સંવત 1919ના અષાઢ સુદિ પ્રતિપદાને દિવસે સ્વામીએ વાત કરી જે,
(1) ભજનમાં સુખ છે તેવું રાજ્યમાં સુખ નથી. તે સુખ પામ્યાનો ઉપાય તો એકાંતિકનો પ્રસંગ છે; તે વિના બીજો કોઈ ઉપાય નથી ને આદર મોટો કર્યો પણ જીવને ભીખવાનો સ્વભાવ તે ભીખ્યા વિના રહેવાય નહિ. તે રાજાએ વાઘરણને પટરાણી કરી, પણ દૂબળી થઈ ગઈ પછી વૈદને નાડ બતાવી. તો કહે, ‘રોગ નથી.’ પછી તેણે લક્ષણા કરી જે, ‘આને તો ભીખવાનો જાતિ સ્વભાવ છે, માટે એક ઓરડામાં દશ બાર ગોખલામાં રોટલાના ટુકડા મૂકવા ને દાતણની ઝોળી ખીંટીએ ટાંગી રાખવી ને સૌએ નીકળી જાવું ને તેને એકલી રહેવા દેવી.’ પછી તે બાઈએ દાતણની ઝોળી ખંભે ટીંગાડીને ગોખલે જઈ, દાતણ મૂકીને બોલે જે, ‘લો, મહાલક્ષ્મી દાતણ !’ એમ કહીને રોટલાનો કટકો ઉપાડી લે ને દાતણ મૂકે. એમ બધે ગોખલે બોલે ને કટકા લઈ લે તે ખાઈને પંદર દિવસમાં પબેડા જેવી થઈ ગઈ. તે શું? તો, જીવને એ જાતનો દેહ સુખરૂપ મનાણો છે, તે ભીખવાના હેવા પડ્યા ! તેમ જ ઇન્દ્રિયું વતે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધની ભીખ માગે છે. એમ જીવ પંચવિષયમાં હાંકોહાંક મંડ્યા છે તે અમદાવાદમાં ગામડાના હરિજનોએ સાધુને કહ્યું જે, ‘સ્વામી તમારો વારો અમારે ગામ આવ્યો તે ચાલો અમારે ગામ વાતું કરવા.’ ત્યારે સાધુ કહે, ‘હમણાં આંહીં રસોઈ ચાલે છે, માટે રાણ્ય (રાયણ) ટાણે આવશું.’ બીજા કહે, ‘કેરી ટાણે આવશું.’ એવા હોય તે વિષયનું ખંડન શું કરે ને હરિજનોને વાતું કરીને શું સમાસ કરે ?
(2) જેમ ધ્રુવપાંખડી તે ધ્રુવ સામી રહે છે તેમ વિષય ઉપર સૌનાં તાન છે. દેશવાસના ઉપર વાત કરી જે, ભેંશ ચાર વરસે પાછી આવી ને ઝાડીમાં દશમોડ થઈ ગઈ તે વાત કરી જે, રાજાએ ગીરમાં જુવાન માણસોને સાથે લીધાં ને કહ્યું કે, ‘કોઈ ઘરડાને ભેળો લેશો નહિ.’ પણ એક જણને બાપનાં દર્શન કરી જમવાનું નિયમ હતું તેથી તેણે વાહર માટે જાયગા રાખી પેટીમાં ઘરડાને લીધો ને રાજા સાથે ગીરમાં ગયો. ગીરમાં જાતાં રસ્તામાં બધાને દશમોડ થઈ ગઈ ને રસ્તો સૂઝે નહિ. પછી એક જણે કહ્યું કે, ‘સાહેબ, ઘરડો ભેળો હોત તો રસ્તો બતાવત; પણ બધા નાના જુવાનિયા લીધા, તેમને શું ખબર પડે ?’ પછી રાજા કહે, ‘ભેળો ઘરડો હોત તો સારું!’ પછી ઘરડાનો દીકરો બોલ્યો જે, ‘સાહેબ મારે બાપનું દર્શન કરી જમવાનું નિયમ છે, તેથી પેટીમાં તમારાથી છાના રાખેલ છે તો આપ આજ્ઞા કરો તો બહાર કાઢું.’ પછી કહે, ‘બહુ સારું.’ એટલે ઘરડાને રાજા પાસે લાવ્યા. રાજા કહે, ‘દશમોડ થઈ ગઈ છે તે કેમ કરવું ?’ ત્યારે ઘરડો કહે, ‘આમાં કોઈ ઘોડી વિયાણી હોય તેને છૂટી મૂકો, પછી જે ઘોડીનું વછેરું ઘેર હતું તેને છૂટી મેલી. પછી કહે, ‘ઘોડી વાંસે સૌ ચાલો.’ પછી ચાલ્યા તે ગામનો મારગ જડ્યો. એક ગુજરાતના સાધુ ધોલેરે આવ્યા તેને ચાર મહિના સુધી ગુજરાતનાં ઝાડવાં સ્વપ્નમાં આવ્યાં.
ધ્રુવપાંખડી : હોકાયંત્રનો કાંટો.
તાન : લગની, આગ્રહ, મસ્તી.
દશમોડ : દિશાચૂક, ભૂલા પડવું.
વાહર : પવન, હવા, હવા ખાવી.
કરો : ઘરની દિવાલ.
વાંસે : પાછળ.
(3) જ્યાં જ્યાં જીવને આસક્તિ હોય ત્યાં ત્યાં જઈને ઊભો રહે. માટે ભગવાનમાં આસક્તિ કરવી ને આ સાધુમાં કરવી તો જ શાંતિ રહેશે ને બીજે આસક્તિ બાંધશું તો દુ:ખ થાશે માટે ક્યાંય આસક્તિ ન બાંધવી ને આ લોકમાં જીવને ચારે કોરે બંધન છે.
આસક્તિ : મોહ, અતિશય સ્નેહ, લગની.
(4) કથીરને સાટે જો કોઈ સોનું દે તો તુરત લે, તેમ આ દેહ ને લોક તે કથીર જેવા છે ને ભગવાન ને આ સાધુ સોના જેવા છે. તો પણ જો જરાક વિષયનું ખંડન થાય તો ભગવાનને પણ પડ્યા મૂકે. તે ગુજરાતીને આંબલી ન મળી, એટલે મહારાજનો સમાગમ હતો તો પણ ચાલી નીકળ્યા.
સાટે : બદલેઅવેજમાં.
કથીર : હલકી-તુચ્છ વસ્તુ.
(5) કેરિયાના ભગુ પટેલને સ્વામીએ કહ્યું જે, ‘ચાલો વરતાલ.’ ત્યારે કહે જે, ‘મને રસોઈ કરવાનો તાલ બને નહિ ને વાંધો આવે.’ પછી વાસુદેવાનંદ બ્રહ્મચારીને કહ્યું જે, ‘તમે પટેલને રાંધી જમાડશો ?’ ત્યારે કહે, ‘હા.’ પછી કહે, ‘મને ઊનું પાણી જોશે.’ ત્યારે બ્રહ્મચારી કહે, ‘ઊનું પાણી કરી આપીશ.’ એટલું બધું ગળામાં લીધું, તો ય કહે, ‘વાંસેથી આવીશ.’ પછી કોઈક આવ્યો તેને સાથી રાખ્યો, પણ તે ચોર હતો. પછી ચોરને રાખ્યાનું તહોમત માથે આવ્યું, તેથી અમદાવાદની કોર્ટમાં જવાબ દેવા જાવું પડ્યું ને ત્યાં રહેવું પડ્યું, પછી અમારી પાસે આવ્યા ત્યારે અમે પૂછ્યું, ‘પટેલ, તમે ક્યાંથી ?’ તો કહે, ‘આમ થયું.’ પછી અમે કહ્યું, ‘ત્યાં ઊના પાણીનો તાલ કેવોક આવ્યો ?’ તો કહે, ‘મહારાજ ! ત્યાં ઊનું પાણી કેવું ?’ ત્યારે અમે કહ્યું, ‘અમારા ભેગા તેટલા સારુ લાવતા હતા; જો આવ્યા હોત તો દુ:ખ ન આવત.’ એમ જીવ કર્મવશ થઈને હેરાન થાય છે પણ મોટા કહે તેમ કરે નહિ.
તાલ : સ્વાદમાં વધારો.
તહોમત : આરોપ, આળ.
(6) આહાર શુદ્ધ હોય તો બુદ્ધિ સારી રહે ને અશુદ્ધ હોય તો બગડી જાય. એક જણે એક ઋષિને કહ્યું જે, ‘મારા શત્રુ મરે એવા મંત્ર જપો ને યજ્ઞ કરાવો.’ પછી તેણે કહ્યું જે, ‘મારો ભાઈ કરાવશે.’ એટલે તેણે પૂછ્યું જે, ‘એ કેમ કરાવશે ને તમે નહિ ?’ તો કહે જે, ‘એણે ભૂંડી ભોંનું ફળ ખાધું છે, તેથી તેની બુદ્ધિ બગડી ગઈ છે, એટલે તે તો યજ્ઞ કરાવશે. હું નહિ કરાવું; કેમ કે, મારી બુદ્ધિ બગડી નથી.’
(7) થાણાગાલોળને પાદર રામપ્રતાપભાઈએ રસોઈ કરી, ત્યાં કાગડે હાડકું પડતું મેલ્યું ને રસોઈ અભડાવી. એમ ત્રણ ચાર ઠેકાણાં ફેરવી રસોઈ કરી ને બધી વાર રસોઈ અભડાવી પછી ભાઈએ કોઈને પૂછ્યું જે, ‘આંહીં કોઈ રહેતું હતું ?’ તો કહે, ‘આરબનું થાણું હતું.’ તો કહે, ‘આ ઠેકાણે બહુ પાપ થયું હશે.’ પછી ત્યાં રસોઈ ન કરી. એમ ભૂંડી ભોં હોય તેનો ભાવ ભજવે.
(8) મંદિરનો વહેવાર હોય ને ક્રિયા પણ હોય. તે શું ? તો, ઢોરાં ચાર્યાં જોઈએ, પાણા કાઢ્યા જોઈએ, રોટલા પણ ઘડ્યા જોઈએ, એમ સર્વે ક્રિયા કરવી તે તો જેમ આલંબન હોય તેમ એ સર્વે ક્રિયા ભજનની પુષ્ટિને અર્થે છે ને કરવાનું તો એકાંતે બેસીને ભગવાનને સંભારવા. ને આ વહેવાર છે તે આચાર્ય, સાધુ, બ્રહ્મચારી, પાર્ષદ કે હરિજન કોઈને ઇન્દ્રિયું લડાવવા સારુ નથી અને જે સત્સંગના વહેવારે ઇન્દ્રિયુંને લડાવશે તેનાથી જરૂર સત્સંગમાં નહિ રહેવાય ને દેહ ને જીવ બેયનું ભૂંડું થાશે. આ જીવને તો ખાવું, સૂવું ને કોઈની નિંદા કરવી, એ જ ગમે છે. પણ એટલું વિચારતો નથી જે, જ્યારે સત્સંગમાં આવ્યા, ને ભગવાનનું ગમતું ન થયું ત્યારે શું કમાણા ? ને બંદૂકુંના સો ભડાકા કર્યા ને વેજું ન પડ્યું; ખેતી કરી, વેપાર કર્યો ને ચાકરી કરી ને રૂપિયા ન પાક્યા, તે વાત અલેખે ગઈ. તેમ જ સત્સંગ કરવા આવ્યા ને તે ન થયું, ત્યારે આવ્યા તે ન આવ્યા. એકાંતમાં બેસી રહેતો હોય ને મહાત્યાગી હોય, પણ જો બીજા ઉપર કટાક્ષ રાખતો હોય તો તે મહારાજને ન ગમે ને જે કોઈ ભગવાન પામવાને અર્થે કાંઈક સેવા કરે ને ભગવાનના ભક્તની મન, કર્મ, વચને સેવા કરે તે ઉપર મહારાજનો રાજીપો છે. તે ઉપર મધ્યનું 28મું વચનામૃત વંચાવ્યું.
પાણા : પથ્થર.
આલંબન : આધાર, ટેકો.
પાર્ષદ : શ્રીજીમહારાજના સેવક
(9) એક શેર અન્ન ખાવું ને હાયવોય કરી, રળી, ભેગું કરી મરી જાવું છે. રૂપિયા મળ્યા કે સોનાં-રૂપાં મળ્યાં તે તો દાટવાં છે, પણ કોઈ સોનાની કે રૂપાંની કઢી કરતું નથી.
(10) ઇન્દ્રિયુંને લાડ લડાવશે કે, દેહાભિમાન વધારશે તેને કોઈક ટોકશે ત્યારે તેનો અવગુણ આવશે.
(11) જીવ નવરો હોય ત્યારે કોઈકનું આઘુંપાછું બોલે કે, કોઈની નિંદા કરે. પછી તે દહાડે દહાડે બગડતો જાય માટે એ મારગે કોઈએ ચાલવું નહિ ને જે કરવા આવ્યા તે વાત થઈ નહિ ત્યારે તે ડાહ્યો નહિ.
(12) રાતે વાળુ કરવાનો ચાલ થાતો જાય છે ને થઈ ગયો છે તે પણ ઠીક નથી. વળી દિવસે ઊંઘવા માંડ્યું છે, તે બે વચનામૃત વાંચી તરત પથારી કેટલેક ઠેકાણે થાય છે ને હરિજનને કહે છે કે, ‘તમે પણ સૂઈ જાઓ.’ એવા સ્વભાવનું કોઈક કહે ત્યારે તેને બે ‘હાઉ’ કહે.
વાળુ : સાંજ પછીનું ભોજન.
સંવત 1919ના અષાઢ સુદિ દ્વિતીયાને દિવસે સ્વામીએ વાત કરી જે,
(13) મુંબઈમાં ભણસાળીના છોકરાનું ફુલેકું ચડ્યું ને હેઠે લઘુ કરવા ઊતર્યો ને સાપ કરડ્યો તે ત્યાં જ મરી ગયો; તે રાગ ફર્યો. તેમ સો સો ગાઉ હૂંડી ચાલતી હોય, પણ આંખો મીંચાણી ત્યારે શું કામ આવે ? મારીને જમ લઈ જાય, માટે આ લોકના ઠરાવ સર્વે ખોટા છે.
ફુલેકું : હિંદુઓમાં ક્ધયાના લગ્ન દિવસ પૂર્વે ગામમાં ફેરવવામાં આવતું સરઘસ.
ગાઉ : અંતરનું એક પરિમાણ, દોઢ માઈલ, અઢી કિલોમીટર.
હૂંડી : એક શાહુકારની બીજા શાહુકાર પર, નાણાં ચૂકવવા માટેનો આદેશ કે ચિઠ્ઠી.
(14) ભગવાન ભજવા મંદિરમાં આવવું, એકાંતિક સંતનો સમાગમ કરવો, માળા ફેરવવી ને માનસી પૂજા કરવી એ ઠરાવ સાચા છે.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
(15) શરીરમાં કેટલાંક દુ:ખ ને રોગ તે ટાળવા, જેટલાં ઓષડ હોય તેટલાં બધાં કરે, પણ પરમેશ્ર્વરનું કૃત હોય તો મટે, નહિ તો ઓષડ કર્યે પણ મરી જાય છે ને કાં તો રોગ વધતો જાય, ક્રિયમાણનું હોય ને તેને લગતું થાય તો મટે; પણ પ્રારબ્ધનું હોય તો ભગવાન મટાડે તો જ મટે. જેમ રાજાનો મોસલ રૈયતથી ઊઠે નહિ તેમ.
(16) જેટલા કંસારા, જેટલા સોની, જેટલા વાંઝા એ કોઈના જીવને શાંતિ નથી ને નામાનો પાર આવે નહિ ને કેટલાકને સીમાડાનો પાર આવ્યો નહિ ને કેટલાકને રોગનો પાર આવ્યો નહિ. આ બેઠા છે તેમાં એક એક રોગ સૌને હશે, ને આ હરિદર્શનાનંદ વૈદ છે તે પણ ‘ખોં, ખોં’ કરે છે.
વાંઝા : વણકર.
(17) ઇન્દ્ર અને ચંદ્ર સંપ્યા. તે ચંદ્ર કૂકડો થઈને બોલ્યો, એટલે ગૌતમ ઋષિ નહાવા ગયા ને ઇન્દ્ર મીંદડો થઈ ઘરમાં પેઠો. ઋષિ નદીએ ગયા, ત્યાં જળદેવ કહે કે, ‘હજી અરધી રાત છે.’ પછી ઋષિ પાછા ઘેર આવ્યા, ત્યાં તો સર્વે તોફાન દીઠું. ઇન્દ્રને શાપ દીધો જે, ‘સહસ્ત્ર ભગ થાઓ!’ એથી આખે શરીરે વિસ્ફુટકનાં ભગ થયાં, તે રુધિર પાચ વહ્યા કરે. તે સુખ લેવા ગયો, પણ પારાવાર દુ:ખ પામ્યો, રાજગાદીએ બેસાણું નહિ ને ઠંડક સારુ બગીચામાં પડ્યો રહેતો; ને કૂકડાને મૃગચર્મ માર્યું તે ચંદ્રમામાં કાળપ થઈ, ને અહલ્યાને કહે, ‘તું પથરો થા.’
ભગ : કાણાં, ભગંદરના રોગમાં થાય.
(18) આ દેહનો તો એક ઘડીનો નિરધાર નથી તે ક્ષણમાત્રમાં પડી જાશે.
સંવત 1919ના અષાઢ સુદિ તૃતીયાને દિવસે સ્વામીએ વાત કરી જે,
(19)
પ્રભુતા પાય વિમુખ જ્યું હોઈ, વિશ્ર્વ અમંગળ કર્તા સોઈ.
તે જય વિજયે બહુ ભૂંડું કર્યુ, ને અલૈયાખાચરને મહારાજનો અભાવ આવ્યો તે હજાર મનુષ્યને પાછાં પાડ્યાં. નિર્વિકલ્પાનંદે દીનાનાથ ભટ્ટને વિમુખ કર્યા ને હજારો બ્રાહ્મણોને સત્સંગી થાતાં અળસાવ્યા. ‘શિક્ષાપત્રી’માં મયારામ ભટ્ટ મુખ્ય લખ્યા તે દીનાનાથ ભટ્ટને ઈર્ષા થઈ ને મયારામ ભટ્ટનો અભાવ આવ્યો. પછી દીનાનાથ ભટ્ટની દીકરીને ભૂત વળગ્યું તે મહારાજ પાસે આવ્યા. મહારાજ કહે, ‘તમે દેવ, બ્રાહ્મણ ને તમારે ત્યાં ભૂત હોય ?’ ભટ્ટ કહે, ‘કૃપાનાથ, હું અનાથ કહેવાઉં !’ પછી કહે, ‘જાઓ મયારામ ભટ્ટ કાઢશે.’ પછી ભટ્ટે કાઢ્યું. માટે ભગવદીના અવગુણે કરીને એવું થાય.
(20) પંચવિષયના કજિયા ઘરોઘર છે, માટે મોટેરા હોય તેને પંચવિષય ન પીડતા હોય તો પણ વિષય ન ભોગવવા.
(21) જીવમાત્ર પોતાના ડહાપણમાં ગૂંચાઈ ગયા છે ને ભીંતસોંસરું તો સૂઝતું નથી ને જાણે જે, હું જેવો કોઈ નથી ને અનંત કોટિ બ્રહ્માંડને કરતલવત્ દેખે છે, તે તો પૂછે છે જે, ‘આ કામ આપણે કેમ કરશું ?’ ને જીવને અહંકાર જે હું જેવો કોઈ નથી, માટે નિર્માની થઈને કેવળ પ્રભુને ભજવા.
કોટિ : કરોડ.
(22) અહંમમત્વ આવ્યો ત્યારે પક્ષે કરીને દ્રોહ થાય; માટે દેહ, લોક, ભોગ ને પક્ષ એ ચાર ઘાંટી છે ને ડાહ્યા હોય તેણે વિચારવું જે આવ્યા છીએ શું કામે ? ને શું થાય છે ? વિચાર વિના તો ક્યાંય ચડી જાવાય છે અને સહેજે સ્વભાવે તો હોય પણ અતિ વેગે જેનું ચિંતવન થાવા માંડે ત્યારે જેમ જડભરતને મૃગલું થાવું પડ્યું તેમ થાવાય. માટે આત્યંતિક કલ્યાણ પામવું હોય તેણે આ સાધુનું માનવું ને કોઈનો વાદ ન લેવો.
દ્રોહ : મનથી, વાણીથી કે કર્મથી જાણી જોઈને કરેલ દોષ, ગુનો, પાપ કે અપરાધ
(23) ધર્મ રાખવો ને પળાવવો તે તો મોટેરામાં જેવું દૈવત હોય તેવું પ્રવર્તે.
દૈવત : દિવ્ય તેજ, શક્તિ.
(24) વિચારીને જોયું જે, મોક્ષને મારગે ચાલે તેને બહુ વિઘ્ન છે, તે માયિક જીવ ક્યાંયના ક્યાંય બંધાઈ જાય છે તે જ્યારે બહુ અહંમમત્વ આવે ત્યારે શાસ્ત્ર પણ કામ નથી આવતું ને કોઈનું મનાતું પણ નથી.
(25) હવે કાં તો આપણા જીવને સુધારો, કાં બગાડો ! એ બે વાતું રહી છે તે જેને ભગવાનના વચન સામી દૃષ્ટિ હશે તેનું સુધરશે ને બીજાનું બગડશે.
(26) હનુમાનજીએ માળાના પારામાં રામનામ ન ભાળ્યું તેથી મણકા દાંતેથી તોડી નાખ્યા. તે શું ? જે, ભગવાનના સંબંધ વિના કે આજ્ઞા વિના જે પદાર્થ હોય તે ભાંગી નાખવા જોઈએ.
(27) ત્યાગી થયો ને અંતરમાં શાંતિ ન થઈ કે ટાઢું ન થયું, ત્યારે શું કમાણા? ત્યાગી થયા ને ગૃહસ્થ કરતાં પણ ભારે પદાર્થ રાખ્યા તે ત્યાગી નહિ પણ રાગી, માટે રાગીનો મારગ જુદો છે. ત્યાગીમાં સુખ હોય તે રાગીમાં ન હોય ને રાગીમાં હોય તે ત્યાગીમાં ન હોય; માટે વિચાર નહિ હોય તો ધારો બગડી જાશે ને પદાર્થ વડે સુખ મનાશે, ને અર્થી દોષાન્ ન પશ્યતિ । અર્થ:- લાલચુ માણસ વિષયોના દોષને જોતો નથી. એમ આચાર્ય કે એવા ગૃહસ્થ મહોબતે નહિ કહે. તે ભગવદાનંદસ્વામીને બે ગાડાં ને દહરાનંદસ્વામીને એક ગાડું પુસ્તક હતાં, પણ અંતરે સુખ કે શાંતિ ન થઈ; માટે પુસ્તકે કે ચેલે કરીને સુખ થાય નહિ. આ મંદિર ને પદાર્થ છે તે તત્ત્વજિજ્ઞાસાને અર્થે છે પણ તે જ પ્રધાનપણે થઈ ગયાં; ત્યારે ભગવાન કેમ રાજી થાશે ?
ધારો : રીતિરિવાજ, પ્રથા, પદ્ધતિ.
(28) મહારાજ કેવા છે ? તો અક્ષરમુક્તને પણ જેવા છે તેવા જાણવા દુર્લભ છે તો વેદને દુર્લભ હોય તેમાં શું ? પણ નરનારાયણ, ગોપીનાથજી કે રાધાકૃષ્ણ જે દેવ છે તેની જ ઉપાસના થઈ ગઈ છે ને તેનું જ પ્રધાનપણું; પણ જેને મહારાજની નિષ્ઠા છે, તેને દેવ પ્રધાન ન જ થાય. અહો ! સર્વોપરી મહારાજ આપણા સુખને માટે આપણા જેવા થઈ જેવા તેવાને પગે લાગ્યા, જેના તેના ઘરમાં બેઠા ને અન્નજળ ગ્રહણ કર્યું, તે કેવળ દયા ! ને શાસ્ત્ર ને દેવને નભાવવા કે પરોક્ષ ભક્તને પણ ગુણ રહે; પણ પોતાનું તાન તો પોતાની મંગળ મૂર્તિમાં જ વળગાડવાનું છે. બીજા સાથે અભેદપણે કહે છે, તે તો બીજાને સદે તે માટે છે. પોતાના સ્વરૂપનો મહિમા ‘વચનામૃત’ પ્રમાણે સમજાય તો કોઈનો ભાર રહે નહિ; પણ મહોબત રહે છે તેથી મનાતું નથી. ને હાલ તો ભગવાન ને સાધુ સોંઘા છે તે પર્વતભાઈ ને તેનો દીકરો મેઘો ચાલ્યા આવતા હતા ને મહારાજ ગાડે બેઠા હતા. તે મેઘો ચડવા જાય ને મહારાજ ગમ્મત કરવા ન બેસવા દે. પછી મેઘો ખીજાણો તે મહારાજના અંગૂઠાને બચકું ભર્યું. કહો, કેવા ભગવાન સોંઘા ને દયાળુ ?
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
નિષ્ઠા : શ્રદ્ધા, આસ્થા, વિશ્ર્વાસ, ધારણા.
તાન : લગની, આગ્રહ, મસ્તી.
સોંઘા : સસ્તા, સો સો જન્મના પુરુષાર્થે પણ ન મળે એવા ભગવાન આજ મફતમાં સામે ચાલીને મળ્યા છે.
(29) વાલો પટેલ ત્યાગી થયા ત્યારે મહીકાંઠો ધમધમી ઊઠ્યો. તેનું નામ વિરક્તાનંદ પાડ્યું હતું અને ગઢડાના મહંત કર્યા હતા, પણ કૃપાનંદસ્વામીનો દ્રોહ કર્યો તે ગાંડા થઈ ગયા ને સ્થિતિ બહુ બગડી ગઈ; એમ મોટાના અપરાધનું પાપ લાગે છે. પછી મહારાજે તેમનાં મા-બાપને તેડવા બોલાવ્યાં ને પાછા ઘેર મોકલ્યા.
દ્રોહ : મનથી, વાણીથી કે કર્મથી જાણી જોઈને કરેલ દોષ, ગુનો, પાપ કે અપરાધ
(30) ભગવાનનો મહિમા વિચારીએ ત્યારે આ જગત પણ નજરમાં ન આવે, ત્યારે પદાર્થ તે શું નજરમાં આવે ?
(31) ધર્માદિક જે છે તેમાં જો ભક્તિ ન હોય તો અભદ્ર છે. ને આ પ્રગટ ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ એ જ ભદ્ર છે ને બીજે મોક્ષ ક્યાં છે? તે ખાજાનો ભૂકો ખાય, તેમ મોક્ષ તો આજે શ્રી સ્વામિનારાયણના ઘેર છે.
અભદ્ર : અશુભ, અમંગળ, ખરાબ.
આત્મબુદ્ધિ : પોતાપણાની ભાવના, 'દેહ તે હું નહિ પણ આત્મા છું' એવી બુદ્ધિ.
બપોરે વાત કરી જે,
(32) જ્ઞાન વિના તો આંધળા કહેવાય. જ્ઞાન થાય ત્યારે તો કરકાના કીડા જેવું જણાય. માટે એક ભગવાન ભજવાનું જ તાન રાખવું ને મંદિર કરવાં, મહારુદ્ર કરવા તે સર્વે ભગવાન ભજાવવાનું તાન છે.
તાન : લગની, આગ્રહ, મસ્તી.
(33) ડોશીઓ મહારાજ સારુ થાળ કરતાં; પણ પોતે તો બાવીસ વરસ સુધી કાંઈ ખાધું નહિ ને લૂગડાં પણ જેવાં તેવાં પહેર્યાં અને જ્યારે ધર્મકુળ આવ્યેથી થાળ કરવો બંધ થયો, ત્યારે બીજી વાત થઈ ! તે શું ? જે, જેની આગળ ઊંચે સાદે બોલાય નહિ તેને વેણ માર્યાં.
(34) કૃપાનંદસ્વામી કહેતા જે, ‘ભગવાનનાં તો દર્શન કરવાં ને વાતું તો સાધુની સાંભળવી; ને ભેળું રહેવું ને ભાવ એવો ને એવો રહેવો એ તો બહુ મોટી ઘાંટી છે.’ જેટલું ‘ધર્મામૃત’ લોપાય છે તે બધું જાણે છે. ‘નાગો બાવો સો ઘોડે લુંટાય નહિ’; તેમ જેને નિયમ-ધર્મ નથી તેનું શું બગડે ? જેની પાસે કાંઈ માલ છે તેને જ બીક છે.
(જુઓ પ્રકરણ 13 ની વાત 25)
ઘોડે : જેમ.
સંવત 1919ના અષાઢ સુદિ ચતુર્થીને દિવસે સ્વામીએ વાત કરી જે,
(35) કલ્પના રહે છે ને અપૂર્ણપણું રહે છે તે અજ્ઞાન છે. કેમ જે, સ્ત્રી તો ભોગવાય નહિ ને દ્રવ્યને તો અડાય નહિ ને સારું સારું ખવાય નહિ ને લૂગડું તો વધુ રખાય નહિ; તે બધું નિયમ લોપે તો થાય, પણ મંદિરમાં રહેશે તેને તો જેમ લખ્યું છે તેમ પાળશે ત્યારે જ સુખ થાશે; માટે અમથી અમથી કલ્પના કરવી નહિ. અમારે તો ઝાઝા માણસનું દુ:ખ ટાળવું ને જેમ ઘટે તેમ લૂગડાં, ખાવાનું, પુસ્તક તે છે. ને મનની કલ્પના તો મોટા મોટા અવતાર કહેવાણા છે તેમની પણ પૂરી થઈ નથી ને આજ તો પ્રગટ ભગવાન ને તેમના પ્રગટ સાધુના સંબંધવાળો એક જ ગ્ંરથ વાંચો ને સમજો ને જો કલ્યાણમાં અધૂરું રહે તો તેના અમે જમાન છીએ. આ વાત કરીએ છીએ તે અજ્ઞાન ટાળવા સારુ છે; તે અજ્ઞાન ને કલ્પના આત્મદર્શને કરીને પણ ટળે એમ નથી ને ઊર્ધ્વવીર્યવાળાને પણ ન ટળે, તે તો આ પ્રગટ સાધુ સમાગમે ટળે ને અમારે બે વાતનો આગ્રહ હતો; એક તો સત્સંગ કરાવવાનો ને બીજું આ મંદિરમાં સારાં સારાં મનુષ્ય કરવાં. એ બે વાત પૂરી થઈ અને હવે એક વાતનો આગ્રહ છે જે, આ બધાને અમારા જેવા સાધુ કરવા. અનુવૃત્તિ પાળનારા ને સદ્ભાવવાળા ખાટી જાશે.
જમાન : જામીન.
અનુવૃત્તિ : મરજી.
(36) આ તો દુ:ખ નથી ને દુ:ખ ઊભાં કરવાં ! તે ત્રણ રૂપિયાની પત્રાવળી ખાઈને રોગ ઊભો કરવો, એ સર્વે અણસરજી પીડા છે. આ લોકમાં બધું મનગમતું કોઈનું ન થાય ને એની કલ્પના કર્યે કેમ પાર આવે ?
(37) રામોદના આયર પૂંજો ભક્ત પ્રથમ કુંકાવાવમાં રહેતા. ત્યાં દરબારના મહેતાએ આવીને કહ્યું જે, ‘સ્વામિનારાયણ નામ ન લેવું ને કંઠી કાઢી નાખો તો આંહીં રહેવું; નીકર નહિ.’ ત્યારે પૂંજો ભક્ત કહે, ‘આ ચાલ્યા.’ તે ગામ મૂકી રામોદ ગયા. ત્યાં બસેં માણસને પ્રભુ ભજાવતા ને વાતું કરી સુખિયા રાખતા ને રઘુવીરજી મહારાજ વતે આખો સત્સંગ સુખી હતો, ને વળી નાના બાળક ! તે બીજા પચાસ વરસ રહે તેમ હતું પણ ભગવાનની મરજી તે ધામમાં લઈ ગયા ! ને ઓણુંકો મંદવાડ તો કોઈનો મટ્યો જ નથી ને હવે તો રહેવાની મેડીઓ ને બે ટાણાં જમવાનું છે, તેની ના નથી કહેવાતી; જે એક ટાણું ખાય છે તેને તો બીજા પરાણે કહે તોય નથી ખાતા. ને માંદા સારુ ખીચડી થાય છે તેમાં સાજા ભળે છે, તે પ્રથમ છાનામાના ને પછી સૌ દેખે તેમ પત્તર લે છે. તે આપણે તો મંદિરની ક્રિયા કરવાની છે, તે અવસ્થાને લઈ ભૂખ લાગે, તેથી કારખાનાવાળાને મહારાજે છૂટ આપી છે. હવે તેમાં દુ:ખ શું છે ? તો પણ દુ:ખિયા રહે છે ને તેમાં કેટલાંક અંતરનાં દુ:ખ છે; તેમાં માન ઈર્ષ્યાનું હોય તે ટાળવું ને આજ્ઞા બહાર સંકલ્પ કરવા તે કોઈ કાળે સત્સંગમાં બનશે નહિ. એવી કલ્પના તો ‘કરાની ધાણી શેક્યા જેવી ને વંધ્યા સુતના જેવી છે.’ ચેલો બધુંય કરે એવી લાલચ રાખશો મા. ને વહેવાર ચલાવવો હોય તો સાસુ-વહુ ને બાપ-દીકરો ને ગુરુ-ચેલો એમ કરે ત્યારે પાંસરું ચાલે. દેહાભિમાન હોય તો પણ તેમ કરે તો દેહનો વહેવાર ત્યાગીમાં ચાલે.
(38) સાધુને ધન ને સ્ત્રી બેયના ત્યાગનું નિયમ છે તે વાત કેમ બનશે? પછી વિષ્ણુવલ્લભદાસજીએ પૂછ્યું જે, ‘કલ્પના કેમ મટે ?’ ત્યારે કહે, ‘જેની કલ્પના ટળી હોય તેની સાથે જીવ જોડે ને અનુવૃત્તિ પાળે તો કલ્પના ટળે.’ ને આજ્ઞામાં જે જે પદાર્થ માગો તે તે આપીએ ને આજ્ઞા બહાર તો આંહીં થાશે નહિ ને જણ જણ પ્રત્યે પુસ્તક તો વધારે હોય તો અપાય અને અમે સંકલ્પ કર્યો છે કે જણ જણ પ્રત્યે ‘વચનામૃત’નું પુસ્તક થાશે. અત્યારે તો મંદિરમાં આખી પ્રત છે ને મંડળ દીઠ અમુક અમુક લખાવી આપી છે, પણ હાલ ઝાઝું ન બને. જેટલી આજ્ઞા લોપાતી હશે તેટલું હૈયામાં દુ:ખ હશે ને તાવ આવે ત્યારે દેહ બળે, ને આજ્ઞા બહાર કલ્પના થાય છે તેથી છાતી બળે. મોરે અમારું મંડળ બાંધ્યું તેમાંથી અમારે કેટલુંય સહન કરવું પડ્યું હતું. ને દાદાખાચરને ગોપાળાનંદસ્વામીએ એકાંતે તેડીને કહ્યું જે, ‘છોકરામાં પ્રીતિ રાખશો નહિ;’ પણ તેમ ન કર્યું તેમાંથી દુ:ખ થયું.
અનુવૃત્તિ : મરજી.
પાળે : સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જાતનો સેવક/પાર્ષદ.
મોરે : અગાઉ
(39) જમવાની કાચલી ઘસીને સારી કરી ત્યારે કહે, ‘તાલ કર્યો,’ પછી બાળી નાખી પણ જીવને વિષયનું ખંડન તો ગમતું નથી ને જેમ મહુડાં પડે તેમ હૈયામાં ટપટપ સંકલ્પ થયા કરે છે જે, આ ખાઉં, આ ખાઉં, આ જોઈએ, તે જોઈએ એવી ક્લ્પના થયા કરે છે, માટે અહોરાત્રિ જ્ઞાન કહેવું ને સાંભળવું ને સાધુ સમાગમ કરવો તો સર્વે દોષ ઘાસી જાય. ને પછી મર કાચા જ મરી જઈશું, તો પણ જડભરતની પેઠે સ્મૃતિ ઝાલશે ને કીર્તન શીખ્યા હઈશું તો ભૂલી જવાશે, પણ આવું જ્ઞાન હૈયામાં બેઠું તે જાશે નહિ.
કાચલી : નાળિયેરનું ભાંગેલું કોચલું.
મર : ભલે.
(40) ‘જ્ઞાની હોય તે દુ:ખિયો થાય ને અજ્ઞાની સુખિયો થાય,’ એવો વાસુદેવચરણદાસે મત લીધો તે ઉપર અમે કહ્યું જે, ‘આ ધર્મશાળા કરી હશે ત્યારે સુખ થયું હશે કે દુ:ખ ? ને વળી રસોઈ કરવી તેમાં સુખ કેને ? કરવી તેમાં દુ:ખ. માટે સુખ તો જ્ઞાનમાં જ છે.’ વળી વાત કરી જે, ‘અપૂર્ણપણું ને કલ્પના તે તો જ્ઞાન હોય તો જ ટળે. લખ્યા ઉપરવટ કહેતાં આજ્ઞા બહાર ઘાટ કરવા તે તો અવળું કર્યા જેવી વાત છે ને આજ્ઞામાં જેટલા પદાર્થ અધૂરાં હોય તે લાવો પૂરાં કરી દઈએ ને આજ્ઞા બહારલું તો કાંઈ ન થાય. માટે કલ્પના ને અપૂર્ણતા તો મૂકી દેવી.’
ઘાટ : માયિક સુખ ભોગવવાનો સંકલ્પ, વિકારનો સંકલ્પ.
(41) કામાદિક અગિયાર વાનાં છે, તે જીવમાં કાંટા છે; તે કાંટા કાઢ્યા વિના જીવ સુખિયો થાનારો નથી.
વાનાં : વસ્તુઓ. (બ.વ.)
(42) જ્ઞાન વિના હૈયામાં શાંતિ ન રહે, ને બધું બરાબર જોઈએ એ પણ અણસરજી પીડા છે. કેટલાકને ગાડું ગાડું પુસ્તક હતાં ને વળી કેડે દાડા થયા.
પ્રકરણ 10 ની વાત 82
કેડે : પાછળ.
(43) બીજી વાત કરી જે, આચાર્ય મહારાજ પધરામણીએ જાય છે ત્યારે કેટલીક પધરામણી આવી, એવું પૂછ્યાનું આપણે શું કામ છે ? માટે એવાં દુ:ખ આપણે વિચારી વિચારીને મૂકી દેવાં. બધો વહેવાર બરાબર હોય નહિ. હમણાં શેરડીનું ગાડું આવે ત્યારે સર્વેને વચલા કટકા ક્યાંથી મળે ? માટે દુ:ખમાત્ર અજ્ઞાનમાં છે ને સુખમાત્ર જ્ઞાનમાં છે.
(44) ભગવાનના સંત વિના કેવળ આત્મામાં પણ કોઈ માલ જાણશો મા ને ત્યાગમાં પણ માલ ન જાણવો; તે અશ્ર્વત્થામા અસુર કહેવાણો.
(45) વૈરાગ્ય હોય, ધર્મ હોય, ભક્તિ હોય તે બીજાને શીખવવું. તે ઝાડ હોય તે પણ પોતાની સુગંધી આપે ત્યારે સાધુ પોતાના ગુણ કેમ ન આપે? ને કેમ પ્રવર્તાવ્યા વિના રહે ? ને મરીને જેની ભેગું રહેવું તેની હારે હમણાં જીવતાં ન રહેવાય તે કેવું વિપરીત ? ને દેહ સાથે ને ઇન્દ્રિયું સાથે વેર નહિ ને આ સાધુ સાથે વેર ! માટે બેસવાની ડાળ કાપે એવો જીવ છે. ને અમારો રંતિદેવના જેવો સ્વભાવ છે, તે અમારે મર દુ:ખ થાય, પણ ભગવાનના ભક્તને સુખિયા કરવા; માટે અમારી ભેળા રહેતા હોય તેને તો સુખિયા કરવા છે.
મર : ભલે.
સંવત 1919ના અષાઢ સુદિ પંચમીને દિવસે સ્વામીએ વાત કરી જે,
(46) નિર્વિકલ્પપણે ભગવાનની મૂર્તિમાં રહેવા કરતાં આ વાતું સાંભળીને જ્ઞાન શીખવું, એ મહારાજનો મત છે.
તપન્તુ તાપૈ: પ્રપતન્તુ પર્વતાદટન્તુ તીર્થાનિ પઠન્તુ ચાગમાન્ ।
યજન્તુ યાગૈર્વિવિધં તુ યોગૈર્હરિં વિના નૈવ મૃત્યું તરન્તિ ।।
(સુભાષિત)
અર્થ :- ત્રિવિધ તાપ સહન કરો, પર્વતો પર તીર્થોમાં ફરો અને વેદોનો પાઠ કરો. અનેક પ્રકારે યાગો અને યોગો વડે યજન કરો પણ હરિ વગર મૃત્યને તરી શકતા નથી.
યત્રોત્તમશ્લોકગુણાનુવાદઃ પ્રસ્તૂયતે ગ્રામ્યકથાવિઘાતઃ ।
નિષેવ્યમાણોઽનુદિનં મુમુક્ષોર્મતિં સતીં યચ્છતિ વાસુદેવે ।।
(શ્રીમદ્ ભાગવત : 5/12/13)
અર્થ :- મહાપુરુષોના સમાજમાં, પવિત્ર કીર્તિ શ્રીહરિના ગુણોની વિષયવાર્તાઓને દૂર કરવાવાળી ચર્ચાતી હોય છે. એનું નિત્ય સેવન કરવાથી તે (ભગવત્ કથા) મોક્ષાકાંક્ષી પુરુષની શુદ્ધ બુદ્ધિને ભગવાન વાસુદેવની તરફ પ્રવૃત્ત કરી દે છે.
સતાં પ્રસઙ્ગાન્મમ વીર્યસંવિદો ભવન્તિ હૃત્કર્ણરસાયનાઃ કથાઃ ।
તજ્જોષણાદાશ્વપવર્ગવર્ત્મનિ શ્રદ્ધા રતિર્ભક્તિરનુક્રમિષ્યતિ ।।
(શ્રીમદ્ ભાગવત : 3/25/25)
અર્થ :- સત્પુરુષોના સમાગમથી મારા પરાક્રમોના યથાર્થ જ્ઞાન કરાવવાવાળી તથા હૃદય અને કાનોને પ્રિય લાગવાવાળી કથાઓ હતી. એના સેવન કરવાથી શીઘ્ર જ મોક્ષમાર્ગમાં શ્રદ્ધા, રતિ અને ભક્તિનો ક્રમશ: પ્રાદુર્ભાવ થઈ જાય છે.
માટે કહ્યા સાંભળ્યા વિના જ્ઞાન ન થાય.
અર્થ : ધન, સંપત્તિ.
કરો : ઘરની દિવાલ.
(47) પંચવિષય, દેહાભિમાન ને પક્ષ તેણે કરીને જેની સાથે જોડાવું છે, તેની સાથે તોડાય છે.
(48) મનના ધાર્યાનું તો કોઈનું પૂરું થયું નથી ને પોતાના દિલમાં જે કાંઈ દુ:ખ હોય તે મોટા પાસે કહેવું, ને સુખ પામવાની ઇચ્છા હોય તે પણ કોઈ મોટાને પૂછવું જે, ‘આ સુખ કેમ પમાય ?’
(49) જીવ તો એક ઠેકાણે રહે તો બંધાઈ જાય. સુખ ને દુ:ખનો વિચાર કરવો જે સુખ તે શેમાં છે ? ને સૌ સૌની મેળે તો સૌએ ઠરાવ કર્યો છે જે, કોઈ કહે છે જે ધ્યાન કરવું એ ઠીક છે, કોઈ પાણા ખોદવા એ શ્રેષ્ઠ કહે છે, કોઈ ભક્તિ કરવી એ શ્રેષ્ઠ કહે છે, માટે કોઈક એકાંતિક હોય તેને પૂછીને કરવું. વૃદ્ધિ પમાય છે તે તો,
સતાં પ્રસઙ્ગાન્મમ વીર્યસંવિદો ભવન્તિ હૃત્કર્ણરસાયનાઃ કથાઃ ।
તજ્જોષણાદાશ્વપવર્ગવર્ત્મનિ શ્રદ્ધા રતિર્ભક્તિરનુક્રમિષ્યતિ ।।
(શ્રીમદ્ ભાગવત : 3/25/25)
અર્થ :- સત્પુરુષોના સમાગમથી મારા પરાક્રમોના યથાર્થ જ્ઞાન કરાવવાવાળી તથા હૃદય અને કાનોને પ્રિય લાગવાવાળી કથાઓ હતી. એના સેવન કરવાથી શીઘ્ર જ મોક્ષમાર્ગમાં શ્રદ્ધા, રતિ અને ભક્તિનો ક્રમશ: પ્રાદુર્ભાવ થઈ જાય છે.
મરને હજાર વરસ સુધી ધ્યાનમાં બેસી રહે તો પણ વૃદ્ધિ ન પમાય. ને સત્સંગમાં તો જેમ ખેડાનો કાંપ વધે છે તેમ જીવ વધે ને જેમ ઉત્તર દિશાનો પાર નહિ તેમ જ્ઞાનનો અંત નહિ. પૃથ્વીને વિશે એવા થયા જે ગિરનાર જેવા પર્વતને ડોલાવે પણ સ્વભાવ નડ્યા. ને એકલે ધર્મે કે વૈરાગ્યે કાંઈ ન થાય ને સમાગમે કરીને મોટાને વિશે જીવ જોડે તો બધા ગુણ આવે છે; નીકર મરને હજારો ગુણ હોય, પણ આ સાધુથી ઉથડક હોય તેનો એકે ગુણ કામ ન આવે. ને જે સારા સારા પદાર્થે કરીને રાજી થાય, તે પોતાનો હોય તો પણ પોતાનો ન જાણવો ને તે તો બાળકને જેમ રમકડાં દઈએ ને રાજી રહે, તેમ તેને તેવો જાણવો તે અલૈયાખાચરે થાળની સો મણ સાકર ખાધી તો પણ તેણે મહારાજનો પક્ષ ન રાખ્યો. તે પ્રસંગે જીવાખાચરની વાત કરી જે, જીવાખાચરે મહારાજને મારવા મારા રાખ્યા હતા. તેની અલૈયાખાચરને ખબર હતી પણ મહારાજને કહ્યું નહિ.
પાણા : પથ્થર.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
અર્થ : ધન, સંપત્તિ.
મરને : ભલેને.
ઉથડક : ઉપરચોટિયું, બંધબેસતું કે ચોંટતું ન હોય તેવું.
(50) કોઈ રાજાના, કોઈ ફોજદારના, કોઈ પટેલના ને કોઈ ઘરના ચાકર છે, પણ ભગવાનના અનન્ય દાસ થાવું તે કઠણ છે. તે ભક્ત ભક્તમાં પણ તારતમ્યતા લખી છે.
તેષાં જ્ઞાની નિત્યયુક્ત એકભક્તિર્વિશિષ્યતે ।
પ્રિયો હિ જ્ઞાનિનોઽત્યર્થમહં સ ચ મમ પ્રિયઃ ॥
(ભગવદ્ ગીતા : 7/17)
અર્થ :- તેઓમાં સદા (ધ્યાનમાં) જોઈ રહેનારો અને એકનિષ્ઠ ભક્તિવાળો જ્ઞાની ઉત્તમ છે; કેમ કે, જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું અને તે મને અત્યંત પ્રિય છે.
એવી રીતના ભક્ત થયા વિના ભગવાનની સેવામાં રહેવાય નહિ. ‘જેવા બાઈના કોદરા, તેવી ભાઈની હીંગ’; તેમ, ‘જેવું કરશો તેવું પામશો.’ માટે દુ:ખને ટાળવું ને સુખને પામવું ને મોક્ષના ખપ વિના માન દઈ દઈને તે કેટલાક દિવસ રાખશું ? પર્વતભાઈને મહારાજે કહ્યું જે, ‘ઘરના ગોલાને મસારો આપવો ન પડે.’ એમ જે ખરેખરા હોય તે ભગવાન વિના બીજું ઇચ્છે નહિ. માટે ખરેખરું ભગવાનનું થાવું એ ઘણું કઠણ છે.
અર્થ : ધન, સંપત્તિ.
મસારો : વાર્ષિક પગાર-મહેનતાણું.
(51) જેને પદાર્થનો સત્સંગ છે તે કેટલા દિવસ રહેશે ? દુર્લભમાં દુર્લભ જે સત્સંગ તેમાં ભગવાન ને સાધુ આવી ગયા. ને વહેવારમાં તો પદાર્થનું અપૂર્ણપણું ને અપૂર્ણપણું રહેશે.
(52) સાધુ તે ભગવાનને પામવાનું દ્વાર છે ને વિદ્યા ભણવી હોય તો ગુરુને રાજી કરે ત્યારે વિદ્યા આવડે. શ્રીકૃષ્ણ ભગવાન પણ સાંદિપની ગુરુ સારુ લાકડાં લેવા ગયા હતા. દુ:ખિયા પાસે દુ:ખ કહીએ ત્યારે શું દુ:ખ ટાળે? માટે મોટા હોય તેની પાસે વિનય કરીએ ને તે જેમ કહે તેમ કરીએ ત્યારે સુખ થાય.
પ્રકરણ 11 ની વાત 186
(53) બાળમુકુંદાનંદસ્વામીને અમે શિખામણ દીધી જે, કોઈ ઉપર હુકમ ન કરવો. માટે આવી વાતું સાંભળીને તેના સંસ્કાર લગાડવા ને મોટા કે શાસ્ત્ર કહે તેમાં સુખ હોય ને કોઈકને આમાં ગોઠી જાય છે ને કોઈ વીસ વરસથી આ સત્સંગમાં હશે તો પણ આમાં નહિ ગોઠતું હોય. છેટેથી આવ્યા છે તેને વાતુંની આતુરતા રહે છે ને ભેળા રહે છે તેને તેની પરવા નથી. ગોપાળાનંદસ્વામી ભેળા કેટલાક રહ્યા પણ સંગ તો થોડાકને લાગ્યો.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
(54) મહારાજ સાધુને કહેતા જે, ‘દેશમાંથી ફરીને આવો ત્યારે મૂળગા કુસંગી થઈને આવો છો.’ તે આપણે બધા મુલકને જ્ઞાન દઈએ, પણ આપણને કોણ જ્ઞાન દે ? માટે શીખ્યા વિના જ્ઞાન ન થાય. ‘ચાંદા ચોળી ઘીમાં પોળી હબુક ફુદડી’, એમ મોમાં કાંઈ ન આવે; તેમ એકલે કહ્યેથી જ્ઞાન ન થાય તે મુક્તાનંદસ્વામી તથા ગોપાળાનંદસ્વામી ઊતરતા જેવા રહે કે ન રહે, ત્યારે બીજાની શી વાત કહેવાય ?
જેહી મારુત ગીરી મેરુ ઉડાઈ, કહો તુલ કહા લેખા માંઈ ?
જોગી ઠગે અરુ ભોગી ઠગે, બનવાસી સંન્યાસીન કો એક ધારો.
તે એવાને પણ એમ કહ્યું, ને આપણે ગાફલ થઈને બેઠા છીએ ! માટે મનનો વિશ્ર્વાસ કરવો જ નહિ ને ખબરદાર થઈ જાવું ને દેહાભિમાન ને સ્વભાવમાંથી તો સત્સંગમાંથી નોખું પડી જવાય તથા સંતનો અવગુણ આવે.
પ્રકરણ 1 ની વાત 199
પ્રકરણ 14 ની 95
(55) જ્યારે સત્સંગમાંથી પડવાનો હોય ત્યારે પદાર્થ ન મળે તો કોઠારીનો અવગુણ લે ને સ્વાદનો સ્વભાવ હોય તો ભંડારીનો અવગુણ લે ને દેહાભિમાન હોય તો મોટેરા કામ ચીંધે તેનો અવગુણ લે; એ ત્રણ પડવાનાં ઠેકાણાં છે.
(56) જીવને વિપરીત જ્ઞાન છે, તે શું ? તો કરવાનું છે તે નથી થાતું ને નથી કરવાનું તે થાય છે ને પરિણામ પણ જોતો નથી. તે જવ વાવીને ઘઉંનું ખળું ભરાય નહિ તેમ કેવળ કુટુંબનું જ પોષણ કરે છે એ કેવળ વિપરીત જ્ઞાન છે; પણ દેહ પડી જાશે ને ખોટ રહી જાશે. ને જીવને મુમુક્ષુતા નથી એટલે આવી વાતું સમજાતી નથી ને ક્રિયા કરીએ તેમાંથી માન આવે ને ક્રોધ આવે.
બપોરે વાત કરી જે,
(57) પ્રથમ મહારાજે લખવા મંડાડ્યા, તે 400 લખનારા થયા. તે પચાસ જણ તો રોજ 16 પાનાં લખે એવા હતા. માટે લખવા શીખજો. ત્યાર કેડે ભણવા મંડાડ્યા. માટે કોઈએ મૂરખ ન રહેવું, બીજું વિનય શીખવો ને ત્રીજું આ દેહને ખોટો માનવો ને વિષય ભોગવવા નહિ.
રોજ : દરરોજનું મહેનતાણું/મજૂરી.
કેડે : પાછળ.
(58)
જેનું કામે કાપી લીધું નાક, લોભે લઈ લાજ લીધી રે;
જેને જીભે રોળી કર્યો રાંક, માને તો ફજેતી કીધી રે.
(કીર્તન મુક્તાવલિ : 1072)
એ બોલ્યા ને કહ્યું જે, સૌ સૌએ પોતાનું વિચારવું કે કેમાં ગુડિયું વળાશે? ને જેમાં કાચપ જણાય તે સાથે શત્રુવટ રાખી, મોટાની આજ્ઞામાં રહી જીત કરવી.
કાચપ : કચાશ, કસર, ખામી.
(59) ‘વચનામૃત’માં કહ્યું છે જે, પંચવર્તમાનમાં ફેર હોય તેને મોટેરાએ કહેવું. ભગવાન અંતરજામી છે તે હરેક પ્રકારે ઉઘાડું કરશે. ને કોઈને રજ, તમ હોય ને કોઈને પ્રકૃતિ હોય તેનો અવગુણ આપણે ન લેવો ને હેત હોય તો જરાક કહેવું કે, ‘આપણે સાધુને આવું ન શોભે.’ મોરે ઋષિ થયા છે તેના પણ કોઈના બરાબર સ્વભાવ નહોતા. માટે એમ જાણવું જે, એક રીતના કોઈના સ્વભાવ હોય નહિ.
સંવત 1919ના અષાઢ સુદિ છઠ ને દિવસે સ્વામીએ વાત કરી જે,
(60) ગુરુ વિના કાંઈ ન થાય ને વહેવારિક તુચ્છ કામ પણ ન આવડે. કહેતાં મોયડાની ગાંઠ પણ પાડતાં ન આવડે. આ તો બ્રહ્મવિદ્યા શીખવી, તે ગુરુ વિના કેમ આવડે ? તે ગુરુને જનની કહ્યા છે.
ગુરુદેવ જનની જનક ગુરુ સંબંધિ બંધુ,
પૂરન અત્યંત સુખ ગુરુહુંસે પાયો હે;
નાસિકા બદન બેન દિને ગુરુ દિવ્ય નેન,
શોભિત શ્રવન દે કે શબ્દ સુનાયો હે;
દે ગુરુ કરપાવ શીતલતા શિષ્યભાવ,
ગુરુરાય પિંડહું મે પ્રાણ ઠહરાયો હે;
કહત હૈ બ્રહ્માનંદ કંદ સુખ દયા સિંધુ,
ગુરુદેવ મેરો ઘાટ દૂસરો બનાયો હે.
(કીર્તન મુક્તાવલિ : ગુરુ કો અંગ)
શાસ્ત્રમાંથી શબ્દે કરીને જ્ઞાન તો થાય, પણ વરત્યા વિના સુખ ન આવે. ગુરુ વિના કેવળ શાસ્ત્રે કરીને જ્ઞાન થાય છે, તે તો જેમ ફળ વિનાનાં ફૂલ ખરી જાય છે તેમ છે ને ફળ તો ગુરુ સમજાવે ત્યારે જ થાય છે.
ઘાટ : માયિક સુખ ભોગવવાનો સંકલ્પ, વિકારનો સંકલ્પ.
(61) સાધુનાં જે લક્ષણ કહ્યાં છે તે શીખશું ત્યારે જ સુખ આવશે. હમણાં સત્સંગી થયો હોય તેને બીજી વાત કરવી અને પચાસ વરસ સત્સંગમાં રહ્યો હોય તેને વિશેષ વાત કરવી.
(62) ગમે એવો જ્ઞાની હોય, ધ્યાની હોય તેણે પણ કથામાં આવવું. મહેમદાવાદના બ્રાહ્મણે મહારાજને કહ્યું જે, ‘શંકરાચાર્યે પાડાની પૂંઠે વેદ ભણાવ્યો હતો તેમ તમે કરો તો તમને ભગવાન માનીએ.’ ત્યારે મહારાજ કહે, ‘પાડાની પૂંઠે વેદ ભણાવવો એ સંભવિત નથી પણ પાડા જેવો મૂરખ હશે તેની પાસે વેદ બોલાવેલ છે. તેમ તમે કોઈ એવો મૂરખ લાવો તો તેની પાસે વેદ બોલાવીએ.’ પછી તે બ્રાહ્મણોએ પોતાનો જાણીતો ખરેખરો મૂંગો વાલજી નામનો બ્રાહ્મણ હતો તેને મહારાજ આગળ લાવ્યા, ને કહે જે, ‘આને વેદ બોલાવો;’ પછી મહારાજે તે વાલજીને મોઢે વેદ બોલાવ્યા.
બીજી વાત કરી જે, મેઘપરમાં એક સાંઈ મહારાજ પાસે આવ્યો. તે કહે જે, ‘તમે અલ્લા કહેવાઓ છો ?’ ત્યારે મહારાજ કહે, ‘અલ્લા તો ભગવાન છે.’ પછી મહારાજે પૂછ્યું જે, ‘તમારે ખંભે શું છે ?’ ત્યારે તે કહે જે, ‘કુરાન છે.’ ત્યારે મહારાજ કહે, ‘આ ભાટનો છોકરો કરસનજી પણ કુરાન મોઢે ભણ્યો છે.’ ત્યારે તે ફકીર કહે, ‘યે લડકા ક્યા જાને ?’ પછી મહારાજ કહે, ‘તમે કુરાનમાં જોતા જાવ ને છોકરો મોઢે બોલતો જાય.’ પછી કરસનજી કુરાન મોઢે બોલી ગયો. તેને જોઈને તે ફકીરે કહ્યું જે, ‘યે લડકા બોલતા નહિ, આપ બોલતા હૈ ! માટે આપ જ ખુદા હૈ.’ પછી સત્સંગી થયો. ત્યારે બીજાએ કહ્યું જે, ‘આને પણ ભૂરકી નાખી !’
સત્પુરુષના પ્રસંગ વિના જ્ઞાન ન થાય. વેદ ભણ્યામાં ચાર ભેદ છે :- એક તો ભણી જાય ને બીજો તેના અર્થને જાણે ને ત્રીજાને પ્રશ્ર્ન કરતાં આવડે ને ચોથો સંશયને છેદે. જો એમ ને એમ થઈ જાતું હોય તો નૈમિષારણ્યવાળા, બદરિકાશ્રમવાળા ને શ્ર્વેતદ્વીપવાળા શું કામ મંડ્યા રહે ? ને ફિરંગી નિત્ય કવાયત કરાવે છે તે શા સારુ કરે ?
કરો : ઘરની દિવાલ.
ફિરંગી : અંગ્રેજ ગોરાઓ.
(63) શિશુપાળ જેવા વિષય છે તેનો નાશ થાશે ત્યારે ભગવાનને વરાશે.
પ્રકરણ 3 ની વાત 14
(64) સાધુ તો કેવા છે ? તો મોટા મોટાને નિર્વિષ કર્યા, તે કયા ? તો મેંગણીના માનભા ને લીલાખાના મુંજો સુરુ, જોબનપગી ને તખોપગી. તેમના ફેલ મુકાવ્યા. માટે મોક્ષને મારગે ચાલવું, તે ગુરુ વિના ન ચલાય. મોક્ષનો મારગ વરદાને કરીને થાય એવું નથી, તે વરદાને કરીને વ્યાકરણ ભણો જોઈએ, આવડે છે ? ને જ્ઞાન વિના તો મહારાજે દેહ ઉત્સવ કર્યો ત્યારે ધીરાનંદ ચેહમાં પડતો હતો, તે અમે ફાળિયે બાંધ્યો હતો ને તે પાછો વળી કબીરીઓ થયો ! ને ભજનિક હતો, પણ જ્ઞાન વિના તો ‘પોપટજી ! બીલ્લી આવે તો ઊડી જાવું.’ પછી બીલ્લી આવીને ગળું ભાંગી નાખ્યું, તે ચીં ચીં કર્યું, પણ બોલી શકાણું નહિ, એવું છે. માટે આ વાતું કર્યા જેવી છે, વિચાર્યા જેવી છે ને શ્રવણ-મનન કર્યા જેવી છે. જગતની વાતું તો પરણવું ને રાંડવું એવી છે; તે શૂળીનાં સુખડાં ને સોમલખારના લાડવા જેવી છે, તે ખાતાં સારા લાગે ને પછી મોત થાય.
ફેલ : નીતિશાસ્ત્ર વિરૂદ્ધનું આચરણ તથા આવક કરતાં વધુ ખર્ચ કરે તેવું આચરણ.
(65) રાત દિવસ આત્મનિષ્ઠાનો વિચાર કરવો ને વૈરાગ્યનો વિચાર કરવો ને ગુરુનો મહિમા વિચારવો. ને ઢોર હોય તે પારસો વાળે ત્યારે દૂધ આવે છે, તેમ ગુરુને રાજી કરશું ત્યારે ગુરુના ગુણ આવશે ને જ્યારે ગુરુનું જ વાંકુ બોલશું ત્યારે મોક્ષનો મારગ બંધ થાશે.
(66) બધા સત્સંગના ધણી છીએ. અમે કોઈ વાતની ખેંચતાણ રાખી નથી ને જેને કાંઈ જોઈતું હોય તેને પદાર્થ આપીએ, પણ વર્તમાન તો પાળ્યાં જોઈશે ને વર્તમાન લોપશે તેની મહોબત નહિ રહે. માટે ખરેખરાં વર્તમાન પાળવાં ને ભજન કરવું તો બધાય સત્સંગના આપણે ધણી જ છીએ.
સંવત 1919ના અષાઢ સુદિ સપ્તમીને દિવસે સ્વામીએ વાત કરી જે,
(67) લુહારની કોઢેથી જેમ બળદિયો ભાગે ને જેમ વનનાં પશુ ગામથી ભાગે, તેમ આ જીવ સાધુથી ને ભગવાનથી ભાગે. મહારાજે પોતાના પ્રતાપે જીવોનાં ઇન્દ્રિયું-અંત:કરણ પોતાની મૂર્તિમાં વાળી લીધાં. ઘર મૂકીને આંહીં બેસવું; પણ તે તો,
બહૂનાં જન્મનામન્તે જ્ઞાનવાન્માં પ્રપદ્યતે ।
વાસુદેવઃ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભઃ ॥
(ભગવદ્ ગીતા : 7/19)
અર્થ :- બહુ જન્મોને અંતે (આ) બધું વાસુદેવ જ છે, એવા જ્ઞાનવાળો જ્ઞાની મને પામે છે; તે મહાત્મા અતિ દુર્લભ છે.
અર્થ : ધન, સંપત્તિ.
(68) ‘પ્રભુ ભજવા’ એવો તો જીવને મનસૂબો જ નથી. માણાવદરના હંસરાજ પટેલને વાઢ હતો તે વાઢેથી ઘેર ગયા ને ઘીની દોણી લઈને જાતા હતા, ત્યાં રસ્તામાં ચાલતાં ઝોલું આવ્યું, તે જાણે હું આગળાં ફોલું છું ને શેરડીનો સાંઠો ઢગલામાં નાખવા ઘા કર્યો, ત્યાં દોણી ફૂટ્યાનો અવાજ સાંભળ્યો. એટલે જાગી ગયા ને કહે, ‘વોય માળું ? આ તો ઘી ગયું !’
પછી ગઢાળીના આંબા શેઠની વાત કરી જે, સ્વપ્નામાં ઘરાકને સમજાવતાં કહ્યું જે, ‘આવ, આવ, જૂનું ઘરાક છો, તે બે તસુ વધારે દઈશ. તારું રહ્યું ને મારુંય રહ્યું, જૂનું ઘરાક છું, તે કાંઈ નહિ.’ એમ કહી ચોફાળ ફાડીને એક કટકો ઓમ ફગાવી નાખ્યો ને સૂઈ ગયા. પછી પરોઢિયે ટાઢ વાઈ ત્યારે જાગ્યા ત્યારે ખબર પડી.
ભાલમાં પાણી ભરી રાખે; તે એક જણે સ્વપ્નામાં ઊઠી જાણે બળદને પાવા માંડ્યું ને, ‘પો, પો,’ કરે ને માટલાં રેડ્યે જાય. તે ખાલી કરી દીધાં. ત્યાં તો ઘરનાં માણસ કહે, ‘આ શું ?’ તો ય કહે, ‘બળદને પાણી પાઉં છું !’ ત્યારે કહે, ‘અરે બળદ ક્યાં છે ? ને આખું ફળિયું ભરી મૂક્યું ?’ ત્યાં ભાન આવ્યું. એવી રીતે જીવને વિષયના વેગ લાગ્યા છે.
રાઘવાનંદસ્વામી ઊંઘમાં
તત્ર તાવત્સંજ્ઞા સંવ્યવહારાય સંગૃહ્યતે ।
(વ્યાકરણનું સૂત્ર)
અર્થ :- એટલે ત્યાં વહેવાર માટે સંજ્ઞા લેવામાં આવે છે.
એમ બોલતા. એવો ભગવાન ભજવાનો વેગ લાગે ત્યારે ભગવાન ભજાય છે.
આગળાં : શેરડીના સાંઠાનો આગળનો ભાગ.
અર્થ : ધન, સંપત્તિ.
(69) આ જીવને ભગવાનને મારગે ચાલવું તેમાં અનંત વિઘ્ન છે તે ગંગાજી પર્વત ફોડીને ચાલ્યાં તેમ પંચવિષય છે તે કાળા પર્વત જેવા છે. ને સ્વાદ ને કામ, એનું બળ બહુ જણાય છે, તે બીજા દોષની નિંદા કરી છે પણ સ્વાદની ને કામની નિંદા તો કોઈકે જ કરી છે. માટે એમાંથી જીવ નીકળે નહિ, તે
સર્વે બ્રહ્મવિદ ભવિષ્યન્તિ સંપ્રાપ્તે તુ કલૌ યુગે ।
તત્ર નૈવાનુતિષ્ઠન્તિ શિશ્નોદરપરાયણા: ॥
અર્થ :- પણ કળિયુગ પ્રાપ્ત થતાં બધા બ્રહ્મને જાણનારા થશે. કામસેવન અને ભોજનમાં રાચેલા લોકો યજ્ઞ વગેરેનું અનુષ્ઠાન કરશે નહિ.
એમ લખે છે. માટે જ્ઞાનવાન થાવું. આ ભક્તિ તો ઉપકરણ છે; તે ઉપકરણમાં ચોંટી ગયા, ને લખે છે તો,
વાણી ગુણાનુકથને શ્રવણૌ કથાયાં હસ્તૌ ચ કર્મસુ મનસ્તવ પાદયોર્નઃ ।
સ્મૃત્યાં શિરસ્તવ નિવાસજગત્પ્રણામે દૃષ્ટિઃ સતાં દર્શનેઽસ્તુ ભવત્તનૂનામ્ ॥
(સત્સંગિજીવન : 1/59/86 તથા શ્રીમદ્ ભાગવત 10/10/38)
અર્થ :- ગુણોનાં પુન: પુન: કથનમાં વાણી, સેવામાં હાથ, ચરણકમળની સ્મૃતિમાં મન, મસ્તક આપને પ્રણામ કરવામાં, અને આંખ આપના અને આપના સંતોનાં દર્શનમાં રહે.
માટે આ ઇન્દ્રિયું ને અંત:કરણ ભગવાનમાં રાખવાં એ તાન છે.
કૃષ્ણ ત્વદીય પદપંકજ પઞ્જરાન્તે અદ્યૈવ મે વિશતુ માનસરાજહંસ: ।
પ્રાણપ્રયાણસમયે કફવાતપિત્તૈ: કણ્ઠાવરોધનવિધૌ સ્મરણં કુતસ્તે ।।
(પાંડવ ગીતા : 52)
અર્થ :- હે કૃષ્ણ, મારો ચિત્તરૂપી માનસહંસ આજે જ આપના શ્રીચરણ-કમળરૂપી પાંજરામાં પૂરાઈ જાઓ, પણ જ્યારે આ શરીરના પ્રાણના પ્રયાણ સમયે કફ, વાત અને પિત્તથી ઘેરાઈને કંઠ રુંધાઈ જશે ત્યારે આપનું સ્મરણ ક્યાંથી થઈ શકશે ?
નષ્ટો મોહઃ સ્મૃતિર્લબ્ધા ત્વત્પ્રસાદાન્મયાચ્યુત ।
સ્થિતોઽસ્મિ ગતસન્દેહઃ કરિષ્યે વચનં તવ ॥
(ભગવદ્ ગીતા : 18/73)
અર્થ :- હે અચ્યુત ! આપની કૃપાથી મારો મોહ નાશ પામ્યો છે, અને મેં (સ્વધર્મકર્મ, આત્મજ્ઞાન આદિની) સ્મૃતિ મેળવી છે; (હવે) સંશય રહિત થઈ હું ઊભો છું અને આપનાં વચન પ્રમાણે કરીશ.
સર્વ ધર્માન્પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ ।
અહં ત્વા સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ: ॥
(ભગવદ્ ગીતા : 18/66)
અર્થ :- સર્વ ધર્મો છોડી તું મારે એકને શરણે આવ, હું તને સર્વ પાપોથી છોડાવીશ, તું શોક ન કર.
પ્રસંગમજરં પાશમાત્મનઃ કવયો વિદુઃ ।
સ એવ સાધુષુ કૃતો મોક્ષદ્વારમપાવૃતમ્ ॥
(શ્રીમદ્ ભાગવત-3/25/20)
અર્થ :- ‘સંગ એ આત્માનું જબરું બંધન છે.’ એમ કવિઓ કહે છે. એ જ સંગ જો સાધુપુરુષો સાથે કરવામાં આવે તો મોક્ષનું દ્વાર ખુલી જાય છે.
એવું જ્ઞાન શીખીને જે શિષ્ય થયો હોય તે ભગવાનને મારગે ચાલે. અને
પ્રસંગમજરં પાશમાત્મનઃ કવયો વિદુઃ ।
એ મારગે તો સૌને ચાલવું જ ને ઝાઝું ન સૂઝે તો આ સાધુમાં બંધાઈ જાવું ને શ્ર્લોક ભણી ગયા ને સમજ્યા નહિ, તે તો,
યથા ખરશ્ચન્દનભારવાહી ભારસ્ય વેત્તા ન હિ ચંદનસ્ય ।
તથા હિ વિપ્રા સ્મૃતિપુરાણા મદ્ભક્તિહીના ખરવદ્વહન્તિ ॥
અર્થ :- ચંદનનો ભાર વહન કરનાર ગધેડો ભારને જ જાણે છે. ચંદનને નહિ. તેમ જ બ્રાહ્મણો મારી ભક્તિ વગર, સ્મૃતિ અને પુરાણો વગેરે ગધેડાંની માફક વહે છે.
એમ છે. માટે ખેડુ જેમ ગોળ સામી નજર રાખીને વાડ કરે છે, તેમ આપણે પણ ફળ સામી નજર રાખીને કરવું.
અર્થ : ધન, સંપત્તિ.
તાન : લગની, આગ્રહ, મસ્તી.
અચ્યુત : અવિચલિત-અખંડ.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
(70) સો કલ્પ સુધી ભક્તિ કરો પણ દોષ ન ટળે. ત્યારે પૂછ્યું જે, ‘દોષ ન ટળે ત્યારે ભક્તિનું ફળ શું ?’ ત્યારે કહ્યું જે, ‘દુર્વાસા સો થાળ જમી ગયા ને સ્વભાવ આવ્યો ત્યારે ઠેકાણું ન રહ્યું, માટે સ્વભાવ ટાળ્યા વિના તો ટળે જ નહીં.’ ને પૃથુ રાજાના જેવી ને ગોપીઓના જેવી ભક્તિ થાય તો તો દોષ ટળે ખરા. તે પૃથુ રાજાએ હજાર કાન માગ્યા, ને આપણે ઘડીક કથામાં બેસવું તેમાં ઊંઘ આવે છે. ને ભગવાનનો મહિમા તો એવો છે જે,
ત્રિભુવનવિભવહેતવેઽપ્યકુણ્ઠ સ્મૃતિરજિતાત્મસુરાદિભિર્વિમૃગ્યાત્ ।
ન ચલતિ ભગવત્પદારવિન્દાલ્ લવનિમિષાર્ધમપિ યઃ સ વૈષ્ણવાગ્ર્યઃ ॥
(શ્રીમદ્ ભાગવત : 11/2/53)
અર્થ :- ત્રણે ભુવનના વૈભવો આવીને ઊભા હોય તો પણ જેની ભગવાનમાં અખંડ બુદ્ધિ છે એવો તથા જેનો આત્મા શ્રી વિષ્ણુમાં છે એવો વૈષ્ણવજન, દેવોને પણ જેમની શોધ કરવી પડે છે એવા ભગવાનના ચરણકમળમાંથી એક લવમાત્ર પણ અથવા આંખના અર્ધા પલકારા જેટલો સમય માટે પણ ચલિત થતો નથી તેવો વૈષ્ણવજન પ્રધાન વૈષ્ણવ ગણાય છે, વૈષ્ણવોમાં અગ્રેસર ગણાય છે.
એમ કહ્યું છે, તે આપણને તો આળસ આવે છે ને
આકુતિચિતિચાપલ્યરહિતા નિષ્પરિગ્રહાઃ ।
બોધને નિપુણા આત્મનિષ્ઠા: સર્વોપકારિણ: ॥
(સત્સંગિજીવન : 1/32/28)
અર્થ :- શ્રીહરિ ભક્તિમાતાને કહે છે :‘હે સતિ ! મુમુક્ષુઓએ કેવા સંતને સેવવા જોઈએ ? તે જેઓ કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયોની ચપળતાએ રહિત અર્થાત્ વિષય વાસનાઓ વિરહિત આત્મહિતમાં વિરોધી પરિગ્રહ રહિત, તત્ત્વબોધ આપવામાં પ્રવીણ, આત્મામાં જ એક નિષ્ઠાવાળા (આત્મારામ), સર્વ જનોનો આ લોક પરલોકમાં ઉપકાર કરવાના સ્વભાવવાળા હોય.’
એટલામાં મહારાજે બધું કહી દીધું છે, તે ગુણ અભેસિંહમાં છે; માટે ભગવાનની વાતું સમજાય ત્યારે ઊંઘ કેમ આવે ને આળસ કેમ થાય ?
પ્રકરણ 6 ની વાત 212
કલ્પ : આપણાં ચાર અબજ બત્રીશ કરોડ વર્ષનો સમય - બ્રહ્માનો એક દિવસ (પણ રાત નહિ)
કરો : ઘરની દિવાલ.
અર્થ : ધન, સંપત્તિ.
(71) જ્યાં ધન, સ્ત્રીનો જોગ થયો ત્યાં ભગવાનની કથાવાર્તા ન થાય ને સ્વાદની ઝાળ તો સર્વે ઠેકાણે ફરી વળી છે; જેમ લાય થાય ને ચારે કોરે ફરી વળે તેમ જિહ્વા ઇન્દ્રિયનું કામ ભારે છે.
જિહ્વા : જીભ.
(72) ભગવાન સારુ તો પાદશાહીઓ મૂકી છે ને આપણે તો એક દોકડાના પદાર્થ સારુ અહંમમત્વ કરીએ છીએ.
(73)
શામ રે સુજાન વિના કલ ન પરે અબ,
એવો ભગવાનનો વેગ લાગે ત્યારે બીજું નજરમાં શું આવે ? ને આ તો જેવું તેવું ખાવાનું ગમતું નથી, નરસું લૂગડું ગમતું નથી, નરસી પથારી, નરસું પગરખું ને દાતણ તો ચાવીને કાઢી નાખવું છે તો પણ એ નરસું ગમતું નથી.
(74) આ જીવ છે તે ક્રિયા કરતો કરતો થાકી જાય ત્યારે સુષુપ્તિમાં જાય ને જાગે ત્યારે પાછી તીક્ષ્ણ વૃત્તિ થાય છે. જેમ લોઢાં હોય તે પાણામાં વપરાય ત્યારે ધાર બુઠ્ઠી થઈ જાય, પછી લુહારની કોઢે લઈ જાય ને પાછાં પાનાં કાઢે ત્યારે વળી પાછી ધાર આવે છે; તેમ તીક્ષ્ણ વૃત્તિ જાગે છે. રાજાની મા મરી ગઈ ને રાણીને દીકરો આવ્યો, ત્યારે વાણિયા દરબારને મોઢે આવ્યા, તે રોવાય પણ નહિ ને રાજી પણ ન થાવાય; પછી ‘ઓ અ અ, હા હા હા !’ એમ કરવા માંડ્યું તે બેય સાચવ્યાં.
(75) સંકલ્પનું બળ હોય ત્યારે તે સંકલ્પનો અનાદર રાખવો તો મોળા પડી જાય; ત્યાર કેડે બહુ વિચાર કરતાં કરતાં તે વિચાર સંકલ્પને દાબી દઈને વરતે ત્યારે તે અંત:કરણ પાર વિચાર કહેવાય.
કેડે : પાછળ.
(76) સ્ત્રી ને ઇન્દ્રિયું તે નવરાં રહે તો વ્યભિચાર કરે, માટે તેને તો નવરાં રહેવા દેવાં નહિ.
(77) અમદાવાદમાં યજ્ઞમાં રસોઈયા ચાર વાર જમવા બેઠા; પ્રથમ અઢી શેરની કુલેર, પછી ચૂરમું થયું ત્યારે ને પીરસ્યા મોરે ને પછી; એમ સ્વાદનું બળ છે.
મોરે : અગાઉ
(78) વહેવારનું કામ છે, તે જ્યાં સુધી કરીએ ત્યાં સુધી થાય ને પડ્યું મૂકીએ ત્યારે પડ્યું રહે; તેમ ભગવાન ભજવા તે પણ જેટલા ભજીએ તેટલા જ ભજાય, ને ન ભજીએ તો ન ભજાય.
(79) જે વાત હોય તેની અવધિ આવ્યા વિના સુખ કેમ આવે ? માટે જે વાત હોય તેનો સીમાડો કાઢવો ને સીમાડો કાઢ્યા વિના સુખ ન આવે, તે સત્સંગીને આજ સીમાડો સુલભ છે; કેમ જે, સર્વોપરી ભગવાન ને સર્વોપરી આ સાધુ તમને મળેલ છે ને સામસામા બેઠા છે ને વાતું કરે છે ને મૂળ અજ્ઞાન કાઢે છે.
અવધિ : અંત, નિશ્ર્ચિત સમયમર્યાદા.
(80) મન છે તે ઉંદરડીની પેઠે ‘કુર કુર’ કર્યા કરે છે, તે ચાળા ચૂંથે; પણ ભગવાન ને સાધુ સંભારવા ને તે બે રાખીને; એક તો સ્વરૂપનિષ્ઠા, બીજી ધર્મનિષ્ઠા, ત્રીજી જ્ઞાનનિષ્ઠા ને ચોથી ભક્તિનિષ્ઠા સમજીને રાખવાં; એ ચાર વિના તો અધૂરું રહી જાય. ત્યારે કોઈ કહેશે ‘એ કેમ થાય ?’ તો આજ તો પ્રગટ મહારાજ ને સાધુની અનુવૃત્તિમાં રહીએ, કહેતાં વચનમાં જેમ કહે તેમ કરીએ, એટલે બધાની અવધિ આવી રહી. તેમની આજ્ઞામાં તો સર્વે વાત રહી છે; તેવો સત્સંગ કરવો એવો તો કોઈમાં માલ જ નથી માટે ખાધામાં, પીધામાં, લૂગડાંમાં આજ્ઞા લોપવી નહિ ને જિહ્વા ઇન્દ્રિયની ઝાળ કોઈથી શમે નહિ. આ જીવને સુખ કોઈ ઠેકાણે નથી ને સુખ તો,
બ્રહ્મભૂતઃ પ્રસન્નાત્મા ન શોચતિ ન કાંક્ષતિ ।
સમઃ સર્વેષુ ભૂતેષુ મદ્ભક્તિં લભતે પરામ્ ॥
(ભગવદ્ ગીતા : 18/54)
અર્થ :- બ્રહ્મભાવને પ્રાપ્ત થયેલો તે પ્રસન્ન ચિત્ત મનુષ્ય કશાનો શોક કરતો નથી કે કશાની આકાંક્ષા કરતો નથી અને સર્વ ભૂતોમાં સમભાવથી રહેતો થકો મારી પરમ ભક્તિને પામે છે.
નિજાત્માનં બ્રહ્મરૂપં દેહત્રયવિલક્ષણમ્ ।
વિભાવ્ય તેન કર્તવ્યા ભક્તિઃ કૃષ્ણસ્ય સર્વદા ॥
(શિક્ષાપત્રી શ્ર્લોક : 116)
અર્થ :- સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ જે ત્રણ દેહ તે થકી વિલક્ષણ એવો જે પોતાનો જીવાત્મા તેને બ્રહ્મરૂપની ભાવના કરીને, પછી તે બ્રહ્મરૂપે કરીને શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ જે તે સર્વ કાળને વિશે કરવી.
એમાં જ છે.
જ્ઞાનનિષ્ઠા : સત્શાસ્ત્ર ને સદગુરુના વચનને વિશે દૃઢ શ્રદ્ધા.
અવધિ : અંત, નિશ્ર્ચિત સમયમર્યાદા.
જિહ્વા : જીભ.
અર્થ : ધન, સંપત્તિ.
સંવત 1919ના અષાઢ સુદિ આઠમને દિવસે સ્વામીએ વાત કરી જે,
(81) આ જીવને શૂળીએ ચડવું હોય તો ચડે પણ ભગવાન ને સાધુ કહે તેમ ન કરે, ને હમણાં વર્તમાન કાળે એવી વાત છે જે, ખરેખરા ભગવાનના ભક્તના ગમતામાં રહે તો તેને કાંઈ કરવું રહે નહિ; પણ ‘ગમતામાં રહેવું’ એમ જીવે પોતે ધાર્યું નથી, માટે ભગવાન તથા સંત કહે (એમ કરે) એ જ નિવૃત્તિ છે ને ભગવાનના ‘ગમતા બહાર’ (થાય એ જ) પ્રવૃત્તિ છે. તે ખીમિયાનંદે થાળ ન લીધો, તે ધારણાં પારણાં કરતો હતો. મહારાજ કહે, ‘તારાં ધારણાં પારણાં પૂરાં થઈ રહ્યાં.’ ત્યારે કહે, ‘થાળરૂપે માયા આવી !’ એમ કહી ન માન્યું; માટે જેમ છે તેમ ન સમજાય.
(82) પોતાના કપાળમાં ચાંદલો હોય તો દર્પણમાં દેખાય, તેમ ભગવાન ને તેમના સંત કહે એમ કરવું એમાં જ સુખ હોય. જેમ અમૃતમાં બધાં ઔષધ આવી જાય, તેમ આ મૂર્તિમાનની આજ્ઞામાં સાક્ષાત્ અક્ષરધામ મળે છે.
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
(83) દાળ, રોટલા ને ખીચડી વિના જે જે પેટમાં ઘાલે તે અસમાસ છે તે પંચાળાના દાદુ ભક્ત સાધુને રસોઈ આપતા ત્યારે ખીચડી, રોટલા ને છાસ જમાડતા ને પોતે પણ એવા જ ત્યાગી હતા.
(84) હવે બહુધા આમાં જે અનુવૃત્તિમાં રહે તેને સુખ આવે ને બીજાને ન આવે ને નિયમ પાળે અને અનુવૃત્તિ રાખે ને વિષયનો સંબંધ થાવા ન દે ને અસત્શાસ્ત્ર ન વાંચે તેને વિઘ્ન ન આવે.
બહુધા : મોટેભાગે-ઘણુંખરું,ખાસ કરીને
પાળે : સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જાતનો સેવક/પાર્ષદ.
અનુવૃત્તિ : મરજી.
(85) છાપરાં સળગ્યાં તેને ઓલવવા ગયા, ત્યાં તો માંદા ય ભાગી ગયા! ને હમણાં સાપ નીસરે તો પણ ભગાય. તેમાં શું કહ્યું ? જે, આ જીવને વિષયનું દોષધ્યાન થાય તો વિષયથી ભગાય.
(86) મોક્ષનો મારગ ને જગતનો મારગ નોખો છે.
(87) દેહ, ઇન્દ્રિયું, અંત:કરણને શોધવાં. તે કહ્યું છે જે, મનના અસંગને શીખવું ને સત્સંગ મળ્યો તેને જાળવી રાખવો ને એથી નોખું ન પડાય એમ શીખવું ને નોખા પાડનારાં દેહ, લોક, ભોગ ને પક્ષ છે ને સાચો પક્ષ કયો? તો મહારાજ અને આ તેમના સાધુ કહે ને તેમના સ્વરૂપનું પ્રતિપાદન થાય એ પક્ષ સાચો ને બીજો બધોય ખોટો છે. શલ્ય હતો તે કૌરવની કોરે હતો ને કર્ણનો રથ હાંકતો; પણ પાંડવોનો પક્ષ રાખ્યો; કેમ કે, કર્ણે કહ્યું કે, ‘રથનું પૈડું ગળે છે તો ઊતરીને કાઢ,’ ત્યારે શલ્યે ના પાડી. એટલે કર્ણને ઊતરવું પડ્યું. તે લાગ જોઈ ભગવાને અર્જુનને કહ્યું જે, ‘હવે માર.’ પછી માર્યો. તેમ ખરેખરા ભગવદીનો પક્ષ રાખવો.
(88) સત્સંગ મળ્યો પણ જો સમજણ ન હોય તો ખોવાઈ જાય એમ છે. તે મન, ઇન્દ્રિયું, દેહ, લોક ને ભોગ એ લાભને ખોવરાવનારાં છે.
(89) ભીષ્મપિતાએ બાણ માર્યાં ને પછી સ્તુતિ કરી, ત્યારે પણ કસર ન રાખી. એ બધું પક્ષમાંથી થયું.
કસર : ખોટ, ઉણપ.
(90) જે કાર્ય આદર્યું હોય તેનો પ્રયાસ ન કરે ત્યારે તે કાર્ય કેમ થાય? તે આ જીવમાં અનાદિનું પાપ ભર્યું છે, તે કાઢવા તેનો પ્રયાસ જોઈએ.
(91) જ્ઞાન નથી એટલે જીવ અધૂરો રહે છે, ને સાધુમાં જોડાવાતું નથી. આ સાધુનો થાય તેને કાંઈ બાકી રહે નહિ.
(92)
નાક કપાવી નથ પહેરવી, એતો નારી નઠારીનું કામ છે,
એથી મર રહિએ અડવાં, એવાં ભૂષણ પહેરવાં હરામ છે.
(નિષ્કુળાનંદ કાવ્ય : વચનવિધિ-11)
આજ્ઞા લોપીને કાંઈ ન કરવું.
ચાલે છે ચોરને મારગે, ખરાખરું માને છે ક્ષેમ રે,
પણ શીશ કપાણાં જ્યાં સોયેસોયનાં, ત્યાં કુશળ રહીશ કેમ રે.
(નિષ્કુળાનંદ કાવ્ય : વચનવિધિ-19)
માટે એ મારગે જ ન ચાલવું ને એ મારગે અંતે દુ:ખ થાવાનું છે ને એ મારગે કાંઈક ધક્કો લાગે. તે ઉપર ઉમાભાઈની વાત કરી જે, સૂરતમાં ઘી પીરસે, તે સાધુ ‘હાં, હાં’ કરે તો ય ઠામ ભરાય ત્યાં સુધી પીરસે. પછી રામદાસજીએ કહ્યું જે, ‘તમે નિષ્કામી તે અમારી ત્યાગીની શોભા ઘટાડો છો!’ ને ડોશીઓના થાળ જમવા માંડ્યા તેમાંથી કેટલાંક દુ:ખ આવ્યાં. માટે મોટેરો હોય તે ખાવા માંડે ને પાથરવા માંડે ત્યારે બીજા શેના રહેશે ? માટે આજ્ઞા પ્રમાણે જમવું ને મોક્ષ બગડ્યો ત્યારે બધું બગડી રહ્યું છે તે કોઈ કામમાં ન આવ્યું ને જીવને મનગમતું કર્યાનો સ્વભાવ છે તે ચાલ્યાનો, ખાધાનો મનગમતો સ્વભાવ છે, માટે સાધુનો મારગ શીખવો, સાધુની બોલી શીખવી ને સાધુનું જમવું શીખવું.
મર : ભલે.
(93) ઇન્દ્રિયું-અંત:કરણ છે તે મહાશત્રુ છે, તે મંદિરનો, સાધુનો, આચાર્યનો ને સત્સંગીનો અવગુણ લેવરાવે એવાં છે. ને મોક્ષ બગડ્યો ત્યારે શું સુધર્યું ? ને જગતમાં રોટલા સારુ બાપને કોઈ રાખતું નથી ને કદાપિ રોટલા મળ્યા તો પશુને ખાણ મળે છે તેમ ગણવું; તે પણ પશુ ભેળો પશુ છે.
બપોરે વાત કરી જે,
(94) પોતાને જે દોષ ન ઓળખાય તે પડખાવાળાને પૂછીએ ત્યારે જણાય ને પોતાની મેળે તો ગોપાળાનંદસ્વામી ને મુક્તાનંદસ્વામી જેવાને સૂઝે, માટે કોઈને પૂછવું; કેમ જે, થોડા કાળ જીવવું તે લાભ મોટો થઈ જાય.
(95) સારું સારું ખાય તેને પચાવવું કઠણ ને વળી ભગવાન ને સંત રાજી ન થાય.
(96) કેટલાંક હેત કરવાનાં ઠેકાણાં ને કેટલાંક હેત તોડવાનાં હોય, તે પણ જાણ્યાં જોઈએ. સ્ત્રી જાતિ હોય તે ઉપર તો હેત ન જ કરવું. તેમ જ ઇન્દ્રિયું-મન પણ એવાં છે, તે સાથે હેત કરે તેનું માથું કાપી નાખે; માટે સમાગમ વિના એ વાત સૂઝે નહિ. મુકુંદ બ્રહ્મચારી મોટા બહુ, પણ એમને સૂઝે નહિ જે, આને ખવરાવશું તો સત્સંગમાંથી જાતો રહેશે ને ગોપાળાનંદસ્વામી તથા મુક્તાનંદસ્વામી એવું હેત ન કરે. નિષ્કુળાનંદસ્વામી તો મૂળ જ કાપી નાખે ને કેવળાત્માનંદસ્વામી તો આગળથી ચેતે, માટે ઇન્દ્રિયું, મન ને કુસંગનો વિશ્ર્વાસ ન કરવો.
(97) આજ વરસાદના દુ:ખનું ભજન થાય છે ને પછી શિયાળાના દુ:ખનું ને પછી ઉનાળાના દુ:ખનું ભજન થાશે; ત્યારે પ્રભુ ક્યારે ભજાશે ? ને આ તો ‘વુઠે મેહે કાળ’ પડે છે, તે શું ? જે, આવા ભગવાન ને સંત ને આવો જોગ તેમાં જીવ કોરો રહી જાય છે !
(98) સીમાડો કાઢવો તે શું ? જે, આટલું ભોગવવું ને આટલા ભગવાન ભજવા ને તે વિના તો ઉંદરડી જેમ કુરકુર કર્યા કરે તેમ મન સંકલ્પ કર્યા કરે છે.
સંવત 1919ના અષાઢ સુદિ નવમીના દિવસે સ્વામીએ વાત કરી જે,
(99) ભગવાન ને તેના જન વિના દેહ, લોક, ભોગ ને પક્ષ એમાં ‘હું ને મારું’ થાય એ વાંકું ને નવધા ભક્તિ કરવી ને આજ્ઞા પાળવી એ પાધરું છે. આ સત્સંગ મેલીને હજારો માણસ વહ્યાં ગયાં, માટે ખબર વિના ને વિચાર વિના મળ્યો સત્સંગ મેલી દેવાય; માટે ભગવાન ને તેના જનને વિશે આત્મબુદ્ધિ, એ જીવનું શ્રેય છે ને દેહાદિકને વિશે મમત્વ છે, તે વિપરીત છે. અવિદ્યાનું બળ તો ઘણું છે, પણ જો ભગવાનના ભક્ત સાથે જીવ બાંધ્યો છે તો જય જ થાશે. તે,
યત્ર યોગેશ્વરઃ કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ ।
તત્ર શ્રીર્વિજયો ભૂતિર્ધ્રૂવા નીતિર્મતિર્મમ ॥
(ભગવદ્ ગીતા : 18/78)
અર્થ :- જ્યાં યોગેશ્ર્વર શ્રીકૃષ્ણ છે અને જ્યાં ધનુર્ધારી અર્જુન છે, ત્યાં લક્ષ્મી, વિજય, ઐશ્ર્વર્ય અને અવિચળ નીતિ છે, એવો મારો મત છે.
સૌ એક પંગતે જમીએ છીએ ને સૌને ભોંય પથારી છે તો પણ જીવનો સ્વભાવ તો કાંઈક ખોળી કાઢે ને ધોખો કરે. ને અમથો તો માળવણ ગાયની પેઠે પ્રેમ બહુ દેખાડે. તે એક જણ અમારી ભેળો આવ્યો હતો, પણ માળવણ ગાય જેવો, તે જેમ માળવણ ગાય ધ્રોડીને વાછડી પાસે જાય ને હાંહોટા બહુ કરે, પણ દૂધ તો મળે નહિ. તેમ માંહી કાંઈ હોય નહિ તે માળવણ ગાય જેવા. વહાલું હોય તે વરવા જોગ થાય છે તે જો પંચવિષયમાં હેત હોય તો તે વરી જાય ને ભગવાનમાં હેત હોય તો તે વરે. માટે ભગવાનના ભક્તને તો,
નેણ કુંરંગા નાગરિ, વરું તો વૃજરાજ નીકર રહું કુંવારી.
એવો જેનો ઢાળો છે તે ભગવાનને જ ગાય ને ભગવાનને જ સંભારે. આ જીવને ભગવાનને અર્થે કાંઈ કરવું તેમાં આળસ. તે થોડુંઘણું કરે છે, તેમાં પણ, ‘હવે ન કરીએ તો ઠીક.’ એવો આશય રહે છે. ને મોટાની દૃષ્ટિ એમ જે, કેમેય કરતાં સત્સંગમાં પાર પડે ને તેના જીવનું સારું થાય ને જીવને તો ભગવાન ને એકાંતિક સાથે વેર છે. બહુ જન્મની વિપરીત ભાવના થઈ છે તે ભગવાનમાં ન જોડાય ને સંબંધીમાં જોડાઈ જાય, પણ સંબંધી તો કેવા છે ? તે,
મિલે જો ઠગ જગમાંહીં મિત્ર કરી તાકું માને;
(મુક્તાનંદ કાવ્ય : મુકુન્દ બાવની-21)
ને આ ભેળું રહેવું તેમાં પરસ્પર હેત કરવું ને થોરનાં ડીંડલાં હોય તે પડ્યાં પડ્યાં પાલવે ને આ તો આંબા લીમડાનાં ડાળખાં તે ચોંટે પણ નહિ. ધીરજ ને ધર્મનું પારખ્યું આપત્કાળે ખબર પડે છે. તે ઉપર સાખી બોલ્યા જે,
ધીરજ, ધર્મ, મિત્ર, અરુ નારી; આપત્કાળ પરખી એહી ચારી.
(શ્રી રામચરિતમાનસ)
જે આ સાધુથી નોખો પડશે તે પંડે ઊડશે ને રજોગુણમાં તો બહુ દુ:ખ છે ને સાધુપણું વહેવાર કર્યે કળાય ને ક્રિયાએ કરીને ઓળખાય ને મરજીમાં રહે તે ઉપર સૌને હેત થાય છે, તે ભગવાનને પણ એમ જ ગમે છે ને માયાની મોટપ તો જેમ મડદું ફૂલ્યું તેમ છે.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
(100) જ્ઞાન ને વિવેક વિના હજાર ભેળા થાય તો પણ શું ? માટે મહારાજની આજ્ઞામાં રહે એ કાર્ય ને લોપે એ અકાર્ય ને બંધ-મોક્ષ, ભયાભય, તે સર્વ એમ જ છે. મહારાજની આજ્ઞા લોપાય કે મૂર્તિ મેલીને આડું અવળું જોવાય તે અજ્ઞાન છે. ને મહારાજની મૂર્તિ વિના તો બીજાં ધૂડનાં પડીકાં છે ને ઝાઝા માણસ ભેળાં થયાં તે આજ્ઞા લોપાય. પછી ‘ચોરને માથે કાગડો !’ તે શું ? તો, જ્યારે વાત થાય ત્યારે જાણે મારા ઉપર વાત કરે છે ને આટલા દાખડા કર્યા તેમાં કોઈ પાસેથી કાંઈ લીધું નથી કે કોઈ પાસે પગ દબાવ્યા નથી ને પ્રભુ ભજાવવા એ જ તાન છે. ધર્મ, ઉપાસના, નિયમ એ વૃદ્ધિ પમાડવાં છે ને જ્યાં અર્થ આવ્યો ત્યાં નિયમ પળવાનાં નહિ ને અર્થ તો ધર્મનો કુહાડો છે ને અધર્મી હજાર ભેળાં થાય તો ય શું ? ને કરોડ ભેળાં થાય તો ય શું ? ને મરને થોડા જ રહેશું તો પણ જો આજ્ઞા પાળશું તો ઘણા છીએ; કેમ કે, ભગવાન તો ધર્મ છે ત્યાં જ રહેશે; માટે ભક્તિ તો થાય એટલી કરવી, પણ આજ્ઞા લોપવી નહિ. ને ‘શિક્ષાપત્રી’ પાસે હોય ને આજ્ઞા લોપાય એ અજ્ઞાન છે.
મૂર્તિ : સંતો.
તાન : લગની, આગ્રહ, મસ્તી.
અર્થ : ધન, સંપત્તિ.
મરને : ભલેને.
(101) જે ખરેખરા ભગવદી છે તેને ભગવાનના ભજનની ને ધ્યાનની તાણ રહ્યા કરે ને કથાવાર્તા તો ચારો કહ્યાં છે ને માળો તે ભગવાનની મૂર્તિ કહી છે ને જીવને અનાદિની અવળી ઘાંટી પડી છે, તે કોઠારી, ભંડારી ને મોટેરા એ ત્રણ જુદા છે ને કહેશે, ભાઈને બધું આવડે છે પણ કરવું હોય તે ન થાય, એ વિપરીતપણું છે.
મૂર્તિ : સંતો.
(102) જેવું શાસ્ત્રમાં પામવાનું કહ્યું છે ને જેવી પ્રાપ્તિ કહી છે તેવી પ્રાપ્તિ આપણને થઈ ને સંગ, સ્થાન ને શ્રદ્ધા એ ત્રણે સારાં છે; તે પુરુષને લઈને આઠે વાનાં છે ને મંદિરમાં, મંડળમાં તેમ જ પ્રવર્તે છે.
વાનાં : વસ્તુઓ. (બ.વ.)
(103) મહારાજે બધું મૂકીને પુસ્તક ઉપાડ્યું; તે પુસ્તકમાંથી જ્ઞાન શિખાય ને મોક્ષની રીતની ખબર પડે ને બીજાને તો ધર્મ, અર્થ અને કામ પર જ નજર છે ને શાસ્ત્રમાં પણ કેટલાક ભેદ પડી ગયા છે; તે એક કહે, ‘બ્રહ્મહત્યા તે શું ? તો જે દારૂ પીવે તેને બ્રહ્મહત્યાનું પાપ લાગે છે.’ ને એક,
પીત્વા પીત્વા પુનઃ પીત્વા, પીત્વા પતન્તિ ભૂતલે ।
ઉત્થાય ચ પુનઃ પીત્વા, પુનર્જન્મ ન વિદ્યતે ॥
(ચાર્વાક)
અર્થ :- જેઓ મદ્ય (દારૂ) પી પીને ફરી ફરી પીને પૃથ્વી પર પડે છે, વળી ઊભા થઈને ફરીવાર પીવે છે તેનો બીજો જન્મ થતો નથી.
એમ કહે છે. માટે અસત્શાસ્ત્રમાં ને સત્શાસ્ત્રમાં એટલો ફેર છે. માટે સત્શાસ્ત્ર, સ્થાન, સત્પુરુષ, શ્રદ્ધા ને રૂડા દેશકાળ એ પાંચ વાનાં જ વૃદ્ધિ પામ્યાનો ઉપાય છે. મહારાજ ને આ સાધુ જેણે રાખ્યા છે તેને સર્વે વાતે સાનુકૂળ છે.
અર્થ : ધન, સંપત્તિ.
વાનાં : વસ્તુઓ. (બ.વ.)
(104) ભગવાનમાં અતિશે સ્નેહ હોય, ત્યાગનું અંગ હોય, વૈરાગ્ય હોય, ગમે એવા ગુણ હોય, પણ અહંકાર ભગવાનના ભક્તને ન જોઈએ. એવો સ્વભાવ પર્વતભાઈનો હતો ને તેવા હાલ કલ્યાણભાઈ છે ને પૂંજો ડોડીઓ મહારાજને દર્શને આવ્યા, તે ઘનશ્યામદાસને મહારાજે કહ્યું જે, ‘એને રોટલા ખવરાવો.’ ત્યારે તે કહે, ‘એવા ચીંથરિયાને રોટલા શું ખવરાવે ?’ પણ ગરીબ જેવો હોય તે મહાસમર્થ હોય પણ કોઈને ઓળખાય નહિ. તે ઉપર વાત કરી જે, અખો જેવાં તેવાં લૂગડાં પહેરીને હવેલીમાં ગયો ત્યારે પેસવા ન દીધો ને પછી સારાં લૂગડાં પહેરીને ગયો ત્યારે પેસવા દીધો.
પ્રકરણ 9 ની વાત 335
(105) પંચવિષયમાંથી એક પણ જોઈતો હોય તેને કજિયો થયા વિના કેમ રહે ? ને આ તો ભેળા રહ્યા તે કહ્યા વિના કેમ ચાલે ? માટે કહીએ છીએ, પણ અંતરમાં કાંઈ ન મળે. કોઈ ઉપર કટાક્ષ કરે તેને ભજનનું સુખ હોય તે જાતું રહે; માટે કોઈ ઉપર કટાક્ષ ન કરવો.
સંવત 1919ના અષાઢ સુદિ દશમીને દિવસે સ્વામીએ વાત કરી જે,
(106) ચૂડાના કરસનજીની પેઠે આપણને દેહનો, લોકનો ને ભોગનો અભિનિવેશ થયો છે. ત્યારે પૂછ્યું જે, ‘તે ટાળ્યાનો શો ઉપાય છે ?’ ત્યારે કહે જે, ‘અફીણ ખાધાનો આપણને ઘાટ નથી ને સાપને સ્વપ્નામાં પણ ઝલાતો નથી, તેમ જેને એવું જ્ઞાન થયું જે, એમાં તો દુ:ખ જ છે તેને તો ઘાટ ન થાય.’ ને જેમ સિકંદરની પૂતળી તરફ વહાણવાળા જાય જ નહિ, તેમ આજ્ઞા બહાર તો ઘાટ જ કરવો નહિ ને સંબંધી, લોક, ભોગ, દેહ, મેડી, હવેલી તેમાં અજ્ઞાને કરીને સુખ મનાણું છે.
પ્રકરણ 11 ની વાત 195
અભિનિવેશ : સત્યથી અલગ પોતાની માન્યતાનો દઢ નિશ્ર્ચય.
ઘાટ : માયિક સુખ ભોગવવાનો સંકલ્પ, વિકારનો સંકલ્પ.
(107) સર્વે ભગવાનનું કર્યું થાય છે, માટે મનને મતે ચાલવું નહિ. ને દેહ તો દાળ રોટલે રહે છે, ને જેટલા વિષય છે તેમાં પાર વિનાની પીડા રહી છે ને જેટલા પદાર્થ, ઘોડા, બળદ, ઘરેણાં તે સર્વેમાં પીડા રહી છે ને એ પદાર્થ જાય તો પેટ નાખીને મરે; માટે અજ્ઞાને કરીને સુખ મનાણું છે, તે જ્ઞાન થાય તો સુખ ન મનાય; પણ જ્ઞાન તો એક દિવસમાં ન થાય, એના તો ઘા લાગ્યા છે તે પાટાપીંડી કરે તો મટે. પકવ કર્મ થયાં છે તે જ સ્વભાવ છે ને લીંબોળીમાં જેમ લીમડો છે, તેમ પકવ કર્મમાં સ્વભાવ છે.
(108) સો રૂપિયાના મૂલવાળું લૂગડું ઓઢે ત્યારે ઉપવાસ કરે ત્યારે તેનું દુ:ખ મટી જાય. માટે તારાળાં, કોરાળાં તથા તળ્યાં-તાવ્યાં એ સર્વે મોહ છે. માટે,
સમદુઃખસુખઃ સ્વસ્થઃ સમલોષ્ટાશ્મકાઞ્ચનઃ ।
તુલ્યપ્રિયાપ્રિયો ધીરસ્તુલ્યનિન્દાત્મસંસ્તુતિઃ ॥
(ભગવદ્ ગીતા : 14/24)
અર્થ :- જેને મન દુ:ખ અને સુખ સમાન છે, જે સ્વસ્થ છે, જેને મન ઢેફાં તથા સોનું સમાન છે, જેને મન પ્રિય અને અપ્રિય સમાન છે, જે ધીરજવાન છે, અને જેને મન પોતાની સ્તુતિ કે નિંદા સમાન છે તે પુરુષ ગુણાતીત કહેવાય છે.
એવું થાય ત્યારે મૂળમાંથી જાય ને કારણ દેહમાંથી નીકળશે ત્યારે સુખ થાશે; નહિ તો, નિદ્રામાં પણ એ સ્વભાવ ઊભા છે ને રાજાના સિપાઈનું જીન તો રાતે ઊતરે, પણ સાધુનાં જીન તો રાતે પણ ન ઊતરે.
ઉદ્ધવ સોઈ સાચે મમ દાસ હે;
મન ઇન્દ્રિય કે કૃત્યસે ન્યારો, એકાંતિક મન જાસ હે;
મુક્તાનંદ સો સંત કે ઉર બીચ, મેરો પ્રબળ પ્રકાશ હે. ઉદ્ધવ0
(શ્રી સ્વામિનારાયણ હજારી : 249-4/3)
ભાગવત ધર્મમાં કહ્યું છે જે, મનના અસંગને શીખવું ને ભગવાનના જનથી ઉથડક ન થાવાય એમ શીખવું ને માન હોય, કામ હોય કે અતિ લોભ હોય તો પણ સત્સંગ ન રહે. એક પહોર ભક્તિનો છે ને બાકી બે પહોર ઊંઘવું ને બીજો કાળ રહ્યો તે ભગવાન ભજવાનો છે ને તેમાં જે બે પહોરથી વધુ સૂઈ રહેવું તે કલ્યાણનો ખપ ન કહેવાય. માટે એ મારગ આપણો ન કહેવાય. સૂઈ રહેવું તે તો સાપનો મારગ છે. વિદ્યા ભણે છે, તે પણ પાઠ લઈને પડતું મૂકે તો ન આવડે, તેમ બે લક્ષણ સાધુનાં આવ્યાં હોય ને કાચું જ્ઞાન હોય તો જ્ઞાન ટળી જાય, તેમ વૃદ્ધિ પમાય ને ઘટી જવાય; માટે વારંવાર વિચારે ત્યારે ઇયળમાંથી જેમ ભમરી થાય તેમ વૃદ્ધિ પામે ને
બ્રહ્મભૂતઃ પ્રસન્નાત્મા ન શોચતિ ન કાંક્ષતિ ।
સમઃ સર્વેષુ ભૂતેષુ મદ્ભક્તિં લભતે પરામ્ ॥
(ભગવદ્ ગીતા : 18/54)
અર્થ :- બ્રહ્મભાવને પ્રાપ્ત થયેલો તે પ્રસન્ન ચિત્ત મનુષ્ય કશાનો શોક કરતો નથી કે કશાની આકાંક્ષા કરતો નથી અને સર્વ ભૂતોમાં સમભાવથી રહેતો થકો મારી પરમ ભક્તિને પામે છે.
નિજાત્માનં બ્રહ્મરૂપં દેહત્રયવિલક્ષણમ્ ।
વિભાવ્ય તેન કર્તવ્યા ભક્તિઃ કૃષ્ણસ્ય સર્વદા ॥
(શિક્ષાપત્રી શ્ર્લોક : 116)
અર્થ :- સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ જે ત્રણ દેહ તે થકી વિલક્ષણ એવો જે પોતાનો જીવાત્મા તેને બ્રહ્મરૂપની ભાવના કરીને પછી તે બ્રહ્મરૂપે કરીને શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ જે તે સર્વ કાળને વિશે કરવી.
સતાં પ્રસઙ્ગાન્મમ વીર્યસંવિદો ભવન્તિ હૃત્કર્ણરસાયનાઃ કથાઃ ।
તજ્જોષણાદાશ્વપવર્ગવર્ત્મનિ શ્રદ્ધા રતિર્ભક્તિરનુક્રમિષ્યતિ ।।
(શ્રીમદ્ ભાગવત : 3/25/25)
અર્થ :- સત્પુરુષોના સમાગમથી મારા પરાક્રમોના યથાર્થ જ્ઞાન કરાવવાવાળી તથા હૃદય અને કાનોને પ્રિય લાગવાવાળી કથાઓ હતી. એના સેવન કરવાથી શીઘ્ર જ મોક્ષમાર્ગમાં શ્રદ્ધા, રતિ અને ભક્તિનો ક્રમશ: પ્રાદુર્ભાવ થઈ જાય છે.
પ્રસંગમજરં પાશમાત્મનઃ કવયો વિદુઃ ।
સ એવ સાધુષુ કૃતો મોક્ષદ્વારમપાવૃતમ્ ॥
(શ્રીમદ્ ભાગવત : 3/25/20)
અર્થ :- ‘સંગ એ આત્માનુ જબરું બંધન છે.’ એમ કવિઓ કહે છે. એ જ સંગ જો સાધુ પુરુષો સાથે કરવામાં આવે તો મોક્ષનું દ્વાર ખુલી જાય છે.
એનો વિસ્તારથી અર્થ કર્યો.
રહૂગણૈતત્તપસા ન યાતિ ન ચેજ્યયા નિર્વપણાદ્ ગૃહાદ્વા ।
ન ચ્છન્દસા નૈવ જલાગ્નિસૂર્યેર્વિના મહત્પાદરજોડભિષેકમ્ ।।
(શ્રીમદ્ ભાગવત : 5/12/12)
અર્થ :- હે રહૂગણ ! આ પ્રકારના જ્ઞાની મહાપુરુષોની ચરણરજને શિર પર (માથા ઉપર) ધારણ કરવા સિવાય તપ, યજ્ઞ, અન્નાદિનું દાન, ગૃહસ્થોને ઉચિત ધર્મનું પાલન, વેદનું અધ્યયન અથવા જળ, અગ્નિ અથવા સૂર્યની ઉપાસના વગેરે કોઈપણ સાધનથી પ્રાપ્ત થઈ શકતા નથી.
માટે મોટા બ્રહ્મરૂપ હોય તે બ્રહ્મરૂપ કરે. હાંસી, ઠેકડી, મશ્કરી કરવી એ રજોગુણનો મારગ છે ને સાધુપણે વરતવું તે સાધુનો મારગ છે.
શૂરવીરનાં લક્ષણ જે સામા ચાલે. તે ઉપર વાત કરી જે, ઘાંચીની સ્ત્રીએ ગરાસિયાની સ્ત્રીની મશ્કરી કરી જે, ‘બાઈ, તમારો ધણી નિર્બળ ને બંધાણી છે ને મારો પુષ્ટ ને જોરાવર છે.’ પછી તે વાત તેણે તેના ધણીને કરી. ત્યારે તે કહે, ‘કોઈ વખત આવે વાત !’ પછી ધાડું હઠાવવા વારે ચડવું હતું ત્યારે શૂરવીરપણું આવેલ, તે વખતે ઘાંચીને ત્યાં જઈ ઘાણી ઉપરથી કોશ લઈને ઘાંચીની ડોકમાં કાંઠલો કરી પહેરાવી દીધી, પછી વારને કાઢીને પાછો આવ્યો ત્યારે ઘાંચી કરગરીને કહે, ‘કાઢો.’ તો કહે, ‘હવે નીકળે નહિ; પણ ટાણે વાત. હું તો નિર્બળ છું, ટેટું છું, તે નીકળે નહિ.’ પછી બીજી વખતે એવું ટાણું આવ્યું ત્યારે શૂરાતન આવ્યું તે કોશ કાઢી નાખી. તે ક્ષત્રી હોય તેને ધિંગાણું થાય ત્યારે કાંટો આવે ને સાધુને તો સદાય કાંટો મટે જ નહિ ને એનો સંગ કરે તેને સાધુ કરી મૂકે ને એને જોઈ જોઈને સાધુ થઈ જવાય. તે મુક્તાનંદસ્વામીને આવતા જોઈને મહારાજ પણ કાંઈ રમૂજ કરતા હોય તે રહી જાય; માટે સાધુને દેખીને લાજ આવે છે. બીજાનું તો ખમાય પણ માંહોમાંહીનું ન ખમાય, ત્યારે પૂરું સાધુપણું આવ્યું નથી ને આનું ખમાય ને આનું ન ખમાય એમ સાધુને હોય નહિ. સાધુ હોય તે તો બધાયનું ખમે, તે સ્વભાવ જ એનો એવો જે ખમે જ. માટે અંબરીષના જેવી સાધુતા શીખવી, તે સાધુતાની ટાણે ખબર પડે.
કોરાળાં : કોરાં નવાં.
અર્થ : ધન, સંપત્તિ.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
ઉથડક : ઉપરચોટિયું, બંધબેસતું કે ચોંટતું ન હોય તેવું.
પહોર : પ્રહર, ત્રણ કલાક.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
કોશ : નરાજ, ખોદવાનું લોખડનું એક ઓજાર.
ખમાય : સહન કરાય, ક્ષમા કરાય.
(109) જેમ કોઈ પરણવાના આદરમાં તથા કોઈ ખેતી કરવાના ને વેપાર કરવાના આદરમાં મંડ્યા છે; તેમ આપણે સાધુતા શીખ્યાના આદરમાં રહેવું ને પૃથ્વીની પેઠે સર્વેનું ખમવું ને સર્વેનું હિત કરવું. તે,
દોષ હરન શીતલ કરન, ઘનસમ સંત સુધીર;
મુક્ત જ્ઞાન જળ વર્ષકે, હરત સબ કી પીર.
(મુક્તાનંદ કાવ્ય : વિ.ચિ.-સાધુ કો સંગ-4)
સાચે સંત મિલે કમી કાહું રહી, સાચી શીખવે રામકી રીતકું જી,
(કીર્તન મુક્તાવલિ : સાધુ કો અંગ)
માટે એવી સાધુતા આવી તો તેથી પર કોઈ વાત નથી, માટે આવા સાધુ ગુરુ કહેવાય ને ગુરુ શબ્દ મોટાનું નામ કહેવાય, તે ભગવાનને પણ ‘ગુરુણામ્ ગુરુ’ કહ્યા છે પણ ભગવાનને તો તેના ભક્તથી કોઈ મોટું નથી. માટે દેહ સારુ એનો અવગુણ ન લેવો ને એમનાથી ઉથડક ન થાવું ને આ ગારા, તેમાં પોઠિયા હાંકતા હશે ને કેટલેક ઠેકાણે ઢોલ વાગતા હશે ને ક્યાંઈક ઓશલા કુટાતા હશે. ને જગતમાં ક્રિયા કરે તે તો હરખે કરીને કરે છે, ને આંહીં તો ભાઈબાપા કરવું પડે છે; માટે આહાર ને ઊંઘ તે વધાર્યાં વધે ને ઘટાડ્યાં ઘટે છે.
કમી : ખોટ, કસર, ઉણપ.
ઉથડક : ઉપરચોટિયું, બંધબેસતું કે ચોંટતું ન હોય તેવું.
ભાઈબાપા : વિનવણી, કાલાવાલા.
(110)
વિદ્યા જાણવી તેણે સુખ ન ઇચ્છવું.
કોઈ વીંધે આવી કાનને રે, કરીને કળ છળ;
પણ સમજો તેના તાનને રે, પહેરાવશે કુંડળ.
(કીર્તન મુક્તાવલિ : 1055)
જ્ઞાન વિનાનાને તો શાસ્ત્રમાં પશુ લખે છે, ને જ્ઞાન વિના જ્ઞાન કરવા જાય તો કુંતાજીનું કુત્તાજી જેવું થાય.
બપોરે વાત કરી જે,
(111) સ્વભાવ મૂકીને સુખ શાંતિને પામવું ને આંહીં જેટલી આળસ રાખશું તેટલું આગળ લાંબુ થાશે. ને આંહીં એક દિવસ સાધન કરે ને આગળ જઈને સો કે હજાર દિવસ સાધન કરે પણ આંહીંની બરાબર ન થાય ને સર્વે આંહીંની કમાણી ખાય છે; કાં જે, આ કર્મક્ષેત્ર છે.
(112) દેશકાળ કેમ લાગતા હશે ? ત્યારે ઉત્તર કર્યો જે, જેવા શબ્દ સાંભળે એવો જીવ થાય છે તે ભૂંડા શબ્દ સાંભળે તેમાં બુદ્ધિ ભૂંડી થઈ જાય, ત્યારે દેશકાળ લાગ્યો કહેવાય.
(113) સાધુ થયા તેને બીજો ઘાટ નથી જે, આટલું ખમાશે ને આટલું નહિ ખમાય. બ્રાહ્મણ કે વાણિયાની કન્યા હોય તેને એક જ વાર પીઠી ચોળાય.
ઘાટ : માયિક સુખ ભોગવવાનો સંકલ્પ, વિકારનો સંકલ્પ.
સંવત 1919ના અષાઢ સુદિ એકાદશીને દિવસે સ્વામીએ વાત કરી જે,
(114) આપણે લોઢાને પાનાં કઢાવીએ છીએ તેનું તાન એ છે જે, કારખાનાં ચલાવવાં છે; તેમ જેને ભગવાન ભજવાનું તાન હોય તે વાતું સાંભળીને તે પ્રમાણે વરતે ત્યારે સુખ આવે ને આ સત્સંગ મળ્યો ને આવા પ્રગટ પ્રમાણ ભગવાન ને સંત બોલતા ચાલતા મળ્યા, ત્યારે કૃતાર્થ માની વિષય ત્યાગ્યા જોઈએ. તે વિષય તો ભગવાનના મારગથી પાડે એવા છે ને કોઈકને જેમ ધૂડ ખાધાનું બંધાણ થયું હોય, તેમ જીવને વિષયનું બંધાણ થઈ ગયું છે ને વિષય ઝેર જેવા કર્યા તોય તેને ભોગવવા, તે મોટું અજ્ઞાન છે ને જેટલા વિષયમાં બંધાણા છીએ તેટલા બદ્ધ છીએ ને જેટલા મુકાણા છીએ તેટલા મુક્ત છીએ.
ને આટલું જ સિદ્ધાંત કર્યું જે, વિષયનો ત્યાગ કરવો ને ભગવદીનો સંગ કરવો, એ જ મોક્ષનો મારગ છે. ને દ્રવ્ય કમાઈને ભેળું કર્યું હોય તેનો મહિમા ઘણો હોય ને વગર દાખડે મળ્યું હોય તેનો એટલો મહિમા હોય નહિ; તેમ આપણને આ સત્સંગ મળ્યો તે વગર દાખડે મળ્યો છે, તેથી જીવને તેનો મહિમા નથી ને ‘પંચસંધી’ લઈને બેસી રહે ને પાઠ ન લે તેને આવડે નહિ; તેમ સત્સંગમાં આવીને ગાફલ થઈને બેસી રહ્યા છે, તેના હૈયામાં સત્સંગ ન થાય. આ સમાગમ જેવી બીજી કોઈ વાત નથી, પણ શાસ્ત્ર સાંભળીને કે મોટાનો સંગ કરીને એવી રુચિ નથી કરી, તેને સમાગમનું સુખ કેમ આવે ? માટે સારી રુચિ કરવી ને ‘શિક્ષાપત્રી’, ‘નિષ્કામશુદ્ધિ’ ને ‘સતીગીતા’ એમાં તો કાંઈ ખાધાનું કહ્યું નથી. ને આ તો બહુ ઉત્તમ પુરુષની વાતું તે કનિષ્ઠને ફાવે નહિ.
તાન : લગની, આગ્રહ, મસ્તી.
કૃતાર્થ : જેનું કાર્ય સિદ્ધ થઈ ચુકયું છે તે, ધાર્યું કાર્ય પાર પડ્યાનો આનંદ.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
(115) શ્રવણ, મનન ને નિદિધ્યાસ કરીને ઠરાવ કરીએ તો સ્થિતિ ન ફરે ને એવો વિચાર કરવો જે તેમાં બીજું કાંઈ પેસી શકે નહિ ને આવી વાતું સારુ તો બાદશાહે બાદશાહી મૂકી છે. સ્ત્રી પુરુષનો ત્યાગ કરે છે ને જડભરતે મળની પેઠે ત્યાગ કર્યું. માટે આવી વાતમાં જીવ પેસે નહિ એટલે બીજી સુવાણ અને ડોળ ગમે ને આવી વાતું હૈયામાં પેઠી હોય તેને બીજી વાત ગમે નહિ.
વાણી ગુણાનુકથને શ્રવણૌ કથાયાં હસ્તૌ ચ કર્મસુ મનસ્તવ પાદયોર્નઃ ।
સ્મૃત્યાં શિરસ્તવ નિવાસજગત્પ્રણામે દૃષ્ટિઃ સતાં દર્શનેઽસ્તુ ભવત્તનૂનામ્ ॥
(સત્સંગિજીવન : 1/59/86 તથા ભાગવત 5/5/2; 10/10/38)
અર્થ :- ગુણોના પુન: પુન: કથનમાં વાણી, સેવામાં હાથ, ચરણકમળની સ્મૃતિમાં મન, મસ્તક આપને પ્રણામ કરવામાં, અને આંખ આપના અને આપના સંતોનાં દર્શનમાં રહે. ને
અહો બકીયં સ્તનકાલકૂટં જિઘાંસયાપાયયદપ્યસાધ્વી ।
લેભે ગતિં ધાત્ર્યુચિતાં તતોન્યં કં વા દયાલું શરણં વ્રજેમ ॥
(શ્રીમદ્ ભાગવત : 3/2/23)
અર્થ :- અહો ! આ દુષ્ટ બકીએ હણવાની ઇચ્છાથી સ્તનમાં રહેલું કાલકૂટ ધરાવ્યું, છતાં તેને માતાને યોગ્ય ફલ પ્રાપ્ત થયું. તેમનાથી બીજા ક્યા દયાળુને શરણ આપણે જઈએ ?
એમ કહીને મહારાજને પોતાનો દયાળુ સ્વભાવ ને મહિમા બતાવવો છે, પણ તે સમજાય નહિ. ને આપણું પ્રારબ્ધ તો જેમ ગોપાળાનંદસ્વામીને કાનમમાં નાગલી જારનો લોટ મળ્યો હતો તેવું છે. ને આવાં બેસવાનાં ઘર કેને છે ? માટે સર્વે પ્રકારે ભગવાને સાનુકૂળ કર્યું છે, તે ઘણા જીવોને નભાવવા માટે આવું કર્યું છે.
નિદિધ્યાસ : ઇષ્ટદેવ કે પરમતત્ત્વનું નિત્ય ચિંતન.
સુવાણ : સુગમ, સરળ, સહેલું. આરામ, આનંદ, હૂંફ.
ડોળ : આડંબર, દેખાવ, દંભ.
અર્થ : ધન, સંપત્તિ.
પ્રારબ્ધ : પૂર્વનાં કર્મફળના સંગ્રહમાંથી વર્તમાનકાળે જે દેહ છે તે સંબંધી સુખ-દુ:ખ.
(116) પ્રથમ મહારાજ પ્રગટ્યા ત્યારે રૂડાં વરસ ને અન્ન અને ઘી ગોળ સોંઘાં, એવો કાળ હતો. મહારાજ હાજા મેરને ઘેર ગયા તે સાત દિવસ સુધી રહ્યા ને મેહ બહુ જ વરસ્યો. પછી દૂધ ને લોટ ખાવાનો ને સવારે દહીં ને લોટ ખાવાનો. તે દૂધની એવી છત જે એક રોટલો દે તો પણ દૂધ મળે. માટે ભગવાન હોય ત્યાં રસમાત્ર હોય ને લક્ષ્મી તો આગળથી જ વસે છે; ત્યાર પછી દૈત્યનું બળ થયું ને કાળ પડ્યો.
(117) આવા સમાગમમાં નિવાસ થયો છે, પણ જીવને સુવાણ નથી થાતી ને ગોપાળાનંદસ્વામી, ક્રૃપાનંદસ્વામી એવા એવા ભેળા રાત્રિપ્રલય સુધી રહે ત્યારે સત્સંગ થાય, એવો સમાગમ મળ્યો છે; તે મહારાજના વખતથી પણ આજ બહુ ભારે જોગ છે. પણ મતિ અલ્પ ને વાત મોટી મળી ! માટે જો રહસ્ય જાણનાર તેવા ખરા સાધુના જોગમાં રહે તો જેમ છે તેમ સમજાય ને સુખિયા રહેવાય.
સુવાણ : સુગમ, સરળ, સહેલું. આરામ, આનંદ, હૂંફ.
રાત્રિપ્રલય : અજ્ઞાનપ્રલય, પ્રકૃતિપુરુષ અને પ્રકૃતિપુરુષનું કાર્ય નજરમાં ન આવે ને ભગવાનના કર્તાહર્તાપણામાં સંપૂર્ણ નિર્દોષબુદ્ધિ એવી શુદ્ધ સમજણની સિદ્ધદશા.
બપોરે વાત કરી જે,
(118)
તસ્માદ્ ગુરું પ્રપદ્યેત જિજ્ઞાસુ: શ્રેય ઉત્તમમ્ ।
શાબ્દે પરે ચ નિષ્ણાતં બ્રહ્મણ્યુપશમાશ્રયમ્ ।।
(શ્રીમદ્ ભાગવત : 11/3/21)
અર્થ :- તેથી ગુરુને શરણે જવું, તે જ જિજ્ઞાસુનો ઉત્તમ શ્રેય છે. શબ્દ જ્ઞાન અને પરમ જ્ઞાનમાં નિષ્ણાત અને બ્રહ્મમાં જેણે શાંતિનો આશ્રય કર્યો છે તેવા ગુરુને શરણે જવું.
ગુરુ વિના સર્વદેશી જ્ઞાન કહેતાં આવડે નહિ ને સર્વે પૃથ્વીનું રાજ્ય મળ્યું ને સત્સંગ ખોયો, ત્યારે શું કમાણા ? ને આ દર્શન જેવાં તેવાં નથી ! આ તો બહુ દુર્લભ છે.
અર્થ : ધન, સંપત્તિ.
(119) ત્રણ ગ્રંથ પ્રમાણે વરતીને મહારાજની ભક્તિ કરે તે બ્રહ્મરૂપ થઈ ગયો છે ને છાવણીમાં એવી વાતુંનો ઉપાડ કર્યો, તે એકાંતરા જ રસોઈ થાય ને ડાહ્યો, વિવેકી, પંડિત ને બુદ્ધિવાન કેને કહીએ ? તો દેશકાળાદિક આઠ વાનાંએ કરીને મોક્ષ બગાડે નહિ તેને.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
સંવત 1919ના અષાઢ સુદિ તેરસને દિવસે સ્વામીએ વાત કરી જે,
(120) મોહ ને પ્રમાદ તેણે કરીને આ જીવને કાંઈ સૂઝે નહિ ને પોતાનું તો સારું કરતાં આવડે નહિ. માટે અજ્ઞાન ટળે ત્યારે જીવ સુખિયો રહે ને પંચવિષયે જીવને ઝાલ્યો છે, કાં તો પક્ષે ઝાલ્યો છે.
(121) ગમે એટલા દિવસ સત્સંગમાં રહે, પણ પોતાની મેળે સાધુ ઓળખાય નહિ પણ જેણે સાધુ ઓળખ્યા તેને કોઈક સંસ્કાર છે. એક સાધુનાં મહારાજે વખાણ કર્યાં, પણ નિર્વિકારાનંદ ભેળો રહે, તેમ ઓળખાય નહિ; તેનું નામ અનુભવાનંદસ્વામી. વિષ્ણુવલ્લભદાસને સંસ્કાર એટલે સંસારમાં રહી શક્યા નહિ. નાગડકામાં મહારાજે કહ્યું જે, ‘જેને જેની સાથે હેત હોય તે કહો.’ ત્યારે વસ્તા ખાચરે અને નાગભાઈએ જ કહ્યું. માટે ચાર ઘાંટી ભારે છે. ઉત્તમ વિષયના કજિયા છે તે દાતણ સુધી કજિયા છે ને શેરડીના સાંઠા આંખો મીંચીને મહારાજે લેવરાવ્યા, તે ચંચવાળીને (સ્પર્શદ્વારા શોધીશોધીને) જાડો લે ને હાથમાં પાતળો આવે તો મૂકી દે તે વાંસે પાતળા પડી રહ્યા ને દાતણ લેવા કણબી બાવળે ચડ્યો, તે પડીને મરી ગયો; માટે ઉત્તમ વિષયમાં સૌને રાગ છે ને ભગવાનના ભક્ત છે તેમાં કોઈને રાગ નહિ હોય ? પણ તેમાંય ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠપણું છે ને કોઈને કાંઈ વિષય ન જોઈએ છતાં મોક્ષનો ખપ રાખતા નથી. માટે અજ્ઞાન તો ભગવાનના જન સાથે જેણે જીવ બાંધ્યો હશે તેનું ટળશે ને સમાધિ થાય તો પણ મોટા સાથે જીવ બાંધ્યા વિના અજ્ઞાન ન ટળે ને સત્સંગ સમજ્યા વિના તો બોલતાં પણ ન આવડે. તે કડીમાં મંડળ ગયું તે બીજા સંપ્રદાયવાળા ભણેલ તે કહે, ‘અમે ભણેલા છીએ તે આવો પૂછવું હોય તે પૂછો.’ પછી વહેલું ચાલવું પડ્યું.
વાંસે : પાછળ.
(122) કાળ ચાલ્યો જાય છે ને ખબર પડતી નથી તે પ્રથમ બ્રહ્માનંદસ્વામી આંહીં આવ્યા, તેને પાંત્રીસ વરસ થઈ ગયાં. માટે કાળ તે ચાલ્યો જાશે ને ભગવાન ને સંતનું ગમતું નહિ થાય ને પદાર્થ રાખશે તે કાંઈ કામ નહિ આવે ને બીજા લોકમાં રહેવું પડશે ને કસર રહી જાશે. માટે ચાર ઘાંટી ઓળંગવી.
કસર : ખોટ, ઉણપ.
(123) આ જીવનો સ્વભાવ એવો છે જે, હું જેવો કોઈ ડાહ્યો નથી. તે પોતાની બુદ્ધિ સવા શેર ને બીજાની પોણો શેર. પણ ચાર ઘાંટી ઊતર્યા તો તેથી પર વાત કોઈ નથી ને પોતામાં એકે ગુણ ન હોય ને સરસ માની બેસે ને પોતાથી સોગણા શ્રેષ્ઠ હોય તેને પણ ગણે નહિ ને સમજ્યા વિના બોલે ને હળદરનો ગાંઠિયો હાથ આવ્યો તે ગાંધી થઈ બેઠો; માટે પ્રભુ ભજવા હોય તેને જ્ઞાન ને વૈરાગ્ય બેય જોઈએ. તેવી સાધુતા તો સમાગમમાંથી આવે છે, પણ બીજા કોટિ ઉપાયે જ્ઞાન ન થાય ને દોષ ન ટળે. ને સાધુમાં જીવ બાંધ્યો હોય તેને સાધન કરવાં કઠણ પડે નહિ, તે પ્રથમનાં 54માં વચનામૃતમાં સાધુના સંગમાં જ સર્વે સાધન બતાવ્યાં છે ને તેમાંથી જ મોટા મોટા ગુણ આવે છે. તે ઉપર શ્ર્લોક બોલ્યા જે,
ન હ્યમ્મયાનિ તીર્થાનિ ન દેવા મૃચ્છિલામયા: ।
તે પુનન્ત્યુરુકાલેન દર્શનાદેવ સાધવ: ।।
(શ્રીમદ્ ભાગવત : 10/84/11)
અર્થ :- જળમય તીર્થો અને માટી અથવા પથ્થરના ભગવાન ઘણા દિવસો સુધી સેવા કરવાથી પવિત્ર કરે છે. પરંતુ સજ્જન (સાધુજન)ના દર્શનમાત્રથી કૃતાર્થ થઈ જઈએ છીએ.
એવું જ્ઞાન સાધુના સમાગમમાંથી આવે છે. માટે પ્રમાદે કરીને કરવાનું હોય તે રહી જાય, ને આવી વાતું વિચાર્યા વિના, ધાર્યા વિના બહુ ફેર રહી જાય છે. તે કેવો ? તો ઊગમણી દિશાએ જણસ ખોવાણી, ને આથમણા ગોતવા ચાલ્યા. માટે સત્સંગમાં રહેતે રહેતે કુસંગી થઈ જવાય ને ઉપરનો ડોળ તો કરે, પણ માંહી તો કાંઈ ન રહ્યું હોય.
કૃતાર્થ : જેનું કાર્ય સિદ્ધ થઈ ચુકયું છે તે, ધાર્યું કાર્ય પાર પડ્યાનો આનંદ.
જણસ : કીમતી ચીજ, વસ્તુ, પદાર્થ.
ગોતવા : શોધવા.
ડોળ : આડંબર, દેખાવ, દંભ.
(124) પ્રથમ એક ઊંઘ આવે ત્યાર પછી સુવાય નહિ ને વિદ્યા હોય, ધર્મ હોય, બુદ્ધિ હોય; પણ ભગવદીનો અવગુણ આવે તો ભગવાનનો કોપ થાય. તે ઉપર સ્તુતિનિંદાનું વચનામૃત લોયાનું 17મું વંચાવ્યું.
બપોરે વાત કરી જે,
(125) દેશકાળમાં જીવ ફરે નહિ, તે તો બહુ જન્મના સંસ્કાર હોય તો ન ફરે; નીકર તો ઉપાસનામાં ગડબડાટ થાય ને કાં પંચવિષયમાં ગડબડાટ થાય ને આવા સત્સંગમાં રહીને જીવ ડોલે છે ત્યારે તેને સત્સંગ જ નથી મળ્યો !
(126) સુરતમાં ગયા તે સદ્ગુરુના મંડળમાંથી તેર જણ ગયા. માટે આપત્કાળે ખબર પડે.
ધીરજ, ધર્મ, મિત્ર, અરુ નારી; આપત્કાળ પરખીયે એહિ ચારી.
(શ્રી રામચરિતમાનસ)
જૂનાગઢ મહારાજે મોકલવા માંડ્યા ત્યારે કેટલાકનું સરું આવી ગયું એવી કેટલીક વાતું છે.
સરું : છેડો, અંત, પાર.
(127) જેમાં દોષ ન હોય ને માથે અપવાદ આવે તો ત્યાં ધીરજ રાખવી તે બહુ કઠણ છે. એવો સમો આવે ત્યારે તો જીવ મરવા તૈયાર થાય ને ઘેર હોય ત્યારે બાયડી સો ખાસડાં મારતી હોય, પણ આંહીં એક વેણ કોઈ કહે તેમાં કચવાઈને સામો બોલે જે, ‘તું ઈ છો, પણ હું ઈ નહિ !’
(128) ગુરુ હોય ને મંડળ ફેરવતો હોય ને પછી કોઈક એવો સમો આવે જે કોઈ ભેળું ન રહે, ત્યારે જો સમજણ હોય તો ધીરજ રહે; નહિ તો દુ:ખિયું થાવાય ને દેખાડ્યાની ભક્તિ કરે ને માન ઘણું જોઈએ ને ઉપરથી નિર્માની રહે તે ભગવાનને ગમે નહિ. એક ભગવાન ને આત્મા બે વાનાં જ રહે ત્યારે રાજી થાય.
ઉદ્ધવ સોઈ સાચે મમ દાસ હે;
મન ઇન્દ્રિ કે કૃત્યસેં ન્યારો, એકાંતિક મન જાસ હે;
મુક્તાનંદ સો સંત કે ઉર બીચ, મેરો પ્રબળ પ્રકાશ હે. ઉદ્ધવ0
(શ્રી સ્વામિનારાયણ હજારી : 249-4/3)
એવું થાવું છે. તે મંદિર કરીને, ભક્તિ કરીને, મંડળ ફેરવીને, રોટલા જમીને એ કરવાનું છે, પણ જીવ નવરો હોય ત્યારે કાં તો ફરતો રહે ને સહેલ માણે ને કાં તો બજાર જોવા જાય ને કાં તો વાડી જોવા જાય ને કાં તો કારખાનાં ઊભાં કરે, દુકાનો કરે, પછી કોઈક તેનો નિષેધ કરે તો કહેનારને સોરી પાડે; પણ ભગવાન ને મોટા સંત બધું જાણે છે, તે રાઈરાઈનાં લેખાં લેશે. આંહીં તો મનુષ્યભાવ છે તે જાણે છે કે, સ્વામીને ખબર નથી; પણ બધુંય જાણીએ છીએ અને દયા લાવી નભાવીએ છીએ.
વાનાં : વસ્તુઓ. (બ.વ.)
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
નિષેધ : શાસ્ત્રવિહિત મનાઈ.
મનુષ્યભાવ : દેહભાવ, માયિકભાવ, જેમાં ગુણાનુરાગ - ગુણાનુબુદ્ધિ પ્રવર્તે છે તેવો ભાવ.
(129) સુરતમાં મંડળ ગયાં તે સદ્ગુરુનાં મંડળ તો છ મહિના સુધી રહ્યાં ને અમે દોઢ મહિના સુધી રહ્યા, પણ સારાં ખાધાનાં આવે તે માંડ પૂરું કર્યું ને અમે તો પત્તર મૂકીને કાચલી રાખી; પછી થોડું ઘણું લઈએ ને શાક, દાળ જમીને માંડ પૂરું કરીએ.
કાચલી : નાળિયેરનું ભાંગેલું કોચલું.
સંવત 1919ના અષાઢ સુદિ ચતુર્દશીને દિવસે સ્વામીએ વાત કરી જે,
(130) આવા ભગવાન પ્રગટ થયા ને આવા સંત મળ્યા, પણ યથાર્થ ઓળખાણા નહિ તેને ‘વુઠે મેહે કાળ’ પડ્યો કહેવાય ને સર્વે જગતને તો અંધકાર છે, તે નિયમ ન મળે ને ધર્મ પણ ન મળે ને જગત તો સૂઈ ગયું છે, ને મતપંથીરૂપી તંતીમાં બંધાઈ રહ્યા છે ને આપણે શું છે ? જે, દેહાભિમાન, પંચવિષય, લોક ને પક્ષ એમાં બંધાઈ રહ્યા છીએ ને પ્રભુ ભજવાનો આદર કર્યો છે તેમાં કોટાનકોટિ વિઘ્ન રહ્યાં છે ને બીજા મતપંથમાં જાઓ, તેનું જગતને કાંઈ નહિ; પણ આ સત્સંગમાં ન જાવું, એવું કુસંગનું રૂપ છે.
તંતીમાં : પરંપરામાં, મર્યાદામાં.
(131) ભગવાન કાંઈ રૂપિયા ખરચે ન મળે, તે તો પ્રગટ થયા હોય ત્યારે તો સહેજે મળે. માટે સંતનો સમાગમ હોય તો જ પ્રભુ ભજાય. તે ઋષિપત્નીએ ઓળખ્યા ને ઋષિએ ન ઓળખ્યા.
(132) મતપંથીરૂપી વાડા છે તેમાંથી જે મુમુક્ષુ હોય તે ઠેકીને નીકળે ને બીજા બકરાં જેવા હોય, તે બેં બેં કર્યા કરે. તે શું ? જે, સત્સંગ સારો લાગે, પણ આડું અવળું થાય નહિ ને જીવને પાપ ગમે છે ને કાયા તો પડી જાશે.
જો જે હો જીવ વસમું લાગે છે વા’લી વાતમાં. જો0
મતિ હો મંદ તારે તો જાવું છે ઘડી તાળમાં. જો0
મતિ હો મંદ પાયા તું નાખે છે જો પાતાળમાં. જો0
(શ્રી સ્વામિનારાયણ હજારી : 172/173-4)
જેણે રે ગોવિંદરામ તમને વિસાર્યા, તેરે મૂરખડાં ભવોભવ હાર્યા રે.
એ બોલ્યા ને કુટુંબી અને ઇન્દ્રિયું તે સર્વે કપટી છે. તે ઉપર કણબીના છોકરાની વાત કરી. જીવને મનગમતું કરવાનો સ્વભાવ છે; તે ગુરુ વિના જીવ બગડી જાય છે ને વણસી જાય છે. તે ઉપર બોલ્યા જે, ‘વણસે વહુ પિયર ઢૂંકડો.’ માટે ગુરુ કરવા ને ગુરુ વિના મનનું રાજ્ય મટતું નથી. ભગવાં કર્યાં તે કેસરિયાં કર્યાં છે, તે હવે પાછું ભગાય નહિ.
ગૂઢો ગૂઢો રંગ ગિરધરનો લાગ્યો, ઊલટવાનો હવે ભય ભાંગ્યો;
રસિયાજીનો મારે રંગ લાગ્યો.
તે ઉપર સતીની વાત કરી.
સંવત 1919ના અષાઢ સુદિ પૂનમને દિવસે સ્વામીએ વાત કરી જે,
(133) પ્રકૃતિપુરુષના લોક સુધી સૌ ઉફાણે આવ્યું છે; તે કોઈને શાંતિ નથી. ને વિષયને મારગે મોત હોય તો પણ ગણે નહિ. કથા, કીર્તન કરે કે દાન, દક્ષિણા દે, તે મોરથી વિષય પામવાની આશાએ; તે સકામ કહેવાય ને દુ:ખિયાને શાંતિનો લેશ નથી, તે પોતાનો ઉદ્વેગ હોય તે બીજામાં ઘાલી દે ને સાપ જેમ કરડીને બીજાનું મોત કરે છે ને બોલાવે તો જેમ કાળો નાગ ફૂંફવાડા (ફૂંફાડા) મારે તેમ બોલે. માટે ત્રણ પ્રકારના દુષ્ટ કહ્યા છે તે પોતાનું ને બીજાનું ભૂંડું જ કરે. તેની વિક્તિ જે, એક તો જલેબી ખાઈને મરી ગયો ને બીજો નાક વાઢીને અપશુકન કરે ને ત્રીજો વાઘ માણસિયો થાય; તે પોતે પોતાનું માંસ વાઘને ખવરાવીને વાઘને માણસ મારતાં શીખવે.
વિક્તિ : વિગત-વિવરણ.
(134) મહારાજે આપણને સરળ પડે તેમ ભક્તિ મારગ ચલાવ્યો છે. આજ આ ભક્તિ મારગનું બીજબળ આગળ થાશે. પ્રેમાનંદસ્વામીને ધ્યાનમાં બે પહોર બેસારી રાખ્યા. માટે ધ્યાન જેવું કાંઈ કઠણ નથી તે કરતાં ચંચળ ન થાવું તે કઠણ છે. માટે એમ ધ્યાન ભજન કરવા શીખવું. ને જેમ પાણીમાંથી અગ્નિ પેદા થાય તેમ આ પ્રવૃત્તિની ક્રિયા છે. પણ તેમાંથી ભજન, સ્મરણ કરવા શીખવું. એક જણ ચાર મહિના માંદો રહ્યો. પછી ખાંડની રસોઈ તૈયાર થઈ ત્યારે તેને કહ્યું જે, ‘તમે ખાશો નહિ.’ તો પણ ખાધું, તે મરી ગયો. માટે જીવનું અવળું કમળ છે તે સૂઝે નહિ ને દુ:ખમાં સુખ મનાઈ ગયું છે. માટે વિષયમાં ગુણધ્યાન છે ને ઉત્તમ વિષયમાં રાગ છે; પણ બરફી આવી ત્યારે તો મોત આવ્યું જાણવું.
પહોર : પ્રહર, ત્રણ કલાક.
(135) ઉત્તમ ભોગની રુચિ સર્વેને છે. તે ઉપર ગોપીચંદ અને ભરથરી લડ્યા તેની વાત કરી જે, બેય જણ સંસાર મૂકીને પરમેશ્ર્વર ભજવા ચાલી નીકળેલ તે ફરતાં ફરતાં એક ગામમાં બેય જણ ભેળા થયા; પણ કોઈ કોઈને ઓળખે નહિ. તે વાણિયાના હાટને ઓટે આસન કરીને એક બેઠેલ. ત્યાં બીજો આવ્યો તેને કહે જે, ‘આંહીં મારું આસન કાલનું છે.’ ત્યારે ઓલ્યો કહે જે, ‘નહિ ઊઠું.’ તેમાંથી લડ્યા. ત્યાં એક ડોશી નીકળી, તેણે કહ્યું જે, ‘ત્યાગી થઈને શું લડો છો ? ધન્ય છે ગોપીચંદ તથા ભરથરીને ! જેણે રાજ્ય મૂક્યાં ને આ તમે આસન સારું શું કજિયા કરો છો ?’ તે એકબીજાને ઓળખે નહિ, પણ મનમાં સમજી ગયા. પછી કહે જે, ‘આવો, તમે આંહીં આસન કરો.’ ત્યારે કહે, ‘ના, હવે તમે ભલે રહ્યા.’
કરો : ઘરની દિવાલ.
(136)
કાલો બલીયાન્ બલિનાં ભિદ્યતે તેન બુદ્ધય: ।
કામલોભરસાસ્વાદ: સ્નેહમાનવતાં મુને ।।
(સુભાષિત)
અર્થ :- કાળ બળવાન છે, તેથી બળવાન લોકોની પણ બુદ્ધિ ફરે છે. સ્નેહ અને માનવાળાઓ કામ, લોભનો રસાસ્વાદ લે છે.
કામ એષ ક્રોધ એષ રજોગુણસમુદ્ભવઃ ।
મહાશનો મહાપાપ્મા વિદ્ધ્યેનમિહ વૈરિણમ્ ॥
(ભગવદ્ ગીતા : 3/37)
અર્થ :- આ રજોગુણથી ઉત્પન્ન થનારો, આ કામ જ ક્રોધ છે, ઘણું ખાનારો અને મહાપાપી છે; આ સંસારમાં એને તું વૈરી જાણ.
ઊંડો કૂવો ને ફાટેલ બોખ અખો કહે એ સર્વે ફોક.
ક્રોધે રહિત શિક્ષા કરવી તે કઠણ છે ને પાત્ર હોય તેમાં વિદ્યા રહે છે. તે ઉપર બોલ્યા જે,
ઓછું પાત્ર ને અધિકું ભણ્યો વઢકણી વહુએ દીકરો જણ્યો,
મારકણો સાંઢ ચોમાસું મહાલ્યો કરડકણો કૂતરો ને હડકવા હાલ્યો;
કેસરિયે કીધો મદ્યનો આહાર તેથી કેમ ન ડરે સંસાર ?
વીસ વરસથી કાળ નથી પડ્યો; માટે કોઈ વાતનું અધૂરું જણાતું નથી. પણ વિષયમાં રાગ, એ મોટું દુ:ખ છે.
અર્થ : ધન, સંપત્તિ.
સંવત 1919ના અષાઢ વદિ પ્રતિપ્રદાને દિવસે સ્વામીએ વાત કરી જે,
(137) મહારાજનું પ્રગટ થાવું ને આપણો જન્મ થાવો ને આવા સત્સંગના જોગમાં જન્મ થાવો, તે આવી તો કોઈ વાત જ જણાતી નથી. ને ઘણા અવતાર થયા, તેમાં મહારાજે જેવું જ્ઞાન કહ્યું તેવું કોઈને કહેતાં આવડ્યું નથી. તે,
આકુતિચિતિચાપલ્યરહિતા નિષ્પરિગ્રહાઃ ।
બોધને નિપુણા આત્મનિષ્ઠા: સર્વોપકારિણ: ॥
(સત્સંગિજીવન : 1/32/28)
અર્થ :- શ્રીહરિ ભક્તિમાતાને કહે છે :‘હે સતિ ! મુમુક્ષુઓએ કેવા સંતને સેવવા જોઈએ ? તે જેઓ કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયોની ચપળતાએ રહિત અર્થાત્ વિષય વાસનાઓ વિરહિત આત્મહિતમાં વિરોધી પરિગ્રહ રહિત, તત્ત્વબોધ આપવામાં પ્રવીણ, આત્મામાં જ એક નિષ્ઠાવાળા (આત્મારામ), સર્વ જનોનો આ લોક પરલોકમાં ઉપકાર કરવાના સ્વભાવવાળા હોય.’
એ એક લક્ષણ જેટલું જ્ઞાન કોઈને કહેતાં ન આવડે ને કારખાનાં ચાલે તેમાં આવી વાતું ન થાય ને તેમાં તો અહંમમત્વ બંધાય. પછી લોક, ભોગ ને દેહ એના ઘાટ થાય, કાં વખાણની આશા હોય.
મહત્સેવાં દ્વારમાહુર્વિમુક્તેસ્તમોદ્વારં યોષિતાં સઙ્ગિસઙ્ગમ્ ।
મહાન્તસ્તે સમચિત્તાઃ પ્રશાન્તા વિમન્યવઃ સુહૃદઃ સાધવો યે ॥
(શ્રીમદ્ ભાગવત : 5/5/2)
અર્થ :- શાસ્ત્રોએ મહાપુરુષોની સેવાને મુક્તિનું અને સ્ત્રીઓનો સંગ કરનારા કામીઓના સંગને નર્કનાં દ્વાર કહ્યાં છે. મહાપુરુષ એ જ છે જે સમાન ચિત્ત, પરમ શાંત, ક્રોધ રહિત બધાના હિત ચિંતક અને સદાચાર પૂર્ણ હોય.
તે લખી તો મૂક્યું, પણ તે પ્રમાણે ચાલવું.
અર્થ : ધન, સંપત્તિ.
ઘાટ : માયિક સુખ ભોગવવાનો સંકલ્પ, વિકારનો સંકલ્પ.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
(138) કોઈકે એક જીવનું, કોઈકે બે જીવોનું, કોઈકે સો જીવોનું ક્લ્યાણ કર્યું ને આજ અસંખ્ય જીવોનું કલ્યાણ કર્યું. માટે મહારાજને કોઈની ઉપમા ન દેવાય ને મોટા મોટા હરિજન પણ સમાધિ કરાવે, એ સર્વે મહારાજનો પ્રતાપ છે ને અમે ભજન કરાવવા માંડ્યું તે દશ-બારને સમાધિ થઈ ગઈ. પછી અમને એમ થયું જે આ તે કેમ થાશે ! ને આ તો જેમ મથુરા ત્રિલોકથી ન્યારી છે તેમ આ વાતું ત્રિલોકથી ન્યારી છે ! આ તો મૂર્તિમાન અક્ષરધામની વાતું છે.
(139) ભગવાનની આજ્ઞા પાળીએ તો ભગવાન રક્ષા કરે જ, માટે જેમ પાદશાહે બીડું ફેરવ્યું જે,ઘડમાળમાં બેસીને કોઈ કોરો આવે તો ગામ આપું. પછી એક જણે બીડું ઝીલ્યું તે પલળીને આવ્યો. પછી બીજી વાર કહ્યું ને વળી ઝીલ્યું ને પલળી આવ્યો. એમ સાત વાર બીડું તેણે ઝીલ્યું ને પલળીને આવ્યો. પછી તેને બધાએ મૂરખ કહ્યો, પણ તેણે પાદશાહનું વેણ પાળ્યું; તેથી તેને ગામ આપ્યું. ત્યારે બીજા કહે, ‘પલળીને આવ્યો ને ગામ કેમ આપ્યું ?’ ત્યારે પાદશાહ કહે, ‘તેણે મારું વચન ઝીલ્યું, તેથી આપ્યું;’ તેમ આપણે આજ્ઞા પાળવી ને મોટા તો જાણે જે વિષયનો સંબંધ થાય તેમાં પલળાય ખરું; પણ આજ્ઞા પાળે તે ઉપર રાજી થાય. માટે ઝોળિયાં પારેવાંની પેઠે દેહને ભક્તિ, સેવામાં ગણવું નહિ ને ભગવાન તો ગમે તે દ્વારે રક્ષા કરે.
પાળે : સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જાતનો સેવક/પાર્ષદ.
(140) મોટા હોય તે જાણીને સ્વભાવ રાખે એમ આવ્યું, ત્યારે પૂછ્યું જે, ‘જાણીને કેમ રાખે છે ?’ પછી ઉત્તર કર્યો જે, ‘એ પ્રવૃત્તિ રાખે તે બીજાના કલ્યાણ સારુ ને એ ખાય તથા લૂગડાં પહેરે તે બીજાના કલ્યાણ સારુ છે ને ખાવું નથી ને ખાય છે ને પહેરવું નથી ને પહેરે છે ને કોઈને બોલાવે છે, તે જીવના સારા સારુ છે.’
(141) ‘ધર્મામૃત’ ને ‘શિક્ષાપત્રી’માં તો ઉઘાડું જણાય એમ લખ્યું છે ને ‘નિષ્કામશુદ્ધિ’ના ઉપવાસ તો ભગવાન જાણે ને મોટા સાધુ પણ જાણે ખરા.
સંવત 1919ના અષાઢ વદિ બીજને દિવસે સ્વામીએ વાત કરી જે,
(142) માયા તરફ જીવ બહુ વળી જાય છે; તે શું ? જે, માયાના શબ્દ જીવને બહુ લાગે ને કેટલાક મંદિરમાં આ ભગવાન ને આ સાધુમાં ચોંટતા જાય છે ને કેટલાક ઊખડતા જાય છે; તે સર્વે શબ્દે કરીને છે.
(143) એકાંતિકને ભગવાનની સ્મૃતિ ટળી ગઈ, એ પડ્યો કહેવાય ને આત્માની વિસ્મૃતિ થઈ કહેતાં પ્રગટ પ્રમાણ અક્ષર મળ્યા ને તે રૂપ ન થાવાણું તે પડ્યો કહેવાય; કેમ કે, બ્રહ્મરૂપ થયા વિના મહારાજની સેવામાં રહેવાશે જ નહિ ને સાધારણને કુસંગનો જોગ થાય, ત્યારે પડ્યો કહેવાય.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
(144) કર્મમુક્તિ, ને સદ્યમુક્તિની વાત કરી જે, ભગવાન કે મોટા કહે તેમ કરે તે વિહંગ મારગ એટલે સદ્યમુક્તિ કહેવાય ને અમથું પોતાની જાણે ઝાઝું કરે તે પિપીલિકા મારગ, એટલે કર્મમુક્તિ કહેવાય. માટે મોક્ષભાગી ભગવાનના ભક્તને બહુ જ વિચાર ને બહુ જ વિવેક રાખ્યો જોઈએ ને બહુ જ બુદ્ધિમાં પ્રકાશ જોઈએ, તો વિઘ્ન ન થાય.
પિપીલિકા : કર્મમુક્તિનો માર્ગ, ધીમે ધીમે ખંતથી અચૂક કામ કરવાની રીત.
(145) અણીશુદ્ધ રહેવું તે બહુ કઠણ છે. તે માન આવે કે કામ કે સ્વાદ કે લોભ આવે તો સત્સંગ પડ્યો મૂકે. તે બેચર ને દેવકરસન કબીરીયા થઈ ગયા ને લાધો શુકલ નગર જઈને શક્તિપંથી થયો ને બેચર વિહામણમાં ભળી ગયો. માટે બ્રાહ્મણમાં સત્સંગ કોઈનો રહ્યો નથી. માટે કુસંગ લાગે તો સત્સંગ ટળી જાય.
વાવ્યો મોલ સારો ત્યાં લગી, જ્યાં લગી નથી ખવાણો ખડજમાં,
તેમ ભક્તની ભલાઈ ત્યાં લગી, જ્યાં લગી ના’વ્યો વિમુખની વડજમાં.
(નિષ્કુળાનંદ કાવ્ય : વચનવિધિ-17)
કાપે છે સર્પનો કંડિયો, માગ થાતાં મૂષો મકલાય છે,
પણ જાણતો નથી આંખુ આંધળો , જે હમણાં ખીજી નાગ ખાય છે.
(નિષ્કુળાનંદ કાવ્ય : વચનવિધિ-19)
તેમ વિષયરૂપ કરંડિયો કાપે છે ને ચોરને મારગે ચાલે છે. જેટલા વિષયના ઘાટ તેટલા મનમાં એના અંકુર છે, જેટલા કુસંગીની પાસે બેસે તે સર્વે પડી જાય છે. તે સત્સંગમાં કહો એટલા ગણી દેખાડીએ. આપણામાં જેને સન્નિપાત થાય તે વહેલો ઊઠીને ચાલી નીકળે.
વિહામણમાં : ભ્રમણામાં, મિથ્યાજ્ઞાનમાં.
ઘાટ : માયિક સુખ ભોગવવાનો સંકલ્પ, વિકારનો સંકલ્પ.
સન્નિપાત : ત્રિદોષનો બકવાટ.
(146) દેહનો તો નિરધાર નહિ, માટે પ્રભુ ભજવા ને આ ક્રિયા કરીએ છીએ તે તો મંદિરનો વહેવાર છે, તે કર્યા વિના ન ચાલે.
(147) જીવમાત્ર છે, તે વિષયમાં તડફડે છે; પણ આ સત્સંગ રાખવો એવો બીજો લાભ નથી, બીજી પ્રાપ્તિ કોઈ નથી. કથાવાર્તા વિના જાડ્યતા (જડતા) આવી જાય છે, તે પ્રિયવ્રત ને અંબરીષ કથા વિના ઘડી નથી રહ્યા.
પ્રકરણ 5 ની વાત 302
બપોરે વાત કરી જે,
(148) મોક્ષ પર જેની બુદ્ધિ છે તેને તો કોઈ વાત કઠણ પડે જ નહિ ને જેમાં પોતાના માથાં કપાય એવું હોય તો પણ તે થાય છે. તે હિંસા કરીને કે ભૂંડાં કર્મ કરીને પણ પોતાના સંબંધીનું પોષણ કરે છે. ખપવાળાને કોઈ વાત કઠણ પડે નહિ. તે મહારાજે નટ રમાડ્યા હતા ત્યારે મહારાજે નટને પૂછ્યું જે, ‘તમને જંત્ર મંત્ર આવડે છે ?’ ત્યારે કહે, ‘મંત્ર જંત્ર નથી, એ તો અમારી છેલાઈ ને ચાલાકી છે ને એમાંથી બે દીકરા તો પડીને મરી ગયા છે.’ ધારી ગામનો આંધળો અમારી પાસે આવ્યો ને કહ્યું જે, ‘મેં અઢાર મસારા ઠાકર લેખે કર્યા ને આંધળો શેં પાપે થયો?’ ત્યારે અમે પૂછ્યું જે, ઠાકર લેખે તે કોઈ મંદિર કરાવ્યું કે શું કર્યું ?’ ત્યારે તે કહે જે, ‘અઢાર મસારા ભવાયા રમાડીને ઠાકર લેખે કરાવ્યા.’ ત્યારે અમે કહ્યું જે, ‘તો તો હજી પાપના ચાંદલા છે, ડામને તો વાર છે !’ તે શું ? જે, આંધળો કર્યો તે તો રાખનો ચાંદલો કર્યો છે, ને ફળરૂપી તો ડુંભાણું હજી વાંસે છે. તે જુઓ, જગતમાં એવાં પુણ્ય પણ કરે છે.
છેલાઈ : ચતુરાઈ.
ભવાયા : ગાવા-નાચવાનો ધંધો કરનાર.
ડુંભાણું : ડૂંભાડિયું, ડામ આપવાનું લોખંડનું સાધન.
વાંસે : પાછળ.
સંવત 1919ના અષાઢ વદિ ત્રીજને દિવસે સ્વામીએ વાત કરી જે, (149) જોઈએ ત્યારે પૂર્વના મોટા મોટા ઋષિનું પણ કળાઈ ગયું છે. જીવાખાચરને પ્રથમ એવું જે સાવરણો લઈને સાધુનો નહાવા જવાનો મારગ વાળે ને કાંકરા વીણી લેતા; પણ પછી પક્ષે કરીને અવગુણ આવ્યો. ને દાદાખાચરે અરધ શેર ઘી આપ્યું તો એણે શેર શેર ઘી દેવા માંડ્યું; એમ માને કરીને કર્યું. માટે માનમાં ન લેવાય એવો જડે નહિ, તેનું પારખ્યું પણ જે શીખ્યા હોય તેને જ આવડે.
પ્રકરણ 10 ની વાત 82
કળાઈ : કોણીથી કાંડા સુધીનો હાથ.
કાંકરા : રાઈ-મરી.
(150) પૂંજોભાઈ, પર્વતભાઈ, કૃપાનંદસ્વામી, ગોપાળાનંદસ્વામી એનાં જ્ઞાનનાં અંગ કહેવાય ને અક્ષરાનંદસ્વામીથી અદ્ભુતાનંદસ્વામી સરસ ને ગોપાળાનંદસ્વામી ને સ્વરૂપાનંદસ્વામી એ બેના જેવું જ્ઞાન બીજાનું ન કહેવાય ને રામદાસજીભાઈ ચારસેં સાધુને વરતાવે ને તપે નહિ; પણ ગોપાળાનંદસ્વામીના જેવું જ્ઞાન તો બહુ કઠણ છે. માન ન આવે, ઈર્ષા ન આવે, ક્રોધ ન આવે, મત્સર ન આવે, એ બધી કલમું કહેવાય; તે નિર્મત્સર શુકજીને કહ્યા. ભક્તિ કરવી, આત્મનિષ્ઠા રાખવી, સાધન કરવાં, તેનું માન આવવા દેવું નહિ ને માનીનો હુંહાટો બહુ હોય; પણ નભે નહિ. તે દક્ષનો ને નારદનો હુંહાટો બહુ, પણ નિર્માનીની ભક્તિ આકાશ જેવી છે.
(જુઓ પ્રકરણ 14 ની વાત 46)
આત્મનિષ્ઠા : હું તો દેહથી જુદો જે આત્મા તે છું ને મારે વિશે પ્રગટ પરબ્રહ્મ અખંડ બિરાજમાન છે. તેવી અતિ દૃઢ માનીનતા, શ્રદ્ધા, વિશ્ર્વાસ, આસ્થા.
(151) દુર્જન ગાળું દે તો ય ક્ષમા કરવી ને મારે તો પણ ક્ષમા કરવી, ત્યારે ક્ષમા કહેવાય.
(152) વ્યવહાર્યં ન દુર્જનૈ: । અર્થ :- દુર્જન સાથે વહેવાર કરવો નહિ. એમાંથી દુ:ખ થાય.
અર્થ : ધન, સંપત્તિ.
(153) નિષ્કામ, નિર્લોભ, નિ:સ્વાદ, નિ:સ્નેહ ને નિર્માન એમાં ખોટ આવવા દેવી જ નથી, તે ઠરાવ કહેવાય ને ‘ઊપજી સમાવે તે સંત અને ન ઊપજે તે ભગવંત.’ માટે કામ આવે, લોભ આવે, ક્રોધ આવે તેને સમાવી દેવા.
(154) સાધુતા તો વહેવારે કળાય. પછી પૂછ્યું જે, ‘એક સ્થિતિ કેમ રહે?’ ત્યારે ઉત્તર કર્યો જે, ‘જ્ઞાન રહે ને બાળક હોય તેને કોઈ વઢે તો પણ તેને કાંઈ નહિ, તેમ વેણે કરીને તપવું નહિ.’ તે ઉપર છેલ્લાનું 9મું દરવાજાનું વચનામૃત વંચાવ્યું ને ‘જેટલા સંકલ્પ ઘટિત હોય તે કરવા, પણ અઘટિત ન કરવા ને થાય તો માનવા નહિ.’
(155) નેત્રે કરીને રૂપ માંહી પેસે છે, તે ઉપર પોતાને સ્વપ્નમાં સાવજ દેખાણો તેની વાત કરી જે, ‘જાણે ગોંડળથી આવતાં વીડીમાં સાવજ દેખાણો તે મારી વાંસે ચાલ્યો ને જેતપુર ઢૂંકડું આવ્યું ત્યારે મેં ધાર્યું જે, ભાદર ઊતરીશ એટલે તે કાંઠે ઊભો રહેશે. પછી તો તે ય નદી ઊતર્યો. ત્યાં જાગ્યો ત્યારે એ કાંઈ નહિ. માટે જે જે પદાર્થ નેત્રે દીઠાં હોય, રસ ખાધા હોય, શબ્દ સાંભળ્યા હોય તે સર્વે જણાય.’ એમ પોતાના મિષે વાત કરી.
સાવજ : સિંહ.
વીડીમાં : વાડીમાં.
વાંસે : પાછળ.
સંવત 1919ના અષાઢ વદિ ચોથને દિવસે સ્વામીએ વાત કરી જે,
(156) પોતાની પ્રવૃત્તિમાંથી શેર અન્ન પેદા કરીને પ્રભુ ભજવા, એવી તો જીવને દાનત નથી. ભગવાનને નથી ભજતા તે સર્વે જનાવર છે. માણસનો તો આકારમાત્ર છે. જેમ ઢોરને શીંગડું ને પૂંછ તેમ એને દાઢી ને મૂછ; પણ જેવા સીદી ભાવડા એવા માણસ છે. તે કોઈના હાથમાં કુહાડો, કોઈના હાથમાં પરોણો, કોઈના હાથમાં સોય, કોઈના હાથમાં કલમ, પણ કોઈના હાથમાં માળા નથી.
સ વૈ મનઃ કૃષ્ણપદારવિન્દયોર્વચાંસિ વૈકુણ્ઠગુણાનુવર્ણને ।
કરૌ હરેર્મન્દિરમાર્જનાદિષુ શ્રુતિં ચકારાચ્યુતસત્કથોદયે ॥
(શ્રીમદ્ ભાગવત : 9/4/18)
અર્થ:- પોતાના મનને શ્રીકૃષ્ણચંદ્રના ચરણાવિંદમાં, વાણીને ભગવાનના ગુણગાનમાં, હાથોને (બે હાથને) શ્રીહરિના મંદિરને માર્જન વગેરેમાં, કાનને શ્રી અચ્યુતના કથા શ્રવણમાં, નેત્રોને ભગવાનની મૂર્તિ અને મંદિરના સફાઈ કરવામાં, કાનને વિષ્ણુના કથામાં આ પ્રમાણે ભગવત્ સેવામાં લગાડી દીધા હતા.
આ જીવ મૂરખ છે તે ન કર્યાની ક્રિયા કરે એવો છે.
ને સત્તે લીધો ને પંજે વેંકો, તે બે રૂપિયા ખોટ ગઈ;
તોય નીંગરો ખટ્યો; પણ હલફલ તો શીખ્યો !
તે શું ? જે, આ સત્સંગમાં ને કથાવાર્તામાં અથડાઈએ તો કોઈક દિવસ સમજાઈ જાય.
સીદી : હબસી પુરુષો-આફ્રિકાના મૂળ વતની.
મૂર્તિ : સંતો.
(157) સૌ પાસેથી એકુકો બબ્બે ગુણ શીખવો, એ ભ્રમરવૃત્તિ કહેવાય. આસને બેઠો રહે ને વસ્તુ લેવા ન આવે તે અજગરવૃત્તિ કહેવાય. ને ફૂલ છે તેને તોડે તો પણ સુગંધ આપે છે, તેમ સાધુ છે તેનું કોઈ અણગમતું કરે તો પણ તેનું હિત જ કરે. દેહ હોય ત્યાં રાંધવાનું હોય, ક્રિયા હોય, માટે ‘હા, હો’ કરતાં આયુષ્ય જાતી રહેશે, માટે ક્રિયા હોય તે ઝટ કરી લઈ ભજન કરવું; પણ આખો દિવસ ક્રિયા કરીએ ને રાતે સૂઈ રહીએ, ત્યારે પ્રભુ ક્યારે ભજીએ ? ને પાપ કરે છે તેને તો હમણાં જ દુ:ખ થાનારું છે. ને,
ઉહાં કછૂ રાજ પોપાબાઈ કો તો નાંઈ હે.
(બ્રહ્માનંદ કાવ્ય : કવિતા)
ત્યાં પોપાબાઈનું રાજ્ય નથી, તે માથું મારીને ચાલ્યા જાશે. રાઈરાઈનાં લેખાં લેવાશે.
(158) સાધુને ઓળખે અને બીજું વિષયની અરુચિ હોય, એ બે લક્ષણે મુમુક્ષુ ઓળખાય.
સંવત 1919ના અષાઢ વદિ પંચમીને દિવસે સ્વામીએ વાત કરી જે,
(159) એવા તમોગુણી જીવ થાય છે તે પોતાને સુખ થાય એમ તો કરતાં આવડે જ નહિ ને ભૂંડું થાય એવું જ કરે. તે
આપકો ખોવે ઓરકો ખોવે, એમ દુષ્ટ કરે ન કોન બુરાઈ ?
(160)
જહાં સુમતિ તહાં સંપત્તિ નાના;
જહાં કુમતિ તહાં વિપત્તિ નિદાના.
તે કુમતિ શું છે ? તો બંધાણ, જૂગટું ને ચોરી એ મારગે ચાલે ને અવળું કરતાં આવડે. ને સુમતિ તો તમને ભગવાને આપી છે જે, સારી રીતે વરતી ભગવાન ભજો છો. તે મહારાજે કહ્યું જે, ‘આ સાધુ ને આ નિયમ તો અમે ધામમાંથી લાવ્યા છીએ.’ માટે ભગવદીનો શો ધારો ? જે, પોતાની ક્રિયા જોઈને હરકોઈને ગુણ આવે તેવી જ ક્રિયા કરવી ને તેવી જ રીતની વાણી બોલવી.
જૂગટું : જુગાર.
ધારો : રીતિરિવાજ, પ્રથા, પદ્ધતિ.
(161) એક ભગવાન વિના બીજું કાંઈ ન ઇચ્છે તે ખરો નિષ્કામી કહેવાય.
જોઈ ઝેર કનક કટોરે, જો જો પીવા ચડ્યા નર હોરે.
ઉપલા ડોળે જીવ ભરમાય છે ને પતંગિયાની પેઠે મોહને પામ્યા છે ને કાળચક્ર વાંસે ફરે છે ને જેતપુરના ધરાની પેઠે પાંચ દોષના પ્રવાહમાં ચાલ્યા જાય છે. પુસ્તકમાં કહ્યું તેમ પાળ્યું નહિ ને પુસ્તક ભેળાં કર્યાં; તે તો જેમ કદરજ (કંજૂસ) ધન ભેળું કરે એવું છે. ને એક ‘સ્વરૂપનિર્ણય’ વાંચે તો પૂર્ણ થઈ જવાય તેમ છે. આ તો સાધુમાં વેર, હરિજનમાં વેર ને ખડાખાટકા ને રાતે તો કોઈથી ભજનમાં બેસાય નહિ.
વાંસે : પાછળ.
ખડાખાટકા : અણબનાવ.
(162) બાયડીનો ભાયડો મરે ત્યારે રાતે ઊઠીને મોઢું વાળે છે. તે શું તો ઓઢવા પહેરવાનું ઊતર્યું ! પુરુષોત્તમ ભટ્ટ ‘સિદ્ધાંત કૌમુદી’ ભણ્યા, પણ ભોળા હતા, તે ખાલી બંદૂકથી પણ બીતા. તે મહારાજ સાથે રસ્તામાં ચાલતાં, પાળાની બંદૂકનું મોઢું પોતાની સામું હતું તેથી પડખે ચાલ્યા. ત્યારે મહારાજ કહે, ‘કેમ પડખે તર્યા ?’ ત્યારે કહે, ‘બંદૂક વછૂટે તો ?’ પછી મહારાજે પાળાને અવળી રાખવા કહ્યું, તો પણ વાંસે ન ચાલ્યા. ત્યારે કહે, ‘હવે કેમ રસ્તે ચાલતા નથી ?’ તો કહે, ‘વાંસેથી વછૂટે તો ?’ એવા ભોળા હતા. દીનાનાથ ને પ્રાગજી દવે સત્સંગમાં રહ્યા, પણ સત્સંગ અડ્યો નહિ. મોટા મોટાને વિષયના લપ્પા લાગ્યા છે.
પડખે : પાસે.
તર્યા : બાજુએ અલગ થયા, ફંટાઈ ગયા.
વાંસે : પાછળ.
(163)
મિલે જો ઠગ જગમાંહીં મિત્ર કરી તાકું માને;
(મુક્તાનંદ કાવ્ય : મુકુન્દ બાવની-21)
માટે કામ, ક્રોધ, ઈર્ષા, દંભ, કપટ સર્વે આ સત્સંગમાંથી ઊખેડી નાખે એવાં છે, માટે ખબરદાર રહેવું. જેના ઉપર છાંટો પડે તેણે સર્વે વહેવાર કરીને આ મોક્ષ સાચવવો તે ઉપર તાન રાખવું. મનને મતે ને ઇન્દ્રિયુંને મતે ચાલવું નહિ. તે જેમ ખારીબલા પોતાના પેશાબમાં પૂછડું પલાળીને પૂછડું ઝાટકે તે જીવે જ નહિ, તેમ મનને મતે ચાલે તે મરે છે.
તે’તો ખારી બલાને ખોળી લીધી રે,
તેં’તો વાઘણી શું વાલપ કીધી રે;
(શ્રી સ્વામિનારાયણ હજારી : 173-1)
એવાં સોળ કીર્તન નિષ્કુળાનંદસ્વામીએ કર્યાં.
તાન : લગની, આગ્રહ, મસ્તી.
ખારીબલા : એકજાતનું પક્ષી.
(164) આપણને કોઈને એકે ફાકડો ધૂડ ખાધાનું મન થાતું નથી, તેમ વિષય સામી ઇન્દ્રિયું જાય જ નહીં. તે ઉપર સારંગપુરનું પહેલું વચનામૃત વંચાવ્યું.
સંવત 1919ના અષાઢ વદિ છઠના દિવસે સ્વામીએ વાત કરી જે,
(165) સંસારમાં દુ:ખ છે, પણ જ્ઞાન હોય તો પણ દુ:ખ જેવું જણાય. તે વિયાતલની પીડાને વાંઝણી ન જાણે ને સંસ્કારી હોય તેને સાધુ ઓળખાય ને સંસ્કાર ન હોય પણ જો સંસ્કારવાળાનો સંગ કરે તો તેને પણ સાધુ ઓળખાય.
વિયાતલની : પ્રસૂતિની.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
(166) જીવને વિષય મૂકવા બહુ કઠણ છે ને આ સાધુ ઓળખવા પણ બહુ કઠણ છે ને આ વાતું અલૌકિક છે, કહેતાં સર્વે લોકથી ન્યારી છે.
(167) કેટલાકને આસુરી સંસ્કાર લાગ્યા હોય, તેને તો આ સંત ઓળખાય જ નહિ ને સ્ત્રી, ધનના ત્યાગી આ સંત છે તે દ્વિભુજ પ્રભુ છે, તો પણ આસુરીને ન ઓળખાય.
(168) આ મન છે તેને ભગવાનમાં જોડો તો ન જોડાય ને વિષયમાં જોડો તો તરત જોડાય ! એક ત્રખલું તોડીને બે ન કરે ને સૌથી મોટું થાવું તે કેમ બને ?
નાને ગુણે મોટપ ન મળે રે, વિચારી જોને વાત;
કહે નિષ્કુળાનંદ કાં બળે રે, ઠાલો દિન રાત.
(કીર્તન મુક્તાવલિ : 1052)
નથી ખોળતો ખોટ્ય માંયની રે, દે છે બીજાને દોષ;
કહે નિષ્કુળાનંદ ન્યાયની રે, અમથો શો અફસોસ.
(કીર્તન મુક્તાવલિ : 1053)
દેહને વિશે આત્મબુદ્ધિ છે તેવી ભગવદીમાં આત્મબુદ્ધિ હોય તે મોટેરો, ને જેને આવી મોટાઈ જોઈતી હોય તેને ઢગલો પડ્યો છે !
ત્રખલું : તણખલું.
આત્મબુદ્ધિ : પોતાપણાની ભાવના, 'દેહ તે હું નહિ પણ આત્મા છું' એવી બુદ્ધિ.
(169) જીવમાંથી અવિદ્યા ક્યારે ટળી કહેવાય ? તો પાંચેય વિષયના સંકલ્પ ન થાય, ને કોઈ હરિજનનો અવગુણ આવે જ નહિ ત્યારે અવિદ્યા ટળી કહેવાય.
અવિદ્યા : માયિક સમજણ
(170) સંબંધીનો અભાવ કોઈને ન આવે ને એંસી વરસ થયાં હોય તો પણ વિષય ભોગવવામાં સોળ વરસનો થાય ! તે કેટલાક મોવાળા રંગે છે ને થોભિયા રખાવે છે. તે ઉપર યયાતિ દેવયાનીને પરણ્યો તે વાત કરી ને એક જણે સાલમપાક ખાધો તે મરી ગયો. એવા સ્વભાવ જીવને પડે છે, તે મૂક્યા મુકાય નહિ. લોભે કરીને, કામે કરીને, માને કરીને, સ્વાદે કરીને કેટલાક અનર્થ થાય છે ને તેમાં માર ખાય તો પણ લાળ તોડી શકે નહિ. તે ઉપર વાત કરી જે, ચારણ ગરાસિયો હજામને ત્યાં જાતો. પછી ખબર પડી ત્યારે કહે, ‘અમો ગરીબને ત્યાં તમારે આવવું નહિ,’ તો પણ ગયો. એટલે ખેતરમાં લઈ જઈ ઝરડાં માર્યાં તે બાવળના કાંટા શરીરમાં પેસી ગયા, તે સજૈયે કરીને કાંટા કાઢ્યા ને છ મહિને સાજો થયો, તો ય પાછો ત્યાં ગયો ત્યારે માથું કાપી નાખ્યું.
ઝરડાં : કાંટાવાળાં ડાળાં.
સજૈયે : નરેણીએ, અસ્ત્રે.
સંવત 1919ના અષાઢ વદિ સાતમને દિવસે સ્વામીએ વાત કરી જે,
(171) દેશકાળમાં આ જીવને ઠીક ન રહે. તે માંદા થાય કે દેહ સંબંધી દુ:ખ આવે કે મૂડી સંબંધી દુ:ખ આવે, ત્યારે જીવની સ્થિતિ એક રહે નહિ.
(172) કહેનારાને વિશે ગુરુબુદ્ધિ ન હોય એટલે તેના શબ્દ સારા ન લાગે. ને રજ, તમ આવે ત્યારે બુદ્ધિ ફરી જાય છે. માટે સત્ત્વ હોય ત્યારે ઠરાવ કરી મૂકવો ને બીજા કોઈ સંગાથે જીવ બાંધી રાખ્યો હોય તે કહે ને માને તો દેશકાળે ઠીક રહે. વહેવારથી સાધુ ને ધૂંસરીથી બળદિયો પરખાય છે. તે સાધુતા હશે તો બીજાને આપણો ગુણ આવશે. ને ક્રોધ આવે ત્યારે સંતનો અભાવ આવે, તે ઉપર ભીષ્મપિતા આદિકમાં દૈત્યે પ્રવેશ કર્યો તેની વાત કરી. માયા પર થાવું તે તો ભારત રચવા જેવું કઠણ છે. જેમાં કામાદિક અસુર પ્રવેશ કરી જાય છે ત્યારે જેમ લાડવામાં ઝેર નાખે તે ઝેરરૂપ થઈ જાય, તેમ તેની બુદ્ધિ દેશકાળે વિપરીત થઈ જાય છે.
બપોરે વાત કરી જે,
(173) આ જીવ કરકાનો કીડો છે તે તેને મૂકી શકતો નથી; તે પ્રકૃતિપુરુષ સુધી કરકાનું છે ને તેમાં મમતા એ જ ફાંસી છે. મારું મારું કરી મમતે મરે છે. લીધી વાત મેલાય નહિ, તે પંચવિષયનું એવું છે. તે ઉપર શ્ર્લોક બોલ્યા જે,
કુરંગમાતઙ્ગપતઙ્ગભૃઙ્ગમી ખ્ના હતા: પઞ્ચભિરેવ પઞ્ચ ।
એક: પ્રમાદી સ: કથં ન હન્યતે ય: સેવતે પઞ્ચભિરેવ પઞ્ચ ॥
(વિવેકચૂડામણિ : 78)
અર્થ :- હરણ, હાથી, પંખી, ભમરો, માછલી વગેરે પોતપોતાની ઇન્દ્રિયોના દોષે કરીને હણાયા તો પછી જે પ્રમાદી પાંચેય ઇન્દ્રિયોના દોષોને સેવે છે (પોષે છે) તે શું હણાતો નથી ? (અર્થાત્ ચોક્કસ નષ્ટ થાય છે.)
તે વાતનું સમ્યક્ જ્ઞાન તો મહારાજે જ દીધું છે.
પ્રકૃતિપુરુષ : ચેતન અકર્મણ્ય પુરુષની મદદથી જડ પ્રકૃતિમાંથી સમગ્ર સૃષ્ટિની ઉત્પતિ થઈ તે
અર્થ : ધન, સંપત્તિ.
(174) આ જીવ દેહરૂપી ખાણમાં પડ્યો છે તેને વખાણે ત્યારે રાજી થાય. તે ભગવાનના ઘરમાં પારિજાતકનાં ઝાડ ને ફૂલ સારુ કજિયો થયો ને મણિ સારુ તો કેટલાક કલેશ થયા; એમ પંચવિષયના ટંટા સર્વ ઠેકાણે છે. ઉત્તમ વક્તા હોય ત્યારે સર્વોપરી ઉપાસના થાય, નહિ તો સમાગમ વિના અધૂરું રહી જાય ને બીજા ધામમાં જાવું પડે ને ઓલ્યા દેશમાં નરનારાયણને જ વળગ્યા છે. ને જાળાને ઓઠે ઊભા રહ્યા તેને કોઈને પાઘડી મળી છે ? તે તો ખરેખરા એકાંતિક થાશું ત્યારે રાજી થાશે ને જ્યારે ખરેખરા ભગવાનને રાજી કરવા ત્યારે તે કાંઈ સુખ રાખ્યે રાજી થાય ? તે ઉપર સાખી બોલ્યા જે,
સેવક સુખ ચહે માન ભિખારી, વ્યસની ધન શુભ ગતિ વ્યભિચારી;
લોભી યશ ચહે ગુણ અભિમાની, નભ દુહી દૂધ ચહત એહી પ્રાની.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
સંવત 1919ના અષાઢ વદિ આઠમને દિવસે સ્વામીએ વાત કરી જે,
(175) આ જીવને મૃત્યુ આડો એક મહિનો હોય ને સત્સંગમાંથી જાય; ને કેટલાક આસુરી સંપત્તિના જીવ છે તેને તો ભગવદી સાથે સહેજે વેર છે ને આ લોક તો બળી ઊઠ્યો છે. અજ્ઞાને કરીને માલ જણાય છે ને સ્વાર્થ ન હોય તો કોઈ ચાકરી ન કરે ને ડંકા વાગતા જાય છે એટલી આવરદા ઓછી થાતી જાય છે ને એક સ્થિતિ કાળ રહેવા દેતો નથી.
(176) ગુરુ દીએ કરપાવ. એ ગુરુનું અંગ વંચાવીને કહ્યું જે, આવો જેને ગુરુનો મહિમા આવે તેનો જીવ બીજના ચંદ્રમાની પેઠે વૃદ્ધિ પામે ને એવા ગુરુ વિના મોક્ષ ક્યાંથી થાય ? ને જીવના હૈયામાં અવિદ્યા તો જેમ કરકામાં કીડા ભર્યા હોય તેમ ભરી છે.
અવિદ્યા : માયિક સમજણ
(177) ઉપાસના ઉપર વાત કરી જે, સ્ત્રી હોય તેને ગામમાં જેટલા પુરુષ હોય તે બધા પતિ ન કહેવાય, પતિ તો એક જ હોય. તેમ આ બ્રહ્માંડમાં ભગવાન તો ઘણા કહેવાય છે. તેમાં ઉપાસના તો સ્વયં એક ભગવાન સ્વામિનારાયણની જ છે ને બીજાને માનવા તે તો એની આજ્ઞા છે, તે દર્શન કરવાં; પણ નિષ્ઠા તો એક સ્વામિનારાયણની રાખવી. લોકની આગળ કહેવું તે તો હાથીના દાંત જેવું રાખવું ને માને તેને સાચી વાત સમજાવી દેવી. જેમ ખેડુ હોય તે ખેતરમાં ખાતર નાખે છે તેમાં મોલ બહુ સારો થાય છે, તેમ કથાવાર્તા, સાધુસંગ, ધ્યાન, સ્મરણ, નિરંતર વિવેક એ સર્વે સંસ્કારને વધારે છે.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
નિષ્ઠા : શ્રદ્ધા, આસ્થા, વિશ્ર્વાસ, ધારણા.
(178) મહારાજ ને મોટા સંતની દિશનાં પગલાં ભરવાં તે લેખે લાગે છે ને વિપરીત ક્રિયાનું ફળ વિપરીત છે ને કુસંગનો સંગ થાય ત્યારે રૂડા ગુણમાત્ર જતા રહે છે. તે આ સત્સંગમાં મોટા આકાશ જેવડા હતા તેનું પણ કુસંગે કરીને ધૂડધાણી થઈ ગયું. તે નિષ્કુળાનંદસ્વામીએ કહ્યું છે જે,
જેનું રે મન વન વાંછતું, અતિ રહેતા ઉદાસજી.
જેને રે જાગ્ય આગ્ય લાગતી, ગમતું નહિ સજ્યા ઘરજી;
તેને રે આસનથી ઊઠાડતાં, જાણે જગાડ્યો મણિધરજી. જેનું0
(કીર્તન મુક્તાવલિ : 484)
એ બોલ્યા. જ્યારે જેને મહારાજ વિના બીજું પ્રધાન થયું ત્યારે,
નર એક રતિ બિન એક રતિકો.
(કીર્તન મુક્તાવલિ : નાશવંત દેહ વિશે)
ને ચોખ્ખી ઉપાસના વિના તો કુંભારની કૂતરી જેવું છે. તેની વાત કરી જે, કુંભારની કૂતરી તેના ધણીને ગારાળા પગથી ઓળખે. પણ એક વખત ચોમાસામાં કુંભાર ભેળી બહાર ગઈ; ત્યાં બધાના પગ ગારાળા દીઠા. પછી ભૂલી પડી, તે જેની વાંસે જાય તે ધોકો મારે. તેમ આ જોગ મૂકીને બીજે વળગે તો કુંભારની કૂતરી જેવું કહેવાય. તે વેશ સરખો છે, માટે બુદ્ધિવાળે સંગ ઓળખવો.
પગલાં : મહારાજનાં પગલાંની છાપ.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
વાંસે : પાછળ.
(179) શાંતિ તો આવી વાતુંએ કરીને જ થાય છે ને કામમાં આસક્તિ હોય ને વિષયનો જોગ થયો, લોભમાં આસક્તિ હોય ને રૂપિયા મળ્યા ને માનનો સ્વભાવ હોય ને મહંતાઈ મળી, ત્યારે કેવું થયું ? જે,
ઓછું પાત્ર ને અધિકું ભણ્યો, વઢકણી વહુએ દીકરો જણ્યો,
આવી વાતું તો આ સત્સંગમાં છે, બીજા કોઈ કહેનાર નથી. બદરિકાશ્રમવાળા ને શ્ર્વેતદ્વીપવાળા કથાવાર્તા કર્યા કરે છે, તેથી બીજા લોકથી એ ત્યાગમાં વખણાય છે. સાધુ સમાગમે બ્રહ્માના લોકનું સુખ મળે તો તે પણ નજરમાં ન આવે; માટે સાધુ સમાગમ જેવું કોઈ બળવાન સાધન નથી.
બપોરે વાત કરી જે,
(180) આ દેહ પડી જાશે ને ગિરનાર જેવડી ખોટ રહી જાશે ને ખોટ મૂક્યા વિના ધામમાં નહિ જ રહેવાય. આ જીવ કરોડો કલ્પથી જન્મ ધરે છે ને આ દેહની આયુષ તો ચપટી જેટલી છે. તે ખાધા-પીધામાં, ને લીધા-દીધામાં ને દીકરામાં ને ચેલામાં ને મંડળ બાંધવામાં ને ઘર કરવામાં રહી જાશે.
(181) આ સત્સંગ મળ્યો છે તે આંધળાના હાથમાં જેમ હીરો આવ્યો. તે બીજે કહ્યું જે, ‘ઈ તો કાંકરો છે ને હીરો તો ગળ્યો હોય માટે ચાખી જો.’ પછી ચાખીને નાખી દીધો. એમ કુસંગથી હાથમાં આવેલો હીરો ગયો, તેમ આ જીવ સત્સંગને ખોઈ નાખે છે.
સંવત 1919ના અષાઢ વદિ દશમને દિવસે સ્વામીએ વાત કરી જે,
(182) પોતાનું દેહ કોહવાયલું હોય તો પણ તે વહાલું લાગે. તેમ જ કોહવાયલું છોકરું ને જેવું તેવું ઘર, તે પોતાનું જ ગમે. તે જેમ જનાવર પાંજરામાં બંધાઈ ગયાં છે, તેમ જીવ દેહાદિકમાં બંધાઈ ગયા છે.
(183) સંકલ્પના મંદવાડ જેવું તો કોઈ દુ:ખ નથી ને કટાક્ષે બોલે તેનું કોઈ વચન ન માને ત્યારે દુ:ખ થાય; પણ વિચાર કરવો જે, એ પદાર્થ ને એ વચન સર્વે ધૂડ થઈ જાશે, માટે કોઈ ઉપર કટાક્ષ ન કરવો.
(184) ગરાસિયાની પેઠે ભેળાં રહે ને માંહી તો લાખું ગાઉનું છેટું; તેમ સુહૃદપણું ન રહે તો શાંતિ પણ રહે નહિ ને બીજાનું સાચું હોય તો પણ ન લાગે ને પોતાનું ખોટું હોય તો ય સાચું કરે; માટે આ દેહ હારે, ઇન્દ્રિયું હારે, કુસંગ હારે મિત્રાચાર કરવો, તે ખોટો છે ને ભેળા રહે ને મન નોખું પડે તો બેપરવાઈ થઈ જાય એ કલ્યાણના મારગમાં વિધ્ન છે. ને હમણાં દેહ પડી જાશે, તે રાજા હોય ને ખમા ખમા કરતા હોય, તે પણ નહિ રહે. તે આંહીં દુ:ખ હોય તો ઓલ્યા ફળીમાં જાય એટલે મટી જાય ને ગરમી હોય તો ટાઢક કરીએ ત્યારે મટી જાય; તે વર્જનીય છે ને કાળ પડે તો ખાવા ન મળે તે અવર્જનીય છે; તે બેયને ઓળખવાં ને કોઈકે શબ્દ કહ્યો તેને ઓળખીને મૂકી દે તો દુ:ખ નહિ.
(185) જે માન દે તે સાથે સહેજે હેત થાય ને અપમાન કરે તે ઉપર દ્વેષ બંધાય, પણ સ્વભાવ તો અપમાન કર્યે જ જાશે.
(186) છ મહિના પાણી નાખીને મેળવ્યા વિના જમો તો પછી મેળવાય નહિ. આ કરવા બેઠા છીએ પણ શત્રુ બળિયા થાય તો કરવાનું પડ્યું રહે. સ્વભાવથી કરોડો દુ:ખ આવ્યાં હોય તો પણ સ્વભાવ ન મુકાય; તે માટે ક્યારેક ગુરુ થાવું ને ક્યારેક શિષ્ય પણ થાવું.
(187) આગ્નિંઘ્ર અને દીર્ઘતમા જેવા જીવ હોય તેને તો આવી વાતું ન ગમે.
(188) એક જણને બાયડીએ માર્યો, તે ગોપાળાનંદસ્વામી પાસે આવ્યો. ત્યારે સ્વામી કહે જે, ‘હવે જઈશ નહિ.’ તો પણ ગયો. તે ખાડો ગાળીને રાખેલ તેમાં જીવતો દાટી દીધો. પછી છેલ્લાનું 30મું વચનામૃત વંચાવ્યું.
ગાળીને : ખોદીને.
(189) સ્ત્રી ને દ્રવ્ય એ બે વાનાં તો છેટે છે ને રસાસ્વાદને માન એ બે વાનાં તો ભેળાં છે. સાધુને અલ્પ વચની કહ્યા છે. તે બોલ્યામાંથી પણ દુ:ખ આવે છે, તેની વાત કરી જે, ‘કાં બોલ્યો ?’
વાનાં : વસ્તુઓ. (બ.વ.)
(190) કોઈક આજ્ઞા પ્રમાણે વરતતો હોય ને બીજો મોળો વરતતો હોય, ત્યારે જે વરતતો હોય, તે ઓલ્યાને ડરાવે, એ ખોટું છે. ત્યારે તો ક્રોધે રહિત શિક્ષા કરે ત્યારે પાર પડે; કેમ જે, એને બળ નહિ તે તો બરાબર ક્યાંથી વરતી શકે ?
(191) આ લોકનો વિચાર કરીએ તો એટલાં દુ:ખ છે જે હારી જવાય ને ચમક ચાલે ને પંચવિષયનાં પાંચ પાતાળ ફાટ્યાં છે તે ભરાય જ નહીં.
ચમક : લોહચુંબક.
સંવત 1919ના અષાઢ વદિ એકાદશીને દિવસે સ્વામીએ વાત કરી જે,
(192) સો જન્મનો શુદ્ધ બ્રાહ્મણ હોય તેના પેટમાં સોમવલ્લી ઔષધિ રહે અને એવા બ્રાહ્મણ પાસે યજ્ઞ કરાવે ત્યારે યજ્ઞની સિદ્ધિ થાય. તે મહારાજ કહે, ‘આ મૂર્તિમાન અક્ષર કે અમારા અનાદિ મુક્તના સંબંધને જે પામે તેને જ મોક્ષની સિદ્ધિ થાય છે.’
સોમવલ્લી : સોમલતા નામે જાણીતી વેલના પાનનો રસ જે યજ્ઞમાં વપરાતો કે જે કાતીલ ઝેર હોવા છતાં ય કેટલાક સમર્થ ઋષિ તેનું પાન કરતા.
(193) ભીંતે ચિત્ર હોય, ટાટે ન હોય, તેમ રૂડા ગુણ ભગવદીમાં જ હોય; ને રૂપિયા ગમે તેટલા હોય પણ ખવાય નહિ. એક મહારાજને વિશે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને માહાત્મ્યે સહિત ભક્તિ કરવી તે જ એકાંતિક ભક્તિ છે.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
(194) સાધુ થાવું તેનાં સાધન જોઈએ. તે મુખ્ય સાધન તો પ્રગટ ભગવાન જેવા છે તેવાની સાધના અને તેમની અનુવૃત્તિમાં રહેવું; તો એવા સાધુથી મહારાજને બીજું કોઈ વહાલું નથી તે તેના સમ ખાતા ને સાધુમાં તો સર્વે ગુણ હોય માટે સંસારમાં રહો કે ત્યાગીમાં રહો, પણ સાધુ સેવન કરવું. ને ત્યાગીમાં હશે ને સાધુ સેવન નહિ કરે તો તેમાં રૂડા ગુણ નહિ જ આવે.
(195) ધ્રોળના બ્રાહ્મણે પૂછ્યું જે, ‘ધામમાં કેવી રીતે ભગવાન રહ્યા છે ?’ પછી મહારાજે અંગૂઠે હાથ અડાડીને કહ્યું જે, ‘આવા ને આવા બેઠા છે.’ તે જોઈને પાંચ છ જણને સમાધિ થઈ ગઈ અને કૃષ્ણવલ્લભદાસને પણ મહારાજે તેમ જ કહ્યું, પણ વાત સમજાણી નહિ ને મુક્તાનંદસ્વામીએ પૂછ્યું જે, ‘શાંતિ કેમ થાય ?’ ત્યારે મહારાજે પોતાના જન્મ કર્મ સર્વે કહ્યાં ને બોલ્યા જે, ‘અમારું દર્શન કરે, અમારા સાધુનું કે સત્સંગીનું જે દર્શન કરે ને તેના હાથનું અન્ન જમે, તે સર્વેનું કલ્યાણ થઈ જાશે.’ એમ મહારાજે કહ્યું. તો પણ વાત ન બેઠી. ત્યાર કેડે વાત બેઠી. પછી
મારો મત કહું તે સાંભળો વ્રજવાસીજી.
એ કીર્તન કર્યાં. ત્યાર કેડે ઉપાસનાનો ટંટો આવ્યો, ત્યારે રામાનંદસ્વામીનું રૂપ લઈ તે દ્વારા કહેવરાવ્યું ત્યારે ભગવાન કહ્યા. ત્યારે પણ કેટલાક દાખડા કર્યા. પછી ગામડી ગામમાં મહારાજે વાત કરી તથા ધરમપુર જાતાં વાત કરી ત્યારે ઉપાસનાની વાત બેઠી. પછી
માઈરી મેં તો પુરુષોત્તમ વર પાયો.
(કીર્તન મુક્તાવલિ : ભાગ-2 /60)
એ કીર્તન કર્યાં. અમે પણ ઉપાસના માટે કેટલાક દાખડા કર્યા ને જેમ શુદ્ધ છે તેમ સમજાવવા એવી ઉઘાડી વાતું કરવા માંડી. પછી નિત્યાનંદસ્વામીએ પુછાવ્યું જે, ‘તમને એવી વાતું કોણે કહી છે ?’ ત્યારે અમે કહ્યું જે, ‘સ્વામિનારાયણે કહી છે; બીજો કોણ કહેશે ?’ પછી નિત્યાનંદસ્વામી કહે, ‘મહારાજને તેમના ઉપર અતિ અગાધ હેત હતું, તે કહ્યું હશે.’ એવી કેટલીક ઉપાસનાની વાતો જાણી રાખવા જેવી છે ને જો જ્ઞાન, ચિકિત્સા અને બુદ્ધિ ન હોય તો જેવો સંગ તેવો રંગ લાગે ને પછી ખોટ વજ્રલેપ થાય; તે આવ્યા મોક્ષ સાધવા અને બીજે ભામે ચડી જવાય.
કેડે : પાછળ.
ટંટો : કજિયા-તકરાર.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
ચિકિત્સા : ગુણ-દોષ પારખવાની શક્તિ- દોષદર્શન.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
(196) ત્યાગી થયા છે તો પણ દેહની ક્રિયામાં ધૂડ ઘાલે છે અને આ સંસારી છે તે પણ ધૂડ ઘાલે છે; પણ દશ મહિના વહેવાર કરીને બે મહિના કોઈ સમાગમ કરે નહિ.
દશ : દિશા.
(197) અહંવૃત્તિ ભરાય છે ત્યારે શરીરમાં બળ આવે છે ને તેમાં દાખડા કહો એટલા કરે; પણ કહો જે બે ઘડી ધ્યાનમાં બેસો તો ઠીક ન પડે.
(198) ચાર ઘાંટી છે. તેમાં ભગવાન તથા સાધુ ઓળખવા એ બેની તો દિશ જ જડી છે પણ દેહ પોતાનું ન માનવું તથા ઉત્તમ પંચવિષયમાંથી રાગ ટાળવો, એ બન્નેની તો હજુ દિશ જ નથી.
બપોરે વાત કરી જે,
(199) બીજી વાતું આવડે કે ન આવડે, પણ બે વાત તો જીવમાં જડી દેવી. તે શું ? જે, એક તો ઉપાસના ને બીજી આજ્ઞા અને બીજું આ ઇન્દ્રિયુંનું દોર્યું દોરાવું નહિ ને મનનું દોર્યું દોરાવું નહિ ને પદાર્થે કરીને જીવમાં શાંતિ થનારી નથી ને સોનાની મૂર્તિ કરાવીએ, પણ તેમાં મન ન વળગે તો તે શા કામનું ? માટે આજ્ઞા, ઉપાસના ને આ સાધુનો સંગ એમાં જીવને જોડી દેવો.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
મૂર્તિ : સંતો.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
(200) જેને ત્યાગી થાવું છે તેને કોણ રોકનારું છે ? તે દશ-વીસ વાર ભાગીએ એટલે ફરી ઘરના તેડવા ન આવે. અમદાવાદમાં મહારાજ લાડુ પીરસતા હતા, તેમાંથી સાધુએ લાડુ સંતાડ્યા, ને પછી મહારાજને કહ્યું જે, ‘લાડુ થઈ રહ્યા !’ તે સાંભળી ત્રાંસ મૂકીને મહારાજ વહ્યા ગયા. બીજે દિવસ ઘુમટમાં સાધુ લાડુ વહેંચી ખાતા હતા ત્યાં અમે ગયા, ત્યારે અમારી આગળ ધર્યા. પછી સમાધિવાળાએ અમને કહ્યું જે, ‘મેં કાલે સમાધિમાં સાધુને લાડુ લેતાં દીઠા હતા.’ ત્યારે અમે કહ્યું જે, ‘ધૂડ પડી તારી સમાધિમાં ! કાલે મહારાજને કેમ કહ્યું નહિ ? અને કહ્યું હોત તો મહારાજ રાજી થાત. તારી સમાધિ શું કામ આવી ?’ એમ કહી અમે લાડુ ફગાવી વહ્યા ગયા.
સંવત 1919ના અષાઢ વદિ દ્વાદશીને દિવસે સ્વામીએ વાત કરી જે,
(201) શૂરવીર, ડાહ્યો, ધીરજવાન ને બુદ્ધિવાન તો તેને કહીએ જે, જેણે જે વાત ધારી હોય તેમાં વિઘ્ન ન આવવા દે. તેમ મહારાજ ને આ સાધુનો એવો ઠરાવ કરવો. તેમાં નામીએ સહિત સર્વોપરી ઉપાસના, જ્ઞાન, ભજન, સ્મરણ સ્વામિનારાયણનું કરવું એવો ઠરાવ દૃઢ કરે તે ભક્ત ડાહ્યો છે ને અક્ષરબ્રહ્મ જે આ સાધુ જેમાં અખંડ મહારાજ રહ્યા છે તેના સંબંધથી પોતે બ્રહ્મરૂપ થઈ મહારાજની અખંડ ઉપાસના કરવી, એ ઠરાવ કરવાનું અનુસંધાન નિરંતર રાખવું; પણ મરતી મરતી કાન હલાવે તેમાં કાંઈ ન થાય. ને જેમ હાથીને નવરાવે પછી ધૂડ માથે નાખે, તેમ બે દિવસ ધ્યાન, ભજન કર્યું ને પછી મૂકી દે, તે એવું કહેવાય.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
સંવત 1919ના અષાઢ વદિ તેરસને દિવસે સ્વામીએ વાત કરી જે,
(202) જીવનો એવો સ્વભાવ છે જે ભગવાન પાસે ને મોટા સાધુ પાસે પોતાનું ધાર્યું કરાવે ને પોતાને રજ, તમ હોય તે પોતાને તો ઓળખાય નહિ ને મોટા તો દેખતા હોય પણ તે કહે તો ય ઓળખાય નહિ. ભગવાન તો અંતર સામું જોઈ રહ્યા છે ને ત્યાગનો, ભક્તિનો, દેહના અનાદરનો ને બુદ્ધિનો અહંકાર આવે છે; એવાં અનંત વિઘ્ન કલ્યાણના મારગમાં છે.
(203) કેટલાંક દુ:ખ છે તે પોતા થકી છે ને કેટલાંક પર થકી છે, તે ઇન્દ્રિયુંને વશ વરતાય એ પોતા થકી દુ:ખ કહેવાય ને બીજો દુ:ખ દે તે પર થકી કહેવાય ને કેટલાંક ખાધામાંથી દુ:ખ આવે, માટે વર્જનીય અને અવર્જનીય દુ:ખ જાણવાં.
(204) ગુરુ વિના તો નાળ કાપતાં ગળું કાપે એવું થાય છે.
સંત ધન્વંતરી વૈદશમ, જેસો રોગી જેહુ;
મુક્ત બતાવત તાહીકું, તેસો ઔષધ તેહુ.
(મુક્તાનંદ કાવ્ય : વિ.ચિ.-સાધુ કો સંગ-10)
દોષ હરન શીતલ કરન, ઘનસમ સંત સુધીર;
મુક્ત જ્ઞાન જળ વર્ષકે, હરત સબકી પીર.
(મુક્તાનંદ કાવ્ય : વિ.ચિ.-સાધુ કો સંગ-4)
સાધુ ચંદન બાવના, શીતલ છાય વિશાલ;
મુક્ત કહે તેહી પરસસે, નિર્વિષ હોત વિષ વ્યાલ.
(મુક્તાનંદ કાવ્ય : વિ.ચિ.-સાધુકો સંગ-2)
પાપી હોય તેનું પણ આ દર્શને કલ્યાણ થઈ જાય, એવું આ સાધુને આવડે છે ને જીવનો સ્વભાવ તો કેવો છે જે દેહનો ખરેરો કરે ત્યાં જ સારું લાગે, પણ ટોકે ત્યાં સારું ન લાગે ને સ્વભાવ તો ટોક્યે જાશે; માટે સાધુ છે તે જીવના દોષ હળવે હળવે કાઢી નાખે છે. ‘બ્રહ્મવિલાસ’નું શૂરવીરનું અંગ વંચાવીને કહ્યું જે, શૂરવીરનો મારગ, પ્રેમનો મારગ, નિયમનો મારગ ને ધર્મનો મારગ એ સર્વે મારગે ચાલવા માંડે તો અવિદ્યા ક્યાં રહે ? જેમ કાળીનાગને માથું જ ઉપાડવા દીધું નહિ તેમ અવિદ્યા ઊંચું માથું કરી શકતી નથી, ને એવા ભાવના શ્ર્લોક શીખી રાખે તો હૈયું એવા ભાવથી વસાઈ જાય ને આવી વાતું સમજાણી હશે ત્યારે પાદશાહી મુકાણી હશે, ને આ તો વિષયનો ઓશલો જ કુટાય છે.
ખરેરો : જાળવણી, સાચવવો.
અવિદ્યા : માયિક સમજણ
પાદશાહી : બાદશાહી, રાજ્ય કે હકૂમત
ઓશલો : માયાનાં બંધનનાં જ કાર્યો થાય, પછી પસ્તાઈ છાતી કૂટવાની.
બપોરે વાત કરી જે,
(205) ભગવાનની આજ્ઞા, ભગવાનનું સ્વરૂપ ને આ સત્સંગ તેમાં ન બંધાણો ને છૂટો રહ્યો તેનું કોઈ દિવસ ઠીક રહે નહિ. ને જે ખપવાળા છે તેને દેહ પણ ગણતીમાં નથી ને ઇન્દ્રિયું પણ ગણતીમાં નથી ને સત્સંગમાંથી ગયા તે પાછા કુટાઈને આવ્યા, તે ન આવ્યા જેવા જાણવા !
સંવત 1919ના અષાઢ વદિ ચૌદશને દિવસે સ્વામીએ વાત કરી જે,
(206) દેવની માયા એવી છે જે કોઈ જીવને શાંતિ રહેવા દે નહિ, તે માંહોમાંહી ટંટો, અને મંદિરવાળાને અરસપરસ ટંટો, તે ટંટાનું જ ભજન થાય છે. માટે એમનું એમ આખો દિવસ કરીએ ત્યારે ભજન ક્યારે થાશે ? ને એમાંથી અંતર બગડનારું; માટે એ મારગે ચાલવું નહિ ને જીવને તો વાણીએ કરીને પણ સારું બોલતાં ન આવડે ને કરતાં ય ન આવડે ને સંન્યાસીની પેઠે માંહોમાંહી વિક્ષેપ કરાવે અને આ તો સર્વે દેવનું છે, તે આચાર્યને સંભાળ રાખવા મૂક્યા છે; પણ એ અહંમમત્વમાંથી આપણો જીવ બગડે અને દુ:ખ આવે.
(207) બોટાદમાં માતરા ધાધલની ડોશીએ થાળી વેચીને મોટાભાઈ જે સચ્ચિદાનંદસ્વામી તેને રાબ આપી, તેથી મહારાજ બહુ રાજી થયા ને ભગવદીની આ દેહે કરીને સેવા થઈ કે વચને કરીને જ ભલું મનાવીએ તે સારું છે; પણ ઈર્ષા, અદેખાઈ ને માન તે ભગવાનના ભક્ત સાથે ન કરવું.
(208) સત્શાસ્ત્રનું વ્યસન, નિષ્ઠા, આજ્ઞા, અને સુહૃદપણું એ ચાર વાનાં વૃદ્ધિ પામવાનાં છે. માન વિનાની ભક્તિ કરે તો મોટા બહુ રાજી થાય ને માન હોય ને ટોકે તો મરડાઈ જાય. માટે વિચાર કરવો જે, મારે પંચવિષયમાંથી શાની વાસના બળવાન છે ? એમ અંતરમાં તપાસ કરવો ને હૈયામાં ભગવાનને ધારવા.
વાનાં : વસ્તુઓ. (બ.વ.)
મરડાઈ : રિસાઈ, વંકાઈ.
વાસના : પૂર્વના સંસ્કારોથી મકકમ થયેલી કામના.
(209) સત્ત્વ, રજ ને તમ તેમાં રજ, તમની વાસના ટાળવી તે તો ગિરનાર ઊખેડવા જેવું કઠણ છે. ગમે એટલો ખાધાનો પ્રસંગ થાય ને બીજો ગમે એટલો પ્રસંગ થાય પણ કોઈ રીતે જીવ ફરે નહિ એ શૂરવીર ભક્તનાં લક્ષણ છે. જે કોઈ ગુણ આવ્યા છે તે આ સત્સંગમાંથી આવ્યા છે ને પછી એવા સારા ગુણ મૂકીને માંહોમાંહી કજિયા કરે ને ટંટા કરે ને શબ્દે કરીને કોણ વિક્ષેપને ન પામે ? તે તો ભગવાન કે એવા મોટા અંતર્યામી હોય તે વિક્ષેપ ને ન પામે. શબ્દ તો એવા છે જે માવા ભક્તને માથે સંસ્કાર કરાવ્યા હતા, નાગર રામજી જીકારનો દીકરો મરી ગયો તે હીરબાઈ કહે, ‘માવા ભક્તે મૂઓ કહ્યો, તેથી મરી ગયો.’ એ હીરબાઈનો પક્ષ લઈને બોલ્યો કહેવાય ને સિદ્ધાનંદસ્વામી નદીએ વાત કરવા જાતા તેમાં કેટલાક સંસ્કાર કરાવ્યા; માટે શબ્દે કરીને જો કોઈ મોટાનો અવગુણ આવે તો જીવ બગડી જાય ને ભૂંડું થાય.
વાસના : પૂર્વના સંસ્કારોથી મકકમ થયેલી કામના.
(210) મહારાજને પોતાના અને આ મોટા સંતના સંબંધથી આંહીં જ અક્ષરના મુક્ત જેવા કરી મૂકવા છે. તે અક્ષરના મુક્ત છે તે કોઈનાથી લેવાતા નથી એવા આંહીં છે, તેવા બધાને કરવા છે; માટે સાધુ થાવું. તે,
ઉદ્ધવ સોઈ સાચે મમ દાસ હે;
મન ઇન્દ્રિ કે કૃત્યસેં ન્યારો, એકાંતિક મન જાસ હે;
મુક્તાનંદ સો સંત કે ઉર બીચ, મેરો પ્રબળ પ્રકાશ હે. ઉદ્ધવ0
(શ્રી સ્વામિનારાયણ હજારી : 249-4/3)
એમાં સર્વ સાધુનાં લક્ષણ આવી ગયાં. ને
શ્રી વાસુદેવવિમલામૃતધામવાસં નારાયણં નરક તારણનામધેયમ્ ।
શ્યામં સિતં દ્વિભુજમેવ ચતુર્ભૂજં ચ ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે ॥
(શ્રી ધાર્મિક સ્તોત્રમ્ : સત્સંગિજીવન)
અર્થ :- દિવ્ય વિશુદ્ધ વાસુદેવરૂપી અક્ષરધામમાં નિવાસ કરનારા, નરકથી તારનારા, નારાયણ જેનું નામ છે, તેમ જ શ્યામ તથા શ્ર્વેત વર્ણવાળા, હમેશાં બે ભુજાઓથી શોભનાર, કોઈ વાર ચાર ભુજાથી શોભતા, ભક્તિ તથા ધર્મના પુત્ર આપને હું શરણે જાઉં છું.
એમાં આખો ‘સત્સંગીજીવન’ આણી મૂક્યો છે ને ચાર વેદ, ખટશાસ્ત્ર, અઢાર પુરાણ ને ભારતાદિક ઇતિહાસ એ સર્વનું દોહન ‘શિક્ષાપત્રી’ છે. ને
ધર્મસ્ત્યાજ્યો ન કૈશ્ચિત્ સ્વનિગમવિહિતો વાસુદેવે ચ ભક્તિ
ર્દિવ્યાકારે વિધેયા સિતઘનમહસિ બ્રહ્મણૈક્યં નિજસ્ય ।
નિશ્ચિત્યૈવાન્યવસ્તુન્યણુમપિ ચ રતિં સમ્પરિત્યજ્ય સન્ત
સ્તનમાહાત્મ્યાય સેવ્યા ઇતિ વદતિ નિજાન્ ધાર્મિકો નીલકંઠઃ ॥
(સત્સંગિજીવન : શ્રી ધર્મનન્દનાષ્ટકમ્)
અર્થ :- ‘કોઈએ પણ પોતાના ધર્મગ્રંથોમાં કહેલા ધર્મનો ત્યાગ ન કરવો જોઈએ, ભગવાન શ્રી વાસુદેવ કૃષ્ણના દિવ્યસ્વરૂપની ભક્તિ કરવી જોઈએ. શ્ર્વેત વાદળના તેજ સમાન ઘનશ્યામ શ્રી કૃષ્ણરૂપ બ્રહ્મમાં પોતાની એકતાનો(અભેદનો) નિશ્ર્ચય કરવો અને અન્ય વસ્તુ પર સહેજ પણ પ્રેમ હોય તો તેને તજી દેવો. સંતનો મહિમા આપણને પણ પ્રાપ્ત થાય તે માટે સંતોની સેવા કરવી.’ આ પ્રમાણે ધર્મપરાયણ નીલકંઠ મુનિ પોતાના ભક્તોને ઉપદેશ આપે છે.
એ એક શ્ર્લોકમાં સર્વ વાત લાવ્યા છે.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
નરક : દોજખ, વિષ્ટા.
અર્થ : ધન, સંપત્તિ.
સંવત 1919ના અષાઢ વદિ અમાસને દિવસે સ્વામીએ વાત કરી જે,
(211) જેને સાધુ થાવું હોય ને ઉત્તમ ગતિને પામવું હોય તેનો મારગ નોખો છે પણ વિષય પામ્યાના મનસૂબા થાય છે, માટે આ વાત ક્યાં બનશે? માટે જેને એ મારગે ચાલવું તેને તો વૈરાગ્યને પામવું ને આત્મનિષ્ઠાને પામવું ને વિચાર કરવો જે, હું તો અખંડાનંદ છું ને રાજભૃત્યાદિકનો મારગ નોખો છે ને સાધુ થાવાનો મારગ નોખો છે. અનંત ઉપાય કરે ત્યારે મોક્ષ સુધરે, પણ આ તો ટંટા-બખેડા કરવા, મારું-તારું કરવું ને પ્રભુ પણ ભજવા; પણ કેવળ પ્રભુ ભજવાની વાત નોખી છે.
નિજાત્માનં બ્રહ્મરૂપં દેહત્રયવિલક્ષણમ્ ।
વિભાવ્ય તેન કર્તવ્યા ભક્તિઃ કૃષ્ણસ્ય સર્વદા ॥
(શિક્ષાપત્રી શ્ર્લોક : 116)
અર્થ :- સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ જે ત્રણ દેહ તે થકી વિલક્ષણ એવો જે પોતાનો જીવાત્મા તેને બ્રહ્મરૂપની ભાવના કરીને પછી તે બ્રહ્મરૂપે કરીને શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ જે તે સર્વ કાળને વિશે કરવી.
બ્રહ્મભૂતઃ પ્રસન્નાત્મા ન શોચતિ ન કાંક્ષતિ ।
સમઃ સર્વેષુ ભૂતેષુ મદ્ભક્તિં લભતે પરામ્ ॥
(ભગવદ્ ગીતા : 18/54)
અર્થ :- બ્રહ્મભાવને પ્રાપ્ત થયેલો તે પ્રસન્ન ચિત્ત મનુષ્ય કશાનો શોક કરતો નથી કે કશાની આકાંક્ષા કરતો નથી અને સર્વ ભૂતોમાં સમભાવથી રહેતો થકો મારી પરમ ભક્તિને પામે છે.
ત્યજ ધર્મમધર્મં ચ ઉભે સત્યાનૃતે ત્યજ ।
ઉભે સત્યાનૃતે ત્યક્ત્વા યેન ત્યજસિ તત્ત્યજ ।।
(સુભાષિત)
અર્થ :- ધર્મ અને અધર્મનો ત્યાગ કર. તેમ જ સત્ય અને અનૃતનો ત્યાગ કર. સત્ય ને અનૃતનો ત્યાગ કર્યા પછી જે કંઈ છોડી શકાય તે છોડ.
તે એ મારગ નિર્વિઘ્ન છે. તે વિના તો સકામ ભાવ રહી જાય ને લોકાંતરને પમાય. જે ધર્મમાં નથી તેની ક્યાંય જય થાય નહિ. માટે ત્યાગીનો ધર્મ છે, ગૃહસ્થનો ધર્મ છે, તેમાં ન વરતે તો આંહીં પણ દંડ થાય છે ને શુદ્ધ થાશે તો ધામમાં જાવાશે.
મનસૂબા : સંકલ્પો, કાંઈક કરી લેવાના વિચારો
અર્થ : ધન, સંપત્તિ.
(212) નવ પ્રકારની ભક્તિએ કરીને ભગવાનમાં જોડાવાય, તે સર્વનાં નોખાં સાધન છે. તે વૈરાગ્ય ને આત્મનિષ્ઠા વિના તો ઘોડી પાછી વાળી એટલો પ્રેમ હતો, પણ કસર રહી ગઈ. તે કુંડળવાળાં રાઈબાઈએ ધ્યાનમાં વૃત્તિએ કરીને મહારાજની ઘોડી પાછી વાળી હતી; પછી વિજોગ થયો એટલે એવી વૃત્તિ આળસી ગઈ. તે અમે એક વખત શિવલાલભાઈ મારફત પુછાવ્યું જે, ‘હવે સમાધિ થાય છે?’ તો તે બાઈ કહે, ‘કરું તો થાય પણ નવરી નથી,’ તે શું ? જે, જોગ વિના ઘાસી જાય. ને દશ દિવસ સમાધિમાં રહે ને દેહમાં આવે ત્યારે એવા ને એવા ! ભક્તિ કરાવીને થાળ આપ્યો કે ઝીણા ચોખા દીધા કે કોઈ પદાર્થ આપ્યું, તેમાં શું થયું ?
મરને બાર મેઘ આવી ઝુમે રે, તોય નવ ભીંજે મેરો રોમે રે.
મરને આતસ કા વરસે મેહા રે, તોય નવ દાઝે મેરા દેહા રે !
એમ ‘દેહનાં દુ:ખે હું દુ:ખિયો થાઉં એવો નથી ને સુખના ઢગલા હોય તો ય સુખી થાતો નથી.’ એવો વિચાર કરવો. આત્મનિષ્ઠાવાળા રાજ્યમાં છે તો પણ વનમાં છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય પામ્યા; પણ ભગવાનમાં ન જોડાય તો સર્વે વ્યર્થ છે ને તે વિનાનો તો,
ષડઙ્ગાદિવેદો મુખે શાસ્ત્રવિદ્યા કવિત્વાદિ ગદ્યં સુપદ્યં કરોતિ ।
ગુરોરઙ્ધ્રિપદ્મે માનશ્ચેન્ન દત્તં તત: કિં તત: કિં તત: કિં તત: કિમ્ ।।
(શ્રીશંકરાચાર્ય)(કીર્તન મુક્તાવલિ : 33/ગુરુસ્તોત્ર-4-2)
અર્થ :- છ અંગો સાથે વેદ અને બધા શાસ્ત્રોની વિદ્યા મોઢે છે. કવિત્વ શક્તિ જેનામાં છે અને ઉત્તમ ગદ્ય અને પદ્ય કરી શકે છે. પણ જો ગુરુના ચરણકમળમાં મન ન લાગ્યું હોય તેથી શું ઉપયોગ ? શું ઉપયોગ ? શું ઉપયોગ? શું ઉપયોગ ?
માટે,
ભક્તિહીન ભવસિંધુ ન તરહિં.
જડભરતને મૃગલી આડી આવી; માટે નિષેધ કરીએ ત્યારે ધર્મ, જ્ઞાન, વૈરાગ્યને પામીને ભગવાનમાં જોડાવાય. ને જ્ઞાન વિના તો અંધારું કહેવાય.
ક્ષણે રૂષ્ટા: ક્ષણે તુષ્ટા: રૂષ્ટા: તુષ્ટા: ક્ષણે ક્ષણે ।
અવ્યવસ્થિતચિત્તાનાં પ્રસદોપિ ભયંકર: ॥
(સુભાષિત રત્નમાળા : 45)
અર્થ :- એક ક્ષણે કોધ કરે, બીજી ક્ષણે પ્રસન્ન થાય એમ ક્ષણે ક્ષણે ક્રોધ કરે અને પ્રીતિ કરે એવા અવ્યવસ્થિત (ઠેકાણા વિનાના) ચિત્તવાળા અધિપતિઓની મહેરબાની પણ ભયંકર હોય છે.
ને એવા સમાસ ન કરે.
આત્મનિષ્ઠા : હું તો દેહથી જુદો જે આત્મા તે છું ને મારે વિશે પ્રગટ પરબ્રહ્મ અખંડ બિરાજમાન છે. તેવી અતિ દૃઢ માનીનતા, શ્રદ્ધા, વિશ્ર્વાસ, આસ્થા.
કસર : ખોટ, ઉણપ.
દશ : દિશા.
મરને : ભલેને.
અર્થ : ધન, સંપત્તિ.
નિષેધ : શાસ્ત્રવિહિત મનાઈ.
(213) આ લોકની ક્રિયાનો તો કાંઈ પાર આવે નહિ ને કેટલાકને માથે તો કાંઈ ક્રિયા ન હોય ને એક રોટલો જ ખાવા જોઈએ, તો પણ પ્રભુ ન ભજાય ને ઘડપણમાં તો તમ વધે ને પછી ખાટલો, ખાડો, ખાવું ને જાડી પથારી.
આહારનિદ્રાભયમૈથુનં ચ સામાન્યમેતત્ પશુભિર્નરાણામ્ ।
ધર્મો હિ તેષામધિકો વિશેષો ધર્મેણ હીનાઃ પશુભિઃ સમાનાઃ ॥
(હિતોપદેશ પ્રાસ્તાવિકા શ્ર્લોક નં. 26)
અર્થ :- આહાર, નિદ્રા, ભય અને મૈથુન આ બધું પુરુષોનું પશુઓ સાથે સામાન્ય છે. ધર્મ જ તેમનો વિશેષ ગુણ છે. ધર્મહીન પશુ સમાન છે.
ધર્મ ને જ્ઞાન વિના તો માણસને પશુ લખે છે. આવી વાતું કર્યા વિના તો પ્રભુ ભજવાની દિશ જડે નહિ ને મોટા સાધુમાં ન જોડાવાય ને મોટા સાધુમાં જોડાયા વિના ભગવાનમાં ક્યાંથી જોડાવાશે ? લાભની ખબર નહિ તેને ક્યાં જ્ઞાન છે ? કાઠી ગુરુ થયા તેની વાત કરી જે, અગણ્યોતેરાની સાલમાં રોટલા ખાવા સાધુ થયા હતા ને પછી વરસ સારું થયું, ત્યારે કહે, ‘શું અમે ભૂખે મરતા આવ્યા છીએ ? અમારે ત્યાં તો માણકીઓ પૂંછડાં ઝાપટે છે ! આ તારો ભેખ ! અમે તો આ ચાલ્યા.’ કહો, આવા શું પોતાનો ને બીજાનો સમાસ કરે !
જાડી : સહેલાઈથી સમજાય તેવી.
અર્થ : ધન, સંપત્તિ.
ભેખ : સંન્યાસ.
(214) જેને પંગતમાં લેવાની ટેવ પડી હોય તેનાથી ‘ધર્મામૃત’ પળે નહિ. તે શું ? જે, અન્નકૂટની પ્રસાદી પંગતમાં પીરસે ત્યારે નોખી લે; તેમ જ મોતૈયાની રસોઈમાં પણ થાય છે ને લૂગડાં બાંધી મૂક્યે ‘ધર્મામૃત’ પળશે કે કાઢી નાખ્યે પળશે ? આ બીજાને કહેતા નથી આપણામાં જ થાય છે; માટે પૈસા રાખશે તેને ઉપવાસ કરાવશું. ને સારાં સારાં લૂગડાં રંગીને બાંધી મૂકે છે ને વચમાં મરી જવાશે તો લૂગડાં આંહીં પડ્યાં રહેશે ને દંડ આપણે ભોગવવો પડશે ને ગમે એવું દેહ હશે તે બળી જાશે ને પદાર્થ હશે તે પડ્યાં રહેશે. વિષય ખોટા ખોટા કર્યે વિષય ખોટા થાય નહિ; તે તો તેનો ત્યાગ કરવા માંડે ત્યારે થાય. જેમ વ્યાકરણના કીટ થાય છે, તેમ બ્રહ્મવિદ્યાના કીટ થાય ત્યારે જ્ઞાન થાય.
(215) અન્ન, વસ્ત્ર ન મળે એમ નથી, એ તો મળે જ છે; પણ હવે તો કામ, ક્રોધનાં દુ:ખ રહ્યાં છે. ક્રિયા થોડી ઘણી હોય તે કોઈને બે પહોર, કોઈને પહોર ને ત્યાર પછી તો ભજન કરવું.