(1) નૃસિંહાનંદસ્વામીએ મહારાજને પગે લાગીને કહ્યું જે હે કૃપાનાથ ! ભગવાનની મૂર્તિ અખંડ રહે એવી કાંઈક વાત કરો ત્યારે મહારાજ શ્ર્લોક બોલ્યા જે,
બ્રહ્મભૂતઃ પ્રસન્નાત્મા ન શોચતિ ન કાંક્ષતિ ।
સમઃ સર્વેષુ ભૂતેષુ મદ્ભક્તિં લભતે પરામ્ ॥
(શ્રીમદ્ ભગવદ્ગીતા : 18/54)
અર્થ :- બ્રહ્મભાવને પ્રાપ્ત થયેલો તે પ્રસન્ન ચિત્ત મનુષ્ય કશાનો શોક કરતો નથી કે કશાની આકાંક્ષા કરતો નથી અને સર્વ ભૂતોમાં સમભાવથી રહેતો થકો મારી પરમ ભક્તિને પામે છે.
સો મણ ઘી ખાધું તો પણ જીભ કોરી ને કોરી. આવું થાય ત્યારે ભગવાનની મૂર્તિ અખંડ રહે. પછી મહારાજે સમાધિવાળા પરમજ્ઞાનાનંદસ્વામીને પૂછ્યું જે, આ વાતમાં તમે કાંઈ સમજ્યાં ? ત્યારે કહે, ‘ના મહારાજ, હું તો કાંઈ સમજ્યો નહિ.’ પછી મહારાજે કહ્યું જે, આ દેહ છે તે પંચમહાભૂતનો છે; તેમાં હાડ ને માંસ છે તે પૃથ્વીનો ભાગ છે, રુધિર છે તે જળનો ભાગ છે, ઝગે છે તે તેજનો ભાગ છે, શ્ર્વાસ લેવાય છે તે વાયુનો ભાગ છે ને અવકાશ છે તે આકાશનો ભાગ છે. એમ પંચભૂત, પંચતન્માત્રા, ચૌદ ઈન્દ્રિયો એ ચોવીશ તત્વરૂપ ગઢ છે, તેમાં આ જીવ છે તે દીવારૂપ છે ને જીવની વૃત્તિયું છે તે ઈન્દ્રિયો દ્વારે જેમ છોકરાં પતંગ ઉડાડે છે તેમ વિષય સન્મુખ ચાલે છે ને દોરી તાણવાથી જેમ પતંગ ઢૂંકડો આવે છે તેમ પાછી વૃત્તિ વાળવાથી, વૃત્તિ ઈન્દ્રિયોના ગોલકમાં આવે છે ને પાછી અંત:કરણ સન્મુખ થાય છે ને અંત:કરણ છે તે જીવમાં લીન થાય છે; પછી એક આત્મારૂપે રહે છે. પછી આત્મારૂપ થઈને ભગવાનનું ચિંતવન કરે છે ત્યારે એની વૃત્તિ ભગવાન સન્મુખ ચાલે છે. તે કેવી રીતે તો, જેમ સ્વર્ગમાંથી ગંગા આવી તેને કાળો પર્વત આડો આવ્યો તે કાળા પર્વતને ફોડીને સમુદ્રને મળી ને ચમકના પર્વત સામા જ્યારે વહાણ ચાલે ત્યારે વહાણના બધા ખીલા ચમકમાં ખેંચાઈ જાય છે. પચાસ કોશનો પ્રવાહ ભેળો ચાલતો હોય તે કોઈનો હઠાવ્યો હઠે નહિ તેમ એની વૃત્તિ ભગવાન સન્મુખ ચાલે છે તે કોઈની હઠાવી પાછી પડતી નથી. જેમ ગૃહસ્થ પોતાની મૂડી પોતાના વહાલા દીકરાને આપે તેમ અમે અમારી ગાંઠની મૂડી હતી તે તમોને આપી.
મૂર્તિ : સંતો.
કરો : ઘરની દિવાલ.
અર્થ : ધન, સંપત્તિ.
પતંગ : પતંગિયું.
ગોલકમાં : ઈન્દ્રિયોનું અધિષ્ઠાન.
ગાંઠની : પોતાની.
(2) કામ, લોભ, રસાસ્વાદ ને માન એની આગળ કોઈનું ચાલતું નથી. એક રસના ઈન્દ્રિયને જો મોકળી મેલે તો નેત્રની, કાનની, શ્રોત્રની, ત્વચાની, ઈન્દ્રિયોની ને અંત:કરણની ચપળતા વધે છે ને પોતપોતાની ક્રિયાને વિશે તત્પર થાય છે. માટે પ્રકૃતિપુરુષનું જે કાર્ય તેનો નિષેધ કરીને સંકલ્પનો નાશ કરી નાંખવો ને આજ્ઞા, ઉપાસના, એકાંતિક સાધુનો સંગ ને સત્શાસ્ત્ર એ ચાર વાનાંનો અભ્યાસ રાખવો. આ જીવને જે જે લાભ થયો છે તેની ખબર નથી ને ખોટની પણ ખબર નથી. કેમ જે, સર્વોપરી પુરુષોત્તમ ભગવાન મળ્યા, તેને મેલીને જીવ પંચવિષયે કરીને સુખ માને એ કાંઈ થોડી ખોટ છે? માટે ગાફલાઈ ન રાખવી ને આ લાભ થયો છે તેનો વિચાર હંમેશા કરવો. લાખો રૂપિયા મળે તો પણ હૈયામાં સુખ તો થાય જ નહિ ને આ ભગવાનનું ભજન કરે તો સુખનો પાર રહે નહિ. એક ભલાઈ ને બીજો ક્રિયાને વિષે ટાઢો સ્વભાવ, એ બે ભજનનાં વિરોધી છે.
નિષેધ : શાસ્ત્રવિહિત મનાઈ.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
(3) કથા, કીર્તન, ધ્યાન ને ભજન સદા કર્યા કરવું. તેમાં વચ્ચે કોઈક વ્યાવહારિક કામ આવે તો તેમાં પણ અનુસંધાન રાખવું જે, કામ કર્યા પછી પણ આપણે તેમનું તેમ કરવું છે, તો તે ક્રિયા પણ ધ્યાનરૂપ થાય છે. દેહાભિમાન વધવા ન દેવું, મનધારી ક્રિયા કરવી નહિ. અને જે જે કરવું તે મોટાને પૂછીને કરવું કેમ જે પ્રકૃતિ પડ્યા પછી ટાળવી ઘણી કઠણ છે. જીવમાં ભગવાન રહ્યા છે તે જોવા છે, પણ જેમ ડોળાયેલ પાણીમાં ચિંતામણિ હાથમાં આવતી નથી તેમ જીવનું અંત:કરણ પંચવિષયે કરીને ડોળાઈ ગયેલું છે એટલે ભગવાનની મૂર્તિ દેખાતી નથી તે ક્યારે દેખાય ? તો જ્યારે અંત:કરણ શુદ્ધ થાય ત્યારે દેખાય. તે અંત:કરણ ક્યારે શુદ્ધ થાય ? તો જ્યારે ખાવાનો, જોવાનો, બોલવાનો વગેરેનો સર્વ પ્રકારે નિયમ રાખે તો અંત:કરણ શુદ્ધ થાય ને ભગવાનની મૂર્તિ દેખાય; પણ વૈરાગ્યનું તો કરોડ ગાઉનું છેટું છે. કેમ જે જીવ દેહમાં જડાઈ ગયો છે ને ઉપાસનાનું તો ઠેકાણું નથી, કેમ જે સ્વામિનારાયણને ભગવાન જાણે છે પણ ધ્યાન, ભજન બીજાનું થાય છે; માટે એક તો ઉપાસના, બીજો ધર્મ એ બે વાત રાખવી, તો ઠેઠ અક્ષરધામમાં પુગાશે ને તે વિના તો ગમે તેવો મોટો હશે, પણ :
સુખં પાલ બેઠે ચલે જુથ સંગ; રથં સુંદરં બેલ જુતે તુરંગ;
તિખે સાદ આગે છડીદાર ટેરી; દિનં એક હોસી સબે ખાખ ઢેરી. 1
હજારૂં ફુવારકા છુટે મહિ હોજં; મિલે મંડળી છેલ માણંત મોજં;
જલે નિર્મલે ક્રીડતે બેર બેરી; દિનં એક હોસી સબે ખાખ ઢેરી. 2
કહા પાસ મંત્રી રહે જ્યું પ્રવિના; બુદ્ધિવંત સુજે સબે ચોજ જીના;
સદા રાજ કાજં મનમે લગેરી, દિનં એક હોસી સબે ખાખ ઢેરી. 3
દિનં ચારકા જીવના આ દુનીમેં; ભ્રમે મોહવંતા બુદ્ધિ આપનીમે;
તુછં સુખમેં લબ્ધ હોઈ વૃત્તિ તેરી; દિનં એક હોસી સબે ખાખ ઢેરી. 4
બ્રહ્માનંદ કે ક્યું બંદે મોહ પ્રાની; વિનાં સૂઝ તેરી બુદ્ધિ ક્યાં બેકાની;
લક્ષ્મી તણા નાથકી ઓટ લેરી; દિનં એક હોસી સબે ખાખ ઢેરી. 5
ચિંતામણિ : ઇચ્છા પૂરી કરે તેવો દિવ્ય મણિ.
મૂર્તિ : સંતો.
સંવત્ 1919ના પહેલા શ્રાવણ સુદિ દ્વિતીયાને દિવસે સ્વામીએ વાત કરી જે,
(4) જેનો કસબ હોય તે તેમાં જાણે. ઘોડાનું પારખું તે આ ઘનશ્યામદાસજી જાણે ને પૃથ્વીનું પારખું તો ખેડૂત જાણે. તેમ જીવને, મોટા હોય તે જાણે જે આ જીવને આટલો ખપ છે, આટલો દાખડો કરશું ત્યારે આગળ આવો થાશે; પણ જો જીવને કહેનારા ન હોય તો એટલેથી સત્સંગ જાતો રહે ને સ્વભાવ તો જીવનો એવો છે જે મન-ઈન્દ્રિયુંને કારસો ન ગમે. મોટાને તો તેનું મનગમતું મુકાવવું હોય ને જીવમાં જે બડવાલ (બડવાળ) હોય તેને આ સાધુ જાણે છે. એવા મોટા મળ્યા તેને ભગવાન મળ્યા એમ જાણવું ને એવા મનાય ત્યારે એના હૈયામાં ભગવાન આવે અને વાતો પણ નોખી નોખી છે. કોઈને નિષ્કામની કહેવી જોઈએ, કોઈને નિર્લોભની કહેવી જોઈએ, કોઈને નિ:સ્વાદની જોઈએ, પણ તે બધું સાધુ વિના કોણ ઓળખાવે ?
કસબ : કળા, કળાકુશળતા, નિપુણતા.
કારસો : ભીડો/ભીડામાં-કસોટીમાં લે.
(5) પીઠા ધાધલને ગાડાનું કાગવું વાગ્યું તે રીસ ચડી તે કાગવાને બટકું ભર્યું ને દાંત પણ પડી ગયો. એક વાર ચોર બાવો હતો તે કાઠીનો ગુરુ હતો. પીઠા ધાધલના કપાળમાં તિલક દેખીને મહારાજનું તે વાંકુ બોલ્યો. તે સાંભળી પીઠે ધાધલે તેને મારવા સારુ ધોસરું ઉગામ્યું, ત્યારે બાવો ભાગ્યો. એટલે ધાધલ વાંસે દોડ્યા, તે સીમાડા બહાર ગયો એટલે તે પાછા વળ્યા, એવા હતા પણ સાધુ થયા ત્યારે તેમનું નામ નિર્માનાનંદસ્વામી પાડ્યું, તે કૃપાનંદસ્વામીના મંડળમાં રહેતા ને કોઈને બોલાવે ત્યારે પ્રથમ હાથ જોડી નમસ્કાર કરીને બોલાવે એવા નિર્માની થયા. તે જોઈને કૃપાનંદસ્વામીએ પૂછ્યું જે, સ્વામી તમે કાગવાને બટકું ભર્યું હતું ને તેથી તમારો દાંત પણ પડી ગયો હતો તે તમારી રીસ ક્યાં ગઈ ? તે સાંભળી તે બોલ્યા જે, કાગવાને બટકું ભર્યું હતું તે પીઠો ધાધલ તો કાળમાં મરી ગયો ને હવે તો હું નિર્માનાનંદ થયો. તે એવા નામમાં રીસ સંભવે જ નહિ, એમ જાણીને હું નિર્માની થઈ રીસ કરતો નથી. ત્યારે કૃપાનંદસ્વામી કહે, ‘ઠીક.’ એ બધા દોષ સાધુ થકી ઓળખાય છે ને મુકાય છે. તેમને કોઈ બોલાવે ત્યારે હાથ જોડીને પગે લાગીને કહે જે, શું કહો છો ? ને મહારાજ પણ કાંઈ કામ ચીંધે ત્યારે પણ હાથ જોડીને પગે લાગીને કહે જે, બહુ સારુ મહારાજ, હું તેમ જ કરીશ. એવા નિર્માની થયા; માટે સાધુ વિના જીવનું અજ્ઞાન કોણ ઓળખાવે ?
સોની ઘણો ડાહ્યો હોય તે સોનું જ પારખી શકે પણ ઢોરને ન ઓળખી શકે. ઢોરને તો આ જલો ભક્ત ઓળખી શકે; તેમ મોટા છે તે જીવના દોષને ઓળખે છે; તે કોઈકને ક્યાંઈક મૂકે તો પણ ઓળખીને મૂકે ને પોતા પાસે રાખે તે પણ ઓળખીને રાખે. તે કેટલાક પાસે રહ્યા વૃદ્ધિ પામે છે ને કેટલાક છેટે રહી વૃદ્ધિ પામે છે, પણ જે ખપવાળા છે તે મોટાનું જોઈને વરતે છે ને જે મોટા છે તે તો જીવના સ્વભાવ ભાળીને તેની સાથે મિત્રાચારી કરીને તેના દોષ મુકાવે છે. વળી બીજા મોટા તો હોય પણ બોલે જ નહિ ત્યારે જીવને જ્ઞાન શી રીતે થઈ શકે ? કેટલાક છે તે મોટાથી નોખું પડવું પડે ત્યારે રુવે, કેટલાક છે તે રાજી થાય. તે શું જે, કારસો વેઠવો ન પડે ને મનગમતી રસોઈ થાય. એમ સર્વની રુચિ નોખી નોખી છે.
કાગવું : ગાડાના ઉંટડાને જે ઠેકાણે ધોંસરું બંધાય છે તે ભાગ, આડા વગરનું લાકડું.
વાંસે : પાછળ.
કારસો : ભીડો/ભીડામાં-કસોટીમાં લે.
(6) જીવ પોતે પોતાનું ન જાણે પણ જે એકાંતિક છે તે તો જાણે, ત્યારે નારણ ભક્તે પ્રશ્ર્ન પૂછ્યો જે, એવા મોટાનો શી રીતે વિશ્ર્વાસ આવે ? ત્યારે ઉત્તર કર્યો જે, તેની સમીપમાં જે રહેનારા હોય તે જાણતા હોય તેને પૂછે ત્યારે તેનો વિશ્ર્વાસ આવે; ત્યારે મોટા ઓળખાય.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
(7) ભગવાન ભજીએ તો ઘણું સારું, પણ આ જીવને તો ગરજ નથી, માટે જેને મોક્ષનો મારગ જોઈતો હોય તેને તો ગરજ રાખવી અને એમ જાણવું જે પ્રભુ ભજવા મંડ્યા ત્યારે કેટલાંક સુખદુ:ખ આવે, પણ પાછા હઠવું નહિ ને પ્રભુને હૈયામાં રાખવા, તે તો બળિરાજાના જેવી ભક્તિ હોય ત્યારે રહે, નીકર રહે નહિ.
(8) સંત કહે તેમ કરવું તો તે વશ થઈ જાય છે. તે ઉપર વાત કરી જે, અષ્ટ પટરાણીઓએ દ્રૌપદીને પૂછ્યું જે, પાંચે પાંડવો તમારે વશ છે તે તમોએ કંઈ માદળિયું બાંધ્યું છે કે જંતરમંતર કર્યા છે કે શાણે કરીને વશ કર્યા છે ? અમે તો સોળ હજાર એકસો ને આઠ છીએ ને ભગવાન તો એક જ છે, તો પણ વશ થાતા નથી ને તમો તો એકલાં છો ને પાંચેયને વશ કર્યાં તે શી રીતે કર્યાં ? તે કહો, ત્યારે તે કહે જે, હું પાંચેયને વશ થાઉં છું ને કહે તેમ કરું છું તેથી તે વશ થયા છે, કંઈ મંત્ર કે દોરો-ધાગો કંઈપણ અમે તો કર્યું નથી; માટે મોટા કહે તેમ કરીએ તો તે વશ થાય છે.
(9) ચિત્ર તે ભીંતે થાય. ત્રાટે ન થાય, તેમ સાધુ થયા વિના ગુણ આવે નહિ. તે આ જન્મે નહિ થાવાય તો બીજે જન્મે તો થાવું જ છે ને ભગવાનનું મનગમતું કરવું છે, એવો ઠરાવ કરવો. સેવા કરીને રાજી થાવું પણ સેવા કરાવીને કે પોતાનું મનગમતું કરાવીને રાજી થાવું નહિ. જે સેવા કરે તે પુણ્યમાં ભાગ લઈ જાય છે.
ત્રાટે : કામડાનો પડદો.
(10) વિષયમાંથી તોડાવીને ભગવાનમાં જોડે તેને ગુરુ કહ્યા છે. જેટલી નિષ્કામ, નિર્લોભ, નિ:સ્નેહ, નિર્માનીપણામાં કસર રહેશે તેટલી ખોટ રહેશે.
કસર : ખોટ, ઉણપ.
(11) સર્વ સાધનનું ફળ તે ભગવાનની મૂર્તિમાં રહેવું તે છે. ને સાધુ થાવું ને તેને અર્થે નિષ્કામી થાવું. આ તો મોટાં કારખાનાં છે તે સમુદ્રમાંથી ઝેર પણ નીકળ્યું ને અમૃત પણ નીકળ્યું, તેમ આમાં કોઈનું પદાર્થ ઉપાડી લે તેવા પણ હોય, માટે ઝાઝું થયું એટલે લક્ષ જોઈએ; બધા તો સરખા હોય નહિ પણ ગુણ લેવાનો લક્ષ રાખવો.
(12) આપણે એવો આદર રાખવો જે, ‘કોટિ જન્મ લગી રગડ હમારી વરું શંભુ કે રહું કુમારી.’ કેમ જે, આપણે તો બળિ તથા અંબરીષના મારગમાં જ ભળવું છે ને સાધુતા રાખવી છે પણ પોતાના સ્વભાવ હોય તે ફજેત કર્યા વિના રહેતા નથી. તે ગમે તેવો સ્વભાવ હોય પણ ખરાબ કરવાનો છે; તે આગળ પણ દુર્વાસાદિકને ઘણા નડ્યા છે; આપણામાં પણ વૈરાગ્યાનંદ, હરિહર્યાનંદ એવાને સ્વભાવ નડ્યા છે. માટે ભગવાન ભજવા હોય તેને પોતાના સ્વભાવ મૂકવા.
ફજેત : બદનામ.
(13) સત્સંગ મળે, ભગવાન મળે, ભગવાનની સેવા મળે પણ સમાગમ વિના સાધુતા આવે નહિ. જે લવિંગને વીંધે તે ઘાવેડી કહેવાય; તેમ સાધુતાના ગુણ આવશે ત્યારે ભગવાન રાજી થાશે. કોઈ બળ્યો-જળ્યો આવે તેને અમૃત જેવાં વચન કહીને ઠારવો. તે બાળમુકુંદાનંદસ્વામીને ગાળ દીધી પણ માનસીપૂજામાંથી ચૂક્યા નહિ. તેમ જ્યારે એવા સાધુ પાસેથી જ્ઞાન શીખીશું ત્યારે સાધુ થાવાશે. તે અર્જુનને વાછડો કર્યો ને ગીતાને ગાય કરી ને જ્ઞાનરૂપ દૂધ ધવરાવ્યું. માટે આપણે સત્સંગમાં આવીને કેના શિષ્ય થયા છીએ ને કેને ધાવ્યા છીએ તે વિચારવું; પણ જે સત્સંગમાં આપલાની પેઠે રહેશે તેમાં ગુણ આવશે નહિ. તે કૃપાનંદસ્વામી કહેતા જે, ‘ફલાણો કેવો ? તો કહે, ભાઈ ઈ તો ખરો ને કહે જે ફલાણો કેવો ? તો કહે, ઈ તો ઠીક, એટલામાં પાણી ઉતરી ગયું જાણવું’ ને મહારાજ તો કહે જે, ‘અમે તો જૂનાગઢના જમાન છીએ એમ બોલ્યા છે તે પાર પડશે.’ ને જેમ વાઢ્યા વિના લોહી નીકળે નહિ તેમ નિર્માની થયા વિના ગુણ આવે નહિ ને ભગવાન રાજી પણ થાય નહિ.
ઘાવેડી : નિશાનબાજ, ચતુર.
જમાન : જામીન.
(14) જ્ઞાનીનો શું ધારો જે, પોતે નિર્માની રહીને બીજાને પણ નિર્માની કરે, તેમ બધા ગુણનું જાણવું જોઈએ.
ધારો : રીતિરિવાજ, પ્રથા, પદ્ધતિ.
(15) મુંઝાય નહિ એવી શી સમજણ છે ? એ પ્રશ્ર્ન પૂછ્યો ત્યારે સ્વામીએ ઉત્તર કર્યો જે, એ તો એવી કળા શીખ્યા હોય તો મુંઝાય નહિ. તે જેને કોરીનું પારખું હોય તે કોરીને કળે ને ઢોરને દો’તા (દોહતા) આવડતું હોય તે દો’વે. તેમ એવી સમજણ કોઈ મોટા પાસેથી શીખ્યા હોય તો મુંઝાય નહિ ને વેણ આવે તેને કાપી નાખે ને પોતે કોરે રહે તે એવું બળ તો સાધુસેવામાંથી આવે છે, તે અધર્મ સર્ગ આવે તેને ગણે જ નહિ. વિશુદ્ધાત્માનંદસ્વામી વિદ્વાન ને સભાજીત, પણ તેમણે માનભાનું અપમાન કર્યું ત્યારે અમે કહ્યું જે, એમ ન કહેવું, એટલે અમને ન કહેવાય એવાં અપાર વચન કહ્યાં જે, તમે તો લાંચિયા છો તે ગરાસિયાના હોકા ભરશો, એવાં વચન કહ્યાં પણ અમે તો ગણ્યાં નહિ, પછી પશ્ર્ચાતાપ થયો ને ગઢડે વયા ગયા ને ભજનાનંદસ્વામીએ પણ ઘણાં વેણ કહ્યાં પણ અમોએ ગણ્યાં જ નહિ. તેમ શૂરવીર હોય તેથી સ્વભાવ જીતાય ને બીજાથી તો સ્વભાવ પ્રમાણે વર્તાય.
(16) આ લોકના પદાર્થ છે તે તો સર્વ બંધનકારી છે. જેમ કોઈ ઠગના ગામમાં વસે તેને બધા ઠગ હોય તે ઠગી લે, એમ જેટલાં દેહાદિક પદાર્થ છે તે સર્વ ઠગી લે છે.
(17) મન, કર્મ, વચને વરે તેનું એમ છે જે દેહે કરીને તો વર્યા છીએ પણ મને કરીને વર્યા નથી ને મને કરીને વર્યા કોને કહેવાય ? ભગવાનમાંથી મન વછૂટે નહિ ને બીજું, આ સાધુ તથા હરિભક્તનો અવગુણ આવે જ નહિ ને વ્યવહાર પડે પણ અવગુણ ન આવે ત્યારે ખરું. તે ‘વ્યવહારેણ સાધુ ને ધ્યૌરેણ બળદિયો.’
બપોરે વાત કરી જે,
(18) સત્સંગ થયો ને ભગવાન મળ્યા પણ હવે તો દોષ ટાળવા રહ્યા તે તો જ્યારે ટાળશે ત્યારે જ ટળશે. દોષ ટાળ્યા વિના તો ભગવાન પાસે રહેવાય જ નહિ, તે દોષ તો મોટા કહે તેમ કરે તો ટળે ને પોપટ ‘રાધા-કૃષ્ણ’ કહે છે તે શું કાંઈ પોપટ બોલે છે ? એ તો પઢાવનારો બોલે છે. તેમ કહેનારા ગુરુ જોઈએ ને ગુરુના વચનમાં શ્રદ્ધા જોઈએ, પણ ત્રણ દોષ છે તેથી વૃદ્ધિ પમાતું નથી. તેમાં એક વચન ન માને, બીજું ધર્મ ન પાળે, ત્રીજું સેવા ન કરે, તેણે વૃદ્ધિ પમાતું નથી ને ભાદરવામાં ભેંશ પૂંછલી ને સંકજામાં ચોપડી સારી ન થઈ તો તે કેમ સારી થાશે ? તેમ આવા સમાગમમાં પૂરાં વર્તમાન નથી પાળતાં તે તેના જીવનો જ વાંક છે ને જેટલા ગુણ છે, નમ્રતા છે તે શોભારૂપ ઘરેણું છે; માટે જેને રૂડું કરવું હોય તેને તો કહે તેમ કરવું, પણ કેરડાના લાકડાની પેઠે અક્કડ રહેવું નહિ. કેટલાંક પશુ છે તેને પણ પઢાવે તો જેમ વાળો તેમ વળે છે. માટે ખરા ખપવાળાની તો ખોટ છે.
(19) આ જ્ઞાન સાંભળ્યું છે તે હમણાં તો નહિ સમજીએ પણ મૂઆ પછી તે જ્ઞાનનાં કોંટા ફૂટશે. માટે એમ જણાય છે જે આમ કરવાથી સંત રાજી થાય ને ભગવાન પણ રાજી થાય તેને જ્ઞાન કહીએ ને અસત્પુરુષનું જ્ઞાન તો દાસીના દૂધ જેવું છે. તે ઉપર વાત કરી જે, રાજાનો કુંવર ચોરવા શીખ્યો ત્યારે રાજાએ રાણીને ઉઘાડી તલવાર દેખાડી ને ડારો કર્યો ત્યારે રાણીએ જવાબ આપ્યો જે, હું આઘીપાછી હતી ત્યારે કુંવર રોતા હતા ત્યાં દાસીએ ધવરાવ્યા, ત્યાં હું આવી ને કુંવરને લઈ પગે ઝાલીને ફેરવ્યા ને દૂધ કાઢી નાખ્યું, પણ માંહી જરાક ફોદો રહી ગયો તેથી કુંવર ચોરવા શીખ્યો છે, તેથી રાજાએ બે જણને હુકમ કર્યો જે, આ કુંવરને વનમાં મેલી આવો, ત્યારે બે જણ વનમાં મેલીને પાછા વળતા હતા ત્યારે કુંવરે બેયનાં માથાં ભટકાવીને મારી નાખ્યા. માટે અસત્પુરુષનું જ્ઞાન છે તે દાસીનાં દૂધ જેવું છે. માટે જે દેશકાળે ન લેવાય, મન-ઈન્દ્રિયોનો દોર્યો ન દોરાય ને બધી વાતું જાણે એવું જેને જ્ઞાન હોય તેને સાધુ કહેવાય અને ભગવાન પણ તેના ઉપર રાજી થાય છે.
(20) ગૃહસ્થ છે તે આવીને પગે પડે છે ને આપણામાં માંહી માંહી પિતરાઈ થયા છીએ ત્યારે ભેખ લઈને શું કમાણા ? ને સંસાર ત્યાગ કરીને જે સાથે હેત કરવું જોઈએ તે સાથે તો વેર કર્યું ને મોક્ષ તો બગાડ્યો ત્યારે શું સારું થયું ? માટે પિતરાઈ દાવો મૂકીને આ સાધુને ઓળખવા ને તે કહે તેમ કરવું.
પિતરાઈ : પિતાસંબંધી, સાતમી પેઢી સુધીમાં એક બાપનો વંશજ.
ભેખ : સંન્યાસ.
સંવત્ 1919ના પહેલા શ્રાવણ સુદિ ત્રીજને દિવસે સ્વામીએ વાત કરી જે,
(21) કેટલીક જગ્યાઓ તો એવી છે જે ત્યાં કુશળ રહેવાય જ નહિ. તેમાં સ્ત્રી જેવો તો કોઈ વિષય બળિયો જ નથી, માટે તેનો સંબંધ થાવા ન દેવો.
(22) વિષયનાં સુખ છે તેમાં તો નર્યાં દુ:ખ જ ભર્યાં છે, તેમાં દુ:ખ છે એ તો સાંખ્યવાળાને જ કળાય. તે સોમલખાર, ઉઘાડી તલવાર, અગ્નિ, સર્પ તેને તો અડ્યાનો મનસુબો જ ન થાય ને વિષયમાં દુ:ખ દેખે તો પણ વિષયમાં રાગ તેથી દુ:ખ જણાતું નથી ને દેહમાં પણ અનંત દુ:ખ છે ને તે દુ:ખનું આગાર છે. તે સુવારી (સુવડાવી) મૂકે, ઝાઝું ખવરાવે. ગુમડાની પેઠે દુ:ખરૂપ છે તો પણ આસક્તિ છે તેથી દુ:ખ જણાતું નથી. પ્રાગજી પુરાણી રસ્તે ચાલતા પાળાની પછવાડે ચાલતા હતા તે પડખે ચાલવા મંડ્યા ત્યારે મહારાજે પૂછ્યું ‘જે રસ્તે કેમ ચાલતા નથી ?’ તો તે કહે જે આ પાળાની બંદૂક છૂટે તો ! એટલે મહારાજ પાળાને કહે જે બંદૂકની મોરી ફેરવીને ઝાલો ને કંદો વાંસે રાખો. પછી તેમ કર્યું પણ તોપણ પ્રાગજી તો પડખે ચાલે, એટલે મહારાજ કહે, ‘હજી કેમ પડખે ચાલો છો ?’ ત્યારે કહે, ‘કંદાની કોરેથી વછૂટે તો ?’ એમ દુ:ખ દેખે તો આસક્તિ ન રહે.
આગાર : નિવાસસ્થાન.
આસક્તિ : મોહ, અતિશય સ્નેહ, લગની.
પડખે : પાસે.
મોરી : પશુને મોંઢે બાંધવાનું દોરડાનું ગાળિયું.
કંદો : બંદૂકનો હાથો.
વાંસે : પાછળ.
(23) જેને ભણવાની ખરેખરી લગની હોય તો ઊંઘ ન આવે. તે ઉપર વાત કરી જે, પુરુષોત્તમ ભટ્ટ અગતાને દિવસે માગવા જાય ને રોટલા સામટા કરીને સોયામાં પરોવીને અદ્ધર રાખે તે જ્યારે ભૂખ લાગે ત્યારે ખાય ને ભણ્યા કરે. એમ વેગ લાગે તેને ઊંઘ ન આવે. તે કાળીયો પંડ્યો હંમેશા માગ માગ કરતો, ત્યારે તે ક્યારે ભણે ? ને વંથળીમાં કણબી ખજૂરી ચીરે તે જ્યાં જ્યાં જાય ત્યાં સાથે લઈ જાય ને તે ચીર્યા કરે તેનું નામ વેગ કહેવાય ને લગની ઉપર નેનપુરવાળા દેવજી ભક્તની વાત કરી જે, ઘીએ ચોપડેલ રોટલો ન ખાય. સત્સંગમાં તો એવી મણિયું પડી છે, પણ તે કળાય જ નહિ.
અગતાને : ભણવામાં રજાના દિવસે.
(24) બ્રહ્મચર્ય રાખવું તે તો બહુ જ કઠણ છે ને આમ રહેવાય છે તે તો મોટાનો પ્રતાપ છે, તો પણ કેટલાકને ચોખું નહિ રહેવાતું હોય તો કેટલાકને છોકરાની સોબત હશે. તો કેટલાકને કરમૈથુનના સ્વભાવ હશે. માટે તે તો પાટાપીંડી કરે ત્યારે થાય. તે ખાધાનું જતન, ઊંઘવાનું જતન એમ જતન કરે, ત્યારે કુશળ રહેવાય.
(25) મન તો મહાઠગારું છે, તેની સાથે આ સંગ તે તો લડાઈ લે છે. તે રાત-દિવસ સુધી તેના ઉપરથી સંતના જીન ઊતરતા નથી. તે ‘રાતે પણ એ વાત ને દિવસે પણ એ વાત.’ એમ વેગ લાગે ત્યારે મન જિતાય.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
(26) વિષયનું બળ તો એવું છે જે પશુ જેવા તો લેવાય પણ મોટા મોટા પણ ગોથા ખાય છે. કદાપિ સ્ત્રીમાં ન લેવાય તો દ્રવ્યમાં લેવાય. પછી વાત કરી જે, મહારાજે પાળાને દ્રવ્ય રાખવાની મના કરી ત્યારે બ્રહ્માનંદસ્વામીએ કહ્યું જે, જેને રાખવું હોય તે અમારી કોરે આવો. એમ બ્રહ્માનંદસ્વામીએ મહારાજ સામું નિશાન કર્યું. પછી સાખી બોલ્યા જે,
જોગી લુંટે જંગમ લુંટે લુંટે નેજાધારી,
બડેબડે ખાપરીએ લુંટે રૈયત ક્યા કરે બિચારી.
(પરિચિત પદ સંગ્રહ-પાન નં. 74)
સર્વ વિષયમાં જોડે ને કાચોપોચો સાધુ હોય તે પણ વિષયમાં જોડે, પણ મોટા એકાંતિક હોય તે ન જોડે. તે શિવલાલને એક સાધુએ કહ્યું જે, તમે જૂનાગઢ શા સારુ જાઓ છો ? માટે મરને ત્યાગની વાત કરે પણ વિષય મૂકવા તો બહુ જ કઠણ છે.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
મરને : ભલેને.
(27) ત્યાગ કરતો કરતો લેવા માંડે ને આંખ ન ઉઘાડતો હોય તે પણ લેવા માંડે. એક દાસી રાજાની સેજમાં સારું દેખીને સૂતી. ત્યાં રાજા આવ્યા ને ચાબખો માર્યો તે હસીને ઊઠી ગઈ, પછી રોવા બેઠી. ત્યારે રાજાએ પૂછ્યું જે, ચાબખો વાગ્યો ત્યારે હસી ને હવે કેમ રોવા બેઠી છો ? એટલે તે કહે જે, હું તો પળમાત્ર સૂતી તેમાં દંડ મળ્યો, ત્યારે તમો નિરંતર સૂવો છો તે તમારું શું થાશે ? તે દુ:ખે રોઉં છું, માટે સર્વ વિષયમાં શું સુખ છે ? તેનું પ્રમાણ કરી રાખવું.
સેજમાં : પથારીમાં.
(28) ચટકી લાગ્યાની વાત કરી જે, જેમ સૂમ (કંજૂસ,લોભી) દ્રવ્ય વાવરે તેમ બોલવું તેમ જેનું જેટલું જતન હોય તેટલું તે થાય. તે ખાઈએ ત્યારે ભૂખ જાય ને રસોઈ કર્યા વિના ને ખાધા વિના ભૂખ જાય નહિ, તેમ કામ-ક્રોધ છે તે તો જતન કરે ત્યારે જાય માટે શાસ્ત્ર વાંચવાં ને તેને વિચારવાં.
વાવરે : વાપરે, ઉપયોગમાં લે.
(29) એક ચડવાનો મારગ છે ને એક પડવાનો મારગ છે. જેથી ચઢાય છે તે સત્સંગ અને જેથી પડાય છે તે કુસંગ છે. માટે જેવો સંગ કરે તેવું થાય. ને સત્સંગમાંથી તો કેટલાક દ્રોહે કરીને વયા ગયા. માટે કોઈનો દોષ આવ્યો હોય તે પોતામાં રાખવો પણ બીજામાં ઘાલવો નહિ, તે વાતોમાં લખ્યું છે ને જીવમાં તો એવાં સંસ્કાર લાગે છે, તે કેટલાકને દોષ લેતાં આવડે ને કેટલાકને ગુણ લેતાં આવડે. કેટલાક વિષય ત્યાગ કરે ને કેટલાક સંપાદન કરે એવા સંસ્કાર છે. તે વચન માનવા ઉપર ગોરધનભાઈની વાત કરી જે, સોનાનાં કડાં પહેર્યાં હતાં પછી તેને સંકલ્પે કરીને શરીર કાળું થઈ ગયું.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
(30) જ્યાં દ્રવ્ય ને સ્ત્રી આવ્યાં ત્યાં અને જેને એ બે વાતું જોઈએ, તેથી શું જ્ઞાન થાશે ? પણ આવી વાતો બોલાય જ નહિ. તમે તો સાધારણ વ્યવહારવાળા છો તે સો બસો રૂપિયાની ખોટ આવે તો દુખિયા થઈ જાઓ, પણ ખરેખરી સમજણ આવી હોય તો ઈન્દ્રલોકનું રાજ્ય હોય ને તે જાય તો પણ કશી ગણતરીમાં નહિ. કેમ જે, ‘આંખ મીંચાય એટલી વાર છે.’ એમ સમજતો હોય તેને શું ? પછી વાત કરી જે, એક બ્રાહ્મણ મહાવિદ્વાન હતો પણ દરિદ્રતાને લીધે ઘરમાં ખાવા સરખું પણ ન હતું. તેની આગળ ચોર લોકો જોષ જોવરાવે ને રૂપૈયા આપે એટલે સારો જોષ જોઈ આપે. પછી ચોર ઘણું દ્રવ્ય લઈ આવે ને વારે વારે ફાવી આવે એટલે બ્રાહ્મણને પણ ચોરવાનું મન થયું. એટલે ચોરને કહે, ‘મને પણ આ વખતે તો લેતા જાઓ.’ ત્યારે ચોર કહે, ‘મહારાજ ! એ કામ તમારું નહિ.’ ત્યારે બ્રાહ્મણ કહે, ‘એક વખત લઈ જાઓ તો ખરા.’ ત્યારે ચોરે વિચાર કર્યો જે, ‘હવે આપણે નહિ લઈ જઈએ તો સારો જોષ જોઈ નહિ આપે માટે ભલે આવે.’ પછી ચોરોએ પણ હા પાડી એટલે તે બ્રાહ્મણ પણ ચોરવા ગયો ને રાજાના ઘરમાં ખાતર પાડવા તાડીએ ચઢ્યાં ને તાડી હલાવે એટલે ગોખમાં જઈને પડે. એમ સૌ વારાફરતી ગોખમાં ગયા ને ચોર તો સહુ માલ લઈને આડા અવળા નીસરી ગયા, પણ બ્રાહ્મણના હાથમાં દ્રવ્ય આવ્યું, એટલે કહે જે, સોનું, રૂપું લેવામાં તો દોષ છે અને લૂગડાં, અનાજ આદિ સર્વમાં દોષ દીઠો. પછી નિર્દોષ વસ્તુ તો કમોદનાં ફોતરાં દીઠાં તે ગાય સારું ફાળીયામાં બાંધ્યા પણ બહાર નીસરાણું નહિ ને જ્યાં જાય ત્યાં માથું ભટકાય. પછી તો અજવાળે નીકળવાનો વિચાર કરી અંધારામાં બેઠો. ચાર વાગ્યા એેટલે રાજા જાગ્યો. રાજા પણ વિદ્વાન ને કવિ હતો. તેને હંમેશાં નવીન શ્ર્લોક કરવાનો નિયમ હતો તે પોતાની સમૃદ્ધિનું વખાણ કરવા લાગ્યો !
ચેતોહરા યુવતય: સ્વજનાનુકુલા: સદ્બાન્ધવા: પ્રણીત: નમ્રગિરશ્ચ ભૃત્યા: ।
ગર્જન્તિ દંતિનીવહાસ્તરલાસ્તુરંગા: સંમીલને નયનયોર્નહિ કિંચિદસ્તિ ।।
(અર્થ :- ચિત્તને હરી લે એવી યુવતીઓ, પોતીકાઓને અનુકૂળ થઈ પડે એવા ભાઈભાંડુંઓ, ઝુકેલા અને નરમ વચનો બોલનારા સેવકો, હાથીના ટોળાં ગર્જના કરતાં હોય અને ચપળ ઘોડાઓ હણહણતા હોય)
ત્રણ પદમાં બધી સમૃદ્ધિ આવી ગઈ, ચોથું પદ કરવા માટે કંઈ સમૃદ્ધિ રહી નહીં. તે વારે વારે તે શ્ર્લોક બોલે ને અટકી રહે, ત્યારે બ્રાહ્મણ વિદ્વાન હતો. તેણે વિચાર્યું જે રાજાથી શ્ર્લોક પૂરો નહિ થાય એમ ધારી બોલ્યો જે,
સંમીલને નયનયોર્નહિ કિંચિદસ્તિ ।।
(અર્થ :- પણ એક વખત આંખ મીંચાઈ ગયા પછી આ બધામાંથી કશું જ નથી રહેતું.)
હે રાજન ! જ્યારે તારી આંખ મીંચાશે ત્યારે એમાંનું તારું કાંઈ નથી.’ તે સાંભળી રાજાએ વિચાર કર્યો જે, અત્યારે મારા મહેલમાં આવો વિદ્વાન પુરુષ કોણ છે ? પછી ચાકરને હુકમ કર્યો જે, જુઓ મહેલમાં કોણ છે ? ચાકરો બ્રાહ્મણને રાજા પાસે પકડી લાવ્યા ત્યારે રાજાએ પૂછ્યું જે તમે કોણ છો ? ત્યારે કહે, ‘બ્રાહ્મણ છું.’ રાજાએ પૂછ્યું જે, ક્યાં રહો છો ? તો કહે, ‘આપના નગરમાં રહું છું.’ પછી રાજાએ પૂછ્યું જે, અહીં કેમ આવ્યા છો ? તો કહે જે, ખાતર પાડવા આવ્યો છું પણ સાહેબ ! ગાય સારું ફોતરાં સિવાય કશું લીધું નથી. તે પણ કહો તો છોડી નાખું. એમ કહીને છોડી નાખ્યાં.
ત્યારે રાજાને વિચાર થયો જે, આવો વિદ્વાન ચોરવા આવ્યો છે, માટે એના ઘરમાં કાંઈ નહિ હોય. ત્યારે રાજાએ કહ્યું જે, તમારા ઘરમાં લક્ષ્મી છે કે નહિ ? ત્યારે તે શ્ર્લોક કરીને બોલ્યો જે, ચાતુર્માસને વિશે મારું ઘર પૂર્ણ સરોવર હોય તેવું શોભે છે ને સંધ્યા કરવાના પાટલા તે કાચબાની પેઠે તરે છે ને સાવરણી માછલાની પેઠે ડબકાં ખાય છે ને લાકડાંનો ચાટવો તે સર્પની ફેણ જેવો દેખાય છે. ત્યારે છોકરા રાડો પાડે છે જે, બાપા સર્પ આવ્યો ને મારી સ્ત્રીને તો ઓઢવા નથી એટલે મેહ વરસે ત્યારે માથે સુપડું લઈને ઉભી રહે છે, પછી તો કરો કહે જે, બ્રાહ્મણ તું કેમ ઉભો છો ? મારે પડવું છે તે તું દટાઈ જઈશ તો મને બે હત્યા લાગશે, એટલે સ્ત્રીહત્યા તથા બ્રહ્મહત્યા લાગશે, માટે ભલા થઈને ખસી જાઓ. તે સાંભળીને રાજાને એમ થયું જે, મારા નગરમાં આવા વિદ્વાન બ્રાહ્મણને દારિદ્ર, તે કાંઈ ઠીક કહેવાય નહિ, માટે તેને દ્રવ્ય આપવું જોઈએ.
એમ ધારી સવાર થયું એટલે રાજાએ હુકમ કર્યો જે, બ્રાહ્મણના ગળા સુધી સોનામહોરનો ઢગલો કરો, પછી બ્રાહ્મણને ઉભો રાખી તેના ગળા સુધી સોનામહોરોનો ઢગલો કર્યો. પછી બ્રાહ્મણને લોભ થયો જે, હજુ બે ચાર સોનામહોરની કોથળીઓ વધારે આપે તો ઠીક. એમ ધારી આમતેમ ડીલ (શરીર) મરડ્યું એટલે સોનામહોરોનો ઢગલો ખસી ગયો ને શરીર પણ દેખાણું, ત્યારે રાજા કહે જે, મહારાજ હજુ વધારે જોઈએ છીએ ? ત્યારે બ્રાહ્મણ કહે, ‘ ના સાહેબ ! હવે વધારે જોઈતું નથી. હું તો મારા દાળીદ્ર નામના ભાઈબંધને ગોતું છું જે કેમ દેખાતો નથી? રાજાસાહેબના દાનની લહેરમાં દટાઈ ગયો કે શું ? તે જોવા સારુ આડું અવળું જોતો હતો, પણ વધારે લેવા સારુ આડો અવળો જોતો નથી.’ પછી રાજાએ બે ચાર કોથળી વધારે નંખાવી ને ગાડા ભરીને બ્રાહ્મણને ઘેર મોકલ્યાં. એવામાં દરબારમાંથી ભેંશો નીકળી ત્યારે બ્રાહ્મણને ભેંશ લેવાની મરજી થઈ એટલે કહે જે, રાજાસાહેબ! દ્રવ્ય તો બહુ મળ્યું પણ વાળું કરવામાં દૂધ ક્યાંથી મળે ? ત્યારે રાજાએ કહ્યું જે, મહારાજને એક ભેંશ આપો. ત્યારે કારભારીને ઈર્ષ્યા થઈ જે, બ્રાહ્મણનો લોભ તો જુઓ !
પછી તો કોઈ દિવસ વિયાય નહિ એવી ઘરડી વરોળ ભેંશ લાવીને ઊભી રાખી ને કહે જે, ‘કરાવો સંકલ્પ.’ ત્યારે બ્રાહ્મણે જાણ્યું જે આ ઘરડી ભેંશ મારે ત્યાં વિયાશે નહિ ને હું લઈશ પણ નહિ એમ નક્કી કરીને વિચાર કર્યો જે, ના પણ કહેવાશે નહિ, એમ ધારીને એ ભેંશના કાનમાં કાંઈક વાત કરીને પછી ભેંશના મોઢા આગળ કાન ધર્યો એટલે સૌને પૂછવાનું થયું જે, મહારાજ, એ શું કર્યું ? ત્યારે બ્રાહ્મણે કહ્યું જે, મેં તેને પૂછ્યું જે, તું હાથી જેવડી છે તો મારે ઘેર વિયાશે કે કેમ? ને જો દૂધ દઈશ તો કાંઈક ખાવાનું મળશે ને નહિ દે તો ખાવા પણ નહિ મળે ને ભૂખે મરવું પડશે. ત્યારે ભેંશે મને કહ્યું જે, સો ચતુર્મુખ બ્રહ્માને મેં મારી આંખે મરતા દીઠા છે, તે જોને મારા મોઢામાં દાંત પણ છે ? ને મારો ધણી મહિષાસુર હતો તે પણ સત્યુગમાં તેને દેવીએ મારી નાખ્યો છે તે દિવસની હું તો વિધવા છું, માટે તું બ્રાહ્મણનો દીકરો થઈને મને વિધવાને વિયાવાનું પૂછે છે તે શરમ નથી આવતી ? તું મને તારે ઘેર શું ખવરાવીશ ? હું અહીં સુખી છું માટે ભલો થઈને લઈ જઈશ નહિ. પછી રાજાએ સારી ભેંશ અપાવી તે લઈ બ્રાહ્મણ ઘેર ગયો.
સિદ્ધાંત એ છે જે ગમે એટલું દ્રવ્ય હશે પણ આંખ વીંચાશે ત્યારે તેમાં આપણું કાંઈ નથી. જીવ છે તે માયિક સુખ વતે સુખિયો થાય છે. તેને ભગવાનનાં સુખની ખબર નથી, પછી વાત કરી જે, રાજાનો કુંવર ને બ્રાહ્મણનો છોકરો બથોબથ આવે ત્યારે રાજાનો છોકરો પાડી નાખે, ત્યારે બ્રાહ્મણના છોકરાએ પૂછ્યું, ‘તમો આવા બળિયા શાથી છો ?’ ત્યારે તે કહે, ‘રોજ સાકર ને દૂધ પીઉં છું.’ ત્યારે બ્રાહ્મણને છોકરે તેની માને કહ્યું, ત્યારે તેને છાશ, મીઠું પાવા માંડ્યું તો પણ તે પહોંચી શક્યો નહિ, ત્યારે તે કુંવરને કહે જે, રોજ સાકર ને દૂધ પીઉં છું તો પણ કેમ બળિયો થાતો નથી? પછી કુંવરે તેને દરબારમાં તેડી જઈ દૂધ ને સાકર પાયું. તો કહે, ‘આ તો સારું છે ત્યારે મારી મા પાતી તે શું ?’ તો કહે, ‘એ તો છાશ ને મીઠું. તેમ ભગવાનના સુખની ખબર પડે તો માયિક સુખ છે તે તો છાશ-મીઠાં જેવા થઈ જાય. શામજીભાઈને સાવરણો હાથમાં દઈને કહ્યું જે, કાંકરા વાળો એટલે વાસના વળાઈ જાશે.
કરો : ઘરની દિવાલ.
વિયાય : પ્રસૂતિ થાય.
રોજ : દરરોજનું મહેનતાણું/મજૂરી.
કાંકરા : રાઈ-મરી.
વાસના : પૂર્વના સંસ્કારોથી મકકમ થયેલી કામના.
(31) દેવાનંદસ્વામીએ ગાંધર્વની વાત કરી જે, તેમને મહારાજે ક્હ્યું જે, નાયકા ભેળો રહ્યો હોય તે સારો હોય નહિ. ત્યારે તે કહે જે, મહારાજ તમે તો અંતર્યામી છો. તે મારામાં ફેર પડ્યો હોય તે કહો. પછી મહારાજ કહે જે, દેહે કરીને ફેર પડ્યો નથી. પછી ત્યાગી કર્યા.
નાયકા : નાયિકા.
(32) સત્સંગીનો દીકરો હોય પણ સમાગમ કર્યા વિના સત્સંગી થાય નહિ ને જો કુસંગીનો છોકરો હોય પણ તે સમાગમથી સત્સંગી થાય, તેમ જેટલો સમાગમ કરશે તેના હૈયામાં તેટલો સત્સંગ થાશે. જીવને સત્સંગ તો કરવો હોય પણ આવરણ ઘણાં, તેમાં મોટું આવરણ તો એ છે જે, વિષયનું ખંડન ખમાય જ નહિ ને વહેવાર, લોકલાજનાં આવરણ આડાં આવે તથા મન-ઈન્દ્રિયોનું પણ આવરણ મોટું છે.
ખમાય : સહન કરાય, ક્ષમા કરાય.
સંવત 1919ના પહેલા શ્રાવણ સુદિ ત્રીજને દિવસે સ્વામીએ વાત કરી જે,
(33) ભગવાનના ભક્ત હોય તેને નિયમ રાખવાં, ધર્મ પાળવો, હરિભક્ત આગળ દીન થાવું ને દેહે કરીને મોક્ષના ઉપયોગમાં આવે એવા ધર્મ, અર્થ ને કામ કરી મૂકવા ને સ્ત્રી-છોકરાંને પણ મોક્ષના ઉપયોગી કરવાં ને ખોરડું પણ મોક્ષના ઉપયોગી કરવું. તે શું જે, તેમાં રહીને ભગવાન ભજાય. તે બુદ્ધિ એવી હોય તો મોક્ષના ઉપયોગનું બધું થાય.
દીન : લાચાર, ગરીબ, રાંક.
અર્થ : ધન, સંપત્તિ.
ખોરડું : ખોલી, ઓરડી. માટીનું નાનકડું ઘર એટલે કે દેહ.
(34) જ્ઞાન વિના તો કંઈ પદાર્થ નાશ પામે અથવા દીકરો મરી જાય તો ગાંડું થાવાય. તે નળકાંઠામાં દેવરાજ લુવાણો ગાંડો થઈ ગયો ને મોટપ મળે તો પણ ગાંડું થઈ જવાય છે, માટે જ્ઞાન શીખવું તો દુ:ખ ન આવે.
(35) એક સમે એવું હીમ પડ્યું, તે ચીર બાળીને માણસ તાપ્યાં; તેમ આ સમો પણ ભગવાન ભજવાનો આવ્યો છે તે ખોરડાં, ઘર ઈત્યાદિક વેચીને પણ પ્રભુ ભજવા એવો સમો છે. માટે સાધુ સમાગમ કરવો ને જ્ઞાન શીખવું.
ચીર : રેશમી વસ્ત્ર.
(36) નથુ ભટ્ટે મહારાજને પૂછ્યું જે, ભગવાન મળ્યા પછી કાંઈ કરવાનું બાકી રહે છે ? તો કહે, ‘હા, ભગવાન મળ્યા પછી પણ હઠ, માન ને ઈર્ષ્યા તે કાઢવાં એ કરવાનું છે.’
(37) જ્યારે ઘોડાની આંખ ફાટે ત્યારે તો કોઈનો ઝાલ્યો રહે નહિ. તે ઉમરેઠના મારગે રોઝો ઘોડો મહારાજે દોડાવ્યો. તે બે ગાઉ સુધી દોડ્યો, તે હાથ જીભ કાઢી ને પરસેવો વળી ગયો, તે હેઠે ધરતી પલળીને પાટોડું ભરાઈ ગયું ને અમો પણ ભેળા દોડ્યા તે ઝાડ હેઠે મહારાજને આસન નાખી આપ્યું, તે પોઢી ગયા ને અમે વાહર નાખવા માંડ્યું. પછી એક કલાકે કાઠીનાં ઘોડા આવ્યાં તોય ઘોડો તો જ્યાં ઊભો હતો ત્યાંથી હલ્યો કે ચલ્યો નહિ. તેમ આ ઈન્દ્રિયું, અંત:કરણ છે તે પણ ઘોડા જેવાં જ છે. માટે તેને તો જ્યારે સંલગ્ન કરી રાખે ત્યારે સમાં રહે એવાં છે, પણ જો મન-ઈન્દ્રિયોનું ગમતું થાશે તો પડી જવાશે.
ગાઉ : અંતરનું એક પરિમાણ, દોઢ માઈલ, અઢી કિલોમીટર.
પાટોડું : ખાબોચિયું.
વાહર : પવન, હવા, હવા ખાવી.
(38) ડુંગરના પાણી છે તેને કોઈ તાણતું નથી કે ઠેલતું નથી પણ જઈને સમુદ્રમાં મળે છે, તેમ આ જીવ છે તે સ્ત્રી, દ્રવ્ય ને ખાધામાં તણાય છે ને જેને સ્ત્રી ને દ્રવ્યની આસક્તિ બહુ છે તેના તો દોષ ટળવાના જ નહિ ને તેને જેમ છે તેમ કહેવાતું નથી ને કહીએ તો અટકે. તેનાથી પણ મહાદુ:ખ થાય.
આસક્તિ : મોહ, અતિશય સ્નેહ, લગની.
(39) જેની વાણી નિયમમાં ન હોય તેનાથી જરૂર કોઈનું વાંકું બોલાય; પછી તેમાંથી દુ:ખ થાય. માટે વાણીને નિયમમાં રાખવી પણ પ્રયોજન વિના બોલ બોલ કરવું નહિ. વાણીરૂપ તો વાક્શલ્ય કહ્યાં છે. માટે બોલતાં આવડે તો જ બોલવું, નહિ તો વિચારીને પાછું વળવું; પણ જીવને સન્નિપાત થયો છે તે બોલ્યાનું ઠીક રહે નહિ ને પોતે દીઠું ન હોય ને સાંભળ્યું ન હોય ને બકી ઉઠાય તે બહુ ખોટું છે. વીસ વરસનાનું તો ન માનવું ને સાચું હોય તો ગુહ્યવાત પ્રકાશ ન કરવી. ધીરે રહીને સમાધાન કરવું પણ પીંછનું પારેવું ન કરવું. તે આત્માનંદસ્વામીએ આંબલિયો ખાધો તે એક હિંદુસ્તાની સાધુએ મહારાજને કહ્યું જે, આત્માનંદસ્વામીએ વર્તમાન લોપ્યાં. ત્યારે મહારાજ કહે જે, શું વર્તમાન લોપ્યું ? તો કહે જે ચીચોટો ખાધો. તો મહારાજ કહે જે, એમાં શું વર્તમાન લોપ્યું ? તે ચાડી કરવા આવ્યા છો ? ભાઈસ્વામીને તાવ આવતો તે કાળીંગડાનું શાક કરાવીને ખાધું. તે એક સાધુએ મહારાજને કહ્યું જે, ભાઈસ્વામી તો નિ:સ્વાદી વર્તમાનમાંથી પડ્યા. ત્યારે મહારાજ કહે, ‘શી રીતે પડ્યા ?’ પછી કહે જે, કાળીંગડનું શાક ખાધું; ત્યારે મહારાજે તેને ચાડીઆ કીધા. તે કોઈની ચાડી પણ ન કરવી.
સન્નિપાત : ત્રિદોષનો બકવાટ.
(40) ચાર વાનાનું નિયમ હોય તો નિષ્કામધર્મ પળે. તે મન, દેહ, આંખ ને જીભ તે નિયમમાં રહે તો જ નિષ્કામધર્મ પળે. અહિંસા ધર્મ છે તે તો અતિશે (અતિશય) કઠણ છે. તે અહિંસા ધર્મ તે કોઈને દુ:ખ ન થાય એમ કરે ત્યારે અહિંસા ધર્મ પાળ્યો કહેવાય પણ પદાર્થ માગે કે હુકમ કરે તે હિંસા થઈ માટે, એ બે ધર્મ તે બહુ મોટા છે.
(41) આ જીવે તો કોઈ દિવસ પ્રભુ ભજવાનો આદર જ કર્યો નથી, માન વધાર્યાનો આદર કર્યો છે ને આ સાધુ તો લોંઠાએ ભજાવે છે, પણ તાણ તો ઘરની રહે છે ને ત્યાગીને દેહના સુખની તાણ રહે છે તે શું જે, સભામાં મોઢા આગળ ચાકળા ઉપર બેસવાનો મનસૂબો રહે છે; માટે તાણ તો ભગવાન સામી રાખવી.
લોંઠાએ : પરાણે.
ચાકળા : ગોળ કે ચોરસ નાની ગાદી.
(42) માયા છે તે સૌને ભમાવે છે.
ઈશ્વર: સર્વભૂતાનાં હૃદ્દેશેડર્જુન તિષ્ઠતિ ।
ભ્રામયન્સર્વભૂતાનિ યન્ત્રારુઢાનિ માયયા ।।
અર્થ :- હે અર્જુન ! ઈશ્ર્વર તમામ પ્રાણીઓનાં હૃદયપ્રદેશમાં રહે છે (મોજૂદ રહે છે.); જાણે કોઈ યંત્ર પર ન ચડાવાયા હોય એવી રીતે બધા પ્રાણીમાત્રને એ પોતાની માયા વડે ભમાવે છે.
તેણે કરીને ભગવાન ભજવાની દાનત થાતી નથી ને નિરંતર વિષયનું ધ્યાન થાય છે. તે ‘હેલા માત્ર હરિકું સંભારત.’ તે જુઓ તો કાં તો સ્ત્રીનું, કાં તો સ્વાદનું કે માન વધાર્યાનું આલોચન રહે છે. માટે જેમ રસોઈ કરવાનો સામાન હોય તો રસોઈ થાય છે. તો આવો વિચાર હોય તો જ પ્રભુ ભજાય છે.
તસ્માદ્ ગુરું પ્રપધેત બિજ્ઞાસુ: શ્રેય ઉત્તમમ્ ।
શાબ્દે પરે ચ નિષ્ણાતં બ્રહ્મણ્યુપશમાશ્રયમ્ ॥
(શ્રીમદ્ ભાગવત : 11/3/21)
અર્થ :- તેથી ગુરુને શરણ જવું, તે જ જિજ્ઞાસુનો ઉત્તમ શ્રેય છે. શબ્દજ્ઞાન અને પરમજ્ઞાનમાં નિષ્ણાત અને બ્રહ્મમાં જેણે શાંતિનો આશ્રય કર્યો છે તેવા ગુરુને શરણ જવું.
તે ગુરુ કરીને સમાગમ કરે તો જ પ્રભુ ભજતાં આવડે. ભગવાનનો દીકરો હોય પણ સાધુ સમાગમ કરે તો જ ભગવાન ભજવાની દીશ જડે. તે યુધિષ્ઠર તથા વસુદેવને દીશ ન જડી ને અષ્ટ પટરાણીઓએ દ્રૌપદીને પૂછ્યું તો દીશ જડી, તે શું જે, મોટાને વશ આપણે થઈએ તો મોટા આપણને વશ થાય. જીવ છે તે કામમાં બંધાણો હોય, માનમાં બંધાણો હોય, સ્વાદમાં બંધાણો હોય, સ્નેહમાં બંધાણો હોય, તેને મોટા દેખે પણ જીવને કાંઈ ખબર પડતી નથી. પ્રહ્લાદજીને નરનારાયણ સાથે યુદ્ધ થયું પણ ભગવાન જિતાણા નહિ, પછી તો સેવાએ કરીને આંખમાં રાખ્યા ત્યારે જિતાણા તેમાં શું કહ્યું જે, ભગવાન કે મોટાને આપણે વશ થઈએ તો તે આપણને જરૂર વશ થાય, એમાં ફેર નથી.
અર્થ : ધન, સંપત્તિ.
આલોચન : મનન, ચિંતન.
(43) દરવાજાનું વચનામૃત વંચાવીને વાત કરી જે, પાણિઆરી તથા ઘોડાના અસ્વારની પેઠે દેહે ક્રિયા કરવી. બાકી તો પ્રભુ ભજવા ને ભગવાનમાં વૃત્તિ રાખવી ને જો બીજે વૃત્તિ જાય તો ભગવાન ભુલાય ને સાધુતા પણ જાય.
(44) બરોબરિયાનો સંગ ન કરવો. ત્યારે એક હરિજને પૂછ્યું, ‘બરોબરિયો કેને કહેવાય ને સંગ પણ કોનો કરવો ?’ ત્યારે ઉત્તર કર્યો જે, હમણાંનો સત્સંગી હોય ને ખરેખરો હોય ને તપોવૃદ્ધ હોય ને જ્ઞાનવૃદ્ધ હોય ને અવસ્થાએ નાનો હોય તો પણ તેનો સમાગમ કરવો ને જૂનો પચાસથી ઉપરાંત વરસનો સત્સંગી હોય પણ ધર્મ ન પાળતો હોય તો તેને ભવાયાના ડાગલા જેવો કહેવાય, તેનો સમાગમ ન કરવો; ધર્મ પાળતો હોય તો તેનો સમાગમ કરવો. માટે નવા-જૂનાનો કાંઈ મેળ નથી. જૂના તો ભાલમાં ખીજડા પણ ઘણા હોય છે, તેને તો સાંગરિયું આવે પણ ગુજરાતના આંબા બરોબર થાય નહિ. સંગ તો સારાનો જ કરવો તેથી પ્રગટ ભગવાનની નિષ્ઠા થાય ને સાધનની સમાપ્તિ થાય.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
ડાગલા : વિદૂષક, રંગલો.
ખીજડા : સમડાનું વૃક્ષ.
સાંગરિયું : સીંગ.
નિષ્ઠા : શ્રદ્ધા, આસ્થા, વિશ્ર્વાસ, ધારણા.
(45) વિધિનિષેધ કહ્યા છે તે પ્રમાણે રહે તો ઠીક રહે ને હમણાં જો ખાડામાં પગ પડે તો લૂલા થઈએ. તેમ વર્તમાનમાં ફેર પડે તો કાંઈ ઠેકાણું ન રહે.
વિધિનિષેધ : ધર્મશાસ્ત્રોમાં જે 'આમ કરવું ને જે આમ ન કરવું' એવો ઉપદેશ.
(46) ચાર પ્રકારે સ્ત્રી ભોગવાય છે ને વધુ વેગ લાગે તો વીર્યપાત થઈ જાય છે. પછી દેવાનંદસ્વામી ગવૈયાની વાત કરી જે, સેવાએ કરીને વાસના બળી ગઈ. તેમ જે કરવા માંડે તેની વાસના પણ બળી જાય ને ભગવાન રાજી થાય. પણ જે ખૂણો લે તે ઉપર રાજી ન થાય ને ખૂણો લીધે કોઈની જય થઈ નથી.
વાસના : પૂર્વના સંસ્કારોથી મકકમ થયેલી કામના.
(47) જેને ભગવાનના ધ્યાનનો વેગ લાગે કે ભજનનો વેગ લાગે તેને તો ભણ્યામાં પણ ચિત્ત ગરે નહિ, તે એવા તો બાળમુકુંદાનંદસ્વામી છે.
સંવત 1919ના શ્રાવણ પહેલા સુદિ ચોથને દિવસે સ્વામીએ વાત કરી જે,
(48) આ જીવ છે તે લોળીઆં જનાવરની પેઠે જ્યાં જ્યાં જન્મ ધર્યાં છે ત્યાં બંધાઈ જાય છે. તે સોઢીમાં રહેનારા હોય તેને ત્યાં જ ઠીક પડે. વળી કેટલેક ઠેકાણે દુ:ખ છે, રોગ છે, વૃષણ વધે છે, પેટ વધે છે ને આ દેહ પણ ગંધાય છે, પણ તે વહાલું લાગે છે અને કોહવાયેલું છોકરું હોય પણ તે પોતાનું જ સારું લાગે છે.
(49) જીવને ખાવું ને સ્ત્રી એ બે વાત છે. અજ્ઞાનમાં દુ:ખ છે ને જ્ઞાનમાં સુખ છે. દેહ છે તે નર્કનો ખાડો છે ને તેમાં આત્મબુદ્ધિ કરી છે એ જ અજ્ઞાન છે ને વિષયનું ખંડન તો કોઈને ગમે જ નહિ. સંબંધી છે તે તો ખોતરી ખાવાના છે, પણ આપણા મોક્ષના ઉપયોગી કોઈ નથી ને જીવ છે તે તેમાં રહીને ગોથા ખાય છે. આવો વિચાર તો ભગવદીને સૂઝે ને દેહને વિષે આસક્તિ છે તે નર્કમાં પડ્યો છે ને કુટાય છે. તે ઉપર મોભારા સુધી પાણી ફરી વળ્યાની વાત કરી; માટે જેટલા મોહના મારગ છે. તેમાં તો નરક જ ભર્યું છે. પાંચ પાતાળ ફાટયાં છે તે તો કોઈ દિવસ ભરાય તેવા નથી, તેમ પંચવિષયનો પ્રવાહ ચાલ્યો છે તે રૂપિયા સારુ દેશાવરમાં રખડતા ફરે છે પણ કોઈનું પૂરું થયું નથી.
આત્મબુદ્ધિ : પોતાપણાની ભાવના, 'દેહ તે હું નહિ પણ આત્મા છું' એવી બુદ્ધિ.
આસક્તિ : મોહ, અતિશય સ્નેહ, લગની.
નરક : દોજખ, વિષ્ટા.
બપોરે વાત કરી જે,
(50) માયાના જીવ છે તેને તો માયાના જ સંકલ્પ થાય છે ને પ્રભુ ભજવાનો મનસૂબો થાતો જ નથી ને સત્સંગમાં તો ગોઠે (ગમે) જ નહિ ને પોતા જેવા હોય તે સાથે જીવ મળે, જેમ અફીણનો જીવડો હોય તેને તો અફીણમાં જ ગમે. આ તો સત્સંગના સંસ્કાર કોઈ દિવસ લાગ્યા નથી પણ પરાણે લગાડ્યા છે, જેમ કોઈ પરાણે ઓસડ પાય તેમ.
(51) જીવને તો ખાવું ને સ્ત્રી એ બે વાતનું સદાય આલોચન થાય છે ને ભગવાન તો ગમે જ નહિ. અલૈયોખાચર વાતો કરવા મંડ્યા ને ચારણને વાત કરવાનો વખત મળ્યો જ નહિ તેથી ખીજીને તળાવની પાળે ખાટલો લઈને સૂવા ગયો. જીવના સ્વભાવ તો એવા અવળા છે. અનંત દુ:ખ ભોગવે છે પણ સત્સંગ કરવાનું કેને સૂઝે ? ને જન્મ-મરણના દુ:ખને જાણે તો પ્રભુ ભજાય. આ મનુષ્ય દેહ મળ્યો છે ને ડુંગળી, મૂળાના પાડમાં ખોઈ નાખે છે ને મોટા સંત છે તેને તો એ વાતનો બહુ ખરખરો રહે છે.
આલોચન : મનન, ચિંતન.
પાળે : સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જાતનો સેવક/પાર્ષદ.
ખરખરો : અરેરાટી, અફસોસ, શોક.
(52) અધર્મ સર્ગ જેનામાં આવ્યો છે તેના જીવમાં સુખ રહેતું નથી. પૂર્વે પણ એમ હતું ને આજ પણ એમ છે. તે તો મોટા દૈત્ય અને મોટા દેવતા ને મોટા મોટા ઋષિ તેમાં કોઈને શાંતિ રહેવા દીધી નથી. આજ પણ કેટલાંક સાધુમાં, કેટલાંક ગૃહસ્થમાં, કેટલાંક પાળામાં, કેટલાંક બ્રહ્મચારીમાં, સધવામાં તેમજ વિધવામાં જેને જેને અધર્મ સર્ગ આવ્યો છે, તેને કોઈને પણ લેશમાત્ર સુખ નથી. અને અધર્મ સર્ગ પ્રવેશ કરે ત્યારે પૂજતો હોય તે જ માથા કાપવા તૈયાર થઈ જાય. માટે કોઈને અધર્મ સર્ગ આવવા દેવો નહિ ને દેશમાં જ્યારે અધર્મ સર્ગ આવે ત્યારે બધા જીવને દુ:ખિયો કરી નાખે છે ને પછી મૂઆ જેવો થઈ જાય છે. આપણામાં જો મોટેરામાં અધર્મ સર્ગ આવે તો બધા સત્સંગને દુ:ખ આવે છે, તે મહારાજે પોતે નિત્યપાઠમાં લખ્યું છે જે,
અધર્મ સર્ગ જબ કરત પ્રવેશા,
સુરનર મુનિ મહિ નહિ સુખ લેશા.
આવાં અધર્મ સર્ગમાં પાપ રહ્યાં છે. તો તે આવવા દેવો નહિ ને જો કોઈમાં આવ્યો તો પોતાનું તથા બીજાનું પણ ભૂંડું થાશે ને મહારાજે કહ્યું છે જે, વર્તમાન ન પળે તો પોતાને એકલાને નીકળી જાવું પણ સત્સંગને દૂષણ ન દેવું. તે વૈરાગ્યાનંદ, વિશ્ર્વચૈતન્યાનંદ, હરિહર્યાનંદ, અદ્વૈતાનંદ, હિરણ્યગર્ભાનંદ એ આદિ બાર ગુરુ ગણાતા હતા પણ તે નીકળી ગયા. આ દેહમાં લોહી, માંસ, હાડકાં, પરુ વગેરે ખોટામાં ખોટું ભર્યું છે પણ તેમાં રહીને ભગવાન ભજી લેવા.
દૈત્ય : અસુર, રાક્ષસ.
સંવત્ 1919ના શ્રાવણ પહેલા સુદિ પંચમીને દિવસે સ્વામીએ વાત કરી જે,
(53) બીજા બધાં સંસ્કાર લગાડ્યા છે પણ કોઈએ પ્રભુ ભજવાનો લગાડ્યો નથી. વાણિયા પોતાના છોકરાને નાનપણથી પોતાના રોજગારના સંસ્કાર લગાડે છે. તેમ દરેક જાતિમાત્ર પોતપોતાના સંસ્કાર લગાડે છે. પણ કોઈ સાધુ સમાગમ કરીને સંસ્કાર લગાડવા ને સાધુ સાથે જીવ મેળવીને વાતો સાંભળવી. પછી વાત કરી જે, એક પટેલને અમે કહ્યું જે, પટેલ ભગવાન ભજશો ? તો કહે, ‘હા.’ વર્તમાન ધારશો? તો કહે, ‘હા.’ પછી અમે કહ્યું જે, અમારા મોટા સાધુ આંહી નદીએ નહાય છે ત્યાં દર્શન કરવા ચાલો. તો કહે, ચાલો. પછી કૃપાનંદસ્વામીએ વર્તમાન ધરાવ્યાં.
પછી વાડીએ ગયા ને પછી વિચાર થયો જે ભગવાન ભજવા ને આ બંને સાથે શી રીતે બની શકે ? પછી બળદને ઘેર હાંકી મૂક્યા ને અમારી પાસે દોડતા આવ્યા ને ઊંચા હાથ કરીને ‘ઊભા રહો’ એમ રાડું પાડે. પછી તેમને પૂછયું જે, પટેલ કેમ પાછા આવ્યા ? તો કહે, ‘મહારાજ ભગવાન ભજવા ને સંસાર કરવો એ શી રીતે બને ? માટે જો ભગવાન ભજવા, તો તો એક ભગવાન જ ભજવા આવીશ.’ એમ સંસ્કાર લગાડ્યા હોય તો થાય. તેમનું નામ રમાકાન્તાનંદસ્વામી. પછી તે સાધુ મણિ જેવા થયા ને જૂનાગઢના મંદિરમાં સજ્યામાં રહેતા. માટે જેને ભગવાન ભજવા હોય તેને સંસ્કાર લગાડવા. જેને જ્ઞાન, ધ્યાનના સંસ્કાર લાગ્યા હોય તેને જ્ઞાન, ધ્યાન થાય, જેને સેવાના સંસ્કાર લાગ્યા હોય તેને સેવા કરતાં આવડે પણ જેને સેવા કરવાના સંસ્કાર ન લાગ્યા હોય તેને સેવા કરવા મૂકે તો તેનાથી સેવા જ ન થાય. માટે જેને જેવા સંસ્કાર લાગ્યા છે તેવા પ્રભુ ભજે છે. આપણે પણ તેવા સંસ્કાર લગાડવા.
(54) દેશકાળાદિક સારા હોય પણ ભૂંડા થાય તો મતિ ફરી જાય ને હમણાં કામ, ક્રોધાદિક આવે તો ઠેકાણું ન રહે ને પ્રભુ ભજવા આવ્યા છે પણ ચોરવા શીખ્યા. તેમ આવા સંસ્કાર લાગે તો ચોરવા શીખી જાય, આચાર્યને વહેંચી આપ્યું છે તેમાં તો કેટલાકના જીવ ફરી ગયા; માટે આ સેવા છે તે દેવનું જાણી કરે તો ઠીક પણ જો અહંમમત્વ થાય તો અવગુણ આવી જાય ને તેમાંથી ભૂંડું થાય.
(55) આજ્ઞા બહાર પાલખી હોય તો શૂળી જાણે ને આજ્ઞામાં શૂળી હોય તો પાલખી જાણે, એવા જેના ઠરાવ હોય તેનાથી આજ્ઞા પળે. તે ઉપર કૃપાનંદસ્વામીની વાત કરી જે, ઊની કોશ ગળામાં નાખે એટલું દુ:ખ થાય તો પણ આજ્ઞા ન લોપવી. આત્માનંદસ્વામી તથા કૃપાનંદસ્વામી તો દર્શન સારુ પણ જુક્તિ ન કરે અને અલ્પવચનમાં ફેર પડે તો મહદ્ વચનમાં ફેર પડ્યો માને, એવા પણ સંસ્કાર. જેમ વાણિયા-કંદોઈનું સુખડું બ્રાહ્મણને ખાધાનો સંકલ્પ થાય જ નહિ તેમ આપણે પણ જીવને એવા સંસ્કાર લગાડવા જે આજ્ઞા બહાર મન-ઈન્દ્રિયો ચાલે જ નહિ. ભજન, સ્મરણના સંસ્કાર લગાડવા જેથી દિનદિન પ્રત્યે અતિશે બળ પમાય છે.
પાલખી : સુખપાલ, એક પ્રકારનું આરામદાયક આસન.
શૂળી : મોતની સજા, જેમાં જમીનમાં રોપેલા અણીવાળા મોટા જાડા સળિયા પર દેહને પરોવી મોત નિપજાવવામાં આવે.
કોશ : નરાજ, ખોદવાનું લોખડનું એક ઓજાર.
સુખડું : મીઠાઈ.
(56) જેવી ઘાંટી પડે છે તેવા સંસ્કાર લાગે છે. મહારાજે પંચાળામાં યજ્ઞ કર્યો ત્યારે ગામના માણસોએ દળીને લોટ પૂરો પાડ્યો ને બીજી બળતણ વગેરે ઘણીક સેવા કરી ત્યારે મહારાજ રાજી થયા ને કહે જે, આપણે આખા ગામને જમાડીએ ને ભારેમાં ભારે જમણ કરાવો. ત્યારે ઝીણાભાઈએ કહ્યું જે, એમ નહિ! તેમને પૂછીએ ને તે કહે તે કરાવીએ, પછી ગામના મોટેરા મોટેરાને બોલાવ્યા ને તેમને પૂછ્યું, ત્યારે તે કહે જે ગોળ, ચોખા ને ઉપર ધારે ઘી, એ સારામાં સારું જમણ. પછી જમાડ્યા ને વાહ વાહ કહેવાણું ને સારું દેખાણું. તેમ ઝીણાભાઈ જેવા હોય તો સારું દેખાય ને પછી પૂછ્યું જે, કોઈ રહ્યું છે ? તો કહે, નટ પાદર ઊતર્યા છે તે રહ્યા. તે પછી મહારાજ કહે જે, એને પણ બોલાવો પછી તેમને મહારાજે કહ્યું જે, મોટા ઠામ (વાસણ) લાવો, પછી મહારાજે તેમને ભારે ઘી પીરસ્યું. તેના ઠામ ઘીએ છલકાઈ ગયા ત્યારે કહે જે, મહારાજ ! આટલું બધું ખવાશે ? એટલે મહારાજ કહે જે, તમારા બીજા ખાલી ઠામમાં આ ખાલી કરી લ્યો, જમાય તેટલું જમો. બીજું લઈ જાઓ તે કાલે જમજો. તે નટ તો મહારાજના સામું એકીનજરે જોઈ રહ્યા તે કહે જે, આવું તો અમારા જન્મારામાં કોઈ દિવસ પણ જમ્યા નહોતા. તે નટને નિરંતર મહારાજનો ગુણ રહ્યો તેથી મહારાજ ઘી, તાંબડી લઈ પીરસતા હતા તેવા મરવા ટાણે પણ દેખાણા. એમ ભગવાન તો જમાડીને પણ કલ્યાણ કરે ને જમીને પણ કલ્યાણ કરે.
જન્મારામાં : જીવનકાળમાં
(57) આપણો જીવ ભગવાનમાં વળગતો નથી તેનું શું કારણ ? તો એવા સંસ્કાર લગાડ્યા નથી અને આપણે વ્યવહારે ગરીબ, તે રળીને પ્રભુ ભજવા ને પાછળની ફિકર ન રાખવી; કેમ જે, કોઈ કોઈનું નથી માટે ભગવાન ભજી લેવા.
રળીને : ધન કમાવાની મહેનત કરીને
(58) કટાક્ષે યુક્ત વચન બોલવું નહિ. તેમ ક્રોધે યુક્ત પણ ન બોલવું. જે મોક્ષને મારગે ચાલે તેને એ બધા સંતાપ પડ્યા મૂકીને પ્રભુ ભજવા. તે સંસ્કાર લગાડ્યા વિના પ્રભુ ન ભજાય. બ્રાહ્મણને જનોઈ દઈને સંસ્કાર લગાડે છે. માતા-પિતાના દેહે કરીને પ્રભુ ભજાય નહિ, પણ શ્રુતિના શબ્દ, તે શબ્દના દેહે કરીને પ્રભુ ભજાય ને તે વિના તો દાંત પડી ગયા, અવયવ પણ ફરી ગયા પણ હજુ જીવ તો ભગવાન સામો ન વળ્યો અને કોઈના હાથમાં પરોણો, કોઈના હાથમાં વાંસલો, કોઈના હાથમાં કુહાડો, કોઈના હાથમાં કલમ છે, પણ કોઈના હાથમાં માળા નથી.
(59) જે શહેરમાં રહે તેને ભૂંડા સંસ્કાર લાગે છે; તેનાથી પ્રભુ ન ભજાય ને એવા હોય તે આપણી સાથે ભળે નહિ. તે સંસ્કાર એવા છે જે, મુક્તાનંદસ્વામીનો જન્મ મારગીને ઘેર ન જોઈએ ને મિયાંજીનો ને કાયાભાઈનો જન્મ યવનમાં ન જોઈએ. તે દેશકાળાદિક આઠમાં સંગ છે, તે તો બળવાન છે જે, સાતેયને પણ ફેરવી નાખે છે. તે મહારાજ પ્રગટ્યા તેવામાં ધાડાં, કટક, ચોર ઈત્યાદિક બહુ હતું પણ તે તો મહારાજે નાશ કર્યો. વળી બ્રાહ્મણ તો ધર્મના વક્તા કહેવાય, પણ તે શક્તિપંથી થઈ ગયા. તે લીંબડીમાં સાડા ત્રણસો બોકડા હતા તેમાંથી નેવું રહ્યા ને ધોળકામાં શ્રીમાળી બ્રાહ્મણના ઘરમાંથી અઢાર મણ માંસ નીકળ્યું.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
બોકડા : બકરા.
સંવત્ 1919ના પહેલા શ્રાવણ સુદિ છઠને દિવસે સ્વામીએ વાત કરી જે,
(60) ગ્રામ્યકથા ન કરવી તેનો મહારાજે કાગળ લખાવ્યો. અનુભવાનંદસ્વામી, નિર્વિકારાનંદસ્વામી ભેળા રહેતા તેને સંગ ન ઓળખાણો. એટલે મહારાજે તેમને સમજાવ્યું ને નોખા પાડ્યા. પટારા તપાસ્યા ત્યારે હરિદર્શનાનંદે ભજનાનંદના વખાણ કર્યાં, એમ સાધુ ન ઓળખાય.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
(61) ત્યાગ છે તે બે દિવસ રાખે ને પાછો બે દિવસ મોળો પાડે તે મહારાજને ન ગમે; પણ મરને સાધારણ તો સાધારણ પણ વર્તન બરોબર રાખવું તો મહારાજ રાજી થાય, માટે આજ્ઞા ન લોપવી. મહારાજે સર્વને આજ્ઞા કરી જે, કોઈએ દ્રવ્ય ન રાખવું. તોય માનકૂવાવાળા જે સર્વજ્ઞાનાનંદ તેણે ન મેલ્યું. પછી મહારાજે કહ્યું જે, ‘મેલો, તેના સાચવનારા ઘણાં છે.’ તેમાં શી વાત કરી જે, દ્રવ્યનું કામ હોય તે કોઈકને ભળાવી દેવું પણ પોતે ભળવું નહિ ને ત્રણ ગ્રંથ પાળવા ને સેવા કરવી, પણ જો નહિ મુકાય તો સ્વામિનારાયણ કોઈનું મોઢું રહેવા દે એવા નથી. માટે કોઈની છાયામાં દબાઈને વર્તન મોળાં પાડવાં નહિ ને સ્વાદમાં કે માનમાં કે લોભમાં કોઈ વાતે લેવાવું નહિ.
(62) મહારાજે કહ્યું જે, મોરે તો ગોળા ખાતા ત્યારે માંદા નહિ થાતા હોય? પણ હવે ઘણાખરા તો નોખી રસોઈયું કરાવે છે. આપણે પણ મરને ગુરુ થઈને પૂજાતા હોઈએ પણ આપણો મોક્ષ બગાડ્યો તો શું કમાણા ? માટે જો આજ્ઞામાં કે ઉપાસનામાં ફેર પડ્યો તો બીજા ધામમાં રહેવું પડશે. જુઓ, ગોંડળનો દેવરાજ, જે મહારાજને રામચંદ્રજી જેવા જાણતો હતો તેથી ચતુર્ભુજ થઈને તંગલિયો પહેરીને વૈકુંઠમાં બેઠો છે ને આજ્ઞા લોપીને ઘી ખાઈએ તો ભગવાન રાજી કેમ રહેશે ? નહિ જ રહે. બીજા મનુષ્યને રાજી નથી કરવા, આ તો સ્વામિનારાયણને રાજી કરવા છે. તે એને ન ગમે, એવું ન કરે ત્યારે રાજી થાય. તેના સ્વરૂપમાં કોઈ રીતે સંશય થાય તો નિશ્ર્ચય ન કહેવાય ને સત્સંગીજીવનમાં મોરલી ઘાલી છે. પછી બધાને અમે કહ્યું જે સ્વપ્નામાં પગ ભાંગ્યો તેવું છે. માટે મોટા મોટા સંત થકી જ્ઞાનને પામ્યા હશે તેને જ યથાર્થ સમજાશે. જેણે મોટાને સેવ્યા હશે તેને જ મહારાજનો અભિપ્રાય સમજાશે. તે બ્રાહ્મણની રીતને બ્રાહ્મણ જાણે, તેમ ભગવાનની રીતને તો ભગવદી જાણે. મહારાજે અક્ષરનાં નામ પાડ્યાં, પછી કહ્યું જે, બીજાની ઉપમા એને દેશો મા; માટે એવા ભગવાનને મૂકીને રજવીર્યનો દેહ છે તેમાં ચોંટાશે ને વ્યવહાર મારગે ચલાશે તો કરવાનું છે તે રહી જાશે ને મોટાની રીત જોઈ જોઈને વર્તવા માંડશું તો વૃદ્ધિ પમાશે.
મોરે : અગાઉ
મરને : ભલેને.
(63) આપણે ત્યાગી છીએ પણ દેવના સેવક છીએ માટે આપણા ધર્મમાં રહીને બધું કરવું ને કોઈનું કર્યું કાંઈ થાતું નથી ને જેનું કર્યું થાય છે તે તો જોઈ રહ્યા છે. તે કોઈક બેધારી તરવાર, બંદૂક લઈને ને કોઈક બાણ ને ચીપિયા પછાડતા ખાખી આવ્યા ને કહે જે, પક્કાં સીધાં લેવાં છે ને ન આપે તો જેલી કરવા. એવા અભિપ્રાયથી આવતા જાણીને મહારાજે મુક્તાનંદસ્વામીને કોઠારેથી બોલાવ્યા અને નાળિયેર અને સાકરનો પડો મંગાવીને ખાખીના પગ આગળ મૂક્યા ને દંડવત્ કરી બે હાથ જોડી પગે લાગીને કહ્યું જે, અમને દુ:ખ દેતા તેની બીક હતી પણ હવે તમે ભગવાનના પાર્ષદે હથિયાર ધાર્યા એટલે અમે નિર્ભય થયા ને તમે તો વૈકુંઠનાથના પાર્ષદ છો. ત્યારે ખાખી બોલ્યા જે, હમ તો ગધા, કુત્તા જેસા હે ને વૈકુંઠનાથના પાર્ષદ તો તુમ હો. એમ કહીને વયા ગયા.
પાર્ષદ : શ્રીજીમહારાજના સેવક
(64) બે દિવસ પછી મરી જાવું છે. તે ‘જણ જણના મન રાખતા, વેશ્યા રહી ગઈ વાંઝણી;’ માટે આપણે તો જેમ કહ્યું છે તેમ કરવું.
નષ્ટો મોહઃ સ્મૃતિર્લબ્ધા ત્વત્પ્રસાદાન્મયાચ્યુત ।
સ્થિતોઽસ્મિ ગતસન્દેહઃ કરિષ્યે વચનં તવ ॥
(ભગવદ્ ગીતા-અ. 18-શ્ર્લોક 73)
અર્થ :- હે અચ્યુત ! તમારી કૃપાથી મારો મોહ દૂર થયો, મારી સ્મૃતિ પાછી આવી, હવે હું સ્થિર છું (અને) હું તમારા વચનનું પાલન કરીશ !
તેમ આપણે ભગવાન ને આત્મા એ બે રહેશે ત્યારે જ ગીતા પૂરી થાશે ને બીજો વળગાડ તો પંચભૂતનો ને ઈન્દ્રિયોનો છે તે જાશે.
અર્થ : ધન, સંપત્તિ.
અચ્યુત : અવિચલિત-અખંડ.
વળગાડ : વળગવું, આગ્રહથી લઈ મંડવું, બાઝવું.
(65) દિવસે સૂવું નહિ એમ લખ્યું તે કોઈને ઠીક પડ્યું નહિ. તો પણ મહારાજે કાઢ્યું નહિ.
રીઝે ખીઝે ઓરસે સરે ન બીગરે કામ,
તુલસી મેરે ચાઈએ રાજી સીતારામ..
માટે રૂખમાં રહેવું પણ અર્થી દોષાન્ ન પશ્યતિ । અર્થ :- યાચક (કોઈપણ) દોષને જોતો નથી. તે માટે જે અર્થ પર બેઠા છે તે તમ જેવાને ધન, સ્ત્રીમાં જોડી દેશે ને ધનમાં એનો સંબંધ રહ્યો છે ને દેહમાં જેને આત્મબુદ્ધિ છે ને સંતમાં નથી, તેને તો ગધેડો, બળદિયો લખે છે. તે ઉપર શ્ર્લોક બોલ્યા જે,
યસ્યાત્મબુદ્ધિઃ કુણપે ત્રિધાતુકે સ્વધીઃ કલત્રાદિષુ ભૌમ ઇજ્યધીઃ ।
યત્તીર્થબુદ્ધિઃ સલિલે ન કર્હિચિજ્ જનેષ્વભિજ્ઞેષુ સ એવ ગોખરઃ ॥
(શ્રીમદ્ ભાગવત : 10/84/13)
અર્થ :- જે પુરુષને વાત, પિત્ત અને કફ આ ત્રણ ધાતુઓથી બનેલ આ શબતુલ્ય શરીરમાં જ આત્મબુદ્ધિ છે, જેણે સ્ત્રી વગેરેને પોતાના માન્યા હોય છે, જેની કેવળ પાર્થિવ પ્રતિમાઓમાં જ દેવબુદ્ધિ અને કેવળ જળમાં જ તીર્થબુદ્ધિ છે તથા જે જ્ઞાની મહાત્માઓમાં ક્યારે પણ પૂજ્યબુદ્ધિ નથી રાખતા ને ગધેડા સમાન જ છે.
માટે જેટલી આજ્ઞા લોપાશે તેટલું દુ:ખ આવશે. ગોપાળાનંદસ્વામીનો અવગુણ ચોથા ભાગનાને હતો ને વિષયમાં રહીને ન લેવાય એવા તો ધરતીમાં જડતાં નથી. માટે આજ્ઞા ને ઉપાસના એ બે રાખશું ત્યારે ભગવાન રાજી થાશે.
રૂખમાં : ધર્મમર્યાદામાં, અદબમાં.
અર્થ : ધન, સંપત્તિ.
આત્મબુદ્ધિ : પોતાપણાની ભાવના, 'દેહ તે હું નહિ પણ આત્મા છું' એવી બુદ્ધિ.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
(66) મોક્ષમાં વિઘ્ન ન આવે એમ કરવું ને સંગ પણ તેવો જ રાખવો. જ્યાં સુધી રાગ છે ત્યાં સુધી વિષયમાં માલ મનાય છે. ને જ્યારે જ્ઞાન થાય ત્યારે એ મારગે ચાલીએ તોય પણ ન ચલાય. ગમે તેટલી પાકી રસોઈયું કરો પણ એ તો મળવાનું જ છે.
‘દરદીને ગોળી દઉં છું રે સુખ થાવા અનુપ.’
એ ક્યાં જીવને સારું લાગે એવું છે ? માટે જેમ મોટાએ કહ્યું છે તેમ દેહને વરતાવવો. કથાવાર્તા કરી લેવી પણ પિતરાઈ દાવો બાંધવો એ સાધુનો ધર્મ નથી. લક્ષ્મીનારાયણીયા ને વાસુદેવીયા ને રાધારમણીયા તેમને માંહે માંહે છાશના ઘડા સારુ લડાઈ થઈ. માટે મહારાજે કહ્યું છે તેમ કરવું. કેમ જે, બીજા સાથે કાંઈ સૈયારું નથી.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
કરો : ઘરની દિવાલ.
પિતરાઈ : પિતાસંબંધી, સાતમી પેઢી સુધીમાં એક બાપનો વંશજ.
સૈયારું : સહિયારું.
(67) ક્રિયા કરવી ને વ્યવહાર પણ કરવો, દેહ રાખવો, નિયમ પાળવાં પણ ભગવાન તો મુખ્ય રાખવા; નહિ તો, વ્યવહાર પ્રધાન થઈ જાશે ને માયા છે તે દેહને વખાણે તેથી રાજી થાવાય છે તે આત્મરૂપ જે દેશ તે નોખો છે, તે દેશને જે પામે તે લોપાતા નથી. તે ઉપર
નિજાત્માનં બ્રહ્મરૂપં દેહત્રયવિલક્ષણમ્ ।
વિભાવ્ય તેન કર્તવ્યા ભક્તિઃ કૃષ્ણસ્ય સર્વદા ॥
(શિક્ષાપત્રી શ્ર્લોક : 116)
અર્થ :- સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ જે ત્રણ દેહ તે થકી વિલક્ષણ એવો જે પોતાનો જીવાત્મા તેને બ્રહ્મરૂપની ભાવના કરીને પછી તે બ્રહ્મરૂપે કરીને શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ જે તે સર્વ કાળને વિશે કરવી.
એ શ્ર્લોક બોલ્યા. એ દ્વાર છે ને રાત્રિપ્રલય સુધી રૂપિયા ભેગા થાશે. માટે આપણે તો સર્વ પડ્યું મૂકીને કરવાનું તો,
આકૃતિચિતિચાપલ્યરહિતા નિષ્પરિગ્રહાઃ ।
બોધને નિપુણા આત્મનિષ્ઠા: સર્વોપકારિણ: ॥
(સત્સંગિજીવન : 1/32/28)
અર્થ :- બધા ઉપર ઉપકારની આકૃતિ ચિત્તમાં ચંચળતા વગરની હોય છે, એ કોઈ પાસે કશું લેતી નથી, (બીજાને) બોધ કરવામાં કુશળ હોય છે અને એમાં આત્મનિષ્ઠા (પોતાનામાં વિશ્ર્વાસ) હોય છે.
તે બે વાનાં તો અભેસિંહને આવ્યાં છે.
યત્રોત્તમ શ્લોક ગુણાનુવાદ: પ્રસ્તૂયતે ગ્રામ્યકથા વિધાત: ।
નિશ્રવ્ય માણાનુદિન મુમુક્ષોર્મતિં સન્તિ યચ્છતિ વાસુદેવે ।।
અર્થ :-જેનું નામ લેવાથી પણ પુણ્ય મળે છે એવા (નળ રાજા-રાજા યુધિષ્ઠિર જેવા) મહાન લોકોની ગુણ ભરેલી વાતો જ્યાં ‘ગામગપાટા’ શૈલીથી (ભલેને) પ્રસ્તુત કરવામાં આવે, ત્યાં કોઈ મોક્ષની ઝંખનાવાળા (સામાન્ય) માણસને પણ નિયમપૂર્વક એ કથા સંભળાવવામાં આવે તો એ ગુણથી ભરેલી કથાઓનું શ્રવણ વાસુદેવ વિશે એને શુદ્ધ બુદ્ધિ આપે છે.
મોટી મોટી હવેલીઓએ કરીને કે ચિત્રે કરીને કે મોટા દરવાજે કરીને કે હાથી, ઘોડાએ કરીને અગર મોટા બળદે કરીને પણ વાસુદેવને વિષે સદ્મતિ ન થાય. ભક્તિ તો ગોતીતાનંદ તથા અશ્રુતાનંદે પણ કરી હતી પણ લડીને ચાલ્યા ગયા.
અર્થ : ધન, સંપત્તિ.
રાત્રિપ્રલય : અજ્ઞાનપ્રલય, પ્રકૃતિપુરુષ અને પ્રકૃતિપુરુષનું કાર્ય નજરમાં ન આવે ને ભગવાનના કર્તાહર્તાપણામાં સંપૂર્ણ નિર્દોષબુદ્ધિ એવી શુદ્ધ સમજણની સિદ્ધદશા.
આત્મનિષ્ઠા : હું તો દેહથી જુદો જે આત્મા તે છું ને મારે વિશે પ્રગટ પરબ્રહ્મ અખંડ બિરાજમાન છે. તેવી અતિ દૃઢ માનીનતા, શ્રદ્ધા, વિશ્ર્વાસ, આસ્થા.
વાનાં : વસ્તુઓ. (બ.વ.)
અગર : મીઠું પકવવાના ક્યારા.
બપોરે વાત કરી જે,
(68) હરિગીતામાં સાધુનાં જેવા લક્ષણ કહ્યાં છે. તેવાં આવશે ત્યારે ભગવાન રાજી થાશે.
દૃષ્ટાઃ સ્પૃષ્ટા નતા વા કૃતપરિચરણા ભોજિતાઃ પૂજિતા વા
સદ્યઃ પુંસામઘૌઘં બહુજનિજનિતં ઘ્નન્તિ યે વૈ સમૂલમ્ ।
પ્રોક્તાઃ કૃષ્ણેન યે વા નિજહૃદયસમા યત્પદે તીર્થજાતમ્
તેષાં માતઃ પ્રસંગાત્ કિમિહ નનુ સતાં દુર્લભં સ્યાન્મુમુક્ષોઃ ॥
(સત્સંગિજીવન : શ્રી ધર્મનન્દનાષ્ટકમ્ -1/32/46)
અર્થ :- જે સંતોનાં દર્શનમાત્રથી, જેમનો સ્પર્શ કરવાથી, જેમને નમવાથી, જેમને જમાડવાથી, જેમની સેવા કરવાથી કે, જેમનું પૂજન કરવાથી, તે કરનારા પુરુષોના અનેક જન્મોના પાપપુંજનો મૂળે સહિત તે જ ક્ષણમાં નિશ્ર્ચે નાશ થઈ જાય છે. વળી, જે સંતોને શ્રીકૃષ્ણ ભગવાન પોતાના હૃદય સમાન કહે છે અને જેમના ચરણકમળમાં સર્વ તીર્થો નિવાસ કરીને રહ્યાં છે એવા સાધુઓના પ્રસંગથી આ લોકમાં મુમુક્ષુને દુર્લભ શું હોય? કાંઈ પણ નથી.
કરોડ જન્મ ધરીને પણ એવા સાધુ થાવું છે, નિષ્કામી થાવું છે, નિર્લોભી થાવું છે, નિ:સ્વાદી થાવું છે. ત્યારે પ્રશ્ર્ન પૂછ્યો જે, નિ:સ્વાદ તથા નિર્લોભની અવધિ ક્યાં સુધી કહેવાય ? ત્યારે ઉત્તર કર્યો જે, સંકલ્પ ન થાય તો નિષ્કામની અવધિ કહેવાય ને દેહ પરજંત પાણી મેળવીને ખાવું તેમાં અન્નનો ભાવ ન જણાય ત્યારે નિ:સ્વાદીની અવધિ કહેવાય ને જેને ગોળ જોઈએ તેને વાઢ વાવવો પણ ચીણો વાવે તો ગોળ ન પામે.
અર્થ : ધન, સંપત્તિ.
અવધિ : અંત, નિશ્ર્ચિત સમયમર્યાદા.
પરજંત : પર્યંત, સુધ્ધાં.
ચીણો : એક જાતનું અનાજ.
(69) એકલી ભક્તિ તો પૃથુની ને ગોપીઓની કહી છે પણ આ તો લક્ષાવધિ મનુષ્ય, તે બધાં અંગ જોઈએ ને એવો આપણે અતિશે આગ્રહ હશે તો બીજે જન્મે જાતાં પણ ભગવાનનો સંબંધ કરાવશે.
(70) વરતાલની સીમમાં કોળીએ કહ્યું જે, કેવો ભગવાને મેહ વરસાવ્યો ? ત્યારે ખોડાભાઈએ કહ્યું જે, આ ભગવાન ચાલ્યા જાય છે. તેમણે મેહ વરસાવ્યો છે.
(71) ઉમરેઠ જતાં મહારાજે વાત કરી જે, ભગવાન કૃપા કરે ત્યારે વૈરાગ્યરૂપી ચૂંદડી ઓઢાડે ને તે પછી ભગવાન વરે.
(72) ખાધા વિના ભૂખ ન જાય, તાપ્યા વિના ટાઢ ન જાય તેમ જે વાતનો આદર કર્યો છે તે પણ કર્યા વિના નહિ થાય.
સર્વે માન તજી (2) શામળિયા સંગાથે મન દૃઢ બાંધીએ;
તજી લોકલજા (2) સાધુ જન સંગાથે પ્રીતિ સાંધીએ.
(કીર્તન મુક્તાવલી-ઉપદેશનાં પદો-પદ 2-નં.397-પાન નં.219)
એ મુક્તાનંદસ્વામીનું કીર્તન બોલ્યા. તેનો અર્થ પણ સ્પષ્ટપણે કરી આપ્યો. લોકલજ્જાનો અર્થ જે, તમે આંહીં આવ્યા છો તે લોકલાજ બીજી રીતની છે.
અર્થ : ધન, સંપત્તિ.
(73) ભામે ચઢ્યાની વાત કરી જે, કેટલાકને ભામા લાગ્યા છે તેનાં નામ ઘોડાનો, ગાડીનો, ખેતરનો, વાડીનો, રૂપિયાનો ને ખોરડાનો એવા ભામા લાગ્યા છે. પછી ગોવિંદસ્વામીની બધી વાત કહી દેખાડી જે, યજ્ઞ કરવાનો ભામો લાગ્યો હતો તેમાંથી રૂપિયા વધ્યા તે હરિજનને ત્યાં છાના રાખ્યા પણ મનમાં એમ જે, ક્યારેક મહારાજને જોતા હશે ત્યારે આપશું. પછી મહારાજે પૂછ્યું જે, કાંઈ વધ્યું છે ? તો કહે ‘ ના મહારાજ.’ ત્યારે એક બાળકે કહ્યું જે, સ્વામી તમે મારા બાપ પાસે રૂપિયા રાખ્યા છે ને કેમ ના પાડો છો ? એમ મહારાજે ઉઘાડું કર્યું.
ભામો : વેગ, ઉલ્લાસ, ઉત્સાહ.
પાડો : ભેંસનું નર બચ્ચું કે તેનો નર.
(74) સાધુ ઓળખવા, એ ઘણી ભારે ઘાંટી છે તે મોટા મોટા સાધુ તે કાળા ભગવાનમાં બંધાણા છે. તે વરતાલમાં બધાને ઊભા કર્યા. તે શી વાત કરી જે, મહારાજની નિષ્ઠા નહોતી ને ‘શ્રીકૃષ્ણ એ જ મહારાજ છે.’ એની નિષ્ઠાવાળામાં બંધાણા.
નિષ્ઠા : શ્રદ્ધા, આસ્થા, વિશ્ર્વાસ, ધારણા.
(75) અમને અથાણાંની બરણી લઈને ધરમપુરથી મોકલ્યા તે મહારાજ કારિયાણીમાં બાવીશ વાર મળ્યા. પછી મહારાજે બરણી ઉઘાડી ત્યાં વઘારણીની ગંધ આવી એટલે મહારાજ કહે જે, ઉકરડે નાખી આવો. ત્યારે પ્રાગજી દવે કહે જે, મહારાજ નાખી દેશો મા. અથાણું બહુ સરસ છે તે હું ધોઈને ખાઈશ. પછી પ્રાગજી દવેને બરણી આપી તે લઈ ગયા. સાધુ કહે જે, ધોશે એટલે સ્વાદ નહિ રહે. ત્યારે મહારાજ કહે જે, ખાધાના જે સ્વાદિયા હોય તે શું ધોતાં હશે ? એ તે ધોયા વિના એમ ને એમ ખાશે !
(76) મહારાજે કહ્યું છે જે, ગુરુ છે તે ગરજ વિનાના છે ને ચેલા છે તે મૂર્ખ છે. તેમાં શી વાત કરી જે, મુમુક્ષુ હોય તે જ સાધુ ઓળખે. અમારે પ્રથમ ગુરુપણાનો અભાવ બહુ હતો પણ મહારાજે (ગુરુ) કર્યા. માટે જે મોક્ષભાગી હોય તે જ સાધુને ઓળખે ને પગી હોય તે પગને કળે. તેમ સાધુ સેવન કર્યાં હશે તેનાથી સાધુ ઓળખાય.
(77) વ્યવહાર મારગનો તો પાર જ ન આવે. માટે આજ્ઞાએ કરીને કાગળ લઈ જાઓ પણ આઘુંપાછું ન કરવું. કેમ જે, ગૃહસ્થ સૌ પોતપોતાની પહોંચ પ્રમાણે કરશે, માટે કોઈનો અંત લેશો નહિ ને નોઝણાં વાળીને દોવા માંડે પાર નહિ આવે. તે જસરાજ કોઠારી સમજુ છે તે કહીએ છીએ જે અંતે એમાંથી સારું નહિ જ થાય. કેમ જે, તમો મરી જશો ત્યારે અઢાર કરોડ હશે તે પણ સહાય નહિ કરે ને ભેળા નહિ આવે ને આ જીવ છે, તે માન દ્યો તો મરી પડે એવો છે. તે ઉપર ધોતલીના ધોળની વાત કરી, તેમ કોઈ પરબારા મરાવશે ને આંહી રસોઈ દેવા આવે તેને જો માન દ્યો તો સો (રૂપિયા)ના બસો વાપરે એવું માનનું કામ છે.
નોઝણાં : દોહતી વખતે ગાયને પાછલે પગે બાંધવાનું દોરડું.
પરબારા : સીધેસીધા, બારોબાર.
(78) વરતાલનું સોળનું વચનામૃત વંચાવીને વાત કરી જે, પોતાના હોય તેને રહસ્ય, અભિપ્રાય કહેવાય, પણ મહારાજ કહે, ‘અમારે કોઈ વાતનો આગ્રહ નથી’ ને ખુમાણુંમાં સત્સંગ થાય તે સારુ અમે ઘણી મહેનત કરી. તે જાળે જાળે ભમીને સત્સંગ કરાવ્યો છે, પણ જેટલી મહારાજની ઈચ્છા હશે તેટલો જ સત્સંગ થાશે. પ્રાંતીજમાં અમારો સત્સંગ કરાવેલ છે. તે જેવા જેવા ગુરુ સેવ્યા છે તેવા તેવા જીવ થાય છે. જેનો સાંઢ ચાંદરો તેના વાછડાં પણ ચાંદરા અને જોગાનંદસ્વામીએ ચાર પુરાણી કર્યા ને ભજનાનંદનો તો કોઈ થયો જ નથી.
ચાંદરો : ધોળા ચાંદાવાળું.
(79) મહારાજની આજ્ઞા પાળશે તો આ સંપ્રદાયમાં શોભશે ને આજ્ઞા લોપાશે તેટલી ભગવાનની દૃષ્ટિ કરડી થાશે ને રૂપિયા તો મચ્છીમારને ત્યાં ઘણા છે. તેણે શું થાય ? ને દ્રવ્ય હશે ત્યાં ધાડાં પડશે પણ સોઢીમાં કાંઈ ધાડાં નહિ પડે.
(80) આ સાધુનાં દર્શન તો એવાં છે જે, તેને કાળ પણ મૂકી દે છે ને તમે સારા છો પણ મુંબઈ સેવો (સેવન કરવું) કે અયોધ્યા જાઓ તો છો એવા ન રહો.
(81) અર્થી દોષાન્ ન પશ્યતિ । અર્થ :- યાચક (કોઈપણ) દોષને જોતો નથી. માટે જેમ કહ્યું છે તેમ કરશું તો ઘણો સમાસ થાશે ને તે વિના તો જેમ ગરાસિયા ભેગા થાય છે તેમ ભેળા થાઓ તેમાં શો સમાસ થાય ? ને વરતાલમાં અમારે માથે વાત કરવાનું આવ્યું ત્યારે ઉહ ઉઠાવ્યો ને પુરુષોત્તમપણાની ને સર્વોપરીપણાની વાત કરી એટલે નિત્યાનંદસ્વામીના સાધુ અમારી પાસે આવ્યા ને કહે જે આવી વાતું કરો છો તે તમને કોણે કહ્યું છે ? ત્યારે અમે કહ્યું જે, સ્વામિનારાયણે કહ્યું છે બીજો કોણ કહેશે ? પછી સાધુએ નિત્યાનંદસ્વામીને કહ્યું જે, એ તો આમ બોલે છે ત્યારે નિત્યાનંદસ્વામી બોલ્યા જે, એમના ઉપર મહારાજને હેત ઘણું હતું તે કહ્યું હશે.
અર્થ : ધન, સંપત્તિ.
કરો : ઘરની દિવાલ.
(82) આ તો સૌ સૌના જીવનું રૂડું કરવા આવ્યા છીએ ને બદરિનાથનાં શીકાં છે તે જો કોઈ ભગવદી દુભાણો તો થઈ રહ્યો. ગાળું દે, તો પણ એમ જાણવું જે, વાળંદનો અવતાર આવ્યો હશે, ત્યારે ગાળું નહિ ખાધી હોય ? એવું જ્ઞાન હોય તો દુ:ખ ન થાય. તે ઉપર વિશુદ્ધાત્માનંદસ્વામીને ગાળ દીધી તે વાત કરી. માટે પંચમહાપાપથી પણ ભગવદીના અપરાધનું પાપ વધુ લાગે છે. તે અપરાધ પંચવિષય, દેહાભિમાન ને પક્ષમાંથી થાય છે. સંતાપમાત્ર આચાર્યજી મહારાજને આપ્યો છે. માટે આપણે તો ક્લેશને ન પામવું. હમણાં કેટલાકે દેહ મૂકી દીધા ને આપણે પણ આંહીં નહિ રહેવાય. માટે પક્ષપાતે કરીને અવગુણ ન લેવો ને ભેળા રહ્યા તે કહેવું તો પડે, માટે ભેળાં રહીને કાયાને ઘસારો દેવો પણ મોઢામાં કોળીયા દઈએ તેમાં કોને પારસણું ? માટે સૌ સૌનું કરવું આ તો લાંપડું ભેળું કર્યું છે.
જેનું રે મન વન વંછતું, અતિ રેતા ઉદાજી;
તે તાક્યા વસ્તીએ વસવા, બાંધી સૌ સાથે આશજી. જેનું01
જેને રે ગમતી જીરણ કંથા, જેવું તેવું જળ ઠામજી;
તેણે રે રંગ્યા રૂડાં તુંબડા, ગમતાં વસ્ત્ર માગે ગામોગામજી. જેનું02
રસ રહિત અન્ન ઈચ્છતા, દેવા દેહને દંડજી;
તેને રે જોઈએ તીખાં તમતમાં, ખાવા ખીર ને ખાંડજી. જેનું03
જેને રે જાગ્ય આગ્ય લાગતી, ગમતું નહીં સજ્યા ઘરજી;
તેને રે આસનથી ઉઠાડતા, જાણે જગાડ્યો મણિધરજી. જેનું04
પોતાનો પરિવાર પરહરી, ચાલ્યો એકીલો આપજી;
તેણે રે કર્યો સ્નેહ શિષ્ય શું, લીધો પરનો સંતાપજી. જેનું05
ઓછી સમજણે જે આદરે, કાયા થકી જે કાંયજી;
નિષ્કુળાનંદ એ નરનું, અંતે એમ જ થાયજી. જેનું06
(કીર્તન મુક્તાવલી-ઉપદેશનાં પદો-પદ 8-નં.484-પાન નં.266)
શ્રેયાંસિ બહુ વિઘ્નાનિ । (સારા કામમાં વિઘ્નો ઘણાં આવે છે.) માટે જે વિઘ્ન ઓળખે તે જ ડાહ્યો ને જે બંધમોક્ષને જાણે તેને જ પંડિત કહીએ ને કરોડો માણસને સત્સંગ કરાવીને પોતે બાહ્યદૃષ્ટિએ વરતે તેમાં શું પાક્યું ?
વૃત્તિ અંતરે નહિ વાળશે રે, બહુ વર્તશે બાર,
લોકમાં લાજ વધારશે રે, જેને કેનો ન રહ્યા ભાર;
શ્રીજી પધાર્યા સ્વધામમાં રે..
પારસણું : ઉપકાર માનવો.
લાંપડું : સૂકું કે ચીમળાયેલું નાનું ઘાસ. હલકી જાતનું ઘાસ.
તીખાં : મરી, સૂંઠ.
સંવત્ 1919ના શ્રાવણ પહેલા સુદિ સપ્તમીને દિવસે સ્વામીએ વાત કરી જે,
(83) કોઈને કૃપાએ કરીને આત્મા દેખાઈ જાય તો પણ સંપૂર્ણ થયું કહેવાય નહિ. તે ઉપર વાત કરી જે, સ્વરૂપાનંદસ્વામીને આત્મા દેખાતો હતો એટલે આત્મામાં જ રહેતા હતા, પણ જ્યારે આખા શરીરે બળતરા થાવા માંડી ત્યારે મહારાજે ચંદન ઘસીને ચોપડાવ્યું, ટાઢું પાણી છંટાવ્યું ને વાહર નખાવ્યો પણ શાંતિ થઈ નહિ. એટલે મહારાજે કહ્યું જે, સ્વરૂપાનંદસ્વામી ! તમે તો આત્માને દેખો છો તે આત્મામાં જતા રહો. પછી સ્વરૂપાનંદસ્વામી બોલ્યા જે, તુમ આડા ખડા હો તે કહાં જાવે ? પછી તો બહુ બળતરા થઈ ને મુંઝાણા. ત્યારે મહારાજે કહ્યું જે, બાહ્યદૃષ્ટિએ કરીને પ્રગટ ભગવાન ને પ્રગટ સંત તેના સંબંધને પામેલા જે ઓરડા, ઓસરી, નળિયાં ને લીંબડો એનું ધ્યાન કરો તો શાંતિ થાશે. પછી જ્યારે એમ કર્યું ત્યારે શાંતિ થઈ.
તેમાં મહારાજે જણાવ્યું જે, પ્રત્યક્ષ ભગવાનને પ્રતાપે કરીને આત્મદર્શન થાય છે, પણ જો પ્રત્યક્ષ ભગવાન કરતાં બ્રહ્મમાં અધિકપણું માની લે તો ઉપાસનાનો ભંગ થયો કહેવાય. માટે આત્મા દીઠે કાંઈ સિદ્ધિ થાતી નથી ને સ્વરૂપાનંદસ્વામીને તો પ્રગટ મહારાજ કરતાં પ્રગટ આત્મામાં મહારાજની મૂર્તિ દેખાય તેનો બહુ ભાર હતો. એ ખોટ મહારાજને સૂઝે, બીજાને તો સૂઝે પણ નહિ. વળી મોટા મોટા સાધુમાં જે જે ભૂલ હતી તેમને પ્રશ્ર્ન પૂછ્યા તેમાં મહારાજે એ જ ખોટ બતાવી હતી. પ્રગટ ઈષ્ટનો અભિપ્રાય જે, આત્મદર્શન તેને વિષે વધુ લગની થાય છે તેથી પ્રગટ ભગવાન ને પ્રગટ સંત તેને વિષે વૃત્તિ ગૌણ થાય છે. માટે આત્મા દેખાઈ જાય તો સંપૂર્ણ થયું કહેવાય નહિ. કેટલાકને આત્મા, પરમાત્મા એ બે દેખાય તો પણ પ્રગટને વિષે એવો ભાવ બેસારતાં ન આવડે. ‘આત્મામાં ભગવાન દેખાણા તે જ આ પ્રગટ છે ને પ્રગટને પ્રતાપે આત્મામાં પરમાત્મા દેખાણા.’ એવું જ્ઞાન દેતાં પણ તેને ન આવડે, માટે જ્ઞાનીને આત્મા કહ્યો છે.
વાહર : પવન, હવા, હવા ખાવી.
કરો : ઘરની દિવાલ.
મૂર્તિ : સંતો.
(84) ઉદ્ધવના જેવું જ્ઞાન, જડભરતના જેવી આત્મનિષ્ઠા ને ગોપીઓના જેવી ભક્તિ ને કહેવું, સાંભળવું ને શીખવું એ આદિ સર્વ વાત જાણે ત્યારે સંપૂર્ણ થયો કહેવાય.
આત્મનિષ્ઠા : હું તો દેહથી જુદો જે આત્મા તે છું ને મારે વિશે પ્રગટ પરબ્રહ્મ અખંડ બિરાજમાન છે. તેવી અતિ દૃઢ માનીનતા, શ્રદ્ધા, વિશ્ર્વાસ, આસ્થા.
(85) જ્ઞાન વિના તો કેટલીક મોળપ રહી જાય. માટે સમજ્યા વિના જે જે કરવું તેમાંથી જરૂર દુ:ખ આવે. તે સંતદાસજી કારિયાણીએ આવ્યા ત્યારે મહારાજ પાસે આવીને બેઠા, એટલે પતાસાં ને મીઠું તેમની આગળ મૂક્યાં, તે બેય ખાઈ ગયા. ત્યારે મહારાજ કહે જે, આને બધું સરખું છે. પછી મહારાજ કહે જે, નદી બે કાંઠે આવી છે તે કેમ જવાશે ? ત્યારે મહારાજ કહે જે, ચાલો વળાવા જાઈએ. પછી સૌ ચાલ્યા તે નદી આવી ત્યારે સંતદાસજીને મહારાજ ત્રણ વાર મળ્યા. પછી મહારાજે આજ્ઞા કરી એટલે પાણી ઉપર વયા ગયા.
(86) મહારાજે બધા સાધુને કેવળિક કહ્યા ત્યારે ઢૂંઢિયો દર્શને આવેલો તે કહે જે, માવદે ખેતરમાં જાય તે કેવળિક કહેવાય. ત્યારે મહારાજ કહે જે, આ બધા કેવળિક છે તે તમો કહો તેને માવદે ખેતરમાં મોકલી દઈએ. પછી એક જણને સમાધિ કરાવીને કહ્યું જે, આ માવદે ખેતરમાં ગયા; પછી ઢૂંઢિયે જોયું તો કાંઈ નહોતું. પછી મહારાજ કહે, બાળી આવો. ત્યારે તે કહે જે, પાછા બોલાવો ને, ત્યારે મહારાજ કહે જે, એ તો માવદે ખેતરમાં ગયો, તેમ બતાવ્યું પણ કોઈ સત્સંગી થયા નહિ.
કેવળિક : (જૈન) કેવલજ્ઞાન જેને પ્રાપ્ત થયું હોય તે.
ઢૂંઢિયો : એક પ્રકારના જૈન સાધુ.
(87) મહારાજ કહે જે, અમારે બુદ્ધિવાળા ઉપર હેત થાય છે તે બુદ્ધિવાળો સમજે ને બીજાને સમજ્યા વિના જરાકમાં દુ:ખ થાય, તે પોતાને તેમ પરને બેયને દુ:ખ થાય. તે રાધિકાજીએ જરા વારમાં ભગવાન સાથે કજીયો કર્યો. માટે જ્ઞાની હોય ને સંત સેવન કર્યા કરે ને ભગવાનને વશ થાય તો ભગવાન પણ તેને વશ વરતે છે ને તેની સેવામાં રહે છે.
(88) તત્વાનંદસ્વામીએ કહ્યું જે, દોકડા, દોકડાના સદ્ગુરુ કરશે તે અમે નહિ માનીએ માટે સાધુ જેનાં વખાણ કરે તે ફરે નહિ ને દશ વીસ મોટા પ્રમાણ કરે તે ખરું છે ને કોઈ પૂછે જે, ફલાણો કેવો..! તો કહે ઠીક. એટલામાં પાણી ઊતરી ગયું. પછી તેર ટકોરાની વાત કરી. એક ચારણ ડોશી હતી તેણે કોઈ બાઈના નામથી કાગળ લખ્યો તેમાં તેર સાધુના નામ લખીને એમ જણાવ્યું જે, તમારાં દર્શન અમને ક્યાં થાશે ? એમ સંકેત લખીને લોટની માટલીમાં નાખ્યો, પણ જે સાધુને માથે લખેલ તે સાધુનો લોટ ચાળવાનો વારો હતો પણ તેને તે દિવસે તાવ આવેલ તેથી તેને સાટે નિત્યાનંદસ્વામી લોટ ચાળવા બેઠા તે માટલીમાંથી ચિઠ્ઠી નીકળી એટલે વાંચીને મહારાજને આપી, પછી પંક્તિ થઈ એટલે જેટલાના નામ હતા તે બધાના પત્તરને ઠેબાં મારીને ઉઠાડી દીધા ને કહ્યું જે, ચાલ્યા જાઓ. પછી તે ઉપર મહારાજે પ્રથમના અઢારમાં તેમના નિર્દેશ અર્થે સભામાં વાત કરી. તે જો જીવ મહિમાને માર્ગે જ ચાલે તો વર્તમાન ન પળે, માટે સાધુ સમાગમ જેણે કર્યો હશે તે જ મહિમા સોતા વર્તમાન પાળશે ને સમાગમ વિના તો માણસ પણ કળાય નહિ.
દશ : દિશા.
સાટે : બદલેઅવેજમાં.
સોતા : સહિત.
(89) મૂર્ખ ભેળા થાય તે ખાસડે દાળ વેચીને જુદા થઈ જાય, તે આખામાં ખાખી જમતાં જમતાં વઢ્યા જે, ‘એસા કીયા ?’ ત્યારે બીજો કહે, ‘એસા કીયા ?’ એમ કરતાં કરતાં વઢ્યા તે કૂતરા શીરા-પૂરી ખાઈ ગયા. માટે ખાધા ટાણે કજિયો કરે કે રીસાય તે મૂરખ કહેવાય. પછી વાત કરી જે, બે બાવા ચોરે ઊતર્યા તેમાંથી એક નાવા (નાહવા) ગયો ત્યારે વાંસે ગયો તેને કોઈએ પૂછ્યું જે, ઓેલ્યા સાધુ કેવા છે ? તો કહે જે, સાલા બેલ જેસા હે ! તે નાહીને આવ્યો ત્યારે બીજો નાવા ગયો ત્યારે એમને પૂછ્યું જે ઓલ્યા સાધુ કેવા છે ? તો કહે જે, ગધા જેસા હે! પછી તેણે બેયને જમવાનું કહીને રસોઈ કરાવી ને તેડાવ્યા પછી ઘર વાસીને (બંધ કરીને) એકની આગળ ઠાલીયાં ને બીજાની આગળ રાડાં મૂક્યાં ને કહે, ‘પાઓ મહારાજ.’ તો કહે, ‘ઈસમે ક્યા પાવે ?’ પછી ડાંગ લઈને ઉઠ્યો ને કહે જે, પાઓ નીકર મારું છું. તમે કહેતા તે પ્રમાણે ગધા જેસા હોય તે ઠાલીયાં ખાય ને બેલ જેસા હોય તે રાડાં ખાય. પછી કહે, ‘મહારાજ ! ભેખ લઈને નીસર્યા ને સંપ રાખતા નથી તે ઠીક નહીં.’ પછી જમાડ્યા. માટે અધર્મ સર્ગ આવે ત્યારે કોઈને સુખ રહેવા દે નહિ ને પૂર્વે મોટા મોટામાં આવ્યો છે, તેમાં પણ કોઈને સુખ રહેવા દીધું નથી ને હમણાં આપણામાં આવે તો આપણને પણ સુખ રહેવા દે નહીં.
વાંસે : પાછળ.
ઠાલીયાં : કપાસ કાઢી લીધેલું કાલુ.
રાડાં : ઢોરને ખાતા વધેલા સાંઠા અને મૂળિયાં.
ભેખ : સંન્યાસ.
(90) જ્યાં વિષયની વેંચાણ આવે ત્યાં માળા ફરે નહિ ને કથા કે વારતા થાય નહિ ને માળા, માનસી ઉંહરડીને કરે; માટે વિષય છે તે ઉપાડીને ક્યાંઈના ક્યાંઈ લઈ જાય એવા છે. તે ઉપર વાત કરી જે, એક બ્રાહ્મણ પટેલ હતો. તે માળા ફેરવતો હતો ત્યારે એક જણે આવીને પૂછ્યું જે, પટેલ ઘેર છે? તો કહે, પટેલ ચમારવાડે ગયા છે. એમ વહુએ કહ્યું ત્યારે પટેલ આવ્યા જે, આંહીં બેઠો છું ને એમ કેમ કહો છો ? ત્યારે ક્હ્યું જે, તમે માળા ફેરવતાં શું સંકલ્પ કરતા હતા ? તો કહે જે, કોસ સંધાવવા જાવું છે, એવો સંકલ્પ કરતો હતો. તો કહે, ચમારવાડે ગયા તેમાં શું ખોટું કીધું ? તેમ આંહીં બેઠા હોય ને મન તો ક્યાંય ભમતું હોય ! પછી શ્ર્લોક બોલ્યા જે,
આકૃતિચિતિચાપલ્યરહિતા નિષ્પરિગ્રહાઃ ।
બોધને નિપુણા આત્મનિષ્ઠા: સર્વોપકારિણ: ॥
(સત્સંગિજીવન : 1/32/28)
અર્થ :- બધા ઉપર ઉપકારની આકૃતિ ચિત્તમાં ચંચળતા વગરની હોય છે, એ કોઈ પાસે કશું લેતી નથી, (બીજાને) બોધ કરવામાં કુશળ હોય છે અને એમાં આત્મનિષ્ઠા (પોતાનામાં વિશ્ર્વાસ) હોય છે.
કર્મઈન્દ્રિયોની ને જ્ઞાનઈન્દ્રિયોની ચપળતાએ રહિત રહેવું એ સાધુનો ધર્મ છે પણ જો અહીં જનાવર આવે કે શેરડીનું કે તુંબડાનું ગાડું આવે તો સહુ દોડે ને આવી વાતુંં તો જ્યાં એકાંતિક હશે ત્યાં થાતી હશે પણ બીજે તો આવી વાતો થાય જ નહિ ને દેશકાળમાં આવ્યા નથી તેને ખબર ન પડે. માટે સો જન્મ ધરીને પણ જ્ઞાની ભક્ત થાવું, સાધુ થાવું તેને અર્થે બધી વાતો છે.
નાયમાત્મા બલહીનેન લભ્ય: ।
(મુન્ડક ઉપનિષદ : 3/2/4)
અર્થ :- બળ વિહોણા દ્વારા આ આત્મા પ્રાપ્ત થઈ શકે તેમ નથી.
પછી બળ ને આગ્રહ ઉપર બ્રાહ્મણે સોનાની મૂર્તિ લીધી તેની વાત કરી. માટે જેને મૂર્તિ રાખવી હોય તે આટલો દાખડો કરે ત્યારે મૂર્તિ રહે. પછી બળ પામવાનું વચનામૃત (વચ.ગ.મ.63) વંચાવીને વાત કરી જે, રાજા બળવાન હોય તેની આગળ ઉમરાવ કે કામદારનું ચાલતું નથી. તેમ જીવ આગળ ઈન્દ્રિયોનું ન ચાલે તો જીવ બળને પામ્યો કહેવાય. તે ઉપર કૃપાનંદસ્વામીની વાત કરી જે, ઉપવાસ પડે તો દેહ પડી જાય. તેમ એવી રીતના હોય તે બળને પામ્યા કહેવાય.
અર્થ : ધન, સંપત્તિ.
આત્મનિષ્ઠા : હું તો દેહથી જુદો જે આત્મા તે છું ને મારે વિશે પ્રગટ પરબ્રહ્મ અખંડ બિરાજમાન છે. તેવી અતિ દૃઢ માનીનતા, શ્રદ્ધા, વિશ્ર્વાસ, આસ્થા.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
મૂર્તિ : સંતો.
(91) જેવી વાતો મહારાજે કરી હતી તેવી લખી છે; તે આપણા જીવને સુખ થાવા સારુ છે, પણ જીવને સુખી થાવાનો સ્વભાવ નહિ; તે કોઈને બુદ્ધિ હશે, કોઈને ધન હશે, પણ ભગવાનના મારગમાં ન વાવરે (વાપરે). કોઈને દેહનું બળ હશે તે પણ ભગવાનના મારગે ન વાવરે ને ધન હોય તેના ઘઉં લઈને કોઈ કથા કરાવે નહિ ને સાધુ ભેળા રહેવાય નહિ. જેમ ખાધા વિના ભૂખ જાય નહિ. તેમ સમાગમ કર્યા વિના અજ્ઞાન જાય નહિ ને કેટલાકને ભણેલા દીઠા, કેટલાકને બુદ્ધિવાળા દીઠા, કેટલાકને સમજણવાળા દીઠા, પણ કોઈ આ મારગે ચાલે નહિ ને મહારાજ જમતાં જમતાં ‘હરે’ બોલતા, તે શું કાંઈ ભૂલી ગયા હતા ? પણ આપણને શીખવતા. ભવ જે સંસાર તેને તરવારૂપ આ ભગવાનની કથા, મહિમાની કથા તે જેને સારી લાગતી નથી તેને પશુની ઘાત કરનારો ખાટકી જાણવો. બે વચનામૃત વાંચીને ‘સટ, સટ’ માળા ફેરવીને, માનસીપૂજા કરીને નવરા થઈને બેઠા, પણ જ્ઞાન વિના તો પૂર્ણાનંદે પંચમહાપાપનો અર્થ કર્યો એવું સમજાય.
વાવરે : વાપરે, ઉપયોગમાં લે.
અર્થ : ધન, સંપત્તિ.
(92) પ્રહલાદના જેવો વર માગવો. તે પ્રહલાદને સાધુમાં પ્રથમ ગણ્યા. પછી શ્ર્લોક બોલ્યા જે,
પ્રહલાદ નારદ પરાશર પુંડરીકવ્યાસામ્બરીષ શુકસૌનક ભીષ્મ દાલ્ભ્યાન્ ।
રુકમાઙ્ગદાર્જુન વસિષ્ઠ વિભીષણાદીન્ પુણ્યાનિ માન્પરમ ભાગવતાન્સ્મરામિ ।।
અર્થ :- પ્રહ્લાદ, નારદ, પરાશર, પુંડરિક, મહર્ષિ વ્યાસ, રાજા અંબરીષ, શુકદેવજી, શૌનક ઋષિ, ભીષ્મ, દાલ્ભ્ય, રુકમાંગદ્, અર્જુન, વસિષ્ઠ ઋષિ અને વિભીષણ વગેરે જેવા પરમ ભાગવતોનું (જેમની ભગવાનમાં ખૂબ દૃઢ ભક્તિ છે એવા) સ્મરણ કરું છું.
માટે દેહને સુખે સુખિયા થાવું નહિ. આ કર્યું ને આ કરવું છે એમ કરતાં કરતાં મરી જવાશે. મોટપ કે દ્રવ્ય મળ્યું તેણે કરીને જીવ શું વૃદ્ધિ પામશે ?
મોલનું બળ ત્યાં લગી જ્યાં લગી નથી ખવાણો ખડજમાં
તેમ હરિજન સારો ત્યાં લગી નથી આવ્યો વિમુખની વડજમાં;
(નિષ્કુળાનંદકાવ્ય-વચનવિધિ-કડવું 17મું-કડી 6)
બહુ બુકી બીજ ધતુરનાં, જાણે ખાઈ ભાંગીશ ભૂખને,
પણ ઘડીક પછી કાંટો ઝાલશે, મરીશ પામી બહુ દુ:ખને;
(નિષ્કુળાનંદકાવ્ય-વચનવિધિ-કડવું 19મું-કડી 3)
કાપે છે સર્પનો કંડીયો, માગ થાતાં મુષો મલકાય છે,
પણ જાણતો નથી આખું આંધળો જે હમણા ખીજ નાગ ખાય છે,
ચાલે છે ચોરને મારગે, ખરાખરું માને છે ખેમ કરે;
પણ શિષ્ય કપાણાં સો એ સોયનાં ત્યાં કુશળ રહીશ કેમ રે;
(નિષ્કુળાનંદકાવ્ય-વચનવિધિ-કડવું 20મું-કડી 4 ને 5)
કાં તો ઊંટ ખર અવતાર પામી, અણ તોળ્યો ભાર ઉપાડશે;
કસર કરશે ચાલતાં, તો ઘણી એનો ધોકે તાડશે;
માટે જોઈ વિચારી જગદીશનાં, વિમુખ રે’જો વચનથી
નિષ્કુળાનંદ કહે નાથના, ઘરમાં અંધારું ઘોર નથી.
(નિષ્કુળાનંદકાવ્ય-વચનવિધિ-કડવું 17મું-કડી 7 ને 8)
અર્થ : ધન, સંપત્તિ.
કસર : ખોટ, ઉણપ.
(93) હાડકાંનો દેહ છે તેમાં કાંઈ માલ નથી. તે ઉપર નિષ્કુળાનંદ સ્વામીની કહેલી ઠીબની વાત કરી જે, કોઈએ ઠીબમાં લઘુ, ઝાડો, ઊલટી કરી તેને કોઈ ઉપાડી જાય તો કેવો રાજી થાય ? પણ, ‘મારું કેમ લઈ ગયા ?’ એમ ધોખો થાય ? તેમ મોટાઈ ને પંચવિષય કોઈ લઈ જાય તો રાજી થાવું. ત્યારે પ્રશ્ર્ન પૂછ્યો જે, એવો હોય તે કેમ જણાય ? પછી ઉત્તર કર્યો જે, સમાગમે કરીને જણાય, પણ કોઈ અંતરજામી નથી જે કહી દે. પણ જેણે સાંખ્યે કરીને નિષેધ કર્યો હોય તે પદાર્થ ટળે ત્યારે રાજી થાય ને જેણે નિષેધ કર્યો નથી તે તો જેમ કૂતરું ઉલટી કરીને ચાટીને રાજી થાય છે તેમ રૂપિયા ને સ્ત્રીમાં માલ માને છે. આવી વાત કોઈને સારી લાગે નહિ પણ સાંખ્ય વિના તો બંધન થાશે.
(94) બપોરે વાત કરી જે, ચાકરીવાળા છે તે ચાકરી બજાવે છે ને ખેતીવાળા છે તે જેમ ઊભા છે તે સૌ કર્માધીન પ્રમાણે દુ:ખનું સહન કરે છે. પછી શ્ર્લોક બોલ્યા જે,
હંસે ગુરૌ મયિ ભક્ત્યાનુવૃત્યા વિતૃષ્ણાયા દ્વન્દ્વતિતિક્ષયા ચ ।
સર્વત્ર જંતોર્વ્યસનાવગત્યા જિજ્ઞાસયા તપસેહાનિવૃત્યા ।।
(શ્રીમદ્ ભાગવત : 5/5/10)
અર્થ :- ઋષભદેવ ભગવાન પુત્રોને કહે છે, ‘હે પુત્રો! હંસ સમાન વિવેકવાળા ગુરુ વિશે તથા પરમાત્મા વિશે તેમની અનુવૃત્તિ પાળવારૂપ ભક્તિ વડે, તૃષ્ણાનો ત્યાગ કરી, સુખ-દુ:ખાદિ દ્વન્દ્વોને સહન કરવાથી, ‘આ લોક-સ્વર્ગલોક બધે જ જીવને દુ:ખ છે.’ એવું જાણવાથી તત્ત્વની જિજ્ઞાસાથી, તપથી, કામ્યકર્મ ત્યજવાથી, સર્વ બંધનના કારણરૂપ અહંકારથી મુક્ત થઈ પરમપદને પામવું.’
ઋષભદેવની શિક્ષા ને શિક્ષાપત્રી ભેગી ગણજો એમ મહારાજે કહ્યું છે.
અર્થ : ધન, સંપત્તિ.
અનુવૃત્તિ : મરજી.
(95) આટલો મે’ (મેહ) વરસ્યો પણ કેટલાકને અન્ન ખાવા મળતું નથી ને રહેવા ખોરડું નથી. એવું જ્યારે જોઈએ ત્યારે સત્સંગમાં રહેવું કાંઈ કઠણ નથી. માટે દેશકાળ આવે દેહમાં દુ:ખ પણ આવે પણ તેને ગણવું નહિ.
ખોરડું : ખોલી, ઓરડી. માટીનું નાનકડું ઘર એટલે કે દેહ.
(96) આપણે કોઈ સેવાધારી હોય ને ના પાડે તો પણ આનંદ રાખવો ને ગુરુ કરે તો ગુરુ થાવું ને શિષ્ય કરે તો શિષ્ય થાવું, પણ જો બુદ્ધિ હોય તો શિષ્યપણામાં ભગવાન વધારે સાંભરે ને ગુરુપણામાં તો કેટલાકને વાતું કરીને સમજાવીએ તેનું ફળ થાય ને ભગવાન પણ રાજી થાય ને મારે શિષ્યપણાનો મનમાં મનસૂબો પણ ગોપાળાનંદસ્વામીએ આળસાવ્યો. માટે ગુરુપણામાં ને શિષ્યપણામાં ગુણદોષ જાણવા ને મહારાજ કહે તેમ કરવું.
(97) સત્સંગમાં મારું-તારું કરે તે સત્સંગની રીત સમજ્યો નથી. ને ભગવદી છે તે સર્વેને પૂજ્યા ટાણે, સ્તુતિ કરવા ટાણે, જમાડવા ટાણે સમપણે (સમાન) જોવા, પણ જ્ઞાન પામવું હોય તો જે મન-ઈન્દ્રિયોના દોષને જાણતા હોય તે પાસેથી જ્ઞાન સાંભળવું.
(98) સૌ સૌની રુચિ નોખી છે.
મોટા થાવાનું મનમાં રે, દલમાં ઘણાં દોડ,
તેવા ગુણ નથી તનમાં રે, કાં કરે તું કોડ.
(કીર્તન મુક્તાવલી-ચોસઠ પદી-મહિમાનાં પદ-પદ 22-નં.1053-પાન નં.548)
નમ્રતા શીખવી, વાણી બોલવા પણ શીખવી એ સાધુનો મારગ છે. અલ્પવચના થાવું ને દેહે કરીને કોઈનો અવગુણ ન આવે તેમ વરતવું ને બધાને મળતું ખાવું, પીવું, બેસવું, ઉઠવું, તે એક હારે રાખવું કાં જે, ભેળા હોય ત્યારે વાતો થાય ને કોઈને કટાક્ષે કરીને વેણ ન મારવા. તે ઉપર વાત કરી જે, વિશ્ર્વાત્માનંદસ્વામીએ નિષ્કુળાનંદસ્વામીને વેણ માર્યા ત્યારે નિષ્કુળાનંદસ્વામીએ કિર્તન કર્યા જે,
શ્રી રામ રામ વાક્ય વિવેક શું ઉચ્ચારીએ,
શ્રી રામ રામ વચનના લોહે ન લગાડીએ;
શ્રી રામ રામ દીઠું ને અદીઠું વિચારીએ,
શ્રી રામ રામ હક, બક બોલી ના બગાડીએ.
માટે વેણ મારવા તે તો જન્મ બગાડવાની વાત છે, માટે ધીરે ધીરે સાધુ થવું. સાધુ થયે જ છૂટકો છે અને પોતાનો અવળો સ્વભાવ હોય તેથી પોતાને તથા પરને દુ:ખ થાય ને કોઈને દુ:ખ દેવા જાશું તો આપણને પણ દુ:ખ થયા વિના રહે જ નહિ.
(99) ભગવાન હોય કે ભગવાનના એકાંતિક સાધુ હોય ત્યાં નિયમ, ધર્મ હોય, સત્ય મતિ હોય ને ઉપાસના હોય ને સુંદરપણું પણ ત્યાં જ હોય ને કળા, કારસ્તાન કરવાં તે તો નાગર તથા પાટીદારનાં કામ છે; પણ આ ઠેકાણું તો જુક્તિ તથા કળાનું નથી. કોઈને વિષે મિથ્યા અપવાદ મૂકવા એ સાધુનો મારગ ન કહેવાય.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
(100) અષાઢ મહિનો બેઠો ત્યાંથી વરસાદ થયો તે આવતા અષાઢ મહિના સુધી ભજન કરવાનું રહ્યું. પણ તે નહિ થાય ને બીજું થાશે. તે શું ? જે, મેમણ ચઢ્યો પોઠીએ તે કહે, ‘કે કે હણાં કે કે ન હણાં.’ પણ વિચારતો નથી જે મારીશ કેને ? એમ જીવનું પણ એવું છે.
સંવત્ 1919ના શ્રાવણ પહેલા સુદિ અષ્ટમીને દિવસે સ્વામીએ વાત કરી જે,
(101) જેવો સ્ત્રીમાં ને દેહમાં બંધાણો તેવો સત્સંગમાં બંધાણો નથી. તે એના વિષયનું ખંડન કરે તો હમણાં સુખ રહે નહિ. કોઈ રીતે સત્સંગમાં આવ્યા તો ખાઈને સૂઈ રહે, પણ સચ્ચિદાનંદસ્વામી અને વેરાભાઈના જેવું સુખ આવે નહિ, માટે દેહ રહે એટલો જ વ્યવહાર કરવો ને વ્યવહાર કર્યા વિના દેહ રહેતો હોય તો વ્યવહાર ન કરવો. સત્સંગમાં આવ્યા પણ પૂર્વસંસ્કારનો દોષ હોય તો પીડ્યા કરે એટલે ભજન, સ્મરણમાં જીવ ચોટે નહિ; પછી ગુલાબગરની વાત કરી ને કોઈક વાતે ચઢી જાય, તે કાં તો આત્મનિષ્ઠા ને કાં તો વૈરાગ, પણ ભગવાન સંભારવા રહી જાય. તે બે બ્રાહ્મણ સિદ્ધપુરમાં તરપણ કરતાં કરતાં સરસ્વતીમાં તણાઈ ગયા. માટે જો તેની પેઠે વેગ લાગે તો આ મારગ ભૂલી જવાય. તે સર્વેશ્ર્વરાનંદને પગે લાગ્યો હતો તે હજી લગણ આવ્યો નથી. તે જો અહીં આવ્યા છીએ તો ત્યાગનો કે કર્તવ્યનો વેગ લાગે, વિદ્યાનો વેગ લાગે તો પછી બધાને હરાવવા એવું રહે ને વેગમાં ભરાઈ જાય તો જે કરવાનું છે તે અધૂરું રહી જાય, માટે કોઈ કહેનારો હોય તો પાછું વળાય.
આત્મનિષ્ઠા : હું તો દેહથી જુદો જે આત્મા તે છું ને મારે વિશે પ્રગટ પરબ્રહ્મ અખંડ બિરાજમાન છે. તેવી અતિ દૃઢ માનીનતા, શ્રદ્ધા, વિશ્ર્વાસ, આસ્થા.
(102) પડ્યા પડ્યા ડુંગર વધે, તેમ સમાગમ હોય તેમાં પડ્યો રહે તો વૃદ્ધિ પમાય. મોટાપુરુષ જેમ કહે તેમ કરવું. તે વિના તો કેટલાક ખટરસમાં રહ્યા ને જલેબીમાં ગયા. માટે કોઈ વાતનો ધક્કો લાગી જાય તો આ સત્સંગ મૂકી દેવાય ને જેમ વહાણનું સુકાન મરડ્યા કરે છે, તેમ ચાહ મરડ્યા કરે છે ને જેમ સર્પ, વીંછી ઉતારે છે તેમ કોઈ મોટા હોય અને ફેર ઉતારે તો ઠીક રહે, નહિ તો ઘાયલ થાવાય ને ખેતર-વાડીનો વેગ લાગે ત્યારે ઉપશમ કેમ થાય ? ને શ્રીપૂજ લૂગડાં પથરાવતો, તેમ માન વધતું જાય, સ્વાદ વધતો જાય પણ તે તો
તસ્માદ્ ગુરું પ્રપધેત બિજ્ઞાસુ: શ્રેય ઉત્તમમ્ । શાબ્દે પરે ચ નિષ્ણાતં બ્રહ્મણ્યુપશમાશ્રયમ્ ॥
(શ્રીમદ્ ભાગવત : 11/3/21)
અર્થ :- તેથી ગુરુને શરણ જવું, તે જ જિજ્ઞાસુનો ઉત્તમ શ્રેય છે. શબ્દ જ્ઞાન અને પરમ જ્ઞાનમાં નિષ્ણાત અને બ્રહ્મમાં જેણે શાંતિનો આશ્રય કર્યો છે તેવા ગુરુને શરણ જવું.
શાબ્દે પરે ગુરુ મળે ને બધી વાતના તત્વના જણાવનારા મળે તો ઠીક રહે.
(103) દશ જણનું કામ કરે પણ આ મારગે ન ચલાય. આ તો ઉપરછલ્લી ભક્તિ થાય છે ને રુચિ અનુસારે વરતાય છે. પણ દોષને ઘસારો લાગે એવી ભક્તિ કરવી પણ ઉપરછલ્લી ભક્તિ ન કરવી. માટે મહાજનો યેન ગત: સ પન્થા: । તે જેમ મોટા કહી ગયા છે, તેમ કરવું. તે પ્રમાણે ચાલ્યા છે તેના નામ લીધાં.
દશ : દિશા.
(104) વ્યવહાર પણ જેટલો જોગ્ય (યોગ્ય) હોય તેટલો જ કરવો. પણ એ રૂપ ન થાવું. ગોપાળાનંદસ્વામી આહીં મંદિર કરવા સારુ આવ્યા હતા. તે વાતું કરે પણ કોઈને ગમે નહિ. પણે તે દિવસની ટેવ આહીં પડી છે તો બીજું કરીએ છીએ પણ કથાવાર્તા તો મુખ્ય કરીએ છીએ. આ તો મોટાનો પડઘો ચાલ્યો જાય છે. જેમ અમરેલી પ્રગણે (પરગણાએ) સક્કો બેસાર્યો તેમ આ કથાવાર્તાનો સક્કો બેસારવો તે કઠણ છે. ઝાઝા રૂપિયા વધારે કે ઝાઝા ઢોર વધારે ને તેનો સક્કો બેસાર્યો તેમાં શું સારું થયું ? તેમાંથી તો ટાઢક નહિ થાય. ટાઢક તો સંતમાં રહી છે:
દોષ હરત શીતળ કરત ઘન સમ સંત સુધીર,
મુક્ત જ્ઞાન જળ બરસ કે હરત સબન કી પીર.
(મુક્તાનંદ કાવ્ય-વિવેક ચિંતામણિ-સાધુકો અંગ 4-પાન નં.80)
રાજ ભયો કહા કાજ સર્યો મહારાજ ભયો કહા લાજ બઢાઈ,
સાહ ભયો કહા બાત બઢી, પતસાહ ભયો કહી આન ફીરાઈ.
દેવ ભયો તો કાહ ભયો અહમેવ બઢ્યો તૃષ્ણા અધીકાઈ,
બ્રહ્મમુનિ સત્સંગ વિના સબ, ઓર ભયો તો કહા ભયો ભાઈ.
(કીર્તન મુક્તાવલી-નાશવંત દેહ વિશે-પદ 15-પાન નં.761)
માટે ટાઢક તો સંતમાં રહી છે ને જેવી શાળા, જેવા મોટેરા, જેવી વાતો, તેવી શાંતિ થાય. માટે મોટેરાની મરજી મરડીને ચાલવું નહિ. ગરીબ હોય તે પણ ભજન, સ્મરણ કરે પણ આ મારગે ન ચાલે ને કહે તેમ ચાલે નહિ, એટલે મોટાને વિષે શાંતિ રહી છે તે તેમાં આવે નહિ.
પછી વાત કરી જે, રઘુનાથદાસે ઘી ખાવાનું પ્રકરણ કાઢ્યું તે સૌને બબે પાવળાં આપો; પછી રામાનંદસ્વામીએ તેને ટોક્યો. તે શું જે, પોતાને બે પાવળાં ઘી મળે તેથી સૌને બબે પાવળાં અપાવ્યાં. તે કણબી, વાણિયો, ગરાસિયો ઈત્યાદિક જે જે નાતના મોટેરા થાય તે પોતાની રુચિ પ્રમાણે વર્તાવે, માટે રૂડો સમાગમ હોય તો સારી રીતે વરતાય ને આ તો મહારાજે રૂડી પાજ બાંધી છે પણ જો કોઈ ગુલાબગર જેવો થાય તો રુચિ ફરી જાય. માટે વ્યવહાર જેટલો થાય તેટલો કરવો ને બરાબર પદાર્થ તો કોઈને હોય જ નહિ. મોક્ષૈકતાન (મોક્ષમાર્ગમાં જ એક અનુસંધાન રાખવું) એક મોક્ષ કરવો એ જ તાન છે ને બીજાને મન તો અપુત્રસ્ય ગતિર્નાસ્તિ । (પુત્રહીનની સદ્ગતિ થતી નથી) માટે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પ્રકારના શબ્દ શાસ્ત્રમાં હોય પણ સૌ રુચિ પ્રમાણે લઈ ઊઠે, માટે સહેજે સહેજે વ્યવહાર કરવો ને જેણે કરીને ધર્મ, જ્ઞાન, ભક્તિ ને વૈરાગ્યની પ્રવૃત્તિ થાય એવી રીતે વર્તવું. તે મોટા કહે એ મારગે મન-ઈન્દ્રિયોને ચલાવવાં ને તે વિના તો ભરતજીની પેઠે અંતરમાં કાંઈક પેસી જાય. પછી
માયા જગઠગની મેં જાની...
એ કીર્તન બોલ્યા. ભજનમાં પણ ઊંધું વળે. તે શું જે, મોટાપુરુષ કહેતા હોય તેનો સામો અવગુણ લે.
સક્કો : રોફ, ભપકો.
પાજ : રસ્તો, કેડી, પાળ, સેતુ.
તાન : લગની, આગ્રહ, મસ્તી.
(105) મહારાજનો અભિપ્રાય એવો જણાય છે જે, માયાને પેસવા દેવી નહિ. તે મહારાજ બેઠા હોય ત્યારે પણ શબ્દ બોલ્યા જ કરે; પછી કીર્તન ગવરાવે. તે અમદાવાદ ગયા ત્યારે કીર્તન ગવરાવી અધરામૃતના છાંટા પાડ્યા. તે સિદ્ધાનંદસ્વામીનું શરીર પલળી ગયું. રુચિનું વચનામૃત વંચાવીને વાત કરી જે, જેમ બળદને કાંધ પડે છે ત્યારે ચાલે છે તેમ કથાવાર્તાનાં જેને કાંધ પડ્યા હોય તેનાથી કથાવાર્તા થાય ને બધાને તો આ રુચિ હોય જ નહિ. એ ભક્તિ મારગમાં આપણા સ્વભાવ મળતા આવે એટલે ફાવે પણ મહારાજે ખટરસનો કાગળ લખ્યો ત્યારે સુખાનંદસ્વામી જેવા થડકી ગયા. ને એક દહાડે સીત્તેર મૂર્તિ વયા ગયા ને મુક્તાનંદસ્વામીએ લીંબડો પીવાનો ઠરાવ કર્યો. માટે જે ખરેખરા હોય તેના તો ઠરાવ પણ જુદા હોય ને સમજ્યા વિના કપાળ કૂટીએ તેમાંથી તો કાંઈ નીકળે જ નહિ; પણ ધ્યાન, ભજન કરીએ એટલે નફો થાય.
એક વેરાગી અમારી પાસે વર્તમાન ધરાવવા આવ્યો. તેને અમે ન ધરાવ્યાં, પછી બીજે દિવસે બે રામકી સોતો ખીમે ભાળ્યો. ત્યારે અમને આવીને પગે પડ્યો ને કહે જે, તમોએ કેમ જાણ્યો જે આવો હશે ? પછી બીજી વાત કરી જે, જોધો ભરવાડ હમેશાં પગ દાબતો, પણ એક દિવસ દાદાખાચરના ઢોલિયામાં બુઢો ધાધલ સૂઈ ગયેલ તેના પગ ચાંપવા માંડ્યા ત્યારે તે ઘણીવારે બોલ્યો જે, જોધા હવે રાખ, ત્યારે જોધો કહે, ‘મારા હાથ ઘેંશમાં ક્યાં પડ્યા ને બગડ્યા !’ પછી બુઢો ધાધલ દાઝી બળ્યો.
મૂર્તિ : સંતો.
ઘેંશમાં : ખાવાની એક હલકી વાનગી, ભરડકું.
(106) ભગવાન ને સાધુ તેનું છેટું ને સમીપપણું તેનો મારગ જુદો જુદો છે; માટે ડાહ્યા હોય તેને વિચાર જોઈએ. વિષયનું ઢૂંકડું થાશે તો ભગવાનનું છેટું થાશે ને વિષયથી છેટું થાશે તો ભગવાનનું સમીપપણું થાશે. બહુ વાતો આવડતી હોય ને સાખી, શબ્દ પણ બહુ આવડતા હોય તો લોક રાજી થાય પણ અંતરે શાંતિ ન થાય.
(107) ત્રણ પ્રકારે દોષ લાગ્યા હોય; તે કોમળ પથારીએ સૂતા હોય ને સારાં સારાં ખાધાં હોય તે દેહના દોષ ને કેટલાક કુસંગના દોષ ને કેટલાક દોષ તો સંસ્કારના છે; તે નિયમે કરીને પરાણે રાખે, પણ જે રાગ હોય તે બહાર નીકળી આવે તે જેમ મોરલી વાગે ને સર્પ નિસરી આવે તેમ સ્વાદરૂપી મોરલી વાગે ત્યારે ડોકાં કાઢે, તેમ પંચવિષયનું જાણવું. તે જ્યારે જોગ થાય ત્યારે મોરલી વાગી જાણવી પણ આગળથી બીકનો પ્રસંગ હોય તો સ્વાદનો પ્રસંગ ન થાવા દે. માટે જે મારગે ચાલવું નહિ તેનો મારગ પૂછવો જ નહિ ને શેર ઘી ને શેર સાકર આપીએ પણ પચે કેમ ? માટે કાંઈ ન કરવું ને જ્યારે ભૂખ લાગે ત્યારે ભંડારે જઈને પૂછવું જે, કાંઈ ખાધાનું છે ? જે હોય તે જ ખાવું ને બરોબર ચોખાં નિયમ રાખવાં. વ્યાપકાનંદસ્વામી વાત કરતાં જે, ખૂંટિયાને (સાંઢને) તેલ પાય તો શીંગડા મારે. તેમ ઈન્દ્રિયો પણ એવી છે જે, સાધુપણું રહેવા ન દે, આંહી પ્રથમ એક ખૂંટિયો માંદો હતો, પણ તે ચોમાસું ચર્યો એટલે પાડા સાથે લડવા ગયો, તેમ ઈન્દ્રિયો પણ એવી છે. માટે ત્રણ ગ્રંથ પ્રમાણે વરતવું એ જ પાધરું છે.
(108) સંત છે તે જ આત્મા છે. માટે આ પ્રગટ સંતને વિષે આત્મનિષ્ઠા રાખવી ને હારાજે પણ તેમજ કહ્યું છે જે, મહાજનો યેન ગત: સ પન્થા: । (મહાનપુરુષોએ નિર્દેશેલા માર્ગને અનુસરવું) મોટાએ પણ પ્રગટને વિષે આત્મનિષ્ઠા કરી છે, માટે આપણે પણ તે જ રસ્તે ચાલવું.
આત્મનિષ્ઠા : હું તો દેહથી જુદો જે આત્મા તે છું ને મારે વિશે પ્રગટ પરબ્રહ્મ અખંડ બિરાજમાન છે. તેવી અતિ દૃઢ માનીનતા, શ્રદ્ધા, વિશ્ર્વાસ, આસ્થા.
(109) ભજન કર્યાની કોણ ના પાડે છે ? તે તો કરવું હોય તો રાત્રે પણ થાય તે કથાવાર્તા, કીર્તન જે કરવું હોય તે થાય પણ દેહાભિમાન આડું ફરે છે. તે કરતાં ઊંઘ આવે તો સૂવું, પણ આદર રાખવો તો ભગવાન રાજી થાય.
(110) જે ત્યાગવું હોય તેના વરસાદ થાવા માંડે ને ગાદલાનાં, ખાવાના, પીવાના, ઓઢવાના ને પહેરવાના વરસાદ થાવા માંડ્યા. તે ખંભાતમાં અમને પરાણે હાથીએ બેસાર્યા તે અમે તો ફાટેલ ચીંથરાં લબડે એવી ગોદડી ઓઢીને બેઠા. માટે જેને ન કરવું હોય તેને કોણ પરાણે વિષયનો પ્રસંગ કરાવે છે ? તે તો જેને ત્યાગનો ઈશક હોય તે પ્રસંગ થાવા દે નહિ, પણ ‘વિષયનો પ્રસંગ થાય તો સારું થાય.’ એવી આશા તો રાખવી નહિ, માટે આવે તો છેટેથી નમસ્કાર કરવા ને માન વધે તે મારગે ચાલવું નહિ ને કોઈ વાતે માન આવ્યું હોય તો વિષયમાં ભળવું નહિ તે દૂર કરવું ને જે ના પાડી છે તે કરશું તો તેમાંથી દુ:ખ જ થાશે. તે મહારાજ કહે જે, બધાને મોકળ મેલી ને તમારાં ગળાં ઝાલ્યાં છે, તે તમે કાંઈ અમારા બાપ માર્યા છે? પણ તે તમારા રૂડા સારુ છે. ખાટલામાં પડ્યા હશું પણ જો હાથ જોડશું, દીન આધીન રહેશું તો ત્યાં આગળ પણ સાધુ રોટલા આપશે ને સમોવડિયા થાશું, મોટા સાધુનાં કે આચાર્યનાં ઘસાતાં બોલશું તો કોઈ ખબર નહિ રાખે ને જાણે જે સત્સંગનું બગાડીએ પણ સત્સંગનું ન બગડે, પોતાનું બગડે, તે જેમ ઊંટનો હોઠ પડે નહિ ને શિયાળવું ખાય નહિ તેમ સત્સંગનું ન બગડે.
દીન : લાચાર, ગરીબ, રાંક.
આધીન : વશ, તાબેદાર.
સંવત્ 1919ના પહેલા શ્રાવણ સુદિ નવમીને દિવસે સ્વામીએ વાત કરી જે,
(111) આપણાં ઈન્દ્રિયો, અંત:કરણને ભગવાનના જોગમાં લાવવાં ને મોટાના પ્રસંગમાં તો સહેજે સારી રીતે વરતાય; પણ પોતાની મેળે તો મરને સદ્ગુરુ હોય તો પણ પોતાના અવગુણ સૂઝે નહિ. તે કેને સૂઝે તો જેણે સાધુ સેવન કર્યા હોય તેને સૂઝે. માટે મોટાની વાતો હૈયામાં ધારીને તે પ્રમાણે વરતવું. તેની સામું જોવું, તેની ચરણરજ લેવી, તેની સેવા કરવી ને તે કહે તેમ કરવું. તે વિના તો ધ્યાન કરે પણ મન ભગવાનમાં વળગે નહિ. એવાની વાતું હૈયામાં ઠરી હોય તો જેમ કાંકરી માખણમાં વળગે તેમ ભગવાનમાં વળગે. માટે જેણે સાધુ સમાગમ કર્યો હોય તેને તો સાધુના શબ્દ આવી આવીને ઝાલી રાખે ને ઈન્દ્રિયું-અંત:કરણ અંબાઈ જાય છે. પછી જો ખાધાનો મનસૂબો થાય તો હજારને સેવ્યા હોય તો હજાર આવીને હાથ ઝાલે ને સોને સેવ્યા હોય તો સો આવીને હાથ ઝાલે.
મરને : ભલેને.
(112) મનને જાણે ભજન કરતો હોય ને સાધુનો સમાગમ ન કર્યો તો ભજન ચુંથાઈ જાય. તે ઉપર ધીરાનંદની વાત કરી. નામ ધીરાનંદ હતું પણ સૌને રોળ પાડતો તેથી તેને સૌ રોળાનંદ કહેતા. મહાપ્રભુ નામે સાધુ ઝોળીમાં બંધાણો. પરમહંસાનંદસ્વામી ગાયોમાં બંધાણા ને ખોજાના તો ગુરુ કહેવાતા, તે અમે પૂર્વાશ્રમમાં હતા ત્યારે સાધુ ભાદરાની સીમમાં રાત રહ્યા હતા, તે વખતે ઓઢવું નહિ, તાપવું નહિ ને એકલા રહેવું. કોઈ શબ્દ સંભળાય નહિ તેટલે છેટે ગામથી રહેવું, એવું પ્રકરણ હતું ને શિયાળાની ટાઢ પણ પડતી હતી. તેવામાં માવઠું થયું તે વરસાદનું પાણી માથે પડ્યું તે ઠરીને સજ્જડ થઈને ખેતરમાં પડેલ. તે સવારે કોઈકે દેખ્યા. તેણે આવીને અમને કહ્યું જે, તમારા સ્વામિનારાયણ ટાઢમાં મરી ગયા છે ને તમારા ખેતરમાં પડેલ છે. પછી અમે બે-ચાર જણ ગયા તો ખેતરમાં તો પડ્યા હતા ને જોયું તો પરમહંસાનંદસ્વામી હતા. પછી તેમને મગના પાથરામાં સુવાડી ચારે તરફ મગ નાખી, ઉપર પણ ભર જેટલું ખડક્યું ત્યારે તેની હૂંફ લાગી ને સ્વામી સળવળ્યા, એવા ત્યાગી હતા. પણ કોઈ સાથે જીવ જોડેલ નહિ ને મનધાર્યું કરેલ તેથી ગાયોમાં બંધાણા.
માટે આસન, પથારી, ખાવું, પીવું ઈત્યાદિક સર્વ સંત કહે તેમ કરવું પણ મનધાર્યું ન કરવું. તેમને તો સાધુ કહે તેમ કરવું એવા હુકમ છે. આ તો સમુદ્ર છે તે સમુદ્રમાંથી જેમ ઝેર નીકળ્યું તેમ આમાં પણ કોઈ ઝેરીલા હોય ને સમુદ્રમાંથી જે સુરા નીકળી તે સુરા જેવા પણ હોય. સમુદ્રમાંથી જે નીકળ્યું તે બધા રત્ન કહેવાણા. તેમ આ બધા સાધુપણ રત્ન જેવા છે પણ રત્ન રત્નમાં ફેર છે. જે હીરો પણ રત્નમાં ગણાય છે પણ તેને ચૂસે તો પ્રાણ જાય, તેમ એવાને મન સોંપે તો ભૂંડું થાય. માટે જોઈ તપાસીને, સારાનો સમાગમ કરવો ને બધું બરાબર હોય નહિ, પણ મૂરખને તો ‘ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા.’ એવું છે. તે પૂજવા ટાણે તો એમ સમજવું, પણ સમાગમ કરવો કે મન સોંપવું તે તો જોઈને જ કરવું, પણ માળાના મણકાની પેઠે ભગવાનના ભક્ત સરખા હોય નહિ. કેટલાક તો પૂજ્યા જેવા હોય, પણ સમાગમ કરે તો હીરાની પેઠે પ્રાણ કાઢે એવા હોય માટે જોઈ વિચારીને સંગ કરવો.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
(113) ખાતર, ખેડ ને પાણી બરોબર હોય તો મોલ વૃદ્ધિ પામે. તેમ ખાતરને ઠેકાણે સંસ્કાર, ખેડને ઠેકાણે પુરુષપ્રયત્ન ને પાણીને ઠેકાણે સંત સમાગમ જો હોય તો જીવ વૃદ્ધિ પામે.
(114) ભગવાન કરતાં ભગવાનના પરમ એકાંતિકની સેવા કરીએ તો ભગવાન વધારે રાજી થાય છે, પણ માવતરનો સત્કાર કરે ને છોકરાંનો તિરસ્કાર કરે તો માવતર રાજી ન થાય. તેમ જ સંતની સેવાએ કરીને ભગવાન અતિશે રાજી થાય છે. તે ઉપર નરસિંહ મહેતાનું કિર્તન બોલ્યા જે,
સંત ચાલે ત્યાં હું આગળ ચાલું, સંત સૂવે ત્યાં હું જાગું રે.
જે મારા સંતની નિંદા કરે, તેના કુળ સહિત હું ભાંગુ રે.
જે મારાં બાંધ્યાં વૈષ્ણવ છોડે, વૈષ્ણવનાં બાંધ્યાં મુજથી નવ છૂટે રે.
એકવાર જો મુને વૈષ્ણવ બાંધે, તે બંધન મેં નવ તૂટે રે.
બેઠા બેઠા ગાય ત્યાં હું ઉભો ઉભો સાંભળું, ઉભા ગાય ત્યાં હું નાચું રે.
એવા હરિજનથી ક્ષણું નહિ વેગળો, ભણે નરસૈયો પદ સાચું રે.
(કીર્તન મુક્તાવલી-સંત મહિમાનાં પદો-નં.740-પાન નં.385)
ત્યારે શું ભગવાન તે ભક્તના ભક્ત થઈ ગયા ? પણ એમ નથી પણ એ તો ભગવાન ભક્તિને લીધે ભક્તને વશ છે અને એમ તો મહારાજ અમારી આગળ સુરતમાં પાછે પગે ચાલતા, તે સુરતમાં સંત ઝોળી માગવા જતા તેને ઉપવાસ પડતા; કારણ કે, શહેરના માણસો એક વસ્ત્રભર રહેતા તે ભિક્ષા દેવા આવે ત્યારે ગોખેથી, ‘લ્યો મહારાજ !’ તે સાધુ ઊંચું જુએ તો ઉઘાડા દેખાય એટલે ઉપવાસ પડે ને નીચું જોઈ રાખે તો અનાજ આડું અવળું પૃથ્વી ઉપર પડે ને પૃથ્વી તો લઘુ કરેલ હોય તે ભિક્ષા કામ ન આવે, ત્યારે સૌએ વિચાર કર્યો જે, આનું શું કરવું ? પછી મુક્તાનંદસ્વામી કહે જે, ઊંચું જોઈને ભિક્ષા લે ને ઉપવાસ ન પડે એવા સાધુ આપણા મંડળમાંથી ગોતી કાઢો. પછી કૃપાનંદસ્વામી ચિકિત્સાવાળા તે કહે, ‘એવા તો મારા મંડળમાં ગુણાતીતાનંદસ્વામી છે.’ તેમની સાથે બીજા સાધુ જાય તેમણે નીચે જોઈને ચાલવું પણ આડું અવળું કે ઊંચું જોવું નહિ ‘એમ ઠરાવ કર્યો.’ પછી અમે એક સાધુને લઈને ભિક્ષા લેવા નીકળ્યા ત્યારે મહારાજની મૂર્તિની ધારણા કરીને ચાલ્યા તે જે ભિક્ષા દેવા આવે તેના સામું જોઈને ભિક્ષા લઈએ તે માણસ ન દેખાય ને મહારાજ ભિક્ષા આપે એમ દેખાય, એટલે ઉપવાસ ન પડતો.
અમે રસ્તે ચાલતા ત્યારે જેમ સૂર્યના રથ આગળ વાલખીલ ઋષિ પાછે પગે ચાલે છે તેમ મહારાજ અમારી આગળ. પાછે પગે ચાલતા. પછી રસ્તામાં કોઈ અગ્નિના તણખાં સોતા રાખ નાખી ગયેલ તે મહારાજ તેના ઉપર પગ મૂકીને ચાલ્યા ત્યારે અમે કહ્યું જે, કૃપાનાથ ! તમો આગળ જોઈને ચાલો તો ઠીક; કેમ જે, નરસી (ખરાબ) પૃથ્વીમાં પગ પડે તે ઠીક નહિ. પછી મહારાજ કહે જે, તમ જેવા સંતને વાંસો કેમ દેવાય ? ત્યારે અમને એમ થયું જે આ સાધુનો મહિમા તો મહારાજ જાણે છે તેવો બીજો કોઈ જાણતાં નથી ને મહારાજે તેમ કહ્યું ને અમને દર્શન દેવા સારુ અમારી આગળ, પાછે પગે ચાલ્યા. તે શું મહારાજ અમારા સેવક થઈ ગયા ? એ તો ભગવાનને વિષે દયાનું અધિકપણું છે એમ જાણવું.
સોતા : સહિત.
(115) મોટાનાં દર્શન થયાં એ જ સંસ્કાર થયો જાણવો; તે ઉપર એક વેશ્યાને સંસ્કાર થયો. તેની વાત કરી જે, આણે પોતાની નાત જે, વેશ્યાઓ તેમને મલકમાંથી તેડાવીને જમાડી. તેના આંગણા આગળ ખાડામાં વેશ્યાઓએ પાણી ઢોળેલ તે પાણી ખાડામાં ભરાણું, તેનો કીચડ થયેલ તે કાદવમાંથી તુંબડું ભરીને એક સંન્યાસીએ કપડું ધોવા માંડ્યું ને ડેલી આગળ તે ઊભી હતી, તેણે દીઠું. તે બોલી જે, બાવા ગારેગારો શું ધુઓ છો ? ત્યારે સંન્યાસીએ કહ્યું જે, હું તો તારું જોઈને કરું છું, તું જ ગારેગારો ધુએ છે. તે તેણે વિચાર્યું જે, આ વાત પણ ખરી. તેમ મોટા સંતના શબ્દથી સંસ્કાર લાગે છે.
(116) આ સત્સંગમાં જેને આ સાધુનો સંગ થયો તેને ખારા સમુદ્રરૂપી જળમાં મીઠી વીરડી આ સત્સંગ છે. તે ભૂંડામાં સારું તો પ્રભુ ભજાય એટલું જ છે, પણ જીવ છે તે કરકાનો કીડો છે. તે સો ગાઉ જાય તો પણ જીવ તો ત્યાં જ રહે છે; માટે પરમેશ્ર્વર ભજવા એ જ સારું છે.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
વીરડી : નદી કે તળાવ વગેરેમાં સપાટી કોરી થઈ જતાં, ખોદવામાં આવતો નાનો ખાડો કે જેમાં પાણી હોય.
ગાઉ : અંતરનું એક પરિમાણ, દોઢ માઈલ, અઢી કિલોમીટર.
(117) ભગવાને જે કહ્યું છે તેમાં જુક્તિ કરે તે જ કાયરપણું કહેવાય ને બ્રહ્માંડનો કર્તા મરશે પણ મારે મરવું નથી એવું જીવને અજ્ઞાન છે. પણ ન કર્યાનું કરે છે તેમાંથી જરૂર પીડા થાવાની. કેટલાક ખાધામાંથી મરી જાય છે. એક કણબીનો સાથી સાકર તોળતાં સારો ગાંગડો આવે તો મોઢામાં મૂકતો ગયો ને છેવટે મરી ગયો. એક ચારણ વાળંદનાં ઘરમાં ના કહેવા છતાં જતો તે મારી નાંખ્યો તેની વાત કરી.
(118) જીવને શેર અન્ન જોઈએ તે સારુ અનર્થ કરવો તે પણ ઠીક નહિ. છતાં ગોડવો ડુંગર ને મારવો ઉંદર એવું થાય છે.
(119) પ્રભુ ભજવાને મારગે ચલાય નહિ ને દેહ, લોક, ભોગ ને પક્ષ તેના મારગે ચલાય છે; ને મહારાજે કહ્યું છે તેમ જે ન કરે પણ કોઈકનાં દુ:ખ હોય તે હૈયામાં ઘાલે. આ તો ‘ભેંશ ચઉટે ને કજિયો ઘેર’ તે માટે એવાં દુ:ખ ઊભા કરીને હૈયામાં ઘાલવા નહિ. તે દર્શને આવે-જાય તેના કજિયા, રસોઈ દે તેમાં કજિયા, મુક્તિજીવનદાસ, શ્ર્વેતવૈકુંઠદાસ, ઉત્તમચરણદાસ આદિ ચાર સાધુનું મંડળ વંથળી ફરવા ગયું. ત્યારે દેવજીભાઈ સાધુ માટે સીધું મૂકી ગયા. ત્યારે એક કહે, ‘ખીચડી કરશું.’ બીજો કહે, ‘ખીચડી નહિ, દાળ-ભાત કરશું.’ ત્રીજો કહે, ‘શાક ને રોટલા કરશું, અમથો કુટારો કોણ કરે ?’ એમ ચારેનું મળતું ન આવ્યું એટલે મેડે ચડી ચાર ચૂલા કરી ચારેયે નોખું રાંધવા માંડ્યું.
ત્યાં દેવજીભાઈ દર્શને ગયા, તે ધર્મશાળામાં સાધુ દીઠા નહિ એટલે ભંડારને મેડે ચડ્યા તે ચાર ખૂણે ચાર ચૂલા દીઠા. તે જોઈને મનમાં વિચાર થયો જે, ‘આ મંડળથી દેશમાં સમાસ નહિ થાય.’ એમ ધારી જૂનેગઢ કાગળ લખ્યો ને સવારના પહોરમાં ગાડું જોડાવી લાવ્યા ને કહે જે, મહારાજ જૂનેગઢ પધારો. અમે તમારો મહિમા રોજ ઘેર ગાઈએ છીએ જે, બસે સાધુ એક રસોડે જમે છે, એવો સંપ આપણા સાધુમાં છે. તેથી અમારા ઘરમાં પણ ત્રીસ માણસ એક રસોડે જમે છે તે આ જો તમારી વાત સાંભળશે તો અમારા ઘરમાં પણ નોખા ચૂલા કરશે. માટે ચાલો અમારું ગાડું ને આ સાથી, આપને જૂનાગઢ મૂકવા આવે છે ને આ કાગળ સ્વામીને દેજો. એમ રસોઈના કજિયા ને ગૃહસ્થને પણ કજિયા થાય છે. એક કહેશે જે રસોઈ દેવી છે ને બીજો કહેશે જે રસોઈ દેવી નથી, એમ રસોઈ દે તેના પણ કજિયા થાય છે.
એક વખત મહારાજ પાસે ગામડાના હરિભક્ત ગયા તેમને મળીને રસોઈ દેવી હતી ત્યારે મહારાજ કહે જે મંદિરનું કામ ચાલે તે ઘી, ગોળ કડિયાને દેવાં છે. તે દઈએ ને તમારી રસોઈ દાળ રોટલા કરી અમે પીરસીએ ને તમારી લાડુની, ચૂરમાની રસોઈ અમે પાકી માની લેશું. ત્યારે સૌએ હા પાડી, પણ એક બ્રાહ્મણે ના પાડી જે, મહારાજ એમ નહિ, પાકી રસોઈ કરો ને સાધુને તમે લાડુ પીરસીને જમાડો. ત્યારે મહારાજ કહે, ‘બહુ સારું, લાવો રસોઈના રૂપિયા. પછી રૂપિયાની ઢગલી કરીને હરિજનને મહારાજે કહ્યું જે, આ રૂપિયો કોનો છે ? ‘આ બ્રાહ્મણનો.’ પછી મહારાજે તેમાંથી તે રૂપિયો બ્રાહ્મણને આપીને કહ્યું, ‘આમાં તમો કહો તેની રસોઈ કરીએ.’ પછી બ્રાહ્મણ ભોંઠો પડ્યો ને કાંઈ બોલ્યો નહિ; એમ એક રૂપિયાના ભાગમાં બધાંને ઠોઈ રાખ્યા. મહારાજની મરજી પ્રમાણે રસોઈ કરવાની ના પાડી. એવાય રસોઈ કરવાના કજિયા થાય છે.
રોજ : દરરોજનું મહેનતાણું/મજૂરી.
કરો : ઘરની દિવાલ.
ઠોઈ : રોકી.
(120) આપણું કર્યું કાંઈ થાતું નથી પણ ભગવાને નિરમ્યું છે તે જ થાવાનું છે તે,
માનવ જાણે મેં કર્યું કરતલ બીજો કોઈ,
આદર્યા અધવચ્ચ રહે, હરિ કરે સો હોય.
માટે મહારાજે જેમ કહ્યું છે તેમ કરવું ને વડાદરાની પેઠે કરી લેવું.
નિરમ્યું : સર્જન, રચના, નસીબ, નક્કી કર્યું.
(121) રૂપિયા તો કોણ જાણે કેમ આવે છે ને પાછા જતા રહે છે, તે સારુ અમદાવાદની લંઘીની પેઠે ન કરવું. તે એક લંઘીએ અમદાવાદ શહેરમાં કૂટવાનો ઈજારો રાખ્યો; ત્યાં ટૂંટિયું આવ્યું તે બધાં તેડી જાય. તે ખાધાની પણ નવરાશ ન આવી ને ભૂખે મરી ગઈ. તેમ દ્રવ્ય સારુ હાયવોય ન કરવી.
(122) આજ્ઞામાં જુક્તિ કરીને વિષય સંપાદન કરવા ને ભોગવવા તેનું નામ મકર કહેવાય. તે એક સંન્યાસી ગૃહસ્થને ઘેર ભિક્ષા કરવા ગયો. બાઈએ બધું પીરસ્યું પણ પાપડ પીરસવો ભૂલી ગઈ, તે સંન્યાસીએ દીઠો. એટલે યુક્તિ કરી જે, આજ સવારમાં નહાવા ગયો ત્યાં આગળ સરપ હતો તેની ફેણ ઓલ્યા પાપડ જેવી હતી, ત્યારે બાઈએ પણ કહ્યું જે, હા મહારાજ, હું પણ પાપડ પીરસવો ભૂલી ગઈ. એમ કહી પીરસ્યો, તે સંન્યાસીએ મકર કરી પાપડ લીધો કહેવાય. તેમજ આપણામાં પણ ઉપદેશ કરે છે જે, આ ગામના હરિભક્તને જમાડવામાં બહુ ભાવ તે દૂધપાક વિના તો રસોઈ નહિ, કાં જલેબી કાં માલપુવા ને થોડા ખરચ સારુ લાડુ કરવાનું કહીએ તો કહેશે જે લાડુમાં તે શું ખાવું ? ને કદાચ લાડુ કરાવે તો ઉપર ઊભા રહીને ઘી રેડાવે ને સાધુ ના પાડે તો ગળાના સમ દઈને પણ ઘી રેડાવે ને મેળાવવા દે જ નહિ. એવા તો ભાવિક છે.
એમ ફરતી ફરતી રસોઈઓ આપશે ને તમે રાંધતા કાય જશો, પણ તે શૂરવીર તો થાકશે જ નહિ ને બે ત્રણ જાતનાં રાઈતાં ને ત્રણ ચાર જાતનાં શાક કરાવશે ને શાક આંહીં ન મળે તો શહેરમાંથી પણ મંગાવે, પણ કરાવ્યા વિના નહિ રહે ને ભજિયાનો કુટારો ન કરવો હોય તો પણ કરાવે. ‘ તે તમે જો જો તો ખરા કાલે ભાઈની રસોઈ છે. તે કેવી રીતે કરાવે છે ?’ હરિજનોનું એમ કરવાનું મન ન હોય તો પણ કરવું પડે; માટે એમ મકર કરીને માંગી ન લેવું ને જો એવો ઉપદેશ કરશો તો મહારાજ કચવાશે પણ જેને જીવના શ્રેય કરવા ઉપર નજર હોય તે તો એ મારગે ચાલે જ નહિ ને જેને શ્રેય કરવા ઉપર નજર નથી તેને તો જેમ જૂનાગઢના પાદરમાં ગડગડાટ થાય છે તેમ તેના હૈયામાં વિષય સંપાદન કરવાના સંકલ્પ થયા કરે છે. માટે જેમ કહ્યું છે તેમ કરવું તેમ જ ખાવું, પથારી ને લૂગડાં રાખવાં પણ તેથી વધુ-ઘટું કરે તે ઠીક નહિ. તે જેને બીક હોય તેને તો એક લુગડું વધારે હોય તો ગા ભાંભરે એમ થાય ને જેને આજ્ઞા સામી સરત ન હોય તેને તો ગા ટોળામાં ભળી જાય.
તે ઉપર વાત કરી જે, ગાય ખેતરમાં ચરવા ગઈ તેને ખેતરવાળે પથ્થરનો ઘા કરી હાંકી પણ વરામનો ઘા લાગ્યો તે ગાય બાંબરડા પાડી મરી ગઈ. તે જોઈને તેને એવો ત્રાસ લાગ્યો, જે ખાતાં-પીતાં, હાલતાં-ચાલતાં સર્વ ક્રિયાને વિષે ગાય સાંભર્યા કરે, એટલે તેના મિત્રે પૂછ્યું જે, તને શું રોગ થયો છે ? તે તારું શરીર નંખાઈ ગયું છે ? પછી તેણે વાત કરી જે, મારા હૈયામાં નિરંતર ગાય ભાંભર્યા કરે છે. ત્યારે તે કહે જે, પાપ-પુણ્ય તો દીધું દેવાય છે. તે તારું પાપ મને કૃષ્ણાર્પણ કર. પછી તેમ કર્યું, તે ગાય ભાંભરતી આળસી ગઈ. પછી તેણે તેના મિત્રને પૂછ્યું જે, તને ગાય ભાંભરતી નથી ? ત્યારે તે કહે જે, તારે તો એક જ હતી તે ભાંભરતી, પણ મારે તો ટોળું છે તેના ભેળી ગઈ, તે ભાંભરતી નથી. તેમ જેણે મોટાં વર્તમાન લોપ્યાં હશે તેને અલ્પવચન લોપતાં શું વાર લાગે ? તેમાં મકર કરવું તે તો તેની ગણતીમાંય નહિ. માટે ભગવદી ને મોક્ષભાગી હોય તેણે મકર ન કરવું.
વરામનો : જોરદાર.
બાંબરડા : બૂમો પાડવી.
(123) આ જન્મે એકાંતિક થાવાનો હોય તે જો ઉતરતાનો સંગ કરે તો મૂળગા સો જન્મ ધરવા પડે. તે ઉપર વાત કરી જે, સુરતમાં ભજનાનંદનું મંડળ આવે ત્યારે ત્યાંના હરિભક્ત કહે જે, દોડો દોડો ભજનાનંદસ્વામી આવ્યા છે તે લ્યો જમરૂખ, લ્યો બરફી, લ્યો ચાકું. તે આવા પુરુષનો સંગ કર્યાથી મોક્ષ પણ થાય નહિ, જો મોટાં વર્તમાનમાં ફેર પડ્યો હોય પણ ભજનાનંદસ્વામીને કહેશે જે, અણગળ પાણી પિવાણું છે તે ફરી વર્તમાન ધરાવો. તે સ્વામી પણ જાણે, અલ્પવચનમાં ફેર પડ્યો નહિ હોય, પણ મોટા વર્તમાનમાં ફેર પડ્યો હશે; તો પણ વર્તમાન ધરાવીને દ્રવ્ય લે ને આત્માનંદસ્વામી જ્યારે ફરવા આવે ત્યારે હરિજન કહેશે જે આત્માનંદસ્વામી આવ્યા છે, તો કહે, ‘રાત્રે દર્શન કરવા જઈશું.’ રાત્રિએ જઈને કહે જે, સ્વામી અણગળ પાણી પિવાણું છે તે વર્તમાન ધરાવો. ત્યારે આત્માનંદસ્વામી કહે જે, અણીડો આ અણગળ પાણીનું વર્તમાન હોય નહિ, મોટું વર્તમાન ચૂક્યાં હશો! તે કોઈ તેમની પાસે જાય નહિ ને ભજનાનંદ આવે ત્યારે તો દોડે. પણ એવાનો સંગ કર્યે મોક્ષ થાય નહિ.
એવા હોય તેની મોટપ ઉપરથી તો બહુ જણાય ને તદ્રૂપાનંદસ્વામી જેવા ગરીબ હોય તેને કોઈ લોટ પણ ન આપે; કારણ કે, તેનો મહિમા પણ એ જાણે નહિ, કેમ જે, તેમાં દંભ, કળા કે કારસ્તાન હોય નહિ ને ઓલ્યા તો બધી વાતે પૂરા હોય, પણ એવાને, ઉપરનો આટોપ જોઈને મોટા સમજે તે અજ્ઞાન છે. તે હમણાં આ વર્તમાનકાળે જાગા ભક્ત જેવા જ્ઞાની, ગરીબ સાધુ હોય તેનો મહિમા કોઈ ન જાણે ને કાશીરામ જેવાનો જાણે એ પણ અજ્ઞાન કહેવાય. માટે આપણે તો ગરીબ થઈને આપણા જીવનું શ્રેય કરી લેવું અને ઝાઝાં માણસ થયાં તે કોઈ લડશે, કોઈ ચોરશે, કોઈ મારશે. માટે આપણે તો કોઈમાં ભળવું નહિ, પણ સારી રુચિવાળા હોય તેમના ભેળો જઈને સમાગમ કરવો. તે સો હોય તો સો, પચાસ હોય તો પચાસ, વીસ હોય તો વીસ ને બે હોય તો બે, પણ રુચિવાળા ભેળું જઈને સમાગમ કરી લેવો ને ભગવાનનો મહિમા, વિભૂતિ ને ઐશ્ર્વર્ય તે વિચારીએ તો જીવ વૃદ્ધિ પામે, પણ જો કોઈના દોષ વિચારીએ તો ઊતરી જવાય, માટે બેમાંથી ગમે તે કરો.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
(124) સાધુમાં કજિયો હોય તો કહેવું જે, ધર્મામૃત પ્રમાણે વરતો. આચાર્યમાં કજિયો હોય તો કહેવું જે, લેખ પ્રમાણે વરતો ને દેહનો કજિયો હોય તો ‘શિક્ષાપત્રી’ પ્રમાણે વરતો ને દેહને ઉન્મત્ત થાવા દેવું નહિ, તેમ ગ્લાનિ પણ પામવું નહિ. તે દેહ ઉન્મત્ત થાય તો દુ:ખ ઊભાં થાય ને ગ્લાનિ પામે તો જીવમાં દુર્બળતા ને મંદવાડ થાય. માટે જે આગળ ચાલ્યા છે, તે અંતે પાછા વળ્યા છે. તે ઉપર વાત કરી જે, આત્માનંદસ્વામીએ લોટિયાને કહ્યું જે, ત્યાગ તમે રાખો છો તે મને ગમે છે, પણ રોટલા ખાઓ તો ઠીક, સદા એક ટાણું જમો. ગોળ, ઘી તમો કોઈ દિવસ ન ખાવ તે તો ઠીક, પણ લોટિયાએ તે માન્યું નહિ ને અંતે પાછા પડ્યા છે.
અતિદાનાદ્ બલિર્બદ્ધો અતિગર્વેણ રાવણ: । અતિરૂપાદ્હ્યતા સીતા અતિ સર્વત્ર વર્જયેત્ ।।
(સુભાષિત)
અર્થ :- અતિશય દાનથી બલિ બંધનમાં પડ્યો. અતિશય ગર્વના કારણે રાવણ હણાયો. અતિશય સૌન્દર્યના કારણે સીતાનું હરણ થયું. સર્વત્ર અતિશયનો ત્યાગ કરવો.
માટે કોઈ વાતનું અતિક્રમણ ન કરવું. ત્રણ ગ્રંથ પ્રમાણે વરતાય તો ઘણો ત્યાગ છે ને નાના ગ્રંથ છે તેમાં પણ બહુ દૈવત છે. તેના નામ ધર્મામૃત, નિષ્કામશુદ્ધિ, શિક્ષાપત્રી, ભક્તિનિધિ, પ્રશ્ર્નોત્તરસાગર, બ્રહ્મવિલાસ, વિવેક ચિંતામણી, ચોસઠપદી, વચનવિધિ, પુરુષોત્તમપ્રકાશ એવા એવા ગ્રંથ વાંચવાથી ઘણો સમાસ થાશે.
(125) સ્વભાવ પડ્યા છે તે ચિંતવન કરે તો સવળું જુએ તો પણ અવળું દેખે. તે ઉપર વાત કરી જે, ગૃહસ્થને ઘેર સાધુ જમવા જાતા હતા, ત્યાં સાધુનાં દર્શન કરવા ડોશીઓ ઊભી હતી. તેના સામું એક સાધુ જોઈ રહ્યો, ત્યારે એક ડોશી બોલ્યા જે, આ સાધુ તો આપણામાં શોભે તેવો છે. પછી સાધુને તે શબ્દ લાગ્યા. એટલે તે સત્સંગમાંથી નીકળીને જેતલપુર જતો રહ્યો, તે રૂપ જોવા એક શબ્દ સાંભળીને જતું રહેવાય.
(126) કોઈ સારો ન હોય તેને સારો તો કોઈ કહે જ નહિ. તે ઉપર વાત કરી જે, અમે સવારમાં ઊઠીને કામ-ક્રોધાદિક દોષનું ખંડન કરીએ ને બીજા વહેલા ઊઠીને નાહીને આવે તો પણ અમે તો ખંડન કરતા હોઈએ. તે અમને જોઈને તેના શિષ્ય કહે જે, જો મસાણિયા બેઠા છે. તે સવારના પહોરમાં,
બ્રાહ્મે મુહૂર્તે શયનં વિહાય નિજસ્વરુપં હૃદિ ચિન્તયિત્વા ।
સ્નાનં વિશુદ્ધં પ્રચુરાભિરદ્રિ: શ્રીનિલકણ્થં હૃદિ ચિન્તયામિ ॥
(શ્રી નીલકંઠ ચિન્તનાષ્ટકમ્)
અર્થ :- બ્રાહ્મમુહૂર્તમાં પથારીનો ત્યાગ કરીને હૃદયમાં પોતાના સ્વરૂપનું ચિંતન કરીને, વિપુલ જળથી શુદ્ધ સ્નાન કરીને હૃદયમાં શ્રી નીલકંઠ ભગવાનનું હું ચિંતન કરું છું.
એ તો નહિ પણ ઢેઢ ઝાંપડાને સંભારે છે, તે કામ, ક્રોધનું નામ લઈ અમે ખંડન કરીએ તે કામ, ક્રોધને એ ઝાંપડા સમજે, એમ અસદ્યુક્તિ ઊભી કરીને શિષ્યને સમજાવે છે; ત્યારે શિષ્ય જાણે જે સાચું વચન લોપતલ તો આ જ છે. એમ સારાને સારા નથી કહેવા; તે ન જ કહે ને એવા અવળા વિધિનિષેધ કરવા માંડે ને પોતાને દુ:ખ કરે ને બીજાને પણ દુ:ખ કરે. તે એક છે તે મંદિરની સ્થિતિ બાંધે ને એક છે તે મંદિરની સ્થિતિ તોડે એવા છે. માટે તેને પણ ઓળખી રાખવા.
મસાણિયા : સ્મશાનમાં રહેનારા.
અર્થ : ધન, સંપત્તિ.
ઢેઢ : હરિજન.
લોપતલ : લોપનાર, પાલન નહિ કરનાર.
વિધિનિષેધ : ધર્મશાસ્ત્રોમાં જે 'આમ કરવું ને જે આમ ન કરવું' એવો ઉપદેશ.
(127) મિત્ર હોય ને મૂર્ખ હોય તેનાથી કાંઈ સારું ન થાય. તે એક ગરાસિયે નોકર રાખ્યો હતો પણ તે મૂર્ખ હતો. તેને લઈ ગામ ગયો. ત્યાં સર્વ ગરાસિયા ભેગા થયા તે વારાફરતી કસુંબા કાઢે. તે એક દિવસ તેનો વારો આવ્યો. ત્યારે નોકરને કહ્યું જે, ‘આપણે આજ કસુંબો દેવાનો વારો છે. તે બે આનાનો કાંઈક ઠુંગો લઈ આવજે. ને હું કહું ત્યારે આપજે.’ પછી તો નોકર જાણે જે ઠુંગામાં પેટ ભરાશે નહિ પણ જો લોટ લઈને બાટીયું કરું તો પેટ ભરાય. પછી તો બાટીયું કરી લૂગડાંના કકડામાં રાખી મૂકી. પછી જે વખતે ગરાસિયે માગ્યું ત્યારે બાટીયું લઈ આગળ મૂકી. ત્યારે તે ગરાસિયો કહે જે, આ શું લાવ્યો ? તો કહે બીજામાં તમારું શું પેટ ભરાય? બે દિવસના ભુખ્યા છો માટે બાટી ખાઓ. તો પેટ ભરાઈ રહે ને ઓછું રહે તો મારા ભાગની પણ ખાઈ જાઓ. તેમ બધા ગરાસિયા સાંભળે તેમ કહ્યું. તે ગરાસિયો ડાયરામાં મૂવા જેવો થઈ ગયો. માટે મૂર્ખ મિત્ર પણ ન કરવો.
ઠુંગો : અફીણ ખાધા ઉપર ખાવાની કાચી/કોરી વસ્તુ.
બાટીયું : છાણાની આંચથી શેકેલો કણકનો ગોળો કે જાડી ભાખરી.
બાટી : છાણાંની આંચથી શેકેલો કણકનો ગોળો કે જાડી ભાખરી.
(128) આજ્ઞા બહાર સુખ છે તે દુ:ખ જ છે; તે સુખ સારુ ચોરી કરે છે, પણ બંધીખાને પડે છે. માટે આજ્ઞા બહાર ખાવું, પીવું તે તો એવું છે ને ધર્મ પાળીને પ્રથામાં રહેવું તો માન વધશે, પણ અવળું કરશે તેને ક્યાંથી માન મળશે ? માટે સુખિયું રહેવું હોય તો આજ્ઞામાં જ રહેવું. મોટાના શબ્દમાંથી રૂડું થાય પણ જેને ફળ સામી નજર નથી તે શું આજ્ઞા પાળશે ?
(129) આમ આપણી પેઠે બ્રહ્માંડમાં ક્યાં છે ? બીજે તો પંચવિષયની વાતું છે તે બધાનો એકસરખો તાલ કરવા જાય તો બધી આવરદા જતી રહે તોય તાલ પૂરો થાય નહિ. તે એક જણે હવેલી પાડીને ફરી કરી, તોય તાલ બરાબર આવ્યો નહિ. માટે કથા, વાર્તા, ભજન, સ્મરણ કરીને આયુષ્ય કાઢવું. કોઈનું અવળુંસવળું એટલે, ‘ ગાયનું ભેંશ હેઠે ને ભેંશનું ગાય હેઠે.’ એમ કરીને આયુષ્ય પૂરું કરવું નહિ. ત્યારે પ્રશ્ર્ન પૂછ્યો જે, મંદિર, આચાર્ય કે સાધુની પુષ્ટિને અર્થે થાય તો ? ત્યારે ઉત્તર કર્યો જે, પુષ્ટિ કરતાં આપણું તો ટળી જાય ને આપણો મારગ તો જડભરતનો છે પણ રહુગણનો નથી ને એ મારગમાં તો દુ:ખ છે, તે પક્ષે કરીને યુક્તિયું કરવી ને યુક્તિના કાગળ લખવા તેમાંથી તો સુહૃદપણું જાશે. તે વિચારી જુઓ તો સુહૃદપણું રહ્યું નથી ને એક તો ગરીબ થઈને પ્રભુ ભજી લે ને એક તો પક્ષે કરીને, પ્રપંચે કરીને યુક્તિયું કરે, તેમાં કેના જીવનું સારું રહેશે ? માટે પુષ્ટિને અર્થે પણ અવળું ન કરવું.
તાલ : સ્વાદમાં વધારો.
(130) છેલ્લા પ્રકરણનું તેત્રીસમું વચનામૃત વંચાવીને વાત કરી જે, ધન ને સ્ત્રીનો તો પ્રસંગ નથી, પણ દેહાભિમાન ને સ્વભાવ તો ભેળા જ છે. તે હવે એનો જ કુટારો રહ્યો ને જેમ કોથળીમાં રૂપિયા છે તેમ દેહાભિમાનમાં સ્વભાવ છે. તે કેટલાકે તો સ્વભાવ મૂકી દીધા. તે પણ જોયા ને કેટલાકને સ્વભાવ લઈ ગયા તે પણ જોયા.
(131) જેને અપરાધ કરવાનો સ્વભાવ હોય તે અપરાધ કર્યા વિના રહી શકે નહિ. પછી ઝાઝા અપરાધ ભેળા થાય તેણે કરીને પડી જવાય. કેમ જે, ભગવાન ગર્વગંજન છે તે ગરવીના ગર્વને હરકોઈ દ્વારે ઉથલાવી પાડે છે.
(132) દ્રવ્ય વતે ધર્મ પળાવે એવા તો કોઈક છે ને દ્રવ્ય છે તે તો ધર્મનો કુહાડો છે. કેમ જે, દ્રવ્યમાંથી તો પાપ જ થાય છે.
(133) ઝીણી વાત તે શું જે, મહારાજને સર્વોપરી પુરુષોત્તમ જાણવા ને આ સાધુને અનાદિ અક્ષર જાણવા ને મહારાજને અમે વહાલા, તે સાધુના સમ ખાધા.
ઝીણી : સૂક્ષ્મ, જલદી ન સમજાય તેવી.
(134) બધા સાધુ સરખા હોય નહિ. એમાંથી વહેલો ઊઠે એવો હોય ને વળી બીજાને પણ લેતો જાય એવો પણ હોય, તે વિશ્ર્વસ્વરૂપાનંદ, સત્યસ્વરૂપાનંદને લેતો ગયો, તેમ સાધુ સાધુમાં પણ ફેર હોય. બધાય સરખા હોય નહિ. જેને રૂપિયાનું પારખું હોય તે જ રૂપિયા પારખે, તેમ સાધુને ઓળખતા આવડતા હોય તે જ ઓળખે. માળાના મણકા તો પૂજ્યા ટાણે, પણ જ્ઞાન પામવું હોય તે તો
તસ્માદ્ ગુરું પ્રપદ્યેત જિજ્ઞાસુ: શ્રેય ઉત્તમમ્ ।
શાબ્દે પરે ચ નિષ્ણાતં બ્રહ્મણ્યુપશમાશ્રયમ્ ।।
(શ્રીમદ્ ભાગવત : 11/3/21)
અર્થ :- તેથી ગુરુને શરણ જવું, તે જ જિજ્ઞાસુનો ઉત્તમ શ્રેય છે. શબ્દ જ્ઞાન અને પરમ જ્ઞાનમાં નિષ્ણાત અને બ્રહ્મમાં જેણે શાંતિનો આશ્રય કર્યો છે તેવા ગુરુને શરણ જવું.
શાબ્દે પરે હોય તેથી જ પમાય. તે ધનમાં દોષ દેખાડે, સ્વાદમાં દોષ દેખાડે ને સ્ત્રીમાં દોષ દેખાડે એમ સર્વમાં દોષ દેખાડે. પછી મનના અસંગને શીખવે ને નિરંજનાનંદસ્વામી પાસે બેસીએ ત્યારે સમાધિ જેટલું સુખ આવે ને હૈયામાં ટાઢું થઈ જાય, પણ ભજનાનંદ જેવા પાસે બેસે તો અંતર ધગે, એમ સાધુ સાધુમાં ફેર છે.
અર્થ : ધન, સંપત્તિ.
(135) ગમે તેટલી પૂજા હોય, પણ તે સત્સંગમાં ન રાખે. કેમ જે, પૂજા કાંઈ બોલે નહિ ને સાધુ તો બોલે ને વળી સત્સંગમાં સમજાવીને રાખે. તે મહારાજે પોશાક તો હરિહર્યાનંદને આપ્યા હતા, પણ તે સત્સંગમાં ન રહ્યા. ખરેખરા ભગવાનની મરજીના જાણનારા હોય તે ભગવાનની મરજીને લોપે નહિ.
(136) આ ભક્તિના મારગમાં જે જોડ્યા છે તે આપણા સ્વભાવને અનુસારે જોડ્યા છે. આપણાથી કર્યા વિના રહેવાય નહિ, માટે આ ભક્તિ મારગ પ્રવર્તાવ્યો છે.
(137) શાસ્ત્રમાં અનંત વાતો છે. તેનું અનુમાને પ્રમાણ થયું છે, પણ કોઈનાં રૂપ હજુ ભાળ્યાં નથી; માટે આપણે તો આ ભગવાન ને આ સંત તેની સામું જોઈ રહેવું ને પતિત જીવ હોય પણ આ સાધુનો સમાગમ હશે તો સર્વ પાપ થકી મુકાઈ જાશે. તે વાઘમોડિયા રામચંદ્રના પ્રશ્ર્નના ઉત્તરમાં એ વાત કહી છે. માટે આ સમાગમ કરીને તો બધી વાતું જણાય છે ને ન સમજાય તો યોગભ્રષ્ટ થાય છે. પછી રૂડે ઠેકાણે જન્મ આવે તો જ્ઞાન વૃદ્ધિ પામે. પ્રહ્લાદના જેવો દેહ આવે, ત્યાં તો પરમેશ્ર્વર ભજવા બહુ કઠણ છે, પણ જેને પરમેશ્ર્વર ભજવા હોય તેને પ્રહ્લાદજીનાં વચન ગ્રહણ કરવાં.
પતિત : પાપી.
(138) શ્રીકૃષ્ણ જન્મખંડમાં તથા ‘વેદરસ’માં વાત છે, તે મહદ્ પુરુષનો જે ગુણ, તે સદ્વાસના છે.
સંવત 1919ના પહેલા શ્રાવણ સુદિ દશમીને દિવસે સ્વામીએ વાત કરી જે,
(139) પોતાના દોષ જોવાનો ઢાળ પાડવો, પણ પારકા દોષ જોવાનો ઢાળ ન પાડવો; જેમ ફીરંગી દેશ લેવાને તત્પર છે તેમ બ્રહ્મરૂપ થઈને સેવામાં રહેવાય એમ તત્પર થાવું ને ક્રિયા પણ એવી જ કરવી. ભગવદી સાથે, મંદિર સાથે વેર ન થાય ને સાધુ ને ભગવાન સાથે જીવ ચોંટાડી મૂકવો.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
(140) જીવ પણ કંઈક જાતના થાય છે. તે એકને ગુણ કહેતાં આવડે, એકને દોષ દેખાડતાં આવડે. માટે ભગવદીના ગુણ તો કોઈને જ દેખાડતા આવડે.
(141) એક મંદિરમાં બે પક્ષ પડી જાય તો ઉપાસનામાં પણ બે પક્ષ થાય ને લંબકરણ જેવાને પુરુષોત્તમ કહ્યા હોય ને આની રીત તો અલૌકિક છે તે જુઓ તો ખબર પડે ને પુરુષોત્તમ તો આ એક જ છે. માટે ચક્રવર્તીની ને ખંડિયાની રીતને જાણી જોઈએ.
(142) આગળથી એવો વિચાર કરવો જે, ક્રોધ આવવા દેવો નથી ને કોઈને વઢવું નથી ને પોતાના સ્વભાવ અવળા હોય તે ઓળખવા. મલક બધાને ચોરાશી થઈ ને આપણે ભૂખ્યા રહ્યા તો શું પાક્યું ? માટે જેમ ફિરંગી, દેશ લેવા ઊભા છે તેમ આપણે પણ શીત, ઉષ્ણનું સહન કરીને સાધુ થાવું ને મોટાઈ પણ બે પ્રકારની છે. તે એક તો લૌકિક, જે બીજાને દબાવવાની ને બીજી તો અલૌકિક, જે મન-ઈન્દ્રિયોને દબાવવાં ને સાધુપણાની મોટાઈ છે તે તો કોઈથી લેવાય નહિ ને કોઈક લઈ જાય તો તેને પણ સુખ આપે; જલેબી ખવરાવીને બાળી નાખે એ તો મહારાજને આવડે કાં મોટા સાધુને આવડે.
મલક : પ્રદેશ.
ચોરાશી : ચોરાશી લાખ જન્મનું ચક્ર.
(143) મહારાજે અમને રસ્તે ચાલતાં કહ્યું જે, સાધુરામ ! શરીર ઝગે છે તે દૂધ ખાધામાં આવ્યું છે કે શું ? એ વાત વિસરાતી નથી ને હજુ ખટક્યા કરે છે. તેનું નામ કૃપા કહેવાય. એમ જેને વાતો લાગતી હોય તેને શત્રુ શું પીડી શકે ! તે ઉપર સાવજને પડખે બકરું બાંધ્યું તે વધ્યું નહિ તેની વાત કરી. જેને આજ્ઞામાં ભય લાગે તેને શત્રુ ન પીડી શકે. તે સમાગમે કરીને જે બળ આવે છે તે બીજી રીતનું છે ને અમે કૃપાનંદસ્વામી તથા મુક્તાનંદસ્વામીની વચ્ચે જમવા બેઠા હતા, તે જોઈને મહારાજે કહ્યું જે, બે સાવજ વચ્ચે બકરી બાંધી છે. તેમ મોટા સાધુ ભેળા રહેવાથી સહેજે જીવ સારો રહે; કાં જે, મોટાનો દાબ પડે ને જ્ઞાન વિના તો રોઈ રોઈને દહાડા પૂરા કરશે.
તે ઉપર વાત કરી જે, ગઢડામાં એક બાઈ રોતી હતી તે મહારાજે ખબર કઢાવી જે કોણ રૂવે છે ? શું દુ:ખ છે ? એને જે જોઈએ તે આપો, પછી તે બાઈએ કહ્યું જે, મારે કાંઈ દુ:ખ નથી ને કોઈએ મને કાંઈ કહ્યું પણ નથી, મારું તો હૈયું ભરાઈ આવે છે તે રોઉં છું. પછી મહારાજ કહે એ કોની વાતું સાંભળે છે ને કોની પાસે બેસે છે ? તો કહે જે, કોઈની પાસે બેસતી નથી ને કોઈની વાતું પણ સાંભળતી નથી. ત્યારે મહારાજ કહે, ‘જ્ઞાન વિના રોઈ રોઈને દહાડા પૂરા કરશે.’ એમ કોઈનો સમાગમ નહિ તેને રોઈને જ પૂરું કરવું રહ્યું.
પડખે : પાસે.
સાવજ : સિંહ.
(144) અને માંહી માંહી અથડાઈએ ત્યારે સ્વભાવ, પ્રકૃતિની ખબર પડે. તે ઉપર વાત કરી જે, ‘સતે લીધો પંજે વેંચ્યો તોય નીગરો ખટ્યો.’ એમ અથડાય ત્યારે બધી ખબર પડે.
(145) અમે તો આટલાં વરસ થયાં તે વિચારી જોયું તો સાધુપણામાં જ સુખ છે ને જેટલાં કામ, ક્રોધાદિક તેમાં તો સુખ નથી ને એ થકી તો જેમ રાહુ થકી સૂર્ય મુકાય છે તેમ મુકાવું ને બધાનું સહન કરવું.
(146) ખાધામાં, પથારીમાં, આસનમાં, ચેલામાં ન લેવાવું તે તો ભારે કામ છે, પણ ચેલો હોય તે સાંજે તો ધોલું મારતો હોય તો કોઈને ન ગમે. આ તો સારું સારું ખાવા કરી આપે, જાડી પથારી કરી આપે ને પગ ચાંપે ત્યારે ચેલો સારો લાગે છે ને મોટાઈમાં તો કોઈને સુખ જ નથી ને સુખ તો સાધુપણામાં છે. તે અભેસિંહને બે ગુણ આવ્યા છે ને શિવલાલે એની જોડે બેસવાનું કર્યું પણ બેસાણું નહિ, પણ શિવલાલ જ્ઞાની ને મહારાજના સ્વરૂપને યથાસ્થિત સમજે ને અભેસિંહને તો જ્ઞાન ઓછું ને હઠ પ્રકૃતિ વધારે. તે એક વાર અમે ભીંચરી ગયા ને મહારાજના પુરુષોત્તમપણાની વાત કરવા માંડી ત્યારે તેમાં કેટલીએક શંકા કરે પણ માને નહિ. અમે કહ્યું જે, ચોસઠ લક્ષણે યુક્ત સાધુ સેવ્યા ખરા ? તો કહે, હા મહારાજ. ત્યારે અમે કહ્યું જે, ‘એવા હોય તે કાંઈ ખોટું બોલે ?’ ત્યારે કહે, ના મહારાજ. ત્યારે સાચું માનતા હો તો અમારે કહ્યેથી મહારાજ સર્વોપરી અવતારી છે એમ તમે માનો. પછી હા પાડી ને અમને રાજી કર્યા.
જાડી : સહેલાઈથી સમજાય તેવી.
(147) આખામાં લાડુ ડોશી ઉનેવાળ બ્રાહ્મણ, તેમને નિરાવરણ દૃષ્ટિ. તે સાધુઓ ત્યાંથી નીકળવાના હોય ત્યારે સાધુ સારુ રસોઈ કરવા માંડે ને ઘરમાં સૌને કહેશે કે આજ સાધુ આવે છે, પછે સાધુ આવે ત્યારે કહે જે, ચાલો જમવા. તે જોઈ મહારાજે કહ્યું જે, આવા દેહમાં આવરણ નહિ તે તો સત્સંગનો પ્રતાપ છે ને મહારાજના સંઘમાં ચોર આવ્યા તે મહારાજે સહુને જગાડીને આવરણ રહિત કર્યા; તે બધા દેખે જે આ ચોર છે, તે ચોરથી કાંઈ ન લેવાણું. એમ નિરાવરણ થાય કે સમાધિ થાય તો પણ સાધુ સમાગમ વિના કસર રહી જાય. તે શું જે, ભગવાન દેખાય પણ ભગવાન કેવા છે તે જાણવું રહી જાય. પછી પ્રશ્ર્ન પૂછ્યો જે, આવરણ રહિત હોય તે કેમ જણાય ? ત્યારે સ્વામીએ ઉત્તર કર્યો જે, કોઈક સમે જણાવે તો જણાય, પણ આખો દિવસ જણાવે નહિ ને ત્રણ ગ્રંથ પળ્યા એટલે આપણે તો આવરણ ભેદાઈ ગયાં.
(148) આ સાધુના સમાગમથી જે સ્થિતિ બંધાય છે, તેણે કરીને બધું ધૂળ જેવું થઈ જાય છે ને ભગવાનના સ્વરૂપમાં કોઈ રીતે સંશય ન થાય તે પણ સમાગમથી જ થાય છે. તે રાજા પરીક્ષિતના ગુણ બહુ મોટા કહ્યા, પણ સ્વરૂપમાં સંશય થયો ને આજ પણ કેટલાકને થાય છે ને કેટલાક મનુષ્યો તો મહારાજ સાથે વઢ્યાં તે આહીં નજરે દીઠાં છે ને ધર્મકુળ આવ્યા મોર (પહેલા) મહારાજ મોટી ડોશીને ત્યાં નિત્યે થાળ જમતા, પણ ઘર્મકુળ આવ્યું ત્યારે મહારાજ તેમને રસોડે જમતા એટલે ડોશીઓના થાળ આવતા બંધ થયા. પછી તે ડોશીઓ મહારાજ સાથે વઢ્યાં જે, આટલા દિવસ જમ્યા ને હવે શું થયું ? ને જેની આગળ ઊંચે સાદે બોલાય પણ નહિ તેમને વચન માર્યાં.
જ્યારે આચાર્ય બેની વહેંચણી થઈ ત્યારે ઘણાએ મહારાજને વિષે મનુષ્યભાવ કલ્પ્યો. મહારાજ સારુ શાક માટે અયોધ્યાપ્રસાદની વાડીએ રીંગણા લેવા ગયા; ત્યારે પાળે કહ્યું જે, અહીંને અહીં લાગ્યા છે, રઘુવીરજીને ત્યાં નથી? પછી બે રીંગણા દીધાં તે લઈ આવ્યા ને મહારાજને વાત કરી. ત્યારે મહારાજે બેય રીંગણા ઘા કરી નાખ્યા ને કહ્યું જે, જા તારાં રીંગણા જોઈતા નથી. પણ બે દિવસ વહેંચણી કર્યા મોર તો બધુંય મહારાજનું જ હતું; પણ વહેંચણી કરી એટલે મમત્વ બંધાણો; પણ ‘મહારાજનું આપેલું છે.’ એટલોય ભાવ ન રહ્યો. એમ જ્યારે મનુષ્યભાવ આવે ત્યારે એમ થાય છે. એ બધી સ્વરૂપ સમજવામાં કસર કહેવાય.
મનુષ્યભાવ : દેહભાવ, માયિકભાવ, જેમાં ગુણાનુરાગ - ગુણાનુબુદ્ધિ પ્રવર્તે છે તેવો ભાવ.
પાળે : સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જાતનો સેવક/પાર્ષદ.
કસર : ખોટ, ઉણપ.
(149) સર્વ વાતુંનું એમ સિદ્ધાંત છે જે, સાધુતામાં જેવું સુખ છે તેવું બીજે ક્યાંઈ નથી, પણ જે જ્ઞાની હોય તેના જાણ્યામાં આવે ને જેમ ફૂલ છે તે તોડનારના હાથને પણ સુગંધ આપે છે. તેમ સાધુ છે, તે પોતાને પીડે તોય પીડનારનું પણ હિત જ કરે છે. તે જીવણા ખુમાણની વાત કરી ને બોલ્યા જે, એમ સાધુને તો પીડે તોય તેનું સારું કરે; એવા આ સાધુ છે. માટે સાધુતામાં સુખ છે એવું ખલતામાં નથી. મોર વેરાગીઓ મારતા તે પણ સહન કરતા.
(150) જ્ઞાનાંશનું વચનામૃત (વચ. ગ.અં. 24) વંચાવીને વાત કરી જે, નિત્ય વંચાય એટલે જણાય નહિ, પણ કેટલીક વાત છે તે સો જન્મ ધર્યે પણ ન સમજાય, પણ તેના કીટ થાય તેને આ વાત સમજાય. તે ઉપર શ્ર્લોક બોલ્યા જે,
બહૂનાં જન્મનામન્તે જ્ઞાનવાન્માં પ્રપદ્યતે । વાસુદેવઃ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભઃ ॥
અર્થ :- પુષ્કળ જન્મ પુરા થાય ત્યારે (કોઈક વિરલો) જ્ઞાની મને પામે છે અને વાસુદેવ એ જ બધું છે એવું જે જાણે છે એવો મહાત્મા મળવો ખૂબ કઠણ છે.
એવા હોય તેને આ સત્સંગ ઓળખાય. બીજાને તો વેર છે તેનાં પાપ નડે છે. તે સમજાય નહિ.
અર્થ : ધન, સંપત્તિ.
(151) આપણે એક દિવસ મરવું છે એમાં ફેર નથી; પણ સમજ્યા વિના જીવમાં ખોટ રહી જાશે. માટે આ સત્સંગ જીવમાં પેસવો એ બહુ દુર્લભ છે. સત્સંગ તે શું ? તો, વિશલ્યકરણીના વચનામૃતમાં (વચ. ગ.અં. 39) બતાવ્યું છે જે, આત્મા ને પરમાત્મા. તે આત્મા, જે આ સાધુ ને પરમાત્મા, જે મહારાજ. તેના સ્વરૂપનો જીવમાં યથાર્થ નિશ્ર્ચય થાવો તે તો ઘણો દુર્લભ છે. તે ઉપરાંત બીજો લાભ પણ નથી.
(152) હેતરૂપ માયા છે તે સ્ત્રીમાં જીવ તણાય પણ સ્વરૂપાનંદસ્વામી ને મુક્તાનંદસ્વામીમાં ન તણાય ને હેતે જોડાય તેના વિષય ટળે નહિ. તે બોલાવવું, પ્રસાદી, બધું જોઈએ પણ જે દિવસ ન થાય ત્યારે અવગુણ આવે; માટે એ હેતમાં માયા છે. પણ જો પ્રગટ ભગવાનના મનુષ્યચરિત્રમાં સંશય ન થાય ને અખંડ દિવ્યભાવ રહે તો તે હેતને વિષે માયા નથી. એવું હેત તે થોડું જણાતું હોય પણ તે ઘણું જ છે. આ ગામના (જૂનાગઢના) ખોરડાને પાયો બેસે જ નહિ. તેમ જેને ભગવાનનો અવગુણ ન આવ્યો તેનો પાયો અચળ છે; પણ આવી હિતની વાતમાં જીવને દેહનું આલંબન રહેતું નથી; માટે આવી વાત તો ગમે જ નહિ. કદાપિ સ્વરૂપમાં રહેતા હોય પણ પ્રગટનો મહિમા ગમે નહિ ને એમાં જીવ ગરે નહિ.
દિવ્યભાવ : જેમાં માયાના ત્રણ ગુણનો પ્રભાવ ન હોય તેવો અદ્ભુત ભગવદ્ભાવ.
આલંબન : આધાર, ટેકો.
(153) આપણે તો આત્મા, પરમાત્માના મારગે ચાલવું છે ને કરવાનું પણ એ જ છે. પ્રગટ આત્મા, પરમાત્માને વિષે નિર્દોષપણું સમજવું.
(154) જ્યાં વિષયની વેંચણ આવી કે માણસની વેંચણ આવી તેમાંથી કજિયા થાય, વેર થાય, ને આ તો કાઠીવાળું છે. જેમ કોઈ, કોઈનું ઢોર હાંકી જાય છે. તેમ કોઈ, કોઈ મંદિરનું માણસ લઈ જાય કે એકબીજાનો શિષ્ય લઈ જાય તો કજિયા થાય છે. તે બાવાને નવરા રહેવાય નહિ. માટે વડાદરાની પેઠે કરવું ને લક્ષણા કરી મૂકવી જે, વિષયમાં તો કજિયા જ હોય ને કુટારા પણ હોય ને કોઈ કાંઈ લઈ ગયા નથી ને આપણે પણ કાંઈ લઈ જવું નથી, પણ વ્યવહાર તો એવો જ પાપરૂપ છે. તે તો રઘુવીરજી મહારાજને અમે કહ્યું જે, સાધુને રજા આપો છો તે શું રસોઈયું ખૂટી છે ? સાડા બાર દિવસનો સમૈયો છે, તો કોઈ દેશાંતરમાં ગયા હોય તે કુસંગી થઈ ગયા હોય. તે જ્યારે આંહીં આવી વાતું ઝાઝા દિવસ સાંભળે ત્યારે સારું થાય. જીવને તો માનના, સ્વાદના ને સ્નેહના રંગ લાગી ગયા છે, પણ જે મોટેરા ભેળા રહ્યા હોય તેને તો કોઈ ક્રિયા અડે જ નહિ ને દેશકાળ પણ લાગે નહિ.
(155) માનસી અને માળામાં મન રહે છે એેવું પછી ક્યાં રહે છે? ને જાણે લોભ, માન, કામ ઓછા કર્યા છે પણ એ તો ટાણે ખબર પડે ને સાખી, શબ્દે કરીને લોકોનું મનોરંજન કરશું તેમાં પોતાના જીવને સુખ થનારું નથી. આત્યંતિક કલ્યાણનો ખપ ક્યાં છે ? માટે બત્રીસ દાંતમાં જેમ જીભ રહે છે તેમ રહી પ્રભુ ભજી લેવા. વેર કરવા સૌ તૈયાર છે પણ પ્રભુ ભજવા કોઈ તૈયાર થાતું નથી ને હજી મોટાનો દાબ છે તે સારું છે પણ વર્તમાન નહિ પાળે તેને નહિ કાઢો તો ઘરણનાં હાંડલાંની પેઠે અભડાવશે. પછી બ્રહ્માનંદસ્વામીનું કાવ્ય બોલ્યા જે,
‘નારી તજ્યા તો ક્યા ભયા, મન દામ વસત ઉરમાંયે હે.’
(બ્રહ્માનંદસ્વામી-પદ 2440-પાન નં. 677)
તે સ્ત્રીનો ત્યાગ કર્યો પણ જ્યાં સુધી હૃદયમાંથી દ્રવ્ય ગયું નથી ત્યાં સુધી બધાય દોષ રહ્યા છે.
પાળે : સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જાતનો સેવક/પાર્ષદ.
(156) આ સાધુનાં દર્શને કાળ પાછો વળે એવો મહિમા છે. ખબડ સાથે ધીંગાણું થયું ને પાળા ઘવાણા હતા ને ગઢડામાં પડદે રાખ્યા હતા. ત્યારે મહારાજે પાળાને કહ્યું જે, તમારે કેમ દેહ પડે તો ઠીક ! ત્યારે કહ્યું જે, તમે પ્રગટ દર્શન દ્યો છો તે આહીં ને ધામ બે તુલ્ય છે, પણ લોકમાં એમ કહેવાય જે, સ્વામિનારાયણના પાળાને ખબડે મારી નાખ્યા એટલું આપણું હીણું કહેવાય. ત્યારે મહારાજ કહે જે, ઠીક. સચ્ચિદાનંદસ્વામીને મહારાજે કહ્યું જે, આજ અર્ધી રાત્રિએ કાળ આવશે તે તમે ચોકી કરવા રહો ને આવે તો પાછો વાળજો. પછી સચ્ચિદાનંદસ્વામી ચોકીમાં બેઠા ને અર્ધીરાત્રિ થઈ ત્યાં કાળ આવ્યો ને કાળને જોઈને સ્વામીએ હાક મારીને કહ્યું જે, ખબડદાર, જો આવ્યો છે તો ! મહારાજનો હુકમ નથી. પછી કાળ પાછો વયો ગયો. એવો તો આ સાધુનો મહિમા છે; પણ એવો ને એવો મહિમા રહેતો નથી.
પાળા : સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જાતનો સેવક/પાર્ષદ.
(157) ભેળા રહીને માહીં માહીં વેર હોય તે,
‘મત્ય દીધે માને નહિ કુમતે મન કોળાય,
આવેલ અવળે અક્ષરે તે સવળે કેમ સોહાય ?’
માટે બે દિવસ જીવવું ને સહુને ભોળવીને પ્રભુ ભજી લેવા. પૈસાનો હિસાબ સૌ લે, પણ માનસીપૂજા કરી ન કરી તેનો હિસાબ કોઈ લે નહિ. માટે જગતમાં તો કેવળ સ્વાર્થની સગાઈ છે.
(158) કેટલાક છે તે અવળાઈ, અકોણાઈ ને ખલતા ન મૂકે પણ ગળાં ઝાલ્યાં ને અવળે મારગે ચાલવા ન દઈએ ને કહીએ તે હિતનું જ કહીએ ને કોઈ ઉપર કટાક્ષ રાખીએ તો સાધુતા જાય. માટે શિક્ષા કરવી તો ક્રોધે રહિત કરવી ને બીજાનું બગાડવા જાય તો પોતાનું બગડે, પણ જેની ભગવાન રક્ષા કરે તેનું કોણ નામ લેનાર છે ? ને કઠોદર અમને મટી ગયું ને કાયાભાઈનું ખોરડું ન બળવા દીધું.
જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો ફોક કરવો;
આપણો ચિંતવ્યો અર્થ કાંઈ નવ સરે, ઉગરે એક ઉદવેગ ધરવો.
‘હું કરું, હું કરું’ એજ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્ર્વાન તાણે.
(નરસિંહ મહેતાનાં ભજનો-પદ 62-પાન નં. 42)
પણ ભગવાનનું કર્યું થાય છે, એમ સમજાતું નથી એ મોટી ખોટ છે. ઓણે કાળ પાડી બેઠા હતા પણ ન પડ્યો. માટે કર્યું તો ભગવાનનું જ થાય છે. પાપમાત્ર બળી જાય એવા સંત ક્યાંથી મળે ?
દોષ હરત શીતળ કરત, ધન સમ સંત સુધીર;
મુક્ત જ્ઞાન જળ બરસકે, હરત સબનકી પીર.
(મુક્તાનંદ કાવ્ય-વિવેક ચિંતામણિ-સાધુકો અંગ 4-પાન નં. 80)
અકોણાઈ : આળવીતરું, અવળચંડાઈ.
ખલતા : ધૂર્તતા.
કઠોદર : પેટનો એક પ્રકારનો રોગ.
ખોરડું : ખોલી, ઓરડી. માટીનું નાનકડું ઘર એટલે કે દેહ.
ખરખરો : અરેરાટી, અફસોસ, શોક.
અર્થ : ધન, સંપત્તિ.
(159) વાતું કરવી તે જેવો આગળ હોય ને જેવું તેનું અંગ હોય તે પ્રમાણે તેની રુચિ ઓળખીને વાતું કરવી, એમ વિવેક શીખવો. તે ગોપાળાનંદસ્વામીએ વાર્તા-વિવેકના પ્રકરણ લખ્યાં છે.
સંવત્ 1919ના પહેલા શ્રાવણ સુદિ એકાદશીને દિવસે સ્વામીએ વાત કરી જે,
(160) ઘરમાં લાખ રૂપિયા હોય પણ અસંતોષે કરીને શાંતિ નહિ ને ત્યાગીને દશ ચેલા ખમા કરતા હોય તો પણ મનધાર્યું ન થાય, એટલે હૈયામાં શાંતિ નહિ ને ચેલાને બીજો લઈ જાય તેની પણ ખેંચ રહે છે ને એક પ્રમાદ જે, ન કરવાનું કરવું ને કોઈને માથે અપવાદ નાખવો. એ બેનું તાન છે.
પોતાનો પરિવાર પરહરિ, ચાલ્યો એકીલો આપજી;
તેણે રે સ્નેહ કીધો શિષ્ય શું, લીધો પરનો સંતાપજી.
(કીર્તન મુક્તાવલી-ઉપદેશનાં પદો-પદ 8-નં.484-પાન નં.266)
માટે સુખ, શાંતિ તો કોઈને નથી. કેટલાક ને એમ રહ્યા કરે છે જે, આને આવડ્યું નહિ, અમને પૂછ્યું હોત તો કહી દેત, તે પોતાને માન છે, માટે એમ બોલે છે. તે ઉપર સત્યભામાએ મણિ માટે ટંટો કર્યો તેની વાત કરી.
દશ : દિશા.
તાન : લગની, આગ્રહ, મસ્તી.
ટંટો : કજિયા-તકરાર.
(161) પ્રેમાનંદસ્વામી લૂલા ગવૈયાને પ્રમોદ કરી લાવ્યા, પણ રાત્રિએ પ્રેમાનંદસ્વામીનાં વસ્ત્ર લઈ વયો ગયો. તે એવાં ફતુરીયાં મનુષ્ય હોય તે દુ:ખ દે. સાધુમાં પણ જેને કામનો, માનનો, લોભનો, સ્વાદનો સંકલ્પ નહિ તે સુખિયા છે ને ગોપાળાનંદસ્વામીને ઘણેખરે વખાણ્યા નહિ. આત્માનંદસ્વામીના પણ અવગુણ લેનારે તો લીધા. તે શું જે, કાળીંગડાનું શાક માગ્યું, તે વાત પણ મહારાજ સુધી પહોંચાડી. બાવા તો નવરા છે. માંગણ સૌ સૂઈ ગયાં, પણ તેમાં ખળ હતો તે ઊઠ્યો. એકબીજાનાં પત્તર અદલબદલ કરીને સૂઈ ગયો. માંગણ ઊઠ્યાં ત્યારે બાઝવા માંડ્યાં. માટે એવા પત્તર-ચાળવણી કરનાર પણ ઘણાં છે; તે પાંત્રીસ વરસથી આમને આમ ચાલ્યું જાય છે; માટે આપણે તો પ્રભુ ભજી લેવા. ઝાઝાં માણસ તે કોઈ કેમ કરશે ને કોઈ કેમ કરશે ? માટે એ બધા ડખા પડ્યા મૂકીને આપણે તો પ્રભુ ભજી લેવા ને થાય એટલી સેવા કરવી ને મરી જાવું છે. કોઈનો અવગુણ લીધો હશે તે રહેશે. કોઈનાં આઘાંપાછાં કરશું, અવગુણ પરઠશું તે શું આપણે અંતરજામીપણું આવ્યું છે ? બધાને નમસ્કાર કરીને ચાલવું, તે ગરીબાઈનો મારગ છે ને રજોગુણના પણ મારગ છે. શ્રેયાંસિ બહુ વિઘ્નાનિ । (સારા કામમાં વિઘ્નો ઘણાં આવે છે) વિઘ્ન આવે તો વાતું ન સંભળાય, કહેનારા હોય તે જ માંદા થાય.
માંગણ : ચાંડાળ, ડોમ, મધ્યપ્રાંતનો એક હરિજન જાતનો માણસ.
(162) જેટલા ભૂંડા સ્વભાવ છે, તે સંઘની કમાણી છે. તેમ ધર્મ, નિયમ, તપ, સેવા તે ભેખની કમાણી છે. વ્યવહાર હોય, પૃથ્વી હોય, વિષય હોય ત્યાં કજિયા થાય છે. પોતાની રુચિમાં સૌ રાજી છે. પોતાની રુચિ પડતી મૂકીને મોટા જે રસ્તે ચાલ્યા છે તેમ જ ચાલવું,
આપકી પોંચ બિચારકે કરીએ તેસી દોડ,
તેતા પાંવ પસારીએ જેસી લંબી સોડ.
(બ્રહ્માનંદસ્વામી-બ્રહ્મસંહિતા-અધ્યાય 2-પ્રકરણ 5-પાન નં. 379)
ને કજિયો કર્યા વિના ન રહેવાતું હોય તો ઈન્દ્રિયો-અંત:કરણ સાથે કરવો.
‘ધીર ધુરંધરા શૂર સાચા ખરા,
મરણનો ભય તે મનમાં ન આણે.’
(કીર્તન મુક્તાવલી-પ્રભાતિયાં-પદ 1-નં.119-પાન નં.62)
માટે કજિયો કરવો હોય તો ઘણો છે. તે મન-ઈન્દ્રિયો સાથે કરવો, તેમાંથી અવિનાશી ધામમાં જવાય છે ને ઓલ્યા કજિયામાંથી દ્રોહ થાય એવું છે.
દ્રોહ : મનથી, વાણીથી કે કર્મથી જાણી જોઈને કરેલ દોષ, ગુનો, પાપ કે અપરાધ
(163) આપણે વૈદિક મારગને ગણતા નથી, આ તો અપુત્રસ્ય ગતિર્નાસ્તિ । (પુત્રહીનની સદ્ગતિ થતી નથી) કહીને બેઠા છે. કેટલાક એમ કહે છે જે, ત્યાગી થઈએ તો ગતિ ન થાય માટે ગૃહસ્થ રહેવું એટલે દીકરા વાંસે સરાવે, પણ તેં તારા બાપની ગતિ કરી તેવી તારી ગતિ તારા દીકરા કરશે. પોતે તો સારી ગતિ થાય એવું કર્યું નહિ. જ્યાં લોભ, કામ આવ્યા છે ત્યાં કેની જે (જય) થઈ છે ?
ચંદાકું લંછન દીયો, કિયો રાવણ કુળ નાશ,
ઈન્દ્રહું કી ઉપહાસ સુની, સાધુ ભયો ઉદાસ.
સાધુ ભયે ઉદાસ દેખી, ઈતિહાસ ઈનુકી,
પરે જો ત્રિયાકે પાસ કહો, રહી લાજ કીનુંકી ?
દાખત મુક્તાનંદ રહે, ગુરુ રાખે જાકું,
રાવણ કુળ વધ કીયો, દીયો લંછન ચંદાકું.
(બ્રહ્માનંદસ્વામી-બ્રહ્મવિલાસ-કુંડલીયા-પાન નં.730)
શ્રવણ ફટાકી સિંહણી, બેઠી રૂપ બનાય,
લવનતા કર લે લીયા, તીન લોક મુખમાંય.
તીન લોક મુખમાંય, ત્રિયાકા અજબ તમાસા,
કૈક રહ્યા શિર કૂટ છૂટ, નહિ શક્યા ગૃહ્યા સાર.
દાખત બ્રહ્માનંદ પ્રબલ, ખેલાડ પટાકી,
ખલક મુલકકું ખાય, સિંહણી શ્રવણ ફટાકી.
(બ્રહ્માનંદસ્વામી-બ્રહ્મવિલાસ-કુંડલીયા-પાન નં.730)
ખાધાનો, પથારીનો, ચેલાનો એ બધો લોભ છે. માટે જ્યાં આગળ લોભ ને કામાદિક આવ્યા ત્યાં પૂર્વે ને હમણાં પણ ક્લેશ થાય છે. કેટલાકને બાયડી કુવાડી (કુહાડી) મારે છે, તે આટકોટના સુતારે બાયડી કાઢી મૂકી. પછી બીજી બાયડી મળી નહિ, તેમ તેની બાયડીને કોઈ ઘરઘ્યું નહિ. પછી સુતાર બાયડી વાંસે ગયો ને કહે જે, ચાલ તારો વાંક નથી, એ તો મારી જીભડીનો વાંક હતો. એમ પાછો સાંધો કર્યો. કેટલાકને ઝેર દે છે. તે ઉપર બ્રાહ્મણની સ્ત્રીની વાત કરી. મોટા મોટા જેનું ધ્યાન કરે એવા ભગવાનને મૂકીને બીજું કરશે તેને સુખ ક્યાંથી થાશે ? માટે મહાજનો યેન ગત: સ પન્થા: ॥ (મહાન પુરુષોએ નિર્દેશેલા માર્ગને અનુસરવું) એમ કરવું ને પછી દેહ નિરવાહ કરવો.
વાંસે : પાછળ.
(164) સુકાન બધાનું રૂપિયા ઉપર છે ને ભેખને લૂગડાં ને ખાધાના ઉપર છે તે ‘હેલા માત્ર હરિકું સંભારત.’ પછી વિષયનું અહોનિશ આલોચન, તે માળા, માનસી ઝટ દઈને કરી મૂકે ને પછી ગ્રામવાતો કર્યા કરે. સારું ઢોર હોય તેને સૌ હાથ ફેરવે છે, તેમ સારા ગુણવાળા ઉપર જ ભગવાન રાજી થાય છે.
(165) અડગ અખંડાનંદસ્વામીને માથે મિથ્યા અપવાદ નાખ્યો પણ પોતાના જ અવળા સ્વભાવ હોય ને મોટાને માથે અપવાદ મૂકે એ કેવું ભૂંડું કહેવાય? ને અલ્પદોષ હોય તેને મેરુ જેવડો કરીને ઉઘાડો કરે છે, એ અસત્પુરુષનો આશય છે. કોઈ રોગ વિનાના નથી; તે કોઈને વાળા, ધાધર, ખસ, પણ કોઈ બાકી નથી.
(166) ખપ ને શ્રદ્ધાવાળા ઉપર કુંકાવાવવાળા પૂજા ભક્તની વાત કરી. તે કુંકાવાવમાં મહેતાએ ‘સત્સંગ મૂક, તો ગામમાં રહે.’ એમ કહ્યું. પછી તે તો, તે ગામનો ત્યાગ કરીને રામોદમાં જઈને રહ્યા. ત્યાં પણ કેટલાકને સત્સંગી કર્યા ને પાણશીણાવાળા પૂજા ભક્તને ત્યાં અમે ને કૃપાનંદસ્વામી જઈએ ત્યારે અરધી રાત પછી સૂવે. નેનપુરવાળા દેવજી ભક્તની વાત કરી જે, તેમને તો નિદ્રા પણ આજ્ઞામાં ને પૂર્વે અર્જુન તથા લક્ષ્મણજીએ નિદ્રા જીતી હતી. કૃપાનંદસ્વામી પણ ત્રણ મહિના સુધી ઊંઘ્યા નહિ ને ભાઈસ્વામી, અડગ અખંડાનંદસ્વામી, કૃષ્ણાનંદસ્વામી એમની બેઠક જેવી કોઈની બેઠક નહિ તે શું જે, આસન તો કરે જ નહિ. એમ ખપ તથા શ્રદ્ધાવાળાની વાત છે.
(167) પોતાના કલ્યાણમાં વિઘ્ન ન આવવા દે, તે ડાહ્યો કહેવાય ને કલ્યાણને અર્થે વ્રત, તપ કરવાં, બે રૂપિયાનું ખર્ચ કરવું ને વિઘ્ન ન આવે તેવી રીતનું બોલવું, ખાવું, સૂવું, ને ચાલવું ને તે વિના તો ચારણ, ભાટ પણ વખાણ કરે છે જે, દરબાર ચૌદ વિદ્યાગુણ જાણતો હોય ને ગરાસ તો કોઈકને ઘેર મૂક્યો હોય. તે ઉપર વાત કરી જે, સિદ્ધરાજ જેસીંગના ચારણે વખાણ કર્યાં ને જ્યારે જેસંગે મૂછ ઉપર માખી ઉડાડવા હાથ ફેરવ્યો તે જોઈ ચારણે ખૂબ વખાણ કરવા માંડ્યાં. ત્યાં તો જેસંગભાઈ ફુલાણા ને ચારણને ગામ આપ્યું. તેમ આપણે વખાણ થાતાં હોય પણ જો મોક્ષ ન સુધર્યો તો જેસંગના વખાણ જાણવાં.
(168) ઘોડે બેસતા હોઈએ તો પગપાળા ચાલવું ને સારું ખાતા હોઈએ તે જેવું તેવું ખાઈને ગુજરાન કરવું. તે ભલા ભગવાન માની લેશે જે, મારે અર્થે દમન કર્યું. કારિયાણીનાં દશનાં વચનામૃતમાં કહ્યું છે જે, જાણીને દમન કર્યું જોઈએ. ત્યારે ઈશ્ર્વરની ઈચ્છાએ આવે તેને શીદ ટાળવું જોઈએ ? ને શરીર માંદુ હોય તો ચાળા ચૂંથ્યા કરે, પણ વૈદ્ય તો કેટલાકને મારી નાખે છે. તે આત્માનંદસ્વામીએ વૈદ્યનું ઔષધ ખાધું તો બધે શરીરે ફોડલા થઈ ગયા ને મહારાજ પણ બહુ કચવાઈ ગયા. માટે વૈદ્યનું ઔષધ ખાવું નહિ.
ઘોડે : જેમ.
ગુજરાન : ગુજારો, નિર્વાહ
(169) આપણો જીવ છે. તે ભગવાનમાં જોડવો કાં સાધુમાં જોડવો ને સાધુને તો એકલા ભગવાન જ વહાલા છે તે આપણને પણ ભગવાનમાં જ જોડે.
(170) બ્રહ્માંડમાં અગણિત જીવ છે તેમાં કેટલાક સ્થાવર, જંગમ જીવ છે ને આપણો જીવ છે તે ખડ જેવો છે. તેવા જીવને આવા ભગવાન ને સંત મળ્યા તે તો જેમ ખડને ગાડે સુખડીનું ભાતું હોય તેમ છે. કાળું વાગડિયાના દેશમાં મહારાજ જેને તેડવા જાય ત્યારે પ્રથમ ટીંબીમાં વીરા સાંખટને દર્શન દઈને કહે જે, ફલાણાને તેડવા જઈએ છીએ. એવી મહારાજની કૃપા, ત્યારે વીરા સાંખટે પૂછ્યું જે, મહારાજ આટલું બધું મારું શું પુણ્ય છે ?
ત્યારે મહારાજ કહે, તમારું પૂર્વનું પુણ્ય કહીએ તે સાંભળો. અમે વનને વિષે ચાલ્યા આવતા હતા. ત્યાં એક લાંપડા ખડની થુંબડીને અમારી ઠેસ વાગી, તે થુંબડી ઊખડી ગઈ. તે જોઈને અમને દયા આવી જે, અરે..રે આ જીવને વાગ્યું ! પછી અમે ‘ નારાયણ, નારાયણ’ કહ્યું. તે પુણ્યેથી તું આ વીરો સાંખટ થયો છો. એવા ભગવાન મળ્યા ને તેવા જ આ સંત મળ્યા. તેમની મહોબત મૂકીને જેને જેને રૂપિયામાં, લોભમાં, માનમાં કે સ્વાદમાં માલ મનાણો તેને આ લાભની તો ખબર જ નથી.
ખડ : ઘાસ.
(171) સ્વામીએ સભાને પૂછ્યું જે, તમે લૂખું ખાવ છો કે ચોપડેલું ખાવ છો? તે તો કોઈ સમજ્યા નહિ. પછી સ્વામીએ ઉત્તર કર્યો જે, ભગવાનને સંભારીને જે જે ક્રિયા કરે છે તે તો સર્વ ચોપડીને જ ખાય છે ને સંભાર્યા વિના જે જે કરે છે તે સર્વ લૂખું ખાય છે. તે ઉપર ડોસાભાઈની વાત કરી જે, ઘી, ગોળ વિના રોટલો ખાતા હતા તે જોઈને સાધુએ કહ્યું જે, ડોસાભાઈ લૂખું કેમ ખાવ છો ! ત્યારે ડોસાભાઈએ કહ્યું જે, લૂખું ખાતા હોય તે હરામ ખાય. અમે તો લૂખું કોઈ દિવસ ખાતા નથી ને લૂખું તો તમે ખાવ છો; પણ સાધુ સમજ્યા નહિ. સાધુ તો ગોળ, ઘીથી ચોપડેલ સમજે પણ ભગવાનને સંભારીને જમવું તેમ સમજ્યા નહિ.
સંવત્ 1919ના પહેલા શ્રાવણ સુદિ બારસને દિવસે સ્વામીએ વાત કરી જે,
(172) જે વાતનો આદર નથી તે વાત થાય નહિ ને જેમ જેતપરને પાદર ભાદરનો પ્રવાહ ચાલે તેમ પંચવિષયનો પ્રવાહ ચાલે છે. તેમાં પ્રભુ ભજવા તે તો બહુ કઠણ છે, તે આવક ખાતું રાખ્યું ને ખર્ચ ખાતું કાઢી નાખ્યું, તેમ મરવાની તો બીક જ લાગતી નથી. માટે મરે છે તેને બાળી દે છે. એમ વિચારીને મોક્ષ પામીએ એવી ક્રિયા કરવી ને ખાવું, પીવું, ચાલવું, સૂવું, બોલવું ને જોવું એ સર્વે મોક્ષમાં વિઘ્ન ન આવે તેમ કરવું. તે ઉપર વાત કરી જે, બીલખામાં ધાડું પડ્યું ને ભાગતે કટકે શરણાઈ વગાડી તે પું-પું થાતી જાય ને હજારમાં સો ઊભા રહ્યા, તેમ ખરેખરું પગલું હોય તો ઠીક રહે, નહિ તો ખાવા, સૂવામાં બરોબર રહે નહિ. તે પ્રથમ પ્રકરણમાં ત્રણ વરસ અમે ઊંઘ્યા નહિ ને નિદ્રા ને કામ એ બેનો સંકલ્પ કોઈને નહિ ને ગૃહસ્થ પણ એેવા જે, કેટલાકે રાજ મૂકી દીધાં ને જોબન અવસ્થામાં સ્ત્રી, પુરુષનો ત્યાગ કરી દે ને પુરુષ, સ્ત્રીનો ત્યાગ કરી દે એવું હતું પણ ગડબડાટ તો જલેબીના તાવડા ચડવા માંડ્યા ત્યારથી થાવા માંડ્યો. માટે ભાગતે કટકે શરણાઈ દે છે એવું થાય છે. તે સાધુના લક્ષણ વિચારવાં ને શીખવાં ને આ સાધુને જીવમાં રાખવા.
(173) બધી ધર્મશાળા પૂરી થઈ હોય પણ નળિયાં ચાળ્યાં ન હોય તો પાણી ભરાઈ જાય, તેમ ઈન્દ્રિયો ન જીતી હોય તો વિષયરૂપી પાણી ભરાઈ જાય ને કેટલાકને હેતનાં આંસુ પાડતાં દીઠાં છે, પણ સત્સંગમાંથી જતા રહ્યા. તે ભગવાનમાં ય રાગ ને વિષયમાં ય રાગ કહેવાય. માટે આદ્ય ને અંત જોવું પણ મધ્ય ન જોવું. આ તો મધ્ય પણ એવું ને આદ્ય-અંત પણ એવું. એમ ભગવાનામાં હેત ને વિષયમાં પણ હેત હોય તો જતું રહેવાય.
(174) દામનગરમાં એક હરિભક્ત છાનોમાનો ઢેઢવાડામાં તરગાળા જોવાં ગયો. તે કોઈ સત્સંગી ન દેખે તે સારું વહેલો પાછો ઘેર આવતો હતો. તે કોઈ સામું ન મળે તેટલા સારુ પછવાડેથી વંડી ઠેકીને ઘેર જતો હતો. ત્યાં ચોકિયાતે ચોર છે એમ જાણીને તરવાર મારી. તે પાપ છતું થયું ને માર ખાધો, એમ જીવના તે એવા અવળા સ્વભાવ છે તે,
‘મત્ય દીધે માને નહિ, કુમતે મન કોળાય;
આવેલ અવળે અક્ષરે, તે સવળે કેમ સોહાય ?’
પછી તે દુ:ખને મારગે ચાલે અને બુદ્ધિ, સ્વભાવ ને ઈન્દ્રિયું તે બધાં અવળાં, તે પોતપોતાના ડહાપણમાં લેવાઈ ગયાં છે. તે ઉપર મહારાજનું કહેલ ખેતા, ભીમાનું દૃષ્ટાંત દીધું. તે કહે, ખેતા તું ચડેલ કે ભીમો ? તો કહે હું ડાહ્યો ને ભીમો ચડેલ. એમ સહુને ડહાપણનું માન છે. આ મારગે તો કોઈ ચાલ્યા નથી. સહુ મોહને મારગે ચાલ્યા છે.
તરગાળા : ગાવા-નાચવાનો ધંધો કરનાર બહુરૂપી નટ.
(175) કલ્યાણને મારગે ચાલવું તેને ‘હું હું’ ન કરવું, પણ જે કરવું તે સાત્ત્વિકપણે કરવું ને બહુ ક્રિયા કરે તેને તમ વધતો જાય છે ને ક્રિયાનો પાર તો બ્રહ્માના આયુષ્ય પરજંત (પર્યંત) આવે તેમ નથી જણાતું. જે વાત જીવને કરવી છે તે કઠણ નથી, પણ સુવાણમાં દિન જાતા રહે છે. તે હમણાં ભજનમાં બેસારીએ તો અકળાઈ જાય. તે તેરા (ગામ) પાસે પ્રેમાનંદસ્વામીને મટકાં જીતાવ્યાં તે રોઈ ગયા એટલું વસમું લાગ્યું.
પરજંત : પર્યંત, સુધ્ધાં.
(176) ઈટોલાના હરિભક્તે રસોઈ દીધી તે આઠસો રૂપિયાની ચાર રસોઈ દીધી ને કહે, ‘મહારાજ ! આમાં તો મારે આઠસો રૂપિયા જોયા.’ પછી મહારાજે એના ઘરનો હિસાબ ગણાવ્યો તે રળ્યું, ખપ્યું બધું ઘરમાં નાખ્યું તેનું કાંઈ નહિ ને આઠસો તે ઓલ્યા કરતાં ઝાઝાં થઈ પડ્યા ! તે આવરદા બધી ઘરકામમાં કાઢે છે તેનું કાંઈ નહિ ને સંત સમાગમમાં પાંચ દિવસ રહે તો કહેશે જે, વ્યવહાર કેમ ચાલે? ને લૂગડાં ને ખાવામાં આવરદા પૂરી કરે તેનું કાંઈ નહિ. તે ડચકે આવ્યા સુધી એ વાતુંનું ભજન થાશે. તે ઉપર બરવાળાના અવેજની વાત કરી. એમ ઝંખના થાય.
(177) આ તો જેમ લોંઠાએ ટાઢ-તડકો વેઠે છે તેમ લોંઠાએ કથા કરાવીએ છીએ. આ તો ભગવાન ભજવામાં પહેલો દહાડો છે તે અકળાવું નહિ ને શાંતપણે કરવું ને કોઈનો અવગુણ ન આવે ને આત્મબુદ્ધિ રહે તેવી ક્રિયા કરવી ને કથા કરવા બેઠા છીએ તે જેમ મોરી ગળામાં ઘાલી તેમ બેઠા છીએ. તે જ્યારે ઢોરને ગળામાંથી મોરી કાઢે ત્યારે તરત જ ભાગે તેમ આ કથારૂપી મોરી છે. તેની સમાપ્તિ થાય કે તરત જ સંકલ્પ પ્રમાણે ક્રિયામાં પ્રવર્તે છે. માટે દેહનો અનાદર કરવો ને પદાર્થનો તિરસ્કાર કરવો, એ વાત તો જીવ સોણામાં (સ્વપ્નામાં) પણ જાણતો નથી. વિષયના આદર કરવા ને દેહના પોષણના આદર કરવા તેમાં સહુ મંડ્યા છે.
લોંઠાએ : પરાણે.
આત્મબુદ્ધિ : પોતાપણાની ભાવના, 'દેહ તે હું નહિ પણ આત્મા છું' એવી બુદ્ધિ.
મોરી : પશુને મોંઢે બાંધવાનું દોરડાનું ગાળિયું.
(178) વિશલ્યકરણીવાળા વચનામૃતમાં (વચ.ગ.અં.39) સત્સંગી ક્હ્યો તેને સાધુ કહેવાય કે નહિ ? ત્યારે સ્વામીએ ઉત્તર કર્યો જે, આત્મનિષ્ઠા આવી ને આત્મારૂપ થઈને ભગવાનમાં જોડાણો એ બે લક્ષણ આવ્યાં કહેવાય. પણ
આકૃતિચિતિચાપલ્યરહિતા નિષ્પરિગ્રહાઃ ।
બોધને નિપુણા આત્મનિષ્ઠા: સર્વોપકારિણ: ॥
(સત્સંગિજીવન : 1/32/28)
અર્થ :- શ્રીહરિ ભક્તિમાતાને કહે છે, ‘હે સતી! મુમુક્ષુઓએ કેવા સંતને સેવવા જોઈએ? તે જેઓ કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયોની ચપળતાએ રહિત અર્થાત વિષયવાસનાઓ વિરહિત આત્મહિતમાં વિરોધી પરિગ્રહ રહિત, તત્ત્વબોધ આપવામાં પ્રવીણ, આત્મામાં જ એક નિષ્ઠાવાળા આત્મારામ, સર્વજનોનો આ લોક-પરલોકમાં ઉપકાર કરવાના સ્વભાવવાળા હોય.’
બોધને નિપુણા એવું કાંઈક બાકી રહી જાય ને બધાં સાધુતાનાં લક્ષણ આવે તેમાં કાંઈ બાકી રહે નહિ. આ બે વાતનો હમણાં વેગ નહિ લગાડીએ તો આગળ લગાડ્યો જોશે ને સાધુ થયા વિના ભગવાન ભેળું કેમ રહેવાશે ? ને અગિયાર વાનાંએ રહિત થાય ત્યારે મહારાજ કહે, ‘અમારે તેની જોડે સુવાણ થાય છે ને આપણે આ ભક્તિ કરીએ છીએ, તે ભગવાન બહુ માની લે છે.’ તે પણ મોટેરાની રુચિ હોય તો થાય. તે સર્વને મોક્ષ પામવો છે તે સારુ કરે છે. તેમાં પણ એકાંતિક સાધુ, સાધારણ સાધુ ને સત્સંગી એટલા ભેદ છે. તે ઉપર વાત કરી જે, પર્વતભાઈને કહ્યું જે, દાદાખાચરના ગોલા થાશો ? તો કહે, ‘હા.’ એ એકાંતિક. બીજાઓએ ‘ ના’ પાડી પણ ઘરના ગોલા કોણ નથી ? ને આપણે દેહના ગોલા છીએ, પણ ભગવાનને વચને ગોલા થાવું તે કઠણ છે.
આત્મનિષ્ઠા : હું તો દેહથી જુદો જે આત્મા તે છું ને મારે વિશે પ્રગટ પરબ્રહ્મ અખંડ બિરાજમાન છે. તેવી અતિ દૃઢ માનીનતા, શ્રદ્ધા, વિશ્ર્વાસ, આસ્થા.
અર્થ : ધન, સંપત્તિ.
સુવાણ : સુગમ, સરળ, સહેલું. આરામ, આનંદ, હૂંફ.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
(179) પાણી ભરવાનું ઠક્કર નારણપ્રધાનને કહીને બોલ્યા જે, આટલી સેવા છે તે અંતર શુદ્ધ થયાનો ઉપાય છે. આટલી સેવા કરવી એ જ આપણું છે, બાકી બીજે તો તુળસી મૂકી છે ને કૂટ્યા કરીએ છીએે પણ તેમાંથી તો કાંઈ નહિ નીકળે. સેવા કરવી કે ભગવાનનું ગમતું કરવું તે કઠણ જણાય ત્યારે જાણવું જે મોક્ષનો પૂરો ખપ નથી.
(180) જીવ સર્વ આગળ દીન થાય છે પણ ભગવાન આગળ ને ભગવદી આગળ દીન ન થાય ને સ્વભાવ તો જે મરણિયો થાય તે મૂકે. અર્થં સાધયામિ વા દેહં પાતયામિ । અર્થ :- મારો ધાર્યો અર્થ હું સિદ્ધ કરીશ અથવા દેહનો પાત (નાશ) કરીશ. એવો અડગ નિશ્ર્ચય હોવો જોઈએ. એવો જેને આ ખપ હોય તેના સ્વભાવ જાય, મરને આત્મનિષ્ઠાની ને ત્યાગની વાત કરતા હોય પણ સ્વભાવ ટાળવા તે તો બહુ કઠણ છે. તે ઉપર સાખી બોલ્યા જે,
બાર કોશે બોલી બદલે તરૂવર બદલે શાખા,
બુઢાપણામાં કેશ બદલે પણ લક્ષણ ન બદલે લાખા.
કહેણી મીસરી ખાંડ હે રહેણી તાતા લેહ;
કહેણી કહે ને રહેણી રહે એસા વીરલા કોક.
એ તો ભાટની કટારી છે, તે મુખ્ય પોતાને માથે લેવું ને બીજાને તો ઘટે એટલું કહેવું. મુખ્ય કરવાનું તો પોતાને જ છે તે ભરતજીનું મન પ્રથમ એવું નહિ હોય પણ પછે કોઈ કહેનાર નહિ તે મૃગમાં હેત થયું.
દીન : લાચાર, ગરીબ, રાંક.
અર્થ : ધન, સંપત્તિ.
મરને : ભલેને.
વીરલા : બહાદુર, શૂરવીર.
(181) ઘીથી કે તેલથી લૂગડાં પલળી ગયા હોય, તે થોડે દાખડે ઉજળું ન થાય. તેમ વ્યવહારે કરીને પલળી ગયો હોય, તે તો જ્યારે દાખડો કરે ત્યારે હૈયામાંથી વ્યવહાર નીકળે.
(182) તલને ફૂલમાં વાસે છે તેમ મનને ભગવાનના સ્વરૂપમાં વાસવું ને જ્યારે કહેવા સાંભળવા માંડે ત્યારે થાય. તે પણ તેવા કહેનારા હોય ત્યારે થાય. પછી તો મહારાજ જાતા રહ્યા ને સંત પણ જાતા રહ્યા ને આપણે તો લગારે ડર ક્યાં છે ? પણ જો મહિમા હોય તો જ ડર રહે છે. યો વેત્તિ યુગપત્સર્વં પ્રત્યક્ષેણ સદા સ્વતઃ । અર્થ :- જે પોતાની મેળે પ્રત્યક્ષપણે એકી સાથે બધું જ જાણે છે. એમ એકકળા-વિચ્છિન જાણે છે ને જે જે કરીએ છીએ તે બધું દેખે છે. એમ પ્રત્યક્ષ પોતા પાસે ઊભા હોય એમ સમજાય તો ડર રહે પણ એમ ક્યાં સમજાય છે ?
અર્થ : ધન, સંપત્તિ.
(183) વિષયનો સંબંધ રાખીને કોણ સારો થયો છે ? તેથી છેટું કર્યે જ સારું થાવાશે ને આજ્ઞામાં તો ઠીક છે, પણ છઠ્ઠું ખાસડું (ઠપકો) ખાય. તે શું જે, વાંક ઉપર પાંચને બદલે છ ખાસડાં માર્યા. ત્યારે કહે જે, છઠ્ઠાનું પાપ તો તારે માથે. તેમ વ્યવહાર કરવો તે તો આજ્ઞા છે, પણ આજ્ઞા બહાર કરવું કે સ્વભાવ વાપરવા એ છઠ્ઠું ખાસડું છે ને તેનું પાપ લાગે છે.
(184) મોટા હોય ત્યાં માયા ન વ્યાપે. તેના ડરમાં સહેજે સારું વરતાય ને જેણે સ્વભાવ મૂક્યો હોય, વાસના નિર્મૂળ કરી હોય ને સાંખ્ય શીખ્યા હોય તેથી જગતની સુવાણ ન થાય. પછી વિશ્ર્વાત્માનંદસ્વામીનું આખ્યાન કહ્યું જે, ખૂબ લાડવા તડુશીને લક્ષ્મીવાડીમાં ઝાડ હેઠે સૂતા; કારણ કે પેટમાં પાણી નો’તું માતું. એમ અસુસી થયાથી ઝાડની હેઠે સૂતા સૂતા લોટતા હતા. તેને જોઈને સાધુએ કહ્યું જે, કેમ આળોટો છો ? તો કહે જે, તમારા જેવા દેહાભિમાની છીએ ? તે થોડું ખાઈને દેહને સુખિયું રાખીએ છીએ. જુઓ તો કેવું હેરાન થાય છે ! પછી કઠારીની ને માળાની વાત કરી ને ગુલાબગર બાવાની વાત કરી જે, સાધુને ધ્યાન કરતા દેખી તેના શિષ્યોને ધ્યાનમાં બેસાર્યા; પણ પોતાથી તો ધ્યાનમાં રહેવાણું નહિ ને કહે જે, ઊઠો ઊઠો ઘણું કામ છે. શું બેસી રહ્યા છો ? એમ કહીને ઉઠાડી મેલ્યા.
વાસના : પૂર્વના સંસ્કારોથી મકકમ થયેલી કામના.
સુવાણ : સુગમ, સરળ, સહેલું. આરામ, આનંદ, હૂંફ.
અસુસી : આફરો ચડવો.
(185) સોઢીના રણ જેવું અંતર થઈ ગયું હોય તો પણ ગ્રામ્યવાર્તારૂપી કાંપ આવે ત્યારે કામાદિક રૂપ ઝાડ થાય ને જે એક અંગ છે તેમાંથી વેગે ચડે તો બીજાનો અવગુણ આવે. પછી તેમાંથી ભ્રષ્ટ થાય ને નીકળી જાય ને લોટિયાને અમે ચાર વાર જમ્યા તેમાં અવગુણ આવ્યો તે નીકળી ગયા. માટે એકલે ધ્યાનને વેગે ચડે તો પણ આગળ વિઘ્ન છે.
(186) દાડમાવાળા નથુ મહારાજને ઘરે જઈ અમે જમ્યા. પછી તેમણે અમને લૂગડાં ઓઢાડ્યાં. પછી અમે તેના ડોસાને કહ્યું જે, આ તો વસિષ્ઠ ઋષિ જેવા છે માટે ધોતિયું ઓઢાડીએ. એમ કહીને પોતાનું ધોતિયું ઓઢાડ્યું એટલે તેને અમારો ગુણ આવ્યો ને કહે જે, વર્તમાન ધરાવો. પછી વર્તમાન ધરાવીને સત્સંગી કર્યા ને પ્રૌઢ છે તે તો અવગુણ લઈને પડી જાય છે, પણ અમે ડોસાને અવગુણ લેવા દીધો નહિ ને સત્સંગી કર્યા. તે ઉપર તોરીવાળા કરસનજીની વાત કરી; તે રાનેલ તેડતો પણ આત્માનંદસ્વામીએ રાનેલનો નિષેધ કર્યો એટલે હરિજન રાનેલ તેડતા આળસ્યા તેમાંથી અવગુણ આવ્યો. તે આજીવિકામાં, સ્વભાવમાં ને ધાર્યું મરડ્યામાં ટોકર લાગે ત્યારે સત્સંગ ન રહે, પણ નજર ન પુગે ત્યારે તો કહે તેમ જ કરવું. આ તો ‘પોતે કાંઈ જાણે નહિ ને કહ્યું કેનું માને નહિ.’ તેનો સત્સંગ કેમ નભે ? માટે મોટા કહે તેમ કરવું. મોટા જમતા હોય કે કાંઈ ક્રિયા કરતા હોય તેનો સ્વભાવ જોઈને અવગુણ આવે.
તે ઉપર નૃસિંહાનંદસ્વામીની વાત કરી જે, તેને અમે શીરો ન આપ્યો એટલે અવગુણ આવ્યો, પણ મારી પ્રકૃતિ તો એવી છે જે લાડવા તાણ કરીને ન આપું; ભાજી આપું ખરો ને મૂળજી બ્રહ્મચારી તો હરામ ખવરાવીને લાડવા ખવરાવે. માટે આ સાધુ વિના અવળીસવળી વાત કોઈ ન જાણે, કેટલાકની આ લોકની મોટાઈ છે. તે ઉંટની પેઠે દરવાજે રાખ્યા જેવા હોય ને કેટલાંકના જીવ ઉપરથી ન જણાય પણ માંહી બળિયા હોય તેનો કોઈ અવગુણ લે તેનું ભૂંડું થાય ને ગુણ કે માન ન આવે તે તો જ્ઞાની છે ને આવે ન આવે એ બધું આ સાધુ જાણે. ધ્યાનમાં પણ દોષ દેખાડે. આપણને મોક્ષમાં વિઘ્ન કરનાર દેહ, લોક, ભોગ ને પક્ષ છે ને અવગુણ આવે એ પણ વિઘ્ન છે ને કોઠાર કરવો એ સહુની સેવા છે, પણ જો વેગે ચડી જાય તો તેમાંથી અવગુણ આવે. મોક્ષનું કામ બહુ મોટું પણ જાળવ્યું જોઈએ ને અમને પણ કહેતા જે, રૂપિયા કાંઈ રાખ્યા હશે ને વળી, અવગુણ લેનારા તો કહે જે, એ તો ગાયોનાં ટોળાં રાખીને દહીં, દૂધ ખાય છે.
રાનેલ : રાંદેલ, રન્નાદે, સૂર્યની પત્ની
નિષેધ : શાસ્ત્રવિહિત મનાઈ.
સંવત્ 1919ના પહેલા શ્રાવણ સુદિ તેરસને દિવસે સ્વામીએ વાત કરી જે,
(187) પહેલી કીર્તિ ને પછી અપકીર્તિ. તે મહારાજ જે સાધુને ડગલો ન હોય તેને આપતા હતા. નારણદાસને જૂનો ડગલો તો ખરો પણ નવો લેવો તે માટે ઉકરડામાં ઘાલી આવ્યા ને પછી લેવા ગયા. ત્યારે મહારાજે પૂછ્યું જે, તમારે ડગલો નથી ? તો કહે, ના મહારાજ. પછી વળતે દિવસે ઉકરડામાંથી ખાતર ઉથામતાં ખંપાળીમાં ભરાઈને નીકળ્યો, તે લઈ મહારાજને આપ્યો. ત્યારે મહારાજ કહે, ‘કોનો હશે ?’ તો જોતાં ‘નારણદાસ સમાધિવાળા’ એવું નામ નીકળ્યું. પછી મહારાજે તેમને કહ્યું જે, તમે કહેતા હતા કે ડગલો નથી ને ક્યાંથી નીકળ્યો ? ત્યારે, ‘મહારાજ જૂનો હોય ત્યાં સુધી તમો નવો ન આપો એટલે હું ઉકરડામાં ઘાલી આવ્યો હતો.’ એમ ફજેત કર્યો.
ખંપાળીમાં : ખેતીનું એક ઓજાર, પંજેટી.
ફજેત : બદનામ.
(188) જીવના હૈયામાં છાજની પેઠે વ્યવહાર છવરાણો છે. તે માનસીપૂજા ટાણે રુંધો તો ખબર પડે ને વ્યવહારમાં રાખો તો કાંઈ નહિ ને ભજન કરે ત્યારે બહારની ઉપાધિ માંહી નડે. ભણનારા જેમ શબ્દનું નક્કી કરે છે તેમ સમજણનું નક્કી કર્યું હોય, તેને તેમાં દુ:ખ દેખાય. તે ધૂડ ખાધાનો મનસૂબો થાતો નથી ને સોઢીમાં રહેવાનું મન થાતું નથી.
છાજની : છાપરમાં ઘાસ, પાટિયાં કે વાંસ વગેરેનું કરાતું આચ્છાદન.
(189) મહા મહા સાધન કરે, ફળ-ફૂલ ખાય તોય નિષ્કામી ન થાય ને થાય તો માન જીતવું બાકી રહે. તે ઉપર એક વેરાગી તપ કરતો હતો. તેની સામે માનરૂપી મીંદડો આવીને બેસતો તે વાત કરી. ગુરુ કરે ત્યારે બધી ખોટ જાય અને જીવ સારો રહે. વિજ્યાત્માનંદસ્વામીને એક સાધુએ કહ્યું જે, મારામાં ખોટ દેખાય તો મને કહેજો. નહિ કહો, તો તમારો વાંક. તે એક દિવસ ગોપાળાનંદસ્વામી બહુ ભારે વાતો કરતા હતા ને વિજ્યાત્માનંદસ્વામી જાણે જે, આવી વાતું થાય છે ને આ સાધુ મારી પાસે બેઠો બેઠો ઊંઘે છે તે નહિ જગાડું તો મારો વાંક ગણશે. એમ ધારી આંગળી અડાડી તે એની આંખ ઊઘડી ગઈ પણ એ તો ફરી ઊંઘી ગયો. ત્યારે ફેર જગાડ્યો ત્યાં તો તેને માથા સુધી રીસ ચડી ગઈ. પછી સભા ઊઠી એટલે વિજયાત્માનંદસ્વામી લઘુને ખાડે ગયા ત્યાં તે સાધુ વાંસે ગયો ને ખાસડું ઉગામીને બોલ્યો જે, મને સભામાં ફજેત કર્યો તે મારુ કે ? ત્યારે વિજયાત્માનંદસ્વામી કહે જે, હવે હું કહું તો મારજો પણ આ એક ફેરો માફ કરો. માટે એવાને શું કહેવું ? માટે કહે તેમ ન કરે તો કોઈ વાત સિદ્ધ ન થાય. તે આરૂણી ને ઉપમન્યુની પેઠે કરે તો એ વાત સિદ્ધ થાય. તે હરિદર્શનાનંદને અમે એવું વઢ્યા જે, કાંઈ કહેવાય નહિ પણ તેણે અમારો અવગુણ ન લીધો ને હાથ જોડીને કહે જે, તમો કહો તેવો જ હું છું પણ હવે તમારે શરણે આવ્યો, તે સારા કરો. પછી અમે જેમ કહ્યું તેમ કર્યું તો સારો થયો. માટે મોટા કહે તેમ કરે તો જીવ સારો થાય.
(190) એક જણ જેતપુરમાં મરી ગયો, પણ ગોળ વિના બીજું ખાધું નહિ ને આ તો પોતે ડાહ્યા નથી ને ડાહ્યા માને છે, ગુણ નથી ને ગુણ માને છે. તે ગુરુ કર્યા વિના એમ રહે છે. ગુરુ કરે તો, સોની સોનાને શોધે છે તેમ, તેને શોધી શોધી મરડીને હૈયામાંથી દોષ કાઢી નાખે.
સંવત્ 1919ના પહેલા શ્રાવણ સુદિ ચૌદશને દિવસે સ્વામીએ વાત કરી જે,
(191) મહારાજ વનમાં ફરતા હતા ત્યાં આડો એક ડુંગર. તે ડુંગર ફરીને જાય તો સાત આઠ ગાઉનો ફેર પડે ને ડુંગર ટપીને જાય તો આડો એક બ્રહ્મરાક્ષસ રહેતો હતો. તે માણસ જાય તેને મારી નાંખતો, ત્યાં આગળ દરબારે આડી ચોકી મેલેલ હતી તે કોઈને જાવા દેતા નહિ, પણ મહારાજ તો તે રસ્તે ઝડપથી ચાલ્યા. ચોકીવાળા તો રાડો નાખતા રહ્યા, પણ મહારાજ તો ચાલ્યા ગયા. પછી ચોકીવાળાને ઘણું ખોટું લાગ્યું જે, બિચારા બ્રહ્મચારીને મારી નાખશે. પછી મહારાજે લીલા વાંસનો બે હાથનો કકડો રસ્તામાંથી ખેંચી કાઢ્યો. તે લઈને ટોચે પહોંચ્યા ત્યાં આગળ બ્રહ્મરાક્ષસ લાંબો પાટ થઈને પડેલો તે ત્રાડ પાડીને ઊઠ્યો ને મહારાજની સાથે લડાઈ કરી ને બ્રહ્મરાક્ષસને મહારાજે વાંસના દંડથી પ્રહાર કરી મારી નાખ્યો. ત્યારે ચોકીવાળા જાણે છોકરાને મારી નાખ્યો. પછી તે રતો બસીયો થયો ને મહારાજે તેને ભાઈબંધ કર્યો પણ તે બ્રહ્મરાક્ષસમાંથી આવેલ તે ગાંડા જેવો હતો ને દેશમાં જઈને રાડું પાડતો ને પડછંદા સાથે વઢતો.
પછી મહારાજને કોઈકે કહ્યું જે, તમારો ભાઈબંધ તો દેશમાં પડછંદા સાથે વઢે છે, ત્યારે મહારાજ કહે, ‘બોલાવો ને સાકર પલાળો. તેને ગળું દુ:ખતું હશે.’ પછી આવ્યો ત્યારે મહારાજ કહે, ‘આજે તો બહુ લડાઈ કરી !’ ત્યારે કહે, ‘મહારાજ માંગરનો સામું બોલતો હતો.’
પછી મહારાજ કહે, ‘આ સાકરનું પાણી પી જા.’ પછી તે પીને સભામાં બેઠો. પછી મહારાજ કહે, ‘રતા ! આ બ્રહ્માનંદસ્વામી કેવા ?’ તો કહે, ‘બે વેણ ઈસેથી લીધા ને બે વેણ આસેથી લીધા તે ભણે મારો બ્રહ્માનંદ પણ ભણે મારો સહજાનંદ એવું ક્યાંય આવે નહિ.’ પછી પૂછ્યું, ‘રતા ! આ જીવોખાચર કેવા ?’ ત્યારે કહે, ‘મહારાજ ! ઈ તો ઠીક પણ મારી માસીને વશ છે.’ તે જીવાખાચરને મનમાં તો મારી નાખે એટલી દાઝ થઈ પણ શું કરે ? પછી મહારાજને કહે, ‘તમે જ એને બોલાવો છો.’ એમ મહારાજ રમૂજ કરાવતા.
પછી મહારાજ ડુંગર ઉપરથી નીચે ઉતર્યા ત્યાં એક બગીચો હતો ત્યાં નાયા ધોયા ને એક ઝાડ નીચે બેઠા. ત્યારે માળીનું ભાત આવ્યું. તે માળી જાણે, ‘આ તપસ્વી ડુંગર ઉતરીને આવે છે તે ભૂખ્યા થયા હશે.’ એમ ધારીને રોટલા દેવા ગયો ત્યારે મહારાજ કહે, ‘અમે તો ફળ-ફૂલ ખાઈશું.’ ત્યારે માળી કહે, ‘મહારાજ ! જ્યારે અનાજ ન મળે ત્યારે ફળ-ફૂલ ખવાય પણ આજ તો તૈયાર છે તે જમો.’ પછી મહારાજ કહે, ‘અરધું અમે ખાશું ને અરધું તમે ખાઓ.’ ત્યારે માળી કહે, ‘ ના મહારાજ ! હું તો ઘેરથી બીજું મંગાવીશ.’ પછી મહારાજ જમ્યા. તે માળીએ પ્રાર્થના કરી કહ્યું જે ‘મહારાજ ! તમે સદાય આહીં રહો હું જમવાનું લાવી આપીશ.’ પછી મહારાજ બે ચાર દિવસ રહીને વયા ગયા.
તે માળી વિયોગના દુ:ખે કરી મરણ પામ્યો. તે સુરતમાં નગરશેઠને ત્યાં જન્મ્યો. તે મહારાજ અરદેશર પારસીને ત્યાં જમવા પધરામણીએ જાતા હતા ત્યારે શેઠના દીકરાએ મહારાજને જોયા તો તેના મનમાં એમ જે આમને મેં જોયેલ છે પણ યાદ આવ્યું નહિ. પછી તેને પૂછવાનો વિચાર થયો પછી તેના બાપને કહ્યુંં જે ‘આપણા ગુંસાઈજી આવ્યા છે એમને દર્શને જાઉં ?’ ત્યારે શેઠ કહે, ‘હા જાઓ.’ એટલે પૂછ્યું, ‘જે કાંઈ ભેટ મૂકવી કે કેમ ?’ ત્યારે શેઠે રૂપાના થાળમાં મેવો મિઠાઈ, ગુલાબના હાર, એક તાકો, પૂજાનો સામાન, રૂપાનો લોટો એટલું આપી એક નોકરને પણ સાથે મોકલ્યો ત્યારે રસ્તામાં નોકરે કહ્યું, ‘જે હવેલી આમ નથી.’ તો કહે, ‘હવેલીએ જાવું નથી જ્યાં સ્વામિનારાયણના તંબુ છે ત્યાં જાવું છે.’ પછી ત્યાં જઈને મહારાજને પૂછ્યું જે ‘વાણિયાનો દીકરો દર્શને આવે છે.’ તો કહે, ‘ભલે આવવા દો.’ પછી ગયા ને મહારાજની પૂજા કરી હાર પહેરાવ્યો.
પછી મહારાજને કહે ‘જે મારે એક વાત તમને પૂછવી છે, પણ આ બધા બેઠા છે તે પૂછી શકતો નથી.’ ત્યારે મહારાજની આજ્ઞાથી બધા ઉઠી બહાર ગયા. પછી મહારાજને પૂછ્યું ‘જે મેં તમને ક્યાંક દીઠા છે પણ યાદ આવતું નથી.’ ત્યારે મહારાજ કહે, ‘મેં પણ તમને દીઠા છે.’ પછી મહારાજ કહે, ‘તમને જે યાદ આવે છે. તે તો અમારા અનુગ્રહથી યાદ આવે છે.’ તે તો તમારા પૂર્વ જન્મનું પુણ્ય છે. આ જન્મનું નથી. તેની વાત કહી દેખાડી ત્યારે તે છોકરો કહે, ‘જે મને ત્યાગી કરો ને મારું કલ્યાણ કરો.’ ત્યારે મહારાજ કહે, ‘જે નગરશેઠને તું એકનો એક દીકરો છું.’ તે ત્યાગી કરાય નહિ પણ તારું કલ્યાણ કરશું. પછી તેના કહેવાથી તેને વર્તમાન ધરાવીને તેને સત્સંગી કર્યો. ‘તું મનમાં સ્વામિનારાયણનું ભજન કરજે ને મોઢેથી કોકને શ્રી વલ્લભ કહેજે ને કંઠી, તિલક પણ ભલે વૈષ્ણવનું હોય.’ એમ કહી રજા આપી. તે મહારાજને રોટલો જમાડ્યો તેનું ફળ કહ્યું.
તેમજ આ બાઉદ્દીનખાં જે નવાબ સાહેબના મામા, તે પણ પ્રથમ અવસ્થામાં લાકડાંના ભારા વેચતા તે એક વખત તેમની મા સાથે લાકડાંના ભારા લેવા ગિરનાર ઉપર ગયા. તે મહા વદ અમાસનું મહોદય પર્વ હતું તેથી અમે ને સાધુ દામોદરજી નહાવા ગયા હતા. તે બરફ જેવા પાણીમાં નાહીને બહાર નીકળ્યા. તે ત્યાં જ સહુ ઠરી ગયા. ત્યાં આગળ બાઉદ્દીનખાં તથા તેમની મા, માથે લાકડાંના ભારા ઉપાડી નીકળ્યા, ત્યારે સાધુએ કહ્યું જે, અમને ટાઢ ચઢી છે તે તાપવા સારુ લાકડાં આપશો? ત્યાં ડોશીએ કહ્યું જે ફકીર છે માટે આપ. એટલે બાઉદ્દીનખાંએ આખી ભારી આપી ને તેની માએ પણ ભારામાંથી બે કટકાં આપ્યા; પછી સાધુ તાપ કરીને તાપ્યાં, પછી અમને કહે જે, આમનું સારું કરો. ત્યારે અમે કહ્યું જે આજથી લાકડાં ઉથામવા આળસ્યાં, પછી બાઉદ્દીનખાંને આઠ રૂપિયાની નોકરી થઈ, પછી ઘોડારમાં રહ્યા, પછી હજૂરી થયા ને પોતાની બહેનને નવાબ સાહેબના દીકરા વેરે દીધી ને હવે તો રાજ્યના ધણી થયા તે જે કરે તે થાય; પણ દાતરડી, બંધીયા ને કુહાડી હજુ સુધી કબાટમાં રાખી મૂકેલ છે, તે દરરોજ પગે લાગીને કહેશે જે, મારા પ્રારબ્ધમાં તો આ હતું પણ આ તો ગુણાતીતાનંદસ્વામીના પ્રતાપસે મીલ્યા હૈ, એમ કહી રાજ્યમાં જાય છે.
બ્રહ્મરાક્ષસ : ભૂતયોનિને પામેલ બ્રાહ્મણ.
પડછંદા : પડઘો.
કરો : ઘરની દિવાલ.
વેરે : સાથે.
(192) મહારાજ દેશમાં ફરતા ફરતા આખા ને પીપલાણા નજીક આવ્યા ત્યારે આખાના ને પીપલાણાના હરિજન સામા તેડવા ગયા. તે આખાના હરિજન કહે જે, આખે પધારો ને પીપલાણાના હરિજન કહે જે, પીપલાણે પધારો. ત્યારે મહારાજ મુક્તાનંદસ્વામીને પૂછ્યું જે, ‘શું કરશું ?’ ત્યારે મુક્તાનંદસ્વામી કહે જે, ‘શ્રીકૃષ્ણ ભગવાન મિથિલાનગરીમાં ગયા ત્યારે જનક તથા એક ભગવદી બ્રાહ્મણ તે બેને સાથે દેખાણા હતા. તેમ તમે પણ કરો એટલે બેય રાજી થાશે.’ ત્યારે મહારાજ કહે, ‘ઠીક ચાલો.’ એમ કહી ચાલતા થયા. તે આખાના હરિજન જાણે ‘આખે પધારે છે.’ ને પીપલાણાના હરિજન જાણે ‘પીપલાણે પધારે છે.’ તે બેયને ત્યાં એકસાથે પધાર્યા. સામૈયાં થયાં, જમીને સભા થઈ, ત્યારે મહેમાન હતા તે જમીને પીપલાણે ગયા તો ત્યાં આગળ પણ મહારાજને વાતો કરતા દીઠા. એટલે મનમાં એમ થયું જે આ શું ? આપણા મોર તો કોઈ ગયું નથી. પછી એક ત્યાં રોકાણો ને એક આખે ગયો. ત્યાં પણ મહારાજને વાતો કરતાં દીઠા. તે મહારાજે હરિજનને રાજી રાખવા સારુ એમ કર્યું હતું.
અમારે પણ શેલણામાં એમ કરવું પડ્યું હતું ને અમે ઓઘડ ખુમાણને ત્યાં અઢાર દિવસ રહ્યા, પછી અમારી પૂજા કરી હાર પહેરાવ્યો ને ધોતિયાં ઓઢાડ્યાં, પછી અમને કહે જે, ઓરડામાં પધારો. તે ઓરડામાં ડોશીઓ હતી એટલે અમે કહ્યું જે, માંહીલીપા (અંદર) વાઘ છે તે જવાય નહિ. એમ ત્રણ વાર કહ્યું. પછી તો અમે ઓઘડ ખુમાણનું કાંડું ઝાલી વાજતે-ગાજતે મંદિરમાં જવા નીકળ્યા ને બીજેરૂપે ઓરડામાં ગયા ને બધે ફર્યા ને હાર પટારા ઉપર મૂકીને અમે મંદિરમાં ગયા. પણ ઓઘડ ખુમાણની નજરે અમે ઓરડામાં ગયા નહિ તેથી તે ઉદાસ થઈ ઘેર ગયા; ત્યારે તેમની દીકરી રાજબાઈએ પૂછ્યું જે, આપા ઉદાસી કેમ છો ? તો કહે, ‘સ્વામી અઢાર દિવસ રહ્યા પણ ઓરડા પ્રસાદીના ન કર્યા.’ ત્યારે રાજબાઈએ કહ્યું જે, આપા! સ્વામી તો ઓરડામાં પધાર્યા હતા ને સ્વામીએ પટારા તથા ઓરડા બહુ વખાણ્યા ને પછવાડેથી ઓશરીમાં પણ પધાર્યા હતા ને અમે સારી રીતે દશે જણે દર્શન કર્યાં હતાં, તોય ઓઘડ ખુમાણ તો મંદિરમાં આવ્યા ને સાધુને પૂછવા લાગ્યા જે, સ્વામીએ ગુલાબનો હાર કેને આપ્યો ? સ્વામીની ડોકમાં પણ નથી. તેમ કોઈને આપતાં પણ દીઠા નથી. ત્યારે અમે કહ્યું જે, તમારા પટારા ઉપર મૂકીને આવ્યા છીએ.
પછી તો ઘેર ગયા ને પટારા ઉપર હાર દીઠો એટલે બહુ રાજી થયા. એમ બે રૂપ ધરી કાર્યની સિદ્ધિ કરી. તે ભગવાન કે મોટા સંતને કાંઈ કઠણ નથી. મહારાજે મુક્તાનંદસ્વામીને ઘણી વાતો કરી પણ પુરુષોત્તમપણું સમજાણું નહિ, પછી મુક્તાનંદસ્વામી કાળવાણીમાં ખાખરામાં જંગલ જવા ગયા ત્યાં મહારાજે રામાનંદસ્વામી રૂપે દર્શન દીધાં ને કહ્યું જે, મહારાજ પુરુષોત્તમ ભગવાન છે ને હું તો તેમનો મોકલેલો ડુગડુગી વગાડવા આવ્યો હતો. એમ કહીને અંતરધ્યાન થઈ ગયા ને એક પટેલના બળદ ખોવાઈ ગયા હતા તે ગોત્યા પણ જડ્યા નહિ; પછી અમે તેને ખળે, આખાના કાનજીરૂપે ગયા ને કહ્યું જે, પટેલ ! સ્વામી કહેવરાવે છે જે, તમારા બળદ ઓલી તળાવડીએ બેઠા છે. ત્યાંથી હાંકી આવજો, તે ઘઉં વાવલતાં કહે જે, ઘેર જાઓ, ઉતારો કરો ને હું વાંસેથી આવું છું. એમ કહી પટેલ તો બળદ લેવા ગયા ને અમે અંતરધ્યાન થઈ ગયા. તે ઘેર આવ્યા ને કહે, ‘કાનજી, મહારાજ ક્યાં ?’ તો કહે, ‘આંહીં આવ્યા નથી.’ પછી મંદિરમાં ખબર કાઢી પણ ક્યાંઈ નહિ, એટલે તેમને આશ્ર્ચર્ય જેવું થયું. અમારે કહેવું પડ્યું જે, એ તો અમે આવ્યા હતા. એમ ભગવાન ને સંત તે તો ઘણા દયાળુ છે. હરકોઈ પ્રકારે ભક્તની રક્ષા કરે છે.
કરો : ઘરની દિવાલ.
(193) માન એ રોગ ભારે છે ને દેહ પણ તેથી વહાલો છે, તે કાળમાં કેટલાક બાયડીઓ પડતી મેલીને વયા ગયા ને કેટલાક ભૂખને દુ:ખે છોકરાં ખાવા મંડ્યા. એક ગામમાં અગનોતેરામાં ધાડું પડ્યું તે ગામફરતી હાથલા થોરની વાડ હતી તે જ્યાં નીચું હતું ત્યાં પોતાનો બચાવ કરવા છોકરાં ઉપર પગ દઈને ઠેકીને નાસી ગયા. માટે દેહનો જેને અનાદર હોય, જ્ઞાન-વૈરાગ્ય હોય તે જ કોઈ દિવસ લડથડે નહિ.
(194) મોક્ષને માર્ગે ચાલ્યા છે તેમાં પણ હજાર વિઘ્ન છે, તે જેને જ્ઞાનનાં લોચન ઊઘડે તેને ખબર પડે. માટે ભગવદીમાં જીવ બાંધવો. આ ક્રિયા છે તેનો તો પાર આવે તેમ નથી. એક ઘોડે બેસવું ને હજાર ઘોડાના પાવરા ભરવા એ કેવું સુખ? લોમષ ઋષિએ પર્ણકુટિ ન કરી તે ગાંડો હશે? માટે ત્યાગી, ગૃહી જેને જેટલો વ્યવહાર હોય તે કરીને પ્રભુ ભજવા મંડી જવું. તે ઉપર ડેડાણના વાણિયાની વાત કરી. તે કોઈકની પાસે ચાર હજાર રાળ માંગતો હતો તે લેવા ગયો; એટલે મારી નાખ્યો. એટલે તે ભૂત થયો. રૂપિયા તો એવા છે.
ઘોડે : જેમ.
રાળ : દેશમાં અગાઉનું એક જાતનું નાણાકીય ચલણ.
(195) શિવલાલભાઈની વાત કરી જે, ભગો શેઠ મંદિરની ધર્મશાળા કરવા દેતા નહોતા, પણ સાધુ સમાગમે કરીને પોતે જ મંદિર છોવરાવ્યું એમ સમાગમે થાય.
(196) આ સત્સંગ તો મચ્છાવતારની પેઠે વધતો જાય છે.
(197) એક જણને ‘ નાગ’ નામનો દીકરો હતો. તેનો બાપ નાગ પાસે ગયો ત્યારે તેને કોઈએ પૂછ્યું જે, આ કોણ છે ? તો કહે, ‘ નાગનો બાપ છે.’ ત્યારે તે રીસાણો ને ચાલી નીકળ્યો ને કહે, ‘શું હું મારા દીકરાના નામથી ઓળખાઉં ? મારું તો કાંઈ નહિ ?’ એવા તો જીવના સ્વભાવ છે.
(198) જીવમાં બડવાલ છે તે કાંટા છે, તે સાધુ કાઢી નાખે છે. તે એક જણને આંખમાંથી કાંટો કાઢ્યો. તે કાંટો તે શું ? તો રૂપ જોવાઈ ગયું. સાધુએ તેનો નિષેધ કરી આંખમાંથી કાઢી નાખ્યો. તેમ સ્વભાવ છે તે કાંટા છે, તે સાધુ હેતુ થઈને, ભળીને સ્વભાવ મુકાવે છે ને વિષયમાં દોષ દેખાડે છે.
નિષેધ : શાસ્ત્રવિહિત મનાઈ.
(199) ચેલાને વશ ન થાય એવા પણ થોડા. તે ઉપર વાત કરી જે, વાળાકમાં શુકસ્વામી ફરવા ગયા હતા. તે આનો ભક્ત કહે, રહો તો ઠીક ને જાવું હોય તો જમીને જાઓ, તે રસોઈ સારુ દૂધ રાખેલ પણ તેમના શિષ્ય હરિસ્વરૂપદાસ કહે, ‘રહેવું નથી.’ પછી ધ્રાંગધ્રાના આનો ભક્ત રસ્તા વચ્ચે આડા સૂતા ને કહે જે, મારા ઉપર ગાડું હાંકીને જાઓ. ત્યારે હરિસ્વરૂપદાસ કહે, ‘ભલે સૂતો.’ એમ કહી, ગાડું તારવીને લઈ ગયા. એમ શિષ્યને વશ તેથી શુકસ્વામીથી હરિજનની મરજી ન સચવાણી ને કચવાવીને વયા ગયા અને હજુ સુધી ગીત ગવાય છે. તે શું ? જે, કોઈ વરતાલ કે ગઢડે જઈને ધ્રાંગધ્રે આવે ત્યારે પૂછે જે, ઓલ્યો હરિસ્વરૂપદાસ જીવે છે મરી ગયો ? એમ હજી સુધી ગીત ગવાય છે.
પછી સેંજળમાં ગયા. ત્યાં પણ માણસિયા ખુમાણે રહેવાની બહુ જ તાણ કરી, એટલે શુકસ્વામીની તો રહેવાની મરજી પણ હરિસ્વરૂપદાસ કહે, ‘રહેવું નથી.’ તે ગાડી જોડાવી તારવીને ચાલી નીકળ્યા; એમ શિષ્યને વશ હોય તેથી હરિજનની મરજી ન સચવાય, પણ નાઘેર ને વાળાક દેશ પશુપાલક કહેવાય ને તેનું ગમતું ન કરે ત્યારે સત્સંગ મૂકવા તૈયાર થાય ને કંઠી તોડીને કહે જે, લે તારી કંઠી. માટે ગુરુને તો કેટલાકનું ગમતું પણ કરવું જોઈએ તો હરિજનને સમાસ થાય. કૃપાનંદસ્વામી તો કળા જાણતા જે, આપણે રહેવું છે ને હરિજનને કુરાજી કરવા નથી. એમ મનમાં હોય પણ પાદર જઈને કહે જે, તમે કચવાવ છો તે લ્યો, આજનો દિવસ રહીએ. એમ કહી પાછા ગામમાં જાય ને હરિજનને રાજી રાખે. તે એક દિવસ ચાર દિવસનો વદાડ કરી ઉમરેઠ ગયા. તે મનમાં વધારે રહેવાનું હતું પણ વદાડ ચાર દિવસનો કરેલો તે ચાર દિવસ થયા એટલે હરિજને બહુ તાણ કરી એટલે બે દિવસ વધુ રહ્યા એટલે હરિજન રાજી થયા. અને પોતે તે મનમાં ધાર્યું હતું કે ચાર દિવસનો વદાડ કરીને આવ્યા છીએ પણ છ દિવસ રહેવું છે. તેમાં શું કહ્યું જે, હરિજનને દુ:ખવવા નહિ ને ત્યાગ-વૈરાગ્ય રાખવો ને યુક્તિ કરીને સમજાવવા ને સીધાં લેવાં તે પણ કાચાં લેવાં; એવી કૃપાનંદસ્વામી કળા જાણતા.
વદાડ : વાયદો.
(200) ઈન્દ્રિયોમાં વહ્યા જઈએ છીએ, દેહાભિમાનમાં વહ્યા જઈએ છીએ તો તે ભગવાનને ન ગમે. અહંકાર ભગવાનને ન ગમે તે મુક્તાનંદસ્વામી સાધુના ચરણની રજ લઈને માથે ચડાવતા.
(201) સાડા બાર પ્રભુ થયા છે, પણ બધાને મટાડવા છે. એક તો કચ્છના ભગવાન રવજી સુતાર, પીજના અવલબાઈ, વરતાલના ભગવાન કેશવદાસ, ગોંડળના શેખજી, વાળાક દેશના ભગવાન અલૈયોખાચર, ઈત્યાદિક સાડા બાર ભગવાન થયા છે.
(202) જીવના સ્વભાવ ઉપર વાત કરી જે, અલૈયા ગામના ધનો ભગત ત્યાગી થયા પછી ઘેર આવ્યા એટલે લાકડીથી માર્યો ને કહ્યું જે, મા-બેન કરી પાછો ઓકણ ખાવા શું આવ્યો છે ? માટે મૂઆ પાછો જા ને પશુને પણ દેશવાસના છે. તે ઉપર છોડવડીની ભેંશની વાત કરી જે, તેને ચોર લઈ ગયા હતા, પણ છોડવડીનો જીંઝવો ખાધેલ તે સાંભરવાથી પાછી આવી, તેમ દેશવાસના છે.
(203) કાંઈક ખાવા મળ્યું એ સર્વે કાંટા છે. તેમાં નેત્રનો કાંટો અધિક છે. તે સ્ત્રીરૂપ કાંટો સૌથી અધિક જણાય છે. તેમ પ્રકૃતિપુરુષ સુધી એ પાપ જણાય છે. તે પ્રકૃતિનો સંબંધ થાય તો શ્યામતા આવી જાય, માટે પ્રસંગ થાવા દેવો નહિ. તેમ જ ખાધાનો, માનનો, ધનનો, સ્ત્રીનો પ્રસંગ ન થાય એમ કરવું.
પ્રકૃતિપુરુષ : ચેતન અકર્મણ્ય પુરુષની મદદથી જડ પ્રકૃતિમાંથી સમગ્ર સૃષ્ટિની ઉત્પતિ થઈ તે
(204) મોક્ષમાં વિઘ્ન ન આવવા દે તે ડાહ્યો. તે ઉપર કુશાગ્રબુદ્ધિ ને મુશળાગ્રબુદ્ધિની વાત કરી જે, દીવાનજીની ને દેસાઈભાઈની વ્યવહારમાં કુશાગ્રબુદ્ધિ ને નાથ ભક્તની મુશળાગ્રબુદ્ધિ છે. અને ઓલ્યાની ભગવાનમાં મુશળાગ્રબુદ્ધિ છે ને નાથ ભક્તની કુશાગ્રબુદ્ધિ છે. તે વ્યવહારમાં પડે તો કુશાગ્રબુદ્ધિ હોય પણ મુશળાગ્ર થઈ જાય છે. તે ઉપર ‘ઘટમેં કુબુદ્ધિ કેસી ભઈ.’ એ સાખી બોલ્યા. જીવમાં તો કપટ, માન, ઈર્ષ્યા વગેરે ઘણું છે. તે ઉપર ચાર ગાંઠુંનું વચનામૃત (વચ. ગ.અં. 33) વંચાવ્યું ને વાત કરી જે, રાણની ગાંઠ હોય તો કુવાડી ગરે નહિ. તેમ બેનો સંબંધ છે તે તો રાણની ગાંઠ જેવો છે ને આંહી બેનો તો સંબંધ જ નથી. પણ માંહી અંકુર છે તે જોગ થાય ત્યારે ઝાડ થાય. પછી બોલ્યા જે,
ઉષ્ણ ઋતુએ અવની ઉપરે બીજ ન દિશે બા’રજી,
ઘન વર્ષે વન પાંગરે એમ ઈન્દ્રિય વિષય વિકારજી.
(કીર્તન મુક્તાવલી-ઉપદેશનાં પદો પદ 4-નં.480-પાન નં.263)
તેમ બેનો કહેતાં ધન, સ્ત્રીનો તો ઉપરથી પ્રસંગ જ નથી, પણ જો માંહી અંકુર છે તો જોગ થયે ઝાડ થાશે. માટે આગળથી ખાધાના નિયમ રાખે તો સારું રહે ને ગંધનો ને સ્પર્શનો પ્રસંગ મોળો છે પણ દેહનો અનાદર જેને હોય તેના ઉપર સાધુ રાજી થાય ને કહ્યું છે જે, જેની દૃષ્ટિ ને મન નિયમમાં હોય તે જાણે જે, આની વૃત્તિ ઠીક છે ને જે કામ ઉપર બેઠા હોય તે કરીએ તો થાય ને ન કરીએ તો ન થાય પણ આ મારગે તો કોઈ મોટાની દયા હોય તો ચલાય છે ને આ મારગ તો અજાણ્યો છે ને બીજા તો દીઠેલા છે.
(205) ક્રિયા કરાવવી તેમાં કરનારની રુચિ હોય તો દશ જણાના જેટલી ક્રિયા કરે ને તેમાં રુચિ ન હોય ને જોડો, તો મૂંઝવણ થાય. માટે મળતી ક્રિયા હોય તેમાં ઠીક પડે ને રુચિ હોય તો ન કર્યાનું પણ થાય છે. તે આંહીના બે વાણિયા હતા તે ઢેઢડી સારું ઢેઢ થયા ને એક વાણિયો આરબ થઈ ગયો. મહારાજે પુસ્તક ઉપર હાથ મૂક્યો ને પાંડવોએ હથિયાર પર હાથ મૂક્યો. માટે રુચિ હોય તે ગમે.
દશ : દિશા.
ઢેઢ : હરિજન.
(206) કાયાભાઈની વાત કરી જે, દ્વેષીએ ખોરડું પાડી નાખ્યું ને માર્યા તો પણ ક્ષમા કરી ને કહે જે, મહેમાન આવ્યા છે તે નવરાવો ને જમાડો, એવી વાતો કરતા. માટે ‘બાતન કી બાત તો બડી કરામત હૈ.’ તે વાતોમાંથી બધું થાય. ગઢડામાં કૂતરાને કાયાભાઈનું ઠેબું વાગ્યું. તે કૂતરે કાઉકારો કર્યો એટલે કાયાભાઈએ વિચાર કર્યો જે, મુક્તના ચરણની રજમાં પડ્યો છે તે બહુ મોટા ભાગ્યવાળો હશે ! એમ મહિમા જાણીને દંડવત્ કર્યો.
ખોરડું : ખોલી, ઓરડી. માટીનું નાનકડું ઘર એટલે કે દેહ.
ઠેબું : પગની ઠોકર.
સંવત્ 1919ના પહેલા શ્રાવણ સુદિ પૂનમને દિવસે સ્વામીએ વાત કરી જે,
(207) જીવનો તો બદ્ધ સ્વભાવ છે તે જ્યાં ત્યાં બંધાઈ જાય છે. તે વિષયની આસક્તિએ કરીને બંધાય. પછી ધક્કો લાગી જાય ને ભગવદીના દ્રોહે કરીને પડી જાય ને પક્ષે કરીને પણ એકબીજાનો દ્રોહ કરે. તે લક્ષ્મીનારાયણના ને નરનારાયણના તેમને માંહે માંહે વેર. માટે પંચવિષય ને પક્ષે કરીને સત્સંગમાંથી પડી જાય ને એમાં સુખ છે એવી તો કોઈએ કલમ મૂકી જ નથી પણ બદ્ધ સ્વભાવ તે બંધાય ને પછી એમાંથી કલેશ થાય.
આશા હિ પરમં દુ:ખં નૈરાશ્યં પરમં સુખમ્ ।
યથા સંછિદ્ય કાન્તાશાં સુખં સુષ્વાપ પિંગલા ।।
(શ્રીમદ્ ભાગવત : 11/8/44)
અર્થ :- આશા જ પરમ દુ:ખ છે ને આશા રહિત રહેવું તેમાં પરમ સુખ છે. જેમ પિંગલા નામની વેશ્યાએ પુરુષ માટેની આશાને છેદી સુખેથી ઊંઘ લીધી.
દ્રોહ : મનથી, વાણીથી કે કર્મથી જાણી જોઈને કરેલ દોષ, ગુનો, પાપ કે અપરાધ
અર્થ : ધન, સંપત્તિ.
(208) કોઈ કહેશે જે, મારે અન્ન પચતું નથી. તે ઉનાળા જેવું આજ ક્યાંથી પચે ? માટે જ્ઞાન હોય તો સુખ રહે, નહિતર દુ:ખિયા રહે.
(209) પક્ષનું એેવું છે જે, મહારાજ સામું માણસ લડવા મંડ્યા જે તમે જ બધું કરાવો છો. એટલે આ લોકને વિષે જીવને સુખિયો રાખવો તે તો બહુ કઠણ છે. તે ભગવાન ક્યાં ને જીવ ક્યાં ? એ આદિ અનેક વાત છે.
(210) સત્યસ્વરૂપાનંદ, વિશ્ર્વાસાનંદની કેડે ગયા. આધારાનંદ કહે, ‘મને આજ્ઞા આપો તો મુંબઈ જાઉં ને બે ચાર કલમો ભણી આવું.’ માટે જોઈએ તો જ્ઞાનનું છેટું છે ને એવી રીતે ચઢી જાય છે. તે મે’મણ પોઠીએ બેઠો હતો તે કહે જે, ‘કેં કેં હણાં, કેં કેં ન હણાં.’ એવો જીવ છે તે કોકની ખોટ જણાય પણ પોતાની ન જણાય.
કેડે : પાછળ.
(211) જેટલી કુટુંબમાં આસક્તિ, જેટલી દેહ, લોકમાં આસક્તિ તેટલો હરખ, શોક થાવાનો ને જેમ ઝાઝું દ્રવ્ય તેમ વધારે કલેશ આવે.
આસક્તિ : મોહ, અતિશય સ્નેહ, લગની.
(212) આ જીવને પોતાનું શ્રેય કરવું તેની તો ખબર જ નથી, જેમ ગોળમાં મંકોડો ચોંટ્યો હોય તેમ જીવ વ્યવહારમાં ચોંટ્યો છે. તે મધલાળ મુકાતી નથી. રોટલા મળે તો બીજું દુ:ખ ક્યાં છે ? પણ ઝાઝું કરવું તે જીવે રહેવાય નહિ.
(213) કોઈ એવાને સંગ થાય તો ક્યાંઈના ક્યાંઈ ઉડાડે ને કાં તો કોઈનો અવગુણ ભરાવી દે ને કોઈની ખબર પૂછતા હોઈએ ને કોઈને પૂછતા ભૂલી ગયા તેમાં અવગુણ લે.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
(214) એક જણ મોટા થયા હતા તેની વાત કરી જે, આ સભામાં બેઠા બેઠા દુ:ખ રહે ને ચેલો હોય તે જાતો રહે તેનું દુ:ખ રહે ને કાં તો પૂજા લઈ જાય તેનું દુ:ખ રહે ને તૃષ્ણા વૃદ્ધિ પામે છે તે પંચવિષયમાંથી એક વિષયની તૃષ્ણા વૃદ્ધિ પામે તોય સુખ ન રહે.
(215) આ દેહ છે તે તો ધૂડ ઉપર લીંપણ છે ને ત્રાટે ચિત્ર છે. એવો વિચાર રહે તો આ લોકમાં ન બંધાય, પણ પૂર્વાપરની સ્મૃતિ નહિ તેથી બંધાઈ જાય છે ને કેટલાકને મારી નાખે છે. અહંમમત્વ ભરાય છે ત્યારે તો જેમ વિશ્ર્વાસાનંદે લક્ષ્મીનારાયણને કાઢી નરનારાયણ ઘાલ્યા, પણ તે તો સત્સંગમાંથી ગયા. એમ અહંમમત્વમાંથી થાય છે. માટે દરવાજે ઊભા રહ્યા થકા જોવું ને વિવેક કરીને વિચારવું જે, આ પક્ષમાં શું ફળ છે ? ને આ પદાર્થમાં શું ફળ છે ? તે જોવું ને રૂડો સંગ છે તે જ સુખનો કરનારો છે ને પદાર્થમાત્ર પીડાનાં દેનારા છે. માટે ભગવદી હોય તેણે વ્યવહાર કરવો પણ માંહી માલ માનવો નહિ. તે જેમ દાંત અંબાઈ ગયા હોય ને ચાવે તેમ વ્યવહાર કરવો. ગૃહસ્થમાત્ર વ્યવહારમાં રહ્યા છે પણ અંતે જોઈએ તો કોઈ કોઈનું નથી ને દેહ પણ આપણું નથી.
તે ઉપર વાત કરી જે, અમદાવાદમાં ઢૂંઢિયાના મેળામાં ટૂંટિયું આવ્યું. તે માણસો ભાગ્યાં ને રસ્તામાં કેટલાંક મરી ગયાં ને પછી આખા દેશમાં ટૂંટિયું ફેલાણું ને જામસાહેબની કુંવરીઓનું વિવાહમાં કાયટું થયું. તે વાત કરી જે, કુંવરીને ટૂંટિયું થયું ત્યારે રણમલ જામસાહેબ કહે, ‘આ કુંવરીને દશ દિવસ સુધી કોઈ જીવાડે તો તેને લાખ કોરી આપું.’ પણ જીવ્યાં નહિ. પછી સાખી બોલ્યા જે,
માનવ જાણે મેં કર્યું કરતલ બીજો કોઈ,
આદર્યા અધવચ રહે ને હરિ કરે સો હોય.
માટે પ્રકૃતિપુરુષ સુધી કોઈનો દેહ નહિ રહે ને ચાર વાનાં અવિનાશી છે. બીજું બધું નાશવંત છે, પણ મોહે કરીને આદ્ય-અંત જોવાતું નથી ને મધ્ય જોવાય છે ને મોહને ઘોડે ચડે ત્યારે તેમાંથી હરિજનનો, આચાર્યનો ને મંદિરનો દ્રોહ થાય છે, પણ કાર્યાડકાર્ય, ભયાડભય, બન્ધમોક્ષ । (પ્રવૃત્તિ-નિવૃત્તિ, ભય-અભય, બંધન-મોક્ષ) એ બધું જાણતો હોય તેને મોહ ન થાય. તે બુદ્ધિ વિના તો પંચાતમાં નાંખે, તો પૂર્ણાનંદે પંચમહાપાપનો અર્થ કર્યો એવું થાય.
કાયટું : મરણોતર કર્મકાંડી ક્રિયા ને જમણવાર, દસમું-અગિયારમું-બારમું : એ ત્રણ દિવસોની શ્રાદ્ધક્રિયા.
દશ : દિશા.
પ્રકૃતિપુરુષ : ચેતન અકર્મણ્ય પુરુષની મદદથી જડ પ્રકૃતિમાંથી સમગ્ર સૃષ્ટિની ઉત્પતિ થઈ તે
વાનાં : વસ્તુઓ. (બ.વ.)
ઘોડે : જેમ.
દ્રોહ : મનથી, વાણીથી કે કર્મથી જાણી જોઈને કરેલ દોષ, ગુનો, પાપ કે અપરાધ
અર્થ : ધન, સંપત્તિ.
(216) ઉપાસના સમજવી તે તો કોઈકને જ સમજતાં આવડે. બીજા તો નાળ કાપતાં ગળું કાપે એવું કરે. ભાગવત સાંભળે તો અર્ધું વ્યાપક સમજાય પણ,
જન્મ કર્મ ચ મે દિવ્યમેવં યો વેત્તિ તત્ત્વતઃ । ત્યક્ત્વા દેહં પુનર્જન્મ નૈતિ મામેતિ સોઽર્જુન ॥
(શ્રીમદ્ ભગવદ્ગીતા : 4-9)
અર્થ :- હે અર્જુન ! મારે જન્મ અને કર્મ બન્ને દિવ્ય છે. આ રીતે (મારા જન્મ અને કર્મને) જે માણસ તાત્વિક રીતે જાણી લે છે, એ શરીરનો ત્યાગ કર્યા પછી પુનર્જન્મ નથી પામતો (એ તો) મારી પાસે આવી પહોંચે છે.
એવું દિવ્ય ન સમજાય ને ચોખી ઉપાસના તો મહારાજે સમજાવી. તે કેટલાં કેટલાં દૃષ્ટાંત દઈને કેટલાંક શાસ્ત્ર ભણાવ્યાં. લાખો રૂપિયા ખરચીને વિદ્યા ભણાવી, તે જીવના હૈયામાંથી નાસ્તિકપણું ને મોરના (પહેલાના) પાસ કાઢવા સારું કર્યું, પણ વચનામૃત ન લખ્યા હોત તો અરધું અજ્ઞાન રહેત. મહારાજે કહ્યું હતું જે, ‘ભગવાનના આકારનું ખંડન કરે તેનો આકાર યોનિબારો ન નીકળે. તે તેને કાપી કાપીને કાઢે.’ તે ઉપર વાત કરી જે, મહારાજે પાંચસે સાધુને પૂછ્યું જે, ‘મોટામાં મોટું પાપ કયું ?’ ત્યારે કોઈ કાંઈ બોલ્યું નહિ. પછી અમને પૂછ્યું ત્યારે અમે કહ્યું જે ‘નિરાકાર સમજે તે પાપ મોટું છે.’ ત્યારે મહારાજ બહુ રાજી થયા ને બોલ્યા જે ‘ઠીક કહ્યું.’ પછી મધ્યનું દશમું વચનામૃત વંચાવીને વાત કરી જે, સાકારબ્રહ્મનું પ્રતિપાદન છે, પણ ભક્તિહીન હોય તેને નિરાકાર સમજાય છે. તે ભાગવતમાંથી પણ નિરાકાર સમજાય છે માટે આ જે બ્રહ્મ છે તેને જ સાકાર સમજવા ને નિરાકાર તો આ મૂર્તિનો પ્રકાશ છે, માટે પ્રકાશીને (પ્રકાશમાન મૂર્તિને) સાકાર સમજવા એ જ ઉપાસના કહેવાય.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
અર્થ : ધન, સંપત્તિ.
નિરાકાર : પોતાને ત્રણ દેહના માયિકભાવથી રહિત અર્થાત નિરંજન ને કેવળ બ્રહ્મભાવે આત્મારૂપ માનવું.
(217) કાનદાસને ત્રણ વરસ સુધી મંદવાડ રહ્યો. ત્યાર કેડે આવીને વર્તમાન ધાર્યા. દીનાનાથ ભટ્ટની વાત કરી જે, તેને નિશ્ર્ચય નહોતો. તે મહેમદાવાદના બ્રાહ્મણોએ તેને પૂછ્યું જે, સ્વામિનારાયણ ભગવાન હોય તો અમેય સત્સંગ કરીએ. ત્યારે તે કહે, ‘ભગવાન તો કેમ કહેવાય ? પણ મોટાપુરુષ તો ખરા.’ તેથી બ્રાહ્મણો પણ સત્સંગ કરતાં આળસ્યા ને શિક્ષાપત્રીમાં તો મુખ્ય મયારામ ભટ્ટ આદિ સત્સંગી તેની પાસે જ લખાવ્યું. ત્યારે મનમાં એમ થયું જે ‘હું આવો વિદ્વાન ને મારું નામ નહિ ? ને અભણ જે મયારામ ભટ્ટ તેનું નામ નાંખ્યું ?’ માટે મહારાજ પણ ભણેલાનો મહિમા કાંઈ જાણતા નથી. પછી તેની દીકરીને ભૂત વળગ્યું ત્યારે પોતે ચંડીપાઠ કર્યો પણ ભૂત ગયું નહિ. પછી મહારાજ પાસે આવીને પ્રાથર્ર્ના કરી કહ્યું જે, ‘હે મહારાજ ! જમનાને ભૂત વળગ્યું છે તે કાઢો.’ ત્યારે મહારાજ કહે, ‘તમે તો દેવ બ્રાહ્મણ છો, તમારે ત્યાં ભૂત હોય?’ ત્યારે કહે, ‘હું દેવ બ્રાહ્મણ પણ અનાથ છું,’ પછી મહારાજ કહે, ‘મયારામ ભટ્ટ પાસે લઈ જાઓ. તે પાઠ કરશે એટલે જાશે.’ પછી મયારામ ભટ્ટ પાસે લઈ ગયા. તેમણે પાઠ કર્યો એટલે ભૂત ગયું. પછી નિશ્ર્ચય થયો. એમ નિશ્ર્ચય વિનાના પંડિત હોય તો પણ તેનાથી ભૂત ન જાય. પછી જગદેવહરિની વાત કરી જે, બહુ શાસ્ત્રમાં પ્રવર્તતા હોય તેના હૈયામાંથી ડીંગળ ન નીકળે. તે અખંડાનંદ બ્રહ્મચારીને ન નીકળ્યું ને આપણે તો,
સર્વ ધર્માન્પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ ।
અહં ત્વા સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ: ॥
(શ્રીમદ્ ભગવદ્ગીતા : 18/66)
અર્થ :- (હે અર્જુન !) તમામ ધર્મોનો આશરો છોડીને તું કેવળ મારા શરણમાં આવ. હું તને બધા જ પાપોમાંથી મુક્ત કરી દઈશ, તું (નાહક) ચિંતા ન કર.
એમ છે, ને કોઈનો સંગ જ નહિ, તે એ વાત પેઠી જ નહિ ને બધાએ તો લાખ લાખ જોજન ઊંડા કૂવા ખોદ્યા છે. તેમાં પડે તે નિસરે જ નહિ ને શંકરાચાર્યે તો અદ્વૈતનું પ્રતિપાદન કર્યું છે. માટે રામાનુજે દ્વૈતનું પ્રતિપાદન કર્યું છે, એટલે સંન્યાસી અતીત પાસે શંકરાચાર્યે રામાનુજની આંખો કઢાવી નાખી. એવા મતનાં વેર થાય છે ને આપણામાં પણ પક્ષ થાવાના. પછી વાત કરી જે, ઉત્તમાનંદસ્વામી વરતાલ આવ્યા હતા તેને મહારાજે સભામાં સર્વોપરી એમ કહેવરાવ્યું ને શુકમુનિને અમે કહ્યું જે વાતો કરો છો ત્યારે ચોખી કરો છો; ને કલમ ટાણે મોરલી ઘાલો છો તે તો સ્વપ્નામાં પગ ભાંગ્યો છે. ઓેલ્યા દેશવાળાને મે’મણ જેવો કજિયો છે તે ‘ડાઢી કૂચે કૂચો થાય પણ હકડી ફક ન છડું.’ તે શું? તો નરનારાયણ એ મહારાજ, એમ કહે છે. તે હવે બીજું ન જ કહે.
સંવત્ 1919ના પહેલા શ્રાવણ વદિ પડવાને દિવસે સ્વામીએ વાત કરી જે,
(218) કોઈને સ્ત્રીનો, ધનનો એવા વેગ લાગી જાય છે. તે વેગ તો જેણે બુદ્ધિનો ઠરાવ કર્યો હોય ને મોટા સાધુ સાથે જીવ બાંધ્યો હોય તેને ન લાગે.
‘સર્વે માન તજી શામળિયા સંગાથે મન દૃઢ બાંધીએ’
(કીર્તન મુક્તાવલી-ઉપદેશનાં પદો-પદ 2-નં.397-પાન નં.219)
ને જીવે તો વિષયમાં સાંધ્યું છે. તે સાધુ તોડાવે છે ને ભગવાનમાં સંધાવે છે. તે ઉપર અલ્લારખાની વાત કરી. માટે જેને ઠરાવ હોય તે ઠરાવ કરાવે ને રહે છે મંદિરમાં પણ સહુ સહુના ઠરાવ નોખા છે. એક જણ મંદિરની સ્થિતિ બાંધે છે ને એક તોડે છે ને જીવ જીવમાં તો અનેક તરકટ ભર્યાં છે; તે તરકટ સર્વ દેહનું પોષણ કરે.
તરકટ : પ્રપંચ, કાવતરું.
(219) ભગવાનને ભજતાં કીડી જેવો હોય તે ઈન્દ્ર જેવો થાય ને હરિભક્તનું ને મંદિરનું ને સાધુનું વાંકું બોલે તે ગમે તેવો મોટો હોય પણ કીડી જેવો થાય ને ઘટતાં ઘટતાં ઘટી જાય.
(220) ભામો લાગે ત્યારે અવળો પણ લાગી જાય. તે ઉપર સોનાવદરના પટેલની વાત કરી જે, ઝાંપડાને ઘેર જતો હતો. માટે નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો. સાધુ તો અહોરાત્રિ વિષયનું ખંડન કર્યા કરે ને ભગવાનમાં જોડે કાં તો અખંડ જ્ઞાનયજ્ઞ થયા કરતાં હોય. તે યજ્ઞના નામ લીધાં.
ભામો : વેગ, ઉલ્લાસ, ઉત્સાહ.
(221) મહાફળ કહ્યું તે ફળ પામતાં પામતાં તો ક્યાંય ઊડી ગયા. જેમ ઘા કરીએ તે પૃથ્વી ઉપર પડે તેમ બધું દેહ ઉપર આવીને ઠેરાય. પાપમાત્ર દેહ સારુ થાય છે. અંતે ખાટલો, ખાડો ને ખાવું રહેશે. તે કૌપીન સુધી પણ સારું પદાર્થ જોઈએ. તે ઉપર વાત કરી જે, વસોમાં પરમચૈતન્યાનંદસ્વામીએ કૌપીનો વહેંચી, ત્યારે અમે જાડી કૌપીન લીધી; એટલે પરમચૈતન્યાનંદસ્વામીએ કહ્યું જે, મને પણ એવો ત્યાગ ગમે છે ને જાડી કૌપીન લેવાનો મનસુબો છે પણ હું તો રાગી થઈ ગયો છું. તેમ દાતણ પણ ખોળીને લેવાય છે ને ખાટલે પડે તો પણ સારું સારું ખોળે. માટે નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો. તો દેહ-ઈન્દ્રિયોમાં ક્યાંય જોડાવા ન દે ને ભાગવતમાં કહ્યું છે જે, ઈન્દ્રિયોને લડાવવા માટે કાંઈ ના કરવું.
જાડી : સહેલાઈથી સમજાય તેવી.
(222) ત્યાગી થયા છે પણ પદાર્થ જેટલા આવે તેટલા બધા ભોગવે ને તેનો તિરસ્કાર નહિ તે પાર કેમ પડશે ? ને મંદવાડને લઈને, ઘડપણને લઈને કોઈ કહેશે જે, હવે તમારે કાંઈ નહિ. ત્યારે નિ:શંક થઈને બેસે ને કૃષ્ણાનંદસ્વામીએ લાંબું આસન ન કર્યું. તે જીવમાં જ એવા વળ. તે સાવજ નાનો હોય પણ તેનાથી હાથી ભાગી જાય ને હજાર માણસ ઊભા હોય પણ જો એક ખરેખરો હોય તેનાથી સર્વ ભાગે. તે ઉપર વાત કરી જે, એક ગામમાં શૂરવીર રહેતા હતા. તેમણે પોતાના શત્રુને મારીને જેર કર્યા; પણ શૂરવીર મરી ગયા એટલે શત્રુ ભેળા થઈને પરિયાણ્યા ને કહે જે, હવે વેર લઈએ. પછી સીમાડે પડાવ કરીને ચારણને કહેવા મોકલ્યો જે, તમારા શત્રુએ સીમાડે પડાવ નાખ્યો છે માટે, 500 કોરી પાળની આપો નહિતર સાંજે ગામ ભાંગશે. પછી ગરાસિયા કહે જે, આપણે સામા થાશું તો મરી જાશું માટે, પાળની કોરી પાંચશે આપો પણ કજિયો કરવાનો નથી એમ વિચાર કરે છે. ત્યાં જૂના માંહીલો એક ડોસો આવ્યો ને આવી વાત સાંભળી તે કહે જે, ચારણ ક્યાં છે? પછી તેને બોલાવીને ડોસાએ એવી થપડ મારી તે હેઠો પડી ગયો. દાંત પણ પડી ગયા ને મોઢું પણ ફરી ગયું ને કહ્યું, ‘જા સુખેથી આવે.’ પછી ઘરે ગયો ને સ્ત્રીને કહે જે મારે લડવા જાવું છે. હું જીવતા પાળ ન ભરાય, માટે સારું ખાવાનું કર. પછી તે જમીને કેસરિયાં કરી ચાલ્યા. ત્યારે તેની સ્ત્રી કહે જે, હવે મારે જીવીને શું કરવું છે ?
પછી તે બાઈ પણ કછોટો વાળી, ધોકો લઈ, ઉઘાડે માથે ચાલી. તે ડાયરો બેઠો હતો ત્યાં થઈને નીકળી. ત્યારે ગરાસિયાં કહે જે, ઓઝલ છોડ્યું. ત્યારે બાઈ કહે જે મરદને લાજ કે ઓઝલ હોય નહિ, પણ બાયડી જેવા હોય તેને લાજ ને ઓઝલ હોય. તે સાંભળી બધા વાંસે વારે ચઢ્યા ને ઓલ્યા ચારણે જઈ શત્રુને વાત કરી જે, એક ઘરડો શૂરવીર છે ! તેણે મને થપાટ મારી તે દશ દિવસ સુધી મારાથી રોટલો નહિ ખવાય. તે સાંભળી શત્રુ ભાગી ગયા ને કહે જે, તે મરી જાશે એટલે જઈશું ને ઓલ્યા પણ સીમાડે આવ્યા પણ શત્રુ ન ભાળ્યા એટલે પાછા વહ્યા ગયા. તેમ જે શૂરવીર હોય, તેનાથી મન, ઈન્દ્રિયો પાછા ભાગે પણ જે ઈન્દ્રિયોને લાંચે એવા હોય તેનાથી પ્રભુ ભજાય નહિ. તે મૂળજીનો હાથ કચરાણો પણ અ...ર...ર...ર ન કર્યું. તે શું જે, ક્ષત્રિયનો દેહ, તે એમ કહેવાય નહિ. તે ઉપર ઉનાના અવચંદ શેઠના દીકરા કરસનદાસની વાત કરી જે, એક છાપ લઈ ભાગી ગયો ને કાઠીના છોકરા છાપું સારુ (છાપ માટે) બપોર સુધી લાંઘ્યા ને કહે જે, છાપું આપો નકર અમારી લાજ જાય. પછી છાપું દીધું પણ જરાયે થડક્યાં નહિ.
સાવજ : સિંહ.
પાળની : રક્ષણ/રખોપું કે તેનું મહેનતાણું.
વાંસે : પાછળ.
દશ : દિશા.
લાંઘ્યા : પોતાનું ઈષ્ટ ન મળતાં સામામાણસના બારણાં નજીક ઉપવાસ કરવા બેસવું એ.
(223) ઠરાવ હોય તે થાય. તે આખા મંદિરનું કારખાનું એક જણ ઉપાડે, પણ ઠરાવ ન હોય તો કંઈ ન થાય. તે એક જણ કહે જે, હું થાળ લેવા જાઉં તો તે ક્રિયા થઈ પણ નહાવું, ખાવું ને બહાર જાવું તે ક્રિયા છે જ તો.
(224) ભામા લાગે છે. તે કેટલાકને ઘોડાના, કેટલાકને ગાડીના ને કેટલાકને રસોઈ નોખી કરવાના ભામા લાગે છે તેને મોટા છે તે દેખે છે. તે આચાર્ય મુકાવે તો પણ મુકાય નહિ. ત્યારે ભામો લાગ્યો કહેવાય ને ગાડું ગાડું સામાન ભેળો થયો છે ને સદ્ગુરુના ચેલાને તો બે ગાડા સામાન ને કેટલાક તો દ્રવ્ય રાખે છે. તેના તો મૂઆ પછી દા’ડા-પવાડા થાય છે. માટે નિત્ય પ્રત્યે આવો સમાગમ હોય તો બીજું ન પેસે ને સ્વાદ, માન, લોભ તે તો ઘણું જ સારું લાગે છે એ તો જીવનો સ્વભાવ છે. આટલી વાત કરી તે શું ? તો મોક્ષના મારગમાં વિઘ્ન ન આવે તેવી ક્રિયા કરવી ને જીવ ભામે ચઢી જાય ત્યારે ખબર ન રહે. તે ઉપર એક જણ છ ગોદડાં પાથરતો તથા હળવદનો રાજા હજાર ઘડે નહાતો તથા પોરબંદરના રાજાને દશ જણ થઈને ઘોડે બેસારે તેની વાત કરી ને ગાંગડામાં એક વેરાગી જાડો થઈ ગયો હતો. તે ગોપાળાનંદસ્વામી આગળ રોયો, પછી સંતની ચરણરજ માથે ચડાવવાનું કહ્યું તે તેણે ચડાવી તેથી તે સારો થયો ને ખાધા વિના તો જાડું ન થાવાય.
ભામો : વેગ, ઉલ્લાસ, ઉત્સાહ.
દશ : દિશા.
ઘોડે : જેમ.
(225) રામાનંદસ્વામીની દેશી રઘુનાથદાસે કરી. તે વીસળનગરમાં ભૂખ્યો રહ્યો. પછી ચોરી કરીને ખાવું પડ્યું ને હરિવલ્લભાનંદે માણાવદરમાં ખાધું નહિ. પછી રાત્રે મુઠડીના દાણા ખાવા માંડ્યા, ત્યારે મહાપુરુષદાસ કહે, ‘ઉંદરડો દાણા ખાય છે પણ માંહી ધનેડાં આવશે.’ એક બાઈ કહે, ‘હું ખાતી નથી પણ સાથળે રોટલી બાંધેલ તે નીકળી ગઈ એટલે ભૂંડી પડી.’ માટે જેને જ્ઞાન નહિ તે પશુ કહેવાય. આ તો સમુદ્ર છે તે માંહી ચોરે એવા પણ હોય. માટે આપણે ભગવાનના ભક્ત ઓળખવા ને આસુરી સંપત્તના જીવ છે, તેને આ પુસ્તક કામ ન આવે. તે ઉપર રોળાનંદની વાત કરી ને નિષ્કુળાનંદસ્વામીના શિષ્ય મોરારચરણદાસે ઓઘા બાળ્યા. અદ્ભૂતાનંદસ્વામીને ઝેર આપ્યું ને ચરણારવિંદ પાડ્યાં ને ગોંડળમાં માલપુવાની રસોઈ કરી, પછી અમે તેની સાથે બોલ્યા નહિ. માટે સમાગમ વિના પુસ્તક ને પૂજા કાંઈ સમાસ ન કરે.
દેશી : સામાન્ય લોકવર્ગમાં ગવાય એવા રાગમાં ગવાતી રચના.
(226) સાધુ છે તે ભગવાન ઓળખાવનારા છે ને અક્ષરધામમાં પણ એ જ લઈ જાશે, પણ જો એ સાથે મન નોંખું પડ્યું તો ત્રિશંકુનો તારો; નહિ સ્વર્ગનો ને નહિ મૃત્યુલોકનો, તેના જેવા હાલ થાશે.
(227) નિત્ય સાધુનો સમાગમ કરે ત્યારે જેમ મોલમાંથી ખડ નીંદે છે તેમ હૈયામાંથી ભગવાન વિના સર્વ નીકળી જાય.
ખડ : ઘાસ.
(228) સાધુ તો ગૃહસ્થને પણ કહેવાય, તે સારા ગુણવાળાને જ સાધુ કહ્યા છે ને આપણામાં તો સાધુ કલકત્તા જોઈ આવ્યા.
(229)
ધર્મપ્રકાશદાસ ત્રણ વૃત્તિ વ્યાકરણ ભણ્યા હતા, પણ ‘રોમશત્રુ’ નો અર્થ ન આવડ્યો ને અરધો ઝાઝો કે આખો ઝાઝો તેની ખબર નહોતી. તેને કોઈએ પુછ્યું જે ‘માની બેન શું થાય ?’ તો કહે, ‘કાકી.’ તેમાં શું કહ્યું જે, વ્યવહારનું જ્ઞાન નહિ પણ તેમના અક્ષર બહુ સરસ થાતા.
અર્થ : ધન, સંપત્તિ.
(230) કામ ઉપર ઉતારો કરે ત્યારે કામ થાય. તે ખેતીચાકરી જે કરે તે ઉપર ઉતારો કરે એટલે કરવા મંડી પડે તો થાય ને સત્સંગ એવી વસ્તુ છે તે એક કોર સત્સંગ ને એક બાજુ જગત. માટે જેમ ‘ જણ જણનાં મન રાખતાં વેશ્યા રહી ગઈ વાંઝણી.’ તેમ લોકનું ને ઈન્દ્રિયોનું ગમતું કરશું તો ભગવાન ને મોટા સાધુનું ગમતું નહિ થાય.
(231) જેને કાંઈ વધુ વરતવું હોય ત્યારે બીજાનું ઉત્કૃષ્ટ વર્તન હોય તે જોવું, ત્યારે વધુ વરતાય. તે નિયમ જોવાં, તેનો ધર્મ જોવો, તેનો સ્વભાવ જોવો, ત્યારે વરતાયા વિના રહે નહિ.
(232) કર્તવ્ય છે તે કરવા દેવું નહિ ને જન્મ્યા છીએ ત્યારથી સૂવા માંડ્યું છે ને ખાવા માંડ્યું છે પણ તેનો પાર આવે તેમ નથી.
(233) આ સત્સંગ મળ્યો ને આ ભગવાન મળ્યા તેને જેમ સિયાજીનો (સયાજીનો) ચાંદલો આવે તેમ છે. પણ એવી પ્રાપ્તિના આનંદ મૂકીને કોઈ ચેલા સારુ રુએ છે, કોઈ પદાર્થ સારુ રુએ છે, તેને એવી પ્રાપ્તિ ને એવા આનંદની ખબર જ નથી.
(234) જેનો જે કસબ હોય તેમાં તે જાણે. તે ઉપર વાત કરી જે, સોનીએ બે તોલા સોનું ચોરી લીધું. એમ પરમેશ્ર્વર ભજવામાં પણ જે કસબી હોય તે જ ભજી જાણે. તે શું જે, વ્યવહાર કરતાં કરતાં માંહી નવરાશ લાવી પોતાના જીવનું શ્રેય કરી લે તે કસબી કહેવાય.
કસબ : કળા, કળાકુશળતા, નિપુણતા.
(235) ખેતી ને વેપાર તો ત્રિલોકી કરે છે, પણ કર્તવ્ય તો આ સત્સંગ કરવો તે જ છે ને પ્રભુ ભજવા બેસવું હોય તેને કામ કરનારાં ઘણાં છે ને કામ, ક્રોધ, લોભ, માનને સાચવનારા પણ ઘણાં છે ને સ્વાદના સાચવનારા એવા છે જે, ભદ્રાનંદે વડોદરાના મારગે દહીં મંગાવ્યું તે સારુ ગોપાળાનંદસ્વામીએ તેમના મંડળમાં ન રહેવા દીધો ને હવે તો ફરવા જાવાનું કહે તો કહેશે જે, જાદરિયા ટાણે અગર શેલડી ટાણે આવશું ને ઓળા ટાણે કાં કેરી ટાણે આવશું. એમ કહે તે શું મોક્ષ કરે ?
અગર : મીઠું પકવવાના ક્યારા.
સંવત્ 1919ના પહેલા શ્રાવણ વદિ બીજને દિવસે સ્વામીએ વાત કરી જે,
(236) કાળ આપણને છેતરતો જાય છે તે આપણને ખબર પડતી નથી પણ મરી જવાશે. માટે કાળને છેતરીને પ્રભુ ભજી લેવા.
(237) ખાવા દાણા મળ્યા ત્યારે કલ્પના કરવી નહિ ને ‘ખોદવો ડુંગર ને મારવો ઉંદર.’ તે જીવને શેર અન્ન જોઈએ તે સારુ કેટલાક ક્લેશ ભોગવે છે ને અગનોતેરામાં કોઈને બાળ્યા પણ નથી ને દા’ડો-પાણી પણ કર્યું નથી. માટે આપણે કોઈમાં મોહ પામવું નહિ ને રોટલા તો સત્સંગીને મળશે. તે વાંસે બીજાને પણ મળશે, પણ બીજાને તો કાંઈ ખબર નથી. જેમ પાડો માંદણામાં પડ્યો હોય તેમ પડ્યા છે ને જન્મ-મરણનું દુ:ખ ભૂલી ગયા છે.
(238) પક્ષપાત, લડવું, મારવું એ સર્વે રૂપિયામાં રહ્યું છે. તે કેટલાકને ઝેર દે છે. પછી વાત કરી જે, હરિજને ગોપાળાનંદસ્વામીને પધરાવ્યા. તે વખતે પાડોસણે મોં વાળ્યું ને કહે જે, કાંઈ રોકડ મેલી ન ગયા. પછી ગોપાળાનંદસ્વામીએ પુછાવ્યું જે, શા સારુ રુએ છે, તેને કાંઈ ખાવા નથી ? તો કહે, ‘પચીસ હજાર રોકડા મેલી ગયેલ છે, તે સિવાય બીજી મિલકત છે.’ તોય કહે જે, ‘મારા સારુ કાંઈ મેલી ગયા નથી.’ ત્યારે ગોપાળાનંદસ્વામી કહે, ‘ભલે રુએ.’ માટે કોઈને પૂરું થયું નથી ને કોઈના તાલ પૂરા થયા નથી. તે ઉપર વાત કરી જે, એક કાછિયો કાંગસી રાખતો તે ઓળ્યા જ કરતો. એમ જીવ આવરદા કાઢી નાખે છે ને શાંતિએ રહિત વરતે છે ને બધાના હૈયામાં શાંતિ નથી. તે મે’મણ પોઠિયે ચઢ્યો એવું કરે છે.
તાલ : સ્વાદમાં વધારો.
કાંગસી : કાંસકી.
(239) આમાંથી પ્રભુ ભજી લીધા એટલું આપણું. બાકી શેતરૂંજી (નદી)ના પુરમાં તણાઈ ગયું તે ‘એક મત બાપડી તે ઉભે મારગે ત્રાપડી.’ એમ રાખવું. તે ઉપર વાત કરી જે, દાવાનળ સળગતો આવ્યો તેમાં ચાર જનાવર આવી ગયા. તે શિયાળ કહે, ‘ભાગો.’ ત્યારે સસલો કહે, ‘મારે સો મત છે. તે હું શું કરવા ભાગું ?’ ત્યારે સર્પને પૂછ્યું જે ‘તમારે ?’ તો કહે, ‘મારે તો લાખ મત છે. તે હું શું કરવા ભાગું?’ ત્યારે કાચબાને પૂછ્યું તો કહે, ‘મારે તો કરોડ મત છે. તે હું શું કરવા ભાગું ?’ પછી શિયાળ તો કહે જે,‘મારે તો એક મત છે. માટે મારે તો ભાગવું પડશે.’ પછી શિયાળ તો બહાર નીકળી ગયું. પછી દાવાનળ તો આવ્યો. ત્યારે સર્પ તો ઝાડ ઉપર ચઢી ગયો, સસલો જાળમાં પેસી ગયો ને કાચબો તો ધરતીમાં ખાડો ખોદી પેસી ગયો. પછી જ્યારે અગ્નિ ઓલાઈ ગયો, ત્યારે શિયાળે આવીને જોયું તો સસલો સડસડ થાતો હતો. સર્પ તો ઝાડ ઉપર લબડી રહ્યો હતો ને કાચબો ધરતીમાં ફળફળ થાતો હતો. તે જોઈને શિયાળ બોલ્યું જે, ‘સો મત સડસડી, લાખ મત લડબડી, કરોડ મત ફળફળી, એક મત બાપડી તે ઉભે મારગે ત્રાપડી.’ માટે જેને મોક્ષને મારગે ચાલવું તેને તો એક પ્રગટ ભગવાનની દશ રાખવી, પણ બીજા કોઈનો ભાર આવવા દેવો નહિ. સો કામને પાછા ઠેલી ઠેલીને પ્રભુ ભજી લેવા. તે ઉપર ભાદરા ગામના બ્રાહ્મણની વાત કરી જે, તે બે પહોર જ રળતા ને પછી પ્રભુ ભજતા. માટે આપણે પણ તેમ કરવું.
દશ : દિશા.
ઠેલીને : હડસેલીને, પડતાં મૂકીને.
પહોર : પ્રહર, ત્રણ કલાક.
રળતા : મહેનત કરતા.
(240) કેટલાકનો સત્સંગ છે તે ભૂષણ જેવો છે ને કેટલાકને દૂષણરૂપ છે. તે પૂછીએ જે, ‘ભાઈ તમે સત્સંગી છો ?’ તો કહે, ‘મારો કાકો હરિભક્ત છે.’ એવા હોય તે શું ભગવાન ભજે ?
(241) નોતરું તો એક પરમેશ્ર્વરનું જ સાચું છે ને હમણાં તાવ આવે તો ખવાય નહિ. તે ઉપર વાત કરી જે, દીપડીમાં (ગામમાં) રામાનુજાનંદસ્વામીએ-
‘સખી આનંદની વાત કહું આજ રે’
(હજારી કીર્તનાવલી-થાળ-પાન નં. 92)
એ થાળ બોલીને નૈવેદ્ય ધર્યુ, ત્યાં ટાઢિયો તાવ આવ્યો તે ખવાણું નહિ. માટે નોતરું તો એક પરમેશ્ર્વરનું સાચું છે; તે પરમેશ્ર્વર ખાવા દે તો જ ખવાય.
(242) મરી જવાશે ને કરવાનું રહી જાશે. માટે બધાને મરડીને પ્રભુ ભજી લેવા. કેમ જે, આ દેહ ઘડારૂપે છે. તે મોક્ષરૂપ સાધન સાધી લેવું ને ખેતીવાડી, વેપાર એ પણ કરવું ને મુખ્ય ભગવાન રાખવા, તે વર કેડે જાન રાખવી ને આંહી સવાસો દેહ મૂકી ગયા ને જોગ વિના તો પ્રભુ ન ભજાય. સર્વ મંડ્યા છે પણ પ્રભુ નથી ભજાતા; એ મોટી ખોટ છે. તે શું, તો જીવને વિષયને માર્ગે ચાલવાની ટેવ પડી છે પણ પ્રભુ ભજવાની ટેવ પડી નથી. તે બધા દેશકાળ સાનુકૂળ હોય ત્યારે વાતો સંભળાય. માનસી, માળા, જપ, તપ એમાં કોઈની વાટ જોવી નહિ. કાર્યો ધર્મસ્તુ સત્વરમ્ । અર્થ :- ધર્મનો અમલ તો તત્કાળ કરવો જોઈએ. તેમાં તો કોઈનો સૈયારો ન કરવો. કેમ જે, ઘડી કેડે કેમ ને કેવું થઈ જાય ! માટે એ તો તત્કાળ કરવું.
અને દેહના વહેવારમાં બધાની આયુષ્ય જાતી રહેવાની છે. માટે વ્યવહાર કરીને પ્રભુ ભજી લેવા ને જીવ તો નવરો હોય તો ફેલ કરે ને રૂપિયા હોય તો બીજું ઘર કરે ને રૂપિયા હોય તો બગાડ કરે પણ સારું ન કરે. તે ઉદ્વેગ આવે ત્યારે વાતો ન સંભળાય. નારદ તથા પરવતને ઉદ્વેગથી પરણવાનું મન થયું. આ પ્રભુ ભજવાનો આદર કર્યો છે તેમાં હજાર વિઘ્ન છે. પદાર્થ જાય તો બીજું મળે પણ ભગવાન ક્યાં મળે છે ? સમાગમે કરીને પ્રભુ ભજાય છે. માટે સમાગમ કરી લેવો.
ફેલ : નીતિશાસ્ત્ર વિરૂદ્ધનું આચરણ તથા આવક કરતાં વધુ ખર્ચ કરે તેવું આચરણ.
(243) રૂપિયા તો કોઈને સુખ આવવા નહિ દે. તે કદરજને, નંદરાજાને, કૌરવને સર્વેને હેરાન કર્યાં. માટે દ્રવ્યનું પણ જોઈ મૂકવું જે, એમાં સુખ નથી ને રાજાનું અંગ જુઓ તો ખબર પડે. તે રાતમાં સુખે સુવાય પણ નહિ; તો ભગવાન શાના ભજાય ?
(244) ગ્રામ્યકથામાં ભળવું નહિ. તે ગ્રામ્યકથા થાતી હોય ત્યાંથી લઘુ કરવાનું મિષ લઈને ઊઠી જાવું. કેમ જે,
ગ્રામકથાના ગપોટાં એનો ન કરજે આહાર,
દેવાનંદ કહે દેહનો નથી ઘડી નિરધાર.
(245) બાજરો મળ્યો ત્યારે પ્રભુ ભજવા મંડી જાવું ને જેટલી ગાફલાઈ રહેશે તેટલું રોવું પડશે. માટે આજે એવી ક્રિયા કરો જે, પાધરું ભગવાનના ધામમાં જ જવાય. સંત અને સત્સંગી સાથે હેત રહે, નિયમ રહે તો ભગવાન રાજી થાય. મહારાજ આપણા જીવ સારુ મંદિર, આચાર્ય ને પુસ્તક કરી ગયા છે. તે મહારાજનો સ્વભાવ તો એવો કે લૂગડાં પણ આળાં ચામડાં જેવાં લાગતાં ને ચકલીથી બીના ને એક પાયજામામાં બે પગ નાખવા મંડ્યા ને નાડી બાંધતા ન આવડી. એવું ભગવાનનું કારખાનું છે. આપણા સ્વભાવમાં ભળીને આપણાં કલ્યાણ કર્યાં ને આ સાધુનું પણ તેમ જ જાણવું ને દેહ રાખવા સારુ કાંઈ જમે, પણ તેનો આદર નહિ. તેમ જ ધર્મ, વૈરાગ્યમાં રાખવાનો આદર છે.
(246) આ સાધુની સર્વ ક્રિયા કલ્યાણકારી છે. એનું ખાવું, પીવું, બોલવું એ સર્વ કલ્યાણને અર્થે છે.
(247) બ્રહ્માંડ રચાણું ત્યારથી ટંકશાળું બેઠી છે, પણ રૂપિયા તો હજુ ક્યાંય ઉભરાઈ ગયા નથી. તે કેટલા રૂપિયા ખરચીએ તો દાંત આવે ? ને કેટલા રૂપિયા ખરચીએ તો પળી (સફેદ વાળ) ન આવે ? ઘણાં દેહ સારાં છે પણ કાંધ ઉપર ધૂંસરા છે તે મેમણના બળદની પેઠે તાણ્યા જ કરે છે.
પળી : પળિયાં-માથાના ધોળા વાળ.
(248) જેટલો સત્સંગ થાય તેટલા ભગવાન ભજાય. જેમ ખાધા વિના ભૂખ ન જાય ને તાપ્યા વિના ટાઢ ન જાય તેમ સમાગમ વિના સુખ ન થાય.
(249) આ લોકના ને આ દેહના ઠરાવમાત્ર અદ્ધરિયાં છે, તેથી એને ક્ષણભંગુર લખે છે. ધૂડ ઉપર લીંપણ છે, તે રહે નહિ એમ છે. જેમ ગધેડા ઉપર અંબાડી શોભે નહિ, તેમ અનિત્યમાંથી સુખ ક્યાંથી મળશે ? તે સારુ દોષને મારવા ને ભગવાનને કહેવું જે, સમોવડિયાને મારજો ને દોષ ટાળજો.
(250) પાપે કરીને બુદ્ધિ નાશ પામી ગઈ છે તે અવળું જ સૂઝે છે, પણ સારું માણસ હોય તે સારી શિખામણ આપે છે. તે ઉપર વાત કરી જે, બાવાખાચરને લાંક સાહેબે શિખામણ દીધી જે, તમારા બાપ સ્વામિનારાયણના ભક્ત ને તમે ક્યાં આવા પાપી થયા ? ને અભેસિંહને કહે, ‘તમારા બાપ આવા સત્સંગી ને તમે હિંસા કરો છો તે સારું ન કહેવાય.’ પછી ગોપાળાનંદસ્વામી લોધીકે પધાર્યા ત્યારે જીભાઈ તેમની પાસે રોયા ને કહ્યું જે આ દીકરો હિંસા બહુ કરે છે. કાંઈ દૃષ્ટિ કરો તો સારું. પછી ગોપાળસ્વામીએ અભેસિંહને બોલાવ્યા ને જોતાંવેંત કહ્યું જે આ તો બહુ સારા છે. એમને સંગ દોષ લાગ્યો છે. પછી તે બહુ ભારે હરિભક્ત થયા.
કરો : ઘરની દિવાલ.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
(251) રૂડો સંગ ન હોય, શાસ્ત્ર ન હોય, રૂડો કાળ ન હોય તો પ્રભુ ન ભજાય. આ ભક્તિ મારગમાં મહારાજનો સંબંધ છે, પણ જો તેનો અતિશે વેગ લાગે તો દુ:ખ સરજાવે, માટે જેટલું આજ્ઞાએ કરે એટલું નિર્ગુણ છે.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
(252) મુમુક્ષુનું લક્ષણ એ જે મોક્ષમાં વિઘ્ન કરનાર પદાર્થને ઈચ્છે નહિ ને તૃષ્ણા છે તે મુમુક્ષુનું લક્ષણ નહિ ને મુમુક્ષુ હોય તે ‘લાવો, લાવો’ ન કરે. તે ઉપર નિષ્કુળાનંદસ્વામીનું કીર્તન બોલ્યા જે,
કરજો સત્સંગીની સાયે-સત્સંગીની સાયે રે,
વા’લા ધરમ સંકટની માયે કરજો સત્સંગીની સાયે. 0ટેક0
વિદ્યાર્થીની વિપ્ર વરણીએ ભલી બાંધી છે ભેઠ,
સત્સંગીની શ્રદ્ધા સ્વામી નૈ રે’વા દીયે નેઠ રે. વા’લા-1
સાંખ્ય જોગી ને શસ્ત્રધારી સન્યાસી ને સંત,
લાવો લાવો લાવો કરે ફરે લેવા અંત રે. વા’લા-2
અસન વચન વાસન વલી જે જે જોયે સમાજ,
અવસ એ તો આપવું પડશે ન આપે તો આપે ન રહેલા જ રે. વા’લા-3
ઘરનું હોયે તો ધોળું પરૂં કાઢી અપાયે કેમ,
સુખ જુનાનું જોઈને નવા-ધારતા નથી નિમ રે. વા’લા-4
નિત્યે ઉઠીને નવલા આવે-ગાવે માતમ મુખ,
કોટિ ઉપાયે કેડ્ય ન મૂકે-એ વાતનું દુ:ખ રે. વા’લા-5
એ તો સહુંનું સરખું કયું-વળી કે’વાનું એક,
રસ્તાના રે’નારની-કે’દિ ટકશે નહિ ટેક રે. વા’લા-6
જેમ છે તેમ જણાવતો નથી-અંતરજામી અલબેલ,
વાલમ વે’લા વારે ચડજો-વળી મકરજો વેલ રે. વા’લા-7
આવું સાંભળીને સમજું હોય તે કરજો હૈયામાંયે તોલ,
કર જોડીને એ તો કહે નિષ્કુળાનંદ બોલ રે. વા’લા-8
પછી વડતાલ માંડણ સુતારની વાત કરી જે, તેને અમે પૂછ્યું જે મંદિર આવવાનું નિયમ છે કે નહિ ? ત્યારે કહે, ‘ બધા સાધુ આવે છે ને ગાડું જોડાવે છે તેથી નિયમ નથી. સાધુ ન હોય તે દિવસ નિયમ રહે છે.’ માટે સાધુ થઈને હરિજનના નિયમ તોડાવશે તે પાપ સાધુને લાગશે.
કોટિ : કરોડ.
(253) ખાવું, ઊઘવું ને સ્ત્રી એ ત્રણ બંધન તો બહુ મોટાં છે, એવું બંધન બીજું કાંઈ નથી. માટે ભગવાન સામું જોઈ રહેવું ને દેહ તો કોઈનો રહ્યો નથી. કેટલાક ભણનારા નાના નાના મરી ગયા. તેમનું નામ કપીલેશ્ર્વરાનંદ, શિવાનંદ, આત્માનંદ, જોગાનંદ.
(254) જેને મોક્ષની ઈચ્છા હોય તેને વિષયની ઈચ્છા ન હોય. તે તો તેમાં દોષ જ દેખતો રહે. ધોલેરાના ત્રિકમની વાત કરી તથા કેવળાનંદસ્વામીની વાત કરી જે, ફરવા જાય ત્યાં હરિભક્ત દૂધ લાવે ત્યારે કહે જે, હમણાં સ્વામીની આજ્ઞા નથી તે આજ્ઞા મંગાવશું એટલે લેશું. એમ કહીને ન ખાવું એ તાન. ગમે તે બહાનું દઈને ન ખાય ને પાકી રસોઈ થાય તો પત્તરમાં લે નહિ ને પત્તરમાં આવી જાય તો પડખે બેઠા તેને આપી દે. માટે વિષયની ઈચ્છા ન હોય તે મુમુક્ષુનું લક્ષણ છે.
પડખે : પાસે.
(255) હવે તો સત્સંગમાં માંહી માંહી વેર થયાં છે ને મોર તો ઘણાંને સાથે રાખીને સત્સંગ કરાવતા તે સત્સંગની ગરજ જોઈએ. તે ઉપર મહેમદાવાદની વાત કરી જે, એવા હોય તે મુમુક્ષુનું લક્ષણ નહિ. મુમુક્ષુ હોય તે તો રાજ આવે તે પણ મૂકી દઈને ભજન કરી લે. બાજરો ભેગો કરીને સત્સંગ કરી લેવો. આવા મેહ વરસે છે ને આવા સારા દેશકાળમાં સમું નથી રહેવાતું તો વસમા દેશકાળમાં ક્યાંથી ઠીક રહે ? માટે મુમુક્ષુ હોય તેને જ વિષયનું દૂર કરવું ગમે ને ભગવાનથી ઢૂંકડું ગમે. તે જુઓ તો જણાઈ જાય. આંહીયાં આવ્યા છે પણ તાણ ઘરદીશની રહે છે. તે નાના નાના જે છે તેને ત્યાગ પાર પાડવો, તેને તો ભગવાન પાર પાડશે તો જ પડશે. જેમ કોઈકને વાગ્યું હોય ને પડદે રાખે ને વા લાગવા દે નહિ ને કરી પેઠે ખવરાવે ત્યારે ઘા રૂઝાય, પણ જો તે કાંઈ ખાય અગર સાંભળે તો ટેભા તૂટી જાય તેમ છે. માટે વિષયનો અનાદર થાય ખરો પણ હૈયામાં આનંદ ન રહે.
તે પ્રથમ જેતલપુરમાં રહેતા ત્યારે મુક્તાનંદસ્વામી ભોંય ઉપર સૂતા ને અમે સૂવા માંડ્યું પણ ઊંઘ ન આવી; એટલે મુક્તાનંદસ્વામી કહે જે, તમે નવા સાધુ છો તે કટવડો પાથરો; પછી અમે કહ્યું જે, તમે પાથરો તો પાથરું. ત્યારે મુક્તાનંદસ્વામી કહે જે, મહારાજની આજ્ઞા નથી તે મારાથી ન પથરાય. ત્યારે અમે કહ્યું જે, અમારે પણ મોક્ષ જોઈએ છે. પછી અભ્યાસથી કાંકરામાં ઊંઘ આવી ગઈ. પણ જેને વિષયમાં આસક્તિ હોય તેને સારા વિષયનો જોગ થાય ને દેહને રાખ્યો જોઈએ. માટે વિષયનો અનાદર હોય તે સાધુને ઓળખે. ઓળખ્યા વિના તો પાર પડે નહિ. ત્રણ પ્રકારના કુસંગને ન ઓળખે તેને તો સત્સંગની દીશની ખબર જ નથી. જોબન અવસ્થા પાર પડવી તે બહુ જ કઠણ છે, માટે ઘા વાગે તેને પડદે રાખે છે, માટે આપણે પણ સ્પર્શ, સ્વાદથી છેટું રાખવું. સ્વાદ તો મુખમાં રહ્યો છે. તે ઉપર અલૈયાખાચરની વાત કરી.
સમું : સરખું.
અગર : મીઠું પકવવાના ક્યારા.
કટવડો : ઘાસની સાદડી.
આસક્તિ : મોહ, અતિશય સ્નેહ, લગની.
સંવત્ 1919ના પહેલા શ્રાવણ વદિ ત્રીજને દિવસે સ્વામીએ વાત કરી જે,
(256) સાધુ ઓળખવા, તે બધાને ઓળખાય નહિ ને ઉપાસના પણ બધાને સમજાય નહિ. તે એ ઘાંટી અટપટી છે, પણ એ બેની તો થોડી થોડી દશ જણાણી છે ને બીજા બેની તો દશ જણાણી જ નથી. તે લાજે કરીને ન ભોગવે પણ અરુચિ નહિ. આટલા બધા જ્ઞાનના ગારા મચાવીએ છીએ તો પણ રુચિ મટતી નથી તે રુચિ કેમ કળાય ? તો ઉત્તમ વિષયનો જોગ થાય ત્યારે માંહીથી રાજી થાવાય છે ને તે ભણી ભમી જવાય છે. મોરે (પહેલા) અમે રાઘવાનંદસ્વામી આદિ ભેળા રહેતા તે ગણોદમાં ગયા ત્યાં હરિભક્તે પાકી રસોઈની તાણ કરી પણ માંહી ત્યાગી હતા તે કહે, ‘અમો ન ખાઈએ.’ પછી અમે કહ્યું જે, તમે ચાર જણા જમો તેનું પાપ અમારે માથે. પછી ત્યાંથી ચાલ્યા તે વગડામાં ગયા ને સામસામા દંડવત્ પ્રણામ કર્યાં. તે હેત હોય તો ઠીક, નહિતર વેણે વેણે આકળા થાય. તેમાં વાત શી કરી જે, વિષયની કોરે નમી જવાય છે.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
દશ : દિશા.
મોરે : અગાઉ
આકળા : ઉતાવળા.
(257) ઉપાસના જેને થઈ ને તેની ગાંઠ પડી તે ફરે નહિ. તે સત્સંગીજીવન લખ્યો ત્યારે સાત દિવસ સુધી કજિયો ચાલ્યો, પછી મહારાજે કહ્યું જે, દેરામાં મસીદ કરે છે તેમ કરો. શાસ્ત્રમાં પણ પડદો રાખીને ભગવાનને કહ્યા હોય. માટે કવિમાત્ર કહેતાં બીએ. મહારાજે નિત્યાનંદસ્વામીનાં વખાણ કર્યાં ને એક જણે સાયદી (શાહેદી) માગી જે ક્યાંઈ શાસ્ત્રમાં છે ? ત્યારે મહારાજે સમજાવ્યું જે, જન્મ મોર શાદી ક્યાંથી હોય ? શાસ્ત્રમાં તો જીવ, ઈશ્ર્વર, માયા ને બ્રહ્મ તેનાં રૂપ કર્યાં છે પણ પુરુષોત્તમનું તો ક્યાંઈ કર્યું નથી ને જેને જે મળ્યા તેને પુરુષોત્તમ કરી બેસાડે છે. તે ઉપર મોડામાં બેચરભાઈ ગયા હતા તેની વાત કરી જે, એક હરિભક્તે પૂછ્યું ત્યારે કહે, અક્ષરપુરુષોત્તમ તો આજ જ આવ્યા છે. બીજા તો તેમના મોકલેલા આવ્યા છે, તેમાં તો કોઈ પુરુષોત્તમ નથી; પણ પુરુષોત્તમ તો આ સ્વામિનારાયણ છે તે આજ આવ્યા છે તેની સાક્ષી શાસ્ત્રમાં ક્યાંથી હોય ? તેનાં શાસ્ત્ર તો હવે લખાશે. પણ કોઈ વાતની આંટી આવે ત્યારે વાત ન મનાય. તે પ્રથમ રઘુવીરજી મહારાજને પણ પુરુષોત્તમપણું નહોતું બેઠું. તે છાવણીમાં બંધ બેઠું ને ભાઈઆત્માનંદસ્વામીને પણ વાંસેથી પુરુષોત્તમપણું સમજાણું ને આનંદસ્વામીને પણ પુરુષોત્તમપણાનો ગોટો ભરાણો. પ્રથમ પૂજા કરાવી પણ જેની મતિમાં જડતા હોય તેને આ વાત સમજાય નહિ.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
(258) મહારાજે તો નામ જ જુદાં પાડ્યાં. તે શું ? તો, અક્ષરાનંદ, અખંડાનંદ, બ્રહ્માનંદ, આત્માનંદ, નિત્યાનંદ એવાં તો નામ પાડ્યાં. પણ શાસ્ત્રમાં તો જેમ ઘટે તેમ લખાય કહેતાં જેવી લખનારાની સમજણ હોય તેવું લખાય. પ્રથમ વિધાત્રાનંદસ્વામી ને અમે વાતો કરતા. તેમાં વિશુદ્ધાત્માનંદસ્વામી તો કાંઈકનું કાંઈ બોલે, તે મહારાજ વિના અવતારમાત્રનો નિષેધ કરી નાંખે. માટે ધીરજ હોય તો ઠીક રહે; તે ધીરે ધીરે એ ઘાલવું ને ઉપાસનાના તો કજિયા છે તેમ ચાર ઘાંટીના કજિયા છે. પણ આવી વાતો સમજાવનારા હોય નહિ; તે બાંટવા પ્રગણાનો (પરગણાનો) બાજરો ને માણાવદરનો ગોળ વખણાય. તેમ આ વાતું પણ ત્રિલોકીથી ન્યારી છે ને વખણાય એવી છે.
નિષેધ : શાસ્ત્રવિહિત મનાઈ.
(259) શાસ્ત્રમાં આત્મા, અનાત્માની વાતો આવે છે પણ પાછું તેમનું તેમ થઈ જાય છે ને નાગરના છોકરા જેવું છે. તે શું જે, મંદિરમાં આવે ત્યારે વાસુદેવાનંદ બ્રહ્મચારી પ્રસાદી આપે ને વાતો કરે ને મંદિર ટોચવવાની ના પાડે તો તે ટાણે તો માને પણ પ્રસાદી ખાઈને બારા જાય એટલે પાછા એના એ ખોદે. તેમ આત્મા, અનાત્માનું સાંભળે ને પાછું એનું એ. માટે જેમ જાતિનું પેઠું છે તેમ દેહાત્માનું થાય ત્યારે ખરું. ને બે વાતની દશ જડી છે ને બેમાં તો ગોથાં ખાઈએ છીએ. નિજાત્માનં બ્રહ્મરૂપં । એ આજ્ઞા પ્રમાણે વરતાય ત્યારે બ્રહ્મરૂપ થયો કહેવાય.
ટોચવવાની : ઠપકો આપવાની.
દશ : દિશા.
ગોથાં : નકામાં ફાંફાં, ભૂલથાપ.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
(260) આપણે તો મામલામાં આવ્યા નથી ત્યાં લગી માટી છીએ. પણ કુસંગનો જોગ થાય કે જગતની વાતો કરે કે અતિ વ્યવહાર કરે ત્યારે, જેમ કોપરું ખમણે તેમ અંતર ઉઝરડાઈ જાય ને સમાગમે જીવ બદલાય છે. તેમ વ્યવહાર કરે કે મેડી હવેલી કરે તેમાં ક્યાં જીવ બદલાય છે ? તેમાં તો જીવ બીજી રીતનો થઈ જાય છે. પણ મૂળગો કોઈનો અભાવ આવશે. આ તો ઉજડ ટીંબો છે તો વાતો થાય છે, તે પોતાની ખોટ તો ઓળખાય નહિ, તે ઉપર એક સીદીએ અરીસામાં પોતાનું મોઢું જોયું તે વાત કરી. અમારે તો એક સહજાનંદની ઉપાસના છે. સિદ્ધાનંદસ્વામીને ઉપાસના તો સહજાનંદસ્વામીની પણ, ‘કૃષ્ણ કેવા હશે ?’ તેનો સંકલ્પ કર્યો ત્યાં તો ખંભે કામળો ને હાથમાં ધોકલો એવા કાળા, આગળ આવીને ઊભા રહ્યા. તે જ્યાં જાય ત્યાં દેખાય એટલે મહારાજને પ્રાર્થના કરી જે,
કાંધે કામરીયાં હાથે લકુટીયાં,
બાંસરી બજાવે ઠાડો જમુના કે તટવા,
કેસે જાઉ પનીયાં રોક્યો પનઘટવા.
અલ્લારખાની વાત કરી જે, ભેખ ઉતારીને રાજમાં ગયો. કેમ કે, પ્રથમ રાજ કરેલું તે ભેખ લીધો પણ હૈયામાંથી રાજ નીકળ્યું નહિ. તેમ ત્યાગી થયા તેમાં શું પાક્યું ? કેટલાકનાં નામાં નીકળે છે, તે વરતાલમાં તો ઉઘાડું કર્યું. બ્રહ્મચારીના ડબા ને સાધુના તુંબડાં ખાલી રહે જ નહિ, ‘લાગ આવે તો કરે છે ઘાત, નહિ તો બેઠો સાંભળે છે વાત.’ જે અંતર સામું જોતા હોય તેને જ જણાય જે આટલા આટલા ઘાટ થયા ને રાગ પણ નોખા નોખા, ઓસડ પણ નોખાં નોખાં. તે માની હોય ને જો ઉપવાસ કરવા માંડે તો મૂળગું વધી જાય માટે સર્પ તો સાણસે જ ઝલાય. તેમ માન ને મહિમા જાય તેના ઉપાય જુદા છે.
માટી : બહાદુરી બતાવવી.
મૂળગો : તદ્ ન
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
ભેખ : સંન્યાસ.
ઘાટ : માયિક સુખ ભોગવવાનો સંકલ્પ, વિકારનો સંકલ્પ.
મૂળગું : માત્ર.
(261) બુદ્ધિના તો પૈસા બેસે છે. ‘સબ મન જન સરસ હે.’ એ કીરતન દેવાનંદસ્વામીએ ધર્મપુરમાં ગવૈયા આગળ ગાયું ત્યારે ગવૈયા આલાપમાં ઉતરી શક્યા નહિ. એટલે વાજીંત્ર હેઠાં મૂકી દીધાં.
(262) બૂંગણ ઉપર બેસારીને જમાડીએ તેમાં કારસો નહિ, પણ સ્વભાવ ખોદીએ તો કારસો પડે. ઝાઝું કરે છે ને રાતે જાગે છે. થોડું કરે છે ને રાતે વહેલા સૂઈ રહે છે. એમ કાળજે હાથ નાખીએ તે ફાવે નહિ. બાઈઓ કહેશે જે, ‘આવો નરસિંહ મહેતા,’ ત્યારે ભાઈઓ કહેશે જે, ‘આવો મીરાબાઈ.’ એમ સામસામા વખાણ કરે તેમાં શું પાકે ? કહ્યે કાંઈ થાય નહિ.
બૂંગણ : ગાડામાં પાથરવાની મોદ, મોટી શેતરંજી.
કારસો : ભીડો/ભીડામાં-કસોટીમાં લે.
(263) આ જ્ઞાન થયું છે તે રાત્રિપ્રલયમાં ને મહાપ્રલયમાં પણ ટળે નહિ એવું છે. માટે સાધુને ઓળખીને તેનો સમાગમ કરવો ને આપણી મેળે ગમે તેટલું કરીએ પણ ધ્યાન ન આવડે; પણ સાધુ એક મહિનો પ્રતિલોમ કરાવે તો ધ્યાન થાય. ભણ્યો હોય તે ભણાવે. ગુરુ વિના તો ‘ગેબીએ ગેબનાં ડીંગ દીધાં.’ એની ઘોડે (જેમ) કરે ને બોલે, ‘બે કાંટા બોરડી, એક વાંકો ને એક સીધો, સહી બોલો રામોરામ.’ અને કહે, ‘ભરો હોકા.’ મહારાજે કહ્યું, ‘જે કેટલાકે તો કૂવા ખોદ્યા છે. કેણે કાંઈ શીખવ્યું ને કેણે કાંઈ શીખવ્યું પણ જે ભાગવતધર્મ પ્રગટનો, તે કોઈએ ન શીખવ્યો.’ રૂપિયા ખરચીને ઘઉં લઈને કોઈ પ્રભુ ન ભજે.
પ્રતિલોમ : પોતા/આત્મા તરફ પાછી વાળતી વૃત્તિ, અંતરવૃત્તિ, અંતરદૃષ્ટિ કરીને આત્માનું પરમાત્મા તરફનું ઊર્ધ્વીકરણ.
ઘોડે : જેમ.
બપોરે વાત કરી જે,
(264) હેત હોય તેના દોષ ભાસે નહિ. સર્વનિવાસાનંદસ્વામી ને જ્ઞાનાનંદસ્વામી તેમને કોઈ રીતે દોષ ભાસ્યો જ નહિ. કેમ જે, તેમને ગોપાળાનંદસ્વામીમાં હેત હતું. એવું હેત હોય પણ જો બીજા પક્ષમાં હોય તો એવું હેત ના રહે ને વ્યવહારેણ સાધુ । (વ્યવહાર ઉપરથી સાધુ ઓળખાય છે.) વ્યવહાર તો એવો છે જે ભીષ્મે બાણ માર્યાં ને ભગવાનનું શરીર લોહીવાળું થયું ત્યારે વખાણ કર્યા ને કહે કે સુડાથી જેમ ખાખરો ફૂલે તેવા ફૂલ્યા છે એવું ધ્યાન કર્યું છે, માટે વ્યવહાર હોય તે પ્રમાણે રાખવું.
પીપા પાપ ના કિજીયેં તો પુણ્ય કીયા સો વાર,
જો કિસીકા લિયા નહિ તો દિયા વાર હજાર.
આ સાધુનો ગુણ તે સદ્વાસના ને અવગુણ તે અસદ્વાસના. આપણે કલ્પ જીવીએ ક્યાં છીએ ? બધા મનુષ્ય કબજે કરવાં તે તો થાય જ નહિ.
કલ્પ : આપણાં ચાર અબજ બત્રીશ કરોડ વર્ષનો સમય - બ્રહ્માનો એક દિવસ (પણ રાત નહિ)
(265) સ્ત્રી, દ્રવ્ય ને ખાધાનું તેમાં જીવ શુદ્ધ રાખવો. તે તો બને જ નહિ. માટે હજારો સ્વાદ આવે, માન આવે, તેમાં લેવાવું નહિ ને છકી પણ જાવું નહિ ને ગ્લાનિ પણ પામવી નહિ ને કળિની આયુષ્ય છે તે હમણાં મરી જવાશે, માટે જીવનું ન બગાડવું ને જીવનું તો સારું જ કરવું.
ગ્લાનિ : અનુત્સાહ, ગમગીની, અણગમો.
(266)
દાસી થઈને રહેજે તું દીન દયાળની,
નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો;
ભવ બ્રહ્માદિકને નિશ્ર્ચે મળતી નથી,
પુરુષોત્તમ પાસે બેઠાની જાગ્ય જો.
(કીર્તન મુક્તાવલી-ઉપદેશનાં પદો-પદ 2-નં.425-પાન નં.233)
મહારાજ કહે અમારે માન કેમ આવતું નથી ? તો અમે મહિમા જાણીએ છીએ. માટે મહિમા જણાય તો માન ન આવે ને માને કરીને કોઈનો અપરાધ ન કરવો. કોઈ ક્રિયાએ કરીને તેનો અહંકાર આવે તો પણ ઠીક નહિ.
દીન : લાચાર, ગરીબ, રાંક.
(267) મોટેરા તો અર્થ ઉપર બેઠા છે તે અર્થી દોષાન્ ન પશ્યતિ । અર્થ:- યાચક (કોઈપણ) દોષને જોતો નથી. અર્થ ઉપર બેઠા હોય તેને દોષ સૂઝે નહિ. એકલશૃંગીના બાપ વિભાંડક જેવા હોય ને વ્યવહારમાં જોડાઈ જાય. વિભાંડક ઋષિ લોમપાદ નામે અંગદેશના રાજાને શાપ દેવા જતા હતા, પણ તેના રાજ્યમાં ગામોગામ સન્માન થયું ને સ્વારીએ સહિત રાજા સામા ગામ ગયા ને દંડવત્ પ્રણામ કરી પગે લાગ્યા ને એકલશૃંગીના દીકરાને શણગારી પગે લગાડ્યા. ત્યારે પૂછ્યું જે આ કોણ ? તો કહે, ‘તમારા એકલશૃંગીના દીકરા.’ એ સાંભળીને વિભાંડિક ઋષિએ તેડી લીધા ને ખોળામાં બેસારીને રમાડ્યા તો ક્રોધ ઊતરી ગયો ને રાજ્યમાં ગયા. એવું સન્માને કરીને થયું. માનમાંથી અહંકાર આવે તો પછી એનું ઊંધું વળે ને પક્ષે કરીને મોટાનું વાંકું બોલે તો પણ ઊંધું વળે.
અર્થ : ધન, સંપત્તિ.
(268) જેટલો જેણે મોટામાં જીવ બાંધ્યો હોય તથા જે અંતરમાં લડાઈ લેતો હોય તેને મોટા દેખે છે. ઠીક વર્તો છો એમ કહે છે, પણ જો ખરેખરું સ્વભાવ ઉપર કહે તો જીવ ખમે નહિ તે સારુ મોટા નભાવે છે ને લાખ જન્મ ધરીને જે કસર ન મટે તે કસર મોટા પાસે એક મહિનો જો ખરેખરો સમાગમ કરે તો ટળી જાય. તે ઉપર વાત કરી જે, પાર્વતીના વચને ગણપતિએ ગાયની પરિક્રમા કરી તે પૃથ્વીની થઈ રહી ને ક્ધયાને વર્યા. એવો તો મોટાનો મહિમા છે, પણ જો કોઈ એક જોડ ચરણારવિંદ આપે તો કાશી જાય, પણ લાખ ચરણારવિંદ પૂજ્યાનું ફળ થાય એવા મોટા હોય તેનો સમાગમ ન કરે. કેમ જે, આ પ્રગટ છે ને ઓલ્યું પરોક્ષ છે તેથી જીવને પરોક્ષના જેવી પ્રગટને વિષે પ્રતીતિ આવતી નથી એ જ અજ્ઞાન છે.
કસર : ખોટ, ઉણપ.
(269) સૌ સૌની રુચિ નોંખી છે. કોઈને સારું ખાવાનું ગમે, કોઈને ન ગમે. મહારાજે કહ્યું છે જે, ધર્મ, જ્ઞાન, વૈરાગ્યે સહિત ભક્તિ કરવી તેમાં સર્વ વાત આવી ગઈ; પણ એકલી આજ્ઞા રાખતો હોય ને બીજાને દુ:ખવતો હોય તે ઠીક નહિ. માટે એક અંગ આવે તે પૂરું ન કહેવાય. તે જ્ઞાન વિના તો પોતાનુ અવળું કરતાં આવડે.
(270) જુવાન ને બુઢિયા છે તે બીજાને બદતા નથી તેમ જ્ઞાન વિના આપણામાં કોઈ મોટાને બદતા નથી. તે ઝાઝાં ચોમાસા થયાં હોય તેણે મોટપ નથી. મોટપ તો પ્રગટ ભગવાનની ઉપાસના વડે છે. પણ ઝાઝાં ચોમાસાં થયાં તે કહે જે અમે જૂના છીએ પણ ધર્મ ન હોય, વૈરાગ્ય ન હોય, નિયમ ન હોય તે મોટા શાના ને જૂના શાના ?
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
(271) જગતમાં ક્યાંય ધર્મ નથી. તે ઉપર વાલી ને સુગ્રીવની વાત કરી જે, વાલીએ પોતાના ભાઈની સ્ત્રીને ઘરમાં રાખી ને સુગ્રીવ ડુંગરમાં રહેવા ગયો ત્યાં હનુમાનજી મળ્યા. પછી સીતાજીને ગોતવા જતાં રામચંદ્ર ભગવાન મળ્યા. રામચંદ્રજીએ વાલીને માર્યો ત્યારે વાલી કહે, ‘તમારો શો ગુનો કર્યો છે તે માર્યો ?’ ત્યારે રામચંદ્રજી બોલ્યા જે,
અનુજ વધૂ ભગિની સુત નારી, સુનુ શઠ ક્ધયા સમ એ ચારી;
ઈન્હે કુદ્રષ્ટિ બિલોકૈ જોઈ, તાહી વધે કછુ પાપ ન હોઈ.
(શ્રીરામ ચરિતમાનસ-કિષ્કીંધાકાન્ડ-પાન નં.393)
માટે તેને માર્યાનું પાપ નથી. આ તો પશુ ટાળીને મનુષ્ય કર્યો છે. ને બરોબર વિધિ તો મહારાજે બતાવી. વટલાવવું એની તો ખબર જ નથી.
ગોતવા : શોધવા.
(272) ભડકાવાનો (એ ગામનો) ગરાસિયો દારુ પીને મહારાજ પાસે આવ્યો ત્યારે મહારાજે શાપ દીધો જે શક્તિપંથીનો વંશ નહિ રહે ને શક્તિપંથીયાનો મેળો થયો તે નવ મણના લાડવા કૂતરાને નાખીને મારી નાખ્યા. તેરામાં ઝીણો ને પ્રાગજી શક્તિપંથી થયા તેમણે સાધુને ગામમાં ગરવા દીધા નહિ, તેથી તેનો વંશ રહ્યો નહિ.
(273) હમણાં શી વાત કરવી જે, પોતપોતાના નિયમ હોય તે રાખવાં ને ગૃહસ્થાશ્રમમાં રહેવું તેને વ્યવહાર કરવો ને ત્યાગી થવું તેને તો વ્યવહાર બગડે તો ઠીક, પણ જેણે વ્યવહાર રાખ્યો તેણે તો વ્યવહારનું કામકાજ કરવું. તે ઉપર બોડકાના કુંભારની વાત કરી જે, ધૂળનો ધંધો કરીને પણ સત્સંગ કર્યો. માટે સહુ સહુનો ધંધો રાખવો, નિયમ રાખવા, સત્સંગી સાથે સુહૃદપણું રાખવું ને ભગવાનની મરજી જાણતો હોય તે થકી વારંવાર શ્રવણ કરીને નક્કી કરવું.
(274) ભગવાનનો તથા મોટા સાધુનો મહિમા કહેવો તથા સાંભળવો પણ તે થકી વિરામ ન પામવું, જેમ ખાધાથી ધરાતા નથી તેમ કથાવાર્તાથી ધરાવું નહિ. તે ઉપર અંબરીષની વાત કરી જે, પોતે ગુરુ કરતા, હાર પહેરાવતા ને કથાવાર્તામાં પણ વિસામો ન ખાતા. માટે આપણે ઉપરથી તો બીજો વ્યવહાર કરવો પણ મુખ્યપણે તો કથાવાર્તા કરવી. પ્રવૃત્તિવાળાને વ્યવહારમાં સુખ આવે પણ તેમાં આપણને સુખ આવે નહિ. જેને ઝાઝી પ્રવૃત્તિ હોય તેનાથી પ્રભુ ન ભજાય. તે ઉપર વાત કરી જે, પીઠવાજાળના કણબીને છ છોકરા હતા. એકને પરણાવે ત્યાં બીજો તૈયાર થાય, ત્રીજાની સગાઈ આવે, ચોથાની વહુ રીસાઈ જાય, પાંચમાની મરી જાય, ત્યાં છઠ્ઠો પરણે. તેમ તે કણબી વ્યવહારમાંથી નવરો થયો જ નહિ. તેમ ઝાઝી ખેતી, ઝાઝાં ઢોર કે ઝાઝાં ઘર હોય તેમાં પ્રભુ ન ભજાય ને શાંતિ પણ ન થાય. માટે થોડું કરીને આ કથાવાર્તામાં માલ માનવો, તે વડોદરાના રાજ્યમાં પણ માલ નથી. માટે કથાવાતાર્ર્એ કરીને, સમાગમે કરીને જીવ કીડા જેવો હોય તે પણ બ્રહ્મરૂપ થાય. ભગવાનના ભક્તની નિંદા કરે તો બ્રહ્મરૂપ થયો હોય તે પણ કીડા જેવો થઈ જાય. માટે મહારાજનો સિદ્ધાંત એ જે, કથાવાર્તા કરવી, રૂડા સાધુનો સમાગમ કરવો. બીજુ કરવું તે તો તેની પુષ્ટિને અર્થે છે ને આ મંદિર કરવાં, વ્યવહાર કરવો તે સર્વ એની પુષ્ટિ સારુ છે.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
સંવત્ 1919ના પહેલા શ્રાવણ વદિ પંચમીને દિવસ સ્વામીએ વાત કરી જે,
(275) સંઘ ચાલ્યો જાય છે, તે વિઘ્ન ન આવે તો વડતાલ પહોંચે. કોઈને અંતરનો કજિયો છે. કોઈને બારલાનો (બહારનાનો) કજિયો છે પણ વાસનારૂપ જાળ તો સૌ કોઈને છે. તે
‘સંત જન સોહી સદા મોહે ભાવે.’
(કીર્તન મુક્તાવલી-સંત મહિમાનાં પદો-પદ 1-નં.710-પાન નં.373)
એ પ્રમાણે વરતાય તો કોઈ દિવસ વિઘ્ન ન આવે. આ તો સારું ભોજન છે, ઝાઝું જમાય છે ત્યારે એમ લાગે જે હજુ રમણીયમાં વૈરાગ્ય નથી. તે વિષય મળે ત્યારે આનંદ થાય ને ન મળે ત્યારે દુ:ખ થાય ને એકાંતિકને તો ભગવાનનું જ મનન થાય છે ને એકલશૃંગીને તો ગમે જ નહિ. તે એક સ્ત્રી આવી ત્યારે કહે, ‘બ્રહ્મચારી આવ્યા છે.’ રસોઈયાને સ્વાદની ખબર પડે તેટલી જમનારાને ન પડે ને અમને તો ગળ્યું છે, એટલી ખબર પડે. કોઠીંબાની કડવાશ બીજી ને ઝેરની બીજી. મહારાજે છોકરાંને કડવાં ચીભડાં જમાડ્યાં, કલવામાં મીઠું નાખ્યું. તેમાં શી વાત કરી જે, જેને જે વાતનો પરિચય હોય નહિ તેમાં તે ન જાણે ને જેણે જ્ઞાને કરીને નિષેધ કર્યું તેને તો બધું સરખું જણાય એટલે ક્યાંય મોહ ન પામે.
નિષેધ : શાસ્ત્રવિહિત મનાઈ.
(276) ભટ્ટજી નાનામોટાની ખબર રાખે ને વળી ક્યાંઈ ન લેવાય. તે નારણજીએ દર્પણ માગ્યું ત્યારે કહે, આ તો સ્વામિનારાયણનું છે તે ચાર દોકડા આપ તો આપું. તે અલૈયાના બાપે અલૈયાને કહ્યું જે, સ્વામિનારાયણ તો ભોળો છે ને મુક્તાનંદ અને બ્રહ્માનંદ પંથ ચલાવે છે. તે કાંઈ ભેટ આવે તો ઠાબોળી લાવજે એટલે આપણે મેલી કારમાં કામ આવશે; ત્યારે અલૈયે કહ્યું જે બધાને મૂંડી નાખ્યા ને રાજગાદીયું મુકાવી દીધી ને ત્યાગી કરી દીધા તોયે હજુ સ્વામિનારાયણ ભોળો છે? તે એ પણ મનુષ્ય ને ભટ્ટજી પણ મનુષ્ય તેમાં ભેદ છે. તે એકને દેખીને ભગવાન સાંભરે ને એકને દેખીને ભુલાય. તે એક વેણ દ્રૌપદીનું ને એક વેણ વિદુરજીનું, એમાં પણ ભેદ છે.
(277) ધૃતરાષ્ટ્રે જેમ લોઢાના ભીમને પેચી નાખ્યો, તેમ અવિદ્યા માયા છે તે પેચી નાખે એવી છે. આપણે ભક્તિ મારગમાં પ્રવર્ત્યા છીએ પણ ખબર ન રાખીએ તો કોઈનો અપરાધ થઈ જાય તો તેમાં જીવનું ભૂંડું થાય. માટે ખાવામાં, બોલવામાં, ચાલવામાં બધે જોવું. રસ્તે ચાલતાં દૂબળાને પૂછવું પણ બળિયાને પૂછવું નહિ. પછી પાટુએ ચડાવ્યાની વાત કરી જે, બળિયાને પૂછીએ તો જવું હોય ક્યાંય ને બતાવે ક્યાંય, તે દડાની પેઠે ધકા ખવરાવે, માટે દૂબળાને પૂછવું.
અવિદ્યા : માયિક સમજણ
પાટુએ : લાતે.
(278) ઋષભદેવની પેઠે પોતાને ન જોઈતું હોય તો પણ બીજાની શિક્ષાને અર્થે જેવું મળે તેવું નિયમ પ્રમાણે રાખવું, પણ નિયમ બહાર કોઈ પદાર્થનું ગ્રહણ કરવું નહિ. દેહને તો જેવે તેવે પદાર્થે રાખવો તે અનોપરામને કાછડી ટૂંકી પડે તો રસ્તામાં ચીંથરું લઈને કાછડીએ બાંધે ને કાછડી પૂરી કરે એવા વૈરાગ્યવાન હતા. આપણે વિષયની ના પાડીએ છીએ તે તો ઉમાભાઈના જેવી છે. તે માંહી માન જોઈએ ને ઉપરથી ના પાડે ને પથારીનું પણ એમ જ. માટે અંતરના અભાવ વિના વગોણા સરખો વૈરાગ્ય કહેવાય. નાના ભગતનું નામ વૈરાગ્યાનંદ પાડ્યું. તે ભાગી ગયો ને જેસાજીને અંતરજામીપણું આપ્યું. માટે અંતરમાં અભાવ ન હોય પણ કોઈ પદાર્થ જ ગ્રહણ ન કરીએ તો માંહીથી લાલચ મૂકી દે. લૂગડાં વણવાં ને ખેતી કરવી તે બેય થાય નહિ; તેમ ભક્તિ કરે ત્યારે ત્યાગ ન રહે ને ઊલટું માન વધતું જાય. માટે ભક્તિ કરવી ને ત્યાગ મોળો પડવા દેવો નહિ ને માન આવવા દેવું નહિ; ને સ્વાદ ને સ્નેહનો ત્યાગ કરવો પણ મીંદડાની પેઠે માન વધી જાય તેમ ન કરવું. તે મીંદડા તથા તપસ્વીની વાત કરી. તેમાં કહ્યું શું ? જે, માન વધવા દેવું નહિ. મોડામાં રણમલજી ભક્ત પાસે અમે ચાર જણા ગયા હતા તે રોટલા આપ્યા પણ ઉપર ઘી હતું. તે અદ્વૈતાનંદસ્વામીએ તો કોપટી કાઢી ને પત્તરમાં ચોળતા તો પણ કહે જે મન ચોળાય છે ને વાત કરતા ત્યારે ધાર છૂટતી. પછી વયા ગયા, પણ કોપટી ઉખાડી નાખી તે કાંઈ અભાવ વિના એમ હોય ? તે દિવસે જાવાનું પણ મનમાં ન હોય પણ નરસાના સંગથી એમ થયું. માટે સંગ પણ સારાનો કરવો.
કોપટી : પોપડી.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
(279) પોતાને જોઈતું હોય તો પણ વિષયનો અનાદર રાખવો ને ભગવદીને દુ:ખવવા નહિ. ભગવદીમાં આત્મબુદ્ધિ કરવી તે જીવને બળ પામ્યાનો ઉપાય છે. ધર્મજ્ઞાનાદિક ચાર કલમો શીખે તો પૂરું કહેવાય, પણ તેમાંથી અધૂરું એટલું અધૂરું ને અનુવૃત્તિમાં રહેવું, એથી કઠણ વચન પણ મનાય ત્યારે જ અનુવૃત્તિ કહેવાય. તે અનુવૃત્તિ જેને હોય તેને માયા ન પીડે ને માયા ન પીડતી હોય તો પણ ઊતરતા દેશકાળ ન સેવવા.
આત્મબુદ્ધિ : પોતાપણાની ભાવના, 'દેહ તે હું નહિ પણ આત્મા છું' એવી બુદ્ધિ.
અનુવૃત્તિ : મરજી.
(280) નિયમ રાખવા. કેમ જે, નિયમ વિના તો કેટલાક મતપંથમાં અધર્મ આવી ગયો ને ભજવા ગયા તો પણ મણમાં આઠ પાંચ શેરીની ભૂલ પડી. તેમ આપણે પણ સમાગમ વિના ને ઉપાસના વિના તો મણમાં આઠ પાંચ શેરીની ભૂલ કહેવાય, પણ ખરેખરી ઉપાસના થાય ત્યારે તો વરતાયા વિના તો રહે નહિ. તે સૂર્ય ઉગે ત્યારે રાત ન રહે, તેમ માયા પણ રહેવા પામે નહિ. એકલી ભક્તિમાં તો વિઘ્ન લાગે. માટે ‘ધર્મેણ સહિતા’ (ધર્મ સહિત) ભક્તિ કરવી; પણ ખેતી કરે કે મેડી કરે કે એકલી વિદ્યા ભણે કે એકલો ત્યાગ રાખે તેમાં બીજાની તુચ્છતા કરી નાખે તો કર્યું સર્વ વૃથા થાય ને કરોડોનું કલ્યાણ કરે ને પોતે નરકે જાય, તે શેઠની મૂડીએ વેપાર છે.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
(281) મહારાજે નટ રમાડ્યા. પછી વાત કરી જે, નટ નજર ચૂકે તો પડે. તેમ વિષયમાં વૃત્તિ જાય તો વિઘ્ન લાગી જાય.
(282) લૂગડાં હોય ને પહેર્યાં નહિ, અનાજ હોય ને જમ્યા નહિ, તેમ દેહ સાજું હોય ને પ્રભુ ન ભજ્યા તો શું કામમાં આવ્યું ? માટે કાર્યો ધર્મસ્તુ સત્વરમ્ । (ધર્મનાં કાર્યોનો અમલ તો તત્કાળ કરવો જોઈએ.) એમ મોક્ષ સંબંધી કામ તત્કાળ કર્યા જેવું છે ને મંદિર છે તે વ્યવહાર છે તે કરવું પણ કરવાનું તો આ જ છે; માટે કોઈ સન્માન કરે, અપમાન કરે તે સહન કરવું. તે ભજનાનંદે અમને કહ્યું જે, ભરવાડ જેવાને મહંત કર્યા છે પણ મીંદડીને કહ્યે શીંકું ન ટૂટે. એકવાર ભજનાનંદ બીજા આગળ વાંચે તેમાં વાત કરી જે, મોટાને બાધ નહિ. તે અમારે પગે લાગવા જવું ને બોલવું. પછી અમે કહ્યું જે, અમે કયે દિવસે કહ્યું છે ? ચાલો સભામાં ધર્મામૃત કાઢીએ. ત્યારે ભજનાનંદે જાણ્યું જે, આ ક્યાંથી ગોદડીમાંથી ગોરખ જાગ્યો ? માટે મોઢે કરીને કહીએ પણ વરત્યામાં ન આવે તો ફળ ન થાય. વાડી ખેડીને તૈયાર કરીએ પણ વાવીએ નહિ તો ફળ ન થાય. કોઈક થોડું કહે પણ વરત્યામાં આવે ને ઝાઝું કહે ને વરત્યામાં ન આવે. માટે થોડુંક કહે છે પણ વરતાય છે, તેને વચને સમાસ થાશે. તે મોળું લોઢું ને ગજવેલ લોઢું એમ ફેર છે. પણ વરત્યામાં ન આવે તો આગલાના હૈયામાંથી વિષય ન ટળે.
બાધ : દોષ.
ગજવેલ : પાણી ચઢાવેલું લોઢું, ખરું લોઢું.
બપોરે વાત કરી જે,
(283) ગોપાળાનંદસ્વામી, સ્વરૂપાનંદસ્વામી, કૃપાનંદસ્વામી, સચ્ચિદાનંદસ્વામી એ સર્વે પ્રીતિવાળા, તેમાં ગોપાળાનંદસ્વામી એવા જે વ્યવહાર પણ કરે ને ભગવાનમાં અખંડ વૃત્તિ રાખે ને મંડળ હરાજ કર્યું જે, મારા સાધુ જેને જોઈએ તે લઈ જાઓ. પછી મહારાજે બ્રહ્માનંદસ્વામીને કહ્યું જે તમેય મંડળ હરાજ કરો. ત્યારે તે કહે, ‘એ તો જોગી છે તે એમને કાંઈ નહિ ને અમારે તો પાછું બાંધવું પણ કઠણ પડે. તે પરમાનંદસ્વામીને વરસો વરસ નવું મંડળ બાંધવું પડે. બધાએ અક્ષરના મુક્ત છે. એવી સ્થિતિ તો ગોપાળાનંદસ્વામી ને સ્વરૂપાનંદસ્વામી એ બેને જ છે ને બીજા તો ચેલા સારુ કજિયા કરે છે. તે સર્વનાં ઐશ્ર્વર્ય દબાવીને મનુષ્ય જેવા કર્યા છે. તે મનુષ્ય જેવા ન કર્યા હોત તો વિશ્ર્વસ્વરૂપાનંદની પેઠે કોઈને ગણે જ નહિ.
(284) મણનો કંસાર કરીને પાશેર ગોળ નાંખે તો થૂલું કહેવાય. તેમ જેટલું ધ્યાન, સ્મરણ હોય તેને તેટલું સુખ આવે. આજ તો જેને કરવું હોય તેને ઘણું સુગમ છે. તે ગારાના (માટીના) દ્રોણાચાર્યે કરીને એકલવ્ય શબ્દવેધી થયો. તે તો કોસ જોડીને મોલ પકવવો એવું છે ને આજ તો વગર વરસાદે મોલ પાકે એવું છે ને ગણપતિની પેઠે ઘણું સુગમ છે ને આજ તો બધા અવતાર ને તેના મુક્ત પણ આવ્યા છે. પ્રહ્લાદ હરિવર્ષ ખંડમાં રહ્યા છે. હમણાં જેને પટલાઈ કરવાનો સ્વભાવ હશે કે કોઈ વાતની ઈચ્છા હશે તો ત્યાં તેને જોડી દેશે ને જેને જોડલું જોઈતું હશે તેને જોડલું મળશે. લાંબી નજરે જોઈએ છીએે તે ગોળ નાખીએ તેટલું જ ગળ્યું થાશે. માટે લોક સામું જોવું નહિ. શાસ્ત્ર તથા મહારાજની મરજી સામું જોવું.
શબ્દવેધી : અવાજ જ્યાંથી નીકળ્યો હોય એનો ખ્યાલ કરી, એ નિશાન વીંધનાર.
(285) કોઈ વાતે ધરાણું નથી તે તો જેમ ઉત્તરપંથનો પાર આવે નહિ. તેમ પદાર્થનો પણ પાર આવે નહિ. માટે જે રીતે આપણા જીવને બંધન ન થાય તેમ કરવું. દેહ છે તે હાડકાનો છે તે પદાર્થે કરીને કે ખાધે કરીને સુખ ન આવે. તે એક સાધુ બરફી ખાઈને મરી ગયો ને કણબીનો સાથી ખાંડ ખાઈને મરી ગયો; માટે ખાધામાં પણ દુ:ખ છે. ને ગળ્યામાં જીવને રાગ છે પણ સુખ તો દાળ રોટલામાં જ છે ને ઓગણીસે અગિયારની સાલમાં છાવણીમાં છ મહિના સુધી રસોઈ ચાલી પણ હજી પેલો દહાડો છે. તે માટે સ્વાદનો પાર આવે તેમ નથી ને પ્રથમ આંહી ઠીકરાનાં ઠામ હતાં ને ઘરણ (ગ્રહણ) આવ્યું ત્યારે ગોપાળાનંદસ્વામી કહે, ‘કુંભાર લોકો લોકનાં ઠામ ભઠ્ઠીમાં ઘાલીને વેચશે. તે માટે આપણે પણ આપણાં ઠામ શુદ્ધ કરો.’ પછી ખડની કોળીએ શુદ્ધ કર્યાં. ને હવે તો બે ત્રણ ગાડાં ભરાય તેટલાં પીત્તળના ને તાંબાનાં વાસણ થયાં પણ હજી પાર આવ્યો નહિ. જેમ કાળવો વહ્યા કરે છે તેમ કોઈ વાતનો અંત આવતો નથી.
ઘરણ : ગ્રહણ.
સંવત્ 1919ના પહેલા શ્રાવણ વદિ છઠને દિવસે સ્વામીએ વાત કરી જે,
(286) ઠરાવ કર્યા વિના જે વાત કરવા જાય તે અંતે પાર પડે નહિ. તે ઠરાવની વાત તો ખટરસમાં રહ્યા ને જલેબીમાં ગયા. માટે બધી રીત જાણે ત્યારે વિવેકી કહેવાય. વળી મુમુક્ષુનો મારગ નોંખો છે પણ એવા હોય ને સત્સંગમાં આવ્યા હોય તો પણ તેને સત્સંગનું સુખ ન આવે. જેમ ગાયના આંચળમાં ઈતડી હોય, પણ તેને દૂધનું સુખ આવે નહિ. તેમ સત્સંગમાં રહ્યા હોય તો પણ તેને સત્સંગનું સુખ આવે નહિ ને મહારાજનો કાગળ આવ્યો ત્યારે મુક્તાનંદસ્વામીએ લીંબડો પીવા માંડ્યો. સંસાર મૂકે પણ સ્વભાવ ન મુકાય માટે સમજ્યા વિના તો દુ:ખાઈ જાય. મારગે ચાલતાં તાણખેંચ થાય તે એક કહે, ‘આ મારગે ચાલવું.’ બીજો કહે, ‘ઓલે મારગે ચાલવું.’ માટે બુદ્ધિ ફરે ત્યારે કોઈ વાતનું ઠીક ન રહે. તે ઉપર વાત કરી જે, ગોપાળદાસને દેશકાળ લાગી ગયો તે રૂપિયા લેવા મંડી પડ્યો પણ ભગવાન છે, તે જેમ પડદામાં રહીને જુએ છે તેમ જુએ છે. તે આમાં તો જેને ખબર પડશે તે સત્સંગ કરશે, બીજાને તો બધું સરખું છે.
(287) જીવને સંસૃતિ મટાડવી છે, તે જેને કલ્યાણનો ખપ હોય તેને આ ભગવાન ગમે છે ને ઠરાવ છે તે આગળ લાગે છે; તે જેમ ક્ષત્રીનો ઠરાવ છે તેમ. પછી મૂળજીની વાત કરી જે, આંગળી કચરાણી પણ અર..ર ન કર્યું. તેમ આપણામાં પણ મોક્ષનો ખપ છે તેનું બળ જુદું છે. તે આ સંસાર શા સારુ મૂક્યો છે ? એમ વિચારે ત્યારે જણાય. તે ‘બગધ્યાન, મુખરામ, કોઈ કીસીકા નહિ.’ માટે ધર્મ પાળે ત્યારે આ સત્સંગમાં રહે ને બીજો તો સત્સંગી હોય પણ આ તો સત્સંગમાં આવતો આવતો આળસી જાય.
પછી ઘાણલાની ડોસીની વાત કરી જે, મરવા સૂતી ત્યારે તેના ધણીએ કહ્યું હતું જે, તું તો તારા જીવને ગત કર. અમારાં કરમ અમ આગળ, હું તો હોકો પીઉં છું તે મારું તો થાય તે ખરું, ત્યારે ડોસી કહે, ‘મેં મહારાજના પગ ચાંપ્યા છે, તે મારા હાથ પ્રસાદીના છે, તે મારા હાથનો રોટલો ખાધો, મારા ગોળાનું પાણી પીધું તે બધાનો મોક્ષ થાશે. તો તારા મોક્ષમાં તો શો સંદેહ ? એમ કહીને દેહ મૂકી દીધો. માટે સત્સંગનો લાભ જાણે તેને સત્સંગનું સુખ આવે ને મરવા ચાલે તે પાછું વાળી ન જુએ. અર્થં સાધયામિ વા દેહં પાતયામિ । (મારો ધાર્યો અર્થ હું સિદ્ધ કરીને રહીશ, એમ કરતાં ભલે મારા દેહનો નાશ પણ થઈ જાય.) એમ હોય તેનાથી સોનાની મૂર્તિ લેવાય, તે ઉપર ધીણોજાની વાત કરી. કૃષ્ણાનંદ ને અડગ અખંડાનંદસ્વામીના ઠરાવ ભારે, પણ તેનેય માર્યા, અપવાદ નાંખ્યો. પછી વાત કરી જે, તુંબડાં લેવા સારુ વાઢમાં ગયા ને વાઢવાળાને પૂછ્યું જે, તુંબડાં લેવા દેશો ? તે કહે, ‘જુઓ, હોય તો લઈ લો.’ પછી વાઢમાં ગયા પણ વાઢવાળો ઈર્ષાવાળો હતો. તેણે ‘શેરડી ખાધી.’ એવા અપવાદ નાખીને માર્યા તો પણ ડગ્યા નહિ ને એક વખત પેંડો પણ થૂંકી નાંખ્યો પણ સત્સંગમાંથી ગયા. લોટ પીને રહેતા તે પણ ગયા. માટે જેને કલ્યાણનો ખપ ન હોય તેને મૂંઝવણ થાય પણ કહ્યા વિના તો સમજાય નહિ ને ક્યારે કહેવાય ? તો જેમ બ્રહ્માનંદસ્વામીને મહાનુભાવાનંદસ્વામીનો અવગુણ ન આવે. તેમ કહેનારાનો અવગુણ ન આવે તો કહેવાય ને આ તો,
એક બાવરો બેસાર્યો વળી વહાણે રે, માન્યું મૂરખ જે પડ્યો હું બંધીખાને રે. 1
ચડ્યો ફેર ને દીઠું સર્વ ફરતું રે, માન્યું મૂર્ખે જે પામ્યો હવે મરતું રે,
થયો આકળો અભાગી લાગી લેરી રે, ખરા ખારવા વિશેષે જાણ્યા વેરી રે. 2
ચડી ડોળ ને દીઠું છે દુ:ખદાયી રે, મારી ઠેક છેક પડ્યો પાણી માંહી રે,
તેમાં દોષ કહો કોને હવે દઈએ રે, મળ્યો સત્સંગ તરી તજી જઈએ રે. 3
તજી સુખ પડ્યો દધી દુ:ખ માંહી રે, એવા પ્રકાશમાં ન જાએ કચવાઈ રે,
સર્વ સુખદુ:ખ વહાણનું જે સહીયે રે,
કહે નિષ્કુળાનંદ પાર થઈએ રે. 4
(કીર્તન મુક્તાવલી-ભાગ-2-નં.12-પાન નં.7)
પાળે : સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જાતનો સેવક/પાર્ષદ.
અર્થ : ધન, સંપત્તિ.
મૂર્તિ : સંતો.
ડોળ : આડંબર, દેખાવ, દંભ.
(288) મેવા, મીઠાઈ, ટોપરાંના થાળ ભરી મહાજન ભેટ ધરવા આવ્યા ત્યાં તો ધીરજ રહી નહિ એટલે ઠીકરાનાં ઠેક દીધી તે ટોપલો પડી ગયો ને ભૂંડો દેખાણો.
એક મૂરખને હાથ મણિ મળી રે, જોઈ, ચાખી, સુંઘી, ન લાગી ગળી રે,
હતો વેવલો ને કાવતો વિવેકી રે, જોઈ ત્રોડી ફોડી નાખી નરે ફેંકી રે. 1
તેમ સત્સંગ મળ્યો શિરોમણિ રે, હતી બાળબુદ્ધિ કુબુદ્ધિ ઘણી રે,
તણે સત્સંગ રંગ અંગ ત્યાગ્યો રે, કાળા કામળાને કસુંબો ન લાગ્યો રે. 2
રહે પથ્થર કોરો જો પાણી માંહી રે, જેમ જળ મળ્યે જવાસો સુકાય રે,
મળી મર્કટને રાજ સિદ્ધિ રે, દેખી ટોપરું ને તરત ઠેક દીધી રે. 3
મળી અલ્પ મતિને વાત મોટી રે, કરે અનુમાન જ્ઞાનવાત ખોટી રે,
મળી અનુપમ મોજ તે જ ત્યાગી રે, કહે નિષ્કુળાનંદ એ અભાગી રે. 4
(નિષ્કુળાનંદસ્વામી-હજારી કીર્તનાવલી-પદ 7-પાન નં.714)
તેમ આ જીવ છે તે વાનર જેવો છે. પોતપોતાનાં ડહાપણમાં લેવાઈ ગયા છે. કોઈ મોટાને પૂછતા નથી જે મારો જીવ તે કેવો છે ? મારે શો ઠરાવ કરવો ?
રાતદિવસ રૂદિયામાંય વરતે એમ વિચારજી,
હું કોણ ? ને જાઈશ ક્યાં, કરું તેનો નિર્ધારજી.
(નિષ્કુળાનંદસ્વામી-હજારી કીર્તનાવલી-જનુની જીવો ગોપીચંદની-પદ 4)
તેમ પોતાનો નિરધાર કરવો.
મોજ : રાજીપાના ફળસ્વરૂપે મળેલ ઇનામ, બક્ષિસ.
(289) આ દેહ તો કેવળ ગારાનો ઢગલો છે. તેમાં દુ:ખ થાય ત્યારે જેમ માછલું થોડાં પાણીએ દુ:ખી થાય છે તેમ દુ:ખી થાવાશે. માટે જેને મોક્ષ સુધારવો હોય તેને દેહનું સુખ ઈચ્છવું નહિ.
(290) કીર્તને કરીને ભગવાનને સંભારવા તે યોગયજ્ઞ કહેવાય. જ્ઞાને કરીને ભગવાનને સંભારવા તે જ્ઞાનયજ્ઞ કહેવાય ને જે સાંભરી આવે, સ્ફુરી આવે, તેને દરવાજાવાળા દેખે પણ જ્ઞાન છે તે એક દિવસમાં દેખાય નહિ. પછી રાજાનો દીકરો હોય પણ એક દિવસમાં દીકરો વૃદ્ધિ પામે નહિ. તે તો કાળે કરીને વૃદ્ધિ પામે, બાર વરસનો થાય ત્યારે પંદર વરસનો લાગે. તેમ સમાગમે કરીને જીવ બળિયો થાય. જોગ વિના રસોઈ ન થાય ને વિદ્યા પણ ન ભણાય. તેમ જોગ વિના ભગવાન ન ભજાય. આટલા હરિભક્ત ન હોય તો અમે કેને વાતો કરીએ ? ને વગડામાં રહીને તો પોતેપોતાની મેળે ધ્યાન કરીએ પણ જ્ઞાન થાય નહિ ને સત્સંગનો રંગ ચડે નહિ. જ્ઞાન વિના તો ખાઈને સૂઈ રહેવાય પણ આજકાલ તો સાધુ થયે છૂટકો છે ને ધર્મનિયમ પાળશે તેનાથી સત્સંગમાં રહેવાશે.
હજી સુધી તો મહારાજના ને મોટા સાધુના પડઘા છે તે ચાલ્યું જાય છે. જેમ અમરેલી પ્રગણે (પરગણાએ) સક્કો બેસાર્યો હતો તે કોઈથી કોઈની જણસ લેવાય નહિ ને મોટા સાધુનો સક્કો તે ગોળા ખાધા, વસ્ત્ર વિના વનમાં રહીને ઉઘાડે શરીરે ત્રણેય ઋતુમાં તડકા, ટાઢ ખમ્યા, તે જોઈને આજ સારી રીતે વરતાય છે પણ જ્યારે એ નહિ રહે ત્યારે આવું નહિ રહે.
દરવાજાવાળા : અક્ષરધામમાં જ રહેવું છે - તેવું સતત જાણપણું રાખનાર.
સક્કો : રોફ, ભપકો.
જણસ : કીમતી ચીજ, વસ્તુ, પદાર્થ.
(291) ગણદેવી, નવસારી ગયા ત્યારે અમે પરમહંસ તે વગડામાં જમવાનું લાવ્યા. તે અમે તો માગીને ખાઈએ ને તમો ગૃહસ્થ તે રળીને ખાઓ. તમારે ધોળાં ને અમારે ભગવા ને મોટપ તો પ્રભુ ભજવાની છે પણ સત્સંગ વિના તો જ્ઞાન થાય નહિ. તે એક જણને કહ્યું જે આવો, ત્યારે કહે જે, શા સારુ ? ને એક જણ સ્તુતિ કરતો હતો તેને કહે જે, આને વિશ્ર્વાસ નહિ હોય. માટે વિશ્ર્વાસ હોય તો પણ સ્તુતિ કરવી ને મન સાથે દાખડો કર્યો તે જાતો નહિ રહે ને આ સાધુ સામાં પગલાં ભર્યાં તે જાય નહિ. પછી શ્ર્લોક બોલ્યા જે,
એકોપિ કૃષ્ણસ્ય કૃત: પ્રણામો દશાશ્ર્વમેઘાવમૃથેન તુલ્યમ્ ।
દશાશ્ર્વમેધી પુનરેતિ જન્મ કૃષ્ણપ્રણામી ન પુનર્ભવાય ।।
(મહાભારત-શાંતિપર્વ : 12/47/92)
અર્થ :- શ્રી કૃષ્ણને એક વખત પણ કરેલો પ્રણામ દશ અશ્ર્વમેધ યજ્ઞ કર્યા પછી કરવામાં આવતાં પવિત્ર સ્નાનની બરાબરી કરે એવો છે; દશ અશ્ર્વમેધ યજ્ઞ કરનારો ફરી જન્મ ધારણ કરે છે, પણ જેણે શ્રી કૃષ્ણને એક વખત પણ પ્રણામ કર્યા છે તે ફરી જનમતો નથી.
એમ જે નથી સમજતો તેને આ સત્સંગની દિશની ખબર જ નથી.
રળીને : ધન કમાવાની મહેનત કરીને
પગલાં : મહારાજનાં પગલાંની છાપ.
અર્થ : ધન, સંપત્તિ.
દશ : દિશા.
(292) બે વરસ ઉપરા ઉપર મંદવાડ આવ્યો તેમાં દેહ રહે એવું નહોતું, વાસના પણ નથી ને મોર તો કંઈક મન વળગતું ને હવે વળગતું નથી ને સત્સંગ થઈ રહ્યો છે, તે હવે તો સાધુ રાખીને વાતો કરવી છે, તે વાતો સાંભળો એટલે તમને પણ ખરખરો ન રહે, જે સ્વામી હતા ત્યારે વાતો સંભળાણી નહિ.
વાસના : પૂર્વના સંસ્કારોથી મકકમ થયેલી કામના.
ખરખરો : અરેરાટી, અફસોસ, શોક.
(293) ક્રોધનો સ્વભાવ હોય પણ જો સત્સંગની ગરજ હોય તો ક્રોધ મુકાય. તે દુર્વાસા ક્રોધી હતા પણ ગરજ હતી તો ક્રોધ મૂકીને કદળી સાથે કામ લીધું. તેમ સત્સંગની ગરજ હોય તો ક્રોધ પણ મુકાય. પછી લોભની વાત કરી જે, પાળાને રૂપિયા મુકાવવાનું કહ્યું ત્યારે મહારાજની સેવામાં રહેતા, તે ધણીસેવાનો ત્યાગ કરીને ઓલી કોરે ગયા, તેનું નામ ભગુજી. તે લોભ મુકાય, માન મુકાય, ક્રોધ મુકાય ત્યારે સત્સંગનો મહિમા જાણ્યો કહેવાય.
કદળી : કેળ
(294) સેવાભક્તિ અતિશે હૈયાભર થઈને કરે તો તેમાંથી માંદો થાય. પછી રાડું નાંખે પણ વિવેકે, દેહે ખમાય એટલું ન કરે. નારણપ્રધાને પૂછ્યું જે, મોટા રાત-દિવસ કહે છે પણ એ મારગે ચલાતું નથી; ત્યારે મોટાનો વિશ્ર્વાસ નથી કે નાસ્તિકપણું છે કે ખપ નથી ? ત્યારે ઉત્તર કર્યો જે, શ્રદ્ધા નથી ને બળ પણ નથી. ત્યારે સલાટ ઝવેરભાઈએ પૂછ્યું જે, એ બળ કેમ આવે ? ત્યારે ઉત્તર કર્યો જે, સત્સંગ કરીને બળ આવે છે. પછી ઠક્કર નારણપ્રધાને પૂછ્યું જે, આ સત્સંગ કેવો ? ત્યારે સ્વામીએ કહ્યું જે, આ કરીએ છીએ ને ? પણ, તે કાળે કરીને થાય. પછી વાત કરી જે, નારદજી બદરિકાશ્રમમાં ગયા ત્યારે નરનારાયણને પૂછ્યું જે, તમે ભગવાન છો તે કેનું ધ્યાન કરો છો ? એટલે કહે, ‘મારાથી પર વાસુદેવ છે તેનું ધ્યાન કરું છું.’
નારદજીએ કહ્યું, ‘જે મને દર્શન કરાવો.’ પછી સેવકને ભેળા મોકલ્યા તે શ્ર્વેતદ્વીપમાં ગયા ને વાસુદેવ ભગવાનનું દર્શન કર્યું. પછી તેમણે પૂછ્યું જે, ‘તમે ભગવાન છો તે કેનું ધ્યાન કરો છો ?’ ત્યારે કહ્યું જે, ‘ગોલોકવાસી જે શ્રીકૃષ્ણ તેનું ધ્યાન કરું છું.’ ત્યારે કહે, ‘મને દર્શન કરાવો.’ પછી દર્શન કરાવ્યાં તો કહે, ‘મને આહીં રાખો.’ ત્યારે કહ્યું જે, અપક્વ છો તે રહેવાય નહિ. તેમ સમાગમે કરીને પણ કાળે કરીને જ્ઞાન થાય. એટલી વાત ઘોડે બેઠાં વાડીએથી આવતાં રસ્તામાં કરી. પછી વાત કરી જે, ક્રિયા કરવી તે ત્વરાએ કરીને ન કરવી ને કોઈ ઉપર તપવું નહિ ને જેના હાથમાં ક્ષમારૂપી ખાંડું છે તેને દુર્જન: કિં કરિષ્યતિ ?
ક્ષમા શસ્ત્રં કરે યસ્ય દુર્જન: કિં કરિષ્યતિ ?
અતૃણે પતિતો વહ્ની: સ્વયમેવોપશામ્યતિ ।।
(સુભાષિતરત્નભાણ્ડાગાર : ક્ષમાપ્રશંસા-1)
અર્થ :- જેના હાથમાં ક્ષમારૂપી શસ્ત્ર છે તેને દુર્જન શું કરી શકવાનો હતો? ઘાસ વિનાની જમીન પર પડેલો અગ્નિ આપોઆપ શમી જાય છે.
જે ખમે છે તેની ધા ભગવાન સાંભળે છે, એ વાત એમ જ છે.
ખમાય : સહન કરાય, ક્ષમા કરાય.
સલાટ : પથ્થરની મૂર્તિ ઘડનાર શિલ્પી.
કરો : ઘરની દિવાલ.
ઘોડે : જેમ.
ખાંડું : કાંઈક પહોળા પાનાની જરા નાના ઘાટની તલવારની એક જાત, રજપૂતોમાં રિવાજ કે વરના જવાને બદલે એનું ખાંડુ ક્ધયાને ત્યાં મોકલી લગ્ન કરવું.
અર્થ : ધન, સંપત્તિ.
સંવત્ 1919ના પહેલા શ્રાવણ વદિ સપ્તમીને દિવસે સ્વામીએ વાત કરી જે,
(295) આ સત્સંગમાં જીવ ચોંટતો નથી તેનું શું કારણ જે, આ મારગે કોઈ દિવસ ચાલ્યો નથી ને સર્વ બાંધનારા છે. કાચોપોચો સાધુ હોય તે પણ બાંધે. તે શિવલાલભાઈને એક સાધુએ કહ્યું જે, તમારે બધું છે. શું દુ:ખ છે ? તે ત્યાગી થાવ છો ? બીજા ઘણાંક મોટા હરિભક્ત છે પણ એકાંતે જઈને કેને (કોને) પૂછ્યું જે, કેમ વાસના ટળે ? કેમ સ્વભાવ ટળે ? કેમ માળા ફેરવવી ? કેમ ઉપશમ કરવો? હૃદયગ્રંથિ કેમ ટાળવી ? તે વાત કોઈએ પૂછી નથી ને કરી પણ નથી ને એકાંત્યું કરીને દ્રવ્યના પ્રયોગ તો કરે છે. એકાંત્યું તો અમે કરી પણ એમાં કાંઈ ભાળ્યું નહિ. રઘુવીરજી મહારાજ દીકરા સારુ ફરી પરણ્યા નહિ. એ સર્ગ નીકળ્યો ત્યારે સચ્ચિદાનંદસ્વામી ને અલૈયાખાચર એકાંતે વાતું કરવા માંડ્યા. જે ભગવાન છે તે બે ઉંદરડા ભગવાનના ભક્તને આપતા નથી. પણ દીકરે કરીને, ધને કરીને, કોઈને ટાઢક થઈ નથી. બધી ભેળી વાત શી કરી જે, બધાય વિષયમાં જોડે.
તે શિવલાલને જૂનાગઢના મારગે ન ચાલવા દે ને મુંબઈ જાય તો ભાતું કરી આપે. પણ આ મારગ તો કોઈને ગમ્યો નથી. તે દ્રવ્ય છે, સ્ત્રી છે, વેવાર છે તે નાખી દેવું નથી પણ ભગવાનને રાખીને એ કરવું. ને વર કેડે જાન રાખવી એ સિદ્ધાંત છે. અમે પણ ત્રેવડ રાખીએ છીએ. માટે વ્યવહાર તો જેમ થાતો હોય તેમ થાય, પણ ભગવાન મુખ્ય રાખવા ને પછી બીજું કરવું. તે એક બ્રાહ્મણ બે પહોર જ રળે, તો પણ રોટલા મળતા. ત્યારે આપણને કેમ નહિ મળે ? ને કદાપિ માનસી પૂજા ન કરીએ, માળા ન ફેરવીએ ને કદાપિ રૂપિયા વધ્યા, તેણે કરીને શું શાંતિ ? આ વ્યવહાર તો પ્રથમ મહારાજ આવ્યા ત્યારે શું હતું ? ને હવે કેટલો વ્યવહાર વધ્યો છે ? ને આપણે બધાય મળીને રૂપિયા ભેગા કરવા માંડીએ તો તે કદાપિ થાય. તો પણ જેવો કથાવાર્તાએ કરીને સમાસ થાશે તેવો નહિ થાય. તે ગોપાળાનંદસ્વામી કહેતા જે રૂપિયા તો થાય પણ ચોર કૂંચી માગે ને ન અપાય તો મારી નાંખે ને વાતું વાતુંમાં પણ ફેર છે. તે એક વાતે ચોંટાય ને એક વાતે ઉખડાય. તે હંસની ચાંચમાં એવું જે, દૂધ ને પાણી નોંખા કરી નાખે. તેમ એક જગત પ્રધાન કરી દે ને એક તો એ કઢાવી નાખે. તે જેમ આંખમાંથી કણું કાઢે તેમ જીવમાંથી દોષ કાઢી નાખે. એ સર્વ વાતુંમાંથી થાય છે. પણ એ મારગે જીવ ચાલતા નથી ને આવો અભ્યાસ પાડ્યો નથી ને જેને સ્ત્રી, ધનમાં રાગ હોય તે સ્ત્રી, ધનવાળાને સુખી જાણે. તે ત્યાગીમાં ને ગૃહસ્થમાં સર્વે ઠેકાણે જાણવું. તે એક જણો બોલ્યો જે, સર્વ વાત દ્રવ્યમાં રહી છે.
યસ્યાસ્તિવિત્તં સ નર: કુલીન: સ: પણ્ડિત: શ્રુત્વાન્ગુણજ્ઞ: ।
સ એવ વત્ત્કા સ ચ દર્શનીય: સર્વેગુણા: કાંચનમાશ્રયાન્તે ।।
અર્થ :- જેની પાસે ધન છે તે માણસ જ કુળવાન, વિદ્વાન, શાસ્ત્રજ્ઞ, ગુણવાન, વક્તા અને દર્શનીય છે. સર્વેગુણો ધનને (સુવર્ણને) આધીન છે. માટે ગુણ ન હોય પણ દ્રવ્યવાળાને સહુ ગુણવાન લખે છે.
(296) આ દેશમાં વિદ્યા ન મળે ને ગુજરાતમાં વિદ્યા બહુ, પણ દ્રવ્યમાં ચોંટ્યા તે હૈયામાં શલ્ય થઈ ગયાં. પછી અભેસિંહભાઈ તથા શિવલાલભાઈ ધ્યાનમાં બેઠાની વાત કરી જે, રૂપિયા વધ્યા તો હૈયામાં શાંતિ થાનારી નથી, પણ એમાં માલ જણાય છે એટલે મન ચોંટે છે. સંમીલને નયનયોર્નહિ કિંચિદસ્તિ ।। (આંખ મીંચાયા પછી કાંઈ સાથે આવતું નથી) માટે આંખ મીંચાશે ત્યારે કામ કાંઈ નહિ આવે ને આ ગારાની સગડીમાં મન વળગતું નથી પણ સોનાની સગડીમાં મન તણાય, તેમ જે વાતમાં માલ ન જણાય તેમાં જીવ ચોંટે નહિ.
(297) શાસ્ત્રમાં ચાર પ્રકારની વાતું હોય. તે અધિકારી પ્રમાણે વાતું ને કથા કરવી; ધનાઢ્ય કે મોટું માણસ સત્સંગ કરે તો સાધુ પાસે સેવા કરાવે. તે શેલણા ભામોદ્રાની જાન ગઢડે આવી એટલે તેને ખડ, જોગાણ, જમવાનું, ઉતારા, પાગરણ વગેરે બધી સેવા સાધુને કરવી પડી. તે જાન ચાલી ત્યારે વાસીદું પણ સાધુને કાઢવું પડ્યું. માટે એનું પ્રમાણ કરી રાખવું જે, એમાં તો સુખ જ નથી. એકે કહ્યું જે, બધું નાશ પામો પણ દ્રવ્ય થાઓ ને એક રબારીએ કહ્યું જે, તે તો કોયલા દૂધે ધોવા જેવું, તે ઊલટું દૂધ કાળું થાય, તે બેની બુદ્ધિ કાંઈ સરખી ? ઓલ્યાને રાગ છે તેવો રબારીને નહિ ને તે રબારીએ કહ્યું તેમ વાણિયો ન કરે. કેમ જે, દ્રવ્યનો માલ તેણે જીવમાં ઘાલ્યો છે. તે દ્રવ્યની આસક્તિમાં એટલો ફેર છે.
(298) ઘરમાંથી ઉદાસ થયા ને કહે જે, હવે તો માળા ફેરવશું તો ઘરમાં કોઈને ગમે જ નહિ. તે આ મારગ કોઈને ગમે જ નહિ.
(299) આજે સંસ્કાર લાગ્યા છે તે ફરી ફરીને આંહી આવવું પડશે ને એમ કરશું ત્યારે જ શાંતિ થાશે પણ રૂપિયા વડે શાંતિ નહિ થાય. તે તમારે લાખ લાખ રૂપિયા વધે તો તેણે કરીને કેટલી પૃથ્વી ઊંચી ચડે ? ને પંચાશી લાખનું દેવાળું કાઢ્યું તેમાં કેટલી નીચી થઈ ? માટે આ સંસ્કાર લગાડવા.
બપોરે વાત કરી જે,
(300) આ વાતું કેવી છે તો એક તો લાખ રૂપિયાની વાત કરે ને એક લાખ રૂપિયાનો ઢગલો કરે. તેમ એક તો વાત જ કરે ને એકને તો એ વાતનો અનુભવ થયો છે. તે અનુભવવાળાને આનંદ આવે તેવો વાચક-જ્ઞાનવાળાને આવે નહિ. જેમ ધનનો મહિમા રબારી આગળ કહીએ તો એને આનંદ જણાય નહિ, ને ઓલ્યે કહ્યું જે, ‘બધું નાશ પામો પણ ધન થાઓ.’ એવા આગળ ધનનો મહિમા કહીએ તો રાજી થાય અને આનંદ આવે. તેમ આ વાતું છે તે અનુભવવાળાને આનંદ આવે. સર્વ દ્રવ્યના ઉપાર્જનમાં મંડ્યા છે, તે એકાંતું કરે તો પણ એ વાત, કાગળ લખે તો પણ એ વાત, અમથા ઊભા હોય તો પણ એ વાત. માટે એનું મનન મૂકી દઈને ભગવાન ને સંતનું મનન કરવું, કેમ જે જોયા જેવા તો ભગવાન ને એકાંતિક એ બે જ છે.
એક એવો થાય જે સાંજે અમદાવાદનો ગઢ કરે ને એક તો કાંકરી નાખીને પાડી નાખે એવો હોય. તેમ આ જીવ છે તે સવારથી ઊઠે છે ત્યારથી ગઢરૂપ સંકલ્પ કરવા માંડે છે તે સૂતા સુધી કરે છે, પણ તેને કોઈ એવું જ્ઞાન દેનાર મળે જે ‘જોને જુગતે કરી, આ દેહ તારું નથી.’ તે એક કાંકરી મારે એટલે સંકલ્પરૂપી ગઢ તે પડી ગયો કહેવાય. તેમ સૂઝે એટલા રૂપિયા ભેળા કરશું ગમે તેટલા મનસૂબા કરશું. તો પણ તે ભોગવાશે નહિ. કાં જે, આ દેહ આપણું નથી તે અંતે પડી જાશે. માટે ભગવાનને ને આ સંતને ભૂલીને વ્યવહારમાં જોડાઈ જવું નહિ. જીવે તો કરોડો કલ્પથી વ્યવહાર કર્યા છે ને તેમાં જ ચોંટ્યો છે; ને હવે તો સત્સંગ થયો ને આ સાધુ ઓળખાણા તેને મૂકી દેવા નહિ ને વ્યવહાર ઘટે એટલો રાખીને ભગવાન ભજી લેવા ને સત્સંગ કરી પોતાના જીવનું શ્રેય કરી લેવું.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
મનસૂબા : સંકલ્પો, કાંઈક કરી લેવાના વિચારો
(301) ભગવાનમાં મનુષ્યભાવ હોય ને દિવ્યભાવ જાણવો કઠણ છે. તે જાળીયામાં મહારાજ ભગુજીને ખીજ્યા ને કૃષ્ણદાસને કહે, ‘જે તારું માથું કાપી નાંખીશ.’ પછી વાત કરી જે, મહારાજે ઝીણાભાઈ તથા એક બે જણને પૂછ્યું જે ‘અમારે માંદા થાવું છે તે કહો તો તમારે ઘરે આવીએ.’ ત્યારે ‘ ના’ પાડી. પછી જાળીયાવાળા હીરા ભક્તને પૂછ્યું, ‘અમારે માંદા થાવું છે તે તમે કહો તો તમારે ઘેર આવીએ.’ એટલે હીરા ભક્તે ‘હા’ પાડી. ત્યારે મહારાજ કહે, ‘અમે ગાંડા થાશું. તે જેમ તેમ બોલશું તે તમો ખમી શકશો ?’ ત્યારે કહે, ‘હા મહારાજ.’
પછી મહારાજ જાળીયે ગયા ને જેમ તેમ બોલે. ક્યારેક તો તલવાર લઈને સમણે ને જ્યાં ત્યાં મારે ને બોલે જે, આ તલવારે તો મોટાં મોટાં ગઢ, કોઠા ને કીલ્લા પાડ્યાં ને એક વાર કહે, ‘હીરાભાઈ અમારે જલેબી ખાવી છે. તે અટાણે ને અટાણે લાવો.’ ત્યારે હીરાભાઈ કહે, ‘મહારાજ ! ગામડાંમાં આ ટાણે ક્યાંથી મળે ?’ ત્યારે મહારાજ કહે, ‘માંડવીની, સુરતની, અમદાવાદની, વડોદરાની ને ખંભાતની બજારમાં ઢગલા મોઢે વેચાય છે. અમારે તો એક શેર જોઈએ છે. તો પણ ના પાડો છો ?’ પછી ભાયાવદર રાતોરાત ગયા ને જલેબી કરાવીને લઈ આવ્યા ને મહારાજને જમાડી.
પછી ઝીણોભાઈ ગઢડે ગયા તે સહુ કહે, ‘મહારાજ આંહી નથી.’ પછી ઝીણાભાઈ તો ગોતવા નીકળ્યા ને રસ્તામાં યાદ આવ્યું જે, ‘મહારાજને માંદા થાવું હતું ને હીરા ભક્તે હા પાડી હતી. તે જાળીયે ગયા હશે. મહારાજે કહ્યું હતું જે, આંહી કોઈને આવવા દેશો નહિ.’ પછી હીરાભાઈએ મહારાજને કહ્યું જે ‘ઝીણાભાઈ આવ્યા છે તે કહો તેમ કરીએ.’ પછી મહારાજ કહે, ‘ભલે આવે.’ પછી ઝીણાભાઈ મહારાજ પાસે આવ્યા ને દર્શન કરી ગઢડે કાગળ લખ્યો જે ‘મહારાજ અહીં છે.’ પછી ઝીણાભાઈએ મહારાજને કહ્યું જે, ‘સાજા થાવ તો ઠીક.’ ત્યારે મહારાજ કહે, ‘અમને ગરમી થઈ ગઈ છે તે ગંગાની ધારા આવે ને નાહીએ તો સાજા થઈ જઈએ.’ ત્યારે હીરાભાઈ કહે, ‘લ્યો મહારાજ! ગંગાની ધારા લાવું.’ પછી એક માટલામાં કાણું પાડ્યું ને બેલા નદીએથી ચાલતા કરાવ્યા ને માંડ્યા મહારાજને નવરાવવા. પછી મહારાજને પૂછ્યું જે ‘ક્યાં સુધી નવરાવીએ ?’ તો કહે, ‘ગંગાનું પાણી ગંગામાં પહોંચે ત્યાં લગી નવરાવો.’ એટલે હીરાભાઈએ બજારમાં હવાડો ગળાવ્યો ને પાણી ભરાણું ત્યારે તેમાંથી તાંસળી ભરી ગંગામાં નાખ્યું. પછી મહારાજ કહે, ‘રાખો.’ તે એકસો આઠ (108) બેડે મહારાજ નાહ્યા. ને સાજા થયા ને કહે, ‘ગાડું તૈયાર કરો. અમે સાજા થયા તે ગાડે બેસીને જાશું.’ તે ગાડે બેસીને ચાલ્યા.
રસ્તામાં ગાડાંમાં સુતા તે મહારાજ કહે, ‘ગાડું ટૂંકું છે તે પગ પહોંચતા નથી. અલ્યા ભગુજી, આવું ક્યાંથી લાવ્યો ?’ પછી મહારાજ કહે, ‘લે, તાણ! લાંબુ કરીએ.’ તે એક કોરે ભગુજીએ ઝાલ્યું ને એક કોરે મહારાજે ઝાલ્યું ને તાણ્યું. તે કહે, ‘હવે મોટું થઈ ગયું.’ પછી આગળ જાતા કહે, ‘આ તો ખડખડે છે તે બાળી દ્યો.’ પછી ગાડુ લઈ ગયા ને કહે ‘મહારાજ બાળી દીધું.’ પછી જાળીયામાંથી ઘોડું લાવ્યા ને મહારાજ ઘોડા ઉપર બેઠા. એટલે કહે ‘આ ઘોડું સારું નથી. તે ગુડી નાંખો.’ પછી તેને વોકળામાં લઈ ગયા ને કહે જે, ‘મહારાજ મારી નાખ્યું.’ પછી ડોળી કરીને સાંતીડાના સાંબડા કાઢી દોરી બાંધી ને ડોળી કરી તે ડોળી ઘડીકમાં ઉપડે નહિ એટલો ભાર જણાવે ને ઘડીકમાં હળવી ફૂલ જેવી જણાવે. એમ કરતાં મહારાજ કંડોરડે પહોંચ્યા. ત્યારે મહારાજે ભગુજીને કહ્યું, ‘જે ભાદા પટેલની ઘોડી લઈ આવો. અમારે અસવાર થાવું છે.’ ત્યારે ભગુજી કહે, ‘ઘોડી કેમ લેવાય ?’ ત્યારે મહારાજે તરવાર ખેંચીને કહ્યું, ‘જે ફોશી જણાય છે. ક્ષત્રીનો બચ્ચો થયો છે.’ તે ભગુજી આદિ ભાગી ગયા ને મહારાજ કહે, ‘ક્યાં ગયા ?’ ભગુજી તો કહે, ‘મહારાજે તરવાર ઉગામી તે ભાગી ગયા.’ પછી બોલાવ્યા ને કહ્યું જે, ‘તમને બીક લાગી ?’ ત્યારે કહે, ‘મહારાજ તમે મારો તો તે કેમ ન બીવાય ?’
પછી મહારાજ કહે, ‘ઘોડી લઈ આવો. કોઈ નહિ બોલે.’ પછી ગયા, તેની ડેલીએ આરબો સુતેલા, તેમાંથી કોઈ બોલ્યું નહિ ને ઘોડી ડેલીમાંથી છોડી પલાણ નાખી અસ્વાર થઈ ઘોડી લઈ આવ્યા. પછી મહારાજ કહે, ‘આ તો સારી નથી. બહુ ઊંચી છે. તે પડી જઈએ તો વાગે. માટે પાછી મૂકી આવો.’ તે બીતા બીતા મેલી આવ્યા. પછી ગોપાળ બારોટ કહે જે, ‘મારે ઘેર પધારો તો સારી ઘોડી બેસવા આપું.’ પછી મહારાજ તેમને ઘેર પધાર્યા, એટલે જમાડીને ઘોડી આપી. તે અસ્વાર થઈને ચાલ્યા ને રસ્તામાં પીપળીયું ગામ આવ્યું. ત્યાં દાદાખાચર આદિ હરિભક્ત ભેગા થયા ને મહારાજ સાથે ચાલ્યા.
રસ્તામાં કાઠીઓ ને હરિજન સહુ શીરામણ કરવા રોકાણાં ને મહારાજ ગાડામાં બેસી જાતા હવા. ત્યાં સાલેમાળનાં ડુંગરના ગોવાળીયા કાઠી આવ્યા ને મહારાજને કહે, ‘લાવો ખરચી’. મહારાજે તરવાર ખેંચીને કહ્યું, ‘ખરચી લેવી હોય તો આવ ઓરો.’ પછી ગોવાળીયા બોલ્યા જે, ‘મારી પાસે બંદુક નથી નહિતર ગોળીએ દેત.’ ત્યારે મહારાજ કહે, ‘માણકી નથી નહિતર તને માણકીના વાજમાં રગડી નાખું.’ પછી ગોવાળીયા વયા ગયા. ત્યાં કાઠી ને હરિજન આવ્યા. તેમને મહારાજે કહ્યું જે, ‘તમે વાંસે રહ્યા ને મેરામણ જેઠસુર ગોવાળીયે ખરચી માંગી એમ ઠપકો દીધો.’ પછી ગઢડે પહોંચ્યા એટલે મહારાજે બ્રહ્મચારીને કહ્યું જે, ‘અમારે વડતાલ જાવું છે તે ગાડું લાવો. તે એક જુનું ખડખડીયું ગાડું હતું તે લઈ આવ્યા.’ રાતના નાજા જોગીયા રતાંધળા તે આદિને ભેળા લીધા. તે નદી ઉતરીને ઓલ્યે કાંઠે ગયા ત્યારે પૂછ્યું જે ‘આમ ક્યાં ચાલ્યા? આ વરતાલનો મારગ નથી.’ પછી મહારાજે કહ્યું જે, ‘તમારે શું કામ છે ? વાંસે ચાલ્યા આવોને !’ ત્યારે પૂછ્યું જે ‘મહારાજ, તમારે જાવું છે ક્યાં ? એ તો કહો.’ ત્યારે મહારાજ કહે, ‘મેરામણ જેઠસુર ગોવાળીયે અમારી પાસે ખરચી માંગી હતી તે આપવા જઈએ છીએ.’ ત્યારે કહે, ‘મહારાજ એ તો કાળકૂટ છે. અમે રતાંધળા ને હથિયાર પાસે નથી તે શું કરશું?’ ત્યારે મહારાજ કહે, ‘આ તો ફોશી દેખાય છે તે ભાગી જાઓ. મારે કોઈનું કામ નથી.’ પછી સહુ કહે, ‘ચાલો જે થાય તે ખરું.’
એમ કરતા માંડવધાર પહોંચ્યા ને ચોકમાં જઈને ગાડું ઉલાળ્યું ને ઉંટડો પછાડ્યો તે ગાડાંના ખીલા ખખડ્યા તે ગોવાળીયા જાણે ‘બાબાજીનું લશ્કર આવ્યું તે માર્યા જાશું.’ પછી ઘર પછવાડે બારીઓ હતી તે ખોલી ખોલીને વગડામાં નાસી ગયા. પછી તેમની સ્ત્રીઓએ આવીને મહારાજને પ્રાર્થના કરી ત્યારે મહારાજ કહે, ‘ગોવાળીયે અમારી પાસે ખરચી માંગી હતી. તે અમે ખરચી દેવા આવ્યા છીએ.’ ત્યારે કહે, ‘મહારાજ કાણું ખરચી ? એ તો મૂર્ખ છે તે તમારી આગળ ખરચી માંગી.’ પછી મહારાજ ગઢડે ગયા.
એમ મનુષ્યચરિત્રમાં ખરેખરા હોય તેને સમું રહે ને નવરાવતા રાઘવાનંદને કસીને ચૂંટણીયો ભર્યો તે ભાગી ગયો ને ભાગવત વાંચતો ત્યારે આંસુ પાડતો ને વાળંદ કાળા ભક્તને આંસુ પાડતા ભાળ્યો, ત્યારે મોનાભાઈએ કહ્યું જે, હવે પરોક્ષપણે કેમ ચાલવું ? તેનો ઉત્તર કર્યો જે, આજ પણ સાંભળીને તેવું થઈ જાય. કેટલાકે કહ્યું જે, સાધુને કાંઈ આપ્યું નહિ ને પોતાના ભાઈભત્રીજાને વહેંચી આપ્યું. માટે જેટલી વાતું સમજાણી તેટલો સત્સંગ સમજાણો. કોઈ વાતનો ઠરાવ, નિરધાર કરવો તે સત્સંગ કર્યાનું ફળ છે.
મનુષ્યભાવ : દેહભાવ, માયિકભાવ, જેમાં ગુણાનુરાગ - ગુણાનુબુદ્ધિ પ્રવર્તે છે તેવો ભાવ.
દિવ્યભાવ : જેમાં માયાના ત્રણ ગુણનો પ્રભાવ ન હોય તેવો અદ્ભુત ભગવદ્ભાવ.
સમણે : વીંઝે, ફેરવે.
પાડો : ભેંસનું નર બચ્ચું કે તેનો નર.
ગોતવા : શોધવા.
કાણું : કેમ ? શા માટે ?
ફોશી : કાયર.
વાંસે : પાછળ.
કાળકૂટ : ઝેરીલો.
સમું : સરખું.
(302) વ્યવહાર છે તે સાધુપણું, સુહૃદપણું ને સત્સંગમાં હેત રહેવા નહિ દે ને વેર ઊભા કરાવશે ને એકબીજાનો અવગુણ આવશે. માટે બહુ સમજણ હોય તેને એમ ખચિત જાણ્યું જોઈએ જે, મરચાં ખાધે તો મોંઢા બળે. તેમ વ્યવહારમાં પણ એવું પ્રમાણ કરી રાખ્યું હોય તેની સ્થિતિ રહે. આપણે મંડ્યા છીએ ને જે અસદ્યુક્તિવાળા છે તે શું બેસી રહ્યા છે ? તે પણ કહેશે જે, માળા મસાણિયા બેઠા છે ને ઝાંપડાને સંભારે છે.
મસાણિયા : સ્મશાનમાં રહેનારા.
(303) મહારાજ કહે, ‘અમારા મુંડેલા કેટલાક રહ્યા નહિ; કેમ જે, ત્યાગ, વૈરાગ્યની વાતું કરીએ છીએ’; ને જેને સાધુ થકી સંસ્કાર લાગે છે તે કોઈ કાળે પડે નહિ. તેનું વાત પ્રમાણે વર્તન હોય ને સાધુ તો નિમિત્તમાત્ર છે ને વાતું તો તેમાં રહી ભગવાન કરે છે.
સાંજે વાત કરી જે,
(304) આપણે નિત્ય પ્રત્યે એવા શબ્દ કાનમાં નાંખવા જે જીવ અવળે માર્ગે ચાલે જ નહિ. તે આ તો કોઈ જીવે આદર કર્યો નથી. જેમ ભણવાનો, લખવાનો, ખેતીનો, વેપારનો ઈત્યાદિક આદર કર્યા છે. તેમ આપણે પણ પ્રભુ ભજવાનો આદર કર્યો છે ને એનું ફળ તો રોટલા મળે એ જ છે ને આ ફળની તો વાત જ ન કહેવાય.
(305) આ સમાગમ થાય છે ને અવાય છે, તે સંસ્કાર છે ને ઘરનો ઉંબરો સાડા બાર કરોડ યોજન ઊંચો છે તે પૂછો વસોવાળા વાઘજીભાઈને. એમાં શું કહ્યું જે, તેમને ગોરે તથા ગુરુએ વાર્યા તે માંડ માંડ આવ્યા ને સમાગમે સંસ્કાર લાગે છે. માટે સાધુનો સંગ કરશું તો કોઈ કાળે નાશ નહિ પામે. અવિનાશી તો ચાર વાનાં છે; બીજું બધું નાશવંત છે. એવા શબ્દ આ શાસ્ત્રમાં હોય પણ ભૂલી જવાય છે. ને આ ગામના પ્રશ્ર્નોરા (બ્રાહ્મણ), હૃદયમાં ‘હું’ આવે ત્યારે ઊઠીને ભાગી જાય.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
વાનાં : વસ્તુઓ. (બ.વ.)
(306) વહાણની વાત કરી જે, કેટલાક અધવચ આવ્યા છે, કેટલાક ઘડાય છે, કેટલાક કાંઠે પૂગ્યાં છે. તેમ કેટલાકને હમણાંના સંસ્કાર છે ને કેટલાકને મોરના (પહેલાના) સંસ્કાર છે.
(307) અન્નકોટ કર્યો ત્યારે ભક્તિમાતાએ દર્શન દીધા ને વાત કરી એમાં શું કહ્યું જે, ધર્મ હોય તો ભગવાન રહે ને ભક્તિ પણ રહે.
(308) સારાં સારાં લૂગડાં હોય, સારાં સારાં પકવાન હોય તે સર્વે નાશ થઈ જાશે, પણ આ વાતું ધારી હશે તો નાશ નહિ થાય.
સંવત્ 1919ના પહેલા શ્રાવણ વદિ અષ્ટમીને દિવસ સ્વામીએ વાત કરી જે,
(309) ચાર જણને દ્રવ્યની કલ્પના બહુ. પછી ચાર મણ સોનું મળ્યું તે માંહીમાંહી મૃત્યુ પામ્યા. સોળ જણ બળદ વેચવા આવેલા તે બળદ વેચીને રૂપિયાના ઘડા ભર્યા; પછી તે વહેંચતાં માંહીમાંહી મરણ પામ્યા ને દ્રવ્ય પડ્યું રહ્યું.
(310) હવે આપણે ઝાઝાં માણસ થયાં તે વ્યવહાર કરવો ને ભગવાન ભજવા. કોઈનો દ્રોહ ન થાય તેમ વરતવું ને બાજરો ભેળો કરીને પ્રભુ ભજવા. અમારી સાંભરણમાં તો રોટલા મળતા નહિ ને હમણાં તો સર્વેને મળે છે ને ધાડાનાં, હીમનાં, માવઠાનાં સર્વ દુ:ખ ટળી ગયાં પણ હવે કજિયા કરવા રહ્યા તે શું જે, રોટલાની ફિકર નહિ, એટલે કજિયા થાય છે.
દ્રોહ : મનથી, વાણીથી કે કર્મથી જાણી જોઈને કરેલ દોષ, ગુનો, પાપ કે અપરાધ
(311) તૃષ્ણા મૂકીને ભગવાન ભજવા. તે બે મહિના ત્યાં રહેવું ને વળી આવવું. એકલું ઘરમાં રહ્યે શાંતિ નહિ થાય, તેમ એકલું આહીં પણ નહિ રહેવાય ને ત્યાં વાતું ન થાય તો પણ જે ગૃહસ્થ નિર્વાસનિક હોય તેની વાત સાંભળવી ને આ મારગે કોઈ નહિ વળાવે. સર્વ વ્યવહાર મારગની પુષ્ટિ કરે છે; માટે વડાદરાની પેઠે કરીને આ કામ કરી લેવું ને ગૃહસ્થને જનક, પ્રહ્લાદ, અંબરીષ એના જેવું શીખવું.
નિર્વાસનિક : વાસનારહિત.
(312) કડિયાની વાત કરી જે, જુગટે રમે એટલે ખાવા ન મળે. કડિયાને રૂપિયા મળે છે તે સત્સંગના પ્રતાપે મળે છે. નગરના ઉકા ભક્તે જૂનાગઢના ઠાકોરજીને સોનાનો હાર પહેરાવ્યો તે તેના ઉપર દૃષ્ટિ થઈ ને તે પ્રતાપે રૂપિયા મળે છે, પણ જુગટે રમે તો ખાવા ન મળે.
(313) ત્યાગીને જડભરત, ઋષભદેવ, દત્તાત્રેય એના જેવું શીખવું ને પ્રાત:કાળે વિચાર કરવો જે,
આમયો યશ્ર્વ ભૂતાનાં જાયતે યેન સુવ્રત ।
તદેવ હ્યામયં દ્રવ્યમ ન પુનાતિ ચિકિત્સિતમ્ ।।
અર્થ :- જન્મથી માણસ શુદ્ર તરીકે પેદા થાય છે, (જનોઈના) સંસ્કારથી એ દ્વિજ (બે વખત જન્મેલો) કહેવાય છે, વેદનું ફરી ફરી અધ્યયન કરનારો વિપ્ર બને છે (અને) જે બ્રહ્મને જાણે છે તે બ્રાહ્મણ કહેવાય છે.
તેમ આપણે એવા સંસ્કાર લગાડવા જે, પંચવિષયનો સ્પર્શ જ ન થાય.
અર્થ : ધન, સંપત્તિ.
(314) રાગી હોય તેને ત્યાગીની ક્રિયા ન ગમે ને ગોપાળાનંદસ્વામીને પ્રાગજી દવે કહે જે, ભલા ! તું ઘરે જાને, પચીસ વરસની ઘેર બેઠી છે ને આહીં શાથી ખુવાર થાય છે ? ને ગોપાળાનંદસ્વામીની ક્રિયા ગાંડા જેવી. તે ત્યાગી થાવા આવ્યા ત્યારે સંબંધીએ કહ્યું જે, આ તારી દીકરીને કોણ સાચવશે ? ત્યારે કહે, ‘આના ગ્રાહક ઘણાં છે તે ચોરે ઊભી રાખીશ. તે જેને જોતી હશે તે લઈને વયો જાશે.’ ને ઘી લઈને અગ્નિમાં નાખતા ને કહેતા જે કોઈ બજારમાં માંદું પડ્યું હોય, તેમ પડ્યા રહે તો ભગવાન સાંભરે. મહારાજ કહેતા જે, પેટબેસણું થયું હોય તો અર્ધી કેડે તળાઈ નાખીને સૂવે તો ભગવાન સાંભરે. પણ પ્રાગજી જેવા રાગીને ગોપાળાનંદસ્વામી જેવા ત્યાગીની શું ખબર પડે ? માટે માયાના પ્રવાહમાંથી કોઈ પાછું વળતું નથી.
પેટબેસણું : વારંવાર જુલાબ થવો તે, ઝાડો.
કેડે : પાછળ.
(315) જોગીના લિંગનો ભંગ શું ? જે, વાસનાલિંગનો નાશ થાય તે. તે વાસના આપણે પાણા ઉપાડીએ છીએ તે જેમ ચોંટી રહ્યા છે તે સાંગડા ઘાલીને ઉખાડીએ ત્યારે માંડ માંડ ઊખડે છે તેમ વ્રતિ (વૃત્તિ) પ્રતિલોમ કરવી ને ભગવાનને જીવમાં જડવા તો વાસનાલિંગનો નાશ થાય, પણ તેમાં વિઘ્ન શું છે જે, પંચવિષય ને દેહાભિમાન. તમે જાણો જે, અમારે જ વ્યવહાર છે, પણ અમારે તો આખા સત્સંગનો વ્યવહાર માથે છે, તો પણ વાતું કરીએ છીએ ને બધી રાત ભજન કરવાની પડી છે; તેમાં ભજન કરે તો થાય એવું છે. તે ચરખાવાળા, બકરાંવાળા, ચોપડાવાળા ને ભવાયા એ સારી રાત જાગે છે પણ ભજનમાં કોઈ જાગતું નથી.
વાસના : પૂર્વના સંસ્કારોથી મકકમ થયેલી કામના.
પાણા : પથ્થર.
સાંગડા : બરછી જેવું એક હથિયાર, ડંડો.
પ્રતિલોમ : પોતા/આત્મા તરફ પાછી વાળતી વૃત્તિ, અંતરવૃત્તિ, અંતરદૃષ્ટિ કરીને આત્માનું પરમાત્મા તરફનું ઊર્ધ્વીકરણ.
ભવાયા : ગાવા-નાચવાનો ધંધો કરનાર.
(316) જીવમાં કોઈને ધર્મ, નિયમ ન મળે ને રાખે છે તે ઉપરથી જે લાજ જાશે. તે લીલીયાના પટેલે બાપની વાંસે કીર્તિ સારુ વાઢ લુંટાવ્યો ને બાપને તો દરિયામાં નાંખ્યો.
વાંસે : પાછળ.
(317) બાજરો ભેળો કરવો, ખેતી કરવી, વેપાર કરવો ને વચ્ચે પ્રભુ ભજવાનો મારગ રાખવો. પછી કાળીયા પંડ્યા ને માનીયા બ્રાહ્મણની વાત કરી જે, તે કહેતો જે, ‘હું જીવતાં તો અર્ધો રૂપિયો પણ ભાંગવો નહિ.’ તે એવા સ્વભાવ તે જીવને અજ્ઞાન છે. પણ દેહ પડતાં વાર નહિ લાગે. હમણાં જ બ્રહ્માનંદસ્વામી ને અમે આવ્યા પણ કેટલાં વરસ થયાં ને કેટલી ક્રિયા કરી નાંખી. તે ચાલવું છે ઉગમણું ને ચલાય છે આથમણું. કામ પૂરું થાય તેમ નથી પણ ‘ઊઠો, ઊઠો કામ પૂરું થઈ રહ્યું.’ એમ કહેશો ત્યારે પૂરું થઈ રહેશે. આ તો વચ્ચે જ કજિયા કરીને કથાવાર્તા, ભજન, સ્મરણ, વઢી વઢીને કરાવીએ છીએ. ગરીબ હોય તે દળતાં ફાકે તેમ વ્યવહારમાં ભગવાન ભજવા એ તો મોટો હોય તે અતિ ગરીબ થાય ને મનમાં પણ એમ વિચાર રહ્યા કરે જે, જન્મારો થઈ રહેશે તો ‘હેલા માત્ર હરિકું સંભારત.’ બાયડી, છોકરાં અવળાં થાય કે દેહમાં રોગ આવે તો જીવનપર્યંત ભોગવે પણ સત્સંગનું ન ખમાય.
(318) સંસાર મૂકીને આંહી આવે છે ને કજિયા થાતા નથી. એ તો અચરજ વાત છે. આ સત્સંગ મળ્યો છે તે પણ કાંઈક પુણ્ય છે, તે જેમ ખેતર સામું જુએ તો દાણાનાં ગાડાં ઘેર આવે નહિ. તેમ સત્સંગમાં આવ્યા વિના સત્સંગ ન થાય. કોઈ વાત આવે ત્યારે મોટેરાને પૂછવું ને તેનું માનવું, ને ન માને તો ખીલીના જેવું થાય. તે શું જે, પંચ મા-બાપ, પંચ પરમેરશ્ર્વર, પંચ કરે તે સહી, પણ મારી ખીલી ન ખસે.
(319) સર્વને પ્રારબ્ધ પ્રમાણે રહે છે. તે ઉપર વાત કરી જે, વડોદરાવાળા પ્રભુદાસે ભાઈને ભાગ આપ્યો પણ તેના નસીબમાં નહિ તે ખાવા ન રહ્યું. માટે પંચનું માનવું પણ મોહના કજિયા છે તે જમનાવડવાળા દાજીભાઈએ મહારાજનું ન માન્યું ને વાંસેથી સાધુને માન્યા. ને કજિયા કરવા તે જીવની કમાણી છે ને કોઈને અવળા દિલાસા દેવા એ જીવનો સ્વભાવ છે, પણ સાધુ થાવું નવું છે. માટે નિષ્કામી થાવું, નિર્લોભી થાવું.
પ્રારબ્ધ : પૂર્વનાં કર્મફળના સંગ્રહમાંથી વર્તમાનકાળે જે દેહ છે તે સંબંધી સુખ-દુ:ખ.
(320) દશ મહિના વ્યવહાર કરવો ને બે મહિના સમાગમ કરવો. તે શું જે, સમાગમ કરવો ને પ્રભુ ભજવા ને કોઈને દોષ ન આવે એમ વર્તવું તે વરજાંગ જાળિયાવાળા અરજણભાઈ આહીર છે તે ખેતી કોઈ પાસે કરાવે છે; ને પ્રભુ ભજવા તેમાં કોઈ વાતની ખોટ નહિ આવે. કદાપિ રૂપિયા વધ્યા તો આપણા જીવમાં શું સમાસ થાશે ? ને એંશી વરસ કેડે કોઈને ગરજ નહિ રહે ને જીવવું તે પણ દહાડા પૂરા કરવા જેવું છે.
દશ : દિશા.
આહીર : ભરવાડ, રબારી.
કેડે : પાછળ.
(321) કોઈને સંશય થાય જે આમ કેમ થઈ જતું નથી ? તો દૂધ મેળવે છે તો જામે છે, તેમ વાતું હૈયામાં જામશે ત્યારે તે પ્રમાણે વરતાશે. તે મોના ભગતને એમ જે આત્મા દેખાય તો હમણાં ઊડીએ.
(322) નિંદા ન કરે તો સ્તુતિ જ કરી છે. જિજ્ઞાસાનંદ રોજ શાક વઘારે તે મહારાજ કાંઈ ન કહે. જિજ્ઞાસાનંદે બાલમુકુંદાનંદને કાનમાં ગાળ દીધી પણ અવગુણ લીધો નહિ.
રોજ : દરરોજનું મહેનતાણું/મજૂરી.
(323) કથાવાર્તા, કીર્તન ને ધ્યાન બળાત્કારે કરીએ છીએ તે થાય છે, પણ માયા છે તે વેરી નાખે એવી છે તે થાવા દે નહિ. કથાવાર્તા વિના જીવમાં ખોટ રહી જાશે. દેહ, લોક, ભોગ ને પક્ષ એે કથાવાર્તાના વિરોધી છે. વાતે કરીને સમાસ થાય છે. છાવણીનો પડઘો હજુ સુધી ચાલ્યો જાય છે.
બપોરે વાત કરી જે,
(324) ભગવાન ભજવામાં સર્વે વિઘ્નકારી છે, તે આ દેહને ગમે તેટલો સુધારીએ પણ બગડેલો જ છે. કલ્યાણના મારગમાં ભગવાન, સત્સંગી ને સાધુ એ ત્રણ વિના કોઈ સહાય ન કરે. સર્વ સ્વાર્થીયું છે તે જોવું હોય તો ઘરે મહેમાન આવે ત્યારે મીઠું ને રોટલો આપો તો નાખતાં વેંત જ ગાળું દે. તે આખાના દેવશી લુહારને એમ થયું હતું.
(325) સર્વને વિષયમાં હેત છે. જે ખાધાના તથા વિષયના સ્વાદિયા હોય તેને તેમાં સ્વાદ ન આવે તો મૂઆ જેવા થઈ જવાય. આ લોક તો બળી ઊઠ્યો છે. સ્ત્રીરૂપ બેડીમાંથી નીકળાય જ નહિ. તે વિષયમાં કોણ નથી લેવાણું તે તો કહો? ખાવું, ઊંઘવું ને સ્ત્રી તે વિના તો કોઈને ચાલે જ નહિ. જેમ મીણિયામાં પાણી પેસે જ નહિ તેમ એનામાં જ્ઞાન પેસે જ નહિ. સર્વ વહવાયાંમાત્ર તેની સેવામાં છે. માટે સાંખ્ય વિચારે જુએ ત્યારે ખબર પડે. જેમ,
‘ચીલ ચડે આસમાને રે નજર તેની નીચી રે.’
(કીર્તન મુક્તાવલી-ચોસઠ પદી-અસંતનાં લક્ષણ-પદ 10-નં.1041-પાન નં.543)
તેમ સર્વની કરકા ઉપર નજર છે. માટે તેનું આદ્ય ને અંત જુએ તો ખબર પડે. તે ગમે તેવું રૂપાળું હોય પણ એંશી વરસ કેડે સામું જોવાય નહિ. માટે આપણે તો સુકાન ફરવા દેવું નહિ ને વિષયમાં દોષ જોયા કરવા. માટે કોઈ વખાણે, કુવખાણે પણ હરખ-શોક લાવવો નહિ. જેમ રસોઈ કર્યા વિના ચાલે નહિ તેમ પ્રભુ ભજ્યા વિના પણ ચાલે નહિ એમ કરવું.
કરકા : સ્ત્રી, માદા.
કેડે : પાછળ.
(326) ઈન્દ્રિયારામ ને અર્થારામ સાથે ગોષ્ટિ થાવા દેવી નહિ, કેમ જે, ગોષ્ટિ થાય તો એનો ગુણ આપણામાં ઘાલી દે. વિષયના મારગે ચાલવું તે તો જીવનો ઢાળ જ છે ને કોણ એ મારગે ચાલતું નથી ? આ વાત તો કોઈ દિવસ જીવે કરી નથી તે પ્રકૃતિના કાર્ય સુધી ક્રોધની લેરી છે. જ્યાં જ્યાં ઉતારો કર્યો ત્યાં તો વેર જ કરાવ્યાં છે. કૌરવ, પાંડવ ને સહસ્ત્રાર્જુન એવા ઘણાને એમ થયું છે. આપણે ભેળા બેઠા છીએ પણ નોખા પડીએ એમ છે. તે બધી વાત મહારાજે દેખાડી દીધી છે.
(327) અન્ન, વસ્ત્ર તો અજ્ઞાનીને પણ મળે છે. આપણે વિશેષ કેટલું કે રૂડાં નિયમ પળે, ધર્મ પળે ને કોઈનો દ્રોહ ન થાય ને કેટલાક તો આપણા મંડળમાં બેઠા હોય તો પણ મંદિરનાં વાંકાં બોલે, સાધુના વાંકાં બોલે, માટે બીને ચાલવું. તે સર્વેથી બીવું જે, રખે કોઈક દુભાઈ જાય, એમ ફડકો રાખવો; ગમે તેવો અધિકારી આવ્યો હોય કે પંડે ભગવાન આજ્ઞા કરે તો પણ જેમ પરશુરામે પોતાની માને મારી તેમ કોઈને મારવું નહિ.
દ્રોહ : મનથી, વાણીથી કે કર્મથી જાણી જોઈને કરેલ દોષ, ગુનો, પાપ કે અપરાધ
ફડકો : ધ્રાસકો, ભયની ધ્રુજારી.
(328) ભગવાન અને મોટા સંત તો વઢીને રૂડું કરે, ઉપવાસ કરાવીને રૂડું કરે. તે ખટરસનાં વર્તમાન દીધાં તેમાં પણ તેનું હિત જ કર્યું. જેને વિષય નથી ગ્રહણ કરવા તેને મરને તાવડા ચડે તો પણ તેમાં શું ? તેને એ ઘાટ જ નથી.
મરને : ભલેને.
ઘાટ : માયિક સુખ ભોગવવાનો સંકલ્પ, વિકારનો સંકલ્પ.
(329) સ્વરૂપાનંદસ્વામીને માન આવ્યું, તો રાતું લુગડું દેખાણું. પર્વતભાઈને લગારેક અંહકાર આવ્યો જે, સંકલ્પનો શો ભાર ? સંકલ્પ થાય જ નહિ ને થાય તો ચકલીની પેઠે ઉડાડી દઈએ. પછી તો સંકલ્પ થાવા માંડ્યા. માટે કોઈ સાથે બોલાચાલી થાય તો પગે લાગવું. તે કોઈ વાત મહારાજે અવિદ્વાન રાખી નથી.
(330) કોઈ વાતની ખાધામાં યુક્તિ ન ચાલી ત્યારે મેળવ્યાનું કર્યું. માટે જેને મેળવવું તેને તો આજ પણ ગોળા છે. દ્રવ્ય ઉપર ઝાડે ફરાવ્યા. તે મૂળજી બ્રહ્મચારીએ મહારાજ સારુ રૂપિયો અર્ધો રાખ્યો હતો તે ઉપર ઝાડે ફરાવ્યા. ક્રોધને પણ હાડહાડ કરાવ્યો.
(331) આપણે આદર કર્યો ત્યારે તો ભગવાનનાં ચરિત્ર સાંભળવા; એનું જમવું, બોલવું એ સર્વ સંભારવું ને એની મૂર્તિ જોવી. એટલે આ લોકમાં રાજાની સર્વ વિભૂતિ નાશવંત જણાય.
મૂર્તિ : સંતો.
(332) મોહ છે તે વિપરીત જ્ઞાન છે ને સર્વ કજિયા વિષયના છે. આચાર્યમાં, સાધુમાં, સત્સંગીમાં, સર્વમાં વિષયના કજિયા છે. ભરતજીને મૃગલીરૂપ પાંખડું રહી ગયું તે એને તો રક્ષક ધર્મ તેથી એમ થયું તો પણ પાછા સ્મૃતિએ ઝાલ્યા, માટે જ્યારે જીવમાં વિષયનું પાંખડું ન રહે ત્યારે એકલું દર્શન રહે.
(333) કામ આવે ત્યારે, લોભ આવે; લોભ આવે ત્યારે ક્રોધ આવે એટલે જીવ ફરી જાય છે ને ત્યાં સુધી મોહ થયા વિના રહે નહિ.
ધ્યાયતો વિષયાન્પુંસઃ સઙ્ગસ્તેષૂપજાયતે । સઙ્ગાત્સઞ્જાયતે કામઃ કામાત્ક્રોધોઽભિજાયતે ॥
(ભગવદ્ ગીતા : 2/62)
અર્થ :- વિષયોનું તીવ્ર ચિંતન કરનારા માણસને એ વિષયોમાં આસક્તિ પેદા થાય છે, આસક્તિથી કામ પેદા થાય છે (અને) કામમાંથી ક્રોધ ઉત્પન્ન થાય છે.
ક્રોધાદ્ભવતિ સમ્મોહઃ સમ્મોહાત્સ્મૃતિવિભ્રમઃ । સ્મૃતિભ્રંશાદ્ બુદ્ધિનાશો બુદ્ધિનાશાત્પ્રણશ્યતિ ॥ (ભગવદ્ ગીતા : 2/63)
અર્થ :- ક્રોધમાંથી મોહ પેદા થાય છે, મોહને લીધે સ્મૃતિમાં ભ્રાંતિ પેદા થાય છે, સ્મૃતિમાં ભ્રાંતિ થવાથી બુદ્ધિનો નાશ થાય છે (અને છેલ્લે) બુદ્ધિનો નાશ થવાથી (એ માણસનો) નાશ થાય છે.
અર્થ : ધન, સંપત્તિ.
આસક્તિ : મોહ, અતિશય સ્નેહ, લગની.
(334) કોઈનો કજિયો હોય તો અમે તો પડીએ જ નહિ ને કહીએ જે અમે જાણતા નથી; પણ અમે વ્યવહાર ચલાવ્યો છે તેવો કોણે ચલાવ્યો છે ?
(335) વાઘજીભાઈએ પ્રશ્ર્ન પૂછ્યો જે, ઘરમાં રૂપિયા હોય તેનો કેફ વર્તે ને આ સત્સંગનો કેફ ન મળે, શેરડી ખાઈએ છીએ તેનો સ્વાદ આવે છે ને આ વાતુંનો સ્વાદ આવતો નથી તેનું શું કારણ ? પછી સ્વામીએ ઉત્તર કર્યો જે, શ્રવણ, મનન વિના એનું સુખ આવતું નથી ને જ્ઞાન તો કાળે કરીને વૃદ્ધિ પામે છે ને વિષયમાં સુખ છે તે તરત ભોગવ્યામાં આવે છે ને ભગવાન દૃષ્ટિ અગોચર છે, એટલે ભગવાનનું સુખ આવતું નથી; પણ બળબળતા ડામવાળા વચનામૃત (વચ. ગ.પ્ર. 44)માં કહ્યું છે તેવી રીતનો જેનો જીવ થાય તેને ભગવાનનું સુખ આવે છે ને વિષયરૂપી તુંબડાં બાંધ્યા છે તે જીવને ઉપર ને ઉપર રાખે છે ને બહાર વૃત્તિએ વાતું કરે તેને ભગવાનનું સુખ આવે નહિ.
(336) જ્ઞાન નથી એટલે ખબર પડતી નથી. તે શું જે, કાળરૂપી બહારવટિયો જીવને ઉપાડી જાય છે તેની ખબર નથી. બહારવટિયો આવતો હોય તો ઊંઘ ન આવે ને આમાં ઊંઘ આવી જાય છે; પણ જો કાળ દેખાતો હોય તો ઊંઘ ના આવે, તે એક રાજાને કાળ દેખાતો તે જ્યાં જાય ત્યાં વાંસે ને વાંસે. પછી કહે, કાળના ભયથી મારી રક્ષા કરે તેને શરણે જાઉં, એવો વિચાર કરી ખડિયામાં સોનાની મહોરું ભરી ચાલ્યો. તે જ્યાં જ્યાં જાય ત્યાં વાંસે ને વાંસે, વગડામાં કાંટાની વાડ ને એક ઝૂંપડી દીઠી તે માંયલી કોરે ગયો. ત્યાં વાડ બહાર કાળ છેટે ઊભો રહ્યો પછી તેણે વિચાર્યું જે, આમાં કોઈ મોટાપુરુષ હશે ખરા; કેમ જે, કાળ છેટે ઊભો રહ્યો; એમ ધારી અંદર ગયો ને બ્રહ્માનંદ નામના સંન્યાસી દીઠા. દંડવત્ કરી પગે લાગી કહ્યું જે, ‘મહારાજ મને શિષ્ય કરો.’ ત્યારે તે કહે જે, જ્ઞાન સાંભળ્યા મોર (પહેલા) શિષ્ય થાવાય નહિ; એટલે રાજા કહે, આટલું તો જ્ઞાન થયું છે જે, મારી વાંસે કાળ ફરતો હતો તે આહીં આવ્યો એટલે કાળ બહાર ઊભો રહ્યો તેટલું તો જ્ઞાન થયું છે માટે મને શિષ્ય કરો. પછી તેને શિષ્ય કર્યો. પછી રાજાએ કહ્યું જે, હું તમને આ સોનામહોર ગુરુદક્ષિણામાં આપું છું. પછી સંન્યાસી કહે, હું રાખું તો મારું ભૂંડું થાય ને તારી પાસે રાખે તો તારું પણ ભૂંડું થાય, માટે ગંગામાં નાખ એટલે પાપ જાય. પછે ગંગામાં નાખ્યું ને સુખે ભગવાન ભજ્યા. એમ એવા નિ:સ્પૃહી હોય તેનાથી કાળ ભાગે છે. માટે આની પેઠે જેને કાળનો ભય હોય તેને કથામાં નિદ્રા ન આવે.
વાંસે : પાછળ.
(337) મહારાજ પુરુષોત્તમ છે ને બીજા બધા પુરુષ છે ને એ પુરુષોત્તમ છે. માટે એનું રૂપ જાણવું ને આજ્ઞામાં રહેવું ને અમને ગમે તેમ કહે, પણ અમારે તો તાન મહારાજમાં વળગાડવા એ જ છે ને જેમ ધ્રુવ તારા ઉપર નિશાન છે તેમ એની જ કથા, એના જ કીર્તન, એને જ ગાવાં છે ને વ્યવહાર આવે ત્યારે તો પત્રાવળાંની વાત કરી જે, દેહ પત્રાવળું છે ને સમજણ તે પડીઓ છે. તે દેહે કરીને ભગવાન ભજવા ને કાને કથા સાંભળવી. માટે આ ઠરાવ કરવો. આ ઠરાવ વિના તો બધું કાચું છે. આદર કર્યો છે તે મોળો પડવા દેવો નહિ ને સૂતાં, બેઠાં, ચાલતાં એ ભજન કરવું.
તાન : લગની, આગ્રહ, મસ્તી.
સંવત 1919ના પહેલા શ્રાવણ વદિ નવમીને દિવસે સ્વામીએ વાત કરી જે,
(338) આપણા જીવનું શ્રેય થાય ને આપણા શત્રુ મોળા પડે તેનો શો ઉપાય ? તે તમને પ્રશ્ર્ન પૂછીયે છીયે. પછી બધાએ મળીને કહ્યું જે, એનો ઉત્તર તો તમે કરશો તો જ થાશે. ત્યારે સ્વામી બોલ્યા જે, મોટા હોય ને જેણે પોતાના દોષને ટાળ્યા હોય ને બીજાના ટાળતાં હોય તેની સાથે જીવ બાંધવો, એ જ મોક્ષનો ઉપાય છે. પણ ઝાઝા રૂપિયા મળે કે ઝાઝી સ્ત્રીઓ પરણે કે ભારે ભારે ઘરેણાં કે ગાડી, ઘોડે બેસે તે કાંઈ મોક્ષના ઉપયોગી નથી, તેમાંથી તો દુ:ખ જોવા શીખવું. ગાડી ઊંધી પડે તો મૃત્યુ થાય, ઘોડેથી પડે તો હાથપગ ભાંગે, રૂપિયા મળે તો ઉન્મત્ત થઇને કાંઇનું કાંઇ કરે. મોટા મોટામાં જીવ બાંધવો ને સમાગમ કરવો એ જ શત્રુ મોળા પાડ્યાનો ઉપાય છે.
ઘોડે : જેમ.
ઉન્મત્ત : ગર્વિષ્ઠ, ઉદ્ધત, ગાંડો, છાકટો.
(339) કણકોટનો માધવજી સુતાર ઘર મૂકીને આવ્યો પણ સાધુ સંગાથે બન્યું નહિ તે ઘેર જાય ને વારણામાં પણ જાય. ત્યાં ડોશીઓના હાથનાં વાંસામાં થાપા લે અને મૂછું પણ મૂંડાવે એ ક્યાં મેળ બન્યો ? વળી તેણે માવા ભક્તને પૂછ્યું જે, હું કેવો ? તો કહે, ગીંગો, ભીંગો, ને ભમરો. તે ભમરાને ઠેકાણે તો આ સાધુ છે ને ભીંગાને ઠેકાણે ગૃહસ્થ છે ને તું તો ગીંગાને ઠેકાણે છો. તે ગૃહસ્થ તો પોતાની વિષ્ટા ચૂંથે છે ને તું તો આખા મલકની વિષ્ટાની ગોળિયું વાળે છે. પછી પેટાળાં, પાંખાળાં ને પગાળાંનું દૃષ્ટાંત દીધું. તે પાંખાળા આ સાધુ છે, ને પગાળાં તો આ ગૃહસ્થ છે ને પેટાળો તો તું છો, તે સર્પની પેઠે ઢસરડા કર્યા કરે છે. માછલો, પોરો ને દેડકો તેનું દૃષ્ટાંત દીધું. તે મચ્છને ઠેકાણે તો આ સાધુ છે ને પોરાને ઠેકાણે તો આ ગૃહસ્થ છે ને દેડકા તો ગારામાં જ રહે છે. તે દેડકાને ઠેકાણે તો તું છો. તારે તો એકલો ગારો જ ખાવાનો રહ્યો.
પછી તેણે એકવાર ગઢડાના સાધુ નૃસિંહાનંદને પૂછ્યું જે, હું સત્સંગી કેવો ? ત્યારે તે બોલ્યા, ‘ગૃહસ્થ છે તે તો પોતાની વિષ્ટા સાફ કરે છે, પણ તું તો આખા ગામની વિષ્ટા ચૂંથે તેવો છો.’ પછી તેણે એક વાર સાધુ આગળ કહ્યું જે, જીવણા ખુમાણ મૂછું બહું મોટી રાખે છે ને પોતે મૂછું મુંડાવતો તેથી જીવણા ખુમાણ એમ કહ્યું. પછે તે જ દિવસે કોઠારમાં એક માણસ જોઈતું હતું. પછે રઘુવીરજી મહારાજે કહ્યું જે આ માધવજી સુતાર છે તે ત્યાગી છે ને બહુ સારા છે. તેમને સવારે કોઠારે બેસાડશું. તે સાંભળીને માધવજી તો અર્ધી રાતે ઊઠીને ભાગી ગયો. તે સવારે ગોત્યો પણ જડ્યો નહિ; ત્યારે જીવણો ખુમાણ બોલ્યા જે, મોટી મૂંછુંવાળા તો હજુ બેઠા છે ને ત્યાગીની પેઠે મૂંડાવતો તે જાતો રહ્યો. તે એવા હોય તેને સાધુ સાથે શેનું બને ?
વિષ્ટા : નરક, મળ.
પોરો : વિશ્રામ.
ગારો : કાદવ, કીચડ, ચણતરમાં વાપરવા તૈયાર કરેલી માટી.
(340) પ્રહ્લાદ જેવા ને જનક જેવા હોય તેણે વિષયના ત્યાગ કર્યા છે. સાધુ સમાગમ વિના કોનો જીવ વૃદ્ધિ પામ્યો છે? તે કહો. પછે ચૈતન્યાનંદસ્વામીને મહારાજે સદ્ગુરુ કરેલ, પણ ક્રોધ એવો હતો જે એક વાર મહારાજે તેમને કહ્યું જે તમારે પદાર્થ રાખવાં નહિ; એટલે મરવા તૈયાર થયા ને વગડામાં જાતા રહ્યા; પણ જ્યારે બાળમુકુંદાનંદસ્વામી મળ્યા ત્યારે બોલ્યા જે, હું બાર વરસ ગુરુ રહ્યો ને બાર વરસ સદ્ગુરુ રહ્યો પણ સત્સંગી તો આજે થયો અને અક્ષરાનંદસ્વામી પણ એમ બોલ્યા. તેની પણ વાત કરી જે, મહારાજે તેમને વરતાલની મહંતાઈ આપી ત્યારે સ્વયંપ્રકાશાનંદસ્વામી બોલ્યા જે, કાલ આવ્યા ને આજ મહંત ર્ક્યા ! પછી રીસાઈને વયા ગયા. તેમ જ જ્યારે રઘુવીરજી મહારાજે વરતાલની મહંતાઈ ગોપાળાનંદસ્વામીના શિષ્ય સુપર્ણાનંદસ્વામીને આપી ને અક્ષરાનંદસ્વામીને બુધેજ મોકલ્યા ત્યારે અક્ષરાનંદસ્વામી મૂંઝાણા. પછી જૂનાગઢ આવ્યા; એટલે અમે વાતું કરી એટલે સમજાણું ત્યારે બોલ્યા જે, સાધુ આજ થયો, વરતાલની મહંતાઈ કરી પણ સત્સંગી આજ થયો. સાધુ સમાગમે કરીને જીવ વૃદ્ધિ પામે છે.
(341) કોઠારનો ને ભંડારનો પ્રસંગ લાગે તેને તો વિઘ્ન લાગ્યા વિના રહે જ નહિ, માટે ઝેરનું પારખું લેવું નહિ. ભંડારી ને કોઠારી થાવું નહિ; કેમ કે, વિષયના સંબંધે કરીને કોઈનું ઠેકાણું રહ્યું નથી. જેને ઘેર પંચશત્રુ બેઠા તેને ઘેર કાણું બેઠી છે ને પ્રથમ પણ એમ જ થયું છે. તે એ મારગમાં તો બ્રહ્મા પણ લડથડ્યા છે. માટે જેમ ગરાસિયા કોઈનો વિશ્ર્વાસ કરતાં નથી તેમ આપણે પણ એ મારગનો વિશ્ર્વાસ કર્યા જેવો નથી. માટે પોતાના કલ્યાણમાં વિઘ્ન આવે તેમ ન કરવું. મંદિર કરીને પોતાના કલ્યાણમાં વિઘ્ન કરવું તે શું ? તો ઠાકોરજીને પધરાવીને માંહી શોભાને અર્થે અરીસા કોરે મૂકે ને ડોશીઓ દર્શને આવે તે માંહી અરીસામાં દેખાય એટલે ત્યાગી છાના છાના માંહી બેસી જોયા કરે ને તેનું મનન થાય, પછી પ્રસાદી મોકલે એટલે ડોશીઓને તેનું મનન થાય, પછી ભેળા થાય એટલે બોલાચાલી થાય ને ભ્રષ્ટ થાય, એ વિઘ્ન થયું કહેવાય. વળી થાળ અર્થે દ્રવ્યનું ઉપાર્જન થાય, કાં રસના વધે તોય વિઘ્ન થયું કહેવાય. માટે પોતાના કલ્યાણમાં વિઘ્ન ન આવે એમ કરવું.
કાણું : કેમ ? શા માટે ?
ઉપાર્જન : પ્રાપ્તિ માટેની ક્રિયા.
(342) વારંવાર ઘોષ કર્યા વિના શબ્દ રહે નહિ ને શિવાનંદ ઉપરથી ભણ્યા હતા તે સભામાં ન વંચાણું ને કહે જે પ્રથમ તો ઓળ્યું દેખાતી હતી ને હવે તો પાનું પણ નથી દેખાતું, એમ કહીને ભાગી ગયા. અને કીર્તન ગાતા હોય ત્યારે રજોગુણ કે તમોગુણ આવે તો શબ્દ ભૂલી જવાય. તેમ આ રીતના શબ્દો પણ ન ધાર્યા હોય ને નામું ન કર્યું હોય તો કેમ ઠીક રહે ? તે ઉપરથી તો હો, હો ! હોય તો કાંઈ ન પાકે.
(343) શાસ્ત્રમાં કીટ હોય તેને શાસ્ત્રમાં ખબર પડે તેમ આ વાતુંના જે કીટ હોય તેને મોટા મોટાના અભિપ્રાયની ખબર પડે, પણ બીજાને ન પડે; ને મોટાનાં સેવન કર્યાં હોય ને મોટાનો અનુગ્રહ થયો હેાય તેને આ વાતુંનું રહસ્ય સમજાય. તે રહસ્ય તો મોટાના આશીર્વાદ થયો હોય તો જણાય ને આશીર્વાદ કેમ થાય તો મોટાની અનુવૃત્તિમાં રહે તો તેને ગુણ આવતાં વાર ન લાગે; પણ પાત્ર થાતાં વાર લાગે. માટે પાત્ર થાવું.
અનુગ્રહ : કૃપા, ઉપકાર, મહેરબાની.
(344) પરણાવવાની નિવૃત્તિ આવે છે પણ સમાગમ કરવાની નિવૃત્તિ આવતી નથી. લગ્ન જોઈને પરણાવી હતી પણ આઠમે દિવસે રાંડી. તે આ લોકનાં સુખ નાશવંત છે ને ભગવાનનું સુખ તો અવિનાશી છે. એ દાખડો છૂટી પડે તેવો નથી. માટે કોઈ ઠેકાણે જીવને જોડવો નહિ ને આ મારગે ચાલવું.
(345) કાળ ચાલ્યો જાય છે ને કાળ ગયો તેમાં સુખ કેટલું ? તો જેટલો મોટાનો સંગ કર્યો, જેટલા સાધુ સેવ્યા હશે તેટલી ધીરજ હશે, ગુણ પણ તેટલા જ હશે અને સુખ પણ તેટલું જ હશે.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
(346) મોક્ષને ઉપયોગી કોઈ નથી ને ખરેખરા હોય તેને આ રૂપિયા છે તે પણ મોક્ષના ઉપયોગી થાય. આ અજરામર છે તે રોટલા મંદિરના ખાય છે ને રૂપિયા તો રળી રળીને ખીમલાંને આપે છે. ને ઘરડા હોય તેને તો સૌ એમ ઈચ્છે જે મરે તો સારું. તે શું જે, પછી હેત રહેતું નથી ને આ સાધુ સારા છે તો પણ તેમાં હેત થાતું નથી, ભગવાનમાં પણ હેત થાતું નથી ને સ્ત્રી, દીકરામાં સહેજે હેત થાય છે; માટે આપણે શું કરવું જે, મંદિર કરીને પણ મોક્ષમાં વિઘ્ન ન આવે તેમ કરવું, તીર્થે જવું તેમાં કોઈના અવગુણ લઈ આવશું તો મૂળગી ખોટ આવશે ને આ તો ઝાઝાં માણસ તે સૌની રુચિ નોખી નોખી પણ રુચિ મળે તો જ મળતું રહેવાય ને વર્તમાન તો સૌ પાળે છે પણ રુચિ મળવી જોઈશે.
તો અંગ રાજાને તેના દીકરા વેન સાથે રુચિ ના મળી, તે વેન કહે, હું રાજા છું ને હું ભગવાન છું તે બધું મને અર્પણ કરો. તે અંગ રાજાને ગમ્યું નહિ એટલે રુચિ મળી નહિ, એટલે ભેળું ન રહેવાણું. માટે આપણે પણ કોઈ વિઘ્ન મોક્ષમાં આવવા દેવું નહિ. તે રુચિ વિના તો સુવાણ થાવાની નહિ. અમે કથા કરવા માંડી એટલે ચાર જણ ચાલી નીકળ્યા. ગોપાળાનંદસ્વામી મંદિર કરવા આવ્યા હતા તે પૂજા કરતાં વિષ્ણુ ઉપર માંજરનું શિખર કરતા ત્યારે કોઈકે કહ્યું જે, મંદિર કરવા આવ્યા છે તે આમ કાંઈ મંદિર થાશે? ત્યારે ગોપાળાનંદસ્વામી કહે, અમારે તો આમ જ મંદિર થાશે. તે રુચિ ન મળી એટલે મળ્યું (ભેળું) ન રહેવાણું.
ને મસાણિયા કહે છે ને ભેળું રહેવું, તે કઈ રીતે રહેવાય? માટે સમુદ્રમાં ઝેર પણ હોય ને અમૃત પણ હોય; તે કોઈના સ્વભાવ એવા હોય જે જેને તેને દુ:ખ દેવાં ને ક્લેશ કરાવવો. પછી વાત કરી જે, મુનિબાવામાં દૈત આવ્યા તે હોકો પીવરાવ્યો ને મંદિરમાં જમીન આપી હતી તે પાછી લેવાનું કર્યું; માટે બધી વાત સત્સંગમાં હોય. આપણે આપણા મોક્ષમાં વિઘ્ન ન આવે તેમ કરવું, ભગવદીનો અવગુણ આવ્યો તે પડ્યો જાણવો ને એવું કોઈ પાપ નથી; માટે અવગુણ આવે તો વહેવાર પણ ન કરવો ને મારગે પણ ભેળા ન ચાલવું. તે પ્રથમ ઘીનાં આંધણ મૂકે ને પછી મારી નાખવા તૈયાર થઈ જાય. માટે પ્રભુ ભજવા આવ્યા છીએ પણ જો જ્ઞાન ન હોય, ધીરજ ન હોય, ને મોટાનો સંગ ન હોય તો કોઈકનો અપરાધ થઈ જાય ને મોક્ષમાં વિઘ્ન આવી જાય. તે વિઘ્ન ન આવે તેમ કરવું ને દેહમાં, લોકમાં, ભોગમાં, પક્ષમાં ભળી જવાય તો વિઘ્ન થાય ને જેને સ્વભાવ પડ્યા છે તે આપણા મુકાવ્યા ન મૂકે, દુર્વાસા આપણું ન માને, તે તો કદળીનું જ માને.
ને વડતાલના નામવેરાના સાધુ ખાખી પુરુષોત્તમદાસ સો ગાળું દેતા ને ગરજ વિના તો કાંઈ કામ થાતું નથી, તે ચાકરી કરે તો ઊભા રહે ત્યારે રાજી થાય ને સુતારને ત્યાં સૌ લાકડું મૂકી આવે ને જ્યારે માગે ત્યારે તૈયાર કરી આપે. તે શું? જે, ગરજ છે, તે બધાનું ખમે છે તેવી કલ્યાણની ગરજ નથી; પણ એવી ગરજ જો કલ્યાણના મારગમાં હોય તેને મોક્ષ મારગ પાધરો છે. પછી શ્ર્લોક બેાલ્યા જે,
પ્રસંગમજરં પાશમાત્મનઃ કવયો વિદુઃ ।
સ એવ સાધુષુ કૃતો મોક્ષદ્વારમપાવૃતમ્ ॥
(શ્રીમદ ભાગવત : 3/25/20)
અર્થ :- આસક્તિ એ કદી પણ ન ઘસાય એવો આત્મા ઉપર પડેલો પાશ છે એવું જ્ઞાની પુરુષો જાણે છે અને એ જ આસક્તિ જો સાધુ પુરુષોની બાબતમાં કરવામાં આવે તો એ મોક્ષનાં દ્વાર ઉઘાડી દે છે.
એવો વજ્રપાસ જો સાધુમાં થાય તો મોક્ષનું દ્વાર ઉઘાડું છે; માટે મોટાના રુખમાં રહેવું, ભગવાનના રુખમાં રહેવું ને હમણાં આ દેહ પડી જાશે, તે મૂઠી દાણા સારુ બધાનાં રુખ રાખ્યા હશે પણ કલ્યાણને અર્થે રુખ ન રહે. આ તો કહ્યા વિના ઠીક રહે તેમ નથી. તે કહેવું પડે ને કહે ત્યારે સ્વભાવ ટળે ને આ તો ક્ષમા કરીએ છીએ ને શરીરમાં બે જણને ઠેલી નાખીએ એટલું બળ છે પણ બીજાને કામ ચીંધીએ છીએ પણ કેટલાક તો ઉમાની પેઠે કરે છે.
રળીને : ધન કમાવાની મહેનત કરીને
પાળે : સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જાતનો સેવક/પાર્ષદ.
સુવાણ : સુગમ, સરળ, સહેલું. આરામ, આનંદ, હૂંફ.
મસાણિયા : સ્મશાનમાં રહેનારા.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
પાધરો : બારોબાર.
અર્થ : ધન, સંપત્તિ.
આસક્તિ : મોહ, અતિશય સ્નેહ, લગની.
રુખમાં : પક્ષમાં, સમાગમમાં.
(347) ભગવદીના અવગુણ લેવા માંડે ને વાંકું બોલવા માંડે ત્યારે જાણવું જે સત્સંગમાંથી જાવાના પ્રસ્થાનાં મૂકવા માંડ્યા. તે સર્વ પદાર્થ વિઘ્ન કરનારાં છે ને આ તો જેમ તેમ કરીને કામ સાધી લેવું ને ન માને તે ગુરુ છે, તે કોઈના શિષ્ય નહિ થાય ત્યારે મોટા ગુણ તે કેમ આવશે ? કોઈને અહંકાર ન રાખવો જે મારાથી કોઈ ડાહ્યા નથી ને એવા તો આપણામાં મુક્તાનંદસ્વામીને લખ્યા, તે ગમે તેવો માર માર કરતો આવે તેને શીતળ કરી મૂકે ને ઉદ્યોગપ્રસાદ (તે નામ) સત્સંગમાં પેસી ગયો તે માંડ માંડ કાઢ્યો. માન હોય ને મોટપ આવી તેને આ વાતું સમાસ ન કરે. રજોગુણ, તમોગુણમાં તો અવળું જ હોય.
(348) મધ્યનું ઓગણત્રીસમું વચનામૃત વંચાવીને વાત કરી જે, પૂર્વે કાંઈ થયું હશે તે સાધુ થકી થયું હશે. માટે જે જે વાત થાય છે તે આ સાધુ થકી થાય છે ને વચનામૃતમાં બધે ઠેકાણે સાધુ બતાવ્યા છે. માટે બધા ગુણ જોઈએ, તે અશ્ર્વત્થામા જેવા સ્વભાવ રાખશું તો ગુણ આવશે ? નહિ જ આવે. વિદ્યા ભણવી હોય ત્યારે કેટલાક વિનય કરે છે ત્યારે વિદ્યા ભણાવે છે ત્યારે આ તો બ્રહ્મવિદ્યા ભણવી તે વિનય કર્યા વિના કેમ આવડશે ?
(349) મહારાજ કહે અમારે બુદ્ધિવાળા ઉપર હેત છે તે બુદ્ધિવાન હોય તેને આ વાતું સમજાય ને તેને ખબર પડે જે આટલી વાત આપણાં સ્વભાવ ઉપર થઈ માટે દેહાભિમાન વધારવું હોય તેને આ વાત શું ગુણ કરશે ? તે ચીણામાંથી ગોળનાં ભીલાં નહિ પાકે, તેમ કહ્યા વિના સ્વભાવ નહિ ટળે. દાંડિયા રાસ લે છે તેની વાત કરી જે, ભગવાન વિના જે બધું થાય છે તે બધું એવું છે.
(350) મહાનુભાવાનંદસ્વામી ગોપાળાનંદસ્વામીનું વાંકું બોલ્યા જે ‘એ જ આમ કરે છે બહોત જલતા હૈ.’ પણ ધીરજવાળા છે ને એમ ઠરાવ હોય જે, મારે તો ભલે, કોઈ અપમાન કરે તો ભલે, પણ જે કરવાનું છે તે મોળું ન પડો. આપણે મોક્ષ સારુ ભેળા થયા છીએ તે મોક્ષ સુધારવો પણ બીજા કોઈને અર્થે નથી. રઘુવીરજી મહારાજને કહ્યું જે તમારી જોડે કોઈ બીજી બાળકી હોય તો તમને મંદિરમાં ન પેસવા દઈએ; ત્યારે રઘુવીરજી મહારાજ કહે, ‘હાંઉ ? એટલું જ હેત ?’ પછી અમે કહ્યું જે, ‘મહારાજની આજ્ઞા પ્રમાણે રહો તો જ હેત રહે.’ માટે પોતાનું તપાસીને ચાલવું.
દાસી થઇને રહેજે તું દીન દયાળની,
નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો.
(કીર્તન મુક્તાવલી-ઉપદેશનાં પદો-પદ 2-નં.425-પાન નં.233)
દીન : લાચાર, ગરીબ, રાંક.
(351) આ સાધુની સેવા આપણને ક્યાંથી મળે ? ને આ સાધુ જેવા ગુણ બીજે ખોળો જો હોય તો !
શીલ સંતોષ ને વળી શાંતિ રે, એમાં રહીને બોલે છે,
ધીરજતા કહી નથી જાતી રે, જ્ઞાન ધ્યાનમાં ડોલે છે,
એવા સંત સહુના સગા રે, પર ઉપકારી પૂરા છે,
જેના દલમાં નહિ કોઈ દગા રે, સત્ય વાતમાં શૂરા છે,
વળી હેત ઘણું છે હૈયે રે, આંખે અમૃત વરસે છે,
કહે નિષ્કુળાનંદ શું કહીએ રે, એ જન જોઈ હરિ હરખે છે.
(નિષ્કુળાનંદ કાવ્ય-ચોષઠ પદી-પદ 13-પાન નં.564)
વ્યવહાર ચલાવવો હોય તેને ગુરુ-ચેલો, બાપ-દીકરો, સાસુ-વહુ એમ રહેવું. એક છોકરે તેની માને કહ્યું જે તારા મોઢામાં મૂતરવા દે નહિ તો રોઉં છું, તેમ અમે મોઢામાં મૂતરવા ન દઇએ ને કહીએ છીએ જે નોખી રસોઈ કરવા નહિ દઈએ, ફાવે તો રહે; નહિ તો, રહેવા દે ને મંદિરના રોટલા ખાઈ ખાઈને સૂઈ રહે છે તેને જાણીએ છીએ ને કોણ સેવા કરે છે ને કોણ નથી કરતું, બધું જાણીએ છીએ ને ન જાણતા હોય તો દેશ, પરદેશના સત્સંગીની રક્ષા કેમ થાય ? તે કોટિયાના આહીર નાજાનો દીકરો ઊંટ ઉપર બેસીને જૂનાગઢ આવતો હતો. રસ્તામાં રાત્રે ભૂલો પડ્યો ત્યારે તેના બાપે કહેલ જે સ્વામી તો અંતરજામી છે તે યાદ આવ્યું એટલે અમારું નામ લઈ ત્રણ વાર સાદ કર્યો એટલે અમે જૂનાગઢથી હોંકારો દીધો ને કહ્યું જે આવું છું, ઊભો રહે; એમ કહીને તેની પાસે દેખાણા ને જૂનાગઢ પહોંચ્યા ત્યાં સુધી આગળ ચાલ્યા. માટે બધુંય જાણીએ છીએ.
(352) એક મંડળ મોકલ્યે સમાસ થાય ને એકને મોકલ્યે સમાસ ન થાય તે બુરાનપુરથી બે ત્રણ સાજા આવ્યા ને બીજા ઘાયલ આવ્યા. માટે વચન માનવામાં પણ વિવેક જોઈએ. સાધુ સાધુમાં ભેદ છે, તે શાહુકાર તો બધાય પણ એકની હુંડી લાખની સ્વીકારાય ને એકની કરોડની સ્વીકારાય એમ ભેદ છે.
શાહુકાર : ધનિક.
(353)
સંગં ન કુર્યાત્ પ્રમદાસુ જાતુ યોગસ્ય પારં પરમારુરુક્ષુઃ ।
મત્સેવયા પ્રતિલબ્ધાત્મલાભો વદન્તિ યા નીરયદ્વારમસ્ય ॥
(શ્રીમદ્ ભાગવત : 3/31/39)
અર્થ :- યોગના અત્યંત પારને પામવા અને મારી સેવાથી જ લાભ મેળવવા ઇચ્છતા પુરુષે સ્ત્રીઓનો કદી સંગ રાખવો નહિ; કારણ કે, તે તેને માટે નરકનું દ્વાર કહેવાયેલું છે.
યોગના પારને પામ્યો હોય એવાની સેવા કરવાને સ્ત્રી આવે તો તેને નરકનાં દ્વારરૂપ જાણી તેનો ત્યાગ કરવો પણ સમીપે આવવા દેવી નહિ; એમ શાસ્ત્રવાળા તેના સંગની ના પાડે છે.પણ સાચું બોલ્યું કોઈને ગમે નહિ.
અર્થ : ધન, સંપત્તિ.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
(354) મોનેભાઈએ પૂછ્યું જે, દેશકાળ લાગ્યા ત્યારે નિશ્ર્ચયમાં ફેર છે કે કેમ? ત્યારે ઉત્તર કર્યો જે નિશ્ર્ચયમાં તો ખરો પણ સવિકલ્પ તે પણ છ ભેદ કહ્યા છે. એમ ઉત્તરમાં, પ્રશ્ર્નોમાં, વાર્તામાં કાંઈએ અવિદ્વાન રહેવા દીધું નથી. પણ હવે તો વર્તવામાં ફેર રહે છે, માટે આ સાધુનો સંગ કરે ને સૌના દાસાનુ દાસ થાય તો જીવ સહેજે વૃદ્ધિને પામે, ને વરતાલ નાખી નજર પૂગતી નથી પણ ચાલતાં ચાલતાં આવે, તેમ આપણે એવો આદર ક્યાં કર્યો છે ?
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
(355) વરતાલમાં મહારાજે સાધુને નાકે અત્તર ચોપડી કહ્યું જે આ તમારાં નાક રાખવા સારુ કર્યું છે તે તમારાં નાક રહેશે.
પાણી ન જાજો, પણ ગળું લોહી જાજો લખ,
માથું જાજો ધડ સોતું પણ નાક ન જાજો નખ.
(356) મહાજનિયાં ઢોર હોય તે મોં નાખવા જાય પણ સુખ તો ક્યાંય ન આવે ઊલટું માથે માર ઝાઝો પડે; તેમ વિષયનાં સુખ લેવા માણસ જાય પણ તેમાં તો દુ:ખ જ આવે; તે ચારણ ગરાસિયો, હજામના ઘરમાં હજામે ના પાડી તો ય ગયો. તે હજામે સજૈયાથી ગળું કાપી નાખ્યું.
મહાજનિયાં : ધણી વગરનું, રખડાઉ.
(357) મનનો વિશ્ર્વાસ ન કરવો, તે મન તો શિયાળિયા જેવું છે, તે શિયાળિયો સાવજની વડજમાં આવી ગયો તે સાવજે મારવા થાપ ઉગામી ત્યારે શિયાળિયો બોલ્યો જે મને મારશો મા, તમારું પેટ નહિ ભરાય. હું હમણાં એક ખાજ જોઈ આવ્યો છું તે તમારે બે ત્રણ દિવસ ચાલે તેટલું છે. ત્યારે સાવજ કહે, ‘દેખાડ.’ પછી તો તે ચાલ્યો ને એક તળાવના ગારામાં માંદણામાં પાડો પડ્યો હતો તેને દેખાડ્યો ને કહ્યું જે આ જુઓ કેવું ખાજ છે? ત્યારે સાવજ કહે ઠીક છે; પછી સાવજે પાડા ઉપર લાગ સાંધીને(જોઈને) તરાપ નાખી, પણ પડખે પડ્યો તે માંદણામાં ખૂંચી ગયો. તે જેમ જેમ બળ કરે તેમ માંદણામાં ઊંડો ઊતરતો જાય; પછી સાવજ કહે, ‘શિયાળીયાભાઈ માથે થઈ ને ?’ ત્યારે શિયાળીયો બોલ્યો જે પાડાનો ધણી આવશે ને તમને ગોળીએ દેશે ત્યારે માથે થયાની ખબર પડશે. એમ કહીને વયો ગયો. તે મન તો શિયાળિયા જેવું છે તે જીવને ક્યાંયનો ક્યાંય ભરાવી દે.
(358) નાના વ્યાપકાનંદસ્વામીને મહારાજે સાધુ કર્યા ત્યારે પૂછયું જે, ઓશરીમાં રહેશો કે ઓરડામાં ? તેમ આપણે પણ વિચાર કરવો જે બંધનમાં રહેશું કે છૂટમાં રહેશું ?
(359) જૂનાગઢ જનારાનાં નામ લખ્યાં તેમાં પ્રથમ મહારાજે જોરાભાઈને પૂછ્યા વિના તેનું નામ લખાવ્યું; તે મહારાજ કહે, ‘એમને પૂછવાની જરૂર નથી; અમારે તેમનો વિશ્ર્વાસ છે.’ એટલામાં ત્યાં જોરાભાઈ આવ્યા તેમને મહારાજે કહ્યું જે, જૂનાગઢ જનારામાં તમારું નામ અમે લખ્યું છે તો કહે, બહુ સારુ મહારાજ. પૂછ્યાં વિના જે જે ક્રિયા કરશે તેમાંથી જરૂર દુ:ખ આવશે, પછી નથુ પટેલે પૂછ્યું જે પ્રોક્ષ (પરોક્ષ) થાય ત્યારે કેને પૂછવું ? ત્યારે ઉત્તર કર્યો જે, પ્રોક્ષ થાય કે છેટા થાય તો શિક્ષાપત્રીને પૂછીને વ્યવહાર કરવો.
(360) બીજાં પશુ ગામને પાદર આવે ત્યારે કોઈ ન જાણે, પણ જ્યારે સાવજ આવે ત્યારે કોઈના જીવને સુખ રહે નહિ, તેમ બીજી બધી વાતું કરે તેનું કાંઈ નહિ પણ જો મહારાજને સર્વોપરી કહો તો સહુની આંખ ફાટી જાય. પછી ત્રણ પ્રકારના વાદીની, ચમકના ડુંગરની વાત કરી. આ ત્રણે વાતું ઉપાસના ઉપર છે.
સાવજ : સિંહ.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
(361) તેરામાં બ્રહ્માનંદસ્વામી, મુક્તાનંદસ્વામી ને નિર્વિકલ્પાનંદ તેમને મહારાજે પૂછ્યું જે અમે પૃથ્વી ઉપર ન હોઈએ ત્યારે તમે કેમ કરો? એટલે મુક્તાનંદસ્વામીએ કહ્યું જે હું તો સત્સંગમાં ફરીને દેહ પાડું ને બ્રહ્માનંદસ્વામીએ કહ્યું જે, મારે તો ગુરુની આજ્ઞા એ જ આજ્ઞા ને નિર્વિકલ્પાનંદે કહ્યું જે હું તો ઝાડ ઉપર ચડીને દેહ પાડું. એમ પોતાની સરસાઈ દેખાડવા માટે કહ્યું. પછી તે વિમુખ થઈને વયો ગયો ત્યારે મહારાજથી નોખું પડાણું પણ મરાણું નહિ તે શું ? જે, દંભ હતો.
(362) વ્યાપકાનંદસ્વામીને મહારાજે કહ્યું જે, અમારા સંબંધ કરતાં સાધુમાં સુખ વધારે છે.
સંવત 1919ના પહેલા શ્રાવણ વદિ દશમીને દિવસે સ્વામીએ વાત કરી જે,
(363) ભગવાનનો તથા સાધુનો વિશ્ર્વાસ રાખવો જે પ્રારબ્ધમાં રોટલો નહિ હોય તોય દેશે, એમાં ફેર નથી. પછી વાત કરી જે, કમઢિયાવાળા કાયાભાઈનું ખોરડું બળવા ન દીધું ને એમ દેખાણું જે, સાધુ પાણીનાં તુંબડાં ભરીને ઊભા છે ને બળવા દેતા નથી. પણ કાયાભાઈએ જેટલું બળતામાંથી બચાવવા માટે બહાર કાઢ્યું તેટલું બળી ગયું ને માંહીં અમરબાઈ સુવાવડમાં હતાં તે સૂઈ રહ્યાં ને કહે જે મહારાજને રાખવાં હશે તો રહેશું ને કાયાભાઈને સામાન કાઢવાની ના પાડતાં હતાં એવાં નિશ્ર્ચયવાળા ને વિશ્ર્વાસી હતા, તો મહારાજે રક્ષા કરી. માટે વિશ્ર્વાસ રાખવો.
ખોરડું : ખોલી, ઓરડી. માટીનું નાનકડું ઘર એટલે કે દેહ.
(364) કોઈને કાંઈ કહેવાણું હોય તો ત્રણ દિવસ સુધી હૈયામાં બળે છે ને જ્યારે પગે લાગીએ ત્યારે શાંતિ થાય છે. તેમ કોઈ વર્તમાન ન પાળે તો અંતરમાં શાંતિ ન રહે. ‘ શાણાની સંગે હાલીને હળવો પડ્યો.’ તે વાત કરી જે, વેળમાં માછલાં ભેળો મગરમચ્છ આવ્યો ને નાનાં માછલાં હતાં તે વયાં ગયાં ને મગરમચ્છ રહી ગયો. તે ભૂંડે હાલે મૂઓ. માટે શાણાની સંગાથે એવું થાય. તે વચનવિધિમાં કહ્યું જે, સાંખ્યયોગી પુરુષ હોય તેને મુક્તાનંદસ્વામીની વાતો સાંભળવી તો સાંખ્યયોગ રહેશે. માટે કહેનારા ન હોય તો બગડી જવાય એવું છે. તે ગોર જજમાન (યજમાન)ના ટંટા આવ્યા છે તે દીકરીને કે વહુને તેડવા અથવા મેલવા જાય તો પણ રસ્તામાં બગાડ થાય છે.
પાળે : સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જાતનો સેવક/પાર્ષદ.
(365) સહુ જાણે જે, મોટેરા નહિ હોય ત્યારે સત્સંગ ટળી જાશે પણ સત્સંગ ટળવાનો નથી; કેમ જે, મહારાજે કહ્યું છે જે, રાજામાં, આચાર્યમાં કે પ્રતિમામાં પ્રવેશ કરશું પણ સત્સંગ નહિ ટળે. પછી કહ્યું જે, મંદિર છે તો બધાય પ્રભુ ભજે છે ને રૂપિયા જો પચીસ હજાર વધ્યા તો દાટવા છે. તે કોઈનું કર્યું કાંઈ થાતું નથી; એક કર્યું તો મહારાજનું જ થાય છે. અવળા ચાલશે તેનું બગડશે પણ સત્સંગનું નહિ બગડે. આજ્ઞા લોપીને કોઈ સુખિયો થયો નથી ને થાશે પણ નહિ એ શાપ દીધો છે. માટે આજ્ઞા લોપીને દેહની પુષ્ટિ કરશે તેને દંડ થાવાનો છે. તે એક સાધુએ નિષ્કામશુદ્ધિનો ઉપવાસ ન કર્યો; પછી તાવ આવ્યો તે ત્રીસ લાંઘણ થઈ, ત્યાં કાંઈ પોપાબાઈનું રાજ નથી. માટે અક્ષરધામમાં જાવું હોય તો આજ્ઞા બરાબર પાળવી.
(366) રસોઈ સૌનેય હાથે કરવાની હોય તો આટલાથી આંહીં બેસાય નહિ ને પૂરું પણ થાય નહિ. જે આટલા મહેમાન રાખે તેને ખબર પડે.
(367) સત્સંગમાં આત્મબુદ્ધિ રાખવી ને ગઢડા મંદિરનાં કોઈ વર્તમાન ન પાળે તો પણ આપણી જ લાજ ગઈ કહેવાય ને, ‘ ઓલ્યા દેશના સત્સંગી નોખા ને મંદિર નોખા.’ એમ કહે તે સત્સંગી જ નથી. કોઈનો અવગુણ આવે તેને ક્ષય રોગ કહ્યો છે ને જે આઘુંપાછું કરશે તેનો બે આના સત્સંગ હશે તે પણ ટળી જાશે ને મંદિરમાં રોટલા ખાય તેણે મંદિર ઉજ્જડ થાય એવું નથી ને ભેખમાં ખાઇ ખાઇને સૂઇ રહે છે તે સાધુમાં ખોટ છે. રોટલા ખાવા મળ્યા ને સત્સંગ ન થાય તે ગૃહસ્થમાં ખોટ છે ને ધ્યાન ન થાય તો વચનામૃત વાંચવાં તેમાંથી જ્ઞાન થાશે ને ન થાય તો અમે સાધુ ટળીયે. છાવણીમાં કેટલો સમાસ થયો, કેટલાકને ઉપાસના સમજાણી ને કેટલાક નોખી રસોઈ કરતા તે પણ આળસી ગયા.
આત્મબુદ્ધિ : પોતાપણાની ભાવના, 'દેહ તે હું નહિ પણ આત્મા છું' એવી બુદ્ધિ.
પાળે : સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જાતનો સેવક/પાર્ષદ.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
(368) સર્વે કર્યું ભગવાનનું થાય છે. તે વિલાયતમાં રૂ બળી ગયું ને આંઈ રૂપિયા ચાલ્યા આવે છે, તે સત્સંગ ઉપર મહારાજની દૃષ્ટિ છે. શિક્ષાપત્રી પ્રમાણે બોલવું, ઊઠવું ને ચાલવું. પછી ત્રણ પ્રકારના કુસંગનાં રૂપ કર્યાં જે, મનમાં ખોટા ઘાટ થાય તે અંતરનો કુસંગ ને કુસંગીનો સંગ થાય તે બહારનો કુસંગ ને વર્તમાન ન પળે તે સત્સંગનો કુસંગ. ગોરે બાઈનાં ઘરેણાં દેખી ને મારવાનો વિચાર કર્યો. વાંકાનેરમાં ભાઇએ બેનને ઘરેણા સારુ મારવા માંડી, પણ એટલામાં કોઈ આવ્યું તેણે મુકાવી. માટે શિક્ષાપત્રી પ્રમાણે વર્તશો તો જ સારું રહેશે.
જેને મંદિરનો, આચાર્યનો કે સાધુનો અવગુણ આવ્યો તેનો સત્સંગ ટળવાનો ને મંડળમાં, મંદિરમાં, ગામમાં ને દેશમાં વિભૂતિ જોઈએ ને એક મંડળ જાય તે સમાસ કરે ને એક સમાસ ન કરે. તે કૃપાનંદસ્વામી બામણગામમાં ગયા ત્યાં પચાસ માણસને સત્સંગ કરાવ્યો ને ભજનાનંદે સારંગપુરનું મંદિર ઉજ્જડ કર્યું તેની વાત કરી, જે હરિજન દર્શને આવે તેની પાસે પદાર્થ માગ માગ કરે તેથી દર્શને આવતા આળસ્યા ને કહે જે, સાધુ ગયા હોય તો દર્શને આવીએ. એમ મંદિર ઉજ્જડ કર્યું. શાંતાનંદનું મંડળ વાળાક દેશમાં ફરવા ગયું ત્યાં મુસલમાન આગળ દાણલીલા ગાઈને ત્યાં ગામ બગાડ્યું; એટલે કૃપાનંદસ્વામીએ મહારાજને કહ્યું જે વાળાક દેશમાં હમણાં ગરાય એમ નથી. ત્યારે મહારાજ કહે, ‘તમે મંડળ લઈ જાવ.’ પછી બ્રહ્માનંદસ્વામી પાસેથી અમને માગી લીધા તે વાળાક દેશમાં ગયા અને અમે જ્યારે પ્રાંતીજ ગયા તે ચાળીસ માણસને સમાધિ થઈ ગઈ, માટે વિભૂતિ વિના તો કાંઈ કામ થનારું નથી.
ઘાટ : માયિક સુખ ભોગવવાનો સંકલ્પ, વિકારનો સંકલ્પ.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
દાણલીલા : ગોપીઓ પાસે દાણ લેવાની કૃષ્ણે કરેલી લીલા.
(369) મહારાજે તેરેથી કાગળ લખ્યો જે કોઈ બાઈ માણસને ભારી ન ચડાવવી. પછી તેની વાત કરી જે, સલડી ગામમાં હરિજનનું એક જ ઘર હતું. બાકી બધા વૈષ્ણવ હતા. તે આ હરિજન તો બીજાને નિયમ, ધર્મ ને વર્તમાન પાળ્યાની વાતું કરે તે ઓલ્યા મતપંથી કોઈને ગમે નહિ પછી પરિયાણ્યા જે, હરિજનને માથે અપવાદ નાખીએ તો પછી કોઈ દિવસ આપણી વાતું ન કરે. એવું ધારી કો’ક વંઠેલબાઈને સો કોરી આપવી ઠરાવીને અપવાદ નાખવાનું ઠરાવ્યું. તે બાઈ હરિજનના ખેતરમાં ખડ લેવા ગઈ, તે ભારી બાંધીને તૈયાર થઈ ત્યારે હરિજનને કહ્યું જે ભાઈ મને ભારી ચડાવો ત્યારે તે હરિજને ભારો ચડાવ્યો તે ભારો નાખી દઈને રાડ પાડી જે મારી લાજ લીધી ને મને બાઝ્યો. એમ કહેતાં કહેતાં ગામમાં ગઈ ને હરિજનને હો, હો! કર્યો. પછી તે હરિજન તેલનો ઘડો, કડાયું, રાશ ને છાણાની ગાંસડી માથે ઉપાડી ગામના ચોકમાં ગયો. ત્યાં દેવતા સળગાવી તેલ ધગાવ્યું ને કહે, ‘તે બાઈને તેડાવો ને તેનો ને મારો હાથ બાંધીને આમાં નાખો એટલે સાચું કળાશે’ પછી તે બાઈને બોલાવીને કહ્યું જે, આમાં હાથ નાખ. ત્યારે કહે જે, હું તો હાથ નહિ બોળું મને તો વૈષ્ણવે સો કોરી આપવી ઠરાવી હતી તેથી ખોટું આળ નાખ્યું છે પણ તે એવો નથી. એમ ચોકમાં બોલી એટલે તેના માથેથી આળ ઊતર્યું. એમ બાઈને ભારો ચડાવવામાંથી એટલું થયું. માટે કોઈને ભારો પણ ન ચડાવવો ને મહારાજ પૂછતા જે, ક્યાં ઉતર્યા છો ? ને લઘુશંકા ક્યાં કરો છો? ને ઝાડે ક્યાં જાવ છો ? ને સસલા જેવું કે ભેંશના જેવું ? એ બધું પૂછતા. માટે શિક્ષાપત્રી પ્રમાણે વર્તવું ને કુંજવિહારીદાસે પ્રાગજી ભગતને ઝેર આપ્યું. તેમાં શી વાત કરી જે, કોઈ વાતે ગાફલાઈ રાખવી નહિ ને શામ, દામ, દંડ ને ભેદ કરશો તો ઉગરશો.
ખડ : ઘાસ.
કરો : ઘરની દિવાલ.
(370) જીવ તો ઘણા પ્રકારના છે. પોતાના જીવનું રૂડું ન કર્યું ને કલ્યાણના માર્ગનું જતન ન કર્યું તો શું કર્યું ? એ તો બાજરો નાખી દીધો ને ઢૂંસા ભેળાં કર્યાં તેવું થયું; માટે બધું વિચારવું. ને પગ ચાંપવા છે તેને ધર્મ ક્યાં રહેશે ? જો કાંઈ ઉઘાડું કરે તો ઝેર દે. પ્રાગજી ભક્ત સહુના મનના સંકલ્પ કહીને પ્રાયશ્ર્ચિત આપતા તો તેને ઝેર આપ્યું. માટે પોતાનું રૂડું કરી લેવું.
(371) છેલ્લા પ્રકરણનું ઓગણત્રીસમું વચનામૃત વંચાવીને વાત કરી જે, આધાર વિનાનો સત્સંગ ન રહે. તે અમારે આંબા હતા તે નમી ગયા, પછી આધાર મૂક્યા તે રહ્યા. તેમ કોઈ મોટામાં જીવ બાંધ્યો હોય તો સત્સંગ રહે.
(372) આટલાં મનુષ્ય ધર્મ પાળે છે તે મહારાજની નિષ્ઠા હૈયામાં છે તો ધર્મ પળે છે ને જેને મોટાના રુખમાં રહેવું તેનાથી મનગમતું ન થાય, માટે મોટા હોય તેની રુખમાં રહેવું.
પાળે : સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જાતનો સેવક/પાર્ષદ.
નિષ્ઠા : શ્રદ્ધા, આસ્થા, વિશ્ર્વાસ, ધારણા.
રુખમાં : પક્ષમાં, સમાગમમાં.
(373) સમાગમ વિના તો માથે ઓઢીને મા-બાપને સંભારે તેવું છે. તે ઉપર વાત કરી જે, ઓગણોતેરા કાળમાં કાઠીનાં છોકરાંને વરસ ગુજારવા, સાધુ ભેળા રાખેલ. તે સાધુ માગી માગીને ખવરાવતા ને સાધુ ધ્યાન કરવા બેસે ત્યારે કાઠીના છોકરા પણ માથે ઓઢીને બેસે; એટલે સાધુને વિચાર થયો જે આ છોકરા માથે ઓઢીને શું કરતાં હશે ? પછી તેમને પૂછી જોયું તો કહે, ‘તમે શું કરો છો ?’ ત્યારે સાધુ કહે, ‘અમે તો અમારા માવતરને સંભારીએ છીએ.’ ત્યારે કાઠીના છોકરા કહે, ‘અમે પણ અમારાં મા-બાપને સંભારીએ છીએ જે ક્યાં હશે ? શું કરતાં હશે? અને ક્યારે ભેળા થાશું ?’ એમ સત્સંગ શું કરવા કર્યો છે તેની ખબર નથી. તે પણ એવું છે.
માટે આપણે શું કર્તવ્ય છે તે વિચારવું. વિચાર વિના તો કર્તવ્ય હોય તે ન થાય ને સાંખ્ય વિના જોગ વળગે તો, ‘બ્રહ્મજ્ઞાન આયો નહિ ને કર્મ દીયો છટકાય.’ એવું થયું કહેવાય; માટે કર્તવ્ય વિચારવું જે આપણો શું ધર્મ છે, શું કરવાનું છે ? પછી તે પ્રમાણે બોલવું, તે પ્રમાણે ખાવું, તે પ્રમાણે ક્રિયા કરવી; એ કર્તવ્ય છે પણ જેવા પુરુષ મળે તેવી મતિ આવે છે તે મતિ પ્રમાણે બોલાય. તે એક કડિયો કંઠી બાંધીને ભેળો ફર્યો પણ સત્સંગ ન સમજાણો, તેમ આ સાધુ ભેળા બેઠા છીએ પણ ગાફલાઈ હોય તો કસર રહી જાય ને અવળાઈ કરે તેની તો ભગવાન પણ ઉપેક્ષા કરે. ગુણ લીધામાંથી સારા ગુણ આવે છે ને વૃદ્ધિ પમાય છે ને અવગુણ લીધામાંથી પડી જવાય છે. તે વચનામૃતમાં ઠેકાણે ઠેકાણે કહ્યું છે તે વિચારવું. ત્યાગી થયા છે પણ તે કોઈને ગાડાં મોઢે દુ:ખ છે તે કોઈને દેહને લઈને, લોકને લઈને, ભોગને લઈને ને કાંઈ ન જોઈતું હોય તો પણ પક્ષને લઈને હૈયામાં દુ:ખ રહે છે.
કરો : ઘરની દિવાલ.
કસર : ખોટ, ઉણપ.
અવળાઈ : આડાઈ, કહે તેનાથી ઊલટું કરવાની ટેવ, હઠીલાઈ.
(374) આઠ ઠેકાણે ડાહ્યો હોય તે ગાંડો થાય છે. તે આઠ વાનાં વિસ્તારીને કહ્યાં. અરીસો, સ્ત્રી, છોકરાં, દ્રવ્ય, વિવાહ, વારણાં, હોળી, કેફ. શાસ્ત્ર છે તે કોઈને કહ્યા વિના રહેતું નથી ને કોઈ વાત શાસ્ત્ર બહાર નથી.
વાનાં : વસ્તુઓ. (બ.વ.)
(375) સત્સંગે કરીને જેવી બુદ્ધિ સ્થિર થાય છે તેવી તો મારે પણ સ્થિર થાતી નથી; તે ચોર છે તેને મારે છે તો પણ એ મારગે ચાલે છે પણ સત્સંગે કરીને સવળી સમજણ આવી હોય તો એ માર્ગે ચલાય જ નહિ ને સત્સંગની લાજ રાખવી, નિયમ રાખવાં, પણ મનનું માનવું નહિ.
જો મન નિરખે નાર, હોત મન નારી કે રૂપા;
જો મન કરહિ ક્રોધ પરત, તબ ક્રોધ કે કૂપા.
જો મન માયા ચહત, હોત મન માયિક વેસો
યા મનકી એહિ રીત, જહાં જેસો તહાં તેસો,
ઠગ શાહ ચોરકું મીલત, જબ તો તેહિ રીતિ અનુસારે,
કહે બ્રહ્મમુનિ મનકી મતિ, કેહિ વિધિએ જાની પરે.
(બ્રહમાનંદ કાવ્ય-બ્રહ્મ વિલાસ-મનકો અંગ-પાન નં.735)
દેશકાળ તો ભગવાનને જ ન લાગે; બીજા બધાને લાગે. ખાવું, ઊઘવું, સ્ત્રી, તેના ગુરુ કરવા પડતાં નથી તે ઉપર વાત કરી જે, વાછડું જન્મતાં વેંત ધાવવા મંડી ગયું ને પછી તરત સૂઈ ગયું. તે કોઈએ શીખવાડ્યું નહોતું. મામણમૂંડા ને અળશીયાં તે માટી ખાય છે તે કોઈએ શીખવ્યું નથી. ને લોભનું તો શીખે તો આવડે ને આ દેશમાં લોભનું તો કોઈ સમજે જ નહિ; વહેવાર કરે, તે પણ કોયલા દૂધે ધોયા જેવું કરે ને વીસ સુધી જ ગણતાં આવડે. પછી વાત કરી જે, ઘનશ્યામદાસ કહે જે ઘોડાં ઝાઝાં આવ્યાં. ત્યારે પૂછ્યું જે સો બસો હતાં ? તો કહે, ઝાઝાં હતાં; પછી કહ્યું જે વીસેક હતાં? ત્યારે હા પાડી જે આટલા હશે.
મામણમૂંડા : એક જીવડો. (બ.વ.)
માટી : બહાદુરી બતાવવી.
સંવત 1919ના પહેલા શ્રાવણ વદિ એકાદશીને દિવસે સ્વામીએ વાત કરી જે,
(376) સાંખ્ય વિચારે કરીને ખોટું કર્યું હોય તો તેમાં માલ ન જણાય. કાલ ખાધું તે આજ ગયું. બીજી વિદ્યાયું ભણે છે તે વ્યર્થ છે; માટે સાંભળવા જેવા ને મનન કરવા જેવા આ ભગવાન જ છે.
(377) દેહમાં કોઈએ સુખ લખ્યું નથી તે કોઈને કાંઈ રોગ છે ને કોઈને કાંઈ રોગ છે. શાસ્ત્રના શબ્દને વહેતા મૂકે છે ને માયિક શબ્દ સાચા જણાય છે, ને આવી વાતો સાંભળે તો મનભંગ થઈ જાય પણ મનભંગ થયા ક્યાં ન થાય કે જ્યાં ચોંટ્યા ત્યાંથી ઉખડે જ નહિ. તે ઉપર હરણીનું દૃષ્ટાંત દીધું. તે હરણી મૂતરી તે હરણ સૂંઘીને મોં મરડીને વયો ગયો. ત્યારે બચ્ચું કહે, ‘મા, મારો બાપ રીસાઈ જાય છે.’ એટલે હરણી કહે, ‘મૂતર સૂંઘ્યું છે તે હમણાં પાછો આવશે. ક્યાંય રીસાઈ જાતો નથી.’ માટે એવાં પાપ હૈયામાંથી કાઢવાં એ કાંઈ થોડી વાત નથી, માટે આજ્ઞાએ કરીને ધન, સ્ત્રીનો પ્રસંગ રાખવો પણ એમાં માલ ન માનવો; કેમ જે, ખીજે તો મારી નાખે ને રીઝે તો ન રહે રીતમાં. એ પણ નિરધાર કરી રાખવો. તેમ વેણ પણ માથાં કપાવે એવાં છે; માટે મૂર્ખાને સમજાવવું ત્યારે છંદાનુવૃત્તિ કરવી. તે છોકરો, બાયડી ને મૂરખ તેને તો ‘ચાંદા ચોળી ઘી ગોળ પોળી, દહીં કે દૂધડી માખણ ફૂદડી, ગગાના મોંમાં હબૂક પોળી.’ એમ સમજાવવાં.
મનભંગ : નિરાશ.
છંદાનુવૃત્તિ : મરજી, સ્વભાવ, પ્રમાણે સમજાવવું.
(378) સ્ત્રી, ઋષિ ને નદી તેનો અંત ન લેવો ને વહેવાર હોય તે કર્યા કરવો; પણ તેનો અંત ન લેવો. બધાને સમજાવીને માંહીથી પ્રભુ ભજી લેવા. ક્યાંય મન તણાય નહિ. તે સારંગપુરનાં (12માં) વચનામૃતમાં કહ્યું છે જે માંહી જોવું ત્યારે બારલી (બહારની) ઉપાધિ મેલી દેવી. માટે નિષેધ કર્યો હોય તો મન તણાય નહિ, પછી તેમાં માલ જણાય જ નહિ. જેણે માલ માન્યો છે તે તો સાવજ, દીપડાં ને ડુંગર જોવા જાય છે. તે ગોપાળજી મહારાજ ગિરનાર ઉપર ગયા તે થાકી રહ્યા ને વળી ગયા. માટે નિષેધ કર્યા વિના ગુણધ્યાન મટે નહિ, ને મોહ પણ ટળે નહિ. ને વિષયમાં તો સુખ હોય જ નહિ ને કોઇ વાતે અંત આવે એમ ક્યાં છે ? સો, હજાર, લાખ, કરોડ, કોઈ વાતે અંત આવે તેમ નથી. છોકરાં જેમ ‘ગાય, ભેંશ કરે છે’ તેમાંથી દૂધ નીકળે જ નહિ, તેમ જ્ઞાનીને મતે કોઈ દિવસ એમાં સુખ હોય જ નહિ. દુઝણું રાખવું તેમાં કેટલું દુ:ખ છે તે તો જુએ તો જણાય તેમ પ્રકૃતિના કાર્યમાં ક્યાંય સુખ નથી. માટે બ્રહ્મરૂપ થાવું. નિજાત્માનં બ્રહ્મરૂપં । એવું થઈને ભગવાનની સેવામાં રહેવું ને મોટા મોટા છે તે ભગવાનને જ ગાય છે ને એ ભગવાનનો મહિમા જેણે અનુભવ્યો નથી તેને તો,
અવ્યવસ્થિતચિત્તાનાં પ્રસાદોડપિ ભયંકર: ।
ક્ષણે રુષ્ટા: ક્ષણે તુષ્ટા, રુષ્ટા: તુષ્ટા: ક્ષણે ક્ષણે ॥
(સુભાષિત રત્નમાળા : 45)
અર્થ :- જેમનું ચિત્ત ઠરેલું નથી એવાઓની કૃપા પણ ભયંકર હોય છે, એવા લોકો ઘડીકમાં રીસાય છે ને ઘડીકમાં હરખાય છે, (આમ) એ પળે પળે રીસાયા કરે છે અને હરખાયા કરે છે.
એવું થાય તો ત્યાગી થયા ને માંહી રાગ રહ્યો તે કેટલાંય કૂકટ કરે. ત્યાગ પાર પડે તે ઉપર સુરાખાચરે નિયમ લીધા તેની વાત કરી જે, જમવામાં જે ઉપર હોય તે પ્રથમ જમવું તે જે આવે તે જમવું ફેરવવું નહિ પછી ઘેર ગયા. ત્યાં રોટલા ઉપર ગાજરનો દોથો ભરીને મૂક્યો. તે ગાજર ખારું ઝેર, માંડ એક જ ખવાણું. પછી બોલ્યા જે, ગાજરીયાં મારા વેરી રે. એમ કહી ઉઠી ગયા ને ઘોડીયે પલાણ નાખી મહારાજ પાસે ગયા ને વાત કરી જે, મહારાજ ઘરમાં કોઈ વિવેકી, ડાહ્યું નથી જે આપાને નિયમ છે તે આપાને દૂધ, દહીં કે શાક પત્તર જોતો હશે, પણ આ તો અથાણાંનો ગાજરનો દોથો ભરી રોટલા ઉપર મૂક્યો તે કેમ ખવાય ? ત્યારે મહારાજ કહે, ‘જુઓ તો ખરા, કેવા નિયમ લીધા છે ! ‘હે માળા ! ભોલ ! ખવાણું નહિ એટલે અહીં આવ્યો.’ એમ નિયમ લે ને પછી કૂકટ કરીને ખાય કે જુએ, તેને સહુ કપટી જાણે. માટે જ્ઞાન વિના તો દુ:ખ આવે ને મોટાનો સંગ ન હોય તો પણ દુ:ખ આવે ને ડાહ્યો હોય તે આહારને વધવા દે નહિ ને આહાર જો દૃઢ હોય તો ધ્યાન, ભજન સુખે થાય.
નિષેધ : શાસ્ત્રવિહિત મનાઈ.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
અર્થ : ધન, સંપત્તિ.
ભોલ : બુદ્ધિવગરનો.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
(379) દેહને લઈને દ્રવ્ય રહ્યું. તે શું જે, ત્યાગી કહેવાય પણ મરે ત્યારે પૈસા નીકળે તેનો દાડો થાય. તે સ્વભાવમાં સ્ત્રી રહી છે. તે શું ? જે, નારદજીને પરણવાનું મન થયું. માટે ધર્મ, જ્ઞાનાદિક ચાર તથા પચીસ સાધન આવે ત્યારે તેનું મૂળ જાય. દિશાઓના જીતનારને પણ નચાવ્યા. દુર્વાસા પણ નાચ્યા. તે તો ઠાકરિયો વીંછી પણ દિવસ ઉગેને નવાણું ગાળ્યું ખમે ત્યારે બીજાની શી વાત ? માટે અજ્ઞાનીને તો પશુ લખે છે. તે માટે કલમું મૂકી છે જે, બાઇ એકલી હોય ત્યાં રાત ન રહેવું. ભારી પણ ન ચડાવવી ને જે એ માર્ગે ચાલ્યા છે તેની કાળાખરીયું આવે છે.
એક ખોટો હતો તેને એક જણે કહ્યું જે તું સાચો હોય તો આ ઘીના કુડલામાં હાથ નાખ. ત્યારે બીજો કહે, એમાં શું ? એટલે કહે, ઉનામાં બળવા દેતા નથી તેમ ખોટો હશે તો આમાંયે બળશે. પછી ખોટો હતો તે જાણે આમાં ક્યાં બળે છે એમ ધારી આખો હાથ ઘીના કુડલામાં જોરથી નાખ્યો. જ્યાં પાછો ખેંચ્યો ત્યાં આખા હાથની ખોળ ઉતરી ગઇ ને બળતરા થઇ. તેમ બધી વાતનું જ્ઞાન જોઇએ ને જ્ઞાનીને આત્મા કહ્યો છે પણ પ્રેમીને નથી કહ્યો. માટે ડાહ્યા હોય ને સાત્ત્વિક હોય તેને પૂર્વાપર સૂઝે, પણ જેને ધનમદ, જોબનમદ કે કુળમદ હોય તેને સૂઝે નહિ ને શબ્દનું જ્ઞાન ન હોય તો મોટેરા થઈ ચર્ચા કરવી નહિ ને મોટરાને બધે મોર કરવા, પણ પાડા લડતા હોય ત્યાં મોર ન કરવા. તે પુરાણીને એક જણે ઉદ્ધવની માનું નામ પૂછ્યુંં તે આવડ્યું નહિ, માટે અહંકાર ન કરવો ને કરે તો શોભે નહિ ને સ્વાદ હોય, માન હોય તો પણ શોભે નહિ પછી મોઢે ન કહે પણ મૂલ્ય (કિંમત) થઈ જાય. માટે શબ્દ બોલવામાં પણ વિવેક જાણવો. કુસંગીની આગળ સાંખ્યયોગીની વાત ન થાય ને દેહ ને જીવનું બહુ કાળથી ભેગું થઈ ગયું છે તે નોખું પડે નહિ ને આપણે ઘોઘલો કરીને બેઠા છીએ પણ અંતે નહિ રહે, પણ જો હમણાં દેહ માંદું થાય તો ચાર જણ ચાકરીમાં જોઈએ તે વડાદરાની પેઠે કરી લેવું.
(380) સાઠ (સાંઈઠ) કોરી દઈને કીમિયા કરાવ્યા. તેની વાત કરી જે, ઉનામાં રાળ ને ઘરેણું દઈને સોનું બમણું કરાવા ગયો. તે કહે, ‘જડીબુટ્ટી લઈ આવું.’ એમ કહી બે વાર ગયો, પાછો આવ્યો, પછી બધું લઈને વયો ગયો ને આવ્યો નહિ. એટલે ઠામ ઉઘાડી જોયું તો કાંઈ નીકળ્યું નહિ. તે સોનું બમણું તો થયું નહિ પણ સુનું થઈ ગયું ને સથવારાના સાથીને મારી નાખ્યો ને દ્રવ્ય લઈ ગયા. એમ કેટલાક લઈ જાય છે.
(381) દેહમાં જીવ બંધાઈ ગયો છે તે જેમ તાણોવાણો ભેળા બંધાઈ જઈને લૂગડું વણાય છે તેમ દેહ, કુટુંબ ને પદાર્થ તેમાં બંધાઈ ગયો છે ને જો એ ત્રાગડા વેરો તો નોખા નોખા થઈ જાય. તે હમણાં દેહ, કુંટુંબને વેરો તો નોખું નોખું થઈ જાય.
ત્રાગડા : તાંતણા.
(382) છેલ્લાનું વચનામૃત ઓગણચાલીસમું વંચાવીને સિદ્ધાંત કર્યો જે, આત્મા પરમાત્માનો વેગ લગાડી દેવો. ત્યારે પ્રશ્ર્ન પૂછ્યો જે, એ કહ્યો એવો વેગ કેમ લાગતો નથી ? ત્યારે ઉત્તર કર્યો જે, આ કરવાનો આદર કેને છે? બીજા આદર છે. પણ આ કરવા નવરું કોણ છે ? તે તો જ્યારે બધા કોસનો પ્રવાહ એક થાય ને બધા બારા બંધ કરે. તે ઉપરની વાત કરી જે, સાલી તાણે એટલે બધાં બારાં બંધ થઈ જાય ત્યારે પાણી ધોરિયામાં ચાલે. તેમ જ્યારે બધી વૃત્તિયું ભગવાનમાં રહે ત્યારે એવો વેગ લાગે; તે જેટલા તમે સત્સંગમાં પ્રવર્ત્યા હશો તેટલું તમારે વધ્યું હશે ને આ તો ગાંડાનો મારગ છે તે ગાંડા હશે તે આ મારગે ચાલશે. મહારાજે બહુ જીવને ઝાલવા સારુ આ સંપ્રદાય ચલાવ્યો છે તે જેને જેવી રુચિ તે પ્રમાણે કરે છે.
બપોરે વાત કરી જે,
(383) ભક્તિ તો કરે પણ અનુવૃત્તિ પ્રમાણે ન કરે, તે ઉપર મુનિશ્ર્વરાનંદની વાત કરી જે, બે બે જણના જેટલું કામ એકલો કરે પણ કહે તેમ ન કરે. તે પછી મહારાજને દર્શને ગયા તે મહારાજ ન મળ્યા. માટે ભક્તિ થાય પણ અનુવૃત્તિ રાખવી તે કઠણ છે. તે કારખાનામાં કામ કરનારા ગણીએ ત્યારે મુનિશ્ર્વરાનંદ કહે, ‘મારે તો બીજું કામ છે.’ તે સાંજ સુધી વાસો ઊંચો ન કરે, પણ કહીએ તેમ ન કરે ને ખરેખરું ભગવાનનું સુખ આવે તો આત્માને પણ પડ્યો મૂકે.
પરિનિષ્ઠિતોઽપિ નૈર્ગુણ્યે ઉત્તમશ્લોકલીલયા । ગૃહીતચેતા રાજર્ષે આખ્યાનં યદધીતવાન્ ॥
(શ્રીમદ્ ભાગવત્ : 2-1-9)
અર્થ :- હે રાજર્ષે ! સત્વાદિ ગુણના કાર્યભૂત ત્રણ દેહથી વિલક્ષણ આત્મસ્વરૂપમાં સમ્યક્ નિષ્ઠાને પામેલો એવો પણ હું (શુક) ઉત્તમ શ્ર્લોક ભગવાનની લીલાથી આકર્ષિત ચિત્તવાળો થઈને શ્રીમદ્ ભાગવતપુરાણરૂપ જે આખ્યાન તેને ભણતો હવો.
‘ભગવાન ને ભગવાનના જન અધિક રાખવા.’ એમ મહારાજનો મત છે, માટે
‘સંત જન સોહિ સદા મોહે ભાવે’
(કીર્તન મુક્તાવલી-સંત મહિમાનાં પદો-પદ 1-નં.710-પાન નં.373)
એ ચાર કીર્તનમાં કહ્યા એવા સંત હોય તેની અનુવૃત્તિમાં રહેવું પણ બીજાની અનુવૃત્તિ રાખ્યે શું થાય ? તે ચૈતન્યાનંદસ્વામીએ ગોપાળાનંદસ્વામીની અનુવૃત્તિ રાખી ને અક્ષરાનંદે પણ રાખી.
અનુવૃત્તિ : મરજી.
અર્થ : ધન, સંપત્તિ.
(384) મહારાજને સર્વોપરી, અવતારી ને પુરુષોત્તમ સમજવા તેનો વિસ્તાર મધ્યનાં નવનાં વચનામૃતમાં કહ્યો છે. અવતાર જેવા જાણો તો મહારાજનો દ્રોહ કર્યો કહેવાય, પણ ચોખ્ખી વાત કહ્યા વિના જીવનો રોગ જાય નહિ.
દ્રોહ : મનથી, વાણીથી કે કર્મથી જાણી જોઈને કરેલ દોષ, ગુનો, પાપ કે અપરાધ
(385) ગઢડાના સાધુએ વરતાલમાં અમને કહ્યું જે તમને મહારાજે જડભરત કહીને ધાબળો ઓઢાડ્યો હતો, તે હવે સૌને જડભરત કરો, ત્યારે અમે કહ્યું જે, આપણે બેય જડભરત થઈએ એટલે બધાય થઈ રહ્યા. પછી તો તે બોલતા રહી ગયા.
(386) બ્રહ્મરૂપ થયાના સાધન છે ને કીડો થયાના પણ સાધન છે.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
(387) મનસા ભૂતની વાત કરી જે, હોય ઓંછાયો પણ મનમાં જાણે જે ભૂત, તે, ‘મંછા ભૂત ને શંકા ડાકણ’ એમ કહેવાય છે.
(388) ગોપાળાનંદસ્વામીનો ગુણ કેટલાકને નહિ તે કેટલાકે તો મારવાનો ઉપાય પણ કરેલ ને શાસ્ત્ર કરતા તે કોઈને ગમતું નહિ ને આપણે શું કરવું જે, છેલ્લાનાં આડત્રીસનાં વચનામૃતમાં કહ્યા એવા સંત સાથે જીવ જડી દેવો ને પૃથ્વી ચામડે મઢાય જ નહિ ને કજિયા કર્યે કેમ પાર આવે ? પણ જેને કજિયામાં સુવાણ હોય તેને ઠીક છે, તે ત્રિગુણાતીતાનંદે કહ્યું જે તમારે ભજન કરવું છે ને અમારે તો કજિયામાં સુવાણ છે માટે કોઈ કેમ કહેશે, કોઈ કેમ કહેશે. કોઈને કોઈનો સ્વભાવ ગમે, કોઈને ન ગમે. સર્વની એક રુચિ મળતી આવે નહિ.
સુવાણ : સુગમ, સરળ, સહેલું. આરામ, આનંદ, હૂંફ.
સંવત 1919ના પહેલા શ્રાવણ વદિ દ્વાદશીને દિવસ સ્વામીએ વાત કરી જે,
(389) જ્ઞાન વિના તો ભગવાનનાં ચરણારવિંદ છાતીમાં બીડી રાખે તો પણ સુખ ન આવે ને જ્ઞાન હોય તો જે આડું આવે તેને મૂકી દે ને સુખિયો રહે. જ્ઞાન વિના તો પરીક્ષિતને પણ સંશય થયો ને રાધિકાજીને પણ કજિયા થયા ને સ્ત્રીમાં તો એકાંતિકપણું-ભક્તપણું આવે જ નહિ. તેમાં તો લડાઈ ને ઈર્ષા રહી છે. આપણામાં જેને ખાધાના ને લૂગડાંના કજિયા હશે તેને કોઈ સુખ નહિ રહે. પ્રિયવ્રતે ખંડ વેચી દીધા તે કજિયો ન રહ્યો. તેમ મહારાજ કહે, અમારે પણ એમ કરવું છે. તે સ્ત્રી-પુરુષનાં મંદિર જ નોખાં કર્યાં એટલે કજિયો આળસી ગયો.
પછી પૂર્ણાનંદસ્વામીએ પટલાઈ વાપરી તેની વાત કરી. માટે જ્યાં સુધી દેહ પોતાનું રૂપ મનાય છે ત્યાં સુધી ભગવાન સાથે પણ કજિયો થયા વિના ન રહે. તે કેટલાક મહારાજ સામું બોલ્યા ને ગોપાળાનંદસ્વામીએ મહારાજને કહ્યું જે, મહારાજ તમે તો અમને ભીષ્મપિતા કર્યા. તે શું ? જે, બેય દેશના મોટેરા કર્યા ને મહારાજને રઘુવીરજીની તાણ તે કંઈ બોલાય ત્યારે ગોપાળાનંદસ્વામીને એમ થાય જે મહારાજે તો ભીષ્મપિતા કર્યા. નિજાત્માનં બ્રહ્મરૂપં । એની આણી કોર કજિયો ને કજિયો છે, તે સાધુતામાં કજિયો નથી પણ દેહરૂપ માને તો કજિયો થયા વિના રહે નહિ. તે એકબીજાને મનુષ્ય સારુ કજિયા થાય ને પક્ષ રાખે તો વિશ્ર્વાસાનંદની પેઠે કરે ને પંડે તો ચાલ્યા ગયા. કર્યું તો એક સ્વામિનારાયણનું થાય છે ને આપણે જો કોઇનો અવગુણ લેશું તો ચકલી નાઈ રહેશે. વિષ્ણુબ્રહ્મચારી ને દેવાનંદસ્વામીની પેઠે અરજીયું નાખશું તેમાં સુખ નહિ રહે. રૂપિયાની વહેંચણી આવી ત્યાં કજિયો થયા વિના રહે નહિ, તેમાં સહુ પોતાની કળા વાપરે ને આપણે તો ઘટે તેટલું બોલવું ને સુખિયા રહેવું.
(390) વૃંદ્રાવનદાસે (વૃંદાવનદાસે) પ્રશ્ર્ન પૂછ્યો જે, કઈ રીતે અહંમમત્વ ન થાય ? ત્યારે સ્વામીએ ઉત્તર કર્યો જે, ભગવાનનું કર્તાપણું રહે ને મોટપ રહે તો અહંમમત્વ ન આવે. માટે આપણી બુદ્ધિ પ્રમાણે કહેવું. તે બધાની રુચિ મળતી કેમ આવે ? બધાનું પાધરું કેમ પડે ? મંદિરમાં કેટલાક કહે છે જે, ‘સ્વામી કરે તે ઠીક છે’ ને કેટલાક ‘ઠીક નથી’, એમ કહે છે. અમે, ‘દરવાજો સામસામો ન કરવો એમ કહ્યું.’ ત્યારે સૌ કહે ‘ઠીક થાતું નથી’ ને મોતિયું પણ નહિ મળે. પછી અમે હજામત કરાવવા બેઠા ત્યારે સવજી કડિયો દશર્ર્ને આવ્યો. તેને અમે કહ્યું જે સવજી આ દરવાજો સામસામો કરીએ તો જ મોતિયો મળે ? ત્યારે કહે, ‘સામસામો ન કરીએ તોય મોતિયો મળશે.’ ત્યારે અમે પૂછ્યું જે, તમે મોતિયું મેળવી દેશો ? તો કહે, હા. પછી તો અમે હજામત કરાવતાં ઊઠ્યા ને સવજીને મળ્યા. તે ખબર પડી ત્યારે બીજા આવીને કહે, ‘એમ તો થાય, લો અમે કરી દઈએ.’ ત્યારે કહ્યું જે એ તો મોજ લેવાવાળો લઈ ગયો. અમે કહેતા હતા ત્યારે કેમ હા પાડી નહિ ?
(391) કલાભાઈને અભેસિંહભાઈ પર ઈર્ષ્યા. તે સરકારમાં ચાડી કરવા ગયા. જે સાહેબ, એ તો તમારું પણ નહિ માને ને તેડાવશો તોય નહિ આવે. પછી સાહેબે પટાવાળાને તેડવા મોકલ્યો તે અભેસિંહભાઈ પૂજા કરતા હતા તે સિપાઈને કહે, ‘સાહેબને કહો હમણાં આવે છે.’ પણ પૂજા કરતાં વાર લાગી એટલે કલાજીએ સાહેબને કહ્યું જે એ તો ઊંધો છે તમારુંએ ન માન્યું. એટલે સાહેબે ફેર બીજું માણસ મોકલ્યું ને જમ્યા વગર ગયા. સાહેબ કહે, ‘અમારા હુકમ પ્રમાણે કેમ ન આવ્યા ?’ ત્યારે દરબારે સાહેબને કહ્યું જે, સાહેબ મારે પૂજાનો નિયમ છે. તે હું પરમેશ્ર્વરની પૂજા કરતો હતો ને પૂજાની સમાપ્તિ થઈ નહોતી, તેથી મેં, ‘હમણાં આવું છું’ એમ કહ્યું હતું ને બીજું માણસ આવ્યું ત્યારે પૂજાની સમાપ્તિ કરી જમ્યા વગર આવ્યો છું. એ સાંભળી સાહેબ ઘણો જ ખુશી થયો ને કહે જે, પરમેશ્ર્વરની બંદગી કરતાં ઊઠ્યા નહિ એ સારું છે ને કલાભાઈને ખીજ્યા જે તું તો ઈર્ષા કરે છે, મારું વચન ન માન્યું એવું કયાં છે ? એ તો ખુદાની બંદગી કરતા હતા. એમ કહી ઘણો જ ઠબકો (ઠપકો) દીધો.
માટે કળાહોળનો પાર આવે નહિ ને આપણે તો જ્ઞાન, વૈરાગ્ય રાખીને સુખિયા રહેવું. કજિયા તો ઘરોઘર છે. કોઈને વાત સારી લાગે ને કોઈને ન લાગે. જીભ છે તે કેમે બોલાઈ જાય. માટે શબ્દ છે તે આકાશનો ભાગ જાણી કોઈ સામું જોવું નહિ. ને આહીં અમારે દર્શને આવે તે પણ કોઈને નહિ ગમતું હોય ને તે તો ઘરના મનુષ્યને પણ નહિ ગમતું હોય ને પોતાના શિષ્ય ક્યાંય બેસવા જાય તે પણ નહિ ગમતું હોય. તે શું ? જે, અહંમમત્વ આવ્યો ને અમારે તો સ્વભાવ પડ્યો તે કોઈને ગમે કે ન ગમે પણ કહ્યા વિના રહેવાય જ નહિ.
(392) પક્ષ બંધાણા છે તેમાં તો કોઈ બીજી ઉપાસના કરે અને બીજો સંપ્રદાય ચલાવે એવો આગ્રહ છે અને મહારાજે લેખ લખ્યો તેમાં હવે પંચાતીયા શું સમું કરશે ? પછી પુરુષોત્તમદાસે વાણિયાની વાત કરેલ, તે કહી તેમાં શું કહ્યું જે, સહુ સહુની બુદ્ધિના ડોળ છે તે રહ્યા ડોળે છે માટે મહારાજે કહ્યું છે તેમ ધર્મવેરો લાવીને હરિભક્તોને સુખિયા કરશું તેમાં સારું છે.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
સમું : સરખું.
ડોળ : આડંબર, દેખાવ, દંભ.
(393) બ્રહ્મરૂપ થયા વિના અંતરમાં સુખ ન થાય ને ભગવાનમાં હેત કરવું હોય તો ભગવાનના ભક્તને રૂડે વચને બોલાવવા, વિનય કરવો પણ જો આઘુંપાછું કરશે તો જીવનું બગડશે ને આજ્ઞામાં રહીને પાધરું ચાલશે તો સુખ થાશે. અમે ગોપાળાનંદસ્વામી પાસે બે સાધુ માગ્યા ત્યારે કહે, મારે તો બે જ છે. તે આહીં પણ કજિયા તો ઘણાં થાય છે; તેનો પાર ન આવે. પણ ભજન કરવું ને જેણે કરીને સાધુમાં હેત થાય, આત્મબુદ્ધિ થાય એમ કરવું અને શાસ્ત્રનો અભ્યાસ કરવો, ધર્મવેરો ને નામવેરો લાવવો ને ભજન કરવું,
કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવાત્ ।
કરોમિ યધત્સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ ।।
અર્થ :- શરીર વડે, પાણી વડે, મનથી, ઈન્દ્રિયો દ્વારા કે પછી બુદ્ધિ વડે, પોતાની જાત વડે કે પછી પોતાના મૂળ સ્વભાવ વડે હું જે કાંઈ પણ કરું છું એ સૌથી શ્રેષ્ઠ એવા નારાયણને હું સમર્પણ કરું છું.
માટે મને, વચને કરીને પણ કોઈનો અવગુણ ન લેવો. જે ન સાંભળે તેને કાંઈ નહિ, પણ આત્મબુદ્ધિવાળાને દુ:ખ થયા વિના કેમ રહેશે ? તે મહારાજે વૈરાગ્યાનંદને દંડવત્ કર્યો. જગતની સત્યતા હોય ત્યાં સુધી કોઈને સુખ રહે નહિ, માટે ભગવદીમાં આત્મબુદ્ધિ કરવી ને તે કહે તેમ ભજન કરવું. વાત પણ એટલી જ કરવાની છે ને સુખ પણ તેમાં જ છે.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
આત્મબુદ્ધિ : પોતાપણાની ભાવના, 'દેહ તે હું નહિ પણ આત્મા છું' એવી બુદ્ધિ.
અર્થ : ધન, સંપત્તિ.
(394) આપણે ભગવાન ભજવાનો આદર કરવો ત્યારે કેનાક (કોઈના) કજિયા માથે લઈને ન ફરીએ. હજી કોઈને પૂરું થયું નથી, ખાધાનું સુખ આવ્યું નથી ને લૂગડાં-ઘરેણાંનો તાલ આવ્યો નથી. માટે આપણે કજિયો ઉછીનો લેવો નહિ ને કહેવું જે અમને તો એવો ન્યાય આવડે જ નહિ. આટલી વાત કરી, તે શા સારુ ? જે, હવે તમે ચાલનાર છો તે વહેવારની વાત કરી. તે આટલી વાત રાખશો તો જ્યાં જાશું ત્યાં ભેળા જ છીએ.
તાલ : સ્વાદમાં વધારો.
(395)
અપમાનો ન કર્તવ્યો ગુરુણાઞ્ચ વરીયસામ્ ।
લોકે પ્રતિષ્ઠિતાનાઞ્ચ વિદુષાં શાસ્ત્રધારિણામ્ ।।
અર્થ :- વરવા લાયક ગુરુજનોનું, લોકોમાં પ્રતિષ્ઠા મેળવી ચૂકેલાઓનું અને શાસ્ત્ર ધારણ કરનાર વિદ્વાનોનું અપમાન (ક્યારે પણ) ન કરવું.
મહાજનો યેન ગત: સ પન્થા: ॥ (મહાનપુરુષોએ નિર્દેશેલા માર્ગને અનુસરવું) તે પ્રમાણે આપણે કરવું. જેટલી ભગવાનની વાતો પેસે તેટલો સત્સંગ. બાકી કજિયા કરવા તે તો જીવનો સ્વભાવ જ છે. ને આવી વાતું કરીએ છીએ એ કોઈ પ્રેરક થઈને કરાવે છે; પણ હું ધારતો નથી ને ધાર્યા બાર વાતું થાય છે. કોઈ કહેશે જે આટલી વાતું કરે છે તે કોઈને શીખામણ દે છે? પણ અમારે તો પંડને સમજવું છે. તે ઉપર લવા ને બાદશાહની દાઢીની વાત કરી.
અર્થ : ધન, સંપત્તિ.
(396) અમે તો એમ જાણીએ છીએ આ સમાગમમાં રહીને બે દિવસ કે બે ઘડી જે જાય તે કાંઈ થોડી વાત નથી. નિર્ગુણદાસજીએ પ્રશ્ર્ન પૂછ્યો જે, જ્ઞાનાંશની વાતો થાય છે છતાં આસક્તિ મટતી નથી ને તે પ્રમાણે વર્તાય છે તેનું કેમ? ત્યારે સ્વામીએ ઉત્તર કર્યો જે, તમે ભણ્યા, તે એક દિવસમાં શબ્દની વ્યુત્પત્તિ આવડી ? ને જેમ વાઢ બાર મહિને પાકે તેમ કાળે કરીને થાય.
‘બહુત કાળ કરહી સત્સંગા, તબ હોત સંશય કા ભંગા’
(શ્રીરામ ચરિતમાનસ-ઉત્તરકાન્ડ-દોહા 80-પાન નં.547)
ને તરત તો પૂંજા ડોડિયા જેવાને થાય, તે આકાશવાણીથી તરત ભગવાન મેળવ્યા. એમ તરત તો એવા સંસ્કારે મનાય ને આપણે તો શેરડી કાચી છે તેને તો ગોળ ન જામે. માટે આપણે તો જ્ઞાનના કોશ જોડી દેવા. પછી જ્ઞાનથી પકવતા થાશે ત્યારે કોઈ વાત જીવમાં નહિ પેસે. માયાના કાર્યમાં તો કેવળ દુ:ખ જ છે પણ સુખનો લેશ નથી. જનક રાજાએ કહ્યું જે, મારું કાંઈ બળતું નથી. એવી સમજણ થાય ત્યારે મન ક્યાંય ન તણાય માટે જ્ઞાનની પક્વતા વિના તો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ માંહી પેસી જાય. માટે જો જ્ઞાન હોય તો સુખ જ છે, માટે સુખ તો સમજણમાં છે. બારલાનું સુખદુ:ખ રહેતું નથી; દુ:ખ-સુખ તો હૈયામાં છે.
વસોવાળા વાઘજીભાઈને કહ્યું જે ચાંદલો કરીને કોઈ વળાવે છે ? માટે ઊંટ તો પલાણીએ ગાંગરે જ ને તમારા ઘરનું દુ:ખ તો આંહીં ક્યાં છે. આંહી તો કાગળ આવે તો દુ:ખ થાય ને બધા કહે છે જે તમે બગડી ગયા ને વહેવાર કરતા નથી, માટે રૂપિયા ભેળા કરો. પણ તેમાં આપણી બુદ્ધિ મેળવવી જે રૂપિયા ભેળા કરવામાં કેટલો માલ છે ? તે વિચારવું ને હેત છે તે આહીં આવ્યા છો પણ તાણ તો ત્યાંની છે તે અવધિથી વધુ રહેવાય નહિ. માટે બીજું સુખ મેલે ત્યારે આ સુખ આવે. ને આવા કે’દિ મળ્યા છે ? આ તો કપુરની દલાલી છે ને બીજી તો કોયલાની દલાલી છે. ધર્મ, અર્થ ને કામ તે ભગવાન ભજવામાં સહાય થાય તો ઠીક, નીકર કેવળ દુ:ખરૂપ છે. આપણે તો કોઈમાં માલ માનવો નહિ ને જેમ નદી હોય ને તેમાં બગદો ભરાણો હોય પણ ભારે પુર આવે તો બધું ધોવાઇને સાફ થઇ જાય તેમ પંચવિષયરૂપી બગદો જીવના હૈયામાં ભરાણો છે તે જ્યારે નિજાત્માનં બ્રહ્મરૂપં । એવો વિચાર રાખે ને ભગવાનના મહિમારૂપ પૂર આવે તો પંચવિષયરૂપી બગદો ધોવાઈ જાય છે ને હૈયું સાફ થઈ જાય છે.
આસક્તિ : મોહ, અતિશય સ્નેહ, લગની.
કોશ : નરાજ, ખોદવાનું લોખડનું એક ઓજાર.
ગાંગરે : દર્દથી બરાડે.
અર્થ : ધન, સંપત્તિ.
બગદો : કચરો.
સંવત 1919ના પહેલા શ્રાવણ વદિ તેરસને દિવસે સ્વામીએ વાત કરી જે,
(397) બધાને જ્ઞાન બરોબર નથી તે બધી શાળાયું બરોબર હોય નહિ તે ધર્મ સર્ગ ધામમાં છે ને માથે ઓઢીને મા-બાપને સંભારે એવા છે. માટે ધર્મ સર્ગ ને અધર્મ સર્ગ બેઉ જોડે ચાલ્યા આવે છે. તે મોરે કાંઈ સત્સંગમાં ગરબડ થાતી તો અમને અન્ન ન ભાવતું. પછી કૃપાનંદસ્વામી વઢીને ખખડાવતા, સ્વપ્નનો અપવાસ ન પડે એવા હોય તેને પણ ઓળખવા. એક રુચિ બેયની મળે ત્યારે પ્રભુ ભજવાનું સુખ આવે. એક ધ્યાન, એક ભજન, એક રુચિ હોય તો પ્રભુ ભજાય. ગોપાળાનંદસ્વામી, મુક્તાનંદસ્વામી ને આજ પણ મોટા મોટા જે માર્ગે ચાલતા હોય તે માર્ગે ચાલવું. મહાજનો યેન ગત: સ પન્થા: ॥ (મહાનપુરુષોએ નિર્દેશેલા માર્ગને અનુસરવું) ને કેટલાક તો માંહી રહ્યા થકા ભૂંડું કરે એવા છે. તે કૃપાનંદસ્વામી મહાડાહ્યા ને ચિકિત્સાવાળા, તે સત્તર જણના આંકડા મૂક્યા હતા તે બધાય ગયા ને જય વિજયને શાપ દીધો તે સારુ સનકાદિકને પ્રાયશ્ર્ચિત કરાવ્યું. માટે સાધુ બધા બરોબર હોય નહિ તે કેટલાકને બહુ શાસ્ત્રનો જોગ થયો હોય ને બહુ સત્સંગ હોય તેને કહ્યામાં આવે પણ વરત્યામાં ન આવે ને શાળાનું કહ્યું જે શાળા વિના તો થાય નહીં. તે શાળા વિના તો રૂપિયા ભેળા કરતાં પણ આવડે જ નહિ; તો આ તો ક્યાંથી જ આવડે ?
જેને ધનનો હૈયામાં આલોચ હોય તેને જ્યારે ધનનું ખંડન થાય ત્યારે સારું ન લાગે. સાધુનાં લક્ષણ વિચારવાં જે, આવા સાધુ થયા નહિ ને ભગવાનની વાતુંં ઉકેલે નહિ ને વ્યવહારની વાતું ચાલે ત્યારે જાણે ગંગાનો પ્રવાહ ચાલ્યો. વ્યવહારમાં આસક્તિ હોય કે ન હોય તે તો સંગે કરીને કળાય છે. તે ઉપર આનંદસ્વામી, મુક્તાનંદસ્વામી ને સ્વરૂપાનંદસ્વામીની વાત કરી ને જોવી સગડી ને મૂર્તિમાં મન રાખવું તે કેમ બને ? પછી ઉત્તર કર્યો જે, તીરમાં લીંબુ દેખાય તેમ વૃત્તિમાં ભગવાન દેખાય. તે ચારશે ગાઉ જઈ આવ્યા પણ કહે, ‘લીંબડી તળે મનુષ્ય છે.’ ને મોટા મોટા સમાગમને ઈચ્છે છે ને જ્યારે સંગ કર્યો ને સંગ ન લાગ્યો ત્યારે ક્યાં સંગ કર્યો છે ? ને ગુરુ કર્યા ને માંહી ગુણ ન આવ્યા તો ગુરુ જ ક્યાં કર્યા છે !
સાચે સંત મીલે કમી કાહુ રહી સાચી શીખવે રામકી રીતકુજી;
પરાપર સોઈ પરબ્રહ્મ હે તામે ઠેરાવે જીવકે ચિત્તકુજી;
દઢ આસન સાધકે ધ્યાન ધરે કરે જ્ઞાન હરિ ગુન ગીતકુજી;
બ્રહ્માનંદ કહે દાતા રામહુકે પ્રભુ સાથ બઢાવત પ્રીતકુજી.
(બ્રહ્માનંદ કાવ્ય- શ્રી સંત કો અંગ-સવૈયો 48-પાન નં.774)
તે કોઈક તો બીજું પદાર્થ આપે, ને સંત છે તે ભગવાન આપે ને ભગવાન સાથે પ્રીતિ કરાવી આપે. માટે મોક્ષને મારગે ચાલવું એ સિદ્ધાંત છે. ધર્મ સર્ગનો પ્રવાહ જેના હૈયામાં હોય તેના હૈયામાં ટાઢું રહે ને અધર્મ સર્ગ આવે ત્યારે બળતરા થાય ને તેમાંથી તો ભડકા ઊઠે ને માંહી માંહી ચોરીઓ થાય. મંદિરમાં રહીને મંદિરનું ખોદે તે,
મોટા થાવાનું મનમાં રે દલમાં ઘણો ડોડ,
તેવા ગુણ નથી તનમાં રે કાં કરે તું કોડ.
(કીર્તન મુક્તાવલી-ચોસઠ પદી-મહિમાનાં પદ-પદ 22-નં.1053-પાન નં.548)
એની પેઠે જ સાચું બોલ્યું કોઈને ગમે જ નહિ ને હાંકે જાય છે. ઘનશ્યામદાસ ઘોડા વિના મહારાજ ભેળા ન જાય ને પત્તર ધોવા સારુ શિષ્ય ન હોવાથી ઉપવાસ કર્યો. માટે સમજણ વિના ચાર ભેદ, તેમ સમાગમમાં પણ ભેદ છે. ‘આ ખાવું ને આ જોવું.’ એ બધી વાત જ્ઞાની જાણે તેથી જ્ઞાનીને અધિક કહ્યો. બધી અવળાઈ મૂકવી તે સાધુ સમાગમ વિના ન થાય. જીવ પ્રભુ ભજવા આવ્યો પણ બધી વાતું જાણે નહિ. મંડળ મોકલવામાં પણ વિચાર રાખવો ને જીવ કોઈના સરખા નથી. એકને કામ પીડે ને એકને ન પીડે. તે ઉપર વાત કરી જે, દેવયાનીએ પહેલી પરણવાની ના પાડી પણ બૃહસ્પતિનો દીકરો કચ, સંજીવની વિદ્યા ભણી આવ્યો હતો તેને કહે જે, મને વર; તો કહે, ‘ગુરુની દીકરી તે બેન કહેવાય માટે ન વરાય.’ તેને દેવયાનીએ શાપ દીધો જે, તારી વિદ્યા નિષ્ફળ જાઓ. ત્યારે કચે દેવયાનીને કહ્યું જે, તું મને વગર વાંકે શાપ દે છે માટે તને કોઈ બ્રાહ્મણ નહિ વરે. પછી દેવયાની યયાતિરાજાને પરણી. એમ ધર્મવાળા પણ હોય પણ જે સત્સંગે કરીને વાતું હૈયામાં પેઠી હોય તેનો એવો ઠરાવ જે,
મરને આતસકા વરસે મેહારે, તોય નવ્ય દાઝે મેરા દેહા રે;
મરને બાર મેઘ આવી ઝુમે રે; તોય નવ્ય ભીંજે મેરો રોમે રે.
મોરે : અગાઉ
આસક્તિ : મોહ, અતિશય સ્નેહ, લગની.
ગાઉ : અંતરનું એક પરિમાણ, દોઢ માઈલ, અઢી કિલોમીટર.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
કમી : ખોટ, કસર, ઉણપ.
અવળાઈ : આડાઈ, કહે તેનાથી ઊલટું કરવાની ટેવ, હઠીલાઈ.
મરને : ભલેને.
(398) આમાં કોઈ રહેવાનું નથી ને હોળીના ઘેરૈયા થઈને મરી જાશે. સંપ્રદાય ચલાવવા સારુ આ બધો ડોળ કર્યો છે પણ આ તો અક્ષરધામમાંથી આવ્યા છે. આપણને મળ્યા તે સર્વોપરી છે અને એમ ન હોય તો ખટદર્શનવાળા દૈત્ય હતા તેમાં આ સંપ્રદાય ચલાવ્યો અને નોખા નોખા ધર્મના પ્રબંધ બાંધ્યા. બીજાનું જ કહે પણ પોતાનું કહ્યાની રીત નહિ પણ પોતાનું તો બીજમાત્ર કહી જાય.
ડોળ : આડંબર, દેખાવ, દંભ.
દૈત્ય : અસુર, રાક્ષસ.
(399) શેરડી વાવે તેમાંથી અંતે ગોળ જ થાય. શીંગડિયો વછનાગ, એકલકંટી, ભોરીંગણી વાવે તેમાંથી ગોળ ન થાય. તેમ આપણે ભગવાનની નિષ્ઠાએ કરીને મોક્ષ માન્યો છે, પણ બીજાને એ ન સમજાય ને પ્રભુ ભજવા આવ્યા પણ કેટલુંક માન રહે, સ્વાદ રહે, સકામપણું રહે તેમાં શું જ્ઞાન થાય? તે તો જેમ ચાકરીવાળા, ખેતીવાળા ને ચિચોડાવાળા ઊભા છે તેમ આદર હોય તો જ્ઞાન થાય. નાગજી મહારાજે જોષ જોયો તેની વાત કરી જે, ચાર દિશાઓમાંથી એક દિશાએ ગઈ છે. જો વરસાદનું પૂછો તો કહે થોડોઘણો થાશે, તે બધે તો સરખો ન હોય તેમાં શું કહ્યું ? તો જગતમાં કલ્યાણ માન્યાં છે, તે નાગજીના જોષ જેવાં છે. આ સત્સંગનો મહિમા સમજાય નહિ. દત્તાત્રેય આદિક આગળ થયા તેમણે એક એક જીવનું કલ્યાણ કર્યું છે; પણ સત્સંગીનો છોકરો હોય તો સો જીવનાં કલ્યાણ કરે. તે વંથળીમાં કલ્યાણભાઈના દીકરા દેવજીએ અર્ધા ગામને વાતું કરાવીને સત્સંગ કરાવ્યો. પછી મધ્યનું આડત્રીસમું અને છાસઠનું વચનામૃત વંચાવ્યાં.
સંવત 1919ના પહેલા શ્રાવણ વદિ ચૌદશને દિવસે સ્વામીએ વાત કરી જે,
(400) આ દેહ છે તે ગારાનું; માટે દેહને બળે બળ તે ખોટું છે ને જ્યારે જ્ઞાન થાય ત્યારે જેમ રેતીના કૂબાનો, કાચલી ને ચયાના ઘોડાનો નિષેધ થઈ જાય ને જેમ કુરકે રમે કે કોડિયે રમે તેમાં જીતે, તો જેમ રૂપિયા જીતીને આનંદ થાય એટલો આનંદ થાય છે પણ જ્યારે જ્ઞાન થાય ત્યારે રાજી ન થાવાય. તેમ જ્યાં સુધી સત્યતા મનાય છે ત્યાં સુધી તેમાં આનંદ છે ને જેમ ઝાંઝવાના જળમાં બ્રાહ્મણને આનંદ હતો પણ પછે ટળી ગયો. તેમ જ્યારે જ્ઞાન થાય ત્યારે સર્વનો નિષેધ થઈ જાય, પછી કોઈ વાતની, ખાવાની કે જોવાની ઈચ્છા રહે નહિ. પણ જો આંટીએ કરીને તજે તો તેનું બીજ જાય નહિ, ને મોરે રાજ મેલીને વનમાં ગયા, તે શું જ્ઞાન વિના મુકાણું હશે ? પણ ચટકીનો વૈરાગ્ય હોય તો ટકે નહિ. પોતાના કદ વિના આગળ બેસવું તેમાં ઠેકડી થાય ને કાંઈ સમજાય નહિ ને જ્ઞાન થાય ત્યારે તો હાથી ને ગધેડો બરાબર થઈ જાય. મહારાજે કોઈ વાતની દેહની સુવાણ્ય રહેવા દીધી નથી.
કાચલી : નાળિયેરનું ભાંગેલું કોચલું.
ચયાના : પાણીમાં ઉગતા ઘાસનું કલગી જેવું ઝૂમખું.
નિષેધ : શાસ્ત્રવિહિત મનાઈ.
મોરે : અગાઉ
(401) બીજાં વ્યસન તો ખોટાં થઈ ગયાં છે પણ કામ, લોભ ને માન તે તો જાય જ નહિ. તે તો કેમ જાય ? તો જેમ ધ્રો ને ખેવડો અતિ ઊંડું ખોદે ત્યારે જાય છે ને લાંપડાં તો થોડું ખોદે તો પણ જાતા રહે. તેમ હોકો, બજર ને અફીણનો નિષેધ થઈ ગયો છે તેમ વિષયનો નિષેધ નથી થયો.
ખેવડો : એકજાતનું ઘાસ.
બજર : તમાકું, છીંકણી, તપખીર.
નિષેધ : શાસ્ત્રવિહિત મનાઈ.
(402) મોટેરાની મરજી હોય ત્યારે કથા, કીર્તન થાય પણ તે વિના તો ન થાય, તે તો સૂતાં સૂતાં પણ કરીએ. કેમ જે, મન તો નવરું ન રહે. ધર્મ પળે, જ્ઞાન થાય, દેહનો અનાદર થાય તે વાતે કરીને જ થાય છે. ઉનામાં સવચંદ શેઠનું એક ઘર સત્સંગી હતું તેમાંથી આઠ ઘર સત્સંગી થયાં તે જેટલું થાય છે તેટલું જ્ઞાનમાંથી થાય છે. તે શ્રવણ, મનન ને નિદિધ્યાસ કરે તો જ્ઞાન થાય.
નિદિધ્યાસ : ઇષ્ટદેવ કે પરમતત્ત્વનું નિત્ય ચિંતન.
(403) ભટની વાત કરી જે, નવરા હોય તો ઘરના માણસોને બાળી આવીએ એમ ઘાટ થાતો નથી, પણ જેનો રાગ છે તેના ઘાટ થાય છે ને જેનો રાગ નથી તેનો ઘાટ પણ થાતો જ નથી. તે આપણે સોઢીમાં રાત રહેવાનો મનસૂબો થાતો જ નથી. જીવને સીમાડો મૂકવો કઠણ પડે છે, બળદને પણ સીમાડો ન મુકાય. આ દેશના હરિજન વડતાલ ગયા હતા, જાતાં તો આનંદ હતો. પછી પાંચ દિવસ વડતાલમાં રહ્યા ત્યાં ઘરની તાણ થઈ. પછી રોજ વીસ વીસ ગાઉ ચાલ્યા. વાઘજીભાઈ આહીં બેઠા છે પણ વસોમાં છે ને નિર્ગુણદાસ વઢવાણમાં છે માટે જ્ઞાન શીખવું. મુક્તાનંદસ્વામી જેવાની વિષ્ટા ધોવી હોય તો ન ધોવાય ને આ દેહ છે તે કાંઈ મુક્તાનંદસ્વામી જેવો નથી, તો પણ તેની સેવા થાય છે તે શું ? જે, દેહમાં આત્મબુદ્ધિ થઈ ગઈ છે. કલ્યાણભાઈ ત્રણ વરસ સુધી ખેતરમાં રહ્યા ત્યારે ખેતર ચેાખ્ખું થયું. તેમ જે ઉપર મંડે તે થાય પણ આમાંથી કોઈએ સુખ લીધું પણ નથી ને લેશે પણ નહિ. ધિક્મામ્ ધિક્મામ્ (મને ધિક્કાર છે, મને ધિક્કાર છે) કરી નીકળ્યા છે.
ઘાટ : માયિક સુખ ભોગવવાનો સંકલ્પ, વિકારનો સંકલ્પ.
રોજ : દરરોજનું મહેનતાણું/મજૂરી.
ગાઉ : અંતરનું એક પરિમાણ, દોઢ માઈલ, અઢી કિલોમીટર.
વિષ્ટા : નરક, મળ.
આત્મબુદ્ધિ : પોતાપણાની ભાવના, 'દેહ તે હું નહિ પણ આત્મા છું' એવી બુદ્ધિ.
(404) પંચાળાના મોતીભાઈને કહ્યું જે, મેઘાભાઈને સુખ વધારે આવશે કે તમારે ? પણ મનમાં એમ સમજાય છે જે સ્વામી વહેવારમાં સમજે નહિ; પણ વહેવાર કોણે સુધારી દીધો તેની ખબર નથી.
(405) તેરેથી (તેરા નામના ગામથી) કાગળ લખ્યો તેની વાત કરી. માટે જો આપણે મહિનો મહિનો સમાગમ કરશું તો ઠીક રહેશે. નહિ તો વ્યવહારમાં બંધાઈ જવાશે; પણ આપણે જો ચાર મહિના કથા ને આઠ મહિના ફરીએ તો ચાલે તો ખરું પણ તે થાય નહિ. પ્રભુ ભજવાનો આદર કર્યો છે પણ સમાગમ વિના સૂઝે નહિ; તે ગરીબ માણસ જેમ દળતાં ફાકે તેમ આપણે પણ વડાદરાની પેઠે પ્રભુ ભજી લેવા. તે માનસીપૂજા, માળા, પ્રતિમા તે બધું માંહીંથી કરી લેવું. મોટાની મરજીમાં રહેવું. બધાની રુચિ નોખી નોખી છે. તે કોઈને આ કથા કરવી ને કોઈને કારખાનાં કરવાં. તે એકબીજાને મૂરખ માને છે. આંહી આનો ઢાળો પડ્યો છે તે થાય છે. તે મહારાજનો સિદ્ધાંત તો એ છે જે,
બ્રાહ્મે મુહૂર્તે શયનં વિહાય નિજસ્વરુપં હૃદિ ચિન્તયિત્વા ।
સ્નાનં વિશુદ્ધં પ્રચુરાભિરદ્રિ: શ્રીનિલકણ્થં હૃદિ ચિન્તયામિ ॥
(શ્રી નીલકંઠ ચિન્તનાષ્ટકમ્)
અર્થ :- બ્રાહ્મ મુહૂર્તમાં શય્યાનો (નિદ્રાનો) ત્યાગ કરી પોતાના સ્વરૂપનું હૃદયમાં ચિંતન-ધ્યાન કરી, અધિક જળ વડે સ્વચ્છ સ્નાન કરી શ્રી નીલકંઠંનું હું હૃદયમાં ચિંતન કરું છું.
તે વહેલા ઊઠીને આત્મવિચાર કરવો ને બીજો તો નિશ્ર્ચય ક્યાં કરવો પડે એમ છે ?
અર્થ : ધન, સંપત્તિ.
(406) ઘરોઘર વિષયના કજિયા છે તે ચારે કોર સળગી ઊઠ્યું છે. તે કેશોદમાં એક લુવાણે વ્યભિચાર કર્યો તે સાઠ હજાર કોરી દંડની ભરવી પડી, પણ એની સ્ત્રીઓ પરણ્યો હોત તો ઘણીએ આવત; પણ અજ્ઞાનમાં કુટાય છે.
(407) કેટલાક ચોરવા શીખે છે. તે વૈષ્ણવના મંડપમાં પટેલે ઝાઝો શીરો કરાવ્યો પણ ભીતરિયાંએ ખાઈને રસ્તામાં ખાવા સારું એક સૂંડલો ભરી શીરો ઊંચો ટાંગી દીધો, એટલે વાંસેથી સાથીને ખાવા ન મળ્યું ને કહે જે, થઈ રહ્યું છે. રાત્રે સાથી નીરણ કરવા ગયો ત્યાં માથે સૂંડલો ભટકાણો ને જોયું તો શીરો દીઠો તે પટેલને દેખાડ્યું. પટેલ કહે, ‘શીરો લઈ લ્યો ને માંહી છાણ ભરીને હતો તેમ મૂકો.’ તે તેમ કરીને સૂઈ ગયા. તે ભીતરિયા તો સવારમાં જાગ્યા કે તરત વહેલા ચાલી નીકળ્યા ને એક જણ સૂંડલો લઈને આગળ નીકળી ગયો; પછી વારાફરતી બધા ઉપાડતા ગયા. તે એક જણ કહે, ‘આમાં તો બહુ ભાર છે.’ ત્યારે બીજો કહે, ‘ફૂલ્યો હશે !’ ત્રીજો કહે, ‘વાસી થાય તેમાં ભાર થાય.’ પછી ફૂલવાડી આવી ત્યાં નહાયા, ધોયા ને કેળના પત્ર કાપી પતરાળા ગૂંથી જમવા બેઠા, પણ જ્યાં શીરામાં હાથ નાંખ્યો ત્યાં છાણ દીઠું તે કહે, ‘ભૂંડી થઈ !’ છતું થયું ને વળી ભૂખ્યા પણ મૂઆ ને ચોર પણ ઠર્યા !
પછી કોળીના છોકરાની વાત કરી. તેની માએ ચોરી કરતાં શીખડાવેલ, પછી મોટો થયો ત્યારે મોટી ચોરીઓ કરવા માંડી, તેમાંથી ફાંસીની સજા થઈ. પછી કહે, ‘મારી માને મળવું છે.’ તે મળવા ગયો એટલે નાકે બટકું ભર્યું ને કહ્યું જે, તેં જ મારું ભૂંડું કર્યું. એમ કેટલાક ચોરી કરે છે ને કેટલાક શીખડાવે છે. અમે ઉને ગયા ત્યારે શેઠના છોકરા છાના છાના કાંઈક જોવા જાય. પછી માંહીં માંહીં સાંકળિયા જમાન લીધા ને કહ્યું જે, ઓલ્યો જાય તો તારે કહી દેવું ને ઈ જાય તો ઓલ્યો કહી જાય. એમ જમાન લીધા.
એમાં શી વાત કરી જે, આમાં બેઠા થકા ચોરીઓ કરતા હોય, આઘાંપાછાં કરતાં હોય, પત્તર-ચારવણી કરતાં હોય, મંદિરના સાધુ ને આચાર્યનો અવગુણ લેતા હોય તે સર્વને ઓળખવા જોઈએ. જો આમાં કોઈ ઊંટિયા ને ગધેડા જેવા હોય તો તે બધાને હેરાન કરે ને દંડ ભરાવે. તે ગધેડાને ને ઊંટને ભાઈબંધી થઈ ત્યારે ગધેડે કહ્યું જે હું રોજ લીલું ખેતર ખાઉં છું ને ઊંટભાઈ ચાલો તમે મારી સાથે. પછી ગયા ને ખાવા માંડ્યું ત્યારે ગધેડો કહે, ‘મને તો ભૂંકણ આવ્યું છે.’ ત્યારે ઊંટ કહે, ‘ કેમે રહેવાય ?’ ત્યારે તે કહે, ‘મારાથી તો રહેવાય નહિ.’ પછી તો તે ભૂંક્યો ને ભાગી ગયો. તે સાંભળી ખેતરવાળો આવ્યો. પછી તો ઊંટને ખૂબ માર્યો; પછી આઘે જતાં નદી આવી ને ઊંટ કહે, ‘હું તો નહિ ડૂબું ને નદી ઊતરી જઈશ.’ ત્યારે ગધેડો કહે, ‘મને તારી પીઠ પર બેસવા દેશે ?’ તો કહે, ‘હા.’ પછી તો તેની પીઠ ઉપર બેઠો ને અર્ધી નદીએ ગયા, ત્યારે ઊંટ કહે, ‘મને તો લોટણ આવ્યું છે.’ ત્યારે ગધેડો કહે, ‘લોટો તો હું મરી જાઉં.’ ત્યારે ઊંટ કહે, ‘તારું ભૂંકણ ન રહ્યું તો મારું લોટણ પણ ન રહે.’ એમ કહી પાણીમાં લોટ્યો તે ગધેડો પાણીમાં તણાઈ ગયો ને મરી ગયો. તેમ એવો હોય તે બધાને દુ:ખ કરે ને ગાધડકાનો બ્રાહ્મણ માંગરોળ ગયો ત્યારે કહે, ‘મારી તો પૂજા ગઈ.’ તે રોવા લાગ્યો ને ખાધું નહિ, પછી પૂજા લીધી ત્યારે છાનો રહ્યો. અમદાવાદમાં એક જણે ઢોંગ કરીને ચરણાવિંદ લીધા. એવા દંભી થાય, માટે સહુને ઓળખવા. આપણી સભાયું આંહીં થાય છે ને એવા હશે તેની સભાયું નોખી થાય છે. માટે મોરે જેમ દીન જાગ્યું હતું તેમ દીન જગાવાનું છે તે ઉંધાપ્રસાદે વરતાલના પડખામાં આવી દીન જગાવ્યું હતું.
જમાન : જામીન.
રોજ : દરરોજનું મહેનતાણું/મજૂરી.
મોરે : અગાઉ
દીન : લાચાર, ગરીબ, રાંક.
(408) છેલ્લા પ્રકરણનું તેત્રીસમું વચનામૃત વંચાવીને વાત કરી જે, સ્વભાવ ટોકે ત્યારે ખપવાળો હોય તે નભે. મોરે ઊંઘ આવતી ત્યારે પાણી છાંટતા કાં દળણું દળતા ને કૃપાનંદસ્વામી આસન વાળીને બેસતા ને આસન ખસે નહિ તે બેઠક જ એવી. એવા ખપવાળા હતા ને હવે તો માણસને રાખવાની ગરજ તે ટોકાય નહિ. માટે ખપવાળા હશે તે સ્વભાવ ટાળશે. વર્તમાન દીવા જેવાં હોય પણ મંદિરના, આચાર્યનાં, કોઠારી, બ્રહ્મચારી, ભંડારી ને મોટેરા હોય તેનાં વાંકા બોલતાં હોય.
મોરે : અગાઉ
(409) ખંડેરાવ જેવાને એકાદો કાળ પડે તો ફિકર નહિ. તેમ, જેને જેને જ્ઞાનરૂપી ધન હોય તેને ફિકર નહિ ને જેટલું દુ:ખ આવે છે તેટલું જ્ઞાન વિના આવે છે. ગમે તેવો તરિયો હોય પણ ઘૂમરીએ જોર ન ચાલે. તે ગમે તેવો જ્ઞાની હોય પણ ચાર ગાંઠમાં લેવાય એવું છે. ત્યારે પ્રશ્ર્ન પૂછ્યો જે, જ્ઞાન કેમ થાય ? ત્યારે ઉત્તર કર્યો જે, એ તો કાળે કરીને ધીમે ધીમે થાશે. પછી વાત કરી જે, આખાના બ્રાહ્મણ જેરામ પટેલને સ્વપ્નામાં દર્શન દઈને કહ્યું જે, જેના તેના શબ્દ સાંભળવા નહિ ને શબ્દ તો એક અમારા જ સાંભળવા ને અમારામાં જોડાવું પણ જેનું તેનું સાંભળીએ તે ઠીક નહિ રહે, માટે બીજાનો મહિમા જ્યાં ત્યાં સાંભળતા ફરવું નહીં. એટલી વાત તો સ્વપ્નામાં કહીને કથાવાર્તા કરી વાડીએ ગયા. ત્યાં પણ દિવ્યરૂપે દર્શન દઈને કહ્યું જે આ હવે પ્રત્યક્ષ કહું છું જે જેના તેના શબ્દ સાંભળવા નહિ. સાંભળશો તો એક દૃઢાવ નહિ રહે તે આખો દિવસ વાતુંમાં એ બીજ આવ્યું, તેવી રીતના જ વચનામૃત વંચાવ્યાં. વાડીએથી પાછા આવતાં કાળવાને કાંઠે કહ્યું જે, પોતાનો મહિમા પોતાને મોઢે કહ્યાની રીત નહિ. તે ગોપાળાનંદસ્વામીનો મહિમા કોઈએ ન જાણ્યો ને હતા તે દિવસે સમાગમ પણ ન કર્યો ને હવે મહિમા જાણે છે. તેમનું તેમ આજ પણ સમજી લ્યો.
(410) નારણપ્રધાને પૂછ્યું જે, બુદ્ધિ શાપિત થઈ ગઈ લાગે છે તેથી સમજાતું નથી ને વરતાતું પણ નથી. પછી કહ્યું જે, બુદ્ધિ શાપિત નથી. એક તો શેરડી કાચી હોય એટલે ગોળ ન પાકે તેમ કાચપ છે, તે કાળે કરીને મટશે. વળી કહ્યું જે, જીવ લૂખો થઇ ગયો છે. ત્યારે કહ્યું જે કે’દી પલળ્યો છે ? પછી વળી પૂછયું જે, કેમ શુષ્કતા મટે ? ત્યારે ઉત્તર કર્યો જે, મહિમા સમજે ને વિચારે તો લૂખો મટે. વળી ફરી પૂછ્યું જે, ભગવાન ભજતાં વિક્ષેપ બહુ આવે છે તેમાં શબ્દનો વિક્ષેપ બહુ થાય છે. ત્યારે ઉત્તર કર્યો જે, શબ્દનું દુ:ખ તો તેનું તુચ્છપણું જાણે તો ન આવે ને તેમજ પંચવિષયનું પણ જાણવું. સ્વાદ કરે છે તેને હમણાં સુખ જેવું જણાય છે, પણ આસો મહિનો આવશે ત્યારે ખબર પડશે. માટે દુ:ખ હોય ને નાશવંતપણું જાણે ને એવો ને એવો વિચાર હાલતાં ચાલતાં કર્યા કરે તો એમ કરતાં કરતાં થાય.
કાચપ : કચાશ, કસર, ખામી.
(411) નથુ પટેલે પ્રશ્ર્ન પૂછ્યો જે, નિરંતર વૃદ્ધિ પમાતું જાય ને કોઈ રીતે વિઘ્ન ન આવે તેનો શો ઉપાય છે ? ત્યારે ઉત્તર કર્યો જે, આમ ને આમ દુ:ખ, દોષ ને નાશવંતપણું જણાયા કરે ને
હંસે ગુરૌ મયિ ભક્ત્યાનુવૃત્યા વિતૃષ્ણાયા દ્વન્દ્વતિતિક્ષયા ચ ।
સર્વત્ર જંતોર્વ્યસનાવગત્યા જિજ્ઞાસયા તપસેહાનિવૃત્યા ।।
(શ્રીમદ્ ભાગવત : 5/5/10)
અર્થ :- ઋષભદેવ ભગવાન પુત્રોને કહે છે, ‘ હે પુત્રો! હંસ સમાન વિવેકવાળા ગુરુ વિશે તથા પરમાત્મા વિશે તેમની અનુવૃત્તિ પાળવારૂપ ભક્તિ વડે, તૃષ્ણાનો ત્યાગ કરી, સુખ-દુ:ખાદિ દ્વન્દ્વોને સહન કરવાથી, ‘આ લોક-સ્વર્ગલોક બધે જ જીવને દુ:ખ છે.’ એવું જાણવાથી તત્ત્વની જિજ્ઞાસાથી, તપથી, કામ્યકર્મ ત્યજવાથી, સર્વ બંધનના કારણરૂપ અહંકારથી મુક્ત થઈ પરમપદને પામવું.”
સર્વત્ર જંતોર્વ્યસનાવગત્યા એમ જંતુના દુ:ખને જુએ તો કયાંય આ લોકમાં ન ચોંટાય ને માલ પણ કયાંય ન જણાય. પછી પ્રશ્ર્ન પૂછ્યો જે, પ્રતિલોમ કેને કહેવાય ? ત્યારે ઉત્તર કર્યો જે, વૃત્તિયું વાળવી તેને પ્રતિલોમ કહેવાય ને ભગવાનની મૂર્તિ ધારવી તેને ધ્યાન કહેવાય. પ્રતિલોમના બે ભેદ છે. એક તો ‘પોતાનો આત્મા માની તેમાં ભગવાન ધારવા.’ એમ મહારાજનું વચન છે. તે તો ‘મેરે વચનમેં વાસા’ તેમ જાણવું ને પુરુષપ્રયત્ને કરીને વૃત્તિયું પાછી વાળવી તે પણ પ્રતિલોમ કહેવાય પણ તે મારગ કઠણ જણાય છે; પ્રથમનો મારગ કાંઈક સુગમ જણાય છે.
અર્થ : ધન, સંપત્તિ.
અનુવૃત્તિ : મરજી.
પ્રતિલોમ : પોતા/આત્મા તરફ પાછી વાળતી વૃત્તિ, અંતરવૃત્તિ, અંતરદૃષ્ટિ કરીને આત્માનું પરમાત્મા તરફનું ઊર્ધ્વીકરણ.
મૂર્તિ : સંતો.
(412)
ઘરમાં પછવાડે લાગી લાય, તેનો ધોખો પંખીને શું થાય,
ઉંદર ઘરમાં પાડે બકોર, જેને નથી ઉડ્યાનું જોર;
કે અખો એ કેથી ડરે, જેને જ્ઞાન પાંખ આકાશે ફરે.
( અખાના છપ્પા 635-પાન નં.314)
તેમાં શું કહ્યું જે, પ્રકૃતિપુરુષ સર્વ ઉંદર છે.
ધોખો : માઠું કે ખોટું લાગે તેવું વચન.
પ્રકૃતિપુરુષ : ચેતન અકર્મણ્ય પુરુષની મદદથી જડ પ્રકૃતિમાંથી સમગ્ર સૃષ્ટિની ઉત્પતિ થઈ તે
(413) સાત પાંસળીની વાત કરી જે, બજરમાં સાત પાંસળી હોય ને જો બધીયે ભાંગે તો બજર બહુ આકરી થાય ને જે બળદ સાતે ઠેકાણે સીધો ચાલે તે સાત સામેલિયો કહેવાય. તેમ જે સૌ કહે તેમ જ કરે, તેના ઉપર મોટાનો રાજીપો થાય છે, વૃદ્ધિ પામે છે. પણ આ તો સત્સંગમાં આવીને ચોરીઓ કરે છે, સત્સંગમાં રહીને રૂડા ભગવદીના અવગુણ લે છે. જીવમાં કપટ પાર વિનાનું છે. તે ભગવાન આગળ પણ કપટ કરે તથા ભક્ત આગળ પણ કપટ કરે. માટે આપણે તો એ મારગે ચાલવું નહિ ને પોતાની ભૂલ ન ઓળખાતી હોય તેની કોરની પ્રાર્થના કરવી ને દેહ નહિ રહે, ખોટ રહી જાશે. આ લોકમાં તો સુખ આવે જ નહિ ને કેટલાક સત્સંગીના દોષ આવે છે ને આટલામાં કોઈ વર્તમાન ન પાળે તેનું દુ:ખ બધાયને આવે; માટે મોટરાએ ધીરજ રાખવી ને સૌનેય નભાવ્યા જોઈએ. જીવના સ્વભાવ તો વાનરાની પેઠે છીન છીનમાં રીસાઈ જાય એવા છે. તે ઉપર વાત કરી જે, વાનરી સારુ બે વાનરા વઢ્યા. એક વાનરો રીસાણો તે દોડીને કોંઠીના ઝાડને બટકું ભર્યું તે દાંત પડી ગયો. એવા જીવના સ્વભાવ છે, આપણામાં દ્રવ્યનું ઉપાર્જન છે તેથી આ વાતું ને કથા દહાડે દહાડે ઓછી થાય છે ને સત્સંગ તો કમળની પેઠે દહાડે દહાડે ફૂલશે પણ આળસ વધશે.
પાંસળી : પલાળીને લસોટવું.
બજર : તમાકું, છીંકણી, તપખીર.
પાળે : સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જાતનો સેવક/પાર્ષદ.
ઉપાર્જન : પ્રાપ્તિ માટેની ક્રિયા.
(414) સ્વાદનું કામ પણ ભારે છે. તે એક સાધુ ચાર માટલી બરફી ખાઈ મરી ગયો ને મહારાજ, કીમ નદીમાં સાથવો ને મીઠું જમ્યા એટલે મીઠાઈની માટલીઓ ફૂટી. માટે મોટેરા વિષય ભોગવશે ને બીજા નિયમ રાખશે તો તે વાતના તો દાળિયા લઈને ખાવા. વિષયનો ત્યાગ બદરિકાશ્રમ, શ્ર્વેતદ્વીપ અને આ સત્સંગમાં એકાંતિક, એ ત્રણ ઠેકાણાં વિના બીજે નથી. આકાશ અને ઉત્તર દિશાનો જેમ પાર નથી તેમ સત્સંગનો પણ પાર આવે તેમ નથી. માટે આ વાતું રાખ્યા જેવી છે ને ધાર્યા જેવી છે.
સાથવો : શેકેલા અનાજનો લોટ.
શ્ર્વેતદ્વીપ : શ્રી વાસુદેવ ભગવાનનું ધામ.
(415) પ્રભુ ભજવાની તો સૌ ના પાડે છે. કેટલાક વહાલા ભાઈ છે તે ના પાડે, પિતરાઈ ના પાડે, છોકરાં, બાયડી પણ ના પાડે છે ને આંહીં આવ્યા ત્યારે એ કજિયો તો બધો આળસી ગયો. પણ ઈન્દ્રિયો-અંત:કરણ તો ભેળાં છે. તેનો કજિયો તો આહીં પણ છે. માટે ઈન્દ્રિયો-અંત:કરણનો અંતરાય બહુ ભારે છે. એ તો એમ ઠરાવ કરે જે એવો શબ્દ સાંભળવો જ નહિ, તેમજ વિષયનું જાણવું જે, ઇન્દ્રિયોનો ગોટો ભેળો છે તે જીત્યા વિના સુખ આવે નહિ. પછી વૃંદ્રાવનદાસે (વૃંદાવનદાસે) પ્રશ્ર્ન પૂછ્યો જે, અંત:કરણરૂપ જે મામલો તે કેમ જીતાય ? ત્યારે ઉત્તર કર્યો જે, ધર્મ, જ્ઞાનાદિક ચાર ને શૂરવીરપણું હોય તો જીતાય.
‘ધીર ધૂરંધરા, શૂર સાચા ખરા, મરણનો ભય તે મનમાં ન આણે.’
(કીર્તન મુક્તાવલી-પ્રભાતિયાં-પદ 1-નં.119-પાન નં.62)
એ બોલ્યા ને કહ્યું જે, સદ્ગુરુ વિના અંત:કરણનો કજિયો જીતાય એવો નથી. સદ્ગુરુ વિના માયા લોપી નાખે, પછી લોયાનું દશમું વચનામૃત વંચાવીને વાત કરી જે, ભગવાન સામા ચાલે ત્યારે એ જોઈ ઈન્દ્રિયું-અંત:કરણ જે વેરી હતાં તે જ વહાલાં થયાં છે ને તે વિના તો જ્યાંથી વાર આવે ત્યાંથી ધાડ આવે. તે શું ? જે, દેહ વડે, ઈન્દ્રિયું વડે, ભગવાન ભજાય તે જ દેહ વડે નર્કમાં જવાય. તે સ્ત્રી જાતિમાં એકાંતિકભાવ આવે જ નહિ ને તે તો કોઈને મેલે જ નહિ,
‘ખાઈ જાય હે મન હરના, સ્ત્રીય બનમેં નહિ ચરના’
(બ્રહ્માનંદસ્વામી-બ્રહ્માનંદ કાવ્ય-જ્ઞાન વિલાસ-પદ 2379- પાન નં. 661)
એ બ્રહ્માનંદસ્વામીનું પદ બોલ્યા, ત્યારે નિર્ગુણદાસે પ્રશ્ર્ન પૂછ્યો જે, એ તો ત્યાગી ને ગૃહસ્થ સર્વને કહ્યું ત્યારે કેમ સમજવું ? તેનો ઉત્તર કર્યો જે, બે મારગ કહ્યાં તે કાંઈ ખોટા પડે નહિ. માટે એ તો સહુ સહુનાં નિયમ કહ્યાં છે તેમાં રહેવું ને જ્યાં સુધી ગૃહસ્થાશ્રમમાં ત્યાં લગી તો એમનું એમ હાંક્યા જવું ને પ્રિયવ્રતની પેઠે ધિક્મામ્ ધિક્મામ્ (મને ધિક્કાર છે, મને ધિક્કાર છે) કરે ત્યારે ખરું છે. તે વિના તો લક્ષાવધિ છે તે પાર પડે એવું જણાતું નથી, ને એ માયાને તો કોઈ જીતી શકે જ નહિ. એ તો કારણ શરીરરૂપ ફોતરું ઊખડશે ત્યારે થાશે. ને મહારાજનો સિદ્ધાંત પણ એ જ છે જે બ્રહ્મરૂપ કરીને પોતાની સમીપમાં રાખવા છે ને મહારાજનો અવતાર પણ એટલા સારુ જ છે. જેટલા અવતાર ને તેના ભક્ત તે સર્વને અંતે અક્ષરધામમાં લઈ જવા છે ને સાંખ્ય ને યોગે કરીને સર્વનો નિષેધ કરીને પોતાની સેવામાં રાખવા છે. સૌભરી, ચ્યવનનું તપ તો બહુ ભારે પણ હૈયામાંથી દુર્વાસના ટળી નહિ. એેવું એ વાસનાનું પાપ છે માટે આ જ્ઞાન મહારાજે કહ્યું છે. એ અંત:કરણરૂપ માયાનો ખટકો અતિશે રાખવો.
ધર્મસ્ત્યાજ્યો ન કૈશ્ચિત્ સ્વનિગમવિહિતો વાસુદેવે ચ ભક્તિ
ર્દિવ્યાકારે વિધેયા સિતઘનમહસિ બ્રહ્મણૈક્યં નિજસ્ય । નિશ્ચિત્યૈવાન્યવસ્તુન્યણુમપિ ચ રતિં સમ્પરિત્યજ્ય સન્ત
સ્તનમાહાત્મ્યાય સેવ્યા ઇતિ વદતિ નિજાન્ ધાર્મિકો નીલકંઠઃ ॥
(સત્સંગિજીવન : શ્રી ધર્મનન્દનાષ્ટકમ્ )
અર્થ :- ‘કોઈએ પણ પોતાના ધર્મગ્રંથોમાં કહેલા ધર્મનો ત્યાગ ન કરવો જોઈએ, ભગવાન શ્રી વાસુદેવ કૃષ્ણના દિવ્ય સ્વરૂપની ભક્તિ કરવી જોઈએ. શ્ર્વેત વાદળના તેજસમાન ઘનશ્યામ શ્રી કૃષ્ણરૂપ બ્રહ્મમાં પોતાની એકતાનો (અભેદનો) નિશ્ર્ચય કરવો અને અન્ય વસ્તુ પર સહેજ પણ પ્રેમ હોય તો તેને ત્યજી દેવો. સંતનો મહિમા આપણને પણ પ્રાપ્ત થાય તે માટે સંતોની સેવા કરવી.’ આ પ્રમાણે ધર્મપરાયણ નીલકંઠ મુનિ પોતાના ભક્તોને ઉપદેશ આપે છે.
એ પોતાનો સિદ્ધાંત કહ્યો ને આ વાતું છે, તે વિચારવી ને અંત:કરણરૂપ માયાનો ખટકો ભૂલવો નહિ, તે મહારાજને ગમે છે ને કરવાનું પણ એ જ છે. પછી વાત કરી જે, કુંડળના રાઈબાઈએ મહારાજની ઘોડી પાછી વાળી એટલું હેત હતું પણ હજુ કસર જણાય છે. તે અમે કુંડળ ગયા ત્યારે શિવલાલ પાસે પુછાવ્યું જે, હવે સમાધિ થાય છે ? ત્યારે કહે, ‘ વરાશ નથી ને કરું તો થાય.’ તેમાં શું કહ્યું જે, હેતમાં ફેર છે, તે એવી ને એવી લગની ન રહી. માટે બ્રહ્મરૂપ થઈને સેવામાં રહે ત્યારે તે વિઘ્ન જાય ને પ્રાંતીજમાં અમે કેટલાકને સમાધિ કરાવી હતી પણ હવે નિશ્ર્ચયમાત્ર રહ્યો છે ને આ સોરઠ દેશમાં હજારો માણસને સમાધિ હતી પણ હવે ચાર જણને રહી છે, માટે આ જ્ઞાન હોય તો સમાધિ હોય કે ન હોય પણ તેનું ટળે નહિ ને ગમે તો બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય, પણ જેમ સરાણિયો જુએ છે તેમ પોતાનું જોયા કરવું જે, હવે મારે કેમ છે ? તે એમ ને એમ જોતાં જોતાં દર્પણમાં મોઢું દેખાય છે તેમ પોતાના દોષ જણાવા માંડે, જે આટલી મારે વિષયમાં આસક્તિ છે ને આટલું મારે અભિમાન છે.
પછી એક હરિજને પ્રશ્ર્ન પૂછ્યો જે, જણાય છે તો ખરું પણ ટાળ્યાનો શો ઉપાય કરવો ? ત્યારે તેનો ઉત્તર કર્યો જે, દુ:ખ, દોષ ને નાશવંતપણું ને
હંસે ગુરૌ મયિ ભક્ત્યાનુવૃત્યા વિતૃષ્ણાયા દ્વન્દ્વતિતિક્ષયા ચ ।
સર્વત્ર જંતોર્વ્યસનાવગત્યા જિજ્ઞાસયા તપસેહાનિવૃત્યા ।।
(શ્રીમદ્ ભાગવત : 5/5/10)
અર્થ :- ઋષભદેવ ભગવાન પુત્રોને કહે છે, ‘ હે પુત્રો! હંસ સમાન વિવેકવાળા ગુરુ વિશે તથા પરમાત્મા વિશે તેમની અનુવૃત્તિ પાળવારૂપ ભક્તિ વડે, તૃષ્ણાનો ત્યાગ કરી, સુખ-દુ:ખાદિ દ્વન્દ્વોને સહન કરવાથી, ‘આ લોક-સ્વર્ગલોક બધે જ જીવને દુ:ખ છે.’ એવું જાણવાથી તત્ત્વની જિજ્ઞાસાથી, તપથી, કામ્યકર્મ ત્યજવાથી, સર્વ બંધનના કારણરૂપ અહંકારથી મુક્ત થઈ પરમપદને પામવું.”
સર્વત્ર જંતોર્વ્યસનાવગત્યા એમ જુએ ત્યારે ટળી જાય ને પૂર્વે જેને જેને પંચદોષે કરીને પરાભવ થયો છે તેને ઈદ્મ કરી રાખે ને સર્વેના રૂપ જાણી લે ને તેમાં દુ:ખ જ જુએ ત્યારે તે ટળે. તે ઉપર વાત કરી જે, રામાજી ગરાસિયાને પાછી વૃત્તિ કરાવી ને દેહનું રૂપ દેખાડ્યું એટલે ઊલટી થઈ. તેમ આ દેહમાં જે વસ્તુ ભરી છે તેનો વિચાર કરે તો કાળે કરીને તેમાં દોષ જણાઈ જાય. પછી તે મારગે ન ચલાય.
પિતરાઈ : પિતાસંબંધી, સાતમી પેઢી સુધીમાં એક બાપનો વંશજ.
અંતરાય : અડચણ, વિઘ્ન, અવરોધ
લોપી : ન માનવા દે, ઉલ્લંઘન કરાવે.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
નિષેધ : શાસ્ત્રવિહિત મનાઈ.
અર્થ : ધન, સંપત્તિ.
કસર : ખોટ, ઉણપ.
આસક્તિ : મોહ, અતિશય સ્નેહ, લગની.
અનુવૃત્તિ : મરજી.
સંવત 1919ના પહેલા શ્રાવણ વદિ અમાવસ્યાને દિવસે સ્વામીએ વાત કરી જે,
(416) જીવનું કમળ ઊંધું છે, તે સંત સમાગમ વિના સવળું થાય નહિ ને જેમ રાહુએ ચંદ્રમાને ગળ્યો છે તેમ વિષયે જીવને ગ્રહ્યા છે ને જેમ ચંદ્રમા કાળો થઈ જાય છે તેમ જીવ પણ વિષયે કરીને ઠીંકરા જેવો થઈ જાય છે. તે સંત સમાગમ વિના સારો થાય નહિ ને વિષયથી મુકાય નહિ. વૈરાગ્યે કરીને સર્વનો વિચાર કરીને ક્યાંય સુખ રહેવા દેવું નહિ ને કેવળ ગંદવાડો કરી નાંખવો પણ જીવ છે તે ગંદવાડમાં જઈને પડે તેવો છે. કેમ જે, જીવ છે તે ગંદવાડામાંથી ઉત્પન્ન થયો છે ને તેનો જ કીડો છે; માટે મહારાજે સમ ખવરાવ્યા છે જે, આ દેહને પોતાનો ન માનવો ને જીવને સુખ હોય ત્યારે સ્ત્રી સાંભરે, માટે વિક્તિ કરવી જે, કેળનું લાકડું થાય જ નહિ, બકરીના ગળાના આંચળમાં દૂધ હોય જ નહિ, ઊંટને શીંગડાં હોય જ નહિ, વાંઝણીનો દીકરો ઝાંઝવાના જળમાં નહાયો, આકાશના ફૂલની માળા પહેરી, સસલાના શીંગનું ધનુષ્ય લીધું. એમ સર્વે ખોટું થઈ જાય, સ્વપ્ના જેવું થઈ જાય ને કારણ દેહથી નોખો થાય ત્યારે બ્રહ્મરૂપ થાવાય ને મહારાજનો અવતાર છે તે મૂળ અજ્ઞાનનો નાશ કરવા સારુ છે. તે મૂળ અજ્ઞાન તે કારણ શરીર છે. તે ઈન્દ્રને બ્રહ્મહત્યા વળગી હતી તે નારદજીએ બતાવ્યું, જે તારા ભાઈ વામનજીને ભગવાન જાણીને ધ્યાન કર. પછી ધ્યાન કર્યું એટલે બ્રહ્મહત્યા ટળી ગઈ.
તેનો સિદ્ધાંત એ છે કે, આ જીવપ્રાણીમાત્રને કારણ શરીરરૂપ બ્રહ્મહત્યા વળગી છે, તે ગમે તેટલાં સાધન કરો પણ ટળે નહિ. તે તો પ્રગટ ભગવાનનું ધ્યાન કરે ને તેના વચનમાં વર્તે તો કારણ શરીર ટળે. નિજાત્માનં બ્રહ્મરૂપં । એવો થાય ત્યારે કારણ શરીર ટળે ને મહારાજ પણ એટલા સારુ આવ્યા છે. આપણે પુરુષોત્તમ તો જણાઈ ગયા છે, પણ બ્રહ્મરૂપ થાવામાં ખોટ છે, તે કોઈ અપમાન કરે ત્યારે કઠણ પડે. મહારાજે કહ્યું જે, હાથીએ બેસારો ને ગધેડે બેસારો તે બે બરાબર છે. ચ્યવન તથા સૌભરી ને નારદને કારણ શરીર રહ્યું હતું તેમાંથી કોંટા ઊગ્યા, તે સોઢીના રણમાં આંબો પાક્યો કહેવાય. જેમ કોથળીમાં રૂપિયા ભર્યા હોય તેમ કારણ શરીરમાં દોષમાત્ર રહ્યા છે. માટે મહારાજનો સિદ્ધાંત એ છે, જે ત્રણ ગ્રંથ પાળીને બ્રહ્મરૂપ થાવું ને સર્વોપરી ઉપાસના સમજવી ને સર્વ ભગવાનના કારણ આ સહજાનંદ છે. મહારાજ ચીભડાં જમ્યા તેના તે મહારાજ જૂનાગઢમાં પધાર્યા ત્યારે સવારીમાં ઘોડી માથે બેસીને કાકડી બે હાથે જમ્યા, તે જોઈ નવાબ સાહેબને ગુણ આવ્યો જે ખુદા હોય તે શરમાય નહિ, માટે આ ખુદા ખરા. એમ નિશ્ર્ચય થયો તે કરવાનું કાંઈ બાકી રહ્યું નહિ.
વિક્તિ : વિગત-વિવરણ.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
(417) ઉકાભાઈ ભક્તિવાળા હતા પણ મહારાજની ઘોડી સારુ પૂળો ન આપ્યો ને એટલા સારુ કજિયો કર્યો ને જેને અર્થે સંસાર મૂક્યો ને હાડ ગાળી નાખ્યાં પણ આમ થયું. માટે સાધુ સમાગમ વિના કોઈ વાત સમજાય નહિ અને ઘનશ્યામાનંદસ્વામીને ગોપાળાનંદસ્વામીએ કહ્યું જે, નાના સાધુની કૌપીન ન ધોવી. ત્યારે ઘનશ્યામાનંદે કહ્યું જે, મારી સેવા-ભક્તિમાં વિઘ્ન કરે છે. એટલા સારુ ગોપાળાનંદસ્વામીનો ત્યાગ કર્યો ને જૂનાગઢ આવ્યા. પછી ગોપાળાનંદસ્વામીએ અમારા પર કાગળ લખ્યો જે, તેને નભાવજો; પછી રાખ્યા તે મન સાથે કજિયો કરતા, પણ આ સમો આવે ત્યારે વળી અટકે. માટે જ્યારે સાંખ્યે સહિત હોય ત્યારે દોષ ટળે ને આ હમણાં બેઠા છીએ પણ બધાના દોષ કહેવા માંડીએ તો હેત ન રહે. માટે લાંબી નજરે જોઈએ છીએ જે, ભેળા પલોટાય છે તો આગળ સારું થાશે. એમ જાણીને ક્ષમા કરીએ છીએ. તે શું ? જે, ક્રોધે રહિત શિક્ષા કરવી ને જે દોષને માર્ગે ચાલે તેને તેમાં વિઘ્ન છે તે ઓળખાવવાં.
મોટાનો સિદ્ધાંત એ છે જે, જીવનો મોક્ષ કરવો ને તેના દોષ મુકાવવા ને જીવનો સ્વભાવ તો એવો છે જે, ખરેરો કરે કે માન દે, ખાવાનું દે કે લૂગડાં દે તો તેનો થાય એવો છે. મહારાજ કહેતા, ‘વિષયમાં આસક્તિવાળા માણસને પોતાનાં ન જાણવાં તે તો વિષય દે તેવાં છે. માટે જેને વિષય ન જોઈતા હોય તે માણસને પોતાનાં કરી રાખવાં.’ તે ઉપર અક્ષરાનંદસ્વામીના સાધુની વાત કરી જે, પદાર્થ આદિ વિષય દે તેવાં છે; માટે તેવાને પોતાના ન માનવા. માટે મહારાજનો સિદ્ધાંત જે, કારણ શરીરથી રહિત કરવા, તે જાણ્યો જોઈએ ને ખેતર, વાડી કે ગામ-ગરાસ સારુ કજિયો કરે છે તેને સત્સંગ ક્યાં સમજાણો છે ?
દ્રવ્ય સારુ ભગવદીનો અવગુણ આવ્યો તો તેનો જીવ બગડી જાશે. માટે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ એ ચારનો આદર રાખવો. એકનો પક્ષ લઈને એકનો દ્રોહ કરશું તેમાં જીવ બગડી જાશે. ધન, સ્ત્રી ને ખાવું તે કેને નથી જોઈતું ? એ તો ભગવદી હોય તેને પણ આજ્ઞા બહાર ન જોઈએ. ‘માન ગીયે તો મરવાને ચહાય, તેને ખોટ છે વૈરાગ્યમાંય’ ને જેને માયાની જાળ કડવી લાગે છે તેનાથી આ સભામાં બેસાય. ‘તે ઘર ઘર દીવડાં જલ ગયા, મેં કિસીકા ફુફાજી.’ તેમ હું કોઈનો નથી, લોકનો નથી, કુટુંબનો નથી ને હું તો ભગવાનનો ભક્ત છું. તે મહારાજનો સિદ્ધાંત તે ઉપર નજર રાખવી ને મોરે હતા તેવા હવે નવા ક્યાંથી થાશે ? માટે હમણાં કહ્યું છે, તેમ કરવું ને શાણાની સંગાથે હાલીને હળવો પડ્યો; તેમ ભૂંડાની સોબત થાય કે આસક્તિવાળાની સોબત થાય તો પ્રભુ ભજાશે નહિ. તે બે-ચાર જણા મોટેરા છે તે જાશે ત્યાર પછી કોઈનો ભય નહિ રહે તે ઉપર
‘શ્રીજી પધાર્યા સ્વધામમાં રે મેલી પોતાના મળેલ,
તે પણ તનને ત્યાગશે ત્યારે રખે પડતી જો ભેળ.’
એ કીર્તન બોલ્યા.
ખરેરો : જાળવણી, સાચવવો.
દ્રોહ : મનથી, વાણીથી કે કર્મથી જાણી જોઈને કરેલ દોષ, ગુનો, પાપ કે અપરાધ
મોરે : અગાઉ
(418) જેમ હળે કરીને ધ્રો કાઢી નાખે, ત્યારે તેમાં વાઢ થાય. તેમ દોષમાત્રનાં મૂળ કાઢ્યા વિના ભગવાનનું સુખ કેમ આવશે ? માટે હવે તો અર્થં સાધયામિ વા દેહં પાતયામિ । (મારો ધાર્યો અર્થ હું સિદ્ધ કરીને રહીશ, ભલે એમ કરતાં મારા દેહનો નાશ પણ થઈ જાય) એવો જ આદર કરવો. મહારાજે રઘુવીરજી મહારાજને ગાદીએ બેસાર્યા ત્યારે માણસ કહેવા લાગ્યાં જે, તમે કાંઈક રાખો. તેમાં શું કહ્યું જે, કેનોક દેશ ને બીજાને હાય હાય થાય છે. તે જેવા મોટેરા તે પ્રમાણે તેનું પ્રવર્તાવશે. બધું ચૂંથી નાખીને એક ભગવાન જ રાખવા ત્યારે ભગવાન રાજી થાશે, કપટ કરશું તે શું ભગવાન નહિ જાણે ? તે તો જાણે છે જ. જેનાં મન-ઈન્દ્રિયો નિયમમાં હોય તે પણ જાણે એમ કહ્યું છે. તે નશીતપરામાં મહારાજે સહુના સંકલ્પ કહેવા માંડ્યા ત્યારે બધાય ઊઠી ગયા; એટલે મહારાજે પૂછ્યું જે, સભા ક્યાં ગઈ ? ત્યારે મુક્તાનંદસ્વામીએ કહ્યું જે, અમે બે ચાર જણા રહ્યા છીએ, તે પણ ‘ઊઠીએ, ઊઠીએ’ એમ થાય છે. પછી મહારાજ કહે, ‘બોલાવો. હવે અમે નહિ કહીએ.’
અર્થ : ધન, સંપત્તિ.
(419) કોઈ કહે જે રાજી થાઓ પણ બધાંય પાપ હોય ને રાજી કેમ થાવાય? તે એક જણ અમારા પગ દાબીને કહે, ‘રાજી થાઓ.’ ત્યારે અમે કહ્યું જે, રાજી થયા, પણ એમ રાજી ન થાવાય. કેમ જે, વાંસેથી વાંકાં બોલતા હોય તે કહે જે, રાજી થાઓ તો કેમ રાજી થાવાય ?
(420) શાલિગ્રામ પૂજવાનું કહ્યું; ત્યારે બ્રહ્માનંદસ્વામી કહે, મને ચીપટણો દેજો એટલે ચંદન ઘસાય ને પૂજા પણ થાય. ત્યારે મહારાજ બોલ્યા, ‘અરે ! આ તો ચારણિયો રહ્યો.’ પછી મહારાજે મૂર્તિઓ પધરાવી, પણ કોઈ દર્શને ગયું નહીં. તે મહારાજ પંડે દર્શન કરવા દોડે, પછી સહુ દર્શને જાય. તે મહારાજે સો સો દંડવત્ કર્યા ને સો સો પ્રદક્ષિણાઓ કરી ત્યારે સહુ કરવા લાગ્યા ને જ્ઞાન ન હોય તો જગત પ્રધાન થઈ જાય.
ચીપટણો : ચપટો પથ્થર.
(421) સોમલોખાચર નિરંતર ભેળા રહેતા ને તેને અર્ધો અમારો અને અર્ધો જગતનો પ્રસંગ છે એમ કેમ કહ્યું. ત્યારે ઉત્તર કર્યો જે, નિરંતર ભેળા તો મૂર્તિને મૂકે નહિ તે કહેવાય, પણ જે દેહે કરીને કેવળ ભેળા રહ્યા તે ભેળા કહેવાય નહિ ને મહારાજનું એવી રીતે કહેવું, તે સર્વ ઉપર કલમ ફરી વળે ને ખરેખરી વાત તો ભગવાન ને આત્મા બે જ રહે ત્યારે ખરું કહેવાય; પણ દેહાત્મબુદ્ધિ છે તે કોઈ અપમાન કરે ત્યારે સારું ન લાગે ને અતિ થાય તો સત્સંગમાંથી કાઢી નાખે. તે માને કરીને દક્ષનું ભૂંડું કહેવાયું; લોભે કરીને સહસ્ત્રાર્જુનનું ભૂડું થયું.
(422)
‘દાસના દુશ્મન હરિ કે’દિ હોય નહિ.’
(કીર્તનસાર સંગ્રહ-દ્વિતીય ભાગ-પાન નં.456-પદ 3)
તે વઢતાં હોય અને કાઢી મૂકતા હોય, પણ જીવનું હિત જ કરે. ‘એમની જે ક્રિયા છે તે કલ્યાણકારી છે.’ એમ સમજાય તો દુ:ખ ક્યાં છે ? ને મહારાજે ઘોડાનું, હોકાનું, અફીણનું, કોઈ જાતનું વ્યસન રહેવા દીધું નહિ, તે સુખને અર્થે છે ને આ લોકમાં તો બહુ વૈરાગ્ય હોય ને મોક્ષ પર બુદ્ધિ હોય તો ન ચોંટાય, નહિ તો માયિક તે માયામાં ચોંટે. કેમ જે, આ દેહ પણ પૃથ્વીનો વિકાર તે પૃથ્વીમાં જઈને ચોંટે. તે રૂપિયા હશે તો દાટવા છે, પણ કથા કરવી નથી. માટે આ લોકમાં કોઈ સુખ પામ્યો નથી ને કોઈ પામશે પણ નહિ. તે કૃષ્ણ ભગવાન જન્મથી કરીને દેહ મૂકવા સુધી સુખે કરીને બેઠા નથી. તે વાત મહારાજે મુક્તાનંદસ્વામીને કહી હતી જે, દેવકીજીએ મોઢું વાળ્યું જે મારે વહુ નહિ તે ઢસરડા કરવા પડે છે. પછી આઠ પરણ્યા પણ દેવકીજીનું દુ:ખ મટ્યું નહિ ને કોઈએ કહ્યું માન્યું નહિ. એટલે વળી રોવાં લાગ્યાં ત્યારે સોળ હજાર ને એકસો ભૂમાસુરે ભેળી કરી હતી તે બધી પરણ્યા તોય દેવકીજીનું દુ:ખ મટ્યું નહિ. ને રૂક્ષ્મણીને તો માન હતું જે, ‘બીજી તો રખડતી આવી છે ને હું તો રાજાની કુંવરી,’ તે દેવકીજીને શું સુખ આપે ?
કૃતે રેણુકા કૃત્યા ત્રેતાયાં ચૈવ જાનકી ।
દ્રૌપદી દ્વાપરે કૃત્યા કલૌ કૃત્યા ગૃહે ગૃહે ।।
અર્થ:- સત્યુગે રેણુકા કૃત્યા, ત્રેતામાં વળી જાનકી, દ્વાપરે દ્રૌપદી કૃત્યા, કળિમાં તે ગૃહે ગૃહે.