(૧) હું પૂર્વાશ્રમમાં હતો ત્યારે મને ખંભે એક મોટું ગૂમડું થયું હતું તેની પીડા ઘણી થઈ હતી. તે વખતે જાગૃતમાં અરધ રાતને સમે મહારાજ પધાર્યા ને મને દર્શન દીધાં. તે પીળું પીતાંબર પહેર્યું હતું ને બીજું રાતું પીતાંબર ઓઢ્યું હતું ને મસ્તક ઉપર દક્ષિણી પાઘ ધારી હતી ને લલાટને વિશે કેસર-ચંદનની અર્ચા સહિત કંકુનો ચાંદલો શોભી રહ્યો હતો ને ચાખડીઓ ઉપર ચડ્યા હતા. એવી શોભાને જોઈને મારી વૃત્તિ તો તે મૂર્તિમાં પરોવાઈ ગઈ ને પછી ગૂમડું ફૂટી ગયું ને પીડા પણ ટળી ગઈ અને મહારાજ પણ હસીને અદૃશ્ય થઈ ગયા. તે દિવસથી તે મૂર્તિ અખંડ દેખાતી, પછી જ્યારે અલૈયે મોડે મહારાજનાં અમે પ્રથમ દર્શન કર્યાં ત્યારે હૃદયમાં દેખાતી જે મૂર્તિ ને આ મૂર્તિ, તે બેય એક થઈ ગઈ. એવું જોઈને મહારાજને સર્વ કારણના કારણ ને સર્વ અવતારના અવતારી પુરુષોત્તમ સમજીને મહારાજનો સર્વોત્કૃષ્ટ નિશ્ર્ચય ઉપદેશીએ છીએ.
મૂર્તિ : સંતો.
(૨) અમે નાના હતા, ત્યારે એક મારગી સાધુનો મહંત સભા કરીને બેઠેલ. ત્યાં જઈને પાધરી ડોશીઓને ખેસવીને તે મહંતને પ્રશ્ર્ન પૂછ્યો જે, ‘કાર્ય શું ને કારણ શું ?’ ત્યારે તે કહે જે, ‘અમને એવું આવડે નહીં.’ પછી અમને કહે જે, ‘તમે ઉત્તર કરો.’ ત્યારે મેં કહ્યું જે, ‘ભગવાન કારણ ને આ સર્વ સૃષ્ટિ તે કાર્ય.’ ત્યાં તો સૌ ભોંઠા પડી ગયા.
(૩) બાજરો ભેળો કરીને ભગવાન ભજવા; બીજું કાંઈ ડોળ કરે પાર નહિ પડે અને રૂપિયા હશે તે મરી જાશું ત્યારે પડ્યા રહેશે; એ કાંઈ ઝાઝા કામના નહિ, જેટલા અવશ્ય જોઈએ તેટલા ભેળા કરીને ભજન કરવું; ને ઝાઝા હશે તો ક્યાંયના ક્યાંય ઊડી જાશે ને મૂળગી વાસના રહેશે.
ડોળ : આડંબર, દેખાવ, દંભ.
વાસના : પૂર્વના સંસ્કારોથી મકકમ થયેલી કામના.
(૪) આ નિયમ છે એ બહુ મોટી વાત છે ને જે દિવસ ધર્મમાં ફેર પડશે, તે દિવસ તો કોઈ વાત ઊભી નહિ રહે, માટે નિયમ ખબરદાર થઈને પાળવા. તે એ વિશે ઘણીક વાત કરી.
(૫) એક હરિજન પાસે,
સંત જન સોઈ સદા મોહે ભાવે.
(કીર્તન મુક્તાવલિ : ૭૧૦)
એ કીર્તન બોલાવીને કહ્યું જે, ‘આ કીર્તનમાં તો ચાર વેદ, ખટશાસ્ત્ર ને અઢાર પુરાણ આવી જાય છે, એવાં ચમત્કારી છે.’
(૬) ધોલેરામાં એક બાવે તેલ કડકડાવીને માંહી શાલિગ્રામને નાખ્યા. તે વાત અમે સાંભળી તે ઘડી રૂંવાડાં ઊભાં થયાં ને જીવમાં બળવા લાગ્યું. તે જુઓને, જગતમાં એવા ભેખ પણ છે !
ભેખ : સંન્યાસ.
(૭) “શુદ્ધ સ્વરૂપનિષ્ઠા રાખવી, નીકર વાંધો ભાંગશે નહીં.” એમ મહારાજે પણ કહ્યું છે, તે માટે આ પ્રગટ પુરુષોત્તમ શ્રીજીમહારાજ, સહજાનંદસ્વામી તે શ્રીકૃષ્ણાદિક સર્વે જે અવતાર તેમના અવતારી ને સર્વેના કારણ ને સર્વેના નિયંતા છે, એમાં લેશમાત્ર ફેર નથી. એમ જાણીને કોઈ બીજાનો ભાર પડવા દેવો નહિ ને પતિવ્રતાની રીત રાખવી, તો ઠેઠ અક્ષરધામમાં પુગાશે.
(૮) આ સત્સંગનો મહિમા તો અપાર છે; કેમ જે, બ્રહ્માંડ બ્રહ્માંડ પ્રત્યે શ્રીકૃષ્ણાદિકની મૂર્તિયું છે, તેવા તો અનંત અવતાર થયા. ને આપણને તો મહારાજ પુરુષોત્તમ મળ્યા છે ને બીજા અવતાર જેવા તો આ સત્સંગમાં ઘણાક છે, એવો સત્સંગનો મહિમા સમજીને ઉપાસના દૃઢ કરવી અને એવા જે પુરુષોત્તમ તે તો આ એક જ છે. તેણે શુદ્ધ રીત પ્રવર્તાવી ને બીજાએ તો બાઈ-ભાઈનું ભેળું ને ભેળું રાખેલ છે, પણ જુદારો પાડેલ નથી.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
(૯) પદાર્થ ઝાઝાં ભેળાં ન કરવાં, નીકર ઘણી મૂંઝવણ થાશે ને વાસના રહેશે ને દેહ સારુ પદાર્થ છે ને દેહને તો વેરી જ કહ્યો છે, તે ભજન કરવા ન દે, વાંચવા ન દે તેવો છે ને દેહાભિમાન મૂક્યે સર્વે દોષ જાય છે. એમ વાત કરીને તે ઉપર વચનામૃત વંચાવીને કહ્યું જે, ‘મુક્તાનંદસ્વામી જેવા હોય તે પણ પદાર્થનો જોગ થયે ઊતરતા જેવા રહે કે ન રહે.’ બીજું ‘સોળ સાધનનું’ વચનામૃત (ગ.અં. ૨૪) વંચાવ્યું ને કહ્યું જે, ‘તેણે કરીને અક્ષરધામને પમાય છે.’
વચ.ગ.મ. ૨૭
ગ.અં. ૩૩
પ્રકરણ ૬ની વાત ૧૦૧
જુઓ પ્રકરણ ૧૪ની ૯૫
વાસના : પૂર્વના સંસ્કારોથી મકકમ થયેલી કામના.
(૧૦) સ્વામીએ કહ્યું જે, ‘અમારો વાંક કાઢશો મા, અમે કહી છૂટીએ છીએ; કેમ જે, વૃદ્ધ થયા તે હવે નહિ રહેવાય, માટે કહીએ છીએ જે, સમજીને શુદ્ધ વરતજો, નીકર ઝાઝો ફેર પડશે. આ ઘડી જો હાથધોણું, આંકડી કે વાળો એવો રોગ થયો હોય તો રાત બધી જાગે; પણ અમથું એક ઘડી પણ ધ્યાનમાં ન બેસાય ને રાત બધી ઊંઘી રહેવાય. માટે દેહ જ વેરી છે, તે પોતાનું કરાવે, ને વિષ્ટા પરજંત ધોવરાવે છે; પણ ધ્યાન-ભજન કરવા ન દે એવો છે.’
આંકડી : આંતરડામાં થતી પીડા, ચૂંક, તાણ,
વિષ્ટા : નરક, મળ.
પરજંત : પર્યંત, સુધ્ધાં.
(૧૧) બ્રહ્મચારીને ત્યાં વાતું કરી જે, ‘વિષયથી બંધાણો તે બદ્ધ ને મુકાણો તે મુક્ત છે, તે માટે આપણે મુકાવું. ને આ જુઓને આંહીં વિષયનો જોગ નથી તેણે કરીને ઠીક રહે છે; પણ જો બરફીના ભરેલ સો પડિયા રોજ આવે તો ખાધા વગર ન રહેવાય એવો જીવનો સ્વભાવ છે, માટે એ તો ન આવે તો જ સારું છે.’
રોજ : દરરોજનું મહેનતાણું/મજૂરી.
(૧૨) આ સત્સંગમાં તો સુખ છે ને ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય જે જે સુકૃત છે, તે સર્વે આ સત્સંગમાં છે ને બીજે બધે સળગી ઊઠ્યું છે. ને પોતે પશુ જેવો છે ને બોલતાં પણ આવડતું નથી ને વિવેક પણ કાંઈ નથી, તો પણ બીજાના અવગુણ લે છે; માટે કુસંગનો જોગ થાય તો સત્સંગને ઘસારો આવી જાય, તે સારુ કુસંગ ન જ કરવો.
(૧૩) દેશકાળાદિક આઠ શુભ છે ને અશુભ છે, તે ઓળખવા. તે જ્યાં આ સંત રહેતા હોય તેટલો દેશ શુભ ને બાકી તો અશુભ; અરબસ્થાન ને મકરાણ એ આદિક ઘણાય છે. હવે કાળ શુભ છે તો ભગવાન ભજાય છે ને સુખિયું રહેવાય છે તે શુભ ને મૃત્યુ પણ જેવો કાળ હોય તેવું થાય. તે જુઓને આ વહાણ બૂડે છે ત્યારે તેમાં બસેં માણસ બૂડી મરે છે ને સુરત બળ્યું ત્યારે કેટલાંક માણસ બળી મૂઆં, તે શું બધાયનું મૃત્યું ભેળું જ હશે ? એ ઠેકાણે તો અશુભ કાળ લેવો.
મકરાણ : સિંધની વાયવ્યે આવેલ એક પ્રદેશ.
(૧૪) કામ, ક્રોધ, માન, ઈર્ષા ને દેહાભિમાન એ સર્વે મૂકશે ત્યારે ભગવાન ને ભગવાનના સાધુ રાજી થાશે.
(૧૫) ગંગાજી પર્વત ફોડીને સમુદ્રને મળ્યાં તે તો મળે; કેમ જે, પાણી ઝાઝું થાય ત્યારે એમ થાય; પણ જે પંચવિષય તે તો એથી આકરા છે; કેમ જે, બ્રહ્મા, શિવ સરખાને ભૂલાવ્યા ને ઇન્દ્રને હજાર ભગ થયાં ને ચંદ્રમાને કલંક લાગ્યું. એવા મોટા મોટાને ને રાવણાદિકને દુ:ખ થયું ને સૌભરિને છેતર્યો ને પરાશર ને એકલશૃંગી એ આદિક કંઈકને લૂંટ્યા. તે માટે તેનો જોગ જ ન કરવો ને આ તો મહારાજે પ્રગટ થઈને આમ રાખ્યું છે, આવું તો કોઈએ બાંધેલ નહીં. ને મોટા મોટા અવતારે પણ કજિયા કર્યા છે, પણ આવો મારગ તો કોઈએ પ્રવર્તાવ્યો જ નથી. તે મહારાજે ‘વેદરસ’માં કહ્યું છે જે, “હે પરમહંસો ! આ સ્ત્રીરૂપી તલવારની જે તીખી ધારા, તે થકી જે પુરુષ નથી હણાણો તે તો દેવનો પણ દેવ છે. માટે એ ધારા કાંઈ થોડી નથી, એ ધારા તો બહુ જ આકરી છે; માટે તેનો જોગ જ ન થાવા દેવો.”
(જુઓ પ્રકરણ ૧૦ની વાત ૨૯૬)
ભગ : કાણાં, ભગંદરના રોગમાં થાય.
(૧૬) આ દેહ ધર્યો છે તેણે કરીને તો ભગવાન ભજી લેવા ને આ ભરતખંડમાં મનુષ્યદેહ કાંઈ થોડા પુણ્યે આવતો નથી. તે દેવતા પણ કહે છે જે,
અહો અમીષાં કિમકારિ શોભનં પ્રસન્ન એષાં સ્વિદુત સ્વયં હરિઃ ।
યૈર્જન્મ લબ્ધં નૃષુ ભારતાજિરે મુકુંદસેવૌપ યિકં સ્પૃહા હિ નઃ ॥
(શ્રીમદ્ ભાગવત : ૫/૧૯/૨૧)
અર્થ : અહો ! આ ભારતવર્ષના મનુષ્યોએ કયા પુણ્ય કર્યાં હશે ? અથવા પોતે શું તેઓના ઉપર પ્રસન્ન થયા હશે કે જેઓ આ ભારતવર્ષના આંગણામાં મનુષ્યોની અંદર જન્મ પામ્યા છે, કે જે મનુષ્યજન્મ શ્રીહરિની સેવામાં ઉપયોગી હોઈ, તે માટે અમને (દેવોને) પણ ઝંખના છે.
એ શ્ર્લોક બોલીને કહે જે, ‘એમ દેવતા પણ ઇચ્છે છે તે મળ્યો ને વળી ભગવાન ને ભગવાનના સંત મળ્યા એ કાંઈ થોડી પ્રાપ્તિ નહીં. જુઓને દશ કે વીસ લાખ રૂપિયા હશે તે કાંઈ ભેળા નહિ આવે ને રૂપિયાવાળાને પણ એક શેર ઉપરાંત ખવાતું નથી ને જેને રૂપિયા નહિ હોય તેને પણ તેટલું જ ખવાય; માટે જોઈએ તેટલું ને કામ આવે તેટલું પેદા કરવું એ ઠીક છે.’
અર્થ : ધન, સંપત્તિ.
દશ : દિશા.
(૧૭) આપણને જે લાભ મળ્યો છે એ તો કાંઈ કહેવાય નહિ ! માટે હવે તે જાળવી રાખવો.
(૧૮) સત્યુગ, દ્વાપર, ત્રેતા ને કળિ એ ચાર યુગની એક ચોકડી, એવી ઇકોતેર ચોકડી ઇન્દ્ર રાજ કરે, એવા ચૌદ ઇન્દ્ર પડે ત્યારે એક દિવસ વૈરાટ-નારાયણનો થાય. તે એવા ત્રીસ દિવસનો એક માસ ને એવા બાર માસનું એક વરસ, એવાં સો વરસ થાય ત્યારે તે વૈરાટનારાયણ પડે, ત્યારે પ્રધાનપુરુષનો એક દિવસ થાય; ને એવાં સો વરસ થાય ત્યારે પ્રકૃતિપુરુષનો એક દિવસ થાય; ને એવાં સો વરસ પ્રકૃતિપુરુષ જીવે, તો પણ એક દિવસ તેનો કાળ નાશ કરી નાખે છે. ત્યારે કહો તેની આગળ આપણી શું આયુષ્ય ? એટલા સારુ જીવ શું ‘મારું મારું’ કરતા હશે ? માટે કાંઈ છે જ નહિ; માટે થોડાકમાં કામ સાધી લેવું ને એવું મંડવું કે,
અર્થં સાધયામિ વા દેહં પાતયામિ.
(અર્થ : ‘મારો ધાર્યો અર્થ હું સિદ્ધ કરીશ અથવા દેહનો પાત (નાશ) કરીશ.’ એવો અડગ નિશ્ર્ચય હોવો જોઈએ.)
પ્રકરણ ૬ની વાત ૯૫
ચોકડી : સતયુગનાં ૧૭,૨૮,૦૦૦ ત્રેતાયુગનાં ૧૨,૯૬,૦૦૦ દ્વાપરયુગનાં ૮,૬૪,૦૦૦ ને કળીયુગનાં ૪,૩૨,૦૦૦ વર્ષ એટલે કુલ મળીને ૪૩,૨૦,૦૦૦ વર્ષ થાય ત્યારે એક ચોકડી થાય.(વચ.ભૂગોળ-ખગોળનું)
પ્રકૃતિપુરુષ : ચેતન અકર્મણ્ય પુરુષની મદદથી જડ પ્રકૃતિમાંથી સમગ્ર સૃષ્ટિની ઉત્પતિ થઈ તે
અર્થ : ધન, સંપત્તિ.
(૧૯) એક દિવસ વચનામૃત વંચાવીને કહ્યું જે, ‘આ ‘વચનામૃત’ના ચોપડામાં તો ચાર વેદ, ખટશાસ્ત્ર ને અઢાર પુરાણનો સાર છે. તેમાં મહારાજે સિદ્ધાંત વાત કરી છે, તેનો અભ્યાસ કરવો. અહો ! આ તો કાંઈ આપણને લાભ થયો છે ! જુઓને, ભગવાન કેટલે છેટેથી દયા કરીને આપણા સારુ આવ્યા છે ને આ જીવને તો કાંઈ ગરજ નથી. ને આ તો ઠેઠ અક્ષરધામથી આવ્યા છે અને આ તો ઓલી સતીને જેમ લોંઠાએ સતી કરી, તેમ આ જીવને પણ લોંઠાએ ભગવાન ભજાવીએ છીએ અને શાસ્ત્ર પણ ધર્મ, અર્થ ને કામ પર છે ને મોક્ષ પર તો માંહી કો’ક શ્ર્લોક છે, તે માટે મોક્ષના કામમાં આવે તેનું ગ્રહણ કરવું. ને બીજે તો મંદિરમાં પણ પાપ થાય છે ને ચારે કોર પાપ છે ને એક સત્સંગમાં જ કલ્યાણ છે; પણ બીજે ક્યાંય કલ્યાણ છે નહીં.’
(૨૦) અમે જ્યારે આઠ વરસના હતા, ત્યારે ગુંસાઈની કંઠી બાંધીને ત્યાં જોવા ગયા; પણ ત્યાં તો વ્યભિચાર ભાળ્યો. પછી પ્રણામીમાં જોયું ને ત્યાં પણ એનું એ જ ભાળ્યું, પણ ચોખ્ખું તો આ સત્સંગમાં જ જોયું ને ત્યારે જ શાંતિ થઈ. એમ બીજા બધાય મતમાં દોષ દેખાડી દીધા ને પોતે તો સર્વે જાણતા જ હતા.
(૨૧) સર્વે અવતારના કારણ પુરુષોત્તમ શ્રી સહજાનંદસ્વામી છે તેની જ ઉપાસનાએ કરીને તો ઠેઠ અક્ષરધામમાં જાય ને બીજા અવતારની ઉપાસનાએ કરીને તો તેના ધામમાં જાય. જેમ હરિવર્ષ ખંડમાં પ્રહ્લાદ છે તે વાત ભાગવતમાં કહી છે; જો રામચંદ્રજી જેવા મહારાજને જાણશે તો તે વૈકુંઠમાં જાશે ને શ્રીકૃષ્ણ જેવા જાણશે તે ગૌલોકમાં જાશે. તેમાંય પણ શું? માટે ક્યાંય અક્ષરધામના જેવું સુખ નથી; તે માટે મહારાજને પુરુષોત્તમ જાણવા. તે ‘વચનામૃત’માં પણ કહ્યું છે જે, “જેવો મને જાણશે તેવો તો હું તેને કરીશ.” તે પુરુષોત્તમ જાણવે કરીને અક્ષરધામમાં પૂગાય તે પાછો નાશ ન થાય ને બીજે તો પ્રકૃતિપુરુષ લગી કાળ ખાઈ જાય છે.
ત્યારે એક જણે કહ્યું જે, ‘જ્યાં ભગવાન રાખે ત્યાં રહેવું ને ભગવાનનાં ધામ તો બધાંય સરખાં જ છે.’ ત્યારે અમે કહ્યું જે, ‘તારા ને ચંદ્રમા તે કાંઈ એક કહેવાય નહીં.’ ને મહારાજે પણ કહ્યું છે જે, “અવતાર-અવતારીમાં ભેદ એમ સમજવો જે, રાજા ને રાજાનો ઉમરાવ, ને તીર ને તીરનો નાખનારો એમ ભેદ છે. ઓલ્યો ઉમરાવ ઘણો ભારે હોય ને હુકમ ચલાવે એવો મોટો હોય તો પણ રાજા પાસે જાય ત્યારે કેટલીય સલામ ભરે ત્યારે બેસાય; ને રાજાનો એની ઉપર હુકમ ચાલે છે, એમ ભેદ છે.” તે ઉપર ‘વચનામૃત’ વંચાવીને કહ્યું જે, ‘બીજા ધામને ને અક્ષરધામને તથા બીજા અવતારને ને મહારાજને એક સરખા કહે તેને પંચમહાપાપથી પણ વધુ પાપી જાણવો ને એનો સંગ ન કરવો.’ એ વંચાવીને તેને પાછો પાડ્યો.
વચ. ગ.મ. ૯
વચ. ગ.મ. ૬૭
પ્રકૃતિપુરુષ : ચેતન અકર્મણ્ય પુરુષની મદદથી જડ પ્રકૃતિમાંથી સમગ્ર સૃષ્ટિની ઉત્પતિ થઈ તે
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
(૨૨) સ્વામીએ કહ્યું જે, ‘મધ્યના ૯માં વચનામૃતમાં કહ્યું છે જે, બીજા અવતાર જેવા જાણે તો દ્રોહ કર્યો કહેવાય ને બદરિકાશ્રમ, શ્ર્વેતદ્વીપ એ તો રાત્રિપ્રલયમાં નાશ થઈ જાય છે ને ત્યાંના મુક્ત વૈકુંઠમાં જાય છે ને બીજાનો પણ નાશ થાય છે ને મહારાજે બીજા અવતારના જેટલાં તો હરિભક્ત તથા સાધુ દ્વારે કામ કરાવ્યાં છે ને હજી કરાવે છે. ને સમાધિ તથા કલ્યાણ ઇત્યાદિક મોટાં મોટાં કાર્ય ભક્ત દ્વારે કર્યાં છે, તે માટે મહારાજ જેવા તો એ એક જ છે અને બીજાએ તો રાસ કરાવ્યા ને આ તોડાવે છે. ને સ્ત્રીનો ને ધનનો ઘાટ પણ નથી થાતો એવાય કેટલાક છે.’ તે ઉપર પાળાનાં તથા સાધુનાં નામ કહી દેખાડ્યાં, ત્યારે ઓલ્યાથી એ સરસ થયા. ને બીજા ભગવાન તો કેવા છે તો તેનું દૃષ્ટાંત દીધું જે, દિલ્હીના પાદશાહનું નામ શેરખાં તે બીજેથી નામ ન પડે. એવી રીતે સમજવું તે સમજણ ઠીક. એવી સમજણ જો ન હોય તો બહુ કાચપ રહે. તે માટે આ મહારાજ સર્વ અવતારના અવતારી છે, તેને જ સર્વોપરી ભગવાન જાણવા. પછી શણગારની આરતી થઈ તે દર્શને પધાર્યા.
દ્રોહ : મનથી, વાણીથી કે કર્મથી જાણી જોઈને કરેલ દોષ, ગુનો, પાપ કે અપરાધ
શ્ર્વેતદ્વીપ : શ્રી વાસુદેવ ભગવાનનું ધામ.
ઘાટ : માયિક સુખ ભોગવવાનો સંકલ્પ, વિકારનો સંકલ્પ.
કાચપ : કચાશ, કસર, ખામી.
(૨૩) આત્મા છે તે મહાતેજોમય છે ને આ જે સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ એ ત્રણ દેહ તે થકી જુદો માનીને એમ ધારવું જે, ‘હું અક્ષર છું ને મારે વિશે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે સદાય વિરાજમાન છે.’ તે વિશલ્યકરણીના વચનામૃતમાં (વચ.ગ.અં. ૩૯) સર્વે વાત છે ને થોડી થોડી વાત તો સર્વે વચનામૃતમાં છે ને કોઈક બાકી હશે. ને આત્માનો મનન દ્વારે સંગ કર્યા કરવો જે, ‘હું આત્મા છું, અક્ષર છું.’ એમ જો નિરંતર કર્યા કરે તો એ અક્ષરભાવને પામી જાય છે. તે ઉપર દૃષ્ટાંત દીધું જે, મહારાજે એક ઢેઢનો છોકરો હતો તેને કહ્યું જે, “તું કોણ છો ?” ત્યારે કહે જે, ‘હું ઢેઢ છું.’ તો કહે, “તું દશ વાર એમ કહે જે, હું આત્મા છું.” પછી તેણે દશ વાર એમ કહ્યું. ત્યારે વળી પૂછ્યું જે, “તું કોણ છો ?” તો કહે જે, ‘ઢેઢ છું.’ વળી કહે જે, “તું સો વાર કહે જે, હું આત્મા છું.” ત્યારે તેણે સો વાર એમ કહ્યું. એટલે પૂછ્યું જે, “તું કોણ છો ?” તો કહે જે, ‘ઢેઢ છું.’ ત્યારે મહારાજ કહે, “જુઓને દેહ સાથે કેવો જડાઈ ગયો છે !” એમ કહીને કહે જે, "જો આત્માનો મનન દ્વારે સંગ કર્યા કરે તો અક્ષરરૂપ થઈ જાય છે. તે ‘શિક્ષાપત્રી’માં કહ્યું છે જે,
નિજાત્માનં બ્રહ્મરૂપં દેહત્રયવિલક્ષણમ્ ।
વિભાવ્ય તેન કર્તવ્યા ભક્તિઃ કૃષ્ણસ્ય સર્વદા ॥
(શિક્ષાપત્રી : શ્ર્લોક ૧૧૬)
અર્થ : સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ જે ત્રણ દેહ તે થકી વિલક્ષણ એવો જે પોતાનો જીવાત્મા તેને બ્રહ્મરૂપની ભાવના કરીને, પછી તે બ્રહ્મરૂપે કરીને શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ જે તે સર્વકાળને વિશે કરવી.
એ એક શ્ર્લોક બોલ્યા, ને ‘પુરુષોત્તમપત્રી’માં કહ્યું છે જે, ‘આત્માને અક્ષરરૂપ માને તે જ સત્સંગી છે; માટે એ વાત કરે જ છૂટકો છે.’ એમ અરધ રાત્રિને સમે વાત કરી.
વચ. ગ.મ. ૩૧
વચ. ગ.અં. ૩૯
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
ઢેઢ : હરિજન.
દશ : દિશા.
અર્થ : ધન, સંપત્તિ.
(૨૪) એક જણે પ્રશ્ર્ન પૂછ્યો જે, ‘મોટા સાધુને તો જીવને ભગવાનમાં અખંડ જોડવા છે; પણ કોઈકને અધિક આગ્રહ કરીને જોડે છે ને કોઈકને તો સાધારણ વાતચીત કરે છે, તે એ જીવને શ્રદ્ધા મંદ છે કે કેમ છે ?’ ત્યારે સ્વામી કહે, ‘ઓલ્યાને પૂર્વનો સંસ્કાર ભારે છે, તેથી એને અતિ આગ્રહ કરે છે. તે મોટા સંતમાં ભગવાન પ્રેરક થઈને એને કરાવે છે ને ઓલ્યાને સંસ્કાર પણ થોડો ને શ્રદ્ધા પણ થોડી.’ ત્યારે કહ્યું જે, ‘કેમ શ્રદ્ધા વધુ થાય ?’ એટલે સ્વામી કહે, ‘એને એમ જણાય જે મોટા સંત બોલે છે તે કાંઈ માણસ નથી બોલતા, એ તો એમ જાણે જે ભગવાન બોલે છે ને એને વિશે એને દેવબુદ્ધિ હોય ને તેની પાછી સેવા-ભક્તિ કરે ને વિનય કરે, તેણે કરીને શ્રદ્ધા થાય છે; પછી ભગવાનમાં જોડાય છે.’
(૨૫) જીવને ચાર ઘાંટી અમે વિચારી રાખી છે. તેમાં એક તો પુરુષોત્તમ જાણવા, બીજી સાધુ ઓળખવા, ત્રીજી પંચવિષયમાંથી પ્રીતિ ઉખેડવી ને ચોથી આ જીવ ને દેહ એક થઈ ગયો છે, તેથી આત્મા નોખો સમજવો; એ ચાર ઘાંટી જબરી છે. તેમાં બેનું કામ ભારે છે; એક તો પંચવિષયમાંથી પ્રીતિ ઉખેડવી ને બીજી દેહથી જીવ નોખો જાણવો એ.
(૨૬) જડભરતને વખાણ્યા કે, અહો ! જડભરતને તલવાર કાઢીને મારવા માંડ્યા પણ બીના નહિ; ને કહ્યું જે, ‘પાપ જાશે મારશે તો.’ ને અંબરીષને એથી વધુ વખાણ્યા. એવી જ્યારે આત્મનિષ્ઠા થાય ત્યારે જાણે ઠીક. ને આ તો વખત આવે ત્યારે સમજણ ચૂંથાઈ જાય છે તે ચૂંથાવા ન દેવી ને પદાર્થ સારુ ને પુસ્તક સારુ કજિયા કરે છે, પણ એ ઠીક નહીં.
આત્મનિષ્ઠા : હું તો દેહથી જુદો જે આત્મા તે છું ને મારે વિશે પ્રગટ પરબ્રહ્મ અખંડ બિરાજમાન છે. તેવી અતિ દૃઢ માનીનતા, શ્રદ્ધા, વિશ્ર્વાસ, આસ્થા.
ચૂંથાઈ : અસ્તવ્યસ્ત, રફેદફે.
(૨૭) ભગવાનના અવતાર તો અસંખ્ય છે, પણ આ સમે મહારાજ પ્રગટ થયા, તે ભેળા બે હજાર ભગવાનના અવતાર આવ્યા છે ને પોતે તો એક માંહી અવતારી છે, એમ ચોખ્ખું સમજવું.
(૨૮) એક જણે પ્રશ્ર્ન પૂછ્યો જે, ‘ઠેઠ મહારાજ પાસે ને તમારી પાસે કેમ અવાય ?’ ત્યારે સ્વામી કહે જે, ‘મહારાજને પુરુષોત્તમ જાણે ને ભગવાનની આજ્ઞા પાળે તો અવાય.’
પાળે : સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જાતનો સેવક/પાર્ષદ.
(૨૯) કોઈ ઐશ્ર્વર્યને ભલા થઈને ઇચ્છશો મા ને જો આવે તો આપણે કાંઈક કરી નાખીએ એમ છીએ, માટે એમાં કાંઈ માલ નથી. ‘દેશકાળે સ્થિતિ રાખવી તે શું ?’ તો કહે, દ્રવ્ય ગયું કે, દીકરો દેહ મૂકી ગયો કે, ખાવા અન્ન ન મળ્યું તો તેમાં સમજણ કામ આવે છે. તે એક વાણિયે પરદેશમાં જઈને કરોડ સોનાનાં રાળ ભેળા કર્યાં ને વહાણ ભરીને આવ્યો. ને તેણે કાંઠે ઊતરવા પાટિયા ઉપર પગ દીધો કે વહાણ બૂડ્યું. ત્યારે વાણિયો કહે, ‘અહો ! થયું ને માથે !’ પણ પછી કહે, ‘જન્મ્યા ત્યારે એ ક્યાં હતા ?’ તેમ જ એક ફકીરને રસ્તામાં ચાલતાં દોરડું મળ્યું, તે તેણે ખંભે નાખ્યું હતું, પણ તે પાછું પડી ગયું. પછી થોડોક ચાલ્યો ત્યારે ખબર પડી. ત્યારે કહે જે, ‘કાંઈ નહિ, મુજકુ રસા પાયા જ નહોતા !’ આ એમ વિચારીને આનંદમાં રહેવું. વળી કાકાભાઈનાં વચનામૃતમાં પણ કહ્યું છે જે, ‘ઘરમાં દશ માણસ હોય ને તે સર્વે મરવાનાં હોય તેમાંથી એક બચે તો શું થોડો છે ?’ માટે એમ સમજવું.
વચ. ગ.પ્ર. ૭૦
રાળ : દેશમાં અગાઉનું એક જાતનું નાણાકીય ચલણ.
રસા : દોરડું.
દશ : દિશા.
(૩૦) વરતાલથી પધાર્યા તે દિવસ વાત કરી જે,
આકુતિ-ચિતિ-ચાપલ્યરહિતા નિષ્પરિગ્રહાઃ ।
બોધને નિપુણા આત્મનિષ્ઠાઃ સર્વોપકારિણઃ ॥
(સત્સંગિજીવન : ૧/૩૨/૨૮)
અર્થ : શ્રીહરિ ભક્તિમાતાને કહે છે : ‘હે સતિ ! મુમુક્ષુઓએ કેવા સંતને સેવવા જોઈએ ? તે જેઓ કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયોની ચપળતાએ રહિત અર્થાત્ વિષયવાસનાઓ વિરહિત આત્મહિતમાં વિરોધી પરિગ્રહ રહિત, તત્ત્વબોધ આપવામાં પ્રવીણ, આત્મામાં જ એક નિષ્ઠાવાળા (આત્મારામ), સર્વ જનોનો આ લોક-પરલોકમાં ઉપકાર કરવાના સ્વભાવવાળા હોય.’
એવાં ચોસઠ લક્ષણ સાધુનાં હોય ત્યારે સાધુ થાવાય. તે મહાપ્રલય સુધી ગોપાળાનંદસ્વામી, કૃપાનંદસ્વામી, સ્વરૂપાનંદસ્વામી ને મુક્તાનંદસ્વામી જેવા સાધુનો અહોરાત્રિ નિરંતર સમાગમ કરે ત્યારે પૂરા સાધુ થાવાય. ને સાધુતા વગર સુખ આવે નહિ ને આત્યંતિક મોક્ષ પણ થાય નહીં. તે જેટલી કસર રહેશે તેટલી કસર ટાળવી પડશે.
પ્રકરણ ૬ની વાત ૮૩
જુઓ પ્રકરણ ૧૨ની ૧૧૭
અર્થ : ધન, સંપત્તિ.
મહાપ્રલય : આપણાં ચાર અબજ બત્રીશ કરોડ વર્ષને (કલ્પને) અંતે થતો મનાતો એવો સૃષ્ટિનો સમૂળગો નાશ.
કસર : ખોટ, ઉણપ.
(૩૧) સભામાં વિધાત્રાનંદસ્વામીવાળી પત્રી વંચાવીને બોલ્યા જે, ‘આ વાત યથાર્થ જાણ્યા પછી કાંઈ કરવું બાકી રહે નહીં. આ પત્રી ઉપર અચિંત્યાનંદ બ્રહ્મચારી પાસે ગ્રંથ આખો કરાવ્યો છે, તેમાં સંપૂર્ણ વાત આવી ગઈ છે. અહો ! હમણાં ઘણી પ્રાપ્તિ છે. આવા સાધુ તો ભગવાન જેવા કહેવાય. પોતાનાં વખાણ પોતાને ન કરવાં, એમ ‘શિક્ષાપત્રી’માં કહ્યું છે, પણ કહ્યા વિના સમજાય નહીં. પછી બહુ ખોટ જાશે.’
(જુઓ પ્રકરણ ૧૧ની વાત ૮૭)
(૩૨) આત્મનિષ્ઠા આવે તેણે કરીને સર્વે વાત થાય. તે ઉપર કહ્યું જે,
મરને આતસકા વરસે મેહા રે, તોય નવ્ય દાઝે મેરા દેહા રે;
મરને બારે મેઘ આવી ઝુમે રે, તોય નવ્ય ભીંજે મેરા રુમે રે.
એવી જોઈએ. પ્રથમનું ૨૬મું વચનામૃત વંચાવ્યું ને કહ્યું જે, ‘આ પણ એક નિર્ગુણભાવને પમાડે એવું છે.
ઉદ્ધવ સોઈ સાચે મમ દાસ હે;
મન ઇન્દ્રિ કે કૃત્યસેં ન્યારો, એકાંતિક મન જાસ હે;
મુક્તાનંદ સો સંત કે ઉર બીચ, મેરો પ્રબળ પ્રકાશ હે. ઉદ્ધવ૦
(શ્રી સ્વામિનારાયણ હજારી : ૨૪૯-૪/૩)
આ ચાર કીર્તન પ્રમાણે રહે તો સાચો ભક્ત કહેવાય.’
આત્મનિષ્ઠા : હું તો દેહથી જુદો જે આત્મા તે છું ને મારે વિશે પ્રગટ પરબ્રહ્મ અખંડ બિરાજમાન છે. તેવી અતિ દૃઢ માનીનતા, શ્રદ્ધા, વિશ્ર્વાસ, આસ્થા.
મરને : ભલેને.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
(૩૩) મહારાજે પ્રથમ નિત્યાનંદસ્વામીને પોતાનું પુરુષોત્તમપણું કહેલ. તે જ્યારે ‘સત્સંગિજીવન’ કર્યો ત્યારે ઉપાસનાનો પ્રસંગ નાખ્યો તેમાં શ્રીકૃષ્ણની ઉપમા દેવા માંડી; ત્યારે સ્વામી કહે જે, ‘બાદશાહને કાંઈ ચાકરની ઉપમા દેવાય? ન દેવાય.’ એવી રીતે સાત દિવસ લગણ કજિયો ચાલ્યો ત્યારે મહારાજ કહે, “એમ જ લખાય, તમે શું જાણો ?” ને કેટલુંક ખીજ્યા, તો પણ ન માન્યું; ને કહ્યું જે, ‘ચરિત્ર મેળવો જે, મહારાજે કીધાં છે તે તેણે કીધાં છે ?’ એમ કેટલુંક થયું ને એકલા કાઢ્યા ને મહારાજ પણ બીજા સાધુ ભેળા ભળી ગયા, તો પણ ન માન્યું. પછી મહારાજે કહ્યું જે, “અમારો રહસ્ય તો આ સાધુ જાણે છે.” એમ કહીને નિત્યાનંદસ્વામીને હાર આપ્યો.
(૩૪) સ્વપ્નમાં ગોપાળાનંદસ્વામીને મહારાજે કહ્યું જે, “જો અમારું પુરુષોત્તમપણું નહિ પ્રવર્તાવો તો આ ને આ દેહમાં હજાર વરસ સુધી રાખશું.” પછી સ્વામી કહે, ‘મને પણ મહારાજે કહ્યું હતું ને ખરડામાંથી પણ જાણ્યું ને મોરથી (પહેલેથી) પણ જાણતા હતા.’ તે મેં ઉઘાડી વાત સભામાં કરવા માંડી, ત્યારે સાધુ સૌ કહે, ‘તમને કોણે કહ્યું છે જે આમ કહો છો ?’ ત્યારે અમે કહ્યું જે, ‘શ્રી સ્વામિનારાયણે કહ્યું છે, બીજો કોણ કહેશે ? ને મહારાજે મધ્યનાં ૯માં વચનામૃતમાં, છેલ્લાનાં ૩૮માં સાંખ્યાદિકનામાં, મધ્યના ૧૩માં તેજનામાં ને લોયાનાં ૧૪માં વચનામૃતમાં એ આદિક ઘણાંકમાં કહ્યું છે.’
(૩૫) એક વાર પૂછ્યું જે, ‘અવતાર-અવતારીનો ભેદ કેમ સમજવો?’ ત્યારે એક જણે કહ્યું જે, ‘ભવાયો ને વેશ.’ ત્યારે પોતે કહ્યું જે, ‘અવતાર અવતારીનો ભેદ એમ નહિ; રાજા ને રાજાનો ઉમરાવ, તીર ને તીરનો નાખનારો ને તારા ને ચંદ્રમા; એમ ભેદ જાણવો.’
(૩૬) એક વાર વરતાલમાં બન્ને આચાર્ય ભેગા થયા, ત્યારે પુરુષોત્તમપણાનો વિવાદ થયો. ત્યારે સ્વામી કહે, ‘મેં કહ્યું જે, ખજીનો (ખજાનો) કેને (કોને) દેખાડ્યો છે ? ઘણું બીજા સાથે હેત હોય તેને પણ દેખાડ્યો છે ? નથી દેખાડ્યો અને અમને તો શ્રી સ્વામિનારાયણે કાનમાં મંત્ર મૂક્યો છે જે, અમે તો સર્વોપરી ભગવાન છીએ. માટે તેને બીજા અવતાર જેવા કેમ કહીએ?’ પછી તો રાજી થયા.
(૩૭) મહારાજે એમ કહ્યું જે, “જ્યારે ઇન્દ્ર કલ્યાણ કરવા આવે ત્યારે એના શિષ્ય દેવતા જેવા થાય. અને બ્રહ્મા કલ્યાણ કરવા આવે ત્યારે એના શિષ્ય ઇન્દ્ર જેવા થાય. અને વૈરાટ આવે ત્યારે એના શિષ્ય બ્રહ્મા જેવા થાય; ને પ્રધાનપુરુષ જ્યારે કલ્યાણ કરવા આવે ત્યારે એના શિષ્ય વૈરાટ જેવા થાય; ને પુરુષ જ્યારે કલ્યાણ કરવા આવે ત્યારે એના શિષ્ય પ્રધાનપુરુષ જેવા થાય; અને મૂળઅક્ષર ને પુરુષોત્તમ કલ્યાણ કરવા આવે ત્યારે એમના શિષ્ય અક્ષર જેવા થાય; અને તે અક્ષરમુક્તો આગળ તો કોઈ અવતારાદિકનું સમર્થપણું રહેતું નથી.”
વૈરાટ : વિરાટપુરુષ, વૈરાટનારાયણ
(૩૮) સર્વોપરી પુરુષોત્તમપણું સમજવું. તે હમણાં અચિંત્યાનંદ બ્રહ્મચારી પાસે અમે ગ્રંથ કરાવ્યો તેમાં સંપૂર્ણ પુરુષોત્તમપણું નાખ્યું છે. અને એક જણે રામકથા વાંચી, પણ એનો તો સૌને નિશ્ર્ચય છે જ; પણ આ પુરુષોત્તમનો જ કરવો એ વાત કઠણ છે. એક વાર સમૈયામાં ‘ભગવદ્ ગીતા’ની કથા કરી; તેની પણ રાતના બાર વાગે વાત કરી ને કહ્યું જે, ‘એથી મહારાજનો નિશ્ર્ચય શું થાય છે ? એ તો શું કરીએ સૌને એ વાતની તાણ, તે કરે છે.’
વચ. ગ.પ્ર. ૧૮
જુઓ પ્રકરણ ૧૧ની વાત ૮૭
(૩૯) મહારાજે વરતાલમાં સર્વે હરિજન આગળ સભામાં કહ્યું જે, “આ ચરણારવિંદની વૈરાટપુરુષે પચાસ વરસ ને દોઢ પહોર દિવસ સુધી સ્તુતિ કરી ત્યારે આ બ્રહ્માંડમાં પધાર્યા છે.” એવી ઘણી વાતું કરી; તે ત્યાંના હોય તે જાણે, પણ બીજા ન જાણે.
પ્રકરણ ૩ની વાત ૪૬
જુઓ પ્રકરણ ૧૧ની ૭૬
પહોર : પ્રહર, ત્રણ કલાક.
(૪૦) નાગડકામાં સ્વરૂપાનંદસ્વામીએ મહારાજને પૂછ્યું જે, ‘ગુરુ સાહેબ, આજ સત્સંગી કા કલ્યાણ કૈસા હોતા હૈ ?’ ત્યારે મહારાજ કહે, “જૈસા કપિલદેવ કા, જૈસા દત્તાત્રેય કા, જૈસા ઋષભદેવ કા ઐસા હોતા હૈ.” ત્યારે કહ્યું કે, ‘અહો ! તબ તો બહોત બડા કલ્યાણ હોતા હૈ !’
પ્રકરણ ૩ની વાત ૧૦
(૪૧) ગઢડામાં સમૈયો હતો, ત્યારે સત્સંગી સર્વે આવેલ. તેમણે કહ્યું જે, ‘અહો ! મહારાજ ! જેવી ગોપી-ગોવાળને પ્રાપ્તિ થઈ હતી તેવી અમને થઈ છે.’ ત્યારે મહારાજ કહે, “ના, ના, ગોપી-ગોવાળને જે મળ્યા હતા તે ભગવાનને તો આ ભગવાનનાં હજી દર્શન પણ નથી થયાં ને તમારે તો બહુ મોટી પ્રાપ્તિ થઈ છે.”
(૪૨) ભક્તિએ કરીને મહારાજ રાજી થાય છે ને એની આજ્ઞા છે એટલા સારુ કરીએ છીએ, પણ એ સ્થૂળ મારગ છે. તેણે કરીને તો મોટા લોકાંતરને પામશે, પછી મોટાના મોટા વૈભવ ને મોટાં પાપ. તે જુઓને આ ખંડેરાવ એક દહાડામાં જેટલું પાપ કરતા હશે એટલું ગરીબ આખા ભવમાં પણ ન કરે. માટે આ ને આ દેહે ભક્તિ પણ કરતા જવું ને તે કરતાં થકાં અનુવૃત્તિ આત્માને વિશે રાખે જવી. ને આત્મનિષ્ઠા જેવી કોઈ વાત નથી, તે “મનન દ્વારે હું અક્ષર છું ને પુરુષોત્તમ મારે વિશે અખંડ રહ્યા છે એમ કરતા જવું.” એમ ઘણે ઠેકાણે મહારાજે કહ્યું છે, એ સૂક્ષ્મ ભક્તિ છે, તેણે કરીને આત્યંતિક મોક્ષને પામશે; પણ મોરે કહી જે ભક્તિ તે રૂપ સ્થૂળ મારગ તેણે કરીને એવી મુક્તિ ન થાય. અને એવી ભક્તિ તો ચાર માણસ કરે એટલી પોતે એકલો માને કરીને કરે; તે સેવા કરે, પાણા ઉપાડે, રોટલા કરે, એ સર્વે ભક્તિમાં માન મળે છે, તેણે કરીને થાય છે ને કરે છે; પણ એણે કરીને સિદ્ધ ન થાય.
યદા ન યોગોપચિતાસુ ચેતો માયાસુ સિદ્ધસ્ય વિષજ્જતેઙ્ગ ।
અનન્યહેતુષ્વથ મે ગતિ: સ્યાત્ આત્યન્તિકો યત્ર ન મુત્યુહાસ: ॥
(સુભાષિત : ૩૮૯/૪૮૦)
અર્થ : હે માતા ! જ્યારે સિદ્ધ યોગીનું મન તેના યોગ બળે કરીને અન્ય કોઈ પણ કારણ વિના ફક્ત તેને લલચાવવા આવેલી માયાઓમાં આસક્ત થતું નથી અથવા ફસાતું નથી ત્યારે તે યોગી મારી આત્યંતિકી એટલે સર્વશ્રેષ્ઠ ગતિસ્વરૂપને પામે છે. પછી ત્યાં મૃત્યુનું અટ્ટહાસ્ય હોતું નથી.
કિયાં બાળપણાની રમત, કિયાં પામવો સિદ્ધોનો મત.
(ભક્તચિંતામણિ : પ્ર. ૪૧)
માટે જે દિવસ તે દિવસ આ વાત કરશે ત્યારે છૂટકો છે.
અનુવૃત્તિ : મરજી.
આત્મનિષ્ઠા : હું તો દેહથી જુદો જે આત્મા તે છું ને મારે વિશે પ્રગટ પરબ્રહ્મ અખંડ બિરાજમાન છે. તેવી અતિ દૃઢ માનીનતા, શ્રદ્ધા, વિશ્ર્વાસ, આસ્થા.
મોરે : અગાઉ
પાણા : પથ્થર.
અર્થ : ધન, સંપત્તિ.
(૪૩) દેવની માયાએ જુઓને મોહ પમાડ્યા છે જે, ગાડી, પુસ્તક, ચેલો ને હવેલી એને વિશે માલ મનાણો છે; પણ તેણે કરીને શું થાશે ? બંધન થાશે, માટે એમાં કાંઈ માલ નથી.
રાજ ભયો કહાં કાજ સર્યો, મહારાજ ભયો કહાં લાજ બઢાઈ,
સાહ ભયો કહાં વાત બડી, પતસાહ ભયો કહાં આન ફિરાઈ;
દેવ ભયો તોઉ કાહ ભયો, અહંમેવ બઢો તૃષ્ણા અધિકાઈ,
બ્રહ્મમુનિ સત્સંગ વિના, સબ ઔર ભયો તો કહા ભયો ભાઈ.
(કીર્તન મુક્તાવલિ : નાશવંત દેહ વિશે)
ત્યારે શું જડભરત રાજ્ય મૂકીને મૃગલામાં બંધાણા એ કાંઈ સાધુનો મારગ છે? અને આસન સારુ, પથારી સારુ, ચેલા સારુ, ગાડી સારુ ને એવાં તુચ્છ પદાર્થ સારુ કરીને મોટી ખોટ ખાવી નહિ ને સર્વે દોષ રહિત થઈને રૂડા સાધુને સેવીને સાધુતા શીખવી એમાં જ માલ છે; નીકર તો મોટપ ને માન સારુ કરીને ગાડી કે ઘોડું ન મળે તો દુ:ખી થાવું પડે, એમાં શું ? એમ કહીને બોલ્યા જે,
મોટા થાવાનું મનમાં રે, દલમાં ઘણો ડોડ;
તેવા ગુણ નથી તનમાં રે, કાં કરે તું કોડ.
ભૂંડા ઘાટ ઊઠે છે ભીતરે રે, જે ન કહેવાય બા’ર,
એહ વાતનો તારે અંતરે રે, નથી નર વિચાર.
(કીર્તન મુક્તાવલિ : ૧૦૫૩)
એવું છે. માટે જ્ઞાન શીખવું, તેણે કરીને કોઈ વાતની અપેક્ષા ન રહે ને જો જ્ઞાન ન હોય તો મૂરખાઈએ કરીને અસદ્યુક્તિયું ઉઠાવે છે. તે અમે સૌ ગોપાળાનંદસ્વામી, કૃપાનંદસ્વામી એ આદિક મોટા મોટા સાધુ, પછી નિવૃત્તિ ન આવે તે સારુ સવારના પહોરમાં નાહ્યા વગર કામ, ક્રોધાદિકને ખોદીને ગોષ્ઠિ કરીએ. ત્યારે એક જણ કહે જે, ‘જુઓને મસાણિયા બેઠા છે, તે શું કરે છે ? તે ઝાંપડાંને સંભારે છે ને ‘શિક્ષાપત્રી’ તો પાળતા નથી.
બ્રાહ્મે મુહૂર્તે શયનં વિહાય નિજસ્વરુપં હૃદિ ચિન્તયિત્વા ।
સ્નાનં વિશુદ્ધં પ્રચુરાભિરદ્રિ: શ્રીનિલકણ્થં હૃદિ ચિન્તયામિ ॥
(શ્રી નીલકંઠ ચિન્તનાષ્ટકમ્)
અર્થ : બ્રાહ્મ મુહૂર્તમાં શય્યાનો (નિદ્રાનો) ત્યાગ કરી પોતાના સ્વરૂપનું હૃદયમાં ચિંતન - ધ્યાન કરી, અધિક જળ વડે સ્વચ્છ સ્નાન કરી શ્રી નીલકંઠનું હું હૃદયમાં ચિંતન કરું છું.
ને નાહ્યા-ધોયા વગર સવારના પહોરમાં લઈ બેઠા છે.’ ત્યારે બીજા નવા જાણે જે વાત ખરી છે, આજ્ઞા લોપતલ તો આ સર્વે છે. ને અમે આત્મનિષ્ઠા ને ઉપાસનાની વાતું કરીએ તે તો સૂક્ષ્મ ભક્તિ છે ને સ્થૂળ ભક્તિમાં તો ગૌણતા આવે, તે સારુ બીજા કહેશે, આ ‘શિક્ષાપત્રી’-લોપતલ છે ને શાસ્ત્રોને ખોટાં કરીને અવગુણ ઘાલે છે. ત્યારે જુઓને ! એ તે કેમ સમજવું જે, રાત લઈને ભગાય છે, એવું હોય એ વાતનું એને કાંઈ નથી, એમ મૂરખને કાંઈ ગતિ નથી; પણ આપણે શું ભક્તિ નથી કરતા ? ને ખોટી વાતું કહીએ છીએ ? માટે સો મૂરખનો ત્યાગ કરીને એક વિવેકીને ગ્રહણ કરવો.
ગિરિસેં ગિરિયે ધાય જઈને સમુદ્રમાં બૂડિયે,
મરીએ મહા વિખ ખાય પણ મૂરખ મિત્ર ન કીજિયે.
ઘાટ : માયિક સુખ ભોગવવાનો સંકલ્પ, વિકારનો સંકલ્પ.
મસાણિયા : સ્મશાનમાં રહેનારા.
અર્થ : ધન, સંપત્તિ.
લોપતલ : લોપનાર, પાલન નહિ કરનાર.
આત્મનિષ્ઠા : હું તો દેહથી જુદો જે આત્મા તે છું ને મારે વિશે પ્રગટ પરબ્રહ્મ અખંડ બિરાજમાન છે. તેવી અતિ દૃઢ માનીનતા, શ્રદ્ધા, વિશ્ર્વાસ, આસ્થા.
(૪૪) મહારાજે કીડિયારાના રોગની ઉપમા આપી છે, માટે તેનો ત્યાગ કરીને વિવેક દશમો નિધિ કહ્યો છે, તેનું ગ્રહણ કરશો તો સુખ થાશે. અહો ! જીવમાં અજ્ઞાનનો પાર નથી; કારખાનામાં, રાજામાં ને પધરામણીમાં મંડ્યા છે તે શું શું કહીએ ? ઓલ્યા જગતની પેઠે સાંજે કથાનાં બે વચનામૃત માંડ માંડ વંચાવે ને વળી પાછું તેનું તે, પણ તેણે કરીને ભગવાન રાજી ન થાય, માટે વિચારીને વરતવું.
વચ. ગ.પ્ર. ૧૮
નિધિ : ભંડાર.
(૪૫)
શ્રેયાંસિ બહુવિઘ્નાનિ ।
અર્થ : સારા કામમાં વિઘ્નો ઘણાં (આવે છે).
અને લોકમાં પણ કહે છે જે, ‘સારા કામમાં સો વિઘ્ન’. તે કાં તો ભક્તિરૂપે માયાને પ્રેરે ને એકાંતમાં ધ્યાન કરાવે, એમ કરતે કરતે પાડી નાખે છે, તે માટે વિચારવું.
અર્થ : ધન, સંપત્તિ.
(૪૬) જો ગરાસિયો મોટેરો હોય તો પૃથ્વી જ ભેળી કરે, વાણિયો મોટેરો હોય તો દ્રવ્ય ભેળું કરે, બ્રાહ્મણ મોટેરો હોય તો પુસ્તક ભેળાં કરે ને રબારી મોટેરો હોય તો ઢોરાં ભેળાં કરે; પણ કોઈએ એકાંતિકનાં ટોળાં ભેળાં કર્યાં ? બીજામાં કાંઈ માલ નથી, તે સારુ આવા સાધુનો સમાગમ કરી લેવો ને એકાંતિક સાધુ થાવું. ને રૂપિયા પડ્યા રહેશે, બીજાં પદાર્થ પણ પડ્યા રહેશે ને ચાલ્યું જવાશે; ને જે ભક્તિ કરે કે રાતમાં ધ્યાન કરે, તે મનમાં જો એમ જાણે જે આ સર્વે ખાઈ ખાઈને સૂઈ રહ્યા છે ને હું એક કરું છું, તો બધુંય બળી ગયું. ને મોટપ પામીને ચેલો ચેલો કરે, તે ચેલો બીજું તો શું કહીએ, તુંબડી તો એની એ, પણ સાકર માંહી નાખીને છાની પાય, એમ જુક્તિયું કરે અને ચેલો એમ ન કરે તો પંડે છાના મંત્ર કાનમાં મૂકીને શીખવે. એમ જુક્તિયું કરતે કરતે જન્મ ખોઈ નાખે. એવી જુક્તિયુંમાં બેયને સમું. ચેલાને પણ ભેળું કામ થાય, તે ઉપર
છોટા છોટા શિષ્ય રાખશે રે, ચાકરી કરવા બે ચાર;
મોટાની મોબત મૂકશે રે, જેને કેનો નહિ રહે ભાર. શ્રીજી૦
એ બોલ્યા.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
(૪૭) સ્વામીએ કહ્યું કે, ‘ચેતના મુખી તે સદા સુખી’, એવી રીતે કેટલાંક કહીએ ? એ કહ્યાં તેથી બીજાં ઘણાં ઝાડ હૈયામાં ઊગ્યાં હોય, પછી શું ધ્યાન-ભજન થાય ? બીજાનું જોઈને બેસે પણ થાય નહીં. તે એક બાવો ગુલાબગર હતો, તે સૌનું જોઈને માથે ઓઢીને ધ્યાન કરવા બેઠો ત્યાં તો રૂપિયા, ઢોરાં ને ઉઘરાણી તે સ્ફુર્યાં; એટલે આકળો થઈને ઊઠી ગયો ને કહે, ‘ઊઠો, ઊઠો, શું બેઠા છો ? આટલું આ કરવું છે તે કરીએ.’ એમ થાય છે, માટે ટીખળ ઘાલવાં નહીં.
(૪૮) મહારાજે તો, “પંપોળીને રાખે તેની પાસે રહેવું નહીં.” એમ કહ્યું છે. પછી સૂઝે તેમ કરો. અમે તો આત્માનંદસ્વામી બહુ ટોકતા તેમની ભેળા રહ્યા ને બ્રહ્માનંદસ્વામી ભેળા રહેતા તે નીસર્યા. તે કહ્યા વિના ખોટ જાય નહિ ને જ્યાં સારી સારી રસોઈ મળે ત્યાં વારે વારે જાય પણ કેવળાત્માનંદસ્વામી તો જો કોઈ પાકી રસોઈનું કહે તો તેને કહેશે જે, ‘જૂનાગઢથી સ્વામીનો કાગળ મંગાવ્યો છે તે આજ્ઞા આવશે ત્યારે લેશું.’ એમ બહાનાં કાઢીને ચોખ્ખી ના કહેવી ને દાળ-રોટલા લેવા; ને પછી બે દિવસ રહીને ભાગી નીસરવું; પણ ગળ્યાં, ચીકણાં, ચોપડ્યાં, વઘાર્યાં, ધુંગાર્યાં; તે ખૂબ તડૂસીને સૂતા, તેણે કરીને વધશે કામ અને ક્રોધ. ને "આપણે તો ‘ધર્મામૃત’, ‘નિષ્કામશુદ્ધિ’ ને ‘શિક્ષાપત્રી’ એ ત્રણ ગ્રંથ પ્રમાણે રહેવું. એમ મહારાજે કહ્યું છે, તે મહારાજની રુચિ પ્રમાણે રહેવું.
બ્રહ્માનંદ રહેનો ભલો રૂખમેં...
એમ કહ્યું છે. તે ત્રણ ગ્રંથથી વધુ લૂગડું કે, પદાર્થ રહેશે કે, ખવાશે તો બંધન થાશે ને એનો તો આગળ જવાબ લેવાશે.
વચ. લો. ૬
પ્રકરણ ૩ની વાત ૧૮
(૪૯) ‘રુચિનું’ લોયાનું ૧૪મું વચનામૃત વંચાવીને કહે જે, ‘આ તો ખપવાળાને૩ કહ્યું છે અને જેને ખપ નથી તે તો લાગ આવે ત્યારે જોઈ લે ને સ્વાદ કરી લે, એને તો એમ જ ભજન થાય જે ક્યારે લાગ આવે ? એવાને તો મહારાજે વચનામૃતમાં લબાડ જેવો ને કૂતરા જેવો કહ્યો છે. હેત હોય તેને આ વાત સારી લાગે, નીકર મરને (ભલે) લાખો વાતું કરીએ, પણ એમ ન મનાય.’
વચ. ગ.મ. ૪૭
લબાડ : જૂઠું બોલવાની ટેવવાળો.
મરને : ભલેને.
(૫૦) આ લોકનું હેત તો કેવું છે ? એમ કહીને એક પટેલનું દૃષ્ટાંત વિસ્તારીને કહ્યું જે, એના કુટુંબીને એના ઉપર મરે એવું હેત હતું, તો પણ સાધુના કહેવાથી માંદો પડ્યો ને તેના ઉપરથી સાધુએ દૂધ ઉતાર્યું તે કોઈએ ન પીધું. એમ સાધુએ દેખાડ્યું અને,
કાણે જાય તે અધિકું રડે, આંગણે જઈને ભૂસ પડે.
તે સારું લાગે તે માટે, હેત હોય તો પડે નહિ વાટે ?
એવાં ખોટાં હેત છે અને ગૃહસ્થને છોકરો ન માને કે દુ:ખિયો થાય, પણ તે તો સૌ સૌના ડહાપણ પ્રમાણે કરશે. માટે વૃદ્ધ થયા તેણે તો ગામોગામ મંદિર કર્યાં છે, તેમાં બેસીને ભજન કરવું ને બે ટાણાં જઈને રોટલા ખાઈ આવવું.
જેસે બુઢે બેલ કું, ખેડુ દેબત ન ખાન;
મુક્ત કહે ત્યું વૃદ્ધ કો, સબહિ કરત અપમાન.
(મુક્તાનંદ કાવ્ય : વિ.ચિ./કાળત્રાસ કો અંગ ૧૯)
અને જેને સુખે રહેવું હોય તેણે તો મોરનું (પહેલાનું) માન છે તે મૂકી દેવું, નીકર પૂજા થાય. તે ઉપર કહ્યું જે, ગુરુ-ચેલો, બાપ-દીકરો ને સાસુ-વહુ એમ રહેવું ને
દાસના દુશ્મન તે હરિ હોયે નહિ,
ભાઈ જે કાંઈ કરશે તે સુખ થાશે;
અણસમજે અટપટુ એ લાગે ખરું,
પણ સમઝીને જુવે તો સત્ય ભાસે. દાસ૦
(કીર્તનસાર સંગ્રહ : દ્વિતીય ભાગ, પાન ૪૫૬, પદ ૩)
કોણ જાણે આપણને વાસના હશે તે ટાળવા એમ થાતું હશે તો ? એમ જાણવું ને સુખે રહેવું.
કાણે : મરણ પાછળની રોકકળ કરવા માટે
વાસના : પૂર્વના સંસ્કારોથી મકકમ થયેલી કામના.
(૫૧) ધૂડ જેટલો પણ જે માણસમાં માલ નથી તેની આગળ પણ અમારે હાથ જોડવા પડે છે; તે એને મંદિરમાં રાખવાનો ખપ છે. વહેવાર ઠર્યો એટલે શું કરવું ? નીકર તો ઘણાય ન કરીએ, પણ મહારાજને રાજી કરવા છે.
(૫૨) જેને સુખિયા થાવું હોય તેણે તો સોળ વરસનો છોકરો થાય કે તુળસીને પાંદડે કરકાને અર્પણ કરવો એટલે થયું અને એકે પાંતીએ જીવને ક્યાં સમું છે ? મરે તો તે દુ:ખિયો થાય. તે ઓલ્યા બ્રાહ્મણનો છોકરો મરી ગયો ત્યારે પોકે પોકે રોવે ને બીજા પણ રોવરાવે જે, ‘બહુ ડાહ્યો હતો ને આ કરતો.’ એમ હજારું કહે. ત્યારે મયારામ ભટ્ટજી ખરખરે ગયા, તે વળતે દિવસ નાહવા ગયા ને કહ્યું કે, ‘તું તો ખાતો-પીતો નથી તે શું છે ? આ તારો દીકરો મરી ગયો તે શું કાંઈ ઉદેપુરની ગાદી ખાલી થઈ ? આ એક બ્રાહ્મણ મૂઓ તો એક ખડિયો ઓછો થયો એમાં તે શું !’ પછી ઓલ્યે વિચાર્યું; ત્યાં તો તે ખરું લાગ્યું. પછી કહે, ‘હું તો પંદર દિવસમાં મરત, તમે જીવતો રાખ્યો !’ કાંઈ ખેડુ મલકમાં થોડા છે ? વાણિયા, સઈ, નાગર, સોની, લુવાર, કડિયા એ આદિકની કાંઈ ખોટ છે ? એમ જ્ઞાન શીખવું. ખજૂરાનો પગ ભાંગ્યો તો પણ શું ને સાજો તો પણ શું ? કૂકડી વિના વહાણું નહિ વાય ? એમાં શું ? એમ વિચારીને સુખે ભજન કરવું.
પાંતીએ : બાજુ, બાબતે.
સમું : સરખું.
ખડિયો : ભિક્ષા માટેની કપડાની ઝોળી.
(૫૩) આણંદજી સંઘાડિયાને ત્યાં મહારાજ બેઠા હતા તે કહે, “માયાનું રૂપ કહીએ.” તો કહે, ‘કહો.’ પછી મહારાજ કહે, “શાહુકારનો દીકરો મરે તો તમારે કેમ ?” તો કહે, ‘બહુ ભૂંડું કહેવાય.’ પછી કહે, “આ રાજાનો દીકરો મરે તો ?” તો કહે, ‘હું બહુ ખરખરો કરું.’ પછી કહે, “આ તમારો મરે તો ?” ત્યારે કહે, ‘તે જ ઘડીએ સંઘેડો બંધ રહી જાય ને ભૂંડું થાય.’ એમ છે ! પછી મહારાજ કહે, “હવે મોહનું રૂપ કહીએ છીએ જે, બ્રહ્માથી લઈને સૌને લોહીમાં મોહ થાય છે, એકલું કરકું હોય કે પત ઝરતું હોય તો ન થાય. જીવમાત્રને કરકે નજર છે.”
જોને ચીલ ચડે આસમાને રે, નજર તેની નીચી છે;
દેખી મારણને મન માને રે, અન્ય જોવા આંખ મીંચી છે.
(કીર્તન મુક્તાવલિ : ૧૦૪૧)
જેમ સુખડ ઘસીને ભગવાનને ચડાવે છે તેમ દેહને ઘસીને કરકાને ચડાવે છે અને આ જીવ ચામડિયો છે ને ચમારને ઘેર અવતર્યો હોય તો ત્યાં પણ આનંદ ને ત્યાં કુંડ રાત-દિવસ ગંધાય. એમ આ દેહ પણ ચમારના કુંડ જેવો છે, તેમાં જીવ આનંદ કરીને બેઠો છે, પણ ગીંગોડાની ઘોડ્યે ગુલાબની સુગંધી લે નહિ અને આ દેહમાં તો હાડકાં, પરુ, પાચ, લાળ ને લીંટ ભર્યાં છે ને નવ દ્વારે નરક ઝરે છે ને કેવળ નરકની કોથળી છે ને ઉપર ચર્મ મઢ્યું છે ને ક્ષણભંગુર કહ્યો છે; માટે કાંઈ જ માલ નથી. તેમાંથી હેત તોડીને આત્મામાં કરવું, જેમ ઓલી સમડીએ માંસનો લોચો રાખ્યો હતો ત્યાં લગી એને બીજી બેએ ચાંચ મારી ને કરકોલી; પણ મૂકી દીધો તે ભેળી સૌ ગઈ. એમ આ દેહરૂપી લોચો મૂકીને સત્તામાત્ર થાવું તેમાં સુખ છે, ને દેહે કરીને તો પ્રભુ ભજી લેવાય એટલો તેમાં માલ છે.
ખરખરો : અરેરાટી, અફસોસ, શોક.
સંઘેડો : લાકડાંના ઘાટ ઉતારવાનું યંત્ર.
કરકું : સ્ત્રી, માદા.
પત : રક્તપિત્ત.
ચામડિયો : ચામડાં ચૂંથનાર, સ્ત્રીની પાછળ ઘેલો થઈ ઢસડાતો ફરનાર.
ઘોડ્યે : જેમ.
નરક : દોજખ, વિષ્ટા.
(૫૪) જીવનો તો અવળો સ્વભાવ છે, તે ખાવું, રૂપિયા ને વિષય તેમાં જ મંડ્યો છે. જો રૂપિયા હોય તો તે ભાંગીને ઘઉં લેવા ને તે ખાઈને પ્રભુ ભજવા. સો ઉપાય કરીને બાજરો ભેળો કરવો; તે ખેતીવાડી કરીને, ચાકરી કરીને કે સાથી રહીને પણ તે એક વાર તો ભેળો કરવો. પછી હાયવોય ન કરવી ને ભગવાન ભજવા. અને તેમ ન કરો તો આ મંદિરમાં બાજરો ઘણો સડી જાય છે, તે ચાર મહિના રહીને પણ ભગવાન ભજવા આવજો. પછી આવો સમાગમ નહિ મળે ને ઉત્તમ વક્તા છે ત્યાં સમાગમ કરી લેજો ને પછી તો ચીજું ખાધી હોય તે સંભારવી. તે મહારાજે ‘શિક્ષાપત્રી’માં કહ્યું છે ને ‘વચનામૃત’માં પણ કહ્યું છે જે, “સમાગમ વિના જ્ઞાન ન આવે.” ને દેશકાળાદિક આઠમાં સંગને અધિક કહ્યો છે. તે ઓલ્યાં સાત ભૂંડાં હોય ને એક સંગ સારો હોય તો મોટાપુરુષ સારાં કરી દે. માટે વારંવાર સંગ કરવો, તેમાં સર્વે વાત આવી જાય.
કરો : ઘરની દિવાલ.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
(૫૫) જે જેને વહાલું હોય તે શિષ્યને દે છે ને બાપને સ્ત્રી હૈયામાં છે તો તે છોકરાના હૈયામાં ઘાલી દે છે. એમ સાધુને વહાલા ભગવાન તે જીવના હૈયામાં ઘાલી દે છે. ને જેમ ખાધા વિના ભૂખ જાય નહિ ને તાપ્યા વિના ટાઢ જાય નહિ ને સૂર્ય વિના અંધકાર જાય નહિ, તેમ સમાગમ વિના અજ્ઞાન જાય નહીં. ભણેલો હોય તે ભણાવે, પણ અભણ શું ભણાવે ? કેમ જે, એને મૂળમાંથી જ વિદ્યા નથી, તે આપે ક્યાંથી ?
જ્ઞાન, ધ્યાન, ગુરુ બિન, મિલે નાહીં કાહું ઠોર,
ગુરુ બિન આતમ-વિચાર કિત પાવહિ;
(કીર્તન મુક્તાવલિ : ગુરુ કો અંગ)
તેમ સદ્ગુરુ વિના કાંઈ નથી થાતું.
તીન તાપ કી ઝાલ, જર્યો પ્રાની કોઉ આવે;
તાકુ શીતલ કરત, તુરત દિલ દાહ મિટાવે.
(બ્રહ્માનંદ કાવ્ય : ૭૫૬)
એ સવૈયો બોલીને કહે, ‘એવા સાધુનો સમાગમ કરે છૂટકો છે તે કરવો. તે પણ
અર્થં સાધયામિ વા દેહં પાતયામિ ।
અર્થ : ‘મારો ધાર્યો અર્થ હું સિદ્ધ કરીશ અથવા દેહનો પાત (નાશ) કરીશ’, એવો અડગ નિશ્ર્ચય હોવો જોઈએ.
એમ કરવો, ત્યારે રાજી થાય છે. તે સમાગમે તો એટલો ફેર પડે, જેમ કાર્તિકસ્વામીએ પૃથ્વીની પરિક્રમા કરી ને ગણપતિએ પાર્વતીને કહ્યેથી ગાયની કરી તે પણ પૃથ્વીની થઈ. જુઓ કેટલો ફેર પડ્યો ? ને કરોડ જન્મ સુધી અંતર્દૃષ્ટિ કરે ને ન થાય તેટલું એક મહિનામાં થાય, એવું આ સમાગમમાં બળ છે; માટે અમારો તો એ સિદ્ધાંત છે.’ ને મહારાજે પણ કહ્યું જે, “કોઈક મિષ લઈને આવા સાધુના મધ્યમાં જન્મ ધરવો એમ ઇચ્છીએ છીએ.” તે એવો જન્મ તો આપણે જ ધર્યો છે.
અર્થ : ધન, સંપત્તિ.
(૫૬) આ ભગવાન બહુ મોટા પ્રગટ થયા ! તે બીજા અવતાર જેવા તો એના સાધુ ને સત્સંગી દ્વારે ચમત્કાર જણાવ્યા ને પોતે જે નરનારાયણનું લખ્યું છે, તે તો જેમ કોઈક અજાણે ગામ જાવું હોય તે ભોમિયો લે, તેમ પોતે કોઈ વાર આવેલ નહિ ને એનો ભરતખંડ કહેવાય માટે એને ભોમિયા લીધા છે. એ મનુષ્યપણાનો ભાવ છે એમ જાણવું; એમ મહારાજે પણ કહ્યું છે. ને આ વાત તો બધી નવીન છે; સાધુ નવીન, નિયમ નવીન તે મહારાજ કહે, “આ નિયમ ને સાધુ એ બે અમે અક્ષરધામમાંથી લાવ્યા છીએ.”
વચ. જે. ૫
(૫૭) સ્વામીને ભોગવવાનાં પદાર્થ તે સેવક ન ભોગવે. તે જ્યારે રામચંદ્રજી ધરતીએ સૂતા ત્યારે ભરતજી એક હાથ ધરતી ખોદીને સૂવે. ને શિવજી પણ ભગવાનને ભોગવવાનાં પદાર્થ પોતે નથી ભોગવતા. ને સંગનો ભેદ કહ્યો જે, ‘એક ઊખેડે ને એક ચોંટાડે.’
(૫૮) આ સત્સંગમાં ત્રણ પ્રકાર છે. જે સત્સંગી હોય તેને કુસંગી કરી નાખે ને અંતર્દૃષ્ટિ કરતો હોય તો બાહ્યદૃષ્ટિ કરાવે ને વહેવારમાંથી ઉદાસ હોય તો તેમાં ચોંટાડે, એવા પણ મંદિરમાં છે; માટે એને ઓળખીને ત્યાગ કરવો. એક તો ઇન્દ્રિયારામ ને એક અર્થારામ એવા છે ને જો તે બેની વચ્ચે કોઈ પથારી કરે તો છ મહિના થાય ત્યાં વિમુખ કરી નાખે. તેને પણ ઓળખીને તેનો સંગ ન કરવો ને કરવો તો ગરાસિયાની ઘોડે અંતર મળવા દેવું નહિ ને અર્થારામ સાથે અંતર મળ્યું કે ભૂંડું થયું. એ બેયને મૂકીને આપણે તો આત્મારામ થાવું.
વચ. લો. ૬
ઇન્દ્રિયારામ : દેહ અને ઇન્દ્રિયોનાં પાલનપોષણમાં જ રાચનાર આસક્ત વ્યક્તિ.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
ઘોડે : જેમ.
આત્મારામ : સાંખ્ય- વિચારે કરીને 'હું તો દેહથી નોખો જે આત્મા તે છું'
(૫૯) ખાધાનું, પથારી, ચેલા ને પદાર્થ તેને અર્થે જે ઉદ્યમ એ કાંઈ સાધુનો મારગ નહીં. એ મારગ ચૂક્યા, ને વેળ વળી ગઈ તે માટે જ્ઞાન શીખવું; તે વિના બીજું કાંઈ રાત્રિપ્રલયમાં નહિ રહે. ને જ્ઞાન તો મહાપ્રલયમાં પણ જાવાનું નહિ ને તે જ્ઞાન તો આપણને છે. આ આમાં આટલું રહ્યા છીએ ખરા, પણ વનમાં રહીએ તો પણ સુખ રહે, ને એક ટાણું રોટલા જોઈએ ને એક ગોદડી હોય તો બીજું વસ્ત્ર ન જોઈએ; ને વનમાં રહેતા ત્યારે આ ગોદડીભર રહેતા. તેમાં ટાઢ હરે, તડકો હરે ને વરસાદ પણ બે પછેડીવા હરે, પછી શું જોઈએ ? એવા સ્વભાવ પાડ્યા હોય ત્યારે, નીકર તો જેમ નાગને છેડે તેમ થાય;
જેનું રે મન વન વાંછતું, અતિ રહેતા ઉદાસજી.
જેને રે જાગ્ય આગ્ય લાગતી, ગમતું નહિ સજ્યા ઘરજી;
તેને રે આસનથી ઊઠાડતાં, જાણે જગાડ્યો મણિધરજી. જેનું૦
(કીર્તન મુક્તાવલિ : ૪૮૪)
માટે જ્ઞાન શીખવું.
ઉદ્યમ : યત્ન, મહેનત.
(૬૦) જેમ ભગવાન કરે તેમ થાય. આ અમને કઠોદર થયું હતું તે કોઈને ન મટે ને તે મટ્યું. ને આવરદા પણ પચીસ વરસ થયાં નથી ને આ બે વરસ થયાં એટલે સંવત ૧૯૧૮ના કાર્તિકમાં મોત આવીને પાછું ગયું; તે જેમ ભગવાનને ગમતું હશે તેમ થાશે.
કઠોદર : પેટનો એક પ્રકારનો રોગ.
(૬૧) જેને આ સત્સંગ મળ્યો તેના પુણ્યનો પારાવાર નથી ને આ સમાગમનું ફળ તો આગળ અવિનાશી મળશે ને અજ્ઞાને કરીને તો એમ થાય, તે શું ? જે, ખટરસમાં રહ્યા ને જલેબીમાં ગયા, પણ આજ્ઞા કરે તેમ રહેવું તે,
થર થર ધ્રૂજત રહે વચન મેં શશીયર સૂરા,
થર થર ધ્રૂજત રહે રેનદિન કાલ હજૂરા;
(મુક્તાનંદ કાવ્ય : મુકુન્દ બાવની-૩૩)
માટે આજ્ઞામાં સુખ છે, કર્મવશ કરવું પડે છે તે કરતાં જો આજ્ઞાએ કરે તો એના જીવમાં સુખ થાય.
(૬૨) આ ભગવાન તો જેમ
કિયાં જીવ કિયાં જગદીશ, જાણો જૂજવી એ જાત છે રે;
કિયાં કીડી કરી મેળાપ, ભેળો થાવા ભેરે ભેદ છે રે;
કિયાં પૂર્ણ પુરુષોત્તમ આપ, કિયાં જીવ જેને બહુ કેદ છે રે.
(કીર્તન મુક્તાવલિ : ૧૦૫૮)
એવા મળ્યા છે; માટે સો વાતનું ગમતું મૂકીને આજ્ઞા પ્રમાણે વરતવું.
સો માથાં જાતાં રે સોંઘા છોગાળા..
બીજું,
એક શિરકે વાસ્તે ક્યું ડરતે હે ગમાર ?
હવે ખરેખરું મંડવું.
રે ધરિયાં અંતર ગિરિધારી, શું કરશે ઘોળ્યાં હવે સંસારી.
રે જો પડથી પાછી આવે, રે લાજ તજી મન લલચાવે,
તે સતી મટીને કુત્તી કા’વે. રે ધરિ૦
(કીર્તન મુક્તાવલિ : ૪૧૧)
એ કીર્તનો બોલી કહે, ‘એમ પાછા પગ ભરે થાય ? તે સારુ સન્મુખના લેવા.’
સોંઘા : સસ્તા, સો સો જન્મના પુરુષાર્થે પણ ન મળે એવા ભગવાન આજ મફતમાં સામે ચાલીને મળ્યા છે.
(૬૩) શાસ્ત્રમાં મુખ્ય અહિંસા ને બ્રહ્મચર્ય એ બે ધર્મ કહ્યા છે. તે અહિંસા તે શું ? તો કાંઈક પદાર્થ જોઈતું હોય ને ગૃહસ્થ પાસે માગીએ ને તેનાથી ન અપાય તો હિંસા થઈ ને કોઈ પદાર્થ ન જોઈએ ત્યારે અહિંસા પળે; ને કોઈએય ન કચવાય તે અહિંસા. ને બ્રહ્મચર્ય તો નેત્ર, કાન, નાક, હાથ, પગ આદિક અંગ સાચવીએ ત્યારે પળે. ને હાથ, પગ આદિક ઇન્દ્રિયું સહિત આવો દેહ ક્યાંથી મળે ? આ તો ભગવાનને ભજ્યાનો સાજ છે. તે વૃથા ખોઈ નાખવો નહિ; લેખે લગાડે તેને ડાહ્યો કહ્યો છે, નીકર તો પશુ જેવો જાણવો અને આ દેહ તો હમણાં પડ્યો જાણવો ને જેમ આ ઘડિયાળના ડંકા વાગે છે, તેમ કાળ આવરદાને ખાઈ જાય છે, પણ આ જીવ તો ભૂલી ગયો છે. તે ઉપર
ગર્ભમાંહી શું કહીને તું આવ્યો રે, પ્રાણી તે સંકટ વિસરાવ્યો રે.
(કીર્તનસાર સાગર : ૨૧૬)
એ કીર્તન બોલાવીને કહે, ‘શું પછી લાકડી લઈને મારે ? ને જીવ તો જાણે છે જે, આ બધું કોઈકને માથે છે, પણ એમ નથી જાણતો જે, મારે જ માથે છે ને ગર્ભવાસ, જન્મ, મરણ, ચોરાશી એ તો ઊભાં જ છે. માટે આવો સમાગમ કરીને એને ટાળી નાખવાં ત્યારે નિર્ભય થાવાય.’
વચ. પં. ૧
ચોરાશી : ચોરાશી લાખ જન્મનું ચક્ર.
(૬૪) મહારાજ કહે, “અમને બુદ્ધિવાળો ગમે છે કેમ જે, એને સત્ય-અસત્યનો વિવેક આવડે ને કાર્યાકાર્ય, ભયાભય, બંધમોક્ષ એને જાણે જે, આ તે કરવું ને આ ન કરવું ને આમાંથી બંધન થાશે ને આમાંથી મોક્ષ થાશે.” તે કૃપાનંદસ્વામી સરખા તો ચિકિત્સા કરે જે, એમાંથી આ થાશે.
વચ. ગ.પ્ર. ૧૬
વચ. ગ.પ્ર. ૧૮
વચ. ગ.પ્ર. ૫૦
ચિકિત્સા : ગુણ-દોષ પારખવાની શક્તિ- દોષદર્શન.
(૬૫) મોટાનો અવગુણ લે તેનું બહુ ભૂંડું થાય ને પોતામાં તો અનેક અવગુણ હોય. તે એક સાધુ રોજ શાક વઘારે ને એક દિવસ આત્માનંદસ્વામી માંદા હતા તેમણે કહ્યું કે, ‘શાક કરો.’ ત્યારે ઓલ્યે સૌ આગળ ‘હો હો’ કર્યું. તે વાત મહારાજ પાસે ગઈ એટલે કહે, “અહો ! એણે એના જીવનું બહુ ભૂંડું કર્યું જે, મોટા સાધુમાં અવગુણ પરઠ્યો.” ને મુક્તાનંદસ્વામી જમતા હતા, તે એક જણે એમ ચિંતવ્યું જે, ‘આ મોટા સાધુ આમ કેમ જમે છે ?’ પછી એ જે અન્ન દેખે તે કીડા જ દેખાય. તે પંદર દિવસ લગી એમ થયું. પછી દાંતે તરણાં લઈને પગે લાગ્યો ત્યારે સમું થયું. તે માટે કોઈ સાધુનો અવગુણ ન લેવો. અરે ! કેટલાક તો ગોપાળાનંદસ્વામીની વાત ખોટી એમ કહેતા તે ગયા, તે પણ દીઠા.
રોજ : દરરોજનું મહેનતાણું/મજૂરી.
સમું : સરખું.
(૬૬) કરોડ રૂપિયા હશે તે કાંઈ કામ નહિ આવે, તે જ્યાં હશે ત્યાં એમ થાશે ને એમ જાશે. ને આગ્રામાં અઢાર કરોડ રૂપિયાનું કબરસ્તાન કર્યું છે; પણ એટલા રૂપિયાના ઘઉં લઈને ભગવાન ભજ્યા હોય ને કથા કરી હોય તો કેટલી થાય? ઘણીય. સાંતી તો સો વધારીએ; પણ એણે શું થાય ? દુ:ખ થાય. એ સાધુનો મારગ નહીં. ને કથાએ તો કેટલો સમાસ થાય જે, ઓલી છાવણીમાં કેટલીય નોખી રસોઈઓ નીકળી ગઈ, નોખાં આસન ગયાં, એમ પડઘા પડે અને દ્રવ્ય તો ભેળું કર્યું કે આપ્યું તે રહેતું નથી, નસીબમાં હોય તો રહે; માટે નિષ્કામી થાવું, નિર્લોભી થાવું, નિ:સ્વાદી થાવું ત્યારે ભગવાન રાજી થાય.
સાંતી : ખેતીની જમીન.
(૬૭) આ સમાગમ મળ્યો છે તે કોઈક પૂર્વનો સંસ્કાર ભારે છે, તો સમાગમ કરવા સારુ આવ્યા છો ને જે નથી આવતા તેને ભારે પાપ છે. આનું ફળ તો આજ, કાલ, મહિને કે વરસે પણ મળશે ને સમાસ ઘણો કરશે ને કોઈક જાણતા હશે જે કરીએ છીએ ને કેમ કાંઈ થાતું નથી ? પણ આ તો મેળવણ નાખીએ છીએ, તે દહીં થઈને ઘી તો વલોવ્યા પછી નીકળશે ને આ વાત તો બહુ દુર્લભ છે. ને આ સત્સંગ તો ઘણો થયો છે ને સર્વ પૃથ્વીનાં માણસ સત્સંગ કરશે, પણ આવા કહેનારા ક્યાંથી મળશે ! ને રૂપિયા તો ગાડે ગાડે આવશે ને હવેલીઓ પણ થાશે, પણ આ નહિ મળે ! ને હવે તો કોઈ વાતની કલ્પના રાખવી નહીં. ને આ જીવ સમજવા મંડ્યો તે દિવસથી આજ સુધી ખેડ કરી, વેપાર કર્યો, તો પણ રોટલા ને દાળ મળે છે; પણ રૂપિયાનો ઢગલો ભરાણો નહિ, માટે શા સારુ ઝાઝું કરીએ ? અને કોઈક દિવસ ઢગલો મળે તો શું થાય ? દુ:ખ થાય. તે માટે આપણને જે ભગવાન મળ્યા છે તે કરશે તે થાશે. ને દાળ, રોટલા ને વસ્ત્ર તો ગળામાં લીધાં છે તે દેશે. ને મોરે તો કટક, ધાડાં, મિયાણાં ને માળિયાના હાટી કંઈક લૂંટી લેતા ને ખાવા અન્ન મળતું નહિ ને કાળ પડતા ને કાં તો ટીડડાં, ઉંદર ને રોગ એ પણ કંઈ કંઈ આવતાં, એવાં મહાદુ:ખ આવતાં. ને આવું સાનુકૂળ તો કોઈ દિવસ આવ્યું નહોતું એમ જણાય છે.
માટે ભગવાન ભજ્યાનો લાગ તો આજ જ છે. અરે ! અમે બાવીસ વરસ વનમાં રહ્યા તે ત્રણ દહાડે અન્ન મળે ને ટાઢ, તડકો, વરસાદ ને હિમમાં પડ્યા રહેતા ને ઓઘામાં રહેતા ને એક ગોદડીભેર રહેતા, એવાં દુ:ખ સહન કર્યાં છે અને અધ્યાત્મ, અધિભૂત ને અધિદૈવ એ ત્રિવિધ તાપનું રૂપ કર્યું જે, ‘અધ્યાત્મ તો એ જે, આ દેહમાં રોગ આવે; અધિભૂત જે, સાપ, સાવજ આદિક પરથી દુ:ખ થાય ને અધિદૈવ જે, તીડ, ઉંદર આદિક દેવતા સંબંધી દુ:ખ થાય; તે એ ભગવાન ભજે તો મટે ને ખરેખરું ભજે તો આમ આપણા સામું જોઈ રહે એવા ભગવાન દયાળુ છે.’ તે ઉપર વાત કરી જે, શ્રીકૃષ્ણે કહ્યું છે જે, ‘છપ્પનકોટિ જાદવ, લક્ષ્મી આદિક પટરાણીઓ ને આ મારો દેહ, જેવો વહાલો નથી તેવા ઉદ્ધવ મને પ્રિય છે.’ એમ દયા કરે છે, માટે એવું થાવું.
મેળવણ : અખરામણ, મિશ્રણ.
મોરે : અગાઉ
સાવજ : સિંહ.
(૬૮) ગાડી સારુ જે આશા રાખે છે તેમાં શું છે ? તેણે ભજન તો થાતું નથી અને અકળાય છે;
એક બા’વરો બેસાર્યો વળી વહાણે રે,
(કીર્તન મુક્તાવલિ : ભાગ-૨/૧૨)
એમ ન કરવું, એનું તો મોટા સાધુને પૂછવું જે, ‘મને આમ થાય છે, તે મારા જીવનું સારું થાય તેમ કહો.’
હું બલિહારી એ વૈરાગને, ઉપન્યો જેને અંગજી.
(કીર્તન મુક્તાવલિ : ૪૭૯)
‘અહો ! હું કોણ ?’ એમ વિચારવું, એવો ઠરાવ કરવો તે ખરો કહેવાય.
(૬૯) આ શરીર તો માટીનો ઢગલો છે, તે સાજું હોય ત્યાં સુધી કીર્તન કે ભજન થાય. ને,
શનૈ : પન્થા: શનૈ: કન્થા શનૈ: પર્વતમસ્તકે ।
શનૈ ર્વિધા શનૈર્વિત્તં પશ્ર્ચૈતાનિ શનૈ: શનૈ: ॥
(સુભાષિત રત્નમાલા : ૧૫૬/૧૨૬)
અર્થ : રસ્તા ઉપર ધીમે ધીમે ચાલવું, ધીમે ધીમે કપડાં પહેરવાં, પર્વત ઉપર ધીમે ધીમે ચઢવું, વિદ્યા ધીમે ધીમે મેળવવી, ધન પણ ધીમે ધીમે મેળવવું. આ પાંચેય ધીરે ધીરે કરવાં.
અને જેમ રાજાના દીકરાને એક દિવસ ઝાઝું ખવરાવે તેમાં મોટો ન થાય ને રોજ ભૂખ પ્રમાણે ખવરાવે તો વધે; એમ જ્ઞાન પણ ધીરે ધીરે સમાગમે થાય છે. ને જોગ વિના રસોઈ થાય નહિ, એમ જોગ વિના પ્રભુ ભજાય નહીં. ને જે વાતું સાંભળે તે વૃદ્ધિ પામે. ને ઝાઝું ખાય તો ઊંઘ ઝાઝી આવે અને શું કાંઈ ખાઈ ખાઈને સૂઈ રહેવાને ભેળા થયા છીએ ? તે આજકાલ, મહિને કે છ મહિને સાધુનો સમાગમ કરે જ છૂટકો છે.
અર્થ : ધન, સંપત્તિ.
રોજ : દરરોજનું મહેનતાણું/મજૂરી.
(૭૦) ગુજરાતમાં તળ સુધી ખોદીએ તો તેમાં પાણો નહિ ને આ દેશમાં પહેલે ઘાએ જ પાણો. એમ આત્મનિષ્ઠાનો મારગ તે પાણા વિનાનો છે ને બીજા મારગમાં તો પાણા છે અને આપણે તો ‘આત્મા’ મોઢેથી શીખીને કથનમાત્ર થયા છીએ; તે આ ઘડી જો ચીભડાંનું, કેરીનું કે તુંબડાંનું ગાડું આવે તો આત્માપણું રહે નહિ ને ટાણે (એ વખતે) રહે એ ખરો. ને જ્ઞાને કરીને એમ થાવું જે, “જડ, દુ:ખ ને મિથ્યા એવું જે દેહ તે હું નહિ ને હું તો સચ્ચિદાનંદ છું, આત્માનંદ છું, અખંડાનંદ છું ને અક્ષર છું.” ને રજોગુણ, તમોગુણ ભેળું ભળી જાવું નહિ, નિર્ગુણ થાવું. એ ઉપર
પરિનિષ્ઠિતોઽપિ નૈર્ગુણ્યે ઉત્તમશ્લોકલીલયા ।
ગૃહીતચેતા રાજર્ષે આખ્યાનં યદધીતવાન્ ॥
(શ્રીમદ્ ભાગવત : ૨/૧/૯)
અર્થ : હે પરીક્ષિત રાજા ! હું (શુકજી) જો કે નિર્ગુણ સ્થિતિને પામેલો હતો છતાં ભગવાનની ઉત્તમ લીલા વડે ચિત્ત ખેંચાવાથી ભાગવત જેવો મોટો ગ્રંથ ભણ્યો હતો.
એ શ્ર્લોક બોલીને કહ્યું જે, ‘આગળથી તો એવી વાતું કરે ને જ્યારે જોગ આવે ત્યારે આસન સારુ કે ખાધા સારુ બખેડો થાય તે ઠીક નહીં.’
જુઓ પ્રકરણ ૧૨ની વાત ૧૭૨
(૭૧) ગૃહસ્થને તો આમ સમજવું જે, કોઈ વાતની ચિંતા ન રાખવી ને આમ થાય તો ઠીક, એમ ન કરવું. અને સહેજે જોઈએ તેટલું દ્રવ્ય પેદા કરવું,પણ ઝાઝું થાય એમાં તો કાંઈ સુખ નહીં. તે ચાર જણ હતા તે રોજ, ‘દ્રવ્ય થાઓ, દ્રવ્ય થાઓ.’ એમ રટણ કરે. ત્યારે આકાશવાણી થઈ જે, ‘ભાઈ, દ્રવ્ય મળશે તો ઘણું દુ:ખ થાશે.’ ત્યારે કહે, ‘બ્રહ્માંડમાં જેટલું દુ:ખ હોય એટલું અમને થાઓ, પણ દ્રવ્ય મળો.’ ત્યારે કહે, ‘ઠીક.’
પછી ચાર મણ સોનું રસ્તામાંથી મળ્યું. તે બબ્બે જણ સંપ્યા જે, ઓલ્યા બેયને મારી નાખીએ તો બબ્બે મણ સોનું આવે. પછી ઓલ્યા બેયને ગામમાં મોકલ્યા ને કહે જે, ‘તમે લાડવા કરીને લાવો તે જમીએ.’ પછી એમ ધાર્યું જે, એ બેયને પાણી ભરવા વાવમાં મોકલીને પાણા નાખીને મારી નાખશું. જે લાડવા લેવા ગયા, તે બેય જણ પણ સંપ્યા જે, ઓલ્યા બેયને ઝેરના લાડવા ખવરાવીને મારી નાખીએ તો આપણે બબ્બે મણ સોનું રહે. પછી ઝેરના લાડવા ચુચવતા કરાવ્યા ને પોતા સારુ સાધારણ કરાવ્યા. તે લઈને ગયા એટલે ઓલ્યા કહે, ‘વાવમાંથી પાણી ભરી આવો, પછી જમીએ.’ ત્યારે તે બે જણા વાવમાં પાણી ભરવા ગયા, તેને પાણા નાખીને મારી નાખ્યા. પછી ઓલ્યા બે જણ નિરાંતે ખાવા બેઠા ને લાડવા તપાસે ત્યાં તો બે જાતના દીઠા. તે કહે, ‘જો ! પોતા સારુ સારા કર્યા છે ! હવે તે આપણે ખાઈએ.’ પછી ખાધા, એટલે તે પણ ખાઈને મરી ગયા ને સોનું પડ્યું રહ્યું.જુઓને એ સુખ ! આ એમ થાય છે ! માટે એ વસ્તુ જ ભૂંડી છે, તે જ્યાં જાય ત્યાં ભૂંડું જ કરે.
પાણા : પથ્થર.
ચુચવતા : ઘીથી લચપચતા.
(૭૨) અમદાવાદમાં એક એંશી વરસના વાણિયાને છોકરો થયો તે ગાંડો થઈ ગયો; એમ કેટલાક થઈ જાય છે. માટે ભગવાન ભજવા તેમાં સો સો વિચાર જોઈએ ને વેપાર કરે તેમાં ખોટ પણ જાય, વૃદ્ધિ પણ થાય, વિવાહ પણ થાય ને કાયટું પણ થાય, તે બધું વિચાર્યું જોઈએ ને જે થાય તેનો હરખ પણ ન કરવો ને શોક પણ ન કરવો ને શોક કરે તો જ્ઞાન સ્રવી જાય ને સત્સંગમાંથી પાછું પડી જવાય; બુદ્ધિમાં જાડ્યતા (જડતા) આવી જાય ને તમોગુણ વૃદ્ધિ પામી જાય ને ક્લેશે કરીને તો ગોળાનું પાણી સુકાઈ જાય છે. તે માટે જે જે ધંધો કરો તેમાં એમ કહેવું જે, આપણે આંહીં રહેવું નથી, એટલે એ નાશ થઈ જાય. અરે ! દ્રવ્ય સારુ તો ઓલ્યો શ્ર્લોક છે જે,
ભૂમિર્યાતુ રસાતલં ગુણગણસ્તસ્યાપ્યધો ગચ્છતુ,
શીલં શૈલતટાત્પતત્વભિજનઃ સન્દહ્યતાં વહ્નિના ।
શૌર્યે વૈરિણિ વજ્રમાશુ નિપતત્વર્થોસ્તુ નઃ કેવલં,
યેનૈકેન વિના ગુણાસ્તૃણલવપ્રાયાઃ સમસ્તા ઇમે ॥
(નીતિશતક : શ્ર્લોક ૩૯)
અર્થ : ભૂમિ રસાતાળમાં જાઓ, ગુણનો સમૂહ તેથી પણ નીચે જાઓ, શીલ પર્વત પરથી પડો, કુલીનપણું અગ્નિ વડે બળી જાઓ અને વૈરી શૂરતા ઉપર તત્કાળ વજ્ર પડો; અમારે તો પૈસો જ પ્રાપ્ત થાઓ; કેમ કે પૈસા વગરના સર્વ ગુણ તૃણ જેવા તુચ્છ છે.
એમ ન કરવું.
કાયટું : મરણોતર કર્મકાંડી ક્રિયા ને જમણવાર, દસમું-અગિયારમું-બારમું : એ ત્રણ દિવસોની શ્રાદ્ધક્રિયા.
કરો : ઘરની દિવાલ.
અર્થ : ધન, સંપત્તિ.
(૭૩) બજારમાં ને પાડોશમાં વિષયના ઢોલ વાગે છે તે સાચવવું, નીકર નાક કપાઈ જાશે. ઓલ્યા કેશોદવાળાને સાઠ હજાર કોરી દંડ ભરવો પડ્યો. તેની સાઠ બાયડી થઈ, તે એક કરી હોત તો ધર્મ ન લોપાત. માટે ધર્મ લોપ્યે આમ થાય છે; માટે ધર્મ રાખીને પ્રભુ ભજવા અને મોટો અન્નકૂટ કર્યો ત્યારે ભક્તિમાતાએ પ્રત્યક્ષ દર્શન આપ્યાં. ત્યારે બાઈઓ કહે, ‘મહારાજ ! આ ભક્તિમાતા આવ્યાં છે.’ ત્યારે કહે, “રાખો, ને જાઓ પૂછો જે, રહેશો?” પછી એમ કહ્યું એટલે કહે, ‘હું તો પતિવ્રતા છું, તે જો ધર્મ રાખો તો હું રહું.’ પછી મહારાજ કહે, “જો ધર્મ રાખશો તો ભક્તિ રહેશે.” માટે આપણે પણ સૌ ત્યાગી-ગૃહસ્થ જો ધર્મ રાખશું તો ભક્તિ રહેશે; એમ સિદ્ધાંત છે.
‘
(૭૪) એકલિયાની પણ કાળાખરીઓ ચાલી આવે છે. તે સારુ ભલે વહેવાર થોડો થાય; પણ એકલિયા ઝાઝા કરવા નહીં. અને
અર્થી દોષાન્ ન પશ્યતિ (સુવાક્ય)
અર્થ : લાલચુ માણસ વિષયોના દોષને જોતો નથી.
એમ છે. બબ્બે, ત્રણ-ત્રણ વરસ સુધી ફરવા કાઢે છે, તેમાં પણ તેનાં અંતર ફરી જાય છે; તેની ફિકર રાખવી ને વારંવાર ભેળા કરીને વાતું કરીએ ત્યારે ઠીક રહે, તે પણ જાણ્યું જોઈએ. ને ગૃહસ્થને બાયડી, છોકરો, રૂપિયા ને ખાવું એ બંધનકારી ને ત્યાગીને દેહ, ઇન્દ્રિયું, ચેલો ને ખાવું એ બંધનકારી, માટે એમાં લેવાવું નહીં.
એકલિયા : જોડવગર ફરવાવાળા ત્યાગી.
અર્થ : ધન, સંપત્તિ.
(૭૫) વારંવાર અંતર્દૃષ્ટિ કરવી જે, આ તે હું શું કરવા આવ્યો છું ને શું થાય છે ? ને દેહ ઉન્મત્ત છે, ઇન્દ્રિયું ઉન્મત્ત છે તે સારુ પ્રથમ ભક્તિ કરવી; કેમ જે, મહારાજ ભક્તિવાળા ઉપર બહુ રાજી થાતા ને થાળ આપતા અને ભક્તિએ કરીને, વ્રત-ઉપવાસે કરીને, તપે કરીને, નિર્દય થકો ઇન્દ્રિયુંને ને દેહને દંડ દેવો, ત્યારે ભગવાન ભજવા દે છે ને ભગવાન રાજી થાય છે. ને પ્રકૃતિપુરુષ સુધી પંચવિષયરૂપી હોળી લાગી છે, તે કૂટે છે; માટે મહારાજ કહે, “પંચવિષયરૂપી પાતાળ ફાટ્યાં છે તે પાણીએ ભરવા માંડે પણ ભરાય નહીં.”
વેરી ઘરમાંહી તેરે, જાનત સનેહિ મેરે.
તે માટે માયિક ધૂડ જેવા પંચવિષયનો ત્યાગ કરી દેવો ને આ ને આ દેહે ખોટા કરી નાખવા ને મળવત્ કરીને સર્વેને નાશવંત ને તુચ્છ જાણવા. એવી રીતે દેહ, લોક, ભોગ, દેવતાના લોક એ સર્વેનો નિષેધ કરવો; તેણે કરીને વૈરાગ્યને પમાય છે ને તેને પામીને અંતર્દૃષ્ટિ કરવી, આ લોકમાં શો માલ છે ! ને આ વાડી લીધી છે, તે શું ? પાણા ને કાંટા છે, અમને તો કાંઈ માલ જણાણો નહિ, પણ આ બજારના કાંટા કરતાં એ સારા છે અને શહેર સેવ્યે કરીને પણ બુદ્ધિ બહુ જ ભ્રષ્ટ થઈ જાય છે ને શહેર કરતાં ગામડું સારું; કેમ જે, ગામડામાં એક વાર હોળી અને શહેરમાં બારે માસ હોળી ને બારે માસ દિવાળી. ને ગામડામાં વિવાહ હોય ત્યારે વિવાહ ને શહેરમાં બારે માસ વિવાહ; પણ એમાં કાંઈ માલ નથી.
વચ. પં. ૧
ઉન્મત્ત : ગર્વિષ્ઠ, ઉદ્ધત, ગાંડો, છાકટો.
પ્રકૃતિપુરુષ : ચેતન અકર્મણ્ય પુરુષની મદદથી જડ પ્રકૃતિમાંથી સમગ્ર સૃષ્ટિની ઉત્પતિ થઈ તે
નિષેધ : શાસ્ત્રવિહિત મનાઈ.
પાણા : પથ્થર.
(૭૬) ભગવાન ભજવામાં સુખ છે ને જે જે થાય છે તે સંસ્કારે થાય છે. તે શિવલાલને પહોર-દોઢ પહોર ધ્યાનમાં બેસાય ને અભેસિંહજીને બે પહોરનું ધ્યાન; તે ચાહે તે કામ આવે, પણ બેસે એવું નિયમ. ત્યારે એ બધું સંસ્કાર ને આ મોટા સાધુની દૃષ્ટિ.
પહોર : પ્રહર, ત્રણ કલાક.
(૭૭) ગોપાળાનંદસ્વામીની વાતમાં એમ છે જે, ‘મુમુક્ષુ વિના સાધુ ન ઓળખાય.’ એમ અમદાવાદના એક સાધુ આગળ કહ્યું ને પછી બોલ્યા જે, ‘સંસ્કાર વિના કાંઈ થાય નહીં. તે જુઓને ! આપણે પણ સંસ્કારે ભેળા થયા છીએ. ને મેં એક કણબી વાડીમાં હતો તેને કહ્યું જે, ‘પટેલ ભગવાન ભજશો?’ ત્યારે કહે, ‘હા.’ ત્યારે કહ્યું જે, ‘ચાલોને આંહીં નદીએ, અમારા મોટા સાધુ કૃપાનંદસ્વામી આવ્યા છે.’ પછી ત્યાં જઈને વર્તમાન ધરાવ્યાં. તે સાધુ થઈને મણિ જેવા થયા. તે એમ સંસ્કારે વાત થાય છે.’ એમ કહીને ગોડી જે,
સુખદાયક રે, સાચા સંતનો સંગ, સંત સમાગમ કીજીએ.
(કીર્તન મુક્તાવલિ : ૭૦૬)
એ પદ બોલાવ્યાં.
(૭૮) ‘સત્સંગિજીવન’નું સાર મહારાજે
શ્રી વાસુદેવવિમલામૃતધામવાસં, નારાયણં નરકતારણનામધેયમ્ ।
શ્યામં સિતં દ્વિભુજમેવ ચતુર્ભુજં ચ, ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપધે ॥
(સત્સંગિજીવન : શ્રી ધર્મનન્દનાષ્ટકમ્)
અર્થ : દિવ્ય વિશુદ્ધ વાસુદેવરૂપી અક્ષરધામમાં નિવાસ કરનારા, નરકથી તારનારા, નારાયણ જેનું નામ છે, તેમ જ શામ તથા શ્ર્વેત વર્ણવાળા, હમેશાં બે ભુજાઓથી શોભનાર, કોઈ વાર ચાર ભુજાથી શોભતા, ભક્તિ તથા ધર્મના પુત્ર - આપને હું શરણે જાઉં છું.
એ અષ્ટકમાં કહ્યું છે ને તેનું સાર છેલ્લો શ્ર્લોક,
ધર્મસ્ત્યાજ્યો ન કૈશ્ચિત્ સ્વનિગમવિહિતો વાસુદેવે ચ ભક્તિ
ર્દિવ્યાકારે વિધેયા સિતઘનમહસિ બ્રહ્મણૈક્યં નિજસ્ય ।
નિશ્ચિત્યૈવાન્યવસ્તુન્યણુમપિ ચ રતિં સમ્પરિત્યજ્ય સન્ત
સ્તનમાહાત્મ્યાય સેવ્યા ઇતિ વદતિ નિજાન્ ધાર્મિકો નીલકંઠઃ ॥
(સત્સંગિજીવન : શ્રી ધર્મનન્દનાષ્ટકમ્)
અર્થ : ‘કોઈએ પણ પોતાના ધર્મગ્રંથોમાં કહેલા ધર્મનો ત્યાગ ન કરવો જોઈએ, ભગવાન શ્રી વાસુદેવ કૃષ્ણના દિવ્યસ્વરૂપની ભક્તિ કરવી જોઈએ. શ્ર્વેત વાદળના તેજસમાન ઘનશ્યામ શ્રી કૃષ્ણરૂપ બ્રહ્મમાં પોતાની એકતાનો (અભેદનો) નિશ્ર્ચય કરવો અને અન્ય વસ્તુ પર સહેજ પણ પ્રેમ હોય તો તેને ત્યજી દેવો. સંતનો મહિમા આપણને પણ પ્રાપ્ત થાય તે માટે સંતોની સેવા કરવી.’ આ પ્રમાણે ધર્મપરાયણ નીલકંઠ મુનિ પોતાના ભક્તોને ઉપદેશ આપે છે.
એ છે; તે પ્રમાણે રહે તો બહુ સારો થાય. ને આશરો દૃઢ રાખવો,વ્યભિચારિણી ભક્તિ કરવી નહિ ને નિષ્કામી ભક્ત થાવું. ને ઉત્તમ પતિવ્રતાનાં લક્ષણ તો કેને કહીએ જે, ‘કોઈ દેવ-દેવી કે ઈશ્ર્વરાદિકનો લગારે ભાર પડે નહિ એવા ભક્ત’, મહારાજ કહે, ‘અમને બહુ ગમે છે.’
અર્થ : ધન, સંપત્તિ.
(૭૯) આ દેહે ભગવાનને ભજી લેવા ને દેહ તો હમણાં પડશે માટે આ વીજળીના ઝબકારામાં મોતી પરોવી લેવું, તેમ થોડામાં કામ કાઢી લેવું ને કોઈ વાતનો મમત (આગ્રહ) કે પક્ષપાત ન રાખવો; કાં જે, એમાં બહુ ભૂંડું થાય છે.
પક્ષપાત : વગ-તરફદારી.
(૮૦) દેશ કાંઈ કોઈના બાપના નથી; એ તો
શ્રુતિર્વિભિન્ના સ્મૃતયશ્ર્ચ ભિન્ના નૈકો મુનિર્યસ્ય વચ: પ્રમાણમ્ ।
ધર્મસ્ય તત્ત્વં નિહિતં ગૃહાયાં મહાજનો યેન ગત: સ પન્થા: ॥
(સુભાષિતરત્નભાણ્ડાગાર : સામાન્યનીતિ, શ્ર્લોક ૮૫૦)
અર્થ : વેદોની શ્રુતિઓ વિભિન્ન છે. સ્મૃતિઓ (ધર્મશાસ્ત્રો) પણ ભિન્ન ભિન્ન છે. વળી એક પણ મુનિ એવો નથી કે જેનું વચન પ્રમાણભૂત ગણી શકાય અને વેદનું સારભૂત તત્ત્વ તો ઊંડી ગુફામાં છૂપાયેલું છે; માટે મુમુક્ષુએ તો મોટાપુરુષ જે માર્ગે ચાલ્યા છે એ જ માર્ગને સાચો ગણી તેને અનુસરવું.
મહારાજે જે લેખ કરી આપ્યા છે, તેમાં જોઈને તે પ્રમાણે વરતવું ને તેથી અધિક લેવા સારુ અરજીઓ પડે તો ક્લેશ વધુ વધે ને લાજ જાય ને ત્રીજો ફાવે. માટે ધર્મવરો, નામવરો લાવીને ભજન કરવું; પણ હજારો રૂપિયા આડી રીતે ન મેળવવા. તે ‘કવલીને દોહીને કૂતરીને પાવું.’ એમાં શું માલ છે ? ને એમ કરતાં જો રહેવાય નહિ તો પંચાતિયા કરવા, તે લેખ જોઈને તે પ્રમાણે કરે. ત્યારે કોઈકે પૂછ્યું જે, ‘તે પંચાતિયા વધુ-ઘટુ કરે તો ?’ ત્યારે સ્વામી કહે, ‘તેને પાપ લાગે. તે જો આણી કોર વધુ કરે તો પણ પાપ લાગે ને ઓલી કોર વધુ કરે તો પણ પાપ લાગે. તે ‘કર્મવિપાક’ ગ્રંથમાં કહ્યું છે જે, પંચ કરે જો અવળી પંચાત તો તેને ક્ષય રોગ થાય. માટે એમ વિચારવું જે, કોઈક ગામ આમ રહ્યું, કે આમ ગયું તો શું ! ઝાઝા રૂપિયા હશે તો ક્યાં રહે એવા છે ! તે કોઈ ક્યાંય ને કોઈ ક્યાંય એ તો જનારા જ, એ તો ચપળ માયા; તે રહે જ નહીં. તે ઝાઝા ભેળા કરે સુખ રહે નહિ અને આ લોક કજિયારૂપ છે, તે કજિયો થયા વગર રહે કેમ ? તે કોઈકને ઘરમાં બાપ-દીકરાને, સ્ત્રી-પુરુષને, તેમ આપણે પણ વહેવાર છે ને ? તે થાય. ને વહેવારવાળાને પણ જાણવું જે, સ્ત્રી સાથે વિવાદ પણ ન કરવો, નીકર ઝેર દેશે; તેમ કોઈ રાજા સાથે કે બીજા કોઈ સાથે વિવાદ પણ ન કરવો. તે ‘શિક્ષાપત્રી’માં જોજો;
જ્ઞાનવાર્તાશ્રુતિર્નાર્યા મુખાત્કાર્યા ન પૂરુષૈ: ।
ન વિવાદ: સ્ત્રિયા કાર્યો ન રાજ્ઞા ન ચ તજ્જનૈ: ॥
(શિક્ષાપત્રી : શ્ર્લોક ૩૪)
અર્થ : સ્ત્રીની જોડે વાદવિવાદ ન કરવો. તેમને સમજાવવાં ઘણાં મુશ્કેલ છે માટે યુક્તિથી કામ લેવું. તેમને મોટાં બનાવીને કામ લેવું.
એમ લખ્યું છે. માટે તે પણ જાણ્યું જોઈએ, નીકર પછી દુ:ખ આવે; માટે તેમ ન કરવું. એ આદિક ઘણી વાતું અમદાવાદના સાધુ આગળ કરી.
(૮૧) સંચિત, ક્રિયમાણ ને પ્રારબ્ધ તે પણ જાણવું, તે નિયમ ધર્યાં તે દિવસથી સંચિત જે પૂર્વે કર્યાં પાપ તે બળી જાય ને ક્રિયમાણ કરવું નહિ ને પ્રારબ્ધ ભોગવવું પડે તેમાં મૂંઝાવું નહીં. ને જો તે પ્રારબ્ધ ન ભોગવાવે તો દેહ છૂટી જાય; કેમ જે, પ્રારબ્ધે કરીને તો દેહ બંધાણું છે, માટે ભોગવવાં તે શૂળીનું કષ્ટ કાંટે ઉગારે. પછી સાધુ તથા હરિભક્ત સર્વેએ કહ્યું જે, ‘અહો ! બહુ વાતું થાય છે, આ પ્રમાણે રહે તો કાંઈ દુ:ખ જ આવે નહીં.’ પછી સ્વામી કહે જે, ‘હું એકે ધારતો નથી, આફુરડું માંહેથી કહેવાય છે.’ ત્યારે સાધુ કહે, ‘ભગવાન પ્રવેશ કરીને બોલાવે છે.’ તો કહે, ‘હા એમ જ છે, તે જુઓને એમ થાય છે.’
ક્રિયમાણ : વર્તમાનકાળનાં કાર્યો.
પ્રારબ્ધ : પૂર્વનાં કર્મફળના સંગ્રહમાંથી વર્તમાનકાળે જે દેહ છે તે સંબંધી સુખ-દુ:ખ.
સંચિત : કર્મફળનો સંગ્રહ.
આફુરડું : આપોઆપ, એની મેળે, સહેજે સહેજે.
(૮૨) મોટા હરિજનનો, મોટા સાધુનો, આચાર્યનો ને મહારાજનો અવગુણ આવે, પછી તેમાંથી મોડો વહેલો મરવા-ટાણા સુધીમાં સાધુ પણ વિમુખ થઈ જાય, માટે તેમ ન જ કરવું.
(૮૩) ભગવાન ભજવામાં વિઘ્ન કરનારાની વિક્તિ જે, એક તો લોક, બીજાં સગાં, બાયડી, છોકરાં, મા-બાપ, રૂપિયા ને દેહ એ સર્વે છે. તે જો બળિયો મુમુક્ષુ હોય તો ન ગણે, પણ આ ઇન્દ્રિયું-અંત:કરણરૂપે જે માયા છે તે બહુ કઠણ છે; તે અનંત ભાતે કરીને ફેર પડાવી નાખે. માટે તેમનું ન માનીને તેનો નિષેધ કરે ને આત્મનિષ્ઠ થાય ત્યારે સુખે ભજન કરવા દે છે, નીકર તો વાસના રહી જાય; તે સો વરસે, હજાર વરસે બાયડી જોઈએ. તે ઉપર સૌભરી આદિકનાં દૃષ્ટાંત દીધાં. જો વાસના હોય તો ભગવાન તેડી તો જાય, પણ અહિલાવ્રત ખંડમાં મૂકે છે. તે ઉપર લવાનું દૃષ્ટાંત ક્હ્યું જે, મહારાજ તેડવા આવ્યા ત્યારે કહ્યું જે, ‘હમણાં તો મેં નવું કરકું કર્યું છે, તે નહિ આવું.’ એમ થાય છે, એ જાત જ એવી છે, તેનો કોઈ પ્રકારે વિશ્ર્વાસ કરવો નહિ; કેમ જે, ‘મસાણના લાડવામાં એલચીની ગંધ હોય જ નહીં.’ એ તો સ્થાનક જ એવાં છે.
રહો તો રાજા રસોઈ કરું, જમતા જાઓ જોગીરાજજી;
ખીર નિપજાવું ક્ષણું એકમાં, તે તો ભિક્ષાને કાજજી.
(કીર્તન મુક્તાવલિ : ૪૭૭)
એમાં એણે એમ વિચાર્યું જે, એવી ખીર ખવરાવું તે હજાર બાયડી હૈયામાં ભરાઈ જાય, એનો એવો ઠરાવ, ને ઓલ્યાનો એમ જે,
આહાર કારણ જે ઊભો રહે, કરી એકની આશજી;
તે જોગી નહિ ભોગી જાણવો, અંતે થાયે વણાશજી.
(કીર્તન મુક્તાવલિ : ૪૭૭)
માટે એનું કોઈ વાતે ન માનવું. એ વાતનો કતોહળ તો પ્રકૃતિપુરુષ સુધી છે ને બદરિકાશ્રમ ને શ્ર્વેતદ્વીપ એ બેમાં નહિ ને બાકી વૈકુંઠલોકમાં કામ-ક્રોધ છે એમ કહેવાય ને ન પણ કહેવાય. ક્રોધે રાધિકાજી પડી ગયાં ને આપણા અંતર સામું જુઓ તો પંચવિષયના જ સંકલ્પ હશે. તે તો જ્યારે મુક્તાનંદસ્વામી, ગોપાળાનંદસ્વામી, કૃપાનંદસ્વામી ને સ્વરૂપાનંદસ્વામી એ ચાર સાધુ ભેળા રાત્રિપ્રલય સુધી રહીએ ત્યારે સત્સંગી થાવાય.
વિક્તિ : વિગત-વિવરણ.
નિષેધ : શાસ્ત્રવિહિત મનાઈ.
વાસના : પૂર્વના સંસ્કારોથી મકકમ થયેલી કામના.
કરકું : સ્ત્રી, માદા.
કતોહળ : કુતૂહલતાનું આર્કષણ.
પ્રકૃતિપુરુષ : ચેતન અકર્મણ્ય પુરુષની મદદથી જડ પ્રકૃતિમાંથી સમગ્ર સૃષ્ટિની ઉત્પતિ થઈ તે
બદરિકાશ્રમ : શ્રી નરનારાયણનો આશ્રમ.
શ્ર્વેતદ્વીપ : શ્રી વાસુદેવ ભગવાનનું ધામ.
રાત્રિપ્રલય : અજ્ઞાનપ્રલય, પ્રકૃતિપુરુષ અને પ્રકૃતિપુરુષનું કાર્ય નજરમાં ન આવે ને ભગવાનના કર્તાહર્તાપણામાં સંપૂર્ણ નિર્દોષબુદ્ધિ એવી શુદ્ધ સમજણની સિદ્ધદશા.
(૮૪) જ્ઞાનના શબ્દ પાડવા; કેમ જે, શબ્દે કરીને તો દેહ બંધાય છે, તે ‘કાટવી’ એમ કહે, ત્યાં ઓલ્યું બકરું બોલે એમ થાય ને ગાયનો વાઘ કરી દે, એવાંય માણસ હોય. તે ઉપર વાત કરી જે, ચાર ચોરે શણગારેલી ગાય દીઠી તે લઈ લેવા ધાર્યું. પછી ઓલ્યા બ્રાહ્મણને કહે, ‘તુને તો એણે બાપ મર્યા કેડે વાઘ દીધો છે.’ ત્યારે તે બ્રાહ્મણ કહે, ‘આ તો ગાય છે ને શું !’ પછી આઘે જતાં વળી બીજાએ કહ્યું જે, ‘અરે આ વાઘ લઈને ક્યાં જાય છે?’ ત્યારે તેને ભ્રાંતિ પડી, પછી ત્યાંથી આઘે જતાં ત્રીજાએ પણ એમ કહ્યું. ત્યારે તો ઘણી જ ભ્રાંતિ પડી ને છેટે છેટે ચાલવા લાગ્યો. પછી આઘે જતાં ચોથાએ કહ્યું ત્યારે કહે, ‘હા ભાઈ, સૌ કહે છે, તે એ વાઘ જ હશે !’ પછી મૂકી દીધી. એમ આપણામાં કોઈક કહેશે જે, ‘તમારું આમ વાંકું બોલે છે.’ તે જ્યાં મહિનો એમ કહે ત્યાં ખરું મનાઈ જાય. માટે, ‘શબ્દ તો આકાશનો ભાગ છે, તે આકાશમાં લીન થઈ જાય છે.’ એમ જાણવું ને આત્મનિષ્ઠ થાવું; પછી તેને લાગે જ નહીં.
એમ ડાહ્યા માણસને વિવેક જોઈએ ને આપણને કોઈક સનકાદિક જેવા કહે, તો શું કાંઈ સનકાદિક જેવા થઈ ગયા ? ને કોઈક લંબકર્ણ જેવા કહે, તો શું તેવા થઈ ગયા ? એમાં શું ? એ તો જીવનો સ્વભાવ, તે ગમે તેમ કહે. જો એમ જ મનાશે તો જોગીના લિંગનો ભંગ કેમ કહેવાશે ? માટે આ ત્રણ દેહથી નોખું વરતવું ને જીવમાં ભજન કરવું, તેથી કારણ દેહ બળે છે ને આ તો કારખાનાં પણ ઊભાં છે, વહેવાર બીજું-ત્રીજું બધાં ઊભાં છે. તે ગૌણપણે રાખવાં ને મુખ્યપણે તો જ્ઞાન રાખવું.
કેડે : પાછળ.
સનકાદિક : બ્રહ્માના ચાર માનસપુત્ર ઋષિઓ :- સનક, સનાતન, સનંદન અને સનત્કુમાર તેઓ હંમેશાં પાંચ વર્ષના બાળક જેવા જ દેખાયા છે.
(૮૫) ભગવાન રાખવામાં બે દુ:ખ છે જે, ખાવા ન મળે ને માર પડે. તે તો અમારી વારીમાં હતું. ને હવે અવિદ્યા હતી તે તો નાશ થઈ ગઈ છે ને મારતા તે પગે લાગે છે ને કેટલાક કુળે સહિત નાશ થઈ ગયા. હવે તો તેને ક્યાંય જગ્યા નથી એટલે સત્સંગમાં અવિદ્યા આવી છે, તે માંહોમાંહી વેર કરે છે ને મળે તે પણ ગરાસિયાની પેઠે મળે છે. ને કોઠારી તથા ભંડારી એ બે સાથે વેર, તે કાંઈ સાધુનો મારગ નહીં. સાધુનો મારગ તો
ક્ષમાશીલા, ધૈર્યશીલા બોધને નિપુણાઃ ।
(સુભાષિત)
અર્થ : સત્પુરુષો ક્ષમા કરવાના સ્વભાવવાળા હોય છે. ધીરજવાળા હોય છે અને સમજાવવામાં કુશળ હોય છે.
એ સર્વે છે. ને
આકુતિ-ચિતિ-ચાપલ્યરહિતા નિષ્પરિગ્રહાઃ ।
બોધને નિપુણા આત્મનિષ્ઠાઃ સર્વોપકારિણઃ ॥
(સત્સંગિજીવન : ૧/૩૨/૨૮)
અર્થ : શ્રીહરિ ભક્તિમાતાને કહે છે : ‘હે સતિ ! મુમુક્ષુઓએ કેવા સંતને સેવવા જોઈએ ? તે જેઓ કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયોની ચપળતાએ રહિત અર્થાત વિષયવાસનાઓ વિરહિત આત્મહિતમાં વિરોધી પરિગ્રહ રહિત, તત્ત્વબોધ આપવામાં પ્રવીણ, આત્મામાં જ એક નિષ્ઠાવાળા (આત્મારામ), સર્વ જનોનો આ લોક-પરલોકમાં ઉપકાર કરવાના સ્વભાવવાળા હોય.’
એ છે, માટે મોક્ષને મારગે ચાલ્યા છીએ તે
શ્રેયાંસિ બહુવિઘ્નાનિ (સુભાષિત)
અર્થ : સારા કામમાં વિઘ્નો ઘણાં (આવે છે).
તે સો સો વાતું સાચવીને ભગવાન ભજવા; પણ,
શીરાપૂરી ખાય બને હૈ પઠિયે,
આવત માંહોમાંહી કે લઠા લઠિયે.
એમ ન કરવું.
અવિદ્યા : માયિક સમજણ
અર્થ : ધન, સંપત્તિ.
(૮૬) મોટા સાધુનો સિદ્ધાંત એ છે જે, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત એક રહેણીએ મરવું, પણ
ક્ષણે રુષ્ટા: ક્ષણે તુષ્ટા, રુષ્ટા: તુષ્ટા: ક્ષણે ક્ષણે ।
અવ્યવસ્થિતચિત્તાનાં પ્રસાદોડપિ ભયંકર: ॥
(સુભાષિત રત્નમાળા : ૪૫)
અર્થ : એક ક્ષણે કોધ કરે, બીજી ક્ષણે પ્રસન્ન થાય; એમ ક્ષણે ક્ષણે ક્રોધ કરે અને પ્રીતિ કરે એવા અવ્યવસ્થિત (ઠેકાણાં વિનાના) ચિત્તવાળા અધિપતિઓની મહેરબાની પણ ભયંકર હોય છે.
એમ ન કરવું. જુઓ, પૂરું કોઈનું થયું છે ? સૌને ચેલા બરાબર નથી થયા, લૂગડાં બરાબર નથી થયાં, ધાબળી, ખાવું, હવેલી, ગાડી, ઘોડું એ કોઈને પૂરાં નથી થયાં. ને ત્રિલોકમાં કોઈને સવારના પહોરમાં ભગવાન ભજવા કે કથા કરવી એમ ન મળે, ને બીજું સર્વે કરે પણ કથા ન કરે. ને રૂપિયા, હવેલી, વિવાહ, ખાવું, મજૂરી એમાં સવારથી મંડે છે અને આ તો અમે જેમ ફિરંગી કવાયત કરે છે, તેમ કરીએ છીએ ને કેટલાંક કામ મરડીને આ કરીએ છીએ, નીકર થાય તેવું ક્યાં છે ? જે ઘડીએ એક કામ થઈ રહે છે, તે ઘડીએ માણસ બીજાને લઈ મંડી પડે છે. આ તો વૃત્તિને રોકીને કરીએ છીએ, કરવાનું તો એ જ છે ને એ કરે જીવ વૃદ્ધિ પામતો જાય છે.
અર્થ : ધન, સંપત્તિ.
ફિરંગી : અંગ્રેજ ગોરાઓ.
(૮૭) નિર્મળ અંત:કરણ કરીને એમ જોવું જે, જે જે વાત થાય છે, તે તે આ સાધુથી જ થાય છે. તે આ સત્સંગ ઓળખાણો ને ભગવાન તથા સાધુ ઓળખાણા એ જ મોક્ષનું દ્વાર કહ્યું છે.
પ્રસંગમજરં પાશમાત્મનઃ કવયો વિદુઃ ।
સ એવ સાધુષુ કૃતો મોક્ષદ્વારમપાવૃતમ્ ॥
(શ્રીમદ્ ભાગવત : ૩/૨૫/૨૦)
અર્થ : ‘સંગ એ આત્માનુ જબરું બંધન છે’ એમ કવિઓ કહે છે. એ જ સંગ જો સાધુપુરુષો સાથે કરવામાં આવે તો મોક્ષનું દ્વાર ખુલી જાય છે.
એ શ્ર્લોક બોલીને કહ્યું જે, ‘દ્વાર વિના ભીંતમાં માથું ભરાવો જોઈએ, જવાય નહિ, માટે તેવા સાધુ સાથે જીવ જોડવો. જોગ વિના ભેળા ન થાવાય ને જોગવાળો ભગવાનને અખંડ ધારે, પણ જો આવો જોગ હોય તો તો ઠીક; ને તે ન હોય ત્યારે સાંખ્યનું કામ પડે છે ને પ્રકૃતિ સુધી તેના રૂપને જાણી મૂકે ત્યારે નિર્વિઘ્ન રહેવાય.’ તે ઉપર સાંખ્ય ને યોગનું પંચાળાનું બીજું વચનામૃત વંચાવ્યુંને કહ્યું જે, ‘તે સારુ એ શીખી રાખવું.’ ત્યારે કોઈકે પૂછ્યું જે, ‘એવા શબ્દ પડે છે પણ રહેતું કેમ નથી?’ એટલે સ્વામી કહે, ‘અનંતકાળ થયાં ગોટા ને ગોટા વાળ્યા છે ને હમણાં પણ ઘણુંખરું એ જ થાય છે અને આ તો પા આનો, એક આનો કોઈકે કર્યું છે, અને ધીરે ધીરે બહુ શબ્દે થાશે.’
હંસે ગુરૌ મયિ ભક્ત્યાનુવૃત્ત્યા વિતૃષ્ણયા દ્વન્દ્વતિતિક્ષયા ચ ।
સર્વત્ર જન્તોર્વ્યસનાવગત્યા જિજ્ઞાસયા તપસેહાનિવૃત્ત્યા ॥
(શ્રીમદ્ ભાગવત : ૫/૫/૧૦)
અર્થ : ઋષભદેવ ભગવાન પુત્રોને કહે છે : "હે પુત્રો ! હંસ સમાન વિવેકવાળા ગુરુ વિશે તથા પરમાત્મા વિશે તેમની અનુવૃત્તિ પાળવા રૂપ ભક્તિ વડે, તૃષ્ણાનો ત્યાગ કરી, સુખદુ:ખાદિ દ્વન્દ્વોને સહન કરવાથી, ‘આ લોક-સ્વર્ગલોક બધે જ જીવને દુ:ખ છે’ એવું જાણવાથી, તત્ત્વની જિજ્ઞાસાથી, તપથી, કામ્યકર્મ ત્યજવાથી સર્વ બંધનના કારણરૂપ અહંકારથી મુક્ત થઈ પરમપદને પામવું.
સર્વે જોવું જે, કેટલાકને દાણા નથી મળતા ને ભગંદર, જળંધર, કઠોદર એવા અનંત રોગ થાય છે ને વણથળીના (વંથલીના) બળદનું, મારવાડના ઊંટનું ને પિશોરીના ગધેડાનું, એ સર્વેનાં દુ:ખ જોવાં; ને ઢોરને ઉનાળામાં ચાર મહિના ચાંદ્રાયણ થાય છે. એવાં એવાં જન્મ, મરણ, ગર્ભવાસ, ચોરાશી, જમપુરી એવાં હજારો દુ:ખ છે; તે,
ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમનહંકાર ઈવ ચ ।
જન્મમૃત્યુજરાવ્યાધિદુ:ખદોષાનુદર્શનમ્ ॥
(ભગવદ્ ગીતા : ૧૩/૯)
અર્થ : ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે વૈરાગ્ય, અહંકાર રહિતપણું તથા જન્મ-મરણ, ઘડપણ અને વ્યાધિમાં રહેલા દુ:ખ અને દોષોનું દર્શન થાય તો જ્ઞાન થયું એમ કહેવાય.
એમ જોઈને વિચારવું જે, હમણાં સારું દેહ છે માટે થોડામાં કામ કાઢી લેવું.
વચ. પં.૨
અર્થ : ધન, સંપત્તિ.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
અનુવૃત્તિ : મરજી.
કઠોદર : પેટનો એક પ્રકારનો રોગ.
પિશોરીના : પેશાવરના.
જમપુરી : જમરાજાની નગરી, સંયમની.
(૮૮) સાંખ્યવાળા રામદાસજી, તે પોતે સુખિયા રહેતા ને આગલ્યાને (સામે આવેલાને) વાતે કરીને સુખિયા રાખતા ને બીજા તો જેમ લોક માંહોમાંહી વઢે એમ આંહીં માંહોમાંહી કજિયા કરે છે.
(૮૯) કથામાં સભા ટાણે કેટલાક રહેતા નથી ને બબ્બે આસન રાખે છે, તે શું જાણતા હશે ! આવા કહેનારા નહિ મળે. તે ગોપાળાનંદસ્વામી હતા, ત્યારે પણ એની મંડળીના સાધુ પણ કોઈ ન રહેતા ને બીજા બેઠા હોય, એમ છે. તે જ્યાં સુધી ત્રણ પેઢી હોય ત્યાં સુધી ખરેખરું રહે તે થઈ રહ્યું. હવે ત્રણ પેઢી થઈ ત્યાં તો માણસ બીજું લઈ મંડી પડ્યું છે; પણ એમ ન કરવું ને સાધુતા રાખવી. ને મોટા સાધુ છે ત્યાં સુધી ઠીક છે ને પછી તો ગૃહસ્થને બાયડી, છોકરો, રૂપિયા ને ખાવું; ને ત્યાગીને દેહ, ચેલો ને ખાવું એ ત્રણ, ને બેનો તો જોગ જ નથી, એમાં શું !
તુલસી સો હિ ચતુરતા, રામચરણ લૌલીન;
પરધન પરમન હરન કું, વેશ્યા બડી પ્રવીન.
(તુલસીદાસની સાખીઓ : ૬૫)
અર્થ : ભગવાન રામચંદ્રના ચરણમાં એકાગ્ર થઈ જવું તે જ ખરી ચતુરાઈ છે. બાકી પારકાનું ધન હરી લેવામાં અને પારકાના મનને જીતી લેવામાં તો વેશ્યા પણ બહુ કુશળ હોય છે, માટે ધન કમાવામાં અને બીજાના ચિત્તનું આકર્ષણ કરવામાં કશી જ ચતુરાઈ નથી, પણ સાચી ચતુરાઈ પ્રભુભક્તિમાં તલ્લીન થવામાં જ છે.
સુખ તો ભગવાનની મૂર્તિ, આજ્ઞા ને એકાંતિક સાધુ એમાં છે.
સંસારમાં સરસો રહે ને મન મારે પાસ;
સંસાર જેને લોપે નહિ તે જાણ્ય હરિનો દાસ.
એ ખોટું છે; એ તો,
અનેકચિત્તવિભ્રાન્તા મોહજાલસમાવૃતા: ।
પ્રસત્કા: કામભોગેષુ પતન્તિ નરકેશુચૌ ॥
(ભગવદ્ ગીતા : ૧૬/૧૬)
અર્થ : અજ્ઞાનથી મોહિત થયેલા અનેક પ્રકારે ભ્રમિત ચિત્તવાળા અને મોહજાળથી ઘેરાયેલા, કામ-ભોગમાં અત્યંત આસક્ત થયેલા તે આસુરી લોકો, અપવિત્ર નરકમાં પડે છે.
એમ થયું, બે ઘોડે એક જણથી ન બેસાય.
ચિત્ત કી વૃત્તિ એક હે ભાવે તહાં લગાઓ;
ચાહે તો હરિ કી ભક્તિ કરો ચાહે તો વિષય કમાઓ.
બે બે વાત ન બને જે, ‘લોટ ખાવો ને ભસવું’ એમ છે. ને ઓલ્યા કાઠીવાળું ન કરવું જે, ‘આસેં તાળો બગડતો ને ઓસેંય તાળો બગડતો.’ એમ નહિ, ઓલ્યું તો બગડેલું જ છે. મંદિરમાં મોટા સાધુ પાસે શાંતિ રહે તેવી ઘેર ન રહે, એમ સૌને છે, પણ ઉનાળામાં ટાઢું હોય કે ચોમાસામાં હોય એ કહો ? ને હવે આપણે સૌ ભેળા થયા છીએ, તે મનમાં એમ છે જે, કસર ટાળીને ભગવાનનાં ચરણારવિંદમાં જોડાવું છે. તે જેવો વેપારમાં, વાડીમાં, ખેતીમાં આગ્રહ છે, તેવો કરશું ત્યારે મહારાજ પાસે જવાશે અને ખેતીવાડીમાં બંધન થાય; એમાં તો કોઈ માલ નથી. ત્યારે શું ન કરવું? કરવું, પણ દેહનો વહેવાર ચાલે તેટલું કરવું. પહોર રાતે, દોઢ પહોર રાતે, અરધી રાતે, પાછલી રાતે, ઊઠી ઊઠીને જ્યારે વિચારશું ને ભગવાનને ધારશું ત્યારે સાધુ થાવાશે, પછી ભગવાન પાસે જવાશે. વારાવાળો, ભણવાવાળો ને રોટલાવાળો જાગે છે તેમ જાગવું.
અર્થ : ધન, સંપત્તિ.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
ઘોડે : જેમ.
કરો : ઘરની દિવાલ.
કસર : ખોટ, ઉણપ.
પહોર : પ્રહર, ત્રણ કલાક.
(૯૦) નિશ્ર્ચય છે, પણ ઋષભદેવ નરકમાં પડ્યા રહ્યા; એવાં ચરિત્ર કરે તો સંશય થાય. માટે યોગ્ય-અયોગ્ય ચરિત્રમાં ઉદ્ધવજીની પેઠે સંશય ન થાય ત્યારે ઠીક, તે તો,
કામાદિભિર્વિહીના યે સાત્ત્વતાઃ ક્ષીણવાસના ।
તેષાં તુ બુદ્ધિભેદાય ક્વાપિ કાલો ન શક્નુતે ॥
(વાસુદેવ માહાત્મ્ય : ૮/૭)
અર્થ : જેઓ કામાદિક દોષથી રહિત, સત્ત્વગુણમય અને વાસના રહિત હોય છે, તેઓની બુદ્ધિને ભેદવા માટે કદી પણ કાળ સમર્થ થઈ શકતો નથી.
તે માટે સાત્ત્વિક સેવવા. જે જે વાત જ્ઞાને કરીને થાય તે ઠીક; કેમ જે, ‘ગીતા’માં જ્ઞાનીને જ આત્મા કહ્યો છે. મોટાનું જોઈને કોઈ કાંઈ વાદ કરશો મા ને તે કહે તેમ કરજો. જેમ અગ્નિ જળે ઓલાય ને વીજળીનો અગ્નિ ને વડવાનળ અગ્નિ તે જળમાં રહ્યા થકા પણ ન ઓલાય. તે કૃપાનંદસ્વામીએ વાત કરી જે, જળકૂકડી પાણીમાં રહે તો પણ પાંખ ન ભીંજાય ને બીજાં પક્ષીને પાણી પાંખમાં ભરાઈ જાય ને ઊડી શકે નહિ ને જાળકાતરણી માછલું જાળમાં આવે નહિ ને આવે તો સામું બીજાને જાળ કાપીને કાઢતું જાય; એમ કૃપાનંદસ્વામી જેવાને થાય.
માહાત્મ્ય : મહિમા, મહત્વ.
અર્થ : ધન, સંપત્તિ.
વાસના : પૂર્વના સંસ્કારોથી મકકમ થયેલી કામના.
(૯૧) અહો ! એક સમર્થ થકાં જરણાં કરવી એ બહુ મોટી વાત છે; કેમ જે, કાંઈ ન હોય ને તેને કહે તો તો ઠીક, પણ સર્વે વાત હોય ને કહેશે જે, ‘તમને કાંઈ આવડતું નથી.’ એ તો ભગવાન ને એના સાધુથી જ જરણા થાય, પણ બીજાથી ન થાય; માટે આપણને, ‘કાંઈ નથી આવડતું.’ એમ કહે તો પણ શું ? ને ‘સર્વ વાત તમમાં જ છે,’ એમ કહે તો પણ શું ? એમ કહે જતું નહિ રહે ને આમ કહે આવી નહિ જાય. મરને થોડું કરવું, પણ હુંહાટો ન કરવો અને ઝાઝું કરે તો મહિનો ધારણાં-પારણાં કરે. પછી જ્યારે જ્ઞાનવિહોણું ખાવા માંડે ત્યારે ત્રણ-ત્રણ ટાણાં ખાય એ વાતમાં માલ નહિ; બારે માસ એક સરખું જમવું, નીકર એક કોળિયો ઓછું જમવું તે સત્ત્વગુણી તપ છે. ને એક મહિનો ઓલ્યું કરે, તેમાં પારણાને દિવસ ધરાઈ રહ્યા પછી આઠ કોળિયા વધુ ભરવા, એ તમોગુણી તપ છે. માટે
અતિદાનાદ્ બલિર્બદ્વો અતિગર્વેણ રાવણ: ।
અતિરુપાદ્હૃતા સીતા અતિ સર્વત્ર વર્જયેત્ ॥
(સુભાષિત)
અર્થ : અતિશય દાનથી બલિ બંધનમાં પડ્યો. અતિશય ગર્વના કારણે રાવણ હણાયો. અતિશય સૌન્દર્યના કારણે સીતાનું હરણ થયું. સર્વત્ર અતિશયનો ત્યાગ કરવો.
તે અતિ ઊંઘવું નહિ, અતિ ખાવું નહિ, અતિ ભક્તિ કરવી નહિ, સર્વે સાધારણ જ્ઞાને કરીને કરવું, તો ઝાઝું માને છે. ત્રણ જણ જળમાં બેસી રહેતા, તે લોહી નીકળતું, તેને પણ મહારાજ કહેતા જે, “ઘોડો બેસવા મળે તે સારુ કાઢો છો?” એમ મહારાજ વઢતા, માટે હુંહાટો મહારાજને નથી ગમતો.
મરને : ભલેને.
હુંહાટો : અહંકાર, અભિમાન.
જ્ઞાનવિહોણું : સમજણ વગરનું.
અર્થ : ધન, સંપત્તિ.
(૯૨) સારા સાથે જીવ બાંધવો; કેમ જે, કહેનારા કોઈ ન મળે ત્યારે એ કરવું ને સુખિયા રહેવું. ને પોતાની ખોટ કહેવી ને જે ન સૂઝતી હોય તેઓને કહેવું જે, ‘હુંમાં જે જે વાતની ખોટ હોય તે દયા કરીને તમે કહેજો.’ એમ રોજ કહેવું કાં, આઠ દહાડે કે પંદર દહાડે કાં, મહિને તો જરૂર કહેવું. કાં જે, મહિને તો જરૂર કોઈક ભેગ (ભૂલ) થઈ જાય. તે ઉપર વણિકનાં નામાનાં પ્રથમનાં ૩૮માં વચનામૃતનું કહ્યું જે, મહિને ન ચૂકવે તો ભેળું થઈ જાય. આમ ભગવાનને ગમે છે, તે ગમતું તમને કહ્યું.
રોજ : દરરોજનું મહેનતાણું/મજૂરી.
(૯૩) સાધારણ ભક્તનું તો ઠીક છે ને જેને ઉત્તમ થાવું હોય તેને કોઈ પદાર્થમાં જીવ બંધાવા દેવો નહિ ને હેત ન રાખવું; તો નિર્વિઘ્ને ભગવાનના ધામમાં પહોંચાય અને આ સભા તો અક્ષરધામની છે અને ગૌલોક-વૈકુંઠના મુક્ત કસર ટાળવા આંહીં આવે છે ને અક્ષરધામના મુક્ત પણ આંહીં ભગવાન ભેળા આવે છે; ત્યારે કસર ટળે છે. માટે આ તો પુરુષોત્તમ પ્રગટ્યા છે ને તેના સાધુ છે ત્યાં ખબરદાર થઈને મંડવું; કેમ જે, તે વાત પછી નહિ મળે.
કસર : ખોટ, ઉણપ.
(૯૪) મહારાજ કહેતા જે, “ઇન્દ્રે બ્રાહ્મણ માર્યો, તે વાંસે ચાર બ્રહ્મહત્યા વળગી. પછી નારદજીને પૂછ્યું ત્યારે કહે, ‘તારા ભાઈ વામનજીને તું ભગવાન જાણીને ભજ તો છૂટીશ.’ પછી ભજ્યા એટલે છૂટી.” એમ આ સ્થૂળ દેહનો તો નાશ થાય છે, પણ સૂક્ષ્મ ને કારણ એ બે તો બ્રહ્મહત્યા વળગી છે, તે સાધુને પૂછીને તથા આત્મવિચાર શીખીને મનન કરે તો નાશ થઈ જાય છે, નીકર જ્યાં જાય ત્યાં ભેળી રહે છે અને આ મહારાજનો અવતાર તો મૂળ અજ્ઞાનનો નાશ કરીને બ્રહ્મરૂપ કરવા થયો છે ને બીજે તો બધું ડોળી નાખ્યું છે.
પ્રકરણ ૧ની વાત ૨૯૫
વાંસે : પાછળ.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
(૯૫) ઇકોતેર ચોકડી રાજ કરીને એક ઇન્દ્ર પડે ને એવા ચૌદ ઇન્દ્ર પડે ત્યારે એક દિવસ વૈરાટબ્રહ્માનો થયો, તેમાં ક્ષુદ્ર બ્રહ્મા, વિષ્ણુ ને શિવ એ ત્રણનો નાશ થાય. તે બ્રહ્માંડ બ્રહ્માંડ પ્રત્યે એક શ્રીકૃષ્ણનારાયણ, એક લક્ષ્મીનારાયણ, એક નરનારાયણ ને એક વાસુદેવનારાયણ છે. એવાં અનંતકોટિ બ્રહ્માંડ છે એમ સમજવું. હવે આ ત્રીસ દિવસનો મહિનો ને બાર મહિનાનું વરસ, એવાં સો વરસ વૈરાટ જીવે ને પ્રધાનપુરુષનાં રૂંવાડે રૂંવાડે ક્ષીરસાગર છે. એટલે સાડા ત્રણ કરોડ શેષશાયી થયા. માટે એ સર્વથી તો પ્રધાનપુરુષ મોટા થયા ને તે પ્રધાનપુરુષના એક દિવસમાં વૈરાટ પડે. તેવાં સો વરસ પ્રધાનપુરુષ જીવે ને તેનો પાછો પ્રકૃતિપુરુષના એક દિવસમાં નાશ થાય એવાં સો વરસ પ્રકૃતિપુરુષ જીવે છે. એમ ત્યાં સુધી કાળ પૂગે છે, ત્યારે બીજા કાળ થકી શું મુકાવે ?
માટે તેને વિશે અરુચિ કરીને એક અક્ષરધામના ધામી જે, પુરુષોત્તમ ભગવાન મળ્યા છે તેનું માહાત્મ્ય સમજીને તેનો જ બ્રહ્મરૂપે કરીને આશરો કરવો ને ત્યાં પૂગવાની રુચિ રાખવી ને એના સાધુને વિશે જીવ બાંધવો. જુઓને બીજાએ રાસ કર્યા ને આ સાધુએ તોડાવ્યા, ત્યારે એથી અધિક તો સાધુમાં સામર્થી છે; ત્યારે પુરુષોત્તમની તો વાત જ શી ! આ સિદ્ધાંત વાત કહી છે, તે જો નહિ સમજાય તો ખોટ રહી જાશે ને વાંસેથી પસ્તાવો થાશે ને દેહ રહે કે ન રહે, તો પણ કસર કાઢી નાખવી.
પ્રકરણ ૧ની વાત ૨૯૫
પ્રકરણ ૫ની વાત ૧૮૭
ચોકડી : સતયુગનાં ૧૭,૨૮,૦૦૦ ત્રેતાયુગનાં ૧૨,૯૬,૦૦૦ દ્વાપરયુગનાં ૮,૬૪,૦૦૦ ને કળીયુગનાં ૪,૩૨,૦૦૦ વર્ષ એટલે કુલ મળીને ૪૩,૨૦,૦૦૦ વર્ષ થાય ત્યારે એક ચોકડી થાય.(વચ.ભૂગોળ-ખગોળનું)
વૈરાટ : વિરાટપુરુષ, વૈરાટનારાયણ
શેષશાયી : શેષનાગપર શયન કરનાર ભગવાન વિષ્ણુ.
પ્રકૃતિપુરુષ : ચેતન અકર્મણ્ય પુરુષની મદદથી જડ પ્રકૃતિમાંથી સમગ્ર સૃષ્ટિની ઉત્પતિ થઈ તે
પૂગે : પહોંચે.
માહાત્મ્ય : મહિમા, મહત્વ.
કસર : ખોટ, ઉણપ.
(૯૬) સ્ત્રીનો સંગ કરવો ને કામ ઓછો થાશે ? વધશે. ખાશું ને સ્વાદ ઓછો થાશે ? વધશે. ને હથિયાર બાંધશું ને ક્રોધ ઓછો થાશે ? વધશે. તે માટે એનો જોગ ન રાખે, તો રહેવાશે. ને શેરડી ઊભી હોય તે જાણીએ થોર ઊભો છે ત્યારે રહેવાય, નીકર મન તો ચાહે તેમ કરાવે;
‘કડે મન મંકોડી થિયે કડે કેસરી સિંહ.’
એમ એકલે ઉપરથી રાખ્યે શું થયું ? એ તો બૂડ-ઠૂંઠાં અંતરમાંથી પણ કાઢવાં, તે ઉપર બોલ્યા જે,
‘જેમ ઉપરથી મોડતાં વૃક્ષ, લાગે પત્ર તેને બીજાં લક્ષ.’
(૯૭) મોરે (પહેલાં) તો જેમ તીરમાંથી બાણ નીસરે એમ સાધુએ દાખડા કર્યા છે, હવે કાંઈ કરવું નથી ને હવે તો એનું ફળ દેવું છે. ને વૈરાગ્ય, ધર્મ, આત્મનિષ્ઠા ને ઉપાસના સર્વે જેમ છે તેમ કહેવું છે ને જ્ઞાન આપવું છે; કેમ જે, દેહ ન રહે તો પછી શું થાય ! ને આ કઠોદર થયું હતું, તથા સંવત ૧૯૧૯ના મહા માસમાં મંદવાડ પણ આવ્યો હતો, એ ત્રણેય વાર દેહ રહે એવું નહોતું. ને સંવત ૧૮૯૮ની સાલમાં કઠોદર થયું હતું તે દિવસનું આવરદા તો નથી, ચિરંજીવી જેવું થયું છે. માટે જેમ મહારાજે છેલ્લી વાર આઠ મહિના રાખીને જ્ઞાન આપ્યું, એમ અમારે બાર મહિના રાખીને કથા કરાવવી છે, તે અચિંત્યાનંદ બ્રહ્મચારીવાળા ગં્રથની કથા કરાવીને ઓણ જ્ઞાન આપવું છે.
(જુઓ પ્રકરણ ૧૧ની વાત ૮૭)
મોરે : અગાઉ
આત્મનિષ્ઠા : હું તો દેહથી જુદો જે આત્મા તે છું ને મારે વિશે પ્રગટ પરબ્રહ્મ અખંડ બિરાજમાન છે. તેવી અતિ દૃઢ માનીનતા, શ્રદ્ધા, વિશ્ર્વાસ, આસ્થા.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
કઠોદર : પેટનો એક પ્રકારનો રોગ.
ઓણ : આ વર્ષે.
(૯૮) મંદિરમાં બીજાં માણસ ભલે હોય પણ એક, માણસને ઉદ્વેગ કરે ને ધન-સ્ત્રીનો પ્રસંગ રાખે, તેને તો ન જાય તો પણ કાઢી મૂકવો અને મહારાજને એક રહેણીએ રહીને જે મરે તે બહુ ગમે; કેમ જે, ભાવ ફરી જાય. માટે સાધુને વિશેનો ને ભગવાનને વિશેનો સારો ભાવ ફરવા ન દેવો, મરે થોડું કરવું.
(૯૯) આત્મારૂપ થાવું તેમાં ઉત્તમ ભોગને વિશે રાગ છે એ પણ વિઘ્ન છે. વૈરાગ્ય, ધર્મ, માહાત્મ્ય સહિત ભક્તિ ને આત્મનિષ્ઠા એ સમજ્યે જ છૂટકો છે અને મહારાજ કહે, “નાહી-ધોઈને પૂજા કરવી, પણ મળ-મૂત્ર ભર્યાં થકા ન કરવી.” પણ આપણને એમ સમજાતું નથી. તે ઉપર અમદાવાદનું બીજું વચનામૃત વંચાવ્યું ને કહ્યું છે તે પ્રમાણે કરવું. ને બધાં વચનામૃતમાં કહેતા તો ગયા છે જે, સાધુ, પુરુષોત્તમ ને આત્મનિષ્ઠા, જેમ સોય વાંસે દોરો સોંસરો ચાલ્યો આવે તેમ રહસ્ય કહેતા આવ્યા છે, તે પ્રમાણે સમજવું. ને ઉપરથી ‘સ્વામિનારાયણ, સ્વામિનારાયણ’ ભજન કરવું તે કંઠમાં કરવું, હૃદયમાં કરવું ને જીવમાં કરવું; જ્યાં થાય ત્યાં કરવું ને જોતે જોતે ભગવાન સામું જોઈ રહેવું, તે દેખાશે. જેમ ચકમક પાડે ત્યારે માંહી અગ્નિ છે, તે ઓલ્યા સૂતરમાં આવે છે એમ દૃષ્ટાંત દીધું.
માહાત્મ્ય : મહિમા, મહત્વ.
આત્મનિષ્ઠા : હું તો દેહથી જુદો જે આત્મા તે છું ને મારે વિશે પ્રગટ પરબ્રહ્મ અખંડ બિરાજમાન છે. તેવી અતિ દૃઢ માનીનતા, શ્રદ્ધા, વિશ્ર્વાસ, આસ્થા.
વાંસે : પાછળ.
(૧૦૦) અહો ! સાધુ સાથે સૌને હેત છે ને આપણને એનો જોગ છે ત્યાં ખોટ નથી ટળતી, ત્યારે પછી તો ખાવું, ખાટલો ને ખાડો એ ત્રણ વાત થાશે ને બીજી વાતું થાશે પણ આવી વાતું નહિ થાય, માટે પછી પસ્તાવો થાશે. ને સ્ત્રી-દ્રવ્યનો જોગ કરવો નહિ; કેમ જે, જોગ થયે ઠા રહેતો નથી. તે ઉપર ગોર ને યજમાનની દીકરીની વાત કરી દેખાડી ને ભટ્ટજીએ ઘોડી બેસવા આપી, તે બીજી બાઈએ કહ્યું જે, ‘જુવાનને દીધી પણ ઘરડાને કોણ દે ?’ પછી ભેળું ચાલવાના ભટ્ટે હરામના સમ ખાધા.
ઠા : નિરધાર, ઠેકાણું, સ્થિરતા,
(૧૦૧) મયારામ ભટ્ટને હાટ માંડવું હતું તેનું લેખું કરવા બેઠા, ત્યાં તો સવાર થઈ ગયું. પછી તો જળ મૂક્યું જે, હજી હાટ માંડ્યું નથી ત્યાં જ નિદ્રા ગઈ, તો માંડશું ત્યારે શું થાશે ? માટે એ તો દીર્ઘદર્શી એટલે વિચારીને એ મારગે ન જ ચાલ્યા ને આપણે તો એકાંતમાં સ્ત્રી ભેળું રહેવું નહિ ને એકલી સ્ત્રી હોય ત્યાં ઉઘરાણીએ ન જવું ને ભારો ન ચડાવવો; કેમ જે, એ સર્વમાં કલંક લાગે છે, ને કાળાખરીઓ આવે છે. તે ઉપર વચનામૃત જે, ‘મુક્તાનંદસ્વામી જેવો હોય ને તેને જોગ થાય તો ઊતરતા જેવો રહે કે ન રહે, એમાં પણ સંશય છે.’ એ વંચાવીને બોલ્યા જે, ત્યારે ‘આપણો શો ભાર ?’
જેહિ મારુત ગિરિ મેરુ ઉડાઈ, કહો તુળ કહા લેખા માંઈ ?
જોગી ઠગે અરુ ભોગી ઠગે, બનવાસી સંન્યાસી કો એક ધારો.
હો મન હરનાં, ત્રિય વનમેં નહિ ચરનાં. હો૦
(બ્રહ્માનંદ કાવ્ય : ૨૩૭૯)
એમ બોલ્યા. આ દેશકાળની વાત કરી તે વિચારીને પગ ભરજો. મોટા સાધુ હોય ત્યાં તો એ કહે પછી આ વિચારજો; નીકર ઠા નહિ રહે. ને અમારે તો છેલ્લી વારે હવે દિવાળી સુધી સાધુને રાખીને વાતું જ કહેવી છે; પછી દેહ રહો કે ન રહો, પણ ભગવાનના સ્વરૂપસંબંધી જ્ઞાન આપીને સુખિયા કરવા છે.
ત્યાગ કરે એ ત્યાગી કહેવાય ને જેણે પદાર્થ રાખ્યા તે મોટા મોટાનાં પણ છિદ્ર ઉઘાડાં થયાં ને રૂપિયા નીકળ્યા. તે માટે ‘ધર્મામૃત’, ‘શિક્ષાપત્રી’ ને ‘નિષ્કામશુદ્ધિ’ એ ત્રણ ગં્રથ પ્રમાણે રહેવું ને પાળવું. આ તો કોણ જાણે કેમ રહેવાણું છે, તે તો સારો જોગ છે ને વળી જે પદાર્થ જોઈએ તે પદાર્થ કોઠારેથી અપાવીએ છીએ તેણે કરીને રહે છે. માટે ત્યાગ પાળવો એ કાંઈ મીઠો નથી, કડવો છે. મહારાજ પાસે જાવું હોય તો વચનમાં રહેવું તે એક સાધુએ સ્વપ્નનો ઉપવાસ ન કર્યો ત્યારે મહારાજે ઠોંટ મારીને કહ્યું જે, “આમ કર્યું તે તેં મારી જીભ ઉપર પગ દીધો ને આ તો તું મારો છો તેથી તને આમ કહું છું, પણ બીજાને ન કહું.” પછી તાવ આવ્યો તે ત્રીસ ઉપવાસ થયા. અને એક જણે જાગરણ ન કર્યું, તે વળતે દિવસ સાંજે વીંછીએ ચટકાવ્યો, તે રાત આખી જાગવું પડ્યું. એમ વચન લોપ્યાનું છે.
વચ.ગ.મ. ૨૭
ગ.અં. ૩૩
(જુઓ પ્રકરણ ૧૦ની વાત ૧૯૪)
ઠા : નિરધાર, ઠેકાણું, સ્થિરતા,
ઠોંટ : ધોલ, થપાટ, થપ્પડ
(૧૦૨)
વાવ્યો મોલ સારો ત્યાં લગી, જ્યાં લગી નથી ખવાણો ખડજમાં,
તેમ ભક્તની ભલાઈ ત્યાં લગી,
જ્યાં લગી ના’વ્યો (ન આવ્યો) વિમુખની વડજમાં.
(નિષ્કુળાનંદ કાવ્ય : વચનવિધિ-૧૭)
એમ બોલ્યા ને દેશકાળ વિચારવો, આ લોકમાં પોતાનું સુધારતાં કોઈને આવડતું નથી ને જો કાળ પડે તો માણસ, માણસને ને છોકરાંને કરડી ખાય; તે ઓગણ્યોતેરામાં નજરે દીઠાં. તે માટે હવેલી કે રૂપિયા એ કોઈ કામ નથી આવતાં; દાણા સંઘરવા તે આંતરવસુ રાખવા. તે ‘શિક્ષાપત્રી’માં પણ કહ્યું છે તે પ્રમાણે રહેવું, તો મોક્ષમાં વિઘ્ન ન આવે એમ ઉપાય કરવો; કેમ જે, રોટલા વગર દેહ રહે નહિ, એટલે ભગવાન ભજાય નહીં.
આંતરવસુ : પાકની બે મોસમ વચ્ચે.
(૧૦૩) સંકલ્પ થાય છે તે માંહી રાગ છે, તે થાય છે. ને જોયાં છે તે આગળ આવીને નડે છે ને કલકત્તા નથી જોયું તો સ્વપ્નમાં પણ નથી આવતું. ઝેર ખાધાના કે અફીણ પીધાના સંકલ્પ થાય છે ? ભટ્ટજીને કહે, ‘હવેલી બાળ્યાના ને છોકરાં બાળ્યાના સંકલ્પ ક્યાં થાય છે ?’ માટે નિયમમાં રહીને ખાવું, જોવું ને મોટા સાધુને વિનય કરીને કહેવું, તો ધીરે ધીરે ટળશે.
(૧૦૪) આ સત્સંગમાંથી પડવાનો ઉપાય. મંદિરનો, આચાર્યનો, સાધુનો ને સત્સંગીનો એ ચારનો જેને દ્રોહ તેનાં મૂળ કપાણાં જાણવાં. તે ઉપર ઘણી વાતું કરી.
દ્રોહ : મનથી, વાણીથી કે કર્મથી જાણી જોઈને કરેલ દોષ, ગુનો, પાપ કે અપરાધ
(૧૦૫) જેમ ‘સુતારનું મન બાવળિયે’ ને જેમ ‘દૂબળા વાણિયાને અજમે હાથ’ એમ ભગવાનને રાજી કરવા ભજન કરવું ને હવે તો ક્રિયાને ગૌણ રાખવી ને ભગવાનને પ્રધાન રાખવા ને કથાને ને ક્રિયાને વેર છે, માટે બેય ભેળું તો થાય જ નહિ ને કરે તો વૃત્તિ સ્થિર રહે જ નહીં.
(૧૦૬) સંવત ૧૯૧૯ આસો માસમાં સાંખડાવદરને પાદર વાત કરી જે, ‘લોક, ભોગ, દેહ ને પક્ષ એ ચાર તો જીવનું ભૂંડું કરે. ને મહારાજ, આચાર્ય, સાધુ ને સત્સંગી એ ચારનો તો ગુણ જ લેવો, એ તર્યાનો ઉપાય છે. ને જો દ્રોહ કરે તો જીવનો નાશ થઈ જાય છે.’
દ્રોહ : મનથી, વાણીથી કે કર્મથી જાણી જોઈને કરેલ દોષ, ગુનો, પાપ કે અપરાધ
(૧૦૭) આ દેહમાંથી તો નવ દ્વારે ગંધ ઊઠે છે, તે દેહ સારુ કેટલીક વાતું થાય છે ને બખેડો થાય છે. તે સારુ મહારાજના સિદ્ધાંત પ્રમાણે ચાલવું. તે ઉપર શ્ર્લોક બોલ્યા જે,
નિજાત્માનં બ્રહ્મરૂપં દેહત્રયવિલક્ષણમ્ ।
વિભાવ્ય તેન કર્તવ્યા ભક્તિઃ કૃષ્ણસ્ય સર્વદા ॥
(શિક્ષાપત્રી : શ્ર્લોક ૧૧૬)
અર્થ : સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ જે ત્રણ દેહ તે થકી વિલક્ષણ એવો જે પોતાનો જીવાત્મા તેને બ્રહ્મરૂપની ભાવના કરીને પછી તે બ્રહ્મરૂપે કરીને શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ જે તે સર્વકાળને વિશે કરવી.
બ્રહ્મભૂતઃ પ્રસન્નાત્મા ન શોચતિ ન કાંક્ષતિ ।
સમઃ સર્વેષુ ભૂતેષુ મદ્ભક્તિં લભતે પરામ્ ॥
(ભગવદ્ ગીતા : ૧૮/૫૪)
અર્થ : બ્રહ્મભાવને પ્રાપ્ત થયેલો તે પ્રસન્ન ચિત્ત મનુષ્ય કશાનો શોક કરતો નથી કે કશાની આકાંક્ષા કરતો નથી અને સર્વ ભૂતોમાં સમભાવથી રહેતો થકો મારી પરમ ભક્તિને પામે છે.
પરિનિષ્ઠિતોઽપિ નૈર્ગુણ્યે ઉત્તમશ્લોકલીલયા ।
ગૃહીતચેતા રાજર્ષે આખ્યાનં યદધીતવાન્ ॥
(શ્રીમદ્ ભાગવત : ૨/૧/૯)
અર્થ : હે પરીક્ષિત રાજા ! હું (શુકજી) જો કે નિર્ગુણ સ્થિતિને પામેલો હતો છતાં ભગવાનની ઉત્તમ લીલા વડે ચિત્ત ખેંચાવાથી ભાગવત જેવો મોટો ગ્રંથ ભણ્યો હતો.
આત્મારામાશ્ચ મુનયો નિર્ગ્રન્થા અપ્યુરુક્રમે ।
કુર્વન્ત્યહૈતુકીં ભક્તિમિત્થં ભૂતગુણો હરિઃ ॥
(શ્રીમદ્ ભાગવત : ૧/૭/૧૦)
અર્થ : સૂત પુરાણી શૌનકને કહે છે, મુનિઓ જો કે આત્મામાં જ આનંદ પામનારા હોય છે અને એમની અહંકારરૂપ ગાંઠ છૂટી ગઈ હોય છે; છતાં તેઓ ભગવાન વિશે નિષ્કામ ભક્તિ તો કરે જ છે; કેમ કે શ્રીહરિ તેવા અલૌકિક ગુણોથી યુક્ત છે.
એ આદિક ઘણા શ્ર્લોક બોલ્યા ને પછી કહ્યું જે, ‘તે માટે લોચો મૂકીને કેવળ આત્મારૂપ થાવું.’
(૧૦૮) જુઓને કેટલાક છે, તે એકે ક્રિયાનું નામ લેવું નહિ ને પાણી ભરવું નહિ, ત્યારે એ શું શાળગ્રામને કારસો આવે ? એ તે શું જાણતા હશે ? અમને તો એને જોઈને દાંત આવે છે જે દેવની માયા તો જુઓ ! શું ઘરે સૂઈ રહેતા હશે ? પણ તે અજ્ઞાન. ત્યારે શું ધ્યાન કરે છે ? ઊંઘ લે છે. આ અમને તો આમ જોઈએ ત્યાં ભગવાન દેખાય છે, એ પણ મૂકીને આવા સાધુની સેવા કરાવીએ છીએ. તે બેય કરવું છે; પણ મૂરખને શું સમજાય !
કારસો : ભીડો/ભીડામાં-કસોટીમાં લે.
(૧૦૯) ઝાઝી આવરદા એ પણ બહુ ભૂંડું છે. તે મોરે તો હજાર વરસનો ખાટલો ને સો વરસનાં ડચકાં. આ તો ભગવાને અનુગ્રહ કર્યો છે, તે થોડા કાળમાં મોટું કામ સાધી લેવું ને ભગવાનના ધામમાં પુગાય તેમ કરવું, ત્યાં અખાત્રીજના વા જોવા નહિ, પાંચમની વીજળી જોવી નહિ, એક ભગવાનનું જ સુખ છે.
મોરે : અગાઉ
અનુગ્રહ : કૃપા, ઉપકાર, મહેરબાની.
(૧૧૦) સંવત ૧૯૧૯ના આસો વદિ દશમે વાત કરી જે, ‘સૌ સાંભળો વાત કરું. રઘુવીરજી મહારાજે છાવણી કરી, એમ મેં તમને અઢી મહિના સુધી વાતું કરી ને વરતાલ ભેગા આવે છે એને તો મારો સાડા ત્રણ મહિના જોગ થાય. માટે હમણાં પણ અતિશે વાતું કરી છે. ને કોઈ મંદિરમાં રાખીને વાતું ન કરે, આ તો મેં કરી. મન શત્રુ છે, ઇન્દ્રિયું શત્રુ છે ને દેહ શત્રુ છે, જો ભગવાન ન ભજાય તો. તે માટે આજે વાત કરી તે અંતરમાં રાખજો, ને તે પ્રમાણે રહેજો. જુઓને ! આવો જોગ ક્યાંથી થાય ! હવે જોગ નહિ રહે, સાધુ મળવા કઠણ છે; માટે જોગ કરી લેજો એ સિદ્ધાંત છે.’
છાવણી : કથાવાર્તાની શિબિર ને તે માટે કરેલ વ્યવસ્થાની જગ્યા.
(૧૧૧) ‘આ સૌને પર સ્થિતિ થઈ જાય, એમ કરી દઉં, પણ ઘેલું થઈ જવાય એવું કામ છે. ઓલ્યા લુવાણાને થઈ ગયું તેમ; કેમ જે, પાત્ર નહિ તેણે કરીને એમ થયું.’ એમ આશરે સાડા ત્રણસેં માણસની સભા હતી તેમાં કહ્યું.
(૧૧૨) આચાર્ય આદિક ચારનો અવગુણ આવે તે મોટું પાપ છે. બીજા તો અનેક સ્વભાવ હોય પણ એ પાપનું મૂળ છે. તે પાપને વિશે પુણ્યની બુદ્ધિ થાય ને સાધુને વિશે અસાધુની બુદ્ધિ થાય, પછી દ્રોહ થાય, પછી તેનો જીવ નાશ થાય એવું એ છે. માટે વારંવાર કહેવાનું તાત્પર્ય શું છે ? તો એ વાત હૈયામાં રાખીને કોઈ દિવસ અવગુણના મારગે ચડવું નહિ ને એની સેવા થાય તો કરવી, નીકર હાથ જોડવા; પણ અવગુણ તો ન જ લેવો એ અમારું સિદ્ધાંત હતું, તે કહ્યું.
પિપા પાપ ન કીજિયે, તો પુણ્ય કિયા સો વાર,
જો કિસી કા લિયા નહિ, તો દિયા વાર હજાર.
સાધુની, મંદિરની, આચાર્યની ને સત્સંગીની સેવા કરવી તો વૃદ્ધિ પમાય ને દ્રોહ થાય તો જીવનો નાશ થાય. તે સેવા તે શું ?
હંસે ગુરૌ મયિ ભક્ત્યાનુવૃત્ત્યા વિતૃષ્ણયા દ્વન્દ્વતિતિક્ષયા ચ ।
સર્વત્ર જન્તોર્વ્યસનાવગત્યા જિજ્ઞાસયા તપસેહાનિવૃત્ત્યા ॥
(શ્રીમદ્ ભાગવત : ૫/૫/૧૦)
અર્થ : ઋષભદેવ ભગવાન પુત્રોને કહે છે : હે પુત્રો ! હંસસમાન વિવેકવાળા ગુરુ વિશે તથા પરમાત્મા વિશે તેમની અનુવૃત્તિ પાળવારૂપ ભક્તિ વડે, તૃષ્ણાનો ત્યાગ કરી, સુખ-દુ:ખાદિ દ્વન્દ્વોને સહન કરવાથી, ‘આ લોક-સ્વર્ગલોક બધે જ જીવને દુ:ખ છે.’ એવું જાણવાથી, તત્ત્વની જિજ્ઞાસાથી, તપથી, કામ્યકર્મ ત્યજવાથી સર્વ બંધનના કારણરૂપ અહંકારથી મુક્ત થઈ પરમપદને પામવું.
તો અનુવૃતિ એ જ સેવા છે; માટે તે પ્રમાણે રહેવું.
દ્રોહ : મનથી, વાણીથી કે કર્મથી જાણી જોઈને કરેલ દોષ, ગુનો, પાપ કે અપરાધ
અર્થ : ધન, સંપત્તિ.
અનુવૃત્તિ : મરજી.
(૧૧૩) એક ભગવાનની મૂર્તિમાં જ સુખ છે ને ક્યાંય મોક્ષ નથી; પણ આવા સાધુના સમાગમમાં મોક્ષ છે. બે સાધન તો થઈ રહ્યાં જે, પુરુષોત્તમ જાણ્યા ને સાધુ ઓળખાણા ને એક ઓલ્યા ચારનો ગુણ લેવો ને દ્રોહ ન થાય, એ કરવું રહ્યું.
દ્રોહ : મનથી, વાણીથી કે કર્મથી જાણી જોઈને કરેલ દોષ, ગુનો, પાપ કે અપરાધ
(૧૧૪) ‘આજ્ઞા પળે એટલી વાસના બળે ને આજ્ઞા ને ઉપાસના બે મુખ્ય જોઈએ. તે કૃપાનંદસ્વામીનો એમ ઠરાવ જે, કોશ ઊની કરીને ગળામાં ઘાલે એ કેટલું દુ:ખ થાય ! તો પણ આજ્ઞા ભંગ ન કરવી. ને છાનું ખાતા હશે, પદાર્થ રાખતા હશે, પથારી ઝાઝી કરતા હશે તે ઓલ્યા સ્વામિનારાયણ શું નથી જાણતા ?
હરિ કે આગે કહા દુહાઈ, મન અપને કી ઘાત;
હરિ તો સબ જાનત હે, રોમ રોમ કી બાત.
બધુંય જાણે છે, આ રાજ કાંઈ ભોળું નથી, તે લોપશે તેનું જાણજો જે, મોત આડું આવશે. આપણે કાંઈ છોકરો છે તે મરે ? આ તો દેહ એ જ છોકરો છે ને ગૃહસ્થને છોકરો હોય. માટે દેહને તો એવો રોગ થાશે, તે શિયાળિયાના ચૂસ્યામાં રસ હોય જ નહીં. લાકડી જેવા કરશે, ફિકર રાખશો મા; ને જો એમાં ફેર હોય તો આ ઠેકાણું સંભારજો !’ એમ જૂની ધર્મશાળામાં પોતાને આસને બેસીને કહ્યું.
પ્રકરણ ૩ની વાત ૫૭
વાસના : પૂર્વના સંસ્કારોથી મકકમ થયેલી કામના.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
કોશ : નરાજ, ખોદવાનું લોખડનું એક ઓજાર.
(૧૧૫) પંચવિષય સારુ તો ચાળા ચૂંથતા ફરે છે, માટે એમાં શું ? એ તો પશુને પણ છે. માનનું ડીંડું થઈને ફેરા ખાય છે, તે હવે તો પારખ્યાં જોવા માટે પંચવિષય વચ્ચે નાખ્યા છે. તે જે કરીએ તે થાય એમ છે, પણ ભૂંડું થાશે એની ખબર છે ? પછી છોકરાનો સ્પર્શ કરે છે ને વાંદરાં જેવા થાય છે; માટે આજ્ઞા મુખ્ય રાખવી, એમાં પાછો પગ ભરવો નહીં. જેને ખપ હોય તેને સારુ આ વાત છે.
કઠણ વચન કહું છું રે, કડવાં કાંકચ્ય રૂપ;
દરદીને ગોળી દઉં છું રે, સુખ થાવા અનૂપ.
(કીર્તન મુક્તાવલિ : ૧૦૪૮)
એમ છે. બીજાને શું ? એ તો પશુ જેવા છે. ખરેખરો ગરાસિયો હોય તો પાછો ન ફરે, તે ‘ખાડા ખસે, પણ હાડા ન હઠે ! ભાગતાં ભલકું વાગશે રે.’ એમાં શો માલ ! સામા ઘા લે તે ખરો !
(૧૧૬) ભજન કરવું તે રાતે ઊઠી ઊઠીને મંડે ત્યારે સાચું. ‘આ સાહેબ, તારો પણ મન રાખ્યો !’ એમ મન રાખ્યે કાંઈ થાય નહીં. એ તો ઠીક, વાહ વાહ! અરે, કેટલાક તો લઘુ કરવા જાય તે પૂરી આંખ પણ ઉઘાડે નહિ, જાણે રખે ઊંઘ ઊડી જાશે ને માલ વહી જાશે ને આખી રાત ચસચસાવે ને દહાડે તો ગપોડામાંથી નવરા જ શેના થાય ? તેણે શું કાંઈ ભગવાન રાજી થાય છે ? ને જાણે મોટા થઈ ગયા, પણ અંબરીષ જેવુંય ક્યાં થાવાણું છે ? ને ખાઈ ખાઈને ઊંઘી રહ્યા ત્યારે જાણે થઈ રહ્યું, આ તો ફરવા જઈને સૂઈ રહે, એમ કહીને,
કરજો સત્સંગની સહાય રે, સત્સંગની સહાય રે..
એ કીર્તન બોલ્યા.
(૧૧૭) આવા પ્રગટ સાધુ છે તેની મને, વચને ને દેહે સેવા કરવી કે વિનય કરવો; એ તો નહિ પણ ચાર ભેળા થઈને કહે જે, ‘આ આવો છે ને આ આવો છે.’ એમાં શું પાક્યું ! પણ,
ભિક્ષાં સભાં વિના નૈવ ગન્તવ્યં ગૃહિણો ગૃહમ્ ।
વ્યર્થઃ કાલો ન નેતવ્યો ભક્તિં ભગવતો વિના ॥
(શિક્ષાપત્રી : શ્ર્લોક ૧૯૩)
અર્થ : ભિક્ષા તથા સભાપ્રસંગ એ બે કાર્ય વિના ગૃહસ્થના ઘર પ્રત્યે જવું નહિ અને ભગવાનની જે નવ પ્રકારની ભક્તિ તે વિના વ્યર્થ કાળ નિર્ગમવો નહિ, નિરંતર ભક્તિ કરીને જ કાળ નિર્ગમવો.
એ ક્યાં પળે છે ?
અર્થ : ધન, સંપત્તિ.
નિર્ગમવો : વીતાવવો-ગુજારવો.
(૧૧૮) નારી નિંદાના શ્ર્લોક ને કીર્તન બોલ્યા ને કહે, ‘ઓલ્યો વાણિયો નાત સાથે ઘેલો થયો છે, પણ મૂળ હાથ રાખ્યું છે. તે ગુજરાતમાં કહે છે જે, ‘છોડીનું નામ વખોત; કાં જે, એનો ધણી ભૂવો ને વળી ભગોત.’ એવું છે, એવા ભગત છે.’
(૧૧૯) પાપીની સોબતમાં તો ભગવાન ભૂલી જવાય, તે જેમ સૂર્ય આગળ વાલખિલ્ય ઋષિ પાછે પગે ચાલ્યા જાય છે, એમ મને ભગવાન અખંડ દેખાતા; પણ પ્રતિપક્ષીને પાછા પાડવા સારુ વાત કરી, તેથી બહાર મૂર્તિ ભૂલી ગયા. પછી પાછી માંહી દેખાણી. એમ સંગ ઓળખાવીને મૂર્તિ અખંડ દેખાવાનો મર્મ કહ્યો.
મૂર્તિ : સંતો.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
(૧૨૦) હું પ્રતિલોમ કરું કે આમ ભગવાન દેખાય છે ને આ લોકમાં ભગવાન તથા મોટા સાધુ, મનુષ્ય જેવા જણાય તે જેને સમજતાં આવડે તેને ઓળખાય. તે મહારાજ કહે, “અમને બુદ્ધિવાળો ગમે; કેમ જે, ઓલ્યો બુદ્ધિવાળો વધુ જાણે, પણ બીજો ન જાણે.”
વચ. ગ.પ્ર. ૫૦
પ્રતિલોમ : પોતા/આત્મા તરફ પાછી વાળતી વૃત્તિ, અંતરવૃત્તિ, અંતરદૃષ્ટિ કરીને આત્માનું પરમાત્મા તરફનું ઊર્ધ્વીકરણ.
(૧૨૧) મોરે ઝાઝા માણસ મંદિરમાં નહિ એટલે હું બાજરો જેટલો કહે તેટલો ઘોડા સારુ આપવા ગયો, ત્યારે એક જણે કહ્યું જે, ‘સાધુને લોભ તો જો ! પોતાને હાથે બાજરો દે છે, પણ કોઈને આપવા દેતા નથી.’ ત્યારે જો એને કંઈ ખબર છે ? એમ ગમ પડતી નથી.
મોરે : અગાઉ
(૧૨૨) એકથી પચાસ માળા સુધી જો એકાગ્રદૃષ્ટિ રાખે તો સુખે ધ્યાન થાય, નીકર તો સંકલ્પ થયા કરે.
(૧૨૩) આવા સાધુનો ગુણ લે તે બીજના ચંદ્રની પેઠે વૃદ્ધિ પામે ને અવગુણ લે તે ઘટી જાય ને જડ થઈ જાય. ને મહારાજ કહે, “ચોસઠ લક્ષણે જુક્ત એવા સાધુ તેનાં દર્શન અમે પણ કરવા ઇચ્છીએ છીએ.” ત્યારે જો ભગવાન પણ એનાં દર્શન કરવા ઇચ્છે, તો બીજાની શી વાત કહેવી ? તેવા સાધુ આપણને મળ્યા તેનું આપણને અહો ! અહો ! નથી થાતું.
સાચે સંત મિલે, કમી કભી કાહું રહી, સાચી શીખવે રામ કી રીતકું જી,
પરાપાર સોઈ પરબ્રહ્મ હૈ તામે, ઠહરાવે જીવ કે ચિત્તકું જી;
દૃઢ આસન સાધકે ધ્યાન ધરે, કરે જ્ઞાન હરિ ગુન ગીતકું જી,
બ્રહ્માનંદ કહે દાતા રામહું કે, પ્રભુ સાથ બઢાવત પ્રીતકું જી.
(કીર્તન મુક્તાવલિ : સાધુ કો અંગ)
એવા, ને
તીન તાપ કી ઝાલ, જર્યો પ્રાની કોઉ આવે;
તાકુ શીતલ કરત, તુરત દિલ દાહ મિટાવે.
(બ્રહ્માનંદ કાવ્ય : ૭૫૬)
એવા, ને
સાધવો હૃદયં મહ્યં, સાધૂનાં હૃદયં ત્વહમ્ ।
મદન્યત્ તે ન જાનન્તિ, નાહં તેમ્યો મનાગપિ ॥
(શ્રીમદ્ ભાગવત : ૯/૪/૬૮)
અર્થ : મારા ભક્તો એ જ મારું હૃદય છે અને હું ભક્તોનું હૃદય છું. તેઓ મારા વિના બીજું કાંઈ જાણતા નથી અને હું પણ તેઓ સિવાય બીજું કંઈ જાણતો નથી.
એમ કહ્યું છે, એવા સાધુનો સમાગમ કરવો. હવે એવા સાધુ ને મહારાજ એ તો ઓળખાણા પણ વિષયમાં રાગ રહી જાય છે, એ વાતની ખોટ છે. તે ભગવાન પોતાના ધામમાં લઈ તો જાય, પણ એ વાસના રહેવા દેશે નહિ; હજાર કલ્પ સુધી રહીને પણ પાછું પડાશે. પછી પાછું ગર્ભવાસ, ચોરાશી, તાવ એ દુ:ખ એનાં એ જ. માટે હમણાં જ ચોખ્ખું કરવું. જેમ હજાર કૂતરાં, મીંદડાં, ઊંટિયાં એ સડી ગયેલ પડ્યાં હોય, તે જેવાં ભૂંડાં લાગે તેવા વિષય લાગે ત્યારે થાય; તે સારુ આત્મનિષ્ઠા શીખવી.
વચ. પં.૧
કમી : ખોટ, કસર, ઉણપ.
અર્થ : ધન, સંપત્તિ.
વાસના : પૂર્વના સંસ્કારોથી મકકમ થયેલી કામના.
કલ્પ : આપણાં ચાર અબજ બત્રીશ કરોડ વર્ષનો સમય - બ્રહ્માનો એક દિવસ (પણ રાત નહિ)
આત્મનિષ્ઠા : હું તો દેહથી જુદો જે આત્મા તે છું ને મારે વિશે પ્રગટ પરબ્રહ્મ અખંડ બિરાજમાન છે. તેવી અતિ દૃઢ માનીનતા, શ્રદ્ધા, વિશ્ર્વાસ, આસ્થા.
(૧૨૪) મહારાજ કહે, “વહાણનાં લાકડાં કેટલાંક તો લીધાં છે ને કેટલાંક ઘડાય છે ને કેટલાંક વહાણ તૈયાર થયાં છે ને કેટલાંકમાં માલ ભરાણો છે ને કેટલાંક અધવચાળે (અધવચ્ચે) પૂગ્યાં છે ને કેટલાંક તો પાર ઉતાર્યાં છે.” એમ આપણા સત્સંગમાં માણસનું છે.
(૧૨૫) અહો ! અહો ! ભગવાન સંઘાથે આમ કરવું, તે અમારો તો એવો ઠરાવ જે,
નેણ કુંરંગા નાગરિ, વરું તો વૃજરાજ નીકર રહું કુંવારી.
સો માથાં જાતાં રે સોંઘા છોગાળા,
એક શિર કે વાસ્તે ક્યું ડરત હે ગમાર ?
ડોલરિયા ઘોળ્યો રે કે તમ ઉપર આ દેહડો !
એવા ઠરાવ કરવા ત્યારે ભગવાન રાજી થાય;
અર્થં સાધયામિ વા દેહં પાતયામિ (સુવાક્ય)
અર્થ : ‘મારો ધાર્યો અર્થ હું સિદ્ધ કરીશ અથવા દેહનો પાત (નાશ) કરીશ’ એવો અડગ નિશ્ર્ચય હોવો જોઈએ.
ત્યારે એ કામ સિદ્ધ થાય છે.
સોંઘા : સસ્તા, સો સો જન્મના પુરુષાર્થે પણ ન મળે એવા ભગવાન આજ મફતમાં સામે ચાલીને મળ્યા છે.
અર્થ : ધન, સંપત્તિ.
(૧૨૬) ‘આવા સાધુને કાંઈ મનુષ્ય કે દેવ જેવા ન જાણવા, આ તો મહામોટા છે, માટે સમાગમ કરવો; એ વાત રહી જાશે તો પછી શું કામ આવશે ? શું ઘોળ્યું? મંદિરના રોટલા ખાઈને પણ આનો જોગ કરી લેવો, ઘણોય બાજરો છે, તે આવો તો હું આપીશ.’ એમ દયા કરીને કેવળ જ્ઞાન દેવું એ જ આગ્રહ. ને વળી બોલ્યા જે, ‘તમે સાકરની રસોઈ દેશો તેમાં શું? આગળ એક મણની હજાર મણ દેશું, પણ તેણે કાંઈ કામાદિક શત્રુ ઓછા થાય નહિ, મૂળગા વધે તો ખરા. તે માટે સમાગમ કરી લેવો, એ જ સિદ્ધાંત છે.’
(૧૨૭) આ તો તમને ઘડી ઘડી પોરો દઉં છું, નીકર રાત ને દિવસ એમ ને એમ કથાવાર્તા કર્યા કરું પણ બીજાને મૂંઝવણ પડે તે સારુ ઘડીક ભક્તિ, ઘડીક કીર્તન, કથાવાર્તા, ધ્યાન એ બધું ફરતું ફરતું કરવું, તેથી મૂંઝવણ થાય નહીં.
પોરો : વિશ્રામ.
(૧૨૮) સ્તુતિ-નિંદાના લોયાનાં ૧૭માં વચનામૃતમાં કહ્યું છે જે, ‘જેને ભગવાનનું માહાત્મ્ય સમજાણું હોય તેને સારા વિષય મળે તો તેમાં મૂંઝાય જાય.’ ત્યારે એક સાધુએ પૂછ્યું જે, ‘સારામાં મૂળગો કેમ મૂંઝાય જાય?’ એટલે સ્વામી કહે, ‘ઓલ્યા બીજા જેમ નરસામાં મૂંઝાય તેમ એ સાધુ સારામાં મૂંઝાય; કેમ જે, એણે આગળથી જ રાખ જેવું કરી મૂક્યું હોય, પછી શું કઠણ પડે ! ને અમારે આટલું આસન નહોતું રાખવું, પણ સાધુએ કહ્યું એટલે રાખ્યું, પણ ગમે નહિ ને સૌ આસન જેટલું નાખે છે એટલું નાખ્યું તે ઘડપણ સારુ; તે વગર પણ ચાલે, ધરતી જેવું તો સુખ જ નહીં. ને વાહને પણ ઝાઝું ન ચલાય તે સારુ જેવું તેવું હોય તે ઉપર બેસીએ, પણ તેમાં વળી તાલ શા ? ને આ મો’લાત (મહેલાત) ધર્મશાળા પણ ન ગમે ને આ તો આજ્ઞા એટલે શું કરવું ? નીકર આમાં શું માલ છે ? સેવા થાય એટલો માલ, નીકર તો વન બહુ ગમે.
વચ. ગ.અં. ૧૩
માહાત્મ્ય : મહિમા, મહત્વ.
મૂળગો : તદ્ ન
તાલ : સ્વાદમાં વધારો.
(૧૨૯) કોઈક મોટો માણસ ઘોડાં લઈને આવે તે ન ગમે. તે જાણું જે ક્યારે જાય ? તે મરને મોતિયા લાવ્યા હોય, તેમાં શું ? કૂતરાનું નામ પણ મોતિયો હોય છે. આવા ગરીબ હરિજન ગમે અને વનમાં પણ પચીસ-પચાસ સાધુ જોઈએ ને માંદો થાઉં ત્યારે પણ ઘીવાળી લાપસી ન ભાવે. માટે,
યદ્યદાચરતિ શ્રેષ્ઠસ્તત્તદેવેતરો જનઃ ।
સ યત્પ્રમાણં કુરુતે લોકસ્તદનુવર્તતે ॥
(ભગવદ્ ગીતા : ૩/૨૧)
અર્થ : શ્રેષ્ઠ મનુષ્ય જે જે આચરણ કરે છે તેનું અનુકરણ બીજા લોકો કરે છે, તે જેને પ્રમાણ બનાવે છે તે અનુસાર લોકો વર્તે છે.
મોટેરો હોય તે ચાલે તે મારગે ચાલવું; જેમ મોટેરો હોય તે કરે તેમ થાય. ઘીની હાંડલી હું રાખું તો સૌ રાખે ને હું જેમ ચડાવી દઉં તેમ ચડી જાય; પણ મારે તો કેવળ પ્રભુ સાંભરે એટલું જ કરવું છે. એમ પોતાનું વર્તન તથા રીત તે કહી દેખાડી.
મરને : ભલેને.
અર્થ : ધન, સંપત્તિ.
(૧૩૦) મહારાજ કહે, “જડભરત ને શુકજીના જેવો વૈરાગ્ય, ગોપીઓના જેવો પ્રેમ ને ઉદ્ધવ તથા હનુમાનના જેવું દાસત્વપણું જ્યારે થાય ત્યારે ખરો ભક્ત, નીકર કાચપ કહેવાય.” તે વિચારીને જોવું જે, એમાં કેટલી કસર છે ?
વચ. ગ.અં. ૨૫
કાચપ : કચાશ, કસર, ખામી.
કસર : ખોટ, ઉણપ.
(૧૩૧) સાધુ થઈને ભજન કરવું, સાધુ જેવી કોઈ વાત નથી ને મહારાજ પણ સાધુના સમ ખાય છે. તે જુઓને, અંબરીષ સાધુ થયા હતા તો કાંઈ દુ:ખ ન આવ્યું.
સાધવો દીનવત્સલાઃ ।
(સુવાક્ય)
અર્થ : સાધુપુરુષો દીન ઉપર વાત્સલ્ય કરનારા હોય છે.
માટે એ થયે છૂટકો છે. ને ભગવાનનું કામ સાધુ વતે થાય, પછી એ સાધુ ભેળા જ ભગવાનનાં દર્શન થાય છે; એવા મળે પછી શું બાકી રહ્યું ? એવા મળ્યા ને કસર રહી જાય છે, એ તો ‘વુઠે મેહે કાળ.’ આવા ભગવાન ને સાધુ મળ્યા છે ને કસર ટાળતા નથી !
પથ્થર કી જાતિ હીરા ચિંતામણિ પારસહું,
મોતી પુખરાજ લાલ શાલ ફેર ડારિયે;
(કીર્તન મુક્તાવલિ : ગુરુ કો અંગ)
એ સાખી બોલીને કહ્યું જે, ‘એવા સાધુને પગે લાગીને અનુવૃત્તિમાં રહીને ખોટ ટાળી નાખવી.’
અર્થ : ધન, સંપત્તિ.
દીન : લાચાર, ગરીબ, રાંક.
કસર : ખોટ, ઉણપ.
ચિંતામણિ : ઇચ્છા પૂરી કરે તેવો દિવ્ય મણિ.
(૧૩૨) જે સમે જેવી ભગવાનની મરજી હોય તે સમો વિચારવો ને તે પ્રમાણે ચાલવું ને આ સમે જીવ ઉપર દયા કરી તે હવેલીઓ, ગાડાં ને બળદ એવી રીત છે, તે ભગવાનને બહુ જીવોનું કલ્યાણ કરવું છે તે સારુ કરીએ છીએ, નીકર વગડામાં પચીસ વરસ રહ્યા. એમ ‘એક ગોદડીભેર રહેવું ને માગી ખાવું’ એમ રહીએ, જે તે પ્રકારે રાજી કરવા છે, માટે સમો વિચારવો ને જેમ કહે તેમ કરવું.
(૧૩૩) અંતરનો કુસંગ, બહારનો કુસંગ ને સત્સંગમાં કુસંગ, એને ઓળખીને તેનો ત્યાગ કરવો. તે અંતરનો કુસંગ જે, મનમાં ભૂંડા ઘાટ થાય ને સત્સંગમાં કુસંગ જે, લોક, ભોગ ને પક્ષ. તે પક્ષે કરીને આચાર્યનું, મંદિરનું, કોઠારીનું ને મોટા સાધુનું ઘસાતું બોલે. ત્યારે કોઈકે પૂછ્યું જે, ‘એ થઈ ગયું હોય તે કેમ ટળે ?’ એટલે સ્વામી કહે, ‘એ તો મોટા સાધુનો વિશ્ર્વાસ હોય જે, એ ભગવાન જેવા છે, ને ભગવાનની પેઠે અંતરજામી છે તે જાણે છે; પણ કહેતા નથી, એમ જાણે તો ટળે.’
(૧૩૪) એક સાધુએ પ્રસાદી ખાધી તે સારુ પંક્તિ બહાર કાઢેલ. પછી એક હરિભક્તે મહારાજ આગળ કહ્યું કે, ‘કુરાનમાં લખ્યું છે જે, ખુદા સવારના પહોરમાં સાદ પડાવે છે જે, કોઈ ગુન્હેગાર છે ? તો છોડી મૂકીએ.’ એમ કહ્યું, ત્યારે મહારાજ કહે, “એ વાત સાચી છે.” પછી હાથ જોડીને ઓલ્યા સાધુ દીન થઈ ગયા એટલે તે ઉપર રાજી થઈ ગયા, તેમ છે. દીન થાવું, તો એ તો સારું કરવા જ ઊભા છે. પછી ઓલ્યો કહે, ‘ત્યારે માફ કરજો ને કહેશો એમ કરવું છે ને તમને રાજી કરવા છે, તે રૂડું થાય તેમ મને કહેજો.’ પછી કહે, “ઠીક, ભજન કરવા માંડો.” જુઓને મારે ચેલા છે, પગ દાબે એમ છે, ઢોલો છે, ગાદલાં ને ખાધાનું છે ને જે હું કહું તે તુરત કરી દે એમ છે; પણ હું જો તે કરું અને બીજા કોઈને ન કરવાનું કહું તો મનાય નહિ, ને સૌ કરે. તે લખ્યું છે જે, ‘ઋષભદેવ ભગવાન શિક્ષાને અર્થે સિદ્ધિઓને ન ગ્રહણ કરતા હવા.’ એમ આપણે રહેવું.
દીન : લાચાર, ગરીબ, રાંક.
(૧૩૫) પક્ષ ને સ્નેહ તો જનાવર સુધી છે, તે પોતાનાં બચ્ચાંને જ સેવે ને ધવરાવે છે. એક કણબી ભેંશનું પાડું લઈને આગળ ચાલ્યો જતો હતો. તે સાવજ આવ્યો તો ભેંશ એક ગાઉ સુધી પાછે પગે ચાલી ગઈ, એમ છે; માટે આપણે તો એ ત્યાગ કરીને ત્રણ ગ્રંથ પ્રમાણે રહેવું એમાં મહારાજનો રાજીપો છે.
(૧૩૬) તમે કહો છો જે, કહેજો તે હું તો કહું જ; તે સભામાં કહું, નીકર છેલ્લી બાકી ઇતિહાસ કથા કહું, પણ જીવમાંથી ડંખ કાઢી નાખું; માટે સાધુને સેવવા ને એનું ઘસાતું ન બોલવું. તે ઉપર મધ્યનાં ૨૮માં વચનામૃતની વાત વિસ્તારીને કરી.
(૧૩૭) બહાર ભજન કરે બહાર વૃત્તિ ફેલાય. તે જો રજોગુણ-તમોગુણ વરતતા હોય તો કરવું; પણ સત્ત્વમાં તો અંતરમાં જ કરવું, જેણે કરીને ભગવાન સાંભરે છે ને ઊંડા ઊતરી જવું ને ભજન કરવું. તે પ્રથમ તો ઘણા હરિભક્તની વાત કહી દેખાડી.
(૧૩૮) બીજું જે કહે તે થાય પણ હરિભક્ત ન થાવાય, તે કોઈક થાય; પણ તેથી સાધુ ભેળું ન રહેવાય, ને કોઈક રહે પણ વિષય ત્યાગ ન થાય; તે કોઈક કરે, પણ એથી ભગવાનમાં ન જોડાવાય; એ તો બહુ જ આકરું છે.
(૧૩૯) ઝાઝું તપ, ધારણાં-પારણાં બે મહિનાનાં કહો તો કરે; પણ ઓલ્યું જે સૂક્ષ્મ તપ એ તો ન જ થાય.
(૧૪૦) એક આ કામ પણ કઠણ છે; તે શું ? તો જે, સવારથી બે પહોર સુધી આંખો મીંચીને બેસી ન રહેવાય. નીકર તો બધો જન્મારો બાહ્યદૃષ્ટિએ રહેવાય; પણ બાહ્યદૃષ્ટિએ જો માળા ફેરવે, તો બીજે મન ભમે ને આંખો મીંચીને ફેરવે તો ભગવાન સાંભરે. તે આમ દિવસ આખો ફેરવાય, પણ ભગવાન સંભારીને તો પાંચ પણ ન ફેરવાય; એ પાંચ જુદી રીતની થાય. માટે ધીરે ધીરે નિત્યે ભગવાનમાં જોડાવું. તે ન થાય તો સાધુમાં પ્રથમ જોડાવું, તો પછી ભગવાનમાં સહેજે જોડાવાય.
પહોર : પ્રહર, ત્રણ કલાક.
(૧૪૧) એક સાધુને રામદાસજીભાઈની મૂર્તિ ધરાઈ ગઈ તેની બળતરા થઈને રોયા. પછી અમે તેને કહ્યું જે, ‘પહેલાં સાધુ દેખાય ને પછી ભગવાન દેખાય. તે પછી ત્રણ દિવસે ભગવાન દેખાણા એમ થાય; તે મુક્તાનંદસ્વામીના કીર્તનમાં પણ કહ્યું છે જે, સાધુ ભેળા ભગવાન હોય જ, માટે એમ કરવું.’ એટલે એક સાધુએ કહ્યું જે, ‘એમ તો ભગવાનની કૃપાએ થાય.’ ત્યારે સ્વામી કહે જે, ‘આપણે કયે દિવસ કરવા બેઠા ને ન થયું ? ભગવાન અને આ મોટા સાધુ તેને તો એમ જ કરાવવું છે, ને આ તો જીવની ખોટ છે, નીકર એની તો કૃપા જ છે; માટે નિત્યે ભગવાનમાં જોડાવાનો આગ્રહ રાખવો. નિત્ય બળિયું, એમ શાસ્ત્રમાં કહ્યું છે તે થાશે. એ કર્યા વિના છૂટકો નથી.’
મૂર્તિ : સંતો.
(૧૪૨) એક કણબી હતો તે બે પહોર જ રળે; કાં જે, થોડા કાળમાં મરી જવું છે તે શીદ (શા માટે) બધો દિવસ કૂટીએ ? એમ કુસંગીને પણ થયું, ત્યારે આપણે તો સત્સંગી થયા તે ઢગ દિવસ રળ્યા ને હવે તો આવા સાધુનો જોગ કરી લેવો એ દુર્લભ છે; પણ મેમણના તરેલાંની (બળદની) પેઠે તાણ્યા જ ન કરવું.
પહોર : પ્રહર, ત્રણ કલાક.
(૧૪૩) સ્વામી કહે, ‘બેઠકે ઓળખાય છે.’ તે મહારાજ પણ પૂછતા કે, “આ સાધુ કોની પાસે બેસે છે ? ને આ કોની પાસે બેસે છે ?” એમ નામ લઈને પૂછે. પછી જે જેની પાસે બેસતા હોય તેનાં નામ લઈ દેખાડે, ત્યારે કોઈકનો સંગ ન કરવા જેવો હોય ને સારો સાધુ એની પાસે બેસે છે, એમ જાણે ત્યારે કહેશે જે, “પંડે (પોતે) તો સારા છે, પણ સાધુ ઓળખતાં આવડતાં નથી. એમ કહેતા.” માટે આ સંગમાં ભેદ દેખાડ્યો અને ઉત્તમ સંગ કરવો ને નરસાની સોબત જ ન કરવી.
વચ. લો. ૬
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
(૧૪૪) જો રોટલા મળતા હોય તો આઘોપાછો પગ જ ન ભરવો ને જો ભરે તો દુ:ખી થાય. ને રોટલા તો સૂતા રહે તો પણ મહારાજ સોડમાં દઈ જાય ને નીકર દીધા હોય તે લઈ જાય; માટે દાળ-રોટલા ખાઈને ભજન કરી લેવું. લોકના ફેલમાં ને વ્યસનમાં સત્સંગીના રોટલા છે, એમ જાણવું ને ડોળ ન કરવો.
ડોળ : આડંબર, દેખાવ, દંભ.
(૧૪૫) નૃસિંહાનંદસ્વામીને મહારાજે ભણાવવા માંડ્યા, તે ‘પંચસંધિ’ મહિના એકમાં કંઠે કરી, પણ મૂર્તિ દેખાતી હતી તે ન દેખાણી. પછી રોયા, તે મહારાજ કહે, “ભણવું મૂકી દો.” મૂર્તિ અખંડ રાખ્યામાં દાખડો બહુ પડે છે; કેમ જે, આ જીવે પાપ ઘણાં કર્યાં છે. તે પાપના કરોડ કોઠાર ભર્યા છે, તેમાંથી ભગવાને એક કોઠાર ફાડીને અરધાનાં ઇન્દ્રિયું, દેહ આદિક સમસ્ત કર્યું ને અરધામાંથી તેના ભોગનાં સ્થાનક કર્યાં; માટે એ બધુંય પાપ છે. કોઈ ઇન્દ્રિયું-અંત:કરણ ભગવાન ભજવા દે એવાં નથી ને જીવ તો એકલો છે; તે જો બળિયો થાય તો ભગવાન ભજાય, નીકર ભજવા દે એવાં નથી; પણ જે દિ તે દિ કર્યે છૂટકો છે; એ સિદ્ધાંત છે. ને અંતર્દૃષ્ટિ કરવી તે ધીરે ધીરે કરવા માંડ્યે થાય; તે એમ કર્યા વિના છૂટકો નથી.
મૂર્તિ : સંતો.
(૧૪૬) એક કડિયે મહારાજની મૂર્તિ કરી તે સૌ કહે, ‘ભારે કલમ છે !’ ત્યારે સ્વામી કહે, ‘હા, એ તો બહુ સારું, પણ મેં તો બધુંએ જોયું, તેમાં નિષ્કામીપણાની કલમ સૌથી ભારે જણાણી, તે કોઈથી ન રહે માટે એ રાખવી.’
મૂર્તિ : સંતો.
(૧૪૭) આ નેત્રથી આ સાધુનાં દર્શન થાય, ત્વચાએ સ્પર્શ થાય, નાસિકાએ તેને ચડ્યાં હોય એ પુષ્પનો ગંધ લેવાય ને રસનાએ તેનો વિનય થાય એટલો જ લાભ છે.
વચ. ગ.પ્ર. ૧૮
(૧૪૮) એક દિવસ જરૂર મરવું છે, પણ ભૂલી બેઠા છીએ, એ પૂરું અજ્ઞાન છે. આત્મા દેખાણે ન વળ્યું, ધ્યાનપરાયણે ન થયું,
આકુતિ-ચિતિ-ચાપલ્યરહિતા નિષ્પરિગ્રહાઃ ।
બોધને નિપુણા આત્મનિષ્ઠાઃ સર્વોપકારિણઃ ॥
(સત્સંગિજીવન : ૧/૩૨/૨૮)
અર્થ : શ્રીહરિ ભક્તિમાતાને કહે છે : ‘હે સતિ ! મુમુક્ષુઓએ કેવા સંતને સેવવા જોઈએ ? તે જેઓ કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયોની ચપળતાએ રહિત અર્થાત વિષયવાસનાઓ વિરહિત આત્મહિતમાં વિરોધી પરિગ્રહ રહિત, તત્ત્વબોધ આપવામાં પ્રવીણ, આત્મામાં જ એક નિષ્ઠાવાળા (આત્મારામ), સર્વ જનોનો આ લોક-પરલોકમાં ઉપકાર કરવાના સ્વભાવવાળા હોય.’
એ પ્રમાણે રહે ત્યારે પૂરો સાધુ કહેવાય.
કોટિકલ્પશતૈરપિ । (સુવાક્ય)
અર્થ : કરોડો કલ્પોના સૈકાઓથી પણ.
ત્યારે અંત આવે છે.
અર્થ : ધન, સંપત્તિ.
(૧૪૯) અમે વાડી કરી છે. તે ત્યાં જવું બહુ ગમે છે; કેમ જે, વન, પર્વત, ઝાડી ગમે એ રુચિ, ને આ આટલું બ્રહ્માંડનું કામ કરીએ તે તો આજ્ઞાએ, પણ અનુસંધાન ઓલ્યું. ને આ તો મોટું રાજ્ય છે, તે કોટિક તો સંકલ્પ કરવા પડે, પણ અંતરમાં કાંઈ નહિ, એવો મારો સ્વભાવ છે. માટે સૌને એમ કરવાની રુચિ રાખવી, કરવા માંડે તો થાય, જેમ ભણવા મંડ્યે ભણાય છે, એ આદિક સર્વે ક્રિયાયું કરે તો થાય. આ ગિરનાર જેવડા તરંગ હૈયામાં ઊઠે, તેથી મોટા ડુંગર જેવડા ઊઠે, તે માટે જરા બંધ રાખીને ભગવાનને સંભારવા.
વચ. ગ.અં. ૧૩
(૧૫૦) એક જણ તો કોઠારીને મારવાનું ધારતો હતો. તે ભગવાનનો કોપ થયો, તેથી દોઢ વરસ સુધી માંદો રહ્યો. પછી મારી આગળ રોયો ને દીન થયો, ત્યારે મને દયા આવી એટલે મટ્યું. માટે એવા સ્વભાવ ન રાખવા.
દીન : લાચાર, ગરીબ, રાંક.
(૧૫૧) મેડે મંડળી ભેળી થઈને મલકની નિંદા કરે છે, તે જો કરશે તો કાઢી મૂકશું. ને જે ‘ધર્મામૃત’ આપણી ઉપર જ કર્યું છે તે લોપીને ચોરીઓ કરે છે ને લૂગડાં વધુ રાખે છે તે ઠીક નહિ પડે; ટિટોડી ઊંચા પગ કરે તેણે કરીને આકાશ નહિ ઝિલાય, તે સારુ કાંઈ અટક્યું નહિ રહે, કાઢી જ મૂકશું.
કાંઉં ઝાઝાં કગોરડાં ને કાંઉં ઝાઝા કપૂત,
હકડિ તો મહીડી ભલી ને હકડો ભલો સપૂત.
માટે જે વધુ રાખતા હોય તે આ ઘડી ચાલવા માંડો. અમારે તો ધર્મ રાખતાં જે થાશે તે કરવું છે, એવો ઠરાવ છે.
(૧૫૨) અમારે તો કાંઈ વસ્ત્ર જ ન જોઈએ, એક ધાબળી પણ નથી ને આ ખાધાનું તો કોઈકના સારાને અથેર્ર્ છે; બાકી દાળ-રોટલા જોઈએ ને બીજામાં મહારાજને પ્રતાપે સહેજે અરુચિ જ રહે છે, તે માટે ભૂંડા સ્વભાવનો ત્યાગ કરીને ભગવાન ભજવા.
(૧૫૩) બ્રહ્મચર્ય રાખવાના તો છ ઉપાય છે. તેમાં આંખ, કાન, નાક ને મન એ ચાર ચોરી કરી જાય છે, તેની સૂરત રાખીને સાચવવાં. તેમાં આંખને તો બીડી લેવી, તેથી ઉપજે જ નહિ એ મૂળ છે. ને ઝાઝું ખાવું નહિ ને ઝાઝું ઊંઘવું નહિ એ પણ મૂળ છે. તેમાં ખાવું ને ઊંઘવું તેમાં તો વિષય જ રહ્યા છે, તે માટે
અસંકલ્પાત્ જયેત્કામં (સુભાષિત)
અર્થ : સંકલ્પોનો ત્યાગ કરવાથી કામ ઉપર જય મેળવી શકાય છે.
ધીરે ધીરે સંકલ્પ બંધ કરવા માંડીને ભજન કરવું ને મનનો વિશ્ર્વાસ ન કરવો. તે ઉપર,
ન કુર્યાત્કર્હિચિત્સખ્યં મનસિ હ્યનવસ્થિતે ।
યદ્વિશ્રમ્ભાચ્ચિરાચ્ચીર્ણં ચસ્કંદ તપ ઐશ્વરમ્ ॥
નિત્યં દદાતિ કામસ્ય છિદ્રં તમનુ યેરયઃ ।
યોગિનઃ કૃતમૈત્રસ્ય પત્યુર્જાયેવ પુંશ્ચલી ॥
(શ્રીમદ્ ભાગવત : ૫/૬/૩, ૪)
અર્થ : મન ચંચળ છે માટે તેની મિત્રતા કદી કરવી નહિ; કારણ કે મનનો વિશ્ર્વાસ કરવાથી મહાસમર્થ પુરુષોનાં લાંબા કાળનાં તપ પણ નાશ પામ્યાં છે, જેમ વ્યભિચારિણી સ્ત્રી પોતાની પર વિશ્ર્વાસ કરનાર પતિનો જારપુરુષને અવકાશ આપી તેઓ દ્વારા નાશ કરે છે, તેમ જે યોગી મનનો વિશ્ર્વાસ કરે છે તેનું મન કામ તથા તેની પાછળ રહેનારા ક્રોધાદિક શત્રુઓને અવકાશ આપે છે; (અને તે સારા યોગીને ભ્રષ્ટ કરે છે.)
એ શ્ર્લોક બોલીને કહે, ‘આ સર્વે વાત ખપવાળાને કામની છે. જેને કલ્યાણ જોઈતું હોય તેને આંહીં બીજું શું છે ! બાકી તો અમે બેઠા છીએ ત્યાં જ ‘ધર્મામૃત’ લોપાય છે, પછી વાંસેથી તો શું થાશે ? ને વહેવાર કર્યા વિના તો ચાલે નહિ; પણ પાછું વળવું, એમ મહારાજનો ને મોટા સાધુનો સિદ્ધાંત છે.’
વચ. ગ.પ્ર. ૧૮
અર્થ : ધન, સંપત્તિ.
(૧૫૪) મહારાજની વાંસે એકાંતિકની કચેરી હતી તે તો ઊઠી ગઈ છે ને ઊઠી જાય છે ને આ તો જ્યાં સુધી આવા સંત ને દશ-વીસ હજાર સારા હરિજન છે ત્યાં સુધી ‘વચનામૃત’નાં વચન, ‘ધર્મામૃત’નાં વચન એ બે તથા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, માહાત્મ્યે સહિત ભક્તિ એ ચારથી એકાંતિક ધર્મ રહેશે ને પછી તો ‘શિક્ષાપત્રી’ પળશે; માટે આપણે તો હમણાં જ સાધી લેવું. ને બ્રાહ્મણને લોટ માગીને, બાટી શેકીને પણ આ સમાગમ કરવા વાંસે ફરવું ને ક્ષત્રિયને પાકું માગીને પણ આ કરી લેવાનું છે.
વાંસે : પાછળ.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
બાટી : છાણાંની આંચથી શેકેલો કણકનો ગોળો કે જાડી ભાખરી.
(૧૫૫) હવે નવરા થયા તે ભૂતના વાંસડાની પેઠે મનને સેવામાં જોડી દેવું ને વિષયમાં સંકોચ કરવો; પણ જો એમ નહિ થાય તો નિયમ નહિ રહે. ને શેર એક ખાવું, બહુ બહુ તો દોઢ શેર ખાવું; પણ બશેર લગી તો ન જ પૂગવું ને ઝાઝું સૂવું નહિ; કેમ જે, સૂતે સૂતે અન્ન પચીને પછી ઇન્દ્રિયું બળવાન થાય, તે માટે સંકોચ રાખવો.
(૧૫૬) એક દિવસ મહારાજે મને કહ્યું હતું જે, “ધર્મકુળમાં રઘુવીરજી જેવો કોઈ નથી.” તે વાત સાચી; કેમ જે, એની રહેણી કે સ્થિતિ તે ક્યાંય ન મળે ને ત્યાગની છટા પણ મહારાજના જેવી જ હતી; એવા હવે નહિ થાય, કદી મહારાજ મોકલે તેની વાત બીજી.
(૧૫૭) આ જે સ્વામિનારાયણ તેને જે કોઈ કચવાવશે કે રૂખમાં નહિ રહે, તેનું તો બહુ ભૂંડું થાશે ને કાંઈનું કાંઈ નરસું થઈ જાશે; માટે કચવાવવા નહીં.
રૂખમાં : ધર્મમર્યાદામાં, અદબમાં.
(૧૫૮) એક વાર મહારાજે ઊભા થઈને કહ્યું હતું જે, “નિયમ ભંગ કરશો મા, ને જેને કરવું હોય તે સત્સંગમાં રહેશો મા ને આ જે સૂરજ સરખી ગોદડીઓ તેમાં ભલા થઈને ડાઘ લાગવા દેશો મા. ને મને ભગવાન જાણશે ને કુસંગમાં હશે તો પણ કલ્યાણ થાશે ને સત્સંગમાં રહીને નિયમ ભંગ થાશે એનું તો ભૂંડું જ થાશે.” એમ મહારાજે કહ્યું હતું ને એના સાધુ પણ રોજ કહે છે; તે માટે ન રહેવાય તો માગ દેજો. ને ઉંદર ને મીંદડી વહાણમાં બેઠાં, તે મીંદડી કહે, ‘ધૂડ ઉડાડ મા.’ ત્યારે ઉંદર કહે, ‘મારનારી થઈ હો તો આમ જ માર ને.’ એમ જે, જનારા થયા હોય તે જજો, પણ મીંદડીની પેઠે કરશો મા.
રોજ : દરરોજનું મહેનતાણું/મજૂરી.
(૧૫૯) અહો ! જુઓને, પરદેશથી વાતું સાંભળવા આવે છે ને આ આંહીંના મેડે ને બીજે બેઠા રહે છે; તે શું સમજ્યા ? ખરેખરો થઈને સાધુમાં વળગે તો કામાદિક શત્રુ બળી જાય ને ભગવાનમાં જોડાય ને જેને ખાવા મળતું હોય ને ભગવાનને ન ભજે એ જેવો કોઈ પાપી નહિ, અધર્મી નહિ, મૂરખ નહિ ને અણસમજુ નહીં. અહો! આવા મહારાજ મળ્યા ને એવી ખોટ રહી જાય છે, એ જેવું શું છે ?
(૧૬૦) આ જીવ તો ઘરમાં, કુટુંબમાં, લોકમાં, ભોગમાં ને દેહમાં ગીરના આંધળાની પેઠે વળગ્યો છે; પણ અંતે રહેવું નથી, એ મૂકીને ચાલ્યું જવાશે.
(૧૬૧) આ દેહ જેવું તો કોઈ વહાલું જ નથી. તે ખૂણે જઈને સુવાડી મૂકે, પછી કોઈક દ્રવ્ય લઈ જાય, લૂગડાં આદિક પદાર્થ લઈ જાય, અરે ! માથું પણ કાપી જાય તો પણ ખબર પડતી નથી, એમ દેહ સારુ થાય છે. તે દેહનું જે પોષણ કરે તેમાં ને જે દેહની શુશ્રૂષા કરે તેમાં હેત થયા વગર રહે જ કેમ? ને દેહ તો કાલે પડી જાશે, માટે એથી નોખું પડવું. પછી,
જેનું રે મન વન વાંછતું, અતિ રહેતા ઉદાસજી.
તે તાક્યા વસ્તીએ વસવા, બાંધી સૌ સાથે આશજી. જેનું૦
જેને રે ગમતી જીરણ કંથા, જેવું તેવું જળ ઠામજી;
તેણે રે રંગ્યાં રૂડાં તુંબડાં, ગમતાં વસ્ત્ર માગે ગામોગામજી. જેનું૦
(કીર્તન મુક્તાવલિ : ૪૮૪)
એ બોલ્યા ને બીજું શિષ્યનું પણ એવું છે,
પોતાનો પરિવાર પરહરી, ચાલ્યો એકીલો આપજી;
તેણે રે કર્યો સ્નેહ શિષ્યશું, લીધો પરનો સંતાપજી. જેનું૦
(કીર્તન મુક્તાવલિ : ૪૮૪)
તે શિષ્ય સારુ વાંસે જાય છે, તે શિષ્ય જાય તો એવું થાય છે, માટે જ્ઞાન શીખવું.
શુશ્રૂષા : સેવાચાકરી.
વાંસે : પાછળ.
(૧૬૨) નાગર ગવૈયા પાસે
બતિયાં તેરી શામ સોહાવનિયાં વે...
એ કીર્તન બોલાવીને વાતું કરી ને કહે જે, ‘આ કલાક લેખે લાગી, બાકી બધી ખાલી ગઈ.’ તે ઉપર દૃષ્ટાંત દીધું જે, એક ગામને પાદર પાવળિયામાં આયુષ્ય લખેલ કે કોઈકનું મહિનો, કોઈકનું બે મહિના, કોઈકનું છ મહિના ને કોઈકનું વરસ. તે એ ગામમાં એક બ્રાહ્મણ રહેવા જતો હતો, તે એ વાંચીને પાછો વળ્યો, ત્યારે ત્યાંના માણસે કહ્યું જે, ‘એમ નથી, આ તો જેણે આ ગામમાં જેટલી ઘડી ભગવાન ભજેલ ને ભગવાનની કથાવાર્તા સાંભળેલ તે બધી ઘડી ભેળી કરીને જેટલી થઈ તેટલી જ આવરદા પાવળિયામાં માંડી છે; કેમ જે, બાકીની તો એળે ગઈ છે.’ એમ આપણે પણ એવું છે જે, જેટલી ઘડી ભગવાન સંબંધી થયું એટલી જ ઘડી સાચું છે. ને કામમાં, ક્રોધમાં, લોભાદિકમાં જેમાં જેટલી કસર આંહીં રહેશે તેટલી ક્યાંક ટાળ્યા પછી ધામમાં જવાશે.
પાવળિયામાં : પાળિયામાં, ખાંભીમાં.
એળે : ફોગટ, વ્યર્થ, નિરર્થક, વૃથા.
કસર : ખોટ, ઉણપ.
(૧૬૩) ‘આ જીવને આજીવિકા હોય તે તૂટે એ કેવું લાગે ! એમ સત્સંગ કર્યા પછી આ દેહને વિશે પંચવિષયની આજીવિકા તૂટી જાય છે. તે નેત્રને રૂપની, રસનાને રસની, નાસિકાને ગંધની, ત્વચાને સ્પર્શની એ બધાયની આજીવિકા તૂટી જાય છે, પછી કેમ સુખ રહે ?’ એમ ચાર-પાંચ વાર કહી બોલ્યા જે, ‘આવી વાત કોઈ દિવસ કરી નથી.’
(૧૬૪) આ જીવ તો ઝાડ, પથરા, ધૂડ ને બેલાં, એ જુએ છે; તેમાં શો માલ છે ? અને મૂળ શાસ્ત્રમાં કહ્યું છે જે, ‘નેત્ર આગળ આવે તે જોવું, પણ બહુ લાંબી દૃષ્ટિ ન કરવી.’ એમ સાધુનો મારગ છે, પણ આ તો વારે વારે વખાણ કરે જે, આવું હતું ને આમ થાશે. ને શાસ્ત્રમાં કહ્યું તે જે, નિયમ પ્રમાણે જમે તે સદા ઉપવાસી ને વસ્ત્ર પણ નિયમ પ્રમાણે રાખે તે ત્યાગી, માટે નિયમમાં રહેવું.
(૧૬૫) જે દિવસ તે દિવસ સાધુથી જ મોક્ષ થાય છે, ને જ્ઞાન આવે છે, ને જે દિવસ કાંઈક થયું હશે તે પણ તેથી જ થયું છે ને થાશે તે પણ તેથી જ થાશે. માટે મોક્ષનાં દ્વાર જ આ સંત છે; તે આ ચૈતન્યાનંદસ્વામી ઢોલો, ખાધાનાં, વસ્ત્ર ને પદાર્થ પાર વગરનાં રાખતા તેનું કોઈથી કહેવાણું નહીં. મહારાજે એક વાર કહ્યું હતું તે સારુ મરવા તૈયાર થયા હતા. ને શ્રીજીમહારાજ આગળ કોઈને પદાર્થ મૂકવું હોય તો તે આગળથી પોતા પાસે લાવે, ત્યાર પછી મહારાજ પાસે મૂકવા જવાય એવું હતું; પણ બાળમુકુંદાનંદસ્વામીએ ને ગોપાળાનંદસ્વામીએ વાતું કરી, ત્યારે સર્વેનો ત્યાગ કરીને પંગતમાં રોટલા ખાય ને હાથ જોડીને બોલે, એવું સાધુ વતે થયું. તે સભામાં બોલ્યા જે, ‘બાર વરસ સદ્ગુરુ ને બાર વરસ ગુરુ રહ્યો પણ સત્સંગી તો આજ થયો.’ ને ઘનશ્યામદાસને તો મેં એવી વાતું કરી જે, સ્વભાવમાત્ર કાઢી નાખ્યા; તે મહારાજ ભેળા પણ ઘોડા વગર ન ચાલતા ને લૂગડાં આદિક પદાર્થનું પણ તેમ જ હતું. તે હવે સાધુ થઈ ગયા, એમ થાય છે; માટે આવા સાથે જીવ બાંધવો.
(૧૬૬) કેટલાક ઢોર સાથે જીવ જોડે છે ને સંભારે છે તે ઢોર એને વશ થઈ રહે છે ને વાંસે ફરે છે, એમ ભગવાન સામું જોઈ રહે ને જીવ જોડે તો એ વશ થયા વિના કેમ રહે ? એ તો પછી એની વાંસે જ ફરે ને સામું જોઈ રહે; કેમ જે, ભક્તવત્સલ છે. તે માટે ભગવાન સામું જોઈ રહેવું ને બીજું ઝાડ આદિક કાંઈ જોવું નહિ ને દેહને ઘસારો લગાડવો હોય તો રાતે બબ્બે કલાક ભજનમાં બેસવા માંડે.
વાંસે : પાછળ.
(૧૬૭) મુંબઈ જાય તો સત્સંગ થોડો ઘાસે ને તેથી મુંબાસા (મોમ્બાસા) જાય તો વધુ ઘાસે ને તેથી કાપકુફ્રાન (કેપટાઉન-દક્ષિણઆફ્રિકા) જાય તો સાબદો ઘાસી જાય. માટે ઘેર બેઠાં રોટલા મળે તો વધુ સારુ, આઘું જવું નહીં.
(૧૬૮) શહેર-પાટણ સેવવાં નહિ ને સુખ તો સત્સંગમાં જ છે. ત્યારે કોઈકે કહ્યું જે, ‘તમારી આજ્ઞામાં રહે તો ?’ એટલે કહે, ‘હા, આજ્ઞામાં રહે તો સુખી થાય, ને આજ્ઞા બહાર પગ દે તો દુ:ખી થાય. આજ્ઞા ને વચન એ બેમાં જ સુખ છે ને તેમાં મોક્ષ પણ રહ્યો છે. જુઓને જાનકીજીએ આજ્ઞા બહાર પગ દીધો તો હરાણાં. ને એક કડિયો કરાંચી ગયો તે ભારે કમઠાણ ઉઠાવીને રૂપિયા પંદર હજાર ભેળા થયા. પછી મેં આંહીંથી કાગળ લખ્યો જે, ભાગી આવજે, ઝાઝો લોભ કરીશ મા; પણ ન આવ્યો તેમાંથી શુંએ થયું તે બધાય ગયા ને પોતે માંડ બાયડી-છોકરાં લઈને ભાગ્યો, એમ પણ થાય છે.’
જુઓ પ્રકરણ ૧૦ની વાત ૧૭૦
કમઠાણ : જહેમત, શ્રમ.
(૧૬૯) ભગવાનનાં કથાકીર્તન થાતાં હોય ત્યારે ધ્યાન મૂકી દેવું; કેમ જે, એમાંથી જ્ઞાન થાય અને પછી ધ્યાન ટકે.
(૧૭૦) જીવ પંચવિષય સારુ હેરાન થાય છે તે એક એક વિષય ગિરનાર જેવા છે, તે ઊખડતા નથી ને આ બધો મલક મંડે તો ગિરનાર પર્વત પણ ઊખેડી નાખે; પણ કામ તો કરોડ ઉપાયે પણ ન ઊખડે. બે વાંદરા કામ સારુ લડ્યા, તેમાંથી એક વાંદરો દોડ્યો ને ઝાડને બચકું લીધું તે દાંત ખૂંચી ગયા એટલે મરી ગયો. એવું કામ વિષયનું છે. કામથી ક્રોધનું વધુ છે,
કામં દહન્તિ કૃતિનો નનુ રોષદ્રષ્ટ્યા
રોષં દહન્તમુત તેન દહન્ત્યસહ્યમ્ ।
સોઽયં યદન્તરમલં પ્રવિશન્બિભેતિ
કામઃ કથં નુ પુનરસ્ય મનઃ શ્રયેત ॥
(શ્રીમદ્ ભાગવત : ૨/૭/૭)
અર્થ : યોગીઓ કદાચ રોષ દૃષ્ટિથી કામને બાળી શકે છે, પણ પોતાને બાળતો એવો જે અસહ્ય ક્રોધ તેને બાળી શકતા નથી. એવો ક્રોધ જેના હૃદયમાં પ્રવેશ કરતાં ભય પામતો હોય, તેના મનને કામ તો ક્યાંથી અડી શકે !
એ શ્ર્લોક બોલીને કહ્યું જે, ‘શિવના ગણે કામ તો બાળી નાખ્યો છે, પણ ક્રોધે કરીને પોતાના અરધા અરધા હોઠ કરડી ખાધા છે. તે માટે બધુંય જાળવવું ને છઠ્ઠું મન પણ નીલ વાંદરા જેવું છે, તે હળી હળીને દોડે છે ને એક ક્ષણ સ્થિર થાતું નથી.’
મલક : પ્રદેશ.
અર્થ : ધન, સંપત્તિ.
(૧૭૧) માંગરોળમાં મહારાજ મૂળચંદભાઈને ત્યાં જમવા ગયા, તે રસ્તામાં એક કબો વાણિયો વેપારમાં ખોટ ગઈ તેથી ઘેલો થઈ ગયેલ. તે હાટમાં બેઠો બેઠો ત્રાજવામાં ધૂડ ને છાણ ને પાણા ભરી ભરીને તોળે. પછી કહે જે, ‘લો સાકર, લો એલચી.’ એમ કહે, પછી મહારાજ કહે, “આ કોણ છે ?” એટલે હરિજને કહ્યું જે, ‘એ તો કબો ગાંડો છે.’ ત્યારે મહારાજ કહે, “હું તો જે જીવ ભગવાનને નથી ભજતા, એ બધાય કબા ગાંડા છે, એમ જાણું છું.”
પાણા : પથ્થર.
(૧૭૨) અહો ! ભાદરવે મહિને કાંઈ મેહ મોંઘા છે ! તે આમ આવા સંત છે ત્યાં સુધી છે; પણ ત્યાં તો કોઈ સમાગમ કરતું નથી ને પછી ગૃહસ્થ ને ભેખધારી તે સર્વેને પશ્ર્ચાતાપ થાશે. માટે સમજણવાળા ને વગર સમજણવાળા, એ બેયને જે તે પ્રકારે ઉદ્યમ કરીને રોટલાનું કરતે કરતે આ સાધુ પાસે આવવું ને રોટલાનું કરવું. ને વળી આવવું એમ કરી લેવું ને જીવ બીજું તો કરે જ છે તે તેમાં શું ! કોટિ કલ્પ સુધી તપ કરે પણ આ જોગ ન મળે, તે જે ઉપવાસ કરતા હશે તેને તપની ખબર પડતી હશે. એમ કહીને ‘બ્રહ્મવિલાસ’નું ગુરુનું અંગ બોલાવ્યું ને કહ્યું જે, ‘આ જોગ બહુ દુર્લભ છે; જીવને શું ખબર પડે ?’ એમ કહીને પોતાની ગોદડી દેખાડીને કહ્યું જે, ‘આ ગોદડી ઓઢીને બેસી રહીએ, તે ચીંથરે વીંટ્યા રતન છીએ.’
ઉદ્યમ : યત્ન, મહેનત.
કોટિ : કરોડ.
કલ્પ : આપણાં ચાર અબજ બત્રીશ કરોડ વર્ષનો સમય - બ્રહ્માનો એક દિવસ (પણ રાત નહિ)
(૧૭૩) સાધુને કોઈકે પૂછ્યું જે, ‘સ્વામિનારાયણ પ્રગટ્યા તેનો શું અભિપ્રાય છે ?’ તે તો મહારાજે કહ્યું છે જે, “જીવુંને મૂળ અજ્ઞાન છે તેનો નાશ કરીને અક્ષરધામમાં લઈ જવા, એ અભિપ્રાય છે.” તે ઉપર દૃષ્ટાંત છે જે, એક ઉંદરીયું વરસ થયું, તે ઉંદર ખેતર ખાઈને બળિયા થયા. પછી તેમણે વિચાર કર્યો જે, આપણા શત્રુ મીંદડાં છે તેને મારી નાખીએ. પછી તો થોડાક કહે, અમે એનું પેટ ખાશું; થોડાક કહે, અમે પગ; થોડાક કહે, અમે પૂછડું; પણ કોઈએ મોઢાનું ન કહ્યું, એમ છે; પણ કોઈ મોઢે ચડીને પૂછતું નથી.
મૂએલ કાંઉ મારશે દલદાર દાવલ પીર;
દાવલથી દેદા ભલા જેણે પઢીને કીધા પીર.
એમ મૂએલ શું પૂછે ?
(૧૭૪) એક હરિભક્ત ખંભાતથી સમાગમ કરવા આવતા હતા, તેને વચમાં એક જણે વાર્યા. તે વાત સ્વામી આગળ આંહીં આવીને કહી. પછી સ્વામી કહે, ‘તેને કહીએ ને જે, જૂનેગઢ તો,
તૂં મુરશિદ હૈ કામિલ, કાબિલ સબ હુન્નર તેરે હાથ વે;
(કીર્તન મુક્તાવલિ : ૮૧૫)
એવા છે, એમ કહેવું હતું ને ! સુંવાળાં લૂગડાં રાખીને બેસે તે મોટા; મોટાને તો કહેવાશે નહિ, પટારામાં તો હશે ખરાં ! માટે સાવચેત રહેજો. હવે તો પટારા, દેહ ને જીવ બધુંએ શોધવું છે, તે વિના પાર કેમ આવે ?’
મુરશિદ : ધર્મગુરુ.
(૧૭૫) એક જણે પૂછ્યું જે, ‘સૌ કરતાં વહાલું શું હશે ?’ ત્યારે ઉત્તર કર્યો જે, ‘અમને તો દેહ જણાય છે.’ ને મહારાજે પણ એક સાધુ આગળ કહ્યું કે,“જીવને કરોડ પાપના કોઠાર ભર્યા છે.” એ વાત વિસ્તારે કરીને બોલ્યા જે, ‘તે માટે એ પાપનાં છે, તે ભેળે દેહની એકતા આવી. તેમાં જે જીવ જુદો રહ્યો, તેને બળિયો કરીને ઓની ભેળું રહેવું પણ ભળવું નહિ ને કોઈ પદાર્થ કે વિષય રાખવા નહિ; પછી ત્યાં જઈને ભોં ખોતરવી પડે એ કરતાં આંહીં જ છૂટકો કરીએ નહિ ?’
(૧૭૬) અનંત ક્રિયા થાય પણ ઇન્દ્રિયું ને મનને રોકાય નહિ ને નેત્રે કરીને ગધેડું, કૂતરું, મીંદડું આદિક જુએ એમાં શો માલ છે ? પણ રહેવાય નહિ. હાલતાં-ચાલતાં, ખાતાં-પીતાં સર્વે ક્રિયાને વિશે ભગવાનને જ સંભારવા.
વચ. ગ.પ્ર. ૨૨
વચ. ગ.પ્ર. ૨૩
(૧૭૭) આ દેહને તો જેમ કોઈ પદાર્થ ઉપર તુળસી મૂકે છે ને કૃષ્ણાર્પણ કરે છે એમ કરી મૂકવો, તે વિના મોક્ષ થાય નહિ ને શાંતિ પણ થાય નહીં. એટલે એક જણે કહ્યું, ‘હા, શાંતિ થાતી નથી.’ ત્યારે સ્વામી કહે, ‘ક્યાંથી થાય ? શાંતિ તો આવા સાધુમાં છે; તેને સેવે ત્યારે આવે ને ભગવાન છે તેણે પોતે આ સાધુને શાંતિ આપી છે, તે માટે આ સાધુનો સમાગમ જે કરે તેને શાંતિ આવે.’
(૧૭૮) માન, કામ, ક્રોધમાં જીવ ભરાઈ રહ્યો છે, તેણે શું ભગવાન ભજાય છે ? ને ગ્રામ્યવાર્તાનું કહ્યું જે, ત્રણ જણ હતા તે ગ્રામ્યવાર્તા કરતા, તેને મહારાજ કહે જે, “આને અમ પાસે આવવા દેશો મા, એ ગ્રામ્યવાર્તા કરે છે.” માટે પ્રયોજનમાત્ર વાત કરવી પણ બીજી, રાજાની ને શાહુકારની તે શા સારુ (શા માટે) કરવી જોઈએ ? ભગવાન વિના બીજી વાત કરવી ને ભગવાનની સ્મૃતિ વિના ખાવું એ ધૂડ જેવું છે, માટે સાધુનો સમાગમ કરીને કામ, દેહાભિમાન ને ક્રોધ એ ટાળવાં.
(૧૭૯) દેહને તો શું કરવું છે ? આમ ને આમ પરપોલા જેવું કરી રાખે છે, એવું ન રાખવું; ખાસડાં જેવું કરી નાખવું. આ જુઓને, અમારા પગ વજ્ર જેવા છે, તે કાંટો વાગે નહિ ને ધગે પણ નહીં. ને એક વાર મહારાજ પાસે જતા હતા તે રસ્તામાં શૂળો હતી તે કરડ કરડ બોલતી ગઈ ને અમે ચાલ્યા ગયા, કાંઈ થયું નહિ; માટે દેહ જો પરપોલા જેવું રાખ્યું હોય તો જરાક વા ન આવે કે જીવ માંહીથી આકળો થઈ જાય. તે માટે એવું દેહ ન રાખવું.
(૧૮૦) સંવત ૧૯૨૦ના ભાદરવા સુદિ બીજને દિવસે જૂની ધર્મશાળા ઊખેળીને વાત કરી જે, ક્રિયા કરવી તેમાં માન, ક્રોધ ને ઈર્ષા એ ત્રણ તો આવવા દેવાં જ નહિ અને ક્રિયામાં તો માણસ જડાઈ જાય છે; તે મોરે એક સાધુ ઉપરથી બેલું નાખતા હતા, તે જાણ્યું જે, કોઈકના ઉપર પડે છે એમ થાતું હતું, ત્યાં તુરત પાધરા બેલા સોતા જ તે પડ્યા. પછી ભગવાને રક્ષા કરી, પણ ક્રિયામાં એમ જડાઈ જવાય છે. માટે મોટું કામ તો ધીરે ધીરે કરવું ને બીજું તો બધુંય થાય પણ આ જે આજ્ઞા ને વર્તમાન જે પાળે, તે ઉપર મહારાજની નિરંતર દૃષ્ટિ રહે છે, તે આજ્ઞા ને નિયમ તે શું ? જે, ત્રણ ગ્રંથમાં બધું આવી ગયું.
મોરે : અગાઉ
સોતા : સહિત.
(૧૮૧) વરતાલમાં મેડા ઉપર મહારાજે વાત કરી જે, “સ્વામીજી, હજી નિશ્ર્ચયમાં ફેર છે કે નથી થયો ? જો કોઈક સ્ત્રી ભેળી હોય તો ડગમગાટ થાય ?” વળી ગોકળ ભાટિયાનું કહ્યું જે, ‘નાત બહાર કાઢ્યા ને એની ડોશીને સર્વે ક્રિયામાં ભગવાન દેખાય ને બહાર જાય ત્યાં ને જે ક્રિયા કરે તે સર્વેમાં મહારાજ દેખાય, પણ સત્સંગી નહોતી. ત્યારે એવી કોઈક ક્રિયા જોઈને નિશ્ર્ચય રહે નહિ; સંશય થઈ જાય, પણ લીલા ન જણાય. સત્સંગ કરે ને તેમાં જો આ સર્વે કહ્યાં એવાં ચોજ ન સમજે તો કસર રહી જાય.’
કસર : ખોટ, ઉણપ.
(૧૮૨) આ સાધુનું તો દર્શન કરે પંચમહાપાપ બળી જાય પણ પૂરું માહાત્મ્ય ક્યાં જાણ્યામાં આવ્યું છે ?
માહાત્મ્ય : મહિમા, મહત્વ.
(૧૮૩) હે પરમહંસો ! સ્ત્રીરૂપી તલવારે કરીને કોણ હણાણો નથી? ને હે પરમહંસો ! દુ:ખ દેવાને અર્થે યૌવન અવસ્થા તે ચડતું પગથિયું છે; તેમાં ય તપે, વ્રતે, જોગે ને છેલ્લી વાર આવા સાધુને સંગે કરીને આ યૌવન અવસ્થા તરવી ને ભગવાનમાં જીવ જોડવો.
(૧૮૪) હે પરમહંસો ! શાંતિ તો એક નારાયણના ચરણારવિંદમાં જ છે. તે માટે તે સામું જોઈ રહેવું. જેમાં નિદ્રા આવવી જોઈએ તેમાં નથી આવતી, આ ટોડાં સારે છે તેમાં નથી આવતી ને જો માળા ફેરવવા બેસે તો બધાયને આવે, પણ ધીરે ધીરે ભગવાનને સંભારતા જાય ને ટોડાં લાવતા જાય તો એમ જ થાય; મરને એક ટોડું ઓછું આવે, પણ એવા સ્વભાવ પાડેલ નહીં. આવાં તો બ્રહ્માંડમાં એક લાખ, કરોડ કારખાનાં ચાલતાં હશે. એમાં શું પાક્યું ! આગ્રામાં અઢાર કરોડ રૂપિયાનું એક કબરસ્તાન છે, તેણે શું થયું ? માટે ભગવાન ભજ્યામાં સુખ છે.
મરને : ભલેને.
(૧૮૫) આસો વદિ આઠમે વાત કરી જે, ‘ભગવાન નથી ભજતા ને બીજા ડોળમાં ભળે છે તેને લંબકર્ણ જેવા કહ્યા ને ભજે છે તેનાં લક્ષણ કહ્યાં જે,
હું બલિહારી એ વૈરાગને, ઉપન્યો જેને અંગજી.
(કીર્તન મુક્તાવલિ : ૪૭૯)
એ બોલ્યા. ને પછી કહ્યું જે, કોઈને હિંમત આવતી હોય તો આ સમો ભગવાન ભજ્યાનો છે, તે કોઈને હિંમત આવતી હોય તો આ સમે ભગવાન પ્રગટ્યા છે; તે કોઈને હિંમત આવતી હોય તો તે ભેળા એના સાધુ પણ આવ્યા છે અને કરવાનું પણ એ જ છે. આ તો જીવને ગરજ ક્યાં છે ?’ એમ કહીને હસ્યા, ‘જુઓને! લોંઠાએ આ સાધુ માળા ફેરવાવે છે, લોંઠાએ નિયમ પળાવે છે, લોંઠાએ ભગવાન ભજાવે છે, નીકર જીવને તો કાંઈ કરવું જ નથી, તે કરે જ નહીં.’
લોંઠાએ : પરાણે.
(૧૮૬) સંવત ૧૯૨૧ના કારતક માસમાં વાત કરી જે, ‘જે ક્રિયા કરવી તેમાં ફળનું અનુસંધાન રાખવું, તે કામનું ફળ જોવું જે શું છે ? તેમ જ ક્રોધનું, લોભનું, માનનું, સ્વાદનું ને સ્નેહનું એ બધાનું જોવું; તેને કહું તે સાંભળો જે, કામમાંથી ઇન્દ્રને હજાર ભગ થયાં ને ક્રોધમાંથી દુર્વાસાનું ભૂંડું થયું ને માનમાંથી દક્ષનું ભૂંડું થયું ને લોભમાંથી નંદરાજાને દુ:ખ થયું ને સ્વાદમાંથી શૃંગી ઋષિનું ને સ્નેહમાંથી સાપ થાવું પડે છે. એવાં કેટલાંક કહીએ ! એ મારગ જ ભૂંડો છે. માટે જે તે પ્રકારે દેહ નિર્વાહ કરીને સમાગમ કરી લેવો ને આ લોકમાં તો નહિ જ રહેવાય.’ એમ ચાર વાર કહ્યું. ‘બધુંય કરીએ ને સુખ માની બેઠા હોઈએ પણ ભગવાન છે તે જ્યારે ઘાંટો ઝાલશે ત્યારે અન્ન કે પાણી નહિ ઊતરે.’
વચ. ગ.પ્ર. ૧૮
જુઓ પ્રકરણ ૧૦ની વાત ૧૮
ભગ : કાણાં, ભગંદરના રોગમાં થાય.
(૧૮૭) અરે ! આવા સાધુ છે તે પણ દંડ દે છે. તે જેણે ત્યાગે, તપે આદિક સાધને કરીને વશ કર્યા હોય તેથી થાય. આ જીવનું કરવું તો કેવું છે તે મહારાજ કહેતા જે, “એક ગરાસિયો હતો તે કસુંબા કાઢે ત્યારે લડાઈની ને ધીંગાણાની વાતું કરે ત્યારે ખરાઈ આવે તે જ્યારે અફીણ પીએ ત્યારે અને ઊંઘે ત્યારે વળી ઢીલાઢબ.” એમ આપણે પણ જ્યારે વાતું થાય ત્યારે એમ અને પછી પાછું કાંઈ નહીં.
(૧૮૮) વહાણ છે તેનું સુકાન ધ્રુવ સામું મરડે છે ને તેના ખેવટિયા ધ્રુવ સામું જોઈ રહે છે, તેમ આપણે પણ ભગવાન સામું જ જોવું ને બીજે માલ નથી ને બીજું તો જે જે કરીએ છીએ તેમાં વેઠિયાની પેઠે મંડ્યા છીએ.
પહેલે પૂજત ગોર્ય જ્યું, પુનિ ડારત હૃદમાંહિ;
મુક્ત કહે સંસાર સુ, પ્રીત કિયે ગુન નાહીં.
(મુક્તાનંદ કાવ્ય : વિ.ચિ./સાધુ કો સંગ-૬)
તે જ્યારે સમાગમ કરશું ત્યારે વહેવાર વેઠરૂપ જણાશે.
ખેવટિયા : ખલાસીઓ.
(૧૮૯) સંવત ૧૯૨૧ના માગશર માસથી મહારાજ પાસે જવાની વૃત્તિ તણાય છે, તે તમને હમણાં તો જણાતું નથી; પણ ભાઈ, હવે આવો જોગ નહિ રહે ને મહારાજ ભેળા રહ્યા છે તે પણ વાંસે રોશે; કાં જે, આવી વાતું કોણ કરશે? કોઈ કરશે તો સુધી જન્મ-મરણની કરશે ને આ તો મનના ને ઇન્દ્રિયુંના દોષ કહેવા, તે એ કેને એની ખબર હોય ? એના દોષ કેણે જોઈને ત્યાગ કર્યા છે ? માટે આવો જોગ નહિ મળે.
વાંસે : પાછળ.
(૧૯૦) પુસ્તકમાં તો વાતું લખી હશે, પણ કોઈને તે કામ આવી નથી; કાં જે, ‘વચનામૃત’ની આખી પ્રતો પાસે પડી રહી ને વળી ભણેલા તે પણ સત્સંગમાંથી ગયા છે.
(૧૯૧) ધર્મશાળાનો તાલ, લાકડાં ને પાણામાં કાંઈ નથી. એ બધું કહીએ છીએ તો નિંદા જેવું કહેવાય છે, પણ આવી વાતું વિના પરભાવને નહિ પમાય. તે શુકજીને દેખીને ગોપીઓએ વસ્ત્ર ન પહેર્યાં ને વ્યાસજીને દેખીને પહેર્યાં; કાં જે, ઓને સ્ત્રી-પુરુષનો ભાવ નહિ, માટે સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ એ ત્રણથી તો વારંવાર નોખું જ પડવું અને એવી ભાવનાએ કરીને મૂક્યાં ત્યારે પ્રકૃતિપર્યંત આવી ગયું ને તે પર ગુણાતીત એવું સ્વરૂપ થયું, માટે તે વગર કોઈ કાળે છૂટકો નથી.
ત્યજ ધર્મમધર્મં ચ ઉભે સત્યાનૃતે ત્યજ ।
ઉભે સત્યાનૃતે ત્યક્ત્વા યેન ત્યજસિ તત્ ત્યજ ॥
(સુભાષિત)
અર્થ : ધર્મ અને અધર્મનો ત્યાગ કર. તેમ જ સત્ય અને અનૃતનો ત્યાગ કર. સત્ય ને અનૃતનો ત્યાગ કર્યા પછી જે કંઈ છોડી શકાય તે છોડ.
તે કહ્યું છે જે, ‘અસદ્વાસનાનો ત્યાગ કર ને સદ્વાસનાનો પણ ત્યાગ કર, તે કર્યું થાય.’ એ કહ્યું તે પ્રમાણે કરવું.
અર્થ : ધન, સંપત્તિ.
(૧૯૨) જીવને સત્સંગ થાય નહીં. તે તો જેટલા દેહ મૂકીને ગયા જે એકાંતિક સાધુ, તેમનો રાત્રિપ્રલય સુધી અહોનિશ જોગ રાખે તો થાય, નીકર પૂરો ન થાય.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
રાત્રિપ્રલય : અજ્ઞાનપ્રલય, પ્રકૃતિપુરુષ અને પ્રકૃતિપુરુષનું કાર્ય નજરમાં ન આવે ને ભગવાનના કર્તાહર્તાપણામાં સંપૂર્ણ નિર્દોષબુદ્ધિ એવી શુદ્ધ સમજણની સિદ્ધદશા.
(૧૯૩) અહો ! અહો ! આ ભરતખંડમાં આવો જોગ થઈ ગયો ! આ સાધુ, આ વાતું, આ ધર્મ જો ખરેખરા ઓળખાય તો ને આ સાધુ ઓળખાય તો કાંઈ કાચું નથી ને આ વાતું તો કોઈને મળી નથી.
(૧૯૪) આ દેહ હાડકાંનો, સ્ત્રીનો દેહ પણ હાડકાંનો ને છોકરાંનો પણ હાડકાંનો, એમાં કાંઈ માલ નથી. ને ચુનો એ ધોળી ધૂડ ને આ બીજી અમથી ધૂડ. દેહ ધૂડનો, રૂપિયા ધૂડના, કુટુંબી ધૂડનાં, ખાવું ધૂડનું, ખોરડાં ધૂડનાં એમ છે. ને એમાં જીવ માલ માનીને ચોંટ્યો છે; પણ કાળ ખાઈ જાશે માટે ભગવાન ભજી લેવા, બાકી બધું ધૂડનું જ છે.
(૧૯૫) અહો ! માણસ બધાં આ થાંભલાનાં દર્શન કરે છે; પણ કોઈ સાધુનાં નથી કરતા. ને કોટિ વાતની એક વાત જે, જે દિવસ ભગવાનને અને આ સાધુને નમશે તે દિવસ જ છૂટકો થાવાનો. ને જે દિવસ અખંડ ભજન કરશે ને જે દિવસ દોષ મૂકશે તે દિવસ જ ભગવાનના ધામમાં રહેવાશે. કરોડ વાતની એ એક જ વાત છે.
કોટિ : કરોડ.
(૧૯૬) મન પણ નવરું રહેતું નથી. લાખ ઘાટ કરે છે, પણ ઝાઝા રૂપિયા હોય તો કેટલું સુખ આવે ?
ઘાટ : માયિક સુખ ભોગવવાનો સંકલ્પ, વિકારનો સંકલ્પ.
(૧૯૭) આ ચાલ્યા ! આ દેહમાં કાંઈ રહેવાશે ? આ દેહમાં તો નરક ભર્યું છે, જેને સારું ખવરાવો છો ને જો સંબંધીને આપો તો સારું બોલે. બહેનને પણ જો હમણાં એક રૂપિયો પણ ન આપ્યો હોય ત્યારે હેતની ખબર પડે, બધું સ્વારથિયું હેત છે. એ આદિક ઘણીક વાતું કહી.
નરક : દોજખ, વિષ્ટા.
(૧૯૮) જો તમે આવ્યા તો દર્શન થયાં. કરોડ જન્મ તપ કરીએ તો પણ આટલી વાતુંના જેટલો સમાસ ન થાય, જો વિચાર હોય તો. માટે ભગવાન કે ભગવાનના જન પાસે ગયા વિના છૂટકો થાય નહિ ને જ્ઞાન પણ આવે નહીં. ને સો વરસ ભગવાન ભેળા રહીએ તો પણ સાધુ પાસે રહ્યા વિના સમજણ ન આવે. ને કોઈક મહારાજ પાસે આવીને થોડુંક બેસે, ત્યાં મહારાજ કહેશે જે, “મુક્તાનંદસ્વામી પાસે જાઓ.” એમ મોકલતા. પછી સ્વામી વાતું કરતા; તે માટે મોટા સાધુ સેવવા. પછી ભગવાનની પેઠે સેવવા જોગ સાધુનાં લક્ષણ છેલ્લા પ્રકરણનાં ૨૬મા વચનામૃતમાં છે તે વાંચો, એમ આજ્ઞા કરીને વંચાવ્યું.
(૧૯૯) સંવત ૧૯૨૧ના પોષ સુદિ પૂનમે પ્રાત:કાળમાં નવી ધર્મશાળામાં નિવાસ કર્યો, તે દિવસ વાત કરી જે, ‘જેતલપુરના મહારુદ્રમાં કુસંગીઓએ ભંગ કરવાનું હતું, તે મહારાજે આગળથી એક હાર (પંક્તિ) સાધુની, એક હાર પાળાની ને એક હાર હરિભક્તની ને એક હાર કાઠીની, એમ કોટની પેઠે કરીને પેસવા ન દીધા. તેમાં કહેવાનું શું છે ? જે, ‘જેમ એ કાઠીઓએ કડકડાટી કરીને કોઈને પેસવા દીધા નહિ, એમ આપણે ભજનની કડકડાટી કરીને બીજું કાંઈયે પેસવા દેવું નહિ ને ભગવાનનું રટણ કરવું તે ભેળું આ સાધુનું પણ રટણ કરવું. તે એમ ને એમ કર્યા કરવું.’
કડકડાટી : કકડાટ કરીને, સખતાઈ કરીને, ડર દેખાડીને.
(૨૦૦) કેટલેક ઠેકાણે ધર્મ કરે છે તેમાં કરોડ મણ દાણા વાવરે છે, પણ એક અરધ શેર બરાબર ન આવે ને એક અરધ શેર પણ વધી જાય એવું છે. જેમ ઋષિએ વનમાં સાથવાની ચાર પત્રાવળી પોતાને સારુ પૂરી હતી, પણ જો ઓલ્યા ઋષિ માગવા આવ્યા તેને દીધી તો તે ટાણે ચારેય ખાઈ ગયા ને જ્યારે હાથ ધોયા ત્યારે તેમાં નોળિયો આખોટો ત્યાં તો તે સોનાનો થઈ ગયો ને પાંડવોએ યજ્ઞ કર્યો તેમાં ન થયો; કાં જે, એમનું દ્રવ્ય એવું હતું. એ ધન મરુત રાજાનું લૂંટીને લાવ્યા હતા ને ઓલ્યો થોડો જ સાથવો હતો પણ મહેનત કરીને ભેળો કરેલ અને વળી શ્રદ્ધા સોતું (સહિત) દીધું, તેમ આગળ પાત્ર પણ એવું હતું. માટે પાત્ર જોઈને દાન કરવું.
વાવરે : વાપરે, ઉપયોગમાં લે.
સાથવો : શેકેલા અનાજનો લોટ.
(૨૦૧) બીજા તો સૂરાભક્તના આપાનાં જેવાં પુણ્ય કરે છે. તે આપો કાશીએ રૂપિયા પાંચસેં વાણિયાના વ્યાજે કાઢીને ગયા. તે ધોળકામાં સારાં કેળાં ને કેરી આદિક સારું દીઠું, એટલે ત્યાં રહ્યા, પછી બધું ખાઈને વરસ એક થયું ત્યારે વાંસ લઈને કાવડ કરી ને વચ્ચે સાબરમતીથી પાણી ભરીને આવ્યા. ત્યાં તો સૌ સામા ગયા ને ગામમાં આવ્યા. પછી ઓલ્યે વાણિયે ઉઘરાણી કરી ત્યારે કહે જે, ‘દેશું.’ પછી ઝાઝા દિવસ ગયા એટલે અકળાઈને કહ્યું જે, ‘કાં તો રૂપિયા દો ને કાં તો ગંગાજીનું પુણ્ય દો.’ પછી તો આપાના છોકરા સૌ કહે જે, ‘ના પુણ્ય તો નહીં.’ ત્યારે આપો કહે, ‘દે રે દે, પુણ્ય તો દીધા જીમો છે.’ એમ કહીને કાનમાં ધોળકાનું કહ્યું. પછી તો પુણ્ય દીધું ત્યાં તો મર વાણિયાનો છોકરો, પછી બાયડી ને પછી પોતે; આ જુઓ ! પુણ્ય જગતમાં એવાં થાય છે. એમ કહીને હસ્યા ને પછી કહે, ‘મહારાજ એવી વાતું કરાવતા.’
મર : ભલે.
(૨૦૨) આપણે કાંઈયે કરવું નથી; કારણ કે, સત્સંગમાં માલ છે તેણે કરીને ઉઘાડી આંખ છે. તે જોઈશું ત્યાં તો આ સાધુ ને ભગવાનનાં દર્શન થાય છે ને મીંચાશે ત્યારે પણ આ સાધુ ને ભગવાન દેખાશે, માટે ‘જીવતે લાખના ને મુવે સવા લાખના.’ હવે કોઈ વાતે ફિકર નથી. ને
દાસના દુશ્મન તે હરિ હોયે નહિ,
ભાઈ જે કાંઈ કરશે તે સુખ થાશે;
અણસમજે અટપટુ એ લાગે ખરું,
પણ સમઝીને જુવે તો સત્ય ભાસે. દાસ૦
(કીર્તનસાર સંગ્રહ : દ્વિતીય ભાગ/પાન ૪૫૬/પદ ૩)
(૨૦૩) આ સાધુ પાસે ભગવાન છે તે જે એનો સંગ કરે તેને દે છે, માટે આ સાધુના સમાગમમાં માલ છે; માટે એની આગળ દીન-અધીન થાવું, એને નમવું ને એનો અભિપ્રાય જાણવો જે, શું એનો સિદ્ધાંત છે ? એમ જાણીને તે પ્રમાણે વરતવું.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
(૨૦૪) આણી કોર દ્વારકાનાથ ને આણી કોર વડનગર ને વિસનગર ને આણી કોર સાબરમતી ને નર્મદા, એ બધેય ભગવાન ફર્યા છે, કાંઈ બાકી રહ્યું નથી ને આ સાધુ પણ બધે ફર્યા છે, માટે એ સંભારવું.
(૨૦૫) આ જીવ આમ સંકલ્પ કરે છે. જેમ ઓલ્યા સૂતરનો તાંતણો કરીને લૂગડું કરે છે એમ એકરસ આકાશની ઘોડ્યે કર્યા કરે છે, પણ આંહીં રહેવું નથી એની ખબર નથી, એવો જીવનો સ્વભાવ છે.
ઘોડ્યે : જેમ.
(૨૦૬) પંગતમાં બેસીને મેળાવીને લાડુ જમે તે નિ:સ્વાદી કહેવાય ને એકલો નોખો જો કાચો બાજરો ચાવે તોય પણ તે સ્વાદિયો કહેવાય. તે માટે જુદું પડે જ બગડે છે અને નિ:સ્વાદી કેને કહીએ ? એ પ્રશ્ર્નનો ઉત્તર કર્યો જે, ‘પંગતમાં જે મળે તે મેળાવીને ખાઈ લે ને બીજું કાંઈએય ઉપાર્જન ન કરે ને ચાળા ચૂંથતો ન ફરે એ નિ:સ્વાદી કહેવાય ને ત્યારે જ ભગવાન એની ઉપર રાજી થાય છે. તે રાજી કરવાના ઉપાય, સાધુનો સમાગમ ને નિયમ એ બે છે.’
ગર્ભમાંહી શું કહીને તું આવ્યો રે, પ્રાણી તે સંકટ વિસરાવ્યો રે.
(કીર્તનસાર સાગર : ૨૧૬)
એ કીર્તન બોલાવીને કહે જે, ‘તલવાર તો ખરી, પણ ક્ષત્રિયના હાથમાં હોય ને વાણિયાના હાથમાં હોય; એમ આવાં વચન પણ બ્રહ્મવેત્તાનાં લાગે પણ બીજાનાં લાગે નહીં.’
ઉપાર્જન : પ્રાપ્તિ માટેની ક્રિયા.
(૨૦૭) ચોવીસ વરસ થયાં આવરદા નથી ને આ દેહ વાતું સારુ જ રહ્યો છે, પણ ત્રીસ વરસ થયાં ક્રિયા ઉપરાઉપરી આવી છે, તે પૂરી વાતું થાતી નથી. આમ જો આગ્રહ રાખીએ તો ધ્યાન થઈ જાય ને સમાધિ થઈ જાય પણ પૂરી સોદરી વળે, એવી વાતું કરાતી નથી; મનનાં હામ રહી જાય છે.
હામ : અફસોસ, અસંતોષ.
(૨૦૮) સાધુ થયા ને ભેખ ન સુધર્યો, ત્યારે શું થયું ? જે કરવા આવ્યા તે તો ન થયું. માટે ધીરે ધીરે સાધુનાં લક્ષણ કહ્યાં છે તેમ વરતતા જવું, તે વિના છૂટકો નથી.
ભેખ : સંન્યાસ.
(૨૦૯) વૈશાખ વદિ એકાદશીએ શંકરપ્રસાદ આ ગામમાં આવતાં મારગમાં અદ્ધર ટૂંટિયું આવ્યું તે મરી ગયો, એ વાત એક હરિજન પાસે કહેવરાવીને કહ્યું જે, ‘એમ મુમુક્ષુને તો સદાય કડકડાટી જ દેખાય જે, આ તો હમણાં ચાલ્યું જવાશે !’ ને મહારાજે પણ કહ્યું છે જે, “અમને તો એમ જ વરતે છે જે, આ પળમાં ને આ ક્ષણમાં દેહ પડી જાશે.” માટે ભગવાન ભજી લેવા.
(૨૧૦) ઉપશમ કરે તે મને ગમે ને હું રાજી થાઉં ને જે જે ક્રિયા વિના ન ચાલે એવી હોય તે કરવી પણ પછી ધબ પડી મેલવી; સંકલ્પ કર્યા ન કરવા. આ તો મર્કટની ઘોડ્યે છે, તે એક બૂઢિયો વાંદરો તેને બીજાએ વાંદરી પાસેથી કાઢી મૂક્યો; પછી બોકાસાં નાખે. એમ આપણને પણ વિષયમાંથી દુ:ખ ઉપજે છે ને બોકાસાં નાખીએ છીએ. માટે વિષયથી છેટે રહેવું.
(૨૧૧) એક ભક્તે પૂછ્યું જે, ‘આત્મા કેમ દેખાતો નથી ?’ પછી સ્વામી કહે, ‘દેખાય તો છે, પણ મનાતો નથી; જ્ઞાન થાશે ત્યારે મનાશે. આ છે તે બ્રહ્મ ને ગયા એ પરબ્રહ્મ.’ એમ મર્મમાં વાત કરી.
મર્મમાં : રહસ્ય જાળવી રાખીને.
(૨૧૨) આ દેહ છે તે શ્રવણરૂપી કુહાડે કરીને ઘસાઈ જાશે, માટે કથા-કીર્તનાદિક શ્રવણ કર્યાં જ કરવાં. શ્રવણ સારુ તો પૃથુ રાજાએ દશ હજાર કાન માગ્યા. ને પ્રથમનું ૫૪મું વચનામૃત વંચાવીને બોલ્યા જે, ‘અહો ! આ વચનામૃત તો દિવસ બધો જાણે સાંભળ્યા જ કરીએ તો પણ તૃપ્તિ ન થાય. જુઓને ! એમાં મોક્ષનું દ્વાર જ બતાવી દીધું ને જ્ઞાન પણ બતાવી દીધું છે.’ એમ કહીને ત્રણ વાર વંચાવ્યું ને કહ્યું જે, ‘જેનાં કર્મ ફૂટ્યાં હોય તેને આ વાત ન સમજાય. તેને તો મૂળ મોટાપુરુષ એ જ શત્રુ જેવા જણાય છે, એ વિપરીત જ્ઞાન કહેવાય. માટે હવે તો સાધુને જ વળગી જવું અને આવો સમો આવ્યો છે તો પણ ભગવાન પાસે કે મોટા સાધુ પાસે રહીને વાતું સાંભળે નહિ, એવી જીવની અવળાઈ છે. ને આ ઘડી જો હજાર રૂપિયા ખરચવાનું કહે તો ખરચે, પણ ઓલ્યું ન થાય. ને સ્ત્રી, છોકરો, હવેલી ને વેપાર એ બધાં તેમાં આડ કરે’, ને મહારાજ પાસે પણ એક જણે કહ્યું હતું જે, ‘રૂપિયા ખરચું પણ રહેવાય નહીં.’ એક હરજી ઠક્કર પોતાના ગામથી આવીને ગઢડે ભગવાન સારુ મહારાજ ભેળા રહ્યા. આજ પણ આ સાધુ પાસે કોઈ રહેતું નથી. પછી એમ બોલ્યા જે,
જા ઘેર હરિકથા કીર્તન નહિ, સંત નહિ મિજમાના;
તા ઘેર જમરા ડેરા દેવે, સાંજ પડે મસાણા.
એમ છે; પછી પસ્તાવો થાશે, માટે ભગવાન ભજી લેવા.
દશ : દિશા.
અવળાઈ : આડાઈ, કહે તેનાથી ઊલટું કરવાની ટેવ, હઠીલાઈ.
(૨૧૩) માવા ભક્ત કહેતા જે, ‘કાંઈ ખડખડે ત્યારે છોકરું હોય તે પોતાના માવતરને ગળે વળગી જાય.’ એમ આપણે પણ ભગવાનમાં ને સાધુમાં વળગી જવું, એ જ ઊગર્યાનો ઉપાય છે. તે વિના ચારેકોરે કાળ ખાઈ જાય છે.
બ્રહ્માનંદ હરિચરન બિના સબે ચવિના કાળકા,
એમ કહ્યું છે.
(૨૧૪) આ જીવ કોઈ દિવસ પ્રભુ ભજવા નવરો થયો નથી ને સર્વે ધૂડનું છે, પણ માંહી ચોંટી રહે છે ને જ્યારે શબ્દ સંભળાય ત્યારે ઝટ કાન દે, રસ આવે ત્યાં તુરત દોડી પૂગે, રૂપ આવે તો ઝટ જોઈ લે, સ્પર્શ આવે કે ઝટ ત્વચા સ્પર્શ કરી લે ને ગંધ આવે કે ઝટ નાસિકાએ સૂંઘી લે એમ પંચવિષયમાં ઝડપું નાખે છે અને એ બધાય વિષય છે તો વિષ્ટાના.
ઇન્દ્રાણી ચંદન લગાય અંગ,
એ સવૈયો બોલ્યા, એવા વિષય છે; માટે નિજાત્માનં બ્રહ્મરૂપમ્ એવું થાવું, તે વિના છૂટકો નથી.
(૨૧૫)
વારંવાર માનવ દેહ નથી પામ્યો તો ચેતે ધર થકી;
જ્યારે જર્જર થાશે અંગ ને ઇન્દ્રિય મૂકી દેશે સંગ;
ત્યારે અખા જપમાલા ગ્રહે, ફૂટે ઘડે પાણી કેમ રહે ?
પુરુષોત્તમપણું કહેવાનો કજિયો પણ ઘણાં વરસથી ચાલ્યો છે, તે પુરુષોત્તમ કહેવામાં માણસને કેટલી શંકા ને બીજા પુરુષોત્તમના રૂંવાડા જેવા પણ હોય નહિ, તેને પુરુષોત્તમ કહે છે; એમ સમજણ આવવી તો ઘણી દુર્લભ છે. તેમ સાધુ પણ ન ઓળખાય ને આવી વાતું વિના મોક્ષ ન થાય ને આવી વાતું કરનારા પણ ક્યાં મળે ? આ તો ઘરમાં દેવ ને પાદર તીર્થ, એનું માહાત્મ્ય જણાય નહિ, તેમ આ લોકમાં પણ કહે છે.
માહાત્મ્ય : મહિમા, મહત્વ.
(૨૧૬) કાલ રાતે મુદ્દાની વાત કીધી, તે ભગવાન મળ્યા એ મુદ્દો હાથ આવ્યો. આવા પુરુષોત્તમ મળ્યા પછી શું બાકી રહ્યું ? તેના મળેલ સાધુ પણ મળ્યા એ મુદ્દો હાથ આવ્યો છે. હવે ચિંતા નથી.
મિલનો મોહા મોહકો નિકો, ઓર સબે રસ ફિકો;
આછો નિકો લાલ હમારો, ખાટી છાશ કહા રસ માણે ?
સૂર ખવૈયો ઘીકો.
તે જે આત્મદર્શી છે તે ખાટી છાશના ભોગી છે ને જે મૂર્તિ છે તે ઘી છે. તે આપણે તો મૂર્તિ વડે જ રહેવું; ખાટી છાશમાં શો માલ છે ?
વચ.ગ.મ. ૨૧
મૂર્તિ : સંતો.
(૨૧૭) પંચ જ્ઞાનેન્દ્રિયું વશ રાખી હોય તો એની વાંસે ઓલી પાંચ છે. માટે ઝાઝો પંચવિષયનો જોગ જ થાવા દેવો નહિ, ને જોગ થયે સમું રહે તેવું નથી. માટે જેટલું અવશ્ય હોય તે કરવું; બાકી પડ્યું મૂકવું ને તેમાં દોષ જોવા, એને જ્ઞાની કહ્યો છે. ને કેટલાક તો કાનમાં પૂંમડાં ઘાલી મૂકે છે તે સાંભળવું ઘટે તે ટાણે કાઢી લે ને જોવું ઘટે તે જુએ પણ પાંચ હાથથી છેટે દૃષ્ટિ જાય જ નહીં. એમ જ સૂંઘે નહિ, તેમ જ ત્વચાને એક ઓછું પાથરી દેવું પણ વધુ નહીં. તે વિના ન ચાલે તો એકલશૃંગીની પેઠે થાશે. માટે બીતા રહેવું ને પાપ મૂકવાં ને પ્રભુ ભજવા, એ સિદ્ધાંત રાખવું.
વચ. ગ.પ્ર. ૧૮
વાંસે : પાછળ.
સમું : સરખું.
(૨૧૮) છેલ્લાનું બીજું વચનામૃત વંચાવ્યું. તેમાં વાત આવી જે, ‘તપ, ત્યાગ, યોગ ને યજ્ઞે કરીને જેવો વશ નથી થાતો તેવો સત્સંગે કરીને થાઉં છું.’ એમ શ્રીકૃષ્ણે ઉદ્ધવ પ્રત્યે કહ્યું છે, એ વાત આવી ત્યારે સ્વામી કહે, ‘આ વાત સાંભળો! હવે જેટલું છે તેટલું આટલી વાતમાં આવે છે.’ એ વંચાવીને કહ્યું કે, ‘તપ, ત્યાગ, યોગ ને યજ્ઞે વશ નથી થાતા ને સત્સંગે કરીને થાય છે, એ સત્સંગ આપણને મળ્યો છે; પણ જણાતો નથી. સાધુ મળવા તો દુર્લભ છે ને આ સૌ સભા બેઠી છે તેમાં એ વાત તો જે જાણે તે જાણે છે; સૌને સમજાય નહીં. આવો જોગ મળ્યો છે ને પછી બીજાને વળગે છે તે કાંઈ સમજતા નથી. તે રઘુવીરજી મહારાજ આદિક મોટા મોટા સાધુ કોવૈયાને પાદર બેઠા હતા, તેને મૂકીને ત્રણસેં માણસ દરિયો જોવા દોડ્યું. ત્યારે તો દરિયા જેવાય રઘુવીરજી મહારાજ આદિક નહિ ને ? પણ જ્ઞાન ક્યાં ? આને મૂકીને બીજાને વળગે છે તેમાં શું પાકશે ? સાધુ મળે એમ ક્યાં છે.’ તે કહ્યું છે જે,
પથ્થર કી જાતિ હીરા ચિંતામણિ પારસહું,
મોતી પુખરાજ લાલ શાલ ફેર ડારિયે;
કામધેનું કલ્પતરુ આદિ દે અનેક નિધિ,
સકલ વિનાશવંત અંતર વિચારિયે;
સબહિ જહાન મેં હિ દૂસરો ઉપાય નાહીં,
ચરનું મેં શીશ મેલી દીનતા ઉચ્ચારિયે;
કહત હૈ બ્રહ્માનંદ કાય મન બાની કરી,
કૌન ઐસી ભેટ ગુરુરાજ આગે ધારિયે.
હૈ તો સો અનંત સબ કહત હૈ સંત પુનિ,
ભોમિ રજકનહું કો હોત નિરધાર હૈ;
વન વૃક્ષહું કે પાન કાહુંસેતિ ન લિખાત,
સો પુનિ કહાત જુગ ભાર જ્યું અઢાર હૈ;
ઉદધિ અસંખ્ય નીર તાહું કું કહે ધીર,
મેઘ બુંદ અગણ્ય ગનિતિ કરી ડાર હૈ;
કહે બ્રહ્માનંદ હમ ઉર મેં વિચાર દેખ્યો,
ઔર હી કો પાર ગુરુ ગુનસો અપાર હૈ.
(કીર્તન મુક્તાવલિ : ગુરુ કો અંગ)
એ તો મભમ સાધુ કહ્યા; પણ કેવા હોય કે,
તીન તાપ કી ઝાલ, જર્યો પ્રાની કોઉ આવે;
તાકુ શીતલ કરત, તુરત દિલ દાહ મિટાવે.
કહિ કહિ સુંદર બેન, રેન અગ્યાન નિકાસે;
પ્રગટ હોત પહિચાન, જ્ઞાન ઉર ભાન પ્રકાશે.
વૈરાગ ત્યાગ રાજત વિમલ, ભવ દુ:ખ કાટત જંત કો;
કહે બ્રહ્મમુનિ આ જગત મેં, સંગ અનુપમ સંત કો.
(બ્રહ્માનંદ કાવ્ય : ૭૫૬)
એવા છે. ‘અહો ! જીવને સાધુ ક્યાં ઓળખતાં આવડે છે ? ભેળા રહે ને ઓળખે નહિ ને આ જો ખરેખરા ઓળખાય તો ગાંડા થઈ જાઓ; પણ એમ નથી ઓળખાતા એટલી જ કસર છે. જેમ જ્યાં વરસાદના ઢગલા થાય ત્યાં કાળનું ક્યાં દુ:ખ છે ? એમ જૂનાગઢમાં સાધુના ઢગલા, તે વરસ્યા જ વરસ્યા! પણ વરસાદ નહિ હોય ત્યારે દુ:ખ બહુ થાશે ને આંહીં તો છોંતેરાનો મેહ છે ને વરસાદ વરસ્યા વિના બીજે તો કાળ જેવું છે. તે માટે આંહીં માણસ હજાર ગાઉથી તણાઈને આ દર્શન સારુ આવે છે ને આંહીં જૂનાગઢના તળના હરિભક્ત જાણે જે, મોડા મોડાથી જઈશું, નહિ તો જાણે જે નોકરી છૂટી જાશે તો શું કરશું ! ચાકરો તો પડ્યો રહેશે ને ચાલ્યું જવાશે અને કાંઈ આ સાધુ સદા રહેશે ? આ દર્શન તો બહુ દુર્લભ છે, પછી આંસુની ધારા પડશે; આ દર્શન ફરી મળે તેવું નથી.’ પછી,
ઔર હી કો પાર ગુરુ ગુનસો અપાર હૈ.
(કીર્તન મુક્તાવલિ : ગુરુ કો અંગ)
એ બોલીને કહે, ‘આ આપણા ગુરુમાં અપાર ગુણ છે.’
સાધુ ચંદન બાવના, શીતલ છાય વિશાલ;
મુક્ત કહે તેહી રૂપ રસ સેં, શાંત હોત વિષવ્યાલ.
(મુક્તાનંદ કાવ્ય : વિ.ચિ./સાધુ કો સંગ-૨)
એવા છે.
રાજ ભયો કહા કાજ સર્યો, મહારાજ ભયો કહા લાજ બઢાઈ,
સાહ ભયો કહા બાત બડી, પતસાહ ભયો કહા આન ફિરાઈ;
દેવ ભયો તોઉ કાહ ભયો, અહંમેવ બઢો તૃષ્ણા અધિકાઈ,
બ્રહ્મમુનિ સત્સંગ વિના, સબ ઔર ભયો તો કહા ભયો ભાઈ.
(કીર્તન મુક્તાવલિ : નાશવંત દેહ વિશે)
એ સવૈયો બોલીને કહે, ‘એ સંગ તમને મળ્યો છે, તે કરવો હોય તે કરજો.’
સાચે સંત મિલે કમી કાહું રહી, સાચી શીખવે રામ કી રીતકું જી,
પરાપાર સોઈ પરબ્રહ્મ હૈ તામે, ઠહરાવે જીવ કે ચિત્તકું જી;
દૃઢ આસન સાધકે ધ્યાન ધરે, કરે જ્ઞાન હરિ ગુન ગીતકું જી,
બ્રહ્માનંદ કહે દાતા રામહું કે, પ્રભુ સાથ બઢાવત પ્રીતકું જી.
(કીર્તન મુક્તાવલિ : સાધુ કો અંગ)
એવા છે, તે કેટલુંક કહીએ ! ‘આવા સાધુના સમાગમ વિના મોક્ષ નહિ થાય અને મધ્યનાં ૨૧માં વચનામૃતમાં કહ્યું છે એટલી વાત કરવાની છે ને જાણવાની છે ને આવા સાધુ મળ્યા એ તો એક મુદ્દો આવ્યો છે; ને જેને પૂર્વે સંસ્કાર થયા છે તે પણ આવા સાધુને જોગે; ને હમણાં પણ જેને થાય છે તે આ સાધુના જોગે, માટે જોગ કરી લેવો. બ્રહ્માંડમાં આવા સાધુ ખોળી લાવો, ક્યાં મળશે ? ને આમ બેસારી બેસારીને વાતું કોણ કરશે ! સાધુ વિના કોઈ કહે નહીં.’
વચ.ગ.મ. ૫૪
(૨૧૯) ચૈતન્યાનંદસ્વામીની વિસ્તારે વાત કરીને કહ્યું જે, “એવો રજોગુણ હતો, તે બાળમુકુંદાનંદસ્વામીએ ધીરે ધીરે પુરુષોત્તમપણાની વાતું કરીને સાધુનું માહાત્મ્ય કહીને બધુંય કઢાવી નાખ્યું, તે એક આસન ઉપર સૂવું ને ઠાકોરજીની આગળ ઊભા રહીને સ્તુતિ કરે જે, ‘તમારા સાધુ ઓળખાતા નથી, તે ઓળખાવો.’ એવા કરી દીધા; એવું સાધુથી થાય.”
પ્રકરણ ૬ની વાત ૧૬૫
માહાત્મ્ય : મહિમા, મહત્વ.
(૨૨૦) એક જણે પ્રશ્ર્ન પૂછ્યો જે, ‘જીવમાં કાચપ તો ઘણી છે તેથી આત્યંતિક મોક્ષ તો નહિ થાય, જ્યારે કસર ટળશે ત્યારે થાશે. તે કસર ટાળવા ક્યાં રાખશે ? ને જો કોઈક લોકાંતરમાં ભગવાન મેલે, તો તો આંહીંનાથી ત્યાં વધુ વિષયભોગ છે, ત્યાં રહીને કેમ નિર્બાધ રહેવાય ? એ તો રહેવાય એવું જણાતું નથી. તે હમણાં આવા સાધુનો જોગ મળ્યો છે ત્યાં જ મંદ શ્રદ્ધાથી કસર નથી ટળતી, પણ દેહ મૂક્યા પછી આવા સાધુનો જોગ મળે તો તો કસર ટળે; માટે એવાનો જોગ મેળવશે કે નહિ ? કેમ કરશે ?’ પછી સ્વામીએ ઉત્તર કર્યો જે, ‘જ્યાં આવા સાધુ હશે, ત્યાં જ રાખીને કસર ટાળશે, હમણાં જણાતું નથી પણ આ દેહ મૂકીને જીવ બહુ બળિયો થાશે. તેના ભગવાન ફળપ્રદાતા છે. તે એવો જોગ મેળવી દેશે; આપણે કાંઈ કરવું રહ્યું નથી; આ ઓળખાણે થઈ રહ્યું.’
કાચપ : કચાશ, કસર, ખામી.
કસર : ખોટ, ઉણપ.
(૨૨૧) આ તે કાંઈ વાતું છે ! આ તો અમૃત છે ! તે દેવલોકમાં અમૃત પીવા જીવ જાય છે પણ આંહીં પીવા નવરો નહીં. આ તો પ્રાપ્તિનોય પાર નહિ, ને જીવમાં ખોટનોય પાર નહીં. અહો ! આ મહારાજ પુરુષોત્તમ ને આ સાધુ મૂળઅક્ષર એ કોઈ દિવસ આવ્યા નથી ને આવશે પણ નહિ ને એ પુરુષોત્તમનું દીધું ઐશ્ર્વર્ય બીજા અનંત અવતારાદિક પામ્યા છે. એમાં બધુંય આવી ગયું.
(૨૨૨) સંવત ૧૯૨૨ના કારતક સુદિ પૂનમથી આ સંતમાં જીવ તણાય છે, તે તો
તસ્માદ્ ગુરું પ્રપધેત બિજ્ઞાસુ: શ્રેય ઉત્તમમ્ ।
શાબ્દે પરે ચ નિષ્ણાતં બ્રહ્મણ્યુપશમાશ્રયમ્ ॥
(શ્રીમદ્ ભાગવત : ૧૧/૩/૨૧)
અર્થ : તેથી ગુરુને શરણ જવું, તે જ જિજ્ઞાસુનો ઉત્તમ શ્રેય છે. શબ્દ જ્ઞાન અને પરમ જ્ઞાનમાં નિષ્ણાત અને બ્રહ્મમાં જેણે શાંતિનો આશ્રય કર્યો છે તેવા ગુરુને શરણ જવું.
એવા ગુરુ છે એટલે તણાય છે, નીકર ન તણાય. એમ કહીને ગુરુના અંગના સવૈયા બોલાવ્યા જે,
માન મદ મારવેકિ કર્મન કું જારવેકિ, અધમ ઉદ્ધારવેકિ ટેક જિન ઠાને હૈ;
ગહન અગાધ ગતિ પૂરન પ્રતાપ અતિ, મતિ બળ કાહું સેતિ જાત ન પિછાને હૈ;
શરનાગત બંધ છેદ જગ કો કિયો નિષેધ, વેદ રુ વેદાંતહું કે ભેદ સબ જાને હૈ;
કહત હૈ બ્રહ્માનંદ કાય મન બાનિ કરી, ઐસો ગુરુરાજ હમેં ઈશ કરી માને હૈ.
(કીર્તન મુક્તાવલિ : ગુરુ કો અંગ)
એ બોલાવીને કહ્યું જે, ‘એવા ગુરુ છે ત્યારે જ જીવ તણાય છે,’ એમ વાતમાં મર્મ કહ્યો.
અર્થ : ધન, સંપત્તિ.
(૨૨૩) સ્વામી કહે, ‘અમને અને મહારાજને ચાર વરસનું છેટું છે, તે મહારાજનો જન્મ સંવત ૧૮૩૭માં ને મારો જન્મ સંવત ૧૮૪૧માં શરદપૂનમ તે આસો સુદિ પૂનમ. તે આ હમણાં ગઈ શરદપૂનમ ત્યારે ૮૨ વરસ પૂરાં થયાં ને ૮૩મું બેઠું.’ એમ બોલ્યા તે સ્મૃતિ સારુ લખ્યું છે.
(૨૨૪) માગશર માસમાં સ્વામીએ વાત કરી જે, ‘અમે મહારાજની આજ્ઞા કોઈ દિવસ લોપી નથી ને લોપવીય નથી ને આ પાંચસેં સાધુમાંથી કોઈ જૂનાગઢ આવતું નહોતું. પછી મને કહ્યું ત્યારે હું આવ્યો, તે મને શું થઈ ગયું? કાંઈ કોઈ દુ:ખ આવ્યું નહિ ને આ જૂનાગઢના તો મહારાજ જમાન થયા છે, તે જુઓને, આવી વાતું-ચીતુંનો જોગ ક્યાંય છે ? આંહીં તો સત્સંગની ભરજુવાની છે. પૂછો આ પરદેશી હરિજનને.’ ત્યારે તેણે કહ્યું જે, ‘ના મહારાજ, આવો જોગ તો આંહીં જ છે.’ પછી સ્વામી બોલ્યા જે, ‘આંહીં તો સંત ભેગા પ્રગટ શ્રી સહજાનંદસ્વામી પોતે વિરાજે છે તેણે કરીને એમ છે, નીકર આમ કેમ રહે ?’
લોપી : ન માનવા દે, ઉલ્લંઘન કરાવે.
જમાન : જામીન.
(૨૨૫) મહારાજ કહે, “વિષયનો સ્પર્શ કરવો જ નહિ એટલે મન પણ ઇન્દ્રિયું લગણ આવે જ નહિ; માટે વિષયથી છેટે રહેવું. ને ભગવાન પણ મળવા હતા એવા મળ્યા છે; હવે આવા જોગમાં જો વિષયની આસક્તિ રહી તો બહુ ખોટ જાશે. ને મોટા મોટાનો પણ વિષયથી છેટે રહેવાનો જ મત છે.” ત્યારે કોઈકે કહ્યું જે, ‘વિષય જણાતા નથી.’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘ગળ્યું, ખાટું, ખારું, સારું જણાય છે કે નહિ ? એ તો જણાય, પણ જીવને મૂકવું નથી. અરે, ગરજ જ ક્યાં છે ? જોને ગરજે ગધેડાને પણ બાપ કહે છે, તે આ જીવે હાડકાં, માંસ ને નરક તેમાં જ માલ માન્યો છે; તે રહેશે નહીં.’
આસક્તિ : મોહ, અતિશય સ્નેહ, લગની.
નરક : દોજખ, વિષ્ટા.
(૨૨૬) આ લોક તો દુ:ખરૂપ છે ને જ્યાં કોઈ દુ:ખ છે જ નહિ ત્યાં આવતાંક દુ:ખ ભરાય છે. મારાથી કેટલીક જાતનાં દુ:ખ આવી પડે છે તે કહેવાય નહિ, પણ શું કરીએ, આ લોક જ એવો છે ને વિષયમાં તો કેવળ દુ:ખ જ છે.
(૨૨૭) પાંચાળ દેશમાં એક ગામ છે તેમાં એક ચારણ હતો; તે માનને લીધે તેલનો ડગલો પહેરીને હોકો પીતે પીતે, ઊભો ઊભો બળી મૂઓ. તે સૌ કહે, ‘પગે ડામણી દ્યો ભાગી જાય નહીં.’ એટલે એ કહે, ‘અરે ભાગે શું? હાંઉ ?’ એમ ને એમ બળી મૂઓ. કહો, હવે એમાં થોડું દુ:ખ થયું હશે? એવું જેને દેખાય તેને તો વિષયમાં દુ:ખ છે; તે જો વિષય આજ મૂકીએ તો મુકાય એમ છે ને મહિને, બે મહિને, વરસે, સો વરસે ને સો જન્મે પણ જે દિવસ મૂકીએ તે દિવસ મુકાય એમ છે ને મૂક્યા વિના અંતે છૂટકો નથી, માટે કલમ મૂકી છે જે,
વિષયાન્ વિષવત્ ત્યજેત્ (સુવાક્ય)
અર્થ : વિષયોને ઝેરની જેમ ત્યજો.
તે માટે ખબરદાર થઈ જવું.
ડામણી : બેડી.
અર્થ : ધન, સંપત્તિ.
(૨૨૮) પોષ વદિ એકમે વાત કરી જે, ‘આંહીં તો સંત ભેગા શ્રી સહજાનંદસ્વામી પોતે વિરાજે છે, પણ કોઈને ખપ નથી.’
સદ્ગુરુ શબ્દાતીત પરમ પ્રકાશ હે, જાકે શરણે જાય, અવિદ્યા નાશ હે,
દેહ ગેહ મન દામ, અસિકું દીજિયે, હર હાં શ્રીરંગ સબ મત સબ જગ.
જોય સોય ગુરુ કીજિયે.
એ આદિક સાખીઓ બોલીને કહ્યું જે, ‘એવા સદ્ગુરુને સેવે ત્યારે જીવ ચોખ્ખો થાય. તે મળ્યા તો છે, પણ જીવ કોઈ સોંપતું નથી, ને જીવ સોંપ્યા વિના એકાંતિકભાવને પણ ક્યાંથી પમાય ? જીવ સોંપ્યો છે, તેટલું થયું છે ને નથી સોંપ્યો તેટલું નથી થયું ને જ્યારે સોંપશે ત્યારે થાશે. ને જેણે જેટલો જીવ સોંપ્યો છે, તેટલો જણાય છે જે, આણે આટલો સોંપ્યો છે ને આણે આટલો નથી સોંપ્યો.’
અવિદ્યા : માયિક સમજણ
(૨૨૯) એક જણના મનમાં જે ધાર્યું હતું તે મેં જોઈને કહ્યું. ત્યારે સૌએ કહ્યું જે, ‘તમે તો અંતરજામી છો.’ તેનું નામ લીધું જે, ‘ઘનશ્યામદાસજી’ ‘તેમ સૌના અંતરનું જણાય છે.’ એમ મર્મે બોલ્યા.
જુઓ પ્રકરણ ૯ની વાત ૨૮૪
(૨૩૦) આ વાતું સારુ તો પછી રોશો (રડશો) ! અહો ! આવા ક્યાંથી મળે? વિષયમાં જોડે એવા તો મળે, પણ તોડે એવા ક્યાંથી મળે ? ને હુંમાં સૌને હેત થાય છે તે શેણે (શાને લીધે) ? તો કહે, ‘હું તો જે જેમ કહે તેમ કરું, આ આમ કહે તો હું કહું, ‘હા એમ’, આ કહે આમ તો, ‘હા એ એમ’. કોઈનું મરડું જ નહિ; ત્યારે હેત રહે છે. પણ જીવનું ધાર્યું ફેરવે ને હેત રહે ત્યારે ઠીક. ને બીજું તો મરડું નહિ, પણ હા ! એક ધર્મની કોરનું મરડું; એમાં તો શુદ્ધ વરતાવું.’ એક હરિભક્તનું નામ લઈને કહ્યું જે, ‘એ બહુ સારો હતો પણ બે-એક કુસંગનો પાસ લાગી ગયો હતો; તેને મેં આંહીં લાવી, રાખી ને બ્રહ્મરૂપ કરીને, ધામમાં મોકલી દીધો.’
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
(૨૩૧) અહો ! અમે નાના હતા ત્યારે કૂવામાં મોટા પાણા નાખતા હતા. પછી ઓલી લીલ જે હોય તે ખસીને પાણી ચોખ્ખું થઈ જાય, પણ પાછી લીલ ભેળી થઈ જાય. તેમ આ વાતું કરીએ છીએ ત્યારે માયારૂપ લીલ ખસી જાય છે ને જીવ ક્રિયા કરવામાં ઊઠે કે તુરત પાછો લીલની પેઠે ભળી જવાય, એવો જીવનો સ્વભાવ છે.
પાણા : પથ્થર.
(૨૩૨) જેવા ભગવાન અક્ષરધામમાં છે તેવા જ આંહીં આવીને બેઠા હોય ને પછી તે મનુષ્યચરિત્ર કરે ત્યારે ભાવ ફરી જાય, પણ તે ભાવ ફરવા દેવો નહીં. જુઓને સુંદરજી સુતારની દીકરી મોટી થઈ એટલે એના ભાઈને કહે જે, ‘આને મહારાજને પરણાવશું ?’ ત્યારે કહે, ‘અરે, બોલ મા, બોલ મા!’ ત્યારે ઓલ્યો કહે, ‘કાં સુતારથી તો આ ભગવાન છે ને ?’ એમ ભક્તમાં ભેદ છે. નીકર ભગવાન તો બેઉ જાણતા હતા. અરે ! આપણે પણ જો કોઈકની બહેન-દીકરીને ભગવાન લઈ જાય તો નિશ્ર્ચય ન રહે, એવી હજારું વાતું છે. કેટલીક કહીએ ? એવે સમે ધીરજ રહે ને જાણે જે, “અહો ! બહુ લીલા કરી! તે ખરો.” એ તો બ્રહ્માને પણ મોહ થઈ ગયો કે, ‘ન હોય, ન હોય પરબ્રહ્મ; ગોવાળિયો છે !’ એમ કહ્યું ને શ્રીકૃષ્ણ અવતર્યા ટાણે સ્તુતિ પણ પોતે જ કરી ગયા હતા; પણ ચરિત્ર જોઈને એવું ન રહ્યું.
(૨૩૩) બીજી વાત જુઓ, ઓલ્યો કજિયો થયો ત્યારે મહારાજ ડોશીનાં લૂગડાં ઓઢીને દરબારમાંથી ભાગ્યા ને બીજે ઠેકાણે કહ્યું જે, “મને ભારામાં બાંધીને કાઢો.” એમ કહ્યું ત્યારે શું થયું ? શ્રીકૃષ્ણ જરાસંધ આગળથી ભાગ્યા હતા ને ? એ તો શૂરતા-કાયરતા, હારવું-જીતવું, પારકું-પોતાનું, ભૂખ-તરસ, પક્ષપાત એવાં ચરિત્ર ભગવાનને વિશે રહ્યાં છે.
પક્ષપાત : વગ-તરફદારી.
(૨૩૪) વડોદરામાં દીવાનજીને એટલું વેર ને તેના મનમાં એમ જે, જો સ્વામિનારાયણ કાંઈક વાંકમાં આવે તો એને લાજહીણ કરીએ; તે સારુ તો ત્યાં આવ્યા હતા. પછી સભા થઈ ત્યારે બોલ્યા જે, ‘તમે તો કાઠીનું ખાઓ છો માટે વટલ્યા તે ઠીક નહીં.’ પછી મહારાજ કહે, “અમે એ નથી કર્યું, નીકર પણ અમે તો યજ્ઞાદિકે કરીને પણ શુદ્ધ થાશું; પણ તું તો બ્રહ્મબીજ જ નથી તો શું યજ્ઞાદિકે કરીને પણ બ્રાહ્મણ થાવાશે ?” એમ સયાજીરાવ મહારાજ પગ દાબે ને ના કહે તો પણ કહ્યું.
(૨૩૫) ભૂજમાં સુંદરજી સુતારને કહે, “અમને સંતાડી મૂકો, નીકર તમને દુ:ખ થાશે.” એમ કહીને સંતાઈ રહ્યા ને જ્યારે ફોજ એના ઘર ઉપર આવી અને તોપું માંડીને પૂછ્યું જે, ‘આંહીં સ્વામિનારાયણ છે ?’ તો કહે, ‘ના.’ ત્યાં તો મહારાજ બહાર નીકળ્યા. જુઓ, હવે ત્યારે એ તે શું ભગવાન નહોતા જાણતા જે, એમ કહ્યું? પણ પછી તો ઓલ્યાને લાખો માણસ દેખાઈ ગયાં એટલે ફોજ પાછી ભાગી ગઈ. ત્યારે જુઓ, ઓલ્યું મનુષ્યચરિત્ર જે સંતાઈ ગયા અને પાછા દેખાણા ને ભય દેખાડ્યો એ દિવ્યચરિત્ર એમ છે. જો ધીરજ રાખીએ ને જો જ્ઞાન હોય તો ડગી ન જાય; નીકર ડગી જાય.
(૨૩૬) એક સાધુ રાઘવાનંદ તેને પણ તાડપત્રમાં લખેલ ‘ભાગવત’ વાંચતાં આંખમાંથી આંસુ પડતાં ને માહાત્મ્ય પણ બહુ જાણતો; પણ મહારાજે એક ચીમટો લીધો એટલે વિમુખ થઈને ભાગી ગયો. જુઓ એ, ત્યારે એને કોઈ વાર ચીપટી નહિ આવી હોય ? ને માવતરે ચીંટિયો નહિ ભર્યો હોય ? પણ જ્ઞાન નહિ તેથી એમ થયું. માટે દિવ્યને વિશે તો સંશય ન જ થાય. પણ મનુષ્યચરિત્ર જે સગુણ ચરિત્ર તેને વિશે પણ દિવ્યભાવ જણાય ત્યારે ખરો ભક્ત કહેવાય; કાં જે, એ તો કર્તુમકર્તુમ્ ને અન્યથાકર્તુમ્ છે. એની ઉપર વળી શંકા શી (કઈ) ? આમ સમજે ત્યારે ચોખ્ખી સ્વરૂપનિષ્ઠા કહેવાય ને બીજી કસર હોય તો ટળે; પણ આ ખામી ભાંગે નહીં. તે મધ્યનાં ૧૩માં વચનામૃતમાં કહ્યું છે તેમ સમજે ત્યારે છૂટકો છે ને બીજું તો હાથ-પગ કહેવાય ને આ તો માથું કહેવાય. માટે આ કહ્યું તેમ સમજવું તે સારુ એવી રુચિવાળા ગુરુ કરવા ને એવાં જ શાસ્ત્ર વાંચવાં, એમ કરીને એ સિદ્ધ કરવું.
વચ.ગ.મ. ૨૧
માહાત્મ્ય : મહિમા, મહત્વ.
ચીંટિયો : ચીમટો.
સગુણ : માયાના ગુણથી પ્રભાવિત.
દિવ્યભાવ : જેમાં માયાના ત્રણ ગુણનો પ્રભાવ ન હોય તેવો અદ્ભુત ભગવદ્ભાવ.
અન્યથાકર્તુમ્ : ઐશ્ર્વર્ય વાપરીને સામાન્ય રીતે હોય એનાથી જુદી રીતે કરવાને સમર્થ.
(૨૩૭) આ જીવને આ લોક ને નાત-જાતનું જેટલું દૃઢ થઈ ગયું છે, એટલું ભગવાનની કોરનું દૃઢ નથી થાતું. તે તો જો પાકો વિચાર કરે તો થાય. તે ઉપર એક સાધુએ પૂછ્યું જે, ‘એવો વિચાર ક્યારે થાશે ?’ તો કહે, ‘જો એવો ખપ હોય ને કરવા માંડે તો થાય.’ તે ઉપર વાત કરી જે, એક દિવસ મહારાજ કહે, “ભાઈ, કોઈ એક દિવસ આખો ને એક રાત આખી જો મારું અખંડ ભજન કરે તો તેને મારી મૂર્તિ દેખાય”પછી એક ભક્તે દિવસ આખો ભજન કર્યું ને રાતે કરવા માંડ્યું, તે નિદ્રા આવવાની થઈ, એટલે ઘંટીએ દળીને પણ આખી રાત ભજન કર્યું, પછી તેને ભગવાન દેખાણા.
મૂર્તિ : સંતો.
(૨૩૮) એક વાર સમૈયેથી આવ્યા ને મારે વણથળી (વંથલી) કાગળ મોકલવો હતો, પણ થોડાં માણસ તે જનાર કોઈ નહિ, પછી રામદાસજીને કહ્યું જે, ‘તમે જાઓ ને કાગળ કલ્યાણભાઈને દઈને આવજો; ને જતે ને આવતે અખંડ ભજન કરજો.’ પછી એણે એમ કર્યું એટલે એને મૂર્તિએ સહિત અખંડ ભજન થાવા માંડ્યું, એમ થાય છે. તે
એકાગ્રેણૈવ મનસા પત્રીલેખઃ સહેતુકઃ ।
અવધાર્યોઽયમખિલૈઃ સર્વજીવહિતાવહઃ ॥
(શિક્ષાપત્રી : શ્ર્લોક ૭)
અર્થ : આ શિક્ષાપત્રી લખ્યાનું જે કારણ છે તે સર્વે તેમણે એકાગ્ર મને કરીને ધારવું અને આ શિક્ષાપત્રી જે અમે લખી છે તે સર્વેના જીવના હિતની કરનારી છે.
એ કહ્યું. આ જો અમે એકલા નથી કહેતા ! માંહી ભગવાન અખંડ રહ્યા છે તે પણ કહે છે. કોઈ જાણે એકલા કહેતા હશે. એમ મર્મ કર્યો.
વચ. ગ.પ્ર. ૨૩
અર્થ : ધન, સંપત્તિ.
(૨૩૯) એકાગ્ર થયા વિના કાંઈ સિદ્ધ થાય નહીં. રોટલો ખાવા મળે ને પેટમાં પચે ને ભજન ન કરે તે ભગવાનનો ગુન્હેગાર કહેવાય ને ન મળે ત્યારે તો શું ભજન કરે ! પણ જ્યારે મળે ને ન કરે તે તો પરમેશ્ર્વરનો ગુન્હેગાર છે.
(૨૪૦) આજ્ઞા લોપાય છે તેથી દુ:ખ આવે છે. તે તાવ આવે ત્યારે દેહ બળે ને આજ્ઞા લોપાય ત્યારે તો દેહ ને જીવ બેય બળે એ તો માવાભાઈએ ખોળી કાઢ્યું, ‘ભગવાન ને સાધુ તો આડા તે આડા જ.’
વંકા આગે વંકડા, તરવંકા આગે ચોવંક;
શિળા આગે પાધરા, ને રંક આગે રંક.
પછી એમ બોલ્યા જે, ‘આજ્ઞામાં જેટલો ફેર પડે છે, તેટલી એની વાંકાઈ; માટે દુ:ખ દેખે.’
(૨૪૧) મહા વદિમાં વાત કરી જે, ‘અમારી પોરની (ગયા વર્ષની), આ દિવસની અરજી ભગવાન પાસે છે જે, એક ગય રાજા જેવો રાજા ને રઘુવીરજી જેવા બે આચાર્ય મોકલો, નીકર આ લોકમાં બે કરોડ માણસ ભગવાન ભજે છે તેને સુખ નહિ આવે, તે પાપી નહિ આવવા દે.’
(૨૪૨) સો વરસ સુધી આવા સાધુ ભેળા અખંડ રહીએ ત્યારે તો સારી રુચિ થાય. પછી રુચિનું લોયાનું ૧૪મું વચનામૃત વંચાવ્યું ને બોલ્યા જે, ‘હમણાં તો રુચિ ખાધાની, માનની ને પંચવિષયની છે. જ્યારે મોટા સાધુ હોય ત્યારે પાપી તેની મોટાઈ ખમી શકે નહિ; પછી દ્રોહ કરે ને પોતાનું ભૂંડું કરે.’
સંતસંતાપે જાત હૈ, રાજ ધર્મ અરુ વંશ;
તુલસી ત્રણે ટિલે ન દિઠા રાવણ, કૌરવ ને કંસ.
(તુલસીદાસની સાખીઓ : ૫૧)
અર્થ : અનીતિથી ધર્મ, રાજ્ય અને વંશનો નાશ થાય છે, તે પર અનુક્રમે કૌરવો, રાવણ અને કંસનાં દૃષ્ટાંતો છે. પાંડવો સાથે અન્યાય કરવાથી, કપટદ્યૂત રમવાથી, તેમનો ધર્મ ભાગ ન આપવાથી અને લાક્ષાગૃહમાં તેમને બાળી નાખવાનો પ્રયત્ન કરવાથી કૌરવોએ પોતાનો ધર્મ ગુમાવ્યો. સીતાજી તરફ અધર્મનું આચરણ કરવાથી રાવણે રામને હાથે પોતાનું રાજ્ય ખોયું. સુરાપાનરૂપી અધર્મનું આચરણ કરવાથી કંસના વંશનું (અર્થાત્ યાદવોનું) નિકંદન ગયું.
તે કંઈક મારી નજર આગળ ગયા. આ વણથળીથી (વંથલીથી) એક બાઈ ભાગીને ગઢડે સાંખ્યયોગી થઈને રહી, તે સારુ દાદાખાચરને બસેં રૂપિયા મોસલાઈ ભરવી પડી ને કેટલીક ઉપાધિ થઈ. પછી વડોદરામાં એ ફરવા ગઈ ત્યાં ગૃહસ્થને ત્યાં જમવાનું કહેલ ને ગોપાળાનંદસ્વામી પણ ત્યાં હતા તેમણે પણ જમવાનું કહેલ. પછી સ્વામી કહે, ‘સાંખ્યયોગી થઈને લાડવા ખાય છે તે કેમ ઠીક રહેશે ?’ એટલું કહેવરાવી મૂક્યું. ત્યારે ઓલી કહે, ‘તમે સાધુ થઈને કેમ ખાઓ છો ?’ એમ બોલી તેનો દોષ લાગ્યો, તે સત્સંગમાંથી ભાગી ને વિશાજીને લઈને રહી; એમ અભાવે થયું અને કેટલાકને અલ્પ સમજણે કરીને ગોપાળાનંદસ્વામીનો પણ સત્સંગમાં અભાવ હતો, તે જુઓ તો ખબર પડે.
તે ઓલી કોરના કેટલાકને ને આણી કોરના કેટલાકને સ્વામીનો અવગુણ. તે એક વાર ઓલી કોરનાને સભા કરવી હતી ને અપમાન કરવું હતું તે સારુ આવેલ. પછી તો મેં જાણ્યું જે, આ ભૂંડું કહેવાય. તે બીજું તો કાંઈ નહિ, પણ રાંકનાં હાંડલાં ફૂટી જાશે ! જો સ્વામી કચવાશે તો મહારાજ તેડી જાશે. પછી હું તો ત્યાં ગયો ને સૌને સમજાવ્યા ને ભગવદાનંદસ્વામીને મેં કહ્યું જે, ‘આ ઠાઠ રચ્યો છે, તે આંહીં તો તમે મોટેરા છો પણ ત્યાં તો હું મોટેરો છું. માટે આ તોફાન રહેવા દ્યો.’ હું તો એમ જ બોલ્યો, પછી તો બધું શમી ગયું ને પાછા જતા રહ્યા. માટે હમણાં પણ કોઈથી ખમાતું નથી ને મોટાનો અવગુણ લે છે પછી એનું ભૂંડું થાય.
પ્રકરણ ૫ની વાત ૪૨૬
દ્રોહ : મનથી, વાણીથી કે કર્મથી જાણી જોઈને કરેલ દોષ, ગુનો, પાપ કે અપરાધ
અર્થ : ધન, સંપત્તિ.
મોસલાઈ : સરકારી દંડની રકમ.
ઠાઠ : જૂઠો દેખાવ, ડોળ.
(૨૪૩) જુઓને ! વિષય તો એવા બળિયા છે તે વચનામૃતમાં કહ્યું છે જે, ‘વિષયખંડન (વચ.ગ.પ્ર. ૧૮) કરે તો મુક્તાનંદસ્વામી સરખાનું પણ શસ્ત્રે કરીને માથું મુકાવી દે.’ એવી વાત છે, માટે ભલા થઈને સ્તુતિ તો રહી, પણ જો નિંદા ન થાય તો સ્તુતિ જ છે ! તે ઉપર સ્તુતિ-નિંદાનું લોયાનું ૧૭મું વચનામૃત વંચાવીને કહ્યું કે, આમ છે માટે રોટલા ખાઈને પ્રભુ ભજી લેવા એમાં માલ છે.
અધર્મ સર્ગ જબ કરત પ્રવેશા, સુર, નર, મુનિમહિં નહિ સુખ લેશા.
(૨૪૪) મોટા સાધુ હોય તેની આ દેહે કરીને સેવા કરવી ને ચકચૂર કરી દે તો રાજી થઈ જાય. તે ચકચૂર કરે, તે પણ ‘મરતી મરતી કાન હલાવે’ એમ નહીં.
ચકચૂર : આનંદથી ભરપૂર.
(૨૪૫) છેલ્લાનું બીજું વચનામૃત વંચાવ્યું, તેમાં ‘સત્સંગે કરીને વશ થાઉં છું.’ એ વાત આવી, એટલે બોલ્યા જે, ‘સત્સંગ તે કયો ? જે એકાંતિક સાધુમાં હેત ! તે સાધુ કેવા ? તો ઉદ્ધવ જેવા, પ્રહ્લાદ જેવા. એવા સાધુની સેવા કરે તો ભગવાનની સેવા કર્યા બરોબર ફળ થાય ને દુ:ખવે તો ભગવાનને દુ:ખવ્યા જેટલું પાપ લાગે.’ એમ મર્મમાં વાત કરી.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
મર્મમાં : રહસ્ય જાળવી રાખીને.
(૨૪૬) સંવત ૧૯૨૨ના પ્રથમ જેઠ વદિ છઠને દિવસે સ્વામી વરતાલથી પધાર્યા, તે પછી વાત કરી જે, ‘સાધુ જેવો ક્યાંય માલ નથી. તે મહારાજે પણ ‘હરિગીતા’માં માતાને સાધુ બતાવ્યા ને સમ પણ સાધુના ખાય છે ને ‘શિક્ષાપત્રી’માં પણ સાધુ બતાવ્યા. તે ગેરુએ લૂગડાં રંગ્યાં એમ સાધુ નહિ ! એમ તો રામપરામાં બધાં માણસનાં રાતાં લૂગડાં છે, તેણે શું થયું ? એ તો જ્યારે ચોસઠ લક્ષણ કહ્યાં છે એવો થાય ત્યારે સાધુ કહેવાય. એવા તો આ આપણને મળ્યા છે.’
(૨૪૭) અમે તો લખ્યું છે કે, બાર મહિને એક મહિનો સાધુનો જોગ કરવો, તે વિના કસર નહિ મટે. ને ભાઈ ! રૂપિયા તો મળશે, પણ આ વાતું ક્યાં મળશે? તે માટે વાતું સાંભળી લેવી, કોઈક કહેશે ખરચીએ, વારંવાર વાવરીએ; તો પણ શું ? એક રાળ ખરચે તો ચાર હજાર દઈએ, પણ આ જ્ઞાન સાંભળ્યા વિના કસર ન મટે, પણ કોઈ રહે નહીં. અરે ભાઈ ! કોઈ રહેતા હો ને તમારે રળ્યામાં ખોટ આવતી હોય તો એક મહિનો તો ધર્મવરામાંથી કાપી લેજો. અરે ! જો રહો તો અમે આંહીંથી દશ રૂપિયાનો મહિનો દઈએ, હવે ઠીક; કેટલાક રહેશો ? સુધા તો ચારસેં જણ રહેશો ? તો પણ રૂપિયા તો ખૂટનારા નથી, પણ જ્ઞાન કેટલું થાશે! અરે, તમને જણાતું નથી, પણ સોનાની મેડી હોય તો બાળીને આ વાતું સાંભળીએ, પછી આ વાતું દુર્લભ છે. ને દશોંદ-વિશોંદ તો મહારાજે પણ કહી છે ને ન માનો તો અમે કહી છૂટીએ છીએ. લાખ રૂપિયા ખરચે, તેથી મને તો આ મંદિરના રોટલા ખાઈને વાતું સાંભળે એ અધિક જણાય છે. આ વાતું ક્યાંથી મળે? જે મરીને પામવા હતા, તે સાધુ ને ભગવાન તો જીવતે જ મળ્યા છે.
કસર : ખોટ, ઉણપ.
રાળ : દેશમાં અગાઉનું એક જાતનું નાણાકીય ચલણ.
દશ : દિશા.
દશોંદ-વિશોંદ : ધર્માદા માટે કમાણીનો દસમો- વીસમો ભાગ.
(૨૪૮) અમે નાના હતા ત્યારે છેંતાળીસની સાલમાં હિમ બહુ પડ્યું; તે ગોળામાં પાણી લેવા જાય, ત્યાં માંહી પાણી ઠરી ગયેલ ! એવું પડેલ. તે માણસ વાત કહેતાં જે, ‘ચીર બાળીને તાપીને દેહ રાખ્યો.’ તેમ સોનાનાં ખોરડાં બાળીને આ વાતું સાંભળવી.
હિમ : અતિશય ઠંડી, ઘણો સખત ઠાર, બરફ.
(૨૪૯) જુઓને ! શાસ્ત્રમાં પણ કહ્યું છે જે, ‘અંબરીષ, નહુષ, જડભરત ને ચિત્રકેતુ એમણે ભગવાનને ભજવા સારુ ચક્રવર્તી રાજ્ય ને સૌનો ત્યાગ કર્યો; ખપવાળાની વાત એમ છે. બાજરો મળે તો તો પ્રભુ ભજવા ને ધીરે ધીરે વહેવાર છે તે ગૌણ કરી દેવો ને ભગવાન મુખ્ય કરી દેવા. આ તો વહેવાર પ્રધાન થઈ ગયો છે, તે પ્રભુ શું સાંભરે ?’
(૨૫૦) છેલ્લાનાં ૩૦માં વચનામૃતમાં કહ્યું છે જે, ‘આ ક્ષણમાં ને આ પળમાં મરી જવાશે, એમ અમારે નિરંતર અનુસંધાન રહે છે.’ એ વંચાવીને સ્વામી કહે જે, ‘મહારાજને શું કરવું છે ? એ તો પોતાનું મિષ લઈને આપણને શીખવે છે.’ પણ કેટલાક તો જાણે છે જે, ‘ભાઈ ! એ તો વાત મહારાજની !’ પછી એક જણે કહ્યું જે, ‘મહારાજને શું કરવું છે ?’ એટલું લઈએ તો લેવાય જે, ‘સર્વના અંતરમાં રહીને જોઉં છું.’ તે પણ સ્વામી કહે, ‘મોટા સાધુ પણ અંતરનું જાણે છે, તે કેટલાકને કહી પણ દીધું છે ને વળી કહે છે; પણ વિશ્ર્વાસ હોય તેને આ બધી વાતું મનાય ને બીજા તો કહેશે માન વધારવા સારુ કહે છે.’
(૨૫૧) આ પંચવિષયરૂપી અઘાસુરે જીવોને ગળી લીધા છે. મહારાજ કહે, “જો બધાય પ્રભુ ભજે તો બપોરે મોતૈયાનો વરસાદ વરસાવીએ ! તે જે દિવસ કહે તે દિવસ ગોળના-ખાંડના, જે કહે તે વરસાવીએ, પણ જીવ માળા લઈને બેસી શકે નહીં.”
(૨૫૨) એક વાર અમે ધોરાજીને પાદર બેઠેલ, ત્યાં ખાતરના ઢગલા પડેલ. પછી એક ખૂંટિયો હતો તે ધોડી ધોડીને માંહી માથું ખોસીને બે-એક સૂંડલા જેટલી ધૂડ પોતાને માથે નાખે, એમ જીવપ્રાણીમાત્ર ધૂડ ચૂંથ્યા વિના રહી શકતા નથી.
ખૂંટિયો : સાંઢ, આખલો.
(૨૫૩) સાધુ થાવું એટલે થઈ રહ્યું, તે થયો એટલે ભગવાનના ખોળામાં બેઠો. તે કહ્યું જે,
સાધવો હૃદયં મમ ।
(શ્રીમદ્ ભાગવત : ૯/૪/૬૮)
અર્થ : મારા ભક્તો એ જ મારું હૃદય છે અને હું ભક્તોનું હૃદય છું. તેઓ મારા વિના બીજું કાંઈ જાણતા નથી અને હું પણ તેઓ સિવાય બીજું કંઈ જાણતો નથી.
ભગવાનને રહેવાનું ઠેકાણું સાધુ. આ તો હળદરનો ગાંઠિયો એક આવ્યો એટલે ગાંધી થઈ બેઠા, તેણે શું ?
અર્થ : ધન, સંપત્તિ.
ગાંધી : કરિયાણું વગેરે વેચનાર વેપારી.
(૨૫૪) લીલાની વાત કરી, તેમાં કહ્યું જે, ‘મહારાજ આની ઉપર બહુ રાજી થયા, એમ પણ રાજી કહેવાય, પણ એ જુદી રીતનું ને જે સિદ્ધાંતનો રાજીપો તે તો પ્રથમના ૧૯મા વચનામૃત પ્રમાણે; તે આજ્ઞા, ઉપાસના ને મૂર્તિમાં જોડાવું. તે આજ કરો કે લાખ જન્મે કરો, જ્યારે કરશો ત્યારે મહારાજ પાસે રહેવાશે. ને મહારાજ પણ બીજી જે જે વાત કહે, તે પણ ત્યાં જતી ઊભી રાખે, એ સિદ્ધાંત છે.’
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
કરો : ઘરની દિવાલ.
(૨૫૫) શ્રાવણ વદિ નવમી ને સોમવારે બ્રહ્મચારીને ત્યાં વાત કરી જે, ‘જે કરવા માંડે તે થાય; ધ્યાન કરવું, ભજન કરવું, તે માણસ જાણે આફુરડું થાય, પણ આફુરડું તે કેમ થાય ? એ તો ભગવાન સંભારે ને ભૂલે, વળી ધ્યાન કરે વળી ભૂલીને સંભારે ને ભજન કરે તો થાય. આ ભણે તે ભૂલે, પણ હાથમાં જેણે મૂળગું પાનું જ ઝાલ્યું નથી, તે શું ભૂલે ?’
આફુરડું : આપોઆપ, એની મેળે, સહેજે સહેજે.
મૂળગું : માત્ર.
(૨૫૬) એક વેદીયે આવીને સ્વામીને રાખડી બાંધી તે પછી વળી વાતું કરી જે, ‘સગુણ-નિગુર્ણપણું હરિભક્તને જાણ્યું જોઈએ નીકર તો ગોથાં ખાય.’ તે ઉપર કારિયાણીનું ૮મું વચનામૃત વંચાવીને કહ્યું જે, ‘માતા જશોદાજીને મુખમાં બ્રહ્માંડ દેખાડ્યું ને અક્રૂરને શેષશાયીરૂપે દર્શન દીધું ને અર્જુનને વિશ્ર્વરૂપે દર્શન દીધું એ બધું તો એનું કાર્ય ને કારણ તો શ્રીકૃષ્ણ પોતે એમ કહ્યું.’
ગોથાં : નકામાં ફાંફાં, ભૂલથાપ.
(૨૫૭) પુરુષરૂપે પ્રકૃતિમાં આવ્યા, ત્યાંથી વૈરાટમાં આવ્યા, એમ પુરુષોત્તમનો પ્રવેશ થાતો ગયો. તે પ્રવેશ તે શું ? જે, પુરુષોત્તમ પોતે આવ્યા ત્યારે શું ધામમાં નહોતા ? ધામમાં પણ એમ ને એમ હતા ને ઓલ્યું તો એમના ઐશ્ર્વર્ય વતે અક્ષર દ્વારા થાતું ગયું. એમ તો પહેલાં ગણેશને પ્રભુ કહે છે, બ્રહ્મા, વિષ્ણુ ને શિવને કહે છે, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન ને સંકર્ષણને કહે છે, ત્યારે એમાંથી કેને પ્રભુ માનવા ? ત્યારે એનું તો એમ છે જે, જીવની કોટિઓ, ઈશ્ર્વરની કોટિઓ, પુરુષની પણ કોટિઓ ને કોટિઓ છે; પણ એ સૌના કારણ તો મહારાજ પોતે, એમ સમજે ત્યારે મજકૂર મળ્યું કહેવાય. ને અનંતકોટિ રામ, અનંતકોટિ કૃષ્ણ ને અનંતકોટિ અક્ષરમુક્ત, એ સર્વના કર્તા, સર્વના આધાર, સર્વના નિયંતા ને સર્વના કારણ મહારાજને સમજે ત્યારે જ્ઞાન થઈ રહ્યું.
(૨૫૮) શ્રાવણ વદિ છઠને દિવસે વાત કરી જે, ‘બીજું બધું ભગવાન કરે, પણ જે ભજન ને નિયમ પાળવા, એ બે તો કોઈને ન કરી આપે, એ તો પોતાને જ કરવું; તે જો કરે તો થાય.’
(૨૫૯) ભગવાન, સાધુ, શ્રદ્ધા ને સત્શાસ્ત્ર એ ચાર વાનાં હોય તો પ્રભુ ભજાય; એમાં શ્રદ્ધા નથી, બાકી બધું છે.
વાનાં : વસ્તુઓ. (બ.વ.)
(૨૬૦) આપણામાંય ખોટ કેટલીક હોય, તે જો કહેવા માંડીએ તો ખબર પડે. સૂઝે તેમ, આમ તેમ કરીએ, પણ અંતે એમ કરાવવું છે તે વાતુંમાં કહેતા જઈએ છીએ. અને અમારે એક બળદિયો છે તેને હમણાં તો સૌ ખવરાવીએ છીએ, પણ ગાડું એના કાંધ ઉપર મૂકવું છે. અંતે સૂઝે તેમ, ફોસલાવી કારવીને પણ માખીમાંથી સૂરજ કરવો છે.
(૨૬૧) જેમ સ્વરૂપાનંદસ્વામીએ મહારાજને કહ્યું જે, ‘જેમ તીરમાં લીંબુ પરોવ્યું હોય ને તે તીર જ્યાં માંડે ત્યાં લીંબુ દેખાય, એમ તમારી મૂર્તિ દેખાય છે.’ માટે મૂર્તિ દેખાય તેવી સ્થિતિ કરવી, તે નિજાત્માનં બ્રહ્મરૂપમ્ એ શ્ર્લોક પ્રમાણે આત્માને વિશે અંગોઅંગમાં મૂર્તિ ધારવી.
પ્રકરણ ૩ની વાત ૭
મૂર્તિ : સંતો.
(૨૬૨) ભાદરવા સુદિ સાતમને દિવસે વાત કરી જે, ‘મહારાજ તો બળબળતા ડામવાળા વચનામૃતમાં ને બીજે બધે સાધુ જ બતાવે છે.’
વચ. ગ.પ્ર. ૪૪
(૨૬૩) એક સાધુને તો પંડે સ્વપ્નામાં ઠોંટ મારીને કહ્યું જે, ‘તું જૂનાગઢ જા.’ આ સાધુનાં તો દર્શન કર્યે પંચમહાપાપ બળે એવા છે, પછી તે નહિ મળે ને પછી કરોડ રૂપિયા ખરચશો તો પણ નહિ મળે, માટે જો બાજરો મળે તો તો જોગ કરી લેવાનો લાગ આવ્યો છે; પછી પસ્તાવો થાશે, માટે ચોખ્ખું કહીએ છીએ.
ઠોંટ : ધોલ, થપાટ, થપ્પડ
(૨૬૪) ગૃહસ્થ માણસ બીજું ઘર કરે છે, તે પણ ખુવાર થાય છે.
(૨૬૫) અમે કોઈ દિવસ દશોંદ-વિશોંદ કાઢવાની વાત સૌ કહે છે જે કરો, તો પણ નથી કરી પણ આજ કહું છું; જે દશોંદ-વિશોંદ કાઢશે, તેને ખાવા મળશે ને નહિ કાઢે તે દૂબળા રહેશે. એમ કહીને દાજીભાઈને કહ્યું જે, ‘હવે મોટા થયા, તે ધર્મવરો કાઢવા માંડો.’
દશોંદ-વિશોંદ : ધર્માદા માટે કમાણીનો દસમો- વીસમો ભાગ.
(૨૬૬) સંવત ૧૯૨૩ના અષાઢ સુદિમાં વાત કરી જે, ‘નિષ્કામી વર્તમાનમાં ઘસારો લાગે, તે વાત મહારાજને ન ગમે; કાં જે, એ જ દૃઢ કરાવવા સારુ પોતાનો અવતાર છે. તે પોતે પરણ્યા નહિ ને ત્યાગીના ધર્મ પાળ્યા; તે માટે મોટેરો જે રીતે ચાલે, તે વાંસે બધાં માણસ ચાલે. તે કહ્યું છે જે,
યદ્યદાચરતિ શ્રેષ્ઠસ્તત્તદેવેતરો જનઃ ।
સ યત્પ્રમાણં કુરુતે લોકસ્તદનુવર્તતે ॥
(ભગવદ્ ગીતા : ૩/૨૧)
અર્થ : શ્રેષ્ઠ મનુષ્ય જે જે આચરણ કરે છે તેનું અનુકરણ બીજા લોકો કરે છે, તે જેને પ્રમાણ બનાવે છે તે અનુસાર લોકો વર્તે છે.
માટે ખબરદાર થઈને શુદ્ધ વરતવું ને નિષ્કામી વર્તમાનમાં જેને કસર રહેશે તેનાથી ભગવાનના ધામમાં નહિ જવાય ને નહિ રહેવાય ને મહારાજનો કુરાજીપો બહુ થાશે.’
તે ઉપર દૃષ્ટાંત જે, એક બાદશાહનું લશ્કર લાખો માણસનું તે લડવા ગયું ત્યારે જે ભાગેડુ હતા, તેમણે તો એમ વિચાર કર્યો જે, આટલાં માણસમાં બાદશાહ કેને ઓળખે છે ને ક્યાં જાણે છે ? એમ કહીને પાછળ રહ્યા ને શત્રુ સામા લડ્યા નહીં. ને કેટલાક હતા તે આગળ થઈને શત્રુને હઠાવીને જીત્યા. પછી બાદશાહે વજીરને પૂછ્યું કે, ‘આમાં હવે પરીક્ષા લેવી જે, કોણે જીત કરી ?’ ત્યારે કહે, ‘ઠીક, ભરો કચેરી.’ પછી કહે, ‘પોશાક આપવો છે, તે સૌ આવજો,’ એમ કહીને તેડાવ્યા, ને કહે જે, ‘એનું તો એમ પારખું થાશે જે, આ લડ્યો છે ને આ નથી લડ્યો; તે જે લડ્યો હશે એ પાધરો આગળ થઈને કચેરીમાં સન્મુખ થાશે ને ઓલ્યો પાધરો બાદશાહની સામું જ નહિ જોઈ શકે ને નીચું ઘાલશે.’ તેમ જો આપણે પાંચ ઇન્દ્રિયોરૂપ શત્રુ સામા થઈને નહિ લડીએ તો ભગવાન સામું નહિ જવાય ને ત્યાં જશું તે પછી નીચું જોવું પડશે; માટે એ ભલા થઈને કરશો મા.
વાંસે : પાછળ.
અર્થ : ધન, સંપત્તિ.
કસર : ખોટ, ઉણપ.
ભાગેડુ : સૈનિક હોવા છતાં લડવાથી દૂર નાસતો ફરનાર.
પાધરો : બારોબાર.
(૨૬૭) સ્વામી કહે, ‘જેના અક્ષર ગુરુ હોય તે અક્ષરધામમાં લઈ જાય ને પુરુષોત્તમને મેળવે.’
(૨૬૮) આગળ આ બે વાતને ઘસારો લાગશે. તેમાં એક તો સુહૃદપણું નહિ રહે ને બીજું ઘર, સ્ત્રી, પુત્ર ને ધન એમાં આસક્તિ વધશે.
આસક્તિ : મોહ, અતિશય સ્નેહ, લગની.
(૨૬૯) ભગવાન તો એક જીવ ભજે તે સારુ બ્રહ્માંડ બોળી નાખે. તેની એક વાત છે જે, એક ચકલી હતી તે ઊંચા પર્વત ઉપર બેસીને ભજન કરતી હતી. તે કહે જે, ‘મને આંહીં બેઠા બેઠા ભગવાન પાણી પાય તો પીઉં.’ પછી બ્રહ્માંડ બોળીને ત્યાં લગી પાણી ભરી દીધું એટલે પીધું.
(૨૭૦) અમે તો વિચારીને જોયું ત્યાં જીવનો વાંક નથી, ગુરુનો જ વાંક છે. તે જેવા ગુરુ હોય તેવો શિષ્ય થાય.
(૨૭૧) જુઓને ! આ બીજા મતવાદીઓએ વાડા કરીને જીવને ચડાવી દીધા છે; તેવા થયા છે ને કોઈ જાણે બીજા મત આગળ સારા હશે ! તે એ તો અમે વિચાર્યું જે, આ પાછલો દરવાજો બાળપણામાં સારો હશે ? તે એ તો મૂળથી જ બગડેલો છે. એમ એ પ્રથમથી જ બગડેલા છે, માટે ઉદ્ધવમત વિના કોઈમાં માલ નથી.
(૨૭૨) એક વાર બહુ ભારે વરસાદ થયો તે હરણિયાં આકળાં થઈ દોડ્યાં, તે બાંટવામાં પેસી ગયાં. હવે એ ત્યાંથી નીકળનારાં છે ? એમ જીવમાત્ર બાંટવાનાં હરણિયાં જેવા છે, તે વિષય સામા દોડી તેમાં ભરાઈ જાય છે.
(૨૭૩) આ જીવને પંચવિષય ને છઠ્ઠું દેહાભિમાન ને સાતમો પક્ષપાત, એ કલ્યાણના મારગમાં વિઘ્નરૂપ છે ને એનો અભિનિવેશ થયો છે તે જીવનું ભૂંડું કરે છે; માટે તે ન રાખવાં.
અભિનિવેશ : સત્યથી અલગ પોતાની માન્યતાનો દઢ નિશ્ર્ચય.
(૨૭૪) કરોડ મણ સૂતરની આંટીઓ ગૂંચાઈ ગઈ છે તે કેમ ઊકલે ? કોઈ દાખડો કરે તો પણ ન ઊકલે, પણ જો બ્રહ્માંડ જેવડો ફાળકો કરે તો સહેજે ઊકલે. એમ જીવ ગૂંચાઈ ગયો છે, પણ ભગવાન ભજે તો ઊકલે.
(૨૭૫) જેમ ગુજરાતમાં પાછલી પહોર રાતથી મહુડાં ટપટપ ખરવા મંડે છે, તે પહોર દિવસ સુધી ખરે છે, તેમ જીવને પહોર રાત પાછલીથી તે પાછી પહોર રાત જાય ત્યાં સુધી સંકલ્પ થયા જ કરે છે, પણ ભગવાનનો એકેય નથી થાતો.
પહોર : પ્રહર, ત્રણ કલાક.
(૨૭૬) આ વાતું સાંભળીને ગાંડું ક્યાં થાવાય છે ? અરે ! ગાંડા તો આ બધાયને કરી મૂકીએ, પણ દોરનારા જોઈએ ને ?
(૨૭૭) ઉદ્ધવમત વિના નિષ્કામી વર્તમાન ક્યાં છે ? ક્યાંય ન મળે, તે ઉદ્ધવમતનું પણ જ્યાં સુધી મોટા સાધુ છે ત્યાં સુધી પાધરું રહેશે; પછી તો ભગવાનની આજ્ઞા રાખશે તો રહેશે.
(૨૭૮) શ્રાવણ સુદિ પાંચમને દિવસ વાત કરી જે, ‘આટલા દિવસ મંદિર કરતા ને હવે હમણાં વિચાર્યું જે, સર્વે દોષમાત્ર એક ન હોય તો ટળે તે શું ? જે, એક દેહાભિમાન ટળે તો બધા દોષમાત્ર એની વાંસે ટળે. ને એક ગુણ આવે તો બધા ગુણ આવે, એ કયો ગુણ ? તો આત્મનિષ્ઠા હોય તો ગુણમાત્ર આવે.’
વાંસે : પાછળ.
આત્મનિષ્ઠા : હું તો દેહથી જુદો જે આત્મા તે છું ને મારે વિશે પ્રગટ પરબ્રહ્મ અખંડ બિરાજમાન છે. તેવી અતિ દૃઢ માનીનતા, શ્રદ્ધા, વિશ્ર્વાસ, આસ્થા.
(૨૭૯) જો થોડું જ જ્ઞાન હોય પણ સારધાર દેહ પર્યંત રહે તો સારું.
પર્યંત : ત્યાં સુધી, જેટલી.
(૨૮૦) ભગવાન છેટા છે, તો છેટા જ છેટા; નીકર તો આ ઘરમાં આવીને બેઠા, એવું ક્યાં સમજાય છે ? આ ભેટંભેટા થયા છીએ.
(૨૮૧) કલ્યાણના મારગમાં વિઘ્ન કરનારાં ઘણાં, તેને ઓળખી રાખવાં.
(૨૮૨) દશોંદ-વિશોંદ કહી છે તે જો ભગવાન રૂપિયા આપે તો કાઢવી, એ તો ઠીક છે; પણ ભેળી આ સાધુની વાતું ભેળા રહીને સાંભળવી, એ પણ દશોંદ-વિશોંદ કાઢવી, તે વિના તો જ્ઞાન નહિ થાય.
દશોંદ-વિશોંદ : ધર્માદા માટે કમાણીનો દસમો- વીસમો ભાગ.
(૨૮૩) સ્ત્રીવાળે મહિનો-બે મહિના આંહીં રહેવું ને જેને ન હોય તેને તો ઘરમાં રહેવાય જ નહિ; કાં જે, એમાંથી તો જરૂર કફાત થાય. માટે ગાંઠના રોટલા ખાઈને, નીકર મંદિરના રોટલા ખાઈને પણ આ વાતું સાંભળવી ને અજ્ઞાન ટાળવું. ને મંદિરના રોટલા ખાય તેમાં શું ? ઘેર કરતો હોય તે આંહીં સેવા કરે. અરે ! અમે તો સેવા પણ જે પૈસા લઈને કરતો હશે તેની પાસે કરાવશું; પણ જો કોઈ ભગવાન ભજતા હોય તો મંદિરના રોટલા આપીએ. ને કોઈ હજાર રૂપિયા ખરચે તેથી કાંઈ અજ્ઞાન જાય ? તેને પાછા એકથી સો ઘણા આપે, તે એક જણે પાંચસેં રૂપિયા નરનારાયણ આગળ મૂક્યા તેને સો લાખ આપશું, પણ કાંઈ વાતું સાંભળ્યા વિના અજ્ઞાન ગયું ?
(૨૮૪) જેને માથે મોટા શત્રુ હોય તેણે ઊંઘવું નહિ ને જેણે આતતાયી કર્મ કર્યું હોય તેને પણ ઊંઘ આવે નહીં. તેમ કામ, ક્રોધ ને લોભાદિક શત્રુ માથે છે ત્યાં સુધી ઊંઘવું નહીં. ને જે જે વચન કહ્યાં છે તેને વિસારી દેવાં નહીં. તે જો એકાંતે બેસીને વિચારે તો સાંભર્યા કરે.
અગ્નિદો ગરદશ્ચેવ શસ્ત્રપાણિર્ધનાપહઃ ।
ક્ષેત્રદારાપહારી ચ ષડેતે આતતાયિનઃ ॥
(સત્સંગીભૂષણ : ૧-૩૯-૨૬)
અર્થ : આતતાયી દુ:ખ દેનાર મનુષ્યના છ પ્રકાર છે : આગ ચાંપનાર, વિષ આપનાર, શસ્ત્ર ધારણ કરનાર, દ્રવ્ય ચોરનાર, જમીન પચાવનાર, સ્ત્રીનું અપહરણ કરનાર.
અર્થ : ધન, સંપત્તિ.
(૨૮૫) એક ગરીબ બાવાનો છોકરો આવ્યો. તે કહે જે, ‘સ્વામિનારાયણ તમે ભગવાન કહેવાવ છો તે મને રોટલો આપો.’ પછી રોટલો આપ્યો ને મહારાજ કહે જે, "છોકરા, આ નાના ભક્ત છે તેની સાથે પ્રશ્ર્ન-ઉત્તર કર. ત્યારે તે કહે જે, ‘મને આવડે નહિ, એ મારા ગુરુએ મને શીખવ્યું નથી.’ એટલે નાના રાઠોડ કાઠી ભક્ત થયેલ હતા તેણે કહ્યું જે, ‘લો હું પૂછું. ભક્તિનો મહિમા કેટલો ?’ એટલે આને તો ઉત્તર ન આવડ્યો. પછી મહારાજે એ પ્રશ્ર્ન સર્વ સાધુને પૂછ્યો, પણ કોઈને ઉત્તર સૂઝ્યો નહીં. પછી મહારાજ કહે, “ભાગવતમાં આ વાત છે.” પછી સ્કંધ તથા અધ્યાયનું નામ લીધું, તો પણ કોઈને ઉત્તર ન આવડ્યો. પછી મહારાજ કહે, “લો અમે એનો ઉત્તર કરીએ, તે તૃતીય સ્કંધમાં કહ્યું છે જે, નારદજી જ્યારે વૈકુંઠમાં ગયા ત્યારે વૈકુંઠનાથને પૂછ્યું જે, ‘આ વિમાન છાઈ રહ્યાં છે તે શા પુણ્યે મળ્યાં છે? ને તે પાછાં હેઠાં પડશે કે કેમ ?’ પછી કહ્યું કે, ‘એક વાર પ્રગટના સાધુને પગે લાગ્યા છે તેણે કરીને એને મળ્યાં છે ને પછી એ ભગવાનના ધામમાં જાશે.’ એવો ભક્તિનો મહિમા છે.” તે ઉપર શ્ર્લોક બોલ્યા જે,
એકોઽપિ કૃષ્ણસ્ય કૃતઃ પ્રણામો દશાશ્વમેધાવભૃથેન તુલ્યઃ ।
દશાશ્વમેધી પુનરેતિ જન્મ કૃષ્ણપ્રણામી ન પુનર્ભવાય ॥
(મહાભારત : શાંતિપર્વ ૧૨/૪૭/૯૨)v
અર્થ : શ્રીકૃષ્ણને કરેલો એક જ પ્રણામ દશ અશ્ર્વમેધ યજ્ઞને અંતે કરવામાં આવતાં સ્નાન બરોબર પુણ્ય આપનાર છે. દશ અશ્ર્વમેધ કરનારને ફરી જન્મ લેવો પડે છે. શ્રીકૃષ્ણને પ્રણામ કરનારને ફરી જન્મ લેવાનો રહેતો નથી.
પછી વાતું કરી ને કહ્યું કે, ‘આ સૌનાથી નિયમ સરસ પાળીએ તો માણસ શક ખાય છે, પણ ભગવાનનો મહિમા તો કહ્યો એવો મોટો છે.’
અર્થ : ધન, સંપત્તિ.
દશ : દિશા.
(૨૮૬) શ્રાવણ વદિ બારસને દિવસ વાત કરી જે, ‘મહારાજે મંડળ બાંધ્યાં ત્યારે સારા મોટા સાધુ ભેળા કોઈ સાધુ બેઠા નહિ ને બીજા ભેળા વીસ-પચીસ થયા.’ તે જોઈ મહારાજ કહે, “ઓલ્યા હિંદુસ્થાનમાં લઈ જાશે તેવા ભેળા થઈ ગયા ને આ સત્સંગમાં રાખે એવા ભેળા કોઈ નથી.” પછી સ્વામી કહે, ‘એમ એકાંતિકનું ને સાધારણ સાધુનું નોખું છે, તે ઓળખ્યા જોઈએ.’
વચ. લો. ૬
(૨૮૭) કાલ ઓલ્યામાં આવ્યું જે, ‘વૈરાટના હાથ-પગ તો દેખ્યામાં નથી આવતા ને પેટમાં આ બ્રહ્માંડ છે.’ તે વિચારીએ તો વૈરાટની કેવડી મોટપ થઈ ? ત્યારે આ અક્ષરને તો રૂંવાડે રૂંવાડે, કોટિ કોટિ બ્રહ્માંડ ઊડતાં ફરે છે, એ તો જો નવું પહેલ-વહેલું સાંભળ્યું હોય, તો તો જાણીએ જે આ તે વાત કે શું ? પણ કેવડી મોટપ થઈ ? આ તો બહુ વાર સાંભળ્યું એટલે મહિમા નથી.
કોટિ : કરોડ.
(૨૮૮) ત્યાગીને તો બાર ઉપર એક વાગે ખાધાનું કહ્યું છે ને આ તો બબ્બે, ત્રણ-ત્રણ વાર ઝૂડે છે તે ઉપવાસ પડે એટલે ધારણાં-પારણાં પણ કરે. એમ ભેળું લીધે જાય ને ઓલ્યુંય થાય. ને જો એક વાગે ખાય તો અન્નનો જે રસ તે બળી જાય ને ઓલ્યું તો અજીરણ થાય ને તેનું પાછું વીર્ય થાય ને પછી ઉપવાસ પડે.
(૨૮૯) ગોંડળમાં વાણિયે હવેલી કરી તે નળિયાં ચડાવ્યાં ત્યાં ચાળીસ હજાર કોરી થઈ ને ઘરમાં પણ એટલી હતી. પછી એમ ને એમ નવી ઘરેણે મૂકી તે હજી છૂટી નથી ને ખાવા મળ્યું નથી. તેમ આપણે પણ ગોંડળના વાણિયાના જેવું છે તે આ દેહ ઘરેણે મૂક્યો છે, તે પ્રભુ ભજતા નથી.
(૨૯૦) સ્વર્ગ, મૃત્યુ ને પાતાળ - ત્રિલોકી લઘુશંકા ચૂંથે છે. તે મોટા સાધુ તો જાણે જે, આ તે શું કરે છે ? કોઈ પ્રભુ ભજતા નથી ને માણસને વસમું લાગે એટલે કહેતા નથી ને સત્સંગ થયો છે પણ બાળકની પેઠે લઘુ ચૂંથે છે. ને ત્રિલોકીમાંથી એવો એક તો ખોળીને મારી આગળ લાવો જે મૂતર ન ચૂંથતો હોય!
(૨૯૧) જેટલું આ જગત પ્રધાન છે, જેટલી સ્ત્રી પ્રધાન છે ને જેટલો છોકરો પ્રધાન છે, તેટલો સાધુ સમાગમ નથી; ને સમાગમની કસર રહે છે એટલે એ પ્રધાનપણે રહે છે.
કસર : ખોટ, ઉણપ.
(૨૯૨) આ જગતનું સુખ તો એવું છે જે, અક્ષરધામમાંથી મચ્છરિયું મૂતર્યું, તે પ્રકૃતિના લોકમાં ટીપું પડ્યું ને તેમાંથી પાછું વળી થોડુંક ટીપું પ્રધાનપુરુષના લોકમાં પડ્યું ને તેમાંથી પાછું એમ ને એમ બીજા લોકમાં પડતાં પડતાં, કાંઈક ઝણ આ બ્રહ્માંડમાં પડી, એ તે શું કેટલુંક કહેવાય ? તે માટે સર્વોપરી સુખ તો અક્ષરધામમાં છે, ત્યાં જવું છે.
ઝણ : ઝીણી ફરફર, વરસાદની છાંટ જેવું.
(૨૯૩) સ્વામી કહે, ‘વાંચો રુચિનું લોયાનું ૧૪મું વચનામૃત.’ તે રુચિ સારી થયા વિના ભગવાન પાસે રહેવાય નહિ, રુચિ સારી થયે સારું થાય ને ભૂંડી થયે ભૂંડું થાય. તે જુઓને, જેની રુચિ મળતી હોય તે તેની ભેળા બેસે છે, સુવાણ૨ પણ તો જ થાય છે. તે અફીણીયા હોય તે અફીણી ભેળા બેસે, એમ રુચિની વાત છે.
(૨૯૪) એક જણે પૂછ્યું જે, ‘વચનામૃતમાં ક્યાંક આશરાનું બળ કહ્યું છે, ક્યાંક ધર્મનું, ક્યાંક વૈરાગ્યનું, ક્યાંક આત્મનિષ્ઠા ને વળી ક્યાંક પાછી આત્મનિષ્ઠા ઉડાડી નાખી છે. એવાં કોઈક ઠેકાણે અનંત સાધન કહ્યાં છે તેમાં એકને વિશે સર્વે આવી જાય ને ઉત્તમ મોક્ષ થાય એવું એક કહો.’ એટલે સ્વામી કહે જે, ‘ઉપાસના હોય ને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ર્ચય હોય તો બધાં આવે.’ વળી પૂછ્યું જે, ‘ઉપાસના છે એમ કેમ જણાય ?’ એટલે કહે,
ત્રિભુવનવિભવહેતવેપ્યકુણ્ઠ સ્મૃતિરજિતાત્મસુરાદિભિર્વિમૃગ્યાત્ ।
ન ચલતિ ભગવત્પદારવિન્દાલ્લવનિમિષાર્ધમપિ ય:સ વૈષ્ણવાગ્ય્ર: ॥
(શ્રીમદ્ ભાગવત : ૧૧/૨/૫૩)
અર્થ : ત્રણેય ભુવનના વૈભવો આવીને ઊભા હોય તો પણ જેની ભગવાનમાં અખંડ બુદ્ધિ છે એવો તથા જેનો આત્મા શ્રીવિષ્ણુમાં છે એવો વૈષ્ણવજન, દેવોને પણ જેમની શોધ કરવી પડે છે એવા ભગવાનના ચરણકમળમાંથી એક લવમાત્ર પણ અથવા આંખના અર્ધા પલકારા જેટલો સમય માટે પણ ચલિત થતો નથી તેવો વૈષ્ણવજન પ્રધાન વૈષ્ણવ ગણાય છે, વૈષ્ણવોમાં અગ્રેસર ગણાય છે.
એ શ્ર્લોક પ્રમાણે તો વિષયની કોરનું હોય, એવા ત્રણ શ્ર્લોક બીજા બોલ્યા ને કહ્યું જે, ‘એ પ્રમાણે રહે એવા ગુણ હોય તેને ઉપાસના છે એમ જાણવું.’
વચ. લો. ૧૨
વચ. ગ.અં. ૭
આત્મનિષ્ઠા : હું તો દેહથી જુદો જે આત્મા તે છું ને મારે વિશે પ્રગટ પરબ્રહ્મ અખંડ બિરાજમાન છે. તેવી અતિ દૃઢ માનીનતા, શ્રદ્ધા, વિશ્ર્વાસ, આસ્થા.
નિર્વિકલ્પ : જ્ઞાતા-જ્ઞેય ઇત્યાદિક ભેદ વગરનું, જેમાં કોઈ અપવાદ કે બેપણું ન હોય તેવું.
અર્થ : ધન, સંપત્તિ.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
(૨૯૫) પૃથ્વી ગંધને મૂકે પણ ભીષ્મનું બ્રહ્મચર્ય ન જાય, એમ ભગવાનને અડગ સમજે. વળી, મહારાજે કરોડ કરોડ સાધન કહ્યાં છે, પણ તેમાં ત્રણ મુખ્ય છે. એક ભગવાનની ઉપાસના, બીજું તેમના ભક્તને વિશે આત્મબુદ્ધિ ને ત્રીજી આજ્ઞા. એ ત્રણ જો બરાબર સમજે તો બધુંય થયું ને આજ્ઞામાં ધર્મ પણ આવી ગયો ને આજ્ઞામાં સર્વે સાધન આવી ગયાં અને આપણે મહારાજની આજ્ઞા, ઉપાસના તથા એકાંતિક સંત સાથે હેત છે; માટે જે જે કરવાનું છે તે આપણે થઈ રહ્યું છે, હવે કાંઈ કરવું રહ્યું નથી.
આત્મબુદ્ધિ : પોતાપણાની ભાવના, 'દેહ તે હું નહિ પણ આત્મા છું' એવી બુદ્ધિ.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.