(૧) માણાવદરમાં મયારામ ભટ્ટને ઘેર રામાનંદસ્વામીને પઠાણે પૂછ્યું જે, ‘તમને આ લોક સર્વે અલ્લા કહે છે, તે તમે અલ્લા છો ?’ ત્યારે રામાનંદસ્વામી તે પઠાણ પ્રત્યે બોલ્યા જે, ‘અમે તો ફકીર છીએ, પણ અલ્લાની આજ્ઞાએ કરીને અલ્લાની ગાદીએ બેઠા છીએ.’ ત્યારે મહારાજે પોતાની દૃષ્ટિમાત્રે કરીને તે પઠાણને સમાધિ કરાવી. ને તે સમાધિ વિશે પોતાની સ્તુતિ કરતા જે સર્વે પેગંબર તથા રામાનંદસ્વામી તથા સર્વે અવતાર, એ સર્વેનાં દર્શન સમાધિને વિશે કરાવ્યાં ને તે સર્વેને પોતાની મૂર્તિને વિશે લીન કરી દેખાડ્યા. પછી શ્રીજીમહારાજે પોતાની દૃષ્ટિમાત્રે કરીને તે પઠાણને જગાડ્યો. પછી તે પઠાણ રામાનંદસ્વામી પ્રત્યે બોલ્યો જે, ‘તમારા હિંદુમાં એવો અન્યાય કેમ છે જે, મોટા છે તે હેઠા બેઠા છે ને છોટા છે તે ઊંચા બેઠા છે ?’ ત્યારે રામાનંદસ્વામીએ કહ્યું જે, ‘અમારે હિંદુમાં એવો ધારો છે જે, રામચંદ્રજી હેઠા બેસતા ને રામચંદ્રજીની આજ્ઞાએ કરીને વસિષ્ઠ ઊંચા બેસતા; તેમ અમે પણ આ નીલકંઠ બ્રહ્મચારીની આજ્ઞાએ કરીને ઊંચા બેઠા છીએ, પણ મોટા તો એ છે.’ એવી રીતે રામાનંદસ્વામીએ મર્મે કરીને ઉત્તર કર્યો.
ધારો : રીતિરિવાજ, પ્રથા, પદ્ધતિ.
મર્મે : રહસ્ય જાળવી રાખીને.
(૨) જેતપુરમાં ઉનડ રાજાને ઘેર રામાનંદસ્વામીએ પોતાના ધર્મંધૂરાની શ્રીસહજાનંદસ્વામીને સોંપણી કરી ત્યારે કોઈને સંશય થયો જે, ‘મોટા મોટા સાધુ છે, તેને કેમ સોંપણી ન કરી ?’ ત્યારે રામાનંદસ્વામીએ કહ્યું જે, ‘આ નીલકંઠ બ્રહ્મચારી તો મોટા મોટા રામ, કૃષ્ણ, વાસુદેવ અને અક્ષરાદિક એ સર્વેને ઉપાસનીય, પ્રાર્થના કરવા યોગ્ય ને પૂજવા ને પામવા યોગ્ય છે ને અમે પણ એમના મૂક્યા આંહીં આવ્યા છીએ ને એ તો અનેક જીવોનાં કલ્યાણ કરતા કરતા આવે છે. ને સર્વઅવતાર, સર્વવિભૂતિ, સર્વશક્તિ થકી ને અક્ષરમુક્તો ને અક્ષરધામ, એ સર્વ થકી અતિ સર્વોપરી, અક્ષરાતીત, સર્વસુખમય, આનંદમય, સર્વજ્ઞ, સર્વત્રપૂર્ણ, દિવ્યમૂર્તિ, સર્વોત્તમકારણ, સર્વકર્મફળપ્રદાતા, સર્વાધાર, સર્વશિક્ષક, સર્વવ્યાપક, સર્વોપાસ્યમૂર્તિ, સર્વચિંતનીય, સર્વરસમય, સર્વઇચ્છામય, નિર્દોષમૂર્તિ, પરિપૂર્ણમૂર્તિ, અખંડમૂર્તિ, સર્વભજનીય, સર્વઐશ્ર્વર્ય, સર્વશક્તિ, સર્વવિભૂતિ, સર્વસુંદરતા, સર્વલાવણ્યતા, સર્વકરુણા, એ આદિક અનંત કલ્યાણકારી દિવ્ય ગુણના ભાજન, ચિત્રવિચિત્ર, મહા આશ્ર્ચર્યકારી, અનવધિકાતિશય, અજહત્સ્વરૂપ, સ્વભાવ-ગુણમહોદધિ, એવા શ્રીસહજાનંદસ્વામી પુરુષોત્તમનારાયણ, સ્વયં સ્વરાટ્ રાજાધિરાજ છે ને સર્વ અવતારના અવતારી છે.
માટે આ નીલકંઠ બ્રહ્મચારીના જે ગુણ છે તેને કહેવા જાણવાને અર્થે તો અક્ષર પર્યંત કોઈ સમર્થ નથી; તો હું પણ કહેવા જાણવાને અર્થે ક્યાંથી સમર્થ થાઉં ? તે માટે આ તો અગણિત જીવોનાં કલ્યાણ કરવાને અર્થે અક્ષરધામમાંથી આંહીં પધાર્યા છે; તે માટે અમે તો એમની આજ્ઞાએ કરીને જીવોનાં કલ્યાણ કરતા હતા, પણ હવે તો સાક્ષાત્ પોતે પુરુષોત્તમ પધાર્યા છે, એટલે જેવો પોતાનો પ્રતાપ છે ને મહિમા છે, તેવાં જ જીવોનાંં કલ્યાણ કરશે, માટે આ તો અક્ષરધામના પતિ સર્વોપરી, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન પધાર્યા છે ને તે પૂર્વે ભગવાનના અવતાર થયા તેણે જીવોનાં જે કલ્યાણ કર્યાં છે તેવાં કલ્યાણ તો પોતાના ભક્ત દ્વારે સહેજમાં કરશે. એવા જે, આ નારાયણમુનિ તેનો પ્રતાપ ને ઐશ્ર્વર્ય છે, તે તમોને (તમને) આગળ જણાશે.’
(૩) ગામ ફણેણીમાં મંદિરની જાયગા (જગ્યા) છે, ત્યાં હાલ બેઠક છે, ત્યાં રામાનંદસ્વામી દેહત્યાગ કરીને ધામમાં ગયા. ત્યાર પછી શ્રીસહજાનંદસ્વામી પોતાના ગુરુની દેહક્રિયા કરીને તેની ધર્મંધૂરા ઉપાડી લેતા હવા (હતા) ને તે સ્વામીના જે આશ્રિત તેમની સત્શાસ્ત્રના ઉપદેશે કરીને સંભાવના કરતા હવા ને તેમને પોતાનો અલૌકિક પ્રતાપ દેખાડીને પોતાને વિશે તેમનાં ચિત્તને તાણી લેતા હવા ને કેટલાક મનુષ્યને સમાધિ કરાવતા હવા. લોજમાં તે પ્રતાપ જોઈને વ્યાપકાનંદસ્વામીને શ્રીજીમહારાજના સ્વરૂપનો સર્વોપરી નિશ્ર્ચય નહોતો થાતો; તેથી તે વ્યાપકાનંદસ્વામીને પણ સમાધિ કરાવીને અક્ષરધામને વિશે અનંતકોટિ મુક્તે સહિત પોતાનું દર્શન કરાવ્યું, તો પણ નિશ્ર્ચય ન થયો.
ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, “આ સર્વે મુક્તની એકકળાવિચ્છિન્ન પૂજા કરો ને અમારે વિશે લીન કરો.” ત્યારે વ્યાપકાનંદસ્વામીએ કહ્યું જે, ‘હે મહારાજ ! એમ કેમ થાય ?’ ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “તમે એમ સંકલ્પ કરો જે, આ રામાનંદસ્વામી ભગવાન હોય, તો તેમના સામર્થ્યે કરીને હું એટલા રૂપે થાઉં.” ત્યારે તેમણે એમ સંકલ્પ કર્યો તો પણ અનંતરૂપે ન થાવાણું (થવાણું). ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “ચોવીસ અવતારનાં નોખાં નોખાં નામ લઈને સંકલ્પ કરો જે, એ કોઈ પુરુષોત્તમ ભગવાન હોય, તો તેમના સામર્થ્યે કરીને હું અનંતરૂપે થાઉં.” ત્યારે તેમણે એમ કર્યું, તો પણ અનંતરૂપે ન થાવાણું ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમારું નામ લઈને સંકલ્પ કરો જે, જો સહજાનંદસ્વામી સર્વ અવતારના અવતારી પુરુષોત્તમ ભગવાન હોય તો હું અનંતરૂપે થાઉં.” પછી શ્રીજીમહારાજનું નામ લીધું ત્યારે અનંતરૂપે થાવાણું, ને સર્વ મુક્તની એકકળાવિચ્છિન્ન પૂજા કરી અને સર્વ મુક્તને શ્રીજીમહારાજની મૂર્તિને વિશે લીન થાતા જોયા. ત્યારે એવા પ્રતાપને જોઈને વ્યાપકાનંદસ્વામીને શ્રીજીમહારાજને વિશે સર્વ અવતારના અવતારી પુરુષોત્તમપણાનો નિશ્ર્ચય થયો.
પછી સમાધિમાંથી ઊઠ્યા ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, “તમારે સમાધિમાં જેવી રીતે દેખાણું હોય તેવી રીતે આ સર્વેને કહો.” ત્યારે વ્યાપકાનંદસ્વામીએ કહ્યું જે, ‘આ શ્રીજીમહારાજ તો સર્વ અવતારના અવતારી ને અક્ષરધામના પતિ છે. તે માટે રામાનંદસ્વામી તથા પૂર્વે થયા જે રામકૃષ્ણાદિક ભગવાનના અવતાર, તે સર્વે શ્રીજીમહારાજની મૂર્તિને વિશે લીન થયા, એમ મેં અક્ષરધામમાં દીઠું. માટે આ શ્રીજીમહારાજ સર્વોપરી ભગવાન છે.’ ત્યારે તે વ્યાપકાનંદસ્વામીની વાત સાંભળીને રામાનંદસ્વામીના નિશ્ર્ચયવાળા હતા તથા બીજા મતવાળા હતા તેમના માન્યામાં વાત આવી નહીં. ત્યારે તે સર્વેએ શ્રીજીમહારાજને પ્રાર્થના કરીને કહ્યું જે, ‘હે મહારાજ ! આ વાત અમારે સર્વને સમજ્યામાં આવતી નથી, માટે અમને જે રીતે સમજાય તેવી રીતે કૃપા કરીને કહો.’ ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, “તમે ધ્યાનમાં બેસો ને પોતપોતાના ઇષ્ટદેવને સંભારો તો એ વાત તમોને જેમ છે તેમ જણાશે.” ત્યારે તે સર્વે ધ્યાનમાં બેઠા. ત્યારે તેમને શ્રીજીમહારાજ પોતાની દૃષ્ટિમાત્રે કરીને તે સર્વેને સમાધિ કરાવી ને અક્ષરધામને વિશે અનંત મુક્તે સહિત પોતાની દિવ્યમૂર્તિનું સાક્ષાત્ દર્શન કરાવતા હવા તથા રામાનંદસ્વામી તથા સર્વે અવતાર તે પોતાની સેવામાં દેખાડતા હવા ને પોતાની મૂર્તિમાં સર્વ અવતારને લીન કરી દેખાડતા હવા. તેમાં કેટલાક મનુષ્યને શ્રીજીમહારાજનો અડગ નિશ્ર્ચય થયો.
તે પછી ભક્તોને શ્રીજીમહારાજ સમાધિમાંથી જગાડતા હવા. ત્યારે તે ભક્ત બોલ્યા જે, ‘હે મહારાજ ! તમે તો સર્વોપરી પુરુષોત્તમ ભગવાન છો, માટે તમારા પ્રગટ પુરુષોત્તમપણાના નિશ્ર્ચયમાં સંશય ન થાય, એવી કૃપા કરો.’ ત્યારે તે પ્રત્યે શ્રીજીમહારાજ બોલ્યા જે, “આ પુરુષોત્તમ ભગવાન તો ક્યારેય આ બ્રહ્માંડને વિશે આવ્યા નથી ને આવશે પણ નહીં. માટે આ તો સર્વોપરી મૂર્તિ છે, તે આ નિશ્ર્ચય ફરવા દેવો નહીં.” એમ શ્રીજીમહારાજ તેમના ઉત્સાહને અર્થે ને તેમની બુદ્ધિની દૃઢતાને અર્થે, પોતાનું જે નાના પ્રકારનું ઐશ્ર્વર્ય તે સમાધિએ કરીને દેખાડતા હવા.
તેમાં કેટલાક મનુષ્યને તો અક્ષરધામને વિશે અનંત મુક્તે સેવ્યા થકા પોતાની અલૌકિક મૂર્તિનું દર્શન દેતા હવા ને કેટલાક મનુષ્યને તો ગોલોકને વિશે લક્ષ્મી, રાધિકા ને શ્રીદામાદિક (સુદામાદિક) પાર્ષદે સહિત તે રૂપે પોતાનું દર્શન દેતા હવા ને કેટલાકને વૈકુંઠલોકને વિશે લક્ષ્મી ને નંદસુનંદાદિક પાર્ષદે સહિત વિષ્ણુરૂપે પોતાનું દર્શન દેતા હવા; કેટલાકને શ્ર્વેતદ્વીપને વિશે નિરન્નમુક્તે સહિત મહાપુરુષરૂપે પોતાનું દર્શન દેતા હવા ને કેટલાકને તો અવ્યાકૃતધામને વિશે લક્ષ્મી આદિક શક્તિઓ અને પાર્ષદે સહિત ભૂમાપુરુષરૂપે પોતાનું દર્શન દેતા હવા ને કેટલાકને તો બદરિકાશ્રમને વિશે મુનિએ સહિત નરનારાયણરૂપે પોતાનું દર્શન દેતા હવા ને કેટલાકને તો ક્ષીરસમુદ્રને વિશે લક્ષ્મી ને શેષનાગે સહિત યોગેશ્ર્વરરૂપે પોતાનું દર્શન દેતા હવા ને કેટલાકને તો સૂર્યના મંડળને વિશે હિરણ્યમયપુરુષરૂપે પોતાનું દર્શન દેતા હવા ને કેટલાકને તો અગ્નિ મંડળને વિશે યજ્ઞપુરુષરૂપે પોતાનું દર્શન દેતા હવા ને કેટલાકને તો પ્રણવના જે નાદ તે તત્કાળ સંભળાવતા હવા ને કેટલાકને તો કોટિ કોટિ સૂર્ય સરખું જે પોતાનું તેજ દેખાડતા હવા ને કેટલાકને તો જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ થકી પર ને સચ્ચિદાનંદ છે લક્ષણ જેનું ને દૃષ્ટા છે નામ જેનું, એવું જે બ્રહ્મતેજ તે રૂપે પોતાનું દર્શન દેતા હવા ને કેટલાકને તો બ્રહ્માંડના આધાર ને પુરુષસૂક્તને વિશે કહ્યા એવા જે વૈરાટપુરુષ તે રૂપે પોતાનું દર્શન દેતા હવા ને કેટલાકને તો ભૂગોળ-ખગોળને વિશે રહ્યાં જે, દેવતાનાં સ્થાનક ને આશ્ર્ચર્ય તેને દેખાડતા હવા, ને કેટલાકને તો અધારાદિક છ ચક્રને વિશે રહ્યા એવા જે, ગણેશ આદિક દેવતાનાં સ્થાનક, તેને પૃથક્ પૃથક્ દેખાડતા હવા.
ક્યારેક તો સો સો ગાઉને છેટે રહ્યા, એવા જે, પોતાના ભક્ત તેમને પ્રત્યક્ષ પ્રમાણ પોતાનું દર્શન દેતા હવા ને ક્યારેક તો છેટે રહ્યા, એવા જે પોતાના ભક્ત તેમણે પોતાના ઘરને વિશે શ્રીજીમહારાજની પ્રતિમાની આગળ ધર્યું જે નૈવેદ્ય તેને પોતાના ભક્તને વિસ્મય પમાડતા થકા જમતા હવા ને ક્યારેક તો દેહત્યાગને કરતા એવા જે પોતાના ભક્તજન તેમને પોતાના ધામ પ્રત્યે લઈ જવાને ઇચ્છતા થકા, ત્યાં પોતે આવીને તે ભક્તના ગામને વિશે રહ્યા એવા જે બીજા ભક્ત તથા અભક્ત, તેમને પણ પોતાનું સાક્ષાત્ દર્શન દેતા હવા; એવી રીતે મુમુક્ષુ અથવા મુમુક્ષુ નહિ એવા જે જન તેમને પોતાનાં અલૌકિક ઐશ્ર્વર્ય દેખાડતા એવા જે શ્રીસહજાનંદસ્વામી મહારાજ, તેમને જોઈને અતિશય વિસ્મયને પામ્યા એવા જે હજારો મનુષ્યો, તે પોતપોતાના મતનો ને ગુરુનો ત્યાગ કરીને શ્રીજીમહારાજનું પ્રગટ પ્રમાણ ભજન કરતા હવા.
પછી તે પ્રતાપને જોઈને ઘણાક જે મતવાદી તે શ્રીજીમહારાજ સંગાથે વાદવિ3વાદ કરવા આવ્યા, પણ વાદે કરીને શ્રીજીમહારાજને જીતવાને કોઈ સમર્થ ન થયા ને પછી તે સર્વ મતવાદી શ્રીજીમહારાજના અલૌકિક ઐશ્ર્વર્ય ને પ્રતાપ દેખીને નમસ્કાર કરીને બોલ્યા જે, ‘હે મહારાજ ! તમે તો પરબ્રહ્મ પુરુષોત્તમ છો; માટે અમારા જે જે ઇષ્ટદેવ છે, તેમનાં દર્શન અમને કૃપા કરીને કરાવો.’ એવી રીતે તેમનું પ્રાર્થનાવચન સાંભળીને, તે સર્વેને ધ્યાનમાં બેસારીને પોતાને પ્રતાપે કરીને તેમને તત્કાળ સમાધિ કરાવતા હવા. પછી તે સર્વે શ્રીજીમહારાજનાં દર્શનમાત્રે કરીને ખેંચાઈ ગયાં છે નાડી-પ્રાણ જેમનાં એવા થકા, પોતપોતાના હૃદયને વિશે પોતપોતાના ઇષ્ટદેવરૂપે શ્રીજીમહારાજને દેખતા હવા.
તેમાં જે વલ્લભકુળને આશ્રિત એવા વૈષ્ણવ હતા તે તથા મધ્વ સંપ્રદાયના હતા એ બે તો ગોપીઓનાં ગણે વીંટાણા ને વૃન્દાવનને વિશે રહ્યા એવા બાળલીલાએ કરીને મનોહર મૂર્તિ એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તે રૂપે દેખતા હવા. ને જે રામાનુજ સંપ્રદાયના હતા તે તો નંદ, સુનંદ, વિશ્ર્વકસેન ને ગરુડાદિક પાર્ષદે સહિત લક્ષ્મીનારાયણરૂપે દેખતા હવા. ને જે રામાનંદી હતા તે તો સીતા, લક્ષ્મણ ને હનુમાને યુક્ત થકા દિવ્ય સિંહાસન ઉપર બેઠા એવા જે શ્રીરામચંદ્રજી તે રૂપે દેખતા હવા. ને જે શંકરાચાર્યના મતવાળા હતા, તે તો બ્રહ્મજ્યોતિરૂપે દેખતા હવા ને જે શૈવી હતા તે તો પાર્વતી ને પ્રથમ ગણે સહિત જે શિવજી તે રૂપે દેખતા હવા. ને જે સૂર્યના ઉપાસક હતા તે તો સૂર્યના મંડળના વિશે રહ્યા જે હિરણ્યમયપુરુષ તે રૂપે દેખતા હવા. ને જે ગણપતિના ઉપાસક હતા તે તો મહાગણપતિરૂપે દેખતા હવા. ને જે દેવીના ઉપાસક હતા તે તો દેવીરૂપે દેખતા હવા ને જે જૈન હતા તે તીર્થંકરરૂપે દેખતા હવા ને જે યવન હતા તે તો પેગંબરરૂપે દેખતા હવા. એવી રીતે સમાધિએ કરીને પોતપોતાના ઇષ્ટદેવરૂપે શ્રીજીમહારાજને જોઈને સર્વ અવતારના કારણ જાણીને, પોતપોતાના મતનો ત્યાગ કરીને શ્રીજીમહારાજનો દૃઢ આશ્રય કરતા હવા ને પ્રગટ પ્રમાણ ભજન કરતા હવા. એવી રીતે શ્રીજીમહારાજ જે પોતાના પ્રતાપે કરીને જીવોનું જે મૂળ અજ્ઞાન તેનો નાશ કરતા થકા પૃથ્વીને વિશે નાશ પામ્યો જે એકાંતિકધર્મ તેનું રૂડી રીતે સ્થાપન કરતા હવા.
પ્રકરણ ૭ની વાત ૨૧
(૪) શ્રીજીમહારાજને લોજમાં સમાધિવાળા મૂળજી ભક્તે કહ્યું જે, ‘પુરુષોત્તમના બીજા અનંત અવતાર થયા ને બીજા થાશે ને બીજા ધામમાં જે સર્વે મૂર્તિઓ છે તે સર્વેનું મને દયા કરીને દર્શન કરાવો.’ ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, “બીજા સર્વે અવતાર તેમનાં નામ લઈને સંકલ્પ કરો જે, એ જો સર્વેનાં કારણ હોય, તો તેમને પ્રતાપે કરીને મને એ સર્વેનું દર્શન થાઓ.” ત્યારે તે ભક્તે બીજા સર્વે અવતારનાં નામ લઈને સંકલ્પ કર્યો; પણ તે સર્વેનાં દર્શન થયાં નહીં. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “સર્વેના કારણ પ્રગટ પ્રમાણ પુરુષોત્તમ અમે હોઈએ તો તે સર્વેનું દર્શન મને થાઓ.” પછી એમ સંકલ્પ કર્યો કે તત્કાળ એ સર્વે રૂપનાં દર્શન થયાં ને તે સર્વ અવતાર તે શ્રીજીમહારાજની સ્તુતિ કરતા થકા શ્રીજીમહારાજની મૂર્તિને વિશે લીન થયા. એવી રીતે પોતાના પુરુષોત્તમપણાનો દૃઢ નિશ્ર્ચય મૂળજી ભક્તને કરાવ્યો.
કરો : ઘરની દિવાલ.
(૫) દીવ ગામનો વણિક શેઠ સંઘ કાઢીને દ્વારકાની જાત્રા કરવા જાતો (જતો) હતો તેને લોજપુરમાં શ્રીરામાનંદસ્વામી મળ્યા, તેને ચમત્કાર દેખાડ્યો, તેણે કરીને તેને ભગવાનપણાનો રામાનંદસ્વામીને વિશે નિશ્ર્ચય થયો. પછી તે ભક્ત પાછો દીવ ગયો ને પછી ઘણા દહાડે પાછો દર્શને આવ્યો. ત્યારે રામાનંદસ્વામી તો દેહ મૂકી ધામમાં ગયેલા. પછી તે ભક્ત શ્રીજીમહારાજ પાસે આવીને બેઠો; ત્યારે મહારાજ બોલ્યા જે, “તમારે કાંઈ સંશય હોય તો આ બાળક લખમણ સમાધિવાળો છે તેને પૂછો.” ત્યારે તેમણે જે પ્રશ્ર્ન પૂછ્યા તે પ્રશ્ર્નના ઉત્તર સમાધિવાળા બાળકે કર્યા. એમ બાળક દ્વારા રામાનંદસ્વામીના જેવો શ્રીજીમહારાજે ચમત્કાર જણાવ્યો.
ત્યારે તે ભક્તે શ્રીજીમહારાજ પ્રત્યે કહ્યું જે, ‘મહારાજ ! હું પ્રથમ રામાનંદસ્વામીને ભગવાન જાણતો હતો, પણ તે રામાનંદસ્વામીના જેવો આ બાળકને વિશે તમારે પ્રતાપે કરીને ચમત્કાર જણાણો. ત્યારે તમારા મોટા મોટા સાધુ તથા સત્સંગી તેમનો પ્રતાપ તો ઘણો હશે ને તમારી મૂર્તિનો જે પ્રતાપ ને મહિમા તે તો બહુ જ અધિક હશે ! માટે તમારા સ્વરૂપનું જેમ છે, તેમ યથાર્થ જ્ઞાન મને થાય તેમ કૃપા કરીને મને કહો.’ ત્યારે શ્રીજીમહારાજે તે ભક્તને કહ્યું જે, “અંતરની વાર્તા જાણવે કરીને ભગવાનપણાનો નિશ્ર્ચય જો થાય તો અમારા મોટા મોટા સાધુ તથા સત્સંગી તે અનંત જીવોની વાત જાણે એવા છે. માટે પૂર્વે થયા જે જે અવતાર તેમના જેવું ઐશ્ર્વર્ય તો અમારા સાધુ-સત્સંગીમાં જણાય છે. ને અમે તો સર્વે અવતારના અવતારી ને અક્ષરધામના પતિ શ્રીપુરુષોત્તમનારાયણ છીએ, તે અગણિત જીવોનાં કલ્યાણને અર્થે પ્રગટ થયા છીએ.” તે વાર્તાને સાંભળીને તે ભક્તને શ્રીજીમહારાજના પ્રગટ પુરુષોત્તમપણાનો નિશ્ર્ચય થયો. પછી તે ભક્તે શ્રીજીમહારાજના પ્રગટ પુરુષોત્તમપણાની વાત તે બીજા રામાનંદસ્વામીના જૂના હરિભક્તો હતા તેમની આગળ કહી; પણ તે વાત તેમના માન્યામાં ન આવી.
પછી તે રામાનંદસ્વામીના નિશ્ર્ચયવાળા હરિભક્તો હતા, તેમણે શ્રીજી-મહારાજની પાસે આવીને તે નિશ્ર્ચયની વાત પૂછી. ત્યારે તેમને શ્રીજીમહારાજે કહ્યું જે, “તમે સર્વે ધ્યાનમાં બેસો તો જેમ છે તેમ જણાશે.” ત્યારે તે હરિભક્તો ધ્યાનમાં બેઠા. તેમને શ્રીજીમહારાજ પોતાની દૃષ્ટિમાત્રે કરીને સમાધિ કરાવતા હવા. તે અક્ષરધામને વિશે અનંત પાર્ષદે સહિત પોતાની દિવ્યમૂર્તિનું દર્શન કરાવ્યું તથા રામાનંદસ્વામી તથા બીજા સર્વે અવતાર તે શ્રીજીમહારાજની સેવામાં દીઠા ને પછી તે સર્વ અવતાર શ્રીજીમહારાજને વિશે લીન થયા, આમ દીઠું; પછી તે સર્વ ભક્તોને શ્રીજીમહારાજનો સર્વોપરી પુરુષોત્તમપણાનો દૃઢ નિશ્ર્ચય થયો. પછી તે સર્વ ભક્તોને પોતાની દૃષ્ટિમાત્રે કરીને જગાડતા હવા; પછી તે સર્વે ભક્તોએ કહ્યું જે, ‘હે મહારાજ ! તમે તો સર્વોપરી પુરુષોત્તમ છો ને અગણિત જીવોનાં કલ્યાણને અર્થે કૃપા કરીને આંહીં પધાર્યા છો.’ પછી શ્રીજીમહારાજ તે શેઠ ભક્ત પ્રત્યે બોલ્યા જે, “આ પુરુષોત્તમ ભગવાન તો આ બ્રહ્માંડને વિશે આવ્યા નથી ને આવશે પણ નહિ; માટે આ તો સર્વોપરી મૂર્તિ છે તેમાં કિંચિત્માત્ર સંશય નથી.”
(૬) અગત્રાઈમાં હાલ મંદિર છે ત્યાં ભાઈરામદાસજીને શ્રીજીમહારાજે કહ્યું જે,“તમારું અંગ કહો, પછી અમે અમારું અંગ છે તે કહીશું.” પછી રામદાસભાઈએ પોતાનું અંગ કહ્યું જે, ‘ત્રણે અવસ્થામાં જીવાત્માને વિશે તમારી મૂર્તિ તેજે સહિત અખંડ દેખું છું એવું તમારી કૃપા થકી અખંડ વરતે છે.’ પછી શ્રીજીમહારાજે પોતાનું અંગ કહ્યું જે, “અક્ષરાદિક મુક્ત તથા પુરુષ, કાળ, માયા, પ્રધાનપુરુષ તથા અનંતકોટિ બ્રહ્માંડના ઈશ્ર્વર તથા સર્વે વિભૂતિઓ તથા સર્વે જીવ એ સર્વેનો નિયંતા ને એ સર્વેનો કર્મફળપ્રદાતા તે હું એક જ છું ને તે સર્વેનું સ્વરૂપ, સ્વભાવ ને ગુણ તેને અખંડ દેખું-જાણું છું; પણ એ સર્વે જે અક્ષરમુક્તો તે મારી મૂર્તિનો મહિમા જેમ છે તેમ યથાર્થ દેખવા-જાણવા સમર્થ નથી ને હું પણ મારી મૂર્તિના મહિમાના અંતને પામતો નથી. ને અન્ય સર્વે સામર્થ્ય તે મારી મૂર્તિના એક રોમના કોટિમા ભાગની બરોબર પણ નથી આવતું, એવી અનવધિકાતિશય, મહાઆશ્ર્ચર્યમય ને સર્વોપરી આ મૂર્તિ છે; એમાં કિંચિત્માત્ર સંશય નથી.”
મૂર્તિ : સંતો.
(૭) શ્રીજીમહારાજે સંતો પ્રત્યે કહ્યું જે, “જ્યારે જૂ વિયાય ત્યારે લીખ આવે ને હાથણી વિયાય ત્યારે ભેંશ જેવડું બચ્ચું આવે; તેમ પૂર્વે રામકૃષ્ણાદિક અવતાર થઈ ગયા ને આગળ બીજા થાશે ને બીજાં ધામને વિશે જે મૂર્તિઓ છે તે સર્વેનું કારણ ને સર્વ થકી પર જે, શ્રીપુરુષોત્તમનારાયણ તે અમે છીએ. એમાં ખોટું કહેતા હોઈએ તો અમને આ સર્વે પરમહંસના સમ છે. ને આ પ્રગટ પુરુષોત્તમના સ્વરૂપને સમજ્યામાં ખામી રહી જાશે તો કલ્યાણમાં બહુ ફેર પડી જાશે; પછી દેહ મૂક્યા કેડે તે ખામી ભાંગશે નહીં. માટે જેમ વૈકુંઠવાસીને રહેવાનું વૈકુંઠધામ છે ને જેમ ગૌલોકવાસીને રહેવાનું ગૌલોકધામ છે, તેમ અમારે રહેવાનું અક્ષરધામ છે. ને અક્ષરાતીત પ્રગટ પુરુષોત્તમ એવા જે અમે તેનો જેને મહિમાએ સહિત યથાર્થ નિશ્ર્ચય થયો છે, તે તો મૂળપુરુષથી પર અક્ષરધામમાં મૂળઅક્ષર અને અનંતકોટિ અક્ષરમુક્તે સેવ્યા જે અક્ષરાતીત પ્રગટ પુરુષોત્તમ તેની ઉપાસના તથા ભક્તિ કરતો થકો પોતાના આત્માને અક્ષરરૂપ માનીને પૂર્ણકામ માને છે, તેને જ મહિમાએ સહિત નિશ્ર્ચય છે. ને આ વાત યથાર્થ તો ભગવાનના એકાંતિક ભક્ત હોય તેના પ્રસંગે કરીને સમજાય છે; પણ પોતાના બુદ્ધિબળે કરીને તથા શાસ્ત્રે કરીને પણ પોતાની મેળે સમજાતી નથી.” એવી રીતે શ્રીજીમહારાજે સંત આગળ પોતાના પ્રગટ પુરુષોત્તમપણાની વાત કરી.
વિયાય : પ્રસૂતિ થાય.
કેડે : પાછળ.
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
(૮) પર્વતભાઈને શ્રીજીમહારાજની મૂર્તિ તો ત્રણ અવસ્થામાં અખંડ દેખાતી હતી, તો પણ એમ સંકલ્પ થયો જે, ‘બીજા ભગવાનના અવતારનાં સ્વરૂપ કેવાં હશે ?’ ત્યારે તે સંકલ્પમાત્રે તે ચોવીસ અવતારની મૂર્તિઓ પર્વતભાઈ આગળ આવીને ઊભી રહી, તે પર્વતભાઈએ દર્શન કર્યાં. પછી તે ચોવીસ અવતારનાં સ્વરૂપ શ્રીજીમહારાજની સ્તુતિ કરતે સતે શ્રીજીમહારાજની મૂર્તિમાં લીન થતાં હવાં. એવી રીતે શ્રીજીમહારાજ પર્વતભાઈને પોતાનો અલૌકિક પ્રતાપ દેખાડતા હવા.
મૂર્તિ : સંતો.
(૯) અમદાવાદમાં સંતને દુષ્ટે કષ્ટ દીધું ત્યારે શ્રીજીમહારાજ કાંકરિયે તળાવે વિરાજમાન હતા ત્યાં સંત આવ્યા. તે સંતને જોઈને શ્રીજીમહારાજ એમ બોલ્યા જે, “મારા પરમહંસની મોટા બ્રહ્માદિક દેવ, પુરુષાદિક ને સર્વે અવતાર તે પ્રાર્થના કરે છે ને તેમનાં દર્શનને ઇચ્છે છે ને એક કીડી જેવા જીવને પણ દૂભે નહિ એવા જે સંત તેને દુ:ખ દીધું !” એમ કહીને ઉત્તરમુખે ઉદાસ થઈને બેઠા. તેટલામાં બ્રહ્માદિક દેવે જાણ્યું જે, આજ તો સર્વ બ્રહ્માંડનો નાશ થઈ જાશે. એટલામાં મહાકાળ, સંકર્ષણ, શિવાદિક આવીને પ્રાર્થના કરવા લાગ્યા જે, ‘હે મહારાજ ! તમે જે આજ્ઞા કરો તે અમે તત્કાળ કરીએ ને અમે તમારા સેવક છીએ તે તમારા સંતને કષ્ટ દેનારો કોણ છે ? તેનો ક્ષણમાત્રમાં નાશ કરી નાખીએ.’ પછી દિવ્ય ચક્ષુવાળા સંત હતા, તેમણે શ્રીજીમહારાજને પ્રાર્થના કરીને કહ્યું જે, ‘હે મહારાજ ! હે સ્વામિન્ ! હે પ્રભો! આજ તમે અગણિત જીવોનાં આત્યંતિક કલ્યાણ કરવાને અર્થે દયાએ કરીને અક્ષરધામમાંથી આંહીં પૃથ્વી ઉપર પધાર્યા છો, તે જીવોના અપરાધ ક્ષમા કરીને આત્યંતિક કલ્યાણ કરો.’ એવી સંતે પ્રાર્થના કરી.
પછી શ્રીજીમહારાજ સંત પ્રત્યે એમ બોલ્યા જે, “અનંતકોટિ બ્રહ્માંડમાં સર્વે આપણું કર્યું થાય છે. તે જુઓને, સર્વે અવતાર અમારે વિશે લીન થાય છે ને આ સંતની સભાને અમે અક્ષરધામને વિશે દેખીએ છીએ ને આપણી વાત માને છે તેનું કલ્યાણ થાય છે ને જે નથી માનતા તે નરકમાં જાય છે ને અમારા શરીરમાં કાંઈ કસર જેવું થયું ત્યારે જગતમાં અનેક જીવોનો નાશ થઈ ગયો ને જ્યારે આપણે ખટરસ ને વસ્ત્ર ત્યાગ કર્યાં ને તાટ પહેર્યા, ત્યારે જગતમાં કોઈને અન્ન-વસ્ત્ર મળ્યું નહિ ને સર્વે હેરાન થઈ ગયા. માટે સર્વે આપણું કર્યું થાય છે, પણ બીજા કોઈનું કર્યું કાંઈ થાતું નથી. ને તમારા શરીરમાંથી કોટિ કોટિ સૂર્યના પ્રકાશથી અધિક પ્રકાશ નીસરે છે ને અતિ સામર્થ્યે યુક્ત છો ને તમારે માથે કાળ, કર્મ, માયાનો હુકમ નથી, એમ હું તમને દેખું છું.” એમ શ્રીજીમહારાજ બોલ્યા.
ત્યારે સર્વે સંત બોલ્યા જે, “હે મહારાજ ! તમે તો સર્વ અવતારના અવતારી ને અક્ષરધામના પતિ પૂર્ણ પુરુષોત્તમનારાયણ છો. માટે તમે દેખો એમાં શું કહેવું! ને તમે તો દિવ્ય એવું જે, અક્ષરધામ ને દિવ્ય એવા જે, પાર્ષદ, ગુણ, વિભૂતિ, ઐશ્ર્વર્ય તેણે યુક્ત; સ્વરાટ, અનાદિ, નિત્યસિદ્ધ, સર્વોપરી, પૂર્ણ, અનવધિકાતિશય, કલ્યાણકારી અનેક ગુણેયુક્ત થકા, એકાંતિક ભક્તને સુખ દેવાને અર્થે ને અગણિત જીવોનાં કલ્યાણ કરવાને અર્થે કૃપા કરીને હરિપ્રસાદજીને ઘેર પ્રગટ્યા છો ને તમારી કૃપા થકી અમે પણ પરાવરને હસ્તામલકવત્ દેખીએ છીએ ને ધર્મજ્ઞાનાદિક અનંત ગુણેયુક્ત થયા છીએ, માટે કોઈનો ભાર ગણતા નથી. તે તમારી મરજી ને રાજીપો હશે તેમ કરશું, અને અમારે આ લોકમાં ને પરલોકમાં તમ વિના બીજું કાંઈ વ્હાલું નથી, તમે તો અમારા જીવનપ્રાણ છો. ને તમને પ્રસન્ન કરવાને અર્થે તો અનંત જન્મ ધરીને માયિક સુખ ને ભૂંડા સ્વભાવનો ત્યાગ કરી દઈએ. માટે હે સ્વામિન્ ! તમો અમારે દુ:ખે કરીને ઉદાસી થાશો મા, અમારે કશું દુ:ખ નથી.”
“સૂર્યના તેજ થકી કોટિગણું તેજ વૈકુંઠના મુક્તમાં છે ને તેથી કોટિગણું તેજ તે ગૌલોકના મુક્તમાં છે ને તેથી અનંતકોટિગણું તેજ તે અક્ષરમુક્તના એક રોમને વિશે છે, ને તેથી અનંતકોટિગણું તેજ તે અક્ષરધામના સોપારી રહે એટલા દેશના તેજમાં લીન થાય છે ને અનંત અપાર જે અક્ષરધામનો પ્રકાશ તે સર્વેને ભેળો કરીએ તો સર્વ અવતારના અવતારી જે હરિકૃષ્ણ પુરુષોત્તમ તેમના એક રોમના કોટિમા ભાગના પાશંગની બરાબર નથી આવતો, એવા દિવ્ય તેજ, ઐશ્ર્વર્ય, પ્રતાપ, બળ, કીર્તિ, સ્વરાટ, સત્યસંકલ્પ એવા આપ અનેક દિવ્યગુણે યુક્ત મૂર્તિ છો; તો પણ કૃપા કરીને જીવોનાં કલ્યાણ કરવાને અર્થે મનુષ્યાકૃતિ જણાઓ છો.” એવી રીતે સર્વે સંતે શ્રીજીમહારાજને પ્રાર્થના કરી.
કરો : ઘરની દિવાલ.
કસર : ખોટ, ઉણપ.
તાટ : શણનું કપડું, ગૂણપાટ.
કોટિ : કરોડ.
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
મૂર્તિ : સંતો.
(૧૦) એક સમે શ્રીજીમહારાજે વ્યાપકાનંદસ્વામીને ગઢડામાં અક્ષર ઓરડીમાં કહ્યું જે, “ઇન્દ્રલોકમાં જઈ આવો.” ત્યારે કહે, ‘જઈ આવ્યો.’ પછી કહ્યું જે, “ગોલોક તથા બ્રહ્મધામને વિશે જઈ આવો.” ત્યારે કહ્યું જે, ‘જઈ આવ્યો.’ પછી ફરી આજ્ઞા કરી જે, “ભૂમાપુરુષ પાસે જઈ આવો.” ત્યારે તે વ્યાપકાનંદસ્વામી કહે જે, ‘હજાર માથાનો દૈત્ય મારગ રોકીને રહ્યો છે.’ ત્યારે મહારાજે કહ્યું જે, “તમે પણ તેવું રૂપ ધારીને તેને જીતીને જાઓ.” પછી તેમ કર્યું. પછી ફરીને કહ્યું જે, ‘બીજો દશ હજાર માથાનો દૈત્ય આગળ છે.’ ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, “તમે પણ તેથી મોટું રૂપ ધરીને તેને જીતીને જાઓ.” પછી તે તેમ કરીને ભૂમાપુરુષ પાસે ગયા, ત્યારે તે ભૂમાપુરુષે વ્યાપકાનંદસ્વામીને પૂછ્યું જે, ‘પુરુષોત્તમનું પ્રગટપણું પૃથ્વીને વિશે થયું ?’ ત્યારે તે કહે જે, ‘થયું.’ એ વાત સાંભળીને ભૂમાપુરુષ અતિશે ગદ્ગદ્ કંઠે થઈને રાજી થઈ જતા હવા ને સંતને પોતાના સિંહાસન ઉપર બેસાડીને અતિશે સુગંધીમાન પુષ્પ-ચંદનાદિકે કરીને તેની આરતી-પૂજા કરતા હવા ને અતિશે આનંદથી શ્રીજીમહારાજના સમાચાર પૂછીને બોલ્યા જે, ‘મને પ્રથમ શ્રીજીમહારાજે કહ્યું હતું જે, અમો જ્યારે બ્રહ્માંડમાં પધારશું, ત્યારે તમારી પાસે સંત મોકલશું. તે આજ સત્ય કર્યું.’ એવી રીતે પરસ્પર બે જણે શ્રીજીમહારાજના મહિમાની વાતું સારી પેઠે કરી.
તે પછી તે લોકમાં ચાર ભુજાવાળાં મનુષ્ય હતાં તેમને વ્યાપકાનંદ-સ્વામીએ શ્રીજીમહારાજના મહિમાની વાતું કરીને નિશ્ર્ચય કરાવીને તે સર્વે મુક્તને બ્રહ્મપુરને વિશે મોકલી દીધા. પછી સમાધિમાંથી પાછા આવીને શ્રીજીમહારાજને જેમ થયું તેમ વાત કરી દેખાડી. તે વાતને સાંભળી શ્રીજીમહારાજે વિચાર કર્યો જે, “જ્યારે બાદશાહ ગાદીએ બેસે ત્યારે બંદીવાનમાત્રને છોડી મૂકે છે, તેમ અમારે પણ અગણિત જીવોનાં કલ્યાણ કરવાં છે.” એમ વિચારીને સ્વરૂપાનંદસ્વામીને આજ્ઞા કરી જે, "તમે જાઓ ને સર્વે નરકકુંડના જીવમાત્રને ચતુર્ભુજરૂપ ધરાવીને ભૂમાપુરુષના લોકમાં મોકલો. ત્યારે તે સંતે તેમ જ કર્યું. પછી તે સંત પાછા આવ્યા ત્યારે સંતો પ્રત્યે શ્રીજીમહારાજ બોલ્યા જે, “હે સંતો ! અમો કોઈ દિવસ અક્ષરધામમાંથી આ બ્રહ્માંડમાં આવ્યા નથી ને આવશું પણ નહીં. માટે આજ તો અમારે અગણિત જીવોનાં કલ્યાણ કરવાં છે, તે માટે અમે અમારું અક્ષરધામ તથા અક્ષરમુક્તો સહિત આંહીં પધાર્યા છીએ.”
(જુઓ પ્રકરણ ૧૧ની વાત ૭૭)
દૈત્ય : અસુર, રાક્ષસ.
દશ : દિશા.
ભૂમાપુરુષ : શેષશાયીનારાયણ.
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
(૧૧) ભાદરામાં શ્રીજીમહારાજ પાસે એક પંડિત આવીને શ્ર્લોક બોલ્યો. પછી રત્ના ભક્તને તથા ડોસા ભક્તને સમાધિ થઈ. પછી મહારાજે પંડિતને કહ્યું જે, “તમે શ્ર્લોક બોલ્યા તેમાં ભગવાનનો મહિમા બહુ છે, તે સમાધિ થઈ.” પછી પંડિત બોલ્યો જે, ‘હે મહારાજ ! હું તો કથા કરી કરીને મરી ગયો, પણ કોઈને સમાધિ થાતી નથી.’ તે સમે ભૂજનો એક જમાદાર બેઠો હતો તેને પણ સમાધિ થાઈ. પછી શ્રીજીમહારાજે તેની વાત કરી જે, “આ જમાદાર એક લાખને એંશી હજાર પેગંબરે સ્તુતિને કર્યા એવા અમને ત્રણ અવસ્થામાં દેખે છે.” પછી શ્રીજીમહારાજ તે સમાધિવાળાને પોતાની દૃષ્ટિમાત્રે કરીને જગાડતા હવા. પછી તે પંડિતે પૂછ્યું જે, ‘બીજા ભગવાનના અવતારે આવી સમાધિ કરાવી નહોતી, આ તો કાંઈક જાદુ છે કે મંત્ર-તંત્ર છે!’ ત્યારે તે જમાદારે પંડિતને કહ્યું જે, ‘આ તો અવતાર નહિ, આ તો સર્વે અવતારના અવતારી ને અક્ષરધામના પતિ છે, તે જ આજ કૃપા કરીને જીવોનાં કલ્યાણ કરવાને અર્થે પધાર્યા છે ને બીજા ભગવાનના અવતાર પૂર્વે થઈ ગયા; તે સર્વે તો આ ભગવાનની સ્તુતિ ને પ્રાર્થના કરે છે, એમ હું સમાધિને વિશે દેખું છું.’ એવી રીતે શ્રીજીમહારાજે પોતાનો પ્રતાપ સહેજ જણાવ્યો.
પછી સુતાર વશરામ એવી રીતે શ્રીજીમહારાજનો પ્રતાપ જોઈને અતિશે આનંદ પામીને ખેતરમાં ગયા. ત્યાં રાફડામાં લાખો કીડીઓ પૃથ્વીમાંથી નીકળી, તેને જોઈને દયા આવી જે, ‘આ જીવને ક્યારે ભગવાનનો સંબંધ થાશે?’ એમ અંતરમાં વિચાર થયો. પછી પોતાને સંકલ્પે કરીને તે લાખો કીડીઓને ચતુર્ભુજરૂપ ધરાવીને વિમાનમાં બેસારીને ધામમાં મોકલી.
એવી રીતે શ્રીજીમહારાજે ભક્ત દ્વારે પોતાનું ઐશ્ર્વર્ય જણાવ્યું. તે વાત આવીને તે ભક્તે શ્રીજીમહારાજ પાસે કરી. ત્યારે ડોસા ભક્તે શ્રીજીમહારાજને પૂછ્યું જે, એ કીડીઓએ શું પુણ્ય કર્યાં હશે જે, પુણ્યે કરીને ધામમાં ગઈ ?’ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જ્યારે પુરુષોત્તમ ભગવાન અસંખ્ય જીવોનાં કલ્યાણ કરવાનો સંકલ્પ ધારીને અક્ષરધામમાંથી આંહીં પધાર્યા હોય, ત્યારે તો પોતાના સંકલ્પમાત્રે કરીને અસંખ્ય જીવોનાં કલ્યાણ તત્કાળ કરે અથવા પોતાના ભક્તના સંકલ્પમાત્રે કરીને અનંત જીવોનાં કલ્યાણ કરે. તે માટે અવતાર-અવતારીના સંકલ્પમાં ન્યૂનાધિકપણું છે. તે શું ? તો જે, અવતારીને તો સંકલ્પમાત્રે જ તે ક્રિયા સિદ્ધ થઈ જાય છે ને જે અવતાર છે તે તો સંકલ્પ ધારીને તે ક્રિયામાં પોતે ભળે ત્યારે તે ક્રિયા સિદ્ધ થાય છે.” એવી રીતે શ્રીજીમહારાજે અવતાર-અવતારી એવો ભેદ દેખાડ્યો.
(૧૨) એક પઠાણ ઝીંઝાવદરની સીમમાં આવ્યો, ત્યારે તેના મનના સંકલ્પ સર્વે બંધ થઈ ગયા ને અંતરમાં ટાઢું થઈ ગયું. તેથી જાણ્યું જે, ‘આ ગામમાં કોઈ મોટાપુરુષ છે.’ પછી તેણે ગામમાં આવીને અલૈયાખાચરને પૂછ્યું જે, ‘આ ગામમાં કોઈ મોટાપુરુષ છે તેનાં દર્શન મને કરાવો; કેમ જે, તે મોટાપુરુષે મારું મન ખેંચી લીધું છે.’ ત્યારે તે પઠાણને શ્રીજીમહારાજનાં દર્શન કરાવ્યાં. તે દર્શનમાત્રે કરીને તે પઠાણને સમાધિ થઈ ને અક્ષરધામને વિશે અનંત મુક્તે સેવાતા એવા શ્રીજીમહારાજનું દર્શન થાતું હવું. પછી શ્રીજીમહારાજ તેને પોતાની દૃષ્ટિમાત્રે કરીને જગાડતા હવા. પછી તે પઠાણે શ્રીજીમહારાજને પૂછ્યું જે, ‘હે મહારાજ ! તમે તો સર્વોપરી ભગવાન છો. માટે તમારા સ્વરૂપનું જ્ઞાન બીજા કોઈને કહું ?’ ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, “તમ જેવા હોય તેને કહેજો.”
(૧૩) ગામ વાંઢિયામાં પરોક્ષ અવતારના ઉપાસક દેવજી ભક્ત હતા. તેને ઘેર શ્રીજીમહારાજ પધાર્યા. ત્યારે તે ભક્તે પૂછ્યું જે, ‘હે મહારાજ! તમે કેના (કોના) સંત છો ?’ ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ‘અમે તો સ્વામિનારાયણના પરમહંસ છીએ. પછી તે ભક્ત શ્રીજીમહારાજને પગે લાગીને બેઠા. પછી તેને પોતાની દૃષ્ટિમાત્રે કરીને સમાધિ કરાવીને અક્ષરધામને વિશે અનંત મુક્ત, અનંત અવતાર ને અનંત ઐશ્ર્વર્ય તેણે સહિત પોતાની મૂર્તિનું દર્શન કરાવતા હવા. ને પોતાની મૂર્તિને વિશે લીન કરાવીને પોતાનો સર્વોપરી નિશ્ર્ચય કરાવતા હવા. પછી મૂળજી બ્રહ્મચારીએ પૂછ્યું જે, ‘હે મહારાજ ! આ ભક્તે શું પુણ્ય કર્યાં હશે જે અનંતકોટિ બ્રહ્માંડના પતિ એવા જે તમે તે સાક્ષાત્ દયા કરીને તેને ઘેર પધાર્યા ને મોટા મોટા યોગીને પણ દુર્લભ એવી જે અક્ષરધામની સમાધિ તે તમે દયા કરીને આ ભક્તને કરાવી ?’
ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “આ ભક્ત તો સો જન્મથી નિષ્કામી વર્તમાન દૃઢ રાખીને ભગવાનને પામવાને અર્થે દાખડો કરતો હતો, ત્યારે અમે એને ઘેર પધાર્યા છીએ.” પછી તે ભક્તને શ્રીજીમહારાજ પોતાની દૃષ્ટિમાત્રે કરીને જગાડતા હવા. પછી તે ભક્તે કહ્યું જે, ‘હે મહારાજ ! તમે તો અનંતકોટિ બ્રહ્માંડના આધાર જે અક્ષર તેના પતિ છો ને સર્વ અવતારના અવતારી ને સર્વ કારણના કારણ સાક્ષાત્ પુરુષોત્તમનારાયણ છો. તે દયા કરીને મારે ઘેર પધાર્યા છો.માટે હે મહારાજ ! તમારા સ્વરૂપના નિશ્ર્ચયમાં ખામી રહે નહિ, એવું કૃપા કરીને કહો.’ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમે તો આ બ્રહ્માંડને વિશે આવ્યા નથી ને આવશું પણ નહિ; માટે આ જે તમને નિશ્ર્ચય થયો છે તે ફરવા દેવો નહીં.”
(૧૪) દામોદરે નથુ ભટ્ટને શ્રીજીમહારાજના નિશ્ર્ચયની વાત કરી જે, ‘શ્રીજીમહારાજ સર્વ અવતારના અવતારી છે ને રામાનંદસ્વામી તે ઉદ્ધવનો અવતાર છે.’ તે વાત સાંભળીને તે નથુ ભટ્ટ અતિશે આકળા થઈ ગયા. પછી તે બે જણ વરતાલે શ્રીજીમહારાજ પાસે આવ્યા ને કહ્યું જે, ‘હે મહારાજ ! આ દામોદર રામાનંદસ્વામીને ઉદ્ધવ કેમ કહે છે ?’ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “તમે રામાનંદસ્વામીનું ધ્યાન કરો એટલે જેમ છે તેમ તમને જણાશે.”
પછી તે નથુ ભટ્ટ ધ્યાનમાં બેઠા એટલે તેમને તરત સમાધિ થઈ. તે સમાધિને વિશે અનંત મુક્ત, અનંત અવતાર, અનંત ઐશ્ર્વર્ય ને રામાનંદસ્વામી તેમણે સહિત અક્ષરધામને વિશે પોતાની દિવ્યમૂર્તિનું દર્શન કરાવીને તે સર્વ અવતાર અને રામાનંદસ્વામી પોતાની સેવામાં દેખાડ્યા ને પોતાનો સર્વોપરી નિશ્ર્ચય તે ભટ્ટને કરાવ્યો. પછી તે ભટ્ટને સમાધિમાંથી જગાડ્યા. ત્યારે તે નથુ ભટ્ટ ઊઠીને દામોદરને સાષ્ટાંગ દંડવત્ કરીને પછી બોલ્યા જે, ‘હે મહારાજ! મને જો આ દામોદરે તમારા સ્વરૂપના નિશ્ર્ચયની વાત કરી ન હોત, તો મારે કલ્યાણમાં બહુ જ ફેર હતો; તે માટે હવેથી કોઈ રીતે તમારા સ્વરૂપના નિશ્ર્ચયમાં કસર રહે નહિ, એવી કૃપા કરીને વાત કરો.’ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમે તો અક્ષરધામ થકી અગણિત જીવોનાં આત્યંતિક કલ્યાણ કરવાને અમારું અક્ષરધામ ને અનંતકોટિ પાર્ષદ, તેણે સહિત પધાર્યા છીએ.”
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
(૧૫) ગઢડામાં શ્રીજીમહારાજે એક ભક્તને કહ્યું જે, “તમે અક્ષરધામમાં જઈ આવો.” ત્યારે તે ભક્ત સમાધિ કરીને પ્રથમ બદરિકાશ્રમમાં ગયા, ત્યાં આપણા સાધુ, પાળા, બ્રહ્મચારી, હરિભક્ત તેને દીઠા. ત્યારે તેમને પૂછ્યું જે, ‘શ્રીજીમહારાજ ક્યાં છે ?’ ત્યારે એ સર્વે બોલ્યા જે, ‘આ નરનારાયણ છે તે જ મહારાજ છે.’ ત્યારે હરિભક્તે કહ્યું જે, ‘હું મહારાજને ઓળખું છું.’ પછી ત્યાંથી શ્ર્વેતદ્વીપમાં ગયા ત્યાં પણ આપણા સાધુ, બ્રહ્મચારી હતા, તેમને કહ્યું જે, ‘શ્રીજીમહારાજ ક્યાં છે ?’ ત્યારે તે બોલ્યા જે, ‘આ વાસુદેવ છે તે જ મહારાજ છે.’ ત્યારે તે બોલ્યા જે, ‘હું મહારાજને ઓળખું છું.’ પછી ત્યાંથી વૈકુંઠમાં ગયા, ત્યારે ત્યાં પણ આપણા સાધુ આદિક દીઠા. ત્યારે તેમને કહ્યું જે, ‘શ્રીજીમહારાજ ક્યાં છે ?’ ત્યારે તેમણે કહ્યું જે, ‘આ લક્ષ્મીનારાયણ છે તે જ મહારાજ છે.’ ત્યારે તેણે કહ્યું જે, ‘હું મહારાજને ઓળખું છું.’ પછી ત્યાંથી તે ભક્ત ગોલોકમાં ગયા ત્યારે ત્યાં પણ આપણા સાધુ આદિકને દીઠા. ત્યારે તેમને પૂછ્યું જે, શ્રીજીમહારાજ ક્યાં છે ?’ ત્યારે તે બોલ્યા જે, ‘આ શ્રીકૃષ્ણ છે તે જ મહારાજ છે.’ ત્યારે તેણે કહ્યું જે, ‘મહારાજને હું ઓળખું છું, માટે આ શ્રીજીમહારાજ નહીં.’
ત્યાર પછી તે ભક્ત અક્ષરધામમાં ગયા ને ત્યાં અનંતકોટિ મુક્ત તેમણે સેવ્યા હતા, એવા જે શ્રીજીમહારાજ તેમને દીઠા ને ત્યાં આપણા સાધુ, બ્રહ્મચારી, પાળા, સત્સંગી તે સર્વેને શ્રીજીમહારાજની સેવામાં દીઠા. પછી તે ભક્તને શ્રીજીમહારાજે પૂછ્યું જે, “કિયા કિયા (કયા કયા) ધામ જોતા આવ્યા?” ત્યારે ભક્તે કહ્યું જે, ‘હે મહારાજ ! આપણા બ્રહ્મચારી, સાધુ, પાળા, સત્સંગી તે બદરિકાશ્રમમાં, શ્ર્વેતદ્વીપમાં, વૈકુંઠમાં તથા ગોલોકમાં ઘણા દીઠા, તે પણ આંહીં કેમ ન આવ્યા ?’ ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, “અમને તે તે ધામના પતિ જાણ્યા, તે માટે ત્યાં જઈને રહ્યા છે. ને આ સર્વેએ અમને સર્વ અવતારના અવતારી જાણ્યા ને સર્વ ધામ થકી પર જે બ્રહ્મમહોલ તેના પતિ અમને જાણ્યા, તે માટે એમને અમે અક્ષરમુક્ત કર્યા છે. અને પૂર્વના અવતાર જેવા અમને જાણ્યા તે માટે એમને તે તે અવતાર જેટલું ઐશ્ર્વર્ય આપ્યું છે. ને તે તે ધામના પતિ અમને જાણીને તે તે ધામમાં રહ્યા છે. ને તે જો અમે પંડે જઈને કહીએ તો પણ ન માને, એવો એમનો નિશ્ર્ચય છે.”
પછી તે ભક્તને સમાધિમાંથી શ્રીજીમહારાજ જગાડતા હવા. પછી શ્રીજીમહારાજે તે ભક્તને કહ્યું જે, “તમે જે દીઠું તે સર્વ આ સંતમંડળની આગળ કહો.” ત્યારે તે ભક્તે જેમ દીઠું તેમ સંતમંડળ આગળ કહ્યું, પછી પરમહંસે કહ્યું જે, ‘હે મહારાજ ! તમે કૃપા કરીને તમારા સ્વરૂપનો જેમ અમને સર્વોપરી નિશ્ર્ચય થાય તેમ કહો !’ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અક્ષરાતીત એવા જે પ્રગટ પુરુષોત્તમ ભગવાન તે મૂળઅક્ષર અને અનંત અક્ષરમુક્તે સેવ્યા થકા પોતાના અક્ષરધામને વિશે સદાય વિરાજમાન છે. તેમણે સૃષ્ટિ સમે મૂળઅક્ષર સામું જોયું ત્યારે તે મૂળઅક્ષરે અનંતકોટિ મુક્તો સામું જોયું ત્યારે તે મુક્તોમાંથી એક પુરુષ ઊભો થયો, પછી તે પુરુષે માયા સામું જોયું, પછી માયામાંથી અનંત પુરુષાદિક થયા. તે અક્ષરપુરુષ અનેક રૂપે કરીને તેમાં પ્રવેશ કરે છે, અનેક રૂપે કરીને સર્વેની રક્ષા કરે છે અને અનંત પાર્ષદ, શક્તિઓ, ઐશ્ર્વર્યે સેવ્યા થકા પોતાના ધામને વિશે રહે છે. એ પ્રકારે એને વિશે અનેક કળા રહી છે. એવા જે મહાપુરુષ તેનો મોટા કવિ પણ પાર પામતા નથી ને તે આધુનિક સમજણવાળાની તો એટલે સુધી જ ગતિ છે. ને એવા અનંત અક્ષરમુક્તે સેવ્યા એવા જે પ્રગટ પુરુષોત્તમ તેની તમારે સાક્ષાત્ પ્રાપ્તિ છે. ને એવા જે પ્રગટ પુરુષોત્તમ શ્રીસ્વામિનારાયણ તે બીજા ધામમાં રહી જે મૂર્તિઓ તથા સર્વે અવતાર તેના કારણ છે ને અનંત અક્ષરમુક્તના સ્વામી છે. ને અપરિમિત, સર્વોપરી, નિરંકુશ, ઐશ્ર્વર્યાદિકે કરીને સંપૂર્ણ છે.
એવા જે પ્રગટ પુરુષોત્તમ તેમની જેમ તમને ઉપાસના છે તેમ જેને ઉપાસના થાય તે જ પુરુષોત્તમને પામે છે, પણ બીજા તો કોટિ સાધન કરે તો પણ ન પામે. ને અક્ષરાદિક સર્વ થકી પર અને પરમ અદ્વૈતમૂર્તિ એવા જે પ્રગટ પુરુષોત્તમ તેને વિશે ને બીજા વિભૂતિ અવતારને વિશે કેમ ભેદ છે ? તો જેમ તીર ને તીરનો નાખનારો તથા ચક્રવર્તી રાજા અને ખંડિયા રાજામાં ભેદ છે ને જેમ સૂર્ય ને સૂર્યના મંડળમાં ભેદ છે ને જેમ ચંદ્રમા ને તારામાં ભેદ છે, તેમ આ પ્રગટ પુરુષોત્તમમાં ને બીજા રામકૃષ્ણાદિક અવતારમાં ભેદ છે. એવી રીતે આ પ્રગટ પુરુષોત્તમને સર્વોપરી જાણવા એ સર્વે સત્પુરુષ ને સર્વે શાસ્ત્રનો પરમ રહસ્ય અભિપ્રાય છે. એવા જે પ્રગટ હરિકૃષ્ણ પુરુષોત્તમ તેની દૃઢ ઉપાસના કરવી એ અવશ્ય કરવાનું છે. ને અનંત એવું જે અક્ષરધામ ને અનંતકોટિ અક્ષરમુક્ત ને અક્ષરધામની અનંત દિવ્ય સમૃદ્ધિ ને અનંત વિભૂતિઓ ને અક્ષરધામથી હેઠા બ્રહ્માંડોના અનંત માયાશબલિત બ્રહ્મ, એ સર્વે પુરુષોત્તમનું શરીર છે. તેના મહિમાનો પાર ન આવે, તો એ સર્વના શરીરી અને કારણ ને એ સર્વેને વિશે અન્વય થકા વ્યતિરેક ને સર્વથી નિર્લેપ, નિર્વિકારી એવા જે આ પરબ્રહ્મ, હરિકૃષ્ણ, પ્રગટ પુરુષોત્તમ તેના મહિમાનો તો પાર આવે જ કેમ? એ તો અનંત અપાર છે ને જેવા આ પ્રગટ મૂર્તિ અમે બેઠા છીએ તેવા ને તેવા જ અક્ષરધામને વિશે સ્વયં સ્વરાટ્પણે રહ્યા છીએ અને તમે પણ સર્વે ત્યાં બેઠા છો, એમ હું દેખું છું. ને આ સત્સંગમાં જે યોગસમાધિવાળા છે તે પણ દેખે છે, પણ આ વાત તમારા સમજવામાં પરિપૂર્ણ આવતી નથી.
ને જ્યારે એ વાત પરિપૂર્ણ સમજ્યામાં આવશે ત્યારે પંચવિષય કે કામ, ક્રોધાદિક જીત્યામાં પ્રયાસ થાશે નહિ, સહેજે જિતાઈ જાશે. ને બ્રહ્માદિકને પણ દુર્લભ એવી આ સભા છે. ને ગૌલોક, વૈકુંઠ, શ્ર્વેતદ્વીપ ને બદરિકાશ્રમ તેને વિશે સભા છે, તેથી પણ આ સત્સંગીની સભાને હું અધિક જાણું છું ને સર્વે હરિભક્તને અતિશે પ્રકાશે યુક્ત દેખું છું, એમાં જો લગારે મિથ્યા કહેતા હોઈએ તો આ સર્વ સંત સભાના સમ છે.”
વચ. ગ.પ્ર. ૬૨
વચ. ગ.પ્ર. ૬૭
વચ. ગ.મ. ૧૩
વચ. ગ.મ. ૩૭
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
મૂર્તિ : સંતો.
શ્ર્વેતદ્વીપ : શ્રી વાસુદેવ ભગવાનનું ધામ.
બદરિકાશ્રમ : શ્રી નરનારાયણનો આશ્રમ.
(૧૬) જેતલપુરના મહોલમાં મુક્તાનંદસ્વામી આદિક પરમહંસ આગળ શ્રીજીમહારાજે વાત કરી જે, “તમ જેવા જે સંત તેને કોઈ ભાવે કરીને જમાડે તેને કોટિ યજ્ઞનું પુણ્ય થાય છે ને તેનો મોક્ષ થાય છે ને તમારા ચરણનો કોઈ સ્પર્શ કરે છે તેનાં કોટિ જન્મનાં પાપ નાશ પામે છે; ને તમને ભાવે કરીને જે વસ્ત્ર ઓઢાડે છે તેનું પરમ કલ્યાણ થાય છે. ને તમે જે જે નદી, તળાવ, કૂવા તેને વિશે નાહવો છો, તે સર્વે તીર્થરૂપ થાય છે. ને તમે જે વૃક્ષ તળે બેઠા હો ને જે જે વૃક્ષનું ફળ જમ્યા હો, તે સર્વેનું રૂડું થાય છે ને તમારાં કોઈ ભાવે કરીને દર્શન કરે છે ને કોઈ તમને ભાવે કરીને નમસ્કાર કરે છે તે સર્વેનાં પાપનો ક્ષય થાય છે. ને વળી તમે જેને ભગવાનની વાત કરો છો ને કોઈને નિયમ ધરાવો છો તેનો મોક્ષ થાય છે. ઇત્યાદિક જે, તમારી સર્વ ક્રિયા છે તે નિર્ગુણ છે ને જીવોનાં કલ્યાણને અર્થે છે.
ને આવો જે તમારો મહિમા તે શેણે (શેને, શાને) કરીને છે ? તો સર્વ થકી પર જે અક્ષરધામ તેના પતિ એવા જે, આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તેની તમો સર્વને સાક્ષાત્કાર પ્રાપ્તિ થઈ છે ને તે પુરુષોત્તમનો તમારે દૃઢ આશરો થયો છે. તે પુરુષોત્તમ આ તમારી સભામાં આવીને બેઠા છે ને તમોને પોતાની મૂર્તિનું પ્રત્યક્ષ સુખ આપે છે. માટે હવે તમારે કાંઈ કરવું રહ્યું નથી ને જેવી અક્ષરધામના મુક્તને પુરુષોત્તમ ભગવાનના સુખની પ્રાપ્તિ છે તેવી તમારે પણ આ પ્રત્યક્ષ પુરુષોત્તમના સુખની પ્રાપ્તિ થઈ છે. તે પુરુષોત્તમના સંબંધે કરીને આવી તમારી મોટપ છે.
ને વળી અનંતકોટિ બ્રહ્માંડમાં અમારું કર્યું થાય છે ને અમારે પ્રતાપે કરીને તમારું પણ અનંતકોટિ બ્રહ્માંડમાં કર્યું થાય છે; પણ તેને તમે જાણતા નથી. તે આવા અસમર્થ રાખ્યા છે તેનું શું કારણ છે ? તો આ પ્રત્યક્ષ ભગવાનનું સુખ લેવાને અર્થે, તમારું સામર્થ્ય રુંધી રાખ્યું છે ને જેવું તમારું સામર્થ્ય છે તેવું જો હું દેખાડું, તો તમારે આ લોકમાં કોઈની ગણતી જ રહે નહિ, તેણે કરીને કોઈ જીવોનું કલ્યાણ પણ થાય નહિ, માટે નિર્ભય થઈને પ્રત્યક્ષ પુરુષોત્તમનું ભજન-સ્મરણ કરજો; પણ આ લોકનાં દુ:ખે કરીને દુ:ખ પામશો નહીં.”
વચ. જે. ૪
કોટિ : કરોડ.
કરો : ઘરની દિવાલ.
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
સાક્ષાત્કાર : પરમતત્ત્વ કે ભગવાનનું પ્રત્યક્ષ દર્શન કે સાક્ષાત્ અનુભવ.
(૧૭) જાળિયામાં શ્રીજીમહારાજે સર્વ સંતને કહ્યું જે, “પરમહંસ તથા સત્સંગી એ સર્વેને તો એમ નિશ્ર્ચય કરવો જે, આપણે તો અક્ષરરૂપ મુક્તની પંક્તિમાં ભળવું છે ને અક્ષરધામમાં જઈને અખંડ ભગવાનની સેવામાં હજૂર રહેવું છે, પણ નાશવંત ને તુચ્છ એવું જે, માયિક સુખ તેને ઇચ્છવું નથી ને એમાં કોઈ ઠેકાણે લોભાવું નથી. એવો દૃઢ નિશ્ર્ચય રાખીને સર્વ અવતારના અવતારી ને અક્ષરધામના પતિ શ્રીપુરુષોત્તમ ભગવાન પ્રત્યક્ષ મળ્યા છે તે પુરુષોત્તમ ભગવાનની એકાંતિક ભક્તિ નિરંતર કરવી.”
પછી મુક્તાનંદસ્વામીએ પૂછ્યું જે, ‘હે મહારાજ ! ભગવાનનું અક્ષરધામ કેવું છે ?’ ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “તે ભગવાનનું ધામ તો સનાતન છે, નિત્ય છે, અપ્રાકૃત ને સચ્ચિદાનંદરૂપ છે અને એ ભગવાનનું જેવું ધામ છે, તેવું સ્થાનક અનંતકોટિ બ્રહ્માંડમાં કોઈ નથી જે, જેની ઉપમા એને દઈએ તથા ઇન્દ્ર, વરુણ, કુબેર તથા શિવ, બ્રહ્મા, વૈરાટ તથા પ્રધાનપુરુષ, પ્રકૃતિપુરુષાદિક તેમનાં જે સ્થાનક તથા બીજાં ઘણાંક ભગવાનનાં સ્થાનક છે; પણ એ માંહીલું એકે એવું સ્થાનક નથી જે, જેને ભગવાનના અક્ષરધામની ઉપમા દઈએ. અને એ ભગવાનના અક્ષરધામને વિશે રહ્યા એવા જે ભગવાનના મુક્ત તેને જેવું સુખ છે, તેવું અનંતકોટિ બ્રહ્માંડમાં કોઈને સુખ છે જ નહિ જે, જેની એને ઉપમા દઈએ. ને એ ભગવાનનો જેવો આકાર છે તેવો અનંતકોટિ બ્રહ્માંડમાં કોઈનો આકાર છે નહિ જે, જેની ઉપમા દઈએ; કેમ જે, પુરુષ પ્રકૃતિ થકી ઉત્પન્ન થયા જે આકાર, તે સર્વે માયિક છે ને એ ભગવાન તો અમાયિક છે ને દિવ્ય એવું જે પોતાનું અક્ષરધામ તેને વિશે સદાય સ્વરાટ્ થકા વિરાજમાન છે. તે મૂર્તિનું જ્યારે સમાધિને વિશે ભક્તને દર્શન થાય છે ત્યારે તે દર્શને કરીને એવું સુખ જણાય છે જે મેં હજાર વરસ પર્યંત સમાધિને વિશે સુખ ભોગવ્યું ! એવી રીતે ભગવાનના સ્વરૂપ સંબંધી સુખ તે સમાધિને વિશે અપાર જણાય છે.
ને વળી તે ભગવાનની મૂર્તિનું જે એક નિમિષમાત્રનું દર્શન તે ઉપર અનંતકોટિ બ્રહ્માંડનાં જે વિષયસુખ છે, તે સર્વેને વારીફેરીને નાખી દઈએ. ને ભગવાનના એક રોમમાં જેટલું સુખ રહ્યું છે, તેટલું સુખ તો અનંતકોટિ બ્રહ્માંડનાં વિષયસુખ ભેળાં કરીએ તો પણ તેના કોટિમા ભાગની બરોબર પણ થાય નહિ, એવું અક્ષરધામને વિશે ભગવાનની મૂર્તિનું ભગવાનના ભક્તને અખંડ સુખ આવે છે. ને એ જે પુરુષોત્તમનારાયણ તેની હે પરમહંસો ! આજ તમને સર્વેને સાક્ષાત્કાર પ્રાપ્તિ થઈ છે ને તમોને એ ધામને હું મારા બળે કરીને સર્વેને પમાડીશ, પણ સાધને કરીને એ ધામ પમાતું નથી.
ને બીજું એ ધામને વિશે જે મુક્ત રહ્યા છે, તેના દેહનો આકાર કેવો છે? તો આ બ્રહ્માંડને વિશે જે સ્ત્રી ને પુરુષ તેનો જે આકાર છે તેના બે લિંગથી વિજાતીય તે મુક્તનો આકાર છે, પણ સ્ત્રીના જેવો કે પુરુષના જેવો આકાર નથી. એ બેય આકારે વર્જિત બ્રહ્મમય તનુ છે ને તે મુક્તને એક પુરુષોત્તમનાં બે ચરણારવિંદની ઉપાસના છે ને તે સાથે જ રમણ છે. ને બીજા ધામોને વિશે તો ચાર ચરણારવિંદની ઉપાસના છે ને તે સાથે રમણ છે; ને સ્ત્રી છે તે પોતાના પુરુષ સાથે પણ રમણ કરે છે ને પુરુષોત્તમની જે મૂર્તિ છે તે સાથે પણ રમણ કરે છે ને જે પુરુષ છે તે પણ પોતાની સ્ત્રીના ચરણારવિંદની સેવા તત્પર થઈને કરે છે ને નવધા ભક્તિએ કરીને પુરુષોત્તમની સેવા પણ કરે છે. એવી જાતની જે ઉપાસના ને ભક્તિ, તે અમારા અક્ષરધામને વિશે નથી; બીજાં ધામોને વિશે છે અને જેને જ્યાં લગી સ્ત્રીને સુખે કરીને સુખ વરતે છે, ત્યાં લગી તે ભક્તને પણ અક્ષરધામને વિશે રાખતા નથી ને તેનાથી પણ અક્ષરધામને વિશે રહેવાતું નથી.”
પછી પરમહંસે પૂછ્યું જે, ‘હે મહારાજ ! કેવા ભક્ત હોય તે કેવા ધામને પામે?’ ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “પોતાના આત્માને અક્ષરરૂપ માનીને પુરુષોત્તમ ભગવાનની મૂર્તિને અખંડ તેલધારાની પેઠે સંભારતા હોય, એવા જે એકાંતિક ભક્ત તે તો અક્ષરરૂપ થઈને પુરુષોત્તમનારાયણની સેવામાં હજૂર રહે છે. ને તે ભક્તને ભગવાન કેવું સુખ આપે છે ? તો જેવું ભગવાનને પોતાની મૂર્તિનું સુખ છે, તેવું તે ભક્તને પણ ભગવાન સુખ આપે છે અને સાચી ઉપાસના ને એકાંતિકધર્મ એ બે સંપૂર્ણ હોય તો જ તે અક્ષરધામને પામે છે ને જો એકાંતિક ધર્મને વિશે કસર હોય તો મૂળપુરુષને પામે છે; ને ઉપાસનામાં તથા નિર્વાસનિકપણામાં કસર હોય તો ભગવાનના ગોલોકાદિક ધામને પામે છે ને બહુ સવાસનિક હોય તો પ્રધાનપુરુષ તથા વૈરાટાદિકને પામે છે ને ઉપાસના ને એકાંતિક ધર્મ એ બેમાં કસર હોય તો બ્રહ્માદિક જેવા થાય છે ને ગુણબુદ્ધિવાળા હોય ને સાધુની સેવા-ચાકરી કરતા હોય તો ઇન્દ્ર જેવા થાય છે ને થોડી સેવા-ચાકરી કરતા હોય તો દેવતા થાય છે ને સંતનો ગુણ જ લે તો તેને જમપુરી આળસે. એવી રીતે સમજણમાં ભેદે કરીને પ્રાપ્તિમાં બહુ જ ફેર રહે છે.”
વચ. ગ.પ્ર. ૧૪
હજૂર : ‘આપ’ અર્થનો દરબારી કે મુસ્લિમોમાં વપરાતો માનવાચક ઉદ્ગાર.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
વૈરાટ : વિરાટપુરુષ, વૈરાટનારાયણ
પર્યંત : ત્યાં સુધી, જેટલી.
સાક્ષાત્કાર : પરમતત્ત્વ કે ભગવાનનું પ્રત્યક્ષ દર્શન કે સાક્ષાત્ અનુભવ.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
(૧૮) કારિયાણીમાં શ્રીજીમહારાજ સર્વ પરમહંસ સહિત સભા કરીને મંદિરમાં કૂવાના કાંઠા ઉપર વિરાજમાન હતા. પછી તે પરમહંસને શ્રીજીમહારાજે પોતાનાં સર્વોપરી ઐશ્ર્વર્ય દેખાડ્યાં. ત્યાર પછી પરમહંસ નોખા નોખા બોલ્યા, તેમાં કેટલાક સંતો તો કહે જે, ‘હે મહારાજ ! આ સભા લઈને અક્ષરધામમાં જાઉં !’ અને વળી એક સંત કહે જે, ‘હે મહારાજ ! મારે તો એક બ્રહ્માંડની ક્રિયા હસ્તામલકવત્ દેખાય છે !’ ત્યારે વ્યાપકાનંદસ્વામી બોલ્યા જે, ‘તમારે તો એક બ્રહ્માંડ દેખાય છે ને મારે તો અનંતકોટિ આશ્ર્ચર્ય ને અનંત ઐશ્ર્વર્યે યુક્ત એવા જે અનંતકોટિ બ્રહ્માંડના ઈશ્ર્વર તથા ગૌલોક ને વૈકુંઠાદિક ધામ તે હસ્તામલકવત્ દેખાય છે, તે તો સર્વે અવતારના અવતારી એવા જે આ શ્રીસહજાનંદસ્વામી પ્રગટ પુરુષોત્તમના ધામનો પ્રતાપ છે.’ ત્યાર પછી સ્વરૂપાનંદસ્વામી બોલ્યા જે, ‘અક્ષરધામના પતિ જે આ પુરુષોત્તમ ભગવાન તે પોતાની દયાએ કરીને અગણિત જીવોનાં આત્યંતિક કલ્યાણ કરવાને અર્થે પોતાનું જે સમગ્ર ઐશ્ર્વર્ય અને પોતાના સર્વે પાર્ષદ તથા પોતાનું જે અક્ષરધામ તેણે સહિત આ પૃથ્વી ઉપર પધાર્યા છે ને એ સર્વે છે તે આ પ્રગટ પુરુષોત્તમની સભામાં બેઠા છે તેને હું દેખું છું અને આ સભામાં તો મહાપુરુષાદિક કેટલાક અવતાર અને ઈશ્ર્વરો પણ પોતાના મુક્તે સહિત આવ્યા છે તે હું દેખું છું; એવો આ શ્રીજીમહારાજની મૂર્તિનો પ્રતાપ છે !’ એવી રીતે શ્રીજીમહારાજ પોતાની દૃષ્ટિમાત્રે કરીને પોતાનું ઐશ્ર્વર્ય દેખાડીને પછી પોતાને પ્રતાપે કરીને તે સર્વે સંતનું ઐશ્ર્વર્ય તાણી લેતા હવા.
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
(૧૯) અમદાવાદમાં શ્રીનરનારાયણદેવની પ્રતિષ્ઠા કરી, તે સમે શ્રીજીમહારાજ મુક્તાનંદસ્વામી આદિક સંત આગળ એમ બોલ્યા જે, “આ ભરતખંડના રાજા શ્રીનરનારાયણ છે, તેમની પ્રતિમાની પ્રતિષ્ઠા આપણે કરી ને જે સાક્ષાત્ મૂર્તિમાન શ્રીનરનારાયણદેવ બદરિકાશ્રમવાસી છે તથા વૈકુંઠવાસી શ્રીલક્ષ્મીનારાયણદેવ આદિક સર્વે તે, પ્રગટ પુરુષોત્તમ દ્વિભુજ મૂર્તિ એવા જે આ ભગવાન તેમની ઉપાસના તથા સેવા કરે છે.” એમ શ્રીજીમહારાજે મર્મે કરીને પોતાના પુરુષોત્તમપણાની વાત કરી. તે વાત સાંભળીને જે એકાંતિક જ્ઞાનવાન સંત હતા, તે એમ સમજ્યા જે, આ પ્રગટ પુરુષોત્તમ શ્રીજીમહારાજ તે જ સર્વ અવતારના અવતારી ને અક્ષરધામના પતિ પ્રગટ પુરુષોત્તમ છે.
વચ. ગ.મ. ૨૨
મૂર્તિ : સંતો.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
મર્મે : રહસ્ય જાળવી રાખીને.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
(૨૦) વરતાલમાં શ્રીજીમહારાજે પરમહંસ આગળ પોતાના પુરુષોત્તમપણાના મહિમાની વાત પાંચ-છ દિવસ કરીને પછી શ્રીજીમહારાજે સંતને કહ્યું જે, “અમારી વાતનું રહસ્ય તો આ નિત્યાનંદસ્વામી સમજે છે.” પછી સર્વે સંતે કહ્યું જે, ‘હે મહારાજ ! એ કેમ સમજે છે ?’ ત્યારે કહ્યું જે, “તમે પૂછો.” ત્યારે સર્વે સંતે પૂછ્યું; ત્યારે નિત્યાંનદસ્વામીએ કહ્યું જે, ‘તમે પુરુષોત્તમ કહ્યા તે તો મહાપુરુષ છે. રામકૃષ્ણાદિક સર્વે અવતાર અને પુરુષાદિકના કારણ તો મહાપુરુષ છે અને તે થકી પર જે અક્ષરધામ તેના ધામી આ પ્રત્યક્ષ પ્રમાણ શ્રીજીમહારાજ છે.’ ત્યાર પછી સર્વે સંતે શ્રીજીમહારાજને કહ્યું જે, ‘હે મહારાજ ! તમારા સ્વરૂપનો સર્વોપરી નિશ્ર્ચય થાય, તેવી કૃપા કરો.’ ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જ્યાં પ્રગટ પુરુષોત્તમપણાની આ વાત આવે છે, ત્યાં સર્વેની બુદ્ધિ ભ્રમી જાય છે, પણ સર્વ ઠેકાણે પ્રત્યક્ષ હરિકૃષ્ણ પુરુષોત્તમને લઈને બીજાને પુરુષોત્તમ કહ્યા છે. તે પ્રત્યક્ષ હરિકૃષ્ણ પુરુષોત્તમને લીધા વિના તો અક્ષરને પણ ભગવાન ન કહેવાય, તો બીજાની શી વાત કહેવી ? માટે એવા શબ્દ સાંભળીને મતિ ભ્રમાવા દેવી નહીં.”
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
(૨૧) વરતાલમાં ‘સત્સંગિજીવન’ ગ્રંથ લખવાનો આરંભ કર્યો, ત્યારે ઉપાસનાનો પ્રસંગ નીકળ્યો. તેમાં સંતને સાત-આઠ દિવસ સુધી વાદવિવાદ થયો. તે પછી તેમાં કેટલાક સંત કહે જે, ‘શ્રીકૃષ્ણ જેવા મહારાજને લખો.’ ત્યારે નિત્યાનંદસ્વામીએ કહ્યું જે, “બીજા અવતાર જેવા મહારાજને કેમ કહેવાય ? ને બીજા અવતારે ક્યારે પોતાને વિશે ચોવીસ અવતાર તથા ભૂમાપુરુષાદિક અનંતને પોતાને વિશે લીન કરી દેખાડ્યા ? તથા સર્વેને પોતાની પૂજા કરતા દેખાડ્યા ? ને પોતાના સ્વરૂપનો સર્વોપરી નિશ્ર્ચય કરાવવા સારુ વ્યાપકાનંદસ્વામી દેખતાં શ્રીજીમહારાજે પોતાને વિશે ચોવીસ અવતાર લીન કરાવી દીધા તથા પર્વતભાઈને સાંતી હાંકતાં શ્રીજીમહારાજની મૂર્તિને વિશે ચોવીસ અવતાર લીન થાતા દેખાડ્યા! ને વળી શ્રીજીમહારાજ માંગરોળ આદિક જે જે ગામ પધાર્યા, ત્યારે જે જે અવતારના ઉપાસક હતા, તે શ્રીજીમહારાજને દર્શને આવતા તે સર્વેને ધ્યાનમાં બેસારીને પોતપોતાના ઇષ્ટદેવનાં દર્શન કરાવતા હવા અને તે તે પોતાના ઇષ્ટદેવ તે પોતપોતાના ભક્તને કહેતા હવા જે, ‘આ શ્રીસહજાનંદસ્વામી તો સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ છે ને અમે તો એમના દાસ છીએ.’ એવી રીતે અનંત ઐશ્ર્વર્ય જણાવ્યાં એ આદિક અનંત આશ્ર્ચર્યકારી ચમત્કાર દેખાડ્યા. એવા જે અક્ષરાતીત શ્રી સહજાનંદસ્વામી તે તો રામકૃષ્ણાદિક સર્વ અવતારના અવતારી છે. તેમને બીજા અવતાર જેવા કેમ કહેવાય? ને બીજા અવતાર જેવા મહારાજને કહીએ તો અનંત મહા અદ્ભુત શ્રીજીમહારાજનાં ઐશ્ર્વર્ય ખોટાં પડે.”
ત્યાર પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ ઠીક કહે છે ને ઠીક સમજે છે ને જે ઉપાસક હોય તે તો આવા જ હોય. ને તમે સર્વ અમ ભેગા ફરી ગયા પણ અમે તો કેમેય કહેતા હશું ને કેમેય જાણતા હશું ?” એમ કહીને નિત્યાનંદસ્વામીને રાજી થઈને હાર આપ્યો. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “આ બ્રહ્માંડનાં આવરણ પાર ને ચિદાકાશ પર્યંત અવતાર ને અનંત અવતારનાં સ્થાનક ને તેમના અનંત મુક્ત તે કોઈ અક્ષરધામને પામતા નથી ને જેને આ પ્રગટ પુરુષોત્તમનારાયણનો સંબંધ થાય છે, તે જ અક્ષરધામને પામે છે ને બીજા પુરુષ તો કોટિ સાધન કરે તો પણ પામે નહીં.”
(૨૨) એક સમયે શ્રીજીમહારાજે સંતદાસજીને દલુજી પાસે મોકલ્યા. પછી દલુજીએ શ્રીજીમહારાજના પ્રતાપના સમાચાર પૂછ્યા ને વળી એમ બોલ્યા જે, ‘શ્રીજીમહારાજનો અવતાર કેવો જાણવો ને ત્યાં જીવોનાં કલ્યાણ કેવાં કરે છે?’ ત્યારે સંતદાસજીએ કહ્યું જે, “આ અવતાર નહિ; આ તો રામકૃષ્ણાદિક સર્વ અવતારના અવતારી ને સર્વ કારણના કારણ પ્રગટ હરિકૃષ્ણ પુરુષોત્તમનારાયણ છે ! તે અક્ષરધામ થકી જીવોનાં આત્યંતિક કલ્યાણ કરવાને અર્થે દયા કરીને આંહીં પધાર્યા છે. ને આ તો સર્વોપરી મૂર્તિ છે, તે માટે જીવોનાં સર્વોપરી કલ્યાણ કરે છે ને શ્રીજીમહારાજ તો કોઈ દિવસ આ બ્રહ્માંડમાં પધાર્યા નથી ને પધારશે પણ નહિ ને એવા તો એ એક જ છે. ને હું પણ વૈકુંઠ તથા બદરિકાશ્રમ તથા શ્ર્વેતદ્વીપ આદિક ધામ પ્રત્યે જઉં છું ત્યારે તે સર્વ ધામના પતિ એમ કહે છે જે, ‘શ્રીસહજાનંદસ્વામી પ્રગટ પ્રમાણ પુરુષોત્તમ તો અક્ષરધામના પતિ ને સર્વ અવતારના અવતારી છે ને તે જ આજ દયા કરીને જીવોનાં કલ્યાણ કરવાને અર્થે પૃથ્વી ઉપર પધાર્યા છે, તે માટે જીવોનાં સર્વોપરી કલ્યાણ કરે છે.’ એમ એ સર્વ ધામના વાસી કહે છે.” ત્યાર પછી સંતદાસજીએ દલુજીને કહ્યું જે, ‘તમે શ્રીજીમહારાજનો અવતાર કેવો જાણો છો ?’ ત્યારે દલુજી બોલ્યા જે, ‘શ્રીજીમહારાજ તો સર્વ અવતારના અવતારી ને અક્ષરધામ, કાળ, માયા, પુરુષ ને વાસુદેવાદિક ચતુર્વ્યૂહ તથા કેશવાદિક ચોવીસ મૂર્તિઓ, એ સર્વના કારણ પુરુષોત્તમ છે, તે હું પણ શ્રીજીમહારાજની કૃપા થકી જાણું છું.’
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
મૂર્તિ : સંતો.
વૈકુંઠ : શ્રી વિષ્ણુ ભગવાનનું ધામ.
બદરિકાશ્રમ : શ્રી નરનારાયણનો આશ્રમ.
શ્ર્વેતદ્વીપ : શ્રી વાસુદેવ ભગવાનનું ધામ.
(૨૩) શ્રીજીમહારાજે સંતને પોતાનો રહસ્ય અભિપ્રાય કહ્યો જે, કોટિ સૂર્યના તેજથી કોટિગણું તેજ વૈકુંઠના મુક્તમાં છે ને તેથી કોટિગણું તેજ તે ગોલોકના મુક્તમાં છે ને તેથી અનંતકોટિગણું તેજ તે અક્ષરધામના મુક્તના રોમને વિશે છે ને તેથી અનંતકોટિગણું તેજ તે અક્ષરધામની જે ભૂમિ તેમાં એક સોપારી રહે એટલા દેશમાં લીન થાય છે ને અનંત અપાર જે અક્ષરધામનો પ્રકાશ તે સર્વેને ભેળો કરીએ તો સર્વ અવતારના અવતારી જે શ્રીહરિકૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ તેના એક રોમના કોટિમાં ભાગની બરોબર નથી આવતો એવી દિવ્યમૂર્તિ તે તેજ, ઐશ્ર્વર્ય, પ્રતાપ, બળ, કીર્તિ એવા અનેક દિવ્યગુણે યુક્ત સ્વરાટ, ને સત્ય સંકલ્પ છે ને દિવ્ય કર્તાશક્તિ, જ્ઞાનશક્તિ, ક્રિયાશક્તિ, લયશક્તિ, ધારકશક્તિ, પ્રેરકશક્તિ, નિત્ય-અલુપ્તશક્તિ, મહામનોહરશક્તિ, અચિંત્યશક્તિ, નિરંકુશશક્તિ, નિર્વિશેષશક્તિ, નિર્દોષશક્તિ, અજિતશક્તિ, શોભાશક્તિ, નિયંતાશક્તિ, સુંદરશક્તિ એ આદિક અનંત દિવ્ય શક્તિઓ ને અનેક મહા આશ્ર્ચર્યકારી ગુણેયુક્ત દિવ્યમાં દિવ્યમૂર્તિ પોતાના અક્ષરધામને વિશે સદા વિરાજમાન એવા હરિકૃષ્ણ પુરુષોત્તમ શ્રીસહજાનંદસ્વામી છે ને જન્મ ધરતા થકા સદાય અજન્મા, અચ્યુત, અખંડમૂર્તિ છે, ને દિવ્યાકૃતિ થકા મનુષ્યાકૃતિ છે ને મનુષ્યાકૃતિ થકા દિવ્યમૂર્તિ છે.
ને અક્ષરધામમાં છે તો પણ આંહીં છે ને આંહીં છે તો પણ અક્ષરધામમાં જ છે. ને એ જ્યાં છે ત્યાં જ અક્ષરધામનું મધ્ય છે. ને ઔદાર્ય, ગાંભીર્ય, માધુર્ય, વાત્સલ્ય, સૌશિલ્ય, જ્ઞાન, બળ, તેજ, રસ, ગંધ એ આદિક મહા આશ્ર્ચર્યકારી દિવ્યગુણે યુક્ત સર્વોત્તમ સહજાનંદસ્વામી પુરુષોત્તમ છે, તે પોતાના અક્ષરધામને વિશે અનેક મુક્ત ને અક્ષરબ્રહ્મ તેમણે સેવ્યા થકા સદાય વિરાજમાન છે. ને પોતે પોતાના સુખે કરીને સુખિયા છે ને અક્ષરાદિક સર્વે ઉપર દયા કરીને એમની સેવાને અંગીકાર કરે છે ને પોતે તો સર્વે પ્રકારે પૂર્ણકામ છે અને અનંત અક્ષરાદિક મુક્ત ને અનંત શક્તિઓ ને અનેક વિભૂતિઓ અને અનેક ઐશ્ર્વર્ય ને એ સર્વેએ યુક્ત થકા અનાદિ નિત્યસિદ્ધ, અનવધિકાતિશય ને નિરંકુશ દિવ્ય એવું ઐશ્ર્વર્ય, તેણે યુક્ત થકા ને શ્રીધર્મદેવ ને ભક્તિમાતા થકી છે જન્મ જેમનો એવા જે, શ્રી સ્વામિનારાયણ તે જ અક્ષરાતીત સર્વોપરી પુરુષોત્તમ છે. તેમાંથી સર્વ અવતાર પ્રગટ થાય છે ને પાછા તેમને વિશે લીન થાય છે. તે માટે દહાડે દહાડે શ્રદ્ધા, જ્ઞાન, માહાત્મ્ય, વિશ્ર્વાસ, પ્રીતિ, આશ્રય ને અનુવૃત્તિ તે અધિક અધિક સમજાય, એવો શાંતપણે ઉપાય કરવો ને તેવો જ સંગ ને શાસ્ત્ર રાખવાં, એવો સર્વે મોટા સંત ને શ્રીજીમહારાજનો પરમ રહસ્ય અભિપ્રાય છે.
અનવધિકાતિશય : જેની અવધિ નથી એવું વિશાળ, અમર્યાદ, અપાર, અનંત.
અનુવૃત્તિ : મરજી.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
(૨૪) જે અક્ષરાતીત પ્રત્યક્ષ પુરુષોત્તમ શ્રીસહજાનંદજી મહારાજ તે સર્વે ઉપાસકને એક જ ઉપાસ્યમૂર્તિ છે, સર્વ આનંદરૂપ છે, સર્વ સારના સારરૂપ છે, સર્વ તત્ત્વના તત્ત્વરૂપ છે, સર્વ દૈવતમાં દૈવતકારી છે, સર્વ મંગળમાં મંગળકારી છે, સર્વ ક્ષેત્રમાં સર્વ ક્ષેત્રજ્ઞ છે, સર્વ આધારના આધાર છે, સર્વ પાવનમાં પાવનકારી છે, સર્વ ગુહ્યમાં ગુહ્યરૂપ છે, સર્વ ગુણીના ગુણી છે, સર્વ ધામના ધામી છે, સર્વ કારણના કારણ છે, સર્વ અવતારના અવતારી છે ને સર્વ નામના નામી છે.
(૨૫) શ્રીસહજાનંદસ્વામી પરબ્રહ્મ પરમ કારુણિક મૂર્તિનાં બે ચરણારવિંદથી લઈને મસ્તક સુધી સર્વ અંગને પૃથક્ પૃથક્ ધારી ને એકાંત સ્થળને વિશે બેસીને ઇન્દ્રિયો, મન, પ્રાણ, તેનો પ્રત્યાહાર કરીને પૂર્વાપર રાતને વિશે અતિ દૃઢ મતિએ કરીને, અતિ દૃઢ ચિત્તે કરીને, અતિશે સ્થિર થઈને, યોગી જે તે શ્રીહરિનું ધ્યાન કરે. ને કામાર્ત (વિષયેચ્છાથી આતુર બનેલ કામી), તસ્કર (ચોર, છેતરનાર), નટ, વ્યસની ને દ્વેષી એ સર્વે પોતપોતાના વિષયને વિશે જેમ તત્પર થઈને મંડ્યા છે, તેમ મુનિ જે, તે શ્રીહરિની મૂર્તિ ધારવાને વિશે અતિ હર્ષે યુક્ત છે મન જેનું એવો થકો તત્પર થઈને મંડે ને સાધ્વી, ચકોર, શલભ, મચ્છ, ચકવા, ચકવી ને બપૈયા, એ જેમ પોતપોતાના વિષયમાં નિમગ્ન છે, તેમ યોગી જે તે શ્રીહરિની મૂર્તિમાં અતિશે આનંદ થકો નિમગ્ન રહે. ને સમુદ્ર મંથન કરવાને સમે જેમ દેવ-દાનવ મનમાં વિશ્ર્વાસ રાખીને મંડ્યા હતા, તેમ યોગીએ મનમાં દૃઢ વિશ્ર્વાસ રાખીને ભગવાનની મૂર્તિ ધારવાનો નિત્ય નવો અધ્યાસ રાખવો. ને રસાસ્વાદ, નિદ્રા, હિંસા ને વિક્ષેપ, એ ધ્યાનમાં વિરોધી છે, તેનો ત્યાગ કરે ત્યારે ધ્યાન થાય; નહિ તો ન થાય.
પૂર્વાપર : આગળપાછળ.
મૂર્તિ : સંતો.
ચકવી : ચકવા પક્ષીની માદા.
(૨૬) પાંચ ઇન્દ્રિયો ને છઠ્ઠું મન તેને જીતીને વશ કરીને પિંડ, બ્રહ્માંડ ને પંચવિષય તેમને જડ, દુ:ખ, તુચ્છ, નાશવંત ને વિષ્ટારૂપ જાણી ત્યાગ કરીને; સત્, ચિદ્, આનંદ, સૂક્ષ્મ અને નિર્ગુણ એવું અક્ષરબ્રહ્મ તે રૂપે જે પોતાના જીવાત્માને માનીને મુનિ થકા, શ્રીહરિનું ધ્યાન કરવું. ને જાતિ, વર્ણ, આશ્રમ ને ગુણ તેનું જે માન તેનો ત્યાગ કરીને, સમગ્ર સાધુ-સત્સંગી તેના દાસના દાસ થઈને રહે છે, તેને જ શ્રીહરિનું ધ્યાન થાય છે. ને શ્રીહરિનું સમગ્રપણે માહાત્મ્ય જાણ્યા વિના બીજા કોટિ સાધન કરે, પણ સર્વ ક્રિયાને વિશે અખંડ નામરટન ને મૂર્તિની અખંડ સ્મૃતિ રહે નહિ ને અનંતકોટિ બ્રહ્માંડનાં વિષયસુખ ભેળાં કરીએ તો પણ શ્રીહરિની મૂર્તિના એક રોમના સુખની કોટિમા ભાગની બરોબર આવે નહિ ને મહાપાતકી હોય ને તે જો શ્રીહરિનું ભજન કરે તો તેનાં સમગ્ર પાપ બળીને ભસ્મ થઈ જાય, એવો અતિ અલૌકિક મહિમા છે.
ને “સાંખ્ય, યોગ, વેદાંત ને પંચરાત્ર એમનું તત્ત્વ તો એક શ્રીહરિની મૂર્તિ છે.”, એવી જેની અચળ મતિ હોય એવા વિચક્ષણને શ્રીહરિનું ધ્યાન થાય છે ને સંપૂર્ણ ગુણ, સુખ ને સામર્થ્ય તો, એક ભગવાનની મૂર્તિમાં જ છે, ને બીજે ઠેકાણે તો કિંચિત્ છે. ને સાધુ, સત્સંગી ને અક્ષરાદિક એ સર્વેનું તત્ત્વ તો શ્રીહરિની મૂર્તિ છે, એવી આસ્તિક મતિએ સહિત જેની સમજણ છે તેને જ શ્રીહરિનું ધ્યાન થાય છે. ને “અક્ષિવિદ્યા, દહરવિદ્યા ને અક્ષરવિદ્યા, એ આદિક સર્વે બ્રહ્મવિદ્યા તેમણે કરીને જાણવા યોગ્ય તો અક્ષરાદિક સર્વેના શરીરી ને કારણ, પરબ્રહ્મ પ્રગટ હરિકૃષ્ણ છે,” એવી જેની અચળ મતિ છે, તેને જ શ્રીહરિનું ધ્યાન થાય છે. ને જેમ પાંચ મોઢાવાળી ચામડાની મશક હોય, તેમાંથી એક મોઢું મોકળું મેલે તો સર્વે જળ સ્રવી જાય છે, તેમ પંચ ઇન્દ્રિયો ને છઠ્ઠું મન તેમાંથી જો એક મોકળું મૂકે તો સર્વે ધ્યાન સ્રવી જાય છે, માટે સર્વેને નિયમમાં રાખે તો ધ્યાન થાય; નહિ તો ન થાય.
ને સ્વસ્તિક આસને કરીને નાસિકાગ્ર વૃત્તિ રાખીને ને દેહને સમ રાખીને ને નેત્રને મીંચીને, ને યુક્ત છે આહાર-વિહારાદિક જેના એવો થકો શુદ્ધ અક્ષરસ્વરૂપે થઈને, અતિશે રોમાંચિત અને અતિ ગદ્ગદ્ કંઠે કરીને, અતિ હર્ષાયમાન થકો, અતિ ત્વરાએ કરીને, અતિશે દાન્ત થકો, અતિશે શાંત થકો ને અતિશે સમાહિત થકો શ્રીહરિનું ધ્યાન કરે ને શ્રીહરિનું સ્વરૂપ, સ્વભાવ ને ગુણ તેમને સદાય નિર્દોષ, સર્વોત્તમ, અનાદિ, નિત્યસિદ્ધ, સદા શુદ્ધ સમજે ને સર્વકાળને વિશે દિવ્યવિગ્રહ, સત્યસ્વરૂપ ને કાળ, કર્મ, માયા ને પુરુષ તેના કર્તા, પ્રેરક ને નિયંતા તો એક શ્રીહરિ જ છે, એવી જેને અચળ મતિ છે તેને જ શ્રીહરિનું ધ્યાન થાય છે.
વચ. ગ.પ્ર. ૧૬
વચ. ગ.પ્ર. ૧૮
વચ. ગ.પ્ર. ૨૭
વચ. ગ.મ. ૨૧
વચ. વ. ૨
(૨૭) અક્ષરધામમાં અનંત અપાર જે અક્ષરબ્રહ્મ અને અનંતકોટિ મુક્તો તે એક પુરુષોત્તમનારાયણની મૂર્તિના સુખે સુખિયા છે અને અક્ષરબ્રહ્મને અને અનાદિ મહામુક્તોને મૂર્તિનું સુખ સમ્યક્ આવે છે તો પણ તે અનંત, અગાધ અને અપારનું અપાર લાગ્યા કરે છે અને બીજા મુક્તોને તો સુખ, સામર્થી અને પ્રકાશમાં તારતમ્યતા રહે છે ને એ રીતે મુક્તોમાં અનંત ભેદ છે, માટે આ લોક-પરલોકને વિશે દુર્લભ તે શું છે ? તો શ્રીહરિના સ્વરૂપનું જ્ઞાન, ઉપાસના, આશરો, વિશ્ર્વાસ, અનુવૃત્તિ ને પ્રીતિ એ અચળ થાય, એ જ દુર્લભ ને સારમાં સાર છે. ને મુક્તાનંદસ્વામી, ગોપાળાનંદસ્વામી, નિત્યાનંદસ્વામી, બ્રહ્માનંદસ્વામી એ આદિક સાધુ ને સત્સંગી અનેક શ્રીહરિની ઉપાસનાએ કરીને પરમપદને પામ્યા છે. માટે સંત સમાગમથી શ્રીહરિનો જે મનુષ્યભાવ, દિવ્યભાવ, નિર્ગુણ-સગુણપણું, સાકાર-નિરાકારપણું, કર્તા-અકર્તાપણું, અન્વય-વ્યતિરેકપણું, સ્વભાવ, ગુણ ને નામ, તે જેમ છે તેમ નિર્દોષપણે જાણીને તથા એમનું જે સ્વરૂપ છે તે પણ શ્રવણ, મનન, નિદિધ્યાસ ને સાક્ષાત્કાર વડે જેમ છે તેમ યથાર્થ જાણીને દૃઢ આશરો કરવો, તે રૂપી જે તપ તેણે કરીને ભગવાનને રાજી કરવા.
અનુવૃત્તિ : મરજી.
નિદિધ્યાસ : ઇષ્ટદેવ કે પરમતત્ત્વનું નિત્ય ચિંતન.
સાક્ષાત્કાર : પરમતત્ત્વ કે ભગવાનનું પ્રત્યક્ષ દર્શન કે સાક્ષાત્ અનુભવ.
(૨૮) જેના ઉપર સત્શાસ્ત્રનો અધિકાર હોય તેને મનુષ્ય કહીએ ને એવા હજારો મનુષ્ય ભેળા કરીએ ત્યારે તેમાં એક ધર્મવાન જડે ને તેવા ધર્મવાળા હજારો ભેળા કરીએ ત્યારે તેમાં એક સિદ્ધિને અર્થે યત્નને કરતો હોય એવો જડે ને સિદ્ધિવાળા હજારો ભેગા કરીએ તો તે મધ્યે એક ભગવાનને અર્થે યત્નને કરતો હોય એવો મળે ને તેવા હજાર મધ્યે એક ભગવાનને જાણીને યત્નને કરતો હોય એવો મળે. ને ભગવાનને જાણીને યત્નને કરતા હોય એવા હજારો ભેગા કરીએ તો તે મધ્યે કોઈક જ્ઞાની ભગવાનનું સ્વરૂપ, સ્વભાવ, ઐશ્ર્વર્ય, તે અંત રહિત છે, તેને તત્ત્વે કરીને યથાર્થ પોતાના જ્ઞાનની વિશાળતાને અનુસારે જાણનાર મળે છે; પણ જેમ છે તેમ તો અંતને નથી પામતો. ને ભગવાન પોતે પોતાના સ્વરૂપ, સ્વભાવ, ગુણ ને ઐશ્ર્વર્ય, તેના મહિમાના અંતને નથી પામતા, તો બીજો તો પામે જ કેમ ?
એવા સર્વોત્કૃષ્ટ હરિકૃષ્ણ પુરુષોત્તમ તેમણે અનેકકોટિ બ્રહ્માંડનાં ને બ્રહ્મપુરાદિક ધામનાં જે સમગ્ર ઐશ્ર્વર્ય તે પોતાની મૂર્તિને આધીન છે; તે સમાધિએ કરીને દેખાડ્યાં તથા સૌના ઇષ્ટદેવરૂપે પોતે પોતાનું દર્શન દઈને અનંત જીવોને અપરિમિત પોતાનો સર્વોપરી નિશ્ર્ચય કરાવ્યો. એવી રીતનું બીજું પણ જે સર્વોપરી દિવ્ય ઐશ્ર્વર્ય તેને દેખાડીને પોતાના સર્વોપરી ઐશ્ર્વર્યને વિશે અક્ષરાદિક સર્વેનાં ઐશ્ર્વર્ય લીન કરીને પોતે સર્વોત્કૃષ્ટપણે જયકારી પ્રવર્તે છે ! એવા જે બ્રહ્મધામના અધિપતિ હરિકૃષ્ણ પુરુષોત્તમનારાયણની મૂર્તિના માહાત્મ્યજ્ઞાને સહિત ધ્યાનને વિશે યોગીએ તત્પર થઈને મંડવું. તે એવી રીતે પોતાના આત્માને અક્ષરરૂપે માનીને પોતાનાં અંગોઅંગમાં પુરુષોત્તમનારાયણના અંગોઅંગ ધારવારૂપ ધ્યાન કરવાનું શ્રીજીમહારાજે ખરડામાં સંતોને કહ્યું છે.
વચ. ગ.પ્ર. ૨૦
વચ. ગ.મ. ૫૦
વચ. ગ.મ. ૬૭
વચ. ગ.અં. ૫
વચ. લો. ૭
(૨૯) હરિકૃષ્ણ પુરુષોત્તમ તે અક્ષરબ્રહ્મ થકી પર છે ને અતિશે સ્વરાટ્ છે ને અતિશે શેષના શેષી છે ને અતિશે કર્તુમ્, અકર્તુમ્ ને અન્યથાકર્તુમ્ સમર્થ છે ને અનંત દિવ્ય કલ્યાણકારી ગુણના મહોદધિ છે ને અતિશે અપરિમિત મહામનોહર સદા સાકારમૂર્તિ છે ને અતિશે પ્રકાશક છે ને અનાદિ, નિરંકુશ, દિવ્ય, ઐશ્ર્વર્ય સંપન્ન છે ને અનંત દિવ્ય સુખના મહાસાગર છે ને અતિશે મહાજ્ઞાનમૂર્તિ છે ને સર્વના નિયંતા છે ને પરમ અદ્વિતીય મૂર્તિ છે ને સદા અખંડિત છે ને વિજ્ઞાન, જ્ઞાન, ઐશ્ર્વર્યમય છે મૂર્તિ જેમની એવા છે ને અનેક વિભૂતિઓ ને અનેક અક્ષરાદિક મુક્ત ને અનેક કાળ, માયા, પુરુષાદિક શક્તિઓ ને વાસુદેવાદિક ચતુર્વ્યૂહ તથા કેશવાદિક ચોવીસ મૂર્તિઓ તથા રામકૃષ્ણાદિક અવતાર એ સર્વેના કારણના પણ કારણ છે. ને ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય એ સર્વકાળને વિશે સદાય દિવ્યવિગ્રહ ને અજીતમૂર્તિ છે. ને એક થકા અનેક રૂપે છે ને અનેક રૂપ થકા એક છે ને અનેકના અગ્રજ છે, પરમાત્મા છે, પરમેશ્ર્વર છે, પરમ કારુણિક છે, પુરુષોત્તમ છે, પૂર્ણકામ છે, પરાત્પર છે, પરબ્રહ્મ છે ને સ્વરૂપ, સ્વભાવ, ગુણ, ઐશ્ર્વર્ય તેણે કરીને જેની કોઈને ઉપમા દેવાતી નથી એવા પરમ અદ્વિતીય સર્વોપરી પ્રસિદ્ધ છે ને અત્યંત નિર્વિશેષ જ્ઞાન, બળ, તેજ, ઐશ્ર્વર્ય ઇત્યાદિક પ્રત્યક્ષ શ્રીસહજાનંદસ્વામી પુરુષોત્તમનો જે અપરિમિત મહિમા છે, તેને યથાર્થ કહેવા, જાણવા, દેખવા, સાંભળવા ને પામવાને કોણ સમર્થ છે ? કોઈ જ નથી.
અન્યથાકર્તુમ્ : ઐશ્ર્વર્ય વાપરીને સામાન્ય રીતે હોય એનાથી જુદી રીતે કરવાને સમર્થ.
(૩૦) વરતાલે ઉગમણા બંગલાને વિશે શ્રીજીમહારાજને ઝવેર ભક્તે પૂછ્યું જે, ‘હે મહારાજ ! અક્ષરધામને વિશે ભગવાનની મૂર્તિ કેવી હશે?’ ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “આ પ્રત્યક્ષ અમે બેઠા છીએ તેવી જ અક્ષરધામને વિશે ભગવાનની મૂર્તિ છે.” ત્યાર પછી તે ભક્તે ફરીને પૂછ્યું જે, ‘હે મહારાજ ! કૃપા કરીને જેવી અક્ષરધામને વિશે મૂર્તિ છે તેવી દેખાડો.’ ત્યારે તે ભક્તને શ્રીજીમહારાજે સમાધિ કરાવીને અક્ષરધામને વિશે પોતાની મૂર્તિનું પ્રત્યક્ષ પ્રમાણ દર્શન કરાવ્યું ને અનંતકોટિ મુક્ત તથા અનંત ઐશ્ર્વર્ય તથા અનંત શક્તિ તેનું દર્શન કરાવીને પોતાના સ્વરૂપનો પ્રત્યક્ષપણે સર્વોપરી નિશ્ર્ચય કરાવ્યો. એવી રીતે શ્રીજીમહારાજે ઝવેર ભક્તને પોતાનું ઐશ્ર્વર્ય દેખાડ્યું.