ સત્સંગી હોય તેનાથી રાનેલને ઘરમાં બેસારાય નહીં.’ તેથી સત્સંગી રાનેલ તેડતાં આળસી ગયા, એટલે કરસનજીએ કહ્યું જે, ‘મારી આજીવિકા સાધુએ તોડી.’ એમ આજીવિકા તૂટવાથી સત્સંગી સત્સંગમાંથી પાછા પડી જાય છે, માટે વિચાર વિનાનો સત્સંગ ધોવાઈ જાય.
રાનેલ : રાંદેલ, રન્નાદે, સૂર્યની પત્ની
અર્થ : ધન, સંપત્તિ.
(4) સ્ત્રી સારુ કરોડ કરોડ જન્મ ખરાબ કર્યા છે ને સ્ત્રીના દેહ ધરીને પુરુષ સારુ કરોડ કરોડ જન્મ ખરાબ કર્યા છે, પણ ભગવાન સારુ એકે જન્મ ધર્યો નથી ને ભગવાનને ભજવાથી તો જીવ મહાસુખિયો થઈ જાય છે, પણ જીવ ભગવાનને સંભારતો નથી.
(5) જે સેવા કરશે તેનું દેહ ઠીક રહેશે ને અમથો બેસી રહેશે તેનું શરીર સારું નહિ રહે ને જીવ પણ સારો નહિ રહે. આપણે ભેળા થઈને પરિયાણ કરવું જે, ‘આપણે સંસારમાં રહેવું ત્યારે બાજરો ભેળો કરીને પરમેશ્ર્વર ભજી લેવા.’ એવી રીતે એકલા ગૃહસ્થ હરિભક્ત બેઠા હતા તેની આગળ વાત કરી.
પરિયાણ : જવાની તૈયારી, આરંભ, પ્રયાણ.
(6) માયાનું બળ કહ્યું જે, એક રાજાનો ગોલો રિસાણો તેને કામદાર, વજીર આદિક મોટા મોટાએ કહ્યું પણ માન્યો નહિ, પછી ગોલીએ ઠેબું મારીને કહ્યું જે, ‘ઊઠ.’ એટલે તુરત જ ઊઠ્યો ને મનાઈ ગયો. એમ જીવ બધા માયાને વશ છે.
ગોલો : નોકર, ચાકર.
ઠેબું : પગની ઠોકર.
(7) જોડા છે તે પગમાં જ પહેરાય અને પાઘડી તે માથામાં જ ઘલાય; તેમ વહેવાર છે તે જોડાને ઠેકાણે છે ને ભગવાન છે તે પાઘડીને ઠેકાણે છે. રસોડામાં જાવું હોય, ત્યારે જોડા બહાર મૂકવા પડે તેમ ભગવાન પાસે જાવું હોય ત્યારે વહેવારના સંકલ્પ બહાર મૂકી દેવા. વહેવાર તો બુદ્ધિમાં રહ્યો છે, માટે વહેવાર હોય તેટલો કરીને તુરત પ્રભુ ભજવા મંડી જાવું; પણ ઇતરડીની પેઠે વહેવારમાં વળગી ન રહેવું.
(8) આપણે ડાહ્યા ડાહ્યા થઈને બેઠા છીએ પણ મોક્ષ બગાડ્યો તો શું કમાણા ? માટે મોક્ષ બગડવા દેવો નહીં. એક પટેલ શહેરમાં વિવાહનો સામાન લેવા ગાડું જોડીને ગયો ને ગામનાં સંપેતરાંનો ખરડો પણ ઉતારી સાથે લેતો ગયો. ખરડા પ્રમાણે સામાન લીધો, ત્યાં ગાડું ભરાઈ રહ્યું ને દિવસ થોડો રહ્યો એટલે ઘેર આવ્યો. સંપેતરાંવાળાં આવ્યાં, તે સૌ સૌનું લઈ ગયાં, વાંસે ગાડું રહ્યું; ત્યારે ઘરનું મનુષ્ય કહે, ‘આપણું ક્યાં?’ એટલે કહે જે, ‘ભૂલી ગયો !’ એમ દેહ, લોક, ભોગ ને કુટુંબનું કરવારૂપ સંપેતરાંમાં પોતાના મોક્ષનું કરવું રહી જાય છે, પણ મોક્ષને અર્થે તો મોટે મોટે સમૃદ્ધિનો ત્યાગ કરેલ છે, માટે મોક્ષ વિના તો ડહાપણ કેવું છે ? તો જેમ એકડા વિનાનાં મીંડાં ને વર વિનાની જાન એવું છે, માટે એક મહિનો સમાગમ તો જરૂર કરવો ને ‘શિક્ષાપત્રી’ પ્રમાણે વરતવું.
ખરડો : યાદી, નોંધ કરવી, ધર્માદાની લખણી.
વાંસે : પાછળ.
(9) ભાદરામાં બે બ્રાહ્મણ હતા. તે બે પહોર જ રળતા ને દશ વાગ્યા સુધી જ સાંતી હાંકે ને પછી બાવળિયા હેઠે સૂઈ રહેતા ને સાંજે ઘેર જાતા. પછી કોઈકે કહ્યું જે, ‘તમે સાંતીડું કેમ હાંકતા નથી ને સૂઈ રહો છો ?’ ત્યારે તે કહે જે, ‘થોડા કાળ જીવવું ને શા સારુ કૂટીએ ?’ એમ બે પહોર રળતા તેને ય અન્ન તો મળતું, માટે જોઈએ તેટલું પેદા કરવું, વધુનું શું કામ છે ?
પહોર : પ્રહર, ત્રણ કલાક.
રળતા : મહેનત કરતા.
દશ : દિશા.
સાંતી : ખેતીની જમીન.
(10) કાચાપોચાને ખટદર્શન વિઘ્ન છે. તે શું ? જે, આમાં કોઈ એવા હોય તે મોટા સંતનો દ્રોહ કરતાં શીખવે ને બીજાને પાંચ ઇન્દ્રિઓ ને મન એ ખટદર્શનથી ભૂંડાં છે, માટે એનો વિશ્ર્વાસ ન કરવો ને એ તો સોડમાં સાપ છે ને એ સાથે આપણે કજિયો આદર્યો છે તે લડાઈ લીધે રહેવું.
દ્રોહ : મનથી, વાણીથી કે કર્મથી જાણી જોઈને કરેલ દોષ, ગુનો, પાપ કે અપરાધ
સંવત 1918ના અષાઢ સુદિ એકાદશીને દિવસે સ્વામીએ વાત કરી જે,
(11) સર્વે વાતે સાનુકૂળ હોય ત્યારે વાતું સંભળાય તે શરીર સાજું હોય, કોઈ જાતનો દેશકાળ વિષમ ન હોય ને મનમાં પણ કોઈ જાતનો ઉદ્વેગ ન હોય, ત્યારે વાતું સંભળાય; પણ બાર મહિનામાં એકે ય મહિનો વાતું ન સાંભળે તેનો સત્સંગ રહે નહીં.
(12) આ તો અંધારું કુટાય છે માટે તેનો વિચાર કરવો. શૂરવીર હતા તે કહે જે, ‘અમારા ઘરમાં અંધારું કેવું ?’ તે દહાડો છતાં વાળુ કરી, ભેટું બાંધી, ડાંગડા લઈ બારણા આડા ઊભા ને કહે જે, ‘અંધારું આવે તો ડાંગડા મારીને કાઢી મૂકવું.’ તે આથમણું જોઈ રહ્યા, ત્યાં તો સંધ્યા ફૂલેલ તે અજવાળું દેખે પણ એક જણે ઘરમાં જોયું, ત્યાં તો અંધારું દીઠું; એટલે કહે, ‘આપણા ઘરમાં અંધારું ક્યાંથી પેસી ગયું ? ચાલો કાઢીએ.’ પછી ઘરમાં અંધારે ધોકા મારવા માંડ્યા તે ઉતરડ્યું ફૂટી ને એકબીજાનાં માથાં ફૂટ્યાં તે સવાર સુધી. એમ કરતાં કરતાં અજવાળું થયું ત્યારે કહે, ‘કેવું કાઢ્યું !’ તેમ વહેવારમાં કુટાય છે, તો પણ મનમાં જાણે જે કેવો વહેવાર સુધાર્યો છે ! પણ તે તો સુધર્યો તોય બગડેલો છે ને આંહીં આવે ત્યાંથી જ દિવસ ગણવા માંડે. તે શું ? જે ઘર ઉપર વૃત્તિ તણાઈ જાય છે ને આ મારગમાં તો જીવને મૂંઝવણ થાય એવું છે, માટે ધીરે ધીરે ઢાળ પાડવો જે, સાધુ ભેળું બેસવું ગમે ને સારા હરિભક્ત ભેળું બેસવું ગમે, પણ આપણે જે ખોરડું માન્યું છે તેમાં નહિ જ રહેવાય ને આ ખોરડામાં જ રહેવાશે.
ખોરડું : ખોલી, ઓરડી. માટીનું નાનકડું ઘર એટલે કે દેહ.
(13) સત્સંગ પોતાનો કરવો પણ ઉછીનો ન કરવો. કોઈને મા-બાપનો, કોઈને મોસાળનો, કોઈને કાકાનો એમ કોઈકને લઈને સત્સંગ છે માટે પ્રહ્લાદની પેઠે પોતાનો સત્સંગ કરવો ને પર્વતભાઈને પણ પોતાનો હતો.
(14) નિશ્ર્ચયની વાત કરી જે, મુક્તાનંદસ્વામીને તથા આણંદજીભાઈને મહા મહા દાખડે નિશ્ર્ચય થયો ને સમાધિ દેખાડી હતી તો પણ જ્યારે કાલવાણીમાં ખાખરાના વનમાં મુક્તાનંદસ્વામી દિશાએ ગયા હતા, ત્યાં રામાનંદસ્વામી કહી ગયા જે, ‘એ સર્વોપરી પુરુષોત્તમ છે.’ ત્યારે વાત સમજાણી ને આપણે તો મહારાજનો આવો ને આવો પ્રતાપ દેખીને નિશ્ર્ચય કર્યો છે; માટે સર્વોપરી ઉપાસના સમજવી ને આજ્ઞામાં રહેવું ને આજ્ઞામાં તો સર્વે વાત આવી જાય છે.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
(15) સમાગમ તો અવશ્યપણે કરવો, પણ કેવળ સ્ત્રી, છોકરાંના દાસ થાવું નહિ, તે ઉપર અંબાવીદાસની વાત કરી જે, તેને કોઈકે મંદિરે દર્શને આવવા કહ્યું. ત્યારે તે બોલ્યો જે,
પૈસો મારો પરમેશ્ર્વર, બાયડી મારો ગુરુ;
છોકરાં છૈયાં સંત સમાગમ, સેવા કેની કરું ?
ને ઝીણાભાઈએ સમાગમ સારુ ગઢડામાં અધવારું કર્યું, માટે બે ભાઈ હોય કે બાપ-દીકરો હોય તો વારાફરતી વહેવાર સાચવીને સમાગમ કરી લેવો. સમાગમ કરે તો વહેવાર પણ સારો થાય, એ વાતમાં કાંઈ ફેર નથી.
અધવારું : બે સ્થળે (ગઢડા ને પંચાળા) રહેવાનું રાખવું તે.
(16) આ જીવને જો રૂપિયા મળે તો લોકમાં ભરાઈ જાય છે ને જીવ તો આ લોકનું સુધારીને પોતાનું બગાડે એવો છે. મોક્ષને મારગે ચાલવું તેમાં હજાર હજાર વિઘ્ન છે. પીઠવાજાળના ખીમા ડોબરિયાનો વહેવાર કૃપાનંદસ્વામીની દૃષ્ટિથી સારો થયો; તો હવે ઘરનો ઊમરો મેલીને બહાર નીકળતો નથી, એમ જીવનો બદ્ધ સ્વભાવ છે.
(17) ધર્મ તો કોઈ ઠેકાણે રહ્યો નથી. તે ઉપર પોરબંદરના બાવાની છોકરીની વાત કરી, માટે ઝાઝું કહ્યે જીભ તૂટી પડે એવી વાતું છે પણ કયાંય ધર્મ રહ્યો નથી ને આ તો મહારાજે નોખું પાડ્યું. આ નિયમ પણ નહોતા તે મહારાજે પ્રગટ કર્યા.
(18) આપણી આવરદા સર્વે છોંતેરાના વરસાદમાં તણાઈ ગઈ, માટે હવે તો સમાગમ કરી લેવો ને જે કર્તવ્ય હોય તે ન કરે તે ડાહ્યો ન કહેવાય ને બીજાં કર્તવ્ય છે, તેનું ફળ તો દાળ-રોટલા મળ્યા એ જ છે ને ભગવાન ભજવા એ કર્તવ્ય મોક્ષને અર્થે છે.
(19) પાંચ રૂપિયા હોય ને બેઠાં બેઠાં ખાઈને સત્સંગ કરે તો તે રૂપિયા તેને સુખદાઈ થાય છે ને થોડા જ રૂપિયા હોય તો પણ જો બહુ આસક્તિ હોય તો સાપ થાવું પડે માટે આપણને રૂપિયા છે તે મોક્ષને અર્થે છે ને બીજાને બંધનને અર્થે છે. કોઈક હજારો રૂપિયા વહેવારમાં ખરચી નાખે છે પણ એ જીવના કામમાં કશું નથી, જેટલું સત્સંગના ઉપયોગમાં આવે છે એટલું મોક્ષને અર્થે થાય છે.
આસક્તિ : મોહ, અતિશય સ્નેહ, લગની.
(20) કામ્ય કર્મ કરીને મોટા વિષયને પામે તો ઘણી માથાકૂટ. તે શું ? જે, નાના દેવતાનું વિમાન મોટા દેવતા ઊંધું પાડી દે છે અને કેટલાક તો ગરીબના વિમાન માથે પોતાનું વિમાન લાવીને હેરાન કરે છે, એવી ત્યાં ઈર્ષા છે.
કામ્ય : કામનાની ઈચ્છાથી કરેલ.
(21) આંહીં સમાગમ કરવા આવ્યા ને ગાફલાઈ રાખીને જ્યાં ત્યાં બેસી રહ્યા ત્યારે ઘેર જાશો ત્યાં એ વાત થાશે ? ઘેર જાશો ત્યારે ખેતરે મોકલશે માટે આંહીં આવવું ત્યારે તો એક મને વાતું સાંભળી લેવી.
સંવત 1918ના અષાઢ સુદિ તેરસને દિવસે સ્વામીએ વાત કરી જે,
(22) સંબંધી સર્વેને કેવળ સ્વાર્થનું હેત છે તે ઉપર વાત કરી જે, કણબીના છોકરે સાધુને કહ્યું જે, ‘મારાં માવતરને મારે વિશે મરી મટે એવું હેત છે.’ ત્યારે વિજયાત્માનંદસ્વામીએ કહ્યું જે, ‘સ્વાર્થનું હેત છે, સાચું ન હોય.’ ત્યારે છોકરે કહ્યું જે, ‘ મહારાજ ! ખરેખરું હેત છે.’ ત્યારે વિજ્યાત્માનંદસ્વામી કહે જે, ‘તું ખોટે ખોટે માંદો થાજે, પછી અમે આવશું, એટલે જેમ હશે તેમ બતાવી દેશું.’ પછી તે છોકરો માંદો થયો, એટલે તેનાં માવતર ઓષડ કરવા લાગ્યાં ને કહે જે, ‘ભાઈ, તને રોગ થયો તે અમને કાં ન થયો ?’ એમ કરતાં હતાં ત્યાં સાધુ ગયા ને પૂછ્યું જે, ‘કોણ સૂતું છે ?’ ત્યારે કહે જે, ‘અમારા દીકરાને કાંઈક ચોઘડિયું ભજી ગયું, તે આવતાં વેંત ભૂંટ પડી ગયો ને બોલતો નથી. ઘણા ઉપાય કર્યા, ફકીર તેડાવ્યા, ઝાડા નંખાવ્યા, પણ કાંઈ કારી લાગતી નથી.’
પછી સાધુ કહે, ‘કહો તો અમે સાજો કરીએ.’ તો કહે જે, ‘તો તો તમારા જેવા કોઈ નહીં.’ પછી સાધુએ દૂધ મંગાવ્યું ને માંહી સાકર નંખાવીને સાત વાર તેને માથેથી ઉતાર્યું. પછી કહે, ‘આ દૂધમાં મોત આવ્યું છે; માટે જે કોઈ આ પીએ તે સાટે મરે ને આ છોકરો જીવતો થાય.’ પછી તેના બાપને કહ્યું જે, ‘તમે ખાઈ-પી ઊતર્યા છો માટે પી જાઓ.’ ત્યારે તેના બાપે પીવાની ના પાડી ને કહે, ‘મેં મરાય નહીં.’ પછી તેની માને પુછાવ્યું. તો તે કહે જે, ‘હું તો રેંદો કાંતીને પેટ ભરીશ, પણ મરાય નહિ, ભાઈ!’ પછી તેની સ્ત્રીને પીવા કહ્યું. ત્યારે તે કહે જે, ‘હું તો ઘરઘી જાઈશ, મારે શું કામ પીવું પડે ?’ પછી તેની બહેનને કહ્યું. તો કહે, ‘હું તો મારે સાસરે જઈશ, મારે એનો કમખો જોઈતો નથી.’ એમ રૂડી રીતે સૌએ ના પાડી. ત્યારે વિજયાત્માનંદસ્વામી કહે, ‘કહો તો અમે પી જઈએ.’ ત્યારે કહે, ‘અહો ! અહો ! મહારાજ, તમે તો પ્રભુના ઘર છો. તે તમે પી જાઓ તો તો બહુ ઠીક !’ પછી સાધુ તે દૂધ પી ગયા ને છોકરાને કહે, ‘ઊઠ, થા બેઠો !’ એટલે તે તુરત બેઠો થયો ને કહ્યું જે, ‘તમે તો મને મૂઓ વાંચ્યો હતો, ને આ સાધુએ જીવાડ્યો છે; માટે હું તો એના ભેળો જઈશ.’ એમ કહી સાધુ ભેળો ચાલી નીકળ્યો. તે વૈરાગ્યવાનની એવી કળાઓ હોય ને જગતનું સ્વાર્થનું હેત છે પણ તે ખરે ટાણે ખબર પડે.
ઓષડ : રોગ મુક્ત કરવાના ઉપચાર.
સાટે : બદલેઅવેજમાં.
કમખો : કપડું-કાંચળી-બ્લાઉઝની જગ્યાએ પહેલાં પહેરાતું વસ્ત્ર.
કળાઓ : યુક્તિઓ.
(23) જીવ જ્યાં રહે ત્યાં બંધાઈ જાય છે. ટોળામાંથી બે વાછડા જુદા પાડ્યા તે મૂઆ જેવા થઈ ગયા. વગડામાં ઢોર ભેળાં રહે, તેને ત્યાં જ ગમે, તે ભરવાડને ગામમાં ન ગોઠે ને ભાલના કાગડા ગુજરાતમાં જાય નહિ; તેમ સૌને પોતાની નાત જાત સારી લાગે છે. એમ જ્યાં જીવ રહે ત્યાં તે બંધાઈ જાય છે.
(24) સૌ કરતાં કામ બળિયો છે, એવો કામ છે તે પણ ન ખાય તેથી ઓછો થાય છે. અગણ્યોતેરામાં અરધ મણ સૂંઠ હતી તે સડી ગઈ એટલે મૂળચંદ વાણિયે નાખી દીધી કારણ કે, કોઈને અન્ન ખાવા મળ્યું નહિ એટલે બાળક જન્મ્યાં નહિ ને સૂંઠનું ઘરાક કોઈ થયું નહિ, એટલે સડી જવાથી નાખી દીધી, માટે આહાર ઓછો કરે તો સહેજે ઇન્દ્રિયો જિતાય.
(25) વિષય તો હોય, પણ જો નિયમમાં રહે તો સુખ રહે; ને નિયમ રાખવા તે પણ જોગ વિના રહે નહીં. કર્મને વશ થઈને સર્વે નિયમ રાખે છે, તે રાજકોટના સુરાભી રાજાથી એરંડિયું ને બાજરાનો રોટલો જ ખવાય છે; ને રૂગનાથરાયના ઘરમાં રૂપિયા છે પણ તાંદળજાની ભાજી ને બાજરાનો રોટલો જ ખવાય છે. એમ કર્મે કરીને તો જીવ નિયમ રાખે છે; પણ ભગવાનની આજ્ઞાએ નિયમ રાખતા નથી.
(26) અતિ આચાર-વિચારમાં ચડી જાય તે ઠીક નહિ ને છેક ઊતરી જાય તે પણ ઠીક નહીં.
અતિદાનાદ્ બલિર્બદ્વો અતિગર્વેણ રાવણ: ।
અતિરુપાદ્હૃતા સીતા અતિ સર્વત્ર વર્જયેત્ ॥
અર્થ : અતિશય દાનથી બલિ બંધનમાં પડ્યો. અતિશય ગર્વના કારણે રાવણ હણાયો. અતિશય સૌન્દર્યના કારણે સીતાનું હરણ થયું. સર્વત્ર અતિશયનો ત્યાગ કરવો.
માટે કોઈ વાતનું અતિક્રમણ ન કરવું.
અર્થ : ધન, સંપત્તિ.
સંવત 1918ના અષાઢ સુદિ ચૌદશને દિવસે સ્વામીએ વાત કરી જે,
(27) મોક્ષાર્થીનો મારગ જુદો છે ને અર્થાર્થીનો પણ જુદો છે. આ તો પંચરાત્ર ગ્રહણ કર્યું છે તેમાં બધી વાત હોય; માટે આપણે મોક્ષભાગી જ થાવું ને આ સાધુની વાતું સાંભળે ત્યારે મોક્ષની ખબર પડે.
(28) જન્મ-મૃત્યુ, દીઘર્ર્રોગ ને તેનું દુ:ખ ભગંદરથી કયાં ઓછું છે? પણ જન્મ-મરણના દુ:ખની આ જીવને ખબર જ નથી ને વિષયમાં દુ:ખ છે તેની પણ ખબર નથી તે બીજાની શી વાત, પણ ભણેલા પંડિત હોય તેને પણ ખબર નથી. તે ચાર ધામ ને સાત પુરી કહેવાય છે; તે જ્યારે ખરેખરા સાધુ મળે ત્યારે પૂરી ! નહિ તો અધૂરી !
(29) મંદિરે કરીને, આચાર્યે કરીને, વિદ્યાએ કરીને ને ત્યાગે કરીને મનુષ્ય ઊભાં થઈ રહે છે તે એ સર્વે વિભૂતિ છે.
(30) પાછું વળવાની તો કોઈને ખબર જ નથી. મોટા મોટાને ધક્કા વાગ્યા છે માટે આ તો અર્થ જેવું જણાય છે પણ વાત બધી મોક્ષ પર છે.
અર્થ : ધન, સંપત્તિ.
(31) આ ‘વચનામૃત’ના ચોપડામાં કેવળ બ્રહ્મવિદ્યા ભરી છે ને એ ચોપડા રાખીએ તો પણ સ્વભાવ તો ટાળે ત્યારે જ ટળે. ભોળાનંદ પાસે હજાર ‘વચનામૃત’નું પુસ્તક હતું, તે આંબાવાડિયામાં ખીજડાવાળે ઓટે મૂકીને પ્રદક્ષિણા કરતા હતા ત્યારે અમે પૂછ્યું જે, ‘આ પુસ્તક શેનું છે ?’ તો કહે, ‘વચનામૃત છે.’ એટલે અમે પૂછ્યું જે, ‘તમને સત્સંગમાં રહો એમ કાંઈ ઉપદેશ કરે છે ?’ ત્યારે કહે, ‘એકે શબ્દ મને ઉપદેશ કરતો નથી.’ એમ આસુરી સંપત્તિના જીવને પુસ્તક કામ ન આવે.
(32) આ જીવને ‘હું કરું છું.’ એ જ અજ્ઞાન છે માટે, ‘ભગવાન કર્તા છે.’ એમ સમજીને બધું કરવું. કેમ જે, ભગવાન કોઈનો ગર્વ રહેવા દેતા નથી. તે દુર્વાસા પણ વીસ હજાર વરસે પરણ્યા ને બીજા ઋષિનું પણ એમ જ છે, માટે આ તો મહારાજે હેડમાં રાખીને પળાવ્યું છે.
પ્રકરણ 9ની વાત 115
(33) મેમણનો પોઠિયો જેમ તરેલાં તાણે છે, તેમ આ જીવ તરેલાં તાણે છે, માટે તરેલાં તાણ્યાના દુ:ખને જાણે તેનાથી પ્રભુ ભજાય છે.
(34) ચાર ખળિયા પેટમાં રહ્યા અને સાધુ થઈ ગયા તેમાં શું પાક્યું? તે ખળિયા કાઢ્યાનું સાધન ઋષભદેવે કહ્યું છે જે,
પુંસ: સ્ત્રિયા મિથુનીભાવમેતં તયોર્મિથો હ્રદયગ્રંથિમાહુ: ।
અતો ગૃહક્ષેત્રસુતાપ્તવિત્તૈર્જનસ્ય મોહોયમહં મમેતિ ॥
(શ્રીમદ્ ભાગવત : 5/5/8)
અર્થ : સ્ત્રી અને પુરુષ બંનેનો જે પરસ્પર દામ્પત્યભાવ છે તે જ તેમના હૃદયની દુર્ભેદ્ય ગ્રંથિ છે. આ કારણથી પુરુષને ગૃહ, ક્ષેત્ર, પુત્ર, સ્વજન અને ધન વગેરેમાં ‘આ હું છું, મારું છે’ એવો મોહ થઈ જાય છે.
નાયં દેહો દેહભજાં નૃલોકે કષ્ટાન્કામાનર્હતે વિડ઼્ભુજાં યે ।
તપો દિવ્યં પુત્રકા યેન સત્વં શુદ્ધ્યેદ્યસ્માદ્ બ્રહ્મસૌખ્યં ત્વનંતમ્ ॥
(શ્રીમદ્ ભાગવત : 5/5/21)
અર્થ : આ મૃત્યુલોકમાં મનુષ્યદેહ મેળવીને મનુષ્યના માટે એ ઉચિત નથી કે જે વિષ્ટા ખાવાવાળા શુકર વગેરેની જેમ સરળ દુ:ખમય ભોગોમાં ફસાઈ રહે. આથી તેણે તપનું જ આચરણ કરવું જોઈએ. જેથી, અંત:કરણ શુદ્ધ થાય અને પછી અનંત બ્રહ્માનંદની પ્રાપ્તિ થાય.
‘સ્ત્રી-પુરુષને અન્યોઅન્ય મિથુની ભાવની હૃદયમાં ગાંઠ પડી ગઈ છે ને ઘર, ખેતર, દીકરા, સગાં ને દ્રવ્યને વિશે અહંમમત્ત્વપણાની બુદ્ધિ છે એ જ મોહ છે, પણ આ મનુષ્યનો દેહ વિષય ભોગવવાને યોગ્ય નથી કેમ જે, વિષયભોગ તો ભૂંડને પણ છે માટે હે પુત્રો ! દિવ્ય તપ કરો, જેણે કરીને અંત:કરણ શુદ્ધ થાય છે ને અંત:કરણ શુદ્ધ થયા પછી જેનો પાર નહિ એવું જે બ્રહ્મસુખ તે પમાય છે.’ એમ ઋષભદેવે કહ્યું છે અને મહારાજે તો કહેવામાં કાંઈ પાર જ રાખ્યો નથી; માટે હવે તો
અર્થં સાધયામિ વા દેહં પાતયામિ । (સુવાક્ય)
અર્થ : ‘મારો ધાર્યો અર્થ હું સિદ્ધ કરીશ અથવા દેહનો પાત (નાશ) કરીશ.’
એવો અડગ નિશ્ર્ચય હોવો જોઈએ. એમ કરી લેવું.
(35) મોક્ષને મારગે ન ચાલે તે ડાહ્યો નહિ, માટે નજર પૂગાડીને જુએ તેને દેખાય છે, કારણ દેહથી નોખો પડીને માયાથી રહિત થાય ત્યારે સુખિયો થાય છે.
(36) આ તો કચ્ચરઘાણ ઊડે છે તેમાં ભગવાનના સાધુ ખરેખરા થઈને ઊભા છે ને જન્મ-મરણ ને ચોરાશીનાં દુ:ખને જાણે તેથી પ્રભુ ભજાય છે, પણ જે ગાડરની પેઠે ચાલ્યા જાય છે તે શું જાણે ?
કચ્ચરઘાણ : પૂર્ણ પાયમાલી.
(37) પદાર્થ સારુ સત્સંગ કરે તેનો સત્સંગ રહે નહિ ને આત્મારામ છે તે કોઈમાં લેવાય નહિ; બીજા તો ખાવામાં, પીવામાં ને પદાર્થમાં લેવાઈ જાય છે ને પદાર્થ સારુ વેવલાવેડા કરે છે તે કહ્યા વિના સમજાય નહિ ને સમજ્યા વિના જ્ઞાન થાય નહીં.
આત્મારામ : સાંખ્ય- વિચારે કરીને 'હું તો દેહથી નોખો જે આત્મા તે છું'
વેવલાવેડા : ફાંફાં મારવાં-વલખાં મારવાં.
(38) જન્મ-મરણથી રહિત થાવું તે મોક્ષ, એવી તો કોઈને ખબર જ નથી.
(39) આ દેહમાં અનંત રોગ ને અનંત દુ:ખ રહ્યાં છે ને જે બળિયો હોય તે બીજાને બળિયા કરે છે.
(40) સ્વભાવ મૂક્યા વિના તો મુકાય જ નહિ માટે કાયર થાવું નહિ અને પોતાનું કામ તો સાધ્યું નહિ ને પારકી દાઢી ઓલવીએ છીએ. તે,
પરને કહેવા પ્રવીણ છું પૂરો, પોતાનું તો તું ન પેખે રે;
(કીર્તન મુક્તાવલિ-1077)
માટે પ્રથમ પોતાનું કરવું. તે ઉપર વાત કરી જે, બાદશાહે લવાને પૂછ્યું જે, ‘મારે વિશે કેવું હેત ?’ તો કહે, ‘તમે તો ખાવિંદ-ધણી છો, તમારે વિશે હેત હોય એમાં શું કહેવું ?’ ત્યારે કહે, ‘આપણા બેયની દાઢી એક સાથે સળગે તો પ્રથમ કેની ઓલવું ?’ ત્યારે કહે, ‘બે લહરકા મારી દાઢીને લઉં, પછી તમારી ઓલવું.’ એમ લવાની પેઠે પ્રથમ પોતાનું કરવું.
લહરકા : તાકીદના પ્રયત્ન.
(41) પોલારપુરના વાણિયા ઘેલા શાહે બરવાળાનો ઇજારો રાખ્યો હતો તેમાં ખોટ ગઈ પછી તે ચિંતામાં ને ચિંતામાં માંદો પડ્યો, ત્યારે છોકરાને કહ્યું કે, ‘જીવલા, બરવાળાનો અવેજ વળ્યો ?’ એટલે કહે જે, ‘હા બાપા વળ્યો. પારસનાથ, પારસનાથ કરો.’ પછી કોકડાં સમણે તેમ હાથના ચાળા કરે ને વળી બોલે જે, ‘જીવલા બરવાળાનો અવેજ વળ્યો ?’ એમ જીવને ઝંખના થાય છે.
ઇજારો : એકહથ્થુ હક્ક.
અવેજ : કરજ
સમણે : વીંઝે, ફેરવે.
સંવત 1918ના અષાઢ સુદિ પૂનમને દિવસે સ્વામીએ વાત કરી જે,
(42) ઉપાસનાનો કજિયો છે તે તો કોઈ મોટા સંતનો વિશ્ર્વાસ હોય તો તેની સમજણે વાતની ઘડ બેસે. મહારાજે મહા મહા અલૌકિક પ્રતાપ જણાવ્યો ને પોતાના સેવકોનાં નામ પણ વિજાતીય પાડ્યાં; એ આદિક પ્રભાવ ઉપર જેની સુરત હોય તેને ઘડ બેસે. અમદાવાદમાં કપડવંજવાળા ભૂદરભાઈએ અમને સભામાં વાતું કરવા કહ્યું, એટલે અમે મહારાજના સર્વોપરીપણાની વાતું કરી, એટલે ત્યાંના સાધુ કહે, ‘શાસ્ત્રમાં નરનારાયણનું લખ્યું છે, તેનું કેમ સમજવું ?’ ત્યારે અમે કહ્યું જે, ‘રનારાયણનો ભરતખંડ છે, તેથી મહારાજે તેમને ભોમિયા લીધા છે ને મહારાજ તો સર્વોપરી પુરુષોત્તમ છે.’ પછી અમે અયોધ્યાપ્રસાદજી મહારાજને પૂછ્યું જે, ‘તમારે અમારે વિશે કેવું હેત ?’ તો કહે, ‘બહુ જ હેત.’ પછી અમે પૂછ્યું જે, ‘ખજીનો કેને દેખાડ્યો છે ? કેશવપ્રસાદજીને કે અમને ?’ ત્યારે કહે, ‘કેશવપ્રસાદજીને.’ પછી અમે કહ્યું જે, ‘જેવા તમને અમે વ્હાલા તેવા તમે મહારાજને વ્હાલા છો, તેથી તમને ગાદી આપી છે તે સત્સંગમાં પૂજાઓ એટલું જ ને જેવા તમને કેશવપ્રસાદજી વ્હાલા એવા મહારાજને વ્હાલા અમે છીએ, તેથી મહારાજે અમને પુરુષોત્તમપણાનો ખજીનો સોંપ્યો છે એની તમને ખબર નથી.’
પછી અમે આનંદસ્વામીને પૂછ્યું જે, ‘રસ્તે ચાલતાં લોકે તમને તથા તમારી સાથે હતા તેને રામ-લક્ષ્મણરૂપે દીઠા, એટલે તમને રામ-લક્ષ્મણ કહ્યા તે વાત યાદ છે ?’ તો કહે, ‘હા.’ વળી એક વખત મહારાજે ચોરણો પહેર્યો, ચાર તસુની કોરનું ચીણવાળું કેડિયું પહેર્યું, માથે બ્રાહ્મણની પાઘડી ને ટીપણું ઘાલ્યું, કપાળમાં આડું તિલક કર્યું, ડોકમાં માળાઓ ને ફકીરની તસબી પહેરી ને ખભે બંદૂક લીધી. પછી સભામાં આવ્યા ને પૂછ્યું જે, ‘અમે કેના જેવા છીએ ?’ ત્યારે સૌ વિચારી રહ્યા ને કેના જેવા કહેવા તે કાંઈ સૂઝ્યું નહીં. પછી મહારાજ કહે, ‘અમે કોઈ અવતાર જેવા નથી, અમ જેવા તો અમે એક જ છીએ !’ તે વાત તમે જાણો છો કે ? ત્યારે આનંદસ્વામી કહે, ‘હા, એ વાત ખરી છે.’
કોટિ કૃષ્ણ તહાં જોડે હાથ, કોટિ વિષ્ણુ તહાં નમે હૈ માથ;
કોટિ બ્રહ્મા તહાં કથે જ્ઞાન, કોટિ શિવ જહાં ધરે હૈ ધ્યાન;
જહાં સદ્ગુરુ ખેલે વસંત, પરમ જ્યોતિ જહાં સાધુ સંત.
(કીર્તન મુક્તાવલિ : 735)
તેમાં, ‘કોટિ કૃષ્ણ ત્યાં જોડે હાથ,’ એ શબ્દ વારેવારે બોલે ને પોતાનું સ્વરૂપ સમજાવે. ત્યારે આનંદસ્વામી કહે, ‘હા, એ વાત સાચી છે; મહારાજ સર્વોપરી ભગવાન છે !’ એમ અમદાવાદની સભામાં આનંદસ્વામીને મોઢે જ સર્વોપરીપણાની હા પડાવી. માટે જ્ઞાન સમજવું હોય તો વારંવાર કહેવું ને સાંભળવું, તો જ્ઞાન વૃદ્ધિ પામે છે; પણ બે વચનામૃત વાંચીને શ્રીપતિમ્ કરે તેને એ વાતની ઘડ બેસે નહીં. તે માટે એ વાતની ઘડ બેસારવી ને જ્યારે ઘડ બેસે, ત્યારે તેની નિશાની જે બીજાને સમજાવતાં આવડે.
ઐશ્ર્વર્યાર્થી ન થાવું ને કૈવલ્યાર્થી ય ન થાવું, પણ ભગવદ્નિષ્ઠ થાવું અને સર્વોપરી ઉપાસના સમજવી ને એવી સમજણવાળા સાધુનો પ્રસંગ રાખવો, પણ આવી મોટી વાત જીવના હૈયામાં સમાય નહીં. તે ઉપર તરકડીના છોકરાનાં સોણાંની વાત કરી ને જો સમાય તો કોઈ વર્તમાન પાળે નહિ કેમ કે, પૂરો મહિમા નથી. આ વાત કાંઈ જેવી તેવી નથી અને આ પ્રાપ્તિ થાવી તે કાંઈ દાન, પુણ્ય, વ્રતે કરીને થાતી નથી. રામાનંદસ્વામીનું દર્શન કણબીના છોકરાને થયું એટલે તે છોકરે સ્વામીને રોટલો જમાડ્યો તેથી તે ગોલોકને પામ્યો એટલો તો એમનો પ્રતાપ છે ત્યારે મહારાજ ને આ સાધુની વાત શી કહેવી ! ને આજ તો સંપૂર્ણ ચમકનો પર્વત આવ્યો છે ને આ વાત કોઈને મળી નથી ને મળશે પણ નહીં. પછી અવતાર-અવતારીનો ભેદ વિસ્તારીને કહી દેખાડ્યો જે, તીર ને તીરનો નાખનારો તથા પૂનામાં જ્યારે ઉમરાવ આવે, ત્યારે સો સલામ ભરીને ઊભો રહે ને હુકમ થાય ત્યારે તેની જાયગાએ બેસે; ને જ્યારે જાવાનો હુકમ થાય ત્યારે સો સલામ ભરીને ઊભો રહે; પછી સરકાર કહે જે, ‘જાઓ.’ ત્યારે જાવાય; તેમ મહારાજની આગળ સર્વે અવતારમાત્ર ઉમરાવની પેઠે છે.
પછી બીજી વાત કરી જે, ચક્રવર્તી રાજા ગરાસિયા કહેવાય ને પાંચ ગામનો ધણી તથા એક ગામનો ધણી હોય તે પણ ગરાસિયો કહેવાય ને વહવાયા પણ ગરાસિયા કહેવાયા છે, તેમ ચક્રવર્તીને ઠેકાણે મહારાજ છે, બીજા અવતારાદિક સર્વે વહવાયાને ઠેકાણે છે; એટલે પુરુષોત્તમ તો એક સહજાનંદસ્વામી છે, એમ અવતાર-અવતારીનો ભેદ સમજવો. ને આ જે વાત તે તો મહા અલૌકિક છે; કેમ કે, કેળમાં તો કેળાં જ લાગે પણ થોરમાં કેળાં લાગે એ વાત અચરજ કહેવાય ! તે આહીર, રબારી, ભરવાડ, કોળી ને વાળંદ તે પણ બાયડીઓ મૂકી મૂકીને આવતા રહ્યા ! તે એવો પ્રતાપ તો સ્વામિનારાયણનો જ હોય ! પણ બીજામાં એવો દેખાયો જ નથી.
ઘડ : ઘેડ, સમજ.
કેડિયું : કેડ સુધી પહોંચતું ગ્રામીણ કસવાળું કપડું.
કોટિ : કરોડ.
શ્રીપતિમ્ : કથા-ચેષ્ટા વિસર્જન વખતે સાંપ્રદાયિક પ્રથા મુજબ બોલતો શ્ર્લોક.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
પાળે : સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જાતનો સેવક/પાર્ષદ.
(43) ભગવાન જેવો કોઈ દયાળુ નથી.
અહો બકીયં સ્તનકાલકૂટં જિઘાંસયાપાયયદપ્યસાધ્વી ।
લેભે ગતિં ધાત્ર્યુચિતાં તતોન્યં કં વા દયાલું શરણં વ્રજેમ ॥
(શ્રીમદ્ ભાગવત : 3/2/23)
અર્થ : અહો ! આ દુષ્ટ બકીએ હણવાની ઇચ્છાથી સ્તનમાં રહેલું કાલકૂટ ધરાવ્યું, છતાં તેને માતાને યોગ્ય ફલ પ્રાપ્ત થયું. તેમનાથી બીજા કયા દયાળુને શરણ આપણે જઈએ ?
બકી જે પૂતના તેણે શ્રીકૃષ્ણને હળાહળ ઝેરનું સ્તનપાન કરાવ્યું, તો પણ ભગવાને તેને જસોદાના જેવી ગતિ આપી. એ તો ભગવાનનો મહિમા જાણવો.
અર્થ : ધન, સંપત્તિ.
(44)
સવૈ મન: કૃષ્ણપદારવિંદયોર્વચાંસિ વૈકુણ્ઠગુણાનુવર્ણને ।
કરૌ હરેર્મન્દિરમાર્જનાદિષુ શ્રુતિં ચકારાચ્યુતસત્ક્થોદયે ॥
(શ્રીમદ્ ભાગવત : 9/4/18)
અર્થ : પોતાના મનને શ્રીકૃષ્ણચંદ્રના ચરણાવિંદમાં, વાણીને ભગવાનના ગુણગાનમાં, હાથોને (બે હાથને) શ્રીહરિના મંદિરને માર્જન વગેરેમાં, કાનને શ્રી અચ્યુતની કથા શ્રવણમાં, નેત્રોને ભગવાનની મૂર્તિ અને મંદિરના સફાઈ કરવામાં, કાનને વિષ્ણુની કથામાં આ પ્રમાણે ભગવત્-સેવામાં લગાડી દીધા હતા.
માટે ભગવાનના ચરણારવિંદમાં મન રાખવું તે વાણીએ કરીને ભગવાનના ગુણ ગાવા, હાથે કરીને મંદિર લીંપવાં ને કાને કરીને કથા સાંભળવી, તે તો જીવને કરવાનું છે.
અર્થ : ધન, સંપત્તિ.
મૂર્તિ : સંતો.
(45) જેવાં ફિરંગીનાં લોઢાં તેવી આ સાધુની વાતું છે તે લાગે તો આરપાર નીકળી જાય.
(46) હવે કોઈ બીજો સત્સંગ મુકાવે તેમ નથી, પણ પોતાનાં મન-ઇન્દ્રિયો સત્સંગ મુકાવે એવાં છે. આ જીવનો સ્વભાવ તો જેમ નદી ખારા પાણીમાં જઈને ભળે છે તેમ જાતે કુસંગમાં ભળે એવો છે.
(47) અમે ખટરસનાં વર્તમાન પાળ્યાં. પછી એભલખાચરના કારજમાં સાટા ને જલેબી ખવરાવી, દૂધ પરાણે પાયું ને એક મહિનો પ્રસાદી જમાડી, પછી અમે બાબરિયાવાડમાં રસ્તે ચાલ્યા જાતા હતા ત્યાં મહારાજ વેરાગીને વેશે આત્માનંદસ્વામીની દેરી આગળ સામા મળ્યા ને કહ્યું જે, ‘સાધુરામ, શરીર ઝગે છે, તે દૂધ ખાવામાં આવ્યું છે કે શું ?’ એમ વચન માર્યું. તે દિવસથી દૂધ મૂક્યું છે ને એક મહિના સુધી જીવ થરથર ધ્રૂજ્યો. એમ પોતાના મિષે (દૃષ્ટાંત દ્વારા) સમજાવ્યું.
સંવત 1918ના અષાઢ વદિ બીજને દિવસે સ્વામીએ વાત કરી જે
(48) આ જીવને મંદવાડ ને ઘડપણ આવ્યા વિના પણ રહે નહિ ને વહેવારનું પણ અદ્ધરિયું છે તે એક જણે ભારે વિવાહ કર્યો ને આઠમને દિવસ રાંડી; માટે જન્મે, મરે, પરણે, રાંડે, સાજું થાય ને માંદું થાય, એમનું એમ ચાલે.
(49) લાભમાં લાભ તો આ સત્સંગ મળ્યો એ જ છે, માટે ભગવાન સામું જોઈ રહેવું ને બીજા સામું જોવું નહીં. ખારા સમુદ્રમાં મીઠી વીરડી તો આ સત્સંગ જ છે.
વીરડી : નદી કે તળાવ વગેરેમાં સપાટી કોરી થઈ જતાં, ખોદવામાં આવતો નાનો ખાડો કે જેમાં પાણી હોય.
(50) અમારા શરીરને મંદવાડ તો ઘણી વાર આવી ગયો; નોતરું તો એક પ્રભુનું જ ખરું છે, તે નોતરું આવશે ત્યારે હજારો નાત જમતી હશે પણ આપણને કામ નહિ આવે.
(51) આ સત્સંગ તો કોઈને ગમે જ નહિ, તે બાણાસુરે કહ્યું જે, ‘ઓખાને જાદવકુળ વિના ગમે ત્યાં લઈ જાઓ.’ તેમ આપણામાં આ સાધુ વિના બીજાના ગુણ ગાઓ તો કોઈને વાંધો નથી; પણ આ પ્રગટ ભગવાન કે તેના સાધુનાં વખાણ કરો તો ન ગમે. કુસંગીને નારાયણ કહો, તો રાજી થઈને કહેશે જે, ‘નારાયણ, બાપુ, નારાયણ.’ પણ ‘જય સ્વામિનારાયણ’ કહેશો, તો ધખીને કહેશે જે, ‘ચલ બે.’ તેમ આપણે પણ ‘જય સ્વામિનારાયણ’ ને બદલે ‘જય નારાયણ’ કહેવાય તેટલો કુસંગ જાણવો અને વરતાલમાં બુધેજના દાજીભાઈએ વર્તમાન ધાર્યાં, ત્યારે બ્રાહ્મણે પૂછ્યું, ‘તમે વર્તમાન ધાર્યાં કે ?’ એમ સત્સંગ તો કોઈ રીતે ઢાંક્યો રહે એવો નથી; એ તો મોઢું ફરી જાય તે બાંધણીના હરિજન દાજીભાઈનું ગામમાં કોઈ કામકાજ કરે નહિ ને મેવાસાના હરિજનને ગામમાં કોઈ દેવતા આપતું નહિ, તે દેવતા ઠરી જાય તો કોઈ પરદેશી બાવા ચોરે આવ્યા હોય તેની ધૂણીમાંથી લઈ આવે; પણ ગામમાં કોઈ આપે નહીં.
સો માથાં જાતાં રે સોંઘા છોગાળા,
સત્સંગ સારુ તો મોટે મોટે રાજ મૂક્યાં છે. શીબી, રહૂગણ, પરીક્ષિત, એમણે સત્સંગ કર્યો ને એમનો પણ દેહ તો ન રહ્યો, માટે જ્યારે અધર્મ સર્ગનું મૂળ જાય, ત્યારે સત્સંગનું સુખ આવે.
કરો : ઘરની દિવાલ.
ધખીને : સમસમીને, ખીજાઈને.
સોંઘા : સસ્તા, સો સો જન્મના પુરુષાર્થે પણ ન મળે એવા ભગવાન આજ મફતમાં સામે ચાલીને મળ્યા છે.
(52) આજ્ઞા, ઉપાસના ને સંતનો સંગ, એ ત્રણ થકી જીવ બળિયો થાય છે. એક રહેણીએ સત્સંગ રાખવો બહુ કઠણ છે. કરસન લુહાર પ્રથમ પીઠવાજાળમાં રહેતો ને હુતાશની ઉપર ઘઉં ટાણે પટેલને ખેતર આથ લેવા ગયો ત્યારે ઘઉં વાઢનાર મજૂરે પટેલને કહ્યું જે, ‘આની આગળ તમે ફાગ બોલાવો તો ખરા એ તમારું પણ નહિ માને.’ એટલે પટેલ કહે, ‘હાંઉ ! મારું ય નહિ માને ?’ પછી પટેલે કરસનને કહ્યું જે, ‘એક વાર ફાગ બોલ.’ ત્યારે તે કહે, ‘મારા ઘરમાં ન મળે તે હું કયાંથી બોલું.’ એટલે પટેલે તો આગ્રહ લીધો જે, ‘બોલે નહિ તો ગામમાંથી કાઢવો.’ પણ કરસન બોલ્યો નહિ, ત્યારે પટેલે કહ્યું જે, ‘ગામમાંથી નીકળી જાજે.’ એટલે તે તરકતળાવમાં આવીને રહ્યો ને ગામને પછવાડે જાયગા હતી ત્યાં ઘર કર્યું ને મંદિર પણ કર્યું તેના ઘર ને મંદિર વચ્ચે બાવળનું ઝાડ હતું તેમાં ચુડેલ રહેતી હતી તેથી સાંજે દીવો કરવા જાતાં કે, દર્શને જાતાં છોકરાં બીતાં.
પછી તે વાત રઘુવીરચરણદાસજી ત્યાં ફરતા હતા તેમને કહી અને ત્યાં તેડી આવ્યા ને કહ્યું જે, ‘આ બાવળમાં ચુડેલ રહે છે.’ ત્યારે કહે, ‘કરો ધૂન.’ પછી ધૂન કરવા માંડી, ત્યારે ચુડેલ પણ સામી ધૂન કરવા બેઠી. પછી તો અમારી પાસે આવ્યો ને કહ્યું જે, ‘મંદિર કર્યું છે પણ ત્યાં થડમાં ચુડેલ રહે છે તે છોકરાં દીવો કરવા જાતાં બીવે છે તે તમે ત્યાં પધારો ને કાઢો તો ઠીક.’ પછી અમે ગયા ને ધૂન કરાવી કહ્યું જે, ‘હવે નહિ દેખાય,’ ને તે ચુડેલને ગામથી છેટે બાવળમાં રહેવા આજ્ઞા કરી, પછી તે દેખાણી નહિ એટલે કરસને મંદિર સારું કર્યું ને પાડોશી વાણિયો હતો તેને પૂછ્યું જે, ‘તમને નડે નહિ તો મોતીયું મૂકું.’ ત્યારે કહે, ‘મૂકો.’
પછી મોતીયું મૂકી એટલે તે વાણિયો કહે, ‘આટલું નડે છે તે કાપી નાંખશું.’ પછી તો કરવતી લઈને પંડે ચડ્યો ને કાપવાનો આદર કર્યો. ત્યારે કરસન કહે, ‘પહેલાં મારું માથું કાપો, પછી મારા દીકરાનું કાપો, પણ મોતીયું કાપવું રહેવા દ્યો.’ તે લુહાર કરગરતો રહ્યો ને વાણિયે તો કાપી નાખ્યું. પછી લુહારે તે કટકો લઈ પટારામાં મૂકયો ને કહ્યું જે, ‘આ તો મારું કાપ્યું છે તેનું ફળ થોડા દિવસમાં મળશે.’ પછી તે વાણિયાનો દીકરો માંદો પડ્યો ત્યારે તે વાણિયો ગણેશનો ઉપાસક હતો એટલે ગણેશને કહે, ‘આને સાજો કરો નહિ તો કમળપૂજા ખાઈશ.’ તોય છોકરો તો સાજો થયો નહિ એટલે વાણિયે કમાડ દઈ તલવાર કાઢી ઘરનાં સૌને કાપી નાખ્યાં ને લોહીના અક્ષર લખ્યા જે, ‘આમાં કોઈનો વાંક નથી, મેં મારી મેળે કમળપૂજા ખાધી છે.’ એમ લખીને પોતે તલવાર પેટમાં મારી, પણ પૂરું લાગ્યું નહિ ને બપોરના બાર વાગ્યા સુધી કોઈ ઘરમાંથી બહાર નીસર્યું નહિ, એટલે ગામના માણસોએ ભેળા થઈ ઘર ઉઘાડ્યું ને જોયું તો મરેલ દીઠાં ને વાણિયો ડંખતો હતો. પણ તેના પેટમાંથી તલવાર કાઢી એટલે તે ય મરી ગયો. પછી અક્ષર વાંચ્યા એટલે કોઈને માથે ન પડ્યું, નીકર લુહારને માથે પડત; પણ દૃઢ નિષ્ઠાવાળો હતો ને તેણે સત્સંગ માથા સાટે રાખ્યો હતો એટલે ભગવાને રક્ષા કરી.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
આથ : વસવાયાને આપવામાં આવતું વાર્ષિક મહેનતાણું.
ફાગ : હોળીના તહેવારમાં બોલાતાં અશ્ર્લીલ ગીત.
કરો : ઘરની દિવાલ.
સાટે : બદલેઅવેજમાં.
(53) રૂપિયા મેલાય, બાયડી મેલાય, સર્વનો ત્યાગ થાય, પણ એક રહેણીએ રહેવું બહુ કઠણ છે. તે શું ? જે, આ ભગવાન ને આ સાધુને વિશે સર્વોપરીપણાની નિષ્ઠા ને દિવ્યભાવ ફરે નહિ તે કઠણ જણાય છે. કડવું વેણ કહ્યા વિના અંતરનો રોગ જાય નહિ ને અદ્ધર વચનના ઝીલનારા ઉપર ભગવાન બહુ રાજી થાય છે.
નિષ્ઠા : શ્રદ્ધા, આસ્થા, વિશ્ર્વાસ, ધારણા.
દિવ્યભાવ : જેમાં માયાના ત્રણ ગુણનો પ્રભાવ ન હોય તેવો અદ્ભુત ભગવદ્ભાવ.
સંવત 1918ના અષાઢ વદિ ત્રીજને દિવસે સ્વામીએ વાત કરી જે,
(54) આ વહેવાર છે તેમાંથી પાછું વળીને કથાવાર્તા કરવી, માળા ફેરવવી એ સર્વે કરી લેવું ને સવારમાં ઊઠીને કથા કરવી તે તો સત્સંગમાં જ છે ને કોઈ વિષયનું પૂરું થાય તેમ નથી માટે એમાંથી પાછું વળીને પ્રભુ ભજી લેવા. ને વહેવારમાં જેમ કોઈકને રૂપિયાનો ગાંઠડો બંધાય છે તેમ જ આપણે સત્સંગનો ગાંઠડો બાંધવો.
(55) આપણે તો આશરાનું બળ છે ને આ દેહ, લોક, ભોગ છે તે તો જોડે છાણ વળગ્યું છે, તે કાંકરાળી ભોમાં ઘસાઈ જાશે, તેમ આ સર્વે નાશ પામી જાશે.
(56) આ સત્સંગમાં તો ઘણા ખરા પ્રહ્લાદ જેવા છે તે ઉપર વાત કરી જે, નગરથી ચાલતાં રસ્તામાં મેડી ગામ આવ્યું ત્યારે કહ્યું જે, ‘આ ગામનું કોઈએ પાણી ન પીવું; કેમ જે, એક છોકરો હરિભક્ત હતો ને તેનાં મા-બાપ કુસંગી હતાં તેથી છોકરાને સ્વામિનારાયણનું ભજન કરવા ના પાડી, પણ માન્યું નહીં. પછી ખેતરમાં ઘઉંનો ભર ભરી છોકરાને ગળે જોતર બાંધી કહ્યું જે, ‘હમણાં ભર ઉલાળી મારી નાખીશ, માટે કહે કે, હવે સ્વામિનારાયણનું ભજન નહિ કરું.’ ત્યારે છોકરો કહે, ‘ભલે મારી નાખો, પણ હું સ્વામિનારાયણનું ભજન નહિ મૂકું.’ પછી ભર ઉલાળી દીધો ને છોકરો મરી ગયો.
તે પ્રહ્લાદ કરતાં અધિક કહેવાય; કારણ કે, પ્રહ્લાદના દેહને તો ઈજા આવવા દીધી ન હતી ત્યારે ટેક રહી ને આણે તો દેહનો ત્યાગ કર્યો ત્યાં સુધી પણ સ્વામિનારાયણ નામ મૂક્યું નહીં.’ પછી બીજું ગામ આવ્યું ત્યાં નાહ્યા અને પાણી પીધું. પછી બાલમુકુંદદાસજીએ બાટીયું કરી જમાડ્યા ને એક હરિજને સાકરની પ્રસાદી કરીને સૌને વહેંચી; તે અમને તો સાકરમાં ઈંટના ભૂકા જેવો સ્વાદ આવ્યો, આ તો ગાંડું થાવાય એવી વાતું છે. ખીસકોલીને સમાધિ થઈ ગઈ એવો ભારે ભારે પ્રતાપ દેખાડ્યો એટલે ઘર મૂકી મૂકીને મનુષ્ય આવતાં રહ્યાં, નીકર ઘરનો ઊમરો તો સાડા બાર કરોડ જોજન ઊંચો છે તે વળોટવો બહુ કઠણ છે.
મુક્તાનંદસ્વામી જાણીને ગાંડા થયા અને બ્રહ્માનંદસ્વામીએ ગઢડામાં હરિજનની વાતું સાંભળી એટલામાં ચોટ લાગી ગઈ. તે વાત કરી જે, બ્રહ્માનંદસ્વામીનું નામ લાડુ બારોટ હતું. તેમને પહેરામણી બહુ આવતી તે સોનાનાં સાંકળાં, કડાં ને ડોકમાં ઘરેણાં પહેરતા; પણ મહારાજને મળ્યા ત્યારે જાણ્યું કે આ ચમત્કારી છે, પછી મહારાજે કહ્યું, ‘લાડુ બારોટ, આ દાદાખાચરની બહેનો ગરાસિયા છે, તે સાસરે જાતાં નથી, ઘરેણાં કે સારાં લૂગડાં પહેરતાં નથી ને સારું ખાતાં પણ નથી, તેથી અમારી અપકીર્તિ થાય છે માટે તમે સમજાવો તો ઠીક.”
પછી લાડુ બારોટ ત્યાં ગયા ને ઉપદેશ કરવા લાગ્યા જે, ‘મહારાજે મને મોકલ્યો છે ને કહ્યું છે જે, વહેવારની રીત પ્રમાણે વરતો ને મહારાજનું સારું દેખાય તેમ કરો માટે ખાવું, પીવું, સારાં સારાં લૂગડાં-ઘરેણાં ઓઢવાં-પહેરવાં ને કયાંય જાવું-આવવું.’ એમ ઉપદેશ કર્યો ત્યારે લાડુબાઈ કહે, ‘હવે તમે કહી રહ્યા, જરા અમારું સાંભળો, પછી તમે કહેશો તેમ કરશું.’ પછી કહે, ‘અમે ગરાસિયા, વળી રૂપાળાં, ને જ્યારે સારાં વસ્ત્ર ને ઘરેણાં પહેરીને બહાર નીસરીએ ત્યારે પુરુષની વૃત્તિ અમારામાં તણાય તે પાપ કોને લાગે ? તે પાપ જોનારને લાગે કાં અમને લાગે, માટે જો તે પાપ તમે લેતા હો તો ચાલો તમે કહો તેમ કરીએ ! ને આ દેહ તો વિષ્ટાનો છે; હાડ, માંસ ને લોહીથી ભરેલ છે.’ એમ સાંખ્યની વાત કરી, ત્યાં તો લાડુ બારોટને ઊલટી થાવા જેવું થયું. વળી કહે, ‘તમે રૂપાળા છો ને સોનાના દાગીના પહેર્યા છે, તેથી સ્ત્રીઓની વૃત્તિ તમારામાં તણાય એટલે તેને કે તમને પાપ લાગે; પણ જો ન પહેર્યાં હોય તો કોઈની વૃત્તિ તણાય નહિ ને પાપ પણ લાગે નહિ.’ તે સાંભળી લાડુ બારોટને એમ થયું જે, ‘આ તો મને ઉપદેશ દેવાને બદલે ઉપદેશ લેવા મોકલ્યો છે.’ પછી મહારાજ પાસે ગયા ને ઘરેણાં કાઢીને ઢગલો કર્યો ને ત્યાગી થયા એટલે તેમનું નામ બ્રહ્માનંદસ્વામી પાડ્યું. પછી કીર્તન કર્યું જે,
આજની ઘડી રે, ધન્ય આજની ઘડી;
મેં નીરખ્યા સહજાનંદ, ધન્ય આજની ઘડી.
(કીર્તન મુક્તાવલિ : 642)
અને ગામ પીઠવાજાળમાં,
વાલે વજાડી છે વાંસળી રે, કાલંદ્રીને તીર;
ધેનું તૃણ ભુલી ગઈ રે, વછાં ભૂલ્યાં ખીર;
જોને સખી જમુનાતણું રે, વેતું થંભ્યું નીર. હો બેની. વા 0
(બ્રહ્માનંદ કાવ્ય : 1861)
એ કીર્તન અમે ગાયું ત્યારે આંબાનો દેવસી લુહાર ગાંડો થઈ ગયો ને સમઢિયાળાનો સવદાસ પટેલ ગાંડો થઈને જાતો રહ્યો ને કેટલાક ગૃહસ્થાશ્રમમાં હતા પણ ત્યાગીની પેઠે રહ્યા ને કેટલીક બાઈઓએ તો સંસાર મૂકી દીધો, એ જાતનું તો આગળ કલ્યાણ થયું જ નથી. મેઉ ને લાંગણોજ ગામની બાઈઓ સંસાર મૂકીને આવી, ત્યારે જીવાખાચરે મહારાજને કહ્યું જે, ‘આને ઘેર જાવાની આજ્ઞા કરો.’ ત્યારે મહારાજે ઘણી ઘણી તાવી ને પૂછ્યું જે, ‘તમે કોણ છો?’ ત્યારે તે કહે જે, ‘અમે તો આત્મા છીએ.’ મહારાજે કહે, ‘લાવો દેવતા.’ પછી તેમના હાથ ઉપર દેવતા મૂકયો તે સૌ જોઈ રહ્યાં ને ચામડું સડસડ બળવા લાગ્યું ને તે મહારાજ સાથે વાતું કરે જે, ‘અમે તો બળતાં નથી.’ પછી મહારાજ કહે, ‘દેવતા લઈ લો, તે આત્મા ખરા! ખાવા ધાન ન હોય, પહેરવા લૂગડું ન હોય, ને સાંજે સો ખાસડાં માથે પડે તો પણ સંસાર ન મુકાય ને આ તો ખાનપાન મૂકીને સર્વે તણાઈને આવ્યાં છે !’ આ જે વાતું છે તે તો કલ્યાણના ખપવાળાને કામ આવે એવી છે ને બીજાને તો ભોગ ન પડે એવી છે.
પ્રકરણ 9ની વાત 211
જોતર : ધૂંસરીની સાથે બળદને જોડવાનો પટો.
બાટીયું : છાણાની આંચથી શેકેલો કણકનો ગોળો કે જાડી ભાખરી.
(57) લોયાનું 13મું વચનામૃત વંચાવીને સિદ્ધાંત કર્યું જે, ‘સ્ત્રી ભેળા રહીને તો એક ભગવાન જ નિર્લેપ રહે અને બીજું સિદ્ધાંત એ જે, અક્ષરધામને વિશે જે ભગવાન રહ્યા છે તેવા કોઈ બીજાને ન કહેવાય અને અનાદિ મૂળઅક્ષર છે તે જેવા કોઈ અક્ષરમુક્તને ન કહેવાય.’ ને તેવા કોઈકે જાણ્યા ને કોઈકે ન જાણ્યા ને આજ પણ એમ દેખાય છે જે, કેટલાકને એ ઘડ બેઠી છે ને કેટલાકને નથી બેઠી. ને આ જે પ્રાપ્તિ થઈ છે તેની ખુમારી રહેતી નથી ને મનુષ્યભાવ આવે છે ને ભગવદીને વિશે પણ મનુષ્યભાવ આવે છે તેણે કરીને વૃદ્ધિ પમાતું નથી, પણ મનુષ્યાકૃતિ ધારણ કરી હોય ત્યારે ભગવાનમાં મનુષ્યભાવ દેખાય ને મોટા સાધુમાં પણ મનુષ્યભાવ દેખાય. એક તો જીવનો સત્સંગ છે ને એક તો મા-બાપનો કે માયાનો સત્સંગ છે પણ સત્પુરુષના સમાગમમાંથી સર્વે વાત સમજાય છે.
ઘડ : ઘેડ, સમજ.
મનુષ્યભાવ : દેહભાવ, માયિકભાવ, જેમાં ગુણાનુરાગ - ગુણાનુબુદ્ધિ પ્રવર્તે છે તેવો ભાવ.
સંવત 1918ના આષાઢ વદિ પંચમીને દિવસ સ્વામીએ વાત કરી જે,
(58) ભગવાનને મારગે તો કોઈક વીરલા હોય તે ચાલે માટે જેને આ પ્રગટ ભગવાનનું જ્ઞાન છે તેને જ આંખ છે ને બીજા અજ્ઞાની વિષયને મારગે ધ્રોડે છે તે તો આંધળા છે તેનું જ્ઞાન કેવું છે તો,
જ્ઞાન કથે જેમ બળેલ ચૂલા ચૂલેથી ઉતર્યો પાક.
પાક પરોણા ખાઈ ગયા ને વાંસે રહી છે રાખ;
વાંસે રહી છે રાખ તે કેવી, ઊલટી આંખો ફોડે એવી,
કહે ગોવિંદરામ જીવ ભક્તિ તો ભૂલ્યા, જ્ઞાન કથે જેમ બળેલ ચૂલા.
(કીર્તન મુક્તાવલિ : ગો.કૃ.ચંદ્રાવળા)
વીરલા : બહાદુર, શૂરવીર.
ધ્રોડે : દોડે-અનુસરે.
વાંસે : પાછળ.
(59) કેટલુંક વહેવારનું જ્ઞાન છે, તે પણ સમજવું જોઈએ નહિ તો દુ:ખ થાય તે જ્ઞાન સર્વે સાધુ સમાગમમાંથી શિખાય છે. એક દિવસ મહારાજે કહ્યું જે, ‘ગમે એવો જ્ઞાનવાળો, ધર્મવાળો કે ત્યાગવાળો હોય પણ તે વાળ્યો ન વળે તો અમારે ઠીક પડે નહીં.’ મહારાજે દેશ-વિભાગ કરી પાળાની વહેંચણ કરીને આજ્ઞા કરી જે, ‘જે દ્રવ્ય રાખે તે સત્સંગમાં નહિ, અમારે એવાનો ખપ નથી.’ તે ઉપર વાત કરી જે, ભગુજી આદિક મહારાજની સેવામાં હતા, પણ દ્રવ્ય રાખવા સારુ અમદાવાદ ગયા તે મહારાજે ના પાડી તો પણ માન્યું નહિ માટે વિષયના સંબંધથી તો જેમ જરાસંધથી કે દંતવક્રથી બીવાય તેમ બીવું. શહેરના વિષય જીવતા માણસ જેવા છે ને ગામડાના વિષય
ઓડાં જેવા છે; માટે આ જીવતા વિષયથી બીવું.
(60) જેટલો ગોળ નાખીએ તેટલું ગળ્યું થાય, તેમ જેટલો સત્સંગ કરીએ તેટલું હૈયામાંથી અજ્ઞાન જાય. વળી એક દહીંનો ભાવિક હતો, તે દૂધનો દરિયો આવ્યો ત્યારે પોતા પાસે થોડી
છાશની આછ હતી તે દહીં કરવા સારુ દરિયામાં નાખી તે દહીં તો થયું નહિ ને મૂળગી તેની આછ ગઈ; તેમ થોડોક સમાગમ કરીએ તો જ્ઞાન ન થાય. બળિરાજા એટલો કારસો ખમ્યા ને મૂર્તિ રાખી તો ભગવાન જાણપણારૂપ દરવાજે અખંડ રહે છે માટે જેટલો વહેવાર છે તેટલો કરવો ને પ્રભુ ભજવા.
કારસો : ભીડો/ભીડામાં-કસોટીમાં લે.
મૂર્તિ : સંતો.
(61) જીવ તો ગાફલ છે ને આ જીવને દેહનો ને જાતિનો અહંકાર છે એ જ મોહ છે. પાદશાહે પૂના-સતારા લીધું, એમ એક જણે ધોળકામાં પીંજારાને કહ્યું ત્યારે પીંજારો બોલ્યો જે, ‘પૂના-સતારા ક્યું ન લેવે ? પૂના-સતારા ક્યું ન લેવે ? હમ સરીખે ભાઈ !’ એમ કહીને
તાંતમાં ધોકો બળથી માર્યો એટલે તાંત તૂટી ગઈ ને પીંજતો આળસી ગયો; એમ આ જીવ તો જ્યાં ભરાણો ત્યાં ભરાણો, પણ પાછું વાળી ન જુએ.
તાંત : આંતરડામાંથી બનાવેલ પીંજારાની પીંજણની દોરી.
સંવત 1918ના અષાઢ વદિ છઠને દિવસ સ્વામીએ વાત કરી જે,
(62) ક્રોધ આવે ત્યારે પોતાનો અવગુણ સૂઝે નહિ ને કોઈ વેણ મારે તે ખમાય નહીં. એક સ્ત્રીને કોઈકે નભાઈ કહી, ત્યારે તેણે સામી બાઈને કહ્યું જે, ‘ભાઈ તું, નભાઈ તારી મા, નભાઈ તારી બહેન.’ એમ સો વાર નભાઈ કહીને ઉપર જાતાં કહે જે, ‘રાંડ, મને નભાઈ કેમ કહી ?’ પણ પોતે સો વાર કહ્યું તેનું કાંઈ નહિ ! એમ પોતાનો અવગુણ સૂઝે નહિ તેથી દુષ્ટ સ્વભાવ તો વધી જાય એવો છે પછી કોઈક હરિજનનો અવગુણ લે, એટલે દહાડે દહાડે બુદ્ધિ ભ્રષ્ટ થાતી જાય.
એક બાઈ વઢકણી હતી, તેને વઢવામાં કોઈ પહોંચતું નહીં. પછી તે કહે, ‘મારી સાથે વઢે ને મારી હામ પૂરી કરે એવી કોઈ વઢકણી મળે ?’ ત્યારે એક જણી કહે, ‘તારી હામ પૂરી કરે, એવી સામે ગામ છે.’ પછી તે ભાતું બાંધીને તે ગામ વઢવા ગઈ ને પાદર જઈને પૂછ્યું, ત્યારે ગામવાળે જવાબ દીધો જે, ‘તેને ઊમરેથી ઠેસ લાગી છે તેને આજ છ મહિના થયા ગાળ દે છે ને વઢે છે, પણ હજી આળસી નથી.’ એવું સાંભળીને તે બાઈનો ગર્વ ઊતરી ગયો ને ત્યાંથી જ પાછી ભાગી ગઈ.
ખમાય : સહન કરાય, ક્ષમા કરાય.
હામ : અફસોસ, અસંતોષ.
(63) ઓષડ તો કડવાં જ હોય પણ તે રોગ ટાળે, તેમ કડવાં વેણ કહ્યાં વિના આ જીવનો રોગ ન જાય, માટે સ્વભાવ મૂકીને મોટા જેમ કહે તેમ કરવું અને આપણે પ્રભુ ભજવા તેમાં માન આવ્યું કે, ક્રોધ આવ્યો કે, કામ આવ્યો કે, લોભ આવ્યો તો ચૂંથી નાખે; પણ વિષયનું ખંડન કરીએ ત્યારે આવો ને આવો જીવ રહે નહિ ને વિષય વળગે તે મૂક્યા ન મુકાય ત્યારે એ તો વિષયનો સંબંધ થયો કહેવાય; અને પંપોળીને રાખીએ તો એકે સ્વભાવ ન ટળે. ને દેહને સુખ કરે એવું પદાર્થ ગ્રહણ ન કરે, તેને દેહનો અનાદર કહેવાય; પણ કોઈને કામનો, કોઈને લોભનો, કોઈને સ્વાદનો, કોઈને ક્રોધનો ને કોઈને ઠેકડી-મશ્કરી કરવાનો એવા જીવને સ્વભાવ પડે છે. પછી જ્યારે દેહાભિમાન ટોકાય ત્યારે ઠીક રહે નહિ અને રાતે દિશાએ જાવું હોય તો જગાય ને દાઢ દુ:ખતી હોય તો રાત બધી જગાય; પણ ઘડી, બે ઘડી ભજન ન થાય, એ સર્વે વાતને દરવાજાવાળા હોય તે દેખે છે.
ઓષડ : રોગ મુક્ત કરવાના ઉપચાર.
દરવાજાવાળા : અક્ષરધામમાં જ રહેવું છે - તેવું સતત જાણપણું રાખનાર.
સંવત 1918ના અષાઢ વદિ સપ્તમીને દિવસ સ્વામીએ વાત કરી જે,
(64) વિષયમાં અતિશય આસક્તિ હોય તો ખાધા સારુ ચોરી થાય, તે ઘણે ઠેકાણે દીઠું છે.
મીની પારેવી ને રેવા એ ત્રણેના એક હેવા;
ધીરે ધીરે પગલાં ભરે તે પારકો જીવ લેવા.
પણ ભગવાનનું વચન લોપે તેમાંથી દુ:ખ આવ્યા વિના રહે નહિ; માટે ભણવું, લખવું એ આદિક જે ક્રિયા કરવી તે શુદ્ધપણે કરવી, જ્યારે સ્વાદ ઊપજે ત્યારે બ્રહ્માંડમાં જેટલું ખાધાનું છે તે સર્વેની સ્મૃતિ કર્યે.
ખાટાં મીઠાં ચરપરાં કોંટા મૂકે કામ;
અંગે અવિદ્યા ઉપજે ને જાય હૃદયથી રામ.
ભૂજમાં તુળસી સુકાઈ ગયાં હતાં, પણ નખે દાબી જોયું ત્યાં લીલાશ જણાણી, પછી પાણી રેડ્યું એટલે કોંટા નીસર્યા. તેમ સ્વાદ કરવામાંથી કામના કોંટા નીસરે છે અને જ્યારે લોભ આવે ત્યારે જેટલાં પદાર્થ છે તે સર્વે સંભારે પણ આ તો પ્રભુ ભજવાનો આદર કર્યો છે ને ચલાય છે બીજે મારગે ! પહેલો જીવ ખાધામાં લેવાય છે ત્યાર પછી કામ ઉદય થાય છે ને કામમાંથી ક્રોધ ઉત્પન્ન થાય છે; માટે જેણે સાધુ સેવન કર્યાં હશે તેને કાંઈક ખબર પડતી હશે. પછી દિવસે સૂવાનો નિષેધ કર્યો.
આસક્તિ : મોહ, અતિશય સ્નેહ, લગની.
પગલાં : મહારાજનાં પગલાંની છાપ.
અવિદ્યા : માયિક સમજણ
નિષેધ : શાસ્ત્રવિહિત મનાઈ.
(65) સ્વભાવ ટોકાય ત્યારે અવગુણ લે ને જ્યારે અવગુણ આવે ત્યારે બુદ્ધિ ભ્રષ્ટ થાય.
અન્યક્ષેત્રે કૃતં પાપં તીર્થક્ષેત્રે વિનશ્યતિ ।
તીર્થક્ષેત્રે કૃતં પાપં વજ્રલેપો ભવિષ્યતિ ॥
(સ્કંદપુરાણ)
અર્થ : અન્યક્ષેત્રમાં કરેલું પાપ તીર્થક્ષેત્રમાં નષ્ટ થાય છે, તીર્થક્ષેત્રમાં કરેલું પાપ વજ્રલેપ જેમ કાયમનું રહે છે.
પછી તીર્થક્ષેત્રનું પાપ લાગે, તેમાંથી જીવનું ભૂંડું થાય. ને દેહાભિમાનનું રૂપ કર્યું જે, પોતાને ટોકે તેનું બોલ્યું ન ગમે, પણ જો અવગુણ આવશે તો જન્મ ધરવો પડશે ને આ તો કહેવાનો ધર્મ છે તે કહીએ છીએ.
અર્થ : ધન, સંપત્તિ.
(66) કોઈ સારા સાધુમાં બંધાણો નહિ તેનો વિશ્ર્વાસ નહીં. મુક્તાનંદસ્વામી, કૃપાનંદસ્વામી ને નિષ્કુળાનંદસ્વામી એ ત્રણ જણને અંતરજામી કહે તેમ કરવું ને બીજાને તો
ઉપરજામી કહે તેમ કરવું.
(67) ત્રણ ઠેકાણે માન વધે છે : તે એક તો ગુણે કરીને, બીજું ક્રિયા કરવાનું ને ત્રીજું મૂરખપણાનું માન જે અમે જૂના છીએ. તે જૂના તો ભાલના ખીજડા હોય છે, પણ તેમાં સાંગરીઓ થાય ને ગુજરાતમાં પાંચ વરસનો આંબો હોય તેમાં કેરી થાય; માટે કોઈ પ્રકારે માન આવવા દેવું નહીં. મોટા જેમ કહે તેમ કરે તે ડાહ્યો કહેવાય.
ખીજડા : સમડાનું વૃક્ષ.
(68) બાયડીને અને રૂપિયાને ન અડવું એ તો સ્વામિનારાયણે નવો પંથ કાઢ્યો છે. એક બાવો મુન્ય લઈને બેઠો તો તે બોલે નહિ, પછી માતરે ધાધલે કહ્યું જે, ‘મારે બાવાજીને પાંચ રૂપિયા આપવાની માનતા છે પણ આ તો બોલતા નથી, તેમ પાસે લૂગડું પણ નથી જે ગાંઠે બાંધીએ ને પાસે મૂકી જઈએ તો કોઈક લઈ જાય.’ પછી અલૈયાખાચરે કહ્યું જે, ‘તમારે ભાવ હશે તો બાવાજી મોઢું ફાડશે,’ એટલે બાવે મોઢું ફાડ્યું પછી માતરે ધાધલે ગાંઠેથી રૂપિયા છોડી કહ્યું જે, ‘મારે પ્રદક્ષિણા ફરીને મૂકવા છે.’ એમ કહી ઊભા થયા ને વાંસે જઈ ધૂડ લીધી ને બાવાએ મોઢું ફાડી રાખ્યું હતું તેમાં નાખી પછી બાવો ‘એસી-તેસી’ બોલ્યો ત્યારે માતરે ધાધલે કહ્યું જે, ‘ભણે માંગરના, બોલતો નહોતો ને કાણું બોલ્યો ?’ માટે મરને ત્યાગની વાત કરે, પણ ત્યાગ કરતો કરતો લેવા માંડે ને આંખ ન ઉઘાડતો હોય તો જોવા માંડે; માટે દ્રવ્ય ન લેવું એ તો સ્વામિનારાયણે નવી આજ્ઞા કરી છે.
મુન્ય : મૌન.
વાંસે : પાછળ.
કાણું : કેમ ? શા માટે ?
મરને : ભલેને.
(69) અજાણમાં ઝેર ખાધું હોય તો મરી જાવાય પણ નીસરે નહિ તેમ સહેજે સહેજે સ્વભાવ પડ્યા હોય તો પછી કાઢ્યા નીસરે નહિ, પણ ખપ હોય ને એવા પુરુષ મળે તો સ્વભાવ ટળે. કલ્યાણ સારુ તો વનમાં પથારી કરી, ચક્રવર્તી રાજ્ય મૂકયાં, એવું કલ્યાણ મોંઘું છે, એમ જાણીને ગરજ રાખવી.
(70) એકને તો ભગવાન વિના કે સત્સંગના જોગ વિના રહેવાય નહિ એ માછલાં જેવા ને બીજા સત્સંગ કરે ને કુસંગ પણ કરે તે પોરા જેવા ને ત્રીજા તો મંદિરમાં પણ ગ્રામ્યકથા કર્યા કરે તે દેડકા જેવા, એમ ત્રણ ભેદ છે.
પોરા : પાણીમાં થતી એક જાતની જીવાત.
(71) ગોરધનભાઈની વાત કરી જે, કડાં પહેર્યાં હતાં તે કાઢી નાખ્યાં ને ‘મહારાજને મૂકીને મેં આ શું કર્યું ?’ તે વિચારે કરીને શરીર કાળું થઈ ગયું. માટે દેહાભિમાન કે વિષય વધ્યા, તે પણ ભાર થયો એમ જાણે તે ભગવદી કહેવાય.
(72) રાત-દિવસ સંત ભેળું રહેવું તેમાં જો ટોકાય તો અવગુણ આવે ને જ્યાં સત્સંગ હશે ત્યાં તો પંચવિષય ને દેહાભિમાન ખોદાશે જ અને મહારાજનો અવતાર પણ તે સારુ જ છે.
પીપા પાપ ન કીજિયે તો પુણ્ય કિયા સો વાર;
જો કીસી કા લિયા નહિ તો દિયા વાર હજાર.
માટે સત્સંગ કરવો એ જ જીવનું સાર્થક છે પણ તેમાં કોઈનો અવગુણ ન લઈએ તો હજાર કામ કર્યાં ને બીજા પેટ ભરવાના તો અનેક ઉપાય છે, માટે આ દેહ નાશવંત છે તેણે કરીને અવિનાશી કામ કરી લેવું.
સંવત 1918ના અષાઢ વદિ અષ્ટમીને દિવસે સ્વામીએ વાત કરી જે,
(73) ભગવાનના ભક્તના ગુણ સંભારીને ગાઈએ ત્યારે એ ગુણ આપણામાં આવે ને પ્રભુ ભજવાનો આદર કર્યો છે, પણ સમાગમ વિના તો ભગવાનનું સ્વરૂપ સમજવું કઠણ છે; મોટા મોટા ઈશ્ર્વર છે તે પણ સ્વરૂપ સમજવામાં મૂંઝાય છે.
(74) એક દિવસ મહારાજ કહે, ‘ઢોલિયાના ચાકર હો તે આંહીં બેસો ને સત્સંગીના સત્સંગી હો તે નોખા બેસો.’ પછી કેટલાક નોખા બેઠા ને કેટલાક ઢોલિયા પાસે બેઠા. પછી મહારાજ કહે, ‘અમે ય સત્સંગીના સત્સંગી છીએ.’ એમ કહીને ઢોલિયેથી ઊતરી જુદા બેઠા હતા તેમના ભેળા બેઠા ને કહે જે, ‘તમે ઢોલિયાના ચાકર ઢોલિયા આગળ બેસી રહો.’ એમ મહારાજે સત્સંગીના સત્સંગીને સર્વથી અધિક કહ્યા; માટે સાધુ સમાગમ વિના ને સમજણ વિના તો રાબડી ઝકોળ્યા જેવું છે. તે,
નહિ ચિત્ત ધ્યાનમાં, નહિ ચિત્ત માળામાં;
રાબડી ઝકોળે બાવો બેઠો ધરમશાળામાં.
એવાને શું સમજણ આવે ?
(75) સ્વભાવ તો એવા છે જે, સાધુ થયા તો પણ એ નડ્યા વિના રહે નહિ ને ભગવાનને તો સાધુતા ગમે છે ને ક્રોધ કર્યે તો વહેવાર પણ બગડે છે.
(76) વિષય ઉપર જીવને સહેજે હેત છે તે વૈરાગી કૂતરાં પાળે છે. વિવેકે કરીને આમાં રહીને પ્રભુ ભજી લેવા એ જ ડહાપણ. વહેવારમાં મોટાં મોટાં કામ કર્યાં, મોટી મોટી ઇમારત કરી, યાગ-યજ્ઞ કર્યા, બધું કર્યું, પણ જો પ્રભુ ન ભજાણા તો કાંઈ જ નથી કર્યું.
પાળે : સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જાતનો સેવક/પાર્ષદ.
(77) ભગવાનના એકાંતિકમાં બંધાય તો તેમાં સહેજે સર્વ સાધન આવી જાય. જેમ અગ્નિની પડખે બેઠો હોય તેને સહેજે ટાઢ ન વાય, તેમ એકાંતિકના પડખામાં સહેજે પ્રભુ સાંભરે. ને ખપ ન રાખે તો જોગમાં આવ્યા છીએ તો પણ પ્રભુ ન સાંભરે ને સમી સાંજમાં ઊંઘી જવાય. પટેલને ત્યાં કણબી સાથી રહ્યો, તે ધણી ન હોય ત્યારે શેઢે જાઈને, ‘જે બેઠા એ લાભ !’ એમ કહી ઊંઘી રહે.
(78) મોટાની દયા તો હાથ જોડશે, દીન થાશે, વિનય કરશે તેના ઉપર થાશે; નહિ તો લેણા કે દેણા નથી ને જ્યારે સંતનો ગુલામ થાશે ત્યારે જ એ પાંચ ગુણ આવશે; માટે કોઈ પદાર્થને ચાળે ચડવું નહિ, પણ જે તે પ્રકારે કરીને મોટાને રાજી કરવા તે ઉપર તાન રાખવું. ને તે વિના તો આવરદા જાતી રહેશે ને જીવમાં ખોટ રહી જાશે.
દીન : લાચાર, ગરીબ, રાંક.
તાન : લગની, આગ્રહ, મસ્તી.
(79) સર્વે દેહ પાપનાં છે ને દેવલોકમાં સુખ ભોગવે છે તે પણ આંહીંની કમાણી છે, માટે આ મનુષ્યનો દેહ પુણ્યનો છે; પણ તે પુણ્યના દેહમાં આળસ આવી કે, નિદ્રા આવી કે, ગાફલાઈ રાખી, ત્યારે આ વાંધો ક્યાં ભાંગશે ?
(80) કેટલાક આમાં આવીને મોટા સાધુની નિંદા કરે છે ! ધોલેરામાં નિર્મળાનંદસ્વામીની નિર્વિકારાનંદે નિંદા કરી, એટલે તેને જમ તેડવા આવ્યા તે નિર્વિકારાનંદે દીઠા; કેમ જે, એક જમ બોલ્યો જે, ‘ઓલ્યો નિર્વિકારાનંદ ! પણ તે નિર્મળાનંદસ્વામીને પડખે બેઠો છે ત્યાં સુધી લેવાય નહિ, પણ ઓરો આવે તો લઈ જઈએ માટે તે ઊઠે ત્યાં સુધી રોકાઓ.’ તે વાત નિર્વિકારાનંદે સાંભળી એટલે આખી રાત ત્યાંથી ઊઠ્યો નહિ ને લઘુ કરવા જાવું હતું પણ બેસી રહ્યો, તોય નિર્મળાનંદસ્વામીનો ગુણ આવ્યો નહિ, પછી જમ દેખાતા આળસી ગયા એટલે ત્યાંથી ઊઠ્યો ને લઘુ કરવા ગયો એટલે તેને જમ ઉપાડી ગયા.
પડખે : પાસે.
ઓરો : આણીકોર માયામાં, અહીં, નજીક.
(81) આપણે લઈ મંડીએ ત્યારે મહારાજને દયા આવે ને રોજ રોજ સ્તુતિ કરવા માંડીએ ત્યારે મોટા ગુણ આપ્યા વિના રહે નહીં. મહારાજે પ્રશ્ર્ન-ઉત્તર કરાવ્યા, તેમાં છેવટ મહારાજ કહે, ‘અક્ષરધામમાંથી અમે આંહીં આવ્યા એવી તમારી કઈ ક્રિયા ? એ તો કૃપાએ કરીને જ આંહીં આવ્યા છીએ.’ એમ મહારાજને કૃપાસાધ્ય જાણવા.
રોજ : દરરોજનું મહેનતાણું/મજૂરી.
(82) કેટલાક જીવ તંતીમાં બંધાઈ રહ્યા છે તે મહારાજ બારપટોળીના સુતાર આલા ભક્તને દર્શન દેવા ચાલીને ઘેર ગયા ત્યારે તે જાણે, ‘મહારાજ તેડવા આવે છે.’ એટલે તેણે તેની સ્ત્રીને કહ્યું જે, ‘મહારાજ તેડવા આવે છે તો તું કહે જે કે, ભગત ઘેર નથી.’ ત્યાં મહારાજ આવ્યા ને ભગતને બોલાવ્યા ત્યારે તે બાઈ કહે, ‘ભગત ઘેર નથી.’ એટલે મહારાજ પાછા ગયા.
એમ સંસારરૂપી તંતીમાં બધા જીવ બંધાઈ રહ્યા છે, પણ ભગવાન સારુ તો આગળ કેટલાકે રાજ્ય મેલ્યાં છે. એક રાજા રાજપાટ મૂકીને મોક્ષને અર્થે ચાલી નીકળ્યો ને પંચકેશ વધાર્યા. પછી એક વખત તેના આસન પાસે બીજા રાજાએ પડાવ કર્યો. તેણે તેને કહ્યું જે, ‘આ દારિદ્ર શું રાખ્યું છે ? આ લે દોકડો.’ ત્યારે તે કહે, ‘મારું દારિદ્ર દોકડે જાય તેવું નથી.’ પછી રાજા કહે, ‘બે દોકડા, ચાર દોકડા, રૂપિયો, સો રૂપિયા ને છેવટ કહે અરધું રાજ્ય આપું, પણ તારું દારિદ્ર કાઢ ને મારું વચન રાખ.’ પછી તે કહે જે, ‘તમારે કેટલાં ગામ છે?’ ત્યારે તેણે ઉત્તર દીધો એટલે તે કહે જે, ‘એટલાં તો મારે ઘેર પરગણાં હતાં તે મેલીને પ્રગટ ભગવાનને મળવા આ દારિદ્ર લીધું છે, તે જો તમારી પાસે પ્રગટ ભગવાન હોય તો મારું દારિદ્ર જાય.’ તેમ સંસાર મૂકે ને તપ-ત્યાગરૂપી સાધન કરે, તો પણ અક્ષરધામ મળે નહીં. તે તો પ્રગટ ભગવાન કે પ્રગટ સંત મળે ને મનાય ત્યારે જીવનું દારિદ્ર જાય ને અક્ષરધામની પ્રાપ્તિ થાય; માટે આ વાત કહ્યામાં આવે એવી નથી. પણ કોઈનું શરીર સાજું હોય કે રોટલા ખાવા મળતા હોય, તો આ સમાગમ કરી લેજો.
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
(83) પ્રમાદ મૂકવો. પ્રમાદ તે શું ? જે, સમજવાનું ન સમજાય ને નથી સમજવાનું તેને વિશે આગ્રહ થાય તેનું નામ પ્રમાદ કહેવાય.
(84) મહારાજે ગવૈયા કીડી સખીને કાંડું ઝાલીને કહ્યું જે, ‘તમે અમને શું સમજો છો ?’ તો કહે, ‘ભગવાન’ ત્યારે મહારાજ કહે, ‘તમે ધાર્યું કરવા જાઓ છો, પણ ફળપ્રદાતા તો અમે છીએ તે તમારો સંકલ્પ સિદ્ધ થાવા દેશું તો જ થાશે.’ પણ તેના મનમાં ગાયન કરીને રાજાને રીઝવવા એવું તાન તે મહારાજના હાથમાંથી કાંડું વછોડાવીને સત્સંગમાંથી વહ્યા ગયા. પછી તો પત નીકળી ને હાથનાં આંગળાં ખવાઈ ગયાં તે વાજું વગાડી શક્યા નહિ ને પરણવું હતું પણ પતિયલને કોણ પરણે? પછી તો કોઈ પાસે પણ ન આવે તે ભૂખ્યા ને તરસ્યા મરી ગયા.
તાન : લગની, આગ્રહ, મસ્તી.
પત : રક્તપિત્ત.
(85) અંત લેવા ઉપર વાત કરી જે, વરુણદેવને તેના દીકરે પૂછ્યું જે, ‘પિતા, બ્રહ્મ કહો.’ તો કહે, ‘પૃથ્વી’ ત્યારે દીકરે કહ્યું જે, ‘તેના અંતને પામી આવ્યો, હે પિતા, તેથી પર બ્રહ્મ કહો.’ તો કહે, ‘જળ’ ત્યારે તેનો દીકરો કહે, ‘જળના અંતને પામી આવ્યો, હે પિતા, તેથી પર બ્રહ્મ કહો.’ તો કહે, ‘તેજ’ ત્યારે દીકરો કહે, ‘તેજના અંતને પામી આવ્યો, હે પિતા, તેથી પર બ્રહ્મ કહો.’ તો કહે, ‘હવે પૂછીશ તો તારું માથું ઊડી જાશે, અતિ પ્રશ્ર્ન કર મા.’ એમ પોતાની ગતિ હોય ત્યાં સુધી તો કહે પણ જો તેથી પર દૃષ્ટિ ન પહોંચે તો કહેશે જે, તમારું ભૂંડું થઈ જાશે. એમ બીક દેખાડીને પરપણું સમજતાં અટકાવે એવાનો અંત લેવો નહિ, ને કહેવું જે ઠીક ઉત્તર કર્યો.
(86) મુક્તાનંદસ્વામી ગાંડા થયા ત્યારે તે પાસલામાંથી નીકળાણું. અસ્વાર પડી જાય ત્યારે જાતવાળું ઘોડું હોય તે સુંઘીને પાસે ઊભું રહે પણ વયું જાય નહીં. તેનું સિદ્ધાંત કહ્યું જે, ‘ખરેખરો સમાગમ કરે તો સંસારની દિશ ભુલાવી દે.’ એવા આ સંત છે.
પ્રકરણ 9ની વાત 211
પાસલામાંથી : બંધનમાંથી.
(87) અવળા સ્વભાવમાત્રનો ત્યાગ કરીને સરળપણે વરતવું કેમ જે, અવળા સ્વભાવ મહારાજ તથા મોટા સંતને ગમતા નથી. નાગડકાની ઘોડીને પાટુ મારવાનો સ્વભાવ હતો, તે મહારાજ સ્વભાવ મુકાવવા સારુ વાંસડો લઈને ઘોડીના બે પગ વચ્ચે અડાડે ને ઘોડી પાટુ મારે. એમ કરતાં બપોર થયા ને થાળ થયો, ત્યારે મહારાજ કહે, ‘કોઈ અમારા સાટે ઘોડીને ગોદા મારે તો જમીએ.’ પછી એમ કર્યું એટલે જમવા ઊઠ્યા ને જમીને આવ્યા પછી એમ સાંજ સુધી કર્યું પછી તો ઘોડી થાકી ગઈ, તે વાંસડાનો ગોદો મારે તો પણ પગ ઉપાડે નહીં.
સાટે : બદલેઅવેજમાં.
(88) એક સ્ત્રી બહુ વઢકણી હતી તે સૌ સાથે વઢવેડ કરતી. પછી પટેલે તેને કહ્યું જે, ‘તારે વારા પ્રમાણે દરરોજ એક બાઈ સાથે વઢવું.’ પછી તે હંમેશાં વઢવા જાતી. તેમાં એક દિવસ એક ગરીબ બાઈનો વારો આવ્યો ને તે જ દિવસ તેને ત્યાં સાધુઓ આવેલ, એટલે તે બાઈએ સાધુઓને કહ્યું જે, ‘આજ વહેલા જમી લો, નહિ તો ઓલી વઢકણી વારા પ્રમાણે આજ મારી સાથે વઢવા આવશે, તો તમને કે મને ખાવા-પીવાનો અવકાશ નહિ આવે.’ ત્યારે સાધુ કહે, ‘તારે કાંઈ બોલવું નહિ, તું તારે ઘરમાં કામ કરજે, તારે સાટે અમે બોલશું.’
ત્યાં તો તે બાઈ નાકેથી હાકલ મારતી આવી, ‘હે રાંડ, અત્યાર સુધી નવરી નથી થઈ, ખબર નથી જે આજ વારો છે, તે નવરી થઈને લડવા હાજર રહું, નીકળ બારણે.’ એમ બારણે આવીને હાકલું ને છાકોટા મારે, પણ બાઈ તો કાંઈ બોલી નહીં. ને વઢકણીએ તો એક કલાક સુધી પડતાળો લીધો, પણ જ્યારે થાકલો ખાધો ને ટાઢી પડી, ત્યારે સાધુ કહે, ‘હાર ગઈ ?’ ત્યાં તો વળી ગાળું દેવા માંડી ને સાધુને કહે, ‘હે મારા પીટ્યા, મલકનું ખાઈ ખાઈને બગાડ્યું છે, હરામનું જ ખાનારા છો.’ એમ વઢતાં વઢતાં ઓકણ આવ્યું ને ગાળું દેતી રહી ગઈ. ત્યારે સાધુ કહે, ‘હાર ગઈ ?’ ત્યાં તો ઓકતી જાય ને ગાળું દેતી જાય. ને એ રીતે એક સાધુ એમ કહેવા બેસે ને બીજા વારાફરતી જમી લે ને ઓલી બાઈ તો ભૂખી ને તરસી સાંજ સુધી વઢીને મરણતોલ થઈ ગઈ. ત્યારે સાધુ કહે, ‘તું તારે વઢવું હોય તો રોજ આંહીં આવજે, બીજે તારે જાવું નહિ; પણ આટલો બધો દાખડો કરે છે, ત્યારે ભગવાન ભજતી હો તો કેવું સારું !’ ત્યારે વઢકણી કહે, ‘હું કોઈ દિવસ વઢતાં થાકી નથી, આજ થાકી, તે હવે નહિ વઢું.’ એમ સાધુએ તેના હેવા મુકાવ્યા.
સાટે : બદલેઅવેજમાં.
હાકલ : હાંક-બોલાવવા માટેની બૂમ.
પડતાળો : વાણીએ કરી કરાતો સખત ઝઘડો.
રોજ : દરરોજનું મહેનતાણું/મજૂરી.
(89) એક રાજાની વાત કરી જે તેની પાસે કોઈ વાત કરે ત્યારે રાજા કહેશે જે, ‘પીછું?’ એમ પૂછીને થકવે. પછી એક બુદ્ધિશાળી મળ્યો. તેણે વાત કરી જે, ‘એક મોટો તંબુ પૃથ્વી જેવડો તાણ્યો, તેમાં બધાં પક્ષીને મંત્રથી તેડાવ્યાં ને તેમાં એક ફાંકું રાખ્યું, તેમાંથી એક પક્ષી નીકળ્યું, એટલે ફુરૂર થયું.’ ત્યારે રાજા કહે, ‘પીછું?’ તો કહે, ‘ફુરૂર’ વળી રાજા કહે, ‘પીછું?’ તો કહે, ‘ફુરૂર’ એમ રાજા પૂછતો જાય ને ઓલ્યો ‘ફુરૂર’ કહેતો જાય. તેમાં અંતે રાજા થાક્યો, તે પીછું કહેતાં ભૂલી ગયો.
(90) ઘોડાનું ચોકડું મરડે છે તેમ આ સાધુ પણ સ્વભાવ મરડીને વરતાવે છે.
(91) જેટલા જેને વિષય વળગ્યા છે, એટલું તેને પાપ વળગ્યું છે. એમ જેને ભગવાન ભજવા હોય તેણે સમજવું ને જીવ તો છેલબટાઉની શાખ જેવો ખોટો છે પણ પછી તો ખાવું, ખાટલો ને ખાડો રહેશે.
(92) રામદાસજીભાઈ કહે, ‘ત્યાગીને એક રોટલાની ભૂખ રાખીને સૂવું.’ ને આ તો માથું ન ચડ્યું હોય તોય કહેશે જે ચડ્યું છે. તે અજયાનંદ તીખાં ચોપડીને બેસે, પછી કોઈ ક્રિયા ચીંધે તો કહેશે જે, ‘માંદો છું.’ વળી ઉમાની વાત કરી જે તેની મા કહે જે, ‘ઉમા ! આ ઘરમાં બુવારી કાઢ.’ તો કહે જે, ‘મેરી તો કમર દુખતી હૈ.’ પછી કહે જે, ‘ઉમા ! પાણી કા મટકા લઈ આવ.’ તો કહે જે, ‘મેરા તો શિર દુખતા હૈ.’ પછી કહે જે, ‘ઉમા ! કુછ ખાયેગી ?’ તો કહે જે, ‘હાં હાં, બડી તગારી મેરી !’ એમ ક્રિયા કરવામાં બહાનાં કાઢે ને પત્તરટાણે સૌ મોરેથી તૈયાર થાય, એવી જીવમાં નાગડદાઈ ભરી છે.
તીખાં : મરી, સૂંઠ.
નાગડદાઈ : નાગાઈ-લુચ્ચાઈ-નફ્ફટાઈ-દાંડાઈ.
(93) મનધાર્યું મૂકે એ જીવનમુક્ત કહેવાય ને મનધાર્યું મૂક્યું તેણે ત્રિલોકી જીતી.
જો તુમ મોકું એક કહોગી, તો મેં એકકી લાખ કહુંગી;
સામ રે મેં તો અબ ન સહુંગી.
એમ જો લગાર કહ્યું હોય તો સો ગણો અવળો થાય.
લગાર : જરાય
(94) ગૃહસ્થને ભીડો વધારે છે પણ જેમ ચોપડા સંકજામાં દાબે તો સરખા થાય તેમ ભીડામાં આવ્યા વિના પાધરું થાવાય નહિ; માટે આજ તો સૌને ભીડામાં લેવા છે, તે બધી વાત સમાગમથી જણાઈ આવે છે.
(95) ભગવાન સામું જોઈ રહે તેને કાંઈ દુ:ખ નહીં. ઘી ચોપડ્યું એટલે ઊઠી નીકળ્યા ને વર્તમાન પાળ્યું તેનું નામ અદ્વૈતાનંદસ્વામી.
(96) તાનમાં તાન મેળવવું. તે ઉપર વાત કરી જે, મહારાજે ખેતા ભીમાને ‘ગાંડા જેવા, જડ જેવા ને કાંઈ સમજતા નથી.’ એમ કહ્યું. ત્યારે સોમલાખાચરે કહ્યું જે, ‘હા મહારાજ ! તેની માએ તો ચોળીયું બગાડ્યું છે.’ પછી મહારાજ કહે, ‘આ પ્રગટ ભગવાનના સંબંધમાં આવ્યા તે સંસ્કારી તો ખરા જ.’ ત્યારે સોમલાખાચરે ફેરવ્યું ને કહે, ‘હા બા, કોઈક મુગતડું હશે! બદરિકાશ્રમ કે શ્ર્વેતદ્વીપના આવ્યા હશે!’ પછી મહારાજ કહે, ‘તમે તો હમણાં મશ્કરી કરતા હતા ને ?’ એટલે સોમલાખાચર કહે, ‘મહારાજ ! એક રાજાએ રીંગણાંનાં વખાણ કર્યાં. ત્યારે હજૂરી કહે, ‘હા સાહેબ, બહુ સરસ ને શાક પણ અમૃત જેવું થાય છે.’ પછી રાજા કહે, ‘એ તો બહુ ખરાબ છે, શાક તો ચરકું ને ગરમ લાય જેવું થાય છે.’ ત્યારે હજૂરી કહે, ‘હા સાહેબ, એવું ગરમ લાય ને કાળું મેશ જેવું શાક કોણ ખાય ?’ ત્યારે રાજા કહે, ‘તમે હમણાં વખાણ કરતા હતા ને ઘડીકમાં શું થયું ?’ ત્યારે હજૂરી કહે, ‘અમે બેંગણ કા નોકર નથી, અમે તો આપના નોકર છીએ તે જેમ આપ રાજી થાઓ તેમ અમારે બોલવું.’ તેમ મહારાજ, તમારી મરજી દેખીએ તે પ્રમાણે અમારે બોલવું.’ એ સાંભળી મહારાજ બહુ રાજી થયા.
તાન : લગની, આગ્રહ, મસ્તી.
બદરિકાશ્રમ : શ્રી નરનારાયણનો આશ્રમ.
(97) આજ તો ત્રણ ગ્રંથ વિચારવા, એક ટાણું જમવાની આજ્ઞા છે, કામળી પણ રૂપિયા સવાથી વધારે કિંમતની ન રાખવી. જો કોઈ નિયંતા ન હોય તો જેમ માળાના મણકા વેરાઈ જાય તેમ થાય માટે કાળા નાગથી બિવાય છે, તેમ ભગવાનની આજ્ઞા લોપતાં બીવું. સોમલખાર સમ દે તોય ખવાય નહિ; અરે જીવતાં સુધી રાજપાટ આપે તોય ખવાય નહિ, કાં જે દેહ ભેળું બધું જાય પછી રાજ કોણ કરે ?
(98) અંગ્રેજની કવાયત જોઈને બધા રાજામાત્ર નમી ગયા પણ કોઈનું બળ રહ્યું નહિ તેમ જે પુરુષ દરવાજે ઊભો હોય તેને ગમે તેવા સંકલ્પ થાય, પણ તે બાધ કરી શકે નહીં. કેમ જે, તેને એક સંકલ્પ રાગનો થાય ત્યારે લાખ સંકલ્પ નિષેધના થાય; ને વળી એમ કહે જે, કરોડ જન્મ ધરીને પણ તારું ગમતું નથી કરવું. એટલે રાગનો સંકલ્પ ખોટો થઈ જાય. તેમ જ રૂપનો, રસનો, શબ્દનો, ગંધનો ને માનનો એ આદિક જે જે સંકલ્પ થાય તે સર્વે જાણપણારૂપ દરવાજે રહેવાથી નાશ પામી જાય છે. તેમ સંકલ્પનું કહ્યું ન માને તો ફરી સંકલ્પ ન થાય. જે રાજા વિવેકી હોય છે તે ગોલાનું કહ્યું કરે નહિ પણ જે પ્રમાણિક હોય છે તેનું કહ્યું માને છે; તેમ ઇન્દ્રિયો અને મનના સંકલ્પ તો ગોલા જેવા છે, માટે એમનું કહ્યું માનવું નહિ ને અખંડ જાણપણારૂપ દરવાજે રહેવું, એટલે તે બળહીન થઈ જાશે ને સંકલ્પ પણ નહિ થાય. ભગવાન ને સાધુ દયાળુ છે તે જાળવે છે પણ ગમે એટલું મનગમતું મુકાવે તો પણ સરું આવવા દેવું નહિ. તે ઉપર કચ્છના હરિભક્ત મૂળજી ને કૃષ્ણજીની વાત કરી જે, ગમે તેમ કહ્યું ને મનગમતું મુકાવ્યું તો પણ કોઈ રીતે અવગુણ લીધો નહિ; તેમ તપ્યા પણ નહિ ને કોઈ દિવસ સામું બોલ્યા નહિ, તે સરું આવવા ન દીધું કહેવાય.
પ્રકરણ 9ની વાત 213
બાધ : દોષ.
સરું : છેડો, અંત, પાર.
(99) દેહ નહિ રહે ને ખાધું એ ય ગયું ને આમ ને આમ કેમ મરાશે? કાંઈક શરીર માંદું થાશે ને કાંઈક થોડું થોડું દુ:ખ પણ થાશે ત્યારે મરાશે.
(100) સુજજ્ઞાનંદની વાત કરી જે, મંદવાડ થયો તે મરાય પણ નહિ ને ખમાય પણ નહિ પછી અમારી પાસે મોઢામાં તરણાં લઈને પગે લાગ્યો ને કહ્યું જે, ‘દેહ મુકાવો.’ પછી અમે કહ્યું જે, ‘તમે જાગા ભક્તનો દ્રોહ કર્યો છે, તે તેમની પાસે આસને જઈને પગે લાગીને દીન થાઓ, તો દેહ પડે.’ પછી તેમ કર્યું, એટલે દેહ પડ્યો. માટે ભગવાનના ભક્ત આગળ દીન થાવું ને ધર્મ પાળવામાં માન રાખવું ને કોઈ વાતની આંટી આવે તો નમી દેવું; એમ સાધુનો મારગ આપણે શીખવો.
પ્રકરણ 11ની વાત 126
ખમાય : સહન કરાય, ક્ષમા કરાય.
દ્રોહ : મનથી, વાણીથી કે કર્મથી જાણી જોઈને કરેલ દોષ, ગુનો, પાપ કે અપરાધ
દીન : લાચાર, ગરીબ, રાંક.
સંવત 1918ના અષાઢ વદિ નવમીને દિવસે સ્વામીએ વાત કરી જે,
(101) ખાઈ ખાઈને અલૈયાખાચરના ઘોડાની પેઠે ઊંઘ્યા ન કરવું. તે શું ? જે, ચણા ખાય, પાણી પીએ ને ખડ ખાય તે બધું આંખો મીંચીને પણ જ્યારે કાંકરો આવે ત્યારે આંખ ઊઘડી જાય; તેમ દેશકાળ આવે ત્યારે સૌની આંખ ઊઘડે છે માટે આપણે ઊંઘવું નહીં.
ખડ : ઘાસ.
(102) કાળજું તૂટ્યાની વાત કરી જે, સાબરમાં ગાડું ખૂંચી ગયું તે નીકળે નહિ, પછી મેમણના બળદ સારા તે મેમણ કહે, ‘છોડી નાખ તારા બળદ.’ પછી મેમણે પોતાના બળદ જોડીને બળદને હાંકલ્યા તે કાંઠે ગાડું તો કાઢી નાખ્યું, પણ કાળજું તૂટી ગયું, તે કામના ન રહ્યા; એમ આપણે પારકા માટે કાળજું તોડવું નહીં.
(103) એક સુતાર દીવમાં ફિરંગીને ત્યાં ઘડવા ગયો હતો ત્યાં તેની મઢમ બહુ રૂપાળી તેના સામું જોયા કરે. પછી ફિરંગીએ, ‘મઢમ સામા મત જો.’ એમ સુતારને કહ્યું પણ કાળજું રૂપમાં તૂટ્યું તે જોયા વિના રહેવાય નહિ ને ફિરંગીએ ત્રણ વાર ના પાડી, પણ ચોથી વાર જોયું ત્યારે ફિરંગીએ સુતારની આંખો ફોડી નાખી, એમ વિષયમાં કાળજું તૂટે ત્યારે સત્સંગમાં પણ રહેવાય નહિ; માટે ખબરદાર થઈને શુદ્ધ વરતવું. જો નિષ્કામી વર્તમાનમાં કસર રહેશે તો અક્ષરધામમાં નહિ જવાય ને મહારાજનો કુરાજીપો થાશે. તે ઉપર વાત કરી જે, રાજાએ પોતાના ચાકરોની પરીક્ષા લીધી જે કોણ લડ્યા છે ને કોણ નથી લડ્યા. તે જે લડ્યા હતા તે સભામાં આગળ બેઠા ને જે નહોતા લડ્યા તે નીચું ઘાલીને બેઠા. તેમ વર્તમાન કોણે પાળ્યાં છે ને કોણે નથી પાળ્યાં, તેની પરીક્ષા આગળ લેવાશે. પછી જેણે નહિ પાળ્યાં હોય તેને નીચું ઘાલવું પડશે ને ભોં ખોતરવી પડશે; માટે આગળથી વિચારજો.
કસર : ખોટ, ઉણપ.
(104) જીવમાં સ્વભાવ પડ્યા છે પણ દેખાતા નથી તે ઉપર વાત કરી જે, પાદશાહે મીંદડી પાળેલ, તે કુરાન વાંચે ત્યારે મીંદડી મશાલ લઈને ઊભી રહે. પછી લવાને પૂછ્યું જે, ‘સ્વભાવ બડા કે સંગ બડા ?’ ત્યારે લવો કહે, ‘સ્વભાવ બડો.’ ત્યારે પાદશાહે કહ્યું જે, ‘મીંદડીનો મશાલ ઝાલવાનો ક્યાં સ્વભાવ છે ? પણ મારા સંગે કરીને ઊભી છે માટે સંગ બડો; સ્વભાવ કેમ બડો એ દેખાડ.’ એટલે વળતે દિવસ લવો ઘડામાં ઉંદર ભરીને લાવ્યો ને જ્યાં મીંદડી મશાલ લઈને ઊભી હતી ત્યાં બેસીને ઘડો છોડ્યો ને ઉંદર નીકળ્યા; ત્યાં તો મીંદડીએ પાદશાહ ઉપર મશાલ નાખી દીધી ને ઉંદર પકડવા મંડી પડી. એમ સ્વભાવ બડો દેખાડ્યો. તેમ આપણે પણ અત્યારે તો કાંઈ નથી, પણ જ્યારે પંચવિષય સાથે ધીંગાણું થાશે ત્યારે કોઈ લોભમાં, કોઈ દેહાભિમાનમાં, કોઈ લૂગડાંમાં, કોઈ માનમાં, કોઈ સ્વાદમાં ને કોઈ સ્નેહમાં એમ જે જેમાં મોળા હશે તે તેમાં લેવાઈ જાશે. દુર્યોધનની કેડ કાચી હતી તો કેડમાં ગદા વાગી એટલે મૂઓ; તેમ જે જેમાં કાચા હશે ને તે વાતમાં ટોકાશે ત્યારે તેનું ઠીક નહિ રહે, માટે સ્વભાવ ઓળખીને મૂકી દેવા.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
(105) ધન બહુ બળવાન છે તે જેને રૂપિયા મળે તેને નવરો થાવા દે નહીં. તે પ્રેમજી સુતારને પ્રથમ રોટલાનું માંડ માંડ પૂરું થાતું. પછી મહારાજ કહે, ‘લો તમને રોટલાનો ઉપાય કરી દઈએ’ પછી ત્રણ પાંખડીવાળી શારડી કરાવીને માળા ઉતારતાં શીખવાડી ને હરિજન સૌને મહારાજે આજ્ઞા કરી જે ‘જેને માળા જોતી હોય તે અરધો રૂપિયો દઈને લેજો.’ પછી સૌએ અરધો રૂપિયો આપી માળા લેવા માંડી, એટલે પ્રેમજી સુતારના ઘરમાં દ્રવ્ય વધી ગયું; પછી દર્શને આવવા પણ નવરો થાય નહીં. એવું દ્રવ્યનું બળવાનપણું છે, તે જો દ્રવ્ય થાય તો દર્શને પણ ન આવે.
(106) મેળાવ્યામાં અખંડાનંદસ્વામી ને વિજ્ઞાનદાસજીના ભાઈ હરિવલ્લભદાસ એ બે, એવા બીજા નહીં. તેમાં ય હરિવલ્લભદાસ તો એવું મેળવતા જે, જે ચીજ આવે તે તુરત ચોળવા માંડે ને મીઠું આવે તે જેટલું આપે તેટલું માંહી નાખે ને પછી પાણી રેડી રાબ જેવું કરે ને બે હાથે ઉપાડી પી જાય તેથી પંક્તિમાં કોઈ તેની પાસે બેસતું નહીં. ને કેટલાક તો તેમને કુત્સિત શબ્દે બોલાવતા. તે શું ? એને જ આજ્ઞા હતી ને બીજાને નહોતી ? પણ મેળાવી શકાય નહિ ને મેળાવે તેની અવજ્ઞા કરે તે શું ધામમાં જાશે ? ધામ નહિ જડે ધક્કા મળશે ત્યારે આંખ ઊઘડશે ગુલામની, એમાં ફેર નથી.
(107) કેવળ પતિત થઈને પાળવું નહીં. પ્રેમાનંદસ્વામી,
તોરે મેરી બાંહ ગ્રહે કી લાજ.
હમ હય પતિત તુમ પતિત કે પાવન;
ગિરધર ગરીબ નિવાજ. તોરે0
(કીર્તનસાર સાગર : 98)
એ કીર્તન બોલ્યા ત્યારે મહારાજે લાધા ઠક્કરને કહ્યું જે, ‘સીંદરીનું વહાણ મંગાવો કારણ કે સૌને પતિત થઈને પાળવું નથી તે બાંધ્યા જોશે, નીકર ક્યાંયના ક્યાંય વહ્યા જાશે.’ માટે એમ ન કરવું ને સામાં પગલાં ભરવાં.
પતિત : પાપી.
પગલાં : મહારાજનાં પગલાંની છાપ.
(108) મોટે મોટે સત્સંગ માગ્યો છે ને રૂપિયે કરીને મોટપ નથી, પણ જેણે રૂપિયામાં ને ખાધામાં માલ માન્યો છે તેને અમે સત્સંગી ગણતા નથી.
તુલસી સો હિ ચતુરતા, રામચરણ લૌલીન;
પરધન પરમન હરનકું, વેશા બડી પ્રવીન.
(તુલસીદાસની સાખીઓ : 65)
અર્થ : ભગવાન રામચંદ્રના ચરણમાં એકાગ્ર થઈ જવું તે જ ખરી ચતુરાઈ છે. બાકી પારકાનું ધન હરી લેવામાં અને પારકાના મનને જીતી લેવામાં તો વેશા પણ બહુ કુશળ હોય છે.
માટે ધન કમાવામાં અને બીજાના ચિત્તનું આકર્ષણ કરવામાં કશી જ ચતુરાઈ નથી પણ સાચી ચતુરાઈ પ્રભુભક્તિમાં તલ્લીન થાવામાં જ છે. કલમને ગોદે રૂપિયા ભેળા કરે છે પણ એમાં કાંઈ માલ નથી. એ માયા છે તે બળવાન છે ને માંહી પેસી જાય એવી છે.
અર્થ : ધન, સંપત્તિ.
(109) ગાયના વાછડાને બીજાનું મૂતર અડ્યું એટલે ગાયે સામું જોયું નહિ, તેમ બીજા કોઈ સાથે લેશ સાંધો હોય એવા સામું તો આ ભગવાન ને સાધુ પણ ન જુએ; માટે મોટાને મારગે ચાલવું.
(110) સ્ત્રીઓને સત્સંગ કરાવવાની લાલચ ન જ રાખવી.
નન્વગ્નિ: પ્રમદા નામ ઘૃતકુમ્ભસમ: પુમાન્ ।
સુતામપિ રહો જહ્યાદન્યદા યાવદર્થકૃત્ ॥
(શ્રીમદ્ ભાગવત : 7/12/9)
અર્થ : ખરેખર સુંદર સ્ત્રી અગ્નિ સમાન છે અને પુરુષ ઘી ભરેલા ઘડા જેવો છે આથી અને એકાંતમાં તો એને પોતાની ક્ધયા (પુત્રી) સાથે પણ રહેવું જોઈએ નહિ તથા બીજે પણ જેટલું પ્રયોજન હોય એટલી વાર સુધી જ રહેવું.
માત્રા સ્વસ્ના દુહિત્રા વા ન વિવિત્કાસાનો ભવેત્ ।
બલવાનિન્દ્રિયગ્રામો વિદ્વાંસમપિ કર્ષતિ ॥
(સત્સંગિજીવન : પ્ર.3, અ.59; મનુસ્મૃતિ : 2/215)
અર્થ : માતા, બહેન, પુત્રી સાથે એકાંતમાં ન બેસવું. પ્રબલ ઇન્દ્રિય સમૂહ વિદ્વાનને પણ આકર્ષે છે.
વિદ્વાન હોય, તપસ્વી હોય ને ઇન્દ્રિયો જીતી હોય તો પણ બાઈઓ વખાણે ત્યારે પાણી ઊતરી ગયું કહેવાય. મહારાજને બે વાતનો આગ્રહ છે, તે ઉપર વરતાલનું 16મું વચનામૃત વંચાવ્યું.
અર્થ : ધન, સંપત્તિ.
(111) જ્ઞાન વિનાનો પ્રેમ ન ટકે, માટે જાનકીજીના જેવી સમજણ શીખવી. ભરવાડ છે તે પ્રથમ આંગળી ધવરાવીને પછી આંચળે વળગાડે તેમ સાધુ છે તે ધીરે ધીરે ભગવાનમાં જોડે અને ‘આપણે આમ સુખ ભોગવીશું ને આપણે આમ કરશું.’ એવા જેટલા જેટલા જીવના સંકલ્પ તેટલાં તેટલાં પ્રકરણ મહારાજ ફેરવતા; પણ જીવનું કાંઈ ધાર્યું રહેવા દેતા નહીં.
વચનામૃત ગ.અં. 11
(112) પોતા થકી ધર્માદિકે શ્રેષ્ઠ હોય તેને પોતાની ખોટ પૂછે ત્યારે પોતાની ખોટ ઓળખાય; પણ બરોબરિયાને કે પોતાથી ઊતરતો હોય તેને પૂછે તો ન ઓળખાય.
(113) સભામાં વાત સાંભળે ત્યારે જીવનો સ્વભાવ એવો જે કોઈક ઉપર નાખે. આજ વાત થઈ તે ફલાણા ઉપર થઈ એમ કહે પણ પોતા ઉપર ન લે, તેને કોઈ વાત સમાસ ન કરે. પછી પણગા છેલની વાત કરી જે, તે વરસાદમાં કોરો આવ્યો ત્યારે પૂછ્યું જે, ‘તમે કેમ પલળ્યા નહિ ?’ તો કહે જે, ‘હું તો પણગા છેલ છું! તે એકે પણગો માથે પડે જ નહિ ને આડો અવળો તરી જાઉં !’ ત્યારે કહે, ‘ફળિયામાં ઊભા રહો ને તીર મારું તે લાગવા દેશો નહીં.’ એટલે માન્યો જે, ‘પાટિયામાં લૂગડાં ભર્યાં હતાં માટે મારશો મા.’ માટે કોઈ વાતે છેલ થાવું નહીં.
(114) મહારાજે બધી વાત શીખવી છે ને પોતે બધું વરતી દેખાડ્યું ને ‘પત્રી’માં તો કાંઈ જમવાનું આવતું જ નથી. મોરે આટલા વાળ્યા વળતા નહિ ને ત્યાગ-વૈરાગ્ય તો બહુ રાખતા.
મોરે : અગાઉ
(115) દ્રવ્યનું પાપ તો પ્રથમથી જ ચાલ્યું આવે છે. દ્રવ્ય, માન, સ્વાદ ને સ્પર્શ એ સર્વે વિષય કરતાં સ્ત્રીનું પાપ તો બહુ ભારે છે, તે દુર્વાસા વીસ હજાર વરસે ઘડપણમાં પરણ્યા. તેની વાત કરી જે, દુર્વાસા તપ કરીને આવતા હતા, ત્યાં યક્ષ ને તેની સ્ત્રીઓ હોજમાં નગ્ન નહાતાં હતાં, તે જોઈને પરણવાનું મન થયું. પછી ઉરુ ઋષિને ત્યાં દીકરીના વાવડ મળ્યા એટલે ત્યાં ગયા ને કહે, ‘મારે ગૃહસ્થાશ્રમ કરવો છે તે તમારી ક્ધયાનું માગું કરવા આવ્યો છું.’ તો કહે, ‘ભલે, પણ તે જરા અપલક્ષણી છે ને તમારે ક્રોધનો સ્વભાવ; તે કેમ બનશે ?’ તો કહે, ‘શું અપલક્ષણ છે ?’ ત્યારે ઉરુ ઋષિ કહે, ‘તેને રોજ સો ગાળું દેવાની ટેવ છે, તેથી કોઈ તેને લેતું નથી ને મોટી ને મોટી થઈ છે.’ એટલે દુર્વાસા કહે, ‘હું રોજ સો ગાળું દેશે ત્યાં સુધી નહિ બોલું.’ ત્યારે ઉરુ ઋષિએ કહ્યું જે, ‘કોઈ દિવસ સોથી વધારે ગાળું દે તો તેને શાપ દેશો મા, પણ આંહીં મૂકી જાજો.’ ત્યારે તે કહે, ‘બહુ સારું.’
પછી કંદળીને દુર્વાસા ઋષિ સાથે પરણાવી. તે ઊમરાની ઠેસ વાગે તોય ગાળ દે, લૂગડું લે ને ગાળ દે. તે એક દિવસ દુર્વાસાએ માળા લઈને ગાળે, ગાળે પારો મૂક્યો તે સો ગાળ થઈ ગઈ એટલે ક્રોધ ચડ્યો ને શાપ દીધો એટલે બળી મૂઈ ત્યારે ઉરુ ઋષિનાં લૂગડાં અધ્ધર સુકાતાં હતાં તે પડી ગયાં ત્યારે જાણ્યું જે કાંઈક સૂતક આવ્યું. પછી તો ધ્યાનમાં ઊતરીને જોયું તો કંદળીને દુર્વાસાએ શાપ આપી બાળી નાખી એમ જણાણું; પછી ખરખરો કરવા ચાલ્યા. તે દુર્વાસાને ખબર પડી જે, ઉરુ ઋષિ આવે છે, ત્યારે દુર્વાસા મૂંઝાણા જે, તેણે શાપ દેવાની ના પાડી હતી તે હવે મને શાપ દેશે એ બીકે પોતે સામી પોક મેલી; તે ઉરુ ઋષિ છાના રાખે તોય છાના રહે નહીં. પછી ઉરુ ઋષિ કહે, ‘હવે છાના રહો, જે થાવાનું હતું તે થયું. તેમાં તમે શું કરો?’ પછી તે છાના રહ્યા ને ઉરુ ઋષિ વહ્યા ગયા તોય ઘરભંગ થયા તેનો શોક મટ્યો નહિ પછી ભગવાન બ્રહ્મચારીને વેષે આવ્યા ને સાંખ્ય જ્ઞાને કરીને સમજાવ્યા એટલે તપ કરવા વહ્યા ગયા.
પછી તેમણે બહુ તપ આદર્યું, ત્યારે ઇન્દ્રે તપમાંથી પાડવા અપ્સરાને મોકલી. તે પ્રથમ તો આવીને વાળી ગઈ, પછી દુર્વાસા ધ્યાનમાંથી નીકળ્યા ત્યારે આસપાસ વાળીને ચોખ્ખું કરેલું દીઠું એટલે રાજી થયા જે ‘આ તે કોણે કર્યું હશે ?’ પછી બીજે દિવસ ફૂલ મૂકી ગઈ, તે જોઈને તો બહુ જ રાજી થયા જે, ‘આ તે કોણ હશે?’ પછી આસપાસ જોયું, ત્યાં તો છેટે ઝાડને ઓથે સંતાણી હતી તે દીઠી એટલે બોલાવીને પાસે બેસાડી; પછી વાતચીત કરતાં ઘરવાસ થયો ને છોકરાં ચાર-પાંચ થયાં. પછી તે સ્ત્રી કહે જે, ‘હવે તો વનમાં નહિ રહીએ, કોઈક ગામ રહેવા જઈએ.’ તે આગલી રાતે ખૂબ ખાધું ને છોકરાંને પણ ભૂખ્યાં ન થાય તે સારુ ખૂબ ખવરાવ્યું. પછી ત્યાંથી વહેલા ચાલ્યાં, તે દુર્વાસાએ બે છોકરાં ખંભે લીધાં ને બેને સ્ત્રીએ સૂંડલામાં લીધાં ને એક મોટું ચાલ્યું આવતું હતું. રસ્તે ચાલતાં છોકરાં ખંભે ને ખંભે ઝાડે ફર્યાં તે હારની પેઠે નાભિ સુધી રેગાડા ઊતર્યા હતા; પણ રસ્તામાં પાણી ન મળ્યું તે દુર્વાસા એમ ને એમ ચાલ્યા આવતા હતા. એવામાં નારદજી સામા ચાલ્યા આવે, તેમણે છેટેથી દુર્વાસાને ઓળખ્યા ને સ્થિતિ પણ જોઈને મનમાં હસવાનું થયું; પણ જાણે જે ‘હસીશ તો શાપ દેશે.’ પછી તો નારદજી દંડવત્ કરવા લાગ્યા ને પ્રાર્થના કરી જે, ‘હે મહારાજ ! આ વખતની તમારી મૂર્તિ આવી ને આવી વિષ્ટાના હાર સહિત ત્રણ અવસ્થામાં નહિ વિસરે ને તમારું જ ધ્યાન થાશે !’ એમ સ્વભાવ આવે ત્યારે કાંઈ ઠેકાણું રહે નહીં.
વળી ચ્યવન ઋષિની વાત કરી જે, તપ કરતાં કરતાં માથે રાફડો થઈ ગયો હતો. એક વખત શર્યાતી રાજાની કુંવરી સાહેલીઓને લઈને ફરવા નીકળેલ તે રાફડામાં બે આંખ્યું પતંગિયા જેવી ઝગતી હતી તેમાં બાવળની શૂળ ખોસી તે આંખો ફૂટી ગઈ ને લોહી નીકળ્યું, એટલે ભાગી ગઈ પણ ચ્યવન ઋષિએ તપના બળથી લશ્કરના બધાય માણસનાં લઘુ બંધ કરી દીધાં. એટલે શર્યાતી રાજાએ પૂછાવ્યું જે, ‘આટલામાં ચ્યવન ઋષિનો આશ્રમ છે, ત્યાં કોઈએ ચ્યવન ઋષિનો અપરાધ કર્યો છે ?’ ત્યારે સુકન્યાએ કહ્યું જે, ‘મેં આમ કર્યું છે.’ પછી રાજા સુકન્યાને તેડીને ચ્યવન ઋષિ પાસે ગયા ને પ્રાર્થના કરી જે, ‘હે મહારાજ ! અપરાધ ક્ષમા કરો, આ તો તમારાં છોકરાં છે ને ભૂલથી થયું છે, માટે હવે જેમ કહો તેમ કરીએ.’ ત્યારે કહે, ‘સુકન્યા મારી સેવામાં રહે.’ પછી સુકન્યાને સોંપી રાજા ઘેર ગયા. તેમાં શું કહ્યું ? જે, બધાની લઘુશંકા બંધ કરી, પણ પોતાની બંધ ન થઈ ! માટે જેવો સંગ કરે તેવો રંગ લાગી જાય છે; તે ઘોડીના શબ્દ સાંભળીને ઘોડો છે તે સામું જુએ છે.
રોજ : દરરોજનું મહેનતાણું/મજૂરી.
ખરખરો : અરેરાટી, અફસોસ, શોક.
મૂર્તિ : સંતો.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
(116) હવે તો હરિજન સર્વેને રોટલા કરતાં શીખવવા છે ને પછી સમૈયામાં સૌને રાંધવા આજ્ઞા કરી ત્યારે ઘણાખરા તો ટીમણ ખાઈને બેસી રહ્યા ને કોઈકે રાંધ્યું, પછી થોડે દિવસે મેવાસાના નાગજી લુહાર આવ્યા તેને હાથે રાંધી ખાવા આજ્ઞા કરી. ત્યારે તેણે રોટલો લોઢીમાં થાબડીને લોઢી ચૂલે મૂકી ને હેઠે તાપ કર્યો, એટલે રોટલો ઊખડ્યો નહિ તેથી લોઢી ઊંધી વાળી તેથી રોટલો બેય કોરે બળી ગયો. પછી અમે રાંધવા ના પાડીને કહ્યું કે, ‘હમણાં તો એમ ને એમ ચલાવો; પણ મંદિરમાં જમવું એ વાત સરાસર નભશે નહિ, માટે સર્વ હરિજનો રસોઈ કરવા શીખજો.’ ને આ તો કથો બાઝ્યો છે તે છૂટે એવો નથી. તે ઉપર વાત કરી જે, નદીમાં રીંછ તણાતું આવતું હતું, તે ભરવાડ જાણે ધાબળો તણાય છે, તે લેવા પડ્યો; ત્યાં રીંછ વળગી પડ્યું એટલે કાંઠેથી બીજા કહે જે, ‘કથો છડ.’ ત્યારે ભરવાડ બોલ્યો જે, ‘આંઉ તો કથો છડું, પણ કથો છડતો નાંઈ.’ એમ સત્સંગ, સાધુ ને હરિજન જીવમાં જડાઈ ગયા છે, તે નોખું પડાય તેવું નથી.
ટીમણ : શિરામણ, જલપાન, નાસ્તો.
(117) જેમ મંત્રે કરીને નિર્બાધ થાવાય છે, તેમ મંદિરના રોટલા ખાઈને જો ઘડી ઘડી ભક્તિ કરશો તો નિર્બાધ થાશો.
સંસારીના ટુકડા નવ નવ આંગળ દંત;
ભજન કરે તો ઉગરે, નહિ તો કાઢે અંત.
કંદોઈ સુખડાં કરે તેને સ્વાદ ન આવે પણ સ્વાદ તો ખાય તેને આવે; તેમ ભગવાનને સંભારે તેને સુખ આવે ને સુખ ઘણાં દીધાં તે શું ? જે, ભેળા રહ્યા, મળ્યા ને જમાડ્યા.
સુખડાં : મીઠાઈ.
(118) જેટલું જ્ઞાન છે તેટલો જ સત્સંગ છે ને વાતું સાંભળી સાંભળીને જે ઠરાવ કર્યો હોય તે જ ખરું છે.
(119) બીજા વિષય ત્યાગ થાય, પણ ખાવું ને સ્ત્રી એનો અભાવ તો કોઈ દિવસ આવે નહિ ને એ બે તો મૂળિયાં છે. કુંજવિહારીદાસ પ્રથમ આવ્યો ત્યારે પૂરીને કહે, ‘ફરણી, ફરણી જેવું આ શું છે ?’ પછી તો અન્નકૂટ કરવા શીખ્યો. તેમ શીખે તો બધું આવડે પણ એક વાર ભગવત્પ્રસાદજીએ પૂછ્યું જે, ‘પતાસાં પાડી આપશો ?’ તો કહે, ‘હું પતાસાં પાડવા આવ્યો નથી.’ ત્યાર કેડે પ્રાગજી ભક્તને ઝેર દીધું. તે જ્યારે આવ્યો ત્યારે એવો આશય નહોતો; પણ સંગે કરીને જીવનું ભૂંડું થાય છે.
કેડે : પાછળ.
(120) બલકબુખારાના પાદશાહનું બબરચીખાનું ત્રણસેં ઊંટ હોય ત્યારે ઊપડતું પણ જ્યારે વૈરાગ્ય પામીને નીકળ્યો ત્યારે તેણે વગડામાં હાંડલીમાં ભાત રાંધીને ખાધેલ, ત્યાં એક કૂતરો આવ્યો તેણે ભાત ખાવા માંહી મોઢું ઘાલ્યું, ત્યાં માથું સલવાઈ રહ્યું. પછી તે ઉપાડીને ભાગ્યો ત્યારે રાજા કહે જે, ‘ત્રણસેં ઊંટનું બબરચીખાનું એક કૂતરો ઉપાડી જાય છે !’ માટે આટલેથી ચાલે છે પણ જીવ તો વિષયમાં બંધાઈ ગયો છે ને દેહ તો એક રોટલે જ રહે છે બાકી સર્વે ફેલ છે. જિહ્વા ઇન્દ્રિયનું બળ ઘણું છે. સ્ત્રીમાં ન લેવાય એ તો દેવનો દેવ છે ને નમસ્કાર કરવા યોગ્ય છે; પણ હરિભક્ત હોય ને દ્રવ્યમાં પ્રતીતિ આવી જાય છે તે શું ? જે, કીમિયાનો વિશ્ર્વાસ આવે છે.
બબરચીખાનું : ઇસ્લામી કે ખ્રિસ્તી વગેરેનું રસોડું.
સલવાઈ : અટવાઈ.
ફેલ : નીતિશાસ્ત્ર વિરૂદ્ધનું આચરણ તથા આવક કરતાં વધુ ખર્ચ કરે તેવું આચરણ.
જિહ્વા : જીભ.
(121) પ્રાત:કાળમાં જે ક્રિયા કરે તે સાત્ત્વિક થાય માટે તે વખતે ભગવાન સંભારવા ને સત્શાસ્ત્રનું વ્યસન રાખ્યા વિના તો જાડ્યતા (જડતા) આવી જાય છે ને પ્રથમ લગની હોય તેવી રહે નહિ ને પછી તો મૂળગી ન રહે. તે ઉપર વાત કરી જે, વાવમાંથી ગાળ કાઢતા હતા, ત્યાં સરમાંથી પાણી બહુ આવ્યું. પછી કહે જે, ‘હમણાં ગોદડાનો ગાભો ભરાવો એટલે ગાળ કાઢી લઈએ ને પછી ડૂચો કાઢી લઈશું.’ તે ગાળ કાઢીને ડૂચો લઈ લીધો, એટલે ઘડીક પાણી નીકળ્યું ને સર બીજે વળી ગઈ. તેનું સિદ્ધાંત એ જે, આપણે બીજે સર વળવા ન દેવી. બકરીના કોટના આંચળમાં દૂધ હોય નહીં. તેમ ભગવાન વિના બીજામાં કાંઈ સુખ નથી. માટે બે-ત્રણ વરસ સાધુનો જોગ ન થાય તો સત્સંગ ટળી જાય. માટે ખબરદાર નહિ રહો તો જેમ શેરડીનો છોતો ચૂસીને નાખી દે તેમ પાંચે વિષય આપણને ચૂસીને નાખી દે એવા છે. મહારાજે સંતોને કહ્યું જે, ‘કોઈનાં ગળાં ઝાલ્યાં નહિ ને તમારાં ગળાં ઝાલ્યાં, તે શું તમે અમારા બાપ માર્યા છે ? પણ તમારા મોક્ષને અર્થે છે.”
(122) બુદ્ધિ તે કઈ ? તો જેને આગળ સૂઝે તે ડાહ્યો પણ લૂંટાણા પછી ભાગે તે ડાહ્યો ન કહેવાય. મહારાજ દીર્ઘદર્શી એટલે બાઈ-ભાઈની સભા નોખી કરી.
(123) ગૃહસ્થાશ્રમમાં રહે તેને પ્રજા થાય એમ રીત છે ને આ તો મનુષ્યના દેહ ધર્યા છે; પણ સર્વે સંસ્કારી છે, સંસ્કાર ન હોય તો સત્સંગમાં અવાય નહીં. પીપળાણામાં ધાવણાં છોકરાંને સમાધિ થાતી, તે શું ? જે, એ સંસ્કારી હતાં.
(124) આપણે કાંઈ ઝાઝું જાણીએ નહીં. તે ‘એક મત બાપડી તે ઊભે મારગે તાપડી,’ તે શું ? જે, ‘શિક્ષાપત્રી’ પ્રમાણે વરતવું એ પાધરું છે; ફેર પડે તો દુ:ખ થાય. આટકોટમાં સાહેબની સવારી હતી ને આણંદજી દીવાનનો ભાઈ પરેવાસે રીંગણીના ખેતરમાં ઝાડે ફરવા ગયો. તે પટેલ જાણે, ‘રીંગણાં ચોરવા આવ્યો છે.’ એમ જાણી તે નાગરના વાંસામાં ભૂરું માર્યું. પછી તેણે સાહેબ આગળ રાવ કરી, એટલે સાહેબે પટેલને તેડાવ્યો. ત્યારે પટેલ કહે, ‘મેં જાણ્યું જે રીંગણીનો ચોર છે પણ તમારો મહેતો છે ને ઝાડે ફરવા બેઠો છે એમ જાણ્યું નહોતું, માટે માફ કરો.’ પછી સાહેબ કહે, ‘ઠીક કર્યું, એકનાં બે ભૂરાં મારવાં હતાં.’ ને મહેતાને ઠપકો દીધો જે ‘તને બીજે ક્યાંય જાયગા મળી નહિ ? તે ખાવાની રીંગણીમાં બેઠો ?’ માટે ‘શિક્ષાપત્રી’ પાળે તે વહેવારે પણ સુખી રહે.
પાળે : સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જાતનો સેવક/પાર્ષદ.
(125) ખટરસ આળસ્યા ત્યારથી તાવડા ચડ્યા છે, માટે નિયમ રાખશે તેનું ઠીક રહેશે. કૃપાનંદસ્વામી ને મુક્તાનંદસ્વામી વચ્ચે અમે જમવા બેઠા હતા, ત્યાં મહારાજ આવ્યા ને કહ્યું જે, ‘બે વાઘ વચ્ચે બકરી બાંધી છે!’ પછી વાત કરી જે, પાદશાહે લવાને કાઢી મૂક્યો ત્યારે લવો બીજે ગામ ડોશીને ત્યાં છાનો રહ્યો. પછી પાદશાહને લવાનું કામ પડ્યું, પણ લવો જડ્યો નહીં. પછી તો મૂંઝાણા ત્યારે એક કળા કરી જે, ‘પરગણામાં ઘરોઘર બકરું રાખવું ને દરરોજ પાંચ શેર ખવરાવવું ને તોલમાં સરખું રાખવું ને સરખું નહિ રાખે તેને ઘાણીએ ઘાલી તેલ કાઢશું.’ તે વાત ડોશીએ લવાને કરી, ને રોઈ પડ્યાં જે, ‘હવે મારા એકના એક દીકરાને મારી નાખશે.’ ત્યારે લવાને દયા આવી એટલે કહે, ‘એમાં શું રોવો છો ? બકરાને ખવરાવીને સાવજ આગળ લઈ જાજો.’ પછી ડોશી તો હંમેશાં બકરાને ખવરાવીને સાવજ આગળ લઈ જાય, તે સાવજ હુંક મારે એટલે બકરું છેરી કાઢે. પછી મહિનો પૂરો થયો, ત્યારે બધાના બકરામાં ફેરફાર થયો ને ડોશીનું બકરું બરાબર થયું ત્યારે કહે, ‘આને ઘેર લવો છે,’ એમ ગોતી કાઢ્યો. તેનું સિદ્ધાંત એ છે જે, પંગતમાં જમવું; પણ ધર્મશાળામાં વાતું વડે નિષેધ કરવો કે લાડવા ખાધા હોય તે બળી જાય. ને જો પશ્ર્ચાતાપ ન કરે કે, જીવમાં બીક ન લાગે તો બરાબર નહિ રહે; અંતે ફેરફાર થઈ જાશે એમ જરૂર જાણજો. હાલાર દેશમાં હોંકારા કરે ત્યારે બકરાં રહે, તેમ ગમે તેટલું સત્સંગમાં વાવરતો હોય, પણ આવી વાતું સાંભળ્યા વિના સત્સંગ રહે નહીં. મોરથી (પહેલેથી) ચેતવું, એ વાત સળંગ સુતર આવતી જાય છે. આ વાત બધી આગળથી ચેતવા ઉપર કરી જે, માથે મસ મેસવા દેવી નહીં.
મુક્ત ન સોહે સુંદરી, સનકાદિક કે સાથ;
જબ તબ દાગ લગાવહી, કાજળ હાંડી હાથ.
(મુક્તાનંદ કાવ્ય : વિ.ચિ.-સ્ત્રીનિંદા-30)
મોરેથી જ આપણે તો એ મારગે ચાલવું જ નહીં.
સાવજ : સિંહ.
નિષેધ : શાસ્ત્રવિહિત મનાઈ.
વાવરતો : વાપરતો-ઉપયોગમાં લેતો.
મસ : મેશ, દીવાનો કાળો જામતો મેલ, કાજળ.
સનકાદિક : બ્રહ્માના ચાર માનસપુત્ર ઋષિઓ :- સનક, સનાતન, સનંદન અને સનત્કુમાર તેઓ હંમેશાં પાંચ વર્ષના બાળક જેવા જ દેખાયા છે.
(126) બહુ વરસાદ થયો ત્યારે નદી ગામ તાણી ગઈ; માટે એવું ન કરવું જે પોતાનું નાક કપાય ને લાંછન લાગે, માટે હઠયોગ કરવો ને આ દેહે કરીને વિષય ન ભોગવવા એવો ઠરાવ કરવો. સૂરતમાં બે વરસ સુધી ઝોળી માંગીને બુરાનપુરમાં રાત પડે તે ગાવણાં થાય તેમાં કોઈ બચે નહિ. જેણે દ્રવ્યમાં, ખાધામાં, માનમાં કે સ્ત્રીમાં સુખ માન્યું છે તેને તો પશુ જ લેખે છે. પછી પૃથ્વી ફાટ્યાનું, ને ક્ષય રોગનું મધ્યનું 47મું વચનામૃત વંચાવ્યું.
(127) કથા સાંભળવાનો આદર રાખવો ને કથામાં ઊંઘ આવે તો સાપનો દેહ આવે. ને કર્તવ્ય હોય તેમાં મન હોય તો નિદ્રા આવે નહિ; ચરખાવાળા, ચિચોડાવાળા ને બકરાંવાળા કોઈ ઊંઘતા નથી માટે એવી રીતની આદરે સહિત લગની હોય તેને નિદ્રા ન આવે. તે આ ભંડાર કર્યો ત્યારે બે મહિના સુધી કોઈ ઊંઘ્યું જ નહિ. ને કામ જીતવો તે તો લોકાલોક ફેરવવાથી પણ મોટો છે. પૃથ્વી ગળી ગયા એવા દૈત્ય હતા પણ કામ-ક્રોધ જિતાણા નહોતા. માટે જે કર્તવ્ય હોય તે કરે એ ડાહ્યો ને આ તો દેહના અંત સુધી ચલાવવું છે. પછી કારિયાણીના 10માં વચનામૃતની વાત કરી.
લોકાલોક : પૌરાણિક સમય પ્રમાણે એ નામનો પર્વત.
દૈત્ય : અસુર, રાક્ષસ.
(128) શાસ્ત્ર ભણવું-સાંભળવું તે પણ પોતાને સમાસ થાય એવું ભણવું ને સાંભળવું ને સમાસ થાય ત્યાં રહેવું, નીકર ખોટ રહી જાય તે ઉપર પરમચૈતન્યાનંદસ્વામીની વાત કરી જે, પદાર્થ કોઈક લાવે તે પહેલાં પોતા પાસે આવે પછી મહારાજ પાસે જાય એવા હતા, પણ બાલમુકુંદાનંદસ્વામીએ સેવામાં રહીને બધું કઢાવી નાખ્યું. તે જૂનાગઢમાં મૂર્તિ આગળ એક પગે ઊભા રહીને સ્તુતિ કરતા જે, ‘તમારા સાધુ ઓળખાતા નથી તે ઓળખાવજો !’
પ્રકરણ 6ની વાત 165
મૂર્તિ : સંતો.
(129) પછી ખપ ઉપર અક્ષરાનંદસ્વામીની વાત કરી જે, મોડા ગામના ક્ષત્રિય હતા ને ત્યાગી થાવા વરતાલ આવ્યા. ત્યારે મહારાજ કહે, ‘અમારું ગમતું કરવું છે કે તમારું ?’ તો કહે, ‘મહારાજ ! તમારું ગમતું કરવું છે.’ પછી મહારાજ કહે, ‘બોચાસણવાળા કાશીદાસનું હળ હાંકો.’ તે સાંભળી રાજી થકા ગયા ને ત્રણ વરસ સુધી હળ હાંક્યું. પછી મહારાજે બોલાવ્યા ને સાધુ કરી ‘અક્ષરાનંદ’ નામ પાડ્યું ને વરતાલના મહંત કર્યા; એટલે પરમચૈતન્યાનંદસ્વામીને ઈર્ષા થઈ ને કહે, ‘કાલ સવારે સાધુ કર્યા ને આજે મહંત કર્યા.’ તેથી રિસાઈને ધરમપુર જાવા નીકળ્યા ત્યારે તેમના ભેળા તેમના દશ સાધુ ચાલ્યા; એટલે પરમચૈતન્યાનંદસ્વામી કહે, ‘મારે તો માને કરીને જાવું પડે છે, તમે શા સારુ આવો છો ? મહારાજ ભગવાન છે ને કલ્યાણ પણ ત્યાં જ છે.’ તે સાંભળી તેઓ પાછા વળ્યા. તે વાત મહારાજે સાંભળી, ત્યારે કહે, ‘પાછા વાળનાર ભક્ત છે ને જે વાંસે જઈ પાછા આવ્યા એને ગમ નથી’ માટે સ્વભાવ ઓળખવા તે તો કૃપાનંદસ્વામી જેવા જાણે, બીજા ન જાણે.
પ્રકરણ 9ની વાત 198
દશ : દિશા.
વાંસે : પાછળ.
(130) નૃસિંહાનંદસ્વામીએ કૃપાનંદસ્વામીને કહ્યું જે, ‘મને કહેવાનું હોય તે કહેજો.’ ત્યારે કૃપાનંદસ્વામી કહે, ‘ભીષ્મપિતાએ ગંગાજીમાં શ્રાદ્ધ સરાવ્યું ત્યારે બ્રહ્મચર્યવાળા જાણી પિત્રીએ પિંડ લેવા કુંડમાંથી હાથ કાઢ્યા એટલે ભીષ્મપિતા કહે, ‘હાથોહાથ પિંડ આપવાની શાસ્ત્રમાં ના કહી છે, માટે મારાથી હાથોહાથ ન અપાય, પણ તમારે પિંડ લેવો હોય તો હું ચટ ઉપર મૂકું ત્યાંથી લેજો.’ તેમ હું પણ તમને મોઢામોઢ નહિ કહું ને ઇતિહાસ કથામાં કહી જઈશ એટલે સમજવું હોય તો સમજી લેજો.’ માટે આપણે પણ ઉઘાડું મોઢામોઢ કોઈને કહેવું નહિ, નીકર દુ:ખ આવશે.
(131) માની હોય તે ઉપવાસ કરે ત્યારે તમોગુણ વધે માટે કામ જીત્યાનો ઉપાય નોખો છે, લોભ જીત્યાનો નોખો છે, માન જીત્યાનો ઉપાય જુદો છે, એમ બધાના ઉપાય જુદા છે.
(132) જ્યાં ભગવાન હોય ને સત્સંગ હોય ત્યાં અવિદ્યા આવે, માટે જે ગાફલાઈ રાખશે તેનું ખોરડું લૂંટાશે ને કોઈ વિષયમાં આસક્તિ થાય ને રજ, તમ આવે તો આંખમાં ધૂડ પડી જાણવી.
અવિદ્યા : માયિક સમજણ
ખોરડું : ખોલી, ઓરડી. માટીનું નાનકડું ઘર એટલે કે દેહ.
આસક્તિ : મોહ, અતિશય સ્નેહ, લગની.
(133) ગૃહસ્થ ને ત્યાગી એ સર્વેને શત્રુ તૈયાર ઊભા છે ને ત્યાગીને જેમ ભગવાન મળવાનો વિયોગ છે તેમ ગૃહસ્થને વિષય મળવાનો વિયોગ છે. તે ઉપર વાત કરી જે, હડિયાણામાં એક જણે તરગાળાને કહ્યું જે, ‘તું સ્ત્રીનાં લૂગડાં પહેરીને મને એક વાર મળ તો પાંચસેં કોરી આપું.’ તે મળ્યો એટલે પાંચસેં કોરી આપી. ને એક કણબી પટેલનો બાપ મરી ગયો તેના કારજમાં સાથી ખાંડ તોળવા બેઠો, તે સારો ગાંગડો આવે તે મોઢામાં મૂકે. એમ સાંજ સુધી ખાંડ તોળી ને સારો ગાંગડો આવે તે ખાતો ગયો; પછી તો પાણીનો માગ રહ્યો નહિ ને પેટ ચડ્યું ને ગળું ફાટ્યું એટલે મરી ગયો, એવા વિષય બળિયા છે.
(134) ખાવું, ઊંઘવું ને સ્ત્રી એ ત્રણનો અભાવ ન થાય; કેમ જે, એ બહુ બળિયા છે. માટે ધીરે ધીરે વિચાર કરે તો અભાવ થાય, પણ ઠેકડા મારે અભાવ ન થાય ને વિષયથી છેટું કરે ને ભગવાન તથા સંતનું સમીપપણું કરે ત્યારે સુખ થાય ને હવે તો મળે ને તેનો ત્યાગ કરશે તેનો જ ત્યાગ રહેશે ને જેમ દરિયાની છોળું આવે તેમ વિષયમાત્રની છોળું આવે છે ને વિષયનો વરસાદ થાય છે તેમાં પલળ્યો એ ગયો.
(135) પૂર્વનું પાપ તો કોઈકને જ હશે પણ સર્વને ક્રિયમાણ નડે છે. જેવાં ક્રિયમાણ કરશે એવું થાશે. રાત્રિપ્રલય સુધી સો કરોડ રૂપિયા થાશે ને આપણે મરી જઈશું પછી રૂપિયા શું કામના ?
ક્રિયમાણ : વર્તમાનકાળનાં કાર્યો.
રાત્રિપ્રલય : અજ્ઞાનપ્રલય, પ્રકૃતિપુરુષ અને પ્રકૃતિપુરુષનું કાર્ય નજરમાં ન આવે ને ભગવાનના કર્તાહર્તાપણામાં સંપૂર્ણ નિર્દોષબુદ્ધિ એવી શુદ્ધ સમજણની સિદ્ધદશા.
(136) સત્સંગમાં કુસંગ છે તે શું ? જે, મહારાજ અને અવતારાદિકને સરખા કહે તથા મોટા એકાંતિક અને સાધારણ સાધુને સરખા કહે તથા પ્રગટ સ્વરૂપમાંથી પાડે તે સત્સંગમાં કુસંગ જાણવો. બીજો બહારનો કુસંગ; તે શું ? જે, સ્વામિનારાયણને ભગવાન ન કહે. ને ત્રીજો અંત:કરણનો કુસંગ; તે શું ? જે, સંકલ્પ કર્યા વિના રહેવાય નહિ, ને સાંભળ્યા કે જોયા વિના રહેવાય નહિ; તેમાં પણ ઇન્દ્રિયો છે તે પાતર્યું છે. છાનાં પાપ કરતો હોય, ચાળા ચૂંથતો હોય ને જાણે કોઈ જાણતું નથી ! પણ બધુંય જાણીએ છીએ.
જાકા હૃદયામાંહી જ્ઞાન પ્રકાશત, તાસ સુભાવ રહે નહિ છાના;
નેનહિ, બેનહિ, સેનહિ જાતિયે, ઊઠત બેઠત હિ પહચાનાં.
માટે છાનું રહે જ નહીં.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
પાતર્યું : વેશ્યા.
(137) પ્રાત:કાળે ઊઠીને વર્ણાશ્રમનો વિચાર કરવો જે, મારો શું ધર્મ છે ને કેમ વરતાય છે ? તે ત્યાગી હોય ને વળી પૂછે જે, ‘છોકરા, તું પરણ્યો છો કે ? વહુ કેવડી છે ?’ એ સાધુનો ધર્મ નહિ, એવું ત્યાગીથી પૂછાય નહીં. આનંદસ્વામી સત્સંગી પાસેથી માગી માગીને મહારાજની પૂજા સારુ ઘરેણાં ને કિનખાબ વગેરે લાવ્યા, તે મહારાજને ગમ્યું નહિ, આદરભાવ પણ આપ્યો નહીં.
પ્રકરણ 9ની વાત 287
કિનખાબ : જરીબુટ્ટાના વણાટનું કાપડ.
(138) પરચો ઇચ્છે તેને પામર જાણવો. નિષ્કામી વર્તમાન પાળે છે એ જ મોટો પરચો છે માટે ત્રણ ગ્ંરથ અણીશુદ્ધ પાળવા.
સવૈ મન: કૃષ્ણપદારવિંદયોર્વચાંસિ વૈકુણ્ઠગુણાનુવર્ણને ।
કરૌ હરેર્મન્દિરમાર્જનાદિષુ શ્રુતિં ચકારાચ્યુતસત્ક્થોદયે ॥
(શ્રીમદ્ ભાગવત : 9/4/18)
અર્થ : પોતાના મનને શ્રીકૃષ્ણચંદ્રના ચરણારવિંદમાં, વાણીને ભગવાનના ગુણગાનમાં, હાથોને (બે હાથને) શ્રીહરિના મંદિર ને માર્જન વગેરેમાં, કાનને શ્રી અચ્યુતની કથાશ્રવણમાં, નેત્રોને ભગવાનની મૂર્તિ અને મંદિરના સફાઈ કરવામાં, કાનને વિષ્ણુની કથામાં... આ પ્રમાણે ભગવત્-સેવામાં લગાડી દીધા હતા.
એમ કરવું ને ખબર વિના તો દો શેર અત્તર માગ્યું એમ થાય છે. તે એક સાધુએ હરિજનને કહ્યું જે, ‘મહારાજને દર્શને જાવું છે તે દો શેર અત્તર લાવજો, મહારાજને ભેટ ધરવી છે.’ પછી હરિજન અત્તરની શીશી લાવ્યા ને કહ્યું જે, ‘મહારાજને આ અત્તર પસંદ આવે તો વધારે મંગાવજો.’ સાધુએ મહારાજને અત્તરની શીશી આપી તે મહારાજે અત્તરનાં વખાણ કર્યાં એટલે તે સાધુ બોલ્યા જે, ‘મેં તો દો શેર અત્તર મંગાવ્યું હતું, પણ હરિજન કહે, ‘મહારાજને પસંદ આવે તો વધારે મંગાવજો.’ પછી મહારાજ કહે, ‘સાધુને કાંઈ ખબર છે જે, દો શેર અત્તરના કેટલા રૂપિયા થાય? આટલી શીશીના જ દશ રૂપિયા બેઠા હશે !’ ત્યાગી થઈને ગૃહસ્થ પાસે માગી માગીને લાવે છે તે ત્યાગીને દૂષણ છે ને ગૃહસ્થ પાસેથી પરાણે લેવું તે તો તેનું લોહી પીધા જેવું છે ને એ જ હિંસા છે !
પાળે : સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જાતનો સેવક/પાર્ષદ.
અર્થ : ધન, સંપત્તિ.
મૂર્તિ : સંતો.
દશ : દિશા.
(139) આપણે રજોગુણ, તમોગુણના સ્વભાવ હોય તે મૂકવા પણ માંહોમાંહી નારાયણ કવચ ન ભણવાં. ગોપાળાનંદસ્વામી દેહ મૂકે તેની એક જણે માનતા કરેલ ને અમારી પણ કરે છે જે, ‘ગુણાતીતાનંદસ્વામી મરે તો રાધારમણને થાળ કરું.’
પ્રકરણ 10 ની વાત 116
(140) બ્રહ્માનંદસ્વામી જૂનાગઢનું મંદિર કરવા આવ્યા હતા પણ મૂંઝાણા એટલે કીર્તન મોકલ્યાં. ત્યારે મહારાજે કહ્યું જે, ‘બ્રહ્માનંદસ્વામી મંદિર કરતાં અકળાણા, માટે હવે તેડાવો.’ સાધુનો મહિમા જાણવો. કોઈને વહેવાર આવડે, કોઈને ન આવડે ને આ તો મનુષ્યના દેહ ધર્યા છે, જેટલું લાંપડું ભેળું કર્યું છે તે કાંઈ કામ આવે છે ?
લાંપડું : સૂકું કે ચીમળાયેલું નાનું ઘાસ. હલકી જાતનું ઘાસ.
(141) પચાસ વરસ ભેળા રહ્યા ને વાતું કરી કરીને તો ઘાંટો રહી ગયો; તોય સ્વભાવ ન મુકાય, તો તે કેવું ? કારિયાણીમાં મહારાજ ને પટેલ ઊભા હતા. ત્યાં સાથી નીકળ્યો એટલે પટેલે તેના સાથીને કહ્યું જે, ‘ખેતરમાં સાંતીડું જોડો તો બુડ ઠૂંઠું છે તે જાળવજો.’ એટલે મહારાજે પૂછ્યું જે, ‘બુડ ઠૂંઠું તે શું ?’ ત્યારે પટેલ કહે, ‘ખેતરમાં બાવળનું ઝાડ હતું તે કાપી નાખ્યું છે પણ તેનું મૂળ માંહીલી કોરે બુડ છે; તે જો સાંતીડું ભરાય તો ભાંગી જાય ને બળદનું કાંધ આવી જાય.’ તેમ સ્વભાવ પણ બુડ ઠૂંઠાં જેવા છે તે માંહી પડ્યા છે એટલે દેખાતા નથી; પણ કોઈ સ્વભાવ ઉપર વાત કરે તો બળી ઊઠે.
(142) ભગવાનને રાજી કરવા હોય, તેણે ભગવાનના એકાંતિક સાધુને વશ થાવું.
જણ જણકા મન રાખતાં, વેશા રહી ગઈ વાંઝણી.
માટે જેને ભગવાનને રાજી કરવા હોય, તેને બધાની મહોબત ન રખાય, એક ભગવાનની અને સંતની જ રખાય. વિનય ન હોય ને બ્રહ્મચર્ય ન હોય તેને ભણાવવો નહીં. કડવું ઓષડ મા પાય. સ્વભાવ ટાળવો હોય તેને એક વેણ મારીએ ને છ મહિના સુધી વીસરે નહિ, તો સ્વભાવ ટળે. કપટી ન ઓળખાય, માટે તેનો વિશ્ર્વાસ ન કરવો. અશ્ર્વત્થામા જેવો પણ કોઈક માંહી હોય, તે માંહી બેઠો બેઠો છેલ્લા વર્તમાન સુધી પણ પૂગી જાય. હમીર સાંખ્યયોગી બાઈને લઈને ગીરમાં ગયો ને અરીઠ્યિામાં રહ્યો. પછી આચાર્ય મહારાજ, ગોપાળાનંદસ્વામી, નિત્યાનંદસ્વામી, બીજા સાધુ ને હરિજન ઊને જાતાં તેની પાદર નીકળ્યા, એટલે હમીરે મોઢામાં તરણાં લઈને દંડવત્ કરવા માંડ્યા ને માફી માગી ત્યારે નિત્યાનંદસ્વામીએ તેનો તિરસ્કાર કર્યો; એટલે ગોપાળાનંદસ્વામી કહે, ‘એને આગલા અવતારના ભક્ત જેવો તો માનો !’ પછી તેને વર્તમાન ધરાવીને સત્સંગી કર્યો, ને સાધુને આજ્ઞા કરી જે, ‘તેને ઘેર જજો.’
પણ એવા હોય તેની મંડળી બાંધ્યે સમાસ ન થાય જુઓને, ગોતીતાનંદ ને અદ્વૈતાનંદ કોઈકની ઓસરીમાં ઊતર્યા ને કહે, ‘હમણાં પ્રકરણ ફર્યું છે જે, બાઈઓને વાતું કરવી.’ ત્યારે હરિજને કહ્યું જે, ‘તમારું પ્રકરણ ફર્યું છે, માટે ચાલવા માંડો.’ એમ કહીને કાઢી મેલ્યા. પછી મંદિરમાં આવ્યા ત્યારે અમે નોખા બેસાર્યા ને કહ્યું જે, ‘રઘુવીરજી મહારાજ આવે છે તે કહેશે તેમ કરશું.’ ત્યારે અમને કહે, ‘શું કલ્યાણ તમારા હાથમાં છે ?’ એટલે અમે કહ્યું કે, ‘હા, કલ્યાણ તો અમારા જ હાથમાં છે, હું કહું તો જ મહારાજ કલ્યાણ કરે, નીકર ન કરે.’ પછી વહ્યા ગયા. સાપને સાણસે ઝાલે તો કરડી શકે નહિ, તેમ એવાને તો છેટેથી જ નમસ્કાર કરવા; પણ તેનો સંગ ન કરવો.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
ઓષડ : રોગ મુક્ત કરવાના ઉપચાર.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
(143)
કાંઉ ઝાઝા કગોરડાં, કાંઉ ઝાઝા કપૂત,
હકડી તો મહિડી ભલી, હકડો ભલો સપૂત.
એમ ખરેખરા ધર્મવાળા થોડા હોય, તો પણ તે થોડાય ઝાઝા છે.
(144) મહારાજે અમને કહ્યું જે, ‘તમારી ક્રિયા જોઈને કોઈને અવગુણ ન આવે તેમ કરજો.’ તે તેમ જ કરીએ છીએ. માધવાનંદસ્વામી ભેળા અમને મોકલ્યા તે સો મનુષ્યને સત્સંગ કરાવ્યો.
(145) કૃપાનંદસ્વામી મનુષ્ય ઓળખતા ને ગામનો ટીંબો ઓળખતા, તેથી કહેતા જે, ‘આમાં સત્સંગી થાશે ને આમાં નહિ થાય.’ તે ચારોડિયું, કાળાવડ ને ખરેડીનું કહ્યું હતું જે, ‘આમાં સત્સંગી નહિ થાય,’ તે હજુ સુધી કોઈ સત્સંગી થયું નથી. બીજા ગામનો સત્સંગી ત્યાં જઈને રહે તે ભલે પણ ત્યાંનો કોઈ સત્સંગી થયો નથી. કાળા ભક્તે રાતે ખીચડી ખાવાની ના પાડી, ત્યારે અમને તેનો ગુણ આવ્યો જે, એક ટંકી ખરા. ત્યારે કૃપાનંદસ્વામી કહે, ‘એને તો દંભ છે.’ એમ એનો દંભ ઉઘાડો કર્યો, ને મહારાજે રાજનીતિ કરીને એવાને વેરી નાખ્યા. રોળાનંદ અસુર હતો, પણ કળાતો નહોતો. પછી મહારાજે સૌ સાધુને કહ્યું જે, ‘આમાં કોઈ અસુર હોય તો તમને ખબર પડે?’ તો કહે, ‘ના, મહારાજ !’ પછી કથા પૂરી થઈ, ત્યારે મહારાજે સૌ સાધુને કહ્યું જે, ‘આજે ગોલીટા દા’ રમવા છે, તે સૌ તૈયાર થાઓ.’ પછી સાધુએ તો લૂગડાંની પોલી ગાંઠ વાળી રમવા માંડ્યું ને રોળાનંદે તો ગોલીટામાં પાણા ને શૂળા નાખ્યા ને મહારાજ ને સાધુ રમતા હતા ત્યાં ગયો. મહારાજે તેને દીઠો કે તુરત જ રમત બંધ કરીને કહે, ‘સાધુરામ, આંહીં આવો.’ પછી સૌને તેમનો ગોલીટો બતાવ્યો ને પૂછ્યું જે, ‘આ શું ?’ તો કહે, ‘એકે પાર ! બીજો મારવો ન પડે !’ પછી મહારાજ રિસાણા ને કહે, ‘તમારે સૌને સેવક ને અમારે એકે નહિ ?’ પછી બ્રહ્માનંદસ્વામી કહે, ‘મહારાજ! હું તમારી સેવામાં રહું?’ તો કહે, ‘ના.’ મુક્તાનંદસ્વામી કહે, ‘મહારાજ ! હું તમારી સેવામાં રહું?’ તો કહે, ‘ના.’ એમ બધા સાધુને ના પાડતા ગયા. પણ જ્યારે રોળાનંદે કહ્યું ત્યારે મહારાજ કહે, ‘હા, આ અમારા સેવક ખરા. આવા પાસે હોય તો કોઈકને સોબાવામાં દેવા હોય તો દે. હવે અમારે બીજા કોઈનું કામ નથી; પણ અમારે ભગવાં લૂગડાં કામ ન આવે, ધોળાં પહેરો તો સેવામાં રખાય.’ એટલે ધોળાં પહેર્યાં, એમ રાજનીતિ વાપરીને મહારાજે અસુર જે રોળાનંદ તેને ધોળાં પહેરાવી દીધાં. માટે મનુષ્ય ઓળખવાં તે તો કૃપાનંદસ્વામી, ગોપાળાનંદસ્વામી, મુક્તાનંદસ્વામી, આત્માનંદસ્વામી ને પંડે મહારાજ ઓળખે.
પાણા : પથ્થર.
ગોલીટો : ભીંડી કે શણના રેસાનો ગાંઠો.
સોબાવામાં : ઝાપટવામાં.
(146) અમરેલીનો લાધો શુકલ શક્તિપંથી હતો, તે હરિજનને ત્યાં ઊતરતો ને કથા વાંચતો. એક વાર બારપટોળીમાં સુતારને ઘેર હરિજન આગળ રહસ્યની વાત કરી જે, ‘સહજાનંદસ્વામી, રઘુવીરજી મહારાજ, મુક્તાનંદસ્વામી તથા અમે સર્વે દેવીની માળા ફેરવીએ છીએ.’ પછી તેને કપટી જાણીને હરિજને કાઢી મૂક્યો. એમ સત્સંગમાં કુસંગ હોય તે બોલે, ચાલે એટલે ઓળખાય.
(147) કાચરી સારુ વિવાહ બગાડવો નહીં. તેમ થોડીક વાત સારુ મોક્ષ બગાડવો નહીં. મહારાજ વગડામાં જઈને સૌને વઢ્યા જે, ‘ઘડપણ કોઈ માની લેશો નહીં.”
બ્રહ્માનંદ કહે રે, એમ સમજે તે જન સુરા;
તન કરી નાખે રે, ગુરુ વચને ચુરાચુરા.
(બ્રહ્માનંદ કાવ્ય : 2360)
કાચરી : ફળની ચીરીઓ તેમજ ગુવાર વગેરે શાકની સુકવણી કરી તળીને બનાવાતી વાનગી.
(148) આપણામાં ખળપુરુષ છે, પણ સમાગમ વિના કળાતા નથી. કોઈક વહેવારની આંટી આવે તો સત્સંગ ન રહે. તે એક કાઠીએ સત્સંગ મૂક્યો, તેને જસદણના ચેલેખાચરે ન રાખ્યો ને કહે, ‘સત્સંગ મૂક્યો તે મને પણ મૂકી દે.’ માટે ઇન્દ્રિયો વકરી કે કોઈ ઘાટ બંધાઈ ગયો ત્યારે વિચારવું, જે થાંભલો ડગાવે છે તે કાંઈ કાઢી નાખવો છે ? નથી કાઢવો; પણ દૃઢતા થઈ છે કે નહિ તે જોવા સારુ ડગાવે છે, તેમ આપણે ઠરાવ દૃઢ કરવો. શૂરવીરનાં ધીંગાણે વખાણ ને બળદનાં જ્યારે ગાડાનાં પૈડાં બોલે ત્યારે વખાણ. પારેવાં કાંકરા ખાય છે તે પણ અભિમાનમાં ઘુઘવે છે ને આપણે તો ઇન્દ્રિયોને હથિયાર ઘડાવી દીધાં છે તે કામ કેમ નહિ વધે ? ઝાડવાં લીલાં છે તે જળ વતે છે, તેમ જમ્યા વિના પુષ્ટ થાવાય નહીં.
ખળપુરુષ : ખલ-શઠ-લુચ્ચા માણસ.
ઘાટ : માયિક સુખ ભોગવવાનો સંકલ્પ, વિકારનો સંકલ્પ.
દૃઢતા : મક્કમતા, દૃઢપણું.
પારેવાં : કબૂતર.
કાંકરા : રાઈ-મરી.
(149) આંટી ઉપર વશરામભાઈના બાપની વાત કરી જે, ઘાણીએ ઘાલીને પીલી નાખે તો પણ સ્વામિનારાયણનું ભજન મૂકવું નહિ; કેમ જે, તલના ને શેરડીના અવતાર આવ્યા હશે ત્યારે નહિ પિલાણા હોઈએ ? માટે ભગવાનના નિશ્ર્ચયરૂપી આંટી મૂકવી નહિ ને એ આંટી મૂકવી એ તો જીવતાં મરવું એવું છે; પણ પાંચે વિષય ડોકાં કાઢી રહ્યા છે.
(150) મનના રોગ જેવો તો કોઈ રોગ જ નથી દેખતા પણ તેની મનુષ્યને ખબર નથી.
(151) સત્સંગમાં ખૂટે એવું નથી. વિષ્ણુજન પ્રિય હશે તેના દોષ ટળી જાશે. કથામાં બીજું કરે તો કથામાં ધ્યાન ન રહે ને કથા વિના ગ્રામ્યકથા ઓછી થાય નહિ; તે જ્ઞાન થાવા માટે હજારો રૂપિયા ખરચીને ભણાવ્યા છે.
(152) મહારાજ ગઢડામાં વતું કરાવતા હતા તે વખતે અમે મહારાજ પાસે જઈને કહ્યું જે, ‘મહારાજ ! હું જૂનાગઢ જઉં છું.’ ત્યારે મહારાજે વતું બંધ રખાવ્યું ને કહ્યું જે, ‘લો ભાતું બંધાવીએ.’ એમ કહીને ત્રણ સાખી શીખવાડી જે,
નિર્ગુણ બ્રહ્મ સુલભ અતિ, સગુણ ન જાને કોય;
સુગમ અગમ નાના ચરિત્ર, સુનિ મુનિ મન ભ્રમ હોય.
અર્થ : નિર્ગુણ કહેતાં ધામમાં વિરાજીત રૂપ અતિ સુગમ છે, પણ સગુણ કહેતાં આંહી મનુષ્યરૂપ બ્રહ્મને કોઈ જાણી શકતું નથી તેનાં સુગમ અને અગમ અનેક ચરિત્રો સાંભળીને મુનિશ્ર્વરોના મનમાં પણ ભ્રમ થાય છે.
દંડ યતિન કર જહાં, નર્તક નૃત્ય સમાજ;
જીતહુ મનહીં સુનિય અસ, રામચંદ્ર કે રાજ.
અર્થ : રામચંદ્રજીના રાજ્યમાં દંડ તો કેવળ સંન્યાસીના હાથમાં જ રહી ગયો હતો, પ્રજાની ઉપર દંડ નહોતો; તથા ભેદ જે, તાલ-સ્વરનો ફરક નાચવાવાળાઓના સમાજમાં જ રહી ગયો, પણ પ્રજામાં ભેદ નહોતો, તેમ જ જીતવાનું તો કેવળ મન જ હતું; બીજો કોઈ જીતવા જેવો શત્રુ નહોતો.
ઉમા ! અવધવાસી નર, નારી કૃતાર્થ રૂપ;
બ્રહ્મ સચ્ચિદાનંદ ઘન, રઘુનાયક જહાં ભૂપ.
અર્થ : હે પાર્વતી ! અયોધ્યાપુરીમાં રહેનારાં સ્ત્રી પુરુષો કૃતાર્થ છે કે, જ્યાં સચ્ચિદાનંદ બ્રહ્મ રામચંદ્ર રાજા છે.
તે અમે જૂનાગઢ મંદિર કરવા આવ્યા ત્યારે હું અને એક તત્ત્વાનંદ અર્ધો સાધુ એમ દોઢ સાધુ હતા, તેના આજે દોઢસો થયા છીએ અને હજુ એમને એમ વધશે; પણ અમારી છાતી ઠરે એવા તો આ એક જાગા ભક્ત દીઠા.
વતું : હજામત.
સગુણ : માયાના ગુણથી પ્રભાવિત.
અર્થ : ધન, સંપત્તિ.
કૃતાર્થ : જેનું કાર્ય સિદ્ધ થઈ ચુકયું છે તે, ધાર્યું કાર્ય પાર પડ્યાનો આનંદ.
(153) શિષ્ય થાય ત્યારે વાતું થાય ને પારસો વળે. બાળમુકુંદાનંદસ્વામી, સર્વનિવાસાનંદસ્વામી ને વિજયાત્માનંદસ્વામી એ સર્વેના અવયવ ફરી ગયા, તેમ ખરેખરા ગુરુ મળે તો શિષ્યના અવયવ ફરી જાય. હેત થાય ત્યારે ગુહ્ય વાત હોય તે પણ કહેવાય ને હેત હોય તે જ મળ્યા રહે. ઊનાના શેઠને ત્યાં સાઠ માણસ એક રસોડે જમતાં, પણ ગરાસિયાના જેવું હેત હતું. તે જ્યારે મજિયારો વહેંચ્યો, ત્યારે સ્ત્રી, પુરુષ ને છોકરો એમ ત્રણ ત્રણ નોખાં થઈ ગયાં; એની વહેંચણ કરવી ન પડી, માટે મોક્ષ સાધવો તેમાં બહુ જતન જોઈએ. બીજા કામમાં મનુષ્યમાત્ર જાગે છે, રૂપિયા ગણતાં કોઈ થાકતું નથી ને ઊંઘતું નથી પણ કથામાં ઊંઘ આવે છે.
(154) ભગવાન જન્મ્યા થકા અજન્મા કહેવાય છે તે એ નટની માયાની પેઠે છે. આ સત્સંગ પણ બ્રહ્મરૂપ છે. આ તો જીવોનાં કલ્યાણને અર્થે રહ્યા છીએ, નહિ તો વગડામાં ય ખાવા મળે. દીવના પ્રભવાનંદસ્વામીને ત્રણ ઉપવાસ થયા તે મહારાજ દક્ષિણીને વેશે પીળું પીતાંબર પહેરી ચાખડીએ ચડી એક હાથમાં લોટો ને બીજા હાથમાં થાળ લઈ, વરસતા મેહમાં પ્રભવાનંદસ્વામી જે ખંઢેરમાં હતા ત્યાં ગયા ને કહે, ‘અમે દક્ષિણી છીએ ને અમારે એક સાધુને જમાડીને જમવું એવો નિયમ છે તે અત્યાર સુધી ભૂખ્યા છીએ માટે તમે જમો તો અમારાથી જમાય.’ એમ કહી જમાડી વહ્યા ગયા, પછી પ્રભવાનંદસ્વામીને વિચાર થયો જે, આંહીં દક્ષિણી ક્યાંથી ? ઊભા થઈને જોયું તો કોઈ દીઠું નહિ ત્યારે જાણ્યું આ તો મહારાજ જમાડી ગયા.
ભોજને છાદને ચિન્તાં વૃથા કુર્વન્તિ વૈષ્ણવા: ।
યોસૌ વિશ્વંભરો નામ સ્વભક્તાન્ કિમુપેક્ષતે ॥
(સુભાષિત)
અર્થ : વૈષ્ણવ જનો અન્ન-વસ્ત્રની ચિંતા તો વ્યર્થ (ખોટી) જ કરે છે, કારણ કે જે ભગવાન વિશ્ર્વંભર આખા વિશ્ર્વનું ભરણ પોષણ કરનાર છે, તે કદી પોતાના જ શરણે આવનાર ભક્તોની ઉપેક્ષા કરશે શું ?
આ દેહ છે તે પાડવો ભગવાનના હાથમાં છે. ડુંગર ભક્ત કોઢમાં-ગમાણમાં સૂઈ રહેતા ને મચ્છર કરડે તેથી દેહ આખું લોહી લોહી થઈ રહેતું. દશ વાર તો સાપ કરડી ગયો, તો પણ ઊતરાવ્યો નહિ ને ભજન કર્યું તે દેહ રહ્યું. કૃપાનંદસ્વામીને સાપ કરડી ગયો ને વેલા સથવારાને બગસરામાં સાપ હડી કાઢીને કરડી ગયો. પછી ખાધું નહિ ને ભજન કરવા માંડ્યું. રાતે ઘરના મનુષ્યને કહે, ‘મને પરડોતરું આભડ્યું છે તે દીવો લાવશો નહિ’, પછી આખી રાત ભજન કર્યું, તે ભજનના પ્રતાપથી દેહ રહ્યો, માટે ભજન તો આળસ મેલીને કરવું.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
અર્થ : ધન, સંપત્તિ.
દશ : દિશા.
હડી : દોડવું.
સંવત 1918ના અષાઢ વદિ દશમીને દિવસે સ્વામીએ વાત કરી જે,
(155) આ તો ગાડે ઉચાળા છે તે નહિ રહે. લોકને કરવાં છે ફેલ ને આપણે પરમેશ્ર્વર ભજવા છે. કોઈને શાંતિનો લેશ નથી, હાથીએ બેસે તો પણ હૈયામાં શાંતિ લેશ નથી ને હૈયામાં ટાઢું નથી, જેવી ઋષભદેવ ને દત્તાત્રેયના હૈયામાં શાંતિ છે તેવી કોઈને શાંતિ નથી. ચાર-પાંચ જણા ગોષ્ઠિ કરવા બેઠા; ત્યારે બ્રાહ્મણ કહે, ‘મને રાજ મળે તો જરિયાની ખડિયો કરાવીને હાથીએ બેસીને લોટ માગું !’ વાળંદ કહે, ‘હું તો જરિયાની કોથળી ને સોનાનો અસ્ત્રો કરાવું !’ કુંભાર કહે, ‘હું તો સોનાનો ચાકડો કરાવું !’ સુતાર કહે, ‘હું તો સોનાનો વાંહલો કરાવું !’ ને કણબી કહે, ‘હું તો સોનાનું હળ ને જરિયાની વાવણી કરાવું !’ તે સંપત્તિ મળે તો પણ જીવમાંથી જાતિનું દેહાભિમાન જાય નહિ ને શાંતિ પણ થાય નહિ માટે કોઈ ઠેકાણે પ્રીતિ રહેવા દેવી નહીં. આ તો જેમ વીઘાવામાં વડ હોય તેમાં સંઘ ઊતર્યો હોય ને પછી વેરાઈ જાય તેમ આપણે આંહીં ઉતારો કર્યો છે તે વેરાઈ જઈશું, પણ આંહીં તો નહિ જ રહેવાય. જડભરતની પેઠે ગાંડો થઈને પ્રભુ ભજે તેનાથી ભજાય ને ડાહ્યો થાવા જાય તો માળા ય ન ફરે.
ફેલ : નીતિશાસ્ત્ર વિરૂદ્ધનું આચરણ તથા આવક કરતાં વધુ ખર્ચ કરે તેવું આચરણ.
ખડિયો : ભિક્ષા માટેની કપડાની ઝોળી.
(156) ‘ભાગવત’માં દશ લક્ષણ કહ્યાં, તેમાં છેલ્લો આશ્રય કહ્યો, તે કલ્યાણ તો આશરા વડે છે ને બ્રહ્મરૂપ થાવું તે તો મહારાજે જ બતાવ્યું છે; કેમ જે, બ્રહ્મરૂપ થયા વિના તો દોષ ટળે નહિ. ને ભક્તિનો અધિકારી થાય નહિ ત્યાં સુધી વિઘ્ન આવ્યા વિના પણ રહે નહિ. ને એવું જ્ઞાન થયા વિના તો ભગવાનને પણ નિર્દોષ સમજાય નહીં. બળ તો ઉપાસના વડે છે ને જે જે પ્રતાપને પામ્યા છે તે ઉપાસના વડે પામ્યા છે; માટે બ્રહ્મરૂપ થાવું ને ભગવાનનું બળ રાખવું ને આપણને ઉપાસનાનું બળ છે તો બીજાનું પણ કલ્યાણ કરીએ છીએ, જેમ જેના ઘરમાં રૂપિયા હોય તેની હૂંડી ચાલે પણ ગરીબ માણસની ન ચાલે, એમ છે.
દશ : દિશા.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
હૂંડી : એક શાહુકારની બીજા શાહુકાર પર, નાણાં ચૂકવવા માટેનો આદેશ કે ચિઠ્ઠી.
(157) સંતમાંથી ને સત્સંગીમાંથી પડ્યો તે ભગવાનમાંથી પણ પડી ગયો એમ જાણવું.
કબીર કા ઘર દૂર હૈ જેસે પેડ ખજૂર;
ચઢે તો ચાખે પ્રેમરસ, ગિરે તો ચકનાચૂર.
(કબીરસાહેબની સાખીઓ : 7)
ભગવાનનું ઘર જે અક્ષર તેને બાહ્યદૃષ્ટિએ જુએ તો મળવા કઠણ છે પણ તે જ આ મૂર્તિમાન પૃથ્વી પર બેઠા છે તેને સમજે તો પરમ કલ્યાણ થાય ને ન સમજે તો રખડે ને અસદ્ભાવ લે તો ચૂરેચૂરા થઈ જાય. માટે ભગવાનના જનથી બીવું જે, રખે કુરાજી થાય નહિ ને ભગવાનના ભક્તની રક્ષા કરવી, એ જ ભગવાનને રાજી કરવાનો ઉપાય છે. આ લોક ભોગ તો રહેવાનાં નથી, રૂપિયા મળ્યા તે શું થયું ? મુંબઈમાં મચ્છીમારને ઘેર ચૌદ કરોડ રૂપિયા છે, તે હાથીના દેહ ધરીને શરીરમાં જીવડાં પડીને મરી જાશે.
શ્રીકૃષ્ણ ને અર્જુન ચાલ્યા જતા હતા ત્યારે અર્જુને શ્રીકૃષ્ણને કહ્યું જે, ‘તમારા ઘરમાં આવો અન્યાય કેમ છે ?’ તો કહે, ‘શું ?’ ત્યારે કહે, ‘આ મચ્છીમાર ગાદી-તકિયે પડ્યો પડ્યો હાંફે છે ને આગળ રૂપિયાનો ઢગલો પડ્યો છે તે આવું શું ઈ પાપીને હોય ?’ શ્રીકૃષ્ણે જવાબ આપ્યો નહિ, પણ એક વાર વનમાં જતા હતા ત્યારે હાથી રાડ્યું પાડતો હતો તે જોઈને અર્જુને પૂછ્યું જે, ‘આ કેમ રાડ્યું નાખે છે ?’ ત્યારે શ્રીકૃષ્ણે કહ્યું જે, ‘ઝાડનું ઠૂંઠું તેના શરીરમાં સોંસરું નીકળી ગયું છે ને તેના શરીરમાં લાખું જીવાત પડી છે તે તેને ફોલે છે.’ ત્યારે અર્જુન કહે, ‘તમને દયા નથી આવતી ?’ શ્રીકૃષ્ણ કહે, ‘પેલો મચ્છીમાર મરીને હાથી થયો છે ને તેણે જેટલા જીવ માર્યા છે તે બધા તેના દેહમાં પડીને તેને ફોલે છે.’ ત્યારે અર્જુન કહે, ‘ભગવાનને ઘેર અંધારું નથી, એમ મને અત્યારે ખબર પડી.’ માટે વિચાર કર્યા વિના કોઈ વાત બંધ બેસે તેમ નથી. ભગવાન ભજવા તે તો કરોડ કામ પડતાં મેલીને એ કામ કર્યા જેવું છે.
શતં વિહાય ભોક્તવ્યં, સહસ્ત્રં સ્નાનમાચરેત્ ॥
લક્ષં વિહાય દાતવ્યં, કોટિં ત્યક્ત્વા હરિં ભજેત્ ॥
(સુભાષિત)
અર્થ : સો કામ મૂકીને ખાવું, હજાર કામ મૂકીને નહાવું, લાખ કામ મૂકીને દાન આપવું અને કરોડ કામ મૂકીને હરિને ભજવા.
પણ આ જીવ કેવું કરે છે ? તો ચંદનને કાપીને બાવળ ફરતી વાડ કરે છે. તે શું ? જે, આ દેહે કરીને કેવળ પ્રભુ ભજી લેવા છે તે દેહે કરીને કેવળ પાપ જ કરે છે; પણ ચોરાશીનાં દુ:ખને જાણે તેથી પ્રભુ ભજાય છે.
અસદ્ભાવ : અણગમો, અરુચિ, સદ્ભાવનો અભાવ.
અર્થ : ધન, સંપત્તિ.
(158) દામોદરને કાંઠે કરોડો માણસ બાળ્યાં, પણ વેંત ધરતી ચડી નથી. માટે બે દિવસ જીવવું તેમાં પ્રભુ ભજી લેવા. આ તો ગાડે ઉચાળા છે ને પંદર આના કથાવાર્તા હોય ને એક આનો બીજી ક્રિયા હોય ત્યારે જીવમાં સુખ આવે. આ તો પંદર આના બીજી ક્રિયા ને એક આનો વાતું, તેમાં શું પાકે ?
(159) પુસ્તક ભેળાં કરવા ઉપર સરત હોય પણ પુસ્તકમાં લખ્યું તેમ પાળવું નહિ તેને પુસ્તક શું સુખ કરે ? માટે લખ્યું તેમ પાળે ત્યારે પુસ્તક વાંચ્યાનું ફળ છે, પણ લખ્યું તેમ પાળે નહિ ત્યારે પુસ્તક શા કામનું ?
યથા ખરશ્ચન્દનભારવાહી ભારસ્ય વેત્તા ન હિ ચન્દનસ્ય ।
તથા હિ વિપ્રા સ્મૃતિપુરાણા મદ્ભક્તિહિના ખરવદ્વહન્તિ ॥
અર્થ : ચંદનનો ભાર વહન કરનાર ગધેડો ભારને જ જાણે છે, ચંદનને નહીં. તેમ જ બ્રાહ્મણો મારી ભક્તિ વગર, સ્મૃતિ અને પુરાણો વગેરે ગધેડાંની માફક વહે છે.
પુસ્તક રાખે ને તે પ્રમાણે વરતે નહિ તો ગધેડાની પેઠે પુસ્તકનો ભાર તાણે છે.
પાળે : સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જાતનો સેવક/પાર્ષદ.
અર્થ : ધન, સંપત્તિ.
(160) સમાગમ થાય ત્યારે જીવમાં બળ આવે ને બળ આવે ત્યારે વિષયનો લીધો લેવાય નહીં.
(161) પ્રથમ છાવણીમાં જ્યારે કથા વંચાણી ત્યારે અમે ત્યાગ, વૈરાગ્ય અને સુહૃદપણાની આકરી વાતું કરી તેથી બધા ગુરુઓ એક જ પંક્તિમાં જમવા મંડ્યા અને ઘરડે ઘરડે માણસે પણ ધારણાં-પારણાં કર્યાં. તેથી રસોઈ પણ ઓછી થાવા લાગી. એમ આકરી વાતે કરીને મન-ઇન્દ્રિયોને ઘસારો લાગે છે; પણ મોળી વાતે ખરેખરાં વર્તમાન ન પળે.
(162) લોભાદિક પાંચ શત્રુ મોટા છે. તે કાનની જીવિકા શબ્દ છે, ત્વચાની જીવિકા સ્પર્શ છે ને નેત્રની જીવિકા રૂપ છે, જિહ્વાની જીવિકા રસ છે, નાસિકાની જીવિકા ગંધ છે ને દેહની જીવિકા દ્રવ્ય છે, તે વિષયરૂપી જીવિકાનો વિજોગ થાય તો જીવ મૂઆ જેવો થઈ જાય; પણ આ તો આશાએ જીવે છે. તે શિયાળામાં એક જણો તળાવમાં નાહ્યો, પછી ટાઢ ચડી ત્યાં તો છેટે ડુંગર ઉપર દવ દીઠો તે જાણે ‘તાપ આવે છે.’ એમ તાપની આશાએ જીવ્યો ને ટાઢે મૂઓ નહિ; તેમ વિષયને આલંબને કરીને જીવને ઉત્સાહ રહે છે. એક જણ દૂબળે ઘોડે ચડ્યો તે મારે પણ ચાલે નહિ, એટલામાં બીજો ઘોડીએ ચડીને આગળ નીકળ્યો, ત્યારે ઘોડે ઘોડીની પછવાડે સારી પેઠે ચાલવા માંડ્યું. એમાં શું કહ્યું ? જે, ‘વિષયને જોગે કરીને જીવ જાગ્રત થઈ જાય છે ને તેમાંથી નોખો પાડે તો મરી જાય છે.’
ઘોડે : જેમ.
(163) ઢેઢને પણ પોતાની નાત સારી લાગે છે. તે એક ઢેઢે નાત તેડું કરીને સૌને જમાડ્યા ત્યારે સૌએ તેની પ્રશંસા કરીને કહ્યું જે, ‘ાતમાં તમે આજથી મોટા ઢેઢ.’ ત્યારે ઢેઢ કહે, ‘હું કાંઉ મોટો ઢેઢ ? મોટા ઢેઢ તો આપો દાનો છે.’ તેમ જીવ નાત-જાતમાં, વિષયમાં ને લોકલાજમાં બંધાઈ ગયા છે, માટે ભગવદી હોય તેણે એક ભગવાનનો જ આધાર રાખવો.
ઢેઢ : હરિજન.
(164) પંચાળાનું પહેલું વચનામૃત વંચાવીને કહ્યું જે, ‘વિચારને પામ્યો, તે ક્યારે કહેવાય ? તો જ્યારે એક ભગવાન અને અક્ષરધામ એ બે વિના કોઈ વાત નજરમાં જ ન આવે ત્યારે ખરેખરો વિચારને પામ્યો કહેવાય.’
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
(165) વિષયમાં બંધાણા છે તેને રાગે કરીને દુ:ખ જણાતું નથી. ઘોડે ચડે છે તેમાં કેટલાકના હાથ ભાંગે છે તે આપણા સાધુમાં પણ કેટલાકના હાથ ભાંગ્યા છે, તો પણ તે વિના ચાલે નહીં.
ઘોડે : જેમ.
(166) સદ્ગુરુએ ગાડું જોડાવ્યું તે રસ્તામાં બળદ ભાગી ગયા પછી માથે પોટલાં ઉપાડી ચાલ્યા, ત્યારે ભાઈસ્વામીએ કહ્યું જે, ‘વચન લોપ્યું તો દુ:ખ આવ્યું.’
વચન લોપિ જાણે સુખ લેશું રે, તે તો કહેશું કહેવાને જો રહેશું રે;
(નિષ્કુળાનંદ કાવ્ય : વચનવિધિ-9)
માટે વચન લોપે તો જરૂર દુ:ખ આવ્યા વિના રહે નહીં.
(167) આ દેહ છે તેણે કરીને પ્રભુ ભજાય તો પાંસરું, નહિ તો એ પણ દુ:ખનું દેનારું છે. પોતાના હોય તેને રહસ્ય-અભિપ્રાય હોય તે કહેવાય. ભગવાનની મૂર્તિનું ધ્યાન ને ભગવાનના ભક્તનો સંગ એ બે જ સિદ્ધાંત છે. ભજન-સ્મરણ કરવું ને મન-ઇન્દ્રિયોને રૂંધવાં તે તો ભારે કજિયો છે. ઘોડાને ફેરે નાખવો હોય, ત્યારે પ્રથમ લાંબે ફેરે નાખીને પછી ટૂંકામાં લાવે છે. મહારાજે કહ્યું જે, ‘સો વરસ સુધી ધ્યાન કરવું, પછી અનેક જન્મ કહ્યા.’ તે જો સુગમ હોય તો મહારાજ એમ શા સારુ કહે ? માટે ભગવાનની મૂર્તિનું ધ્યાન ને ભગવાનના ભક્તનો સંગ એ બે વાતનું જ તાન રાખવું.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
તાન : લગની, આગ્રહ, મસ્તી.
(168) સમાગમ કરવો, તે જો છ મહિના સંતનાં દર્શન ન થાય તો અંતર બગડી જાય, માટે છ મહિને તો જરૂર સંતનાં દર્શન કરવાં ને તે વિના તો વહેવાર પ્રધાન થઈ જાય ને ક્યાંઈક સર વળી જાય. ઇન્દ્રિયોના આહાર શુદ્ધ થાય, ત્યારે અંત:કરણ શુદ્ધ થાય ને અંત:કરણ શુદ્ધ થાય, ત્યારે ધ્રુવાનુસ્મૃતિ રહે. એ ઉપર પ્રથમનું 18મું વચનામૃત વંચાવ્યું.
ધ્રુવાનુસ્મૃતિ : જેવી ઉત્તરધ્રુવ સામે જ સદા રહેવાની સ્થિતિ તેવી જ નિરંતર પરમાત્મા તરફની દૃષ્ટિ.
(169)
ત્વં તુ રાજન્ મરિષ્યેતિ પશુબુદ્ધિમિમાં જહિ ।
ન જાત: પ્રગભુતોદ્ય દેહવત્ત્વં ન નડ઼ક્ષ્યસિ ॥
(શ્રીમદ્ ભાગવત : 12/5/2)
અર્થ : હે રાજન્ ! તમે ‘હું મરીશ’, આ પશુબુદ્ધિનો ત્યાગ કરો, કારણ કે દેહની સમાન તમે પહેલા ન હતા અને હવે ઉત્પન્ન થયા છો, એવી વાત નથી, આથી તમે પણ નાશને પ્રાપ્ત નહિ કરી શકો.
પરીક્ષિતને શુકજીએ જ્ઞાને કરીને ઉપદેશ કર્યો જે, ‘પશુબુદ્ધિનો ત્યાગ કર ને ગર્ભમાં જેણે તારી રક્ષા કરી છે તેને સંભાર.’ પછી દેહનો ત્યાગ કર્યો ત્યારે સૌ કહે જે, ‘રાજાએ જીવવા ઘણાં વલખાં કર્યાં ને બાવો સાત દિવસ સુધી વલવલ્યો પણ રાજા જીવ્યો નહીં.’
પ્રકરણ 5ની વાત 43
અર્થ : ધન, સંપત્તિ.
(170) ‘વચનામૃત’માં મહારાજે કેટલીક વૈરાગ્યની, કેટલીક ધર્મની, કેટલીક આ લોકની ને કેટલીક પરલોકની એવી તરેહ તરેહની વાતું કરી છે તે દૈવીને સારી લાગે છે, પણ આસુરી જીવ છે તેને તો સારી લાગે જ નહીં.
(171) ‘શિક્ષાપત્રી’ પ્રમાણે વરતવું તેમાં ફેર પડવા દેવો નહીં. બરવાળામાં એક હરિજને પોતાના ભાઈના ડેલામાં મહારાજને ઉતારો આપ્યો એટલે સૌ ઊતર્યા ને મહારાજ પણ ઊતર્યા. પછી તે હરિજન સીધું લેવા ગયો ને પાછળથી તેનો ભાઈ કુસંગી હતો તે આવ્યો ને કહે જે, ‘આમાં તમે કેની રજાએ ઊતર્યા છો ? ડેલો તો મારો છે, મેં રજા આપી છે ?’ પછી મહારાજે કહ્યું જે, ‘આપણી લખેલ ‘શિક્ષાપત્રી’ આપણે જ લોપી માટે આંહીં રહેવું નહીં.’ એમ કહીને ચાલી નીકળ્યા ને નાવડે ગયા. મહારાજનું ડોરણું છૂટી ગયેલ ને સખત તડકો હતો તેથી ચામડી લાલચોળ થઈ ગઈ હતી તે હજી સાંભરે છે. ‘શિક્ષાપત્રી’માં તો થૂંકવા સુધીનો વિવેક લખ્યો છે. ‘શિક્ષાપત્રી’રૂપ ચક્ર ઘરોઘર મહારાજે આપ્યું છે, માટે લોપવી નહીં.
લોપી : ન માનવા દે, ઉલ્લંઘન કરાવે.
ડોરણું : સીગરામ કે દમણિયા ઉપર છતર બાંધવાનું લાકડું.
(172) બીજું ઘર કરવામાં પણ દુ:ખ છે. એક જણને સ્ત્રી સાથે ન બન્યું એટલે બીજી કરી. પછી નવી સારુ ચૂડલો લાવ્યો ને સોને મઢીને પહેરાવ્યો. ત્યારે નવી સ્ત્રીએ જૂનીને ધખવવા માટે દેખાડ્યો જે, ‘જુઓ બહેન, કેવો બે તો થયો છે?’ પછી વળતે દિવસ જૂનીએ રસોઈ કરી; તેમાં ઝેર નાખીને ધણીને જમાડ્યો તે મરી ગયો, પછી ચૂડલા ભાંગ્યા ત્યારે રોતાં રોતાં જૂનીએ કહ્યું જે, ‘બહેન ! હવે કેવો ચૂડલો બેસતો થયો !’ વળી એક જણે નવું ઘર કર્યું, તે જૂની નીચે રહી ને નવી મેડે રહી. પછી રાતે દશ વાગે ધણી બહારથી આવીને મેડે ચડતો હતો ત્યાં જૂની જાણે ‘આ તો ગયો.’ પછી પગે ફાળિયું વીંટી પોતાના બે પગ પગથિયામાં ભરાવી બે હાથે ઝાલીને બેઠી; ને કહે, ‘મેડે નહિ જાવા દઉં.’ પણ નવી દાદરે વાટ જોતી બેઠી હતી તેણે જોયું જે, આણે તો તળમાં રાખ્યો. એટલે નવી, ધણીનો ચોટલો ઝાલી, હાથે વળ દઈને બે પગ દાદરામાં ભરાવીને બેઠી ને કહે, ‘લઈ જાજે બળ હોય તો !’ એમ કરતાં સવાર થયું ને ધણી મરી ગયો. તે નવી-જૂનીનું સુખ તો જુઓ ! પણ જીવને અજ્ઞાન છે તે મરે; પણ ન રહેવાય !
દશ : દિશા.
ફાળિયું : ગામડિયો ફેંટો, ફેંટાનું કપડું.
(173) જૂના સાવર પાસે ભૂંડકેરાળામાં એક લાખો કરીને દરજી હતો તે પટેલને ત્યાં સીવવા ગયો ત્યારે પટેલે તેને રીંગણાં આપ્યાં. એટલે તુરત ઘેર દઈ આવ્યો ને સ્ત્રીને કહ્યું જે, ‘તાજાં ને કૂણાં છે તે હવેજ ભરી વઘારીને સારું શાક કરજે.’ એટલે કહે, ‘ઠીક.’ પછી તે તો સીવવા ગયો. ત્યાં સીવતાં સીવતાં મનમાં શાક સંભારે ને મોંમાં પાણી આવે પણ સ્ત્રીએ તો દાળ કરેલ. તે જાણે ‘કાલે શાક કરશું.’ એમ ધારી શાક કર્યું નહીં. પછી દરજી ઘેર જમવા ગયો ને ભાણામાં શાક દીઠું નહિ એટલે કહે, ‘શાક ક્યાં ?’ તો કહે, ‘દાળ ઓરીવાળી હતી, કાલે કરશું.’ પછી કહે, ‘રાંડ, તું તો પટેલવાળા કૂવામાં પડ તો ઠીક !’ પછી તો સ્ત્રીને ચટકી લાગી તે સાંગા પટેલના કૂવામાં જઈને પડી. પછી તે મુંબઈમાં દશ-બાર વરસ રહ્યો ને કમાણો એટલે બીજી બાયડી કરી, તેમાં કોરી બારસો બેઠી, ત્યારે શાકનો વઘાર બેઠો ! એવાં અજ્ઞાન સાધુ વિના કોણ ઓળખાવે ?
હવેજ : સંભારો-મસાલો.
સંવત 1918ના અષાઢ વદિ એકાદશીને દિવસે સ્વામીએ વાત કરી જે,
(174) જગતમાં જેટલા આચાર્ય ને ગુરુ કહેવાય છે તેનાં નાક સ્ત્રીએ કાપ્યાં છે ને મહારાજને તો સ્ત્રીને દેખીને ઊલટી થતી. ઝીણાભાઈએ મહારાજને કહ્યું જે, ‘અમારે ઘેર પધારો.’ ત્યારે મહારાજે કહ્યું જે, ‘હમણાં અવાય તેમ નથી.’ ક્યારેક જોગ હશે ત્યારે આવશું.’ એમ ના પાડી. પછી મુક્તાનંદસ્વામી પાસે ઝીણાભાઈએ કહ્યું કે, ‘મારે ઘેર મહારાજ ન પધારે ત્યારે મારે સંસારમાં રહ્યાનું કામ શું ? અને દાદાખાચરને ઘેર મહારાજ હંમેશ રહે; તે દાદાખાચર ભગવાનના ભક્ત અને અમે નહિ?’ પછી મુક્તાનંદસ્વામીએ મહારાજને કહ્યું જે, ‘આજે ઝીણાભાઈ બહુ દિલગીર થયા, ને કહે જે, મહારાજ અમારે ઘેર પધાર્યા નહિ, ત્યારે અમારે સંસારમાં રહ્યાનું કામ શું ? દાદાખાચર ભગવાનના ભક્ત ને અમે નહિ ?’ એ સાંભળીને મહારાજ બોલ્યા જે, ‘મૂંઝાઈને રીસે કરીને જે પ્રેમ કરે તે પ્રેમ અંતે નભવાનો નહીં. રીસવાળાની ભક્તિ પ્રેમ અંતે ખોટાં થઈ જાય છે અને જેને શોક કરવાનો સ્વભાવ છે તેને અંતે જરૂર કાંઈક ભૂંડું થયા વિના રહે નહીં.’ એમ લોયામાં મહારાજે કહ્યું.
પછી ઝીણાભાઈનો એવો આગ્રહ જોઈ મહારાજ પંચાળે પધાર્યા ને હુતાશનીનો મહોત્સવ કર્યો ને સૌને રજા આપી. પછી ઝીણાભાઈની ભક્તપણાની પરીક્ષા કરવા સારુ મહારાજ દરબારમાં કાંઈક મશ્કરી જેવું બોલ્યા ત્યારે ઝીણાભાઈ કહે, ‘મહારાજ ! અમારે ગરાસિયામાં એમ બોલાય નહીં. જેમ તેમ બોલવું એ તો કાઠીઓમાં દાદાખાચરને ઘેર પોસાય, આંહીં એમ ન થાય.’ પછી મહારાજ કહે, ‘એમ! અમે ભૂલી ગયા; હવે અમે નહિ બોલીએ.’ તેમાં મહારાજે એમ દેખાડ્યું જે, ઝીણાભાઈને ગરાસિયાની જાતિનું અભિમાન છે ને દાદાખાચરને જાતિ અભિમાન નથી. દાદાખાચર ભગવાનને સર્વ પ્રકારે નિર્દોષ સમજે છે ને ઝીણાભાઈને મનુષ્યભાવ આવ્યો એમ ઝીણાભાઈમાં ને દાદાખાચરમાં આટલો ફેર ! દાદાખાચરને સંશય નહિ, ને ઝીણાભાઈને સંશય થયો.
પછી રાતે ઢોલ-ત્રાંસાં વાંગતાં સાંભળી મહારાજે પૂછ્યું જે, ‘આ શું થાય છે ?’ ત્યારે હરિજન કહે, ‘ગામમાં વિવાહ છે તેના વરઘોડા ચડ્યા છે.’ એટલે મહારાજ હરિજનને કહે, ‘અમે એમાં સમજ્યાં નહીં.’ ત્યારે હરિજન કહે, ‘વર-ક્ધયા પરણે, ત્યારે વરને ઘોડે બેસારી ગામમાં ફુલેકું ફેરવે પછી વિવાહ થાય.’ ત્યારે મહારાજ કહે, ‘એવો લહાવો અમે લીધો નથી, ને પરણ્યા નથી; માટે અમારે તો વરઘોડે ચડવું છે ને પરણવું છે.’ ત્યારે બ્રહ્માનંદસ્વામી કહે, ‘સગાઈ કર્યા વિના કેને પરણશો ?’ એટલે મહારાજ કહે, ‘કરો સગાઈ; પણ જેવું તેવું હશે તો નહિ પરણીએ, માટે જાતવંત, રૂપાળું ને અમારી હેડીનું કરજો, પણ નાનું કે મોટું કરશો નહિ ને આ વરઘોડા ભેળો અમારો વરઘોડો ચડાવો.’ પછી સૌ જાણે, ‘મહારાજ અમથા કહે છે.’; પણ મહારાજે તો વાત લીધી તે મૂકી નહિ, ને વારેવારે પૂછે જે, ‘કાં શું કર્યું ?’ પછી મયારામ ભટ્ટ કહે, ‘હું તો વાંઢો છું;’ ને પર્વતભાઈ કહે, ‘મારે દીકરી નથી, હોત તો મહારાજને પરણાવત.’
પછી વિચાર કરતાં ઝીણાભાઈની બહેન અદીબા નજરમાં આવ્યાં, એટલે અદીબા પાસે ગયા ને કહ્યું જે, ‘મહારાજે વરઘોડે ચડવાની ને પરણવાની લત લીધી છે ને તમે તો મહારાજને પામવા સારુ જ સાંખ્યયોગ પાળો છો, તો મહારાજને પરણશો ?’ ત્યારે અદીબા કહે ‘હા, બહુ સારું, મારાં ક્યાંથી એવાં ભાગ્ય હોય જે મહારાજ મને વરે ? હું તો રાજીથી કહું છું, મારી હા છે, પણ ભાઈને પૂછો.’ પછી મયારામ ભટ્ટે ને પર્વતભાઈએ ઝીણાભાઈ પાસે જઈને વાત કરી જે, ‘મહારાજે પરણવાની લત લીધી છે, તે જો તમે કહો તો અદીબા વેરે વિવાહ કરીએ.’ ત્યારે ઝીણાભાઈ કહે, ‘બાને પૂછો.’ ત્યારે તેમણે કહ્યું કે, ‘અદીબાને પૂછીને આવ્યા છીએ. તેમણે તો હા પાડી છે, પણ કહે ભાઈને પૂછો, તેથી તમને પૂછવા આવ્યા છીએ.’ એ સાંભળી ઝીણાભાઈ ઊંડા ઊતરી ગયા, પણ હા કે ના કાંઈ કહ્યું નહીં. ત્યારે મયારામ ભટ્ટ ને પર્વતભાઈ ઊઠી મહારાજ પાસે ગયા ને કહ્યું કે, ‘આમ થયું.’ ત્યારે મહારાજ કહે, ‘જુઓ ! ક્યાં ઝીણાભાઈ ને ક્યાં દાદાખાચર ! વળી કહે જે, અમે ભક્ત નહિ ? પણ જુઓ ! ભક્ત ભક્તમાં કેટલો ફેર છે ? અમે દાદાખાચરને ત્યાં નિરંતર રહીએ છીએ તે એવા ભક્ત છે તો ત્યાં રહીએ છીએ. આવા હોય તો રહેવાય નહીં.’ પછી મહારાજ કહે, ‘ઝીણાભાઈનું શું કામ છે, તેમની બહેન જો હા પાડતાં હોય તો તેમને અમારે મોઢે લાવો ને જો તે હા પાડે તો અમે સાચા માનીએ.”
પછી અદીબાને તેડી આવ્યા ને કહે, ‘મહારાજ ! આ અદીબા આવ્યાં.’ એટલે મહારાજે તેમના સામું જોયું કે, તુરત જ મહારાજને ઊલટી થઈ ને કહે, ‘આ વિષ્ટાનો ઢગલો ક્યાંથી લાવ્યા ? આંહીંથી કાઢો એને, ગંધાય છે !’ પછી અદીબા તો પાછાં ગયાં, પણ મહારાજને ઊલક બંધ થઈ નહિ, પેટમાં પાણી કે અન્ન કાંઈ રહે નહીં. પછી મહારાજને ખાટલે સુવાડ્યા પણ ઊલટી બંધ થાય નહીં. મૂળજી બ્રહ્મચારી ખાવાનું કે પીવાનું લાવે ત્યારે ઊલક થાય ને કહે જે, ‘તેમાં સ્ત્રીની ગંધ આવે છે, આંહીંથી લઈ જાઓ.’ ત્યારે મૂળજી બ્રહ્મચારી કહે જે, ‘મહારાજ ! ઉપરવાસથી પાણી લઈ આવ્યો છું.’ ત્યારે મહારાજ કહે, ‘ઓલ્યે ગામ પાણી ભરે છે તેની ગંધ આવે છે.”
એમ કરતાં મંદવાડ વધી ગયો; તે ખાય નહિ ને પીવે પણ નહિ. પછી મહારાજ મુક્તાનંદસ્વામીને કહે જે, ‘અમે તો નહિ રહીએ.’ ત્યારે મુક્તાનંદસ્વામી મહારાજને હાથ જોડી કહે જે, ‘કોઈક બાવો હોય છે તેને પણ મઠ, જાયગા કે ઠાકોરદ્વારો હોય છે ને તમે તો સાક્ષાત્ પુરુષોત્તમ પધાર્યા તેનું કાંઈ નહિ ?’ ત્યારે મહારાજે વિચાર્યું જે આ ઠીક કહે છે. પછી મહારાજ કહે, ‘સ્ત્રીની ગંધ ન હોય એવું અનાજ લાવો તો જમીએ.”
પછી સામે ગામ બે ગાઉ છેટે એક આત્મનિવેદી બ્રાહ્મણને, તેની સ્ત્રીએ ઝેર દીધેલ તેથી તેને સ્ત્રીનો અભાવ થયેલ એટલે પોતાને હાથે ખેડી, વાવી, લણીને દાણા કાઢતો, પણ બાઈઓ પાસે કાંઈ કામ કરાવતો નહિ, તેમ તે જાતનો સંસર્ગ પણ રાખતો નહીં. તેની પાસે મૂળજી બ્રહ્મચારી ગયા ને કહે, ‘અમારા મહારાજને સ્ત્રીની ગંધ આવે છે તે પેટમાં અનાજ કે પાણી કાંઈ રહેતું નથી. તમારે ત્યાં સ્ત્રીના સંસર્ગ વિનાનું અન્ન વાવડ્યું છે તે આપશો?’ ત્યારે તે કહે જે, ‘હા, એ રાંડના હાથનું તો હું પણ ખાતો નથી.’ પછી બ્રહ્મચારીને બે પાલી બાજરો આપ્યો, તે લઈ બ્રહ્મચારી ચાલી નીકળ્યા. ત્યારે બ્રાહ્મણને વિચાર થયો જે, તે ક્યાં દળશે ? પછી સાદ કરી પાછા વાળ્યા ને કહે, ‘એ રાંડના હાથ અડ્યા હશે તો ઘંટી કામમાં નહિ આવે, માટે આંહીં દળતા જાઓ, ઘંટી ચોખ્ખી છે.’ બ્રહ્મચારી કહે, ‘સાચી વાત !’ એમ કહી બ્રહ્મચારીએ બાજરો દળ્યો ને ચાલવા માંડ્યું. ત્યારે બ્રાહ્મણ કહે, ‘રસ્તામાંથી અડાયાં છાણાં વીણતાં જાજો, તેનાં થાપેલાં કામ નહિ આવે ને તમારે હાથે વીરડો ગાળી પાણી ભરી જાજો, પણ નદીનું પાણી લેશો નહીં. એ રીતે રાંધી જમાડશો તો ગંધ નહિ આવે.’
પછી બ્રહ્મચારીએ તેમ જ કર્યું ને રાંધીને મહારાજને જમાડ્યા ત્યારે તે અન્ન મહારાજના પેટમાં રહ્યું; એટલે કહે, ‘આમાં સ્ત્રીની ગંધ નથી, આ ક્યાંથી લાવ્યા?’ પછી બ્રહ્મચારીએ બધી વાત કરી ત્યારે મહારાજ રાજી થયા ને કહે, ‘એવા ત્યાગી છે ?’ પછી મહારાજ સાજા થયા ત્યારે મુક્તાનંદસ્વામીએ મહારાજને હાથ જોડી કહ્યું જે, ‘તમે તો પુરુષોત્તમ છો ને આખા બ્રહ્માંડમાં અરધોઅરધ ડોશીઓ છે તે જો તમે તેમના હાથનું કાંઈ ગ્રહણ નહિ કરો તો અરધ પડાળિયું કલ્યાણ થાશે.’ પછી મહારાજે ડોશીઓના હાથનું જમવા માંડ્યું. આ ચરિત્ર મહારાજે ઝીણાભાઈની કાચપ દેખાડવા પંચાળામાં કર્યું હતું.
મનુષ્યભાવ : દેહભાવ, માયિકભાવ, જેમાં ગુણાનુરાગ - ગુણાનુબુદ્ધિ પ્રવર્તે છે તેવો ભાવ.
ઘોડે : જેમ.
ફુલેકું : હિંદુઓમાં ક્ધયાના લગ્ન દિવસ પૂર્વે ગામમાં ફેરવવામાં આવતું સરઘસ.
પાળો : સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જાતનો સેવક/પાર્ષદ.
(175) આંબા શેઠને પ્રેમનું અંગ ને સેવા કરવાનું અંગ પણ ખરું. તે જ્યારે દર્શને આવે ત્યારે મહારાજ ને સાધુ સારુ કાંઈક ચીજ લેતા આવે, એવા પ્રેમી ભક્ત હતા પણ એક વખત મહારાજને વાસુદેવનારાયણના ઓરડેથી હેઠું ઊતરવું હતું ને અદીબા જેરના થડમાં હેઠે ઊભાં હતાં તેમને ખંભે હાથ મૂકીને મહારાજ હેઠે ઊતર્યા, તે આંબા શેઠે નજરોનજર દીઠું એટલે સંશય થયો જે, ‘આ તે ભગવાન કે શું ? જુવાન બાઈને ખંભે હાથ મૂકીને ઊતર્યા તે રખે કપટ હોય નહિ !’ પછી વિચારમાં ને વિચારમાં ગઢાળી ચાલ્યા ગયા ને એક વરસ સુધી દર્શને આવ્યા નહીં. પછી મહારાજ કહે જે, ‘આંબા શેઠ કેમ દેખાતા નથી ?’ ત્યારે સંતે કહ્યું જે, ‘દેહ મૂકી ગયા હશે.’ ત્યારે મહારાજ કહે, ‘અમે તેડવા ગયા નથી ને દેહ કોણ મુકાવે ને કોણ તેડી જાય ? છતાં દેહ મૂક્યો હોય તો આંહીં રસોઈ તો આવે !’ પછી ગઢાળીના એક હરિભક્ત સભામાં બેઠા હતા તેણે કહ્યું જે, ‘મહારાજ ! આંબા શેઠ તો જીવે છે, પણ તમારો અવગુણ આવ્યો છે તેથી દર્શને આવતા નથી.’ પછી મહારાજ મુક્તાનંદસ્વામીને કહે જે, ‘તમે ગઢાળીએ જાઓ ને આંબા શેઠને વાતું કરી અવગુણ કાઢો.’
પછી મુક્તાનંદસ્વામી ગઢાળી ગયા ને આંબા શેઠ આગળ મનુષ્યભાવ ને દિવ્યભાવ એક સમજવાની ઘણી વાતું કરી. તેમાં એક દૃષ્ટાંત દીધું જે, ‘એક શાહુકાર હતો તેને એક દીકરી ને એક દીકરાની વહુ બેય બાર-તેર વરસનાં તેવતેવડાં હતાં, તેમણે પોતા જેવડી રમવાની ઢીંગલી ચીંથરાની કરી તેને ઘરેણાં-લૂગડાં પહેરાવી લાજ કઢાવી મેડી ઉપર એકખૂણે ઊભી રાખી, બહાર કામે ગયાં ને શેઠ મેડીએ ચોપડા લેવા ચડ્યા ત્યાં વહુને દીઠાં એટલે ખોંખાર્યા, પણ વહુ તો હેઠે ન ઊતર્યાં ને શેઠ દાદરે ઊભા થઈ રહ્યા. ત્યારે શેઠાણી કહે, ‘કેમ દાદરે ઊભા છો ?’ ત્યારે શેઠ કહે, ‘વહુ મેડી ઉપર એકલાં છે તે મેં (મારાથી) કેમ જવાય ?’ ત્યારે શેઠાણી કહે, ‘વહુ તો બહાર ગયાં છે.’ ત્યારે શેઠ કહે, ‘ઉપર લાજ કાઢીને ઊભાં છે તે મેં નજરે જોયું, તોય બહાર ગયાનું કેમ કહો છો ?’ એટલે શેઠાણી મેડી ઉપર ચડ્યાં, ત્યાં તો ઢીંગલી દીઠી, એટલે શેઠને કહે, ‘એ તો ચીંથરાની ઢીંગલી રમવા સારુ કરી છે તે ઊભી છે, માટે જાઓ.’ પછી શેઠ ચોપડા લઈ આવ્યા ને સંશય ટળી ગયો. તેમ મૂળ પ્રકૃતિપુરુષથી લઈને જગતના તમામ જીવપ્રાણીમાત્રને સ્ત્રી જાતિમાં મોહ છે, પણ મહારાજની દૃષ્ટિમાં તો સર્વે આકાર ચીંથરાની ઢીંગલી જેવા છે તેમાં શું મોહ પામે ? મહારાજના મોટા સંતને પણ માયિક આકારને વિશે મોહ થાતો નથી તો મહારાજને વિશે સંભવે જ કેમ ? મહારાજ તો એ પંચભૂતના પાચ-પરુથી ભરેલ ને ચામડેથી મઢેલ હાડકાંના દેહ સામું જોતા જ નથી. એક વાર પંચાળામાં મહારાજે અદીબા સ્ત્રી છે એમ ધારી સામું જોયું હતું તો મહારાજને ઊલક થઈ ને સ્ત્રીની ગંધ આવે છે એમ કહી અન્ન-પાણી પણ લીધું નહિ તે વાત શું ભૂલી ગયા? એ તો આપણામાં એ દોષ છે ને સ્ત્રીને વિશે મોહ છે તેથી ભગવાનને વિશે દોષ કલ્પીએ છીએ પણ ભગવાન તો નિર્દોષ છે.’ એમ વાતે કરીને સંશય ટાળી નાખ્યો પછી આંબા શેઠ મહારાજનાં દર્શને આવ્યા.
મનુષ્યભાવ : દેહભાવ, માયિકભાવ, જેમાં ગુણાનુરાગ - ગુણાનુબુદ્ધિ પ્રવર્તે છે તેવો ભાવ.
દિવ્યભાવ : જેમાં માયાના ત્રણ ગુણનો પ્રભાવ ન હોય તેવો અદ્ભુત ભગવદ્ભાવ.
શાહુકાર : ધનિક.
ઊલક : ઊલટી.
(176) કમળશી શેઠને મહારાજના ચરિત્રમાં સંશય જ નહીં. એક વાર મહારાજ કમળશીને ઘેર ગયા ત્યારે કમળશી તો ઘેર નહિ ને નવું ઘર કરેલ તે જીવી એકલી હતી. તેને મહારાજે પૂછ્યું જે, ‘જીવી, શું કરે છે ?’ તો કહે, ‘મહારાજ! રોટલા ઘડું છું.’ ત્યારે મહારાજ રસોડામાં ગયા ને જોયું તો રોટલા ઘડતાં પૂરા આવડે નહીં. ત્યારે મહારાજ કહે, ‘એમ ન થાય, લે શીખવું.’ પછી મહારાજે લોટ મસળવાની અડાળી તેના હાથમાંથી લઈ લીધી ને ભીનો હાથ કરી મસળતા જાય ને જીવીને કહેતા જાય કે, ‘જો આમ મસળાય.’ પછી લુવો કરી ઘડી બતાવ્યો ને એક હાથમાં લઈ તાવડીમાં નાખ્યો ને કહે, ‘આમ નાખીએ.’ પછી થોડી વારે તુરત ફેરવ્યો ને કહે, ‘પહેલી વેળા ઝાઝો ચોડવવો નહીં.’ બીજી વેળા ખૂબ પાક્યો ત્યારે ફેરવી નાખ્યો ને કહે, ‘બીજી વેળા તો પાકો થાય ત્યારે જ ફેરવવો.’ પછી ફૂલીને દડા જેવો રોટલો થયો ત્યારે ઉતારી લીધો; ને કહે, ‘પહેલી વેળા જો કૂણો રહે તો જ ફૂલે, નીકર ન ફૂલે.’ પછી બીજો રોટલો પણ તેમ જ કરી બતાવ્યો. તે ફૂલી દડા જેવો થયો ત્યારે મહારાજ કહે, ‘આવા કરજો.’ એમ કહી મહારાજ ઉતારે પધાર્યા. કમળશી શેઠ ઘેર આવ્યા, ત્યારે જીવી કહે, ‘મહારાજ તો આપણા રસોડામાં આવી અભડાવી ગયા ને આ બે રોટલા કરી ગયા.’ ત્યારે કમળશી શેઠ કહે, ‘એ બે રોટલા મહારાજના અભડાવેલ હું ખાઈશ ને તું તારા કરેલ ખાજે.’ તેમાં કમળશી શેઠને કાંઈ સંશય નહિ. તે કમળશી શેઠ જેવા આંબા શેઠ ન કહેવાય.
(177) એક વખતે મહારાજ ને સર્વે સંત સમૈયા ઉપર સંઘ લઈ વરતાલ જતા હતા. ત્યાં રસ્તામાં જીવીને જોડા કઠવાથી પગે ફોડલા પડ્યા, તે બેય જોડા માથે મૂકી ઉઘાડે પગે ચાલતી હતી ને બળતી હતી તે જોઈ મહારાજે પૂછ્યું જે, ‘જીવી કેમ ઉઘાડે પગે ચાલે છે, પગ બળતા નથી ?’ ત્યારે જીવી કહે, ‘પગ તો બહુ બળે છે, પણ જોડા કઠવાથી ફોડલા પડ્યા છે તે પહેરાતા નથી.’ એટલે મહારાજ કહે, ‘અમારા રથમાં બેસ.’ પછી બેઠી. એટલે સાધુ સર્વે આગળ પાછળ ચાલવા મંડ્યા; પણ રથ સાથે રહ્યા નહીં. ને કમળશી શેઠ પણ હરિજન ભેળા ચાલ્યા જાતા હતા. તે આ વાતમાં કમળશી શેઠને કે જીવીને કાંઈ સંશય થયો નહીં. તે આંબા શેઠને તો જરાકમાં સંશય થયો. તે ક્યાં આંબા શેઠ ને ક્યાં કમળશી શેઠ! એમ ભક્ત ભક્તમાં ફેર છે !
(178) ગઢડામાં ધર્મકુળ આવ્યું ત્યારે મહારાજ ડોશીઓની સભામાં રાતે વાતું કરતા. રઘુવીરજી મહારાજનાં વહુજી ને અયોધ્યાપ્રસાદજી મહારાજનાં વહુજી મહારાજની વાતું સાંભળવા જાતાં. એક વખતે અયોધ્યાપ્રસાદજી મહારાજનાં વહુજી રાતે મોડાં ઘેર ગયાં ત્યારે અયોધ્યાપ્રસાદજીએ પૂછ્યું, ‘અટાણ (અત્યાર) સુધી ક્યાં હતાં ?’ તો કહે, ‘રઘુવીરજીની વહુજી ને હું બેય દરબારમાં મહારાજની વાતું સાંભળવા ગયાં હતાં તે આજ બહુ વાતું કરી, તેથી મોડું થયું.’ રોજ વાતું સાંભળવા જાય છે, એ વાતની અયોધ્યાપ્રસાદજીને ખબર નહોતી. પછી કહે, ‘તમારે ત્યાં જાવું નહીં.’ એટલે વળતે દિવસ રઘુવીરજી મહારાજનાં વહુજી તેડવા ગયાં, ત્યારે આ વહુજીએ કહ્યું, ‘મને ના પાડી છે.’ તેથી તે એકલાં ગયાં ત્યારે મહારાજે પૂછ્યું જે, ‘તમે આજ એકલાં કેમ આવ્યાં?’ તો કહે, ‘એમને ના પાડી, એટલે આવ્યાં નથી.’ ત્યારે મહારાજ કહે, ‘તમે પણ વહ્યાં જાઓ.’ તો કહે, ‘મને ના પાડી નથી. મને તો ખુશીથી રજા આપી કહ્યું જે, હંમેશાં જજો.’ મહારાજ કહે, ‘ઠીક બેસો, અયોધ્યાપ્રસાદજીને મનમાં એમ જે વહુઆરુએ સાસરા આગળ લાજ કાઢવી જોઈએ તેને બદલે સાસરાની વાતું સાંભળવી ને દર્શને જાવું તે ઓઝલવાળાથી કેમ થાય ? પણ હું તો એના જીવમાં બેઠો છું, ત્યાં અયોધ્યાપ્રસાદજી કેમ કરશે ?’ રઘુવીરજી મહારાજ જેવી અયોધ્યાપ્રસાદજી મહારાજને પ્રથમ સ્વરૂપનિષ્ઠા નહીં. રઘુવીરજી મહારાજની નિષ્ઠા સરસ, તેથી મહારાજ તેમનું વધુ રાખતા.
(179) મેહ આવે તે એક દિવસમાં ધરતી પલળે નહીં. પંદર દિવસ મેહ થાય ત્યારે ધરતી પલળે; તેમ સમાગમ પણ ઝાઝો કરે ત્યારે અંતર પલળે. ચાળીસ વરસ મેહ વરસે, પણ પછી ન વરસે તો કાળ પડે. તેમ નિરંતર સમાગમ ન હોય તો બગડી જાવાય ને સત્સંગ ચૂંથાઈ જાય; માટે નિત્ય પ્રત્યે સાધુનો સંગ રાખવો.
ચૂંથાઈ : અસ્તવ્યસ્ત, રફેદફે.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
(180) આ જીવ વહવાયાંમાત્રની ઓશિયાળ રાખે ને ભગવાનની એકે માળા ન ફેરવે, એમ ન કરવું.
(181) ભગવાન વિના કોઈ આ જીવનો સાચો હેતુ નથી કે સગો નથી. બીજા હેતુ તો ‘વિવાહ વેચાતા ને શ્રાદ્ધ ઉછીતાં’ એવા છે.
(182) કોઈ દીવો-દીવેટ કરે, કોઈ નૈવેદ્ય કરે પણ પ્રભુનું ભજન કોઈ ન કરે. કાયટાં સારુ ઘઉં લે, વિવાહ સારુ ઘઉં લે; પણ પ્રભુ ભજવા સારુ કોઈ ન લે.
(183) સોમલખારના લાડવા ખાતાં ગળ્યા લાગે પણ ગળું ઝાલે; તેમ માયામાં કોઈ સુખિયો થયો નથી ને થાશે પણ નહીં. જેમ ક્રાંકચિયા ખાય ત્યારે જીવડાંનો રોગ જાય; તેમ ગૃહસ્થાશ્રમ છે તેમાં જન્મ-મરણના દુ:ખને જાણે તેથી પ્રભુ ભજાય છે. આ તો સૌ પશુવત્ છે, તે પાણી વિના જેમ હરણ ને માછલાં મરી ગયાં તેમ જીવમાત્ર તૃષ્ણામાં મરી જાશે. માલ જાણ્યો હોય તો ઉપવાસ કરવો કાંઈ કઠણ નથી. પીઠલપરના હરજી ઠક્કરને ભગવાનમાં માલ જણાણો, તો લાખ રૂપિયાની ઉઘરાણી ખોટી કરી ગઢડે આવ્યા ને મહારાજ પાસે રહ્યા.
(જુઓ પ્રકરણ 13ની વાત 14)
(184) જેને રાજી કરવા આવ્યા છીએ તેને ઓશિયાળા કરાય છે ને ઉપેક્ષાથી ભૂંડા ઘાટ થાવા માંડે. બાયડી મૂકીને આવ્યા હોય ને ચાળા ચૂંથવા માંડે પણ જ્યારે મૂકી હોય ત્યારે અંતર સારું હોય, પછી અવગુણ લે એટલે બુદ્ધિ ફરી જાય છે પણ ભગવાન છે તે કૃત્યના જાણનારા છે માટે જ્યાં ભગવાનની વાર્તા સંભળાય, ભગવાનમાં હેત થાય ને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય; ત્યાં બેસવું તે ઠીક ને બીજે બેસે તેમાં જીવનું શ્રેય થાય નહીં.
ઘાટ : માયિક સુખ ભોગવવાનો સંકલ્પ, વિકારનો સંકલ્પ.
સંવત 1918ના અષાઢ વદિ બારસને દિવસે સ્વામીએ વાત કરી જે,
(185) વિષયનું બળવાનપણું બહુ છે તે ભેંશ ન દેવાણી પછી વિયાણી ત્યારે પગ ભાંગ્યો એટલે દોવા ન દીધું ને વેચાણી પણ નહીં.
(186) એક જણ વડની વડવાઈ ઝાલીને મધનાં ઊંચેથી ટીપાં પડતાં હતાં તે મોઢામાં લેતો હતો ને બે ઉંદરડા તે વડવાઈ કાપતા હતા પછી એક સાધુએ રસ્તે ચાલતાં કહ્યું જે, ‘હમણાં કૂવામાં પડીશ.’ ત્યારે કહે જે, ‘આ બે ટીપાં તો લઈ લઉં!’ ત્યાં તો પડ્યો કૂવામાં. તેમ મોહે કરીને મધનાં ટીપાંરૂપી સંસારનાં સુખ લેવા જાય છે, ત્યાં રાત-દિવસરૂપી ઉંદરડા આવરદા કાપી નાખે છે, એટલે સંસૃતિરૂપી અંધ કૂવામાં પડે છે.
(187) આત્મારૂપે વરતવું, ભગવાનની મૂર્તિનું ચિંતવન કરવું, ભગવાનની આજ્ઞામાં રહેવું ને ચોથું એકાંતિકનો નિરંતર સમાગમ કરવો, એ ચારમાં જીવને સુખ છે, પણ એક કામના સુખ સારુ આ દેહ વેચ્યું છે, તેથી ભગવાનનું સુખ આવતું નથી. જુઓને, જે નથી ભોગવતા તે ક્યાં મરી જાય છે ?
રસના વશ કરી હરિ રટે, સો પહુંચે પ્રભુધામ.
જ્યાં રસનાનું પોષણ ન થાય ત્યાં સર્વે વિષય બંધ થઈ જાય છે.
(188) તાવ આવે ત્યારે ભોજન ન ભાવે, તેમ વિષયનો અભાવ થાય તો ભગવાનનું સુખ આવે. ધ્રાફાનો રાજા બંધાણી થઈને મરી ગયો માટે જાણપણામાં રહીને આત્મારૂપ થઈ ભજન કરે તો સુખ થાય. સાધને કરીને સુખ તો થાય, પણ તે દેશકાળે ટળી જાય. જાણપણામાં રહ્યા થકે જે સુખ થાય છે તે સુખ નાશ નથી પામતું માટે જાણપણામાં રહેવા માંડે ત્યારે પોતાના હૃદયમાં એમ જણાય જે, મારામાં આટલા દોષ છે, આટલા ગુણ છે ને આટલા રજ-તમ વરતે છે. આવા જોગ વિના બીજા ગમે તેટલા ઉપાય કરે પણ વાસના ટળતી નથી.
જોજો કરે ઉપાય, છૂટવે કે હિત પ્રાની;
સોસો બંધન હોત, મોક્ષ રીતિ નહિ જાની.
ખાતહે ઝંપાપાત, જાયહી મારે ગરહી;
કેશલુંછન કર્નછેદ, અંગ બાઘંબર ધરહી.
શિર જટા ખાખ તન લગાય કે, ફિરત પશુવત ફૂલ હે;
કહે બ્રહ્મમુનિ હરિ પ્રગટ બિન, સબ સાધન ભ્રમ મૂલ હે.
(બ્રહ્માનંદ કાવ્ય : ચાનક કો અંગ)
(189) કોથળીમાં રૂપિયા ભર્યા હોય તેમ કારણ દેહમાં સર્વે દોષ ભર્યા છે. ભટ્ટ ધૂણ્યો ત્યારે બાકરું માગ્યું. પછી માણસોએ પૂછ્યું જે, ‘બ્રાહ્મણ થઈને આ શું માગ્યું ?’ ત્યારે કહે, ‘હું તો ખમીહો છું.’ તેમ કામ-ક્રોધાદિક ખમીહા જેવા છે, તે જ્યારે આવે ત્યારે કાંઈનું કાંઈ કરે !
બાકરું : બકરું.
(190) દેહે અસમર્થ હોય તેણે ગામતરાના મનસૂબા ન કરવા. તેણે તો ઘેર બેઠાં ભજન કરવું.
મનસૂબા : સંકલ્પો, કાંઈક કરી લેવાના વિચારો
(191) વિષય છે તે સારા ગુણ તાણી લે છે. ચીભડું જ્યારે પાકે ત્યારે ફાટે, તેમ બહુ વિષય ભોગવે તો વૃત્તિઓ ફાટી જાય. પચ્છમમાં એક બાવે ગરાસિયાને બંધાણ કરાવ્યું, તે બાયડી ખાસડાં મારે ત્યારે અફીણ આવે (ચઢે) ને બીજાને તો બાયડી બોલે જે, ‘આયો, બા આયો !’ ત્યારે અફીણ આવે. એમ કરતાં બાયડી મરી ગઈ ને અફીણ આવ્યું નહિ, પછી મસાણમાં જ્યાં બાળી હતી ત્યાં ગયો ને પોતે બોલ્યો, ‘આયો, બા આયો !’ પછી અફીણ આવ્યું. તે રોજ મસાણમાં જાય ત્યારે અફીણ આવે. ને ત્રીજાને તો કસુંબો લઈ ઘોડીએ ચડે ને ઘોડી હણહણે ત્યારે કસુંબો આવે, પછી ઘોડી મરી ગઈ ને ઘોડું લેવા પૈસા પણ ન રહ્યા; એટલે વંડી માથે દળી નાખી વંડીએ ચડે ને જાણે ‘ઘોડીએ ચડ્યો છું.’ એમ માની હાથમાં રેન લઈ પગનાં ઠેબાં મારીને પોતે મોઢે હણહણે, ત્યારે અફીણ આવે; એવાં દુ:ખ છે પણ જીવને વિષયમાં દુ:ખ દેખતાં આવડે નહિ. જેને સાંખ્ય વિચાર હોય કે, ભગવાન સાથે સ્નેહ હોય, તેને જો વિષય અંતરાય કરે તો તે વિષયનો ત્યાગ કરે.
(192) સ્વામિનારાયણનું પ્રગટ થાવું તે મૂળ અજ્ઞાનનો નાશ કરવા સારુ છે. બીજા કોઈએ કારણ શરીર નાશ નથી કર્યું.
ગોકોટિદાનં ગ્રહણે તુ કાશી મકરપ્રયાગે યદિ કલ્પવાસિ ।
યજ્ઞાયુતં મેરુસુવર્ણદાનં ગોવિન્દનામ્ન: ન સમાનતુલ્યમ્ ॥
(પાંડવ ગીતા : 46)
અર્થ : ગ્રહણ સમયે કોટિ ગાયોનું દાન કરો, કાશી ને પ્રયાગરાજના ગંગાના તટે રહી દશ હજાર કલ્પ પર્યંત નિવાસ કરો, દશ હજાર યજ્ઞ-યાગાદિ ક્રિયાઓ કરો અને મેરુ પર્વતના જેટલું સુવર્ણનું દાન કરો તો પણ તે બધું ગોવિંદના નામ લેવાની બરાબરી (તુલના)માં ક્યારેય આવે નહિ.
આજના હરિજનના મહિમાનો પારાવાર આવે એમ નથી ને સાધુના કાંડામાં એવું બળ છે જે અષ્ટાવરણ પાર જીવને ફંગોળી દે, એવા તો આ સાધુ ને આ સત્સંગી સર્વે છે પણ તે કળાય નહીં. સત્સંગમાં બહુ બળ છે ને હજી થાશે, માટે સત્સંગમાં કુસંગ પેસવા દેવો નહિ ને સત્સંગની ગોવાળી સર્વેએ કરવી.
અર્થ : ધન, સંપત્તિ.
કોટિ : કરોડ.
દશ : દિશા.
કલ્પ : આપણાં ચાર અબજ બત્રીશ કરોડ વર્ષનો સમય - બ્રહ્માનો એક દિવસ (પણ રાત નહિ)
પર્યંત : ત્યાં સુધી, જેટલી.
કરો : ઘરની દિવાલ.
(193) મોટા માણસને સત્સંગ કરાવવાની લાલચ રાખવી નહીં. તેને ચાલે ત્યાં સુધી તો મળવું પણ નહિ; કેમ જે, મળે તો કાંઈક સેવા ચીંધે. માટે મોટા માણસની ભાઈબંધીય રાખવી નહિ. તેનાથી આપણું શ્રેય થાય નહીં. એક ડોશીને રાજાના કુંવર સાથે ઓળખાણ થઈ. પછી તેને રાજ્ય આવ્યું, ત્યારે તેણે ડોશીને કહ્યું, ‘ડોશીમા, કાંઈ કામ હોય તો કહેજો.’ ત્યારે ડોશી કહે, ‘આજે સવારમાં કૂતરી ઘરમાં ઘરી ગઈ છે તે નીકળતી નથી.’ એટલે રાજાએ હુકમ કર્યો કે, ‘કૂતરીને તોપે ઉડાડી દ્યો.’ તેમાં કૂતરી તો મરે પણ ડોશીનો કૂબો ઊડી જાય ત્યારે તેમાં ડોશીનું શું સારું થયું ? માટે મોટા માણસની સોબતમાં આપણને જ નુકશાન છે.
કૂબો : ઘુમ્મટવાળું ઘાસનું ઝૂંપડું.
(194) જન્મ, મૃત્યુ, ગર્ભવાસ આદિક દુ:ખ, જીવ કર્મવશ ભોગવે છે, તેનો વિચાર કરે તો વિષય ઝેર જેવા થઈ જાય ને ભગવાનનો મહિમા જાણે તો વિષય કડવા થઈ જાય.
ગર્ભવાસ : ગર્ભનો ઉદરમાં વાસ.
(195) બાહ્યદૃષ્ટિએ વરતવું ત્યારે ભગવાનની મૂર્તિનું ચિંતવન કરવું ને જ્યારે અંતરદૃષ્ટિ કરવી ત્યારે સંકલ્પ સામું જોઈ રહેવું ને માન, રસાસ્વાદ ને લોભ એ ત્રણ ગાંઠું હોય તેને અંતરદૃષ્ટિ ન થાય, પણ અંતરદૃષ્ટિ કરતાં કરતાં વિષય ખોટા થઈ જાય ને તે વિના તો દોષ કળાય નહીં. જેમ અંધારી રાત હોય તેમાં કાંઈ દેખાય નહિ પણ જ્યારે બેસીને જુએ ત્યારે જણાય જે, માણસ છે કે પશુ છે તેમ જ્યારે પાછી વૃત્તિ વાળે, ત્યારે ભગવાનના ભજનમાં જે આડું આવે તે જણાય, પછી તેને વિચારે કરીને ટાળી નાખે.
(196) કૃપાનંદસ્વામી, ગોપાળાનંદસ્વામી, નિષ્કુળાનંદસ્વામી, આત્માનંદસ્વામી, કૈવલ્યાનંદસ્વામી, કૃષ્ણાનંદસ્વામી આદિક દશ-વીસનાં નામ લઈને કહ્યું જે, એવાનો સમાગમ એક કલ્પ સુધી કરાય ત્યારે સત્સંગી થાવાય ને એમાં લાખ જન્મ સુધી અથડાય, ત્યાર કેડે તેલધારા વૃત્તિ રહે. વહેવારમાં બહુ જોડાય તેને તો ભગવાનમાં વૃત્તિ રહેનારી જ નહીં. શ્ર્વાસ ઊઠે છે ત્યાં વૃત્તિ રાખીને બે મહિના સુધી ભજનનો આગ્રહ કરે તો પછી ભજનમાંથી બહાર નીસરવું કઠણ પડે.
કલ્પ : આપણાં ચાર અબજ બત્રીશ કરોડ વર્ષનો સમય - બ્રહ્માનો એક દિવસ (પણ રાત નહિ)
કેડે : પાછળ.
સંવત 1918ના અષાઢ વદિ તેરસને દિવસે સ્વામીએ વાત કરી જે,
(197) લોયાનું 3જું વચનામૃત વંચાવી તે ઉપર વાત કરી જે, ડડુસરવાળા ગલુજીની ડોશી મરી ગયાં, તે જ વખતે મહારાજ સંત સાથે તે ગામથી નીકળ્યા; એટલે ગલુજીએ તે વાત છાની રાખી ને મહારાજ તથા સંતને ઉતારો આપી રસોઈ કરાવીને જમાડ્યા. મહારાજને રોકવા માંડ્યા, પણ રહ્યા નહિ. પછી મહારાજને વળાવવા ગયા ત્યારે મહારાજ કહે, ‘જાઓ, હવે તમારું કામ છે તે કરો.’ પછી ડોશીની દેહક્રિયા કરી. એવું બીજાથી થાય નહિ; કેમ જે, ધર્મ આડે આવે, ‘પણ ભગવાનના સંબંધથી જ શુદ્ધ થાવાય છે.’ એવી જેની સમજણ હોય તેની ભક્તિ, ભગવાન દૃઢ માહાત્મ્યે યુક્ત માને છે.
(198) જે શુદ્ધ મુમુક્ષુ હોય તેને પ્રગટ ભગવાનના જોગ વગર કેવળ પ્રતિમાએ કરીને કે, શાસ્ત્ર શ્રવણે કરીને શાંતિ ન થાય. કુશળકુંવરબાઈ પાસે બ્રાહ્મણ ‘ભાગવત’ની કથા વાંચતો હતો. તેમાં રુક્મિણી હરણની વાત આવી ત્યારે કુશળકુંવરબાઈએ કહ્યું જે, ‘કથા સાંભળતાં મને આટલાં વરસો થયાં ને તું પણ કે’દિવસનો કથા વાંચે છે પણ જે દિવસ પ્રગટ ભગવાન રુક્મિણીની પેઠે કાંડું ઝાલશે, તે દિવસ તારું ને મારું કલ્યાણ થાશે.’ તે વાત પછી કેટલેક વખતે પરમચૈતન્યાનંદસ્વામી ફરતા ફરતા ધરમપુર આવી ચડ્યા અને સદાવ્રત લઈને ધર્મશાળામાં આરામ કરતા હતા, ત્યાં નિયમ પ્રમાણે કુશળકુંવરબાઈ તીર્થવાસીઓના ચરણસ્પર્શ કરતાં કરતાં સ્વામી પાસે આવ્યાં. ત્યારે, ‘અમે તો સ્વામિનારાયણ પ્રગટ ભગવાનના સાધુ છીએ એટલે સ્ત્રીથી દૂર રહીએ છીએ.’ એમ કહી આઘા વહ્યા ગયા. આથી કુશળકુંવરબાઈ વિસ્મય પામ્યાં અને સ્વામીને માટે માન થયું અને મહારાજની આજ્ઞા પ્રમાણે ધર્મ જળવાઈ રહે એ રીતે આડો ચક નંખાવીને મહારાજના પ્રતાપની વાતું સાંભળી, તેથી શાંતિ થઈ ગઈ.
પછી એ પ્રમાણે સ્વામી રોજ થાળ જમે અને દરબારમાં જઈને મહારાજના પ્રગટ મહિમા ને પ્રતાપની વાતું કરે અને કુંવર (પૌત્ર) ભેગા હાથીએ બેસીને હનુમાનગઢીએ દર્શને જાય. આ વાતની મહારાજને ખબર પડી એટલે પરમચૈતન્યાનંદસ્વામીને તેડવા મુક્તાનંદસ્વામીને મોકલ્યા. ને મુક્તાનંદસ્વામીને તો પરમચૈતન્યાનંદસ્વામી ગુરુ તરીકે માનતા, તેથી ઊંચી ગાદીએ બેસાડીને, તેમની પાસે મહારાજના મહિમા અને નિશ્ર્ચયની વાતું કરાવી. આથી કુશળકુંવરબાઈને નિશ્ર્ચય થયો ને મહારાજને ધરમપુર તેડાવી આપવાને પ્રાર્થના કરી. એટલે મહારાજ સંત-પાર્ષદ સાથે ત્યાં પધાર્યા. કુશળકુંવરબાઈ ગરાસિયા ને વળી ઓઝલવાળાં, તો પણ મહારાજનાં ચરણારવિંદને બાઝી પડ્યાં. તેથી મહારાજે કાંડું ઝાલીને કહ્યું કે, ‘એવું રહેવા દ્યો.’ એટલું કહેતાં જ બાઈને અંતરમાં પરમ શાંતિ થઈ ગઈ અને મહારાજ રોકાયા તેટલા દિવસ મહારાજની બાવીસ વાર આરતી ઉતારી ને સભામાં મહારાજને મળ્યાં અને વૃત્તિ પલટાવીને મહારાજની મૂર્તિને અંતરમાં ઉતારતાં ગયાં. પછી મહારાજે ‘બાઈઓ પાસે રાખીને તેમની પાસે કથા વંચાવવી ને સાંભળવી.’ એવી આજ્ઞા કરી અને ગઢપુર જવા રજા માગી. સર્વે ગઢપુર પહોંચ્યાં, ત્યાં તુરત જ ખબર આવ્યા કે કુશળકુંવરબાઈએ ધરમપુરમાં પંદરમે દિવસ અક્ષરવાસ કર્યો છે.
રોજ : દરરોજનું મહેનતાણું/મજૂરી.
(199) દાદાખાચરને માણસ રાખવું હતું તે મહારાજે પ્રથમ કાઠીઓને પૂછ્યું જે, ‘કોઈ દાદાખાચરના ગોલા થાશો ?’ ત્યારે કહે જે, ‘ના મહારાજ ! અમારે ખાવા પીવા છે ને ગોલા શા સારુ થઈએ ?’ મહારાજ કહે, ‘પર્વતભાઈ હોય તો થાય.’ ત્યાં પર્વતભાઈ આવ્યા તેમને મહારાજે પૂછ્યું જે, ‘તમે દાદાખાચરના ગોલા થાશો ?’ ત્યારે કહે, ‘હા મહારાજ ! ભગવાનના ભક્તના ગોલા થાવાય એવાં ભાગ્ય ક્યાંથી ?’ તે પર્વતભાઈના મનમાં એમ જે, ઘરના ગોલા છીએ ત્યારે આમાં શું ? મહારાજે દાદાખાચરને કહ્યું જે, ‘પર્વતભાઈને રાખો.’ પછી રાખ્યા, પણ મહારાજે બે દિવસ કેડે આળસાવ્યા; પણ એમ બીજાથી બોલાય નહિ, તો ગોલા કેમ થાવાય ? માટે દાસના દાસ થવું ઘણું કઠણ છે.
વળી એક વખત પર્વતભાઈનો છોકરો કંઠપ્રાણ માંદો હતો, ત્યાં મહારાજનો કાગળ તુરત બોલાવ્યાનો આવ્યો, એટલે ચાલી નીકળ્યા. વાંસેથી છોકરે દેહ મેલી દીધો, તેથી વાંસે માણસ બોલાવવા મોકલ્યું; પણ પર્વતભાઈએ કહ્યું જે, ‘તમે દેહક્રિયા કરી નાખજો, મારું એમાં શું કામ છે ?’ એમ કહીને પાસેના વોંકળામાં ન્હાઈ-ધોઈને ચાલતા થયા ને ગઢડે મહારાજને દંડવત્ કરી હાથ જોડી દર્શન કરતા થકા ઊભા રહ્યા. ત્યારે મહારાજે પૂછ્યું જે, ‘તમારા છોકરાને સુવાણ થઈ ?’ એટલે પર્વતભાઈએ કહ્યું કે, ‘હા મહારાજ ! તેને બહુ સારી સુવાણ થઈ ગઈ; તે હવે કોસ હાંકવો મટ્યો, પહર ચારવી મટી, એમ બધી ખેડ મટી ને તમારા ધામમાં ગયો તે બહુ સારી સુવાણ થઈ !’ આ સાંભળીને મહારાજે તેમની પ્રસંશા કરી. અગતરાઈમાં મહારાજ શેરડી જમતા હતા, તે પ્રસાદી પર્વતભાઈને આપી. એટલે પર્વતભાઈ કહે, ‘મારા ઇષ્ટદેવ જમે તો તે મારાથી ખવાય.’ ત્યારે મહારાજ કહે, ‘અમારા વગર તમારા બીજા ઇષ્ટદેવ છે ?’ ત્યારે પર્વતભાઈ કહે કે, ‘આ બધા સાધુ મારા ઇષ્ટદેવ છે; તેમને તમે દોઢ વરસથી શેરડી, ગોળ, ખાંડ વગેરેની બંધી કરી છે, તે દિવસથી હું પણ તે ખાતો નથી.’ આથી મહારાજે સંતોને શેરડી જમાડી ને ગોળ-ખાંડ ખાવાની છૂટી આપી.
કેડે : પાછળ.
વાંસે : પાછળ.
સુવાણ : સુગમ, સરળ, સહેલું. આરામ, આનંદ, હૂંફ.
બંધી : મના-નિષેધ.
(200) વાંકિયાનાં રાજબાઈ, જીવુબાઈનાં માશીનાં દીકરી બહેન થાતાં. તેણે એક વાર ગઢડામાં મહારાજનાં દર્શન કર્યાં એટલામાં મૂર્તિમાં ચિત્ત તણાઈ ગયું અને ભગવાનપણાનો નિશ્ર્ચય થઈ ગયો, પછી પુરુષ, હરામ બરોબર કરી ભગવાન ભજવાનો સંકલ્પ કર્યો. સગાઈની ના પાડી તો પણ સંબંધ કર્યો ને ચૂંદડી આવી એટલે કોઠલા ઉપર મૂકી. તેમની મા કહે, ‘રાજાુ, જો આ ચૂંદડી આવી.’ ત્યારે કહે, ‘બળી તારી ચૂંદડી.’ ત્યાં તો ઝળેળાટ ભડકો થયો. પછી જાન આવી ને વર તોરણે આવ્યો ત્યારે સમાધિમાં વહ્યાં ગયાં, એટલે દેહ તો લાકડા જેવું થઈ ગયું; તે મડા (મડદાં) જેવાને કેમ બેસારાય ? પછી તેમને બદલે ગોલીને બેસારીને પરણાવી દીધી. પછી જાન ચાલી ત્યારે રાજબાઈને ગાડે બેસાર્યાં ને રસ્તામાં મહારાજને પ્રતાપે ભૂખ તરસ લાગી નહીં. ઘેર ગયાં ત્યાં વરને સિંહરૂપે દેખાણાં તે વર રાડ પાડીને ભાગ્યો ને કહ્યું જે, ‘મારે જોઈતી નથી, તેને પાછી મોકલી દો.’ પછી ગઢડે આવ્યાં ને જીવુબાઈ ભેગાં મહારાજની સેવામાં રહ્યાં. તે ત્યાગ બહુ પાળતાં, જાડાં લૂગડાં પહેરતાં ને પૃથ્વી ઉપર સૂતાં ને પાશેર-દોઢ પાશેર માંડ જમતાં. તેમણે દેહ મૂક્યો ત્યારે દેહક્રિયા કરતી વખતે દાદાખાચરે ઘી ઝાઝું નાખી અગ્નિ મૂક્યો, પણ અગ્નિ લાગ્યો નહીં. પછી ગોપાળાનંદસ્વામીને વાત કરી તો કહે, ‘અગ્નિદેવ સતીને સ્પર્શ કરી ન શકે; કેમ જે, સતીને અડી જવાય તો સતીને ઉપવાસ પડે, તો તેનું પોતાનું નખોદ નીકળી જાય એમ બીવે છે. માટે કહો જે, સતી તો વહ્યાં ગયાં છે ને આ તો પંચભૂતનું દેહ છે; તે તમને કાંઈ દોષ નહિ લાગે.’ પછી એમ કહ્યું કે, તુરત અગ્નિ લાગ્યો, એવાં સતી હતાં.
લાકડા : તજ-લવીંગ.
(201) જીવુબાઈ ગઢપુરના એભલખાચરનાં મોટાં દીકરી હતાં. એભલખાચરને છોકરાં જીવતાં ન હતાં, તેથી તેમનું નામ જીવુબા પાડ્યું હતું. વળી પૂનમને દિવસ જન્મ હોવાથી તેમને પૂનમતીબા પણ કહેતા. વળી મોટાં હોવાથી તેમને મોટીબા કે જયાબા પણ કહેતા. તેમને કુંડળના અમરા પટગરના દીકરા હાથિયા પટગર વેરે પરણાવ્યાં હતાં, પણ સાસરે ગયાં ત્યારે તેનાં સાસુ રાઈબાઈને કહ્યું જે, ‘મારે બ્રહ્મચર્ય પાળીને ભગવાન ભજવા છે.’ ત્યારે રાઈબાઈએ તેના દીકરાને કહ્યું જે, ‘આને લખી આપો, તમને બીજી પરણાવીશું.’ પછી લખી આપ્યું એટલે તે કાગળ લઈને ગઢડે આવ્યાં. ત્યાં એભલખાચરે દીઠાં ને જાણ્યું જે રિસાઈને આવ્યાં હશે તેથી મારવા ઊઠ્યા. પછી તો કાગળ દેખાડ્યો એટલે કાંઈ બોલ્યા નહીં. પછી જીવુબા મહારાજની ભજન-ભક્તિ કરતાં થકાં સેવામાં રહ્યાં. જીવુબાથી નાનાં લાડુબાઈ કે લલિતા એભલખાચરનાં બીજાં દીકરી હતાં. તેમને પણ નાનપણથી જ બ્રહ્મચર્ય પાળીને ભગવાન ભજવાનો ઠરાવ હતો. તેમને બોટાદના માતરા ધાધલ વેરે પરણાવ્યાં હતાં; પણ રાતે માતરા ધાધલને સિંહરૂપે દર્શન થયાં, એટલે સવારે કાગળ લખી દીધો ને ગઢડે મોકલી આપ્યાં અને એભલખાચરને કાગળ બતાવ્યો. એ રીતે જીવુબાની પેઠે જ ગઢપુરમાં મહારાજની ભજન-ભક્તિ કરતાં થકાં સેવામાં રહ્યાં.
વેરે : સાથે.
(202) મહારાજ પ્રથમ જીવાખાચરને ઘેર પધાર્યા હતા. એક દિવસ જીવુબા-લાડુબા, મહારાજ નદીએ આવ્યાના સમાચાર સાંભળીને પાણી ભરવા ગયાં ને સાથે બાઈનાં લૂગડાં બેડામાં ઘાલીને લેતાં ગયાં. તે મહારાજને પહેરાવીને પોતાની સાથે દરબારમાં આવ્યાં. ત્યારે એભલખાચરે પૂછ્યું જે, ‘જીવુબા, આ કોણ છે?’ તો કહે, ‘એ તો કાળુ તરવાડીની ધીની ધી પ્રભુ ભજવા આવી છે.’ તે ઉપર બ્રહ્માનંદસ્વામીએ,
ઘાઘરિયો ઘેરાળો રે, નાથ બન્યા છે નાજાુકડી,
એ કીર્તન કર્યું. એભલખાચરને પોતાના દરબારમાં મહારાજ પધારે તે વાત ગમતી નહિ, તેથી સૌ બીતાં હતાં; તેથી ઓરડાનાં નામ પાડ્યાં હતાં. તે ક્યારેક એભલખાચર પૂછે જે, ‘જીવુબા, મહારાજ હમણાં ક્યાં છે ?’ તો કહે, ‘હમણાં તો ભૂજ છે.’ એવી રીતે મહારાજની માથા સાટે નિષ્ઠા રાખી હતી. જીવુબા-લાડુબા ઠાકોરજીની પૂજા-આરતી કરે, તે પણ એભલખાચરને ગમતું નહીં. તેથી એક વખત ડારો દીધો કે, ‘આ દરબારમાં તમારે શું ઠાકોરદ્વારો કરવો છે ?’ પણ બન્ને બહેનો પૂજા કરતાં હતાં; તેમાં જીવુબાના હાથે લાલજી સાક્ષાત્ દૂધ પી જતા હતા તે નજરો-નજર જોયું તથા એક વખત મહારાજે તેમને સાક્ષાત્ ચતુર્ભુજરૂપે દર્શન દીધાં, તેથી એભલખાચરને મહારાજનો નિશ્ર્ચય થયો હતો ને પછી કાંઈ બોલતા નહીં.
સાટે : બદલેઅવેજમાં.
નિષ્ઠા : શ્રદ્ધા, આસ્થા, વિશ્ર્વાસ, ધારણા.
ઠાકોરદ્વારો : મંદિર.
(203) મોટીબાઈ, લાડુબાઈ ને રાજબાઈ કારિયાણીથી આવતાં હતાં. સાલેમાળ આગળ આવ્યાં ત્યાં તલાવડીને કાંઠે સાધુને દીઠા એટલે ખબર કઢાવી; તો મોટા અખંડાનંદસ્વામીને હાથધોણું થયું હતું ને ચાલી શકે તેમ નહોતા. એટલે પોતે ઊતરી ગયાં ને કહે, ‘અમે ચાલશું ને અખંડાનંદસ્વામીને આમાં બેસારી ગઢડે લઈ જાઓ.’ પછી બેલડામાં સાત રેશમી ધડકીઓ ઉપરા-ઉપરી પાથરીને બેસાર્યા. રસ્તામાં કાંકરા, તડકો ને વળી અડવાણે પગે ચાલ્યાં, તે પગે ફોડલા થઈ ગયા. ગઢડે આવી ધડકીઓ ધોઈને સૂકવી ત્યારે મહારાજે પૂછ્યું, ‘આ કેમ ધોઈ ?’ પછી વાત કરી, તે સાંભળી મહારાજ બહુ રાજી થયા ને કહે, ‘આવું તો કોઈથી થાય નહિ ! માગો, માગો !’ ત્યારે બાઈઓ કહે, ‘અમારે ઘેર સદા નિવાસ કરીને રહો.’
સાલેમાળ : એ વિસ્તારના ડુંગરનું નામ.
હાથધોણું : ઝાડા થવા, વારંવાર સંડાસ જવું પડે.
ધડકીઓ : ગોદડીઓ-નાનાં આસન.
(204) રામબાઈ તે જેતપુરનાં કડવીબાઈ, તે જ્ઞાતે બ્રાહ્મણ હતાં ને પરોક્ષ કીર્તન જે,
તેડી જાઓ તો અમારા મન ઠરે !
એ વારે વારે બોલતાં. એક વખતે કડવીબાઈ જેતપુરની સીમમાં ખડ લેતાં હતાં, ત્યાં મહારાજે ધોરાજીથી આવતાં દીઠાં. એટલે કડવીબાઈનું કીર્તન સાંભળી હોંકારો દીધો ને કહે, ‘જેને પ્રભુ ભજવા હોય તેણે ચૂડલી ન જોઈએ ને માથે વાળ ન જોઈએ.’ તે સાંભળીને કડવીબાઈએ ચૂડલી કાઢી નાખી દીધી તે મહારાજે લઈ લીધી ને મોટીબાઈને આપી. તે ઉપરથી પ્રેમાનંદસ્વામીએ,
મેરો કંગન નીકારી ગયો રે.
એ કીર્તન કર્યું. ત્યારે મહારાજ પ્રેમાનંદસ્વામીને વઢ્યા જે, ‘અમે કે દિવસ એવું કર્યું છે ?’ પછી મોટીબાએ ચૂડલી લાવીને મહારાજ તરફ રેડવી મૂકી ને કહે, ‘આ કામ કેનું ?’ એટલે મહારાજ હસ્યા.
કડવીએ ગામમાં જઈ વાળંદને બોલાવી જીવતે ધણીએ મૂંડાવ્યું; એટલે તેનો ધણી ખાટલાનો પાયો તેની છાતી માથે મૂકીને સૂતો, એવું દુ:ખ દેતો. તે વાતની મહારાજને ખબર પડી, ત્યારે મહારાજે પાળા સાથે વે’લડું મોકલ્યું, તે પીઠડિયાને રસ્તે ફકીરનો તકિયો છે ત્યાં વે’લડું રાખી બે જણ ગામમાં ગયા, કડવીબાઈને મળ્યા ને કહે, ‘મહારાજે તેડવા મોક્લ્યા છે ને વે’લડું ફકીરના તકિયા આગળ રાખ્યું છે માટે ત્યાં આવજો.’ એમ કહી વહ્યા ગયા. પછી કડવી તેમની માને કહે, ‘મારા સારુ પૂડલા કર, ત્યાં હું ઝાડે ફરી આવું.’ એમ કહી વહ્યાં ગયાં. ને તેમની માને એકલાને હેત તે જાણે, ‘આ લાંઘે છે તે લેને ખાય તો કરું.’ તે પૂડલા કરી રહ્યાં તોય આવ્યાં નહિ એટલે તેમની મા નદીએ ગયાં. ત્યાં તો પૂર આવેલ દીઠું ને એક ખત્રીને દીઠો તેને પૂછ્યું જે, ‘કોઈ બાઈને દીઠી?’ તો કહે, ‘હા, નદીમાં જતાં દીઠી હતી, ને પછી તો પૂર આવ્યું તે કાંઈ સરત રહી નથી.’ પછી તેમની મા જાણે પૂરમાં તણાઈ ગઈ હશે પણ તે તો વે’લડામાં બેસીને ગઢડે મહારાજ પાસે પહોંચ્યાં.
પછી ગામમાં તેમની માએ વાત કરી જે, ‘કડવી તો પૂરમાં તણાઈ ગઈ.’ પણ સાસરિયાંવાળે માન્યું નહિ ને જેતપુરના કાઠીને રાવ કરી જે, ‘જીવો જોશી, પૂતળી, ગોરધન ને શિવો એ ચાર જણે મળી કડવીને ભગાડી છે.’ એટલે કાઠીએ એ ચારે હરિજનને બોલાવ્યા ને કહ્યું જે, ‘તમે કડવીને ભગાડી છે, માટે જો તે તમારા સત્સંગમાંથી જડશે તો તમારાં ચારેનાં માથાં ડૂલ થાશે.’ એટલે તેમણે માથાં માંડી આપ્યાં. તે વાતની મહારાજને ખબર પડી, ત્યારે મહારાજ કહે, ‘તેને કાઢી મૂકો, તેના સારુ અમે ચાર હરિજનનાં માથાં નહિ દઈએ.’ પછી તો રામબાઈ નામ પાડ્યું ને કઠલાલમાં ધોળે લૂગડે રહ્યાં ને રેંટિઓ કાંતીને ભગવાન ભજ્યા. તે ઉપર પ્રેમાનંદસ્વામીએ,
કર દિની કર દિની કર દિની રે, બાલાપનમેં વેરાગન કર દિની.
એ કીર્તન કર્યું. ને જેતપુરના બ્રાહ્મણોને જીવા જોશી ઉપર મનમાં દાઝ જે તેણે ભગાડી છે માટે તેને હેરાન કરવો. પછી ચોરાશીમાં દાળ, શાક, પાણી વગેરે બધામાં વઘારણી નાખીને કાઠીને કહ્યું જે, ‘જીવો જોશી તમારી ચોરાશી બગાડશે કાં જે, તે જમશે નહીં.’ પછી તે ન જમ્યા, એટલે કાઠીએ તેમને ઘેર કડી દીધી. તે વાતની મહારાજને ખબર પડી, ત્યારે મહારાજ કહે, ‘અમે વઘારણી ખાવાની ના પાડી છે, તે અમારી આજ્ઞા પાળવામાં જીવા જોશીને કેટલો મમત્વ છે, માટે કોઈ શાસ્ત્રવાળે નિષેધ ન કર્યો હોય તો પણ આપણે ન ખાવી.”
ખડ : ઘાસ.
પાળા : સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જાતનો સેવક/પાર્ષદ.
વે’લડું : વહેલ-છાપરાવાળું ગાડું.
રાવ : ફરિયાદ, સહાયતા માટેની આજીજી.
વઘારણી : દાળ-શાકના વઘારમાં નાખવાની વસ્તુ, હીંગ.
ચોરાશી : ચોરાશી લાખ જન્મનું ચક્ર.
નિષેધ : શાસ્ત્રવિહિત મનાઈ.
(205) એક વાર લાડુબા તથા જીવુબાની વચ્ચે મહારાજ ખાટે બેસી હીંચતા હતા ત્યાં દાદાખાચર ગયા, ત્યારે મહારાજે દાદાખાચરને પૂછ્યું જે, ‘તમને કાંઈ સંશય થાય છે ?’ તો કહે, ‘ા મહારાજ ! તમે તો ભગવાન છો ને આ બેય બ્રહ્મની મૂર્તિઓ છે, તેમાં મને શું સંશય થાય ?’ એમ કહી મહારાજને ઝુલાવ્યા. એવું દાદાખાચરથી થાય, બીજાથી ન થાય.
(206) એક વખતે જીવાખાચરે ભાવનગરમાં વજેસિંહ દરબારને ભરાવ્યું જે, ‘દાદાખાચરના ઘરમાં મહારાજ તેની બહેનો ભેળા રહે છે; તે વાત તમે સભામાં કહી દાદાખાચરને ઠપકો દો તો સારું.’ જીવાખાચરના મનમાં એમ જે, સભામાં અપકીર્તિ થાશે એટલે મહારાજને રજા દેશે; પણ જ્યારે સભામાં દાદાખાચરને વજેસિંહે કહ્યું જે, ‘તમે તમારી બહેનો સ્વામિનારાયણને ભળાવી દીધી છે ?’ ત્યારે દાદાખાચરે કહ્યું જે, ‘કોઈક કાઠીને ભળાવી દેત, તે કરતાં આ તો ભગવાન છે ! જેને મરીને પામવા હતા તે દેહ છતાં જ મળ્યા, તે એમનાં મોટાં ભાગ્ય, એમ અમે સમજીએ છીએ !’ એમ દાદાખાચરથી કહેવાય, બીજાથી ન કહેવાય; માટે એનાં વખાણ થાય છે.
એક વખત મહારાજે દાદાખાચરને પોતાનો ગરાસ તેની બહેનોને લખી આપવા કહ્યું. એટલે તુરત જીવુબા અને લાડુબાને તમામ ગરાસ લખી આપ્યો. પછી મહારાજે કહ્યું જે, ‘હવે તમારું ગુજરાન કેમ ચલાવશો ?’ ત્યારે દાદાખાચરે કહ્યું કે, ‘હું વજેસિંહ દરબારને ત્યાં નોકરી કરીશ.’ એટલે કહે, ‘જાઓ.’ એટલે ચાલી નીકળ્યા. પછી જીવુબા અને લાડુબાને કહે કે, ‘તમારે ગરાસ સંબંધી કાંઈ સરકારી કામ હશે તે દાદાખાચર કરશે; માટે તેમને રાખો.’ એટલે કહે, ‘જેમ તમારી મરજી.’ એટલે દાદાખાચર રાધા વાવ સુધી ગયા હશે ત્યાંથી પાછા બોલાવ્યા. એક વખત વરસાદના સમયમાં ઘેલાના કાંઠે વૈરાગી દેવતા સળગાવે પણ સળગે નહિ; તે જોઈને મહારાજે જીવાખાચરને કહ્યું જે, ‘વૈરાગી ઊતરે એવી એક જાયગા કરાવો.’ ત્યારે તે કહે કે, ‘એવા વૈરાગી તો ઘણાય આથડે છે.’ પછી દાદાખાચરને કહ્યું, એટલે દાદાખાચર કહે ‘આ મારું ઘર મોટું છે, ત્યાં તીર્થવાસીને ઉતારો.’ ત્યારે મહારાજ કહે, ‘તમે ક્યાં રહેશો ?’ એટલે કહે, ‘હું સાધુની જાયગામાં રહીશ ને મારા ઘરનાં બાઈઓ ભેગાં રહેશે.’ આ સાંભળીને મહારાજ બહુ પ્રસન્ન થયા. એવા અનેક ગુણ જોઈને મહારાજ પ્રેમથી બંધાઈને એકધારા ત્રીસ વરસ ગઢપુરમાં રહ્યા હતા.
ગુજરાન : ગુજારો, નિર્વાહ
(207) માંચોખાચર સત્સંગ થયા મોરે મારગી પંથમાં હતા તો પણ નિષ્કામી વર્તમાનમાં ફેર પડ્યો નહિ અને બાળબ્રહ્મચારી રહ્યા અને કીમિયાવાળાને પોતાના ગામમાંથી તગડી મૂક્યો. માંચોખાચર ને તેમનો ચારણ ભોજો, બેય ભગવાન ગોતવા નીકળ્યા તે, જેને ભગવાન મળે તે બીજાને મેળવે, એવો ઠરાવ કર્યો. પછી રામાનંદસ્વામી મળ્યા ને તે પછી મહારાજ મળ્યા એટલે ભોજાને તેડાવી લીધો ને બેય ભેળા થયા અને મહારાજને દર્શને ચાલ્યા, પણ બહાર નીસર્યા ત્યાં પોતાના પાંચસેં વિઘાના ખેતરમાં વણ (કપાસ) તૈયાર થયો હતો. તો કહે, ‘વણ લઈને જઈએ.’ પછી તો ધણવાળાને કહે, ‘ભેળાવી દ્યો.’ ત્યારે તે કહે, ‘ના.’ તો કહે, ‘હું કહું છું ને ? તને શું છે ?’ પછી વણ ભેળાવીને ભોજાને કહ્યું જે, ‘હવે જઈશું ?’ તો કહે, ‘હા, હવે તો કોઈ ના પાડતું નથી, મન પણ હા પાડે છે.’ પછી દર્શને ગયા. તે સાલ હિમ બહુ પડ્યું ને બીજાનાં વણ બળી ગયાં પણ આમના વણમાં કોંટા ફૂટ્યા ને ઘણો કપાસ થઈ પડ્યો.
મોરે : અગાઉ
ગોતવા : શોધવા.
હિમ : અતિશય ઠંડી, ઘણો સખત ઠાર, બરફ.
(208) મહારાજ ભાદરામાં વિરાજતા હતા. ત્યાં મૂળજી બ્રહ્મચારીને મોજડીઓ તેલ ચોપડવા આપીને કહ્યું કે, ‘તમે જ ચોપડજો પણ બીજાને ચોપડવા દેશો નહીં.’ પછી બ્રહ્મચારી ચોપડતા હતા ત્યાં વશરામ ભક્ત આવ્યા. તે કહે, ‘લાવો હું ચોપડું.’ ત્યારે બ્રહ્મચારીએ ના પાડી. પછી પગે લાગી વિનંતી કરી જે, ‘આજ મને કૃપા કરી મોજડીઓ ચોપડવા દો તો બહુ સારું.’ ત્યારે કહે, ‘મહારાજની આજ્ઞા નથી.’ પણ બહુ આગ્રહ કર્યો એટલે આપી ને તે ચોપડવા લાગ્યા. ત્યાં મહારાજ આવ્યા ને કહે, ‘ભગત, તમે કેમ ચોપડો છો ? બ્રહ્મચારી ક્યાં ગયા ?’ ત્યાં તો બ્રહ્મચારી આવ્યા, એટલે મહારાજે ઠપકો દીધો જે, ‘તમે મોજડીઓ કેમ ન ચોપડી? જાઓ, વિમુખ છો, ઘી-ગોળ ખાશો નહિ, જોડા પહેરશો નહિ ને જતા રહો.”
પછી બ્રહ્મચારી કાનમદેશમાં રામદાસજીભાઈ હતા ત્યાં ગયા. રામદાસજી-ભાઈ સાધુ બહુ સારા ને સૌને નભાવે એવા હતા. બ્રહ્મચારીએ બધી વાત કહી, ત્યારે રામદાસજીભાઈ કહે, ‘તમે સુખેથી આંહીં રહો.’ પછી ત્યાં રહ્યા. પણ વૈશાખ માસમાં સાખની કેરીનો ટોપલો સાધુ સારુ આવ્યો, ત્યારે રામદાસજીભાઈ કહે, ‘આ કેરી તો મહારાજ જમે એવી છે ! પણ કોણ ગઢડે લઈ જાય ?’ ત્યારે બ્રહ્મચારી કહે, ‘હું જાઉં.’ તો કહે, ‘બહુ સારું.’ પછી માથે કેરીનો ટોપલો લઈને, એવા ઉનાળામાં અડવાણે પગે ચાલી ગઢડે ગયા ને મહારાજ આગળ ટોપલો મૂક્યો, દંડવત્ કરી પગે લાગ્યા ને જય સ્વામિનારાયણ કહ્યા; પણ મહારાજે તો બોલાવ્યા નહિ ને જય સ્વામિનારાયણ પણ કર્યા નહીં. પછી બ્રહ્મચારી ગામમાં ગયા ત્યાં સુતારની એક ડોશી હરિજન સામાં મળ્યાં. તેણે બ્રહ્મચારીને પૂછ્યું, ‘કેમ દેખાતા નથી ?’ ત્યારે બ્રહ્મચારી કહે, ‘મહારાજે કાઢી મૂક્યો છે. કાનમ દેશથી કેરી લાવ્યો છું, તે મહારાજ આગળ મૂકી, પણ મહારાજે તો બોલાવ્યો નહિ ને નારાયણેય કર્યા નહીં.’
પછી ડોશી પોતાને ઘેર તેડી ગયાં ને પાકું સીધું આપ્યું; પણ બ્રહ્મચારીએ તો લોટનો ભાખરો કરી ખાઈ લીધું ને ઘી-ગોળ પાછું દીધું; ત્યારે ડોશી કહે, ‘ઘી-ગોળ કેમ ન ખાધું ?’ તો કહે, ‘મહારાજે ના પાડી છે. કાનમ દેશથી અડવાણે પગે ચાલી કેરીનો ટોપલો લાવ્યો; પણ નારાયણેય કર્યા નહીં.’ પછી ડોશી મહારાજ પાસે ગયાં ને કહે, ‘મહારાજ ! બ્રહ્મચારીનો શો વાંક છે, તે કાઢી મૂક્યા છે ? ઘી-ગોળ ખાવાની ને જોડા પહેરવાની ના કેમ પાડી છે ? ને આવા તડકામાં અડવાણે પગે કાનમથી કેરીનો ટોપલો લાવ્યા, તોય નારાયણેય કર્યા નહિ, તે શું છે ?’ ત્યારે મહારાજ કહે, ‘ભલે આવે, અમે ક્યાં ના પાડીએ છીએ.’ પછી બ્રહ્મચારી ગયા અને કેરી ઘોળી પાસે મૂકીને બોલ્યા જે, ‘કહો તો રસ કાઢીને જમાડું.’ ત્યારે મહારાજ કહે, ‘અમે ક્યાં ના પાડીએ છીએ ?’ પછી રસ કાઢી મહારાજને જમાડ્યા, એટલે મહારાજ રાજી થયા. પછી તો હંમેશની પેઠે સેવા કરવા માંડી, પણ વગર વાંકે અપમાન કરી કાઢ્યા તો પણ મહારાજને મૂક્યા નહિ, અવગુણ લીધો નહિ ને આજ્ઞા લોપી નહિ; તે જેવા ઈશ્ર્વરમાં ગુણ હોય તેવા બ્રહ્મચારીમાં હતા. એવા થોડા જડે !
લોપી : ન માનવા દે, ઉલ્લંઘન કરાવે.
(209) ભૂજવાળાં લાધીબાઈ પ્રથમ રામાનંદસ્વામીનાં શિષ્ય હતાં પછી મહારાજનો નિશ્ર્ચય થયો હતો. પાછળથી તે વિધવા થયાં હતાં. તેમણે મહારાજને કહ્યું, ‘મહારાજ ! તમે કહો ને શું ન થાય ?’ ત્યારે મહારાજ કહે, ‘એમ ?’ તો કહે, ‘હા મહારાજ !’ ત્યારે મહારાજે પૂછ્યું, ‘અમે કહીએ તેમ કરશો ?’ એટલે કહે, ‘હા મહારાજ !’ મહારાજ કહે, ‘સાડલો-ચૂડલો પહેરી, ચાંદલો કરી, સેંથો પાડી ભડને નાકેથી પાણીનું બેડું ભરી આંહીં લાવો.’ પછી તેમણે એમ જ કર્યું. એવું બીજાથી થાય નહીં.
(210) મછિયાવના રાજાની કુંવરીને ઉદેપુરમાં પરણાવ્યાં હતાં. તેને માટલી આપવા મછિયાવના મૂળજી બ્રહ્મચારીને મોકલ્યા. તે જે માટલી લઈને જાય તેને ઓઝલમાં બાઈઓ પાસે જવા દે. તેથી તે જનાનામાં ગયા ને ભગવાન પ્રગટ્યાની ને પુરુષોત્તમપણાની વાતું કરી. ત્યારે ઉદેપુરના રાજાની કુંવરી ઝમકુબા ત્યાં બેઠાં હતાં તેમને ચટકી લાગી. તે રાતે પછેડા સાંધી-સાંધીને નીચે ઊતર્યાં ને ગઢમાંથી પાણી જાવાનાં ગરનાળાં હતાં તેમાંથી બહાર નીસર્યાં; પણ રસ્તાની ખબર નહોતી ને વાંસે માણસો ગોતવા નીકળ્યાં, એટલે મરેલ ઊંટનું ખોખું પડ્યું હતું તેમાં પેસી ગયાં. તે ત્રણ દિવસ તેમાં રહ્યાં ને માણસો ગોતી ગોતીને પાછાં વળ્યાં, એટલે ત્રીજે દિવસ રાતે ચાલી નીકળ્યાં. ત્યાં વણઝારાની પોઠ ભેળી થઈ તે ભેળાં ચાલ્યાં ને વડનગર પહોંચ્યાં; પણ વણઝારાની મતિ ફરી, એટલે તેને વાયદો દઈ છાનામાનાં સવારે તળાવે હરિભક્ત બાઈઓનો સંઘ, ‘સ્વામિનારાયણ, સ્વામિનારાયણ’ કરતો હતો તેમની પાસે વહ્યાં ગયાં ને તેમની સાથે ગઢડે પહોંચ્યાં અને મહારાજને મળ્યાં ને દર્શન કર્યાં. પછી દાદાખાચરના ઘરનું છાણ-વાસીદું કરતાં, તે રોટલો આપતા; તે એક વાર મહારાજે દીઠું, ત્યારે મહારાજે જીવુબાઈને પૂછ્યું જે, ‘આ કોણ છે, તેની તમને ખબર છે?’ તો કહે, ‘ના મહારાજ !’ પછી મહારાજ કહે, ‘એને ઘેર તો તમારાં જેવાં તો ગોલાં છે, તે રાજ મેલીને આંહીં ભગવાન ભજવા આવ્યાં છે, તો તેમને એવું કામ કરાવશો નહિ; તે તો મહામુક્ત છે.’ પછી તેમનું ‘માતાજી’ નામ પાડીને કચ્છમાં લાધીબાઈ ભેળાં મોકલ્યાં ને ત્યાં જીવ્યા ત્યાં સુધી રહ્યાં.
વાંસે : પાછળ.
ગોતવા : શોધવા.
(211) મુક્તાનંદસ્વામી પ્રથમ મારગીના પંથમાં હતા પણ મુમુક્ષુ હતા તેથી પ્રગટ ભગવાનને ગોતવા નીકળ્યા ને અખંડ બ્રહ્મચર્ય રાખવાનું બહુ તાન, તેથી દૃઢ બ્રહ્મચર્ય પળાવે એવા મળે તો તેની પાસે રહેવું. ચાલતાં ચાલતાં પ્રથમ ધ્રાંગધ્રામાં દ્વારકાદાસ બાવા પાસે ગયા. ત્યાં તેણે કહ્યું જે, ‘વાંકાનેરમાં વૃદ્ધ ને વિદ્વાન બાવો કલ્યાણદાસ છે, તે બ્રહ્મચર્ય પળાવશે.’
એ સાંભળી વાંકાનેર ગયા ને રાતે સૌ વહ્યા ગયા ત્યારે મુકુંદદાસજીએ પૂછ્યું જે, ‘અખંડ બ્રહ્મચર્ય કેમ રહે ?’ ત્યારે બાવો તો શ્ર્વાસ ખાઈ ગયો અને બોલ્યો જે, ‘છોકરા, તું આવો રૂપાળો ને નાનો છું, ત્યાં એવું કેમ સૂઝે છે? હજી તને જુવાની આવી નથી, જુવાની આવશે ત્યારે ખબર પડશે ! હું કાશીએ જતો હતો, રસ્તામાં ઉજ્જેનને (ઉજ્જૈનને) પાદર, પાણી ભરનારીને જંગલ જવાનો રસ્તો પૂછ્યો ત્યારે એક બાઈએ હાથનું લટકું કરીને કહ્યું જે, ‘મહારાજ, ઇધર ચલે જઈએ.’ તેને આજ ચાળીસ વરસ થયાં ને મને એંસી વરસ થયાં છે, તો પણ તે બાઈના હાથનું લટકું હજી હૈયામાંથી નીકળ્યું નથી ને છોકરા, તું અખંડ બ્રહ્મચર્ય રાખવાનું શું બોલે છે ? એ તો કોઈથી પળે તેવું નથી.’
પછી તો મુકુંદદાસજી રોયા ને નિરાશ થઈ સવારમાં ચાલી નીકળ્યા ને એવો કૃત સંકલ્પ કર્યો કે, હવે તો દેહ પાડી દેવો. રસ્તામાં આંબલીનું મોટું ઝાડ ને નીચે ઊંડું નહેરું દીઠું, એટલે ‘આંબલીએ ચડી નહેરામાં પડતું મૂકી દેહ પાડવો પણ બ્રહ્મચર્યનું ખંડન થાવા દેવું નહિ;’ એવો સંકલ્પ કરી આંબલીએ ચડ્યા ને પડતું મૂકવા જાતા હતા ત્યાં આકાશવાણી થઈ જે, ‘મરે છે શા સારુ? જા, સરધારમાં તને ભગવાન મળશે !’ તે સાંભળી રાજી થયા ને સરધાર ગયા.
ત્યાં ચોરે તો ભગવાન દીઠા નહિ પણ આકાશવાણી સાચી જ હોય, એમ ધારી ચોરે ઊતર્યા. ચોરામાં તુલસીદાસ બાવાનું મંદિર હતું ને બાવાને ચેલો નહોતો. તે બાવો જાણે ‘ભગવાને ચેલો આપ્યો,’ એમ ધારીને રાખ્યા. બાવાને સેવા કરી પ્રસન્ન કર્યા. પછી તો બાવાએ મંદિરની સેવા સોંપી દીધી. મુકુંદદાસજીએ બાવાની ને ઠાકોરજીની એવી સેવા કરવા માંડી કે, બાવો ને ગામનાં લોક બહુ રાજી થયાં ને કહે, ‘જેવો જોઈએ તેવો ચેલો મળ્યો છે.’ પછી મુકુંદદાસને મહંત ઠરાવી બધો વહેવાર સોંપી દીધો; તે મુકુંદદાસજી કરે એ જ થાય.
એવામાં એક દિવસ કોઈ મંદિરે દર્શને આવ્યું નહિ, જેથી મુકુંદદાસજીએ ચોરા પાસે લોકો ચાલ્યા જતા હતા તેમને પૂછ્યું જે, ‘આજ કેમ કોઈ આવ્યું નથી ?’ તો કહે, ‘રામાનંદસ્વામી ભગવાન તરીકે પૂજાય છે તે આવ્યા છે ત્યાં સૌ ગયાં છે.’ તે સાંભળી મુકુંદદાસજીને આનંદ થયો ને કહે, ‘આકાશવાણી સાચી થઈ.’ પછી ઠાકોરજીને પોઢાડી ગુરુને સુવાડીને તુરત રામાનંદસ્વામી પાસે ગયા. રામાનંદસ્વામીને દર્શને કરીને શાંતિ થઈ ગઈ. પછી સૌ ઊઠી ગયાં પણ મુકુંદદાસ તો બેસી રહ્યા પછી રામાનંદસ્વામીએ પૂૂછ્યું, ‘તમે કોણ છો ? ને કેમ બેસી રહ્યા છો ?’ ત્યારે કહે, ‘હું તો આ ચોરાના બાવાનો શિષ્ય છું, પણ તમારી પાસે રહેવા આવ્યો છું.’ ત્યારે રામાનંદસ્વામી કહે, ‘મારગી ફાટેલ દૂધનું આંહીં કામ નથી. વળી તારો ગુરુ રાજાનો માનેલ માટે અમારે તારો ખપ નથી. તું આંહીંથી ભાગી જા.’ પણ ઊઠ્યા નહિ પછી પરાણે કાઢી મૂક્યા. બીજે દિવસ રાતે નવેળામાં બેસી વાતું સાંભળતા હતા, ત્યાં ચોકિયાતે, ‘કોણ છે ?’ એમ કહી તલવાર ઉગામી. એટલે કહે, ‘જાળવજો, હું મુકુંદદાસ છું.’ તો કહે, ‘આંહીં કેમ બેઠા છો ?’ એટલે કહે, ‘આ રામાનંદસ્વામી મને સભામાં બેસવા દેતા નથી તેથી આંહીં તેમની વાતું સાંભળવા બેઠો છું.’
પછી ચોકિયાતે રામાનંદસ્વામીને કહ્યું કે, ‘આ બિચારાને શા માટે સભામાં બેસવા દેતા નથી ? નવેળામાં બેસી તમારી વાતું સાંભળતા હતા; પણ અમે તો ચોર જાણી મારત.’ એમ કહી ચોકીવાળા ચાલ્યા ગયા ને મુકુંદદાસ સભામાં બેઠા. પછી સૌ સભા ઊઠી ગઈ ને મુકુંદદાસ વાંસે રહ્યા, ત્યારે રામાનંદસ્વામી કહે, ‘શું અમારા આગળ કાંઈ માગો છો ? તે કેડો મૂકતા નથી ?’ ત્યારે મુકુંદદાસ કહે, ‘હું તમને મૂકીને જાવાનો નથી.’ તો કહે, ‘બાવાની ફારગતી લઈ આવો, તો રાખીએ.’ પછી રામાનંદસ્વામી તો સરધારથી વહેલા ઊઠી બંધીયે વહ્યા ગયા.
ને મુકુંદદાસે તો જે આવે તેને શીરા-પૂરી ખવરાવવા માંડ્યું ને પદાર્થ દઈ દેવા માંડ્યા ત્યારે બાવો કહે, ‘આમ આપણું નભશે નહીં.’ પછી મુકુંદદાસ કહે, ‘બાવાજી, મારા જીવનો ધડો રહેતો નથી. હું તો છ મહિના ડાહ્યો ને છ મહિના ગાંડો. તે કહો તો આ ઠાકોરજીને પણ કોઈકને દઈ દઉં. ને લૂગડાં પણ નાખી દઉં તેમાં તમારે શું? હું તો ધણી છું, તે ગમે તેમ કરીશ. ને મને ન રાખવો હોય તો લખી આપો જે, મારે ને તારે લેવા-દેવા નથી.’ ત્યારે બાવે મનમાં વિચાર્યું જે, ‘લખી આપવું એ ઠીક છે. આવું સત્ગાંડિયું છે, ત્યારે જ કોઈ રાખતું નહિ હોય.’ પછી લખી આપ્યું.
તે લઈને ગામના હરિજનને પૂછીને રામાનંદસ્વામી પાસે બંધીયે ગયા ને ફારગતી બતાવી. એટલે રાખ્યા ને કહે, ‘અમે કહીએ તેમ કરશો ?’ તો કહે, ‘હા મહારાજ !’ ત્યારે રામાનંદસ્વામી કહે, ‘જાઓ, આ મૂળુભાઈનું સાંતી હાંકો.’ એટલે તુરત ઊઠ્યા ને ખેતર ગયા પણ એક ચાહ કાઢ્યો કે તુરત જ મૂળુભાઈએ ના પાડી ને રામાનંદસ્વામી પાસે લાવ્યા ને કહે, ‘મહારાજ, આને આવડતું નથી, તે હાથ-પગ ભાંગશે, માટે કહો તેમ કરીએ.’ તો કહે, ‘હવે લઈ જાશો નહીં.’ પછી કહે, ‘ઘરના માણસ છે?’ તો કહે, ‘હા મહારાજ.’ પછી રામાનંદસ્વામી કહે, ‘એનો કાગળ લઈ આવો.’
એટલે મુકુંદદાસ તેમની સ્ત્રી જમના અમરાપરમાં રહેતી હતી ત્યાં ગયા ને ગાંડા થયા ને ‘રામ કટાકટ મવડું ભાગ્યું !’ એમ બોલે ને કૂદકા મારે. તે સૌ જાણે જે, ગાંડો થઈ ગયો છે; પણ ગામનો ઘરડેરો કાઠી ચિકિત્સાવાળો હતો તેને એમ થયું જે, આ ગાંડો નથી. પછી એકાંતે તેડી જઈને પૂછ્યું જે, ‘છે શું? ખરેખરું કહે, ‘તું ગાંડો નથી ને આમ કેમ કરે છે ?’ ત્યારે મુકુંદદાસ કહે, ‘મારે ભગવાન ભજવા છે ને અખંડ બ્રહ્મચર્ય રાખવું છે, પણ આ જવા દેતી નથી.’ પછી કાઠીએ જમનાબાઈને સમજાવ્યાં જે, ‘આ ગાંડાને મૂક પડતો, બીજા ઘણાય મળશે.’ પછી લખી આપ્યું, તે લઈ મુકુંદદાસ રામાનંદસ્વામી પાસે આવ્યા, ત્યારે સ્વામીએ મંડળમાં રાખ્યા ને તેમનું નામ મુક્તાનંદ પાડ્યું.
રામાનંદસ્વામીના સાધુમાં મુક્તાનંદસ્વામી મોટેરા, તે મહારાજ પણ તેમનું બહુ રાખતા. મુક્તાનંદસ્વામીનો એવો ઠરાવ જે, મહારાજની આજ્ઞા ન લોપવી. તે પ્રકરણ ફેરવ્યા, ત્યારે આકરામાં આકરું પ્રકરણ ફેરવીને કાગળ લખી મોકલ્યો જે, ત્યાં આવશું ત્યારે બીજું કહેશું. પછી મુક્તાનંદસ્વામી તો લીમડો વાટી પીવા લાગ્યા ને કેટલાક તો વયા ગયા.
મુક્તાનંદસ્વામીનો એવો દૃઢાવ જે, રાધા-લક્ષ્મી ઝાંઝર પહેરી પડખે બેઠાં હોય ને ચતુર્ભુજરૂપે ભગવાન દર્શન આપે તોય રામાનંદસ્વામી વિના બીજાને ભગવાન ન માનવા. તે રામાનંદસ્વામીના અંતર્ધ્યાન થયા પછી મહારાજે સમાધિનું પ્રકરણ ચલાવ્યું તે સાંભળીને ભૂજથી ઠપકો આપવા આવ્યા; પણ રામાનંદસ્વામીએ દર્શન દઈ કહ્યું જે, ‘મહારાજ પુરુષોત્તમ આવશે ને અમે તો ડુગડુગી વગાડનારા છીએ, એમ કહ્યું હતું, એ કેમ ભૂલી ગયા ?’ પછી તો મહારાજના સંબંધથી મહારાજને ભગવાન જાણી મહારાજનું ભજન કર્યું, પોતાનો ઠરાવ મૂકી દીધો ને જેમ મહારાજે કહ્યું તેમ કર્યું. એવું બીજાથી થાય નહીં.
ગોતવા : શોધવા.
વાંસે : પાછળ.
ફારગતી : છૂટાછેડા લીધાની કબુલાતની ચિઠ્ઠી.
સાંતી : ખેતીની જમીન.
પડખે : પાસે.
(212) ભગા શેઠને રસોઈ આપવી હતી તે મહારાજે ભગા શેઠને કહ્યું જે, ‘કડિયાને પગાર દેવા છે માટે રસોઈના રૂપિયા રોકડા આપો તો સારું.’ તો કહે, ‘ા’. પછી મહારાજે મુક્તાનંદસ્વામીને કહ્યું જે, ‘શેઠને સમજાવો.’ પછી સમજાવ્યા; તોય કહે, ‘મારે તો સાધુને જમાડવા છે.’ ત્યારે મહારાજ કહે, ‘સાધુને જમાડવા હોય તો સાધુ હમણાં ખોરી જાર ખાય છે, તો બસેં રૂપિયાના ઘઉં અપાવો; એટલે ઘઉં-જારના ભેળા રોટલા કરશે ને હંમેશાં તમારી રસોઈ કહેવાશે.’ તોય ભગા શેઠ માન્યા નહીં. પછી રસોઈ કરવાનો આદર કર્યો ત્યારે મહારાજ કહે, ‘અમે પીરસવા નહિ આવીએ.’ એટલે મુક્તાનંદસ્વામી કહે, ‘રજોગુણી મનુષ્યનું રાખવું પડે; પીરસવા ન પધારો તો તેને સારું ન લાગે.’ પછી મહારાજ કહે, ‘હું પીરસીશ તો તે લોભિયાનું ખૂટશે તે ઠીક નહિ દેખાય.’ તે સાંભળી ભગા શેઠે ત્રણ ગણી રસોઈ કરાવી ને મહારાજ પાસે પીરસાવ્યું તોય ખૂટ્યું, માટે મનધાર્યું મૂકવું ને ભગવાન કહે તેમ કરવું એ જ શ્રેષ્ઠ છે.
તે જ દિવસ મહારાજ પાસે સામત પટેલ આવ્યા. તેને મહારાજે કહ્યું જે, ‘થોડા રૂપિયા જોઈએ છીએ તે દેશો ?’ એટલે કહે, ‘હા મહારાજ !’ પછી ઘેર ગયા. જમીન વેચી, ગાડું વેચ્યું, બળદ વેચ્યા ને ભેંશો વેચી, રૂપિયા સાડા ચાર હજારનો મહારાજ પાસે લાવી ઢગલો કર્યો. એટલે મહારાજે પૂછ્યું, ‘ક્યાંથી લાવ્યા?’ તો કહે, ‘મહારાજ ! મારે હતા.’ મહારાજ કહે, ‘સાચું બોલો.’ એટલે જેમ હતું તેમ કહ્યું. મહારાજ કહે, ‘હજાર રાખશું, બીજા લઈ જાઓ, દાણા વિના છોકરાં મરી જાય.’ ત્યારે સામત પટેલ કહે, ‘ના મહારાજ! કૂકડાં ને ખેડુ મરે નહીં.’ ત્યારે મહારાજ કહે, ‘શું કરશો ?’ તો કહે, ‘બીજે ગામ જઈશું, ત્યાંથી કઢારે દાણા લેશું ને બીજે વરસ ભરી દેશું.’ તે સાંભળી મહારાજ રાજી થયા.
એક વખત સામત પટેલ તેના દીકરાની વહુને તેડવા ગયા ત્યારે વેવાઈ કહે, ‘તારા દીકરાને તો જોતી નથી, તારે જોતી હોય તો તેડી જા.’ તે સાંભળી સામત પટેલે, સત્સંગી તરીકે આળ સહન કરી ન શક્યા, ને ત્યાં જ ભીષ્મ કરી નાખ્યું.
કઢારે : લીધા તેના કરતાં વધારે પાછા આપવાની શરતે અનાજ વગેરેની લેવડદેવડનો કરાર.
(213) માનકૂવામાં મહારાજ કાતર લઈને બેઠા ને સૌને કહે, ‘અમારા સત્સંગી હો તે આવો, ત્યાગી કરવા છે.’ તે સાંભળી બધા સત્સંગી ઊઠી ગયા, તે વખતે મૂળજી ને કૃષ્ણજી ખેતર ગયેલ તે ખેતરથી આવ્યા, ત્યારે તેમને કોઈક સત્સંગીએ વાત કરી જે, ‘આજે મહારાજે આમ કહ્યું, તેથી સૌ ઊઠી ગયા.’ તે સાંભળી બન્ને જણા તુરત મહારાજ પાસે ગયા ને પગે લાગી કહ્યું જે, ‘હે મહારાજ ! અમને ત્યાગી કરો.’ ત્યારે મહારાજ કહે, ‘ખાવા નહિ મળે, બાવા મારશે, ટાઢ-તડકો વેઠવો પડશે, એવાં અનંત દુ:ખ આવશે ને હેરાન-હેરાન થઈ જાશો. માટે જાઓ, તમારા મનને પૂછી જુઓ.”
પછી આઘેરા ગયા ને મનને શિખામણ દેવા લાગ્યા, ‘હે મનવા, પરમેશ્ર્વર નહિ ભજાય તો ગધેડાં, કૂતરાં કે બીજાં જનાવરમાં જન્મ ધરવા પડશે. ત્યાં તને કોણ ઓઢાડશે ? ખાવા કોણ દેશે ? પથારી કોણ દેશે ? માથું કોણ દાબશે ? માટે આ એક ફેરો ભગવાનની આજ્ઞામાં રહીને ભોગવીએ તો પછી ભોગવવું ન પડે માટે કહે તારો શું વિચાર છે ?’ પછી મહારાજ પાસે આવ્યા ને કહે, ‘મહારાજ ! મન પણ હા પાડે છે.’ એમ કહી કેડિયાની કસું છોડવા માંડી. ત્યારે બીજાએ તો કસું તોડીને કાઢી નાખ્યું ને કહે, ‘હવે ક્યાં પહેરવું છે ? તે કસું છોડીએ.’
પછી મહારાજ કહે, ‘તમે પરમહંસ થઈ રહ્યા, અમારી આજ્ઞા છે, જાઓ, ગૃહસ્થાશ્રમ કરો.’ ત્યારે કહે, ‘ના મહારાજ ! અમને તો પરમહંસ કરો.’ એટલે મહારાજ કહે, ‘અમે કહીએ તેમ કરો.’ ત્યારે કહે, ‘બહુ સારું મહારાજ !’ એમ કહી લૂગડાં પહેરી ઘેર ગયા પણ મૂળજીને જેવો ભગવાનપણાનો નિશ્ર્ચય હતો, તેવો કૃષ્ણજીને નહોતો. તે મૂળજી જ્યારે ભગવાનપણાની વાતું કરે, ત્યારે કૃષ્ણજી કહે, ‘ભગવાન તો કેમ કહેવાય, પણ મોટાપુરુષ ખરા !’ એટલે મૂળજી કહે, ‘આ તો અક્ષરધામમાંથી સર્વોપરી ભગવાન આવ્યા છે’ ત્યારે કૃષ્ણજી કહે, ‘કાં તો તું ભગત ખોટો, કાં ભગવાન ખોટા ! કેમ જે, ભગવાન હોય તો તું પાછો કેમ આવે જ ?’ એટલે મૂળજી કહે, ‘ભગવાન તો છે પણ મારા ભક્તપણામાં કાચપ છે માટે તમે મારી સાથે ચાલો ને પરીક્ષા કરો.’
પછી બેય ગઢડે આવ્યા ને મહારાજનાં દર્શન કર્યાં. તેમાં કૃષ્ણજીને ભગવાનપણાનો નિશ્ર્ચય થયો એટલે કહે, ‘હવે ઘેર જાવું નથી.’ પણ ઝાઝા દિવસ થયા એટલે મહારાજ ઉપર બેયને ઘેરથી કાગળ આવ્યા જે, પરણેલા છે ને ઉપાધિ બહુ છે માટે બેયને કૃપા કરી ઘેર મોકલશો. પછી મહારાજે બેયને ઘેર જવા આજ્ઞા કરી એટલે ઘેર જવા મહારાજ પાસેથી નીકળ્યા. પણ રસ્તામાં વણથળીમાં શેઠને ત્યાં મસારો માંડી સાથી તરીકે રહ્યા ને રૂપિયા સાઠ (સાંઈઠ) ઠરાવ્યા. તે મહારાજ જાણે ઘેર ગયા ને ઘરનાં જાણે મહારાજ પાસે છે.
પછી બાર મહિના પૂરા થયા એટલે રૂપિયા સાઠ લઈ મહારાજ પાસે આવ્યા ને ચરણારવિંદ આગળ રૂપિયાનો ઢગલો કરી પગે લાગી કહે, ‘અમને રાખો.’ મહારાજે પૂછ્યું, ‘ક્યાં હતા ?’ તો કહે, ‘વણથળી હતા.’ મહારાજ કહે, ‘આ તમારા ઘરનાં આવ્યાં છે તેમની સાથે ઘેર જાઓ, નીકર તમને વિમુખ કરીશ.’ બેય જણે તેમની સ્ત્રીને કહ્યું જે, ‘ત્યાગી થાવાની રજા આપો.’ પણ માન્યું નહિ એટલે ભીષ્મ કરી નાખ્યું. પછી બાઈઓ ઘેર ગયાં ને મૂળજી તથા કૃષ્ણજી મહારાજ પાસે ગયા. મહારાજે બેયને વિમુખ કર્યા.
પછી પોતાની મેળે ભગવાં પહેર્યાં ને પરમહંસ થઈ છેટેથી મહારાજનાં દર્શન કરતા. એમ બાર મહિના રખડ્યા. પછી ગઢડે આવ્યા ને મહારાજનાં દર્શને ગયા ત્યારે મહારાજ કહે, ‘આવવા દેશો મા; બેયને કાઢી મૂકો.’ એટલે કાઢી મૂક્યા. પછી રાતે ઠંડા પહોરે ઘેલાને કાંઠે બેસી બેય જણે પરજ રાગનાં કીર્તન ગાવા માંડ્યાં, તે મહારાજે મંદિરમાં સાંભળ્યાં એટલે મહારાજ કહે, ‘કોઈ છે ?’ ભગુજી કહે, ‘હા મહારાજ !’ મહારાજ ભગુજીને કહે, ‘ઓલ્યા કીર્તન બોલે છે તેથી અમારો ઢોલો ઊપડે છે માટે તેમને કાઢી મૂકો.’ પછી ગુંદાળાને મારગે હનુમાનધાર છે ત્યાં લગી પાળા જઈને મૂકી આવ્યા. એટલે ત્યાં બેસીને કીર્તન ગાવા માંડ્યા. તે મહારાજે સાંભળીને કહ્યું, ‘કોઈ છે ? અમારો ઢોલો તણાય છે.’ પછી તેમને કાઢી મૂકવા પાળા પાંચ-દશ આવ્યા ત્યારે કહે, ‘મહારાજ જેમ આજ્ઞા કરશે તેમ કરશું; બાકી તમારા જેવા સો-સો આવશો ત્યાં સુધી તો અમે કચ્છી છીએ તે નહિ ઊઠીએ; જાઓ, મહારાજને પૂછો, શું આજ્ઞા છે ?’ પછી મહારાજને વાત કરી ત્યારે મહારાજ કહે, ‘આંહીં બોલાવો.’ મહારાજે અક્ષરભુવનમાં સભા કરીને કહ્યું જે, ‘કૂતરાંને હડકારે તેમ હડકાર્યા; તોય અમારો નિશ્ર્ચય મટતો નથી !’ ત્યારે સૌ કહે, ‘હવે તેમને રાખો.’ પછી ત્યાગી કર્યા ને નામ પાડ્યાં. મૂળજી તે જૂનાગઢવાળા ઘનશ્યામાનંદસ્વામી ને કૃષ્ણજી તે અમદાવાદના મહંત સર્વજ્ઞાનંદસ્વામી.
કાચપ : કચાશ, કસર, ખામી.
મસારો : વાર્ષિક પગાર-મહેનતાણું.
પાળા : સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જાતનો સેવક/પાર્ષદ.
(214) ગુંદાળી ગામના આડા કાઠી, મામૈયો ને મેરામણ બે હરિભક્ત હતા તે ભેંશું ચારવા ગયા હતા. વાંસેથી સાધુ આવ્યા તેમને ડોશીએ જમવાનું કહ્યું પણ તે ગામનો ઘરડેરો દ્વેષી હતો તેણે સાધુને કાઢી મૂક્યા. ડોશીના દીકરા ઘેર આવ્યા, ત્યારે ડોશીની આંખોમાંથી આંસું પડતાં દેખી પૂછ્યું, ‘મા શું છે?’ તો કહે, ‘મામાના સાધુ આવ્યા હતા તેમને મેં જમવાનું કહ્યું હતું, પણ આ ઘરડેરે ખાવા ન દીધું ને ભૂખ્યા કાઢ્યા.’ તે સાંભળીને બેય જણ તલવાર ને ગોબા લઈને ચોરે ગયા ને જવાનીઆ ચોપાટે રમતા હતા તેમને પૂછ્યું, ‘સાધુને કોણે કાઢી મૂક્યા ?’ ત્યારે બે જણે છાતીએ હાથ નાખ્યા ને કહે જે, ‘અમે કાઢી મૂક્યા.’ એટલે જેણે છાતીએ હાથ નાખ્યા તેમને કહે, ‘રાંડના, સાધુને ખાવા ન દીધું !’ એમ કહી તલવારથી માથાં કાપી નાખ્યાં ને બહારવટે વહ્યા ગયા. રાતે ઘઉં તલવારથી કાપ્યા તે તલવાર બગડી ગઈ ને વાંસે વાર આવી તેમાં કપાણા. એમ સત્સંગનો પક્ષ માથા સાટે રાખ્યો, માટે વખાણ થાય છે ને તેમનું કલ્યાણ મુક્તાનંદસ્વામીની હારે ગણ્યું.
વાંસે : પાછળ.
સાટે : બદલેઅવેજમાં.
(215) સુંદરજી સુતાર ખાંડું લઈ ભૂજથી જાતા હતા ત્યાં રસ્તામાં સરધારને પાદર મહારાજને દર્શને ગયા. ત્યારે મહારાજ કહે, ‘એ કોણ ?’ તો કહે, ‘દાસ.’ મહારાજ કહે, ‘દાસ થાવું કઠણ છે ! જેમ કહે તેમ કરે તે દાસ કહેવાય.’ સુંદરજીભાઈ કહે, ‘જેમ કહો તેમ કરીએ.’ મહારાજ કહે, ‘દાઢી-મૂછ પડાવી પરમહંસ થાઓ ને ગંગાજીએ જાઓ.’ સુંદરજીભાઈએ માથે મૂંડો કરાવ્યો, કાતરા હતા તે પણ પડાવી નાખ્યા ને ચાલી નીકળ્યા. ત્યારે મુક્તાનંદસ્વામીએ મહારાજને કહ્યું, ‘હે મહારાજ ! તમે કર્યું તે તો સારું જ કર્યું હશે પણ કચ્છમાં અમને રોટલો મળતો તે ય ટાળ્યો; કેમ જે, આંહીં દુ:ખ હોય ત્યારે ત્યાં જાતા. તે ત્યાં ય આમ થયું.’ પછી મહારાજે સુંદરજીભાઈને પાછા વાળ્યા ને કહે, ‘તમે જઈ આવ્યા ?’ તો કહે, ‘ા, જઈશું.’ ત્યારે મહારાજ કહે, ‘દાસનું લક્ષણ શું ?’ તો કહે, ‘જેમ કહે તેમ કરે.’ મહારાજ કહે, ‘પહેરો લૂગડાં ને જાઓ ખાંડામાં.’ પછી ખાંડા સાથે ગયા. ત્યાં સૌ પૂછે જે, ‘આમ કેમ ?’ તો કહે, ‘અમારા દરબારના કુળમાં રીત છે જે, મોટેરા હોય તે ચાલતી વખત દાઢી ને મૂછ, દેવીને ચઢાવે તે હું મોટેરો છું તેથી આમ કર્યું છે.’ એવું બીજાથી ન થાય.
ખાંડું : કાંઈક પહોળા પાનાની જરા નાના ઘાટની તલવારની એક જાત, રજપૂતોમાં રિવાજ કે વરના જવાને બદલે એનું ખાંડુ ક્ધયાને ત્યાં મોકલી લગ્ન કરવું.
(216) બંધિયાના ડોસાભાઈ વાણિયા મૂળ સરધારમાં રહેતા અને રામાનંદસ્વામીના શિષ્ય હતા. પછી મહારાજે પોતાના સ્વરૂપનો નિશ્ર્ચય કરાવ્યો હતો ને ત્યાર પછી મૂળુભાઈના બંધિયે રહેવા મહારાજે મોકલ્યા હતા. એક વાર ડોસાભાઈની માએ મહારાજને કહ્યું જે, ‘અમારે તમમાં હેત તેવું દીકરામાં નહીં.’ મહારાજ કહે, ‘એમ, એવાં હેત છે ?’ તો કહે, ‘હા મહારાજ !’ મહારાજે ડોસાભાઈને કહ્યું, ‘કાશીએ જાઓ.’ તો કહે, ‘ઠીક મહારાજ !’ મહારાજ કહે, ‘ઠીક નહિ, હમણાં જ ચાલવા માંડો.’ પછી ચાલી નીકળ્યા, ત્યારે ડોશીને એમ થયું જે, ટીમણ લીધું નથી ને દોરી-લોટો પણ લીધો નથી તે કેમ થાશે ? એમ વિચાર કરતાં કરતાં ગળગળાં થઈ ગયાં ત્યારે મહારાજ કહે, ‘ડોશીમા, ડોસાને ખરચી અપાવું ?’ તો કહે, ‘હા મહારાજ ! અપાવો તો બહુ સારું.’
પછી મહારાજે પાછા વાળવા મોકલ્યા ને કહ્યું જે, ‘જ્યાં દેખો ત્યાં ઊભા રાખજો.’ પછી વાંસે જઈને કહ્યું જે, ‘પાછા વળો.’ તો કહે, ‘હિ વળું.’ પછી કહે, ‘મહારાજે કહ્યું છે, જ્યાં દેખો ત્યાં ઊભા રાખજો.’ તે સાંભળી ઊભા રહ્યા, આગળ ચાલ્યા નહિ ને પાછા પણ વળ્યા નહિ પછી મહારાજને આવીને કહ્યું જે, ‘આમ થયું.’ મહારાજે બ્રહ્મચારીને મોકલી કહેવરાવ્યું જે, ‘મહારાજ બોલાવે છે.’ ત્યારે પાછા આવ્યા, પછી મહારાજે ખરચી આપીને મોકલ્યા. તે બે ગાઉ ગયા ત્યાં સંઘ મળ્યો, તેણે પૂૂછ્યું, ‘ક્યાં જાઓ છો?’ તો કહે, ‘કાશીએ.’ ત્યારે કહે, ‘ચાલો અમારી સાથે, અમે ય કાશીએ જઈએ છીએ.’ એમ કહી ગાડીમાં બેસાર્યા, જતાં ને વળતાં ભાતું દીધું, ભેળા જમાડ્યા ને જ્યાંથી ભેળા થયા હતા ત્યાંથી વળતાં જુદા પડ્યા. તે મહારાજે એમ કર્યું હતું, પણ આંહીંથી એમ દેખાડ્યું ને રસ્તામાં આમ કર્યું. પછી મહારાજે પૂૂછ્યું, ‘ગંગામાં નાહ્યા ?’ તો કહે, ‘ક્યાં આજ્ઞા હતી ?’ ‘કાશી વિશ્ર્વનાથનાં દર્શન કર્યાં ?’ તો કહે, ‘ક્યાં આજ્ઞા કરી હતી ? કાશીએ જવાનું કહ્યું હતું તે કાશી આવી એટલે પાછો વળ્યો.’ મહારાજ કહે, ‘આવું બીજાથી થાય નહિ. ખરેખરી સ્વરૂપનિષ્ઠા હોય તો જ આવી આજ્ઞા પ્રમાણે વરતાય.”
એક વખત બંધિયાના જૈન વાણિયાની જાન ગઢડા ગઈ હતી. ત્યાં તેમનાં સગાં સાથે તેઓ સવારે મહારાજનાં દર્શને ગયા. મહારાજે તેમને પૂછ્યું જે, ‘કયા ગામ રહેવું ?’ એટલે તેઓએ કહ્યું જે, ‘બંધિયા.’ ત્યારે મહારાજે કહ્યું જે, ‘અમારા ડોસાભાઈ સુખી છે ને ?’ ત્યારે તેઓ બોલ્યા જે, ‘મહારાજ ! અમે ગળા સુધી વહેવારમાં ખૂંચી ગયા છીએ અને તમારા ડોસાભાઈ માથાબૂડ ખૂંચ્યા છે; કેમ જે, ઓણ ઘણા કણબીએ વાઢ કર્યા છે ને તે બધા વાઢના ગોળનાં માપાં ડોસાભાઈએ રાખ્યાં છે, તે રાત દિવસ ગોળ જોખતાં નવરા થાતા નથી.’ ત્યારે મહારાજ કહે, ‘એમ હોય નહિ ! અને જો અમે ડોસાભાઈને કાલે જ ત્યાગી કરીએ તો તમારે અમારી કંઠી બાંધવી ?’ એ સાંભળી વાણિયાઓએ ધાર્યું જે, અત્યારે ડોસો ગોળનું કામ મૂકીને સાધુ થાવા ક્યાં નવરો થાય તેમ છે ? એમ ધારીને કહ્યું જે, ‘હા, મહારાજ !’ એમ કહીને ગામમાં ગયા.
આંહીં મહારાજે ભગુજીને ઊંટ લઈને ડોસાભાઈ પાસે મોકલ્યા. ભગુજી બંધિયે પહોંચ્યા ત્યારે ડોસાભાઈ ગોળનાં ગાડાં વચ્ચે ઊભા હતા ને ગોળની ધારણો જોખતા હતા પણ ભગુજીને જોઈને દંડવત્ કરવા મંડ્યા ને પૂછ્યું જે, ‘મહારાજની શી આજ્ઞા છે ?’ એટલે ભગુજીએ કહ્યું જે, ‘આ ભગવાં વસ્ત્ર પહેરીને (પહેરીને) ગઢડા આવવા આ કાગળ આપ્યો છે.’ એથી ગોળની ધારણો2 ત્યાં ને ત્યાં પડતી મેલી અને ઘેર પણ કાંઈ કહેવરાવ્યા વગર ભગુજી સાથે ગઢડે ચાલી નીકળ્યા. બીજે દિવસ સવારે બંધિયાના ઓલ્યા વાણિયા દર્શને આવ્યા. તેમને મહારાજે ડોસાભાઈને બતાડીને કહ્યું જે, ‘જુઓ, આ અમારા ડોસાભાઈ, વહેવારમાં ખૂંચ્યા છે કે નિર્બંધ છે ?’ પછી સભામાં ભગવું વસ્ત્ર ઓઢેલ ડોસાભાઈને જોઈને જાનવાળા વાણિયા ચકિત થઈ ગયા. પછી મહારાજ કહે, ‘હવે કંઠી બંધાવો.’ ત્યારે તેઓ નમ્રપણે બોલ્યા જે, ‘હે મહારાજ ! અમે કંઠી તો નહિ બંધાવીએ પણ અમારા મનમાં ડોસાભાઈ માટે ખૂબ જ ગુણ આવ્યો છે અને અમારા અજ્ઞાનને લઈને તેમનો અભાવ હતો તે નીકળી ગયો છે. ડોસાભાઈ તો તમારા ખરેખરા ભક્ત છે.’ એવી રીતે તે વાણિયાઓએ વખાણ કરી મહારાજની અને ડોસાભાઈની માફી માગી વિદાય લીધી. પછી ડોસાભાઈએ મહારાજને સેવામાં રાખવા કહ્યું. એટલે મહારાજે કહ્યું જે, ‘તમે અમારા અરધાવેણે આજ્ઞા પાળી, માટે અમે કહીએ તેમ કરો. અમે તમારા ઉપર બહુ પ્રસન્ન થયા છીએ; માટે અમારી આજ્ઞા છે કે, તમે ઘેર જાઓ, તમને વહેવાર અડશે નહીં.’ મહારાજની એવી આજ્ઞાથી ડોસાભાઈ પણ બંધિયે ગયા.
(217) ગોલીડામાં રાજગર રાઘવ, રાણો, ભીમ ને વશરામ ચારેય ભાઈઓએ મહારાજને પોતાના ઘેર પધરાવીને જમાડ્યા તે વખતે મહારાજે રાજી થઈને કહ્યું કે, ‘માગો.’ એટલે રાણો બોલ્યો જે, ‘હે મહારાજ ! આ ગામના સીમાડામાં કોઈને જમ લેવા ન આવે.’ એટલે મહારાજે એ વર આપ્યો. પછી એક રાતે વારાફરતી ગામનું પસાયતું કરતા હશે, ત્યાં ભીમે અને રાણે જમ ભાળ્યા. તે, ‘કુસંગીને તેડવા આવ્યા છીએ તે લઈ જઈશું.’ એમ બોલ્યા એટલે ભીમે એક જમના મોઢા ઉપર ડાંગ મારી દાંત પાડી નાખ્યા અને પછી ચારેય ભાઈએ વાંસે જઈને તગડ્યા, તે સીમાડા બહાર બીજા ઊભા હતા તે બધાય ભાગી ગયા. આ ચારમાંથી રાઘવે અને વશરામે પાછળથી દીક્ષા લીધી હતી અને તેમનાં નામ મહારાજે રાઘવાનંદ અને વિશ્ર્વાત્માનંદ પાડ્યાં હતાં તે જમતગડા સાધુ કહેવાતા હતા. રાણો રાજગર ધામમાં ગયો ત્યારે સૌને પૂછ્યું જે, ‘કોઈને ધામમાં આવવું છે ?’ ત્યારે સૌએ ના પાડી પણ તેની માએ તથા દીકરાએ હા પાડી એટલે બેયને ધામમાં તેડી ગયો. એવા થોડા જ જડે.
પસાયતું : ચોકી પહેરો કરવો.
વાંસે : પાછળ.
(218) ગઢડામાં એક આડો કાઠી જીવાખાચરને ત્યાં અફીણ ખાવા જતો તે વિમુખ હતો ને તેની સ્ત્રી સત્સંગી હતી. તેને કહે, ‘જો મહારાજ પાસે જઈશ તો મારી નાખીશ.’ પછી તેને ખબર પડી એટલે છાતી માથે ખાટલાનો પાયો રાખી માથે બેઠો. બાઈને મોઢે ફીણ આવી ગયાં, એવું વસમું લાગ્યું. પછી તે જીવાખાચરને ત્યાં અફીણ પીવા ગયો એટલે બાઈ છૂટીને મહારાજ પાસે ગઈ ત્યારે મહારાજે બાઈને કમાડ ઓથે ગોખલામાં સંતાઈ રહેવા કહ્યું. ત્યાં તેનો ધણી આવ્યો ને કહે, ‘મારી બાયડી લાવો.’ ત્યારે મહારાજ કહે, ‘આંહીં નથી ને હોય તો લઈ જાઓ.’ તેણે બાઈઓના ઓરડા તપાસ્યા, બધે ફરી ને વહ્યો ગયો એટલે મહારાજે તે બાઈને ધોળાં લૂગડાં પહેરાવી અને ‘માતાજી’ નામ પાડી બ્રાહ્મણ સાથે ભૂજ મોકલ્યાં તે પછી તે ત્યાં જ રહ્યાં.
(219) કઠલાલમાં રામબાઈને ત્યાં મહારાજ જમવા રોકાણા નહિ એટલે રોટલા ને પાણીનો ઘડો લઈને ડોશી વાંસે ગયાં ને અંતરિયાળ મહારાજને જમાડ્યા. પછી મહારાજને કહે, ‘આ ઘડામાં ચરણારવિંદ બોળો.’ ત્યારે મહારાજ કહે, ‘શા સારુ ?’ ડોશી કહે, ‘આ પાણી કૂવામાં નાખીશ, તે આખું ગામ પ્રસાદીનું પાણી પીશે એટલે બધાં સત્સંગી થાશે.’ પછી પર્વતભાઈએ કહ્યું જે, ‘આવું માહાત્મ્ય તો આપણેય જાણતા નથી !’ માટે આવો ઠરાવ કરીને એમ જાણવું જે, કોઈ ધામ, કોઈ લોકાંતર કે કોઈ વિભૂતિમાં લોભાવું નહીં. સર્વોપરી ભગવાન મળ્યા છે તેનો કેફ રાખવો એટલે બીજાનો કેફ ઊતરે.
વાંસે : પાછળ.
અંતરિયાળ : અધવચ.
માહાત્મ્ય : મહિમા, મહત્વ.
(220) સરધારનો કમાનગર બોદો વર્તમાનમાંથી પડેલ તેને મંદિરમાંથી કાઢી મેલે તો પણ પગરખાં પડ્યા હોય ત્યાં આવીને બેસે. પછી હરિજને મહારાજને કહ્યું ત્યારે મહારાજ કહે, ‘અમે કહીએ તેમ કરશો ?’ તો કહે, ‘હા મહારાજ !’ મહારાજ કહે, ‘સરધારને ઓલ્યે નાકે લૂગડાં મેલી આંહીં સુધી નાગા આવો.’ એટલે તે તુરત ચાલી નીકળ્યો ને સરધારને ઓલ્યે નાકે લૂગડાં મેલીને,
રે સગપણ હરિવરનું સાચું, બીજું સર્વે ક્ષણભંગુર કાચું.
(કીર્તન મુક્તાવલિ : 408)
એ કીર્તન બોલતો બોલતો, તાળી વગાડતો વગાડતો ગામ સોંસરો થઈ મહારાજ પાસે આવ્યો એટલે સૌ કહે, ‘બોદો ગાંડો થઈ ગયો, બોદો ગાંડો થઈ ગયો !’ પછી મહારાજે કહ્યું એટલે લૂગડાં પહેર્યાં. એવું બીજાથી થાય નહીં.
(221) માહાત્મ્યે સહિત નિશ્ર્ચયવાળાથી શું ન થાય ? જે ભગવાન કે સંત બતાવે તે થાય, એવી આ વાતું છે. બાદશાહ્યું પડતી મૂકીને સાંભળ્યા જેવી છે, પારસમણિ ને ચિંતામણિની ખાણો મૂકીને સાંભળ્યા જેવી છે ! બાઈડી-છોકરાં રઝળાવીને સાંભળ્યા જેવી છે, માગી ખાઈને સાંભળ્યા જેવી છે, વાયુ ભરખીને સાંભળ્યા જેવી છે ! પણ આ ‘વચનામૃત’ પ્રમાણે વરતતા હોય તેને પોતાના ધામમાં મહારાજ બળાત્કારે લઈ જાય માટે આપણે એ મારગે ચાલવું.
પારસમણિ : સ્પર્શથી લોખંડનું સોનું કરનાર મણિ.
સંવત 1918ના શ્રાવણ સુદિ પડવાને દિવસે સ્વામીએ વાત કરી જે,
(222) મધ્યનું 59મું વચનામૃત વંચાવીને વાત કરી જે, પૂર્વના સંસ્કારવાળા હોય તેનાં લક્ષણો આપોઆપ કળાય છે. વડોદરાના નાથ ભક્ત પાટીદાર હતા ને કસબી લૂગડાં વણતા. સારું લૂગડું વણાય તે મહારાજને ધરતા. એક વખતે તે મહારાજનાં દર્શને ગઢડે આવ્યા હતા અને ત્યાંથી રજા લઈને ચાલ્યા. પછી મહારાજે એક હરિભક્તને કહ્યું કે, ‘નાથ ભક્તને પાછા તેડી આવો.’ એટલે તે નાથ ભક્તની વાંસે વાંસે ગયા. તે ઠેઠ વિશ્ર્વામિત્રી નદી આગળ ભેગા થયા એટલે તે હરિભક્તે કહ્યું જે, ‘તમને મહારાજ બોલાવે છે.’ આથી ઘેર કહેવરાવ્યું પણ નહિ અને ત્યાંથી જ પાછા ગઢડે આવ્યા. મહારાજે પૂછ્યું, ‘ક્યાંથી પાછા વળ્યા ?’ તો કહે, ‘વિશ્ર્વામિત્રી આગળથી.’ પછી મહારાજે તેડવા જનાર હરિભક્તને પૂછ્યું કે, ‘તમે ઠેઠ ત્યાં સુધી ગયા તે ઓરેથી પાછા કેમ ન વળ્યા ?’ ત્યારે તે કહે કે, ‘મહારાજ, તમે નાથ ભક્તને બોલાવીને આવવા કહ્યું હતું, તેથી તે ભેગા થયા ત્યાં સુધી વાંસે ગયો.’ આથી મહારાજે બેયની નિષ્ઠાનાં વખાણ કર્યાં.
નાથ ભક્તના ઘરના માણસ દેહ મેલી ગયાં, ત્યારે મહારાજ વિમાનમાં બેસારીને તેડવા આવ્યા એવાં સૌને દર્શન થયાં હતાં. નાથ ભક્તને એક જ પ્રભુદાસ નામે દીકરો હતો. તેને સમાધિ થતી હતી. તે સોળ વરસનો થયો ત્યારે દેહ મેલી ગયો. તો પણ નાથ ભક્તે શોક કર્યો નહિ ને ગામમાં સાકર વહેંચી. આથી સૌ કહેવા લાગ્યા કે, ‘આ શું કરો છો ?’ ત્યારે નાથ ભક્તે કહ્યું જે, ‘પ્રભુનો હતો ને પ્રભુએ લઈ લીધો, તેમાં ખોટું શું થયું ?’ આવી નિશ્ર્ચળ સમજણવાળા ઝાઝા હોય નહીં.
વાંસે : પાછળ.
ઓરેથી : નજીકથી.
કરો : ઘરની દિવાલ.
(223) વિષ્ણુદાસ ડભાણના પાટીદાર હરિભક્ત હતા ને મહારાજના પરમ એકાંતિક ભક્ત હતા ને ત્રણેય અવસ્થામાં મહારાજ જ્યાં જ્યાં હોય ત્યાં ત્યાં દેખતા. મહારાજે ડભાણમાં યજ્ઞ કર્યા તે વિષ્ણુદાસના નામથી કરતા હવા. એવા મહારાજની અડગ નિષ્ઠાવાળા હતા.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
(224) સુંદરિયાણાના હેમરાજ શાહ વૈષ્ણવ વણિક હતા ને વૈદું સારું જાણતા હતા. તેમને ચાર પુત્રો હતા, તેમાં મોટા વના શાહને પ્રથમ સત્સંગ થયો તે તેમના પિતાને ગમ્યો નહીં. એક વખતે ગોપાળાનંદસ્વામી ત્યાં આવ્યા ને હેમરાજ શાહને નાડી જોવા બોલાવ્યા. શેઠે સ્વામીના હાથની નાડી ઝાલી, પણ હાથમાં આવી નહિ અને બીજે ઘણે ઠેકાણે જોયું પણ નાડી જોવામાં ન આવે. આથી વિસ્મય પામી વિચાર્યું કે, આ મનુષ્ય નથી, પણ કોઈ ઈશ્ર્વરાવતાર છે. પછી સ્વામીના ઉપદેશથી મહારાજનો આશ્રય કરી ઉત્તમ સત્સંગી થયા. આથી વૈષ્ણવોએ તેમને નાત બહાર મૂક્યા અને બહુ બહુ ઉપદ્રવ કર્યો તો પણ સત્સંગ માથા સાટે રાખ્યો. હેમરાજ શાહના અક્ષરવાસ વખતે તેમના કારજમાં કોઈ નાતીલા આવ્યા નહિ, તેથી ગઢડેથી મહારાજ ને સંતોની પધરામણી કરાવી ને જમાડ્યા અને ત્યાર પછી પણ તેમના પુત્રોએ સત્સંગ માથા સાટે રાખ્યો.
સાટે : બદલેઅવેજમાં.
(225) બોચાસણના પાટીદાર કાશીદાસને મહારાજનો અડગ નિશ્ર્ચય હતો. તેમના માથે કરજ હતું તેથી લેણદારોએ ફરિયાદ કરીને તેમને જેલમાં નખાવ્યા. કાશીદાસે અમલદારને કહ્યું કે, ‘હું હરિભક્ત છું ને ભાગી નહિ જાઉં, માટે મને નદીએ નહાવાની રજા આપો.’ તેથી રજા આપી. એક દિવસ નહાતી વખતે મહારાજને સંભારીને ડૂબકી મારી, તે બોચાસણમાંથી તેઓ ગઢડાના પાદરમાં નીકળ્યા ને હાથ-પગમાંથી બેડી અદૃશ્ય થઈ ગઈ, પછી ત્યાંથી તે મહારાજ પાસે આવ્યા. મહારાજે તેમને ગઢડે છ મહિના રાખ્યા. બોચાસણમાં સિપાઈઓએ પાણીમાં તેમ જ આજુબાજુની જાયગાઓમાં બહુ જોયું પણ ક્યાંય કોઈ દેખાણું નહિ, તેમ જ બેડી પણ હાથ આવી નહિ આથી સૌએ જાણ્યું કે, કાશીદાસ ખરા ભક્ત છે તે ભગવાને રક્ષા કરી લાગે છે. છ મહિના પછી મહારાજે કાશીદાસને બોચાસણ મોકલ્યા. આ બનાવથી લેણદારોને કાશીદાસ માટે માન થયું ને તેઓ કાંઈ બોલ્યા નહિ; ઊલટી માફી માગી કે, ‘અમારો અપરાધ થયો છે તો માફ કરો.’
બેડી : કેદીને બાંધવાની સાંકળ-કડાં
(226) સુરતના ભાલચંદ્ર શેઠને મહારાજની પાકી નિષ્ઠા હતી. અરદેશર કોટવાલ, ભાલચંદ્ર શેઠના ભાઈબંધ હતા. અરદેશર મુસાફરીએ ગયા હશે ત્યાંથી કપૂરના હાર વગેરે લઈ આવેલ તે ભાલચંદ્ર શેઠને યાદગીરીરૂપે આપ્યા. ભાલચંદ્ર શેઠે તે મહારાજને ધરાવ્યા હતા. અરદેશરભાઈને મહારાજનો મહિમા કહી નિષ્ઠા કરાવી હતી અને સુરતમાં મહારાજને ધામધૂમથી પધરાવ્યા હતા. જ્યારે અગણ્યોતેરો કાળ પડ્યો, ત્યારે આ દેશના ઘણા હરિભક્તોને ભાલચંદ્ર શેઠે સુરત તેડાવીને નભાવ્યા હતા. એવા પક્ષવાળા હતા.
નિષ્ઠા : શ્રદ્ધા, આસ્થા, વિશ્ર્વાસ, ધારણા.
(227) દામોદર અમદાવાદના પાટીદાર, પ્રથમ રામાનંદસ્વામીના આશ્રિત હતા ને પછી મહારાજના સ્વરૂપની દૃઢ નિષ્ઠા કરી હતી. તેમને ત્યાં મહારાજ ઘણી વખત જમવા પધારતા. એક વખતે નથુ ભટ્ટ સાથે સ્વરૂપનિષ્ઠાની વાત કરતાં દામોદરે કહ્યું જે, ‘મહારાજ તો અવતારી પુરુષોત્તમ છે અને રામાનંદસ્વામી તો ઉદ્ધવનો અવતાર હતા.’ એટલે નથુ ભટ્ટે દામોદરને થપાટ મારી, પછી મહારાજ આગળ વાત કરી જે, ‘દામોદર આમ બોલે છે.’ પછી મહારાજે નથુ ભટ્ટને ધ્યાનમાં બેસવા કહ્યું, ને તેમાં રામાનંદસ્વામીએ સહિત સર્વ અવતારોને મહારાજની સેવામાં દેખાડ્યા. જ્યારે ધ્યાનમાંથી બહાર આવ્યા ત્યારે નથુ ભટ્ટે દામોદરને દંડવત્ પ્રણામ કર્યા ને કહ્યું જે, ‘મારી ખોટ તમે ટાળી.’ દામોદરનો વહેવાર માંડમાંડ ચાલતો તેથી અતિ દયાળુ સ્વભાવને વશ થઈને, મહારાજ ઘણી વખત પોતે અંગ પર ધારેલ ઘરેણું દામોદરને કોઈ ન જાણે તેમ આપી દેતા.
પ્રકરણ 7ની વાત 14
નિષ્ઠા : શ્રદ્ધા, આસ્થા, વિશ્ર્વાસ, ધારણા.
(228) સગર રાજાના સાઠ (સાંઈઠ) હજાર પુત્રોનો ઉદ્ધાર કરવા, એક દીકરો થાય પછી તેના વંશના તપ કરવા ચાલી નીકળતા. પણ ભગીરથ તો કહે, ‘મારો વંશ રાખવો હશે તો ભગવાન રાખશે.’ એમ કહી તપ કરવા વહ્યા ગયા. પછી ગંગાજી કહે, ‘હું આવું તો મારામાં જે હોય તે આવીને પાપ મૂકી જાય, પણ મારાં પાપ કોણ ધોવે ?’
સાધવો ન્યાસિન: શાન્તા બ્રહ્મિષ્ઠા લોકપાવના: ।
હરન્ત્યઘં તેઙ્ગસઙ્ગાત્ તેષ્વાસ્તે હ્યઘભિદ્ધરિ: ॥
(શ્રીમદ્ ભાગવત : 9/9/6)
અર્થ : એષણા ત્રયને ત્યાગવાળા, શાન્ત, બ્રહ્મનિષ્ઠ અને લોકોને પવિત્ર કરવાવાળા (સાધુજન) પોતાના અંગ-સંગથી તમારા પાપને દૂર કરી દેશે, કારણ કે એમનામાં પાપ-હારી શ્રીહરિ બિરાજે છે (રહે છે).
પછી ભગવાન કહે, ‘ભગવાનને અખંડ ધરી રહ્યા એવા જે સંત તેના ચરણનો તમને સ્પર્શ થાશે કે તુરત જ તમારાં પાપ નાશ થઈ જાશે.’
પછી ગંગાજી આવ્યાં તે શિવજીએ જટામાં ઝીલ્યાં; પણ ગંગાજીને ગર્વ આવ્યો જે, શિવજીને પાતાળમાં ખોસી દઉં, તેથી શિવજીએ જટામાંથી નીકળવા ન દીધાં. પછી ભગીરથે તપ કરીને શિવજીને રાજી કર્યા, એટલે ગંગાજીને નીકળવા દીધાં. તે ભગીરથ ઘોડા ઉપર આગળ ને વાંસે ગંગાજી ચાલ્યાં જતાં હતાં. રસ્તામાં અગસ્ત્ય ઋષિ બેઠા હતા, તેમને ભગીરથ કહે, ‘કોરે (બાજુ) ખસો, નહિ તો ગંગાજી તાણી જાશે.’ અગસ્ત્ય ઋષિ કહે, ‘ક્યાં છે ગંગાજી ?’ તો કહે, ‘વાંસે ચાલ્યાં આવે છે.’ ગંગાજી આવ્યાં એટલે ઋષિ આચમન કરી ગયા. પછી ભગીરથે પ્રાર્થના કરી ઋષિને રાજી કર્યા, ત્યારે ગંગાજીને જાંઘમાંથી કાઢ્યાં એટલે જાહન્વી કહેવાય છે. પછી જ્યાં સગર રાજાના સાઠ હજાર પુત્રો કપિલ મુનિના શાપથી બળીને ભસ્મ થઈ ગયા હતા ત્યાં ગંગાજી ચાલ્યાં ને ઉદ્ધાર કર્યો. તેમાં કહેવાનું એ છે જે, સાત પેઢી સુધી વાત મેલી નહિ તો લઈ (લીધી) એ વાત સિદ્ધ થઈ. તેમ મોક્ષને પામવા દાખડો કરે તો મોક્ષ થાય.
અર્થ : ધન, સંપત્તિ.
વાંસે : પાછળ.
(229) કામ, ક્રોધ આવે તો સમાવી દેવા; પણ લક્ષણ ઝળકાવવાં નહીં. એક ડોશીને ચોરવાના હેવા હતા તેથી તેનો દીકરો કહે, ‘તને જાનમાં નહિ લઈ જઈએ.’ તો કહે, ‘ભાઈ, હું કાંઈ નહિ લઉં.’ પછી તેડી ગયા. જમતાં જમતાં છાશનાં દોણાં પીરસનારે હેઠે મેલેલાં તે ડોશીએ નજરમાં ઘાલ્યાં ને જમી ઊઠ્યાં એટલે ડોશીએ સારું જોઈને બગલમાં ઘાલ્યું. ગાડામાં બેસી ઘેર જતાં હતાં ત્યાં છલક-છલક થાવા માંડ્યું. ત્યારે દીકરે પૂછ્યું જે, ‘આ શું થાય છે ?’ ત્યારે ડોશી કહે, ‘ભાઈ, ઈ મારાં લખણ ઝળકાય છે !’ તેમ કોઈ ભલા થઈને લક્ષણ ઝળકાવશો નહિ !
લખણ : લક્ષણ.
(230) ‘મારા વિના નહિ ચાલે’, એવો કોઈએ અહંકાર રાખવો નહીં. આ તો ભગવાનનાં કારખાનાં છે તે કોઈ વિના ન ચાલે એમ ન જાણવું. સત્સંગની સેવામાં તો લક્ષ્મી ને ભગવાન એ બેય રહ્યાં છે, તે સત્સંગનું ન બગડે ને પોતાનું બગડે; માટે જેમ વહેવારમાં ત્રેવડ રાખતા, તેમ આંહીં ત્રેવડ રાખવી. કેટલાક તો ધોતિયું ફાટે તેને થીંગડું દેતા નથી; જરાક ફાટે એટલે કાઢી નાખે છે. અરે ! કેટલાક તો લૂગડાના કટકા સારું નવું ધોતિયું ફાડી નાખે છે ને જોડામાં તેલ ભરી મૂકે છે તે તેમાં રહેતું નથી ને નીકળી જાય છે. તે શું, ઘેર એમ કરતા હશે ! અને બ્રહ્મચારી તો ચળામણમાં અરધોઅરધ લોટ કાઢી નાખે છે. તેને શું કહેવું ? પણ એવા હશે તેને આગળ જરૂર નડશે; માટે ઘેરની પેઠે જ આંહીં ત્રેવડ રાખવી.
ત્રેવડ : કરકસર.
અરધોઅરધ : અડધું.
(231) ‘વ્યર્થકાળ નિર્ગમવો નહીં.’ એમ કહ્યું છે તે વાતને કોણ વિચારે છે? બેઠા હોય કે ચાલતા હોય ત્યારે કશું કામ ન હોય પણ મોઢે ય સ્વામિનારાયણનું ભજન ન કરે. કદાચ કરે તો અરધું ભજન કરે ને અરધું તો બીજું ચિંતવન કરે.
નિર્ગમવો : વીતાવવો-ગુજારવો.
(232) અવળા માણસ આગળ વાત જ ઊકલે નહીં. સમાગમ કરવા આવ્યા છીએ પણ જોગ નથી થાતો. પ્રહ્લાદના જેટલો કુસંગનો જોગ હોય ને પ્રભુ ભજે તેને જીવમાં બળ જાણવું. આવા જોગમાં જે લડથડિયાં લે છે તેનો તો જીવ નાદાર છે ને આવા જોગમાં જે આજ્ઞા લોપે છે તેના પાપનો પાર નહિ; માટે મોક્ષને મારગે ચાલ્યા છીએ તે ખબરદાર થઈને પ્રભુ ભજી લેવા.
(233) આ કાયાનગરીને વિશે જીવ રાજા છે; ધર્મ, જ્ઞાન ને વૈરાગ્યાદિક જે ગુણ તે ખજીનો છે ને દેહ, ઇન્દ્રિયો ને અંત:કરણ ચારણ, ભાટ ને વેશ્યાને ઠેકાણે છે તે જીવ પાસે નોખું નોખું માગે છે, જિહ્વા કહે મને સારું સારું ખાવા આપો; દેહ કહે મને સુવાડી મૂકો; નેત્ર કહે મને રૂપ જોવા આપો, તે જો જીવ નાદાર થાય ને તેમનું કહ્યું કરે તો ધર્મ, જ્ઞાન, વૈરાગ્યાદિક જે સર્વે ગુણ તેણે રહિત થઈ જાય; માટે મહારાજની આજ્ઞા પ્રમાણે વરતવું ને જેમાં ગુણ ન હોય તે જો આજ્ઞા પ્રમાણે વરતે તો તો તેમાં બધાય ગુણ આવે.
વચનામૃત ગ.મ. 12
જિહ્વા : જીભ.
(234) આ વાતુંનું કહેનારું કોઈ નથી. સંસારમાં તો આપણાથી ઘણાય ડાહ્યા છે પણ તેને પ્રભુ ભજવાની કાંઈ ખબર નથી. આદર મોટો કર્યો ને આળસ રાખશું તો કામ બગડી જાશે. ‘મસાણના લાડવામાં એલાયચીની સુગંધ હોય નહીં.’ તેમ એમાંથી કાંઈ નીકળવાનું નથી. ભમરે ગીંગોડાને કહ્યું જે, ‘તું વિષ્ટામાં શું મચી રહ્યો છે ? ચાલ મારી સાથે બાગમાં તને ભારે ભારે પુષ્પનો સુગંધ લેવરાવું !’ ગીંગોડે વિચાર કર્યો જે, ત્યાં કાંઈ ખાવાનું નહિ હોય તો હું ભૂખે મરી જાઈશ, એમ ધારી નાકમાં વિષ્ટાની બે ગોળીઓ લેતો ગયો. ભમરે તેને સારા ફૂલ ઉપર બેસાર્યો ને પૂછ્યું જે, ‘કાં કેવી સુગંધ ?’ ગીંગોડો કહે, ‘મને તો મારા જેવીએ પૂરેપૂરી સુગંધ આમાં આવતી નથી.’ ભમરે એના નાક સામું જોયું, ત્યાં તો વિષ્ટાની ગોળીઓ ભાળી. પછી કહે, ‘ચાલો હોજમાં નહાવા જઈએ.’ ભમરે ગીંગોડાને પાંખ મારીને હોજમાં ઝબોળ્યો, તે નાકમાં પાણી ભરાણું, એટલે છીંક આવી તે ગોળીઓ નીકળી ગઈ.
પછી પાછો ફૂલ ઉપર બેસાર્યો ને કહ્યું, ‘ચાલ ઓલ્યા ફૂલે.’ ત્યારે ગીંગોડો કહે, ‘હમણાં તો આંહીં ઠીક છે, બહુ જ સારી સુગંધ આવે છે !’ ભમરો કહે, ‘પ્રથમથી જ એવી સુગંધ એમાં હતી, પણ તારા નાકમાં વિષ્ટાની ગોળીઓ હતી તેથી સુગંધ આવતી નહોતી.’ તેમ સમાગમ કરવા આવે ત્યારે સંસારના સુખરૂપી ગોળીઓ રાખે એટલે ભગવાન સંબંધી સુખ ન આવે, પણ છ મહિના સુધી સારી પેઠે સમાગમ કરે તો ગોળીઓ નીકળે, માટે સાધુની પાંખમાં જો સેવાણો તો સારો રહે, નહિ તો જીવતાં સુધી લોચોપોચો રહે, પણ જીવને ખબર નથી જે મારું બગડે છે.
(235) આ સાધુ તો લોંઠાએ પ્રભુ ભજાવે છે પણ કોઈને સત ચડતું નથી. એક બાઈ અંજારમાં પોતાના ધણી સાથે બળી મરવા, ‘જે અંબે ! જે અંબે !’ કરતી નીકળી; પણ સ્મશાનમાં ગઈ ત્યાં સત ઊતરી ગયું, પછી કહે, ‘હું તો નહિ બળું ને ઘેર આવીશ.’ પછી પાન્યમાં સંતાણી, ત્યારે તેના કુટુંબીએ લાજની ખાતર પરાણે ઉપાડીને ચિતામાં નાખી, તે બળી મૂઈ. તેમ આ સાધુ લોંઠાએ પ્રભુ ભજાવે છે, પણ આપણને લગારેય કલ્યાણનો ખપ નથી.
લોંઠાએ : પરાણે.
(236) મનને ધાર્યે કોઈ સાધન કરવું નહીં. અલૈયાખાચર ને નાજા જોગીઆ શિયાળામાં રાતે તળાવમાં બેસતા, તે ચામડું ઘોના જેવું થઈ ગયું ને માંહીથી લોહી નીસર્યું; પણ જ્યારે મહારાજે નાજા જોગીઆને ઘોડીની ચાકરી કરવાથી રાજી થઈને થાળ આપ્યો ત્યારે અલૈયાખાચરે મહારાજને કહ્યું જે, ‘મારો તો વાંસો ફાટી ગયો ને થાળ તો એને આપ્યો.’ મહારાજ કહે, ‘પાણીમાં બેસવાનું અમે કહ્યું નહોતું, તમે તમારા મનને જાણે કર્યું છે ને એણે તો અમારા કહેવાથી ઘોડીની ચાકરી કરી તેથી થાળ આપ્યો છે; પણ પાણીમાં બેસવાનો થાળ આપ્યો નથી, એ તો બેયનું પાણીમાં ગયું.’ વહેવાર વધારવામાં દુ:ખ છે. એક સાંઢે તપ કરીને ચારસેં ગાઉ લાંબી ડોક માગી, તે ચારસેં ગાઉમાં જ્યાં ચરવું હોય ત્યાં ચરે, પણ રાતે વનમાં સૂતો ત્યાં વાઘ, નારડાં ને શિયાળિયાં મળ્યાં, તે વચમાંથી ડોક ખાઈ ગયાં પછી હેરાન થઈને મૂઓ; તેમ લાંબા વહેવારમાં દુ:ખ છે.
(237) સાધુ કહે તેમ કરવું, તેમ ખાવું, પીવું ને આસન કરવું; કેમ જે, એ દીર્ઘદર્શી હોય. અમે થાણાગાલોળ ગયા ત્યારે જસા રાજગરે અમને હાથ જોડી કહ્યું જે, ‘એક જ સત્સંગી છું ને રસ્તાનું ગામ છે તે પૂરું થાતું નથી.’ ત્યારે અમે તેને પૂછ્યું જે, ‘તમારી પાસે કાંઈ છે ?’ તો કહે, ‘હા મહારાજ! બાજરો છે.’ પછી પાલી બાજરો મંગાવ્યો. તે જૂનાગઢમાં આવ્યા, ત્યારે પલાળીને સૌને વહેંચી દીધો. પછી પૂછ્યું જે, ‘કાંઈ લૂગડું છે ?’ તો કહે, ‘હા મહારાજ ! વેજું છે,’ પછી વેજું લાવ્યો. તેમાંથી એક ગરણા જેટલું લીધું ને ઘોડીએ ચડી તેને ખેતર ગયા ને કહ્યું જે, ‘આ તો સોનું પાકે એવી જમીન છે માટે વણ વાવજે, તે ઓગણીસ ગણું દેશે.’ પછી તેણે કોઈકનું સાંતી માગી આડા-અવળા ઓગણીસ લીટા કર્યા ને વણ વાવ્યો. તે કાલાં ઘણાં થયાં ને દેણું દેતાં રૂપિયા પાંચસેં વધ્યા. તેમાંથી રૂપિયા સોની જૂનાગઢમાં રસોઈ દીધી ને વહેવાર પણ સારો થયો. માટે મોટાના વચનમાં વિશ્ર્વાસ રાખીને કહે તેમ જ કરવું; પણ જો કહે તેમ ન કરે તો જરૂર દુ:ખ થાય.
અમને આખાના મૂળજી શ્રોત્રિયે દીકરાના વિવાહનું પૂછ્યું. ત્યારે અમે કહ્યું જે, ‘ાનાનો વિવાહ કરીશ નહીં.’ ત્યારે કહે, ‘બહુ સારું.’ પણ વેવાઈએ બહુ કહ્યું એટલે વિવાહ કર્યો. પછી દર્શને આવ્યા ત્યારે કહે, ‘સ્વામી, તમે ના પાડી હતી પણ વિવાહ તો કર્યો.’ અમે કહ્યું જે, ‘તારે વાડે ચિચોડો ફરે ત્યાં સુધી જવા દઈશ નહીં.’ પછી તો છોકરાને ઘરમાં પૂર્યો; પણ સંધીનો છોકરો તેનો ભાઈબંધ હતો તે આવીને તેડી ગયો. પછી વાડે ગયો ને સાંઠા ચિચોડામાં નાખવા ગયો, ત્યાં હાથ આવ્યો એટલે આખો હાથ ચિચોડામાં ખેંચાઈ ગયો ને ભચરડા નીકળી ગયા. પછી ઘેર લઈ ગયા ત્યાં મરી ગયો.
(238) સાધુ સમાગમ વિના તો કાંઈ ન આવડે, કથા કીર્તન કરતાં પણ આવડે નહિ. તે કેટલાય કથા કીર્તન કરતાં કરતાં ચાલ્યા ગયા ને સમાધિથી પણ જ્ઞાન અધિક છે. લક્ષ્મણને સમાધિ થાતી, પણ જ્ઞાન નહિ તેથી વહેવારમાં બંધાઈ ગયો. અમે પૂછ્યું જે, ‘હવે સમાધિ થાય છે ?’ ત્યારે કહે જે, ‘કરું તો થાય.’ પણ નવરો નહીં. શિવલાલ આગળ રાઈબાઈને પૂછાવ્યું જે, ‘મોરેની ઘોડ્યે (પહેલાની જેમ) સમાધિ થાય છે ?’ તો કહે, ‘કરું તો થાય.’ તેમાં શું કહ્યું ? જે, ‘સાધુ સમાગમે સ્થિતિ રહે તેવી કેવળ ધ્યાને કે સમાધિએ કરીને ન રહે. સાધુ સમાગમે કરીને રાજ કરે તોય સ્વરૂપાનંદસ્વામીના જેવી તો ગતિ પામે. સાધુ સમાગમ વિના બીજું ગમે તેટલું કરે પણ તેનો નિરધાર નહિ; માટે સાધુ સમાગમ તો અવશ્યપણે કરવો.’
પ્રકરણ 12ની વાત 212
ઘોડ્યે : જેમ.
(239) એક જણને 360 કેડિયાં હતાં. લોકની મોટાઈમાં હરિભક્તને તણાવું નહીં. આપણે તો મોટા મોટા આગળ થઈ ગયા તેના મારગમાં ચાલવું. ભગવદી હોય તેને દેહ સામી નજર ન હોય. બીજા તો દેહને જોઈને બેઠા છે; પણ દેહ આવું ને આવું ક્યાં સુધી રહેશે ? દેહ તો સડી જાશે, કાં રોગ થાશે, ત્યારે જીવ જાશે; માટે ભગવાન સામું જોઈને ભગવાનને (મેળવવાને) અર્થે આ દેહ કામ આવે એટલું જ કામ આવ્યું ને બીજું તો સર્વે વ્યર્થ ગયું. સાંખ્ય શીખ્યા વિના જીવમાં સુખ આવે નહીં. સાંખ્ય વિના તો છોકરો મરે કે, બાયડીને ટૂંટિયું આવે કે, વરસાદ ન વરસે તો દુ:ખ થાય પણ દત્તાત્રેયની પેઠે ગુરુ કરે તો કાંઈ ન હોય તોય સુખિયો રહે.
(240) નારણ પ્રધાને પૂછ્યું જે, ‘મારો જીવ નિર્બળ છે ને શ્રદ્ધા નથી તે શું કરું ?’
કોટિ બ્રહ્માંડના નાથ કર સાહીને, અચળ પદવી મને આજ દીધી.
(કીર્તન મુક્તાવલિ : 71)
એ બોલીને તેનો હાથ ઝાલીને કહ્યું જે, ‘બળ નથી તો હવે નવું બળ આવશે; જેમ કોઈને રહેવા ઘર ન હોય ને નવું ઘર બાંધે છે તેમ તથા સંસ્કાર લાગશે એટલે જીવમાં બળ આવશે.’
કોટિ : કરોડ.
સંવત 1918ના શ્રાવણ સુદિ અષ્ટમીને દિવસે સ્વામીએ વાત કરી જે,
(241) આજ્ઞા ને ઉપાસના એ બે વાત જ મુખ્ય છે. રૂપિયાને મારગે કોઈએ ચાલવું નહિ એમાં તો કાંઈ માલ જ નથી. સિદ્ધાઈમાં પણ કાંઈ માલ જાણશો નહીં. સ્ત્રી, દ્રવ્ય, સ્વાદ ને માન એ તો પડવાના મારગ છે. ભૂજમાં તુળસીને પાણી રેડ્યું તે કોંટા ફૂટ્યા, તેમ સ્વાદમાંથી કામના કોંટા ઊગે છે માટે કોઈની મહોબતે કરીને ખાટાં, ગળ્યાં કે, ચીકણાં કોઈએ ખાવાં નહીં. એ તો જાણવું જે, આગલ્યાનો આપવાનો ધર્મ ને આપણો ત્યાગ કરવાનો ધર્મ. ધર્મામૃતમાં કહ્યું છે જે, રસભર્યાં ખાય તો ધાતુ પ્રકોપ થાય; તે હમણાં નહિ થાય તો પાંચ દહાડા પછી થાશે ને કીડા પડે એટલું દુ:ખ આવશે; કેમ જે, મહારાજને ન ગમે એટલે કેમ કરીએ ? માટે આજ્ઞામાં રહેવું એ ઠીક છે. બંધિયાવાળા મૂળુભાઈનો હાથ કચરાણો, પણ ઓયકારો ન કર્યો ! એવી જેને સત્સંગની લાજ હોય તેનાથી કાંઈ આડુંઅવળું કેમ થાય ?
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
ઓયકારો : વેદનાનો સીસકારો.
(242) વાત કરવી તે સ્થાન જોઈને કરવી, દેશકાળ જોઈને કરવી, મનુષ્ય જોઈને કરવી, પણ જોજો કોઈ સિદ્ધાઈ જણાવતા નહિ ! એમાંથી તો કેટલાયની ઝોળીઓ ટપક્યું છે ને હજી પણ એ મારગે ચાલશે તેની ઝોળી ટપકશે; એમાં ફેર નથી. નિષ્કુળાનંદસ્વામી કોઈની મહોબતમાં લેવાય નહિ ને કરીમભાઈ લેવાય. વિષય છાતી ઉપર ચડી બેઠા છે તે શું ? જે, સ્ત્રી, ધન ને સ્વાદ તેની જ વાસના છે, પણ ધનની વાસનાએ કરીને સાપ થાવું પડશે.
જોને ચીલ ચડે આસમાને રે, નજર તેની નીચી છે;
દેખી મારણને મન માને રે, અન્ય જોવા આંખ મીંચી છે.
(કીર્તન મુક્તાવલિ : 1041)
તેમ પ્રકૃતિપુરુષ સુધી સર્વેની નજર કરકા ઉપર છે; તે ગમે તેવો ડાહ્યો હોય તેને પણ સ્ત્રી ઘુમરી ખવરાવે.
શ્રવણ ફંટાકી સીંઘણી, બેઠી રૂપ બનાય;
લાવનતા કર લે લિયા, તીન લોક મુખ માંય.
તીન લોક મુખ માંય, ત્રિયાકો અજબ તમાસો;
કૈક રય સિર કૂટ, છૂટ નહિ સક્યા ગ્રહ્યાસો.
દાખત બ્રહ્માનંદ, પ્રબલ ખેલાડ પટાંકી;
ખલક મુલકકું ખાય, સીંઘણી શ્રવણ ફટાંકી.
(બ્રહ્માનંદ કાવ્ય : કુંડલિયા)
તે સ્ત્રી સારુ થઈને દેવલોક સુધી બાઝી મૂઆ છે, પણ જેમ ગુજરાતમાં પાણો હોય નહિ તેમ આત્મારૂપે વરતે તેમાં માયા હોય નહીં. ધન ને સ્ત્રી જીવમાંથી કાઢી નાખવાં, એ તો સ્વરૂપાનંદસ્વામી જેવા હોય તે બીજાના હૈયામાંથી કાઢી નાખે. ચૈતન્યાનંદસ્વામીને નીકળી ગયું તે અવયવ ફરી ગયાં. તેમ આપણે પણ એવાનો મન, કર્મ, વચને સંગ કરીએ, તો આપણાં અવયવ પણ ફરી જાય ને પૂર્ણાનંદ ને આત્માનંદ થાવાય.
પ્રકરણ 6ની વાત 165
વાસના : પૂર્વના સંસ્કારોથી મકકમ થયેલી કામના.
પ્રકૃતિપુરુષ : ચેતન અકર્મણ્ય પુરુષની મદદથી જડ પ્રકૃતિમાંથી સમગ્ર સૃષ્ટિની ઉત્પતિ થઈ તે
કરકા : સ્ત્રી, માદા.
પાણો : પથ્થર.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
(243) બધી કલમું છે, તેમ આ પણ એક કલમ છે તે જે ભણે તેને આવડે. બ્રહ્મવિદ્યા તે શું ? જે, ‘પ્રગટ બ્રહ્મ મૂર્તિમાન જે, આ બોલે છે તેને વિશે સ્થિતિ થાય તો તેને મહારાજ ને પ્રગટ બ્રહ્મ વિના બીજા કોઈ આકાર નજરમાં ન આવે તેને બ્રહ્મવિદ્યાશ્રિત યોગી જાણવા.’
બ્રાહ્મે મુહૂર્તે શયનં વિહાય નિજસ્વરુપં હૃદિ ચિન્તયિત્વા ।
સ્નાનં વિશુદ્ધં પ્રચુરાભિરદ્રિ: શ્રીનિલકણ્થં હૃદિ ચિન્તયામિ ॥
(શ્રી નીલકંઠ ચિન્તનાષ્ટકમ્)
અર્થ : બ્રાહ્મ મુહૂર્તમાં શય્યા (નિદ્રા)નો ત્યાગ કરી પોતાના સ્વરૂપનું હૃદયમાં ચિંતન-ધ્યાન કરી, અધિક જળ વડે સ્વચ્છ સ્નાન કરી શ્રી નીલકંઠનું હું હૃદયમાં ચિંતન કરું છું.
બે વડે બ્રહ્મવિદ્યા શીખે છે ત્યારે સ્થિતિ રહે છે. તે જે સાત્ત્વિક સેવ્યા હોય અને તેના આશીર્વાદ હોય ત્યારે સ્થિતિ રહે.
હરિ કૃપા જબ હોત હે સુજત અપના દોષ.
બીજાના (દોષ) તો સૌને સૂઝે પણ પોતાના (દોષ) સૂઝે તો કૃપા સમજવી. અંતરમાં અભાવ વિના ટેક રહે નહીં.
ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના, કરીએ કોટિ ઉપાયજી;
ચમક દેખીને લોહ ચળે, ઇન્દ્રિય વિષય સંજોગજી;
અણભેટ્યે રે અભાવ છે, ભેટ્યે ભોગવશે ભોગજી. ત્યાગ 0
(કીર્તન મુક્તાવલિ : 480)
જ્યારે ભોગનો જોગ થાય ત્યારે રહેવાય નહીં. બોરના કીડાની પેઠે વિષયમાંથી નીકળે નહિ પણ કૂકડવેલનું પાણી પેટમાં ગયું હોય તો પેટબેસણું થાય તેમ વૈરાગ્યરૂપી ઔષધિ જીવમાં ગળે તો બીજું નીસરે. ધર્મે કરીને સત્સંગમાં રહેવાય, મહિમાએ સહિત જ્ઞાન હોય તો કૃતાર્થપણું મનાય, આત્મજ્ઞાને કરીને એમ જાણે જે, ‘હું દેહથી નોખો આત્મા છું, તે આત્માને કાંઈ જોઈતું નથી, હું તો આત્માને સુખે સુખિયો છું.’ એમ માને, વૈરાગ્યે કરીને પ્રકૃતિપુરુષ પર્યંત જે યત્કિંચિત્ માયિક પદાર્થમાત્ર તે સર્વે ખોટું થઈ જાય; ને ભક્તિ તે શું ? જે, પ્રગટ ભગવાન અને તેના સંતને વિશે ઘણો સ્નેહ થાય ત્યારે સંપૂર્ણ થયું કહેવાય; પછી ભગવાન વરે છે.
અર્થ : ધન, સંપત્તિ.
કોટિ : કરોડ.
ચમક : લોહચુંબક.
પેટબેસણું : વારંવાર જુલાબ થવો તે, ઝાડો.
પ્રકૃતિપુરુષ : ચેતન અકર્મણ્ય પુરુષની મદદથી જડ પ્રકૃતિમાંથી સમગ્ર સૃષ્ટિની ઉત્પતિ થઈ તે
પર્યંત : ત્યાં સુધી, જેટલી.
(244) જીવ કોઈ વાતે ધરાણો નહિ ને કથાવાર્તામાં ધરાઈ રહે છે. ધ્રુવપાંખડી ધ્રુવ સામી જાય ને માછલું જળ વિના રહે નહિ, તેમ ઠરાવ કરવો જે, ‘હવે તો પ્રભુ જ ભજવા છે.’ મારવાડના ઐલપુરુરવા રાજાને વૈરાગ્ય ઊપજ્યો, ત્યારે સ્ત્રી એવું નામ ન લેતો; તે સ્ત્રીલિંગે પદાર્થનું નામ પણ જીવ્યો ત્યાં સુધી ન લીધું. તડકામાં પણ લીમડી કહે તો તેની છાંયા હેઠે ન જાય. ગમે તેવી તરસ લાગી હોય પણ વાવડી કહે તો તેનું પાણી ન પીએ. રોટલી કહે તો ખાય નહિ ને બાજરીનો કહે તોય ખાય નહિ; એવો અભાવ થાય ત્યારે ભગવાન ભજાય. આ તો જીવને બેય કરવું તે બે વાત કેમ બને ?
સાળાને સોળ સ્ત્રી ને બનેવીને બે સ્ત્રી. સાળાને વૈરાગ્ય ઊપજ્યો, તે કહે, ‘હું દરરોજ એક સ્ત્રીનો ત્યાગ કરીને સત્તરમે દિવસ ચાલ્યો જઈશ.’ તેના ખબર તેની બહેનને પહોંચ્યા ત્યારે તેની બહેન તેના ધણીને નવરાવતી હતી તે આંસુ તેના ધણીના વાંસા ઉપર પડ્યાં. ત્યારે કહે, ‘રોવે છે ?’ તો કહે જે, ‘મારો ભાઈ સોળ સ્ત્રીનો ત્યાગ કરીને સત્તરમે દિવસ ચાલ્યો જાશે, એવા ખબર આવ્યા છે.’ ત્યારે કહે જે, ‘ગાંડી થા મા, એમ ન ત્યજાય !’ ત્યારે સ્ત્રી કહે, ‘એમ જ ત્યજાય, તમે ત્યજી જોયાં છે ?’ ત્યારે તેનો ધણી કહે, ‘આ ત્યજ્યું, લે હાલ !’ એમ કહી ભીને પોતિયે ચાલી નીકળ્યો તે પાછો આવ્યો જ નહિ, એવા ખબર સાળાને મળ્યા એટલે તે પણ સોળ દિવસ પૂરા થયા પહેલાં ચાલી નીકળ્યો. એમ પ્રભુ ભજવાનો ઠરાવ કરવો.
ધ્રુવપાંખડી : હોકાયંત્રનો કાંટો.
(245) ગઢડામાં આજ્ઞા ઉપાસના વિનાનો બાવો હતો તેને જોઈને મહારાજે સાધુને કહ્યું જે, ''(શુષ્ક) વેદાંત ભણ્યા હોત તો તમારા પણ આ બાવાના જેવા હાલ થાત.''
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
(246) આ જીવને સમાગમ વિના બળ ન આવે ને જ્ઞાન પણ થાય નહિ માટે સમાગમ કરે તો બધું સૂઝે. એક શાહુકાર ગુજરી ગયો પછી તેના ઘરમાં દારિદ્ર આવ્યું ને કાંઈ ખાવા ન રહ્યું. પછી તેના દીકરા પાસે બે હીરા હતા તે લઈને મામાને ગામ ગયો ને મામાને કહ્યું જે, ‘આ બે હીરા અમારે વેચવા છે.’ તે મામો ઝવેરી હતો, તેને જોતાં વેંત જ ખોટા છે એમ લાગ્યું, પણ બોલ્યો નહિ; કાં જે, ભાણેજ માને નહિ, ને મામાને પડાવી લેવા છે તે સારુ ખોટા કહે છે એમ ધારી મામાએ ભાણેજને કહ્યું જે, ‘તમે હમણાં આંહીં રહો, ઘરાક આવશે એટલે વેચી દઈશું.’ ભાણેજને કહે, ‘તું હાટે આવતો જાજે.’ પછી ભાણેજ પણ હાટે બેસે ને હીરા, માણેક, મોતી વગેરે ઝવેરાત લેવાય-દેવાય તે ભાણેજને દેખાડે; ને તે પણ તેમાં સરત રાખતો. પછી તો તેને પણ સાચા-ખોટા હીરાની ખબર પડી, ને તેના મામાને ખાત્રી થઈ જે, હવે બરાબર હુશિયાર થયો છે.
પછી એક દિવસ ઘરાક હીરા લેવા આવેલ તેને જોઈને મામાએ ભાણેજને કહ્યું, ‘ઓલ્યા તારા હીરા લઈ આવ તો આને આપીએ.’ ભાણેજ ઘેર ગયો ને તેની મા પાસેથી હીરાની ડાબલી લઈ ચાલ્યો આવતો હતો ત્યાં તેને ‘હીરાની કિંમત શું ઊપજશે ?’ એવો વિચાર થયો કે, તુરત જ ડાબલી ઉઘાડી ને જોયું તો ખોટા લાગ્યા. એટલે ઉકરડામાં ફગાવી દીધા. મામાએ પૂછ્યું, ‘લાવ્યો ?’ તો કહે, ‘મામા, એ તો કાંકરા હતા.’ મામા કહે, ‘લાવ તો ખરો.’ એટલે ભાણેજ કહે, ‘એ તો ઉકરડામાં નાખી દીધા.’ મામા કહે, ‘તેં મને બતાવ્યા તે દિવસ પણ તે કાંકરા હતા; પણ જો તે દિવસ મેં તને હીરા ખોટા છે એમ કહ્યું હોત તો મનાત નહિ ને તેં જો પરીક્ષા કરી તો હવે તેં જ નાખી દીધા ને ખોટા છે એમ તને જ જીવમાં થઈ ગયું.’ તેમ દેહ, લોક, ભોગ અને કુટુંબ એની મેળે સમાગમે ખોટું થઈ જાશે ને આંહીં અવાય છે તો સારું થાશે પણ બીજા શબ્દ સાંભળશું તો જેમ ગાયનો ચાર ચોરે વાઘ કર્યો તેમ થાશે. તેમ આપણામાં પણ કહેશે જે, ‘અરે, ત્યાં કયાં ગયા ? એનો સંગ કરશો નહીં.’ એમ ચાર-પાંચ જણ કહે ત્યાં મનાઈ જાય, પણ કોઈ આંખ ઉઘાડીને જોતું નથી જે, આ કહેનારા કેવા છે ? તેનું વર્તન કેવું છે, ને તેનાથી કેવા થયા છે ?
જેને જોઈયે તે આવો મોક્ષ માગવા રે લોલ,
જુવો આંખ ઉઘાડીને વિવેકની રે લોલ,
શીદ કરો છો ગોળ-ખોળ એક પાડ, નરનારી. જોઈ 0
(કીર્તનસાર સાગર : 390)
જૂનાગઢમાં વશરામ ભક્ત કોઈકની દાઢી ઝાલીને વાતું કરતા એવું પ્રભુ ભજાવ્યાનું તાન હતું. વાદળીની પેઠે જીવ પલળે ત્યારે આ વાતું ઠરે. દેવતા કે મનુષ્યમાં કોઈનો દેહ રહેવાનો નથી. જાળિયાના અરજણ બાબરિયાને ધાવણો ભાળ્યો હતો તે પણ આવડો મોટો થયો ! માટે સાધુ સમાગમ વિના, મૂંઝવણ આવ્યા વિના રહે નહિ ને સુખ, શાંતિ પણ થાય નહીં.
સુરપુર, નરપુર, નાગપુર, એ તીન મે સુખ નાંહિ;
કાં સુખ હરિ કે ચરણ મેં, કાં સુખ સંતન કે માંહિ.
બધેય ઓશલા કુટાય છે.
પ્રકરણ 6 ની વાત 84
શાહુકાર : ધનિક.
કાંકરા : રાઈ-મરી.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
કરો : ઘરની દિવાલ.
તાન : લગની, આગ્રહ, મસ્તી.
સંવત 1918ના શ્રાવણ સુદિ નવમીને દિવસે સ્વામીએ વાત કરી જે,
(247) જેનો જીવ વિષયથી વાસિત હોય તેનાથી આ સમાગમમાં રહેવાય નહીં. વરસ દિવસ લાગટ રોટલા મળે તો પંડે મહારાજ બેઠા હોય તેને મેલીને ઘેર ચાલ્યું જવાય.
તત્ર તાવત્સંજ્ઞા સંવ્યવહારાય સંગૃહ્યતે । (પાણીનીય વ્યાકરણસૂત્ર)
અર્થ : એટલે ત્યાં વહેવાર માટે સંજ્ઞા લેવામાં આવે છે.
એ સૂત્ર ભણનારાને જેમ જીવમાં વસાઈ જાય છે તેમ જીવ વિષયમાં વસાઈ જાય છે, તે જડભરત મૃગલીમાં વસાઈ ગયા ! તેમ કાંઈને કાંઈ વળગાડ જીવને મટતા નથી. એક વાર મોઢું જોયે વિકાર થાય, તો પ્રસંગ હોય તેને કેમ ન થાય ? થોડે થોડે ભગવાન સામો જીવને વાળવો છે, તે વિષયનું સુખ લેશું તો પણ નહિ લેવાય. તાલ કરે છે પણ એકે ય તાલ રહેવાનો નથી. શણગાર કરતાં કરતાં મરી જવાય એવું છે. હજી ગાડીનો તાલ આવ્યો નથી. ભગવાન વિના તો
નર એક રતિ બિન એક રતિકો.
(કીર્તન મુક્તાવલિ : નાશવંત દેહ વિશે)
આમ બેસીને પ્રભુ ભજવા તે તો કોઈને આવડે જ નહીં.
લાગટ : એકસામટી રીતે, સળંગ. લગાતાર-સતત ચાલુ
અર્થ : ધન, સંપત્તિ.
વળગાડ : વળગવું, આગ્રહથી લઈ મંડવું, બાઝવું.
તાલ : સ્વાદમાં વધારો.
(248) આવા સાધુમાં બંધાવું ને એમ ન થાય તો નિયમમાં રહીને પડી રહેવું તે પણ ઠીક છે. બધી વાત જોઈ તપાસીને રુક્મિણીની પેઠે ભગવાનને જ વરવું ને એમાં વળગવું. આગ્નિંધ્ર જેવાનો સંગ થાય તો દહાડે-દહાડે વિષયમાં ચોંટાતું જાવાય ને શુકજી જેવાનો સંગ હોય તો ઊખડાય. સંસારમાં દશ છોકરાં હોય તો પણ તેને પરણાવ્યા ઉપર નજર હોય, પણ તેમાંથી એકેય ત્યાગી થાય તો ન ગમે; કાં જે, પોતે પરણેલો છે. માટે જેવી વિદ્યા પોતાના હૈયામાં હોય તેવી વિદ્યા બીજાને ભણાવે. નાડીઓમાં વિષયના પાસ લાગી ગયા છે પણ આ સમાગમ કરતાં કરતાં ઝીણાભાઈની પેઠે સારા વિષય હશે તે પણ ભૂંડા થઈ જાશે. જેમ કચરો વળગે તેમ આ જીવને દેહ વળગ્યો છે.
પ્રકરણ 3ની વાત 14
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
દશ : દિશા.
(249) પરણવા જાય છે તે ખેતરપાળને પગે લાગે છે, તે શા સારુ? જે, વિઘ્ન ન આવે; તેમ આપણે પણ કલ્યાણના મારગમાં કોઈ વિઘ્ન કરે એવા હોય તેને પગે લાગીને છેટા રાખવા, પણ કલ્યાણમાં વિઘ્ન આવવા દેવું નહિ ને સત્સંગે કરીને જીવને વાસિત કરવો. કોઈ વાતું કરતા હોય તેને જોઈને કહે જે, ‘આને તો સ્વભાવ પડ્યો છે.’ તે વણથળીમાં મેમણની ડોશીએ અમને કહ્યું જે, ‘આ બાવો તો સવારનો વઢ વઢ જ કરે છે.’ તે સાંભળી રઘુવીરજી મહારાજ ને નિત્યાનંદસ્વામી હસ્યા; પણ આમ વાતું કર્યા વિના તો કોઈનો ધર્મ રહેવાનો નથી. જ્યારે સુંદરદાસ પરણીને આવ્યો, ત્યારે તેના ગુરુ દાદુને પગે લાગ્યો. ત્યાં દાદુએ તેની સ્ત્રી દીઠી. પછી જાણ્યું જે, ‘આ પરમેશ્ર્વર ભજી રહ્યો !’ પછી કહ્યું જે, ‘ગયો ! ગયો ! ગયો!’ ત્યારે સુંદરદાસ સમજ્યો જે, આમાં પરમેશ્ર્વર નહિ ભજાય. ‘તે નરકે ગયો’ એમ કહ્યું તે વાત જીવમાં ઊતરી ગઈ ને વિચાર કરવા લાગ્યો, પછી ફરી આવીને પૂછ્યું એટલે દાદુએ કહ્યું તેમ તેણે કર્યું. આવી રીતે જીવના હૈયામાં શબ્દ લાગે છે; પણ દેશકાળને માથે ન નાખવું.
(250) કણસલું નીકળ્યું એટલે વૃદ્ધિ ન પામે તેમ પોતાનો ગુણ લે એટલે વૃદ્ધિ ન પામે.
(251) એક જણ પ્રાર્થના કરતો હતો તેને જોઈને બીજો કહે જે, ‘આને વિશ્ર્વાસ નથી.’ કૃપાનંદસ્વામીને મહારાજના વિરહે કરીને રૂંવાડે રૂંવાડે લોહી નીસર્યું, ત્યારે અમે કહ્યું જે, ‘નાજા જોગીઆ સાથે મહારાજને કહેવડાવો તો મહારાજ તમને પાસે રાખે.’ ત્યારે કૃપાનંદસ્વામી કહે, ‘મહારાજ કાંઈ જાણતા નથી ? ને અંતર્યામીએ નથી ? એમ માનું ને હું કુસંગી થાઉં, તો કહેવરાવું ને ?’
(252) સાધુ સમાગમ વિના સ્વભાવ ન જાય. રાધિકાજીને સ્વભાવ રહેલ તે વાત કરી. બોરડીના જેવા સ્વભાવ છે. જેટલા પ્રભુ ન સાંભરે એટલો જીવ ઊંધો છે.
પ્રકરણ 3ની વાત 55
પ્રકરણ 6ની વાત 83
(253) આ સાધુની અનુવૃત્તિ રાખીએ ને એના રૂખમાં રહીએ, તો ભગવાનને ઢૂંકડું થાવાય છે. જેને આ સાધુનો સંબંધ થયો છે તેને તો પૃથ્વીનું વેજું છે. રાંધીને જમે નહિ ને ઢાંકી મૂકે તો તે અન્ન ઊતરી જાય, તેમ સમજ્યા હોય પણ કહે નહિ ને સંભારે પણ નહિ, તો તેની સમજણ ઊતરેલા અન્ન જેવી થઈ જાય છે; માટે સંભારે તેને જ સુખ આવે પણ એવું વ્યસન નથી પાડ્યું જે તે વિના ચાલે જ નહીં.
અનુવૃત્તિ : મરજી.
રૂખમાં : ધર્મમર્યાદામાં, અદબમાં.
(254) આજ્ઞા પળે, સ્મૃતિ રહે ને સત્સંગ ગમે, એવી વળામણ રાખવી. ઘેર તો લાવો લાવો કરે છે, તેનો અંત ન આવે.
(255) જેને પ્રભુ ભજવા હોય તેને રમણીય પદાર્થ તો જોવું જ નહિ ને જુએ તો એના આઘાત લાગે. બહુ ક્રિયાએ કરીને સ્થૂળભાવ આવી જાય પછી કથાવાર્તામાં પણ મન રહે નહિ માટે આપણે એમ શીખવું જે, ક્રિયા કરવી પણ તેમાં મન વળગવા દેવું નહીં. ઘનશ્યામાનંદસ્વામી ફાળકો ફેરવતાં માનસીપૂજા કરતા. સર્વે ક્રિયા ભગવાન પરાયણ કરી મેલવી. દેહનો તો અનાદર જ કરી રાખવો, જો આદર કરે તો ચડી બેસે. જીવને દેહાભિમાનરૂપ જીન વળગ્યું છે.
માણાવદરના કણબીને આઠ ભૂત વળગ્યાં હતાં, તે અમારી પાસે આવ્યો ત્યારે અમે તેની ડોકમાં હાર નાખ્યો કે તુરત ધૂણવા મંડ્યો, ને કહે, ‘હું તો મુસલમાન છું ને બીજાં સાત છે.’ ત્યારે અમે કહ્યું જે, ‘તું તો જા, બીજાની વાત પછી.’ એટલે તે વહ્યો ગયો ને કહે, ‘હવે ઢેઢ આવશે.’ તે આવ્યો ને અભક્ષ્ય વસ્તુ માગી, એટલે તેને ય કાઢ્યો. તો કહે, ‘હું જાઉં છું પણ ભોઈ આવશે.’ પછી તો ભાર ઉપાડવા મંડ્યો, ત્યારે જાણ્યું જે ભોઈ ખરો. પછી તેને કાઢ્યો એટલે કહે, ‘હું તો જાઉં છું પણ હવે કૂતરિયો વીર આવશે.’ તે ધરતી ખોતરવા મંડ્યો ને કૂતરાની પેઠે ઊંચું મોઢું કરીને રાડો પાડવા માંડી. ત્યારે જાણ્યું જે આ કૂતરિયો વીર ખરો. પછી તેને કાઢ્યો ત્યારે મોં આડું લૂગડું રાખી બોલવા મંડ્યો ત્યારે પૂછ્યું જે, ‘તું કોણ છે ?’ તો કહે, ‘હું પુંજેરી છું.’ પછી તેનેય કાઢ્યો. ત્યારે કહે, ‘હવે મૂંગો વીર આવશે.’ તે ચાળા કરવા મંડ્યો ત્યારે જાણ્યું જે આ મૂંગો વીર ખરો. પછી તેને ય કાઢ્યો. એમ આઠેય ભૂત કાઢી સુખિયો કર્યો. તેમ દેહાભિમાન પણ એવું છે, માટે સુખિયા થવું હોય તો દેહાભિમાન મૂકવું. દેશકાળે કરીને, મંદવાડે કરીને જીવને મોળપ આવી જાય છે ને સ્થિતિ ડોલી જાય છે.
ઢેઢ : હરિજન.
(256) ‘આ સર્વે ધૂડનો વિકાર છે, સર્વે પદાર્થ ધૂડનાં છે.’ એમ જાણ્યા પછી પણ એનો જોગ થાવા દેવો નહિ ને નિયમ મોળા પડવા દેવા નહીં. નિયમ મોળા પડે તો નારદ ને પર્વતના જેવું થાય. અંબરીષને દીકરી પરણાવવી હતી. તેથી નારદ તથા પર્વતને ક્ધયાનો હાથ દેખાડ્યો ને કહ્યું જે, ‘જુઓ, આને કેવો વર મળશે?’ પછી કહે, ‘આને તો ભારે રેખા છે; તે ભગવાન જેવા વરશે !’ પણ હાથ જોતાં જોતાં બન્નેયને પરણવાનું મન થયું. એટલે કહે, ‘આ ક્ધયા અમને પરણાવો.’ અંબરીષ કહે, ‘તમે ત્યાગી થઈને શું બોલો છો ?’ એટલે કહે, ‘હવે અમારે ગૃહસ્થાશ્રમ કરવો છે.’ ત્યારે અંબરીષ કહે, ‘તમે બે, ને ક્ધયા એક, તે કેમ થાય ? પણ તમારે વરવું હોય તો સવારે સ્વયંવરમાં આવજો.’
પછી નારદજી ભગવાન પાસે ગયા, ને કહે જે, ‘મને રૂપ આપો, મારે રાજાઓનો ગર્વ ઉતારવો છે ને પર્વતનું મોઢું માંકડાનું કરજો.’ ત્યારે ભગવાન કહે, ‘ઠીક.’ પછી પર્વત ગયા તેણે પણ એમ જ કહ્યું જે, ‘હે મહારાજ, મને એવું રૂપ આપો જે, રાજામાત્રને પડતા મૂકીને અંબરીષની ક્ધયા મને જ વરે ને નારદજીનું મોઢું વાંદરાનું કરજો.’ ત્યારે ભગવાન કહે, ‘તથાસ્તુ.’ એમ વર લઈ ચાલ્યા ત્યાં દરવાજો બંધ હતો એટલે બહાર બેઠા, ને ચંદ્રમાને જોઈને કહે જે, ‘ક્ધયાનું રૂપ ચંદ્રમા સમાન છે.’ ત્યારે બીજો કહે, ‘ચંદ્રમામાં તો કાળ્યપ છે, એનામાં કાળ્યપ ક્યાં છે ?’ તો કહે, ‘કમળ જેવી છે.’ ત્યારે કહે, ‘કમળ તો જડ છે ને ક્ધયા તો ચૈતન્ય છે.’ એમ વર્ણન કરતાં કરતાં સવાર પડી ને દરવાજા ઊઘડ્યા ત્યારે બેય મંડપમાં જઈને ઊભા રહ્યા. તેમને અતિ રૂપવાન જોઈને સૌને એમ થયું જે, ક્ધયા આને વરશે પણ જ્યારે ક્ધયા વરમાળા આરોપવા આવી ત્યારે બેયનાં મોઢાં માંકડાનાં થયાં, તે દેખીને ક્ધયા ભાગી ગઈ. ત્યારે તેઓ જાણે આપણને ક્ધયાએ દીઠા નથી, એમ ધારી ફરી ફરીને ક્ધયા પાસે જાય, ત્યાં ક્ધયા ભાગી જાય. ત્યારે શિવના ગણ કહે, ‘તમારાં ડાચાં તો જુઓ, તમને ક્ધયા શું વરે ?’ પછી હોજમાં જોયું, ત્યાં તો મોઢાં કાળાં હબસી જેવાં દીઠાં ને ભગવાન આવ્યા એટલે ક્ધયાએ હાર આરોપ્યો, ને ભગવાન ક્ધયા લઈ વહ્યા ગયા.
નારદ અને પર્વતે શાપ દીધો જે, ‘અમોને સ્ત્રીનો વિયોગ કરાવ્યો માટે તમારેય સ્ત્રીનો વિયોગ થજો !’ ભગવાને રામાવતારરૂપ ધાર્યું ત્યારે તે શાપથી સીતાનું હરણ થયું ને પંપાસર તળાવની પાળે નારદને ભગવાન મળ્યા ત્યારે નારદે કહ્યું જે, ‘મારે વરવું હતું ને કેમ વરવા ન દીધો ?’ ત્યારે ભગવાન કહે, ‘માતા જેમ બાળકની રક્ષા કરે છે તેમ હું મારા ભક્તની રક્ષા કરું છું.’ માટે હરણ ફડકો રાખવો, પણ વિષયનો સંબંધ થાવા ન દેવો, કેમ જે, વિષયમાં સુખ છે એવી તો કલમ કોઈ મૂકતા જ નથી.
મુક્તિમિચ્છસિ ચેત્તાત વિષયાન્વિષવત્ત્યજ ।
ક્ષમાર્જવદયાતોષસત્યં પિયૂષવદ્દજ ॥
અર્થ : હે પુત્ર, તને મુક્તિની ઇચ્છા હોય તો વિષયોને વિષની જેમ ત્યાગ કર. ક્ષમા, સરળતા, દયા, સંતોષ અને શીલ આ ગુણોનો અમૃતની માફક આશ્રય કર.
વિષય સારા લાગે છે, તે શું ? જે, આપણને એનું ઝેર ચડ્યું છે. જેમ,
ભરખ્યો ભોયંગને લાગે લીંબ મીઠો રે,
એમ આપણને વિષય સારા લાગે છે.
પાળે : સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જાતનો સેવક/પાર્ષદ.
ફડકો : ધ્રાસકો, ભયની ધ્રુજારી.
અર્થ : ધન, સંપત્તિ.
(257) પચીસ હજાર આવ્યા, ત્યારે બે હજાર આપ્યા; એ તો સકામપણું કહેવાય. એક નાગરે રૂપિયા સારુ માનતા કરેલ, પછી રૂપિયા મળ્યા એટલે મહાદેવજીને માથે ચડાવ્યા ને માનતા પૂરી કરી. પછી કહે, ‘આ તમારા સેવકનાં છોકરાં છે તે તમારા પોઠ્યિા છે તેને આપો.’ એમ કહી ઢગલામાંથી ખોબા ભરીભરીને છોકરાંને આપ્યા. પછી કહે, ‘આ તમારી સેવકાણી છે તેને આપો.’ એમ કહી તેની સ્ત્રીના ખોળામાં ખોબા ભરીભરીને નાખ્યા. પછી કહે, ‘હું તો તમારો સેવક છું તે મને ય તમારી પ્રસાદી જોઈએ ને !’ એમ કહી બધા પોતે ઉહરડી લીધા ને માનતા કરીને વહ્યો ગયો. એવું દ્રવ્યનું બળવાનપણું છે. માટે,
ઉદારા: સર્વ એવૈતે જ્ઞાની ત્વાત્મૈવ મે મતમ્ ।
આસ્થિત: સ હિ યુક્તાત્મા મામેવાનુત્તમાં ગતિમ્ ॥
(ભગવદ્ ગીતા : 7/18)
અર્થ : એ બધાય ઉત્તમ છે; પરંતુ જ્ઞાની તો મારો આત્મા જ છે એવો મારો મત છે; કેમકે તે એકાગ્ર ચિત્તવાળો થઈ સર્વોત્તમ ગતિરૂપ મને જ આશ્રય કરી રહ્યો છે.
એમાં જ્ઞાનીને આત્મા કહ્યો છે ને ત્યાં ગાડાં છોડવાં છે; માટે સત્શાસ્ત્રનું વ્યસન રાખવું ને ન રાખે તો જાડ્યતા આવી જાય.
અર્થ : ધન, સંપત્તિ.
(258) બહુ શાસ્ત્ર ન ભણવાં. જેમાં ભગવાનની મૂર્તિનું વર્ણન આવે, તેમની સ્મૃતિ આવે ને એમનાં ચરિત્ર આવે એવાં ભણવાં; મહારાજનાં વચન જેવાં કોઈનાં વચન બળવાન નથી.
(259) જે વાત જીવમાં પેઠી તે નીકળનારી નહીં. વાઘરીના ખોરડામાં ખાતર ન પડે ને શાહુકારના ઘરમાં પડે; તેમ જેની પાસે ભગવાન હોય ત્યાં માયા વિઘ્ન કરવા આવે છે ને બીજા તો માયાના જ છે, માટે જેને પ્રભુ ભજવા તેને બીજું આલોચન ન કરવું. ઋષભદેવને તથા ગોપાળાનંદસ્વામીને ગાંડા કહેતા ! ‘પાકી રસોઈ ન કરવી.’ એવો ઠરાવ કરી ગોપાળાનંદસ્વામી નિષ્કુળાનંદસ્વામીને વડોદરે તેડી ગયા, પણ હરિજન દૂધપાક સારુ દૂધ લાવ્યા, તે વાતની નિષ્કુળાનંદસ્વામીને ખબર પડી એટલે ચાલવા તૈયાર થયા. પછી ગોપાળાનંદસ્વામી ભંડારે ગયા ને દૂધના દેગડા ખાળે ઢોળી નાખ્યા ને હરિજનને કહે, ‘તમારી પાકી રસોઈ થઈ ચૂકી.’ તે બીજા સાધુને સારું ન લાગ્યું, એટલે કહે, ‘ખાતા નથી ને બીજાને ખાવા દેતા ય નથી ને હરિજનને કોચવે છે.’ પછી તેમણે બીજે દિવસ છાનીમાની પાકી રસોઈ કરી ને પંક્તિમાં પીરસી ગયા ત્યારે ખબર પડી. પછી નિષ્કુળાનંદસ્વામી જમીને તુરત ચાલી નીકળ્યા, તેથી ગોપાળાનંદસ્વામી બહુ કોચવાયા.
ગોપાળાનંદસ્વામી ગૃહસ્થ હતા, ત્યારે તેમનું નામ ખુશાલ ભટ્ટ હતું. તે વખતે મહારાજે તેમને ‘ભારત’ લેવા લખીરામ શાસ્ત્રી ભેળા મોકલ્યા હતા. રસ્તામાં રાત પડી ને જ્યાં ઊતરવા ગયા ત્યાં નાગર ઊતર્યા હતા. પછી ઓટે ઊતર્યા. ત્યાં ધૂડ બહુ હતી ને જૂવા પણ ઘણા હતા. ગોપાળાનંદસ્વામીએ લખીરામ શાસ્ત્રીને કહ્યું, ‘કેમ શાસ્ત્રી, રસોઈ કરશો ?’ ત્યારે કહે, ‘આંહીં બેસવાનું ઠેકાણું નથી ત્યાં જમવાનું ક્યાંથી મળે ?’ પછી ગોપાળાનંદસ્વામીએ મહેતા સામું જોયું એટલે ભૂંટ પડી ગયો ને જમપુરીમાં ગયો, ત્યાં જમ મારવા માંડ્યા. ત્યારે ગોપાળાનંદસ્વામીએ હાકલ મારી જે, ‘એમને મારશો નહિ, અમે એમના ઉતારામાં ઊતર્યા છીએ.’ એમ કહી રક્ષા કરી તે દેહમાં આવતાં વેંત ગોપાળાનંદસ્વામીને ઓળખ્યા ને પગમાં પડી કહ્યું, ‘તમે મારી રક્ષા કરી છે.’ પછી સારો ઉતારો આપ્યો ને પાકાં સીધાં આપ્યાં, એટલે શાસ્ત્રી તો રસોઈ કરીને જમ્યા પણ ગોપાળાનંદસ્વામીએ તો પોતાના ભાગનું ઘી અગ્નિમાં નાખ્યું ને જમી લીધું. એમ કોઈ અગ્નિમાં ઘી રેડી શકે નહીં. એવા ગોપાળાનંદસ્વામીને ગાંડા કહે ત્યારે હવે તે કહેનારને શું કહેવું ? યોગીને સિદ્ધિઓ આડી આવે છે તે શા સારુ ? જે, તે યોગીને પોતાના દોષ કળાય ને પછી ટાળે; માટે સત્પુરુષને સંગે કરીને, શાસ્ત્રે કરીને ને અનુભવે કરીને વિષયથી મુકાવું ને સત્પુરુષમાં જોડાવું એ સિદ્ધાંત છે.
આલોચન : મનન, ચિંતન.
હાકલ : હાંક-બોલાવવા માટેની બૂમ.
(260) વાતું સાંભળીને માંહી રહે, વરતે, મનન કરે ને સાક્ષાત્કાર કરે ત્યારે સમાસ થાય, નીકર તો કેટલાય દિવસ સત્સંગમાં રહીને જતું રહેવાય. ઘરનાંથી કોઈ કાયર થાતું નથી, તેમ જેની સાથે જીવ મળે તેનાથી કાયર થાવાય નહીં.
સાક્ષાત્કાર : પરમતત્ત્વ કે ભગવાનનું પ્રત્યક્ષ દર્શન કે સાક્ષાત્ અનુભવ.
(261) સાધુનો સહવાસ થાય ત્યારે ભગવાનની કોરનું દૃઢ થાય, પણ મનુષ્યભાવ રહે તો વૃદ્ધિ ન પમાય. આવો દેશકાળ, આ વાતું ને આ સાધુ દુર્લભ છે. પ્રથમ મહારાજે પંચાળામાં તિલક કરવાનું પ્રકરણ કાઢ્યું ત્યારે સૌને ખાંડીનો અકેકો ગાંઠિયો આપ્યો. પછી સવારે મહારાજે પૂછ્યું જે, ‘તિલક કેમ કર્યું નથી ?’ ત્યારે સાધુ કહે, ‘શેનું તિલક કરીએ ?’ એટલે મહારાજ કહે, ‘અમે તમને સૌને રાતે ખાંડી આપી છે તેનું કરો.’ સાધુ કહે, ‘મહારાજ ! અમે તો પ્રસાદી જાણી ખાઈ ગયા.’ મહારાજે ફરી ખાંડી આપી. પછી નરનારાયણાનંદસ્વામી તિલક કરી આવ્યા, એટલે મહારાજ કહે, ‘આ શું ભેંશ ભડકામણું કર્યું?’ ત્યારે સાધુ કહે, ‘મહારાજ! અમે તો સાંઠીઓ સૂડતા સૂડતા આવ્યા છીએ તે સારું ક્યાંથી આવડે ?’ પછી મહારાજે અમારે કપાળે તિલક કર્યું ને સૌને આસને આસને અમારું માથું ઝાલીને કહ્યું જે, ‘જુઓ આ અમારા તિલક ! જુઓ આ અમારા તિલક !’
પછી હરે થયા એટલે મહારાજ ફરતા ફરતા પંક્તિમાં અમારી પાસે આવ્યા, ને અમારે માથે હાથ મેલીને કહ્યું જે, ‘આ સાધુ ને આ ભગવાન આ બ્રહ્માંડમાં કોઈ વાર આવ્યા નથી ને આવશે પણ નહીં.’ એવો મહિમા છે, પણ મહિમાની વાતું ઝાઝી કહેવાય નહિ; કેમ જે, સદે નહિ પણ બહુ સંસ્કાર લાગ્યા હોય તેને આ વાત સમજાય. હરિજને પૂછ્યું જે, ‘ભગવાન જેવા આ સાધુ સારા છે, પણ કેમ ચોંટાતું નથી ?’ ત્યારે ઉત્તર કર્યો કે, ‘ભગવદી હોય એ પ્રમાણે તે ચોંટે ને વરતવા માંડે. આ વાતું સૂક્ષ્મ છે, પણ એવા સંસ્કાર થયા હશે ત્યારે આ સાધુ મળ્યા છે ને આજ પણ એવા સંસ્કાર લાગે છે. જેમ એક સકંજે કપાય છે ને એક સકંજે વધે છે; તેમ એકના સંગમાં વિષય ઓછા થાય છે ને એકના સંગમાં વિષય વધી જાય છે.’
મનુષ્યભાવ : દેહભાવ, માયિકભાવ, જેમાં ગુણાનુરાગ - ગુણાનુબુદ્ધિ પ્રવર્તે છે તેવો ભાવ.
ખાંડી : ક્ષારમાં પલાળી કંકુ તરીકે વપરાતો હળદરનો ગાંઠિયો.
સકંજે : ભીંસમાં.
(262) કોઈ ગ્રહ કે દેવ-દેવીની પ્રતીતિ આવવા દેવી નહીં. સંસ્કારી હોય પણ કોઈક દેશકાળ આવે કે, સર્વોપરી નિશ્ર્ચયમાં ઘસારો આવે એવાં શાસ્ત્ર સાંભળે તો બુદ્ધિ ફરી જાય પણ પકવ થયું હોય તો ન ફરે. સુરેશ્ર્વરાનંદ ઢૂંઢિયો હતો, વીકળિયાનો બ્રાહ્મણ રૂપરામ બ્રહ્મચારી થયો હતો, તે અને દ્વારકાનો ધર્મનંદનદાસ લોટ પીને રહેતા. તેમને એક ગામમાં માવો ભક્ત ભેળા થયા તે બાજરો પલાળીને ખાતા; એટલે તેમણે લોટિયાને કહ્યું જે, ‘લોટ શા સારુ કરવો પડે ? બાજરો-જાર જે મળે તે ચાવી ખાવું.’ તે સાંભળી લોટિયાનો ગર્વ તો ઊતરી ગયો, પણ એક વાર અમે બીજી વખત જમ્યા, એમાં લોટિયાને અમારો અભાવ આવ્યો, પછી તે પાપે સત્સંગમાંથી વહ્યા ગયા ને ચુડે જઈ હરિકૃષ્ણને મળ્યા ને તેને ભગવાન માન્યો. પછી તેમને રાજકોટવાળા દેવકૃષ્ણ વ્યાસે આજીને કાંઠે પૂછ્યું જે, ‘લોટ પીઓ છો કે કેમ કરો છો ?’ ત્યારે કહે, ‘અમે હવે તો બધુંય ખાઈએ છીએ.’ માટે ક્રિયાએ કરીને કે, વહેવારે કરીને કોઈનો દોષ આવવા દેવો નહીં.
સર્વ ધર્માન્પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ ।
અહં ત્વા સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ: ॥
(ભગવદ્ ગીતા : 18/66)
અર્થ : સર્વ ધર્મો છોડી તું મારે એકને શરણે આવ, હું તને સર્વ પાપોથી છોડાવીશ, તું શોક ન કર.
ઢૂંઢિયો : એક પ્રકારના જૈન સાધુ.
કરો : ઘરની દિવાલ.
અર્થ : ધન, સંપત્તિ.
(263)
મુવેકું જિવાવે અસ્માન ચઢી જાવે;
પય અન્નહું ન ખાવે તો હું માયા કો ગુલામ હૈ;
(કીર્તન મુક્તાવલિ : નાશવંત દેહ વિશે)
વૈદનો વિશ્ર્વાસ ન કરવો. મોતીભાઈના છોકરાને મારી નાખ્યો, બે ઘુઘરાળામાં માર્યા, બે બારપટોળીમાં માર્યા ને આ ગામમાંય માર્યા. તે વૈદ તો જીવતા જમ કહેવાય.
(264) કેટલા રૂપિયા દઈએ તો પળી ન આવે ? એ તો એમ થાય જ, એ વસ્તુમાં જ એમ રહ્યું છે. મહંતમાત્ર મોતે નથી મૂઆ. એક વખત અમે ફળિયું વાળતા હતા ત્યાં તરણેતરના બાવાએ આવી પૂછ્યું, ‘મહંત ક્યાં છે ?’ અમે કહ્યું, ‘ધર્મશાળામાં જાઓ, ત્યાં આવશે.’ અમે લૂગડાથી શરીર ઝાટકીને ધર્મશાળામાં જઈ આસન ઉપર બેઠા, ત્યારે બાવો કહે, ‘આ તો વાળતા હતા તે !’ અમે કહ્યું, ‘અમારામાં વાળે તે મોટો કહેવાય છે.’ પછી ઝોળી ઊતરાવીને અમે તેને અમારી પૂજા દેખાડી. તેમાં લાકડાનું તિલકિયું ને ચંદન ઘસવાની કાચલી પણ કાંઈ ધાતુની નીકળી નહિ. ત્યારે અમે કહ્યું, ‘અમારી પાસે કાંઈ દ્રવ્ય નથી તો ચાળીસ વરસથી ગાદીએ ટક્યા છીએ ને ઘરડા થયા છીએ, પણ દ્રવ્ય રાખતા હઈએ તો ચેલા પાર પાડી દે. તમારા મહંત દ્રવ્ય રાખે છે તો મોતે નથી મૂઆ. તમે ય ત્યાગી ને અમે ય ત્યાગી ! પણ સુખ તો જે દ્રવ્ય નહિ સંઘરે તેને જ આવશે.’
પળી : પળિયાં-માથાના ધોળા વાળ.
કાચલી : નાળિયેરનું ભાંગેલું કોચલું.
(265) સ્ત્રીઓના પ્રસંગમાં કોઈની જય થઈ નથી ને થાશે પણ નહીં. એનો પ્રસંગ કરવાનું તો ભગવાન કહે તો પણ ન માનવું. તે મહારાજે નિષ્કુળાનંદસ્વામીને કહ્યું જે, ‘આંહીં બેસીને અમારાં દર્શન કરો.’ ત્યારે કહે, ‘સામાં ડોશીઓનાં દર્શન થાય છે માટે ત્યાં નહિ બેસું.’ પછી મહારાજ કહે, ‘અમારું માનતા નથી માટે જાઓ વિમુખ છો.’ એટલે નિષ્કુળાનંદસ્વામી કહે, ‘મહારાજ ! ડોશીઓનાં દર્શન કરીને ખુવાર થઈને વિમુખ થાવું, તે કરતાં હમણાં જ તમારો કર્યો વિમુખ થાઉં તે ઠીક !’ એમ કહી પગે લાગી ત્યાંથી ઊઠી ગયા, માટે એવી આજ્ઞા પાળવામાં પણ વિવેક રાખવો. કેમ જે, ત્યાગી હોય તેને સ્ત્રી બે માસ રસોઈ કરી દે તો પોતાની સ્મૃતિ કરાવી દે, માટે મામલામાં ન આવ્યા તે માટી.
(266) મહારાજે એવી સડક બાંધી છે જે, ‘શિક્ષાપત્રી’ પ્રમાણે રહે તેને કોઈ રીતે બંધન જ ન થાય ને દુ:ખ પણ ન આવે. પોતાની સ્ત્રી સાથે પણ વાદ કરવો નહિ એમ લખ્યું; કેમ જે, ઝેર દે કાં તો પોતે કૂવે પડે. ગાડાં સરકારી વેઠે જતાં હતાં, રસ્તામાં વાડીમાંથી બળદ સારુ ખડનો ભારો બધાએ બાંધી લીધો પણ એક સત્સંગી હતો તેણે ભારો ન બાંધ્યો ને કહ્યું જે, ‘મારે નિયમ છે તે મારાથી ન લેવાય.’ આગળ ગામ આવ્યું. ત્યાં ચોરી આગળથી જાહેર થયેલ, તે ગાડાં રોક્યાં તે ભેળું સત્સંગીનું ગાડું પણ રોક્યું ને બધાને સાહેબ આગળ ખેડે લઈ ગયા. ત્યારે તેણે કહ્યું જે, ‘મેં તમારો પૂળો લીધો નથી.’ સાહેબ કહે, ‘આને શા વાસ્તે લાવ્યા ?’ ત્યારે કહે, ‘ લઈ આવીએ તો તમો કહો જે, કેમ જવા દીધો ? તે સારુ લાવ્યા છીએ પણ એણે ખડ ચોર્યું નથી.’ પછી તેને ખડ ને ભથ્થું આપી રજા દીધી ને બીજા પાસે દશ દિવસ સુધી વેઠ કરાવી, પછી જવા દીધા; માટે ‘શિક્ષાપત્રી’ નહિ વિચારે તેને જરૂર આડું આવશે. જેટલી ગાફલાઈ રહેશે તેટલું દુ:ખ થાશે માટે ‘શિક્ષાપત્રી’નો હમેશાં પ્રાત:કાળે પાઠ કરવો.
સડક : પાકો રસ્તો.
ખડ : ઘાસ.
દશ : દિશા.
(267) ખારાગુંદરણમાં એક બાવે આત્માનંદસ્વામીને ખાસડું માર્યુ, ત્યારે સ્વામી ખાસડું લઈને તેને દેવા ગયા. બાવે બીજું ખાસડું મારવાનું કર્યું ત્યારે ગામના લોકે બાવાને વાર્યો, એટલે આળસ્યો. ગામ કારેલામાં બાવો મુક્તાનંદસ્વામી તથા બ્રહ્માનંદસ્વામીને ઓરડામાં પૂરી બહારલી (બહારની) સાંકળ વાસીને છરો ઘસવા બેઠો ને મોઢે બકતો જાય જે, ‘સ્વામિનારાયણના મૂંડિયા હાથ આવ્યા છે તેનાં નાક-કાન કાપવાં છે.’ તે સાંભળી બ્રહ્માનંદસ્વામીએ મુક્તાનંદસ્વામીને કહ્યું જે, ‘માથું કપાય તે સારું પણ નાક-કાન કાપે તે સારું નહીં.’ મુક્તાનંદસ્વામી કહે, ‘સ્ત્રી સારુ ને દ્રવ્ય સારુ ઘણી વખત નાક-કાન કપાવ્યાં છે, માટે આજ તો સ્વામિનારાયણ માટે ભલે નાક-કાન કપાય !’ ત્યારે બ્રહ્માનંદસ્વામી કહે, ‘નાક-કાન કાપે તો બહુ ભૂસ્ત્રીાજ કાપવા દેશે તો બાવો કાપશે ને ? બાવાનાં નાડી પ્રાણ કેના હાથમાં છે ? માટે ભજન કરો.’
ત્યાં તો રાઘવજી જત નીકળ્યો, તેણે બાવાને પૂછ્યું જે, ‘બાવાજી શું કરો છો ’ તો કહે, ‘સ્વામિનારાયણના મૂંડિયાનાં નાક-કાન કાપવા છરો ઘસું છું.’ ત્યારે કહે, ‘ક્યાં છે ?’ તો કહે, ‘આ ઘરમાં પૂર્યા છે.’ પછી જતે સાંકળ ઉઘાડી, ત્યાં સાધુને ભજન કરતા દીઠા ને ‘સાધુ સારા છે’ એવો ગુણ આવ્યો. એટલે બાવાને ખૂબ ધમકાવ્યો ને સાધુને કહે, ‘ચાલો મહારાજ હું તમને વળોટાવા આવું.’ પછી સીમાડા સુધી વળોટાવી પાછો વળ્યો. એમ મહારાજે રાઘવજી જતમાં પ્રવેશ કરીને રક્ષા કરી.
એક વાર મનજીભાઈ અમારો સમાગમ કરવા જૂનાગઢ આવ્યા હતા, તે ચાર મહિના રહ્યા. પછી રજા માગી ત્યારે તેમને મારી નાખે એમ હતું તેથી અમે કહ્યું જે, ‘હમણાં રોકાઓ.’ એટલે રહ્યા ને આજ્ઞા કરી ત્યારે ઘેર ગયા. ત્યાં સાંભળ્યું કે મનજીભાઈને મારી નાખવાનો તેમના શત્રુએ નિરધાર કરી રાખ્યો હતો, પણ રોકાઈ ગયા તે સારું થયું ને જો વહેલા ગયા હોત તો જરૂર મારી નાખત, પણ હવે ફિકર નથી; કેમ જે તે ભાવનગર દરબારના વાંકમાં આવવાથી જેલમાં જન્મટીપમાં પડ્યો છે, ત્યારે મનજીભાઈએ જાણ્યું જે રક્ષા કરવા સારુ જ રોકેલ; એમ મોટા સાધુ તો રક્ષા કરે; માટે આ સાધુ કહે તેમ કરવું, સમૈયે આવ્યાની ના પાડે તો ન આવવું. એક વાર કે બે વાર ના પાડે તો પણ આકળા ન થાવું. મન અકળાય તો મર અકળાય, પણ સત્પુરુષ જે આજ્ઞા કરે તે કદી લોપવી નહીં. આ લોકમાં રક્ષા કરવા સારુ મહારાજે ‘શિક્ષાપત્રી’, આચાર્ય ને સાધુ કર્યા છે. તેમાં આ સાધુ તો રાત-દિવસ પોકારે છે ને ચેતાવે છે. એ કેવા છે ? તો પળમાત્ર ભગવાનથી નોખા રહે એવા નથી, પણ ભગવાનની અનુવૃત્તિ પાળવા આંહીં દેહ રાખી રહ્યા છે.
(268) અધર્મને મારગે મોટા મોટા ચાલે તો તે પણ દુ:ખી થાય. સત્સંગીને દુ:ખ થાય તે જોઈને જેને દુ:ખ ન થાય તેને સત્સંગ જ નથી. જેનો મિત્ર સત્સંગથી વિરુદ્ધ વરતતો હોય તેને ઓળખી કાઢવો.
(269) સાધુ તથા ગુરુ આગળ કપટ ન રાખવું.
હરિ કી આગે કહા દુહાઈ મન અપને કી ઘાત;
હરિ તો સબ જાનત હે રોમ રોમ કી બાત.
વિષયને તો અંતક જેવા કહ્યા છે.
અંતક : ઘાતક, કાળ, મરણ, યમ.
(270) રૂડા દેશકાળ પ્રવર્તાવ્યા એ દયા, પુસ્તક કર્યાં એ દયા, આચાર્ય કર્યા એ દયા ને મંદિર કર્યાં એ પણ દયા. આટલો તિરસ્કાર થાતાં અવાય છે, એ ખપ કહેવાય. મોરે ગયા તે ગણાવ્યા.
મોરે : અગાઉ
(271) એક જણને અદ્વૈતાનંદ સાથે હેત હતું, તે મહારાજે કળાવ્યું જે, ‘એ સંગ કર્યા જેવો નથી.’ માટે આપણને ન કળાતું હોય તો બીજાને પૂછવું. દંભીનો દંભ ન કળાય.
પશ્ય લક્ષ્મણં પમ્પાયાં બક: પરમધાર્મિક: ।
શનૈમુચ્ચતિ પાદૌ દ્વૌ જનાનામનુકમ્પયા ॥
(રામાયણ : જ્ઞાનદીપ કપટ પ્રકરણ, ભાગ-1, પાના નં. 146/32)
અર્થ : હે લક્ષ્મણ, પરમ ધાર્મિક બગલો પંપામાં લોકોની લાગણીથી બે પગ ધીમેથી મૂકે છે.
રામચંદ્રજીએ લક્ષ્મણજીને ક્હ્યું જે, જીવ ઉપર દયાએ કરીને ધીમે ધીમે પગ મૂકે છે એવા પરમ ધાર્મિક બગલાને જુઓ. ત્યારે માછલો બોલ્યો જે,
કિં એ પશ્યસિ ત્વં રામ યેનાહં નકુલીકૃત: ।
સહવાસી વિજાનીયાદ્ સહવાસિ વિચેષ્ટિતં ॥
(રામાયણ : જ્ઞાનદીપ કપટ પ્રકરણ, ભાગ-1, પાના નં. 146/32)
અર્થ : હે રામ, તું જુએ છે કે મને એણે નકુલી કર્યો. સાથે રહેનારનું સાથે રહેનાર જેવું આચરણ જાણી લેવું.
હે રામ, એણે મારા આખા કુળનો નાશ કર્યો છે, તે કેમ જોતા નથી? માટે સહવાસીની ચેષ્ટા જે, ક્રિયા તે સહવાસી હોય તે જાણે.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
અર્થ : ધન, સંપત્તિ.
સંવત 1918ના શ્રાવણ સુદિ દશમીને દિવસે સ્વામીએ વાત કરી જે,
(272) મનુષ્યભાવમાં દિવ્યભાવ સમજવો. નિષ્કામી, નિર્લોભી, નિ:સ્વાદી, નિ:સ્નેહી ને નિર્માની થાય; તો આ વાત જીવના હૈયામાં પેસે. આ સાધુએ વિષયમાત્રનો ત્યાગ કર્યો, ત્યારે સર્વેને ભાર આવ્યો; માટે જે, વિષયનો ત્યાગ નહિ કરે તેનો ભાર નહિ આવે.
દિવ્યભાવ : જેમાં માયાના ત્રણ ગુણનો પ્રભાવ ન હોય તેવો અદ્ભુત ભગવદ્ભાવ.
(273) કપટી હોય તેને સાધુ ઓળખી કાઢે. એક પરજિયો સોની મુંબઈ ગયો, તેણે દંભ ને કપટથી હજારોને છેતરીને ખુવાર મેળવ્યા.
(274) ‘શિક્ષાપત્રી’માં કહ્યું છે જે, ‘નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો.’ ત્યારે એક જણે પૂછ્યું જે, ‘સાધુની વચ્ચે બેઠા તોય સમાગમ કરવો?’ ત્યારે ઉત્તર કર્યો જે, ‘હા, તોય સમાગમ કરવો. કેમ જે, મોટાને વિશે મનુષ્યભાવ રહ્યો હોય ને પોતાનામાં કેટલાક દોષ રહ્યા હોય તે સાધુ વિના કોણ ઓળખાવે ? કદાપિ ભગવાનનાં દર્શન થાતાં હોય પણ સાધુ ન મળે તો આટલો દાખડો કરીને કોણ સમજાવે ?’
મનુષ્યભાવ : દેહભાવ, માયિકભાવ, જેમાં ગુણાનુરાગ - ગુણાનુબુદ્ધિ પ્રવર્તે છે તેવો ભાવ.
(275) એક હારે બધાં કામ ન થાય. બ્રહ્માનંદસ્વામી નિષ્કામી ખરા, પણ મહારાજને ને અવતારને સરખા સમજતા.
(276) ધ્યાન કરતાં બીજું કરે તો ધ્યાન ન થાય; તેમ જ ભણવાનું જાણવું. ઉપલે ડોળે કાંઈ ન થાય, એકાંતિક પણ ન થાવાય. તે તો,
સંત સમાગમ કીજે, હો નિશદિન સંત સમાગમ કીજે.
અંતર કપટ મેટકે અપના, લે ઉનકું મન દીજે. હો 0
(કીર્તન મુક્તાવલિ : 142)
જેસે હિ હેમ હુતાશ મેં ડારકે, ધોય વિકાર સોનાર તપાવે;
વ્યોતત જ્યું દરજી પટ ફારકે, કાષ્ઠ કું બાઢ સુતાર બનાવે;
પાત્ર કુલાલ શીલાકર પાહન, લોહ લુહાર સુધાર હિ લાવે;
યું શિષ્યકું ગુરુદેવ સુધારત, સો બ્રહ્માનંદ આનંદ પાવે.
(કીર્તન મુક્તાવલિ : ગુરુ કો અંગ)
શિષ્ય ગુરુને મન સોંપે ત્યારે તેમાં ગુણ આવે. દ્રુપદ રાજાએ દ્રૌપદીનો સ્વયંવર કર્યો ત્યારે પાણીના હોજમાં થાંભલો ખોડીને માથે સોનાનો મચ્છ મૂક્યો ને થાંભલે ત્રાજવું બાંધ્યું, તેમાં બે પગ મૂકીને પાણીમાં મચ્છને જોવો ને ઉપલો મચ્છ પાડવો તેમાં કેટલાય રાજા પડ્યા, હાથ-પગ ભાંગ્યા ને હોઠ છોલાણાં; પણ મચ્છ વીંંધાણો નહિ, ત્યારે દ્રુપદ રાજાએ કહ્યું કે, ‘પૃથ્વી ઉપર કોઈ ક્ષત્રિયનો બચ્ચો નથી, એમ મેં જાણ્યું હોત તો હું આવું પણ લેત નહીં.’
તે સાંભળી અર્જુન કાપડીને વેશે ઊભા હતા તેને ચાનક લાગી ને કહે જે, ‘કહો તો હું પાડું.’ ત્યારે સૌ હસ્યા ને કહે, ‘એ બાવો શું પાડશે ?’ ત્યારે દ્રોણાચાર્ય કહે જે, ‘ભલેને તેના હોઠ ભાંગે, તમારું શું જાય છે ?’ પછી રજા આપી, એટલે અર્જુને બે હાથે દાંડી ઝાલીને બેય પગ ત્રાજવામાં એકી સાથે મૂક્યા, ત્યારે દ્રોણાચાર્યે જાણ્યું જે, આ કોઈક હુશિયાર છે તે પાડે તો પાડે. પછી પોતે તેમાં ભળ્યા ને કહે, ‘ઊભો રહેજે, હમણાં ઘા કરીશ નહિ, હું કહું ત્યારે ઘા કરજે.’ અર્જુન તો જાણતા હતા જે, આ દ્રોણાચાર્ય છે ને મારા ગુરુ છે તે સાચું જ બતાવશે. દ્રોણાચાર્યે પૂછ્યું જે, ‘શું દેખાય છે ?’ તો કહે, ‘સભા.’ ત્યારે કહે, ‘ઘા કરીશ નહિ ને વૃત્તિ સંકેલ.’ પછી પૂછ્યું, ‘હવે શું દેખાય છે ?’ તો કહે, ‘દંડ દેખું છું.’ એટલે કહે, ‘હજી વૃત્તિ સંકેલ.’ તો કહે, ‘હવે મચ્છ દેખાય છે.’ ત્યારે કહે, ‘વૃત્તિ સંકેલ, હમણાં ઘા કરીશ નહિ.’ પછી કહે, ‘માથું દેખાય છે.’ ત્યારે કહે, ‘હવે કર ઘા.’ એટલે ઘા કર્યો ને મચ્છ વીંધાણો. તે ગુરુને મન સોંપ્યું તો મચ્છ વીંધાણો. તેમ પ્રગટ ગુરુરૂપ હરિને મન સોંપે તો બ્રહ્મવિદ્યાની પ્રાપ્તિ થાય ને ભગવાનમાં જોડે એટલે કાંઈ દેખાય જ નહિ, પણ તે કેને સમજાય, તો જેને પદાર્થ વધાર્યામાં કે, લાડવા ખાધામાં આસક્તિ ન હોય તેને સમજાય.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
આસક્તિ : મોહ, અતિશય સ્નેહ, લગની.
(277) બીજા ઘણા ગુણ હોય પણ તેમાં જો માનનો કટકો હોય તો ઈર્ષા રહી જાય, માટે સાધુ સમાગમ વિના બધી કસર ન ટળે. ઐશ્ર્વર્ય ન જોઈએ એવો તો કોઈ નજરે જ ન આવે.
(278) મોટા મોટાના દેહ હજી સુધી રાખ્યા છે, તે અસંખ્યાત જીવોનાં કલ્યાણ સારુ છે. સત્સંગ જેવી કોઈ પદવી નથી ને એવું કોઈ આસન નથી. ખરા સંત ભગવાનમાં ચોંટાડી દે ને બીજા ધર્મ, અર્થ ને કામમાં ચોંટાડે.
અર્થ : ધન, સંપત્તિ.
(279) આ સાધુનાં દર્શન કરે તો પંચમહાપાપ હોય તે બળી જાય, એવો મહિમા છે. એક વખત અમે ગિરનારમાં વાંસ કાપવા ગયા હતા. તે વળતાં શિવાનંદને તરસ બહુ લાગી પણ આત્મનિવેદી હતા ને ચરણરજ સાથે લેવી ભૂલી ગયા હતા, તેથી પાણી પિવાય નહિ; તેમ મંદિર સુધી પૂગી શકાય તેમ નહોતું. પછી રસ્તામાં સોનરખનું વહેણ આવ્યું તેમાં અમે અમારો પગ મૂક્યો ને કહ્યું જે, ‘આ હેઠે ગંગા ચાલી જાય છે ને પ્રસાદીનું પાણી છે, તે પીવો.’ એટલે શિવાનંદે અમારા વચનમાં વિશ્ર્વાસ હોવાથી પાણી પી લીધું, પણ સાથે બીજા સાધુ હતા તેમણે એ વાત ઠેઠ મહારાજ સુધી પહોંચાડી, ત્યારે મહારાજ કહે, ‘એ તો કરોડ ગંગા ને કરોડ ચરણરજ ! કેમ જે, એ સાધુના ચરણમાં તો સર્વે તીર્થમાત્ર રહ્યાં છે માટે બહુ સારા કર્યા; પણ તમને મહિમા નથી એટલે શંકા થાય છે.’
પાંડવોનો રાજસૂય યજ્ઞમાં તેડવાનો શ્રીકૃષ્ણ ઉપર કાગળ આવ્યો અને હારોહાર વીસ હજાર રાજાઓને જરાસંધે બંદીખાને નાખ્યા હતા, તેમને છોડાવવાનો તેમની સ્ત્રીઓનો વિનંતી પત્ર આવ્યો જે, ‘અમે તમારાં છીએ ને તમારી મેહની ઘોડ્યે વાટ જોઈએ છીએ તો રક્ષા કરવા વહેલા પધારશો.’ પછી ભગવાને ઉદ્ધવને પૂછ્યું જે, ‘બેમાંથી પ્રથમ ક્યાં જવું ?’ તો કહે, ‘પ્રથમ પાંડવોના રાજસૂય યજ્ઞમાં જવું એટલે પાંડવોને સારું લાગે જે, સહાયે આવ્યા ને પછી દિશાઓ જીતવા જાશે; ત્યારે આપણે જરાસંધની દિશ લેશું ને પહેલાં જરાસંધને મારશું ને રાજાઓને છોડાવશું, એટલે તેઓ પણ રાજી થાશે. તે એક કામમાં બે કામ થાશે.’
એમ નિરધાર કરી પ્રથમ યજ્ઞમાં ગયા, પછી જરાસંધ પાસે દ્વંદ્વયુદ્વ માગ્યું, ત્યારે કહે, ‘અર્જુને સ્ત્રીનાં લૂગડાં પહેર્યાં હતાં તેથી તેની સાથે નહિ લડું ને તમે તો મારી આગળ ભાગ્યા હતા માટે તમારી સાથે ય નહિ લડું ને કહો તો આ ભીમ સાથે લડું.’ પછી લઠા લઈ પાળે-પાળા લડ્યા. તે રાતે ભીમ કહે, ‘માળો, બળિયો છે! મારાં તો હાડેહાડ કળે છે. હું તેને પૂગીશ નહીં.’ ત્યારે શ્રીકૃષ્ણે ભીમને કહ્યું જે, ‘કાલે યુદ્ધ થાય ને તું થાકી જાય ત્યારે મારા સામું જોજે ને હું જેમ ઇશારો કરું તેમ તું કરજે.’ પછી બીજે દિવસ બરાબર યુદ્ધ થયું ને ભીમે ભગવાન સામું જોયું, ત્યારે શ્રીકૃષ્ણે પીંપળની ડાળખી તોડી ફેરવીને કેડમાં મારી, ચીરીને નાખી દીધી, એમ ઇશારો કર્યો. એટલે ભીમે ગદા ફેરવીને જરાસંધને કેડમાં મારી તે પડી ગયો, એટલે એક પગ પોતાના પગે દબાવી, બીજો પગ બે હાથે ઝાલી ચીરી નાખ્યો ને બેય કટકા જુદા જુદા નાખી દઈ વચમાં શિવલિંગ કર્યું એટલે બેય કટકા ભેળા ન થયા ને મરી ગયો. પછી તેના દીકરા ભગદત્તને ગાદીએ બેસાર્યો ને રાજાઓને બંદીખાનેથી છોડાવ્યા. એમાં કહેવાનું એ છે જે, એકાંતિકનાં વચનમાં બધુંય આવી જાય.
ઘોડ્યે : જેમ.
(280) ગોંડળના હઠીભાઈને મુક્તાનંદસ્વામીએ સત્સંગ કરાવ્યો, પણ તેને એક કપટી મળ્યો તેણે સત્સંગ મુકાવ્યો, પણ મુક્તાનંદસ્વામીના શબ્દ જીવમાં પડેલ તેથી બાર વરસે મુક્તાનંદસ્વામી ફરીને ગયા કે તુરત સત્સંગી થયા, માટે આમાં કોઈ એવા હોય તેથી બીવું. મહારાજ કહેતા જે, ‘માશી પૂતના આવી છે, તે છોકરાં ગળી જાય છે માટે જાળવજો !’
(281)
સત્સંગ નવ છોડિયે શીર કટે સો વાર;
એક શીર કે વાસ્તે ક્યું ડરત હૈ ગમાર ?
કાં તો કોરા તલ ભલા કાં લીજે તેલ કઢાય;
અધકચરી ઘાણી બુરી બેય કોરથી જાય.
(સુભાષિત)
મૂળ કપાઈ ગયાં છે પણ ધોરી મૂળ રહ્યાં છે. વિષયના રાગ એ ધોરી મૂળ છે. તે તો એકાંતિકના વિશ્ર્વાસે કપાય; માટે જેને દોષ મૂકવા તેણે એકાંતિક આગળ દીન થઈ જાવું, દાસ થઈ જાવું.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
દીન : લાચાર, ગરીબ, રાંક.
(282) અભિનિવેશ થાય ત્યારે ગુરુ તથા શાસ્ત્ર કહે તો પણ ન માને ને જે નથી કરવું તેના ક્યાં સંકલ્પ થાય છે ? ભૂખે મરી જવાય પણ કોઈને વિષ્ટા-છાણ ખાવાનો સંકલ્પ થતો નથી. માટે વિષયમાં રાગ છે તો જ સંકલ્પ થાય છે, પણ ખરેખરો સમાગમ થાય તો કસર ન રહે. કલ્યાણભાઈના ખેતરમાં ધ્રો થઈ ગઈ હતી, તે ત્રણ વરસ સુધી ઘેર જ આવ્યા નહિ ને ખેતરે રહી ધ્રો કાઢી ચોખ્ખું કર્યું. તેમ આપણે પણ આ સાધુના સમાગમમાં રહીને લઈ મંડશું, ત્યારે જ વિષયનાં ધોરી મૂળ કપાશે.
અભિનિવેશ : સત્યથી અલગ પોતાની માન્યતાનો દઢ નિશ્ર્ચય.
કસર : ખોટ, ઉણપ.
(283) એક જણે સંઘ કાઢ્યો, ત્યારે શાહુકારને ત્યાં ધન મૂક્યું ને તીર્થે ગયો. શાહુકારે દ્રવ્ય આડુંઅવળું કરી નાખ્યું ને પાછો આવ્યો ત્યારે માગ્યું, તો કહે, ‘દ્રવ્ય કેવું ? લાવો નામું-ઠામું હોય તો ?’ પછી તે ઉદાસ થઈ ગયો, ને ગામમાં આડા-અવળા આંટા દેવા મંડ્યો. તે એક વાર તળાવની પાળે અણોસરો થઈ બેઠો હતો, ત્યાં એક બાઈએ પૂછ્યું જે, ‘આમ કેમ થઈ ગયા છો ?’ તો કહે, ‘આમ થયું છે.’ પછી તે બાઈ કહે જે, ‘આ ગામમાં એક ખંજ છે, તેની પાસે જાઓ તો તે અપાવશે.’ પછી ખંજને ઘેર જઈ વાત કરી. તો કહે, ‘હું શાહુકારને ત્યાં જાઉં છું ને હું બેઠો હોઉં તે વખતે તમે તમારું દ્રવ્ય માગજો.’ પછી ખંજ જઈને શાહુકારને કહે જે, ‘મારી તિજોરી તમારે ત્યાં મૂકવી છે, તે રાખશો ?’ તો કહે, ‘હા.’ ત્યાં પેલો આવ્યો ને કહે, ‘શેઠ મારું દ્રવ્ય ક્યાં છે ?’ તો કહે, ‘જાઓ વખારમાંથી લઈ લો.’ એટલે તે લઈને ચાલતો થયો. ત્યારે ખંજે શાહુકારને કહ્યું જે, ‘અમારે જવાનું આળસ્યું છે.’ એમ કહી ઊઠી ચાલતો થયો.
પાળે : સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જાતનો સેવક/પાર્ષદ.
ખંજ : લંગડો, લૂલો.
(284) દેહનું રક્ષણ કરીએ છીએ ને વિષયનું સંપાદન કરીએ છીએ, તે બાવળને વાડ કરીએ છીએ; પણ ઝીણાભાઈની પેઠે ખટકો રહેતો નથી જે, રખે ભગવાન વિના બીજામાં બંધન થાય ! વિષયમાં દુ:ખ દેખાતું નથી. ચિંતામણિ નાગણી વચ્ચે પડી હોય તેને લીધાનું મન થાય નહિ, તેમ જ વિષયમાં દુ:ખ દેખાય તો વિષય ભોગવી શકાય નહિ. માટે જેને ભગવાન જોવા હોય તેણે બીજું જોવું નહીં. ઘનશ્યામદાસજી ચાર વાગે ધ્યાન કરતા હતા, તે ધ્યાનમાં મોટા માથાવાળી ભેંશ સાંભરી. ત્યારે અમે કહ્યું જે, ‘ઘનશ્યામદાસ, અત્યારે ભેંશ પાસે શું કામ છે?’ ત્યારે કહે, ‘તૂત કાણું નાખો છો ? હું તો ધ્યાન કરું છું !’ ત્યારે અમે કહ્યું, ‘દાદાખાચરની મોટા માથાવાળી ભેંશને સંભારો છો ને વળી તૂતનું કહો છો ?’ ત્યારે અમને હાથ જોડીને કહ્યું જે, ‘હું તમને આજ સુધી ખંડિયા સમજતો, પણ તમે તો ચક્રવર્તી ખરા !’
ચિત્ત કી વૃત્તિ એક હૈ ભાવે તહાં લગાઓ;
ચાહો તો હરિ કી ભક્તિ કરો, ચાહે તો વિષય કમાઓ.
એક મ્યાનમાં બે તલવાર ન સમાય.
જહાં કામ તહાં નામ નહિ, જહાં નામ તહાં નહિ કામ;
દોનો કબહુ ના રહૈ, રવિ રજની એક ઠામ.
(કબીરસાહેબની સાખીઓ : 6)
ભગવાનમાં રહેવું હોય તેણે બીજું જોવાય નહિ ને અડાય નહિ. તે ઉપર મુક્તાનંદસ્વામી, આનંદસ્વામી ને મીણબાઈની વાત કરી.
પ્રકરણ 10ની વાત 265
ચિંતામણિ : ઇચ્છા પૂરી કરે તેવો દિવ્ય મણિ.
કાણું : કેમ ? શા માટે ?
(285) આ પ્રગટનાં ઐશ્ર્વર્ય જોયાં એટલે બીજી વાત નજરમાં આવે નહીં. પરમચૈતન્યાનંદસ્વામીએ ગોપાળાનંદસ્વામીનો મહિમા સમજીને વાતું ઉતારી; માટે આ જે કારખાનું તે અલૌકિક છે. પ્રભવાનંદસ્વામી માંદા પડ્યા ત્યારે અમે તેમની સેવામાં રહ્યા હતા. પછી મૃત્યુ ટાણે તેમને પૂર્વની સ્મૃતિ થઈ એટલે બોલ્યા, ‘અરે, આ બ્રહ્માંડની ઉત્પત્તિ મેં કરી છે ! એવો હું માર્કંડ ઋષિ ! તે મને આવી રીતે સાધુ કરીને ગોળા ખવરાવ્યા ને જગતનાં અપમાન સહન કરાવ્યાં ! હું તો આ બ્રહ્માંડ લઈને ઊડી જાઉં એવો છું !’ પછી અમે કહ્યું જે, ‘તમે તો એક બ્રહ્માંડનું કહો છો, પણ આ સત્સંગમાં તો અનંત બ્રહ્માંડને લઈને ઊડી જાય એવા છે; માટે ચાલવા માંડો.’ એમ કહીને દેહ મુકાવી દીધો. પ્રભુતાનંદસ્વામીને દેહથી જીવ જુદો પડી ગયો. પછી તે કહે જે, ‘અરે, આ મડા પાસે બેસીને કેમ જમો છો ?’ એમ વઢ્યા. ને સેંજળવાળો મોનો દવે પણ એમ કહેતો જે, ‘અરે, બ્રાહ્મણ થઈને આ મડું ઘરમાં પડ્યું છે ને કેમ જમો છો ?’ તે બજર પાલી પાલી સૂંઘતો, પણ તેને આત્મા દેહથી નોખો દેખાતો હતો. તે માણસિયા ખુમાણને સત્સંગ કરાવવા સારુ મહારાજે એમ કર્યું હતું, પછી મોનો દવે માંદો થયો ત્યારે તેણે કહ્યું જે, ‘આજથી આઠમે દિવસ મહારાજ મને તેડવા આવશે.’ તે આઠમે દિવસ મહારાજ તેડી ગયા. તે જોઈને માણસિયા ખુમાણને સત્સંગ થયો.
સંવત 1918ના શ્રાવણ વદિ અષ્ટમીને દિવસે સ્વામીએ વાત કરી જે,
(286) સદાય એક ટાણું ખવાય નહિ ને વ્રતે ય કરવું નહિ; પછી શેનું શુદ્ધ રહેવાય ને મન પણ કેમ સ્થિર રહે ? ત્રણ દેહનો નાશ કરીને ભજન કરવું, હલવું નહિ, સંકલ્પ કરવો નહિ ને ઊંઘવું નહિ પછી ભજન કરવું. વહેવારનું ને આ લોકનું હાલરું ફરે છે. બે વાતે રાડ નખાય છે તે એક ટાણું જમવું ને જીભે અખંડ રટણ કરવું. એક ટાણું ખાવું તે સાત્ત્વિક તપ કહેવાય. આંખ, કાન આદિક નિયમમાં નહિ હોય તો દુ:ખ થાશે. એક સાત્ત્વિક તપ ન થાય ને બીજું ત્રણ દેહને ઘસારો લાગે એવું ભજન ન થાય. સર્વેને પૂજ્ય થયા, પણ પંડના જ હૈયામાં શાંતિ નહિ! ભગવાનના ખોળામાં બેઠા ને રોતાં ભાળ્યા ! માટે સાધુ થયા વિના શાંતિ નથી. આપણે સંસાર મેલીને આવ્યા ત્યારે સંન્યાસી થયા, તે તો દેખવામાત્ર થયા. પણ સંન્યાસીની દિશ તો ન આવી. તે તો જ્યારે સ્ત્રી ને ધનનો અતિશે ત્યાગ કરે ને હૈયામાં તેનો અંકુર પણ ન ઊઠે ત્યારે તે પૂરો સંન્યાસી કહેવાય. પછી પરમહંસ થાવું તે પરમહંસ કેને કહેવાય ? તો સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ એ ત્રણ દેહ; જાગ્રત, સ્વપ્ન ને સુષુપ્તિ એ ત્રણ અવસ્થા તથા રજોગુણ, તમોગુણ ને સત્ત્વગુણ એ સર્વેથી વ્યતિરેક એવો જે પોતાનો જીવાત્મા તેને નોખો માની, અક્ષરરૂપ થઈને મહારાજનું ધ્યાન કરે ત્યારે તે પરમહંસ કહેવાય. નિજાત્માનં બ્રહ્મરૂપં, દેહત્રયવિલક્ષણમ્ । એ શ્ર્લોકમાં કહ્યું છે એવું ન થાવાય ત્યાં સુધી કસર જાણવી.
હાલરું : ઇચ્છાઓ/સંકલ્પોનાં ટોળાં-જૂથ.
કસર : ખોટ, ઉણપ.
(287) આનંદસ્વામીએ પૂર્વે મણિકર્ણિકાનો ઘાટ બંધાવ્યો હતો ને આ દેહે મહારાજ મળ્યા તો પણ પ્રકૃતિ ન મેલી. તે શું ? જે, મહારાજ સારુ ભારે ભારે પોશાક ગૃહસ્થ પાસેથી પૈસા માગીને પોતે કરાવી લાવે તે સાધુના મારગમાં શોભે નહીં. બીજું રઘુવીરજી મહારાજની મરજી વગર ભરૂચનું મંદિર કરી મૂર્તિઓ પધરાવી ને રઘુવીરજી મહારાજ પ્રતિષ્ઠા ઉપર ન ગયા, તેથી રિસાઈને અમદાવાદ ગયા ને હરિજન પાસેથી માગી માગીને જેતલપુરનું મંદિર કર્યું.
ઘાટ : માયિક સુખ ભોગવવાનો સંકલ્પ, વિકારનો સંકલ્પ.
(288) માયા છે તે નાકની ટિબકડી કાપવા તૈયાર ઊભી છે માટે સાધુ થયા વિના છૂટકો નથી.
(289) ‘વચનામૃત’ની પ્રત મંડળે મંડળે થઈ ને વળી માણસ માણસ પ્રત્યે થાશે પણ શાંતિ નહિ થાય. ઘોડે, ગાડે, ચેલે, ધર્મશાળાએ, એ કોઈ વાતે સાધુ થયા વિના સુખ ન થાય; અંતર તો નીંભાડાની પેઠે ધગધગતું રહે, મર પંડિત હોય તો પણ શાંતિ ન થાય. સમાધિ થાય પણ સાધુ થયા વિના સુખ ન થાય ને સમાગમ કર્યા વિના શાંતિ ન થાય. આમ ભેળા બેસીને વાતું કરવી તે વિના વૃદ્ધિ પામવાનો બીજો ઉપાય જણાતો નથી.
મર : ભલે.
(290) રજોગુણી હોય ને તેનું મનધાર્યું ન થાય ત્યારે તેને મરી ગયા જેટલું દુ:ખ થાય.
(291) જેના ઘરમાં રૂપિયા હોય તેની હૂંડી સ્વીકારાય, માટે વાતું મોટી મોટી કરીને પદાર્થ ભેળાં કરે તે જ્ઞાન ખોટું છે.
હૂંડી : એક શાહુકારની બીજા શાહુકાર પર, નાણાં ચૂકવવા માટેનો આદેશ કે ચિઠ્ઠી.
(292) રામદાસજીને માંદાની ભલામણ કરી, ત્યારે કહે, ‘સાજા પણ માંદાની હારે (સાથે) માગે છે.’ ત્યારે મહારાજ કહે, ‘તમે તો જેમ આપો છો, તેમ ને તેમ આપ્યા કરો ને તેનો હિસાબ તો અમારે લેવો છે, જે કોઈ કપટ કરશે તેના જીવને જેમ સોનાના વાળાને જંતરડામાંથી કાઢે છે તેમ કાઢીશ, ને જે આજ્ઞામાં રહેશે તેના જીવને જેમ માખણમાંથી મોવાળો કાઢે છે તેમ કાઢીશ.”
કરો : ઘરની દિવાલ.
મોવાળો : વાળ.
(293) આ દેહે કરીને તો ભજન સ્મરણ કરી લેવું. જેમ શેરડીમાંથી ગોળ કાઢી લે છે, તેમ આ દેહમાં એટલી તુળસી મેલવી જે,
અર્થં સાધયામિ વા દેહં પાતયામિ । (સુવાક્ય)
અર્થ : ‘મારો ધાર્યો અર્થ હું સિદ્ધ કરીશ અથવા દેહનો પાત (નાશ) કરીશ’ એવો અડગ નિશ્ર્ચય હોવો જોઈએ.
આ દેહમાં જેવી આત્મબુદ્ધિ છે તેવી ભગવદીમાં આત્મબુદ્ધિ કરવી ને લેશમાત્ર આજ્ઞામાં ફેર પડવા દેવો નહીં.
અર્થ : ધન, સંપત્તિ.
આત્મબુદ્ધિ : પોતાપણાની ભાવના, 'દેહ તે હું નહિ પણ આત્મા છું' એવી બુદ્ધિ.
(294) આપણે જ્યારે ઘેર હતા ત્યારે જેવી ત્રેવડ હતી તેવી જ સત્સંગમાં ત્રેવડ રાખવી, પણ સત્સંગનાં પદાર્થ જેમ તેમ વાવરવાં નહીં. વાંકિયાના ભોળા વ્યાસે મેડા ઉપર કોડિયામાં પરોઢિયે વાટુંના કટકા ભેળા કરી સળગાવ્યા; તે ભડકો થયો ત્યારે અમે પૂછ્યું કે, ‘ઈ કોણ ?’ ત્યારે કહે, ‘ઈ તો હું ભોળો.’ પછી અમે પૂછ્યું જે, ‘શા સારુ ભડકો કર્યો ?’ ત્યારે કહે, ‘અમથા કટકા પડ્યા હતા તે સળગાવ્યા.’ ત્યારે અમે પૂછ્યું, ‘તારે ઘેર એવો ભડકો કરે છે ? કે કટકા રાખી મૂકીને બીજે દિવસ સળગાવે છે ?’ તો કહે, ‘એની એ વાટ બીજે દિવસ સળગાવીએ છીએ ને બધી થઈ રહે ત્યારે બીજી વાટ સળગાવીએ છીએ.’ તેમ મંદિરનું પણ ઘરની પેઠે સાચવવું પણ આમ કરવું નહીં.
ત્રેવડ : કરકસર.
સંવત 1918ના શ્રાવણ વદિ નવમીને દિવસે સ્વામીએ વાત કરી જે,
(295) સત્સંગી, સાધુ ને ભગવાન એ ત્રણેયને પૂજ્યપણે કરીને માનવા પણ એમનો દોષ આવવા દેવો નહીં.
(296) આ જીવને લોક, ભોગ, દેહ ને પક્ષ એ ચારનું અનુસંધાન રહે છે ને એનું મનમાં મનન રહે છે, માટે ભગવદીને એ ચારેય ન રાખ્યાં જોઈએ.
(297) નિવૃત્તિ પર થઈને જ્યારે ભજન કરવા બેસીએ ત્યારે માંડ એક આનો ભજન થાય ને બીજું બધું તો સુવાણમાં જાય છે.
(298) આટલો દાખડો કરીને વાતું કરીએ છીએ પણ કોઈ ધારતું નથી. ધાર્યા વિચાર્યા વિના તો કોઈ વાત રહે નહીં. આ સત્સંગમાં જેવો કથાવાર્તાનો આગ્રહ છે તેવો તો બદરિકાશ્રમમાં તથા શ્ર્વેતદ્વીપમાં પણ નથી. એ ધામમાં તો ઘડી બે ઘડી ભગવદ્વાર્તાનો પ્રસંગ નીસરે ને પાછા ધ્યાનમાં બેસી જાય. આંહીં એક ઉપવાસ કરીએ ને જેવું ફળ થાય તેવું બદરિકાશ્રમમાં સો ઉપવાસ કરીએ ને શ્ર્વેતદ્વીપમાં હજાર ઉપવાસ કરીએ તે બરાબર ફળ છે. આંહીં એક વચન માનીએ ને ત્યાં લાખ માનીએ તે બરાબર છે. આપણે જ્ઞાન નહિ, વૈરાગ્ય નહિ ને ભગવાનના વિજોગનું દુ:ખ નહિ ! સમજણવાળી ઉમરની છોડી રાંડે તેને તેના ધણીનું કાયટું ભાવે નહિ, તેમ ભગવાન ભૂલીને પછી ભક્ત વિષયનું ગ્રહણ કરે નહીં. મોટા સાધુની અનુવૃત્તિમાં રહે તો તેનું પાર પડે. કરસનદાસ સત્સંગમાંથી નીકળી ગયો પછી મહાજનનું ગોધલું થઈને ધોળકામાં રહ્યો. તેમ જ ભાણજી, બેચર ને દેવકરસન સત્સંગમાં પાર પડ્યા નહીં.
કાયટું : મરણોતર કર્મકાંડી ક્રિયા ને જમણવાર, દસમું-અગિયારમું-બારમું : એ ત્રણ દિવસોની શ્રાદ્ધક્રિયા.
(299) ઉત્તમ જાતિ હોય તેનાથી કંદોઈનું સુખડું ખવાય નહીં. ઊજળે ડાઘ પડે, તેમ જો આડુંઅવળું થાય તો ડાઘ લાગે ! ઉમરેઠમાં ઘોડાની આંખ ફાટી એટલે મહારાજે ખૂબ દોડાવ્યો તે પરસેવો વળી ગયો, પછી મહારાજે કહ્યું જે, ‘અવળો ચાલશે તેના ઘોડાના હાલેહાલ થાશે.’ માટે આપણે સૌ પ્રભુ ભજવા ભેળા થયા છીએ. પંચવિષય, દેહાભિમાન ને પક્ષ એ જરૂર સત્સંગમાંથી પાડી નાખે એવાં છે ને આ દેહને લઈને સર્વે કજિયો છે. ચ્યવનને માથે રાફડો થઈ ગયો હતો ને બધાની લઘુશંકા બંધ કરી; પણ પોતાની ન થઈ.
લક્ષ્મીવાડીમાં પાળા બાંધવા સદાનંદસ્વામી આદિક સાધુ ગયા ને સૌએ કામ વહેંચી લીધું. પછી પોતપોતાના ભાગનું કામ કરી સદાનંદસ્વામીની મશ્કરી કરી જે, ‘કાં કેમ કરશો ?’ પછી પોતાના ભાગના પાળા બાંધવાને બદલે સદાનંદસ્વામી નાડીપ્રાણ સંકલીને સૂઈ ગયા, તેથી કરી સૌનાં લઘુ ને ઝાડા બંધ થઈ ગયા એટલે રાડારાડ પાડવા માંડી. તે વાત મહારાજ પાસે ગઈ. મહારાજે કહ્યું જે, ‘તમે કોઈક મોટાનો અપરાધ કર્યો છે.’ પછી મહારાજ લક્ષ્મીવાડીમાં ગયા ને સદાનંદસ્વામીને સમાધિમાંથી જગાડ્યા ને કહ્યું જે, ‘શું પ્રલય કરવો છે ? બધાનો ખુલાસો કરો.’ ત્યારે સદાનંદસ્વામી કહે, ‘સૌને પાણી લઈ જાજરૂ જવાનું કહો, નહિતર આંહીં ને આંહીં બગાડી મૂકશે.’ કેટલાકે ન માન્યું. પછી કહે, ‘છૂટી મૂકું છું.’ એમ બોલ્યા, ત્યાં તો જેણે માન્યું નહોતું તેમનાં લૂગડાં બગડી રહ્યાં. તે જોઈ મહારાજ હસ્યા. પછી સદાનંદસ્વામી મહારાજ સાથે મંદિરમાં ગયા.
પ્રકરણ 9ની વાત 115
સુખડું : મીઠાઈ.
પાળા : સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જાતનો સેવક/પાર્ષદ.
પ્રલય : વિનાશ, કલ્પને અંતે જગતનો નાશ.
(300) આપણે આટઆટલી વાતું કરીએ છીએ ત્યારે જરાતરા નિયમ રહે છે. જોશી ઢેઢડી સારુ ઢેઢ થયો, તેમ જો વિષયનું ચિંતવન થાવા માંડ્યું તો તેના જેવા હાલ થાશે. એક સાધુ ગાડા ઉપર આસન કરીને વાહર લેતા પછી તો સત્સંગમાંથી જતા રહ્યા. એમ ભીડો ખમી શકાય નહીં. હરિયાનંદને એંશી જોડ ચરણારવિંદ હતાં ને ચાર પોશાક હતા તો પણ સત્સંગમાંથી ગયો. માટે આ સાધુ સત્સંગમાં રાખશે, પદાર્થ નહિ રાખે. આપણી મોટપ તો ધર્મ વતે છે. ગામેતી હોય તે ખેડુની ગરજ રાખે છે, તેમ આપણે પણ થોડી થોડી સત્સંગની ગરજ રાખવી. કોઈને વેણ ન મારવું, ઘા રુઝાય પણ વાણી ન રુઝાય. કોઈ ગુહ્ય વાત હોય તે પ્રકાશ કરવી નહીં. સર્વે ભગવદી આગળ હાથ જોડીને બોલવું. સાધુ સમાગમ વિના દોષ ટળે નહિ ને કહ્યા વિના સમજાય નહીં. સર્વે સંત આગળ દીન-આધીન થાવું. આંહીં હરિભક્ત સો રૂપિયા લઈને આવ્યો હોય તેને માન દઈએ તો બસેં વાવરે ને માન ન દઈએ તો પચાસ વાવરે. મોટા સાધુમાં બંધાયો તે જ ઊગરે. વહેવારમાં તો જશ મળે ને અપજશ પણ મળે, માટે એનું તો જાણી મેલવું જે, એમાં તો દુ:ખ જ છે. માટે કલ્યાણના ખપને જાણે ને વધારે તેવો (બીજો) કોઈ ડાહ્યો નહીં. રાજાનાં સાત અંગ છે તેમ સત્સંગનાં મંદિર, આચાર્ય, સત્સંગી, સાધુ ને શાસ્ત્ર એ પાંચ અંગ છે.
જરાતરા : નહિ જેવો-થોડો.
ઢેઢ : હરિજન.
વાહર : પવન, હવા, હવા ખાવી.
ગામેતી : ગામનો મુખ્ય માણસ- મુખી.
ગુહ્ય : રહસ્ય, મર્મ
વાવરે : વાપરે, ઉપયોગમાં લે.
સંવત 1918ના શ્રાવણ વદિ દશમને દિવસે સ્વામીએ વાત કરી જે,
(301) ગાયનાં શિંગડાં ઉપર સરસવનો દાણો રહે ત્યાં સુધી પણ અંત:કરણ સ્થિરતાને નથી પામતું. જેમ જેતપુરનો ધરો વહે છે તેમ અંત:કરણમાં હાલક-ડોલક થયા કરે છે. કામના કે લોભના સંકલ્પના વેગ આવે તો ચાળીસ-પચાસ વરસે સત્સંગમાંથી જતું રહેવાય. સુખાનંદસ્વામી મા-બાપનું કલ્યાણ કરવા ઘેર જતા હતા ત્યારે મહારાજે કહ્યું જે, ‘આયુષ નથી, માટે ન જાઓ તો ઠીક.’ તો પણ ગયા ને રસ્તામાં મથુરામાં કાયસ્થને ત્યાં સોનાનું મંદિર છે ત્યાં ઊતર્યા. ત્યાં સંન્યાસી ગોપાળાનંદસ્વામી અને રામાનુજાનંદસ્વામી બે ભાઈ હતા, તેમને વાતું કરી ત્યારે કાયસ્થને ઊંઘ ન આવતી તે શાંતિ થઈ ને ઊંઘ આવી ગઈ. ત્યારે તેણે જાણ્યું જે આ કોઈક મોટા પુરુષ છે.
પછી પૂછ્યું જે, ‘ક્યાંય ભગવાન છે ?’ તો કહે, ‘પશ્ર્ચિમદેશમાં કારિયાણીમાં છે.’ એટલે કાયસ્થે રામાનુજાનંદસ્વામીને કહ્યું જે, ‘હું તમને આ મંદિરની મારી ગાદી આપું.’ ત્યારે તે કહે, ‘અમે ગાદીને શું કરીએ ? અમે તો ભગવાનને ગોતવા નીસર્યા છીએ.’ પછી સુખાનંદસ્વામી ઉજ્જૈનમાં ગયા ત્યાં ગુજરી ગયા ને પેલા બે ભાઈ મહારાજ પાસે જવા નીસર્યા. ત્યારે કાયસ્થે કહ્યું જે, ‘તમારે આટલો વેગ છે તો તમને ભગવાન જરૂર મળશે.’ મહારાજ સારુ સોનું દેવા માંડ્યું તો કહે, ‘અમને રસ્તામાં કોઈક મારી નાખે.’ પછી અત્તરની શીશી આપી તે લઈ મહારાજ પાસે આવ્યા ને છેટે ઊભા રહ્યા. ત્યારે મહારાજે બોલાવ્યા. ત્યારે તેમણે કહ્યું કે, ‘સુખાનંદસ્વામીએ જય સ્વામિનારાયણ કહ્યા છે ને ઉજ્જૈનમાં દેહ મૂકી દીધો છે.’ પછી કાયસ્થની આપેલ અત્તરની શીશી આપી તે મહારાજે ઉઘાડીને અત્તર હાથમાં કાઢી સૌના નાકે ચાંદલો કર્યો. તો કહે, ‘આ શું કર્યું ?’ ત્યારે મહારાજ કહે જે, ‘તમારાં નાક રહેશે, બીજાનાં નહિ રહે.’ ઓલ્યો શેઠ મહારાજનાં દર્શને નીકળ્યો છે, તેના ખબર આવ્યા ત્યારે મહારાજ કહે, ‘તેને આ દેહે દર્શન નહિ થાય.’ રસ્તામાં રાતે ઘોડે પાટુ મારી તે મરી ગયો ને કારિયાણીમાં જન્મ થયો; તે નથુ પટેલ થયા.
વિષયનું ખંડન કરીએ તે તો કોઈને ગમે નહીં. કલ્યાણનો ખપ તો હોય પણ લગારેક મરડીએ તો જીવમાં અસુખ થઈ જાય; માટે રુચિ અનુસારે કરાવીએ છીએ. જેમ ડોબાં ચારે તેમ ખવરાવીએ, સૂવરાવીએ, માખી ઉડાડીએ ને જેમ તેની રુચિ હોય તેમ કરીએ છીએ, પણ જીવનો આંટીદાર સ્વભાવ છે. બ્રહ્માનંદસ્વામીનો લહિયો મુક્તાનંદસ્વામી પાસે ગયો, તેથી બ્રહ્માનંદસ્વામી રિસાણા ને મુક્તાનંદસ્વામીને પગે લાગવા ન ગયા, તે ભેળા બીજા ચાળીસ સાધુ હતા તેને ય પગે લાગવા ન ગયા. નાજા જોગીઆ સાધુ થયા ત્યારે તેમનું નામ ઘનશ્યામદાસ પાડ્યું હતું. ગુરુ થયા પછી સેવક પતર-તુંબડું પંગતમાં મૂકી આવે ત્યારે ગુરુ જમવા જાય, પણ એક દિવસ સેવકને ઉપવાસ હતો, એટલે ઘનશ્યામદાસે પણ ઉપવાસ કર્યો ને જમવા ન ગયા; કેમ જે, જમવા જાય તો પતર-તુંબડું ઉપાડવું પડે તે લાજ જાય, એવા જીવના આંટીદાર સ્વભાવ છે. ધર્મ દ્વેષી હોય તે સારાને સારા કહે જ નહીં. અમને ય મસાણિયા કહેતા. અમે સવારમાં ઊઠીને કામ-ક્રોધાદિક દોષનું ખંડન કરીએ ને બીજા વહેલા ઊઠી નાહીને આવે તો પણ અમે તો દોષનું ખંડન જ કરતા હોઈએ, તે અમને જોઈને તેના શિષ્યને કહે જે, ‘જો મસાણિયા બેઠા છે.
બ્રાહ્મે મુહૂર્તે શયનં વિહાય નિજસ્વરુપં હૃદિ ચિન્તયિત્વા ।
સ્નાનં વિશુદ્ધં પ્રચુરાભિરદ્રિ: શ્રીનિલકણ્થં હૃદિ ચિન્તયામિ ॥
(શ્રી નીલકંઠ ચિન્તનાષ્ટકમ્)
અર્થ : બ્રાહ્મ મુહૂર્તમાં શય્યા (નિદ્રા)નો ત્યાગ કરી પોતાના સ્વરૂપનું હૃદયમાં ચિંતન-ધ્યાન કરી, અધિક જળ વડે સ્વચ્છ સ્નાન કરી શ્રી નીલકંઠનું હું હૃદયમાં ચિંતન કરું છું.
એ તો નહિ ને સવારના પહોરમાં ઢેઢ ઝાંપડાને સંભારે છે.’ એમ શિષ્યને અવળું સમજાવે ત્યારે શિષ્ય જાણે જે, ‘સાચું. વચન લોપનારા તો આજ છે.’ એમ બુદ્ધિમાં રજ-તમ હોય એટલે સવળું સમજાય નહીં. માટે સારાને સારા નથી કહેવા તે તો નહિ જ કહે. એવા અવળા વિધિનિષેધ કરવા માંડે તે પોતાને દુ:ખ કરે ને બીજાને પણ દુ:ખ કરે.
વચનામૃત કા. 9
પ્રકરણ 11ની વાત 29
ગોતવા : શોધવા.
ઘોડે : જેમ.
લહિયો : લખવાનું કામ કરનાર માણસ.
મસાણિયા : સ્મશાનમાં રહેનારા.
અર્થ : ધન, સંપત્તિ.
ઢેઢ : હરિજન.
વિધિનિષેધ : ધર્મશાસ્ત્રોમાં જે 'આમ કરવું ને જે આમ ન કરવું' એવો ઉપદેશ.
(302) કોઈ વાતનું સરું આવે તેમ જણાતું નથી. આપણે બે-અઢી મહિના સુધી ગુજરાતમાં રહ્યા, પણ પહેલો દહાડો છે. તે શું ? જે, જાણે કાંઈ ખાધું જ નથી. સો મણ સાકરમાં એક મણ અફીણ નાખે તો બધી કડવી લાગે તેમ થોડોક કુસંગ લાગે, તો સત્સંગ બગડી જાય.
સરું : છેડો, અંત, પાર.
(303) જેને ભગવાનના ધામમાં જવું હોય તેને કોઈનો દોષ ન લેવો ને આત્મબુદ્ધિ કરવી. આપણે વિષયને મારગે ચાલવું નહીં. ચાલતા હોય તેની સામું જોવું નહીં. મહારાજે જે વાતું લખી છે તે આપણા જીવને નિર્બંધ કરવા સારુ છે. ગોપાળાનંદસ્વામીએ કહ્યું હતું જે અમે કોઈ વાત આ ‘વચનામૃત’ના ચોપડા બહારની રાખી નથી. મુક્તાનંદસ્વામીએ ‘વિવેકચિંતામણિ’માં પોતાનો સિદ્ધાંત લખ્યો છે, ‘નિષ્કામાદિક જે ગુણ તે ભેખજી કમાણી છે ને કામાદિક જે દોષ તે સંધીજી કમાણી છે.’ તેમ કોઈનો ગુણ લેવો એ ભેખજી કમાણી છે ને દોષ જોવો તે સંધીજી કમાણી છે.
એક ફકીર ભેળો સંધી ચેલો થઈને રહ્યો, પછી તેને ટુકડા માગવા મોકલ્યો. તે કોઈક ગૃહસ્થને ઘેર, ભાત લઈ જવા સારુ બાઈ ઘઉંની રોટલીનો ખડકલો બહાર મૂકી શાક લેવા ઘરમાં ગઈ, ત્યાં આ સંધી ખડકલો ઉપાડીને મસ્જિદે આવ્યો ને ગુરુ પાસે ટુકડાનો ને રોટલીનો ઢગલો કર્યો. ત્યારે ફકીરે પૂછ્યું જે, ‘આ શું ?’ સંધી કહે, ‘આ તેંજી ભેખજી કમાણી ને હિં મુંજી સંધીજી કમાણી !’ પછી સંધીને રજા આપી. માટે સત્સંગમાં આવીને પોતાની સંધીની કમાણી ન વાવરવી, પોતાના દોષ ટાળવા. કામ, લોભ ને સ્વાદમાં તો કેવળ દુ:ખ જ છે. મહારાજ કહે, ‘તમારાં ગળાં ઝાલ્યાં છે તે હું નિર્દય નથી પણ તમારા સુખને અર્થે છે.’ માટે કોઈ દોષ હોય તો ધીરજ રાખીને તેને ટાળવો; પણ સંકલ્પ થયો (ને) તેનો આદર કરીએ તો વધે ને અનાદર કરીએ તો ફરીને તેવો સંકલ્પ ન થાય. જીવના સ્વભાવ તો બહુ અવળા છે, તે ભગવાન ભેળાં રહેતાં ને કાંઈનું કાંઈ બોલ્યા, પછી મહારાજ ઉદાસી થયા.
આત્મબુદ્ધિ : પોતાપણાની ભાવના, 'દેહ તે હું નહિ પણ આત્મા છું' એવી બુદ્ધિ.
(304) પંક્તિમાં રોટલા ન મળે એ મોટું દુ:ખ. તેથી મોટું દુ:ખ જે, કોઈનો અવગુણ આવે તે ટાઢી અગ્નિ છે; બીજાં માન-અપમાનનાં દુ:ખ છે. આ વાતું જેવો તો કોઈમાં માલ જ નથી. દુ:ખ તો અનેક જાતનાં આવે પણ તેને માનવાં નહીં. ટૂંટિયામાં બપોરે અગિયાર મરી ગયાં. માટે કોઈ વિઘ્ન ન આવે એમ કરવું. મોક્ષને મારગે ચાલે તેણે દુ:ખ સહન કરીને પ્રભુ ભજવા. ઉનાળો આવ્યો તે જાણે પોકું મેલીએ તો ટળે ? પણ એમ ટળે નહિ માટે જેમ આવે તેમ લીધે જાવું.
(305) ઘણાખરાને મુક્તાનંદસ્વામીનો ગુણ નહોતો ને ગોપાળાનંદ-સ્વામીનો પણ નહોતો. કેટલાક તો કહે છે જે, ‘બહુ ઉપાસનાની વાતું કરીએ તો બધું ખોટું થઈ જાય ને પ્રથા બગડી જાય.’ પણ એ અજ્ઞાન છે.
(306) જીવની અવળાઈનો તો કાંઈ પાર નથી. કુબેરા ખાડા ઉપર ન બેસે ને પડખે બેસે. પછી ઉસરડાવીને માંઈ નખાવે. માંદો પડ્યો ત્યારે પથારીમાં ઝાડે ફરે ને શિષ્ય કહે જે, ‘મને ખબર તો કરવા હતા.’ એટલે તેમાં આળોટે ને કહે જે, ‘આ ખબર દીધા !’ તેનું નામ સુજજ્ઞાનંદસ્વામી.
કુબેરા : ખજાનચી-ભંડારી.
પડખે : પાસે.
(307) મહારાજે પડાઈનું દૃષ્ટાંત દઈને વાત કરી જે, ‘અમારી આજ્ઞા પાળે છે તે અમારાથી છેટે રહે તો પણ અમારી પાસે જ છે ને તેની જ્યાં હોય ત્યાં રક્ષા કરવી પડે છે.’ ઝોળીઆં પારેવાંને ઉડાડે ત્યારે તેની પાંખમાં બળ હોય ત્યાં સુધી ઊડે પણ જ્યારે ભાન ન રહે ને બળહીન થઈ જાય ત્યારે પડતું મેલે, એટલે તેના ધણી તેને ઝોળીમાં ઝીલી લે પણ હેઠે પડવા દે નહિ; તેમ જે આજ્ઞા પાળે છે તેની જ ભગવાન રક્ષા કરે છે.
પાળે : સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જાતનો સેવક/પાર્ષદ.
(308) પીઠવાજાળના કણબીએ વિવાહમાં નાત તેડું કર્યું, દૂધ-સાકરની શિરામણી દીધી, પાંચ-સાત શાક કર્યાં, જાનની ખૂબ સરભરા કરી અને જાનવાળે ગામમાં રંજાડ કરી પણ પટેલ બોલ્યો નહિ. પછી વરના બાપને કોઈકે કહ્યું જે, ‘પટેલે વિવાહ બહુ સારો કર્યો.’ ત્યારે વેવાઈ ઈર્ષાવાળો તે કહે, ‘એમાં શું કર્યું ? મારી એક કોરની અરધી મૂછ પલળી છે, બીજી તો કોરી રહી ને એટલું ન કરે તો તેની દીકરી કોણ લે ?’ પછી પટેલને પશ્ર્ચાતાપ થયો પણ મોહમાં ન દોડ્યો હોત તો દુ:ખ ન થાત.
(309) ભાદરાના ડોસાભાઈ રોટલો ખાતા હતા ત્યારે સાધુએ પૂછ્યું જે, ‘ડોસાભાઈ ! શાક, દાળ, ઘી કે ગોળ વિના લૂખું કેમ ખાઓ છો ?’ ત્યારે ડોસાભાઈએ કહ્યું જે, ‘લૂખું ખાય તે હરામ ખાય ! લૂખું તો બીજા ખાય છે. અમે તો ભગવાનને સંભારીને જમીએ છીએ તે લૂખું શેનું ?’ ભગવાનની સ્મૃતિ વિના જે જે ખાય છે તે બધું લૂખું ખાય છે.
(310) સમુદ્રમાં ઝેર છે ને અમૃત પણ છે, તેમ સત્સંગમાં સારા-નરસા બેય હોય.
(311) સુરતથી મુક્તાનંદસ્વામીએ અમને મહારાજ પાસે મોકલ્યા, ત્યારે જોડ ગોતવા માંડી ત્યાં તો એક સાધુ બોલ્યા જે, ‘મારે જાવું છે, તે તમે કહેશો તો જઈશ ને નહિ કહો તોય જઈશ.’ ત્યારે મુક્તાનંદસ્વામી કહે, ‘બહુ સારું.’ પછી તે સાધુ અમારી સાથે આવ્યા. મહારાજને અમે બધા હરિજનનાં નામ લઈને મળ્યા, તે જેટલાં નામ લીધાં એટલી વાર મળ્યા. પછી અમને એમ થયું જે, મહારાજ થાકી જાશે, એમ ધારી નામ બોલતાં વાર લગાડી. ત્યારે મહારાજ કહે, ‘હવે ભૂલ્યા.’ પછી ઓલ્યા સાધુ મળવા આવ્યા. તેને મહારાજ ન મળ્યા ને કહ્યું જે, ‘આજ્ઞા લોપીને આંહીં આવ્યા, તે દેહ પડ્યો હોત તો તેડવા કોણ આવત ?’ પછી અમે કહ્યું જે, ‘અમારી ભેળા આવ્યા છે, માટે મળો તો ઠીક.’ એટલે મહારાજ મળ્યા ને કહે જે, ‘તમારા કહેવાથી મળીએ પણ બાવીસ વાર મળતાં કઠણ ન પડ્યું ને આ એક વાર મળવું અમને કઠણ પડે છે.’
ગોતવા : શોધવા.
(312) કથામાં મન રાખે તો માળામાં સ્મૃતિ ન રહે ને માળામાં સ્મૃતિ રાખે તો કથામાં મન ન રહે માટે જેણે કથા સમજવી હોય તેણે કથામાં માળા ફેરવવી નહીં.
(313) મારવાડના રાજા આગળ બ્રાહ્મણ કથા કરે ત્યારે રાજા ચોપાટે રમે ને રાડું પાડે જે, ‘દે કાળીના ધડમાં !’ ત્યારે બ્રાહ્મણ જાણે આમાં શું સંભળાય ? એમ ધારી અટક્યો. ત્યારે રાજા કહે, ‘મહારાજ, તું તારે બકે જા! મેં સુનતા હું !’
(314) માવતર કરી પાળે ત્યારે છોકરાં નરવા રહે. તેમ આપણે નિષ્કામી, નિર્લોભી, નિ:સ્વાદી, નિ:સ્નેહી ને નિર્માની રહીએ તો બીજા સહેજે રહે. મહારાજે સંતને કહ્યું જે, ‘તમે સારી રીતે વરતશો તો તમારો લોકને ગુણ આવશે, તેણે કરીને તેમને સત્સંગ થાશે.
પાળે : સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જાતનો સેવક/પાર્ષદ.
નરવા : સ્ત્રી/ધનરૂપી રાગનો વળગાડ વિનાના, નીરોગી.
(315) લાખો મણ બાજરો પાક્યો, કરોડો મણ ઘી, ગોળ પૃથ્વી ઉપર વરસ્યું પણ કોઈને ખબર નથી, તેમ આટઆટલી કલ્યાણની વાતું થાય છે પણ કોઈને ખબર નથી.
સંવત 1918ના શ્રાવણ વદિ દ્વાદશીને દિવસે સ્વામીએ વાત કરી જે,
(316) કુબેરાએ માવા ભક્ત પાસે ઠામણાં ઉટકાવ્યાં ત્યારે ગોપાળાનંદસ્વામીએ કુબેરાને પૂછ્યું, ‘માવા ભક્ત પાસે ઠામણાં ઉટકાવો છો?’ તો કહે, ‘માવા ભક્ત તાંસળી માંડે છે તો ?’ ત્યારે કહે, ‘ઈ વાત સાચી, પણ તે વૃદ્ધ છે, વળી મહારાજના મળેલ છે; તો મારા વચને ઉટકાવશો મા.’ ત્યારે કહે, ‘ઠીક, તમે કહો છો તે હવે નહિ ઉટકાવું.’
ઠામણાં : વાસણ.
(317) એક સાધુએ મહારાજને કહ્યું જે, ‘મારે મંડળ જોઈતું નથી ને સદ્ગુરુ થાવું નથી માટે બીજા મંડળમાં મૂકો.’ મહારાજ કહે, ‘શા સારુ ?’ એટલે તે કહે, ‘અડબંગા જેવા સાધુ આપ્યા છે તે મારું માનતા નથી.’ ત્યારે મહારાજ કહે, ‘તમને કપિલદેવ જેવા સાધુ આપીએ તો કેમ ?’ તો કહે, ‘બહુ સારુ મહારાજ !’ મહારાજ કહે, ‘દત્તાત્રેય, રામચંદ્રજી ને શ્રીકૃષ્ણ જેવા આપીએ તો કેમ ?’ ત્યારે તે સાધુ કહે, ‘તો તો બહુ જ સારુ !’ મહારાજ કહે, ‘એ બધા એવા છે, તે તમારું શેના માને ? પણ અમે એમનાં ઐશ્ર્વર્ય દબાવી દીધાં છે માટે તમારા ભેળા રહે છે, નીકર તો રહે એવા નથી; માટે તે કહે તેમ કરો ને મંડળ ચલાવો.”
(318) કેટલાક કહે છે જે, ‘પાત્ર જોઈને કહેવું.’ પણ મહારાજ પધાર્યા ત્યારે કોણ પાત્ર હતું ? માટે પાત્ર કર્યો થાય ને જ્ઞાન કરે તો જ્ઞાન થાય; જીવ તો બાળક જેવા છે. રસ્તામાં વટેમાર્ગુ છાંયે વિસામો ખાવા બેઠા ત્યાં છોકરું કાંટાળી બખોલમાં ઘરી (ગરી) ગયું, તે નીકળે નહિ ને લેવા જાય તેમ આઘું વયું જાય, પછી માવતર રોવા લાગ્યાં ને છોકરું પણ રાડ્યું નાખે. ત્યારે રસ્તે જાતા એક જણે કહ્યું જે, ‘ચાર-પાંચ તેના જેવડાં બાળક ગામમાંથી લાવો તો તે બહાર નીકળશે.’ પછી તેમ કર્યું એટલે નાનાં છોકરાંને રમતાં દેખી ઓલ્યું રમવા બહાર નીકળ્યું, એટલે પકડી લીધું.
તે તો દૃષ્ટાંત છે; એનું સિદ્ધાંત તો એ છે કે, માયારૂપી મોટું જાળું છે તેમાં સર્વે જીવપ્રાણીમાત્ર પેસી ગયાં છે. તેને બહાર કાઢવા સારુ રામકૃષ્ણાદિક અવતારે કરીને ભગવાને બહુ જ દાખડો કર્યો, તો પણ કોઈ જીવ માયારૂપી જાળામાંથી નીકળ્યા નહીં. પછી મહારાજ પોતાના અક્ષરધામ ને અક્ષરધામના પાર્ષદ સહિત દિવ્યભાવ છૂપાવીને, આ પૃથ્વી ઉપર મનુષ્યદેહ ધરીને પધાર્યા, કહેતાં મનુષ્યને સજાતિ થયા. ત્યારે જીવને છોકરાંની પેઠે સજાતિમાં હેત થયું, એટલે માયારૂપી જાળામાંથી જીવ બહાર નીકળ્યા ને મહારાજ, આ સાધુ ને મુક્તમાં જોડાયા ત્યારે જીવને મહારાજનો, ધામરૂપ આ સાધુનો ને અક્ષરમુક્તનો યથાર્થ મહિમા સમજાણો. પછી માયારૂપ જાળું જે, ત્રણ દેહ, ત્રણ અવસ્થા, દશ ઇન્દ્રિયો, ચાર અંત:કરણ, ચૌદ દેવતા એ સર્વેના માયિકભાવનો ત્યાગ કરીને, બ્રહ્મરૂપ થઈને ભગવાનના અક્ષરધામને પામ્યા; માટે પાત્ર કર્યો થાય, પણ અમથો ન થાય.
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
પાર્ષદ : શ્રીજીમહારાજના સેવક
દિવ્યભાવ : જેમાં માયાના ત્રણ ગુણનો પ્રભાવ ન હોય તેવો અદ્ભુત ભગવદ્ભાવ.
દશ : દિશા.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
(319) આપણે ધર્મ પાળશું તો આપણા ચેલા પાળશે. હું દુ:ખ લગાડીને કહું છું, પણ બીજા કહે નહીં. મારો દેહ પણ હવે કેટલાક દહાડા રહેશે ?
(320) ભગવદી ન ઓળખાય. તે તો કેને ઓળખાય, તો જેને એવી રીતની બુદ્ધિ હોય અથવા પૂર્વનો સંસ્કાર હોય તેને ઓળખાય. માંદાની સેવા કરવી, ઝાઝા પદાર્થ સંગ્રહ કરવા નહિ; પદાર્થ સાચવીએ ત્યારે પ્રભુને ક્યારે સંભારીએ ? મુનિબાવાને જ્યારે અતિ દુ:ખ થયું ત્યારે હોકો પીધો, એમ વખત આવ્યે કળાય. જેટલું સુહૃદપણું હોય તેટલો જ હૈયામાં સત્સંગ જાણવો. આત્મબુદ્ધિ શીખવી. જેટલી સત્સંગમાં આત્મબુદ્ધિ તેટલો જ સત્સંગ જાણવો. આ તો શું કરીએ, મંદિરનો વહેવાર ઠર્યો, એટલે શામ, દામ, દંડ અને ભેદે કરીને ચલાવીએ છીએ. કોઈની છાયામાં દબાઈએ તો જેમ હોય તેમ કહેવાય નહિ; ત્યારે રોગ પણ જાય નહિ, માટે દબાઈને રહેવું તે ઠીક નહીં. ગોપાળાનંદસ્વામી ને નિષ્કુળાનંદસ્વામી ન દબાય.
આત્મબુદ્ધિ : પોતાપણાની ભાવના, 'દેહ તે હું નહિ પણ આત્મા છું' એવી બુદ્ધિ.
(321) જીવમાં જે કસર છે તે ગુરુ થયે ન જાય, પણ સાધુ થયે પાર આવશે. સત્સંગનું બગાડવા તૈયાર થાય તે સત્સંગનું તો ન બગડે પણ પોતાનું બગડે. સર્વેનું ખમવું ને સાધુ થાવાનો આદર રાખવો. ભણે તેણે મોટપ નથી, કામ કરે તેણે મોટપ નથી, હાથીએ બેસે તેણે મોટપ નથી પણ સાધુ થયે મોટપ છે, તે દાખડો કર્યા વિના સાધુ થાવાય નહીં. ભાદરણમાં આચાર્ય મહારાજે અમને હાથીએ બેસવાનું કહ્યું; તે અમે ના પાડી, ત્યારે કહે, ‘ગાડીમાં બેસો.’ પછી અમે ફાટેલ ગોદડી ઓઢીને ગાડીમાં બેઠા. તે પાટીદાર કહે, ‘ગાડી તો સારી છે; પણ માંહી ફાટેલ ગોદડી ઓઢીને બાવો બેઠો છે.’ પછી તેણે અમને પૂછ્યું જે, ‘ફાટેલ ગોદડી કેમ ઓઢી છે ?’ અમે કહ્યું જે, ‘વર પરણવા જાય છે ત્યારે તેને નજર ન લાગે તે સારુ કાળો મસો કરે છે તેમ અમે ત્રિલોકીથી ન્યારા છીએ, તે નજર ન લાગે તે સારુ આ ગોદડી ઓઢી છે, પણ છીએ તો ગાડીને શોભાવીએ એવા.’ પણ જેણે રથ, વે’લ, ઘોડા ને હાથીમાં મોટાઈ માની હોય તેને શું સમજાય ? માટે સ્વામિનારાયણે જેને મોટપ આપી તે મોટા. અજુભાઈએ સાધુને ઠપકો દઈને કહ્યું જે, ‘તમે જ્યારે ઊંચે સાદે બોલો, ત્યારે લોકમાં અમારી લાજ જાય.’ જવું, આવવું, હરવું-ફરવું તે તો દહાડા કાઢવા સારુ છે. જેટલું બીજાનું ગમતું કરીએ તેટલું ભગવાનનું ગમતું ન થાય તેમ જ જેટલું ઇન્દ્રિયોનું ગમતું કરીએ તેટલું ભગવાનનું ગમતું ન થાય.
કસર : ખોટ, ઉણપ.
સંવત 1918ના શ્રાવણ વદિ તેરસને દિવસે સ્વામીએ વાત કરી જે,
(322) કોઈને ઘરનું, કોઈને ગામનું, કોઈને જાતનું, કોઈને કુળનું, કોઈને દ્રવ્યનું એમ અનુસંધાન રહે છે; પણ પ્રભુની કોરનું રહેતું નથી.
(323) બકરાં વાડામાં પૂરાય, પોઠિયા પૂરાય, બળદ પૂરાય, ઊંટ પૂરાય, પણ વાઘ કે સિંહ ન પૂરાય, તેમ મતપંથરૂપી વાડામાં મુક્તાનંદસ્વામી, બ્રહ્માનંદસ્વામી ને ગોપાળાનંદસ્વામી એ રૂપ સિંહ ન પૂરાય.
(324) મોટાનો જોગ ઘણો હોય તો પણ જો લગની ન હોય તો તે ન વધે ને જોગ થોડો હોય, પણ વધુ લગની થાય તો તે વધી જાય.
(325) ચાર ઠેકાણે ભગવાનની સ્મૃતિ રહેતી નથી; તે ક્યાં ? તો, એક તો દેહમાં રોગાદિક કષ્ટ આવી પડે, બીજું કામાદિક દોષની પ્રવૃત્તિ થાય, ત્રીજું કાંઈક અધિકાર મળે ને ચોથું ઝાઝું દ્રવ્ય મળે; એ ચાર ઠેકાણે ભગવાનની સ્મૃતિ રહેતી નથી ને દીન-આધીનપણું પણ રહેતું નથી. કીર્તને કરીને ભગવાનમાં વૃત્તિ રહે છે. પછી જગુ પાસે કીર્તન બોલાવ્યું જે,
તારા મુખની લાવણતા મીઠી રે, મોહન વનમાળી,
એવી ત્રિભુવનમાં નવ દીઠી રે, મૂર્તિ મરમાળી.
(કીર્તન મુક્તાવલિ : 274)
‘વચનામૃત’ વંચાય છે તેમાં ય પ્રથમ ભગવાનની સ્મૃતિ થાય છે. આ સાધુ ને મંદિર કર્યાં છે અને આ બધો સાજ કર્યો છે, તે સ્મૃતિ રાખવા સારુ છે; માટે સ્મૃતિ રાખીને બધું કરવું. જુઓને, મંદિરનો કાંઈ વહેવાર હશે તે પણ મોટેરાને માથે હશે ને બીજાને તો કેવળ અન્ન જમીને પ્રભુ ભજવા છે, પણ તે થાય નહિ ને સુવાણને મારગે ચાલે તો આખો દિવસ તે કરે કાં સૂઈ રહે. તેલના પાડની ખબર નથી, ઘીના પાડની ખબર નથી, કેરીના પાડની ખબર નથી ને અન્ન-વસ્ત્રની તો ગૃહસ્થને ફિકર છે; છતાંય પ્રભુમાં વૃત્તિ ન રહે, એ ગાફલાઈ કહેવાય.
મૂર્તિ : સંતો.
(326) અભેસિંહભાઈ આગળ વાત કરી જે, ‘ઘડી ભજન કરવું, ઘડી કીર્તન ગવરાવવાં, ઘડી કથા સાંભળવી ને ઘડી ધ્યાન કરવું, એમ ને એમ કર્યા કરવું પણ ભગવાનની વિસ્મૃતિ થાવા દેવી નહીં. ધરમપુરવાળાં કુશળકુંવરબાઈ આઠ દહાડે રાજ્યમાં આવતાં તો પણ વહેવાર ચાલ્યો જાતો; માટે એમ કરવું; કાં જે, ભગવાન જેવો તો બીજા કોઈમાં માલ જ નથી. તમારે એમ સંકલ્પ થાતો નથી જે, ઊંટ ભરીને બે મણ ફોતરાં લઈ જઈએ; પણ સોનું હોય તો તો ભરી જાઓ ખરા, પણ માલ તો ભગવાનમાં જ છે, એમ સમજાણું હોય તો ભગવાન કેમ વિસરાય ?
સંવત 1918ના શ્રાવણ વદિ ચૌદશને દિવસે સ્વામીએ વાત કરી જે,
(327) સોઢીના કોળીને સુખપુરમાં રાખ્યા હતા પણ ગોઠ્યું નહિ ને ભાલના કાગડા સાબરમતી ઊતરીને જાય નહિ; તેમ જ્યાં જ્યાં જીવ રહ્યા ત્યાં ત્યાં બંધાઈ ગયા. ગુજરાતમાં રહેલા હોય તેને આંહીં ન ગોઠે. ગંગાદત્ત ગુજરાતમાંથી મહારાજનો સમાગમ કરવા ગઢડે આવ્યા ને ઝાઝા દિવસ રોકાવું હતું, પણ આંબલી લાવેલા તે થઈ રહી એટલે મહારાજને કહે, ‘હવે જઈશું.’ ત્યારે મહારાજે પૂછ્યું જે, ‘ઝાઝું રોકાવું હતું ને કેમ ઉતાવળા થયા ?’ ત્યારે ભેળો તેમનો નાનો છોકરો હરિકૃષ્ણ હતો તે બોલ્યો જે, ‘આંબલી થઈ રહી, શું ઝાઝું રોકાય ?’ ત્યારે મહારાજ કહે જે, ‘આંહીં આંબલી ઘણી છે, તમારે જોઈએ તેટલી આપશું.’ બ્રહ્મચારી પાસે મહારાજે આંબલી મંગાવીને દેખાડી. તોય કહે, ‘હવે તો જઈશું.’ પછી ગયા. તેમ આંહીંનાને ગુજરાતમાં ન ગોઠે; કેમ જે, ઝાડ બહુ તે દૃષ્ટિ ઝાઝી જાય નહિ ને ખટાશ ભાવે નહીં. એમ જીવને એવાં બંધન થઈ જાય છે.
ગોઠ્યું : ફાવ્યું-સાનુકૂળ.
(328) ભગવાનનો આનંદ તો કોઈને નથી. ધન, સ્ત્રી ને ખાવું તેમાં જ આનંદ માને છે.
(329) ભક્તિ અથવા જ્ઞાનના આલંબને કરીને પણ સ્ત્રી, દ્રવ્ય ને રસાસ્વાદ તેને વિશે અતિશે લોલુપ થકા પાપને વિશે પ્રવર્તે છે, એ જ દેવની માયાનો મોહ થયો છે.
(330) સ્ત્રીનું બંધન દ્રવ્ય કરતાં અધિક કહ્યું, પણ વિપરીત જ્ઞાનને સાચું કરી બેઠા છે. આ લોકની ઘટમાળ ચાલી જાય છે. તેમાં,
આગે ધંધા, પીછે ધંધા, ધંધા મધ્યે ધંધા;
ધંધા મધ્યે ધ્યાન લગાવે, સો સાહેબ કા બંદા.
એક બાવો ગિરનારને દંડવત્ કરીને પરિક્રમા કરતો હતો, તેને વિશુદ્ધાત્માનંદસ્વામીએ પૂછ્યું, ‘બાવાજી, શું કરો છો ?’ તો કહે આમાં મોટા મોટા સિદ્ધ રહ્યા છે તેમને દંડવત્ કરીને પરિક્રમા કરું છું.’ ત્યારે વિશુદ્ધાત્માનંદસ્વામી કહે, ‘અમને એક દંડવત્ કર, તો તારું કલ્યાણ કરીએ.’ ત્યારે તે કહે જે, ‘સામા ઊભા રહો તો કરું.’ સાધુ કહે, ‘આંહીં આવીને કર.’ તો તેણે તેમ ન કર્યું. એમ હઠે કરીને જીવ કરે; પણ આજ્ઞાએ કરીને ન કરે. વિઠુબાની બુદ્ધિ ને ગગા ઓઝાની બુદ્ધિ, એનું ફળ તો ધન, સ્ત્રી, માન ને રૂપિયા મળે એ જ છે.
કરો : ઘરની દિવાલ.
સંવત 1918ના શ્રાવણ વદિ અમાસને દિવસે સ્વામીએ વાત કરી જે,
(331) પેટમાં ગાંઠ થઈ હોય ત્યારે તેને ડામ દેવો પડે, તે ડામ કાંઈ સારા નહિ લાગતા હોય ! તેમ પંચવિષયની પાંચ ભૂમિકા છે તેને ફેરવવી તે બ્રહ્માંડ ફેરવ્યા જેવું છે ! ને ત્રણ અવસ્થા પર વરતવું તે પણ બ્રહ્માંડ ફેરવ્યા જેવું છે !
(332) આ તો અદ્ધરિયા વહેવાર છે તેમાં જીવ બંધાઈ ગયો છે.
(333) દેહ તો મોટો શત્રુ છે, માટે સેવા-ભક્તિ કરીને દેહને કારસો લગાડવો. એક કાઠીએ તેના બે દીકરાને કહ્યું જે, ‘બાપ થઈને આવજો; પણ દીકરા થાશો નહીં.’ પછી એક જણે તો ડાયરામાં જઈને હોકા ભરી દેવા માંડ્યા ને જે કામ ચીંધે તે તુરત કરે. એટલે તેને સૌ બોલાવે જે, ‘આપલા હોકો લાવજે, પાણી લાવજે.’ ને બીજો તો ડાયરામાં પગ ઉપર પગ ચડાવીને બેસે, કાં ઢીંચણે ફાળિયું બાંધીને બેસે. ત્યારે ઘરડેરા કહે જે, ‘જુઓ મારો દીકરો, કેવો બેઠો છે ?’ ત્યારે બીજો કહે જે, ‘માંગરનો પગ ઉપર પગ ચઢાવીને બેઠો છે.’ ક્યારેક ગધ્યનો પણ કહી લે. તેમાં શું કહ્યું ? જે, એક ગધ્યનો કહેવાણો; ને બીજો સેવાએ કરીને આપલો કહેવાણો.
કારસો : ભીડો/ભીડામાં-કસોટીમાં લે.
ફાળિયું : ગામડિયો ફેંટો, ફેંટાનું કપડું.
(334) વાતે કરીને કામી થાય ને વાતે કરીને નિષ્કામી થાય. જે કાંઈ રૂડા ગુણ આવ્યા હશે તે સાધુમાંથી આવ્યા હશે. આ તો જેને જેને ખોટ હશે તેને નડવાની છે કેમ જે, જેને ઘેર મરે તેને ઘેર કાંણ મંડાય. પ્રભુ ભજવા આવ્યા છીએ, પણ સંગ વિના ન ભજાય; માટે સૌ નોરમાં ચાલજો, નીકર આગળ સ્વામિનારાયણ આકરા છે, તે રાઈરાઈનાં લેખાં લેશે.
ઉહાં કછૂ રાજ પોપાંબાઈ કો તો નાંઈ હે.
(બ્રહ્માનંદ કાવ્ય-કવિતા)
માટે અક્ષરધામમાં જાવું હોય તો વિચારજો. મહારાજે, ‘ગઢડાની મહંતાઈ નિષ્કુળાનંદસ્વામીને આપીએ.’ એમ સભામાં વાત કરી એટલે નિષ્કુળાનંદસ્વામી રાતે ઊઠીને ગઢાળીએ વહ્યા ગયા. સવારે મહારાજે બોલાવ્યા ત્યારે ગોત્યા પણ જડ્યા નહીં. પછી પાછા આવ્યા ત્યારે મહારાજ કહે, ‘આજ્ઞા વિના ગયા હતા, તે દેહ પડી ગયો હોત તો તેડવા કોણ આવત ?’ ત્યારે નિષ્કુળાનંદસ્વામીએ હાથ જોડીને કહ્યું, ‘એ તો ખરું મહારાજ, પણ તમે મારે માથે સાલેમાળ મૂકો તે મારાથી કેમ ઊપડે ?’
(335) આપણે હેતે પેટ કૂટીએ છીએ પણ લોકને તો કેવળ સ્વાર્થની વાત છે. આપણો સંબંધી હોય ને મહેમાન થયો હોય ત્યારે જારનો રોટલો ને મીઠાનો કાંકરો મૂકો તો ખાતાં ખાતાં સો ગાળું દે ને બહાર જઈને વાંકું બોલે જે, ‘વાંસે છોકરા અકરમી થયા, તે આવ્યા-ગયાને સાચવતા નથી, ને બાપની આબરૂ ખોવે છે.’ ત્યારે આંબા ભક્તે શાહેદી પૂરી જે, ‘હા સ્વામી, મારે એમ થયું હતું. મેં એક વાર મહેમાનોને જારનો રોટલો આપ્યો એટલે ગાળો દીધી.’ અખો જેવાં તેવાં લૂગડાં પહેરીને હવેલીએ દર્શને ગયો, ત્યારે કોઈએ પેસવા દીધો નહીં. પછી વળતે દિવસ સારાં લૂગડાં પહેરીને ગયો ને સાકરનો પડો, નાળિયેર ને રૂપિયો ઠાકોરજી આગળ મૂક્યા; એટલે સન્માન કર્યું ને પ્રસાદ તથા ઉપરણો આપ્યો. એટલે અખો કહે જે, ‘ઈ બધું ઓલ્યા રૂપિયા પાસે ધરો ! હું તો કાલે આવ્યો હતો, તે ધક્કો મારીને કાઢી મેલ્યો હતો ને આજ તો ઓલ્યા રૂપિયાને સન્માન છે !’ એમ સારાં લૂગડાં પહેરીને આવે તેને સૌ આદર આપે એ લોકની મોટાઈમાં લેવાણા કહેવાય. લૂગડાં સારાં ન હોય, પણ ભગવદી હોય તેને કોઈ બોલાવે ય નહિ; તે શું ? જે, ભગવાનનો ખપ નથી પણ દ્રવ્ય સામી નજર છે.