સંવત 1919ના શ્રાવણ સુદિ પ્રતિપદાને દિવસે સ્વામીએ વાત કરી જે,
(1) ભગવાનનું અને મોટા સંતનું સ્વરૂપ નિર્દોષ સમજવું ને જેને મોટપ મળી કે રૂપિયા મળ્યા તેણે તો પ્રભુ ભજાય જ નહિ ને વાસના છે તે એક દિવસમાં ન ટળે. મડદું બાળે ત્યારે છાતી વાંસેથી બળે છે, તે શું ? જે, એટલામાં ગ્રંથિ છે. ને ભગવાન સામું જોઈએ ને મોટા સામું જોઈએ ત્યારે જણાય જે એ ક્યાં ને આપણે ક્યાં ? કોઈને પૂર્વના સંસ્કાર હોય ને કોઈને બુદ્ધિમાં સ્ફુરતા હોય ને કોઈને ન હોય. કોઈને માન મળે ને કોઈને ન મળે, પણ ભગવાન ને આ સંતને વિશે નિષ્ઠા છે તેટલી જ બુદ્ધિ કામ આવી. સર્વે વિષયથી મન નોખું પાડી દેવું ને જ્યાં મોટા વિષય ત્યાં મોટાં દુ:ખ ને ફરવા જાય ત્યાં બે ટાણાં ન ખવાય ને દિવસે ઊંઘાય નહિ ને મંદિરમાં તો સેવા હોય. આવ્યા છીએ સ્વભાવ મૂકવા ને સ્વભાવ વધતા જાય છે. જેવો મોટેરો હોય તેવા ગુણ તેના શિષ્યમાં આવે, તે જેવું કૂવામાં હોય તેવું અવેડામાં આવે તેમ.
વાસના : પૂર્વના સંસ્કારોથી મકકમ થયેલી કામના.
નિષ્ઠા : શ્રદ્ધા, આસ્થા, વિશ્ર્વાસ, ધારણા.
અવેડામાં : હવાડામાં, ઢોરને પાણી પીવાની જગ્યામાં.
(2) એકને દેખીને ભગવાન સાંભરે ને એકને દેખીને ભગવાન ભૂલાય; તેમ એકની વાણી સાંભળીએ તો દ્રવ્યમાં માલ બતાવી દે ને એકની વાણી સાંભળીએ તો સહેજે શાંતિ રહે; માટે જેવા નર સેવે તેવો થાય.
(3) નક્કી ઠરાવ કરીને ખાણ નાખી છે, તે કોઈ આપત્કાળે કામ આવે; તેમ મોટા થકી સમજણ કરી હોય તે દેશકાળે કામ આવે. આ સાધુ કહે તેમ કરવું; આસન, પથારી, ખાવું સર્વે કહે તેમ કરવું. બે જણ ગુરુ-શિષ્ય ફરવા ગયા તે બગાડ થયો. માટે ફરવા જાવું તે પણ કહે તેની ભેળું જાવું ને તે વિના તો જેમ ભેંશ લીધા મોર બાયડીને મારી ને બગલા દેખી ઘોડા મારી નાખ્યા તેમ કોઈ વાત વિચારીને કહેવી ને બોલવી, પણ ગુહ્ય વાત પ્રકાશ ન કરવી ને પોતાની પ્રકૃતિનો અભાવ ન આવે ને સંતનો અભાવ આવે. સુમતિ-કુમતિ, ધર્મ-અધર્મ, જ્ઞાન-ખળતા સર્વે સંગમાંથી આવે છે ને જ્યાં વિષય આવ્યા, ધન આવ્યું, સ્ત્રી આવી કે માન આવ્યું ત્યાં કથાવાર્તા ન થાવા દે ને જીવ બગડી જાય ને જેમ ઘાયલ હોય તેનો એકાંતે ખાટલો હોય ત્યારે ઘા રૂઝાય, તેમ વિષયનો સંબંધ ન થાવા દે ત્યારે જીવ સારો રહે ને ગોવાળી કરે છે ત્યારે ઢોર ઘેર આવે છે ને અમારે તો કેટલોક ત્યાગ રખાવવો, કેટલાકને વારવા પડે ને કેટલાકને રોટલા ખવરાવવા પડે ને કેટલાકને સંકોચ રખાવ્યો જોઈએ, માટે જતન વિના સત્સંગ રહે નહિ ને મોટેરો હોય તે વિચાર્યા વિના ફરવા મેલે તેમાં અસમાસ થાય. માટે બુદ્ધિ જોઈએ.
નખિનાં ચ નદીનાં ચ શૃઙ્ગિણાં શસ્ત્રપાણિનામ્ ।
વિશ્વાસો નૈવ કર્તવ્ય: સ્ત્રીષુ રાજકુલેષુ ચ ।।
(હિતોપદેશ કથા : 1-શ્ર્લોક નં. 19)
અર્થ :- હિંસક પ્રાણીઓ, નદી, શીંગડાંવાળાં પ્રાણી, શસ્ત્રધારી તેમ જ સ્ત્રીઓ અને રાજકુલનો વિશ્ર્વાસ ન કરવો.
વળી બ્રાહ્મણનો, ઋષિનો પણ અંત ન લેવો ને અંત લે તો દુ:ખ થાય.
ગુહ્ય : રહસ્ય, મર્મ
અર્થ : ધન, સંપત્તિ.
(4) ચાર વાતે વૃદ્ધિ પમાય છે :- તે એક તો પાછી વૃત્તિ વાળીને જાણપણે વરતવું અને બીજું કોઈ અલ્પ જેવો હોય ને ભગવાનનો અલ્પ આશરો જ હોય ને એકાંતિકનો પણ દ્રોહ ન કરતો હોય તો તેનો પણ દોષ ન લેવો ને દોષ ન લે ને કોઈનો દોષ ન જુએ ત્યારે પ્રથમ કહ્યું જે, જાણપણું તે રહેવા માંડે તે માટે બધાનો મહિમા સમજવો, પણ વચને કરીને કોઈને દુ:ખવવો નહિ ને સંગ-કુસંગ જાણ્યાને અર્થે પ્રથમ એ વાત જરાતરા શીખવી; પણ જેમ કમાન વાળીને કાલબૂત કાઢી નાખે છે, તેમ એ વાત પ્રથમ જાણી મૂકવી; પણ તેનું જ આલોચન કે કથન ન કરવું; માટે એ વાત તો ખચીતપણે નિરંતર સંભારી રાખવી પણ ભૂલવી નહિ. અને ત્રીજું એવી રુચિવાળો ભક્ત હોય તેની સાથે બેઠક-ઉઠક હોય ને તેની જોડે ગોષ્ઠિ હોય તો વૃદ્ધિ પમાય ને તેને સંગ કહીએ અને ચોથો કોઈનો અવગુણ હોય તે આપણા જીવમાં ઇન્દ્રિયું દ્વારે પ્રવેશ ન કરે માટે તેનો ભલો ગુણ તે શીખવો પણ રાશી ગુણ હોય તે શબ્દ દ્વારે આપણા હૃદયમાં ન ઊતરે, એ ધ્યાન રાખવું; એ ચાર ઉપાય વૃદ્ધિ પામ્યાના છે.
દ્રોહ : મનથી, વાણીથી કે કર્મથી જાણી જોઈને કરેલ દોષ, ગુનો, પાપ કે અપરાધ
જરાતરા : નહિ જેવો-થોડો.
કાલબૂત : જોડાની અંદર ઠોકવાનો લાકડાનો પગનો ઘાટ.
આલોચન : મનન, ચિંતન.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
સંવત 1919ના શ્રાવણ વદિ ત્રીજને દિવસે બપોરે સ્વામીએ વાત કરી જે,
(5) આજ્ઞા લોપીને ઇન્દ્રિયુંને મોકળી મેલે તેથી દેહ અને જીવ બેય બગડે છે; માટે ભગવાનને મૂકીને બીજે શાંતિ નથી. પારાયણ કરે છે તેમાં અધર્મ થાય છે. તે, અર્થી દોષાન્ ન પશ્યતિ । અર્થ :- લાલચુ માણસ વિષયોના દોષને જોતો નથી. પછી બાઈ-ભાઈ, ત્યાગી ને ગૃહીને મહારાજની આજ્ઞા સામી સૂરત રહેતી નથી ને જો કોઈ કહે તો તેને અધર્મી ને સાધુનો દ્રોહી ઠરાવે છે. તે કેવું થયું ? તો, નાકકટાં માવતરને છોકરાંએ કહ્યું તેથી છોકરાંનાં નાક કાપી નાખ્યાં, એવી રીતે રાગી ગુરુ અને મોટેરા હોય તો અધર્મનું જુક્તિથી પ્રતિપાદન કરે; પણ મહારાજ ને મોટા સાધુ તે પોતાના સાચા ભક્તના પક્ષમાં છે. આ લોકમાં જો એવાની મહોબતમાં રહે તો ગમે એવો હોય તે ઘટી જાય; માટે ગાફલ ન રહેવું ને ગાફલ રહેશે તેને જરૂર સત્સંગ નહિ રહે ને પંચવર્તમાન છે તે સામી દૃષ્ટિ રાખશે તેનું ઠીક રહેશે. પંચવિષય છે તે કપાળની ગોળી છે તે જેને કપાળમાં ગોળી વાગે તે જીવે નહિ. માટે મહારાજના સિદ્ધાંત સામી નજર રાખશે તે બચશે.
અર્થ : ધન, સંપત્તિ.
(6) ભગવાનના સ્વરૂપનું નક્કી કેમ કહેવાય ? તો જેમ નાત-જાતનું નક્કી છે ને દેશકાળનું નક્કી છે તે ફરે નહિ તેમ. જો આમાં કોઈને ગધેડો કહીએ તો ઠીક ન પડે; પણ કણબીની અટક ગધેડાની છે, તેને ગધેડા કહીએ તેનું કાંઈ નહિ ને જેને ઘડી ઘડીમાં નિષ્ઠા ફરી જાય છે તેનું તો બાળકના જેવું કહેવાય ને જગતમાં કેટલીક તો અંધ પરંપરાયું ચાલી છે. તે ઉપર વોરાજીના કાગળની વાત કરી જે, કાગળ લખાવી તે ઘોરમાં મૂકે છે ને એક વોરાનો મુલ્લાં મરી ગયો તે બે લાખ રૂપિયા ઉઘરાવી તેનાં બકરાં મરાવ્યાં. એવી અંધ પરંપરાયું ચાલે છે.
નિષ્ઠા : શ્રદ્ધા, આસ્થા, વિશ્ર્વાસ, ધારણા.
(7) વિમુખની જેને જડ લાગે તે વરસે, પાંચ વરસે જરૂર વિમુખ થાય; કેમ જે, વિમુખની ક્રિયા તથા બોલી તે કાંઈક ડાઘ લગાડે ને પ્રગટ ભગવાન ને પ્રગટ સંતમાં અસદ્ભાવ કરે ને કરાવે ને મનુષ્યભાવ પરઠે ને પરઠાવે ને મહારાજનું જે દ્વારા પ્રગટપણું હોય તેનો દ્રોહ કરે ને કરાવે ને પરોક્ષ દેવ ને પરોક્ષ શાસ્ત્રને વળગીને બીજાને તેમાં જોડે ને મહારાજ ને આ સાધુની ઉત્કૃષ્ટતા સહન ન કરી શકે, તેથી જુક્તિથી આત્મા પરમાત્માનું પ્રતિપાદન કરનારા સંત હરિજનનો નિષેધ કરી ‘ભગવાન થાવું છે’, એવા શબ્દ બોલી પોતે ઢોલ ભૂંગળાં વગાડી નરકે જાય ને બીજાને મોકલે. ગોપાળાનંદસ્વામી ઉપર સત્સંગમાં જેને જેને કટાક્ષ હતો તે ભૂત થયા છે અને આજ પણ જેને આ સાધુમાં અસદ્ભાવ હશે તેને ભૂત થાવું પડશે; માટે આજ તો મહારાજ ને આ સાધુના અભિપ્રાયમાં જે ભળશે તેને જ સત્સંગી જાણવા.
મનુષ્યભાવ : દેહભાવ, માયિકભાવ, જેમાં ગુણાનુરાગ - ગુણાનુબુદ્ધિ પ્રવર્તે છે તેવો ભાવ.
દ્રોહ : મનથી, વાણીથી કે કર્મથી જાણી જોઈને કરેલ દોષ, ગુનો, પાપ કે અપરાધ
નિષેધ : શાસ્ત્રવિહિત મનાઈ.
સંવત 1919ના શ્રાવણ વદિ ચોથને દિવસે સ્વામીએ વાત કરી જે,
(8) આજ સમાગમ થાય છે તે તો કોઈ મોટા મળે છે ત્યારે ઘર મૂકીને અવાય છે. તે બળદ નવે ઘેર ખાય નહિ ને પાણી પણ પીએ નહિ અને આજ ઘરમાંથી નીસરીને અવાય છે તે કોઈ પુણ્ય ઉદય થયું છે તે ઉપર આયર રઘા ભક્તની વાત કરી જે, મા-બાપ અગિયાર વાર ઘેર લઈ ગયા તો પણ આંહીં પાછા આવ્યા. તે રાત બધી પ્રદક્ષિણા ફરતા ને ચોકી કરતા અને આલો આયર તે દેશમાં છે ને મોર અમારી ભેળો ફરતો ને હવે ઘરમાંથી નીકળતો નથી ને સત્સંગ કરે તેનો તો વહેવાર પણ ભગવાન ચલાવે. તે આ અખંડાનંદ બ્રહ્મચારીને ત્યાગી કર્યા ત્યારે તેમના દીકરાનો વહેવાર પણ અમારી ડોકમાં લીધો છે; કેમ કે, અમારા કહેવાથી તે ત્યાગી થયા છે. માટે મોક્ષભાગી હોય તેને મહારાજ ને આ સાધુના ગમતામાં વિચાર કર્યા જોઈએ.
પ્રકરણ 11 ની વાત 274
(9) ઝીણાભાઈના દીકરા હઠીભાઈની વાત કરી જે, સત્સંગ મૂક્યો ત્યારે ખાવા ટળી ગયું ને પાછું હમણાં આ દાજીભાઈને મળ્યું. સત્સંગમાં જન્મ આવ્યો ને સત્સંગ ન થયો તે કોઈ પૂર્વનું પાપ જાણવું. ભાદરાના બ્રાહ્મણે અમને કહ્યું જે, ‘તમારા સાધુ તો બહુ ભારે છે,’ એટલો ગુણ આવી ગયો, તે હવે સત્સંગમાં જન્મ આવશે. અહો, આપણાં શાં (શું) પુણ્ય હશે જે આ સાધુમાં હેત થયું ને મેળાપ થયો ને સમજાણું !
(10) આપણે અનંત બ્રહ્માંડથી ઉદાસ થઈને ભગવાન ભજી લેવા ને જેટલા નિયમ પળ્યા કે જેટલા વિષય મૂક્યા, તેટલી પ્રગટ મહારાજની નિષ્ઠા થઈ ને તેટલા બ્રહ્મરૂપ થયા છીએ.
નિષ્ઠા : શ્રદ્ધા, આસ્થા, વિશ્ર્વાસ, ધારણા.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
(11) શહેર સેવન અને રૂપિયામાં દોષ રહ્યા છે, તેની મુમુક્ષુને ખબર પડે છે. ભજન કરવું, સત્સંગ કરવો ને કથા કરવી તે તો આ સત્સંગમાં થાય છે ને સત્સંગમાં શ્ર્વેતદ્વીપ ને બદરિકાશ્રમની પેઠે વિષયનો અભાવ વરતે છે ને આંહીં સત્સંગમાં સૌ અક્ષરધામની પેઠે વરતો છો, તે આ પ્રગટ સંબંધનો પ્રતાપ છે. હવે બાકી આવરદા રહી તેણે કરીને તો પ્રભુ ભજી લેવા ને આ સાધુને દર્શને કરીને તો મેરુ જેવડાં પાપ હોય તે પણ નાશ પામે છે. ભગવાનમાં ને આ સાધુમાં નિષ્ઠા આવી ત્યારે બધુંય કરી રહ્યા ને ગાયના શીંગ ઉપર સરસવનો દાણો રહે એટલી વાર અંત:કરણ સ્થિર થાય ત્યારે માયા ખસી કહેવાય ને આ તો બબ્બે ત્રણ-ત્રણ માળા સુધી સંકલ્પ નથી થાતો તે માયાને ખેસવી કહેવાય ને એવું આજ ઘણા હરિજનોને વરતે છે.
શ્ર્વેતદ્વીપ : શ્રી વાસુદેવ ભગવાનનું ધામ.
નિષ્ઠા : શ્રદ્ધા, આસ્થા, વિશ્ર્વાસ, ધારણા.
(12) સત્યુગમાં અંબરીષની રક્ષા માટે ચક્ર મૂક્યું હતું ને આજ કળિયુગમાં ભક્ત કાંઈ દવલા હશે ? ત્યારે મહારાજે કહ્યું જે, ‘અમને ચક્રનો વિશ્ર્વાસ નથી, રખેને ચક્ર સૂઈ રહે તો ? તેથી જણ જણ પ્રત્યે ‘શિક્ષાપત્રી’ અમે આપી છે, તે અમે જ રક્ષામાં છીએ. માટે જો ‘શિક્ષાપત્રી’ લોપશે તો દુ:ખિયા થાશે.’
(13) હવે બધો વહેવાર થઈ રહ્યો ને મંદિરો પણ થઈ રહ્યાં છે ને વળી નવાં ઘણાંક થાશે ને પ્રગટની મૂર્તિયું પધરાવશે. ત્યારે મનજીભાઈએ કહ્યું જે, ‘એ સમજાયું નહિ.’ ત્યારે સ્વામી કહે, ‘આગળ મહારાજની શુદ્ધ ઉપાસના પ્રવર્તશે, અત્યારે દેવની જય બોલીએ છીએ, તે મહારાજની આજ્ઞા પાળીએ છીએ.’ વળી પૂછ્યું જે, ‘હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ તો પધરાવી છે ને ?’ ત્યારે તો સ્વામી કહે જે, ‘ગઢડામાં પ્રસાદીનાં વાસણો હતાં તેમાંથી મહારાજની બે મૂર્તિઓ રઘુવીરજી મહારાજને કહીને અમે કરાવી હતી, તે એક ગઢડામાં પધરાવી અને જે ગોપીનાથજીની પડખે વાસુદેવની મૂર્તિ હતી તે ધર્મ-ભક્તિ જોડે પધરાવી અને બીજી આંહીં જૂનાગઢમાં પધરાવી છે, માટે હરિકૃષ્ણ તે સ્વયં મહારાજ જ છે અને જેમ અવતારોની ભક્તે સહિત પ્રતિષ્ઠા થાય છે, તેમ જ મહારાજની પ્રતિષ્ઠા પણ તેમના ભક્ત મૂળઅક્ષરે સહિત થાશે; પણ હવે આપણે તો પરવારીને બેસો.
અત્યારે વચનમાં વિશ્ર્વાસ રાખીને મહારાજ, આ મંદિરો અને આ સાધુ, તે સર્વે પોતાનાં સમજીને મહારાજની ઉપાસના શુદ્ધ અક્ષરભાવે કરવી. તમારે જે સમજવાનું ને પામવાનું છે તેનો સાક્ષાત્ સંબંધ થયો છે. બીજાને રુચે તેમ હોય તો આ વાત કરવી ને મહારાજનો સિદ્ધાંત ધીમે ધીમે પ્રવર્તશે. આપણે તો તપ કરીને, અનંત સાધન કરીને, જેને પામવા હતા તે મહારાજ આજ મળ્યા; હવે આપણા જીવનું રૂડું કરી લેવું ને આ સભા તો અક્ષરધામની છે. મહારાજનો આપણા ઉપર અનુગ્રહ થયો છે કે, જેને મારા સ્વરૂપનો સંબંધ થાય તેને વિજ્ઞાન થાઓ ! બે વેશ્યાને મહારાજે વૈરાગ્ય ઊપજાવ્યો તેની વાત કરી જે, ‘કચ્છમાં જગજીવન દીવાને મહારાજને ધર્મમાંથી પાડવા ને ફજેત કરવા સારુ બે વેશ્યાઓ મોકલી. પછી તે મહારાજ આગળ આવીને ચાળા ચૂંથણું કરવા લાગી. એટલે મહારાજ કહે, ‘તારા હાડકાના દેહમાં હું મોહ નહિ પામું; કેમ જે, હું ભગવાન છું.’ એમ કહીને જમપુરીના દંડની વાત કરવા લાગ્યા; ત્યાં તો બેયને સમાધિ થઈ તે જમપુરીમાં ગઈ કે તુરત જ યમ મારવા લાગ્યા ને આંહીં દેહ તરફડવા લાગ્યા, પછી મહારાજે જમપુરીમાં દર્શન દીધાં ને કહ્યું જે, ‘એ અમારે દર્શને આવેલ છે તેને મારશો મા.’ એમ જમના હાથથી મુકાવી. પછી તે દેહમાં આવીને મહારાજને પગે લાગીને કહ્યું જે, ‘મહારાજ અમને તો જગજીવને શીખવાડીને મોકલી હતી, પણ તમારે દર્શને અમે કૃતાર્થ થઈ ને હવે જગતમાં પુરુષમાત્ર હરામ બરાબર છે.’ એમ મહારાજે તેમને જમપુરી દેખાડી વૈરાગ્ય ઉપજાવ્યો. આવી રીતે મહારાજને સમજ્યા હોય તેને શો સંશય થાય ?
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
કૃતાર્થ : જેનું કાર્ય સિદ્ધ થઈ ચુકયું છે તે, ધાર્યું કાર્ય પાર પડ્યાનો આનંદ.
જમપુરી : જમરાજાની નગરી, સંયમની.
(14) એક હરિભક્તને અમે સત્સંગ કરાવેલ, તેને બાયડીએ અવળું સમજાવીને સત્સંગ મુકાવ્યો. પછી અમે તેને બોલાવીને ઠપકો દઈને મૂંડી નાખ્યો. એમ બાયડીનું રહેવા ન દીધું. એક વખત આપણા મંદિરના બળદ ખોવાયા હતા. તે અમે વારેઘડીએ પૂછતા હતા કે, ‘બળદ આવ્યા ?’ ત્યારે એક સાધુ કહે, ‘જુઓને, બળદમાં જીવ ચોંટી ગયો છે !’ તે જ સાધુની કલમ ઉપર અમારો પગ આવવાથી ભાંગી ગઈ; તે સારુ અવગુણ લઈ સત્સંગમાંથી ગયો અને આપણે સમજણ વિના કુટાઈએ છીએ ને ઘરમાં બંધાઈ રહ્યા છીએ ને જેને ખપ હોય તેણે શું ન થાય ? ને હરજી ઠક્કર અરધા લાખની ઉઘરાણી ખોટી કરીને મહારાજ પાસે આવીને રહ્યા ને પાંચસેં સાધુ એક સામટા આવ્યા તેમને કોણે કાગળ લખ્યા હતા ? જેમ ખાંડ ઉપર કીડીઓ ભેગી થાય તેમ ખપવાળા મુમુક્ષુથી બધી વાત થાય.
(15) નૈમિષારણ્યનું વચનામૃત વંચાવ્યું. તેમાં આવ્યું જે, ફળ કાઢી લીધું હોય ને થોથું રહ્યું હોય, તે શું ? તો વિષયમાંથી માલ નીકળી ગયો એ ફળ નીકળી ગયું કહેવાય ને આટલા વિષય રાખ્યા છે તે દેહ રાખવા સારુ રાખ્યા છે ને કેટલાકને તો ખરરર ઊડી જઈએ એમ જોઈએ છીએ ને એમ થાય જે ઘડીકમાં કેમ થાતું નથી? પણ તે ઘડીકમાં થાય એમ નથી ને આમ જીવથી વરતાય એમ પણ ક્યાં છે ? તે તો ભગવાનની ઇચ્છા એવી છે જે, સર્વે અવતારના ભક્તને ગુણાતીત કરવા છે ને કારણ દેહથી નોખા કરવા છે. તે ઉપર ઇન્દ્રને બ્રહ્મહત્યા પ્રગટ વામનજીથી ટળી તે વાત કરી.
વચ. સા. 7
પ્રકરણ 1 ની વાત 295
(16) આ સત્સંગમાં અનંત અવતાર ને અનંત અવતારના ભક્ત આવ્યા છે, તે બધાને અક્ષરધામમાં લઈ જાવા છે. તે ઉપર વાત કરી જે, સાધુનું મંડળ નગર હતું તે વખતે તળાવની પાળ ઉપર સ્વરૂપાનંદસ્વામી પાસે બ્રાહ્મણ આવતા તેને સ્વામી વાતું કહેતા. પછી તે બ્રાહ્મણ કહે, ‘આજ કળિયુગમાં કલ્યાણ ક્યાંથી થાય ? જો દત્તાત્રેય, ઋષભદેવ, રામચંદ્ર કે શ્રીકૃષ્ણ જેવા મળે તો થાય.’ ત્યારે સ્વરૂપાનંદસ્વામી કહે, ‘આમાં શ્રીકૃષ્ણ જેવા કોઈ હોય કે, રામચંદ્ર જેવા કોઈ હોય કે, દત્તાત્રેય જેવા હોય, તો તમે ઓળખો ? ને તે અવતારને માથે કાંઈ નિશાન હતાં ? શી રીતે ઓળખો ?’ એમ સ્વરૂપાનંદસ્વામીએ અવતારમાત્ર સાધુમાં બતાવ્યા.
સંવત 1919ના બીજા શ્રાવણ સુદિ પડવા ને દિવસે સ્વામીએ વાત કરી જે,
(17) વાસના એવી બળવાન છે જે ધામમાંથી પણ કાઢી નાખે. તેને ટાળવાના ઋષભદેવે પચીસ સાધન કહ્યાં છે અને મહારાજે ત્રણ કહ્યાં છે; તે સત્પુરુષનો સંગ, સદ્વિચાર અને નિયમ. બોટાદના ધના સોનીએ સમાધિમાં સોનાની ઈંટ લેવા માંડી, એવી વાસના બળવાન છે. છેલ્લાનું 39મું વિશલ્યકરણીના વચનામૃતમાં કહ્યું છે એવા સત્સંગી ન થાવાય અને મહારાજ ધામમાં લઈ જાય તો પણ પાછું આવવું પડે. સ્ત્રીની વાસનાવાળાને ઐલાવૃત ખંડમાં મૂકે છે. છોકરાં જેમ ચોરીને ધૂડ ખાય છે, તેમ આપણે ભગવાનથી ચોરીને વિષય ભોગવીએ છીએ; એવા જીવને અવળા સ્વભાવ પડ્યા છે.
ભલો નર્કવાસ પણ દુષ્ટ સંગ નહિં દેહુ વિધાતા.
વિષય છે તે તો બધા દુષ્ટ છે. આંહીંના વિષય તો છૂટે ખરા; પણ મૂળપુરુષાદિક સુધીના વિષય વળગ્યા હોય તો તે છૂટે તેવા નથી. રાત્રિપ્રલય સુધી સાચા સંત ભેગા રહે અને સાચા સંતને વિશે દિવ્યભાવ સમજે ને સમાગમ કરે તો એ વાસના ટળે.
રાત્રિપ્રલય : અજ્ઞાનપ્રલય, પ્રકૃતિપુરુષ અને પ્રકૃતિપુરુષનું કાર્ય નજરમાં ન આવે ને ભગવાનના કર્તાહર્તાપણામાં સંપૂર્ણ નિર્દોષબુદ્ધિ એવી શુદ્ધ સમજણની સિદ્ધદશા.
દિવ્યભાવ : જેમાં માયાના ત્રણ ગુણનો પ્રભાવ ન હોય તેવો અદ્ભુત ભગવદ્ભાવ.
(18) કોઈ ભગવદીનો દોષ અંતરમાં હોય કે કોઈક જાતનું પાપ હૈયામાં હોય, ત્યાં સુધી ધામમાં નહિ જવાય; તેથી દોષ ટાળવાનું તો રહ્યું, પણ ઊલટા દોષ વધારતા જાય છે. વિષયમાં દોષ છે તેને દરવાજાવાળા દેખે છે. આ તો નિયમ રાખીને પૂરું કરીએ છીએ, પણ જેને બાયડીમાં, ખાધામાં ને રૂપિયામાં આસ્થા હોય તે ઉપદેશ કરીને વિષય ભોગવે. રઘુનાથદાસે ક્હ્યું જે, ‘બે પાવળાં ઘી બધાંને આપો.’ તે શું ? જે, પોતાને પણ બે પાવળાં ઘી મળે. જેટલાં વિષયનાં મનન છે તે દુ:ખ કરે એવાં છે. બ્રાહ્મણને કંદોઈનાં સુખડાં ખવાય નહિ; તેમ સત્સંગી થયા તેણે આજ્ઞા બહાર વરતાય જ નહીં. વિષયની તો ઉપેક્ષા કરવી અને તેના દોષ કહ્યા જ કરવા. વિષયમાં પ્રીતિ કરવાના શબ્દ છે અને ભગવાનમાં જોડવાના પણ શબ્દ છે. જે નથી દેખ્યું તેનું મનન નથી. માટે જે સત્સંગ કરે તેને આવા વિચાર કર્યા જોઈએ. ભણનારાનું મન પાનામાં છે અને લહિયાનું મન કલમમાં છે, તેમ મનને ભગવાનમાં રાખવું. હૃદયગ્ંરથિ છે તે ઠેઠ પ્રકૃતિપુરુષ સુધી છે. કામ, ક્રોધ ને લોભ એ ત્રણથી તોભા ત્રાહિ. આમાંથી કોઈને લોભાદિકનું આઘુંપાછું થાય તો સળગી ઊઠે. તે શું તો,
પણ સમો જોઈને હું સબક્યો, પાછો ખોળતાં ખોજ નવ જડ્યો;
ઝાઝી જતન રાખતાં પણ, એના પેચમાં હું નવ્ય પડ્યો.
અર્ધી રાતનો ઉઠિયો, લખ્યાં હતાં તે પુસ્તક લઈને;
સુતાં મુકી હું સહુને વળી, આવ્યો છું દાંતુમાં દઈને.
(નિષ્કુળાનંદ કાવ્ય : વચનવિધિ-33)
સત્સંગમાં કુસંગ છે તે માંહીલાએ શીખવ્યું છે. સૌ પ્રભુ ભજવા ભેળા થયા છીએ, પણ વહેવારને લઈને માંહી ગડબડાટ થાય છે. માટે ઘટે એટલો વહેવાર કરવો, પછી મૂકી દેવો. પ્રતિલોમ કરવો ત્યારે દરવાજે રહેવું અને વિષયમાં દોષ દેખવા.
દરવાજાવાળા : અક્ષરધામમાં જ રહેવું છે - તેવું સતત જાણપણું રાખનાર.
સુખડાં : મીઠાઈ.
પ્રકૃતિપુરુષ : ચેતન અકર્મણ્ય પુરુષની મદદથી જડ પ્રકૃતિમાંથી સમગ્ર સૃષ્ટિની ઉત્પતિ થઈ તે
પેચમાં : પ્રપંચમાં, જાળમાં, દાવમાં.
પ્રતિલોમ : પોતા/આત્મા તરફ પાછી વાળતી વૃત્તિ, અંતરવૃત્તિ, અંતરદૃષ્ટિ કરીને આત્માનું પરમાત્મા તરફનું ઊર્ધ્વીકરણ.
(19) છેલ્લાનું 29મું વચનામૃત વંચાવીને કહ્યું જે, ‘મોટાનો પ્રસંગ કરે ને તેને જીવ દે ત્યારે તેના ગુણ માંહી આવે; પણ હેત વિના તો ગુણ આવે જ નહીં. માટે મોટાના સંગ બરાબર વૈરાગ્ય પણ ન થાય અને કોઈ સાધન પણ ઉત્તમ સંગ બરાબર ન થાય.’ નિષ્કુળાનંદસ્વામીએ પૂછ્યું જે, ‘આહ્નિકમાં પ્રાર્થના કહી છે તે કેમ કરવી ?’ તો કહે, ‘પાસે બેઠા છે એમ જાણીને દીન થઈને વિનય કરવો.’ તે ચૈતન્યાનંદસ્વામી એમ કરતા, માટે આપણે એમ વારંવાર કરવું, ને મહારાજના ગુણ કહેવા ને સાંભળવા; પણ એવું દીન થાવાતું નથી ને પોતાનો ડોડ રહે છે. દેહધારી છીએ તે કોઈનો અવગુણ આવે કે કોઈ દુ:ખાઈ જાય તો પગે લાગવું; કેમ જે, આ દેહ છે તે જ અવગુણનો ભરેલ છે અને અજ્ઞાની તો લેવા દેવામાં મરી જાય છે. તે બે ભાઈ હતા, તે પચીસ કોરીને વાંધે એક જણને કોશ મારી, તે મરી ગયો.
બળરામદાસને ત્રિવિક્રમાનંદે એંઠવાડની કૂંડી ધોવા ન દીધી, અને કહ્યું જે, ‘સ્વામી આફુરડા ધોવરાવશે.’ એ પણ સ્નેહ ! પછી અમે કહ્યું જે, ‘આ તો ગંગાજી છે.’ તે સાંભળી પ્રાગજી ભક્ત માંહી પડ્યાને કૂંડી ધોઈ નાખી. એક ડોશીને તેના દીકરાએ કાઢી મૂકી તે ટાઢે ઠરતી હતી. તેને ખડના ભારાવાળાએ પૂછ્યું જે, ‘કેમ બહાર બેઠાં છો ?’ ત્યારે ડોશી કહે, ‘દીકરે કાઢી મૂકી છે.’ એટલે પટેલ કહે, ‘મૂઆ એવા દીકરા.’ ડોશી કહે, ‘ના ભાઈ, મૂઆ કહીશ મા. કાઢી મૂકે, મારે તો પણ દીકરા ક્યાંથી ?’ પછી ભર વાંસેથી ડોશીએ ખડના પૂળા તાણી લીધા અને ડેલીએ જઈ ડોશીએ કહ્યું જે, ‘ઉઘાડો તો, ખડના પૂળા લાવી છું તે ફળીમાં નાખું.’ દીકરે કહ્યું, ‘બળ્યું તારું ખડ ! અમારે જોઈતું નથી.’ તો ય ડોશીએ વંડી ઉપરથી ખડ ફગાવ્યું. એવો જીવનો વજ્રસાર સ્નેહ છે.
(20) આંહીં સાધુમાં દુ:ખ છે તે પણ પંચવિષયનાં છે. થોડોક કામ આવે, ત્યારે ઘર ઊઠી થાય અને ઝાઝો કામ આવે ત્યારે ગામ ઊઠી થાય. અમે ખંભાત ગયા ત્યારે નવાબે મ્યાનો મોકલ્યો, ત્યારે અમે કહ્યું જે, ‘અમારાથી મ્યાનામાં ન બેસાય.’ એટલે નવાબ સાહેબને ગુણ આવ્યો અને દર્શને આવ્યા.
મ્યાનામાં : એક જાતની પાલખીમાં.
(21) લીંબોળીમાં લીમડો છે અને ગોટલીમાં આંબો છે; તેમ કારણ શરીર જન્મ-મરણનું હેતુ છે. તે,
જોબન ધન કે જોર સે, ઉર ધરત અભિમાન;
સબે ચવિના કાલ કા, કહા ખાન સુલતાન.
માટે ચાર પ્રકારના પ્રલયે કરીને સર્વને નાશવંત જોવાં અને અવિનાશી તો એક અક્ષરધામ જ છે.
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
(22) સૌ સૌની રુચિ નોખી છે. ત્યારે શામજીભાઈએ પૂછ્યું જે, ‘ભગવાન ભજવાની રુચિ હોય અને વિષયની પણ રુચિ હોય ત્યારે ભગવાન ભજવાની રુચિ સાચી છે કે નહિ ?’ ત્યારે કહે, બેય રુચિ સરખી હોય તો જેનો સંગ વધુ થાય તે રુચિ વધે. માટે પોતાની ઇન્દ્રિયું અને મનને ન ગમે તો પણ જ્યાં વિષયનું ખંડન થાતું હોય ત્યાં રહેવું, તેનું નામ ખપ કહેવાય. આ તો મોટાં કારખાનાં છે તે કોઈ તપ કરતા હશે, કોઈ ધારણાં-પારણાં કરતા હશે, કોઈ નિયમ રાખતા હશે, કોઈ વિષયનો અભાવ કરતા હશે અને કોઈ નિયમ નહિ રાખતા હોય, કોઈ ખાવા-પીવાનો વિચાર રાખતા હોય અને કોઈ વિષયનો આદર કરતા હોય, તે બધું ચાલ્યું જાય છે; પણ કાંઈ મહારાજ પાસે બધું બરાબર નથી. મોટા પાસે રહીએ તો સહેજે જીવ વૃદ્ધિ પામે, તે લોમષ ઋષિના આશ્રમમાં માયા ન વ્યાપે; તેમ મોટા રહેતા હોય ત્યાં કોઈ દોષ આવે નહિ.’
પછી શામજીભાઈએ પૂછ્યું, ‘લોમષના આશ્રમમાં માયા ન વ્યાપે, ત્યારે મોટા પાસે રહીને કો’ક બગડી જાય છે તેનું કેમ સમજવું ?’ તો કહે, ‘ઋષિ તો એક જ હતા, આ તો ત્રણસેં છે; તે મોટાનો જોગ હોય અને બીજાનો સંગ લાગે તો બગડી જાય.’ તે આંહીં વાતું થાય તેથી ફળિયામાં બીજી જાતની થાય ને દરવાજે ત્રીજી થાય. એમ એકનો એક સંગ રહેતો નથી, એ દોષ છે. ગરીબ તાલુકદારના ગામને ગઢ હોય તો પણ ત્યાં ધાડું પડે ને બળિયાનું કોટ વિનાનું હોય તો પણ ત્યાં ધાડું પડે નહિ. કાઠીના ગામમાં ધાડું ન પડે અને પગીના ગામમાં ખાતર ન પડે; તેમ મોટા પાસે અંતરશત્રુ બળ કરે જ નહીં. ભગવદીનું લક્ષણ એ જે, ઇન્દ્રિયું-અંત:કરણને ન ગમે તો પણ કથાવાર્તા અને ધ્યાન કર્યા જ કરે. ભારે પાણો ઉપાડવો હોય, ત્યારે ઘણાં મનુષ્ય ભેગાં થાય, પણ ભજન કરાવીએ કે વાતું કરીએ ત્યારે એટલાં ભેગાં ન થાય. જેતપુરના ધરામાં હાથી આવે તો તેને પણ ઠેલી નાખે, તેમ વિષય એવા બળિયા છે જે ગમે તેવો બળિયો હોય તેને પણ પાડી નાખે.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
પાણો : પથ્થર.
સંવત 1919ના બીજા શ્રાવણ સુદિ બીજને દિવસે સ્વામીએ વાત કરી જે,
(23) કલ્યાણને મારગે ચાલવું તેમાં ઉદ્વેગ ઘણા; તે શું ? જે, અંતરમાં મહારાજને રાખવા છે ને બીજું પેસી જાય છે. મેળાવમાં ગુંસાઈ આવેલ અને આપણા સાધુનું મંડળ મંદિરમાં,
રાજે ગઢપુર મહારાજ, પૂરણ બ્રહ્મ પરમાત્મા જો;
આવ્યા ગરીબ નિવાજ, એ તો અક્ષરના આત્મા જો.
(કીર્તન મુક્તાવલિ : 786)
એ કીર્તન ઊંચે સ્વરે કરીને ગાતા હતા. તેમાં,
મત પંથને માથે મેખ, મારી લીધા જન છોડાવી જો;
મૂંડ્યા કંઈક ગુરુ ભેખ, પાડયા મહંતને ગોડવી જો.
(કીર્તન મુક્તાવલિ : 786)
એ પદ આવ્યું તે ગુંસાઈએ તેની હવેલીમાં સાંભળ્યું અને બળી ઊઠયો. તે હલ્લો લઈને મંદિરમાં આવ્યો. તે જુવાનિયા સાધુ તો આઘાપાછા થઈ ગયા ને ઘરડા સાધુ એક બેઠા હતા તેમને માર્યા, તે દેહ પડી ગયો. પછી બીજા સાધુએ તે વાત વરતાલ જઈને કરી. ત્યારે નિત્યાનંદસ્વામી સો પાળા બંધૂકવાળા લઈને જવા તૈયાર થયા પછી રઘુવીરજી મહારાજે વાર્યા જે, ‘આપણે એવું કરવું નથી.’ પણ સરકારમાં વાત જાહેર થયેલ અને તેથી ગુંસાઈને સજા થાય તેમ હતું, તેથી વૈષ્ણવ ભેળા થઈને રઘુવીરજી મહારાજ પાસે આવ્યા ને માફી માગી, એટલે તેમના ગુંસાઈને બચાવ્યો.
પાળા : સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જાતનો સેવક/પાર્ષદ.
(24) આવદાની વધી, માણસ વધ્યાં, પણ કોઈ રીતે હૈયામાં શાંતિ ન થઈ. હૈયામાં ટાઢું ન થયું અને બધું વધ્યું તે શા કામનું ? હવે તો બધી રીતે પોતાનું અવળું કરવું તેમાં જ સૌ મચ્યા છે. તે કોઈ કોઈને સુહૃદપણું નહિ રહે અને નારદ તથા પર્વતને જેમ પરસ્પર ઈર્ષા થઈ, તેમ આપણામાં થાશે; આ તો મહારાજ લાજ રાખે છે. અવિદ્યા સત્સંગમાં પેસી ગઈ છે અને રૂપિયા છે તે નાક કપાવે એવા છે. અક્ષરધામનાં જેવું સુખ છે, પણ બ્રાહ્મણની રસોઈમાં હાડકું નાખે તો દુ:ખ થાય; તેમ એવાં દુ:ખ હાથે કરીને ઊભાં કરીને બધાને દુ:ખિયા કરે છે ને દિન જગવે છે; માટે અવિદ્યા છે તે બધે વિઘ્ન કરનારી છે ને કોઈને સુખે રહેવા નહિ દે. સત્સંગમાં કેટલાક પૂતના ને પ્રલંબાસુર જેવા હોય તે ઓળખવા અને બહેરા થઈને પ્રભુ ભજશે તેને સુખ રહેશે; પણ આંકડા વાંકડા કરવા મંડ્યા તો સુખ નહિ રહે, માટે નિર્માની થઈને પ્રભુ ભજી લેવા.
પ્રકરણ 9 ની વાત 256
આવદાની : આમદાની, આવક, પ્રાપ્તિ, પેદાશ, ઉપજ.
અવિદ્યા : માયિક સમજણ
(25) તાલનો કોઈને પાર આવ્યો નથી, તે નિરન્નમુક્તાનંદને ચેલાનો તાલ હજી આવ્યો નથી. સાધુને જનની કહ્યા છે. ધર્માદિક ચાર હોય તો પણ બોધને નિપુણા ન હોય અને ક્ષમાશીલતા ન હોય.
આકૃતિચિતિચાપલ્યરહિતા નિષ્પરિગ્રહાઃ ।
બોધને નિપુણા આત્મનિષ્ઠા: સર્વોપકારિણ: ॥
(સત્સંગિજીવન : 1/32/28)
અર્થ :- શ્રીહરિ ભક્તિમાતાને કહે છે :‘હે સતિ ! મુમુક્ષુઓએ કેવા સંતને સેવવા જોઈએ ? તે જેઓ કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયોની ચપળતાએ રહિત અર્થાત્ વિષય વાસનાઓ વિરહિત આત્મહિતમાં વિરોધી પરિગ્રહ રહિત, તત્ત્વબોધ આપવામાં પ્રવીણ, આત્મામાં જ એક નિષ્ઠાવાળા (આત્મારામ), સર્વ જનોનો આ લોક પરલોકમાં ઉપકાર કરવાના સ્વભાવવાળા હોય.’
સાધુએ સર્વેનું ખમવું અને વળી તેનું હિત કરવું ને મહારાજનાં વચન નિરંતર સંભાર્યા કરવાં અને વારંવાર સત્શાસ્ત્રનું સેવન કરવું. તે ‘હરિગીતા’માં બધી વાત લખી છે. માટે કહેવું, સાંભળવું ને વારંવાર વિચારવું. ભગવાનના ભક્તને મન દેવું, તે મન દે ત્યારે જે વાત સમજવાની હોય તે કહેવાય! ઘરેણાં, મેડી કોઈને બરાબર નથી, માટે એટલું જ માગવું જે, આપણા કલ્યાણના મારગમાં વિઘ્ન ન આવે. સંસારમાં રહીને મહારાજને ભજી લેવા ને આ સાધુનો સમાગમ કરી લેવો, એ જ સાર છે. તે કૃપાનંદસ્વામી કહેતા જે, ‘મહારાજનાં તો દર્શન કરવાં અને સમાગમ તો સાધુનો જ કરવો.’
તાલ : સ્વાદમાં વધારો.
અર્થ : ધન, સંપત્તિ.
(26) કંથકોટનો રાજા આંધળો અને બ્રહ્મજ્ઞાની હતો તેણે સો શિષ્ય કર્યા હતા, અને ‘શતપ્રશ્ર્ની’ મોંઢે કરી હતી. મહારાજે તેની સભામાં જઈને જય સચ્ચિદાનંદ કહ્યા. ત્યારે તેમણે પૂછ્યું જે, ‘તમે કોણ છો ?’ મહારાજે કહ્યું જે, ‘સચ્ચિદાનંદ છું, પણ તમે કોણ છો ?’ ત્યારે રાજા કહે, ‘અમેય સચ્ચિદાનંદ છીએ.’ મહારાજ કહે, ‘તમે સચ્ચિદાનંદ હો તો પ્રકાશ દેખાડો.’ તે આંધળો શું પ્રકાશ દેખાડે ? મહારાજને કહે, ‘તમે પ્રકાશ દેખાડો.’ એટલે મહારાજે પોતાની મૂર્તિમાંથી પ્રકાશ દેખાડ્યો અને પાછો પોતામાં સમાવી દીધો, તે સર્વેએ પ્રકાશ દીઠો અને આંધળા રાજાએ પણ પ્રકાશ દીઠો, એટલે મહારાજ સચ્ચિદાનંદ નહિ, એમ કેમ કહી શકાય ?
પછી રાજાએ મનમાં એમ ધાર્યું જે, આને બંદીખાને રાખીએ તો તેમના શિષ્ય ઘણા છે, તે જે દર્શને આવે તેની પાસેથી રૂપિયા લઈને દર્શન કરાવીએ, એટલે આપણને રૂપિયા ઘણા થાશે. એવું ધારીને ઉતારો આપ્યો ને પાકાં સીધાં મોકલ્યાં અને દરવાજાવાળાને કહ્યું જે, ‘આને જાવા દેશો મા.’ પણ મહારાજ તો પ્રભાવ જણાવી રાતે વહ્યા ગયા. પછી સવારે રાજાએ મહારાજને દીઠા નહિ. એટલે બ્રહ્મચારીને પૂછ્યું તો કહે, ‘હું સૂઈ ગયો હતો; ક્યારે ગયા તેની મને ખબર નથી.’ પછી રાજા બ્રહ્મચારીને કહે, ‘તમારું કામ નથી. તમે વહ્યા જાઓ.’ મહારાજનો મહિમા અને ઐશ્ર્વર્ય સાધુ સમજાવે છે. મહારાજના સ્વરૂપમાં કોઈ દિવસ મનુષ્યભાવ ન આવે તેનું કારણ સાધુનો સમાગમ છે. સત્સંગમાં જેનો પગ અટક્યો તે આઘોપાછો ચાલે નહિ અને કોઈ મોટા સાથે જીવ બાંધ્યો હોય તો પાછો વળે.
મનુષ્યભાવ : દેહભાવ, માયિકભાવ, જેમાં ગુણાનુરાગ - ગુણાનુબુદ્ધિ પ્રવર્તે છે તેવો ભાવ.
(27) સંસાર મુકાય, પણ સ્વભાવ ન મુકાય; એવા સ્વભાવ બળિયા છે મહારાજ સર્વોપરી એક જ ભગવાન છે અને આ સાધુ મૂળઅક્ષર છે. તેમના સર્વોપરીપણાની વાતું ધામમાં ગયા પછી અનાદિ મહામુક્તમાં રહીને કરીશું, ત્યારે પૂરી સોદરી વળશે. એટલે એક હરિભક્તે કહ્યું, ‘હમણાં જ આ દેહે કરોને !’ તો કહે, મંદિરમાં નાતીલા, ભણેલા અને અધિકારીને ઇન્દ્રિયુંનું પોષણ કરવું છે, એવાને આવું જ્ઞાન પચ કેમ પડે ? આ જ્ઞાનવાળા તો યથાર્થ આજ્ઞા પાળે છે અને સાધુતાના ધર્મ રાખે છે તેવું તેઓ કરી શકતા નથી, એટલે દુ:ખે છે પેટમાં અને કૂટે છે માથું ! પછી સંપ્રદાયનાં બહાનાં કાઢે છે.
પાળે : સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જાતનો સેવક/પાર્ષદ.
(28) ગૃહસ્થને સત્સંગનો ખપ છે અને ગૃહસ્થ થકી જ આ બધો વહેવાર છે. ગૃહસ્થ સાચા સેવક છે, તેથી મંદિરનો વહેવાર ગૃહસ્થ ઉપર ચાલે છે. માટે ગૃહસ્થને વાતું કરીને જે ત્યાગી સેવા કરતા નથી તેને બહુ દોષ લાગે છે. ત્યાગી જો કોડી જેટલું પણ દ્રવ્ય રાખશે નહિ અને સાધુના નિષ્કામાદિક ધર્મ યથાર્થ પાળશે તો જ મોક્ષ થાશે.
સંવત 1919ના બીજા શ્રાવણ સુદિ ત્રીજને દિવસે સ્વામીએ વાત કરી જે,
(29) મહારાજે ‘શિક્ષાપત્રી’રૂપી સડક બાંધી છે, તેમાં જે ન રહે તે પાધરો ઓળખાઈ જાય.
સડક : પાકો રસ્તો.
પાધરો : બારોબાર.
(30) જેને સત્સંગ કરવો તેને દેહાભિમાન, લોભ અને દેહનાં સુખ એ બધાં મૂકવાં જોઈએ, તો સત્સંગ થાય. તમે આંહીં આવ્યા છો પણ જેવી ઘેર પથારી હોય, ખાવાનું હોય, તેવો જોગ આંહીં ન આવે; માટે તે વાત પણ જાણવી જોઈએ. ત્રિલોકીમાં કોઈ સવારમાં ઊઠીને પરમેશ્ર્વર ભજવાનો મનસૂબો કરતા જ નથી. આ કરીએ છીએ તે તો પરાણે કરીએ છીએ; પણ કોઈને ગમતું નથી.
(31) સર્વનાં તાન પંચવિષય ઉપર છે. ગમે તેટલા ઉપાય કરીને ખાધાના તાલ કરે, પણ ભગવાન ભજવાના તાલ કોઈ ન કરે. ઝીણાં લૂગડાં સારુ કોઠારી સાથે કજિયો કરે તે મહારાજને ગમે નહિ.
તાન : લગની, આગ્રહ, મસ્તી.
તાલ : સ્વાદમાં વધારો.
(32) મોટાનો જોગ હોય ત્યાં સુધી સારું રહે ને જોગ ન હોય તો બળ ન રહે; પણ પાતાળે પાણી હોય તો ખૂટે નહિ. સત્સંગે કરીને વાતું જીવમાં ઊતરી ગઈ હોય તો પ્રહ્લાદની પેઠે કોઈ દિવસ ડગે નહિ; પછી કાળ, કર્મ ને માયા તેનું નામ લઈ શકે નહિ. મણિધર નાગ કંડિયામાં ન આવે, તેમ તે કોઈના લાગમાં ન આવે અને બળિયા છે તે મન ઇન્દ્રિયુંના દોર્યા દોરાતા નથી. શબ્દે કરીને નિષ્કામી થાય છે, માટે જેવો સંગ કરે છે તેવો થઈ જાય છે; માટે આપણે ઠરાવ કરવો જે સત્સંગ કરવામાં કોણ અંતરાય કરે છે ? પચ્છમના દેવજીને પરણાવ્યો, તે બાયડી કહે, ‘સત્સંગ મૂકે તો ગાડેથી ઊતરું.’ ત્યારે તેના બાપે દેવજીને કહ્યું , ‘તારે સત્સંગ રાખવો છે કે, બાયડી રાખવી છે ? જો સત્સંગ રાખવો હોય તો બાયડીઓ તો બીજી બે પરણાવીશ, માટે આને આપી દે રજા.’ પછી દેવજીએ લૂગડાં ને ઘરેણાં ઉતારી લઈ એક લૂગડાભેર કાઢી મૂકી, તેને કોઈએ નાતમાં રાખી નહિ; પછી રાજકોટમાં ગારુડીના ઘરમાં રહી, માટે જીવને તપાસવો જે, ક્યાં સુધી સત્સંગ નભશે. રસના અને ત્વચા ઇન્દ્રિયું મૂંઝવે તો સત્સંગ ન રહેવા દે ને હડી કઢાવે છે, તે તપાસવું.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
અંતરાય : અડચણ, વિઘ્ન, અવરોધ
હડી : દોડવું.
(33) દેહનું ભાન રહે ત્યાં સુધી વર્ણાશ્રમ ધર્મ પાળવો જ. ભગવાનના સંબંધવાળાં પદાર્થ સંભારવાથી મહારાજની સ્મૃતિ થાય.
(34) સત્શાસ્ત્રના અવળા અર્થ કરનાર ગુરુ નરકે જાય છે. મહારાજની આજ્ઞા પળે એટલી વાસના ટળે, તે આજ્ઞા કઈ ? તો, ‘શિક્ષાપત્રી’, ‘ધર્મામૃત’ ને ‘નિષ્કામશુદ્ધિ’ પળે તો જ વાસના ટળે છે.
અર્થ : ધન, સંપત્તિ.
વાસના : પૂર્વના સંસ્કારોથી મકકમ થયેલી કામના.
(35) જે સંત પોતાના હૃદયમાં મહારાજને અખંડ ધારી રહ્યા છે, તે સંત જ્ઞાની, ધ્યાની ને પ્રેમી કરતાં મોટા છે. મહારાજની મૂર્તિ, મહારાજની આજ્ઞા અને આ સાધુ, એ ત્રણ વાતું રાખવી અને ‘વચનામૃત’નો અભ્યાસ રાખવો. કદાપિ કરોડ કામ સુધાર્યાં અને એક મોક્ષ બગાડ્યો તો શું કમાણા ? મહારાજની આજ્ઞામાં રહેતા હોય, મહારાજની મરજીને જાણતા હોય અને મહારાજમાં જોડાણા હોય, એવા સાધુ સાથે પોતાના જીવને બાંધવો. આપણે, દેહ અને જીવ જુદા છે તેમ મહારાજમાં કહેવાય નહિ. મુક્ત હોય તે પોતાનું ભૂંડું દેખાય અને લાજ જાય તેવું કર્મ કરે જ નહીં. જેમ ફૂલમાં સુગંધી રહી છે, શેરડીમાં રસ, દૂધમાં ઘી અને તલમાં તેલ રહ્યું છે, તેમ આ સાધુમાં ને એકાંતિકમાં મહારાજ અખંડ રહ્યા છે એમ જાણવું.
સંવત 1919ના બીજા શ્રાવણ સુદિ ચોથને દિવસ સ્વામીએ વાત કરી જે,
(36) જ્યાં વિષય આવ્યા ત્યાં ભગવાનની સ્મૃતિ રહે જ નહીં. બ્રહ્માને પણ એમ થયું અને અક્રૂરને પણ એમ થયું. માટે એ વસ્તુ એવી છે, તે સમાધિવાળાનું પણ ઠેકાણું રહેવા દીધું નહિ. સ્ત્રીમાં બ્રહ્મના સુખથી પણ વધુ આનંદ મનાય છે એવો એ વિષય બળવાન છે. માટે એકાંતમાં મા, બહેન અને દીકરી સંગાથે પણ ન રહેવું.
માત્રા સ્વસ્ત્રા દુહિત્રા વા ન વિવિત્કાસનો ભવેત્ ।
બલવાનિન્દ્રિયગ્રામો વિદ્વાંસમપિ કર્ષતિ ।।
(સત્સંગિજીવન : પ્ર.3-અ.59-મનુસ્મૃતિ-2-215)
અર્થ :- માતા, બહેન, પુત્રી સાથે એકાંતમાં ન બેસવું. પ્રબલ ઇન્દ્રિય સમૂહ વિદ્વાનને પણ આકર્ષે છે.
એ શ્ર્લોક વ્યાસજીએ લખાવવા માંડ્યો ત્યારે જૈમિની કહે, ‘એમાં શું લખવું છે ?’ કેટલાક દિવસ પછી વ્યાસજી કહે જે, ‘જૈમિની, મારે સામે ગામ જાવું છે, તે કાલે આવતો રહીશ; આશ્રમ સાચવજો.’ એમ કહી ચાલતા થયા. પછી વરસાદ વરસાવ્યો. નદી બે પૂર આવી ને વ્યાસજી જૈમિનીની બહેનનું રૂપ લઈ, અંગ દેખાય તેવું ઝીણું વસ્ત્ર પહેરી, આશ્રમમાં આવ્યા અને ટાઢે ધ્રૂજતાં જૈમિનીને કહે, ‘ગાય ગોતવા ગઈ હતી ને નદી બે પૂર આવી ગઈ, માટે આજની રાત આંહીં પડી રહેવા દ્યો તો સારું.’ જૈમિનીએ બહેનનાં બધાં અવયવો દીઠાં એટલે કહે, ‘આ ઓરડીમાં વહ્યાં જાઓ અને સવાર સુધી સાંકળ ઉઘાડશો નહિ.’ પણ જૈમિનીને ઉત્થાન થાવા લાગ્યાં. શિષ્યો બધા ઊંઘી ગયા એટલે જૈમિનીએ બારણા પાસે જઈ સંબંધીઓના સમાચાર પૂછવા માંડ્યા. પછી કહે, ‘કમાડ ઉઘાડો, તો મોઢામોઢ વાત કરીએ.’ ત્યારે કહે, ‘સવારે ઉઘાડીશ.’ પછી જૈમિની છાપરા ઉપરથી માંહી ઊતર્યા અને બહેનને બથ ભરી; એટલે વ્યાસજીએ પોતાનું રૂપ દેખાડ્યું ને કહ્યું જે, ‘ઓલ્યો શ્ર્લોક હવે લખવો છે ?’ તો કહે, ‘હા મહારાજ !’ માટે વિષયથી બીતા રહેવું.
આ લોકમાં ગમે તેટલા રૂપિયા મળે કે રાજ મળે કે રૂપવાન સ્ત્રી મળે કે,
નામ બડે ધનધામ બડે જગમાંહી બડી કીર્તિ પ્રગટી હૈ,
બુદ્ધિ બડી ચતુરાઈ બડી, અરુ લાવણતા તન મેં લપટી હૈ;
દ્વાર હજારન લોક ખડે રિદ્ધિ ઇન્દ્રહું તે નહીં એક ઘટી હૈ,
તુલસી રઘુવીર કી ભક્તિ બિના, જ્યું સુંદર નારી નાક કટી હૈ.
(કીર્તન મુક્તાવલિ : નાશવંત દેહ વિશે)
રાજ ભયો કહા કાજ સર્યો, મહારાજ ભયો કહા લાજ બઢાઈ,
શાહ ભયો કહા વાત બડી, બાદશાહ ભયો કહા આન ફિરાઈ;
દેવ ભયો તોઉ કાહ ભયો, અહંમેવ બઢો તૃષ્ણા અધિકાઈ,
બ્રહ્મમુનિ સત્સંગ વિના, ઔર ભયો તો કહા ભયો ભાઈ ?
(કીર્તન મુક્તાવલિ : નાશવંત દેહ વિશે)
તેમાં કોઈને શાંતિ થઈ નથી અને થાશે પણ નહિ. દેવતા અમર કહેવાય છે, પણ મરી જાશે. માટે ખરેખરા અમર તો શ્રી સ્વામિનારાયણને ભજે છે તે જ કહેવાય. ભગવાન ભજવાનો આનંદ તો ખરેખરા મુનિઓને છે.
‘ગીતા’ના છેલ્લા અધ્યાયમાં એકાંતિકનાં લક્ષણ કહ્યાં છે; તે ઉત્તમનાં શાં લક્ષણ ? જે સાધારણ વિષયનું ગ્રહણ કરે, પણ રમણીય વિષયનું તો ગ્રહણ કરે જ નહીં. ચકુભાઈએ સાઠ કોરીની સારંગી લીધી; પણ બીજી સારંગી વળગી; એટલે આગલી સારંગી પડી રહી. જૂનાગઢના નાગર છેલભાઈ પ્રથમ મંદિર સામું લઘુ કર્યું; એટલે રણછોડજીએ ગદા મારીને કહ્યું જે, ‘અમારા મંદિર સામું લઘુ કેમ કરે છે?’ પછી તો પગે લાગ્યો અને દ્વારકા જાવું હતું તે ન ગયો ને સત્સંગ કર્યો ને સારા વૈરાગ્યવાન હરિભક્ત થયા; ત્યારે તેનો કાકો કહે, ‘છેલભાઈ તો સોનાની થાળીમાં લોઢાનો ખીલો છે.’ પ્રહ્લાદના બાપે પણ કહ્યું જે, ‘તું તો ચંદનના વનમાં બાવળિયો થયો.’ સંસ્કારી હોય તેને પણ સંસારનો ધક્કો લાગે, પણ જેણે બહુ સાધુ સેવન કર્યાં હોય તેને દેશકાળ ન લાગે, નહિ તો લાગ્યા વગર રહે નહિ. મહારાજે કહ્યું જે, ‘અમને વન, પર્વત અને ઝાડી ગમે છે.’ તેમાં શું કહ્યું ? જે, તમે વિષયનો સંબંધ રાખશો તો તમારું ઠીક નહિ રહે, એમ શીખવ્યું, માટે આપણે એ મારગે ચાલવું નહિ.
વચ. ગ.અં. 12
વચ. ગ.અં. 19
વચ. ગ.અં. 21
અર્થ : ધન, સંપત્તિ.
ગોતવા : શોધવા.
ઉત્થાન : ઊર્ધ્વગતિ, ઉન્નત્તિ તરફ જનારું.
(37) ‘સત્સંગીમાંથી કાંઈ લેવું.’ એવી જેને લાલચુ પ્રકૃતિ છે તેનો તો સત્સંગ રહેવાનો નહિ. માટે ખબરદાર રહેવું. હીરાને પારખ્યા વિના તો પાણો જાણે, તેમ જેણે ભગવાનનું સુખ જાણ્યું નથી તેને શું સુખ આવે ?
હીરા દીધા હાથ, સમજાયા સો વાર,
પણ જેને સંતની પરીક્ષા નથી તેને ભગવાનનું કે સંતનું સુખ આવતું નથી, એટલે આવો સત્સંગ, ચિંતામણિ તેને મૂકી દે છે.
પાણો : પથ્થર.
ચિંતામણિ : ઇચ્છા પૂરી કરે તેવો દિવ્ય મણિ.
(38) ભગવદી હોય તેણે ચોખ્ખું રાખવું અને રોટલા દાળ સારુ વહેવાર કરવો; પણ મુખ્ય તો ભગવાન જ ભજવા. જેટલાં નિયમ પાળશે તેટલું જ સારું રહેશે. જેવો સંગ તેવો રંગ લાગશે; જેને રૂડો સંગ તેની રૂડી બુદ્ધિ થાય.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
(39) વિષયનું ચિંતવન થાય તો, આજ્ઞામાં રહીને ભોગવવા; પણ અંતે મૂકવા, એ અચળ સિદ્ધાંત છે. મહારાજ અંધારામાં બેઠા હોય અને આપણા તેજે મહારાજનું દર્શન થાય તો એમ સમજવું જે મહારાજનું આપેલ મારામાં છે, એનું નામ ભક્તિ કહેવાય; કેમ કે, મહારાજ પ્રકાશ લીન કરીને બેઠા છે.
(40) પ્રથમનું 71મું વચનામૃત વંચાવીને વાત કરી જે, સાકાર અક્ષરબ્રહ્મ મહારાજ ભેગા છે, એમ સમજે તો મહારાજનો અધિક પ્રભાવ સમજાય.
(41) આપણે ધર્મમાં રહીને આવરદા પૂરી કરવી. મુક્તને વિષય ગમે જ નહીં. મહારાજની શુદ્ધ ઉપાસના હોય તેનો જીવ લડથડે નહિ, એમ ઉપાસનાની મોટાઈ સમજવી. ધર્માદિક દોષનું પ્રાયશ્ર્ચિત કહ્યું છે, પણ રસિક ભક્તના વિષયનું મુક્તાનંદસ્વામી જેવા સંત ખંડન કરે તો શસ્ત્રે કરીને માથું કાપી નાખે એટલો દ્રોહ કરે, તે પાપનું નિવારણ કહ્યું નથી; માટે આની આગળ બીજા દોષને અલ્પ કહ્યા છે.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
દ્રોહ : મનથી, વાણીથી કે કર્મથી જાણી જોઈને કરેલ દોષ, ગુનો, પાપ કે અપરાધ
(42) અનંત અવતાર થઈ ગયા અને અનંત અવતાર થાશે, પણ મહારાજ અને આ સાધુ આવ્યા નથી અને હવે આવશે પણ નહિ. મોક્ષને અર્થે તો મહારાજ અને તેના પરમ એકાંતિક આ સંત એ બે જ છે. મહારાજ ને મોટા સંત જેને મળ્યા તેનું કલ્યાણ તો થાશે, પણ જ્ઞાન વિના અંતરમાં સુખ ન થાય. સર્વોપરી મહારાજ ને આ સંત મળ્યા, તો ય દુ:ખ રહ્યું તો બીજે કયે ઠેકાણે દુ:ખ ટળશે ? મહારાજનું સ્વરૂપ નિર્દોષ સમજવું તેમ જ આ મોટા સંતને નિર્દોષ સમજવા. મહારાજ ને આ સાધુ સર્વથી પર છે; તેમને જ જીવમાં રાખવા.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
સંવત 1919ના બીજા શ્રાવણ સુદિ પાંચમને દિવસે સ્વામીએ વાત કરી જે,
(43) મહારાજે કચ્છમાંથી કાગળ લખી મોકલ્યો જે, આટલા જણે ત્યાગી થઈને ચાલી નીકળવું. ત્યારે મેથાણના અજા પટેલે સૌને કહ્યું જે, આટલાં નામ છે. પછી કડુના કલ્યાણભાઈ જે અદ્ભુતાનંદસ્વામી તે મીંઢળ સોતા ચાલી નીકળ્યા. ત્યારે અજા પટેલે ક્હ્યું જે, ‘છોકરા, તારું નામ આમાં નથી.’ એટલે કહે, ‘હું આદિકમાં આવ્યો કે નહિ ?’ પછી મહારાજ પાસે ગયા ત્યારે મહારાજે કહ્યું, ‘તમારું નામ અમે લખ્યું નહોતું ને કેમ આવ્યા ?’ ત્યારે કહે, ‘આદિકમાં હું આવું કે નહિ?’ ત્યારે મહારાજ કહે, ‘આંખ માથા ઉપર !’ એમ ત્રણ વાર કહ્યું. એવા ખપવાળા હતા; પણ જેને રાગ છે તેને તો નિયમ પાળીને ઘેર ભગવાન ભજી લેવા. આ સાધુ છે તે જીવને પ્રભુના મારગે ચલાવે છે, પણ આ જીવ નવરો થઈને પ્રભુ ભજે તેવો નથી; મુંબઈ જાય, કરાંચી જાય, બહારવટે જાય; પણ પ્રભુ ન ભજે. માયાના પાંચ પ્રવાહ ચાલ્યા છે તેમાં દેવ, દાનવ, મનુષ્ય સર્વે વહ્યા જાય છે. બધું મહારાજનું કર્યું થાય છે,
મેરે તો એક તુમહી આધારા.
(શ્રી સ્વામિનારાયણ હજારી : 14)
મોક્ષને મારગે ચાલે તેને અર્થે આપણી સર્વ ક્રિયા છે અને જીવ તો વિષયની ક્રિયામાંથી થાકતા જ નથી. તે મેડી કરતાં ને બાયડી શણગારતાં કોઈ થાકતું નથી. સુરતમાં નજરાં નાખવા ન જાય તે દિવસ અન્ન પચે નહિ. અમારે તો જીવમાંથી સર્વે કુમતિ કાઢીને ભગવાન ભજાવવા તાન છે; જીવને વિષયમાં તાન છે પણ ઘડો ફૂટશે ત્યારે ખાટલામાંથી ઉઠાશે નહિ, માટે આજ જ કરી લેવું. જેણે કામ અને દેહાભિમાન જીતવું હોય તેણે એવી રીતે ભક્તિ કરવી જે મનને માગ જ ન મળે; જેમ ઘોડા દોડતા હોય તે વચ્ચે નીસરાય નહિ, તેમ કથાવાર્તા, કીર્તન, સેવા, ભક્તિ કે ઘરના કામકાજમાં વૃત્તિ લાગે તો બીજું કાંઈ ન સાંભરે.
હરજી ઠક્કર હિસાબનો મેળ મેળવવા સારુ આખી રાત જાગ્યા; તેમ વેગ લાગે તો વિષય ભોગવાય નહિ. જેને માથે વિષયરૂપી શત્રુ છે તે નિર્ભય રહે તો તેને સત્સંગની ખબર જ નથી. જોગીદાસ ખુમાણે ચૌદ વરસ ઘોડા ઉપર આસન રાખ્યું, તેમ અંતરશત્રુ ઉપર એવો અનાદર હોય તો તે જિતાય. સ્ત્રી અને મન નવરાં હોય તો વ્યભિચાર કરે; માટે મનને નવરું રહેવા દેવું નહિ. જેણે ઘરેણાં પહેર્યાં હોય તેની વાંસે ચોર ભમ્યા કરે છે. ત્યાગી લાડવા ખાઈને સૂઈ રહે છે, માટે અમને તેમની ફિકર થાય છે. સંત હરિભક્તમાં જેટલો સદ્ભાવ તેટલો સત્સંગ જાણવો.
સોતા : સહિત.
તાન : લગની, આગ્રહ, મસ્તી.
વાંસે : પાછળ.
(44) આ જીવને જ્ઞાન નથી તે દેહના સુખને ખોળતો ફરે છે; જેમ ઢોર હોય તે ઓખરને ગોતે છે તેમ. જીવને વિષય મળે તો બહેકી જાય.
(45) બધી વાતની જ્ઞાનીને ખબર પડે; માટે જ્ઞાની હોય તેણે મોહનાં મૂળ ઊખેડીને પ્રભુ ભજી લેવા. ખાઈ ખાઈને ધરાય અને ખાઈને ઊંઘે, ત્યાર કેડે સ્ત્રી સાંભરે. માટે,
જંજાળી જીવ....
વાદળાની છાયા તે જાશે વહી. જં0
તન જાતાં કોઈ જો તારું નહીં. જં0
નિષ્કુળાનંદની શીખ છે. જં0
હજીયે ચેતે તો ઘણું ઠીક છે. જં0
(શ્રી સ્વામિનારાયણ હજારી : 172-2)
પણ જીવ એવો બંધાણો છે તે વિષયને મૂકતો નથી. આવી વાતું કરીએ ત્યારે લીલની પેઠે થાય છે. મંદિર, સાધુ ને સત્સંગીથી ઉદાસી રહે છે તેને કલેશના ઢગલા છે; માટે કહ્યા વિના તો કોઈ વાત સમજાય નહિ. જેતપુરનો બ્રાહ્મણ અજરાપર થાણાગાલોલમાં કથા કરતો હતો. તેને માવા ભક્તે પૂછ્યું જે, ‘ક્યાંય ભગવાન છે ?’ તો કહે, ‘સ્વામિનારાયણ ભગવાન ગઢડે પ્રગટ થયા છે અને કલ્યાણ તો સત્સંગમાં જ છે.’ તે સાંભળીને માવા ભક્તને સત્સંગ થયો. માવા ભક્ત મહારાજ સોરઠમાં હતા ત્યાં મળવા ચાલ્યા. રસ્તામાં ગામ સાંકળીમાં સુતાર ગોવિંદ હરિભક્ત હતા તેને ત્યાં રાત રહ્યા. રાતે વાળુ કરવા બેઠા ત્યારે ગોવિંદ સુતારની માએ કહ્યું, ‘માવાભાઈ આપણાં શું એવાં પુણ્ય હશે જે, આપણને પ્રગટ ભગવાન મળ્યા !’ ત્યારે માવાભાઈને એમ થયું જે, આ ડોશી પણ પ્રગટ ભગવાન છે એમ કહે છે; માટે પ્રગટ ભગવાન હશે ખરા. માવાભાઈ રામ રામ ભજનને બદલે સ્વામીરામ, સ્વામીરામ ભજવા લાગ્યા અને ગામ મેઘપુરમાં મહારાજને મળ્યા. તે વખતે મૂળજી ભક્ત મરાણો, તે જોઈને કાઠીઓએ મહારાજને કહ્યું, ‘માવા ભક્ત આવ્યા ને આવું થયું તે એનો નિશ્ર્ચય નહિ રહે.’ ત્યારે મહારાજ કહે, ‘એને સંશય નહિ થાય, એણે કૃષ્ણાવતારમાં આવું ઘણું જોયું છે.’
કેડે : પાછળ.
વાળુ : સાંજ પછીનું ભોજન.
(46) માવાભાઈએ મહારાજને પૂછયું કે, ‘હવે મારે શું કરવું ?’ મહારાજ કહે, ‘તમારે કાંઈ કરવું રહ્યું નથી. ગૃહસ્થ હોય તેને ઘર મૂકવાનું અમે કહેતા નથી; પણ દેહ, ગેહ, દારામાં પ્રીતિ રહેશે તો બંધન થાશે.’ જીવ તો આંધળો છે તેને ગમ નથી, તે આસન, પથારી કરતાં પણ ન આવડે. તે ગોપાળાનંદસ્વામીએ એક જણને દીવો કરીને રાતે ગોત્યો. તેણે નકારા માણસ પાસે આસન કરેલ; પછી તેને સમજાવ્યો.
(47) જીવ જાણે છે જે, પરબારું મળે છે તે ખાઈ લઈએ; પણ આગળ ભાદરવો આવે છે, તે ટાઢિયો તાવ આવશે. ને રોટલા ખાઈને માળા ફેરવતા નથી ને નવરા બેસી રહ્યા છે તેને માથે ઋણ ચડે છે. ઇન્દ્રિયું છે તે વેશ્યાયું છે અને તેની ભાઈબંધી કરી તો તેમાંથી ભૂંડું જ થાવાનું છે ને તે હવે પુણ્ય ખાઈ રહ્યો. અવિદ્યા જે માયા તે ખીજી રહી છે; તે સત્સંગમાંથી કાઢી નાખશે.
કઠણ વચન કહું છું રે, કડવાં કાંકચ્ય રૂપ;
દરદીને ગોળી દઉં છું રે, સુખ થાવા અનુપ.
(કીર્તન મુક્તાવલિ : 1048)
કડવી વાતું કરીએ છીએ; પણ તાન મહારાજમાં જોડવા માટે છે.
અવિદ્યા : માયિક સમજણ
તાન : લગની, આગ્રહ, મસ્તી.
સંવત 1919ના બીજા શ્રાવણ સુદિ છઠને દિવસે સ્વામીએ વાત કરી જે,
(48) કોઈકે રાસ કર્યા, કોઈકે મૃગલા માર્યા; એવું એવું કર્યું છે. હમણાં તો છન્નુઓ વરતે છે; પણ કેટલાક તો પગે લાગતા નથી તેને આગળ રોવું પડશે. આવી વાતું, આ સેવા નહિ મળે. પછી જે સારો હશે તેને વર્તમાન તો રાખ્યાં તો જોશે; નહિ તો હૈયામાં શાંતિ તો લેશ નહિ રહે અને એકાત્યું થાશે. તે કેવી જે, કોઈને સત્સંગમાંથી કાઢ્યાની કે આચાર્યના પક્ષની, એવી એકાત્યું થાશે. ત્યાગીને ખાટલો, ખાવું અને ખાડો એ ત્રણ રહેશે અને ગૃહસ્થને ધન, સ્ત્રી, અને છોકરો એ ત્રણ રહેશે. કેટલાક તો માંદાનું મિષ લઈને કથાવાર્તામાં આવતા નથી ને આસને સૂઈ રહે છે. દેહ સાથે ભાઈબંધાઈ કરીને એ લોચાને જાળવીને બેઠા છે. પ્રભુ ભજવા આવ્યા છે પણ કસર રહી જાશે ને સિદ્ધ થયા છે તે મેડે ચડી બેઠા છે અને કાચા છે તે આંહીં બેઠા છે. રઘુવીરજી મહારાજ કહેતા જે, ‘મહારાજ ! જો સિદ્ધ થયા હો તો અમને સિદ્ધ કરવા આવો અને કાચા હો તો શીખવા આવો.’ તમે જાણો છો કે કાંઈ જાણતા નથી; પણ આંહીં બેઠા બધું જાણીએ છીએ. સ્ત્રી, દ્રવ્ય, દેહાભિમાન અને સ્વભાવ એ ચાર ગાંઠ છે તે બહુ કઠણ છે. તે ત્યાગીને દેહાભિમાન અને સ્વભાવ એ બે ગાંઠ છે અને ગૃહસ્થને બાયડી, છોકરાં, મેડી, દ્રવ્ય એ ચાર છે. આંહીં આવ્યા છે તેને જૂનાં પાપ તો બળી ગયાં, પણ નવાં કરે છે. તે શું ? જે મંદિર, સાધુ, આચાર્ય અને સત્સંગીના અવગુણ લે છે, તે નવાં પાપ કર્યાં કહેવાય.
એકાત્યું : માયામાં રાચવાની એવી ખોટી વાતો.
કસર : ખોટ, ઉણપ.
(49) દીર્ઘદર્શી બધું જાણે. સંસારમાં રાખતાં તેને આવડે, સંસાર ત્યાગ કરતાં પણ આવડે. કોઈ કહે જે, બાઈઓને વાતું કરીને નિર્લેપ રહીશું; તો તે કોઈ દિવસ નિર્લેપ રહેવાના જ નહીં.
નન્વગ્નિઃ પ્રમદા નામ ઘૃતકુમ્ભસમઃ પુમાન્ ।
સુતામપિ રહો જહ્યાદન્યદા યાવદર્થકૃત્ ॥
(શ્રીમદ્ ભાગવત : 7/12/9)
અર્થ:- ખરેખર સુંદર સ્ત્રી અગ્નિ સમાન છે અને પુરુષ ઘી ભરેલા ઘડા જેવો છે. આથી એકાંતમાં તો એને પોતાની કન્યા (પુત્રી) સાથે પણ રહેવું જોઈએ નહિ તથા બીજે પણ જેટલું પ્રયોજન હોય એટલી વાર સુધી જ રહેવું.
તે કેમ કુશળ રહે ? માટે જેટલી ગાફલાઈ હોય તે નડ્યા વિના રહે જ નહીં.
(50) ઘેર ઘોડું હોય ને પગે ચાલે તે મૂરખ કહેવાય, તેમ ઘરમાં રૂપિયા હોય ને ભગવાન ન ભજે તે મૂરખ કહેવાય. કેટલાકને સ્ત્રીનો સંકલ્પ નથી થાતો એવા છે અને કેટલાક તો નિર્લોભી છે, તો પણ ભગવાનમાં મન વળગતું નથી; કોઈક ટીખળ હોય તો તેમાં જીવ તરત વળગે છે.
(51) નથુ પટેલે પૂછ્યું, ‘દંભી જેવાનો દેશકાળે પણ કોઈ રીતે ભાર ન આવે, તેની કેવી સમજણ હોય ?’ ત્યારે કહ્યું જે, ‘મોટાનો વિશ્ર્વાસ ન હોય તે એમાં લેવાય, પણ જે ખરેખરો હોય તે ન લેવાય; પણ કુસંગી સગો થયો હોય કે સત્સંગમાં કુસંગ હોય તો તે વિઘ્ન કરે ખરું, વધારે વિઘ્ન કરે એવાં તો પોતાનાં મન અને ઇન્દ્રિયું છે. મહારાજને અહંકાર ન ગમે અને જીવનો સ્વભાવ જે ક્રિયા કરે તેનો અહંકાર આવી જાય; પણ દાસ થઈને કરે તો અહંકાર ન આવે. કોઈને આજ્ઞાનું બળ હોય કે કથા કરતા હોય તેનું માન આવે; પણ દાસ થઈને કરે તો અહંકાર ન આવે. મંદિર વાળે ત્યારે વાસનામાત્ર વળાઈ જાય. ગમે તેટલું જ્ઞાન કરતો હોય પણ ભક્તિ ન કરે તો દેહાભિમાન ન ઘસાય, માટે મહારાજે વિચારીને આવો ભક્તિ મારગ ચલાવ્યો છે. જીવ અષ્ટાંગયોગ સાધી ન શકે; પણ આ ભક્તિ મારગ પ્રવર્તાવ્યો છે, તે જીવથી બને ને તેણે કરીને દેહાભિમાન ટળે અને તેથી ભગવાન રાજી થાય. આ દેહને પોતાનું રૂપ ન માનવું. દેહમાં કાંઈ પીડા હોય ત્યારે રાડ નાખે ન મટે.
પોતાનું શ્રેય જેણે ઇચ્છવું હોય તેણે તો દેહને જેમ લાકડું ઘસે તેમ ભક્તિ મારગમાં ઘસી નાખવું ને કાંટે રાખવું પણ દેહને વધવા દેવું નહિ; એ વાતની સૂરત રાખવી. દેહાભિમાન વધારશે તેનું શરીર પાકલ ગૂમડાં જેવું થઈ જાશે; માટે કંઈક સેવા કરતા રહીએ તો દેહ પણ સારું રહે ને સૌનો રાજીપો થાય. તે ઉપર બે કાઠીના છોકરાની વાત કરી. એક આપો થઈને આવ્યો ને બીજો દીકરો થઈને આવ્યો. માટે આપણે પ્રભુ ભજવા માંડ્યા છે તે સમાગમ કરીને બધું શીખવું, આ તો મહેમાન ઊતર્યા છીએ. માટે જેમ કોઈ ખરચી ભેગી કરે તેમ જ્ઞાનની, આજ્ઞા પાળ્યાની સેવા કરીને ખરચી કરી લેવી. સાધુ નિર્માની છે તે તુચ્છ જીવને માન દે છે. ગંગાજીએ ગયો ને કોરો રહ્યો; તેમ સત્સંગમાં આવે અને કોરા રહે ! મહારાજે કુબેરસંગને કહ્યું જે, ‘કોઈ સારામાં ચોંટજે નહિ તો કોઈક કલકત્તા જોવા તેડી જાશે.’ માટે જેણે કરીને ધર્મની દૃઢતા થાય, આત્મનિષ્ઠા આવે, મહિમા સમજાય અને ઉપાસના વૃદ્ધિ પામે, એટલાં વાનાંનું સેવન વારંવાર કરવું. સરાણિયો હથિયાર સમું કરે છે, તેમ સમાગમે કરીને જીવ સારો થાય છે.’
દૃઢતા : મક્કમતા, દૃઢપણું.
આત્મનિષ્ઠા : હું તો દેહથી જુદો જે આત્મા તે છું ને મારે વિશે પ્રગટ પરબ્રહ્મ અખંડ બિરાજમાન છે. તેવી અતિ દૃઢ માનીનતા, શ્રદ્ધા, વિશ્ર્વાસ, આસ્થા.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
સમું : સરખું.
(52) નથુ પટેલે પૂછ્યું જે, ‘આવી વાતું થાય છે પણ અનુસંધાન કેમ રહેતું નથી ?’ તો કહે, ‘તમોગુણ અને રજોગુણ ખબર રહેવા દેતા નથી.’
(53) શામજીભક્તે પૂછ્યું, ‘મોટા આવી વાતું કરવા મંડે તો દેહનું પ્રારબ્ધ કાંઈ ઓછું થાય કે નહિ ?’ ત્યારે કહે, ‘વાત તો એમ છે જે, શૂળી લખી હોય તો કાંટેથી મટે છે; તથાપિ દેહ કે, માયિક પદાર્થની ઇચ્છા ન રાખવી. એવી ઇચ્છા રાખે તો સકામ કહેવાય. જીવ કેવો છે જે, ભગવાન એક દુ:ખ મટાડે તો વળી બીજું દુ:ખ મટાડવા ઇચ્છે અને બધાં દુ:ખ મટી જાય તો કહેશે જે, એક સારી અને કહ્યાગરી સ્ત્રી મળે તો સારું ! એમ ભગવાન પાસે આ દેહની જ સેવા કરાવવી નહિ. પ્રારબ્ધ ભોગવવાનું આ મનુષ્ય દેહરૂપ કેદખાનું છે અને પોતાનું શ્રેય ન કર્યું તે જીવને આત્માના ખૂનની મરણરૂપ ફાંસી છે અને જો તેમાં પ્રગટ ભગવાન કે પ્રગટ સંતની ઓળખાણ થાય અને સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્યે સહિત ભગવાનની ભક્તિ કરે તો જન્મ-મરણ ટળી જાય. વૈરાગ્ય અને સ્વધર્મે કરીને જેણે પોતાની ઇન્દ્રિયુંને ન જીત્યાં હોય, તે ભગવાન કે સંતને સંગે કરીને પણ સુખિયો થાતો નથી. માટે સર્વે ઇન્દ્રિયુંને જીતીને જેણે વશ કરી હોય તેને જ વૈરાગ્યવાન અને ધર્મવાળો જાણવો.
પ્રારબ્ધ : પૂર્વનાં કર્મફળના સંગ્રહમાંથી વર્તમાનકાળે જે દેહ છે તે સંબંધી સુખ-દુ:ખ.
શૂળી : મોતની સજા, જેમાં જમીનમાં રોપેલા અણીવાળા મોટા જાડા સળિયા પર દેહને પરોવી મોત નિપજાવવામાં આવે.
(54) વૈરાગ્ય, સ્વધર્મ, તપ અને નિયમે કરીને ઇન્દ્રિયું જિતાય છે અને માહાત્મ્યે સહિત ભક્તિએ કરીને મન જિતાય છે. ભગવાન અને ભગવાનના ખરેખરા એકાંતિક ભક્તને વિશે જેને આત્મબુદ્ધિ ને દૃઢ પ્રીતિ થાય છે, તેને નિર્વિકલ્પ સમાધિ જેવી સદા શાંતિ રહે છે. ભક્ત થાવું તેણે પ્રહ્લાદ જેવું થાવું. શાસ્ત્રમાં વખાણ પ્રહ્લાદનાં અને બળિ રાજાનાં કર્યાં છે; માટે ખરેખરા ભક્ત થાવું. એકલો યોગ હોય તો પણ વાંધો રહે; માટે સાંખ્ય ને યોગ બેય હોય ત્યારે કોઈ જાતની કસર ન રહે. માટે જ્ઞાની ભક્ત થાવું.
વચ. ગ.મ. 54
વચ. ગ.અં. 11
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
આત્મબુદ્ધિ : પોતાપણાની ભાવના, 'દેહ તે હું નહિ પણ આત્મા છું' એવી બુદ્ધિ.
નિર્વિકલ્પ : જ્ઞાતા-જ્ઞેય ઇત્યાદિક ભેદ વગરનું, જેમાં કોઈ અપવાદ કે બેપણું ન હોય તેવું.
કસર : ખોટ, ઉણપ.
(55) એક કણબી જારના સાંઠા લઈને જતો હતો તેને અમે પૂછયું, ‘કોના સારુ લઈ જાઓ છો ?’ તો કહે, ‘મારા છોકરાં સારુ લઈ જાઉં છું.’ તેમ જે ભગવદી છે તે શ્રી સ્વામિનારાયણના છોકરા છે, માટે તેમાં આત્મબુદ્ધિ કરવી. છોકરાં, બાયડીમાં તો સૌને આત્મબુદ્ધિ છે, પણ એ આત્મબુદ્ધિ તો નરકે લઈ જાય એવી છે અને ભગવદીમાં આત્મબુદ્ધિ છે તે તો અક્ષરધામમાં લઈ જાય તેવી છે.
આત્મબુદ્ધિ : પોતાપણાની ભાવના, 'દેહ તે હું નહિ પણ આત્મા છું' એવી બુદ્ધિ.
સંવત 1919 ને બીજા શ્રાવણ સુદિ આઠમને દિવસ સ્વામીએ વાત કરી જે,
(56) એક રામાનુજાચાર્યની ઉપાસના ખરી છે, બીજામાં તો જીવ અને ભગવાન વચ્ચે ભેદ જ નથી; માટે આપણે તો સર્વેના કારણ એક શ્રી સહજાનંદસ્વામીને સમજવા.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
(57) જેની આજ્ઞામાં રહેવું છે તેને જ આજ્ઞામાં રખાય છે. ત્યાગીને દેહાભિમાને કરીને ત્રણ ગ્રંથ નથી પળાતા અને ગૃહસ્થને લોભે કરીને ‘શિક્ષાપત્રી’ પળાતી નથી. ગૃહસ્થને સ્ત્રી-છોકરાં એ પરિવાર છે અને ત્યાગીને ઇન્દ્રિયું, અંત:કરણ ને ચેલો એ પરિવાર કહેવાય. ઘરમાં, ગામમાં અને વગડામાં એની એ જ વાત પ્રધાન છે. મુસલમાન ભેળો રહે તે વટલાશે, તેમ આ જીવ જેનો સંગ કરે અને જેવા શબ્દ સાંભળે તેવો થાય. જે ગામનો મોટેરો સત્સંગી મોળો તે ગામના સત્સંગી મોળા અને જે મંડળનો મુખિયો મોળો તેના મંડળના સાધુ મોળા; તે પૂરું મેળવે જ નહિ અને કાચી રસોઈ તો કરે જ નહીં. કાચી રસોઈ નથી કરતા તે ગુન્હેગાર થાશે, એને તો તડકે ઊભા રાખશે. સાધુ દેશમાં ઉપદેશ દેવા મંડ્યા તો લાખો માણસોએ ચોરી, પાપ બધાં મૂકી દીધાં.
(58) ઘર મૂકીને કેમ નીકળાય ? તો કહે, ‘આ સાધુના શબ્દ પેઠા છે તો નીકળાય છે. સહજાનંદરૂપ સૂર્ય ઊગ્યો તે અધર્મરૂપ અંધારું ટળી ગયું !’
(59) મહારાજની ચતુરાઈ તો જુઓ ! મંદિરના ધણી આચાર્યને કર્યાં અને સાધુને નિર્બંધ રાખ્યા ! તે શું ? જે, સ્ત્રી-દ્રવ્યથી છેટું કરાવ્યું. હવે જેને વરતવું હોય તે વરતે. મહારાજે તો મારગ બતાવી દીધો. જેને કલ્યાણનો ખપ હશે તે રહેશે અને જેને કલ્યાણનો ખપ નથી તેને શી રીતે રાખશું ? કેમ જે, સ્ત્રી-દ્રવ્ય તો ન મળે, માનનું તો ખંડન થાય ને વળી ‘નિષ્કામશુદ્ધિ’ ઉપર નજર નહિ, તે કઈ રીતે રહેશે? તેને શામ, દામ, દંડ ને ભેદ એ ઉપાયે સમજાવીએ ને તેમ કરતાં ન રહે તો જાય. પદાર્થ દઈને સત્સંગમાં ક્યાં સુધી રાખશું ? જ્યાં વાતું નહિ, કથા નહિ, ત્યાં જ્ઞાન ક્યાંથી પ્રવર્તશે ? ગુરુને જ બધી વાત જોઈએ ત્યારે ચેલાને ક્યાંથી મુકાવશે ? તેવાની વાતું તો ગોળી વિનાના ભડાકા કહેવાય. માટે જેના હૈયામાં ભગવાન હોય તે બીજાના હૈયામાં ભગવાન ઘાલે. તે મહાપુરુષદાસજી સાંખ્યની વાતું કરે ત્યારે ઊલટી કરાવે. માટે વાતુંમાંથી દયા, શાંતિ, સંતોષ આદિક સર્વે ગુણ આવે છે. જેને સંસાર સ્વપ્ના જેવો થઈ ગયો છે અને હૈયામાંથી ટળી ગયો છે, તેને વચને દોષમાત્ર ટળશે; હૈયામાં જ્ઞાન નથી, વૈરાગ્ય નથી, તે બીજાના હૈયામાંથી સંસાર શું કાઢશે ? મૂળગો તેની સત્યતા ઠસાવી દેશે; માટે ત્યાગી થાય તો પણ પોતાનું શ્રેય કરતાં તો આવડે જ નહિ, તે તો આ સાધુ શીખવે ત્યારે આવડે. જીવને તો બંધાતાં આવડે ને આ સાધુને છોડાવતાં આવડે. મોટા અખંડાનંદસ્વામી કહેતા જે, ‘તેરા રામ કહાં ગયા હે ?’ એમ કહીને વાતું હૈયામાં ઘાલતા. નિષ્કુળાનંદસ્વામીના પણ એવા શબ્દ જે હૈયામાંથી સંસાર નીકળી જાય. દીવો ઓલાઈ જાશે અને મસ રહેશે; તેમ જે સારા સાધુ કે સારા હરિભક્તનો અવગુણ લેશે તેના જીવનું બગડી જાશે. દેહ તો નહિ રહે અને જેટલી સેવા કરી હશે, આજ્ઞા પાળી હશે તેટલું કામ આવવાનું.
મૂળગો : તદ્ ન
મસ : મેશ, દીવાનો કાળો જામતો મેલ, કાજળ.
પાળી : વારો.
(60) બે પ્રકારના ત્યાગી છે, એક રાગી અને બીજા વૈરાગી. તે રાગીને વિષય મળે ત્યારે રાજી થાય છે ને વૈરાગી વિષયનો અનાદર કરે છે. એક વાણિયાની ગામ વચ્ચે દુકાન હતી, પણ કોઈ ઘરાક ન આવે. પછી રૂપિયા ખરચીને દરવાજાને મોઢે દુકાન કરી. પછી હોળી ટાણે લોક હટાણું વહોરવા આવે તેને ટાઢાં પાણી ખાંડ નાખીને પાય, ને વાહર નાખે ને કહેતો જાય જે, કાંઈ જોઈતું હોય તો લઈ જાજો; દુકાન તમારી છે. તે શું ? જે, પોતાને સ્વાર્થ સિદ્ધ કરવો છે; તેમ ભગવાનના મારગમાં થવું જોઈએ.
વાહર : પવન, હવા, હવા ખાવી.
(61) મહારાજનો એટલો પ્રતાપ છે જે, કરોડનાં અંતર ઝાલ્યાં. એમને જ્ઞાન દેતાં આવડે, વૈરાગ્ય દેતાં આવડે, ભગવાન ભજાવતાં આવડે, એમ બધી વાત મહારાજને આવડે.
(62) મહારાજની આજ્ઞા ને ઉપાસના એ બે વિના બધું દુ:ખરૂપ છે. આપણામાં કેટલાક લડે છે; તે જેમ કૂતરાને હડકારીને કાઢી મૂકીએ, તેમ કાઢી મૂક્યા જેવા હોય, તો પણ સૌથી વધારે માન આપીને રાખીએ તો પણ કજિયા કરે; ને મોટા તો સમર્થ થકા જરણા કરે છે, તેની પણ મૂરખને ખબર નથી.
આપકો ખોવે ઓરકો ખોવે, એમ દુષ્ટ કરે ન કોન બુરાઈ ?
મોટાના ગુણ જેટલા આવ્યા છે તેટલા નિયમ પળે છે, તેટલો ધર્મ પળે છે. ને આવા પુરુષોત્તમ ભગવાનની પ્રાપ્તિ થઈ છે; માટે રાજાની રાણી થઈ ભીખ માગે, તેવા તુચ્છ સ્વભાવ ન શોભે.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
સંવત 1919ના બીજા શ્રાવણ સુદિ નવમીને દિવસ સ્વામીએ વાત કરી જે,
(63) સ્થૂળ દેહ છે તે તો નિયમે કરીને જિતાય; પણ સૂક્ષ્મ દેહ છે તે અંદર મહાપીડા કરે છે. તેને જીત્યા વિના કેમ સુખ થાય ? જીવનો સ્વભાવ તો ખાટલામાં પડ્યો પડ્યો ભૂંડા મનસૂબા કરે એવો છે.
ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના, કરીએ કોટિ ઉપાયજી;
ઉપર તજે ને અંતર ભજે, એમ ન સરે અરથજી;
વણસ્યો રે વર્ણ આશ્રમથી, અંતે કરશે અનરથજી. ત્યાગ0
(કીર્તન મુક્તાવલિ : 480)
જ્ઞાન વિના તો ભગવાનને છાતી સાથે બીડી રાખે તો ય સુખ ન થાય. પેટમાં ઓસડ જાય ત્યારે દુ:ખ જાય; તેમ જ્ઞાન વિના સૂક્ષ્મ દેહનો રોગ ન જાય. તે જ્ઞાન શું ? જે, દેહાદિક ચાર નાશવંત ને દુ:ખરૂપ છે, એવો વિચાર જ્યારે જીવમાં ઊતરે ત્યારે સૂક્ષ્મ દેહનો રોગ જાય. સૂક્ષ્મ દેહનું બહુ બળ છે, તે જ્ઞાન વિના તો ટળે જ નહીં. મૂરખને લોઢામાં લીટા, સમજણ હોય તેને લોટમાં લીટા ને જ્ઞાનીને પાણીમાં લીટા; જીવ તો એવા જ હોય તેનું કાંઈ નહિ, માટે આપણે સાંખ્ય શીખવું.
મનસૂબા : સંકલ્પો, કાંઈક કરી લેવાના વિચારો
કોટિ : કરોડ.
(64) મોટેરો હતો તે કેમ ગયો ? તો કહે, તેણે હૈયામાંથી ખોતરીને કાઢ્યું; માટે જતો રહ્યો. જ્ઞાન વિના તો ગમે તેવો મોટો હોય તો પણ મૂંઝાય. અંતરમાં જેને રાગ હશે તેને વિચાર કર્યા વિના તો તે સો વરસે પણ ટળે નહિ અને નિષેધ કર્યા વિના સુખ પણ થાય નહિ.
નિજાત્માનં બ્રહ્મરૂપં દેહત્રયવિલક્ષણમ્ ।
વિભાવ્ય તેન કર્તવ્યા ભક્તિઃ કૃષ્ણસ્ય સર્વદા ॥
(શિક્ષાપત્રી શ્ર્લોક : 116)
અર્થ :- સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ જે ત્રણ દેહ તે થકી વિલક્ષણ એવો જે પોતાનો જીવાત્મા તેને બ્રહ્મરૂપની ભાવના કરીને, પછી તે બ્રહ્મરૂપે કરીને શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ જે તે સર્વ કાળને વિશે કરવી.
એમ માને ત્યારે દુ:ખ ન રહે, અને એવો થઈને,
પરિનિષ્ઠિતોઽપિ નૈર્ગુણ્યે ઉત્તમશ્લોકલીલયા ।
ગૃહીતચેતા રાજર્ષે આખ્યાનં યદધીતવાન્ ॥
(શ્રીમદ્ ભાગવત : 2/1/9)
અર્થ :- હે પરીક્ષિત રાજા ! હું (શુકજી) જો કે નિર્ગુણ સ્થિતિને પામેલો હતો છતાં ભગવાનની ઉત્તમ લીલા વડે ચિત્ત ખેંચાવાથી ભાગવત જેવો મોટો ગ્રંથ ભણ્યો હતો.
એમ મહારાજના ગુણ ગાવા.
(65) દેવશી ભક્તે પૂછ્યું જે, ‘સાંખ્યનો વિચાર સાંભળીએ છીએ, તો ય મોહ કેમ ટળતો નથી ?’ તો કહે, કક્કો ભણવા માંડે, એટલામાં કાંઈ નામું માંડતાં આવડે નહિ; તેમ આ તો કક્કો ભણવા માંડ્યો છે અને સાંખ્ય વિના તો મોટા મોટાને વિઘ્ન થયાં છે. શાસ્ત્રમાં કહ્યું છે જે, વૈરાગ્ય પામીને ગુરુ પાસે જાવું. તે ગુરુ કેવા ? તો,
તસ્માદ્ ગુરું પ્રપદ્યેત જિજ્ઞાસુ: શ્રેય ઉત્તમમ્ ।
શાબ્દે પરે ચ નિષ્ણાતં બ્રહ્મણ્યુપશમાશ્રયમ્ ।।
(શ્રીમદ્ ભાગવત : 11/3/21)
અર્થ :- તેથી ગુરુને શરણ જવું, તે જ જિજ્ઞાસુનો ઉત્તમ શ્રેય છે. શબ્દ જ્ઞાન અને પરમ જ્ઞાનમાં નિષ્ણાત અને બ્રહ્મમાં જેણે શાંતિનો આશ્રય કર્યો છે તેવા ગુરુને શરણ જવું.
શબ્દમાત્રના સાચા અર્થના જાણનારા, ઉપશમવાળા અને આંખ, કાન આદિક ઇન્દ્રિયુંની વૃત્તિ તાણતાં આવડે એવા ગુરુ પાસે જાવું. સાંખ્ય વિના જ્ઞાન કરે તો પણ હૃદયગ્ંરથિ છૂટે નહિ. એરણની ચોરી અને સોયનું દાન એમાં કાંઈ વળે નહિ. ભાદરામાં વાણિયા બોંતેર અગડું લેતા જે, સાત માળની હવેલીએ ચડવું પણ આઠમે માળ ન ચડવું; સૂકામાં કાંકરો ન ખાવો અને લીલામાં શેવાળ ન ખાવો. માટે સત્સંગ વિના સદ્ધર્મ ક્યાંથી આવે ? વૈરાગ્ય ક્યાંથી થાય ? અને આનંદ ક્યાંથી આવે ? એ બધું મહારાજના મોટા સંત અનુગ્રહ કરે ત્યારે સર્વે આવે. જીવ બીજી વાતમાં ડાહ્યા, પણ પરમેશ્ર્વર ભજવામાં ડાહ્યા નથી. તમામ આજ્ઞા પાળવી ને ઉપાસના સર્વોપરી મહારાજની સમજવી અને ત્રીજું વિષયનું તુચ્છપણું જાણવું.
અર્થ : ધન, સંપત્તિ.
શેવાળ : લીલ.
અનુગ્રહ : કૃપા, ઉપકાર, મહેરબાની.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
(66) મધ્યનું પહેલું વચનામૃત નિર્મોહીનું વંચાવી વાત કરી જે, જ્યાં સુધી પંચવિષયમાં લેવાય છે ત્યાં સુધી મોહ ટળ્યો નથી.
સંવત 1919ના બીજા શ્રાવણ સુદિ દશમને દિવસે સ્વામીએ વાત કરી જે,
(67) આ જોગ મળ્યો છે તે અતિ દુર્લભ છે. ટાંક, નવટાંક ન મળે તે આજ મણ મળ્યા છે; પણ જીવને જણાતું નથી. તપ કરવાં, તીર્થ કરવાં, તે બધાં સાધન કલ્યાણને અર્થે છે, પણ મહારાજને મૂકીને જે કરવું તેમાં તો ગાયના વાછડાનું મોઢું સૂજી ગયું તેવું છે. આ સાધુ પ્રભુ ભજાવે છે પણ જીવને તો વિષયનું ધ્યાન છે. આવી વાતું તો કોઈએ કરી નથી અને કોઈ કરશે પણ નહિ, માટે મોક્ષનો મારગ સાધવો. મહારાજે કેટલાકને પરચા દેખાડ્યા, કેટલાકને ઐશ્ર્વર્ય દેખાડ્યું, કેટલાકને સમાધિ કરાવી; તો પણ આ લોકમાં ચોંટી ગયા, માટે જ્ઞાનની સમાધિ કરાવ્યા વિના બધું કાચું સમજવું. પ્રશ્ર્ન ઉત્તર કરતાં શીખવ્યા, સત્શાસ્ત્ર સમજાવ્યાં, ચાર પ્રકારનો કુસંગ ઓળખાવ્યો, મતપંથમાત્રને ઓળખાવ્યા. હવે વાસના ટાળવી કઠણ છે, તે તો સાચું જ્ઞાન થાય તો જ ટળે.
બ્રહ્મભૂતઃ પ્રસન્નાત્મા ન શોચતિ ન કાંક્ષતિ ।
સમઃ સર્વેષુ ભૂતેષુ મદ્ભક્તિં લભતે પરામ્ ॥
(ભગવદ્ ગીતા : 18/54)
અર્થ :- બ્રહ્મભાવને પ્રાપ્ત થયેલો તે પ્રસન્ન ચિત્ત મનુષ્ય કશાનો શોક કરતો નથી કે કશાની આકાંક્ષા કરતો નથી અને સર્વ ભૂતોમાં સમભાવથી રહેતો થકો મારી પરમ ભક્તિને પામે છે.
જ્ઞાન થાય ત્યારે જીવમાંથી વાસના ટળે. જ્ઞાની હોય તે આ બધું વિચારે. વજેસિંહ દરબારે સગરામ વાઘરીને પૂછયું જે, ‘સ્વામિનારાયણ ગધેડાની ગાય કરે છે એ વાત સાચી ?’ તો કહે, ‘હા, સાહેબ, હું ગધેડા જેવો વાઘરી, તેને તમારા જોડા પડ્યા છે ત્યાં સુધી પણ આવવાનો અધિકાર નથી. તેનો ધણી, ગધેડાની ગાયરૂપ હું તમારી સભામાં શ્રી સ્વામિનારાયણને પ્રતાપે બેઠો છું, તે દેખીતું જ છે !’ પછી સલામ ભરી ઊઠ્યો. જ્ઞાન થાય ત્યારે બધી ખબર પડે.
(68) આંહીંના કરતાં દેવમાં વધુ દુ:ખ છે અને ઐશ્ર્વર્યે મોટા છે પણ ફિરંગીના જેવો વહેવાર છે, તે ઇચ્છા વર વરે છે.
(69) અંગ્રેજને દ્રવ્ય હરવું છે, સૌનું રાજ લેવું છે અને પોતા જેવા કરવા છે, એ ત્રણ સિદ્ધાંત છે. તેમ આપણે આ લોકમાંથી ઊખડી ભગવાનમાં જોડાવાનો સિદ્ધાંત કરવો.
(70) સોનાનો દોરો ન થયો હોય તો વિષયમાં લેવાઈ જાય. ધન, સ્ત્રી અને ખાધામાં લેવાય નહિ એ ખરી સ્થિતિ કહેવાય. જેમાં આપણે માથું ભરાવ્યું તે તો કચરો છે.
સંત જન સોઈ સદા મોહે ભાવે.
(કીર્તન મુક્તાવલિ : 710)
એ કીર્તન બોલાવ્યું.
(71) મધ્યનું 13મું વચનામૃત વંચાતું હતું તેમાં વરતાલવાળા ધર્મતનયદાસે પૂછ્યું જે, ‘એવી સ્થિતિ થાય ત્યારે પ્રથમ કહ્યાં જે સાધન તે શીખવાં પડે કે નહિ ?’ તો કહે, ‘પર્વતભાઈ જેવી સ્થિતિ થાય તેમાં સાધનમાત્ર આવી જાય; પણ જ્ઞાન વિના એકલો પ્રેમ હોય તેમાં ન આવે.’
(72) નથુ પટેલે કહ્યું જે, ‘માનસી પૂજા કરવી કઠણ જણાય છે.’ તો કહે, ‘લાખવાળાની આગળ હજારવાળો દૂબળો કહેવાય; પણ સોવાળા આગળ હજારવાળો દૂબળો નથી; તેમ પર્વતભાઈ આગળ ન્યૂન કહેવાય અને અમે તો અનાદિ મુક્તોથી પણ અધિક છીએ.’
(73) અમે કેરીયે ગયા ત્યાં પટેલને વર્તમાન ધરાવ્યાં. બાપ, દીકરા બેયને સત્સંગી કર્યા. એટલે સાસુએ વહુને કહ્યું, ‘આપણને બાવા વિના નહિ ચાલે અને ઈ સત્સંગી થયા તે હવે બાવાને પેસવા દેશે નહિ; માટે આજે આપણે રાંધવું નહિ, બોલવું નહિ અને દીવા પણ કરવા નહિ.’ એમ સૌ રિસાઈને બેઠાં ત્યાં પટેલ અને તેનો દીકરો ઘેર આવ્યા, તો અંધારું દીઠું. એટલે પટેલે પટલાણીને પૂછ્યું, ‘દીવા કેમ કર્યા નથી અને બોલતાં કેમ નથી?’ પટલાણી કહે કે, ‘સૌ રિસાણાં છે અને કહે જે, તમે કંઠી તોડી નાખો તો અમે રહેશું.’ પટેલે દીકરા સામું જોઈને પૂછ્યું, ‘શું મરજી છે ?’ તો કહે, ‘કંઠી તોડવી નથી.’ એટલે પટેલ કહે, ‘રાંડને દે ડેબામાં ને અત્યારે ને અત્યારે ગામ બહાર કાઢી મૂકો, તને સવારમાં એકની બે પરણાવીશ.’ તે સાંભળી સૌ કામ કરવા મંડી પડ્યાં અને પટલાણી તો મૂંગે મોઢે ખૂણે જઈ સંતાણી, પણ કાંઈ બોલાણું નહિ. એમ શૂરવીર થાય તો સત્સંગ રહે.
ડેબામાં : પેટમાં, ઉદરમાં.
(74) ધર્મતનયદાસે પૂછયું, ‘આ નૈમિષારણ્ય ક્ષેત્ર છે અને ધારાઓ કુંઠિત કેમ થાતી નથી ?’ તો કહે જેટલા નિયમ પળે તેટલી ધારા કુંઠિત થાય અને વિશેષ એટલું જે નિયમ પાળ્યાનું બળ આવે; જ્યાં સુધી દેશકાળ લાગે છે ત્યાં સુધી સત્સંગ કાચો છે. કોઈમાં સિદ્ધિ હોય, કોઈમાં અંતર્યામીપણું હોય, પણ જે તેમાં ન લેવાય, તે શ્રેષ્ઠ છે. ત્રણ દેહથી જુદા પડ્યા વિના અક્ષરધામમાં નહિ જ જવાય. આ લોકમાં મંડ્યા છીએ તે કુશકા ખાંડીએ છીએ.
(75) મહારાજના સ્વરૂપનું નિરૂપણ કરવું, તે જ્ઞાનયજ્ઞ કહેવાય અને વૃત્તિ પાછી વાળવી તે યોગયજ્ઞ કહેવાય; એવા યજ્ઞે કરીને જીવ વૃદ્ધિ પામે છે. કથાવાર્તામાં જે બંધાણો હશે તે વહેલો મોડો અક્ષરધામમાં જાશે.
વચ. ગ.અં. 8
નિરૂપણ : બરોબર વર્ણવવું, યથાર્થ વર્ણન
(76) એકાંત સ્થાન વિના ભગવાન ભજાય નહિ અને કથાવાર્તા પણ થાય નહિ. એક શબ્દે કરીને દોષ ટળે ને એક શબ્દે દોષ વધે, તેમ એક શબ્દે આળસ વધે ને એક શબ્દ સાંભળે આળસ જતી રહે; માટે જેવા શબ્દ સાંભળે તેવો જીવ થાય છે.
(77) લખમણ માંગાણીએ મહારાજને પૂછ્યું જે, ‘જીવનું કલ્યાણ કેમ થાય? ત્યારે મહારાજે કહ્યું, ‘બુદ્ધિમાન હોય તેનું કલ્યાણ થાય છે.’ સત્સંગ કરવા આવ્યા છે તેને ધર્મ જોઈએ, ધીરજ જોઈએ અને તે વિના તો વેગે ચઢી જવાય. શેર શેર બુદ્ધિ તો સૌને આપી છે; પણ બીજાની પોણો શેર કરે અને તેની પાશેર લઈને પોતાની સવા શેર કરે અને કોઈ પોતાને તો મૂરખ માને જ નહિ, એવું જીવનું છે.
સંવત 1919ના બીજા શ્રાવણ સુદિ તેરસને દિવસ સ્વામીએ વાત કરી જે,
(78) આપણામાં જે દત્તાત્રેયની પેઠે ગુરુ કરે તે સુખિયો થાય. ઘસારો ખમીને જે સમાગમ કરે છે તે મહારાજ બધુંય જાણે છે. મહારાજનું ભજન કરે છે ત્યારે મહારાજનું પ્રધાનપણું થઈ જાય છે. મોટા છે તે જીવને સોનાની પેઠે શોધે છે અને મહારાજમાં જોડે છે. હમણાં મેલો આવે તો પોક મૂકે, માટે જ્યાં સુધી માયિક પદાર્થમાં મન છે ત્યાં સુધી શાંતિ રહે નહિ; તેમાંથી મન નીકળે ત્યારે શાંતિ થાય.
મેલો : મરણ સમાચારની ચિઠ્ઠી, કાળાખરી, આઘાત લાગે એવા સમાચાર.
(79) કારિયાણીમાં મહારાજે કહ્યું, ‘મોટા મોટા સાધુ છે તે તો એની મેળે ધામમાં જાશે અને જેટલા ગરીબ છે તેને તો અમે તેડી જઈશું.’ ત્યારે બ્રહ્માનંદસ્વામી કહે, ‘મારું ભેળાભેળું ગરીબમાં ગણજો.’
(80) મહારાજે જ્ઞાનરૂપી ગરાસ આપ્યો છે તેનો કોઈ કાળે નાશ નહિ થાય ને આ લોકનો ગરાસ તો નાશ થઈ જાશે અને આ લોકનું સુખ તો કેવું છે? જે, સાકર ચાવી રહ્યા ત્યારે થઈ રહ્યું. માટે એ સુખ છે તે,
માત્રાસ્પર્શાસ્તુ કૌન્તેય શીતોષ્ણસુખદુઃખદાઃ ।
આગમાપાયિનોઽનિત્યાસ્તાંસ્તિતિક્ષસ્વ ભારત ॥
(ભગવદ્ ગીતા : 2/14)
અર્થ :- ‘હે કૌન્તેય ! ઇન્દ્રિયોના વિષયો સાથેના સંબંધો તો ટાઢ, તાપ, સુખ અને દુ:ખ દેનારા, આવવા જવાના સ્વભાવવાળા અને અનિત્ય છે. હે ભારત! તેઓને તું સહન કર.’
આવવા જવાના સ્વભાવવાળું છે; કહેતાં એવાં સુખ આવે અને જાય તેવાં છે. જીવ દીધા વિના કોઈ વિદ્યા ભણાતી નથી, તો આ તો બ્રહ્મવિદ્યા ભણવી, તે જીવ દીધા વિના ક્યાંથી ભણાય ? દ્રોણાચાર્યે પોતાના દીકરા અશ્ર્વત્થામાને વિદ્યા ન ભણાવી અને અર્જુનને ભણાવી અને અશ્ર્વત્થામાને અસ્ત્ર ભણાવ્યાં, તે માંહોમાંહી વાવર્યાં.
અર્થ : ધન, સંપત્તિ.
(81) અમે શિવાનંદસ્વામીને પૂછ્યું, ‘ગોપાળાનંદસ્વામી ભેળા શું સમજીને રહ્યા છો ?’ તો કહે, ‘ગોપાળાનંદસ્વામી ભેળા રહ્યા છીએ, તે ભારે વિદ્વાન હઈશું, એમ બીજા જાણે, એટલા સારુ રહ્યો છું.’ પછી તે ઊઠી ગયા, એટલે સ્વામી કહે, ‘આમાં ગુરુના ગુણ ક્યાંથી આવે ?’
(82) પંચવિષયનાં પાતાળ ફાટ્યાં છે તે માળા ફેરવવા દેતાં નથી. કેટલાક સત્સંગી કહેવાય છે પણ ગયાજી શ્રાદ્ધ કરી આવ્યા છે. માટે ખરા સાધુ મળે ત્યારે એકનિષ્ઠ સત્સંગી થાવાય છે. પોતે જ ડોળતા હોય તે બીજાને શું સત્સંગ કરાવશે? મુમુક્ષુ હોય તે મતપંથીરૂપી વાડામાં બંધાય નહિ.
(83) બીજાને પુરુષોત્તમ કહો તેનું કાંઈ નહિ ને મહારાજને સર્વોપરી પુરુષોત્તમ કહેવામાં ડોળે છે.
(84) તિલક, કંઠી રાખે અને માંહી કુસંગી હોય છે. કરોડ જન્મ ધરીને ઘર બાંધ્યાં છે, માળા ઘાલ્યા છે, હવે તો આ જન્મે કરીને સત્સંગ કરી લેવો. અવળી સમજણ તે શું ? જે, ઘરનાં મનુષ્ય સાથે વેર, અને પારકાં સાથે હેત. તેનું સિદ્ધાંત જે, મહારાજ અને આ સંત સાથે હેત નહિ અને દેહમાં હેત, એ સમજણ અવળી છે; તે મોટા સંત મળે તો કરે સવળી. સર્વ જીવ વિષયના કીડા છે, તે મરીને તેને જ પામશે; જીવમાત્રને વાસના પણ તેની જ છે. સૃષ્ટિ કરતાં આવડે, બીજાના પેશાબ બંધ કરતાં આવડે, પણ પોતાના સ્વભાવ ટાળતાં ન આવડે; માટે સ્વભાવ ટાળીને મહારાજને સંભારીએ તો અંતરમાં ટાઢું થાય.
વાસના : પૂર્વના સંસ્કારોથી મકકમ થયેલી કામના.
(85) મહારાજ ભેળા નાના, મોટા બે હજાર અવતાર પૃથ્વી ઉપર આવ્યા છે, પણ આંહીં તો વિષયના ચિચોડા જુત્યા છે, તેમાં ઊગરે તે ખરા !
સંવત 1919ના બીજા શ્રાવણ વદિ પડવાને દિવસે સ્વામીએ વાત કરી જે,
(86) મીઠા વિનાના શાકમાં સ્વાદ આવતો નથી, તેમ સાધુ સમાગમ વિના સત્સંગનું સુખ આવતું નથી. સત્સંગમાં પણ સંસારમાં જોડે એવાં ઘણા મળે, પણ તોડે એવા તો કોઈક જ હોય; માટે સારાનો સમાગમ કરવો અને શ્રી સ્વામિનારાયણનું ભજન કરવું. મુમુક્ષુના અવયવ ફરે ત્યારે જાણવું જે ખરેખરા સાધુ મળ્યા છે. સત્સંગ સાચો થાય તો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, એ ચારેય આવે અને અધર્મ સર્ગમાત્ર હૈયામાંથી નીકળી જાય.
(87) મહારાજના એકે એક શબ્દ છે તે બધા જીવોનાં બંધનો કાપવા માટે છે. વિષયનો નિષેધ કરે તો જીવમાંથી વિષય જાય.
નિષેધ : શાસ્ત્રવિહિત મનાઈ.
(88) મહારાજની ચોખ્ખી ઉપાસના કોઈને નથી, માટે મહારાજનું, તેમની નાની મોટી આજ્ઞાનું અને મોટા સંતનું બળ રાખવું. બ્રહ્મરૂપે થઈને મહારાજની સેવામાં રહેવું. ધર્માદિક ચારેય ગુણે સંપૂર્ણ હોય તો કોઈમાં ન લેવાય. રૂડું સ્થાન હોય, ઉત્કૃષ્ટ શ્રદ્ધા હોય, રૂડો દેશકાળ હોય અને મોટેરાનો રાજીપો હોય તો પ્રભુ ભજાય.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
(89) રાજ્ય મળે તે પણ બુદ્ધિ ! અને માર ખવડાવે તે પણ બુદ્ધિ ! અને મોક્ષ કરે એ પણ બુદ્ધિ ! કથાવાર્તા વિના ઇન્દ્રલોક હોય તો ય શું અને બ્રહ્માનો લોક હોય તો પણ શું ?
(90) દીનાનાથ ભટ્ટને ‘ભાગવત’ના બધા શ્ર્લોક કંઠે હતા. સમૈયામાં હજારો માણસો તેમની કથા સાંભળી રાજી થતાં. મહારાજે દીનાનાથ ભટ્ટને પૂછ્યું જે, ‘તમને ‘ભાગવત’ આખું કંઠે છે, તેમાં તમારા મોક્ષનો કયો શ્ર્લોક?’ ભટ્ટજી કહે, ‘ખબર નથી.’ ત્યારે મહારાજ કહે, ‘હજાર મણનો પકવાન થાય, પણ તાવડો અને તાવેથો કોરા રહે; તેમ તમારે થયું !’ ભટ્ટજી કહે, ‘મહારાજ, બાર તો સ્કંધ છે.’ મહારાજ કહે, ‘તૃતીય સ્કંધમાં છે.’ ભટ્ટજી કહે, ‘તેમાં અધ્યાય ઘણા છે.’ મહારાજ કહે, ‘પચીસમા અધ્યાયમાં છે.’ ભટ્ટજી કહે, ‘તેમાં શ્ર્લોક ઘણા છે.’ ત્યારે મહારાજ 20મો શ્ર્લોક બોલ્યા,
પ્રસંગમજરં પાશમાત્મનઃ કવયો વિદુઃ ।
સ એવ સાધુષુ કૃતો મોક્ષદ્વારમપાવૃતમ્ ॥
(શ્રીમદ્ ભાગવત : 3/25/20)
અર્થ :- ‘સંગ એ આત્માનુ જબરું બંધન છે’ એમ કવિઓ કહે છે. એ જ સંગ જો સાધુ પુરુષો સાથે કરવામાં આવે તો મોક્ષનું દ્વાર ખુલી જાય છે.
અને પછી
યસ્યાત્મબુદ્ધિઃ કુણપે ત્રિધાતુકે સ્વધીઃ કલત્રાદિષુ ભૌમ ઇજ્યધીઃ ।
યત્તીર્થબુદ્ધિઃ સલિલે ન કર્હિચિજ્ જનેષ્વભિજ્ઞેષુ સ એવ ગોખરઃ ॥
(શ્રીમદ્ ભાગવત : 10/84/13)
અર્થ :- જે પુરુષને વાત, પિત્ત અને કફ આ ત્રણ ધાતુઓથી બનેલ આ શબ તુલ્ય શરીરમાં જ આત્મબુદ્ધિ છે, જેણે સ્ત્રી વગેરેને પોતાના માન્યા હોય છે, જેની કેવળ પાર્થિવ પ્રતિમાઓમાં જ દેવબુદ્ધિ અને કેવળ જળમાં જ તીર્થબુદ્ધિ છે તથા જે જ્ઞાની મહાત્માઓમાં ક્યારે પણ પૂજ્યબુદ્ધિ નથી રાખતા ને ગધેડા સમાન જ છે.
અને
રહૂગણૈતત્તપસા ન યાતિ ન ચેજ્યયા નિર્વપણાદ્ ગૃહાદ્વા ।
ન ચ્છન્દસા નૈવ જલાગ્નિસૂર્યેર્વિના મહત્પાદરજોડભિષેકમ્ ।।
(શ્રીમદ્ ભાગવત : 5/12/12)
અર્થ :- હે રહૂગણ ! આ પ્રકારનું જ્ઞાન મહાપુરુષોની ચરણરજને શિર પર (માથા ઉપર) ધારણ કરવા સિવાય તપ, યજ્ઞ, અન્નાદિનું દાન, ગૃહસ્થોને ઉચિત ધર્મનું પાલન, વેદનું અધ્યયન અથવા જળ, અગ્નિ અથવા સૂર્યની ઉપાસના વગેરે કોઈ પણ સાધનથી પ્રાપ્ત થઈ શકતા નથી.
એ બે શ્ર્લોકો મહારાજે મોક્ષના બોલી બતાવ્યા. માટે પરમ એકાંતિકના સમાગમ વિના ભલે ગમે તેટલાં શાસ્ત્ર ભણ્યો હોય તો પણ ખોટ ન ટળે, અને પોતાની સીંધની કમાણી જાય નહિ.
મહારાજનો મહિમા નથી તેથી આપણે દૂબળા રહીએ છીએ. સમાધિ થાય તો પણ સત્સંગ ન સમજાય. મહારાજને બીજાનું કહીને પોતાના સ્વરૂપમાં જ જોડવા અને પોતાનું જ ધ્યાન કરાવવું, એ તાન છે; પણ જીવને કેવળ સંસાર તરફ નમી જવાય છે, માટે સમાગમ કરીને જીવમાંથી દોષ ટાળવા. વિષયનાં આલોચન મૂકી દે તો હમણાં જ સુખ થઈ જાય. સેશમૂળું ખડ થાય છે તે ગાંઠે ગાંઠે મૂળ મૂકે, તેમ જીવે આ લોકમાં ગાંઠે ગાંઠે મૂળ નાખ્યાં છે; તે સમાગમ કર્યા વિના તો કોઈ રીતે જાય જ નહીં. આટલું આટલું મહારાજે જ્ઞાન કર્યું છે પણ જીવ સાંભળવા નવરા થાતા નથી ને વાતુંને ઠેકાણે વાતું પડી રહે છે; કેમ જે, મોહમાં તો કેવળ વિપરીત મતિ હોય તેથી વાતું યથાર્થ સમજાતી નથી.
અર્થ : ધન, સંપત્તિ.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
આત્મબુદ્ધિ : પોતાપણાની ભાવના, 'દેહ તે હું નહિ પણ આત્મા છું' એવી બુદ્ધિ.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
સીંધની : પાપની.
તાન : લગની, આગ્રહ, મસ્તી.
આલોચન : મનન, ચિંતન.
ખડ : ઘાસ.
(91) સારંગપુરનું 12મું વચનામૃત વંચાવીને વાત કરી જે, આત્મનિષ્ઠાને સાધીને પછી દમન કરવું. તે શું ? જે, પાયો પાકો નાખવો તેનું જ નામ સાંખ્યે સહિત યોગ કહેવાય. આપણે તો પહેલો યોગ થઈ ગયો. તે શું? જે, ભગવાન મળ્યા. તો હવે સાંખ્ય શીખવો. સાંખ્યની રીતે જે ક્રિયા કરવી તે નિષેધ સહિત કરી હોય તો તેમાં તાણ ન રહે, નીકર રાગ રહી જાય. માટે ક્રિયા હોય તેટલી કરીને પછી અંતર સન્મુખ વૃત્તિ કરવી. માનસી પૂજા કરતાં પહેલાં જ, સંકલ્પને કહેવું જે, કોઈ આવશો નહિ; એમ કરતાં કરતાં વિષયની વિસ્મૃતિ થઈ જાશે. ત્રણ દેહ હું નહિ, એ સાંખ્ય શીખ્યાની બારાખડી છે, પણ તે ભણ્યા વિના આવડે નહિ, કરવા માંડે તો થાવા માંડે. આ હાડકાંના દેહને વિશે આત્મબુદ્ધિ કરીને બેઠા છીએ, પણ ઉખેડે તો માંસના લોચા દેખાય. જ્યાં કથા, કીર્તન નથી થાતું તે સ્થાન તો સ્મશાન છે.
વચ. ગ.અં. 23
નિષેધ : શાસ્ત્રવિહિત મનાઈ.
આત્મબુદ્ધિ : પોતાપણાની ભાવના, 'દેહ તે હું નહિ પણ આત્મા છું' એવી બુદ્ધિ.
સંવત 1919ના બીજા શ્રાવણ વદિ બીજને દિવસે સ્વામીએ વાત કરી જે,
(92) સહવાસ થાય તેણે કરીને લગની મોળી પડી જાય છે. સ્વાર્થ વિના હેત રહેવું કઠણ છે. મોટા સંતને સ્વાર્થ વિના હેત રહે છે. તે અપરાધ ગણતા નથી અને ક્ષમા કરે છે. ક્ષમા કરવાને વિશે મોટા સંતને જનની કહ્યા છે.
(93) પ્રભુ ભજવામાં વિઘ્ન હોય તે ઓળખવાં, તેને ઈક્ષા કહી છે. જે સત્ત્વગુણી હોય તેને પૂર્વાપર સૂઝે. ભગવાન, ધામ, મુક્ત ને આત્મા એ ચાર વાનાં અવિનાશી છે અને જગત, વિષય, દેહ અને પદાર્થ એ ચાર વાનાં નાશવંત છે.જેટલા પદાર્થ દેખાય છે તે સર્વે ધૂડનો વિકાર છે. એવી દૃષ્ટિ તો જડભરતને હતી તે રહૂગણને કહે, ‘રાજા કોણ ? ઉપાડનાર કે બેસનાર ?
પાર્થિવ ! પાર્થિવ !
અર્થ :- હે રાજા ! હે રાજા ! બેય ધૂડના છે, બેય રાખ થઈ જવાના છે. આ બધું સ્વપ્નાનું રાજ છે !’
પ્રકરણ 10 ની વાત 325
પૂર્વાપર : આગળપાછળ.
વાનાં : વસ્તુઓ. (બ.વ.)
અર્થ : ધન, સંપત્તિ.
(94) મહારાજનો ગુણ લેવો જે કૃપા કરીને મળ્યા. મહારાજનો સ્વભાવ જે કોઈ કીર્તન ગાય, ત્યાં પોતે ચાલીને જાય. માટે ગુણ ગાવા જેવા તો એક મહારાજ જ છે. મોટા મોટા જેનું ધ્યાન કરે છે એવા મહારાજ, તેમની કથા ને સ્મૃતિ મૂકીને આ લોકની વાતું કરવી એ જ અજ્ઞાન.
(95)
સો વાતની એક વાત છે, નવ કરવો આજ્ઞા લોપ,
રાજી કરવાનું રહ્યું પરું, પણ કરાવીએ નહિ હરિને કોપ.
(નિષ્કુળાનંદ કાવ્ય : વચનવિધિ-4)
જો નિંદા ન થાય તો જાણે સ્તુતિ જ કરી છે.
(96) સર્વેનો પ્રતાપ મહારાજે દાબી રાખ્યો હતો. તે ગોવિંદસ્વામી બીજાને સમાધિ કરાવે પણ પોતાને ન થાય, સંસાર મૂકીને આંહીં બેસવું, એ બહુ ભારે વાત છે. વાતું કરવી ત્યારે મહારાજનો પ્રતાપ ને મહિમા વેણે વેણે લાવવા. મહારાજને સંભારવા અને બીજું બધું વિસારવું.
(97) મહારાજે સર્વેનાં અંતર ઝાલ્યાં. પુરુષનું મન તો ઝલાય, પણ સ્ત્રીનું મન તો ઝલાય જ નહીં. તે તો જે મળે તેને ખાઈ જાય. તેમાં શું કહ્યું? જે, તેને મોકળી મેલો તો એ જીવને ખાય છે. પ્રકૃતિપુરુષ સુધીના બધા માયામાં જોડે એવા છે. મહારાજમાં જોડે તેને જ એકાંતિક જાણવા.
મેલો : મરણ સમાચારની ચિઠ્ઠી, કાળાખરી, આઘાત લાગે એવા સમાચાર.
પ્રકૃતિપુરુષ : ચેતન અકર્મણ્ય પુરુષની મદદથી જડ પ્રકૃતિમાંથી સમગ્ર સૃષ્ટિની ઉત્પતિ થઈ તે
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
(98) કુસંગીનો પણ અવગુણ ન લેવો; કેમ જે, સત્સંગી થાય છે તે કુસંગીમાંથી જ થાય છે ! કેટલાક તો સંસારમાં રહ્યા જેવા હોય, કેટલાક તો ત્યાગી થયા જેવા હોય અને કેટલાક તો સંસાર કરીને પડતો મૂકે એવા હોય, તેને દીર્ઘદર્શી હોય તે દેખે છે. માટે મોટાને પૂછી પૂછીને કરે તો પાધરું પડે. દેહે કરીને સેવા કરવી. જાયગામાં વાળવું, લીપવું તે પણ ભક્તિ કહેવાય; અને કથાવાર્તા, ધ્યાન, ભજન, સ્મરણ કે ચિંતવન કરવું કે કીર્તન ગાવાં, એ પણ ભક્તિ કહેવાય. એ બે પ્રકારની ભક્તિએ કરીને દેહાભિમાન ટળે છે. તે વિના ખાવે અને ઊંઘવે કરીને દેહાભિમાન વધે. કોઈ સ્વભાવ વધારતા હશે, કોઈ સ્વભાવ ટાળતા હશે, કોઈ લડાઈ લેતા હશે, કોઈ મનગમતું કરતા હશે, તે બધું અમે જાણીએ છીએ; દીવો કરવો પડે એમ નથી. ઇન્દ્રિયુંને આજ્ઞામાં પ્રવર્તાવે નહિ તો બેય બગડે. અંબરીષ ને પ્રિયવ્રત, એ સર્વે મોટી પદવીને પામી ગયા; માટે ભગવાનને મૂકીને બીજે શાંતિ નથી.
(99)
સંતોષદાસને તૃષ્ણા ઝાઝી, ટાઢું નહિ એનું મન,
દ્વાર બારણે ડોકાં કાઢે, મેલું એનું મન;
મેલું એનું મન શા માટે, બહાર જુએ તે માટે,
કહે ગોવિંદરામ એમાં રામ નથી રાજી સંતોષદાસને તૃષ્ણા ઝાઝી.
(કીર્તન મુક્તાવલિ : ગો.કૃ.ચંદ્રાવળા)
અને સાધુ થયા ને અંતરમાં ભગવાન રાખ્યા નહિ, તો શું પાક્યું ?
(100)
સતી શૂર અરુ સંત કા તીનું કા એક તાર;
ઝરે, મરે, સુખ પરહરે, તબ રીઝે કિરતાર.
સતી શૂર કો સહેલ હે ઘડી કા ઘમસાણ;
મુક્ત અંગીઠી પ્રેમ કી, ઝરત હે આઠો જામ.
એમ થાય ત્યારે ભગવાન રાજી થાય છે.
(101)
અભિમાનં સુરાપાનં ગૌરવં ઘોરરૌરવમ્ ।
પ્રતિષ્ઠા સુકરિવિષ્ઠા ત્રીણિ ત્યક્ત્વા સુખી ભવેત્ ।।
(સુભાષિત)
અર્થ :- અભિમાન સુરાપાન જેવું છે, મોટાપણું રૌરવ નરકની માફક ભયંકર છે. પ્રતિષ્ઠા ડુક્કરની વિષ્ટા સમાન છે. આ ત્રણેયને છોડીને સુખી થવું.
યૌવનં ધનસંપતિ પ્રભુત્વમવિવેકિતા ।
એકૈકમપ્યનર્થાય કિમુ યત્ર ચતુષ્ટયમ્ ।।
(હિતોપદેશ : સુભાષિત )
અર્થ :- યૌવન, ધનસંપત્તિ, અધિકાર અથવા સત્તા અને અવિવેક આમાંથી કોઈ પણ એક વસ્તુ પણ માણસને અનર્થ કરાવનારી થઈ શકે છે. તો જ્યાં ચારે સાથે ભેગાં થયાં હોય તો ત્યાં શું કહેવાનું હોય ?
એમ સાધુ અને ગૃહસ્થે અખંડ જાણપણું રાખવું અને મુમુક્ષુને વિષયમાં રુચિ ન હોય અને નિર્વાસનિક પૂંછલેલ ઢોરની જેમ આ લોકની ક્રિયા કરે અને સવાસનિક તો વહેવારમાંથી છૂટી શકે નહિ.
અર્થ : ધન, સંપત્તિ.
વિષ્ટા : નરક, મળ.
નિર્વાસનિક : વાસનારહિત.
પૂંછલેલ : એવું નબળું ઢોર કે પૂંછડેથી ઉપાડીને ઊભું કરે ત્યારે માંડ માંડ ઊભું રહે.
(102) બબ્બે, ત્રણ-ત્રણ માળા સુધી સંકલ્પ ન થાય તે માયાને ખેસવી કહેવાય. મહારાજમાં અને મોટા સંતમાં નિષ્ઠા થઈ તે બધું કરી રહ્યો છે.
નિષ્ઠા : શ્રદ્ધા, આસ્થા, વિશ્ર્વાસ, ધારણા.
સંવત 1919ના બીજા શ્રાવણ વદિ ચોથને દિવસે સ્વામીએ વાત કરી જે,
(103) પૂનમના ચંદ્રમા જેવો થયો હોય તો પણ ભગવદીના દોષે કરીને અમાવાસ્યાના ચંદ્રમા જેવો થઈ જાય છે.
(104) નથુ પટેલે પૂછ્યું જે, ‘ભગવાન મળ્યા પછી કાંઈ કરવું રહે?’ તો કહે, ‘હઠ, માન અને ઈર્ષા એ ત્રણનો ત્યાગ કરવો અને ભગવાનના ભક્તનો અપરાધ તો ક્યાંય કરવો નહિ.’ મરને આંહીં રહીએ, વરતાલ રહીએ, ગઢડે રહીએ કે ધોલેરા રહીએ; પણ જો સારાનો અવગુણ લે તો જરૂર ઘટી જવાના; એમાં ફેર નથી. વહેવાર થયો તે કહેવું પડે ને ત્યારે જો પોતાનું ન મનાય તો બીજા દ્વારે કહેવરાવવું. આપણે હૈયામાં શેના શેના મનસૂબા થાય છે, તેનો વિચાર કરવો. મોટા એકાંતિકના પ્રસંગમાં રહેવું તો સહેજે વૃદ્ધિ પમાય ને સારી રીતે વરતાય અને પોતાના દોષ સૂઝવા માંડે. મરને ગુરુ થયો હોય તો પણ પોતાની મેળે તો પોતાના અવગુણ સૂઝે નહિ. મોટાનાં જેણે સેવન કર્યાં હશે, અને મોટાની વાતું હૈયામાં ધારીને તે પ્રમાણે વરતતા હશે, તેને જ પોતાના અવગુણ સૂઝતા હશે; તે વિના તો ધ્યાન કરે પણ મહારાજમાં મન વળગે નહિ. નિષ્ઠાની વાતું હૈયામાં ઠરી હોય તો જેમ માખણમાં કાંકરી વળગે તેમ જીવની વૃત્તિ મહારાજમાં વળગે. જેણે સાધુ સમાગમ કર્યો હોય તે દેશકાળે વિષયમાં પ્રવર્તે તો સાધુના શબ્દ આવીને ઝાલી રાખે ને ઇન્દ્રિયું-અંત:કરણ અંબાઈ જાય; એટલે વિષયની કોરે ચાલે નહિ. મનને જાણે ભજન, ભક્તિ કરતો હોય, ને સાધુ સમાગમ ન હોય તો ભજન ને જ્ઞાન ચૂંથાઈ જાય. સમુદ્રમાંથી ઝેર નીકળ્યું તેમ આમાં પણ કોઈ ઝેરીલા હોય તેને ઓળખી રાખવા. ભગવાનને હૃદયમાં ધારી રાખે, તો પણ સાચા સાધુ થયા વિના ભગવાન રાજી ન થાય; માટે સાધુતાથી કોઈ મોટી વાત જણાતી નથી.
મરને : ભલેને.
મનસૂબા : સંકલ્પો, કાંઈક કરી લેવાના વિચારો
ચૂંથાઈ : અસ્તવ્યસ્ત, રફેદફે.
(105) કોઈ કહે, ‘ઘાટ થાય છે.’ ત્યારે બીજો કહે, ‘આવ્યો તો શું કરવા?’ પણ જ્ઞાન વિના તો એમ થાય. જ્ઞાની હોય તેનાં પરિયાણ સૌથી નોખાં હોય.
પરિયાણ : જવાની તૈયારી, આરંભ, પ્રયાણ.
(106) જીવને ખાવું, પીવું અને છાના અધર્મ કરવા, એ જ ઢાળ છે. તે જેવા ગુરુ મળ્યા હોય તેવું શીખવ્યું હોય. મુક્તિનો સાર તો મોટાપુરુષને જ દેખાડતાં આવડે.
(107) જે ન કર્યાનું કરે તેમાંથી અંતે દુ:ખ થાવાનું છે. સાંખ્ય વિના તો મરને ભગવાન ભેળા બેઠા હોઈએ, તોય નિર્વિઘ્ન રહેવું કઠણ છે.
મરને : ભલેને.
(108) જેને સાચા સંત મળ્યા છે તેને તો પૂરું થઈ રહ્યું; પણ તેમની આજ્ઞા પાળવી અને અનુવૃત્તિમાં રહીને મહિમા વિચારવો. કૃપાનંદસ્વામી બાર મહિના મહારાજની સેવામાં રહ્યા પણ વાંકમાં ન આવ્યા. અચિંત્યાનંદ બ્રહ્મચારી પણ કોઈ દિવસ વાંકમાં ન આવ્યા.
(109) સમો આવે અને બોલે નહિ તેને શાસ્ત્રમાં મૂંગો કહ્યો છે અને સમો આવે અને ક્રિયા ન કરે તેને આળસુ કહ્યો છે; તેમ આ સમે મહારાજની નિષ્ઠા ન કરે તે મૂરખ કહેવાય.
નિષ્ઠા : શ્રદ્ધા, આસ્થા, વિશ્ર્વાસ, ધારણા.
(110) ભગવાન ભજતાં આવડે અને ભગવાન ઓળખાય એટલી જ બુદ્ધિ જાણવી. મહારાજની આજ્ઞા અને તેમની રુચિ પ્રમાણે વરતવું, મહિમા સમજવો, દેહનો અનાદર કરવો, ઉત્તમ ભોગમાં રાગ ન રાખવો, એ રુચિ જાણવી. ‘કૂડ ત્યાં ધૂડ અને કપટ ત્યાં ચપટ,’ માટે સાચી ભક્તિ કરવી, તો મહારાજ રાજી થાય. એક ડોશી હતી તે પ્રથમ મહારાજનો થાળ ખાઈ જાતી, તે તો મહારાજ ખમે. આજ તો કેટલાક પાકી રસોઈ હોય તો પણ નોખું શાક વઘારે. તેથી ઢસરડા થાવાના છે ? રસના વશ હશે તેનાથી જ સત્સંગમાં રહેવાશે. તે વિના તો મરને ગમે તેટલી ભક્તિ કરે તો પણ સત્સંગમાં નહિ રહેવાય. તે ઉપર કારિયાણીનું 10મું વચનામૃત વંચાવ્યું.
મરને : ભલેને.
સંવત 1919ના બીજા શ્રાવણ વદિ છઠને દિવસે સ્વામીએ વાત કરી જે,
(111) લલુબાદર શાહુકારને આઠ બાયડી અને આઠ કૂવા હતા. તે હવેલીમાં જ મરી ગયો અને દક્ષિણાદે દરવાજેથી જમ લઈ ગયા ત્યારે બહાર નીકળ્યો. તેમ આપણે જેટલા ઘરમાં અને દેહમાં બંધાણા છીએ તેટલું તેનું ભજન થાય છે. અને સૌની વૃત્તિ ઘેર પહોંચી ગઈ છે.
(112) ઇન્દ્રિયું જીવને નોખો નોખો તાણે છે, તેથી જીવ જ્યાં ત્યાં દોડતો ફરે છે. અધિકાર સોંપ્યો હોય તેટલું કામ કરવું. હરિભક્તને દુ:ખે દુ:ખિયા થાવું એટલો જ સત્સંગ જાણવો. તે ઉપર માવા ભક્તની વાત કરી જે, મહારાજને દર્શને સંઘ જાતો હતો તેમાં એક છોકરાને કાંટો વાગ્યો એટલે બેસી ગયો. સૌ પૂછે જે, ‘છોકરા શું થયું છે ?’ છોકરે કહ્યું, ‘કાંટો વાગ્યો છે.’ તે સાંભળી સૌ ચાલ્યા જાય. પણ માવા ભક્તે તેનો કાંટો જોયો તો ભાંગી ગયેલ એટલે ખંભો ઝલાવી, બીજા હાથમાં લાકડી આપી, ગામમાં જઈ કાંટો કઢાવ્યો. મહારાજ પાસે સંઘ પહોંચ્યો ત્યારે સૌ કહે સંઘ આવ્યો, પણ મહારાજ બોલ્યા નહિ; પણ જ્યારે માવા ભક્ત આવ્યા ત્યારે મહારાજ કહે, ‘હવે સંઘ આવ્યો !’ તેમાં શું કહ્યું ? જે, ‘સત્સંગને વિશે આત્મબુદ્ધિ કરવી એ મહારાજની પ્રસન્નતાનું સાધન છે.’
આત્મબુદ્ધિ : પોતાપણાની ભાવના, 'દેહ તે હું નહિ પણ આત્મા છું' એવી બુદ્ધિ.
(113) કોઈનો તિરસ્કાર કરવો કે અહંકાર કરવો, તે મહારાજને ન ગમે. લાખ રૂપિયાનું કારજ આદર્યું ને રસોઈયા સાથે બગાડે તો કારજ સુધરે નહિ; તેમ આ ભગવાન ભજવારૂપ કાર્ય સુધારનારા ભગવદી છે; તે સાથે હેત કરે તો જ કાર્ય સુધરે.
કારજ : વિવાહ કે મૃત્યુસંબંધી ખર્ચનો પ્રસંગ.
(114) જે ખરેખરા હોય તેને આ લોકમાં કોઈ પદાર્થમાં મોહ ન પામવું અને ક્યાંય લોભાવું નહિ. જગતમાં ક્યાંય કલ્યાણ નથી. પૂજા રાખે તે પેટ સારુ રાખે. એક કચ્છી બાવો હતો, તે ત્રિભંગી મૂર્તિને એક હાથે પાઘ બંધાવતો હતો અને બીજે હાથે હોકો પીતો હતો. ત્યાં પટેલનું ગાડું સીમમાં લણવા જાવા નીકળ્યું. તે બાવો મંગળા કરી ગાડે ન બેસી જાય તો દોઢ ગાઉ ચાલવું પડે, તેથી ઝટ મંગળા કરી ગાડે બેસવાની તાણ અને હોકાની તલપ પૂરી લાગેલી. વળી લાલજીનું માથું લીસું તે પાઘ રહે નહિ, એટલે લાલજીને ધોલ મારી કહ્યું, ‘તેજો કંધ ઝૂરે, મથો સમો રખ !’ એમ પેટ સારુ પૂજા કરે તેમાં કાંઈ પાકે નહિ.
ગાઉ : અંતરનું એક પરિમાણ, દોઢ માઈલ, અઢી કિલોમીટર.
(115) પ્રમાદ અને મોહ જ્યાં સુધી નથી ટળ્યા ત્યાં સુધી જન્મ-મરણ નથી ટળ્યું. મહારાજની આજ્ઞા પ્રમાણે વરતે તેમાં ફેર ન પડવા દેવો. પદાર્થ ને બાયડી જેને નથી તે જીવે છે અને જેને છે તે પણ જીવે છે.
(116) ઘેર રહે અને કહે જે, ‘મારે કેમ સંકલ્પ ઓછા થાતા નથી?’ પણ ઘેર બેઠા તો સંકલ્પ વધશે જ. માટે સંત સમાગમ હશે તો જ દોષ ઓછા થાશે. ખરેખરા એકાંતિક ભક્તમાં આત્મબુદ્ધિ કરવી, એવું કોઈ સાધન બળિયું નથી.
આકૃતિચિતિચાપલ્યરહિતા નિષ્પરિગ્રહાઃ ।
બોધને નિપુણા આત્મનિષ્ઠા: સર્વોપકારિણ: ॥
(સત્સંગિજીવન : 1/32/28)
અર્થ :- શ્રીહરિ ભક્તિમાતાને કહે છે :‘હે સતિ ! મુમુક્ષુઓએ કેવા સંતને સેવવા જોઈએ ? તે જેઓ કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયોની ચપળતાએ રહિત અર્થાત્ વિષય વાસનાઓ વિરહિત આત્મહિતમાં વિરોધી પરિગ્રહ રહિત, તત્ત્વબોધ આપવામાં પ્રવીણ, આત્મામાં જ એક નિષ્ઠાવાળા (આત્મારામ), સર્વ જનોનો આ લોક-પરલોકમાં ઉપકાર કરવાના સ્વભાવવાળા હોય.’
એ ચોસઠ લક્ષણ આવે તો કાંઈ બાકી ન રહે. સત્સંગ કર્યો અને કોઈ જાતનું પાપ રહ્યું; ત્યારે કોઢના ચાંદલા જેવું કહેવાય અને વાંસાના ઘા જેવું કહેવાય. ધન, સ્ત્રીમાં બટ્ટો લાગ્યો ત્યારે સભામાં મોઢું દેખાડી શકાય નહિ. જીવ બગડે ત્યારે નિયમ હોય તે ગમે નહિ. આ મોટા જાશે ત્યારે માયા બળ કરશે અને માંહોમાંહી લડાઈ કરશે ને હુલકા ઊઠશે. અક્ષરધામના નિવાસી હોય તે અક્ષરધામમાં લઈ જાય; પણ બીજાથી ન લઈ જવાય. મંદિરમાં માણસ હોય તે બધા નોખી નોખી પ્રકૃતિવાળા હોય અને મંડળમાં પણ એમ હોય; તેમાં જો વિભૂતિ હોય તો બરાબર ચાલે અને આ ચાલે છે તે વિભૂતિ વડે ચાલે છે. સત્સંગમાં જે કપટ કરશે તેનું ઉઘાડું થયા વિના નહિ રહે. ચોરી, છિનાળીનો મારગ જુદો છે અને પ્રભુ ભજ્યાનો મારગ જુદો છે.
‘વઢવેડ કર તો બોલ આડું અને ખેડ કર તો લે ગાડું.’
ગામડાના મનુષ્યને ઝાઝી ફિકર નહિ. જીવોનું કલ્યાણ કરવા મહારાજ મનુષ્ય જેવા થયા અને ભેળા ભળી ગયા; તે જેઠા મેરને ઘેર ગોવિંદસ્વામી સાથે જમ્યા અને ઘરોઘર પધાર્યાં; તે એમની અનુકંપાની વાત શી કહેવી! એવા મહારાજ મળ્યા, તો પણ જીવને વિષયમાં માલ મનાણો છે; પણ મહારાજ આગળ આ સુખ તે સડેલા કૂતરા જેવું છે, તે પ્રકૃતિપુરુષ સુધી એવું છે. માટે આ લાભ મળ્યો છે તેનો આનંદ નથી આવતો અને વિષયમાં આનંદ આવે છે એ અજ્ઞાન છે. મહારાજના કાંઈક ગુણ આવ્યા હશે તે જ સુખિયા છે.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
આત્મબુદ્ધિ : પોતાપણાની ભાવના, 'દેહ તે હું નહિ પણ આત્મા છું' એવી બુદ્ધિ.
પ્રકૃતિપુરુષ : ચેતન અકર્મણ્ય પુરુષની મદદથી જડ પ્રકૃતિમાંથી સમગ્ર સૃષ્ટિની ઉત્પતિ થઈ તે
સંવત 1919ના બીજા શ્રાવણ વદિ દશમને દિવસે સ્વામીએ વાત કરી જે,
(117) એક સંકલ્પનો વહેવાર અને બીજો દેહનો વહેવાર. તેમાં જે બંધાણા છે તેથી પ્રભુ નથી ભજાતા અને પંચાતું કરવી તે જલ્પવાદ કહેવાય. માટે વિચાર કરવો જે, આ ક્રિયામાંથી શો માલ નીકશે ? ખરેખરો આશ્રયનો આનંદ આવે તો ભગવાન આપણા સારુ બ્રહ્માંડનો પ્રલય કરી નાખે; પણ એવો આનંદ રહેતો નથી. માટે દુ:ખ પામીએ છીએ.
(118) જેટલા બાયડીવાળા છે તે તો ક્યારેક નવરા થાય, પણ વાંઢા તો નવરા જ થાતા નથી. સાંખ્યયોગી કહેવાય અને ઘરમાં ઘંટી રાખે, એટલે સર્વે બાઈઓ દળવા આવે, તે એવાનો સાંખ્યયોગ રહેવાનો નહિ; માટે તેણે તો સાધુ ભેળું રહેવું કાં ગૃહસ્થાશ્રમ કરવો. વ્યવસાયાત્મિક બુદ્ધિ હોય તેને આ વાતું ન સમજાય; જેમ મીણનું પાયેલ લૂગડું હોય તેમાં પાણી ન પેસે. જેમ તરગાળો વેશ કાઢે છે, તે રૂપિયા લેવા સારુ કરે છે; તેમ આપણે ઘરમાં રહીને પ્રભુ ભજી લેવા.
તરગાળો : ગાવા-નાચવાનો ધંધો કરનાર બહુરૂપી નટ.
(119) જેના હૈયામાં સંસાર ભર્યો હશે તેના હૈયામાં શ્રી સ્વામિનારાયણ ક્યાંથી રહેશે ? મન-ઇન્દ્રિયું જીત્યાં હોય તો પણ તેનો વિશ્ર્વાસ ન કરવો; માટે કુસંગ તો જરૂર ડાઘ લગાડે એવો છે. ડાઘ ન લાગે એવું હોય તો પણ લોક વિરુદ્ધ ન કરવું. ટીલાં, કંઠી રાખશે અને નિષ્કામી વર્તમાન નહિ પાળે તેને જમ લઈ જાશે ને તેનું કલ્યાણ નહિ થાય. બાઈઓનો પ્રસંગ છે તે બટ્ટો લગાડે એવો જ છે. ગોળ ઉજળો થઈ ધર્મરાજા પાસે રાવે ગયો ને કહે, ‘સૌ મુને બટકાં ભરે છે;’ ત્યારે ધર્મરાજા કહે, ‘તું આંહીંથી દૂર જા, મારાથી પણ બટકું ભરાશે !’ એમ રૂપનો પ્રસંગ થયે રહેવાય એમ નથી.
પાળે : સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જાતનો સેવક/પાર્ષદ.
બટ્ટો : લાંછન, કલંક.
(120) પ્રભુ ભજવામાં હજારું વિઘ્ન છે. ચોરી કરે, દેહમાં રોગ આવે, ધ્યાનમાં ઊંઘ આવે એ બધાં વિઘ્ન છે. માટે જેની જે વૃત્તિ છે તેમાં ખબરદારી રાખવી. તે શું ? જે, વેપાર કરતા હોય તેણે બાઈઓનો પ્રસંગ થાય, તો નાહીને રોટલા જમવા અને ગોર હોય તેને પરણાવવું પડે છે, માટે તેટલો સંબંધ રાખવો. એક ગોર જજમાનની દીકરીને તેડવા ગયો તે રસ્તામાં બગાડ થયો; તે વાત કરી.
(121) પાડો માદળામાં પડ્યો હતો તેને માખીઓ કરડે એટલે માથું પછાડે, પણ બહાર નીસરે નહિ; તેમ જીવ છે તે કુટુંબરૂપી માદળામાં પડ્યો છે, તે નીસરતો નથી. મોત સંદેશો મોકલે છે; તે શું ? તો, ધોળા મોવાળા આવ્યા, તે પહેલી કાળાખરી આવી, તો પણ ચેત્યો નહિ. પછી દાંત પડ્યા, પછી બહેરો કર્યો, પછી આંધળો કર્યો; પણ આંખ ઊઘડી નહિ. ‘આ કર્યું ને આ કરવું.’ તેનો આલોચ મટતો જ નથી; માટે કાળનો જેને ભય છે તેનાથી જ પ્રભુ ભજાય છે. તે હમણાં સુખ નથી તેને આગળ સુખ ક્યાં થાશે ? આ ભેખ છે તે પારકા રોટલા ખાઈને સૂઈ રહે છે, તે મહારાજને ગમે નહિ.
પાડો : ભેંસનું નર બચ્ચું કે તેનો નર.
ભેખ : સંન્યાસ.
(122) અમારે ઝાઝા જીવોને પ્રભુ ભજવવા છે.
(123) કોઈ જાણે જે મને બેસારી મૂકે તો ભજન કરું, પણ એમાં તો ઝોલાં આવશે. માટે ઘનશ્યામાનંદસ્વામીની પેઠે દેહને ગણવું નહિ. પાંચ વરસ દેહને તપ આપે તો ગમે તેવું દેહાભિમાન હોય તે ટળી જાય; તેમ જ પાંચ વરસ મેળવીને જમે તો રસાસ્વાદ ટળી જાય. તેમ જ બીજા રાગનું પણ જાણવું.
(124) એકલશૃંગીના બાળકની વાત કરી કહ્યું જે, ઐશ્ર્વર્ય તો આવેલ ખરું, પણ જ્ઞાને કરીને નિષેધ કર્યા વિના મૂળિયાં ગયાં નહોતાં; એટલે વિભાંડક ઋષિ એકલશૃંગીના બાળકને જોઈને નરમ પડી ગયા; પણ નિષેધ કર્યો હોય તો ઢીલો પડે નહિ અને તેને પારસો આવે નહિ. નિષ્કુળાનંદસ્વામીના ઘરનાં મનુષ્યે છોકરાને પાસે મોકલ્યા, ત્યારે નિષ્કુળાનંદસ્વામી કહે, ‘આ ભેંશ નથી તે પારસો વાળે.’ બધે જુગલ છે; પણ કોઈ એકલા નથી. મહારાજ અને આ સાધુ સેવ્યા હોય તેને એવું આગળથી સૂઝવા માંડે જે, વિષયને મારગે ચલાય જ નહીં.
પ્રકરણ 5 ની વાત 306
સંવત 1919ના બીજા શ્રાવણ વદિ અમાવાસ્યાને દિવસે સ્વામીએ વાત કરી જે,
(125) તમોગુણ જેને હોય તેણે એક ઠેકાણે રહેવાય નહિ. દેહને અને પૃથ્વીને મેળ છે એટલે તેમાં ચોંટી જવાય છે. માટે ગાફલાઈ રાખશું તો બટ્ટો લાગશે. ફરવા જાવું ત્યાં લેવાદેવામાં ખબર રાખવી. ધના ભક્તની વાત કરી જે, ધોતિયાંના કરીને રૂપિયા લેતો. હરિભક્તને સાધુ મળે ત્યારે હરિભક્ત જાણે જે ભગવાન મળ્યા! માટે આપણામાં ધોતિયાં પોતિયાં રૂપે માયા થાશે. એવાં ઘણાં કૂકટપેંગટ જાગશે; માટે ગાફલાઈ રાખશો તો છેતરી જાશે. કેટલાકને મન રમાડે છે અને કેટલાક મનને રમાડે છે. તે ખાવા ટાણે, ઊંઘવા ટાણે અને કોઈ વેણ મારે ત્યારે મનનું રૂપ કળાઈ જાય; પણ ખરેખરા સાધુ મળે તે ક્યાંય પ્રીતિ રહેવા દે નહિ અને પ્રકરણ ફેરવી નાખે ને ત્યાગ કરાવી વાસના તોડી નાખે.
બટ્ટો : લાંછન, કલંક.
કળાઈ : કોણીથી કાંડા સુધીનો હાથ.
વાસના : પૂર્વના સંસ્કારોથી મકકમ થયેલી કામના.
(126) સત્પુરુષના ગુણ આવે એ વાત કાંઈ થોડી નથી. આ સંસારમાં કે દેહમાં કે વહેવારમાં તો માલ છે જ નહિ; તો પણ વિષય ખોટા કરવા અને નિયમ પાળવા, તે તો કોઈને ગમે જ નહિ; પરમેશ્ર્વરનો મારગ તો કોઈ સંબંધીને પણ ગમે નહિ.
(127) વિષયમાં રાગ છે અને દેહમાં આત્મબુદ્ધિ છે તો દુ:ખ કળાતું નથી; પણ પેટછૂટ થઈ હોય તો ભેળો જાનારો થાકી જાય. આંહીં સમાગમ કરવા આવે તો પણ મનસૂબા ત્યાંના છે અને એમ મનસૂબા કરે છે જે, આપણે આંહીં બેસી રહ્યે કેમ ચાલે ? માટે મન સાથે કજિયો કરીને લડાઈ લે તેને મોટા સહાય કરે છે. પછી તે મહારાજને વરવા જોગ થાય છે.
નિજાત્માનં બ્રહ્મરૂપં દેહત્રયવિલક્ષણમ્ ।
વિભાવ્ય તેન કર્તવ્યા ભક્તિઃ કૃષ્ણસ્ય સર્વદા ॥
(શિક્ષાપત્રી શ્ર્લોક : 116)
અર્થ :- સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ જે ત્રણ દેહ તે થકી વિલક્ષણ એવો જે પોતાનો જીવાત્મા તેને બ્રહ્મરૂપની ભાવના કરીને પછી તે બ્રહ્મરૂપે કરીને શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ જે તે સર્વ કાળને વિશે કરવી.
બ્રહ્મભૂતઃ પ્રસન્નાત્મા ન શોચતિ ન કાંક્ષતિ ।
સમઃ સર્વેષુ ભૂતેષુ મદ્ભક્તિં લભતે પરામ્ ॥
(ભગવદ્ ગીતા : 18/54)
અર્થ :- બ્રહ્મભાવને પ્રાપ્ત થયેલો તે પ્રસન્ન ચિત્ત મનુષ્ય કશાનો શોક કરતો નથી કે કશાની આકાંક્ષા કરતો નથી અને સર્વ ભૂતોમાં સમભાવથી રહેતો થકો મારી પરમ ભક્તિને પામે છે.
થાવું. ‘કપિ મૂઠી ગ્રહી સો ગ્રહી હે.’ તેમ જીવ વિષયમાં વળગ્યા તેણે કરીને જલ્યા કરે છે, પણ શાંતિ થાતી નથી અને પીડાએ કરીને એકલાં હાડકાં રહે છે અને લોહી તો બળીને રાખ થઈ જાય છે. માટે આજ તો યોગ ને સાંખ્યનું પંચાળાનું બીજું વચનામૃત કાઢો. એકલો યોગ છે અને સાંખ્ય નથી એટલે જીવ દુ:ખિયો રહે છે અને સુખ થાતું નથી. સાંખ્ય વિના પદાર્થ આડાં આવીને ઊભાં રહે છે માટે સાંખ્ય ન હોય તો દુ:ખ આવ્યા વિના રહે નહિ. શબ્દ છે તે કહ્યા સાંભળ્યામાં તો બહુ આવે છે, પણ વરત્યામાં આવતું નથી, તેથી બાળકની પેઠે ખબર પડતી નથી.
હવે બધે ઠેકાણેથી દુ:ખ આવીને એક ઠેકાણે ભેળું થયું છે. તે શું ? જે, વિષયના કજિયા છે. માટે વિષયમાં દોષ દેખ્યા વિના વિષય ટળનારા જ નથી. માટે દોષાનુધ્યાન કરશું ત્યારે થાશે, એમ ભજન પણ કરશું ત્યારે જ થાશે અને ઉપાધિ કાંઈ નથી તો પણ અખંડ સ્મૃતિ થાતી નથી. અને જેટલા વિષય મળ્યા તેટલું પાપ મળ્યું છે, એમ જાણવું. તે રામાનુજાનંદના પત્તરમાં લાડવા પીરસ્યા એટલે કોઈકને આપ્યા. બીજા વિષયને ખોટા જાણે ખરા, તો પણ તે મારગે ચાલે, અને ભોગવતા જાય તો વિષય ટળે નહિ. ત્યાગ વિના વિષય ટળે એ વાતની લાલચ ન રાખવી.
આત્મબુદ્ધિ : પોતાપણાની ભાવના, 'દેહ તે હું નહિ પણ આત્મા છું' એવી બુદ્ધિ.
મનસૂબા : સંકલ્પો, કાંઈક કરી લેવાના વિચારો
અર્થ : ધન, સંપત્તિ.
(128) જેને અધિકાર છે તેને તો ક્રિયા કર્યા વિના છૂટકો નથી, પણ જેટલા ઘરડા છે અને કામ કાંઈ નથી તો પણ ભજન નથી કરતા એ મોટી ખોટ માનવી.
(129) બહુ વિષયમાં પ્રવરતે તો ગામ ઊઠી થાય અને ઘર ઊઠી તો થયા જ કરે છે. માટે જાણી જાણીને સુવાણમાં ભળવું નહિ. બે વાત કરવાની છે, તે શું? જે, જેણે મહારાજમાં મન જોડ્યું હોય તેનો મહિમા સમજીને અખંડ સ્મૃતિ રાખવી, અને વિષય ટાળવા હોય તેણે તેનો ત્યાગ કરવો અને તેમાં દોષ જોવા. જેને મહારાજમાં જોડાવું તેને અખંડ ભજન કરવા માંડવું અને માયાના ગુણથી રહિત થાવું હોય તેણે સાંખ્ય વિચારે કરીને બધું ખોટું કરી નાખવું. એ બે વાત છે. તે સો વરસે કરો પણ કરે જ છૂટકો છે. જે આદરીએ તે થાય; પણ શું ભાર છે જે ન થાય ? તેમ નિષેધ કર્યા વિના ખોટું ન થાય. મહારાજે જ્ઞાન દીધું અને મોટા સાધુએ પણ જ્ઞાન દીધું. હવે કરવું તે તો આપણે જ કરીશું ત્યારે થાશે. સાંખ્ય અને યોગ સાધીશું ત્યારે જ આવડશે. જેટલો નિષેધ કરશું તેટલા વિષય મોળા પડશે, પણ સાંખ્ય વિના પદાર્થમાંથી આસક્તિ તૂટે નહિ. આપણે અફીણનો નિષેધ થઈ ગયો છે તો સ્વપ્નામાં પણ ખવાતું નથી; તેમ સાંખ્યે કરીને વિષયનો નિષેધ થઈ જાય તો તેમાં માલ ન જ રહે.
કરો : ઘરની દિવાલ.
નિષેધ : શાસ્ત્રવિહિત મનાઈ.
આસક્તિ : મોહ, અતિશય સ્નેહ, લગની.
(130) મધ્યનું 24મું વચનામૃત વંચાવીને વાત કરી જે, મહારાજ, આ ધામ અને મુક્તોના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાય છે ત્યારે જ શુદ્ધ ઉપાસના થઈ કહેવાય અને અક્ષરધામના મુક્તોને એ લક્ષણે ઓળખવા જે, તે એ ત્રણેયના સ્વરૂપનું પ્રતિપાદન કરે અને મુમુક્ષુના હૃદયમાંથી પ્રકૃતિપુરુષ સુધીનું કાર્યમાત્ર તુચ્છ સમજાવી કાઢી નાખે.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
પ્રકૃતિપુરુષ : ચેતન અકર્મણ્ય પુરુષની મદદથી જડ પ્રકૃતિમાંથી સમગ્ર સૃષ્ટિની ઉત્પતિ થઈ તે