(1) અમારે ન બોલવું હોય તો પણ બોલવું પડે છે ને સૂવું હેાય તો પણ જાગવું પડે છે. ઘટે તેટલો વહેવાર કરવો ને પછી મૂકી દેવો. દેખા-દેખ વહેવાર ન કરવો; આ કોઠારી છે તે વહેવારમાં જોડાતાં હશે ત્યારે આવું મન રહેતું હશે નહિ. અને બરવાળાના અવેજની પેઠે થાય; વિષય એવા છે જે, જે એનો સંગ કરે તેને ધક્કો લાગે જ; તે સ્થાન જ એવાં છે. પણ તેમાં આકળા થાવું નહિ. પ્રથમ ત્યાગી થયા હશે ત્યારે કોઈના ગુણદોષ નહિ હોય પણ આહીં આવીને નવા કર્યા છે.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
આકળા : ઉતાવળા.
(2) ગૃહસ્થ હોય તેને છોકરો કુસંગી હોય તો પણ દ્રવ્ય હોય તો તેને દેવાય તે અજરામરને પૂછો. તેમ પોતાનો શિષ્ય ખરેખરો હોય તેને કાંઈ ગુહ્ય હોય તે કહેવાય, તે હેત હોય તો માંહી ગુણ આવે. સમાગમ ઉપર વાત કરી જે, દયાનંદ ભક્તિની મૂર્તિ પણ કહેવું, સાંભળવું એવી ટેવ નહિ ને તેથી તદ્રુપાનંદસ્વામી સરસ પણ તેમનેય એ ટેવ નહિ. અમારે તો પ્રથમથી જ એવી ટેવ જે, વાતું કર્યા વિના રહેવાય નહિ. તે બ્રહ્માનંદસ્વામી વાતું કરે ત્યારે અમે ભક્તિ કરીએ ને વિષયમાં દોષ દેખાડતા કોઈને આવડે નહિ ને પંચાળામાં કૃપાનંદસ્વામીએ કુસંગ ખંડનની વાત કરી તે સૌ દંગ થઈ ગયા. તે બધી વાત શબ્દમાં છે તે ઉપર વાત કરી જે, વખતચંદ શેઠના દીકરા કરસનને એક જ છાપ છે, માટે જેવા શબ્દ તેવો જીવ થઈ જાય છે. વરતાલમાં કોઈએ શબ્દ કહ્યો હોય તો આહીં બેઠાં વેર બંધાય. ‘કેમ કરે તો એમ ન થાય ?’ એ પૂછ્યું ત્યારે તેનો ઉત્તર કર્યો જે, સાંખ્ય હોય તો એમ ન થાય, તે સર્વ ઠેકાણે સાંખ્યે કરીને નિષેધ કર્યાનું કહ્યું છે. એમ તો ‘ભક્તિનિધિ’માં લખ્યું છે. આનંદસ્વામીનો એવો સ્વભાવ જે વેણ ઉપર ઊડી પડે ને અખંડાનંદસ્વામીને કાંઈ ન થાય.
ગુહ્ય : રહસ્ય, મર્મ
મૂર્તિ : સંતો.
નિષેધ : શાસ્ત્રવિહિત મનાઈ.
(3) વેર છે તે પંચવિષયમાં છે. તે નિષ્કુળાનંદસ્વામી કહે, શહેરના વિષય તો જીવતા છે તે ગામડાના વિષય ઓડા જેવા છે. મુક્તાનંદસ્વામીએ શિષ્યને કહ્યું જે, એ તો દેશકાળી ભારે તો કાંઈ આંટીમાં આવે જ નહિ ને આગળથી સૂઝે ને કૃપાનંદસ્વામીને તો ભય જ નહિ.
(4) સત્સંગે કરીને બધી દિશ જણાય તે રાત્રિપ્રલય સુધી સત્સંગ કરવો. વડનું બીજ નાનું હોય તેમાંથી મોટો વડ થાય છે.
‘બ્રહ્મ અગ્નિમાં બાળ્યાં જેણે બીજ તેને ઉગ્યાની આશ ટળી રે.’
જેમ જેને લોકની લાજ હોય તે અધર્મને માર્ગે ચાલે નહિ. તેમ જેને જન્મ-મરણનાં દુ:ખ સમજાણાં હોય તે વિષયને માર્ગે ચાલે નહિ. વિષયનું એવું બળ છે જે ભગવાન બેઠા છે ને મોટા સંત બેઠા છે તેમાંથી ઉથલાવી પાડે. કૃપાનંદસ્વામી, આત્માનંદસ્વામી ને ગોપાળાનંદસ્વામી જેવા મોટા પાસે રહીએ તો સહેજે જીવ વૃદ્ધિને પામે.
રાત્રિપ્રલય : અજ્ઞાનપ્રલય, પ્રકૃતિપુરુષ અને પ્રકૃતિપુરુષનું કાર્ય નજરમાં ન આવે ને ભગવાનના કર્તાહર્તાપણામાં સંપૂર્ણ નિર્દોષબુદ્ધિ એવી શુદ્ધ સમજણની સિદ્ધદશા.
(5) લોભ બોલ્યો જે, જ્યાં સુધી હું છું તો સર્વને ભેળા કરીશ. જેમ એક નાગર હોય તે બીજા નાગરને ભેળા કરે ને એક કાગડો હોય તે શ્રાદ્ધમાં સો કાગડાને ભેળા કરે તેમ લોભ છે તે અધર્મ સર્ગમાત્રને ભેળા કરે છે. તે તમારે ને મારે વહેવાર નથી પડ્યો ત્યાં સુધી તો કાંઈ નથી પણ જો વહેવાર પડે તો ખબર પડે. તે શું જે, રૂપિયામાં એમ જ રહ્યું છે, તે એમ જ થાય. માટે વારંવાર અંતર સામું જોવું ને જેમ ધ્રુ પાંખડી ધ્રુ સામી જાય છે તેમ મન છે તે કામમાં જાય, લોભમાં જાય તેને મરડી મરડીને રાખવું.
(6) પંચાળામાં મહારાજે ત્રણ ગૂઢ સંકલ્પ કર્યા જે, મંદિર કરવાં, શાસ્ત્ર કરવાં, આચાર્ય કરવા. તે કેટલાંક વિઘ્ન આવ્યાં ને પરસ્પર અપવાદ નાખવાં માંડ્યા ને મહારાજ સાથે પણ માણસ લડવા માંડ્યા. એમાં શું કહ્યું જે, પ્રભુ ભજવામાં એવાં વિઘ્ન છે, પણ કેટલાંક અંતરનાં વિઘ્ન છે. તે શું જે, અંતરમાં ભગવાન રાખવા છે ને બીજું પેસી જાય છે.
(7) હરિભક્ત હોય ને હરિભક્તને ઘેર જઈ સીધું માગે તો તેનો સત્સંગ કળાઈ જાય. તે ઉપર ભણનારો હતો તેણે દૂધ ને સાકર પીધાં તે કળી લીધું તેની વાત કરી.
કળાઈ : કોણીથી કાંડા સુધીનો હાથ.
(8) મછિયાવમાં ફઈબા અને વહુ બેયને કજિયો હતો તેને મનાવા મહારાજ ગયા હતા, ત્યાં સભામાં એક સાધુ કીર્તન બોલવા માંડ્યા તે મહારાજને ગમ્યું નહિ, ત્યારે અમે
‘ઓરા આવો નટવર નાનડિયા’
(શ્રીબ્રહ્માનંદ મહાકાવ્ય-પદ 2430-પાન નં.399)
એ કીર્તન ગાયું, તે ઓલ્યાનું બંધ થઈ ગયું. ત્યારે મહારાજ કહે, ‘ઘાવેડી ખરા.’ પછી મહારાજ દાદરે ચડ્યા ને ફૈબાને કહ્યું કે તમે કહો તેમ કરે ને કહે છે કે માફી માગું, પગે લાગું ને અમે તેડી લાવ્યા છીએ ને સીમાડે વેલ રાખી છે. ફૈબા કહે, ‘મહારાજ એ આહીં નહિ, તમે પધારો.’ ત્યારે મહારાજ કહે, ‘અમે નહિ રહીએ.’ તો કહે, ‘ભલે.’ સાધુ રસોઈ કરતા હતા ને કંસાર માટે ગોળનું પાણી ઊનું મૂક્યું હતું. મહારાજ કહે, ‘આહીંનું પાણી પીએ તે હરામ ખાય, અમારી સંગાથે હોય તે ચાલી નીકળો.’ તે સર્વ ચાલી નીકળ્યા.
(9) ક્રિયા કરે તેનો વેગ લાગી જાય છે. તે સ્વપ્નામાં પણ વેગ લાગી જાય છે. તે ગઢાળીના આંબા શેઠે ચોફાળ ફાડ્યો ને ભાલમાં કણબીએ પાણીના ઘડા ઢોળ્યા ને મેવાસાનો બાવો જોશી, ગોંદરે ‘દયા પ્રભુની’ કરે ને તત્ર તાવત્સંજ્ઞા । (પાણીનીય વ્યાકરણસૂત્ર) એ ભણનારાને આફુડું બોલી જવાય છે. તેની પેઠે ભગવાન ભજવાનો વેગ લાગવો જોઈએ. જેમ બ્રાહ્મણ હોય તે સ્વપ્નામાં પણ કોઈનો છાંટો લે નહિ તેમ વેગ લગાડી દેવો ને જીવનું અવળું કમળ છે તે સવળું કરીને ભગવાન ભજવા ને કંચનના મોલને પણ બાળીને આવી વાતું સાંભળવી. તે કહ્યું છે જે, ઈન્દ્રાસન હોય ને ત્યાં કથાવાર્તા ન હોય તો તેનો ત્યાગ કરવો.
ગોંદરે : ગામનું પાદર, જ્યાં ગાયો ઊભી રહે.
(10) ભગવાન ભજવાનો આનંદ તો ખરેખરા મુનિ છે તેને આવે છે. મોરે સત્સંગ થયો હોય ત્યારે કોઈ ઊંઘતું નહિ ને મહારાજને દર્શને જાવું હોય તો ત્રીસ ત્રીસ ગાઉ ચાલે ને દેહને તો ગણતા જ નહિ. તે હવે તો ભગવાન ભજવાનો આગ્રહ કેને છે ? આત્માનંદસ્વામીને શરીરે ખસના ફોલ્લા થયેલા ને મહારાજની ખબર સાંભળી કે તરત ચાલીસ ગાઉ ચાલ્યા અને બ્રહ્માનંદસ્વામી, મુક્તાનંદસ્વામી, નિષ્કુળાનંદસ્વામી ને આત્માનંદસ્વામી એ ચાર ગુરુનો ભાર અમે ઉપાડતા. આત્માનંદસ્વામીને ખસ થયેલ તે ગાડે બેઠા. રસ્તામાં જાતાં કુંકાવાવ આવ્યા તે રસ્તે મેલીકાર આવે એટલે સૌ સાંતીડાવાળા ભાગ્યા, તો કહે શું છે ? ત્યારે કહે જે, મારીને કેડેથી કાપી હળની પેઠે સાંતીમાં પરોવી મૂકી દે છે. એટલે સ્વામી કહે, ‘ એમ હોય તો ગાડાવાળાને કહો કે તું પણ માંડ ભાગવા.’ પછી તેને રજા આપી ને આત્માનંદસ્વામી કહે, ‘મારે આજ મારુ નામ અજમાવવું છે.’ પછી મહારાજને સંભારીને મંડ્યા ચાલવા તે ખસના ફોલ્લા ફટફટ ફૂટી ગયા ને પરુ ચાલ્યું જાય. ગામ પહોંચ્યા ત્યાં સાંજ પડી ગઈ પછી અડાયાં છાણાં લીધાં ને કુંભારને ત્યાંથી હાંડલું લઈ આડ ખડકી, પાણી ઊનું કરી પાચ, પરુ ધોયું.
મોરે : અગાઉ
ગાઉ : અંતરનું એક પરિમાણ, દોઢ માઈલ, અઢી કિલોમીટર.
(11) કૃપાનંદસ્વામી છ મહિના સુધી ઊંઘ્યા નહિ. કૃપાનંદસ્વામી સાથે અમે વાળાકમાં ફર્યા તે અમે વાતો કરીને એવો સત્સંગ કરાવ્યો. તે ઉપર ગઢડાનું મંદિર છે. માટે એવા હોય તે જ્યાં જાય ત્યાં સમાસ જ કરે ને બીજા હોય તે વિમુખ કરી આવે. મહારાજ કહેતા જે, આ ભણનારાને અમે આંહી ઠોઈ રાખ્યા છે પણ જો મોકળા મેલીએ તો ‘લાવ લાવ’ કરે. તે કીડીસખી ને ભજનાનંદ એ અમદાવાદમાં આવ્યા ત્યારે માગ માગ કરતા તે અમને ન ગમ્યું. કૃપાનંદસ્વામીને એક સાધુએ કહ્યું જે આવા માણસ મહારાજની સેવામાં કેમ રહે છે ? પછી તેને લડ્યા જે તારે શું કામ છે ?
ઠોઈ : રોકી.
(12)
અંતર ઘાત અનેક ભરી, મુખ બોલત હે બતિયાં અતિ પ્યારી;
હોય લટુ ચરનુંમેહિ લોટત, ચાહત તાહિકી પીઠ વિડારી.
બાહર નીર રહે છરકંતહિ, હેઠસે દેવત આગ પ્રજારી;
યામેહિ કૂર રતિભર નાહિન, બ્રહ્મમુનિ કહે નેન નિહારી.
(બ્રહ્માનંદ કાવ્ય-દુષ્ટકો અંગ-સવૈયા 2-પાન નં.732)
એ ‘બ્રહ્મવિલાસ’નું દુષ્ટનું અંગ બોલાવી વાત કરી જે, દીપડો હોય તે ઊંટ આવે ત્યારે લળી જાય ને પછી મારી નાખે ને લુહાર છે તે ઝાળને છાંટે, તે શું ઓલવવી છે ? તે તો ઝાળ માંહી રાખીને તા દેવો છે. માટે સમાગમ વિના તો કેટલીક વાતની કસર રહી જાય છે.
કસર : ખોટ, ઉણપ.
(13) જગતમાં કહે છે જે, ‘દાતણ ફાટ્યાં ને પાપ નાઠ્યાં.’ તે જો એવું હોય તો સુતાર તો આખાં ને આખાં લાકડાં ફાડી નાંખે છે તેનાં જ પાપ ટળે નહિ ? જે પ્રથામાં રહેશે તે સારો રહેશે ને જે પ્રથામાં નહિ રહે તે ગમે તેવો મોટો હશે તેનું પણ કાંઈ ઠેકાણું નહિ રહે ને કીડિયારાં ને નગરા તે તો કાઢ્યે જ ઠીક રહેશે. પાન, કેરી ને મનુષ્ય તે તો સંભાળ્યા જ સારાં રહે. નિયમ પાળશે તેટલું સારું રહેવાશે ને જેવો સંગ તેવો રંગ લાગી જાય. તે જેને રૂડો સંગ તેની રૂડી બુદ્ધિ થાય, પછી ત્રણ પ્રકારના કુસંગની વાત કરી.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
(14) બાપુ શિવરામને ગોપાળાનંદસ્વામીએ વેદરસ સંભળાવ્યો. શાસ્ત્રમાં રૂપ કહ્યાં છે તેનાં પણ રૂપ કર્યાં. ત્યારે કહે, ‘ જૂનાં બી પાપ ને નવાં બી પાપ.’ મુક્ત હોય તેના શબ્દ સોંસરા ચાલ્યા જાય, જેમ અર્જુનના બાણ ચાલ્યાં જાય તેમ મોટાના શબ્દ સોંસરા ચાલ્યા જાય જ. માટે ભગવાન ભજવા તે કરોડો વિઘ્ન ઓળંગીને ભજવા છે પણ બળહીન હોય તેથી થાય નહિ.
નાયમાત્મા બલહીનેન લભ્ય: |
(મુન્ડક ઉપનિષદ : 3/2/4)
અર્થ :- બળ વિહોણા દ્વારા આ આત્મા પ્રાપ્ત થઈ શકે તેમ નથી.
માટે બધાને છેતરીને, ઠગીને ભગવાન ભજી લેવા.
વારંવાર માનવ દેહ નથી, પામ્યો તો ચેતે ધેરથી;
જ્યારે જર્જર થાશે અંગ, ને ઇન્દ્રિય મૂકી દેશે સંગ;
ત્યારે અખા જપમાલા ગ્રહે, ફૂટે ઘડે પાણી કેમ રહે?
(અખાના છપ્પા નં.-103-પાન નં.54)
એ બોલાવીને બોલ્યા જે, કરવાનું હોય તે કરી લેવું ને જીવનો એવો સ્વભાવ જે, વાત કરે ત્યારે બરોબર ન કરે ને જ્યારે ખાવાનું મળે ત્યારે ખાઈ લે ને સૂવાનું મળે ત્યારે સૂઈ જાય.
અર્થ : ધન, સંપત્તિ.
(15) હજી ચેતે તો જીવનો મોક્ષ થઈ જાય પણ જીવ એવો બાંધ્યો છે તે વિષયને મૂકતો નથી ને ‘હીરા દીયા હાથમાં સમજાયા સો બાર’ એવા મૂર્ખ છે. તે આવો સત્સંગ ચિંતામણિ છે તેને મૂકી દે છે. તે ગૃહસ્થને બરવાળાનો અવેજ વળતો નથી. માટે કહ્યા વિના તો કોઈને સમજાય નહિ.
ચિંતામણિ : ઇચ્છા પૂરી કરે તેવો દિવ્ય મણિ.
અવેજ : કરજ
(16) જેટલું મંદિરમાંથી ઉથડકપણું છે તેટલાં ઝેરનાં બીજ વાવ્યાં છે. તેમાંથી ઝેરનું ફળ થાશે. રઘુવીરજી મહારાજે ત્રિકમદાસને મહંતાઈ દીધી છે તેમાંથી કેટલાક તો વિમુખ જેવા થયા છે તે સત્સંગમાંથી જાશે.
બપોરે વાત કરી જે,
(17) જીવના સ્વભાવ છે તે જો ધીરે ધીરે મુકાવે તો મુકાય. એક હરિભક્તને સોપારીનું બંધાણ તે માંડ માંડ મૂક્યું. માટે કહેનારા હોય તો જ સ્વભાવ ટળે. જેમ અધ્યારુ હોય તે જ ભણાવે. તે જે સ્વભાવ મુકાવ્યાની રીતને જાણતો હોય તે જ સ્વભાવ મુકાવે, નીકર તો કહેનારા કહે તોય સ્વભાવ ન મુકાય. વાઘજી બ્રાહ્મણના છોકરાની વાત કરી જે, ત્યાગી થાવા આવ્યો હતો પણ ચોરી કરી, તે વાત કહેવાનું કારણ શું જે, આવા કોઈક ઢોંગી હોય તેને ઓળખવા.
સંવત્ 1919ના બીજા શ્રાવણ સુદ સપ્તમીને દિવસે સ્વામીએ વાત કરી જે,
(18) શાસ્ત્રમાં જેવાં વખાણ પ્રહ્લાદજીનાં ને બળિનાં કર્યાં છે તેવાં શિશુપાળ ને દંતવક્રનાં વખાણ નથી કર્યાં. માટે ખરેખર ભક્ત થાવું. એવા જ્ઞાની ભક્ત થાવું. જ્ઞાનીને અનંત લોચન છે તે જ્ઞાની આગળ અજ્ઞાની વાણી વદે તે પશુ જેવો કહેવાય ને જે વાત પર બેઠા ને તે ન બની તે શું જે, કામમાં, લોભમાં, માનમાં કે સ્વાદમાં લેવાઈ ગયા ત્યારે આ કામ બગડી જાય ને દેહ તો નહિ રહે. માટે સારા ભગવદી હોય તે સાથે આત્મબુદ્ધિ કરીને સત્સંગ કરવા શીખવું.
આત્મબુદ્ધિ : પોતાપણાની ભાવના, 'દેહ તે હું નહિ પણ આત્મા છું' એવી બુદ્ધિ.
(19) મહારાજ નામ ગણતા હતા તેમાં નેનપરવાળા દેવજી ભક્તનું નામ આવ્યું ત્યારે મહારાજ કહે, ‘સર્વેને ભૂલાવી દીધા.’ દેવજી ભક્તને આત્મબુદ્ધિ એવી જે આંબાનાં થડ હતા ને કેટલાંક દૂઝાણાં હતા, પણ સર્વે સત્સંગના કામમાં આવ્યું. તે પછી વીસ વરસનો છોકરો મરી ગયો તે સગા કાણે આવે. તે ઘરના મનુષ્યને કહ્યું કે તું તારે માવતરે જા, ને હું મહારાજ પાસે જાઉં. તે છોકરો મૂઓ ને ત્યાર કેડે સાધુ થયા ને ચોપડેલ રોટલો ન જમતાં, માટે એવી આત્મબુદ્ધિ જોઈએ ને આ દેહ છે તે તો કેવળ દુ:ખનું દેનારું છે ને ભગવદીના અવગુણ લેવાડે એવું છે, માટે ખળતા, કુટિલતા મૂકીને આત્મબુદ્ધિ ઘરમાં છે તે બબ્બે આના સત્સંગમાં આત્મબુદ્ધિ કરવી.
તે આત્મબુદ્ધિવાળા તો એક પર્વતભાઈ. તે મહારાજે કહ્યું જે, દાદાખાચરના ગોલા થાશો ? ત્યારે ‘હા’ પાડી ને અલૈયાખાચરને ને ડોશીઓને પૂછ્યું ત્યારે કહે, ‘અમારા ઘરમાં રૂપિયા છે તે ગોલા શા સારુ થઈએ ?’ માટે ભગવાનના વચનમાં સુખ હોય પણ જીવને જણાય નહિ. કેટલાકને કાઢી મૂક્યા છે તે રખડે છે. માટે પ્રભુ ભજવા આવ્યા છીએ પણ બધો વિવેક જોઈએ ને તરગાળા છે તે આઠ મહિના સુધી ઊંઘે નહિ. તે એમ કરીને માથું કૂટીને સ્ત્રી-છોકરાંનું પોષણ કરે છે ને ધોળેરામાં સોપો પડતો નથી. તે શું જે, રાત બધી રૂનાં ગાડાં આવ્યા કરે ને જેમ મગ ને ચોખા ઉફાણે આવે તેમ ત્રિલોકી ઉફાણે આવી છે. આ તો મહારાજ લોંઠાયે કરાવે છે. તે ગળું ઝાલી ઝાલીને જ્ઞાન આપે છે. ગળું ઝાલી ઝાલીને ધર્મમાં રખાવે છે ને કડિયાના ઘરમાં રૂપિયા, તે સત્સંગે કરીને છે ને સમાગમ વિના તો પ્રભુ ભજાય જ નહિ ને જેટલું કેડ બાંધીને કરશું તેટલું જ થાશે. જેમ બાર મહિને પૂર્વજને પાણી પાય છે તેમ જ્ઞાન, વૈરાગ્યની વાતું કોઈ દિવસ થાય ને ઉપાસનાની વાત તો ક્યાંય થાય જ નહિ.
આત્મબુદ્ધિ : પોતાપણાની ભાવના, 'દેહ તે હું નહિ પણ આત્મા છું' એવી બુદ્ધિ.
કાણે : મરણ પાછળની રોકકળ કરવા માટે
કેડે : પાછળ.
તરગાળા : ગાવા-નાચવાનો ધંધો કરનાર બહુરૂપી નટ.
(20) કેટલેક ઠેકાણે ‘હું તે તું, ને તું તે હું’ એવું છે. કોઈક કર્મકાંડમાં મંડ્યા છે. તે સિદ્ધપુરમાં નદીમાં બે જણ પાણી ઉડાડતા ઉડાડતા પૂર આવ્યું તે મરી ગયા ને કેટલાક માતા માતા કરે છે. આટલી આટલી વાતું મહારાજે કરી છે તે આપણા સારુ કરી છે. તે જ્યાં ત્યાં ખાધામાં ને લુગડાંમાં કે મેડીમાં કે સ્ત્રીમાં ગૂંચાઈ રહેશું તો એ વાતું નહિ સમજાય. માટે સહેજે સહેજે થાય તેટલો વહેવાર કરવો પણ હાયવોય કરવું નહિ.
ધન દોલત ને શાયબી એ પાપીનકું બી હોય,
સંતસમાગમ રામ ધન તુલશી દુર્લભ સોય.
(તુલસી સત સઈ-બીજો સર્ગ- દોહા નં. 14-પાન નં.47)
રૂપાળાને પેરવા લૂગડાં નહિ પણ દીનતા લાવવી નહિ, તે કોઈનાં સારાં પદાર્થ દેખીને મનમાં દીનતા આવી જાય છે. માટે આ સત્સંગ મળ્યો ને આ સાધુ મળ્યા છે તેની ખુમારી રાખવી. તે ઉપર
સાંતગાંઠ કોપીન મેં તદપિ રહત નિ:શંક,
મુક્ત ભજનમેં મસ્ત હે ગીનત ઈન્દ્રકું રંક.
(મુક્તાનંદ કાવ્ય-વિવેક ચિંતામણિ-નિરાશિકો અંગ 2-પાન નં.92)
(21) આ જીવને આ લોકનો અભિનિવેશ થઈ ગયો છે ને કર્યું તો એક ભગવાનનું જ થાય છે. તે બહુ વરસાદ થાય કે બહુ ટાઢ વાય તો મરી જવાય. માટે કાળની ગતિ પણ એના હાથમાં છે. તે પ્રભુની માળા કોઈ ફેરવતું નથી ને ‘હેલા માત્ર હરિકું સંભારત.’ ને નિષ્ઠા થઈ તે કલ્યાણ તો થાય પણ સાંખ્ય વિચાર વિના વિષયનાં બંધન છૂટે નહિ ને કહ્યા વિના કે સંત સમાગમ વિના પ્રભુ ક્યાંથી ભજાશે ?
અભિનિવેશ : સત્યથી અલગ પોતાની માન્યતાનો દઢ નિશ્ર્ચય.
નિષ્ઠા : શ્રદ્ધા, આસ્થા, વિશ્ર્વાસ, ધારણા.
(22) કચ્છમાં કુરો કુજારો બોલે ને નાઘેરમાં ઉત્તરને ડુંગરવું ને દક્ષિણને સમદરવું કહે, તેમ સંગે કરીને થાય. જ્યાં કજિયાની વાતું, નટ બજાણિયાની વાતું ને સદેવંત સાવળીંગાની વાતું, ત્યાં ભગવાનની વાતું ન હોય. માટે મોક્ષને માર્ગે ચાલનારા છે તેને એવી આંખો છે. બીજાને એ આંખ ન હોય. મહારાજે ચાર વાનાં લખ્યાં ને તે પ્રવર્તાવ્યાં, તે જેનો પરિચય હોય તે આવડે. જેમ ખેતી, ચાકરી ને વેપારમાં મંડ્યા છે તેમ મંડે ત્યારે જ આ સત્સંગ થાય ને નથી થાતું તેનું કારણ શું જે, તેની વાતું થાતી નથી ને વાતું થાય તો તે થયા વિના રહે નહિ. ક્ષત્રી હોય ને ઘેર જાય ત્યારે બાયડી જેવો થઈ જાય; પછે તે સીંધુડા સાંભળે ત્યારે પાછો કાંટો આવે.
‘ધીર ધુરંધરા શૂર સાચા ખરા, મરણનો ભય તે મનમાં ન આણે.’
(કીર્તન મુક્તાવલી-પ્રભાતિયાં-પદ 1-નં.119-પાન નં.62)
તે એક કાઠી કહે જે, હું પાછો વળું તો જેતપરની કચેરીમાં મોઢું શું દેખાડું ? માટે મરવું સારું ને અર..ર..ર કહેવાય નહિ. એક કાઠીને છોકરે પરાણે છાપ લીધી ને સવચંદ શેઠનો દીકરો કરસનદાસ તેણે ન લીધી ને કેટલાક શક્તિપંથમાં હતા તે બધા ટાળ્યા. મલકમાંથી શક્તિપંથ ટળી ગયો.
વાનાં : વસ્તુઓ. (બ.વ.)
(23) ત્રિકમદાસને ઘીની અમે ના પાડી જે ઈન્દ્રિયુંનું પોષણ કરવું તે તો ખૂંટિયાને તેલ પાયા જેવું છે. તે આપણને જ શીંગડા મારશે. સત્સંગી હોય તે જ સત્સંગ કરાવે, તે ત્યાગી હોય કે ગૃહસ્થ હોય. અશ્લાલીમાં વેણીભાઈ એકલા સત્સંગી હતા પણ વાતો કરીને તેણે બીજાને સત્સંગી કર્યા ને જીભાઈ એકલા હતા તેણે ધાડું પાછું વાળ્યું ને આલશી ઘાંચી હોય ત્યાં ધાડું જાય નહિ. સર્વે સ્વાર્થીયાં છે. તે પટેલવાલા શીંગાળાને પત થઈ હતી તે દરિયામાં પરાણે નાંખ્યો. માટે દૂરથી ડુંગરા રળિયામણા ને પાસે જાય ત્યારે પાણા, તેમ બધું દૂરથી સારું છે પણ હેત દેખાય છે તે સ્વાર્થનું છે; એમાં ફેર નથી ને પરિશીલન કર્યા વિના કોઈ વાત થાય નહિ. તે ખીચડી ચૂલે મૂકીને અહીં બેસો તો થાય નહિ. તેમ સમાગમ કર્યા વિના તો કોઈ વાત થાય નહિ ને સૂર્ય જેવા પ્રકાશને પામ્યા છે તે ભગવાનનાં પરિશીલન કર્યા હશે ત્યારે પામ્યા છે ને એેકાંતિક છે તે તો તેમાં પણ માલ જાણતાં નથી. તે ઉપર ઝીણાભાઈની વાત કરી જે, કાંઈ માગ્યું નહિ ને વર માગ્યો ત્યારે મંદિર કરાવ્યાનો માગ્યો તે અસંખ્યાત જીવનાં કલ્યાણ થાશે.
પત : રક્તપિત્ત.
પરિશીલન : મનનપૂર્વક અભ્યાસ
(24) મહારાજ સોંઘા ત્યારે સોંઘા જ થયા, તે પર્વતભાઈના દીકરા મેઘાએ મહારાજનો અંગૂઠો કરડ્યો, ને આ દેશમાં બહુ રહ્યા ને દહીં-દૂધ જમ્યા ને સેવા કરી. તે સારુ આ દેશના હરિજન સારુ મંદિર કર્યું છે ને વશરામ ભક્તના સંકલ્પમાં બળ કેવું જે જેને સંકલ્પે કીડીયારું બધું વૈકુંઠમાં ગયું.
સોંઘા : સસ્તા, સો સો જન્મના પુરુષાર્થે પણ ન મળે એવા ભગવાન આજ મફતમાં સામે ચાલીને મળ્યા છે.
(25) હજી દેહ પડ્યો નથી એટલામાં જો ચેતી જાય તો જીવનો મોક્ષ થઈ જાય ને મહારાજ કહે, ‘અમને અન્નદાતા જાણશો તો પણ તમારું કલ્યાણ કરશું.’ તે મનુષ્યમાત્ર એટલા સારુ જ દાખડા કરે છે ને મોરે તો કોઈકના ઘરમાં અનાજ નહિ તે હવે આજ મળવા માંડ્યું છે ને ગુજરાતમાં મોર લાકડી જેવાં મનુષ્ય હતાં ને આખું વરતાલ માગીએ ત્યારે બે રોટલાનો, કોદરા ને જવનો લોટ મળતો ને તેલનાં ખાજાં કરે, તે ખાય તે જ મરે. તે અમારે ઝોળીમાં આવતાં ને હવે તો જલેબીના તાવડા ચડે છે. તલતુંબડિયાની પેઠે કરે તો શબ્દ કેમ ન આવડે ? તે શલ્ય બાંધીને તુંબડીમાંથી તલ કોરે મૂકે. તે હરગોવિંદને કહ્યું જે, અમે સ્થૂળ, સ્થૂળ ગોખ્યું તે બપોર સુધી એમ કર્યું ત્યારે આવડ્યું. તે કામ પડ્યે ભૂલ્યા નહિ. માટે વિધાર્થી ક: સુખાર્થી ? (વિદ્યા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીને વિલાસનું સુખ ક્યાંથી હોય?) બ્રાહ્મણ કહેશે ઓલ્યું કામ કર્યું? એમ કથા કરવી હોય ત્યારે, ‘ઓલો જાણે ઓલો બેસે ને ઓલો જાણે ઓલો બેસે.’ એમ આવડનારું નહિ.
મોરે : અગાઉ
(26) જેટલાં ગરીબ માણસ છે તેને હમણાં લાખ લાખ રૂપિયા મળે તો સત્સંગમાં ન આવે ને લાખ મળતા હોય તેને દશ લાખ મળે તો તે પણ ન આવે ને સાધુ જાય ત્યારે કોઈક ખબર કરે ત્યારે કહે જે, સાકરના સીધાં મોકલો ને પૂછે તો કહેજો, ભાઈ તો નવરા નથી. માટે રૂપિયા કે મોટાઈ તેમાંથી કોઈને લેશમાત્ર સુખ નથી; જેમ સરાણિયો ઘસે છે ને જુએ છે તેમ જે જોતા રહે તેને સત્સંગ થાય. ખેતરમાં મોલ વાવે ત્યારે વાડ કરે છે તોય મોટાં ઢોર વાડ ઠેકીને માંહી પડે છે. તેમ નિયમ છે તો પણ ઈન્દ્રિયું વિષયમાં જાતી રહે છે ને કામે કરીને, લોભે કરીને, સ્વાદે કરીને ક્ષોભ થાય છે ને વિષયમાં તણાઈ જાય છે. માટે ભગવાન ભજવા તે બધાને છેતરીને ભજી લેવા.
દશ : દિશા.
(27) ‘ઝવેરચંદની ડોશી છું રે ભાઈ ડોશી છું.’ તે વાત તથા ચાર જણ થઈને સોનાની મૂર્તિ ઉપાડી લઈ ગયા તે વાત કરી. તેમ હજારો કળા કરીને પોતાનો સ્વાર્થ સિદ્ધ કરે છે. બળ પામવાનું મધ્યનું ત્રેસઠનું વચનામૃત વંચાવીને વાત કરી જે, આવી રીતનો વિચાર હૈયામાં ઠરે તો શેમાં માલ જણાય? એવા વિચાર વિના એવા ઘાટ થાય છે જે કેમ વહેવાર ચાલશે ? ને કેમ થાશે ? તે જ્ઞાન નથી. સાધુ થકી ભગવાન ઓળખાણા ને સાધુ ઓળખાણા તે પણ સાધુ થકી ને દ્વાર પણ સાધુ છે, તે દ્વાર વિના પેસવું તે માથું ફૂટે એવું છે. માટે સાધુ વિના તો બીજે માથું ફૂટે એવું છે ને કરોડ કરોડ જન્મ થયાં પાપ જ કર્યું છે પણ આવો આદર કોઈ કાળે કર્યો નથી. આ માર્ગે તો હમણાં પગલાં ભર્યાં છે. મોર (પહેલાં) તો સત્સંગ કરે તેના કજિયા થાતા. સૌથી વધારે માન રાખે ને કજિયા કરે છે તે ક્ષુદ્ર. વિશ્ર્વાસચૈતન્યાનંદે વેણ મારવા માંડ્યાં તે સત્સંગમાં ન રહ્યા ને અખંડાનંદસ્વામી સાંખી રહેતા; માટે મોક્ષનો માર્ગ સાધવો હોય તેને બધી ખબર રાખી જોઈએ ને મૂર્ખને તો કાંઈ ખબર નથી, તે જેનું તેનું અવળું કર્યા કરે.
મૂર્તિ : સંતો.
ઘાટ : માયિક સુખ ભોગવવાનો સંકલ્પ, વિકારનો સંકલ્પ.
પગલાં : મહારાજનાં પગલાંની છાપ.
(28) કજિયા શેમાંથી થાય છે ? તો બે ભંડારી હોય તે એક કહેશે આણી કોર લાકડું નાખીએ ને બીજો કહેશે આણી કોર. માટે સ્થૂળ દેહ તે નિયમે કરીને જિતાય ને સૂક્ષ્મ દેહ તે જ્ઞાને કરીને જિતાય, તે જ્ઞાન કેવું જે, સર્વેનું નાશવંતપણું જાણે ને અવગુણ આવે ત્યારે એક હાર સારુ અવગુણ લે ને મહારાજનો પણ ધોખો કરતા.
ધોખો : માઠું કે ખોટું લાગે તેવું વચન.
(29) શામળો ને જગલો ઘેર ખોરી જાર ખાય તેને મંદિરમાં નવી જારનો બોળો આપ્યો ત્યારે કહે, આવો ને આવો બોળો નિત્યે આપજો. દૂધપાક આપ્યો તો કહે, આવો ને આવો બોળો આપજો; કારણ દૂધપાકની ખબર નહીં.
(30) મધ્યનું 24મું વચનામૃત વંચાવ્યું ને વાત કરી જે, ભટ્ટજી સાંખ્યવાળા તે ક્યાંઈ પ્રીતિ જ ન થાય ને પર્વતભાઈને સાંખ્ય સહિત જોગ તે બીજામાં પ્રીતિ કરવા જાય તોય બીજે પ્રીતિ થાય નહિ ને આ બેઠા છીએ તેમાં વરસ દિ’ (દિવસ) કેડે કોઈ દેહ હોય કે ન હોય. રામદાસજી કારખાનું ચલાવતા જાય ને સાંખ્ય નિષેધ કરતા જાય. આંહીં બેઠા છીએ પણ આને ઉગમણી કોરે તણાય છે ને ભડકવા ભણી નમે છે. તેમ આપણે ભડકવા દીમનું નમતું જાય છે. જગતના જીવ છે તે કૂટી કૂટીને મરી જાશે. સૂર્ય ઊગ્યા વિના તો અંધારું હોય, તેમ સમાગમ કર્યા વિના અજ્ઞાનરૂપી અંધારું કેમ ટળે ?
કેડે : પાછળ.
નિષેધ : શાસ્ત્રવિહિત મનાઈ.
ભડકવા : ઓચિંતુ કરવા
દીમનું : તરફનું, બાજુનું
(31) કામ, ક્રોધાદિક આવે ત્યારે સ્મૃતિ રહેવા દે નહિ ને પંચવિષયમાં રાગ, તે મોહનું રૂપ છે. તે આપણે પોતપોતાના હૈયામાં વિચારી લો. માટે
સમદુ:ખસુખ: સ્વસ્થ: સમલોષ્ટાશ્મકાન્ચન: ।
તુલ્યપ્રિયાપ્રિયો ધીરસ્તુલ્યનિન્દાત્મસંસ્તુતિ: ।।
(ભગવદ્ ગીતા : 14/24)
અર્થ :- જેને મન દુ:ખ અને સુખ સમાન છે, જે સ્વસ્થ છે, જેને મન ઢેફાં તથા સોનું સમાન છે, જેને મન પ્રિય અને અપ્રિય સમાન છે, જે ધીરજવાન છે, અને જેને મન પોતાની સ્તુતિ કે નિંદા સમાન છે તે પુરુષ ગુણાતીત કહેવાય છે.
એમ થાય ત્યારે મોહ ટળ્યો કહેવાય ને મંદવાડમાં કોઈનો ભાર ન આવે ત્યારે ખરી ઉપાસના કહેવાય. ઉપાસના, આજ્ઞા ને વિષયનું તુચ્છપણું એ ત્રણ અવશ્ય જોઈએ, ત્યારે જેઠા ભક્તે પ્રશ્ર્ન પૂછ્યો જે, મંદવાડ આવે ને હરિજન સારા હોય તેને શી રીતે ધીરજ રહે ? ત્યારે ઉત્તર કર્યો જે, એની ભગવાન રક્ષા કરે ને ભગવાન તો અનંત બ્રહ્માંડને ફેરવી નાખે ને આખું બ્રહ્માંડ બોળીને ચકલીને પાણી પાયું એવા છે.
અર્થ : ધન, સંપત્તિ.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
(32) સાંજે વાત કરી જે, ત્યાગીમાં કેટલાક રાગી છે ને રાગીમાં કેટલાક ત્યાગી છે ને સૌ સૌની રુચિ નોખી છે. તે એક રુચિવાળા હજાર ભેળા રહે તો પણ કજિયો ન થાય ને બે રુચિવાળા ચાર ભેળા હોય તો પણ કજિયો થાય ને અકોણાઈ તો મહારાજને ન ગમે. તે અકોણું ઢોર પણ કોઈને ગમતું નથી.
અકોણાઈ : આળવીતરું, અવળચંડાઈ.
(33) એક દિવસ બધાને પૂછ્યું જે, ‘જેને જ્યાં જ્યાં હેત હોય તે કહો.’ ત્યારે ઘનશ્યામદાસ કહે, ‘મારે નાગાજણ સાથે હેત.’ ત્યારે મહારાજ કહે, ‘વસ્તુ કોને આપો છો ?’ પછી બંધાણા ને મહારાજનો એવો સ્વભાવ જે કોઈનું ઘસાતું પોતા પાસે કોઈ બોલે તેને ઉઘાડું કરી દેતા. તે એક દિવસ કહે, ‘નિત્યાનંદસ્વામી કહેતા જે, જીવોખાચર સત્સંગી જ નથી.’ તે જીવોખાચર બેઠા હતા ને કહ્યું.
(34) બુઢા ધાધલની વાત કરી જે, દાદાખાચર સારું ઢોલિયો બિછાવેલ ત્યાં બુઢો ધાધલ આવીને સૂઈ ગયેલ તે વાળંદ પગ દાબવા માંડ્યો. ઝાઝી વાર થઈ ત્યાં બુઢો ખોંખાર્યો ત્યારે વાળંદ બોલ્યો જે, આ તો ઘેંસમાં હાથ પડ્યો, ત્યાં બુઢો ખીજ્યો ને સોટી લઈ મારવા ઊઠયો ને કહે, ‘મને એમ કેમ કહ્યું?’ તે સાંભળી દાદાખાચર આવ્યા ને કહે, વાળંદથી ભૂલથી બોલાણું હશે ને કલેશ શાંત પાડ્યો. સવારે બે સાધુએ બુઢાને કહ્યું કે, એમાં તમને શું કહી નાખ્યું ? ને ભૂલ થઈ તો વાળંદ તો તમારો સેવક કહેવાય. ત્યારે બુઢો કહે, મેં જાણ્યું સાધુ સારા હશે, પણ ખરા સાધુ તો મુક્તાનંદસ્વામી ને બ્રહ્માનંદસ્વામી એ બે મોટા સાધુ. બીજા તમે તો વાળંદ જેવા છો.
આ વાતની સ્વામીને ખબર પડી ત્યારે સ્વામીએ કહ્યું કે, તમે સાધુને વાળંદ જેવા કહ્યા અને સાધુએ તમને શું ખોટું કહ્યું ? ત્યારે બુઢો કહે, ‘મેં જાણ્યું બે મોટા સાધુ સારા હશે પણ તેય એવા છે. આથી તો ઢૂંઢિયાના સાધુ સારા.’ તે વાતની મહારાજને ખબર પડી. મહારાજે બુઢાને કહ્યું કે, મુક્તાનંદસ્વામી તો અમારા ગુરુભાઈ અને અમે પણ તેની મર્યાદા રાખીએ અને તેને તેં વાળંદ જેવા કહ્યા. પછી બુઢો મહારાજ આગળ તો ન બોલ્યો પણ આગળ જઈને બોલ્યો જે મેં જાણ્યું સહજાનંદ ઠીક હશે પણ તેય એવા છે. આ વાતની ખબર દાદાખાચરને પડી તે બે પસાયતાને કહ્યું કે બુઢાને ઉઘાડે પગે ઘુસ્તા મારીને ગઢડાના સીમાડા બહાર મૂકી આવો. પછી પસાયતાએ જઈને તેમ કરી સીમાડા બહાર કાઢ્યો. ત્યાં જીવાખાચરને ખબર પડી તે પાછો લઈ આવ્યા ને તેની ડેલીએ રાખ્યો. પછી મહારાજનાં ને સાધુનાં વાંકાં બોલે.
(35) આપણે અવશ્ય ત્રણ સાધન કરવાનાં છે ને આપણા કલ્યાણનાં છે તે એક ઉપાસના, આજ્ઞા ને સત્સંગી સાથે સુહૃદપણું. તે વચનામૃતમાં કહ્યું છે કે જે થકી પોતાનો સ્વાર્થ હોય તેનો અવગુણ ન આવે (વચ. ગ.અં. 1), તેમ કલ્યાણથી બીજો મોટો સ્વાર્થ કોઈ નથી. આ જુવાની છે તે મહેમાન છે. તે જેમ દેહમાં વહાલપ છે, તેમ ભગવદીમાં જીવ જોડવો ને તેની સાથે વાતું કરવી. કેમ જે, એ દ્વાર છે; માટે સુહૃદપણું રાખવું ને મોક્ષનું દ્વાર સત્સંગી ને સાધુ છે ને કહેવા, સાંભળવા જેવા તે જ છે ને મોટો વહેવાર છે તે કોઈને આકરા થઈને કહેવું જોઈએ. એમ કહ્યા વિના માણસ ઉન્મત્ત થઈ જાય, પણ સમજવું તો એમ જે,
તુલસી જાકે મુખનસેં ભુલે હી નીકસે રામ,
તાકે પગ કી પેનીયાં મેરે તન કી ચામ.
ને કહ્યા વિના તો કેમ ચાલે ? તે આ ધર્મશાળા છે તે વાળ્યા વિના સારી રહે નહિ ને નહાયા વિના તો દેહ બગડી જાય. માટે કહેવું, સાંભળવું તે પણ એવું છે.
(36) એક હૈદરાબાદનો વાણિયો હતો, તે કહે, ‘મારે પરદેશમાં જાવું છે.’ તેને અમે જાવા ન દીધો. આ ક્રિયા છે તો બ્રહ્માંડ રહે ત્યાં સુધી ખૂટે નહિ ને કેટલાકને લૂગડાં પહેર્યામાં દિવસ જાય છે; માટે મોક્ષભાગી હોય તેને તો મોક્ષ જ સુધારવો ને બીજું બધું તો બગડેલ જ છે ને વાંસે કાળ ચાલ્યો આવે છે, તે પણ તેનું ચાલતું નથી તેથી કાળને રીસ ચડી છે ને દેહનું કારખાનું એવું છે જે, ઘડીકમાં માંદુ પડી જાય છે ને જીવ તો ભગવાનને ભૂલી ગયો છે, પણ કાળ ભૂલતો નથી ને તેમાં જીવ ધીરજ પકડીને બેઠો છે. તે મોટું અજ્ઞાન છે. એ વાતનો ખટકો નથી પણ એ વાત સાચી છે ને આ સમે ભગવાન એવા સોંઘા થયા છે તે ગોકળ ભાટિયાની ડોશીને ત્રણ વરસ સુધી દેખાણા તે કેમે જાય નહિ; પછી કુસંગીને વાત કરી ત્યારે તે કહે, ‘ડુંગળી, લસણ ખાવ તો નહિ દેખાય.’ પછી તેમ કર્યું તે ન દેખાણા.
વાંસે : પાછળ.
સોંઘા : સસ્તા, સો સો જન્મના પુરુષાર્થે પણ ન મળે એવા ભગવાન આજ મફતમાં સામે ચાલીને મળ્યા છે.
(37) એક જણ આંબલીના વૃક્ષ નીચે બેસીને તપ કરતો હતો. ત્યાં નારદજી નીકળ્યા ત્યારે કહે, ‘મહારાજ ક્યાં જાવ છો ?’ તો કહે, ‘વૈકુંઠમાં.’ ત્યારે કહે, ‘મારું પૂછજો જે તેને દર્શન ક્યારે દેશો ?’ નારદજી આગળ ચાલ્યા. એક જણ પીપળા તળે બેસીને તપ કરતો હતો તેણે પણ કહ્યું કે, મારું પૂછજો કે તેને દર્શન ક્યારે દેશો ? નારદજીએ પૂછ્યું તો ભગવાને કહ્યું કે, આંબલીવાળાને આંબલીના પાંદડાંના જેટલાં વરસ તપ કરશે ત્યારે દર્શન દઈશ ને પીપળાવાળાને પીપળાના જેટલાં પાંદડાં છે તેટલાં વરસ તપ કરશે ત્યારે દર્શન દઈશ. નારદજીએ આવીને વાત કરી તે આંબલીવાળો તો રાજી થયો ને ઠેકડો મારવા માંડ્યો ને કહે, ‘એટલા વરસે દર્શન તો દેશે ને!’ ત્યાં તો ભગવાને દર્શન દીધાં. નારદજી કહે, તમે કહેતા હતા ને તરત કેમ દર્શન દીધા? તો કહે,
‘હિંમતસે હરિ ઢૂંકડા, કાયરસે હરિ દૂર’
(મુક્તાનંદ કાવ્ય-વિવેક ચિંતામણિ-પુષાર્થકો અંગ-પાન નં.90)
પછી પીપળાવાળા પાસે જઈને કહ્યું કે, પાંદડા છે તેટલાં વરસ તપ કરીશ ત્યારે દર્શન દેશે તે હારી ગયો.
(38) આ લોકમાં અજ્ઞાને કરીને સુખ માન્યું છે ને બ્રહ્માદિકને દુર્લભ એવો સત્સંગ મળ્યો છે, તેને મૂકીને ધૂળ જેવી બાયડી ને છોકરાં તેમાં બંધાઈ રહે છે ને અંત:કરણ રૂપ માયા છે તેણે કેટલાકને ડગાવ્યા છે માટે સાંખ્ય વિચારે કરીને ધૂળ જેવું કરી નાખવું ને શેરડીના છોતા જેવું કરી નાખવું; માટે વહેવાર છે તે રાખવો ખરો પણ જનકની પેઠે રાખવો ને તપ કરવાં, તીર્થવાસ કરવા તે બધાં સાધન કલ્યાણને અર્થે છે.
(39) મનુષ્ય દેહ ચિંતામણિ મળ્યો છે. તે હમણાં જતો રહેશે માટે કથાવાર્તા કરી લેવી ને ગિરનાર કાપવો કાંઈ કઠણ નથી, પણ જીવમાં જે વાસના ભરી છે તેને કાઢવી કઠણ છે. તે જ્ઞાન થાય તો નીકળે માટે નિજાત્માનં બ્રહ્મરૂપં માનવું.
ચિંતામણિ : ઇચ્છા પૂરી કરે તેવો દિવ્ય મણિ.
વાસના : પૂર્વના સંસ્કારોથી મકકમ થયેલી કામના.
(40) જ્ઞાની હોય તે બધુ વિચારે ને એક વેણમાંથી ભારત થયો ને કરોડો ચૂડલા ભાંગ્યા ને ભગવાન ભજવાનું તો કોઈ કહેનાર જ નહિ. તેનું કહેનાર તો ભગવાન પંડે કે સાધુ કે સત્સંગી એ જ છે. ગધેડાની ગાય કરે છે તે વાત વિસ્તારે કરી જે, લીંબલીમાં સગરામ વાઘરી સત્સંગી થયો તે બ્રાહ્મણના જેવો ધર્મ પાળે ને છેડાવ્રત પાળે. તે એક વખત ભાવનગર ગયેલ તે સમામાં વજેસિંહ ઠાકોરને કોઈકે કહ્યું કે, બાપુ સ્વામિનારાયણે તો વાઘરી વૈષ્ણવ કર્યા. ત્યારે કહે, ‘એવું હોય નહિ; વાઘરી તે વૈષ્ણવ થાય ? એ તો કોઈથી બને નહિ.’ ત્યારે કહે, ‘બાપુ આપણા રાજ્યમાં છે.’ ત્યારે કહે, ‘ક્યા ગામમાં ?’ ત્યારે કહે, ‘લીંબલીમાં સગરામ વાઘરી છે તે એવો ધર્મ પાળે છે.’ ત્યારે ઠાકોર સાહેબ કહે, ‘ક્યાં હશે ? એને બોલાવો.’ ત્યારે કોઈકે કહ્યું કે, ‘એ તો આજ આંહીં આવ્યો છે.’ પછી તેને બોલાવી લાવ્યા તે દરબારમાં ગયો. ધોબી જેવાં ધોયેલ ધોળાં લૂગડાં પહેરેલાં તેને ઠાકોરે ઢોલિયા પાસે બેસાર્યો ને કહે, ‘સગરામ ! તું સ્વામિનારાયણીયો થયો છો ?’ ત્યારે કહે, ‘હા બાપુ.’ ત્યારે ઠાકોર કહે, ‘તને વાઘરીને વળી ઈ શું સૂઝ્યું ? તને કાંઈ સ્વામિનારાયણે પરચો દીધો ?’ ત્યારે કહે, ‘હા બાપુ ! પરચા વિના કોઈ માને છે ?’ ત્યારે ઠાકોર કહે: ‘તને શું પરચો દીધો તે કહે.’ ત્યારે સગરામ કહે, ‘બાપુ કહો હમણાંનો કહું ને કહો તો આગળનો કહું.’ ત્યારે કહે, ‘હમણાંનો કહે.’ ત્યારે સગરામ કહે, ‘હું જાતે વાઘરી છું અને તમે અઢારસેં પાદરના ધણી છો. તે તમને સાંભરે છે કે મેં કોઈ દિવસ વાઘરી સાથે વાત કરી ? ને તમારા નોકરના જોડાં પડ્યા હોય ત્યાં અમને ઊભા રહેવા ન દે તે તમે ઢોલિયા પાસે બેસારીને મારી સાથે વાતો કરો તે હું સ્વામિનારાયણીયો થયો ત્યારે ને ? એ જ મોટો પરચો.’ ત્યારે દરબાર કહે, ‘એ તો સાચું. પણ સગરામ, લોકમાં એમ કહે છે કે સ્વામિનારાયણ ગધેડાંની ગાય કરે છે. એ વાત સાચી ? ક્યાંય ગધેડાંની ગાય કરી ?’ ત્યારે સગરામ કહે, ‘સાહેબ ! એક તો મને કર્યો, જે અમે વાઘરી તે ચોરી, છીનાળી, દારૂ, માંસ કરીએ ને ધર્મમાં તો કાંઈ સમજીએ નહિ તે અમે ગધેડા જેવા પણ સ્વામિનારાયણે નિયમ દીધાં તે ચોરી, છીનાળી, દારૂ, માંસ કાંઈ કરીએ નહિ ને પાણી પણ ગાળીને પીએ ને જૂ, માંકડને પણ મારીએ નહિ ને મારે છેડા વર્તમાન છે પર સ્ત્રીને અડવું નહિ ને નાતમાં ખાવું નહિ ને દૂધ ગાળીને ખાવું ને સવારમાં ઊઠીને નાવું ને પાઠપૂજા. તે બ્રાહ્મણના જેવો ધર્મ પાળીએ છીએ તે સ્વામિનારાયણે ગધેડાંની ગાય કરી.’ ત્યારે ઠાકોર કહે, ‘વાઘરી છે, પણ ખરો ભક્ત છે.’
પાળે : સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જાતનો સેવક/પાર્ષદ.
સમામાં : સમયમાં.
કરો : ઘરની દિવાલ.
ગાળીને : ખોદીને.
(41) ગોપાળજીનો દીકરો ફિરંગી થઈ ગયો ને રૂપિયા મળે તો બાયડીને પણ પડતી મૂકે. જીવ છે તે હરીફરીને દેહમાં ને કુટુંબમાં પેસે છે.
ફિરંગી : અંગ્રેજ ગોરાઓ.
(42) સમાધિમાં, પ્રેમમાં બધે ગડબડાટ દીઠો, પણ જ્ઞાનમાં ગડબડાટ દીઠો નહિ. બ્રહ્માનંદસ્વામીને શાલિગ્રામ આપ્યા તે વાત કરી જે, એક કોરે ચંદન ઘસશું ને બીજી કોરે પૂજશું. ત્યારે મહારાજ કહે, ‘દેવને એમ થાય ?’ ત્યારે બ્રહ્માનંદસ્વામી કહે, મહારાજ તમે પ્રગટ ભગવાન મળ્યા ને પથરા પૂજાવો તે શું કરીએ ?
(43) પરમેશ્ર્વર ભજવા હોય તેને જ્ઞાન શીખવું ને નિત્ય વિવેકે કરીને ભગવાનમાં જોડાવું ને કથાવાર્તા કરવી. એમ કરીને આવરદા પૂરી કરવી ને કમાનમાંથી તીર નીસરે છે તેમ વિષયને માર્ગે જીવ ચાલ્યો છે ને સ્વાર્થ નહિ રહે ત્યારે કોઈને હેત નહિ રહે. તે ગોરમાતાની વાત કરી જે, સ્વાર્થ થઈ રહે એટલે કૂવામાં નાખી આવે છે.
જેસે બુઢે બેલકું ખેડૂત ન દેવત ખાન,
મુક્ત કહે યું વૃદ્ધ કો સબહિ કરત અપમાન.
(મુક્તાનંદ કાવ્ય : વિવેક ચિંતામણિ-કાલ ત્રાસકો અંગ-19-પાન નં.63)
અને નથી માલ તેમાં માલ માન્યા છે તે મોટું અજ્ઞાન છે. તે નજરે દેખાય છે. કેટલાકને રોગ થયો છે તેને છેટેથી ખાવા આપે છે ને પગનું ખાસડું કરીને રાખે છે. પણ કથાવાર્તા કોઈ ન કરે ને વહેવારની વાતું થાય, માટે જ્ઞાન શીખવું તે રોગમાત્ર મટશે ને જેસાજીને અંતરજામીપણું આપ્યું પણ પૂરા સત્સંગી નહોતા તે મહારાજે કહ્યું જે, વાડ વાવીને ગધેડાં મૂક્યા જેવું કહેવાય. આટલી સામર્થી પામ્યા પણ જ્ઞાન વિના બહુ કાચપ રહી જાય ને વિદ્યા ભણાવવી તે પાત્ર જોઈને ભણાવવી. પુરુષોત્તમ ભટની વાત કરી જે, તેણે બધાને ભણાવ્યા.
(44) વિદ્યાએ કરીને, ત્યાગે કરીને જગતને જીતી લીધું. તે ઉપર ગોવિંદસ્વામીની વાત કરી જે, મહારાજે ગાંડા કર્યા ને રીંગણાની માળા પહેરાવી માટે ભગવાનની માયાના છળમાં તો સ્વરૂપાનંદસ્વામી, ગોપાળાનંદસ્વામી એવા ન લેવાય ને નિષ્કુળાનંદસ્વામીને પારસો ન વળ્યો તેની વાત કરી જે, નિષ્કુળાનંદસ્વામી પાસે તેમની સ્ત્રીએ છોકરાઓને લૂગડાં પહેરાવીને આગળ મોકલ્યા જે હેત આવશે. ત્યારે નિષ્કુળાનંદસ્વામી કહે, ‘આ ભેંશ નથી જે પારસો વળે. આ તો પાડો છે. માટે જ્ઞાની અધિક છે ને જ્ઞાનીને આત્મા કહ્યો છે.’ તે ઉપર પર્વતભાઈની વાત કરી જે, કથામાં રાત બધી હોંકારા દીધા માટે કહ્યા વિના સત્સંગ ન થાય. બધાની ચાર ચાર પેઢી ભાળી, માટે ખર ખર વયું જાય છે ને હમણાં કોઈક દેશકાળ આવે ત્યારે પ્રભુ ભજવાનું સુખ રહે નહિ.
પાડો : ભેંસનું નર બચ્ચું કે તેનો નર.
(45) કરોડ કામ પડતાં મૂકે તેથી પ્રભુ ભજાય ને બીજાથી ન ભજાય. મહારાજે કહ્યું છે જે, આકળા ન થાવું. માટે મહારાજના વચનમાં વિશ્ર્વાસ લાવીને મંડ્યા રહેવું ને એક ઉપાસના, આજ્ઞા ને આ સાધુ એ ત્રણને ઝાલી રાખવા ને એને ખોળે માથું મૂકી દેવું તેમાં કઠણ નથી. ઉપાસના તો સમજાઈ ગઈ ને આજ્ઞા તો જેમ જેને છે તેમ પાળી જોઈએ. તે વર્ણાશ્રમ ધર્મ સર્વ રાખે છે. તેમ આજ્ઞા પાળવી ને આ સાધુમાં આત્મબુદ્ધિ કરવી. આ મૂળઅક્ષરની આગળ તો બીજા અક્ષરમુક્ત સર્વે ન્યૂન છે ને વળી લોકમાં એમ છે જે, કોઈની મેડીઓ દેખીને કૂબો બાળી નાંખવો નહિ, માટે એમ સમજે તો બળ રહે, નહિ તો હારી જવાય ને ભગવાન તો વરવા તૈયાર થઈ રહ્યા છે, જો જીવ ખબડદાર થઈને મંડે તો. ઉપાસના, ધ્યાન ને આજ્ઞાની સડક બાંધી છે તે જેને ચાલવું હોય તેના સારુ છે.
આકળા : ઉતાવળા.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
પાળી : વારો.
આત્મબુદ્ધિ : પોતાપણાની ભાવના, 'દેહ તે હું નહિ પણ આત્મા છું' એવી બુદ્ધિ.
કૂબો : ઘુમ્મટવાળું ઘાસનું ઝૂંપડું.
સડક : પાકો રસ્તો.
સંવત્ 1919ના બીજા શ્રાવણ સુદિ એકાદશીને દિવસે સ્વામીએ વાત કરી જે,
(46) પાંચ વિષયે કરીને ઈન્દ્રિયુંને તૃપ્તિ થઈ નથી ને અઢારે વર્ણમાં હાય હાય છે ને ઢેઢને પોતાની જાતિ ગમે છે ને જૈનવાળા કહે છે, ‘અમારો મત સાચો છે’ ને વગર મશારે કૂટે છે. તે સત્સંગ વિના કેટલો ફેર પડે છે ? જે નાળ કાપતાં ગળું કાપી નાખ્યું. અંધારું છે તે લાકડી માર્યે ન જાય તે તો સૂર્ય ઊગે ત્યારે જ જાય તેમ જ્ઞાન થાય ત્યારે જ અજ્ઞાન જાય. બસેં ગાડાં ઢૂંસા ભેળા કરીએ કે તલસરાં ભેળાં કરીએ તેમાં શું પાક્યું ? આ કરીએ છીએ તે બધું ઢૂંસા જેવું છે. આ તો સમૈયો છે ને માણસ ઝાઝાં એટલે ન ફાવે પણ એકલા આવીને મહિનો રહી જાય ત્યારે સમાગમનું સુખ આવે.
જા ઘર હરિકથા કીર્તન નહિ, સંત નહિ મજમાના,
તા ઘર જમરા ડેરા દેવે સાંજ પડે મસાણા.
અજ્ઞાન હોય કે કોઈ જાતની મૂંઝવણ હોય ત્યારે એકાંતે પૂછીએ ત્યારે જ ટળે. તે ભટના મશિયાઈભાઈની વાત કરી જે, તેનો દીકરો મરી ગયો તે રોતો રહે નહિ. પછી ભટજીએ સમજાવ્યો જે, બ્રાહ્મણ મરે ત્યારે એક ખડિયો ઓછો ને વાણિયો મરે ત્યારે કલમ ઓછી. માટે તપાસીએ ત્યારે ખબર પડે ને તે વિના તો
અંધેરી નગરી ગબરગંડ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા.
(કવિતા સંગ્રહ-મુરખ રાજા વિષે-પદ 1-પાન નં. 48)
તે નજરકેદમાં સર્વે બેઠા છે. બધાને હેડ ઘડાવીને નાખી છે ને આ બેઠા છે તે તો જેમ કોઈક વિવાહે જાય તેમ છે; ને કેટલાક તંતીમાં બંધાઈ રહ્યા છે તે સળસળાતું નથી.
(47) સર્વેની ઉગમણી કોરે નજર છે ને સર વળી ગઈ છે તે જાણનારા જાણે છે. સત્સંગીનો દીકરો હોય પણ સાધુ મળ્યા વિના સત્સંગી ન થાય, પ્રભુ ભજ્યાની વાત ક્યાંઈ ન થાય ને દેહે કરીને પ્રભુ ન ભજાણા ત્યારે શું કમાણા? માટે તપાસ કરવો જે, બળદિયો હોય તે ખેડ્યામાં કામ ન આવે ને ઘોડું ચડવામાં કામ ન આવે ને દ્રવ્ય વાપરવાના કામમાં ન આવે, શું ફળ થયું ? તેમ દેહે કરીને ભગવાન ન ભજાણા ત્યારે દેહ કાંઈ કામમાં ન આવ્યું. વિમુખને તો સત્સંગ સાથે વેર છે. તે પૂંજા ભક્તને ગામમાંથી કાઢ્યા ને કુંકાવાવમાં રહેવા ન દીધા તે રામોદમાં જઈને રહ્યા ને ઘણાને સત્સંગ કરાવ્યો. પરમેશ્ર્વર ભજવા તે કોઈને ગમે નહિ ને ઈન્દ્રિયુંને પણ ન ગમે ને આ તો સાધુ લોંઠાયે કરાવે છે. મરને સત્સંગમાં જન્મ હોય ને દાદાખાચરને ઘેર જન્મ હોય તોય ઘેટાં વઢાડીને આવરદા પૂરી કરે ને ખાધાનો કે બોલવાનો સત્સંગ તો રહે જ નહિ ને ભિક્ષુકનો સત્સંગ રહેવો પણ કઠણ. તે ઉપર વાત કરી જે, અમરેલીનો લાધો શુક્લ, દેવ કરશન, બેચર ને ભાણજી તેનો કોઈનો સત્સંગ ન રહ્યો. એક જણ કહે, અમે દેવની માળા ફેરવીએ છીએ. ને બારપટોળીમાં કાળા વાવડિયાને ઘેર એક શુક્લ આવ્યો, તે એની સ્ત્રીને કહે, ‘તમારે દશમો ગ્રહ બેઠો છે.’ એવું કહ્યું તે મૂળગો રોટલો ગયો. માટે જોશી થઈને, વૈદ થઈને સત્સંગને ધૂતે છે તે વૈદને તો જમ કહ્યા છે. માટે પ્રભુ ભજવામાં વિઘ્ન તમને ઓળખાવ્યાં ને ગૃહસ્થને લોભે કરીને શિક્ષાપત્રી નહિ પળે ને સાધુને દેહાભિમાને કરીને નહિ પળે; માટે એ પણ વિચારવું. પુસ્તક ને પ્રતિમાઓ તો હતી પણ આ સાધુ ને નિયમ મહારાજ અક્ષરધામમાંથી લાવ્યા છે. પણ સત્સંગ ઉપર એવું વેર છે જે, સત્સંગ કરે ને ત્રીશ ગાઉ ઉપર સગાં હોય તેને વસમું લાગે.
મરને : ભલેને.
મૂળગો : તદ્ ન
ગાઉ : અંતરનું એક પરિમાણ, દોઢ માઈલ, અઢી કિલોમીટર.
(48) વ્યભિચારનું તો કોઈ પાપ જ જાણતું નથી; માટે કોઈને ભારી ન ચડાવવી ને ભારી ચડાવ્યામાંથી વિમુખ થાય છે. હવે તો ઝેર દેશે તેનો પણ વિચાર કરજો ને સત્સંગમાં કુસંગ પેઠો છે, તે સત્સંગને જ ધૂતે છે. માટે આ કુસંગનું ખંડન કર્યું, તે વિઘ્નમાત્ર ઓળખાવ્યાં. પ્રભુ ભજ્યા વિના ધૂળ જ ઘાલી છે ને આપણે જાણીએ છીએ જે, આપણે કમાણા છીએ પણ
‘એક રતિ બીન એક રતિકો’
(કીર્તન મુક્તાવલી-નાશવંત દેહ વિશે-પદ 10-પાન નં.579)
ને જેટલાં માગણાં છે તેને સત્સંગ ક્યાં ગમે છે ? દરબાર ચૌદ વિદ્યાગુણ જાણે પણ ગરાસ ઘરેણે મૂકતા હોય. કૂટી કૂટીને મરી ગયા પણ કાંઈ નીકળ્યું નહિ. ભગોભાઈ, તુલશીભાઈ ને સવચંદભાઈ તેણે હૈયા પછાડ્યામાં ફેર રાખ્યો નહિ, પણ તે હવે ક્યાં સુધી કરશે ? ને સત્સંગમાં હોય તોય પ્રભુ ન ભજાય ને તે તો કોઈ મોટા સાથે જીવ બાંધીએ ત્યારે પ્રભુ ભજાય છે.
આ સાધુ છે તેને જનની કહ્યા છે. તે જીવના અપરાધને ક્ષમા કરે છે ને સાધુના સંગમાંથી જ સર્વે વાત થાય છે ને વરસ સારાં આવ્યાં તે હવે મોટું વર્તમાન કોઈ નહિ રાખે ને મહારાજને તો બ્રહ્મચર્ય રખાવવું ને બ્રહ્મરૂપ કરવા એ સિદ્ધાંત છે. હવે વિદ્યાએ કરીને કોઈ જીતે એમ નથી. તેમ કુસંગી જાણે છે. સ્વામિનારાયણ તો કવાયત કરાવે છે. તે પ્રશ્ર્ન-ઉત્તર, કથાવાર્તા, જ્ઞાન તેણે કરીને પલોટે છે ને અહોરાત્રિ વાતું થાય છે. માટે બધાનું પ્રમાણ થાય છે ને બધી વાતું વચનામૃતમાં છે. પણ આપણે નવરા નહિ તે ક્યારે વાંચીએ ? છોકરો કરનારો હોય કે નાનો ભાઈ કરનાર હોય તો પ્રભુ ભજવા મંડી જાવું ને કોઈને મોક્ષનું સાધન કરતાં ન આવડે. સર્વેને માયાનાં સાધન કરતાં આવડે ને હમણાં કાયા પડી જાશે. આ સાધુનું દર્શન થાય છે તે તો મહાદુર્લભ છે. મીંદડીને ને ઉંદરને સહેજે વેર છે. ભેંસને ને ઊંટને વેર છે તેમ સત્સંગ ઉપર કુસંગીને સહેજે વેર છે.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
(49) લોયાનું સત્તરમું વચનામૃત વંચાવ્યું. તેમાં વરતાલવાળા ધર્મતનયદાસે પ્રશ્ર્ન પૂછ્યો જે, અવગુણ લીધો કેમ કહેવાય ? ત્યારે ઉત્તર કર્યો જે, ભાઈસ્વામીનો રાનેલ બાબત કરશનજીએ અવગુણ લીધો તેને અવગુણ લીધો કહેવાય નહિ. બીજું એક જણને ત્યાગ રાખવો હોય ને એકને ન રાખવો હોય ત્યારે અવગુણ ને કહે જે, ધાનખાયા થઈ ગયા તે અવગુણ. માટે દેહધારી હોય એમાં કાંઈક હોય પણ ખરું ને પછી તેને ઝાઝું કરી દેખાડે તે અવગુણ કહેવાય.
રાનેલ : રાંદેલ, રન્નાદે, સૂર્યની પત્ની
(50) સમાગમ વિના પ્રભુ કેમ ભજાય ? તે કોઈકને પરણવું હોય તો કન્યા જોઈએ. તેમ સત્સંગ કરવો હોય પણ સમાગમ વિના કેમ થાય ? જાળકાતરણી ને જળકૂકડી જેવા હોય, તે બીજાને જડભરત ને શુકજી જેવા કરી મૂકે ને આ ડુંગર સળગ્યો હોય તે મેહ વરસે એટલે ઓેલાઈ જાય ને વીજળી તો મેઘમાં રહે છે તે ન ઓલાય. તેમ મોટાને જાણવા ને હીરો કોઈ પ્રકારે ભાંગે નહિ; પણ માંકડનું લોહી અડે તો ભાંગી જાય. તેમ સત્સંગ કોઈ રીતે ટળે એમ ન હોય તો પણ અવગુણ લે તો ટળી જાય.
દુર્લભજીને પ્રશ્ર્ન પૂછ્યો જે, ઉચાળો ક્યાં છોડશો ? તેનો કાંઈ નિરધાર કર્યો છે ? તેમ આપણે પણ ઉચાળો ક્યાં ઉતારવો તે નિરધાર કરવો, એક સ્વામિનારાયણના ચરણાર્વિંદ વિના સર્વે ઠેકાણે કાળ ફરે છે. માટે એ ચરણાર્વિંદમાં જે પ્રીતિ કરશે એનો ઉચાળો ઠેકાણે પડશે ને કોઈ પગલામાં લોભાશો નહિ. મૂર્તિને પૂજજો ને કળિની આયુષ્ય છે તે અરધી તો વહી ગઈ. માટે હવે તો પ્રભુ જ ભજી લેજો.
‘વંદુ સહજાનંદ રસરૂપ’
(કીર્તન મુક્તાવલી-ધ્યાન ચિન્તામણિ-નં.185-પાન.નં.114)
એ કીર્તન ગવરાવીને કહ્યું જે, આવા ગુણ ગાઈએ છીએ તથાપિ દેશકાળ લાગે ખરો; કેમ જે, કોઈકે પરવશ રાખ્યા કે ઈન્દ્રિયું-અંત:કરણ પણ પરવશ રાખે ને જ્યાં સુધી દેશકાળ લાગે ત્યાં સુધી સત્સંગ કાચો છે, માટે એ દેશકાળ ક્યારે ન લાગે તો જેણે રાત્રિપ્રલય સુધી મોટાનું સેવન કર્યું હોય તેણે કરીને કોઈમાં લેવાય નહિ ને તે વિના તો કોઈ સિદ્ધિવાળો હોય કે કોઈમાં અંતરજામીપણું આવે તોય શું? પણ તેમાં ન લેવાય, માટે બહુ કાળ જેણે ભગવાનની સેવા કરી હોય ને બહુ કાળ મોટાનું સેવન કર્યું હોય તેને દેશકાળ ન લાગે ને ઝાળાં જેમ ભોંયમાં ચોંટ્યા છે ને વાડીમાં અમે ખોદાવ્યાં, તેમ જીવ આ લોકમાં ચોંટી ગયો છે. માટે ત્રણ દેહથી જુદા પડ્યા વિના અક્ષરધામમાં નહિ જ રહેવાય. આ લોકમાં આપણે મંડ્યા છીએ. તે કેવળ કુશ્કા ખાંડીએ છીએ. બકરીનાં ગળાનાં આંચળમાં દૂધ હોય જ નહિ તે નજરે દેખાય છે. તે કેટલાકને ઝેર દઈને મારી નાખે છે એવો આ લોક છે.
રાત્રિપ્રલય : અજ્ઞાનપ્રલય, પ્રકૃતિપુરુષ અને પ્રકૃતિપુરુષનું કાર્ય નજરમાં ન આવે ને ભગવાનના કર્તાહર્તાપણામાં સંપૂર્ણ નિર્દોષબુદ્ધિ એવી શુદ્ધ સમજણની સિદ્ધદશા.
(51) મહારાજનો સિદ્ધાંત જે, જીવના હૈયામાં કચરો રહેવા દેવો નથી. જેને પોતાનું શ્રેય કરી લેવું હોય તેને સાધુ સેવન કરવું તે વારંવાર એ કરવું. તે વહેવાર થોડોઘણો કરવો ને વળી તે કરવું. પૂજવા ટાણે તો સર્વેને સરખા પૂજવા ને સંગ કરવો તે તો ગોપાળાનંદસ્વામી જેવા હોય તેનો કરવો ને ગોપાળાનંદસ્વામીનો મહિમા તો ચૈતન્યાનંદસ્વામી જેવા પાસેથી જણાય પણ ભજનાનંદે ને ભુદરાનંદે રસ્તામાં દહીં માગ્યું હતું એવા પાસેથી મહિમા ન જણાય. માટે ગોપાળાનંદસ્વામી પણ જણાણા ને બીજા પણ જણાણા. માટે હવે એવા મોટા હોય તેના શબ્દ સાંભળવા; તે જેવા પુરુષ તેવા શબ્દ નીકળે. તે ભાદરાના ભરવાડે શબ્દ સાંભળીને સત્સંગ કર્યો તે કાળમાં પણ ન ડગ્યો,
તાજી તીક્ષ્ણ ધાર, અડતામાં અળગું કરે,
લેશ ન રહે સંસાર વચન લાગ્યાં કોઈ વીરનાં.
તે કેને લાગ્યાં જે, બ્રહ્માનંદસ્વામીને વેણ લાગ્યાં તે ઘરેણાં, લૂગડાં, જરીનાં સર્વે કાઢી નાખ્યું તે બાઈઓનો એવો તીખો વૈરાગ્ય તેને વેણે કરીને સર્વે ત્યાગ કરી દીધું. બ્રહ્માનંદસ્વામીને ડોશીઓએ આવરદા આપી તેની વાત કરી. માટે જેવાં શબ્દ સાંભળે તેવો જીવ થાય તે બ્રહ્માનંદસ્વામીને વેણ લાગ્યાં, ત્યારે
‘આજની ઘડી રે ધન્ય આજની ઘડી.’
(કીર્તન મુક્તાવલી-પ્રાપ્તિ ને મહિમાનાં પદો-પદ 2-નં.642-પાન નં.343)
એ પ્રભાતી બોલ્યા. વેણ પણ કોઈક સમે ચટક આવ્યો હોય ત્યારે લાગી જાય ને લાગે ત્યારે થોડાકમાં લાગે, નીકર ઝાઝે દિવસેય ન લાગે.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
(52) પુરુષપ્રયત્ન કરે તેનું ફળ આ દેહે જ થાય, નહિ તો બીજે દેહે તો જરૂર થાય. માટે જેમ કોઈ રાતમાં ઊઠી ઊઠીને ભણવા માંડે છે ને કોઈક રાતમાં ઊઠી ઊઠીને રોવા માંડે છે, તેમ રાતમાં ઊઠી ઊઠીને ભગવાનને સંભારવા. ત્યારે ધર્મતનયદાસજીએ પ્રશ્ર્ન પૂછ્યો જે, મૂર્તિ દેખાય તેને પાધરી જ મૂર્તિ દેખાય કે નહિ ? ત્યારે ઉત્તર કર્યો જે, પ્રથમ તો એને સ્મૃતિ રહેવા માંડે ને ત્યાર કેડે જેમાં વધુ હેત હોય ને વહાલું હોય તે વરવા જોગ થાય છે. પછી તેને ભગવાન વરે છે ને તે ભક્તની સેવામાં રહે છે. પછી વાત કરી જે, ગૃહસ્થને રળીને ખાવું ને જેને જીવને શુદ્ધ કરવો હોય તેણે સાધુનો સમાગમ કરવો. રામદાસજીનું અંગ કથાવાર્તાનું નહિ, તેને કીર્તન, ધ્યાન ને હેત એ અંગ ને જ્ઞાન છોતેરાથી થાવા માંડ્યું. તે મોર (પહેલાં) લાધો ઠક્કર ને ભાઈસ્વામી કટકા લખતા. ત્યાર કેડે મહારાજની મરજી જોઈને લખવા માંડ્યું, તેમાં માહાત્મ્ય બહુ હતું તે કાઢી નાખ્યું. તે માહાત્મ્ય તો એવું જે, માણસ ગાંડા થઈ જાય. માટે પછી ભળતું લખ્યું. હવે મહારાજની રુચિ હોય તેવી રુચિ આપણે શીખવી. તે ઉપર રુચિનું વચનામૃત વંચાવ્યું ને વિષયનો ત્યાગ આ દેહે કરીને કરવો ને દેહ મૂકીને પણ વિષયનો જ ત્યાગ કરવો ને ત્યાગ કર્યે જ છૂટકો છે.
મૂર્તિ : સંતો.
કેડે : પાછળ.
રળીને : ધન કમાવાની મહેનત કરીને
માહાત્મ્ય : મહિમા, મહત્વ.
(53) રુચિ પ્રથમ જો સારી સારી બાંધી હોય તો અંતે સારું થાય ને સંગ સારો હોય તો મનને, દેહને, ઈન્દ્રિયુંને ઘસારો લાગે એવા ભેળા રહેવું, તે એક તો ગોપાળાનંદસ્વામી, મુક્તાનંદસ્વામી ભેળા રહે ને એક તો ભજનાનંદ ને હરિહર્યાનંદ ભેળો રહે તેમાં કયો વૃદ્ધિ પામે ? એમ મોકળું મૂકીએ છીએ ત્યાં સુધી ઠીક, પણ જો ઝાલવા માંડીએ તો ઠીક ન પડે ને એવો તો ગોપાળાનંદસ્વામીનો સ્વભાવ હતો ને વચનામૃતમાં કહ્યું જે, બધાની બરોબર વરતવું (વચ. લોયા 6). રોટલા પડી ગયા તે વાત કરી, જે ભણનારા નાના નાના સાધુઓ નાહી આવ્યા પછી થોડોક દિવસ હશે તે વખતે ભંડારે ટાઢા રોટલા જમતા હતા ત્યાં મુક્તાનંદસ્વામી કાંઈક કામે ગયા. સ્વામીને દેખી તે સાધુના હાથમાંથી રોટલા પડી ગયા. તેથી સ્વામીને તો એમ થયું, ‘સાધુને તો જનની કહ્યા છે ને મને ભાળીને હાથમાંથી રોટલા પડી ગયા ? મને કેવો દેખ્યો હશે ?’ પછી મુક્તાનંદસ્વામીએ ‘ભૂખ લાગી છે, થોડો રોટલો અમને પણ આપો.’ એમ કહ્યું, તે વાત મહારાજ પાસે ગઈ; પછી મહારાજ બહુ રાજી થયા. અમારો સ્વભાવ પ્રથમ એવો જે મારું વચન કોઈ ન માને ત્યારે તેને હું કહું નહિ ને હવે તો હાથ જોડીને કહીએ છીએ જે, ભલો થઈને કરીશ ? નિષ્કુળાનંદસ્વામી, કૃપાનંદસ્વામી એ ભેળા કોઈ રહે જ નહિ, તે તો ઉજ્જડ ગામનો એરંડો એવો રહે ને જ્યારે ઝાઝા મનુષ્યનો નભાવ કરાવવો હોય ત્યારે કોઈનું વૈદું કરીએ, કોઈનાં બીજાં દુ:ખ હોય તે ટાળીએ એમ કરીને સૌ સાથે બનાડીએ છીએ. પણ જેવી મારી પ્રકૃતિ છે તેવી રીતે વર્તાવું તો કોઈ રહી શકે નહિ.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
સંવત્ 1919ના બીજા શ્રાવણ સુદિ દ્વાદશીને દિવસે સ્વામીએ વાત કરી જે,
(54) કર્મવાળાઓ કહે છે જે અપુત્રસ્ય ગતિર્નાસ્તિ (પુત્રહીનની સદ્ગતિ થતી નથી) ત્યારે અગિયાર હજાર મુંડાણા તેની ગતિ નહિ થઈ હોય? ને જેમ અહીં વિષય છે તેમ જ દેવલોકમાં પણ છે, પરણે છે ત્યારે રવાયો ને ધૂસણું મૂકે છે ને નાગર તો ઘરના પોઠિયા છે તેમ બધા પોઠિયા છે.
રવાયો : છાશ વલોવવાનો રવૈયો
ધૂસણું : બળદની ધૂંસરી
(55) મચ્છીમારનું પાપ કહ્યું જે, હાથીનો દેહ ધરે પછી દેહમાં જીવડાં પડે ત્યારે તેનું પાપ ધોવાય. માટે
હંસે ગુરૌ મયિ ભક્ત્યાનુવૃત્યા વિતૃષ્ણાયા દ્વન્દ્વતિતિક્ષયા ચ ।
સર્વત્ર જંતોર્વ્યસનાવગત્યા જિજ્ઞાસયા તપસેહાનિવૃત્યા ।।
(શ્રીમદ્ ભાગવત : 5/5/10)
અર્થ :- ઋષભદેવ ભગવાન પુત્રોને કહે છે, હે પુત્રો ! હંસ સમાન વિવેકવાળા ગુરુ વિશે તથા પરમાત્મા વિશે તેમની અનુવૃત્તિ પાળવારૂપ ભક્તિ વડે, તૃષ્ણાનો ત્યાગ કરી, સુખ-દુ:ખાદિ દ્વન્દ્વોને સહન કરવાથી, ‘આ લોક-સ્વર્ગલોક બધે જ જીવને દુ:ખ છે.’ એવું જાણવાથી તત્ત્વની જિજ્ઞાસાથી, તપથી, કામ્યકર્મ ત્યજવાથી, સર્વ બંધનના કારણરૂપ અહંકારથી મુક્ત થઈ પરમપદને પામવું.
આવી રીતે જીવનાં દુ:ખ જુએ ત્યારે પરમેશ્ર્વર ભજાય ને કેટલાકને ક્ષયનો, ભગંદરનો એવો રોગ થાય છે, માટે કોઈમાં માલ નથી. એક ભગવાન ભજવામાં માલ છે. સાધુ સમાગમમાં જેવો માલ છે તેવો બીજામાં નથી. સાધુ વિના પદાર્થમાં, સ્થાનમાં ને દેહમાં કોઈ દોષ ન દેખાડે. માટે સર્વ વાત તે સાધુ જ જાણે ને વિષયને સંબંધે સારું રહેવાય જ નહિ. છેલ્લા પ્રકરણનું ત્રીસનું વચનામૃત વંચાવ્યું.
અર્થ : ધન, સંપત્તિ.
અનુવૃત્તિ : મરજી.
(56) કથાવાર્તાનો બંધાણી થાશે તે ભગવાનમાં જોડાશે ને એ કરવું તે ભગવાનમાં જોડાવાનો ઉપાય છે. માટે તે કર્યા કરવું ને જે વાત ઉપર મંડીએ તે થાય. તે વહેવાર પણ ભેઠ બાંધ્યા વિના થાતો નથી; તો આ કામ ભેઠ બાંધ્યા વિના ક્યાંથી થાય ? મોરે એવું પ્રકરણ હતું જે એક ઊંઘ આવી જાય ત્યાર પછી પાછું સુવાય નહિ ને કૃપાનંદસ્વામીએ લાંબુ આસન કર્યું નહિ ને ભગવાન ને મોટા સાધુ તે કમળથી પણ કોમળ છે ને વજ્ર થકી કઠણ છે એવો એનો સ્વભાવ છે. કથાવાર્તાનો અભ્યાસ રાખવો ને હૈયામાં દુર્બળપણું જણાય તો પરથારો વાંચવો ને એકાંત સ્થાનક વિના ભગવાન ભજાય નહિ ને કથાવાર્તા થાય નહિ ને ડોશીઓ વઢતી હોય, પાડા ગાંગરતા હોય, છોકરાં રોતાં હોય તો માનસી પૂજા થાય નહિ; માટે બે પ્રકારની શુદ્ધિ છે જે, એક તો આત્મારૂપ થઈને ભગવાનને ભજવા ને બીજું બારલી સ્થાનની શુદ્ધિ છે. તે સ્થાનની શુદ્ધિ વિના ભગવાન ભજવાનું સુખ આવે નહિ. તે ઉપર માણાવદર, વંથળી ને જાળિયું એ ઠેકાણે સુવાય નહિ; કેમ જે, બપોરે પણ હરિજન બેઠા જ હોય.
મોરે : અગાઉ
(57) જેને સ્વભાવ ટાળવો હોય તેનો સ્વભાવ ટળે. તે જેમ ફિરંગી નસ્તર મારે છે તે રગ જોઈને મારે છે, તેમ જે જાતનો સ્વભાવ હોય ને તેના કહેનારા ખરેખરા હોય તો સ્વભાવ ટળે. પણ ટાળવું હોય માન ને ઉપવાસ કરવા માંડે ત્યારે માન ટળે નહિ ને જેને મોટાનાં વેણ ખરેખરાં લાગે ત્યારે ઈન્દ્રિયું, મન સર્વે શિથિલ થઈ જાય ને મોટા હોય તે દુ:ખવીને કહે ત્યારે સ્વભાવ ટળે ને કઠણ વચન કહે છે પણ તેનું તાન શું છે એમ જોવું.
કોઈ વીંધાવે કાનને રે કરીને કળ છળ;
પણ સમજો તેના તાનને રે, પહેરાવશે કુંડળ.
(કીર્તન મુક્તાવલી-ચોસઠ પદી-સંતનાં લક્ષણ-પદ 24-નં.1055-પાન નં.549)
એ બોલ્યા.
ફિરંગી : અંગ્રેજ ગોરાઓ.
નસ્તર : વાઢકાપ.
તાન : લગની, આગ્રહ, મસ્તી.
(58) પરિચય હોય તેની ખબર પડે પણ જેનો પરિચય ન હોય તેની શી ખબર પડે ? બુદ્ધિવાન હોય તે દેશકાળે જણાય તે ઉપર બુદ્ધિ વેચાતી લીધી તે વાત કરી. જેના આગવા (આગેવાન) આંધળા તેનું કટક કૂવામાં પડે:
તુલસી સો નર ચતુર હે રામચરન લેલીન,
પર ધન પર મન હરનકું વેશ્યા બો’ત પ્રવીન !
(તુલસી સતસઈ-દોહા 47-પાન નં.24)
અર્થ : ભગવાન રામચંદ્રના ચરણમાં એકાગ્ર થઈ જવું તે જ ખરી ચતુરાઈ છે. બાકી પારકાનું ધન હરી લેવામાં અને પારકાના મનને જીતી લેવામાં તો વેશ્યા પણ બહુ કુશળ હોય છે.
માટે ધન કમાવામાં અને બીજાના ચિત્તનું આકર્ષણ કરવામાં કશી જ ચતુરાઈ નથી, પણ સાચી ચતુરાઈ પ્રભુભક્તિમાં તલ્લીન થવામાં જ છે. ને પ્રભુ ભજતા આવડે તે તો સમાગમે કરીને જ આવડે. ગોપાળાનંદસ્વામીએ શ્ર્લોક શીખવ્યો જે,
પ્રવૃત્તિં ચ નિવૃત્તિં ચ કાર્યાકાર્યે ભયાભયે ।
બન્ધં મોક્ષં ચ યા વેત્તિ બુદ્ધિઃ સા પાર્થ સાત્ત્વિકી ॥
(શ્રીમદ્ ભગવદ્ગીતા : 18/30)
અર્થ :- હે પૃથાપુત્ર અર્જુન ! જે બુદ્ધિ પ્રવૃત્તિ અને નિવૃત્તિને, કર્તવ્યને અને અકર્તવ્યને, ભયને અને અભયને તથા બંધન અને મોક્ષને જાણે છે એ સાત્ત્વિકી બુદ્ધિ છે.
ત્યારે મેં વિચાર્યું જે, એમાં આપણને ખબર નહિ પડે. આપણે તો શિક્ષાપત્રીમાં કહ્યું છે તેમ કરશું. જેવા પુરુષ હોય તેવો રંગ જીવને લાગે ને આ ધર્મશાળામાં આરબ ઊતર્યા હોય તો આવી વાતું ન થાય ને જેને બુદ્ધિ હોય તેને રૂપિયા હોય તો રૂપિયા વતે પ્રભુ ભજી લેવા ને ભાઈ હોય તો તે વતે ને દેહ તો આપણો જ છે તે વતે પ્રભુ ભજી લેવા.
કટક : સૈન્ય હુમલો.
અર્થ : ધન, સંપત્તિ.
(59) જોગેશ્ર્વરદાસજી આગળ વાત કરી જે, મહારાજનો સ્વભાવ એવો હતો જે કોઈ માંદુ હોય તો તેને પોતે જોવા જાય ને તે શૂરવીરપણામાંથી જવાબ દે તો મહારાજને હેત થાય ને કરગરે ને રોતો રોતો જવાબ દે તો ન ગમતું. માટે સ્તુતિ કરવી તે પણ શૂરવીરપણામાંથી કરવી પણ કાયરપણે ન કરવી ને જીવ તો શૂરવીર તે બકરા હોય તે પણ વઢે છે ત્યારે શૂરવીર થાય છે ને મનુષ્ય પરસ્પર લડે છે ત્યારે શૂરવીર થાય છે. ત્યારે ભગવાનની સ્તુતિ કરતાં શૂરવીર કેમ ન થાવું ?
(60) કુસંગીનો સંગ ન કરવો તે મહારાજે વિષય ખંડનના વચનામૃતમાં (વચ. ગ. પ્ર. 18) કહ્યું છે જે, પાપીનું દર્શન પણ ન કરવું. આમાં કોઈક બીજાના અંતરની જાણે એવા હશે પણ તેને કોઈનું અંતર જોવું નહિ. કોઈ મલિન માણસના મોઢા સામું જોવું નહિ; કેમ જે, જુએે તો અંતર ડહોળાઈ જાય છે.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
(61) કથા, કીર્તન ને વાતું કરીને વળી ઘડીક ભક્તિ કરવી ને વળી તેનું તે પાછું કરવું. એમ કરીને આવરદા પૂરી કરી નાખવી. તે શું કરશું તો થાશે? ને બે લાખ રૂપિયા વધ્યા તોય શું ને ન વધ્યા તોય શું ?
રીઝે ખીઝે ઓર સેં સરે ન બીગરે કામ,
તુલસી મેરે ચાઈએ રાજી સીતારામ.
કોઈનું કર્યું થાતું નથી ને શાંતપણે જે જે કરવું તે કરવું. તે અભેસિંહજી શાંતપણે કરે છે તે કાંઈ ઝાઝું નથી બોલતાં, તેનુંયે ચાલ્યું જાય છે ને બીજાનું પણ ચાલ્યું જાય છે. માટે કર્યું તો એક ભગવાનનું જ થાય છે.
(62) રસનાનું બળ વધે તેમાંથી શિશ્ર્નનું બળ વધે. માટે ઠેકાણે ઠેકાણે મહારાજે રસના ઈન્દ્રિય જીત્યાનું લખ્યું છે, તેમાં શું કહ્યું છે જે, ખાવા-પીવાનું નિયમ રાખવું, નીકર ઠેકાણું રહે નહિ, ત્યારે પ્રશ્ર્ન પૂછ્યો જે, રસના કેમ જીતવી ? ત્યારે ઉત્તર કર્યો જે, ત્યાગી હોય તેને મેળવવામાં જુક્તિ ન કરવી ને કેટલાક કૂબા કરે છે તે પાણી રહી જાય તે શું જે, લાડુ માથે રોટલી ઢાંકે ને પૂરું ચોળે નહિ. એટલે પાણી પડખે પડ્યું રહે.
પડખે : પાસે.
(63) સાધુ છે તે બધી વાતું શીખવે છે. સાધુ વિના કોણ શીખવે ? સુરતનો વાણિયો તેરે ગયો હતો તેની વાત કરી. તે મહારાજે કળ શીખવી. ભગવાનના ભક્તમાં જીવ બંધાણા વિના જીવ સારો થાય જ નહિ ને સાધુ છે તે ભગવાનના સ્વરૂપને ઓળખાવે છે. મહારાજ પણ મુક્તાનંદસ્વામી પાસે મોકલતા. પછી છેલ્લાનું 29મું વચનામૃત વંચાવીને વાત કરી જે, અમને તો એમ જણાય છે જે, જેને અનેક જન્મનાં પુણ્ય ઉદય થયાં હશે તેને સારા સાધુનો જોગ મળ્યો હશે ને જેટલો વિષયનો જોગ છે તેટલું બંધન થયા વિના રહે નહિ ને સત્સંગી હોય તે સત્સંગી કરે.
(64) જેને આમાં નહિ પરવડે તે જાશે ને પરવડશે તે રહેશે ને સત્સંગ આમ ને આમ રહેશે ને વર્તમાન નહિ પાળે તેને કોઈએ રખાય જ નહિ ને મોક્ષના ખપ વિનાનાને પદાર્થ દઈને ક્યાં સુધી સત્સંગમાં રાખશું ? આ તો બ્રહ્મસભા છે તેમાં સ્વભાવ, પ્રકૃતિવાળાથી રહેવાય નહિ. જેમ વાંદરું વૈકુંઠમાં રહે નહિ તેમ. જેમ પગી છે તે પગને કળે છે તેમ સાધુ છે તે જીવને કળે છે તે ઉપર સુંદર પગીની વાત કરી જે, તે ચોરનો પગ ઓળખતા ને જેને કોરીનું પારખું આવડે તે કોરી પારખે. તેમ સાધુ છે તે જીવને પારખે છે. જેનો સંગ ખરેખરો હોય તે અંતે ભેળા થયા વિના રહે જ નહિ. તે ઉપર ઊનાની વાત કરી જે, સંગ તો ત્રણ જણને ખરો ને બાકી તો ભેળા રહે એટલું જ.
ગોપાળાનંદસ્વામી પાસે અમે સાધુ માંગ્યા ત્યારે કહે, મારા તો બે જ છે તે તમે લઈ જાઓ. વિજ્યાત્માનંદસ્વામી ને બાળમુકુંદાનંદસ્વામી એ બે જ. બાકી તો વડોદરે જાય ત્યારે સાઠ, સિત્તેર સાધુની મંડળી ભેળી આવે તેમ ભેળા રહે એ સંગ નહિ. સંગ તો મને, વચને, દેહે કરીને સંગ તે જ સંગ કહેવાય. કૃપાનંદસ્વામી ભેળા બધા રહેતા તેમાં એક જણમાં ગુણ આવ્યો જ નહિ, તેનું નામ પ્રતોષાનંદસ્વામી. પ્રભુ ભજી લેવા ને સંકલ્પ સામું ન જોવું ને તેમનો અનાદર કરવો ને ભગવાન ભજવા મંડી જાવું.
પાળે : સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જાતનો સેવક/પાર્ષદ.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
સંવત 1919 ના બીજા શ્રાવણ સુદિ પૂનમને દિવસે સ્વામીએ વાત કરી જે,
(65)
ચતુર્વિધા ભજન્તે માં જનાઃ સુકૃતિનોઽર્જુન ।
આર્તો જિજ્ઞાસુરર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ ॥
તેષાં જ્ઞાની નિત્યયુક્ત એકભક્તિર્વિશિષ્યતે ।
પ્રિયો હિ જ્ઞાનિનોઽત્યર્થમહં સ ચ મમ પ્રિયઃ ॥
(શ્રીમદ્ ભગવદ્ગીતા : 7/16-17)
અર્થ :- હે ભરતકુળમાં જન્મેલા શ્રેષ્ઠ અર્જુન ! (ચાર પ્રકારના ભક્તો છે)- આર્ત, જાણવાની ઈચ્છાવાળા, પ્રયોજનની પૂર્તિ કરવાવાળા અને જ્ઞાની, એ બધામાં જ્ઞાની ભક્ત હંમેશા મારી સાથે જોડાયેલો હોય છે અને દૃઢ ભક્તિવાળો એ બધાથી વિશેષ પ્રકારનો હોય છે.
કેટલાક આર્ત છે, કેટલાક જિજ્ઞાસુ છે ને કેટલાક અર્થાર્થી છે. પણ જ્ઞાની ભક્ત કોઈ નથી. જ્ઞાન તો આજ મહારાજે પ્રવર્તાવ્યું ને ઈષ્ટ અભિષ્ટની વાત કરી. તે જ્ઞાન વિના બીજાને ઈષ્ટ નોખું છે ને અભિષ્ટ પણ નોખું છે ને આપણે તો ઈષ્ટ પણ એ ને અભિષ્ટ પણ એ ને બાયડી હોય તે છોકરાં સારુ પીપળાને આંટા ફરે ને છોકરો થાય ત્યારે પીપળો કાપી નાખે ને કેટલાક સત્સંગી કહેવાય પણ ગયાજી શ્રાદ્ધ કરી આવ્યા છે. વાડાની વાત કરી જે, મુમુક્ષુ તેમાં રહે નહિ, એ તો સિંહની પેઠે રહે. સત્સંગ કર્યો છે ને વળી કરવો. જેમ દળ્યા ને દળવું. પોતાનું મન પણ ન ડોલાવે ત્યારે ખરેખરો સત્સંગ થાય. જેમ જાતિનું પેઠું છે, તેમ સત્સંગ હૈયામાં પેસે ને પરવત ડોલે તો સત્સંગ ડોલે એવું થાય ત્યારે ખરેખરો કહેવાય. સાધુ ફરવા જાય તે પહેલે દહાડે કહે જે, થાક્યા છઇએ ને બીજે દિવસે વધુ જમાણું છે, તે ત્રીજે દિવસે ચાલી નીકળે એમ કર્યે સત્સંગ કેમ થાય ? એક જણ પરણવા ગયો તે રાવળને ઊતરી કાઢીને દેવા તૈયાર થયો. માટે જેમ ઘટે તેમ વહેવાર કરવો પણ કોઈ વાતમાં ચડી જાવું નહિ. ઈગોરાળાના કુરજી પટેલ કહે, ‘અમને નાતે છેતર્યા, બીજે કોઈએ ન છેતર્યા.’
(66) વીરા શેલડીયાની વાત કરી જે, ઘરમાં રૂપિયા ખરા પણ તેણે દેહ મૂક્યો પછી લખમણને ગામ બારો (ગામ બહાર) સીમમાં તેડી જઈને સમજાવ્યો જે રૂપિયા દઈશ નહિ અને અમે કહ્યું જે પોર રૂપિયા કરી દેશું. તે વાઢ વવરાવ્યા તે રૂપિયા જ રૂપિયા થઈ પડ્યા ને થાણાગાલોળના જસા રાજગરને વણ વવરાવ્યાની વાત કરી. એટલી વાત વહેવાર ઉપર કરી. ગોપાળાનંદસ્વામીએ હરજી ઠક્કર પાસે લોકને છેતર્યાની વાત કરાવી તે પ્રથમ જઈને કહે જે, અમારે તમારી બળતરા છે અને ચિંતા પણ છે. પછી એમ કહીને લૂંગડા આપીએ, દાણા આપીએ, રૂપિયા વ્યાજે આપીએ ને ખળું બધું ઉસેડી લઈએ, એમ ધૂતવાની રીત છે. એમ ધીરે ધીરે સત્સંગ કરીને મોહનાં મૂળ ઉખાડી નાખીએ. દેશકાળ રૂડા છે, દેહ સાજું છે, કહેનારાનું દેહ સાજું છે. માટે હમણાં સર્વ પ્રકારે સાનુકૂળ છે, તેમાં આ સત્સંગ કરી લેવો. ભગવાનને સત્સંગ ઉપર નજર છે ને આ પદાર્થ તો બધાં,
માત્રાસ્પર્શાસ્તુ કૌન્તેય શીતોષ્ણસુખદુઃખદાઃ ।
આગમાપાયિનોઽનિત્યાસ્તાંસ્તિતિક્ષસ્વ ભારત ॥
(ભગવદ્ ગીતા : 2/14)
અર્થ :- હે કૌન્તેય! ઇન્દ્રિયોના વિષયો સાથેના સંબંધો તો ટાઢ, તાપ, સુખ અને દુ:ખ દેનારા, આવવા જવાના સ્વભાવવાળા અને અનિત્ય છે. હે ભારત! તેઓને તું સહન કર.
(અનિત્ય) છે માટે સત્સંગ કરી લેવો ને સત્સંગ કોઈને ગમતો નથી તે બધા ના પાડે ને ઈન્દ્રિયું પણ ના પાડે. માટે બધા ના પાડે તો પણ સત્સંગ કરી લેવો ને સત્સંગમાં કુસંગ હોય તેને ઓળખવો.
પોર : ગઈ સાલ, ગયું વર્ષ.
અર્થ : ધન, સંપત્તિ.
(67) ગ્રહની વાત કરી. માટે ટીલાં કાઢે, કંઠી રાખે ને કુસંગી હોય. અંતરના કુસંગની વાત કરી. માટે રાત-દિવસ વાતું થાય ત્યારે સત્સંગ થાય ને ઘઉંની વાડી વાવીને સંભાળે નહિ ત્યારે ઘઉં પાકે નહિ, તેમ સત્સંગ કરીને પાછી વાતું ન સાંભળે તો થયો સત્સંગ જાતો રહે. બ્રહ્મરૂપ થાય ત્યારે માયાનું બળ ન ચાલે તે જેમ વાઘ હોય તેને વળાવું ન જોઈએ ને દેહાત્મબુદ્ધિ જ્યાં સુધી હોય ત્યાં સુધી માયા કાંઈ અવળ-સવળ કરાવે. માટે ગુજરાત દેશમાં પથ્થર ન હોય તેમ બ્રહ્મરૂપમાં માયા ન હોય, સ્ત્રી જાતિને જ્ઞાન ન દેવું. તે ઉપર કરજીસણમાં ગોળો ધગાવ્યો તેની વાત કરી. કોઈ સ્ત્રીને સાંખ્ય જોગ કરવા દેવો નહિ; કેમ જે, એ વિષય છે તે બહુ બળિયો છે તે રહેવાય નહિ. એ વિષયની આગળ બીજા વિષય છે તે ખડ જેવા છે ને પશુ-પંખી, ઝાડ-બીડ સર્વેમાં એ પાપ છે. કરોડો દેહ ધર્યા તો પણ એ હૃદયગ્રંથિ ન ગળી ને તે કઠોદર જેવી છે ને આ તો મહારાજ મોટા સાધુને રાખી ગયા છે તે દશ બતાવે છે ત્યારે પાધરું રહે છે ને તે વિના તો બ્રહ્માદિકને બાધ લગાડ્યા છે. એવી એ માયા બળવાન છે. માટે આપણે કરોડ જન્મ ધરીને ઘર બાંધ્યાં છે.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
બપોરે વાત કરી જે,
(68) આ લોકની સત્યતા તથા વિષ્ટા મીઠા લાગે એ અવળી સમજણ. ખાંડ, સાકર ને કેળાં એમાંથી રોગ થયો છે તે ઝીણોભાઈ કે’દીયે કેળાં ન ખાય. જેમ કોઈ રૂપિયા વતે ગરાસ સાધી લે છે કે વિવાહ કે કાયટું કરે છે તેમ હવે રૂપિયા વતે સમાગમ કરી લેવો. સમાગમ જેવી કોઈ વાત નથી ને ગુણમાત્ર સાધુ સમાગમમાંથી આવશે. આજ આપણને જોગ થયો છે તે ખડને ગાડે સુખડીનું ભાતું આપણને મળ્યું છે. તે શું જે, ગૃહસ્થાશ્રમમાં રહેવું ને સાધુની બરોબર કલ્યાણ તે પણ એવું છે. જેને પોતાનું શ્રેય ઈચ્છવું તેણે આ સાધુનો સમાગમ કરી લેવો ને વચનામૃત વાચવાં ને સારા સારા ગ્રંથ ભણવા તેણે કરીને જ્ઞાન થાય ને બીજાનો (પરોક્ષનો) મહિમા કહ્યે હૈયામાં શું ટાઢું થાય ? આપણે તો મળ્યા તેનો મહિમા કહીએ ત્યારે હૈયામાં ટાઢું કરે. માટે તેનો મહિમા કહ્યા જ કરવો. સાધુનો મહિમા તો મોટો છે. મુક્તાનંદસ્વામીએ વિષ્ણુવલ્લભદાસને વર આપ્યો તેની વાત કરી જે, તે પ્રથમ ભેલા ગામ રહેતા ત્યાં મુક્તાનંદસ્વામી વગેરે પોણોસો સાધુએ મહારાજને દર્શને કચ્છમાં જવું, તે તેણે રણ ઉતરાવ્યું તે સ્વામી બહુ રાજી થયા ને કહે, ‘તમે અમને રણ ઉતરાવ્યું તે તમારે સંસારરૂપી રણ ગાયની ખરી જેટલું થઈ જાશે ને ધન, સ્ત્રી બંધન નહિ કરે.’ પછી તે સતાપર રહેવા ગયા. ફૂલજી તેમનું નામ હતું.
વિષ્ટા : નરક, મળ.
કાયટું : મરણોતર કર્મકાંડી ક્રિયા ને જમણવાર, દસમું-અગિયારમું-બારમું : એ ત્રણ દિવસોની શ્રાદ્ધક્રિયા.
(69) સાધુ છે તે ઈન્દ્રિયું-અંત:કરણને જીતવાની કળાઓને જાણે ને કોઈના પેચમાં ન આવે. સાધુ સમાગમ વિના જીવના દોષ ટળે નહિ ને ભગવાનમાં પ્રીતિ થાય નહિ.
‘સાચે સંત મિલે કમી કાહુ રહિ, સાચી શીખવે રામકી રીતકુંજી.’
(કીર્તન મુક્તાવલી-સાધુકો અંગ-પદ 6-પાન નં.578)
આ જીવ રસિક છે. તે સારામાં જઈને ચોંટે છે. તે ભગવાન વિના બીજું કાંઈ સારું નથી. ભગવાન ગુણાતીત છે, તેમાં સાધુ હેત કરાવી દે છે. રૂક્ષ્મણીજી ગુણ જોઈને ભગવાનને વર્યાં, તેમ આપણે ભગવાનને વરવું. જોબનપગી ને તખોપગી, માનભા ને ખુમાણ બધા તો અસુર જેવા હતા. તેની અવિદ્યા નાશ કરી ને જ્યારે ગુરુ મળ્યા ને અવિદ્યા રહે ત્યારે ગુરુ મળ્યા નથી કાં તો જીવ જડ્યો નથી.
મહારાજ લોજમાં સુખાનંદજી પાસે શ્ર્લોક બોલ્યા
ગુરુર્ન સ સ્યાત્સ્વજનો ન સ સ્યાત્પિતા ન સ સ્યાજ્જનની ન સા સ્યાત્।
દૈવં ન તત્સ્યાન્ન પતિશ્ચ સ સ્યાન્ન મોચયેદ્ય: સમુપેતમૃત્યુમ્ ।।
(શ્રીમદ્ ભાગવત : 5/5/18)
અર્થ :- તે ગુરુ નથી, સ્વજન નથી, પિતા નથી, માતા નથી, નસીબ નથી, પતિ નથી કે જે આવેલાં મૃત્યુથી બચાવી શકે.
તે ઉપર સંધીની જ્ઞાતિની વાત કરી. કાયોભાઈ મુક્ત હતા પણ એવામાં દેહ આવ્યો પણ સ્વભાવ ઋષિના જેવો; ને બ્રાહ્મણ હોય ને સંધીના જેવો સ્વભાવ હોય ને આ જીવે કોઈ દિવસ ભગવાન ભજ્યાનો આદર કર્યો નથી ને ધર પ્રથમથી ભૂંડાં જ કર્મ કર્યાં છે. તે ઈન્દ્ર જેવો રાજા ઋષિના ઘરમાં ગયો. જીવ છે તે કથામાં કાન દે એવો નથી, તે તો આ સાધુએ એટલું શીખવ્યું છે. સંબંધી છે તેને જારનો રોટલો ને મીઠું મૂકો જોઈએ તો ખબર પડે, માટે
‘ઠરવાનું ઠામ તમે મારું બીજું સર્વે માયાનું લારું.’
(હજારી કીર્તનાવલી-પદ 2-પાન નં 602)
ને દરિયો છે તે વહાણમાં બેસીને ઉતરાય તેમ સાધુ સમાગમે કરીને માયાને તરાય; તે જેનું કામ તે તેણે થાય. માટે મનુષ્યનું દેહ ચિંતામણિ મળ્યો છે તેણે કરીને પ્રભુ ભજી લેવા. આવા કહેનારા નહિ મળે. બધા જીવ કૂવામાં પડ્યા છે તેને આ સાધુ કાઢે. અનેક જન્મનાં પુણ્ય હશે ત્યારે તો આ સાધુની ઓળખાણ થઈ; નહિ તો, હેરાન થઈને મરી જાત. જેમ ભણ્યા વિના શબ્દનો અર્થ આવડે નહિ તેમ વિષયનાં બીજ દાખડો કર્યા વિના ટળે નહિ. મારે તમારે વિષે હેત તે કોઈ સમે આનંદ આવે ત્યારે હું તમને અક્ષરધામમાં મૂકી દઉં, પણ ત્યાં રહેવાય નહિ.
ચૈતન્યાનંદસ્વામી સદ્ગુરુ હતા ને મહારાજના મળેલ પણ જ્યારે બાળમુકુંદાનંદસ્વામી મળ્યા ત્યારે અજ્ઞાન ટાળ્યું; માટે સમાગમ કર્યા વિના તો અજ્ઞાન ટળે જ નહિ. તે 300 ભણ્યા તેમાં 20 કામમાં આવ્યા, માટે આ વિદ્યા ભણાવી છે. તે પણ અજ્ઞાનને ટાળવા સારુ છે. ગુરુ વિનાનું જ્ઞાન તે કેવું જે, લઘુશંકાને ખાવાની વસ્તુ ઠરાવી એવું છે. માટે ગુરુ વિના જ્ઞાન તો થાય નહિ. ગુરુ વિના જ્ઞાન કેવું જે ‘આંધળાના હાથમાં અરીસો, અને ભોંય અસાંજો વાછરો.’ એવું બધું છે તે,
ડીંગી ને ઘેર ડીંગી આવ્યો સાંભળો ડીંગીજી,
બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી.
પેચમાં : પ્રપંચમાં, જાળમાં, દાવમાં.
કમી : ખોટ, કસર, ઉણપ.
અવિદ્યા : માયિક સમજણ
અર્થ : ધન, સંપત્તિ.
ચિંતામણિ : ઇચ્છા પૂરી કરે તેવો દિવ્ય મણિ.
બપોરે વાત કરી જે,
(70) પોતાને રાગ હોય તે કેમ કળાય ? તો આપણને કોઈ કહેશે ગમે તો પેટલાદમાં રહો ને ગમે તો સોઢીમાં રહો ત્યારે ક્યાં રહેવાય ? ત્યારે તો એમ જણાય છે જે પેટલાદમાં રહેવાય. માટે એ રાગ કહેવાય. જેટલાં શહેર છે તે બધાં દેવલોક જેવાં છે ને બદરિકાશ્રમ છે તે સોઢી જેવું છે ને ત્યાં સૂક્ષ્મ દેહના રાગ ટળાવે છે. ને શ્ર્વેતદ્વીપમાં કારણના રાગ ટળાવે છે ને આહીં નિયમ પળાવે છે ને એકાંતિક હોય તે તો એક ભગવાનની મૂર્તિમાં જોડાય છે ને ઉપાસનાની વાત સમજવી ઘણી કઠણ છે તે ઓલ્યા દેશમાં કેટલાક બધું ભેળું સાંગડું હાંકે છે. તે કહે છે જે, નરનારાયણ છે તે જ સ્વામિનારાયણ છે ને આપણી કોર પણ એ કજિયો હતો, તે હવે થોડોઘણો રહ્યો છે તે ઓણ તો હવે કોઈને સંશય રહેવા દેવો નથી ને કેટલાક આપણા સાધુને પણ એ સાંગડું ટળ્યું નહિ.
તે ઉપર વાત કરી જે, અમોઘાનંદને તથા દેવાનંદ આદિકને રામચંદ્રને વિશે નિષ્ઠા હતી તે રામાયણ વાંચ્યા કરતાં ને અખંડાનંદ બ્રહ્મચારીને કૃષ્ણજન્મખંડની આસ્થા તેથી ભાવ ફર્યો નહિ. એ સર્વેની વાતું નોખી નોખી કરી દેખાડી. મધ્યનું 9મું વચનામૃત વંચાવ્યું ને પછી મધ્યનું અગિયારમું વચનામૃત વંચાવીને વાત કરી જે, દેહ, લોક, ભોગ તેમાં રહીને કલ્યાણ કરવું તે ભગવાન કરે. કેમ જે, સમુદ્ર તરવો તે બાહુબળે કરીને ક્યાં તરાય એમ છે? આપણને ત્રણ બળ છે, એક ભગવાનનું, બીજું તેની આજ્ઞાનું ને ત્રીજું આ સાધુનું, એ ત્રણ બળ છે તે એ બળે કરીને ભગવાનના ધામમાં જવાશે પણ તેને મૂકીને ધામમાં નહિ જવાય.
બદરિકાશ્રમ : શ્રી નરનારાયણનો આશ્રમ.
સોઢી : રણ.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
સાંગડું : મૂર્ખાઈ, બેવકૂફી
ઓણ : આ વર્ષે.
નિષ્ઠા : શ્રદ્ધા, આસ્થા, વિશ્ર્વાસ, ધારણા.
સંવત 1919ના બીજા શ્રાવણ વદિ બીજને દિવસે સ્વામીએ વૈરાગની વાત કરી જે,
(71) આત્યંતિક પ્રલયમાં કાંઈ રહેવાનું નથી ને ભગવાનને ભજીને તો પતિત હોય તે પાવન થઈ ગયા ને આ મંદિર કરવાં, વાતું કરવી, કથા કરવી તે બધું કરીને એક પ્રભુ જ ભજવા તે જેમ પાણી, ઈંધણાં ભેળું કરીને રસોઈ કરવી એ સિદ્ધાંત છે, તેમ કરોડ કામ કરીને એક પ્રભુ જ ભજવા ને વિષયના માર્ગે તો કોણ નથી હાલ્યું ? આ વાત છે તે તો સર્વોપરી છે ને તેની સેવા મળી છે તે સર્વોપરી છે. કેટલાક માંદા છે ને કેટલાક સાજા છે, કેટલાક પરણ્યા છે ને કેટલાક આ ટાણે રાંડ્યા છે. માટે એ વાત બધી પડી મૂકીને પોતાના જીવને બ્રહ્મરૂપ કરવો ને ભગવાનની સેવામાં રાખવો ને વાંદરું વૈકુંઠમાં રહે નહિ, તે સારું ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ એ ચાર હોય તો ક્યાંઈ કોઈમાં ન લેવાય ને તે વિના તો ધને સોનીએ ઈંટ લીધી ને નાગાજણે થાળી લીધી. આ કથામાં કેને સુખ આવે ? તો પૃથુ રાજાની પેઠે જેને સાંભળવાની શ્રદ્ધા હોય તેને કથા સારી લાગે ને બીજા જો કથામાં બેસે તો જાણે ખોટી થઈ રહ્યા ને પાણા ખોદે તેમાં માલ માને; પણ આ કથાવાર્તામાં જેટલો માલ છે ને જેવો લાભ છે તેવો બીજી ક્રિયામાં ક્યાં છે ? પણ સમજાતું નથી.
તે ઉપર ત્રિગુણાતીતાનંદસ્વામીએ અમને કહ્યું જે, અમારે તો આમ જ ઠીક પડે ને તમારી પેઠે કથાવાર્તા અમારે ફાવે નહિ; માટે કથાવાર્તા વિના તો ત્યાગી હોય તેને પણ જગત પ્રધાન થઈ જાય ત્યારે બીજાને થાય તેમાં શું? ઘરના ધણી બીજા છે ને વચમાં આપણે ધણી થઈને બેઠા છીએ. ‘ચાલે છે ચોરને મારગે ખરાખરું ઈચ્છે છે ક્ષેમ,’ એ બોલ્યા, માટે પ્રભુ ભજ્યા વિના બધો ચોરનો મારગ છે ને એમાં ભૂખ જાનારી જ નહિ ને તે તો બકરીના ગળાના આંચળ છે. તેમાંથી દૂધ નીકળે જ નહિ ને જન્મ-મરણના દુ:ખને જાણે તેથી પ્રભુ ભજાય ને આવી વાતું કેને સૂઝે? કેટલાંકને દુ:ખ થાય છે. તે ખાધામાંથી, જોયામાંથી ને ‘લૂગડું તમારા ખાપણમાં કામ આવશે.’ એવું બોલ્યામાંથી ને વણપૂછ્યે ઉતારો કર્યામાંથી દુ:ખ આવે. માટે વિચાર હોય તો દુ:ખ ન આવે ને આ પ્રભુ ભજવાનો આદર કર્યો છે પણ રૂડું સ્થાન હોય, શ્રદ્ધા હોય તથા રૂડો દેશકાળ હોય ને મોટેરાનો રાજીપો હોય તો પ્રભુ ભજાય ને આપણે બધી ક્રિયા કરીને પ્રભુ ભજી લેવા તે સિદ્ધાંત છે. તે નિર્માની થઈને, કળ કરીને, સો વાતે કરીને, સમાગમ કરી લેવો. તે બુદ્ધિ હોય તે ત્યાં વાવરવી, તે બુદ્ધિના પણ પૈસા બેસે છે.
તે ઉપર રાજાના કુંવરે લાખ રૂપિયાની બુદ્ધિ લીધી તે વાત કરી. કથાવાર્તા વિના તો મરને બ્રહ્માનો લોક હોય તેનો પણ ત્યાગ કરી દેવો ને આ વાતો સમજાણી હોય તો ગમે તેટલો વૈભવ હોય તો પણ નજરમાં ન આવે. વાતુંમાં શ્રદ્ધા વિના તો પ્રાગજી દવેએ મહારાજને કહ્યું જે, આવા ત્યાગના પ્રસંગ બબ્બે, ચાર-ચાર વાર નીકળે તો હું તો મરી જઈશ. માટે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનં શ્રદ્ધા હોય તે જ્ઞાનને પામે.
શ્રદ્ધાવાન લભતે જ્ઞાનં તત્પરઃ સંયતેન્દ્રિયઃ ।
જ્ઞાનં લબ્ધ્વા પરાં શાંતિમચિરેણાધિગચ્છતિ ॥
(ભગવદ્ ગીતા : 4/39)
અર્થ :- શ્રદ્ધાવાન, તત્પર અને જિતેન્દ્રિય પુરુષ જ્ઞાન મેળવે છે, જ્ઞાન પામીને તરત તે પરમ શાંતિ પામે છે.
રોટલા તો ભગવાન આપશે.
ભોજને છાદને ચિન્તા વૃથા કુર્વન્તિ વૈષ્ણવા: ।
યોસૌ વિશ્ર્વંભરો નામ સ્વભક્તાન્ કિમુપેક્ષતે ।।
(સુભાષિત)
અર્થ :- વૈષ્ણવજનો અન્ન-વસ્ત્રની ચિંતા તો વ્યર્થ (ખોટી) જ કરે છે; કારણ કે, જે ભગવાન વિશ્ર્વંભર આખા વિશ્ર્વનું ભરણપોષણ કરનાર છે, તે કદી પોતાના જ શરણે આવનાર ભક્તોની ઉપેક્ષા કરશે શું?
મહારાજ કહે, પશુ, પંખી સર્વે પોતાનાં બચ્ચાંનું પોષણ કરે છે ત્યારે આ સાધુ સત્સંગી તે અમારાં છોકરાં છે. તેનું કેમ પોષણ નહિ કરીએ ?
પતિત : પાપી.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
પાણા : પથ્થર.
મરને : ભલેને.
અર્થ : ધન, સંપત્તિ.
(72) ભગવાન ભજવા સારુ તો પાદશાહી પણ ત્યાગ કરી છે ને આ તો પાળવું થોડું ને લાભ ઘણો છે. જેવો સત્સંગ મળ્યો છે તેવો મહિમા નથી તે ‘જેડો માટી તેડો હૈયો નાય’ તેની વાત કરી. માટે લાભ મળ્યો છે તે પ્રમાણે આનંદ નથી આવતો ને સ્વરૂપાનંદસ્વામી જેવા હોય તેને આ લોકની ગણતી જ નહિ.
પાદશાહી : બાદશાહી, રાજ્ય કે હકૂમત
માટી : બહાદુરી બતાવવી.
(73) સમાધિ થાય તો પણ સત્સંગ ન સમજાય ત્યારે સમાધિ શું કામની ? માટે સત્સંગે કરીને આવી વાતુંના દૃઢાવ કરી દેવા. સત્સંગ રાખવો ને મૂર્તિનું ધ્યાન કરવું એ બે સિદ્ધાંત છે. જે ગરીબ માણસ હોય તેને રોટલાનો કુટારો ખરો ને જેનો વહેવાર ચાલે એવું હોય તેને તો સમાગમ જ કરવો. હરજી ઠક્કરે ઉઘરાણી પડી મૂકીને સમાગમ કરી લીધો તે કામ આવ્યો ને જે ગરીબ હોય તેણે રોટલા ઊભા કરીને પછી સમાગમ કરવો ને આ જીવ છે તે આ લોકમાં ચોંટી ગયો છે. ઓલા દેશમાં કુબેરસંગ, તેને કોઈએ ઝીણાભાઈ બરોબર લખ્યા છે પણ વર્તમાન એકે નહોતું. તે જાણનારો જાણે ને રઘુનાથાનંદ ને ગોપાળાનંદસ્વામીને બરોબર લખ્યા છે. એવી ને એવી વાતું થાય છે. માટે મોહ હોય ત્યાં સુધી યથાર્થ સમજાય નહિ ને હમણાં ભગવાન ભજવાનો જોગ છે, તેમાં આપણે વિષયને મારગે ચડી જઈએ તો ખોટ ઘણી જાય ને આ સમે જ સાવધાન થઈ જાશે તેને બહુ મોટો લાભ થાશે ને હમણાં જેવું સાનુકૂળ છે તેવું કોઈ દિવસ નહોતું. ‘સંત સમાગમ કીજે’ તેનો અર્થ કર્યો.
અર્થ : ધન, સંપત્તિ.
સંવત 1919ના બીજા શ્રાવણ વદિ ત્રીજને દિવસે સ્વામીએ વાત કરી જે,
(74) પક્ષનું કામ પણ ભારે છે. તે પશુમાં, કૂતરામાં ને નાના ગલુડીયામાં પણ દેખાય છે ને પક્ષે કરીને બાણ માર્યાં ને પક્ષે કરીને ગોવિંદો કોળી રીંગણા સારુ મહારાજ સાથે વઢ્યો જે, રઘુવીરજી મહારાજની વાડી નથી જે, આંહીંને આંહીં લાગ્યા રહો છો ? તે અયોધ્યાપ્રસાદજી મહારાજના પક્ષે કરીને મહારાજને એમ કહ્યું.
(75) મોક્ષનું સાધન એટલું જ છે જે, ભગવદીનો સંગ મળે તે જ છે, આ તો અધરિયું કારખાનું છે, તેના જેટલા મનસૂબા છે તે અજ્ઞાન છે ને જગતમાં તો કેવળ બ્રહ્મજ્ઞાન છે.
‘જાકુ જગમેં કોઈ નહિ તાકા તુમ હો મહારાજ.’
(બ્રહ્માનંદસ્વામી-બ્રહ્મસંહિતા-જીવનચરિત્ર-પ્રકરણ 5-અધ્યાય 3-પદ 4 પાન નં.414)
માટે ભગવાન જ કહેવા, સાંભળ્યા જેવા છે. આ દેહ છે તે કાલ જાતો રહેશે ને ભગવાન વિના કોઈ હાથ ઝાલનારો નથી ને પૂર્વજન્મના સખા તો ભગવાન છે તે
ગુરુર્ન સ સ્યાત્સ્વજનો ન સ સ્યાત્પિતા ન સ સ્યાજ્જનની ન સા સ્યાત્।
દૈવં ન તત્સ્યાન્ન પતિશ્ચ સ સ્યાન્ન મોચયેદ્ય: સમુપેતમૃત્યુમ્ ।।
(શ્રીમદ્ ભાગવત : 5/5/18)
અર્થ :- તે ગુરુ નથી, સ્વજન નથી, પિતા નથી, માતા નથી, નસીબ નથી, પતિ નથી કે જે આવેલાં મૃત્યુથી બચાવી શકે.
એ શ્ર્લોક બોલ્યા. માટે આ જોગ મળ્યો તે આપણે કોઈ પૂર્વનો સંસ્કાર છે ને જેમ શેરડી ચૂસાય ને કેરી ચૂસાય, તેમ જીવ આ લોકમાં ચૂસાય છે. કેટલાકને ઝેર દે છે ને કેટલાકને મારી નાખે છે તે આવાં કૂકટ દેખીએ છીએ. માટે પોતાના જીવને બચાવીને ભગવાન ભજી લેવા. તે આ લોકમાં ભગવાન ને સંત વિના કોઈ જીવનું હેતુ નથી. એકજણ શેડેથી દૂધ પીવા જાતો હતો તેને વગડામાં જ મારી નાખ્યો.
(76) મહારાજે મુકુંદ બ્રહ્મચારીને કહ્યું જે, બધા સાધુને કહી આવો જે, ગ્રામકથા ન કરશો. તે સર્વેને કહી આવ્યા જે, રામકથા કરશો નહિ. પછી મુક્તાનંદસ્વામીએ મહારાજને પૂછ્યું જે, રામકથાની ના પડાવી તેનું શું કારણ? પછી મહારાજે કહ્યું જે, અમે તો ગ્રામકથાની ના પડાવી છે. પછી બ્રહ્મચારીને પૂછ્યું ત્યારે કહે, ‘ગ્રામકથા ને રામકથા તે મારી બલા જાણે. તમે કહ્યું તે હું તો કહી આવ્યો.’
(77) આ સાધુ રાત-દિવસ ઊભા છે તે લોઠાંયે પ્રભુ ભજાવે છે ને આ સત્સંગમાં ને સાધુમાં હમણાં જેવું હેત છે તેવું રહે તો જાણો બધું જીત્યા, પણ આ ઈન્દ્રિયું-અંત:કરણ એવાં છે તે વહેવાર પડે ત્યારે ભગવદીના પણ અભાવ લેવરાવે.
(78) સંસારમાં કૂટીએ છીએ તેમાં તો સંબંધીને કેવળ સ્વાર્થનું હેત છે. માટે આપણો ઉચાળો પાધરો ઠેકાણે પડે એમ કરવું. યોગભ્રષ્ટની વાતું લખી છે ને અક્ષરમાં ગયા તેની વાતું પણ લખી છે ને યોગભ્રષ્ટ છે, તે બીજે જન્મે અંબરીષની પેઠે લઈ ઊઠે છે. સંસાર મૂકીને આંહી બેસવું હોય તે બહુ અટપટી વાત જણાય છે. કોઈકના જીવ એવા છે જે, કોઈના દોષ તો દેખાય જ નહિ; એવા હીમરાજશા હતા ને વિષ્ણુદાસ પણ એવા હતા. માટે બધા મુક્ત પ્રગટેલ છે તેથી આવું હેત છે, નીકર નોખા નોખા દેશના, તેને આત્મબુદ્ધિ કેમ થાય ? એક ભરવાડને શબ્દ લાગ્યો તે વર્તમાન ધાર્યાં તે કાળમાં પણ મૂક્યા નહીં. કોઇ જાતનો વેગ લાગે તો મળ્યો સત્સંગ જાતો રહે તે ગોંડળના ડોસા કુંભારનો સત્સંગ ન રહ્યો તથા આધારાનંદસ્વામી કલમું ભણવા જતા હતા તે સ્વામીએ વાર્યા તથા બાદર સત્સંગમાંથી ગયો એમ કેટલાકને વેગ લાગી જાય છે.
પાધરો : બારોબાર.
આત્મબુદ્ધિ : પોતાપણાની ભાવના, 'દેહ તે હું નહિ પણ આત્મા છું' એવી બુદ્ધિ.
(79) દેહની ક્રિયા હોય તે ભગવાનને અનુસંધાને સહિત કરી લેવી ને વહેવારનો વિક્ષેપ કોઈ આવે તો તે પણ મૂર્તિ ધારતાં ધારતાં તેનું સમાધાન કરવું, પણ ક્રિયારૂપ થઈ જાવું નહિ ને એક વેણમાં બધું આવી જાય એવું વેણ ગોપાળસ્વામીએ કહ્યું જે, ભગવાન સંભારવા ને બીજું વિસારવું તેમાં બધી વાત આવી ગઈ. આ પ્રાપ્તિ થઈ છે, તેનો મહિમા નથી સમજાતો. તે સમજાય ત્યારે ગાંડા થઈ જવાય ને વર્તમાન ન પળે, તે સારુ એ મહિમાને દાબીને કથાવાર્તા ને ઉજાગરા કરીએ છીએ ત્યારે જ જીવ ઓશિયાળો રહે છે.
મૂર્તિ : સંતો.
(80) મધ્યનું ત્રેસઠનું વચનામૃત વંચાવીને વાત કરી જે, જીવને બળ પામવાનું સાધન આટલું જ છે તે આવો વિચાર કરવા માંડે તો જીવ કેમ વૃદ્ધિ ન પામે ? પણ આવો વિચાર થાતો નથી, તેણે કરીને દુર્બળપણું રહે છે ને આવી રીતનો વિચાર હોય જે, ‘આવા સંત મને મળ્યા છે ને કોઈનો ભાર જ ન આવે.’ ને આવો વિચાર નથી થાતો એટલે એવા વિચાર થાય છે જે ‘કેમ થાશે ? ને આપણો વહેવાર કેમ ચાલશે ?’ તે દુર્બળતા છે. ભગવાનને મૂકીને બીજી શાંતિ નથી. પારાયણ કરે છે તેમાં શ્રોતાનો ને વક્તાનો શુદ્ધ ભાવ હોય તો સારું થાય. આ લોકમાં ગમે એવો હોય તે ચોંટી જાય, માટે ગાફલ ન રહેવું ને ગાફલ રહેશે તેને જરૂર સત્સંગ નહિ રહે ને પંચવર્તમાન છે તે સામી જ દૃષ્ટિ રાખશે તેનું ઠીક રહેશે.
(81) આ જીવ છે તે બદ્ધ છે. તે ઘરમાં બંધાઈ જાય છે, પશુપંખી માળામાં, દરમાં ને સુળુનાં ઘરમાં બંધાઈ રહે છે. અને આ જે સમાગમ થાય છે, તે તો કોઈ મોટા ભળે છે ત્યારે ઘર મૂકીને અવાય છે, તે ઉપર બળદનું દૃષ્ટાંત દીધું જે નવે ઘરે ખાય નહિ ને પાણી પણ પીએ નહિ ને આજે ઘરમાંથી નીકળીને અવાય છે તે કોઈ પુણ્ય ઉદય થયું છે; તે ઉપર આયર રાઘા ભક્તની વાત કરી જે, મા-બાપ અગિયાર વાર લઈ ગયા ને પાછા આવ્યા ને પ્રદક્ષિણા ફરતા, રાત બધી ચોકી કરતા ને આલો આયર દેશમાં છે તે મોર અમારી ભેળો ને ભેળો ફરતો ને હવે ઘરમાંથી નીકળતો નથી, સત્સંગ કરે તેનો તો વહેવાર પણ ભગવાન ચલવે માટે મોક્ષભાગી હોય તેને આવા વિચાર કર્યા જોઈએ. કેટલાક છે તે તો આ સત્સંગ છે એટલો જ અધર્મ સમજે છે ને કયા પુણ્યે આમ થયું જે આ સાધુ સાથે મેળાપ થયો ને આમ બેસીને વાતું કરવી તે તો અક્ષરધામમાં, શ્ર્વેતદ્વીપમાં, બદરીકાશ્રમમાં ને આંહીં એકાંતિકમાં છે. આપણામાં ચાલી શકે એવા જવાનિયા હોય પણ રસ્તામાંથી ગાડાં જોડાવે છે તે સ્વભાવ કહેવાય. શું ઘેર હતા ત્યારે ગાડે બેસીને ચાલતા હશે? આપણે અનંત બ્રહ્માંડથી ઉદાસ થઈને ભગવાન ભજી લેવા ને જેટલાં નિયમ પળ્યાં કે જેટલાં વિષય મૂક્યા તેટલા બ્રહ્મરૂપ થયા છીએ. શહેરમાં ને રૂપિયામાં દોષ રહ્યા છે તેની મુમુક્ષુને ખબર પડે છે. રાજાની રસોઈ બાર કલાકે થાય છે ને કોઈને રાત-દિવસની ખબર નથી જે ભજન કરવું, સત્સંગ કરવો ને કથા કરવી તે તો સત્સંગમાં જ થાય છે. આ લોકમાં તો નહિ જ રહેવાય ને હવે બાકી આવરદા રહી તેણે કરીને તો પ્રભુ જ ભજી લેવા. ને આ સાધુને દર્શને કરીને તો મેરુ જેવડાં પાપ હોય તે નાશ પામે.
દૃષ્ટાઃ સ્પૃષ્ટા નતા વા કૃતપરિચરણા ભોજિતાઃ પૂજિતા વા
સદ્યઃ પુંસામઘૌઘં બહુજનિજનિતં ઘ્નન્તિ યે વૈ સમૂલમ્ ।
પ્રોક્તાઃ કૃષ્ણેન યે વા નિજહૃદયસમા યત્પદે તીર્થજાતમ્
તેષાં માતઃ પ્રસંગાત્ કિમિહ નનુ સતાં દુર્લભં સ્યાન્મુમુક્ષોઃ ॥
(સત્સંગિજીવન : શ્રી ધર્મનન્દનાષ્ટકમ્ -1/32/46)
અર્થ :- જે સંતોનાં દર્શનમાત્રથી, જેમનો સ્પર્શ કરવાથી, જેમને નમવાથી, જેમને જમાડવાથી, જેમની સેવા કરવાથી કે, જેમનું પૂજન કરવાથી, તે કરનારા પુરુષોના અનેક જન્મોના પાપપુંજનો મૂળે સહિત તે જ ક્ષણમાં નિશ્ર્ચે નાશ થઈ જાય છે. વળી, જે સંતોને શ્રીકૃષ્ણ ભગવાન પોતાના હૃદય સમાન કહે છે અને જેમના ચરણકમળમાં સર્વ તીર્થો નિવાસ કરીને રહ્યાં છે એવા સાધુઓના પ્રસંગથી આ લોકમાં મુમુક્ષુને દુર્લભ શું હોય? કાંઈ પણ નથી.
એ બોલ્યા, તેમ ભગવાનમાં ને આ સાધુમાં નિષ્ઠા આવી ત્યારે તે બધું કરી રહ્યો.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
અર્થ : ધન, સંપત્તિ.
નિષ્ઠા : શ્રદ્ધા, આસ્થા, વિશ્ર્વાસ, ધારણા.
(82) આટકોટના રાઘવની વાત કરી જે, ઉલટા સાધુને સેવામાં રાખ્યા. ને હવે બધો વેવાર થઈ રહ્યો ને મંદિર પણ થઈ રહ્યાં. હવે આપણે પરવારીને બેસો ને રૂપિયા હોય તો તે વતે ભગવાન ભજી લેવા ને તપ કરીને, અનંત સાધન કરીને જેને પામવા હતા તે આજ મળ્યા. હવે આપણા જીવનું રૂડું કરી લેવું ને આ સભા તો અક્ષરધામની છે, બદરીકાશ્રમની છે, શ્ર્વેતદ્વીપની છે. ત્યાં વિષયની ગંધ નથી ને આ વાત જેવી તેવી નથી ને આમ સ્થિર થઈને બેસાય કેમ ?
(83) સમાગમ કરવો ને જો છ મહિના કે વરસ દહાડો કે પાંચ વરસ સમાગમ કરે તો આ ને આ દેહે જ અક્ષરધામમાં જાય તેવો થાય. જોગેશ્ર્વરદાસજીએ વાત કરી જે, પ્રકૃતિપુરુષની આણી કોર જેટલા છે તે બધા માયામાં જોડે એવા છે.
(84) ગુરુ કર્યા વિના તો એકે સ્વભાવ જાય જ નહિ, તે કોઈક મનુષ્ય એવા હોય જે તેને કોઈ ટોકી શકે નહિ. માટે ગુરુ કરે તો સ્વભાવ જાય ને ગુરુ પ્રસન્ન થાય ત્યારે તે સુખિયો થાય તે ઉપર રણછોડ શાસ્ત્રીએ પોતાની વિદ્યા હતી તે વિદ્યાર્થીએ ચાકરી કરી હતી તેને ભણાવી ને એકલવ્ય નામે ભીલ હતો તેણે ગારાના દ્રોણાચાર્ય કર્યા તે શબ્દવેધી થયો ને મહારાજે દયા કરીને વ્યસનમાત્ર કાંઇ ન રહેવા દીધું. તે વ્યસનનું કામ તો એવું છે જે સોગટે રમે તો ખાવાનું પણ ભૂલી જાય ને પાપે કરીને બુદ્ધિ હણાય જાય ને સત્સંગ વિના તો દેહ છે, દ્રવ્ય છે, બુદ્ધિ છે, તે સર્વે ધૂળમાં નાખી દે છે. તે ઉપર વાત કરી જે, એક જણ ભવાયા જોવા ગયેલ તે મારગ જાય તે સારુ લઘુ કરવા ઊઠ્યો નહિ એટલે મૂત્રકચ્છ બંધાણી તે સવારે મરી ગયો.
શબ્દવેધી : અવાજ જ્યાંથી નીકળ્યો હોય એનો ખ્યાલ કરી, એ નિશાન વીંધનાર.
ભવાયા : ગાવા-નાચવાનો ધંધો કરનાર.
(85) મૂર્તિ ધાર્યાની વાત કરી જે, બહાર ધારવી ને માંહી ધારવી તે બધી અંતર્દૃષ્ટિ છે. તે હૈયામાં જેવો આકાર ધારી રાખ્યો તે જ્યાં જાઈએ ત્યાં ધાર્યા કરવો. તે ગઢડામાં, વરતાલે, આંહીં જ્યાં મહારાજનો આકાર હોય તે ધારવો. તે ગઢડાનું મંદિર આંહીં બેઠાં સંભારીએ તો સાંભરે. તેમ જ્યાં બેસીને સંભારવું હોય ત્યાં સાંભરે, પણ આપણને એવો આગ્રહ નથી ને આગ્રહ હોય તો થયા વિના રહે નહિ. વરતાલવાળા ધર્મતનયદાસજીએ પ્રશ્ર્ન પૂછ્યો જે આજ સંબંધે કરીને નિર્ગુણ થઈ જાય છે તે આજ સંબંધ કેવો કહેવાય? ત્યારે સ્વામીએ ઉત્તર કર્યેા જે આજ પણ મહારાજના જેવો જ સંબંધ કે’વાય ને એક આકાર વિના શું અધૂરું છે ? મોટા સંતને રાખી ગયા છે, તેની વાતું છે, તેની અનુવૃત્તિ છે તે ભગવાનની આજ્ઞા છે. તેના મળેલ કેટલાક છે, માટે હજી સુધી તો સાક્ષાત્ સંબંધ કહેવાય. અખાની વાત કરી તથા દ્રવ્ય ગંગામાં નખાવ્યું તેની વાત કરી.
મૂર્તિ : સંતો.
અનુવૃત્તિ : મરજી.
(86) સાંખ્ય ને યોગની વાત કરી જે, સાંખ્ય વિના યોગમાં વિઘ્ન આવે ને મોક્ષ વિના બીજાં સુખ તો કાગડાનાં શ્રાદ્ધ છે, ક્યાંઈ સુખ નથી.
(87) ધીરાનંદની વાત કરી જે, ભજન બહુ કરતો પણ કબીરિયો થઈ ગયો. માટે આસન, પથારી, ખાવું-પીવું સર્વે સંત કહે તેમ કરવું.
(88) મહારાજ કહે અમે કથાવાર્તા, ધ્યાન, કીર્તનથી ધરાતા નથી. તે આપણને શીખવ્યું ને સાંખ્ય વિના તો મરને ભગવાન ભેળા બેઠા છઇએ તોય નિર્વિઘ્ન રહેવું કઠણ છે. સ્વરૂપાનંદસ્વામીને મહારાજ કહે, ‘તમે ભણો.’ તે વાત કરી જે, બારાખડી લખીને આપી ત્યારે સગડીમાં મૂકી ને કહે, ‘એ તો જલ જાતી હે, ઈસકુ ક્યા પઢે ?’ ને આ સાધુનો સંગ ને ભગવાનનું ધ્યાન તેમાં જ માલ છે ને આ તો કરોડ કલ્પથી કર્યા કરીએ છીએ, માટે હવે તો જેમ ચોકડું મરડે છે, ચાહ મરડે છે તેમ મરડી મરડીને કથાવાર્તા કરવી. તે ભીંચરીના સત્સંગી એમ કરે છે ને આ તો જીવે કોઈ દિવસ કર્યું નથી ને રળ્યો, ખાધું-પીધું ને કાયટાં કર્યાં છે તે અરધી મૂછ કોરી જેવું કહેવાય. માટે એ બધું ઓજતના પૂરમાં તણાઈ ગયું. માટે ભગવાન વિના કાંઈ છે જ નહિ એમ કરી મૂકવું.
મરને : ભલેને.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
સંવત 1919ના બીજા શ્રાવણ વદિ પંચમીને દિવસે સ્વામીએ વાત કરી જે,
(89) સાધુ થાવું એથી કોઈ મોટી વાત જણાતી નથી તે સાધુ સમાગમમાંથી વાત બધી થાય, ને યોગ-સાંખ્ય બધું તેમાંથી આવે. ને દાન કરવું તે પાત્ર જોઈને કરવું ને મનુષ્ય કહે બધું સરખું છે, પણ સરખું કેમ હોય ?
(90) રજોગુણી હોય તે કામી થાય ને તમોગુણી હોય તે મંત્ર જંત્ર કરે ને સત્વગુણી ડાહ્યો હોય તેને વહેવાર સુધારતાં આવડે.
આકુતિ-ચિતિ-ચાપલ્યરહિતા નિષ્પરિગ્રહાઃ ।
બોધને નિપુણા આત્મનિષ્ઠાઃ સર્વોપકારિણઃ ॥
(સત્સંગિજીવન : 1/32/28)
અર્થ :- શ્રીહરિ ભક્તિમાતાને કહે છે, ‘હે સતી! મુમુક્ષુઓએ કેવા સંતને સેવવા જોઈએ? તે જેઓ કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયોની ચપળતાએ રહિત અર્થાત વિષય વાસનાઓ વિરહિત આત્મહિતમાં વિરોધી પરિગ્રહ રહિત, તત્ત્વબોધ આપવામાં પ્રવીણ, આત્મામાં જ એક નિષ્ઠાવાળા આત્મારામ, સર્વજનોનો આ લોક - પરલોકમાં ઉપકાર કરવાના સ્વભાવવાળા હોય.’
બોધને નિપુણા ને ગુણાતીત તે સર્વેને જુદા જુદા ઉપદેશ આપે ને બીજાં સાધન તો હવે પૂરાં થઈ રહ્યાં. તે રૂક્ષ્મણીએ જેમ ભગવાનના ગુણ સાંભળ્યા પછી ઠરાવ કર્યો જે, ‘હવે તો એને જ વરવું પણ દમઘોષના દીકરાને ન પરણવું.’ ને લોકમાં તો મા-બાપ, સંબંધીનો ત્યાગ કરવો, તે અમંગળ જેવું જણાય, પણ એ મંગળકારી થઈ ગયું. ને આ જીવ ક્યાં? ને ભગવાન ક્યાં? તે કીડીકુંજરનો મેળાપ એવા ભગવાન, તો પણ ભેળા રહે ત્યારે મનુષ્યભાવ આવી જાય. માટે હવે તો એ ભગવાનને સાચવી રાખવા ને તેની આજ્ઞામાં રહેવું ને દરવાજે રહેવું. મન છે તે સાવજની પેઠે ઘાણ્યું નાખે, તેને જાણવું ને હઠ, માન ને ઈર્ષ્યા ન રાખવાં, એ ભગવાન મળ્યા પછી એટલું કરવાનું છે. ભટજીએ ગૃહસ્થને વાત કરી જે, જેનો અધ્યારું મોઈ ડાંડીએ રમે ત્યારે તેના શિષ્ય હોય તે રમે એમાં શું? તે જેના ગુરુ જ અપલક્ષણ રાખે ત્યારે તેના શિષ્ય પણ રાખે.
મનુષ્યભાવ : દેહભાવ, માયિકભાવ, જેમાં ગુણાનુરાગ - ગુણાનુબુદ્ધિ પ્રવર્તે છે તેવો ભાવ.
(91) આપણને ભગવાન મળ્યા ને સાધુ મળ્યા એ વાત તો થઈ. હવે તો ભગવાનના ભક્ત ભેળું બેસવું તે અધૂરું છે, ને બીજાં કામ તો બધાં થઈ રહ્યાં છે. તુષ્ટિ, પુષ્ટિ ને શાંતિ ક્યારે થાય, જ્યારે ખરેખરો નિશ્ર્ચય થાય ત્યારે ને તે નિશ્ર્ચય પણ થયો. હવે તો તેનો આનંદ રાખીને વરતવું ને વડોદરાનું રાજ મળે તોય, ‘હાય, હાય.’ કરે તે મૂરખ કહેવાય, તેમ આવા ભગવાન મળ્યા ને સંત મળ્યા, તેનો હૈયામાં આનંદ રાખીને તે ભગવાનની આજ્ઞામાં વરતવું ને અનુવૃત્તિમાં રહેવું ને સારા ભગવદીનો સમાગમ કરવો. કેટલીક વાતું કર્મ ઉપર છે, કેટલીક ધર્મ પર છે ને કેટલીક જ્ઞાન પર છે તે જેવા જેવા અધિકારી હોય તે ગ્રહણ કરે. જે કર્મ પર છે તે કહે છે જે અપુત્રસ્ય ગતિર્નાસ્તિ (પુત્રહીનની સદ્ગતિ થતી નથી) ને જેને ભગવાન મળ્યા તે કહે છે જે સાધનમાત્ર પૂરાં થઈ રહ્યાં છે. હવે તો તેના ગુણાનુવાદ કહેવા ને સાંભળવા.
(92) જીવ વૃદ્ધિ નથી પામતો તેનું શું કારણ જે સભામાં વાતું થાય તે કોઈક ઉપર નાખે પણ પોતા ઉપર ન લે ને પરબારી કાઢે છે એટલે વૃદ્ધિ નથી પમાતું. પણ પોતા ઉપર લે ને તે વાતુંનું શ્રવણ, મનન કરીને જીવમાં ઉતારે તો વૃદ્ધિ કેમ ન પામે? કથાવાર્તા વિના અંતર સૂનું થઈ જાય છે. જેમ માણસ વિનાની જગ્યા શૂન્ય થઈ જાય તેમ થઈ જાય છે. માટે જેમ ટોપીવાળો છે તે નિત્ય પ્રત્યે કવાયત કરાવે છે ત્યારે વિદ્યા નવીન રહે છે તેમ આપણે કથાવાર્તા વિના ઘડીમાત્ર રહેવું નહિ. ને રઘુવીરજી મહારાજે દેહ મૂક્યો ત્યારે હવે એથી આપણે કોઈ વહાલું ન કહેવાય. તે હવે રોવા માંડીએ તો પણ તેનાં દર્શન તો થાય નહિ; માટે હવે તો આપણે સર્વે ભજન કરવા મંડીએ ત્યારે શાંતિ થાય, પણ શોક કર્યે શાંતિ ન થાય. તે વાત વરતાલમાં પણ અમે કરી હતી.
ભગવાનની વાતું બહુ મોટી છે તે શું ? જે, ગયા તે સારુ રૂવે, પણ છે તેને સમજે નહિ તે કારમિક સમજાય નહિ તે તો ધીરે ધીરે શ્રવણ, મનન, નિદિધ્યાસ કરે તો એ વાતું ઊતરે ને વાતું ઊતર્યા વિના તો હૈયામાં સુખ રહેનારું જ નહિ; તે સો મણ અન્નનો ઢગલો હોય પણ માંહીંથી શેર ખાઇએ તો જ ભૂખ જાય. તેમ વાતું ધારીને તે પ્રમાણે જ્યારે વરતશું ત્યારે જ સુખ થાશે. ભગવાન છે તે સાધુ દ્વારે જ્ઞાન આપે છે ને આ તાણે છે તે ભગવાન તાણે છે માટે સર્વ એનું કર્યું થાય છે. તે મુક્તાનંદસ્વામી અમદાવાદમાં ગયા પણ કોઈને સત્સંગ ન થયો ને ભગવાનની ઈચ્છા થઈ ત્યારે થયો માટે, ભગવાન સર્વકર્તા છે.
ટોપીવાળો : અંગ્રેજ અમલદાર.
નિદિધ્યાસ : ઇષ્ટદેવ કે પરમતત્ત્વનું નિત્ય ચિંતન.
(93) સાંજે વાત કરી જે, ઈન્દ્રિયારામ કે અર્થારામ સાથે ગોષ્ઠિ હોય તો જીવ આવો રહે નહિ. ને મોટા મોટા શહેરમાં જઈ આવો જોઇએે, આવો જીવ રહે છે? નહિ જ રહે ને ફરી જાશે, માટે રજોગુણી માણસની તો સોબત જ ન કરવી ને એક રુચિવાળા હોય તે ભેળા રહે, તે જગતમાં જુઓ તો બંધાણી બંધાણી, દુધાધારી દુધાધારી, તથા પશુ પશુ તે ભેળા રહે છે. માટે આપણે તો મહારાજની રુચિ અનુસારે ચાલવું. પછી રુચિનું વચનામૃત વંચાવ્યું. ( વચ. લોયા 14) આટલા આટલા દાખડા મહારાજે આપણા સારુ કર્યા છે તે એની દયાની શી વાત કહેવી ? ને એની અનુકંપાની શી વાત કહેવી ?
(94) અધિકારી થયા હોય તેને સમજ્યાની રીત જે જેટલો અધિકાર પોતાને સોંપ્યો હોય તેટલો જ કરે પણ વધુ ડહાપણ કે પટલાઈ વાવરે નહિ ને પોતાનો ભાવ વધુ ન જણાવે ને સૌ ઉપર સરખી દૃષ્ટિ હોય ને કોઈ દેશી, પરદેશી હરિજન આવે તેને પ્રથમ આવકાર દેવો ને ત્યાર કેડે ખાવાનું પૂછવું ને એ બે વાત વિના પાધરી ભગવાનની વાત કરે તો સમાસ ન કરે ને કુસંગી હોય તથા અજાણ્યો હોય ને કૂતરું એટલાં તો આવે, તો બગાડ જ કરે, માટે એ ત્રણને જગ્યામાં પેસવા દેવાં નહિ ને તે વિના હરિજન તો ગમે એટલા આવે તો તેને આવકાર ને જમવાનું આપવું; પણ તેમાં પોતાનું ડહાપણ ન ચલાવવું, એમ સમજે તે જ્ઞાન શુદ્ધ કહેવાય; જેવો તેવો હશે ને સ્વભાવ, પ્રકૃતિવાળો હશે પણ ભગવાનમાં કોઈ રીતે એનો જીવ બંધાણો, તો એથી કઈ મોટી વાત છે ? માટે એમ જાણીને તેનો મહિમા સમજવો.
વાવરે : વાપરે, ઉપયોગમાં લે.
કેડે : પાછળ.
(95) ભગવદીમાં આત્મબુદ્ધિ કરવી ને આ દેહમાં આત્મબુદ્ધિ કરી છે તેમાં શું નીકળવાનું છે ? તેમાંથી તો અંતે દુ:ખ થાવાનું છે. દાન દાનમાં પણ ફેર છે. તે એક તો દાન એવું છે જે થોડું કરે ને ઘણુંક થઈ પડે ને એક તો ઘણું કરે ને થોડું થાય. તે ઉપર વાત કરી જે, પાંડવના યજ્ઞમાં નોળિયો સોનાનો ન થયો ને ઋષિએ સાથવો જમાડ્યો તેમાં આળોટ્યો તો નોળિયો સોનાનો થયો ને ઘણું કરે ને બળી જાય તે ઉપર આપાના પુણ્યની વાત કરી.
આત્મબુદ્ધિ : પોતાપણાની ભાવના, 'દેહ તે હું નહિ પણ આત્મા છું' એવી બુદ્ધિ.
સાથવો : શેકેલા અનાજનો લોટ.
સંવત 1919ના બીજા શ્રાવણ વદિ સપ્તમીને દિવસે સ્વામીએ વાત કરી જે,
(96) આ લોકમાં કોઈ પદાર્થમાં મોહ ન પામવું ને ક્યાંઈ ન લોભાવું. જ્યારે ઉત્કૃષ્ટ દશાને પામવું હોય ત્યારે જે ખરેખરા એવા હોય તેનો વાદ લેવો, પણ ખાઈ ખાઈને ઊંઘી રહે તેનો વાદ ન લેવો. આ લોકમાં પણ જેને ધનવાન થાવું હોય તે ધનવાનનો વાદ લે છે, પણ જેને ખાવા નથી મળતું તેનો વાદ નથી લેતા, ખરેખરાનું પારખું રાજાએ લીધું ત્યારે જે ખરેખરા હતા તે સામું જોઈ રહ્યા ને બીજા જે દાગીનામાં લોભાણા હતા તેણે હેઠું જોયું. તેમ સિદ્ધાંત જે, આપણે ભગવાનના ચાકર છીએ તે જો આ લોકમાં ધન, સ્ત્રીમાં લોભાણા કે ખાવા-પીવામાં લોભાણા ને આજ્ઞા ન પળી તો હેઠું જોવું પડશે.
પળી : પળિયાં-માથાના ધોળા વાળ.
(97) ગુરુ વિના તો કોઈ વાત ન આવડે. તે વિદ્યા છે તે પણ નથી આવડતી ને ગુરુ પાસે નીતિ શીખ્યા વિના તો દૂધે ધોયા જેવું કરી આવે. તે ઉપર ભરવાડની વાત કરી. માટે આપણે પણ જો કોઈ ગુરુ કર્યા ન હોય તો તેનાં જેવું કરીએ. ને દરબાર ચૌદ વિદ્યાગુણ જાણે ને ગરાસ ઘરેણે મૂકે ને બીજી બધી કલમુંથી શાસ્ત્રની કલમ છે તે મોક્ષને અર્થે છે તે પણ બ્રહ્મવેત્તા વિના સમજાય નહિ. કલ્યાણને માર્ગે તો બધાની દૃષ્ટિ નાશ પામી છે, તે મરીને ઉચાળો ક્યાં છૂટશે ? તેની કોઈ મોટા મોટા રાજા, મોટા મોટા શેઠિયા, મોટા મોટા પાટીદાર કોઈને ખબર નથી ને પોતાનું રૂડું કરતાં કોઈને આવડે નહિ ને બગાડતાં તો આવડે ખરું !
બ્રહ્મવેત્તા : બ્રહ્મ ને પરબ્રહ્મને જાણનાર.
(98) શુદ્ધ પરંપરાવાળા ગુરુ મળે ત્યારે જીવનો મોક્ષ થાય પણ પ્રણાલિકા જાણ્યા વિના મોક્ષ હોય નહિ તેમ ભગવાનના અનન્ય એકાંતિક હોય તે જ એ માર્ગ દેખાડે ને રૂપિયા ગમે તેટલા હોય પણ કોઈ સોનાની કઢી કરતું નથી ને જ્ઞાન ન હોય તો સરપ તો થાય. તે ઉપર ખેડાવાળ ભૂત થયો છે તેની વાત કરી. તેમજ દેહમાં પણ માલ જાણવો નહિ ને તે હાડકાંનો છે ને તેમજ કુટુંબીનું જાણી મૂકજો. જગતમાં તો કેવળ બ્રહ્મજ્ઞાન ભર્યું છે. તે બ્રહ્મ તો કયો કહેવાય ? જે ઈન્દ્રિયોનો દોર્યો ન દોરાય, મનનો દોર્યો ન દોરાય તેને કહ્યો છે. ને હથિયાર રાખવાં તથા ખાવું-પીવું તથા ખોરડાં કરવાં તે સર્વે દેહનું જતન કહેવાય ને સત્સંગ કરવો તે જીવનું જતન કહેવાય. તે જીવનાં જતન સારુ આ સમૈયા છે, મંદિર છે, વાતું છે ને જીવનું જતન કરવું એટલું જ ઉપાર્જન છે ને અમથા દિવસ આખો કરે તો કાંઇ નહિ, પણ આમ ઘડીક બેસવું તેમાં માણસ અકળાઈ જાય છે. એ કલ્યાણના મારગમાં વિઘ્ન છે. તે સારુ મોટા મોટા તે વનમાં જાતા રહે છે ને આટલો ભીડો ખમીએ છીએ તે તો જીવના મોક્ષને અર્થે છે.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
ઉપાર્જન : પ્રાપ્તિ માટેની ક્રિયા.
સંવત 1919ના બીજા શ્રાવણ વદિ અષ્ટમીને દિવસે સ્વામીએ વાત કરી જે,
(99) જેવા જેવા શબ્દ જીવને પડ્યા છે તેવો થઈ ગયો છે ને જે જે જાત, જે જે ગામ, તે હૈયામાં ચોંટી ગયું છે ને ત્યાં ત્યાં બંધાઈ ગયો છે. તે હજાર ગાઉ જાય તો પણ જ્યાં જીવ બંધાણો હોય ત્યાં આવે. તે પરમેશ્ર્વર ભજવાનો તો કોઈને સ્વભાવ જ નહિ, તે શું ? જે, એના કોઈ વક્તા નહિ ને આટલું કરાવે છે તે સાધુ લોઠાંયે કરાવે છે, તે સાંજ, સવાર, બપોર, રાત-દિવસ મંડ્યા છે. ત્યારે હળવે હળવે પ્રભુ ભજવાની દશ જડી પણ તેમાં હવે શ્રેયાંસિ બહુ વિઘ્નાનિ, (સારા કામમાં વિઘ્નો ઘણાં આવે છે) ને જેમ મોરનો (પહેલાનો) ઢાળ છે તે ઢાળે ઢળી જવાય, માટે ખબડદાર રહેવું ને ભગવાનનાં જન્મ-કર્મ ગાય ને દિવ્ય જાણે તેનાં જન્મ-કર્મ ફરી ન થાય ને એની કીર્તિ ગાય તેની અપકીર્તિ ન થાય ને રાત બધી કોસ હાંકે છે તે થાકતા નથી ને આપણે પાધરા સૂઈ રહીએ છીએ તે શ્રદ્ધા નથી માટે
શ્રદ્ધાવાન લભતે જ્ઞાનં તત્પરઃ સંયતેન્દ્રિયઃ
જ્ઞાનં લબ્ધ્વા પરાં શાંતિમચિરેણાધિગચ્છતિ ॥
(ભગવદ્ ગીતા : 4/39)
અર્થ :- શ્રદ્ધાવાન, તત્પર અને જિતેન્દ્રિય પુરુષ જ્ઞાન મેળવે છે, જ્ઞાન પામીને તરત તે પરમ શાંતિ પામે છે.
શ્રદ્ધા ઉપર સુરતનો વાણિયો મહારાજના દર્શને તેરે જાતો તેની વાત કરી. જેનાં દેહ પોચાં હોય તેને સારું ખાવાનું જોઈએ. ગાદલાં, ગોદડાં, ખાટલા જોઈએ ને નેહમાં ચારણ રહે છે તેને ખાટલો કે ગોદડું ન જોઈએ. તે પંચાળાનો ચારણ ખીમો ભક્ત આંહીં આવ્યો તે મેડીમાં ઉતારો આપ્યો તે તારા દેખાય નહિ તે અકળાઈ ગયો, પછી ફળિયામાં આસન કર્યાં ત્યારે ઊંઘ આવી. એમ તેનાં દેહ જ એવાં કઠણ તે કાંઈ થાય જ નહિ. બધી ભેળી કરીને શી વાત કરી જે, કોઈ દિવસ પ્રભુ ભજવાને માર્ગે જીવ ચાલ્યો નથી. મહારાજ પધાર્યા ને આટલા આટલા દાખડા કરીને પૃથ્વીનો ભાર ઉતાર્યો ને જીવને પ્રભુ ભજાવ્યા ને હવે આપણે ભજન ન કરીએ એટલી ખોટ. તે વર્તમાન ન પળે કે ઉપાસનામાં ફેર રહે એ મોટી ખોટ. હવે વિષયને ઈંદ્રિયું વરે છે એટલી ખોટ છે ને જગતમાં તો કોઈ પંચમહાપાપને જાણતું નથી ને અધર્મને પણ કોઈ જાણતું નથી. ઉત્તમ વર્ણ કહેવાય ને ઘરમાં દારૂના શીશા હોય, માટે એ તો એમ જાણી મૂકવું જે ધર્મ ક્યાંઈ નથી ને આટલું કુસંગમાંથી પણ જે હઠાવ્યું તે મહારાજે હઠાવ્યું ને હવે એક પાપ રહ્યું છે. તે શું ? જે, વ્યભિચારની પ્રવૃત્તિ જણાય છે તે કાઢવું છે.
સોરઠ દેશમાં નરસી મહેતાને ઘેર મહારાજ પીપલાણામાં પહેલાવહેલા આવ્યા ને કાઠિયાવાડમાં કારિયાણીમાં પહેલા આવ્યા. તે જેમ કીડીકુંજર મેળાપ તેમ થયો છે ને એવા સોંઘા થયા તે મેઘલે અંગૂઠો કરડ્યો, માટે જેમ કીડીના પગમાંથી કાંટો કાઢવો હોય તે અતિ ઝીણે લોઢે નીકળે, તેમ જીવનાં કલ્યાણ કરવા પોતે મનુષ્ય જેવા થયા ને આવીને ભેળા ભળી ગયા. ભગવાન છે તે મહાશુદ્ધ છે તે એમાંથી કાંઈક ગુણ આવ્યા છે ને એને ભજી ભજીને નેનપરવાળા દેવજી ભક્તને ઊંઘ આજ્ઞામાં પળે ને કૃપાનંદસ્વામીને સ્વપ્નાનો ઉપવાસ પડે તો દેહ પડી જાય ને સર્વે જેના આજ્ઞાકારી છે ને સર્વેના કારણ છે તે ભગવાન આપણને મળ્યા છે તેનો આનંદ નથી ને ખરેખરો આપણને આનંદ આવે તો ભગવાન તો આપણે અર્થે બ્રહ્માંડનો પ્રલય કરી નાખે, માટે આનંદ એવો રહેતો નથી તે દુ:ખ પામીએ છીએ ને જેટલા ભગવાન કહેવાય છે તે સર્વે સ્વામિનારાયણની સેવામાં રહ્યા છે ને જેના પ્રતાપે કરીને ગૃહસ્થાશ્રમમાં રહીને વિષયના અભાવ કરી નાખ્યા તે ઉપર શિવલાલભાઈની ને અભયસિંહભાઇની વાત કરી. કર્યું તો ભગવાનનું થાય છે તે પંચાણવાની વાતના દાણા ખૂટતા નથી ને રૂપિયામાં શો માલ છે? ને આ સત્સંગ આપણને સહેજે મળ્યો છે તેનો આનંદ નથી પણ સત્સંગ સારુ તો મોટે મોટે પાદશાહી પડતી મૂકી છે ને મોટા મોટા અવતાર જેવા તો એના સાધુ, સત્સંગી છે ને સત્સંગીની આગળ અવતાર આવીને ઊભા રહે છે.
ગાઉ : અંતરનું એક પરિમાણ, દોઢ માઈલ, અઢી કિલોમીટર.
દશ : દિશા.
અર્થ : ધન, સંપત્તિ.
સોંઘા : સસ્તા, સો સો જન્મના પુરુષાર્થે પણ ન મળે એવા ભગવાન આજ મફતમાં સામે ચાલીને મળ્યા છે.
પ્રલય : વિનાશ, કલ્પને અંતે જગતનો નાશ.
પાદશાહી : બાદશાહી, રાજ્ય કે હકૂમત
(100) ભગવાને અંતર ઝાલ્યાં છે ત્યારે આંહીં અવાય છે ને આ વર્તમાન પળે છે. તે આ સત્સંગ ઉપર તો કરોડ રૂપિયા વારી નાખીએ એવો મહિમા છે. જેમ કમાનમાંથી તીર નીકળે તેમ જીવ વિષયના મારગની કોર ચાલ્યા છે તે પશુ, પંખી સર્વેમાં રહ્યું છે, માટે માયાનો મોહ છે તેમાં જે ન વહે તેથી ભગવાન ભજાય છે.
(101) ઉદ્યમ રાખે તો ઠીક પડે ને એક જણ હતો તે વેપાર કરતો કરતો વળી ખેડ કરવા મંડ્યો ને વળી ચાકરી મંડાવી. માટે ઓઘો ન ઉપાડવો ને બહુ વહેવાર વધી જાય તો વહેવાર આપણને દાબી દે ને આપણે દબાઈ જઈએ ને પાંચ વિષયનું સરું આવે નહિ તે તો એક વિષયમાં આવરદા પૂરી થઈ રહે એવું છે. માટે જેવું ખાવાનું, જેવું લૂગડું, જેવું છોકરું, જેવો વહેવાર તે વતે દહાડા કાઢી નાખવા, પણ તેના ઉપાયમાં હેરાન થાવું નહિ. આ દેહમાં આપણે હેત તે દુ:ખ નથી જણાતું, પણ તેને તો દુ:ખનું આગાર કહ્યું છે. તે કોઈને વાળા નીકળે, પેટપીડ ચાલે, માથું દુ:ખે એવા કેટલાંક દુ:ખ રહ્યાં છે.
ઉદ્યમ : યત્ન, મહેનત.
સરું : છેડો, અંત, પાર.
આગાર : નિવાસસ્થાન.
(102) હવે અમારે દિવાળી સુધી કથા કરાવવી છે ને જેને રહેવું હોય તે રહેજો એમ કહ્યું ને મહારાજે પ્રિયવ્રતનો માર્ગ કાઢ્યો છે; તે ઉપર શિનોરના ગિરધર ભક્તની વાત કરી જે, ઘા લાગ્યો હતો. પછી શીરો ખાધો તે કામ ઉદય થયો. પછી અમને વાત કરી જે, આમાં રહેવાશે નહીં. પછી અમે મહારાજને મુક્તાનંદસ્વામી પાસે કહેવરાવ્યું. પછી પ્રિયવ્રતનો મારગ કાઢ્યો. ગિરધર ભક્ત ચૌદ વરસના હતા ને ત્યાગી થયા. મહી નદીમાં મહારાજ ટીમણ કરવા બેઠા ત્યાં ગિરધરભાઈ ને બીજો સાધુ માથે ઓઢીને રમત કરતા હતા તે મહારાજે બોલાવ્યા ને એકને કાઢી મૂક્યો. બીજાને કહે, આ ગિરધર મુમુક્ષુ છે તેને ભેળો લ્યો. પછી તેનો ભાઈ જોરોભાઈ વીસ ગાઉ છેટે રહેતો તેને વડોદરે બોલાવ્યો ને કહ્યુ જે આને લઈ જા, તો કહે, એને ક્ધયા ન મળે. ત્યારે મહારાજે એક હરિજનને પૂછ્યું તમારે દીકરી છે ? તો કહે, ‘મહારાજ આઠ વરસની છે, પોર પરણાવવી છે.’ પછી મહારાજ કહે, ‘કરો સંબંધ.’ પછી વહેવાઈના હાથ મહારાજે ભેળા કર્યા ને મહારાજ કહે, ‘આજ પ્રિયવ્રતનો મારગ કાઢવો છે.’ પછી કહે, ‘એને ખાવાનું શું ?’ તો કહે, ‘પચાસનો પગાર થાશે.’ પછી વડોદરામાં નોકર રહ્યો ને હજારોને સત્સંગી કર્યા.
ને કામ, લોભ, સ્વાદ, સ્નેહ ને માન તેને રોકવા, તે તો જેતપરનો ધરો રોકાય તો એ રોકાય ને વાંઢાને બીજો રોગ વધે, તે શું જે સારું સારું વઘારીને ખાય તે રસાસ્વાદ વધે, પછી તેના હૈયામાં ભગવાન રહે નહિ, તે ખાટાં, મીઠાં, ચોપડ્યાં ખાય. માટે કાં તો કોરા તલ ભલા પણ કચરિયું કર્યું તે શા કામમાં આવે? માટે મહારાજે તેરેથી કાગળ લખ્યો હતો જે મહિનો મહિનો વાતું સાંભળશો તો ઠા રહેશે, નહિ તો ઠા રહેશે નહિ ને આ મારગ તો જુદો કાઢ્યો છે. જેમ કહ્યું છે તેમ રહીને પ્રભુ ભજવા ને જેને ભગવાનનું આલંબન નહિ તેનો દિવસ શી રીતે જાય ? માટે ભીડામાં રહેવું ને કથાવાર્તાના ઘસારામાં રહેવું તો ઠીક રહેશે. પછી વિશલ્યકરણીનું છેલ્લાનું 39મું વચનામૃત વંચાવીને વાત કરી જે, આટલી આટલી વાતું મહારાજે કરી છે. જેમ કોઈ આંધળો ધ્રોડ કરે તેમ આપણે આંધળો ધ્રોડ ન કરવો, તે હવે ધોળા મોવાળા આવ્યા ને સંસારના વેગ લગાડવા તે આંધળો ધ્રોડ કહેવાય ને માલ આથમણો ગયો ને ઉગમણો દોડ્યા તે માલ મળે નહિ ને અંત સમે તો જેમાં સ્નેહ રહેશે તે આડું આવીને ઊભું રહેશે. તે જેમ ભરતજીનો મૃગાકાર જીવ થઈ ગયો તેમ. માટે જીવ તો એક ભગવાનમાં જ બાંધવો ને સાધુમાં બાંધવો. ડુંગળી ખાય તેના હૈયામાંથી એલચીનો ઓડકાર ક્યાંથી આવશે ?
ટીમણ : શિરામણ, જલપાન, નાસ્તો.
ગાઉ : અંતરનું એક પરિમાણ, દોઢ માઈલ, અઢી કિલોમીટર.
પોર : ગઈ સાલ, ગયું વર્ષ.
ઠા : નિરધાર, ઠેકાણું, સ્થિરતા,
આલંબન : આધાર, ટેકો.
ધ્રોડ : અન્ય ભક્તિનાં કાર્યો પાછળની દોડધામ.
(103) આપણે સત્સંગ રાખવો ને બીજાને રખાવવો ને વાતું કરવી. તે નિષ્કુળાનંદસ્વામી અમારી પાસે, નવ ગાઉ ચાલી સમાગમ માટે વાતું કરવા આવતા. તેમ માંહી માંહી વાતું કરવાનું રાખજો ને વાતું વિના તો સત્સંગ સમજાય નહિ.
ગાઉ : અંતરનું એક પરિમાણ, દોઢ માઈલ, અઢી કિલોમીટર.
સંવત 1919ના બીજા શ્રાવણ વદિ એકાદશીને દિવસે સ્વામીએ વાત કરી જે,
(104)
યદ્યપિ સુધ્ધં લોક્વિરુધ્ધં નાચારણિયં નાકરણીયં ।
અર્થ :- ભલેને શુદ્ધ હોય પણ જો લોકને વિરુદ્ધ હોય તો કદી પણ ન આચરવું, ન કરવું.
તે ઉપર જન્મેજય રાજાએ નાના બ્રાહ્મણ વરુણીમાં વરાવ્યા તેની વાત કરી ને સ્થાનદોષ ઉપર ગાય ને કલાલનું કહ્યું જે કલાલને ત્યાં દૂધ પીએ તો પણ સૌ જાણે જે દારૂ પીધો છે ને ગાયને હેઠે બેસીને દારૂ પીએ તો પણ સૌ જાણે જે દૂધ પીધું. ને સંગ તો એક ભગવાનને ન લાગે, બીજાને તો લાગે જ. મન-ઈન્દ્રિયું જીત્યા છે એમ વિશ્ર્વાસ ન કરવો. સંગ તો જરૂર બાધ લગાડે એવો છે.
અર્થ : ધન, સંપત્તિ.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
બાધ : દોષ.
(105) ભટજીએ હાટ માંડ્યાના સમ ખાધા તેની વાત કરી. તે એવું સાંખ્યવાળાને સૂઝે ને જોગવાળાથી પાછું ન વળાય. ને પ્રપંચી મનુષ્ય હોય તેને આપણે ન ઓળખીએ ને એક બ્રાહ્મણ હતો તે માંગરોળ ગયો ને કપટ કરીને પૂજા લીધી ને આંહીં આવતો ને જમીને ચાલ્યો જાતો પછી તેને ઊતર્યાના સમ દીધા ત્યારે કેડ મૂક્યો. ને અમદાવાદમાંથી ત્યાગીએ ડોશી પાસેથી પગલાં લીધાં તેની વાત કરી. માટે ‘કામ, ક્રોધ ને લોભની લહેરી એ ત્રણથી તોબા ત્રાય.’
પગલાં : મહારાજનાં પગલાંની છાપ.
સંવત 1919ના બીજા શ્રાવણ વદિ બારસને દિવસે સ્વામીએ વાત કરી જે,
(106) મધ્યનું સાતનું વચનામૃત વંચાવીને વાત કરી જે, કૃપાએ કરીને દોષ ટળે છે પણ દેહાભિમાન મૂકીને જ્યારે મોટાની સેવામાં રહે ને જે અક્ષર કહે તેમ નમી જાવું તો મોટાની કૃપા થાય ને જે આજ્ઞા લોપે છે તેને તો કોઈ દિવસ સુખ હોય જ નહિ. આજ્ઞા લોપાય તો કામાદિક ભૂત વળગે છે ને વધુ લોપાય તો ખરેખરું ભૂત પણ વળગે છે, તે ઉપર જેતપરની વાત કરી.
(107) છોકરો સોળ વરસનો થાય ત્યારે ભાઈ કહેવો. પુત્રે મિત્રવદાચરેત્ અર્થ :- પુત્રની સાથે મિત્રની જેમ વર્તવું જોઈએ. તે ઉપર ઊનાના કલ્યાણ શેઠની વાત કરી જે, સાધુની ગોદડી ઓેઢી, પછી છોકરે કૂંચી લઈ લીધી. ઘેર હોય ત્યારે
દેહાભિમાન ન હોય ને તે ત્યાગીમાં આવે ત્યારે દેહાભિમાન વધે. પછી દેહને જાળવીને બેસી રહે. ને અમારે તો માણસની ગરજ એટલે કાંઈ કહેવાય નહિ; પણ તેનો દહાડો નીકળવો કઠણ પડે. તે ઉપર જે બેઠા એ લાભ. તેની વાત કરી જે, પટેલનો સાથી સાંતી હાંકવા જાય ત્યાં બેસી રહે ને કહે જે, જે બેઠા એ લાભ. તપાસીને જુએ તેને ખબર પડે જે ઘેર હતો ત્યારે કેટલું દેહાભિમાન ને સ્વભાવ હતા ને આંહીં કેટલા વધ્યા કે કાંઈ ઘટ્યા છે? એમ તપાસીને જુએ તેને ખબર પડે; પણ અંધારામાં કાંઈ ખબર ન પડે. ને કોઈથી ન થાય તો હાથ જોડવા પણ જાણીને કપટ કરે તે બહુ ભૂંડું કહેવાય, તે ઉપર હરજી ઠક્કરે કહ્યું હતું જે કોઈ મારનારું હોય તો દશ ગાઉ દોડ્યો જાઉં.
અર્થ : ધન, સંપત્તિ.
સાંતી : ખેતીની જમીન.
દશ : દિશા.
ગાઉ : અંતરનું એક પરિમાણ, દોઢ માઈલ, અઢી કિલોમીટર.
સંવત 1919ના બીજા શ્રાવણ વદિ તેરસને દિવસે સ્વામીએ વાત કરી જે,
(108) જે અજ્ઞાની છે તેને હોકામાં, અફીણમાં માલ મનાય છે. ને ચિત્રામણના લાખો સૂર્ય હોય પણ અજવાળું થાય નહિ ને ચિત્રામણના લાખ આંબા હોય પણ તેમાં કેરી લાગે જ નહિ ને સસલાને શીંગડાં હોય જ નહિ ને વંઝા સુત કહેવાય જ નહિ, તેમ જેને સ્વપ્નને દૃષ્ટાંતે સંસારનું સુખ થઈ જાય, ત્યારે એ પાપ ખરેખરું હૈયામાંથી જાય, લોભ છે તે બોલ્યો જે, હું છું ત્યાં બધા છે. તેમ દોષે કરીને જીવ બળ્યા કરે છે ને લોભની પીડા મટતી નથી ને અજ્ઞાનરૂપ કારણ શરીર તે પ્રલયકાળના અગ્નિએ કરીને ન બળ્યું. માટે તે તો જ્ઞાન થાય ત્યારે જ ટળે ને ફળ થોડું ને દાખડા ઘણા તે પુરુષોત્તમ ભટ્ટે ઘણો દાખડો કર્યો તે શાસ્ત્રી થયા. તેનું ફળ તે રોટલા ખાવા મળ્યા એટલું જ છે, પણ બીજું નથી ને ભટજીના બાપની વાત કરી જે કોઈ રીતની તૃષ્ણા જ નહિ તે લોટ માગીને બેસી રહે. સમજણ વિના કોઈ રીતે સુખ ન આવે. મેડીએ કરીને કે છોકરે કરીને સુખ નહિ. સુખ તો નિજાત્માનં બ્રહ્મરૂપં । જીવ જાણે જે હમણાં સુખ આવશે તે સુખ તો નથી આવવાનું ને દુ:ખ તો આવશે ખરું.
જ્યું અરિ સૈનમે ઈખું કો ખેત લૂંટ્યો કે લૂંટ્યો કે લૂંટ્યો કે લૂંટ્યો હે,
જ્યું કપટી મિત્ર હેત કીયો સો તૂટ્યો કે તૂટ્યો કે તૂટ્યો કે તૂટ્યો હે,
જેસે હી તોલત ધાનકો ઢેર ખૂટ્યો કે ખૂટ્યો કે ખૂટ્યો કે ખૂટ્યો હે,
બ્રહ્મમુનિ કહે ત્યું એની દેહ છૂટ્યો કે છૂટ્યો કે છૂટ્યો કે છૂટ્યો હે.
(બ્રહ્માનંદ કાવ્ય-બ્રહ્મ વિલાસ-શ્રી કાલકો અંગ-પાન નં.720)
તેમ કપટનું હેત છે તે રહેનારું જ નહિ ને દેહ રાખવો ને પ્રભુ ભજવા તે વિના બીજી વાત જેટલી છે તે દુ:ખી થાવાનો ઉપાય છે તે ભગવદીને સૂઝે.
(109) ત્રણે પ્રકારની હિંસા કહી છે તે ગરાસિયા નિત્ય ઊઠીને મને કરીને ભારત કરે તે પોતાના શત્રુને મારી નાખે એવા મનસૂબા કરે. માટે મનનું પણ પાપ લાગે છે. તે માટે દેહત્રયવિલક્ષણમ્ થાવું તો ત્રણે દેહનાં પાપ ન લાગે ને મનુષ્યદેહ આવ્યો છે તે ચિંતામણિ ને રતન હાથમાં આવ્યું છે તેણે કરીને જે કરવું હોય તે થાય. ને ભગવાન ભજ્યાનો કે સાધુ સમાગમ કરવાનો વારો કોઈએ કર્યો નથી. ગામ જવાનો, વેપારે જવાનો, વિવાહે જવાનો વારો કર્યો છે ને ભગવાન ભજ્યા વિના ને સાધુ સમાગમ વિના ગમે તેટલા રૂપિયા કમાણા કે ગમે તેટલું અન્ન પાક્યું તો પણ એકડા વિનાનાં મીંડા છે તે જે કરવાનું હતું તે રહી ગયું, માટે રૂપિયા હોય તો તે વતે ભગવાન ભજવા ને સમાગમ કરવો, તે રસોયો રાખીને કરવો ને એક વાંચનારો રાખવો ને જ્ઞાન થાય તે ઘરે બેઠાં બેઠાં કોઈને નથી થયું, ભણ્યા વિના તો કોઈને વાંચતાં ન આવડે, તેમ સમાગમ વિના તો કોઈને જ્ઞાન થયું જ નથી; માટે પોતાના ગામમાં કોઈ વાંચનારો ન હોય તો કોઈ સારો હરિજન હોય તેને વરતી બાંધી દઈને પણ પોતાના ગામમાં રાખવો ને જ્ઞાન વિના તો જડાઈ જાય એવું છે ને આ જીવ છે તે કોઈ દહાડો ભગવાનના ગમતામાં રહ્યો નથી તેણે કરીને દુ:ખ નથી મટતું ને માયાના ગમતામાં રહ્યો છે. ને ભગવાનના ગમતામાં રહે તો દુ:ખ જ ક્યાં છે ?
મનસૂબા : સંકલ્પો, કાંઈક કરી લેવાના વિચારો
ચિંતામણિ : ઇચ્છા પૂરી કરે તેવો દિવ્ય મણિ.
બપોરે વાત કરી જે,
(110) જેનો દોષ આવે તે સાથે વેર થયા વિના રહે નહિ ને વેર થાય ત્યારે ભેળું રહેવાય નહિ ને વિષય છે તે જેમ મોટા તેમ મોટા દુ:ખ તે ચીભડાના ચોરને ઠોંટ-બુહટ હોય, પણ ઝાઝો દંડ હોય નહિ. તેમ થોડા વિષયમાં થોડો કલેશ ને ઝાઝામાં ઝાઝો કલેશ.
સંવત 1919ના બીજા શ્રાવણ વદિ ચૌદશને દિવસે સ્વામીએ વાત કરી જે,
(111) હજારો વિઘ્નને ઓલંઘી (ઓળંગી) પ્રભુ ભજવા ને ‘મહારાજ આપણા હિતકારી છે.’ તે જેમ આપણું સારું થાય તેમ બતાવ્યું છે ને રાજા ને રજોગુણી તેની તો સંગત જ ન કરવી. બીજી વાતો બોલે તો તેમાં કાંઈ નહિ ને ભજન કરવા માંડે તો આ ઘડીએ વિઘ્ન આવવા માંડે.
(112) સાધુ થયા વિના સુખ નહિ થાય ને વહેવારમાં સુખદુ:ખ તો અપાર અપાર છે ને સાધુમાં હેત હોય તો આફુડા ગુણ આવવા માંડે ને અનુગ્રહ થાવા માંડે, માટે તેના સમાગમ જેવી કોઈ વાત નથી જણાતી; તે વચનામૃતમાં કહ્યું છે જે એવાને રાજી કરે ત્યારે એનો અનુગ્રહ થાય ને શિષ્ય થાય ત્યારે તેને ગુહ્ય વાત હોય તે કહેવાય. (વચ. ગ.મ. 26)
અનુગ્રહ : કૃપા, ઉપકાર, મહેરબાની.
ગુહ્ય : રહસ્ય, મર્મ
(113) ને ‘હું કૃતાર્થ થયો છું.’ એવો મહિમા અહોનિશ રહે ને
એકોપિ કૃષ્ણસ્ય કૃત: પ્રણામો દશાશ્ર્વમેઘાવમૃથેન તુલ્યમ્ ।
દશાશ્ર્વમેધી પુનરેતિ જન્મ કૃષ્ણપ્રણામી ન પુનર્ભવાય ।।
(મહાભારત-શાંતિપર્વ : 12/47/92)
અર્થ :- શ્રીકૃષ્ણને કરેલો એક જ પ્રણામ દશ અશ્ર્વમેધ યજ્ઞને અંતે કરવામાં આવતાં સ્નાન બરોબર પુણ્ય આપનાર છે. દશ અશ્ર્વમેધ કરનારને ફરી જન્મ લેવો પડે છે. શ્રીકૃષ્ણને પ્રણામ કરનારને ફરી જન્મ લેવાનો રહેતો નથી. એવો મહિમા રહે તો દુ:ખ જ ક્યાં છે ? તે એવો મહિમા તે સાધુ સમાગમે કરીને આવે છે.
કૃતાર્થ : જેનું કાર્ય સિદ્ધ થઈ ચુકયું છે તે, ધાર્યું કાર્ય પાર પડ્યાનો આનંદ.
અર્થ : ધન, સંપત્તિ.
દશ : દિશા.
(114) ઘસારા વિના તો સ્વભાવ જનારા જ નહિ. તે જ્યાં ઘસારો છે ત્યાં ખડ નથી ઊગતું ને ભેળો રહે પણ જેમ કાળવામાં પાણો હોય તેમ કોરો રહે ને એવો ભેળો રહે તેમાં સમાસ થાય નહિ ને સમાસ ક્યારે થાય? જે, અંતરના દોષ કહેવા માંડે ને તે વિના તો ભેળો રહે પણ એકલશૃંગીની પેઠે કોઈક ચાળે ચઢી જાય, તેની વાત કરી.
ખડ : ઘાસ.
પાણો : પથ્થર.
(115) સાધુ થયા વિના છૂટકો નથી ને જે વાત કરવાની છે તે કરશું ત્યારે જ સુખ થાશે. તે એક અસ્વાર બે ઘોડે ન ચઢે ને એક ક્ધયા બે સાસરે જાય જ નહિ. ને નિષેધ કર્યા વિના તો કરોડ જન્મે એ ટળનારું નહિ; માટે દુ:ખ, દોષ ને નાશવંતપણું એમનું એમ જોયા જ કરવું. કોઈના દોષ કહેવા, સાંભળવાને મારગે ચાલે ત્યારે અંતર ગોબરું થઈ જાય ને પછી આજ્ઞા લોપવા માંડે ત્યારે અંતરે સુખ પણ રહે નહિ ને જીવ બળવા લાગે ને ઉપરથી તો સારું જણાય પણ જેમ ઘઉં સારા હોય ને માંહી હીમ પડે ને બીજ બળી જાય, તેમ તેના અંતરમાંથી સુખ જતું રહે છે તે બીજ બળી ગયું કહેવાય. પછી મોટાની મરજી પણ તેને માથેથી ઊતરી જાય છે ને ત્યાર કેડે અંતર ભ્રષ્ટ થઈ જાય છે.
ને જો મોટાને મન સોંપે તો કોઇ જાતનો દોષ રહે નહિ પણ એમ ક્યાં નિષ્કપટ થઇને મોટાને પોતાના દોષ કહેવાય છે જે ‘આટલો મારે કામ છે કે લોભ છે કે સ્વાદ છે કે સ્નેહ છે કે માન છે ને આટલું દેહાભિમાન છે,’ એમ ચોખું નિષ્કપટ થઈને કે’દી કહેવાય છે ? ને જેમ છે તેમ કહેવા માંડે તો કોઈ સ્વભાવ રહે જ નહિ ને ઘરમાં હથિયાર હોય ને સમે (સમયે) કામ ન આવે તે કામ ન આવ્યું; માટે શ્રવણ, મનન, નિદિધ્યાસ કરીને એ વાતને સાક્ષાત્કાર કરવા શીખવું ને જ્ઞાન વિના તો ઓસાણ પણ આવે નહિ ને જ્ઞાન ન હોય તો મરને દેહનો અનાદર હોય પણ માંદાની ચાકરી કરતાં ન આવડે ને કરે તો ‘ધત્ત તેરા કલ્યાણ’ એવું કરે ને પોતાના દેહની વિષ્ટા ધુએ પણ માંદાની ચાકરી કરતાં સૂગ ચડે; માટે એ પણ શીખ્યા વિના ન આવડે ને મનુષ્યભાવ ને દિવ્યભાવ તે સમાગમ વિના ખબર પડે નહિ ને પોતામાં દોષ હોય તે કામ, લોભ, સ્વાદ, કેટલા છે તે પણ જણાય નહિ.
ને કેટલાક છે તે અમથા જાગે ને કથામાં ઊંઘે, તેને જો કહીએ તો દુ:ખ લાગે તે કહેવાય નહિ ને શ્રવણ ભક્તિ વિના ગમે તેટલાં શાસ્ત્ર, પોતાની મેળે વાંચે પણ જ્ઞાન થાય નહિ; માટે ગુરુ કર્યા જોઈએ. તે ગુરુ કર્યા વિના તો કોઇ વાત આવડનારી જ નહિ ને કેટલાક છે તે કરે છે આત્માની વાતું ને વરતે છે દેહમાં. એ તે શું ? માટે કાંઈક વરતવા માંડે તો વાતું પ્રમાણ થાય. માટે જ્યાં સુધી મંદવાડ આવ્યો નથી ને આવરદા નથી આવી રહી, એટલાકમાં વચનામૃતનો અભ્યાસ કરી લેવો ને સારા ભગવદીનો સમાગમ કરી લેવો ને જે વાત થાય તે સમે થાય.
ઘોડે : જેમ.
નિષેધ : શાસ્ત્રવિહિત મનાઈ.
કેડે : પાછળ.
નિદિધ્યાસ : ઇષ્ટદેવ કે પરમતત્ત્વનું નિત્ય ચિંતન.
સાક્ષાત્કાર : પરમતત્ત્વ કે ભગવાનનું પ્રત્યક્ષ દર્શન કે સાક્ષાત્ અનુભવ.
ઓસાણ : યાદ, સ્મરણ
મરને : ભલેને.
વિષ્ટા : નરક, મળ.
મનુષ્યભાવ : દેહભાવ, માયિકભાવ, જેમાં ગુણાનુરાગ - ગુણાનુબુદ્ધિ પ્રવર્તે છે તેવો ભાવ.
દિવ્યભાવ : જેમાં માયાના ત્રણ ગુણનો પ્રભાવ ન હોય તેવો અદ્ભુત ભગવદ્ભાવ.
(116) આ જીવ છે તે દેહમાં ને સ્થાનમાં બંધાઈ જાય છે. તે ત્યાગી ને ગૃહસ્થ બેય બંધાય છે. પછી ત્યાગની ચટકી રહે નહિ ને સમજણ વિના તો જેને પૂજવા હોય તે સાથે વેર થાય ને આ વાતું જ ન ગમે, દેહમાં તો નહિ જ રહેવાય. જીવને તો માન જોઈએ તે તેનો પાર નહિ ને માન જાય ત્યારે મરવા તૈયાર થાય. ભગો શેઠ સાંબેલા સારુ ઘોડેથી પડ્યા ને વાગ્યું, તેમાં ફળ કાંઈ નહિ ને અમથો દાખડો. તે એવા સ્વભાવ પડે છે, તે રૂઢ થઈ જાય છે. માટે એવું અજ્ઞાન તો મૂક્યે જ સુખ થાશે.
કોઈને કહીએ જે, ‘આંહીથી ઊઠીને આંહી બેસો.’ તેમાં તો મરડાઈ જાય ને આગળ બેસવાવાળાને બે ગુણ શીખવા જોઈએ. એક તો આગળ બેસીને ઊંઘવું નહિ ને વાંસેથી આવવું નહિ ને વાંસેથી આવવું તો વાંસે બેસવું, માટે એવી કેટલીક વાતું જાણી જોઈએ ને સુખમાં દુ:ખ રહ્યા છે તે જે જુએ તેને જણાય. તે ઘોડે બેઠો તો પગ મરડાણો ને મુક્તાનંદસ્વામીનો હાથ ભાંગ્યો માટે પદાર્થમાત્રમાં દુ:ખ છે તે મોહે કરીને દેખાતું નથી. ને સારા ખાવામાં પણ દુ:ખ છે. તે જેટલાં મોટાં માણસ ને આ ભેખ તે માંદા છે તે શું ? જે, પરસેવો વળે નહિ, તે રસનો વિકાર થાય. પછી તેમાંથી ધાધર-ખસ થાય ને ખાધા ટાણે ખબર ન રહે તે લીધે જાય ને પછી દુ:ખ થાય. માટે જુક્તાહાર-વિહાર કરવો, તે જોવું તેમાં પણ વિચાર રાખવો ને સાધુ છે તેનાં દર્શન કરવા મનુષ્ય આવે, પછી સાધુ છે તે એ મનુષ્ય સામું જોવા માંડે ત્યારે સાધુનો ભાર રહે નહિ. તે એક ફકીર, રાજાને જોવા વડ ઉપર ચડી ગયો, પછી રાજાને તેનો ભાર નીકળી ગયો.
મરડાઈ : રિસાઈ, વંકાઈ.
વાંસે : પાછળ.
ઘોડે : જેમ.
ભેખ : સંન્યાસ.
(117) મહારાજની નાડી રામદાસે જોઈ પછી રોગ નહિ તે મહારાજે વખાણ કર્યા ને ગમે તેવો ડાહ્યો હોય પણ લોભ આવ્યો કે કામ આવ્યો કે માન આવ્યું કે ક્રોધ આવ્યો ત્યારે બુદ્ધિ ભેદી નાખે, તે દક્ષ કેવા ડાહ્યા પણ શિવજી ઊભા થયા નહિ, ત્યારે કહે, ‘ઊભા ન થયા માટે તેનો યજ્ઞમાંથી ભાગ કાઢી નાખું.’ પછી તેમાંથી કેવું થયું ? મોટા મોટા સ્મૃતિકાર ઋષિ હતા તેને પણ માને થથડાવ્યા ને હમણાં આપણામાં મત બંધાય તો કલેશ થાવા માંડે, તે જેને કાંઈ ન જોઈએ તેને પણ દુ:ખ થઈ પડે છે ને બીજાં દુ:ખ તો ઘણાં છે; પણ માનતાઈ (મહંતાઈ) જાય એવું દુ:ખ બીજું કાંઈ નથી, માનતાઈમાં કેવું સુખ છે તે ત્રિકમદાસને પૂછો.
થથડાવ્યા : ધમકાવ્યા
(118) ગૃહસ્થ છે તે આજ્ઞાએ કરીને સ્ત્રી રાખે છે, રૂપિયા-મેડી રાખે છે ને બાધ નથી લાગતો. માટે આજ્ઞા ભળી એટલે કાંઈ બાધ ન કરે ને બીજાને બાધ કરે. ને જેને કર્તવ્ય સામી નજર નહિ તે ડાહ્યો નહિ ને બીજી સો સો ક્રિયાઓ કરે પણ પોતાનું કર્તવ્ય હોય તે ન થાય ને જગતના જીવ છે તે ગુરુમાં બધા દોષ હોય તેવાને પણ ગુરુ માનીને બેઠા છે તે મૂરખ છે ને મૂરખે તો ‘દૂધે ધોયા કોયલા ઉજલા ન હોયલા’ તે જેવું કર્યું ને ગુરુનું લક્ષણ શું ? જે કામાદિક શત્રુ જિતાવે ને આ તો મૂળગા વધારી દીધા, તે શેના ગુરુ કહેવાય ?
બાધ : દોષ.
(119) ને મરને ઐશ્ર્વર્ય આવ્યાં હોય તો પણ વિષયનો અભાવ ન આવે ને ગમે તેટલાં વહેવારનાં, બાયડીનાં દુ:ખ હોય તો પણ અભાવ કેટલાક વરસ સુધી ન આવ્યો. માટે સંસાર છે તે ભોગાવાના ગારા જેવો છે, તેમાંથી નીકળે નહિ, તે પાંચે વિષય એવા છે. તે દરબારમાં ગોલા રહે છે તે બધાનું ખમે છે. તેનું શું કારણ? જે, તેને વિષયનું આલંબન છે માટે ખમે છે. તે ઉપર પરવતભાઈની વાત કરી. ઝીણાભાઈનો ગોલો લાકડાનો ભારો વેચીને અદાભાઈને ખવરાવે ને પોતે માગીને ખાય એમ; માટે એવા અસંખ્યાત જીવ છે તે ત્યાંના ત્યાં જ કુટાય છે. તે દરબારને આધીન, પટેલને આધીન, કામદારને આધીન, પણ ભગવાન ને સાધુ તેને આધીન કોઈ નથી. દેહ નહિ રહે ને હેરાનગતિ છે માટે કોઈ ડાહ્યો હોય તેણે દેહ ને ઈંદ્રિયુંને, સંબંધીને છેતરીને પ્રભુ ભજી લેવા, નીકર દોષે કરીને અંતર ધગધગ થયા કરે ને વિષયમાં અવતાર કાઢી નાખે. તે હોકામાં, અફીણમાં ને કૂતરી પાળ્યામાં આવરદા ખોઇ નાખે છે ને મોહના ઘોડા છે તે જે ચડે તે પડે જ, તે માણેકલાલ ચાર વાર મુંબઈ જઈ આવ્યો. માટે પાંચ વિષયનું વેર તો પૂરું થાય એમ નથી ને કોણે પાર લીધો છે ? ને જો સમજણ ન હોય ને જ્ઞાન ન હોય તો ઘરમાં દાણા હોય ને રૂપિયા હોય તો પણ ક્લેશ મટે નહિ, કેટલાક પેટવડીયા ચાકર છે તે સાંજે સો ખાસડાં મારે ને વળી દાસની પેઠે મંડ્યા છે તે દુ:ખ નથી જણાતું.
(120) અર્થી હોય તે દોષ દેખે નહિ. તે ઉપર પ્રાગજી દવેને મહારાજે કહ્યું જે ક્ધયા તો મારવાડી બ્રાહ્મણ છે. ત્યારે દવે કહે, ‘મારવાડી તો મારવાડી’, પણ મયારામ ભટ નિષેધ કરીને ટાળી નાખશે. તે વિષય છે તે ગળું કાપી નાખે તો પણ દોષને દેખે નહિ. તે આપણે પણ આ સાધુને ન ગમતું હોય, ભગવાનને ન ગમતું હોય તો પણ તે થાય ને વિષયમાં દુ:ખ છે ને સ્વભાવમાં દુ:ખ છે, તેને તો મોટા દેખે ને ઘોડું ભેળું લાવ્યા હોય ને તેમાં જ જીવ રાખીએ ત્યારે વાતું કેમ સમજાય? તે ઉપર ભોજો ભક્ત કહે, ‘મહારાજ ! મને તો ભૂતડી ઘોડી સાંભરે છે.’ તે મહારાજે બ્રાહ્મણને અપાવી તો પણ કળા કરીને પાછી લીધી. માટે ઘોડીના પણ ફેલ જણાય છે. તે અમારે પગે વાગ્યું છે તો પણ જો કોઈ ભેગું હોય તો વણથળી સુધી વગર ઘોડે ચાલ્યા જાઈએ ને જેમ બાળક હોય તે કાળો નાગ ને અગ્નિ તેને ઝાલવા જાય છે તેમ સ્ત્રી, ધન છે તે એવાં છે ને તેમાં જીવ તણાય છે તે અજ્ઞાન છે ને બાળકપણું છે.
નિષેધ : શાસ્ત્રવિહિત મનાઈ.
ફેલ : નીતિશાસ્ત્ર વિરૂદ્ધનું આચરણ તથા આવક કરતાં વધુ ખર્ચ કરે તેવું આચરણ.
ઘોડે : જેમ.
(121) પાકી રસોઈ મુદ્દલ ન હોય તો કાંઈ નહિ પણ રસોઈ હોય ને એકને ખાંડનો લાડુ પીરસે ને એકને ગોળનો પીરસે ને સભામાં ધોતિયું ન ઓઢાડે તો દુ:ખ થાય. તે એટલાં બધાં દુ:ખ સાંખ્ય વિના રહે છે ને લૂગડાંના, ખાવાના મે (મેહ) વરસે છે તો પણ હૈયે શાંતિ નથી, ને સાંખ્ય વિના શાંતિ રહેતી નથી ને કોઈને ખાવાનું મળતું નથી ને ત્યાગીને તો પચવાનો કુટારો છે ને જેટલાં પદાર્થ, જેટલાં ઢોર, જેટલાં ખોરડાં એટલો સંતાપ ને વિદ્યા ભણવી તે આળસુથી ન ભણાય ને સૂતા ટાણે ચાર કીર્તનનું નિયમ ને દીવો કરવો તે આળસુથી ન થાય.
(122) ઠરાવ કરવો તે સિદ્ધાંત સામી નજર રાખીને ઠરાવ કરવો ને મોરથી વિચાર કર્યો હોય તો ધક્કો ન આવે, તે આ લોકમાં તો કોઇ મરે પણ ખરું ને જગતનો વહેવાર કેવો છે જે ‘તું મુંમાં ચાકર રહે ને સાંજે સો ખાસડાં મારું ને તું મારા મોંમાં આંગળી નાખ ને હું તારી આંખમાં આંગળી નાખું.’ ને જીવને નિદ્રામાંય વટ મનાયું તે જો સોણામાં (સ્વપ્નામાં) હૂંડી ફરે તો પણ ફડકો પડે.
હૂંડી : એક શાહુકારની બીજા શાહુકાર પર, નાણાં ચૂકવવા માટેનો આદેશ કે ચિઠ્ઠી.
ફડકો : ધ્રાસકો, ભયની ધ્રુજારી.
(123) કેમાંય સુખ નથી ને કેટલાક તો થોડું હોય તે ઝાઝું જણાવે ને જરાક માથું દુ:ખે કે તાવ આવે કે તુરત ઓષડ કરવા મંડે.
ઓષડ : રોગ મુક્ત કરવાના ઉપચાર.
(124) સમાગમ ન હોય તો આમાંથી કોણ જાણે ક્યાંઈ જતું રહેવાય ને કોક વેગે ચડી જવાય, માટે આજ્ઞામાં જ સુખ છે. ને જીવ છે તે પોતાની મેળે સુખને ખોળવા જાય પણ સુખ ક્યાંથી આવે ?
(125) કોઈક વસ્તુ હોય તે છાનીમાની કોઈકને આપે તો જીવમાં સુખ રહે નહિ ને પંચમાં આપે તેનો કુટારો નહીં. ને એકાએકી આપે તો જીવમાં સુખ રહેનાર નહીં. પદાર્થનો તો અમારે ભાર નહિ ને પદાર્થ તો લાય થાય તો બળી જાય પણ અવગુણ આવી જાય તો ટળે નહિ ને અવગુણ આવે તેની અમને ખબર છે ને પદાર્થ તો એવાં જ છે.
(126) માયિક જીવ ક્યાંઈક બંધાઈ જાય છે તે કોઈકને ચેલો, કોઈકને રૂપિયા, કોઈને પદાર્થ, કોઈને પટારા ને છેલી બાકી ખાવું, ખાટલો ને ખાડો એમાં જીવ રહેશે. તે કેટલાકને પદાર્થના કજિયા, પુસ્તકના કજિયા, પટારાના કજિયા, આસનના કજિયા, ચેલાના કજિયા; માટે મોટેરો હોય તેણે પોતાના આશ્રિતનું અપજશ ન થાય તેમ વરતવું.
(127) ભગવાનનો મહિમા વિચારીએ ત્યારે આ જગત પણ નજરમાં ન આવે ત્યારે પદાર્થ તે શું નજરમાં આવે ? માટે જરૂર મરી જવાશે ને જે કામ કરવા આવ્યા છીએ તે જો મોટા સાધુની અનુવૃત્તિમાં નહિ રહેવાય તો બગડી જાશે.
(128) વાતું મોટી મોટી કરતો હોય ને પદાર્થ ભેગા કરતો હોય ને દેહાભિમાન વધારતો હોય તે અજ્ઞાની છે.
(129) જેમ ભણ્યાનો ઉપાય છે, રસોઈ કર્યાનો ઉપાય છે. તેમ દુ:ખને ટાળવું ને સુખને પામવું તેનો પણ ઉપાય જોઈએ, તે ઉપાય સાધુ ને ભગવાન છે ને તે દ્વાર છે.
(130) કૂવો ખોદવો હોય તેનો પણ કેટલોક સામાન જોઈએ, ત્યારે આ તો આત્યંતિક મુક્તિને પામવું તેના તો કેટલાંક દાખડા કરવા પડે છે. ને સમજણ વિના તો મરને હજાર વર્ષ સુધી સત્સંગમાં રહે તો પણ શું ?
મરને : ભલેને.
(131) સાધુનો, સત્સંગીનો, મંદિરનો ને આચાર્યનો અવગુણ ન લેવો ને કોઈમાં દોષ હોય તે આપણે ન કહેવો; કેમ કે, સાક્ષી ક્યાં લેવાં જવો? આપણે તેવાને ઓળખીને તેનો સંગ ન કરવો ને મોટા કહે તેનું કાંઈ નહીં. કૃપાનંદસ્વામીએ અમને કહ્યું હતું જે મોટાના કજિયામાં આપણે ગરવું નહિ; કેમ જે, શ્રીદામા પેઠો તે હેરાન થયો ને વાલખીલ (તે નામના ઋષિ) હસ્યા તે પણ હેરાન થયા.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
(132) થાણાગાલોળને પાદર ચાર વાર રસોઈ બગડી ત્યારે રામપ્રતાપભાઈ કહે, ‘આ સ્થાન ભૂંડું છે. અહીં આરબની બેરખ રહેતી હતી.’ માટે પુરુષે કરીને સ્થાન સારું-નરસું છે ને મંદિરમાં જેવા જેવા મોટેરા હોય તે તેવું લઈ ઊઠે ને પોતાની રુચિ પ્રમાણે પ્રવર્તાવે.
(133) વિદ્યા ભણવી તેને સુખ ન ઈચ્છવું ને દુ:ખમાંથી સુખ છે. તે શું ? જે, વિદ્યા ભણે તેને જ્ઞાન થાય છે.
(134)
રાજ ભયો કહા કાજ સર્યો, મહારાજ ભયો કહા લાજ બઢાઈ,
સાહ ભયો કહા વાત બડી, પતસાહ ભયો કહા આન ફિરાઈ;
દેવ ભયો તોઉ કાહ ભયો, અહંમેવ બઢો તૃષ્ણા અધિકાઈ,
બ્રહ્મમુનિ સતસંગ વિના, સબ ઔર ભયો તો કહા ભયો ભાઈ.
(કીર્તન મુક્તાવલી-નાશવંત દેહ વિશે-પદ 15-પાન નં.761)
‘રાજ ભયો તો કહા કાજ ભયો’ તેમાં શું કહ્યું જે વિષયનો ભડકો મોટો થયો ને વિષય છે તે ઈંદ્રામણા જેવા છે તે ઉપરથી સારાં લાગે છે.
(135) જેને એવો ઠરાવ હોય જે, ‘દેહપર્યંત વિષય ભોગવવા જ નહિ.’ તેનો ઠરાવ સાચો. તે પૃથ્વી ગંધ મૂકે પણ ભીષ્મ બ્રહ્મચર્ય ન જ મૂકે. માટે જ્યારે કરશું ત્યારે જ થાશે ને જેને સાધુ થાવાનો આદર હશે તેને થાશે ને જેને આદર નથી તેને તો કોઈ દિવસ એ માર્ગે ચલાય નહીં.
(136) બે જણની ક્રિયા કરતો હોય ને પછી કાંઈ કરવું ન હોય તો પણ પ્રભુ ન સંભારે, કાં જે ગમ નથી.
(137) એક ભગવાન વિના બીજું કાંઈ ન ઈચ્છે તે નિષ્કામ કહેવાય ને જીવને તો માન જોઈએ, સ્વાદ જોઈએ ને સર્વ ઠેકાણે વિષયની હોળીયું છે તે કોઈને છોકરાંની ને કોઈને બાયડીની ને કોઈને ભૂંડી બાઈડીની હોળીયું છે.
(138)
‘અધર્મ સર્ગ જબ કરત પ્રવેશા
સુરનર મુનિ મહીં નહીં સુખ લેશા’
તે મોટા મોટામાં અધર્મ આવ્યો, તે માટે એમાં ક્યાંથી સુખ હોય ? મોટા કહેવાણા છે પણ એમાં તો સુખનો લેશ નથી.
(139) આ જીવના ખેરા ઠક્કરના જેવા સ્વભાવ છે તે કોઈને પ્રભુ ભજવા ન દે ને આટલાં ભજતાં શીખ્યા તે તો આ સંતે ને મહારાજે એ મારગે ચલાવ્યા છે.
(140) ભમરો જેમ ફૂલ ઉપર બેઠા વિના રહે નહિ તેમ આવી વાતું થાય તો પણ જેને જે સ્વભાવ પડ્યા છે તે તેમ કર્યે જ રહે.
(141) અધર્મ સર્ગનો પ્રવેશ થાય ને વિષયમાં રાગ થાય, એ અવળી મતિ થઈ કહેવાય.
(142) જગતમાં બ્રાહ્મણ છે તે ભણે છે તે શું ? જે, એને લોભ છે તે આળસ મૂકીને ભણે છે ને આપણે લોભ નથી તે કોઈ ભણતું નથી ને ઊંઘે છે. પણ ‘ભણીને જ્ઞાન પામશું.’ એમ જેને વિચાર હોય તે તો ભણે, માટે જ્ઞાન પામવાનો લોભ રાખવો. આટલી બધી વાત કરી તેમાં સર્વ કરતાં સમજણ અધિક લાવ્યા ને તેની પુષ્ટિને અર્થે બુદ્ધિવાળાનું વચનામૃત પંચાળાનું પહેલું વંચાવ્યું.
(143) સંસારમાં હોય ત્યારે સ્ત્રી સો ખાસડાં મારે તોય ખમે ને અહીં ત્યાગીમાં કોઈ વચન કહે તો ખમાય નહિ; ત્યારે એમ જાણવું જે ખપ નથી.
(144) મમત્વમાંથી જરૂર દુ:ખ આવે છે અને મોટા કહેતા જાય છે પણ તેનો જીવને વિશ્ર્વાસ નથી ને પાંચ પાતાળ ફાટ્યા છે તે તો ભરાવાનાં નહીં.
(145) વિચાર કરવો જે મારે શાની વાસના બળવાન છે ? એમ અંતરમાં તપાસ કરવો ને હૈયામાં ભગવાનને ધારવા ને વિચાર પણ એમ કરવો જે વિષયમાંથી કઈ વાસના બળવાન છે ? ને સત્સંગમાંથી કાઢી નાખે એવી વાસના બળવાન થાય છે, તે ઉપર ત્રણ પ્રકારનો વાયુ વાય છે તેની વાત કરી.
વાસના : પૂર્વના સંસ્કારોથી મકકમ થયેલી કામના.
(146) ભગવાનને તથા મોટાને અહંકાર ન ગમે તે ત્યાગનો, ભક્તિનો, સમજણનો ને બીજી કોઈ રીતનો અહંકાર ન ગમે, માટે સાધુ થાવું એ અતિશે ગમે છે.
(147) જ્યારે અનંત જન્મના શુભ સંસ્કાર ઉદય થાય ત્યારે આ પ્રગટ ભગવાન તથા પ્રગટ સાધુનો જોગ થાય છે અને પૂર્વજન્મના આશીર્વાદે કરીને પ્રાપ્ત થયો જે સંબંધ ઓળખાય જે, ‘ઓહોહો ! આ તે શી પ્રાપ્તિ થઈ, જે મને સાક્ષાત્ અક્ષરમૂર્તિનો સંબંધ થયો !’ એમ અલૌકિકપણું રહે.
(148) ‘નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો.’ એમ મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું તે તો પોતાનો અચળ સિદ્ધાંત કહ્યો છે, માટે જેમ ભગવાનના મહિમાની અવધિ નહિ તેમ સાધુના સમાગમની પણ અવધિ નહિ; માટે, ‘પરમ એકાંતિક એવા જે સાધુ તેનો સમાગમ કરવો, કરવો, કરવો જ.’ એમ ત્રણ વાર રાજી થઇને બોલ્યા.
અવધિ : અંત, નિશ્ર્ચિત સમયમર્યાદા.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
(149) મહારાજે મધ્યના તેરના વચનામૃતમાં કહ્યું છે જે, સદ્ગ્રંથમાં આવી વાર્તા તો હોય પણ જ્યારે સત્પુરુષ પ્રગટ થાય છે ત્યારે તેમના મુખ થકી જ એ વાત સમજાય છે, પણ પોતાની બુદ્ધિના બળે કરીને સદ્ગ્રંથમાંથી પણ સમજાતી નથી. માટે જેને આ સમાગમ પ્રાપ્ત થયો છે તેના ભાગ્યનો પાર નહીં. આવા જોગમાં રહીને જેમ છે તેમ સમજતા નથી તેને મંદબુદ્ધિવાળા જાણવા; કેમ જે, સર્વોપરી મહારાજ ને સર્વોપરી આ સાધુ ને સર્વોપરી આ સ્થાન તેમાં રહીને કસર નહિ ટળે તો પછી ક્યારે ટળશે ? નહિ ટળે, માટે જેને પરમપદ પામવું હોય તેને આ બરોબર બીજે ક્યાંઈ નથી.
કસર : ખોટ, ઉણપ.
(150) ગમે તેવો તરિયો હોય તો પણ ઘુમરી ડુબાડે છે તેમ ગમે એવો બળિયો હોય તેને પણ વિષય લોપી નાખે છે. માટે એ માર્ગ ઘણો અટપટો જણાય છે.
લોપી : ન માનવા દે, ઉલ્લંઘન કરાવે.
(151) દાણા ને ખડ એ બે તો સડવા જ દેવાં તે અમારે મોર દાણા સડી જાતા તે ગાડી ભરીને ખેતરમાં નાખી આવતા. તે શા સારુ કરવું ? જે, એક તો પત્રી (શિક્ષાપત્રી) પળે ને વળી જીવમાં ધારણા રહે.
ખડ : ઘાસ.
પત્રી : શિક્ષાપત્રી.
(152) મોરે તો ધાડાં, ટૂંટિયું એવાં કંઈક દુ:ખ હતાં; આ તો મહારાજે શુભ કાળ પ્રર્વતાવ્યો છે.
(153) મહારાજે કોઈ વાતની કસર રહેવા દીધી નથી. કાનમાં વાતું કરી છે. મહારાજે કહ્યું જે અમને અન્નદાતા જાણશો તો પણ ઠીક છે.
કસર : ખોટ, ઉણપ.
(154) કોણ જીવન પરજંત રોટલા, લૂગડાંનું ગળામાં લે છે ? માટે કોઈને રોટલા, લૂગડાં મળતાં હોય કે છોકરો કરનારો હોય તેણે તો આ સમાગમ કરવો; કેમ જે, સોનાના મોલ હોય તે બાળી દઈને આ સમાગમ કર્યા જેવો છે.
પરજંત : પર્યંત, સુધ્ધાં.
(155) બીજી ક્રિયા આવડો કે ન આવડો પણ સાધુપણું શીખવાનો અહોનિશ વિચાર કરવો.
(156) ત્રણ ગ્રંથ પ્રમાણે ન વરતાય એટલી ખોટ અને જેને વિષે અતિશે આસક્તિ બાંધી છે ને જેને વિષે અતિશે હેત છે એવું દેહ તે તો નહિ રહે માટે તે સારુ જે અક્ષર લખ્યા છે તે લોપવા નહિ ને અમારી સાંભરણમાં તો રોટલા મળતા નહિ. હવે મહારાજે બધી વાતનું સાનુકૂળ કર્યું છે.
(157) આળસ, નિદ્રા આવે ત્યારે કીર્તન બોલવાં, પછી ઘડી ઘડી ધ્યાન કરવું. એમ ફરતું ફરતું કરવું ને જેણે સત્સંગ શિરોમણિ (સત્સંગના તત્કાલિન ભગવદી સંતો) નહિ જોયા હોય તેને વધ્યા-ઘટ્યાની ખબર પડે નહિ.
(158) આ દેહ તો જરૂર નહિ રહે ને ખોટ રહી જાશે. આપણે તો મહારાજને રાજી કરવા છે.
(159) આ લોકનું શા સારુ રાખીએ ? રાખીએ સ્વામિનારાયણનું. નિષ્કામી વર્તમાન નહિ પાળે તેનાથી તો સત્સંગમાં નહિ રહેવાય. મોટેરો હોય તે તેની રુચિ પ્રમાણે કરે. વાણિયો મોટેરો હોય તો રૂપિયા ભેળા કરે, બ્રાહ્મણ મોટેરો હોય તો પુસ્તક ભેળાં કરે, ગરાસિયો મોટેરો હોય તો પૃથ્વી ભેળી કરે ને રબારી મોટેરો હોય તો ઢોરાં ભેળાં કરે. ભજન તો આળસ મેલીને કરવું. વીંછી કરડ્યો હોય તો રાત બધી જાગે ને ભવાઈવાળા લોથ થાય તોય રાત બધી જાગે, પણ ભજન કરવું ત્યારે તો ઊંઘી જવાય.
પાળે : સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જાતનો સેવક/પાર્ષદ.
(160) ઉપરલું હેત છે તેણે કામ થાતું નથી. સંબંધીનું હેત છે તે ઉપરનું છે. જેમ વેશ્યાનું હેત છે તે એનો ઘરવાહ ચલવે નહિ તેમ સંબંધીનું હેત પણ કપટનું છે. એક ડોસીએ તેના માંદા દીકરાને પૂછ્યું, ‘જમ કેવા હોય ?’ તો કહે, ‘પાડા જેવા હોય.’ પછી રાત્રે બે પાડા ફરતા ફરતા તે ડોસીના ફળિયામાં ઉકરડો હતો ત્યાં આવ્યા ને ખાતર ઉડાડવા લાગ્યા, પછી ડોસી ઓસરીમાં સૂતી હતી તેને ખાટલે પાડો માથું ઘસવા લાગ્યો ત્યાં શીંગડું પાંગતમાં ભરાણું ને ખાટલો ઢરડાણો, તે ડોશી જાણે, ‘પાડારૂપે જમ આવ્યા.’ તે બીની એટલે લઘુ ને ઝાડો નીકળી ગયાં ને કહે, ‘ભાઈ, માંદાનો ખાટલો તો ઘરમાં છે. ત્યાં જવું હોય તો જાઓ ને હું તો ઘરડી ડોશી છું મને શું કરશો ? હુંમાં કાંઈ નથી.’ એમ સંબંધીનું હેત પણ કપટનું છે, પણ તેની ખરે ટાણે ખબર પડે; માટે એમાં રહીને પ્રભુ ભજી લેવા.
પાડો : ભેંસનું નર બચ્ચું કે તેનો નર.
(161) પારકા ભાણામાં માખીઓ ઉડાડે તે પણ મૂરખ કહેવાય.
(162) રસનાનું બહુ પોષણ થાય ત્યારે બીજી ઈંદ્રિયું બળવાન થાય છે, જેમ બહુ મેઘ વરસે ત્યારે ધરતી લીલી થઈ જાય; માટે જેમ સરાણિયો વારંવાર જોતો રહે છે તેમ આપણે જોતા રહીએ તો ઠીક રહે.
(163) દેવની માયાનો મોહ થયો છે તે વિષયને માર્ગે જ ચલાય છે પણ જ્યારે મંદવાડ આવશે ત્યારે તો પાણી પણ ગળે નહિ ઊતરે તો ઘી ક્યાંથી ઊતરશે? ને વૈદ હાથમાંથી નાડી મૂકે જ નહિ તો પણ મૃત્યુ આવશે ત્યારે કટ લઈને ઉપાડી જાશે.
(164) કથાવાર્તા કરીને, કીર્તન ગાઈને કે ધ્યાન કરીને ભગવાનનો સંબંધ રાખવો. આગળ મોટે મોટે પણ એમ જ કર્યું છે. બાકી તો દેહનો વ્યવહાર છે એમ સમજીને સર્વોપરી ભગવાન મળ્યા છે એ વાતનો પણ એક નક્કી ઠરાવ કરવો.
(165) વાતું લખી છે તે પ્રમાણે વરતશું ત્યારે બ્રહ્મરૂપ થઈને ભગવાનની સેવામાં રહેવાશે. જેટલાં સ્થાન છે, જેટલાં લોક કહેવાય છે તે સર્વે ઠેકાણે કાળ ફરી વળે છે. અવિનાશી તો એક જ અક્ષરધામ જ છે.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
(166) બાજરો ભેળો કરીને પ્રભુ ભજી લેવા. આંહીં તો નહીં જ રહેવાય એવો નક્કી ઠેરાવ કરવો.
(167) આળસ અને પ્રમાદ મેલીને પ્રભુ ભજવા તથા કથા કરવી કે ભગવાન તથા એકાંતિક સાધુના ગુણ સંભારવા, તેમાં આળસ ન કરવી.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
(168) દીકરો કરનારો હોય કે નાનો ભાઈ કરનારો હોય ત્યારે તો પ્રભુ ભજવા. કોઈ ઘઉં લઈને પ્રભુ ભજે એમ નથી.
(169) ભગવાન મળ્યા છે ને સુખ નથી થાતું તે શું ? જે, પંચવિષયમાં રાગ છે.
(170) સત્સંગ છે તે ચિંતામણિ હાથ આવી છે, માટે તે જાળવી રાખવી. સર્વે પશુ છે ને મનુષ્ય તો આ સાધુ કરે છે.
ચિંતામણિ : ઇચ્છા પૂરી કરે તેવો દિવ્ય મણિ.
(171) રાણો રાજગર ધામમાં ગયો ત્યારે સૌને પૂછ્યું જે કોઈને ધામમાં આવવું છે ? ત્યારે સૌએ ના પાડી, પણ તેની મા તથા દીકરાએ હા પાડી એટલે તે બેયને ધામમાં તેડી ગયો. એવા થોડા જડે.
(172) આ સર્વે બેઠા છે પણ સૌ ઘરે જાશે. તેમ આપણે ભગવાન સામું વળવું.
(173) સાધુ સમાગમ વિના સત્સંગ ન થાય ને ભગવાનની કોરનું નક્કી ન થાય; માટે સાધુ સમાગમ જરૂર કરવો.
(174) જેમ સ્ત્રીમાં મન પ્રોવાય (પરોવાય) છે તેમ પુસ્તકમાં મન પ્રોવાય ત્યારે સિદ્ધાંત સમજાય.
(175) ‘બે દિવસ પછી કંઠ ઝલાવાનો છે.’ એ પણ એક નક્કી નિરધાર કરી રાખવો. વિષય સંપાદન કરતાં આવડે પણ ભગવાનમાં વળગવું એ બહુ કઠણ છે.
(176) મોક્ષનો મારગ સુધાર્યો નહિ તે ડાહ્યો શાનો ? લોભે કરીને કે રસે કરીને બુદ્ધિ ન ફરે એમ શીખવું. મોક્ષને મારગે ચાલવું તેને એ બધું વિચારવું.
(177) હરિભક્તને દુ:ખે દુ:ખી થાવું. સત્સંગ કરવો તે પોતાનાં જીવનાં કલ્યાણને અર્થે કરવો પણ જેને ન ગોઠે તેને તો અહીં બેસવું પણ કઠણ પડે.
(178) જીવ તો બદ્ધ છે. ગોવિંદસ્વામી ગંગામાના દાળ-ભાતમાં બંધાણા. માટે જેને પરમેશ્ર્વર ભજવા તેને પોતાના જીવને કાયદે રાખવો.
(179) આપણે આવો જોગ મળ્યો છે પણ જો મન બળવાન થઈ ગયું, ઈંદ્રિયું બળવાન થઈ ગઈ કે સ્વભાવ બળવાન થઈ ગયા તો સત્સંગમાં રહેવાશે નહિ. માટે આ દેહને સત્સંગના કામમાં લાવવું ને સત્સંગીને અર્થે ઘસી નાખવું.
(180) જીવને પોતામાં જ માલ સમજાય પણ તેમાં કાંઈ સાર નથી. પ્રભુ ભજાય એટલો જ સાર છે. માટે પોતામાં તો માલ માનવો જ નહિ.
(181) કહ્યા વિના જ્ઞાન થાય નહિ, પણ ક્રોધે રહિત કહેવું.
(182) સત્સંગને જાણે છે, સાધુને જાણે છે ને ભગવાનનો નિશ્ર્ચય છે પણ જ્યાં સુધી સ્વભાવ છે ત્યાં સુધી સુખ નહિ આવે, માટે સમાગમે કરીને સ્વભાવ ટાળવો.
(183) ગમે તેવો ભગવદી હોય પણ કુસંગ કરે તો આવો ને આવો જીવ રહે નહિ ને અંતરે સુખ પણ રહે નહિ.
(184) જીવ તો વીંછીનો આંકડો છે તે દેહાભિમાન વધારે ત્યારે કાંઈ થઈ શકે નહિ. ભજન, સ્મરણની લગની નહિ, ધ્યાનની લગની નહિ ને આ દેહને સાચવવાની લગની તો બહુ છે તે શું ? જે, દેહમાં બહું વહાલપ છે એટલે કારસો આવે ત્યારે ખમાય નહિ.
કારસો : ભીડો/ભીડામાં-કસોટીમાં લે.
ખમાય : સહન કરાય, ક્ષમા કરાય.
(185) આવી વાતું ન હોય ને આવો જોગ ન હોય તો સત્સંગમાં આવ્યા છીએ પણ પડી જવાય. પરમેશ્ર્વરનો ખપ કોઈને નથી, જેને કાળના ભયથી ઉગરવું હોય તેને આ વાતું ગમે. જીવનો આળસુ સ્વભાવ છે. તે શું ? જે, રોટલા બે પચતા હોય તો ગામમાં આંટા દે પણ ભજન થાય નહિ.
(186) આ દેહ તો રહેવાનો નથી ને કલ્યાણમાં ખોટ આવી જાશે માટે આપણે ગાફલાઈ મૂકી દેવી. આ લોકમાં ભરાઈ ગયા છીએ, પણ એમાં કંઈ નીકળવાનું નથી. માટે મોક્ષને મારગે ચાલે તે જ ડાહ્યો.
(187) જેને ભગવાનમાં પ્રીતિ કરવી હોય તેને કથાવાર્તા કર્યા કરવી તો ગ્રામ્યકથાનો વિઘાત ન થાય. સુમતિ (સુબુદ્ધિ) ને શાંતિ આ સાધુમાંથી આવશે. જેટલાં લોકનાં પદાર્થ છે તે ભજનમાં વિરોધી છે માટે બહુ ભજનવાળા છે તે તો વનમાં જતા રહે છે. આ તો અસંખ્યાત જીવનું કલ્યાણ કરવું છે માટે આંહીં રાખ્યા છે.
વિઘાત : આઘાત, પ્રહાર
(188) સારા કામમાં સો વિઘ્ન આવે માટે મોક્ષ જો ના સુધર્યો તો બધું બગડ્યું.
(189) જીવથી સ્વતંત્રપણે વિષય ભોગવાતા નથી. તે તો કર્મફળપ્રદાતા જે પરમેશ્ર્વર તે ભોગવવા દે તો જ ભોગવાય.
(190) પદાર્થ તો બળી જવાનાં છે ને સડી જવાના છે. તેમાં કાંઈ માલ નથી. માલ તો ભગવાનની મૂર્તિમાં જ છે. આ કર્તવ્ય છે તે આપણે અવશ્ય કરવાનું છે.
(191) શાસ્ત્રીનો દીકરો હોય તો પણ ભણ્યા વિના તો આવડે નહિ તેમ જ્ઞાન પણ કહ્યા સાંભળ્યા વિના થાય નહિ. ધન, સ્ત્રી ને ખાવું તેની જ વાત છે પણ પ્રભુ ભજવાની તો કોઈને ખબર નથી.
(192) એમ નિર્ધાર કરવો જે દેહ આવું ને આવું રહેશે નહિ; કથા, કીર્તન આળસ મેલીને કરીએ તો ભગવાન ભક્તિ માની લે છે.
(193) આ જીવનો સ્વભાવ બદ્ધ છે એટલે આ લોકમાં ઘરરૂપ જે વડ તેમાં ઉતારો કર્યો તો તેમાં જ બંધાઈ ગયો. ગરઢપણ (ઘડપણ) ન હોય તો પણ ગરઢપણ માની લે ને જરાતરા મંદવાડ હોય તો ઝાઝો માની લે, એવું દેહાભિમાનનું કામ ભારે છે, તે દેહાભિમાન કેને ન આવે ? તો જે બહુ અંતરવૃત્તિ કરીને જોતા હોય તેને દેહાભિમાન ન આવે.
જરાતરા : નહિ જેવો-થોડો.
(194) પ્રભુ તો સૌને ભજવા છે. પણ જોગ વિના પ્રભુ ભજાય નહિ.
(195) મહારાજે આ સમે વિભૂતિ વાવરી છે તેમાં કાંઈ ફેર રાખ્યો નથી. ગોવિંદસ્વામીએ પાટીદારને ઘેર કાંઈક વસ્તુ રખાવી હશે તે મહારાજે નાની છોકરી દ્વારે કહેવરાવ્યું ને ભારે ભારે મહારુદ્ર કર્યા તે પણ રમતની પેઠે કર્યા એવો અનેક પ્રતાપ જણાવ્યો છે.
વાવરી : વાપરી, ઉપયોગમાં લીધી.
(196) ત્રિલોકીમાં તો સર્વે ઠેકાણે સળગી ઊઠ્યું છે. પણ આપણે ચાલ્યા છીએ તે પાછું વાળીને જોતા નથી જે આ દેહ નહિ રહે. આ દેહનું તો અધરિયું છે. ઘડીકમાં માંદું થઈ જાય, માટે આપણે પ્રભુ ભજવાનો આદર કર્યો છે તેમાં હજારો વિઘ્ન છે તે ઓળખવાં.
અધરિયું : અનિશ્ર્ચિત
(197) આજ્ઞા, ઉપાસના એ બે તો અવશ્ય રાખવાં. જ્ઞાન, વૈરાગ્ય તો ધીમે ધીમે આવે ને એમ નિરધાર કરવો જે રસોઈ કર્યા વિના થાતી નથી, તેમ કર્યા વિના તો કાંઈ થાવાનું નથી.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
(198) સાધુ વિના કસર રહી જાશે. રોટલા ખાવા મળે ને સાધુ સેવન નથી થાતું તે ગાંડપણ છે.
કસર : ખોટ, ઉણપ.
(199) સત્સંગમાં રહેતો હોય ને સત્સંગી ન હોય, તે એક જણને વીસ વરસે ખોતરીને કાઢ્યો, માટે સમાગમ વિના પ્રભુ ન ભજાય ને ભગવદી પણ ન કળાય.
(200) વૃત્તિયું વેરાઈ ગઈ હોય તો ભજન ન થાય. ખાવું ને ઊંઘવું બેનું જ બંધાણ છે. દ્રવ્ય વિના તો ચાલ્યું જાય.
(201) બીજાનું તો ખમાય પણ બરોબરિયાનું ન ખમાય ત્યારે પૂરું સાધુપણું આવ્યું નથી.
ખમાય : સહન કરાય, ક્ષમા કરાય.
(202) મુક્તાનંદસ્વામી મેળાવીને જમતા હતા. તેમાં એક જણને ભૂંડો ઘાટ થયો જે આવું શું જમે છે ? પછી તે જ્યારે જયારે ખાવા બેસે ત્યારે તેને તેના ભાણામાં કીડા દેખાય, પછી મોંમાં ખાસડું લઈને મુક્તાનંદસ્વામીને પગે લાગ્યો ને માફી માગી એટલે સારું થયું.
(203) ગુરુ આજ્ઞા પાળશે તો જ ચેલા પાળશે. માટે આજ્ઞા બરાબર પાળવી અને મહારાજ સામું જોઈ રહેવું.
(204) સંસૃતિ તથા ગર્ભવાસનાં દુ:ખને જાણે તેથી પ્રભુ ભજાય છે.
(205) જેને જેટલો ખપ છે તેને તેટલું જ સત્સંગનું સેવન થાય છે.
(206) ત્યારે એક જણ કહે, ‘પાંચ વરસથી શિક્ષાપત્રીનો પાઠ કર્યો નથી.’ ત્યારે એવાને શું ખબર પડે જે મોક્ષ શું છે ?
(207) કેટલાક ઊંઘી ગયા છે ને વળી કથામાં ઊંઘશે અને કેટલાક દિવસે ન ઊંઘ્યા હોય તો પણ જાગે છે ને વળી કથામાંય જાગશે. દેહ સામું જોઈએ તો પ્રભુ ન ભજાય. માટે કોઈ સામું ન જોવું ને ભગવાન સામું જોવું.
(208) બાઈ-ભાઈ ભેળાં થાશો નહિ. એમાં કાંઈ કહેવું પડે નહિ. આ વાત આજ સમજાતી નથી પણ આગળ ખોટ આવશે.
(209) સત્સંગ વિના લાખ વર્ષ દેહ રાખે એ થોડો કુટારો છે ? વળી હજાર વર્ષનો ખાટલો ને સો વરસ ડચકાં ખાય ત્યારે જીવ જાય ને આજ તો ત્રીજે ડચકે અક્ષરધામમાં જવાય છે.
(210) ઉપવાસ કરીએ તો ઉપવાસના દુ:ખની ખબર પડે, પશુને હોળી પછી ચાર માસની ચાંદ્રાયણ થાશે તેનો વિચાર કરે તો ઉપવાસ કરવો કઠણ ન પડે. પણ કેટલાક ઢોલિયામાં પડ્યા પડ્યા રાડો નાખે છે. માટે અયોગ્ય ક્રિયા ન કરવી.
(211) સૌ ખાય ને ઓલો ત્યાગ કરે, સૌ ઊંઘે ને ઓલ્યો જાગે, તે જાણે, ‘હું ત્યાગ કરું છું ને હું જ જાગું છું.’ તો તેનું સર્વ વ્યર્થ ગયું જાણવું.
(212) સત્સંગમાં આવવું ને તરત ભાગવું તેને તોછડાઈ કહી છે.
(213) આ સાધુ, પાળા કે સત્સંગીને હુકમ કરવો નહિ ને અમારે શા સારુ કહેવું પડે છે તો મહારાજે અમને સૌના ગુરુ કર્યા છે માટે સૌને કહેવું પડે છે. પણ આ સાધુની પટલાઈ કોઈ કરશો મા ને હુકમ કરવાની ખાંત હશે તો ભગવાન એક-બે બ્રહ્માંડનું કામ સોંપશે પછી હુકમ કરજો.
પાળા : સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જાતનો સેવક/પાર્ષદ.
ખાંત : લાલસા, તૃષ્ણા
(214) સમજણ એવી કરવી જે દેશકાળે કરીને પણ નિષ્ઠા ફરે નહિ ને વર્તમાનમાંથી કોઈ દિવસ પડાય નહિ. એ પ્રમાણે જે રહે તેનું રૂડું થાય.
નિષ્ઠા : શ્રદ્ધા, આસ્થા, વિશ્ર્વાસ, ધારણા.
(215) જેને હડકાયાની લાળ અડે તેને હડકવા ચાલે, તેમ જેવો સંગ તેવો રંગ લાગે.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
(216) પ્રભુ ભજવાનો આદર કર્યો છે તેમાં ઘણાં ઘણાં વિઘ્ન છે તે ટાળીને ભગવાન ભજી લેવા.
(217) રૂપિયા તો દાટવા છે તો પણ તેની મમતા મટતી નથી એ જ અજ્ઞાન છે.
(218) આ સમાગમ કરીએ તે ખાતર કહેવાય. તે ખાતર નાખે ત્યારે ચીભડાં થાય. તેમ જ્યારે સમાગમ કરે ત્યારે સુખ થાય, પણ સમજણ ન હોય તો સુખ ન થાય. એક જણનો છોકરો મરી ગયો એટલે વગડામાં જઈને રોયો; માટે સમજણ હોય તો જ સુખ આવે.
(219) કોઈ દિવસ પાંચ વિષયનું સરુ આવવાનું નથી તે આટલું જ પૂછો, કોઈને ઘરેણાનું પૂરું થયું છે ? ઘરેણા સારુ પગ કાપી નાખે છે, કાન તોડી નાખે છે, એવાં હજારો દુ:ખ રહ્યાં છે તો પણ તેના કજિયા ઘરોઘર છે; માટે ભગવદી હોય તેણે પૂર્વાપર વિચારવું, પણ વિચાર નહિ હોય તો આગળ દુ:ખ આવશે.
પૂર્વાપર : આગળપાછળ.
(220) જેટલું સત્સંગમાં ન અવાય ને જેટલી માળા ન ફરે તેટલી ખોટ છે. આ વહેવાર કરીએ છીએ તેમાંથી કાંઈ નીકળવાનું નથી.
(221) જીવ ફેલને મારગે ચાલે તો કાંઈ ખબર રહે નહિ, તે એક ગરાસિયે પ્રથમ લાજ વધારી ને ખાવા ન રહ્યું ત્યારે રાખ ચોળી ફરવા માંડ્યું તેને એક ગઢવીએ ઓળખી કાઢ્યો. તેમ ફેલ કરવામાંથી અંતે આબરુહીન થાય છે.
ફેલ : નીતિશાસ્ત્ર વિરૂદ્ધનું આચરણ તથા આવક કરતાં વધુ ખર્ચ કરે તેવું આચરણ.
(222) મોટા દીર્ઘદર્શી છે, તે સર્વ વાત જાણે છે જે આટલું આને દેહાભિમાન વધી ગયું છે, આટલો આને સ્વાદ વધી ગયો છે, આટલો આને કામ વધી ગયો છે, આટલો આને લોભ વધી ગયો છે, એમ સર્વેનું જાણે છે.
(223) કેટલાકને માંહી માંહી અવગુણ આવે છે. વિષયના સંબંધમાં પાપ છે. માટે લેણદેણ કે વહેવાર કર્યામાં અવગુણ આવે એવો વહેવાર ન કરવો.
(224) અક્ષરધામ મૂર્તિમાન અહીં છે પણ વિષયમાં આસક્તિ છે તેથી તેના સંગનું સુખ આવતું નથી.
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
આસક્તિ : મોહ, અતિશય સ્નેહ, લગની.
(225) સમૈયાનો આનંદ છે તે સારી સારી રસોઈઓ જમવાની મળે, પણ સમૈયામાં કોદરાની રાબડી કરાવીએ તો કોઈ સમૈયામાં ન આવે અને મોટા સાધુ, હરિજનનાં દર્શન, વાતું, સમાગમ કરવા પણ ન રહે.
(226) રૂપિયા વડે કોઈ સુખિયો થાય એમ જણાતું નથી અને સુખ થાશે તો સાધુ થકી જ થાશે અને જેવા પુરુષ તેવી વાતું થાય ને તેવો વ્યવહાર થાય.
(227) બાયડી, છોકરાં તથા ઘરમાંથી જેમ જીવ ઉથડકતો નથી તેમ જ્યારે આ સાધુમાંથી જીવ ઉથડકશે નહિ ત્યારે સત્સંગ ખરેખરો થયો સમજવો.
(228) ગમે તેવો હોય પણ તેના હૈયામાંથી કરકું જાવું કઠણ છે. આ સત્સંગમાં ચાલીસ વરસ રહીને નીકળે ત્યારે જ્યાં પોતાનો દેશ હોય ત્યાં જાય.
કરકું : સ્ત્રી, માદા.
(229) આ દેહ હાડકાં, માંસ, પરુનો છે, પણ કોઈ વખાણે ત્યારે સારું લાગે એવો જીવનો સ્વભાવ છે.
(230) સારા સાધુનો સમાગમ હોય તો વૃત્તિ આ સાધુમાં ને ભગવાનમાં રહે; નહિ તો સંસારમાં જતી રહે.
(231) સુરતનો વાણિયો મહારાજને દર્શને તેરે આવતો. તે મહારાજે શીખવેલ તેમ જનોઈ પહેરી તુંબડી રાખતો અને રસ્તામાં માગી ખાતો તે કોઈ લૂંટે નહિ અને અટકાવે પણ નહિ ને સુખે સમાગમ કરતો. એવો વિશ્ર્વાસુ અને મુમુક્ષુ ખપવાળો હતો. પણ જો કહ્યું ન કર્યું હોત તો એટલે છેટેથી અવાત નહિ.
(232) કોઈ વાતે આંટી પડવા દેવી નહિ અને વાત હોય તે પી જતાં શીખવી અને બધાનાં રૂપને જોઈ લેવું. પદાર્થ છે તે કોઈ દિવસ મળે ને કોઈ દિવસ ન પણ મળે. ન મળે ત્યારે અકળાવું નહિ એ પણ શીખવું. જેને કાંઈ ન જોઈએ તે પરમ સુખિયો છે.
(233) કર્તવ્ય હોય તેમાં તત્પર ન થાય તે ડાહ્યો નહિ ને બુદ્ધિમાં રજોગુણ, તમોગુણ હોય તે આપણને ન સૂઝે તો પૂછીને વહેવાર કરવો. પણ જો વહેવારમાં બુદ્ધિ ન હોય તો જેમ બિલાડીઓએ વાંદરા પાસે ન્યાય કરાવ્યો તેમ થાય ને ઘર ખોદાઇ જાય માટે વિવેક શીખવો.
(234) આંહીંના જેવુ સંસારમાં સુખ નથી. હમણાં તો આંહીં સર્વે વાતે સાનુકૂળ છે. માટે સાધુ થવું ને સાધુની ગરજ રાખવી અને ગૃહસ્થ છે, તેમણે મને કરીને સાધુ થયે છૂટકો છે.
(235) જીવને વિષયમાં બેસતું આવે છે, તે ‘ધોડવું (દોડવું) ને ઢાળ મળે.’ એવું છે. ઈન્દ્રિયોની ચપળતા ભારે છે તે ઓળખાય નહિ. તે તો સાધુ ઓળખાવે ત્યારે ઓળખાય.
(236) કેટલાક પુરુષનાં હૈયામાંથી સ્ત્રી નીકળી ગઈ છે; તેમ જ કેટલીક સ્ત્રીઓનાં હૈયામાંથી પુરુષ નીકળી ગયા છે, એમ મહારાજનો પ્રતાપ છે.
(237) આ દેહ હમણાં પડી જવાનો છે માટે સ્વભાવ મૂક્યા વિના કોઈ દહાડો જય થાવાની નથી ને હવે કાંઈ કરવું રહ્યું નથી. પદાર્થ જોઈએ તેટલા રાખવા આજ્ઞા કરી છે. તે પૂરા થઈ રહ્યા છે.
(238) માન, દેહાભિમાન અને સ્વાદ એ ત્રણ તો દિવસે દિવસે વધવાના છે ને સ્ત્રીની કેડે સૌને તાન છે. તે કરોડો વાત કરીને એ વાત સાધવી છે ને જેટલા સોની, દરજી અને કંસારા તે બધા એ ઉપર છે.
કેડે : પાછળ.
તાન : લગની, આગ્રહ, મસ્તી.
(239) જે જે ક્રિયા હોય તે કરીએ ત્યારે થાય. તે કર્યા વિના કોઈ દિવસ ન થાય. તેમ જ સાધુ થાશું ત્યારે થાવાશે તથા નિર્માની થાશું ત્યારે થાવાશે.
(240) કંઠી, તિલક રાખી સત્સંગી કહેવાતો હોય અને કોઈક રીતે અહીં ત્યાગીમાં આવી ભરાણો હોય; પણ વર્તમાન એકે ન હોય અને સારા સાધુ હરિજનને ડરાવતો હોય ને પોતે પડ્યો રહે ને બીજા સારાને વિમુખ કરી સત્સંગમાંથી કાઢે એવાનો ત્યાગ કરવો. સંગ ઓળખવો તે જેમ નામાવાળા, ખેતરવાળા વિગેરે લઈ ઊઠે છે તેમ કરે ત્યારે થાય ને દાખડો કર્યા વિના તો મોટા રાજી ન થાય અને પોતાના મોક્ષ માટે સત્સંગ કરવો અને કોઈને અવળો ઉપદેશ ન કરવો તે શું ? તો, મહારાજ અને મોટા સંતનું કોઈ રીતે ઘસાતું ન બોલવું. પોતાથી સેવા થાય તો કરવી, પણ અસેવા તો ન જ કરવી. આજ્ઞા અને ઉપાસના માથા સાટે રાખવાં.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
સાટે : બદલેઅવેજમાં.
(241) જેણે સારા સાધુમાં જીવ બાંધ્યો નથી તેના સત્સંગનો નિરધાર ન જાણવો. તે વિશ્ર્વાસચૈતન્યાનંદસ્વામી ખટરસમાં રહી રહીને ગયા ને જીવ બાંધ્યા વિના તો દોષ નડે ને દેહ તો બધાનું મૂળ છે.
(242) આપણે જ અહીં ઠરાવ કરીને બેઠા છીએ, પણ અહીં નહિ રહેવાય ને દેહમાં પણ નહિ રહેવાય ને આવી વાતું વિના તો પછી રોવું પડશે.
(243) આ સત્સંગ મળ્યો છે તે કાંઈ થોડે પુણ્યે મળ્યો નથી. માટે કોઈને ગમે અને કોઈને ન ગમે ને આ ઈન્દ્રિયોને પણ ન ગમે. તો પણ તે વાત કર્યે રહેવું.
(244) પ્રગટ ભગવાન ને પ્રગટ આ સાધુમાં જ આસ્થા ને ઉપાસના છે તેથી જ આત્યંતિક મોક્ષ થાય છે ને આ સાધુ વિના બીજા જન્મ-મરણ ઉપજાવે છે, તેમાં સંશય નથી. ખરેખરું જ્ઞાન હોય ને ખરેખરી ઉપાસના હોય તો કોઈનો પણ લીધો લેવાય નહિ.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
(245) નાના, મોટા ઉંમરથી નથી પણ જેની સમજણ ઉત્તમ તે આપણામાં મોટેરો છે.
(246) દેશકાળ સારા રહે છે, તે આપણા સારા સારુ રહે છે એમ જાણજો. બે દહાડા જીવવું છે અને કાલે મરી જવાશે ને જો આ સમાગમ નહિ થાય તો જે કરવા આવ્યા છીએ તે રહી જાશે. આ દેહ તો રહેશે જ નહિ અને આ કુટુંબ ભેળું પણ નહિ રહેવાય. એ વાતનો ભગવદીએ વિચાર રાખવો.
(247) છોકરીઓ જેમ ગોર્યો કરે છે, તેને શણગારે છે. પણ બે-ત્રણ દિવસ પૂજવાને રાખી પાણીમાં ભુટકાવે છે. માટે, ‘આંહીં નહિ રહેવાય ને જરૂર મરી જવાશે.’ એ નિરધાર કરવો ને જીવ છે તે આ લોકની સ્થિતિમાં બંધાય છે. મનુષ્ય તો કટકટ કરતાં મરતાં જાય છે તે ઓણના મંદવાડે સર્વનો ઘાણ કાઢ્યો છે.
(248) સર્વે પદાર્થ છે તે એક રીતના ન રહે. માયાનું ખરેખરું પૂર આવે ત્યારે તો જેમ ખરેખરું સોઢીનું રણ તપે છે તેમ થાય. તે ક્યાંક કામની હોળી. ચારે કોરે સળગી ઊઠ્યું છે.
(249) લવા ને પાદશાહની વાત કરી જે, દાઢી સળગે તો પ્રથમ પોતાનું સાધી લેવું ને અવસર આવ્યો ને તે ચૂકે તે મૂરખ.
(250) કેટલાકે એવી ટેવ પાડી છે કે, વાહર વિના ઊંઘ ન આવે ને અમારે તો જ્યાં સૂઈએ ત્યાં નિદ્રા આવી જાય. આપણે જો ખાઈને સૂઈ રહેશું ને શિક્ષાપત્રીમાં દિવસે ત્યાગીને સુવાની ના પાડી છે ને ઘરડાં થયા તે સુવાય એમ મનમુખી થઈ સૂઈ રહીએ તો આપણી કેડેના શું કરશે ? માટે ખબડદાર રહેજો.
વાહર : પવન, હવા, હવા ખાવી.
(251) બાળમુકુંદાનંદસ્વામીની વાત કરી જે, જ્યાં જાય ત્યાં સર્વેને સુખિયા કરી મૂકે. મોક્ષને મારગે ચાલવું હોય તેને તો જ્યારે બહુ ખપ હોય ત્યારે અણીશુદ્ધ રહેવાય એવું છે.
(252) મન ને ઈન્દ્રિયો રૂપી શત્રુ કેવા છે ? તો ભગવાનને પણ પડ્યા મૂકે ને જ્યારે રૂપિયા મુકાવ્યા ત્યારે મહારાજની સેવા મૂકી દીધી. તે ઉપર ભગુજીની વાત કરી જે, પ્રથમ મહારાજ પાસે ભગુજી રહેતા. પછી મહારાજે એવો પ્રબંધ બાંધ્યો કે કોઈએ દ્રવ્ય પોતાનું કરી અમારા પાર્ષદને ન રાખવું અને જેને રાખવું હોય તે હાલવા માંડજો, અમારે તેનો ખપ નથી. આ વાતની બ્રહ્માનંદસ્વામીને અમદાવાદ ખબર પડી અને ત્યાં માણસનો ખપ તેથી ગઢડે આવી કહ્યું કે દ્રવ્ય રાખવું હોય ને ત્યાંથી રજા મળે તો ચાલો મારી સાથે અમે રાખશું, પછી ભગુજી આદિથી દ્રવ્ય ન મુકાણું ને દ્રવ્યને માટે મહારાજની સેવાનો પણ ત્યાગ કર્યો ને અમદાવાદ દેશમાં જઈને રહ્યા. એમ દ્રવ્યના પાપથી આજ્ઞા સામી ને પ્રગટ મૂર્તિની સેવા સામી પણ નજર ન રહી. માટે જાણજો જે દેશકાળે બુદ્ધિ ફરી ન જાય.
(253) જે પોતાનું ધાર્યું કરવા અહંમમત્વ બાંધશે તેને બીજાના અવગુણ આવ્યા વિના રહેશે નહિ અને આજ્ઞા લોપનારનો અભાવ આવશે તેનો દોષ નથી, પણ સર્વ સાધુગુણ સંપન્ન હોય અને યથાર્થ આજ્ઞા પાળનાર હશે તેનો અભાવ આવશે તો ભૂંડું થાશે ને દોષ દેખાડવા માંડે ત્યારે તો ગમે તેવા હોય તેમાંથી દોષ નીકળે, તે અમને અને ગોપાળાનંદસ્વામીને મસાણિયા કહેતા ને ‘ઝાંપડાને સંભારે છે.’ એમ કહેતા. માટે દેશકાળે મિત્ર હોય તે શત્રુ થઈ જાય.
મસાણિયા : સ્મશાનમાં રહેનારા.
(254) બીજાના દેહ તો ટળી જાશે ને પાપ રહેશે; જેમ કાજળ રહે ને દીવો ઓલાઈ જાય તેમ. રૂપિયા હોય ને ભગવાન ભજાય તે તો સુમતિ હોય તો થાય ને આપણે જે ત્યાગી છીએ તે તો ન મળે એટલે પણ રોજ રસોઈઓ થાય ને ત્યાગ કરીએ ત્યારે ત્યાગી કહેવાઈએ ને રોજ ધોતિયાં માથે વરસવા માંડે ત્યારે ત્યાગ કેમ રહે ? ન રહે. તે ઉપર ગોપાળાનંદસ્વામીએ ધોતિયું ફાડ્યું તેની વાત કરી અને ધર્મામૃત બહાર કાંઈ કહે તો તો માથું જાય તો પણ કોઈનું માનવું નહિ ને રસોઈ કર્યા વિના કેમ ચાલે? ને નળિયાં ચાળ્યા વિના પણ કેમ ચાલે? માટે જેમ કહ્યું છે તેમ કરશું ત્યારે ઠીક રહેશે ને દેશકાળે તો બુદ્ધિ સ્થિર રહે જ નહિ. માટે ઝાઝું મારું તારું કે આઘુંપાછું જે કરશે તેનો જીવ બગડી જાશે એમાં ફેર નથી ને આ લેાકનું કાંઈ કામ હોય તે પણ હેત કરીએ ને બળ કરીએ ત્યારે થાય ને ભગવાનના કામમાં હેત કે બળ નહિ, ત્યારે એ કામ કેમ થાય ?
રોજ : દરરોજનું મહેનતાણું/મજૂરી.
(255) આ દેહને ગમે તેટલો જાળવીએ તોય પડી જાશે ને ગમે તેટલી કરી (ચરી) પાળીએ તોય માથું દુ:ખ્યા વિના ન રહે, એવો એનો સ્વભાવ જણાય છે. દેહ નહિ રહે ને મરી જવાશે ને મોક્ષમાં કાચું રહી જાશે ને ખોટ રહી જાશે અને દેહ છતાં ગુણાતીત થયા છો તે અક્ષરાતીત પ્રગટ મૂર્તિમાનનો સંબંધ થયો છે. જેમ છે તેમ સમજાણું છે; માટે નિર્દોષ ને કૃતાર્થ થયા છો.
કૃતાર્થ : જેનું કાર્ય સિદ્ધ થઈ ચુકયું છે તે, ધાર્યું કાર્ય પાર પડ્યાનો આનંદ.
(256) આ મન નીલ માંકડાંની પેઠે સ્થિર રહેતું નથી. તે ઉપર ત્યાગાનંદસ્વામીની સુરતમાં નીલ વાંદરો ન દીઠો તેની વાત કરી જે, સાધુ રહેતા હતા તે સામા એક ગૃહસ્થની અગાશીમાં નીલ વાંદરો બાંધ્યો હતો તે હાલ્યા જ કરે, આમથી આમ ને આમથી આમ ચાલ્યા કરે; પછી સાધુ વાત કરતા હતા તેમાં મનનું રૂપ કર્યું જે, આ નીલ વાંદરાંનાં જેવું મન છે ત્યારે ત્યાગાનંદસ્વામી કહે, ‘નીલ વાંદરો કેવો હોય ? મેં એ દીઠો નથી.’ પછી બીજા સાધુ કહે, ‘આપણા સામો આ રહ્યો. અમે રોજ દેખીએ છીએ તે તમે દેખ્યો નથી ?’ ત્યારે ત્યાગાનંદસ્વામી કહે, ‘મેં તો ઊંચી નજર કરીને જોયો નથી.’ અંતર સામું જુએ તો માયાના સંકલ્પ પણ ઓળખાય ને સ્વભાવ પણ ઓળખાય.
રોજ : દરરોજનું મહેનતાણું/મજૂરી.
(257) કાર્યાકાર્ય, ભયાભય, બંધમોક્ષ એ સર્વેને જાણે ત્યારે સાત્ત્વિક બુદ્ધિ કહેવાય. માટે આવું જ્ઞાન, આ સાધુના સમાગમથી ધીરે ધીરે માંહી પેસશે. તે એકસામટું જ્ઞાન આવે નહિ.
(258) ‘આ દેહ હું ને પદાર્થ એ મારા.’ એવો મોહ થયો છે પણ દેહ કે પદાર્થ કાંઈ રહેવાનું નથી. તમોગુણ જેને છે તેને કોઈ દિવસ સુખ થાનાર નથી.
(259) લુણો ભગત અંધારે સોય લઈ આવે તેની વાત કરી જે, મહારાજને પ્રતાપે નિરાવરણ દૃષ્ટિ થઈ ગઈ હતી, તે તેમને કોઈ આવરણ ન હતું. એમ આજના પ્રતાપની સર્વે વાત કહી દેખાડી. દેહ સાજું હોય ત્યાં કોઈની સેવા કરવાની હોય તે કરી લેવી ને સુહૃદપણું પણ પાંચ સાત જોડે કરી રાખ્યું જોઈએ ને આળસ, નિદ્રા ને પ્રમાદ આવે તો તેને કાઢીને પ્રભુ ભજવા, તેનું નામ લગની કહેવાય ને લગની ન હોય તો સંસ્કાર લગાડવા, તેનો અભ્યાસ હોય તેને સાંભરે, તે હાલતાં-ચાલતાં પ્રભુ સાંભરે, અભ્યાસ ન હોય તો બેઠા હોય તો પણ ન સાંભરે.
(260) કાલથી અમને એક વિચાર થયો જે શાસ્ત્ર વિના તો સર્વે અદ્ધરિયું છે. તે વાણિયામાં રણકીનું પુણ્ય આપે છે ને શાસ્ત્ર વિના તો જેવો ગાધડકાવાળા નાગજીનો જોશ ને આપા પાલણે સૃષ્ટિ કરી તથા ભોંય વાછરો ને કાંચળીઓ પંથ ને નાસ્તિકનો પંથ એવું છે. મોટાનું કારખાનું એવું જે, પૃથ્વીનું વેજું કરે ને નિશાન આકાશમાં કરે. માટે મોટાની વાત કાંઈ કળાય નહિ. શેઠાણી કહીને સાદ કરે ને કેશવલાલને સંભળાવીને ઊંઘમાંથી ઉઠાડે તેમ કહેવું. તે નામ અવતારાદિકનું લેવું ને સમજાવવું મહારાજને.
(261) પ્રભુ ભજવા આવ્યા પણ જ્ઞાન નહિ તે કેમ પાર પડે ? અને જ્ઞાન વિના તો કોઈ પદાર્થ નાશ પામી જાય ત્યારે મુવા જેટલું દુ:ખ થાય ને કાં તો મરે પણ ખરો. તે રાજકોટના લુવાણે બાયડીનું માથું નદીએ ધોવા ગયેલ ત્યાં કાપી નાખ્યું અને તેણે સરકારમાં કબૂલ કર્યું જે, મેં મારી નાંખી. બીજાએ કહ્યું કે, ના પાડ તો બચીશ, પણ તેણે કબૂલ કર્યું. પછી ત્રીજો હુકમ મુંબઈથી આવ્યો તે સાંભળ્યો ત્યારે બીડી પીતો હતો તે હાથમાંથી પડી ગઈ ને પછી ફાંસીએ ચઢાવી દીધો. એમ જ્ઞાન વગર થાય.
(262) ભગવાન છે તે ગર્વગંજન છે, તે ભગવાનને કોઈ જાતનો અહંકાર ગમતો નથી.
(263) સત્સંગ આટલો વાતેથી થયો છે. એમ મહારાજે વાતું કરવાનું પ્રતિપાદન કર્યું. તે દિવસથી અમે પ્રગટ પ્રમાણ મહારાજના સ્વરૂપની મહિમાની વાતું કરીએ છીએ. તે મહારાજે, રહ્યા ત્યાં સુધી વાતું જ કરી છે અને અમો પણ મહારાજની મરજી પ્રમાણે વાતું કર્યા કરીએ છીએ. તે અમે એટલું બોલ્યા છીએ તે લખનાર હોય તો આ પૃથ્વી ને આકાશ બધો ભરાઈ જાય એટલા શબ્દ બોલ્યા છીએ. પણ સાંભળનાર જેવો પાત્ર તે પ્રમાણે ગ્રહણ કરે છે.
(264) આ મનુષ્યદેહ આવ્યો છે તેણે કરીને પ્રભુ ભજવા ને ભગવાનમાં જોડાવું એ જ પ્રયોજન છે. જેમ વાણિયો પરદેશ જાય તે દાઢી રખાવે; તે અરબસ્તાનમાં લોક વિશ્ર્વાસી, તેથી આ વાણીઓ તેમને છેતરવા સારુ નૂરના કહેતા દાઢીના સમ ખાય. એમ રૂપિયા સામી નજર છે. તેમ આ દેહે કરીને દોષમાત્ર ટળે ને ભગવાનમાં જોડાવાય એટલું જ પ્રયોજન છે.
નૂરના : ખુદાના
(265) આ બ્રહ્માંડ રચ્યું ત્યારથી સર્વે મંડ્યા છે ને આપણે પણ મંડ્યા છીએ પણ હજુ પહેલો દહાડો છે ને આમને આમ જો કથા કરીએ તો આખો દિવસ ઠીક ન પડે તેથી ઘડીક વાતું, ઘડીક કથા, ઘડીક કીર્તન, ધ્યાન કરશું, વળી સૂઈ રહેશું, વળી ઉઠશું. એમ સવાર, બપોર, સાંજ ને રાતે ફરતું ફરતું કરીએ છીએ ત્યારે સુવાણ થાય છે. તે ઊપર ફાકીની વાત કરી જે, વાડીમાં જઈ ક્રિયા કરાવતા. વાતું કરતાં જે, બજારના કાંટા કરતા વાડીના કાંટા સારા છે પણ વાતું જ કર્યા કરીએ તો કેટલાકને મૂંઝવણ આવે માટે, માટે ફાકી દઈએ છીએ.
સુવાણ : સુગમ, સરળ, સહેલું. આરામ, આનંદ, હૂંફ.
(266) જીવને ખપ નથી. તે ગરીબ માણસને રોટલા ન મળતા હોય ને કહીએ જે અહીં રહો તો પણ રહેવાય નહિ.
(267) રસોઈ કરવી હોય ત્યારે રાત બધી જગાય ને માલપુવા કરવા હોય ત્યારે ઝોલું આવતું નથી. માટે માલપુવા જેટલો ભજનમાં માલ જાણતા નથી. ચરખાવાળા, ચિંચોડાવાળા ને બકરાવાળાં એ સર્વે જાગે છે ને આપણે દિવસે કાંઈ ઝાઝી મહેનત ન કરી હોય તો પણ પાધરું તરત સૂઈ જવાય છે. જે વાતનો આદર કર્યો ને તેમાં મોળું પડાય એ આદર કાચો કહેવાય.
(268) ચાર મહિના કેરી ખાય ને જીવે ત્યાં સુધી સાકર ખાય પણ સત્સંગ ન કર્યો તો કાંઈ જ નહિ.
(269) દેહ, મન ને દેહાભિમાન તેને ચૂંથી નાખવું ને બગાડી દેવું. તે શું ? તો, તેનું ગમતું ન કરવું ને ભગવાન અને સાધુના ઉપયોગમાં આવે તેટલું સુખરૂપ છે; કેમ કે, આ દેહ ધૂડ થાવાનું છે ને ખાધું એ ગયું. માન-અપમાન, સુખ-દુ:ખ એ સર્વે જતું રહ્યું.
(270) પંચવિષયના કજિયા સર્વે ઠેકાણે છે. શાંતિ કોઈને નથી ને શાંતિ તો આ સાધુમાં છે; કાં ગોપાળાનંદસ્વામી જેવામાં હશે પણ બીજા કોઈમાં શાંતિ નથી. કાંઈક માન, સ્વાદ, સ્નેહ, લોભ, કામ, હઠ ને ઈર્ષા તે બધે લાગી રહ્યું છે; પણ ઉપરથી દંભે સુખિયા જણાય છે ને વાતું કરે છે.
(271) મન, ઇન્દ્રિયો બધાને ભગવાનને મારગે ચલાવવાને સ્મૃતિ રાખવી ને પ્રગટ ભગવાનના સ્વરૂપનું ધ્યાન, ભજન કરવું તેથી જીવનું પરમ કલ્યાણ થાય છે પણ ગ્રામ્યકથા ન કરવી, કોઈ કરતું હોય તો તેમાં ભળવું નહિ. હકબક બોલવું નહિ, હકબક જોવું નહિ ને સાંભળવું નહિ; તેથી જીવને દુ:ખ જ થાય. માટે સુખ તો ભગવાન અને સાધુના સંગમાં જ છે. તેમાં રહી આયુષ્ય પૂરી કરવી.
હકબક : અર્થ સમજ્યાં વગર, બકતું હોય તેમ
(272) જેમ મોરનું ગળું લવલવ થાય છે તેમ હૈયામાં સંકલ્પ ને વિષયના લવલવાટ થયા કરે છે ને છે તો હથેળી જેવડું, પણ કરોડ વરસ સુધી પોતાની મેળે સાધન કરે પણ એટલું શુદ્ધ થાતું નથી, તે સત્સંગે કરીને શુદ્ધ થાય છે; માટે સત્સંગ જેવી કોઈ વાત નથી.
(273) અણીશુદ્ધ આજ્ઞા પાળવી તે સુખદુ:ખ, મંદવાડ, હાણવૃદ્ધિમાં કોઈ રીતે આજ્ઞામાં ફેર પડવા દેવો નહિ. જીવ દીધો કેમ કહેવાય ? તો ગમે તેટલું મનધાર્યું મુકાવે તો પણ કચવાય નહિ.
(274) ચાળા ચૂંથતા હશે તે તો જરૂર સત્સંગમાંથી જવાના છે તે સેવાભક્તિનો ઓથ લઈને ધર્મ, જ્ઞાન ને વૈરાગ્યને દબાવી દેવા તેવું ક્યાં કહ્યું છે ?
(275) જ્ઞાન કરી કરીને જીભ ઘસાઈ ગઈ પણ દેહ ને જીવ ભેળા થઈ જાય છે ને ઉત્તમ ભોગમાંથી રાગ મટતો નથી તેમ સાધુ ઓળખાતા નથી ને પુરુષોત્તમ જેવા છે તેવા જણાતા નથી. માટે કાર્યાકાર્ય ભયાભય બંધમોક્ષ । (પ્રવૃત્તિ-નિવૃત્તિ, ભય-અભય, બંધન-મોક્ષ) એ બધું જાણ્યું જોઈએ ને જે અનિત્ય માનીને બેઠાં છીએ ને વાછડાં, વછેરાં ને નાનાં છોકરાં તે કહોવાઈ ગયેલાં હોય તો કોઈ બોલાવે નહિ ને જે જે પદાર્થના મોહ લાગે છે તેના વેગ લાગી જાય છે. તે સાઠ સાઠ રૂપિયાના કૂતરાં લીધાં, માટે એવાં અજ્ઞાન છે તેનો પાર જ ન આવે. માટે એક નિત્યને જાણવું ને એક અનિત્યને જાણવું એવા બે વિભાગ કરવા; પછી અનિત્યનો ત્યાગ કરવો ને નિત્યનું ગ્રહણ કરવું. જ્ઞાનીને સુખ છે તે મેડી વતે કે પદાર્થ વતે નથી. તેને તો જ્ઞાન વતે સુખ છે.
એક દૃષ્ટિએ જુઓ તો જગત બધું ચિચોડામાં શેરડીની પેઠે પીલાય છે ને દેહ તો કોઈનો રહેવાનો નથી. સ્થાવર, જંગમ, પશુ, મનુષ્ય, દેવતા કોઈનો રહેવાનો નથી. માટે આપણે જે આ ભગવાન ભજવાનો આદર કર્યો છે તે વાત અવિનાશી છે ને બીજાં વિવાહ, કાયટાં જે જે કાર્ય છે તે નાશવંત છે. તે નાશવંતમાં જીવમાત્ર બંધાઈ ગયા છે, ને ભજન પણ પંચવિષયનું જ થાય છે તે ખોટું છે. એમ તો પ્રકૃતિપુરુષના લોક સુધી કોઈ કહેનાર નથી તે તો સાચું માનીને બેઠા છે. પોતાના ઘરમાં રહીને ઉદ્યમ કરવો તે ઉત્તમ છે ને બહાર નીકળીને કરવો તે મધ્યમ, દરિયો ઊતરવો તે કનિષ્ઠ છે. તે ઉપર ઘોઘલાના વાણિયાની વાત કરી જે, નવાં ઘર કરી સાંકળું દઈને વયા જાય. પછી ઝાઝા વરસે આવે ત્યાં જૂનાં થઈ જાય તે સમાં કરીને મહિનો માંડ રહે ને બીજી વાર તો આવે કે ન આવે. ‘જેણે રે ગોંવિદરામ તમને વિસાર્યાં.’ એ બોલ્યા. પરબારા પત્તર ધોનારા, પથારી કરનારા, તાંસળી ધોનારા ને ભાઈ તો લાંબા થઈને સૂવે. ચમરીથી બળદના પૂંછડાં ઝાટકે તેમ કરે ને ભગવાન નથી સંભારતા. જીવને વેગ લાગે છે તે એક રાજાને ગઢ કરાવ્યાનો વેગ લાગ્યો તે ગઢ જ કરાવ્યા પણ મંદિર ન કરાવ્યાં. ગોંડળનો જોધો લુહાર તે ગરીબ ને પોતે એકલે દાખડે કરીને હરિમંદિર કર્યું. જીવ છે તે ઘરમાં જ રહીને મરી જાય છે. કોઈ દિવસ ભજન નહિ, સ્મરણ નહિ ને ઘરમાં બેઠો છે ને ગંદવાડમાં આનંદ માન્યો છે. દેહ પણ અન્નના વિકારનો થયો છે તે પણ ગંધાય છે. આટલી સભા અમે કરીએ છીએ પણ તે અહીં હજારો ક્રિયાઓ આવે છે તેને ઠેલીને આ કરીએ છીએ. તે ઉપર ઉત્તર ગુલાબગરની વાત કરી. તે કોઈક મુમુક્ષુ હોય તે ભજન કરે એવા પણ હોય ને કોઈક ગુલાબગર જેવો મોટેરો હોય તો ધોલ મારે ને ઉઠાડે ને કહે જે ઊઠો.
ચિચોડામાં : શેરડી પિલવાના યંત્રમાં.
ઉદ્યમ : યત્ન, મહેનત.
પરબારા : સીધેસીધા, બારોબાર.
ઠેલીને : હડસેલીને, પડતાં મૂકીને.
(276) નાનાં નાનાં છોકરાં આંહીં બેઠાં છે પણ એ જુવાન થાશે ત્યારે આંહીં નહિ બેસે. જેમ કાચી શૂળ હોય તે જેમ વાળીએ તેમ વળે ને પાકી થાય ત્યારે સામી ચાલે. તેમ અવસ્થા આવે ત્યારે વિષયને માર્ગે સામો ચાલે. આ સત્સંગ છે તે તો બહુ દુર્લભ છે તે રૂપિયા ખરચે ન મળે એવો છે, આને હાથ જોડે તેમાં બધાં પાપ બળી જાય એવું છે.
(277) દુર્વાસાએ યજ્ઞનું ફળ માગ્યું તેની વાત કરી જે, પાંડવો યજ્ઞ કરતાં હતા ત્યાં દુર્વાસા ઋષિ આવીને યમુનાજીએ ગયા. યજ્ઞમાં સૌ જમ્યાં પછી કહે, ‘કોઈ જમ્યા વિના રહ્યું છે ?’ તો કહે, ‘દુર્વાસા રહ્યા છે.’ પછી પાંચે ભાઈઓ વારાફરતી બોલાવવા ગયા. ત્યારે દુર્વાસા કહે, ‘યજ્ઞનું ફળ આપો તો જમવા આવું.’ ત્યારે કહે, ‘અમે આખી જિંદગીમાં એક યજ્ઞ કરીએ તે ફળ કેમ અપાય ?’ ને ઋષિ ન જમે ત્યાં સુધી યજ્ઞ અધૂરો કહેવાય. તે મૂંઝાણા. ત્યારે દ્રૌપદીએ કહ્યું કે લાવો હું તેડી લાવું . પછી રથ જોડાવી દીધો. તે મુનિને ભાળીને રથેથી ઊતરીને ઋષિ પાસે ગયાં ને કહે, ‘મહારાજ જમવા પધારો.’ ત્યારે દુર્વાસા કહે, ‘યજ્ઞનું ફળ આપો તો આવું.’ ત્યારે દ્રૌપદી કહે, ‘કેટલા યજ્ઞનું ફળ આપું ?’ ત્યારે મુનિ કહે, ‘તમે કેટલાં યજ્ઞ કર્યાં ?’ ત્યારે કહે, ‘તમે મોટાપુરુષ ખરા ?’ કહે, ‘હા.’ તો કહે, ‘મેં તમારા સામાં સો ડગલાં ભર્યાં તે સોનું આપો ને એકનું લો.’ તે રાજી થઈને જમવા આવ્યા.
એકોપિ કૃષ્ણસ્ય કૃત: પ્રણામો દશાશ્ર્વમેઘાવમૃથેન તુલ્યમ્ ।
દશાશ્ર્વમેધી પુનરેતિ જન્મ કૃષ્ણપ્રણામી ન પુનર્ભવાય ।।
(મહાભારત-શાંતિપર્વ : 12/47/92)
અર્થ :- શ્રીકૃષ્ણને કરેલો એક જ પ્રણામ દશ અશ્ર્વમેધ યજ્ઞને અંતે કરવામાં આવતાં સ્નાન બરોબર પુણ્ય આપનાર છે. દશ અશ્ર્વમેધ કરનારને ફરી જન્મ લેવો પડે છે. શ્રીકૃષ્ણને પ્રણામ કરનારને ફરી જન્મ લેવાનો રહેતો નથી.
અર્થ : ધન, સંપત્તિ.
દશ : દિશા.
(278) સંત છે તે જીવની બુદ્ધિ સવળી કરે છે ને આપણે ખાધામાં ને સ્ત્રીમાં હેત છે, પણ તાવ આવે તો બધું ઝેર જેવું થઈ જાય છે. તે સમળાએ લોચો મૂક્યો ત્યારે સુખ આવ્યું. તેમ કજિયામાત્ર સાધુએ પડ્યા મૂકયા. તે ઉપર મુક્તાનંદસ્વામીએ બે લાખ જીવનું કલ્યાણ કર્યું તે વાત કરી. સાધુ સમાગમ કરે કે ભગવાનને માર્ગે ચાલે ત્યારે સંબંધી કહેશે જે બગડ્યો; ત્યારે એમ વિચારવું જે, આમાં બગડ્યું તે શું? પણ તેનો સ્વાર્થ ગયો તે માટે ‘બગડ્યો, બગડ્યો.’ એમ કહે છે ને સૌને પગનું ખાસડું કરવું છે તે ખાસડું થઈને રહો તો કહે જે આ સારો ને ખાસડું મટો તો કહેશે જે બગડ્યો. અમે તો ધારી જ મૂક્યું છે જે, વિષયના સંબંધે તો જીવનું સારું રહે જ નહિ તે ભક્તિ મારગને ઓથે કરીને પણ વિષયનો સંબંધ તો થાવા જ દેવો નહિ ને વિષયનો સંબંધ થાય એવું વચન પણ માનવું નહિ, તે નિષ્કુળાનંદસ્વામીએ ન માન્યું ને સ્વભાવ મૂકવા જેવું કાંઈ કઠણ નથી ને ભગવાન કે સાધુનો સમાગમ હોય તો સ્વભાવને છેટું કરાવે ને કોઈને દેહનો અનાદર પણ હોય તો પણ સ્વભાવ ન ટળે ને હૈયામાં કામના, લોભના ને સ્વાદના થાંભલા ભર્યા છે, તે હૈયું ક્યાંઈ ખાલી નથી. તે તો આ સાધુ છે તે ફોસલાવીને આ વાતું ઘાલે છે.
(279) પોતે અમાની ને બીજાને માન દે. મહારાજ પણ કોઈ નાના છોકરા આવે તો પણ ઊભા થાય, તે એનું નિર્માનીપણું ને એના ગુણ પ્રવર્ત્યા છે તો આપણે આમ સારી રીતે વરતાય છે. કૂતરાં પાળે તેને આપણે મૂરખ જાણીએ છીએ પણ પાળનારા પોતાને મૂરખ નહિ માનતા હોય. તે ઉપર વાત કરી જે, બાવો વાંદરી પાસે જૂ વિણાવતો હતો તે રામાનંદસ્વામીએ વાંદરીને લાકડી કરી તે બાવાના મોવાળાં તોડી નાખ્યા. તેમાંથી વાત દેખાડી જે મુક્ત હોય તેને વિષયના મારગ ગમે નહિ એટલે તેની ક્રિયા ચૂંથી નાખી, તે મહારાજને કેટલા કેટલા દાખડા પડ્યા ત્યારે આ માળા ફેરવે છે; નહિ તો પૂર્વે જુઓ તો મીરાંબાઈને ઝેર આપ્યું ને નરસિંહ મહેતાનું ખોરડું નાત બહાર કર્યું તે શ્રેયાંસિ બહુ વિઘ્નાનિ (સારા કામમાં વિઘ્નો ઘણાં આવે છે) તે જો આંહી આવો તો કોઈ ભાતું ન કરી આપે, તે ચોરને ચાંદરડું ગમે નહિ ને સર્વે વારે (રોકે) જે, હમણાં વરસાદ થયો છે તે જવાય નહિ. તે ઘરના વડા સોત વારવા ઉભા થાય, માટે એ મારગે તો કોઈ ચાલવા જ દે નહિ. તે ઉપર શિવલાલભાઈની વાત કરી.
પાળે : સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જાતનો સેવક/પાર્ષદ.
ખોરડું : ખોલી, ઓરડી. માટીનું નાનકડું ઘર એટલે કે દેહ.
સોત : સહિત.
(280) લોભનો વેગ લાગી જાય તો આ સાધુ જમે તેનો પણ ખરખરો થાય. તે ઉપર ઉદેશંકરની વાત કરી જે, સાધુ જમાડ્યા પછી, ‘ઘણું ખરચ થઈ ગયું.’ એવો ખરખરો કર્યો ને કમાવાનો વેગ લાગે તો ચાલીસ હજાર રૂપિયા લાવીને વહાણમાં જ મરી ગયો ને દેહાભિમાનનો વેગ લાગે તો જેટલા જગતમાં ઓસડીયાં હોય તેટલા કરે; માટે આપણા ઈન્દ્રિયું-અંત:કરણ છે તે શત્રુ છે. તે સાથે વેર બાંધવું ને લડાઈ લેવી ને જીવને આ લોક સામી દૃષ્ટિ છે, તેમાં ક્રિયા છે તે જો બગડે તો કહેશે જે બગડી પણ એ તો સુધરી તોય બગડેલી જ છે; માટે લોકના કલ્યાણને અર્થે સારું-નરસું કહેવું પણ અંતરમાં તો એમ જ સમજવું જે બગડેલું જ છે.
ખરખરો : અરેરાટી, અફસોસ, શોક.
(281) કેટલીક જાણપણાની વાતું એવી જાણવી જોઈએ જે કેટલાક વચન માનતા હોય ને માંહી ઝાઝું ન હોય ને કેટલાક વચન ન માનતા હોય તેમ લાગતું હોય ને ખરા સત્સંગી હોય ને કેટલાંક મંડળ એવા હોય જે જ્યાં ફરવા જાય ત્યાં વિમુખ કરી આવે. તે અમને એક હરિભક્તે પછેડી આપી તે જોઈને ભજનાનંદે પછેડીનો આગ્રહ કર્યો તે વિમુખ કર્યો ને નિત્ય મહેમાન થાય તેનો ભાર રહે નહિ ને માગે ત્યારે તેનું મૂલ થઈ જાય ને જણાઈ જાય જે આટલા સારુ જ આ કરે છે તે ઉપર દક્ષિણીની વાત કરી જે, વાતું કરીએ ત્યારે આંખમાં આંસું આવે એવો હતો ત્યારે જાણ્યું જે મુમુક્ષુ છે, પછી પાકા સીધા માગ્યાં એટલે તેનું રૂપ જણાઈ ગયું.
મૂલ : મૂલ્ય, કિંમત.
(282) પ્રેમજી સુતારને પ્રથમ ભીડ જેવું તે મહારાજે રોટલા ભેળા કર્યા. તેની વાત કરી જે, ગઢડામાં ગુર્જર સુતાર પ્રેમજી હતા તેનો વ્યવહાર બહુ દુર્બળ, તે મહારાજ કહે, ‘કેમ છે પ્રેમજી ?’ ત્યારે હાથ જોડી કહે, ‘મહારાજ રોટલા, લુગડાંનું પૂરું થાતું નથી. માંડ માંડ પૂરું થાય છે.’ મહારાજ કહે, ‘કંઠી, માળાઓ ઉતારો (બનાવો) તો તમારો નિર્વાહ ચાલે ને અમે સંત, હરિભક્તોને પહેરવાની આજ્ઞા કરેલી છે.’ ત્યારે પ્રેમજી કહે, ‘મને આવડે નહિ.’ ત્યારે મહારાજે ત્રણ પાંખડીની શારડી કરાવવાનું બતાવ્યું કે લુહાર પાસે આવી કરાવી ઉતારો તો આવડશે ને પછે શારડી કરાવીને કાચલીની કંઠી ઉતારી મહારાજને આપી. તે જોઈ મહારાજ ને સંત, હરિભક્તો સહુ રાજી થયા. પછી મહારાજ કહે, ‘કાચલીની ન પહેરાય તુળસી કે સુખડની હોય તો પહેરાય, માટે તેની બનાવો.
ત્યારે પ્રેમજી કહે, ‘મહારાજ આ દેશમાં તુળસી કે સુખડ ન મળે.’ ત્યારે મહારાજ કહે, ‘સુરતમાં ઘણી સુખડ મળશે.’ પછી સુખડ લેવા સુરત ગયા ને ભાવનગરથી વહાણમાં બેઠા ત્યાં એક બ્રાહ્મણ પણ બેઠો. તે પ્રેમજીની કેડમાં રૂપિયાની વાંસળી ભાળીને ધ્યાનમાં રાખી. તે વહાણ ચાલ્યું ને રાત પડી એટલે પ્રેમજી ભક્ત સ્વામિનારાયણના નામની ધૂન્ય કરવા લાગ્યા. પેલો બ્રાહ્મણ ધૂન સાંભળી ચિડાણો ને કહેવા લાગ્યો કે સ્વામિનારાયણ તે વળી કોણ છે ને આ શું બડબડ કરી રહ્યો છે ? તે સાંભળી પ્રેમજી ભક્ત ધીમે અવાજે નામસ્મરણ કરવા લાગ્યો, તે પણ બ્રાહ્મણથી સહન ન થયું ને ગુસ્સે થઈને બોલ્યો જે તારો સ્વામિનારાયણ ખરો હશે તો આજ તને રાતમાં ખબર પડશે. ત્યારે પ્રેમજી કહે, ‘તારાથી થાય તે કરજે.’
પછી રાતના અગિયારનો સુમાર થયો ને પ્રેમજી નિદ્રામાં. એટલે બ્રાહ્મણે અડદના દાણા મંતરીને માથે છાંટવા માંડ્યા; કારણ કે, તે બ્રાહ્મણ મલેચ્છવિદ્યામાં પૂરો હતો ને તેના મનમાં બહુ ગર્વ હતો ને આવા પ્રયોગથી ઘણાંની પ્રાણ હત્યા કરેલી. તે લગભગ અધ શેર અડદ તેમના ઉપર છાંટ્યા ને કહે, ‘હવે એ ઠેકાણે થઈ ગયો હશે.’ પણ સવારના ચારે પ્રેમજી જાગૃત થયો તે નામસ્મરણ કરતાં પથારીમાં જુએ તો અડદ વેરાયેલા જોયા. તે બધા ભેગા કરી લુગડાંને છેડે બાંધી લીધા. તે જોઈ બ્રાહ્મણ ભયભીત થયો કે આ શું કહેવાય? આ રીતે મેં ઘણાંના જીવ લીધા છે ને આને કાંઈ ન થયું. પછી વહાણમાંથી ઊતરી ધર્મશાળામાં ગયા ત્યાં પ્રેમજીએ નાહી, પૂજાપાઠ કરીને રસોઈ કરી. તેમાં અડદ બાફ્યાં ને પછી જમ્યો. તે જોઈ બ્રાહ્મણ તો આશ્ર્વર્ય પામ્યો ને કહે, ‘આ મારાથી મ્લેચ્છવિદ્યામાં વધારે પ્રવીણ હોવો જોઈએ.’ પછી પ્રેમજી બ્રાહ્મણને કહે, ‘હવે મારા સ્વામિનારાયણનો ચમત્કાર તને બતાવું ?’ ત્યારે બ્રાહ્મણ પગમાં પડ્યો ને કહે, ‘મારી ભૂલ થઈ, મારો અપરાધ માફ કરો.’ એટલે પ્રેમજી કહે, ‘આજથી કોઈ પણ જીવની હિંસા નહિ કરું, એમ પાણી મેલ એટલે માફ જ છે.’ પછી પાણી મૂક્યું જે, આજથી કોઈ જીવની હિંસા નહીં કરું ને કહે, ‘મને સ્વામિનારાયણ ક્યાં છે તે કહો. મારે તેમનાં દર્શન કરવાં છે.’ ત્યારે કહે, ‘કાઠિયાવાડમાં ગઢડા ગામ છે. ત્યાં રહે છે ને હું ત્યાં જ રહું છું.’ પછી સુખડનું વહાણ ભરીને તે બ્રાહ્મણને સાથે લઈ શ્રીજીમહારાજ પાસે લઈ ગયો ને કહ્યું જે આ અમારા સ્વામિનારાયણ પોતે. પછી પગે લાગ્યો ને ઉપરની વાત કરીને મહારાજ પાસે માફી માગી ને કહે, ‘મહારાજ ! મને આપનો આશ્રિત કરો.’ પછી મહારાજે તેને વર્તમાન ધરાવ્યાં ને પ્રેમજી સુતાર સુખડની માળા, કંઠીઓ બનાવવા લાગ્યો ને સૌ હરિજનો લેવા લાગ્યા. તે કંઠીનો અડધો રૂપિયો ને માળાનો આખો રૂપિયો. પછી તો રૂપિયા ઘણા થયા ત્યારે મહારાજને દર્શને આવવું પણ પડતું મૂક્યું.
(283) ‘મતિ હો મંદ, ખાઈ ખાઈ ધરાઈને રહ્યો, સૂઈ જાગ્યો ત્યારે જોશે ધન’ એ બોલ્યા ને હજી ચેતીને પ્રભુ ભજી લે તો સારું છે. વિશ્ર્વભંર છે તે સૌનું પોષણ કરે છે તે ભૂખ્યા ઉઠાડે છે પણ ભૂખ્યા સુવાડતા નથી. તે ઉપર લક્ષ્મીના કપાળનો ચોખો ડાબલીમાં પડી ગયો. તે કીડીએ ખાધો તેની વાત કરી. માટે જેણે દાંત દીધા છે તે ખાવાનું આપશે ને ગળે પાણી નહિ ઊતરે ત્યારે જાણવું, જે હવે પૂરું થઈ રહ્યું.
(284) આટલું આટલું જ્ઞાન કરીએ છીએ પણ દેહ ને જીવ એક જ સમજાય છે ને શાસ્ત્ર વાંચે છે તો પણ લીલની પેઠે પાછું મળી જાય છે. ચાર પ્રકારની અવિદ્યાની વાત કરી ને જ્ઞાની હોય તો પણ દેહાકાર થઈ જાય છે ને પોતાનો મર (ભલે) જેવો તેવો દેહ હોય તો પણ વહાલો લાગે ને પોતાનો છોકરો કુરૂપ હોય તોય સારો લાગે. તે સીદી પોતાના છોકરાને રાજા પાસે લઈ ગયો. માટે જે પોતાનું માન્યું છે તે સારું લાગે છે. ગુરુ અને શાસ્ત્ર ના પાડે છે ને વળી તે જ માર્ગે ચલાય છે તેનું નામ અજ્ઞાન કહેવાય.
મર : ભલે.
સીદી : હબસી પુરુષો-આફ્રિકાના મૂળ વતની.
(285) ને સત્સંગનું એવું હેત છે જે વસ્તો ભક્ત આગરીએથી સાધુ સારુ જીરુ લેવા ચાર ગાઉ રાજુલે ગયો, એવું હેત સાધુ ઉપર હરિભક્તનું છે તો પણ તૃષ્ણા પૂરી થતી નથી. તે ઉપર ‘જીભા જોને રે જીભા જોને રે,’ એ બોલ્યા ને દેશકાળે ખાધામાં, લૂગડાંમાં, પથારીમાં મોળું પડી જવાય ને જેવો ધર્મ છે તેવો ન રહે ને અહીં તો દેશકાળ કોઈ સમે આવ્યો જ નથી ને દેશકાળ સારો છે ત્યારે આપણે આંહીં બેઠા છીએ ને ભૂંડા દેશકાળ આવે ત્યારે તો પુરુષ સ્ત્રીને પડતી મૂકે ને સ્ત્રી પુરુષને પડતો મૂકે. તે અગ્નોતેરામાં કોઈએ દહાડો કર્યો નથી. એક જણે ચાર ગદીઆણા સોનાનો એક રોટલો લીધો ને બીજે દિવસ મરી ગયો.
ગાઉ : અંતરનું એક પરિમાણ, દોઢ માઈલ, અઢી કિલોમીટર.
(286) આવી રીતનો સાધુનો માર્ગ ન જોઈએ. સાધુના સ્વભાવ તો જનનીના જેવા જોઈએ. તે જનની હોય તે છોકરાના દોષ સામું જુએ નહિ તેમ સાધુને વરત્યું જોઈએ.
ક્ષણે રુષ્ટા: ક્ષણે તુષ્ટા, રુષ્ટા: તુષ્ટા: ક્ષણે ક્ષણે ।
અવ્યવસ્થિતચિત્તાનાં પ્રસાદોડપિ ભયંકર: ॥
(સુભાષિત રત્નમાળા : 45)
અર્થ :- એક ક્ષણે ક્રોધ કરે, બીજી ક્ષણે પ્રસન્ન થાય; એમ ક્ષણે ક્ષણે ક્રોધ કરે અને પ્રીતિ કરે એવા અવ્યવસ્થિત (ઠેકાણાં વિનાના) ચિત્તવાળા અધિપતિઓની મહેરબાની પણ ભયંકર હોય છે.
‘ક્ષણે રુષ્ટા, ક્ષણે તુષ્ટા’ તે સાધુનો મારગ નહિ. વાનરા હોય તે ઘડીકમાં રીસ કરે. એક વાનરો હતો તેણે કોઠીને બટકું લીધું. પંચવિષયનો ત્યાગ કર્યા વિના ને તેની અરુચિ કર્યા વિના ભગવાન પાસે નહિ રહેવાય ને આ સાધુ પાસે આવ્યા છીએ ત્યાંથી પંચવિષય લઈ જાશે. તે ઉપર પાપના કોઠારની વાત કરી જે, સંચિતના એક કોઠારના અરધનું દેહ-ઈંદ્રિયું ને અરધાના પંચવિષય કર્યા તે મળી જાય છે.
અર્થ : ધન, સંપત્તિ.
(287) પંચવિષયના ગુણ જ ગાયા છે પણ દોષ તો કહ્યા નથી
સંગં ન કુર્યાત્ પ્રમદાસુ જાતુ યોગસ્ય પારં પરમારુરુક્ષુઃ ।
મત્સેવયા પ્રતિલબ્ધાત્મલાભો વદન્તિ યા નીરયદ્વારમસ્ય ॥
(શ્રીમદ્ ભાગવત : 3/31/39)
અર્થ :- યોગના અત્યંત પારને પામવા અને મારી સેવાથી જ લાભ મેળવવા ઇચ્છતા પુરુષે સ્ત્રીઓનો કદી સંગ રાખવો નહિ; કારણ કે, તે તેને માટે નરકનું દ્વાર કહેવાયેલું છે.
તે એને તો નર્કનું જ દ્વાર કહે છે. વિદ્વાનને પણ પરાભવ કરે એવા છે. ચ્યવન આદિક મોટા મોટા વિદ્વાન નહિ હોય ? ને પરાશરે દિ’ની રાત કરી ને લઘુશંકામાં લોભાણા પણ ખરેખરું જ્ઞાન થાય તો વિષયમાં લોભાય જ નહિ. તે વસોના વાઘજીભાઈને કહીએ જે આ બશેર રાખ વસો લઈ જાઓ. તો કહેશે રાખ તો ત્યાં ઘણી હોય તે શું લઈ જાઈએ ? આટલી વાતું થાય તે હજાર કામ ઠોઈને કરીએ છીએ ત્યારે થાય છે.
અર્થ : ધન, સંપત્તિ.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
(288) મીતિયાળામાં કૃપાનંદસ્વામીએ ને અમે વીરા શેલડિયાને સત્સંગ કરાવ્યો. તે ગામનો દરબાર દાદો ખુમાણ અવિદ્યાવાળો હતો. તે વીરો ભક્ત કુટુંબ સહિત ગઢડે મહારાજને દર્શને ગયેલા એટલે વાંસેથી તેનાં ઘર સળગાવી દીધાં ને વીરો ભક્ત ગઢડે પાંચ સાત દિવસ રહી ઘેર આવ્યા ત્યારે દાદો ખુમાણ કહે, ‘વીરા તું ગઢડે સ્વામિનારાયણને દર્શને ગયો તેમાં તારું શું થયું ? તારા ઘર અને ગાડું બળી ગયાં.’ તે સાંભળી વીરો ભક્ત કહે, ‘સ્વામિનારાયણે તો મારું બહુ સારું કર્યું જે બાયડી, છોકરાં ઉગાર્યાં, ખોરડું તથા ગાડું બીજું કરશું ને જુઓ આ દાણાની કોઠીઓ ભરી છે ને ઘર માથે તો છાજ નાખી લેશું.’ તે સાંભળી દાદો ખુમાણ કહે, ‘ભણે આને તો સ્વામિનારાયણનો અવગુણ ન આવ્યો.’ પછી દરબાર કહે, ‘વીરાં, લાકડાંની માળા ફેરવે શું થાય ? સુતાર ઘણાં લાકડાં ફેરવે છે.’ ત્યારે વીરો ભક્ત કહે, ‘એની આજ્ઞામાં કલ્યાણ છે. એણે માળા ફેરવવાનું કહ્યું, પણ સ્વામિનારાયણે એમ કહ્યું હોત કે તમારે સૂતાં સૂતાં તમારા ઘરના વળા ગણવા ને સ્વામિનારાયણ નામ લેવું તો અમે તેમ કરત’, ત્યારે દરબાર કહે ખરો ભક્ત છે.
ખોરડું : ખોલી, ઓરડી. માટીનું નાનકડું ઘર એટલે કે દેહ.
(289) ગૃહસ્થના ભૂષણ તે ત્યાગીને દૂષણ અને ત્યાગીનાં ભૂષણ તે ગૃહસ્થને દૂષણ. તે ઉપર મધ્યનું બાવનમું વચનામૃત વંચાવીને વાત કરી. પછી માધવરાયની વાત કરી જે, દૂધ સાકર પી ગયા ને પાનબીડી ખાધી, તે તેને ભૂષણ પણ ત્યાગીને તો દૂષણ. માટે બધા વિષયના દાસ થઈ રહ્યા છે ને મતપંથીયા બળી ઉઠ્યા છે તે ખબડદાર રહેવું. તે બધી વાત સત્સંગે કરીને સમજાય છે.
(290) દાદાખાચરને પરણાવવા ગયા હતા. ત્યાં નાગાજણ સાજ વગાડીને ‘નારી પીશાચા વાકી મત કરો આશા, બડે બડેકું બિગોયાવે’ એ આદર્યું ત્યારે મહારાજ કહે, ‘માંડ માંડ પરણાવીએ છીએ, ત્યાં આવું ક્યાં ગાવાં મંડયો ? સમય પ્રમાણે ગાતાં નથી આવડતું, રહેવા દે.’ પછી અમે ‘સોનેરી મોળીયું’ તથા ‘ઈન મોહનાને મેરો મન હર લીનો’ એ બોલ્યા. તે મહારાજ બહુ રાજી થયા.
કરો : ઘરની દિવાલ.
(291)
ઘોડું રાખવું નહિ એ ઉપર વાત કરી જે,
કઠણ વચન કહું છું રે, કડવાં કાંકચ્ય રૂપ;
દરદીને ગોળી દઉં છું રે, સુખ થાવા અનૂપ.
ખરે મને જે જન ખાવશે રે, આવું જે ઔષધ;
જીરણ રોગ તેનો જાવશે રે, સુખી થાશે સદ્ય.
(કીર્તન મુક્તાવલી-ચોસઠ પદી-પદ 17-નં.1048-પાન નં.546)
‘સનકાદિકે સુખ કારણે રે ઘોડું ન રાખ્યું ઘેર,
આ તો બાંધ્યા બીજાને બારણે રે.’
એ બોલ્યા. વિષ્ણુવલ્લભદાસજી બોલ્યા જે એ તો વગડામાં રહેતા તે દિવસનું પ્રકરણ છે ને આજ તો કોઈ માને નહિ. ત્યારે સ્વામી કહે, ‘માનનારા હોય તે આજ માને ખરા ને દેહનો વ્યવહાર છે તે રાખ્યો જોઈએ પણ મનમાં એમ વરતે.’
(292) મોંઘા-સોંઘાનું પ્રકરણ નીકળ્યું ત્યારે સ્વામીએ કહ્યું જે, આપણે તો રોટલા મળે એટલે મોંઘુ-સોંઘુ ન કરવું ને દુ:ખિયા ન થાવું ને રૂપિયા તો આપણે દાટવા નથી. એ તો મર જેને દાટવા હોય તે દાટે, એમ જાણીને અંતરે સુખ રાખવું; પણ મોંઘા-સોંઘાનું ભજન કરીને ક્લેશને ન પામવું.
મર : ભલે.
(293) સંવત 1923ના ભાદરવા વદિ ત્રીજને દિવસ સવારના પહોરમાં કાકડીની પ્રસાદી પોતાને હાથે સર્વ સંતને તથા સર્વ હરિજનને આપીને, છેલ્લીવારે સર્વ સંતને તથા સર્વ હરિજનને મળીને જૂનાગઢના મંદિરમાંથી પોતે ફરવા પધાર્યા. તે વખત બોલ્યા જે, ‘ચાળીસ વર્ષ, ચાર મહિના ને ચાર દિવસ એટલું આ મંદિરમાં રહ્યા ને હવે ફરવા જઈએ છીએ. તે હવે સત્સંગમાં ફરશું.’ એમ કહીને સંતમંડળે સહિત ફરવા પધાર્યા, તે પ્રથમ ગામ વંથળી પધાર્યા ત્યાં કલ્યાણભાઈને ઘરે પધરામણીએ પધાર્યા ને ત્યાં કલ્યાણભાઈને ઘણી વાતું કરી. તે વખતે કલ્યાણભાઈએ પૂછ્યું જે, ‘અક્ષર તે કેવું હશે?’ એટલે સ્વામી બોલ્યા જે, ‘આ બેઠું એ જ અક્ષર છે.’ એમ કહીને બોલ્યા જે,
અહો લોકે બત ભુરિ ભાગા લોકં પુનાના મુનયોડભિયન્તિ ।
યેષાં ગૃહાનાવસતીતિ સાક્ષદ્ગૂઢં પરં બ્રહ્મ મનુષ્યલિંગમ્॥
પછી ત્યાંથી સોરઠમાં બધાંય ગામ ફરતા ફરતા ગામ ઉપલેટા પધાર્યા ને ત્યાં લાલાભાઈને ઘણીક વાતું કરી ને પોતાને દેહ મૂકીને અક્ષરધામમાં જવું તે વાત પણ લાલાભાઈને તથા અરજણભાઈને કરીને જાગા ભક્તનો જોગ રાખવા ભલામણ કરી. તે પછી ગોંડળથી જાડેજા દરબાર શ્રી અભેસિંહજીભાઈ તથા દવે માધવજીભાઈ આવ્યા તેમણે સ્વામીને ગોંડળ પધારવાની પ્રાર્થના કરી, એટલે સ્વામી બીજા ગામ ફરતા ફરતા મેવાસા થઈને સંવત 1923ના આસો સુદિ નવમીને રોજ સવારમાં ગોંડળ મંદિરમાં પધાર્યા. પછી બીજે દિવસ દશેરાને રોજ મંદિરમાં સ્વામીએ ઉત્સવ કરાવ્યો ને સર્વે હરિજનોએ સ્વામીની પૂજા કરીને વસ્ત્ર ઓઢાડ્યાં, પછી સ્વામીએ બપોરે ધર્મામૃતની કથા કરાવીને તે સંબંધી બહુ વાત કરી જે, ‘જેને ભગવાનના ધામમાં જવું હોય તેને ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તીને ભજન કરવું, એમ મોટા મોટા સંતનો સિદ્ધાંત છે.’
પછી વળી એકાદશીને દિવસે સવારમાં કથા કરીને, સ્વામી બાગમાં શ્રીજીમહારાજની પ્રસાદીની બેઠક છે ત્યાં સર્વ સંત તથા હરિજન સહિત દર્શને પધાર્યા ને ત્યાં મહારાજની લીલાની ઘણી વાતો કરી. ત્યાર પછી મંદિરમાં પધાર્યા, પછી તે જ દિવસે સાંજને સમયે ચાર વાગતાં દરબારની આજ્ઞાથી કારભારી મંડળે મંદિરમાં આવીને સ્વામીને દરબારમાં પધારવાને અર્થે પ્રાર્થના કરી, એટલે અચિંત્યાનંદ બ્રહ્મચારી વગેરે સર્વે સંતમંડળે સહિત સ્વામી ગાડીમાં બેસીને દરબારમાં પધાર્યા, પછી નવલખા ઉપર ગાદી-તકિયા બિછાવીને તે ઉપર સ્વામીને પધરાવ્યા, ને પછી દરબાર શ્રી સંગ્રામજીએ સ્વામીની કેસર ચંદનાદિકે કરીને પૂજા કરીને પુષ્પના હાર પહેરાવીને વસ્ત્ર ઓઢાડ્યાં.
તેમજ સર્વ સંતમંડળની પણ પૂજા કરી ને વસ્ત્ર ઓઢાડ્યાં, પછી દરબારશ્રીએ સ્વામીની આગળ શિખરબદ્ધ મંદિર કરીને માંહી મૂર્તિઓ પધરાવવા બાબતની વિનંતી કરી, ત્યારે સ્વામીએ તેમનું વિનયનું વચન સાંભળીને કહ્યું જે, ‘આંહીં મંદિર કરશું.’ એમ કહીને સહુને રાજી કર્યા, ત્યારપછી દરબારે સ્વામીને પૂછ્યું જે, ‘અમારો મોક્ષ જે રીતે થાય તેવો ઉપાય તમો કૃપા કરીને કહો.’ ત્યારે સ્વામીએ મોક્ષ થાવા સંબંધી ઘણીક વાતો કરી, તેમાં મોક્ષ થાવાનો મુખ્ય ઉપાય તો ‘સત્પુરુષના સમાગમે કરીને પ્રગટ ભગવાનનો મન-કર્મ-વચને આશરો કરવો એ જ મોક્ષ થાવાનું પરમ કારણ છે.’ એમ સ્વામીએ કહ્યું, પછી તે સ્વામીની વાત સાંભળીને દરબાર ઘણાં રાજી થયા, પછી સ્વામીને વચને પ્રગટ ભગવાનનો આશરો કરીને દરબારે સ્વામી પાસે પોતાનો મોક્ષ થાવાનો વર માગ્યો, ત્યારે સ્વામીએ રાજી થઈને તેને વર આપ્યો. પછી સ્વામી મંદિરમાં પધાર્યા.
પછી વળી દ્વાદશીને દિવસે સ્વામીને દરબારમાં પધારવા સારુ ગણોદ દરબાર શ્રી અભેસિંહજીએ સ્વામીને પ્રાર્થના કરી, એટલે સ્વામી તેમના દરબારમાં સાંજને વખતે સંતમંડળે સહિત પધાર્યા, પછી દરબારે પોતાના ઓરડાની ઓસરીમાં ગાદી-તકિયા બિછાવીને સ્વામીને તે ઉપર પધરાવ્યાં, પછી કેસર-ચંદનાદિકે કરીને દરબાર શ્રી અભેસિંહજી તથા તેમના ચિરંજીવી દરબાર શ્રી ભગવત્સિંહજી, તેમણે સ્વામીની પૂજા કરી, હાર પહેરાવ્યા, આરતી ઉતારી અને હાથ જોડીને વિનયપૂર્વક સ્વામીની ઘણી સ્તુતિ કરી. પછી સ્વામીને વસ્ત્ર ઓઢાડ્યાં, ત્યાર પછી સર્વ સંતમંડળની પણ પૂજા કરીને હાર પહેરાવ્યા ને વસ્ત્ર ઓઢાડ્યાં. ત્યાં સંધ્યા વખત થઈ એટલે ગોડી આરતી-સ્તુતિ કરીને સ્વામી વગેરે સર્વે સંત પોતાના આસને બેઠા, પછી સંત પાસે સ્વામીએ કીર્તન ગવડાવ્યાં, ત્યાર પછી દરબારશ્રીએ સ્વામીને પ્રાર્થના કરીને કહ્યું જે, ‘તમને રાજી કરવા સારુ શ્રી જૂનાગઢનાં મંદિરમાં ઠાકોરજીને નિત્ય જમાડવા માટે, સાકરનો થાળ કરવાનો મારો વિચાર છે. તેનો લેખ કર્યો છે તે આપને કાલે આપીશ.’ ત્યારે સ્વામીએ કહ્યું જે, ‘કાલ કોણે ભાળી છે? કાલનો નિર્ધાર નથી. અત્યારે જ લાવો.’ પછી દરબારશ્રી પોતાના કુંવર શ્રી ભગવત્સિંહજી પાસે એ લેખ સ્વામીની આગળ મુકાવીને તેમને સ્વામીને પગે લગાડ્યા. એટલે સ્વામીએ પોતે રાજી થઈને તેના માથા ઉપર બે હાથ મૂક્યા ને પછી બોલ્યા જે, ‘આ ભગવાનના આપેલા કુંવર છે તેથી એનું નામ ભગવત્સિંહજી પાડ્યું છે.’
એવી રીતે ત્યાં ઘણી ભગવાન સંબંધી વાતો કરીને પછી રાત્રિના દશ વાગતાં મંદિરમાં પધાર્યા, પછી ત્યાં નિત્ય નિયમ, ભજન તથા સ્વાભાવિક ચેષ્ટા કરાવી, એટલે અગિયારનો વખત થયો, પછી હરિજન સહુ પોતપોતાના ઘરે ગયા, ત્યાર પછી સ્વામીને શરીરે શરદી જેવું જણાયું એટલે સગડી કરીને શરીરે શેક કર્યો અને ગરમ ઔષધિ જાવંત્રી વગેરે ખવડાવી. પછી સ્વામી કહે, ‘હવે મારે શરીરે સારું છે. માટે તમે સર્વે સૂઈ જાઓ. બાર વાગવા આવ્યા છે.’ એટલે સહુ સંત સૂઈ ગયા ને સ્વામી પોતે સ્વસ્તિક આસન વાળીને મહારાજનું ધ્યાન કરવા બેઠા. તે ધ્યાન કરતાં બાર ઉપર પોણો કલાક થયો તે વખતે અક્ષરધામમાંથી શ્રી પુરુષોત્તમ ભગવાન પોતે અસંખ્ય વિમાન લઈને પોતાના પાર્ષદે સહિત તેડવા પધાર્યા. તેમની સાથે સ્વામી પોતે સ્વતંત્ર થકા આ લોકમાંથી દેહત્યાગ કરીને સંવત 1923ના આસો સુદિ બારસને ગુરુવારની રાત્રિએ બાર ઉપર પોણા કલાકે વિમાનમાં બેસીને અક્ષરધામમાં મહારાજ સાથે પધાર્યા. ત્યારબાદ સ્વામીના દેહને વિમાનમાં પધરાવી દહનક્રિયા માટે ગામ બહાર લઈ ગયા. એ જગ્યાએ ગોંડલ મંદિરે સંવત્ 1924માં શ્રીજીમહારાજનાં ચરણારવિંદ પધરાવીને તે ઉપર વિમાન આકારની છત્રી કરાવી હતી. સંવત્ 1988માં આ સ્થળે શ્રી અક્ષર મંદિર બાંધવામાં આવ્યું છે.