(1) ભગવાન મળ્યા પછી કરવાનું એ છે જે, જાણપણારૂપ દરવાજે રહેવું તથા સંગ ઓળખવો તથા હઠ, માન ને ઈર્ષ્યા ન રાખવી.
વચ. ગ.અં. 9
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
(2) ભગવાનના તથા એકાંતિકના નિશ્ર્ચયનાં લક્ષણ એ છે જે, ઘરમાં સો કરોડ મણ દાણા હોય તથા રૂપિયા હોય તો કાળ પડે મરવાની બીક ન રહે તથા બે હજાર બખતરિયા ભેળા હોય તો લૂંટાવાની બીક ન રહે. તેમ નિશ્ર્ચયવાળાને કાળ, કર્મ ને માયા તેની બીક ન રહે ને પૂર્ણકામ માને ને ભગવાન વિના કોઈની અપેક્ષા ન રહે.
પ્રકરણ 1ની વાત 317
(3) દિવ્યભાવ-મનુષ્યભાવ એક સમજે તો અવગુણ ન આવે, જેમ ઇયળ ભમરીનું ધ્યાન કરેથી (કર્યાથી) ઇયળ ભમરી થાય તથા પારસના સંબંધથી લોઢું સોનું થાય તથા નંગની પરીક્ષા ઝવેરીના સંગથી જ આવડે તથા ધૂડ કુંભારની કસણી ખમે છે તેથી વાસણ થાય છે, તેમ જ ભગવાન તથા એકાંતિક ઓળખ્યાથી બ્રહ્મરૂપ થાય છે ને એકાંતિક ઓળખ્યા પછી કાંઈ કરવું રહેતું નથી.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
(4) ભગવાન તથા એકાંતિકનો સંગ એટલો જ સત્સંગ ને બીજો તો અરધો સત્સંગ કહેવાય.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
(5) આત્યંતિક મોક્ષ થાય તે જ મોક્ષ કહેવાય ને બીજા ધામમાં ગયેથી ગર્ભવાસમાં આવવું પડે ને ગર્ભવાસમાં આવવું પડે ત્યાં સુધી મોક્ષ ન કહેવાય. ને એવો મોક્ષ તો પ્રગટ ભગવાન ને પ્રગટ ભગવાનના એકાંતિકનો આશરો કર્યાથી થાય, બીજાથી થાય નહિ ને સંત તો ભગવાન જેવા સમર્થ છે.
(6) છોકરાંને બીક લાગે ત્યારે મા-બાપને ગળે બાઝી પડે, તેમ આપણે આપત્કાળે ભગવાન તથા સાધુને ગળે બાઝી પડવું એટલે એ રક્ષા કરે. પછી નથુ પટેલે પૂછ્યું જે, ‘ગળે શી રીતે બાઝવું ?’ ત્યારે ઉત્તર કર્યો જે, ‘તેમને સંભારવા; અને ભગવાન તથા આ સાધુનો જેને સંગ થયો છે તેને માથે વિઘ્ન નથી; કેમ જે, તેની તો ભગવાન રક્ષા કરે છે. ત્યાં ઘોડીનું દૃષ્ટાંત દીધું જે, નદીનું પૂર ઊતરતાં અસવાર ચાર વાર પડી ગયો ને ઘોડી ચાર વાર પાછી વળી ને અસવારને તાર્યો તેમ રક્ષા કરે છે.’
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
(7) ગઢડાવાળા ઠક્કર નારણ પ્રધાને પ્રશ્ર્ન પૂછ્યો જે, ‘વિષયનું દોષધ્યાન ન થયું હોય તો તેના વિષય શી રીતે ટળે ?’ ત્યારે ઉત્તર કર્યો જે, ‘સમુદ્રનું જળ સુકાય તેવું નથી, પણ આત્યંતિક પ્રલયે સુકાઈ જાય છે. તેમ આત્યંતિક જ્ઞાન થાય તો વિષય ટળી જાય. તે આત્યંતિક જ્ઞાન તો આ સાધુને ઓળખ્યા એ જ છે ને તેથી વિષય ટળી જાય છે. ને તે વિના તો દોષધ્યાન કરતે કરતે કાળે કરીને ટળે.’ ત્યાં ગરુડનું દૃષ્ટાંત દીધું જે ગરુડ રહી ગયો ને ચકલી પારને પામી ગઈ.
(8) બોટાદ મધ્યે હરિશંકરભાઈને વાત કરી જે, ‘કરકા ઉપર બે જનાવર બેઠાં હતાં, તે મધ્યેથી એક થોડુંક દોષધ્યાન થયાથી ઊડી ગયું ને એક બેસી રહ્યું; તેને જ્ઞાન થયાથી તથા પોતાની જોડે જનાવર હતું તેના ગુણ લીધાથી ને પોતાના દોષ સમજાણાથી મોક્ષ થયો ને ઊડી ગયેલા જનાવરને કરકામાં ગુણધ્યાન રહ્યાથી જન્મ લેવા પડ્યા.’
(9) શ્રીજીમહારાજે હરિશંકરભાઈને સુરતમાં સ્વપ્નમાં દર્શન દઈને વાત કરી જે, ''નિશ્ર્ચયમાં કસર છે તેથી દેહ ધરાવ્યો છે, માટે નિશ્ર્ચય પરિપક્વ કરવો ને આજ્ઞા પાળવી એટલે પૂર્ણકામ થયું.''
કસર : ખોટ, ઉણપ.
(10) હરિશંકરભાઈએ પૂછ્યું જે, ‘પ્રગટ ભગવાન ને આ મૂળ સાધુ મળ્યા છે, તેથી પૂર્ણકામ માનવું કે વાસના ટળે તો માનવું ?’ ત્યારે ઉત્તર કર્યો જે, ‘નિશ્ર્ચય થયો એટલે વાસના ટળી ચૂકી, માટે પૂર્ણકામ માનવું ને આજ્ઞા પાળવાની રુચિ રાખવી ને અસત્ દેશકાળે આજ્ઞા ન પળાય તો પણ તેને વિઘ્ન નથી.’
વાસના : પૂર્વના સંસ્કારોથી મકકમ થયેલી કામના.
(11) કેટલાક વાત એમ કરે છે જે, ‘દેવલોક વગેરેમાં જાવું નથી ને અલ્પ વિષયમાં તો લેવાઈ જાય છે તેનું શું કારણ ? ને તે અક્ષરધામમાં જાશે કે નહિ જાય?’ એ પ્રશ્ર્નનો ઉત્તર કર્યો જે, ‘અજ્ઞાન છે તેથી વિષયમાં લેવાય છે; પણ પ્રગટ ભગવાન તથા આ સાધુનો દૃઢ આશરો છે, તો તે અંતે તો અક્ષરધામમાં જ જાશે ને એ પ્રમાણે આશરો નથી ને તે ઉપર પ્રમાણે વાત તો કરે છે, તો પણ તે અક્ષરધામમાં નહિ જાય ને જેની સાથે પ્રીતિ છે તેના ધામમાં જાશે.’ ત્યાં દૃષ્ટાંત દીધું જે, ગાયકવાડનો છોકરો મૂળા સારુ રોવે (રડે) પણ રાજ તેને જ મળશે.
(જુઓ પ્રકરણ 5 ની વાત 119)
(12) ગામ બગડમાં એમ વાત કરી જે, ‘અંતર પકડે તેને ભગવાન કહીએ.’ ત્યારે હરિશંકરભાઈએ પૂછ્યું જે, ‘અંતર પકડ્યું તે શું સમજવું ?’ ત્યારે ઉત્તર કર્યો જે, ‘પોતાની મૂર્તિમાં જીવને ખેંચી લે ને તેનો દોષ વરતીને તેના ઉપર વાત કરીને દોષ ટાળે, તે અંતર પકડ્યું કહેવાય.’
(13) ભગવાન આપણી બાયડી બળાત્કારે લઈ જાય તથા છોકરો લઈ જાય ને દોષ ન લેવાય તો સ્વરૂપનું જ્ઞાન થયું જાણવું; ને એવાનો મોક્ષ થઈ ચૂક્યો.
(14) શુકમુનિયે સુરતમાં વાત કરેલી જે, ‘ગુણાતીતાનંદસ્વામી વાતું કરે છે તેથી મહારાજની વાત જેટલો સમાસ થાય છે.’
(15) ભોગાવાને કાંઠે ઢૂંઢિયો તાપમાં તપ કરતો હોય તે નરકમાં જાય ને આશ્રયવાળાને સાત છોકરાં હોય તો પણ તેનો કુટુંબે સહિત મોક્ષ થાય એ વાત સર્વેને સમજ્યામાં ન આવે.
પ્રકરણ 4ની વાત 61
ઢૂંઢિયો : એક પ્રકારના જૈન સાધુ.
(16) ઝાઝા શબ્દ સાંભળે તો અંગ તૂટી જાય ને બુદ્ધિમાં ભ્રમ થાય, માટે સમજીને નિશ્ર્ચય કર્યા પછી બહુ શબ્દ સાંભળવા નહીં.
(17) નામી વિના માત્ર નામથી કામ સરતું નથી; નામ તે ફૂલ છે ને નામી તે ફળ છે.
(18) ચોકી બેઠી હોય ત્યાં કોઈ આવી શકે નહિ, એ દૃષ્ટાંતનું સિદ્ધાંત એ છે જે, ‘મોટા સાધુ સંગાથે માહાત્મ્ય જાણીને જીવ જોડ્યો હોય, તો તેનાથી તેની મરજી ઉપરાંત છેટે જાય; પણ વિષય ભોગવાય નહિ ને વિષય એને લોપી શકે નહીં.’
માહાત્મ્ય : મહિમા, મહત્વ.
લોપી : ન માનવા દે, ઉલ્લંઘન કરાવે.
(19) મોટા સાધુના સમાગમથી વિષય ટળી ગયા છે, તો પણ નહિ ટળ્યા જેવું જણાય છે. તેનું કારણ એ છે જે તલવારમાં મરિયાં લાગ્યાં હોય, તો સરાણે ચડાવ્યેથી મટી જાય; પણ બહુ કાટ લાગીને માંહી સાર પડી ગયા હોય તો મટે નહીં. તે ક્યારે મટે ? તો તેને ગાળીને ફરી તલવાર કરે ત્યારે મટે; તેમ આ જીવમાં વિષયના સાર પડી ગયા છે, તે દેહ મૂકીને બ્રહ્મરૂપ થાશે એટલે ટળી જાશે.
જુઓ પ્રકરણ 1ની વાત 219
ગાળીને : ખોદીને.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
(20) આ સાધુ તો ભગવાનની હજૂરના રહેનારા છે; પળમાત્ર છેટે રહે તેવા નથી ને એ રહ્યા છે તે કોઈ જીવોના કલ્યાણને અર્થે રહ્યા છે. ને આ સમે એક વાત થાય છે તેવી વાત બીજા સાધુ જન્મારામાં પણ કરી શકે નહિ ને કરતાં આવડે પણ નહિ ને જન્મારો અભ્યાસ કરે તો પણ એવી વાતું શીખાય નહીં.
જુઓ પ્રકરણ 1ની વાત 220
જન્મારામાં : જીવનકાળમાં
(21) ભગવાનનું તથા આ સાધુનું જેને જ્ઞાન થયું છે તેને કાંઈ કરવું રહ્યું નથી, તે તો આંહીં છે તો પણ અક્ષરધામમાં જ બેઠો છે માટે પાંચ માળા વધુ-ઓછી ફરશે તેની ચિંતા નથી, તે તો સામર્થી પ્રમાણે વરતવું; પણ ભગવાન ને આ સાધુ બેને જ જીવમાં રાખવા. ને આપણે સાધનને બળે મોટાઈ નથી; પણ ઉપાસનાના બળથી મોટાઈ છે.
જુઓ પ્રકરણ 1ની વાત 221
(22) ભગવાનની આજ્ઞાથી પ્રવૃત્તિમાં જોડાય તો પણ બંધાય તો ખરો, પણ આજ્ઞા પાળ્યેથી પ્રસન્નતા થાય. ત્યાં દૃષ્ટાંત દીધું જે, રાજાની આજ્ઞાથી સિપાઈ કૂવામાં સાત વાર ઊતર્યો ને પલળીને આવ્યો તો પણ ગામ આપ્યું.
(23) નિવૃત્તિમાં રહે તો ઇન્દ્રિયુંની શુદ્ધિ થાય છે ને જીવની પણ શુદ્ધિ થાય છે; તેવી પ્રવૃત્તિ મારગમાં થાતી નથી, માટે વિહિત ભોગમાંથી સંકોચ કરવો.
(24) પ્રગટ ભગવાનનો સંબંધ થયાથી ને નિર્દોષ સમજ્યાથી મોક્ષ થઈ રહ્યો છે ને દોષ રહ્યા તે ટાળવાનો અભ્યાસ કરે તો ટળે, નહિ તો દેહ રહે ત્યાં સુધી દુ:ખી રહે. ને દેહ મૂકીને ભગવાનનો નિશ્ર્ચય છે તો ભગવાનના ધામને પામે છે. તે ઉપર છેલ્લાનું 34મું વચનામૃત વંચાવ્યું.
(25) સ્વામીએ વાત કરી જે, ‘માખીમાંથી સૂર્ય કરવો એટલો દાખડો ભગવાન જેવા હોય તેનાથી થાય, બીજાથી થાય નહીં.’
(26) સત્સંગે કરીને ભગવાન વશ થાય છે તેવા બીજા કોઈ સાધને થાતા નથી. તે સત્સંગનો અર્થ એ છે જે, ભગવાન ને સંત તેને વિશે જેટલો સદ્ભાવ તેટલો સત્સંગ છે, તે થાવો દુર્લભ છે.
વચ. ગ.મ. 54
વચ. ગ.અં. 2
અર્થ : ધન, સંપત્તિ.
સદ્ભાવ : સ્નેહની લાગણી કે સારાપણાનો ભાવ.
(27) નિષ્કુળાનંદસ્વામીને મહારાજે પૂછ્યું જે, “સંતદાસજી મોટા કે મુક્તાનંદસ્વામી મોટા ?”
ત્યારે નિષ્કુળાનંદસ્વામીએ કહ્યું જે, ‘સંતદાસજી સિદ્ધ દશાને પામ્યા છે તે મોટા.’ પછી મહારાજે કહ્યું જે, “સંતદાસજીને મોટપ આવવી બંધ થઈ ને મુક્તાનંદસ્વામીની મોટપ વધતી જાય છે, માટે તે મોટા.” ત્યાં દૃષ્ટાંત દીધું જે, “હવેલીમાં બહુ ખરચ કરે તો બે લાખ રૂપિયા ખરચ થાય, તે ઉપરાંત ન થાય ને ખેડાના કાંપમાં દશ લાખ રૂપિયાનું ખરચ થયું છે ને દશ લાખના પાયા નાખ્યા છે ને કિંમત વધતી જાય છે; તેમ સંતદાસજી હવેલી જેવા ને મુક્તાનંદસ્વામી ખેડાના કાંપ જેવા છે; એમ મોટપ સમજવી.”
કાંપમાં : છાવણીમાં, કેમ્પમાં.
દશ : દિશા.
(28) ગોપાળાનંદસ્વામીની કહેલી વાત કરી જે, ‘મારા જ્ઞાનને બે જણ પામ્યા; બાળમુકુંદાનંદસ્વામી તથા સર્વનિવાસાનંદસ્વામી. ને મારો સત્સંગ તો ગઢડા પાસેની વોંકળી જેવો છે. ઉપરવાસ વરસાદનું બળ હોય ત્યાં સુધી બળ રહે; તેમ આપણને સત્સંગના સમાગમનું બળ હોય ત્યાં સુધી સારું રહે, નીકર કુસંગે કરીને તો કોઈનો ઠા રહે નહીં.’
વોંકળી : નાનો વહેળો.
ઠા : નિરધાર, ઠેકાણું, સ્થિરતા,
(29) સત્સંગ કરતાં પ્રથમ વિવેક આવે, તેથી સત્ય-અસત્ય સમજાય, ત્યાર પછી વિમોક આવે, તેથી સ્ત્રી આદિકની ઇચ્છા ટળી જાય, પછી ક્રિયા આવડે કહેતાં સત્સંગની રીત પ્રમાણે સર્વને મળતી ક્રિયા આવડે, ત્યાર પછી સર્વથી પર એવું પોતાનું સ્વરૂપ બ્રહ્મરૂપ મનાય, ત્યાર પછી ભગવાન વરે; ત્યાર પછી જેમ જીવ દેહની રક્ષા કરે છે, સ્ત્રી પોતાના સ્વામીની સેવા કરે છે, તેમ ભગવાન સર્વ પ્રકારે રક્ષા કરે.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
(30) જેનો સમાગમ મળવાની પ્રાર્થના કરે છે, તેનો સમાગમ ભગવાને આપણને હાથોહાથ આપ્યો છે.
(31) પંચમહાપાપનો કરનારો હોય તેનું પ્રાયશ્ર્ચિત શાસ્ત્રમાં કહ્યું નથી; તો પણ આ સભાનાં દર્શન કરે તો તેનાં પાપ ટળી જાય; કેમ જે, આ સભામાં ભગવાન છે, સાધુ છે, સર્વે છે.
(32) પુરુષોત્તમ ભેળા અક્ષર મૂર્તિમાન આવ્યા છે પણ ઓળખાતા નથી. ને આ સભામાં તે છે એમ કહીએ તો બધાને મનાય નહિ, માટે મોઢે કહેવાની રીત નથી ને તેના મુક્તના કહેવાથી નિશ્ર્ચય થાય છે.
(33) કોઠારમાં હરિશંકરભાઈને વાત કરી જે, આજ સવારની સભામાં બહુ સારી વાત થઈ; તે શાથી ? જે, ભગવાન આવ્યા હતા ને હમણાં કોઈને સમજાતું નહિ હોય તો આગળ સમજાશે. ને ઇતરડી આંચળે રહે છે તો પણ લોહી પામે છે ને વાછરું છેટું રહે છે તો પણ દૂધ પામે છે.
ઇતરડી : ઢોરના શરીરે વળગી લોહી ચૂસતું એક જંતુ.
(34) યોગેશ્ર્વરદાસજી તથા મહાપુરુષદાસજી મોટા સાધુ છે ને સાંખ્યજ્ઞાનમાં કુશળ છે ને, ‘મારા જેવો કોઈ સાધુ નથી.’ એમ સમજે છે. હરિભક્ત તમામને અક્ષરના સ્વરૂપનો નિશ્ર્ચય છે; સાધુમાં કોઈને નહિ સમજાતું હોય.
(35) શુકમુનિએ સાધુને મહારાજનો પ્રતાપ સમજાવીને અમારો મહિમા કહ્યો તે વાત કરી.
(36) અમારે તો જીવને ભગવાન વિના બીજે જોડવા નથી ને તમને પ્રવૃત્તિમાંથી છોડાવીને સુખે ભજન કરાવીશ. હરિશંકરભાઈએ પૂછ્યું જે, ‘તમે તો અંતરજામી છો, તેથી તમારી આગળ પ્રાર્થના કરવી ઘટતી નથી.’ ત્યારે ઉત્તર કર્યો જે, ‘અંતરજામી આગળ પણ પૂછવાનું હોય તે પૂછવું.’ ને કહ્યું કે, ‘તમારે આંહીં પણ ભગવાનના ધામના જેવું સુખ માનવું ને તમારે પૂર્વનો સંસ્કાર બળિયો છે માટે ભજન કર્યા કરવું. ને વરતાલમાં બધાં માણસ મારામાં તણાઈ ગયાં ને કેટલાકે ધોતિયાં ઓઢાડ્યાં ને હું તો મહારાજની મૂર્તિ સામું જોઈ રહ્યો.’
(39) ગોંડળમાં હરિશંકરભાઈએ પૂછ્યું તેનો ઉત્તર કર્યો જે, ‘તમારે ગોપાળાનંદસ્વામી, કૃપાનંદસ્વામી તથા હાલ જે મોટા સાધુ છે તેની સાથે હેત છે; માટે ભજન કર્યા કરવું, પ્રશ્ર્ન પૂછવાની જરૂર નથી.’
(40) સર્વે રૂડા ગુણ અભ્યાસથી તથા સંગથી આવે છે, પણ ભગવાનની તથા સાધુની નિષ્ઠા તે તો પૂર્વ સંસ્કારથી તથા મોટાના અનુગ્રહથી થાય છે ને જેટલું મોટાના સમાગમમાં રહેવાય, તેટલો તેને સંસ્કાર તથા અનુગ્રહ સમજવો ને જેણે જેટલી નિષ્ઠા પ્રવર્તાવી તેટલી તેની મોટાઈ સમજવી.
નિષ્ઠા : શ્રદ્ધા, આસ્થા, વિશ્ર્વાસ, ધારણા.
અનુગ્રહ : કૃપા, ઉપકાર, મહેરબાની.
(41) પૂર્વનો સંસ્કાર હોય પણ ઊતરતો સંગ મળે તો સંસ્કાર ટળી જાય; ને સો જન્મે સારો થાવાનો હોય તેને રૂડો સંગ મળે તો તુરત સારો થઈ જાય.
વચ. લો. 6
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
(42) મોટાએ હરેક તરેહથી સુખ આપ્યું હોય, આગળ ભગવાને આપ્યું હોય ને બહુ મહિમા સમજાણો હોય તો પણ જેને તેને કહેતા ફરવું નહિ ને કોઈને કહેવું હોય તો સોળ આને એક આનો કહેવું.
તરેહથી : રીતથી-ભાતથી, રીતભાતથી.
(43) શુકજીએ પરીક્ષિતને કહ્યું જે, ‘હું રાજા છું ને મને બ્રાહ્મણનો શાપ થયો છે ને મને સર્પનો ડંસ થાશે, એવી જે પશુબુદ્ધિ તેનો ત્યાગ કરીને તારી ગર્ભમાં રક્ષા કરી છે, તે ભગવાનને સંભાર !’ સારાય ‘ભાગવત’નો સાર આટલી વાતમાં છે.
(જુઓ પ્રકરણ 9ની વાત 169)
(44) ભગવાનનાં એક વાર દર્શન થાય છે, તેના પુણ્યનો પાર નથી. ને ભગવાન વિના બીજી વાત સાંભળવી નહિ ને ભગવાનનો જોગ ભારે થયો છે ને ભગવાનની મૂર્તિમાં સર્વ જીવ તણાય જાય ને જ્ઞાનીને પ્રીતિ રહે ને અજ્ઞાનીને ટળી જાય.
(45) આ લોક છે તે જોડે (પગરખે) છાણ ચોંટ્યા જેવો છે ને કાંકરાળી જમીનમાં ચાલવા માંડ્યું છે તે થોડા વખતમાં ઘસાઈ જાશે.
(46) ગુરુ મળ્યા પછી શિષ્યને ગર્ભવાસ વગેરે દુ:ખનો ત્રાસ મટ્યો નથી, તો તે ગુરુ જ નથી.
ગર્ભવાસ : ગર્ભનો ઉદરમાં વાસ.
(47) મનને ધાર્યે ભજન-ભક્તિ વગેરે કરે છે તેમાં અંતરે શાંતિ નહિ, પણ ભગવાન ને સાધુના કહ્યા પ્રમાણે કરે તો શાંતિ થાય છે.
(48) હાલ ભગવાનનો અનુગ્રહ ઘણો છે; તે શું ? જે, પરાણે ભજન કરાવે છે, વર્તમાન પળાવે છે ને વાતું સંભળાવે છે; એવા સાધુ મળ્યા છે.
અનુગ્રહ : કૃપા, ઉપકાર, મહેરબાની.
(49) આ દેહમાંથી ને લોકમાંથી આમ ને આમ સમાગમ કરતાં ભગવાનમાં હેત થાય કે જ્ઞાન થાય ત્યારે ઊખડાય.
(50) સ્પર્શાદિક ઉત્તમ વિષય પ્રથમ સારા લાગે છે ને પછી દુ:ખ થાય છે. જ્ઞાની સુખી છે કાં બીજાનું કહેલું માને તે સુખી છે. અધર્મનો સર્ગ જીતવા પહોંચાય ત્યાં સુધી દાખડો કરવો ને નહિ પહોંચાય ત્યારે ભગવાન મદદ કરશે.
(51) ઘણા જીવને મોક્ષને મારગે ચઢાવવા છે તેથી નિયમ-ધર્મની વાતું ઘણી થાય ને માહાત્મ્યની વાતું ઝાઝી થાય નહીં. મહારાજે માહાત્મ્યની વાતું ઘણી કરી એટલે કુપાત્ર જીવે ધર્મ મૂકી દીધા; તેથી મહારાજે પોતાને હાથે માહાત્મ્યની વાતું ઉપર લીટા મૂક્યા, પણ માહાત્મ્ય જાણ્યેથી જ શાંતિ છે; પણ જીવ પાત્ર નહિ તેથી માહાત્મ્યની વાતું થાતી નથી.
માહાત્મ્ય : મહિમા, મહત્વ.
(52) દેહ-ઇન્દ્રિયું માયિક છે ને પદાર્થ પણ માયિક છે, તેથી સજાતિપણું થયું તે તેમાં ચોંટે ને પૂર્વનો સંસ્કાર હોય તે ન ચોંટે.
(53)
કલૌ કીર્તનાત્
(શ્રીમદ્ ભાગવત : 1-2-3-52)
અર્થ : સત્યુગમાં જે (મોક્ષ) ભગવાનના ધ્યાનથી મળે, ત્રેતાયુગમાં યજ્ઞો કરવાથી મળે, દ્વાપરયુગમાં સેવા કરવાથી મળે તે મોક્ષ કળિયુગમાં કેવળ હરિ કીર્તનગાનથી મળે છે.
એનો અર્થ કર્યો જે, કળિયુગમાં તમોગુણ-રજોગુણ ઘણો એટલે કીર્તન ગાવાં તથા ભજન કરવું એટલે તમોગુણ પેસે નહિ; ને ભજન એમ કરવું જે, ‘જેમ બે હજાર ઘોડાનો વાજ જાતો હોય તે સોંસરો2 કોઈ નીકળી શકે જ નહીં.’ તેમ ઉતાવળે ભજન કરવું એટલે સંકલ્પ પેસી શકે નહીં.
અર્થ : ધન, સંપત્તિ.
(54) મન-ઇન્દ્રિયુંને વગર પ્રયોજને ચાળા ચૂંથવાનો સ્વભાવ છે માટે તેને જાણીને જુદા પડવું.
(55) સ્પર્શમાં ને જિહ્વામાં તો જીવ ચોંટેલા જ છે, માટે તેને જાણવું. ને કોઈ નહિ ચોંટતા હોય તેને પૂર્વનો સંસ્કાર છે ને આ મારગ તો નેવાનું પાણી મોભે ચડાવ્યા જેવો છે.
(56) રાજાને આશરે જાય તેના ગુન્હા માફ કરે, તેમ ભગવાન જીવના ગુન્હા માફ કરે છે, પણ જીવની રીત અવળી છે, તે પોતાને સરસ માનીને ભગવાનને આશરે જાય નહીં. ને દોઢ પહોર દિવસ ચડતાં સુધી ભગવાન જીવના ગુન્હા માફ કર્યા કરે છે.
પહોર : પ્રહર, ત્રણ કલાક.
(57) આઠેય પહોર એવું ભજન કરવું જે, આ દેહ હું નહિ ને સાંખ્યે સહિત યોગ થાશે અથવા જ્ઞાનપ્રલય થાશે ત્યારે કારણ દેહનો નાશ થાશે ને પૂરો મુક્ત થાશે; માટે જ્ઞાનપ્રલયનો અભ્યાસ કરવો.
પહોર : પ્રહર, ત્રણ કલાક.
(58) નિજાત્માનં બ્રહ્મરૂપં દેહત્રયવિલક્ષણમ્ । એ શ્ર્લોક લખ્યો છે તે પ્રમાણે મહારાજ આપણને કરાવશે ને પુષ્પના હાર છે તે સાપ છે ને સ્ત્રી છે તે રાક્ષસી છે. એ રસ્તે હવે ચાલ્યા છીએ તે મહારાજ મદદ કરશે.
(59) ત્રણ દેહથી પોતાનું સ્વરૂપ જુદું માનવું, મહારાજને ભગવાન જાણવા, પુરુષોત્તમ જાણવા, સર્વેના નિયંતા જાણવા, પરબ્રહ્મ જાણવા, કર્તુમ, અકર્તુમ્ ને અન્યથાકર્તુમ્ જાણવા ને એવી ઉપમા બીજાને દેવાય નહીં. એ તો મહારાજ એકને જ દેવાય ને બીજા સર્વે પુરુષ છે ને મહારાજ પુરુષોત્તમ છે. ને અનેક કોટિ પુરુષ છે ને અનેક કોટિ ઈશ્ર્વર છે ને અનેક કોટિ અક્ષર છે. ત્યારે વાઘાખાચરે પૂછ્યું જે, ‘અક્ષર એક કહેવાય છે ને અનેક કોટિ કેમ કહો છો ?’ ત્યારે બોલ્યા જે, ‘ધામરૂપ મૂળઅક્ષર એક જ છે ને બીજા અનેક કોટિ અક્ષરમુક્ત છે.’ પછી હરિશંકરભાઈએ પૂછ્યું જે, ‘ધામરૂપ અક્ષર મૂર્તિમાન છે તે શી (કઈ) રીતે છે ?’ ત્યારે કહ્યું જે, ‘મૂર્તિમાન આપણા જેવા જ છે ને ભગવાન જેવા જ કહેવાય ને ભગવાનથી કામ થાય તેટલું તેમનાથી થાય છે. ને પુરુષપ્રકૃતિથી પર અક્ષરમુક્તો છે અને એ સર્વેથી પર મૂળઅક્ષર છે તેથી તે ભગવાન જેવા છે ને માત્ર એક પુરુષોત્તમના જ દાસ છે.’
ફરી પૂછ્યું જે, ‘પુરુષોત્તમ આંહીં અવતાર ધરીને આવ્યા છે તે ભેળા ધામરૂપ અક્ષર આંહીં આવ્યા છે કે નહિ ?’ ત્યારે ઉત્તર કર્યો જે, ‘પુરુષોત્તમ ભેળા આંહીં આવ્યા છે ને પુરુષોત્તમની આજ્ઞાએ કરીને અનેક જીવોનાં કલ્યાણને અર્થે આંહીં જ રહ્યા છે.’ ફરી પૂછ્યું જે, ‘ધામરૂપ અક્ષર બીજા અક્ષર કોટિને લીન કરે તે શી રીતે છે ?’ તેનો ઉત્તર સ્વામીએ કર્યો જે, ‘લીન કરવાને એ સમર્થ છે તે લીન કરવા હોય તો કરે. ને અક્ષરધામના મુક્ત ત્રણ પ્રકારે શુભ સંકલ્પે કરીને દેહ ધરે છે; એક આજ્ઞાથી, પોતાની ઇચ્છાથી ને વાસનાથી. તેમાં ઇચ્છાથી જે આવે તે અનેક જીવોનાં કલ્યાણ કરીને પાછા જાય ને વાસનાથી જે આવ્યા હોય તે પ્રિયવ્રત જેવા થાય.’
અન્યથાકર્તુમ્ : ઐશ્ર્વર્ય વાપરીને સામાન્ય રીતે હોય એનાથી જુદી રીતે કરવાને સમર્થ.
કોટિ : કરોડ.
(60) શિવજીના ગળામાં રહીને સાપે ગરુડની સામે ફૂંફાડા મારવા માંડ્યા, ત્યારે ગરુડે કહ્યું જે, ‘એ તારું બળ નથી પણ શિવજીનું બળ છે તેથી મારું જોર ચાલતું નથી.’ તેમ આપણને દુ:ખ આવે ત્યારે ભગવાન તથા સાધુને બાઝી પડવું, એટલે કાળ, કર્મ ને માયા કોઈનું બળ ચાલે નહીં.
(61) ઇન્દ્રિયાદિક ક્ષેત્ર થકી કોઈ ઊગરે એમ નથી, માટે ‘વચનામૃત’માં કહ્યું છે તેમ નિયમરૂપી બેડીમાં રહે તો ઊગરે ને બ્રહ્માદિક કાંઈ અણસમજુ કે અજ્ઞાની નહોતા. માટે ઇન્દ્રિયુંને તો મોટા સાધુ વિના બીજા કોઈ જિતાવી શકે જ નહિ ને મોટા સાધુ છે તે કળ બતાવે, છળ બતાવે અને જુક્તિ બતાવીને ઇન્દ્રિયુંને જિતાવે ને મોક્ષ પણ કરે, માટે પોતાનું બળ મૂકીને મોટા સાધુને બાઝી પડવું. ને ઇન્દ્રિયું-અંત:કરણનું તો માનવું જ નહિ ને પોતાને બળે જીતવા જાય તો સામું બંધન થાય. ત્યાં રાજાની રાણીએ છ દીકરાને વૈરાગ્ય ચઢાવીને ત્યાગી કર્યા તેની વાત કરી ને બીજું દૃષ્ટાંત દીધું જે, ઉપાધ્યાયને સો વાર ઊને પાણીએ ધુવે ને ચંદન ચોપડે ને ધૂપ દે તો પણ વાછૂટ2 થાય ત્યારે એવી ને એવી જ ગંધ આવે. તેમ સર્વે ઇન્દ્રિયું-અંત:કરણ એવાં મલિન છે તે શુદ્ધ થાય તેવાં નથી, માટે એનું માનવું જ નહિ ને
નિજાત્માનં બ્રહ્મરૂપં દેહત્રયવિલક્ષણમ્ ।
વિભાવ્ય તેન કર્તવ્યા ભક્તિઃ કૃષ્ણસ્ય સર્વદા ॥
(શિક્ષાપત્રી : શ્ર્લોક 116)
અર્થ : સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ જે ત્રણ દેહ તે થકી વિલક્ષણ એવો જે પોતાનો જીવાત્મા તેને બ્રહ્મરૂપની ભાવના કરીને પછી તે બ્રહ્મરૂપે કરીને શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ જે તે સર્વ કાળને વિશે કરવી.
પોતાને બ્રહ્મરૂપ માનવું એટલે સર્વે જીતી જ ચૂક્યો.
અર્થ : ધન, સંપત્તિ.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
(62) જેને ભગવાન ભજવા હોય તેનાથી બધાયની મરજી રાખી શકાય નહિ, તેનાથી તો ભગવાનની મરજી સચવાય.
(63) ભગવાનના એકાંતિક સાધુ જેને ઘેર ભિક્ષા માગવા જઈને ઊભા રહે તેનું ઘર તીર્થરૂપ થઈ રહ્યું ને સર્વે તીર્થ ગયાનું એને ફળ થાય છે. ને તેવા સમામાં તેનું દેહ પડે તો ભગવાનના ધામને પામે, એવું માહાત્મ્ય છે. તે ભગવાનને આપણે પામ્યા તેથી આપણે પંડે જ તીર્થરૂપ થયા છીએ. ને હાલમાં જેટલું હરિભક્તમાં તથા સાધુમાં સામર્થ્ય છે તેટલું બીજા અવતાર થયા તેમાં સામર્થ્ય નથી. તે ઉપર ગામ ઘાણલાની ડોશીની વાત કરી જે, ડોશીએ એના ધણીને કહ્યું જે, ‘મેં ભગવાનના પગ ચાંપ્યા છે એટલે મારા હાથ પ્રસાદીના થયા છે, તેથી મારા ગોળાનું પાણી જેણે પીધું તથા મારા હાથના રોટલા જેણે ખાધા તેનું કલ્યાણ થાશે; તો તારા કલ્યાણમાં શો સંદેહ (સંશય) છે ?’
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
સમામાં : સમયમાં.
માહાત્મ્ય : મહિમા, મહત્વ.
(64) સાધુનો દ્રોહ એમ સમજવો જે, સર્વથી મોટા સાધુ હોય તેને બીજા જેવા કહેવા, તથા તેનાથી ઊતરતા કહેવા એણે કરીને સાધુનો દ્રોહ થાય છે. ને આજ જેવી વાતું સમજાય છે, તેવી કોઈ દિવસ સમજાણી નથી ને હાલ ભગવાન છે, સાધુ છે, સર્વે આંહીં છે તેના સ્વરૂપનો પરભાવ સમજાતો નથી એ જ એને મોટું પાપ છે. ને હાલ ભગવાન અક્ષરધામ સહિત આંહીં છે. માટે જાદવ જેવા ન થાવું, ઉદ્ધવજી જેવા ભક્ત થાવું. ને આવા ને આવા અક્ષરધામમાંથી આવ્યા છે, એવો પરભાવ અખંડ જણાય તો અહો ! અહો ! સરખું રહે, પણ જે જેવા સાધુ છે તેવા ઓળખાણા નહિ ! એમ મર્મની વાતું ઘણી કરી.
દ્રોહ : મનથી, વાણીથી કે કર્મથી જાણી જોઈને કરેલ દોષ, ગુનો, પાપ કે અપરાધ
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
(65) મનજીભાઈએ વાડી મધ્યે પૂછ્યું જે, ‘ઉપાસનાની બહુ વાતું થાય છે, પણ કેમ સમજાતું નથી ?’ ત્યારે ઉત્તર કર્યો જે, ‘ઉપાસના થાય છે, ધર્મ પળે છે, કસર ટળે છે, પણ આપણને ખબર પડતી નથી ને સર્વે થાતાં જાય છે. ને જેનાં માવતર સમર્થ હોય તેનાં છોકરાંને શી ફિકર હોય ? ને જેના શેઠ સમર્થ હોય તેના ગુમાસ્તાને બળ હોય. ત્યાં દૃષ્ટાંત દીધું જે, બાટલીવાળે પાંત્રીસ હજાર રૂપિયા એક ગુમાસ્તાને મોજના આપ્યા ને કરસનજી દેસાઈને પાંચ હજાર રૂપિયા મોજના આપ્યા.’
કસર : ખોટ, ઉણપ.
મોજના : રાજીપાના, બક્ષિસના.
(66)
‘નેણને જોઈ નેણને જોઈ...’
(કીર્તનસાર સાગર : 318)
એ કીર્તન બોલાવીને કહ્યું જે, 'ભગવાનનો આશરો થયો તેને કાંઈ સાધન કરવું બાકી રહ્યું નથી ને બીજા અવતાર તો પાંચ શેર, દશ શેરનો ચમક છે. ને આજ તો ચમકનો પર્વત આવ્યો છે તે સર્વે જીવોને ખેંચી લે છે. જ્ઞાનીને મતે આ લોકનો વહેવાર છે, તે છોકરાંની રમત જેવો છે; જેમ છોકરાં ધૂડના લાડુ કરીને નાત જમાડે છે, તેમ આ સર્વે તેવું જ છે.'
જુઓ પ્રકરણ 3ની વાત 4
(67) કોટિ કલ્પ સુધી ભગવાન ભજ્યા વિના સુખ નહિ થાય, ને પ્રગટ ભગવાન છે ને પ્રગટ વાતું છે ને બીજા તો ચિત્રામણના સૂરજ જેવા છે. ને શ્રી સ્વામિનારાયણને ભગવાન જાણ્યા છે તેને માખણમાંથી મોવાળો (વાળ) ખેંચીને કાઢે એમ દેહથી જુદો પાડી દેશે ને આ તો સોળ દિવસનું શ્રાદ્ધ જેવું છે.
કોટિ : કરોડ.
કલ્પ : આપણાં ચાર અબજ બત્રીશ કરોડ વર્ષનો સમય - બ્રહ્માનો એક દિવસ (પણ રાત નહિ)
(68) જીવનો મોક્ષ કરવા મનુષ્ય જેવા થયા છીએ ને પ્રારબ્ધ તો ભોગવવું પડશે ને સંગ એવો રંગ લાગશે.
પ્રારબ્ધ : પૂર્વનાં કર્મફળના સંગ્રહમાંથી વર્તમાનકાળે જે દેહ છે તે સંબંધી સુખ-દુ:ખ.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
(69) ભગવાન અક્ષરધામમાં છે તેવા ને તેવા જ આવ્યા છે. તેમાં બાળ, જોબન ને વૃદ્ધપણું એવા મનુષ્યભાવ નથી ને તિરોધાન નથી ને મનુષ્યભાવ દેખાય છે તે નટની માયાની પેઠે છે.
વચ. પં. 7
મનુષ્યભાવ : દેહભાવ, માયિકભાવ, જેમાં ગુણાનુરાગ - ગુણાનુબુદ્ધિ પ્રવર્તે છે તેવો ભાવ.
તિરોધાન : અદૃશ્ય, નજરથી અળગા, પરોક્ષ.
(70) અમારી તો આવરદા બાવીસ વરસથી થઈ રહી છે ને દેહ પડવાનો તો ઘાટ જ નથી; કારણ કે, આવરદાથી દેહ પડવાનો હોય તેનો અવધિ હોય; પણ હું તો ચિરંજીવી છું ને તમારા બધાના દેહ પાંચ-દશ વરસમાં પડી જાશે.
ઘાટ : માયિક સુખ ભોગવવાનો સંકલ્પ, વિકારનો સંકલ્પ.
અવધિ : અંત, નિશ્ર્ચિત સમયમર્યાદા.
(71) નથુ પટેલે વાડીમાં પૂછ્યું જે, ‘બધેથી આસ્થા તૂટીને એક ઠેકાણે કેમ થાય ?’ ત્યારે સ્વામીએ ઉત્તર કર્યો જે, ‘તેના જાણીને બધાને માનવા ને જે આપણને મળ્યા છે તેની સાથે પતિવ્રતાની ટેક રાખવી; આપણે એ બધાનું શું કામ છે ? આપણે તો દેહ છતાં જેના ભેગા રહ્યા છીએ તે જ તેડવા આવશે, બીજા નહિ આવે, ને મરીને તેના ભેગું રહેવું છે.’ ફરી પૂછ્યું જે, ‘અહો ! અહો ! કેમ થાતું નથી ?’ ત્યારે ઉત્તર કર્યો જે, ‘ચામડાની મશક પલળતી જાય તેમ તેમાં પાણી સમાતું જાય, તેમ ધીરે ધીરે થાતું જાય છે.’
મશક : પાણી ભરવાની ચામડાની કોથળી.
(72) જેઠ વદિ 9મી ને શનિવારની અરધી રાત્રે મનજીભાઈએ પૂછ્યું જે, ‘સત્સંગમાં મોટાઈ કોની સમજવી ?’ ત્યારે સ્વામીએ ઉત્તર કર્યો જે, ‘આપણા સત્સંગમાં ઉપાસના જેને વહેલી સુલભ પ્રયાસ વિના સમજાય ને ઘણાને ઉપાસના કરાવે તેની મોટાઈ છે.’ તે ઉપર વાત કરી જે, ‘પર્વતભાઈને રામાનંદસ્વામી છતાં મહારાજનાં દર્શનથી જ સર્વોપરી નિશ્ર્ચય થઈ ગયો ને બીજાને ઉપાસનાનું ઠેકાણું નહોતું. તે કેટલાક ભગવાનની મૂર્તિમાં માયા સમજતા હતા ને કેટલાક શ્રીકૃષ્ણ અને બીજા અવતાર સરખા સમજતા હતા; ને કેટલાક શ્રીકૃષ્ણને સર્વોપરી સમજતા હતા. ને મહારાજની વાત તો થાતી જ નહિ, તેથી બરાબર સમજતા નહિ; શુક-નારદના અવતાર જેવા સમજતા હતા.
પછી માંગરોળમાં સ્વરૂપાનંદસ્વામીને શ્રીકૃષ્ણરૂપ દેખાણા ને પછી અક્ષરધામની સમાધિ કરાવી તેથી પુરુષોત્તમપણાનો નિશ્ર્ચય તેમને એકને થયો ને ગોપાળાનંદસ્વામીને મહારાજનાં દર્શનથી જ સર્વોપરી નિશ્ર્ચય થયો ને મુક્તાનંદસ્વામીને અઠ્ઠયાવીસ વરસે મહારાજે બહુ વાતું કરીને નિશ્ર્ચય કરાવ્યો.’ ને મહારાજની કરેલી વાત કરી જે, ‘મુક્તાનંદસ્વામી ને ગોપાળાનંદસ્વામી સાધુ લક્ષણે સર્વ પ્રકારે મોટા છે ને નિત્યાનંદસ્વામી તથા બ્રહ્માનંદસ્વામી વહેવારીક (વ્યાવહારિક) મોટા છે. ને કોઈની મોટાઈ કહેવી હોય તો બે-ચાર જણના ભેગી મોટાઈ કહેવી પણ એકલાની કહેવી નહિ, નીકર એ વાતમાંથી તમને દુ:ખ આવશે.’
મુક્તાનંદસ્વામીની કહેલી વાત કરી જે, મુક્તાનંદસ્વામીને દેહ મૂકવાને આડો એક મહિનો રહ્યો, ત્યારે કહ્યું જે, ‘હવે મારે આત્મામાં અખંડ મૂર્તિ દેખાય છે ને મહારાજને સર્વોપરી જાણ્યા, તે પહેલાં આટલું સમજાણું નહોતું.’
પછી પોતાની વાત કરી જે, ‘અમને મહારાજે ઘણી વાતું કરી છે, તે કહેવાય એમ નથી ને કહીએ તો પ્રાગજી તથા શામજી કહેતા ફરે. અમને કાંઈ ગોપાળાનંદસ્વામીએ પુરુષોત્તમપણાની વાત કરી નથી, અમે તો અમારી મેળે સમજેલા છીએ. તે હું તથા જ્ઞાનાનંદસ્વામી તથા વિશુદ્ધાત્માનંદસ્વામી તથા બાળમુકુંદાનંદસ્વામી એ ચાર મળીને એકાંતે વાતું કરતા. ને ભૂત નહિ વળગ્યામાં મહારાજે એક પોતાને ગણ્યા ને મુક્તાનંદસ્વામી તથા ગોપાળાનંદસ્વામી એ બેયને ગણ્યા ને બીજાને તો ગણ્યા નહિ; પણ કૃપાનંદસ્વામી બહુ મોટા હતા.’
પછી વાત કરી જે, ‘છાવણીમાં રઘુવીરજી મહારાજને પુરુષોત્તમપણાની વાત સમજાવી, પછી ભાઈઆત્માનંદસ્વામીને સમજાવી, મુનિબાવાને સમજાવી, કરુણાશંકરને સમજાવી.’ એ વગેરે ઘણાકની વાતું કરી. ‘માટે તમે વાતું કરો તે ધીરે ધીરે વચનામૃતની સાખ્ય લાવીને વાતું કરજો ને નિશ્ર્ચયની વાત કાળજું તૂટ્યા જેવી છે, માટે ધીરે ધીરે કરવી.’ ત્યાર પછી ઊભા થઈને કહ્યું જે, ‘તમો સર્વે આ અમે કહ્યું તેમ સમજજો ને તેમ જ વાતું કરજો અને એમ સમજવું જે, જેને ઉપાસના તુરત સમજાઈ ગઈ ને ઘણાને સમજાવી એ સર્વથી મોટા છે.’
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
મૂર્તિ : સંતો.
કરો : ઘરની દિવાલ.
(73) જેઠ વદિ 10મીને દિવસે સવારમાં સભામાં વાત કરી જે, ‘આપણી ઉપાસનાથી મોટાઈ છે ને ધર્મમાંથી લડથડે કે બીજા સાધનમાંથી લડથડે, પણ ઉપાસના દૃઢ હોય તો જીવ લડથડે નહીં.’ તે ઉપર વાત કરી જે, ‘ઇન્દ્રને ચાર બ્રહ્મહત્યા થઈ હતી, પણ નારદજીના કહ્યાથી પ્રગટ વામનજીની ઉપાસનાના બળથી ટળી ગઈ.’ બીજી વાત કરી જે, ‘પાંડવો છાના રહેતા હતા ને વિરાટ રાજાની સાથે કૌરવ યુદ્ધ કરવા આવ્યા તે યુદ્ધમાં અર્જુને બાણ મૂકી બધા લશ્કરને ચાંદલા કર્યા, તેથી અર્જુનને ઓળખ્યા. તેમ આંહીં પણ એમ ઓળખવું જે, જેનાથી ઘણા માણસને ઉપાસનાની દૃઢતા થઈ અને પંચવિષયનો અભાવ થયો તેને મોટા સમજવા.’
જુઓ પ્રકરણ 1ની વાત 295
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
વિરાટ : ઈશ્ર્વરનો દેહ જીવના સ્થૂળ દેહની જેમ.
દૃઢતા : મક્કમતા, દૃઢપણું.
(74) રાત્રે વાત કરી જે, ‘ગોપાળાનંદસ્વામી બહુ વાતું કરતા તેથી મારે હેત હતું.’
(75) વાસના છે તે જઠરાગ્નિથી બળતી નથી, બહારના અગ્નિથી બળતી નથી, પ્રલયકાળના અગ્નિથી બળતી નથી, જેમ પૃથ્વીમાં બીજ છે તે અગ્નિ લાગે છે તો પણ બળતાં નથી, પાછાં ઊગે છે ને તે બીજને તાવડીમાં શેકીએ તો ઊગે નહીં. તેમ વાસના બીજા અગ્નિથી બળતી નથી, પણ જ્ઞાનરૂપી અગ્નિથી બળે છે; તે જ્ઞાનરૂપ અગ્નિ તે શું ? જે, ભગવાનની ઉપાસના ને ભગવાનની આજ્ઞા, તેથી વાસનાલિંગ કારણ દેહનો નાશ થાય છે, બીજા કોઈ સાધનથી નાશ થાતો નથી. ને કેટલી વાસના બળી છે ને કેટલી બાકી છે, તે ઉપર શુકમુનિની કહેલી વાત કરી જે, ‘આજ્ઞા પાળે છે, એટલી વાસના બળે છે.’ ને આજ્ઞામાં તો નિયમ આવ્યા, પણ ‘શિક્ષાપત્રી’માં આજ્ઞા કરી છે તે પ્રમાણે પાળવાથી વાસના બળે. તે આજ્ઞા કઈ, તો નિજાત્માનં બ્રહ્મરૂપં દેહત્રયવિલક્ષણમ્ । એ આજ્ઞા પળે તો કારણ દેહનો નાશ થાય છે; પણ ‘શિક્ષાપત્રી’ બરાબર પાળતા નથી તેટલી ખોટ છે ને તેટલું દુ:ખ છે.
વાસના : પૂર્વના સંસ્કારોથી મકકમ થયેલી કામના.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
પાળે : સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જાતનો સેવક/પાર્ષદ.
(76) ધર્મનિયમમાં ફેર પડે તો તેનો દંડ થાય ને ઉપાસનામાં ફેર પડે તો પ્રાપ્તિમાં ફેર પડે; જેમ કોઈને ધર્મમાં ફેર પડે છે, તો પ્રાયશ્ર્ચિત કરાવે છે ને વટલી જાય છે તો નાત બહાર કાઢે છે, તેમ ઉપાસનાનું છે. ઉપાસનામાં કસર હોય તો બીજા સુખની તો પ્રાપ્તિ થાય, પણ ગર્ભવાસનું દુ:ખ ટળે નહિ ને ઉપાસનાથી ને આત્મનિષ્ઠાથી ગર્ભવાસ ટળી જાય છે. માટે ઉપાસના, આત્મનિષ્ઠા, વૈરાગ્ય, ધર્મ ને સંગ સર્વે અંગે ભક્તિ કરવી. પછી હરિશંકરભાઈએ પૂછ્યું જે, ‘આ સર્વમાંથી અધિક કયું સાધન છે ?’ ત્યારે કહ્યું જે, ‘સંગ સર્વથી અધિક છે, ને સંગ તો બધાયનો કહેવાય, પણ જેમ લોઢું, ભેગવાળું સોનું ને શોધેલું સોનું એ સર્વે ધાતુ કહેવાય, પણ ફેર ઘણો છે, તેમ સંગમાં ફેર ઘણો છે.’
(77) ભોગાવાને કાંઠે તડકે બેસીને ઢૂંઢિયો તપ કરતો હોય તેનું કલ્યાણ ન થાય અને હરિભક્ત ગૃહસ્થાશ્રમમાં હોય તેનો મોક્ષ થાય.
ઢૂંઢિયો : એક પ્રકારના જૈન સાધુ.
(78) ગાંધારી આંખે પાટા બાંધી રાખતી તો પણ તે સતી ન કહેવાણી ને કુંતાજીને કુંવારા પુત્ર થયો હતો ને દ્રૌપદીને પાંચ પતિ હતા તો પણ તે સતીઓ કહેવાણી.
(જુઓ પ્રકરણ 11ની વાત 69)
(79) વાલીને ભાઈની સ્ત્રી રાખ્યા બાબત માર્યો ને વળી ભક્ત કહેવાણો તેથી તેનો મોક્ષ કર્યો.
(80) વહેવારિક માણસની ને સત્સંગીની ક્રિયા સરખી લાગે છે, પણ સત્સંગી ભગવાનના કહેવાણા તેથી મોક્ષ થાય છે.
(81) પચાસ હજાર રૂપિયા મળે તો ભગવાન ભજવાનો સ્વપ્નમાં પણ ઘાટ થાય નહિ ને રૂપિયા મળે તે તો મડું ફૂલ્યા જેવું છે.
ઘાટ : માયિક સુખ ભોગવવાનો સંકલ્પ, વિકારનો સંકલ્પ.
(82) આપણા સત્સંગની રીત સમજવી જે, સત્સંગમાં રામાનંદસ્વામી,મુક્તાનંદસ્વામી, નિત્યાનંદસ્વામી, બ્રહ્માનંદસ્વામી, ગોપાળાનંદસ્વામી આદિક કેટલાક સાધુ ને કેટલાક હરિભક્ત મોટેરા થઈ ગયા; તેમને લઈને અમારી મોટાઈ કહેવી ને તે વિના કહેશો તો અમારી અપકીર્તિ કરાવશો. ને એ સર્વે મોટા હતા, મનુષ્ય જેવા ન કહેવાય ને એ ન હોત તો આપણને આટલો સત્સંગ પણ ક્યાંથી થાત ? માટે એ સર્વે મોટા છે.
જુઓ પ્રકરણ 5ની વાત 72
(83) ધ્યાની, પ્રેમી એ સર્વથી જ્ઞાની શ્રેષ્ઠ છે. પ્રેમી કેટલાક જતા રહ્યા, ત્યાગી જતા રહ્યા, ધ્યાની જતા રહ્યા, એવા કેટલાક અંગવાળા જતા રહ્યા ને જેણે મોટા સાધુ સાથે જીવ બાંધેલ તે ટક્યા.
(84) બુરાનપુરમાં પોતે ડોશીઓને બે માસ વાતું કરી. એવી રીતે વર્તનની વાત કરી કહ્યું જે, તેમાંથી કેટલાક જતા પણ રહ્યા. નરનારાયણાનંદસ્વામી નરનારાયણનો અવતાર હતો તેથી તેને કામ પીડે નહીં. દેશકાળ જોઈને વિચારીને વાત કરવી. ‘પ્રેમને રસ્તે ચાલવું નહીં.’ તે ઉપર પોતાની વાત કરી જે, મારામાં બહુ પ્રેમ હતો તેથી પ્રાગજીની પેઠે વાત કર્યા વિના રહેવાય નહીં. તે ઉપરથી કૃપાનંદસ્વામી કહેતા જે, ‘તમને તો ગુરુ કરશું.’ ત્યારે મેં કહ્યું જે, ‘મારો શો વાંક છે ?’ ત્યારે કૃપાનંદસ્વામીએ કહ્યું જે, ‘તમારાં લક્ષણ ગુરુ થાઓ તેવાં છે; આટલી વાતું કરે, આટલી સેવા કરે, આટલું ભજન કરે, તે ગુરુ થયા વિના કેમ રહે ?’
પછી કેટલેક દહાડે મહારાજે મને બોલાવીને સર્વેની આગળ મુક્તાનંદસ્વામીના ખોળામાં બેસારીને કહ્યું જે, “આપણે જીવોનાં કલ્યાણ અર્થે આવ્યા છીએ માટે મંડળ બાંધી વાતું કરો ને સાધુ તો પાંચ રાખીએ. ” પછી મેં કહ્યું જે, ‘મહારાજ ! મારાથી મંડળ કેમ ચાલે ?’ ત્યારે મહારાજ બોલ્યા જે, “સાધુ તો દશ રાખીએ, પચ્ચીસ રાખીએ. ” એમ કહ્યું ત્યારે હું તો બોલતો રહી ગયો; પણ મહારાજે ગણતાં છેવટ ત્રણસેં સાધુ સુધી રાખવાની વાત કરી. ને મને જે આજ્ઞા કરે તેમાં વિચારું ને આત્માનંદસ્વામી, કૃપાનંદસ્વામી, ગોપાળાનંદસ્વામી તત્કાળ માની લે ને તેમને વચનના અદ્ધર ઝીલનારા કહ્યા છે. ને તે ઉપર મધ્યનું ૪૮મું વચનામૃત વંચાવીને કહ્યું જે, ‘દેહ ધરીને સાધુના ભેળું રહેવું.’
જુઓ પ્રકરણ 1ની વાત 156
કરો : ઘરની દિવાલ.
દશ : દિશા.
(85) હરિશંકરભાઈએ પૂછ્યું જે, ‘વચન પાળવું તેમાં સર્વે સરખાં વચન સમજવાં કે તારતમ્યપણું સમજવું ?’ ત્યારે કહ્યું જે, ‘તારતમ્યપણું છે, વિચાર કરીને આજ્ઞા પાળવી.’ તે ઉપર દૃષ્ટાંત દીધાં જે, પ્રથમ મહારાજે એમ આજ્ઞા કરી હતી જે ગૌગ્રાસ, શ્ર્વાનભાગ વિગેરે કાઢ્યા વિના જમવું નહિ, તે ઉપરથી કેટલાક સાધુએ બબ્બે-ચાર-ચાર લાડવા હરિભક્તના બગાડવા માંડ્યા ને કેટલાકે એ પ્રમાણે ન કર્યું તેથી રામદાસજીભાઈ વગેરે રાજી થયા. બીજું દૃષ્ટાંત - પ્રથમ મહારાજે એવી આજ્ઞા કરેલી જે, લઘુશંકા કરીને કોઈ આવે તો સર્વેને ઊભા થાવું. તે જેતલપુરમાં અમે હતા ત્યાં એક સાધુ લઘુશંકા કરીને આવ્યા ને અમારાથી ઊભા ન થાવાણું તેથી અમારો તિરસ્કાર કર્યો, તેમાંથી તે સાધુ ગાંડા થઈને જાતા રહ્યા. ત્રીજું દૃષ્ટાંત - મહારાજે ઘોડીને પાવાનું મિષ લઈને સર્વે સાધુનું ચરણામૃત કરી મંગાવ્યું, પણ નિત્યાનંદસ્વામીએ ચરણામૃત ન કરી આપ્યું ને બીજાએ કરી આપ્યું, તે મહારાજ પી ગયા, તેથી બધાયને આજ્ઞા વિચાર્યા વિના પાળવાથી પસ્તાવો થયો ને નિત્યાનંદસ્વામીને ન થયો. એમ આજ્ઞામાં તારતમ્યપણું છે.’
(86) સત્સંગ, એકાંતિકપણું ને ભગવાનની મૂર્તિ એ ત્રણ વાનાં દુર્લભ છે, તે આપણને મળ્યાં છે, માટે ગરીબ થઈને, બીજાને માન આપીને સાચવી રાખવાં.
મૂર્તિ : સંતો.
વાનાં : વસ્તુઓ. (બ.વ.)
(87) ગરીબ થાવાની રીત બતાવી જે, એક ગામમાં બે વાણિયા ભાઈ હતા, તે બન્નેની પાસે ચિંતામણિયું હતી, તે રાજાને ખબર પડવાથી રાજાએ લશ્કર મૂકી વાણિયાને જીતીને એક ભાઈ પાસેથી ચિંતામણિ લઈ લીધી. પછી બીજો ભાઈ હતો, તે ગરીબ થઈ ફાટેલાં ચીંથરાં પહેરી ભેટમાં ચિંતામણિ રાખી માગી ખાતો. ગરીબ થઈને નીકળી ગયો તો ચિંતામણિ રહી. તેમ આપણે ગરીબ થઈને ચિંતામણિ સાચવી રાખવી.
ચિંતામણિ : ઇચ્છા પૂરી કરે તેવો દિવ્ય મણિ.
(88) સત્સંગથી ભગવાન વશ થાય છે તેવા કોઈ સાધનથી થાતા નથી, તે સત્સંગ તે શું ? જે, પ્રગટ ભગવાન ને પ્રગટ આ સાધુનો આશરો કર્યાથી કલ્યાણ થાય છે. ને પરોક્ષ કથા, કીર્તન, વાર્તા ને અર્ચાથી કલ્યાણ થાય એમ લખ્યું છે, તે તો જીવને આલંબન દીધું છે.
અર્ચાથી : અર્ચનાથી, પૂજાથી.
આલંબન : આધાર, ટેકો.
(89) એકને અંતરનો કજિયો થાય છે ને એકને નથી થાતો તેનું કેમ સમજવું? ત્યારે સ્વામી કહે, ‘ઘરમાં સાપ હોય તે ઉંદર ખાવા મળતા હોય ત્યાં સુધી ખીજે નહિ ને ઉંદરને કાઢી મૂકીએ તો ઘરનાં બીજાં સર્વેને કરડી ખાય. તેમ મન તથા ઇન્દ્રિયુંના કહ્યા પ્રમાણે ચાલે તો કજિયો ન થાય ને તેને મરડીને ચાલે તો કજિયો થાય છે.’
(90) મહુવાના હરિભક્તે પૂછ્યું જે, ‘પૂરો સત્સંગ થયો કેમ સમજવો?’ ત્યારે કહે, ‘અક્ષરરૂપ થાવાય ત્યારે પૂરો સત્સંગ થયો સમજવો.’ વળી ફરી પૂછ્યું જે, ‘અક્ષરરૂપ થયું કેમ જણાય ?’ ત્યારે સ્વામી કહે, ‘ગૃહસ્થને અગિયાર નિયમ ને ત્યાગીને ત્રણ ગ્ંરથ એટલું પાળે તે અક્ષરરૂપ થયા જાણવા.’
પાળે : સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જાતનો સેવક/પાર્ષદ.
(91) હરિશંકરભાઈએ પૂછ્યું જે, ‘પ્રવૃત્તિમાર્ગમાં દેહ ધર્યો છે ને પ્રવૃત્તિથી અકળામણ આવે છે, તે કેમ પાર પડશે ?’ ત્યારે કહ્યું જે, ‘હવે શું પાર પડવું બાકી રહ્યું છે ? પાર પડી ચૂક્યું છે ને પ્રવૃત્તિ ટળી ગઈ છે. ને અરધું તો પાર પડ્યું છે ને પ્રવૃત્તિ છે તે સારી છે, નીકર ક્યાંયનું ક્યાંય જતું રહેવાત ને પૂર્વનો સંસ્કાર ભારે છે ને પ્રવૃત્તિમાં કેટલુંક ઠીક છે.’ વળી ફરી પૂછ્યું જે, ‘પૂર્વનો સંસ્કાર છે, ત્યારે હમણાં કેમ સત્સંગ થયો ?’ ત્યારે બોલ્યા જે, ‘જોગ થાય ત્યારે બીજ ઊગે ને પાણીનો જોગ થયા વિના બીજ સરસ હોય પણ ઊગે નહીં.’
(92) વરતાલનું પહેલું વચનામૃત ને મધ્યનું 14મું વચનામૃત વંચાવીને વાત કરી જે, ‘આ પ્રમાણે સમજે તો ગૃહસ્થ તથા ત્યાગીને બરોબર ગતિ છે ને ત્યાગીનું બહુ શોભે ને પર્વતભાઈ જેવા ગૃહસ્થને સાત છોકરાં હોય તેનું શોભે નહિ, પણ તે તો મહારાજને શિખામણ દેતા એવા હતા.’
(93) કારિયાણીનું 8મું વચનામૃત ને મધ્યનું 17મું વચનામૃત વંચાવી વાત કરી જે, આ પ્રમાણે સમજવાનું છે તે રહી ગયું ને ઈંટો, પથરા, લાકડાં, રૂપિયા ને માણસ તેને ભામે ચડી જવાણું3 છે. ને અમે તો આ હવેલી ઊખેડી તેમાં બહુ અકળાતા કે ક્યારે પૂરી થાશે ને વાતું કરશું ? ને દેહ પડી જાશે તો વાતું કરવી રહી જાશે. ને મારે તો એમ થાય છે કૂબામાં બેસીને દાણા ભેગા કરીને બધી પૃથ્વીનાં માણસને વાતું કરું. ને ત્રિકમદાસ છત જડાવે છે ને રંગ ચડાવે છે ને બદરિકાશ્રમવાળા તથા શ્ર્વેતદ્વીપવાળા તથા અક્ષરધામવાળા તથા ગોવર્ધનભાઈ કાંઈ ગાંડા છે ? ને ગોવર્ધનભાઈએ વીસ હજાર કોરી બગાડી નાખી. તે મુક્તાનંદસ્વામીએ મહારાજને કહ્યું જે, ‘ગોવર્ધનભાઈનું બહુ ભૂંડું થયું !’ ત્યારે મહારાજ કહે જે,“
સમદુ:ખસુખ: સ્વસ્થ: સમલોષ્ટાશ્મકાન્ચન: ।
તુલ્યપ્રિયાપ્રિયો ધીરસ્તુલ્યનિન્દાત્મસંસ્તુતિ: ।।
(ભગવદ્ ગીતા : 14/24)
અર્થ : જેને મન દુ:ખ અને સુખ સમાન છે, જે સ્વસ્થ છે, જેને મન ઢેફાં તથા સોનું સમાન છે, જેને મન પ્રિય અને અપ્રિય સમાન છે, જે ધીરજવાન છે, અને જેને મન પોતાની સ્તુતિ કે નિંદા સમાન છે તે પુરુષ ગુણાતીત કહેવાય છે.
થયું તે બહુ ભૂંડું થયું ”ત્યારે મુક્તાનંદસ્વામી સમજ્યા. એમ વાત કરીને કહ્યું જે, ‘આ બે વચનામૃત પ્રમાણે સમજે તો પણ આંહીં બેઠા અક્ષરધામ દેખે ને અક્ષરધામના પતિ દેખાણા એટલે અક્ષરધામ તો ભેગું જ આવી ગયું ને આ મૂર્તિ મળી છે તેના સામું જોઈ રહેવું. ને ધ્રોડીધ્રોડીને ઘેર જવાય છે તે તો અભ્યાસ પડી ગયો છે, જેમ અફીણનું બંધાણ પડે તેમ.’ એમ વાત કરીને,
રાજે ગઢપુર મહારાજ, પૂરણ બ્રહ્મ પરમાત્મા જો;
આવ્યા ગરીબ નિવાજ, એ તો અક્ષરના આત્મા જો.
(કીર્તન મુક્તાવલિ : 786)
એ કીર્તન ગવરાવ્યું ને ઉદ્ધવજી તથા ગોપીઓની વાત કરી. ને પ્રગટ સ્વરૂપના જ્ઞાનીને અધિક કહ્યો ને પ્રથમના 71માં વચનામૃતની વાત કરી જે, ‘પ્રગટ વાત કર્યા વિના એમ સમજાય છે જે બદરિકાશ્રમમાં, શ્ર્વેતદ્વીપમાં તથા ગૌલોકમાં ભગવાન છે ને થોડાક આંહીં છે; પણ સર્વોપરી ભગવાન આંહીં સમજાતા નથી, માટે પ્રગટ વાત કરીએ છીએ. ને આવો સમાગમ મળ્યો ને અહો ! અહો ! થાતું નથી, તથા ગાંડા થાવાતું નથી, તે તો ભગવાને જીવનાં કલ્યાણને અર્થે એમ રાખ્યું છે; નીકર ગાંડા થઈ જવાય.’
મત્ય દીધે માને નહિ, કુમત્યે મન કોળાય;
આવેલ અવળે અક્ષરે, તે સવળે કેમ સોહાય.
કૂબામાં : ઘુમ્મટવાળા ઘાસના ઝૂપડામાં.
અર્થ : ધન, સંપત્તિ.
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
મૂર્તિ : સંતો.
(94) ગોંડળના ગરાસિયા હઠીભાઈએ મુક્તાનંદસ્વામીની વાતું બાર દિવસ સાંભળી તે શૈલ્ય પેસી ગયાં; પણ રાજા ને જુવાન તેથી સત્સંગ થયો નહિ; પછી બાર વરસે સત્સંગ પોતાની મેળે કર્યો. (જુઓ પ્રકરણ 9ની વાત 280)
(95) અવિદ્યાને બધી તરેહથી મહારાજે દાબી તે ડોશીઓનું રૂપ લઈને ગઢડામાં આવી, તે દેવાનંદસ્વામી સંન્યાસીએ દીઠી. તે મહારાજ ગઢડામાં રહ્યા ત્યાં સુધી કજિયા મટ્યા નહીં.
તરેહથી : રીતથી-ભાતથી, રીતભાતથી.
(96) માયાનું રૂપ એ છે જે, ભગવાનનું સ્વરૂપ ન ઓળખાય એ જ માયા છે. પછી હરિશંકરભાઈએ પૂછ્યું જે, ‘કોઈને કાને શબ્દ પડે તેથી નિશ્ર્ચય થાય છે તેનું શું કારણ ?’ ત્યારે કહે, ‘સંસ્કાર છે, નીકર ભેગા રહે છે તો પણ નથી ઓળખતા. ને આ સાધુ ભગવાનનું અંગ છે, વિભૂતિ છે, તો પણ જૂનાગઢમાં માણસે માણસે ભિક્ષા માગે છે ને દર્શન દે છે ને નથી ઓળખતા તે જાદવ જેવા અભાગિયા છે.’
(97) કોઈક મનુષ્યમાં શાંતપણું હોય ને કોઈકમાં ન હોય, કોઈકને વિનય કરતાં આવડે ને કોઈકને ન આવડે; એ સર્વે દેહના ભાવ સમજવા. ને મોટાઈ તો પ્રગટ ભગવાનના નિશ્ર્ચય વડે છે ને કાગળમાં લખે છે એટલા સર્વે ગુણ તો ભગવાનમાં જ હોય, બીજામાં ન હોય.
(98) જ્ઞાનીને આત્મા કહ્યો છે, માટે ભગવાનને જીવ અર્પણ કરી દેવો ને જેમ કહે તેમ જ કરવું. પછી મનજીભાઈએ પૂછ્યું જે, ‘જીવ અર્પણ કર્યા પછી વાસના ટાળવી રહે છે કે નહિ ?’ ત્યારે સ્વામી કહે, ‘વાસના ટાળવી પડે ને એમ ઉત્તર ન કરીએ તો ભગવાનમાં બાધ આવે જે, એકની વાસના ટાળે ને એકની ન ટાળે, માટે એમ કહેવાય નહિ ને આત્મનિષ્ઠા તથા માહાત્મ્યે કરીને વાસના ટળે છે.’
વાસના : પૂર્વના સંસ્કારોથી મકકમ થયેલી કામના.
બાધ : દોષ.
આત્મનિષ્ઠા : હું તો દેહથી જુદો જે આત્મા તે છું ને મારે વિશે પ્રગટ પરબ્રહ્મ અખંડ બિરાજમાન છે. તેવી અતિ દૃઢ માનીનતા, શ્રદ્ધા, વિશ્ર્વાસ, આસ્થા.
(99) મનજીભાઈએ પૂછ્યું જે, ‘જ્ઞાની હોય તો પણ કાંઈ વાસના રહેતી હશે ?’ સ્વામી કહે, ‘શુકજી ઊડ્યા ને જનકથી ઊડાણું નહિ ને બેક (બહુધા) પ્રવૃત્તિનો જોગ રહે ત્યાં સુધી જણાય ખરી. જેમ અમે ત્યાગી થયા તેવા સમામાં ગામ, નદી બધું દેખાતું; માટે એ કાંઈ વાસના હતી ? એ તો જોગે કરીને દેખાતું. ને વીસ વરસ થયા પછી છેટું પડ્યું એટલે દેખાણું નહીં. તેમ પ્રવૃત્તિમાં જ્ઞાન વૃદ્ધિ પામે, અંત:કરણ શુદ્ધ થાય, પણ જોગે કરીને ઇન્દ્રિયુંની શુદ્ધિ થાતી નથી.’ પછી નથુ પટેલે પૂછ્યું જે, ‘પ્રાપ્તિમાં ફેર છે કે નહિ ?’ સ્વામી કહે, ‘પ્રાપ્તિમાં ફેર નથી, બરાબર છે; ને નિવૃત્તિવાળાને એટલો અધિક ન કહીએ તો તમે માનો, પણ બીજા માને નહિ; માટે એમ ઉત્તર કરવો પડે, પણ ભગવાન તો ચહાય તેમ કરે; તેનો કોઈ ધણી છે ? ને ઉત્તર તો થાતો હોય તેમ થાય.’
વાસના : પૂર્વના સંસ્કારોથી મકકમ થયેલી કામના.
સમામાં : સમયમાં.
ચહાય : ગમે, ધારે.
(100) ‘ગૃહસ્થાશ્રમમાં રહીને કથાવાર્તા કરે છે ને સાંભળે છે તેના તો ત્રિવિધ તાપ ટળી ગયા છે ને તપ સર્વે થઈ રહ્યાં છે ને ભગવાનના શરણને પામી રહ્યો છે.’ એવું ‘ભાગવત’માં કપિલદેવ ભગવાને કહ્યું છે. ગૃહસ્થાશ્રમમાં બહુ કામ ને બહુ વિઘ્ન, માટે તેને અધિક કહ્યો છે; ગૃહસ્થાશ્રમીને ભગવાનની મૂર્તિને ધરી રહ્યા એવા સાધુનો આશરો છે, તે તો ઘરમાં બેઠા સર્વ તીર્થને સેવી રહ્યો છે.
(101) હરિશંકરભાઈએ પૂછ્યું જે, ‘લોકમાં તો આપણને એમ કહે છે જે, એ તો નિંદા બહુ કરે છે ને જુક્તિથી બોલે છે માટે અકલ્યાણ થાશે, તેનું કેમ સમજવું ?’ ત્યારે કહ્યું જે, ‘‘એવું બોલવાથી તો કલ્યાણ થાય છે ને એ તો ભગવાનની જુક્તિ છે. તે ઉપર વાત કરી જે, રામાનંદસ્વામીએ સંન્યાસીને પૂછ્યું જે, ‘વેદ કેટલા ?’ ત્યારે સંન્યાસી કહે, ‘ચાર’. પછી રામાનંદસ્વામી કહે, ‘બ્રહ્મજ્ઞને પાંચમો વેદ કહ્યો છે તે હું છું.’ એમ સાચી વાત કરી, તેથી સંન્યાસી જતા રહ્યા અને મહારાજે જુક્તિ કરી તો બધી પૃથ્વીમાં સત્સંગ થયો ને રામાનંદસ્વામી ગયા પછી વ્યાપકાનંદસ્વામી વિગેરેને જુક્તિથી પોતાનું સ્વરૂપ ઓળખાવી સત્સંગમાં રાખ્યા.’’
(102) ગામને ગઢ હોય તેમ આપણે પંચવર્તમાનરૂપી ગઢ છે ને તેમાં થાણાને ઠેકાણે નિયમ છે ને જેમ થાણું ગઢને સાચવે તેમ નિયમ વર્તમાનને સાચવે છે, માટે જેટલા નિયમ મોળા પડ્યા એટલા ફાંકાં પડ્યાં જાણવાં.
વચ. ગ.પ્ર. 18
(103) દિવ્યભાવ ને મનુષ્યભાવ એક થઈ જાય, ત્યારે ભગવાન ભજવાનું સુખ આવે.
દિવ્યભાવ : જેમાં માયાના ત્રણ ગુણનો પ્રભાવ ન હોય તેવો અદ્ભુત ભગવદ્ભાવ.
મનુષ્યભાવ : દેહભાવ, માયિકભાવ, જેમાં ગુણાનુરાગ - ગુણાનુબુદ્ધિ પ્રવર્તે છે તેવો ભાવ.
(104) સમાધિમાં સ્વરૂપ દેખાય છે તે કાર્ય છે ને પ્રગટ મનુષ્યરૂપ છે તે કારણ છે.
(105) ભગવાન સ્ત્રીઓ ભોગવતા હોય ત્યારે રજોગુણનો ભાગ સમજવો ને તલવાર ચલાવતા હોય ત્યારે તમોગુણનો ભાગ સમજવો ને ભગવાનનું સ્વરૂપ ન્યારું સમજવું એ જ્ઞાનનું અંગ છે. જીવમાં પણ એમ વિભાગ સમજવો.
(106) આત્મનિષ્ઠા જે, હું દેહથી નોખો છું ને દેહની ક્રિયા મારે વિશે નથી તથા ભગવાનનું માહાત્મ્ય તથા સંગ એ ત્રણે કરીને વાસના નિર્મૂળ થાય છે.
આત્મનિષ્ઠા : હું તો દેહથી જુદો જે આત્મા તે છું ને મારે વિશે પ્રગટ પરબ્રહ્મ અખંડ બિરાજમાન છે. તેવી અતિ દૃઢ માનીનતા, શ્રદ્ધા, વિશ્ર્વાસ, આસ્થા.
માહાત્મ્ય : મહિમા, મહત્વ.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
વાસના : પૂર્વના સંસ્કારોથી મકકમ થયેલી કામના.
(107) ભજન, ભક્તિ ને કથાવાર્તાની સહાયને અર્થે ગૌણપણે મંદિરની ક્રિયા કરવાનો મહારાજનો હાર્દ છે ને ક્રિયા પ્રધાન થઈ ગઈ છે. તે મહારાજના મળેલ નહિ હોય ત્યારે રાજા દ્વારે, આચાર્ય દ્વારે ને મૂર્તિયું દ્વારે રક્ષા કરશે.
(108) ઉપાસના, નિયમ તથા ભક્તિમાં કસર રહેશે એટલી ખોટ નડશે ને કોઈ દ્રવ્ય દેનાર મળે, દીકરો દેનાર મળે કે દેહે મંદવાડ મટાડનાર મળે તેથી ઉપાસનામાં ફેર પડે છે. તે ઉપર તુંબડિયાનું દૃષ્ટાંત દીધું.
કસર : ખોટ, ઉણપ.
(109) જગતમાં દાન, પુણ્ય, સદાવ્રત ઘણાં કરે છે, પણ દ્રૌપદીની ચીંથરી તથા વિદુરની ભાજી તથા સુદામાના તાંદુલ એટલું લખાણું. ભગવાન તો અધમઉદ્ધારણ છે, પતિતપાવન છે ને અશરણ-શરણ છે; પણ ભગવાનનો આશરો કરે તો. તે ઉપર અજામિલ તથા વેશ્યાની નિયમ પાળ્યાની વાત કરી. માટે આધાર વિના દૃઢતા રહે નહીં. આધાર તે શું ? જે, કૂવામાં બૂડતા હોઈએ ને મૂળિયું હાથમાં આવે તો નહિ બુડાય, એવી દૃઢતા રહે છે; તેમ પ્રગટ મૂર્તિના આધારથી મોક્ષની દૃઢતા રહે છે. તે ઉપર ઇન્દ્રની વાત કરી જે, ‘નારદજીના વચનથી પોતાના ભાઈ વામનજીને પ્રગટ ભગવાન જાણીને તેનું ધ્યાન કર્યું તેથી ચાર બ્રહ્મહત્યા ટળી. પ્રગટ સૂર્યથી અજવાળું થાય, પ્રગટ જળથી મળ ધોવાય ને પ્રગટ ચિંતામણિથી દ્રવ્યની ભૂખ જાય, તેમ જ પ્રગટ ભગવાનથી મોક્ષ થાય.’
જુઓ પ્રકરણ 1ની વાત 295
પતિતપાવન : પાપીને પવિત્ર કરનાર.
દૃઢતા : મક્કમતા, દૃઢપણું.
(110) મહારાજને જ્યારે દેખીએ ત્યારે વાતું જ કરતા હોય. ને જ્ઞાની, પ્રીતિવાળો ને દાસપણું એ ત્રણ અંગ છે; તેમાં જ્ઞાની અધિક. તે ઉપર સ્તુતિ-નિંદાનું વચનામૃત (વચ.લો. 17) વંચાવ્યું ને કહ્યું જે, "પ્રગટ મૂર્તિ વિના બીજું આલંબન છે તે હિંમત દેવા સારુ છે. તે ઉપર ‘ભાગવત’નો શ્ર્લોક તથા કેટલીક સાખી બોલ્યા. ને લક્ષ્મીનારાયણ પધરાવ્યા ત્યારે તેનો પ્રકાશ મહારાજ આગળ કેવો જણાણો ? તો સૂર્યની આગળ દીવાના પ્રકાશ જેટલો જણાણો. ને ચાર અંગ છે તે તો અંગીની સહાયને અર્થે છે ને અંગી જે પ્રગટ મૂર્તિ તે ઘીને ઠેકાણે છે ને અંગ તો છાશને ઠેકાણે છે. ને સચ્ચિદાનંદસ્વામી, ગોપાળાનંદસ્વામીને એમ કહેતા જે, ‘જે આત્માની જ વાત કરે છે એ તો આત્મજ્ઞાની છે.’ ને પ્રગટ મૂર્તિનો જેને આશરો થયો છે, તેને હાથ સર્વે મુદ્દો આવ્યો છે, તેને કાંઈ કરવું રહ્યું નથી ને કાળ, કર્મ, માયાથી રહિત થયો છે. તે ઉપર વાત કરી જે, બકરીને સિંહની સહાય હતી તેથી કોઈથી નામ દઈ શકાયું નહીં. ત્યાં શ્ર્લોક બોલ્યા જે,
નીચાશ્રયો ન કર્તવ્યઃ કર્તવ્યો મહદાશ્રયઃ ।
અજા સિંહપ્રસાદેન આરૂઢા ગજમસ્તકે ॥
(હિતોપદેશ જ્ઞાનદીપ : પાના નં. 93)
અર્થ : નીચનો આશ્રય ન કરવો, આશ્રય મોટાનો જ કરવો. બકરી (સિંહનાં પગલાંનો આશ્રય કરી) સિંહની કૃપાથી હાથીના મસ્તક પર આરૂઢ થઈ.
તેમ પ્રગટ ભગવાન ને પ્રગટ સાધુની સહાયતાથી કાળ, કર્મ, માયા, કોઈ નામ દઈ શકે નહીં.”
વચ. ગ.પ્ર. 33
મૂર્તિ : સંતો.
આલંબન : આધાર, ટેકો.
અર્થ : ધન, સંપત્તિ.
(111) લવિયા દરજીને સ્ત્રીની બહુ વાસના તે બીજી મળવા મહારાજની માનતા માન્યાથી તેને ધારેલી સ્ત્રી મળી. ને પછી તુરત થોડે દહાડે કોગળિયું આવ્યાથી મહારાજ તેડવા આવ્યા, પણ સ્ત્રીની વાસનાથી જવાની ના પાડી. પછી સ્ત્રી સુદ્ધાંનો દેહ મુકાવીને લઈ ગયા. માટે લવિયાની પેઠે દિશ મૂકવી નહીં.
(જુઓ પ્રકરણ 10ની વાત 90)
વાસના : પૂર્વના સંસ્કારોથી મકકમ થયેલી કામના.
કોગળિયું : જેમાં ઊલટી ને ઝાડા થાય છે તેવો રોગ, કૉલેરા.
(112) મહારાજ છતાં રૂપિયાનાં નામાં નીકળ્યાં હતાં. હાલ બધા આંહીં ચોખ્ખી રીતે વરતો છો તે કોના પ્રતાપથી ? ને પછવાડેથી આવું ને આવું રહેશે, તો પણ ફેર પડશે ખરો.
(113) ખંભાળાની ડોશીને એના ઘરનો માણસ આંધળો હતો, તે વર્તમાન પાળવા દેતો નહીં. તેથી મહારાજે જેતલપુરના મોહોલમાં પોતાને હાથે આંધળાને ત્રણ ડામ કપાળમાં દીધા.
(114) માવાભાઈએ મહારાજને માયાનું બંધન ન થાય એવું પૂછ્યું પણ વહેવારનું ન પૂછ્યું, તેથી મહારાજે પ્રસન્ન થઈ કહ્યું જે, “તમને માયાનું બંધન નહિ થાય. ” ને ઝીણાભાઈએ પણ સેવા માગી.
(115) પશુ, મનુષ્ય, ઝાડ સર્વેમાં કામનો વિષય છે, એ કોઈથી મુકાતો નથી; એ તો હૃદયગ્ંરથિ છે. માટે નિજાત્માનં બ્રહ્મરૂપં દેહત્રયવિલક્ષણમ્ । એ પોતાનું રૂપ માનવું એ દેશ જુદો પડ્યો, જેમ ભીમનાથની પેલી પાર ખોદે તો પાણી આવે, પણ પથ્થર આવે નહિ ને આણી કોરે પહેલે જ ઘાએ પથ્થર આવે; તેમ “બ્રહ્મરૂપમાં કોઈ બાધ અડતો નથી.” એમ મહારાજનો દૃઢ મત છે.
બાધ : દોષ.
(116) હરિશંકરભાઈએ પૂછ્યું જે, ‘માવાભાઈની પેઠે શી રીતે ભગવાન પ્રસન્ન થાય ?’ ત્યારે સ્વામી કહે, ‘આજ તો ભગવાન પ્રસન્ન થયા છે, માટે આજ્ઞા પાળવી. બીજું કાંઈ સાધન કરવાનું નથી. પંચવર્તમાન દૃઢ પાળવાં.’
(117) છેલ્લાનું બીજું વચનામૃત વંચાવીને વાત કરી જે, ‘મહારાજ વિના બીજામાં માલ માને છે ને બીજું જોવાને ઇચ્છે તે તો સૂર્યની આગળ દીવો કરે તેવો છે ને તે સત્સંગી જ ક્યાં છે ?’ તે ઉપર કુંભારના છોકરાએ મહિમા કહેલો તે વાત કરી. ને આ વાત સમજાશે ત્યારે ગાંડા થઈ જવાશે ને ગાંડા નથી થાવાતું તે તો ભગવાનની ઇચ્છા છે. ને એકાંતિકનો સંગ મળવો દુર્લભ છે ને ભગવાનથી કામ થાય તેટલું એકાંતિકથી થાય છે; કારણ કે, બધાને ભગવાનનો જોગ રહે નહિ તેથી એકાંતિકનાં લક્ષણ સમજવાં. તે ઉપર
તીન તાપ કી ઝાલ, જર્યો પ્રાની કોઉ આવે;
તાકુ શીતલ કરત, તુરત દિલ દાહ મિટાવે.
કહિ કહિ સુંદર બેન, રેન અગ્યાન નિકાસે;
પ્રગટ હોત પહિચાન, જ્ઞાન ઉર ભાન પ્રકાશે.
વૈરાગ ત્યાગ રાજત વિમલ, ભવ દુ:ખ કાટત જંત કો;
કહે બ્રહ્મમુનિ આ જગત મેં, સંગ અનુપમ સંત કો.
(બ્રહ્માનંદ કાવ્ય : 756)
એ સવૈયો બોલ્યા ને કહ્યું જે, ‘હમણાં તો જોગ છે ત્યાં સુધી જણાતું નથી, પણ જોગ નહિ હોય ત્યારે કાળ પડે ને દુ:ખ થાય તેટલું જીવને દુ:ખ થાશે ને આંખમાંથી આંસુ પડશે.’ વસુદેવ-દેવકીનું દૃષ્ટાંત દીધું. ‘ને આવો જોગ મળ્યો છે તે પૂર્વનાં પુણ્ય છે.’ પછી હરિશંકરભાઈએ પૂછ્યું જે, ‘વેદરસનો ગ્ંરથ વાંચવાની મહારાજે શા સારુ ના પાડી છે ?’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘વેદરસનો ગ્ંરથ વાંચવાની મહારાજે ના પાડી નથી, એ તો પાળવો કઠણ પડવાથી કોઈ વાંચતા નથી.’ ભગવતપ્રસાદજી મહારાજના કાગળમાં લખાવ્યું જે, ‘જે કામ કરો તેના ધણી થાશો નહિ; ભગવાનને માથે નાખજો ને ભગવાનનો વિશ્ર્વાસ રાખજો.’
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
રેન : રાત, ઘોડાની લગામ.
કરો : ઘરની દિવાલ.
(118) ભગવાનના ભક્ત થયા છે ને પંચવર્તમાન પાળે છે તે તો પ્રકૃતિપુરુષથી પર જઈને બેઠા છે.
વચ. ગ.પ્ર. 18
પાળે : સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જાતનો સેવક/પાર્ષદ.
(119) પ્રગટ ભગવાનને જાણીને જે એક પ્રણામ કરે છે, તે આત્યંતિક મોક્ષ જે, અક્ષરધામ તેને પામે છે ને તે વિના તો બીજા બધાંય ધામને કાળ ખાઈ જાય છે. ગાયકવાડને ઘેર જન્મ થયા પછી મૂળા સારુ કે મોગરી સારુ રોવે છે, પણ ગાદીનો ધણી થઈ ચૂક્યો છે. ઝાઝી વાત કહેવાય નહીં.
પ્રકરણ 5ની વાત 119
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
(120) છેલ્લાનું 35મું વચનામૃત વંચાવીને વાત કરી જે, ‘ભગવાનમાં મનુષ્યભાવ રહી જાય તો કલ્યાણ ન થાય. માટે મહારાજે વારંવાર દિવ્યભાવ ને મનુષ્યભાવ એક સમજવાની વાતું કરી છે. ને હાલમાં રાતના ગઢડાવાળા નારણ પ્રધાન વાંચે છે તેમાં બહુ સારી વાતું આવે છે, તે સાંભળશે તેને ઘણો સમાસ થાશે ને બીજાને ખોટ રહેશે.’
મનુષ્યભાવ : દેહભાવ, માયિકભાવ, જેમાં ગુણાનુરાગ - ગુણાનુબુદ્ધિ પ્રવર્તે છે તેવો ભાવ.
દિવ્યભાવ : જેમાં માયાના ત્રણ ગુણનો પ્રભાવ ન હોય તેવો અદ્ભુત ભગવદ્ભાવ.
(121) સત્ત્વગુણમાં એમ વિચાર કરવો જે, આ સાધુથી મારો મોક્ષ થાય તેમ છે, માટે ગમે તેટલું દુ:ખ થાય તો પણ તેનો સંગ મૂકવો નહીં.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
(122) ગજા પ્રમાણે કરે તેમાં ભગવાન રાજી થાય છે; રાજા દાને ને પ્રજા સ્નાને.
(123) જીવનો ને દેહનો વહેવાર નોખો સમજવો ને એમ ન સમજે તો આવી ભારે પ્રાપ્તિ થઈ છે તો પણ દુર્બળતા મનાય ને ભગવાનની આજ્ઞાથી ગૃહસ્થાશ્રમ કરે તો પણ નિર્બંધ છે.
(124) એક હરિભક્તને રોગ મટાડવા સારુ ગોપાળાનંદસ્વામીએ લીમડો પાયો તેથી રોગ તો મટી ગયો, પણ લીમડાનું બંધાણ થયું, તે ન પીવે તો તાવ આવે. પછી નિત્ય પાવળું ઓછું પીવા માંડ્યાથી ટળી ગયું. તેમ આ લોક વળગ્યો છે તેને એમ ટાળવો જે, મંદિરમાં આવવું ને ઘેર જવું ને ઘરનું કામ છોકરાને કરવા દેવું એવો અભ્યાસ કર્યાથી ટળી જાય.
(125) હરિશંકરભાઈના પૂછવાથી વાત કરી જે, સર્વજ્ઞ તો ભગવાન છે ને બીજા તો અલ્પજ્ઞ છે. માટે પતિવ્રતાની ટેક રાખવી તથા ધ્યાન ભગવાનનું કરવું ને બહુ મોટા સાધુની ખરી સેવા કરે તો ભગવાનને મેળવી દે.
(126) આગળ એક વખત મારે કાને કોઈ બહુ ભારે શબ્દ સંભળાયા,તેથી હૃદયમાં ચકર ચકર થઈ તેજ દેખાઈને બેસી ગયું. પછી જાણ્યું જે, એ તો પુરુષોત્તમપણાનું તેજ જણાયું.
(127) મોટાને કોઈ વાત કોઈને સમજાવવી હોય ત્યારે બીજા પાસે મોકલીને તેની પાસે વાત કરાવીને સમજાવે પણ પંડે કહે નહિ; ગોપાળાનંદસ્વામી મારી પાસે વાત કરાવી સમજાવતા. એવી મોટાની રીત છે ને પોતે તેનું પ્રમાણ કરી આપે.
(128)
યધ્યપિ શુદ્ધં લોકવિરુદ્ધં નાચરણિયં નાકરણીયમ્ ।
(સુભાષિત)
અર્થ : ભલેને શુદ્ધ હોય પણ જો તે લોકવિરુદ્ધ હોય તો કદી પણ ન આચરવું, ન કરવું.
અર્થ : ધન, સંપત્તિ.
(129) અયોગ્ય ઘાટ થાય ત્યારે એમ જાણવું જે, આપણા દેહમાં બીજાનો પ્રવેશ થયો છે. તે ઉપર જનકનું દૃષ્ટાંત દીધું.
વચ. વ. 20
ઘાટ : માયિક સુખ ભોગવવાનો સંકલ્પ, વિકારનો સંકલ્પ.
(130) પંચાળાનું 7મું વચનામૃત વંચાવીને સ્વામીએ વાત કરી જે, ‘આ પ્રગટ ભગવાનને નિર્દોષ સમજ્યેથી કાંઈ કરવું બાકી રહેતું નથી. ને ચમત્કાર જણાય તો શેખજીની પેઠે જીરવાય નહિ, ગાંડું થઈ જવાય, માટે કસર જેવું રાખ્યું છે. ભગવાનને નિર્દોષ સમજ્યાથી નિર્દોષ થઈ રહ્યો છે ને દોષ જણાય છે તે તત્ત્વના દોષ છે ને નિર્દોષ તો એક ભગવાન જ છે. ને દેશકાળ તો ભગવાનને ન લાગે, જીવને તો લાગે; કારણ કે, પ્રારબ્ધ કર્મે દેહ છે, તે ખોટા પ્રારબ્ધનો થર આવે ત્યારે દેશકાળ લાગે, પણ ઉપાસ્યમૂર્તિને નિર્દોષ સમજ્યાથી એ દોષે રહિત થઈ રહ્યો છે.’
વચ. ગ.પ્ર. 24
કસર : ખોટ, ઉણપ.
પ્રારબ્ધ : પૂર્વનાં કર્મફળના સંગ્રહમાંથી વર્તમાનકાળે જે દેહ છે તે સંબંધી સુખ-દુ:ખ.
(131) સમજ્યા વિના જે જે કરે તેનું ફળ આગળ ન થાય, ને ભગવાન વતે જ કલ્યાણ છે ને બીજું ગમે એટલું કર્યું હોય પણ ઉપાસનામાં ઠીક ન હોય તો તેનો મોક્ષ ન થાય ને બીજું તો ધર્મ, અર્થ ને કામ ઉપર છે.
વચ. ગ.મ. 21
અર્થ : ધન, સંપત્તિ.
(132) સ્વામિનારાયણ મંત્ર જપવાથી રોગ ટળી જાય ને સાપ કરડ્યો હોય તો ઊતરી જાય ને કાળ, કર્મ, માયાથી રહિત થાય.
(133) ભગવાનનો તથા સંતનો માહાત્મ્યે સહિત નિશ્ર્ચય હોય તેને ઓરો રહેવા દે નહીં. ને કાળ, કર્મ, માયા તે તો જડ છે; માટે કર્તાહર્તા ભગવાનને જાણવા ને રોટલા ખાઈને ભજન કરવું, દુ:ખ માનવું નહીં. ને અતિ સંતોષ કલ્યાણના મારગમાં વિઘ્ન છે.
વચ. ગ.મ. 21
વચ. વ. 2
ઓરો : આણીકોર માયામાં, અહીં, નજીક.
(134) હરિશંકરભાઈએ પૂછ્યું જે, ‘વચનામૃતમાં બતાવ્યા છે તે સાધુ ઓળખાણા નહીં. તેનું કેમ કરવું ?’ ત્યારે બોલ્યા જે, ‘એ વાત કહેવાય નહિ, કહીએ તો માર પડે ને અવગુણ આવે; માટે સમજો છો તેમ સમજવું. ને ફળિયામાં ઘોડો ફેરવી લેવો તે શું ? જે, યજ્ઞ કરનારા દશે દિશાઓમાં ઘોડો ફેરવીને જીત કરીને યજ્ઞની પૂર્ણાહુતિ કરે છે. તેમ જેણે દશ ઇન્દ્રિયોરૂપ દશ દિશાઓ જીતી છે, કહેતાં જેની વૃત્તિ કોઈ વિષયમાં લેવાતી નથી, તેવા સંતમાં જોડાય ત્યારે તેનો જ્ઞાનયજ્ઞ પૂરો થઈ રહ્યો ને તે ફળિયામાં ઘોડો ફેરવીને યજ્ઞ કર્યા જેવું છે.’
દશ : દિશા.
(135) મહાપૂજામાં બેસતી વખતે બોલ્યા જે, ‘આ બેઠા તેના હાથમાં સર્વે છે ને બધુંય એમાં છે.’
(136) બ્રાહ્મણનો દીકરો બ્રાહ્મણ કહેવાય, વાણિયાનો દીકરો વાણિયો કહેવાય, તેમ આપણે પુરુષોત્તમની ઉપાસનાનો દેહ બંધાણો તે અક્ષરરૂપ થયા છીએ, માટે પોતાનું સ્વરૂપ અક્ષર માનવું.
(137) જેવા શબ્દ સાંભળે તેવો જીવ થાય છે. રજ, તમ ને સત્ત્વ એ દેહના ભાવ છે, તે તો હોય. ભૂખ લાગે, તરસ લાગે, સુખ-દુ:ખ થાય, એ દેહના ભાવ છે. ને મન તો નીલ વાંદરા જેવું છે તે લબલબાટ કર્યા કરે ને આપણે તો એથી પર ક્ષેત્રજ્ઞ છીએ; માટે એ દેહ, ઇન્દ્રિયું, અંત:કરણના ભાવ આપણે વિશે માનવા નહીં. આપણે તો એથી જુદા છીએ; માટે એનાથી હારવું નહિ, યુદ્ધ કર્યા કરવું.
લબલબાટ : લવારો.
(138) છેલ્લાનું બીજું વચનામૃત તથા વરતાલનું પાંચમું વચનામૃત વાત કરી જે, ‘અષ્ટાંગયોગ, વ્રત, દાન, તપ એ સર્વે કર્યાં, પણ જીવમાં બડવાળ રહ્યો; પછી સાધુરૂપ ભગવાન થઈને જીવને શુદ્ધ કર્યા. ને પોતાને વિશે તો માયાનો સર્ગ હોય, પણ ઉપાસ્યમૂર્તિને વિશે માયા ન સમજે, તો તેનો મોક્ષ થઈ રહ્યો છે.’
બડવાળ : માયાના સંબંધરૂપી મેલ, કચરો, અનીતિ.
(139) યજ્ઞમાં સ્વરૂપાનંદસ્વામીને મહારાજે કહ્યું જે, “માણસ ઘણાં થયાં
તે આપણી લાજ જાશે, સીધું પહોંચશે નહીં. ” ત્યારે તે બોલ્યા, ‘બ્રહ્મની લાજ જાય
નહિ; લાજ જાશે તો લક્ષ્મીની જાશે.’
(140) સ્વરૂપાનંદસ્વામીને મહારાજે કહ્યું જે, “પરચા બહુ આપો છો? ”
ત્યારે તેમણે કહ્યું જે, ‘ઇસ્મે ક્યા ?’
(141) સ્વરૂપાનંદસ્વામીને મહારાજે કહ્યું જે, “તમને ગોલોકમાં મોકલીએ ?” ત્યારે કહ્યું જે, ‘એ ખડ્ડેમેં તો પડે જ હૈ.’
(142) સ્વરૂપાનંદસ્વામીને મંદવાડમાં કહ્યું જે, “તમને બહુ દુ:ખ થયું ? ”
ત્યારે કહે જે, ‘ટટ્ટુ દૂબળા થયા હૈ, અસ્વાર તો તાજા હૈ.’
(143) મહારાજ ને આ સાધુ સર્વથી પર છે ને સમર્થ છે, તો પણ વેદની તંતીમાં રહે છે; પણ બીજા અવતાર જેવાં ચરિત્ર કરતા નથી, તે બીજાને ગુણ આવવા સારુ ને ઘણા જીવોનાં કલ્યાણને સારુ છે; પણ પોતાને કાંઈ બાધ અડતો નથી.
તંતીમાં : પરંપરામાં, મર્યાદામાં.
બાધ : દોષ.
(144) ઉપાસનાથી મોક્ષ છે. ધર્મ, વૈરાગ્ય ને આત્મનિષ્ઠા એકલાં કાંઈ મોક્ષ કરે તેમ નથી. ને આવા સાધુ કોઈ જગ્યાએ નથી ને આવો જોગ મહાદુર્લભ છે, માટે સમજણ ન હોય તો પૂજવાના રહી જાય ને બીજા પૂજાય. ને ભગવાનનું મૂળ પ્રતિમા ને તીર્થ છે ને ગૃહસ્થનું મૂળ છોકરાં છે.
આત્મનિષ્ઠા : હું તો દેહથી જુદો જે આત્મા તે છું ને મારે વિશે પ્રગટ પરબ્રહ્મ અખંડ બિરાજમાન છે. તેવી અતિ દૃઢ માનીનતા, શ્રદ્ધા, વિશ્ર્વાસ, આસ્થા.
(145) મોટાઈ તો મહારાજને પુરુષોત્તમ જાણે ને આજ્ઞા પાળે તેની છે. પ્રગટ હોય ત્યારે તો સર્વે આજ્ઞા પાળે, પણ છેટે ગયા પછી પછવાડેથી આજ્ઞા બરાબર પાળે તે ખરા.
પાળે : સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જાતનો સેવક/પાર્ષદ.
(146) જૂનાગઢના તો મહારાજ જમાન થયા છે.
જમાન : જામીન.
(147) લાખ મણ લોઢાની લોઢી ધગાવી હોય તે ઉપર સો ઘડા પાણી રેડે ટાઢી પડે નહિ, એ તો ગંગાના ધરામાં નાખો તો ટાઢી થાય. તેમ આ સમાગમ ધરા જેવો છે ને હાલમાં કલ્યાણ એવું થાય છે જે, જેમ ચાર મહિનાનો વરસાદ વરસ્યો હોય તેમાં લોઢી ધગેલી રહે નહિ, તેવું કલ્યાણ થાય છે.
ધરા : ધરો, નદી કે તળાવના પાણીમાંનો ઊંડો ખાડો.
(148) અભિનિવેશ થાય તેને વેદ કહે, ગુરુ કહે તો પણ માને નહીં. ને પંચવિષયનો અભિનિવેશ તો ગુરુરૂપ ગોવિંદ પ્રગટ સાક્ષાત્કાર મળ્યેથી જ ટળી જાય છે ને હદ મૂકીને વિહદ જે અક્ષરધામ તેને પામી રહે છે; માટે આ અવસરમાં કસર રહેશે તેને પસ્તાવો થાશે. ને પછી સાંભળનાર હશે તો કહેનાર નહિ મળે; માટે ઢોલ-ભૂંગળાં વગાડીને નરકે જવું નહીં.
અભિનિવેશ : સત્યથી અલગ પોતાની માન્યતાનો દઢ નિશ્ર્ચય.
સાક્ષાત્કાર : પરમતત્ત્વ કે ભગવાનનું પ્રત્યક્ષ દર્શન કે સાક્ષાત્ અનુભવ.
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
કસર : ખોટ, ઉણપ.
(149) જ્ઞાન કરતાં કરતાં છકી જવું નહિ ને ગ્લાનિ પણ પામવી નહિ. સમજો છો એમ સમજવું પણ બારણે મોટાઈ કહેવી નહિ. કહે મોટાઈ થાતી નથી ને છે તે જતી રહેવાની નથી. ને મહારાજને ભગવાન કહેતા તેના ઉપર રીસ કરતા ને ધીરે ધીરે વચનામૃતમાં પોતાની મોટાઈ લખી દીધી તેમ કરવું, પણ છકી જવું નહીં. ને વચન માનવું તે ચડતું વચન હોય તે માનવું, પણ ઊતરતું વચન માનવું નહીં. તે ઉપર નિત્યાનંદસ્વામીએ મહારાજની સાથે સાત દિવસ સુધી ટક્કર લીધી તે વાત કરી; માટે મહારાજના ફેરવ્યા પણ ન ફર્યા એવો નિશ્ર્ચય કરવો. ને આપણી વાત સાચી છે પણ આપણી ઉત્કૃષ્ટતા ખમી શકે નહિ તેથી ઉપાધિ કરે; માટે બહાર વાત કરશો નહિ ને તમે સમજો છો તેમ સમજજો; પણ છકી જશો તો દિવસ ઊઠશે ને દુ:ખ આવશે. ને અમે એમ વરત્યા જે, કોઈના કળ્યામાં આવ્યા નહિ; માટે તમારે એમ વરતવું ને કર્તા ભગવાનને જાણવા.
વચ. ગ.પ્ર. 25
(જુઓ પ્રકરણ 6ની વાત 33)
ગ્લાનિ : અનુત્સાહ, ગમગીની, અણગમો.
(150) ભગવાન ભજતાં લોકનું દુ:ખ આવે ને દેશકાળનું દુ:ખ આવે પણ પાછું પડવું નહિ, ધીરજ રાખવી, ધીરે ધીરે બધાં દુ:ખ ટળી જાય; પણ પાછો પગ ભરવો નહીં. ત્યાં દૃષ્ટાંત દીધું જે, પ્રદ્યુમ્ન યુદ્ધમાંથી પાછા હઠ્યા નહીં. પછી ભગવાને શંખ વગાડ્યો તેથી સર્વે નાશ પામી ગયા. તેમ શંખને ઠેકાણે આ સાધુની વાતું છે તેથી સર્વે દુ:ખ નાશ પામશે માટે ધીરજ રાખવી, પાછું પડવું નહીં. તે ઉપર સત્સંગીને સત્સંગ કરતાં ઘણીક ઉપાધિ આવેલી તેની વાતું કરી તથા મૂરખની સમજણ જે, રાજાને ચાકરે સભામાં બાટીઓ આપી તેની વાત કરી.
(151) ‘વચનામૃત’નો પરથારો વંચાવીને વાત કરી જે, ‘ચાર વરસ સુધી મહારાજે કાંઈ જણાવ્યું નહિ ને વાતું કરી તેથી બધા દેશમાંથી ઘણાં માણસ મૂર્તિમાં તણાઈ ગયાં. તેને જોઈ સર્વે લોકોનાં મન સંશયવત્ થઈ ગયાં. પછી ઐશ્ર્વર્ય જણાવ્યાની પ્રાર્થના કરવાથી જૂનાગઢમાં ઘણાં માણસને સમાધિ કરાવી તેથી ગાંડાં થઈ ગયાં. ને સૌને પોતપોતાના ઇષ્ટદેવનાં દર્શન મહારાજે કરાવ્યાં ને આજના સાધુ બીજા અવતાર જેવા છે; માટે બીજા સાધુ ને આ સાધુ તથા બીજા ગુરુ ને આ ગુરુની રીત તપાસવી.’
(152) હરિશંકરભાઈએ પૂછ્યું જે, ‘વડવાનળ અગ્નિ જેવા સાધુ કેમ સમજવા ?’ ત્યારે કહ્યું જે, ‘સત્સંગિજીવન’માં તેનાં લક્ષણ કહ્યાં જે,
વિષપંકાયતે તસ્ય મલયાગુરુચન્દનમ્ ।
સર્પાયન્તે પુષ્પહારા ભૂષણં દૂષણાયતે ।।
(સત્સંગિજીવન : 1/36/70)
અર્થ : ભગવાનના સાચા ભક્ત - સંતને મલય દેશના ગુરુચંદનનો લેપ ઝેરના કાદવના લેપ જેવો લાગે છે. ફૂલના હાર તેને સર્પ જેવા લાગે છે. અલંકારો દૂષણરૂપ જણાય છે.
એવું વરતે તથા ભગવાનની મૂર્તિને અખંડ ધારે તથા સત્સંગ શબ્દનો અર્થ કર્યો છે તેવાં લક્ષણ હોય તથા ઘણાક જીવને ભગવાન ભજાવે ને પોતે શુદ્ધ રહે, લગાર આજ્ઞા લોપે નહિ, એવા હોય. ને કોઈ તો ઘણાને ભગવાન ભજાવે એવા ભગવાનના બળથી થયા હોય, પણ પોતે જતા રહે એવા હોય. તે ગોપાળાનંદસ્વામીને સત્સંગ કરાવ્યો તે ગુરુ પણ જતા રહ્યા; માટે એમ મોટાઈ સમજવી નહિ, એ તો વહેવારિક મોટાઈ છે; પણ વચનામૃતમાં મોટાઈ કહી છે જે, ભગવાનનો નિશ્ર્ચય હોય ને આજ્ઞા પાળે, એ મોટા છે. ને વડવાનળ અગ્નિ જેવા ન હોય તે આટલાં બધાં માણસને સત્સંગ કરાવે, ને પોતે નિર્લેપ કેમ રહે ? માટે આપણે માનવે કાંઈ મોટા નથી. મહારાજની આજ્ઞા પ્રમાણે મોટાઈ સમજવી. તે ચાર પ્રકારના પ્રશ્ર્નમાં બીજાએ ધ્યાનનું કહ્યું ને મહારાજે વાતું કરવાનું કહ્યું.
વચ. વ. 3
અર્થ : ધન, સંપત્તિ.
લગાર : જરાય
(153) પર્વતભાઈનું નામ ગ્ંરથમાં ક્યાંય લખ્યું નથી, પણ એ તો અતિશે મોટા હતા.
(154) સર્વ પ્રકારની વાતું જેનાથી સમજાય તેને સર્વેથી મોટા સમજવા ને બધા સાથે સત્સંગમાં જીવ ન જોડાય પણ બે જણ સાથે તો જીવ જડી દેવો ને તે વિના બીજામાં માલ ન જાણે તે જીવ જડ્યો કહેવાય ને બીજાનો દેહે કરીને તો સંગ હોય.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
(155) નરનારાયણાનંદસ્વામી આદિક બધા સાધુ નરનારાયણ જેવા છે ને તેમાંથી જતા રહે છે તે તો જીવમાં એમ હોય જ.
(156) મહારાજે વચનામૃતમાં પોતાનું વર્તન કહ્યું છે, તે તો પોતાના મુક્તનું જ કહ્યું છે એમ સમજવું ને પુરુષોત્તમ તથા ધામરૂપ અક્ષર એ બેને તો તેથી પર સમજવા ને મહારાજને તો અપાર અપાર જ સમજવા.
(157) પોતાની વાત કરી જે, અમે સંવત 1859ની સાલમાં ભાદરવા માસમાં પ્રથમ મહારાજનાં દર્શન કર્યાં તે મહારાજે અમારા સામું જોયું ને અમે મહારાજના સામું જોયું એટલામાં નિશ્ર્ચય થઈ ગયો.
(158) ધર્મસ્વરૂપાનંદ બ્રહ્મચારીના જીવમાંથી નહિ વટલવાનો સંશય ટળે જ નહીં. ત્યારે હરિશંકરભાઈએ પૂછ્યું જે, ‘આત્મનિષ્ઠા હોય તો પણ એમ રહેતું હશે ?’ ત્યારે ઉત્તર કર્યો જે, ‘આત્મનિષ્ઠામાં ન રહે, કસર હોય તો રહે. ને આત્મનિષ્ઠા હોય પણ મયારામ ભટ્ટની પેઠે પૂર્વના ઋષિપણાના પાશ ટળે નહીં.’ તે ઉપર દુર્યોધન તથા યુધિષ્ઠિરને જીવમાં પાશ હતા, તેની વાત કરી.
કસર : ખોટ, ઉણપ.
આત્મનિષ્ઠા : હું તો દેહથી જુદો જે આત્મા તે છું ને મારે વિશે પ્રગટ પરબ્રહ્મ અખંડ બિરાજમાન છે. તેવી અતિ દૃઢ માનીનતા, શ્રદ્ધા, વિશ્ર્વાસ, આસ્થા.
(159) ઉપાસના ને આજ્ઞા બે રાખવાં. તે ઉપાસનામાં તથા ધ્યાનમાં નિશ્ર્ચય છે ને આજ્ઞામાં બ્રહ્મરૂપ માનવું એટલે મૂળ અજ્ઞાન જે કારણ દેહ તેનો નાશ થાય છે. ને આમ સમજાવીને વાતું કરવી તે તો સત્યુગમાં પણ કોઈએ કર્યું નથી.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
(160) હરિશંકરભાઈએ પૂછ્યું જે, ‘જ્ઞાને કરીને નિર્લેપ રહેવાય છે કે, વિષય ન ભોગવે તેણે કરીને નિર્લેપ રહેવાય છે ?’ ત્યારે બોલ્યા જે, ‘જ્ઞાને કરીને નિર્લેપ રહેવાય છે, પણ મન, ઇન્દ્રિયું ને દેહ એ ત્રણ પ્રકારે પતિવ્રતાપણું જાય છે, તે બે પ્રકારે તો આપણાથી પળે તેમ નથી, પણ દેહે કરીને પાળવું, એટલે ત્રણ પ્રકારે પાળી ચૂક્યા.’
પાળી : વારો.
(161) કાંઈ જોઈએ નહિ તેને દુ:ખ ન આવે અને જોઈએ ને નિર્માનપણું રહે તો દુ:ખ ન આવે ને સંસૃતિનું તથા ભોળપનું એ બે પ્રકારનું દુ:ખ આવે છે.
(162) આજ્ઞામાં રહે તે છેટે છે તો પણ અમારા ઢોલિયાની પાસે છે ને આજ્ઞા નથી પાળતો તે પાસે છે તો પણ છેટો છે. ને ગમે તેવો જ્ઞાની હશે, હેતવાળો હશે ને મોટેરો હશે, પણ આજ્ઞા લોપે તો સત્સંગમાં ન રહેવાય. ત્યાં દૃષ્ટાંત દીધું જે, પતંગ ઉડાડવાથી છેટો ગયો છે પણ દોરી હાથમાં છે તો સમીપમાં જ છે. તેમ આજ્ઞારૂપી દોરી હાથમાં છે, તો મહારાજની પાસે જ છે.
પતંગ : પતંગિયું.
(163) મધ્યનું 5મું વચનામૃત તથા વરતાલનું 13મું વચનામૃત વંચાવી વાત કરી જે, ઇન્દ્રિયું-અંત:કરણ હૃદયાકાશમાં રાખવાં, એટલે ભગવાનમાં વૃત્તિ રહી. ને દેહપર્યંત દેખાય નહિ, પણ સાધન નિષ્ફળ જાય નહિ, દેહ મૂકતાં જ દેખાઈ આવે.
(164) મનજીભાઈએ પૂછ્યું જે, ‘ભગવાનને દેખવા એ અધિક છે કે જ્ઞાને કરીને સ્થિતિ કરવી તે અધિક છે ?’ ત્યારે કહ્યું, ‘દેખવા કરતાં જ્ઞાને કરીને સ્થિતિ કરવી તે અધિક છે.’ તે ઉપર પર્વતભાઈ, કૃપાનંદસ્વામી, મુક્તાનંદસ્વામી વગેરે જ્ઞાનની સ્થિતિવાળાની વાત કરી જે, ‘એમને સમાધિ નહોતી ને દેખતા પણ નહીં. ને પર્વતભાઈ હાલ આપણે સમજીએ છીએ તેમ સમજતા. માટે પોતાને બ્રહ્મરૂપ માનવું ને મારામાં ભગવાન રહ્યા જ છે એમ માનવું, એ જ્ઞાનની સ્થિતિ છે તે અધિક છે તેમાં વિઘ્ન નથી.’ તે ઉપર સચ્ચિદાનંદસ્વામી વગેરે સમાધિની સ્થિતિવાળા દેખતા હતા, તેને પણ દુ:ખ આવ્યાં તેની વાત કરી. માટે પોતાની સમજણ કૃપાનંદસ્વામીની પેઠે છૂપાડવી ને પ્રેમી થાવું નહીં.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
(165) આવી વાતું ક્યાંય થાતી નથી, માટે વિષય ખોટા થઈ રહ્યા છે ને વાસના જેવું જણાય છે તે તો દેહધારીને હોય. તે ઉપર સદાશિવની હવેલી બળ્યાનું દૃષ્ટાંત દીધું ને ભાઈઆત્માનંદસ્વામીને મહારાજની નિષ્ઠા સમજાવી, તે વાત કરી.
વાસના : પૂર્વના સંસ્કારોથી મકકમ થયેલી કામના.
નિષ્ઠા : શ્રદ્ધા, આસ્થા, વિશ્ર્વાસ, ધારણા.
(166) ધર્મ સત્સંગમાં રાખે ને વૈરાગ્યે કરીને નાશવંતપણું દેખાય એટલે બંધાય નહિ ને જ્ઞાન જે, આત્મનિષ્ઠા તેણે કરીને દેહના સુખ-દુ:ખમાં ન લેવાય; પણ મોક્ષ તો ઉપાસનાએ કરીને જ થાય છે.
આત્મનિષ્ઠા : હું તો દેહથી જુદો જે આત્મા તે છું ને મારે વિશે પ્રગટ પરબ્રહ્મ અખંડ બિરાજમાન છે. તેવી અતિ દૃઢ માનીનતા, શ્રદ્ધા, વિશ્ર્વાસ, આસ્થા.
(167) અંત:કરણ શેખચલ્લીના મનસૂબા જેવું ન રાખવું. એક ભગવાનરૂપી જ થાંભલો રાખવો, પણ ઘણા ટેકા રાખવા નહિ ને કલ્યાણને અર્થે આશરો ને હેત બે જ છે. ને આજ્ઞા તથા નિયમ પાળે છે તે જ આત્મનિષ્ઠ છે ને નિયમ નથી પાળતો તેને આત્મનિષ્ઠ સમજવો નહીં.
મનસૂબા : સંકલ્પો, કાંઈક કરી લેવાના વિચારો
પાળે : સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જાતનો સેવક/પાર્ષદ.
(168) આત્માના જ્ઞાને કરીને કૈવલ્યાર્થી થયો હશે, તો પણ ચ્યુતભાવને પામે; પણ જેને એમ હોય જે, હું પ્રગટ ભગવાનનો છું ને ભગવાન મારા છે એવો દૃઢાવ થયો તેને કોઈની બીક રહેતી નથી. કાળ, કર્મ, માયા, દેવઋણ, પિતૃઋણ, મનુષ્યઋણ એ સર્વથી મુકાઈને ભગવાનને પામી રહ્યો છે. આ લોકનું સુખ-દુ:ખ બેય મિથ્યા છે ને વહેવાર છે તેમાં સુખ-દુ:ખ તો આવે, પણ રોટલા ન મળે તે દિવસ અમને પૂછવું. જેને રોટલા જોઈતા હોય તેણે દશમો-વીસમો ભાગ કાઢવો.
વચ. ગ.અં. 5
(169) બે વરસ વગર વરસાદે દાણા પૂરા કર્યા ને મેહ વરસે એમ નથી; પણ સત્સંગીને અર્થે વરસાવીએ છીએ.
(170) આ સર્વેએ ભગવાન ભજવા સારુ જ દેહ ધર્યા છે ને બધાય જૂના છે; પણ નવા કોઈ નથી એટલે આંહીં અવાય છે. ને ભગવાનમાં ને સાધુમાં વૃત્તિ ન તણાય ને સ્ત્રીમાં તણાય, તે તો ભગવાનની માયાનું બળ છે; બીજું એમાં કાંઈ નથી.
(171) ‘હું કુટુંબનો નથી, લોકનો નથી, દેહનો નથી, હું તો ભગવાનનો
છું.’ એમ માનવું ને આ સમાગમ કર્યા વિના તો બીજે જવાશે, પણ મહારાજ પાસે
નહિ જવાય.
(172) ભજન કરતાં કરતાં દેહ સૂઈ જાય ને ઇન્દ્રિયું વિરામ પામી જાય ને જાગીએ ત્યારે ભજન થાય છે, એમ ખબર પડે.
(173) લાખ-કરોડ કીડીઓ નીકળી હોય તેમાં નાની-મોટી જણાતી નથી, તેમ માહાત્મ્યથી મોટી દૃષ્ટિ થાય છે ત્યારે સારો-નરસો વિષય દૃષ્ટિમાં આવતો નથી; ને દેહધારી હોય તે ભોગવે તો ખરા.
(174) સત્ય, હિત ને પ્રિય એવું વચન બોલવું ને ઉપેક્ષા રહિત બોલવું પણ આગ્રહથી વચન કહેવું નહીં.
(175)
આકૃતિચિતિચાપલ્યરહિતા નિષ્પરિગ્રહા: ।
બોધને નિપુણા આત્મનિષ્ઠા: સર્વોપકરિણ: ।।
(સત્સંગિજીવન : 1/32/28)
અર્થ : શ્રીહરિ ભક્તિમાતાને કહે છે : ‘હે સતિ ! મુમુક્ષુઓએ કેવા સંતને સેવવા જોઈએ ? તે જેઓ કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયોની ચપળતાએ રહિત અર્થાત વિષયવાસનાઓ વિરહિત આત્મહિતમાં વિરોધી પરિગ્રહ રહિત, તત્ત્વબોધ આપવામાં પ્રવીણ, આત્મામાં જ એક નિષ્ઠાવાળા (આત્મારામ), સર્વ જનોનો આ લોક-પરલોકમાં ઉપકાર કરવાના સ્વભાવવાળા હોય.’
એ ચોસઠ લક્ષણે યુક્ત જે સાધુ તેની સાથે જોડાવું, એટલે એ એકમાં ચોસઠ આવી જાય. આપણને ઝાઝું સમજાય નહીં.
અર્થ : ધન, સંપત્તિ.
(176) મહારાજ આમ બેસતા. આઠેય ધામ જોયાં, પણ આવા સાધુ ક્યાંય નથી ને એનાં દર્શનને ભગવાન પણ ઇચ્છે છે ને આ સાધુમાં તો ભગવાન રહ્યા છે.
(177) સત્સંગ ચાર પ્રકારથી છે. તેમાં પ્રથમ પ્રકાર એ છે જે, પરમાત્માનું જ્ઞાન, આત્માનું જ્ઞાન તથા સાંખ્ય વિચારનું જ્ઞાન; બીજો પ્રકાર એ છે જે, ધ્યાન તથા પતિવ્રતાપણું; ત્રીજો પ્રકાર આજ્ઞા પાળવી ને ચોથો પ્રકાર આશરો જે, સાધુ સાથે જોડાવું. આ છેલ્લા ત્રણ પ્રકાર, પ્રથમ પ્રકારનાં ત્રણ જ્ઞાન તેથી ઊતરતા છે. પછી નથુ પટેલે પૂછ્યું જે, ‘ઉપાસના કેમ સમજવી?’ ત્યારે સ્વામીએ કહ્યું જે, ‘ઉપાસના તો શાસ્ત્ર, પોતાનો વિચાર ને સાધુ એ ત્રણથી સમજવી.’
(178) સંગ થાય તેના ગુણ આવે છે, માટે ભગવાનનો તથા સાધુનો સંગ તો કરવો ને બીજાનો તો જેમ ભીમસેન ને ધૃતરાષ્ટ્ર મળ્યા હતા તેમ કરવો. ને સ્વાદ વગેરેમાં અતિ થાય તેમાં દુ:ખ છે; માટે અતિ થાવા દેવું નહિ,
અતિદાનાદ્ બલિર્બદ્ધો અતિગર્વેણ રાવણ: ।
અતિરૂપાદ્હ્યતા સીતા અતિ સર્વત્ર વર્જયેત્ ।।
(સુભાષિત)
અર્થ : અતિશય દાનથી બલિ બંધનમાં પડ્યો. અતિશય ગર્વના કારણે રાવણ હણાયો. અતિશય સૌન્દર્યના કારણે સીતાનું હરણ થયું. સર્વત્ર અતિશયનો ત્યાગ કરવો.
પ્રકરણ 5ની વાત 274
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
અર્થ : ધન, સંપત્તિ.
(179) કૃપાનંદસ્વામી વગેરે મોટા સાધુના જેટલું આપણામાં બળ નહિ; માટે મોટા સાધુ સાથે વાદ મૂકી અગિયાર નિયમ પાળવા એટલે તેમના જેટલા બળિયા થાવાશે. આ સંગ એવો છે ને આ સંગમાં ઉપાસના, ધર્મ વગેરે સર્વે છે, કાંઈ બાકી નથી. તે ઉપર મધ્યનું 63મું વચનામૃત બળ પામવાનું વંચાવ્યું.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
(180) મનને જાણે સાધન કરે છે ત્યાં સુધી મનનું રાજ ટળતું નથી; માટે ભગવાન ને સાધુ કહે તેમ કરવું. અગિયાર નિયમમાં રહેવું, એમાં મૂળ નાશ પામે છે; એટલે ફળ-ફૂલ થાય નહિ ને બળે જિતાતું નથી પણ કળે જિતાય છે. તે ઉપર સારંગપુરનું 7મું વચનામૃત નૈમિષારણ્યનું વંચાવ્યું.
(184) અક્ષરધામનું એક મચ્છરિયું મૂતર્યું છે તેથી સર્વે લોક સુખી છે. એટલે અક્ષરધામનું મચ્છરિયું જે, મૂળપુરુષ તેની લઘુશંકામાં સર્વે લોક સુખી છે.
(185) મુક્ત, મુમુક્ષુ, વિષયી ને પામર એ ચાર પ્રકારના ભક્ત છે. તેમાં પામર હોય તે કોઈ પદાર્થને અર્થે અને પરચા અર્થે ભગવાનને ભજે છે. ને વિષયી હોય તે આ લોકના વિષય સુખનો ત્યાગ કરે ને સ્વર્ગાદિકના ઉત્તમ સુખને ઇચ્છે છે ને મુમુક્ષુ હોય તે પોતાના જીવના કલ્યાણને અર્થે ભગવાનને ભજે છે. ને મુક્ત હોય તે માયાના ભાવથી મુકાઈને એક ભગવાનની મૂર્તિને જ ઇચ્છે છે. આ ચારેયમાં પણ ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ એમ અવાંતરે ભેદ છે.
અવાંતરે : ભેદમાં ય ભેદ, ભાગમાં ય ભાગ, અંદરના, વચમાં આવી જતા.
(186) અજામિલને સંતનો સમાગમ થયો ને નિયમ રાખવાનું કહ્યું ત્યારે કહે જે, ‘મારાથી પળે નહીં.’ તો પણ સંતે અનુગ્રહ કરીને છોકરાનું નામ ‘નારાયણ’ ધરાવીને પણ કલ્યાણ કર્યું. માટે ભગવાન મળ્યા છે તેથી કાંઈ કરવું રહ્યું નથી.
અનુગ્રહ : કૃપા, ઉપકાર, મહેરબાની.
(187) બ્રહ્માંડમાં દશ કોરટો છે; તેમાં બ્રહ્મા, વિષ્ણુ, શિવ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન ને સંકર્ષણ એ છ સગુણ અને નરનારાયણ, વાસુદેવનારાયણ, લક્ષ્મીનારાયણ ને શ્રીકૃષ્ણનારાયણ એ ચાર નિર્ગુણ. તેમાં બ્રહ્મા, વિષ્ણુ ને શિવ એ ત્રણ અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન ને સંકર્ષણ એ ત્રણની ઉપાસના કરે છે ને અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન ને સંકર્ષણ એ ત્રણ, ચાર નિર્ગુણ મૂર્તિયુંની ઉપાસના કરે છે ને એ ચારેય મૂળપુરુષની ઉપાસના કરે છે ને મૂળપુરુષ મૂળઅક્ષરની ઉપાસના કરે છે. ને મૂળઅક્ષર પુરુષોત્તમની ઉપાસના કરે છે ને ધામરૂપ મૂળઅક્ષર એક જ છે ને બીજા અક્ષરમુક્ત અનંતકોટિ છે. તે ત્રણ પ્રકારે કરીને પુરુષોત્તમમાં જોડાય છે. તેની વિક્તિ જે, ઉત્તમ મુક્ત છે તે તો પુરુષોત્તમને જ દેખે છે ને મધ્યમ છે તે પોતાને અને પુરુષોત્તમને બેયને દેખે છે ને કનિષ્ઠ છે તે તો પોતાને તથા પુરુષોત્તમને તથા અક્ષરમુક્તને પણ દેખે છે.
(જુઓ પ્રકરણ 6ની વાત 95)
દશ : દિશા.
કોરટો : અદાલતો.
સગુણ : માયાના ગુણથી પ્રભાવિત.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
વિક્તિ : વિગત-વિવરણ.
(188) આ વાતું અનંત સંશયને છેદી નાખે એવી ભગવાન પુરુષોત્તમની વાતું છે.
(189) જીવ ત્રણ શરીરમાં વ્યાપે એ જીવનું અન્વયપણું છે ને સત્તામાત્ર રહે તે વ્યતિરેકપણું છે અને ઈશ્ર્વરનું વિરાટ, સૂત્રાત્મા ને અવ્યાકૃતમાં વ્યાપવું એ ઈશ્ર્વરનું અન્વયપણું છે ને તેથી પર વરતવું એ વ્યતિરેકપણું છે ને બ્રહ્મ જે મૂળપુરુષ તે પ્રકૃતિ સાથે જોડાય તે અન્વયપણું છે, ને પોતાને સ્વરૂપે વરતે તે વ્યતિરેકપણું છે ને પુરુષોત્તમનું જીવ, ઈશ્ર્વર ને બ્રહ્મનું નિયંતાપણું છે તે અન્વયપણું છે ને સ્વરાટ થકા સ્વયં સ્વરૂપે અક્ષરધામમાં વિરાજી રહ્યા છે તે વ્યતિરેકપણું છે.
(190) આ બધી વાતું સાંભળીને આટલું જ સમજવાનું છે જે, હું તો આત્મા છું, અક્ષર છું, બ્રહ્મરૂપ છું, સુખાનંદ છું ને દેહ, ઇન્દ્રિયું, અંત:કરણ, કુટુંબ એ સર્વે મારાં નહિ ને હું એમનો નહિ; હું તો ભગવાનનો છું ને ભગવાન મારા છે. આટલું જ અનેક પ્રકારની વાતું સાંભળીને સમજવાનું છે ને ભગવાન પૃથ્વી ઉપર પધારે છે ત્યારે રાજસી, તામસી, અધમ એ સર્વેનો ઉદ્ધાર કરી દે છે, માટે આવો જોગ ને સંગ ફરી મળવાનો નથી.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
(191) પ્રિયવ્રતને કેટલાંક છોકરાં થયાં ને અગિયાર અર્બુદ રાજ્ય કર્યું; પણ
ભાગવતાઃ આત્મરામાઃ।
(અર્થ : ભગવાનના ભક્તો આત્મામાં રમણ કરનારા હોય છે.) સંત કહેવાયા, ને તે ગૃહસ્થાશ્રમમાં રહી કથામાંથી વિરામ ન પામ્યા તથા સાધુમાંથી હેત ટળ્યું નહિ તેથી મોટા કહેવાયા. ને પ્રહ્લાદને તથા પ્રિયવ્રતને મહારાજ બહુ વખાણતા.
પ્રકરણ 5ની વાત 302
(192) ધર્મ આદિક કરતાં ધ્યાન અધિક ને તેથી જ્ઞાન અધિક ને તેથી મોટાની અનુવૃત્તિમાં રહીને તેમને રાજી કરે તે અધિક. તે એકના પેટામાં ત્રણ આવી જાય ને ભગવાનનો મહિમા જણાય, એટલે એની મેળે જ આફુરડું હેત થાય ને હેત થાય ત્યારે અનુવૃત્તિ પળે; માટે આ ચિંતામણિ હાથમાં આવી છે તેને મૂકવી જ નહિ ને આ દેહ તો ભગવાનપરાયણ જ કરી દેવો.
પેટામાં : અંતર્ગત.
આફુરડું : આપોઆપ, એની મેળે, સહેજે સહેજે.
અનુવૃત્તિ : મરજી.
ચિંતામણિ : ઇચ્છા પૂરી કરે તેવો દિવ્ય મણિ.
(193) પ્રથમનાં 71માં વચનામૃતમાં એમ આવ્યું જે, ભગવાન અક્ષરધામ સહિત આવ્યા છે; તે ઉપર વાત કરી જે, ‘આ બોલે છે તે મૂર્તિ ઉપર તાન રાખવું, બીજાને કાર્ય સમજવું ને આ મૂર્તિને કારણ સમજવું.’ પછી હરિશંકરભાઈએ પૂછ્યું જે, ‘ભગવાનની મૂર્તિ ભેળું અક્ષરધામ શી રીતે ભાસે છે ?’ સ્વામીએ ઉત્તર કર્યો જે, ‘તેજરૂપે ધામરૂપ અક્ષર ભાસે છે ને આ સાધુરૂપે અક્ષરધામ મૂર્તિમાન દેખાય છે, એમ સમજવું ને બીજાને રુચે એમ હોય તો વાત જોઈને કરવી. ને ઓળખીને તેની ભક્તિ કરે છે, તેને ભગવાન ભક્તિ માને છે ને ઓળખ્યા વિના તો આવી ફસ્યા તેથી ક્રિયા કરવી પડે તેવું છે; પણ ઓળખ્યા વિના સેવા કરે તે ભક્તિ ન કહેવાય.’ તે ઉપર પ્રથમનું 37મું વચનામૃત વંચાવ્યું.
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
મૂર્તિ : સંતો.
તાન : લગની, આગ્રહ, મસ્તી.
(194) ભગવાન તો ઘણાયને મળે છે, પણ આવી ગમ્મત કોઈએ કરાવી નથી ને આ જોગ ઘણો દુર્લભ છે; ફરી ફરીને આવો જોગ નહિ બને; કારણ કે, હાલ સાક્ષાત્ ભગવાનનો જોગ છે ને હાલમાં ઘડી કે પળ જાય છે તે ઘણી દુર્લભ છે, માટે ભગવાન વિના બીજું રાખશે તેને અસદ્ગતિ થાશે.
(195) આ સાધુ અનાદિ મૂળઅક્ષર છે, તેનો દિવ્યભાવ ને મનુષ્યભાવ એક સમજવો ને આ તો અજન્મા છે, ગર્ભમાં આવ્યા જ નથી ને એમની રીત તો નટની માયાની પેઠે સમજવી ને આ તો મહારાજના સંકલ્પે કરીને આંહીં દેખાય છે અને તે વિના અક્ષરધામમાંથી પણ જે મુક્તને પોતાની કસર ટાળવા ભગવાન આંહીં લાવ્યા હોય તેને તો ગર્ભવાસ ભોગવવો પડે છે ને તેના ગુણને ભગવાન છુપાવી રાખે છે ને દોષને આગળ જાણપણામાં રાખી કેવળ જીવ જેવો કરી નાખી કસર ટાળે છે. માટે એવા ભક્તની ને પ્રથમ લખ્યા એવા ભક્તની રીત એક ન સમજવી અને જે ભક્તને ભગવાન કસર ટાળવા ભેગા લઈ આવ્યા હોય તે ભક્તને તો ભગવાનના આશરાનું બળ સમજવું.
વચ. પં. 7
વચ. ગ.પ્ર. 33
દિવ્યભાવ : જેમાં માયાના ત્રણ ગુણનો પ્રભાવ ન હોય તેવો અદ્ભુત ભગવદ્ભાવ.
મનુષ્યભાવ : દેહભાવ, માયિકભાવ, જેમાં ગુણાનુરાગ - ગુણાનુબુદ્ધિ પ્રવર્તે છે તેવો ભાવ.
કસર : ખોટ, ઉણપ.
ગર્ભવાસ : ગર્ભનો ઉદરમાં વાસ.
(196) મહારાજે બાવીસ વરસે પોતાનું સ્વરૂપ જેમ છે તેમ કહ્યું, ને આપણે આકળા થઈ જઈએ છીએ.
આકળા : ઉતાવળા.
(197) કુંભાર હાંડલાં ઘડે છે તેનું દૃષ્ટાંત. હાંડલાં ઘડતાં માંહીલી તરફ લાગને વાસ્તે ગોલીટો રાખી બહારથી ટપલા મારે છે, તેમ આપણે ગોલીટાની જગ્યાએ મહિમા સમજવો ને ટપલાની જગ્યાએ સાધન સમજવાં.
(198) ભગવાનનો માહાત્મ્યે સહિત નિશ્ર્ચય થયા પછી કાંઈ કરવું રહ્યું નથી; માટે માહાત્મ્યની ઓથ લઈને ઊલટું પાપ કરવું નહીં. ને આપણને વૃદ્ધિ થાતી દેખાતી નથી, પણ સર્વે ધીરે ધીરે થાતું જાય છે ને એમ જ થાવાની રીત છે. જેમ બાજરાના છોડમાં દાણા દેખાતા નથી પણ ડુંડું આવે છે ને પછી દાણા દેખાય છે તેમ થાય છે.
વચ. ગ.અં. 32
(199) પ્રભુ મળ્યા છે તે વાસ્તે કોઈ વાતની ચિંતા નથી ને સંકલ્પને જ્ઞાને કરીને ઉડાવી દેવા. ને તપ કરેથી ક્રોધી થાવાય છે. પૂર્વે દુર્વાસાદિક તપ કરી કરીને ક્રોધી થયા છે. એમ કોઠારમાં વાત કરી.
(200) સાંખ્યવાળાનેય દેશકાળ લાગે છે ને એમ ઉત્તર ન કરીએ તો ઉન્મત્ત થઈ જાય. ને જ્ઞાનીને અને સાંખ્યવાળાને આ લોક સાચો મનાય જ નહિ ને બીજાને ખોટો મનાય જ નહીં.
ઉન્મત્ત : ગર્વિષ્ઠ, ઉદ્ધત, ગાંડો, છાકટો.
(201) ભગવાનના ભક્તના દોષ વિચારે તો જીવ ભ્રષ્ટ થઈ જાય છે; માટે ગુણ વિચારવા. ને નારદાદિકને જે લાંછન લાગ્યાં કહેવાય છે, તે તો દેશકાળ લાગ્યાથી તથા ભગવાનની માયાનું બળ છે એમ સમજવું; ને એ સર્વે તો ડાહ્યા હતા, મોટા હતા ને અનેક જીવનાં કલ્યાણ કર્યાં છે, તે ગુણ વિચારવા.
(જુઓ પ્રકરણ 9ની વાત 256)
(202) પડછાયાને પુગાય નહિ તેમ વિષયનો પાર આવે તેમ નથી; માટે જ્ઞાન થાય ત્યારે સુખ થાય છે.
(203) ભગવાન છે તે એકડો છે ને સાધન છે તે મીંડાં છે. એકડા વિના સરવાળો ન થાય. રૂપ છે તે આંખની ભૂમિકા છે, તેમ પંચવિષય-પંચ ઇન્દ્રિયુંની ભૂમિકા છે તે પોતપોતાની ભૂમિકામાં જઈને બેસે છે.
(204) આજ્ઞા ને ઉપાસના બે રાખજો; વૈરાગ્ય ને આત્મનિષ્ઠા તો કોઈકને ઝાઝી હશે ને કોઈકને થોડી હશે.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
આત્મનિષ્ઠા : હું તો દેહથી જુદો જે આત્મા તે છું ને મારે વિશે પ્રગટ પરબ્રહ્મ અખંડ બિરાજમાન છે. તેવી અતિ દૃઢ માનીનતા, શ્રદ્ધા, વિશ્ર્વાસ, આસ્થા.
(205) મંદિરમાં દર્શન કરતાં બોલ્યા જે, ‘આ મૂર્તિ ઉપર કોઈ નથી એમ સમજવું, તે અમારું ફેરવ્યું પણ ફરવું નહીં. ને અમે તો દેશકાળ જોઈને કે કોઈ જીવના કલ્યાણને અર્થે ગમે તેમ કહીએ તે અમારું પણ માનવું નહીં.’ તે ઉપર નિત્યાનંદસ્વામીનું દૃષ્ટાંત દીધું જે, મહારાજના ફેરવ્યા પણ ફર્યા નહિ, તેથી રાજી થઈ હાર આપ્યો. (જુઓ પ્રકરણ 6ની વાત 33)
મૂર્તિ : સંતો.
(206) સર્વે અહીંયાં છે ને આંહીં જે અક્ષરધામ છે તેમાં જ ભગવાન છે. પ્રાગજી બહુ સારાં ‘વચનામૃત’ ગોતી કાઢે છે ને બહુ સારી વાતું કરે છે, તે ઉપર અમારો બહુ રાજીપો છે.
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
(207) જ્ઞાનપ્રલય કરવો તેથી કોઈ મોટી વાત નથી માટે જ્ઞાનપ્રલય કરવો. જેટલો જ્ઞાનપ્રલય કર્યો તેટલો માયાથી મુકાણો ને તેમ કર્યા વિના મોટાઈ તો મળે પણ માયાથી મુકાય નહીં. જ્ઞાનપ્રલય તે શું ? જે, પ્રકૃતિનું કાર્યમાત્ર હૈયામાંથી કાઢી નાખી બ્રહ્મરૂપ થાવું, ગુણાતીત થાવું, પછી કાંઈ કરવું રહે નહિ ને મહારાજનો સિદ્ધાંત પણ એમ જ છે.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
(208) ભગવાનના ભક્તને વિષય નથી, એને માથે તો આજ્ઞા છે, તે સાવધાનપણે તેમ જ વરતવું.
(209) બકરાંથી તે હાથી સુધી મોટા હોય તે પણ વાડામાં રહે, પણ સિંહ વાડામાં રહે નહિ, તેમ મુમુક્ષુ હોય તે માયાના બંધનમાં રહે નહિ; માટે આ જોગમાં આવ્યા છે, તે ભગવાનના ભક્તને મનુષ્ય જેવા ન જાણવા.
(210) એકથી તે લાખ બકરાં બોલે પણ બીક ન લાગે ને એક કેસરી સિંહ બોલે તો બધાયનાં અંતર ભેદાઈ જાય ને હાથીના કુંભસ્થળ ફાટી જાય; તેમ મહારાજને અવતારાદિક જેવા કહે તેમાં કોઈને થડકો લાગે નહીં. પણ અવતારાદિક સર્વે મહારાજનું દીધું ઐશ્ર્વર્ય ભોગવે છે ને ભજી-ભજીને એવાં સ્થાનને પામ્યા છે એમ જે કહેવું તે તો કેસરી સિંહના નાદથી જેમ હાથીના કુંભસ્થળ ફાટે તેવું કઠણ પડતું છે.
(211) સાંખ્ય ને યોગ બે માર્ગ છે, તેમાં યોગવાળો વિષયમાં બંધાય ને વળી છૂટે ને સાંખ્યવાળો બંધાય જ નહીં.
(212) ભગવાન ને સાધુ બે જ રાખવા, એટલે તે ઘરેણું રાખી રૂપિયા આપ્યા બરાબર છે; માટે બે રાખી વહેવાર કરવો.
(213) પાંચ ગુણેયુક્ત એવા સંત ન મળે, તો એક એક ગુણ શીખવો ને પાંચે ગુણ એકને વિશે હોય એવા સંત મળે એટલે પૂર્ણ થયું.
વચ. ગ.અં. 35
(214) તકિયો કાઢી નાખીને કહ્યું જે, ‘ટેવ પડી જાય અને કોઈ પદાર્થની ટેવ તો એક શ્રી સહજાનંદસ્વામીને ન પડે; બીજા બધાયને પડે.’
(215) ત્રણ જણ સુખિયા. ‘એક તો મોટા સાધુ કહે તેમ કરે તે તથા મનનું કહ્યું ન માને તે જ્ઞાની તથા કાંઈ જોઈએ નહિ તે.
આશા હિ પરમં દુ:ખં નૈરાશ્યં પરમં સુખમ્ ।
યથા સંછિદ્ય કાન્તાશાં સુખં સુષ્વાપ પિંગલા ।।
(શ્રીમદ્ ભાગવત : 11/8/44)
અર્થ : આશા જ પરમ દુ:ખ છે ને આશા રહિત રહેવું તેમાં પરમ સુખ છે. જેમ પિંગલા નામની વેશ્યાએ પુરુષ માટેની આશાને છેદી સુખેથી ઊંઘ લીધી.
એ ત્રણ સુખિયા છે.’
અર્થ : ધન, સંપત્તિ.
(216)
જે વડે આ જક્ત છે તેને કોઈ ન જાણે રે...
(કીર્તન મુક્તાવલિ : 428)
ભગવાન મનુષ્ય જેવા થાય તેને જાણ્યા તે સમાધિ છે, ને ધર્મનું અંગ પણ તેનું જ છે; એવાં સર્વે અંગ તેમાં આવી ગયાં. ને વાતું કરેથી ઘણાને નિશ્ર્ચય થાય, માટે વાતું કરવી એ અંગ અધિક છે.
વિહદ વગાડી વાંસળી તીખી નૌતમ તાન,
ચૌદ લોક ધૂનિ સાંભળી છૂટ્યું શંકર કેરું ધ્યાન.
એવી વાતું છે. ઉપાસના ને આજ્ઞા બેયનું બળ રાખવું ને આજ્ઞા પાળે નહિ તો દુ:ખ આવે. દૃઢ નિશ્ર્ચય રાખવો જે, પર્વતપરાયણ કોઈનો ફેરવ્યો ફરે નહીં. ને ઇન્દ્રને પાંચ બ્રહ્મહત્યા હતી તે નિશ્ર્ચયરૂપી મૂર્તિ ધાર્યેથી ટળી ગઈ. ને એક એક વિષય ગિરનાર પર્વત જેવો છે તે ફરે નહિ, પણ નિશ્ર્ચયનું તથા આશરાનું બળ રાખવું; જેમ ટોપીવાળે દારૂથી સુરંગો ફોડીને ડુંગરને તોડી નાખ્યો તેમ પર્વત જેવા વિષયને તોડી નાખે છે.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
પાળે : સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જાતનો સેવક/પાર્ષદ.
મૂર્તિ : સંતો.
(217) ઝાડને દેહે કરીને તથા પશુને દેહે કરીને તથા લોટ આપ્યો હશે, આંગળી ચીંધી હશે, એવા અનેક પ્રકારથી સંસ્કાર થયા હશે, તે સર્વેનું કામ થઈ જાશે.
(218) હાલ તો મહારાજનાં દર્શન કરેથી મોક્ષ થાય તેમ જ મોક્ષ થાય છે ને જ્ઞાન તો તે દિવસના કરતાં હાલ વૃદ્ધિ પામ્યું છે. ને હાલના હરિભક્ત છે તેના મળેલાનાં દર્શન કરશે તેનું પણ તેમ જ સો વરસ પર્યંત કલ્યાણ થાશે ને ત્યાર પછી કોઈ મુક્તને મોકલશે, પણ એમને એમ કલ્યાણનો મારગ ઊભો રહેશે.
પર્યંત : ત્યાં સુધી, જેટલી.
(219)
કરતા હોય સો કીજિયે ઓર ન કીજિયે કગ,
માથું રહે સેવાળમાં ને ઊંચા રહે પગ.
માટે લોક તો ગમે તેમ કહે તે માનવું નહિ ને પોતપોતાના ધર્મમાં રહીને પ્રભુને ભજવા; ને બીજું બધું કોઈ પ્રયોજનને અર્થે છે એમ સમજવું.
(220) વિષય ભોગવવાનો કોટિ કલ્પથી ઢાળો પડેલો છે. તે ખાડો પૂરાય તેવો નથી. તેને પૂરવાનો બધા શાસ્ત્રમાં એક જ ઉપાય છે જે, નિજાત્માનં બ્રહ્મરૂપં દેહત્રયવિલક્ષણમ્ । એ એક જ શ્ર્લોક છે.
કોટિ : કરોડ.
(221) વ્યાસજીએ ઘણું તપ કર્યું, ઘણાં શાસ્ત્ર-પુરાણ કર્યાં ને પોતે ભગવાન હતા પણ શાંતિ ન થઈ; પછી નારદજીને વચને કરીને ‘શ્રીમદ્ ભાગવત’ કર્યું ને તેમાં પ્રગટ ભગવાન ને ભગવાનના ભક્તના ગુણનું ગાન કર્યું ત્યારે પરમ શાંતિ થઈ; માટે આપણે પણ તેમ કરવું.
(222) આપણને ભગવાન તથા સાધુ મળ્યા છે ને ઓળખાણા છે તેથી કાંઈ કરવું રહ્યું નથી. પણ શાંતિ થાતી નથી, તેનું કારણ એ છે જે, વિષયમાં રાગ છે અને મનનું ધાર્યું કરાય તથા આજ્ઞા લોપાય તથા અજ્ઞાન, એ ત્રણે કરીને શાંતિ થાતી નથી.
(223) લોઢાની, લાકડાની, પથરાની ને સોનાની, એ બેડીઓ કોઈક કાળે ભાંગીને ટળી જાય; પણ પંચવિષયના પાસલારૂપી બેડી ટળે તેવી નથી. ને અગ્નિ તથા સૂર્યનો અગ્નિ તથા જઠરાગ્નિ તથા પ્રલયકાળનો અગ્નિ તથા મહાપ્રલયનો અગ્નિ, તેણે કરીને પણ વાસના બળી નથી; ને મોટા મોટા ઋષિઓએ સાઠ હજાર વર્ષ તપ કર્યું તથા દેહ ઉપર તો રાફડા થઈ ગયા પણ વાસના બળી નથી; એવી જે વાસના તે તો જ્ઞાનપ્રલયે કરીને બળે છે ને ભગવાનની મૂર્તિનું ધ્યાન ને આજ્ઞા તેણે કરીને વાસનાલિંગ દેહનો નાશ થઈ જાય છે. આટલી વાત સો જન્મે કરીને કહેવાય નહિ ને સમજાય નહિ એવી છે.
બેડી : કેદીને બાંધવાની સાંકળ-કડાં
જઠરાગ્નિ : ખાધેલું પચાવનારો જઠરનો અગ્નિ,
વાસના : પૂર્વના સંસ્કારોથી મકકમ થયેલી કામના.
(224) વાઘાખાચરે પૂછ્યું જે, ‘સંપૂર્ણ થયા કેમ કહેવાય ?’ ત્યારે બોલ્યા જે, ‘આત્મા ને પરમાત્મા બેનું જ્ઞાન થાય ને છઠ્ઠો નિશ્ર્ચય કહ્યો છે એવો થાય ત્યારે પૂરું થયું કહેવાય. ને એ વાત તો વક્તા જો નિર્દોષ હોય ને વિશ્ર્વાસ હોય તો થાય તેવું છે; નીકર દાખડો કરતાં ભગવાનની દૃષ્ટિ થાય ત્યારે કાળાંતરે સમજાય.’
વચ. લો. 12
વચ. ગ.અં. 39
(225) તપ કરીને બળી જાય તો પણ ભગવાન તેડવા ન આવે ને હિંડોળાખાટમાં સૂઈ રહે, દૂધ, સાકર, ચોખા જમે ને બે ચાકર સેવા કરનારા હોય ને રળનારા બીજા હોય તેને અંત સમે વિમાનમાં બેસારીને લઈ જાય. ને એ સુખ પૂર્વના સંસ્કારથી છે, તેમ જ વિમાન પણ પ્રારબ્ધ ભેગું જ છે.
રળનારા : ધન કમાનારા.
પ્રારબ્ધ : પૂર્વનાં કર્મફળના સંગ્રહમાંથી વર્તમાનકાળે જે દેહ છે તે સંબંધી સુખ-દુ:ખ.
(226) કોઈ રળીને મરી જાય તોય ખાવા ન મળે ને કોઈને ગાડાં મોઢે રૂપિયા ચાલ્યા આવે, તે પૂર્વનું પ્રારબ્ધ કહેવાય.
રળીને : ધન કમાવાની મહેનત કરીને
પ્રારબ્ધ : પૂર્વનાં કર્મફળના સંગ્રહમાંથી વર્તમાનકાળે જે દેહ છે તે સંબંધી સુખ-દુ:ખ.
(227) આજ આપણાં તીર ચાલે છે, તેથી કોઈ નામ લઈ શકે નહિ ને બીજાનાં તીર ચાલતાં નથી, એટલે તેને દુ:ખ થાય છે.
(228) છેલ્લાનું 13મું વચનામૃત વંચાવીને વાત કરી જે, ‘પોતાના સ્વરૂપને અક્ષર માનીને ઉપાસના કરે તેની પ્રીતિ દેશ, કાળ, કર્મ, ક્રિયા કોઈથી ટળે નહિ ને એ કોઈની મોટાઈમાં લેવાય નહીં. ગૌલોકાદિક ધામ પણ કાળનું ભક્ષણ છે એમ જાણતો હોય ને તેના દેહની વ્યવસ્થા બ્રાહ્મણ મટીને મુસલમાનની થાય; પણ ભગવાનમાંથી પ્રીતિ ટળે નહીં.’ ત્યાં દૃષ્ટાંત દીધું જે, ‘બીજું સર્વે દ્રવ્ય જતું રહે ને ચિંતામણિ રહે તો કાંઈ ગયું જ નથી ને ચિંતામણિ ગઈ તો કાંઈ રહ્યું જ નથી.’
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
ચિંતામણિ : ઇચ્છા પૂરી કરે તેવો દિવ્ય મણિ.
(229) ભગવાન વિના બીજો સંકલ્પ થાય તો બળબળતો ડામ દે એવું દુ:ખ આપણને થાતું નથી, પણ ઉપાસનાના પ્રતાપથી સર્વે દોષ ટળી ગયા છે; માટે, ‘હું ભગવાનનો છું, ને ભગવાન મારા સ્વામી છે.’ એટલો ભાવ રાખવો ને શરીર-શરીરી તથા કારણ-કાર્ય તથા અન્વય-વ્યતિરેક, એ વચનામૃતોનો અર્થ સમજ્યા વિના ઉત્તર કરવો નહિ; નીકર બાધ આવશે. માટે આપણે તો સ્વામી-સેવકને ભાવે ઉપાસના દૃઢ રાખવી, એટલે સર્વે નિર્બાધ છે.
વચ. ગ.પ્ર. 7
વચ. ગ.પ્ર. 44
વચ. ગ.પ્ર. 64
વચ. સા. 5
વચ. વ. 7
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
(230) છેલ્લાનું 35મું વચનામૃત વંચાવીને વાત કરી જે, ‘આ છ લક્ષણની મોટાઈ તો સર્વે હરિભક્ત તથા સાધુ તમામને છે.’
(231) આપણે ધર્મ પાળવો, ત્યાગ રાખવો, તપ કરવું, નિયમ પાળવા વગેરે ક્રિયાયું સાધનની છે, તે પોતાના રૂડાને અર્થે તેમ જ બીજા મુમુક્ષુ જીવોના કલ્યાણને અર્થે છે, ને અમારે તો ઝીણી વાતું છે તે તેમને જાડી કરી દઈને સમજાવવી છે.
ઝીણી : સૂક્ષ્મ, જલદી ન સમજાય તેવી.
જાડી : સહેલાઈથી સમજાય તેવી.
(232) ‘ભાગવત’ના પંચમસ્કંધમાં જડભરતનાં વચન છે જે, ‘અમારે મતે વેદોક્ત મારગ નથી.’ એમ વાત કરી, તે ઉપર મનજી ઠક્કરે પૂછ્યું જે, ‘એને શું રહ્યું?’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘આત્મા ને પરમાત્મા એ બે ને આપણે પણ એવા થાવું છે.’
વચ. ગ.અં. 39
પ્રકરણ 5ની વાત 323
પ્રકરણ 1ની 208
(233) મધ્યનું 10મું વચનામૃત વંચાવી વાત કરી જે, ‘વચનામૃતના અર્થ સમજાય તેવા નથી; પણ બહુ અભ્યાસ રાખે તો પોતાની મેળે સમજાય એવો મહારાજનો વર છે. ને મહારાજને આ જ્ઞાન સર્વે સાધુ સત્સંગીને આપવું છે. પ્રકૃતિનો પતિ તે કૂટસ્થપુરુષ કહેવાય ને ગૃહસ્થ પણ કૂટસ્થપુરુષ કહેવાય તેમ જ ગૃહસ્થની પેઠે જ શ્રીકૃષ્ણ પણ કૂટસ્થપુરુષ કહેવાય, ને સાંખ્યજ્ઞાનને મતે કરીને નિર્લેપપણું કહેવાય. ને વૈરાટપુરુષ તથા વાસુદેવ તથા મહાપુરુષ તથા અક્ષરબ્રહ્મ એ સર્વેના નિયંતા મહારાજ પુરુષોત્તમ છે એમ સમજવું તે જ્ઞાન કહેવાય, ને દિવ્યભાવ-મનુષ્યભાવ કલ્યાણકારી સમજાય તે ભક્તિ કહેવાય. ને આપણા શરીરના તેજે કરીને ભગવાનનાં દર્શન થાય તો પણ તેનું આપેલ છે એમ સમજવું એ ભક્તિ કહેવાય ને એવા ભક્તને કાંઈ વિઘ્ન નથી. ને સાંખ્યજ્ઞાને કરીને સંકલ્પને ખોટા કરી નાખવા એ જ મૂર્તિમાં સ્થિતિ થઈ ને મૂર્તિ સામું જોઈ રહ્યેથી સંકલ્પ બંધ થઈ જાય.’
અર્થ : ધન, સંપત્તિ.
મૂર્તિ : સંતો.
(234) ઝાઝું કાંઈ કરવાનું નથી. મહારાજને ભગવાન જાણી તેની આજ્ઞામાં રહેવું એટલે પૂરું થઈ રહ્યું ને શાસ્ત્રમાં એટલું જ કરવાનું લખ્યું છે. આપણે ભગવાનના છીએ, માયાના નથી એમ માનવું.
(235) ભગવાન અવતાર ધરે ત્યારે તેમાં રજોગુણી ક્રિયા કે તમોગુણી ક્રિયા કે સાધુનો મારગ ચલાવે તે સત્ત્વગુણી ક્રિયા હોય; ને ગુણાતીત ક્રિયા તો જુદી રીતની જ છે, તે ઋષભદેવની ક્રિયાની પેઠે; માટે એ એકેય ગુણ ભગવાનને વિશે છે જ નહિ એમ સમજવું.
(236) આપણામાં કેટલાકને બ્રાહ્મણની ક્રિયા હોય, સોનીની, વાણિયાની, કણબીની, કોળીની, ક્ષત્રિયની એવી જુદી જુદી ક્રિયાયું હોય. તે ક્રિયા સામું જોઈએ તો મોક્ષ થાય જ નહિ, માટે તે ક્રિયા સામું જોવું નહિ, ભગવાન સામું જોવું. ભગવાનની આગળ ક્રિયાનો શો ભાર છે ? ને વાસનાનો શો ભાર છે ? માટે હરિભક્તમાં તથા સાધુમાં રજોગુણી, તમોગુણી ને સત્ત્વગુણી ક્રિયાઓ હોય તે જોઈને અવગુણ લેવો નહીં. જેને ભગવાનનો આશરો દૃઢ થયો છે તે તો ગુણાતીત થઈ રહ્યો છે. ને રજોગુણી, તમોગુણી ને સત્ત્વગુણી એ ત્રણેય પ્રકારના જીવોને ભગવાનનો સંબંધ થાય તો ગુણાતીત થઈ જાય છે.
(237) આ સમામાં આપણો અવતાર થયો છે, તે મોટાં ભાગ્ય છે. સો વરસ પહેલાં કે સો વરસ પછી જન્મ થયો હોત ને ગમે તો સમાધિ થાત તો પણ તેમાં શું ઊઘડ્યું ? આ વાતું ને આવો જોગ તેની બરાબર થાય નહીં. હાલ તો ધર્મ, અર્થ, કામને પડ્યા મૂકીને કેવળ મોક્ષ જ રાખ્યો છે; તેમાં જેને ગુણ નહિ આવે ને અવગુણ આવશે તેને અસુર જાણવો. ને હાલની ક્રિયા એકેય અવગુણ આવે એવી નથી, સહેજે જ ગુણ આવે એવી ક્રિયા છે.
સમામાં : સમયમાં.
(238) ગડબડગોટા વાળે એવો સાધુ હોય તેનું એટલું તો માહાત્મ્ય સમજવું જે, એનાં દર્શન કર્યાથી પાપ બળી જાય.
માહાત્મ્ય : મહિમા, મહત્વ.
(239) ભગવાન ને આ સાધુ તો બે ઘડીમાં કલ્યાણ કરે એવા દયાળુ છે, પણ તેની આપણને ખબર પડે નહીં. માટે સંગ ને રુચિ સારી રાખવી ને સંગ ન ઓળખી શકાય તો વિશ્ર્વાસ રાખવો ને કથા-કીર્તન કરીને આવરદા પૂરી કરી દેવી.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
(240) મહારાજે ખરડામાં અનિર્દેશથી લિખાવીંત કર્યું છે, તે અનિર્દેશ તે અક્ષરધામને સમજવું ને નિર્દેશ તે મહાપુરુષને સમજવા. ને મહાપુરુષને અનિર્દેશ સમજવા ને પ્રધાનપુરુષને નિર્દેશ સમજવા; એ પ્રમાણે તારતમ્યપણું સમજવું.
(242) દશે દિશામાં ઘોડો ફેરવીને યજ્ઞ આદરીએ ને કોઈ ઘોડાને બાંધે તો વિઘ્ન થાય ને યજ્ઞ થાય નહિ ને તેનું ફળ મળે નહીં. માટે પોતાના ઘરના ફળિયામાં ઘોડો ફેરવીને યજ્ઞ પૂરો કરી ફળ લઈ લેવું; ને ફળ તો યજ્ઞમાં છે ને ઘોડો ફેરવ્યાથી તો કીર્તિ વધે એવું છે. તે તો સ્વરૂપાનંદસ્વામી જેવા સમર્થનો ઘોડો બંધાય નહિ ને પરમચૈતન્યાનંદસ્વામીનો ઘોડો ધરમપુરમાં બંધાણો, તે મુક્તાનંદસ્વામીએ છોડાવ્યો ને પરમહંસાનંદસ્વામીનો ઘોડો ગાયોમાં બંધાણો અને ભગવાનના સમીપને પામે તથા ભગવાનનો દીકરો હોય તો પણ ચોસઠ લક્ષણ આવવાં બાકી રહે; માટે ફળિયામાં ઘોડો ફેરવીને યજ્ઞ પૂરો કરી લેવો.
પ્રકરણ 3ની વાત 52
પ્રકરણ 9ની વાત 198
(243) વાસના તો એમ ટળે જે, આપણા સત્સંગના બધાય મોટેરા સાધુ ભેગા હોય ને શ્ર્વેતદ્વીપ જેવું ધામ હોય ને બ્રહ્માના કલ્પ જેવડી આવરદા હોય તો બધાય પાસેથી એક એક, બબ્બે લક્ષણ શીખાય; નહિ તો એ બધાય સાધુનાં લક્ષણ એકમાં હોય તેનો સંગ કરીએ તો વાસના ટળી જાય.
વાસના : પૂર્વના સંસ્કારોથી મકકમ થયેલી કામના.
શ્ર્વેતદ્વીપ : શ્રી વાસુદેવ ભગવાનનું ધામ.
કલ્પ : આપણાં ચાર અબજ બત્રીશ કરોડ વર્ષનો સમય - બ્રહ્માનો એક દિવસ (પણ રાત નહિ)
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
(244) આજ્ઞા લોપાય તો પ્રાર્થના કરે છૂટકો થાય, પણ ઉપાસનાનો ભંગ થાવા દેવો નહીં. તે આજ્ઞાનું આકરું પ્રકરણ હોય ને કહેશે જે ગિરનાર સોંસરા નીકળી જાઓ, તો એ આજ્ઞા પળે તેવી નથી; પણ આજ્ઞા માનીને ગિરનારને જઈને માથું અડાડવું. પછી મારગ થાય તો સોંસરું નીકળવું, નીકર માથું અડાડી બેસી રહેવું. એટલે ભગવાન રાજી થાય.
(245) પોતાની વાત કરી જે, ‘મને રૂપિયાના તથા કોરીના આનાની ખબર નથી તથા પ્રથમ એક કડિયાને ઘી જોખી આપ્યું, તે શેરને બદલે બશેર જોખી આપ્યું તથા કોઠારને તાળું વાસ્યું, તે સાંકળ દીધા વિના નકુચાને તાળું વાસ્યું, એમ અમને કોઈ વાતની તથા વહેવારની ખબર નહોતી.’ એમ મનુષ્યચરિત્રની વાત કરી.
(246) ઇન્દ્રિયું તથા મન સત્સંગી થાય એવી આશા રાખવી નહિ, તે તો થાય જ નહીં. તે તો સાત્ત્વિક સેવ્યાથી પટો રમતાં શીખવાડે, તેથી જિતાય તથા નિયમે કરીને પિંડીકરણપણું થાય એટલે ઇન્દ્રિયુંનું બળ ચાલે નહીં. ને તેને જીત્યાના ત્રણ ઉપાય છે. મુક્તાનંદસ્વામી જેવા હોય તે શબ્દ સાંભળે તો આકાશનું કારણ સમજે એમ જ્ઞાને કરીને જુદા પડે; તથા ગોવિંદરામ જેવા ઉપશમે કરીને જુદા પડે; ને મયારામ ભટ્ટ જેવા હોય તે ક્રિયામાં દોષધ્યાને કરીને જુદા પડે. એમ તે બધા સાંખ્ય વિચારે કરીને નિયમમાં આવે છે.
(247)
સાચા સંતનાં અંગ એંધાણ રે, જોઈ લેવાં જીવડીએ;
જેને મળવે માન્યું કલ્યાણ રે, તેને જોવા ઘડીઘડીએ.
(કીર્તન મુક્તાવલિ : 1040)
(248) કળિયુગમાં તપ થાય એવાં દેહ નહિ, માટે તપ કરવાનું લખ્યું નથી.
કૃતે યદ્ ધ્યાયતો વિષ્ણું ત્રેતાયા યજતો મખૈ: ।
દ્વાપરે પરિચર્યા ચ કલૌ તદ્હરિકીર્તનાત્ ।।
(શ્રીમદ્ ભાગવત : 1-2-3-52)
અર્થ : સત્યુગમાં જે (મોક્ષ) ભગવાનના ધ્યાનથી મળે, ત્રેતાયુગમાં યજ્ઞો કરવાથી મળે, દ્વાપરયુગમાં સેવા કરવાથી મળે તે મોક્ષ કળિયુગમાં કેવળ હરિકીર્તનગાનથી મળે છે.
કીર્તન કર્યેથી પાપ બળે ને હાલતાં-ચાલતાં સ્વામિનારાયણનું ભજન કર્યેથી પાપ બળી જાય છે.
વચ. ગ.પ્ર. 23
અર્થ : ધન, સંપત્તિ.
(249) સત્સંગ કરે તેને માથેથી કાળ, કર્મ ને માયાની બીક ટળી ગઈ, તેના રક્ષક ભગવાન થયા. જેમ રૈયતને કોઈ દુ:ખ દે તો રાજા વઢવા જાય, તેમ જે વેદ પાળે તેને જમ લઈ જાય નહિ ને લઈ જાય તો પગે લાગીને પાછો મોકલે ને બીજાને તો આંહીંથી જ મારવા માંડે. ને યથાર્થ વેદ પાળે તો ભગવાનના ધામમાં જાય એટલું તો વેદમાં બળ છે. ને અજામિલ મહાપાપી હતો ને તેને સાધુનું દર્શન થયું, એટલામાં જમના હાથથી મુકાણો. ને મોટા સાધુ હોય તેના ભેળા તો ભગવાન રહે છે, તેને વેગળા મેલતા નથી. ને લોકોને જિવાડવા સારુ વરસાદ કર્યો છે, નીકર વરસાદ ક્યાં છે ?
રૈયતને : પ્રજાને.
પાળે : સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જાતનો સેવક/પાર્ષદ.
(250) વિષયનો પરાભવ તો એક પુરુષોત્તમ ને તેના એકાંતિક સાધુ એ બેને જ ન થાય ને તે વિના બીજો કોઈ વિષયથી નિર્લેપ રહે જ નહીં. માટે વિષયથી છેટે જ રહેવું ને ભગવાનનો પક્ષ રાખવો. ને દેહને તો પોતાનું રૂપ માનવું જ નહિ ને દેહને માને તેમાં બધાં દુ:ખ રહ્યાં છે ને દેહને ન માને તેમાં દુ:ખ જ નથી.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
(251) ઉદ્યમ તથા ક્રિયા કરે અકલ્યાણ થાતું નથી; તે તો કરવું, પણ પાપીનો સંગ ન કરવો.
મુવેકું જિવાવે અસ્માન ચઢી જાવે;
પય અન્નહું ન ખાવે તો માયા કો ગુલામ હૈ;
(કીર્તન મુક્તાવલિ : નાશવંત દેહ વિશે)
ઉદ્યમ : યત્ન, મહેનત.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
(252) મહારાજ હતા તે દિવસ જેવા છે તેવા ન ઓળખાણા, તથા રઘુવીરજી મહારાજ તથા મોટા મોટા સાધુ હતા તે દિવસ જેવા હતા તેવા ઓળખાણા નહીં. પછવાડેથી વખાણ થાય છે. હાલ પણ જેમ છે તેમ સાધુ ઓળખાતા નથી. નારણ ભક્તે પૂછ્યું જે, ‘ભગવાન જેમ છે તેમ કેમ ઓળખાતા નથી ?’ ત્યારે બોલ્યા જે, ‘જેમ છે તેમ ઓળખાવે તો સમાસ ન થાય, ઊલટો અસમાસ થાય ને મહારાજે જેમ છે તેમ વાતું કરી તેથી સૌ માણસ વર્તમાનમાંથી પડી ગયાં. પછી મહારાજે કેટલાંક ‘વચનામૃત’ કાઢી નાખ્યાં.’ ને કહે જે, ‘એકે ‘વચનામૃત’ રાખવું નથી.’ પછી નિત્યાનંદસ્વામીએ પ્રાર્થના કરીને કહ્યું જે, ‘ધર્મામૃતમાં તથા શાસ્ત્રમાં મળતું આવે એમ શોધીને લખશું.’ ત્યારે આટલાં રહેવાં દીધાં. માટે જેમ છે તેમ સમજાવે તો સમાસ ન થાય. માટે એમ સમજવું જે, મહારાજે કર્યું છે તે આપણું સારું થાય એમ જ કર્યું છે, નીકર બીજાના જેવું આપણું થઈ જાય, તેમાં ને આમાં ફેર રહે નહીં.
(253) સત્સંગી જેવા છે તેવા સમજાતા નથી, સાધુ જેવા છે તેવા સમજાતા નથી ને પોતાને પોતાના જીવની પણ ખબર નથી જે, મને કેવા સમર્થ મળ્યા છે. ને ત્યાગી થઈને ટોપી ઘાલી, તેમાં શું ઊઘડ્યું ? ભગવાનનું ને મોટા સાધુનું રહસ્ય તો સમજાતું નથી. તે રહસ્ય તો એ છે જે, બ્રહ્મરૂપ થઈને હેત કરવું ને આ તો વેગે ચડી જવાણું છે; ત્યાગને વેગે ચડી જવાય, રાગને વેગે ચડી જવાય, ને ગપ્પાં મારવાંને વેગે ચડી જવાય પણ રહસ્ય સમજાય નહિ ત્યાં સુધી શું ઊઘડ્યું ? ને જાણે જે, હું મારું રૂડું કરીશ, પણ તે તો મોટા કરશે તો જ થાશે. ને મહિમા તો એવો છે જે, પંચમહાપાપ બળી જાય ને કાળો સાપ કરડ્યો હોય તોય ચડે નહિ, જો ખરેખરો વિશ્ર્વાસ હોય તો ને પોર વગર વરસાદે દાણા પકવ્યા.
વચ. ગ.પ્ર. 37
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
પોર : ગઈ સાલ, ગયું વર્ષ.
(254) વિષયનો અંત આવે તેમ નથી. ત્યારે સુતાર માધા ભક્તે પૂછ્યું જે, ‘નિર્મૂળ કેમ થાય ?’ ત્યારે બોલ્યા જે, ‘નિર્મૂળ થયા હોય તેના સંગથી જ્ઞાન થાય, વૈરાગ્ય થાય, વિવેક આવે ને આત્મા ને દેહ જુદા સમજાય તો નિર્મૂળ થાય. તે શુકજી, જડભરત, જનક, અંબરીષ એના વિષય નિર્મૂળ થયેલ જાણવા. માટે નદીનો, ઋષિનો, સ્ત્રીનો ને વિષયનો અંત લેવો નહીં. ને વેદ તથા ‘શિક્ષાપત્રી’ પ્રમાણે વરતવું ને વેલો ઉપરથી સુકાઈ જાય ને મૂળમાં લીલો રહે તો ઉપર પણ લીલો રહે; ને મૂળમાંથી કાપી નાખે તો ટળી જાય ને ક્રિયા તો પૂર્વના સંસ્કારને અનુસારે થાય છે. ને,
કોઈ કહે હરિ હો ગયે, કોઈ કહે હોવનહાર;
મુક્ત પ્રગટ કી પ્રીછ બિન, ભટકત સબ સંસાર.
આગળ થઈ ગયા તેના સારુ કૂટે છે ને આગળ થાશે તેના સારુ કૂટે છે; પણ આ પ્રગટ છે તેને કોઈ માનતું નથી.’
(255) રાજા તપ કરવા ગયો તેને થાળ આવે ને એક ગરીબ તપ કરવા ગયો તેને રોટલો આવે. ત્યારે કહે જે, ‘એ તપ કરે છે ને હું પણ તપ કરું છું ને મને આવું કેમ મળે છે ?’ ત્યારે કહ્યું જે, ‘તને ઘેર રોટલો મળતો નહિ તે તપના પ્રતાપથી રોટલો મળે છે ને રાજા તો થાળ મૂકીને આવ્યો છે તેથી તેને થાળ આપવો પડે છે.’
(256) એક મનુષ્યને ખાવા ન મળે ને એક બળદ લાડવાને પણ ખાય નહીં. પછી એ મનુષ્યે તપ કરવા માંડ્યું ત્યારે ખોરો લોટ મળવા માંડ્યો, ત્યારે કહે જે, ‘હું તપ કરું છું તેને રોટલા મળતા નથી ને આ બળદને લાડવા કેમ મળે છે ?’ ત્યારે કહ્યું જે, ‘આગળ તેં કાંઈ કર્યું નથી તે હવે તપ કરીશ તે પછી મળશે. ને આ બળદે તો બહુ કર્યું છે પણ કોઈ સંસ્કારથી બળદનો દેહ આવ્યો છે. તે દેહ મૂકીને ભગવાનના ધામમાં જાશે. એ રીતે જ્ઞાને કરીને તથા તપે કરીને મુક્તમાં અધિક-ન્યૂનપણું છે. પ્રહ્લાદનું દેહ ભગવાને જીવના જેવું કર્યું તેથી બળે નહિ, સડે નહિ ને શસ્ત્ર પણ વાગે નહિ, એવું થાય ત્યાં ભગવાનનું કર્તવ્ય જાણવું. એવું ભક્તિથી પોતા વતે થાય નહીં. ને દેહધારીમાં તો શ્રીકૃષ્ણને બાણ વાગ્યાં ને પ્રહ્લાદને બાણ ન વાગ્યાં, એ ભગવાનનું કર્તવ્ય સમજવું. ને પાણીમાં છાણું તરે એમ પૃથ્વી પાણીમાં તરે છે ને પાશેરનો પાણો ડૂબી જાય ને આ કેટલાય પર્વત છે પણ ડૂબતા નથી એ ભગવાનનું કર્તવ્ય છે.’ એમ જઠરાગ્નિ તથા વરસાદના માહાત્મ્યની વાત કરી.
છાણું : બળતણ માટે થાપીને સૂકવેલું છાણ.
પાણો : પથ્થર.
જઠરાગ્નિ : ખાધેલું પચાવનારો જઠરનો અગ્નિ,
(257) આ જીવ છે તે જ્યાં સુધી ભગવાનને શરણે ન જાય, ત્યાં સુધી ગમે તેટલું કરે ને દેવતા થાય, ઈશ્ર્વર થાય, કે ગમે તો પુરુષાદિકની મોટાઈને પામે, પણ કાળ, કર્મ, માયા, ગર્ભવાસ ને નરકના કુંડથી તરે નહીં. ને જ્યાં સુધી ગર્ભવાસમાં આવે, ત્યાં સુધી નરકના કુંડમાં શું બાકી છે ? ને ભગવાનને શરણે જાય ત્યારે કાળ, કર્મ, માયા, ગર્ભવાસ ને નરકના કુંડનું દુ:ખ એને માથેથી ટળી જાય છે.
ગર્ભવાસ : ગર્ભનો ઉદરમાં વાસ.
(258) કોઠારમાં હરિશંકરભાઈએ પૂછ્યું જે, ‘હે મહારાજ ! આશરાનું શું રૂપ છે ?’ ત્યારે ઉત્તર કર્યો જે, ‘બાયડી-છોકરાંનો આશરો છે તેમ તથા રૂપિયા હશે તો ભૂખે નહિ મરાય એ આશરો, તેમ જ ભગવાન વિના બીજામાં માલ ન માને એ આશરાનું રૂપ. ને એવો આશરો હોય તેને ભગવાન રૂડા સાધુનો સંગ આપી, જ્ઞાન આપીને પોતાની પાસે રાખે ને એવા ભક્તની ફિકર ભગવાનને છે; જેમ આપણા મંદિરમાં આજ કોઈ માણસ આવ્યું હોય ને કાલ માંદું પડે અને વીસ વરસ સુધી માંદું રહે, તો પણ તેની ચાકરી આપણે કરવી પડે ને તેની ફિકર આપણને હોય તેમ.’ વળી પૂછ્યું જે, ‘ભગવાન મળ્યા પછી ભગવાનના ભક્ત સાથે અહંકાર કેમ રહે છે ?’ ત્યારે ઉત્તર કર્યો જે, ‘એ તો રજોગુણમાં એમ રહે જ.’
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
(259) કોઈ બેઠો ભગવાન ભજે તેને આંહીં અમારે રોટલા આપવા ને તેના ઘરના મનુષ્યને અન્ન-વસ્ત્ર પૂરાં કરવાં એ અમારે માથે છે, એમ દયા કરીને કહ્યું.
(260) ઘર વેચીને ભગવાન ભજવા; કારણ કે, દેહ મૂકીને પછી ઘરમાં કોણ રહેનારું છે ? ને કોઈ રૂપિયા ધીરનાર મળે તો પાંચ દોકડાના વ્યાજથી લઈને બેઠાં ભગવાન ભજવા, પછવાડેથી દેહ મૂકીને આપણે આપવા આવવું નથી.
(261) કાર્તિકસ્વામીએ પૃથ્વીની પ્રદક્ષિણા કરી ને ગણપતિને પાર્વતીએ કળા બતાવી તેથી પૃથ્વીની પ્રદક્ષિણા કરવી ન પડી ને ક્ધયા મળી, એમ મોટાના સમાગમમાં છે.
(જુઓ પ્રકરણ 6ની વાત 55)
(262) માધવજી સુતારનું નામ લઈને સર્વેને કહ્યું જે, ‘આ અમારા સમાગમમાં રહેતા નથી એટલી ખોટ છે.’
(263) સારા માણસને વરતવામાં તો ફેર નથી, પણ સમજવામાં ફેર રહે છે.
(264)
‘ઘાયલ થઈને ફરતી ડોલું, સૂઝે નહિ ઘરબાર રે...’
એનો અર્થ જે, આંહીં રહેવાતું નથી ને ઘરમાં પણ ગોઠતું નથી.
અર્થ : ધન, સંપત્તિ.
(265) સ્ત્રી હોય તે સર્વ આપીને ધણી રાખે; કારણ કે, રંડાપો તો ન ગાળવો પડે. તે ઉપર હરિશંકરભાઈનું દૃષ્ટાંત દીધું જે, ‘સૂતાં સૂતાં ખાઈને પણ ઘરમાં રહે, તો રંડાપો તો ગાળવો ન પડે.’ તેમ આપણે સર્વે આપીને ભગવાન રાખવા.’
રંડાપો : વિધવાપણું, વૈધવ્ય.
(266) વ્યાસજીએ કીડાને ત્રણ-ચાર જન્મ લેવરાવીને પણ મોક્ષ કર્યો, તેમ મોટાનો સમાગમ થયો હોય તો તે છોડે નહીં. ત્યારે હરિશંકરભાઈએ પૂછ્યું જે, ‘એટલા જન્મ લેવરાવવા તે કરતાં એક જન્મે જ કેમ પાર પાડ્યું નહિ ?’ ત્યારે ઉત્તર કર્યો જે, ‘જ્ઞાન થયા વિના પાર પડે નહિ ને મોટા તો એક જન્મે જ જ્ઞાન આપે, પણ માને નહીં.’ ત્યાં દૃષ્ટાંત દીધું જે, ‘એક હરિભક્ત ઉપર અમારે તમારા જેટલું જ હેત હતું, પણ મારું માન્યું નહિ ને ફરી ઘર કર્યું.’
(267) મોટા લગાર પણ દૃષ્ટિ કરે તો કામાદિક પીડી શકે નહિ ને પોતાની મેળે ગમે તેટલા દાખડા કરે પણ કામાદિક પરાભવ કર્યા વિના રહે જ નહીં. માટે મોટાનો દૃઢ આશરો કરવો.
લગાર : જરાય
(268) ઉપાસનાનાં વચનામૃત દશ, વીસ, પચીસ જુદાં કાઢીને તેનો વેગ લગાડવો તથા સાધુના મહિમાનાં જુદાં કાઢીને તેનો વેગ લગાડવો. ને એમ કર્યા વિના વ્યાકરણ ભણે તો પણ મૂળગી ખોટ આવે; કારણ કે, અનેક શબ્દ હૈયામાં ભર્યા તેથી જેમ છે તેમ સમજાય નહીં.
(269) ભગવાનનો દીકરો હોય તો પણ સાધુસમાગમ વિના ને ‘વચનામૃત’ને લઈને બેઠા વિના સમજાય નહીં. ને તેમ ન કરે તો સાધુમાં જેવો માલ છે તેવો બીજામાં માલ નથી, માટે આમ અભ્યાસ કરેથી જ કસર ટળે છે.
કસર : ખોટ, ઉણપ.
(270) ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ર્ચય થાય તેને કાંઈ કરવું રહેતું નથી.
વચ. લો. 12
નિર્વિકલ્પ : જ્ઞાતા-જ્ઞેય ઇત્યાદિક ભેદ વગરનું, જેમાં કોઈ અપવાદ કે બેપણું ન હોય તેવું.
(271) વિષય થકી તો જીવ પોતાની મેળે જુદા પડી શકે જ નહિ ને વિષય મૂકવા જાય તો બમણા બંધાય ને મોટા સાધુ થકી તો વિષયથી જુદું પડાય. ત્યાં દૃષ્ટાંત દીધું જે, દૂધ ને પાણી કોઈથી જુદાં પડે જ નહિ, પણ હંસથી જુદાં પડે છે તેમ.
(272) સાંખ્ય વિચારવાળો હોય તે વસ્તુમાત્રને પંચભૂતની ને નાશવંત સમજે, તે ભેગી ભગવાનની મૂર્તિનો નિષેધ થાય, માટે સાંખ્યે સહિત યોગ શીખવો ને બ્રહ્મરૂપ થાવું ને વિષય ખોટા છે એમ તો કહેતાં જીભ ઉપડે જ નહિ, તે તો મોટાના પ્રતાપથી કહેવાય.
નિષેધ : શાસ્ત્રવિહિત મનાઈ.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
(273) આવી વાત પોતાને મનમાં જાણી રાખવી તે કહેવી જ નહિ; પણ બહુ આગ્રહ હોય તેને કહેવી, ને અલ્પવચના (ઓછાબોલા) થાવું. ને આ મૂર્તિ દેખાય છે એવી ને એવી મૂર્તિ અક્ષરધામમાં છે, લગારે ફેર નથી, એમાં તેજ વધારે દેખાડે છે એટલો જ ફેર છે. આ દેખાય છે એ જ મૂર્તિ અક્ષરધામમાં છે, એમ સમજવામાં કાચપ એટલી કાચપ છે; માટે દિવ્યભાવ-મનુષ્યભાવ એક સમજવો એટલે થઈ રહ્યું. બીજું તો તેની પછવાડે આફુરડું સમજાશે.
મૂર્તિ : સંતો.
કાચપ : કચાશ, કસર, ખામી.
આફુરડું : આપોઆપ, એની મેળે, સહેજે સહેજે.
(274) વહેવાર છે તે કરવો ને મને કરીને જુદા રહેવું. ધૃતરાષ્ટ્ર ને ભીમ મળ્યા એવું હેત વહેવારમાં દેહે કરીને રાખવું, ગરાસિયાની જેવું હેત રાખવું; મને કરીને ને જીવે કરીને જુદા રહેવું, તેમાં ભળવા આવે તેનો ત્યાગ કરવો. વહેવારમાં હરખ-શોક થાય એ જ માયાનું રૂપ છે. દેહે કરીને રાજ કરવું પણ જીવ તો ભગવાનમાં જ જોડી દેવો જે, ‘હું ભગવાનનો છું ને ભગવાન મારા છે.’ એમ જીવ જડી દેવો ને ભજન ઓછું થાશે, કીર્તન ઓછાં ગવાશે તેની ફિકર નથી.
વચ. ગ.પ્ર. 23
પ્રકરણ 5ની વાત 178
(275) પોતાનું કલ્યાણ કરવામાં દૃષ્ટિ બરાબર રાખવી ને બીજાનું કલ્યાણ તો લોંટો-ઝોંટો કરવું.
(276) વિદ્યા ભણવી તે બુદ્ધિ આવવા વાસ્તે તથા સત્સંગમાં રહેવા વાસ્તે ને આવરદા કાપવા વાસ્તે છે.
(277) ભગવાને કર્મનો એક કોઠાર ઉઘાડીને અરધા કોઠારના વિષય કર્યા છે ને અરધા કોઠારની ઇન્દ્રિયું કરી છે, માટે તે તો સજાતિ છે, તે એકતા થઈ જાય ને જીવ તો જુદો એકલો તેનાથી વિજાતિ છે, તે ભળે નહીં.
(278) રૂપરામ ઠાકર બ્રાહ્મણને ન જમાડે ને સત્સંગી કોળીને જમાડતા.
(279) ત્રણ દેહ, ત્રણ અવસ્થા, ત્રણ ગુણ તેથી જુદા પડીને ગુણાતીત થાવું તથા બ્રહ્મરૂપ થાવું ને એની ક્રિયાથી જુદા પડવું જે, એ તો દેહના તથા અવસ્થાના ગુણ છે, માટે તેને માનવા નહિ ને ખોટા જાણવા. ને આવી રીતનો વિવેક તો મોટાપુરુષ વિના બીજાને સમજાય જ નહીં.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
(280) આપણને સત્સંગ મળ્યો છે તેવો કોઈને મળ્યો નથી, માટે આ સમામાં (સમયમાં) સાધુ જેવા છે તેવા નહિ ઓળખાય, હરિભક્ત નહિ ઓળખાય, ભગવાનનું સ્વરૂપ જેમ છે તેમ નહિ સમજાય ને આજ્ઞા બરાબર નહિ પળાય, એટલી ખોટ આવશે.
સમામાં : સમયમાં.
(281) આ લોકનું સુખ કેવું છે, તો ‘સોળ દહાડાનું શ્રાદ્ધ ને પછી બંદૂકની ગોળીઓ’ એવું છે.
(282) વડાદરા જેમ કોઈને મા કહે, બહેન કહે, બા કહે, માસી કહે, એ સર્વે દાણા લેવા સારુ છે; તેમ આપણે મને કરીને સર્વેથી જુદા રહેવું. ને એટલો બધો છળ કરે તો ભગવાન ભજાય.
વડાદરા : લોટ કે કાચુ સીધું માંગી ખાનાર બ્રાહ્મણની એક જ્ઞાતિ.
(283) ઉપાસના એ જ ભક્તિ છે. ને ગમે તેવા મોટા વિષય દેખીને તેમાં મોહ ન પામવો, એવી સમજણ કરવી. ને પ્રકૃતિની આણી કોરના વિષયને વિષ્ટા જેવા જાણવા, પણ મને કરીને એમાં માલ માનવો નહીં.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
વિષ્ટા : નરક, મળ.
(284) બુરાનપુરમાં ડોશીઓ પાસે બે મહિના અમે વાતું કરી હતી, પણ મન જવા દીધું નથી; કેમ જે, મન આપણું નથી, માટે તેનાથી જુદા રહેવું.
(285) પંચવિષયને ટાળવા સારુ સર્વેએ ભેટ્યું બાંધી છે, પણ તે તો ટળે જ નહીં. ને તે ક્યારે ટળે ? તો ત્રણ દેહ થકી પર પોતાનું સ્વરૂપ બ્રહ્મરૂપ માને તો જ ટળે. પછી તે અખંડાનંદ થાય, આત્માનંદ થાય, અક્ષરાનંદ થાય, પછી તેને કાંઈ લાગે જ નહિ; જેમ પૃથ્વીમાં ક્રિયા થાય છે, તે આકાશને લાગે જ નહિ, ને જેમ ગુજરાત દેશમાં ખોદે તો પાણો આવે જ નહિ, તેમ તેને લાગે જ નહિ ને શાસ્ત્રમાં તો બધાય શબ્દ સરખા હોય નહિ, બે આમ હોય ને બે આમેય હોય, પણ એકધારા શબ્દ હોય નહીં.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
પાણો : પથ્થર.
(286) કથાવાર્તા, કીર્તન ને ધ્યાન એમાંથી તૃપ્તિ પામવી નહિ ને ભગવાનની મૂર્તિમાં મનુષ્યભાવ કલ્પે એ દ્રોહ કર્યો કહેવાય ને સાકાર સમજવા, સર્વોપરી સમજવા, તે કરતાં પણ આ વાત અટપટી છે. માટે ભગવાનની પ્રગટ મૂર્તિને વિશે ત્રણ દેહનો તથા ત્રણ ગુણનો તથા ગુણાતીતપણાનો તથા ત્રણ અવસ્થાનો ભાવ તથા ઇન્દ્રિયોની ક્રિયા દેખાય; પણ તે ભગવાનની મૂર્તિને વિશે સમજવો જ નહિ અને દેખાય છે તે તો નટના દૃષ્ટાંત પેઠે સમજવું.
વચ. પં. 7
મનુષ્યભાવ : દેહભાવ, માયિકભાવ, જેમાં ગુણાનુરાગ - ગુણાનુબુદ્ધિ પ્રવર્તે છે તેવો ભાવ.
દ્રોહ : મનથી, વાણીથી કે કર્મથી જાણી જોઈને કરેલ દોષ, ગુનો, પાપ કે અપરાધ
(287) મુક્તાનંદસ્વામીએ મહારાજને પૂછ્યું જે, ‘શાંતિ કેમ થાય ?’ ત્યારે મહારાજે પોતાનાં ચરિત્ર કહી દેખાડ્યાં ને સંકલ્પ કર્યો જે, અમારાં દર્શન કરે તેનો મોક્ષ થાય ને અમારાં દર્શન ન થાય ને અમારાં સાધુનાં દર્શન કરે તેનો મોક્ષ થાય ને તેનાં દર્શન ન થાય તો અમારા હરિભક્તનાં દર્શન કરે તથા તેના ગોળાનું પાણી પીએ, તેના રોટલા જમે તેનો મોક્ષ કરવો; એવો સંકલ્પ કર્યો છે. એ શાંતિ થયાનો ઉપાય બતાવ્યો, પણ મુક્તાનંદસ્વામીને સમજાણું નહીં. ને શાંતિ તો આ ઉપાય કહ્યો તેથી જ થાય, પણ કોઈ સાધન કર્યાથી શાંતિ થાય જ નહિ; સાધનથી તો વિઘ્ન ન લાગે. (જુઓ પ્રકરણ 10ની વાત 181, ને પ્રકરણ 12ની 195)
(288) વાતું કરવા માંડે ત્યારે પોતાનું અંગ બંધાય ને ફરી ફરીને એકની એક વાત કરવાનું પ્રયોજન એ છે જે, પોતાની મેળે એકલા જ વાત સમજ્યા હોઈએ તે કોઈ ફેરવનાર મળે તો ફરી જાય ને પચાસ-સો માણસે મળી નક્કી કર્યું હોય તો પછી કોઈથી ફરે નહીં. ને સૂક્ષ્મ વાતું છે તે દૃષ્ટાંતે કરીને સ્થૂળ જેવી સમજાય છે. તે તો કહેતાં આવડે તેથી તથા ભગવાનની ઇચ્છાથી સમજાય છે.
(289) ઘનશ્યામદાસજી મહારાજના ભેળા અખંડ રહ્યા પણ કાંઈ સમજ્યા
નહિ ને કસર ઘણી જ રહી ગઈ. પછી મહારાજે કહ્યું જે, ‘તમને હમણાં નહિ
સમજાય, આગળ એવા કોઈ સાધુ મળશે તે સમજાવશે.’ પછી આજ બધી વાત
સમજાવીને કસર ટાળી. (જુઓ પ્રકરણ ૬ની વાત ૧૬૫)
કસર : ખોટ, ઉણપ.
(290) મનુષ્યભાવ-દિવ્યભાવ એક સમજ્યા હોઈએ ને નિશ્ર્ચય કર્યો હોય, પછી ભગવાન ડગમગાટ કરાવે ને ફેરવવાનું કરે તો પણ ફરવું નહિ, જેમ નિત્યાનંદસ્વામી ન ફર્યા તેમ. (જુઓ પ્રકરણ 6ની વાત 33)
(291) દેહ ધર્યા હતા, પણ સંગને જોગે કરીને પાસ લાગ્યા હતા. પછી કાઢનાર મળ્યા ત્યારે નીકળ્યા ને હમણાં પણ એમનું એમ કેટલાકનું છે, પણ પોતાની મેળે તો ચાલી નીકળાય જ નહિ; કેમ જે, સંગે કરીને પાસ તો લાગે જ.
(292) ડોશીઓને સાધુએ વાત ન કરવી એવો પ્રબંધ બાંધીને કહ્યું જે,
‘હું ભગવાન છું તો તેનું કલ્યાણ કરીશ.’ માટે ગૃહસ્થને મા, બહેન, દીકરી ને સ્ત્રી
તે ચાર વિના બીજાને વાત કરવી નહિ; નીકર તેને માથે કોઈક કલંક મૂકશે, તેથી
વિમુખ થાશે ને દુ:ખ આવશે.
(293) વરતાલમાં નાગાબાવા આવ્યા તેની ઇન્દ્રિય સામું જોવાની ના પાડેલી,પણ એક કૃપાનંદસ્વામી વિના બીજાં બાઈ-ભાઈ સર્વેએ બાવાની ઇન્દ્રિય સામું જોયું. એ તો ઇન્દ્રિયોની ચપળતા એવી છે જે, એ તો કોઈથી રહેવાય જ નહીં.
(294) દેહ પોતાનું નથી ને પોતાનું માને છે એ જ અજ્ઞાન છે, એ અજ્ઞાન તો ટળે જ નહિ ને જેના ઉપર ભગવાન ને મોટા સાધુ કૃપા કરે તેનું અજ્ઞાન ટળે.
(295) ગૃહસ્થને શોભા તે ત્યાગીને દૂષણ ને ત્યાગીને શોભા તે ગૃહસ્થને કલંકરૂપ છે; તેમ જ સધવા-વિધવાનું પણ સમજવું.
(296) જેનો કાગળ આવ્યો હોય તે પંડે જ મળે ને આમ સામસામા બેઠા, એટલે કાગળમાં પ્રીતિ ન કરવી. પ્રગટ ભગવાનની મૂર્તિ આગળ જ્ઞાન, વૈરાગ્ય, આત્મનિષ્ઠા એ સર્વે ખાટી છાશ જેવાં છે, એમાં કાંઈ માલ નથી. એ તો અંગ છે તે રહેશે જ.
મિલનો મોહા મોહ કો નિકો, ઓર સબે રસ ફિકો;
આછો નિકો લાલ હમારો, ખાટી છાશ કહા રસ માણે ?
સૂર ખવૈયો ઘીકો.
એમ એક ભગવાનના આધાર વિના બીજું બધુંય ખારું જળ જ છે.
મૂર્તિ : સંતો.
આત્મનિષ્ઠા : હું તો દેહથી જુદો જે આત્મા તે છું ને મારે વિશે પ્રગટ પરબ્રહ્મ અખંડ બિરાજમાન છે. તેવી અતિ દૃઢ માનીનતા, શ્રદ્ધા, વિશ્ર્વાસ, આસ્થા.
(297) જ્ઞાન થયું તે કેનું નામ જે, શાસ્ત્ર સાંભળીને તથા કોઈની વાતે કરીને તથા સંગે કરીને ફરી જવાય નહિ; તે પાકું જ્ઞાન કહેવાય.
(298) બીજા કોઈને કલ્યાણ કરતાં આવડ્યું નથી; નાળ કરતાં ગળું કર્યું છે ને બીજા અવતારે એક-બે જીવોનાં કલ્યાણ કર્યાં છે ને સત્સંગી ડોશીઓએ લાખો જીવોનાં કલ્યાણ કર્યાં છે.
(299) પ્રેમી ભગવાનમાં પણ વળગે ને બીજે પણ વળગે ને જ્ઞાની હોય તે બીજે વળગે નહિ ને કોઈ આંટી આવે તો જ્ઞાની પણ વળગે. તે ઉપર ભીષ્મપિતાનું દૃષ્ટાંત દીધું જે, એ જ્ઞાની હતા પણ પક્ષે કરીને વળગ્યા.
પ્રકરણ 2ની વાત 89
(300) આ સૂર્યને જેમ કોઈની બરાબર કહેવાય નહિ, તેમ આ ભગવાનને પણ કોઈની ઉપમા દેવાય નહીં. ને આગળ અનંત અવતાર થઈ ગયા ને વળી અનંત અવતાર થાશે, તે સર્વે આ ભગવાનનું દીધું કણેથું ખાય છે ને એની આજ્ઞામાં વરતે છે.
(301) આવો સમો ફરીને નહિ મળે ને ગાદી ઉપર હાથ મૂકી ઇશારત કરી કહ્યું જે, ‘આ સાધુ ને આ ભગવાન કોઈ દિવસ આવ્યા નથી ને કોઈ દિવસ આવશે પણ નહિ ને બીજા આવશે.’
ઇશારત : નિર્દેશ.
(302) પ્રિયવ્રતના દૃષ્ટાંતથી કહ્યું જે, ‘એ તો ગૃહસ્થાશ્રમમાં હતા ને છોકરાં થયાં, પણ
ભાગવતાઃ આત્મરામાઃ। (અર્થ : ભગવાનના ભક્તો આત્મામાં રમણ કરનારા હોય છે.) એવા હતા ને સ્ત્રીને જોગે કરીને છોકરાં થાય; જેમ પેશાબ નીકળે, મળ નીકળે, થૂંક નીકળે, નાહવું, ખાવું એ જેમ ક્રિયા થાય છે, તેમ જ એ પણ ક્રિયા થાય. પણ તેનું સ્મરણ, ચિંતવન કે મનન ન થાય ને ચિંતવન તો ભગવાનની કથાવાર્તાનું જ થાય.’ તે કહ્યું છે જે, ‘પ્રિયવ્રત તો ભગવાનની કથાથી વિરામ ન પામતા હવા.’ એટલે એ તો સર્વેથી જુદા જ હતા ને એમાં તો માલ એવો છે, જેમ ભવાયાને વિશે સ્ત્રીની ભાવના છે, તે અજ્ઞાને કરીને છે, તેમ આ લોક પણ અજ્ઞાને કરીને મનાય છે; પણ ખોટું છે.
(303) ‘શિક્ષાપત્રી’માં સર્વે સંશયનાં નિવારણ લખ્યાં છે. તેથી કોઈને કાંઈ સંશય હોય તો પૂછજો; પણ આનું કેમ હશે ? કે આનું કેમ હશે? એ કાંઈ પૂછવાનું રહ્યું નથી. હવે તો દાણા ખાઈને ભજન કર્યા કરવું ને ‘શિક્ષાપત્રી’ પાળશે તેને દેહે કરીને દુ:ખ નહિ આવે.
(304) બીજે સર્વે ઠેકાણે માયાનો કજિયો છે, પણ બદરિકાશ્રમ, શ્ર્વેતદ્વીપ ને અક્ષરધામ એ ત્રણ ઠેકાણે માયા નથી ને આંહીં મોટા એકાંતિકમાં માયા નથી, બાકી સર્વે ઠેકાણે માયા છે.
શ્ર્વેતદ્વીપ : શ્રી વાસુદેવ ભગવાનનું ધામ.
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
(305) એક સાધુ કપિલદેવ ભગવાનનો અવતાર કહેવાતા; પણ ડોશીઓને લઈને જતા રહ્યા. એ તો દેવની માયાનું બળ એવું જ છે, તે જોગે કરીને એમ જ થાય.
(306) એકલશૃંગીને અજ્ઞાન ઉપશમ હતું, તેથી વિષયમાં બંધાઈ ગયા, પણ તેના બાપ વિભાંડક ઋષિને તો જ્ઞાન હતું ને શાપ દેવા જતા હતા; ત્યાં રસ્તામાં રાજાએ બહુ સન્માન કરાવ્યું ને ચાકરી કરાવી ને વિષયનો જોગ થયો ને એકલશૃંગીના દીકરાને ખોળામાં બેસાર્યો, તેથી રીસ ઊતરી ગઈ ને વિષયમાં બંધાયા. એ તો દેવની માયાનું બળ જ એવું છે જે, જોગ થયે કોઈ બંધાયા વિના રહે જ નહીં.
(307) નારદજી અક્ષરધામમાં ગયા હતા તથા શ્ર્વેતદ્વીપના મુક્ત પણ અક્ષરધામમાં જાય છે; તે અક્ષર તો આપણા ગ્ંરથમાં ગોલોકને મધ્યે જે અક્ષર લખ્યું તે છે. ને એ સર્વેને ઉપાસના પણ એ ધામના ભગવાનની છે. પણ આ મૂર્તિમાન મહારાજની ઉપાસના કોઈને નથી ને મૂળઅક્ષરની તો કોઈને ખબર પણ નથી ને પુરુષોત્તમની ઉપાસના તો અક્ષરધામના મુક્તને છે તથા આ પૃથ્વી ઉપર આપણને છે, વચ્ચે રહ્યા તેને કોઈને નથી. આ ફેરે નારદજી વગેરે સર્વેનું પાર પડ્યું છે.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
(308) ઘણેક પુણ્યે કરીને આ જોગ મળ્યો છે ને આ બધાય ભેગા રહ્યા છીએ, પણ જેને જેટલી સમજણ હશે તેને તેટલું સુખ આવતું હશે; જૂના-નવાનો કાંઈ મેળ નથી.
(309) દેરડીમાં કણબીને વણ વવરાવી ઘણો જ લાભ આપ્યો તેની વાત કરી.
(310) આ સાધુને વિશે જેને જેટલો ગુણ તેટલી સદ્વાસના ને જેટલો અવગુણ તેટલી અસદ્વાસના છે એમ સમજવું.
(311) કેટલાક કહે છે જે, કાંઈ જાણતા નથી, આવડતું નથી, પણ ગાદીએ કોણે બેસાર્યા છે ? એની તેને કાંઈ ખબર છે ? બધુંય જાણે છે ત્યારે જ ગાદીએ બેસાર્યા છે. આ તો સત્સંગમાં કુસંગની વાત કરી. હવે મોક્ષની વાત કરીએ છીએ જે,
એકોપિ કૃષ્ણસ્ય કૃત: પ્રણામો દશાશ્ર્વમેઘાવમૃથેન તુલ્યમ્ ।
દશાશ્ર્વમેધી પુનરેતિ જન્મ કૃષ્ણપ્રણામી ન પુનર્ભવાય ।।
(મહાભારત, શાંતિપર્વ : 12/47/92)
અર્થ : શ્રીકૃષ્ણને કરેલો એક જ પ્રણામ દશ અશ્ર્વમેધ યજ્ઞને અંતે કરવામાં આવતાં સ્નાન બરોબર પુણ્ય આપનાર છે. દશ અશ્ર્વમેધ કરનારને ફરી જન્મ લેવો પડે છે. શ્રીકૃષ્ણને પ્રણામ કરનારને ફરી જન્મ લેવાનો રહેતો નથી.
એ શ્ર્લોકનો અર્થ કર્યો જે, ‘પ્રગટને એક પ્રણામે મોક્ષ થાય, તો આ તો કરોડ પ્રણામ કર્યા હશે, પણ મોક્ષ થયાની પ્રતીતિ આવતી નથી ને શાંતિ થાતી નથી, પણ જો પ્રગટ ભગવાનને જાણીને તથા ઓળખીને એક પ્રણામ કરે તો ભગવાનના ધામમાં જાય ને મોક્ષ થયાની પ્રતીતિ આવે ને શાંતિ પણ થાય.’
અર્થ : ધન, સંપત્તિ.
દશ : દિશા.
(312) જે કોઈને કલ્યાણ કરવું હોય ને ઘરમાં રૂપિયા હોય તો બાઈ-ભાઈ બન્નેનાં બે મંદિર કરાવવાં, એટલે તેનું કલ્યાણ થઈ રહ્યું છે.
(313) વરસાદ તો ભગવાન વરસાવે છે ને ઇન્દ્ર તો રિસાઈ ગયો છે તે વરસતો નથી ને કાળ પણ કોપ્યો છે; પણ દયા આવ્યાથી વરસાદ કર્યો છે.
(314) રૂપિયામાં, ઘરમાં, સ્ત્રીમાં ને દેહમાં માલ માનશો નહીં. દાણા તો ભગવાન આપશે તે એકઠા કરીને આવરદા પૂરો કરવો છે. ને ઘરમાં કામ કરનાર હોય ને રૂપિયા હોય તેણે તો દાણા ખાઈને વાતું સાંભળવી ને જેને કાંઈ ન હોય તેણે કોશ જોડી દેવો ને કામ કરવા મંડી પડવું ને પછી ભગવાન ભજવા. આ દેહ તો પાણીનું, પૃથ્વીનું, આકાશનું બંધાયું છે ને તેમાં ભળી જાશે. ને બધાય મોટેરાને એક મહિનો વાતું સાંભળવા આંહીં રહેવું, એમ આજ્ઞા છે.
કોશ : નરાજ, ખોદવાનું લોખડનું એક ઓજાર.
(315) સત્સંગના નિયમ ના પળે તો તિલક ન કરવું ને કહેવું કે, ‘હું સત્સંગી નથી ને મારાથી પળે નહિ, પણ ભગવાન ને સાધુ સાચા છે,’ એમ કરશે તેનો અંતે મોક્ષ થાશે; પણ સત્સંગમાં રહીને ‘શિક્ષાપત્રી’ નહિ પાળે, તેને દુ:ખ આવશે ને ભગવાન સુખે ભજાશે નહીં.
(316) અગણ્યોતેરો કાળ પડ્યો પછી બીજે વરસે પંચાળેથી મહારાજે કાગળ લઈને ગઢડે મોકલ્યા હતા, તે અમે મહારાજથી જુદા પડ્યા એટલે દેહમાં તાવ આવ્યો ને મહારાજ પણ માંદા થયા. પછી અનેક માણસ ને ઢોર મરી ગયાં ને બાળો સાદ પૃથ્વીમાં રહ્યો નહિ ને મડદાંને ખેંચનાર કોઈ રહ્યું નહિ, તેથી ગામ ગંધાઈ ઊઠ્યાં ને હાડકાંનાં ઢગલા થયા. એમ પોતાના દેહની ને બ્રહ્માંડના જીવોના દેહની એકતા સમજાવી.
(317) વશરામ ભક્તના ગૂમડાનું બહુ દુ:ખ જોઈને મને તાવ આવી ગયો. પછી ગૂમડું ફાટ્યું ને સુખ થયું. એમ દયાનું અધિકપણું સમજાવ્યું.
(318) કાળ પડશે તો સત્સંગી દુ:ખ પામશે ને આપણાથી દાણા ખવાશે? નહિ ખવાય.
(319) ખળખળિયે નાહતાં નાહતાં બખોલમાં (પથ્થરના પોલાણમાં) પગ પેસી ગયો, તે ભાંગી જાત; પણ મહારાજે રક્ષા કરી. તેથી તુરત ખેંચી લીધો અને વાડીમાં પથ્થર ઉપર હું પડી જતો હતો, તે જેમ કોઈ ઝાલી રાખે તેમ અદ્ધર રહ્યો.
(320) રઘુવીરજી મહારાજે દેહ મૂક્યો તે દિવસ આંહીં મને તાવ આવ્યો, તે તાપતાં સગડીમાં શરીર ઊડી પડે એવો બળિયો તાવ આવ્યો તથા ભીંત પડી ગઈ તથા ખડ બળી ગયું.
ખડ : ઘાસ.
(321) ગય રાજા જેવો રાજા કરવો છે તે થાશે, ત્યાર પછી બે કરોડ માણસ આ છે તેથી બીજા વધારે ભગવાન ભજશે ને રઘુવીરજી મહારાજ જેવા આચાર્ય કરવા છે.
(322) પ્રહ્લાદે દશ હજાર વરસ સુધી નરનારાયણ સાથે યુદ્ધ કર્યું, પણ જિતાણા નહિ ને નરનારાયણના વચને કરીને છ મહિનામાં ભક્તિએ કરીને જીતી લીધા.
(જુઓ પ્રકરણ 1ની વાત 3)
દશ : દિશા.
(323) ‘ભાગવત’ના પંચમસ્કંધમાં જડભરતે રહૂગણને કહ્યું જે, ‘તું રાજ્યાદિકની વાત કરે છે પણ તું જ્ઞાની નથી, અહિંસા ને બ્રહ્મચર્ય સહિત ને રાગદ્વેષાદિક રહિત એવો ધર્મ તેણે યુક્ત એવો જે વૈદિક મારગ, તે પણ અમારા આત્મા-પરમાત્માના જ્ઞાનવાળાને ગણતીમાં નથી તો તારો રાજ્યભૃત્યાદિક ધર્મ તે અમારા બ્રહ્મવેત્તાની શી (કઈ) ગણતીમાં ?’
રાજ્યભૃત્યાદિક : રાજ્ય-વ્યવસ્થા વગેરે સંબંધી.
(324) છેલ્લાનું 39મું વચનામૃત વાંચવાની આજ્ઞા કરી ને બોલ્યા જે, ‘આ વચનામૃતમાં કહ્યું છે એ વાત પણ એક સમજવાની છે.’
(325) મધ્યનું 9મું વચનામૃત વાંચવાની આજ્ઞા કરી ને બોલ્યા જે, ‘આ વચનામૃતમાં કહ્યું છે તેમ મહારાજને પુરુષોત્તમ જાણશે ને સત્સંગમાંથી નીકળી જાશે તો પણ અક્ષરધામમાં જાશે ને સત્સંગમાં રહેતો હશે ને ધર્મ પાળતો હશે ને ઊર્ધ્વરેતા હશે; પણ મહારાજને પુરુષોત્તમ નહિ જાણે તો બીજા લોકમાં જાશે.’
ઊર્ધ્વરેતા : અષ્ટાંગયોગી બ્રહ્મચારી જેને સ્ત્રીના યોગમાં હોવા છતાં શિશ્ર્નદ્વારા વીર્યપાત ન થાય એવા, રેતસની ગતિ ઊર્ધ્વ હોય તેવી વ્યક્તિ.
(326) પ્રગટ મૂર્તિ વિના બીજા કોઈમાં માલ નથી. તે ઉપર સાખી બોલ્યા જે,
મુવેકું જિવાવે અસ્માન ચઢી જાવે;
પય અન્નહું ન ખાવે તો હું માયા કો ગુલામ હૈ;
વિદ્યા કું બખાને કછુ મનહું કી જાને;
ઐસે નિપટ સયાને તાકો વાસના મેં ધામ હૈ;
સારી સૃષ્ટિ કું ઉપજાવે સબ જીવ કું નિભાવે;
જગ ઈશ જ્યું કહાવે તો હું મન પરિણામ હૈ;
જ્ઞાન, ભક્તિ હીન અતિ ઉર મેં મલિન;
ઐસે મૂઢ કું મુકુંદ કહે બ્રહ્મ કું ન ઠામ હૈ.
(કીર્તન મુક્તાવલિ : નાશવંત દેહ વિશે)
રાજા, ચોર, યોગી, ગૃહિ, દ્વિજ રાખત પરનાર;
ઐસો અધર્મ દેખ કે, ઈશ ધરત અવતાર.
મૂર્તિ : સંતો.
વાસના : પૂર્વના સંસ્કારોથી મકકમ થયેલી કામના.
(327) ભગવાનની સ્મૃતિ રાખવી એ સર્વથી અધિક છે ને ભગવાન તો આપણા જીવમાં બેઠા જ છે તે દેહ મૂકવા સમે દેખાય છે ને સ્મૃતિ રહે તે તો સર્વ સાધનના અંતને પામ્યા. તે ઉપર જડભરતની વાત કરી.
(328) શુદ્ધ થાવાને તપ ને અનુવૃત્તિ, એ બે સાધન છે. તેમાં અનુવૃત્તિ છે તે અધિક છે. તે કરતાં કરતાં આત્મા ને પરમાત્મા બે જ રાખવા છે.
(329) ગામ મહુવાના હરિભક્ત ડાહ્યાને કહ્યું જે, ‘ભૂત કાઢવું, એમાં અમારું શું કામ છે ? શ્રી સ્વામિનારાયણને ઘેર ઘણાય સેવક છે, એક હનુમાનજીની માનતા કરશે એટલે હનુમાનજી જાશે; તે મારી મારીને તેના ભૂક્કા કાઢી નાખશે.’
(330) આપણને જ્ઞાન શીખતાં તો આવડે જ નહિ ને વૈરાગ્ય તો છે જ નહિ; માટે હું ભગવાનનો ને એ મારા, એમ માનવું. ને હેત તો પંદર આના સ્ત્રીમાં છે ને એક આનો અમારામાં છે ને કલ્યાણ તો એને શરણે ગયા એટલે એ સમર્થ છે તે કલ્યાણ કરે; એ એની મોટાઈ છે.
(331) નવરાશ હોય ત્યારે ભગવાનની મૂર્તિને લઈને બેસવું ને તે મૂર્તિ તે શું ? જે, ભગવાનની કથાવાર્તા ને ધ્યાન એ ભગવાનની મૂર્તિ છે.
મૂર્તિ : સંતો.
(332) દેહ હોય ત્યાં નિદ્રા, કામ, સ્વાદ, લોભ એ સર્વે દેહ ભેળાં હોય, માટે તેને તો દેહ ભેળાં જ કરી રાખવાં. ને કોઈ વ્યસન રાખે છે - અફીણનું, હોકાનું સ્વાદ રાખે છે, લોભ રાખે છે, એ સર્વે સુખ જેવાં જણાય છે પણ એ તો દેહને દુ:ખ દે એવાં છે.
(333) ભગવાન ભજવામાં ત્રણ વિઘ્ન છે. લોકનો કુસંગ, સત્સંગમાં કુસંગ ને ઇન્દ્રિયું-અંત:કરણનો કુસંગ; માટે એ સર્વેના છળમાં આવવું નહિ ને સત્સંગમાં કુસંગનો જોગ થાય ને બ્રહ્મરૂપ હોય તો દેહરૂપ કરી નાખે ને સત્સંગમાં સારાનો જોગ થાય તો દેહરૂપ હોય તેને બ્રહ્મરૂપ કરે.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
(334) પાંડવોએ યજ્ઞ કર્યો તેમાં ભગવાન પણ ભેળા હતા, તો પણ નોળિયો સોનાનો થયો નહિ ને ઋષિના ચાર શેર સાથવાના યજ્ઞમાં સોનાનો થયો, એમ સત્પાત્રની સેવાનું ફળ છે.
(જુઓ પ્રકરણ 6ની વાત 200)
(335) ચરોતરના એક ગામના પાટીદાર ગિરધર ભક્ત સાધુ હતા, તેને મંદવાડમાં ઘી ખાધાથી દેહમાં બળ આવ્યું તેથી સ્ત્રીના સંકલ્પની વાસના થઈ તે મને કહી. પછી મેં વિચાર કર્યો જે, ‘એનું રૂડું થાય એમ કરવું. એવો સંકલ્પ કરીને મુક્તાનંદસ્વામી દ્વારે મહારાજને કહી પ્રિયવ્રતનો મારગ ચલાવ્યો. તેથી ત્યાગીને વાસના ઉદય થાય ને ગૃહસ્થાશ્રમ કરે તેનો શાસ્ત્રમાં બાધ નહીં.’
વાસના : પૂર્વના સંસ્કારોથી મકકમ થયેલી કામના.
બાધ : દોષ.
(336) વાતું કરવાથી માખીમાંથી સૂર્ય થાય ને સૂર્યમાંથી માખી થાય, જો વાતું કરતાં આવડે તો. ‘વાતન કી વાત તો બડી કરામત હૈ.’ આ સર્વે સત્સંગ વાતું કરીને કરાવ્યો છે. આ સર્વે વાતુંએ કરીને છે. બીજું કાંઈ નથી.
(337) સત્સંગ, સાધુ ને ભગવાન જેવા મળ્યા છે તેવા ઓળખાતા નથી ને મનુષ્યભાવ રહે છે. જેવો લાભ થયો છે તેવો લાભ પણ ઓળખાતો નથી ને મનુષ્યભાવમાં દિવ્યભાવ છે તે મનાતો નથી ને ઉપવાસ કરે પણ આમ સમજાય નહિ; કેમ જે,
મૂલં નાસ્તિ કુતઃ શાખા?
(સુવાક્ય)
અર્થ : મૂળ જ ન રહે તો પછી શાખા ક્યાંથી ફૂટે ? માટે રોગ, શત્રુ વગેરેનો મૂળમાંથી જ નાશ કરવો.
મનુષ્યભાવ : દેહભાવ, માયિકભાવ, જેમાં ગુણાનુરાગ - ગુણાનુબુદ્ધિ પ્રવર્તે છે તેવો ભાવ.
દિવ્યભાવ : જેમાં માયાના ત્રણ ગુણનો પ્રભાવ ન હોય તેવો અદ્ભુત ભગવદ્ભાવ.
અર્થ : ધન, સંપત્તિ.
(338) પામર તો પરચા માગે, પણ એક શ્રીકૃષ્ણને ઊર્ધ્વરેતા કહ્યા છે ને નરનારાયણને કહ્યા છે, એવા તો આજ મૂળજી બ્રહ્મચારી ને મયારામ ભટ્ટ તે શેર ઘી જમે ને ઘાટ થાય નહિ ને બે હજાર માણસ સ્ત્રીઓ સહિત ભેળા રહેતા તો પણ કામનો ઘાટ થાય નહીં. જિતેન્દ્રિય, શાસ્ત્રમાં લક્ષ્મણજી આદિક બે કહ્યા છે ને અનુવૃત્તિવાળા કૃષ્ણાવતારમાં ત્રણ કહ્યા છે ને ભીડો ખમ્યામાં ત્રણ કહ્યા છે ને આજ તો આખો સત્સંગ એ ત્રણ ગુણે જુક્ત છે; એ જ મોટો પરચો છે, માટે જેમ છે તેમ ઓળખવું.
ઊર્ધ્વરેતા : અષ્ટાંગયોગી બ્રહ્મચારી જેને સ્ત્રીના યોગમાં હોવા છતાં શિશ્ર્નદ્વારા વીર્યપાત ન થાય એવા, રેતસની ગતિ ઊર્ધ્વ હોય તેવી વ્યક્તિ.
ઘાટ : માયિક સુખ ભોગવવાનો સંકલ્પ, વિકારનો સંકલ્પ.
(339) સત્સંગમાં કેટલાક લાંબો પગ કરીને સૂતા નહિ, તથા મટકાં જીતતા તથા ખંજોળવું નહિ તથા પ્રસાદીનું પણ ગળ્યું, ચીકણું ખાધું નહિ તથા સંકલ્પ થાવા દીધા નહિ એ સર્વે કઠણ વાત છે ને એ રસ્તે કોઈથી ચલાય નહિ ને તેને મનુષ્ય ન કહેવાય. તો પણ તે જ્ઞાનીની બરાબર ન કહેવાય ને દેશકાળ લાગ્યા ને થાળ બીજે ગયો અને જેની આગળ ઊંચે શબ્દે બોલાય નહિ તેને વચન કહ્યાં.
(340) મહુવાના કુંભારને સો જમપુરીનું દુ:ખ થયું છે, તે તો એ જ ખમે, બીજાથી ખમાય નહિ અને હાલ તો જાગતાંય સુખ છે ને આંખ મીંચીને પણ સુખ છે.
ખમાય : સહન કરાય, ક્ષમા કરાય.
(341) મુક્ત હોય તે કોઈથી દબાય નહિ ને લડાઈ લીધા કરે; પણ સંક્લ્પના લાગમાં આવે નહીં.
(342) પોતપોતાનો દેહ સારો લાગે, ગામ સારું લાગે, દેશ સારો લાગે, એ તો દેવની માયાનું બળ છે.
(343) એકના મંડળમાં લાડવાની રસોઈ થાય ને એકના મંડળમાં ન થાય, તો એક અંગ આવ્યું ને અખંડ ધ્યાન કરે તો પણ એક અંગ આવ્યું ને ત્રેંસઠ બાકી રહ્યાં ને કોઈ રીતે કરીને સાધુ ઓળખાઈ જાય તો તેમાં બધુંય આવી જાય.
(344) ગોપાળાનંદસ્વામીને સાઠ સાધુ હતા. તેમાંથી ચાર સાધુ આપવાનું કહ્યું; ત્યારે કહે જે, ‘મારે તો બે જ સાધુ છે.’
(345) ખરેખરો જીવ સોંપીને તેનો થઈ રહે, તો સિંહનો માલ શિયાળિયાં ખાઈ શકે નહીં.
(346) એક રહેણીએ દેહ મૂકવો કઠણ છે. તે ઉપર ગઢડાની ડોશીઓની વાત કરી.
(347) જેમ છે તેમ ઓળખવું એ કઠણ છે ને ઓળખાય તો સમાગમમાં રહેવું કઠણ છે ને સમાગમમાં રહે તો જીવ સોંપીને અનુવૃત્તિમાં રહેવું એ કઠણ છે; બે આના પણ કોઈના પક્ષનો ભાર રહે ખરો.
(348) જેમ છે તેમ કહીએ તો તુરત મનાય નહીં. માટે મનને વળગાડી મૂકવું, એટલે ધીરે ધીરે બળ પામશે તેમ સમજાશે.
(349) કોઈ કહેશે જે, ‘મને જેમ છે તેમ કહો હું એમ કરીશ.’ પણ મોટા હોય તે એમ જાણે જે, મોઢે કહે છે પણ આનાથી થાશે નહિ ને કોઈ મોઢે કહે નહિ, પણ તેનુંય જાણે જે, આ મોઢે કહેતો નથી પણ તેનાથી થાશે.
(350) મોટા સમર્થ હોય તે ઘી શેર જમી જાય, પણ તેને સ્ત્રીભોગનો સંકલ્પ થાય જ નહીં. સમાધિવાળા અરૂપાનંદસ્વામીને વિષયનો જોગ થયાથી સત્સંગમાંથી નીકળી ગયા ને સમાધિ તૂટી ગઈ ને જ્ઞાન ઉદય થયે પાછા ફરી વખત સત્સંગમાં આવ્યા, એટલે સમાધિ થઈ ગઈ. પછી મહારાજે હસીને કહ્યું જે, “ભગવાનનો વળગાડ કોઈ રીતે છૂટે તેવો નથી.”
વળગાડ : વળગવું, આગ્રહથી લઈ મંડવું, બાઝવું.
(351) ઉપાસના, આજ્ઞા ને સાધુ ઓળખવા; એ ત્રણેય વાનાં અવશ્ય જોઈએ. આજ્ઞામાં ધર્મ, નિયમ, વ્રત, દાન, તપ સર્વે આવી જાય.
વાનાં : વસ્તુઓ. (બ.વ.)
(352) સાધુ સાચા છે તેમાં અસાધુની બુદ્ધિ રહે, તે વિપરીત ભાવના છે. આ વાત અટપટી છે, તે સાધુને બીજા સાધુની જોડે મેળવ્યાથી ઓળખાય. તે ઉપર મુનિબાવાનાં દૃષ્ટાંત દઈ ઘણીક વાત કરી.
(જુઓ પ્રકરણ 9ની વાત 320)
(353) છેલ્લાનું 33મું વચનામૃત વંચાવીને વાત કરી જે, એવા મોટા છે પણ વિષયના જોગમાં સારું રહેવાય છે તે મોટાની દૃષ્ટિ છે.
(354) કોઈ વાતની અંતરમાં ચિંતા થાય તો ભગવાનને માથે નાખી દેવું. એનામાં અનંત કળાઓ છે; તે ઉપર બળિ તથા વૃંદાને છળ્યાની વાત કરી.
કળાઓ : યુક્તિઓ.
(355) અમદાવાદની લંધીએ બધા શહેરનો ઇજારો રાખ્યો, તે કૂટી કૂટીને ખાવા પણ નવરી ન થઈ ને ભૂખી ને ભૂખી મરી ગઈ. તેમ આપણે બધાનો ઇજારો રાખવો નહીં.
ઇજારો : એકહથ્થુ હક્ક.
(356) ગોંડળના હરિજને કહ્યું જે, ‘શાં પાપ કર્યાં હશે તે મહારાજનાં દર્શન ન થયાં ?’ ત્યારે સ્વામીએ તેને કહ્યું જે, ‘પુણ્ય કર્યાં હશે તે આજ આ દર્શન થયાં; નહિ તો ઘણાં પાપ કરત.’
(357)
ભોજને છાદને ચિન્તા વૃથા કુર્વન્તિ વૈષ્ણવા: ।
યોસૌ વિશ્ર્વંભરો નામ સ્વભક્તાન્ કિમુપેક્ષતે ।।
(સુભાષિત)
અર્થ : વૈષ્ણવજનો અન્ન-વસ્ત્રની ચિંતા તો વ્યર્થ (ખોટી) જ કરે છે, કારણ કે જે ભગવાન વિશ્ર્વંભર આખા વિશ્ર્વનું ભરણપોષણ કરનાર છે, તે કદી પોતાના જ શરણે આવનાર ભક્તોની ઉપેક્ષા કરશે શું ?
આપણે તો માળા ફેરવવી, રોટલા તો ભગવાન દેશે ને કેટલાકને દીધા છે પણ ખબર નથી ને કેટલાકને દે છે.
અર્થ : ધન, સંપત્તિ.
(358) ઝેરના લાડવા ખાતાં સારા લાગે, પણ ઘડીક પછી ગળું ઝલાય, તેમ વહેવાર છે.
(359)
મરનારને શીદ રડો છો, રડનારાં નથી રહેવાનાં;
તોપને મોઢે તુંબડાં, તે સર્વે ઊડી જવાનાં.
(360) ગૃહસ્થ છે તે આત્માનું જ્ઞાન જાણે નહિ, પણ જો ભગવાનને વિશે તથા મોટા સાધુ સાથે હેત છે, તો તેને કાંઈ કરવું રહ્યું નથી. તે ઉપર મધ્યનું 9મું તથા વરતાલનું 11મું વચનામૃત વિચારવાં. એ બેનો એક ભાવ છે.
(361) કોટિ કોટિ સાધન કરે પણ આમ વાતું કરવી તેની બરાબર થાય નહિ ને બીજાથી તો આટલી પ્રવૃત્તિમાં વાતું થાય નહીં.
(362) મહિમા સમજાય છે ને ફરી ભૂલી જવાય છે, માટે સો વખત વાંચીને સમજે તો ફરી ભુલાય નહીં. ને મહારાજ છતાં હેત બહુ હતું ને હમણાં જ્ઞાન અધિક છે ને ઘણાક સંસ્કારી જીવ આવ્યા છે, માટે સાધુમાં હેત તુરત થઈ જાય છે.
(363) નિદ્રા આવે તો સૂઈ જવું ને સુરંગો ઉડાડવાની વાતું કરી, ને કોઈ રીતે શત્રુ જિતાય એમ ન હોય તો ટોપીવાળે લડાઈમાં ધોળો દારૂ પાથરીને સામાનું લશ્કર છળથી મારી નાખ્યું, તેમ આપણે છળ કરવો ને મનને જીતવું.
(364) અનેક પ્રકારના પાપી જીવ છે તેમને સમજાવવા, એ જ ભગવાનનો પ્રતાપ છે.
(365) મધ્યનું 28મું વચનામૃત વંચાવીને વાત કરી જે, ‘જીવમાં ભૂલ આવે, પણ અનેક જુક્તિથી તેને ભગવાનના મારગમાં રાખવો, પણ પાડી નાખવો નહિ; એ જ મોટાની મોટાઈ છે. ને આ વચનામૃતમાં મહારાજે પોતાનો સ્વભાવ કહ્યો છે, તેનો ભાવ પણ આવે છે.’ એવી ઘણી જ મહિમાની વાત કરી.
(366) ભગવાન અને ભગવાનના ભક્તની સેવા એ બેમાં જ માલ છે.
(367) મુમુક્ષુ જીવને જ્ઞાન પણ થાય ને હેત પણ થાય ખરું, પણ સત્સંગમાં કુસંગ છે તે એનું ભૂંડું કરી નાખે છે; માટે તેને ઓળખવો.
વચ. લો. 6
(368) બળદિયાને તંતીમાં બાંધે છે તેમ જીવમાત્રને તંતીમાં બાંધી લીધા છે, તે કોઈ ક્રિયા થાય જ નહિ ને છૂટાય નહિ ને તેમાંથી છૂટ્યાનો ઉપાય તો પ્રગટ ભગવાન ને તેના સંગી એ બે જ છે.
તંતીમાં : પરંપરામાં, મર્યાદામાં.
(369) જૂનાગઢમાં જેટલા છે તેટલાને ફેરવી-કૂટીને ગમે તેમ કરીને પણ પાંસરા કરીને પાર મૂકવા છે. તો તમારે તો શી ફિકર છે ? કેટલા દિવસ જીવવું છે ?
(370) સુખી થાવાના પ્રકાર. એક તો કોઈ રીતે કરીને ભગવાનમાં જોડાયા હોય તથા સંતમાં જોડાયા હોય તથા આત્મજ્ઞાને કરીને ઇન્દ્રિયું નિયમમાં કરી હોય તથા ભગવાનના નિશ્ર્ચય સહિત વૈરાગ્ય હોય તથા સંસ્કારી જીવ હોય, એ પાંચ પ્રકારથી સુખી રહેવાય; માટે પોતાનું તળ તપાસી જોવું જે, એમાંથી મારે કયું અંગ છે, તે વિચારી સુખી રહેવું.
તળ : મૂળ, જન્મ સ્થાન.
(371) ભગવાનના અક્ષરધામ સામી જે દૃષ્ટિ એ અલૌકિક દૃષ્ટિ છે ને પ્રકૃતિના કાર્ય સામી દૃષ્ટિ એ લૌકિક દૃષ્ટિ છે. તેમાં ભગવાનનો નિશ્ર્ચય એ ખરેખરી અલૌકિક દૃષ્ટિ છે.
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
(372) સંતમાં જોડાણો હોય તેનું એ લક્ષણ છે જે, તેની અનુવૃત્તિમાં રાજી રહે ને તે કહે તેટલું જ કામ કરે, પણ જાસ્તી કરે નહીં. ને એવાની ફિકર તો સંતને રહે, પછી તેની તે પાંચ દહાડે, મહિને, બે મહિને કે ચાર મહિને ખબર રાખ્યા કરે ને ખબર ન રાખે તો બગડી જાય, માટે ખબર રાખે. ને તમોગુણીને તો કાંઈ સૂઝે નહિ, માટે તેને મોકળો મેલીએ તો ઠીક પડે ને મરડીએ તો મૂંઝાય.
જાસ્તી : વધારે.
(373) આવો સમો (સમય, યોગ) નહિ આવે, આ સમો તો ચીર બાળીને તાપ્યા જેવો છે.
ચીર : રેશમી વસ્ત્ર.
(374) કૂવામાં રાઈના દાણા ભરીએ ને એક તીરવા સગ ચઢવીએ એટલા જીવોનું કલ્યાણ કરવું છે.
(375) હું મંદિરમાં રહું ત્યારે કોઈ બહાર જાય નહિ, ને હું બહાર જાઉં ત્યારે કોઈ મંદિરમાં રહે નહીં.
(376) ગઢડામાં મહારાજ પાસે સાંખ્યયોગી બાઈ-ભાઈ ઘણાંક રહેતાં, તેમાંથી સાંખ્યયોગી બાઈઓને લઈને કેટલાક જતા રહ્યા. તેમાં એક સોમલોખાચર તથા બાપુ રતનજી તથા મિયાંજી એટલા સારા રહ્યા ને અમારા જૂનાગઢમાં કોઈ સાધુ, પાળાને રૂપિયાનું નામું નહીં.
(377) ત્રિકમદાસજી કોઠારીએ કહ્યું જે, ‘અંતરાય રાખશો નહિ, તમારું સ્વરૂપ ઓળખાવજો.’ ત્યારે બોલ્યા જે, ‘ઓળખાવ્યું છે, અંતરાય રાખતા નથી ને ભડકો જોવો છે ? પણ ભડકામાં કાંઈ માલ નથી, આમ જ ઠીક છે.’
અંતરાય : અડચણ, વિઘ્ન, અવરોધ
(378) સૂઈ રહેતો હોય, પણ ભારે ભગવદી હોય તે આપણાથી ઓળખાય નહીં. તે ઉપર ગામ ભાદરાના ડોસાભાઈની વાત કરી જે, એ મંદિરમાં આવીને સૂઈ રહેતા ને બીજા અરધી રાત સુધી બેસતા; પણ તેની બરાબર થાય નહીં.
(379)
તું પુરુષોત્તમ હુંદો તો ઘરણ કી રોટી કિં કરીં દો ?
ને જો તું તિલંગો હુંદો તો તું ય મુઠો ને હું ય મુઠો !
(381) અમને મહારાજે કહ્યું જે, ‘ગામમાંથી આવ્યા ?’ ત્યારે કહ્યું જે,
‘ના મહારાજ ! નદીમાંથી આવ્યા.’ એમ દેશકાળ જોઈને બોલ્યેથી મહારાજ રાજી
થયા. ને મુક્તાનંદસ્વામીના પૂછવાથી, ‘કથા સારી છે.’ એમ કહ્યું તેથી મહારાજે
કહ્યું જે, ‘કાલ પણ તેડી લાવજો.’ એમ દેશકાળ વિચારી બોલવું.
(જુઓ પ્રકરણ ૧૦ની વાત ૧૮૯)
(382) સંવત 1919ના ભાદરવા સુદિ પૂનમને દિવસે વંડાની વાડીમાં એક હરિભક્તે સ્વામીને કહ્યું જે, ‘પૂછવું છે.’ ત્યારે સ્વામી ઊઠીને ઓરડીમાં આવ્યા. ત્યાં પૂછ્યું જે, ‘તમને પૂછીએ તેનું સમાધાન કરી આપો છો, પણ વળી એમ થાય છે જે કેમ થાશે ? તે દુ:ખ રહે છે. માટે જેમ સુખ થાય તેમ ઠરાવ કરી આપો.’ ત્યારે સ્વામી કહે, ‘સુખ તો આંહીં જ થાશે. શત્રુ પીડે તો પણ આંહીં સુખ થાશે ને ક્રિયા પોતાથી થાય એવી એવી હળવી ક્રિયા કરવી ને મોટા કામમાં ભરાવું નહિ ને કહેવું જે, એ મારાથી થાય નહીં. ને મંદિરમાં તો માણસનો ખપ છે, તે સૌને રાખે ને મોટા કામમાં તો સુખ ન રહે ને દુ:ખ આવે; માટે લોઢાં, કોદાળી, પાવડા એ સાચવવાં, તાળા-કૂંચીમાં રાખવાં ને દેવાં અને સંભાળીને લેવાં, એવું કામ કરવું; નીકર મંડળમાં ફરવા જવું તથા શોધવાનું... એવાં કામ કરીએ. ને દેહ પાડવો તે કોના હાથમાં છે?’ એમ બોલ્યા ત્યારે કહ્યું જે, ‘એ તો તમારા હાથમાં છે.’ પોતે કહે, ‘એ તો મહારાજના હાથમાં છે.’ ફરી પૂછ્યું જે, ‘આવા રૂડા દેશકાળમાં માંહીથી ને બહારથી ધક્કા લાગે છે, ત્યારે પછવાડે સત્સંગ કેમ રહેશે ?’ સ્વામી કહે, ‘દેશકાળે કરીને કાંઈ સત્સંગ જતો નહિ રહે.’
વળી પૂછ્યું જે, ‘કોઈ ઇન્દ્રિયું તો નિયમમાં નથી થઈ, એટલે મૂંઝવણ આવે ત્યારે મૂવા સુધી મનસૂબા થાય છે. તમે બેઠા મૂંઝવણ આવે તે ટાળો છો પણ પછવાડે કોનાથી ટળશે ? તે નિરધાર કરી આપો. જેમ શ્રીકૃષ્ણે ઉદ્ધવને કરી આપ્યો હતો તેમ કરી આપો. મને તો કાંઈ સૂઝતું નથી, પણ પછવાડે એમ ન થાય જે, આ વાત પૂછવી રહી ગઈ, તેવું પણ કહો.’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘ઇન્દ્રિયું-અંત:કરણનું તો કાળે કરીને સમાધાન થાય, મૂંઝવણ તો એવી જ છે, તે ધીરે ધીરે સારું થાશે. પછવાડે મૂંઝવણ ટાળે એવા ઘણા છે. પૂછવાનું બતાવે એવા પણ પછવાડે છે, તે ઓળખાવ્યા છે.’
ફરી પૂછ્યું જે, ‘ત્યાગી-ગૃહીમાં જીવ કોની કોની સાથે બાંધવો ?’ ત્યારે સ્વામી કહે, ‘જીવ બાંધવામાં બાલમુકુંદદાસજી, પ્રાગજી ભક્ત, જાગા ભક્ત, યોગેશ્ર્વરદાસજી, કલ્યાણભાઈ, લાલાભાઈ, અરજણ બાબરિયો ને જુણોભાઈ આદિક છે.’ વળી પૂછ્યું જે, ‘પછવાડે સમાસ થાશે કે અસમાસ થાશે ?’ ત્યારે સ્વામી કહે, ‘પછવાડે સમાસ નહિ થાય તો બરાબર તો રહેશે.’ પછી કહે, ‘જીવ સામું જુઓ તો કોટિ કલ્પે છૂટકો થાય તેમ નથી.’ ત્યારે સ્વામી કહે, ‘જીવના સામું તો જોતા જ નથી.’ આ રીતે ઉત્તર આપ્યા.
વચ. વ. 11
મનસૂબા : સંકલ્પો, કાંઈક કરી લેવાના વિચારો
કોટિ : કરોડ.
(383) આપણે બ્રહ્મરૂપ માનવું, તે આજ એમ નહિ થાય તો દેહ પડશે ત્યારે થાશે; પણ દેહ તે ‘હું’ માનશે ત્યાં સુધી માન આદિક દોષ કેમ ટળશે ? માટે દેહ માનવું નહિ એમ મહારાજનો સિદ્ધાંત છે. ને બહુ પ્રકારનાં માણસ છે, તેમાં જેમ જેને ફાવે એમ કહેવું; પણ આવી રીતે દિવસમાં એક વાર તો વિચાર કરવો. ને આ તો બહુધા માણસમાં એક જણ નાતમાં રહે, તો સૌ મળીને તે એકને વટલ્યો ઠરાવે એવી વાત છે. પણ એ વાત મૂકવાની નથી. ને શાસ્ત્રમાં તો આવી વાતું ઝાઝી ન મળે ને આવી વાતું પણ ઝાઝી થાય નહિ, પણ આ વાત સમજવાની છે. ને આ વાતમાં ગોપાળાનંદસ્વામીને શંકા થઈ ત્યારે મહારાજ કહે, “એ તો જેને ઉપાસના ન હોય તેની વાત નોખી; પણ આપણે તો ઉપાસના છે ને તેને અર્થે એ કરવું છે, માટે કેમ નિરાકાર થઈ જવાશે ?”
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
બહુધા : મોટેભાગે-ઘણુંખરું,ખાસ કરીને
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
નિરાકાર : પોતાને ત્રણ દેહના માયિકભાવથી રહિત અર્થાત નિરંજન ને કેવળ બ્રહ્મભાવે આત્મારૂપ માનવું.
(384) આ જીવ દેહનો ગોલો છે, તે દેહની સેવા કરે છે ને ભગવાન પાસે પણ દેહની રક્ષા કરાવે છે ને ભગવાનને દેહની સેવામાં રાખે છે ને પ્રહ્લાદે જોને દેહની રક્ષા ન માની ને ન માગી.
(જુઓ પ્રકરણ 14ની વાત 132)
ગોલો : નોકર, ચાકર.
(385) નિરંતર આ દેહમાં ને આ લોકમાં સુખ રહે તો આ જીવ કયે દિવસ ઉદાસ થાય એવો છે ? માટે કોઈક પ્રકારનો કઠણ દેશકાળ આવે તે પણ ઠીક છે.
(386) હાથી ઉપર અંબાડી હોય, પણ ગધેડા ઉપર અંબાડી ન હોય; તેમ જીવ છે તે હાથીને ઠેકાણે છે ને દેહ તો ગધેડાને ઠેકાણે છે, માટે તેમાં માલ ન માનવો.
(387) ભાદરવા સુદિ પ્રતિપદાને દિવસે સંધ્યા આરતી થયા પછી સંતના નામનું પ્રકરણ ચાલ્યું, તેમાં મોટા મોટા પણ એક એક નામના બે-ચાર-પાંચ ખરા. તે પોતે કહેતા જાય ને બીજા પૂછતા જાય; તેમાં ગુણાતીતાનંદ નામ તો એક જ. પછી કથામાં સંતનાં નામ આવ્યાં, ત્યારે કોઈકે પૂછ્યું જે, ‘તમારે નામે બીજા કોઈ હતા ?’ ત્યારે પોતે બોલ્યા જે, ‘એ તો એક જ, બાકી બીજા બધા નામના સાધુ ને સંન્યાસી ઘણા.’ પછી સંગ કરવાનું પૂછ્યું, તેમાં પ્રથમ જાગા ભક્તનું કહ્યું, તે પછી બીજાનાં નામ લીધાં.
પ્રકરણ 5ની વાત 382
(388) એક દિવસ સ્વામી મહાપૂજામાં બેઠા ત્યાં અંતરવૃત્તિ કરીને સમાધિમાં ઊતરી ગયા, તે બે-ત્રણ દિવસ સુધી ઊઠ્યા નહિ ને પછી પોતાની મેળે બેઠા થઈને ગોઠણે ફાળિયું બાંધીને બેઠા. પછી સૌને ખબર પડી જે, સ્વામી સમાધિમાંથી જાગ્યા. ત્યાં તો સૌ મંદિરના માણસની સભા ભરાઈ ગઈ ને સ્વામી સામું એક નજરે જોઈ રહ્યા. ત્યારે સ્વામી બોલ્યા જે, ‘આમ જોઈ રહ્યા છો એમ ને એમ જો વૃત્તિ રહે, તો કર્મગ્ંરથિ, સંશયગ્ંરથિ, મમત્વગ્ંરથિ, ઇચ્છાગ્ંરથિ, અહંગ્ંરથિ એ આદિક સર્વે ગ્ંરથિયું ગળી જાય.’
ફાળિયું : ગામડિયો ફેંટો, ફેંટાનું કપડું.
(389) એક વખતે મહારાજ અક્ષર ઓરડીમાં વિરાજમાન હતા, ત્યાં હું મહારાજને દર્શને ગયો, ત્યારે શુકમુનિ મારા સારુ આસન ગોતવા લાગ્યા,
ત્યારે
મહારાજ કહે, ‘એમની આસને કરીને મોટપ નથી, એ તો અનાદિના મોટા છે ને
બીજાની તો આસનથી નાનપ-મોટપ છે, એમ આ સાધુને નથી.’ એમ કહ્યું.
ગોતવા : શોધવા.
(390) વહેવારની વાતમાં કેટલાક કહે છે જે, ‘સ્વામી સમજતા નથી.’ ને હું પણ ન માને એવો હોય તો કહું જે, ‘અમે કાંઈ જાણીએ નહીં.’ પણ વહેવાર તો સ્વામીએ ચલાવ્યો એવો કોઈનેય આવડ્યો નહીં.
(391) ભગવાન જાણે એમ મોટા સાધુ પણ જાણે ને આ તો ભગવાન જેવા છે; તે સર્વ વાત જાણે છે. માટે એને વિશે મનુષ્યભાવ મૂકીને પ્રાર્થના કરવી; કેમ જે, ‘એ તો સર્વજ્ઞ છે.’
મનુષ્યભાવ : દેહભાવ, માયિકભાવ, જેમાં ગુણાનુરાગ - ગુણાનુબુદ્ધિ પ્રવર્તે છે તેવો ભાવ.
(392) અક્ષરનું તેજ દેખાય તેમાં પણ માલ ન માનવો; ત્યારે ઐશ્ર્વર્યમાં માલ ન માનવો, એમાં શું કહેવું ? ને અક્ષરનું તેજ તો સુખરૂપ છે, પણ તે પુરુષોત્તમની મૂર્તિ આગળ કાંઈ નથી; એમ સમજે તે ઉપાસના કહેવાય.
મૂર્તિ : સંતો.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
(393) કેશવજીવનદાસજીએ સ્વામીને કહ્યું જે, ‘પ્રાગજી વગેરે તમને મૂળઅક્ષર કહે છે, તે મને સમજાતું નથી. ને હું વિશ્ર્વાસી છું તે જેમ હોય તેમ કહો.’ ત્યારે સ્વામી કહે, ‘હું મૂળઅક્ષર છું એમ તું જાણ. ને બીજો મૂળઅક્ષર હશે તો મારે ને તેને પંચાત છે. તું મારો વિશ્ર્વાસ રાખ !’ એમ બે-ત્રણ વખત કહ્યું.
(જુઓ પ્રકરણ 11ની વાત 124)
(394) મહારાજ સ્વધામ પધારવાના હતા, ત્યારે મને એકાંતે મળ્યા, જેમ શ્રીકૃષ્ણને ઉદ્ધવ એકાંતે મળ્યા હતા તેમ.
(395) કોઈકે સ્વામીને કહ્યું જે, ‘આ પ્રાગજીને તમે ઐશ્ર્વર્ય આપ્યું તે છકી ગયો, માટે શેખજીની પેઠે કરો.’ ત્યારે સ્વામીજી કહે, ‘આ ઠોટબોટીયું નથી, આ તો પાતાળે પાયા છે, ખરા રાજીપાનું મળ્યું છે !’
(396) આમાં રહીને વર્તમાન ન પાળે એ કેવું કહેવાય ? વળી વર્તમાન દીવા જેવાં પાળે ને મંદિર, આચાર્ય ને મોટા સાધુનું ખોદે એથી ભૂંડો કોણ ? એ તો ઓલ્યાથી પણ ભૂંડો.
પાળે : સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જાતનો સેવક/પાર્ષદ.
(397) સૂરતથી મહારાજ ચાલ્યા, તે કીમ નદીમાં ઊતર્યા. ત્યાં ભારે ભારે સુખડાં થાળ ભરીને બ્રહ્મચારીએ મૂક્યાં, ત્યારે મહારાજ કહે, ‘આપણે ત્યાગીએ આવું ન ખવાય.’ પછી સાથવો મંગાવ્યો, તેમાં પણ સાકર ન નાખી ને મીઠું ને સાથવો જમ્યા.
સુખડાં : મીઠાઈ.
સાથવો : શેકેલા અનાજનો લોટ.
(398) વાતું કરીને બીજાને દ્રવ્યાદિક ખોટું કરાવીએ છીએ, પણ આપણે ત્યાગીને પણ એ કરવાનું છે.
(399) ગ્રામ્યકથા કર્યા કરે ને તેમાં ભક્તિ મનાવે ને મોટેરા હોય તેને કોઈથી કહેવાય પણ નહિ ને કોઈ કહે તો ભક્તિની ઓથ લઈને તેને પણ સોરી પાડે. તે એમાંથી નોખું પડવું હોય તેને તો અનેક કળા છે, તે ખસી જાવું.
(400) હૃદયગ્ંરથિ તો એક સ્ત્રીને જ કહી છે, પણ બીજા કોઈ વિષયને હૃદયગ્ંરથિ લખતા નથી. માટે એના દોષ તો એકાંતિક જાણે છે ને બીજો ત્યાગી થયો હોય તો પણ એમાં કોઈક પ્રકારની સુખબુદ્ધિ રહે ને કેટલીક વાત કહેવામાં બાધ આવે, તે કહેવાય નહીં.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
બાધ : દોષ.
(401) બે પ્રકારના સાધુ-સત્સંગી છે. તેમાં એકને વિષય મળે તો રાજી થાય ને એકને વિષય ટળે તો રાજી થાય.
(402) ઘેરથી આવે ત્યારે બે પ્રકારની તાણ હોય છે. તે આ લોકની ને પરલોકની. તેમાંથી એક તાણ રહે, તેમાં પરલોકની તાણ રહે એ તો વીરલા; કેમ જે, એવા શબ્દના કહેનારા ન મળે, ત્યારે જીવ તે શું કરે ? બાકી આ લોકમાં ચોંટાડે એવા શબ્દ ઘણા આવે.
(403) ત્યાગી હોય ને બે મહિના સ્ત્રીના હાથના ઘડેલા રોટલા ખાય તો તેની સ્મૃતિ કરાવી દે. તે ઉપર વાત કરી જે,
રહો તો રાજા રસોઈ કરું, જમતા જાઓ જોગીરાજજી;
ખીર નિપજાવું ક્ષણું એકમાં, તે તો ભિક્ષાને કાજજી.
(કીર્તન મુક્તાવલિ : 477)
તેમાં એનો મત એમ જે એવી ખીર કરીને ખવરાવું, તે બ્રહ્માંડની સ્ત્રીઓ બધી સાંભરે એમ કહ્યું. એક સ્ત્રી વિના બીજા કયા વિષયનો ત્યાગ છે? ને કયા વિષયનો અભાવ છે ? તે તો તપાસીને જુએ ત્યારે જણાય. ને સ્ત્રીનો તો દેહે કરીને ત્યાગ છે, તો પણ તેને જોઈ લે અને ત્યાગી થઈ બેઠા છો તો પણ તપાસ કરવો જે, કેટલું ત્યાગ કર્યું છે ?
(404) લાડવા ન ખાવા ને કહો તો સાચું કહીએ જે, ગૃહસ્થના છોકરાને લાડવા વળાવીને થોડાક દિવસ ખવરાવે છે, તેનું દૈવત બાર મહિના સુધી રહે છે; ત્યારે આ તો નિરંતર લાડવા ખાશે તેનો ત્યાગ કેમ પાર પડશે? ને આ તાવડા તો રાત્રિપ્રલય સુધી નહિ ઊતરે.
દૈવત : દિવ્ય તેજ, શક્તિ.
રાત્રિપ્રલય : અજ્ઞાનપ્રલય, પ્રકૃતિપુરુષ અને પ્રકૃતિપુરુષનું કાર્ય નજરમાં ન આવે ને ભગવાનના કર્તાહર્તાપણામાં સંપૂર્ણ નિર્દોષબુદ્ધિ એવી શુદ્ધ સમજણની સિદ્ધદશા.
(405) ઉપરથી ભગવું કર્યું પણ જીવ ક્યાં ભગવો છે ? એવું હોય તે પણ જોવું.
(406) ‘વાસુદેવ હરે’ શબ્દ હરકોઈ બોલે, તેથી જેમ તુરત ઊભું થાવાય છે, એમ મોટા કોઈ ક્રિયા સારુ બોલાવે, તેમાં ન ઉઠાય એ ખોટ કહેવાય.
(407) એક સાધુ કહે, ‘આપણા કરમમાં લાડવા નહોતા ને આ તો ભગવાનના પ્રતાપે, એમની ઇચ્છાએ મળે છે; માટે ભોગવવું તેનો બાધ નથી.’ ત્યારે સ્વામી કહે, ‘એ સમજણ ખોટી છે; કેમ જે, ખાવા-પીવા તો ઘણા વિમુખને પણ મળે છે.’ ત્યારે કોઈકે કહ્યું જે, ‘મહારાજ પણ સંતને લાડવા આદિક જમાડતા.’ ત્યારે સ્વામી કહે, ‘તે તો એમ સમજવું જે, જીવને પોતાની સ્મૃતિ થાય તે સારુ જમાડતા, પણ મહારાજનો એવો મત નહિ જે વિષય ભોગવવા.’
બાધ : દોષ.
(408) ખાઈને દેહ જાડું કરવું ને ઝાઝું ઊંઘવું એ બે મને ગમે નહિ; કેમ જે, એ બે કામના હેતુ છે ને મન પણ નવરું રહે તો વ્યભિચાર કરે, માટે નવરું ન રાખવું.
(409) ભેખમાં આવ્યા પછી દેહાભિમાન વધી જાય છે ને પછી તેને કોઈક કારસામાં લે ત્યારે દુ:ખ થાય.
(410) ગૃહસ્થને રૂપિયાનું ભજન થાય છે ને ત્યાગીને દેહનું ભજન થાય છે.
(411) ‘ડાહ્યો હોય તેને વઢે ત્યારે રાજી થાય ને મૂરખ હોય તેને વખાણે ત્યારે રાજી થાય.’ એમ મહારાજ કહેતા.
(412) ભગવાન તથા એકાંતિક એ બેયનો સ્વભાવ એમ જે, આ લોકમાં બોલવામાં તથા ક્રિયામાં તાલમેલ નહિ; બાકી બીજાને તાલમેલ, તે પ્રત્યક્ષ દેખાય છે.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
તાલમેલ : માયાના ભાવમાં આવી જઈને દેખાવ, આડંબર.
(413) મોટા સાથે હેત થયું હોય તો વાસનાવાળાનાં અંતરમાં પણ સુખ આવે ને તે વિના તો નિર્વાસનિક થયો હોય, તો પણ લૂખો (શુષ્ક) રહે.
નિર્વાસનિક : વાસનારહિત.
(414) લાખો માણસને સત્સંગ કરાવે ને પોતે નરકમાં જાય એમ પણ થાય; કેમ જે, જીવનું કલ્યાણ કર્યું તે તો ભગવાને કર્યું. જેમ શાહુકારનો ગુમાસ્તો હૂંડી લખે તે સ્વીકારાય તેમ.
ગુમાસ્તો : કારકુન.
હૂંડી : એક શાહુકારની બીજા શાહુકાર પર, નાણાં ચૂકવવા માટેનો આદેશ કે ચિઠ્ઠી.
(415) પંચાળાનાં પહેલાં વચનામૃતમાં કહ્યું છે જે, ‘જેમ જેમ ભગવાનનો સંબંધ રહે તેમ તેમ સુખ થાય છે; તે ભગવાન પરોક્ષ હોય ત્યારે કેમ સંબંધ રહે ?’ પછી ઉત્તર કર્યો જે, ‘કથા, કીર્તન, વાર્તા, ભજન ને ધ્યાન તેણે કરીને સંબંધ કહેવાય ને તે કરતાં પણ મોટા સાધુનો સંગ એ તો સાક્ષાત્ ભગવાનનો સંબંધ કહેવાય ને ભગવાનનું જ સુખ આવે; કેમ જે, તેમાં ભગવાન સર્વ પ્રકારે રહ્યા છે ને પ્રત્યક્ષ હતા ત્યારે પણ જેવા છે તેવા ન જાણ્યા તો સંબંધ ન કહેવાય ને એમ જાણ્યા વિના તો પ્રત્યક્ષ હોય તો પણ શું ! ને તેમ જ જે સંતમાં ભગવાન સર્વ પ્રકારે રહ્યા છે તેને જાણે, તો આજે પ્રત્યક્ષ છે ને એમ જાણ્યા વિના તો પરોક્ષ છે.’ ત્યારે એક સાધુએ કહ્યું જે, ‘મૂર્તિયું પ્રત્યક્ષ નહિ ?’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘પ્રત્યક્ષ ભગવાન તથા સંતના ચરિત્રમાં મનુષ્યભાવ આવે તો અમાવાસ્યાના ચંદ્રમાની પેઠે ઘટી જાય છે ને દિવ્યભાવ જાણે તો બીજના ચંદ્રમાની પેઠે વધે છે. તેમ મૂર્તિયું શું ચરિત્ર કરે જે તેનો અવગુણ આવે ને ઘટી જાય ? માટે બોલતા-ચાલતા જે ભગવાન તે જ પ્રત્યક્ષ કહેવાય ને મોટા સંત હોય તે જ મૂર્તિયુંમાં દૈવત મૂકે છે. પણ મૂર્તિયું, શાસ્ત્ર ને તીર્થ એ ત્રણેય મળીને એક સાધુ ન કરે ને એવા મોટા સંત હોય તો મૂર્તિયું, શાસ્ત્ર ને તીર્થ એ ત્રણેયને કરે. માટે જેમાં ભગવાન સર્વ પ્રકારે રહ્યા હોય એવા જે સંત તે દ્વારે જ પ્રત્યક્ષ ભગવાન છે.’
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
મનુષ્યભાવ : દેહભાવ, માયિકભાવ, જેમાં ગુણાનુરાગ - ગુણાનુબુદ્ધિ પ્રવર્તે છે તેવો ભાવ.
દિવ્યભાવ : જેમાં માયાના ત્રણ ગુણનો પ્રભાવ ન હોય તેવો અદ્ભુત ભગવદ્ભાવ.
દૈવત : દિવ્ય તેજ, શક્તિ.
(416) ક્લેશ કેમ ન આવે ? એ પ્રશ્ર્નનો ઉત્તર કર્યો જે, ‘રાગ, પક્ષ ને અજ્ઞાન, એ ત્રણ ન રહે તો ક્લેશ ન આવે ને એમાંથી એક હોય તો પણ ક્લેશ આવે.’
(417) સાધુતાના ગુણ હોય તેવો ગૃહસ્થ પણ સાધુ કહેવાય, પણ લૂગડાં રંગ્યાં તેણે કરીને સાધુ ન કહેવાય.
(418) હરેક વાત સાંભળીને તે આકારે થઈ જવું, એવી તો કોઈ મોટી ખોટ જ નથી. મોટા મુક્તાનંદસ્વામી આદિક પાસે કોઈ વાત કરે તે પ્રથમ તો સાંભળી રહે; પછી બોલવું ઘટે તો બોલે નીકર ન બોલે. આનું મૂળ પ્રતિલોમ છે.
પ્રતિલોમ : પોતા/આત્મા તરફ પાછી વાળતી વૃત્તિ, અંતરવૃત્તિ, અંતરદૃષ્ટિ કરીને આત્માનું પરમાત્મા તરફનું ઊર્ધ્વીકરણ.
(419) બોલવું તો ઘટે તેમ, પણ સમજવું તો ખરું. પછી બોલ્યા જે, ‘કોના રાધારમણ ને કોના ગોપીનાથ ? આપણે તો એક શ્રી સ્વામિનારાયણની ઓળખાણ છે ને મહારાજ તેડવા આવે છે તે ભેળા સાધુ કદાપિ આવે છે, પણ કોઈ અવતાર તો સાથે આવતા નથી ને અવતારનાં તો ટોળાં છે; તેની આપણને ઓળખાણ નથી ને મહારાજની આજ્ઞા છે તે દેવને થાળ ધરવા ને પ્રસાદી જમવી, બાકી રોટલા ખાવા. પણ સમજવાનું તો આટલું જ છે જે, બીજાને પુરુષોત્તમ ઠરાવે છે, તો આ તો પુરુષોત્તમ છે જ ને આમ ન સમજે તો કોઈકનો ભાર રહી જાય. ને મહારાજે ‘શિક્ષાપત્રી’માં લખ્યું છે તે તો સમાસ માટે છે.
(420)
કોટિ કૃષ્ણ તહાં જોડે હાથ, કોટિ વિષ્ણુ તહાં નમે હૈ માથ;
કોટિ બ્રહ્મા તહાં કથે જ્ઞાન, કોટિ શિવ જહાં ધરે હૈ ધ્યાન;
જહાં સદ્ગુરુ ખેલે વસંત, પરમ જ્યોતિ જહાં સાધુ સંત.
(કીર્તન મુક્તાવલિ : 735)
એ કીર્તન તો કબીરનું, પણ મહારાજ બહુ બોલે ને બોલાવે. તેમાં ‘કોટિ કૃષ્ણ ત્યાં જોડે હાથ.’ એ શબ્દ વારે વારે બોલે ને પોતાનું સ્વરૂપ સમજાવે. સારંગપુરમાં રાઠોડ ધાધલને ઘેર ઊતર્યા હતા ત્યાં હુતાશની કરીને આ કીર્તન બહુ બોલે ને બોલાવે.
કોટિ : કરોડ.
(421) ‘સત્સંગિજીવન’માં પુરુષોત્તમને ઠેકાણે મોરલી ઘાલે તે અમને ન ગમે ને તેને શાસ્ત્ર આડાં ફરે. માટે જેને મોટા સાધુનો વિશ્ર્વાસ હશે તેને જ પાધરું પડશે. મોટેરાને તો હજાર કામ લેવાં, તે દ્રવ્યમાં જોડશે ને દ્રવ્યમાં તો સ્ત્રી પણ રહી છે, તે અર્થી દોષાન્ ન પશ્યતિ। (અર્થ : લાલચુ માણસ વિષયોના દોષને જોતો નથી.) એ મહારાજ બહુ બોલતા.
(422) જન્મ થયા મોર (પહેલા) શાદી ક્યાંથી લખાય ? તેમ પુરુષોત્તમ આવ્યા નહોતા તેની વાત શાસ્ત્રમાં ક્યાંથી લખાણી હોય ? શાસ્ત્રમાં જીવનું, ઈશ્ર્વરનું, માયાનું ને પુરુષ સુધીનું લખ્યું હોય; પણ પુરુષોત્તમની વાત શાસ્ત્રમાં ક્યાંથી હોય? ને અવતારમાત્રનું બીજ તો વૈરાટને કહે છે ને તે કરતાં વાસુદેવ કે, મૂળપુરુષ કે, સચ્ચિદાનંદબ્રહ્મ ત્યાં સુધીની વાત વેદમાં હોય, પણ તેથી પર ક્યાંથી હોય ? ને ભણેલાની દૃષ્ટિ તો શાસ્ત્ર સામી હોય, તેથી તેને એ વાત સમજાય નહીં.
સચ્ચિદાનંદબ્રહ્મ : સત્, ચિત્ અને આનંદ એ ત્રણથી પૂર્ણબ્રહ્મ.
(423) મહારાજ કહે, ‘અમે માંદા થયા ત્યારે ધામ જોવા ગયા હતા;
તે દેવતાનાં, ઋષિનાં, પુરુષનાં આદિક સર્વે ધામું જોયાં. પછી તો અક્ષરધામ
એક જ ગમ્યું.’ એ વાતમાં પોતાનું સ્વરૂપ કહ્યું ને ધામના સુખની વિસ્તારે વાત
કરી. ને લક્ષ્મીનારાયણ, નરનારાયણ, વાસુદેવનારાયણ, શ્રીકૃષ્ણ, પ્રધાનપુરુષ કે
પ્રકૃતિપુરુષ એ સર્વે કરતાં પણ આ સર્વ પ્રકારે અધિક છે ને એમાં અંતરજામીપણું
છે, એથી આમાં અતિ વિશેષ અંતરજામીપણું છે ને એમાં ઐશ્ર્વર્ય છે એથી આમાં
અતિ વિશેષ ઐશ્ર્વર્ય છે. ને શિવજી જેવા સમર્થ તે પણ પાર્વતીને વશ છે ને આજ
તો સ્ત્રીઓનું ગમતું મરડીને પણ આંહીં સમાગમ કરવા આવે છે, માટે આ અધિક છે.
ને શ્રીકૃષ્ણ ભગવાન તો એક બ્રહ્માંડની ગોવાળી કરે છે ને એવાં તો અનંત બ્રહ્માંડ
છે ને અનંત શ્રીકૃષ્ણ છે.
(424) નિવૃત્તિ મારગમાં ત્યાગી ખાટ્યા ને ભગવાન રાખવામાં ગૃહસ્થ ખાટ્યા. તે શું ? જે, ત્યાગીને બેઠાં બેઠાં જમવાનું મળે, પદાર્થ મળે ને કાંઈ કરવું ન પડે ને ગૃહસ્થને પ્રગટ ભગવાનનું સ્વરૂપ છે તેમ સમજાણું તેથી ગૃહસ્થ ભગવાન રાખવામાં ખાટ્યા છે.
(425) એક એક બ્રહ્માંડમાં દશ દશ મૂર્તિયું છે. ને પ્રધાનપુરુષને રૂંવાડે રૂંવાડે દશ દશ મૂર્તિયું સોતાં બ્રહ્માંડ છે. તે પ્રધાનપુરુષ માયામાં લીન થાય છે, એમ કહીએ છીએ તેમાં જીવને શંકા નથી; પણ હમણાં એમ કહીએ જે, અવતારમાત્ર માયામાં લીન થાય છે, તો જીવ આ ઘડીએ કજિયો કરે. પણ પ્રધાનપુરુષ માયામાં લીન થયા ત્યારે અવતાર પણ લીન થયા જ જાણવા.
દશ : દિશા.
(426) ગોપાળાનંદસ્વામીને ધોળાં પહેરાવવા માટે ઓલ્યા દેશના બધા ને આ દેશના ત્રીજા ભાગના વરતાલમાં ભેળા થયા. તે વાતની અમને ખબર પડી. પછી અમને એમ થયું જે, ગોપાળાનંદસ્વામી કોચવાશે ને મહારાજ તેમને તેડી જાશે, તો રાંકનાં હાંડલાં ફૂટી જાશે. પછી અમે વરતાલ ગયા ને ઉતારો કર્યા મોર (પહેલા) એમ ને એમ પાધરા રઘુવીરજી મહારાજ પાસે ગયા ને કહ્યું જે, ‘આ વાતનું કેમ છે ?’ ત્યારે રઘુવીરજી મહારાજ કહે જે, ‘એમાં મારું કાંઈ ચાલે એમ નથી, નિત્યાનંદસ્વામીને પૂછો.’ પછી અમે નિત્યાનંદસ્વામી પાસે ગયા ને કહ્યું જે, ‘મોટા સાધુનું અપમાન થાય તે ઠીક નહિ અને ઠપકો દેવો હોય તો આપણે દઈએ.’ પછી નિત્યાનંદસ્વામીએ પવિત્રાનંદસ્વામીને પૂછ્યું જે, ‘પવિત્રાનંદ, આ ગુણાતીતાનંદસ્વામી શું કહે છે?’ ત્યારે પવિત્રાનંદસ્વામી બોલ્યા જે, ‘ઠીક કહે છે; કારણ કે, ઓલ્યા દેશના સમોવડિયા તે આપણા દેશમાં આવીને આપણી મારફત ગોપાળાનંદસ્વામીનું અપમાન કરાવીને ચાલ્યા જાય તે તો આપણું હીણું કહેવાય.’
ત્યારે નિત્યાનંદસ્વામી બોલ્યા જે, ‘હું તો કાંઈ નહિ બોલું ને હું સભામાં આવીને હાથમાં માળા લઈને બેસીશ એટલે કોઈ બોલાવશે નહિ; કેમ જે, માળા ફેરવતાં હું બોલતો નથી, એમ સૌ જાણે છે. પણ ભગવદાનંદ બહુ ફડફડ્યો છે તેને સમજાવો.’ પછી અમે ભગવદાનંદસ્વામી પાસે ગયા, ત્યારે તેણે આસન નાખી આપ્યું, તે અમે ફગાવી દીધું. ત્યારે કહે, ‘સ્વામિ ! આવડો કોપ શું ?’ ત્યારે કહ્યું જે, ‘મોટાનું અપમાન કરવા આ ઠાઠ રચીને બેઠો છું, તે આંહીં તું મોટો છો, પણ અક્ષરધામમાં હું મોટો છું. માટે જો આંહીં કાંઈ ઉન્મતાઈ કરીશ તો અક્ષરધામમાં તડકે ઊભો રાખીશ.’ ત્યારે ભગવદાનંદસ્વામી કહે, ‘સ્વામિ, અક્ષરધામમાં તડકો નથી તે ?’ ત્યારે અમે કહ્યું જે, ‘ભગવાન અન્યથાકર્તું છે, તે તારા સારુ નવીન કરીશ.’
પછી તો તે કહે જે, ‘હું નહિ બોલું.’ પછી અમે ગોપાળાનંદસ્વામી પાસે થઈ ઉતારે ગયા ને બીજે દિવસ સવારમાં સભા ભરાણી ને નિત્યાનંદસ્વામી માળા લઈને ફેરવવા મંડ્યા, ત્યારે સર્વેએ જાણ્યું જે, હવે નિત્યાનંદસ્વામી કાંઈ નહિ બોલે. એટલે મંજુકેશાનંદસ્વામીએ પ્રશ્ર્ન કર્યોં જે, ‘ધર્મદેવને પુત્ર કેટલા ?’ ત્યાં તો હું પણ ગયો ને પૂછ્યું જે, ‘શું પ્રસંગ ચાલે છે ?’ ત્યારે કહે જે, ‘ધર્મદેવના પુત્ર કેટલા ?’ ત્યારે અમે કહ્યું જે, ‘ધર્મદેવના ત્રણ પુત્ર છે એ કોણ નથી જાણતું ?’ પછી તો અમે વાતું કરવા માંડી જે, ‘ધર્મામૃતના કરનારા બેઠા છે, ત્યાં જ ‘ધર્મામૃત’ લોપાય છે ને મંડળ દીઠ પટારા થઈ ગયા છે. માટે આજ બેય આચાર્ય ભેળા થયા છો તે ‘ધર્મામૃત’ પળે તેમ કરો અને કાલ સવારે સૌના પટારા જોવા છે અને જેને ‘ધર્મામૃત’ પાળવાં હોય તે રહેજો ને બીજા ચાલવા માંડજો.’
પછી તો રાત બધી આઘુંપાછું કરવામાં કોઈ ઊંઘ્યા નહિ ને સવારમાં ભજનાનંદસ્વામીનો પટારો તપાસ્યો, તો તેમાં કાંઈ નીસર્યું નહીં. ત્યારે એક સાધુએ કહ્યું જે, ‘સ્વામિ, આ ભજનાનંદસ્વામીના પટારામાંથી તો કાંઈ નીસર્યું નહીં.’ ત્યારે અમે કહ્યું જે, ‘શું નીસરે, તારું કપાળ ? જ્યારે કાંઈ ન હોય ત્યારે બે પટારાનું શું કામ હોય ! અને સત્સંગમાંથી વૈદું કરીને અધમણ સોનું ભેળું કર્યું હતું, તે સત્સંગના કામમાં આવ્યું નથી ને કુસંગીના ઘરમાં રહ્યું.’ પછી સભા થઈ ત્યારે ઓલ્યા દેશના સર્વેને અમે કહ્યું જે, ‘આપણે કાલ મળ્યા નથી તે લો મળીએ.’ પછી સૌ મળ્યા ને ચાલી નીકળ્યા. એમ સદ્ગુરુનો ટંટો મટાડ્યો.
ઠાઠ : જૂઠો દેખાવ, ડોળ.
કરો : ઘરની દિવાલ.
અધમણ : અર્ધો મણ-દસ કિલોગ્રામ.
ટંટો : કજિયા-તકરાર.
(427) સ્વામીએ કોઠારમાં પુરુષોત્તમપણાની ઘણી વાતું કરીને કહ્યું જે, ‘મહારાજે ‘શિક્ષાપત્રી’માં કોઈ વાત અવિદ્વાન રાખી નથી.’ ત્યારે હરિશંકરભાઈએ પૂછ્યું જે, ‘કોઈ વાત અવિદ્વાન રાખી નથી, ત્યારે મહારાજનું પુરુષોત્તમપણું તથા મૂળઅક્ષરનું પ્રગટપણું ‘શિક્ષાપત્રી’માં શી રીતે છે, તે કહો.’ ત્યારે સ્વામી કહે, ‘એ વાત ‘શિક્ષાપત્રી’માં છે, પણ અતિ સૂક્ષ્મપણે લખી છે, એટલે કોઈના સમજ્યામાં આવતી નથી. ‘શિક્ષાપત્રી’ના પ્રથમ શ્ર્લોકમાં જ કહ્યું છે જે,
વામે યસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યસ્યાસ્તિ વક્ષસિ ।
વૃન્દાવનવિહારં તં શ્રીકૃષ્ણં હૃદિ ચિન્તયે ॥
(શિક્ષાપત્રી : શ્ર્લોક 1)
અર્થ : જેના ડાબા પડખાને વિશે રાધિકાજી રહ્યાં છે અને જેના વક્ષ:સ્થળને વિશે લક્ષ્મીજી રહ્યાં છે અને વૃંદાવનને વિશે વિહારના કરનારા એવા શ્રીકૃષ્ણનું હું ધ્યાન કરું છું.
એ શ્ર્લોકમાં મહારાજે એમ કહ્યું છે જે, ‘અમે શ્રીકૃષ્ણનું ધ્યાનરૂપ મંગળાચરણ કરીએ છીએ.’ એટલે એમાં મહારાજનું કહેવું એમ છે જે, શ્રીકૃષ્ણ તે અમે નથી, અમે તેથી પર છીએ અને મહારાજે રામાનંદસ્વામી જે, ઉદ્ધવનો અવતાર તેમનું શિષ્યપણું સ્વીકાર્યું, તેથી આ સંપ્રદાયનું નામ ઉદ્ધવી સંપ્રદાય પાડ્યું અને ઉદ્ધવજીના ઇષ્ટદેવ તરીકે શ્રીકૃષ્ણનાં સ્વરૂપો મંદિરમાં પધરાવ્યાં અને તેથી શ્રીકૃષ્ણના નામથી મંગળાચરણ કરે છે. તેથી મહારાજ ભક્ત થઈ ગયા એમ ન સમજવું. મહારાજે તો અનેક જગ્યાએ પોતાનું સ્વરૂપ પરાત્પર અને ન્યારું કહ્યું છે.
વળી જેમ શ્રીકૃષ્ણના ડાબા પડખાને વિશે રાધાજી રહ્યાં છે અને વક્ષ:સ્થળને વિશે લક્ષ્મીજી રહ્યાં છે, તેમ અક્ષરધામના ધામી એવા મહારાજની સમીપે, હંમેશાં તેમના મુખ્ય ભક્ત જે અનાદિ મૂળઅક્ષર તે સેવાધર્મે રહ્યા છે અને અનંતકોટિ અક્ષરમુક્તોએ અને અનેક ભક્તોએ પોતાના હૃદયમાં જેમનું સ્વરૂપ સ્થાપન કરેલ છે, તેવા મહારાજ તે સર્વેને અખંડ સંભાર્યા કરે છે. એમ સેવા, ધ્યાન અને તદ્રૂપપણાને પામેલ ભક્તગણે સહવર્તમાન ભગવાનના સ્વરૂપનું, આ શ્ર્લોકમાં સૂક્ષ્મ રીતે પ્રતિપાદન કરેલ છે અને ઉપાસ્યમૂર્તિ તો પોતે મહારાજ એક જ છે, એમ સમજવું અને અક્ષરનું તો ‘શિક્ષાપત્રી’ના 109 ને 110ના શ્ર્લોકમાં પ્રતિપાદન કર્યું છે. તે કેમ તો,
સ રાધયા યુતો જ્ઞેયો રાધાકૃષ્ણ ઇતિ પ્રભુઃ ।
રુક્મિણ્યા રમયોપેતો લક્ષ્મીનારાયણઃ સ હિ ॥
(શિક્ષાપત્રી : શ્ર્લોક 109)
અર્થ : જે તે રાધિકાજીએ યુક્ત હોય ત્યારે રાધાકૃષ્ણ એવા નામે જાણવા અને રુક્મિણીરૂપ જે લક્ષ્મી તેમણે યુક્ત હોય ત્યારે લક્ષ્મીનારાયણ એવા નામે જાણવા.
જ્ઞેયોઽર્જુનેન યુક્તોઽસૌ નરનારયણાભિધઃ ।
બલભદ્રાદિયોગેન તત્તન્નામોચ્યતે સ ચ ॥
(શિક્ષાપત્રી : શ્ર્લોક 110)
અર્થ : જે તે અર્જુને યુક્ત હોય ત્યારે નરનારાયણ એવે નામે જાણવા અને વળી તે શ્રીકૃષ્ણ જે તે બળભદ્રાદિકને યોગે કરીને તે તે નામે કહેવાય છે એમ જાણવું.
એ રીતે વર્તમાનકાળે પણ એમ જ કહેવાય છે, કહેતાં ‘સ્વામી’ જે અક્ષર ને ‘નારાયણ’ જે મહારાજ એમ ‘સ્વામિનારાયણ’ નામ છે; પણ સમજાવવા સારુ ઉપર રાધાદિકનાં દૃષ્ટાંત દીધાં છે ને જો એમ ન કહે તો રાધાજીએ યુક્ત હોય ત્યારે રાધાકૃષ્ણ એવે નામે જાણવા. તે એમ જાણ્યાથી આજના સત્સંગીને શું વિશેષ છે? માટે એમ લખવાનો હેતુ એ છે જે, જેમ રાધાકૃષ્ણ કહેવાય છે, તેમ જ સ્વામિનારાયણ કહેવાય છે, કહેતાં મહારાજે ભક્તિમાર્ગમાં પોતાના મુખ્ય ભક્ત જે અનાદિ મૂળઅક્ષર તેમના નામ સાથે પોતાના નામનું પ્રતિપાદન કરી ભજન કરાવ્યું છે; પણ એમ કોઈક જ સમજે છે.
વળી તે પછીના શ્ર્લોકોમાં કહે છે જે,
એતે રાધાદયો ભક્તાસ્તસ્ય સ્યુઃ પાર્શ્વતઃ ક્વચિત્ ।
ક્વચિત્તદઙ્ગેઽતિસ્નેહાત્સ તુ જ્ઞેયસ્તદૈકલઃ ॥
(શિક્ષાપત્રી : શ્ર્લોક 111)
અર્થ : એ જે રાધાદિક ભક્ત તે જે તે ક્યારેક તો તે શ્રીકૃષ્ણને પડખે હોય છે અને ક્યારેક તો અતિ સ્નેહે કરીને શ્રીકૃષ્ણના અંગને વિશે રહે છે ત્યારે તો તે શ્રીકૃષ્ણ ભગવાન એકલા જ હોય એમ જાણવું.
ભાવાર્થ એ છે જે, અનાદિ મુક્તો તે ક્યારેક તો મહારાજની સેવામાં રહે છે ને ક્યારેક તો અતિ સ્નેહે કરીને મહારાજને પોતાના અંગોઅંગ પ્રત્યે પરમ અદ્વૈતપણે ધારીને મહારાજરૂપ થઈને રહે છે. એવી સ્થિતિમાં તો તે ભક્ત મહારાજરૂપે જ છે એમ જાણવું. જેમ ગોપીઓ શ્રીકૃષ્ણ ભગવાનને પોતાના અંગને વિશે ધારીને બોલી જે, ‘હું શ્રીકૃષ્ણ છું ને મેં આ ગોવર્ધન ઉપાડ્યો છે, મેં અઘાસુરાદિકને માર્યા છે.’ એમ ભગવાનને ધ્યાને કરીને ભગવાનરૂપ થઈ ગઈ; તેમ જ અક્ષરમુક્તો પણ ધ્યાને કરીને મહારાજરૂપ થઈ રહે છે, ત્યારે એ ભક્તરૂપે જ મહારાજ છે. એટલે મહારાજ એકલા જ પ્રકાશી રહે છે, એમ સમજવું.
વળી,
અતશ્ચાસ્ય સ્વરૂપેષુ ભેદો જ્ઞેયો ન સર્વથા ।
ચતુરાદિભુજત્વં તુ દ્વિબાહોસ્તસ્ય ચૈચ્છિકમ્ ॥
(શિક્ષાપત્રી : શ્ર્લોક 112)
અર્થ : એ હેતુ માટે એ શ્રીકૃષ્ણ ભગવાનનાં જે સ્વરૂપ તેમને વિશે સર્વે પ્રકારે કરીને ભેદ ન જાણવો અને ચતુર્ભુજપણું, અષ્ટભુજપણું, સહસ્ત્રભુજપણું ઇત્યાદિક જે ભેદ જણાય છે તે તો દ્વિભુજ એવા જે તે શ્રીકૃષ્ણ તેમની ઇચ્છાએ કરીને છે એમ જાણવું.
ભાવાર્થ એ સમજવો જે, એવા ભક્ત અને ભગવાનને વિશે ભેદ ન સમજવો એમ કહ્યું છે, કહેતાં એવા ભક્તમાં ભગવાન અખંડ રહે છે.
વળી,
તસ્યૈવ સર્વથા ભક્તિઃ કર્તવ્યા મનુજૈર્ભુવિ ।
નિઃશ્રેયસકરં કિઞ્ચિત્તતોઽન્યન્નેતિ દ્દશ્યતામ્ ॥
(શિક્ષાપત્રી : શ્ર્લોક 113)
અર્થ : એવા જે તે શ્રીકૃષ્ણ ભગવાન તેની જે ભક્તિ તે જે તે પૃથ્વીને વિશે સર્વ મનુષ્ય તેમણે કરવી અને તે ભક્તિ થકી બીજું કલ્યાણકારી સાધન કાંઈ નથી એમ જાણવું.
ભાવાર્થ એ છે જે, એવા અર્થે સહિત જે શ્રી સ્વામિનારાયણની ભક્તિ તે જે તે સર્વને કરવી ને એવી પ્રગટ અક્ષર તથા પ્રગટ પુરુષોત્તમને વિશે નિષ્ઠારૂપ જે ભક્તિ, તે થકી બીજું એવું કલ્યાણકારી સાધન કાંઈ નથી એમ કહ્યું છે. તથા
ગુણિનાં ગુણવત્તાયા જ્ઞેયં હ્યેતત્ પરં ફલમ્ ।
કૃષ્ણે ભક્તિશ્ચ સત્સઙ્ગોઽન્યથા યાન્તિ વિદોઽપ્યધઃ ॥
(શિક્ષાપત્રી : શ્ર્લોક 114)
અર્થ : વિદ્યાદિક ગુણવાળા જે પુરુષ તેમના ગુણવાનપણાનું એ જ પરમ ફળ જાણવું, કયું તો જે શ્રીકૃષ્ણ ભગવાનને વિશે ભક્તિ કરવી ને સત્સંગ કરવો અને એમ ભક્તિ ને સત્સંગ એ બે વિના તો વિદ્વાન હોય તે પણ અધોગતિને પામે છે.
વિદ્યાદિક ગુણવાળા જે પુરુષ તેના ગુણવાનપણાનું એ જ પરમ ફળ જાણવું; કિયું, તો પ્રગટ અક્ષરપુરુષોત્તમને વિશે ભક્તિ કરવી; કહેતાં પ્રીતિ કરવી ને તે પ્રગટની નિષ્ઠાવાળા જે સંત તેનો સમાગમ કરવો અને આ કહ્યો એવો સત્સંગ તથા પ્રગટ પુરુષોત્તમની ભક્તિ કરવી, ને તેવી ભક્તિ ને સત્સંગ વિના તો વિદ્વાન હોય તે પણ અધોગતિને પામે છે; એટલે અક્ષરધામ વિના બીજા લોકને પામે છે, પણ પ્રગટ પુરુષોત્તમની નિષ્ઠા વિના અક્ષરધામને નહિ પામે, એમ મહારાજે તો ‘શિક્ષાપત્રી’માં કહી દીધું છે. પણ તે વાતું સૂક્ષ્મ છે, તેથી કોઈને સમજાતી નથી. આમ ‘શિક્ષાપત્રી’માં અવિદ્વાન વાત કોઈ નથી એમ સમજવું. આવી ઘણી વાતુંં કરી હતી, પણ તેમાંથી આ તો દીશમાત્ર જ લખી છે.
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
નિષ્ઠા : શ્રદ્ધા, આસ્થા, વિશ્ર્વાસ, ધારણા.
(428) જૂનાગઢના સાધુ, પાળા તથા બ્રહ્મચારીમાં આશરે પંદર-વીસ તો એકાંતિક ધર્મને પામશે, બાકી બીજા મંદિરમાં તો થાય તે ખરું ને ત્રણ પેઢી સુધી તો એકાંતિકધર્મ રહે; તેમાં હજી તો અમે મહારાજના મળેલા પહેલી પેઢી છીએ ને ગૃહસ્થ પણ કેટલાક એકાંતિક થાશે.
પાળા : સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જાતનો સેવક/પાર્ષદ.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
(429)
શ્રીજી પધાર્યા સ્વધામમાં રે, મેલી પોતાના મળેલ;
તે પણ તનને ત્યાગશે રે, ત્યારે રખે પડતી જો ભેળ. શ્રીજી 0
આ કીર્તન આખું બોલીને કહે જે, ‘હવે તો દહાડે-દહાડે આમ જ થાવાનું છે, હવે તો દેશકાળ ઊતરતા આવશે.’
(430) રાત્રિએ વાત કરી જે, ‘વહેવાર બહુ વધી ગયો, તેણે અંતર ઉઝરડાઈ જાય છે. જેમ ટોપરું ખમણીએ કરીને ઉઝરડાય છે, તેમાં ટોપરાનો આકાર પણ રહેતો નથી, તેમ ઉઝરડાઈ જાય છે ને વળી મંદિરનો વહેવાર કહેવાય તો નિર્ગુણ, એમ પણ થઈ જાય છે અને જ્ઞાન તો એક આનો થાય છે ને પંદર આના વહેવાર થાય છે; પણ નિરંતર વાતું થાય તો આંહીં રહ્યા અક્ષરધામ મૂર્તિમાન દેખાય ને સુખ આવે. પણ આ વાત બોલાય એવી નથી, આ તો રાત છે તે બોલી ગયા. માટે કરવાનું તો સારા મોટા એકાંતિક સાધુનો સંગ જ છે.’
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
(431) આ લીધું ને આ લેવું છે, આ દીધું ને આ દેવું છે, આ કર્યું ને આ કરવું છે, આ ખાધું ને આ ખાવું છે; આ જોયું ને આ જોવું છે, એ આદિક અનેક વાતુંનો અંત આવે તેમ નથી. માટે એમાંથી નિવૃત્તિ પામીને પરમેશ્ર્વરને ભજી લેવા.
(432) ઉત્તમ પુરુષ સેવ્યા હોય પછી તેને બીજાની વાતે એવું સુખ ન આવે, તેણે કેમ કરવું ? ત્યારે કહે, ‘એવાની વાતું સાંભળી હોય તેને ધારે, વિચારે ને બાકી બીજાથી પણ ઘટે એટલું ગ્રહણ કરે, એમ કરીને ગુજરાન કરે, બાકી મોટા તેનું પોષણ કરે ખરા.’