(1) પ્રથમ તો જે હેતુ માટે સર્વોપરી સદા દિવ્ય સાકારમૂર્તિ ને સર્વના કારણ એવા શ્રી સહજાનંદસ્વામી તે પૃથ્વી ઉપર પોતાનું જે, અક્ષરધામ અને તે અક્ષરધામના મુક્તે સહિત પધાર્યા છે તે વાત યથાર્થ જાણવી તથા મહારાજનો અભિપ્રાય તથા રુચિ એ પણ જાણવી; તે લોયાનાં 14માં તથા પ્રથમનાં 71માં વચનામૃતમાં કહેલ છે. તે શું ? જે, ‘આ મૃત્યુલોકના મનુષ્યને પોતાની મૂર્તિનો સાક્ષાત્ સંબંધ કરાવીને સાક્ષાત્ પોતાનું અક્ષરધામ પમાડવું, તે સારુ ચૈતન્યમૂર્તિ એવા જે, પોતાના પાર્ષદ લઈને પધાર્યા છે તથા જૂના ખરડામાં મહારાજે પોતાનો હેતુ કહ્યો જે, ‘દૂસરા અવતાર હૈ સો તો કાર્ય કારણ અવતાર હુવા હૈ ઔર મેરા યહ અવતાર હૈ સો તો જીવોકું બ્રહ્મરૂપ કરકે આત્યંતિક મુક્તિ દેને કે વાસ્તે (અર્થે) અક્ષરાતીત પુરુષોત્તમ જો હમ વહ મનુષ્ય જૈસા બન્યા હૈ.’ એમ કહ્યું છે, માટે પૂર્વે રામકૃષ્ણાદિક અવતાર થયા તે તો કાર્ય નિમિત્તે થયા છે અને મહારાજ તો મૂળ અજ્ઞાનનો નાશ કરીને, જીવોને બ્રહ્મરૂપ કરીને, પોતાનું અક્ષરધામ પમાડવું તે સારુ પોતે સાક્ષાત્ પધાર્યા છે.
અને સર્વોપરી અને સદા દિવ્ય સાકારમૂર્તિ અને સર્વ કારણના પણ કારણ ને સર્વના નિયંતા ને સર્વ અવતારમાત્રના અવતારી એવા મહારાજ ન સમજાય ને જે અક્ષરધામને વિશે સ્વયંસ્વરૂપે મહારાજ સદા વિરાજમાન છે એવા જે, અક્ષરબ્રહ્મ તે પોતાનું સ્વરૂપ ન મનાય; એ જ મૂળ અજ્ઞાન જાણવું તે લોયાનાં 12માં વચનામૃતમાં નિશ્ર્ચયના છ ભેદમાં છેલ્લો ભેદ એમ કહ્યો છે જે, ‘જેના એક એક રોમને વિશે અનંતકોટિ બ્રહ્માંડ અણુની પેઠે ઊડતાં ફરે છે એવું જે ભગવાનનું ધામરૂપ અક્ષર તે રૂપે પોતે રહ્યો થકો પુરુષોત્તમની ઉપાસના કરે, તેને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ર્ચયવાળો કહીએ.’ આવી રીતે મહારાજને તો જીવનું મૂળ અજ્ઞાન જે, કારણ શરીર તેને ટાળીને અક્ષરબ્રહ્મનું સાધર્મ્યપણું પમાડી; અખંડ પોતાની મૂર્તિનું સુખ આપવું છે.
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
પાર્ષદ : શ્રીજીમહારાજના સેવક
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
નિર્વિકલ્પ : જ્ઞાતા-જ્ઞેય ઇત્યાદિક ભેદ વગરનું, જેમાં કોઈ અપવાદ કે બેપણું ન હોય તેવું.
(2) આ બ્રહ્માંડના વૈરાટપુરુષનાં પચાસ વરસ ને દોઢ પહોર દિવસ થયો તેમાં અનંત અવતાર થઈ ગયા ને આગળ બીજા અનંત અવતાર થાશે પણ આવો સમય પૃથ્વી ઉપર કોઈ કાળે આવ્યો નથી ને આવશે પણ નહિ; કેમ જે, જીવોનું મૂળ અજ્ઞાન ટાળી, શુદ્ધ બ્રહ્મરૂપ કરી માયા પર એવું જે, પોતાનું અક્ષરધામ સાક્ષાત્ પમાડવું, તે સારુ પોતાનું અક્ષરધામ તથા ચૈતન્યમૂર્તિ એવા અક્ષરધામના મુક્ત તથા સમગ્ર દિવ્ય ઐશ્ર્વર્ય તથા નિયમ એ સર્વે જે પોતાનો દિવ્ય સમાજ તેને લઈને મહારાજ આંહીં પધાર્યા છે, માટે આ સમે (સમયે) જેનો જન્મ થયો અને આ સાધુની ઓળખાણ થઈ તેના ભાગ્યનો પાર આવે તેમ નથી, ત્યારે પૂછ્યું જે, ‘મહારાજે ઐશ્ર્વર્ય દ્વારે તથા નિયમ દ્વારે અને મુક્ત દ્વારે તથા અક્ષરધામ દ્વારે શું શું કાર્ય કર્યું તથા સ્વયં પોતે પધાર્યા તેમણે શું શું કાર્ય કર્યાં તે સર્વ કૃપા કરીને કહો.’
ત્યારે સ્વામી બોલ્યા જે, ‘સર્વ જીવપ્રાણીમાત્રનાં કમળ અધોમુખ હતાં તેથી કોઈએ પ્રગટ ભગવાન કે પ્રગટ સંતને ઓળખ્યા નહિ, તે સારુ પોતાના ઐશ્ર્વર્ય વતે કરીને સર્વનાં કમળ ઊર્ધ્વમુખ કર્યાં; ત્યારે પ્રગટ ભગવાન તથા પ્રગટ સંતને જાણ્યા. એ કાર્ય મહારાજે પોતાના ઐશ્ર્વર્ય દ્વારે કર્યું તથા નિયમે કરીને તો પ્રગટ ભગવાનની આજ્ઞા પળાવી તથા માયિક પંચવિષય થકી મુક્ત કરીને અધર્મસર્ગના જે દોષ તે થકી રહિત કરી જીવોને નિર્વિઘ્ન કર્યા, એ કાર્ય નિયમ દ્વારે કર્યું તથા પોતે શુદ્ધ રીતે વરતીને બીજા સર્વ જીવોને વરતાવ્યા તથા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને માહાત્મ્ય જ્ઞાને સહિત પ્રગટ ભગવાનની જે ભક્તિ, એ ચાર ગુણ સિદ્ધ કરી પરમ એકાંતિક ધર્મ દૃઢ કરીને, ભગવાનમાં પોતે સર્વ પ્રકારે જોડાયા અને બીજા જીવોને એ ચાર ગુણ સિદ્ધ કરાવી પ્રગટ ભગવાનમાં જોડ્યા એ કાર્ય મુક્ત દ્વારે કર્યું. ને જીવનું જે માયારૂપ કપટ જે મૂળ અજ્ઞાન તેને ટાળીને જેવું છે તેવું જ યથાર્થ મહારાજનું સ્વરૂપ સમજાવ્યું તથા મહારાજના પ્રગટ સ્વરૂપનો અતિ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ર્ચય કરાવીને શુદ્ધ બ્રહ્મરૂપ કરીને, અનંત જીવોને સાક્ષાત્ પુરુષોત્તમના સાધર્મ્યપણાને પમાડ્યા અને માયાના સર્ગરૂપ કપટ ટાળ્યું, એ કાર્ય મૂળઅક્ષર દ્વારે કર્યું.
વળી આ જગતમાં મોટા મોટા પંડિતો તથા પુરાણીઓ તથા શાસ્ત્રકારોએ પરાત્પર એવા જે પુરુષોત્તમ ભગવાન તેને નિરાકાર પ્રતિપાદન કરેલ તે સર્વને પોતાના સામર્થ્યે કરીને તેમની મનોવૃત્તિ પોતાના સ્વરૂપમાં તાણી લઈને, અપાર તેજોમય એવું જે દિવ્ય સિંહાસન તે ઉપર સદા વિરાજમાન અને અનંતકોટિ મુક્તો તેણે નિરંતર સેવ્યા થકા અને તે મુક્તોને પરમ આનંદને ઉપજાવતા એવા જે પરબ્રહ્મ પુરુષોત્તમ, પોતે પોતાનું સાક્ષાત્ દર્શન કરાવીને પોતાના પ્રત્યક્ષ સ્વરૂપના દિવ્ય સાકારપણાનો અતિ દૃઢ નિશ્ર્ચય કરાવતા હવા તથા અનંતપ્રકારના સંશયો તે છેદી નાખતા હવા, એ કાર્ય પોતે કર્યું.
આવી રીતે મહારાજ પોતાનો સર્વ સમાજ લઈને પધાર્યા ત્યારે આજ કળિકાળમાં અનંત જીવોએ પ્રગટ મહારાજને તથા પ્રગટ સંતને જાણ્યા અને પ્રગટ ધ્યાન, પ્રગટ ભજન, પ્રગટ પૂજા અને પ્રગટ આરતી ઉતારી તથા પ્રગટ ભોજનના થાળ કરી જમાડ્યા તથા પ્રગટ અનંતપ્રકારના વસ્ત્ર-અલંકાર ધરાવ્યા તથા અત્તર-ચંદન ચરચી હૃદયમાં બીડીને મળ્યા તથા છાતીમાં પ્રગટ ચરણકમળ લીધાં. એવી રીતે અનેક જીવોએ સાક્ષાત્ પ્રગટ ભગવાન તથા પ્રગટ સંતને જાણીને પૂજા-સેવાનો મહા અલૌકિક લાભ લીધો અને પૂર્વે રામ કૃષ્ણાદિક ઘણા અવતાર થઈ ગયા છે, પણ આજની પેઠે પ્રગટ ધ્યાન, ભજન કે પ્રગટ પૂજા-આરતી કોઈએ કર્યાં નથી અને વ્યાસ, વાલ્મિકી કવિઓએ પાછળથી તેમના મહિમા-ઉપાસનાના ગ્ંરથો લખ્યા, ત્યારે સૌએ જાણ્યું.’
પહોર : પ્રહર, ત્રણ કલાક.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
નિર્વિકલ્પ : જ્ઞાતા-જ્ઞેય ઇત્યાદિક ભેદ વગરનું, જેમાં કોઈ અપવાદ કે બેપણું ન હોય તેવું.
નિરાકાર : પોતાને ત્રણ દેહના માયિકભાવથી રહિત અર્થાત નિરંજન ને કેવળ બ્રહ્મભાવે આત્મારૂપ માનવું.
(3) એક તો સંસ્કાર, બીજો આશીર્વાદ અને ત્રીજી મુમુક્ષુતા, એ ત્રણ વાનાં સંપૂર્ણ હોય તેને મોક્ષને મારગે ચાલવામાં કોઈ પ્રકારનો અંતરાય આડો આવે નહીં.
એમાં સંસ્કાર તો અજ્ઞાન અવસ્થામાં થાય છે તે શું ? તો જ્યારે પ્રગટ ભગવાન કે પ્રગટ સંત આ પૃથ્વી ઉપર વિચરતા હોય, તેના ઉપયોગમાં જે જે મનુષ્યની જે જે ક્રિયા આવી હોય તથા પશુના દેહે કરીને દહીં, દૂધ, વાહન આદિકનો ઉપયોગ થયો હોય; તે સર્વે સંસ્કાર કહેવાય ને એવા ઘણાક સંસ્કારે કરીને પ્રગટ ભગવાન અને પ્રગટ સાધુનો જોગ થાય છે અને તેમની સેવાએ કરીને તેમનો આશીર્વાદ થાય છે અને જ્યારે એવા મોટા સત્પુરુષનો આશીર્વાદ થાય છે, ત્યારે શુદ્ધભાવ થાય છે અને તેણે કરીને મુમુક્ષુતા ઉદય થાય છે. હવે જે, શુદ્ધ મુમુક્ષુ હોય તે સત્પુરુષને ઓળખે, ને તે સર્વ પ્રકારે ભીંસણ ખમે અને તે મુમુક્ષુ પણ ત્રણ પ્રકારના છે.
તેમાં જે, ઉત્તમ મુમુક્ષુ હોય તે તો સર્વોપરી અને સદા દિવ્ય સાકારમૂર્તિ અને સર્વેના કારણ એવા ભક્તિ-ધર્મના પુત્ર શ્રીજીમહારાજ જેવા છે તેવા સર્વોપરી સમજે તથા તે પુરુષોત્તમ ભગવાન જે અક્ષરધામને વિશે સ્વયં સ્વરૂપે સદા વિરાજમાન છે ને અક્ષરબ્રહ્મ તે પણ મહારાજ ભેળા આંહીં દેહ ધરીને આવ્યા હોય તેને પણ જાણે ને અક્ષરબ્રહ્મ તથા પુરુષોત્તમ ભગવાનના સાક્ષાત્ સંબંધને પામ્યા અને બ્રહ્મ ને પરબ્રહ્મના શુદ્ધ સ્વરૂપને પ્રતિપાદન કરનારા એવા પરમ એકાંતિક સત્પુરુષને પણ તત્કાળ ઓળખે અને તેને અર્થે મન, કર્મ, વચને સર્વ પ્રકારે કારસો ખમે તથા સુખ-દુ:ખ, માન-અપમાને કરીને કોઈ પ્રકારે ધીરજ ડગે નહિ; એવો જે ઉત્તમ મુમુક્ષુ તે આત્યંતિક જ્ઞાન પામી પરમ એવી જે શ્રેષ્ઠ પ્રાપ્તિ તેને તત્કાળ પામે છે. ને જે, મધ્યમ મુમુક્ષુ છે તે જાણે છે તો ખરો, પણ જેમ છે તેમ જાણી શકે નહિ; કાંઈક ફેર રહે ખરો અને અનુવૃત્તિમાં પણ મનના ધાર્યા પ્રમાણે રહે અને જે, કનિષ્ઠ મુમુક્ષુ છે તે તો અવતારને અવતારી જેવા જાણે ને અવતારીને અવતાર જેવા જાણે તથા અક્ષરબ્રહ્મને બીજા સાધુ જેવા જાણે ને બીજાને અક્ષર સમજે અને એકાંતિક હોય તેને સાધારણ સમજે અને સાધારણ હોય તેને એકાંતિક સમજે અને લોક વહેવારની મોટપ તેની નજરમાં આવે, પણ જ્ઞાનની દૃષ્ટિ તેની હોય નહિ તે તો જન્માંતરે મોક્ષને પામે.
વાનાં : વસ્તુઓ. (બ.વ.)
અંતરાય : અડચણ, વિઘ્ન, અવરોધ
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
કારસો : ભીડો/ભીડામાં-કસોટીમાં લે.
(4) આ ભરતખંડમાં જે જે આચાર્યો થયા છે તેમણે એક એક શાસ્ત્રનો આભાસ લઈને પોતપોતાના સંપ્રદાય ચલાવ્યા છે અને મહારાજે તો આ ઉદ્ધવ સંપ્રદાયને વિશે, પાંચેય શાસ્ત્રનો જે સનાતન સિદ્ધાંત તે પ્રવર્તાવ્યો છે તે પાંચેય શાસ્ત્રનાં નામ - ‘ધર્મશાસ્ત્ર’, ‘યોગશાસ્ત્ર’, ‘સાંખ્યશાસ્ત્ર’, ‘પંચરાત્રશાસ્ત્ર’ અને ‘વેદાંતશાસ્ત્ર’. એ પાંચેય શાસ્ત્રમાં દરેકમાં એક એક મુખ્ય ગુણ રહ્યો છે.
‘ધર્મશાસ્ત્ર’ને વિશે તો અહિંસા અને બ્રહ્મચર્યરૂપી જે પોતપોતાના વર્ણાશ્રમનો જે સદાચાર તે ધર્મરૂપી જે ગુણ તે રહ્યો છે. ને ‘યોગશાસ્ત્ર’ને વિશે તો આત્મા ને પરમાત્માના પ્રત્યક્ષ સ્વરૂપને વિશે ઇન્દ્રિયું, અંત:કરણ અને અનુભવ, એ ત્રણ પૂગે એવો જે જ્ઞાનરૂપી ગુણ તે રહ્યો છે અને ‘સાંખ્યશાસ્ત્ર’ને વિશે તો માયિક નામ, ગુણ ને રૂપને વિશે નાશવંતપણું, કહેતાં મૂળ પ્રકૃતિપુરુષ થકી ઉત્પન્ન થયું એવું જે કાર્યમાત્ર તેને વિશે અનાસક્તિરૂપ એવો જે વૈરાગ્યરૂપી ગુણ તે રહ્યો છે તથા ‘પંચરાત્રશાસ્ત્ર’ને વિશે તો મનુષ્યરૂપ ભગવાન તથા ભગવાનના ભક્તને વિશે અતિ દૃઢ સ્નેહે હેત કરવું તથા લીલા-ચરિત્ર ગાવવાં, સાંભળવાં તથા નવ પ્રકારની ભક્તિ કરવી તથા તેમને નિર્દોષ સમજીને સર્વે પ્રકારે જોડાવું એ જે દૃઢ ભક્તિરૂપ ગુણ તે રહ્યો છે.
તથા ‘વેદાંતશાસ્ત્ર’ને વિશે તો પરાત્પર એવા જે પુરુષોત્તમ ભગવાન તથા અક્ષરબ્રહ્મ તથા પાર્ષદ એવા જે અક્ષરધામના સનાતન મુક્ત તેમનો અપાર એવો જે મહિમારૂપી જે ગુણ તે રહ્યો છે.
હવે એ પાંચેય શાસ્ત્ર તથા પાંચેય ગુણને એકબીજાની અપેક્ષા છે અને તે પાંચેય શાસ્ત્રને રહેવાનાં ચાર સ્થાન છે.
તેમાં ધર્મશાસ્ત્ર તે આચાર્યરૂપ સ્થાનને વિશે રહ્યું છે અને સાંખ્ય અને યોગ એ બેય શાસ્ત્ર તે સંતરૂપ સ્થાનને વિશે રહ્યાં છે અને ભક્તિશાસ્ત્ર તે મંદિરરૂપ સ્થાનને વિશે રહ્યું છે અને વેદાંતશાસ્ત્ર તે હરિજનરૂપ સ્થાનને વિશે રહ્યું છે.
એવી રીતે એ પાંચેય શાસ્ત્રના સિદ્ધાંત, તેના શુદ્ધ સ્વરૂપમાં એકબીજાની અપેક્ષાએ કરીને આ ઉદ્ધવ સંપ્રદાયમાં રહ્યાં છે.
પૂગે : પહોંચે.
પ્રકૃતિપુરુષ : ચેતન અકર્મણ્ય પુરુષની મદદથી જડ પ્રકૃતિમાંથી સમગ્ર સૃષ્ટિની ઉત્પતિ થઈ તે
પાર્ષદ : શ્રીજીમહારાજના સેવક
(5) સર્વ જીવપ્રાણીમાત્રને લોભ, કામ, સ્વાદ, સ્નેહ ને માન એ પાંચ દોષે ગળી લીધા છે તે કોઈને માયા પર થાવા દે તેવા નથી તે પાંચેય દોષ થકી રહિત કરવા સારુ મહારાજે પરમ એકાંતિક એવા જે સંત તે દ્વારે અતિ શ્રેષ્ઠ એવા જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ ને મહિમા તે પાંચેય ગુણ આ સત્સંગમાં પ્રવર્તાવ્યા છે તે અધર્મ સર્ગના જે એ પાંચ દોષ તેને નિવારે છે. તેની વિક્તિ જે,
ધર્મને વિશે દૃઢ નિષ્ઠા થાય છે અને પ્રગટ ભગવાન તથા પ્રગટ સંતનું વચન દૃઢપણે પાળે પણ કોઈ નિયમનો લોપ કરે નહિ, એવી ધર્મમાં દૃઢ નિષ્ઠા થાવાથી લોભ જાય છે અને આત્મા-પરમાત્માના પ્રત્યક્ષ સ્વરૂપને વિશે ઇન્દ્રિયું, અંત:કરણ અને અનુભવ એ ત્રણ પૂગે એવું જે માયા પરનું જે શુદ્ધ જ્ઞાન તેને વિશે દૃઢ નિષ્ઠા થાય ત્યારે સ્ત્રીભોગ સંબંધી જે નાના પ્રકારની કામનાઓ તે નિવૃત્તિ પામી જાય છે, એવી રીતે જ્ઞાનને વિશે દૃઢતા થાવાથી, કામ જાય છે. અને એક ભગવાનના ચરણકમળ વિના બીજે ક્યાંય પ્રીતિ નહિ, એવો દૃઢ વૈરાગ્ય પ્રાપ્ત થાવાથી, નાના પ્રકારના જે સ્નેહ તે જાય છે કેમ જે, મૂળ પ્રકૃતિપુરુષ થકી ઉત્પન્ન થયું જે કાર્યમાત્ર તેને વિશે અનાસક્તિ થઈ તેને અક્ષરધામ તથા મુક્તો તથા પુરુષોત્તમ ભગવાન તે ત્રણ વિનાના જે સર્વ લોક તથા લોકના જે ભોગ તથા દેહ તથા દેહના જે સંબંધી વગેરે કોઈ પદાર્થમાં પ્રીતિ રહેતી નથી. એવી રીતે સર્વમાંથી સ્નેહ તૂટે છે તેને જ ભગવાનમાં સ્નેહ થાય છે; માટે આવી રીતે દૃઢ વૈરાગ્ય પામ્યાથી સ્નેહ જાય છે.
અને અતિ દૃઢ સ્નેહે કરીને નવ પ્રકારે ભગવાનની અતિ દૃઢ ભક્તિ કરે તથા દેહ, ઇન્દ્રિયું-અંત:કરણે કરીને રોમાંચિત ગાત્ર ને ગદ્ગદ્ કંઠે થઈને રહે ને તેવી ભક્તિએ યુક્ત એવો જે દૃઢ ભક્ત તેને સંગે જ રાજી રહે આવી રીતે દૃઢ ભક્તિ થાવાથી, મૂળ પ્રકૃતિપુરુષ ને તેના કાર્યમાત્રમાંથી સર્વ પ્રકારના જે સ્વાદ તે નાશ પામી જાય છે એવી રીતે ભક્તિને વિશે દૃઢતા થાવાથી સ્વાદ જાય છે.
અને પ્રગટ ભગવાન ને તે ભગવાનનું અક્ષરધામ તથા મુક્ત એ ત્રણનો સર્વોપરી મહિમા સમજ્યાથી નાના પ્રકારનું અને અતિ સૂક્ષ્મ એવું જે માન તે જાય છે કેમ જે, મહારાજે પોતે કહ્યું છે જે, ‘હું ભગવાનના ભક્તનો ભક્ત છું ને ભગવાનના ભક્તની ભક્તિ કરું છું, એ જ મારે વિશે મોટો ગુણ છે તથા એવી દૃઢ નિષ્ઠાવાળા ભક્તનાં દર્શનને તો અમે પણ ઇચ્છીએ છીએ, અને તેના પગની રજને માથે ચઢાવીએ છીએ.’ (વચ.ગ.પ્ર.37) એવી રીતે મહારાજે ભક્તનો અપાર મહિમા કહ્યો છે, તો અક્ષરબ્રહ્મનો અપાર મહિમા હોય, તો તેમાં શું કહેવું ? અને એવી રીતે મુક્તનો તથા અક્ષરબ્રહ્મનો અપાર મહિમા છે તો પુરુષોત્તમ જે શ્રી સહજાનંદસ્વામી તે તો સર્વના સ્વામી છે તેનો તો અપાર મહિમા છે જ ને તે જેવો છે તેવો સમજે ત્યારે તેની સેવા મન, કર્મ, વચને યથાર્થ થાય છે અને જો મહિમા ન સમજાય તો સ્તબ્ધપણું રહે છે, માટે આવી રીતે માહાત્મ્યની દૃઢતા થાવાથી માન જાય છે.
એવી રીતે પાંચેય ગુણ દૃઢ થાય ત્યારે તે એકાંતિક ભક્ત થાય છે અને ત્યારે જ તેના હૈયામાં ભગવાનનો અખંડ નિવાસ થાય છે અને ‘જેમ ઉંદરના દરમાં સાપ પેસે ત્યારે ઉંદરને ઉચાળો ભરવો પડે, તેમ જેના હૈયામાં દિવ્યમૂર્તિ પુરુષોત્તમ વિરાજે ત્યારે માયા જે તે પોતાના પરિવારે સહિત ઉચાળો ભરીને ચાલી નીકળે છે’, એ સિદ્ધાંત વાત જાણવી.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
વિક્તિ : વિગત-વિવરણ.
નિષ્ઠા : શ્રદ્ધા, આસ્થા, વિશ્ર્વાસ, ધારણા.
પાળે : સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જાતનો સેવક/પાર્ષદ.
પૂગે : પહોંચે.
દૃઢતા : મક્કમતા, દૃઢપણું.
પ્રકૃતિપુરુષ : ચેતન અકર્મણ્ય પુરુષની મદદથી જડ પ્રકૃતિમાંથી સમગ્ર સૃષ્ટિની ઉત્પતિ થઈ તે
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
(6) સત્સંગ ચાર પ્રકારનો છે. તેમાં દેહે કરીને સત્સંગ તે ચાર આના જાણવો અને દેહ ને ઇન્દ્રિયુંમાં સત્સંગ તે આઠ આના સત્સંગ જાણવો અને દેહ, ઇન્દ્રિયું અને અંત:કરણમાં સત્સંગ તે બાર આના સત્સંગ જાણવો અને દેહ, ઇન્દ્રિયું, અંત:કરણ અને જીવ, એ ચારેયમાં સત્સંગ તે સોળ આના સત્સંગ થયો જાણવો.
તે એવો સત્સંગ છેલ્લાનાં 39માં વચનામૃતમાં મહારાજે કહ્યો છે, તે તો બહુ જ દુર્લભ છે અને એવા સત્સંગની બરાબર બીજું કોઈ સાધન આવતું નથી કેમ જે, બીજે કોઈ સાધને કરીને ભગવાન વશ થાતા નથી, તે સત્સંગે કરીને વશ થઈ જાય છે. તે મધ્યનાં 54માં વચનામૃતમાં તથા છેલ્લાના બીજા વચનામૃતમાં પણ મહારાજે કહ્યું છે અને આ વાત તો દર્પણ તુલ્ય છે, તે જો તપાસીને જુએ તો જેને જેટલો સત્સંગ થયો હોય તેટલો જણાઈ આવે છે. માટે બાર આના સત્સંગ થયા પછી પણ અક્ષરબ્રહ્મ સાથે એકતા કરીને પુરુષોત્તમને પોતાના આત્માને વિશે ધારવા ને એમ સમજવું જે, જેમ દેહમાં જીવ છે, તેમ હું શરીર છું ને મારા શરીરી પ્રગટ પુરુષોત્તમ શ્રી સહજાનંદસ્વામી છે, એમ અખંડ સબંધ રહે ત્યારે સોળ આના સત્સંગ થયો જાણવો. જેમ ભમરીના સંબંધે કરીને ઇયળ જે તે ભમરી થઈ જાય છે, તેમ પ્રગટ અક્ષરમૂર્તિના સાક્ષાત્ સંબંધથી આ જીવ બ્રહ્મરૂપ થાય છે, પણ તે વિના થાવાતું નથી.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
(7) એક વખતે એમ વાત કરી જે, ‘શિક્ષાપત્રી’માં મહારાજે કહ્યું છે જે, ‘અમારા આશ્રિત જે સર્વે સત્સંગી તેમણે નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો.’ ત્યારે એક હરિજને પૂછ્યું જે, ‘સત્સંગની મર્યાદા પ્રમાણે રહીએ છીએ તથા આજ્ઞા પ્રમાણે દશમો-વીસમો ભાગ તથા નામનું પણ દઈએ છીએ તથા મંદિર, મૂર્તિયું, આચાર્ય, સાધુ એ સર્વેની યથાશક્તિ સેવા પણ કરીએ છીએ તો પણ નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવાનું કહે છે, તેનું શું કારણ છે ?’ ત્યારે બોલ્યા જે, ‘આ તમે સર્વ ધર્મ પાળો છો, પણ જો અશુભ દેશકાળનો જોગ થાય તો ધર્મમાં મોળું પડી જવાય અને પૂર્વે પણ બ્રહ્મા, શિવ, બૃહસ્પતિ, નારદ વગેરેને દેશકાળ લાગ્યા; તે સાધુના સમાગમ વિના લાગ્યા, વળી જો સાધુનો સમાગમ હોય તો અહિંસા ને બ્રહ્મચર્યરૂપી પોતાના વર્ણાશ્રમ સંબંધી જે સદાચાર તે દૃઢ પળે તથા કોઈ આજ્ઞાનો લોપ ન થાય ને તેનો સત્સંગમાં અચળ પાયો થાય ને તેને કાંઈ ધક્કો ન લાગે ને કોઈ વિઘ્ન પણ ન થાય; એવાએ પણ સમાગમ કરવો; કેમ જે, સ્તંબથી કરીને પુરુષોત્તમ જે મહારાજ તે પર્યંત સર્વના સ્વરૂપનું જે જ્ઞાન તે સાધુના સમાગમથી જ થાય છે તથા મૂળપુરુષ ને મૂળમાયા થકી મુક્ત ને પર એવા જે શુદ્ધ મુક્તાત્મા તથા પરમાત્માના પ્રત્યક્ષ સ્વરૂપનું જે સાક્ષાત્ જ્ઞાન તે પણ સાધુના સમાગમથી જ પમાય છે તથા માયિક જે સુખ-દુ:ખ તે સર્વે ખોટાં થઈ જાય છે.
હવે એવું શુદ્ધ જ્ઞાન તો થયું, પણ પ્રકૃતિપુરુષનું કાર્યમાત્ર તેને વિશે અનાસક્તિરૂપ એવો જે દૃઢ વૈરાગ્ય પામવો, તે સાધુના સમાગમથી જ પમાય છે અને તે વડે માયિક આકારમાત્ર ખોટા થઈ જાય છે. વળી જે, અતિ દૃઢ સ્નેહે કરીને સર્વ પ્રકારે ભગવાનમાં જોડાવું એવી જે દૃઢ ભક્તિ તે પણ સાધુના સમાગમથી જ પમાય છે. તેમ જ ભગવાનના સ્વરૂપ, સ્વભાવ, ગુણ, ઐશ્ર્વર્ય, વિભૂતિ, પ્રતાપ, બળ, તેજ, ઓજ એ આદિક જે અનવધિકાતિશય એવો જે ભગવાનનો અપાર મહિમા, તે પણ સાધુના સમાગમ વિના સમજાય નહિ, માટે નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો, એમ મહારાજે ‘શિક્ષાપત્રી’માં કહ્યું છે.’
પ્રકરણ 9 ની વાત 256
અનવધિકાતિશય : જેની અવધિ નથી એવું વિશાળ, અમર્યાદ, અપાર, અનંત.
(8) એક સમે બ્રહ્મા, વિષ્ણુ ને શિવ એ ત્રણેય મળીને જ્ઞાનગોષ્ઠિ કરતા હતા ત્યારે તેમાં બ્રહ્મા પ્રથમ બોલ્યા જે, ‘જેની આજ્ઞાથી હું આવી નાના પ્રકારની વિચિત્ર સૃષ્ટિ કરું છું અને વિષ્ણુને કહ્યું જે, તમે જેની આજ્ઞાથી પોષણ કરો છો અને શિવજીને કહ્યું જે, જેની આજ્ઞાથી તમે સંહાર કરો છો, એવા જે આપણા સ્વામી પરબ્રહ્મ તેનો મહિમા કહો.’ ત્યારે શિવજી અને વિષ્ણુએ કહ્યું જે, ‘અમે યથાર્થ નથી જાણતા !’ પછી ત્રણેય મળીને પાતાળમાં શેષજી પાસે ગયા. ત્યાં શેષનારાયણ બોલ્યા જે, ‘અહો ! બ્રહ્માંડના અધિદેવ, તમે ત્રણેય પધાર્યા તેનું કારણ કહો.’ ત્યારે બ્રહ્મા બોલ્યા જે, ‘આજે અમે જ્ઞાનગોષ્ઠિ કરતા હતા તેમાં ભગવાનના મહિમાનો પ્રસંગ નીસર્યો પણ તે અમે યથાર્થ જાણતા નથી, એટલે આંહીં આવ્યા છીએ.’ ત્યારે શેષનારાયણ બોલ્યા જે, ‘હું હજાર મુખે આપણા સ્વામીના ગુણનું ગાન કર્યા કરું છું, તો પણ હજી સુધી એક રોમના કોટિમા ભાગનો પાર પણ પામ્યો નથી.’ એવું સાંભળીને બ્રહ્મા બોલ્યા જે, ‘અહો ! અહો ન ઇતિ । ન ઇતિ । કહેતાં ‘કોઈ પાર પામ્યા જ નથી’ !’ એમ બ્રહ્માએ વેદમાં લખ્યું.
માટે કહેવાનું શું છે ? જે, ‘વેદ જેને
સ એષ નેતિ નેત્યાત્મા ।
(બૃહદારણ્યક ઉપનિષદ : 3/9/26)
અર્થ :- તે આ આત્મા આવા પ્રકારનો નથી, તે આવો નથી.
કહે છે તે તો બ્રહ્માદિક સર્વના સ્વામી અને ચૌદ લોકના નાથ વૈરાટપુરુષ છે; તે એક બ્રહ્માંડના અધિપતિના વૈભવનો પાર પમાતો નથી, તો પ્રધાનપુરુષને તો રૂંવાડે રૂંવાડે ક્ષીરસાગર સહિત બ્રહ્માંડ છે ને દશ-દશ મૂર્તિયું સહિત એવા સાડા ત્રણ કરોડ બ્રહ્માંડરૂપ ગામનો પતિ એક પ્રધાનપુરુષ છે, તો તેના મહિમાનો પાર ક્યાંથી પમાય ? અને એવા અનંતકોટિ પ્રધાનપુરુષ તે મૂળ પ્રકૃતિપુરુષ થકી કોટાનકોટિ ઊપજે છે માટે તે સર્વેના સ્વામી જે મૂળપુરુષ તેના વૈભવનો પાર ક્યાંથી પમાય ? અને એ મૂળપુરુષ છે તે અનંતરૂપે કરીને તે સર્વેની રક્ષા કરે છે ને સર્વના નિયંતા છે ને એક રૂપે પોતાના ધામમાં રહ્યો છે ને બ્રહ્મસુખે સુખિયો છે ને પૂર્ણકામ છે ને કૂટસ્થ છે; તે તેના ધામને આણી કોરના કોઈ પૂગતા નથી, એવો જે મૂળપુરુષ તેનો પાર તો ક્યાંથી પમાય ? અને આધુનિક સમજણવાળાની ગતિ પણ ત્યાં લગી પહોંચે છે, વધુ નથી પહોંચતી.
એવા અસંખ્યાત મૂળપુરુષ થકી પર, સનાતન ને અનાદિ એવું અક્ષરબ્રહ્મ નામે ધામ તેના મુક્તનું સામર્થ્ય તો અતિ અધિક છે; કેમ જે, સારંગપુરનાં 17માં વચનામૃતમાં મૂળપુરુષને અનળપક્ષીની ને અક્ષરમુક્તને ગરુડની ઉપમા મહારાજે દીધી છે, માટે અક્ષરબ્રહ્મની મોટાઈ આગળ કોઈની મોટાઈ ગણતીમાં આવતી નથી, એ વાત પ્રથમનાં 63માં વચનામૃતમાં મહારાજે તત્ત્વે કરીને સમજાવી છે, માટે અક્ષરના મહિમા આગળ કોઈનો મહિમા રહેતો નથી તે જેમ આપણા દેહમાં કેટલાક રોમ ખરી જાય છે તથા કેટલાક નવા ઊગે છે તેની આપણે કશી ગણતી જ નથી તથા જેમ સમુદ્રમાં અસંખ્ય લહેરો ઊપજી ને પાછી લીન થાય છે, તેની સમુદ્રને ગણતી નથી; તેમ એવા અસંખ્ય મૂળપુરુષ સચ્ચિદાનંદબ્રહ્મને વિશે ઊપજીને પાછા લીન થાય છે તેની અક્ષરબ્રહ્મને કશી ગણતી નથી અને તે મૂળપુરુષ તો ક્ષરણ ધર્મવાળા છે, માટે અક્ષરના રોમ તુલ્ય ઉપમા કહી છે એવા જે અક્ષરબ્રહ્મ તેના મહિમાનો પાર તો અનંત એવા જે અક્ષરમુક્તો, તે પણ પામતા નથી તો બીજો તો પામે જ કેમ ? એવા મૂળ અક્ષરમૂર્તિ જે સનાતન, શુદ્ધ ચૈતન્યબ્રહ્મ તથા અનંત એવા જે અક્ષરમુક્ત એ સર્વના સ્વામી ને ઉપાસ્યમૂર્તિ ને એ સર્વને ધ્યેય ને એ સર્વના નિયંતા, એવા જે ભક્તિ-ધર્મના પુત્ર શ્રીજીમહારાજ, તેમના મહિમાનો પાર તો અક્ષરબ્રહ્મ આદિક કોઈ પામતા જ નથી ! એમ મધ્યનાં 67માં વચનામૃતમાં કહ્યું છે. માટે પુરુષોત્તમનો મહિમા તો અતિ અપાર છે ! અતિ અપાર છે !! અતિ અપાર છે !!!’
કરો : ઘરની દિવાલ.
અર્થ : ધન, સંપત્તિ.
પ્રકૃતિપુરુષ : ચેતન અકર્મણ્ય પુરુષની મદદથી જડ પ્રકૃતિમાંથી સમગ્ર સૃષ્ટિની ઉત્પતિ થઈ તે
(9) ભગવાન ને ભગવાનના જે એકાંતિક મોટા સત્પુરુષ તેમનો જે હૃદ્ગત અભિપ્રાય તે તો યથાર્થ જણાય જ નહિ; તે તો જ્યારે તેમના જેવી સ્થિતિ થાય ત્યારે જણાય પણ તે વિના જણાય નહિ તે કેમ, તો પૂર્વે રામ-કૃષ્ણાદિક અનંત અવતાર થઈ ગયા તે કોઈએ મહારાજનો અભિપ્રાય કે રુચિ તે જાણ્યાં જ નથી અને જો મહારાજનો અભિપ્રાય ને રુચિ જાણતા હોત તો તેમની પ્રથા નોખી ન પડત. તે જુઓને મહારાજે જેવી રીતિ, નીતિ ને સ્થિતિ બાંધી છે, તેવી કોઈએ બાંધી નથી તથા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય તથા મહિમાનું જેવી રીતે મહારાજે સ્થાપન કર્યું છે તથા અધર્મનું ઉચ્છેદન કર્યું છે, તેવું કોઈએ કર્યું જ નથી; માટે તપાસીને જુઓ તો તરત માલૂમ પડે છે અને મહારાજે કહ્યું છે જે, ‘અમને બદરિકાશ્રમ તથા શ્ર્વેતદ્વીપ જેવાં ગમે છે તેવાં બીજાં ધામ ગમતાં નથી ને બીજા અવતારે તો રાસ કરાવ્યા ને અમારા સાધુ તોડાવે છે અને સ્ત્રી-દ્રવ્યનો તો હૈયામાં ઘાટ થાવા દેતા નથી.’ એમ એવા વિના મહારાજનો કોઈ અભિપ્રાય જાણી શકે નહીં.
એમ કહીને બોલ્યા જે, ‘આ તમે સાધુ, બ્રહ્મચારી, પાળા વગેરે સર્વ છો, તેમાં કેટલાક એમ જાણતા હશે કે સ્વામી અમારી કોર છે, તથા કેટલાક એમ જાણતા હશે જે સ્વામી અમારી કોર છે, એમ પોતપોતાના અભિપ્રાય પ્રમાણે અમારો અભિપ્રાય જાણો છો, પણ અમારો અભિપ્રાય તો મોટા મોટા સદ્ગુરુ પણ જાણી શક્યા નથી. અમારો અભિપ્રાય તો એક મહારાજ જાણે અને મહારાજનો અભિપ્રાય ને રુચિ તે અમે જાણીએ; પણ વચ્ચે કોઈ બીજો યથાર્થ જાણી શકે નહીં.હવે ભગવાન ને મોટા સાધુનો અભિપ્રાય ક્યારે જણાય, તો જેમ ભગવાન ને સંત આપણા અંતરજામી છે તેમ જ્યારે આપણે ભગવાન ને મોટા સંતના અંતરજામી થઈએ, ત્યારે ભગવાન ને મોટા સંતનો હૃદ્ગત અભિપ્રાય તે યથાર્થ જેમ છે તેમ સમજાય; પણ તે વિના સમજાય નહિ, એ સિદ્ધાંત વાત જાણવી.’
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
હૃદ્ગત : આંતરિક-વિચાર કે ભાવ.
ઉચ્છેદન : ઉચ્છેદ, જડમૂળથી ઉખેડી નાખવાપણું-નાશ.
બદરિકાશ્રમ : શ્રી નરનારાયણનો આશ્રમ.
શ્ર્વેતદ્વીપ : શ્રી વાસુદેવ ભગવાનનું ધામ.
ઘાટ : માયિક સુખ ભોગવવાનો સંકલ્પ, વિકારનો સંકલ્પ.
પાળા : સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જાતનો સેવક/પાર્ષદ.
(10) એક દિવસ શિવલાલભાઈ ગોપાળાનંદસ્વામીની વાતું વિચારતા હતા, તેમાં વાત આવી જે, ‘ઉપાસ્ય, ઉપાસક ને ધામ એ ત્રણની શુદ્ધિએ કરીને મુમુક્ષુ જે તે ઉત્કૃષ્ટ જ્ઞાનને પામીને મોક્ષને પામે છે.’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘સત્પુરુષોનો સંગ ને સત્શાસ્ત્ર એ બે વિના એ ત્રણની શુદ્ધિ થાતી નથી; કેમ જે, સત્પુરુષનો સંગ છે તે તો સૂર્યને ઠેકાણે છે ને સત્શાસ્ત્ર છે તે દર્પણને ઠેકાણે છે ને પોતાનો સદ્વિચાર છે તે નેત્રને ઠેકાણે છે માટે સૂર્ય ને દર્પણ વિના એકલાં નેત્ર શું કામનાં? માટે સત્શાસ્ત્રમાંથી સત્પુરુષ પ્રકાશી આપે છે ત્યારે જ ઉપાસ્યમૂર્તિ જે મહારાજ તથા તેમનું ધામ જે મૂળઅક્ષર તથા ઉપાસક જે ઉપાસનાનો કરનારો; એ ત્રણની શુદ્ધિ થાય છે માટે ઉપાસ્ય, ઉપાસક, ધામ, સંગ ને શાસ્ત્ર, એ પાંચેયની શુદ્ધિએ કરીને જીવ જે તે આત્યંતિક જ્ઞાન પામીને આત્યંતિક મોક્ષ જે અક્ષરધામ તેને સાક્ષાત્ પામે છે.’
ત્યારે ગઢડાવાળા મનજીભાઈએ પૂછ્યું જે, ‘એ પાંચેયનાં લક્ષણ તથા શુદ્ધિ તે કેવી રીતે સમજવી તે કૃપા કરીને કહો.’
ત્યારે સ્વામી બોલ્યા જે, ‘ઉપાસ્યમૂર્તિ તો ભક્તિ-ધર્મના પુત્ર એક શ્રી સહજાનંદસ્વામી છે એમ સમજવું અને તેની શુદ્ધિ તો એમ જાણવી જે, દશ દશ મૂર્તિયું સહિત બ્રહ્માંડ તે પ્રધાનપુરુષના રોમરોમ પ્રત્યે છે. એવા પ્રધાનપુરુષ કોટાનકોટિ છે અને તે સર્વે પ્રધાનપુરુષાદિકનો પતિ મૂળપુરુષ છે તે સર્વે જગતની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલયનો કર્તા છે ને અનંત ભગવાનનો ભગવાન છે અને અક્ષરબ્રહ્મ જે ભગવાનનું ધામ તેને વિશે એવા અસંખ્યાત મૂળપુરુષ ઉપજે છે, અને મહામાયા જે મૂળપ્રકૃતિ તે દ્વારે સર્વ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય તેને કરે છે અને એવા અસંખ્યાત મૂળ પ્રકૃતિપુરુષ થકી પર અક્ષરધામના મુક્તનું સામર્થ્ય છે.
તે મુક્ત ચાર પ્રકારના છે, તેની વિક્તિ જે, કનિષ્ઠ, મધ્યમ, ઉત્તમ અને અતિઉત્તમ. તેમાં આગળ કહ્યા જે, અસંખ્યાત મૂળ પ્રકૃતિપુરુષાદિક એ સર્વેનો પ્રકાશ ભેગો કરીએ તો અક્ષરધામના કનિષ્ઠ મુક્તના એક રોમને વિશે એ સર્વેનો પ્રકાશ લીન થઈ જાય છે અને એવા અપરિમિત કનિષ્ઠ મુક્ત છે, તે સર્વેનો પ્રકાશ ભેળો કરીએ તો મધ્યમ મુક્તના એક રોમને વિશે સર્વેનો પ્રકાશ લીન થઈ જાય છે અને એવા અનંત મધ્યમ મુક્તનો પ્રકાશ ભેળો કરીએ તો ઉત્તમ મુક્તના એક રોમને વિશે એ સર્વેનો પ્રકાશ લીન થઇ જાય છે અને એવા અનંત ઉત્તમ મુક્તનો પ્રકાશ ભેળો કરીએ તો પરમ એકાંતિક એવા જે અનાદિ મહામુક્ત તેના એક રોમને વિશે એ સર્વેનો પ્રકાશ લીન થઈ જાય છે અને એવા જે અપરિમિત મહામુક્તનો પ્રકાશ ભેળો કરીએ તો મૂળઅક્ષર જે પુરુષોત્તમનું ધામ તેના એક રોમને વિશે એ સર્વેનો પ્રકાશ લીન થાય છે. એવા એ અક્ષરબ્રહ્મ છે અને તે અક્ષરબ્રહ્મ તો એક જ છે પણ એવા અનંત અક્ષરબ્રહ્મના પ્રકાશને લીન કરી નાખે એવા એ અક્ષરાતીત પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન શ્રી સહજાનંદસ્વામી છે અને સદા દિવ્ય સાકારમૂર્તિ થકા અક્ષરધામને વિશે વિરાજમાન છે ને અક્ષરબ્રહ્મ આદિક સર્વેના સ્વામી છે. એવી રીતે અનવધિકાતિશય પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાનને સમજીને પછી ઉપાસના કરવી, તેને ઉપાસ્યમૂર્તિની શુદ્ધિ જાણવી.
હવે ધામ જે અક્ષર, જેને વિશે પુરુષોત્તમ ભગવાન તથા અનંત એવા જે મુક્તો રહ્યા છે તેમની શુદ્ધિ તો એમ જાણવી જે, આત્યંતિક પ્રલયને અંતે મૂળ પ્રકૃતિપુરુષ પર્યંત સર્વેના લોક, ભોગ ને દેહ તેનો કાળ અતિશે નાશ કરી નાખે છે અને અક્ષરધામ વિના બીજું કોઈ સ્થાન રહેતું નથી; એવો બળવાન જે મહાકાળ તેનો પણ અક્ષરબ્રહ્મના તેજે કરીને નાશ થઈ જાય છે ને ત્યાં મહાકાળનું લેશમાત્ર સામર્થ્ય ચાલતું નથી, એવું મહા અવિચળ સ્થાન તો માત્ર એક અક્ષરધામ જ છે પણ તેવું બીજું કોઈ સ્થાન નથી, એમ સમજવું અને તે અક્ષરધામને કોઈની ઉપમા દેવાય નહિ અને એ અક્ષરબ્રહ્મને અને પુરુષોત્તમને તો શરીર-શરીરીભાવ સંબંધ છે.
તે મૂર્તિમાન અક્ષરબ્રહ્મનાં બે સ્વરૂપ છે તેમાં નિરાકાર ધામરૂપે તો અનંત મુક્તને અને પુરુષોત્તમને ધરી રહ્યા છે અને સાકાર થકા અખંડ પુરુષોત્તમ ભગવાનની સેવામાં રહ્યા છે ને આંખનું મટકું મારે એટલી વાર પુરુષોત્તમ ભગવાન વ્યતિરેક થાતા નથી, અખંડ અક્ષરધામને વિશે રહે છે અને સગુણ, નિર્ગુણ ઐશ્ર્વર્ય પણ અક્ષરધામ દ્વારે જ કહી શકાય છે; પણ તે અક્ષર થકી પૃથક્ કહેવાતા નથી. એવા અનવધિકાતિશય માહાત્મ્યે યુક્ત પુરુષોત્તમનારાયણ, સ્વયંસ્વરૂપે સ્વરાટ્ થકા તે અક્ષરધામમાં સદાય અનંતકોટિ મુક્તોએ અને મૂળઅક્ષરે સેવ્યા થકા વિરાજમાન છે એવું સનાતન અવિચળ અક્ષરધામ છે. આવી રીતે એ ધામની શુદ્ધિ જાણવી.
હવે ઉપાસક તો ઉપાસનાનો કરનારો જે જીવ તેને કહીએ અને તેની શુદ્ધિ તો એમ જાણવી જે માયામય એવા જે, ત્રણ દેહ, ત્રણ અવસ્થા ને ત્રણ ગુણ તે થકી પર એવો જે પોતાનો જીવાત્મા, તેને એ સર્વેથી પૃથક્ સમજીને, તેની શુદ્ધ ચૈતન્ય અક્ષરબ્રહ્મ તે સંઘાથે (સંગાથે) એકતા કરે છે તથા અક્ષરભાવને પામે છે તેને જ પુરુષોત્તમની ઉપાસનાનો ને ભક્તિનો અધિકાર થાય છે. તે લોયાનાં 12માં વચનામૃતમાં મહારાજે છેલ્લો ભેદ કહ્યો છે; તે સર્વે વાંચે છે, પણ અક્ષર ગુરુ મળ્યા વિના અક્ષરરૂપ ક્યાંથી થાવાય ? માટે ઉપાસકની શુદ્ધિએ કરીને પુરુષોત્તમની પ્રાપ્તિ થાય છે ને મહારાજ તો સર્વે ગુણગણના મહોદધિ છે, તે તો ‘જેવા મહારાજને જાણે એવો તેને કરે છે અને પોતે તો સદા અપારના અપાર જ રહે છે.’ એમ ગંગાજળિયા કૂવાનાં મધ્યનાં 67માં વચનામૃતમાં કહ્યું છે. વળી મચ્છરથી તે ગરુડ સુધી ને પતંગિયાથી તે મહાતેજ સુધી ભેદ કહ્યા, તે પણ ઉપાસકની શુદ્ધિના ભેદે કરીને થયા છે, માટે મહાતેજ તથા ગરુડ જે અક્ષરધામના મુક્ત, તે જેવું જેને થાવું હોય, તેને તો પોતાની શુદ્ધિ સારુ અક્ષરબ્રહ્મ સાથે અભેદપણાને પામવું; કહેતાં અક્ષરબ્રહ્મને પોતાનું સ્વરૂપ માનવું, એમ મધ્યનાં 30માં વચનામૃતમાં કહ્યું છે તથા ‘ધર્મામૃત’ના છઠ્ઠા અધ્યાયમાં તથા પાંચમા તથા છઠ્ઠા શ્ર્લોકમાં, એમ ઘણે ઠેકાણે મહારાજ કહી ગયા છે. આવી રીતે સમજીને શુદ્ધ અક્ષરરૂપ થઈને, પરબ્રહ્મ એવા જે પુરુષોત્તમ ભગવાન તેની ઉપાસના કરવી; તેને ઉપાસકની શુદ્ધિ જાણવી.
હવે સંગ તો તેને કહીએ જે, જેનો સંગ થાય તેના ગુણ તેમાં સહેજે આવે. તેની શુદ્ધિ તો એમ જાણવી જે, જેનો સંગ કરવો તેની ત્રણ પ્રકારે પરીક્ષા કરવી. તેની વિક્તિ જે, પ્રથમ તો એણે જેને સેવ્યા હોય, તેનું સામર્થ્ય જોવું જે, એણે કેવા પુરુષને સેવ્યા છે ને તે થકી ગુણ પામ્યા છે કે નહિ ? એમ તપાસ કરવો. બીજું તેના પંડનું વર્તન જોવું જે, તે કેવી રીતે વાત કરે છે ને કેવી રીતે દેહે વરતે છે ? તથા ત્રીજું તેના સંગ થકી જે, જ્ઞાન પામીને ઉત્તમ મુક્ત થયા હોય તેનો તપાસ કરવો. તે કેવી રીતે તો અનાદિ આત્મા જે મૂળઅક્ષર તથા પરમાત્મા જે પુરુષોત્તમ ભગવાન તેમના પ્રત્યક્ષ સ્વરૂપનું જે જ્ઞાન, તેને પામીને તે કેવી રીતે નિરૂપણ કરે છે ? અને કેવી રીતે પ્રગટ ભગવાન તથા પ્રગટ સંતમાં જોડાણા છે ? તથા આજ્ઞા-ઉપાસનામાં કેવા ખબરદાર વરતે છે ? એમ ત્રણેય પ્રકારે તપાસીને પછી તેનો સંગ કરવો, તેને સંગની શુદ્ધિ જાણવી.
હવે શાસ્ત્ર તો તેને જાણવું જે, પરાત્પર એવા જે પુરુષોત્તમ ભગવાન તેના સ્વરૂપ, સ્વભાવ, ગુણ, વિભૂતિ, ઐશ્ર્વર્ય, પ્રતાપ, તેજ, બળ, ઓજસ આદિક અનંત મહાદિવ્ય ગુણ; તેણે સહિત પુરુષોત્તમ ભગવાનનું વર્ણન કરતું હોય તથા તે પુરુષોત્તમ ભગવાનનું ધામ જે અક્ષરબ્રહ્મ તથા અક્ષરમુક્તો તથા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, મહિમા આદિકનું વર્ણન કરતું હોય; તથા જીવ, ઈશ્ર્વર, માયા, બ્રહ્મ, પરબ્રહ્મના સ્વરૂપને યથાર્થ કહેતું હોય તથા પ્રગટ ભગવાનનાં લીલા-ચરિત્રને કહેતું હોય તથા માયાનું કપટ જે, મૂળ અજ્ઞાન તેને ટાળીને શુદ્ધ અક્ષરરૂપ કરીને અનંત જીવોને માયા પર કરી અક્ષરધામની પ્રાપ્તિના સાધનને કહેતું હોય તથા એકાંતિકના ધર્મને ધરનારા એવા જે સત્પુરુષ તેના મહિમાને પ્રતિપાદન કરતું હોય; તેને શાસ્ત્ર જાણવું અને તેની શુદ્ધિ તો એમ જાણવી જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, માહાત્મ્ય તેણે સહિત એવા જે પરમ એકાંતિક ધર્મને ધરનારા એવા જે સદ્ગુરુ સંત, તેના મુખ થકી જે શ્રવણ કરવું તેને શાસ્ત્રની શુદ્ધિ જાણવી અને એ સત્શાસ્ત્ર પણ અસત્પુરુષના મુખને પામીને અસત્પણાને પામી જાય છે, એમ વચનામૃતમાં પણ કહ્યું છે અને ગોપાળાનંદસ્વામીની વાતુંમાં પણ આવ્યું હતું.’ એવી રીતે પાંચેયનાં લક્ષણ ને શુદ્ધિની વાત ઘણી જ સમજાવી.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
દશ : દિશા.
પ્રલય : વિનાશ, કલ્પને અંતે જગતનો નાશ.
પ્રકૃતિપુરુષ : ચેતન અકર્મણ્ય પુરુષની મદદથી જડ પ્રકૃતિમાંથી સમગ્ર સૃષ્ટિની ઉત્પતિ થઈ તે
વિક્તિ : વિગત-વિવરણ.
અપરિમિત : અમાપ.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
અનવધિકાતિશય : જેની અવધિ નથી એવું વિશાળ, અમર્યાદ, અપાર, અનંત.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
પર્યંત : ત્યાં સુધી, જેટલી.
નિરાકાર : પોતાને ત્રણ દેહના માયિકભાવથી રહિત અર્થાત નિરંજન ને કેવળ બ્રહ્મભાવે આત્મારૂપ માનવું.
(11) મહારાજે આઠ મહિના સુધી સાધુને ભેગા રાખીને પોતાના પુરુષોત્તમપણાની વાતું કરી, પછી સર્વ સાધુને પૂછ્યું જે, ‘અમને તમે કેવા સમજો છો ?’ ત્યારે કોઈ કહે, ‘તમે નરનારાયણ છો.’ કોઈ કહે, ‘તમે તો શ્ર્વેતદ્વીપના પતિ વાસુદેવ તે જ છો.’ કોઈ કહે, ‘તમે તો વૈકુંઠનાથ લક્ષ્મીનારાયણ છો.’ કોઈ કહે, ‘તમે તો ગોલોકાધિપતિ સ્વયં શ્રીકૃષ્ણ જ છો.’ એમ સૌ નોખા નોખા બોલ્યા, તે સાંભળીને મહારાજ ઉદાસ થઈ ગયા ને બોલ્યા જે, ‘હવે અમે સત્સંગમાં નહિ રહીએ; કેમ જે, તમે અમને બહુ પ્રસિદ્ધ કર્યા ! માટે હવે તો અમે પાછા વનમાં જતા રહીશું.’
ત્યારે સૌ સંત હાથ જોડીને બોલ્યા જે, ‘હે મહારાજ ! જેમ તમે કહેશો તેમ કરશું, પણ તમે સત્સંગમાં રહો.’ ત્યારે મહારાજ કહે, ‘અમને ભગવાન ન કહો તો સત્સંગમાં રહીએ. અમને શુકજી ને સનકાદિક જેવા તથા કપિલદેવ ને દત્તાત્રેય જેવા મોટાપુરુષ કહેવા તથા ધર્માચાર્ય કહેવા; પણ રામ-કૃષ્ણાદિક ભગવાન જેવા અમને ન કહેવા.’ ત્યારે સંતોએ કહ્યું જે, ‘સારુ મહારાજ ! હવે એમ કહીશું પણ તમે સત્સંગમાં રહો.’ એમ કહીને સૌને દેશમાં ફરવા મોકલ્યા.
પછી સૌ ફરીને પાછા આવ્યા, ત્યારે મહારાજે પૂછ્યું જે, ‘દેશમાં કેવી રીતે વાતું કરતા ?’ ત્યારે સંતો બોલ્યા જે, ‘પંચવર્તમાનમાં નિયમ સંબંધી તથા જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, મહિમા, ઉપાસના એ સંબંધી મનુષ્ય આગળ વાતું કરતા.’ ત્યારે મહારાજે પૂછ્યું જે, ‘ઉપાસના સંબંધી કેવી રીતે વાતું કરતા ?’ ત્યારે સંતે કહ્યું જે, ‘ઉપાસના સંબંધી એમ વાતું કરતા જે, મહારાજ છે તે દત્તાત્રેય, કપિલ, શુક, સનકાદિક જેવા મોટાપુરુષ છે.’ એ સાંભળીને મહારાજે પોતાનું મસ્તક ડોલાવ્યું અને કહ્યું જે, ‘કબૂતરના કબૂતર રહ્યા ! ’
એમ કહીને બોલ્યા જે, ‘સર્વોપરી દિવ્ય સાકારમૂર્તિ અને સર્વ અવતારમાત્રના અવતારી અને સર્વેના નિયંતા એવા જે અમે સાક્ષાત્ પૂર્ણ પુરુષોત્તમનારાયણ, તે અમારા અક્ષરધામ તથા મુક્તે સહિત મનુષ્યદેહનું ધારણ કરીને, તમારે સર્વેને સજાતિ થઈને, હળીમળીને ભેળા રહીને, અમારે વિશે તમને હેત કરાવીને, સર્વોપરી અમારા સ્વરૂપનું જ્ઞાન આપ્યું તથા અનંત પ્રકારનાં મહા અદ્ભુત ઐશ્ર્વર્ય જણાવ્યાં તથા અનંત જીવોને સમાધિ કરાવીને ગોલોકાદિક અનંત ધામ દેખાડ્યાં તથા માયા પાર અમારું અક્ષરબ્રહ્મ નામે ધામ તેને વિશે અનંત મુક્તે સહિત અમારા દિવ્ય સ્વરૂપનાં સાક્ષાત્કાર અનંત ભક્તજનને દર્શન કરાવ્યાં તથા સર્વે અવતારને અમારી સ્તુતિ કરતા થકા અમારા સ્વરૂપને વિશે લીન કરી દેખાડ્યા તથા મોટા મોટા રામકૃષ્ણાદિક અવતારથી પણ જે કાર્ય ન થાય તેવાં કાર્ય તો સહેજમાં ભક્ત દ્વારે કર્યાં તથા સત્પુરુષ દ્વારે એવાં અનંત કાર્ય કર્યાં, તો પણ તમને એ વાતની લગાર પણ ખુમારી આવી નહિ ? માટે અમારું સ્વરૂપ તમારા હૃદયમાં પેઠું જ નહિ; ને જો પેઠું હોય તો જીરવાય જ કેમ ?
જેમ મૂળો ખાય ને ગમે તેટલાં ભોજન જમે, પણ મૂળો સર્વેને દાબીને પોતાનો ઓડકાર કાઢે છે, તેમ માહાત્મ્યે સહિત જેવું છે તેવું અમારું સ્વરૂપ યથાર્થ જાણ્યું હોય, તો અમે ના કહીએ તો પણ તમારાથી કહ્યા વિના રહેવાય જ કેમ ? માટે જાણ્યામાં ઘણો ફેર છે. ને જ્યારે આ અમારું સ્વરૂપ જેવું છે તેવું પરિપૂર્ણ સમજાશે, ત્યારે તમારે અમારા સ્વરૂપનો મહિમા કહેવા સાંભળવામાં કોઈ પ્રકારનો અંતરાય નહિ રહે.’ વળી મહારાજ કહેતા જે, ‘ગમે તેવો ઉત્તમ મુમુક્ષુ હોય અને અમ ભેળો રહેતો હોય, પણ તેને જો અમારી મરજીના જાણનારા સત્પુરુષનો સંગ ન હોય, તો અમારું સ્વરૂપ યથાર્થ રીતે સમજવામાં ન્યૂનતા રહી જાય.’ માટે ભગવાન ભેળા રહ્યા ને ખોટ રહી ગઈ, તે આ સાધુના સમાગમ વિના.
સનકાદિક : બ્રહ્માના ચાર માનસપુત્ર ઋષિઓ :- સનક, સનાતન, સનંદન અને સનત્કુમાર તેઓ હંમેશાં પાંચ વર્ષના બાળક જેવા જ દેખાયા છે.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
સાક્ષાત્કાર : પરમતત્ત્વ કે ભગવાનનું પ્રત્યક્ષ દર્શન કે સાક્ષાત્ અનુભવ.
લગાર : જરાય
અંતરાય : અડચણ, વિઘ્ન, અવરોધ
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
(12) એક સમે મહારાજ કચ્છ દેશમાં કાળુતળાવ, માંડવી, તેરા વગેરેમાં બહુ જ ફર્યા ને સંતમંડળ પણ સંગાથે હતાં અને વાતું પણ પોતે અખંડ કર્યા કરે ને તેમાં સર્વોપરી પ્રગટપણાની વાતું બહુ જ લાવે. એમ કરતાં કરતાં પોતે એક દિવસ બહુ ઉદાસ થઈ ગયા અને મુક્તાનંદસ્વામીને કહ્યું જે, ‘અમે કહીએ તો બધા ત્યાગી પણ થઈ જાય અને પરોક્ષ અવતાર અને તેમના ભક્તની વાતું કહીએ છીએ, ત્યારે સૌ સાંભળવામાં ખબરદાર થઈ જાય છે પણ અમારા સર્વોપરી અને પ્રગટપણાની અને અમારા અનાદિ મુક્ત ને અક્ષરબ્રહ્મ નામે ધામની જો કોઈ એવી વાત કહીએ તો સૌ અકળાય છે ને ઊઠી નીકળે છે માટે હવે તો જાણે દેહ મૂકી દઈએ, એમ થાય છે.’ એવી રીતે મુક્તાનંદસ્વામીને વાત કરી.
પછી ત્યાંથી પંચાળે આવીને મંદવાડ ગ્રહણ કર્યો ને અંતરવૃત્તિ કરી ગયા ને બોલે નહિ ને શરીરમાં તાવ ને માથું બહુ જ ગરમ જણાય, પછી મુક્તાનંદસ્વામીએ નાડી જોઈને માથે હાથ મૂક્યો ત્યાં તો લોઢી જેવું માથું ધગે. પછી પોતે દાબવા મંડ્યા ને પોતાને કચ્છ દેશમાં મહારાજે વાત કરી હતી તે સાંભરી આવી ને પોતાનું હૈયું ભરાઈ આવ્યું અને હીબકાં (ડૂસકાં) ભરવા મંડ્યા ને આંખોમાંથી પાણીની ધાર મહારાજના મસ્તક પર પડી, તેથી મહારાજે અંતરવૃત્તિમાંથી બહાર આવીને નેત્રકમળ ઉઘાડીને જોયું, ત્યાં તો મુક્તાનંદસ્વામીને દિલગીર થતા જોયા; પછી મહારાજ કહે, ‘સ્વામી, આમ કાં કરો ?’ ત્યારે મુક્તાનંદસ્વામી નેત્રમાંથી જળ લૂછીને બોલ્યા જે, ‘મહારાજ ! તમે કચ્છ દેશમાં વાત કરી હતી તે સાંભરી આવી ને મનમાં એમ ઘાટ થયો જે, આગળ ભગવાનના જે જે અવતાર થયા તેની પરંપરાનું કાંઈક ચિહ્ન ને કોઈક શાસ્ત્ર, સાખી કે શબ્દ પાછળ હોય છે તથા શિષ્ય પરંપરા હોય છે ને તમે ઠામુકા ઉદાસ થઈ ગયા, તે પાછળ કોણ જાણશે ?’ ત્યારે મહારાજે મુક્તાનંદસ્વામીને કહ્યું જે, ‘સ્વામી, ચિંતા કરશો મા; હવે અમે સાજા થઈએ છીએ અને ચાર ગૂઢ સંકલ્પ કરીએ છીએ જે,
પ્રથમ તો સર્વેના કારણ ને સર્વેના નિયંતા ને સર્વે થકી પર એવા જે સ્વયં પુરુષોત્તમ અમે તે અક્ષરધામ તથા મુક્ત સહિત આ પૃથ્વી ઉપર પધાર્યા તે અમારી ઉપાસના રહે તે સારુ સર્વોપરી શિખરબંધ મંદિર કરાવીને અવતારની મૂર્તિએ સહિત અમારી મૂર્તિનું શ્રેષ્ઠપણે સ્થાપન કરીશું અને એ રીતે ઉપાસના પ્રવર્તાવવી એ પ્રથમ સંકલ્પ કર્યો.
તથા અમારું સ્વરૂપ જે અક્ષરબ્રહ્મ તે દ્વારે માયાનું કપટ દૂર કરીને, આ પૃથ્વીનું તળ રહે ત્યાં સુધી અનંત જીવોનું આત્યંતિક કલ્યાણ કરવા સારુ, પરંપરાએ આત્યંતિક જ્ઞાનના દાતા ને અક્ષરબ્રહ્મના સાધર્મ્યપણાને પામેલા એવા પરમ એકાંતિક સત્પુરુષ કરવા એ બીજો સંકલ્પ કર્યો.
ને પુરુષોત્તમનારાયણ, અક્ષરબ્રહ્મ અને મુક્તોનાં સ્વરૂપને પ્રતિપાદન કરનારાં તથા અમારાં લીલાચરિત્ર તથા ઐશ્ર્વર્યપ્રતાપને યથાર્થ કહેનારાં તથા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને માહાત્મ્ય જ્ઞાને સહિત એવી જે પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપને વિશે અનન્ય ભક્તિ, એ ચારેય ગુણેયુક્ત એવો જે પરમ એકાંતિક ધર્મ તેને યથાર્થ કહેનારાં તથા જીવ, ઈશ્ર્વર, માયા, બ્રહ્મ, પરબ્રહ્મના શુદ્ધ સ્વરૂપને યથાર્થ પ્રતિપાદન કરનારાં તથા પોતે પુરુષોત્તમ ભગવાન તથા તેનું ધામ તથા તેના દૃઢ ઉપાસક એવા મુક્ત તેના મહિમાને યથાર્થ કહેનારાં ને પ્રગટના સંબંધને પામેલાં એવાં જે તીર્થ તથા સ્થાવર જંગમ સર્વે પદાર્થના મહિમાને કહેનારાં તથા વ્રત, ઉત્સવના નિર્ણયને કહેનારાં તથા સ્વરૂપને જણાવનારાં એવાં શાસ્ત્ર કરવાં; તે ત્રીજો સંકલ્પ કર્યો.
તથા મંદિર, સાધુ, શાસ્ત્ર અને હરિજન એ સૌની રક્ષા કરવા સારુ ધર્મકુળના બે આચાર્ય કરવા, એ ચોથો સંકલ્પ કર્યો.’
એવી રીતે ગૂઢ સંકલ્પ કરીને પોઢી ગયા, પછી જાગીને ઝીણાભાઈને બોલાવીને કહ્યું જે, ‘ઝીણાભાઈ, તમે થાળ કરાવો તો અમે જમીને સાજા થઈએ.’ ત્યારે ઝીણાભાઈ બોલ્યા જે, ‘મહારાજ ! તમે સાજા થાઓ તો હજાર થાળ કરાવું.’ એમ કહીને થાળ કરાવ્યો તે જમ્યા ને મંદવાડ ગ્રહણ કર્યો હતો તે સાજા થયા અને ગઢપુર (ગઢડા) પધાર્યા.
કરો : ઘરની દિવાલ.
ઘાટ : માયિક સુખ ભોગવવાનો સંકલ્પ, વિકારનો સંકલ્પ.
ઠામુકા : નકામા, નિરર્થક.
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
તળ : મૂળ, જન્મ સ્થાન.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
માહાત્મ્ય : મહિમા, મહત્વ.
(13) એક વખતે ગઢડામાં મહારાજ રાતને સમે સભા કરીને પોતાના સર્વોપરી પુરુષોત્તમપણાની વાતું કરતા હતા તે સમે જે, એકાંતિક જ્ઞાનવાન સંત હતા, તે તો જેમ ચમકપાણમાં લોઢું તણાય તેમ મહારાજની મૂર્તિમાં સમગ્રપણે તણાઈ જાતા તથા જેમ ચંદ્રમાને દેખીને ચકોર પક્ષી સર્વ પ્રકારે જોડાય, તેમ મહારાજના મુખકમળરૂપી ચંદ્રમા તેને વિશેથી નીકળતું એવું વચનરૂપી અમૃત, તેનું પાન કરવાને વિશે છે શ્રદ્ધા જેને, એવા થકા સર્વ એકાગ્ર ચિત્તે કરીને જોડાઈ જતા હવા ને એવી રીતે પુરુષોત્તમ નિરૂપણની વાતું કરતાં બાર ઉપર બે વાગ્યાનું ટાણું થયું પણ વાતુંમાં દૃઢ આસક્તિએ કરીને કોઈને મટકું પણ આવ્યું નહીં.
ત્યાં તે સમે જે સંતો સૂતા હતા તેમાંથી એક સંત જાગ્યા ને ધૂન કરી. ત્યારે મહારાજ બોલ્યા જે, ‘શું થયું ?’ ત્યારે બ્રહ્માનંદસ્વામી બોલ્યા જે, ‘મહારાજ ! એ તો પાળી બદલાણી.’ ત્યારે મહારાજ બોલ્યા જે, ‘આવી ભગવાનના સ્વરૂપ સંબંધી અગાધ ગહન વાતું થાય છે, તેમાંય સૂતા હશે ?’ ત્યારે બ્રહ્માનંદસ્વામી બોલ્યા જે, ‘મહારાજ ! એ એક નહિ પણ ઘણા સૂતા છે.’ ત્યારે મહારાજ કહે, ‘અહો ! અહો ! આવી વાતું થાય છે ને જે સૂતા છે તેમને બહુ જ ખોટ ગઈ; કેમ જે, આવી વાતું ક્યાંથી સમજાશે ?’ ત્યારે બ્રહ્માનંદસ્વામી કહે જે, ‘આવી વાતું સાંભળે છે તે સર્વેને મળો, તો જે સૂતા છે તેમને પસ્તાવો થાય.’ પછી મહારાજ સર્વેને મળતા હવા. ત્યારે જિજ્ઞાસાનંદસ્વામી જે સૂતા હતા તે સર્વેને કહી આવ્યા જે, ‘શું સૂતા છો ? મહારાજ સબકુ મીલતે હૈ.’ ત્યાં તો ઊઠી ઊઠીને સૌ આવવા મંડ્યા, ત્યારે મહારાજે કહ્યું જે, ‘સાધુ વધી ગયા !’ એમ કહીને બેસી ગયા.
એમ જે રુચિવાળા હતા ને મહિમાએ સહિત જ્ઞાનવાળા હતા, તેને તો આખી રાત મહારાજ દર્શન દેતા હોય કે, વાતું કરતા હોય ત્યારે આખી રાત મહારાજનાં દર્શન કરતા ને વાતું સાંભળતા ને કેટલાક સૂઈ પણ રહેતા અને આંહીં પણ સર્વોપરી વાતું થાય છે ને સર્વોપરી સાધુનો જોગ છે, તેમાં જે રુચિવાળા છે તે તો આખી રાત ને આખો દિવસ વાતું સાંભળે છે ને દર્શન કરે છે ને કેટલાક બહારગામથી આવી આવીને સમાગમ કરી જાય છે ને કેટલાક આંહીં મેડે મંડળી ભેળી થઈને મલકની નિંદા કરે છે ને કેટલાક ગપ્પાં મારે છે; તેમાં શું પાકે ?
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
પાળી : વારો.
(14) શબ્દે કરીને સાધુ થકી જ્ઞાન પામીને દેહ બંધાય છે, પછી જેમ બુંદ સૃષ્ટિના દેહની ઉત્પત્તિને લઈને કણબીનો દીકરો કહે જે, ‘હું કણબી છું.’ બ્રાહ્મણનો દીકરો કહે જે, ‘હું બ્રાહ્મણ છું.’ એમ ઉત્તમ, નીચ જાતિમાં જ્યાં જ્યાં જન્મે તેનું અભિમાન લઈને દેહાંત સુધી બોલે છે; તેમ,
સદ્ગુરુ શબ્દાતીત પરમ પ્રકાશ હૈ, જાકે શરણે જાય, અવિદ્યા નાશ હૈ,
એવા શબ્દે કરીને બ્રહ્મરૂપ ગુરુને શરણે થયો ને મન, કર્મ, વચને શુદ્ધભાવે જોડાણો, તે એમ માને જે, ‘એ સદ્ગુરુને જેવા મેં બ્રહ્મરૂપ જાણ્યા, તેવો જ તેને સજાતીય હું થઈ રહ્યો છું.’ તે પ્રથમનાં 58માં વચનામૃતમાં કહ્યું છે જે, ‘સત્પુરુષને નિષ્કામી, નિર્લોભી, નિ:સ્વાદી, જેવા જેવા જાણે તેવો પોતે થાય છે’ ને પ્રથમનાં 14માં વચનામૃતમાં કહ્યું છે જે, ‘સંતનો સમાગમ મળ્યો છે તે તો પરમ ચિંતામણિ ને કલ્પવૃક્ષ મળ્યાં છે, માટે હું કૃતાર્થ થઈ રહ્યો છું.’ એમ હમણાં જેવી મતિ છે તેવી ગતિ થાય છે તથા સારંગપુરનાં 10માં વચનામૃતમાં કહ્યું છે કે, ‘સંત સમાગમમાં પડ્યો રહે ને અપમાનનું સહન કરે તો તે સમજણવાળા સંત જેવો જ તેને જાણવો ને તેના જેવી જ તેની પ્રાપ્તિ જાણવી.’ તથા સૌભરિ ને કર્દમ ઋષિને દૃષ્ટાંતે, ‘જેવા ભક્ત મળે ને તેમાં જેને હેત થાય તેના જેવું જ તેનું કલ્યાણ થાય.’ એમ પ્રથમનાં 75માં વચનામૃતમાં ને બીજે ઘણે ઠેકાણે કહ્યું છે, માટે સાક્ષાત્ અક્ષરબ્રહ્મના સાધર્મ્યપણાને પામીને બ્રહ્મસ્વરૂપે વર્તતા એવા સંતને મહારાજે પોતાની મૂર્તિ કહી છે તથા પોતાનું સ્વરૂપ કહ્યું છે તથા એવા સંતને પૂજયે મહારાજ તથા અક્ષરધામ અને અક્ષરમુક્તો પૂજાઈ રહ્યા તથા,
સાચા સંત સેવ્યે સેવ્યા નાથ, સેવ્યા સુર સહુને;
એવા સંત મળ્યે મળ્યા સ્વામી* ખામી કોયે ન રહી;
(*સ્વામી એટલે શ્રી સહજાનંદસ્વામી)
(કીર્તન મુક્તાવલિ : 1034)
એમ કહ્યું તથા વચનામૃતમાં કહ્યું જે, ‘એવા સંતને દર્શને અનંત પતિત જીવોનો ઉદ્ધાર થાય છે તથા એવા સંતની સેવાએ સાક્ષાત્ ભગવાનની સેવા થાય છે ને એવાનું દર્શન થયું ત્યારે સાક્ષાત્ ભગવાનનું દર્શન થયું.’ (વચ.ગ.પ્ર.37) એમ ઠામેઠામ કહ્યું છે. હવે જેવા ગુરુને સેવે છે તેવું શિષ્યમાં દૈવત આવે છે; માટે જેણે ગુણાતીત થાવું હોય ને ગુણાતીત એવું જે અક્ષરધામ તેને સાક્ષાત્ પામવું હોય ને અખંડ પુરુષોત્તમ ભગવાનની સેવામાં રહેવું હોય; તેને આ બરાબર બીજું કાંઈ નથી.
અવિદ્યા : માયિક સમજણ
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
ચિંતામણિ : ઇચ્છા પૂરી કરે તેવો દિવ્ય મણિ.
કૃતાર્થ : જેનું કાર્ય સિદ્ધ થઈ ચુકયું છે તે, ધાર્યું કાર્ય પાર પડ્યાનો આનંદ.
મૂર્તિ : સંતો.
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
પતિત : પાપી.
ઠામેઠામ : ઠેકાણે ઠેકાણે, ઠેરઠેર, દરેક જગ્યાએ.
દૈવત : દિવ્ય તેજ, શક્તિ.
(15) સંવત 1911ની સાલમાં રઘુવીરજી મહારાજે વરતાલમાં પ્રથમ વાર ‘સત્સંગીજીવન’ની કથા કરાવી તેમાં સ્વામીને ચાર માસ રાખીને સભામાં પુરુષોત્તમપણાની વાતું કરવા ઠરાવ કર્યો. એક દિવસ સ્વામીએ ઉપાસનાની અને મહિમાની બહુ જ વાતું કરી કહ્યું જે, ‘હજુ સત્સંગ ક્યાં થયો છે ? આપણે પણ પૂરા સત્સંગી ક્યાં થયા છીએ ?’ મહારાજે કહ્યું છે કે, ‘તપ, ત્યાગ, યજ્ઞ, અષ્ટાંગયોગ એ આદિક કોઈ સાધને હું વશ થાતો નથી, જેવો સત્સંગે વશ થાઉં છું.’ એ સત્સંગ તે શું ? તે મહારાજે જ છેલ્લાનાં 39માં વચનામૃતમાં કહ્યું છે કે, ‘સત્યરૂપ એવો જે પોતાનો આત્મા અને સત્યરૂપ જે ભગવાન તેનો નિરંતર જેને સંગ થયો તેને સત્સંગી જાણવો.’ તે એવા સત્સંગી કરવા સારુ મહારાજ અને આ સાધુ આ લોકમાં આવ્યા છે. માટે આપણે તપાસી જોવું કે, આપણને આત્મા અને ભગવાનનો નિરંતર જોગ કેટલો રહે છે ? ને એવું નથી થયું ત્યાં સુધી ભલેને ભગવું કર્યું કે, સદ્ગુરુ કહેવાયા, તો પણ કાચું જાણવું અને હજુ ખરા ગુરુ જ ક્યાં કર્યા છે ? એ પ્રકારે સ્વામીની વાતું સાંભળીને ભણનારાઓએ શુકમુનિ પાસે ઉઠાવ કરીને કહ્યું જે, ‘ગુણાતીતાનંદસ્વામી બહુ આકરી વાતું કરે છે જે, મોટા સદ્ગુરુ કહેવાતા હોય તો પણ કાચું છે; ત્યારે તો આપણા શા હાલ ! માટે આવતીકાલે તમે વાતું કરજો.’ આથી બીજે દિવસ શુકમુનિ વાતું કરવા મંડ્યા.
પછી તે જ રાતે શ્રીજીમહારાજે રઘુવીરજી મહારાજને દર્શન દઈ કહ્યું કે, ‘ઠરાવ તો ચારેય માસ ગુણાતીતાનંદસ્વામીએ વાતું કર્યાનો છે, માટે કાલથી બીજા પાસે વાતું કરાવશો નહીં.’ સવારમાં રઘુવીરજી મહારાજે આ સર્વે વાત શુકમુનિને કરી. એ સાંભળીને શુકમુનિયે હાથ જોડીને કહ્યું કે, ‘મહારાજ, મારે પણ સ્વામીની વાતું સાંભળવી છે પણ આ તો ભણનારા સર્વે ભેળા થઈને ઊહ કરી મને ભોળવ્યો, એટલે હું વાતું કરવા બેઠો.’ પછી કથા પૂરી થઈ એટલે સ્વામી વાતું કરવા બેઠા ને બોલ્યા જે, ‘મહારાજે લોયાનાં છઠ્ઠા વચનામૃતમાં કહ્યું છે કે, સત્સંગ થયા પછી એકાંતિકપણું આવવું એ દુર્લભમાં દુર્લભ છે અને એકાંતિકપણું પામવા સારુ ગુરુ કરવા જોઈએ, એટલું જ અમે તો બોલ્યા હતા, વધુ આકરું તો હજુ કાંઈ જ કહ્યું નથી.’ પણ મહારાજે તો મધ્યના 47મા વચનામૃતમાં કહ્યું છે કે, ‘ખાધાપીધાની લાલચે કે, લૂગડાંની લાલચે કે, મનગમતા પદાર્થની લાલચે સંત ભેગો રહે; તો તેને લબાડ જેવો, કૂતરા જેવો ને મલિન આશયવાળો જાણવો.”
વળી પ્રથમનાં 37માં વચનામૃતમાં મહારાજે, ‘ભગવાનના પ્રતાપને નહિ જાણનારાને જડમતિ અને મૂરખ કહ્યા છે તેમ જ, જે ત્યાગીને સંબંધીઓમાં પ્રીતિ અને કામના છે તેને મહારાજે છેલ્લાનાં 19માં વચનામૃતમાં પશુ જેવો કહ્યો છે.’ વળી પ્રથમનાં 20માં વચનામૃતમાં, ‘પોતાના સ્વરૂપને નહિ જોનારને અજ્ઞાનીમાં અતિશે અજ્ઞાની, ઘેલામાં અતિશે ઘેલો, મૂરખમાં અતિશે મૂરખ અને સર્વ નીચમાં અતિશય નીચ કહ્યો છે.’ માટે પોતાના જીવનું જેણે આત્યંતિક કલ્યાણ કરવું હોય, તેણે તો ખૂબ વિચારવું જોઈશે અને કડવાં વેણ કહ્યા વગર તો જીવનો રોગ જતો નથી; કેમ જે,
અતિ આદર્યું કામ અતોલ, પરલોક પામવા;
ત્યારે ખરી કરી જોઈએ ખોળ્ય, વિઘનને વામવા.
(કીર્તન મુક્તાવલિ : 1039)
માટે સાચી સમજણ તો બધાએ કરવી જોઈશે. હવે જુઓ, મધ્યનાં 9માં વચનામૃતમાં મહારાજે શ્રીમુખે કહ્યું છે જે, ‘અમને બીજા અવતાર જેવા જાણે તો અમારો દ્રોહ કર્યો કહેવાય.’ જેમ નિરાકાર જાણવાથી ભગવાનના સ્વરૂપનો દ્રોહ થાય છે, તેમ જ મહારાજને બીજા અવતાર જેવા જાણવાથી પણ મહારાજના સ્વરૂપનો દ્રોહ થાય છે.
વળી બ્રહ્માંડ-બ્રહ્માંડ પ્રત્યે દશ-દશ મૂર્તિયું રહી છે. એવાં અનંતકોટિ બ્રહ્માંડ તો મહાવિષ્ણુના રોમરોમ પ્રત્યે રહ્યાં છે; એવા મહાવિષ્ણુ જે પ્રધાનપુરુષ તે મૂળ પ્રકૃતિપુરુષ થકી અસંખ્ય કોટિ ઉપજે છે અને લય પામે છે. ને તે મૂળ પ્રકૃતિપુરુષ પણ જે, અક્ષરધામની કળાશક્તિએ કરીને બુદબુદાની જેમ અસંખ્યાત પ્રગટ થઈ આવે છે અને અક્ષરબ્રહ્મના પ્રકાશમાં લય પામી જાય છે; એવા જે મૂર્તિમાન અક્ષરધામ તે શ્રી સહજાનંદસ્વામીના દાસ છે ને એ અક્ષરબ્રહ્મથી પર અને તેમના પણ આત્મા એવા પ્રગટ પુરુષોત્તમનારાયણ તે સર્વ અવતારના અવતારી, સર્વ થકી પર, સર્વના પ્રેરક, નિયંતા અને સ્વામી છે, માટે એમને બીજા કોઈ જેવા કહેવાય જ નહિ; કેમ જે, મૂળ પ્રકૃતિપુરુષ પર્યંત સર્વે જે આકૃતિઓ છે તે કાળે કરીને નાશવંત છે તે જ્યાં સુધી સ્ત્રી-પુરુષનો ભાવ છે, ત્યાં સુધી એમ સમજવું. તે પ્રેમાનંદસ્વામીએ,
સાંભળ વાત કહું એક છાની, શામ સુંદરવર નંદલાલની;
સાચી કહું માનજે મારી હેલી, સુંદર શામ ગયા તને મેલી.
એ ચૌદ પદમાં એ લીલા વર્ણન કર્યું છે માટે એક અક્ષરધામમાં મૈથુની ગ્રંથિ નથી.
‘વેદરસ’માં મહારાજે કહ્યું છે જે, ‘અક્ષરધામ વિના બીજાં સર્વે ધામું ગુણમય છે અને તેમાં કાળ-માયાનો ભય રહ્યો છે.’ ને મધ્યનાં 49માં વચનામૃતમાં કહ્યું છે કે, ‘પ્રત્યક્ષ ભગવાન અને બીજા જે માયિક આકાર તેમાં તો બહુ જ ફેર છે. તે ફેર શું ? તો અન્ય અવતારમાત્ર પ્રકૃતિપુરુષથી ઓરા જાણવા તે છે. માટે અક્ષરધામ, મુક્ત અને પુરુષોત્તમ એ ત્રણ વિનાના જે જે લોક છે અને એ લોકના દેવ અને તે દેવના જે વૈભવ તે સર્વે નાશવંત છે, વળી મનુષ્યને ભેંશ જેવો કે, સર્પ જેવો કે, ચરકલા (ચકલા) જેવો કે, ગધેડા જેવો કે, કૂતરા જેવો કે, કાગડા જેવો કે, હાથી જેવો છે એવી ઉપમા ન સંભવે; કેમ જે, મનુષ્ય થકી વિજાતીય છે, તેમ મહારાજને બીજા કોઈની ઉપમા દેવાય નહિ અને એ મહારાજના ધામને પણ બીજા કોઈની ઉપમા દેવાય નહિ; કેમ જે, પુરુષ-પ્રકૃતિ થકી ઉત્પન્ન થયા જે આકારમાત્ર તે સર્વે માયિક છે અને મહારાજ, અક્ષરધામ ને અક્ષરમુક્તો દિવ્ય અને અમાયિક છે.
માટે એ સર્વે માયિક આકાર અને ભગવાનને વિશે અતિશે વિલક્ષણપણું કહેતાં વિજાતીયપણું જાણવું, એ બેયને સાદૃશ્યપણું કેમ કહેવાય?’ આવી ભગવત્સ્વરૂપની પાકી નિષ્ઠા હશે અને તેથી જો કદાચિત્ સત્સંગ બહાર નીસરી જવાય તો પણ તેને ભગવાનની મૂર્તિમાંથી હેત ટળતું નથી અને હમણાં સત્સંગથી બહાર છે, તો પણ દેહ મૂકીને તો અંતે ભગવાનનું જે અક્ષરધામ તેને વિશે ભગવાનની સમીપે જાશે અને હમણાં સત્સંગમાં રહેતો હશે અને શાસ્ત્રનાં વચનમાં પણ રહેતો હશે, પણ જો તેને આ કહી એવી મહારાજને વિશે અતિ શુદ્ધ પાકી નિષ્ઠા નહિ હોય તો તે જ્યારે દેહ મૂકશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જાશે ને કાં તો કોઈક બીજા દેવતાના લોકમાં જાશે, પણ તે પુરુષોત્તમનારાયણના અક્ષરધામને વિશે નહિ જાય, એમ મહારાજને કહેવાનો હાર્દ છે.
સ્વરૂપનિષ્ઠાના બળ ઉપર એક વાત છે. કોઈ એક મુસલમાન બાદશાહે એક હિંદુ બ્રાહ્મણી બાઈને ઉપાડી જઈ તેની સાથે લગ્ન કર્યાં, પણ તે બાઈને શંકરની પાકી નિષ્ઠા હતી; તેથી દરરોજ શંકરની પૂજા કરવાની તેણે રજા મેળવી. પછી ધીમે ધીમે બાદશાહને સમજાવીને ગામમાં શંકરનું દેવાલય પણ બંધાવ્યું. એમ તે બાઈ અનન્યભાવે પૂજા-ઉપાસના કરે. આથી તે બાઈના મરણ સમયે શંકર તેડવા આવ્યા ને તે બાઈનો કૈલાસવાસ થયો. આમ નિષ્ઠા હોય તો હિંદવાણી મટીને મુસલમાન થઈ તો પણ તેના અંતરમાંથી શંકર સ્વરૂપની જે દૃઢ નિષ્ઠા હતી તે ટળી નહિ; કેમ જે, આ દેહ તો પૂર્વ કર્મને આધીન છે, તેનો એક નિરધાર રહેતો નથી; તો પણ એવી પાકી નિષ્ઠાવાળાનાં જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ, તેની રક્ષાને તો ભગવાન પોતે જ કરે છે અને ક્યારેક દેશકાળના વિષમપણે કરીને બહારથી તો તે ધર્માદિકના ભંગ જેવું જણાય; પણ તે ભક્તના અંતરમાં તો ધર્માદિકનો ભંગ થાતો જ નથી, માટે આપણે સૌને મહારાજની અનન્ય નિષ્ઠા પાકી કરવી પડશે.
એવી રીતે સ્વામીની વાતું સાંભળીને શુકમુનિએ ભરસભામાં કહ્યું કે, ‘ભાઈઓ, આ મધ્યનું 9મું વચનામૃત શ્રીજીમહારાજના મુખકમળથી શ્રવણ કરીને મેં જાતે જ લખ્યું છે અને શોધ્યું પણ મેં જ છે; પરંતુ એનો ગૂઢાર્થ અને મર્મ તો આજે જ સ્વામીએ અન્ય વચનામૃતોની સાખે કહ્યો ત્યારે જ સમજાયો.’ એ સાંભળીને સ્વામી બોલ્યા જે, ‘એ તો એવું હોય, માટે આપણે સૌએ શ્રીજીમહારાજને સર્વોપરી ભગવાન સમજીને ભજન-સ્મરણ કરવું.’ આ વખતે ચાર માસ સુધી,
વિહદ વગાડી વાંસળી તીખી નૌત્તમ તાન,
ચૌદ લોક ધૂનિ સાંભળી છૂટ્યું શંકર કેરું ધ્યાન.
એ રીતે સ્વામીની પુરુષોત્તમપણાની વિહદ વાતોરૂપી વાંસળીથી મોટા મોટાનાં અંતરો ભેદાઈ ગયાં હતાં.
વચ. પં. 4
વચ. ગ.અં. 13
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
લબાડ : જૂઠું બોલવાની ટેવવાળો.
દ્રોહ : મનથી, વાણીથી કે કર્મથી જાણી જોઈને કરેલ દોષ, ગુનો, પાપ કે અપરાધ
નિરાકાર : પોતાને ત્રણ દેહના માયિકભાવથી રહિત અર્થાત નિરંજન ને કેવળ બ્રહ્મભાવે આત્મારૂપ માનવું.
પ્રકૃતિપુરુષ : ચેતન અકર્મણ્ય પુરુષની મદદથી જડ પ્રકૃતિમાંથી સમગ્ર સૃષ્ટિની ઉત્પતિ થઈ તે
કોટિ : કરોડ.
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
પર્યંત : ત્યાં સુધી, જેટલી.
સાદૃશ્યપણું : સરખાપણું, સમાનપણું,
નિષ્ઠા : શ્રદ્ધા, આસ્થા, વિશ્ર્વાસ, ધારણા.
આધીન : વશ, તાબેદાર.
સાખે : સંદર્ભે, સાક્ષીએ.
(16) સંવત 1886ની સાલમાં જ્યારે શ્રીજીમહારાજ સ્વધામ પધારવાના થયા, ત્યારે આગળથી મંદવાડ ગ્રહણ કર્યો ને અમને કહ્યું જે, ‘તમે જૂનાગઢ જાઓ.’ ત્યારે અમારા મનમાં એમ થયું જે, હવે મહારાજ દેહ નહિ રાખે, એમ જાણી ઉદાસ થઈ ગયા ને આંખોમાં પાણી આવી ગયાં. તે જોઈ મહારાજ બોલ્યા જે, ‘અમારે નાહવા છે તે પાણી ઊનાં કરો.’ પછી પાણી ઊનું કર્યું ને અમે અંગ ચોળીને નવરાવવા માંડ્યા. તેમાં મહારાજે એટલું સુખ આપ્યું ને એટલો રાજીપો જણાવ્યો ને પછી મહારાજ અમારા સામું જોઈને કહે જે, ‘શા સારુ મૂંઝાવ છો ? એ વખત આવશે ત્યારે હું બોલાવી લઈશ, પણ હમણાં જાઓ.’
પછી અમે જૂનાગઢ આવ્યા ને જ્યારે વખત આવ્યો ત્યારે મહારાજે બ્રહ્માનંદસ્વામીને કહ્યું જે, ‘તમે જૂનાગઢ જાઓ ને ગુણાતીતાનંદસ્વામીને આંહીં મોકલો.’ એટલે બ્રહ્માનંદસ્વામી જૂનાગઢ આવ્યા ને અમે જેઠ સુદિ છઠને દિવસ ગઢડે સવારમાં ગયા. તે સમે મહારાજે મંદવાડ બહુ જ જણાવ્યો ને કોઈને પાસે જવા દે નહિ, પણ સોમલાખાચરે મહારાજને કહ્યું જે, ‘જૂનાગઢથી ગુણાતીતાનંદસ્વામી આવ્યા છે.’ ત્યારે મહારાજે કહ્યું જે, ‘તેને આંહીં બોલાવો.’ પછી અમે ગયા ને દંડવત્ કરી પગે લાગીને બેઠા ત્યારે મહારાજ બેઠા થઈને મળ્યા ને અમારી સામું બહુ વાર જોઈ રહ્યા. ને બોલ્યા જે,
મીઠા વહાલા કેમ વિસરું મારું, તમથી બાંધેલ તન હો,
તરસ્યાને જેમ પાણીડું વહાલું, ભૂખ્યાને ભોજન હો. મીઠા0
(કીર્તન મુક્તાવલિ : 198)
એમ કહીને પૂછ્યું જે, ‘સુખી છો ? સર્વેને વસ્ત્ર-ઘરેણાં પૂરાં થઈ રહ્યાં?’ ત્યારે અમે કહ્યું જે, ‘મહારાજ તમારી દૃષ્ટિથી સૌ સુખી છે પણ સિદ્ધેશ્ર્વરને મુગટ નથી.’ ત્યારે મહારાજે બ્રહ્મચારીને કહ્યું જે, ‘ઓલ્યો ધરમપુરવાળો મુગટ લાવો.’ તે લઈને મહારાજે અમને આપ્યો ને કહે જે, ‘આ સિદ્ધેશ્ર્વરને મુગટ.’ એમ કહીને બ્રહ્મચારી થાળ લાવ્યા, તે જરાક જમ્યા ને અમને પ્રસાદી આપી ને પોઢી ગયા.
પછી બીજે દિવસ અમને ને ગોપાળાનંદસ્વામીને બોલાવ્યા અને ગોપાળાનંદસ્વામીને કહ્યું જે, ‘સ્વામી, તમે પ્રથમથી જ જાણો છો અને આજ પણ કહું છું જે, તમને સર્વેના મોટેરા કર્યા છે, પણ આ અમારે રહ્યાનું ધામ જે ગુણાતીતાનંદસ્વામી તથા રઘુવીરજી એ બેનું વિશેષ રાખજો.’ પછી દશમને દિવસ સ્વેચ્છાથી પોતે સ્વધામ પધાર્યા ને વૈમાનમાં પધરાવી લક્ષ્મીવાડીએ લઈ ગયા; ત્યાં કોઈને ધીરજ રહી નહિ, તે રોકકળ થઈ રહી. પછી ગોપાળાનંદસ્વામીએ અમને કહ્યું જે, ‘આ બધાય તો એમના બાપને મૂઆ દેખે છે, માટે ઊઠો, મહારાજની દેહક્રિયા કરો.’ એટલે રઘુવીરજી મહારાજને આગળ રાખીને મહારાજની દેહક્રિયા સર્વે અમે કીધી.
પછી અમે બહિર્ભૂમિએ ગયા, તે જઈને પાછા વળ્યા, ત્યારે ધોરિયાને કાંઠે લીલી ધ્રોક્ડ ભાળી. તે જોઈને એમ થયું જે, ‘આનું જીવન તો જળ છે, પણ આપણું જીવન તો ગયું !’ એમ થયું ત્યારે દેહની વિસ્મૃતિ થઈ ગઈ ને હાથમાંથી તુંબડી ઊડી પડી ને અમે પણ પૃથ્વી ઉપર પડી ગયા. તે ભેળા મહારાજ આવીને અમને બેઠા કરી બથમાં ઘાલીને મળ્યા ને કહે જે, ‘આ શું? હું ક્યાં ગયો છું ? તમારે વિશે જ અખંડ રહ્યો છું ! અખંડ રહ્યો છું ! અખંડ રહ્યો છું !’ એમ ત્રણ વાર કહ્યું.
(17) એક વખતે સ્વામીએ વાત કરી જે, જેવા ભગવાન છે તેવા જો યથાર્થ ઓળખાય તો બીજા ભગવાન ખોળવા પડે નહિ તથા જેવા આ સાધુ છે તેવા જો ઓળખાય તો બીજા સાધુ ઓળખવા રહે નહિ તથા જેવી આ પ્રાપ્તિ થઈ છે તેવી યથાર્થપણે સમજાય તો બીજી પ્રાપ્તિ કરવી રહે નહીં. અને ભગવાન પરોક્ષ મનાય છે, અગોચર મનાય છે, ગયા એમ મનાય છે, ‘મારું કાંઈ જાણતા નથી.’ એમ મનાય છે એ સર્વે અજ્ઞાન છે અને જ્યારે સાક્ષાત્કાર ભગવાનના સ્વરૂપનું અતિ દૃઢ, પ્રત્યક્ષ પ્રમાણ જ્ઞાન થાય ત્યારે તેને ભગવાન પરોક્ષ મનાય જ નહિ ને ‘ભગવાન તો જેમ હથેળીમાં જળનું ટીપું હોય તેને દેખીએ, એમ મારી સામું અખંડ જોઈ રહ્યા છે.’ આવી રીતે પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપનું અપરોક્ષ એટલે સાક્ષાત્ જ્ઞાન થાય ત્યારે એને કાંઈએ બીજું જાણવું-પામવું રહેતું નથી. એ તો દેહ છતાં જ પરમપદને પામી રહ્યો છે એમ છેલ્લાનાં બીજા વચનામૃતમાં કહ્યું છે.
સાક્ષાત્કાર : પરમતત્ત્વ કે ભગવાનનું પ્રત્યક્ષ દર્શન કે સાક્ષાત્ અનુભવ.
(18) એક વખતે સ્વામીએ વાત કરી જે, સનકાદિક ઋષિઓએ સૂતપુરાણીને પૂછ્યું જે, ‘ધર્મના બખ્તરરૂપ એવા જે, ભગવાન તે અંતર્ધ્યાન થયા પછી ધર્મ કેને શરણે રહ્યો ?’ ત્યારે સૂતપુરાણીએ કહ્યું જે, ‘એ તો ભગવાન ભેળો ગયો.’ ત્યારે ફરીને પૂછ્યું જે, ‘આંહીં ધર્મ રહ્યો કે નહિ?’ ત્યારે કહ્યું જે, ‘ધર્મ તો ભગવાનની મૂર્તિને આશરે રહ્યો છે, માટે જેણે ભગવાનની મૂર્તિ રાખી ત્યાં ધર્મ જે તે પોતાના પરિવાર સહિત અખંડ રહે છે.’ ‘ધર્મામૃત’માં પણ મહારાજે પોતે શ્રીમુખે કહ્યું છે જે, ‘સાક્ષાત્ ભગવાનના સંબંધને પામ્યો એવો જે, એકાંતિક ધર્મ તે તો એ ધર્મને ધારીને રહે એવા જે, સાક્ષાત્ મોટા એકાંતિક સંત જ્યાં હોય ત્યાં તે એકાંતિક ધર્મ જે, તે પ્રગટપણે વરતાય છે અને જ્યારે એવા મોટા એકાંતિક સત્પુરુષ ન હોય ત્યારે એ એકાંતિક ધર્મ જે, તે આ પૃથ્વી ઉપરથી અંતર્ધ્યાન થઈ જાય છે.’ ત્યારે એક હરિજને હાથ જોડીને પૂછ્યું જે, ‘એકાંતિક ધર્મને ધારીને રહે એવા જે, સત્પુરુષ તે કેવા હોય ?’
ત્યારે બોલ્યા જે, ‘પરાત્પર એવા જે સર્વોપરી પુરુષોત્તમ ભગવાન અને તેમને રહ્યાનું ધામ જે મૂળઅક્ષર, તે બેયના પ્રત્યક્ષ સ્વરૂપનો સાક્ષાત્કાર સંબંધ થયો હોય ને એ બેયને જેવા છે તેવા ઇન્દ્રિયું, અંત:કરણ ને અનુભવ એ ત્રણે કરીને જાણ્યા હોય અને પોતે પ્રગટ મૂળઅક્ષર જેને વિશે સાક્ષાત્ પુરુષોત્તમ ભગવાન અખંડ વિરાજી રહ્યા છે, તે અક્ષરનું સાધર્મ્યપણું પામીને એમ માનતા હોય જે, ‘એ અક્ષરબ્રહ્મ જ મારો આત્મા કહેતાં મારું સ્વરૂપ છે ને મારા વિશે પ્રગટ પુરુષોત્તમ ભગવાન શ્રી સહજાનંદસ્વામી સદાય વિરાજમાન છે.’ એવી જ્ઞાનની અતિ દૃઢ સ્થિતિને પામ્યો હોય; અને જે મુમુક્ષુ જીવ પોતાને શરણે આવે તેને એવી સ્થિતિ પમાડે અને પોતે પ્રગટ પુરુષોત્તમ ભગવાનમાં સર્વ પ્રકારે જોડાણા હોય અને બીજાને જોડે ને પોતે ભગવાનની આજ્ઞા પાળે ને બીજાને પળાવે ને પોતે ભગવાનનું વચન કોઈ કાળે લોપે નહિ ને બીજા પાસે લોપાવે નહિ ને પોતે માયા ને માયાનું કાર્યમાત્ર યત્કિંચિત્ જે નામરૂપમાત્ર તેને અસત્ય, નાશવંત ને તુચ્છ જાણે, પણ તેમાં કોઈ કાળે મોહ પામે નહિ અને જે જીવ પોતાને આશરે આવે તેને પણ માયાના કાર્યમાં મોહ પામવા દે નહિ; એવે લક્ષણે યુક્ત જે હોય તેને મોટા એકાંતિક સત્પુરુષ જાણવા.
અને જે મોટા એકાંતિક સત્પુરુષ તેને આશરીને એકાંતિક ધર્મ જે, તે પોતાનો પરિવાર જે, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, મહિમા, ઉપાસના, આત્મનિષ્ઠા, અહિંસા, બ્રહ્મચર્ય એ આદિકે સહિત અખંડ નિવાસ કરીને રહે છે; એવા જે, સત્પુરુષ તે તો સૌના મિત્ર છે ને સર્વ જે, જીવપ્રાણીમાત્રના અજ્ઞાનને હરવાને વિશે તો સૂર્ય તુલ્ય કહ્યા છે. તે માટે જે, મુમુક્ષુને એકાંતિક ધર્મ સિદ્ધ કરવો હોય ને સાક્ષાત્ અક્ષરબ્રહ્મના સાધર્મ્યપણાને પામીને સાક્ષાત્ પુરુષોત્તમનારાયણની અખંડ સેવામાં રહેવું હોય તેણે, તેવા સંતમાં સર્વ પ્રકારે અંતરાયે રહિત થઈને જોડાવું, પણ તે વિના પોતાના બુદ્ધિ બળે કરીને શાસ્ત્રમાંથી શીખીને પણ એ એકાંતિક ધર્મ પમાતો નથી. એ તો એકાંતિક થકી જ એકાંતિક ધર્મ પમાય છે, તેમ પ્રથમનાં 60માં વચનામૃતમાં કહ્યું છે.’
સનકાદિક : બ્રહ્માના ચાર માનસપુત્ર ઋષિઓ :- સનક, સનાતન, સનંદન અને સનત્કુમાર તેઓ હંમેશાં પાંચ વર્ષના બાળક જેવા જ દેખાયા છે.
મૂર્તિ : સંતો.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
સાક્ષાત્કાર : પરમતત્ત્વ કે ભગવાનનું પ્રત્યક્ષ દર્શન કે સાક્ષાત્ અનુભવ.
પાળે : સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જાતનો સેવક/પાર્ષદ.
(19) એક વખતે અમે વાત કરી જે, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ ને મહિમા એ પાંચેય ગુણમાં અવાંતરે દોષ કેમ આવી જાય છે, તે કહીએ છીએ. હવે જે ધર્મ છે તે સત્સંગમાં અચળ પાયો કરાવે એવો તેમાં ગુણ છે પણ કેવળ ધર્મ પ્રધાન થઈ જાય તો ભક્તિ આદિક બીજા ચારેય ગૌણ થઈ જાય; તેમ જ પ્રગટ ભગવાન ને પ્રગટ સાધુ તે પણ ગૌણ થઈ જાય અને જ્ઞાનમાં એ ગુણ છે જે, જીવથી કરી ને પુરુષોત્તમ ભગવાન પર્યંત સર્વના સ્વરૂપને યથાર્થ જાણે તથા સત્ય અસત્યનો વિવેક થાય, ત્યારે આંહીંથી તે ઠેઠ પ્રકૃતિપુરુષ સુધી જે માયિક સુખદુ:ખમાત્ર તે ખોટાં થઈ જાય ને તેના કાર્યમાં મોહ પામીને તેના પ્રવાહમાં લેવાય નહિ, એ જ્ઞાનને વિશે ગુણ છે પણ કેવળ જ્ઞાન એક જ પ્રધાન થાય તો બીજા ધર્માદિક ચારેય ગૌણ થઈ જાય ને પ્રગટ ભગવાન ને પ્રગટ સાધુ તે પણ ગૌણ થઈ જાય. ને અહંભાવ વૃદ્ધિ પામીને પ્રગટ ભગવાન ને સત્પુરુષ થકી શુષ્ક થઈને ઉદાસ થઈ જવાય ને તેમાં મનુષ્યભાવ પરઠાય એ જ્ઞાનમાં દોષ કહેવાય અને વૈરાગ્યે કરીને પ્રકૃતિપુરુષ પર્યંત જે માયિક પિંડ, બ્રહ્માંડ આદિક સર્વે રૂપ ને આકારમાત્રને અત્યંત નાશવંત ને દુ:ખરૂપ ને સ્વપ્ન તુલ્ય અસાર જાણીને, એ સર્વેને વિશેથી પ્રીતિ ટળી જાય ને એમાં કોઈ કાળે સત્યપણાની ને સુખપણાની ભાવના થાય નહિ, એ વૈરાગ્યને વિશે ગુણ જાણવો, પણ કેવળ વૈરાગ્ય પ્રધાન થઈ જાય તો પ્રગટ ભગવાન ને પ્રગટ સત્પુરુષ તે ગૌણ થઈ જાય ને ભગવાન ને સત્પુરુષને વિશેથી મન લૂખું થઈ ભક્તિ થકી પડી જવાય, એ વૈરાગ્યને વિશે દોષ જાણવો અને ભક્તિએ કરીને તો પ્રગટ ભગવાન તથા પ્રગટ સંત રાજી થાય ને સત્સંગમાં મોટપ મળે, એ ભક્તિમાં ગુણ છે; પણ કેવળ એક ભક્તિ જ પ્રધાન થઈ જાય, તો જ્ઞાન આદિક ચારેય ગૌણ થઈ જાય ને સ્વભાવ વધી જાય; પછી કોઈક ટોકે તે પણ ન ખમાય.
અને પ્રગટ ભગવાન અને પ્રગટ સત્પુરુષ થકી સ્વભાવને વશ થઈને નોખું પડી જવાય છે, એ ભક્તિને વિશે દોષ જાણવો અને મહિમા સમજવામાં એ ગુણ જે દશ-દશ મૂર્તિયું સહિત એવાં જે અસંખ્યાત્ બ્ર્રહ્માંડ તથા તેના અધિપતિ પ્રકૃતિપુરુષ ને મહાકાળ પર્યંત કોઈની મોટપ ઐશ્ર્વર્ય, સામર્થ્ય તે લેશમાત્ર પણ નજરમાં આવે નહિ અને પ્રકૃતિના કાર્યમાં દાઢ્યું અંબાઈ જાય ને સાક્ષાત્ અક્ષરબ્રહ્મના સાધર્મ્યપણાને પામીને પોતે પ્રગટ પુરુષોત્તમ ભગવાનની મૂર્તિ તેને વિશે સદા નિમગ્ન રહે, એ મહિમામાં ગુણ છે, પણ કેવળ એક મહિમા જ પ્રધાન થઈ જાય, તો ધર્મ, ભક્તિ આદિક ચારેય ગૌણ થઈ જાય ને વેદાંતને પામીને ઇન્દ્રિયું-અંત:કરણ મોકળાં થઈ જાય તથા ભગવાન ને પ્રત્યક્ષ સત્પુરુષને વિશે માન આવે, પણ હલકું થઈને તેની સેવામાં વરતાય નહિ, એ મહિમામાં દોષ જાણવો.
અવાંતરે : ભેદમાં ય ભેદ, ભાગમાં ય ભાગ, અંદરના, વચમાં આવી જતા.
પર્યંત : ત્યાં સુધી, જેટલી.
પ્રકૃતિપુરુષ : ચેતન અકર્મણ્ય પુરુષની મદદથી જડ પ્રકૃતિમાંથી સમગ્ર સૃષ્ટિની ઉત્પતિ થઈ તે
મનુષ્યભાવ : દેહભાવ, માયિકભાવ, જેમાં ગુણાનુરાગ - ગુણાનુબુદ્ધિ પ્રવર્તે છે તેવો ભાવ.
મૂર્તિ : સંતો.
(20) એક સમયે મહારાજ કહે જે, ‘અમે ઉદાસ થયા છીએ; કેમ જે, અમારા કોઈ નહીં.’ ત્યારે ભક્તોએ કહ્યું જે, ‘આ સાધુ, બ્રહ્મચારી, પાળા, હરિજન તે સર્વે તમારા છે ને તમે તો કહો છો જે અમારા કોઈ નહિ?’ ત્યારે મહારાજ બોલ્યા જે, ‘અમારા હોય તો અમને રાખે નહિ ? આ તો કહેવાય અમારા ને હૈયામાં રાખે બીજાને; તે અમને બહુ ખરખરા થાય છે ! કેમ જે, દીક્ષા અમારી, વેષ અમારા, તિલક-કંઠી અમારાં, લૂગડાં-રોટલા બધુંય અમારું ને રાખે બીજાને, તે અમને બહુ વસમા લાગે છે.’ ત્યારે ભક્તોએ કહ્યું જે, ‘મહારાજ ! જે તમને ન રાખે તે તેને ખોટ, પણ તમે ઉદાસ શા સારુ થાવ છો ?’
ત્યારે મહારાજ બોલ્યા જે, ‘તમે સમજ્યા નહિ, જેમ કોઈ ક્ષત્રિય વર્ણ ને આકરો માણસ હોય ને તેની સ્ત્રી કોઈ બીજા પુરુષના ઘરમાં જઈને ધમધમાટી દે, ત્યારે તેના ધણીને કેવા વસમા લાગે ?’ ત્યારે તે ભક્ત કહે કે, ‘મહારાજ ! એ તો જો મળે તો માથું કાપી નાખે !’ ત્યારે મહારાજ બોલ્યા જે, ‘અમને પણ એવા વસમા લાગે છે; કેમ જે, દશ-દશ મૂર્તિયું સહિત અસંખ્ય કોટિ બ્રહ્માંડો તો અમારે રહેવાનું ધામ જે, અક્ષરબ્રહ્મ તેના રોમરોમ પ્રત્યે રહ્યાં છે. એવા મોટા જે, અક્ષરબ્રહ્મ તેના પણ સ્વામી ને ઉપાસ્યમૂર્તિ એવા જે અમે સર્વોપરી પુરુષોત્તમ ભગવાન, તે કેવળ કૃપા કરીને અનંત જીવોનાં આત્યંતિક મોક્ષને માટે આ મનુષ્યલોકમાં પધાર્યા, તો પણ અમને જે આવી રીતે નથી જાણતા અને અમને મેલીને બીજાને વળગે છે તેને તો અતિશય ભૂલ્યા જાણવા ને તેને તો બહુ ખોટ જવાની કેમ જે, જીવને માયા પર કરી અક્ષરધામની પ્રાપ્તિ કરાવવી, તે તો અમારાથી કે, અમારા સંબંધવાળા સત્પુરુષ થકી જ થાય છે.’
કોટિ : કરોડ.
(21) એક વખતે વંડામાં ઓરડા ચણાતા હતા ને કામ જોવા મહારાજ પધાર્યા, ત્યારે કરસનદાસ કોઠારી ભેળા હતા તે બોલ્યા જે, ‘મહારાજ ઓરડા બહુ સારા થયા.’ ત્યારે મહારાજ બોલ્યા જે, ‘પૃથ્વી પર પીંડા ઉપર પીંડા ચડાવ્યા છે તે પડી જાશે ત્યારે પાછા પૃથ્વીમાં સમાશે, એમાં તમે શું વખાણો છો ?’ એમ કહીને આસન ઉપર વિરાજમાન થયા ને આગળ ભણનારા સાધુ આવીને બેઠા.
પછી તેમને મહારાજ કહે જે, ‘સાંભળો, એક જ્ઞાનની વાત કહું છું જે, વરતાલમાં અમે રામપ્રતાપભાઈવાળા બંગલામાં ધ્યાન કરતા, ત્યાં માણસોનો ભીડો બહુ થાવા લાગ્યો. ત્યારે વિચાર થયો જે, એક ઢોલિયો ને બે સેવક સમાય એવી જાયગા હોય તો ઠીક, પછી આથમણી કોરે (દિશાએ, બાજુએ) એવો બંગલો કરાવીને તેમાં થોડાક દિવસ ધ્યાન કર્યું. પછી તેમાં પણ એમ વિચાર થયો કે, આ જાયગા પણ પડી જાય તેવી છે, માટે કોઈ પર્વતની ગુફામાં જઈને ધ્યાન કરીએ તો ઠીક. પછી તેમાં પણ વિચાર થયો જે, એ પણ પ્રલયકાળે નાશ થઈ જાશે. પછી તો બદરિકાશ્રમ, શ્ર્વેતદ્વીપ, વૈકુંઠ, ગૌલોક, પ્રધાનપુરુષનું સ્થાનક અને મૂળ પ્રકૃતિપુરુષ પર્યંત સર્વેનાં સ્થાનક ધ્યાન કરવા સારુ જોયાં ત્યાં તો એ સર્વે પ્રલયમાં નાશવંત જણાયાં. પછી અંતર્દૃષ્ટિ કરીને જોયું, ત્યાં તો અમારા હૃદયમાં પ્રકાશ દેખાણો ને અક્ષરબ્રહ્મ તેને વિશે ભગવાનની મૂર્તિ દેખાણી ત્યારે જાણ્યું જે, આ સ્થાનક ધ્યાન કરવા જોગ છે, માટે ત્યાં રહીને ધ્યાન કરવું.’ એમ કહીને તે સર્વે સાધુને કહ્યું જે, ‘તમે ભણો-લખો તે તો ઠીક છે, પણ અક્ષરબ્રહ્મ તે રૂપ થઈને અમારું ધ્યાન કરવું એ કરવાનું છે, તે કરજો.’
પ્રકૃતિપુરુષ : ચેતન અકર્મણ્ય પુરુષની મદદથી જડ પ્રકૃતિમાંથી સમગ્ર સૃષ્ટિની ઉત્પતિ થઈ તે
પર્યંત : ત્યાં સુધી, જેટલી.
મૂર્તિ : સંતો.
(22) એક વખતે લોયાનું 9મું વચનામૃત વંચાવીને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અને મહિમા એ પાંચેયનાં લક્ષણ, ઊપજ્યાના હેતુ, સ્વરૂપ ને ફળ ઉપર સ્વામીએ વાત કરી જે,
‘ધર્મનું લક્ષણ એ છે જે, શ્રુતિ-સ્મૃતિએ પ્રતિપાદન કર્યો જે સદાચાર તે ધર્મ જાણવો, એમ ‘શિક્ષાપત્રી’માં કહ્યું છે. હવે આપણે શ્રીજીમહારાજનાં જે, શ્રીમુખ વચન તે જ ધર્મ જાણવો. તે ધર્મમાં મુખ્ય ધર્મ તો અહિંસા અને બ્રહ્મચર્ય છે. છેલ્લાના 21માં (વચનામૃતમાં) જે, ભાગવતધર્મ કહ્યો તે ધર્મની તો ભક્તિ સરખી મોટાઈ કહી છે. એ સિવાય ભગવાનના સંબંધે રહિત જે, બીજા ધર્મ છે તેનાથી કાંઈ મોક્ષ થાતો નથી. માટે,
મોટો ધર્મ એ માનવો, જેહ કહ્યો ધર્મને બાળ.
હવે તે ધર્મ ઉપજ્યાનો હેતુ ‘શિક્ષાપત્રી’, ‘ધર્મામૃત’, ‘નિષ્કામશુદ્ધિ’ ને ‘સત્સંગીજીવન’ આદિક ધર્મશાસ્ત્રનું ધર્મનિષ્ઠ પુરુષના મુખ થકી શ્રદ્ધા, વિશ્ર્વાસ અને પ્રીતિ સહિત શ્રવણ કરવું એ છે અને ધર્મનું સ્વરૂપ એમ જાણવું જે, શ્રીજીમહારાજે ત્યાગી, ગૃહસ્થ બાઈ-ભાઈનાં જે પંચવર્તમાનના નિયમરૂપ મરજાદા (મર્યાદા) બાંધી છે; તેમાં કોઈ દેશકાળાદિકના જોગે કરીને એ નિયમનો લેશમાત્ર ભંગ ન થાય, એ ધર્મનું સ્વરૂપ સમજવું. અને ધર્મનું ફળ તો એ છે જે, એકાંતિક ધર્મ વડે મુમુક્ષુ જે તે લોભ, કામ, રસાસ્વાદ, સ્નેહ ને માન એ દોષોને ત્યજીને, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આદિક અનંત કલ્યાણકારી શુભ ગુણને અખંડ ધારી રહી; એક શ્રીજીમહારાજને વિશે અચળ મતિ કરે છે.
હવે જ્ઞાનનું લક્ષણ એ છે જે, જીવ, ઈશ્ર્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મનાં રૂપને રૂડી રીતે જાણીને પ્રકૃતિપુરુષ પર્યંત સર્વને નાશવંત જાણી; શ્રીજીમહારાજ, અક્ષરધામ અને મુક્તના સ્વરૂપને યથાર્થ સમજવું તેને જ્ઞાન કહીએ અને તે જ્ઞાન ઊપજ્યાનો હેતુ એ છે જે, અધ્યાત્મશાસ્ત્ર જે શ્રીજીમહારાજનાં શ્રીમુખ ‘વચનામૃત’ તથા ‘શિક્ષાપત્રી’, ‘ધર્મામૃત’ ને ‘નિષ્કામશુદ્ધિ’, એ શાસ્ત્રોનું શ્રીજીમહારાજના પરમ હૃદ્ગત અભિપ્રાયને જાણનારા એવા ને જ્ઞાનનિષ્ઠ પરમ એકાંતિક મોટાપુરુષના મુખ થકી દૃઢ શ્રદ્ધાએ યુક્ત શ્રવણ કરવું, તો જ્ઞાન ઊપજે છે અને તે જ્ઞાનનું શુદ્ધ સ્વરૂપ એ છે જે, જેવા પ્રગટ ભગવાન શ્રી સહજાનંદસ્વામી અને તે ભગવાન સમીપે ભગવાનના સંત આ પૃથ્વી ઉપર વિરાજે છે, તેવાને તેવા આત્યંતિક પ્રલયના અંતે અક્ષરધામમાં સદાય દિવ્ય સાકારસ્વરૂપે અક્ષરબ્રહ્મ અને અનંતકોટિ મુક્તે સેવ્યા થકા વિરાજમાન રહે છે અને એ ભગવાન વિના બીજો કોઈ જગતનો કર્તા નથી અને એમની મરજી વગર સૂકું પાંદડું પણ હલવાને સમર્થ નથી એમ જાણવું, વળી અનંત અવતાર થઈ ગયા અને બીજા અનંત થાશે, તે સર્વે ઉપાસનાના બળે તે સત્તાને પામ્યા છે પણ સ્વયં અનાદિ પુરુષોત્તમ ભગવાન તો એક શ્રીજીમહારાજ જ છે.
આવી નિષ્ઠા થઈ હોય ને ગમે તેવાં શાસ્ત્ર સાંભળે કે, ગમે તેવા મતવાદીઓનો સંગ થાય, તો પણ તે જ્ઞાનમાં ફેર ન પડે; એ જ્ઞાનનું શુદ્ધ સ્વરૂપ જાણવું અને એ જ્ઞાનનું ફળ તો એ છે કે, બ્રહ્મરૂપ થઈને પ્રગટ શ્રી પુરુષોત્તમનારાયણ શ્રી સહજાનંદસ્વામીની મૂર્તિ, તેને વિશે ઇન્દ્રિયું, અંત:કરણ અને અનુભવ એ ત્રણ સાક્ષાત્ પહોંચે અને સ્થાવર, જંગમને વિશે જ્યાં જ્યાં દૃષ્ટિ જાય, ત્યાં એ મૂર્તિ વિના બીજું અણુમાત્ર ભાસે નહિ, એવી જે સિદ્ધદશા તે જ્ઞાનનું ફળ સમજવું. એવી રીતે જ્ઞાનનો વેગ લગાડી દેવાથી આવી સ્થિતિ થાય છે અને જ્યારે એવા વેગે કરીને એ જ્ઞાનવિચાર આત્મા સાથે એક થાય છે ત્યારે પોતાના આત્માનું બ્રહ્મરૂપે દર્શન થાય છે અને તેને વિશે પરબ્રહ્મ શ્રી પુરુષોત્તમનારાયણનાં દર્શન થાય છે.
હવે વૈરાગ્યનું લક્ષણ એ છે જે, પ્રગટ પુરુષોત્તમ શ્રી સહજાનંદસ્વામીની મૂર્તિ વિના પ્રકૃતિપુરુષથી આણી કોર જે, સર્વ નામરૂપાત્મક પદાર્થમાત્ર તેમાં લેશમાત્ર પ્રીતિ રહે નહિ એને વૈરાગ્ય કહીએ અને તેવા વિહદ વૈરાગ્ય ઊપજ્યાનો હેતુ એ છે કે, સાંખ્યશાસ્ત્રથી કાળનું સ્વરૂપ સમજીને ચારેય પ્રકારના પ્રલયે કરીને પ્રકૃતિપુરુષ પર્યંત જીવ, ઈશ્ર્વર, અવતાર અને પુરુષકોટિના લોક, ભોગ અને દેહ આદિક પિંડ બ્રહ્માંડ સર્વ પદાર્થમાત્ર કાળનું ભક્ષણ છે, એ વાત સત્શાસ્ત્ર અને વૈરાગ્યનિષ્ઠ પુરુષ થકી દૃઢ કરે ત્યારે વૈરાગ્ય ઊપજે છે અને તેવા વૈરાગ્યનું સ્વરૂપ એ સમજવું કે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ એ જે ઉત્તમ પંચવિષય તે પ્રાપ્ત થાય, તો પણ તેને વિશે કોઈ કાળે ભોગબુદ્ધિ ઊપજે જ નહિ તથા તેના ત્યાગ વડે મનમાં દીનપણું ન આવે એ વૈરાગ્યનું સ્વરૂપ છે.
આ જીવ તો અનંત વાર દેવ, ઈશ્ર્વર ને પુરુષકોટિનાં અનંત સુખોને ભોગવીને આવ્યો છે, માટે ‘તે સુખ કોઈ કાળે સત્ય નથી.’ એવું દૃઢ પ્રમાણ થાય છે અને વૈરાગ્યનું ફળ એ જાણવું જે, પ્રકૃતિપુરુષ સુધી માયિક જે નામરૂપ ને આકારમાત્ર અને દેહ, કુટુંબ, પરિવાર વગેરેને વિશે સદાય અસત્ય, તુચ્છ, જડ, મિથ્યા અને પરમદુ:ખરૂપ અસારપણાની બુદ્ધિનું નિરંતર અનુસંધાન અને પ્રગટ પુરુષોત્તમ ભગવાનની મૂર્તિ, તેમના ધામ ને મુક્તો વિના બીજે લેશમાત્ર વૃત્તિ ધારી ન શકાય, એ વૈરાગ્યનું ફળ છે. સામાન્ય વૈરાગ્ય તો અગ્નિની પેઠે પ્રથમ બહુ જણાય, પણ મતપંથી ખોટા ગુરુરૂપી કુસંગના વરસાદે ઓલવાઈ જાય છે; પરંતુ બૃહદ વૈરાગ્ય તો વીજળી તથા વડવાનળના અગ્નિ જેવો છે, તે ગમે તેવા કુસંગરૂપી વરસાદે ઓલવાવ્યો ઓલવાય નહિ; સદાય પ્રજ્વલિત થકો રહે છે.
હવે ભક્તિનું લક્ષણ એ છે જે, પ્રગટ પુરુષોત્તમ શ્રી સહજાનંદસ્વામીની મૂર્તિ વિશે માહાત્મ્ય જ્ઞાનેયુક્ત જે અતિ દૃઢ સ્નેહ તેને ભક્તિ કહીએ અને તે ભક્તિ ઊપજ્યાનો હેતુ એ છે કે, શ્રીજીમહારાજની જે જે વિભૂતિયું છે તે જાણવી તથા તેમનાં જે ઐશ્ર્વર્ય, પ્રતાપ અને સામર્થી તથા શ્રીજીમહારાજને અવતાર ધર્યાનો હેતુ તથા શ્રીજીમહારાજનાં ચરિત્રનું જે ભક્તિશાસ્ત્ર તે પરમ એકાંતિક સદ્ભક્તના મુખ થકી શ્રવણ કરવાથી શ્રીજીમહારાજને વિશે ભક્તિ ઊપજે છે અને આવી ભક્તિનું રૂપ મધ્યનાં 10માં વચનામૃતમાં કહ્યું છે. તે મુજબ આપણે પણ આ સંસારરૂપી સમુદ્રમાંથી નીસરીને વિચાર કરવો જે, હું તો આત્મા છું; માટે મારે વરવા યોગ્ય કોણ છે ? પછી ઈશ્ર્વરકોટિ, અવતારકોટિ અને પુરુષકોટિ એ આદિક પ્રકૃતિપુરુષ પર્યંત સર્વને કાળ-માયાના સંબંધે યુક્ત જાણી, એ સર્વથી પર, સર્વના પ્રેરક, નિયંતા, સ્વામી અને અક્ષરધામના ધામી પ્રગટ પુરુષોત્તમ શ્રી સહજાનંદસ્વામીના સ્વરૂપને સર્વ પ્રકારે સુખરાશિ સમજી, તેમને વરમાળા પહેરાવવી અને તેમાં આવરણરૂપ જે દેહ, કુસંગ અને શાસ્ત્રો હોય તેનો શ્ર્વપચની પેઠે ત્યાગ કરવો, એ ભક્તિનું અતિ ઉત્તમ સ્વરૂપ સમજવું અને તે ભક્તિનું ફળ એ છે જે,
શ્રવણં કીર્તનં વિષ્ણોઃ સ્મરણં પાદસેવનમ્ ।
અર્ચનં વંદનં દાસ્યં સખ્યં આત્મનિવેદનમ્ ॥
(શ્રીમદ્ ભાગવત : 7/5/23)
અર્થ :- નવ પ્રકારે ભક્તિ ન બને તો, એક પ્રકારથી પણ કૃતાર્થ થવાય. પરીક્ષિતે શ્રવણ, શ્રીશુકે કીર્તન, પ્રહ્લાદે સ્મરણ, લક્ષ્મીજીએ પાદ સેવન, પૃથુએ પૂજન, અક્રૂરે વંદન, હનુમાનજીએ દાસ્ય, અર્જુને સખ્ય, બલિએ આત્મનિવેદન દ્વારા પ્રભુ પ્રાપ્ત કર્યા છે.
એ નવ પ્રકારની ભક્તિ ને દશમી પ્રેમલક્ષણા અને અગિયારમી-
સા પરાનુરત્કિરિશ્વરે ।
(શાંડિલ્ય ભક્તિસૂત્ર 1/1/2)
અર્થ :- તે એટલે ઈશ્ર્વર ઉપર પરમ અનુરાગ.
પરાભક્તિ, તે વડે ભગવાનનાં સ્વરૂપમાં સર્વ ભાવે જોડાઈ જવું અને ભગવાન પોતાને સાક્ષાત્ વશ વરતે તો પણ એ વાતનું લેશમાત્ર માન ન આવે અને પોતાના ઇષ્ટદેવને ભજતા જે ભક્તજન તેનો મહિમા પણ અતિ સમજવો અને તેમની આગળ પોતે દાસાનુદાસ થઈને વરતવું અને તેમના સુખે સુખ ને દુ:ખે દુ:ખ મનાય છે એ જ ભક્તિનું ફળ છે.
હવે મહિમાનું લક્ષણ એ છે જે, ભગવાનનો જે અપાર મહિમા તે યથાર્થ સમજવો. પ્રથમનાં 63માં વચનામૃતમાં કહ્યું છે જે, ‘જેના સેવક આવા છે તેના સ્વામી જે પુરુષોત્તમ ભગવાન તેનો મહિમા તો કેમ જ કહી શકાય?’ વળી મધ્યનાં 67માં વચનામૃતમાં કહ્યું છે જે, ‘ભગવાન પોતે પણ પોતાના મહિમાના પારને પામતા નથી. ભગવાન તો સર્વે સામર્થીએ કરીને અપારના અપાર જ રહે છે અને એ ભગવાનને ભજી ભજીને અનંતકોટિ મુક્તો
વિતરાગભયક્રોધા મન્મયા મામુપાશ્રિતા: ।
બહવો જ્ઞાનતપસા પૂતા મદાવમાગતા: ।।
(ભગવદ્ ગીતા : 4/10)
અર્થ :- રાગ, ભય તથા ક્રોધ વિનાના, મારામય થયેલા, મારો આશ્રય લેનારા અને જ્ઞાનમય તપ વડે પવિત્ર થયેલા (લોકો) મારું સ્વરૂપ પામ્યા છે.
ભગવાનના સાધર્મ્યપણાને પામ્યા છે તો પણ એ ભગવાનમાંથી કોઈ જાતનો પ્રતાપ, સુંદરતા, ઐશ્ર્વર્ય આદિક અણુમાત્ર ન્યૂન થાતાં નથી.’ આમ જે ભગવાનની અગાધ, અનવધિકાતિશય મોટપ જાણવી તેને મહિમા કહીએ.
અને તે મહિમા ઊપજ્યાનો હેતુ એ છે જે, પ્રગટ પુરુષોત્તમનારાયણ જે શ્રી સહજાનંદસ્વામી તેના અનવધિકાતિશય મહિમાનો પાર કોઈ પામી શકે તેમ નથી; એવા જે પરાત્પર પુરુષોત્તમ ભગવાન તેનો જે અગાધ મહિમા તેને પ્રગટ અક્ષરબ્રહ્મ કે, તે રૂપ સંતની કૃપા અને સેવા થકી જે, સાક્ષાત્કાર જાણતા હોય એવા માહાત્મ્ય સહિત ભક્તિવાળા પરમ એકાંતિક સંતનો નિરંતર મન, કર્મ, વચને અતિશુદ્ધ નિષ્કપટભાવે જે સમાગમ કરવો તે જ એવો મહિમા ઊપજ્યાનો હેતુ જાણવો.
અને મહિમાનું સ્વરૂપ એ જાણવું જે, પ્રગટ અક્ષરાતીત શ્રી પુરુષોત્તમ-નારાયણના મહિમામાં જેમ છે તેમ દૃષ્ટિ પૂગે છે, ત્યારે પ્રકૃતિપુરુષ સુધી માયિક સર્ગનો હૈયામાં લેશમાત્ર ભાર આવતો નથી ને સર્વે થકી પર અક્ષરમુક્તો, અક્ષરધામ ને પુરુષોત્તમ ભગવાનના સંબંધનો પ્રતાપ, પરમ એકાંતિક સ્થિતપ્રજ્ઞ મુક્તાત્મા પુરુષ થકી સમજાય, એ મહિમાનું સ્વરૂપ જાણવું.
અને મહિમાનું ફળ એ છે જે, ઉપર કહ્યો એવો યથાર્થ મહિમા સમજાય છે ત્યારે જીવનાં કારણ શરીરમાં રહેલ ર્જીણ વાસના નાશ પામે છે, વળી જેમ સો કરોડ પશુનાં રૂંઢ સડીને ગંધાઈ ઊઠયાં હોય તેમાં કોઈના મનની વૃત્તિ જરા પણ ધારી શકાતી નથી, તેને દેખીને તો ઊબકો જ આવે, તેમ માહાત્મ્યે સહિત ભક્તિવાળા સંતના હિસાબે પ્રકૃતિપુરુષ પર્યંત સર્વે નાશવંત, કાખના મોવાળા, સો કરોડ મણ ઢૂંસાં-રાખનાં પડીકાં છે. એવો પરમ જ્ઞાનાંશનો વૈરાગ્ય પામનારો; પ્રકૃતિપુરુષથી પર, સદા દિવ્ય, મહાસુખમય, સનાતન પુરુષોત્તમ ભગવાન, તેમને રહ્યાનું અક્ષરધામ અને તે ધામને વિશે રહ્યા જે મુક્તો, તેમના મહિમાનો અખંડ વિચાર કરે છે.
મધ્યનાં 67માં વચનામૃતમાં શ્રીજીમહારાજે એમ કહ્યું છે કે, ‘ભગવાનનો ભક્ત હોય તેણે જેવા ભગવાનને જાણ્યા હોય જે, ભગવાન આટલી સામર્થીએ યુક્ત છે અને આટલી શોભાએ યુક્ત છે અને આવા સુખરૂપ છે; એવી રીતે એ ભક્તે જેટલો ભગવાનનો મહિમા જાણ્યો છે અને પ્રતાપે યુક્ત ભગવાનને જાણ્યા છે, તે ભક્ત ભગવાનના ધામમાં જાય છે; ત્યારે એ ભક્તનાં રૂપ તથા સામર્થી તેવાં જ થાય છે આથી એ ભક્ત એમ જાણે છે જે, મેં જેટલો પ્રતાપ, સુંદરતા, ઐશ્ર્વર્ય ભગવાનનાં જાણ્યાં તેટલાં તો ભગવાને મુને આપ્યાં, અને પોતે તો અતિશે અપારના અપાર દેખાય છે.’ આમ મહિમાની તો અવધિ જ નથી, માટે ભગવાનનો અપાર મહિમા વિચારવાથી એ ભક્તને અખંડ ‘અહો ! અહો !’ અને પૂર્ણકામપણું અને કૃતાર્થપણું મનાય છે અને બ્રહ્મસ્વરૂપે શ્રીજીમહારાજની મૂર્તિમાં તદાત્મકપણે અખંડ વરતાય છે.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
પ્રકૃતિપુરુષ : ચેતન અકર્મણ્ય પુરુષની મદદથી જડ પ્રકૃતિમાંથી સમગ્ર સૃષ્ટિની ઉત્પતિ થઈ તે
પર્યંત : ત્યાં સુધી, જેટલી.
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
હૃદ્ગત : આંતરિક-વિચાર કે ભાવ.
નિષ્ઠા : શ્રદ્ધા, આસ્થા, વિશ્ર્વાસ, ધારણા.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
મૂર્તિ : સંતો.
માહાત્મ્ય : મહિમા, મહત્વ.
અર્થ : ધન, સંપત્તિ.
કૃતાર્થ : જેનું કાર્ય સિદ્ધ થઈ ચુકયું છે તે, ધાર્યું કાર્ય પાર પડ્યાનો આનંદ.
અનવધિકાતિશય : જેની અવધિ નથી એવું વિશાળ, અમર્યાદ, અપાર, અનંત.
સાક્ષાત્કાર : પરમતત્ત્વ કે ભગવાનનું પ્રત્યક્ષ દર્શન કે સાક્ષાત્ અનુભવ.
પૂગે : પહોંચે.
વાસના : પૂર્વના સંસ્કારોથી મકકમ થયેલી કામના.
ઊબકો : ઊલટી થવાનો છાળો.
અવધિ : અંત, નિશ્ર્ચિત સમયમર્યાદા.
તદાત્મકપણે : તદ્રૂપ, એની સાથે એકાત્મ
(23) એક સમે મહારાજ વરતાલમાં ઉગમણી રૂપચોકીમાં વિરાજમાન હતા ને દેવાનંદસ્વામી આવીને પગે લાગીને બેઠા ને મૂર્તિનાં કીર્તન ગાવા લાગ્યા; તે સાંભળીને મહારાજ અંતરવૃત્તિ કરી ગયા, પછી બોલ્યા જે, ‘આ કીર્તનને સાંભળીને અમને બહુ સુખ આવ્યું, તે વૃત્તિ પ્રતિલોમપણાને પામીને આત્મસ્વરૂપને પામી ગઈ અને તેમાં ભગવાનની મૂર્તિ દેખાણી ને અનંત મુક્તો બ્રહ્મસ્વરૂપે સેવામાં દેખાણા. તે જોઈને અમને એમ વિચાર થયો જે, આ બધાય તમે આવા સુખિયા થઈ જાઓ તો બહુ સારું; પણ તે મારગ કઠણ છે અને આ જીવની વૃત્તિ અનાદિ કાળની અનુલોમ થયેલી છે તેને પ્રતિલોમ કરવી, તે તો નેવાનાં પાણી મોભે ચડાવવાં જેવું કઠણ છે.
માટે તેમાં વિચાર થયો જે, એ તો જ્ઞાને કરીને થાય છે; કેમ જે, તત્ત્વે કરીને ભગવાનનું સ્વરૂપ જાણે ને અક્ષરબ્રહ્મને ઓળખે અને તે સંગાથે એકતા કરીને મનન દ્વારે તે બ્રહ્મનો સંગ કરીને બ્રહ્મરૂપ થાય છે તેવા જ્ઞાનીને અમારી મૂર્તિનું સુખ અતિશે આવે છે ને જ્ઞાનની પણ વિશાળતા થાય છે ને બીજાને પણ એવા જ્ઞાની કરીને ભગવાનને સુખે સુખિયા કરી મૂકે છે માટે આ તમે સર્વ જ્ઞાન મારગે કરીને પ્રશ્ર્ન-ઉત્તર કરવા શીખજો ને એવા અભ્યાસે ને એકાંતિકના પ્રસંગે ને સેવા સમાગમે કરીને પુરુષ જે તે શબ્દવેધી થાય છે ને તેને કોઈ પ્રશ્ર્ન પૂછે તો તેના સંશયને છેદી નાખે છે. તે વિના જો કીર્તન ગાતા હોય કે કાંઈક વાંચતા હોય ને કાંઈ કહીએ, તો પાધરા અકળાઈ ઊઠે ને કહેશે જે, ‘એવું કૂટણું અમે શીખ્યા નથી.’ એમ કહે, તે રામાનંદસ્વામી છતાં કેટલાક ‘અખે ગીતા’ને બીજાં કીર્તન ગાય, પણ અમે જ્ઞાનવાર્તા કરીએ તો અકળાતા. માટે કોઈએ જ્ઞાનમાર્ગમાં અકળાવું નહિ ને સાધુતા શીખવી ને બ્રહ્મરૂપ થઈને જીવની વૃત્તિ પ્રતિલોમ કરવાનો અભ્યાસ રાખવો. તે એમ કરતાં કરતાં અમારી પ્રકાશમય મૂર્તિ અક્ષરબ્રહ્મ ભેળી દેખાશે; માટે આળસ ન સેવવી, તેમાં જેને આળસ થાશે તેમાં એવા ગુણ કોઈ કાળે આવશે નહિ ને કલ્યાણ પણ થાશે નહીં.’
મૂર્તિ : સંતો.
અનુલોમ : બીજાનું જોવાની વૃત્તિ, જેમાં પોતાના આત્મા તરફની ઉપેક્ષા.
પ્રતિલોમ : પોતા/આત્મા તરફ પાછી વાળતી વૃત્તિ, અંતરવૃત્તિ, અંતરદૃષ્ટિ કરીને આત્માનું પરમાત્મા તરફનું ઊર્ધ્વીકરણ.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
શબ્દવેધી : અવાજ જ્યાંથી નીકળ્યો હોય એનો ખ્યાલ કરી, એ નિશાન વીંધનાર.
(24) એક સમે ગામ અલૈયામાં મહારાજે અક્ષરધામને પામવાની વાત કહી જે, ‘વૈકુંઠ, ગોલોકાદિકના પતિ તો તેના ધામે સહિત બ્રહ્માંડ બ્રહ્માંડ પ્રત્યે છે ને તે બ્રહ્માંડથી પર મહાશૂન્યનું આવરણ છે, તે મૂળ પ્રકૃતિપુરુષાદિક સર્વને આવરી રહ્યું છે ને તે મહાશૂન્યને વિશે મનના વેગે કરીને બ્રહ્માના કલ્પ પર્યંત ચાલે, તો પણ તેને ભેદવાને કોઈ સમર્થ નથી. ને અમારું ધામ તો તે થકી પર છે ને તે ધામને વિશે કેવળ ચૈતન્યમય છે આકૃતિ જેમની એવા જે બ્રહ્મસ્વરૂપ મુક્ત તે રહ્યા છે ને તે ધામમાં અમારી એકની જ ઉપાસના છે અને અક્ષરબ્રહ્મ અને મુક્તો તે સર્વે અમારે સુખે સુખિયા છે, પણ બીજા કોઈને સુખે સુખિયા નથી.
ને એ ધામ તો અપ્રમાણ છે, કહેતાં અવધિ નથી એવું અનંત અપાર છે ને તે ધામને વિશે કાળ-માયાદિક કોઈનો પ્રવેશ થાતો નથી અને અમે સ્વરાટ્ રહ્યા થકા તે અક્ષરબ્રહ્મ મૂર્તિમાનને વિશે સદા સર્વદા રહ્યા છીએ અને ધામરૂપ જે તખ્ત તેનો ત્યાગ કરીને તો અવતાર પણ ધારણ કરતા નથી અને તે અક્ષરબ્રહ્મ તથા અક્ષરમુક્તો અમારી ભેળા આંહીં મનુષ્યાકૃતિ ધારણ કરીને આવ્યા છે. ને મુક્તના વચને કરીને એ અક્ષરબ્રહ્મ મૂર્તિમાનને ઓળખે ને તેનો સાક્ષાત્ સંબંધ થાય ને તેની સાથે તુલ્યભાવને પામે કહેતાં પોતે બ્રહ્મરૂપ થાય; તેને જ અમારી સેવાનો અધિકાર થાય છે અને જેમ એ અક્ષરબ્રહ્મને વિશે અમે દિવ્ય સદા સાકાર મૂર્તિમાન અખંડ રહ્યા છીએ, તેવી જ રીતે તે બ્રહ્મના સાધર્મ્યપણાને પામીને બ્રહ્મરૂપ થાય છે, તેને વિશે પણ તેવી જ રીતે રહીએ છીએ અને તે ભક્ત પણ અખંડ અમારી સેવામાં અક્ષરબ્રહ્મની પેઠે જ રહે છે, કહેતાં એક અમને જ ધારીને રહે છે; પણ બીજું કાંઈ તેની નજરમાં રહેતું નથી. આવી રીતે અક્ષરબ્રહ્મની પ્રાપ્તિ વડે અમારી પ્રાપ્તિ થાય છે.’
કલ્પ : આપણાં ચાર અબજ બત્રીશ કરોડ વર્ષનો સમય - બ્રહ્માનો એક દિવસ (પણ રાત નહિ)
પર્યંત : ત્યાં સુધી, જેટલી.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
અવધિ : અંત, નિશ્ર્ચિત સમયમર્યાદા.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
(25) વિદ્યાઓ તો અનંતપ્રકારની છે; પણ ભણવા જેવી તો એક બ્રહ્મવિદ્યા જ છે તે જાણવી. ત્યારે ગઢડાવાળા નારણજીભાઈએ હાથ જોડીને પૂછ્યું જે, ‘સ્વામી, એ બ્રહ્મવિદ્યા તે કેમ સમજવી, તે કૃપા કરીને કહો.’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘બ્રહ્મને અને પરબ્રહ્મને પ્રત્યક્ષપણે સમજવા સંબંધી જે વાતું તેને બ્રહ્મવિદ્યા સમજવી.’ તેની વિક્તિ જે,
મહારાજ ભેળા મનુષ્ય દેહ ધરીને આવ્યા એવા જે અક્ષરબ્રહ્મ, તેના પ્રત્યક્ષ સ્વરૂપને સમ્યક્ પ્રકારે યથાર્થ સમજવું, એ જ બ્રહ્મવિદ્યા જાણવી.’ વળી ફરીથી પૂછ્યું જે, ‘પ્રત્યક્ષ મનુષ્યાકાર એવા જે અક્ષરબ્રહ્મ તેને સંત સમાગમે કરીને ઓળખ્યા ને નિષ્ઠા થઈ, પછી તે અક્ષરબ્રહ્મને કેવી રીતે સમજવા ?’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘મધ્યનાં 42માં વચનામૃતમાં મહારાજે જેવું અક્ષરબ્રહ્મનું સ્વરૂપ કહ્યું છે, તેને યથાર્થ એકાંતિક સંત થકી સમજવું. તે કેવી રીતે તો, જેટલી મોટપ કહેવાય છે તે અક્ષરબ્રહ્મના સગુણ ઐશ્ર્વર્ય વતે કહેવાય છે ને જેટલી સૂક્ષ્મતા કહેવાય છે તેટલી અક્ષરબ્રહ્મના નિર્ગુણ ઐશ્ર્વર્ય વતે કહેવાય છે, તો પણ અક્ષરનું વર્ણન કે મોટાઈ કે સૂક્ષ્મતા યથાર્થ કહી શકાતી નથી; આવો પરભાવ અક્ષરનો છે અને એ અક્ષરબ્રહ્મના સ્વામી એવા પુરુષોત્તમનારાયણ તેમનો સગુણ અને નિર્ગુણ પરભાવ ને મહિમા તો કહી જ શકાતો નથી.
તે મહારાજે ચોખ્ખું કહ્યું છે જે, ‘મોટપ ને સૂક્ષ્મતા તો અક્ષરબ્રહ્મના ઐશ્ર્વર્ય વતે કહેવાય છે ને તે અક્ષરબ્રહ્મનાં બે સ્વરૂપ છે. પુરુષોત્તમને તો સગુણ-નિર્ગુણ કહેવાતા નથી ને જે અક્ષરબ્રહ્મને મૂકીને અમારું સગુણ-નિર્ગુણપણું કહે છે તેને તો યથાર્થ નિશ્ર્ચય જ નથી. માટે આવી રીતની જે ચોખ્ખી સમજણ તે સુખદાઈ થાય છે, પણ ગોબરી સમજણ સુખદાઈ થાતી નથી.’
એમ કહીને બોલ્યા જે, ‘અમારી ભેળા રહે છે ને બીજે માલ માને છે તેને આ વાત સમજાય નહીં. તે કદી અમને અક્ષરબ્રહ્મ જાણે તો પણ પોતાની ખોટ મૂકીને ઉપર કહી જે ઉત્તમ સમજણ તે ન કરે ને તે ખોટે કરીને પ્રત્યક્ષ અક્ષરબ્રહ્મને કહેવા-સાંભળવા સંબંધી બ્રહ્મવિદ્યાનો અધિકાર તેને થાતો નથી. તે કાં તો અમને સાકાર કહે, ને અમારામાં ભગવાનને અમૂર્ત અંતરજામી ઠરાવે. ને જો મહારાજને સાકાર કહે, તો અક્ષરબ્રહ્મને નિરાકાર ઠરાવે; પણ જેવા ધામરૂપ અક્ષરમાં સાકાર પુરુષોત્તમ સદા સર્વદા વિરાજમાન છે, તેવા ને તેવા જ મૂર્તિમાન અક્ષરબ્રહ્મમાં પણ રહ્યા છે, એમ ન સમજે એવાને આ બ્રહ્મવિદ્યા ફળતી નથી.’
વિક્તિ : વિગત-વિવરણ.
નિષ્ઠા : શ્રદ્ધા, આસ્થા, વિશ્ર્વાસ, ધારણા.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
નિરાકાર : પોતાને ત્રણ દેહના માયિકભાવથી રહિત અર્થાત નિરંજન ને કેવળ બ્રહ્મભાવે આત્મારૂપ માનવું.
(26) એક વખતે મધ્યનું 42મું વચનામૃત વંચાવીને સ્વામીએ વાત કરી જે, ‘સગુણ-નિર્ગુણ ઐશ્ર્વર્ય તો અક્ષરનાં કહ્યાં છે ને પુરુષોત્તમનો મહિમા તો એટલો અગાધ છે કે, તેમનાં સગુણ કે નિર્ગુણ ઐશ્ર્વર્ય તો વર્ણવી શકાતાં જ નથી; વળી કારિયાણીનાં 8માં વચનામૃતમાં સગુણ-નિર્ગુણ ઐશ્ર્વર્ય પુરુષોત્તમનાં કહ્યાં છે. આમ મહારાજનો સિદ્ધાંત જાણ્યો ન હોય તો તેમાં ગોથાં ખવાય છે.’ ત્યારે મનજીભાઈએ પૂછ્યું જે, ‘એ કેમ સમજવું ?’ ત્યારે સ્વામીએ કહ્યું જે, ‘શાસ્ત્રમાં તો બહુધા બ્રહ્મ કે અક્ષરને અને પરબ્રહ્મ કે પુરુષોત્તમને અભેદપણે જ વર્ણવ્યા હોય છે. તેથી કારિયાણીનાં 8માં વચનામૃતમાં મહારાજે શાસ્ત્ર પ્રમાણે મુક્તાનંદસ્વામીના પ્રશ્ર્નનો ઉત્તર કર્યો છે અને મધ્યનાં 42માં વચનામૃતમાં મહારાજે સગુણ-નિર્ગુણ ઐશ્ર્વર્ય અક્ષરબ્રહ્મનાં કહ્યાં, અને પોતે તો એ અક્ષરબ્રહ્મથી પણ અતિ અપાર છે; કેમ જે, અક્ષરબ્રહ્મ પર્યંત કોઈથી તેમના ઐશ્ર્વર્યનો કે મહિમાનો પાર પામી શકાતો નથી, એવો અગાધ મહિમા કહ્યો છે.
જેમ ચિંતામણિમાં દ્રવ્યની ગણતી થઈ શકતી જ નથી; એ તો અતિ અપાર દ્રવ્યના આશ્રયરૂપ છે; તેમ ભગવાનના મહિમાનો પાર ભગવાન પોતે પણ પામી શકતા નથી, પણ મૂળઅક્ષરમાં મહારાજ એવા ને એવા સદા સર્વદા રહ્યા છે, તેથી મૂળઅક્ષર દ્વારે સગુણ નિર્ગુણ ઐશ્ર્વર્ય કહેવે કરીને મહારાજનાં જ ઐશ્ર્વર્ય કહેવાય છે. તે શું ? તો મૂળઅક્ષર મહારાજના સેવક છે, તેનો મહિમા કહી શકાતો નથી તો તેના સ્વામી જે મહારાજ તેનો તો કહેવાય જ કેમ? તેથી મહારાજને સગુણેય ન કહેવાય અને નિર્ગુણેય ન કહેવાય. જે સગુણ-નિર્ગુણ ઐશ્ર્વર્ય કહી શકાય છે તે તો મૂળઅક્ષર દ્વારે જ કહી શકાય છે અને મહારાજ સ્વયં તો સર્વ કારણરૂપે મૂળઅક્ષરના ય આત્મા અને સ્વામી અને પ્રેરક સદા સર્વદા સર્વોત્કૃષ્ટપણે વરતે છે; માટે શાસ્ત્રમાં જ્યાં સગુણ-નિર્ગુણ ઐશ્ર્વર્ય પુરુષોત્તમનાં કહ્યાં હોય ત્યાં મૂળઅક્ષર અને પુરુષોત્તમને અભેદપણે કરીને કહ્યાં હોય, એમ સમજીએ તો જ મહારાજનો અભિપ્રાય સમજાય. તે જેમ કોઈ આંટે ત્યારે બીજી તરફ જોતો હોય તેમ લાગે પણ ધારી રાખ્યું હોય તે નિશાન પાડે, એમ મહારાજની વાંકી વાતું કોઈથી કળાય નહીં.’
(27) એક વખતે લોયાનું 13મું વચનામૃત વંચાવીને સ્વામીએ વાત કરી જે, ‘અક્ષરધામને વિશે પોતે રહ્યા છે તે અક્ષરને પણ લીન કરીને પોતે સ્વરાટ્ થકા એકલા જ વિરાજમાન રહે અને પોતાને મનમાં આવે તો એ અક્ષરધામ વિના પણ અનંતકોટિ મુક્તોને પોતાના ઐશ્ર્વર્યે કરીને ધારવાને સમર્થ છે; એવા નારાયણ પોતાના ઐશ્ર્વર્યે કરીને સર્વોપરી વરતે છે તે એને ને બીજા અક્ષરાદિક મુક્તને સરખા કહે છે; તેને દુષ્ટ મતવાળા જાણવા ને તેને અતિ પાપી જાણવા અને એનાં દર્શન પણ કરવા નહિ; અને એવી રીતની સમજણવાળાનાં દર્શન કરીએ તો પંચમહાપાપ જેવું પાપ થાય.’ ત્યારે મનજીભાઈએ પૂછ્યું જે, ‘સત્સંગમાં નારાયણને અને મુક્તને સરખા કહે, એવી તો સમજણ કોઈની હોય એમ જણાતી નથી અને મહારાજે એમ કહ્યું, તે કેમ સમજવું ?’ ત્યારે સ્વામીએ કહ્યું જે, ‘એ મર્મની વાત અટપટી બહુ છે, તે શું ? તો મહારાજે આમાં મૂળઅક્ષરને સર્વે અક્ષરમુક્તોથી પર કહ્યા છે અને પોતે તેથી પર છે એમ કહ્યું.
હવે શાસ્ત્રોના લખનારાઓ પરોક્ષપણે નારાયણ અને અક્ષર અને અક્ષરમુક્તોનું અભેદપણે નિરૂપણ કરે છે, કારણ એમાં પુરુષોત્તમનારાયણનો વિશિષ્ટ સંબંધ આવે છે, તેથી બધાને પુરુષોત્તમરૂપ કહે છે.
વળી વેદ વેદાંત સચ્ચિદાનંદબ્રહ્મનું વર્ણન કરે છે, તેમ જ જ્યાં જ્યાં શાસ્ત્રમાં મહિમા કહ્યો છે, તે અક્ષરરૂપે જ કહ્યો છે. એવા જે સનાતન મૂળઅક્ષર તેનો પ્રકાશ જે સચ્ચિદાનંદબ્રહ્મ, ત્યાં સુધી શાસ્રો પહોંચી શક્યાં છે પણ મૂર્તિમાન મૂળઅક્ષરનો મહિમા કોઈ કહી શક્યા નથી તે માટે સચ્ચિદાનંદ જે પ્રકાશ તેથી પર નારાયણ, એમ કહે છે ત્યારે મહારાજને કહે તો, તેમાં સચ્ચિદાનંદના પ્રકાશી જે મૂળઅક્ષર તે રહી જાય છે અને તેથી તે મૂળઅક્ષર જે તે અક્ષરમુક્ત કોટિ ભેળા થઈ રહ્યા. આમ મહારાજને મૂળઅક્ષર જેવા અને મૂળઅક્ષરને અક્ષરમુક્ત જેવા જાણે, તેને દુષ્ટ મતવાળા કહ્યા છે; કેમ જે, સચ્ચિદાનંદ જે ધામરૂપ પ્રકાશ તે તો મૂળઅક્ષરનો છે તે સચ્ચિદાનંદ પ્રકાશને મહારાજની મૂર્તિનો પ્રકાશ ઠરાવે, એટલે મૂળઅક્ષર મૂર્તિમાનને બીજા મુક્ત ભેગા ગણી કાઢ્યા અને પુરુષોત્તમને કહે છે તો મોટા; પણ તે મૂળઅક્ષર જેવા સમજાય છે; કેમ જે, જેવા મૂળઅક્ષર છે, તેવા જો ન સમજાય તો મૂળઅક્ષરનો જે મહિમા કહ્યો છે તે મહારાજનો સમજાય; તેથી મહારાજને મૂળઅક્ષર જેવા જાણ્યા, કહેતાં સ્વામીને સેવક જેવા જાણ્યા; માટે મૂળઅક્ષરનો મહિમા જાણ્યા વગર મહારાજની ઉપાસનામાં બહુ બાધ આવ્યો અને એવી સમજણવાળા પણ આપણા સત્સંગમાં છે.
તે સારુ મહારાજને પોતાનો રહસ્ય પોતાના ભક્તને સમજાવવો છે. તે જુઓ, તેમાં કહ્યું છે જે, એ નારાયણને લીધા વિના તો અક્ષરને પણ ભગવાન ન કહેવાય તો બીજાની શી વાત કહેવી ? તેમાં શું કહ્યું ? તો, અક્ષરબ્રહ્મને સર્વે બીજા મુક્તોથી પર અને શ્રેષ્ઠ કહ્યા; કારણ કે, તે અક્ષરબ્રહ્મરૂપે થઈને પોતાની ઉપાસના કરવાનું લોયાનાં 12માં વચનામૃતમાં મહારાજે કહ્યું છે; કેમ જે, જેમ આકાશમાં પક્ષી ઊડે છે તેને વાયુતત્ત્વ પ્રધાન છે તથા જેમ માછલાંને જળતત્ત્વ પ્રધાન છે, તેથી સામા પૂરે ગતિ કરી શકે છે તેમ અક્ષરબ્રહ્મના સાધર્મ્યપણાને પામ્યા વગર ઉપાસક અક્ષરધામમાં મહારાજની સેવામાં રહી શકતો જ નથી, એવી રીતે મહારાજે મૂળઅક્ષર, અક્ષરમુક્તો અને સચ્ચિદાનંદબ્રહ્મ, એ સર્વેની પોતાના પરમ અદ્વૈત સંબંધે કરીને એકતા કહી છે, પણ મૂળઅક્ષર આદિક સર્વેને ઉપાસ્યમૂર્તિ તો એક મહારાજ પુરુષોત્તમ જ છે.’
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
નિરૂપણ : બરોબર વર્ણવવું, યથાર્થ વર્ણન
કોટિ : કરોડ.
બાધ : દોષ.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
(28) એક દિવસ મધ્યનું 24મું વચનામૃત વંચાવીને સ્વામીએ વાત કરી જે, ‘જુઓ, આમાં કહ્યું જે, શ્રી પુરુષોત્તમ ભગવાન અને તે ભગવાનનું અક્ષરધામ અને તે ધામને વિશે રહ્યા જે ધામના મુક્તો, આ ત્રણ સનાતન અખંડ ને અવિનાશી છે. તે વગર બીજા જે જે લોક છે ને તે લોકને વિશે દેવ છે અને તે દેવના જે વૈભવ છે તે સર્વે નાશવંત છે. આવી રીતે સાંખ્યનિષ્ઠાએ કરીને પ્રકૃતિપુરુષ પર્યંત સર્વને કાળનું ભક્ષણ સમજે છે, ત્યારે તેમાંથી હેત ટળે છે. જીવનો તો એ જ સ્વભાવ છે કે, પોતપોતાના અંગના શબ્દો જ ગ્રહણ કરી લે.
શ્રીજીમહારાજે અનેક જીવોનાં કલ્યાણ માટે આવો ઉત્તમ સંપ્રદાય બાંધ્યો; દેવ, મંદિર, આચાર્ય અને સાધુ તથા શાસ્ત્રો કર્યાં; પણ એ સર્વેમાં મૂળ કારણભૂત જે પોતાનું સ્વરૂપ તેનું જેને નિશાન રહેતું નથી અને જેઓ કાર્યમાં જ સલવાઈ રહે છે, તેવાને શ્રીજીમહારાજનું હાર્દ સમજાતું નથી. તે જેમ પતકાળાંના વેલાને ઝાડ પર ચઢાવવા માટે ઝાંખરાંના ટેકા મૂકે છે, આથી વેલો ઝાડ ઉપર ચડી જાય છે; પણ સાથોસાથ ઝાંખરાંમાં અટવાઈ જાય છે, ઝરડાં લેતાં તે વેલો તૂટી જાય છે; એમ સામાન્ય મુમુક્ષુઓ તો સંપ્રદાયની સામાન્ય પ્રથામાં જ બંધાઈ રહે છે ને શ્રીજીમહારાજે તત્ત્વે કરીને પોતાના સ્વરૂપનાં સર્વોપરી નિશ્ર્ચયનું નિરૂપણ કર્યું છે તે સામી તો નજર જ રહેતી નથી. આ વચનામૃતમાં કોઈ દેવ કે, તેમના લોકને અવિનાશી રહેવા ન દીધા; ચોકો પાટલો કરી નાખ્યો. છતાં શબ્દો પડ્યા હોય જે, એ તો શ્રીજીમહારાજે પોતાના ભક્તને પરોક્ષરૂપે દર્શન દીધાં તે સ્વરૂપોને પધરાવ્યા છે; આમ એનો સાંધો રાખવાની ખાતર મહિમા કહે. પરંતુ આ દેવો તો બહારનાંને સત્સંગમાં વાળવા અને મંદિરની સેવા માટે છે એમ સમજે નહીં.
પ્રથમનાં 41માં વચનામૃતમાં પ્રકૃતિપુરુષથી ઉત્પત્તિ સર્ગ કહ્યો અને મધ્યનાં 24માં વચનામૃત પ્રમાણે પ્રકૃતિપુરુષથી પર દિવ્ય પુરુષોત્તમ ભગવાન, અક્ષરધામ અને અક્ષરમુક્તો એ સદા સનાતન અને દિવ્ય છે એમ સિદ્ધ કર્યું. આથી આ ત્રણ સિવાય જે જે ધામો છે અને ધામોના અધિપતિઓ છે તે સર્વેનો પ્રકૃતિપુરુષના કાર્યની અંદર સમાવેશ થઈ જાય છે.
તે જુઓ ને ! છેલ્લાનાં 38માં વચનામૃતમાં કહ્યું છે જે, સાંખ્યાદિક શાસ્ત્રના વિચારે કરીને એમ નિશ્ર્ચય કર્યો છે જે, માયાના કાર્યમાંથી ઉત્પન્ન થયા જે આકારમાત્ર તે સર્વે મિથ્યા છે; કેમ જે, એ સર્વે આકાર કાળે કરીને નાશ પામે છે ને ભગવાનના અક્ષરધામને વિશે જે, ભગવાનનો આકાર તથા ભગવાનના મુક્તનો આકાર છે તે સર્વે સત્ય છે અને તેમ જ સર્વોપરી પુરુષોત્તમ ભગવાન દયાએ કરીને જીવોનાં કલ્યાણને અર્થે પૃથ્વીને વિશે પ્રગટ થયા થકા સર્વ જનના નયનગોચર વરતે છે.
મધ્યનાં 9માં વચનામૃતમાં પોતાના જ સ્વરૂપને સર્વોપરી ને સદા દિવ્ય સાકાર અને સર્વ અવતારનું અવતારી ન જાણે, તો એનો દ્રોહ કર્યો કહેવાય. વળી પંચાળાનાં 7માં વચનામૃતમાં
જન્માદ્યસ્ય યતોઽન્વયાદિતરતશ્ચાર્થેષ્વભિજ્ઞઃ સ્વરાટ્
તેને બ્રહ્મ હૃદા ય આદિકવયે મુહ્યન્તિ યત્સૂરયઃ |
તેજોવારિમૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગોઽમૃષા
ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરં ધીમહિ | |
(શ્રીમદ્ ભાગવત : 1/1/1 )
અર્થ :- સમસ્ત કાર્ય-કારણાત્મક જગતમાં જે અન્વય અને વ્યતિરેક બંને દૃષ્ટિથી વ્યાપક છે, અર્થાત્ જેની સત્તાથી બધી વસ્તુઓ સત્તાવાળી છે અને જેની સત્તા અથવા અસ્તિત્વ વગર કોઈની સત્તા સિદ્ધ થઈ શકતી નથી.આથી, આ જગતમાં જન્મ, પાલન અને સંહારાદિ જેના દ્વારા થાય છે, જે સર્વજ્ઞ તથા સ્વયં પ્રકાશ છે અને જે વેદના સંબંધમાં મોટા મોટા વિદ્વાન પણ મોહિત થઈ જાય છે અને જેણે સંકલ્પમાત્રથી જ બ્રહ્માના હૃદયમાં સંચાર કરી દીધો. જેવી રીતે તેજસ (કાચ વગેરે) ને જળ, જળ વિગેરેને સ્થળ અને માટી વિગેરેને જળ સમજવાની ભ્રાન્તિ થાય છે, તેવી જ રીતે શુદ્ધ ભગવત્સ્વરૂપમાં ત્રિગુણમયી સૃષ્ટિ અસત્ હોવા છતાં પણ સત્ પ્રતીત થાય છે, જેના જ્ઞાનસ્વરૂપ તેજથી છળ, કપટ, માયા વગેરે સર્વદા બાધિત જ રહે છે, એનાં પરમ સત્ય ઉપર આપણે ધ્યાન આપીએ છીએ.
શ્રીજીમહારાજે એ પદે કરીને પ્રત્યક્ષ મનુષ્યરૂપ ભગવાનનો નિશ્ર્ચય કરવા ઉપદેશ કર્યો છે.
મધ્યનાં 13માં વચનામૃતમાં શ્રીજીમહારાજે કહ્યું જે, ‘તે સ્વરૂપને તમે સાક્ષાત્ દેખો છો, પણ તમારા સમજ્યામાં પરિપૂર્ણ આવતું નથી.’ તે શું ? તો શ્રીજીમહારાજ બાવીસ વરસે પોતાના સ્વરૂપની ખુલ્લી વાત કરે છે; તો પણ કહેવું પડે છે કે, ‘તે સ્વરૂપ હજુ પરિપૂર્ણ સમજ્યામાં આવ્યું નથી !’ આમાં એ વાત છે કે, શ્રીજીમહારાજને સૌ ભગવાન તો જાણતા હતા; પણ સર્વ અવતારના અવતારી, પ્રકૃતિપુરુષથી પર અક્ષરધામના અધિપતિ અને ઈશ્ર્વરકોટિ, અવતારકોટિ, પુરુષકોટિ એ સર્વને પણ ઉપાસ્ય, ભજનીય અને સેવનીય છે, એવા સર્વોપરી જાણતા ન હતા. તેથી એવા જ્ઞાનની દૃઢતાની કાચપ બતાવે છે, વળી ધર્મ, તપ, ત્યાગ આદિકમાં તો કોઈને પૂગવા દે નહિ, એવા એ સૌ મહા અડીખમ હતા; તો પણ સ્વરૂપજ્ઞાનમાં અટકતા; પણ એ પ્રત્યક્ષ સ્વરૂપમાં નિરુત્થાનપણે જે નિશ્ર્ચય તેને જ તાદાત્મ્યકપણું કે નિર્વિકલ્પ સમાધિ કહી છે, તે વિના બધી સવિકલ્પ વાત જાણવી.’
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
પ્રકૃતિપુરુષ : ચેતન અકર્મણ્ય પુરુષની મદદથી જડ પ્રકૃતિમાંથી સમગ્ર સૃષ્ટિની ઉત્પતિ થઈ તે
પર્યંત : ત્યાં સુધી, જેટલી.
સલવાઈ : અટવાઈ.
ઝરડાં : કાંટાવાળાં ડાળાં.
નિરૂપણ : બરોબર વર્ણવવું, યથાર્થ વર્ણન
નયનગોચર : આંખે દેખાય તેવું.
દ્રોહ : મનથી, વાણીથી કે કર્મથી જાણી જોઈને કરેલ દોષ, ગુનો, પાપ કે અપરાધ
નિર્વિકલ્પ : જ્ઞાતા-જ્ઞેય ઇત્યાદિક ભેદ વગરનું, જેમાં કોઈ અપવાદ કે બેપણું ન હોય તેવું.
(29) શ્રીજીમહારાજે વેદરસમાં કહ્યું છે કે, ‘બીજા જે અવતારાદિક છે, તે તો ઉત્પત્તિ સર્ગમાં સ્ત્રી-પુરુષનાં બેલડાંરૂપ અવતારો આ ભૂમિને વિશે ઘણાક થઈ ગયા છે અને હજુ થાશે.’ પ્રથમનાં 41માં વચનામૃતમાં કહ્યું જે, ‘સૃષ્ટિકાળે અક્ષરાતીત પુરુષોત્તમ ભગવાને મૂળઅક્ષર સામી દૃષ્ટિ કરી અને મૂળઅક્ષરે મુક્ત સામી દૃષ્ટિ કરી ત્યારે તેમાંથી મુક્ત ઊભો થયો અને મૂળમાયા જે મૂળપ્રકૃતિ તે સાથે જોડાયો. તેમાંથી અનંતકોટિ પ્રધાનપુરુષ, મહત્તત્ત્વ અને વૈરાટાદિક ઉત્પન્ન થાય છે.’ આવી રીતે પ્રકૃતિપુરુષ સુધી સ્ત્રી-પુરુષનો ભાવ ઊભો છે. એ ભાવ તો એક અક્ષરધામમાં જ નથી. અક્ષરધામમાં તો સર્વ મુક્તાત્માઓ ચૈતન્યમૂર્તિ સચ્ચિદાનંદ સ્વરૂપ જ છે. પરબ્રહ્મ પુરુષોત્તમનારાયણ જેવા તો પરબ્રહ્મ એક જ અને પરમ અદ્વિતીય છે અને સાકરના રસની મૂર્તિની પેઠે જેમાં ભાગ-ત્યાગ કર્યાનો માગ જ નથી, એવા દિવ્ય, પરમ ચૈતન્ય, સત્, ચિદ્, આનંદઘન મૂર્તિ છે અને તે પરબ્રહ્મ જેવો થાવાને અક્ષરબ્રહ્મ પર્યંત કોઈ સમર્થ નથી; પરંતુ તે પરબ્રહ્મની સાથે બ્રહ્મરૂપ થઈને તાદાત્મ્યકપણાને પામી શકાય છે અને જેમ પરબ્રહ્મ એક જ છે, તેમ જ અક્ષરબ્રહ્મ કે મૂળઅક્ષર પણ એક જ છે. અનંતકોટિ અક્ષરમુક્તો અક્ષરરૂપે રહ્યા થકા પુરુષોત્તમનારાયણની ઉપાસના કરે છે; એવી રીતે પુરુષોત્તમનારાયણની ઉપાસના માટે અધિકારી થાવા તથા તેમને પામવા માટે અનાદિ અક્ષરબ્રહ્મ એ સર્વે મુમુક્ષુનું લક્ષ્ય હોવું જોઈએ.
શ્રીજીમહારાજે આ વાત ગૌરવતાએ મધ્યનાં 30માં વચનામૃતમાં કહી છે જે, ‘પ્રકૃતિપુરુષ થકી પર એવું જે, શુદ્ધ ચૈતન્યબ્રહ્મ તેને જ પોતાનું સ્વરૂપ માને અને બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મનું ભજન કરે અને એ બ્રહ્મ થકી ઓરું જે, પ્રકૃતિ ને પ્રકૃતિનું કાર્યમાત્ર તેને અસત્ય જાણે ને તુચ્છ સમજે ને માયિક જે નામરૂપ તેને વિશે અતિશે દોષ દૃષ્ટિ રાખે ને તે સર્વ નામરૂપને વિશે અતિશે વૈરાગ્ય પામે, ત્યારે તેને સોનું ને સ્ત્રી બંધન ન કરે; બીજાને તો જરૂર બંધન કરે.’
વળી મધ્યનાં ત્રીજા વચનામૃતમાં કહ્યું જે, ‘એ બ્રહ્મ થકી પરબ્રહ્મ જે પુરુષોત્તમનારાયણ તે નોખા છે અને એ બ્રહ્મના પણ કારણ છે ને આધાર છે ને પ્રેરક છે. એમ સમજીને પોતાના જીવાત્માને એ બ્રહ્મ સંગાથે એકતા કરીને પરબ્રહ્મની સ્વામી-સેવકભાવે ઉપાસના કરવી.’
વળી લોયાનાં 12માં વચનામૃતમાં કહ્યું જે, ‘જે અક્ષરધામના એક એક રોમમાં અસંખ્યાત બ્રહ્માંડ અણુની પેઠે જણાય છે, તેવું ધામરૂપ અક્ષર તે રૂપે પોતે રહ્યો થકો પુરુષોત્તમની ઉપાસના કરે તેને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ર્ચયવાળો કહીએ.’ આવી રીતે ત્રણ દેહથી પૃથક, જીવસત્તામાત્ર થઈને એ જીવને અનાદિ મૂળ અક્ષરબ્રહ્મની સાથે એકતા કરવા માટે શ્રીજીમહારાજનો ઉપદેશ છે. આવી રીતે નિર્દેશ કરેલ અક્ષરબ્રહ્મ કે બ્રહ્મ તેને જ મૂળઅક્ષર કે અક્ષરધામ કહે છે અને તે અક્ષરધામનાં મૂર્ત અને અમૂર્ત એવાં બે સ્વરૂપ પ્રથમનાં 21માં વચનામૃતમાં કહ્યાં છે એવું જે, પોતાનું અક્ષરધામ ને ચૈતન્યમૂર્તિ પાર્ષદ અને સર્વ ઐશ્ર્વર્યએ સહિત જ શ્રીજીમહારાજ આંહીં પધાર્યા છે, એમ પ્રથમનાં 71માં વચનામૃતમાં કહ્યું છે.
માટે અક્ષરબ્રહ્મ તે શ્રી પુરુષોત્તમનારાયણને અખંડ રહેવાનું ધામ છે, તેથી શ્રીજીમહારાજ કે અક્ષરબ્રહ્મ કે અક્ષરરૂપ સંતની સાક્ષાત્ પ્રાપ્તિ વગર કોઈ બારોબાર પરોક્ષભાવે બ્રહ્મરૂપ થઈ શકતો નથી. જેમ લોઢાને સોનું થાવા માટે પારસમણિના સ્પર્શ વગર કોટિ પ્રયાસ કરે, તો તે વડે તેનો લોહભાવ જતો નથી, વળી જેમ કોઈ એમ માને જે, ‘હું તો રાજા છું.’ અને એમ નિરંતર રટણ કરે, તો પણ તે રાજા થાતો નથી કે, રાજ સંબંધી અણું જેટલું પણ સુખ આવતું નથી. તેવી જ રીતે
અહં બ્રહ્માસ્મિ ।
(બૃહદારણ્યક ઉપનિષદ : 1/4/10)
અર્થ :- હું બ્રહ્મ છું.
પરોક્ષભાવે રટ્યા કરવાથી કે, માનવાથી બ્રહ્મ થાવાતું નથી. પણ રાજાના પુત્રપણાને પામે તો તે જીવ કાંઈ પણ પ્રયાસ વગર રાજ્યનો ધણી થઈને જ રહે છે, તેમ સાક્ષાત્ બ્રહ્મસ્વરૂપ સંતનાં પ્રગટ સેવન, મનન અને નિદિધ્યાસથી જ્યારે એ જીવ પોતાને બ્રહ્મરૂપ માને છે ત્યારે જ તે સાક્ષાત્ બ્રહ્મભાવને પામે છે અને પુરુષોત્તમનારાયણને વરણીય થાય છે. શ્રુતિમાં પણ કહ્યું છે જે, આવી રીતે પ્રગટ બ્રહ્મને ઓળખનારો જ બ્રહ્મ થાય છે.
બ્રહ્મવિદ્ બ્રહ્મૈવ ભવતિ ।
(મુણ્ડક ઉપનિષદ : 3/2/9)
અર્થ :- બ્રહ્મને જાણકાર બ્રહ્મ જ બને છે.
આવા બ્રહ્મરૂપ ભક્તને જ પુરુષોત્તમનારાયણની ભક્તિનો ખરો અધિકારી કહ્યો છે. આવી રીતે અક્ષર પુરુષોત્તમના કે, બ્રહ્મ પરબ્રહ્મના સ્વરૂપ જ્ઞાનને યથાર્થ સમજ્યા વગર જ્ઞાન ભાગ બહુ જ દોષયુક્ત બને છે; કેમ કે, અક્ષરબ્રહ્મનું અનાદિત્વ અને એક વચન તેમ જ, પરબ્રહ્મનું અનાદિત્વ અને એક વચન, આવી જ્ઞાનદૃષ્ટિ વગર સાર્થક બનતું નથી.
પ્રકૃતિપુરુષ : ચેતન અકર્મણ્ય પુરુષની મદદથી જડ પ્રકૃતિમાંથી સમગ્ર સૃષ્ટિની ઉત્પતિ થઈ તે
મૂર્તિ : સંતો.
પર્યંત : ત્યાં સુધી, જેટલી.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
નિર્વિકલ્પ : જ્ઞાતા-જ્ઞેય ઇત્યાદિક ભેદ વગરનું, જેમાં કોઈ અપવાદ કે બેપણું ન હોય તેવું.
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
પાર્ષદ : શ્રીજીમહારાજના સેવક
બારોબાર : પરબારું, સીધેસીધુ.
કોટિ : કરોડ.
અર્થ : ધન, સંપત્તિ.
(30) પ્રકૃતિપુરુષનું કાર્ય બૃહદ્ બ્રહ્માંડ છે. તેમાં પ્રધાનપુરુષનાં કાર્યરૂપ અનંત મહદ્ બ્રહ્માંડો વસેલાં છે અને તે દરેકમાં વળી વૈરાટપુરુષનાં કાર્યરૂપ અનંત ક્ષુદ્ર બ્રહ્માંડો આવેલાં છે. એમ એકબીજાનો એકબીજાની અંદર સમાવેશ થઈ રહ્યો છે. હવે પ્રથમનાં 63માં તથા લોયાનાં 12માં એ આદિક વચનામૃતમાં, અક્ષરબ્રહ્મનાં રોમ રોમ પ્રત્યે અસંખ્યાત બ્રહ્માંડ અણુની પેઠે ઊડતાં ફરે છે એમ જે કહ્યું છે, તે મહાપુરુષરૂપી બૃહદ્ બ્રહ્માંડોને કહ્યાં છે. એ ઉત્પત્તિ સર્ગમાં છ સગુણ સ્વરૂપો અધિકાર, સત્તા કે વ્યાવહારિક સત્તા પામેલ છે અને તેઓ પોતપોતાના બ્રહ્માંડમાં વહેવાર ચલાવે છે. આ છ સગુણ અને ચાર નિર્ગુણ મળી દશ સ્વરૂપો બ્રહ્માંડ બ્રહ્માંડ પ્રત્યે રહ્યાં છે અને તે થકી પર મહત્તત્વ, તેથી પર પ્રધાનપુરુષ ને તેથી પર પ્રકૃતિપુરુષ છે. આ જે ચાર નિર્ગુણ સ્વરૂપો છે, તેને નિર્ગુણ કહેવાનો હેતુ એટલો જ છે કે, આ બ્રહ્માંડમાં તે સ્વરૂપો પરમાર્થતત્ત્વ તરીકે ગણાય છે.
દેવ, દાનવ, મનુષ્ય, જીવપ્રાણીમાત્રને પોતાના કલ્યાણ માટે આ ચાર નિર્ગુણ મૂર્તિઓની ઉપાસના ઉપદેશેલ છે અને તે ઉપાસના વડે તેઓ પોતપોતાના અધિકાર પ્રમાણે પોતપોતાના ધામને પમાડે છે, પણ જ્યાં સુધી પ્રકૃતિપુરુષની અંદર જીવાત્મા ભમ્યા કરે છે, ત્યાં સુધી તેને આત્યંતિક મુક્તિ મળતી નથી. શ્રુતિમાં કહ્યું છે જે, ઉપાસકો પોતપોતાના ઉપાસ્ય દેવો સાથે તદ્રૂપતાને પામે છે અને સાધક જે ઉપાસક તેને તે તે દેવ પોતા જેટલી ઉચ્ચ ગતિને પમાડે છે. શાસ્ત્રો ભલે કહે કે, ઇન્દ્ર, વરુણ, અગ્નિ, બ્રહ્મા કે વિષ્ણુ આદિકના પૂજનથી એક જ પરમાત્માનું પૂજન થાય છે પણ તેમાં ફળભેદ ઘણો પડે છે. તે તો દેવો પોતાની શક્તિ અનુસાર ઉપાસકોને પોતપોતાના સ્થાનકે પહોંચાડે છે અને તેથી ઉપાસકોની જુદી જુદી ગતિ મધ્યનાં 9માં વચનામૃત પ્રમાણે થાય છે. જ્યારે પ્રલયકાળે એ સર્વેને મહાકાળ લીન કરી નાખે છે, ત્યારે પ્રલયાવસ્થામાં પણ સર્વે જીવ ને ઈશ્ર્વરો પોતપોતાનાં કારણ શરીરયુક્ત પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ ધારી રાખે છે અને જેમ ભૂમિમાં અદૃશ્યપણે પડ્યાં રહેલ બીજ, વર્ષા સમયે સૌ સૌના ભાવે સહિત ઊગી નીકળે છે, તેમ તે સર્વે ઉત્પત્તિ સમયે પાછા ઊપજીને પોતપોતાના જીવ કે ઈશ્ર્વર ભાવે સહિત વહેવાર ચલાવવા મંડે છે, માટે પ્રકૃતિપુરુષથી પર જે અક્ષરધામ, તેને પામવાનો નિર્ગુણ મારગ તો માત્ર અક્ષરધામના અધિપતિ શ્રી સહજાનંદસ્વામી શ્રી પુરુષોત્તમનારાયણ તેમની અક્ષરરૂપ થઈને ઉપાસના કરવી એ જ છે.
પ્રકરણ 9 ની વાત 85
સગુણ : માયાના ગુણથી પ્રભાવિત.
દશ : દિશા.
પ્રકૃતિપુરુષ : ચેતન અકર્મણ્ય પુરુષની મદદથી જડ પ્રકૃતિમાંથી સમગ્ર સૃષ્ટિની ઉત્પતિ થઈ તે
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
(31) મહાપુરુષ મહામાયા સાથે જોડાઈને સૃષ્ટિ ઉત્પન્ન કરે છે, તે શ્રી પુરુષોત્તમની ઇચ્છાથી કે અક્ષરની ? એ પ્રશ્ર્નનો ઉત્તર સ્વામીએ કર્યો જે, ‘નિત્ય, નૈમિત્તિક, પ્રાકૃત અને આત્યંતિક પ્રલયને અંતે, સર્વ માયાસર્ગને પોતામાં સમાવીને મહાપુરુષ જે તે અક્ષરબ્રહ્મના તેજને વિશે લીન થઈ રહે છે. જ્યારે ઉત્પત્તિ સમય આવે છે ત્યારે,
બુદ્ધિન્દ્રિયમન:પ્રાણાન્ જનાનામસૃજત્પ્રભુ: ।
મત્રાર્થં ચ ભવાર્થં ચ આત્મનેડલ્પનાય ચ ।।
(શ્રીમદ્ ભાગવત : 10/87/2)
અર્થ :- સર્વ સમર્થ ભગવાનને શબ્દાદિ વિષયોને ગ્રહણ કરવા માટે, પુનર્જન્મને માટે અને પોતાને સ્વર્ગલોક વગેરે ભોગવવાની પ્રાપ્તિ માટે તથા મોક્ષ લાભ માટે જીવોના મન, બુદ્ધિ, ઇન્દ્રિય અને પ્રાણની રચના કરી છે.
એમ આ સૃષ્ટિની ઉત્પત્તિ સમયે પુરુષોત્તમ ભગવાને મૂળઅક્ષર સામી દૃષ્ટિ કરી અને મૂળઅક્ષરે સર્વ અક્ષરમુક્તો સામી દૃષ્ટિ કરી; ત્યારે તેમાંથી એક મુક્ત ઊભો થયો અને તે અનંત શક્તિને પામીને સૃષ્ટિની ઉત્પત્તિ અર્થે મહામાયા સાથે જોડાયો અને તે થકી અનંતકોટિ પ્રધાનપુરુષ પ્રગટ થાતા હવા. એ પ્રધાનપુરુષ થકી અનંતકોટિ બ્રહ્માંડો થાતાં હવાં અને એ સર્વેમાં પુરુષ જ તે પોતાની શક્તિએ કરીને સર્વને ધારી રહે છે. હવે જ્ઞાનીઓમાં,
(1) કેટલાક એમ સમજે છે જે, મહાપુરુષ તો અતિ ઉત્તમ મુક્ત છે; પુરુષોત્તમની મરજીને જાણનારા અને વચનના અદ્ધર ઝીલનારા અને પુરુષોત્તમની ઇચ્છાથી માયા સાથે જોડાયા છે પણ એને કોઈ પ્રકારનો રાગ નહોતો, એ તો કેવળ પુરુષોત્તમની પ્રસન્નતાર્થે આ સૃષ્ટિના કાર્યમાં જોડાયા છે.
(2) બીજા કેટલાક એમ જાણે છે જે, એ મહાપુરુષને કાંઈક અવ્યક્ત રાગ પણ હતો અને પુરુષોત્તમની મરજી પણ હતી, તેથી માયા સાથે જોડાયા.
(3) કેટલાક એમ સમજે છે કે, મહાપુરુષ માયા સાથે જોડાયા છે તે અક્ષર દ્વારા જોડાયા છે; પણ પુરુષોત્તમનારાયણ કોઈને માયા સાથે જોડતા નથી.
(4) વળી કેટલાક એમ સમજે છે જે, પુરુષોત્તમનારાયણ કોઈને પ્રવૃત્તિમાં જોડતા નથી; તેમને તો કેવળ પોતાની મૂર્તિનું સુખ જ આપવું છે. જે જે માયા સાથે જોડાય છે, તે તે પોતાના સદ્ આશયે કરીને જ જોડાય છે.
(5) અને તેમાં જે અતિ ઉત્તમ છે, તે એમ સમજે છે જે, જેમ પુરુષોત્તમ ભગવાન કોઈને પ્રવૃત્તિમાં જોડતા નથી, તેમ જ અક્ષરબ્રહ્મ પણ કોઈને પ્રવૃત્તિમાં જોડતા નથી; અક્ષરબ્રહ્મ તો સર્વને પોતાનું સાધર્મ્યપણું આપી, એક પુરુષોત્તમ-નારાયણની મૂર્તિમાં જ જોડે છે, કહેતાં અક્ષરરૂપ કરી અનંતને પુરુષોત્તમનારાયણની મૂર્તિના સુખને પમાડે છે. માટે જે જે માયા સાથે જોડાય છે, તે તે પોતાના સદ્આશય વડે જ જોડાય છે.
જેમ પુરુષોત્તમ ભગવાન સદા સર્વદા એક જ અને અદ્વિતીય વરતે છે; તેમ જ મૂળઅક્ષર પણ એક જ અને અદ્વિતીય છે અને એ બન્ને અનાદિ છે. માટે જેમ પુરુષોત્તમ ભગવાન જેવા, તો એક પુરુષોત્તમ ભગવાન કહેવાય; તેમને બીજી કોઈ ઉપમા ન ઘટે (ન દેવાય); તેમ જ મૂળઅક્ષર જેવા તો મૂળઅક્ષર એક જ છે, તે જેવા બીજા કોઈ મુક્ત ન કહેવાય. માટે જે જે મુક્તો અક્ષરરૂપ થઈ ગયા છે અને હવે થાશે એ સર્વે પુરુષોત્તમનારાયણના દાસ છે અને મૂળઅક્ષર પછી જ ગણનામાં આવે છે; કારણ કે, પુરુષોત્તમનારાયણ સમ્યક્ રીતે અક્ષરબ્રહ્મમાં દર્શાવાય છે અને તેવી જ રીતે અક્ષરમુક્તોમાં પણ દર્શાવાય છે, પરંતુ મુક્તોની હેત, માહાત્મ્ય જ્ઞાનની સ્થિતિના કહ્યા એવાં ઘણાં પ્રકારનાં અંગે તેમનાં સુખ, સામર્થ અને પ્રકાશમાં તારતમ્યતા મધ્યનાં 67માં વચનામૃત પ્રમાણે રહે છે. આવી અતિઉત્તમ મુક્તની સમજણ છે; આ વાત તે અધિક જાણવી. પ્રથમ જે ચાર પ્રકારની જ્ઞાનની સમજણ છે તે સર્વેને પોતપોતાની સમજણે કરીને પ્રકાર દેખાય છે અને તે તે ન્યૂનતા તેમણે મૂકવાની છે. એવી રીતે ઉત્તમ સ્થિતિ થાય છે ત્યારે જ તે મુક્તને સાક્ષાત્ પુરુષોત્તમનારાયણની મૂર્તિનું યથાર્થ મહાસુખ આવે છે; બીજાને તો જરાતરા પણ ભાવફેર રહી જાય છે અને અનંતકોટિ પુરુષ, અવતાર, ઈશ્ર્વર અને જીવોનાં કલ્યાણ માટે ઉત્પત્તિ સર્ગ ઊપજ્યાની એ રીત છે.’
અર્થ : ધન, સંપત્તિ.
માહાત્મ્ય : મહિમા, મહત્વ.
જરાતરા : નહિ જેવો-થોડો.
(32)
એકમેવાદ્વિતિયં બ્રહ્મ ।
(છાંદોગ્ય ઉપનિષદ : 6/2/1)
અર્થ :- એક જ અદ્વિતીય બ્રહ્મ.
એ શ્રુતિ અનુસાર મૂળપ્રકૃતિ અને મૂળપુરુષથી પર જે અધોઊર્ધ્વ અને પ્રમાણે રહિત અક્ષરધામ છે, તેમાં સદા વિરાજમાન પરબ્રહ્મ પુરુષોત્તમનારાયણ તે જ એક પરાત્પર સનાતન ભગવાન છે અને પરમ અદ્વિતીય કહેતાં એના જેવો બીજો કોઈ નથી તેવા છે. આવા પુરુષોત્તમનારાયણનું સનાતન અનાદિ દિવ્ય વ્યતિરેક મૂળસ્વરૂપ પંચાળાનાં ચોથા વચનામૃતમાં કહ્યું છે. વળી એ ભગવાનનું જે અક્ષરધામ છે તેવું બીજું કોઈ પણ સ્થાનક નથી કે, જેને એ ભગવાનના ધામની ઉપમા દેવાય અને એ ધામને વિશે રહ્યા જે મુક્ત તેમને જેવું સુખ છે, તેવું કોઈ બીજાને સુખ નથી કે, જેની એને ઉપમા દેવાય.
એ રીતે એ ભગવાન, તેનું ધામ, તેના મુક્તો, તેનું સુખ, એ સર્વ પુરુષપ્રકૃતિ પર્યંત જે કાંઈ છે તે સર્વથી અતિશે પર, જુદું અને વિલક્ષણ છે. એમ ધામી, ધામ, ને મુક્તનું સાદૃશ્યપણું બીજા કોઈની સાથે થઈ શકે તેમ નથી જ; કેમ જે, માયિક ને અમાયિક વિશે સાદૃશ્યપણું સંભવે જ કેમ ? માટે પુરુષપ્રકૃતિ પર્યંત વિજાતીય આકૃતિઓની ઉપમા પુરુષોત્તમ ભગવાન કે, એ ભગવાનના ધામને કે, તેમના મુક્તને દેવાય જ નહીં. આવી રીતે પરાત્પર પુરુષોત્તમનારાયણ શ્રી સહજાનંદસ્વામી, તેમનું અક્ષરધામ અને તેમના મુક્તો એ ત્રણ પુરુષપ્રકૃતિ આદિક સર્વ થકી પર અને પરમ અદ્વૈતપણે છે; કહેતાં એમના જેવા બીજા કોઈ નથી. આવા પુરુષોત્તમ ભગવાન, તેમનું ધામ અને તેમના અનાદિ મુક્તો જ્યારે આ બ્રહ્માંડમાં મનુષ્ય દેહધારી થાય છે ત્યારે તેઓ
તત્ પદ । , ત્વમ્ પદ । અને અસિ પદ ।
(વેદના 12 મહાવાક્યોનું એક વાક્ય (તત્ ત્વમસિ))
અર્થ :- તત્ એ પદ / ત્વમ્ એ પદ/ અસિ એ પદ.
ને ધારીને વરતે છે; છતાં તેઓ સ્વયં સ્વરૂપે ગુણાતીત જ હોય છે.
જે મુમુક્ષુ જીવાત્મા, સંત સમાગમ કરી સાંખ્ય વિચારને પામી, પ્રકૃતિજન્ય ગુણોનો ત્યાગ કરી, પરાત્પર પુરુષોત્તમનારાયણના સ્વરૂપનું યથાર્થ માહાત્મ્યે સહિત જ્ઞાનદર્શન કરે છે, ત્યારે એ જીવને ભગવાનનો સંબંધ થયો કહેવાય છે. એવા મુમુક્ષુ આત્માની દૃષ્ટિમાંથી જ્ઞાને કરીને જ્યારે માયાકૃત ગુણોનાં કાર્યનો લય થાય છે ત્યારે જ તેણે માયાના આવરણને ભેદ્યું કહેવાય. એવા મુક્તને સાક્ષાત્ ધામરૂપ મૂળઅક્ષરનાં દર્શન અને સંબંધ અને જ્ઞાન વડે માયાનું કપટ નાશ પામતાં, તે સનાતન અક્ષરબ્રહ્મરૂપ બને છે અને અક્ષરધામ અને પુરુષોત્તમને જેવો નિત્ય સંબંધ છે તેવો તે મુક્તને લહ્યામાં આવે છે અને ત્યારે જ તે મુક્તને પરાત્પર પુરુષોત્તમનારાયણનું સાક્ષાત્ દર્શન પોતાના હૃદયાકાશને વિશે થાય છે.
આંહીં આશંકા થાય જે, મુક્ત અને પુરુષોત્તમનારાયણની વચ્ચે અક્ષરધામને લાવવાની શી જરૂર હશે ? તેનો ઉત્તર એ છે જે, ‘અક્ષરધામમાં જે મુક્તો પુરુષોત્તમની સેવામાં રહ્યા છે તે સર્વે અક્ષરના સાધર્મ્યપણાને પામેલ છે. શાસ્ત્રાનુસાર જે લોકમાં રહેવું હોય તે લોકના પ્રધાનતત્ત્વ પ્રમાણે તે ધામમાં રહેનારાનો દેહ થાય છે. જેમ કે વરુણ લોકમાં રહેનારાનો દેહ જળરૂપ હોય છે; અગ્નિલોકમાં રહેનારાનો દેહ અગ્નિરૂપ, સૂર્યલોકમાં વસનારાનો દેહ સૂર્યરૂપ, વાયુલોકમાં રહેનારાનો દેહ વાયુરૂપ હોય છે. એમ તે તે લોકમાં રહેનારાનો દેહ તે તે લોકના તત્ત્વરૂપ ન હોય તો ત્યાં રહી શકાતું જ નથી. તેમ અક્ષરધામમાં રહેનારા મુક્તોને પુરુષોત્તમને પામીને તેમની સેવામાં રહેવા પૂર્વે અક્ષરબ્રહ્મના સાધર્મ્યપણાને પામવું પડે છે. જ્યારે જીવાત્મા અક્ષરબ્રહ્મરૂપ થાય છે, ત્યારે જ તે અક્ષરધામમાં પુરુષોત્તમનારાયણની સેવામાં રહી શકે છે.
આમ જે સનાતન અનાદિ મૂળઅક્ષર છે તેમના સાધર્મ્યપણાને જીવાત્મા પામે છે, ત્યારે જ તેનો અક્ષરધામમાં વાસ થાય છે. અક્ષરધામમાં અક્ષરબ્રહ્મના સાધર્મ્યપણાને પામેલ અનંતકોટિ મુક્તો છે તે સર્વેને અક્ષર સંજ્ઞા લાગુ પડે છે; પરંતુ તે સર્વેના કારણ સ્વરૂપે વિદ્યમાન જે મૂળઅક્ષર તે તો એક જ છે. એ જે મૂળઅક્ષર તે જ અનંતકોટિ મૂળપુરુષોના પ્રેરક અને અક્ષરમુક્તોના આધાર છે અને તે જેવા તો તે એક જ હોવાથી અદ્વિતીય ગણાય છે. એવા જે મૂળઅક્ષર તે થકી પણ પર અને અતિ અપાર અને તેમને પણ ઉપાસ્ય અને ભજનીય એવા તો એક પરબ્રહ્મ શ્રી પુરુષોત્તમનારાયણ છે અને તેથી તે તો પરમ અદ્વિતીય છે.
અર્થ : ધન, સંપત્તિ.
અધોઊર્ધ્વ : નીચે-ઉપર.
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
પર્યંત : ત્યાં સુધી, જેટલી.
સાદૃશ્યપણું : સરખાપણું, સમાનપણું,
લહ્યામાં : અનુભવમાં, માણવામાં.
(33) પરાત્પર એવા જે પુરુષોત્તમનારાયણ તે જ્યારે પોતાના અક્ષરધામ સહિત પૃથ્વી ઉપર મનુષ્યદેહ ધરે છે, ત્યારે જીવપ્રાણીમાત્રને તે સાકારરૂપે દૃષ્ટિગોચર થાય છે. એ સ્વરૂપને વ્યતિરેક સ્વરૂપ તરીકે આંહીં ઓળખાવી શકાય છે અને સામાન્યપણે મનુષ્યાકાર સ્વરૂપથી જુદા સ્વરૂપે તેમનું દર્શન કરાવી શકાતું નથી. પોતાની સ્વેચ્છાથી જુદા સ્વયં દર્શન આપવાને સદા શક્તિમાન છે, એવા પરાત્પર મૂર્તિમાન પુરુષોત્તમ ભગવાન અક્ષરધામમાં સ્વયં વિરાજી રહેલા છે અને તેથી અક્ષરથી જુદા વર્ણવી શકાતા નથી કારણ કે, પુરુષોત્તમનારાયણ અને મૂળઅક્ષર વચ્ચેના સમ્યક્ તાદાત્મ્યકભાવ સંબંધે કરીને અને પુરુષોત્તમનારાયણની સર્વ વહેવાર સત્તા મૂળઅક્ષર દ્વારે જ શાસ્ત્રકારોથી કલ્પાયેલ છે, તેથી તે બન્નેનો બીજી કોઈ રીતે મજિયારો વહેંચી શકાતો નથી. ફક્ત તત્ત્વ જ્ઞાનના વિચારમાં એટલું જ કહી શકાય છે જે, મૂળઅક્ષર પર્યંત એ સૌ પુરુષોત્તમ ભગવાનને આધીન છે, અને એ પુરુષોત્તમ ભગવાન સૌથી પર અને એક અને પરમ અદ્વિતીય છે. જેના ઉપર ભગવાન કૃપા કરે છે તે જ એ અંતર્ગત ભેદ જોઈ શકે છે.
પછી બે મણિની વાત કરી કહ્યું જે, એક મણિને ઠેકાણે તો મૂળઅક્ષરને સમજવા કે, જેની કિંમત થઈ શકતી નથી; અને બીજા મણિને ઠેકાણે તો પરબ્રહ્મ પુરુષોત્તમનારાયણ છે ને તે જેવો થાવાને મૂળઅક્ષર પર્યંત કોઈ સમર્થ નથી. એમ એ બન્ને દૃષ્ટાંતે તે બન્નેની અદ્વિતીયતા સમજવી. આવી જે જ્ઞાન સમજણ તે જ શ્રીજીમહારાજનો અક્ષરમત છે. એ જ પરમ અદ્વૈત કે પરમાદ્વૈત સિદ્ધાંત છે. આ મત મુજબ મૂળઅક્ષર અને પુરુષોત્તમ ભગવાન વચ્ચે જ્ઞાનભાગમાં સેવક-સેવ્ય, ધાતા-ધ્યેય, કે શરીર-શરીરી સંબંધ હોવા છતાં, તેમના ગુણ, વૈભવ, ઐશ્ર્વર્ય, કર્તુમ્-અન્યથાકર્તુમ્ શક્તિ આદિક અનંત દિવ્ય ગુણો અને કલ્યાણકારી ઐશ્ર્વર્યનો મજિયારો કે, ભાગ વહેંચી શકાતો જ નથી. એ બે વચ્ચે તો પરમ અદ્વૈતભાવ નિત્ય વરતે છે. અરે ! મુક્ત અને પુરુષોત્તમને એવો સંબંધ છે, તો મૂળઅક્ષર અને પુરુષોત્તમને તેવો નિત્ય સંબંધ હોય તેમાં શું આશ્ર્ચર્ય હોય ? એ તો સદા સર્વદા છે જ.
આવા જે મૂળઅક્ષર તેનું સાધર્મ્યપણું પામવા માટે તેનો પ્રગટ સંબંધ જીવને જોઈએ. સર્વત્ર વ્યાપક બ્રહ્મ, જડ-ચેતન સર્વને વિશે વ્યાપી રહેલ છે; પરંતુ તે વડે જીવ બ્રહ્મરૂપ થઈ શકતો નથી; જેમ લાકડામાંનો અગ્નિ બહારના સાક્ષાત્ અગ્નિના યોગ વગર તેને બાળવાને સમર્થ થાતો નથી, તેમ નિરાકાર અને પરોક્ષ બ્રહ્મના જ્ઞાન વડે જીવનો જીવભાવ ટળતો નથી અને કોઈ બ્રહ્મરૂપ થાતું નથી. પ્રગટ પરબ્રહ્મ કે, બ્રહ્મ કે, બ્રહ્મરૂપસંતના પ્રગટ સ્વરૂપમાં ધારણા, ધ્યાન ને સમાધિ વડે તેના જેટલા ગુણ, ઐશ્ર્વર્ય, સ્વભાવ, સુખ આદિક જે જે હોય તે સર્વે તે સંયમીમાં આવે છે; ત્યારે તે સાધર્મ્યપણાને પામ્યો કહેવાય છે.
સ્વયં શ્રીજીમહારાજનો પ્રબળ પ્રતાપ છે કે, પોતાના સાક્ષાત્ સંબંધમાં આવેલને બ્રહ્મરૂપ કરી અક્ષરધામ પમાડે છે માટે ઉપર કહ્યો એવો જે મૂળઅક્ષર અને પુરુષોત્તમનો પરમ અદ્વૈત સંબંધ જે ભક્ત સમજીને મૂળઅક્ષરના સાધર્મ્યપણાને પામે છે, તેને સર્વ પ્રકારે મૂળઅક્ષરની જેમ જ પુરુષોત્તમ ભગવાનની મૂર્તિનું સુખ આવે છે. એમાં જેટલી ઊણપ તેટલી સુખ, સામર્થ્ય ને પ્રકાશમાં પણ તારતમ્યતા રહે છે. જેઓ મૂળઅક્ષરના સ્વરૂપને નથી સમજતા તેઓ શ્રીજીમહારાજના સ્વરૂપને પણ સંપૂર્ણ માહાત્મ્યસહ વર્તમાન જાણી શકતા નથી અને તેથી પુરુષોત્તમનારાયણના સમ્યક્ સુખને પામવામાં તેમને ઘણી ઊણપ રહી જાય છે. કોટિ કલ્પ સુધી ઊંધે માથે તપ કરીને સુકાઈ જાય તો પણ જે મૂળઅક્ષરનાં સ્વપ્નમાંય દર્શન થાય નહિ, તે આજ આ સાક્ષાત્ વાતું કરે છે. જેમ શ્રીજીમહારાજ પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ-નારાયણ છે તે તેવા જ પ્રસિદ્ધ થાશે, તેમ અમે પણ અક્ષરબ્રહ્મ-અક્ષરધામ છીએ તે તેવા જ પ્રસિદ્ધ થાશું. અમારો અને પુરુષોત્તમ વચ્ચેનો જે પરમ અદ્વૈત સંબંધ, તે તો કોઈકના જ લહ્યામાં આવે તેવો છે, કદાચ કોઈ બીજાને મૂળઅક્ષર ઠરાવશે તો પણ શું ?
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
નિરાકાર : પોતાને ત્રણ દેહના માયિકભાવથી રહિત અર્થાત નિરંજન ને કેવળ બ્રહ્મભાવે આત્મારૂપ માનવું.
કોટિ : કરોડ.
કલ્પ : આપણાં ચાર અબજ બત્રીશ કરોડ વર્ષનો સમય - બ્રહ્માનો એક દિવસ (પણ રાત નહિ)
લહ્યામાં : અનુભવમાં, માણવામાં.
(34) ભગવાનના સ્વરૂપનું નિરૂપણ તો જેવું શ્રીજીમહારાજને આવડે તેવું બીજા અનેક શાસ્ત્રીઓ ભેગા થાય તો પણ તેવું નિરૂપણ ન થાય. શાસ્ત્રોમાં ક્યાંક જ્ઞાન પ્રધાન, ક્યાંક કર્મ પ્રધાન, ક્યાંક ભક્તિ પ્રધાન માની છે અને તે સર્વે બહુ તો બહુ મહાપુરુષને બ્રહ્મ ને પુરુષોત્તમ કહે છે અને તેની અંદરના સ્વરૂપોસંબંધી નિરૂપણ કરે છે. માટે શ્રીજીમહારાજનો જે અક્ષરમત તે તો આ વખતે શ્રીજીમહારાજ થકી જ પ્રવર્ત્યો છે. સંપ્રદાયની બાંધણીમાં શ્રીજીમહારાજે ‘વિશિષ્ટાદ્વૈત’ મતને માન્ય ગણ્યો છે અને તે મુજબ જડ ચિદ્ છે શરીર જેનું એવા, પણ તે સર્વથી ન્યારા, સર્વશક્તિ, ઐશ્ર્વર્ય, સામર્થી, પ્રતાપ આદિક અનંત અપાર શુભગુણે યુક્ત પુરુષોત્તમનારાયણ, મૂળઅક્ષર-અક્ષરબ્રહ્મ અને અનંત અક્ષરમુક્તગણથી અખંડ સેવાયેલ થકા અક્ષરધામમાં સદા સર્વદા વિરાજમાન રહે છે, એ ‘વિશિષ્ટાદ્વૈત’નો સામાન્ય અર્થ થયો.
પરંતુ અક્ષરબ્રહ્મ કે જેનો સ્વભાવ જ અધ્યાત્મ છે એટલે કે, જેને કેવળ પરબ્રહ્મ પુરુષોત્તમનારાયણનો નિત્યસિદ્ધ સંબંધ છે, તે અક્ષરબ્રહ્મ અને પુરુષોત્તમ-નારાયણ વચ્ચેનો પરમ અદ્વૈતભાવ શ્રીજીમહારાજે અધ્યાત્મજ્ઞાન વિચારમાં અતિ સૂક્ષ્મપણે પ્રતિપાદન કરેલ છે. તેથી સૂક્ષ્મ રીતે જોતાં ભક્તિમારગમાં અક્ષરબ્રહ્મ વિશિષ્ટ પુરુષોત્તમ કે સ્વામી વિશિષ્ટ નારાયણ, એમ અક્ષરબ્રહ્મ અને પુરુષોત્તમ વચ્ચેની પરમ ઐક્યતા, કહેતાં સર્વ પ્રકારે તાદાત્મ્યકપણાને સિદ્ધ કરનાર ભક્તે સહિત શ્રીજીમહારાજનું ‘સ્વામિનારાયણ’ નામ બહુ જ સાર્થક છે. વળી અક્ષરબ્રહ્મના સાધર્મ્યપણાને પામેલ અનંત અક્ષરમુક્તો પુરુષોત્તમ ભગવાનનાં સ્વરૂપમાં એવી જ રીતે તાદાત્મ્યકપણાને પામી અદ્વૈતભાવે વરતે છે અને અનવધિકાતિશય સચ્ચિદાનંદની પરમ સ્થિતિ અખંડ અનુભવે છે, તેથી અક્ષરબ્રહ્મ અને અક્ષરમુક્તોથી વિશિષ્ટ પુરુષોત્તમનારાયણ
એકમેવાદ્વિતિયં બ્રહ્મ ।
(છાંદોગ્ય ઉપનિષદ : 6/2/1)
અર્થ :- એક જ અદ્વિતીય બ્રહ્મ.
સદા સર્વદા પર વરતે છે. એ રીતે મૂળઅક્ષર અને પરાત્પર શ્રી પુરુષોત્તમ ભગવાન તે બેના સ્વરૂપમાં; સાક્ષાત્ સંબંધે યુક્ત મુક્તિ મેળવવાના હેતુરૂપ શ્રીજીમહારાજનો આ પરમ ‘વિશિષ્ટાદ્વૈત’ શ્રી રામાનુજાચાર્યના મતથી છેક ભિન્ન અને ઉત્તમોત્તમ છે, માટે શ્રી રામાનુજાચાર્યના અનુયાયીઓ આપણને તેમના મતને માનનારા નથી માનતા; કેમ જે, આપણી સમજણ તેમના જેવી નથી.
નિરૂપણ : બરોબર વર્ણવવું, યથાર્થ વર્ણન
અક્ષરમત : અવિનાશી અભિપ્રાય, શ્રી અક્ષરપુરુષોત્તમ ઉપાસના ઉદ્બોધિત જ્ઞાનવિભાગ/ગુણાતીતજ્ઞાનનો સિદ્ધાંત.
અર્થ : ધન, સંપત્તિ.
અનવધિકાતિશય : જેની અવધિ નથી એવું વિશાળ, અમર્યાદ, અપાર, અનંત.
(35) અધ્યાત્મવાર્તામાં પુરુષોત્તમ ભગવાન, મૂળઅક્ષર-અક્ષરબ્રહ્મ, માયા, ઈશ્ર્વર અને જીવ એ પાંચના અન્વય, વ્યતિરેકપણાની વિક્તિ યથાર્થ સમજાતી નથી, તેથી ભ્રમી જવાય છે. સામાન્ય રીતે જીવ, ઈશ્ર્વર, માયા ને બ્રહ્મ એ ચાર ભેદમાં શંકા થાતી નથી; પણ પાંચમો ભેદ સમજી શકાતો નથી. શાસ્ત્રો બહુધા મૂળપુરુષને જ પુરુષોત્તમબ્રહ્મ કે અક્ષરબ્રહ્મ તરીકે વર્ણવે છે.
દ્વાવિમૌ પુરુષૌ લોકે ક્ષરશચાક્ષર એવ ચ ।
ક્ષર: સર્વાણિ ભૂતાનિ કૂટસ્થોડક્ષર ઉચ્યતે ।।
(ભગવદ્ ગીતા : 15/16)
અર્થ :- આ લોકમાં ક્ષર-નાશવંત અને અક્ષર-અવિનાશી એવા બે પુરુષો છે. તેમાં સર્વ ભૂતો એ નાશવંત પુરુષ છે. તેમનામાં રહેલો જે અંતર્યામી (કૂટસ્થ) પુરુષ તે અક્ષર-અવિનાશી કહેવાય છે.
કૂટસ્થને અક્ષર કહે છે; આ મૂળપુરુષ અક્ષરબ્રહ્માત્મક છે તેથી તેને અક્ષરબ્રહ્મ પણ કહેલ છે.
પ્રથમનાં 63માં વચનામૃતમાં કહ્યું જે, પ્રધાન અને પુરુષનું કારણ મૂળપ્રકૃતિ અને બ્રહ્મ છે. ત્યાં મૂળપુરુષને મહારાજે બ્રહ્મ કહ્યા અને પ્રકૃતિપુરુષાદિક સર્વેનું કારણ અક્ષરબ્રહ્મ છે અને તે અક્ષરબ્રહ્મ તો પુરુષોત્તમ ભગવાનનું ધામ છે ને તે મૂર્તિમાન છે. આમાં જે અક્ષરબ્રહ્મ કહ્યા તે મૂળઅક્ષરને કહ્યા. મધ્યનાં 31માં વચનામૃતમાં મૂળપુરુષને નિરન્નમુક્ત, બ્રહ્મ, માયાના કારણ, માયાથી નિર્બંધ, બ્રહ્મસુખે સુખિયા ને પૂર્ણકામ કહ્યા છે. આમ જ્યાં મહારાજે શાસ્ત્રની રીતે વાત કરી હોય, ત્યાં ચોથો ભેદ જે બ્રહ્મ તે મૂળપુરુષને કહ્યા હોય છે અને પાંચમા ભેદમાં મૂળઅક્ષર અને પુરુષોત્તમને એકપણે ગણી પુરુષોત્તમ કહ્યા હોય છે.
વળી જૂના ‘વચનામૃત’માં મહારાજે કહ્યું છે કે, પંચભૂત, દશ ઇન્દ્રિયું, ચાર અંત:કરણ, ચૌદ ઇન્દ્રિયુંના દેવતા, ત્રણ અવસ્થા, ત્રણ ગુણ, પંચકોશ એ સર્વે સોતું જ્યારે જીવનું સ્વરૂપ કહે છે, ત્યારે વાચ્યાર્થ સમજ્યામાં આવે છે; જ્યારે વાચ્યાર્થનો ત્યાગ કરીને જીવને અચ્છેદ્ય, અભેદ્ય, નિત્ય, પૂર્ણ, સચ્ચિદાનંદ, પુરાણ, અવ્યય એવે લક્ષણે કરીને શાસ્ત્રને વિશે જીવના લક્ષ્યાર્થ સ્વરૂપને કહે છે, ત્યારે વાંચનારની ને સાંભળનારની બુદ્ધિ ભ્રમી જાય છે; કેમ જે, બુદ્ધિની જડતાએ કરીને જીવના લક્ષ્યાર્થ કે વ્યતિરેક સ્વરૂપને વિશે ઈશ્ર્વરનું ભાન થાય છે અથવા બ્રહ્મનું ભાન થાય છે કાં પુરુષોત્તમની ભ્રાંતિ પડે છે; પણ યથાર્થ સમજાતું નથી. એવી જ રીતે જ્યારે સચ્ચિદાનંદ, પૂર્ણ, અદ્વૈત આદિક અનંત વિશેષણે કરીને ઈશ્ર્વરના લક્ષ્યાર્થ સ્વરૂપનું વર્ણન આવે, તો પણ તેને ઈશ્ર્વરનું વ્યતિરેક સ્વરૂપ સમજવું અને પ્રાકૃતપ્રલયને અંતે જે સ્વરૂપનું વર્ણન આવે તેને બ્રહ્મનું સ્વરૂપ જાણવું અને તેથી પર જે સ્વરૂપનું વર્ણન આવે તેને પરબ્રહ્મનું સ્વરૂપ જાણવું અને જીવ, ઈશ્ર્વર, બ્રહ્મ ને પરબ્રહ્મનો વિવેક જાણવો, આમ મહારાજે વૈરાટાદિક ઈશ્ર્વરથી પર જે બ્રહ્મ કહ્યા તે મૂળપુરુષને કહ્યા છે.
હવે પાંચમો ભેદ તે પરબ્રહ્મ કે પુરુષોત્તમનો છે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સદા સાકાર દિવ્યમૂર્તિ પરમ અદ્વિતીય, કહેતાં જેની તુલ્ય બીજો કોઈ નથી અને અવર્ણનીય કહેતાં જેનું વર્ણન થઈ શકતું જ નથી, એવા શ્રી સહજાનંદસ્વામી અને મૂળઅક્ષરને સ્વામીસેવકભાવે અખંડ સંબંધ છે અને તેવો સંબંધ અક્ષરમુક્તો અને પુરુષોત્તમને સદૈવ વરતે છે. આમ પુરુષોત્તમ, અક્ષરધામ અને મહા અક્ષરમુક્તો, તે સર્વે સાકાર, અતિ દિવ્ય, અતિ સૂક્ષ્મ અને એકબીજાના અંતર્યામી તથા એકરૂપે કે બહુરૂપે વરતી શકે તેવા પુરુષોત્તમ આકારે અખંડ વિરાજી રહેલ છે. તેમના વચ્ચે સ્વામી-સેવક કે, ધાતા-ધ્યેય કે શરીર-શરીરીભાવ કઈ રીતે છે તે પણ મન-વાણીમાં સમજાવી શકાય તેવો નથી. અક્ષરધામમાં સર્વે બ્રહ્મરૂપે જ છે. ભેદ તો પ્રકૃતિપુરુષથી શરુ થાય છે; કેમ જે, તે ઉત્પતિ સર્ગના કારણ બ્રહ્મ છે. તેથી ચોથો ભેદ મૂળપુરુષથી જાણવો.
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
ધાતા-ધ્યેય : સર્જનહાર-કરવા યોગ્ય આદર્શ લક્ષ્ય.
(36) આ પંચભૂતનું શરીર વાસના વડે જ ઉત્પન્ન થયું છે અને તેથી સર્વ અનર્થનું કારણ, શુભ અને અશુભ એમ બે પ્રકારની વાસના છે. અશુભ વાસના એ જે, અનાત્મા જે દેહ, ગેહાદિક તેમાં અહંમમત્વ કરવો અને તે વડે સંસૃતિમાં ભમવું. શુભ વાસના વડે આત્મા સ્ફુરાયમાન થાય છે અને મહાજ્ઞાની મુક્તને પણ અક્ષરધામમાંથી હઠાવી દે છે. આ ઉપર મહારાજે વાત કરી હતી. સં.1883ના પોષ વદિ અષ્ટમીના રોજ મંદવાડમાં ઇચ્છારામભાઈએ મહારાજની હાજરીમાં દર્શન કરતાં થકા દેહત્યાગ કર્યો. પછી એક કિનખાબ ને જરીથી વીંટેલું વિમાન કરાવી, તેમાં ઇચ્છારામભાઈના દેહને પધરાવીને અગ્નિસંસ્કાર માટે ઘેલાને કાંઠે ત્રીજા ઓરિયાથી ઊગમણી જાયગાએ ગયા અને સુખડ, કપુર, નાળિયેર, ઘી, વગેરેથી રઘુવીરજી મહારાજે ઇચ્છારામભાઈના દેહને અગ્નિસંસ્કાર કર્યો. આ વખતે એક ખીજડાના ઝાડ આગળ પાળાની ચોકીનો ઓટો છે, તે સ્થળે મહારાજ ઉતરાદે મુખારવિંદે વિરાજમાન થયા અને ઉદાસપણે આ સંસારનાં નાશવંતપણાની વાત કરવા લાગ્યા.
તે સમે ગોપાળાનંદસ્વામીએ અને મુક્તાનંદસ્વામીએ મહારાજને કહ્યું જે, ‘હે મહારાજ ! દરબારમાં તમે પરમ દિવસ જે વાત કરી હતી, તે સાંભળવાની અમારે સર્વને ઇચ્છા છે; તો કૃપા કરીને તે વાત કહો.’ ત્યારે મહારાજે કહ્યું જે, ‘એ વાત તો કરામત છે અને ધર્મનિષ્ઠા, ભક્તિનિષ્ઠા, આત્મનિષ્ઠા, બ્રહ્મનિષ્ઠા, યોગનિષ્ઠા ને સમાધિનિષ્ઠા અને ભગવાનની સ્વરૂપનિષ્ઠા, એ સર્વે આ એક વાતમાં આવી જાય છે; માટે સૌ ધ્યાન દઈને સાંભળો.
દરબારમાં અમને પ્રશ્ર્ન પૂછ્યો હતો જે, ‘બદ્ધમાંથી મુક્ત થાય છે અને મુક્તમાંથી બદ્ધ થાય છે, તે શેણે કરીને થાય છે ?’ ત્યારે અમે કહ્યું કે, અનંતકોટિ સૃષ્ટિનો સ્વામી જે મૂળપુરુષ તે થકી પર જે અમારું અક્ષરધામ, તેને વિશે સ્વરાટ્ થકા અનંતકોટિ મુક્ત અને મૂળઅક્ષરે સેવાયેલ થકા અમે સદા સર્વદા અખંડ વિરાજમાન રહીએ છીએ અને તે મૂળઅક્ષર જે તે અનંતકોટિ બ્રહ્માંડના આધાર છે અને ધામરૂપે બ્રહ્મમહોલ છે અને બીજે રૂપે મૂર્તિમાન સાકાર સ્વરૂપે અમારી અખંડ સેવામાં રહ્યા છે. આ જે મૂળઅક્ષર તેને જ મૂળઅક્ષરની ઉપમા દેવાય; પણ બીજી કોઈ ઉપમા તેને સંભવતી નથી.
હવે અનેક જન્મથી કારણ શરીરે યુક્ત જે આ જીવ તેને અનાદિ કાળથી માયા વળગી છે. જ્યારે એ જીવ સાચા સદ્ગુરુને શરણે થાય છે અને અમારાં વચન ને ધ્યાન વડે તેનું કારણ શરીર ટળી જાય છે, ત્યારે તે ભેળું માયારૂપી જે બદ્ધપણું તે પણ ટળી જાય છે અને તે જીવ સાકાર બ્રહ્મમય થઈને ભગવાનના સ્વરૂપને પામે છે અને બદ્ધ મટીને મુક્ત થાય છે પરંતુ જ્ઞાનેયુક્ત અનેક સાધન કરતે સતે કોઈને, બ્રહ્મજ્ઞાનના અહંપણાની, કોઈને સ્વરૂપનિષ્ઠાની, કોઈને દયાનિષ્ઠાની અને કોઈને સત્યપણાની એવી ચાર પ્રકારની નિષ્ઠાના બળનું અહંપણું રહી જાય છે અને ભગવાનના અક્ષરધામમાં અનંતપ્રકારના મુક્ત છે, તેમાં આ ચાર પ્રકારના મુક્ત પ્રધાન છે.
તેમાં એકને ભગવાનનાં સ્વરૂપનાં બળથી એવું અહમ્ રહે છે કે, ભગવાન હુકમ કરે તો અધર્મનો નાશ કરી અનંત બ્રહ્માંડમાં બદ્ધ જીવોને મુક્ત દશાને પમાડી દઉં !
અને સ્વરૂપનિષ્ઠાવાળા મુક્તને એવું રહે છે કે, જો ભગવાન હુક્મ કરે તો અનંત પ્રકારની માયાથી વીંટાણા જે અનંત ઈશ્ર્વરો તેમને બદ્ધરૂપી જે ઈશ્ર્વરતા તેનો ત્યાગ કરાવી, ભગવાનનાં સ્વરૂપને વિશે નિષ્ઠાની પ્રાપ્તિ કરાવી ભગવાનના ચરણારવિંદને વિશે મૂકી દઈ મુક્તદશાને પમાડી દઉં !
અને દયાનિષ્ઠાવાળા મુક્તને એવું રહે છે કે, જો ભગવાન હુકમ કરે તો અનંતપ્રકારના જીવ, ઈશ્ર્વર અને અનંત બ્રહ્માંડોને વિશે માયા શબલિત બ્રહ્મરૂપ સિદ્ધદશાવાળાના બદ્ધપણારૂપ જે માયાનું જાળું તેને તોડીને તે સર્વેને મુક્તદશાને પમાડી દઉં !
અને સત્યપણાની નિષ્ઠાવાળા મુક્તને એવું રહે છે કે, જો ભગવાન હુક્મ કરે તો અસત્યરૂપ એવો જે અનંતકોટિ બ્રહ્માંડોની ઉત્પત્તિરૂપ સર્ગ, તેને મિથ્યા સમજાવીને સત્યરૂપ એવા જે ભગવાન તેના સમીપપણાને પમાડી દઉં !
આવી રીતે એ ચારે પ્રકારના મુક્તને એવી સત્યસંકલ્પ સિદ્ધ કરવારૂપ પ્રેરણા ઉદ્ભવે છે. હવે જેમ આંહીં દેહધારીને જ્યારે વાયુનું વમળ ચડે છે, ને જ્યારે તેને વમન2 થાય છે ત્યારે જ તેને નિરાંત થાય છે; તેમ ઉપર કહ્યા એવા જે મુક્ત તેમને જ્યારે કહ્યા એવા સંકલ્પરૂપ વમળ ચડે છે, ત્યારે જેમ દેહધારી જીવ વમન કરવા સુંદર જાયગાને છોડીને બીજી જાયગાએ જાય છે, તેમ એ ચાર પ્રકારના મુક્ત એ સંકલ્પરૂપી વમળના ભ્રમણથી દોડે છે અને એ સંકલ્પરૂપી વમળને ઓકવા માટે સ્વત: (જાતે જ) અક્ષરધામમાંથી ઊખડીને બહાર પડી જાય છે; તેમાં કેટલાક તો પ્રધાનપુરુષરૂપે થાય છે ને કેટલાક તો બ્રહ્મરૂપ ઈશ્ર્વરો થાય છે અને કેટલાક તો ભગવાનના સ્વરૂપમય અવતારો થાય છે અને કેટલાક તો નારદ, વ્યાસ, દત્તાત્રેય, કપિલ વગેરે સંતરૂપે પ્રગટ થાય છે અને અનેક જીવ-ઈશ્ર્વરોનું માયારૂપ જે બદ્ધપણું તેનો નાશ કરવારૂપ ઉદ્યમમાં પ્રવર્તે છે.
એવી રીતે ધામમાં પહોંચેલ મુક્તને પણ ભગવાનની મૂર્તિના ઉપભોગ વિના એ ચાર પ્રકારના સત્ય સંકલ્પરૂપી વમળ નડે છે ને મુક્તપણામાંથી બદ્ધપણાને પમાડી દે છે. તે શું ? તો અમારા અક્ષરધામને છોડીને બીજા બ્રહ્માંડોને વિશે તેમને જવું પડે છે; એ જ બદ્ધપણું છે. જેમ જડભરતને મૃગલું નડ્યું, તેમ દયા આદિક વાસના પણ અક્ષરધામને વિશે નડ્યા વગર રહેતી જ નથી, તે તમો નિશ્ર્ચય માનો! પરંતુ બદ્ધ થયેલા એ જે મુક્તો તેમાં એટલું તો જોર છે કે, પોતાનું ક્રિયમાણ કરી રહ્યા હોય, ત્યારે તેને બદ્ધપણાની સ્મૃતિ થઈ આવ્યે સતે, તે પોતાની મુક્તદશાને સંભારતો થકો અને તે સંકલ્પરૂપી વાસનાનો ત્યાગ કરતો થકો ભગવાનના અક્ષરધામમાં ચાલ્યો જાય છે અને એ રીતે બદ્ધ મટીને મુક્ત થાય છે અને ભગવાનના સુખને ભોગવે છે.
માટે હે મુક્તાનંદસ્વામી ! તમે સર્વે આ વાત બરાબર સમજી કરીને સર્વ પ્રકારના શુભાશુભ સંકલ્પોને તોડીને, કેવળ અમારા જ સ્વરૂપમાં જોડાવાનો આગ્રહ રાખજો. હે સંતો ! આ સંસાર જ નાશવંત છે ને કોઈના દેહ રહ્યા નથી અને રહેશે પણ નહીં. એક વખત આ પૃથ્વીનો પણ પ્રલય થાવાનો છે ને બ્રહ્માંડનો પણ નાશ થાવાનો છે; ભગવાનની કાળરૂપ શક્તિ જ એવી છે માટે અક્ષરધામને વિશે કેવળ નિષ્કામભાવે બ્રહ્મરૂપે અમારા સ્વરૂપના આશ્રય વડે મુક્તદશાને પામશે તેને જ ફરી દેહ ધારણ કરવો નહિ પડે.’ એવી રીતે વાતું કરી, ત્યાં ઇચ્છારામભાઈના દેહનો અગ્નિસંસ્કાર થઈ રહ્યો અને ઉન્મત્તગંગાને વિશે સ્નાન કરીને સૌ સાથે મહારાજ દરબારમાં પધાર્યા.
(સંવત 1918 ના ચાતુર્માસમાં ધ. ધુ. આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ જૂનાગઢ પધાર્યા હતા, તે સમયે સ્વામીએ કહેલ વાતો આ પ્રકરણમાં ટૂંકમાં લખેલ છે. વધુ વિસ્તાર માટે ‘સ્વામી શ્રી જાગા ભક્તની વાતો’ વાંચવી.)