સંવત 1919ના ભાદરવા સુદિ પડવાને દિવસે સ્વામીએ વાત કરી જે,
(1) કેટલાક કાશીવાસ કરે છે; તેમ આપણે મંદિરમાં નિવાસ કરવો અને વાતું સાંભળવી ને દેશકાળ લાગે ત્યારે આવો જીવ ન રહે. તે દેશકાળ કેને ન લાગે તો જેણે સાત્ત્વિક સેવ્યા હોય તેને ન લાગે ને બીજા તો મહિનો, બે મહિના સમાગમ કરે ને ઘેર જાય ત્યારે અન્ન, વસ્ત્રની તાણ પડે કે કોઈ શબ્દ મારે ત્યારે દેશકાળ લાગી જાય અને આંહીં અવાય નહિ.
(2) પંચવિષયનો લવલવાટ મટતો નથી તેણે કરીને માનમાં કે સ્વાદમાં ટોકાય ત્યારે માગ દઈ દેવાય છે. માટે આગળથી જ ઠરાવ કરવા જે, સત્સંગમાંથી કોઈ પ્રકારે જવાય નહિ.
લવલવાટ : લવારો, રટણ, વારેવારે યાદ કરવું, બબડાટ.
(3) જીવને માન ને સ્વાદ વધારતાં આવડે, પણ ઘટાડતાં ન આવડે.
(4) અધિકારવાળા બધાએ સ્વભાવ વધાર્યાની ટેવું પાડી છે, પણ ભગવાન ભજવાની ટેવ પાડી નથી. બાયડી છોકરાંના સૌ દાસ છે, પણ ભગવાનના દાસ થાવાની ટેવ પાડી નથી. સ્વાદની ને દેહાભિમાનની ટેવું પાડી છે, તેણે કરીને આ સમાગમમાં રહેવાતું નથી. જેણે કરીને જન્મ, મરણ ને ગર્ભવાસ ટળે ને મોક્ષ થાય તે વાત તો જીવ કરતો જ નથી ને બીજી સાધનાયું કરે છે; પણ તેમાં શું ફળ થાશે?
ગર્ભવાસ : ગર્ભનો ઉદરમાં વાસ.
(5) કુસંગનો જોગ થાય ત્યારે સત્સંગ ઘસાઈ જાય ને બુદ્ધિ મલિન થઈ જાય. તે જેટલા કડિયા કરાંચી ગયા તેમાં એક-બે જણને વર્તમાન રહ્યાં; બાકી બીજાને કુસંગ લાગી ગયો.
(6) રૂપિયા થાવા તે તો જીવના હાથમાં ન મળે. મોટા સાધુ છે તેણે વહેવારના ને દેહના સુખદુ:ખમાં ભળીને જીવને સુખિયા કર્યા છે.
ભૂધર સુખદુ:ખ માંહીં ભળ્યા,
તે આપણા સ્વભાવમાં ભળીને વિષયમાં દોષ દેખાડીને ભગવાનમાં હેત કરાવે, એવા આ સંત છે. આંહીં ત્યાગી થયા છે, પણ આપણા ભેળો જો જીવ મળે નહિ તો તેનાથી આપણા ભેળું રહેવાય નહિ ને ગોઠે પણ નહિ.
(7) રોટલો કરીને ખાવો તે માથાકૂટ ભારે છે ને જગતમાં તો કોઈ માવતરને રોટલા નથી આપતું. મહારાજે તો કહ્યું જે, ‘સમાગમ કરવા રહેશે તેને અમે બાજરો આપશું.’ પછી બધાયને બાજરો આપે તે સૌ માંડ માંડ બે રોટલાનું દળે ને છાણાં વીણી રાંધીને જમે. તે દળતાં હાથમાં ફોડલા પડ્યા. ત્યારે કહે, ‘ધન્ય છે સત્સંગીને જે લોટના ટોપલા મૂકી જાય છે !’ પછી મહારાજને કહ્યું જે, ‘આજ સત્સંગીનો મહિમા જણાણો !’ તેમાં કહેવાનું એ છે જે, રોટલાની ગરજ હોય તો આ સત્સંગ મુકાય નહિ. મોટાની દૃષ્ટિ તો એવી છે જે, ભલા, આ સમાગમમાં રહ્યો છે ને વાતું નથી સમજાતી; પણ આ દર્શન થાય છે તે પણ મોટી વાત છે; પણ જીવને અંતરશત્રુ છે તે કાઢી નાખે છે. દેહનું, લોકનું ને ઇન્દ્રિયુંનું ગમતું મરડે તેનાથી આંહીં રહેવાય છે.
(8)
બંકા કીલા બનાયકે તોપાં સાજીયાં,
મતે મેંગલ દ્વારકે તાતે તાજીયાં;
નિત પ્રતિ આગે આયકે નાચંતી નાયકા,
હરહાં શ્રીરંગ વાકું ગયે ઉપાડ દૂત જમરાયકા.
માટે દેહરૂપી ઘર છે તે અંતે મેલવું, મેલવું ને મેલવું ને આત્મારૂપી ઘર છે તેમાં રહેવું, રહેવું ને રહેવું; એમ આદર રાખવો. એક બ્રાહ્મણ લોટ માગતો. તે નહાય તો દેવસેવા કરવી પડે એટલા સારુ નહાયા વગર લોટે ચાલ્યો જાય. પછી છોકરાં આવે તે દેવ સામું જુએ ને સેવા ન થઈ હોય તો રમવા વહ્યાં જાય. પછી બ્રાહ્મણ લોટ માગીને ઘેર આવે ત્યારે પૂછે જે, ‘ઓલ્યું કામ કોઈએ કર્યું?’ તો કહે, ‘ના.’ ત્યારે કહે, ‘ઈ પાપ તો મારે માથે જ રહ્યું!’ તેમાં કહેવાનું શું ? જે, દેહ ને દેહના સંબંધીની સેવા કરવી તેમાં સૌ તત્પર ઊભા છે; પણ ભગવાન ભજવા ને સેવા કરવી તેમાં નવરાઈ નથી. પણ આ દેહે પ્રભુનું ભજન થાય એટલું જ કામ આવશે. દેહ જાડું થાશે તો મૂઆ ટાણે દુ:ખ થાશે ને દોષ સોતા ધામમાં જવાશે નહિ. માટે દોષ મૂકીને જે ભગવાન ભજશે તે પાલખીમાં બેસીને ધામમાં જાશે. દેહને જેમ સુધારીએ તેમ બગડશે ને ઝાઝું ખવરાવશું તો વધુ બહાર જાવું પડશે ને રોગ ઝાઝા થાશે. જીવ છે તે પોતાના રૂપ ઉપર આવે ત્યારે ભૂંડી ભોંમાં જાય એવો છે.
સોતા : સહિત.
(9) માન કે સ્વાદ કે સ્નેહ વધાર્યાના ઘાટ કરવા તેમાંથી દુ:ખ થાવાનું છે. પોતે ધાર્યું હોય તે કરે ને પોતાને ધાર્યે જાગે, પણ ભગવાન ને સાધુ કહે તેમ ન કરે ને રોટલા પરબારા ખાઈને બેસી રહે, પછી દેહાભિમાન વધી જાય. જગતમાં તો જેમ શેરડી ને કપાસિયા પિલાય તેમ જીવ પિલાય છે, ત્યારે રોટલા મળે છે ને આ મોક્ષનો મારગ મળ્યો છે, પણ તેમાં વિઘ્ન ઘણાં છે. તેમાંય ગૃહસ્થને થોડાં છે ને ત્યાગીને ઘણાં છે. કેટલાકનો સત્સંગમાં જ જન્મ છે છતાં સત્સંગ મૂકી દે છે ને કેટલાકને પ્રહ્લાદના જેટલી ઉપાધિ છે તો પણ સત્સંગ રાખે છે, માટે જે બળિયા હોય તે જ કુસંગમાત્રને ઠેલીને પ્રભુ ભજે છે. કેટલાકને મળ્યો સત્સંગ ટળી ગયો, તે આ સત્સંગમાંથી હજાર માણસ ગયાં, ને જે ભગવાનની સમીપમાં રહેતા હતા તેય ગયા. વિષયનું ધ્યાન કરે તેને કોઈક ટોકે એટલે અવગુણ લઈને જતો રહે. જેને આશા છે તે તો દુ:ખિયો થાવાનો જ એમાં ફેર નથી, માટે જાણી જાણીને ત્યાગ કરવો. ન મળે તે સારુ શા માટે કજિયો કર્યો જોઈએ? ગોપાળાનંદસ્વામી ઘી, ગોળ અગ્નિમાં નાખતા કાં કોઈને આપી દેતા. જે વિષય સારુ કજિયા કરે છે તેને સત્સંગ સમજાણો જ નથી.
આ વાતું કરીએ છીએ તે સૌ સાંભળે છે, પણ ઘર દિશનું નમે એવું જણાય; તે કેટલાક તો કોઈ ગામનો માણસ ચાલે તે ભેળો પોતે પણ ચાલે. કૃપાનંદસ્વામી કહેતા જે, એક રહેણી, એક ભાવ, એક રુચિ ને એક ત્યાગ, તે સરાધાર નભવા બહુ કઠણ છે. જ્યારે ક્રોધ આવે ત્યારે બોલવા ન બોલવાનો વિવેક ન રહે. માટે પોતામાં જે સ્વભાવ વસતા હોય તે દરવાજે ઊભા રહીને જોવા; પછી તે જેવી રીતે ટળે તેવો સંગ કરવો, શાસ્ત્ર વાંચવાં, તેવાં કીર્તન ગાવવાં, તેવા જ નિયમ વૃદ્ધિ પમાડવા, તેવું શ્રવણ વધારવું ને તેવું જ મનન કરવું. તે સ્વભાવ કોઈને કામનો, કોઈને લોભનો, કોઈને સ્વાદનો, કોઈને માનનો ને કોઈને વધુ બોલ્યાનો હોય, એ બધા સ્વભાવ સમજીને ટાળે ત્યારે ટળે. માનનો સ્વભાવ હોય તો,
મોહનને ગમવાને ઇચ્છો માનની,
(કીર્તન મુક્તાવલિ : 424)
એવાં નિર્માનીપણાનાં કીર્તન ગાવવાં ને સ્વાદનો સ્વભાવ હોય તો,
જીભા જોને રે, જીભા જોને, હાંરે જંપી નહિ તારી ઝાળ.
ખટરસ ખાધા તેં ખોળીને, જીભા જોને0
એવાં કીર્તન ગાવવાં; ને કામનો સ્વભાવ હોય તો,
વાય વાય જો કુમતિ મતિ તારી રે,
મેલી મોહન વદન જોઈ નારી રે;
(શ્રી સ્વામિનારાયણ હજારી : 173-1)
એવાં કીર્તન ગાવવાં. તે જે જે જાતનો સ્વભાવ હોય તેને ટાળ્યાના ઉપાય જેમ કહ્યા હોય તેવાં કીર્તન શીખવાં ને ગાવવાં; પણ શત્રુ બીજો પીડતો હોય ને કીર્તન બીજાં ગાય, ત્યારે તે સ્વભાવ કેમ ટળે ?
પ્રકરણ 14 ની વાત 55
ઘાટ : માયિક સુખ ભોગવવાનો સંકલ્પ, વિકારનો સંકલ્પ.
પરબારા : સીધેસીધા, બારોબાર.
ઠેલીને : હડસેલીને, પડતાં મૂકીને.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
સંવત 1919ના ભાદરવા સુદિ બીજને દિવસે સ્વામીએ વાત કરી જે,
(10) જેનો જીવ વૃદ્ધિ પામે તેનાં દેહ-ઇન્દ્રિયું દૂબળાં થઈ જાય ને જેનાં દેહ-ઇન્દ્રિયું પુષ્ટ થાય તેનો જીવ દૂબળો પડી જાય. માટે ભગવાન ભજવા હોય તો, રાત-દિવસ આગ્રહ રાખતો હોય તેનો વાદ લેવો, પણ ખાઈને સૂઈ જાય તેનો વાદ ન લેવો. ગરીબ હોય તે માંડ માંડ પૂરું કરતો હોય તેની સામું જોવું, પણ રૂપિયાવાળા સામું જોવું નહિ; કેમ જે, રૂપિયાવાળા સામું જુએ તો રોવું આવે, ને કોઈ વેગે ચડી જાવું નહિ.
(11) એકાંતિકના મારગમાં મહારાજમાં વૃત્તિ રાખવી. જો ન રહે તો યોગભ્રષ્ટ કહેવાય. યોગભ્રષ્ટવાળો પાછો બીજે જન્મે લઈ મંડે છે; કેમ જે, એને એવો વિચાર ઊપજે જે, કથા, કીર્તન, વાતું ને ધ્યાન તેમાં જ માલ છે ને એ મારગે ચાલે. ત્યારે જ,
પ્રાપ્ય પુણ્યકૃતાં લોકાનુષિત્વા શાશ્વતીઃ સમાઃ ।શુચીનાં શ્રીમતાં ગેહે યોગભ્રષ્ટોઽભિજાયતે ॥
(ભગવદ્ ગીતા : 6/41)
અર્થ :- તે યોગભ્રષ્ટ મનુષ્ય પુણ્ય કર્મ કરનારાઓના લોકને પામી, ઘણાં વર્ષો સુધી (ત્યાં) રહી પછી પવિત્ર શ્રીમંતોને ઘેર જન્મે છે.
એમ કહ્યું છે.
અર્થ : ધન, સંપત્તિ.
(12) જેટલા વિષય છે તેમાં તો સુખ જ નથી ને ચાલ્યામાં જેવું સુખ તેવું ઘોડાગાડીમાં નથી.
(13) સત્સંગમાંથી પડે તે યોગભ્રષ્ટ કહેવાય ને ધ્યાનમાંથી પડે તે પણ યોગભ્રષ્ટ કહેવાય ને તે લઈ મંડે ત્યારે પાછો ચેત્યો કહેવાય.
(14) રાધિકાજીને માનનો કટકો રહી ગયો તેથી કજિયો કર્યો.
પ્રકરણ 14 ની વાત 51
(15) ગરીબ માણસને પ્રભુ ભજવા નવરાશ કયાંથી મળે ? માટે તેને તો જેમ દળતાં ફાકે તેમ કરી લેવું ને આજે આમ રહેવાય છે તે મહારાજના પ્રતાપે રહેવાય છે.
(16) ભગવાન સંભારવાનું અનુસંધાન રાખવું જે, આટલી ક્રિયા કરીને પછી ભજન કરવું છે ને મોઢે રટણ કરવું તે તો કામકાજ કરતાં પણ કરવું, એ અનુસંધાન કહેવાય.
(17) ભક્તપણું કોને કહીએ જે, એક મહારાજની આજ્ઞા ને મહારાજની ઉપાસના અને તેના જનનું નિરંતર અનુસંધાન રાખે તેને ભક્ત જાણવો. પછી વચનામૃત પ્રથમનું 33મું તથા સારંગપુરનું 7મું નૈમિષારણ્યનું વંચાવ્યાં. ત્યારે પૂછયું જે, ‘મહારાજનું દર્શન ન હોય તેણે અનુસંધાન કેમ રાખવું ?’ ત્યારે ઉત્તર કર્યો જે, તેણે ધ્યાન કરવું તે મહારાજનું કરવું ને જ્યાં જ્યાં એનાં લીલા, ચરિત્ર, ગુણ કહ્યા હોય તે સંભારવાં જે, એ કેવા અલૌકિક છે ! આપણે મહારાજના ચિહ્ન, ચરિત્ર ને ચેષ્ટા સંભારવાં; પછી એમ કરતાં કરતાં એકતા થાશે ને કાચ હેઠે (કાચની નીચે) છાણામાં અગ્નિ લાગે છે તેમ મહારાજની એકતા થાશે, પણ પંચવિષયનો નિષેધ કરીને જે અનુસંધાન રાખે છે તેને જ ખરેખરું અનુસંધાન રહે છે; દેહ છતાં જેને બધો નિષેધ થઈ જાય તે જીવતો થકો મૂઓ કહેવાય ને તેને જીવતાં જ્ઞાનપ્રલય થયો કહેવાય.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
નિષેધ : શાસ્ત્રવિહિત મનાઈ.
(18) પેટમાં ઓસડ જાય ત્યારે પેટનો રોગ જાય, તેમ જ્ઞાન થાય ત્યારે જીવમાંથી દોષ જાય ને જ્યાં સુધી સ્ત્રી દેખીને મન તણાય છે, ખાધામાં મન તણાય છે, ત્યાં સુધી પેટમાં રોગ ભર્યા છે. હવે તો ગામ, ગરાસ અને માણસ તેના કજિયા ચાલ્યા છે. મહારાજનું સિદ્ધાંત જે, બ્રહ્મરૂપ કરવા છે ને આપણે આ લોક અને પદાર્થના કજિયા ચાલે છે. ખેતરમાં ઓહલિયાત સલો કરતાં કરતાં દાતરડે આવે છે ને ધણી તો કો’ક છે. બે મેમણ ગામ જવા નીકળ્યા તે રસ્તામાં જારનું ખેતર આવ્યું. ત્યારે કહે જે, ‘કેટલી જાર થાશે ?’ તો એક કહે જે, ‘ચાળીસ કળશી’ ને બીજો કહે, ‘ત્રીસ કળશી’, એમ વાદ કરતાં બાઝ્યા, તે એકને હેઠે નાખી બીજો માથે ચડી બેઠો, ને દાઢી ખેંચી કહ્યું જે, ‘કહે કે, ત્રીસ કળશી થાશે !’ ત્યારે ઓલ્યો કહે જે, ‘દાઢી કૂચે કૂચો થાય, પણ હકડી ફક ન છડું !’ તેમ જીવને પણ એવા કજિયા છે.
માટે એવો વિચાર કરવો જે, હું ક્ષેત્રજ્ઞ, દૃષ્ટા, સાક્ષી ને બ્રહ્મરૂપ એવો દાસ છું. અક્ષરધામમાં બે ચરણની ઉપાસના છે ને બીજા ધામમાં ચાર ચરણની ઉપાસના છે. તે શું ? જે, અક્ષરધામ વિના આણી કોરે બીજે બધે ઠેકાણે સ્ત્રીરૂપ માયાનું પાપ છે. માટે એ પાપને ટાળ્યાનો ઉપાય તો નિજાત્માનં બ્રહ્મરૂપં દેહત્રયવિલક્ષણમ્ । ત્રણ દેહથી ને ત્રણ અવસ્થાથી નોખો સત્તારૂપે પોતાના આત્માને અક્ષરરૂપે જાણીને મહારાજને ઉપાસે ત્યારે એ પાપ મૂળમાંથી જાય એવું છે. બીજાએ કલ્યાણ કર્યાં તે તો સાંગે સાંધ્યા જેવું કર્યું છે.
તાતે ટાઢું નહીં મળે મળશે તાયે તા;
સમજ્યા વિનાનાં સાંગડા દે રાંપીનો ઘા.
એમ અમાયિક ને માયિકનો સાંધો હોય જ નહીં; તે માટે બ્રહ્મરૂપ થાવું. પ્રથમ મહારાજે ગોપાળાનંદસ્વામીને સત્તારૂપ થાવાનું કહ્યું, ત્યારે કહે જે, ‘નિરાકાર થઈ જવાય તો ?’ પછી મહારાજ કહે, ‘સાકાર ને પ્રત્યક્ષ ભગવાનને ભજો છો અને જેની ઉપાસના કરો છો તે નિરાકાર કેમ થાવા દેશે?’ એમ કહેતાં કહેતાં મહારાજનાં નેત્ર સજળ થઈ ગયાં.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
સાંગડા : બરછી જેવું એક હથિયાર, ડંડો.
કરો : ઘરની દિવાલ.
નિરાકાર : પોતાને ત્રણ દેહના માયિકભાવથી રહિત અર્થાત નિરંજન ને કેવળ બ્રહ્મભાવે આત્મારૂપ માનવું.
(19) કથામાં શ્રૃંગી ઋષિની વાત આવી, ત્યારે વાત કરી જે, ‘આપણે ભોળપ હોય, ગાફલાઈ હોય ને વિષયનો સંબંધ થાય, તો આપણા પણ એવા હાલ જાણજો ! જ્યાં જેટલો સ્ત્રીનો પ્રસંગ હશે તેટલો ગડબડાટ થાશે, થાશે ને થાશે જ.’
પ્રકરણ 5 ની વાત 306
(20) ત્યાગીને રૂપિયાનો ને ખાધાનો સંબંધ, તે તો જેમ કોઈ ગામ જાય તે પેલું ભાતું કરે, તેમ એ બે વાનાં સત્સંગમાંથી ગયાનું ભાતું સમજવું; માટે જે, આંખે પાટા બાંધશે તેનું ઠીક રહેશે. પરદેશનો સંબંધ પણ એવો છે જે સત્સંગમાંથી કાઢી નાખે; માટે ખરેખરા નિયમ પાળશે તેનું ઠીક રહેશે. મહારાજને રાજી કરવા હોય તેણે સ્ત્રી, ધન અને ખાધાનું તેનો સંબંધ થાવા દેવો જ નહીં. ત્યાગી થઈને શહેર જોવા ને બજારું જોવા જાય છે, તે કેવા ત્યાગી રહેશે ? માટે સૌએ પોતપોતાના ધર્મમાં રહેવું. ત્યારે પૂછ્યું જે, ‘સંસારીને કેમ કરવું ?’ ત્યારે ઉત્તર કર્યો જે, ‘નિયમ રાખવા, કોઈની ઠેકડી મશ્કરી ન કરવી, નિષ્કામી વર્તમાન માથા સાટે પાળવું.’ ત્યાગીને ધન, સ્ત્રી બેય નથી ને ગૃહસ્થને એ બે વાનાં છે; પણ નિયમ તો તેણે પણ ત્યાગીના જેવા જ પાળી, તે બેનો જીવમાંથી ત્યાગ કરવાનો છે.
વાનાં : વસ્તુઓ. (બ.વ.)
સાટે : બદલેઅવેજમાં.
સંવત 1919ના ભાદરવા સુદિ ત્રીજને દિવસે સ્વામીએ વાત કરી જે,
(21) જેને પંચવિષયમાં આસક્તિ હોય તે મહારાજ તથા મોટા સાધુ સાથે અંતરાય રાખે.
આસક્તિ : મોહ, અતિશય સ્નેહ, લગની.
અંતરાય : અડચણ, વિઘ્ન, અવરોધ
(22) દ્રવ્યમાં અને સ્ત્રીમાં દોષ છે, તે વાત તો સત્સંગ વિના કયાંય થાતી નથી. મહારાજની પાણી પીવાની કળશલી કરાવી તેમાંથી બોટાદનો ધનો સોની બે રૂપિયા ખાઈ ગયો. પછી તે બે રૂપિયાનો થાળ કર્યો ને મહારાજ જમતા હતા ત્યાં ધનો સોની ગયો. એટલે બ્રહ્મચારી કહે, ‘મહારાજ ! આ આમનો થાળ છે, તે પ્રસાદી આપો.’ ત્યારે મહારાજ કહે, ‘અમે અમારું જમીએ છીએ, એનું કાંઈ નથી.’ પછી ધનો ભોંઠો પડ્યો.
(23) ગોંડળના દરબારનો કોઠારી મહારાજના ચોફાળમાંથી બે કોરી ખાઈ ગયો; પછી ભૂખ ભેળો થઈ ગયો. તેણે તે વાત ગોપાળાનંદસ્વામીને કરી ત્યારે વ્યાજ સાથે એ કોરી ઠાકોરજી આગળ મુકાવી, પછી તેનું સારું થયું.
(24) દેહમાં આસક્તિ એવી છે જે, દેહની રક્ષા થાય તો કુટુંબને પણ પડ્યું મૂકે. માટે જ્ઞાન કરતો હોય, ધ્યાન કરતો હોય, પણ વસ્તુ આવે ત્યારે સરકાવી લે; પછી મહારાજને મોટા સંત કુરાજી થાય ને આ લોક, પરલોક બેય બગડે, તો પણ વિષયથી પાછો ન વળે ને દેહ તો બળીને ભોંય જેવી ભોંય થઈ જાશે પણ વિષયી, એવા અલ્પ પદાર્થ સારુ સંત સાથે વેર કરે ને વિષય મળે તો ભગવાનને પણ પડ્યા મૂકે. માવતરે પાળી પોષીને મોટો કર્યો પણ પરણાવ્યો એટલે મા-બાપનો ન રહે. તેમાં શું કહ્યું ? જે, વિષય મળે તો બીજું બધું પડતું મૂકે ને ઘરડિયાં હોય તે હેત કરે ને કાંઈ પોતા પાસે હોય તે છોકરાને આપી દે ને પછી કુટાય. તે ઉપર પટારામાં પાણા ભર્યાની વાત કરી.
આસક્તિ : મોહ, અતિશય સ્નેહ, લગની.
પાળી : વારો.
પાણા : પથ્થર.
(25) જીવ પંચવિષયમાંથી નવરો થાતો નથી, પણ કાંઠે આવ્યું વહાણ બોળાઈ જાય, એવું છે. આવી વાતું ને આવો સમાગમ છે, પણ વહાણરૂપી સંત ચાલ્યા જાશે; પછી કોણ આવી વાતું કહે ? દેહ હોય ત્યાં સુખદુ:ખ આવે તો તેને ગણવું નહિ. જેમ ચાકરીમાં ઊભા છે, ખેતીમાં ઊભા છે ને પ્રહરિયા ઊભા છે, તેમ ભગવાન ભજવામાં તત્પર રહેવું ને જીવનો ભેંશના જેવો સ્વભાવ છે, તે વિષયરૂપ માંદળામાં પડ્યો છે.
પ્રહરિયા : પહેરેગીર, ચોકીદાર.
માંદળામાં : બંધનમાં, છાણમાં
(26) આજ્ઞામાં જેણે દુ:ખ ભાળ્યું તેનાથી પ્રભુ ભજાય નહિ, જે જે મોટપને પામ્યા છે તે આજ્ઞા પાળવે કરીને મોટપને પામ્યા છે. બીજાં કારખાનાં થાશે, રસોઈ ચાલશે, જલેબીના આથા નંખાશે, પણ પ્રભુ ભજાશે નહિ; તે અરધી રાતે કે પરોઢિયે ઊઠીને બીજા મનસૂબા કર્યા હશે, પણ ભગવાન ભજવાના મનસૂબા નહિ કર્યા હોય ને ભક્તિ મારગને ઓથે પાપ કરે. કહેવાય બાવા ને રૂપિયા રાખે, તે એક બાવાના રૂપિયા ચોર ખાતર પાડી લઈ ગયા. તે બે જણા બાવાજી આગળ કીર્તન ગાવા બેઠા ને બે જણે ખાતર પાડવા માંડ્યું.
હળવા તે હળવા ચાલો મારા ભુરાક વાગે છે ભારે;
ચેતનવાળા ચેતજો હવે બાવાજી થાય છે પારે.
એમ કીર્તન ગાઈને બાવાજીના રૂપિયા લઈ ગયા. એમ ભક્તિ મારગમાં પણ પાપ છે. આ સૌ વાતું સાંભળે છે પણ ઊઠશે ત્યારે કોઈ ખાધામાં, કોઈ લૂગડાંમાં અને કોઈ પગરખાંમાં એમ ચડી જાશે; પણ ભગવાનનું અનુસંધાન નહિ રાખે.
મનસૂબા : સંકલ્પો, કાંઈક કરી લેવાના વિચારો
(27) કેટલાકને બુદ્ધિ હોય પણ તે ક્યાંય વાવરે; કેટલાક શૂરવીર હોય પણ તે શૂર ક્યાંયનું ક્યાંય વાવરે; પણ ભગવાનના મારગમાં ન વાવરે.
(28) આ જીવને બહુ અજ્ઞાન છે તેણે કરીને દુ:ખી રહે છે, પણ જો ખબરદારી રાખે તો દુ:ખ ન રહે. પાપના અનંત કોઠાર ભર્યા છે તે સમું પડવા દે નહિ.
સમું : સરખું.
(29) રજોગુણીને સ્ત્રીનો સંકલ્પ થાય ને તેની પીડા થાય. તમોગુણીને સ્ત્રીની પીડા હોય નહિ, પણ નિદ્રા, દેહાભિમાન ને ક્રોધ હોય તે ત્યાગ કરવા મંડે તો કોઈ તેને પૂગે (પહોંચે) નહિ ને ભક્તિમાં પણ કોઈ પૂગે નહિ; પણ પાણા પડે તેવાં વેણ બોલે ને કજિયો કરવામાં શૂરવીર હોય. સત્ત્વગુણીને માંહી તો રાગ હોય, પણ તેની ઉપરથી ફજેતી ન થાય ને રજોગુણી, તમોગુણીની ફજેતી થાય. સત્ત્વગુણી હોય તે ક્યાંય કજિયો ન કરે. એમ મહારાજે જીવના સ્વભાવ ઉઘાડા કરી બતાવ્યા.
પૂગે : પહોંચે.
પાણા : પથ્થર.
(30) જીવને અજ્ઞાન છે ત્યાં સુધી મનસૂબામાંથી પાછો વળતો નથી. પાછા તો મયારામ ભટ્ટ વળ્યા જે દુકાન કર્યાનું જળ મૂક્યું. સાચાને સાચું જાણવું ને ખોટાને ખોટું જાણવું એ આપણે કરવાનું છે. સત્સંગ કરીને શું સમજવું ? જે, જેમ છે તેમ ભગવાનને જાણવા, જીવના સ્વરૂપને જાણવું, દેહના રૂપને જેવું છે તેવું જાણવું, એ સત્સંગ કર્યાનું ફળ છે. તે ઉપર મરણા-જરણા સંસારની વાત કરી.
પ્રકરણ 10 ની વાત 194
(31) રાવણ સૌનો શોક ટાળતો; પણ મેઘનાદ મૂઓ અને તેની સ્ત્રીનો વિલાપ સાંભળ્યો, ત્યારે પોકે પોક મૂકીને રોવા બેઠો. પછી ગામના માણસ કહે, ‘તમે તો સૌને હિંમત દેતા હતા ને ?’ ત્યારે કહે, ‘આ તો મારો ઇન્દ્રજિત મરાણો!’ પારકાને જ્ઞાન કરતાં સારું લાગે; પણ પોતા ઉપર આવે ત્યારે ખબર પડે. આપણે પ્રભુ ભજવાનો આદર કર્યો ને વહેવારના વેગ લગાડ્યા, ત્યારે મહારાજ કેમ રાજી થાશે ?
(32) શાસ્ત્રમાં દશમો, વીસમો ભાગ કાઢવાનું કહ્યું છે, તે તો ધનવાન હોય તે કાઢે; પણ જે નિર્ધન હોય તેણે તો દશમો, વીસમો ભાગ દેહનો કાઢવો, તે શું? જે, દેહે કરીને એટલા ભગવાન ભજી લેવા ને સમાગમ કરવો; દશમો, વીસમો ભાગ આવરદાનો કાઢવો અને વધુ શ્રદ્ધાવાન હોય તેણે તો દેહને અરધો અરધ સ્વાહા કરવો.
(33) ત્યાગી હોય તે લાડવા ખાવા માંડે ને ડોશીઓ જોવા માંડે તો સત્સંગમાંથી જવાનાં પ્રસ્થાન મૂક્યાં એમ જાણવું; જેમ કોઈક ગામ જાય ત્યારે તે પ્રસ્થાન મૂકે છે તેમ. જ્યારે રસનાનું પોષણ થાવા માડ્યું ત્યારે જાણવું જે બીજો રોગ ઊભો થાશે. ત્યાગી થયા ને સેવાભક્તિ નહિ ને ભણવામાં પણ લગની નહિ, ત્યારે ત્યાગ કેમ પાર પડશે ?
શ્રવણ ફટાકી, સિંહણી, બેઠી રૂપ બનાય;
(બ્રહ્માનંદ કાવ્ય : કુંડલિયા)
નાનપણમાંથી નાક ને કાન બે ફડાવ્યાં, તે શું ભૂંડું નહિ કરે ? માટે આજ્ઞામાં રહીને આયુષ્ય પૂરી કરવી, પણ ધર્મને બહાને જે એનો પ્રસંગ રાખશે તેને કલંક લાગ્યા વિના નહિ રહે; માટે ગમે ત્યાં જાઓ પણ સ્ત્રીનો પ્રસંગ થાવા દેશો મા. ને ચાળીસ, પચાસ વરસનો સત્સંગ તેની પણ કાળાખરીઓ આવી, તેને સાંભળીને સ્નાન કર્યાં ને કેટલાકને પ્રાયશ્ર્ચિત કરાવીએ છીએ, માટે જેને પોતાના જીવનું રૂડું કરવું હોય તે આગળથી ચેતજો ! હજી મોટા બેઠા છે તે ધર્મને ધરી રહ્યા છે. તે આ ધર્મનું નામ મહાવ્રત, વીરવ્રત, બૃહદ્વ્રત ને અસિવ્રત છે. તે એ વિષયથી કોઈ દેવતા ય ધરાય નહિ ને મનુષ્ય પણ ધરાય નહિ, એવો એ બહુ બળવાન વિષય છે.
સંવત 1919ના ભાદરવા સુદિ ચોથને દિવસે સ્વામીએ વાત કરી જે,
(34) કોઈક વહેવારમાં ન ભળે એવા હોય ને કોઈક મોટાં મોટાં કામ કરે ને બુદ્ધિ ચલાવે એવા હોય; પણ એમનાં અંત:કરણરૂપ માયામાં પૈડાં ગળી જાય. કામ ને ક્રોધના વેગ બહુ બળિયા છે તે ઉથલાવી નાખે છે; માટે ખરેખરા સાધુ થાય તેની આગળ માયાનું ઊપજતું નથી.
(35) આ દેહ છે તે તો જેમ પરપોટો થઈને ફૂટી જાય તેમ વૈરાટની આગળ પરપોટા જેટલો પણ નથી; તો પણ સમળી જેમ લોચાને બાઝે છે તેમ આ જીવ ધન, સ્ત્રીરૂપ લોચાને બાઝ્યો છે. જગતમાં એકબીજાને તે માટે મારી નાખે છે; તે કેટલાક ગણાવ્યા. તેમ એવાં ને એવાં કલોહલ જાગ્યાં છે; પણ શાંતિનો લેશ કોઈને નથી. કોઈકને પીડા કરવા જાય તેને પીડા થયા વિના રહે નહિ; કેમ જે, ભગવાન ગર્વગંજન છે તે તેનો ગર્વ ટાળે.
દેહનું કારખાનું તો ભગવાનના હાથમાં છે. તે બપોર કેડે કોણ જાણે કેમ હોય? માટે આપણે હાથ તે વાત નથી. ભગવાન ભજવા, તે કામ કરોડો જન્મથી કોઈ દિવસ કર્યું નથી; માટે આંધળો થઈને પડે છે, તેમ આપણે આંધળા થઈને પ્રભુ ભજી લેવા. કોઈ સારા કહે, નરસા કહે, કોઈને ગમે, કોઈને ન ગમે, પણ આપણે તો એ વાત કરે જ રહેવું. પતિવ્રતાને લાજ છે, પણ વેશ્યાને કાંઈ લાજ હોય નહિ. કાઠી ગરાસિયાના દેહમાં શું નહિ વાગતું હોય ? પણ સામા ચાલે; કેમ જે, એવા એને શબ્દ પડ્યા છે; એવી રીતે આપણે સત્સંગની લાજ રાખવી. કેટલાકને વહેવારના કુટારા છે ને કેટલાકને દેહની પ્રકૃતિના કુટારા છે, પણ એ બધા કુટારા મૂકીને પ્રભુ ભજી લેવા.
કલોહલ : કજિયા, ક્લેશ.
કેડે : પાછળ.
(36)
ઉદ્ધવ સોઈ સાચો મમ દાસ હે;
મન ઇન્દ્રિય કે કૃત્યસેં ન્યારો, એકાંતિક મન જાસ હે;
મુક્તાનંદ સો સંત કે ઉર બીચ, મેરો પ્રબળ પ્રકાશ હે. ઉદ્ધવ0
(શ્રી સ્વામિનારાયણ હજારી : 249-4/3)
એ સાધુનો મત છે ને એવી રીતે વરતે ત્યારે દૃષ્ટિ પણ નિયમમાં આવી જાય.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
બપોરે વાત કરી જે,
(37) ગમે એવો રજોગુણ, તમોગુણ હોય પણ લઈ મંડે તો રજ, તમ ઓછા થઈ જાય; પણ અભ્યાસ વિના તો કોઈ વાત સિદ્ધ ન થાય. તે આ ધર્મશાળા કરી હશે તે દાખડા વિના થઈ હશે ? ને કૂવા કર્યા છે તે શું દાખડા વિના થયા હશે ? ને ગામના કૂવા તો ચોમાસામાં ખળખળ વહ્યા જાય, પણ પછી કરવરામાં પાણી રહે નહિ; તેમ સારા દેશકાળમાં તો ઠીક રહે, પણ દેશકાળ વીફરે કે મન-ઇન્દ્રિયું જ વીફરે કે દેહમાં મંદવાડ આવે ત્યારે આવો રંગ રહે નહિ.
કરવરામાં : નાના દુકાળમાં.
(38) આપણે કારખાનાં પૂરાં થઈ રહ્યાં. હવે તો એક બીજાની ખોટ હોય તે મૂકવા માંડો. સમજણ ન હોય તો રાઘવાનંદને મહારાજે ચીમટો લીધો તેમાં વહ્યો ગયો. થાય તે સેવા કરવી, તે મર થોડી કરવી, પણ નભે એવી કરવી. પણ જીવનો સ્વભાવ એવો છે જે બહુ સેવા કરે અને બીજાનો અભાવ લે, પણ આપણે આંહીં આવ્યા છીએ તે ખોટ મૂકવા સારુ આવ્યા છીએ. માટે ખોટ ન મૂકી ત્યારે શું કમાણા ? પહેલાં પોતાનું કલ્યાણ કરવું ને પછી બીજાનું કરવું. ત્યાગીને જુવાન અવસ્થા હોય ને લાડવા લેવા માંડે ત્યારે જેમ દૂધ ઉફાણે આવે તેમ તેનાં મન-ઇન્દ્રિયું ઉફાણે આવે. ત્યાગીનો મારગ કઠણ છે માટે આજ સુધી નિયમ, ધર્મ, વર્તમાનની વાત કરી; પણ હવે તો સ્વભાવ મૂકવાનું કરવું. તે સંસાર મુકાય પણ સ્વભાવ ન મુકાય. મનુષ્યમાત્ર રાત-દિવસ રળે છે, પણ રોટલાની ફિકર મટતી નથી ને ત્યાગી થયા ત્યારે રોટલાની ફિકર તો ટળી; પણ માંહોમાંહી વેર થયાં. અજાણમાં તો સ્વભાવ રહે, પણ જાણી જાણીને સ્વભાવ રાખે છે તે કેમ આઘું ચાલશે ? માટે હવે તો છેલ્લે બાકી સ્વભાવ મૂકવાનું રહ્યું છે.
ક્લેશ આવે ત્યારે તેનું મૂળ તપાસવું જે, મારે શેમાંથી કલેશ આવ્યો છે? પછી તેનું નિમિત્ત જાણીને, તે પદાર્થની તુચ્છતા જાણીને ક્લેશ મૂકી દેવો; કલેશમાત્રનું ખરું મૂળ તો દેહાભિમાન ને પદાર્થ છે, માટે દેહાભિમાન મૂકી દેવું. કેટલાકનો સ્વભાવ એવો હોય જે પદાર્થ ભેળાં કર્યા કરે ને કેટલાક છે તે પદાર્થની ઢૂંકડા ન જાય. માટે સૌ સૌની રુચિ નોખી છે. પણ આ દેહ ને પદાર્થ સત્સંગના ઉપયોગમાં લાવે તે ડાહ્યો. બધી વાતને જાણે એવા સાધુ મળવા અતિ કઠણ છે. મોરે તો એવા એવા ખપવાળા હતા તે કહેતા જે, ‘ભલા થઈને અમને રાખશો ?’ ત્યારે માંડ માંડ રાખતા ને હવે તો મંદિર થયાં તે સામી ગરજ ઠરી, માટે ભલા થઈને રહો એમ કહેવું પડે છે. જીવને દોષ મૂકવા તે ડામ જેવું કઠણ લાગે; તે ડામ કોઈને મીઠા લાગતા નથી; તેમ સ્વભાવ મૂકવા પણ કઠણ પડે છે. તે ઉપર રામજી જીકારને ડામ દીધા તેની વાત કરી જે, રાખના ચાંદલા કરવા માંડ્યા તો કહે, ‘રામ ! રામ !’ ત્યારે કહે, ‘આ તો રાખના છે, ખરા ડામને તો વાર છે.’
પ્રકરણ 6 ની વાત 236
મર : ભલે.
રળે : કમાવું.
મોરે : અગાઉ
સંવત 1919ના ભાદરવા સુદિ પંચમીને દિવસે સ્વામીએ વાત કરી જે,
(39) મોટા છે તે જ્યાં સુધી વઢીને કહે છે ત્યાં સુધી જાણવું જે, મોટાને હેત છે ને જ્યારે મોટા ઉપેક્ષા કરે ત્યારે જાણવું જે કુરાજીપો થયો. ઘડપણ ન હોય ને ઘડપણ માની લે તેનાથી પ્રભુ ન ભજાય. મનસૂબા થાય છે, તે એક એકાંતિક થાવાનો મનસૂબો કહેવાય ને વિમુખ થાવાનો પણ મનસૂબો કહેવાય. સાધુનાં ત્રીસ લક્ષણ જ્યારે આવશે ત્યારે જાણશું જે સત્સંગ થયો. કેટલાક જ્ઞાન સમજી સમજીને સત્સંગી થયા ને કેટલાક ત્યાગ પાળી પાળીને ગયા. મહારાજે વિશ્ર્વાસચૈતન્યાનંદના મોઢામાં પેંડો નાખ્યો તે થૂંકી નાખ્યો, એવો ત્યાગી હતો; પણ કુમતિ આવી ત્યારે સત્સંગમાંથી ગયો; માટે જીવને કુમતિ આવે ત્યારે ઠેકાણું રહે નહિ. જે મંદિર કે મંડળના થયા નથી તેમાં ગુરુનો વાંક છે ને સત્સંગમાં રહેશું ત્યારે એકાંતિક થયા વિના છૂટકો નથી ને બ્રહ્મરૂપ થાશું ત્યારે મહારાજની સેવામાં રહેવાશે. ને ગુરુ સૂવે ત્યાર પછી સૂવે, ગુરુ જાગે ત્યાર પહેલાં જાગે, ને ગુરુનાં દર્શન કરે ત્યારે અન્ન ખાય ને ગુરુ જમે તેથી ઊતરતું જમે, તે ગુરુભક્ત ખરો કહેવાય.
મનસૂબા : સંકલ્પો, કાંઈક કરી લેવાના વિચારો
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
પાળી : વારો.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
(40) કરોડ વાર વિષય ભોગવ્યા ને કરોડો રૂપિયા ફેરવ્યા ને કરોડ વાર નિંદા થઈ તો પણ જીવ એવા ને એવા બેઠા છે. નિષ્કામપણું, નિર્લોભપણું, નિ:સ્વાદપણું, નિ:સ્નેહપણું ને નિર્માનપણું જેટલું રહેશે તેટલું સુખ થાશે. જેઠા ખાચર અને નથુ પટેલ સમાગમ કરીને જ્યારે ચાલ્યા ત્યારે આંસુ પડ્યાં; તે આપણે આંસુ પાડવાં તો રહ્યાં, પણ કથાવાર્તામાં ન અવાય તે કેટલી ખોટ? મંદિરનો વહેવાર જેની માથે હશે, તે કોઈ વાળતા હશે, કોઈ પાણી ભરતા હશે, કોઈ રોટલા ઘડતા હશે ને કોઈ મંદિર છોતા હશે; એ તો વહેવાર છે, તે કર્યા વિના ચાલે નહિ; પણ આ મોક્ષ સુધારવો તે તો આપણા જીવનું કામ છે. અમારે તો કહ્યા વિના ચાલે નહિ. ચેલામાં જેટલી કાચપ (કચાશ) રહે તેટલી ગુરુમાં ખોટ છે. અમારે એકને ઘડપણ નથી આવ્યું ને બીજા ઘરડેરા થઈ ગયા, તે કથાવાર્તામાં આવતા નથી ને કથાને તો ભવમોચની કહી છે. આપણે હમણાં વાતુંનો ખપ થાતો નથી, પણ જ્યારે ખપ થાશે ત્યારે રોવું પડશે. જેને અભ્યાસ પડ્યો છે તેને કઠણ નથી ને જેને અભ્યાસ નથી તે પાધરા સૂઈ જાય છે; પછી બેસાતું નથી ને અમારે અભ્યાસ પડ્યો છે, તે રાતે બાર વગાડીએ છીએ. બધું કર્યું ને પરમેશ્ર્વરનો ભક્ત ન થયો ત્યારે શું કર્યું ?
રાજ ભયો કહા કાજ સર્યો, મહારાજ ભયો કહા લાજ બઢાઈ,
સાહ ભયો કહા વાત બડી, પતસાહ ભયો કહા આન ફિરાઈ;
દેવ ભયો તોઉ કાહ ભયો, અહંમેવ બઢો તૃષ્ણા અધિકાઈ,
બ્રહ્મમુનિ સત્સંગ વિના, સબ ઔર ભયો તો કહા ભયો ભાઈ.
(કીર્તન મુક્તાવલિ : નાશવંત દેહ વિશે)
કાચપ : કચાશ, કસર, ખામી.
ભવમોચની : અહંતા-મમતાત્મક સંસારમાંથી તારનારી.
(41) સારો દેશ, સારો કાળ, સારો સંગ ને સારી શ્રદ્ધા હોય ત્યારે ઉત્કૃષ્ટ જ્ઞાન થાય. આટલી વાતું સાંભળી ને હૈયામાં રાખી તેટલી કામ આવે ને તે વિના તો,
ષડઙ્ગાદિવેદો મુખે શાસ્ત્રવિદ્યા કવિત્વાદિ ગદ્યં સુપદ્યં કરોતિ ।
ગુરોરઙ્ધ્રિપદ્મે માનશ્ચેન્ન દત્તં તત: કિં તત: કિં તત: કિં તત: કિમ્ ।।
(શ્રીશંકરાચાર્ય)(કીર્તન મુક્તાવલિ : 33/ગુરુસ્તોત્ર-4-2)
અર્થ :- છ અંગો સાથે વેદ અને બધા શાસ્ત્રોની વિદ્યા મોઢે છે. કવિત્વ શક્તિ જેનામાં છે અને ઉત્તમ ગદ્ય અને પદ્ય કરી શકે છે. પણ જો ગુરુના ચરણકમળમાં મન ન લાગ્યું હોય તેથી શું ઉપયોગ ? શું ઉપયોગ ? શું ઉપયોગ? શું ઉપયોગ ?
માટે વિચાર કરવો જે કઈ વાતમાં આપણને કાચપ છે તેનો નિરધાર કરવો. આ વાતું છે તે ભગવાન ભજવા સારુ છે, માટે ભગવાન ભજવા તે તો અવશ્ય કરી લેવું. બાયડીના પગનું ખાસડું થઈને રહેશે ને લાવી લાવીને આપશે ત્યાં સુધી રોટલા કરી દેશે, પછી ધક્કા મૂકશે. ગરાસિયા હોય તે ધિંગાણું થાય ને લોહિયાળા થાય તેમાં તેની શોભા વધે ! પણ ધાડું આવે તેને કરગરીને પાછું વાળે, તેમાં તેની શોભા નહિ. તે ઉપર ભાઈજી ગરાસિયાની વાત કરી જે, સાત ગાઉ વળાવીને આવ્યો ને સાતમે દિવસ અમથો મરી ગયો. માટે જેમ આજ્ઞા થાય તેમ વળી જાય એ સેવકનો ધર્મ છે.
પ્રકરણ 14 ની વાત 96
(42) દેહ ને દેહના સંબંધીને વિશે દૃઢ હેત છે તે કેમ ટળતું નથી ? ત્યારે કહે, ‘વૈરાગ્ય સોતું આત્મજ્ઞાન ને માહાત્મ્યે સહિત મહારાજનું જ્ઞાન નથી એટલે હેત ટળતું નથી. નાત-જાતને વિશે તથા દેહ ને દેહનાં સંબંધીને વિશે જે આસક્તિ છે તેથી તે બધું સમુદ્રની પેઠે અંતરમાં ભર્યું છે ને સત્સંગ તો સમુદ્રની લહેરની પેઠે છે. માટે મહારાજનો મહિમા, અતિશે દયાળુપણું, કૃપાળુપણું, વાત્સલ્યપણું, જ્ઞાન, બળ, ઐશ્ર્વર્ય, શક્તિ, તેજ, પ્રભાવ, સૌંદર્ય, લાવણ્યતા, મોટપ, મરજી એ સર્વેને અંત:કરણને વિશે ભરે, મોટાપુરુષની મરજી પ્રમાણે વરત્યાનું પણ ભરે ને ક્ષેત્રજ્ઞનું વિભાગપણું પણ ભરે અને એ સર્વે જીવને વિશે અવ્યક્તપણે નામરૂપની પેઠે ખૂંતી રહ્યું હોય તો જ્યારે સંભારે ત્યારે તદ્રૂપ થઈ જવાય, એવું વરતવું હોય તો દેહ ને દેહનાં સંબંધીને વિશે સ્નેહરૂપ સમુદ્રનો નાશ કરી નાખવો, તો જ મહારાજને વિશે પ્રીતિરૂપ સમુદ્ર ઊભરાય છે.’
આસક્તિ : મોહ, અતિશય સ્નેહ, લગની.
(43) ઉત્તમ મુમુક્ષુનાં લક્ષણ એ છે જે સત્પુરુષને ઓળખી કાઢે ને તેને મન સોંપી દે ને તેમના સમાગમને અર્થે સર્વ પ્રકારની ભીંસણ ખમે ને કોઈક ઉત્તમ વિષયને વિશે પણ ન લોભાય ને ધર્મજ્ઞાનાદિક ને દેશકાળાદિકના વિષમપણાએ કરીને પણ તે સંગને મૂકે નહિ, ને આત્મા અનાત્માનો વિચાર કર્યા કરે.
(44) સર્વ શાસ્ત્રનું એ જ સિદ્ધાંત છે જે, સત્તારૂપ થઈને મહારાજનું ધ્યાન કરવું ને એમ ને એમ અખંડ કર્યા કરે ત્યારે કારણ શરીર નાશ પામે છે. પણ જીવમાં નાગડદાઈ છે તે પરમેશ્ર્વર ભજવાને મારગે ચાલે નહિ.
નાગડદાઈ : નાગાઈ-લુચ્ચાઈ-નફ્ફટાઈ-દાંડાઈ.
બપોરે વાત કરી જે,
(45) દરવાજાનું વચનામૃત છેલ્લાનું 9મું વંચાવીને કહ્યું જે, જાણપણું ન રહે તો બીજું પેસે. પેઠું ક્યારે કહેવાય ? જે જડભરતને મૃગલી પેઠી ને પરમહંસાનંદને ગાયો પેઠી. તેમ મહારાજના સંબંધ વિનાનાં પુસ્તક કે બીજું કાંઈ રાખે તે પેઠું કહેવાય. માટે જેમ ત્રણ ગ્ંરથમાં કહ્યું છે તેમ વરતાય તો ન પેઠું ને તેથી જેટલું આઘુંપાછું ચલાય તેટલું પેઠું કહેવાય. પછી જેના સેવક થાવા આવ્યા છીએ તેને ગરજુ કરાય. તે મોટા તો દયાળુ છે તે નભાવે છે; પણ તેમાં આપણને બહુ ખોટ જાશે.
પ્રકરણ 3 ની વાત 52
(46) રામદાસજીભાઈને ત્યાગની છટા ઘણી હતી, જે કોઈ પત્તરમાં પાણી થોડું નાખે ત્યારે કહે જે, ‘કાંઈ ઝેર છે તે થોડું નાખો છો ?’ એમ કહીને વઢતા ને ઊંઘવા તો દેતા જ નહીં. તે ખાધાથી પણ ઊંઘવા ન દે તે કઠણ ને ચારસો સાધુને વરતાવતા. પછી મહારાજનો કાગળ આવ્યો જે રાતું લૂગડું દેખાય તો અપવાસ કરવો. ત્યારે સ્વરૂપાનંદસ્વામી કહે, ‘ઓ રાતેમેં ક્યા ? ઔર ધોલેમેં ક્યા ?’ પછી રામદાસજી કહે, ‘સ્વરૂપાનંદસ્વામી તો મોટા છે પણ આપણે એ વચનને માથે ચડાવો !’ પછી સ્વરૂપાનંદસ્વામીને સ્ત્રી સ્વપ્નમાં ન દેખાય, તે તે જ દિવસ દેખાણી ને અપવાસ પડ્યો. પછી દીન થઈ ગયા ને પર્વતભાઈને પણ એક વાર અહંકાર થયો જે, ‘મનનો શો ભાર છે? જેમ ચકલાંને ઉડાડી મૂકીએ તેમ મનને ઉડાડી મૂકીએ !’ પછી તેમને ખોટા ઘાટ થાવા મંડ્યા. પછી મહારાજને સંભારીને પ્રાર્થના કરી એટલે મટી ગયા. માટે ગમે તેવા મોટા હોય, પણ શ્રી સ્વામિનારાયણ આગળ કોઈનું ચાલે નહિ; કેમ કે, સર્વે તેના દાસ છે.
દીન : લાચાર, ગરીબ, રાંક.
ઘાટ : માયિક સુખ ભોગવવાનો સંકલ્પ, વિકારનો સંકલ્પ.
સંવત 1919ના ભાદરવા સુદિ છઠને દિવસે સ્વામીએ વાત કરી જે,
(47) હરિભક્તને સમાગમ કરવાનું આવું સાનુકૂળ કોઈ સમે નહોતું. જો હમણાં ટૂંટિયું આવે તો સર્વે ભાગી જાય. માટે કોઈ ઘેર વહેવાર કરનારું હોય તેણે આવો સમાગમ મૂકીને આંહીંથી જાવું નહિ. જો ઘેર બેઠાં જ્ઞાન થાતું હોય તો સર્વે ઋષિ ઘરબારી છે તે ઘર મૂકીને નૈમિષારણ્યમાં બેઠા છે, તે કાંઈ ગાંડા હશે ?
(48) કોહવાયલું દેહ હોય તો પણ જાણે હમણાં રહે તો સારું, કોઈ આ દેહની કીર્તિ કરે તો ફૂલે અને અપકીર્તિ કરે તો પીપળિયા ગલની પેઠે સંકોચાઈ જાય.
(49) જીવવાના સંકલ્પ તે તો ઉધારો છે ને મરવું તે તો રંડાપો રોકડો છે.
રંડાપો : વિધવાપણું, વૈધવ્ય.
(50) બળદ હોય તેનાં કાંધ સડી ગયાં હોય ને માંહી જીવડાં પડ્યાં હોય તે માથે ધોસરું મૂકે ને ઘોડા તથા ઊંટને ભાઠાં પડ્યાં હોય તે ઉપર પણ ભાર ભરે ને મેમણનો પોઠિયો હોય તે વગડામાં પૂંછલે ત્યારે છાંટ ઉતારીને ડાંગ મારે એટલે પડી જાય, પછી જનાવર પૂંઠેથી પેસીને પેટ ફાડી નાખે છે; એવાં એવાં ચોરાશીનાં દુ:ખ જોવા માંડે, ત્યારે પ્રભુ ભજ્યાનો ખપ થાય છે. મરી જાય છે અને બળી જાય છે તો પણ વૈરાગ્ય થાતો નથી, તે શું ? જે, મોહથી અભિનિવેશ થયો છે; તે ઘણાં ઘણાં જ્ઞાન સાંભળીએ છીએ તો પણ અભિનિવેશ ટળતો નથી. વિષય નિષેધના શ્ર્લોક ભણી જાય છે, પણ ચાલે છે વિષયના જ મારગે. માટે જેના ઘરમાં રૂપિયા હોય તેની જ હૂંડી ચાલે. એક વાચ્યાર્થ જ્ઞાન ને બીજું લક્ષ્યાર્થ જ્ઞાન તે જાણવું જોઈએ ને આ તો ભ્રમણા થઈ છે ને અભિનિવેશ થયો છે તે પોતાનું માની બેઠો છે.
એક મુસલમાનની બાયડી રોતી હતી તેને એક હરિભક્તે પૂછયું જે, ‘શા સારુ રોવે છે ?’ તો કહે, ‘અમારા શાસ્ત્રમાં લખ્યું છે જે, આ ઘોરુંવાળા ઊઠશે ત્યારે કાફરને મારશે, ને એકલા મુસલમાન રહેશે; તે ઘોરુંવાળા ઊઠતા નથી તે સારુ રોઉ છું.’ તેમ આપણે પણ તેની પેઠે અભિનિવેશ થયો છે જે, આમ કરશું ને પછી આમ થાશે. માટે મહારાજે પાંચ વાતનાં અનુસંધાન કહ્યાં છે, તે પ્રમાણે ચાલશું ત્યારે સુખ થાશે.
ભાઠાં : શરીરપરની ચામડી છોલાવા વગેરેના કારણે પડતાં સૂકાં ચાંદાં.
પૂંછલે : પગ પર ઊભું રહી શકે નહિ ને પૂંછડેથી ઉપાડવું પડે એવું નબળું.
છાંટ : ગૂણપાટનો કોથળો.
અભિનિવેશ : સત્યથી અલગ પોતાની માન્યતાનો દઢ નિશ્ર્ચય.
હૂંડી : એક શાહુકારની બીજા શાહુકાર પર, નાણાં ચૂકવવા માટેનો આદેશ કે ચિઠ્ઠી.
ઘોરુંવાળા : કબરમાં દાટેલ મડદાં.
(51) રાધિકાજીએ ત્રણ જન્મ સુધી દાખડો કર્યો, ત્યારે ભગવાન તેને વશ થઈ ગયા; પણ જીવમાંથી તેના અંકુર નહોતા ટળ્યા તો વિઘ્ન થયું. માટે ગુણાતીત થાય ત્યારે અંકુર ટળે ને નિત્યાનંદ થાય, અખંડાનંદ થાય, બ્રહ્માનંદ થાય અને અક્ષરાનંદ થાય ત્યારે છૂટકો થાય અને અવિનાશી અક્ષરધામને પામે. બીજા ધામને કાળ ભમાવી નાખે છે, પણ અક્ષરધામ આગળ કાળનું ચાલતું નથી. માટે મહારાજને પાંચ વાત કરાવવી છે, તે કરાવવાને અર્થે આટલો આદર છે; તે હમણાં જો આપણે કરવા માંડશું તો, હમણાં તો ભગવાનમાં રહેવું કઠણ પડશે પણ પછી તો નીકળવું કઠણ પડશે.
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
(52) આવરણ રહિત ગોવરધનભાઈ અને આખાનાં ઊનેવાળ બ્રાહ્મણ લાડુ ડોશીની વાત કરી ને બીજાને ગુણબુદ્ધિવાળા કહ્યા. તેમાં શું, તો અભ્યાસ કરશું તો કાં તો દેહ છતાં થાશે, નીકર દેહ પડ્યા પછી તો જરૂર થાશે. પછી મેઘપરવાળાં લાડકીમાની વાત કરી જે, ત્રણે અવસ્થામાં મહારાજની મૂર્તિ દેખાતી હતી ને ખબર વિના કહે કે, ‘મારે તો સમાધિ થાતી નથી.’ ખાઈને સૂઈ રહેશે તેને આ વાતું શું સમજાશે ? મર આત્મા દેખાય નહિ; પણ જેમ જાતિનું નક્કી છે, તેમ જ્ઞાને કરીને એમ દૃઢપણે સમજવું જે, હું આત્મા છું. તે ઉપર નાહી-ધોઈને પૂજાનું અમદાવાદનું બીજું વચનામૃત વંચાવ્યું. એક તો એમ કહેવા શીખ્યો હોય ને એક વરતતો હોય, તેનાં કેવાં લક્ષણ હોય ? ત્યારે કહે, ‘જાણકાકો જ્ઞાન દેવા શીખ્યો હતો, પણ તેની બકરી મરી ગઈ ત્યારે રોવા બેઠો ને જડભરતને દેવી પાસે મારવા લઈ ગયા તોય થડક્યા નહિ ને અખંડાનંદસ્વામી ચાર સાવજ આવ્યા તો પણ બીના નહિ. તેમ બેય વર્તને કરીને કળાય. તે ‘વચનામૃત’માં આત્મનિષ્ઠાની, સાધુ સમાગમની, વૈરાગ્યની ને મહિમાની એવી કેટલીક વાતું છે; પણ જીવ ઘાલે નહિ તો સમજાય નહિ.’
પ્રકરણ 11 ની વાત 198
પ્રકરણ 14 ની વાત 111
(53) ભાવ ન હોય, શ્રદ્ધા ન હોય તેની પાસે ભક્તિ કરાવીએ તે કેવી થાય? માટે મહારાજે જે જે વાતું કહી છે તે પ્રમાણે આપણા જીવને વરતાવીએ ત્યારે મોટા રાજી થાય ને મોટા રાજી થાય ત્યારે આપણા દોષમાત્ર ટળી જાય.
(54) આજ્ઞા, ઉપાસના બે વડે આપણી શોભા છે ને નિયમે કરીને પદાર્થ વધુ રાખતા નથી, પણ ઉત્તમ ભોગમાં રાગ છે તે ટળ્યો નથી. ખરેખરો ચેલો હોય તે ચાલ્યો જાય તો અંતરે સુખ ન રહે.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
સંવત 1919ના ભાદરવા સુદિ અષ્ટમીને દિવસે સ્વામીએ વાત કરી જે,
(55) કાંઈ માલ ન હોય ને તેમાં જીવ બંધાય છે કાં પક્ષમાં જ બંધાય છે. તે પક્ષે કરીને મોટાનો દ્રોહ થાય; પછી પ્રથમ હોય તેવો ન રહે ને ભાવ પણ ફરી જાય. કૃપાનંદસ્વામી કહેતા જે, ‘એક રહેણીએ મરવું એ તો બહુ જ કઠણ છે.’ આપણે પ્રભુ ભજવા બેઠા છીએ પણ માયા છે તે સુહૃદપણું રહેવા દે તેવી નથી. કોઈ કહેશે જે, ‘અમે જૂના છીએ’, પણ તેને પણ કહ્યા વિના સ્વભાવ કેમ ટળશે? એક લગની ન રહે ને ભાવ ફરી જાય, તે કોથળીએ ખાતર પડ્યું કહેવાય. માટે આમાં રહીએ ને જો લૂખા રહીએ તો સુખ થાય નહિ. અમે પંગતમાં જમીએ છીએ પણ નોખું જમીએ તો અમારું કોઈ માને નહિ. આ તો ત્યાગમાં બરાબર ને ભક્તિમાં બરાબર છીએ, ત્યારે મનાય છે. માટે પોતે પાળે તો બીજાને કહેવાય ને નોર બહાર વરતશે તેને તો આમાં નહિ રહેવાય ને પત્તર ચાળવણી કરશે ને સંન્યાસીપણું રાખશે તેને અસદ્વાસના બંધાશે. ઘનશ્યામાનંદ, મિયાંજી ને કૃષ્ણાનંદ એ ભક્તિવાળા ને ત્યાગમાં પણ એવા જે ક્યાંય વાંકમાં આવે નહિ; માટે એક ભાવ ને એક રહેણી રહેવી બહુ કઠણ છે.
દ્રોહ : મનથી, વાણીથી કે કર્મથી જાણી જોઈને કરેલ દોષ, ગુનો, પાપ કે અપરાધ
પાળે : સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જાતનો સેવક/પાર્ષદ.
(56) જીવ તો ઉન્મત થઈ ગયો છે ને ગરજ રાખતો નથી, પણ કલ્યાણ આંહીં છે, ધર્મ આંહીં છે, ને રોટલા-લૂગડાં પણ આંહીં છે; પણ ત્યાંથી જ જીવ ઉથડકે છે એ જ મોટું અજ્ઞાન છે. ઊને ફરવા ગયા ત્યાં આવી વાતું બહુ જ કરી અને ગોવિંદપ્રસાદ વહ્યો ગયો, તે ‘ચોરને માથે કાગડો’, એવું થયું; કેમ જે, આવી વાતું થાય ત્યારે ભાઠાળાં હોય તે ગાંગરે. સંતના અવગુણ લે તો ભાવ ફરી જાય, પછી તેનું પાપ લાગે, અને મોટા એકાંતિકના જે રૂડા ગુણ તે જોવા માંડે તો પોતાના દોષ ટળી જાય. એનું આસન જુએ તો પોતાનું આસન સ્થિર થઈ જાય, તેનાં નેત્ર સ્થિર જુએ તો પોતાનાં નેત્ર સ્થિર થઈ જાય.
(57) ત્રણ પ્રકારનો વાયુ વાય છે. એક તો જરાતરા અંતરનો વિક્ષેપ આવે ત્યારે પાંદડાં ખર્યાં કહેવાય ને બહુ અપમાન થાય કે કોઈક મોટા વિષયની પ્રાપ્તિ થાય ત્યારે ડાળું ભાંગે ને ભાવ ફરી જાય અને અતિશે વિષયનો વેગ લાગી જાય ત્યારે મૂળમાંથી કાઢી નાખે. તે સૌભરી, નારદ ને પરાશર તેને મૂળમાંથી કાઢી નાખ્યા.
જરાતરા : નહિ જેવો-થોડો.
(58) ‘વચનામૃત’માં જ્યાં સ્વરૂપની વાત આવે ત્યાં એમ કહે છે જે, તેને કાંઈ કરવું રહ્યું નથી, તે શું ? જે, એવો દૃઢાવ કહ્યો. તે કહીએ છીએ ખરા; પણ તેનું શ્રવણ, મનન અને નિદિધ્યાસ નથી થાતો. સમજણ ન હોય ને શરીરમાં મંદવાડ આવે ત્યારે સમજણ પણ ચૂંથાઈ જાય, અને ચાકરી ન થાય તો અવગુણ આવે જે મારું કોઈ કરતા નથી.
નિદિધ્યાસ : ઇષ્ટદેવ કે પરમતત્ત્વનું નિત્ય ચિંતન.
ચૂંથાઈ : અસ્તવ્યસ્ત, રફેદફે.
સંવત 1919ના ભાદરવા સુદિ નવમીને દિવસે સ્વામીએ વાત કરી જે,
(59) વિષયને વિશે દોષબુદ્ધિ કોઈ દિવસ થઈ નથી. મોટા મોટા ઋષિ આગળ થયા તેમના પણ દોષ ટળ્યા નથી. દુર્વાસા સાઠ હજાર વરસે પરણ્યા ને નિત્ય પ્રત્યે નવાણું ગાળું ખાતા, તેમનું તેમ બધાયને છે; પણ ગરજે પડ્યા પડ્યા ખમે છે. માટે ગૃહસ્થને તો વહેવાર કરવો પણ ગુણ તો ભગવાનના ગાવા.
પ્રકરણ 9 ની વાત 115
(60) કેટલાક બાયડી વાંસે મરે છે. તે ઉપર એક ગુંસાઈજીની વાત કરી જે, બાયડી મરી ગઈ ત્યારે મડાને બથ ભરીને કહે, ‘બાળવા નહિ દઉં.’ પણ પછી વૈરાગ્ય ઊપજ્યો ત્યારે તકતા ય ફોડી નાખ્યા. માટે પંચવિષયના દોષ તો કોઈએ કહ્યા જ નથી; સર્વે ગુણ જ ગાય છે. પણ કાળ ફરી વળે ત્યારે જીવનું કર્યું કાંઈ થાય નહિ.
વાંસે : પાછળ.
(61) અજ્ઞાને કરી જીવને માન રહે જે, હું આવો ડાહ્યો; વળી ભણેલો, ને મને આમ કહ્યું ? મહારાજનો સિદ્ધાંત જે, પંચવિષયમાં દોષબુદ્ધિ કરવી, તે દોષબુદ્ધિ કેમ થાય ? તો તેના દોષ કહેવા ને સાંભળવા માંડે તો એમ કરતાં દોષબુદ્ધિ આવે. માટે એક વૃત્તિએ વહેવાર કરવો ને એક વૃત્તિએ ભગવાનના મારગમાં રહેવું.
(62) ખરેખરું જ્ઞાન થાય તો કોઈમાં માલ જ ન રહે. કેટલાક મંદિરની પુષ્ટિ કરે છે ને કેટલાક ખોદે છે. માટે વૃત્તિયું ઠેકાણે રાખવી. બ્રહ્મા, ઇન્દ્ર, ચંદ્રાદિક લૂંટાણા, શિવ પણ લૂંટાણા ! ને આને ફિકર નથી, તે ખાઈ ખાઈને સૂઈ રહે છે! પણ જ્યાં સ્ત્રીનો પ્રસંગ હશે ત્યાં જરૂર બગાડ થાનારો છે. માટે જે બાઈ હરિભક્ત છે તેને બાપ, દીકરો ને ધણી કે ભાઈ તે ઉપદેશ કરે; પણ બીજાએ ન જ કરવો. પછી વાત કરી જે, અમે રઘુવીરજી મહારાજને કહ્યું હતું જે, તમમાં અમારે અસાધારણ હેત છે; પણ જો કોઈ એવા ખબર આપે કે, મહારાજની ગાડીમાં કોઈની છ મહિનાની બાળકી છે, તો આ મંદિરના દરવાજા બંધ કરી દઈએ. અમને ગમે તેટલું હેત છે, પણ પંચવર્તમાનમાં ફેર પડે તો કોઈ વાતે મહોબત રહે નહિ.
અમે વાતું કરીએ છીએ તે જીવના દોષ જોઈ જોઈને તે ઉપર વાતું કરીએ છીએ ત્યારે લાગે છે. બાળમુકુંદાનંદસ્વામીએ ચૈતન્યાનંદસ્વામીના દોષ જોઈને તે ઉપર વાતું કરી ત્યારે સ્વભાવમાત્ર ટળી ગયા. ગુરુ હોય ને જીવના દોષ ન જાણે તો જેમ નાળ કાપતાં ગળું કપાણું એવું થયું. સમજણ વિના મંડળ ફરવા જાય તો અસમાસ કરે. એક મંડળ ફરવા ગયું, ત્યારે હરિભક્ત કહે, ‘સ્વામી વાતું કરો.’ ત્યારે કહે, ‘આજ તો થાક્યા છીએ.’ બીજે દિવસ કહે, ‘આજ તો વધુ જમાણું છે.’ ને ત્રીજે દિવસ કહે, ‘આજ તો ચાલવું છે તે પોટલાં બાંધવાં છે.’ તેમાં હરિભક્તને શો સમાસ થયો ?
પ્રકરણ 6 ની વાત 165
(63) આ જીવને વિપરીત ભાવના થઈ છે, તે ખોટાને સાચું માન્યું છે ને વળી પોતાને ડાહ્યો માને છે. ખાવું, પીવું ને સૂવું તેમાં દોષ જોવા શીખવું; ને જેવું સડેલું કૂતરું ને સડેલું ઊંટીયું, તેવું દેહને કરી નાખવું; તે કેવળ ગંદવાડો કરી નાંખવો. તે ઉપર વાલજીને દેહનું રૂપ દેખાડીને ઊલટી કરાવી તેની વાત કરી. દેવલોકમાં પણ કપાળકૂટ આવી ને આવી જ છે; વળગાડ વિનાનો તો કોઈ નથી. કોઈને મેલડીનો, કોઈને કાળકાનો, કોઈને બહુચરાનો એમ મહાપુરુષ સુધી માતાના વળગાડ વિનાનો કોઈ નથી. મહારાજ કહે, ‘બીજા રાસ કરે છે અને મારા સાધુ તોડાવે છે.’ માટે મહારાજનું સિદ્ધાંત જે, નિજાત્માનં બ્રહ્મરૂપં દેહત્રયવિલક્ષણમ્ । થાવાય ત્યારે એ વળગાડ ટળે, ને મોટા સાધુ વિના વિષયનાં ખંડન ક્યાંય નથી થાતાં.
વળગાડ : વળગવું, આગ્રહથી લઈ મંડવું, બાઝવું.
(64) કોટિ કલ્પ સુધી તપ કરે ત્યારે આવો સમાગમ મળે, પણ જીવને ખટકો જ નથી. વશરામ ભક્તે પૂછ્યું જે, સૌ પોતપોતાને સ્થાનકે જાશે ત્યારે તેને ભાતું શું આપશો ? ત્યારે કહે, આ જ્ઞાન કર્યું તે અને આવા સાધુ ઓળખાવ્યા તે અને
સંત જન સોઈ સદા મોહે ભાવે.
(કીર્તન મુક્તાવલિ : 710)
એવાં કીર્તન શીખવ્યાં તે ભાતું સમજવું.
કોટિ : કરોડ.
કલ્પ : આપણાં ચાર અબજ બત્રીશ કરોડ વર્ષનો સમય - બ્રહ્માનો એક દિવસ (પણ રાત નહિ)
(65) વિષયની ઇચ્છા ઊપજવા દેવી નહિ ને ઇચ્છા ઊપજે તે ઉપર કુહાડા દેવા. ખેતી કર્યા વિના ખેતી ન થાય, વેપાર કર્યા વિના વેપાર ન થાય, ચાકરી કર્યા વિના ચાકરી ન થાય; તેમ સમાગમ વિના સત્સંગ ન થાય.
(66) આ લોકના પદાર્થ સામું જોઈએ તો પ્રભુ ન ભજાય. દેહ છે તેનું તો કોઈ માન-અપમાન કરે, મંદવાડ આવે, કોઈ વઢે, એ તો જાણી મૂકવું જે, આ લોકમાં તો એમ જ થાય. આ લોકની સ્થિતિ તો એકની એક રહે જ નહીં. માટે બધા કુટારા પડતા મેલીને ભગવાન ભજી લેવા ને આ લોકનું તો એમને એમ લીધે જાવું.
સંવત 1919ના ભાદરવા સુદિ દશમીને દિવસે સ્વામીએ વાત કરી જે,
(67) એક ભગવાન વિના બીજા પદાર્થ આ જીવે હૈયામાં ઘાલ્યા છે. જીવના ઠરાવમાત્ર ઊંધા છે. કેટલાકનો હુંહાટો બહાર તો બહુ; પણ માંહી કાંઈ ન હોય. તે બ્રહ્માજી વેદ બોલે છે પણ વિષયમાં બંધાણા છે ને શુકજીને કોઈ ન જાણે પણ નિર્બંધ છે ને જડભરતની પેઠે વિષયથી મુક્ત છે. જેટલા વિષયમાં બંધાણા છે તેટલા બદ્ધ છે અને મુકાણા છે તેટલા મુક્ત છે. જેવું બીજ વાવો તેવું ઝાડ થાય છે. તુવેર વાવે તેમાંથી વડ ન થાય. તેમ જેવી ઉપાસના ને જેવી શ્રદ્ધા તેણે કરીને મુક્તપણામાં ભેદ પડી ગયા છે. ઇન્દ્ર કલ્યાણ કરવા આવે ત્યારે તેના શિષ્ય દેવ થાય. તેમ પુરુષોત્તમની નિષ્ઠા થઈ તે બીજબળ થયું, એટલે મોડા-વહેલા અક્ષરધામમાં જ જાય. તે ઉપર દૃષ્ટાંત જે સોઢીના રાજાને ઘેર જન્મ આવે ને વડોદરાના રાજાને ઘેર જન્મ આવે, એમાં જેટલો ફેર તેટલો ઉપાસનામાં ફેર જાણવો.
પ્રકરણ 14 ની વાત 107
હુંહાટો : અહંકાર, અભિમાન.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
નિષ્ઠા : શ્રદ્ધા, આસ્થા, વિશ્ર્વાસ, ધારણા.
(68) ત્રણ પ્રકારની શ્રદ્ધા, તેમાં વેદોક્ત તે સાત્ત્વિક શ્રદ્ધા ને મહારાજની આજ્ઞા પ્રમાણે વરતવું તે ગુણાતીત શ્રદ્ધા અને બીજી બધી રજોગુણી ને તમોગુણી શ્રદ્ધા છે. કેટલાક મોટા છે પણ તે વેદની તંતીમાં રહે તો એનું ભગવાનપણું રહે ને મહારાજ તો વેદની તંતી બહાર વરતે તો પણ તેમનું ભગવાનપણું ન જાય ને કેટલાક બાયડી, છોકરો મરે છે ત્યારે રોવે છે ને કેટલાક સાકર વહેંચે છે. હાથીઓ પટગર મરાણો ત્યારે રાઈબાઈએ સાકર વહેંચી તે બહુ કઠણ કહેવાય. દેહમાં સુખદુ:ખ આવે કે માન-અપમાન થાય કે કોઈ દેશકાળ આવે ત્યારે હાયવોય કર્યે ન ટળે. મહારાજે બ્રહ્મચારીને કહ્યું જે, ‘ડોશીઓના હાથનું જમો.’ ત્યારે કહે, ‘તમારે મારી દાઢીમાં ધૂડ નખાવવી છે?’ એમ મહારાજને કહ્યું. માટે આપણે પણ કોઈએ પ્રસંગ રાખવો જ નહીં. તે સેવા નિમિત્તે કે કોઈક ખાવાનું મોકલે તો પણ તેનું મનન થાય, એવું એ પાપ છે. માયા છે તે હળવે હળવે લોપી નાખે એવી છે, માટે જીવને ભગવદીનો સંગ ને વિષયનું દૂરપણું તે જ સહાયરૂપ છે. ખાધામાંથી બધાય વિષય ઊભા થાય છે.
ખાટાં મીઠાં ચરપરાં કોંટા મૂકે કામ;
અંગે અવિદ્યા ઉપજે ને જાય હૃદયથી રામ.
પછી હૈયામાંથી ભગવાન જાતા રહે; નિયમ પાળે છે ત્યારે મહારાજ ને મોટા સાધુની નજર થાય છે; કેમ જે, ભગવાન એમ માને છે જે, મારે અર્થે આમ રાખે છે, માટે જો નિયમ લોપશો તો મોટાની ને મહારાજની નજર ચોરાઈ જાશે. આમાં કોઈનું કોઈ સગું નથી, પ્રભુ ભજવા ભેળા થયા છીએ; માટે ધર્મ પાળશો તેટલું સગપણ રહેશે. આવી સભા તો કોઈ દિવસ થઈ નથી અને થાશે પણ નહિ.
તંતીમાં : પરંપરામાં, મર્યાદામાં.
લોપી : ન માનવા દે, ઉલ્લંઘન કરાવે.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
અવિદ્યા : માયિક સમજણ
પાળે : સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જાતનો સેવક/પાર્ષદ.
(69) હવે તો કાંઠો આવ્યો છે તે વહાણ ડૂબવા દેવું નહિ. શરીરમાં લગારેક કોઢની ચટકી થઈ ત્યારે રૂપ હરાઈ જાય છે, માટે વિષયનો સંબંધ ન થાવા દે તે ડાહ્યો. આપણો ધર્મ રાખવો ને પ્રભુ ભજવા. દેહનું પોષણ તો અન્ન વતે જ થાય છે, પણ સાકર વડે દેહ રહે નહિ. એક અન્ન વિના બીજા જે રસ છે તે બગાડ કરે છે. જેને અભિનિવેશ થયો તેને ગુરુ કે શાસ્ત્ર કહે તો ય ન મૂકે. તે ઉપર દયાળદાસની વાત કરી જે, ખટરસમાં રહ્યો ને જલેબીમાં ગયો. માટે નિષ્કામી, નિર્લોભી આદિક પંચવર્તમાન તે અહોનિશ વિચારવાં ને મનની પ્રતીતિ કરે તે દીવાના છે.
અભિનિવેશ : સત્યથી અલગ પોતાની માન્યતાનો દઢ નિશ્ર્ચય.
(70) વૈરાગ્યાનંદ શ્ર્વેતધર્મી હતો તે ડોશીઓના સંઘ સાથે આવ્યો, ત્યારે મહારાજની આંખોમાંથી જળ પડ્યાં. અવિદ્યા છે તે જીવ ભેળી જ છે, માટે ખબરદારી નહિ રાખે તેને લોપી નાખશે. તે તાવડો ચડ્યો ને ચડ્યો રહેશે ને અમારે તો લાડવા ને કંસાર છે તે ધૂડ જેવું થઈ ગયું છે. ભગવાનનાં કારખાનાં મોટાં છે; તે બધાને ભગવાનના ગમતા સામી નજર ન હોય. માટે ‘બગ ધ્યાન મુખ રામ કોઈ કીસીકા નહિ.’ એમ આપણે મહારાજની રુચિ અને ગમતા સામી નજર રાખવી.
અવિદ્યા : માયિક સમજણ
લોપી : ન માનવા દે, ઉલ્લંઘન કરાવે.
(71) જૂનાગઢના મહારાજ જમાન થયા છે તેથી સૌને વાતું કરીને ઉપાસના ને આજ્ઞા દૃઢ કરાવીએ છીએ. ગોપાળાનંદસ્વામી પણ આંહીં છેલ્લી વારે ત્રણ મહિના રહ્યા હતા અને રઘુવીરજી મહારાજને અમે કહ્યું હતું કે, તીર્થવાસી થઈને જૂનાગઢ આવો તો ગુણાતીત સ્થિતિ કરી દઈએ. તેથી બધાયની ઉપરવટ થઈને ગયે વરસે ચોમાસામાં સાડા ત્રણ મહિના આંહીં રહી ગયા અને અમે શ્રીજીમહારાજના સર્વોપરીપણાની, આ અક્ષરબ્રહ્મની અને અક્ષરરૂપ થાવાની અને મુક્તપણાની અને આ ઉદ્ધવ સંપ્રદાયમાં શ્રીજીમહારાજે પોતાનો પરમ અદ્વૈત અક્ષરમત તે બીજા આચાર્યોથી ઉત્કૃષ્ટપણે કેવી અલૌકિક રીતે સ્થાપન કર્યો છે તે સંબંધી મહા અદ્ભુત વાતું કરીને પુરુષોત્તમપણાનો ડંકો વગાડ્યો હતો.
જમાન : જામીન.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
અક્ષરમત : અવિનાશી અભિપ્રાય, શ્રી અક્ષરપુરુષોત્તમ ઉપાસના ઉદ્બોધિત જ્ઞાનવિભાગ/ગુણાતીતજ્ઞાનનો સિદ્ધાંત.
(72) મોટે મોટે આગળ સત્સંગ માગ્યો છે, તે સત્સંગ અને સાધુ આપણને મળ્યા છે; આવો સત્સંગ ન કર્યો તો કાંઈ નથી કર્યું ને વિષયથી મુકાણા વિના તો કોઈને સુખ થયું નથી ને થાશે પણ નહિ.
(73) સારંગપુરનું બીજું વચનામૃત વંચાવીને વાત કરી જે, જીવને દર્શન કરતાં આવડે નહિ ને ભજન-સ્મરણ કે, દાન કરતાં પણ આવડે નહિ ને પુણ્ય કરે તો ‘આપા’ના જેવું કરે. કોઈની ભાઈબંધાઈ રાખવી, જોડ રાખવી, ગરજ રાખવી, પણ બેગરજું થાવું નહિ. મંદિર પૂરાં થઈ રહ્યાં, રહેવાની જાયગા પૂરી થઈ, ઠાકોરજીને ઘરેણાં પૂરાં થઈ રહ્યાં; પણ ત્યાગી થયા ને સ્વભાવ રહ્યા; તે જેમ અગરાજીને પેટમાં ભાલોડું રહ્યું હતું તેમ ઝીણા ઝીણા સ્વભાવ રહી ગયા. ચ્યવન ખોખું થઈ ગયા હતા તો પણ સ્વભાવ રહ્યા; માટે હવે તો સ્વભાવ સાથે સામી લડાઈ લીધે રહેવું ને તેમાં યોગભ્રષ્ટ થાશે તો પણ અંતે સારું છે.
પ્રકરણ 6 ની વાત 201
સંવત 1919ના ભાદરવા સુદિ એકાદશીને દિવસે સ્વામીએ વાત કરી જે,
(74) અનેક જીવનાં કલ્યાણ કરતાં તો ભગવાનને જ આવડે. આ જગતમાં જેટલા મોટેરા છે તેટલાની સત્સંગના દ્રોહે કરીને મતિયું ઊંધી થઈ ગઈ છે ને એવા દ્રોહરૂપ પંચમહાપાપ તે અહોનિશ થયા જ કરે છે.
મતિયું : બુદ્ધિ.
(75) મહારાજે સૌ સૌના ધર્મ કહ્યા છે; તે જેમ અંગ્રેજે સડક બાંધી છે, તેમ ધર્મરૂપ સડક મહારાજે બાંધી છે. તે વિના બીજા કોઈને પ્રભુ ભજાવતાં આવડ્યું નથી.
સડક : પાકો રસ્તો.
(76)
મોહનને ગમવાને ઇચ્છો માનની,
(કીર્તન મુક્તાવલિ : 424)
એમાં કહ્યા એવા ઠરાવ તો સત્સંગમાં છે. આ સત્સંગ વિના ક્યાંય ધર્મ કે નિયમ નથી; પણ તે તો દૈવી સંપત્તિના જીવ છે તેને જ ગમે છે.
(77) બળ પામ્યાનું વચનામૃત મધ્યનું 63મું વંચાવીને વાત કરી જે,
નાયમાત્મા બલહીનેન લભ્યતે
(મુન્ડક ઉપનિષદ : 3/2/4)
અર્થ :- આ આત્મા બળહીન પુરુષને પ્રાપ્ત થઈ શકતો નથી.
જીવ જાણે વિષય ભોગવીને બળિયા થઈએ તે એમ તો સામું નિર્બળ થાવાશે; માટે જેટલું વિષયનું ગ્રહણ અને સમીપપણું તેટલું નિર્બળપણું થાય ને જેટલો વિષયનો ત્યાગ અને વિષયનું દૂરપણું તેટલો જીવ બળિયો થાય. પ્રથમનું 59મું વચનામૃત વંચાવીને કહ્યું જે, આગળ કહ્યો તે બળ પામવાનો ઉપાય છે ને બીજું આમાં ઉપાસનામાં પણ બળ છે.
અર્થ : ધન, સંપત્તિ.
(78) જેનું જેનું દાળીદર ગયું હશે, જેનું જેનું અંગ વૃદ્ધિ પામ્યું હશે, જેનો જેટલો કામ ઓછો થયો હશે કે જેનો જેટલો લોભ ઓછો થયો હશે, તે મોટાના પ્રસંગેથી જ થયું હશે. માટે મોટાનું બળ રાખવું. પક્ષે કરીને કેટલાક મોટાનું ઘસાતું બોલે છે તેણે કરીને પડી જાય છે.
દાળીદર : ગરીબાઈ, દરિદ્રતા.
(79) જેણે પોતાનો સત્સંગ કરી રાખ્યો હશે તેને દેશકાળ ન લાગે ને બીજાને લાગે. સંસારમાં અનંત કલેશ આવે, તોય કોઈને તેમાં આળસ આવતી નથી ને ભગવાન ભજવામાં આળસ આવે છે.
(80) પટેલનું, વહવાયાનું, તલાટીનું, રાજાનું, સંબંધીનું બધાયનું રાખે ત્યારે સંસારમાં રહેવાય, એ તો જીવનો ઢાળ જ છે; પણ ભગવાન ભજવા તે કઠણ છે. માટે કોઈ સારા સાથે જીવ બાંધ્યો હોય તો આ વાતું સારી લાગે; નીકર આ વાતું પણ ગમે નહિ.
સંવત 1919ના ભાદરવા સુદિ વામન દ્વાદશીને દિવસે સ્વામીએ વાત કરી જે,
(81) જેવા આપણને ભગવાન મળ્યા છે ને જેવા સાધુ મળ્યા છે તેને ઓળખી લેવા. રોટલા તો ભગવાનને પ્રતાપે મળશે.
પેટ કટારી રે, પહેરીને સન્મુખ ચાલ્યા.
સાચા શૂરા રે, જેના વેરી ઘાવ વખાણે,
જીવિત જૂઠું રે, મરવું તે મંગળ જાણે.
(કીર્તન મુક્તાવલિ : 403)
(82) પ્રભુ ભજવા એ કામ છે એવું બીજું કોઈ ભારે કામ નથી. જેવો સત્સંગ મળ્યો છે ને જેવા ભગવાન મળ્યા છે એવો બીજો આનંદ નથી. તે જેમ કોઈના ઘરમાં ભારે ભારે દશ વીસ હીરા હોય ને મજૂરી કરવા જાય તે જેવું છે. સત્સંગનો મહિમા તો એવો છે જે, બીજા પુરુષાદિકના જેવી ગતિ તો મહારાજે સાધુ, સત્સંગીને આપી છે.
દશ : દિશા.
(83) કલા હરિભક્તે ગોળો ઉપાડ્યો તે વાત કરી; માટે બાઈ માણસ હોય ત્યાં ઉપદેશ નિમિત્તે પણ કોઈ વાતચીત કરવા જાશો મા ને તેવા ઘરમાં તો ગરવું જ નહીં. હવે અવિદ્યા ખીજી રહી છે; તે કોઈને માથે મિથ્યા અપવાદ નાખી દેશે. કાઠી પાસે વાણિયો રૂપિયા માગવા ગયો, ત્યારે કાઠીએ તેની સ્ત્રીને શીખવ્યું જે, ‘મુને બાઝ્યો,’ એમ કહેજે. પછી ઘરમાં બોલાવીને વાતચીત કરી ત્યાં તો બાઈએ ‘મુને બાઝ્યો.’ એમ રાડ નાખી એટલે કાઠી કહે, ‘ફરિયાદે જાઉં છું.’ પછી ખત ઉપર લીટા મુકાવ્યા. માટે મોક્ષને મારગે ચાલે તેણે તેનું જતન કરવું જોઈએ. જેમ વર પરણવા જાય છે તે બધા દેવને પગે લાગતો જાય છે. તે શા સારુ ? જે, પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવો છે. એમ આપણે પણ મોક્ષરૂપ સ્વાર્થ સાધવો છે, તે હજાર કળા કરીને સાધી લેવો.
અવિદ્યા : માયિક સમજણ
(84) આપણો રોજગાર એક કલ્યાણનો છે, તે કલ્યાણમાં વિઘ્ન આવ્યું તો શું કમાણા ?
(85) જગતમાં કોઈનો ધર્મ રહ્યો નથી, સર્વ ખીજી રહ્યાં છે અને એ સર્વને એવા મનસૂબા છે જે, સત્સંગી હોય તેને પાડી નાખવો.
મનસૂબા : સંકલ્પો, કાંઈક કરી લેવાના વિચારો
(86) પંચવિષયનો પાર આવે નહિ, પાંચ પાતાળ ફાટ્યાં છે; માટે દેહે પ્રભુ ભજવા. ને ઊંઘની વાત નીકળી ત્યારે કહે, જેને અક્ષરે અક્ષર સમજવા ઉપર ચાડ હોય તેને કથામાં ઊંઘ ન આવે ને જેને બંધ-મોક્ષની ખબર નથી તે શું પ્રભુ ભજશે? તેને તો મણમાં આઠ પાંચ શેરીની ભૂલ જણાય છે.
અંધેરી નગરી ગબરગંડ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજાં,
તેને તો વિરજાની વાત કરે તો ધન્ય ધન્ય ! ને વૈતરણીની વાત કરે તોય ધન્ય ધન્ય ! ગૌલોકની વાત કરે તો કહેશે વાહ વાહ ! અને જમપુરીની વાત કહે તોય કહેશે વાહ વાહ ! એમ એવાને બધુંય સરખું છે.
(87) જેમ ચાર ઘાંટી છે તેમાં મહારાજને ઓળખવા તે તો કોઈ મોટાનો વિશ્ર્વાસ હોય તેણે કરીને ઓળખાય. બીજા અવતારનો નિશ્ર્ચય કોને નથી ? મુસલમાન છે તે પણ રામ અને કનૈયો ભગવાન છે, એમ કહે છે. માટે આપણે મહારાજનો સર્વોપરી નિશ્ર્ચય કરવો તે જ કઠણ છે; જેટલો નિશ્ર્ચય છે તેટલી જ આજ્ઞા ને વર્તમાન પળાશે. સ્વરૂપનિષ્ઠા વિના તો કોઈ દીકરો દેનાર મળે કે રૂપિયા દેનાર મળે કે મૂઆને જીવતો કરે, તો તે આખો પ્રભુ થાય ને તેમાં સૌને ભાર આવી જાય. માટે સ્વરૂપનિષ્ઠા વિના તો
નર એક રતિ બિન એક રતિકો.
(કીર્તન મુક્તાવલિ : નાશવંત દેહ વિશે)
અને બધાં મડાં જ છે. માટે જેવો સત્સંગ છે તેવો થાય નહિ; તે સત્સંગ શું? જે, જેવા મહારાજ છે તેવા જણાય ને જેવા સંત છે તેવા જણાય.
(88) પદાર્થમાં દોષબુદ્ધિ થાય, નિત્યાનિત્યનો વિવેક થાય ને યથાર્થ આજ્ઞા પળે, તેનું નામ સત્સંગ થયો કહેવાય. સ્વરૂપનિષ્ઠા, આત્મનિષ્ઠા, ઉત્તમ પંચવિષયમાં દોષ જોવા ને સાધુ જેવા છે તેવા ઓળખવા, એ ચાર ઘાંટી તો અતિ કઠણ છે.
(89) માણાવદરના ભગા સગરની વાત કરી જે, સત્સંગ થયો ત્યાર કેડે કેટલાંક દેવસ્થાન હતાં તે કાઢી નાખ્યાં ને નક્કી સત્સંગ થયેલ, પણ જીવમાં દેવીની લગારેક આસ્થા રહી ગયેલ. પછી બુટ દેવીનું નિશાન કરીને ભડાકો કર્યો તે પાણામાંથી કાંકરી ઊડી ને કપાળમાં વાગી. ત્યારે ફડકો પડ્યો કે, દેવીનો કોપ થયો તેથી આમ થયું, પછી તાવ આવ્યો. પછી મહારાજ પધાર્યા ને સંશય કાઢી નાખ્યો ત્યારે તાવ ઊતર્યો. તેમ ભગવાનની પેઠે આપણે પંચવિષયનો ત્યાગ કર્યો છે, પણ અવતારાદિકની ને પંચવિષયની સમીપમાં આસ્થા રહી છે. તે શું ? જે, વિષયમાં કંઈક સુખબુદ્ધિ રહી હોય તો કોઈક દિવસ ઉથડકે. માટે વિષયના રાગ હૈયામાંથી કાઢી નાખવા. હૈયામાંથી રાગ ક્યારે નીસરે ? જ્યારે વિષયના દોષ જીવમાં ઊતરે ત્યારે ખરેખરા રાગ ટળે. તે જેમ સ્વપ્નામાં સાપ દેખાય તો ભગાય છે. તે શું ? જે, તેનો દોષ જીવમાં ઊતર્યો છે. તેમ વિષયમાંથી રાગ ટળ્યા વિના કોઈ દિવસ સુખ નહિ થાય; એ સિદ્ધાંત છે. રાજાના કુંવરે સંન્યાસીના ખડબચડા પગ માંડ માંડ ધોયા, તેમ આપણે પણ આ ત્યાગ માંડ માંડ રહે છે. પણ ખરેખરા દોષ જીવમાં ઉતારીને ત્યાગ કરે એ બીજી રીતનો ત્યાગ કહેવાય.
કેડે : પાછળ.
ફડકો : ધ્રાસકો, ભયની ધ્રુજારી.
(90)
સઙ્ગં ન કુર્યાત્પ્રમદાસુ જાતુ યોગસ્ય પારં પરમારુરુક્ષુઃ । મત્સેવયા પ્રતિલબ્ધાત્મલાભો વદન્તિ યા નિરયદ્વારમસ્ય ॥
(શ્રીમદ્ ભાગવત : 3/31/39)
અર્થ :- યોગના અત્યંત પારને પામવા અને મારી સેવાથી જ લાભ મેળવવા ઇચ્છતા પુરુષે સ્ત્રીઓનો કદી સંગ રાખવો નહિ; કારણ કે, તે તેને માટે નરકનું દ્વાર કહેવાયેલું છે.
દોષધ્યાનના શબ્દ જીવમાં ઊતરી જાય પછી તેમાં કોઈ દિવસ રાગ ન થાય, નીકર કોઈક દિવસ ઉથડકે ખરું. ક્ષય રોગ જેવા દોષ કહ્યા છે, તે વિચારે ત્યારે લાડવો કેમ ગળે ઊતરે ? માટે એવા કરોડો શબ્દ આવીને હાથ ઝાલે ત્યારે વિષય ન ભોગવાય. જેમ જવાસાનો પોંક પાડવાનો ઘાટ થાય જ નહિ, તેમ વિષયમાં કાંઈ માલ ન જણાય ત્યારે એ મારગે કોઈ દિવસ ચાલે નહિ.
અર્થ : ધન, સંપત્તિ.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
ઘાટ : માયિક સુખ ભોગવવાનો સંકલ્પ, વિકારનો સંકલ્પ.
સંવત 1919ના ભાદરવા સુદિ તેરસને દિવસે સ્વામીએ વાત કરી જે,
(91) સો કળા કરીને સ્વભાવ મૂકી દેવા ને કરોડ કળાઓ કરીને આ સંત સાથે જીવ જોડી દેવો. જે સાથે જીવ જોડ્યો જોઈએ ને જ્યાં વૃદ્ધિ પમાય એવું છે, ત્યાં જીવ ઉથડકે છે. આ સંત સાથે જોડાણા વિના ને આમાં જીવ બાંધ્યા વિના કોટિ કલ્પ સુધી સર્વે પ્રકારે નિર્દોષ થાવાશે નહિ.
કળાઓ : યુક્તિઓ.
કોટિ : કરોડ.
કલ્પ : આપણાં ચાર અબજ બત્રીશ કરોડ વર્ષનો સમય - બ્રહ્માનો એક દિવસ (પણ રાત નહિ)
(92) જીવ તો વિષયાનંદી છે, તે આ માયાના સુખમાં જ લોભાઈ ગયો છે. ગણોદના ગરાસિયાને ચમક ચાલ્યો, તેમ આપણે શબ્દ, સ્પર્શ, રૂપ કે રસ અતિ થઈ જાય, તો ચમક ચાલે એવું છે. દયાળાનંદને ને પરમપ્રકાશાનંદને ચમક ચાલ્યો હતો. સાવજ ને દીપડો જેમ ઝડપું નાખે છે, તેમ માયા પણ ઝડપું નાખે છે. આવી આવી વિષયખંડનની વાતું કરીએ છીએ તો પણ માંહીથી હુલકા ઊઠે છે. માંહોમાંહી ખેંચાતાણ થાય ને લડાલડ થાય કે એકબીજાને ગરાસિયાની પેઠે ઈર્ષા થાય, તે અમને તો નરકના કુંડથી પણ વધારે વસમું લાગે છે. ભગવાનના ભક્ત સાથે અંતરાય રહેશે તો જીવ વૃદ્ધિ નહિ પામે.
ચમક : લોહચુંબક.
સાવજ : સિંહ.
અંતરાય : અડચણ, વિઘ્ન, અવરોધ
(93) જીવ આ દેહમાં ને આ લોકમાં ઘોઘલો કરીને બેઠો છે, પણ તે ક્યાં સુધી રહેશે ? જીવને તો બાળકની પેઠે અવળા-સવળા સંકલ્પ કર્યાનો સ્વભાવ પડી ગયો છે ને અજ્ઞાને કરીને મોહ થાય છે; પણ જેને પ્રભુ ભજવા તેણે મોહને મારગે ચાલવું નહિ ને વિષય સાથે વેર કરવું કાં સાંખ્ય શીખવું, પણ તે સાથે કસુંબા પીવા નહિ. કેટલાકને બાયડીઓ ઝેર દે છે તે કેટલાય મરી ગયા. તે ઘાણલામાં બાયડીએ તેના ધણીને કુહાડો કાંધમાં માર્યો પણ છટકી ગયો તે બચી ગયો. પછી બાયડીને કાઢી મેલી તે બાઈને કોઈએ લીધી નહિ ને ભાઈને કોઈએ દીધી નહિ. પછી ચૌદ વરસે મનાવા ગયો ને કહે જે, ‘મારી જીભડીનો વાંક છે, તારો વાંક નથી’; એમ ચૌદ વરસે પાછો મેળાપ કર્યો, એવું વિષયનું બળ છે !
(94) સ્ત્રી, છોકરાં, ખાવું, પીવું સર્વે લઘુશંકાના વહેવાર છે, એમ સાંખ્યે કરીને બધું ધૂડ જેવું કરી નાખવું. નાનાં છોકરાં હોય તે ખાઈને સૂઈ રહે, તેમ આપણે એવું ન કરવું, પણ ગાફલાઈ મૂકીને પ્રભુ ભજી લેવા. જેવું છે તેવું બધાનું રૂપ જોઈ લેવું, દ્રવ્ય ને પદાર્થ છે તેનાં રૂપ જોવા માંડે ત્યારે કોઈમાં માલ જણાય નહિ. પ્રભુ ભજવાનો આદર કર્યો છે પણ વિઘ્ન ઘણાં છે ને દેહ નહિ રહે ને ખોટ રહી જાશે.
(95) સાંખ્યવાળો હોય તે ભટ્ટજીની (મયારામની) પેઠે વિચારીને પાછો વળે, પણ જોગવાળો પાછો વળે નહિ. તેને તો સાધુ અંજારની સતીની પેઠે પરાણે વાળે તો પાછો વળે; પણ પોતાની મેળે ન વળે. ભટ્ટજીએ હાટ ન કરવાનું તરત જળ મેલ્યું ને બીજાને મહિનો દિવસ સુધી ઊંઘ ન આવે તો પણ વિચારીને પાછો ન વળે. મૂળજી બ્રહ્મચારી દીઠામાં ભોળા જેવા, પણ નિયમ ધર્મમાં મહાખબરદાર. તેમણે સ્ત્રીના હાથનું ન જમ્યાના સમ ખાધા. ધન, સ્ત્રી તો એવાં છે જે કોઈને કુશળ રહેવા દે જ નહીં. તે મહારાજે ગોપાળાનંદસ્વામી તથા મુક્તાનંદસ્વામીને જોગ થયે ઊતરતા જેવા રહે કે ન રહે એમ કહ્યું; ત્યારે બીજાની શી ગણતી ?
જેહિ મારુત ગિરિ મેરુ ઉડાઈ, કહો તુમ કહા લેખા માંઈ ?
જોગી ઠગે અરુ ભોગી ઠગે, બનવાસી સંન્યાસીકો એક ધારો.
હો મન હરનાં, ત્રિય વનમેં નહિ ચરનાં. હો0
(બ્રહ્માનંદ કાવ્ય : 2379)
પ્રકરણ 10 ની વાત 194
(96) જન્મ્યા છીએ ત્યાંથી ખાવા માંડ્યું છે, પણ ખાધાનો પાર જ આવ્યો નહિ; તેમ જ જોયાનો ને બોલ્યાનો પણ પાર આવ્યો નહિ. છેલ્લાનું 24મું અને 33મું વચનામૃત વંચાવીને કહ્યું જે, આપણે પંચવિષય ન ભેટ્યે સારા છીએ, માટે એનો સંબંધ જ ન થાવા દેવો, તો કુશળ રહેવાય તેમ છે. મન-ઇન્દ્રિયુંને ઘસારો લાગે ત્યારે રાજી થાવું ને જ્યારે એના વિષયનું પોષણ થાય ત્યારે મોત આવ્યા જેટલો ખટકો હોય ત્યારે એ મારગે ન ચલાય. ગાફલ હોય તેને તો વિચાર થાય ને વળી ભૂલી જાય. ત્યાગીનો શો અર્થ ? જે, ભગવાન ને સાધુ રાખવા ને બીજું બધું ત્યાગવું, તેનું નામ ત્યાગી કહેવાય.
હાંજી ભલા સાધુ, હરિકી સાધ, તનકી ઉપાધિ તજે સો હી સાધુ.
(કીર્તન મુક્તાવલિ : 499)
ત્યારે વાઘજીભાઈએ પૂછયું જે, ‘ગૃહસ્થને કેમ વિષયનો ત્યાગ કરવો?’ ત્યારે ઉત્તર કર્યો જે, ગૃહસ્થને આજ્ઞા પ્રમાણે કરીને ઊભા રહેવું; પણ ડોક લાંબી ન કરવી; અવશ્ય હોય તેટલું બોલવું ને જોવું, આજ્ઞા પ્રમાણે કરે તેને માયા બાધ કરે નહિ. માટે ગૃહસ્થ તમામે આજ્ઞા પ્રમાણે અવશ્ય ઘટે એટલો વહેવાર કરીને ત્યાગીની પેઠે રહેવું ને વૃદ્ધ થાય છે તો પણ શૂરાતન નથી આવતું, તે ખોટ કહેવાય. તે ઉપર ભાઈજી ગરાસિયાની વાત કરી જે, સાત વાર લડાઈમાં ગયો, પણ લોહીવાળો ન થયો. વિષયના રાગ ને વળી તેનો જોગ થયો, ત્યારે કેમ ભોગવ્યા વિના રહેવાશે ? પુરૂરવા રાજા કાંઈ ગાંડો નહિ હોય, પણ ઉર્વશી વાંસે દોડ્યો, તે લૂગડાં પડી ગયાં તેનું પણ ભાન ન રહ્યું.
ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના, કરીએ કોટિ ઉપાયજી;
ઉષ્ણ ઋતે અવનિ ઉપરે, બીજ ન દીસે બહારજી;
ઘન વરસે વન પાંગરે, એમ ઇન્દ્રિય વિષય આકારજી. ત્યાગ0
(કીર્તન મુક્તાવલિ : 480)
અલારખો ભેખ ઉતારીને રાજ્યમાં ગયો; તે શું ? જે, પ્રથમ રાજ કરેલું; માટે ઇન્દ્રિયુંનું બળ જણાણું, પછી આંખો ફોડવા તૈયાર થયો. ત્યારે દેવતા બોલ્યા જે, આંખો ફોડ્યે નિષ્કામી થાવાતું હોય તો જેટલા આંધળા છે તે જ નિષ્કામી થાત. માટે એ વિષયની ઇચ્છા છે તે તો જ્ઞાને કરીને જ મોળી પડશે, પણ તે વિના બીજો ઉપાય નથી. જ્ઞાન વિના, મોટાના સમાગમ વિના ને મૂળમાંથી ઇચ્છા ખોદ્યા વિના, જે ત્યાગી થયા છે તેને માંહી ‘કાનો વાઘેલો’ રહી જાય; માટે ઇચ્છાઓ રહી છે તેને મૂળમાંથી ખોદી નાખવી. જ્યાં સુધી ઇચ્છાઓ નથી ટળી ને ઇન્દ્રિયું વિષયનો સ્પર્શ કરે છે ત્યાં સુધી જાણવું જે, કોઈક દિવસ ચમક ચાલશે. ખરો શૂરવીર હોય તેની આગળ કોઈનું ચાલે નહિ. ગુડેલના જીભાઈ પાતળા સળી જેવા હતા, પણ ધાડ પાછી વાળી હતી. માટે શૂરવીર થાવું.
અર્થ : ધન, સંપત્તિ.
બાધ : દોષ.
વાંસે : પાછળ.
કોટિ : કરોડ.
ભેખ : સંન્યાસ.
ચમક : લોહચુંબક.
(97) અવિદ્યાએ બળ કર્યું છે, તે અંતકરણરૂપ માયા ને બહારલી (બહારની) માયા સર્વેએ બળ કર્યું છે, તે હવે વડકાં લેવાય છે. માટે ખબરદાર રહેવું. સત્સંગ તો ભૂષણરૂપ છે; પણ કોઈ પૂછે જે, ‘ભાઈ તમે સત્સંગી છો?’ ત્યારે, ‘ના, હું નથી; પણ મારો કાકો સત્સંગી છે’, એમ જે કહે તેને સત્સંગ દૂષણરૂપ છે.
(98) વાતું સાંભળીએ છીએ તે કોઈક શબ્દ રહે છે ને કોઈક નથી રહેતા ને બારોબાર ચાલ્યા જાય છે, તેનું શું કારણ ? તો રજ, તમમાં શબ્દ સંભળાય તે રહે નહિ ને સત્ત્વમાં જે સંભળાય તે તો રહે છે. માટે એ તો ગુણનો ભેદ છે. જ્યારે ગુણાતીત થાય ત્યારે ગુણ ન વ્યાપે ને મહિમા બહુ સમજે તેને રજ, તમ થોડા આવે. તે મહારાજે કહ્યું જે, ‘અમારે કોઈનો અવગુણ નથી આવતો તેનું શું કારણ ? જે, અમે જાણીએ છીએ જે જીવ તો બિચારા એવા જ હોય.’
બારોબાર : પરબારું, સીધેસીધુ.
(99) મહારાજે પંચવર્તમાનનો પાયો નાખ્યો છે, તે સુખ આવે કે દુ:ખ આવે તો પણ તે કોટિ કલ્પે પાળ્યા વિના છૂટકો નથી. આજ્ઞાએ કરીને શૂળી હોય તો પણ તેને પાલખી માનવી ને આજ્ઞા બહાર પાલખી હોય તો શૂળી જ છે, એ પણ એક જ્ઞાનની ખીલી છે. ગૃહસ્થ હોય તેને વહેવાર કરવો પડે એટલી ઘડી કરી લેવો; પછી પાધરું મંદિરમાં આવવું; પણ અમથું જ્યાં ત્યાં ભટકતા ફરવું નહિ.
કોટિ : કરોડ.
શૂળી : મોતની સજા, જેમાં જમીનમાં રોપેલા અણીવાળા મોટા જાડા સળિયા પર દેહને પરોવી મોત નિપજાવવામાં આવે.
સંવત 1919ના ભાદરવા સુદિ ચૌદશને દિવસે સ્વામીએ વાત કરી જે,
(100)
જા કે મન ભ્રમ હોય ખગેશા, સો કહે પછમ ઉગે દિનેશા,
એમ જીવને વિપરીત ભાવના થઈ છે કે, મહારાજનો મહિમા સમજાતો નથી. મહારાજ તો ગારુડી કહેવાય.
રાજે ગઢપુર મહારાજ, પૂરણ બ્રહ્મ પરમાત્મા જો;
આવ્યા ગરીબ નિવાજ, એ તો અક્ષરના આત્મા જો.
છાયો પ્રબળ પ્રતાપ, કહ્યો નવ જાય રસના જો;
કીધો અધર્મ ઉથાપ, વાગ્યા ડંકા અતિ જશના જો.
માર્યા અસુર અપાર, કામ ક્રોધાદિક વાંકડા જો;
સુર અસુર નર નાર, જેની આગે સૌ રાંકડાં જો.
મત પંથને માથે મેખ, મારી લીધા જન છોડાવી જો;
મુંડ્યા કંઈક ગુરુ ભેખ, પાડ્યા મહંતને ગોડવી જો.
આપી પરચા અનૂપ, માયિક મતને ઉખાડિયાં જો;
જીવ માયા બ્રહ્મરૂપ, જથારથ તે દેખાડિયાં જો.
સમાધિમાં સહુ ધામ, દેખાડ્યાં નર નારને જો;
એવા સહજાનંદ શ્યામ, પ્રગટ્યા પ્રેમાનંદ કારણે જો.
(કીર્તન મુક્તાવલિ : 786)
એ કીર્તન બોલાવીને કહ્યું જે, પ્રભાતગર, મુક્તાનંદસ્વામી, ગોપાળાનંદસ્વામી, નિત્યાનંદસ્વામી, બ્રહ્માનંદસ્વામી, આનંદસ્વામી, મગનીરામ આદિક સર્વે મહંત મોટા અવતાર કહેવાતા તેમને પણ શિષ્ય કર્યાં; માટે સર્વે કારણપણું મહારાજને વિશે છે. મહારાજને જેવા જાણશું તેના ધામમાં જવાશે.
મનુષ્યમાં ને પશુમાં જેમ ભેદ છે, તેમ સાધુ સાધુમાં ભેદ છે, ને ભગવાન ભગવાનમાં પણ ભેદ છે; તે સર્વે અવતાર સરખા ન કહેવાય, મોટા મોટા અવતાર તે આજે સત્સંગમાં આવ્યા છે. પર્વતભાઈની આગળ સર્વ અવતાર આવીને ઊભા રહ્યા. ભૂજમાં ફતેહખાન જમાદારને એક લાખ ને એંશી હજાર પેગંબર દેખાણા ને પીપલાણામાં કમાલુદીનખાનને સમાધિમાં એવું જ દેખાયું હતું. પછી ‘પુરુષોત્તમપત્રી’ વંચાવીને કહ્યું જે કરોડ જન્મે પણ આમ સમજીશું ત્યારે છૂટકો થાશે. સ્વરૂપનિષ્ઠામાં કસર રહેશે તો વાંધો નહિ ભાંગે ને આ વાત છે તે જ એકાંતિકની સમજણ કહેવાય. માટે આ વાત અવશ્ય સમજીને કરવાની છે.
કસર : ખોટ, ઉણપ.
(101) આવી વાતું એકાગ્ર મને કરીને સાંભળે તો સમજાય, નીકર સમજાય નહિ. તે ‘શિક્ષાપત્રી’માં કહ્યું છે જે, અમારો જે હેતુ છે તે એકાગ્ર થઈને સાંભળે તેને સમજાય ને તે વિના તો મરને ભગવાનનો બાપ હોય, ભાઈ હોય, સ્ત્રી હોય કે દીકરો હોય, તો પણ ન સમજાય. જેને જે વાતની ખબર નથી તેની તેને ખબર ક્યાંથી પડે ? જેણે પુરુષોત્તમપણું સાંભળ્યું નથી તે તેની શું વાત કરે ? એક જણને ચાર રૂપિયાનો મહિનો ને આખો દિવસ મહેનત કરવી પડે ને એક જણને સો રૂપિયાનો મહિનો ને ચાર અક્ષર બોલવા, તેમ વાતું વાતુંમાં ફેર છે. તે એક ગાયની પ્રદક્ષિણા ને એક પૃથ્વીની પ્રદક્ષિણા, એટલો ફેર છે. એક બ્રાહ્મણ ગૌમુખી લઈને બેઠો તે દેવમાત્રનાં નામ લીધાં; તે ભેળું જમીઆ દાતારનું ને દામો દરજીનું પણ નામ લીધું. તે કેવું થયું તો કલાભાઈની સાખીની પેઠે સાંઠો સાંઠો થયું. એવી જગતમાં ઉપાસના ચાલી રહી છે.
મરને : ભલેને.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
સંવત 1919ના ભાદરવા સુદિ પૂનમને દિવસે સ્વામીએ વાત કરી જે,
(102) સર્વેને સ્વાર્થની સગાઈ છે. હમણાં જો પતનો રોગ થાય તો કોઈ ઠામમાં ખાવા પણ દે નહિ અને મારી પણ નાખે. તેમ વેરની આંટી પડે તો ય મારી નાખે. ભેંસજાળમાં બે ભાઈ ઘાએ આવીને મરી ગયા. તેમ આપણે ડાહ્યા છીએ, પણ કામ આવે કે ક્રોધ આવે ત્યારે ડહાપણ રહેતું નથી.
ક્રોધાદ્ભવતિ સમ્મોહઃ સમ્મોહાત્સ્મૃતિવિભ્રમઃ । સ્મૃતિભ્રંશાદ્ બુદ્ધિનાશો બુદ્ધિનાશાત્પ્રણશ્યતિ ॥
(ભગવદ્ ગીતા : 2/63)
અર્થ :- ક્રોધથી મૂઢતા થાય છે, મૂઢતાથી સ્મૃતિનો નાશ થાય છે, સ્મૃતિના નાશથી બુદ્ધિનો નાશ થાય છે અને બુદ્ધિના નાશથી (મનુષ્ય) સંપૂર્ણ નાશ પામે છે.
અર્થ : ધન, સંપત્તિ.
(103) ઘરની બાયડી હોય પણ વ્યભિચાર કરતી હોય, તે કેવળ લઘુશંકાનો વહેવાર છે, તો પણ તે જાણ્યા છતાં તેની પાછળ ખુવાર મરે છે. જે ત્યાગી થાય છે તેને પણ પાપ રહી જાય છે. એક સાધુ કહે, ‘મને તો આ બધા સાધુ આરબ જેવા લાગે છે.’ માટે કામ-ક્રોધ આવે ત્યારે ઠેકાણું રહેવા દે નહિ; તે એવાની શી વાત કહેવી ! પણ બળદેવજી મણિ સારુ બોલ્યા જે, ‘શું કરું, નાનો ભાઈ થયો, નીકર માથું કાપી નાખત !’ અર્જુન ભગવાનનો અંશ કહેવાય, તે સંન્યાસી થઈને ભગવાનની બહેન સુભદ્રાને ભગાડી ગયો. ધ્રોળમાં એક શ્રીમાળીને મા, બહેનનો ટાળો નહિ. એમ જીવ અજ્ઞાને કરીને વિષયમાં જ અંજાઈ ગયા છે. જેમ ગીરના પાડા આંધળા થાય છે, તેમ આંધળા થયા છે.
(104) બાપ, ગુરુ ને રાજા એ ત્રણેને શાંતિ ન થાય. તે ઉપર વાત કરી જે, એક જણ મૂર્તિ કરતો, પણ તેનો બાપ ન વખાણે. પછી પૂતળું ઘડીને ઉકરડામાં દાટી આવ્યો. પછી બે ચાર મહિને ખાતરમાંથી નીકળ્યું. એટલે બાપને બતાવ્યું. ત્યારે કહે, ‘આવું કર, તો તું ખરો !’ એટલે છોકરો બોલ્યો, ‘એ તો મારું જ કરેલ છે.’ ત્યારે કહે, ‘હવે થઈ રહ્યું.’ ને ગુરુને પણ એમ રહે છે જે, શિષ્ય કાંઈ સમજ્યો નથી; એમ અશાંતિ રહે છે.
મૂર્તિ : સંતો.
(105) જડભરત એવા મોટા હતા ને રાજ્ય મૂકી દીધું, પણ તેમણે વળી મૃગલીમાં આસક્તિ કરી. તેમ ત્યાગી થયા છે ને એમ કોઈક પદાર્થમાં સ્નેહ રહે તે સોનાની થાળીમાં લોઢાની મેખ કહેવાય. જડભરતે કહ્યું, ‘પાર્થિવ! પાર્થિવ !’ એમ જે, બધા પૃથ્વીના જ વિકાર જાણે ને કાખના મોવાળા જાણે, તો તેને મોહ શું થાય?
પ્રકરણ 10 ની વાત 325
આસક્તિ : મોહ, અતિશય સ્નેહ, લગની.
(106) આમાં જે છે તેને ખાધાનું કે લૂગડાંનું દુ:ખ નથી, તેને તો વિષયનું દુ:ખ છે, તે સારુ નીકળી જાય છે. જેને વિષયનું ધ્યાન થયું તેથી પ્રભુ નહિ ભજાય, માટે જીવમાંથી નિષેધ કરીને કાકવિષ્ટા ને સડેલ શ્ર્વાન જેવું કરી નાખવું. બાળક જેમ અગ્નિ, તલવાર કે કાળા નાગને ઝાલવા જાય છે તેમ આપણે વિષય માટે ઝડપું નાખીએ છીએ, તે કેવળ અજ્ઞાન છે. કેટલાકના શ્ર્વાસ ગંધાય છે. લઘુશંકામાંથી આ દેહ થયું છે તે સારુ સાધુ સાથે ને સત્સંગી સાથે વેર થાય છે ને કાંઠે આવ્યું વહાણ બોળાય છે. મોહ છે તે કામ બગાડી દેશે. દેહમાં આત્મબુદ્ધિ છે તે પશુબુદ્ધિ છે ને જીવ નીકળી જાય ત્યારે મડાને કોઈ અડે નહિ.
નિષેધ : શાસ્ત્રવિહિત મનાઈ.
આત્મબુદ્ધિ : પોતાપણાની ભાવના, 'દેહ તે હું નહિ પણ આત્મા છું' એવી બુદ્ધિ.
(107) આ જીવ બધાયના પગનો જોડો થઈને રહ્યો છે ને નાત ખાસડાં મારે, બાયડી ખાસડાં મારે, પણ મોહે કરીને દુ:ખ નથી માનતો. મોટાઈ પણ ઘણા પ્રકારની છે. બ્રહ્માની લોકમાં મોટપ તેટલી શુકજીની મોટપ નથી, પણ શુકજી મોટા કહેવાય. કર્તવ્ય જે, ચાર ઘાંટીને ઓળંગવી ને તે ઓળંગ્યા વિના સાધુ નહિ થાવાય. માટે એનાં સાધન જેમ કહ્યાં છે તેમ કરવા માંડશું ને સમજવા માંડશું ત્યારે જ સમજાશે. જેને દેહનો અનાદર નથી ને પંચવિષયમાં સુખબુદ્ધિ છે, તે કહેશે જે, ‘કાંઈ લાડુ થયા હતા ! ને કાંઈ કઢી બની હતી !’ એમ વખાણ કરતા હોય ! એમ રાગ હોય તેને શું સમજાશે ? માટે બધા રાગ જેને ટળી ગયા હોય તેની પાસે જ્ઞાન સાંભળે ત્યારે રાગ ટળે. જેમાં દોષ જણાય તેમાં રાગ થાય જ નહિ, પણ જેમાં રાગ જણાય છે તેમાં દોષ દેખે. તે સાપને સ્વપ્નામાં પણ મળાતું નથી ને વીંછીંને અડાતું નથી. આપણે તો નિયમે કરીને પાંસરું રહે છે; પણ દોષ ક્યાં જણાય છે ? વૈરાગ્ય છે તે રાગ ટાળવાનો કુહાડો છે.
(108) હરિદર્શનાનંદ બ્રહ્મચારીએ પૂછ્યું જે, ‘રૂપને કેમ જિતાય ?’ ત્યારે કહે, ‘રૂપમાં દોષ દેખાય ને નિષ્કામ ધર્મ રાખે ત્યારે જિતાય.’
(109) ગીગા ભક્તે પૂછયું જે, ‘હેત કેમ થાય ?’ ત્યારે કહે, ‘મહિમા હોય તો હેત થાય.’
(110) શામજી ભક્તે પૂછયું જે, ‘પોતાને અનુભવ કેમ થાય જે, મારે મહિમા સિદ્ધ થયો છે ?’ ત્યારે કહે, ‘જેટલો મહિમા સમજાય તેટલી વિષયમાંથી આસક્તિ ટળે; પણ ભોગવતા જઈએ ને મહિમા કહેતા જઈએ, તે ખોટું છે.’
આસક્તિ : મોહ, અતિશય સ્નેહ, લગની.
(111) અચિંત્યાનંદ બ્રહ્મચારીએ પૂછ્યું જે, ‘વાતું કરે ત્યારે બ્રહ્માંડ ફાટે તેટલી કરે ને કોઈક વહેવાર આવે ત્યારે ભગવદીનો અવગુણ લે, એ તે કેમ હશે?’ ત્યારે કહે, ‘જ્ઞાન કરે છે તે ઉપરથી વાચ્યાર્થ જ્ઞાન કરે છે.’ જાણકાકાને તેના ભત્રીજાએ કહ્યું જે, ‘શાહુકારનો વીસ વરસનો છોકરો મરી ગયો.’ ત્યારે કહે, ‘હોય, મરણાં-જરણાં સંસાર છે ! ધન અને આયુષ્ય વીજળી જેવું ક્ષણિક છે !’ વળતે દિવસ જાણકાકાની દોઢ રૂપિયાની બકરી મરી ગઈ, ત્યારે પોકે પોકે રોવા બેઠા; માટે એ જ્ઞાન તો બીજાને કહેવાનું, પણ પોતાને સમજવાનું નહિ. એક સિપાઈ-રાજપૂતનાં લોઢાં, ને બીજાં ભાટચારણનાં લોઢાં, એમ જ્ઞાનમાં ફેર છે.
(112) ગોવિંદસ્વામી, યોગેશ્ર્વરદાસ ને રામચરણદાસ એ બોલે નહિ, પણ વર્તન સારું; પણ તેમાં ય એક મહાન દોષ છે જે, કોઈના સ્વભાવ બગડી જાય ને ન બોલે, તો એનું ઊંધું વળી જાય; માટે ત્યાં તો બોલવું, સમે ન બોલે તેને મૂંગો કહ્યો છે.
(113) વાઘજીભાઈએ પૂછ્યું જે, ‘ઉત્તમ ભોગમાંથી રાગ કેમ ટળે? ત્યારે કહ્યું જે, ‘એમાં દોષ જુએ, ચોરાશીનાં દુ:ખને જાણે, દેહના સ્વરૂપને જાણે ને વિષયના રૂપને જાણે, ત્યારે એમાં કાંઈ માલ ન જણાય; પછી રાગ ટળી જાય.’
(114) દાજીભાઈએ પૂછયું જે, ‘આવી વાતું નિરંતર સાંભળે છે તો પણ જીવમાંથી દોષ નથી ટળતા, તેનું શું કારણ હશે ?’ ત્યારે કહ્યું જે, ‘જ્ઞાન એક દિવસમાં ન થાય; જ્ઞાન ને છોકરું એક દિવસમાં વધે નહિ. માટે સાંભળતાં સાંભળતાં ધીરે ધીરે જ્ઞાન થાશે; પણ જે સાંભળતા જ નથી તેને તો શું થાય ?’
(115) જેની ભેળા રહીએ ને તેનો ભય ન લાગે ત્યારે વૃદ્ધિ ન પમાય.
(116) મોટાનો પ્રસંગ ન હોય ને મર સેવા કરતો હોય કે લાખ રૂપિયા આચાર્યજીને લાવી આપે કે લાખ રૂપિયા મંદિરમાં લાવે, પણ તેનો જીવ તો વૃદ્ધિ ન પામે ને ભક્ત તો કહેવાય; પણ અક્રૂરજી જેવો થાય, પણ ખરો એકાંતિક ભક્ત ન થાય.
મર : ભલે.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
(117) જીવનો સ્વભાવ તો એવો છે જે, પોતે ધણી નથી, ધણી તો કોઈક હોય ને પોતે તો રૂપિયા ફેરવતો હોય, તો પણ એમ માને જે, હું જ ધણી છું ! એ જ અજ્ઞાન છે.
(118) સારંગપુરનું 18મું વચનામૃત વંચાવીને વાત કરી જે, જુવાન છે તેને ઇન્દ્રિયું વકરી જાય પછી ન રહેવાય ને વૃદ્ધ હોય તેને કોઈના દોષ આવે તેણે કરીને પડી જવાય. માટે કોઈ ઝાઝું જમતો હોય કે લૂગડાંનો કટકો વધુ રાખતો હોય કે ઊંઘણસી હોય તો પણ તેનો અભાવ ન લેવો.
(119) નિષ્કામી, નિર્લોભી, નિ:સ્વાદી, નિ:સ્નેહી ને નિમાર્ની થયા વિના છૂટકો નથી ને નહિ થાવાય તો ભગવાન રક્ષા તો કરશે; પણ પડિયા ચાટતા જઈએ ને પ્રશ્ર્ન પૂછતા જઈએ, એ વાત ખોટી જ છે.
(120) ત્રણ અંગ સંબંધી વાત કરી જે, નિજાત્માનં બ્રહ્મરૂપં દેહત્રયવિલક્ષણમ્ । એ મહારાજનો અચળ સિદ્ધાંત છે, તે વાત વિચારવી.
ઉદ્ધવ સોઈ સાચો મમ દાસ હે;
મન ઇન્દ્રિય કે કૃત્યસેં ન્યારો, એકાંતિક મન જાસ હે;
મુક્તાનંદ સો સંત કે ઉર બીચ, મેરો પ્રબળ પ્રકાશ હે. ઉદ્ધવ0
(શ્રી સ્વામિનારાયણ હજારી : 249-4/3)
એમાં પણ એમ જ કહ્યું છે, તે વાત કોઈ વિચારતું નથી. જીવનો સ્વભાવ તો એવો છે જે દેહરૂપ શાલિગ્રામને કારસો ન આવે, તો સારું લાગે; પણ આ દેહ તો જીવનો જ શત્રુ છે ને દુ:ખનો દેનારો છે એમ જાણવું. ‘વચનામૃત’માં જીવ ઘાલ્યા વિના જ્ઞાન ક્યાંથી થાય ને વૃદ્ધિ ક્યાંથી પમાય ?
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
કારસો : ભીડો/ભીડામાં-કસોટીમાં લે.
સંવત 1919ના ભાદરવા વદિ પ્રતિપદાને દિવસે સ્વામીએ વાત કરી જે,
(121) સંસૃતિના કારણમાત્રની કોથળી તે કારણ શરીર છે. તે ટાળ્યા વિના તો વૈરાટાદિકની સામર્થી અને ઐશ્ર્વર્યને પામે; પણ તે ફોતરું ઊતર્યા વિના અક્ષરધામમાં ન જવાય. મહારાજે ભણવાનું કહ્યું, પણ કોઈએ માન્યું નહિ. ત્યારે મહારાજ કહે, ‘તમે દેશમાં ફરવા જાઓ.’ પછી ધીરે ધીરે માન્યું ને ભણ્યા, ત્યારે આ બ્રહ્મવિદ્યાની પ્રવૃત્તિ થઈ. ત્રણસેં ભણ્યા પણ તેમાં વીસ જ સત્સંગના કામમાં આવ્યા. માટે મહારાજના રહસ્યના શબ્દો વિચાર્યા વિના જ્ઞાન થાય નહિ.
ધર્મેણ હીના: પશુભિ: સમાના: ।
(હિતોપદેશ : શ્ર્લોક નં. 26)
અર્થ :- ધર્મહીન પુરુષ પશુ સમાન છે.
જ્ઞાન વિના તો પશુ લખે છે. મહારાજે ધામ દેખાડ્યું ને સમાધિ કરાવી ને સાધુએ પણ સમાધિ કરાવી, તો પણ જ્ઞાન ન થયું. પછી આમ વાતું કરી, ત્યારે જ્ઞાન થયું. સૌભરી, નારદ, પરાશર, વશિષ્ઠ, બ્રહ્મા, પરમહંસાનંદ, ઠાકરાનંદ, વિશ્ર્વાસ-ચૈતન્યાનંદ ને અદ્વૈતાનંદ તે કોઈથી પાછું વળાયું નહિ. માટે જ્ઞાન, વૈરાગ્ય તો બહુ દુર્લભ છે. જેને સાધુમાં હેત હશે તેને પણ જ્ઞાન, વૈરાગ્ય જોઈશે. તે વિના તો કાઠીના છોકરાની પેઠે માથે ઓઢીને મા-બાપને સંભારે તેવું છે. જ્ઞાન કહ્યા વિના કોને થયું છે ? તે તો કોઈનો વિશ્ર્વાસ હોય ને એનો અભ્યાસ કરે તેને જ્ઞાન, વૈરાગ્ય આવે ને બીજાને તો હેત કદાપિ થાય, પણ જ્ઞાન, વૈરાગ્ય થાવાં બહુ કઠણ છે.
સારું લાગે તે રાખે સંતાડી, ખાવાની વૃત્તિ થઈ હરાડી,
છોકરો ભણતાં ભણતાં કહે, ‘બાપા, ઓલ્યાં ગલુડિયાં ક્યાં હશે ?’ ત્યારે કહે, ‘ચૂપ, પાઠ ગોખ.’ પછી વળી ઘડીક વાંચે ને પૂછે જે, ‘બાપા, ગલુડિયાં શું કરતાં હશે ?’ ત્યારે બાપો વઢે ને વાંચવાનું કહે. તેમ આપણે પણ મહારાજ ને મોટા સંત આગળ એવું કરીએ છીએ.
પ્રકરણ 3 ની વાત 52
અર્થ : ધન, સંપત્તિ.
(122) વાડીના ઠૂંઠાના દૃષ્ટાંતે વાસનાનું રૂપ કહ્યું. માટે નિજાત્માનં બ્રહ્મરૂપં દેહત્રયવિલક્ષણમ્ । એવું થયા વિના તો મર ભક્તિ કરતો હોય, પણ દેશકાળે કોઈક ઠોકર લાગે ત્યારે પડી જવાય. મુક્તાનંદસ્વામીને મહારાજ વઢે ત્યારે ત્યાગ મોળો પાડે અને વળી પાછા ત્યાગમાં આકરા થાય. પછી
મારો મત કહું તે સાંભળો વ્રજવાસીજી,
એ કીર્તન કર્યું. માંહી જેવો હોય તેવો બહાર ન જણાય, તે કપટી કહેવાય. સમજણ વિના તો મરને દાખડો કરે તો ય કાંઈ ન થાય ને મોટાને મળીને થોડું કરે તો ય ઝાઝું થાય. મહારાજે પોતાનો સક્કો બેસાર્યો; તે ગોળા ખવરાવ્યા ને સોયને અડે તો સાત વાર હાથ ધોવા પડે. પણ સમજણ વિના તો ભગા સગરના જેવું થાય; તેને સમાધિ થાતી હતી તો પણ દેવીનો ભય લાગ્યો.
પ્રકરણ 14 ની વાત 89
મર : ભલે.
મરને : ભલેને.
સક્કો : રોફ, ભપકો.
(123)
માયા જગ ઠગની મેં જાણી.
તે ગોવિંદરામ ભટ્ટે પંદર વરસ સુધી સમાધિ કરી ને પછી રૂપિયા માગવા લાગ્યા. મોટાનો અવગુણ લેશે તેનો જીવ બળી જાશે. મોટાના ગુણ લેવા તે સદ્વાસના ને દોષ લેવા તે અસદ્વાસના છે. દુ:ખ પણ ભાતભાતનાં છે, તે કોઈને પેટછૂટ થાય છે ને કોઈને વધુ જમાણું તેનો આફરો થયો છે. જેવો માણસ હોય તેને કૃપાનંદસ્વામી આંખમાંથી કળી લેતા. પછી પ્રથમનું 37મું વચનામૃત વંચાવીને વાત કરી જે, એમાં પ્રગટ, સાકાર, સર્વોપરી ને કર્તા એ ચાર વાત આવી, તે મહારાજને એવા સમજવા; પણ તેનું મનન કોણ કરે છે? માટે શ્રવણ કરીને તેનું મનન કરીને નિદિધ્યાસ કરે ત્યારે સાક્ષાત્કાર થાય. તે આમાં કેટલાકને આરતી, ગોડી નહિ આવડતી હોય. ભગવદાનંદસ્વામીના મંડળના સાધુ ગામડે ગયા, તે સાંજે પાદરે પહોંચ્યા ત્યારે વિચાર કર્યો જે, આપણે મંદિરમાં જઈશું તો હરિજન ગોડી, આરતી, ચેષ્ટા નહિ કરે ને આપણને એ બધું આવડતું નથી માટે મોડા જઈશું. તે આરતી થઈ રહ્યા પછી ગયા ને બીજે દિવસ સૌએ થોડું થોડું શીખી લીધું. તે જેમ એ લાજથી કર્યું, તેમ પ્રકૃતિ ને સ્વભાવ ટાળવા, તે પણ કર્યા વિના ક્યાંથી થાશે ?
પ્રકરણ 11 ની વાત 274
નિદિધ્યાસ : ઇષ્ટદેવ કે પરમતત્ત્વનું નિત્ય ચિંતન.
સાક્ષાત્કાર : પરમતત્ત્વ કે ભગવાનનું પ્રત્યક્ષ દર્શન કે સાક્ષાત્ અનુભવ.
(124) પ્રવૃત્તિમાં રહીને શુદ્ધ રહે તે તો બળિયો હોય તે રહે ને આ બધો વહેવાર છે તે મહારાજની પ્રસન્નતા સારુ કરીએ છીએ ને આ તો રીસ કરવી પડે છે ને માંહી ભળવું પણ પડે છે, તે તો મહાફળ માન્યું છે તે સારુ થાય છે. વિષયનો ને દેહનો તો નિષેધ કર્યો છે ને આત્મા ને ભગવાન રાખ્યા છે. પણ બહુ જીવોનાં કલ્યાણ સારુ માંહી ભળવું પડે છે અને મહારાજનો પ્રતાપ છે તેથી આમ રહેવાય છે; નહિ તો વિષયના સંબંધમાં આમ કેમ રહેવાય ? આટલો વિષયનો સંબંધ તો મહારાજ છતાં પણ નહોતો. પંડે મહારાજ મઠની ખીચડી જમતા ને આજ જલેબીના તાવડા ચડયા છે.
નિષેધ : શાસ્ત્રવિહિત મનાઈ.
(125) ચાર ઘાંટીના પ્રશ્ર્ન પૂછવા ને તેનું શ્રવણ, મનન ને નિદિધ્યાસ કરવો તો સમજાશે ને એમ કરતાં આ દેહે નહિ સમજાય તો દેહ મૂક્યા પછી ઊગી આવશે; પણ જે લઈ બેસીશું તે એળે નહિ જાય. જીવ લઈ મંડે તો મોટા સહાય કરે.
નિદિધ્યાસ : ઇષ્ટદેવ કે પરમતત્ત્વનું નિત્ય ચિંતન.
એળે : ફોગટ, વ્યર્થ, નિરર્થક, વૃથા.
(126) ગરાસિયાના ગુરુ હરિદાસજીએ પૂછયું જે, ‘સત્સંગમાં બેપરવાઈ ન થાવું એમ કહ્યું, તે બેપરવાઈ હોય તેનાં શાં લક્ષણ છે ?’ ત્યારે કહે, ‘મંદિરના બળદિયા ખોવાણા ત્યારે નારણદાસ કહે,‘એ તો,
માત્રાસ્પર્શાસ્તુ કૌન્તેય શીતોષ્ણસુખદુઃખદાઃ । આગમાપાયિનોઽનિત્યાસ્તાંસ્તિતિક્ષસ્વ ભારત ॥
(ભગવદ્ ગીતા : 2/14)
અર્થ :- હે કૌન્તેય ! ઇન્દ્રિયોના વિષયો સાથેના સંબંધો તો ટાઢ, તાપ, સુખ અને દુ:ખ દેનારા, આવવા જવાના સ્વભાવવાળા અને અનિત્ય છે. હે ભારત! તેઓને તું સહન કર.
'આગમાપાયિનો' છે.’ તેમ તેની પેઠે સત્સંગનો મમત્વ ન હોય તે કોઈ માંદો થાય તેની ખબર પણ ન લે. જેને બેપરવાઈ ન હોય તેને તો કોઈ માંદો થાય ત્યારે પોતે જેમ માંદો થાય તેટલી ફિકર થાય.’
અર્થ : ધન, સંપત્તિ.
(127) કેશવ ભક્તે પૂછયું જે, ‘દોષમાત્ર ટાળીને શુદ્ધ કેમ થાવાય ?’ ત્યારે કહે, ‘ગિરનાર જેટલી વાસના છે તે ધીરે ધીરે ટળે; પણ ટિટોડી જેમ પુરુષાર્થમાં મંડી હતી તેમ મંડે તો મોટા સહાય કરે; પછી દોષમાત્ર ટળી જાય.’
વાસના : પૂર્વના સંસ્કારોથી મકકમ થયેલી કામના.
(128) રઘુવીરચરણદાસે પૂછ્યું જે, ‘ગાળ દે, મારે તોય તેનું હિત કરવું તે કેવી સમજણ ?’ ત્યારે કહે, ‘જડભરતના જેવો જેને દેહનો અનાદર હોય તેનાથી હિત ઇચ્છાય. તે જડભરતને ગાળું દીધી, પાલખીએ જોડ્યા અને દેવી આગળ લઈ ગયા તો પણ થડકો ન થયો ને તેને શત્રુ પણ ન માન્યા ને વળી તે રાજાનું હિત કર્યું.’
પ્રકરણ 10 ની વાત 325
થડકો : ધ્રાસકો પડે, આંચકો લાગે, ભય લાગે.
(129) કરસન ભક્તે પૂછ્યું જે, ‘કુમતિવાળાનું તો ખમાય, પણ બરોબરિયા કહે તો ન ખમાય.’ ત્યારે કહે, ‘ખમે તે તો બધાયનું ખમે, ને ન ખમે તે તો કોઈનું ન ખમે ને ઉપરથી ન બોલે તો અંતરમાં બળે; પણ પોતે જ ગુરુ હોય તેને કોઈનું મનાય નહિ.’
(130) મર બળ ન હોય, પણ લઈ મંડે તો આટલું અમારે અર્થે કર્યું એમ જાણીને તેના દોષ મહારાજ ટાળશે. દેહ સારુ કેટલા દાખડા કરે છે ? તે બ્રાહ્મણ ટેલ નાખે છે ને ઊંઘતા નથી ને પીપળે ચડીને ઝોળીમાં સૂવે ને રાત બધી રાડો નાખે. એટલું ભગવાનને અર્થે કરે તો ખામી ન રહે.
મર : ભલે.
સંવત 1919ના ભાદરવા વદિ બીજને દિવસે સ્વામીએ વાત કરી જે,
(131)
યદ્યપિ સુદ્ધં લોકવિરુદ્ધં નાચરણીયં નકારણીયમ્ ।
(સુભાષિત)
અર્થ :- ભલે ને શુદ્ધ હોય પણ જો તે લોકવિરુદ્ધ હોય તો કદી પણ ન આચરવું, ન કરવું.
કહ્યું ત્યારે હરિભજનાનંદે આસન ન ફેરવ્યું; પછી જ્યારે ઠેબાં લાગ્યાં ત્યારે ફેરવ્યું. કેટલાક કેફી બંધાણી નથી પણ શોખીન બંધાણી છે; સાધુ સમાગમ વિના મરને નાનો મોટો ગુરુ કે ભગવાન હોય તો પણ વિઘ્ન લાગે; માટે એક મહારાજ વિના બીજા બધાને સમાગમ જોઈએ ને સમાગમ વિના વૃદ્ધિ ન પમાય.
અર્થ : ધન, સંપત્તિ.
મરને : ભલેને.
(132) પ્રહ્લાદે ચાર વર માગ્યા, તે એક તો તમારા ઉપર અરુચિ ન થાય, બીજો તમારા વિશે ભાવ ન ફરે, ત્રીજો તમારા જનનો સંગ, ને ચોથો મારી ઇન્દ્રિયું થકી રક્ષા કરજો.
(133) આપણે બેઠા છીએ પણ કરોડ કામ ડોકિયાં કરી રહ્યાં છે. હાથી જેમ નાહીને ધૂડવાળો થાય છે, તેમ આપણે પણ એવું થાય છે. તે સાધુ સાથે વિનય નથી રહેતો, તે ધૂડ નાખી એમ જાણવું. માટે જેમ વહાણનું સુકાન મરડ્યા કરે છે તેમ આપણે વારંવાર ઇન્દ્રિયું-અંત:કરણને મરડ્યા જ કરવાં.
નારદ મેરે સંતસે અધિક ન કોઈ.
મમ ઉર સંત અરુ મૈં સંતન ઉર, વાસ કરું સ્થિર હોઈ.
(કીર્તન મુક્તાવલિ : 712)
એમ સંતને વશ ભગવાન છે. તે ઉપર અંબરીષ ને દુર્વાસાની વાત કરી.
(134) સંબંધીનો ત્યાગ કરવો તે મંગળ ન કહેવાય, પણ ત્યાગથી મોટા મોટા મંગળ થઈ ગયા.
(135) આ વાતું મનમાં રહેતી નથી તેનું શું કારણ ? જે, આંહીંથી ઊઠશું ત્યારે તેનું મનન રહેતું નથી; માટે મનનથી વાતું હૈયામાં ઠરે છે.
(136) વહેવાર તો કેવો છે જે, ચેલા સારુ ને લૂગડાં સારુ હેત રહેવા દે નહિ ને ખાધાનું, ઊંઘવાનું ને પદાર્થ એ સર્વે ભગવાનના ભક્તથી નોખા પાડે તેવાં છે.
(137) એક હરિભક્ત કહે, ‘સ્વામી, શેનું ભાતું લાવું ?’ ત્યારે કહે, ‘ધૂડ નાખીને લાડવાનું જ લાવ.’ તે અભાવ દેખાડીને લાડવા માગ્યા ને ઊંઘવું હોય તો સભાથી નોખું પડે તો ઊંઘાય.
(138) રજોગુણી માણસ આગળ વાત કરવી પડે ત્યારે જીભ ઝાલીને વાત કરીએ તો ઠીક પડે ને તેના દેહના ખબર પૂછ્યા (પૂછવા) જોઈએ. રાજકોટના કરસનજી વોરાએ પરચો માગ્યો; તેને અમે કહ્યું જે, ‘વરા થાશું ત્યારે પરચો દેવા આવશું.’ જેને બહુ રજોગુણ ને બહુ અજ્ઞાન ને તમ, તેને આ વાતું ધગેલ લોઢી ઉપર થોડા છાંટા જેવી લાગે અને જેનું અંતર સત્ત્વથી વાસિત થયું હોય તેને આ જ્ઞાન સારું લાગે છે. વૃત્તિના વેગ લાગે ત્યારે હૈયું ધગી જાય છે. માટે શાંતિ રાખે તો વૃત્તિઓમાં સુખ રહે ને વાસિત થાય ત્યારે દહાડે દહાડે વાતું સમાસ કરતી જાય. રૂડા ભક્તના દીકરે લીમડો પીધો, તે જ્યાં બેસે ત્યાં લીમડો જ ગંધાય ને અફીણવાળા પાસે અફીણ ગંધાય. તેમ જ્ઞાનનું થાય ત્યારે વાસિત જાણવું.
(139) એક જણ ક્રિયા કરે તે ભગવાનને સંભારીને ને એક અમથો કરે; માટે ભેળો રહે, અવસ્થા બરાબર હોય, આસન, પથારી બધું એકસરખું હોય ને માંહી ફેર ઘણો હોય.
(140) લોયાનું 8મું વચનામૃત વંચાવીને વાત કરી જે, ‘શ્રદ્ધાએ કરીને ફેર પડી જાય છે. કરવાનું છે તે જ કરે એ જ ડાહ્યો ને ન કરવાનું કરે તે મૂરખ. દક્ષ તે ડાહ્યાનું નામ કહેવાય, પણ માનથી તેણે કેટલું કર્યું ? તે કહેવાય કસ્તુરી ને ગંધાય તેવું થયું; માટે ગુણ પ્રવર્તે ત્યારે ભલભલાને પણ ખબર ન રહે.’
સંવત 1919ના ભાદરવા વદિ ત્રીજને દિવસે સ્વામીએ વાત કરી જે,
(141) ભગવાન વિના આ જીવનું રૂડું કરનારું કોઈ જ નથી. ઉગમણી દિશાએ જાવું હોય ને આથમણા ચાલ્યા, એવું જીવને કેટલુંક ઘોર અજ્ઞાન છે. તાપ્યા વિના ટાઢ ન જાય, ખાધા વિના ભૂખ ન જાય તેમ સાધુ મળ્યા વિના મોક્ષ ન થાય; તે સાધુ ખરેખરા જોઈએ, પણ વેશધારીથી કાંઈ ન પાકે ને વેશ તો તરગાળા પણ કાઢે છે. ખેતરમાં ઓડાં બેસારે છે તે બોલે નહિ, તેમ વેશે કરીને કાંઈ પાકે નહિ.
તરગાળા : ગાવા-નાચવાનો ધંધો કરનાર બહુરૂપી નટ.
ઓડાં : ખેતરના ચાડિયા
(142) દેહમાં દુ:ખ આવે ત્યારે લેવાઈ જાય છે; માટે જ્યારે દુ:ખ આવે ત્યારે જાણપણે વરતાય તે ખરું. તાવ આવે ત્યારે દેહ ધ્રૂજે ને બળવા માંડે, તો પણ એમ જાણે જે દેહ બળે છે ને હું તો આત્મા છું, એમ જાણીને આપત્કાળમાં ન લેવાવું; અલ્પ આપત્કાળ આવે એટલામાં માળા ને નહાવું મૂકવું નહિ. કેટલાક તો કીર્તનમાં ને ધૂન્યમાં આવતા નથી. સ્વરૂપાનંદસ્વામી ને મૂળજી બ્રહ્મચારી આપત્કાળમાં પણ ન લેવાય. આ સર્વે હરિજન છે તે ચીંથરે વીંટેલા રત્ન છે, એટલે કળાય નહિ. માટે કોઈને વેણે કરીને દુ:ખવવા નહિ.
(143) આ સત્સંગ છે તે તો બ્રહ્મરૂપ છે ને અકળ છે; કેમ જે, આ કાળમાં બ્રહ્મચર્ય કોઈથી ન રહે, છતાં બ્રહ્મચર્ય રાખે છે તે બહુ મોટા છે; માટે આ સત્સંગને વિશે આત્મબુદ્ધિ કરવી.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
આત્મબુદ્ધિ : પોતાપણાની ભાવના, 'દેહ તે હું નહિ પણ આત્મા છું' એવી બુદ્ધિ.
(144) જોગ હોય તો પ્રભુ ભજાય, પણ બે માળા નિયમની ફેરવી નાખી ને બેઠા. તે ‘હેલા માત્ર હરિકું સંભારત,’ એમ પ્રભુ ભજવાની રીત નથી.
(145) વિચારીને જોવું જે, હું કેટલા દુ:ખમાં લેવાઉં છું ? ને જીવ છે તેમાં દોષ આવે ત્યારે મોટાને પૂછવું ને કાં તો પોતાની મેળે પ્રાયશ્ર્ચિત કરી નાખવું, પણ મનમાં મૂંઝાવું નહિ.
(146) જીવ ઉપર મહારાજે અનુગ્રહ કર્યો છે તે વિચારવું જે, કરકાના કીડારૂપ જીવને બ્રહ્મરૂપ કર્યા ! કુળવાન હોય ને શાસ્ત્ર ભણ્યા હોય, પછી ‘અમે મુક્ત છીએ.’ એવા અભિમાનથી ભગવાનથી ને સાધુથી વિમુખ થઈને ભવમાં ભટકે છે. ભગવાનના ભક્તને ભગવાનની કથા જ્યાં ન હોય ત્યાં ન રહેવું. આટલું જ્ઞાન સાંભળીએ છીએ ને વળી દેહની કોર નમી જવાય છે. મોટા મોટા તો ભગવાનના સંતમાં આત્મબુદ્ધિ વગરનાને,
યસ્યાત્મબુદ્ધિઃ કુણપે ત્રિધાતુકે સ્વધીઃ કલત્રાદિષુ ભૌમ ઇજ્યધીઃ ।
યત્તીર્થબુદ્ધિઃ સલિલે ન કર્હિચિજ્ જનેષ્વભિજ્ઞેષુ સ એવ ગોખરઃ ।।
(શ્રીમદ્ ભાગવત : 10/84/13)
અર્થ :- જે પુરુષને વાત, પિત્ત અને કફ આ ત્રણ ધાતુઓથી બનેલ આ શબ તુલ્ય શરીરમાં જ આત્મબુદ્ધિ છે, જે સ્ત્રી વગેરેને પોતાના માન્યા હોય છે, જેની કેવળ પાર્થિવ પ્રતિમાઓમાં જ દેવબુદ્ધિ અને કેવળ જળમાં જ તીર્થબુદ્ધિ છે તથા જે જ્ઞાની મહાત્માઓમાં ક્યારે પણ પૂજ્યબુદ્ધિ નથી રાખતા ને ગધેડા સમાન જ છે.
ગધેડા સમાન જ લખે છે. આટલું જ્ઞાન થયું ને દેહમાં આસક્તિ રહી ગઈ તો,
યથા ખરશ્ચન્દનભારવાહી ભારસ્ય વેત્તા ન હિ ચંદનસ્ય । તથા હિ વિપ્રા સ્મૃતિપુરાણા મદ્ભક્તિહીના ખરવદ્વહ ન્તિ ॥
(સુભાષિત)
અર્થ :- ચંદનનો ભાર વહન કરનાર ગધેડો ભારને જ જાણે છે, ચંદનને નહિ. તેમ જ બ્રાહ્મણો મારી ભક્તિ વગર, સ્મૃતિ અને પુરાણો વગેરે ગધેડાંની માફક વહે છે.
એવું થયું.
અનુગ્રહ : કૃપા, ઉપકાર, મહેરબાની.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
આત્મબુદ્ધિ : પોતાપણાની ભાવના, 'દેહ તે હું નહિ પણ આત્મા છું' એવી બુદ્ધિ.
અર્થ : ધન, સંપત્તિ.
આસક્તિ : મોહ, અતિશય સ્નેહ, લગની.
(147) કરોડ જન્મ થયા, વિષય ભોગવ્યા છે, પણ તેનો અંત નથી આવ્યો.
(148) દેહ સારુ ભગવદીનો અવગુણ લે છે, તે દેહનું રૂપ વિચારી જુએ તો માંહી છે તે બહાર આવે તો સામું પણ જોવાય નહિ. વારંવાર દંડવત્ કરવા મંડીએ ને હાથ જોડવા મંડીએ તો ભગવાન તો દયાળુ છે તે દયા કરે જ.
(149) કામ મોટું આદર્યું ને ઇન્દ્રિયું નિયમમાં ન મળે, થોડા કામમાં મૂંઝાઈએ ને આજ્ઞામાં ન રહેવાય. પણ આજ્ઞા બહાર પૂર્વે કે હમણાં કોઈને સુખ આવ્યું નથી. આપણે નિષ્કામી, નિ:સ્વાદી થાશું તો ભગવાન હેત કરશે. પણ જીવનો એવો સ્વભાવ જે, ‘શેરીમાં ઝાડે ફરવું ને વળી ડોળા કાઢવા.’ તે શું ? જે, આજ્ઞા પાળવી નહિ ને હરિજનને ડરાવવું જે, અમારો અવગુણ લેશો ને દ્રોહ કરશો તો તમારું ભૂંડું થાશે.
ખોટી વાતને ખાસડાં દઈએ, તેનો રામ ન આણે રોષ,
જો હોય સાચી ને જૂઠી કહીએ, તેનો લાગે દોષ;
તેનો લાગે દોષ તે લાગે, ને જમીન આસ્માનથી જાયગા ભાગે,
કહે ગોવિંદરામ સાચી એટલી સાંભળી લઈએ, ખોટી વાતને ખાસડાં દઈએ.
(કીર્તન મુક્તાવલિ : ગો.કૃ.ચંદ્રાવળા)
એમ જે જેવો હોય તેને તેવો સમજવામાં ને કહેવામાં દ્રોહ થાતો જ નથી. મહારાજની આજ્ઞામાં પુરુષાદિક સર્વે રહે છે, તે ભગવાનની આજ્ઞામાં આપણે રહેવું. આપણે દુ:ખી કેમ છીએ ? તો માહાત્મ્ય વિચારતા નથી; માટે જ્ઞાન વિના દુ:ખ રહે છે. વિષયનો સંબંધ થાય અને ત્યાગ રહે તે ખરા ! વગર જોગે તો બધા ત્યાગી જ છે ને ખાધાનો જોગ થાય ને વસ્ત્રનો જોગ થાય ને ન લેવાય, તે ત્યાગી ખરો ! તે વિના તો નામ અમર ને મરી જાય; નામ કસ્તુરી ને બહુ ગંધાય, તેમ પદાર્થ આવે ત્યારે વાંદરાની પેઠે ઠેકડો ભરે, તે ત્યાગી શાનો? આપણે શા સારુ પદાર્થ સંઘર્યા જોઈએ ? ગૃહસ્થ સંઘરે છે, તે આપણને જ દેશે; માટે આપણે તો સંઘરવા જ નહીં.
દ્રોહ : મનથી, વાણીથી કે કર્મથી જાણી જોઈને કરેલ દોષ, ગુનો, પાપ કે અપરાધ
(150)
બાર કોશે બોલી બદલે, તરુવર બદલે શાખા;
બુઢાપણમાં કેશ બદલે, પણ લખણ ન બદલે લાખા.
માટે હવે તો સ્વભાવમાત્ર મૂકી દેવા. સ્તુતિનિંદાનું લોયાનું 17મું વચનામૃત વંચાવીને કહ્યું જે, આ બધી વાતું જ્યારે હૈયામાં ઊતરે ત્યારે જેમ દર્પણમાં દેખાય છે, તેમ પોતાનું વરતાઈ આવે છે. આવા જોગમાં આળસ કરીને બેસી રહેશું ત્યારે ખોટ ક્યારે ટળશે ? મોરે તપ કર્યાં હતાં પણ કોઈને આવો સત્સંગ મળ્યો નથી. આ સત્સંગ યજ્ઞ, વ્રત, તપાદિકે કરીને મળે તેવો નથી. ઉગ્ર તપ કર્યાં, દિવસની રાત કરી, રાફડો થઈ ગયા, તો પણ કહે મને પરણાવો ! માટે કરોડ જન્મે કરીને મહારાજનું વચન, મહારાજની ઉપાસના ને મહારાજના સાધુ, એ ત્રણમાં જ જીવ જોડી દેવો. દેહ પડી જાશે તો બધું અધૂરું રહેશે. આ ધર્મશાળા પણ અધૂરી રહેશે. જેને સત્સંગનો મમત્વ નહિ તેની તો વાત જ નોખી. ‘વાસુદેવ હરે’ થાય ત્યારે જમી આવે ને પછી બળદ પૂછડાં ઝાટકે તેમ એક લૂગડાના કટકે માખીઓ ઝાટક્યા કરે ને આસને બેસી રહે કાં ગોખે સૂઈ રહે; તેમાં જીવને શું સમાસ થાય?
લખણ : લક્ષણ.
મોરે : અગાઉ
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
સંવત 1919ના ભાદરવા વદિ ચોથને દિવસે સ્વામીએ વાત કરી જે,
(151) આ જીવના હૈયામાં દેહ, લોક, ભોગ ને પક્ષ તેનું જ ભજન થયા કરે છે; પણ તે વિના બીજો સંકલ્પ નથી. જેમ કમાનમાંથી તીર નીસરે તેમ સ્વર્ગ, મૃત્યુ ને પાતાળ સુધી સૌ વિષયના જ વેગમાં છે. ‘ખોદવો ડુંગર ને મારવો ઉંદર,’ તેમ એક શેર અન્ન ખાવું ને આટલા સંકલ્પ કરે છે તે પશુબુદ્ધિ છે. જીવની બુદ્ધિ ને ઇન્દ્રિયું, તે સર્વે પરમેશ્ર્વરને મારગે જડતાને પામી ગઈ છે; આંખો આંધળી થઈ છે, કાન ફૂટી ગયા છે, જીભ ટૂંકી થઈ છે, પગ ભાંગી ગયા છે; પણ વહેવાર મારગમાં તો હાંકોહાંક ચાલે છે.
હાંકોહાંક : ઊંધું ઘાલીને તેની પ્રાપ્તિમાં.
(152) ચાંપાથળના સવદાસ પટેલને ઘરનાં બધાંએ ભગવાન ભજવાની ના પાડી, ઇન્દ્રિયું-અંત:કરણે ના પાડી, એક જીવે હા પાડી, એટલે વહેલા ઊઠીને મહારાજ પાસે ચાલ્યા ગયા. પછી મહારાજે સવદાસને સંભળાવવા સારુ મુક્તાનંદસ્વામી આગળ વાત કરી જે, ‘પ્રભુ ભજવાની કોઈ હા પાડે નહિ; દરબાર ના પાડે, નાતીલા ના પાડે, ઘરના માણસ ના પાડે, દીકરો ના પાડે, મન પણ ના પાડે; તેમ પ્રભુ સાથે સર્વેને વેર છે’
(153) કથામાં ને વાતુંમાં ઊંઘ આવે છે, તે શું ? જે, આપણને શ્રદ્ધા નથી. જેમ ધારણું ગણે છે ને માપારો દાણા ભરે છે ને ભૂખ્યો ને તરસ્યો સાંજ સુધી ખળામાં રહે છે; તેવી લગની આપણી ભગવાન ભજવામાં નથી.
માપારો : ત્રાજવામાં પદાર્થ મૂકી જોખનારો.
(154) વિષયનો તો કોઈને ઓડકાર આવ્યો નથી ને આવશે પણ નહિ; માટે હિસાબ કર્યા વિનાની વાત તો ખોટી છે. તે હિસાબ તે શું ? જે, સ્થૂળના ભાવ આટલા નડે છે, સૂક્ષ્મના ભાવ આટલા નડે છે ને કારણના આટલા નડે છે. વૈરાટના દિવસ આગળ જીવની આવરદા તે શી ગણતીમાં છે! હવે એટલા વિષય ભોગવ્યા તો ય શું, ને ન ભોગવ્યા તો ય શું ? દશ બાર વરસ સુધી તો બાળક રહે, પચાસ વરસ કેડે ઘરડો થાય, ને વચમાં દિન જાગ્યું છે; તે જીવને રાત-દિવસ વિષયનાં આલોચન થાય છે.
દશ : દિશા.
કેડે : પાછળ.
આલોચન : મનન, ચિંતન.
(155) કોણ મનુષ્ય, કોણ દૈત્ય ને કોણ દેવતા ? દૈત્યોએ મોહિનીને અમૃતનો ઘડો સોંપી દીધો. વીંટીમાં નંગ જડ્યું હોય ને ભરતમાં કાચનો કટકો જડ્યો હોય, તેમ દેહ, લોક, ભોગ ને પક્ષમાં જીવ જડાઈ ગયો છે. તે બ્રહ્મરૂપ થાય તો નોખો પડે. બ્રહ્મરૂપ થાવાનાં સાધન વિવેક, વિમોકાદિક છે.
નિજાત્માનં બ્રહ્મરૂપં દેહત્રયવિલક્ષણમ્ । વિભાવ્ય તેન કર્તવ્યા ભક્તિઃ કૃષ્ણસ્ય સર્વદા ॥
(શિક્ષાપત્રી શ્ર્લોક : 116)
અર્થ :- સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ જે ત્રણ દેહ તે થકી વિલક્ષણ એવો જે પોતાનો જીવાત્મા તેને બ્રહ્મરૂપની ભાવના કરીને પછી તે બ્રહ્મરૂપે કરીને શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ જે તે સર્વ કાળને વિશે કરવી.
બ્રહ્મભૂતઃ પ્રસન્નાત્મા ન શોચતિ ન કાંક્ષતિ । સમઃ સર્વેષુ ભૂતેષુ મદ્ભક્તિં લભતે પરામ્ ॥
(ભગવદ્ ગીતા : 18/54)
અર્થ :- બ્રહ્મભાવને પ્રાપ્ત થયેલો તે પ્રસન્ન ચિત્ત મનુષ્ય કશાનો શોક કરતો નથી કે કશાની આકાંક્ષા કરતો નથી અને સર્વ ભૂતોમાં સમભાવથી રહેતો થકો મારી પરમ ભક્તિને પામે છે.
ત્રિભુવનવિભવહેતવેઽપ્યકુણ્ઠ સ્મૃતિરજિતાત્મસુરાદિભિર્વિમૃગ્યાત્ । ન ચલતિ ભગવત્પદારવિન્દાલ્ લવનિમિષાર્ધમપિ યઃ સ વૈષ્ણવાગ્ર્યઃ ॥
(શ્રીમદ્ ભાગવત : 11/2/53)
અર્થ :- ત્રણે ભુવનના વૈભવો આવીને ઊભા હોય તો પણ જેની ભગવાનમાં અખંડ બુદ્ધિ છે એવો તથા જેનો આત્મા શ્રી વિષ્ણુમાં છે એવો વૈષ્ણવજન, દેવોનેે પણ જેમની શોધ કરવી પડે છે એવા ભગવાનના ચરણકમળમાંથી એક લવમાત્ર પણ અથવા આંખના અર્ધા પલકારા જેટલા સમય માટે પણ ચલિત થતો નથી તેવો વૈષ્ણવજન પ્રધાન વૈષ્ણવ ગણાય છે. વૈષ્ણવોમાં અગ્રેસર ગણાય છે.
એમ કર્યા વિના તો વાત બનનારી નથી ને મહારાજ વિના તો મોક્ષનો દાતા કોઈ જ નથી.
દૈત્ય : અસુર, રાક્ષસ.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
(156) કાંઈ ગુણ ન હોય તેને મહારાજ નિર્ગુણ કહેતા. ગુરુ ઊઠે ત્યારે શિષ્ય પડખે આવીને હાથ ઝાલે છે, એ પણ ટેવ પડી જાય છે; તે ટેવ પડવા દેશો મા. ભરવાડણ સમ ખાતી ગઈ ને ગોળ ચાટતી ગઈ; તેમ જ્ઞાન કરતા જાય ને પડિયા ચાટતા જાય ! દુ:ખને વિશે સુખ માની બેઠા છીએ, તેમાં આટલી દિશ જણાણી તે સાધુ સમાગમે કરીને જણાણી છે.
પડખે : પાસે.
(157) સારંગપુરનું 18મું ને 7મું વચનામૃત વંચાવીને વાત કરી જે, ‘આંહીં જ નૈમિષારણ્ય કહ્યું છે ને વિષયનો સંબંધ કરીને જાણે જે જીવ સારો રહે, તે કોઈ દિવસ રહે જ નહીં.’
(158) નારણપ્રધાને પૂછ્યું જે, ‘રજ, તમ પીડે છે તેનું કેમ કરવું?’ ત્યારે કહ્યું જે, ‘દેહ હોય ત્યાં રજ, તમ હોય. કોઈક વઢશે, કોઈક ઠપકો દેશે; બધું થાશે, તો પણ આજ્ઞામાં રહેવું ને મહારાજ ને મોટા સાધુ સામું જોઈ રહેવું.’
(159) એક હરિભક્તે પૂછ્યું જે, ‘ઇન્દ્રિયું-અંત:કરણ સામું જોઈએ તો જાણીએ સત્સંગી જ નથી, એમ ગ્લાનિ પમાય છે.’ ત્યારે કહે, ‘લડાઈ લેવી ને ગ્લાનિ ન પામવી ને લડાઈ નહિ લઈએ તો ક્યાં સુખ થાય તેમ છે ?’
ગ્લાનિ : અનુત્સાહ, ગમગીની, અણગમો.
(160) આ જ્ઞાન જીવમાં થયું હશે તો દહાડે દહાડે વધશે, પણ ઘટનારું નથી. અચિંત્યાનંદ બ્રહ્મચારીએ પૂછ્યું જે, ‘મોક્ષ સારુ ભેળા થયા છીએ તે મોક્ષમાં વિઘ્ન ન આવે ને મહારાજનો અભિપ્રાય જેમ છે તેમ જણાય, તે કૃપા કરીને કહો.’ ત્યારે કહે, ‘જેમ સ્ત્રી-પુરુષને કોઈ રીતે અંતરાય રહેતો નથી, તેમ મહારાજની દૃઢ ઉપાસનાવાળા સાથે કોઈ રીતે અંતરાય ન રહે તો મહારાજનો અભિપ્રાય યથાર્થ જણાય ને મોક્ષમાં વિઘ્ન પણ ન આવે.’
અંતરાય : અડચણ, વિઘ્ન, અવરોધ
(161) યોગશ્ર્વરદાસજીએ પૂછ્યું જે, ‘કોઈક થોડું વરતતા હોય ને કોઈ બહુ વરતતા હોય, તે બધાનો મહિમા કેમ રહે ?’ ત્યારે બોલ્યા જે, ‘નાના નાનાને વિશે શિષ્યભાવ લાવીને તેનું હિત કરવું, બરાજ્ઞબરિયા સાથે મિત્રભાવ રાખવો ને મોટામાં ગુરુભાવ રાખવો.’
(162) ગજવેલ હોય તેનો ઘાટ ઘડાય નહિ, પાણી ઉતારીને ઘડે. તેમ મુક્ત હોય તેને જીવ જેવા કરી મૂકે ત્યારે ખોટ ઓળખાય ને વધુ મહિમા સમજાય ને લોઢાને પાણી પાય છે, તેમ જ્ઞાન વધુ દૃઢ થાય ત્યારે સામર્થી આવે.
ગજવેલ : પાણી ચઢાવેલું લોઢું, ખરું લોઢું.
ઘાટ : માયિક સુખ ભોગવવાનો સંકલ્પ, વિકારનો સંકલ્પ.
(163) હરિશંકરભાઈએ પૂછ્યું જે, ‘હવે ગોપાળાનંદસ્વામી જેવા હશે કે નહિ હોય ?’ ત્યારે કહે, ‘વાછરું હોય તે ગાયને ધાવીને બળ પામે છે, તેમ આ સાધુ થકી બળ પામ્યા છે એવા ઘણા છે. જ્યારે મચ્છવેધ થયો ત્યારે અર્જુન કાપડીને વેશે હતા તે કોઈએ જાણ્યા નહિ; પણ જ્યારે ધનુષ્ય લીધું ને મચ્છવેધ કર્યો ત્યારે દ્રોણાચાર્યે જાણ્યું જે રખે અર્જુન હોય ? ને બીજાને તો કળ્યામાં ય ન આવ્યું; તેમ એવા કળાય નહિ.’
સાંજે વાત કરી જે,
(164) આવા સંતનાં દર્શન થાય છે તે કોઈને દશ દિવસ, કોઈને પંદર દિવસ ને કોઈને મહિનો, એમ સંતનાં દર્શન થાય છે એ વાત કાંઈ થોડી નથી !
દશ : દિશા.
(165) ઘરમાં લાખ રૂપિયા હોય તો ય એક રોટલો જ ખાવો છે; માટે જે જોગ કોઈને મળ્યો નથી, તે જોગ આપણને આજ મળ્યો છે. બીજા જોગ તો મળશે ને ભગવાનના ભક્ત થાવાશે ને ભાગવતી તનુ મળશે ને ભગવાનનું ધામ પણ મળશે; તો પણ આવો જોગ મળવો દુર્લભ છે, તે રહી જાશે; કેમ કે, આજ મહારાજની શુદ્ધ ઉપાસનાના દૃઢાવ આંહીં થાય છે, તેવા ક્યાંય બીજે થાતા નથી. આ દર્શન કોઈને ઘડી, કોઈને બે ઘડી, કોઈને આખો દિવસ, કોઈને પાંચ દિવસ ને કોઈને મહિનો થાશે, તેણે કરીને દોષમાત્ર ટળી જાશે ! જીવને દોષ ટાળ્યાનું, વાસના ટાળ્યાનું ને શુદ્ધ થાવાનું એ જ કારણ છે, માટે મહિમા સમજીને દર્શન કરવાં. હમણાં નહિ સમજીએ તો આગળ સમજવું પડશે ને અમારે તો એટલો જ ખરખરો છે જે, મહારાજ પુરુષોત્તમ આવ્યા ને આવા સંત ભેળા બેઠા ને અજ્ઞાન રહી ગયું ! તે ‘વુઠે મેહે કાળ’ પડ્યા જેવું છે. ઉપાસનામાં બધું એક કહે છે, તેને બહુ ઠપકો લખે છે. આ વાત જીવમાં પેસવી તે બહુ કઠણ છે. કથાવાર્તામાં જીવને મૂંઝવણ થાય છે, તે તેનો મહિમા જાણ્યો નથી ને મહિમા જાણ્યો હોય તો ભગવાનના ગુણ સાંભળતાં તૃપ્તિ થાય જ નહીં. એક મહારાજનાં ચિહ્ન, ચરિત્ર ને ચેષ્ટા ને જન્મ, કર્મ તે મહિમા સમજીને કહ્યાં જ કરવાં ને સાંભળ્યા જ કરવાં.
વાસના : પૂર્વના સંસ્કારોથી મકકમ થયેલી કામના.
ખરખરો : અરેરાટી, અફસોસ, શોક.
(166) વહેવાર કરવો ને તે કરતાં જ્યારે નિવૃત્તિ મળે ત્યારે ‘વચનામૃત’ લઈને બેસવું, પણ ગ્રામ્યકથાના કે ગપોડાના શબ્દ કાનમાં પડવા દેવા નહિ.
(167) જીવનો સ્વભાવ એવો છે જે કાંઈ રમૂજ હોય કે નવીન જેવું હોય તે સાંભળ્યામાં ને જોવામાં પ્રીતિ વરતે ને નગરમાં કોઈક જનાવર આવ્યું, તે વીસ વીસ ગાઉથી માણસ જોવા આવ્યાં ને આ ગામમાં ગેંડુ આવ્યું છે તેને જોવા માણસ ઊભાં જ છે. ડાહ્યો હોય તેને ભગવાનનાં જન્મ, કર્મ ગાઈને જ દિવસ કાઢવા. કથાવાર્તા વિના તો ભગવાનમાં જોડાતો જોડાતો વિષયમાં જોડાઈ જાય, એવો જીવનો સ્વભાવ છે.
(168) એકલશ્રૃંગીનો બાપ વિભાંડક ઋષિ રાજાને શાપ દેવા જાતો હતો, ત્યાં સન્માન મળ્યું ને વિષય મળ્યા એટલે ઠરી ગયો. એવી રીતે વિષયના સંજોગ થાય ત્યારે તેમાં ઠરી જવાય એવું છે; માટે ઝટ લઈને પરવારી લેવું ને પ્રભુ ભજવા મંડી જાવું. સુરત, ગણદેવી ને નવસારીમાં જ્યારે કામકાજમાંથી નવરા થાય, ત્યારે નજરાં નાખવા જાય છે; કેમ કે, તે એ કામમાં બંધાણા છે. તેમ આપણે મહારાજમાં, આ સાધુમાં ને કથાવાર્તામાં બંધાવું.
પ્રકરણ 5 ની વાત 306
(169) હરખ-શોક, માન-અપમાન આવે, સોંઘું-મોંઘું થાય તે બધાનો વિચાર પડતો મૂકીને ભગવાન ભજી લેવા. એક વડોદરાની રસોઈ ને એક સોઢીની રસોઈ, તેમ વિષયનો સંબંધ ને વિષયથી છેટે રહેવું, તે એવું છે.
અર્થં સાધયામિ વા દેહં પાતયામિ ।
અર્થ :- ‘મારો ધાર્યો અર્થ હું સિદ્ધ કરીશ અથવા દેહનો પાત (નાશ) કરીશ’.
એવો અડગ નિશ્ર્ચય હોવો જોઈએ. એવો ઠરાવ હોય ત્યારે વિષય મુકાય છે.
શૂરાને કોણ શીખવે રણે ચડ્યાની રીત;
કેસરિયાં ડણકે નહિ જેને પંડ પડ્યા શું પ્રીત.
તેમ મરને ગમે તેવી રસોઈ થાય તો પણ જે શૂરા છે તે તો લેવાય જ નહીં. માટે મહારાજે કહ્યાં જે વચન તે જ્યારે મનાશે ત્યારે છૂટકો છે ને અંતે તો ખાસડાં ખાઈને તેમ કરવું જ પડશે. માટે આગળથી વિચારે તે બુદ્ધિમાન કહેવાય. તે ઉપર બુદ્ધિવાળાનું પંચાળાનું 1લું વચનામૃત વંચાવીને વાત કરી જે, જેને આવી રીતે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન હોય, મહિમા હોય ને સગુણ-નિર્ગુણાદિક આઠ વાનાંને જાણતો હોય તેના સમાગમે કરીને એવી રીતનો મહિમા આવે.
(170) વિષ્ણુવલ્લભદાસજીએ પૂછ્યું જે, ‘ભગવાનને જેવા છે તેવા જાણ્યા ને સંતને પણ જાણ્યા છે તો પણ કેમ વરતાતું નથી ?’ ત્યારે કહે જે, ‘શ્રદ્ધામાં કસર છે, પણ જો જાણ્યું છે તો આગળ શ્રદ્ધા થયા વિના રહેશે નહિ.’ મહાપુરુષદાસજીએ પ્રશ્ર્ન પૂછ્યો જે, ‘આ સંત્સંગમાં એમનું એમ પાર પડાય તેનો શો ઉપાય ?’ ત્યારે શ્ર્લોક બોલ્યા જે,
પ્રસંગમજરં પાશમાત્મનઃ કવયો વિદુઃ ।
સ એવ સાધુષુ કૃતો મોક્ષદ્વારમપાવૃતમ્ ॥
(શ્રીમદ્ ભાગવત : 3/25/20)
અર્થ :- ‘સંગ એ આત્માનુ જબરું બંધન છે.’ એમ કવિઓ કહે છે. એ જ સંગ જો સાધુ પુરુષો સાથે કરવામાં આવે તો મોક્ષનું દ્વાર ખુલી જાય છે.
જેમ બાપ-દીકરાને સબંધ છે ને સ્ત્રી-પુરુષને સંબંધ છે તેમ કોઈ મોટા સંતમાં બંધાણો હોય તો પાર પડે.’ કોઈનો અવગુણ ન આવે તેનો શો ઉપાય? ત્યારે કહે, પંચવિષય જોઈતા હોય તેને અવગુણ આવ્યા વિના રહે નહિ, દેહાભિમાન હોય તેને અવગુણ આવે ને ખરેખરો મહિમા સમજાય ત્યારે તો કોઈ દિવસ અવગુણ ન આવે.
કસર : ખોટ, ઉણપ.
અર્થ : ધન, સંપત્તિ.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
(171) પંચવિષય સાથે વેર કેમ થાય ? ત્યારે કહે, ‘દેહાભિમાન, પંચવિષય ને અંત:કરણ તેને દિવસ ઊગ્યાથી તે આથમ્યા સુધી અતિ રીસે કરીને હજાર ગાળું દે, તો વેર થયા વિના રહે નહિ.’
(172) કેવળાત્માનંદસ્વામીએ પૂછ્યું જે, ‘પંચવિષય ને ઇન્દ્રિયું-અંત:કરણમાંથી કેમ કરીએ તો જીવ નીકળે ?’ ત્યારે કહે, ‘એક તો દરવાજે રહેવું, બીજું ફળનું અનુસંધાન રાખવું ને ત્રીજું વિષયમાત્રમાં અનંત દોષ જોવા, તો જીવ ક્યાંય ભળે નહિ.’ વળી પૂછ્યું જે, ‘ત્રણ શરીરમાંથી જીવ કેમ નોખો પડે ?’ ત્યારે કહે, ‘પ્રથમ તો એની બારાખડી શીખવી. તે શું? જે, દશ ઇન્દ્રિયુંના દોરાયા દોરાવું નહિ ને ત્યાર પછી પોતાના જીવને બ્રહ્મ સાથે એકતાનું મનન કરતો રહે ને મહારાજની દૃઢ ઉપાસના કરે; એમ વિચાર કરતાં કરતાં કારણ શરીરથી નોખા પડાય છે.’
દશ : દિશા.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
(173) માવા ભક્તે પૂછ્યું જે, ‘ભગવાનને જાણ્યા છે તો ય દુ:ખ રહે છે તે શાને કરીને રહે છે ?’ ત્યારે કહે,
દિવ્યો હ્યમૂર્ત: પુરુષ: સબાહ્યાભ્યન્તરો હ્યજ: । અપ્રાણો હ્યમના: શુભ્રો હ્યક્ષરાત્પરત: પર: ॥
(મુંડક ઉપનિષદ : 2/112)
અર્થ :- તે દિવ્યપુરુષ પરમાત્મા નિ:સંદેહ આકાર રહિત અને સમસ્ત જગતની બહાર તેમ જ ભીતર પણ પરિપૂર્ણ છે. તે જન્મ વગેરે વિકારોથી રહિત હોવાથી સર્વથા વિશુદ્ધ છે; કારણ કે તેને પ્રાણ, ઇન્દ્રિયો ને મન પણ નથી. આ સર્વથી રહિત હોવા છતાં તે સર્વ કાંઈ કરવામાં સમર્થ છે. તેથી જ તે અવિનાશી જીવાત્માથી તેમજ અક્ષરથી પણ અત્યંત શ્રેષ્ઠ અને પર છે.
એમ સર્વ થકી પર તત્ત્વે કરીને મહારાજને જાણે તો કોઈ દુ:ખ રહે નહિ.’
અર્થ : ધન, સંપત્તિ.
(174) વાઘજીભાઈએ પૂછ્યું જે, ‘જાતિનું ને પાટીદારપણાનું જીવમાં પેસી ગયું તે કેમ નીકળે ?’ ત્યારે કહે, ‘જીવ, ઈશ્ર્વર, માયા, બ્રહ્મ ને પરબ્રહ્મ એના સ્વરૂપનું ખરેખરું જ્ઞાન થાય તો જાતિ, વર્ણ, મોટાઈ કાંઈ ન રહે.’ અશ્ર્લાલીના વેણીભાઈ દોરી, લોટો લઈને મહારાજને દર્શને વહ્યા જાય, ત્યારે હરિભાઈ મહારાજને કહે, ‘વેણીભાઈ આમ આવે તે અમારી લાજ જાય. વાળંદ અને મશાલ વિના અમારે જવાય નહિ.’ પોતે મહારાજનાં દર્શને આવે ત્યારે ઘોડા ને માણસો ભેગાં લાવે; પણ જ્યારે વાતું સાંભળીને સત્સંગ બરાબર સમજાણો ને મહારાજનો મહિમા પણ જણાણો, ત્યારે પાટીદારપણું નીકળી ગયું ને મહારાજને અમદાવાદની બજારમાં ઘોડેથી ઊતરીને દંડવત્ કર્યા.
સંવત 1919ના ભાદરવા વદિ પંચમીને દિવસે સ્વામીએ વાત કરી જે,
(175) કીર્તન બોલવાં તે જેમાં મહારાજની જ મૂર્તિ સાંભરે ને જેમાં મૂર્તિનું વર્ણન હોય તેવાં કીર્તન ગાવવાં ને બીજાના ગુણ ગાઈને રાજી ન થાય, એ પતિવ્રતાની ભક્તિ કહેવાય.
ભાવે કોઈ સુંદર કહો ભાવે કહો કારે,
હમકો એહી રૂપ બિનલ ઓ સકલ ખારે.
જેને ઉપાસના ચોખ્ખી હોય તેને તો મહારાજનાં વિના બીજાં વચનો સાંભળવાં પણ ગમે જ નહીં. આવી વાતું બીજે કરીએ તો તો કજિયો થાય ને આંહીં તો એ વાતનો પરિચય પડ્યો છે તે કઠણ પડતું નથી. ધણી તો એક જ કહેવાય. લાજ તો બીજાની કાઢે પણ ધણી સાથે જ એકાત્મભાવ હોય. માટે પતિવ્રતાપણું તો મહારાજને વિશે જ રાખવું.
મૂર્તિ : સંતો.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
(176) નંદ હોય કે દાસ હોય, પણ જેને આજ્ઞા સામી સૂરત હોય તે જ અધિક છે. નંદ હોય ને આજ્ઞા ન પાળે તો નંદ તે ફંદ કહેવાય. દાસ હોય ને ભગવદી હોય; માટે નંદ કે દાસનો કોઈ મેળ નથી.
પાળે : સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જાતનો સેવક/પાર્ષદ.
(177) ત્યાગી વૈદામાં લેવાય ને ગૃહસ્થ દોરા ધાગામાં લેવાય. માટે જેને ઉપાસનાની દૃઢતા હોય, તેને તો દેહમાં મંદવાડ આવે કે દુ:ખ આવે તો ય એમ જાણે જે સર્વ સુખદુ:ખમાં મહારાજનું જ કર્યું થાય છે.
નર એક રતિ બિન એક રતિકો.
(કીર્તન મુક્તાવલિ : નાશવંત દેહ વિશે)
મહારાજરૂપ રતિ ગઈ એટલે કાંઈ ન રહ્યું. ઉપાસનાનું શું રૂપ જે, એક મહારાજના નામનાં જ કાવ્ય ગમે ને તેનાં જ ચરિત્ર-સ્વભાવ ગમે ને બીજું બધું તો ઝાંપે બે ઝાંખરાં દઈએ તેવું છે. ઘનશ્યામદાસને સમાધિમાં તેજોમય મૂર્તિ દેખાણી ત્યારે સંશય થયો જે આ કેમ હશે ? પછી ટીબકડી ભાળી ત્યારે નિરાંત થઈ. માટે પતિવ્રતાપણું જેને હોય તે બીજા આકારને જુએ નહિ. અર્જુન ઊર્વશી નામની અપ્સરાને જોઈને તણાઈ ગયો. માટે અતિ રૂપ, અતિ રસ, અતિ માન તેમાંથી જરૂર ભૂંડું થાય. રૂપ સારું ન હોય તે જ ઠીક. શરીર રૂપાળું હોય તો વીજળી પડે.
દૃઢતા : મક્કમતા, દૃઢપણું.
મૂર્તિ : સંતો.
(178) મોટા મોટા નારદાદિક મુક્તો ભગવાન કહેવાય છે. પણ વેદની તંતી લોપે તો તેનું ભગવાનપણું ન રહે. માટે મહારાજનો મત શો છે? જે, સમજણ તો ચોખ્ખી કરવી અને વેદની તંતી ન લોપવી. પોતાની ક્રિયા જોઈને કોઈને અભાવ ન આવે તેમ સાધુ, સત્સંગીએ વરતવું.
(179) જે ધામના હોય તે તે ધામનું પ્રતિપાદન કરે. તેને જો અપૂર્ણપણું લાગે તો જ આગળ વાત સમજે. અને ખરેખરા ભગવદી હોય, તે જ્ઞાન-વૈરાગ્યની વાતું કરે તેમાં વિષયમાત્રનો નિષેધ કરે; પણ વિષય ભોગવવાનું તો આવે જ નહિ અને આ લોકથી ઉદાસ રહે ને મહારાજની નાનીમોટી આજ્ઞામાં વરતે અને મુમુક્ષુને પ્રકૃતિપુરુષ સુધીનાં કાર્યને કાકવિષ્ટા સમાન સમજાવી; મહારાજ, અક્ષરધામ અને મુક્ત વિના ક્યાંય પ્રીતિ રહેવા ન દે, એ મુક્તનું લક્ષણ છે. મહારાજે કાગળ લખ્યો તેમાં ભક્તની રીત દેખાડી, સંબંધીને ત્યજી દેવાં એવી એવી વાતું કરી. રાધિકાજીને અહંકાર થયો, ત્યારે એક ઋષિનું ખોખું ઊડ્યું તે રાખ ઊડી; ત્યારે ભગવાને કહ્યું જે, તમારું દેહ છે તે ચટક રંગીલું છે ને આનું દેહ ભગવાનના વિરહે કરીને ખોખું થઈ ગયું છે ! ત્યારે અહંકાર ઊતર્યો.
નિષેધ : શાસ્ત્રવિહિત મનાઈ.
પ્રકૃતિપુરુષ : ચેતન અકર્મણ્ય પુરુષની મદદથી જડ પ્રકૃતિમાંથી સમગ્ર સૃષ્ટિની ઉત્પતિ થઈ તે
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
(180) સતાપરને પાદર કૃપાનંદસ્વામીનું હેત જોઈને સચ્ચિદાનંદસ્વામીનું માન ગળી ગયું. જ્યારે જ્ઞાન થાય ત્યારે તો પુરુષાદિકની સમૃદ્ધિ નજરમાં ન આવે.
રાજ ભયો કહા કાજ સર્યો, મહારાજ ભયો કહા લાજ બઢાઈ,
સાહ ભયો કહા વાત બડી, પતસાહ ભયો કહા આન ફિરાઈ;
દેવ ભયો તોઉ કાહ ભયો, અહંમેવ બઢો તૃષ્ણા અધિકાઈ,
બ્રહ્મમુનિ સત્સંગ વિના, સબ ઔર ભયો તો કહા ભયો ભાઈ.
(કીર્તન મુક્તાવલિ : નાશવંત દેહ વિશે)
મર મહંત થયા કે ચેલા થયા, બ્રાહ્મણ હોય કે શુદ્ધ હોય, પણ જ્ઞાન વિના પશુ લખે છે. માટે વિચાર કરવો જે દેહ જ આપણું નથી. દેહ ને ઇન્દ્રિયું ભગવાન ભજવા દે એવાં નથી. તે તો આવા સાધુ મળે ને દેહ, ઇન્દ્રિયું ને બદલાવી દે ત્યારે બધાં સુખદાઈ થાય છે.
મર : ભલે.
(181) અક્ષરાનંદસ્વામીને રાફી થઈ હતી. તે કેફની ગોળી દીધી ત્યારે દેહની ખબર ન રહી. તેમ એવા સાધુ મળે તો આ જગતની વિસ્મૃતિ કરાવે ને સ્વભાવ મુકાવે.
જે સાધુ જનનો સંગ કરે, તેના કામાદિક સંતાપ હરે;
(શ્રી સ્વામિનારાયણ હજારી : 150-2)
ભગવાનમાં માલ જણાવી દે ત્યારે આ લોકના પદાર્થ ગમે નહિ ને સર્વે ખારું થઈ જાય.
સહજાનંદ રૂપ વિના ઓર સકળ ખારે !
જેને ગાડે બેસવું તેનાં જ ધોળ ગવાય છે, તેની પેઠે મહારાજનાં કીર્તન, તેનું નામ ને તેની જ કથા ગમે; એમાં ખોટ રહી જાશે તો ખોટ ભાંગશે નહિ. દેહ, લોક ને ભોગ એ ત્રણની સેવામાં બધા વર્ણમાત્ર મંડ્યા છે.
પ્રકરણ 1 ની વાત 92
રાફી : રાફડા આકારનો પગ થઈ જાય તેવો એકજાતનો રોગ.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
ધોળ : એક પ્રકારના મહિમા-ચરિત્રનાં ગાન.
(182) જીવને દેશકાળે કરીને વહેવારના બહુ પાસ લાગે ત્યારે જીવમાં ઇન્દ્રિયું-અંત:કરણ સાથે લડાઈનું બળ ન રહે અને મોળું પડી જવાય ને સત્સંગમાં પણ ન અવાય.
(183) દીકરા-દીકરી પરણાવે ને ડોસા-ડોશીનું ખરચ કરે, ત્યારે મૂડી હોય તે ખોઈ નાખે; પછી દુ:ખી થાય. માટે ભગવદી હોય તેણે એણી કોર (એ તરફ) બહુ વળી જાવું નહિ. સર વળી જાય ત્યારે ઓડાં જેવો સત્સંગ રહે, માટે સર વળવા દેવી નહિ. સર્વોપરી સત્સંગ મળ્યો તેને ઝાલી રાખવો. તપે, વ્રતે કરીને જેને પામવા હતા તેને પામ્યા; પણ હવે તેને જીવમાં ધારી રાખવા. વહેવારની સર રાખવી, છોકરાં-બાયડીની સર રાખવી, તેમાં જો વિચાર ન હોય તો કર્યો સત્સંગ જાતો રહે છે.
ઓડાં : ખેતરના ચાડિયા
(184) વહેવારમાં, સંબંધીમાં ને દેહમાં સુખ છે જ નહિ તો પણ જીવનું છાબડું તેમાં નમી જાય છે. બીજા પ્રભુ ભજે અથવા ન ભજે તેનું આપણે કાંઈ નહિ; આપણે તો આપણા જીવનું જ કરવું. પ્રભુ ભજવા માંડ્યા છે ને ખપ પણ છે તો પણ દેહમાં, લોકમાં ને ઉઘરાણીમાં સર વળી જાય છે; તેથી હૈયામાં સુખ નથી રહેતું. આખો દિવસ વહેવારમાં કૂટાકૂટ કરીએ તો હૈયામાં હાયવોય થાય. ખરેખરા ભગવાનના થઈએ ત્યારે લોકને આપણા ઉપર હેત રહે નહિ; જેમ ભેંશું અને સાંઢિયાને સહેજે વેર છે, તેમ જગત અને સત્સંગીને છે. માટે જગતના કુસંગીની પેઠે સત્સંગીએ કસુંબા પિવાય નહિ. મોક્ષને મારગે ચાલવું, તેણે એ બધા વિચાર કરવા ને પ્રભુ ભજવાનું મુખ્યપણું રાખવું. સર વળી જાય ત્યારે નુકશાન કેટલું ? તો, જેમ કોઈ લાખ રૂપિયા ખરચીને વિવાહ કરે પણ એક વર ન મળે, ત્યારે શું પાક્યું? ભગવાનને મુખ્યપણે રાખવા અને દેહનો વહેવાર ગૌણ રાખવો, તો સર ન વળે.
શતં વિહાય ભોત્કવ્યં સહસ્ત્રં સ્નાનમાચરેત્ ।
લક્ષં વિહાય દાતવ્યં કોટિં ત્યક્ત્વા હરિં ભજેત્ ।।
અર્થ :- સો કામ મૂકીને ખાવું, હજાર કામ મૂકીને નહાવું, લાખ કામ મૂકીને દાન આપવું અને કરોડ કામ મૂકીને હરિને ભજવા.
કરોડ કામ મૂકીને પરમેશ્ર્વર ભજવા એમ કહ્યું છે. વહેવારમાં ઝાઝા રૂપિયા તેમ ઝાઝું દુ:ખ ને જેમ મોટા વિષય તેમ મોટાં દુ:ખ ને જ્યાં ભોગ ઝાઝા ત્યાં રોગ ઝાઝા.
ભોગે રોગભયં કુલે ચ્યુતિભયં વિત્તે નૃપાલાભ્દ્રયં
માને દૈન્યભયં બલે રિપુભયં રુપે જરાયા ભયમ્ ।
શાસ્ત્રે વાદભયં ગુણે ખલભયં કાયે કૃતાન્તાદ્ભયં
સર્વં વસ્તુ ભયાન્વિતં ભુવિ નૃણાં વૈરાગ્યમેવાભયમ્ ।।
(વૈરાગ્યશતકમ્ : 31)
અર્થ :- ભોગમાં રોગનો ભય છે, કૂળમાં અધ:પતનનો ભય છે, પૈસામાં રાજાથી ભય છે, માનમાં દીનતાનો ભય છે, બળમાં શત્રુનો ભય છે, રૂપમાં ઘડપણનો ભય છે. શાસ્ત્રમાં વિવાદનો ભય છે, ગુણમાં દુષ્ટોનો ભય છે. શરીરને યમથી ભય છે, બધી જ વસ્તુઓ આ પૃથ્વી ઉપર લોકોના ભયથી ઘેરાયેલી છે. વૈરાગ્યવાન અભય છે.
અર્થ : ધન, સંપત્તિ.
(185) કોઈ કહે છે મને કામ પીડે છે, કોઈ કહે છે મને લોભ પીડે છે, કોઈ કહે છે મને માન પીડે છે, કોઈ કહે છે મને સ્વાદ પીડે છે; પણ તેને ઘટાડવાનો ઉપાય કોઈ કરતું નથી; પણ વધારવાનો ઉપાય તો કરે છે ખરા. જેમ ખેતીવાળા મંડ્યા છે તેમ ક્યાં મંડ્યા છીએ ? આ તો બે માળા ફેરવી નાખી ને આ બેઠા. એમ એ કામ ક્યાં થાય એવું છે ? માટે ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવી ખાધાનો સંકલ્પ થાવા દેવો નહિ. નાસિકાગ્ર વૃત્તિ રાખવી ને કામાદિક પાંચ દોષ ટાળ્યાનો ઉપાય કરવો. જીવ, મનનું ને ઇન્દ્રિયુંનું ગમતું કરીને પછી પ્રભુ ભજે છે. એમ,
સાહેબ તારો દલ રાખ્યો !
તે ‘મરતી મરતી કાન હલાવે.’ તેમ થાય નહિ. તે માનસંગ બારોટને તેર હજાર કોરી લખણીની કરી આપી, ત્યારે માનસંગે મેડી કરાવવા માંડી. તે માનસંગને ભાળે ત્યારે કડિયા ઘડે ને પછી હોકા પીધા કરે. તેમ આપણે પણ એ કડિયાની પેઠે પ્રભુ ભજાય છે; ને લોકેષણા, વિત્તેષણા ને પુત્રેષણા તેના જ ઘાટ થયા કરે છે, માટે વિષયના સંકલ્પ ન થાય ને ભગવાન સાંભરે એવી મોટપ ને એવા ગુણ તો મોટા થકી પામશું ત્યારે જ પમાશે.
વિત્તેષણા : ધન-સંપત્તિ મેળવવાની ઇચ્છા.
ઘાટ : માયિક સુખ ભોગવવાનો સંકલ્પ, વિકારનો સંકલ્પ.
(186)
આકૃતિચિતિચાપલ્યરહિતા નિષ્પરિગ્રહાઃ ।
બોધને નિપુણા આત્મનિષ્ઠા: સર્વોપકારિણ: ॥
(સત્સંગિજીવન : 1/32/28)
અર્થ :- શ્રીહરિ ભક્તિમાતાને કહે છે :‘હે સતિ ! મુમુક્ષુઓએ કેવા સંતને સેવવા જોઈએ ? તે જેઓ કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયોની ચપળતાએ રહિત અર્થાત વિષય વાસનાઓ વિરહિત, આત્મહિતમાં વિરોધી પરિગ્રહ રહિત, તત્ત્વબોધ આપવામાં પ્રવીણ, આત્મામાં જ એક નિષ્ઠાવાળા (આત્મારામ), સર્વ જનોનો આ લોક-પરલોકમાં ઉપકાર કરવાના સ્વભાવવાળા હોય.’
એમાં તો બ્રહ્માંડ ડોલી ગયું ને ક્ષમાશીલ તે ખમવું જ ખમવું; તે ખમવાનું સરું નહિ. એવો આદર કરે ત્યારે તેમાં સાધુના ને ભગવાનના ગુણ આવે છે. એક દિવસ રાખવાથી આરો ન આવે, તે તો મરણપર્યંત વિષયનો અભાવ રાખવો.
જેણે રે ગોવિંદ રામ તમને વિસાર્યા,
તેરે મૂરખડાં ભવોભવ હાર્યા રે.
વિષય તો પશુ, પંખી ને મહાપુરુષ સુધી એક રીતના જ છે. પ્રદ્યુમ્નને શાલવની ગદા વાગી એટલે મૂર્છા આવી. પછી સારથિ કોરે લઈ ગયો ને મૂર્છા વળી ત્યારે પ્રદ્યુમ્ને સારથિને કહ્યું જે, ‘મને રણભૂમિમાંથી તું આંહીં લાવ્યો, તે સૌ મારી મશ્કરી કરશે ને કહેશે જે, રુક્મિણીનું ધાવણ ધાવ્યો ને રણસંગ્રામમાંથી ભાગ્યો ! માટે રણસંગ્રામમાં રથ ઝટ લઈ જા.’ તેમ આપણે પણ કામની ગદા વાગે, માનની ગદા વાગે, તો પણ મૂર્છા ઊતરે ત્યારે વળી પાછું લડવા મંડી જાવું. જવાસા વાવશું તેમાંથી ઘઉં થાનારા નથી. જેમ મેહ વરસે ત્યારે ખેતર હળ લગ થાય; તેમ કોઈ માણસ મરે કે કોઈ રોગ થાય કે કોઈ આપત્કાળ આવે ત્યારે પ્રભુને સંભારે; પણ ખપવાળા છે તે તો સુખદુ:ખમાં એકધારા ભગવાનને સંભારે.
સંવત 1919ના ભાદરવા વદિ છઠને દિવસે સ્વામીએ વાત કરી જે,
(187) ત્યાગી થયા છીએ પણ દેહના અનાદરના શબ્દ કે વિષયમાં દોષધ્યાનના શબ્દ તે ઘર કરતા નથી. તે શું ? જે, એવા સંસ્કાર નહિ, તેથી જ્ઞાન વૈરાગ્યના શબ્દ સારા ન લાગે. કોઈ ગૃહસ્થ હોય તેના ઘરમાં તો ઘણું ખાવાનું હોય; પણ રોગ થાય તો કાંઈ ખવાય નહિ; તેમ ભગવાનમાં હેત છે, પણ
ધરતી રાજા રામજી કેની ન પુરી આશ;
કે’તા રાવ રમી ગયા, કે’તા ગયા ઉદાસ.
એવા વિચાર વિના ભગવાનનું સુખ આવતું નથી. આ દેહમાં ઓઢાનું અરધ છે; તે શું ? જે, ઇન્દ્રિયું-અંત:કરણનો તો અરધાથી પણ ઝાઝો ભાગ રહ્યો; માટે વાતું થાય છે ને જ્ઞાન પણ છે, પણ વિષયના દોષધ્યાન વિના એના રાગ ટળતા નથી.
રાવ : ફરિયાદ, સહાયતા માટેની આજીજી.
(188) કેટલાક ઘી, ગોળ ખાતા નથી એ વાત પણ કઠણ જાણવી ને એવો ત્યાગ પાળે તો પણ કથાવાર્તામાં ન આવે, એ મોટી ખોટ છે. પહેલાં મંદિરની ક્રિયા આપણે માથે હતી ને હવે ગૃહસ્થને માથે છે. તે રૂપિયા એના ને છોકરા એના તે આપણાં પત્તર ધુવે. માટે હવે એ વાતની ચિંતા રહી નથી. માટે સદ્જ્ઞાન વડે આપણે ગૃહસ્થની સેવા કરવી; પણ તેમ નથી થાતું ને રોગ વધે છે તેનો ટંટો રહ્યો. માટે એવા શબ્દના આઘાત લગાડવા કે દેહનો અનાદર થાય, જ્ઞાન કથવું હોય તો બ્રહ્માંડ ફોડી નાખે, પણ દેહનો અનાદર થાય નહિ. વાણિયો રાજાના પાયખાનામાં પડ્યો તેની વાત કરી; પણ ગર્ભવાસ તો ખાડા કરતાં પણ ભૂંડો છે. પણ ભય વિના પ્રીતિ થાય નહિ; ભય વિના વિષય તજાય નહિ. વિષયમાં દુ:ખ દેખાતાં નથી ને ગુરુ અને શાસ્ત્રનું વચન મનાતું નથી.
ખરેખરો સત્સંગ થાય તો કોઈમાં માલ ન રહે, કૂચા જેવું થઈ જાય ને વિષય તો શૂળીનાં સુખડાં જેવા થઈ જાય. માટે મહારાજનો સિદ્ધાંત જે, વિષયમાં દોષબુદ્ધિ કરવી ને બ્રહ્મરૂપ થાવું, તે વિના કેટલાક દેહરૂપ હતા તે તો મહારાજની સેવા મૂકીને ચાલ્યા ગયા ને ખરેખરા હતા તેને કાંઈ ન થયું. કોઈ કહેશે જે, મને આ પદાર્થ આપ્યું નહિ તેની કોરનો ધોખો થાય છે; ત્યારે અરુચિ ક્યાં છે ? વિષયનો અભાવ હોય તેને ક્યાં કુટારો છે ? પણ આ તો ‘ખાઉં, ખાઉં’ થાય છે, તે સારુ ભંડારીના અવગુણ લેવાય છે; કેમ કે, આઘાત લાગ્યા નથી. મહારાજે કેટલી વાર થાળ આપ્યા ને કેટલી વાર મળ્યા ? પણ સમજણ વિના સુખ આવતું નથી. ચાંદલો પુરુષોત્તમનો થયો છે તેની ખબર નથી. રુક્મિણીને વેગ લાગ્યો તો ભગવાનને વર્યાં. માટે દુ:ખ રહે છે, તેનું શું કારણ છે ? જે, બરાબર સત્સંગનો વેગ લાગ્યો નહિ, તેથી દુ:ખ રહી જાય છે. કેટલાક સત્સંગ કરે ને મોટા સાથે અંતરાય રાખે. કેટલાક ગૃહસ્થ છે તેને બેઠાં બેઠાં ખાય એવું હશે, પણ આ વાતનો આદર ક્યાં થાય છે ? નિયમ પાળવા ને વહેવાર કરવો તે તો સારો હોય તો એમ કરે, બાકી તો વર્તમાન પણ ન પાળે એવા પણ હશે. વાતું સાંભળે છે તેટલી ઘડી મંડી પડે છે; પણ ખરેખરું મન સોંપીને સત્સંગ થાતો નથી.
આવી વાતું કરીએ છીએ એટલામાં જ કારસો આવે છે, તે બોલાય નહિ; પણ અંતરમાં સંકોચાઈ જાય છે. વિષયનો ત્યાગ કરવો તેમાં કારસો તો આવે જ; રસોઈ પાકી થાવા માંડે ત્યારે મન ડોળાય છે ને આવી વાતું થાય ત્યારે સંકોચાઈ જાય છે. અહોરાત્રિ આવી વાતું થાય ને આઘાત લાગવા માંડે ત્યારે વિષય ન રહે વિષયનાં ને રૂપિયાનાં તો ગાડાં ને ગાડાં ચાલ્યાં આવશે, તેનો તો પાર નહિ રહે; કેમ કે, હરિભક્તને વાત સમજાણી તે બીજે ક્યાં વાવરશે ? તે તો સત્સંગમાં જ વાવરશે. તેથી એનો અંત આવે એમ નથી. હવે તો આ સત્સંગે કરીને વિષય ત્યાગ કરવાના વેગ લગાડવા. ભક્તિના સંસ્કાર મહારાજે દયા કરીને પ્રેર્યા છે; પણ વેગ લાગ્યા નથી, એટલે આળસ ને પ્રમાદ રહે છે. આઘાત લાગે તો કુસંગ ઊભો રહે નહિ. વિષય તો એવા બળિયા છે જે, કેટલાકને ઝેર દઈને મારે છે. માટે છેલ્લું સિદ્ધાંત કરવું જે, આપણે મહારાજની ઉપાસના છે, મહારાજમાં હેત છે; હવે વિષયમાંથી રાગ ટાળી નાખવા.
પ્રકરણ 3 ની વાત 14
પાળે : સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જાતનો સેવક/પાર્ષદ.
ટંટો : કજિયા-તકરાર.
ગર્ભવાસ : ગર્ભનો ઉદરમાં વાસ.
સુખડાં : મીઠાઈ.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
ધોખો : માઠું કે ખોટું લાગે તેવું વચન.
અંતરાય : અડચણ, વિઘ્ન, અવરોધ
કારસો : ભીડો/ભીડામાં-કસોટીમાં લે.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
સંવત 1919ના ભાદરવા વદિ સપ્તમીને દિવસે સ્વામીએ વાત કરી જે,
(189) મહારાજે ગામ તેરેથી કાગળ લખ્યો હતો જે, ‘પુરુષને રાતું લૂગડું માયા છે ને સ્ત્રીને ધોળું લૂગડું માયા છે ને પંચવિષયમાં સ્ત્રીનો વિષય ભારે બળવાન છે; તેથી એને હૃદયગ્ંરથિ કહી છે ને એ પ્રકૃતિપુરુષ સુધી કહી છે. પાંચ અગ્નિએ તાપે, નગ્ન રહે કે વનમાં રહે; તો પણ એ પાપ હૈયામાંથી નીકળે નહિ.’ આપણને ભગવાન મળ્યા છે; આ સાધુ મળ્યા છે તે અક્ષરધામમાં બેઠા છીએ; પણ કામ ક્રોધાદિક આવે તો જય વિજયના જેવા હાલ થાય, માટે તેમાં દોષબુદ્ધિ કરવી. ભગવાનને ભજીને ઇન્દ્ર જેવા થાય, બ્રહ્મા જેવા થાય, બીજાને બાળી દે એવા થાય, દિવસની રાત કરે એવા થાય, પણ કામને બાળી દે એવો કોઈ ન થાય. ઇન્દ્રિયું બહુ બળવાન છે; તે મોટા મોટાને પછાડ્યા છે. શત્રુના ખોળામાં માથું મૂકશું ત્યારે કાપ્યા વિના કેમ રહેશે? માટે તે સાથે તો વેર જ બાંધવું ને એનો વિશ્ર્વાસ ન કરવો. આપણે ભગવદી છીએ, તેથી બીજાં ભૂત તો ન વળગે, પણ કામ-ક્રોધરૂપ ભૂત વળગે છે. બધાય વિષયના દાસ થઈ રહ્યા છે.
પ્રકૃતિપુરુષ : ચેતન અકર્મણ્ય પુરુષની મદદથી જડ પ્રકૃતિમાંથી સમગ્ર સૃષ્ટિની ઉત્પતિ થઈ તે
(190) મોલ છે તેને કરહલું આવે ત્યારે વધે નહિ, તેમ ગુરુ થયો એટલે તેને કોઈનું મનાય નહિ. શિષ્ય થાય તેના ઉપર ભગવાનના ભક્તની દયા થાય. ગુરુ પાસે જઈને જ્ઞાન પામવું ને સંતમાં જીવ જોડવો ને વારે વારે સમાગમે કરીને વૈરાગ્યના ને જ્ઞાનના સંસ્કાર લગાડવા ને વૃદ્ધિ પમાડવા.
કરહલું : કણસલું, ડૂંડું.
સંવત 1919ના ભાદરવા વદિ અષ્ટમીને દિવસે સ્વામીએ વાત કરી જે,
(191) જેમાં સુખ તો લેશ નથી. તેમાં આ જીવ મોહે કરીને સુખ માનીને બેઠો છે, પણ તે દુ:ખ જ છે, એવો તો કોઈએ વિચાર કર્યો જ નથી. ગૃહસ્થ છે તેમાં કેટલાક એકાંતિક સત્સંગી છે, તે છોકરાંને ઇચ્છતા નથી ને કેટલાક છોકરા સારુ હાયવોય કરે છે ને પોતાને દુ:ખિયા માનીને બેઠા છે ! કેટલાક બાયડી મૂકે છે ને કેટલાક તે સારુ કૂટે છે ! જૂનાગઢમાં મીઠો વાણિયો બ્રહ્માનંદસ્વામી કાંકરી ભાંગતા ત્યાં રોજ આવે. પછી પૂછયું, ‘શું ઇચ્છા છે?’ ત્યારે હાથ જોડી કહે, ‘મહારાજ તમે આશીર્વાદ આપો તો એક વાર થઈ જાય!’ ત્યારે કહે, ‘હવે તો લાલબાઈમાં થાશે !’ એટલે કહે, ‘સ્વામી, આમ કાં બોલો?’ ત્યારે સ્વામી કહે, ‘જેને ન મળે તેને હાયવોય, ને મળે છે તેને ય હાયવોય !’ ઝાઝું કુટુંબ છે તેને ય હાયવોય છે, માટે કોઈને સુખ નથી. સુખ તો આત્મારૂપ થઈને ભગવાન ભજવા તેમાં જ છે. જીવને વિષયમાં વહાલપ છે, ને વળી સારું માન્યું છે; એટલે વિષય મુકાતા નથી.’ હસનમિયાં પાસે બ્રહ્માનંદસ્વામી ગયા, ત્યારે કહે, ‘જેટલી અચ્છી ચીજ ખાધાની અને બીજી અચ્છી ચીજ ઓરત, તે બેય સ્વામિનારાયણે છોડાઈ દિયા !’ એમ હસનમિયાંની પેઠે ખાવું ને સ્ત્રી, એ બેમાં જ જીવને આસક્તિ છે.
જે મોક્ષભાગી નથી ને સત્સંગમાં આવ્યો છે તે કાઠીની પેઠે કહે છે જે, ‘આસેં તાળો બગડતો સે ને ઓસેં ય તાળો બગડતો સે.’ દેવની માયાનું ચક્ર ફરે છે તે કોણ ડાહ્યો ને કોણ મૂરખ ? કોણ નાનો ને કોણ મોટો ? બધા એ મારગે હાંકોહાંક ચાલ્યા છે. પણ કોઈ વિચારી નથી જોતા જે, આ કરીએ છીએ તેમાં શું ફળ થાશે? માટે મર રાગ હોય, પણ જણાય જે, મારે રાગ છે, તો તે બુદ્ધિ કહેવાય. બીજા વિષય તો કોઈક મૂકે, પણ હૃદયગ્ંરથિ તો કોઈથી મુકાય નહિ. એ વિષયનું ધ્યાન સર્વ જીવપ્રાણીમાત્રને છે. પણ વિષય મૂક્યાથી જ પાર આવશે. તે હમણાં, વરસે, બે વરસે, પાંચ વરસે ને કરોડ કલ્પે પણ મૂક્યે જ સુખ થાશે; પછી ભગવાન પાસે રહેવાશે.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
(192) કેટલાંક અણસમજનાં દુ:ખ છે. તે દેહાભિમાન વધી જાય કે સ્વાદ વધી જાય તો પોતાને ખબર ન પડે ને પોતાનો અવગુણ ન આવે; પછી એ બેમાં ટોકાય, ત્યારે અવગુણ લે ને પોતાનું ભૂંડું કરે. માટે પોતાના રાગ ઓળખે અને મૂકવાનો આદર રાખે એ જ ડાહ્યા છે.
સંવત 1919ના ભાદરવા વદિ નવમી ને દિવસે સ્વામીએ વાત કરી જે,
(193) દેહમાંથી, ઇન્દ્રિયુંમાંથી ને વિષયમાંથી હેત તોડવું. દેહ, લોક, ભોગ ને પક્ષ તે સાથે વેર કર્યા વિના ધામમાં નહિ જવાય. જેને જ્ઞાન નથી તે તો ખાઈને સૂઈ રહેશે, પણ જેને જ્ઞાન થયું તે દુ:ખ દેખે છે. એકાંતિક ધર્મ કઠણ છે, તે શું ? જે, જીવતાં મરવું, ને વહાલાં હોય તે સાથે જ વેર કરવું, એ તો મહા અટપટી વાત છે. અમે વિચાર્યું જે, આટલી આટલી વાતું કરીએ છીએ ને સુખ થાતું નથી, તેનું શું કારણ છે ? જે, જીવે વિષયમાં જીવન માન્યું છે, ત્યાંથી જ મૂળ તૂટે છે. વિષયમાં રાગ છે ને વળી ભગવાનની વાત સમજાણી એટલે આ જ્ઞાન સાંભળીને જીવ ડોળાય છે જે શું કરવું ? વિષય સાથે ઓળખાણ જૂની છે; તે જેમ રાંડી રાંડનું પેટ વધ્યું તેમ છે. માટે જૂની ઓળખાણનું બળ બહુ છે, તે સારુ એ તોડવી. વાતું સાંભળીને મૂળગો કજિયો પેઠો, તે જાણે સુખે સૂઈ રહેતા ને આ કજિયો ક્યાંથી પેઠો ? પણ તે તો જૂની ઓળખાણનો કજિયો છે, માટે એ સાથે કજિયો થાય ને વેર થાય તો ઠીક પડે, નહિતર નિત્ય ઊઠીને પાધરું જ વિષયનું ખંડન થાય ત્યારે અંતરમાં સળગી ઊઠે.
ઉમાભાઈ બાઈઓની સભામાં વાતું કરતા, ને ડોશીઓ થાળ લાવે ને પોતે જમે; પછી અક્ષરાનંદસ્વામીએ ના પાડી ત્યારે અમદાવાદ ચાલ્યા ગયા. પંચવિષયની જૂની ઓળખાણ છે તે નડે છે. વિષયખંડન તો મુમુક્ષુ ને ત્વરાવાન હોય ને બ્રહ્મરૂપ થાવું હોય તેને ગમે. વાતું થાય ત્યારે દેહ સાથે ને વિષય સાથે વેર થાય. પ્રથમ તો મૂંઝવણ થાય; પણ જ્યારે લાભ જણાય ત્યારે સુખ આવે. ‘સૌથી નોખા પાડીને બ્રહ્મરૂપ કરવા છે,’ એ મહારાજનો સિદ્ધાંત છે. કેટલીક પ્રકૃતિ તો દેહ છતાં ટળશે ને બાકી રહેશે તો દેહ મૂક્યા પછી પણ નડશે. સો કલ્પે કરીને એ ચાર વાનાં સાથે વેર કરશું ત્યારે છૂટકો થાશે. દેહ પોતાનું ન મનાય તો દુ:ખ જ નથી. આત્મારૂપ થાવું તે દેશ જ નોખો છે. મહારાજે અક્ષરાનંદ, અખંડાનંદ, બ્રહ્માનંદ એવાં નામ પાડ્યાં, તે કેટલાક તો નામ પાડ્યાં તેવા જ હતા ને કેટલાકને એવા કરવા છે. આ તો સાપે છછુંદર ગળી છે, તે વિષય મુકાય નહિ ને ભગવાન પણ મુકાય નહિ. માટે દાબે દાબે રહેવાય છે, પણ અભાવ ક્યાં છે ? ગ્રંથકાર તો, વિષયાન્ વિષવત્ ત્યજ । અર્થ :- વિષયોને ઝેરની જેમ ત્યજો.
એમ લખે છે. માટે જેને મહારાજ ને આ સાધુ ભેળું રહેવું હોય તેણે વિષય સાથે વેર કરવું પડશે ને તેને ત્યજવા પડશે; એ સિદ્ધાંત જાણવું.
પ્રકરણ 10 ની વાત 201
પ્રકરણ 12 ની વાત 92
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
વાનાં : વસ્તુઓ. (બ.વ.)
અર્થ : ધન, સંપત્તિ.
સંવત 1919ના ભાદરવા વદિ દશમને દિવસે સ્વામીએ વાત કરી જે,
(194) આ જીવને સન્નિપાત થયો છે તેની ખબર જ નથી. તે પંચાળાના પહેલા વચનામૃતમાં કહ્યું છે જે, વિચારને પામ્યા વિના સારા વિષય ભૂંડાથી ભૂંડા ન થાય. વાતું કરે, કથા કરે, કીર્તન ગાય; પણ વિષયમાં વિપરીત રાગ છે, તેનો વિચાર નથી થાતો. પ્રથમનું 44મું વચનામૃત વંચાવી સુરતના ગોવિંદરામની વાત કરી જે, નાની બાયડીને પરણ્યો. પછી તેની સેવા કરતાં કરતાં પાંચ સાત વરસે પોતાને ટૂંટિયું થયું; એટલે મરતી વખતે કહે, ‘મને સ્ત્રી ભેળો ઝટ કરો’, એમ બોલતાં બોલતાં મરી ગયો. કૌશિકાનંદ લાલજી માટે સાકરનો શીરો કરતો અને પોતે ખાતો. પછી લાલજીને ઘરેણું કરાવ્યું ને ધના ભક્તને શરીરમાં બહુ બળ આવ્યું ત્યારે બાયડીને બાઝ્યો. માટે વિચારને પામ્યા વિના આ દેહમાંથી ને વિષયમાંથી હેત મટે નહિ ને દેહ, લોક ને ભોગ ખોટાં થાય નહિ. માટે માયાના ટોળામાંથી નોખા પડ્યા વિના સુખિયા થાવાશે નહિ.
(195) ઐશ્ર્વર્ય ન જોઈએ એવા પણ થોડા નજરે આવે. તે,
એવા નર કોઈ નજરે ના આવે, જેના મનને માન ન ભાવે,
આ જીવને મોટપ જોઈએ છે. ગાડીવાળાને, મેડીવાળાને, બાયડીવાળાને સુખિયા માને છે; તે શાથી જે, એમાં રાગ છે. માટે વિચારને પામ્યા વિના નિશ્ર્ચય ને ધર્મ છે, તો પણ રાગ ન ટળે. કૌરવ, સહસ્ત્રાર્જુન ને જાદવની વાત કરી. વિચારને પામ્યા છે તેને તો,
જેસો સુખ શૂકરકુ, તેસો સુખ મદ્યવાકું,
એ સમજણ જુઓ ! માટે એવો વિષયનો નિષેધ થાશે ને અહોરાત્રિ એના વેગ લાગશે ત્યારે પાપ ટળશે. આ તો નિયમે કરીને ઠીક લાગે છે, પણ રાગ ક્યાં ટળ્યો છે ? સાંખ્ય વિના દેહ, લોક, ભોગ ને પક્ષ જીવમાંથી નીકળે નહિ. સાંખ્યનો મત એ છે જે, અનુલોમ દૃષ્ટિએ જે દેખાય છે એ બધું ખોટું છે, એમ બહારનો નિષેધ કરવો તેનું નામ સાંખ્ય કહેવાય ને જીવમાં મહારાજને ધારીને અંતરદૃષ્ટિએ ધ્યાનમાં જોવા, એ યોગ કહેવાય. માટે આમ ને આમ પાંચ દશ વરસ સુધી સંસ્કાર લાગે ને વાતુંના વેગ લાગે, ત્યારે જગતનું પાપ ટળે. કોઈને તરત ટળે છે તે તેનો સંસ્કાર કહેવાય. પ્રભુ મળ્યા એટલે કલ્યાણની ને રોટલાની ગરજ ન રહી, પણ વાસના રહી જાય છે તો બીજા લોકમાં રહેવાઈ જવાશે, એવો ખટકો હોય તેને વિચાર થાય. આ જીવને સિદ્ધિ જોઈએ છે, પછી તેમાંથી માન મળે ને તેમાંથી વિષય પણ મળે.
અનુલોમ : બીજાનું જોવાની વૃત્તિ, જેમાં પોતાના આત્મા તરફની ઉપેક્ષા.
દશ : દિશા.
વાસના : પૂર્વના સંસ્કારોથી મકકમ થયેલી કામના.
(196) જીવને ઐશ્ર્વર્ય ને માનમાં હેત છે, તે ગમે તેવો મોટો થાય પણ સાંખ્ય વિના એ પાપ હૈયામાંથી નીકળે નહિ. સાંખ્ય વિના એકલો યોગ કરે તો વિઘ્ન નડે. મહારાજ ને સૂરાખાચર કારિયાણીમાં પટે રમ્યા હતા; તે વાત કરી કહ્યું જે, પટાના રમનારા હોય તે ઇન્દ્રિયુંના, મનના કોઈના લાગમાં ન આવે; તેમ સાંખ્યવાળો કોઈ વિષયના લાગમાં ન આવે.
(197) મધ્યનું 49મું વચનામૃત વંચાવીને વાત કરી જે, ‘જેટલા પ્રકૃતિપુરુષની અંદરના લોક છે તે બધા માયિક છે. મહારાજ ને આ સાધુ એ અમાયિક છે. પ્રકૃતિના કાર્યમાંથી જીવ નીકળી જાય ત્યારે બ્રહ્મરૂપ થાવાય.’ કોઈએ પૂછ્યું જે, ‘હાવું, ધોવું ને તુંબડું રંગવું, એ બધું માયિક છે, તેનું કેમ ?’ ત્યારે કહે, ‘હાવું, ધોવું ને ક્રિયા કરવી તેમાં ઉપશમ જેવું રાખવું ને ‘ધર્મામૃત’માં કહ્યાં છે તેટલા પદાર્થ રાખવા.’ બાલમુકુંદાનંદસ્વામીને સાંખ્યે સહિત યોગ કહેવાય ને મનોહરદાસને એકલો યોગ કહેવાય ને સાંખ્યનો વાંધો, એટલે ક્રિયામાં વિપરીતપણું થાય, તે મહિનો ગરમાઈ કરે ને મહિનો ટાઢક કરે.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
(198) ભગવાન મળ્યા છે તો પણ પ્રકૃતિ ટાળવી પડશે. ભગવાન પ્રથમ મળ્યા પણ હૈયામાં વિષય રહી ગયા તેના રાગ ટાળવા પડશે. ભગવાન મળ્યા છે તેને સાધન કરવાં કઠણ ન પડે. ભગવાન વિના સાધન કરવાં તે પિપીલિકા મારગ છે ને જેને ભગવાન મળ્યા છે તેને તો વિહંગ મારગ છે.
(199) નિષેધ કર્યા વિના તો કોટિ કલ્પે જીવમાંથી વિષય નીકળવાના નથી. જેને નિષેધ કરતાં ન આવડતું હોય તેણે નિયમ બરાબર પાળવા. સર્વે વાત શીખ્યાનું મૂળ તો એકાંતિકનો સમાગમ જ છે, તે વિના વિચાર કરવાનું કે નિયમ પાળવાનું બળ ન આવે; માટે કહ્યે-સાંભળ્યે ને શ્રવણ-મનન કર્યે જ્ઞાન દૃઢ થાય, પણ તે વિના બીજો ઉપાય નથી.
નિષેધ : શાસ્ત્રવિહિત મનાઈ.
કોટિ : કરોડ.
સંવત 1919ના ભાદરવા વદિ એકાદશીને દિવસે સ્વામીએ વાત કરી જે,
(200) નિત્યે વિચારવું જે, આ જીવને દેહ, લોક, ભોગ, પક્ષ ને મોક્ષ એમાંથી શેનું તાન વધારે વરતે છે ? સાધારણ છે તેને તો વિષય ઉપર તાન છે ને કાંઈક સમર્થ છે તેને ઐશ્ર્વર્ય જોઈએ છે. ઐશ્ર્વર્ય ન જોઈએ એવો કોઈ નજરે ન આવે. જીવને કાંઈક ઐશ્ર્વર્ય આવે ત્યારે તેમાં ભગવાનને મૂકીને હેત થાય; પણ ઐશ્ર્વર્યમાં માલ ન માને તે જ ભગવાનને વરવા યોગ્ય કહેવાય, એવાથી જ ભગવાનની સેવામાં રહેવાય છે. માટે બ્રહ્મરૂપ થાય ત્યારે જ કોઈ વિઘ્ન ન આવે ને ગુણાતીત કહેવાય ને ગુણાતીત થાય તો જ ભગવાન વરે. સ્ત્રીને ગમે તેવું હેત ભગવાનમાં થાય પણ એકાંતિકભાવ તો એમાં કોઈ દિવસ આવે જ નહીં. રાધિકાજી સમર્થ થયાં હતાં; પણ એકાંતિકભાવ વિના ક્રોધ થયો. માટે
બ્રહ્મભૂતઃ પ્રસન્નાત્મા ન શોચતિ ન કાંક્ષતિ ।
સમઃ સર્વેષુ ભૂતેષુ મદ્ભક્તિં લભતે પરામ્ ॥
(ભગવદ્ ગીતા : 18/54)
અર્થ :- બ્રહ્મભાવને પ્રાપ્ત થયેલો તે પ્રસન્ન ચિત્ત મનુષ્ય કશાનો શોક કરતો નથી કે કશાની આકાંક્ષા કરતો નથી અને સર્વ ભૂતોમાં સમભાવથી રહેતો થકો મારી પરમ ભક્તિને પામે છે.
નિજાત્માનં બ્રહ્મરૂપં દેહત્રયવિલક્ષણમ્ ।
વિભાવ્ય તેન કર્તવ્યા ભક્તિઃ કૃષ્ણસ્ય સર્વદા ॥
(શિક્ષાપત્રી શ્ર્લોક : 116)
અર્થ :- સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ જે ત્રણ દેહ તે થકી વિલક્ષણ એવો જે પોતાનો જીવાત્મા તેને બ્રહ્મરૂપની ભાવના કરીને પછી તે બ્રહ્મરૂપે કરીને શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ જે તે સર્વ કાળને વિશે કરવી.
એવું થાવું. ગુણાતીતને તો વિષયનાં સુખ નરક જેવાં થઈ જાય છે; માટે સિદ્ધાંત કરવો જે, સો કરોડ જન્મ ધરીને પણ બ્રહ્મરૂપ થાવાશે ત્યારે જ મહારાજની સેવામાં રહેવાશે. સાધુ થાશું અને સાધુના ગુણ આવશે ત્યારે ભગવાન પાસે રહેવાશે. જ્ઞાનીને આત્મા કહ્યો છે; પણ પ્રેમીને નથી કહ્યો, માટે બ્રહ્મરૂપ થઈને ભગવાનની સેવા કરે તેનો જ પાયો અચળ છે. હેતે કરીને જોડાણો હોય તેને કોઈક દિવસ વિઘ્ન થાય ખરું. બ્રહ્મરૂપ થયા વિના તો તુંબડું ફૂટે ને કજિયો થાય. ગુરુ-ચેલાના કજિયા થાય ને સામસામા બાઝે. મંદિરવાળાને અરસપરસ કજિયા છે તે બધા બ્રહ્મરૂપ થયા વિના છે અને તેવામાં જ માયા ઝડપું નાખે છે. આટલું સુહૃદપણું રહ્યું છે, તે તો મહારાજની ઇચ્છાએ રહ્યું છે; પણ બ્રહ્મરૂપ થયા વિના તો સુહૃદપણું પણ નહિ રહે.
મંદિરનો મમત્વ કરીએ છીએ, તે તો અસંખ્ય જીવોનાં કલ્યાણ સારુ છે. જીવ છે તે અખંડ ધ્યાન કરે એવા નથી; માટે મંદિરની સેવામાં પ્રેર્યા છે. ધ્યાનમાં બેસો તો બપોર નહિ થાય ને ધ્રાબો ટીપવામાં બપોર થાશે; માટે સેવામાં પ્રેર્યા છે. પંગતમાં જમે તે ઉપર મહારાજનો રાજીપો છે ને નોખી રસોઈ કરે ત્યારે ચાર પૈસાભાર ઘી આવે; પણ એ મારગે કોઈ ચડશો નહિ. પંગતમાં ખાવું તે તો આજ્ઞા છે, તેમાં અખંડાનંદસ્વામીની પેઠે એકમેક કરીને જમવું. એકાંતમાં નાના છોકરા સાથે રહેશે તેને માથે જરૂર અપવાદ આવશે. કૃપાનંદસ્વામીએ ત્રણ નિયમ ધરાવ્યા હતા જે, છોકરા સાથે ગોઠ ન કરવી, દૂધપાક ખાવો નહિ ને નોખી રસોઈ કરવી નહિ. અમે પચીસ વરસથી દૂધ મૂક્યું છે. રસમાંથી નિષ્કામી વર્તમાનને ઘસારો લાગશે; પછી અંતરે સુખ કેમ રહેશે ? આમ ને આમ આજ્ઞામાં રહીને મંદિરને વળગી રહેશો, તો ઉપાસના રહેશે. ગમે તેવા દેશકાળમાં પણ મંદિર તો મૂકવાં જ નહીં. મહારાજ ધામમાં પધાર્યા પછી કેટલાકે મંદિર મૂકી દીધાં. કેટલાકે ખાધાના નિયમ લીધા હતા; પણ અંતે તે ન રહ્યું. માટે મંદિર ને સત્સંગમાં સુહૃદપણું રાખજો. ત્યાગીને ધન, સ્ત્રી ને ખાધાના સંકલ્પ કરવા તે તો સત્સંગમાંથી પાડી નાખે.
પ્રકરણ 9 ની વાત 106
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
અર્થ : ધન, સંપત્તિ.
નરક : દોજખ, વિષ્ટા.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
(201) ‘બાઈ માણસને એકાંતિકભાવ સિદ્ધ ન જ થાય.’
(202) કારિયાણીનું 3જું વચનામૃત વંચાવીને વાત કરી જે, આસન વાળીને બેસવું ને રાત પડે ત્યારે કોપીન તાણીને બાંધવી એમ કૃપાનંદસ્વામી કહેતા. પછી હનુમાનગઢીના વૈરાગીની વાત કરી જે, વજ્રકછોટો વાળતો. જોબન અવસ્થા એવી છે જે ચાળો ન કરવો હોય તોય થઈ જાય; માટે યુવા અવસ્થાવાળાએ વયોવૃદ્ધ, તપોવૃદ્ધ ને જ્ઞાનવૃદ્ધ હોય તેનો જ સંગ કરવો. વિષય આવે ને રોઝની પેઠે નજર નાખે ત્યારે ત્યાગ કેમ પાર પડશે ?
આવ્યો કોણ કામે, ચાલ્યો કોણ વાટે રે ?
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
(203) સાધુમાં એવો ગુણ જે સાધુ જ કરે. આપણે સાધુનો મહિમા ક્યાં સમજીએ છીએ ? ‘બ્રહ્મવિલાસ’માં કહ્યો છે તેવો ગુરુનો મહિમા કોઈને નથી.
પથ્થરકી જાતિ હીરા ચિંતામણિ પારસહું,
મોતી પુખરાજ લાલ શાલ ફેર ડારિયે;
(કીર્તન મુક્તાવલિ : ગુરુ કો અંગ)
એમ સમજ્યા વિના તો ક્યારે ગુરુ ગુજરે ને પગલાં આવે હાથ, એવો મહિમા છે ! ચરણારવિંદ સારુ સેવા કરે તેને રાઘવાનંદસ્વામી જડાનંદ કહેતા ને મહારાજ નિર્ગુણ કહેતા, જે તેમાં કોઈ ગુણ જ નહીં.
ચિંતામણિ : ઇચ્છા પૂરી કરે તેવો દિવ્ય મણિ.
પગલાં : મહારાજનાં પગલાંની છાપ.
સંવત 1919ના ભાદરવા વદિ દ્વાદશીને દિવસે સ્વામીએ વાત કરી જે,
(204) સર્વે વાતનું સિદ્ધાંત એ છે જે બ્રહ્મરૂપ થાવું. મહારાજ કહે, ‘ખબર ન પડે તો સૂક્ષ્મ દેહને પોતાનું માનજો પણ સ્થૂળ દેહને તો પોતાનું રૂપ માનશો જ નહીં.’ મહારાજે ખરડા લખાવ્યા હતા તેમાં લખ્યું જે, ‘આહાર શુદ્ધિ અને અંત:કરણ શુદ્ધિ થયે ધ્રુવાનુસ્મૃતિ થાય.’ સર્વે ક્રિયામાં પોતાને આત્મારૂપ માનવું ને ઇન્દ્રિયુંના દોરાયા દોરાવું નહિ, તો બળ આવતું જાય.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
ધ્રુવાનુસ્મૃતિ : જેવી ઉત્તરધ્રુવ સામે જ સદા રહેવાની સ્થિતિ તેવી જ નિરંતર પરમાત્મા તરફની દૃષ્ટિ.
(205) કોઈ સર્વસ્વ અર્પણ કરી દે તેવો હોય, દેહને ન ગણે તેવો હોય, ઇન્દ્રિયું-અંત:કરણને ન ગણે તેવો હોય, પણ ત્રણ દેહના ભાવ ટાળી નાખે એવો ન જડે. માટે દેહના ભાવ મૂક્યા વિના ધામમાં નહિ જવાય. આ વાતું હૈયામાં ઠરે ને પોતાને બ્રહ્મરૂપનું નક્કી થાય ત્યારે નિર્વિઘ્ને ધામમાં જવાય. જીવતાં જ મરવા શીખે ને મરવા ચાલે તેને આ વાત થાય. મહારાજનો અવતાર મૂળ અજ્ઞાન જે કારણ શરીર તેનો નાશ કરવા સારુ છે. કારણ શરીરરૂપ બ્રહ્મહત્યા જીવને વળગી છે, તેણે કરોડ જન્મ ધરાવ્યા છે. તે કારણ શરીર ટાળ્યાનો ઉપાય કારિયાણીના 12માં વચનામૃતમાં કહ્યો છે જે, મહારાજનું ધ્યાન ને મહારાજનું વચન હૃદયમાં ધારે તો જ કારણ શરીર ટળી જાય; માટે એ વાતનું બીજ હૈયામાં રાખવું. એ જ્ઞાનનો લેશ હૈયામાં હોય ને એનું શ્રવણ ને મનન હોય તો અરધું દેહ શૂન્ય જેવું થઈ જાય ને પછી દૃઢ થાય ને દોષમાત્ર ટળી જાય, માટે સાધુ થાવું ને ગુણ પર થાવું, સાધુ થયા વિના તો ગુણ પર થાવાય જ નહીં. તે રામાનંદસ્વામીનો એક શિષ્ય દશ વરસથી સાધુ થયેલ હતો, પણ ‘કાનો વાઘેલો’ મટ્યો નહિ. માટે આ જ્ઞાન શીખ્યા વિના મહારાજની આજ્ઞા પળે નહિ. ખરેખરી સાધુતા આવે નહિ, તો મારું-તારું પણ મટે નહિ.
એકલડા કેમ રહેવાય તમ વિના વાલાજી !
એ ગાયું; ત્યારે મહારાજ કહે, ‘બીજો પુરુષ કરો એટલે રહેવાશે!’ માટે એવાં કીર્તન ગાવાં નહિ. પણ પોતાના આત્મામાં મહારાજને ધારવા એટલે એકલા કહેવાય જ નહીં. માટે જેમાં મહારાજની મૂર્તિનું વર્ણન આવે તેવાં કીર્તન ગાવાં ને મહારાજની મૂર્તિ સામું જોઈ રહેવું. ધ્યાન, ભજન ને આજ્ઞા એ કારણ શરીર ટાળ્યાનો ઉપાય છે.
દશ : દિશા.
કરો : ઘરની દિવાલ.
મૂર્તિ : સંતો.
(206) જીવ મનન તો કરે છે, પણ ગુણાત્મક મનન થાય છે. ત્રણ ગુણથી નોખા પડીને ક્યાં મનન થાય છે ? દાસાનુદાસ કોઈ થાય, પણ ગુણાતીત થાવું તે તો બહુ કઠણ છે. મુક્તભાવને પામ્યા હોય તો પણ આ ગુણાતીત જ્ઞાન શીખ્યા વિના ભેદ રહી જાય.
(207) મહારાજ સાથે મુક્તાનંદસ્વામીને દશ વરસ સુધી આ જ્ઞાનનો ભેદ રહ્યો હતો. પછી ત્રણ અંગનું મધ્યનું 62મું વચનામૃત સમજાવ્યું ત્યારે,
મારો મત કહું તે સાંભળો વ્રજવાસીજી.
એ કીર્તન કર્યું.
વાગ્વૈખરી શબ્દઝરી શાસ્ત્રવ્યાખ્યાનકૌશલમ્ ।
વૈદુષ્યં વિદુષાં તદ્તદ્ ભુત્કયે ન તુ મુત્કયે ।।
(વિવેકચૂડામણિ : 60)
અર્થ :- જેમ વીણાનું રૂપ, લાવણ્ય તથા તેનું વાદન મનુષ્યોના મનોરંજનનું સાધન બની શકે, તેથી વિશેષ નહિ; તેમ વિદ્વાનોની વાક્કુશળતા, શબ્દોની ધારાવાહી, શાસ્ત્ર વ્યાખ્યાનમાં કુશળતા, વિદ્વત્તા ભોગનું સાધન બની શકે, મોક્ષનું નહિ.
એમ જ્ઞાનમાત્રનો ઉપયોગ વિષય પ્રાપ્ત કરવાના તાન ઉપર છે તે,
સ્વામિનારાયણનું સ્મરણ કરતાં;
શ્રોતા ને વક્તા બેઉ સમજ્યા વિનાના,
પેટને અર્થે પુરાણી રે. સ્વામિ0
(કીર્તનસાર સાગર : 133)
એમ જાણવું. અક્ષરરૂપ થઈને પુરુષોત્તમનારાયણની ઉપાસના કરવી, એ રીત તો મહારાજે જ પ્રવર્તાવી છે, પણ પૂર્વે કોઈએ એવો ચોખ્ખો નિર્ણય કર્યો જ નથી. માટે મહારાજ અવતારમાત્રના અવતારી પુરુષોત્તમનારાયણ છે અને આ તમને વાતું કરે છે તે જ મૂળ અક્ષરધામ છે. તે જૂના ખરડામાં પરમહંસોને નામ દીધાં છે, તેમાં ગોપાળાનંદસ્વામીને શ્રીકૃષ્ણ, મુક્તાનંદસ્વામીને નારદજી, નિત્યાનંદસ્વામીને વ્યાસજી, શુકમુનિને શુકદેવજી, બ્રહ્માનંદસ્વામીને બૃહસ્પતિ, દાદાખાચરને અર્જુન, મૂળજી બ્રહ્મચારીને હનુમાન, ચૈતન્યાનંદસ્વામીને દત્તાત્રેય, જીવુબા-લાડુબાને રાધા-લક્ષ્મી એવાં જુદાં જુદાં નામો દીધાં છે; પણ તેમાં અમને એકને જ અક્ષર કહ્યા છે. મહારાજે પોતાના યોગમાં જે જે આવ્યા તે સર્વને પોતાના સંબંધે કરીને મુક્તપણાને પમાડ્યા. તે ગોપાળાનંદસ્વામીએ આ વાતનો મર્મ જાણ્યો હતો; તેથી પોતાનામાં હેતવાળા બધાને આંહીં જૂનાગઢ મોકલ્યા છે. માટે જીવને બ્રહ્મરૂપ, ગુણાતીત કરવા ઉપર જ મહારાજને બહુ આગ્રહ. માટે દિવસમાં એક વાર તો આ વાતનું મનન કરવું જ. આ વાતનું બીજ હશે તો બીજબળ કોઈક જન્મે ઊગી આવશે. અમારો દેહ નહિ હોય ત્યારે જો વાતનું મનન નહિ રાખે તો સૌ ક્રિયારૂપ થઈ જાશે, અને પોતાને બ્રહ્મરૂપ માનવું એ દિશ રહેશે નહિ.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
સંવત 1919ના ભાદરવા વદિ ચૌદશને દિવસે સ્વામીએ વાત કરી જે,
(208) મંદિર, આચાર્ય, સાધુ ને સત્સંગી એ ચારનો પક્ષ રાખવો ને એનો અવગુણ આવવા દેવો નહિ. બીજા પાપનું નિવારણ છે પણ એ ચારના અવગુણનું નિવારણ નથી. જપ, તપ, જોગ, યજ્ઞ, વ્રત, દાને કરીને જે ભગવાનને પામવા હતા તે ભગવાનને પામ્યા ને તેમની સાથે જીવને અંતરાય રહે છે; તે અંતરાયના કરનારા દેહ, લોક, ભોગ ને પક્ષ છે, એ ચાર વાનાં ન હોય તેને વિજોગ ન થાય. માટે ભક્તિ થાય તો કરવી, નીકર હાથ જોડવા ને ત્યાગ થાય તો પાળવો, નહિતર અગિયાર નિયમ પાળીને સત્સંગી રહેવું. કેટલાક મહારાજના કર્તવ્યમાં ખોટ કાઢે છે, જે જેટલા મહંત કર્યા તે મૂરખ છે; પણ સારા હોય તે કોઈને ગમે નહિ. પ્રાગજી દવે ગોપાળાનંદસ્વામીને કહેતા જે, ‘બ્રાહ્મણી વીસ વરસની ઘેર બેઠી છે ને શા સારુ આંહીં ખુવાર થાય છે !’
અંતરાય : અડચણ, વિઘ્ન, અવરોધ
વાનાં : વસ્તુઓ. (બ.વ.)
(209) લોકમાં કહે છે જે,
જે ઘેર ઘોડું ને પાળા ન જઈએ, એ ચતુરાઈની રીત;
ઢોર ને ચોરનો વિશ્ર્વાસ ન કરીએ, એ ચતુરાઈની રીત.
તે ડાહ્યો, જેણે જીવંત પર્યંત હરિજશ ગાયો;
તે ડાહ્યો, જે સંસારિક સુખમાં ન જોડાયો.
તે ડાહ્યો, જે ઇન્દ્રિયો વશ કરતાં ન મૂંઝાયો;
તે ડાહ્યો, જે સ્ત્રી, ધનમાં ન બંધાયો.
તે ડાહ્યો, જે ઠગ થકી ન જાય ઠગાયો;
તે ડાહ્યો, જે શીખની વાતમાં દુ:ખ ન લગાયો.
તેનું સિદ્ધાંત એ છે જે આપણું દેહ સાજું હોય ને કાંઈ સેવા ન થાય, સંતની આગળ વિનય ન થાય, પોતાના હિતની વાત ન મનાય, ભગવાનનું ભજન ન થાય ને ઇન્દ્રિયું ભગવાનના કામમાં ન આવે, તો ઘેર ઘોડું હોય ને પાળો ચાલે તેવું થયું.
પાળા : સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જાતનો સેવક/પાર્ષદ.
પર્યંત : ત્યાં સુધી, જેટલી.
પાળો : સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જાતનો સેવક/પાર્ષદ.
(210) ગુરુ કર્યા વિના તો જીવ વણસી જાય. ગુરુ કર્યા વિના તો શિષ્યમાં ગુણ આવે જ નહીં. નિત્યાનંદસ્વામી પચ્છેગામમાં લાડવાનું સદાવ્રત લેવા ગયા, ત્યારે કહે, ‘બેસો, વાર છે.’ પછી નિત્યાનંદસ્વામી કહે, ‘કૂતરાં હોય તે લાડવા સારુ ટળવળે.’ એમ કહીને વહ્યા ગયા. નવધા ભક્તિમાંથી એકમાં તો વધુ લગની રાખવી જોઈએ ને લખવાની, ભણવાની, સેવાની, કાંઈ ક્રિયાની ટેવ પાડવી; એક પણ સારી ટેવ હોય તો માંહી ભગવાન આવે. મહારાજે આલંબન કર્યું છે, માટે નવધા ભક્તિમાંથી એક ભક્તિનો વેગ વધુ લગાડી દેવો. જેને ધ્યાન થાય તેને તો ઠીક છે; પણ જેને ભજન, સ્મરણેય ન થાય ત્યારે તેને ભગવાન શું સાંભરે ? પછી તો વિષયને ચાળે ચડી જવાય. આંહીં વાતું થાય પણ ભંડારે નજર જાય જે, ઊઠે તો ખાવા જઈએ ! પણ નવધા ભક્તિનો વેગ હોય તો ખાધાનું ન સાંભરે. આપણે અંતર શત્રુ જે કામ-ક્રોધાદિક તેની સાથે ધિંગાણું છે.
આલંબન : આધાર, ટેકો.
(211) લોયાનું 11મું વચનામૃત વાંચ્યું ત્યારે કહ્યું જે, આપણને મહારાજ પ્રગટ મળ્યા છે; માટે મહારાજનું ચિંતવન ને ધ્યાન કરવું. અને મહારાજનાં જ ચિહ્ન, ચરિત્ર ને ચેષ્ટા ગાવવાં ને સંભારવાં ને તેમાં પતિવ્રતાની ટેક ધારી રાખવી અને જેમાં મહારાજ અખંડ રહ્યા હોય એવા સંતનાં લક્ષણ છેલ્લાના 26માં વચનામૃતમાં કહ્યાં છે, તેવા સંતમાં બ્રહ્મભાવ સિદ્ધ કરવો. તેથી તેમનાં દર્શન, પ્રસાદી, વાતું અને મળવે કરીને મહારાજનું જ પ્રગટ સુખ મુમુક્ષુને મળે છે. એવી પ્રગટપણાની ઘણી વાતો કરી.
(212) જીવના આઠે અંગોમાં જગત ભરાઈ ગયું છે, તે આ લોકનું જ ભજન ને આ લોકની જ આલોચના છે. પોતાનું ધાર્યું મળે તો રાજી થાય ને ધાર્યામાં ફેર પડે તો અવળું પડે ને કહેશે જે સુખ નથી થાતું. પણ સુખ તે ક્યાંથી થાય ? કોઈ જાણે જે, મોટા મોટા હતા ત્યારે માણસ આજ્ઞામાં રહેતાં ને હમણાં કેમ રહેતાં નથી? ગુરુ જાણે જે ચેલો કેમ કહ્યું કરતો નથી ? પછી હુકમ ચલાવવા જાય, પણ કોઈ માને નહિ. હવે તો જેને મોક્ષનો ખપ હશે તે કથાવાર્તા કરશે ને બીજા તો સુવાણ કરશે કાં વાહર ખાશે.
સર્વે માન તજી...
શામળીઆ સંગાથે મન દૃઢ બાંધીએ;
દુરીજનના સંગથી દૂર રહીએ,
હરિજનનો અવગુણ નવ લઈએ;
મુક્તાનંદના દાસના દાસ થઈએ. સર્વે0
(કીર્તનસાર સાગર : 205)
ઇયળને ચટકા દઈને ભમરી કરે છે, તે એટલા ચટકા ખમે ત્યારે ભમરી થાય.
સુવાણ : સુગમ, સરળ, સહેલું. આરામ, આનંદ, હૂંફ.
વાહર : પવન, હવા, હવા ખાવી.
(213) દિવસ ઊગ્યે હજાર રૂપિયાનો ઢગલો થાય ને છોકરાં પણ કહે એમ કરે, તો પણ ઘરનો ઊમરો મુકાય તેવો નથી. માટે જ્યારે કોઈ કહ્યું કરે નહિ ને રૂપિયા પણ જતા રહે ત્યારે ઊમરો મુકાશે.
(214) સોનાનાં મંદિર થાશે તો પણ તે આંહીં પડ્યાં રહેશે, ચૈતન્ય મંદિર જ અવિનાશી રહેશે. માટે તેમ કરી લેવું. મોક્ષના ખપ કે બળ વિના સેવા કેમ થાય? ‘આ મારો દેહ, ઇન્દ્રિયું ને મન તો ભગવાનના કામમાં કેમ આવે ને કેમ કરું તો સેવા થાય ?’ એમ જેને હોય તેનાથી સેવા થાય.
(215) ગૃહસ્થને હજાર રૂપિયાની આમદાની હોય, કોઈ દિવસ દુ:ખ આવે નહિ ને છોકરો કહ્યું કરે; એટલાં બધાં સુખ, સાથે તો ક્યાંથી જ હોય ? ને કદાચ મળે, તો રાગે કરીને દુ:ખ થાય એવું કરવાનું સૂઝે. ઘરમાં કોઈ કહ્યું ન કરે તો પણ તેને મૂકીને જવાતું નથી. સંસારનું સુખ તો મનજીભાઈને પૂછો. વિવેક હોય તો સુખ રહે. જેટલો કલ્યાણનો ખપ હોય તેટલું જ વચન મનાય ને તેટલી જ સેવા થાય.
(216) રાજા રાજી થાય ત્યારે રાજા પાસે ડુંગળી માગે, તેમ જીવ છે તે ભગવાન અને સંત પાસે વિષય માગે છે. ભગવાનની નજરમાં પ્રકૃતિપુરુષ સુધીના લોક નરક જેવા છે; તે તેવાં સુખ આપવા ભગવાનને પોતાની સેવામાં રખાવે છે; એવી જીવની વિપરીત ભાવના છે.
પ્રકૃતિપુરુષ : ચેતન અકર્મણ્ય પુરુષની મદદથી જડ પ્રકૃતિમાંથી સમગ્ર સૃષ્ટિની ઉત્પતિ થઈ તે
નરક : દોજખ, વિષ્ટા.
(217) વસ્તાખાચરના ભાઈએ બાયડી માગી ને ધ્રુવે રાજ્ય માગ્યું, પણ પ્રહ્લાદે માગ્યું જ નહિ; માટે પ્રહ્લાદની પેઠે ભગવાન પાસે વિષય તો માગવા જ નહીં. મહારાજે બોટાદમાં વાત કરી હતી જે, ‘અમારી આજ્ઞા લોપે છે તે જેમ હિમ પડે ને ઘઉં બળી જાય, તેમ તેના હૈયામાં સુખ રહે નહિ.’ ઉપરથી ગમે તેટલો ડોળ જણાય પણ અંતરમાં સુખ ન રહે; આજ્ઞા પાળે તે શું મરી જાય છે કે લાંબો ટૂંકો થઈ જાય છે ? જે આજ્ઞા પાળે છે તેના જ હૈયામાં સુખ રહે છે. ત્યારે શૂરવીરનો સંગ થાય તો શૂરવીર થાય ને ભાગેડુનો સંગ કરે તો ભાગેડુ થઈ જાય.
પ્રકરણ 14 ની વાત 132
હિમ : અતિશય ઠંડી, ઘણો સખત ઠાર, બરફ.
ડોળ : આડંબર, દેખાવ, દંભ.
પાળે : સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જાતનો સેવક/પાર્ષદ.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
ભાગેડુ : સૈનિક હોવા છતાં લડવાથી દૂર નાસતો ફરનાર.
(218) આંહીં તો કલ્યાણ સારુ જ ભેગા થયા છીએ પણ વિવેક ન હોય તો કલ્યાણમાં જ વિઘ્ન આવે. કામ, ક્રોધાદિક આવે તો શરીરને અભડાવે. વિષયનું ખંડન થાય ત્યારે જીવના હૈયામાં આનંદ રહે નહિ પણ મુમુક્ષુ રાજી થાય.
રાજી કરવાનું રહ્યું પરુ જો ન કરાવીએ હરિનો કોપ.
નિયમ ન પાળીએ કે સત્સંગીને દુ:ખવીએ તો ભગવાનનો કોપ થાય.
(219) જૂ વિયાય ત્યારે લીખ આવે ને હાથણી વિયાય ત્યારે ભેંશ જેવડું બચ્ચું આવે; તેમ જેવા ગુરુ મળે તેવું શિષ્યમાં બળ હોય. બાવીસ વરસ સુધી જંપ ખાધો નથી. જેટલો ધર્મ હોય, ત્યાગ હોય, સેવા હોય તે સર્વેમાં એક લગનીએ મરવું તે બહુ જ કઠણ જણાય છે. દેહને લઈને ને લોકને લઈને જીવનું પ્રકરણ ફરી જાય છે. દેહમાં હેત હોય ને સ્વાદમાં, માનમાં કે લોભમાં ટોકાય ત્યારે એવો જીવ રહે નહિ.
વિયાય : પ્રસૂતિ થાય.
(220) ખેડુ બધાને જીવાડે છે પણ વાણિયાની કળામાં ન જાણે, વાણિયો સોનીની કળામાં ન જાણે ને સોની વહેરણિયાની કળામાં ન જાણે; તેમ મહારાજને કે મોટાને જીવુંનાં કલ્યાણ કરતાં આવડે; બીજા તો નાળ કરતાં ગળું કરે !
(221) હવે તો નિયમ રાખવા ને ત્યાગ પાળવો તે ઉપર રાજીપો છે. મોરે જમાડ્યા તે તો મહારાજને અર્થે બહુ દાખડા કર્યા એટલે મહારાજે રાજી થઈને જમાડ્યા. બ્રહ્મચર્ય રાખવું તેણે બાર વાગ્યા વિના ખાવું નહિ ને રાતે બાર વાગ્યા વિના સૂવું નહિ; તો મહારાજ રાજી થાય. નિયમ, સદ્વિચાર ને સાધુનો સમાગમ, એ ત્રણે કરીને પંચવિષય જિતાય છે.
મોરે : અગાઉ
(222) ગુણ, વિનય ને સેવા કરવાનું જેનું અંગ હોય તેને પંચવિષયમાંથી આસક્તિ મટી જાય અને મોટા રાજી થાય.
આસક્તિ : મોહ, અતિશય સ્નેહ, લગની.
(223) મોટા મોટાના મનસૂબા તે પંચવિષયને પામવાના છે. જેમ મોટા તેમ મોટા વિષય. મોટે મોટે ભગવાન પાસે વિષય જ માગ્યા છે. સૌભરી ને પરાશર એવાનાં ગાડાં પણ ત્યાં જઈને છૂટે છે.
મનસૂબા : સંકલ્પો, કાંઈક કરી લેવાના વિચારો
(224) એક પ્રહ્લાદે વિષય ન માગ્યા. પ્રહ્લાદે કહ્યું જે, ‘વિષય માગે છે તે તો વાણિયા જેવો છે.’ કોઈકને પેઢી દર પેઢી ખાય એટલા રૂપિયા હશે, પણ ભગવાન ભજે નહિ. માટે કાંઈ ન જોઈએ એવા ઠરાવ કરી મૂકવા, તો દુ:ખ નહિ રહે. જ્યાં સુધી પંચવિષય જોઈતા હશે, ત્યાં સુધી દુ:ખ નહિ મટે. રોટલા તો આપણી વૃત્તિમાંથી ભગવાન આપે છે. આ દેશમાં આહીર છે તે હળ ઉપર હાથ મૂકતા નથી, તેનું પણ ચાલ્યું જાય છે, માટે પ્રભુ ભજવા હોય તેને રોટલા કેમ નહિ મળે ? પણ જીવને વિશ્ર્વાસ નથી. પ્રભુ ભજવાનો અવકાશ હોય તો ય પ્રભુ ભજે નહિ, માટે સંતોષ રાખીને પ્રભુ ભજવા. જે રળતા નથી તેને રોટલા મળે છે, તો આપણને ભગવાનનો વિશ્ર્વાસ છે ને વળી થાય તેટલું કરવું છે, ત્યારે કલ્પના કરીને હૈયામાં શા સારુ દુ:ખ ઘાલવું જોઈએ?
પ્રકરણ 14 ની વાત 132
આહીર : ભરવાડ, રબારી.
રળતા : મહેનત કરતા.
(225) પ્રકૃતિ કેમ ટળે ? તેનો ઉત્તર કર્યો જે, કહેનારનો ગુણ લે ને વારંવાર ટોકનારો જોઈએ ને અભ્યાસ રાખે તો વહેલા-મોડી પ્રકૃતિ ટળી જાય. સ્વભાવ, પ્રકૃતિ ને વિષય તો મૂક્યે જ સુખ થાશે અને સાધુ થયે જ છૂટકો થાશે. દેહના ભાવ ને વિષયના ભાવ આજ મૂકો, કાલ મૂકો, વરસે મૂકો; પણ જ્યારે મૂકશો ત્યારે જ છૂટકો થાશે. ‘ઊપજી સમાવે તે સંત ને ન ઊપજે તે ભગવંત.’ માટે ઊપજી સમાવે તે જ સાધુ કહેવાય ને તે જ મોક્ષને મારગે ચાલ્યો કહેવાય.
સંવત 1919ના ભાદરવા વદિ અમાસને દિવસે સ્વામીએ વાત કરી જે,
(226) જેમ ઝાડમાંથી કોંટા ફૂટે ને જેમ મહુડાં ખરે, તેમ આ જીવના હૈયામાં આ લોકના સંકલ્પ થયા કરે છે. પ્રથમ હિમાળા જેવું ટાઢું હોય, પણ સંકલ્પ થાવા માંડે ત્યારે હૈયું ધગવા માંડે. હૈયામાં હોય તેવું બહાર નીકળી જાય. તે ઉપર વાણિયે કહ્યું જે, ‘રૂ, પા’ એ વાત કરી. માટે હવે મનને રોકતાં શીખવું. જેને બહુ રૂપિયા ને બહુ ગરાસ ને બહુ સંતાન હોય તે તો જીવતાં જ ભૂત જેવો છે. માટે આ લોકમાંથી થોડું ને સાધારણ મળે તો ભગવાનનો પાડ માનવો. જગતના સંકલ્પનો નિષેધ કર્યા વિના તે ટળતા નથી. જેમાં રાગ છે તેના જ સંકલ્પ થાય છે, જેનો રાગ નથી તેનો સંકલ્પેય નથી. તે સ્વપ્નમાં પણ કોઈ દિવસ ધૂડ ખવાતી નથી, સાકર હોય તો ખવાય.
નિષેધ : શાસ્ત્રવિહિત મનાઈ.
(227) જેવો સંગ તેવો જીવ થઈ જાય છે. ‘ગળ્યા ગુંદ’ની, ને ‘મામા ખીમાને ઘર ઉપર ઘર ચડી ગયું’ તેની અને ‘લીંબોળી ને રાણ્ય (રાયણ) ભણતો’ તેની, વાતું કરી દેખાડી. માટે જ્ઞાન થાય ત્યારે બધું સમજાય છે. જીવને આ લોકના સંકલ્પે કરીને સન્નિપાત થઈ ગયો છે તે બોલે તો કાંઈનું કાંઈ ખબર વિનાનું બોલે ને કેટલાક તો સાવ ગાંડા થઈ જાય છે !
પ્રકરણ 11 ની વાત 61
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
સન્નિપાત : ત્રિદોષનો બકવાટ.
(228) જેને પ્રભુ ભજવા હોય તેને આ સત્સંગ જેવું કોઈ સ્થાન નથી. શ્ર્વેતધર્મ તો સહેજે પળે ને ગ્રામ્યવાર્તાનો તો પરિચય જ નહીં. દેહ ઘરડું થાય ત્યારે તૃષ્ણા વધે, પછી જેમ ગરબામાંથી શેડ્યું નીકળે છે તેમ સંકલ્પની શેડ્યું નીકળવા માંડે. તેને દરવાજાવાળા દેખે છે. જે બ્રહ્મરૂપ થયા છે ને જેને આત્મા પરમાત્મા બે જ રહ્યા છે તે પાર પામ્યા છે. અશ્ર્વત્થામાની પેઠે જે કેવળ બ્રહ્મરૂપ થયો છે, તેને પણ અધૂરું છે; કેમ જે, જે કેવળ આત્મજ્ઞાની છે તે બ્રહ્મરૂપ થાય છે તો પણ કુસંગનો પાસ જાતો નથી, એમ મહારાજે છેલ્લાના 3જા વચનામૃતમાં કહ્યું છે. શાસ્ત્રના બધા શબ્દને મેળવીને ભગવાનમાં જોડાવું ને બ્રહ્મરૂપ થાવું. નિષેધ કરી નાખવો ને જીવતાં હોય તેને મડાં દેખવાં. સુધો સારો છોકરો હોય કે બાયડી હોય કે બળદ હોય પણ જીવ નીકળી જાય, ત્યારે તે મડું કહેવાય; તેમ બધાં મડાં જ દેખવા માંડે તે જ્ઞાની છે; માટે જ્ઞાન શીખવું. કોઈ કહેશે, ‘માથે હાથ મૂકો’, એ તો એક રીત છે, તેથી સંસ્કાર થાય; પણ હાથ મૂક્યાથી દોષ ટળી જાતા હોય તો આ સગડી ઉપર હાથ રોજ મૂકીએ છીએ, પણ અંગારા ટાઢા થાતા નથી. તેમ હાથ મૂક્યાથી દોષ ટળતા નથી. બોટાદમાં દશ દશ વાર હાથ મુકાવે, પણ હાથ મૂક્યાથી સ્વભાવ જાય નહિ.
દરવાજાવાળા : અક્ષરધામમાં જ રહેવું છે - તેવું સતત જાણપણું રાખનાર.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
નિષેધ : શાસ્ત્રવિહિત મનાઈ.
રોજ : દરરોજનું મહેનતાણું/મજૂરી.
દશ : દિશા.
(229) જ્ઞાન વિના આ લોકમાં ચોંટ્યા વિના રહે નહિ. આ ભક્તિ મારગનું આલંબન કર્યું છે તે ઠીક છે, નીકર જીવને મૂંઝવણ થાય. હમણાં ભજનમાં બેસાડીએ તો કઠણ પડે. કેટલાકને તો કથાવાર્તામાં પણ મૂંઝવણ થાય છે; તે આંહીં આવે નહિ ને આસને બેઠા માખીઓ ઉડાડે. આટલી વાત કરી તેનું સિદ્ધાંત જે વિષયનો નિષેધ કર્યા વિના વિષય ટળે નહિ ને તે વિના ભગવાન હૈયામાં રહે નહિ. મહારાજ હૈયામાં અખંડ દેખાતા હોય, પણ વિષયના સંકલ્પ કરવા માંડે, ત્યારે મહારાજ જાતા રહે, ને વળી સંકલ્પ ટળે ત્યારે આવીને ઊભા રહે. મહારાજ કહે, ‘અમે નિર્માની છીએ, માટે પાછા આવીએ છીએ.’
માનસીપૂજામાં જ્યારે બીજા સંકલ્પ કરે છે ત્યારે ભગવાન કચવાય છે, તેણે કરીને તેનું અંતર વૃદ્ધિ પામતું નથી. માટે થોડી જ માનસીપૂજા કરવી ને માળા પણ થોડી જ ફેરવવી, પણ સંકલ્પ વિના કરવું. દરવાજે રહેવું ને પદાર્થમાત્રનું પરિણામ જોવું તેમાં દોષ જોવા ને જાણવું જે, તે મરેલ છે, બાળવાની જ વાર છે; એમ નિષેધ કરી નાખવો. વિષયના દોષ તો કહ્યા કરવા ને સાંભળ્યા જ કરવા. વિષયમાં દોષ જોવા ને તેમાંથી જીવને પાછો વાળવો, તેવી વાતું કેને ગમે ? આવી વાતું વિના જીવ બગડી જાશે, એમ તો સૂઝતું જ નથી. વિષયનો નિષેધ નિરંતર કર્યા વિના વિષય ખોટા થાનારા જ નહિ ને તે વિના ભગવાન પાસે જવાય નહિ ને જવાય તો ત્યાં રહેવાય નહિ. વિષય છે તે ઇષ્ટદેવનો દ્રોહ કરાવે ને મુક્તાનંદસ્વામી જેવાનું મસ્તક મુકાવે એવા છે. વચ.ગ.અં.9
મુંબઈમાં સુતારની બાયડી ભંગિયા સાથે ચાલે, તે છોકરો દેખી ગયો. પછી ભંગિયાને કહે, ‘છોકરાને મારી નાખ.’ ત્યારે ભંગિયો કહે, ‘હું નહિ મારું.’ પછી બાયડીએ મારીને ખડની ઓરડીમાં નાખી દીધો ને ખડ બાળી દીધું એવું એ પાપ છે. માટે વિષયનો નિષેધ કર્યા વિના તો સદ્ગુરુ થાઓ કે આચાર્ય થાઓ કે નાના મોટા ઈશ્ર્વર કહાવો કે મેડીઓ-બંગલા કરાવો કે વાડી-બગીચા કરાવો કે હાથીએ બેસો, તો પણ અંતરે સુખ કે શાંતિ થાનાર નથી. માટે મંદિરનો આ વહેવાર છે, તે ઉપરથી કરવો; પણ અંતરમાં તે પણ પેસવા દેવો નહિ. અંતર તો ચોખ્ખું જ રાખવું. જે ગામ જાવું નહિ તેનું નામ શા સારુ પૂછીએ ? વિષય મારગનું સરું આવે નહિ. વિષયનો મારગ તો ભરવાડિયા સૂતક જેવો છે; માટે તેનો ત્યાગ જ કરવો. ભગવાન ભજાવીએ છીએ ખરા, પણ મનનું ગમતું મરડીએ તો સુવાણ રહે નહિ. એકલી ભક્તિ કર્યે દોષનાં મૂળ જવાનાં નહિ. તે તો અંતરવૃત્તિ કરીને જોવા માંડે ત્યારે ખબર પડે. પણ એમ કોણ જુએ છે ? આજ તો ભગવાનને ગરજ છે પણ મુમુક્ષુને ગરજ નથી. જીવને અદક પાંસળી છે; કહેતાં કેટલીક અવળાઈ કરે છે. તેને જોઈને ભગવાન ને મોટા સાધુ હસે છે.
આલંબન : આધાર, ટેકો.
નિષેધ : શાસ્ત્રવિહિત મનાઈ.
દ્રોહ : મનથી, વાણીથી કે કર્મથી જાણી જોઈને કરેલ દોષ, ગુનો, પાપ કે અપરાધ
ખડ : ઘાસ.
સરું : છેડો, અંત, પાર.
સુવાણ : સુગમ, સરળ, સહેલું. આરામ, આનંદ, હૂંફ.
પાંસળી : પલાળીને લસોટવું.
અવળાઈ : આડાઈ, કહે તેનાથી ઊલટું કરવાની ટેવ, હઠીલાઈ.
(230) સર્વ શાસ્ત્રનું સિદ્ધાંત આત્મા અને પરમાત્મા એ બે જ છે ને તે માટે બ્રહ્મરૂપ થાવાનો અને મહારાજની ઉપાસનાનો વેગ લગાડી દેવો. વરતાલ જાતાં રસ્તામાં ભીમભાઈએ મોટીબાને પૂછ્યું જે, ‘ભગવાનમાં તમારે છે એવું હેત અમારે કેમ થાય ?’ ત્યારે મોટીબા કહે, ‘તમે પુરુષના દેહનો ત્યાગ કરીને સ્ત્રીનો દેહ ધરો ત્યારે એવું હેત થાય !’ પછી મહારાજે કહ્યું જે, ‘આત્મા છે તે સ્ત્રીયે નથી અને પુરુષેય નથી. માટે પોતાને બ્રહ્મરૂપ કહેતાં અક્ષરરૂપ માનીને ભગવાનમાં હેત કરવું. અક્ષરધામમાં સ્ત્રી કે પુરુષનાં ચિહ્ને રહિત બ્રહ્મતનુ છે.’
પુંસ: સ્ત્રિયા મિથુનીભાવમેતં તયોર્મિથો હ્રદયગ્રંથિમાહુ: ।
અતો ગૃહક્ષેત્રસુતાત્પવિત્તૈર્જનસ્ય મોહોડયમહં મમેતિ ।।
(શ્રીમદ્ ભાગવત : 5/5/8)
અર્થ :- સ્ત્રી અને પુરુષ બંનેનો જે પરસ્પર દામ્પત્ય ભાવ છે, તે જ તેમના હૃદયની દુર્ભેદ્ય ગ્રંથિ છે. આ કારણથી પુરુષને ગૃહ, ક્ષેત્ર, પુત્ર, સ્વજન અને ધન વગેરેમાં ‘આ હું છું, મારું છે.’ એવો મોહ થઈ જાય છે.
માટે મૂળ જ્ઞાન જે બ્રહ્મવિદ્યા તેને શીખે ત્યારે જ સ્ત્રી કે પુરુષ એવો ભાવ ટળે છે. અને એમ થયા વિના કોઈએ અક્ષરધામમાં જવાની લાલચ રાખવી નહિ. તે માટે જ મહારાજે નિજાત્માનં બ્રહ્મરૂપં દેહત્રયવિલક્ષણમ્ । એ શ્ર્લોક લખ્યો છે. વેદવેદાંતમાં નિરાકાર બ્રહ્મના જ ગુણ ગાયા છે ને જીવરૂપે જ બ્રહ્મ થયું છે એવું પરોક્ષ જ્ઞાન કથ્યું છે. પણ ખીજડાને આંબો માને તો પણ તેમાં કેરીઓ ન થાય, તેમ સાચા બ્રહ્મરૂપ ગુરુ વિના જીવને ખરું જ્ઞાન થાય નહિ. વળી કાશીએ આંબો વાવે અને આંહીં પાણી રેડવાથી તે આંબો ઉછરે નહિ, તેમ પરોક્ષ નિરાકારથી કાંઈ ફળ મળતું નથી.
મહારાજે મધ્યનાં 30માં વચનામૃતમાં કહ્યું છે જે, જ્યારે પ્રકૃતિપુરુષ થકી પર એવું જે શુદ્ધ ચૈતન્યબ્રહ્મ તેને જ એક સત્ય જાણે ને તે બ્રહ્મને જ પોતાનું સ્વરૂપ માને ને તે બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ઉપાસના કરે અને બ્રહ્મ થકી ઓરું જે પ્રકૃતિ ને પ્રકૃતિનું કાર્યમાત્ર તેને અસત્ય જાણે ને નાશવંત જાણે ને તુચ્છ સમજે ને માયિક જે નામરૂપ તેને વિશે અતિશય દોષદૃષ્ટિ રાખે ને તે સર્વ નામરૂપને વિશે અતિશય વૈરાગ્ય પામે, તેને સોનું ને સ્ત્રી બંધન ન કરે અને બીજાને તો જરૂર બંધન કરે. તે ગૃહસ્થે પણ સમજી રાખવું જે,
પારકી પોતાની જે નાર, કાપે તન જેમ તલવાર.
માટે જ્યાં સુધી રૂપ કે દ્રવ્યમાં અવ્યક્ત રાગ હશે ત્યાં સુધી બ્રહ્મરૂપ થાવાતું નથી ને બ્રહ્મરૂપ થાવા માટે પણ પ્રગટ પરબ્રહ્મ મહારાજનો કે આ અક્ષરબ્રહ્મનો કે તેને સેવીને તે રૂપ થયા હોય એવા પ્રગટ મુક્તાત્માનો યોગ જોઈએ. પછી તેમના પ્રસંગ થકી બ્રહ્મરૂપ થાવાય, ત્યારે જ મહારાજની ઉપાસનાનો અધિકારી થાય. આ જ્ઞાન તો કોઈ શાસ્ત્રમાં મળે એવું નથી. આ તો શાસ્ત્રો પરની વાત મહારાજે શીખવાડી છે. પણ જેને પરોક્ષમાં પ્રતીતિ છે તેને આ ઘડ બેસતી નથી. તે સંતોએ મહારાજને પ્રાર્થના કરી જે,
પછી સંત ઉઠ્યા જોડી હાથ, જેમ કહો તેમ કરીએ નાથ.
કહો તો મટકું ન ભરીએ મીટે, કહો તો અન્ન ન જમીએ પેટે.
કહો તો તજીએ છાજનનો સંગ, રહીએ હિમમાં ઉઘાડે અંગ.
કહો તો પીવું તજી દૈએ પાણી, રહીએ મૌન ન બોલીએ વાણી.
કહો તો બેસીએ આસન વાળી, નવ જોઈએ આ દેહ સંભાળી.
એમ હિંમત છે મનમાંય, તમે કહો તે કેમ ન થાય?
એમ બોલ્યા જ્યારે મુનિજન, સુણી પ્રભુજી થયા પ્રસન્ન.
કહે નાથ સુણો સાધુ શૂર, એતો અમને જણાય જરૂર.
તમે બોલ્યા તે સર્વે સાચું, બીજામાંય પણ નથી કાચું.
એક એકથી અધિક છો તમે, એવું જાણ્યું છે જરૂર અમે.
એક વાત કહું માનો તેહ, આપણે આત્મા, નહિ દેહ.
માનો ચૈતન્યરૂપ તમારું, દુ:ખરૂપ દેહ તેહ ન્યારું.
(નિષ્કુળાનંદ કાવ્ય : ભક્તચિંતામણિ-પ્ર.-71)
એમ સર્વ ઉપદેશમાત્રનો સાર અને આત્યંતિક મોક્ષનું સાધન પણ એ જ છે જે, અક્ષરબ્રહ્મરૂપે થઈને મહારાજની ઉપાસના કરવી; એ મહારાજનો અચળ સિદ્ધાંત છે.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
અર્થ : ધન, સંપત્તિ.
નિરાકાર : પોતાને ત્રણ દેહના માયિકભાવથી રહિત અર્થાત નિરંજન ને કેવળ બ્રહ્મભાવે આત્મારૂપ માનવું.
પ્રકૃતિપુરુષ : ચેતન અકર્મણ્ય પુરુષની મદદથી જડ પ્રકૃતિમાંથી સમગ્ર સૃષ્ટિની ઉત્પતિ થઈ તે
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.