(1) યુધિષ્ઠિર રાજાના ઘરમાં ગૂઢ પરબ્રહ્મ મનુષ્યલિંગ મૂર્તિ રહ્યા હતા; તેમ આજ ગૂઢ પરબ્રહ્મ મનુષ્યલિંગ મૂર્તિ આપણા ઘરમાં પણ રહ્યા છે, એમ એક વિચારવું અને મહિમા એમ વિચારવો જે,
ત્રિભુવનવિભવહેતવેપ્યકુંઠ-
સ્મૃતિરજિતાત્મસુરાદિભિર્વિમૃગ્યાત્ ।
ન ચલતિ ભગવત્પદારવિન્દા-
લ્લવનિમિષાર્ધમપિ સ વૈષ્ણવાગ્ર્યઃ ॥
(શ્રીમદ્ ભાગવત : 11/2/53)
અર્થ : ત્રણેય ભુવનના વૈભવો આવીને ઊભા હોય તો પણ જેની ભગવાનમાં અખંડ બુદ્ધિ છે એવો તથા જેનો આત્મા શ્રીવિષ્ણુમાં છે એવો વૈષ્ણવજન, દેવોને પણ જેમની શોધ કરવી પડે છે એવા ભગવાનના ચરણકમળમાંથી એક લવમાત્ર પણ અથવા આંખના અર્ધા પલકારા જેટલા સમય માટે પણ ચલિત થતો નથી, તેવો વૈષ્ણવજન પ્રધાન વૈષ્ણવ ગણાય છે, વૈષ્ણવોમાં અગ્રેસર ગણાય છે.
એમ એક વિચારવું અને ભગવાનના મહિમા સામી દૃષ્ટિ કરીએ છીએ તો બહુ જ મોટો લાભ થયો છે ને આ સાધુના મારગ સામું જોઈએ તો ખોટ પણ ઘણી છે. પછી વજ્રની ખીલીનું વચનામૃત (વચ. ગ.અં. 7) વંચાવતી વખતે વાત કરી જે, ‘ખીલી બે પ્રકારની સમજવી. એક તો ત્રિભુવનવિભવહેતવેપ્યકુંઠ, એટલે અખંડ ભગવાનની સ્મૃતિ કરે ને બીજો પ્રકાર તો નિષ્ઠા છે. તે સ્મૃતિ તો થાય કે ન થાય પણ નિષ્ઠા ફરે નહિ ને નિષ્ઠા થકી ત્રિભુવનવિભવહેતવેપ્યકુંઠ, ની સ્થિતિ થઈ છે માટે એ ઠીક છે ને આપણામાં બહુધા તો નિષ્ઠાની સ્થિતિની ખીલી છે.’
(3) મહારાજે અમને વર આપ્યો છે જે, ‘હજાર જન્મે કરીને કામ કરવાનું હશે તે તમારું કામ એક જન્મે કરીને કરી આપશું.’
(4) આખો દિવસ એક જણ કોટ ચણે ને એક જણ એક કાંકરી નાખે એટલામાં પડી જાય. તેમાં અંતે ચણનારો થાકશે. તે કાંકરી તે શું ? જે, આખા દહાડામાં સંકલ્પ કરી કરીને કોટ ઊભો કરે ને પછી સાંજે સાધુ પાસે આવે; પછી સાધુ વાત કરે જે, ‘જો તું જુગતે કરી, દેહ તારો નથી.’ એવી રીતે ખોટું કરી નાખે. ને આ સાધુ તો હરેક રીતથી ઉપશમ કરાવીને વિષયને ભુલાડી દે ને વિષય ભોગવવા હોય તો તેને પણ ભુલાડી દે ને નહિ તો છેલ્લી બાકી ભક્તિ કરાવીને ઉપશમ કરાવે ને કાંઈ સાંભરવા દે નહીં. ને આ સાધુ તો અનેક પ્રકારથી જીવને બ્રહ્મરૂપ કરી દે, તે એને ખબર પડે નહિ; જેમ અંગ્રેજનાં લોઢાં છે તે એને ખબર પડે નહિ ને અડતામાં જ કાપી નાખે, એમ જ્ઞાનીને અનંત લોચન છે.
જુઓ પ્રકરણ 2ની વાત 160
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
(5) પૂર્વના સંસ્કારથી વાસના બીજરૂપ છે, તે તો મોટાને મન સોંપીને રાજી કરે, ત્યારે મોટાના અનુગ્રહથી ટળે છે; પણ બીજા કોઈ ઉપાયથી ટળતી નથી.
વાસના : પૂર્વના સંસ્કારોથી મકકમ થયેલી કામના.
(6) આપણામાં ત્યાગ બહુ શોભે પણ તેમાંય વિઘ્ન છે ને ભક્તિ બહુ શોભે પણ તેમાંય વિઘ્ન છે ને આત્મનિષ્ઠામાંય વિઘ્ન છે; પણ જેણે મોટા સાધુને મન સોપ્યું છે તેમાં વિઘ્ન નથી. તે ઉપર કેટલાકને વિઘ્ન થયાં તેનાં નામ લીધાં.
(7) ઉપશમ કરવા બેસવું તે વખત ભગવાનની મૂર્તિ વિના બધુંય વિસારી દેવું.
(8) સચ્ચિદાનંદસ્વામી યોગવાળા, તેથી એમ કહેતા જે, ‘ગોપાળાનંદસ્વામીનો સંગ કરશો નહિ, નીકર બ્રહ્મજ્ઞાની કરી મૂકશે.’ બ્રહ્મજ્ઞાનમાં કાંઈ લાગે નહિ, તેથી પાળવું ઓછું પડે ને કારસો પણ થોડો આવે; માટે બધાય બ્રહ્મજ્ઞાની થાય તેમાં વિષયથી તો મુકાય, પણ બ્રહ્મજ્ઞાન કરતાં કરતાં ઉપાસનામાંથી પડી જાય; પણ આપણા સત્સંગમાં તો ઉપાસનામાંથી પડાય એવું જ્ઞાન છે જ નહીં.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
કારસો : ભીડો/ભીડામાં-કસોટીમાં લે.
(9) હમણાં જણાતું નથી, પણ આપણને ભગવાન મળ્યા છે માટે કૃતાર્થ થયા છીએ.
કૃતાર્થ : જેનું કાર્ય સિદ્ધ થઈ ચુકયું છે તે, ધાર્યું કાર્ય પાર પડ્યાનો આનંદ.
(10) ‘ભાગવત’માં કહ્યું છે જે,
યશ્ર્વ મૂઢતમો લોકે યશ્ર્વ બુધ્ધે: પરં ગત: ।
તાવુભૌ સુખમેધેતે ક્લિશ્યત્યન્તરિતો જન: ।।
(શ્રીમદ્ ભાગવત : 3/7/17)
અર્થ : આ લોકમાં જે પરમ મૂઢ હોય અથવા જે બુદ્ધિની પરમ પાળે પહોંચી ગયો હોય એ બે જ સુખ અનુભવે છે. વચગાળાનો જન દુ:ખ જ અનુભવતો હોય છે.
એવી રીતે ભગવાનને જાણે તો તેને કાંઈ જાણવું રહેતું નથી. માટે પુરુષોત્તમને જાણ્યા તેને કાંઈ જાણવું રહ્યું નથી; બધાય ગુણ એમાં આવશે. જેમ અમૃત પીએ તેમાં બધી ઔષધિ આવી જાય તેમ. ને બીજા ગુણ આપણે શીખીએ છીએ પણ ત્યાગ પ્રધાન થઈ જાય, આત્મા પ્રધાન થઈ જાય, ધર્મ પ્રધાન થઈ જાય તે ઠીક નહિ, એ તો જાનૈયા છે ને વર તો ભગવાન છે. માટે ભગવાનને પુરુષોત્તમ સમજે છે તેને કાંઈ સમજવું રહ્યું નથી; તેનામાં બધાય ગુણ આવશે ને બહુ મોટો લાભ થયો છે તે મોઢે કહેવાય તેમ નથી ને તોળાય તેમ નથી.
વચ. લો. 10
અર્થ : ધન, સંપત્તિ.
પાળે : સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જાતનો સેવક/પાર્ષદ.
(11) ભગવાનથી અંતરાય રહે છે તેટલું અંતરમાં દુ:ખ રહે છે. આપણી ફિકર ભગવાનને છે, ભગવાન આપણી રક્ષામાં છે. જેમ છોકરાં મા-બાપને ઘરેણાં કરાવવાનું કહેતાં નથી; પણ એની મેળે જ કરાવે છે, તેમ આપણે ભગવાનને કહેવું નહિ પડે, એની મેળે જ રક્ષા કરશે. ને કહેશો જે, ભગવાનના ભક્તને દેહમાં રોગ કેમ આવે છે ? તો એ તો દેહમાં વાસના બહુ છે, માટે એની વાસના તોડાવ્યા સારુ રોગને પ્રેરે છે ને પછી શુદ્ધ કરે છે.
અંતરાય : અડચણ, વિઘ્ન, અવરોધ
વાસના : પૂર્વના સંસ્કારોથી મકકમ થયેલી કામના.
(12) તીર્થને વિશે જળબુદ્ધિ ન કરવી ને ભગવાનના ભક્તને વિશે જાતિની બુદ્ધિ ન કરવી; મરને ભગવાનનો ભક્ત શ્ર્વપચ હોય તો પણ પોતાના કુટુંબે સહિતનો મોક્ષ કરે છે ને તે વિના બાર ગુણેયુક્ત એવો બ્રાહ્મણ છે તો પણ પોતાનો મોક્ષ કરી શકતો નથી.
મરને : ભલેને.
શ્ર્વપચ : કૂતરા જેવા વફાદાર પ્રાણીને પણ મારીને ખાનાર માનવીની નીચ કોમ
(13) આપણા પ્રભુ તો હમણાં આંહીં પૃથ્વી ઉપર છે. આ વાતમાં ઘણો જ મર્મ છે, તે સમજતા હોય તે સમજે અને આવી વાતું ને આવા સાધુ કોઈ દિવસ પૃથ્વી ઉપર આવ્યા નથી ને હવે આવશે પણ નહીં.
(14) મધ્યનું 11મું વચનામૃત વંચાવીને વાત કરી જે, ‘આ વચનામૃત બધાય ગૃહસ્થને સમજવાનું છે ને આ વાત ન સમજ્યા હોય ત્યાં સુધી જીવમાંથી સંશય મટે જ નહીં.’
(15) પ્રગટ ભગવાન મળ્યા છે, તેથી પરિપૂર્ણ કલ્યાણ માનવું પણ અધૂરું માનવું નહિ ને સાધન કરવાં અથવા સાધુ થાવું એ તો બધુંય વિઘ્ન ન થાય તેને અર્થે છે, પણ ઉપાસનાની દૃઢતા રાખીને વળગી રહેશો તો પાર પડી ગયું છે. ને જે સંતમાં ભગવાન હોય, તેની સેવા કરે તો તે પુરુષોત્તમ ભગવાનને મેળવી દે.
વચ. કા. 12
(16) સત્સંગ શબ્દનો અર્થ મોટા સાધુનો સંગ એ સત્સંગ. ને જેણે મોટા સાધુને વશ કર્યા, તેને ભગવાન વશ થઈ રહ્યા.
અર્થ : ધન, સંપત્તિ.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
(17) વિષયના ત્યાગની ઘણી જ વાતું કરીને પછી બોલ્યા જે, ‘સાંખ્યની રીતે કરીને જનકરાજાની પેઠે જુદા પડવું એ પણ એક મારગ છે; પણ આપણે તો વિષયનો ત્યાગ કરવો એ મારગ છે.’
(18) એક દિવસ સાધુએ ઘણી ભક્તિ કરી તે જોઈને મહારાજ રાજી થયા ને પછી વાત કરી જે, ‘કામ, ક્રોધ આદિક જે અંતરશત્રુ છે તે જીવથી જિતાય તેવા નથી, પણ અમે ને મોટા સાધુ તમારા પક્ષમાં છીએ તે અમે મદદ કરશું એટલે જિતાશે; માટે તમે હિંમત રાખીને મંડ્યા રહેજો.’ તે ઉપર ટિટોડીએ ગરુડની સહાયથી સમુદ્ર પૂરી દીધાની મહારાજની કહેલી વાત કહી.
(19) વિષયના ત્યાગની બહુ આકરી વાતું કરીને કહે જે, મહારાજ કહેતા જે, ‘ગૃહસ્થની તરફથી તો મુને સુખે ઊંઘ આવે છે, પણ વાંઢા પુરુષ ને ધણી વિનાની બાયડીઓ (બાઈઓ) એમના તરફથી ઊંઘ આવતી નથી.’
(20) પ્રથમનું 16મું વચનામૃત વંચાવી વાત કરી જે, ‘ભગવાન ને સંત જે વચન કહે તેમાં સંશય કરવો, એમ પણ નહિ; તેમ સંશય ન કરવો એમ પણ નહીં. એમાં જ્ઞાન જોઈએ.’
(21) જેને જીવનું રૂડું કરવું હોય તે આ સાધુની પાસે આવીને વાતું સાંભળજો.
(22) એક ઉપાસના, બીજી આજ્ઞા, ત્રીજો સાધુ સમાગમ ને ચોથું સત્શાસ્ત્રનું વ્યસન, એ ચાર દૃઢ કરીને રાખવાં.
(23) સંવત 1859ની ઊતરતી મોસમમાં અલૈયા ગામમાં પ્રથમ પહેલાં મહારાજનાં અમને દર્શન થયાં, તે બે ઘડી સામસામાં જોઈ રહ્યા; એટલામાં નિશ્ર્ચય થઈ ગયો, દુ:ખ ટળી ગયું, મહિમા સમજાઈ ગયો ને બધુંય કામ થઈ રહ્યું ! માટે ગુણાતીત એવા જે ભગવાન તેનાં જીવ દર્શન કરે તો બ્રહ્મરૂપ થઈ જાય, પણ ભગવાનની માયાનું બળ એવું છે જે, કોઈ દર્શન પણ ન કરે.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
(24) મહારાજ તથા મોટા સાધુ તે તો ગારુડી ને વાદી જેવા છે તથા મણિધર જેવા છે, તે ફૂંક મારે તો કામ, ક્રોધ બળી જાય.
(25) મોટાનો રાજીપો થયા વિના વાસનાનું બીજ ટળે નહિ ને ન દોડવું હોય તો દોડાય ને ન જોવું હોય તો જોવાય; એવું અવસ્થાનું બળ છે.
(26) જીવથી સ્વતંત્રપણે વિષય ભોગવાતા નથી, તે તો તેના કર્મફળપ્રદાતા જે, ભગવાન તે ભોગવવા દે તો ભોગવાય.
(27) બ્રહ્મરૂપ થાવું ત્યારે તેની વાતું બ્રહ્મજ્ઞાનીના જેવી કરવી પડે છે, પણ તેથી તેમાં કોઈ ખાતર પાડી જાય તેવું છે ને તેથી જ પ્રથમ તો આત્માની માન્યતા થાય ને પછી આત્મારૂપે વરતાય.
વચ. ગ.મ. 51
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
(28) કોઈક ઠેકાણે શ્રી સ્વામિનારાયણને ભગવાન કહ્યે સમાસ થાય ને કોઈક ઠેકાણે શ્રી સ્વામિનારાયણને ભગવાન ન કહ્યે સમાસ થાય. માટે જેમ સમાસ થાતો હોય તેમ વાત કરવી.
(29) દેહ હોય તે દોષ તો હોય, પણ અનુવૃત્તિમાં રહે છે તેથી દોષનો શો ભાર છે; મરને રહ્યા ને કરવાનું તો થઈ રહ્યું છે, પણ આ તો વિઘ્ન ટાળીએ છીએ અને દોષ તો ઝાડી જેવા છે, તે ઝાડી હોય તે તુરત ટળી જાય નહીં. વાતું સાંભળતાં મહિમા જણાશે તેમ ટળશે. મહિમાની કસર છે. મધ્યનું 13મું વચનામૃત વંચાવીને વાત કરી જે, ‘આંખની વૃત્તિ, કાનની વૃત્તિ, બધી વૃત્તિયું હૃદયાકાશમાં રહે છે, તેથી કોઈનો ભાર રહેતો નથી, એ મજકૂર છે.’
મરને : ભલેને.
કસર : ખોટ, ઉણપ.
મજકૂર : મુદ્દો, મુખ્ય અર્થ, રહસ્ય.
(30) આટલું જ સમજવાનું છે જે દેહને મૂકીને જેને મળવું હતું, જેને પામવું હતું ને બીજા ભક્ત પણ દેહને મૂકીને જેને પામ્યા છે તેને આપણે છતી દેહે જ પામ્યા છીએ. તેના તે જ ભગવાન ને તેના તે જ સાધુ છે; પણ આપણને જે પ્રાપ્તિ, મહિમા, સુખ ને લાભ થયો છે તેને આપણે ઓળખતા નથી; કેમ જે, ભગવાનની માયાએ બાંધી લીધા છે. ને એ અજ્ઞાન એટલું દુ:ખ છે. આ વાત વારંવાર પાંચ વખત કરી અને દેહ મૂકીને કાંઈ જોવું બાકી રહ્યું નથી, દેહને મૂકીને આ મળ્યા છે તેની પાસે જાવું છે. આના આ જ ભગવાન છે, આના આ જ સાધુ છે.
(31) મૂળજી બ્રહ્મચારી જેવા સત્સંગમાં કોઈ નિષ્કામી નહિ, પણ તે બીજાને નિષ્કામી કરી શકે નહીં. ને પંડે નિષ્કામી હોય ને નિષ્કામીની રીતને જાણતા હોય તે બીજાને નિષ્કામી કરી શકે.
(32) મુક્તાનંદસ્વામીનામાં થોડી પોલ નભે, બ્રહ્માનંદસ્વામીનામાં નભે ને ગોપાળાનંદસ્વામીનામાં નભે, બીજા બધાયના મંડળમાં પોલ નભે, પણ કૃપાનંદસ્વામીના મંડળમાં પોલ નભે નહીં.
(33) સ્ત્રી, ધન, દેહાભિમાન ને સ્વભાવ એ ચારમાંથી જેની જે ચિકિત્સા જાણતા હોય, તેની પાસેથી તે શીખવું ને ચારેય ગુણ એકને વિશે હોય એવા પુરુષ મળે તો ચારેય ગુણ એની પાસેથી શીખવા.
ચિકિત્સા : ગુણ-દોષ પારખવાની શક્તિ- દોષદર્શન.
(34) આ લોકના હોય તે આ લોકમાં ભળી જાય ને આ લોકના ન હોય ને પરદેશી હોય તે આ લોકમાં ભળે નહિ ને ભળે તો ચિત્તમાં ગુણાતીત માને ને ધર્મમાં રહીને ભળે. ને આંહીં આ બધું નિર્ગુણ કરીને બેઠા, ત્યારે હવે એ નિર્ગુણનો શો ખપ રહ્યો ? માટે જ્ઞાન-વૈરાગ્યથી નિષેધ કરી મૂકવું ને કામ, લોભ, માન, સ્વાદ એ આજ્ઞા બહાર જેને વળગ્યાં છે તેને બ્રહ્મરાક્ષસ વળગ્યા છે.
નિષેધ : શાસ્ત્રવિહિત મનાઈ.
બ્રહ્મરાક્ષસ : ભૂતયોનિને પામેલ બ્રાહ્મણ.
(35) આવી વાતું બીજે ક્યાંય નથી; આ તો અક્ષરધામની વાતું છે, ભગવાનની છે, નારાયણની છે અને બુદ્ધિવાળા હોય તે સાધુને ઓળખે, સત્સંગને ઓળખે; માટે મહારાજે કહ્યું છે જે, ‘બુદ્ધિવાળા ઉપર અમારે હેત થાય છે.’
(36) આપણે તો આત્મા છીએ, બ્રહ્મરૂપ છીએ ને હમણાં કાંઈ દેખાતું નથી પણ દેહ મૂકીને દેખાશે. અને ‘ભગવદ્ ગીતા’માં કહ્યું છે જે, યશ્ચ મૂઢતમો લોકે... જે મૂઢ થકો મને જાણે છે તેને બીજું કાંઈ જાણવું રહેતું નથી ને આપણો મહિમા તો બહુ મોટો છે અને દેહમાં દોષ હશે તો તેને મૂકીને ભગવાનની સેવામાં રહેવું છે, પણ ભગવાન મળ્યા છે તેને બીજે રહેવું નથી. ને આપણી મૂડી દેખાડે તો છકી જવાય ને કોઈને ગાંઠે નહિ; વિશ્ર્વરૂપાનંદસ્વામી કોઈને ગાંઠતા નહિ, મહારાજને પણ ગાંઠતા નહીં. ને હમણાં તો મહારાજ પ્રગટ છે તે સત્સંગી હોય તે જાણે, બીજાને જણાય નહિ અને અમે તો જે આ વાતું સાંભળે છે તેને જ સત્સંગી જાણીએ છીએ; નીકર તો ભગવાં લૂગડાં કર્યાં હોય તેને પણ સત્સંગી ગણતા નથી.
વચ. લો. 10
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
(37) પ્રગટ ભગવાન વિના કરોડ નિયમ પાળે પણ કલ્યાણ ન થાય અને પ્રગટ ભગવાન ને આ પ્રગટ સાધુની આજ્ઞાથી એક નિયમ રાખે તો કલ્યાણ થાય. ને આજ તો મોજ આપી છે, તે મોજનું મૂલ હોય નહીં. માટે અગિયાર નિયમ પાળવા ને મહારાજને ભગવાન પુરુષોત્તમ સર્વના કારણ સમજવા, એવી જ્ઞાનની દૃઢતા કરવી તેને કાંઈ કરવું રહ્યું નથી. ભજન ઓછું થાશે, તીર્થ ઓછાં થાશે તેની ફિકર નથી.
વચ. વ. 2
વચ. ગ.મ. 21
પાળે : સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જાતનો સેવક/પાર્ષદ.
મોજ : રાજીપાના ફળસ્વરૂપે મળેલ ઇનામ, બક્ષિસ.
મૂલ : મૂલ્ય, કિંમત.
દૃઢતા : મક્કમતા, દૃઢપણું.
(38) ‘સ્વામિનારાયણ’ના નામથી કાળો સાપ કરડ્યો હોય તો ઝેર ચડે નહિ ને દેહનું આયુષ્ય કોઈનું ખૂટી રહ્યું હોય તો મરે, નીકર એ મંત્ર જપે તો મરે નહીં. ને આ ભગવાન, આ મંત્ર ને આ સાધુ બીજે ક્યાંય નથી.
(39) ‘બીજાને તો કામ પીડતો નથી ને મને એકલાને પીડે છે અને બીજાને વિશે તો એકેય દોષ નથી, મારે વિશે જ છે’ એમ ન સમજે ને બીજાના જોવા માંડે તો પણ ભૂંડું થાય.
(40) ગામ હળિયાદમાં વાત કરી જે, ‘શબ્દ સાંભળ્યા વિના જ્ઞાન થાય નહિ ને જ્ઞાન વિના કાં તો છકી જવાય ને કાં તો ગ્લાનિ પામી જવાય ને કાં તો અધર્મી થઈ જવાય; માટે જેણે સાત્ત્વિક સેવ્યા હોય, તેની બુદ્ધિ ન ભેદાય.’ તે ઉપર શ્ર્લોક બોલ્યા જે,
કામાદિભિર્વિહીના યે સાત્ત્વતાઃ ક્ષીણવાસના ।
તેષાં તુ બુદ્ધિભેદાય ક્વાપિ કાલો ન શક્નુતે ॥
(વાસુદેવ માહાત્મ્ય : 8/7)
અર્થ : જેઓ કામાદિક દોષથી રહિત, સત્ત્વ ગુણમય અને વાસના રહિત હોય છે, તેઓની બુદ્ધિને ભેદવા માટે કદી પણ કાળ સમર્થ થઈ શકતો નથી.
એ શ્ર્લોક બોલીને વાત કરી જે, ‘જ્ઞાન થયા વિના તો ઘનશ્યામાનંદસ્વામીના જેટલો કલ્યાણનો ખપ હોય ને એમના જેટલી ભક્તિ કરતા હોય, તો પણ વિઘ્ન લાગે. ને તે બહુ ભક્તિ કરતા હતા પણ જ્ઞાન વિના ગોપાળાનંદસ્વામીનો ત્યાગ કર્યો ને પછી મેં બહુ જ વાતું કરી ને જ્ઞાન થયું તે પછી એમને સાચવવા પડ્યા નહિ; માટે સાધુ ઓળખ્યાથી અજ્ઞાન ટળે છે. ને ભગવદાનંદસ્વામી આદિક કેટલાક પોતે તો ગોપાળાનંદસ્વામીને મોટા સમજે, પણ શિષ્ય પૂછે તો તેને કહે નહિ ને મૂળગો દોષ દેખાડે.’
ગ્લાનિ : અનુત્સાહ, ગમગીની, અણગમો.
માહાત્મ્ય : મહિમા, મહત્વ.
અર્થ : ધન, સંપત્તિ.
વાસના : પૂર્વના સંસ્કારોથી મકકમ થયેલી કામના.
મૂળગો : તદ્ ન
(41) ભગવાનના મનુષ્યભાવમાં મોહ થયાની ઘણી જ વાતું કરી, પણ ભગવાનમાં તો મનુષ્યભાવ કહેવાય જ નહિ ને આપણે જેમ દેહ ને જીવ જુદા છે તેમ ભગવાનમાં કહેવાય નહીં.
મનુષ્યભાવ : દેહભાવ, માયિકભાવ, જેમાં ગુણાનુરાગ - ગુણાનુબુદ્ધિ પ્રવર્તે છે તેવો ભાવ.
(42) મુક્ત હોય તે કામ, લોભના લાગમાં આવે જ નહિ ને પોતાનું ભૂંડું દેખાય ને લાજ જાય એવું કર્મ તો કરે જ નહિ ને બંધાય તો કદાચિત્ રાજ-સમૃદ્ધિમાં બંધાય પણ જેવા તેવામાં તો બંધાય જ નહીં.
(43) ધર્મ તો લાજે કરીને રહે છે ને ધનો ભક્ત પણ મહારાજને આપણી પેઠે જ ભગવાન જાણે છે; પણ નિયમમાં રહ્યો નહિ તો ધર્મથી ભ્રષ્ટ થઈ જવાણું.
(44) લાભનો પાર નથી ને આમાંથી ધક્કો લાગે તો ખોટનો પણ પાર નથી. બહુ જ મોટો લાભ થયો છે, તે કહેવાય તેવો નથી.
(45) સારંગપુરનું 11મું વચનામૃત વંચાવતી વખતે કોઈક હરિભક્તે પૂછ્યું જે, ‘મૃત્યુ આડી ઘડી હોય ત્યારે ભગવાનમાં શી રીતે જોડાવાય ?’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘એને ભગવાનમાં જોડાવાની રુચિ હોય ને દેહનો અંત આવી જાય તો ભગવાન ને સાધુ તેની મદદ કરે, રક્ષા કરે, તેથી ભગવાનને વિશે જોડાઈ જવાય; માટે રુચિ સારી રાખવી.’
(46) વળી એમ બોલ્યા જે, ‘જે વખતમાં ભગવાન ભજવાની જેવી રીત હોય, તેવી રીતે ભગવાન ભજવા તેમાં રામાવતારની રીત બીજી; તથા કૃષ્ણાવતારની રીત બીજી તથા ઋષભદેવ ને પરશુરામની રીત બીજી ને શુકજીની બીજી રીત; ને આજ મહારાજની રીત બીજી છે. માટે જે સમે (સમયે) જેવી ભગવાન ભજવાની રીત હોય તે પ્રમાણે ભગવાન ભજવા.’ પછી કોઈક હરિભક્તે કહ્યું જે, ‘મનુષ્યદેહ ધરીને તમે ઓળખાણા, એ મોટી વાત થઈ.’ ત્યારે કહે જે, ‘હા, સાધુ તો પ્રાણથી પણ અધિક વા’લા (વ્હાલા) થઈ ગયા છે.’
(47) ગામ કુંકાવાવના કરસન ભક્તે પૂછ્યું જે, ‘મને તો તમારા વિના જૂનાગઢમાં કોઈ પાસે બેસવું ગમતું નથી ને તમારા વિના કોઈની વાત સાંભળવી ગમતી નથી, માટે એકલો બેસી રહું છું.’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘એ તો રુચિ પ્રમાણે રહે છે.’
(48) રણછોડ ભક્તે કહ્યું જે, ‘વિપરીત દેશકાળ આવે છે ત્યારે ભગવાન સાંભરતા નથી ને ઉદ્વેગ થાય છે, માટે તેનું કેમ સમજવું ?’ સ્વામીએ ઉત્તર કર્યો જે, ‘ભગવાન સર્વકર્તા છે, કઠણ દેશકાળમાં તો કોઈને ભગવાન સાંભરે જ નહિ, પણ આ લોકમાં ચોંટાય તો નહિ, ને આ લોકમાંથી વૈરાગ્ય થાય ને ચોંટાય નહિ તે સારુ ભગવાન એને દુ:ખિયો રાખે છે; માટે સર્વકર્તા ભગવાનને સમજવા.’
વચ. વ. 2
વચ. ગ.મ. 21
(49) હળિયાદથી નીકળીને બગસરામાં આવ્યા. ત્યાં વાત કરી જે, ‘જે સમયમાં જેને હાથ કલ્યાણ કરવાનું ભગવાને સોંપ્યું હોય તેનાથી કલ્યાણ થાય; જેમ પરીક્ષિતને શાપ થયો ત્યારે વ્યાસજી આદિક ઘણા મોટા હતા પણ શુકજી આવ્યા ત્યારે કલ્યાણ થયું.’
(50) આ સાધુ મનુષ્ય જેવા જણાય છે, પણ મનુષ્ય જેવા નથી ને આજ તો પ્રગટ ભગવાન છે, પ્રગટ સાધુ છે, પ્રગટ ધર્મ છે ને આ સમામાં જેને નહિ ઓળખાય તેને પછવાડેથી માથું કૂટવું પડશે.
સમામાં : સમયમાં.
(51) પાપીનો વાયરો આવે તો સાઠ હજાર વરસનું પુણ્ય જતું રહે ને આ સાધુનો વાયરો આવે તો સાઠ હજાર વરસનું પાપ બળી જાય ને પુણ્ય થાય.
(52) આપણને તો ભગવાને રાજી થઈને પોતાનું અક્ષરધામ બક્ષિસ આપ્યું છે ને ભગવાન એવા ઉદાર છે જે, જેના ઉપર રાજી થાય છે, તેને પોતાનું ધામ બક્ષિસ આપી દે છે. ને સત્સંગ તો પછવાડેથી (પાછળથી) દશ હજાર ઘણો થાશે, પણ આ સાધુ ને આ વાતું નહિ મળે ને મહારાજ પ્રગટ થયા ત્યારે આ સાધુ દીઠા, નહિ તો આ સાધુ બીજે હોય નહીં.
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
બક્ષિસ : ભેટ.
દશ : દિશા.
(53) ગામ વાંકિયામાં બહુ જ વાતું કરીને કહ્યું જે, ‘આવી વાતું તો પારસો વળે ત્યારે થાય છે, નીકર થાય નહિ ને આ વાતું ફરીને જન્મ થાવા દે તેવી નથી.’
(54) પાંડવો ભગવાનના પ્રતાપે કરીને દુ:ખને, જેમ સમુદ્ર ગાયના પગલા જેટલો તરવાને સુગમ થાય તેમ તરી ગયા. માટે આપણે તો કામ-ક્રોધ જીતવા એ તો તીમંગળથી ને દુર્યોધનના સૈન્યથી પણ બળિયા છે; પણ ભગવાનની આજ્ઞામાં રહ્યાથી તરી જવાશે; માટે ભગવાનના પ્રતાપનું બળ રાખવું.
(55) જૂનાગઢમાં કડવા વાણિયાને વાત કરી જે, ‘દેહ હોય તે દોષ તો હોય, પણ ભગવાન માંહી (અંદર) પેઠા છે તે દેહ પડશે પણ ભગવાન માંહીથી નીકળે તેવા નથી.’
(56) ગામ બાબાપરમાં હરિભક્તને કહ્યું જે, ‘જે છે તે તો આંહીં આવ્યું છે ને જૂનાગઢમાં તો હવે કોઈ નથી, ડુંગર છે.’
(57) ગામ વાંકિયામાં વાત કરી જે, ‘મુક્ત હોય તેને વિષય ગમે નહિ ને અક્ષરધામમાં ભગવાન છે અને આંહીં જે આવ્યા છે તેના તે જ ત્યાં છે; પણ આ ભગવાનમાં ને ત્યાં છે તેમાં લગાર ફેર નથી એમ સમજવું, તે જ માયાને તરવાનું છે.’
લગાર : જરાય
(58) અક્ષરધામ ને અક્ષરના મુક્તે સહિત ભગવાન આહીં આવ્યા છે ને ભગવાનને કાંઈ જોઈતું નથી ને ધર્માદો-નામવરો લે છે તે તો સેવા અંગીકાર કરે છે ને ત્યાગી-ગૃહસ્થ બેય મળીને જીવોનું કલ્યાણ કરવા વાસ્તે રીત બાંધી છે ને ગૃહસ્થાશ્રમ છે તે વહેવાર તો કરવો પણ તેનું ભજન કરવું નહીં. ને બધુંય પામ્યા છીએ પણ ભગવાન નહોતા પામ્યા તેને પણ પામ્યા ને એમ જાણશો જે હવે કાંઈ પામવાનું રહ્યું હશે ? પણ કાંઈ બાકી રહ્યું નથી; બધુંય પામી રહ્યા છીએ.
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
(59) ગામ દેવરાજિયામાં વાત કરી જે, ‘દેહને મૂકીને જેને પામવા હતા, જેને મળવું હતું, તે ભગવાન આપણને મળ્યા ને દેહ મૂકીને ભગવાનને પામવા હતા, સાધુને પામવા હતા, તે ભગવાન ને સાધુ આ આપણને મળ્યા એ જ છે.’ એમ ગાદી ઉપર હાથ પછાડીને કહ્યું. ‘ને આ સાધુ છે તે ભગવાનનું ધામ છે, તેને દેહ છતે જ પામ્યા છીએ ને કોઈના વાંકમાં ન આવીએ માટે શિક્ષાપત્રી પાળવી, એટલા વાસ્તે (માટે) જ મહારાજે કરી છે.’
(60) પ્રગટ ભગવાન છે, પ્રગટ સાધુ છે, પ્રગટ મોક્ષ છે; માટે ધર્મમાં રહીને આવરદા પૂરી કરવી. બહુ જ મોટો લાભ થયો છે તેને સાચવવો, નીકર જેમ ચિંતામણિને કોઈક આંખમાં ધૂડ નાખીને લઈ જાય તેમ લઈ જાશે. ને ભગવાનનો એટલો પરચો છે જે, ભગવાન વિના બીજાથી આટલા જીવનાં અંતર શુદ્ધ થાય નહિ. ભગવાન હોય તે અંતર ઝાલે ને આ તો બહુ જ મોટો લાભ થયો છે, તે શું? જે, મહારાજનું પ્રગટ થાવું ને તેવામાં આપણો જન્મ થાવો, ત્યારે આ વાતું મળી છે, તે તો બહુ જ લાભ થયો છે. એમ ઘણી વખત કહ્યું.
(61) સમાધિથી નિર્ગુણ ન થયા ને જ્ઞાનથી નિર્ગુણ થયા. ત્યારે ચતુર્ભુજદાસજીએ પૂછ્યું જે, ‘સંતને ને ગૃહસ્થને સરખા નિર્ગુણ કેમ કહ્યા ?’ ત્યારે સ્વામીએ ઉત્તર કર્યો જે, ‘એક તો નાગો બાવો હોય તેને સમુદ્ર તરવો હોય ને ઉચાળાવાળા ગૃહસ્થને પણ સમુદ્ર તરવો હોય, તો બેયને (બંનેને) વહાણનું કામ પડે મરને કોપીન પણ ન પહેરતો હોય પણ સમુદ્ર તરાય નહીં. માટે વહાણમાં નાગો બાવો બેસે ને ઉચાળાવાળો ગૃહસ્થ બેસે, તેને તો બાયડી હોય, છોકરાં હોય, ભેંશ હોય, રેંટિયો હોય તે બધુંય સમુદ્ર બરાબર તરે. ને તે વિના તો દ્રવ્યને અડતા ન હોય, અષ્ટ પ્રકારનું બ્રહ્મચર્ય પાળતા હોય ને મહા ત્યાગી હોય પણ ભગવાન ન મળ્યા હોય તો તેનું કલ્યાણ ન થાય ને માયાને ન તરે ને ગૃહસ્થનું કલ્યાણ થાય ને માયાને તરે.’
પછી મધ્યનું 11મું વચનામૃત વંચાવીને વાત કરી જે, ‘ગૃહસ્થમાત્ર આ વચનામૃત સમજે તો અંતરે શાંતિ રહે ને આ વાત અટપટી છે.’ ત્યાં દૃષ્ટાંત દીધું જે, ‘ભગવાનના આશ્રય વગરનો ભોગાવાની રેતમાં ચૈત્ર મહિનાના તાપમાં ઢૂંઢિયો બેઠો હોય તેને દેખીને એમ જાણે જે આનું કલ્યાણ થાશે પણ એનું કલ્યાણ નહિ થાય. ને ગૃહસ્થ હોય તેને બાયડી હોય, આઠ છોકરાં હોય, સોળ હળ હોય, સોળ ભેંશું હોય એ આદિક હોય, તેને દેખીને એમ જાણે જે આનું કલ્યાણ નહિ થાય; પણ તેને ભગવાન મળ્યા છે તો એ બધાયનો મોક્ષ થાશે. આ વાત તો જેમ કોઈકને ઘી ખાધાથી રોગ થયો હોય ને પાછો ઘી ખવરાવીને મટાડે તેવી છે. તે બીજાને સમજાય નહિ, મહારાજને જ સમજાય ને એ પ્રશ્ર્નનો ઉત્તર પણ મહારાજથી જ થાય, બીજાથી થાય નહીં. એના એ રજોગુણ, તમોગુણ ને સત્ત્વગુણ તેથી નરકમાં જવાય ને એના એ ગુણથી મોક્ષ થાય.’ તે ઉપર શ્ર્લોક બોલ્યા જે,
આમયો યશ્ર્વ ભૂતાનાં જાયતે યેન સુવ્રત ।
તદેવ હ્યામયં દ્રવ્યમ ન પુનાતિ ચિકિત્સિતમ્ ।।
(શ્રીમદ્ ભાગવત : 1/5/33)
અર્થ : હે સદાચારી વ્યાસ ! પ્રાણીઓને જે પદાર્થના અયોગ્ય સેવનથી રોગ થાય છે, તે જ પદાર્થ જો શુદ્ધ કરીને યોગ્ય પ્રમાણમાં યોગ્ય રીતે સેવન કરાય તો તે રોગને દૂર કરે છે, તેવી રીતે કર્મ, મનુષ્યોના સંસારનાં કારણ બનતાં હોવા છતાં તે જ કર્મ અનાસક્તભાવે ઈશ્ર્વરાર્પણભાવથી કરાય તો તેની નિવૃત્તિ થઈ શકે છે.
(જુઓ પ્રકરણ 5ની વાત 15)
ઉચાળાવાળા : સાંસારિક ઉપાધિવાળા.
મરને : ભલેને.
ઢૂંઢિયો : એક પ્રકારના જૈન સાધુ.
અર્થ : ધન, સંપત્તિ.
(62) અક્ષરધામ બહુ જ છેટું છે, પણ આપણને ભગવાને થડમાં કર્યું છે. આ મનુષ્ય જેવા થઈને બેઠા છીએ ને આપણને અક્ષરધામના મુક્તના જેવી વાતું સમજાય છે ને કરાય છે, તે ભગવાનનો ને આ સાધુનો અનુગ્રહ છે. ને આવો સમાગમ મળ્યો છે ને અહો ! અહો ! નથી થાતું તે તો આ વાત કોઈ દિવસ કરી નથી; આ લોકનું જ કૂટ્યું (કર્યું) છે.
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
અનુગ્રહ : કૃપા, ઉપકાર, મહેરબાની.
(63) ગામ ચાડિયામાં વાત કરી જે, ‘ઘરમાં રહેવું તે મહેમાનની પેઠે રહેવું.’
(64) બ્રહ્મા બેઠા હોય ત્યાં શુકજીથી તથા સનકાદિકથી વાત થાય નહિ; કેમ જે, લોકમાં એમની વાત પ્રમાણ થાય નહિ; શાથી જે તેમની લોકમાં પ્રસિદ્ધિ નહિ ને જેનું લોકમાં પ્રમાણ થાતું હોય તેનું તો ઠેકાણુંય ન હોય.
(65) ઉપાસના દૃઢ હોય ને ધન-સ્ત્રીમાં લેવાઈ જાય, તે અલ્પ દોષ કહેવાય. ત્યારે હરિશંકરભાઈએ પૂછ્યું જે, ‘લોકમાં તો જે ન લેવાતો હોય તેનું સારું દેખાય.’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘લોકનું શું કામ છે ? ઉપાસનાના બળે દોષમાત્ર ટળી જાશે; મૂળ તપાસો ને !’
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
(66) ગામ માળિયામાં વાત કરી જે, ‘આ તો ભગવાન જેવા સાધુ છે, બાવા કે વૈરાગી નથી.’
(67) ગામ પીઠવાજાળમાં વાત કરી જે, ‘કોઈ કહેશે જે અક્ષરધામ કેવું હશે? તો આપણે તો ભગવાન દીઠા છે, અક્ષરધામમાં રહેનારા દીઠા છે, ભગવાનની હજૂરના (નજીકના) ને ભગવાનની પાસે રહેનારા દીઠા છે ને કાનમાં વાતું કરી છે, હવે તો તેજ દેખાતું નથી એટલું બાકી છે; માટે આ સાધુ છે તેમાં જ ભગવાન રહ્યા છે, માટે વિશ્ર્વાસ રાખજો.’
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
(68) ગામ ચરખામાં વાત કરી જે, ‘બહુ મોટો લાભ થયો છે, માટે બાજરો ભેળો કરીને સાધુ પાસે બેસી રહેવું.’
(69) મહારાજ કહેતા જે, ‘હરિજનના અવગુણ હું જોતો નથી. અવગુણ દેખાય છે તો આડું જોઉં છું; જેમ લોકમાં મા-બહેનને ઉઘાડાં દેખે તો આડું જુએ તેમ.’
(70) આપણને ખોટ કેટલી છે, તો જેવા મળ્યા છે તેવો મહિમા જણાતો નથી ને જેવો લાભ થયો છે તે પણ જણાતો નથી; જેમ ગાયકવાડનો છોકરો મૂળા સારુ રોવે (રડે), એટલી ખોટ છે. (જુઓ પ્રકરણ 5ની વાત 119)
(71) ગામ ઓળિયામાં વાત કરી જે, ‘આ સાધુ ઓળખાણા એ મોટી વાત છે, આ સાધુ ઓળખાય તેવા નથી, આ તો પરદેશી સાધુ છે, તે ઓળખાણા એ તો આશ્ર્ચર્ય જેવું છે.’
(72) ગામ મોટા ગોખરવાળામાં વાત કરી જે, ‘ભગવાન કે ભગવાન ઓળખ્યા હોય તેના થકી જ ભગવાન ઓળખાય છે.’
(73) સંકલ્પ કરે તેને મહારાજ કશું આપે નહિ, ત્યાં દૃષ્ટાંત, ‘એક વખત મહારાજ દહીં ને ભાત જમતા હતા, તે વખત બધાયે સંકલ્પ કર્યો ને મેં સંકલ્પ ન કર્યો; તેથી બોલાવીને પ્રસાદી આપી.’
(74) ગામ નાના ગોખરવાળામાં વાત કરી જે, ‘ભગવાનને અર્થે પૂર્વે કરેલું તેનું ફળ આપવા સારુ મહારાજ અમને મૂકી ગયા છે.’
(75) સાધુ સેવ્યા હોય ને નિર્વાસનિક હોય તો પણ શ્રીકૃષ્ણ ભગવાન તથા પર્વતભાઈ તથા ગોવર્ધનભાઈની પેઠે છોકરાં તો થાય, પણ તેમને વિષયનું ભજન ન થાય અને વાસનિક હોય ને સાધુ ન સેવ્યા હોય, તે તો વનમાં આસન કરે, તો પણ પ્રીતિ તો ગામમાં જ હોય ને ત્યાગ કરે તો પણ તેનું જ ભજન થાય અને સાધુ સેવ્યા હોય તેને વિષયનું ભજન ન થાય ને દેહે કરીને ક્રિયા કરે.
જુઓ પ્રકરણ 1ની વાત 113
નિર્વાસનિક : વાસનારહિત.
(76) ગામ સાવરથી આવતાં રસ્તામાં વાત કરી જે, ‘સમાગમ વિના ખોટ રહે ને બળિયો હોય તો એટલે જ રહે, પણ સંગ વિના વૃદ્ધિ પામે નહિ ને સમાગમ વિના વાસના તો રહે, પણ આપણા સ્વામી છે તેને આપણી ચિંતા છે, તે કોઈક એવા મોટાનો જોગ મેળવી કસર ટળાવશે. ને આ વાતું હમણાં તો જણાતી નથી પણ આગળ જતાં મોટાં ઝાડ થાશે.’
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
વાસના : પૂર્વના સંસ્કારોથી મકકમ થયેલી કામના.
કસર : ખોટ, ઉણપ.
(77) સંગ ત્રણ પ્રકારનો છે. તેમાં વિષયનો સંકલ્પ ન હોય તે ઉત્તમ ને વાસનાને દબાવીને આજ્ઞામાં વરતે તે મધ્યમ ને આજ્ઞા લોપે તે અધમ. ને કૃપાનંદસ્વામી જેવા તો ભગવાનના સાધર્મ્યપણાને પામેલા, તેથી તેને ભગવાન જેવા કહેવાય, પણ એ વાત બીજાને કહેવાય નહિ; શાથી જે કોઈ માને નહિ, ને આ તો વગડો છે તેથી કહેવાય.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
વગડો : ગામ બહારની નિર્જન જગ્યા.
(78) શ્ર્વપચ હોય ને તે અમૃત પીએ તો તે અમર થઈ જાય.
શ્ર્વપચ : કૂતરા જેવા વફાદાર પ્રાણીને પણ મારીને ખાનાર માનવીની નીચ કોમ
(79) ગૌલોકમાં વિષય ભોગવે છે ને જ્ઞાન છે તેથી પાછી દાઝ પણ થાય છે.
(80) ગામ ગઢડામાં વાત કરી જે, ‘એકને તો એવું આવડે જે, પ્રવૃત્તિમાં રાખે પણ કાંઈ અડવા દે નહિ ને એક તો એવો ખોસી મૂકે તે કોઈ દિવસ નીકળી શકે જ નહીં. આપણે તો બહુ કાળની વાત નથી, આપણે મૂકવું નથી; પણ આપણને મળ્યા છે એ સાધુ રહેવા દે તેવા નથી. આપણે તો એ સાધુનું કામ છે, એ મળ્યા એટલે કોઈ વાતની ફિકર નથી.’
(81) ગામ ગઢડામાં વાત કરી જે, ‘સત્ત્વગુણની મૂર્તિ હોય તેને ભગવાનનો નિશ્ર્ચય ન થાય અને તમોગુણની મૂર્તિ હોય તેને ભગવાનનો નિશ્ર્ચય થાય.’ ત્યાં આલશી ઘાંચીનું તથા મયારામ ભટ્ટનું દૃષ્ટાંત દીધું. ‘માટે ગુણનો કાંઈ મેળ નથી. માટે રજોગુણ, તમોગુણ ને સત્ત્વગુણ એ ત્રણેયથી પર ગુણાતીત થાવું એ જ ઠીક છે.’
(જુઓ પ્રકરણ 11ની વાત 124)
મૂર્તિ : સંતો.
(82) ધનમાંથી આસક્તિ ટળી ગઈ હોય તેનાથી દ્રવ્ય ઉપાર્જન કરવાનો પ્રયત્ન થાય નહિ ને વહેવાર કરે તો તે ન કર્યા જેવો કરે. તે ઉપર માવા ભક્તનું દૃષ્ટાંત દીધું.
આસક્તિ : મોહ, અતિશય સ્નેહ, લગની.
ઉપાર્જન : પ્રાપ્તિ માટેની ક્રિયા.
(83) ગામ ગઢડામાં વાત કરી જે, ‘આપણને ભગવાનમાં પ્રીતિ છે, પણ જણાતી નથી.’ તે ઉપર મહારાજનું કહેલું દૃષ્ટાંત દીધું જે, ‘જીવાખાચરને ગરાસમાં હેત છે, પણ હમણાં કાંઈ જણાતું નથી, પણ તેને કોઈ લેવા આવે ત્યારે જણાય; તેમ આપણને કોઈ સત્સંગ મુકાવા આવે ત્યારે હેત જણાય.’
(84) બોટાદ જતાં રસ્તામાં વાત કરી જે, ‘જેને સુખિયું રહેવું હોય તેણે પોતાથી દુ:ખિયા હોય તેને સંભારવા, પણ પોતાથી સુખિયા હોય તેના સામું જોવું નહિ; કેમ જે, સુખ તો પ્રારબ્ધને અનુસારે મળ્યું છે.’
(85) મહારાજે અનેક પ્રકારનાં સાધન-નિયમ બતાવ્યાં છે, તેમાં મુખ્ય બ્રહ્મચર્ય છે અને મહારાજનો અવતાર થયો છે તે તો મૂળ અજ્ઞાનનો નાશ કરવાને અર્થે થયો છે, તે અનેક પ્રકારથી ફેરવીને એ વાત સમજાવશે. તે મૂળ અજ્ઞાન તે શું? જે, ત્રણ દેહથી જુદું પોતાનું સ્વરૂપ સમજીને ભક્તિ ન થાય, એ જ છે. ને આ વાત કરોડ જન્મ ધર્યે પણ સમજાય નહિ, મોટા સાધુ સમજાવે ત્યારે સમજાય.
(86) ગામ અરણેજથી ધોળકે જતાં રસ્તામાં મેમરની વાવ ને તલાવડી મૂક્યા પછી વાત કરી જે, ‘સનકાદિકને કનિષ્ઠ કહીએ ને શુકજીને અધિક કહીએ, તો કહેશે જે સાધુની નિંદા કરી; પણ સનકાદિકને વૈરાટની ઉપાસના છે તેથી તે કનિષ્ઠ છે ને શુકજીને શ્રીકૃષ્ણની ઉપાસના છે તેથી તે અધિક છે, એમ મહારાજે ખરડામાં લખાવ્યું છે.’
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
(87) મોટા સાધુનો અવગુણ નહિ હોય ને કાંઈ દોષ હશે તો તેની ભગવાનને ફિકર છે, પણ મોટા સાધુનો અવગુણ લેશે તેનું તો પાપ વજ્રલેપ થાશે.
(88) આગળ ધોળકા, અમદાવાદ આવે છે તેમાં કશુંયે જોવું નહિ; ને જે જોવાનું છે, પૂજવાનું છે, સેવા કરવાનું છે તે તમારા ભેગું છે, માટે તેના સામું જોઈ રહો, પણ આ વાત સમજાય તેવી નથી. ને બધાય એમ કહે છે જે, ‘ગોપાળાનંદસ્વામી, નિત્યાનંદસ્વામી દેહ મૂકી ગયા, હવે કેની પાસે જઈએ?’ પણ રઘુવીરજી મહારાજ બહુ જ મોટા હતા તે દેહ મૂક્યા પછી જણાણા. ને આપણને બહુ જ લાભ થયો છે તેનો મહિમા બ્રહ્માના કલ્પ સુધી કહીએ તો પણ પાર આવે નહિ ને ન સમજાય તો ખોટ પણ બહુ છે, તેનો પણ બ્રહ્માના કલ્પ સુધી કહેતાં પાર આવે નહીં. આ પ્રમાણે પ્રગટ સ્વરૂપ ઓળખવાની ઘણી જ વાતું કરી.
કલ્પ : આપણાં ચાર અબજ બત્રીશ કરોડ વર્ષનો સમય - બ્રહ્માનો એક દિવસ (પણ રાત નહિ)
(89) ધોળકામાં વાત કરી જે, ‘મહારાજના મળેલા દેહ મૂકી દેશે તે પછી કોઈક મુક્તને દેહ ધરાવશે. તે પણ આ સંપ્રદાયમાં જ દેહ ધરાવશે; કારણ કે, આવો શુદ્ધ સંપ્રદાય બીજો કોઈ નથી.’
(90) અમદાવાદમાં વાત કરી જે, ‘હાલ મહારાજ પ્રગટ છે, તેમ જ જ્ઞાન આપે છે, તેમ જ નિયમમાં રાખે છે, તેમ જ ધર્મ પળાવે છે, તેમ જ ઉપદેશ આપે છે.’
(91) વરતાલમાં વાત કરી જે, ‘બીજું કાંઈ કરવાનું નથી, એના થઈને એને જીવ સોંપી દેવો, એટલે બધુંય કરી રહ્યા છીએ અને અક્ષરધામમાં મહારાજ આમ ને આમ ઉત્તરાદે મુખારવિંદે બેઠા છે.’ એમ વાત કરીને પગના અંગૂઠાથી તે શિખાપર્યંત હાથની આંગળીએ કરીને બતાવ્યું.
(92) જે જે લખ્યું તે વાંચ્યું નહિ તો તે લખ્યું તે ન લખ્યું ને કદાપિ વાંચ્યું પણ તેમાં સૂરત ન રાખી તો તે વાંચ્યું તે ન વાંચ્યું ને કદાપિ સૂરત રાખી પણ તેમ કરવાને મારગે ન ચલાય, તો પણ શું ? માટે રજ, તમ ન હોય ને સત્ત્વની પ્રવૃત્તિ હોય ત્યારે સ્થિર થઈને, સ્થિર મને વાંચીને મનનો તપાસ કરવો તો તે સમાસ કરે. તે મનના તપાસનું કહ્યું છે જે, શબ્દ સર્વે જુદા જુદા પોતાના ઉરમાં લેવા ને તપાસવા ને એમ થાય છે કે નહિ, તેનો તપાસ કરીને એમ જ કરવું.
(93) જેમ કોઈકના ઘરમાં ચિંતામણિ દાટી હોય પણ તે ખોદીને કાઢે નહિ ત્યાં સુધી દરિદ્રી રહે છે, તેમ આત્મા-પરમાત્માનું જ્ઞાન છે.
ચિંતામણિ : ઇચ્છા પૂરી કરે તેવો દિવ્ય મણિ.
(94) જ્યારે જ્યારે કામાદિક આવે ત્યારે ત્યારે ઉપેક્ષા કરવી, કહેતા એનાં સંકલ્પ મૂકીને બીજી ક્રિયામાં પ્રવર્તવું, એટલે તે સંકલ્પનું જોર ચાલે નહીં. તેમાં દૈત્યનું દૃષ્ટાંત દીધું જે, વજ્રે કરીને ન મૂવો ને ભગવાને કહ્યું તેથી દરિયાના ફીણે પ્રહ્લાદે માર્યો ત્યારે મૂવો. તેમ તે કામાદિકના સંકલ્પ ટાળવાના ઉપાય પણ કહ્યા છે, પણ તે સર્વે ઉપાય કરતાં તે સમે બીજી કોઈક ક્રિયામાં મંડવું, તેથી ઓલ્યો સંકલ્પ ટળી જાય.
(95) પ્રથમ સાધન દશામાં તો પૂરું જ્ઞાન ન થાય ને પૂરું જ્ઞાન ન થાય ત્યાં સુધી પૂરું સુખ પણ ન આવે. તે ઉપર દૃષ્ટાંત દીધું જે, જેમ થોડો વરસાદ થાય ને નદીમાં નવું-જૂનું પાણી ભેળું થાય તે મૂળગું બગડે. પછી ઘણો વરસાદ થાય ત્યારે સર્વે નવું પાણી થાય; તેમ પરિપૂર્ણ જ્ઞાન થાય ત્યારે સુખ થાય.
(96) મહારાજનું કહેલું કહ્યું જે, ‘જ્યાં સુધી પોતાને પુરુષ મનાશે ત્યાં સુધી સ્ત્રી જોશે ને જ્યાં સુધી પોતાને સ્ત્રી મનાશે ત્યાં સુધી પુરુષ જોશે; તે પ્રકૃતિપુરુષ સુધી જોશે.’ માટે,
નિજાત્માનં બ્રહ્મરૂપં દેહત્રયવિલક્ષણમ્ ।
વિભાવ્ય તેન કર્તવ્યા ભક્તિઃ કૃષ્ણસ્ય સર્વદા ॥
(શિક્ષાપત્રી : શ્ર્લોક 116)
અર્થ : સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ જે ત્રણ દેહ તે થકી વિલક્ષણ એવો જે પોતાનો જીવાત્મા તેને બ્રહ્મરૂપની ભાવના કરીને પછી તે બ્રહ્મરૂપે કરીને શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ જે તે સર્વ કાળને વિશે કરવી.
એ સિદ્ધાંત છે.
વચ. ગ.અં. 22
જુઓ પ્રકરણ 2ની વાત 161
પ્રકૃતિપુરુષ : ચેતન અકર્મણ્ય પુરુષની મદદથી જડ પ્રકૃતિમાંથી સમગ્ર સૃષ્ટિની ઉત્પતિ થઈ તે
અર્થ : ધન, સંપત્તિ.
(97) પૂર્તકર્મ છે એ સર્વે અશાંતિકૃત છે ને કથાવાર્તામાં જ સુખ છે. બીજાં સર્વ કામ કરનાર ઘણા છે. જે આજ્ઞા કરીએ તેમાં તૈયાર છે, ને કરવાનું તો ધ્યાન છે ને એમાં જ સુખ છે એ વાતે અટકે; પણ કર્યા વિના છૂટકો નથી. નિદ્રા ને સ્ત્રી બરાબર કહ્યાં છે.
(100) પોતાને જીવરૂપ માને તેમાં તો દોષ રહ્યા છે ને અક્ષરરૂપ માને તો તેમાં દોષ જ નહીં. ને અક્ષરમાં જવું છે એમ રહે છે, પણ અક્ષર પોતાને માને ત્યારે જવાનું ક્યાં રહ્યું ?
(101) આપણો જન્મ બે વાત સાધવા સારુ થયો છે, તેમાં એક અક્ષરરૂપ થાવું, એમાં દેહ અંતરાયરૂપ છે ને બીજું ભગવાનમાં જોડાવું, તેમાં સંગ અનેક પ્રકારના અંતરાયરૂપ છે, એ બે ખોટ ટાળવી.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
(102) પોતામાં જે જે ગુણ હોય તે બીજાને દેખાડે તે કનિષ્ઠ ને જે દેખાડે નહિ ને ઢાંકે નહિ તે મધ્યમ ને જે ઢાંકી રાખે છે તે ઉત્તમ પુરુષ છે. ને મોટા હોય તે આપણા ઠેરાવ ને આપણી રુચિ અનુસારે પ્રતિપાદન કરે.
(103) એક તો પતિનો ગર્ભ ને એક તો પરપુરુષનો ગર્ભ, તેમાં જેમ ફેર છે તેમ ભગવાનનું બળ ને સાધનનું બળ તેમાં ભેદ છે, એમ મહારાજે કહ્યું છે.
(104) શાસ્ત્ર છે તે કાર્ય છે ને મોટા છે તે કારણ છે.
(105) માનસીપૂજા તો અંત:કરણમાં થાય છે; કેમ જે, સંકલ્પ કરવા પડે છે, માટે તે તો સૂક્ષ્મ દેહ છે. ને પ્રતિલોમમાં તો સંકલ્પ નહિ ને પોતાને નિરાકાર માનવું ને તેમાં ભગવાન તો રહ્યા જ છે. જેમ પૃથ્વીમાં જળ રહ્યું છે, દૂધમાં ઘી રહ્યું છે ને તલમાં તેલ રહ્યું છે ને ફૂલમાં સુગંધ રહી છે, તેમ જ જીવમાં ભગવાન રહ્યા છે.
નિરાકાર : પોતાને ત્રણ દેહના માયિકભાવથી રહિત અર્થાત નિરંજન ને કેવળ બ્રહ્મભાવે આત્મારૂપ માનવું.
(106) નિરંતર પોતે પોતાનો તપાસ કરવો ને પાછું વાળીને જોવું જે, આ કરવાનું છે ને હું શું કરવાને આવ્યો છું ને શું થાય છે ?
(107) એક રુચિવાળા પાંચ ભેગા હોય કે બે ભેગા હોય, તો પણ લાખ-કરોડ ભેગા છીએ ને તે વિના તો ગમે તેટલા ભેગા હોય તો પણ એકલા છીએ.
(108) મોટાનો સંગ કરે તો ધ્યાન-ભજનને ઘસારો આવે ને ધ્યાન-ભજન કરે તો સંગમાં ઘસારો આવે, તેમાં શું કરવું ? એ પ્રશ્ર્નનો ઉત્તર કર્યો જે, ‘સંગ કરવો; સંગ થાશે તેમાંથી વિષય ટળવાના છે, પણ સંગ વિના વિષય કેમ ટળશે ?’
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
(109) એક હરિભક્તે પૂછ્યું, તેના ઉત્તરમાં કહ્યું જે, ‘વિષયને ભોગવે તો ચિંતવન થાય, ને બહુ બળ થાય તો ભોગવાય; પણ અંતે ન ભોગવવું ને મૂકવું એ જ સિદ્ધાંત છે.’
(110) મોટા સાથે જીવ જોડે ત્યારે દોષ ટળી જાય છે ને તેના ગુણ આવે છે. તેમાં દૃષ્ટાંત જેમ કાચને સૂર્ય સામો રાખે છે તેમાંથી દેવતા થાય છે.
કાચને : બિલોરી કાચને.
(111) આપણને મહારાજ મળ્યા તે આપણે અક્ષરરૂપ માનવું પણ દેહ હું નહિ ને વિષય પરાભવ કરે એ તો દેહનો રાહ જ છે, તો પણ અક્ષર માનવું.
(112) ભગવાનનો નિશ્ર્ચય છે, પણ જો કોઈક મંદિર આંચકી લે ને ભગવાન કાંઈ સહાય ન કરે, તો કેટલાકનો નિશ્ર્ચય ટળી જાય ને દૃઢ નિશ્ર્ચયવાળાને તો સર્વ ટળી જાય પણ સંશય થાય નહીં.
(113) સર્વોપરી જ્ઞાનને મતે તો આ લોક ને આ લોકનો વહેવાર એ કાંઈ નથી, આ લોક તો અનેક પ્રકારે અંતરાય કરે છે.
અંતરાય : અડચણ, વિઘ્ન, અવરોધ
(114) શહેરનું સેવન, ભંડાર, કોઠાર, રૂપિયા, અધિકાર એ આદિ જીવને બગાડવાના હેતુ છે.
(115) મોટાનું સેવન એક વરસ કર્યું હોય તો પણ તેની મોટા ખબર લે છે, જેમ આરુણી ને ઉપમન્યુ કૂવામાં પડી ગયા હતા ત્યારે તેમના ગુરુ ખોળતાં ખોળતાં ત્યાં ગયા તેમ.
(116) ઐશ્ર્વર્ય તો દૈત્યમાં પણ છે, પૃથ્વીનું ટીપણું વાળીને લઈ ગયો; માટે એમાં માલ ન માનવો.
(117) બે પ્રકારનું સુખ છે. તે એક તો જ્ઞાને કરીને સુખિયા ને એક તો ભગવાનની મૂર્તિના ધ્યાને કરીને સુખિયા છે; ને સાંખ્ય ને યોગ એ બેમાંથી એક હોય તોય સુખી થાય છે.
(118) લાડવા જમવા ને પતરાવળું જે દેહ તે નાખી દેવું.
(119) ખરેખરી ભગવાનની ઉપાસના થઈ હોય તેને કોઈક કારણવશાત્ નરકના કુંડમાં નાખે તો ત્યાં પણ આનંદ રહે; કેમ જે, જુઓને, આ દેહ છે તે પણ નરકનો કુંડ જ છે, તો પણ જીવ તેમાં ચોંટ્યો છે.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
(120) બે પ્રકારના મુક્ત; તેમાં એકને મતે તો જગત ઝાંઝવાના જળ જેવું દેખાય, પણ પીવાય નહીં. ને એકને મતે છે જ નહિ; જેમ સૂર્યના મંડળમાં રાત (રાત્રિ) નથી તેમ.
(121) સો કરોડ રૂપિયા હોય ને એક દોકડો (રૂપિયાનો સોમો ભાગ) ખોવાઈ જાય તો તે ગણતીમાં નહિ, તેમ ભગવાનનો મહિમા સમજાય તેને કોઈ વાતની ગણતી ન રહે.
(122) જ્ઞાન તો નિવૃત્તિમાં થાય, પણ આખો દિવસ નવરું રહેવાય નહિ, તે સારુ પ્રવૃત્તિમાં જોડીએ છીએ, નીકર દેહાભિમાની થઈ જવાય.
(123) કેટલાકને મન રમાડે છે ને કેટલાક મનને રમાડે છે. આ વાત નિત્યે વિચારવા જેવી છે.
(124) વાસનાવાળો અક્ષરધામમાં જાય કે ન જાય ? એ પ્રશ્ર્નનો ઉત્તર મહારાજે કર્યો જે, ‘લીમડે ઊંચી વસ્તુ બાંધી હોય તેને જે છોડવાનો દાખડો કરતો હોય ને તેનાથી તે ન છૂટે તો તેને બીજો છોડી આપે; તેમ વાસના ટાળવાના ઉપાય કરતો હોય તેને ભગવાન સહાય કરે છે.’
વાસના : પૂર્વના સંસ્કારોથી મકકમ થયેલી કામના.
(125) ભગવાનનું સુખ નથી આવતું તેનું શું કારણ છે ? ત્યારે બોલ્યા જે, ‘એને વિષય અદ્ધર રાખી મૂકે છે.’
(126) ભગવાન મળવા કઠણ છે, તેમ જ આ સાધુ મળવા કઠણ છે, તેમ વિષય મૂકવા પણ કઠણ છે.
(127) વરસાદ સુખદાયી છે પણ જેના ઘરમાં પાણી ભરાય તેને દુ:ખદાયક છે ને કાળરૂપ છે ને મોટા જીવને સુખરૂપ છે તેમ ઝીણા જીવને દુ:ખરૂપ છે.
(128) સંગનો ભેદ એમ છે જે, સો જન્મે એકાંતિક થાવાનો હોય તે આજ થાય અને આ જન્મે એકાંતિક હોય તેને પણ સો જન્મ ધરવા પડે; એ બે ભેદ છે. ત્યાં દૃષ્ટાંત દીધું જે, લાકડું ને પાણો એકબીજાને તારે ને બુડાડે.
વચ. લો. 6
જુઓ પ્રકરણ 2ની વાત 178
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
પાણો : પથ્થર.
(129) હરેક વાતમાં, બોલવામાં, ક્રિયામાં સૂઝી આવે તે મહારાજની પ્રેરણા એમ સમજવું.
(130) ભગવાનની મૂર્તિ, ભગવાનના સાધુ ને ભગવાનની આજ્ઞા, એ ત્રણ વાતમાં જ માલ છે, એવો બીજી કોઈ વાતમાં માલ નથી. ને જ્ઞાન-વૈરાગ્ય ને ધર્મ, તે તો જેમ કોદાળા, પાવડા, દાતરડાં તેને ઠેકાણે છે.
(131) ભગવાન અંધારામાં બેઠા હોય ને આપણે જોઈએ ત્યારે આપણા તેજે ભગવાનનું દર્શન થાય, તો પણ એમ સમજવું જે, સર્વે એનું આપેલ મને છે, ત્યારે એનું નામ સમજણ કહેવાય. એ વાત સમજવી.
(132) ભગવાનને રોટલા દેવા હશે તો આકાશમાંથી દેશે, નહિ દેવા હોય તો ઘરમાંથી પણ બળી જાશે.
(133) તરગાળો વેશ કાઢે છે તેને મૂરખ છે તે સ્ત્રી દેખે છે ને જે ડાહ્યો છે તે પુરુષ દેખે છે, એમ જગત ખોટું છે.
તરગાળો : ગાવા-નાચવાનો ધંધો કરનાર બહુરૂપી નટ.
(134) નિર્વાસનિક સાથે હેત થયું હોય તો તેને ધક્કો મારીને લઈ જાય છે, તે તો સવાસનિકને કેમ જણાય જે મારે હેત થયું છે ? ત્યારે બોલ્યા જે, ‘એની આજ્ઞાએ કરીને અથવા પ્રારબ્ધવશે કરીને છેટું રહેવું પડે, તો પણ તેને પાસે રહ્યાની તાણ રહ્યા કરે ને ધક્કા તે શું ? તો એના વિષયનું અનેક પ્રકારથી ખંડન કરી નાખે.’
નિર્વાસનિક : વાસનારહિત.
(135) શાંતને વિશે કામ ને અભિમાન રહે છે અને આકળાને વિશે માન રહે છે.
(136) ‘વચનામૃત’ કરતાં બીજામાં માલ મનાય છે, એ જ મોહ જાણવો.
(137) ભગવાન મળે તો પણ કાંઈક કસર રહી જાય, પણ આ સાધુ મળે તો કોઈ કસર રહેવા દે નહીં.
કસર : ખોટ, ઉણપ.
(138) કામાદિક દોષ છે તે જેમ જેમ ભગવાનની આજ્ઞામાં વરતે તેમ તેમ મોળા પડે, પણ બીજરૂપે તો રહે; તે મોટાની દૃષ્ટિ થાય ત્યારે તે બીજ નાશ પામે છે ને મોટાની દૃષ્ટિ પણ ગુણથી ને સેવામાંથી થાય છે.
(139) મહારાજે વાસના ટાળવાની વાત કરી ત્યારે શુકમુનિએ કહ્યું જે, ‘હે મહારાજ ! તમે મળ્યા છો ને હવે વાસનાનો શો ભાર છે ?’ ત્યારે મહારાજ બોલ્યા જે, ‘હું મળ્યો છું તે તમારી રક્ષા તો કરીશ, પણ જ્યાં સુધી વાસના હશે ત્યાં સુધી તમને ફડકો મટશે નહિ, માટે નિર્વાસનિક થાવું. ત્યાં દૃષ્ટાંત દીધું; જેમ કોઈ પુરુષ સૂતો હોય ને તેના ઉપર સાપ ચડે, પછી બીજો પુરુષ હોય તે તેની રક્ષા કરે, પણ ઓલ્યા સૂનારને ફડકો પડે ખરો; તેમ તમારી રક્ષા તો હું કરીશ પણ વાસના હશે ત્યાં સુધી તમને ફડકો મટશે નહિ, માટે નિર્વાસનિક રહેવું.’
વાસના : પૂર્વના સંસ્કારોથી મકકમ થયેલી કામના.
ફડકો : ધ્રાસકો, ભયની ધ્રુજારી.
નિર્વાસનિક : વાસનારહિત.
(140) ભગવાનના ભક્તના ગુણ કહેવા; તેમાંથી જીવ બ્રહ્મરૂપ થઈ જાય ને એમાં દાખડો કાંઈ પણ ન મળે, એમ કરવાનું કહ્યું, પણ ફલાણો આવો ને ફલાણો આવો, એમ ભગવાનના ભક્તના દોષ ન કહેવા; ને તેનું આપણે શું કામ છે ? ને કોઈને નહિ સમજાતું હોય તો વળી આગળ સમજાશે; તેની શી ઉતાવળ છે ? ને ક્યાં ભાગી જાય એમ છે ? પણ કોઈના દોષ ન કહેવા. તેમાં લવા ને બાદશાહની દાઢીનું દૃષ્ટાંત દીધું, તે મુખ્ય માથે લેવું.
(જુઓ પ્રકરણ 9ની વાત 40)
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
(141) સ્વામીએ કારિયાણીમાં વાત કરી જે, ‘દેહ હોય તે વિષય તો ભોગવવા પડે, પણ અનાદરથી ભોગવવા, આદરથી ભોગવવા નહીં. ને હાલ તો જેમ મહારાજ પ્રગટ બેઠા હોય ને જેવો સમાસ થાય ને જેવું ભજન થાય તેમ જ સમાસ થાય છે ને ભજન થાય છે.’
(142) ગામ રોહીશાળામાં વાત કરી જે, ‘ભગવાનનું માહાત્મ્ય હોય ને સાધુનો સંગ હોય તો વિષયમાં લેવાય નહિ ને તેને ઓળંગી તો જાય, પણ સાંખ્યે કરીને નિષેધ કર્યા વિના મૂળમાંથી નાશ પામે નહીં.’
માહાત્મ્ય : મહિમા, મહત્વ.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
નિષેધ : શાસ્ત્રવિહિત મનાઈ.
(143) જે વખતે સ્વામી પ્રશ્ર્ન-ઉત્તર કરાવતા તે વખતમાં સ્વામીએ મોટા સાધુનો મહિમા કહેલ વાત :
મોટા છે, ભગવાનના મળેલા છે, ભગવાનના વચનમાં વરતે છે, ભીડો ખમે છે, ભગવાન એને વશ છે, ભગવાન એ કહે એમ કરે છે, ભગવાન એ કહે એમ ફરે છે, ભગવાનને એણે જીત્યા છે, ભગવાનના અભિપ્રાયના જાણનારા છે, મોક્ષના દાતા છે, એને દર્શને ભગવાનનું દર્શન થયું, એને પૂજ્યે ભગવાન પૂજાઈ રહ્યા, ગર્ભવાસ, જમપુરી ને ચોરાશીથી એ મુકાવે છે ને વિહદ જે ભગવાનનું અક્ષરધામ તેને પમાડે છે ને ભગવાનના સાધર્મ્યપણાને પમાડે છે, એવા એ મોટા છે. એના વિના ભગવાનને ચાલતું નથી, એનાં દર્શને પંચમહાપાપ બળી જાય છે. એની ઇન્દ્રિયુંની ક્રિયાએ કરીને બ્રહ્માંડ સચેતન થાય છે. એનાથી કાળ, કર્મ ને માયા થરથર કંપે છે; જેમ દેહને પૂજ્યે જીવ પૂજાઈ રહ્યો તેમ આ સાધુને પૂજ્યે ભગવાન પૂજાઈ રહ્યા, એ અન્નદાતા છે; અંતરજામી છે, સર્વજ્ઞ છે, એનું કર્યું થાય છે ને એ મનુષ્ય જેવા દેખાય છે, પણ મનુષ્ય જેવા નથી. ભગવાન એના ભેળા રહ્યા છે, અવિનાશી ધામને પમાડે છે, કર્તા થકા અકર્તા છે, વૃક્ષની પેઠે એનો દેહ પરને અર્થે છે, સંતનાં લક્ષણ કહ્યાં છે એવા છે,
તૂં મુરશિદ હૈ કામિલ, કાબિલ સબ હુન્નર તેરે હાથ વે;
(કીર્તન મુક્તાવલિ : 815)
એવા છે. આ પ્રકારે મહિમા સમજવો કહ્યો છે.
જમપુરી : જમરાજાની નગરી, સંયમની.
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
(144) અથ મહિમાનાં લક્ષણ કહ્યાં જે : ક્રિયામાં બંધાવા ન દે, પ્રભુ તથા કથાવાર્તા મુખ્ય રાખે છે, નિરાકાર કહે એવું બીજું મોટું પાપ નહિ એમ કહ્યું. મહારાજને ચાર પ્રશ્ર્ન પૂછાવ્યા તેમાં મહારાજે વાતું કરવાનું મુખ્ય કહ્યું. સર્વ ધામના મુક્ત સાથે પ્રશ્ર્ન ઉત્તર કર્યા તેમાં કોઈ અમને જીત્યા નહીં. અમે મહારાજને કહ્યું જે, ‘ભગવાનના ઘરમાં અંધારું કેમ છે ?’ તેની વાત કરી. મહારાજ કારિયાણીમાં પચીસ વાર મળ્યા. મહારાજ પાછે પગે આગળ ચાલતા, ‘સાણસીમાં લોઢું ઝાલે એમ આ સાધુ મૂર્તિ રાખે છે.’ એમ મહારાજે કહ્યું. મહારાજે અમને રાજા ઠરાવીને ત્રણ કામદાર ઠરાવ્યા, ‘ગોપાળાનંદસ્વામી, અખંડાનંદ બ્રહ્મચારી ને પરમાનંદસ્વામી એ ત્રણ તમારા કામદાર.’ એમ મહારાજે અમને કહ્યું. પંચાળામાં મહારાજે અમને તિલક કરીને સર્વને દેખાડ્યા. ‘બ્રહ્મમહોલમાં મોટેરો હું છું,’ એમ ભગવદાનંદસ્વામીને અમે કહ્યું ને સદ્ગુરુનો ટંટો મટાડ્યો.
જૂનાગઢ ને ગઢડાના દેશની વહેંચણની તકરારના ઉત્તરમાં કહ્યું જે, ‘તમારે અમરેલી જોઈતું હોય તો જૂનાગઢ જાઓ ને અમે ગઢડે આવીએ.’ પછી કોઈ બોલ્યા નહિ; ગોપાળાનંદસ્વામીનું જ્ઞાન ત્રણ પામ્યા ને છ મુક્ત થયા. ‘બાર મહિનામાં એક મહિનો સૌને જૂનાગઢ રહેવું.’ એમ મહારાજે આજ્ઞા કરી. અમારા ભેળા જૂનાગઢ આવે તેને સો વાર મળવાનું મહારાજે કહ્યું. સો જન્મની કસર એક જન્મે ટાળશું, એમ મહારાજ જૂનાગઢના જમાન થયા. ભગવાન થકી જે કામ થાય છે, તે કામ આ સાધુથી થાય છે. ગોપાળાનંદસ્વામી કહે, ‘હવે વડોદરા સામી દૃષ્ટિ ન હોય, હવે તો જૂનાગઢ જ્યાં મહારાજનું અક્ષરધામ જે, ગુણાતીતાનંદસ્વામી ત્યાં દૃષ્ટિ હોય. અક્ષરધામ આંહીં મહારાજ મૂકી ગયા છે.’ સાધુ ઓળખવાની ઘાંટી નિરંતર રહે છે. ગોપાળાનંદસ્વામી ત્રણથી ઓળખાયા એમ જાણવું. ગોપાળાનંદસ્વામી જેવા સાધુ ન ઓળખાય; કાળ, કર્મ ને માયા જેનાથી થર-થર કંપે છે એવા આ સંત છે,
જે વડે આ જક્ત છે તેને કોઈ ન જાણે રે,
(કીર્તન મુક્તાવલિ : 428)
મહારાજે મને કહ્યું જે, ‘સાધુ તો પાંચ રાખીએ, પછી બસેં સુધીનું કહ્યું.’ મુક્તાનંદસ્વામીની આગળ અમને બેસાર્યા. પુરુષોત્તમપણાનો ડંકો બેસાર્યો, ઉનાવાળાને પુરુષોત્તમપણું સમજવાની માનતા અમે કરાવી, અભેસિંહજીને ગોંડળના કામમાં ના કહી ને પછી હા પાડી. કાળ ને ટૂંટિયું એ બેમાં ટૂંટિયું ઠીક એમ કહ્યું. પાણો બૂડે છે ને લાકડું તરે છે એવું આવડે છે. કેવા કેવાને પાર પાડ્યા, જડભરત કહીને મહારાજે ધાબળો ઓઢાડ્યો, અનાદિ પુરુષોત્તમપણાની ઉપાસના છે. શુકમુનિને મહારાજે કહ્યું જે, ‘એની તો અનાદિની મોટપ છે, એની આસને કરીને મોટપ નથી.’ ગોપાળાનંદસ્વામી કહે, ‘મારી મોટપ મૂળઅક્ષર જે ગુણાતીતાનંદસ્વામી તે વિના બીજાથી ન લેવાય.’ અમારા મહિમાને મોટા મોટા સદ્ગુરુ ઓળખી શક્યા નથી તે તમારાથી કેમ ઓળખાય ? એમ સ્વામીએ કાશીરામને વાત કરેલી.
(જુઓ પ્રકરણ 5ની વાત 84)
(જુઓ પ્રકરણ 5ની વાત 426)
નિરાકાર : પોતાને ત્રણ દેહના માયિકભાવથી રહિત અર્થાત નિરંજન ને કેવળ બ્રહ્મભાવે આત્મારૂપ માનવું.
મૂર્તિ : સંતો.
ટંટો : કજિયા-તકરાર.
કસર : ખોટ, ઉણપ.
જમાન : જામીન.
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.