(1) ધોરાજીએ લાલવડ હેઠે મહારાજે એકાદશીનો મહોત્સવ કર્યો, તે સમયને વિશે મહારાજે પોતાનો પ્રતાપ સૌને જણાવીને પોતાનો સર્વોપરી નિશ્ર્ચય કરાવ્યો. પછી આત્માનંદસ્વામીએ મહારાજને કહ્યું જે, ‘સત્સંગ બહુ થયો.’ ત્યારે મહારાજે કહ્યું જે, ‘હજી ક્યાં સત્સંગ થયો છે ?’ એમ કહીને બોલ્યા જે, ‘એક એક સાધુ વાંસે લાખો મનુષ્ય ફરે ત્યારે સત્સંગ થયો એમ જાણવું.’ એમ કહીને કહ્યું જે, ‘અમે સો કરોડ મનવારો લઈને આવ્યા છીએ, એટલા જીવોનો ઉદ્ધાર કરવો છે. તે પ્રથમ તો ચિંતામણિયું ભરશું, પછી પારસમણિયું ભરશું, પછી હીરા, પછી મોતી, પછી દાગીના, પછી સોનામહોરો, પછી રાળ, પછી રૂપિયા ને કોરીયું ને પછી છેલ્લી બાકી ગારો, એ પ્રકારે પૂરણી કરવી છે.’ એવી રીતે મુક્તના અનંત પ્રકારના ભેદ છે ને કલ્યાણ પણ અનંત પ્રકારનાં છે. એવી રીતે બહુ વાતું કરી.
વાંસે : પાછળ.
(2) એક દિવસ શ્રીજીમહારાજ નર્મદામાં નાહીને ધ્યાન કરવા બેઠા, તે ઊઠે નહીં. પછી મુક્તાનંદસ્વામીએ હાથ જોડીને બે-ત્રણ વાર કહ્યું જે, ‘હે મહારાજ ! તમે ટીમણ કરો તો ઠીક.’ પછી મહારાજે કહ્યું જે, ‘ટીમણ તો કરવાં છે, પણ અમારે વાત કરવી છે.’ પછી સ્વામીએ કહ્યું જે, ‘હે મહારાજ! તમો વાત કરો.’ પછી મહારાજ બોલ્યા જે, ‘આ પચાસ કરોડ જોજન પૃથ્વી છે, તેથી દશગણું જળ છે ને તેથી દશગણું તેજ છે ને તેથી દશગણો વાયુ છે ને તેથી દશગણો આકાશ છે ને તેથી દશગણો અહંકાર છે ને તેથી દશગણું મહત્તત્ત્વ છે ને તેથી દશગણો પ્રધાનપુરુષ છે ને તેથી અનંતગણાં પ્રકૃતિ ને પુરુષ છે ને તેથી અનંતગણું પર અક્ષરધામ છે ને તે ધામને વિશે રહેનારા જે અનંતકોટિ મુક્ત છે તેમને પુરુષોત્તમનો સંબંધ છે પણ બીજાને નથી. ને કેટલાકને તો ઇન્દ્રાદિકનો સંબંધ છે ને કેટલાકને તો બ્રહ્માદિકનો સંબંધ છે ને કેટલાકને તો વૈરાટાદિકનો સંબંધ છે ને કેટલાકને તો પ્રધાનપુરુષાદિકનો સંબંધ છે ને કેટલાકને તો પ્રકૃતિપુરુષાદિકનો સંબંધ છે, પણ પુરુષોત્તમનો નથી.’ ત્યારે મુક્તાનંદસ્વામીએ કહ્યું જે, ‘આંહીં કોઈકને પુરુષોત્તમનો સંબંધ થયો હોય તો?’ ત્યારે મહારાજે કહ્યું જે, ‘એટલી જ વાત સમજવાની છે; કેમ જે, અક્ષરધામના મુક્તને પુરુષોત્તમનો સંબંધ છે કાં તમારે છે, પણ બીજા અવાંતર કોઈને નથી.”
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
અવાંતર : અક્ષરધામ ને ધરતીની વચમાં આવેલા બીજા લોક.
(3) શ્રીજીમહારાજે મુક્તાનંદસ્વામીને પૂછ્યું જે, ‘અમે જે જે ધામમાં જાઈએ છીએ ત્યાં તે તે ધામમાં તમારાં વખાણ થાય છે; તે તમમાં એવી શી (કઈ) મોટપ છે જે, સર્વે તમારાં વખાણ કરે છે ?’ એમ કહીને બોલ્યા જે, ‘આ તુંબડી ફૂટી જાય તો સાજી કરતાં આવડે ?’ ત્યારે મુક્તાનંદસ્વામીએ કહ્યું જે, ‘ના મહારાજ !’ ત્યારે મહારાજે કહ્યું જે, ‘તમે તમારી મોટપને જાણતા નથી.’ એમ કહીને બોલ્યા જે, ‘લ્યો અમે જ કહીએ.’ એમ કહીને કહ્યું જે, ‘આ પચાસ કરોડ જોજન પૃથ્વી છે ને તેથી દશગણું જળ છે ને તેથી દશગણું તેજ છે ને તેથી દશગણો વાયુ છે ને તેથી દશગણો આકાશ છે ને તેથી દશગણો અહંકાર છે ને તેથી દશગણું મહત્તત્ત્વ છે ને તેથી દશગણા પ્રધાનપુરુષ છે ને તેથી અનંતગણાં પ્રકૃતિ ને પુરુષ છે ને તે પ્રકૃતિપુરુષ થકી પર અક્ષરધામ છે ને તે ધામમાંથી લાખ મણ લોઢાનો ગોળો પડતો મૂકીએ તે વાને લહેરખે ઘસાતો ઘસાતો પૃથ્વી ઉપર આવે, ત્યારે રજ ભેળો રજ થઈ જાય, એટલે છેટું છે; પણ જો આંહીં અલ્પ જેવો જીવ હોય ને તેને તમે એમ ધારો જે, ‘આ જીવ આઠ આવરણ પાર અક્ષરધામમાં જાય.’ તો તત્કાળ જાય. જેમ જંતરડામાં ઘાલીને પાણો ફગાવી નાખે, એવું તમારા કાંડાને વિશે બળ છે, પણ તેને તમે જાણતા નથી.’ એમ કહીને કહ્યું જે, ‘એવી મોટપ તમમાં આવી છે, તેનું કારણ કહું તે તમે સાંભળો. જે, સર્વ થકી પર અક્ષરધામ, તેને વિશે વિરાજમાન એવા જે ભગવાન તેનો તમારે સાક્ષાત્કાર સંબંધ થયો છે.’ એવી રીતે બહુ વાતું કરી.
પ્રકૃતિપુરુષ : ચેતન અકર્મણ્ય પુરુષની મદદથી જડ પ્રકૃતિમાંથી સમગ્ર સૃષ્ટિની ઉત્પતિ થઈ તે
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
ધારો : રીતિરિવાજ, પ્રથા, પદ્ધતિ.
જંતરડામાં : ગોફણમાં, પથરા ફેંકવાના સાધનમાં.
પાણો : પથ્થર.
સાક્ષાત્કાર : પરમતત્ત્વ કે ભગવાનનું પ્રત્યક્ષ દર્શન કે સાક્ષાત્ અનુભવ.
(4) ‘અવતારમાત્ર તો ચમકપાણ જેવા છે, તેમાં કેટલાક તો મણ જેવા છે ને કેટલાક તો દશ મણ જેવા છે ને કેટલાક તો સો મણ જેવા છે ને કેટલાક તો લાખ મણ જેવા છે. તેમાં જે મણ ચમક હોય તે આ મંદિરનું લોઢું હોય તેને તાણે ને દશ મણ ચમક હોય તે આખા શહેરનાં લોઢાને તાણે ને સો મણ ચમક હોય તો આ દેશનાં લોઢાને તાણે ને લાખ મણ ચમક હોય તો આખા પરગણાનાં લોઢાને તાણે; ને આજે તો બધો ચમકનો પર્વત આવ્યો છે, નહિ તો બધું બ્રહ્માંડ તણાય કેમ ?’ એમ વાત કરીને બોલ્યા જે, ‘પૂર્વના અવતારમાં જેમાં જેટલું ઐશ્ર્વર્ય છે તેમાં તેટલા જીવ તણાય છે ને આજ તો સર્વ અવતારના અવતારી ને સર્વ કારણના કારણ એવા જે પુરુષોત્તમનારાયણ તે જ પધાર્યા છે. ને તેને જોઈને તો અનંત ધામના પતિ ને તે ધામના મુક્ત, તે મહારાજની મૂર્તિને વિશે તણાઈ ગયા, જેમ ચમકના પર્વતને દેખીને વહાણના ખીલા તણાઈ જાય છે તેમ.’ (જુઓ પ્રકરણ 5ની વાત 66)
(5) વાદી, ફૂલવાદી ને ગારુડી, તેમાં વાદી હોય તે તો ગરીબ સાપ હોય તેને ઝાલે ને ફૂલવાદી હોય તે તો હાથ આવે તો ઝાલે, નહિ તો લૂગડાના છેડાને વળ દઈને મારી નાખે. ને ગારુડી હોય તેની આગળ તો ગમે તેવો મણિધર હોય તે પણ ડોલ્યા કરે. એ તો દૃષ્ટાંત છે ને એનું સિદ્ધાંત તો એ છે જે, દત્તાત્રેય ને કપિલ તે તો વાદીને ઠેકાણે છે, તે તો મુમુક્ષુ હોય તેનું કલ્યાણ કરે ને રામચંદ્રજી ને શ્રીકૃષ્ણ તે તો ફૂલવાદીને ઠેકાણે છે, તે તો પોતાનું વચન માને તેનું કલ્યાણ કરે ને ન માને તો તલવારે સમાધાન કરીને કલ્યાણ કરે. ને મહારાજ તો ગારુડીને ઠેકાણે છે ને તેમની આગળ તો જીવ, ઈશ્ર્વર, પુરુષ ને અક્ષરાદિક તે સર્વે હાથ જોડીને ઊભા છે.
(6) શ્રીજીમહારાજને જેસંગભાઈએ પ્રશ્ર્ન પૂછ્યો જે, ‘ભગવાનનું કર્યું સર્વે થાય છે ને તે ભગવાન રક્ષા કરે તો શું ન થાય ?’ ત્યારે મહારાજ બોલ્યા જે, ‘રક્ષા તો ભગવાન બહુ કરે છે ને જો રક્ષા ન કરતા હોય તો કાળ, કર્મ ને માયા એ કોઈને પ્રભુ ભજવા દે એવાં નથી; કેમ જે, મૂળ માયાને કોઈએ છેડી નહોતી, તેને આપણે છેડી છે; તે શું ? જે, તે લાજું કાઢીને તેનો વારંવાર તિરસ્કાર કરીએ છીએ, તે જો ભગવાન રક્ષા ન કરતા હોય તો આ કરો પાડીને મારી નાખે કાં, આ ઝાડ ભાંગીને મારી નાખે કાં, પૃથ્વી ફાડીને માંહી ઘાલી દે એવી ખીજી છે.’ ત્યારે પૂછ્યું જે, ‘એવી ક્યાં સુધી રક્ષા કરશે ?’ ત્યારે મહારાજ બોલ્યા જે, ‘હમણાં રક્ષા કરે છે ને પછી નહિ કરે એમ સમજવું નહીં.’ એમ કહીને બોલ્યા જે, ‘પૂર્વ દેશમાંથી પુરુષ આવતો હતો, તેની આગળ લાખું તાડ આડાં આવ્યાં; તેને જોઈને એક તાડને હડસેલો માર્યો તે લાખું તાડને પાડીને ચાલ્યો ગયો. તેમ અમે પૃથ્વી ઉપર આવીને કાળ, કર્મ ને માયા તેને હડસેલો માર્યો છે, તે ઊભાં થઈને દુ:ખ દેવા સમર્થ નહિ થાય, એમ તમારે જાણવું.”
છેડી : ખીજવી, ઉશ્કેરી, પજવી.
કરો : ઘરની દિવાલ.
(7) શ્રીજીમહારાજે આનંદસ્વામીને તથા મુક્તાનંદસ્વામીને તથા સ્વરૂપાનંદસ્વામીને એ ત્રણેયને પૂછ્યું જે, ‘અમે તમને જે જે આજ્ઞા કરીએ જે, આ પ્રવૃત્તિની ક્રિયાને તમે કરો, ત્યારે કેમ કરો ?’ ત્યારે પ્રથમ આનંદસ્વામીએ કહ્યું જે, ‘જેમ તમો કહો તેમ કરીએ.’ ત્યાર પછી મુક્તાનંદસ્વામીએ કહ્યું જે, ‘હૃદયમાંથી એક વેંત વૃત્તિ બહાર કાઢું, ત્યારે ક્રિયા થાય ને તે વૃત્તિ એક વેંત બહાર કાઢી હોય તેને પાછી હાથ વૃત્તિ પાછી વાળું ત્યારે સુખ થાય.’ પછી સ્વરૂપાનંદસ્વામીને કહ્યું જે, ‘તમે કેમ કરો ?’ ત્યારે તે બોલ્યા જે, ‘ક્રિયા કરવાને જોવા જાઉં તો તે પદાર્થ ટળી જાય ને તમારી મૂર્તિ જ દેખાય.’ ત્યારે મહારાજે કહ્યું જે, ‘પદાર્થ ટળી જાય ને મૂર્તિ દેખાય એ સર્વેને માન્યામાં આવતું નથી.’ ત્યારે સ્વરૂપાનંદસ્વામી બોલ્યા જે, ‘જેમ તીરમાં લીંબુ ખોસ્યું હોય ને તે તીરને જેમનું કરીએ ને તે તીરમાં જેમ લીંબુ દેખાય, તેમ વૃત્તિમાં ભગવાન રહ્યા છે એટલે તે વૃત્તિ જેમની કરીએ તેની કોરે (બાજુએ) ભગવાન દેખાય છે.’ પછી મહારાજે કહ્યું જે, ‘એ ત્રણેયનાં અંગ જુદાં જુદાં જણાય છે, માટે આનંદસ્વામીએ મુક્તાનંદસ્વામીનો સમાગમ કરવો ને મુક્તાનંદસ્વામીએ સ્વરૂપાનંદસ્વામીનો સમાગમ કરવો. એમ કરે તો એકબીજાની કસર ટળે.’ એમ ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ ભેદ છે.
કરો : ઘરની દિવાલ.
મૂર્તિ : સંતો.
કસર : ખોટ, ઉણપ.
(8) એક દિવસ સ્વરૂપાનંદસ્વામી દેશ ફરીને આવ્યા; તેમને મહારાજે પૂછ્યું જે, ‘દેશમાં મનુષ્ય કેવા છે ?’ ત્યારે સ્વરૂપાનંદસ્વામી ધીરા રહીને બોલ્યા જે, ‘હે મહારાજ ! મનુષ્ય તો લીમડી કે નીચે દેખ્યા હૈ ને બીજે મનુષ્ય તો નહિ હૈ.’ ત્યારે મહારાજ બોલ્યા જે, ‘દેશ ફરીને આવ્યા ને મનુષ્ય તો દીઠાં જ નહીં.’ ત્યારે સર્વે સંતે પૂછ્યું જે, ‘કલ્યાણ કેનાં (કોનાં) કર્યાં હશે ?’ ત્યારે મહારાજ બોલ્યા જે, ‘બીજા તો નિયમ ધરાવીને વર્તમાન પળાવે ત્યારે કલ્યાણ થાય ને સ્વરૂપાનંદસ્વામીને દર્શને કરીને કલ્યાણ થાય છે.”
(9) મુક્તાનંદસ્વામી તથા બ્રહ્માનંદસ્વામી ભણતા હતા તેમની પાસે જઈને મહારાજ બેઠા. પછી મુક્તાનંદસ્વામીને પૂછ્યું જે, ‘દેશમાં સત્સંગ કેવા થયા ?’ ત્યારે મુક્તાનંદસ્વામીએ કહ્યું જે, ‘સત્સંગ તો બહુ થયો છે.’ ત્યારે મહારાજ બોલ્યા જે, ‘તમે સત્સંગી કેવા થયા છો ?’ ત્યારે કહ્યું જે, ‘અમે તો ખરેખરા સત્સંગી થયા છીએ.’ ત્યારે મહારાજ બોલ્યા જે, ‘તમે તો હજી ગુણબુદ્ધિવાળા સત્સંગી થયા છો, ને ખરેખરા સત્સંગી થયા હો તો કહો જે, અમે ક્યાં હતા, ને ક્યાંથી આવીએ છીએ ?’ ત્યારે મુક્તાનંદસ્વામીએ કહ્યું જે, ‘ના મહારાજ ! એવા સત્સંગી તો નથી થયા.’ ત્યારે મહારાજ બોલ્યા જે, ‘અમારા ખરેખરા સત્સંગી તો ગોવર્ધનભાઈ તથા પર્વતભાઈ આદિક છે, તે તો અમને ત્રણેય અવસ્થામાં નિરંતર દેખે છે.”
પછી મુક્તાનંદસ્વામી બોલ્યા જે, ‘હે મહારાજ ! એવા સત્સંગી કેમ થાવાય?’ ત્યારે મહારાજ બોલ્યા જે, ‘એવા સત્સંગી તો તો થાવાય જો માયિકભાવ ટાળીને, પોતાના આત્માને અક્ષરરૂપ માનીને, મારી મૂર્તિનું અખંડ ચિંતવન કરો, તો એવા સત્સંગી થાઓ.’ ત્યારે બ્રહ્માનંદસ્વામીએ કહ્યું જે, ‘હે મહારાજ ! કૃપા કરો તો એવા સત્સંગી થાવાય.’ ત્યારે મહારાજ બોલ્યા જે, ‘હજી કૃપા જોઈએ છે ? જુઓને અમે અક્ષરધામમાંથી આંહીં આવ્યા, તે પ્રકૃતિપુરુષના લોકમાં પણ ન રહ્યા ને પ્રધાનપુરુષના લોકમાં પણ ન રહ્યા ને અનંત ધામ ને અનંત સ્થાનક તેમાં ક્યાંય ન રહ્યા, તે તમારી ભેળા આવીને રહ્યા ને હજી કૃપા જોઈએ છે ?’ ત્યારે બ્રહ્માનંદસ્વામી બોલ્યા જે, ‘હે મહારાજ ! તમે કૃપા તો બહુ કરી, પણ અમારે માયાનું આવરણ તે સમજાય નહીં.’ ત્યારે મહારાજે ઊભા થઈને પછેડી ઓઢી હતી તે પડતી મૂકીને બોલ્યા જે, ‘હવે છે માયાનું આવરણ ?’ ત્યારે કહ્યું જે, ‘ના મહારાજ !’
(10) એક દિવસ સ્વરૂપાનંદસ્વામીએ મહારાજને પૂછ્યું જે, ‘હે મહારાજ ! સત્સંગી કા કૈસા કલ્યાણ હોતા હૈ ?’ ત્યારે મહારાજ બોલ્યા જે, ‘જૈસા કલ્યાણ મોટા મોટા અવતાર કા હોતા હૈ, તૈસા કલ્યાણ સત્સંગી કા હોતા હૈ !’ ત્યારે સ્વરૂપાનંદસ્વામી બોલ્યા જે, ‘ગુરુસાહેબ ! તબ તો બહુત બડા કલ્યાણ હોતા હૈ !’
(11) એક વખતે ગામ જાળિયામાં મહારાજ બહુ વાર પોઢીને જાગ્યા. પછી સર્વે સંતે પૂછ્યું જે, ‘હે મહારાજ ! આજ તો તમે બહુ પોઢી રહ્યા !’ ત્યારે મહારાજ બોલ્યા જે, ‘તમે બહુ તપ કર્યું તે અમે રાજી થયા. માટે આજ તો તમારા સારુ અમે ધામ જોવા ગયા હતા. તે પ્રથમ તો અમે બદરિકાશ્રમમાં ગયા; તે બદરિકાશ્રમવાસીએ અમારી પૂજા, આરતી, સ્તુતિ કરીને બેઠા. પછી તેમને અમે કહ્યું જે, ‘અમારા સાધુ સારુ જાયગા જોવા આવ્યા છીએ.’ ત્યારે તેમણે કહ્યું જે, ‘હે મહારાજ ! આ ધામ જ તમારું છે, માટે આંહીં સાધુને રાખો.’ પછી અમને એમ જણાણું જે, આવો તો ચરોતરેય છે; કેમ જે, કોઠાં-બોરાં ત્યાં પણ મળે છે.
પછી અમે ત્યાંથી શ્ર્વેતદ્વીપમાં ગયા, તે ત્યાંના વાસીએ અમને પધરાવીને પૂજા, આરતી, સ્તુતિ કરીને બેઠા. પછી અમને કહ્યું જે, ‘હે મહારાજ ! બહુ દયા કરીને દર્શન દીધાં.’ પછી તેમને અમે કહ્યું જે, ‘અમારા સાધુ સારુ જાયગા જોવા આવ્યા છીએ.’ ત્યારે તેમણે કહ્યું જે, ‘હે મહારાજ ! આ ધામ જ તમારું છે માટે આંહીં સાધુને રાખો.’ પછી અમને એમ જણાણું જે, સ્થાન તો બહુ સારું, પણ પ્રભુ ભજવાનું સુખ જણાણું નહિ, શા માટે જે, ક્ષીર સમુદ્ર એક કોરે હડૂડ્યા જ કરે, તેને જોઈને અમે ચાલી નીસર્યા, તે વૈકુંઠલોકમાં ગયા. પછી વૈકુંઠવાસી જે રામચંદ્રજી તેમણે અમારી પૂજા, આરતી, સ્તુતિ કરીને બેઠા. પછી તેમને અમે કહ્યું જે, ‘અમારા સાધુ સારુ જાયગા જોવા આવ્યા છીએ.’ ત્યારે તેમણે કહ્યું જે, ‘હે મહારાજ ! આ ધામ તમારું જ છે માટે આંહીં સાધુને રાખો.’ પછી અમને એમાં કાંઈ સારું જણાણું નહિ; કેમ જે, ચાર ભુજા ને સ્ત્રીઓનો પ્રસંગ તે ઠીક નહીં.
પછી તેને જોઈને અમે ચાલી નીસર્યા, તે ગોલોકમાં ગયા. પછી ત્યાંના વાસી જે શ્રીકૃષ્ણ તેમણે અમારી પૂજા, આરતી, સ્તુતિ કરીને બેઠા. પછી તેમને કહ્યું જે, ‘અમારા સાધુ સારુ જાયગા જોવા આવ્યા છીએ.’ ત્યારે તેમણે કહ્યું જે, ‘હે મહારાજ ! આ ધામ જ તમારું છે માટે આંહીં સાધુને રાખો.’ પછી અમને એમાં કાંઈ સારું જણાણું નહિ; કેમ જે, ગોપ-ગોપીયું ને ગાયું તેને જોઈને પ્રભુ ભજાય નહિ અને કેટલીક જાતનો ગડબડાટ તેને જોઈને અમે ચાલી નીસર્યા, તે પ્રકૃતિપુરુષના લોકમાં ગયા. તે લોક જોઈને બહુ રાજી થયા જે આંહીં સાધુને રાખીએ. ત્યાં તો પુરુષ ને પ્રકૃતિ દેખાણાં તેને જોઈને અમે પૂછ્યું જે, ‘તું ધોળી કેમ છો ને આ પુરુષ કાળો કેમ છે ?’ ત્યારે તેણે કહ્યું જે, ‘એ પુરુષ મારી સાથે જોડાણો તેણે કરીને મારામાં શામતાઈ (કાળાશ) હતી તે પુરુષમાં ગઈ ને પુરુષમાં રૂપ હતું તે મારામાં આવ્યું છે.’ પછી અમને એમ વિચાર થયો જે, આંહીં સાધુને રાખવા નહિ; કેમ જે, માયા કાળા કરી નાખે.
પછી તેને જોઈને અમે ચાલી નીસર્યા ને અક્ષરધામમાં ગયા. તે અક્ષરધામના મુક્તે દિવ્ય સિંહાસન ઉપર પધરાવીને અમારી પૂજા, આરતી, સ્તુતિ કરીને બેઠા. પછી અમે કહ્યું જે, ‘અમારા સાધુ સારુ ધામ જોવા આવ્યા છીએ.’ ત્યારે તે મુક્તે કહ્યું જે, ‘હે મહારાજ ! આ ધામ જ તમારું છે અને અમે પણ તમારા જ છીએ, માટે સાધુને આંહીં રાખીને તમારી મૂર્તિનું સુખ આપો.’ પછી અમને એમ જણાણું જે, આ ધામ જેવું કોઈ ધામ નથી ને આ ધામ જ અમારું છે, માટે આંહીં સાધુને રાખવા એ જ ઠીક છે.”
(12) મહારાજને પુરુષોત્તમ જાણ્યા વિના અક્ષરધામમાં જવાય નહિ ને બ્રહ્મરૂપ થયા વિના મહારાજની સેવામાં રહેવાય નહીં. ત્યારે શિવલાલે પ્રશ્ર્ન પૂછ્યો જે, ‘પુરુષોત્તમ કેમ જાણવા ? ને બ્રહ્મરૂપ કેમ થાવાય ?’ ત્યારે કહ્યું જે, ‘મહારાજ તો સર્વોપરી ને સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ છે.’ તે ઉપર મધ્યનું 9મું ને છેલ્લાનું 38મું વચનામૃત વંચાવીને કહ્યું જે, ‘આજ તો સત્સંગમાં સાધુ, આચાર્ય, મંદિર ને મૂર્તિયું તે સર્વોપરી છે, તો મહારાજ સર્વોપરી હોય તેમાં શું કહેવું? એ તો સર્વોપરી જ છે એમ સમજવું અને બ્રહ્મરૂપ તો એમ થાવાય છે જે, આવા સાધુને બ્રહ્મરૂપ જાણીને મન, કર્મ, વચને સંગ કરે છે, તે બ્રહ્મરૂપ થાય છે.’ તે ઉપર વરતાલનું 11મું વચનામૃત વંચાવીને કહ્યું જે, ‘આવો થાય છે ત્યારે પુરુષોત્તમની સેવામાં રહેવાય છે.’
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
(13) એક હરિજને ચાર-પાંચ વચનામૃત વાંચ્યાં. તે વચનામૃતનાં નામ, પ્રથમનું 23મું ને મધ્યનું 30મું ને 45મું ને અમદાવાદનું બીજું ને ત્રીજું. ત્યારે સ્વામી બેઠા થઈને બોલ્યા જે, ‘આ વચનામૃત તો જાણે સાંભળ્યાં જ નહોતાં !’ એમ કહીને બોલ્યા જે, ‘ફરીથી વાંચો.’ ત્યારે ફરીથી વાંચ્યાં. ત્યારે સ્વામી બોલ્યા જે, ‘આ વચનામૃત સાંભળતાં એમ જણાણું જે કોટિ કલ્પ સુધી એમ કર્યા વિના છૂટકો નથી. તે આપણે તો કર્યા વિના છૂટકો નથી, પણ આચાર્ય હોય કે, ભગવાનનો પુત્ર હોય કે, ઈશ્ર્વર હોય, કે નાના-મોટા ભગવાન હોય, પણ એમ કર્યા વિના છૂટકો નથી; કેમ જે, એ પણ મહારાજનો જ મત છે.’ તે ઉપર મહારાજના કહેલા શ્ર્લોક બોલ્યા જે,
નિજાત્માનં બ્રહ્મરૂપં દેહત્રયવિલક્ષણમ્ ।
વિભાવ્ય તેન કર્તવ્યા ભક્તિઃ કૃષ્ણસ્ય સર્વદા ॥
(શિક્ષાપત્રી : શ્ર્લોક 116)
અર્થ : સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ જે ત્રણ દેહ તે થકી વિલક્ષણ એવો જે પોતાનો જીવાત્મા તેને બ્રહ્મરૂપની ભાવના કરીને, પછી તે બ્રહ્મરૂપે કરીને શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ જે તે સર્વ કાળને વિશે કરવી.
બ્રહ્મભૂતઃ પ્રસન્નાત્મા ન શોચતિ ન કાંક્ષતિ ।
સમઃ સર્વેષુ ભૂતેષુ મદ્ભક્તિં લભતે પરામ્ ॥
(ભગવદ્ ગીતા : 18/54)
અર્થ : બ્રહ્મભાવને પ્રાપ્ત થયેલો તે પ્રસન્ન ચિત્ત મનુષ્ય કશાનો શોક કરતો નથી કે કશાની આકાંક્ષા કરતો નથી અને સર્વ ભૂતોમાં સમભાવથી રહેતો થકો મારી પરમ ભક્તિને પામે છે.
પરિનિષ્ઠિતોઽપિ નૈર્ગુણ્યે ઉત્તમશ્લોકલીલયા ।
ગૃહીતચેતા રાજર્ષે આખ્યાનં યદધીતવાન્ ॥
(શ્રીમદ્ ભાગવત : 2/1/9)
અર્થ : હે પરીક્ષિત રાજા ! હું (શુકજી) જો કે નિર્ગુણ સ્થિતિને પામેલો હતો છતાં ભગવાનની ઉત્તમ લીલા વડે ચિત્ત ખેંચાવાથી, ભાગવત જેવો મોટો ગ્રંથ ભણ્યો હતો.
આત્મારામાશ્ચ મુનયો નિર્ગ્રન્થા અપ્યુરુક્રમે ।
કુર્વન્ત્યહૈતુકીં ભક્તિમિત્થં ભૂતગુણો હરિઃ ॥
(શ્રીમદ્ ભાગવત : 1/7/10)
અર્થ : સૂત પુરાણી શૌનકને કહે છે : ‘મુનિઓ જો કે આત્મામાં જ આનંદ પામનારા હોય છે અને એમની અહંકારરૂપ ગાંઠ છૂટી ગઈ હોય છે; છતાં તેઓ ભગવાન વિશે નિષ્કામ ભક્તિ તો કરે જ છે; કેમ કે શ્રીહરિ તેવા અલૌકિક ગુણોથી યુક્ત છે.
એવા એવા ઘણાક શ્ર્લોક બોલીને કહ્યું જે, ‘એવો થાય ત્યારે તેના હૃદયમાં ભગવાન નિવાસ કરીને રહે છે.’ પછી એક હરિજન સામું જોઈને બોલ્યા જે, ‘તમારે મૂર્તિ તો છે પણ મંદિર વિના પધરાવશો ક્યાં ? માટે ભગવાન પધરાવવા હોય તો આમાં કહ્યું એવું મંદિર કરવા શીખો; તો ભગવાન રહે.’ એમ કહીને બોલ્યા જે, ‘આ મંદિર સારુ મૂર્તિયું લેવા ગયા, ત્યારે સલાટે કહ્યું જે, ‘કેવી મૂર્તિયું કાઢી આપું?’ ત્યારે સાધુએ કહ્યું જે, ‘આ નકશા પ્રમાણે કાઢી આપો.’ ત્યારે તે સલાટે કહ્યું જે, ‘લાખો રૂપિયાનું મંદિર હોય ત્યારે એવી મૂર્તિયું શોભે !’ પછી સાધુએ કહ્યું જે, ‘મંદિર પ્રમાણે જ મૂર્તિયું લેવા આવ્યા છીએ.’ ત્યારે કહે જે, ‘તો કાઢી આપું.’ પછી સલાટે મૂર્તિયું કાઢી આપી. તેમ આપણે બ્રહ્મરૂપ થયા વિના પુરુષોત્તમને પધરાવશું ક્યાં ? માટે પુરુષોત્તમ પધરાવવા હોય તો બ્રહ્મરૂપ થાવું.’ એમ કહીને ઊઠ્યા. પછી એક હરિજનનું કાંડું ઝાલીને ચાલ્યા. પછી તેને કહ્યું જે, ‘ખબરદાર, સંકલ્પ કર્યા છે તો ?’ ત્યારે તે ભક્તના સંકલ્પ બંધ થઈ ગયા ! પછી તેને કહ્યું જે, ‘આમ નિરંતર રહેવાય તો, સંશયગ્ંરથિ, કર્મગ્ંરથિ, ઇચ્છાગ્રંથિ, મમત્વગ્રંથિ ને અહંગ્રંથિ આદિક અનેક પ્રકારની ગ્રંથિયું નાશ પામી જાય છે ને નિરંતર ભગવાનમાં રહેવાય છે.’
વચ. લો. 7
વચ. પં. 2
વચ. પં. 3
વચ. ગ.મ. 39
વચ. ગ.અં. 2
વચ. ગ.અં. 3
કોટિ : કરોડ.
કલ્પ : આપણાં ચાર અબજ બત્રીશ કરોડ વર્ષનો સમય - બ્રહ્માનો એક દિવસ (પણ રાત નહિ)
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
(14) પ્રભુ ભજવા દેહ તો ધર્યા છે, પણ પંચવિષય છે તે દમઘોષના દીકરા જેવા છે, તે ભગવાનને વરવા દેતા નથી એવા ભૂંડા છે. ત્યારે પૂછ્યું જે, ‘રુક્મિણીજી એક વાર ભગવાનના ગુણ સાંભળીને બોલ્યાં જે, ‘વરું તો ભગવાનને વરું, નીકર જીભ કરડીને મરું; પણ દમઘોષનો દીકરો જે શિશુપાળ તેને ન વરું.’ ને આજ તો મહારાજ ને મોટા સાધુ નિરંતર કહે છે તોય ભગવાનને મૂકીને વિષયને કેમ વરાય છે ?’ ત્યારે બોલ્યા જે, ‘આપણે ભગવાનને વરવા દેહ ધર્યો નથી ને રુક્મિણીએ તો ભગવાનને વરવા દેહ ધર્યો હતો. ને આપણને તો મહારાજનો ને મોટા સાધુનો જોગ થયો છે, તે હમણાં તો ભગવાનમાં રહેવું કઠણ પડે છે ને પછી તો નીસરવું કઠણ પડશે, એવો સત્સંગનો પ્રતાપ છે.’ ત્યારે પૂછ્યું જે, ‘આ દેહ મૂક્યા પછી કેવું થાવાશે ?’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘કાંઈએ નહિ થાવાય, તો પણ સ્વરૂપાનંદસ્વામી જેવા તો થાવાશે, એવો મહારાજનો ને મોટા સાધુનો પ્રતાપ છે.’
(15) જેવા મહારાજ છે ને જેવા આ સાધુ છે તેવા જો જણાય તો તેને સમજવાનું ને કરવાનું કાંઈ રહે જ નહીં. ત્યારે પૂછ્યું જે, ‘જેવા મહારાજ છે ને જેવા આ સાધુ છે, તેને જાણ્યા હોય તેની કેવી સમજણ હોય ?’ ત્યારે
યો વેત્તિ યુગપત્સર્વં પ્રત્યક્ષેણ સદા સ્વતઃ ।
(શ્રીનાથમુનિ, રામાનુજ સંપ્રદાય)
અર્થ : ‘જે એક સાથે, સર્વ જીવપ્રાણીમાત્રના આશયને પ્રત્યક્ષપણે, કશા પણ આધાર-સાધન વિના સદાકાળ જુએ-જાણે છે.’
એ શ્રુતિ બોલીને કહ્યું જે, ‘એવી સમજણ હોય ત્યારે ભગવાનને ને મોટા સાધુને જાણ્યા કહેવાય.’ ત્યારે વળી પૂછ્યું જે, ‘આવી સમજણ હોય તોય ભૂંડું આચરણ કેમ થાય ?’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘જેને આવી સમજણ હોય તેને તો ભૂંડો સંકલ્પ પણ ન થાય, તો આચરણ તો થાય જ કેમ ? તે જેને જેટલું ભૂંડું આચરણ થાય છે, તેને તેટલું અજ્ઞાન છે ને જેટલું અજ્ઞાન છે, તેટલો જ કુસંગ થાય છે.’
અર્થ : ધન, સંપત્તિ.
(16) એક વેદાંતી આગળ એમ વાત કરી જે, ‘ભગવાનના સ્વરૂપને જે નિરાકાર કહેનારા છે ને જાણનારા છે ને સત્શાસ્ત્રના અર્થને અવળા અર્થના કરનારા છે. તે તો અનંત જન્મ સુધી ને ત્રેતાયુગમાં દશ હજાર વરસ સુધી ને દ્વાપરયુગમાં હજાર વરસ સુધી ને કળિયુગમાં સો વરસ સુધી એને ગર્ભમાંથી શસ્ત્રે કાપી કાપીને કાઢશે, પણ બાળોસાદ કાઢીને રોશે નહીં. ને એમ ને એમ અનંત કલ્પ સુધી દુ:ખને ભોગવશે, પણ સુખ તો નહિ જ થાય.’ એમ કહીને બોલ્યા જે, ‘શ્રી સ્વામિનારાયણે આ પૃથ્વીને વિશે આવીને પાંચ પગ રોપ્યા છે, તેને ખોટા કરીને જીવનું રૂડું થાય, એમ કહી દેખાડો અને તે પાંચ પગ તે શું ? તો, નિષ્કામપણું, નિર્લોભપણું, નિ:સ્વાદ, નિ:સ્નેહ ને નિર્માન, એ જે પાંચ પગ રોપ્યા છે, તેને ફેરવવાને કોઈ સમર્થ નથી. જેમ રાવણની સભામાં અંગદે પગ રોપ્યો હતો તે કોઈથી ઊપડ્યો નહિ, તેમ અમે પગ રોપ્યા છે તે કોઈથી ખોટા નહિ થાય.’ એમ કહીને નાહવા પધાર્યા.
નિરાકાર : પોતાને ત્રણ દેહના માયિકભાવથી રહિત અર્થાત નિરંજન ને કેવળ બ્રહ્મભાવે આત્મારૂપ માનવું.
દશ : દિશા.
બાળોસાદ : નવજાત શિશુના રડવાનો અવાજ.
કલ્પ : આપણાં ચાર અબજ બત્રીશ કરોડ વર્ષનો સમય - બ્રહ્માનો એક દિવસ (પણ રાત નહિ)
(17) શ્રીજીમહારાજે અનંત પ્રકારની વાતું જીવના મોક્ષને અર્થે પ્રવર્તાવી છે, પણ તેમાં ચાર વાતું છે, તે તો જીવનું જીવન છે. તે શું ? તો, એક તો મહારાજની ઉપાસના ને બીજી મહારાજની આજ્ઞા ને ત્રીજી મોટા એકાંતિક સાધુ સાથે પ્રીતિ ને ચોથું ભગવદી સાથે સુહૃદપણું. એ ચાર વાતું તો જીવનું જીવન છે, તેને તો મૂકવી જ નહીં. ને જો અશુભ દેશ, કાળ, સંગ, ક્રિયા, શાસ્ત્ર, મંત્ર, દીક્ષા ને દેવતા, એ આઠ અશુભનો જોગ થાય તો મહારાજને ને બીજા અવતારાદિકને વિશે સમભાવ કરાવી નાખે અને આજ્ઞાને વિશે ગૌણપણું દેખાડી દે ને મોટા સાધુને ને સત્સંગમાં ગડબડગોટા વાળતો હોય એ બેયને એકપણે કરી મૂકે ને ભગવદીને વિશે દોષ દેખાડી દે; એ આઠ દેશાદિક તો અસત્પુરુષને વિશે રહ્યા છે; માટે જેને જીવનું જીવન રાખવું હોય, તેણે તો ઓળખીને જીવ જોડવો. ત્યારે એક હરિજને હાથ જોડીને કહ્યું જે, ‘મારે તો બહુ બંધન થયું છે, તે હું તે કેમ કરું ?’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘હું તો ઘણોય સુખિયો કરી મૂકું, પણ હું કહું તેમ તમારાથી થાય નહિ ને હું કહું એમ જો તમે કરો તો ત્યાંથી વિમુખ થાઓ, ત્યારે એ વાત થાય; પણ તે વિના તો થાય જ નહીં.’ ત્યારે વળી પૂછ્યું જે, ‘તમે કહો તેમ કરે તે વિમુખ કેમ કહેવાય ?’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘આ બે જણ હું કહું એમ કરે છે, તો ત્યાંના તેને વિમુખ જાણે છે; પણ જો મહારાજ ને મોટા સાધુ રાજી છે, તો સર્વે રાજી થઈ રહ્યા છે.’ એટલી વાત કરીને મંદિરમાં પધાર્યા.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
કરો : ઘરની દિવાલ.
(18) ‘સાધુ તો ક્યાં ઓળખાય છે ?’ એમ કહીને બોલ્યા જે, ‘જે વરસે છત્રીયું (છત્રીઓ) ભાંગી ને પટારા કઢાવ્યા તે દિવસ એક સાધુએ મને એમ કહ્યું જે, ‘આ ભજનાનંદસ્વામી જેવા સત્સંગમાં કોઈ સાધુ નથી; કેમ જે, બીજાના પટારામાંથી નીસર્યું પણ એમના પટારામાંથી કાંઈએ ન નીસર્યું.’ ત્યારે મેં કહ્યું જે, શું તારું કપાળ નીસરે ? ગામમાં ક્યાંય મૂક્યું હશે. ને કાંઈ ન હોય તો બે પટારા રાખવાનું શું કામ હોય ? અને સત્સંગમાં વૈદું કરી કરીને પદાર્થ તો ઘણા ભેગા કર્યાં હતા, તે કુસંગમાં ક્યાંય રહ્યા, પણ સત્સંગના કામમાં આવ્યા નથી. તે જુવોને, એવાને પણ મોટા માન્યા હોય ! માટે સાધુ ઓળખાય નહીં.’ એમ કહીને વળી બોલ્યા જે, પ્રથમ મહારાજે મંડળ બંધાવ્યાં, ત્યારે સર્વે સાધુને કહ્યું જે, ‘ગુરુ-ગુરુ હોય તે ઊઠીને એક કોરે (બાજુએ) બેસો.’ ત્યારે જેટલા ગુરુ હતા તે સર્વે ઊઠીને એક કોરે બેઠા. પછી મહારાજે કહ્યું જે, ‘જેને જ્યાં મળતું આવે તેમ તમે સર્વે બેસો.’ પછી જેને જેમ મળતું હતું તેમ તે સર્વે બેઠા. પછી સ્વામી કહે, ‘હું બ્રહ્માનંદસ્વામી પાસે રહેતો તે ઊઠીને આત્માનંદસ્વામી પાસે જઈને બેઠો; કેમ જે, બ્રહ્માનંદસ્વામી ટોકે નહિ ને પોતે તો રાજાધિરાજ તે ખાવાનું બહુ આવે તે જુવાન અવસ્થાવાળાને ઠીક નહીં.’
પછી મહારાજ ઊઠીને જ્યાં સંતનાં મંડળ બેઠાં હતાં ત્યાં આવીને જોતે જોતે જ્યાં આત્માનંદસ્વામી બેઠા હતા, ત્યાં આવીને મને કહ્યું જે, ‘તમે તો બ્રહ્માનંદસ્વામી પાસે રહેતા ને ?’ પછી મેં કહ્યું જે, ‘આત્માનંદસ્વામી ઘરડા સાધુ છે, તેમની સેવાનો કરનારો કોઈ નથી તે સારુ રહ્યો છું.’ પછી મહારાજે કહ્યું જે, ‘ઠીક.’ પછી તો સર્વને જોઈને બોલ્યા જે, ‘ગુરુય મૂરખ છે ને ચેલાય મૂરખ છે! કેમ જે, સત્સંગના સ્તંભ જેવા છે તેને ઓળખતા નથી ને ઓલ્યા હિંદુસ્થાનમાં લઈ જાય એવા છે, તેની પાસે રહ્યા છે. ને ગુરુય મૂરખ છે જે, સાધુની ગરજ રાખતા નથી, માટે કાંઈક ગરજ રાખવા શીખો.’ એટલી શિક્ષા કરીને ગુરુ-ગુરુનાં મંડળ બંધાવ્યાં. પછી સ્વામી કહે જે, ‘અમારી પ્રકૃતિ તો એક સાધુ રાખીએ એવી નહોતી, પણ મહારાજની મરજી જોઈને બધાય સત્સંગની ખબર રાખવી પડે છે; નીકર તો મહારાજની મૂર્તિ વિના બીજું કાંઈ જોઈએ જ નહીં. તે એક દિવસ પુસ્તક બાંધતાં હાથમાંથી પડી ગયું, તે પાછું બાંધ્યું નથી; કેમ જે, જ્યારે પુસ્તક બાંધીએ ત્યારે ભગવાન ક્યારે સંભારીએ?’ એમ કહીને બોલ્યા જે, ‘એવી રીતે બાળમુકુન્દાનંદસ્વામી કહેતા જે, ‘બીજા તો આ બેલાં હૈયાં ઉપર ખડકે છે ને તેને કોઈક મુકાવે તો મૃત્યુ થાય.’ ને આપણે તો બહાર જ ખડકવાં ને હૈયામાં તો મહારાજ રાખવા. એ વાતું એકાંતિકની છે.’
(જુઓ પ્રકરણ 5ની વાત 426)
મૂર્તિ : સંતો.
ખડકે : ઉપરાઉપર ગોઠવે.
(19) જીવ બીજે ક્યાંય અટકતો નથી, મહારાજને પુરુષોત્તમ કહેવા તેમાં અટકે છે. પછી રઘુવીરજી મહારાજે પ્રશ્ર્ન પૂછ્યો જે, ‘મહારાજનાં ચરિત્ર દીઠાં-સાંભળ્યાં હોય તોય કહેતાં-લખતાં અટકે છે કેમ ?’ પછી સ્વામી બોલ્યા જે, ‘એક ઘોડાનો સ્વપ્નમાં પગ ભાંગ્યો, તે જ્યારે જાગ્યો ત્યારે તોળીને ઊભો, પણ પગ માંડે નહીં. પછી વૈદને દેખાડ્યો; ત્યારે વૈદે કહ્યું જે, ‘આ ઘોડાનો પગ ભાંગ્યો નથી ને કાંઈ માંદો થયો નથી, એને તો સ્વપ્ન થયું છે તે પગ તોળીને ઊભો છે.’ ત્યારે પૂછ્યું જે, ‘એનું કેમ કરવું ?’ ત્યારે તેણે કહ્યું જે, ‘બસેં ઘોડાં સાબદાં કરો ને તોપુંના ને બંદૂકુંના ભડાકા કરવા માંડો, એટલે ચમકશે ત્યારે સ્વપ્ન થયું છે, તે મૂકી દેશે.’ તેમ એને શાસ્ત્રના શબ્દની ભ્રાંતિ પડી છે, તે આમ ને આમ નિરંતર ધડાકા ને પડકારા કરશું તો મૂકી દેશે.’ એટલી વાત કરી, પછી રઘુવીરજી મહારાજ ગાદી ઉપર ચંપાનાં ત્રણ ફૂલ મૂકીને બોલ્યા જે, ‘કેટલાક તો આ ફૂલ સુધી પૂગે છે ને કેટલાક તો આ ફૂલ સુધી પૂગે છે, પણ આ ફૂલ સુધી તો કોઈ પૂગતા જ નથી.’ એમ મર્મમાં વાત કરી. પછી સ્વામીએ ત્રીજું ફૂલ હતું તે અચિત્યાનંદ બ્રહ્મચારીને દીધું. પછી રઘુવીરજી મહારાજે કહ્યું જે, ‘સ્વામિ ! પારસાવ્યા કે ?’ એમ કહીને જમવા પધાર્યા.
(જુઓ પ્રકરણ 11ની વાત 87)
સાબદાં : સજ્જ, તૈયાર.
કરો : ઘરની દિવાલ.
પૂગે : પહોંચે.
મર્મમાં : રહસ્ય જાળવી રાખીને.
પારસાવ્યા : રાજી થયા.
(20) એક મોટા હરિભક્ત હતા, તેમણે સ્વામીને બોલાવીને કહ્યું જે, ‘ગાડીમાં આવો.’ ત્યારે સ્વામી ગાડીમાં બેઠા. પછી પ્રશ્ર્ન પૂછ્યો જે, ‘હૃદયમાં ટાઢું કેમ થાય ?’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘ટાઢું તો તો થાય જે, જેમ ભગવાન સામું જોઈ રહીએ છીએ તેમ જ્યારે મોટા સાધુ સામું જોઈ રહેશું ત્યારે ટાઢું થાશે.’ એમ કહીને વળી બોલ્યા જે, ‘જેમ ગાયનું વાછરું હોય તે ગાયના શરીરમાં ગમે ત્યાં થબડકા મારે, પણ દૂધનું સુખ આવે નહિ, તે તો જ્યારે આંચળને વળગે ત્યારે દૂધનું સુખ આવે છે. તે તો દૃષ્ટાંત છે ને એનું સિદ્ધાંત એ છે જે, આ બધોય સત્સંગ તો મહારાજનું શરીર છે, પણ જે મોટા એકાંતિક સાધુ છે, તે દ્વારે તો મહારાજ અખંડ રહ્યા છે, તેને વળગે છે ત્યારે તેને મહારાજનું સુખ આવે છે, જેમ ગાયના આંચળમાંથી દૂધ આવે છે તેમ.’
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
(21) સ્વામીએ એક દિવસ શિવલાલને ગાડીમાં બેસારીને કહ્યું જે, ‘તારા મનમાં એમ જાણે છે જે, ‘મેં ગઢડામાં મૂર્તિ પધરાવી ને ભાવનગરમાં રઘુવીરજી મહારાજને પધરાવ્યા, એ કામ બહુ મોટું કર્યું’, પણ તારા જીવ સામું જોઉં છું ત્યાં તો અરધો સત્સંગ રહ્યો છે.’ ત્યારે હાથ જોડીને કહ્યું જે, ‘હા મહારાજ !’ પછી સ્વામી બોલ્યા જે, ‘આવા સાધુને મૂકીને જે જે સુખ ઇચ્છવું તે તો જેમ એક દિવસ ગાયનું વાછરું છૂટીને ગૌશાળે ગયું ને જાણે જે, દૂધનું સુખ લઉં. પછી તો ત્યાં પોઠિયા ઊતરેલ તે જ્યાં મોઢું ઘાલવા જાય ત્યાં પાટુ ખાય. તે પાટુઓ ખાઈ ખાઈને મોઢું સૂજી ગયું, પણ દૂધનું સુખ તો આવ્યું નહિ; પછી પોતાની મા આવી તોય ધાવવા સમર્થ ન થયું. તેમ આવા સાધુને મૂકીને બીજે સુખ લેવા જાય, તે તો પાટુ ખાધા જેવું છે; કેમ જે, આજ્ઞા-ઉપાસનામાં ભંગ પાડશે, ત્યારે આવા સાધુ પાસે નહિ બેસાય; જેમ ગાયનું વાછરું ગાય પાસે ન ગયું તેમ.’ એમ કહીને બોલ્યા જે, ‘આમ ને આમ બે મહિના સુધી વાતું કરીશ ત્યારે મોરે (પહેલાં) ભગવાનમાં જીવ જોડાણો હતો એવો જોડાશે, એવો સ્થૂળભાવ આવી ગયો છે ને આ વાતું તો ભગવાનમાં જોડાવાની છે.’
મૂર્તિ : સંતો.
મોરે : અગાઉ
(22) સ્વામીએ એક દિવસ શિવલાલને કહ્યું જે, ‘આજ ક્યાં ગયા હતા?’ ત્યારે હાથ જોડીને કહ્યું જે, ‘આજ તો શહેરમાં ગયો હતો.’ પછી વળી કહ્યું જે, ‘એક રસોઈ લઈ આવ્યો છું.’ પછી સ્વામીએ કહ્યું જે, ‘રસોઈ કેવી?’ ત્યારે શિવલાલે કહ્યું જે, ‘સોનું લઈને બીજે દીધું, તેમાંથી દોઢસો રૂપિયા રહ્યા તેની રસોઈ.’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘એ તો ઠીક, પણ સોનું લેવાનો સંકલ્પ થયો, પણ કોઈ દિવસ સો કરોડ મણ ઢૂંસાં લઈને કમાણી કરીએ, એવો સંકલ્પ થાય છે?’ ત્યારે કહ્યું જે, ‘ના મહારાજ !’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘મોટા સાધુની સમજણમાં તો મહારાજની મૂર્તિ વિના પ્રકૃતિપુરુષ સુધી ઢૂંસાં જ છે, પણ કાંઈ માલ જણાતો નથી. ને તમે એટલી ઘડી આવા સાધુનાં દર્શન ને વાતું મૂકીને શી કમાણી કરી ?’ એમ કહીને બુદ્ધિનો ડોળ ટાળી નાખ્યો.
પ્રકૃતિપુરુષ : ચેતન અકર્મણ્ય પુરુષની મદદથી જડ પ્રકૃતિમાંથી સમગ્ર સૃષ્ટિની ઉત્પતિ થઈ તે
ડોળ : આડંબર, દેખાવ, દંભ.
(23) એક હરિજને પ્રશ્ર્ન પૂછ્યો જે, ‘ગોલોકને મધ્યે અક્ષરધામ છે એમ સંપ્રદાયના ગ્ંરથોમાં લખ્યું છે, તે કેમ સમજવું ?’ પછી સ્વામી બોલ્યા જે, ‘જેની જેવી સમજણ હોય ત્યાં તેણે અક્ષરધામ માન્યું હોય. તેમાં કેટલાકે તો બદરિકાશ્રમને અક્ષરધામ માન્યું હોય ને કેટલાકે તો શ્ર્વેતદ્વીપને અક્ષરધામ માન્યું હોય ને કેટલાકે તો વૈકુંઠલોકને અક્ષરધામ માન્યું હોય ને કેટલાકે તો ગોલોકને અક્ષરધામ માન્યું હોય; પણ જેને મહારાજનો મહિમા જણાય છે તેને જેમ છે તેમ અક્ષરધામ સમજાય છે.’
તે ઉપર પ્રથમનું 63મું વચનામૃત વંચાવીને કહ્યું જે, ‘જુઓને, મહારાજ લખી ગયા છે કે, જેમ ઝીણાં મચ્છર હોય તેને મધ્યે કીડી હોય તે મોટી દેખાય ને કીડીને મધ્યે વીંછી હોય તે મોટો દેખાય ને વીંછીને મધ્યે સાપ હોય તે મોટો દેખાય ને સાપને મધ્યે સમળા હોય તે મોટી દેખાય ને સમળાને મધ્યે પાડો હોય તે મોટો દેખાય ને પાડાને મધ્યે હાથી હોય તે મોટો દેખાય ને હાથીને મધ્યે ગિરનાર જેવો પર્વત હોય તે મોટો દેખાય ને તે પર્વતને મધ્યે મેરુ પર્વત મોટો દેખાય ને તે મેરુ જેવા પર્વતને મધ્યે લોકાલોક પર્વત તે અતિશે મોટો જણાય, તેમ ગોલોકને મધ્યે અક્ષરધામ છે એમ સમજવું; પણ કાંઈ એક હાથીમાં ગિરનાર પર્વત આવી ગયો એમ નથી અને બીજા અનંત પર્વતને મૂકીને ગિરનાર પર્વતને ગણ્યો છે ને બીજા અનંત પર્વતને મૂકીને મેરુ પર્વતને ગણ્યો છે ને બીજા અનંત પર્વતને મૂકીને લોકાલોક પર્વતને ગણ્યો છે, તેમ અનંત ધામોને મૂકીને અક્ષરધામને કહ્યું છે; પણ કાંઈ ગોલોકમાં અક્ષરધામ આવી ગયું એમ નથી. ને બીજા ધામની તો અવધિ કહી છે, પણ અક્ષરધામની તો અવધિ કહી નથી, એ સિદ્ધાંત વાત છે.’
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
સમળા : સમડી, એક પક્ષી.
પાડો : ભેંસનું નર બચ્ચું કે તેનો નર.
લોકાલોક : પૌરાણિક સમય પ્રમાણે એ નામનો પર્વત.
અવધિ : અંત, નિશ્ર્ચિત સમયમર્યાદા.
(24) ‘અમે જે જે આજ્ઞા કરીએ તેમાં મહારાજની મૂર્તિ આપીએ, પણ જેને જ્ઞાન નહિ તેને એ વાત સમજાય નહિ ને મહારાજનો ને મોટા સાધુનો એ જ સિદ્ધાંત છે. કેમ જે, મહારાજને તો પોતાની મૂર્તિનું જ સુખ દેવું છે, પણ ઐશ્ર્વર્યનું સુખ આપવું નથી; કેમ જે, જીવ ઐશ્ર્વર્યાર્થી થઈ જાય. તેમ જ મોટા સાધુનો પણ એ જ મત છે જે, મહારાજની મૂર્તિને વિશે જ જોડવા છે, પણ વિષયને વિશે ને દેહને વિશે જોડવા નથી; અને જે વિષયને વિશે જોડે છે તે એકાંતિક નહિ અને જે ઐશ્ર્વર્યને વિશે જોડે છે તે પુરુષોત્તમ નહીં. તે એ મર્મને તો પ્રહ્લાદે જાણ્યો જે, ‘વિષયને આપે તે ભગવાન નહિ અને જે વિષયને માગે તે ભક્ત નહીં.’ તે માટે જેને ભગવન્નિષ્ઠ થાવું હોય તેણે મહારાજની મૂર્તિ વિના બીજું કાંઈ ઇચ્છવું નહિ એ સિદ્ધાંત વાત છે.’ એમ કહીને વળી બોલ્યા જે, ‘આ ભગવાન ને આ સાધુનું રૂપ તો સિદ્ધિયું પણ ધરી શકતી નથી; કેમ જે, એ તો અકળ છે ને બીજા અવતારનું રૂપ તો સિદ્ધિયું ધરે છે; પણ આ પ્રત્યક્ષ મહારાજ ને આ પ્રત્યક્ષ સંત તેનું રૂપ સિદ્ધિયું ધરતી નથી, જેમ જે રાજા ગાદીએ હોય તેનો વેશ તરગાળો કાઢતો નથી તેમ.’
મૂર્તિ : સંતો.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
તરગાળો : ગાવા-નાચવાનો ધંધો કરનાર બહુરૂપી નટ.
(25) મહારાજનો ને મોટા સાધુનો જે હૃદગત અભિપ્રાય જાણવો તે તો બહુ જ કઠણ છે. તે તો ક્યારે જણાય, તો એક કલ્પ સુધી જો મુક્તાનંદસ્વામી તથા ગોપાળાનંદસ્વામી તથા કૃપાનંદસ્વામી એવાને સેવીએ ત્યારે જણાય, પણ તે વિના તો જણાય જ નહિ એ સિદ્ધાંત વાત છે. ને તે વિના જે કાંઈ આપણને જણાય છે તે તો શ્રીજીમહારાજની ને આ મોટા સાધુની દૃષ્ટિએ કરીને જણાય છે. ને તેમની દૃષ્ટિ ક્યારે થાય ? તો દૃઢ ધર્મ હોય તથા આત્મા-પરમાત્માનું અતિ દૃઢ જ્ઞાન હોય તથા પંચવિષયમાં અતિશે દૃઢ વૈરાગ્ય હોય તથા પુરુષોત્તમ ભગવાનની માહાત્મ્ય જ્ઞાને સહિત અનન્ય ભક્તિ હોય, તેને માથે દૃષ્ટિ થાય છે; પણ દેહાભિમાનીને માથે દૃષ્ટિ થાતી નથી ને તે વિના કાંઈ દૃષ્ટિ જેવું જણાય છે તે અંતે નહિ જ રહે, એમાં કાંઈ સંશય નથી. (જુઓ પ્રક.3ની વાત 45 ને પ્રક.6ની 83 ને પ્રક.9ની 196)
કલ્પ : આપણાં ચાર અબજ બત્રીશ કરોડ વર્ષનો સમય - બ્રહ્માનો એક દિવસ (પણ રાત નહિ)
માહાત્મ્ય : મહિમા, મહત્વ.
(26) જેવો સત્સંગ છે તેવો તો જણાય જ નહિ ને કોઈક જાણે તો સત્સંગ કરે નહિ ને કોઈક કરે તો જેવો સત્સંગ છે તેવો થાય નહિ ને જો થાય તો જાળવવો બહુ કઠણ છે; તે કાં તો બહેકી જાય ને કાં તો ગાંડો થઈ જાય, પણ જળવાય નહિ અને તે સત્સંગ કોણ જાળવે ? તો જેને મહારાજને વિશે ને આ મોટા સંતને વિશે માહાત્મ્ય જ્ઞાને સહિત પ્રીતિ હોય તે જ જાળવે, પણ બીજાથી તો જળવાય નહીં. એમ કહીને વળી બોલ્યા જે, ‘આજ વર્તમાનકાળે જેણે દેહ ધર્યા છે તેને તો એક પગલું અક્ષરધામમાં છે ને જેને આ સાધુની ઓળખાણ થઈ છે તેને તો બેય પગલાં અક્ષરધામમાં જ છે; પણ જેને એ વાતનું જ્ઞાન નહિ તેને એ વાત સમજાય નહીં. ને આ સત્સંગમાં તો અનંત પ્રહ્લાદ ને અનંત અંબરીષ ને પર્વતભાઈ જેવા અનંત છે, પણ સાધુસમાગમ વિના જ્ઞાન થાય નહિ ને જ્ઞાન થયા વિના એવો મહિમા જણાય નહિ ને મહિમા જાણ્યા વિના સુખિયો થાય નહિ, એમાં કાંઈ સંશય નથી.’
માહાત્મ્ય : મહિમા, મહત્વ.
પગલાં : મહારાજનાં પગલાંની છાપ.
(27) ખરેખરું જ્ઞાન થાય તો તે માયાના પેચમાં આવે નહિ, જેમ જળકૂકડીને જળ લોપે નહિ, તેમ એવા પુરુષ માયામાં આવે તોય માયા લોપી શકે નહિ, જેમ જળકૂકડીને જળ લોપે નહિ તેમ; તથા જેમ જાળકાતરણી માછલું છે તે જાળમાં આવે નહિ; કેમ જે, બેય કોરે અસ્તરા જેવી ધાર હોય તે જાળને કાપીને નીસરી જાય, તેમ એવા સમર્થ પુરુષ હોય તે અનંત જીવોને માયા પર કરી મૂકે એવા છે. ને તમારે તો આ પૃથ્વીનું વેજું છે. તે શું ? તો, પ્રત્યક્ષ મહારાજ ને પ્રત્યક્ષ સંત પ્રગટ વિરાજે છે એવું તમારું મોટું ભાગ્ય છે. તે ઉપર શેરડીના ગાંદળાનું દૃષ્ટાંત દીધું, જેમ શેરડીનો સાંઠો હોય તેનું થડિયું તે કઠણ હોય ને પીંછું હોય તે મોળું હોય ને વચલી ગાંદળી હોય તે મીઠી હોય, તેમ તમારે પ્રભુ ભજવામાં આજ સાનુકૂળ છે; કેમ જે, મોટા સંતનો જોગ છે ને મોરે તો મારતા ને ખાવા મળતું નહિ ને આજ તો સર્વે અંગે સાનુકૂળ છે તે પ્રભુ ભજી લેવા, પણ આળસુ થાવું નહીં.
પેચમાં : પ્રપંચમાં, જાળમાં, દાવમાં.
લોપી : ન માનવા દે, ઉલ્લંઘન કરાવે.
મોરે : અગાઉ
(28) સો કરોડ રાખનાં પડીકાં વાળીને પટારામાં ભરી મૂકીએ ને તાળાં દઈ રાખીએ ને જે દિવસ કાંઈક કામ પડે ને કાઢીએ તો કાંઈ સારું નીસરે? ત્યારે કહ્યું જે, ‘ના મહારાજ !’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘મહારાજની મૂર્તિ વિના અને આ સાધુ વિના પ્રકૃતિપુરુષ સુધી રાખનાં પડીકાં જ છે, તે ગમે તો મૂર્તિને મૂકીને દેવતાના લોકમાં જાઓ ને ગમે તો ઈશ્ર્વર કોટિના લોકમાં જાઓ ને ગમે તો પુરુષ કોટિના લોકમાં જાઓ; પણ મહારાજની મૂર્તિ વિના ને આ સાધુ વિના સુખ કે શાંતિ ક્યાંય નથી.’ એમ કહીને બોલ્યા જે,
સુરપુર નરપુર નાગપુર એ તીન મેં સુખ નાંહિ;
કાં સુખ હરિ કે ચરણ મેં, કાં સંતન કે માંહિ...
મૂર્તિ : સંતો.
પ્રકૃતિપુરુષ : ચેતન અકર્મણ્ય પુરુષની મદદથી જડ પ્રકૃતિમાંથી સમગ્ર સૃષ્ટિની ઉત્પતિ થઈ તે
સુરપુર : સ્વર્ગ.
નરપુર : મનુષ્યલોક.
નાગપુર : પાતાળ.
(29) ચંદ્રમાનું પ્રતિબિંબ જળમાં પડે છે, ત્યારે તેને જોઈને માછલું રાજી થાય છે ને એમ જાણે જે, આ પણ આપણા જેવું માછલું છે; પણ જેવો ચંદ્રમા છે, ને જેવું તેનું મંડળ છે ને જેવું તેમાં તેજ છે ને જેવું તેનું ઐશ્ર્વર્ય ને સામર્થ્ય છે તેને માછલું જાણી શકતું નથી. તથા જેમ સમુદ્રમાં વહાણ ચાલ્યું જતું હોય, તેને મોટા મચ્છ હોય તે જોઈને મનમાં એમ જાણે જે, આ આપણા જેવો મચ્છ છે, તે ચાલ્યો જાય છે; પણ જેવું વહાણ છે ને સમુદ્ર તારે એવું છે ને લાખો-કરોડ રૂપિયાનો માલ લઈ જાય છે ને લાવે છે, તેને જાણી શકતો નથી. તે તો દૃષ્ટાંત છે ને એનું સિદ્ધાંત તો એ છે જે, ‘જેવા મહારાજ છે ને જેવા મહારાજના સંત છે, ને જેવાં તેમનાં સ્વરૂપ, સ્વભાવ, ગુણ, ઐશ્ર્વર્ય ને સામર્થ્ય છે તેને જાણતા નથી. જેમ માછલું ને મચ્છ પોતપોતાના જેવા જાણે છે તેમ જે મનુષ્ય છે તે પોતા જેવા જાણે છે; પણ જેવા છે તેવા જાણતા નથી.’ એમ કહીને શ્ર્લોક બોલાવ્યો જે,
અવજાનન્તિ માં મૂઢા માનુષીં તનુમાશ્રિતમ્ ।
પરં ભાવમજાનન્તો મમ ભૂતમહેશ્વરમ્ ॥
(ભગવદ્ ગીતા : 9/11)
અર્થ : મારા પરમ ભાવને નહિ જાણનારા મૂઢ લોકો મનુષ્ય શરીરમાં રહેલા સમસ્ત ભૂતોના ઈશ્ર્વર એવા મારી અવજ્ઞા કરે છે.
એવા જે મૂરખ છે ને મૂઢમતિ જીવ છે તે મનુષ્ય જેવા જાણે છે, પણ અનંતકોટિ જીવને બ્રહ્મરૂપ કરીને અક્ષરધામમાં લઈ જાય એવા છે, એમ તેને જાણતા નથી, એ અજ્ઞાન છે.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
(30) એક હરિજન સંસાર મૂકીને આવ્યા, તેને બોલાવીને વાત કરી જે, ‘એક કઠિયારો હતો તે લાકડાંના ભારા લાવીને વેચતો. પછી એક દિવસ હેમગોપાળની ઝાડીમાંથી બાવના ચંદનનું લાકડું આવી ગયું. તેને ખબર વિના ચૂલામાં સળગાવ્યું ને તેની સુગંધ કોઈક શાહુકારને આવી. પછી તે શાહુકારે પૂછ્યું જે, ‘આ ગામમાં બાવના ચંદન બાળે એવો ધનાઢ્ય કોણ છે ?’ પછી સર્વેએ કહ્યું જે, ‘આ ગામમાં તો કઠિયારા રહે છે.’ પછી તે શાહુકારે ત્યાં જઈને બળતાં થોડુંક રહ્યું હતું તે લાવીને વિષ્ણુ ભગવાનને ચડાવ્યું. તે જ્યારે દેહ મૂક્યો ત્યારે વિષ્ણુના લોકમાં ગયો. એ તો દૃષ્ટાંત છે ને એનું સિદ્ધાંત તો એ છે જે, ‘હેમગોપાળને ઠેકાણે તો આ ભરતખંડ છે ને બાવના ચંદનને ઠેકાણે તો મનુષ્યદેહ છે. તે ખબર વિનાનું સ્ત્રી, દ્રવ્ય, દીકરા, દીકરી, લોક, ભોગ ને પક્ષ તેને વિશે બાળી દે છે, તેમ આપણે બાળવું નહીં. આપણે તો,
અર્થં સાધયામિ વા દેહં પાતયામિ । (સુવાક્ય)
અર્થ : ‘મારો ધાર્યો અર્થ હું સિદ્ધ કરીશ અથવા દેહનો પાત (નાશ) કરીશ’, એવો અડગ નિશ્ર્ચય હોવો જોઈએ.
એમ કરવું. એમ કહીને બોલ્યા જે,
કોટિ જન્મ લગી રગડ હમારી. વરું શંભુ કે રહું કુમારી;
એટલી વાત કરીને ઊઠ્યા. (જુઓ પ્રકરણ 10ની વાત 324)
અર્થ : ધન, સંપત્તિ.
કોટિ : કરોડ.
(31) એક હરિજને પ્રશ્ર્ન પૂછ્યો જે, ‘મચ્છરથી તે ગરુડ સુધી ભેદ કહ્યા છે, તે મચ્છરિયું તે ગરુડની ગતિ કેમ કરે ? એમ અણવિશ્ર્વાસ રહે છે.’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘ગરુડ પૃથ્વી ઉપર આવ્યો હોય ને તેની પાંખમાં મચ્છરિયું બેસી જાય તો કેટલો પ્રયાસ પડે ?’ ત્યારે કહ્યું જે, ‘કાંઈ પ્રયાસ પડે નહીં.’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘ગોપાળાનંદસ્વામી ને મુક્તાનંદસ્વામી તે તો ગરુડ જેવા છે, તેમની પાંખમાં આપણે બેસી ગયા છીએ, માટે કાંઈ ચિંતા ન રાખવી.’ ત્યારે વળી પૂછ્યું જે, ‘પાંખ તે શી સમજવી ?’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘આજ્ઞા ને ઉપાસના એ બે પાંખો છે, તેને મૂકવી જ નહિ, તો સહેજે જ અક્ષરધામમાં જવાશે, એમાં કાંઈ સંશય નથી.’ એમ કહીને વળી બોલ્યા જે, ‘ત્રણ પ્રકારનાં પંખી છે. તેમાં કેટલાંક પંખી તો વૃત્તિ દ્વારે ઈંડાં સેવે એવાં છે ને કેટલાંક પંખી તો દૃષ્ટિ દ્વારે સેવે એવાં છે ને કેટલાંક પંખી તો પાંખમાં રાખીને સેવે એવાં છે. તેમાં વૃત્તિ દ્વારે ઈંડું સેવાતું હોય, તે ઈંડું દૃષ્ટિમાં આવે તો ગંદું રહે ?’ ત્યારે કહ્યું જે, ‘ન રહે.’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘એ ઈંડું પાંખમાં આવીને પડે તો શું ગંદું રહે ? ન જ રહે. એ તો દૃષ્ટાંત છે ને એનું સિદ્ધાંત તો એ છે જે, વૃત્તિ દ્વારે સેવે એવા તો ગોપાળાનંદસ્વામી ને કૃપાનંદસ્વામી જેવા છે; તેમની પાંખમાં પડ્યા છીએ, માટે કાંઈ કસર રહેશે નહિ એમ જાણવું.’
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
કસર : ખોટ, ઉણપ.
(32) ભજન કરતાં કરતાં ક્રિયા કરીએ તો અંતરમાં ટાઢું રહે ને અંતરમાં ટાઢું જોઈને મોટા સાધુ રાજી થાય ને જેની ઉપર મોટા સાધુ રાજી થાય, તેનો જીવ સુખિયો થઈ જાય. ને જેનું અંતર ધગતું હોય તેને દેખીને શું રાજી થાય ? ત્યારે કહ્યું જે, ‘ભગવાન ને સાધુ તો બહુ રાજી થયા.’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘જો મહારાજ રાજી ન થયા હોય તો આવો જોગ ક્યાંથી થાય ?’ તે મહારાજે પોતે કહ્યું છે જે, ‘મારો રાજીપો થાય તેને બુદ્ધિયોગ આપું છું; કાં રૂડા સાધુનો સંગ આપું છું. તે બુદ્ધિયોગ તે શું ? તો બુદ્ધિને વિશે એવું જ્ઞાન જે, ભગવાન રાજી થાય.’ ત્યારે પૂછ્યું જે, ‘ભગવાન નિરંતર રાજી કેમ રહે ?’ પછી સ્વામી બોલ્યા જે, ‘ભગવાનને નિરંતર રાજી રાખવા હોય તેણે ભગવાનની આજ્ઞા લોપવી નહિ અને આપણને ભગવાનનું સ્વરૂપ મળ્યું છે તે વિના બીજે સુખ ઇચ્છવું નહિ ને ખરેખરા ભગવાનના સાધુ હોય તેનો સંગ રાખવો, તો તેની ઉપર ભગવાન ને મોટા સાધુ નિરંતર રાજી રહે, એમાં કાંઈ સંશય નથી.’
વચ. ગ.પ્ર. 23
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
(33) સત્સંગમાં એમ વાત થાય છે જે, જીવ બ્રહ્મરૂપ થઈ જાય. ત્યારે પૂછ્યું જે, ‘સત્સંગમાં વાત તો થાય છે, તોય જીવ બ્રહ્મરૂપ કેમ થાતો નથી?’ પછી સ્વામી બોલ્યા જે, ‘હેતે કરીને સત્પુરુષમાં જીવ બાંધ્યો નથી અને સત્પુરુષમાં જીવ બાંધ્યો હોય તોય તેનો વિશ્ર્વાસ ન આવે.’ ત્યારે વળી પૂછ્યું જે, ‘હેતે કરીને જીવ બાંધ્યો હોય, તોય તેનો વિશ્ર્વાસ કેમ ન આવે ?’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘આ જલાભક્તે મારા સાથે જીવ ઘણો બાંધ્યો છે, પણ મારો વિશ્ર્વાસ ન આવે.’ એમ કહીને વળી બોલ્યા જે, ‘વિશ્ર્વાસ તો હોય તો પણ નિષ્કપટપણે વરતાય નહિ, ને નિષ્કપટપણે વરતે તો જીવ બ્રહ્મરૂપ થયા વિના રહે નહિ; એ સિદ્ધાંત વાત છે.’
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
(34) એક દિવસ સ્વામી નાના નાના સાધુ, પાળા ને બ્રહ્મચારી સામું જોઈને બોલ્યા જે,
દેશદેશાંતર બહોત ફિર્યા, મનુષ્ય કા બહોત સુકાળ;
જાકું દેખે છાતી ઠરે, વા કા પડ્યા દુકાળ...
એમ કહીને બોલ્યા જે, ‘જેમ મહારાજને જોઈને સમાધિ થઈ જાય ને જીવ સુખિયો થઈ જાય છે, તેમ નિરંજનાનંદસ્વામીને દર્શને કરીને સમાધિ જેવું સુખ વર્ત્યા કરે, એવાના દુકાળ છે.’ ત્યારે પૂછ્યું જે, ‘જેને દર્શને કરીને છાતી ઠરે છે એવો એમાં શો ગુણ હોય જે, આગલ્યાને જોઈને પોતાની છાતી ઠરે ?’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘જેની સામું જોઈએ ને વૃત્તિ પાછી વળી આવે ત્યારે છાતી ઠરે છે ને જેની સામું જોઈએ ને વૃત્તિ ચળાયમાન થાય તો તેને દેખીને છાતી ઠરે નહીં.’ ત્યારે પૂછ્યું જે, ‘જેને દેખીને આગલ્યાની છાતી ઠરે છે, એવા ગુણ આવ્યાનું શું કારણ છે ?’ પછી સ્વામી બોલ્યા જે, ‘એવા ગુણ તો ન જ આવે; તે ગમે તો ભેળો રહે કે સેવા કરે ને ગમે તો કહે તેમ કરે, તો પણ મોટાના ગુણ તો આવે જ નહીં.’ ત્યારે વળી હાથ જોડીને પૂછ્યું જે, ‘હે મહારાજ ! શો ઉપાય કરે ત્યારે એવા ગુણ આવે ? ને ‘વચનામૃત’માં તો બહુ ઠેકાણે કહ્યું છે જે, સત્પુરુષના ગુણ તો મુમુક્ષુમાં આવે છે.’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘સત્પુરુષના ગુણ તો, તો આવે, જો એવાને નિર્દોષ સમજે ને સર્વજ્ઞ જાણે ને એવા છે તેની સાથે કોઈ પ્રકારે અંતરાય રાખે નહિ, તો સત્પુરુષના ગુણ એ મુમુક્ષુમાં આવે છે, પણ તે વિના તો આવે જ નહીં.’
પાળા : સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જાતનો સેવક/પાર્ષદ.
અંતરાય : અડચણ, વિઘ્ન, અવરોધ
(35) શ્રીજીમહારાજ એમ કહેતા જે, ‘બીજા તો અભાગિયા પણ જાદવ તો નિરંતર અભાગિયા.’ એમ કહીને બોલ્યા જે, ‘જેવા મહારાજ છે ને જેવા આ સાધુ છે તેને જેમ છે તેમ ન જાણે તો નિરંતર અભાગિયા છે. કેમ જે, છોંતેરાનો મેઘ વરસ્યો ને વુઠે મેહે કાળ પડ્યો ને ગંગામાં નાહ્યો ને માથું કોરું રાખ્યું ! અને એમ જાણ્યા વિના આ સત્સંગમાં રહ્યા છે, તે તો જેમ છોકરાં, વાછરડાં રહ્યાં છે એમ રહ્યા છે, પણ જેવા છે તેવા જાણી શકતા નથી અને સત્સંગનો મહિમા તો બહુ મોટો છે.’ તે મહારાજ કહેતા જે, ‘આ સત્સંગ તો બ્રહ્મરૂપ ને મહાવિષ્ણુરૂપ છે.’ એમ કહીને બોલ્યા જે,
ધન્ય ધન્ય જો જન શોધી સત્સંગતિ આયો
તીરથ વ્રત જપ જોગ સબનકો ફલ સો પાયો;
કીયો વચન મેં વાસ ભયો તેહિ બેહદ વાસા,
હરિ હરિજન રસરૂપ રહત તહાં પ્રગટ પ્રકાશા
જેહિ મન વચન પર વેદ કહે તેહિ સુખમેં સંતત રહે,
મુકુંદ સો સત્સંગ કો મહિમા કો મુખ સેં કહે.
(મુક્તાનંદ કાવ્ય : મુકુન્દ બાવની-6)
એવો સત્સંગનો મહિમા કહ્યો છે.
દુર્ભગો બત લોકોઽયં યદવો નિતરામપિ ।
યે સમ્વસન્તો ન વિદુર્હરિં મીના ઇવોડુપમ્ ॥
(શ્રીમદ્ ભાગવત : 3/2/8)
અર્થ : ઉદ્ધવ વિદુરને કહે છે : ‘ખરેખર, આ લોક દુર્ભાગી છે અને તેમાં પણ યાદવો તો અત્યંત દુર્ભાગી છે; કારણ કે જે યાદવો શ્રીકૃષ્ણની સમીપ રહેવા છતાં, માછલાં જેમ નાવને ન જાણે તેમ તેઓ શ્રીકૃષ્ણને જાણી શક્યા નહીં.’
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
મહાવિષ્ણુરૂપ : ઘણો વિશાળ ને દિવ્ય, અલૌકિક.
અર્થ : ધન, સંપત્તિ.
(36) એક દિવસ સ્વામી સૂતા હતા તે બેઠા થઈને પ્રશ્ર્ન પૂછ્યો જે, ‘સારામાં સારું તે શું છે ? ને ભૂંડામાં ભૂંડું તે શું છે ?’ ત્યારે કોઈ બોલ્યા નહીં. ત્યારે સ્વામી બોલ્યા જે, ‘સારામાં સારું તો આ ભગવાન ને આ સાધુનો સંબંધ થયો છે તેથી કાંઈ સારું નથી ને તેથી કાંઈ સારું સમજવાનું નથી. ને ભૂંડામાં ભૂંડું શું છે ? તો આ સાધુને વિશે મનુષ્યભાવ આવે છે તેથી બીજું કાંઈ ભૂંડું નથી અને તે મનુષ્યભાવ તે શેણ્યે (શાને) કરીને આવે છે ? તો લોક, ભોગ, દેહ ને ચોથો પક્ષપાત, તેણે કરીને મનુષ્યભાવ આવે છે. તેમાં જેવું પક્ષપાતે કરીને જીવનું ભૂંડું થાય છે, તેવું તો પંચવિષયે કરીને પણ નથી થાતું. તે પક્ષે કરીને તો ગોપાળાનંદસ્વામીને માથે પાણા નાખ્યા ને ઝોળીમાં દેવતા નાખ્યો, તે દેવતાના કાઢનારા આંહીં બેઠા છે.’ એમ કહીને વળી બોલ્યા જે, ‘એવો સંસ્કાર તો અમારે માથે ઘણો થયો છે ! તે મુખ થકી કહેવાય નહિ ને એવા અવળા પક્ષે કરીને મોટા સાધુના અવગુણ લીધા છે, તેણે કરીને તો ભૂતની યોનિને પામ્યા છે અને વળી કોઈ હશે તે પણ પામશે ને તે પાપે કરીને ખાવી વિષ્ટા ને પીવી લઘુશંકા એવાં દુ:ખને ભોગવે છે પણ સુખ તો ક્યાંય થાય નહીં.’
મનુષ્યભાવ : દેહભાવ, માયિકભાવ, જેમાં ગુણાનુરાગ - ગુણાનુબુદ્ધિ પ્રવર્તે છે તેવો ભાવ.
પાણા : પથ્થર.
વિષ્ટા : નરક, મળ.
(37) એક દિવસ સ્વામીએ અરધી રાત્રિએ ઊઠીને એમ વાત કરી જે, ‘કેટલાક એમ જાણે છે જે, સ્વામી અમારી કોર (બાજુ) છે ને કેટલાક એમ જાણે છે કે સ્વામી અમારી કોર છે; પણ અમારો અભિપ્રાય તો મોટા મોટા સદ્ગુરુ પણ જાણી શક્યા નથી, તો આજ તમે શું જાણશો ?’ ત્યારે પૂછ્યું જે, ‘બહુ મોટા હોય તેનો અભિપ્રાય નાનો હોય તે જાણે કે ન જાણે ?’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘શું ધૂડ જાણે ? અને જે પતંગિયો હોય તે સૂર્યનો અભિપ્રાય જાણે છે ? નથી જાણતો; તેમ મોટાનો અભિપ્રાય તો જણાય જ નહિ. એ સિદ્ધાંત વાત છે.’
(38) મોરે (પહેલાં) તો મહારાજનો અનેક પ્રકારનો રાજીપો હતો અને પ્રથમના પ્રકરણમાં ધ્યાન કરવું, ત્યાગ રાખવો, સત્સંગ કરાવવો, મંદિર કરવાં ને ભણાવવા ઇત્યાદિક અનેક પ્રકારનો રાજીપો હતો; અને આ વર્તમાનકાળે ભગવાનનો શેમાં રાજીપો છે ? તો પંચાળાનાં 7માં - નટની માયાનાં વચનામૃતમાં ભગવાનનું સ્વરૂપ નિર્દોષ કહ્યું છે, તેવી રીતે મહારાજનું સ્વરૂપ સમજવું; ને તેવી રીતે જ આ સંતનું સ્વરૂપ પણ સમજવું. ને ભગવાનની આજ્ઞા પાળવી ને રૂડા સાધુનો સંગ રાખવો; તો તેની ઉપર મહારાજ રાજી રાજી ને રાજી જ છે. એમ કહીને મસ્તક ઉપર કળાઈ મૂકીને તકિયા ઉપર ઢળી ગયા. ને વળી એમ બોલ્યા જે, ‘બીજું અધિક કાંઈ સમજવાનું નથી ને એટલું જ સમજવાનું છે જે, મહારાજને પુરુષોત્તમ જાણવા ને આ સાધુને અક્ષર જાણવા. ને આ બધાય અક્ષર છે અને ઓલ્યા મૂળઅક્ષર છે તે પણ આંહીં દેહ ધરીને આવ્યા છે, એ બે વાત પ્રથમના 71માં વચનામૃતમાં કહી છે. ને એ બે વાતને તો નથી સમજ્યો ને તે વિના તો,
પીંગળ પુરાણ શીખ્યો, ગાતાં વાતાં શીખ્યો શીખ્યો સર્વે સૂર મેં,
એક રામ નામ બોલવો ન શીખ્યો તો શીખ્યો સર્વે ગયો ધૂર મેં.
એ વાત અમદાવાદના સાધુની આગળ કહી ને ગાદી ઉપર હાથ નાખ્યો.
વચ. લો. 6
મોરે : અગાઉ
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
કળાઈ : કોણીથી કાંડા સુધીનો હાથ.
(39)
આગ્ય લગી ચહુ ઓર અવિદ્યા કી અતિ ભારી,
અધો, ઉર્ધ્વ અરુ મધ્ય દશો દિશ ભુજા પસારી;
વિષય, ભોગ, વિલાસ કર્મિ કો કર્મ દૃઢાયો,
કવિ ગુની પંડિત જાણતા હિલે તહાં ડુબાયો;
તેહિ વાકજાલ ડારિ વિકટ નરનારી આવૃત કિયે,
મુકુંદ મદ, મત્સર લગ્યો યું માયા બશ કર લિયે.
(મુક્તાનંદ કાવ્ય : મુકુન્દ બાવની-8)
ત્યારે રૂપશંકરે કહ્યું જે, ‘મોરે (પહેલાં) તો હું એમ જાણતો જે, અવિદ્યા બીજે ઠેકાણેથી આંહીં આવે છે ને હવે તો એમ જણાણું જે અવિદ્યા આંહીં જ રહી છે.’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘અવિદ્યાનું જન્મ જ આંહીં છે અને બીજે ઠેકાણે તો અવિદ્યાનું સાસરું છે; તે જ્યાં ત્યાં જઈને અવિદ્યાને પોતાનું રૂપ ઉઘાડું કરવું છે અને અમારે અમારું સ્વરૂપ ઉઘાડું કરવું છે અને બીજાના મનમાં તો એમ છે જે, જૂનાગઢનું તો સ્વામી નહિ હોય ત્યારે પડી ભાંગશે; પણ મહારાજની ને મોટા સાધુની દૃષ્ટિ છે તો સર્વોપરી કરવું છે. ને વીજળીનો ઝબકારો દેખીને ગધેડીએ પાટુ નાખવા માંડી, તેણે કરીને વીજળી આળસવાની છે નહિ ને પાટુ નાખી નાખીને પગ તો ભાંગી જાશે; તેમ અવિદ્યાએ કરીને પોતાના જીવનું ભૂંડું કરશે ને મહારાજનું ને મોટા સાધુનું કર્તવ્ય હશે, તે તો ખોટું નહિ જ થાય.’
અવિદ્યા : માયિક સમજણ
(40) આજ તો સત્સંગમાં ભગવાન પ્રગટ વિરાજે છે, નહિ તો વીસ-વીસ વરસના સંસાર મૂકીને કેમ ચાલ્યા આવે ? ને કામ-ક્રોધાદિક તો એવા બળિયા છે જે, શિવ-બ્રહ્માદિકની પણ લાજ લીધી છે અને એ કામાદિક જેને વિશે આવે છે તેને ગળી જાય છે; તે આજ તો મહારાજે ને મોટા સાધુએ ઠોઈ રાખ્યા છે. જેમ બ્રહ્માંડથી પર મહાજળ છે તેમાં મોટા મોટા મચ્છ છે, તે બ્રહ્માંડની સમીપે આવે, તો બ્રહ્માંડને પણ ગળી જાય એવડા મોટા છે; પણ પ્રદ્યુમ્નને ચોકીમાં રાખ્યા છે, તે જો બ્રહ્માંડની સમીપે ગળવા આવે તો માથામાં ગદા મારે, તો કરોડો જોજન દૂર જાતા રહે; તેમ કામ-ક્રોધાદિકને તો મહારાજે ને મોટા સાધુએ ઠોઈ રાખ્યા છે, નહિ તો આમ રહેવાય નહીં. એમ કહીને બોલ્યા જે, ‘આ ગિરનાર છે તેને ઉડાડવાનો મનસૂબો થાય છે ?’ ત્યારે કહ્યું જે, ‘ના મહારાજ !’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘મનમાં ધાર્યું નથી, નહિ તો ઉડાડી મૂકીએ; કેમ જે, પૃથ્વીના મનુષ્યને ભેગા કરીએ ને લુહારમાત્ર માંડે લોઢાં ઘડવા ને આપણ મંડીએ સુરંગું દઈને ઉડાડવા, તો ચાર-પાંચ વરસમાં ચૂરેચૂરા કરીને ઉડાડી મૂકીએ; તેમ કામ-ક્રોધાદિક ગમે તેવા બળિયા હોય પણ જો મનમાં ધારીએ તો ઉડાડી મૂકીએ, એમાં કાંઈ સંશય નથી.’
(41) આજ તો પુરુષોત્તમ, અક્ષરધામ ને અક્ષરના મુક્તે સહિત પધાર્યાં છે, તે ભેળા અનંત ધામોના ભગવાન તેમના મુક્તે સહિત આવ્યા છે. તે શા સારુ ? તો, પોતપોતાની ખોટ કાઢવા ને પુરુષોત્તમનું સ્વરૂપ સમજવા આંહીં આવ્યા છે; નહિ તો આવો ભીડો વેઠાય કેમ ? તે મહારાજે કહ્યું હતું જે, ‘અવતારમાં તો ત્રણ-ત્રણ ભીડામાં આવ્યા છે ને આજ તો બધાયને ભીડામાં લેવા છે.’ એમ કહીને વળી બોલ્યા જે, ‘બીજાના જન્મ છે તે તો પોતપોતાની ખોટ મૂકવા ને પુરુષોત્તમનું સ્વરૂપ સમજવા છે; ને એકાંતિકના જન્મ છે તે તો અનંત જીવોને બ્રહ્મરૂપ કરવા ને પુરુષોત્તમનું સ્વરૂપ સમજાવવા તે સારુ આ પૃથ્વીને વિશે પધારે છે. ને આ વાતું છે તે તો ગોપાળાનંદસ્વામી, મુક્તાનંદસ્વામી ને સ્વરૂપાનંદસ્વામી તેમના અંગની છે, તે આ સાધારણ જીવમાં નાખી દીધી છે તે પચ પડતી નથી ને ઊલટી થઈ જાય છે. જેમ સો જન્મનો શુદ્ધ બ્રાહ્મણ હોય તેના પેટમાં સોમવલ્લી ઔષધિ રહે છે ને એવો ન હોય તેના પેટમાં રહેતી નથી; તેમ અક્ષરધામનો મુક્ત હોય તેને આ વાત પચ પડે છે ને બીજાને તો ઊલટી થઈ જાય છે, પણ પચ પડતી નથી.’
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
અંગની : રુચિની.
સોમવલ્લી : સોમલતા નામે જાણીતી વેલના પાનનો રસ જે યજ્ઞમાં વપરાતો કે જે કાતીલ ઝેર હોવા છતાં ય કેટલાક સમર્થ ઋષિ તેનું પાન કરતા.
(42) ભગવાનમાં જોડાવું કાં સાધુમાં જોડાવું. ત્યારે પૂછ્યું જે, ‘ભગવાનમાં જોડાણો હોય તે કેમ જણાય ? ને સાધુમાં જોડાણો હોય તે કેમ જણાય?’ પછી સ્વામી બોલ્યા જે, ‘ભગવાનમાં જોડાણો હોય તેને ભગવાનનાં ચિહ્ન, ચરિત્ર ને સ્વાભાવિક ચેષ્ટા, તે અહોરાત્રિ કર્યા-સાંભળ્યા વિના રહેવાય નહિ ને સાધુમાં જોડાણો હોય તેનાથી દર્શન, સેવા ને વાતું તે અહોરાત્રિ કર્યા-સાંભળ્યા વિના રહેવાય નહિ, ત્યારે જાણીએ જે, સાધુમાં જોડાણો છે.’ અને વળી એમ વાત કરી જે, ‘જેટલો સાધુમાં જીવ બંધાણો છે તેટલો સત્સંગ છે ને જેટલો જીવ બંધાણો નથી તેટલો કુસંગ છે.’ ત્યારે પૂછ્યું જે, ‘આવી રીતે સાધુમાં જીવ બંધાણો હોય તો પણ તે સત્સંગમાંથી નીકળી કેમ જાય છે ?’ પછી સ્વામી બોલ્યા જે, ‘એવી રીતે સાધુમાં જીવ બંધાણો નથી ને જો બંધાણો હોય તો જાય નહીં. જેમ આ લીમડો છે તે જે દિવસ અમે મંદિર કરતા હતા તે દિવસ બે વેંતનો હતો ને એક મનુષ્ય ઉપાડે એટલું જ બળ હતું ને આજ તો બધા ગામના મનુષ્ય ભેળા થાય તો પણ ઉપડે નહિ, તેમ ઘણા દિવસ રહીને સત્સંગમાં જીવ બાંધ્યો હોય તો પંચવિષય કે કામાદિક દોષનો પાડ્યો સત્સંગમાંથી પડે નહીં.’ એમ કહીને બોલ્યા જે,
પ્રસંગમજરં પાશમાત્મનઃ કવયો વિદુઃ ।
સ એવ સાધુષુ કૃતો મોક્ષદ્વારમપાવૃતમ્ ॥
(શ્રીમદ્ ભાગવત : 3/25/20)
અર્થ : ‘સંગ એ આત્માનું જબરું બંધન છે’ એમ કવિઓ કહે છે. એ જ સંગ જો સાધુપુરુષો સાથે કરવામાં આવે તો મોક્ષનું દ્વાર ખુલી જાય છે.
એમ જેને રહેવાય છે તેને મોક્ષનું દ્વાર ઉઘાડું છે, ને એમ ન રહેવાય તો,
મોક્ષ મારગે દીધાં કમાડ, કડી જડી બારણે.
(કીર્તન મુક્તાવલિ : 1034)
વચ. ગ.પ્ર. 54
અર્થ : ધન, સંપત્તિ.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
(43) ગોપાળાનંદસ્વામીએ સર્વે સાધુને કહ્યું જે, ‘કેવી રીતે ધ્યાન ને માનસી કરો છો ?’ ત્યારે સર્વેએ કહ્યું જે, ‘જ્યાં મહારાજ બેસતા તે ઠેકાણે ધ્યાન કરીએ છીએ ને જ્યાં બેસીને જમતા તે ઠેકાણે માનસી પૂજામાં જમાડીએ છીએ.’ ત્યારે ગોપાળાનંદસ્વામીએ કહ્યું જે, ‘કોઈ એવું ધ્યાન શીખ્યા છો જે, ત્રણ દેહને જીતીને ધ્યાન કરવું ?’ ત્યારે સર્વેએ કહ્યું જે, ‘કેવી રીતે ત્રણેય દેહ જીતવા ?’ એ પ્રશ્ર્નનો ગોપાળાનંદસ્વામીએ ઉત્તર કર્યો જે, ‘ધ્યાન કરવા બેસીએ ત્યારે જીવ-જંતુ કરડે તો પણ સ્થૂળ દેહને હલવા દેવું નહિ એટલે સ્થૂળ દેહ જિતાણું જાણવું. ને ઘાટ-સંકલ્પ બંધ કરીને જે ધ્યાન કરવું એટલે સૂક્ષ્મ દેહ જિતાણું જાણવું ને નિદ્રા ને આળસ આવવા ન દેવી એટલે કારણ દેહ જિતાણું જાણવું. એવી રીતે ત્રણેય દેહને જીતીને ધ્યાન કરવું.’
ત્યારે સિદ્ધાનંદસ્વામી કહે જે, ‘કારણ શરીર તો કાળા પર્વત જેવું કઠણ છે, તે બહુ દાખડો કરીએ ત્યારે જિતાય; તે જેમ કૂવામાંથી છીપરને કાપવી હોય તેને ટાંકણું-હથોડો લઈને ખોદીએ ત્યારે સાંજે ટોપલી ગાળ નીકળે એવું કઠણ છે.’ ત્યારે ગુણાતીતાનંદસ્વામી બોલ્યા જે, ‘અમે તો સુરંગું દઈએ છીએ તે બસેં-બસેં ગાડાં પાણા નીસરે છે. તે શું ? તો, વાતુંરૂપી સાંગડીએ કરીને દાર (ડામ) દઈએ છીએ ને ભગવાનના નિશ્ર્ચયરૂપી દારૂ ભરીએ છીએ ને ભગવાન ને ભગવાનના સાધુનો મહિમા તે રૂપી અગ્નિ મૂકીએ છીએ, તેણે કરીને કારણ શરીરરૂપ જે અજ્ઞાન, તે રૂપી જે કાળો પર્વત, તેને તોડીને બ્રહ્મરૂપ કરીને અક્ષરધામમાં મહારાજની સેવામાં રાખીએ છીએ, તે કાંઈ કઠણ નથી.’
કરો : ઘરની દિવાલ.
સુરંગું : દારૂગોળાની એક જાતની બનાવટ. (બ.વ.)
પાણા : પથ્થર.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
(44) સત્યુગમાં મનુષ્યને લાખ વરસની આવરદા ને હજાર વરસનો ખાટલો ને સો વરસ સુધી ડચકાં ખાય ત્યારે જીવ જાય ને આજ તો ત્રીજે ડચકે અક્ષરધામમાં જવાય છે, એવું સુગમ કરી નાખ્યું છે; પણ જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી સ્ત્રી, દ્રવ્ય, દીકરા, દીકરી, મેડી, હવેલી, રાજ્યસમૃદ્ધિ ને રાજ્યલક્ષ્મીને વિશે સુખ મનાય છે. જેમ છોકરાં ધૂડની ધોલકિયું કરે છે ને ઠીકરાંની ગાયું કરે છે ને ચયાના ને કાચલીયુંના ઘોડા કરે છે ને સુખ માને છે, તેમ એ પણ સુખ માને છે; પણ જ્યારે જ્ઞાન થાય ત્યારે સર્વે ખોટું થઈ જાય. જેમ ભાલ દેશમાં બ્રાહ્મણ ચાલ્યો જતો હતો તેને સામો રબારી મળ્યો, તેણે પૂછ્યું જે, ‘મહારાજ, રાજી કેમ થયા છો ?’ ત્યારે તે બ્રાહ્મણ બોલ્યો જે, ‘રાજી ન થઈએ ? દશ ગાઉ ચાલ્યા આવ્યા છીએ ને જળ પાસે આવ્યા છીએ, તે નાહીશું-ધોશું ને ટીમણ કરશું.’ ત્યારે તે રબારી બોલ્યો જે, ‘હૈયું ફોડ મા, જોડા પહેરીને ચાલ્યો આવું છું ને પાણી તો ઝાંઝવાનાં બળે છે !’ ત્યારે તે બ્રાહ્મણના મનસૂબા સર્વે ખોટા થઈ ગયા. તેમ જ્યારે જ્ઞાન થાય ત્યારે સર્વે ખોટું થઈ જાય, અને જે મૃગલાં જેવા જીવ છે, તે તો વિષયને સાચા માનીને દોડ્યા કરે છે; જેમ ઝાંઝવાના જળને દેખીને મૃગલાં દોડે છે તેમ અને મનુષ્ય છે તે દેખે છે, પણ ખોટાં જાણે છે અને સૂર્યના રથમાં બેઠા છે તેની દૃષ્ટિમાં તો ઝાંઝવાનાં પાણી નથી; તેમ જે જ્ઞાની છે તેની દૃષ્ટિમાં તો પ્રકૃતિનું કાર્ય કાંઈ આવતું નથી.
ધોલકિયું : ધૂળથી રમાતી ઘરઘરની રમત.
ઠીકરાંની : તૂટેલ માટીનાં વાસણના ટુકડાની.
ચયાના : પાણીમાં ઉગતા ઘાસનું કલગી જેવું ઝૂમખું.
દશ : દિશા.
ગાઉ : અંતરનું એક પરિમાણ, દોઢ માઈલ, અઢી કિલોમીટર.
ટીમણ : શિરામણ, જલપાન, નાસ્તો.
મનસૂબા : સંકલ્પો, કાંઈક કરી લેવાના વિચારો
(45) સત્સંગ ક્યારે થાય ? તો જ્યારે બદરિકાશ્રમ જેવું ને શ્ર્વેતદ્વીપ જેવું સ્થાનક હોય ને મુક્તાનંદસ્વામી, ગોપાળાનંદસ્વામી ને સ્વરૂપાનંદસ્વામી એવા મોટાનો નિરંતર સંગ હોય ને બ્રહ્માના કલ્પ પર્યંત આયુષ્ય હોય, ત્યાં સુધી જ્ઞાનગોષ્ઠિ કરીએ ત્યારે સત્સંગ થાય છે; પણ તે વિના સત્સંગ થાય નહીં. એમ કહીને વળી બોલ્યા જે, ‘ક્યાં ગુરુ કર્યા છે ? ને ગુરુ કર્યા હોય તો, તેના ગુણ આવ્યા જોઈએ ને ?
સર્વોપનિષદો ગાવો દોગ્ધા ગોપાલનન્દનઃ ।
પાર્થો વત્સઃ સુધીર્ભોક્તા દુગ્ધં ગીતામૃતં મહત્ ॥
(ભગવદ્ ગીતા : શ્રીકૃષ્ણ ધ્યાન-વંદન 4)
અર્થ : સર્વ ઉપનિષદોરૂપી ગાયો છે, તેના દોહનાર ગોપાલનંદન શ્રીકૃષ્ણ છે, અર્જુનરૂપી વાછડો છે, ગીતામૃતરૂપી મહાન દૂધ છે અને બુદ્ધિશાળી મનુષ્ય તેનો ભોક્તા (પીનારો) છે.
એમ કોઈએ કર્યું છે ? જેમ ભગવાને ગીતાની ગાય કરી ને અર્જુનને વાછડો કરીને દૂધ પાયું, એમ કોઈને ધાવ્યા છો ? અને જેને સામા ધવરાવ્યા હોય, તે તો ગુડિયું વાળે જ નહિ ને લોભ, કામ, રસાસ્વાદ, સ્નેહ ને માન એમાં જે ગુડિયું વાળે છે, ત્યાં સુધી તેણે ગુરુ કર્યા જ નથી અને ગુરુ કર્યા હોય તો તે ગુડિયું વાળે જ નહીં.’ (જુઓ પ્રકરણ 6ની વાત 30, 83)
બદરિકાશ્રમ : શ્રી નરનારાયણનો આશ્રમ.
શ્ર્વેતદ્વીપ : શ્રી વાસુદેવ ભગવાનનું ધામ.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
કલ્પ : આપણાં ચાર અબજ બત્રીશ કરોડ વર્ષનો સમય - બ્રહ્માનો એક દિવસ (પણ રાત નહિ)
પર્યંત : ત્યાં સુધી, જેટલી.
અર્થ : ધન, સંપત્તિ.
(46) વરતાલમાં આંબા હેઠે ચાર પાટીદારે મહારાજને કહ્યું જે, ‘હે મહારાજ ! તમારા ચરણારવિંદ સામું જોઈએ છીએ તો તમે પુરુષોત્તમ જણાઓ છો ને તમારા શરીર સામું જોઈએ છીએ તો તમે મનુષ્ય જેવા જણાઓ છો.’ ત્યારે મહારાજે કહ્યું જે, ‘વૈરાટબ્રહ્મા છે તેણે તેનાં પચાસ વરસ ને દોઢ પહોર દિવસ ચડ્યો, ત્યાં સુધી આ ચરણારવિંદની સ્તુતિ કરી, ત્યારે આ બે ચરણારવિંદ આ પૃથ્વી ઉપર આવ્યાં છે; પછી તમારે તો સૂઝે એમ સમજાય.’ પછી વળી પૂછ્યું જે, ‘ઘણે ઠેકાણે સભા દીઠી છે, પણ આમ એકી નજરે તમારી સામું જોઈ રહ્યા છે, તે કેમ સમજવું?’ ત્યારે મહારાજ બોલ્યા જે, ‘હું સદ્ગુરુરૂપી સૂર્ય પ્રગટ થયો છું ને આ સર્વે કમળ ખીલ્યાં છે, તે મારા સામું જોઈ રહ્યાં છે.’ પછી તે સત્સંગ કરીને પોતાને ઘેર ગયા. એમ મુમુક્ષુનાં લક્ષણ છે.
પહોર : પ્રહર, ત્રણ કલાક.
(47) એક બાવે આવીને કહ્યું જે, ‘હે મહારાજ ! તમે તો બહુ ભૂંડું કર્યું !’ ત્યારે મહારાજે કહ્યું જે, ‘શું ભૂંડું કર્યું ?’ ત્યારે તે બોલ્યો જે, ‘બાઈ-ભાઈની સભા કોઈએ નોખી નહોતી કરી તે તમે કરી, એ બહુ ભૂંડું કર્યું.’ ત્યારે મહારાજ બોલ્યા જે, ‘હું અનિર્દેશથી આવ્યો છું, કહેતાં હું અક્ષરધામમાંથી પુરુષોત્તમ આવ્યો છું ને સુગાળવો છું, તે મારી સૂગ ચડી ગઈ છે, નીકર તો કાંઈ નોખાં રહે એવાં નથી.’ તે મહારાજની સૂગ છે ત્યાં સુધી નોખાં રહેવાય છે, નીકર તો ભેગાં થઈ જાશે. ને વળી કોઈકે પૂછ્યું જે, ‘પુરુષનું મન ક્યાં રહેતું હશે ?’ પછી મહારાજ બોલ્યા જે, ‘આજ જ અમે વિચાર કર્યો છે જે, પુરુષનું મન સ્ત્રીનાં ગુહ્ય અંગમાં રહે છે ને સ્ત્રીનું મન છે તે પુરુષનાં ગુહ્ય અંગમાં રહે છે, એ જ જીવને હૃદયગ્ંરથિ કહી છે.’ એમ સર્વેનાં અંતર કહી દીધાં.
ગુહ્ય : રહસ્ય, મર્મ
(48) લાખ મણ લોઢાની લોઢી ધગી હોય તેના ઉપર એક-બે પાણીના ઘડા ઢોળીએ તેણે કરીને ઠરે નહિ ને ઠારવી હોય તો ગંગાના ધરામાં લઈને નાખીએ તો દશ-પંદર દિવસ સુધી તો હવેલી જેવડી છોળ્યું ઊછળે, ત્યારે માંડ માંડ ઠરે. તેમ પંચવિષયે કરીને તો જીવ ધગી જાય છે, તેને એક-બે દિવસ રહીને જાણે જે, ટાઢો કરી જાઉં, એમ ટાઢો થાય નહીં. ને જેને ટાઢો કરવો હોય તેને તો દશ-પંદર દિવસ સુધી તો ફેર ચડ્યો હોય તે ઊતરે ત્યારે વાત માંહી પેસે; પછી ટાઢો થાય છે અને સાધુ પાસે કોણ આવે છે ? ને જે સાધુ પાસે આવે છે તેને તો કોઈ વાતની કસર રહે જ નહીં. એમ કહીને બોલ્યા જે,
તીન તાપ કી ઝાલ જર્યો, પ્રાની કોઉ આવે;
તાકુ શીતલ કરત, તુરત દિલ-દાહ મિટાવે.
કહિ કહિ સુંદર બેન, રેન અગ્યાન નિકાસે;
પ્રગટ હોત પહિચાન, જ્ઞાન ઉર ભાન પ્રકાશે.
વૈરાગ ત્યાગ રાજત વિમલ, ભવ દુ:ખ કાટત જંતકો;
કહે બ્રહ્મ મુનિ આ જગતમેં, સંગ અનુપમ સંતકો.
(બ્રહ્માનંદ કાવ્ય : 756)
એવો સત્સંગ મળ્યો છે, પણ સમાગમ વિના કોઈને ગમ પડતી નથી. ને જ્યાં સુધી સત્પુરુષનો સંગ નથી થયો ત્યાં સુધી કાંઈ નથી થયું. તે ઉપર બ્રહ્માનંદસ્વામીનો સવૈયો બોલ્યા જે,
રાજ ભયો કહા કાજ સર્યો, મહારાજ ભયો કહા લાજ બઢાઈ,
સાહ ભયો કહા વાત બડી, પતસાહ ભયો કહા આન ફિરાઈ;
દેવ ભયો તોઉ કાહ ભયો, અહંમેવ બઢો તૃષ્ણા અધિકાઈ,
બ્રહ્મમુનિ સત્સંગ બિના, સબ ઔર ભયો તો કહા ભયો ભાઈ.
(કીર્તન મુક્તાવલિ : નાશવંત દેહ વિશે)
એમ સત્પુરુષનો સંગ નથી કર્યો ત્યાં સુધી કાંઈ કર્યું નથી.
કસર : ખોટ, ઉણપ.
ઝાલ : ઝાળ.
રેન : રાત, ઘોડાની લગામ.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
(49) સ્વામીએ સર્વે ધામોના મુક્ત સાથે પ્રશ્ર્ન-ઉત્તર કર્યા, તેમાં કોઈ મુક્ત જીત્યા નહીં. તે વાત પોતે કરી જે, ‘પ્રથમ તો જાણે જે, હું બદરિકાશ્રમમાં ગયો તે બદરિકાશ્રમના મુક્ત મને પ્રશ્ર્ન-ઉત્તરમાં જીત્યા નહિ; પછી જાણે જે, હું શ્ર્વેતદ્વીપમાં ગયો ત્યારે તે શ્ર્વેતદ્વીપના મુક્ત પણ જીત્યા નહિ; પછી જાણે હું વૈકુંઠમાં ગયો ત્યારે તે વૈકુંઠના મુક્ત પણ જીત્યા નહિ; પછી જાણે હું ગોલોકમાં ગયો ત્યારે ગોલોકના મુક્ત પણ જીત્યા નહિ; પછી જાણે હું અક્ષરધામમાં ગયો ત્યારે તે મુક્ત સાથે મારે બરાબર પ્રશ્ર્ન-ઉત્તરમાં ઠીક પડ્યું.’ પછી ગોપાળાનંદસ્વામીને કહ્યું જે, ‘આજ તો આમ થયું.’ ત્યારે ગોપાળાનંદસ્વામી બોલ્યા જે, ‘મહારાજે એમ જણાવ્યું જે, બીજા ધામના મુક્તનું જ્ઞાન આવું છે !’ માટે ભગવાનના સ્વરૂપસંબંધી જ્ઞાન તો અક્ષરધામના મુક્તમાં છે કે આંહીં એકાંતિક સાધુમાં છે પણ બીજે ક્યાંય નથી ને બીજે તો બીજું જ્ઞાન છે.’
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
(50) બીજે ક્યાંય જીવ અટકતો નથી ને મહારાજને પુરુષોત્તમ સમજવા ત્યાં અટકે છે. જેમ ગુજરાતનાં ઘોડાં છે તે લાંબાં બહુ ને કાઠાળાં બહુ, પણ જ્યારે ધોરિયો દેખે ત્યારે અટકે છે, તે કાપી નાખે તોય ડગ દે નહિ ને સામું ખાસડું ઉગામ્યું હોય તો ક્યાંય ને ક્યાંય ભાગી જાય. ને અલૈયાખાચરના ઘોડાંને ચડાઉ કરવાં હોય, તેને બસેં છોકરા ગોટા વાળીને ઊભા હોય તેમાં વચ્ચોવચ નાખીને ચડાઉ કર્યાં હોય તે ક્યાંય અટકે નહીં. જેમ સામત પતંગ, પાંચસેં બખતરિયા ઊભા હતા તેમાંથી મોટેરાના દીકરાને મારીને આવતા રહ્યા. એવી રીતનો જે હોય તે ક્યાંય અટકે નહીં. તે ઉપર છંદ બોલ્યા જે,
તુરી વેગવંતા જરિસા જઠાણં દિયંતા ઉડાણં જેહિ મૃગડાણં;
સચે વાગરાગં નટાંજ્યું નચેરી દિનં એક હોસી સબે ખાખ ઢેરી !
(51) ગમે તેવો પાણીનો તરવૈયો હોય તેને પણ ભમરી બુડાડી દે છે તે નીસરાય નહિ; ને વળી બીજું દૃષ્ટાંત જે, તીરે કરીને લવિંગ વીંધે તેવો આંટુકદાર હોય ને તે તીરને પણ વાયુ ફગાવી દે છે; તેમ ગમે તેવો સાંખ્યવાળો હોય કે યોગવાળો હોય, તેને પણ સ્ત્રીરૂપ પાણીની ભમરી તે તો બુડાડી દે છે, તે નીસરાય નહિ; તેમ જ ગમે તેવો અંતર્દૃષ્ટિવાળો હોય તેની વૃત્તિને પણ દેશકાળાદિક આઠ છે, તે ફગાવી નાખે છે; પણ અંતર્દૃષ્ટિ થાવા દે નહીં. તે ઉપર શ્ર્લોક બોલ્યા જે,
સંગં ન કુર્યાત્ પ્રમદાસુ જાતુ યોગસ્ય પારં પરમારુરુક્ષુઃ ।
મત્સેવયા પ્રતિલબ્ધાત્મલાભો વદન્તિ યા નીરયદ્વારમસ્ય ॥
(શ્રીમદ્ ભાગવત : 3/31/39)
અર્થ : યોગના અત્યંત પારને પામવા અને મારી સેવાથી જ લાભ મેળવવા ઇચ્છતા પુરુષે સ્ત્રીઓનો કદી સંગ રાખવો નહિ; કારણ કે, તે તેને માટે નરકનું દ્વાર કહેવાયેલું છે.
એવા એવા ઘણાક શ્ર્લોક બોલીને કહ્યું જે, કેની બુદ્ધિ ભેદાતી નથી તો,
કામાદિભિર્વિહીના યે સાત્ત્વતાઃ ક્ષીણવાસના ।
તેષાં તુ બુદ્ધિભેદાય ક્વાપિ કાલો ન શક્નુતે ॥
(વાસુદેવ માહાત્મ્ય : 8/7)
અર્થ : જેઓ કામાદિક દોષથી રહિત, સત્ત્વગુણમય અને વાસના રહિત હોય છે, તેઓની બુદ્ધિને ભેદવા માટે કદી પણ કાળ સમર્થ થઈ શકતો નથી.
એ શ્ર્લોક બોલીને કહ્યું જે, ‘જેણે સાત્ત્વિક સેવ્યા હોય ને કામાદિક દોષે રહિત થયા હોય ને વાસના કુંઠિત થઈ ગઈ હોય, તેની બુદ્ધિ ભેદાતી નથી ને બીજાની તો ભેદાઈ જાય છે, તેમાં સંશય નથી.’
અર્થ : ધન, સંપત્તિ.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
માહાત્મ્ય : મહિમા, મહત્વ.
વાસના : પૂર્વના સંસ્કારોથી મકકમ થયેલી કામના.
(52) અરે ! વિષય તો બાંધે એવા છે, પણ જ્યાં સુધી મોહ છે, ત્યાં સુધી જણાય નહિ; કેમ જે, કેવા વૈરાગ્યવાન ! તેમને પણ બાંધ્યા. તેમનાં નામ. ગોવિંદસ્વામી તથા પરમહંસાનંદસ્વામી તથા મહાપ્રભુ નામે સાધુ, એ આદિક ઘણા ઘણાને બાંધ્યા. તેની વિક્તિ જે, ગોવિંદસ્વામીને કેવો વૈરાગ્ય હતો તે સંસારનો ત્યાગ કરીને જ્યારે ચાલ્યા, ત્યારે રસ્તામાં એક રાજાની બાની દશ હજાર રૂપિયાનું સોનું લઈને બેઠેલ. પછી ગોવિંદસ્વામીનું રૂપ જોઈને કહે જે, ‘સોનું ને હું તમારી છું.’ પછી વિચાર થયો જે, ‘પ્રભુ ભજવા નીસરે છે તેને આડી સિદ્ધિયું આવે છે, તે મારે સિદ્ધિ આવી.’ પછી તો પોતાનું લૂગડું મૂકીને કહ્યું જે, ‘બેસ, ખત્રે જાવું છે.’ એમ કહીને ચાલ્યા ગયા. એવા વૈરાગ્યવાન ! તે પણ ગંગામાની દાળ, ભાત ને રોટલીયુંમાં બંધાણા. તેને મહારાજે ત્રણ રાત ને ત્રણ દિવસ સુધી ગામ જ આવવા દીધું નહિ; ત્યારે હાથ જોડીને કહ્યું જે, ‘હે મહારાજ ! કેમ કરવું છે ?’ પછી મહારાજ બોલ્યા જે, ‘રીંગણાં ને ગાજરની માળા ગળામાં ઘાલીને જેતલપુર જઈ ભીક્ષા માગો. પછી કોઈ કહેશે જે, ‘ગોવિંદસ્વામી કાંઈ જોઈશે ?’ ત્યારે કહેવું જે, ‘હાઉ!!’ ‘અરે ગોવિંદસ્વામી ગાંડા થયા ?’ ત્યારે કહેવું જે, ‘હાઉ !!’ એમ કરીને સ્વભાવ મુકાવ્યા.
ને પરમહંસાનંદસ્વામીએ તો ગાયુંમાં બે વરસ આસન કર્યું, તે પાછું સાધુમાં આસન થયું નથી. ને ત્રણેય વૃત્તિ તો પોતે ‘સારસ્વત’ ભણ્યા હતા ને ખોજાના તો ગુરુ કહેવાતા, તેને પણ એમ થયું. ને એક સાધુ મહાપ્રભુ નામે હતો તે ઝોળીમાં બંધાણો. તેને મહારાજે કહ્યું જે, ‘હવે નરનારાયણની ઝોળી રહેવા દો ને લક્ષ્મી-નારાયણની ઝોળી માગો.’ પછી વરતાલ આવીને બે-ત્રણ દિવસ રહીને જાતો રહ્યો. એમ જીવ બંધાય છે.
વિક્તિ : વિગત-વિવરણ.
દશ : દિશા.
(53) હમણાં મુમુક્ષુએ દેહ ધર્યા છે, તે મહારાજને આવવું પડે, તે સારુ આવરદા વિના મહારાજે મને રાખ્યો છે, તે અમારે પણ મહારાજનું સુખ એ મુમુક્ષુને દેવું પડે છે. ને આવરદા તો અઠ્ઠાવન વરસથી વધુ નથી, એમ જન્મોત્રીમાં લખ્યું હતું. ને તે વિના દેહ રહ્યું છે તે તો આ સોરઠ દેશના હરિજન ઉપર મહારાજને બહુ હેત, તેમને પોતાનું સુખ દેવા સારુ મહારાજે મને રાખ્યો છે. તે શા સારુ ? તો, પોતાનું સુખ દેવાણું નહિ, તેને પોતાનું સુખ દેવા સારુ પોતાનું સર્વસ્વ હતું તે સાધુ-સત્સંગીને અર્થે કૃષ્ણાર્પણ કરી રાખ્યું છે ! તે મુક્તાનંદસ્વામીના કીર્તનમાં કહ્યું છે જે,
ઐસે મેરે જન એકાંતિક, તેહિ સમ ઔર ન કોઈ;
મુક્તાનંદ કહત યૂં મોહન, મેરો હી સર્વસ્વ સોઈ.
(કીર્તન મુક્તાવલિ : 713)
એવા સાધુ મળ્યા છે, ત્યારે શી (કઈ) વાતની કમી રહી ? તે ઉપર સવૈયો બોલ્યા જે,
સાચે સંત મિલે કમી કાહું રહી, સાચી શીખવે રામ કી રીતકું જી,
પરાપાર સોઈ પરબ્રહ્મ હૈ તામે, ઠહરાવે જીવ કે ચિત્તકું જી;
દૃઢ આસન સાધકે ધ્યાન ધરે, કરે જ્ઞાન હરિ ગુન ગીતકું જી,
બ્રહ્માનંદ કહે દાતા રામહું કે, પ્રભુ સાથ બઢાવત પ્રીતકું જી.
(કીર્તન મુક્તાવલિ : સાધુ કો અંગ)
એવા સાધુમાં રહીને ભગવાન પોતાનું દર્શન દે છે, વાતું કરે છે, મળે છે ને દૃષ્ટિ માંડીને જુએ છે, એ રીતે અનેક પ્રકારે સુખ આપે છે. એવી રીતે વાતું કરીને સુખિયા કરી નાખ્યા.
કમી : ખોટ, કસર, ઉણપ.
(54) જુઓને, એક પુરુષ ઊગ્યો તે પચાસ કરોડ યોજનમાં અંધારું ન રહ્યું, તે જેમ સૂર્યના કિરણે કરીને રાતનો નાશ થઈ જાય છે, તેમ સત્પુરુષની દૃષ્ટિ વડે કરીને તો કોઈ દેશમાં અજ્ઞાન રહે જ નહિ અને તે સત્પુરુષ વિના તો જેમ,
સોળ કળા શશી ઉગહિ તારાગણ સમુદાય,
સબ ગિરિ દાહ લગાવીએ રવિ બિન રાત ન જાય.
તેમ આ સાધુ વિના અજ્ઞાન જાય નહિ અને અજ્ઞાન ગયા વિના સુખ પણ થાય નહીં. અરે, મારે તો ઘણુંય જ્ઞાન દઈને બ્રહ્મરૂપ કરવા છે, પણ શું કરીએ, કારખાને ગળે ઝાલ્યા છે, તે જ્ઞાન કહેવા નવરા થાતા નથી; કેમ જે, જેમ જબરા ખેડુને વેર અપરવારે ગયું, તે નવરા થાય નહિ ને વેર વાળવા જાય જ નહિ; તેમ અમારું જ્ઞાન અપરવારે ગયું; પણ હવે સાધુ-સત્સંગીને મારી પાસે રાખીને વાતું જ કરવી છે, જેણે કરીને બ્રહ્મરૂપ થઈ જાય. એમ કહીને બોલ્યા જે, ‘વાતું સાંભળી લેજો ! પછી આવો જોગ મળવો બહુ દુર્લભ છે ! માટે સમાગમ તો કરી લેજો !’ એમ કહીને કહ્યું જે,
ચેતન વાલે ચેતીઓ, મેં કહત હું હાથ બજાય હો પ્યારે. ચે 0
(બ્રહ્માનંદ કાવ્ય : 2378)
અમે તો તાળી વગાડીને કહીએ છીએ; પછી વળી કહેશે જે, કહ્યું નહીં.
શશી : ચંદ્ર.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
અપરવારે : ખૂબ કામને લઈને આવતી કાલે, એમ કરતાં કરતાં પાછું ઠેલાતું જ જાય તે.
(55) એક હરિભક્તે પ્રશ્ર્ન પૂછ્યું જે, ‘બીજા અવતારે વર્તમાન પળાવ્યાં નથી ને કલ્યાણ તો કર્યાં છે ને આજ વર્તમાન પળાવીને કલ્યાણ કરે છે, તેનો શો હેતુ છે?’ પછી સ્વામી બોલ્યા જે, ‘બીજાએ કલ્યાણ તો કર્યાં છે પણ કારણ શરીર ટાળીને કલ્યાણ કર્યાં નથી ને જો કારણ શરીરના ભાવને ટાળીને કલ્યાણ કર્યાં હોય તો ગોલોકમાં ને વૈકુંઠલોકમાં કજિયો શા સારુ થાય? ગોલોકમાં રાધિકાજીએ શ્રીદામા સાથે વઢવેડ કરી અને વૈકુંઠલોકમાં જય-વિજયે સનકાદિક સાથે વઢવેડ કરી; એમ જાણતાં ત્યાં કારણ શરીર નહિ ટળ્યું હોય. ને મહારાજ તો કારણ શરીર ટાળવા સારુ, સાધુ ને નિયમ તો અક્ષરધામમાંથી લઈને જ પધાર્યા છે. તે માટે સાધુ ભગવાનની ઉપાસના કરાવે છે ને નિયમે કરીને ભગવાનની આજ્ઞા પળાવે છે, તેણે કરીને તો કારણ શરીરનો નાશ થઈ જાય છે.’ તે ઉપર કારિયાણીનું 12મું વચનામૃત વંચાવીને કહ્યું જે, ‘આ વચનામૃતમાં મહારાજે સિદ્ધાંત કહ્યું છે. તે સારુ વર્તમાન પળાવીને કલ્યાણ કરે છે, એ હેતુ છે.’
સનકાદિક : બ્રહ્માના ચાર માનસપુત્ર ઋષિઓ :- સનક, સનાતન, સનંદન અને સનત્કુમાર તેઓ હંમેશાં પાંચ વર્ષના બાળક જેવા જ દેખાયા છે.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
(56) એક દિવસ મહારાજે મને કહ્યું જે, ‘મંડળ બાંધો.’ ત્યારે હું કાંઈ બોલ્યો નહિ, ત્યારે સામું જોઈને કહ્યું જે, ‘સાધુ તો પાંચ રાખીએ જેથી જીવનું કલ્યાણ થાય.’ એમ કહીને કહેવા માંડ્યા જે, ‘સાધુ તો દશ રાખીએ, વીસ રાખીએ, પચાસ રાખીએ, સો રાખીએ ને સાધુ તો બસેં રાખીએ.’ પછી તો હું બોલ્યો નહિ, પણ અંતે એમ કર્યું. એ વાતની દીર્ઘદર્શીને ખબર પડે, આપણે તો કાંઈ જાણીએ નહીં. અરે ! એક દિવસ મહારાજે મને પૂર્વાશ્રમમાં હતો, ત્યાં આવીને કહ્યું જે, ‘શું કરો છો ને શું કરવા આવ્યા છીએ ? ને બ્રહ્મતેજ તો સુકાઈ ગયું છે !’ એમ કહીને દેખાણા નહીં. તે દિવસથી જીવોનું કલ્યાણ થાય તેમ જ કરીએ છીએ અને એક દિવસ મહારાજને ચાર પ્રશ્ર્ન પૂછાવ્યા : તેમાં એક તો ધ્યાન કરવું, બીજું આત્માપણે વરતવું, ત્રીજું માંદાની સેવા કરવી ને ચોથું ભગવાનની વાતું કરવી. એ ચારેમાં અધિક કોણ છે, તે કહો ? પછી મહારાજે કહ્યું જે, ‘વાતું જ અધિક છે.’ તે દિવસથી વાતું કરવા માંડી છે, તે રાત-દિવસ સોપો જ પડતો નથી; જેથી જીવ બ્રહ્મરૂપ થઈ જાય છે.
દશ : દિશા.
કરો : ઘરની દિવાલ.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
(57) કૃપાનંદસ્વામીનો એમ મત જે ગળામાં ઊની કોશ ઘાલે એટલી પીડા થાય, તો પણ ભગવાનની આજ્ઞા લોપવી નહીં. ને વળી કૃપાનંદસ્વામી એમ કહેતા જે, ‘સ્વપ્નનો ઉપવાસ તો પડે નહિ, ને જો પડે તો દેહ પડી જાય, એવો પોતાનો ઠરાવ ને વિષયની બીક તો કેવી રહે જે, અલ્પ વચનમાં ફેર પડે તો મહત્ વચનમાં ફેર પડ્યો હોય, એટલી બીક લાગે.’ તે મેં એક દિવસ નજરે દીઠું છે, એવા કૃપાનંદસ્વામી તે તો ગંગા જેવા ! તે જેમ ગંગાનો પ્રવાહ ચાર ગાઉમાં ચાલ્યો જાય છે, તે કોઈનો હઠાવ્યો હઠે નહિ; તેમ તેમની વૃત્તિ કોઈની હઠાવી ભગવાનના સ્વરૂપમાંથી પાછી હઠે નહીં. તે એક દિવસ કૃપાનંદસ્વામીની સમાધિ જોઈને સચ્ચિદાનંદસ્વામીએ કહ્યું જે, ‘અમારે કૃપાનંદસ્વામીના જેવું હેત નહિ ને એવા હેતવાળા તે તો ગંગા જેવા ને ગોપાળાનંદસ્વામી તે તો દરિયા જેવા, તે તો અનંત જીવને સુખિયા કરી નાખે તેવા હતા.’ એમ કહીને બોલ્યા જે, ‘જેવા રઘુવીરજી મહારાજ હતા ને જેવા ગોપાળાનંદસ્વામી હતા, તેવા તો જણાણા જ નહિ ! ને આજ હશે તેને પણ જાણતા નથી, તેને બહુ ખોટ જાશે; કેમ જે, એવા મોટા વિના મહારાજનો સિદ્ધાંત કોણ કહેશે ? ને બીજા તો પોતાની સમજણ પ્રમાણે સમજાવશે, પણ જેમ છે તેમ સમજાવતાં આવડશે નહિ, એ સિદ્ધાંત વાત છે.’
કોશ : નરાજ, ખોદવાનું લોખડનું એક ઓજાર.
(58)
અધર્મ સર્ગ જબ કરત પ્રવેશા, સુર નર મુનિ મહિં નહિ સુખ લેશા;
એમ કહીને બોલ્યા જે, ‘એવો અધર્મ સર્ગ શેણ્યે (શાને, શેને, કેમ) કરીને પ્રવેશ થાય છે, તો જ્યારે એકબીજાનાં મન નોખાં પડે છે, ત્યારે પ્રવેશ થાય છે ને એકબીજામાં સંપ હોય તો અધર્મ સર્ગ પેસવા આવે નહીં.’ તે ઉપર મહારાજની કહેલી વાત કરી જે, એક રાજાએ તીરનો ભાથો મંગાવ્યો ને બોલ્યા જે, ‘બળિયામાં બળિયો હોય તે આ તીરના ભાથાને ભાંગી નાખો.’ ત્યારે જે બળિયામાં બળિયો હતો તેથી તીરનો ભાથો ભંગાણો નહીં. પછી ભાથામાંથી એક તીર કાઢીને એક ફોશીમાં ફોશી હતો, તેને કહ્યું જે, ‘ભાંગી નાખ.’ ત્યારે તેણે તુરત ભાંગી નાખ્યો. પછી એ રાજાએ મોટા મોટા ઉમરાવને કહ્યું જે, ‘જો તમે આ તીરના ભાથાની પેઠે જૂથ રાખશો, તો ગમે તેવો શત્રુ હશે તોય તમારો પરાભવ નહિ કરે ને રાજ્ય આબાદ રહેશે.’ એ દૃષ્ટાંત દઈને બોલ્યા જે, ‘આ તમે સર્વે સાધુ, પાળા, બ્રહ્મચારી આમ ને આમ સંપ રાખશો તો ગમે તેવો તમારો અંત:શત્રુ હશે તે પણ પરાભવ નહિ કરી શકે ને આમ નહિ રહો તો અલ્પ જેવો દોષ હશે તે પણ સત્સંગમાંથી બહાર કાઢી નાખશે.’ એમ કહીને બોલ્યા જે, ‘જુઓને, કેટલાકને તો જોડ જ નથી ને કોઈક તો પાકલ ગૂમડાં જેવા, તે કહેવાય તો નહીં. માટે દશ મંડળમાં જેમ જેને મળતું આવે તેમ તમે સર્વે રહેજો.’ એટલી વાત કરી ત્યાં ‘વાસુદેવ હરે’ થયા તે જમવા પધાર્યા.
ફોશી : કાયર.
દશ : દિશા.
(59) સ્વામીએ એક બાવળિયા સામું જોઈને કહ્યું જે, ‘જેમ રેતીએ કરીને આ બાવળિયો સોરાઈ ગયો છે, તે લાખ યોજનનો સમુદ્ર ભર્યો છે, તેના જળે કરીને પણ લીલો પલ્લવ થાતો નથી; કેમ જે, રેતીએ કરીને સોરાઈ ગયો છે. તેમ જ વિષયે કરીને તો જીવ સોરાઈ જાય છે, પણ મીઠા જળના મહાસમુદ્ર જેવો આ સત્સંગ, તેમાં રહીને લીલો પલ્લવ થાતો નથી ને લોક, ભોગ ને આ દેહ તેણે કરીને તો જીવ સોરાઈ ગયા છે, એમ પ્રત્યક્ષ દેખાય છે. તેમ જ રૂડા ગુણ છે, તે પણ ત્રણ પ્રકારના કુસંગે કરીને નાશ થઈ જાય છે; પણ જીવ ત્રપંખડો મૂકે નહિ ત્યાં સુધી જીવ સુખિયો પણ થાય નહીં.’ એમ કહીને બોલ્યા જે, ‘આ જીવ તો મેવાશી થઈ બેઠો છે, પણ ભગવાનની ને મોટા સાધુની તો ગરજ રાખતો નથી ને પોતાના જીવની તો ખબર જ નથી અને જેમ મેમણ ચડ્યો પોઠિયે ને કહે જે, ‘કેકેં હણાં ને કેકેં ન હણાં !’ એમ બકે છે, પણ પોતાનું તળ તપાસતો નથી જે, મારીશ કેને ?’ એમ કહીને બોલ્યા જે,
મોટા થાવાનું મનમાં રે, દલમાં ઘણો ડોડ;
તેવા ગુણ નથી તનમાં રે, કાં કરે તું કોડ.
(કીર્તન મુક્તાવલિ : 1053)
એમ જીવ કોડ તો બહુ કરે છે, પણ જો મહિનો દિવસ હાથધોણું ચાલે તો ખબર પડે, પણ આજ ઓશિયાળા કરે છે. એવી રીતે વાત બહુ કરી છે.
ત્રપંખડો : દેહ, દેહના સંબંધી ને પદાર્થ દેહ, લોક ને ભોગની આસક્તિવાળો જીવ.
મેવાશી : બેદરકાર, એદી, અંકુશ વગરનો.
તળ : મૂળ, જન્મ સ્થાન.
હાથધોણું : ઝાડા થવા, વારંવાર સંડાસ જવું પડે.
(60) જીવ સામું જોઈએ છીએ તો મુમુક્ષુતા તો જાણે છે જ નહિ અને જે મુમુક્ષુ હોય તેને તો ભગવાન કે ભગવાનના સાધુ તે વિના સુખ કે શાંતિ થાય જ નહીં. જેમ સમુદ્રમાં છીપ રહે છે, પણ તેને સમુદ્રનું પાણી ખપતું નથી, તે તો જ્યારે સ્વાંતનાં બુંદ પડે છે, ત્યારે જે ઠેકીને ગ્રહણ કરે છે, તે મોતી લાખ રૂપિયાનું થાય છે ને જે મંદ શ્રદ્ધાએ કરીને ગ્રહણ કરે છે, તે તો અરધ લાખનું થાય છે. ને જે પડ્યું પડ્યું ગ્રહણ કરે છે, તે તો ફટકીયું થાય છે. તેમ જ મુમુક્ષુ હોય તે જો શ્રદ્ધાએ કરીને આ સત્પુરુષનો મન, કર્મ, વચને સંગ કરે છે, તો તે બ્રહ્મરૂપ થાય છે. એમ કહીને બોલ્યા જે,
શ્રદ્ધાવાન લભતે જ્ઞાનં તત્પરઃ સંયતેન્દ્રિયઃ
જ્ઞાનં લબ્ધ્વા પરાં શાંતિમચિરેણાધિગચ્છતિ ॥
(ભગવદ્ ગીતા : 4/39)
અર્થ : શ્રદ્ધાવાન, તત્પર અને જિતેન્દ્રિય પુરુષ જ્ઞાન મેળવે છે, જ્ઞાન પામીને તરત તે પરમ શાંતિ પામે છે.
અને જેને એવી શ્રદ્ધા ન હોય તે તો,
અનેકજન્મસંસિદ્ધસ્તતો યાતિ પરાં ગતિમ્ ॥
(ભગવદ્ ગીતા : 6/45)
અર્થ : કાળજીથી યત્ન કરતાં પાપ રહિત થયેલો તે યોગી અનેક જન્મે સિદ્ધ થયા પછી પરમ ગતિ પામે છે.
એમ પણ કહ્યું છે, માટે સત્પુરુષનો સંગ તો મન, કર્મ, વચને જ કરવો. ત્યારે પૂછ્યું જે,‘ મન, કર્મ, વચને સંગ કેમ કરવો ?’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘કર્મ જે દેહ તેણે કરીને તો જેમ સત્પુરુષ કહે તેમ કરવું ને વચને કરીને તો સત્પુરુષમાં અનંત ગુણ રહ્યા છે તે કહેવા ને મને કરીને તો મોટા સાધુને વિશે નાસ્તિકપણું આવવા દેવું નહિ; ત્યારે એમ જાણવું જે, મોટા સાધુનો સંગ મન, કર્મ, વચને કર્યો છે.’ એટલી વાત કરીને બોલ્યા જે,
સંત સમાગમ કીજે, હો નિશદિન સંત સમાગમ કીજે.
અંતર કપટ મેટકે અપનો, લે ઉન કું મન દીજે. હો 0
(કીર્તન મુક્તાવલિ : 142)
એ ગોડી બોલ્યા, ત્યાં આરતી થઈ તે દર્શને પધાર્યા.
વચ. ગ.પ્ર. 15
વચ. સા. 11
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
અર્થ : ધન, સંપત્તિ.
(61) જેમ જેમ જ્ઞાન થાતું જાય તેમ તેમ ભગવાનનો મહિમા જણાતો જાય. તે ઉપર દૃષ્ટાંત દીધું જે, ‘એક રબારી ચાલ્યો જતો હતો, ત્યાં હીરો હાથ આવ્યો, તે બકરીની કોટે બાંધ્યો. પછી તે બકરીને વાણિયે લઈને એ હીરો બસેં રૂપિયામાં દીધો ને બસેંવાળે હજારમાં દીધો ને હજારવાળે દશ હજારમાં દીધો, એમ ને એમ ચડતાં લાખ રૂપિયામાં દીધો. પછી તે લાખવાળે કોઈક શાહુકાર હતો તેની પાસે જઈને કહ્યું જે, ‘આ હીરો તમારે રાખવો છે ?’ ત્યારે શાહુકાર હીરો જોઈને બોલ્યો જે, ‘સો મોટલિયા કરો ને દિવસ ઉગ્યાથી તે આથમ્યા સુધી દ્રવ્ય લઈ જાઓ એટલું તમારું.’ ત્યારે ગામમાં હાહાકાર બોલ્યો જે, ‘શાહુકારે ખજાનો લૂંટાવી દીધો !’ પછી તે શાહુકારના બાપે આવીને પૂછ્યું જે, ‘શું જણસ લીધી ?’ ત્યારે કહ્યું જે, ‘આ હીરો લીધો છે.’ ત્યારે તેણે જોઈને કહ્યું જે, ‘મફત પડાવી લીધો ! એક દિવસની કમાણી પણ દીધી નહિ !’ ત્યારે જુઓ, એ સર્વે કરતાં એ શાહુકારને એ હીરાનું જ્ઞાન બહુ કહેવાય; તેમ જ ભગવાનના મહિમાનું જાણવું. તે જેમ જેમ ભગવાનનું જ્ઞાન થાતું જાય, તેમ તેમ મહિમા વધુ ને વધુ જણાતો જાય છે.’ તે ઉપર સારંગપુરનું 17મું વચનામૃત વંચાવ્યું. ત્યાં ‘વાસુદેવ હરે’ થયા તે જમવા પધાર્યા.
કોટે : ગળે.
દશ : દિશા.
શાહુકાર : ધનિક.
મોટલિયા : ગાંસડો-પોટલું ઊંચકનાર મજૂરો.
કરો : ઘરની દિવાલ.
જણસ : કીમતી ચીજ, વસ્તુ, પદાર્થ.
(62) મોરે તો મુમુક્ષુ ભગવાનને ખોળતા ને હવે તો ભગવાન છે તે મુમુક્ષુને ખોળે છે, જેમ ધૂડધોયા ધૂડમાંથી ધાતુ ખોળે છે, તેમ પામર ને વિષયીમાંથી મુમુક્ષુને ખોળે છે. અને જે મુમુક્ષુ હોય તેને તો,
કરું ઉપાય હવે એહનો, ડોળી દેશ વિદેશજી;
કોઈ રે ઉગારે મને કાળથી, સોંપું તેને લઈ શીશજી.
(કીર્તન મુક્તાવલિ : 479)
એમ નિરંતર વર્ત્યા કરે. વળી સ્વામીએ વાત કરી જે, ધર્મપુરવાળાં કુશળકુંવરબાઈએ શ્રીજીમહારાજને પ્રશ્ર્ન પૂછ્યો જે, ‘હે મહારાજ ! તમે કાગળમાં લખ્યું જે, અનિર્દેશથી લિખાવિંત સ્વામીશ્રી સાત (સાક્ષાત્) સહજાનંદજી મહારાજ, તે અનિર્દેશ તે શું ?’ ત્યારે મહારાજ બોલ્યા જે, ‘આ તમારો દરબાર છે તે નિર્દેશ છે ને આ તમારું શહેર છે તે અનિર્દેશ છે ને તમારું શહેર છે તે નિર્દેશ છે ને પૃથ્વી છે તે અનિર્દેશ છે ને પૃથ્વી નિર્દેશ છે ને જળ અનિર્દેશ છે ને જળ નિર્દેશ છે ને તેજ અનિર્દેશ છે ને તેજ નિર્દેશ ને વાયુ અનિર્દેશ છે ને તે વાયુ નિર્દેશ ને આકાશ અનિર્દેશ છે ને આકાશ નિર્દેશ છે ને અહંકાર અનિર્દેશ છે ને અહંકાર નિર્દેશ છે ને મહત્તત્ત્વ અનિર્દેશ છે ને મહત્તત્ત્વ નિર્દેશ ને પ્રધાનપુરુષ અનિર્દેશ છે ને પ્રધાનપુરુષ નિર્દેશ ને પ્રકૃતિપુરુષ અનિર્દેશ છે ને પ્રકૃતિપુરુષ નિર્દેશ ને એ પ્રકૃતિપુરુષ થકી પર અક્ષરધામ અનિર્દેશ છે; ત્યાં રહીને અમે કાગળ લખાવીએ છીએ.’ એટલી વાત કરી ત્યાં સુધી મૂર્તિ સામું જોઈ રહ્યાં ને વૃત્તિ પલટાવીને હૈયામાં ઉતારતાં ગયાં. તે આ વાત મહારાજે કહી હતી.
વચ. સા. 2
મોરે : અગાઉ
પ્રકૃતિપુરુષ : ચેતન અકર્મણ્ય પુરુષની મદદથી જડ પ્રકૃતિમાંથી સમગ્ર સૃષ્ટિની ઉત્પતિ થઈ તે
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
મૂર્તિ : સંતો.
(63) રઘુવીરજી મહારાજ પૃથ્વી ઉપર રહ્યા ત્યાં સુધી દેશકાળાદિકનું બહુ સુખ રહ્યું; કેમ જે, મહારાજ એમને વશ; તે જેમ ધારે તેમ કરે. ને હવે તો રઘુવીરજી મહારાજે દેહત્યાગ કર્યો છે, તે દિવસથી દુ:ખ ચડતું આવે છે; કેમ જે, જેમ મોટી નદીનું પૂર ચડતું આવે છે તેમ દુ:ખ ચડતું આવે છે. જુઓને, રાજાઓનું કેવું દુ:ખ છે જે, ભેંશજાળવાળા ને જાયવાવાળા જે ગરાસિયા, તેનો ન્યાય કર્યો જ નહિ; તેમ જ અખોદડવાળા બ્રાહ્મણ ભગવદી તેને મારી નાખ્યો, તેનો પણ અન્યાય કર્યો, એવાં દુ:ખ છે. તે સારુ તો અમે મહારાજને અરજી નાખી છે જે, રઘુવીરજી મહારાજ જેવા બે આચાર્ય કરો ને ગય રાજા જેવો એક રાજા કરો; તો બે કરોડ મનુષ્ય પ્રભુ ભજે છે, તે દશ કરોડ મનુષ્ય પ્રભુ ભજે, એમ સંકલ્પ કર્યો છે. ત્યારે સર્વે હરિજન બોલ્યા જે, ‘હે મહારાજ! તમે ધાર્યું છે તે સારું જ થાશે.’
(જુઓ પ્રકરણ 6ની વાત 241 )
(જુઓ પ્રકરણ 11ની વાત 109)
કરો : ઘરની દિવાલ.
દશ : દિશા.
(64) અમારી સમજણ તો કોઈને કહેવાય નહિ, પણ આજ થોડીક કહું. એમ કહીને બોલ્યા જે, ‘કહ્યા વિના તો જ્ઞાન થાય નહિ ને જ્ઞાન થયા વિના મોહ પણ ટળે નહીં. અને જેને મોટાની સમજણ આવી હોય તેને તો મહારાજની મૂર્તિ વિના ને અક્ષરધામ વિના આંહીંથી તે પ્રકૃતિપુરુષ સુધી લઘુશંકાનો વહેવાર દેખાતો હોય, તેમાં શેનો (શાનો) મોહ થાય ? તે એવું તો સર્વનિવાસાનંદસ્વામીને થઈ ગયું જે પ્રકૃતિપુરુષનું કાર્ય તેમાં વૃત્તિ રહી જ નહીં. તે એક દહાડો મારી પાસે કહ્યું જે, ‘મહારાજની પૂજા-સેવા શા વતે કરું?’ ત્યારે મેં કહ્યું જે, ‘મૂર્તિ સામું જોઈ રહો !’ ત્યારે સર્વનિવાસાનંદસ્વામીએ કહ્યું જે, ‘કરીએ છીએ તો એમ જ.’ પણ જો આવી વાત કોઈકને કહીએ તો આ મારો ખાટલો લઈને ચરામાં નાખી આવે, એવું કઠણ પડે; પણ મહારાજની મૂર્તિ વિના ખાવાની વિષ્ટા ને પીવાની લઘુશંકા એવું છે; પણ જ્યાં સુધી મોહ છે ત્યાં સુધી એ વાત સમજાય નહિ, એવી મોટાની સમજણ છે.
મૂર્તિ : સંતો.
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
પ્રકૃતિપુરુષ : ચેતન અકર્મણ્ય પુરુષની મદદથી જડ પ્રકૃતિમાંથી સમગ્ર સૃષ્ટિની ઉત્પતિ થઈ તે
ચરામાં : ગૌચરની એવી પડતર જમીનમાં.
વિષ્ટા : નરક, મળ.
(65) સ્વામીએ એક હરિજનને બોલાવીને કહ્યું જે, ‘દર્શન કર ને આ દેહ તો તારા સારુ રહ્યો છે; કેમ જે, કાળ તો આંટા ખાતો રહે છે.’ એમ કહીને બોલ્યા જે, ‘આવા સાધુથી નોખા પડીએ ત્યારે નરકમાં પડ્યા જેવું દુ:ખ થયું જોઈએ ને એવું દુ:ખ નથી થાતું ત્યાં સુધી સત્પુરુષમાં જીવ બંધાણો છે ક્યાં ? ને જ્યાં સુધી સત્પુરુષમાં જીવ બંધાણો નથી ત્યાં સુધી લોક, ભોગ ને દેહ તે રૂપ થઈ જાવાય છે.’ એમ કહીને બોલ્યા જે, ‘અમારે તો હજારો ક્રિયા કરાવવી પડે, પણ આંખ મીંચીને ઉઘાડીએ એટલી પળ જો ભગવાન વીસરાય તો તાળવું ફાટી જાય !’ ત્યારે પૂછ્યું જે, ‘હજારો ક્રિયા કરાવો ને તેલધારાની પેઠે ભગવાનને અખંડ રાખો, એમ તે કેમ રહે ?’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘તમે તમારો દેહ વિસારો છો ?’ ત્યારે કહ્યું જે, ‘ના મહારાજ !’ પછી સ્વામી બોલ્યા જે, ‘જો તમે તમારો દેહ વિસારો, તો હું મહારાજની મૂર્તિ વિસારું; કેમ જે, જેમ માછલું છે તે જળમાં હાલેચાલે ને ક્રીડા કરે છે, તેમ અમે બોલીએ-ચાલીએ ને ક્રિયા કરીએ, પણ ભગવાનને મૂકીને તો કોઈ ક્રિયા કરીએ જ નહીં. ને જેને એવું ન જણાય તે તો મોટાને વિશે પણ દોષ પરઠે છે જે, પોતે હેરાન થાય છે ને બીજાને હેરાન કરે છે. તે દોષ જોનારો કોટિ કલ્પ સુધી નિવૃત્તિ પામતો નથી, એ સિદ્ધાંત વાત છે.’
મૂર્તિ : સંતો.
કોટિ : કરોડ.
કલ્પ : આપણાં ચાર અબજ બત્રીશ કરોડ વર્ષનો સમય - બ્રહ્માનો એક દિવસ (પણ રાત નહિ)
(66) આ જીવને માખીમાંથી સૂર્ય કરવો છે, તે કર્યા વિના થાય જ નહીં. ત્યારે પૂછ્યું જે, ‘માખીમાંથી સૂર્ય કેમ થાય ?’ પછી સ્વામી બોલ્યા જે, ‘આ સૂર્ય કોઈક કાળે માખીમાંથી થયો છે, તે પુરુષોત્તમની ઉપાસનાને બળે થયો છે અને તે પુરુષોત્તમની ઉપાસનાએ કરીને તો ઈશ્ર્વરકોટિમાં ને પુરુષકોટિમાં ને બ્રહ્મકોટિમાં ભળાય છે ને તે ઉપાસના ને મહિમા વતે તો પોતાને વિશે પરિપૂર્ણપણું ને કૃતાર્થપણું મનાય છે અને તે વિના તો પોતાને વિશે અપૂર્ણપણું ને કલ્પના એ બે રહે.’ તે ઉપર ગંગાજળિયા કૂવાનું વચનામૃત (વચ.ગ.મ. 67) વંચાવીને બોલ્યા જે, ‘જેવા મહારાજને જાણે તેવો પોતે થાય છે, ત્યારે તેને અપૂર્ણપણું ને કલ્પના રહે ? ન જ રહે. ને આવું ભગવાનના સ્વરૂપ સંબંધી જે જ્ઞાન છે તે તો કોઈ દિવસ નાશ થાય એવું નથી. ને તે જઠરાગ્નિએ કરીને કે, વીજળીના અગ્નિએ કરીને કે, વડવાનળ અગ્નિએ કરીને કે, પ્રલયકાળના અગ્નિએ કરીને કે, મહાતેજના અગ્નિએ કરીને પણ આ જ્ઞાન નાશ થાય તેવું નથી અને તે જ્ઞાન તો અંખડ ને અવિનાશી છે. તે જેમ પુરુષોત્તમ, અક્ષરધામ ને અક્ષરમુક્તો સનાતન છે, તેમ આ જ્ઞાન પણ સનાતન છે.’ એટલી વાત કરી ત્યાં ‘વાસુદેવ હરે’ થયા તે જમવા પધાર્યા.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
(67) સ્વામીએ કારિયાણીનું 8મું વચનામૃત વંચાવીને વાત કરી જે, ‘ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કરતાં કોઈને આવડ્યું નથી; કેમ જે, એ તો અતર્ક્ય વાતું છે, તે કોઈના તર્કમાં આવે નહિ અને પૂર્વે આચાર્ય થઈ ગયા છે તેમણે ભગવાનના સ્વરૂપનું નિરૂપણ તો કર્યું છે, પણ જેવું મહારાજને કહેતાં આવડે છે, તેવું તો કોઈને કહેતાં આવડતું જ નથી.’ એમ કહીને કહ્યું જે, ‘ફેર (ફરી) વાંચો.’ ત્યારે ફેર વાંચ્યું. પછી સ્વામી બોલ્યા જે, ‘સગુણ-નિર્ગુણપણું તો મહારાજે આ મૂર્તિનું કોઈક અલૌકિક ઐશ્ર્વર્ય કહ્યું છે અને એ બે સ્વરૂપનું ધરનારું મૂળ સ્વરૂપ તો આ પ્રત્યક્ષ બોલે છે તે જ છે.’ એમ કહીને બોલ્યા જે, ‘દશ શાસ્ત્રી વડોદરાના ને દશ શાસ્ત્રી સુરતના ને દશ શાસ્ત્રી અમદાવાદના ને દશ શાસ્ત્રી કાશીના એવા હજારો શાસ્ત્રી ભેગા થાય ત્યારે આ વાતનો પ્રસંગ નીસરે ?’ ત્યારે રૂપશંકરે કહ્યું જે, ‘ના મહારાજ! આવો પ્રસંગ શાસ્ત્રીથી નીસરે નહીં.’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘છે તો એમ જ, પણ આ લોકમાં શાસ્ત્રીનું પ્રમાણ બહુ કહેવાય; પણ ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કરતાં તો મહારાજને આવડે કાં તો ગોપાળાનંદસ્વામી જેવા સાધુને આવડે, પણ બીજા કોઈને આવડે નહિ અને આ વાત તો કરોડ ધ્યાન કરતાં અધિક છે; કેમ જે, શુકજી ધ્યાનમાંથી નીસરીને ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કરતા હવા.’ એટલી વાત કરી ત્યાં ડંકો થયો તે દર્શને પધાર્યા.
(68) હજાર વરસનો ખીજડો હોય, તેને સાંગરીયું થાય છે ને પાંચ વરસનો આંબો હોય તેને કેરી થાય છે. તે તો દૃષ્ટાંત ને એનું સિદ્ધાંત તો એ છે જે, ગમે તેવો શાસ્ત્રી હોય કે ગમે તેવો પુરાણી હોય, પણ આ પ્રત્યક્ષ ભગવાન ને આ પ્રત્યક્ષ સંત, તેની ઓળખાણ જો ન હોય તો તે ખીજડા જેવો છે ને તેને સંગે ટાઢું કે સુખ થાય જ નહિ અને વિદ્યા પણ બહુ ન ભણ્યો હોય ને અવસ્થા પણ થોડી હોય ને કુળ ઊંચું ન હોય, પણ જો આ પ્રત્યક્ષ ભગવાનને વિશે નિષ્ઠા થઈ ને આ સાધુની ઓળખાણ થઈ, તો તે આંબા જેવો છે ને તેને સંગે તો ટાઢું થઈને સુખિયો થઈ જાય છે, માટે જે ખીજડા જેવો હોય તેનો સંગ ન કરવો ને જે આંબા જેવો હોય તેનો સંગ કરવો. તે ઉપર શ્ર્લોક
વિપ્રાદ્ દ્વિષડ્ગુણયુતાદરવિન્દનાભ-પાદારવિન્દવિમુખાચ્છ્વપચં વરિષ્ઠમ્ ।
મન્યે તદર્પિતમનોવચનેહિતાર્થપ્રાણં પુનાતિ સ કુલં ન તુ ભૂરિમાનઃ ॥
(શ્રીમદ્ ભાગવત : 7/9/10)
અર્થ : કોઈ પુરુષ બ્રાહ્મણ જાતિનો અને બાર ગુણોથી યુક્ત હોય પણ વિષ્ણુના ચરણકમળથી વિમુખ હોય, તો તેના કરતાં (ભગવાનના ભક્ત) ચાંડાલને હું ઘણો ઉત્તમ માનું છું; કારણ કે તે ચાંડાલે ભગવાનને વિશે જ મન, વચન, કર્મ, ધન તથા પ્રાણ અર્પણ કરેલાં હોય છે, તેથી તે પોતાના કુળને પણ પવિત્ર કરે છે, પરંતુ અત્યંત અભિમાની પેલો બ્રાહ્મણ પોતાને પણ પવિત્ર કરી શકતો નથી.
બોલાવીને કહ્યું જે, ‘બાર ગુણે જુક્ત બ્રાહ્મણ હોય ને જો પ્રત્યક્ષ ભગવાન સાથે ઓળખાણ ન હોય, તો તે કરતાં ભગવાનનો ભક્ત શ્ર્વપચ હોય તે શ્રેષ્ઠ છે; એમ કહ્યું છે તે માટે ભગવાનના ભક્તને ઓળખીને સંગ કરવો, જેથી છેલ્લો જન્મ થઈ જાય ને એવા ન મળે, તો બીજા તો અનંત જન્મ ઉત્પન્ન કરે એવા છે.’
વચ. લો. 6
ખીજડો : સમડાનું વૃક્ષ.
ખીજડા : સમડાનું વૃક્ષ.
નિષ્ઠા : શ્રદ્ધા, આસ્થા, વિશ્ર્વાસ, ધારણા.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
અર્થ : ધન, સંપત્તિ.
શ્ર્વપચ : કૂતરા જેવા વફાદાર પ્રાણીને પણ મારીને ખાનાર માનવીની નીચ કોમ
(69) ગરીબને કલ્પાવશે તે ભગવાન ખમી નહિ શકે; કેમ જે, ગર્વગંજન ભગવાન છે, તે ગમે તે દ્વારે પ્રગટ થઈને ગર્વને ટાળશે. એ વાત વિસ્તારે કરીને બોલ્યા જે, ‘આપણે તો પ્રભુ ભજી લેવા, કાંઈ ચિંતા રાખવી નહિ અને જે ધીરજવાન પુરુષ છે તેને
ક્ષમા શસ્ત્રં કરે યસ્ય દુર્જન: કિં કરિષ્યતિ ।
અતૃણે પતિતો વહ્ની: સ્વયમેવોપશામ્યતિ ।।
(સુભાષિતરત્નભાણ્ડાગાર : ક્ષમાપ્રશંસા - 1)
અર્થ : જેના હાથમાં ક્ષમારૂપી શસ્ત્ર છે તેને દુર્જન શું કરી શકવાનો હતો? ઘાસ વિનાની જમીન પર પડેલો અગ્નિ આપોઆપ શમી જાય છે.
એમ કહીને વળી બોલ્યા જે, ‘કોઈ દિવસ લંબકર્ણની જય થઈ નથી ને થાશે પણ નહિ; કેમ જે, કામ-ક્રોધાદિકે મારી મૂક્યા છે, માટે,
જેનું કામે કાપી લીધું નાક, લોભે લઈ લાજ લીધી રે;
જેની જીભે રોળી કર્યો રાંક, માને તો ફજેતી કીધી રે.
(કીર્તન મુક્તાવલિ : 1072)
અને બીજા તો જેમ મોર કળા પૂરે ને પૂછડું ઉઘાડું થાય, એવા છે. ને એવાનો સંગ તો જેમ આંબેથી ઊઠીને બાવળિયે બેસવું એવો છે. ‘કાંઉ કણ ખૂટે વાંદરા બીડ ખાવો,’ એવા પુરુષ છે, માટે
દેખી ઉપરનો આટાટોપ, રખે મને મોટા માનો રે;
એ તો ફોગટ ફૂલ્યો છે ફોપ, સમજો એ સંત શાનો રે.
(કીર્તન મુક્તાવલિ : 1077)
એમ કહીને બોલ્યા જે, ‘આજ તો આપણને અલભ્ય લાભ મળ્યો છે એમ જાણવું; માટે જેને મરીને પામવા હતા, તે તો દેહ છતાં જ મળ્યા છે, પણ મરીને પામવું એમ નથી.’ તે મહારાજે કહ્યું છે જે, ‘દેહ ધર્યાનું નિમિત્ત તો નથી, પણ કોઈક કારણ ઉત્પન્ન કરીને આ સંતના મધ્યમાં જન્મ ધરવો એમ જ ઇચ્છીએ છીએ.’ તે એ તો આપણને શીખવ્યું, પણ એવો દેહ તો આપણે જ ધર્યો છે; માટે સમાગમ કરી લેવો.
વચ. ગ.મ. 48
અર્થ : ધન, સંપત્તિ.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
અલભ્ય : અપ્રાપ્ય
(70) સ્વામીએ વણથળી (વંથલી) જાતાં વાત કરી જે, ‘હવે તો સર્વે કામ થઈ રહ્યું છે; કેમ જે, સુખપાલમાં બેસીને પ્રભુ ભજી લો એમ કરી મૂક્યું છે. ને હવે તો ખોતરીને દુ:ખ ઊભાં કરો તો છે ! જેમ એક વાંદરાનું આળું જોઈને બીજાં વાંદરાં ખોતરીને દુ:ખ કરે છે, તેમ તમે પણ ભેગા થઈને ખોતરીને દુ:ખ ઊભાં કરો તો છે.’ એમ કહીને બોલ્યા જે, ‘જુઓને, સર્વોપરી મહારાજ ને સર્વોપરી આ સાધુ ને સર્વોપરી આ સ્થાન, તેને વિશે દુ:ખ રહેશે, ત્યારે કિયે ઠેકાણે દુ:ખ ટળશે ? નહિ જ ટળે, માટે જેને સુખિયા થાવું હોય, તેને આ બરાબર કોઈ નથી.’ એમ કહીને બોલ્યા જે, ‘જ્યારે જ્યારે આ મારગે ચાલીએ છીએ ત્યારે ત્યારે ભગવાન સાંભરી આવે છે; કેમ જે, મોટા મોટા સાધુ ને મહારાજ બહુ ચાલ્યા છે.’ ત્યારે કાશીરામે પૂછ્યું જે, ‘જેને મહારાજનાં દર્શન થયાં હોય તેને તો સાંભરે, પણ જેને મહારાજનાં દર્શન ન થયાં હોય તેને શું સાંભરે ?’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘આપણે ક્યાં પરોક્ષ છે? આપણે તો સંત દ્વારા પ્રત્યક્ષ છે; તે દર્શન દે છે, વાતું કરે છે, એવી રીતે બહુ સુખ આપે છે; પણ જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી સમજાય નહિ, એ સિદ્ધાંત વાત છે.’
કરો : ઘરની દિવાલ.
આળું : ચાંદું, ચામડી ઊતરેલ તાજો ઘા.
(71) મતપંથવાળે લાખ લાખ યોજનના કૂવા ગાળ્યા છે, તે નીકળાય જ નહીં. તે શું ? તો જુઓને, કુડા મારગીવાળે વટલવું ને વ્યભિચાર તેણે કરીને જ મોક્ષ માન્યો છે; તે શું શાસ્ત્રનો મત છે ? ને વેદાંતીએ તો ભગવાનના આકારનું ખંડન કરીને વિધિનિષેધને ખોટા કરી નાખ્યા, એ પણ શાસ્ત્રનો મત નહીં. ને શક્તિપંથવાળે તો માંસ ને મદિરા તેણે કરીને મુક્તિ માની છે. તે શું ? તો,
પીત્વા પીત્વા પુનઃ પીત્વા, પીત્વા પતન્તિ ભૂતલે ।
ઉત્થાય ચ પુનઃ પીત્વા, પુનર્જન્મ ન વિદ્યતે ॥
(ચાર્વાક)
અર્થ : જેઓ મદ્ય (દારૂ) પી-પીને ફરી ફરી પીને પૃથ્વી પર પડે છે, વળી ઊભા થઈને ફરી વાર પીવે છે તેનો બીજો જન્મ થતો નથી.
એ શ્ર્લોક બોલીને કહ્યું જે, ‘એ શાસ્ત્રનો સનાતન મત નહીં. ને નાસ્તિક મતવાળાને મતે તો ભગવાન જ નથી ને કર્મે કરીને જ કલ્યાણ માન્યું છે; પણ ભગવાન વતે કલ્યાણ નથી માન્યું. તે તો જેમ ‘છોકરાનું નાળ કરતાં ગળું કાપી નાખ્યું’ તેમ થયું ને તેને તો જેમ ‘એકડા વિનાનાં મીંડાં’ ને ‘પુત્ર વિનાનું પારણું’ ને ‘જીવ વિનાની કાયા’ ને ‘મણમાં આઠ પાંચ શેરની ભૂલ’ એમ છે અને આ જગતમાં મોટા ગુરુ કહેવાય છે, પણ તેમનાં પાપ તો મુખ થકી કહેવાય નહિ, અને ભક્તિનો તો ઉપર આડંબર, ને પાપની તો બીક જ નહીં. તે શું ? તો, મા, બહેન ને દીકરી તેની ગમ જ નહિ, એવા પશુના ધર્મ પાળે છે.’ એમ કહીને વળી બોલ્યા જે, ‘મતમાત્ર આજ હમણાં જ બગાડ્યા છે એમ નથી, એ તો મૂળમાંથી જ બગડેલા છે.’ એમ કહીને કહ્યું જે, ‘આ મળદ્વાર છે તે નાનો હોય ત્યારે કાંઈ ચોખ્ખો હશે?’ ત્યારે રૂપશંકરે કહ્યું જે, ‘ના મહારાજ ! એ તો મૂળમાંથી જ બગડેલો છે.’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘વાત તો નિરંતર કરીએ છીએ, પણ આજ તો ટીકા કરી છે.’ ત્યારે સૌએ કહ્યું જે, ‘આવું તો સમજાતું જ નહોતું.’
અર્થ : ધન, સંપત્તિ.
પાળે : સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જાતનો સેવક/પાર્ષદ.
(72) સ્વામીએ કલ્યાણભાઈ આગળ વાત કરી જે, ‘આજ સત્સંગનો મહિમા તો મુખ થકી કહેવાય નહિ ને જો કહીએ તો માન્યામાં આવે નહીં.’ ત્યારે કલ્યાણભાઈએ કહ્યું જે, ‘સત્સંગનો મહિમા તો બહુ છે.’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘પૂર્વે મોટા મોટા અવતાર થઈ ગયા છે, તે કરતાં તો આ સત્સંગીનાં છોકરાં સામું જોઈએ છીએ ત્યાં તો કરોડ-કરોડગણું અધિક દૈવત જણાય છે; તો મોટા મોટા હરિભક્ત ને મોટા મોટા સાધુ અને મહારાજનો મહિમા તો કહેવાય જ કેમ ?’ તે મહારાજે વચનામૃતમાં કહ્યું છે જે, ‘હું મારા મહિમાના પારને પામતો નથી, તો બીજા તો પામશે જ કેમ ?’ (વચ.ગ.મ. 67 / ગ.અં. 5) એમ કહીને,
મદ્ભયાદ્ વાતિ વાતોઽયં સૂર્યસ્તપતિ મદ્ભયાત્ ।
વર્ષતીન્દ્રો દહત્યગ્નિર્મૃત્યુશ્ચરતિ મદ્ભયાત્ ॥
(શ્રીમદ્ ભાગવત : 3/25/42)
અર્થ : મારા ભયથી વાયુ વાય છે, મારા ભયથી આ સૂર્ય તપે છે, મારા ભયથી ઇન્દ્ર વરસાદ વરસાવે છે, મારા ભયથી અગ્નિ બાળે છે, મારા ભયથી મૃત્યુ બધે ભમે છે.
એ શ્ર્લોક બોલીને કહ્યું જે, ‘બળ તો બહુ દેખાડ્યું, પણ કલ્યાણ તો એક માતાનું જ કર્યું છે; એમ જાણતાં એ શ્ર્લોક કોઈના બળનો જણાય છે, પણ પોતાના બળનો નહીં.’ એમ કહીને વળી બોલ્યા જે, ‘આજ તો સત્સંગમાં ડોશીઓ હશે તે પણ હજારો જીવોનું કલ્યાણ કરશે, તો બીજાની તો શી વાત કહેવી ?’ એવી રીતે બહુ વાતું કરીને નાહવા ઊઠ્યા. (જુઓ પ્રકરણ 10ની વાત 255)
દૈવત : દિવ્ય તેજ, શક્તિ.
અર્થ : ધન, સંપત્તિ.
(73) સ્વામીએ એક ભક્ત સામું જોઈને વાત કરી જે, ‘ભગવાન ને મોટા સાધુ જ્યારે ઉદાસી થાય, ત્યારે એમ જાણવું જે હવે મુમુક્ષુનાં કર્મ ફૂટ્યાં!’ એમ કહીને બોલ્યા જે, ‘આપણે તો બહુ ભેળા રહ્યા ને બહુ સમાગમ કર્યો ને હવે તો દેશકાળે કરીને ભેળું રહેવાય કે ન જ રહેવાય, પણ હવે તો અક્ષરધામમાં રહેવાય એવા સ્વભાવ કરવા શીખો; તો એક પળમાત્ર નોખા જ નથી, એમ જાણવું.’ એમ કહીને વળી બોલ્યા જે, ‘અક્ષરધામનો મુક્ત હોય ને સ્વાધીન થકો આંહીં આવ્યો હોય ને સ્વતંત્ર થકો જાય એવો હોય, પણ એને સત્પુરુષનો સંગ ન હોય તો જડ સંજ્ઞાને પામી જાય છે; અને જો એને સત્પુરુષનો સંગ થાય તો પૂર્વનું જ્ઞાન છે તે પ્રગટ થઈ આવે છે, નીકર તો જેમ આ દેશના વાણિયા પરદેશમાં જાય છે, ત્યાં કાફરીઓ રાખીને રહી જાય છે, તેમ અક્ષરધામના મુક્ત હોય તે પણ આ લોકમાં બંધાઈ જાય છે. તે વિજ્ઞાનદાસજીને અક્ષરધામની તો સમાધિ થાતી ને મહારાજને ત્રણેય અવસ્થામાં દેખાતા, તોય ત્રણ ઘર કર્યાં, પણ પોતાની મેળે નીકળાણું નહિ; પણ જ્યારે ગોપાળાનંદસ્વામીએ કહ્યું ત્યારે નીકળાણું, એવો આ લોક છે; તે સારુ તો મહારાજ, અક્ષરધામ ને અનંત મુક્તે સહિત જ પધાર્યા છે; માટે સમાગમ કરી લેવો, જેથી મહારાજની સેવામાં રહેવાય; નીકર તો ઘરોઘર કાફરીઓ છે તેની સેવામાં રહેવાશે.’ એમ કહીને બોલ્યા જે,
કઠણ વચન કહું છું રે, કડવાં કાંકચ રૂપ;
દરદીને ગોળી દઉં છું રે, સુખ થાવા અનુપ.
ખરે મને જે જન ખાવશે રે, આવું જે ઔષધ;
જીરણ રોગ તેનો જાવશે રે, સુખી થાશે સદ્ય.
(કીર્તન મુક્તાવલિ : 1048)
એટલી વાત કરીને ધર્મશાળામાં આસને પધાર્યા.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
કાફરીઓ : હબસી સ્ત્રીઓ, પરધર્મી પરદેશી સ્ત્રીઓ.
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
કાંકચ : કાચકી જેવું કડવું.
(74) એક દિવસ મહારાજે મને કહ્યું જે, ‘કહો તો કાળ પાડીએ ને કહો તો ટૂંટિયું લાવીએ.’ ત્યારે મેં કહ્યું જે, ‘કાળ પાડશો મા; ટૂંટિયું લાવજો.’ ત્યારે રઘુવીરજી મહારાજે કહ્યું જે, ‘બેયની ના પાડીએ નહિ ?’ ત્યારે મેં કહ્યું જે, ‘મહારાજની મરજી પ્રમાણે કહેવાય, પણ મરજી વિના તો કહેવાય જ નહીં.’ ને વળી બોલ્યા જે, ‘એક દિવસ મેં મહારાજને કહ્યું જે, તમારા ઘરમાં અંધારું કેમ છે ? જે, ખેડુ કામી કામીને મરી જાય છે તેને ખાવા મળતું નથી, ને વેપારીને પરસેવો વળતો નથી તો પણ તેને ખાવા મળે છે ને ખેડુ ભૂખે મરે છે ? તે દિવસથી મહારાજની દૃષ્ટિ થઈ છે જે, ખેડુના ઘરમાં હોય ત્યારે મોઘું ને વેપારીના ઘરમાં જાય ત્યારે સોઘું થાય છે, તે દિવસથી ખાવા મળે છે. તે જુઓને રૂના ડૂચા લઈ જાય છે ને બે કરોડ સોનાના રાળ સાબરમતીને આ કાંઠે નાખી દે છે, એવું કર્યું છે. પણ પ્રભુ ભજવા નવરા થાતા નથી. અરે ! આપણે આવું ક્યાં હતું, ને હજી રાત્રિપ્રલય સુધી થાશે; પણ રઘુવીરજી મહારાજે ચાર મહિના સાધુને રાખીને કથા કરાવી ને વાતું જ કરાવી, એમ કોઈ કરશે નહિ ને કરાવશે પણ નહિ; એવો માયાનો મોહ છે.’ એમ કહીને વળી બોલ્યા જે, ‘અમેય સાધુને રાખીને બે મહિના સુધી વાતું ને પ્રશ્ર્ન-ઉત્તર કરાવ્યા; પણ કેટલાકને તો ગમ જ નહિ જે, સ્વામી શું કહે છે ને શું થાય છે ? ને આપણે તો સોપો જ પડતો નથી.’ એમ કહીને બોલ્યા જે,
કિયાં બાળપણાની રમત, કિયાં પામવો સિદ્ધોનો મત.
(ભક્તચિંતામણિ : પ્ર. 41)
એ વાતની ખબર જ નથી જે, શું કરવા આવ્યા છીએ ને શું થાય છે.’ એટલી વાત કરીને ડાબે પડખે પડખાભર થયા ને સર્વે કીર્તન ગાવા લાગ્યા.
રાત્રિપ્રલય : અજ્ઞાનપ્રલય, પ્રકૃતિપુરુષ અને પ્રકૃતિપુરુષનું કાર્ય નજરમાં ન આવે ને ભગવાનના કર્તાહર્તાપણામાં સંપૂર્ણ નિર્દોષબુદ્ધિ એવી શુદ્ધ સમજણની સિદ્ધદશા.