(1) સર્વ સાધન કરતાં સંગ બળવાન છે; કેમ જે, સંગ થકી જ સર્વ વાત થાય છે, પણ સંગ વિના કોઈ કામ થાતું નથી, માટે સર્વમાં પ્રથમ સંગ મુખ્ય છે ને મોક્ષનો મારગ પણ સંગ થકી સમજાય ને વ્યવહાર મારગ પણ સંગ થકી જ આવડે છે માટે સંગની બરાબર કોઈ સાધન નથી. ને દેશકાળાદિક આઠ કહેવાય છે, તેમાં પણ સંગને મુખ્ય કહે છે તથા નવ પ્રકારની ભક્તિમાં પણ શ્રવણભક્તિને મુખ્ય કહી છે, તે પણ સંગ થકી આવે છે અને ‘શિક્ષાપત્રી’માં પણ ‘નિત્ય પ્રત્યે સાધુનો સંગ કરવો’ એમ કહ્યું છે ને ‘વચનામૃત’માં પણ સંગનું અધિકપણું બહુ ઠેકાણે કહ્યું છે; માટે સર્વ શાસ્ત્ર તે સત્પુરુષનો સંગ કરવાનું પ્રતિપાદન કરે છે. તે સંગ કરવો, તેમાં પણ જેવા પુરુષનો સંગ થાય તે થકી તેવો સમાસ થાય છે ને સર્વદેશી પુરુષનો સંગ થાય તો તે થકી સર્વદેશી જ્ઞાન પ્રાપ્ત થાય છે ને એકદેશી સંગ થકી સર્વ પ્રકારનું જ્ઞાન પમાય નહિ; કેમ જે, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, મહિમા આદિકમાંથી જેને જે અંગ મુખ્ય હોય તેના સંગ થકી તે વાત સમજાય અને સર્વે અંગે સંપૂર્ણ હોય તેના સંગથી સર્વે વાત સમજાય છે, માટે સર્વદેશી સંગ મળવો બહુ દુર્લભ છે. અને સંગ કરવો તેમાં ગુરુની શુદ્ધિ ત્રણ પ્રકારની જોવી. તેની વિક્તિ જે, એક તો તેનું પંડનું વર્તન હોય તેનો તપાસ કરવો ને બીજું તેણે જેને સેવ્યા હોય તેનું સામર્થ્ય જોવું ને ત્રીજું તેના સંગ થકી જે થયા હોય તેને જાણવા, એમ તપાસ કરવો.
(2) સર્વ કરતાં ઉપાસના સમજવી એ મોટું સાધન છે ને સર્વમાં ઉપાસના મુખ્ય બળવાન છે. તે સર્વોપરી ને સર્વ અવતારના અવતારી ને સર્વ કારણના કારણ મહારાજને સમજવા, એક તો એ સમજવાનું છે. ને બીજું ભગવાનનું સ્વરૂપ સર્વ પ્રકારે નિર્દોષ સમજવું; તે ‘સ્વરૂપનિર્ણય’માં કહ્યું છે એવી રીતે ભગવાનનું સ્વરૂપ સમજવું. તે એ બે વાત મુખ્યપણે અવશ્ય સમજવાની છે. બાકી ભગવાનનો મહિમા સમજવો તે તો સર્વમાં મુખ્ય છે, પણ મહિમા તો ઉપાસના તથા સ્વરૂપ સમજવામાં આવી જાય છે ને મહિમા વતે સર્વ સાધન થાય છે ને મહિમા સર્વ કરતાં બળવાન છે. તે શ્રીજીમહારાજે ‘વચનામૃત’માં કહ્યું છે એમ સમજીને, પોતાને બ્રહ્મરૂપ માનીને સ્મૃતિ રાખવી એ કરવાનું છે. ને ઉપાસનાની વિક્તિ જે, જેવા મહારાજને સમજે તેવો પોતે થાય. મહારાજને શ્રીકૃષ્ણ જેવા સમજે તો ગોલોકને પામે ને રામચંદ્રજી જેવા સમજે તો વૈકુંઠને પામે ને વાસુદેવ જેવા જાણે તો શ્ર્વેતદ્વીપને પામે ને નરનારાયણ જેવા જાણે તો બદરિકાશ્રમને પામે. તે જેવા જાણે તેવો થાય ને તેટલા ઐશ્ર્વર્ય ને તેટલા સામર્થ્યને પામે. ને મહારાજને સર્વ અવતારના અવતારી ને અક્ષરધામના પતિ સમજે તો અક્ષરધામને પામે. તે મહારાજે ‘વચનામૃત’માં કહ્યું છે જે, ‘જેવા ભગવાનને સમજે તેવો પોતે થાય છે ને ભગવાન તો અપાર ને અપાર રહે છે.’ માટે ઉપાસના ચોખ્ખી સમજવી એ મુખ્ય સાધન છે.
(વચ.ગ.મ. 67)
(જુઓ પ્રકરણ 6ની વાત 21)
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
(3) આ જીવને પાંચ વાનાં અવશ્ય જોઈએ પણ તે વિના ન ચાલે ને બાકી તો સર્વ વિના ચાલે. તેની વિક્તિ જે, અન્ન, જળ, વસ્ત્ર, નિદ્રા ને સ્વાદ મધ્યે મીઠું ને તે વિના બીજું તો સર્વે ફેલ છે.
વાનાં : વસ્તુઓ. (બ.વ.)
વિક્તિ : વિગત-વિવરણ.
ફેલ : નીતિશાસ્ત્ર વિરૂદ્ધનું આચરણ તથા આવક કરતાં વધુ ખર્ચ કરે તેવું આચરણ.
(4) જેમ ગાય છે તે વાછરું સારુ પારસો મૂકે છે, તેમ જે શિષ્ય હોય તે ગુરુને મન સોંપે તો અંત:કરણનું અજ્ઞાન ટાળી નાખે, પણ તે વિના તો ટળે નહીં.
(5) મોટપ તો ઘણા પ્રકારની છે. તેમાં પ્રભુને ભજવા તે મારગ જુદો છે. ને એકથી લાખ રૂપિયા ખરચે તો પણ સમાગમ વિના અજ્ઞાન તો ટળે નહિ ને જે વાવરે (વાપરે, ઉપયોગમાં લે) તેનું તો ફળ થાય ને ઐશ્વર્યને પામે.
વાવરે : વાપરે, ઉપયોગમાં લે.
(6) ચાર વાતમાં સુખ છે. તેમાં એક તો ભગવાનની મૂર્તિની સ્મૃતિ, બીજું સાધુનો સમાગમ, ત્રીજું સદ્વિચાર ને ચોથું તો જીવે વિષયનું સુખ માન્યું છે એ તો દુ:ખરૂપ છે ને સુખ તો ત્રણ વાતમાં જ છે. ને વિષયમાં સુખ છે એવી તો કોઈ મોટાએ કલમ મૂકી જ નથી. ને આત્મારૂપે વરતવું એ તો દેશ જ નોખો છે. તેમાં કામાદિક દોષ જ નથી, જેમ ગુજરાત દેશમાં પૃથ્વી ખોદે તેમાં પાણો જ ન મળે તેમ.
પાણો : પથ્થર.
(7) મોટા મોટાના શબ્દની હાર્યું કરીને તપાસ કરવો જે, એમનો શું મત છે ને એ શું કરવાનું કહે છે ને એ કેમ વરતે છે; એમ તપાસીને પછી તે મારગે ચાલવું.
હાર્યું : કતાર, વિષયવાર, શ્રેણીબંધ, શબ્દાવલિ.
(8) સારા ભગવદી સાથે જીવ બાંધવો એ જ સત્સંગમાં રહ્યાનો હેતુ છે, પણ એકલી ભક્તિ સત્સંગમાં રહ્યાનો હેતુ નથી. ને જ્ઞાન વિના તો સર્વે કાચું છે. ને સારા ભગવદી સાથે જીવ બાંધ્યો હતો તો કરસનદાસને ને મહાવીર્યાનંદને સત્સંગમાં રાખ્યા ને તે વિના તો રાધેશ્વરાનંદ ને હિરણ્યગર્ભાનંદ ગયા. ને હમીરે પણ ઘણીક ભક્તિ કરી હતી તો પણ તે ગયા. એ વાતું વિસ્તારે કરીને કહી.
(9) દૃષ્ટિ પ્રતિલોમ કરવામાં ચાર વિઘ્ન છે; તેની વિક્તિ જે, સ્ત્રી, દ્રવ્ય, આ લોકની મોટાઈ ને ક્રિયા.
(વચ.ગ.અં. 31)
પ્રતિલોમ : પોતા/આત્મા તરફ પાછી વાળતી વૃત્તિ, અંતરવૃત્તિ, અંતરદૃષ્ટિ કરીને આત્માનું પરમાત્મા તરફનું ઊર્ધ્વીકરણ.
વિક્તિ : વિગત-વિવરણ.
(10) જેવો સાંઢ હોય એવું વાછરું આવે અને જેવો ઘોડો હોય એવું વછેરું આવે; તેમ જ જેવા ગુરુ મળે એવું શિષ્યમાં દૈવત આવે.
દૈવત : દિવ્ય તેજ, શક્તિ.
(11) આ લોકનાં પદાર્થ ને મનુષ્યાદિકને કેવી દૃષ્ટિએ જોવાં જે, એ સર્વે વિઘ્ન કરનારાં છે અને એક તો કોઈ પ્રકારે સત્સંગમાંથી જાય એવો ન હોય તે પણ જાય ને એક તો કોઈ રીતે સત્સંગમાં રહે એવો ન હોય તે પણ રહે, એમ સંગમાં રહ્યું છે. ને ભણનારા કરતાં પણ ભણાવનારાને વધારે દાખડો પડે છે, તેમ જ્ઞાન દેવામાં શિષ્ય કરતાં ગુરુ વધારે દાખડો કરે ત્યારે જ્ઞાન થાય છે ને તે વિના જ્ઞાન થાતું નથી. ને અમૃતનું ફળ ઝેર છે, તે શું ? જે, વિષય ભોગવવા સારા લાગે છે, પણ તેનું ફળ દુ:ખ છે. ને સારા વિષય ને નરસા વિષય એ બેય નાશવંત તો છે, પણ નરસામાં દુ:ખ છે ને દોષ નથી ને સારામાં દુ:ખ ને દોષ બેય છે.
(12) એકલું જ્ઞાન કહેવું ને સાંભળવું તે કાંઈ કઠણ નથી, માટે બે ઘડી વૃત્તિયું પાછી વાળીને ભગવાનને સંભારવા ને ધ્યાન ન થાય તો ભજન કરવું; પણ રસોઈ કરીને જમવું નહિ, તે શા કામનું ? ને એકલું જ્ઞાન કરવાથી વિષય ઓછા થાવાના નથી ને એ તો ભગવાનને સંભારશું ત્યારે થાશે. ને ભગવાનને સંભારવા માંડે તો તેના ઉપર ભગવાનની ને મોટા સાધુની દૃષ્ટિ થાય; પણ એ મારગે તો ચાલે નહિ, ત્યારે તેના ઉપર શાની દૃષ્ટિ થાય ? માટે એ તો ભગવાનનો વિશ્ર્વાસ રાખીને મંડવું. ને જેવો જેનો સંગ થાય તેવું થાવાય છે, પણ જેમાં ગુણ નહિ હોય તેને સંગે તે ગુણ ક્યાંથી આવશે ? ને જે જે ભગવાનમાં વળગ્યા હશે ને જેના જે જે વિષય ઓછા થયા હશે તેના સંગમાંથી તે ગુણ આવશે એ વાતમાં સંશય નથી. ને જેનું જે અંગ હોય તે વાતનું તે મુખ્ય પ્રતિપ્રાદન કરે એ વાત સમજી રાખવી. ને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય એ ત્રણ હોય તો તે જીવના સુખને અર્થે થાય ને ભગવાન સંભારવા તે પણ છે તો જીવના સુખ સારુ; પણ તેને મહારાજ પોતાને અર્થે કર્યું એમ માની લે છે.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
(13) ઇન્દ્રિયારામ ને અર્થારામની જોડે આસન કરે તો ગમે તેવો હોય તેનું પણ ઠેકાણું ન રહે ને વૈરાગ્યનું તો છેટું છે; કેમ જે, વિષયમાં રાગ છે. ને આત્મજ્ઞાનનું પણ છેટું છે; કેમ જે, જીવ દેહમાં જડાઈ ગયો છે, માટે હવે તો એક ધર્મને વિશે, ને બીજી ભગવાનના સ્વરૂપને વિશે નિષ્ઠા; એ બે વાત મુખ્ય રાખવી.
ઇન્દ્રિયારામ : દેહ અને ઇન્દ્રિયોનાં પાલનપોષણમાં જ રાચનાર આસક્ત વ્યક્તિ.
(14) હવે તો ગૃહસ્થ ઘરમાં બંધાશે ને ત્યાગી ક્રિયામાં બંધાશે. ને કામી હોય તે જેમ સ્ત્રીને જોયા કરે છે, તેમ ભગવાન તો જીવ સામું જોઈ રહ્યા છે જે, ‘મુને કોઈ સંભારે છે ?’ પણ જીવ એવો અવળો છે જે, બીજા પદાર્થ સામું જુએ, પણ ભગવાન સામું ન જુએ.
(15) સંગનું રૂપ કહ્યું જે, ભેગા રહે પણ સંગ ન કરે, તેમાં ઊનાના શેઠિયાનું દૃષ્ટાંત દીધું જે, સાઠ માણસ ભેળાં રહેતા હતા. પણ તેમાં સંગ તો પુરુષ, સ્ત્રી ને છોકરો એ ત્રણેનો હતો. ભગવાનની સ્મૃતિ વિના જે જે થાય છે તે ખડ ખાય છે ને સત્સંગી પણ સ્મૃતિ ન કરાવે, તો કુસંગી ભુલાવે એમાં શું કહેવું ? ને કામમાંથી પરવારીને પ્રભુ ભજવા એવી તો કોઈએ આશા જ રાખવી નહિ; કેમ જે, કોઈનું કામ પૂરું થયું નથી ને થાશે પણ નહિ અને આ જીવને વૃક્ષનો દેહ આવે તેમાં આવરદા તો ઘણી લાંબી પણ તેમાં પ્રભુ ભજાય નહિ ને પશુ-પક્ષી આદિકના દેહ આવે તેમાં પણ ન ભજાય ને મનુષ્યદેહમાં ભજાય. તેમાં પણ મોટે ઠેકાણે ન ભજાય ને ખાવા ન મળે તો પણ ન ભજાય ને રોગ થાય તો પણ ન ભજાય ઇત્યાદિક વિઘ્ન છે અને આ તો સર્વ વાતે સાનુકૂળ છે ને તેમાં પણ પ્રભુ નહિ ભજે તો પછી કયે દિવસે ભજાશે ?
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
ખડ : ઘાસ.
(16) શ્રીજીમહારાજ ગમે એટલી પ્રવૃત્તિ કરાવતા તો પણ એક પડખે પુસ્તક નિરંતર રાખતા ને ‘હરે ! હરે !’ કરતા, તે આપણને શીખવતા. અને મહારાજે કહ્યું હતું જે, ‘કેટલાક મોટા મોટાને તો પ્રવૃત્તિમાં ન ભળવું; કેમ જે, પૂર્વે ઋષિ પ્રવૃત્તિમાં ભળ્યા તે આહ્નિક ભૂલી ગયા હતા; પછી વળી કોઈક વૃદ્ધ પાસેથી શીખ્યા ને તે પછી શાસ્ત્ર કર્યાં.’
પડખે : પાસે.
આહ્નિક : દૈનિક શાસ્ત્રોક્ત પવિત્ર કર્મકાંડવિધિ.
(17) શ્રીજીમહારાજ કહેતા જે, ‘ભેંસું, ગાયું, બકરાં આદિકનાં ટોળામાં એક ચારનારો હોય તે પોતે એમ સમજે જે, આ સર્વે પશુ છે ને હું મનુષ્ય છું; એમ ભગવાનના ભક્તને સમજવું જે, વિમુખ સર્વે પશુ છે ને હું ભગવાનનો ભક્ત મનુષ્ય છું.’
(18) ભગવાનના ભક્તનો અવગુણ આવે ત્યારે તેમાં ગુણ હોય તે વિચારવા તો તે અવગુણ ટળી જાય, જેમ પાંચ લડવા આવ્યા હોય તે સામા પચાસ આવે તો તેને હઠાવી દે; તેમ ગુણ તો ઘણાય હોય તે વિચારવા તો દોષ થોડા હોય તે ટળી જાય ને જો દોષ ઝાઝા હોય તો સત્સંગમાં રહેવાય નહીં. ને જીવને બળ પામવાનો હેતુ તો સત્સંગ જ છે, તે જેમ થાય તેમ બળિયો થાય. તેમ એક તો આ બધાંય મંદિર કરે ને સત્સંગમાં ન રહે ને એક તો એક ઈંટ પણ ન લીધી હોય ને સત્સંગમાં રહે, એમ સમજણમાં રહ્યું છે. તે ઊતરતાને સંગે ઊતરતો ઊતરતો ઊતરી જાય, જેમ બ્રાહ્મણ હતો તે ઢેઢડી સારુ ઢેઢ થઈ ગયો તેમ થાય.
ઢેઢ : હરિજન.
(19) આ મેડીઓ મળી છે ને સારું સારું ખાવા મળે છે કે માન મળે છે, ઇત્યાદિક મનુષ્યદેહનું ફળ નથી; તે તો વિમુખને પણ મળે છે, માટે મનુષ્યદેહનું ફળ તો સારાનો સંગ ને સ્વભાવ ટળે, એટલું જ છે.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
(20) એક કામમાં જીવ થાકી જાય માટે ફરતું ફરતું કરવું. તે શું ? જે, કથાવાર્તા સાંભળવી, વાંચવું, ધ્યાન કરવું, નામ-રટણ કરવું, એ આદિકમાં થાક લાગે ત્યારે બીજું કરવું; નીકર મૂંઝવણ થાય ને મન જીવને મૂંઝવે એવું છે.
(21) સંતનો મહિમા કહ્યો જે, આવા સાધુનાં દર્શન કરે ભગવાનનાં દર્શનનું ફળ થાય છે ને તેની સેવા કરે ભગવાનની સેવા કર્યાનું ફળ થાય છે. ને આપણે તેવા સાથે હેત થયું છે, માટે આપણા પુણ્યનો પાર ન કહેવાય.
(22) કેટલાક રસોઈ કરે છે, પાણી ભરે છે ને કેટલાક લખે છે ને ભણે છે ને કેટલાક ખડ વાઢવા જાય છે ને કેટલાક ઢોર ચારવા જાય છે, ઇત્યાદિક ક્રિયાયું કરે છે. તે તો એમ જાણવું જે, એ સર્વે દેહનો વહેવાર છે તે કર્યું જોઈએ, પણ કરવાનું તો બીજું છે. તે શું ? જે, મહારાજની મૂર્તિની સ્મૃતિ રાખવી ને ઉપાસના ને જ્ઞાન શીખવું ને સત્સંગ-કુસંગ ઓળખવો ને સત્સંગમાં રહેવાય એવો દૃઢ પાયો કરવો; ઇત્યાદિક કરવાનું છે તે કરવું અને મનુષ્યને જે જે ક્રિયા કરવાનું કહીએ તે તે કરવાને સૌ તૈયાર છે, પણ જે કરવાનું છે તે કહીએ તો તેમાં અટકે છે, પણ જ્ઞાન વિના સર્વે કાચું છે ને અંતરમાં ખોટા ઘાટ થાય, તે પણ જ્ઞાનની કસર છે અને મહારાજ પૂછતા જે, ‘એને કિયા સાધુ સાથે હેત છે ને કિયા સાધુ પાસે બેઠક-ઊઠક છે.’ એમ તપાસ કરવાનું કહેતા.
ખડ : ઘાસ.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
ઘાટ : માયિક સુખ ભોગવવાનો સંકલ્પ, વિકારનો સંકલ્પ.
કસર : ખોટ, ઉણપ.
(23) ‘બકરાં, ગાયું, ભેંશું ને ઊંટ એ સર્વે વાડામાં રહે, પણ વાઘ હોય તે વાડામાં પૂરાય નહીં. તેમ મુમુક્ષુ હોય તે કોઈ મતમાં કે વિષયમાં બંધાઈ રહે નહીં.’ એમ મહારાજ કહેતા; ને મહારાજ વિરાજતા ત્યારે પણ જેણે સમાગમ કર્યો નથી ને આજ પણ જે મોટા સંતનો સમાગમ નથી કરતા, તેને શું વધુ બુદ્ધિવાળા સમજવા? માટે બુદ્ધિ તો એટલી જ જે, મોટા સાધુથી શીખે ને મોક્ષના કામમાં આવે, બાકી બુદ્ધિ નહીં. ને મહારાજ કહેતા જે, ‘નાથભક્ત બુદ્ધિવાળા છે ને દીવાનજી મૂરખ છે. ને વહેવાર છે તે તો તાજખાના જેવો છે. તે તો સુધાર્યો તો પણ બગડેલો જ છે, તેમાં કાંઈ સાર નથી.’ તે ઉપર સુરતના ખાડાનું દૃષ્ટાંત દીધું.
(જુઓ પ્રકરણ 11ની વાત 240)
તાજખાના : જાજરૂ, સંડાસ.
(24) સર્વ ક્રિયા કરવામાં નાશવંતપણાનું અનુસંધાન રાખવું તો દુ:ખ ન થાય ને સત્પુરુષનો રાજીપો જેવો સત્સંગે કરીને થાય છે એવો પદાર્થે કરીને થાતો નથી. ને એક ચેલામાં બંધાય તે પાંચ-દશમાં કેમ ન બંધાય ? ને જે ઘણા માણસમાં પણ ન બંધાય એ તો અતિ સમર્થની વાત છે.
(25) એક જણ એક મંદિરમાં પાંચસેં રૂપિયા મૂકીને ચાલ્યો ગયો; પણ એટલા રૂપિયાથી બેઠાં બેઠાં ખાઈને સાધુનો સમાગમ કર્યો હોત તો બહુ સમાસ થાત.
(26) મોટાની આજ્ઞાએ કરીને કરવું, તે તો જેમ ગણપતિએ ગાયની પ્રદક્ષિણા કરી એવું છે. ને મનનું ગમતું કરવું તે તો કાર્તિકસ્વામીની પેઠે પૃથ્વીની પ્રદક્ષિણા કરવા જેવું છે માટે આજ્ઞાએ થોડું કરે તો પણ ઘણું થાય છે ને મનગમતું ઝાઝું કરે તો પણ થોડું થાય છે. ને આજ્ઞામાં ધર્મને ઘસારો આવતો હોય એવી આજ્ઞામાં તો ઘટે એમ કરવું.
(જુઓ પ્રકરણ 6ની વાત 55)
(27) શિવજી, પાર્વતી ને પોઠિયાના દૃષ્ટાંતે કરીને જગતનું કહ્યું જે, ‘એમાં કાંઈ પાધરું ન મળે, એ તો ગમે એમ કરે તેમાં પણ ખોટ કાઢે, માટે તે વાત સમજી રાખવી.’
(28) બહુ ખપવાળો હોય તેનું સમું રહે, નીકર બહુ પ્રકારના શબ્દ આવે તે મૂળગો ઘટી જાય.
સમું : સરખું.
મૂળગો : તદ્ ન
(29) ભગવાનને સંભારીને જે જે ક્રિયા કરે છે તો પણ તે નથી કરતો ને તે અકર્તા છે ને તે વિના તો બેઠો છે તો પણ તે કર્તા છે. ને ભગવાનને સંભારીને ખાય છે, બોલે છે, જુએ છે, સૂવે છે, ચાલે છે, ઇત્યાદિક જે જે ક્રિયા કરે છે તો પણ તે કાંઈ કરતો નથી ને તે તો અકર્તા છે.
(30) અંતરમાં ભજન કરવા શીખવું, તેણે કરીને વિષયના રાગ ઓછા થાય છે.
(31) પ્રસાદીનું માહાત્મ્ય સમજતા હોઈએ તો મોટાના ચરણની રજ લઈને માથે ચડાવીએ, પણ રસેયુક્ત જે પ્રસાદી તે તેનો ગુણ જણાવે ને વિકાર પણ થાય છે.
માહાત્મ્ય : મહિમા, મહત્વ.
(32) દ્રવ્ય છે તે તો પાંચે વિષયનું કારણ છે, તે મળે તેમ તેમ વિષયને અર્થે ઉદ્યમ થાય.
ઉદ્યમ : યત્ન, મહેનત.
(33) જેના હૈયામાં જગત પ્રધાન હોય તે બીજાના હૈયામાંથી જગત શું કાઢશે ? નહિ જ કાઢે. ને ત્યાગી કે ગૃહસ્થ હોય પણ પોતાની સમજણ પ્રમાણે બીજાને સમજાવે ને સૌને એમ છે જે મારા જેવું સમજે તો ઠીક.
(34) સંગ કરવામાં ને સત્સંગ કરનારામાં પણ બહુ ભેદ છે; કેમ જે, મહારાજનો સંગ કેટલાક સાધુએ કર્યો ને ગૃહસ્થે પણ કર્યો, પણ સમજણમાં અનંત ભેદ પડ્યા છે. ને સમાગમ કરવો ને ભેળું રહેવું તેમાં પણ ઘણો ફેર છે. જેમ ગાયના આઉમાં ઇતરડી રહે છે, પણ તેને દૂધનો સ્વાદ આવતો નથી ને વાછરું છે તે છેટે રહે છે તો પણ તેને દૂધનો સ્વાદ આવે છે.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
ઇતરડી : ઢોરના શરીરે વળગી લોહી ચૂસતું એક જંતુ.
(35) નિરંતર સર્વ ક્રિયામાં પાછું વાળીવાળીને જોવું જે, ‘મારે ભગવાન ભજવા છે ને હું શું કરું છું ?’ એમ જોયા કરવું.
(36) સત્સંગ કરવામાં ને સમજવામાં ઘણી કસર રહી જાય છે; કેમ જે, મહારાજ વિરાજતા ત્યારે દર્શન થાતાં હોય તો એટલી વાર દશ-વીસ સાધુ તો ઘડીએ છેટે જાતા નહીં. ને ગમે એટલો થાક લાગ્યો હોય પણ રાતે દર્શન થાતાં હોય તો આખી રાત દર્શન કરતા ને કેટલાક સુખે સૂઈ રહેતા; એમ સમજણમાં ઘણા ભેદ છે.
કસર : ખોટ, ઉણપ.
(37) મુમુક્ષુને તો નિરંતર હોંકારા કરનારા જોઈએ. તે હોય તો પ્રભુ ભજાય, નીકર તો જેમ વાડામાંથી વાઘ બકરું ઉપાડી જાય એમ થાય.
(38) બ્રહ્મર્ષિ ને રાજર્ષિ તેમાં બ્રહ્મર્ષિનો મારગ ઉત્તમ છે પણ તે કઠણ છે ને રાજર્ષિનો મારગ મુખ્ય છે ને બહુધા એ જ પાર પાડે એવો છે. ને વિદ્યાયું તો ઘણી છે પણ ભણવા જેવી તો બ્રહ્મવિદ્યા છે ને એમાં જ માલ છે. ને અંતે એમ કર્યા વિના છૂટકો નથી, પણ જીવ એ મારગે ચાલતા નથી.
બ્રહ્મર્ષિ : બ્રહ્મવિદ્યા સાધેલ ઋષિ.
રાજર્ષિ : ઋષિઓમાં રાજા સમાન, તપે કરીને થયેલ ક્ષત્રિય ઋષિ.
બહુધા : મોટેભાગે-ઘણુંખરું,ખાસ કરીને
(39) મોટા સંતનો સમાગમ તો ભગવાન ભેળું રહેવું તે કરતાં પણ અધિક છે; કેમ જે, ભગવાન તો મનુષ્યચરિત્ર કરે તેથી સમજણની કસર હોય તો સંશય થઈ જાય ને અવળું પડે; માટે સાધુનો સમાગમ અધિક છે. ને દશ હજાર રૂપિયા ખરચે તે કરતાં મંદિરના રોટલા ખાઈને સાધુનો સમાગમ કરે ને સમજવા માંડે તે અધિક છે; કેમ જે, ઓલ્યાને દેશકાળ લાગે, પણ આને ન લાગે. તે મહારાજે પણ કહ્યું છે જે, ‘સત્સંગે કરીને વશ થાઉં છું એવો બીજે સાધને કરીને વશ થાતો નથી.’ ને સત્સંગ કરે તો સંસારમાંથી પણ મુકાઈ જાય.
(વચ.ગ.મ. 54)
(વચ.ગ.અં. 2)
કસર : ખોટ, ઉણપ.
દશ : દિશા.
(40) લખવું, ભણવું તે તો ઠીક છે ને ભક્તિનું તો કાંઈ સરું આવતું નથી; પણ નિયમ રાખી બબ્બે ઘડી આત્મા-અનાત્માનો વિવેક કરવા માંડે ને બબ્બે ઘડી રટણ કરે ને બબ્બે ઘડી વૃત્તિયું રૂંધીને બંધ કરે ને બબ્બે ઘડી ભક્તિ કરે, તો એમ જણાય જે, જીવ વૃદ્ધિ પામે છે તો ખરો; ને નિયમ વિનાનું તો પાણીનો ઘડો ઢોળ્યા જેવું થાય છે.
(વચ.ગ.પ્ર. 23)
સરું : છેડો, અંત, પાર.
(41) સમાગમ કરવાની રીત કહી જે, ‘પ્રથમ તો એકાંતિક સાથે જીવ જોડવો, પછી એ સાધુ તો ભગવાનમાં રહેતા હોય તે ભગવાનના ગુણ સાધુમાં હોય, એટલે તે સાધુના ગુણ તે સમાગમ કરનારામાં આવે; પણ જીવ સારી પેઠે જોડે નહિ તો તેના ગુણ આવે નહીં. ને એ વાત આજ કરો કે ગમે તો હજાર જન્મે કરો, પણ અંતે એમ કર્યા વિના છૂટકો નથી.’
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
કરો : ઘરની દિવાલ.
(42) આમ સમજાય તો આજ્ઞા પળે જે,
થર થર ધ્રૂજત રહે વચનમેં ઇન્દ્ર મુનીંદ્રા,
થર થર ધ્રૂજત રહે વચનમેં અવનિ અહીંદ્રા;
થર થર ધ્રૂજત રહે વચનમેં શશીયર સૂરા,
થર થર ધ્રૂજત રહે રેનદિન કાલ હજૂરા;
હરિ હર હિ અજ આદિ સબે રહત ભક્તિરત જાહિકી,
મુકુંદ મોહવશ મૂઢ નર કરે ન આજ્ઞા તાહિકી.
(મુક્તાનંદ કાવ્ય: મુકુન્દ બાવની-33)
એ આદિક મોટા મોટા આજ્ઞામાં વરતે છે. વળી
હંસે ગુરૌ મયિ ભક્ત્યાનુવૃત્યા વિતૃષ્ણાયા દ્વન્દ્વતિતિક્ષયા ચ ।
સર્વત્ર જંતોર્વ્યસનાવગત્યા જિજ્ઞાસયા તપસેહાનિવૃત્યા ।।
(શ્રીમદ્ ભાગવત : 5/5/10)
અર્થ : ઋષભદેવ ભગવાન પુત્રોને કહે છે : ‘હે પુત્રો ! હંસ સમાન વિવેકવાળા ગુરુ વિશે તથા પરમાત્મા વિશે તેમની અનુવૃત્તિ પાળવારૂપ ભક્તિ વડે, તૃષ્ણાનો ત્યાગ કરી, સુખ-દુ:ખાદિ દ્વન્દ્વોને સહન કરવાથી, ‘આ લોક-સ્વર્ગલોક બધે જ જીવને દુ:ખ છે.’ એવું જાણવાથી, તત્ત્વની જિજ્ઞાસાથી, તપથી, કામ્યકર્મ ત્યજવાથી, સર્વ બંધનના કારણરૂપ અહંકારથી મુક્ત થઈ પરમપદને પામવું.’
એમ જીવ કર્મવશ અનંત દુ:ખ ભોગવે છે, એમ વિચારે તો આજ્ઞામાં રહેવાય. એમ જ્ઞાનીને તો અનેક રીત છે ને વિષયનો પ્રસંગ રાખીને નિર્વાસનિક થાવાની આશા તો ન જ રાખવી; એ વાત એમ જ છે અને આજ્ઞા લોપે તેના હૈયામાં સુખ ન રહે, તે જેમ ચણા ને ઘઉં આદિકમાં હિમ પડે તે ઉપરથી તો હોય એવું દેખાય પણ માંહીથી બીજ બળી જાય છે, એમ થાય છે.
અર્થ : ધન, સંપત્તિ.
અનુવૃત્તિ : મરજી.
નિર્વાસનિક : વાસનારહિત.
હિમ : અતિશય ઠંડી, ઘણો સખત ઠાર, બરફ.
(43) આ જીવને માથે શાસ્તા વિના સ્વતંત્રપણે તો જીવ દેહનો જ કીડો થઈ રહે એવો છે.
શાસ્તા : નિયંત્રણ, નિયામક.
(44) મોટા સંતનો સમાગમ કરવાનો મહિમા કહ્યો જે, ‘રોટલા ખાવા મળે છે પણ કદાચ તે ન મળે તો રાંધેલું અન્ન માગી ખાઈને પણ આ સાધુનો સમાગમ કરીએ, નીકર કાચા દાણા ખાઈને પણ સમાગમ કરીએ, નીકર ઉપવાસ કરીને પણ સમાગમ કરીએ, અથવા લીમડો ખાઈને, નહિ તો વાયુ ભરખીને પણ આ સમાગમ કર્યા જેવો છે. ને જેને કોઈક કામનો કરનારો હોય કે જેને રોટલા ખાવા મળતા હોય, તે જો આ સમાગમ નહિ કરે તો તેને બહુ ખોટ જાશે.’ એમ ઘણીક વાતું કરી.
(45) આવા સાધુની વાતુંની ગતિ તો કાળના જેવી છે તે દેખાય જ નહિ પણ અજ્ઞાન ટાળી નાખે; જેમ બાળકમાંથી જુવાન થાય છે ને વૃદ્ધ થાય છે તે દેખાતું નથી તેમ. ને બીજે ઠેકાણે જેટલું કામ એક કલ્પે થાય છે તેટલું કામ આંહીં એક દિવસમાં થાય છે. ને અક્ષરના મુક્તને પણ કસર રહી ગઈ હોય તો તેને પણ આંહીં ભગવાનની ભેળું કસર ટાળવા આવવું પડે છે, માટે જેને કસર ટાળવી હોય તેને તો આ બરાબર (જેવો) બીજો કોઈ સારો જોગ નથી.
કસર : ખોટ, ઉણપ.
(46) શ્રીજીમહારાજે આઠ મહિના સુધી સારંગપુર, કારિયાણી, લોયા ને પંચાળામાં વગેરેમાં સંતોને ભેળા રાખીને વાતું કરી; ને મંડળ ફરીને આવે તેને પણ પંદર દિવસ-મહિનો રાખીને વાતું કરતા, એમ કરે ત્યારે જ્ઞાન થાય છે પણ તે વિના થાતું નથી.
(47) સંસારમાં સુખ જેવું જણાય છે પણ તેમાં તો દુ:ખ જ છે. જેમ શેરડીના સાંઠામાં ઇયળ પડે તે સુખ માને છે, પણ ચિચોડામાં ભૂકા નીસરશે. તે જેમ કાગડાને શ્રાદ્ધના સોળ દિવસનું સુખ ને પછી બંધૂકની ગોળી ખાવાની છે તેમ.
ચિચોડામાં : શેરડી પિલવાના યંત્રમાં.
(48) ફિરંગી નિત્ય કવાયત કરાવે છે, તેથી તેનાં માણસ બહુ ખબરદાર થાય છે; તેમ જે કથાવાર્તા, પ્રશ્ર્ન-ઉત્તર કરવા-સાંભળવાનો અભ્યાસ રાખે તેનો જીવ વૃદ્ધિને પામે ને તેમાં બળ આવે, પણ તે વિના બળ ન આવે; પણ જે આળસુ થઈને બેસી રહે તેને શું સમાસ થાય ?
ફિરંગી : અંગ્રેજ ગોરાઓ.
(49) મોટા હોય તેણે બીજાને હિંમત દેવાને અર્થે એમ વાત કરવી જે, ‘એક દિવસ મને પણ જિહ્વા ઇન્દ્રિયે છેતર્યો ને એક દિવસ નેત્રે છેતર્યો તે રૂપ જોવાઈ ગયું; તેમ જ સર્વે ઇન્દ્રિયુંનું કહેવું.’
જિહ્વા : જીભ.
(50) પોતા થકી થોડું થાય તો થોડું કરવું ને હાથ જોડવા, પણ કપટ ન કરવું ને આડુંઅવળું તરી જાવું નહીં. અને મોટા આગળ જો જીવ સરળપણે વરતે તો સહેજે જ મોટા તેની ખબર રાખે; તેમાં કાંઈ કહેવું પડે નહીં. ને જગતમાં પણ એમ રીત છે જે, જે જેનો થઈ રહે તેની ફિકર તેને રાખવી પડે છે, તેમ મોટા ખબર રાખે.
(51) અરધોઅરધ કથાવાર્તાનો જોગ રાખશે તેનું જ સારું રહેશે અને આ તો મોટાં કારખાનાં થયાં તે કાંઈ ખૂટે એમ તો છે નહીં.
અરધોઅરધ : અડધું.
(52) મંદવાડ આવે તેમાં જે કાયર થઈ જાય તેણે કરીને દુ:ખ તો મટે નહિ ને તેમાં જે હિંમત રાખતા તે મહારાજને ગમતું.
(53) પાંચ પ્રકારે સ્ત્રી ભોગવાય છે, તેની વિક્તિ જે, ત્વચાએ, નેત્રે, કાને, જીભે ને મનમાં સંકલ્પે.
વિક્તિ : વિગત-વિવરણ.
(54) સત્સંગમાં બરોબરિયાપણું સમજવું નહિ ને બરોબરિયા થાવું નહિ ને બરોબરિયા સમજવા એ જ ખોટ છે.
બરોબરિયાપણું : સરખેસરખું, સરખેસરખાપણાનો ભાવ.
(55) કોઈ કૂવે પડવા જાતો હોય તેને આડાં હજારો માણસ ફરે તો પડવા દે નહિ, તેમ સત્પુરુષ ને સત્શાસ્ત્રના બહુ શબ્દ સાંભળ્યા હોય તો વિષય માર્ગથી રક્ષા કરે. ને ગમે એવું અવળું માણસ હોય તેને પણ વશ કરીએ, એ તો આવડ્યું જોઈએ; તેને નમી દઈએ, તેનું રાખીએ, તેને પૂછીએ, એ અનુસારે વશ કરીએ, એ તો કઠણ નથી; જો આપણે એના થઈ જાઈએ તો તે આપણા થઈ જાય.
(56) તપાસીને જુએ તો આ જીવ તો કેવળ પ્રકૃતિને જ ભજે છે, પણ દેહ ગુજરાન ઉપર સૂરત રહેતી નથી ને અવશ્ય હોય એટલું તો કરવું પડે; પણ આ તો પ્રકૃતિને વશ થઈને બોલે છે, સાંભળે છે, જુએ છે, ખાય છે, ફરતો ફરે છે, બેસી રહે છે, સૂઈ રહે છે ઇત્યાદિક સુવાણ કરે છે, પણ તેનો તપાસ કરતો નથી. તેને દરવાજાવાળા દેખે છે ને બીજાને તો ગમ જ નથી; માટે અવશ્ય તે ઉપર સૂરત રાખીને પાછું વળવાનો સ્વભાવ રાખે તો મોટા સાધુની પણ તેના ઉપર દૃષ્ટિ થાય; ને પદાર્થના તો દહાડે દહાડે ઢગલા થાય છે ને વળી થાશે, તે તો બંધ નહિ થાય ને બંધ કરવું એ તો પૃથ્વી મઢાવવા જેવું કઠણ છે ને ન ભોગવવું એ તો જોડા સીવડાવીને પહેરવા જેવું સુગમ છે, એ વિના બીજો ઉપાય નથી.
(વચ.ગ.અં. 9)
ગુજરાન : ગુજારો, નિર્વાહ
સુવાણ : સુગમ, સરળ, સહેલું. આરામ, આનંદ, હૂંફ.
દરવાજાવાળા : અક્ષરધામમાં જ રહેવું છે - તેવું સતત જાણપણું રાખનાર.
(57) સંત કહે તેમ કરવું તે શ્રેષ્ઠ છે ને મનધાર્યું કરવું તે કનિષ્ઠ છે ને મનગમતું કરતો હોય ને તે ત્યાગ રાખતો હોય ને આખા મંદિરનું કામ એકલો કરતો હોય ને ગમે એટલા માણસને સત્સંગ કરાવતો હોય, તો પણ તે ન્યૂન છે ને તેને કોઈક દિવસ વિઘ્ન છે. ને જે ત્રણ ટાણાં ખાતો હોય ને આળસુ હોય ને ઊંઘતો હોય, એવી રીતે દોષેયુક્ત હોય; પણ જો તે પોતાનું મનગમતું મૂકીને સંત કહે તેમ કરે તો તે અધિક છે. ને સંત કહે એમ કરવું એ નિર્ગુણ છે ને મનગમતું કરવું એ સગુણ છે. ને આ ત્યાગી બેઠા છે તેમાં પણ અરધા તો મનગમતું કરતા હશે ને ગૃહસ્થ પણ કેટલાક મનનું ધાર્યું કરે છે ને જેનું દશ જણ પ્રમાણ કરે તે ખરો કહેવાય; પણ એકનું કહ્યું પ્રમાણ નહીં.
સગુણ : માયાના ગુણથી પ્રભાવિત.
દશ : દિશા.
(58) સત્સંગમાં સ્ત્રીનો ત્યાગ કરે એવા તો ઘણા, પણ દ્રવ્યને ખોટું કરાવનાર ને કરનાર એવા તો કોઈક જ હોય, બાકી એની તો પુષ્ટિ જ થાશે; કેમ જે, એમાં સર્વે વિષય રહ્યા છે ને સત્સંગનો વહેવાર પણ એથી જ ચાલે છે; માટે એને ખોટું કરાવનાર નહિ જ મળે, પણ એને ખોટું કરવું. તેમાં નિત્યે એમ વિચાર કરવો જે, એ પણ એક દિવસ મૂકવું પડશે.
(59) સ્ત્રી એ વીંછીનો કરડ છે ને દ્રવ્ય એ સાપનો કરડ છે. ને શાસ્ત્રમાં વાત તો બીજમાત્ર હોય પણ તેનું જ્ઞાન તો ગુરુ થકી જ સમજાય છે.
(60) શાસ્ત્રમાં શ્રદ્ધા કહી છે પણ તેમાં કેટલાક ભેદ છે. રાજસી, તામસી ને સાત્ત્વિકી, તે ગઢ-કોઠા કરાવે છે ઇત્યાદિક અનેક અનેક કામ કરે તે શ્રદ્ધા કહેવાય; પણ તે શા કામની ? માટે શાસ્ત્ર થકી પણ પોતાને જાણે તો સમજાય જ નહિ, માટે સત્પુરુષ અધિક છે.
(61) જેવો બીજાને સમજાવવાનો આગ્રહ છે, એવો પોતાને સમજવાનો હોય અને જેવો બીજાના દોષ જોવાનો આગ્રહ છે, તેવો પોતાના દોષ ટાળવાનો હોય; તો કાંઈ કસર રહે જ નહીં.
કસર : ખોટ, ઉણપ.
(62) શાસ્ત્રમાં અને સત્પુરુષના કહ્યામાં એમ છે જે, ‘મોટા રાજી થાય તો સર્વે કામ થાય.’ તે રાજી થયાના ઉપાય ચાર છે. તેની વિક્તિ જે, એક તો એને કાંઈ પદાર્થ જોઈતું હોય તે આપવું ને બીજું તેના દેહની સેવા કરવી ને ત્રીજું તેની આગળ હાથ જોડીને વિનય કરવો ને ચોથું એની અનુવૃત્તિ. તે અનુવૃત્તિમાં તો સર્વે વાત આવી જાય; એ જેવું બીજું નથી.
વિક્તિ : વિગત-વિવરણ.
(63) આપણે શ્રીજીમહારાજની કોઈ આજ્ઞા તુરત રાજી થઈને માની નથી; કેમ જે, આપણને સૂઝે નહિ ને બુદ્ધિ પણ પહોંચે નહિ ને મહારાજને તો પૂર્વાપર સૂઝતું હોય. તે શી આજ્ઞા ? જે, રાંધેલું અન્ન મોરે માગવાનું કહ્યું તે કોઈએ માન્યું જ નહિ, તે પ્રથમ પોતે માગીને પછી મનાવ્યું ને મંદિર કરવાનું કહ્યું તે કોઈ હા પાડે જ નહિ; પછી ભણવાનું કહ્યું તે કોઈ માનતા નહિ ને પત્તર રાખવાનું કહ્યું તે પણ માને નહિ; એ આદિક સર્વે વચન પરાણે ઘણો ઘણો આગ્રહ કરીને મનાવ્યાં. તે મહારાજને ને મોટા સાધુને તો પૂર્વાપર સૂઝે પણ તે જીવને મનાય નહીં. ને વચન માનવાં ને ન માનવાં તેમાં પણ વિવેક રાખવો. તેમાં નારાયણદાસની વાત કરી જે, ત્યાગ રાખતો તેમાં ખાધાનું કહ્યું ત્યારે ખાવા માંડ્યું તેમાં વિચાર નહિ ને પછી તેમાં સંકોચ કરવાનું કહ્યું ત્યારે અન્ન મૂકી દીધું. વળી જોડાં પહેરતો નહિ તે પહેરવાનું કહ્યું ને જોડાં પહેર્યા ત્યારે પગમાં કઠીને લોહી નીસર્યું પણ કાઢે નહિ, એ માટે એમ ન કરવું ને વિવેક રાખવો. (જુઓ પ્રકરણ 10ની વાત 20)
પૂર્વાપર : આગળપાછળ.
મોરે : અગાઉ
કઠીને : ડંખીને.
(64) ‘મોટા સંતનો નિરંતર પ્રસંગ રાખવો. તેમાંથી કોઈક સમે કેવી વાત થઈ જાય. મનને મારવું પણ તેનું કહ્યું ન કરવું. જેમ બકરાને મોઢામાં જવ ભરીને મારે છે તેમ કરવું.’ એમ મહારાજ કહેતા. ને ભગવાન ને મોટા સાધુ આગળ નમી દેવું ને પોતાની સમજણ મૂકી દેવી ને એ તો બહુ દયાળુ છે તે બહુ રક્ષા કરે.
(65) ત્રણ પ્રકારના મનુષ્ય સત્સંગમાં છે. તેની વિક્તિ જે, જ્ઞાન શીખે છે ને સેવા કરે છે તે વધતા જાય છે ને દેહાભિમાન વધારે છે તે ઘટતા જાય છે ને કેટલાક તો બરાબર રહે છે ને વધતા-ઘટતા નથી. એ ત્રણ પ્રકારના છે, તેને મોટા સાધુ દેખે છે અને દેહમાં બળ વધે તે ભગવાન તથા સંતને ગમે નહિ ને મુમુક્ષુને પણ તે જોઈને દાઝ થાય.
વિક્તિ : વિગત-વિવરણ.
(66) આ જીવને જેટલું અંતરે સુખ રહે છે કે અન્ન-વસ્ત્ર મળે છે તે સર્વે મોટા સંતની દૃષ્ટિ વડે છે, પણ જીવ પોતામાં માલ માનીને આચાર્યને તથા મોટા સાધુને ઓશિયાળા કરે છે, પણ પોતે ઓશિયાળો થાતો નથી; પણ જો મોટા સાધુની દૃષ્ટિ જરાક ફરે તો ચાંડાળ જેવું અંત:કરણ થઈ જાય ને સુખ પણ રહે નહીં.
(67) ત્રણ પ્રકારનાં દુ:ખ કહેવાય છે. તેમાં પણ હમણાં બે દુ:ખ નથી; તે અધિભૂત જે, કોઈ મારતું નથી ને અધિદૈવ જે, કાળ પડતો નથી ને હવે અધ્યાત્મ જે, મનની પીડા તે રહ્યું છે. તે ટાળવાનો હેતુ તો જ્ઞાન છે, તે હોય તો દુ:ખ ન થાય, એનો બીજો ઉપાય નથી.
(68) મોટા સમૈયામાં મોટાં મોટાં કેટલાંક શહેરના સામાન આવે તેમાંથી જીવ કેટલુંક ત્યાગ કરે ! ને સારો હોય તે પણ ભોગવવા માંડે ને ત્યાગ ન થાય તેનું દુ:ખ પણ થાય ને જીવ માંહીથી હાર પણ પામી જાય, માટે જેટલું વિષયથી છેટું રહેશે તેટલું જ સારું રહેશે. ને ત્રણ પ્રકારનો ત્યાગ તેની વિક્તિ જે, કાંઈક જણસ વહેંચાય તે આસને બેઠાં આપે તો લે ને બીજો તો ઊઠીને લેવા જાય ને ત્રીજો તો પોતાને ન આવે તો કહેશે જે, ‘મુને કેમ આપ્યું નહિ ?’ એ ત્રણ ભેદ છે. ને મળે તો તેનો પણ ત્યાગ કરે એ ભેદ ચોથો છે. ને મોટાનો સંગ હોય ને વિષયનો સંબંધ ન હોય તો જ આ જીવનું સારું રહે. તે મોટા શહેરની કાચી રસોઈ ને બીજી પાકી રસોઈ એ બેય બરાબર થાય.
વિક્તિ : વિગત-વિવરણ.
જણસ : કીમતી ચીજ, વસ્તુ, પદાર્થ.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
(69) ‘શિક્ષાપત્રી’માં કહ્યું છે જે, ‘પોતાના બ્રહ્મચર્યવ્રતનો ભંગ થાય તેવું વચન પોતાના ગુરુનું પણ ન માનવું.’ તેમાં એમ સમજવું જે, સ્ત્રી, દ્રવ્ય, સ્વાદ, સ્નેહ, માન ઇત્યાદિકનો જોગ થાય અથવા ધર્મ, જ્ઞાન, વૈરાગ્યાદિકને ઘસારો આવે એવું વચન માનવું નહિ ને સત્સંગની પ્રથામાં તો આજ્ઞા મુખ્ય છે. તે ઠેકાણે તો એમ સમજવું જે, બહુધા રુચિ અનુસારે જ પ્રેરે છે ને પ્રેરાય છે. તે સનકાદિકને જોડીએ તો ન જોડાય ને મરીચ્યાદિકને મુકાવીએ તો પણ મૂકે નહિ ને જડભરતને વિઘ્ન થયું તો પણ પાછા સ્મૃતિએ ઝાલ્યા; એમ મોટાના શબ્દ પેઠા હોય તે સહાય કરે છે. તે કોઈ વખત આંખ છેતરે, કોઈ વખત કાન છેતરે ને જીભ, ત્વચા આદિક છેતરે પણ પાછા ખબરદાર થાવું પણ હારી જાવું નહીં. ને સુખનું ઠેકાણું ને ભાગવાની બારી તો એક જ સારા સાધુનો સમાગમ છે, પણ તે વિના તો ક્યાંય સુખ, શાંતિ કે સમાસ થયાનું ઠેકાણું બીજું નથી.
બહુધા : મોટેભાગે-ઘણુંખરું,ખાસ કરીને
(70) પ્રેમાનંદસ્વામીને શ્રીજીમહારાજ રાજી થઈને કહે જે, ‘માગો,’ ત્યારે તેમણે માગ્યું જે, ‘તમારી મૂર્તિ અખંડ રહે.’ ત્યારે મહારાજ કહે, ‘એ રાજીપો જુદો છે, તે તો તેનાં સાધન કરો તો થાય, તે વિના થાય નહીં.’
(71) આ લોકમાં બે દુ:ખ છે. તે અન્ન-વસ્ત્ર ન મળે કે ન પચે ને તે વિનાનું દુ:ખ તો અજ્ઞાનનું છે.
(72) સ્ત્રી જાતિમાત્રનો વિશ્ર્વાસ ન કરવો, તે જાતિમાં મહારાજે બેને વખાણ્યાં ને તેમાં પણ દોષ કહ્યા છે; તે સીતા, તેણે લક્ષ્મણજીને વચન માર્યાં ને દ્રૌપદી, તેના વચને ભારત થયું.
(જુઓ પ્રકરણ 10ની વાત 170)
(73) એકલી ભક્તિએ કરીને દેહ દમાય નહિ ને બળ પણ ઘટે નહિ, એ તો જ્ઞાન ને વિચાર બેય જોઈએ ને દાખડો તો ખેડુ ઘણા કરે છે તે બળિયા થાતા જાય છે.
(74) શ્રીજીમહારાજ કહેતા જે, 'કાળા ભૂત જેવા ને કોટમાં ઊતરીઉં, ને રૂડા-રૂપાળા હોય ને પહેરવા લૂગડું ન મળે ! ને વળી શૂરવીરનાં શીંગડાં ને તલવારને મ્યાન ન મળે ! ને ફોશીના રાજા હોય ને સો રૂપિયાનો મહિનો ! તે તો સર્વે પ્રારબ્ધ છે.'
પ્રારબ્ધ : પૂર્વનાં કર્મફળના સંગ્રહમાંથી વર્તમાનકાળે જે દેહ છે તે સંબંધી સુખ-દુ:ખ.
(75) બાપના હૈયામાં સ્ત્રી છે તે છોકરાને પરણાવે છે ને સાધુના હૈયામાં ભગવાન છે તે જીવના હૈયામાં ઘાલે છે.
(76) શ્રીજીમહારાજે ‘વચનામૃત’માં પોતાના રહસ્ય, અભિપ્રાય, રુચિ, સિદ્ધાંત આદિકના ઘણા શબ્દ કહ્યા છે, તે ઉપર સૂરત રાખીને ચાલવું, એ જ કરવાનું છે.
(77) વડોદરાનો ચાંદલો કોઈકને આવે ત્યારે સર્વે તેનાં મોટાં ભાગ્ય માને, તેમ આપણે તો પુરુષોત્તમનારાયણનો ચાંદલો આવ્યો છે, માટે આપણે તેનો કેફ રાખવો.
(78) આ જીવ વિશ્વાભિમાની, તૈજસાભિમાની ને પ્રજ્ઞાભિમાની એ ત્રણ દેહમાં ત્રણ ગુણમય વરતે છે, પણ તેથી પર ગુણાતીત વરતવું. ને બ્રહ્મરૂપ થાવા માંડે તેને સુખ થાતું જાય છે, જેમ તડકામાંથી બળતો આવે ને ઝાડને છાંયે બેસે ને શાંતિ થાવા માંડે ને વળી જેમ ટાઢ વાતી હોય તે અગ્નિએ તાપે ને સુખ થાય ને વળી જેમ ભૂખ્યો હોય ને તે ખાવા-પીવા માંડે તેમ ભૂખ-તરસ જાય ને સુખ થાય, તેમ બ્રહ્મરૂપ થાવામાં સુખ રહ્યું છે.
તૈજસાભિમાની : સૂક્ષ્મ શરીર અને સ્વપ્નઅવસ્થાને પોતાનું રૂપ માનનાર જીવ/વ્યક્તિ.
પ્રજ્ઞાભિમાની : માયાસબલિત બ્રહ્મજ્ઞાની.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
(79) આ જીવને ભગવાન સન્મુખ ચાલવામાં અંતરાયરૂપ આડા ગઢ છે. તેની વિક્તિ જે, આ લોકમાં નાતીલા, કુટુંબી, મા-બાપ, સ્ત્રી, દ્રવ્ય, ઇન્દ્રિયું ને અંત:કરણ એ ગઢ છે.
વિક્તિ : વિગત-વિવરણ.
(80) બે પ્રકારના માણસ મંદિરમાં ને મંડળમાં છે. તેમાં એક તો પોતે જ રહ્યો હોય ને એકને તો રાખવો પડે એવો હોય; તે બેમાં પોતાનું તપાસવું.
(81) આપણે આ લોક ને આ લોકના પદાર્થને કરોડ ગાઉનું છેટું છે, પણ આ સર્વ કારખાનાં કરીએ છીએ ને પદાર્થ રાખીએ છીએ તે તો શું કરીએ જે, સ્થાન વિના આટલાં માણસને ક્યાં રહેવું ? ને મંદિરમાં ચાર-પાંચ મોટેરા હોય તેમાં કોઈને રજ હોય ને કોઈને તમ હોય, તે સૌને પોતાની પ્રકૃતિ પ્રમાણે સૂઝે, બાકી તેમાં મોક્ષભાગી પણ હોય તેને મળવું. ને જેને સત્ત્વગુણ પ્રધાન હોય તેને સારું સૂઝે. ને મન, કર્મ, વચને મોટાની અનુવૃત્તિમાં રહીએ તો એમની દૃષ્ટિ પડી જાય ને સર્વ દોષ ટળી જાય ને માણસ રાજાને, સિપાઈને ને જમાદારને, એવા અવળાને પણ રાજી કરે છે, તો આ સાધુ તો તુરત રાજી થઈ જાય એવા છે.
(82) ભગવાન તથા મોટા સાધુને જીવ આપી દીધો હોય એવો થયો હોય તેણે પણ જ્ઞાન શીખવું ને તે શીખ્યા વિના તો ન આવડે. ને મહારાજનો એ જ મત જે જ્ઞાની થાવું, બાકી બીજું તો થાય છે ને થાશે, પણ એ કરવાનું અવશ્ય છે. ને કોઈ રીતે, કોઈ પદાર્થે આ જીવનું પૂરું થાય નહિ ને જ્ઞાન થાય તો કાંઈ અધૂરું જ ન રહે.
(વચ.ગ.પ્ર. 18)
(83) ‘આ જીવે કરોડ કલ્પ થયાં મનગમતું જ કર્યું છે, તે એટલા કલ્પ એમ પણ કહેવાય તો નહિ; પણ હવે તો આ દેહે કરીને ભગવાનનું ગમતું કરી લેવું ને આજ્ઞામાં યુક્તિ ન કરવી ને આવે એટલું ભોગવવું નહિ ને ત્યાગ કરતા રહેજો.’ એમ સર્વેને કહ્યું.
કલ્પ : આપણાં ચાર અબજ બત્રીશ કરોડ વર્ષનો સમય - બ્રહ્માનો એક દિવસ (પણ રાત નહિ)
(84) શ્રીજીમહારાજે ધૂધૂબાજ મારગ ચલાવ્યો છે, તે શું ? જે, ‘મંદિર, મેડીઓ, ઘોડાં, ગાડાં આદિક અનેક વાતું પ્રવર્તાવી છે, પણ પોતાનો સિદ્ધાંત જે કરવાનું છે તે મૂકી દીધું નથી. તે સિદ્ધાંત એ જે, નિર્વાસનિક થાવું ને ભગવાનમાં જોડાવું; પછી ગમે તેમ કરો, ગૃહસ્થાશ્રમમાં રહો કે ત્યાગી થાઓ, પણ અંતે કરવાનું એ છે.’
(85) ભક્તિ જે મંદિરની ક્રિયા, તેનું પ્રધાનપણું અંતરમાં રહે છે ને તેના સંકલ્પ જેમ થાય છે, તેમ ભગવાનનું પ્રધાનપણું ને તેના સંકલ્પ નથી થાતા, ને જ્ઞાનના, ઉપાસનાના ને ભગવાનમાં હેત કરવાના નથી થાતા; પણ તે કરવા.
(86) મોઢામાં ખાવામાં હેઠલ્યા દાંત સાંબેલા ને ઉપલ્યા દાંત ખાંડણિયા છે, પણ તેનો તપાસ કર્યા વિના ગમ પડતી નથી. તેમ જ દેહ તથા આત્મા જુદા છે પણ વિચાર્યા વિના ગમ પડતી નથી અને તપાસી જુએ તો જણાય છે જે, સો વરસ મોરે (પહેલાં) નાતમાં કોઈ નહોતું ને વળી સો વરસ કેડે (પછી) કોઈ નહિ રહે.
હેઠલ્યા : નીચેના.
ઉપલ્યા : ઉપરના.
મોરે : અગાઉ
કેડે : પાછળ.
(87) આ સત્સંગમાં ને મંદિરમાં અનેક પ્રકારના મનુષ્ય છે. તેમાં કેટલાક તો માંહી રહ્યા થકા શત્રુ છે, ને કેટલાક પિતરાઈ ને દાડિયા જેવા છે ને સાથી જેવા છે, મહેમાન જેવા છે, સગાં જેવા છે, દીકરા જેવા છે ને કેટલાક ધણી જેવા છે; એટલા ભેદ છે.
પિતરાઈ : પિતાસંબંધી, સાતમી પેઢી સુધીમાં એક બાપનો વંશજ.
દાડિયા : રોજિંદા દામ લઈ મહેનત કરનાર ખેતમજૂર.
(88) સૌ કોઈ કોઈક આધાર વડે સુખી રહે છે, પણ ભગવાન ને આત્મા એ બે વતે સુખી થાવું, બાકી અનેક પ્રકારના આધાર મૂકી દેવા.
(89) ભગવાનને તો આ લોક કાંઈ ગણતીમાં જ નથી, એ તો સર્વે ધૂડનું જ છે. તેમાં કોઈક પદાર્થ આવ્યું કે ગયું, કે કોઈક વાત સુધરી કે બગડી, કે કોઈક કામ થયું કે ન થયું, એની કાંઈ પણ ગણતી નથી. એ તો આપણને માલ મનાય છે પણ જે ડાહ્યો હોય તેને ધૂડમાં માલ મનાતો નથી; તેમ ભગવાનની દૃષ્ટિએ તો આ લોક-ભોગ સર્વે ધૂડ જ છે ને મોટા સંતની પણ એવી જ સમજણ છે.
(90) આગ્રામાં અઢાર કરોડ રૂપિયાનું કબરસ્તાન છે ને મુંબઈમાં મચ્છીમારના ઘરમાં કરોડ રૂપિયા છે, માટે ઝાઝું દ્રવ્ય થાય એ વાત કાંઈ મોટાની ગણતીમાં નથી ને એમાં માલ ન માનવો.
(91) જો રુચિ સારી બંધાણી હોય ને વિષયમાં તણાતો હોય પણ તેમાં રુચિનું બળવાનપણું હોય તો કસર ટળાવે. ને વાસના બળવાન હોય તો વિષય આપે ને અંતે તો મુકાવે અને મોટા આગળ જે ધર્મમાં શિથિલ હોય તે સર્વે દબાય કે નહિ? તેનો ઉત્તર કર્યો જે, ‘દૈવી હોય તે દબાય ને આસુરી હોય તે ન દબાય.’
કસર : ખોટ, ઉણપ.
વાસના : પૂર્વના સંસ્કારોથી મકકમ થયેલી કામના.
(92) એકાંતિક સાધુ વિના બીજા કોઈને જીવનું સાચું હેત કરતાં આવડે નહિ ને બીજા તો હેત કરે તે ઇન્દ્રિયુંનું પોષણ કરે, તેમાં તો મૂળગું અવળું થાય.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
મૂળગું : માત્ર.
(93) લાખનો ત્યાગ કરીને એકને રાખવા. ને મહારાજ પણ એમ કહેતા જે, ‘પાંડવોએ સર્વેનો ત્યાગ કરીને એક શ્રીકૃષ્ણને રાખ્યા.’ એમ છે તે જાણવું.
(94) ‘મૂરખનો સંગ ન કરવો; કેમ જે, મૂરખ ચાકર હતો તેણે રાજાને બાટી આપી.’ એમ મહારાજ કહેતા.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
બાટી : છાણાંની આંચથી શેકેલો કણકનો ગોળો કે જાડી ભાખરી.
(95) કલ્યાણનો ખપ કેવો રાખ્યો જોઈએ ? જે, ઓગણ્યોતેરા કાળમાં ભીમનાથમાં રાંકાં માગવા આવતાં ને કરગરતાં ને તેને ધક્કા મારે પણ જાય નહિ, એવો ખપ રાખવો.
રાંકાં : ગરીબડાં.
(96) ચાર ઘાંટીઓ છે તેને ઓળંગવી; એ કરવાનું છે. તેમાં એક તો ભગવાનની ઉપાસના સમજવી, બીજું સાધુ ઓળખવા, ત્રીજું દેહ-આત્મા જુદા સમજવા ને ચોથું ઉત્તમ ભોગમાંથી રાગ ટાળવો; તે કરવું. તેમાં સર્વેનું કારણ સાધુ છે.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
(97) શ્રીજીમહારાજને ગમતી રુચિ કર્યા વિના જો ભગવાનનું સુખ મળશે તો પણ ભોગવાશે નહિ, જેમ માંદાને સારું મળે તો પણ ભોગવાય નહિ; તેમ પુરુષોત્તમનું જ્ઞાન થયું છે ને તેને વાસનાએ કરીને વિષય મળશે, તો તેમાંથી બહુ દુ:ખ થાશે; પણ તેનું સુખ નહિ આવે ને આવરદા લાંબી તે મરાય નહીં.
(98) આ લોકનો આ જીવને ફેર ચડી ગયો છે. તે વાત સાંભળે ત્યારે જેમ પાણી ઉપર શેવાળમાં લાકડી મારે, તે નોખું થઈને પાછું ભેળું થઈ જાય છે, તેમ આ લોકમાં પાછું ભળી જવાય છે; એવો આ જીવનો ઢાળો છે.
(99) આજ્ઞા પળે એટલી વાસના બળે. તે આજ્ઞા કઈ જે, ‘શિક્ષાપત્રી’, ‘નિષ્કામશુદ્ધિ’ ને ‘ધર્મામૃત’ તે પાળીને વાસના ટાળવી. ને મનના ઘાટ બંધ કરવા એ તો કઠણ છે, પણ સ્થૂળ દેહે વરતવું ને આજ્ઞા પાળવી એ તો થાય એવું છે ને તેમાં ફેર પાડે એટલો કુસંગ છે.
વાસના : પૂર્વના સંસ્કારોથી મકકમ થયેલી કામના.
ઘાટ : માયિક સુખ ભોગવવાનો સંકલ્પ, વિકારનો સંકલ્પ.
(100) કોઈક મરે ત્યારે કાંઈક થડકો થાય ને પછી આ લોકમાં પદાર્થ, મનુષ્ય, રૂપિયા એ આદિકને દેખે તે પાછું ભૂલી જાય. ને જે જ્ઞાની હોય તેને તો નિરંતર એમ વરતે, જે આજ્ઞા પાળવી પણ લોપવી નહીં. તે આજ્ઞા મુખ્યપણે તો ‘શિક્ષાપત્રી’, ‘નિષ્કામશુદ્ધિ’ ને ‘ધર્મામૃત’ એ ત્રણ ગ્રંથ પ્રમાણે વરતવું. ને મોટાનો સમાગમ કરવો ને સેવા કરવાનું કહે છે, તે સર્વમાં મુખ્ય સેવા તે શું ? જે, મોટા એકાંતિકની અનુવૃત્તિ મન, કર્મ, વચને રાખવી; એવી બીજી કોઈ સેવા નથી.
(101) જ્યાંથી અચાનક ઉચાળા ભરવા છે તેને અર્થે ઉદ્યમ કરે છે ને જ્યાંથી કોટિ કલ્પે પણ ઉચાળા ન ભરવા તેને અર્થે ઉદ્યમ નહિ ! એ જ અજ્ઞાન છે.
ઉદ્યમ : યત્ન, મહેનત.
કોટિ : કરોડ.
(102) વહેવાર મારગ તો કાંઈ કઠણ જ નથી, એ તો સૌને આવડે; પણ જ્ઞાન મારગ સમજવો ને એ મારગે ચાલવું એ જ કઠણ છે ને કરવાનું પણ એ જ છે.
(103) કપાળમાં ચાંદલો કરીને દર્પણમાં જુએ, ત્યારે સામો દેખાય; તેમ જેટલું આજ સમજાય તેટલું દેહ મૂક્યા પછી કામમાં આવશે.
(104) ઉત્તમ તો શાસ્ત્રમાંથી સમજી લે ને મધ્યમ તો સાધુ થકી વાતે કરીને સમજે ને કનિષ્ઠ તો કાળે કરીને સમજે અને મુક્ત, મુમુક્ષુ ને વિષયી એ ત્રણેયની ક્રિયા વિશે ભેદ છે. ને પોતાને કોઈક ક્રિયા કરવામાં મૂંઝવણ થાય તો કહેવું જે, ‘મને કાંઈ બીજું બતાવો.’ પણ મૂંઝાવું નહીં.
(105) આ જીવને મૂઆ સુધી પણ આ લોકના મનસૂબા છે પણ તે મૂકવા ને પરલોકના કરવા. ને આત્મા ને પરમાત્મા એ બે વાત મુખ્ય રાખવી, એમ મહારાજનો મત છે, પણ એ વાતની પુષ્ટિના શબ્દ બહુ થોડા આવે ને ત્યાગના, ભક્તિના ને ધર્મના એ આદિકના હજાર શબ્દ આવે, તેથી પણ એ મારગે ચલાતું નથી; પણ સિદ્ધાંત તો એ જ કરવાનું મહારાજ કહે છે.
(વચ.ગ.અં. 39)
મનસૂબા : સંકલ્પો, કાંઈક કરી લેવાના વિચારો
પરલોકના : અક્ષરધામના.
(106) ચોખ્ખું જ્ઞાન થાવાનું કહ્યું જે, ‘બે, ચાર, પાંચ જણ એક રુચિવાળા તે બે, ચાર, પાંચ વરસ સુધી એકાંત સ્થળમાં નિરંતર ગોષ્ઠિ કરે તો આત્મા-પરમાત્માનું જ્ઞાન થાય.’
(107) કુરૂપવાન સ્ત્રીમાં મન તણાય નહિ ને સ્વરૂપવાન સ્ત્રીમાં મન તણાય છે, એવો જીવનો સ્વભાવ છે. ને માલ તો એ બેયમાં એક જ છે, પણ તેમાં સ્વરૂપવાન સ્ત્રી જેવી બંધનકારી છે તેવી કુરૂપવાન સ્ત્રી બંધનકારી નથી. તેમ જ સારું ઘોડું તેમાં દુ:ખ છે એવું ઊતરતામાં નથી; કેમ જે, પડીએ તો થોડું વાગે ને બાજરો-ખડ પણ થોડાં જોઈએ ને તેનું ઝાઝું રક્ષણ કરવું ન પડે. તેમ જ સારું ખાવામાં, સારાં લૂગડાંમાં એ આદિક અનેક વિષય છે, તે સર્વેમાં જેવું સારામાં બંધન છે એવું ઊતરતામાં નથી; પણ જીવને જ્યાં સુધી રાગ છે ને જ્ઞાનની કસર હોય ત્યાં સુધી આ વાત સમજાય નહીં. ને પદાર્થનો વિચાર આદિ-અંતનો કરવો, પણ મધ્યમાં ન જોવું. મધ્યમાં તો મોહ રહ્યો છે એ અજ્ઞાન છે.
કસર : ખોટ, ઉણપ.
(108) ઉપાસના ચોખ્ખી સમજવી ને મહારાજનું સર્વ કારણપણું સમજવું. ને પૂર્વના અવતાર કરતાં આજ તો સાધુ-સત્સંગીમાં ઘણું સામર્થ્ય છે. ને પુરુષોત્તમના ભક્તમાં ને બીજા અવતારના ભક્તમાં કેમ ભેદ છે ? તો જેમ હાથણી વિયાય ત્યારે તેને ભેંશ જેવડું બચ્ચું આવે ને જૂ વિયાય ત્યારે તેને લીખ આવે, એમ ભેદ છે. ને વળી જેમ વડનું ઝાડ ને તુવેરનું ઝાડ એમ ભેદ છે. વળી મહારાજ કહેતા જે, 'શ્રીકૃષ્ણે તો અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન ને સંકર્ષણ એવાં નામ પાડ્યાં ને અમે તો નિત્યાનંદ, નિર્ગુણાનંદ ને અક્ષરાનંદ એવાં નામ પાડ્યા.' વળી જેમ દિલ્હીના બાદશાહનું નામ શેરખાં ને બીજા કોઈકનું નામ શેરખાં, એમ અવતારમાં ભેદ છે.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
વિયાય : પ્રસૂતિ થાય.
(109) જેમ જેમ વાત સાંભળે તેમ તેમ અંત:કરણ શુદ્ધ થાય છે ને જેમ જેમ અંત:કરણ શુદ્ધ થાય તેમ તેમ વાત સમજાય ને સુખ પણ થાય.
(110) શ્રીજીમહારાજે ગામ તેરેથી કાગળ લખાવ્યો જે, ‘વરસ દહાડામાં એક મહિનો સર્વે સાધુ-સત્સંગીને મુક્તાનંદસ્વામીની વાતું સાંભળવી ને બાઈઓ સૌને મોટી ડોશીઓની વાતું સાંભળવી ને જે એમ નહિ કરે તેને વિઘ્ન થાશે.’ ને સંસારનું બંધન તો શું ? પણ તે કરતાં અનંતગણું બંધન કાપીને સર્વનિવાસાનંદસ્વામીએ મોટાનો સમાગમ કર્યો.
(જુઓ પ્રકરણ 11ની વાત 149)
(111) સર્વ કરતાં સંત મોટા તેનો મહિમા કહ્યો. તેની વિક્તિ જે, સર્વ કરતાં પૃથ્વી મોટી ને તેથી જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, મહત્તત્ત્વ, પ્રધાનપુરુષ, મૂળપ્રકૃતિપુરુષ ને અક્ષર સુધી એકબીજાથી મોટા છે. ને તે સર્વથી પર અક્ષરધામ છે અને તે સર્વેના આધાર ભગવાન છે. એવા મોટા ભગવાન તેને જે સંત પોતાના હૃદયમાં અખંડ ધારી રહ્યા છે, માટે તે સંત મોટા છે.
વિક્તિ : વિગત-વિવરણ.
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
(112) મુમુક્ષુ છે તે નેત્રને ઠેકાણે છે ને સમાગમ છે તે સૂર્યને ઠેકાણે છે; તે સૂર્ય હોય તો નેત્રે દેખાય ને ગમે એવા સંસ્કાર હોય તો પણ સમાગમ વિના ટળી જાય ને સમાગમ હોય તો સંસ્કાર ન હોય તો પણ થાય. માટે ક્રિયમાણ બળવાન છે.
ક્રિયમાણ : વર્તમાનકાળનાં કાર્યો.
(113) સંસારમાં ચોંટ્યા વિના તો રહેવાય જ નહિ, પણ જો સારા સાધુનો નિરંતર સમાગમ રાખે તો ઉખડાય, નીકર ચોંટી જવાય.
(114) વિષયનો સંબંધ થયા મો’ર (પહેલાં) તો બકરાંની પેઠે બીવું ને સંબંધ થઈ જાય તો ત્યાં સિંહ થાવું.
(115) જીવનો સ્વભાવ બદ્ધ છે તે ત્યાગીમાં બંધાય ને ગૃહસ્થમાં પણ બંધાય ને પદાર્થમાં બંધાય ને દેશમાં ને ગામમાં બંધાય ને આસનમાં બંધાય ને જ્યાં એક ઠેકાણે રહે ત્યાં પણ બંધાય ને નાત-જાતમાં બંધાય, એવાં અનંત ઠેકાણાં બંધાવાનાં છે. તે સારુ તો ટોપીવાળો કોઈને એક ઠેકાણે રહેવા દેતો નથી.
ટોપીવાળો : અંગ્રેજ અમલદાર.
(116) વિષયને મારગે આંધળા થાવું, બહેરા થાવું, લૂલા થાવું, એમ થાવું પણ આસક્ત ન થાવું.
(117) આ બ્રહ્માંડના સર્વ જીવને ખવરાવવું તે કરતાં એક ભગવદીને જમાડવો તે અધિક છે.
(118) ખટરસમાં રહ્યા ને જલેબીમાં ગયા. તે શું ? જે, ટાઢી અગ્નિ જેવા વિષય ભૂંડા છે.
(119) શ્રીજીમહારાજ કહેતા જે, ‘હરિભક્ત કોઈ રીતે સુખિયા થાતા નથી; તે જો રૂપિયા આપીએ તો દર્શન કરવા નવરા થાતા નથી ને ગરીબ રાખીએ તો કહેશે જે, ‘ભાતું ન મળે, શું દર્શને જાઈએ ?’ માટે બેય વાતે જીવ ભગવાનને ભજતા નથી. તે સારુ ચાર ઉપાય કરીએ છીએ. તે સામ જે, વાતું કરીએ છીએ ને દામ જે, ભગવાન આપીએ છીએ ને ભેદ જે, સર્વે ખોટું કહીએ છીએ ને દંડ જે, જમપુરીનાં દુ:ખ દેખાડીએ છીએ; એમ કરીએ છીએ.’
(120) સત્સંગમાં કેટલાક મુક્ત છે. તેમાં કેટલાક ભેદ છે. તેમાં કેટલાક મુક્ત તો મંદિર, મેડીઓ ને ધર્મશાળા કરાવે એવા છે ને કેટલાક ખેતર, વાડી, બાગબગીચા કરે એવા છે ને કેટલાક તો દ્રવ્યનું ઉપાર્જન કરે એવા હોય ને કેટલાક ગામગરાસ કરે એવા હોય એ સર્વ પ્રકારના મુક્ત તો ઘણાય; પણ એવા મુક્ત થોડા જે, ઉપાસના, આજ્ઞા ને જ્ઞાન એ ત્રણેય વાતું પ્રવર્તાવે, પણ માલ તો એ ત્રણ વાતમાં જ છે. ને ધર્મ ને વૈરાગ્ય તો તેના પેટામાં આવી જાય ને બીજું પણ ઉપાર્જન એ ત્રણ વાતનું મુખ્યપણું રાખે તો સહેજે થાય; પણ તે પ્રવર્તાવે એવા મુક્ત થોડા, પણ માલ તો એમાં જ છે ને આ વાત વારેવારે વિચારીને નિરધાર કર્યો છે તે કહ્યો.
ઉપાર્જન : પ્રાપ્તિ માટેની ક્રિયા.
પેટામાં : અંતર્ગત.
(121) મોટા સાધુ સાથે જીવ બાંધ્યો હોય ને તેને કોઈક દેશકાળ લાગે ને સત્સંગમાંથી જાવું પડે એવું હોય તો પણ તેનું પ્રાયશ્ર્ચિત કરવાનું એ સંત પોતાને માથે લે, અથવા એને પ્રાયશ્ર્ચિત કરવાનું બળ આપે; અથવા છેલ્લી વારે એને રોગ પ્રેરીને પણ સત્સંગમાં રાખે, પણ એને જાવા દે નહીં.
(122) કારખાનાં કરવાની રીત મહારાજે કહેલ જે, ‘સાવજ હોય તે દિવસમાં ત્રણ તલપું નાખે, ને તેમાં આહાર મળે તે ખાય ને નારડાં છે તે તો આખો દિવસ દોડતા ફરે. તેમ કારખાનું કરવું તે સાવજની પેઠે એક મહિનો કરવું ને પછી પાછું છ મહિને કે વરસ દહાડે બીજું કરવું, પણ નારડાંની પેઠે નિરંતર બારે માસ ન કરવું.’ એમ કહ્યું હતું.
નારડાં : વરૂની એક જાત. (બ.વ.)
(123) પ્રતિલોમપણે હૃદયમાં સંકલ્પ સામું જોવું તથા પ્રતિલોમપણે ભગવાનનું ધ્યાન કરવું ને તેમાં જ સુખ છે, પણ પ્રતિલોમ જેવો બીજો સુખનો ઉપાય નથી; માટે પ્રતિલોમનો અભ્યાસ નિરંતર રાખવો એ સિદ્ધાંત વાત છે. તે ‘વચનામૃત’માં મહારાજે બહુ ઠેકાણે કહ્યું છે ને મોટા સંતનો એ આગ્રહ મુખ્ય છે, ને પ્રતિલોમ વિના યથાર્થ જ્ઞાન થાતું નથી.
(વચ.ગ.અં. 31)
પ્રતિલોમ : પોતા/આત્મા તરફ પાછી વાળતી વૃત્તિ, અંતરવૃત્તિ, અંતરદૃષ્ટિ કરીને આત્માનું પરમાત્મા તરફનું ઊર્ધ્વીકરણ.
(124) બ્રહ્માંડ બ્રહ્માંડ પ્રત્યે દશ-દશ મૂર્તિયું છે, તેમાં છ સગુણ ને ચાર નિર્ગુણ; તે એવાં અનંતકોટિ બ્રહ્માંડ છે. ને તે સર્વ બ્રહ્માંડમાં અનંત કોટાનકોટિ ભગવાનની મૂર્તિયું છે. એ સર્વના કારણ શ્રી સ્વામિનારાયણ ભગવાન છે, એમ સમજવું.
સગુણ : માયાના ગુણથી પ્રભાવિત.
(125) જ્યાં સુધી દાઢી-મૂછ ન ઊગી હોય ત્યાં સુધી તેમાં સ્ત્રીનો ભાવ કહેવાય તે સારુ એવા સામું દૃષ્ટિ માંડીને જોવું નહિ ને એવા સામું જોયા કરે તો સ્ત્રી સામું પણ જોવાય, માટે એવામાં હેત ન કરવું.
(126) ત્રણ વાત સર્વ કરતાં મુખ્ય રાખવી, બાકી બીજા ગુણ જે, ત્યાગ-વૈરાગ્યાદિક તે તો કોઈને થોડા હોય ને કોઈને વધુ હોય; તેની વિક્તિ જે, એક તો ઉપાસના, બીજી આજ્ઞા ને ત્રીજું ભગવદી સાથે સુહૃદપણું, એ ત્રણ અવશ્ય રાખવાં. તે ત્રણ જેમાં હોય તે મોટાને ગમે.
વિક્તિ : વિગત-વિવરણ.
(127) પૂર્વે એક સદ્ગુરુ પાસે એક મુમુક્ષુ દ્રવ્ય લઈને ગયો ને પૂછ્યું જે, ‘આ દ્રવ્યનું કેમ કરવું છે ?’ ત્યારે એ ગુરુ કહે જે, ‘જો દ્રવ્ય તું રાખે કે હું રાખું કે કોઈને આપીએ તો તે સર્વેનું ભૂંડું કરે એવું એ છે.’ એમ કહીને ગંગામાં નખાવ્યું.
(128) મોટા પાસે નિષ્કપટ થાવામાં બહુ લાભ છે. તે એક જણને રૂપ દેખાઈ ગયું તેનો આકાર બંધાઈ ગયો. પછી તેણે મોટા સંત પાસે કહ્યું, ત્યારે તે સંતે મહારાજની સ્તુતિ કરીને ટાળી નાખ્યું.
(129) સ્મૃતિ સહિત અને સ્મૃતિ રહિતમાં કેમ ભેદ છે ? તો જેમ ભર્યું માણસ ને ઠાલું માણસ, ભર્યું ગાડું ને ઠાલું ગાડું, તેમ તેનું ચાલવું, બોલવું, જોવું, સાંભળવું, ખાવું ઇત્યાદિક ક્રિયામાં ભેદ છે.
ઠાલું : ખાલી.
(130) મોટાનો મહિમા જીવને સમજવો કઠણ છે; કેમ જે, બ્રહ્માંડની પણ ગણતી નહિ ને વળી આ લોકના તુચ્છ પદાર્થની પણ સંભાવના રાખે, તેને એ વાત કેમ સમજાય ?
(131) મોટા એકાંતિક ક્રિયા કરાવે ને બીજા કરાવે તેમાં ભેદ છે; કેમ જે, મોટા ક્રિયા કરાવે તેમાં બંધાવા દે નહિ ને તેનો ફેર ચડાવી દે નહિ ને તેનો નિષેધ કર્યા કરે. ને બીજો તો કરાવે એટલું તેના હૈયામાં ભેગું થઈને ખડકાય, તે નવરા રહે તો પણ તેના મનસૂબા કર્યા કરે ને અંતરમાં ગોટા વળાવે. તે કરનાર કરે એટલા દિવસ તો તેના ઉપર સર્વ હેત બહુ કરે પણ તેથી જ્ઞાન વિના જો કાંઈક આડુંઅવળું થઈ જાય તો તેને માથે સંસ્કાર કરાવે. ને મોટા ક્રિયા કરાવે તે તો જેમ બકરાને ખવરાવીને સાવજ આગળ રાખે તેમાં તોલ વધે નહિ, એમ કરાવે. એવી રીતે ભેદ છે, પણ એ વાત સમજાય નહીં.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
નિષેધ : શાસ્ત્રવિહિત મનાઈ.
મનસૂબા : સંકલ્પો, કાંઈક કરી લેવાના વિચારો
સાવજ : સિંહ.
(132) શ્રીજીમહારાજ બેઠા વાત કરતા હોય ને કેટલાક સૂઈ રહેતા. તેના પશ્ર્ચાત્તાપ સારુ તો જે જાગતા હોય તેને મહારાજ કેટલીક વાર મળતા, એમ શ્રદ્ધાવાળાને સુખ આપતા.
(133) સેવા તો પોતાની શ્રદ્ધા પ્રમાણે થાય તે કરવી, પણ અસેવા તો ન જ કરવી. તે અસેવા તે શું ? જે, અવગુણ લેવો.
(134) આ જીવને માખીમાંથી સૂરજ કરવો છે, તે દાખડા વિના થાય નહિ; તે તો ગુરુ ને શિષ્ય એ બેયને શ્રદ્ધા જોઈએ.
(135) જીવપ્રાણીમાત્રના મનને રહેવાનું ઠેકાણું મહારાજે કહ્યું જે, ‘પુરુષનું મન સ્ત્રીના અંગમાં છે ને સ્ત્રીનું મન પુરુષના અંગમાં છે.’
(136) દેહ પોતે નથી તે સાક્ષાત્ દેખાય છે ને દેહ મનાઈ ગયું છે એ અજ્ઞાન છે.
(137) શ્રીજીમહારાજની મરજીથી વિરુદ્ધ જે અવળાઈ કરે તેને આખા બ્રહ્માંડની ઉપાધિમાં જોડે ને વધારે વાંકો ચાલે તો તેને અનંત બ્રહ્માંડની ઉપાધિમાં જોડશે, પછી તેમાં હેરાન થાશે ને ત્યાં તો આજ્ઞા કરે તો કોઈનો ભાર નહિ જે ના પાડી શકે. તે જેમ રાજાનો હુકમ વસ્તીથી ફેરવાય નહિ તેમ છે ને આંહીં તો મનુષ્યભાવ રહે, તેથી મનાય નહીં.
અવળાઈ : આડાઈ, કહે તેનાથી ઊલટું કરવાની ટેવ, હઠીલાઈ.
મનુષ્યભાવ : દેહભાવ, માયિકભાવ, જેમાં ગુણાનુરાગ - ગુણાનુબુદ્ધિ પ્રવર્તે છે તેવો ભાવ.
(138) ભગવાનમાં મન રાખે એવા થોડા, બાકી તો આખા મંદિરનો વહેવાર ચલાવે એવા પણ ખરા ને કદાપિ ભગવાનમાં મન ન રહે, તો પણ નિરંતર કથાવાર્તા કરવી ને તે કથાવાર્તામાં મન રાખવું. તે પણ નિરંતર એવો સંગ જોઈએ, નીકર તો એવું ન થાય, તે સારુ ક્રિયા પ્રવર્તાવી છે; તે જે કરે તેમાં ભગવાનનો સંબંધ, એ પણ મારગ છે. બાકી સિદ્ધાંત તો ભગવાનમાં મન રાખવું એ કરવાનું છે, તે તો મરણિયો થાય ત્યારે એ વાત થાય છે.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
(139) સોમલખારનું દૃષ્ટાંત જે, ગમે એવો હેતુ હોય ને કોઈ કહેશે જે, તે બે પૈસાભાર ખાઓ, તો પણ તે મનાય નહિ, તેમ વિષયનું રૂપ જેવું છે એવું જણાય, તો ભોગવાય નહીં.
(140) જ્યારે ભગવાન રાજી થાય ત્યારે તેને બુદ્ધિયોગ આપે છે, કાં મોટા સાધુનો સંગ આપે છે. ને જ્યાં સુધી જે પુરુષને વિશે રજ-તમ રહ્યો છે ને એમાં ધર્માદિક ગુણ જણાય છે, તો પણ તેની એક સ્થિતિ રહેતી નથી, એમ પંચમસ્કંધમાં કહ્યું છે.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
(141) દ્રવ્યનું પ્રધાનપણું ન થાય એવાં તો માણસ થોડાં જ નીકળે ને જેને શ્રીજીમહારાજ સામી નજર હોય તેને પ્રધાન ન થાય. તે કહ્યું છે જે,
એવી કોણ વસ્તુ છે આ ભૂમાં, જેમાં લોભે જે લોભ્યા પ્રભુમાં.
(ભક્તચિંતામણિ : પ્ર. 108)
એવાને દ્રવ્ય પ્રધાન ન થાય, બાકી તો સર્વેને થાય.
(142) પરમચૈતન્યાનંદસ્વામી કેવા મોટા ? તેને પણ બાળમુકુંદાનંદસ્વામી મળ્યા ત્યારે જ સર્વે ખોટ દેખાણી ને પછી મૂકી. તે એવાને પણ રહી જાય તો બીજાને રહે એમાં શું ? માટે મોટાપુરુષનો મન, કર્મ, વચને સમાગમ થયા વિના ખોટ દેખાય નહિ ને ટળે પણ નહિ, એ સિદ્ધાંત વાર્તા છે. ને પરમચૈતન્યાનંદસ્વામીની પેઠે અક્ષરાનંદસ્વામી તથા સર્વનિવાસાનંદસ્વામીની પણ વાત છે.
(જુઓ પ્રકરણ 6ની વાત 165)
(143) દેહ પડી ગયો એટલે શું થયું ? પણ જીવ ક્યાં મરે છે ? એ તો સાધુ થાવું ને સાધુતા શીખવી ને સ્વભાવ મૂકવા, એ કરવાનું છે; પણ મરી ગયા એટલે થઈ રહ્યું ને કરવું બાકી ન રહ્યું, એમ ન સમજવું.
(144) આપણામાં ક્રિયાએ કરીને કે પદાર્થે કરીને કે હવેલીઓએ કરીને મોટપ ન સમજવી ને આપણામાં તો ધર્માદિકે કરીને મોટપ છે.
(145) કદાપિ માળા ફેરવતાં આવડી તેણે કરીને શું થયું ? પણ જ્ઞાન જેવો તો કોઈ માલ જ નથી ને જ્ઞાન વિના તો સર્વે કાચું છે.
(146) આપણા પૂર્વના દેહનાં હાડકાં આપણી આગળ પડ્યાં હોય, પણ તેની આપણને ખબર ન પડે.
(147) દ્રવ્ય ને આ દેહ એ બે ઉપર સર્વે વહેવાર છે, એ બેને ખોટું ખોટું કહીએ છીએ, તે ખોટું કેમ થાય ? એમ કહીને વળી કહે જે, ‘છે તો એમ જ જે, દ્રવ્ય ને આ દેહ એ બેય ખોટાં છે ને વારંવાર એવા શબ્દને સાંભળવા તેણે કરીને અરધું તો ખોટું થઈ જાય. પછી તેને ધક્કો ન લાગે. ને ખોટું કહીએ છીએ ને વળી વચમાં આ કામ આવે તે કરતા જઈએ છીએ, તે પણ ખોટું જ છે.’
(148) ‘જળ, અગ્નિ ને વાયુ એ સર્વેને હાથ-પગ છે, પણ તે આપણને દેખાતા નથી. તે જળ તાણે છે ને અગ્નિ બાળે છે ને વાયુ ઠેલે છે.’ એમ મહારાજે કહ્યું છે.
ઠેલે : દૂર કરે, પડતાં મૂકે.
(149) માન-અપમાનમાં પોતાને અક્ષર માનવું જે, આપણાથી કોઈ મોટો નથી, માટે કેની પાસે માન-અપમાન માનવું ?
(150) ગાય છે તે વાછરાંની (વાછરડાંની) મા કહેવાય, પણ વાછરડાંને દૂધનું સુખ તો એક જ ઠેકાણે આંચળમાં આવે, પણ બીજા અંગમાં ન આવે. તેમ ભક્તિ તો સર્વે કહેવાય, પણ ખરું સુખ તો ભગવાનની મૂર્તિમાંથી આવે એવું બીજેથી ન આવે.
(151) ગાડે ન બેસવું તેનો પ્રબંધ કરીને મહારાજે સંતને પગે લગાડ્યા હતા.
(152) જીવ કર્મવશ થઈને દુ:ખનું સહન કરે, એમ પોતાના કલ્યાણને અર્થે ન કરે; તે જો વીછીં કરડ્યો હોય તો આખી રાત જાગે. એ અનુસારે ઘણી વાતું છે.
(153) ગમે એવું ઉત્તમ સ્થાન હોય તેમાં જઈને રહે તો પણ જીવ વૃદ્ધિ પામે નહિ, એ તો સારા સંતને સંગે જ સમાસ થાય, પણ તે વિના ન થાય.
(154) લોક, શાસ્ત્ર ને અનુભવ એ ત્રણેયમાં મળતું ને ન મળતું તેની વાત મહારાજે કહી જે, ‘પરણીને સ્ત્રી રાખે તે ત્રણેયમાં મળતું ને વ્યભિચાર કરે તે લોકમાં ન મળે, હૈયામાં ન મળે ને શાસ્ત્રમાં ન મળે ને હૈયામાં સુખ ન રહે; તેમ જ નાતમાં જમે તે ત્રણેયમાં મળતું ને વટલે તે ત્રણેયમાં ન મળતું; એમ તપાસ કરવો તે વેદ પ્રમાણે વાત છે.’
(155) શ્રીજીમહારાજે કહ્યું હતું જે, ‘આપત્કાળ આવે તો લીલા ખડને દંડવત્ કરજો, તેમાં રહીને પણ હું સહાય કરીશ.’
(156) શ્રીજીમહારાજે અનેક પ્રકરણ ફેરવીને સાધુને વરતાવ્યા ને અનેક પ્રકરણ ફેરવીને પ્રવર્તાવ્યાં, તેનો વિચાર કરવો; ને તેમાંથી મુમુક્ષુને કેટલુંક ગ્રહણ કરવાનું છે. તે ધ્યાન કરવાના પ્રકરણમાં, ધૂન્ય કરવામાં ને કીર્તનમાં થાકવું નહિ; ને મનને ગમતું ન કરવું ને ન ખાવું એ બહુ આકરું કહેવાય. ને ક્રોધનું ખંડન જે દંડવત્ કરવા, ને ગાડે ન બેસવું એ આદિક પંચવિષયનું ખંડન અનેક પ્રકારે ને ધર્માદિક ગુણનું પ્રતિપાદન, એ સર્વેનો તપાસ કરવો ને ઉત્થાન ઓળખવાનું પ્રકરણ; એ સર્વે પ્રકરણનો વિચાર કરીને વરતવું.
ઉત્થાન : ઊર્ધ્વગતિ, ઉન્નત્તિ તરફ જનારું.
(157) સત્સંગમાંથી પડાય નહિ તે વાત શ્રીજીમહારાજે કહી હતી જે, ‘સર્વે સાધુ, સત્સંગી સાથે જીવ બાંધે તો ન પડે, એમ કહીને પછી તો ઓછા ઓછા કહેતાં છેલ્લી વારે કહે; બે સારા સાધુ તથા ચાર સારા સત્સંગી સાથે જીવ બાંધ્યો હોય તો ન પડે ને તે વિના તો દેશકાળે પડે ખરો.’
(158) પાંચ વાતે સાનુકૂળ હોય ત્યારે પ્રભુ ભજાય. તે સંગ, શાસ્ત્ર, શ્રદ્ધા, રૂડો દેશ ને રૂડો કાળ.
(159) આપણને તો બહુ મોટો લાભ થયો છે ને બહુ મોટી પ્રાપ્તિ થઈ છે પણ આપણને સમજાતું નથી. તે જેમ પૃથ્વીનો રાજા હોય તેનો છોકરો અલ્પ પદાર્થ સારુ રોવે તેમ જ આપણને મહારાજનો ને મોટા સંતનો સંબંધ થયો છે, પણ આ લોકનાં અલ્પ પદાર્થ ન મળે કે નાશ પામે તેનો શોક થાય કે તે સારુ દિલગીર થાવાય, તેને આ વાત સમજાતી નથી.
(160) એક તો આખા દિવસમાં આખો કોટ ચણીને ઊભો કરે ને એક તો તે કોટમાં એક કાંકરી નાખે તે પડી જાય, એ બેમાં અંતે ચણનારો થાકશે. તેનું સિદ્ધાંત જે, આખો દિવસ વહેવાર કરે ને એક ઘડી સત્પુરુષની વાતું સાંભળે તો તેથી સર્વે ખોટું થઈ જાય. (જુઓ પ્રકરણ 4ની વાત 4)
(161) જ્યાં સુધી પોતાને પુરુષ મનાશે ત્યાં સુધી તેને સ્ત્રી જોઈશે ને જ્યાં સુધી પોતાને સ્ત્રી મનાશે ત્યાં સુધી તેને પુરુષ જોઈશે ને ગમે ત્યાં જાશે પણ એમ રહેશે. માટે કહ્યું છે જે, બ્રહ્મરૂપ થઈને ભક્તિ કરવી.
(વચ.ગ.અં. 22)
(જુઓ પ્રકરણ 4ની વાત 96)
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
(162) અક્ષરધામ, શ્વેતદ્વીપ, બદરિકાશ્રમ ને આ લોકમાં એકાંતિક પાસે એ ચાર ઠેકાણે માયા નથી ને કજિયો નથી, બાકી સર્વે ઠેકાણે માયા ને કજિયો છે.
બદરિકાશ્રમ : શ્રી નરનારાયણનો આશ્રમ.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
(163) સુખમાં દુ:ખ દેખવું એ ઝાઝાને સૂઝે નહિ, એ તો સૂક્ષ્મ વાત છે; તે શું ? જે, રસોઈઓ તથા બહુ સન્માન આદિક તેમાં તો વૃત્તિઓ ફાટી જાય એવાં છે ને તેમાં સુખ દેખાય છે, પણ સુખ તો મોટાનો સમાગમ થાય એટલું જ; બાકી નહીં.
(164) ‘જ્ઞાન વિના તો સુખ ન થાય ને ભક્તિ કરે તેને મોટા હોય તે હાર આપે કે થાળ આપે; પણ તેણે કરીને સંકલ્પ ઓછા ન થાય, માટે સમજણ તો જોઈએ ખરી.’ એમ વાત કરી.
(165) વળી, એટલું તો એમ સમજવું જે, જો વિષયમાં સુખ હોય તો તેની આપણને મહારાજ બંધી શા સારુ (શા માટે) કરે ? માટે એમાં તો સુખ જ નથી, ને એમાં સુખ મનાય છે એ અજ્ઞાન છે, ને મોટા મોટા એ મારગે ચાલતા નથી.
બંધી : મના-નિષેધ.
(166) સત્સંગમાં અનેક વાતું સમજવાની છે; તેમાં મુખ્ય ઉપાસના, બાકી ધર્મ રાખવો ને ‘વચનામૃત’ આદિક શાસ્ત્રનો અભ્યાસ રાખવો.
(167) મૂંઝવણ ટાળ્યાનો ઉપાય જે, કાળની ગતિ જાણવી, જન્મ-મૃત્યુનું દુ:ખ વિચારવું, ભગવાનનો મહિમા વિચારવો. વળી, આપણું કોઈ નથી ને આપણે કોઈના નથી. વળી, આત્મા તો ત્રણ દેહથી વિલક્ષણ છે, એમ જ્ઞાનીને તો અનંત લોચન છે ને મૂંઝવણ ટાળ્યાના પણ અનેક ઉપાય છે ને મૂંઝવણ અનેક પ્રકારની છે.
(168) પ્રથમ કાંઈ નહોતું ને આટલાં કારખાનાં થયાં ને હજી થાય છે ને વળી થાશે, એ તો વધતું જ જાશે, પણ મુખ્ય તો કથાવાર્તા, ધ્યાન ને મોટા સંતનો સમાગમ, એ જ કરવાનું છે.
(169) અંતર્દૃષ્ટિ કરીને હૈયામાં જોવું ને તે વિના તો ગુણ-દોષ યથાર્થ ન સૂઝે, ને અંતર્દૃષ્ટિ કરવી એ નિર્ગુણપણું છે ને બાહ્યદૃષ્ટિમાં સગુણપણું છે. વળી બાહ્યદૃષ્ટિ દૈત્યની કહી છે ને અંતર્દૃષ્ટિ રાખવાનો અભ્યાસ કરતાં સુખ પણ થાય છે ને જેમ ચકમક ખરે તે ખેરવતાં દેવતા કળીમાં લાગી જાય છે એમ કોઈક દિવસ પ્રકાશ થઈ જાય, એ સિદ્ધાંત વાત છે.
(170) વરતાલમાં કથા થઈ તે ફેરે (વખતે) ઘણા દિવસ સુધી પ્રતિલોમ કરવાની વાતું કરી ને કરાવી. એવી રીતનો અભ્યાસ કરવા-સાંભળવાનો નિરંતર રાખે ત્યારે તે વાત સમજાય ને તે મારગે ચલાય, પણ તે વિના થાય નહીં.
(વચ.ગ.અં. 31)
પ્રતિલોમ : પોતા/આત્મા તરફ પાછી વાળતી વૃત્તિ, અંતરવૃત્તિ, અંતરદૃષ્ટિ કરીને આત્માનું પરમાત્મા તરફનું ઊર્ધ્વીકરણ.
(171) ઉપાસના સમજવી જે, કોટાનકોટિ ભગવાનના અવતાર જે, શ્રીકૃષ્ણ, રામચંદ્રજી, વાસુદેવ, નરનારાયણ ઇત્યાદિક સર્વેના કારણ શ્રીજીમહારાજ છે. ને પૂર્વે અવતાર થઈ ગયા એવા તો આજ સત્સંગી ને સાધુ છે; પણ આપણને મહિમા પૂરો સમજાતો નથી. ને શ્રીકૃષ્ણે કેટલું જ્ઞાન કર્યું ત્યારે એક ઉદ્ધવે ત્યાગ કર્યો ને આજ તો વીસ-વીસ વરસના સંસાર મૂકીને ચાલ્યા આવે છે. ને પૂર્વે શાસ્ત્રમાં સ્ત્રી તો કોઈ ત્યાગી થઈ સાંભળી નથી ને આજ તો હજારો બાઈઓ ત્યાગી થાય છે. ને પૂર્વે ભગવાન બે-ત્રણને તેડવા આવ્યા તે શાસ્ત્રમાં લખ્યું છે ને આજ તો ઘરોઘર ભગવાન તેડવા આવે છે. ને બીજા અવતાર મોટા મોટા તે પારસમણિ જેવા છે ને પુરુષોત્તમ તો ચિંતામણિ છે.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
પારસમણિ : સ્પર્શથી લોખંડનું સોનું કરનાર મણિ.
ચિંતામણિ : ઇચ્છા પૂરી કરે તેવો દિવ્ય મણિ.
(172) ભગવાનનું સ્વરૂપ નિર્દોષ સમજવું ને મોટા મોટા એકાંતિક સાધુને પણ એમ સમજવા, તે બરાબર કોઈ સાધન નથી; તે ‘વચનામૃત’માં કહ્યું છે એમ ચાર શાસ્ત્રે કરીને સમજવું તથા ‘સ્વરૂપનિર્ણય’માં કહ્યું છે એમ સર્વ પ્રકારે નિર્બાધપણે ને નિર્દોષપણે સમજવું. તે આત્યંતિકપ્રલય જે, જ્ઞાનપ્રલય કરવાનો છે ત્યાં સુધી સમજવાનું છે. તે જેને આત્યંતિકપ્રલય થયો હોય તે સાથે જોડાય ત્યારે તેથી થાય.
(વચ.વ. 2)
(વચ.સા. 11)
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
(173) ગમે એવો હોય તેને પણ સેવાએ કરીને કે પદાર્થે કરીને રાજી કરીએ. ને પદાર્થે કરીને રાજી ન થાય એવા તો કૃપાનંદસ્વામી, મુક્તાનંદસ્વામી, ગોપાળાનંદસ્વામી એ કોઈ રીતે ન જિતાય; કેમ જે, એને તો સેવા કે કોઈ પદાર્થ જોઈએ નહિ; પણ તે એક ઉપાયે જિતાય જે, એની આગળ દીન થાવું ને હાથ જોડવા; એવો બીજો કોઈ ઉપાય નથી.
(વચ.સા. 11)
દીન : લાચાર, ગરીબ, રાંક.
(174) ક્રિયાનું પ્રધાનપણું થઈ ગયું છે તેથી જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ, મહિમા ને ઉપાસના તેની વાતું કરે છે કોણ ને સાંભળે છે કોણ ? પણ કથાવાર્તા કરતાં કરતાં થાય તે કરવું ને તે કરતાં થયું તે થયું ને બાકી ન થાય તે રહ્યું; પણ મુખ્ય તો એ જ કરવું ને બાકી તો ફેર ચડી જાય છે ને આ તો ગમે એટલું કરો પણ રાત્રિપ્રલયમાં સર્વ નાશ પામી જાશે.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
કરો : ઘરની દિવાલ.
(175) સભાની વાત બહુધા લાગે નહિ, એ તો એકાંતમાં પૂછવું-સાંભળવું ત્યારે સમાસ થાય છે. ને સમાગમ કરે તેનો સંગ લાગે ત્યારે સમાગમ કર્યો કહેવાય, તે જેમ પાણી લાગે છે એમ જ્યારે સંગ લાગે ત્યારે તેના તો અવયવ ફરી જાય. ને સંગ તો કેવો છે, તો એને લોભાદિક દોષ ન મૂકવા હોય તો પણ મુકાઈ જાય ને જો દોષ મૂકવા હોય તો પણ જો ઊતરતો સંગ થઈ જાય તો મૂળગા દોષ વધી જાય, એમ સંગમાં રહ્યું છે.
બહુધા : મોટેભાગે-ઘણુંખરું,ખાસ કરીને
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
(176) આંહીંથી તે પ્રકૃતિપુરુષ સુધી પણ વિષય સુખ છે, એમાં તે શું અધિક છે ? સર્વેનું આવું ને આવું છે અને બ્રહ્મચર્ય તો ક્યાંય નથી ને આ લોકમાં, દેવતામાં, ઋષિના લોકમાં ને બીજા લોકમાં પણ નથી. એ તો અક્ષરધામ, શ્વેતદ્વીપ, બદરિકાશ્રમ ને આંહીં સંતમાં, એ ચાર ઠેકાણે બ્રહ્મચર્ય છે.
પ્રકૃતિપુરુષ : ચેતન અકર્મણ્ય પુરુષની મદદથી જડ પ્રકૃતિમાંથી સમગ્ર સૃષ્ટિની ઉત્પતિ થઈ તે
બદરિકાશ્રમ : શ્રી નરનારાયણનો આશ્રમ.
(177) ભક્તિમાં સ્વભાવ વધે ને ધ્યાનમાં દેહાભિમાન વધે, એ બે ગુણમાં બે દોષ જાણવા ને તે ટાળવા.
(178) મોટાનો રાજીપો હોય તેના અંતરમાં સુખ વરત્યા કરે ને દેહમાં તો સુખ-દુ:ખ આવે. તેનો તો નિરધાર નહિ, બાકી તેને દિન-દિન પ્રત્યે શ્રદ્ધા વૃદ્ધિ પામતી જાય ને દહાડે-દહાડે વધતો જાય એમ વરતે ત્યારે એમ જાણવું જે, મોટા રાજી છે. ને જેણે સ્વભાવ મૂક્યા હોય ને મૂકતો હોય ને મૂકવાનો આદર હોય, તે સર્વે ઉપર મોટાની દૃષ્ટિ રહ્યા કરે. ને એક તો સો જન્મે એકાંતિક થાવાનો હોય તે આ જન્મે થાય ને આ જન્મે એકાંતિક થાવાનો હોય તેને ઊતરતાનો સંગ થાય તો સો જન્મ ધરવા પડે. તેમાં દૃષ્ટાંત, જેમ દશ મણ પાણા સાથે એક મણ લાકડું બાંધે તે લાકડાંને બુડાડે (ડૂબાડે) ને દશ મણ લાકડાં સાથે એક મણ પાણો બાંધે તે પાણાને તારે, એમ સંગમાં ભેદ રહ્યો છે.
(વચ.લો. 6)
(જુઓ પ્રકરણ 4ની વાત 128)
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
દશ : દિશા.
પાણા : પથ્થર.
પાણો : પથ્થર.
(179) આ તો નિયમે કેટલુંક વરતાય છે, પણ સર્વ વાતની છૂટ મૂકે જે, જેને જેમ ફાવે એમ વરતવું એવી આજ્ઞા થાય, ત્યારે કેટલું વરતાય ? એમ પોતાનો તપાસ કરવો.
(180) નાના ખાતરાનું પાણી મોટી નદીમાં ભળે ને તે નદી સમુદ્રમાં ભળે. તેનું સિદ્ધાંત જે, અલ્પ જેવો જીવ હોય તે જો મોટામાં જોડાય તો તે પણ ભગવાનને પામે એવો મોટાનો પ્રતાપ છે.
(181) ત્યાગીએ એક વખત ખાવું ને પછી બીજું જે મળે તે ત્યાગ કરવું, તે તો સ્ત્રી ભેળું નિષ્કામી રહેવું એવું કઠણ છે.
(182) ટોપીવાળો મૂંઝાય ત્યારે બંગલામાં જાતો રહે ને ત્યાં જઈને વિચાર કરે, એમ પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ પામીને પ્રતિલોમ દૃષ્ટિ કરીને વિચાર કરવો.
ટોપીવાળો : અંગ્રેજ અમલદાર.
પ્રતિલોમ : પોતા/આત્મા તરફ પાછી વાળતી વૃત્તિ, અંતરવૃત્તિ, અંતરદૃષ્ટિ કરીને આત્માનું પરમાત્મા તરફનું ઊર્ધ્વીકરણ.
(183) ઉત્તમ પુરુષને સેવ્યા હોય ને તેને કસર રહી હોય ને તેનો દેહ પડે તે પછી એવો જોગ ન રહે; તો પણ તેની ગમે તે પ્રકારે સહાય કરે; કેમ જે, એ તો સમર્થ છે તે રક્ષા કરે. જેમ વ્યાસજીએ કીડાને કર્યું એમ કરે.
(જુઓ પ્રકરણ 5ની વાત 266)
કસર : ખોટ, ઉણપ.
(184) લક્ષ્મીજીએ એક કીડીને ડાબલીમાં ઘાલી ને કહે, ‘આનું વિષ્ણુ કેમ પોષણ કરશે ?’ પછી ત્રીજે દિવસે તપાસી જોયું, ત્યાં તો તે ડાબલીમાં લક્ષ્મીજીના ચાંદલાનો ચોખો પડી ગયેલ તે કીડીએ ખાધેલ. એમ ભગવાન તો પોષણ કરે છે.
(185) ભગવાન તો કેવા છે, તો જે જીવ પોતાની સન્મુખ ચાલે તે સારુ તો બ્રહ્માંડ ફેરવી નાખે, તે જુઓને પ્રહ્લાદનો દેહ જ જીવ જેવો કરી મૂક્યો !
(જુઓ પ્રકરણ 5ની વાત 256)
(186) જેને સત્સંગ થાય, તેને તો દુ:ખ રહે નહિ ને દુ:ખ રહે છે એટલી સત્સંગ કરવામાં કસર છે અને સત્સંગ કરે છે તેને કેટલાક પ્રકારના નાના ને મોટા મોસલ ઊઠે છે; તેની વિક્તિ જે, તમાકુ ખાવી ને પીવી ને સૂંઘવી ને ડાકલાં ને જૂગટું ને ભવાયા ને બજાણિયા ને ગરીબ વર્ણનો માણસ ઘોડું રાખતો હોય એ આદિક નાના મોસલ ને વ્યભિચાર, ચોરી, દારૂ, માંસ, અફીણ એ આદિક મોટા મોસલ. તે સર્વ પ્રકારનું ખરચ ન થાય, તથા કોઈ પ્રકારનો દંડ ભરવો ન પડે ને બાકી કેટલોક વિવેક આવે તેથી વહેવાર કરતાં આવડે જે, કમાવું-ખરચવું તે સર્વને વિચારીને કરે.
(187) પ્રથમના કરતાં આજ કેટલુંક દેશકાળનું સાનુકૂળ છે ને મોરે તો કટક આવતાં, હિમ પડતાં, કાળ પડતા, તીડ આવતાં ને ચોર ને ધાડાં પડતાં ને ટૂંટિયું; એ સર્વે ઇતિયું (ઉપદ્રવો, આફતો) કહેવાય.
મોરે : અગાઉ
કટક : સૈન્ય હુમલો.
હિમ : અતિશય ઠંડી, ઘણો સખત ઠાર, બરફ.
(188) નાના ગામમાં લાખ રૂપિયાની હૂંડી લખનાર ન મળે, તે તો શહેરમાં મળે ને કરોડ રૂપિયાની હૂંડી લખનાર તો કોઈક બહુ મોટા શહેરમાં મળે; તેમ અતિ ઉત્તમનો સંગ ઝાઝે ઠેકાણે મળે નહિ ને તે મળ્યા વિના અતિ ઉત્તમ જ્ઞાન થાય નહીં. ને મોટાની દૃષ્ટિએ આ લોકનો વહેવાર તો કીડીઓ ને પશુ-પક્ષીના જેવો છે.
હૂંડી : એક શાહુકારની બીજા શાહુકાર પર, નાણાં ચૂકવવા માટેનો આદેશ કે ચિઠ્ઠી.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
(189) પરલોકમાં જાવું છે, એવો તો કોઈ મનસૂબો જ કરતા નથી, પણ આંહીં તો નહિ જ રહેવાય ને આ લોકમાં તો જાણે આવ્યા જ નથી, એવું કરી નાખવું ને છેલ્લો જન્મ કરી નાખવો. તે છેલ્લો જન્મ તે શું ? જે, ક્યાંય પણ વાસના રહેવા દેવી નહીં. ને આ લોકની સ્થિતિ બાંધવાનું તાન છે, પણ એ તો નહિ રહે ને ગમે એટલાં કામ કરશું તો પણ સર્વે એક દિવસ મૂકીને સ્વભાવ પણ મૂકવા છે ને સાધુ થાવું છે, તે સારુ કથાવાર્તા, સ્મૃતિ કરવી, ગુણ ઓળખવા એ કરવાનું છે.
વાસના : પૂર્વના સંસ્કારોથી મકકમ થયેલી કામના.
તાન : લગની, આગ્રહ, મસ્તી.
(190) ભગવાનની મૂર્તિ, ભગવાનના સાધુ ને ભગવાનની આજ્ઞા એ ત્રણ વાતમાં જ માલ છે, એવો બીજી કોઈ વાતમાં માલ નથી. ને જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ, તે તો જેમ કોદાળી, પાવડા ને દાતરડાં તેને ઠેકાણે છે. મોટાની તો એમ સમજણ છે, ને અમે તો એક ભગવાન રાખ્યા છે ને બીજું રાખ્યું નથી.
(191) ગુણમાં દોષ રહ્યા છે, તે શું ? જે, પોતે ત્યાગ રાખે ને બીજાનો દોષ આવે ને પોતે ન સૂવે ને જે સૂવે તેનો અવગુણ લે, ઇત્યાદિક બહુ વાતું છે, તે અવશ્ય સમજવાની છે.
(192) સ્વભાવનું બળ સર્વ કરતાં અધિક છે; તે કેમ જે, વિષયના સંકલ્પ થાય એ તો વાસના કહેવાય, પણ ભગવાનની સ્મૃતિ કરતાં જે સંકલ્પ થાય તે સર્વ સ્વભાવ કહેવાય.
(વચ.ગ.પ્ર. 11)
(વચ.ગ.અં. 18)
(વચ.ગ.અં. 20)