સંવત 1918ના ભાદરવા સુદિ પડવાને દિવસે સ્વામીએ વાત કરી જે,
(1) જેનો જીવ ત્યાગી ન હોય તેને પદાર્થ ભેળાં થાય તેનો ફડકો ન હોય પણ જેનો જીવ ત્યાગી હોય તેને તો જેમ પદાર્થ ભેળાં થાવા માંડે તેમ ફડકો પડવા માંડે ને સુખે નિદ્રા પણ ન આવે તે ઉપર નારાયણદાસની વાત કરી જે તે પાસે રામૈયો રાખતા તે સાકર વાટી દૂધમાં પીધી ત્યારે મહારાજે પૂછ્યું જે, ‘શું પીધું ?’ એટલે કહે જે, ‘પેટમાં બળે છે તેથી છાશ ને મીઠુ પીધું.’ પછી મહારાજે બીજા સાધુ આગળ છીપર ચટાડી, ત્યારે તેમણે કહ્યું જે, ‘ગળ્યું છે,’ તે રામૈયાથી જણાણું.
ફડકો : ધ્રાસકો, ભયની ધ્રુજારી.
રામૈયો : રામપાતર, મોટું શકોરું, બટેરું.
છીપર : વાટવા વગેરેના કામમાં આવે તેવી પથ્થરની ઘડેલી લાંબી, સાંકડી પાટ.
(2) મોટા અખંડાનંદ બ્રહ્મચારીએ પૂજામાં રૂપાની વાટકી રાખી હતી તે ગોપાળાનંદસ્વામીએ મુકાવી તે માંડ મૂકી અને પદ્મનાભાનંદસ્વામી આજ્ઞા બહાર પદાર્થો બહુ સંઘરતા હતા. તે જીવ પદાર્થ ભેળાં કરવામાં અને સંઘરવામાં સો સો કળાઓ શીખે; પણ આજ્ઞા પાળવા ત્યાગની કળા શીખે નહિ માટે નિયમમાં રહેવું, તો જ ઠીક રહેવાશે ને ત્યાગ ટકશે. ગામ ફીફાદમાં ખોડા રાઠોડ ભક્તે કૃપાનંદસ્વામીને કોરવાળું ધોતિયું ઓઢાડવા કર્યું; પણ રોયો ને બહુ આગ્રહ કર્યો તો ય રાખ્યું નહિ. અને બાપુ શિવરામે ગોપાળાનંદસ્વામીને રેશમીકોરનું ધોતિયું ઓઢાડ્યું ને કહ્યું જે, ‘આ ફાટે ત્યાં સુધી પહેરજો.’ પછી ગોપાળાનંદસ્વામી તરત તડાતડ પહેરી બેઠા કે, તે જ વખતે તે ફાટ્યું અને પછી કાઢી નાખ્યું. તેમ અમારો જીવ મહોબતી છે તે કાંઈક હરિજનનું ગમતું કરાય પણ સુખ રહે નહિ, તેથી જુક્તિ કરીને મહારાજની આજ્ઞા પાળીએ અને હરિજનને સમજાવી ‘ધર્મામૃત’ સંભળાવીએ. પછી ત્યાગીનું રૂપ કર્યું જે, પદાર્થ કે લૂગડું અધિક ન ગમે, આજ્ઞા પ્રમાણે જ રાખે તેને પેટી કે પટારો હોય જ નહિ અને બીજું આસન તો શેનું હોય ? એ ત્યાગી કહેવાય.
કળાઓ : યુક્તિઓ.
(3) વસોમાં મહારાજે હુતાશનીનો સમૈયો કર્યો તે સમે પરમચૈતન્યાનંદસ્વામીએ ઝીણી કોપીનો ફાડી પણ અમે તે ન લીધી ને જાડી લીધી ત્યારે તે અમને પગે લાગ્યા ને બોલ્યા જે, ‘તમારા જેવી રુચિ મને પણ ગમે છે પણ હું તો રજોગુણી થઈ ગયો છું.’ તેમ ખપવાળા ભગવદીને પોતાનો અવગુણ સૂઝે છે માટે ભગવાનના ભક્તને એમ રાખવું; મહારાજે બહુ વિચાર કરી આજ્ઞા કરી છે. શિવલાલ ગૃહસ્થાશ્રમમાં હતા પણ તેનો જીવ ત્યાગી હતો, તે કોઈને કળાવા દે નહિ ને ત્યાગ રાખે અને કેટલાક ત્યાગી હોય ને પદાર્થના રાગી હોય તે ખોટું કહેવાય; માટે ત્રણ ગ્ંરથ પ્રમાણે વરતી દેહ રાખવો. ન મળે ત્યારે તો સૌ ત્યાગી છે, પણ મળે અને જે ત્યાગ રાખે ને પદાર્થને ફગાવી દે તે ત્યાગી ખરો ! માટે ત્યાગીને દેહ ગુજરાન ઉપરાંત પદાર્થ રહે તે સંન્યાસીના ઘરમાં સાંબેલું કહેવાય, અને તે ધીરે ધીરે ગૃહસ્થની પેઠે ઘર બાંધશે. પ્રભવાનંદ સંન્યાસી અગિયાર શાક કરાવતા. દેહમાં કીડા પડે પણ ત્રણ ગ્રંથ ન લોપવા. આ દેહના અંતે તો ત્રણ વાનાં થાશે તે કૃમિ, વિષ્ટા અને રાખ. એમ કાં તો કીડા પડી સડશે અને કોઈ જનાવર ખાશે તો વિષ્ટા થાશે ને કાં તો બાળી નાખશે તો રાખ થાશે.
(4) સૂરાખાચરનું દૂધ અને અલૈયાનું છોટું; તેનો મહારાજે ફજેતો કર્યો હતો જે, હરિજન આગળ મહારાજના નામથી મંગાવેલ તે હરિજન મહારાજ આગળ છોટું ને દૂધ આપી કહે જે, ‘તમે મંગાવ્યું હતું તે આવું મળે છે.’ ત્યારે મહારાજ કહે, ‘અમે મંગાવ્યું નથી.’ પછી સૌ સંત હરિજનની સભામાં કહે કે, ‘જુઓ, અમારા નામથી પોતાને જોઈએ તે મંગાવે છે.’ એમ ત્યાગીમાં જરા હોય તો ઝાડ થાય ને જાણે જે રખાય નહિ તો પણ ફગાવી દે નહિ ને ત્યાગ પણ કરે નહિ અને કેટલુંક તો દાબે દાબે વરતાય છે તે કૃપાનંદસ્વામી તો આઠ આઠ દહાડે પોતાના મંડળમાં સાધુની ઝોળી તપાસતા તે દીર્ઘદૃષ્ટિવાળા જાણે કે, સાધુની ઝોળીમાં માગી માગીને ઘર વખરી ભરાય.
(5) જ્ઞાનાનંદસ્વામીને ઝોળીમાં પદાર્થ ઘણા થયા અને નિષ્કુળાનંદસ્વામીએ નિષેધની વાત કરી ત્યારે તે સાધુએ હાથ જોડીને કહ્યું કે, ‘મારાથી પદાર્થ ભેગાં થયાં છે તે કેમ કરું ?’ ત્યારે નિષ્કુળાનંદસ્વામીએ ભાંડના પડિયાની વાત કરી જે, એક શાહુકાર ગરીબને પડિયા ભરીને ખાવાનું આપતો હતો. તે ભાંડે એક પડિયો લીધો પણ જાણે જે કોણ ઓળખે છે ? તે બીજો લેવા ગયો અને પ્રથમનો પડિયો દેનાર ન દેખે તેમ પછવાડે સંતાડ્યો; પણ આપનાર કહે જે, ‘તને આપ્યું છે,’ એટલામાં પાછળનો પડિયો હાથમાંથી કૂતરો લઈ ગયો, એમ બન્ને ખોયા, તે ઉપર બોલ્યા જે,
આગે આયો ન હાથ, પીછે નિજ ભુવન બીગાર્યો;
ચલી સલુના સંગ, ત્રિયા કો નિજપતિ માર્યો.
તેહી મન કીન વિચાર, નારી હય શિશ કટાવે;
તજી ગયો સો તત્કાળ, કહી મુખ વાત ન આવે.
લેલીન નાહિ હરિપદ ના ચહ્યો, રહ્યો ન ઘર મેં રાંડકો;
કહે બ્રહ્મમુનિ હરિ છોડ કે, ભયો જ્યું દુનો ભાંડકો.
(બ્રહ્માનંદ કાવ્ય : ચાનક કો અંગ)
શાહુકાર : ધનિક.
સંવત 1919ના જેઠ સુદિ બીજને દિવસે સ્વામીએ દેશકાળની બહુ વાત કરી જે,
(6) આ જૂનાગઢનું મંદિર કોઈને થાવા દેવું નહોતું પણ થયું. કેમ જે, કર્યું એક મહારાજનું જ થાય છે તે ઉપર વાત કરી જે, મહારાજને મારવા કાલિદત્ત આવ્યો હતો પણ પોતે જ મરાયો તથા વડોદરાના દીવાન વિઠુબાને એમ જે, સ્વામિનારાયણને મારવા તથા લાજહીણ કરવા પણ મહારાજે ઐશ્ર્વર્ય વાપર્યું જે શિયાળો હતો છતાં ત્રણ દિવસ ને ત્રણ રાત મેઘ વરસાવ્યો તે કોઈ બહાર નીસરી શક્યું જ નહીં. વિઠુબા વ્યભિચારી હતો તેથી પોતાના અવળા કૃત્યથી ભૂંડી રીતે પોતે જ માર્યો ગયો.
પ્રકરણ 6 ની વાત 234
(7) નિવૃત્તિનું સ્થાનક હોય ત્યાં જ પ્રભુ ભજાય તે એવું સ્થાનક તો આંહીં છે તે ભગવાન અને આ અક્ષરધામ પ્રગટ પ્રમાણ દર્શન દે છે, વાતું કરે છે, જીવમાં અનાદિ કાળનું મૂળ અજ્ઞાન છે તેનો નાશ કરે છે અને બ્રહ્મરૂપ કરી સેવામાં રાખે છે. આપણે સર્વેને મહારાજ પાસે જાવું છે તે કોઈ વાતે આકળા ન થાવું. આ સાધુ મળ્યા છે તે મહારાજ વગર બીજું કોઈ તેડવા આવશે નહિ અને ઠેઠ અક્ષરધામમાં જ આ સાધુ મહારાજ પાસે લઈ જાશે. પણ આપણે ઠરાવ કરી રાખવો કે મહારાજ તેડવા આવે ત્યારે લવજીની પેઠે ના ન પાડવી અને ધાર્યું તો મહારાજનું જ થાશે. અમારી પ્રકૃતિ એવી છે જે, જેને ઉપાસનાનું ઠેકાણું નહિ અને ત્રણ ગ્ંરથ પાળે નહિ તેની સાથે અમારે બને નહિ. અમારે તો અક્ષરધામના મુક્ત સાથે જ બને છે. કોઈ દેશકાળ આવે કે કોઈનો દેહ પડી જાય તેમાં કોઈ વાતે મૂંઝાવું નહિ; મહારાજનું ગમતું થાશે.
કેશવલાલે પૂછ્યું જે, ‘મોટા ન હોય ત્યારે નૈમિષારણ્ય ક્ષેત્ર ક્યાં કહેવાય?’ ત્યારે સ્વામીએ કહ્યું જે, ‘જ્યાં મહારાજની ઉપાસના સહિત આજ્ઞા પળે ત્યાં નૈમિષારણ્ય ક્ષેત્ર જાણવું.’ અને જ્યાં ઇન્દ્રિયુંની વૃત્તિ સજાય તેવાના સંગમાં આજ્ઞા ને ઉપાસના હોય જ નહિ, પરંતુ મહારાજને આ સંપ્રદાય ચલાવવો છે તો કોઈ એવાને મૂકશે કે ખરેખરો ધર્મ, ત્યાગ, વૈરાગ્ય પાળશે તેને રાખશે. અને બીજાને કાઢી મૂકશે ને મહંત કર્યો હોય તો મૂળગો દ્રોહ કરે ને કરાવે. ભૃકુટિ ન ચડવા દેવી અને કોઈને વેણ ન મારવાં, પણ સહજભાવે વાતમાં વાત લાવી પરોક્ષ રીતે હેત કરી કહેવું તેથી અસર પણ સાંભળનારને સારી થાય. વિશ્ર્વાસચૈતન્યાનંદે નિષ્કુળાનંદસ્વામીને વેણ માર્યાં જે, ‘ખાતો નથી ને ખાવા પણ દેતો નથી.’ એ આદિક કુત્સિત શબ્દો કહ્યા. તે ઉપર નિષ્કુળાનંદસ્વામીએ,
શ્રી રામરામ ! વાક્ય વિવેક શું ઉચ્ચારીએ;
શ્રી રામરામ ! દીઠું ને અદીઠું તે વીસારીએ.
એ આઠ કીર્તન કર્યાં.
પ્રકરણ 10 ની વાત 90
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
આકળા : ઉતાવળા.
પાળે : સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જાતનો સેવક/પાર્ષદ.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
મૂળગો : તદ્ ન
દ્રોહ : મનથી, વાણીથી કે કર્મથી જાણી જોઈને કરેલ દોષ, ગુનો, પાપ કે અપરાધ
(8) પ્રશ્ર્ન ઉત્તરમાં પણ તાણખેંચ થાય તો દેશકાળ જોઈને વાત કરવી અને મહારાજ તથા મોટા સંતનો મહિમા સમજવો. પ્રગટ સ્વરૂપની નિષ્ઠા થાવી તે કાળજું તૂટ્યા જેવી વાત છે. પોતે ઠરાવ કરી રાખ્યો હોય ને જેને પોતે નાના માન્યા હોય તે જ્યારે અતિ મહિમાની સર્વોપરી વાત કરે ત્યારે તેનો નિષેધ કરે એવું માનનું પાપ છે. તે માટે સાચી વાત હોય તે માને એવો હોય તેને જેમ છે તેમ કહેવી અને બીજા આગળ તો ઘેરા ઘા કરવા; પણ વખત આવે સાચી વાત છે એમ જાણતા હોઈએ છતાં એમ ન કહેવું, એ મહારાજનો મત નથી. જુક્તિથી કામ લેવું જેથી મૂળગેથી ન જાય તે સંભાળવું. આ ઉપર અમદાવાદમાં પ્રશ્ર્ન-ઉત્તરમાં તાણખેંચ થઈ હતી તે વાત કરી જે, સભામાં ઉપાસનાનું પ્રકરણ નીકળ્યું તેમાં આંહીંના સાધુએ મહારાજને સર્વોપરી અવતારી પુરુષોત્તમ કહ્યા. ત્યારે ઉત્તમાનંદસ્વામી કહે, ‘નરનારાયણ એ જ મહારાજ છે ને તેથી જ પોતાની મૂર્તિ પ્રથમ આંહીં બેસાડી છે.’ ત્યારે આંહીંના સાધુ હરિજનો કહે કે, ‘મહારાજ તો સ્વયં ભગવાન છે અને અનંત રામ, અનંત કૃષ્ણ અને અનંત નરનારાયણના સ્વામી છે.’ એમ સંવાદ થાતાં થાતાં બે વાગી ગયા અને હરે ન થાય.
પછી અમે અયોધ્યાપ્રસાદજી મહારાજ પાસે હતા ત્યાંથી સભામાં આવ્યા અને કહ્યું જે, ‘શું પ્રસંગ ચાલે છે ?’ત્યારે કહે જે, ‘ઉપાસનાની વાત નીકળી છે તેમાં આ ઉત્તમાનંદસ્વામી મહારાજને નરનારાયણ જેવા કહે છે.’ ત્યારે અમે કહ્યું જે, ‘મહારાજને પુરુષોત્તમ કહો એ જ પોતાના સ્વામીની સાચી ઉત્કૃષ્ટતા છે. મહારાજને સર્વોપરી કહે છે તેમાં તમે ડાહ્યા વિદ્વાન થઈ શું કામ તાણખેંચ કરો છો? કેને નરનારાયણ કે, રામ કે, કૃષ્ણ તેડવા આવ્યા ? તેડવા આવે છે તો આ મહારાજ આવે છે. બદરિકાશ્રમમાં બોરાં ખાવાં અને તપ કરવું ને આંહીંની પેઠે પંચભૂતના દેહ અને જન્મ મરણ છે, માટે અક્ષરધામમાં જ મોક્ષ છે, તે ધામના ધામી તમને મળ્યા છે. તમારા જેવાં કોનાં ભાગ્ય છે ?’ પછી ઉત્તમાનંદસ્વામી કહે, ‘મહારાજ સો વાર સર્વોપરી પુરુષોત્તમ ! હવે છે ?’ આ સાંભળી અમે કહ્યું જે, ‘બોલો શ્રીજીમહારાજની જય !’ એમ કહી પુરુષોત્તમપણાનો ડંકો બેસાડ્યો અને સૌ સાથે જમવા ગયા.
નિષ્ઠા : શ્રદ્ધા, આસ્થા, વિશ્ર્વાસ, ધારણા.
નિષેધ : શાસ્ત્રવિહિત મનાઈ.
મૂર્તિ : સંતો.
કરો : ઘરની દિવાલ.
(9) બાયડી રોજ સો ખાસડાં મારે તો પણ અભાવ આવતો નથી એવી સત્સંગમાં આત્મબુદ્ધિ કરવી. હેત હોય તેનો અવગુણ ન આવે અને કહ્યું મનાય તે ઉપર વાત કરી જે, એક સાધુને કંપી બાંધતાં આવડે તેથી મોટેરાએ તેને બાંધવા કહ્યું તથા બીજા ઘણાએ બાંધવા કહ્યું પણ ન બાંધી. પછી અમે શિવાનંદને કહ્યું કે, ‘તારો ભાઈબંધ કંપી બાંધતો નથી ને બધાને કામ કરતાં ખોટી કરે છે તે તું તેને કહે એટલે બાંધે.’ પછી શિવાનંદે તેને કહ્યું જે, ‘ઊઠ, માળા કોળકા ! આવડે છે ને કેમ બાંધતો નથી ?’ એટલે તુરત ઊઠીને કંપી બાંધી દીધી.
આત્મબુદ્ધિ : પોતાપણાની ભાવના, 'દેહ તે હું નહિ પણ આત્મા છું' એવી બુદ્ધિ.
કંપી : બાંધકામ, સમારકામ, રંગકામ કરવા માટે બાંધવામાં આવતો માંચડો.
(10) એક જણ એવો હતો કે કારખાનું ચાલતું હોય ત્યારે આઘોપાછો ખસી જાય અને કાં તો બળદની કોઢમાં પેસી જાય એમ જીવમાં નાગડદાઈ રહી છે. તે ઘેર તો રાત દિવસ ખુવાર મળતો હોય, તો પણ બાયડી છોકરાં ગાળો દે અને આંહીં તો ભગવાન ભક્તિ માને છે પણ સત્સંગમાં આવીને પણ સ્વભાવ મૂકતો નથી. પછી કર્મવશથી દેહમાં મંદવાડ આવે ત્યારે રાડો પાડે. જો માળા ફેરવે અને કથા કરે ને સત્સંગ કરે તો અમારે તો કામ કરાવવું નથી પણ નવરા બેઠા ગપાટા મારે તે કરતાં ભક્તિમાં ભગવાનનો સંબંધ તો ખરો ! માટે મોક્ષભાગીએ તો મોટાની અનુવૃત્તિ પાળવી.
નાગડદાઈ : નાગાઈ-લુચ્ચાઈ-નફ્ફટાઈ-દાંડાઈ.
અનુવૃત્તિ : મરજી.
(11) થૂંકવાની તુંબડી જોઈને કહ્યું જે, આ તુંબડી સોનાની હોય તો તેને કેટલી જાળવવી પડે અને કેટલા રૂપિયાની થાય ? તેમ સાંખ્યે કરીને નિષેધ કર્યો હોય તો કોઈ પદાર્થમાં માલ જણાય નહિ. તે ઉપર નિષ્કુળાનંદસ્વામીની કહેલી વાત કરી જે, કોઈને ઝાડો ને ઊલટી થઈ હોય તે બન્ને ભેગાં કરી એક ઠીબમાં કોઈ ઉપાડી લઈ જાય ત્યારે રાજી થાય કે કુરાજી થાય ? તેમ પંચવિષય હોય તેને કોઈ લઈ જાય ત્યારે જેણે સાંખ્યે કરીને નિષેધ કર્યો હોય તે રાજી થાય ને સાંખ્ય વિના રૂપિયામાંથી ને સ્ત્રીમાંથી હેત તોડવું તે થાય નહિ કારણ અજ્ઞાની છે, તે તો જેમ કૂતરું હોય તે ઊલટી ચાટે છે તેમ તેમાં માલ માને છે. આવી વાત કરીએ તે કોઈને સારી લાગે નહિ; પણ સાંખ્ય વિના બંધન થાય ને કજિયો થાય તે પરમહંસાનંદસ્વામીને ગાયોમાં બંધન થયું અને રાધિકાજીને ગોલોકમાં કજિયો થયો.
પ્રકરણ 3 ની વાત 52
પ્રકરણ 3 ની વાત 55
નિષેધ : શાસ્ત્રવિહિત મનાઈ.
(12) માવા ભક્તને પૂર્વનો સંસ્કાર છે તેથી પંચવિષયમાંથી આસક્તિ ટળી ગઈ છે અને વહેવારમાં છેતરવા હોય તો છેતરી લે; કાં જે, આ લોકનું જ્ઞાન થોડું તે વરણ પાંચસેં કોરીનું હતું, તે એક જણ વીસ કોરીમાં લઈ ગયો. સર્વદેશી સાધુ મળવા તે બહુ કઠણ છે. વહેવારનું જ્ઞાન, ભગવાનના મારગનું જ્ઞાન, સાંખ્યનું, યોગનું, ભગવાનની ઉપાસનાનું વગેરે સર્વ પ્રકારનું જ્ઞાન જેને હોય તે સર્વદેશી કહેવાય અને સત્સંગમાં સર્વદેશી પુરુષથી જ સમાસ થાય છે.
સંવત 1919ના જેઠ સુદ ત્રીજને દિવસે સ્વામીએ વાત કરી જે,
(13) બે કળશીનું અન્ન રાંધ્યું હોય ને આપણને તો શેરની જ ભૂખ હોય પણ જ્યારે મોંમાં મૂકીએ ત્યારે ભૂખ જાય. તેમ સત્સંગમાં મોટાપુરુષ છે પણ તેમનો સમાગમ કરી સત્સંગનું સુખ લઈએ તો જ એકાંતિક સંત્સંગી થાવાય અને તે જેમ કહે તેમ વરતવા માંડીએ તો જ સુખ થાય.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
(14) સૌને વિષય ઉપર તાન છે ને કરકા ઉપર નજર છે તે કેને ટળે તો જે,
નિજાત્માનં બ્રહ્મરૂપં દેહત્રયવિલક્ષણમ્ ।
વિભાવ્ય તેન કર્તવ્યા ભક્તિઃ કૃષ્ણસ્ય સર્વદા ॥
(શિક્ષાપત્રી શ્ર્લોક : 116)
અર્થ :- સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ જે ત્રણ દેહ તે થકી વિલક્ષણ એવો જે પોતાનો જીવાત્મા તેને બ્રહ્મરૂપની ભાવના કરીને પછી તે બ્રહ્મરૂપે કરીને શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ જે તે સર્વ કાળને વિશે કરવી.
બ્રહ્મભૂતઃ પ્રસન્નાત્મા ન શોચતિ ન કાંક્ષતિ ।
સમઃ સર્વેષુ ભૂતેષુ મદ્ભક્તિં લભતે પરામ્ ॥
(ભગવદ્ ગીતા : 18/54)
અર્થ :- બ્રહ્મભાવને પ્રાપ્ત થયેલો તે પ્રસન્ન ચિત્ત મનુષ્ય કશાનો શોક કરતો નથી કે કશાની આકાંક્ષા કરતો નથી અને સર્વ ભૂતોમાં સમભાવથી રહેતો થકો મારી પરમ ભક્તિને પામે છે.
એવો થાય તેને તે પાપ જાય. ત્યાગી થયા છે તેને જો તેમાં જીવ રહી જાય તો તે ત્યાગી કાચો છે.
જોગી કચ્ચા રે જોગી કચ્ચા; નહિ સદગુરુ કા બચ્ચા રે;
માટે જેના જીવમાંથી કરકું નીકળી ગયું તે તો દેવનો પણ દેવ છે અને નમસ્કાર કરવા યોગ્ય છે.
તાન : લગની, આગ્રહ, મસ્તી.
કરકા : સ્ત્રી, માદા.
અર્થ : ધન, સંપત્તિ.
કરકું : સ્ત્રી, માદા.
(15) ચૈતન્યાનંદસ્વામી મહાબુદ્ધિવાળા અને મહાચિકિત્સાવાળા; પણ એમ બોલ્યા જે, ‘ગોપાળાનંદસ્વામીની વાતું ન સાંભળી હોત તો બે ત્રણ જનમ ધરવા પડત.’ તેમ જ રામદાસજીભાઈ મહાત્યાગી પણ એમને ગોપાળાનંદસ્વામીની વાત ન પેઠી, ત્યારે મહારાજે કહ્યું જે, ‘આગળ સમજાશે.’ ને ભાઈઆત્માનંદસ્વામી તો નિષ્કુળાનંદસ્વામીથી પણ ત્યાગમાં ચડે એવા હતા તો પણ અવતાર અવતારીની નિષ્ઠા ન પેઠી અને ગોપાળાનંદસ્વામીને કહેતા જે, ‘છોકરા ભગવાનને તોળ મા !’
પ્રકરણ 6 ની વાત 165
નિષ્ઠા : શ્રદ્ધા, આસ્થા, વિશ્ર્વાસ, ધારણા.
(16) સાધુ થયા વિના ને ત્રણ દેહથી નોખા પડ્યા વિના છૂટકો નથી. બરડાના એક માણસને દરિયામાં વાંસ તણાતો મળ્યો, ત્યારે તેને બથ ભરી અને કહે જે, ‘મારા દેશનો ક્યાંથી ?’ એવી દેશવાસના છે. આ સાધુ જોડે એવો જીવ બાંધવો જે, જેમ માછલાંને જળ જીવનપ્રાણ છે ને જળ વિના નથી ચાલતું તેમ પળમાત્ર આ સાધુ વિના ન ચાલે, ત્યારે જાણવું જે સાધુમાં જોડાણો છે.
(17) રાત દિવસ ધ્યાનમાં રહેતો હોય પણ એક વેણ મારે તો ધ્યાન તૂટી જાય ને રાત દિવસ જ્ઞાન કરતો હોય પણ જો મૂળમાંથી ઊખડી ન ગયું હોય તો એક વેણ મારે તો છટકી જાય ને જેને ખરેખરું પર્વત પરાયણ હોય તેનું તો ગમે એટલાં વેણે કરીને પણ ન ટળે.
(18) ખાધાનું ફળ તે ભૂખ જાય ને ઊંઘનું ફળ તે થાક ઊતરે. લૂંગડું પહેર્યાનું ફળ તે ટાઢ જાય અને ઘર કરીએ તો ચોમાસામાં સુખે બેસાય એટલું જ ફળ છે, તેમ ભગવાન ભજ્યાનું ફળ તે સંસૃતિથી મુકાય.
(19) ભણેલ-ગણેલ રહી ગયા કેમ જે, બુદ્ધિનો ડોડ અને સાધુનો જેણે વિશ્ર્વાસ કર્યો અને સમજ્યા તેમને મહારાજ ને આ સાધુનું જેમ છે તેમ જ્ઞાન થયું છે; તે તો લોધિકામાં એક વાર ગઢડાના રૂગનાથચરણદાસ અને આંહીંના રઘુવીરચરણદાસ અક્ષરની વાત કરતા હતા ત્યારે અમે કહ્યું જે, ‘અક્ષર, અક્ષર શું કરો છો, અક્ષર ભેળા તો બેઠા છો !’ પણ જેને ન સમજાય તેને શું ? પણ ભણેલ તે માન્યું નહિ. અમે તો લઘુ કરવા ઊઠ્યા ને બોલ્યા જે,
ભણી ગણી ડોડો થયા; નહિ લેણા, નહિ દેણા !
એમ ત્રણ વાર કહી, કહ્યું જે, ‘મહારાજની સેવામાં જે સાકાર અક્ષરધામ છે તે જ આ તમને કહે છે.’ પણ ભણીગણી ડોડો થયા, તે મહારાજ છતાં રહી ગયા છે અને આજ પણ કોરાકાટ રહેશે; જીવને પોતાનું સારું કરવામાં બુદ્ધિ નષ્ટ થઈ ગઈ છે. આજ કેટલાક હરિજન ને સાધુ જેમ છે તેમ સમજે છે તેનું કારણ આ સાધુના શબ્દનું દેહ બંધાણું છે અને અનુગ્રહ છે જે, ‘અમારા સ્વરૂપનું વિજ્ઞાન થાઓ !’ તેથી કલ્પના રહિત થઈ કૃતાર્થ થઈ બેઠા છે. અને બીજા તો શુદ્ધ ઉપાસના વગર ભલે ને સ્વામિનારાયણનું ભજન કરે તથા ગાદી-તકિયે બેસી આંહીં પૂજાય, પણ બહુ ઠેકડા મારશે તો વૈકુંઠ કે, ગોલોક સુધી પહોંચશે; પણ ઠેઠ અક્ષરધામમાં મહારાજની સેવામાં નહિ પહોંચે.
કરો : ઘરની દિવાલ.
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
અનુગ્રહ : કૃપા, ઉપકાર, મહેરબાની.
કૃતાર્થ : જેનું કાર્ય સિદ્ધ થઈ ચુકયું છે તે, ધાર્યું કાર્ય પાર પડ્યાનો આનંદ.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
વૈકુંઠ : શ્રી વિષ્ણુ ભગવાનનું ધામ.
(20) ગોપાળાનંદસ્વામી તથા રઘુવીરજી મહારાજના દ્રોહ કરેલ છે તેને તો ખાવી પડશે વિષ્ટા અને પીવી પડશે લઘુશંકા. તે ઉપર છંદ બોલ્યા જે,
શ્રીઘનશ્યામ કહે સુન નારદ, અંતર શુદ્ધ મેરો મત ઐહે;
મો સંગ પ્યાર ઉદાર સદા મન, નામ ઉચ્ચાર અહોનિશ લૈહે;
સંત સચ્ચે જગમાંહી ફિરે, તિનકું દુ:ખ આય નિરંતર દૈહે;
બ્રહ્મમુનિ ભગવંત કહે સોય, મોય ભજત પુનિ નર્કમેં જાહે.
(કીર્તન મુક્તાવલિ : નાશવંત દેહ વિશે)
તેમ આ સાધુના અસદ્ભાવે પણ નરકમાં જાશે.
દ્રોહ : મનથી, વાણીથી કે કર્મથી જાણી જોઈને કરેલ દોષ, ગુનો, પાપ કે અપરાધ
વિષ્ટા : નરક, મળ.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
(21) આ સાધુ વગર બીજો મહારાજનું જેમ છે તેમ જ્ઞાન કોણ કહેશે ? બીજા પોતાનું જ્ઞાન આપી મહારાજથી છેટું પાડશે અને પરોક્ષ ભજન કરાવી ધર્મની વાત કરી આલંબન દેશે પણ પ્રગટ પ્રમાણ સાક્ષાત્કાર ભગવાનનું સુખ નહિ આપે અને આંહીં આવતા હરિજનને અટકાવશે. તે ખંભાતના જગુભાઈને ગઢડાવાળે બહુ આગ્રહ કરી રોક્યા પણ તે તો આંહીં આવ્યે જ રહ્યા.
આલંબન : આધાર, ટેકો.
સાક્ષાત્કાર : પરમતત્ત્વ કે ભગવાનનું પ્રત્યક્ષ દર્શન કે સાક્ષાત્ અનુભવ.
(22) આંહીં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પધરાવવી હતી અને સીધું સામાન તથા બીજી બધી સગવડતા કરી રાખી હતી પણ ગઢડાવાળે રઘુવીરજી મહારાજને સમજાવ્યું જે, મહોદયનો સમૈયો કરવો છે તેવી કંકોત્રીઓ દેશમાં લખી વાળી છે તેથી રઘુવીરજી મહારાજ જૂનાગઢ આવતાં આળસ્યા. પછી અમે તો મહારાજને અરજી કરી કે, અમારું તમ વિના બીજું કોઈ નથી. એથી તે જ ક્ષણે મહારાજે રઘુવીરજી મહારાજને સાક્ષાત્કાર દર્શન દઈ ઠપકો આપ્યો કે, ‘સવારમાં જૂનાગઢ ચાલવા માંડજો.’ પછી તો આચાર્યે એકાએક તૈયારી કરી ચાલવા માંડ્યું અને કહ્યું કે, ‘રોકાવું હોય તે રોકાઓ, અમે તો જૂનાગઢ જઈશું.’
પછી રઘુવીરજી મહારાજ જૂનાગઢ આવ્યા અને મુહૂર્ત બીજે દિવસ હતું અને ઉમરેઠના હરિપ્રસાદ શુકલ પ્રતિષ્ઠા કરાવનાર કહે, ‘વેદી માટે ઈંટો કાચી જોઈશે.’ પણ કાચી ઈંટો નહોતી. પછી અમે કહ્યું જે, ‘માંડો ગારો કરી ઈંટો પાડવા, ઉપરથી સૂર્ય સૂકવશે અને નીચેથી શેષનારાયણ ફૂંક મારશે.’ પછી પિંડલા વાળી એક જણ ઈંટ કરે અને બીજો ઊખેડે, તે સાવ સુકાઈલી નીકળે. એમ મહારાજે રક્ષા કરી, અને પ્રતિષ્ઠા નિર્વિઘ્ને થઈ રહી; પણ કૂવામાં પાણી ખૂટયું. ત્યારે અમે મહારાજને કહ્યું જે, ‘અમારાથી રઘુવીરજી મહારાજને જાઓ એમ કેમ કહેવાય ? અને ઘણા માણસો એટલે પાણી થઈ રહ્યું.’ પછી મહારાજે રઘુવીરજી મહારાજને કહ્યું કે, ‘આટલા બધા માણસો સાથે હવે આંહીં ન રહેવું.’ પછી સવારે આચાર્યે અમને કહ્યું જે, ‘સ્વામી ! હું તમારું માનત, જો મને કહ્યું હોત તો. પણ મહારાજ પાસે બે વાર ઠપકો દેવરાવ્યો !’ ત્યારે અમે કહ્યું કે, ‘અમારે એક મહારાજ છે. તમે તો રાજાધિરાજ છો તે ગરીબનું કહ્યું જેમ પ્રથમ ન કર્યું તેમ ન કરો તો ?’ એથી રઘુવીરજી મહારાજ કહે કે, ‘સ્વામી! મારે તો જૂનાગઢ આવવું હતું પણ ગઢડાવાળે રોક્યો હતો; તેથી તમારો ઠપકો મહારાજ દ્વારા બે વાર સાંભળવો પડ્યો.’
મૂર્તિ : સંતો.
સાક્ષાત્કાર : પરમતત્ત્વ કે ભગવાનનું પ્રત્યક્ષ દર્શન કે સાક્ષાત્ અનુભવ.
ગારો : કાદવ, કીચડ, ચણતરમાં વાપરવા તૈયાર કરેલી માટી.
કરો : ઘરની દિવાલ.
(23) સંકલ્પ પણ ઘડિયાળની પેઠે થયા જ કરે છે, માટે દરવાજે રહેવા શીખવું તો જ આજ્ઞા પળશે, મન જિતાશે અને ભગવાનના ઘાટ થાશે.
વચ. ગ.અં. 9
ઘાટ : માયિક સુખ ભોગવવાનો સંકલ્પ, વિકારનો સંકલ્પ.
(24) આપણો જન્મ બે વાત સારુ થયો છે, તે અક્ષરરૂપ થાવું ને પુરુષોત્તમમાં જોડાવું. તે આજ સત્સંગમાં ભગવાન ભેળા જ મૂળઅક્ષર આવ્યા છે તે જ આ તમને વાતું કરી દર્શન આપે છે. ઇયળ ભમરીનો ચટકો ખમી અહોનિશ ભમરીનું રટણ કરે છે તે ચિંતવને ભમરી જેવી ભમરી તે જ દેહે થઈ જાય છે તેમ આ સાધુના પ્રતાપે અક્ષરરૂપ થઈ જાવાશે; જો જેમ છે તેમ સમજાય અને ઇયળની પેઠે ખમે તો ! અને પછી મહારાજ સમજાશે, દેખાશે અને તેમાં જ વળગાશે. પણ આ સાધુના સંબંધ વિના કેવળ પોતાના પુરુષપ્રયત્ને અક્ષરરૂપ થાવાશે નહિ. તે ઉપર મહારાજે વાત કહેલ જે, ‘ઉપાસના વગર કોઈ કામની સિદ્ધિ થાતી નથી ને પરોક્ષ ભાવનાથી બ્રહ્મ દેખાય જ નહિ, ને પમાય જ નહિ. એવી આશા પણ કોઈએ રાખવી નહિ. બીજા શાસ્ત્રમાં લખ્યું હોય તો ભલે; પણ અમે એ વાત માનતા નથી અને અનુભવમાં પણ આવતું નથી.’
(25) ચેલો હોય તેના હાથની રસોઈ ઠીક પડે પણ તે ચેલો માંદો પડે ત્યારે કેમ કરવું ? ત્યારે પણ ચલાવવું અને હરિ ઇચ્છાએ જે પત્તરમાં આવે તે મેળાવી ખાઈ લેવું. એટલી સાધુતા તો શીખવી.
(26) કોઈને વેણ ન મારવું. સત્ય, હિત અને પ્રિય લાગે તેમ બોલવું પણ કટાક્ષથી ન કહેવું. દ્રૌપદીએ દુર્યોધનને અંધનો અંધ કહ્યો તેથી ભારત થયું અને સીતાજીએ લક્ષ્મણજીને વેણ માર્યાં તેથી હરણ થયું; માટે જેટલી વાત સમજ્યા વિનાની થાય તેમાંથી શૈલ્ય થાય અને મહાદુ:ખ આવે.
પ્રકરણ 10 ની વાત 170
(27) સંગદોષે કરીને પણ જીવ બગડી જાય છે અને બુદ્ધિ ફરી જાય છે અને પછી મિત્ર હોય તેનું જ વાંકું બોલવા મંડી જાય છે.
(28) સત્સંગ થાય ત્યારે સર્વે કલ્યાણના ઉપયોગમાં આવે છે અને જેટલા ગૃહસ્થાશ્રમમાં પદાર્થ છે તે સર્વે સહાયરૂપ થાય છે. આ દેહ છે તેણે કરીને જો સત્પુરુષની ઠેકડી મશ્કરી થાય તો ‘સુધા સો વિખ ફળ દેત,’ એવું થયું; માટે વિવેક શીખવો. કારણ ઝેર છે તે અમૃત મનાઈ ગયું છે અને ઇન્દ્રિયું-અંત:કરણ શત્રુ છે, તેના ખોળામાં માથું મૂકી બેઠા છીએ.
(29) બ્રહ્માનંદસ્વામીને મુક્તાનંદસ્વામી સાથે લહિયા માટે આંટી પડી તે મુક્તાનંદસ્વામીને પગે ન લાગવું તે સારુ તે ઓરડામાં ચાલીસ આસન હતાં તે બધાને પગે લાગવા ન ગયા. પછી મહારાજે ઠપકો દીધો જે, ‘ મુક્તાનંદસ્વામીને પગે લાગવા કેમ નથી જાતા ?’ ત્યારે બ્રહ્માનંદસ્વામી કહે, ‘મહારાજ, મારો વાંક નથી. એ તો હું માંદો હતો અને આવરદા થઈ રહી હતી એમ તમે કહ્યું, ને ડોશીઓની આવરદા પાંચ પાંચ વરસની આપી તે ડોશીઓની આવરદામાં તો એવું જ હોય ને! તેમાં મારો વાંક નથી.’ જીવનો સ્વભાવ એવો જ છે કે સવળો ચાલે તો જીવ દે અને અવળો ચાલે તો માથું કાપવા તૈયાર થાય; માટે જ્ઞાન વિના તો કાંઈ ઠીક નથી.
વચ. કા. 9
(30) અમે એક સમે ગોંડળ ગયા હતા અને ત્યાંથી મેંગણી ગયા. ત્યાંથી અમે જાગા ભક્તને જૂનાગઢથી તેડાવ્યા તે મોટા રણછોડ ભક્તને જોડે લઈને આવ્યા. પછી અમે વાતું, દર્શન, પ્રસાદી આપીને મળ્યા. પછી એક દિવસ જમ્યા પછી કથાવાર્તા કરીને અમે જરા સૂતા ત્યારે જાગા ભક્ત નાહવા ગયા ને નાહીને આવ્યા. તે સમે શામજીભાઈ ‘વચનામૃત’ વાંચવા લાગ્યા; ત્યારે અમે કહ્યું જે, ‘જે મુમુક્ષુને જુવાન અવસ્થા હોય ને રજોગુણ પ્રધાન વરતતો હોય તેની પાસે તો પ્રથમ કર્મકાંડનાં પછી ભક્તિનાં, પછી જ્ઞાનનાં, પછી ઉપાસનાનાં ‘વચનામૃત’ વંચાવવાં.’ ત્યારે જાગા ભક્તે અમને હાથ જોડીને કહ્યું જે, ‘મારે કયાં ‘વચનામૃત’ વાંચવાં ?’ ત્યારે અમે કહ્યું જે, ‘તમારે તો સર્વે વચનામૃત વાંચવાં અને તમે તો અક્ષરધામના અતિ ઉત્તમ અનાદિ મહામુક્ત છો. ને નૈમિષારણ્યને વિશે મોટા મોટા મહા મુનિઓ પણ સુત પુરાણીના મુખ થકી નિરંતર કથાવાર્તા સાંભળે છે તેમ તમે તો મોટા મોટા મહામુક્તને પણ સમાગમ કરવા યોગ્ય છો.’
પછી રણછોડ ભક્તે હાથ જોડીને કહ્યું જે, ‘જાગા ભક્ત તો બહુ જ મોટા છે તે આજ તમે કહ્યું ત્યારે જાણ્યું.’ ત્યારે સ્વામીએ કહ્યું જે, ‘જેમ પાંચસેં પરમહંસમાં અમને જેમ છે તેમ કોઈ કળી શકયા નહિ, તેમ જ આ જાગા ભક્ત પણ કોઈના કળ્યામાં આવે તેવા નથી અને શ્રીજીમહારાજ ને અમે અનંત જીવોનાં કલ્યાણ કરવા સારુ જે જે બ્રહ્માંડમાં મનુષ્યાકૃતિ ધારીએ છીએ ત્યારે જાગા ભક્ત પણ અમારા ભેળા હોય છે અને શ્રીજીમહારાજનું ને અમારું સ્વરૂપ જેવું છે તેવું અનેક જીવોને સમજાવીને શુદ્ધ બ્રહ્મભાવ પમાડીને આત્યંતિક મોક્ષ જે પ્રગટ મહારાજ ને પ્રગટ આ સંત તેમની સાક્ષાત્ પ્રાપ્તિ કરાવે છે, એવા એ પરમ ઉદાર સંત છે. અને એ જ્યાં જ્યાં દૃષ્ટિ કરે છે ત્યાં ત્યાં શ્રીજીમહારાજ અને અમને સાક્ષાત્ દેખે છે, અને મહારાજની મૂર્તિ વિના બીજું માયિક જે પિંડ બ્રહ્માંડાદિક કાંઈયે એની ગણતીમાં નથી; એવા એ અનાદિ મોટા સિદ્ધ દશાવાળા છે.’
મૂર્તિ : સંતો.
સંવત 1919ના જેઠ સુદિ પાંચમને દિવસે સ્વામીએ વાત કરી જે,
(31) દેશકાળ એવા છે જે રુચિને પણ ફેરવી નાખે ને ભેળા બેઠા છીએ પણ સૌ સૌની રુચિ નોખી છે, માટે મહારાજે પોતાની રુચિ કહી છે તેમાં આપણી રુચિ ભેળવી દેવી એ પાધરું છે. રુચિ ઉપર ધર્મસ્વરૂપાનંદનું દૃષ્ટાંત દીધું જે, એમને વર્ણાશ્રમનું અંગ ભારે, તેથી ભેળા રહે છે પણ રુચિ નોખી છે; તે મહારાજે સ્વપ્નામાં થાળ આપ્યો, પણ ન જ જમ્યા.
(32) જેટલો હૈયામાં ભગવાનનો નિવાસ હોય તેટલો તેને દેહનો અનાદર હોય પણ જ્ઞાન વિના તો ‘ભોય વાછરો,’ એવું છે. તે વાછરાનો ભૂવો દ્વારકા દર્શને ગયો. તે રણછોડજીને જોઈને બોલ્યો જે, ‘ભોય અસાંજો વાછરો! અસાંજે વાછરે રૂડા રણછોડજીને કેડો રૂપ ડીનો આય !’ એમ આ સાધુના જ્ઞાન વિના તો અવતારાદિકને લઈને મહારાજનો મહિમા સમજે છે તે તો ‘ભોય વાછરા’ જેવું થયું.
(33) વડોદરામાં તુંબડિયો થયો તે કેટલાક કાચાપોચાનાં મન ડગી ગયાં ને કહે જે, ‘કોઈક નાનું-મોટું મુગતડું આવ્યું છે.’ પણ વિઠુબા દીવાને દ્વેષથી આપણને હલકા પડવા સારુ તે તુંબડિયાને એક લાખ રૂપિયા આપી પરચા કરાવ્યા; ને રૂપિયા થઈ રહેવા આવ્યા ત્યારે તુંબડિયાએ જાણ્યું જે હું તો કોરોકટ રહીશ, પછી પચીસ હજાર ઊંટ ઉપર નાખી લઈ જતો રહ્યો. એ જ્યારે ઉઘાડું પડ્યું, ત્યારે સૌને જણાયું. તેમ જ લોટિયાને પણ અભિનિવેશ થયો છે અને ચુડામાં હરિકૃષ્ણ ભગવાન પ્રગટયો છે; તે પણ કેદમાં પડ્યો અને ઉઘાડું થયું ત્યારે જણાયું. ‘કપી મૂઠી ગ્રહી સો ગ્રહી હે.’ વાંદરાની પેઠે મૂરખે ધનની, સ્ત્રીની, ખાધાની, પ્રકૃતિની ને સ્વભાવની એ સર્વેની મુઠ્ઠી વાળી છે. તે મહારાજે સર્વે આચાર્ય અને ગુરુ થઈ બેઠા છે તેનાં રૂપ ઉઘાડાં કરી દીધાં છે.
અભિનિવેશ : સત્યથી અલગ પોતાની માન્યતાનો દઢ નિશ્ર્ચય.
(34) જેમ ઘરમાં કોઈ જાતનો અંતરાય રહેતો નથી, તેમ સત્સંગમાં કોઈ જાતનો અંતરાય રાખવો નહિ. ભગવાનની કોરનું નક્કી કરવું અને પૂર્વાપર જ્ઞાન ન હોય તો મનુષ્ય ચેષ્ટા જોઈને મોહ થઈ જાય. તે મહારાજ દીવાનજીથી ભાગીને લોયે ગયા. ત્યાં વળી બીકથી ચાડીકો રાખ્યો. પ્રથમ પંચાળાના ખીમા ચારણને નિશ્ર્ચય ન હતો તે પછી મહાદાખડે થયો ને અડગ થયો; તે તેની સ્ત્રીને ભૂત વળગ્યું, પણ ત્રણ વરસ સુધી જોષ ન જોવરાવ્યો.
અંતરાય : અડચણ, વિઘ્ન, અવરોધ
પૂર્વાપર : આગળપાછળ.
ચાડીકો : બાતમીદાર.
(35) આપણને લાભ થયો છે તે કાંઈ કહેવાય નહિ પણ જ્ઞાન નહિ તે કોઈક બે વીઘાં ભોંય આપે ત્યારે રાજી થાવાય છે. કલ્યાણભાઈએ જેમ ખેતર સારું કરવા માટે દાખડો કર્યો અને જોગીદાસ ખુમાણે જેમ ગરાસ વાળવા દાખડો ર્ક્યો ને જેમ નામાવાળા દાખડો કરે છે, તેમ તેવો દાખડો સારા સાધુ પામવા કરે ત્યારે સત્સંગ થાય, માટે મરડી મરડીને ઇન્દ્રિયું-અંત:કરણને નિયમમાં રાખવાં; પણ ત્યાગી કે ગૃહસ્થ લાડવા ગળી ગળીને દિવસ-રાત સૂઈ રહે, તેથી સત્સંગનું જ્ઞાન થાય નહિ.
પ્રકરણ 9 ની વાત 282
(36) ભલેને સો વરસ સત્સંગમાં રહે પણ વિષયને સંબંધે બુદ્ધિ ફરી જાય છે. રૂપ, રસ, માન, શબ્દ, સ્પર્શ એ અસત્પુરુષના સંગથી દારૂના શીશા જેવા છે માટે ભગવાન ને આ સાધુનો સંબંધ રાખવો એટલે કુસંગ પેસે જ નહીં.
(37) લુહારે રાજા સારુ બખતર કર્યું. પછી રાજાએ બખતર બાવળના ઠૂંઠાને ઓઢાડી પરીક્ષા કરવા તલવાર મારી તે કપાઈ ગયું. પછી ફરીથી નવું કરાવે અને કાપી નાખે અને નવું કરાવે. પછી એક વખત બખતર ઉપર તલવાર મારતાં પટેલે રાજાને પડખામાં શૂળ મારી, તે હાથ પોચો પડ્યો ને બખતર ન કપાણું ત્યારે પટેલે કહ્યું કે, ‘રણસંગ્રામમાં બાવળના ઠૂંઠાં ઊભાં ન હોય કે બખતર કપાય.’ એમ જ્યારે વિષયનો જોગ થાય અને હરિજન કરગરે જે, તમે આટલું અમારું અંગીકાર કરો, એવી બરછીઓ આવે ત્યારે ખબર પડે. તે ઉપર વાત કરી જે, વૈરાગી સીમમાં હતો તેને ગામમાં લાવવા ભાવિક મારગીએ બાવાને પ્રાર્થના કરી. પ્રથમ સીમાડે લાવ્યો, પછી પાણિયારીને શેઢે, પછી ગાયોનું ધણ ઊભું રહે ત્યાં ગોંદરે, પછી ગામમાં ચોરે ને પછી ઘરમાં રાખ્યો. ત્યાં તો ગોળા ઉઘાડા તે બરછીઓ લાગી ને મરાઈ ગયો. માટે ચારે કોરે વિષયના ઓશલા કુટાય છે, તે આવવા માંડશે ત્યારે ધર્મ રહેવાનો જ નહિ ને નિયમ પણ રહેવાના નહિ; જો ખબરદારી રાખશે તો જ ત્યાગ રહેશે.
(38) મોટા કહે એમ કરે તો આ લોકમાં સુખિયા રાખે અને પરલોકમાં સુખિયા કરે તે એવું જ્ઞાન સાધુ સમાગમે થયું છે જે, આ સાધુ જરૂર હેતુ છે.
(39) મોટાના સમાગમ વિના ભલેને સાઠ (સાંઈઠ) વરસનો હોય તો પણ વચન ન માને. અચિંત્યાનંદસ્વામીને રામદાસજીનો સંગ તે મંદવાડમાં પણ કેવા રહ્યા ? માટે સારા સાધુનો સંગ એ તો બહુ ભારે વાત છે. કૃપાનંદસ્વામી અને ભજનાનંદસ્વામીમાં જેમ ફેર, તથા આંબા ને બાવળમાં જેમ ફેર છે તેમ સારા સાધુ ને બીજા સાધુના સંગમાં ફેર છે. તે મહારાજ પધાર્યા તે ભેળા સંતદાસજીના કહેવાથી બે હજાર ભગવાન પોતપોતાની ખોટ કાઢવા આવ્યા પણ જેણે આ સાધુનો તથા બીજા અક્ષરમુક્તનો સમાગમ ર્ક્યો તેની ખોટ ટળી, અને બીજા પોતપોતાને સ્થાનકે રાગે કરીને પાછા ગયા ને તેવાના જોગમાં જે નવા હરિજન આવ્યા તેમને પણ પોતાના લોકમાં લેતા ગયા. આવી ઉપાસનાની વાત બીજે કહેવાય નહિ.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
(40) મોક્ષ સુધારવો તે જેમ ભગવાન રાજી તેમ રાજી રહેવું, અમને તો ખોટ કહેવા સારુ રાખ્યા છે તે ખોટ જીવમાં અનાદિ કાળથી છે. તે શું ? તો નિષ્કામભાવે બ્રહ્મરૂપ થઈ મહારાજની સર્વોપરી માહાત્મ્યજ્ઞાને યુક્ત ઉપાસના ને ભક્તિ કરવી.ભગવાન સદા સાકાર છે ને તે મૂર્તિમાન મહારાજ છે. તેમને ઈષ્ટ-અભિષ્ટ એક જાણી ઓળખી ભક્તિ કરે છે તે જ પૂર્ણકામ અને કૃતાર્થ ને કલ્પનાએ રહિત થાય છે તે આ સાધુની અનુવૃત્તિમાં સઘળી કસર ટળે છે. આ સાધુને મૂળઅક્ષર જાણી જેણે મનન દ્વારા સંગ કરી, બ્રહ્મરૂપે મહારાજની ભક્તિ કરી, તે જ મૂળ અજ્ઞાનથી મુકાણા છે ને આ સાધુના સમાગમ વિના બીજાને ખોટ રહી છે, તે આજ ઘેરા ઘા કરી સમજાવી દેવા છે. જે આજ નહિ સમજે તેને ફરી જન્મ ધરી કુટાવું પડશે તે પણ આ જ્ઞાન પામશે ને સાક્ષાત્ સંબંધવાળા મુક્તમાં જોડાશે તે દિવસ છૂટકારો થાશે. આ જ્ઞાન તો સબીજ છે; ભાજીપાલો નથી તે સડી જાશે. અને અમારે તો મહારાજનો પરમ સિદ્ધાંત છે તે સમજાવી દેવો છે અને મહારાજને રાજી કરવા છે. માટે આજ મોક્ષનો દરવાજો ઊઘડ્યો છે, માટે સમો વરતે સાવધાન ! જેને પામવું છે તે જ મૂર્તિમાન મહારાજનો સાક્ષાત્ સંબંધ આપણને થયો છે. પણ જેને મોક્ષમાં અપ્રતીતિ ને ધ્રોડ બીજે રહે છે તેને સુખ થાતું નથી અને પરમ એકાંતિક ભક્ત તો પ્રગટ ભગવાન ઓળખાયાથી પુલકાયમાન થાય છે, તેમના ઉપર મહારાજ રાજી રાજી ને રાજી છે.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
કૃતાર્થ : જેનું કાર્ય સિદ્ધ થઈ ચુકયું છે તે, ધાર્યું કાર્ય પાર પડ્યાનો આનંદ.
કસર : ખોટ, ઉણપ.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
ધ્રોડ : અન્ય ભક્તિનાં કાર્યો પાછળની દોડધામ.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
(41) ભગવાનની મૂર્તિની સ્મૃતિ ને તેમના એકાંતિક સંતની અનુવૃત્તિ પાળવી. એ બે વાનાંએ કરી જીવિતવ્ય પૂરું કરવું.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
અનુવૃત્તિ : મરજી.
જીવિતવ્ય : જીવન.
(42) કેશવલાલને કહ્યું જે, તમે વીસ-પચીસ હજાર રાળ સત્સંગ અર્થે વાવર્યા (વાપર્યા) હશે અને ઊનાવાળા વલ્લભજી શેઠે ચાળીસ હજાર રાળ સત્સંગમાં વાવર્યા હશે; પણ બસેં રાળ ખાઈ સમાગમ કરો તો જ દોષ ટળી જાય, ને અંતરના કોંટા કપાઈ જાય, ને ગ્રંથિ એકે ય રહે નહિ ને ગાંઠું ગળી જાય, એવું આજ આ સાધુનું જ્ઞાન છે તે રૂપિયા ખરચે પમાતું નથી. રૂપિયા સત્સંગમાં ખરચ્યા હશે તેથી હજારગણા આપશું, પણ તેથી અંતરના દોષ ન જાય; તે તો આ સાધુના સમાગમથી જ અહંગ્રંથિ ટળશે. માવાભાઈની અહંગ્રંથિ ટળી છે તો આસનેથી કોઈ ઉઠાડે છે ત્યારે ઉઠાય છે કારણ આ થાંભલાને સંકલ્પ થાય તો માવાભાઈને થાય, એવા માવાભાઈ છે. અમારે વાતું કરવી છે, તે વરતાલમાં કેટલીક વાતું કરી તો પણ શરીરે સાજા રહ્યા; અમારે તો મહારાજના સ્વરૂપનું પ્રગટપણું, બ્રહ્મરૂપ કરી, ઇન્દ્રિયું-અંત:કરણ ને અનુભવમાં સમજાવી, છતી દેહે આત્યંતિક મોક્ષ આજ કરવો છે. મનુષ્યભાવ રહે છે જેથી ભગવાનમાં અખંડ વૃત્તિ રહેતી નથી.
રાળ : દેશમાં અગાઉનું એક જાતનું નાણાકીય ચલણ.
કરો : ઘરની દિવાલ.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
મનુષ્યભાવ : દેહભાવ, માયિકભાવ, જેમાં ગુણાનુરાગ - ગુણાનુબુદ્ધિ પ્રવર્તે છે તેવો ભાવ.
સંવત 1919ના જેઠ સુદિ સપ્તમીને દિવસે સ્વામીએ વાત કરી જે,
(43) વહેવારિક (વ્યાવહારિક) કામ કરવામાં જીવ થાકે નહિ પણ ભજનમાં અને આવા સાધુના સમાગમમાં આળસ કરે.
(44) ભગવાન કેવા દયાળુ છે જે સૌ સૂઈ જાય છે ત્યારે ચોકી કરે છે, અન્ન-વસ્ત્ર આપે છે, દેહે સાજો રાખે છે અને કેવા દયાળુ છે કે સારા સાધુનો જોગ આપ્યો છે અને સારી મતિ આપી છે, જેથી મહારાજ ને આ સાધુની સર્વોપરી નિષ્ઠા થઈ છે.
નિષ્ઠા : શ્રદ્ધા, આસ્થા, વિશ્ર્વાસ, ધારણા.
(45) આ વહેવાર છે તે ભગવાન ભજે તો એની મેળે ચાલ્યો જાય, જેમ ઓછાયો આફુરડો કેડે આવે છે તેમ; પણ જીવનો કેવો સ્વભાવ છે, તો જેમ ગાડા હેઠે કૂતરું ચાલ્યું જાય તે જાણે જે હું તાણું છું. ભગવાન તો બહુ સમર્થ છે ને ભક્તવત્સલ છે, તે એક ચકલી સારુ પ્રલય કર્યો ને પાણી પાયું અને એક રુક્મિણી સારુ કેટલું સૈન્ય કાપી નાખ્યું ? અને પાંડવો અને દ્રૌપદી સારુ કૌરવોનું નિકંદન કર્યું.
પ્રકરણ 11 ની વાત 26
ઓછાયો : ઓળો, પડછાયો.
આફુરડો : આપોઆપ, એની મેળે, સહેજે સહેજે.
કેડે : પાછળ.
પ્રલય : વિનાશ, કલ્પને અંતે જગતનો નાશ.
(46) વિપરીત બુદ્ધિ થાય ત્યારે ભગવદીનો અભાવ આવે તે ‘વિનાશ કાળે વિપરીત બુદ્ધિ,’ એમ કહ્યું છે તે ઓલ્યા દેશના બધાને અને આ દેશના ત્રીજા ભાગને ગોપાળાનંદસ્વામીનો અભાવ, ને ધર્મામૃતને ‘ઘરબોળ્યું’ કહે છે, અને ગોપાળિયું જ્ઞાન ‘ખૂણિયું’ કહે છે તે સાંભળે નહિ ને સાંભળે તેનો દ્રોહ કરે અને ઝોળીમાં દેવતા નાખ્યો, એવો સત્સંગમાં કુસંગ છે.
તે ઓલ્યા દેશમાં આચાર્યે સભામાં ઠરાવ કર્યો કે, ગોપાળિયું જ્ઞાન શીખે નહિ અને ‘સૂત્રભાષ્ય’ની ટીકા ગોપાળાનંદસ્વામી પાસેથી ભણી આવે એવા કોઈ હોય તે વરતાલ ભણવા જાઓ. પછી વૃંદાવનદાસ અને નિર્ગુણદાસ બે સાધુ કહે, ‘અમે ગોપાળિયું જ્ઞાન પેસવા નહિ દઈએ, અને ગોપાળાનંદસ્વામીને છેતરીને ભણી આવશું.’ એટલે તેમને જાવા દીધા. પણ ગોપાળાનંદસ્વામી મહ સમર્થ યોગી, તે ભણાવતા ગયા અને નરનારાયણ એ સ્વામિનારાયણ નહિ, એવું જ્ઞાન શીખવી દીધું. પછી જૂનુ-નવું જ્ઞાન ભેગું થયું, તે વિભ્રાંત ચિત્તથી આંહીં સમાગમ કરવા આવી જાય છે ને આંહીંથી ઉપાસનાની વાતું શીખી તે દેશમાં કરે છે; તે બીતાં બીતાં પુરુષોત્તમ કહે છે, પણ જેમ છે તેમ નિરૂપણ કરતાં આવડે જ નહીં. એ તો ‘નહિ ઝાડ ત્યાં એરંડો રૂખ.’ને આપણે તો બહુ રાજી છીએ કે આપણા સ્વામીને (શ્રીજીમહારાજને) બીજા કરતાં તો મોટા કહે છે, અને સમજાવે છે કે, ભવાઈયો ને વેશ એ સમજણ તો મટશે, પણ ‘મારે મિયાં અને ફુલાય પીંજારો,’ એવું થયું છે. પીંજારાથી સતારાગઢ લેવાય તેવો નહોતો, આ તો ઠાલો ફુલાયો અને પીંજતાં આળસ્યો. તેમ સર્વોપરી પુરુષોત્તમપણાનો ડંકો આંહીં જ બેસાડ્યો છે અને આંહીંથી સાંભળી શીખી બીજે કહે છે, તે પણ આ સાધુના પ્રતાપથી છે, એમ સાચી વાત કહે તો જાણે સાંભળનારને મહિમા ઓછો થઈ જાય. પણ મોટા મોટા અક્ષરના મહા ઉત્તમ સ્વતંત્ર મુક્તો પણ આ સાધુ થકી શીખ્યા છે અને નિષ્ઠામાં તો મોટા મોટા ઘણા રહી ગયા છે અને રહી જાય, એવી વાતું છે; પણ અંતે અમારે તો જેમ છે તેમ સમજાવી દેવું છે.
દ્રોહ : મનથી, વાણીથી કે કર્મથી જાણી જોઈને કરેલ દોષ, ગુનો, પાપ કે અપરાધ
નિરૂપણ : બરોબર વર્ણવવું, યથાર્થ વર્ણન
(47) અહો ! એવું શું સાધન તે ભગવાન આવ્યા; વળી સાથે ધામરૂપ સાકાર અક્ષર લાવ્યા ! આજ તો મહારાજની કૃપા છે. મંદિરમાં જે જે મૂર્તિયું પધરાવી છે તે સર્વે દેવ છે ને તે સર્વેના કારણ મહારાજ છે. પરોક્ષમાં પ્રતીતિ જેથી ઘણાને મોક્ષને મારગે ચડાવવા આમ કર્યું છે પણ તે બધા પોથીબંધણાને ઠેકાણે છે, પણ મહારાજની આજ્ઞા છે તે પગે લાગવું; અને જે સ્થાનકના તે છે તેટલી મોટપ જાણવી પણ પતિવ્રતાની ભક્તિવાળાને તો મહારાજ ને સાધુ થકી જ મોક્ષ ઇચ્છવો; કારણ ઓલ્યા મળ્યા નથી અને તેડવા આવનાર નથી. પરોક્ષથી ભવ તણો પાર આવે જ નહિ, વળી તે બધા માયામાં કૂટસ્થ છે. અને આજ તો આપણને સર્વોપરી મહારાજ ને આ સાધુ પ્રગટ પ્રમાણ મળ્યા ને મરીને પામીને કોઈ દિવસ આંહીં આવવાનો થડકો પણ નહિ, એવું અવિનાશી, દિવ્ય એક અક્ષરધામ છે તેને પામે તેનો સાચો મોક્ષ છે તે આજ જેમ છે તેમ તમને કહ્યું છે, અને બીજા તો એમ માનશે જે સ્વામી નિંદા કરે છે. ત્યારે રૂપશંકરે કહ્યું કે, ‘હા, મહારાજ ! સાચું. તમ વિના બીજું કોણ સાચું કહે ? ને કડવું ઓસડ તો મા જ પાય. ને જેમ છે તેમ ન કહો તો અમારે કોઈક દિશનો લોચો રહી જાય; અમારે તો તમારો આશરો ને વિશ્ર્વાસ છે; તો પૂર્ણકામ ને કૃતાર્થ આજ કરી દીધા છે !’ સ્વામી કહે જે, ‘આજ પ્રગટ મહારાજનો સંબંધ છે તેણે કરી સુખિયા છો.’
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
કૃતાર્થ : જેનું કાર્ય સિદ્ધ થઈ ચુકયું છે તે, ધાર્યું કાર્ય પાર પડ્યાનો આનંદ.
(48) મહારાજે જેમ કહ્યું છે તેમ કરીશું ત્યારે છૂટકો થાશે. અમથો આંધળો ધ્રોડ ન કરવો. વેજા ઉપર ઘા કરવો ને વજેનાં ગાડાં પોતાને ઘેર ઠાલવવાં. અને એવો હોય તેને તો જરૂર ધીરે ધીરે સાચી વાત સમજાવી દેવી, એ ભગવાનની નિર્ગુણ ભક્તિ છે.
ધ્રોડ : અન્ય ભક્તિનાં કાર્યો પાછળની દોડધામ.
વજેનાં : મોક્ષમાર્ગી જરૂરિયાતનાં.
(49) તપ, ત્યાગ, જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ એ સર્વેનું ફળ ભગવાન છે માટે વેજું તે ભગવાન છે અને તે પ્રગટ પ્રમાણ છે એવી નિષ્ઠા કરે જ શાંતિ છે, અને તેને કોઈનો ભય નથી, ને સર્વેથી પર થઈ રહ્યો છે. ‘ જેવો જાણે તેવો થાશે.’ એમ મહારાજ કહે છે.
નિષ્ઠા : શ્રદ્ધા, આસ્થા, વિશ્ર્વાસ, ધારણા.
(50) જગતમાં એક વાર આંટી પડી એટલે ફરી ન બોલે ને આ તો હંમેશ વઢીએ, અને હેત એવું ને એવું તે શાથી, જે માંહી આંટી નહિ, ને મોક્ષ આનાથી જ છે એમ દૃઢાવ કર્યો છે.
(51) ગઢડામાં તો ભગા શેઠ, કારિયાણીવાળા, સુંદરિયાણાવાળા, બગડવાળા, માંડવધારવાળા એ સર્વે કરનારા છે અને આંહીં કોણ છે ? પણ આંહીં ભગવાન ચલાવે છે તે આટલું થયું, પણ હજુ ખરડો કર્યો નથી. અને ભઠ્ઠી કાઢી લાવ્યા તે ખબર ન પડી. તે જુઓને, આપણે તો ખાઈ ખાઈને સૂઈ રહીએ છીએ, ને ચોકી કોણ કરે છે ? આપણા ભગવાન બધી ખબર રાખે છે.
ખરડો : યાદી, નોંધ કરવી, ધર્માદાની લખણી.
(52) આ દેહ અને લોકનો પક્ષ ન લેવો પણ ભગવાનનો ને મંદિરનો પક્ષ રાખવો. શિવલાલ જેવા મોટા ભગવદી હોય તેનું વાંકું ન બોલવું. મોટાની વાતમાં પડવું નહિ, તે શ્રીદામો પડ્યો તો હેરાન થયો અને બ્રહ્મા ને શિવજીને જે હસ્યા તે દૈત્ય થયા ને ચિત્રકેતુ હસ્યો તે પણ દૈત્ય થયો, માટે મોટાના કજિયામાં ભળવું નહિ, એવી કોઈ વાત હોય તે મોટાને સોંપી દેવી; પણ વાતમાં ખબર ન પડે અને દ્રોહ થઈ જાય તો, પાશેરની ઉંદરડી ને પચાસ મણનો પાટડો માથા ઉપર પડે તો છોતા પણ ન રહે એવું થાય. માટે શ્રદ્ધા પ્રમાણે સેવા કરવી, પણ અસેવા જે દ્રોહ કરવો તે મારગે તો ચાલવું જ નહીં.
દૈત્ય : અસુર, રાક્ષસ.
દ્રોહ : મનથી, વાણીથી કે કર્મથી જાણી જોઈને કરેલ દોષ, ગુનો, પાપ કે અપરાધ
(53) જે વાતમાં વેગ લાગે તેમાં નિદ્રા ન આવે ને સ્વાર્થ હોય તેમાં પણ ઊંઘ ન આવે; તે કોઈ જમતાં ઊંઘ્યો છે ?
(54) સંપૂર્ણ સત્સંગનું કહ્યું જે, જ્યારે આ સાધુમાં મન, કર્મ, વચને જોડાશે ને સાધુનાં સર્વે લક્ષણ આવશે; ને અક્ષરધામમાં છે તે જ આ અને આંહીં છે તે જ મૂર્તિ ધામમાં છે એવું અપરોક્ષ જ્ઞાન મહારાજને વિશે થાશે ત્યારે જ સાચો સત્સંગ મળ્યો છે ને સમજાણો એમ જાણવું.
મૂર્તિ : સંતો.
(55) જે સાધુ હશે તે જ સાધુ કરશે. આ સાધુનું ગમતું કરવું એ તો નેવાનું પાણી મોભે ચડાવ્યા જેવું કઠણ છે. મહારાજ અને આ સાધુ કોઈ દિવસ આવ્યા નથી, અને આજ આવ્યા તે બધો નવો ઉઠાવ છે અને અક્ષરધામની આણી કોરનાને આ જ્ઞાન પચ પડતું નથી; અવતારોએ ભેળું ને ભેળું રાખ્યું.
(56) મહારાજને ત્યાગ ગમે છે તે જેને રાજી કરવા હોય તેણે માન મૂકી દેવું, હઠ મૂકી દેવી અને નિષ્કપટ થઈ નિષ્કામ ભક્ત થાવું અને ચોખ્ખા થાવું; મહારાજને ગડબડિયો ભક્ત ગમતો નથી.
(57) ત્યાગી થાઓ કે ગૃહસ્થ રહો, ગમે તો માથે સોનાની પાઘડી બાંધો, ગમે તો ધોળું બાંધો ને ગમે તો ટોપી ઘાલી બાવા થાઓ પણ સાધુતા શીખે છૂટકો છે.
(58) કેશવલાલ છ ગઢ ઓળંગીને આવેલ છે, તેને ઝાઝું કહેવાતું નથી, પણ આ ઊનાવાળા વલ્લભજીને આંહીં રાખવા છે. દેશકાળ છે તે આપણને આવ્યા નથી, ત્યાં સુધી આપણે સારા છીએ; તે આચાર્યનું વહેંચ્યું ત્યારે થોડાક માણસનું માથું ન ફર્યું, બાકી બધાને મહારાજનો અવગુણ આવ્યો જે, રઘુવીરજીને વધારે દે છે અને આજ હજુ ઓલ્યા દેશમાં લાગટ બધાને ગોપાળાનંદસ્વામીનો અભાવ છે તે કહે છે જે, ઋષભદેવ પ્રગટ્યા ત્યારે અરિહંત રાજા પ્રગટ થયો હતો, તેમ આજ ગોપાળાનંદસ્વામી છે, એમ કહેનારા તો સર્વે ગુણે સંપન્ન હોય પણ ગોપાળાનંદસ્વામીનું વાંકું બોલીને ભૂત થયા છે, તેની વાત સભામાં કહેવાય નહિ; એવાને એકાંતિકપણાની વાતું સમજાતી નથી.
લાગટ : એકસામટી રીતે, સળંગ. લગાતાર-સતત ચાલુ
(59) મોટા સંતના સમાગમમાં રહી ઉપાસક થયા હશે, તેટલા જ સત્સંગના કામમાં આવશે અને બાકી બીજાને તો મંદિરનો અવગુણ તે અંતે ખાસડે દાળ વહેંચીને વેરાઈ જાનારા સમજવા. અને સોનાના દોરા જેવા હશે તે તો દૃઢ થકા રહેશે ને બીજાને તો હવે અમે કહેનારા નથી. આચાર્ય હોય કે સાધુ હોય કે હરિજન કે હરકોઈ મંદિરવાળા હોય પણ જો મહારાજની આજ્ઞા બહાર વરતે તો તેવાનો અવગુણ લેવો તેનું પાપ નથી; સ્વામિનારાયણ રાઈરાઈનાં લેખાં લેશે. આપણે તેવા અધર્મીનો સંગ ન કરવો, ભલે એવાં મડદાં સત્સંગમાં પડ્યાં હોય, તેને ભગવાન ભારે દંડ દેશે. ભગવાનને કોઈનો સટાકો નથી, તે તો ભક્તના જ છે. ને ‘શિક્ષાપત્રી’માં પણ કહી દીધું છે કે, ‘અમારી આજ્ઞા પાળતા નથી તે અમારા સંપ્રદાયમાં નથી.’ હવે ભગવાન તો તેવાથી છેટા છે, માટે એવાને આપણે પણ શા માટે સંભારવા ?
હેત, મહિમા ને વિશ્ર્વાસ હોય ને સત્સંગની ગરજ હોય તેને સાચું કહ્યે સમાસ છે, અને બીજાને તો પથ્થર ઉપર પાણી છે, તે કોરોકટ રહી ખુવાર મળશે; ને તેવાને કહ્યે સમાસ નથી થાતો. તે ઉપર પ્રકૃતિ મૂકવાનું છેલ્લાનું 35મું વચનામૃત વંચાવ્યું અને આમ કહ્યા વિના તો જીવના રોગ જવાના નહિ. તે આમ ને આમ બે કલ્પ સુધી સમાગમ કરશો ત્યારે સાધુ જેવા થાવાશે અને પછી મહારાજની સેવામાં રહેવાશે. તે તો ભગવાનનો દીકરો હોય કે, સદ્ગુરુનો ચેલો હોય કે, નાનો-મોટો ભગવાન થઈ આંહીં પૂજાતો હોય કે, આચાર્ય હોય તેને પણ મહારાજની મરજી પ્રમાણે વરત્યા વિના છૂટકો નથી અને આવું મહારાજ આત્મારામ હોય તેને શીખવે છે, પણ અર્થારામ કે ઇન્દ્રિયારામને કહેતા નથી.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
કલ્પ : આપણાં ચાર અબજ બત્રીશ કરોડ વર્ષનો સમય - બ્રહ્માનો એક દિવસ (પણ રાત નહિ)
આત્મારામ : સાંખ્ય- વિચારે કરીને 'હું તો દેહથી નોખો જે આત્મા તે છું'
(60) ભગવાન તથા મોટા સંતની એવી દયા છે જે, શરણે આવે તેના દોષ સામું જુએ નહિ, તેટલું સમદૃષ્ટિપણું છે; કહેતાં પહેલાં દ્રોહ કર્યો હોય પણ પછી દીન આધીન થઈ નિષ્કપટથી શરણે થાય ને માફી માગે અને અનુવૃત્તિ પાળે, તો એકાંતિક ભક્તના જેવું કલ્યાણ કરે છે; પણ અવગુણ લીધો તો તે સામું નથી જોતા. જીવ તો અવળા છે, પણ તેમાં ભગવાન પોતાનો સંબંધ થયો તે સામું જોઈ રક્ષા કરે છેે. મોટા ગુણ હોય પણ જો માન આવે તો તે ગુણ નજરમાં ન આવે. તે એક જણ પથ્થર ઉપર તપ કરતો હતો. તે દયાથી ભગવાન આવીને કહે જે, ‘માગ.’ ત્યારે માની હતો તેથી કહે જે, ‘મારા તપ સામું જુઓ !’ ત્યારે ભગવાન કહે, ‘તેથી જ ફળ દેવા આવ્યા છીએ. માટે માગે તે આપું.’ તો પણ ત્રણ ચાર વખત કહ્યું કે, ‘મારા આવા ઉગ્ર તપ સામું જુઓ !’ પછી ભગવાન કહે, ‘ક્યાં તપ કર્યું ?’ ત્યારે કહે કે, ‘આ છીપર ઉપર.’ એટલે ભગવાન કહે, ‘કોના હુકમથી આ છીપરને ભારે મારી ? માટે હવે તું હેઠે પડ અને છીપર એટલો વખત તારે માથે ચડે.’ એમ માન આવ્યું તો આશીર્વાદ ને બદલે શાપ મળ્યો. તે
અસત વસન ઇચ્છે નહીં, કનક કામિની ત્યાગ;
મુક્ત કહે હરિ શરણ બિન, વૃક્ષતુલ્ય વૈરાગ્ય.
(મુક્તાનંદ કાવ્ય : વિ.ચિ.-ચાનકઅંગ-6)
મુક્ત પ્રગટ કે શરણ બિન, ધરધર ભેખ અપાર,
સાધન કરકર મરત હે, લહત ન ભવજળ પાર.
(મુક્તાનંદ કાવ્ય : વિ.ચિ.-ચાનકઅંગ-19)
પણ જો ભગવાનને પ્રસન્ન કરવા છે એમ કોઈ સત્પુરુષ થકી સમજ્યો હોત તો, સૌથી ઉગ્ર તપ મેં કર્યું છે તેવું માન ન રહેત, અને મોક્ષ માગી કૃતાર્થ થાત.
દ્રોહ : મનથી, વાણીથી કે કર્મથી જાણી જોઈને કરેલ દોષ, ગુનો, પાપ કે અપરાધ
દીન : લાચાર, ગરીબ, રાંક.
આધીન : વશ, તાબેદાર.
અનુવૃત્તિ : મરજી.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
છીપર : વાટવા વગેરેના કામમાં આવે તેવી પથ્થરની ઘડેલી લાંબી, સાંકડી પાટ.
કૃતાર્થ : જેનું કાર્ય સિદ્ધ થઈ ચુકયું છે તે, ધાર્યું કાર્ય પાર પડ્યાનો આનંદ.
(61) જેમ પંચાળાના ખીમા ચારણનો ભાણેજ ગીરમાં રહે, તે માળવાળી હવેલી ભાળેલ નહિ ને આંહીં આવ્યા ત્યારે મેડા ઉપર ચડતાં દાદરા ધ્રૂજે ને કહે જે, ‘પડ્યો ! એ, પડ્યો !’ ને કહે જે, ‘ખોરડા ઉપર ખોરડું કેમ ચડાવ્યું હશે !’ તેમ મહારાજના યથાર્થ મહિમાની દિશ ન હોય, પછી કહે ભગવાન ઉપર ભગવાન કહી દે છે. ને મહારાજથી આ સાધુ એક ક્ષણનો કરોડમો ભાગ પણ છેટે રહેતા નથી. આ તો અનાદિ મૂળઅક્ષર મહારાજનું પરમ સત્ય સ્વરૂપ છે; તેમાં મહારાજ વ્યતિરેક થકા અન્વય અને અન્વય થકા વ્યતિરેક છે. કહેતાં ધામરૂપ અક્ષરમાં સ્વરાટ્ વિરાજમાન થકા મૂળઅક્ષરમાં તેવા ને તેવા જ અખંડ પ્રકાશી રહ્યા છે. અને મહારાજે તો કહ્યું છે જે, ‘જેવો મને જાણશે તેવો તો તે ભક્ત થાશે.’ જેમ જેમ અધિક મહિમા સમજાય છે, તેમ તેમ સ્વામીસેવકપણું અતિ દૃઢ થાય છે અને અહો ! અહો! રહે છે કે, આવી સ્થિતિને હું પામ્યો ત્યારે આ મારા સ્વામી તો નિરંતર અપાર રહે છે !
મહારાજે તો આ સાધુને જ મૂળઅક્ષર કહ્યા છે, ને ભગવાન જેવી જ મોક્ષની મૂર્તિ કહી છે, હવે કેટલું મોઢામોઢ કહીએ ? પણ અમે ન કહીએ તો બીજો કોણ કહેશે ? એક મહારાજ જ કહી શકે. ભગવાન શબ્દથી ભડકાય છે. પણ રામ, કૃષ્ણ, નરનારાયણને ભગવાન કહેતાં આંચકો ખાતા નથી અને આ તો અનંત ભગવાનથી પર અક્ષર છે, ને તેથી પર સર્વોપરી પુરુષોત્તમનારાયણ છે; એવો ધામ ને ધામીનો મહિમા આ સાધુના સમાગમ વગર નથી સમજાતો અને તેથી ઉપાસના ચોખ્ખી થાતી નથી અને સેવકનો મહિમા સ્વામીને લગાડી અક્ષર જેવા મહારાજને ઉપાસે છે; પણ શુદ્ધ સર્વોપરી ઉપાસનામાં ઉપાસકની આ ભૂલ રહી જાય છે.
વચ. ગ.મ. 67
ખોરડું : ખોલી, ઓરડી. માટીનું નાનકડું ઘર એટલે કે દેહ.
મૂર્તિ : સંતો.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
(62) સમૈયામાં પંદર દિવસ સુધી રસોઈ ચાલી ત્યાં સુધી દેશદેશાંતરના સાધુ હરિજન રહ્યા તે પછી ચાલ્યા ગયા. પણ સમૈયો મહારાજે શા માટે કર્યો છે, તેની ખબર નથી. આવા સાધુ જંગમ તીર્થ છે, તે બધો ભવ નહિ રહે. અને આ વાતું, આ દર્શન, આ જોગ, કોઈને મળેલ નથી અને હવે પછી મળશે નહિ. આ તો મહારાજ પધાર્યા ત્યારે જ સાથે આવ્યા છે પણ મહિમા નહિ, જેથી મહારાજનો સમૈયો કરવાનો અભિપ્રાય સમજાતો નથી. સમૈયાનો હેતુ તો એ છે જે, તે સ્થળે પરમ એકાંતિક ભગવાનને અખંડ ધારી રાખે તેવા સંત હરિજન પધારેલા હોય તેમનો સંબંધ ને સમાગમ થાય અને તેથી અનાદિ મૂળ અજ્ઞાન છે તે નાશ પામે. આ તો અમે કહી છૂટીએ છીએ; પછી કહેશો કે કહ્યું નહિ.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
(63) મહારાજ કહેતા કે, ‘કેટલાંક વહાણ તો ઠેઠ પૂગ્યાં છે ને કેટલાંકને તો ઝાડવાં દેખાણાં છે અને કેટલાંક અધવચ્ચે છે અને કેટલાંક તૈયાર થાય છે; અને કેટલાંક નજરમાં ઘાલ્યાં છે, જે આ સોટાનું વહાણ થાશે.’ એમ સત્સંગમાં અધિક-ન્યૂનભાવ છે.
(64) બે કલ્પનું કહ્યું ત્યારે ચકુભાઈ કહે, ‘મોટા પાસે બે કલ્પ થાય, ત્યારે મોટાનો પ્રતાપ શું ?’ ત્યારે સ્વામી કહે જે, ‘ગોપાળાનંદસ્વામી, બાળમુકુંદાનંદસ્વામી એ ભેળા તો ભગવાન હોય, તે બે શું ? પણ ચાર કલ્પ ભેળા રહીએ તો પણ કઠણ ન પડે; અને તમારે તો આજ પૃથ્વીનું વેજું છે તે કોઈ વાતે ખામી નથી અને મનાય તો આ સંબંધથી જ છેલ્લો જન્મ થયો છે અને આંહીંથી જ મહારાજની સેવામાં છો.
કલ્પ : આપણાં ચાર અબજ બત્રીશ કરોડ વર્ષનો સમય - બ્રહ્માનો એક દિવસ (પણ રાત નહિ)
(65) અતિ વહાલી વસ્તુ હોય તે જ્યાં હેત હોય ત્યાં અપાય તેમ મહારાજને વહાલા, જે અક્ષરધામ, આજ તમને સાક્ષાત્ મૂર્તિમાન આપ્યા છે. તે મહારાજ લોજમાં વિરાજતા હતા, અને રામાનંદસ્વામી કચ્છમાંથી આવ્યા એવો સંદેશો કહેવા પીપલાણાના કુરજી મહારાજ લોજ શ્રીજીમહારાજ પાસે ગયા, ત્યારે શ્રીજીમહારાજ રાજી થયા અને કહ્યું જે, ‘તમે અમને રામાનંદસ્વામીનાં દર્શન કરાવશો તે વધામણીની મોજમાં અમે તમને અમારું અક્ષરધામ મૂર્તિમાન બક્ષિશ આપશું.’ એ વર પાળવા અમને આંહીં સોરઠમાં રાખ્યા છે.
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
સંવત 1919ના જેઠ સુદિ અષ્ટમીને દિવસે સ્વામીએ વાત કરી જે,
(66) કામ, ક્રોધ આવે ત્યારે ખબર રહેવા દે નહિ અને માન ને લોભ તો શાહુકાર ચોર છે. અને દેહાભિમાન ને રસાસ્વાદ તે તો દૂધ પાઈને નાગ પાળ્યો છે તે જરૂર કરડશે, માટે સત્સંગ કરી આ સાધુ થકી બ્રહ્મરૂપ થાશો ત્યારે અંતરશત્રુ નડશે નહિ; અને સુખિયા રહી બીજાને શાંતિ પમાડશો. આ સહેલો ને સુગમ રસ્તો છે, પણ આ સાધુમાં મનુષ્યભાવ રહે છે જેથી મનાતું નથી. મહારાજ અક્ષરાતીત ભગવાન છે ને આ મૂર્તિમાન અક્ષર છે પણ ‘દેહદર્શી દેખે પોતા જેવા સંસારી;’ તે ‘ભગવાં કરી ટોપી ઘાલી,’ તે જાણે બાવો છે, પણ આ તો અક્ષરધામ પોતે જ છે.
શાહુકાર : ધનિક.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
મનુષ્યભાવ : દેહભાવ, માયિકભાવ, જેમાં ગુણાનુરાગ - ગુણાનુબુદ્ધિ પ્રવર્તે છે તેવો ભાવ.
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
(67) એક હરિજને ગોંડળના વિઠ્ઠલજી મારફત સાધુને ફરાળ અપાવ્યું તે સાધુને કડવાં કોઠીંબા લાવી આપી રૂપિયા ઘરમાં મૂક્યા, તે પાપે ભૂત થાવું પડ્યું.
(68) ઇન્દ્રિયું-અંત:કરણ કેવાં છે ? તે જો હમણાં તુંબડાંનું કે શેરડીનું ગાડું આવે તો ઇન્દ્રિયુંનું રૂપ કળાઈ જાય ને સારું તુંબડું ને સારો સાંઠો ઉપાડે; માટે ઉત્તમ ભોગમાં રાગ છે એ ચોથી ઘાંટી છે તે ટાળ્યા વિના સુખ થાય નહિ. ત્યારે નારણપ્રધાને પૂછ્યું જે, ‘રાગ કેમ ટળતા નથી ?’ સ્વામીએ કહ્યું જે, ‘જેમ પાણામાં કાપા પડે છે તેમ ધીરે ધીરે ટળે. તે વરતાલમાં આરસ વહેર્યો તે કળેકળે વહેર્યો ત્યારે વહેરાણો.’ તે ઉપર બૂડ ઠૂંઠાંની વાત કરીને કહ્યું જે, અસત્ પંચવિષય છે તે બૂડ ઠૂંઠાં છે, તે ઘર ઊઠી કરી જાય છે; અને એ શત્રુ વધતા આવે તો ગામ બાળે. માટે તેવાનો જ્યારે પ્રવેશ થાય ત્યારે જો સત્સંગની દિશ ન રહે તો આજ્ઞા લોપાય ને વિષયથી સોરાઈ જવાય ને મરણતોલ થઈ જવાય માટે એવા અસત્ દેશકાળમાં તો સત્સંગીએ પોતાના દેહનો વસ્તુગતે વિચાર કરવો જે, દેહ મા-બાપથી ઉત્પન્ન થયો છે, તે માંસ, રુધિર, પાચ, શેડાં, પરુથી ભરેલો છે, અને રૂંવાડે રૂંવાડે નરક ઝરે છે; પણ ચામડેથી મઢ્યું છે; તેમાં ચામડિયો હોય તે જ મોહ કરે.
કળાઈ : કોણીથી કાંડા સુધીનો હાથ.
કળેકળે : ધીરેધીરે, યુક્તિ-પ્રયુક્તિથી.
નરક : દોજખ, વિષ્ટા.
ચામડિયો : ચામડાં ચૂંથનાર, સ્ત્રીની પાછળ ઘેલો થઈ ઢસડાતો ફરનાર.
(69) અમારે તો ‘ધર્મામૃત’ પાળી બીજાની શિક્ષાને અર્થે ગ્રહણ કરવું નથી ને મહારાજને રાજી કરવા છે; તે એક કોપીન જેટલું પણ વધારે વસ્ત્ર અમારા થકી રાખ્યું નથી. એવી શુદ્ધ રીતે વરતશે તો જ મહારાજ રાજી થાશે. પણ મહિમા સમજી ભલા થઈ આજ્ઞા લોપશો નહિ. અને કુંતાજી ને દ્રૌપદી પ્રગટના સંબંધથી સતી લખાણી, તે દૃષ્ટાંતનો અવળો અર્થ કરી આ સંપ્રદાયમાં જેમ તેમ વરતવાનું નથી. મહારાજને નિષ્કામધર્મ અતિ વહાલો છે. પ્રથમ લોજમાં આવી ગોખલો છંદાવ્યો, અને બાઈઓનો સંસર્ગ અળસાવ્યો, અને બાઈ-ભાઈનાં નોખાં મંદિર કર્યાં. અને કેટલાક કહે છે કે, ‘એમાં શું ? લગાર આજ્ઞા લોપશું અને મહારાજ ને મોટા સંતના સંબંધનો વિચાર કરી કૃતાર્થ રહેશું.’ અને દાળમાં આંબલી ખાટી ન લાગે પણ (દાળને) વધારે સ્વાદિષ્ટ કરે છે, તેમ મહિમાની ઓથે વધારે પાપ કરે છે; તેવા ચંડાળને જે ભગવાનનો મહિમા છે, તે જ ભગવાનની આજ્ઞા પણ છે તેની તેને ખબર પડતી નથી, એવાને તો ધામને બદલે ધક્કા મળશે, ત્યારે ગુલામની આંખ ઊઘડશે.
દરબારે એક છોકરાને ગોળ મુકાવ્યો તેની વાત કરી જે, એક ગરીબ વિધવાનો છોકરો ગોળ સારુ કજિયો કરે, તેની મા ઘણું મનાવે પણ માને નહિ. પછી દરબાર આગળ ડારો દેવરાવવા લઈ ગઈ, ને દરબારને કહ્યું જે, ‘મારા ઘરમાં ગોળ નથી ને આ છોકરે લત લીધી છે તે આપ બીક દેખાડી સમજાવો ને ગોળનો નિષેધ કરો.’ તે વખતે દરબાર જમતા હતા ને થાળીમાં ગોળ હતો, જેથી દરબારે કહ્યું જે, ‘કાલે દશ વાગે આંહીં લાવજે.’ પછી બીજે દિવસ દશ વાગે દરબાર જારની ઘેંશ ને ખાટી છાશ અને બંટીનો રોટલો જમતા હતા ત્યાં તે મા દીકરો આવ્યાં; પછી ગોળનો એવો નિષેધ કર્યો કે છોકરાને ગોળનો અભાવ થઈ ગયો. તે બાઈએ કહ્યું કે, ‘કાલે કેમ ન કહ્યું ?’ એટલે કહે, ‘હું કાલ ગોળ ખાતો હતો, તેથી મારું કહેવું બીજા કેમ માને ?’ તેમ શુદ્ધ રીતે વરતતા હોય તેનો ઉપદેશ લાગે. આજ્ઞા અને ઉપાસના બે પાંખો છે, તે સંત હરિભક્તને અવશ્ય માથા સાટે રાખવાં.
પાળી : વારો.
અર્થ : ધન, સંપત્તિ.
લગાર : જરાય
કૃતાર્થ : જેનું કાર્ય સિદ્ધ થઈ ચુકયું છે તે, ધાર્યું કાર્ય પાર પડ્યાનો આનંદ.
નિષેધ : શાસ્ત્રવિહિત મનાઈ.
દશ : દિશા.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
સાટે : બદલેઅવેજમાં.
(70) એક વાર વરતાલમાં ગુરુ પહેલાં ચેલા જમી ગયા. તે વાત કરી જે, સારી સારી ઊની રસોઈ હતી ને રસાસ્વાદથી ધીરજ ખમાણી નહિ, તેથી ગુરુ જેટલું રાખી આગળથી જમી લીધું તે ગુરુનો મહિમા નહિ; તેથી એવામાં ગુણ પણ આવે નહિ.
(71) ગુરુ થઈ બધું ભોગવીએ ને બીજાને મુકાવીએ એ વાતની લાલચ રાખવી નહિ. શિષ્ય કરતાં ગુરુને વધારે પાળવું પડે છે. અમે વૃદ્ધ થયા છીએ ને દૂધ, ગોળ, ઘી કાંઈ કડવાં લાગતાં નથી કે ઢોલિયો ખૂંચતો નથી; પણ હું જરાક કરું તો મારું બહાનું દઈ બીજા સટોસટ વિષય ભોગવવા માંડે, તે આંહીં એક ફક્ત સ્ત્રી નથી; તે વિના ગૃહસ્થ કરતાં અનેકગણા વિષય છે. અને તમે પણ નિષેધ ન કર્યો હોય તો પદાર્થના ઢગલા કરો પણ તે બરછીઓ છે. તે જેમ એક કહે કે, ‘બાપા આપણી ઘોડીએ દાતરડું ગળ્યું !’ ત્યારે કહે, ‘ઘોડી દાતરડું ગળી શકે નહિ, ને જો ગળ્યું હોય તો નીસરવું મુશ્કેલ છે, તે મરી જાશે;’ તેમ આજ્ઞા લોપશે તો સત્સંગમાં છે તો પણ વિમુખ છે.
નિષેધ : શાસ્ત્રવિહિત મનાઈ.
કરો : ઘરની દિવાલ.
(72) હવે તો મહારાજની મૂર્તિનું ધ્યાન કરવા શીખો, તેનાં કીર્તન ગાવા શીખો અને તેના નામની માળા ફેરવવા શીખો તથા ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ કરતાં શીખો, બ્રહ્મરૂપ થાવા શીખો, ઉપાસના જે ધામમાં મહારાજ સદા સાકાર મૂર્તિમાન છે એવી દૃઢતા કરવા શીખો; અને ઇન્દ્રિયું-અંત:કરણ ને મનનો કુસંગ ને બહારનો કુસંગ તથા સત્સંગમાં કુસંગ તે ઓળખતાં શીખો.
આત્મબુદ્ધિ : પોતાપણાની ભાવના, 'દેહ તે હું નહિ પણ આત્મા છું' એવી બુદ્ધિ.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
દૃઢતા : મક્કમતા, દૃઢપણું.
(73) શરીરને કાયદામાં રાખ્યા ઉપર વાત કરી જે, પહેલાં પગથિયાં બાંધ્યાં ત્યારે માધવદાસ ને પ્રજ્ઞાનંદસ્વામીએ સૌ પહેલાં જય બોલાવી પણ હવે એ બે જણથી લગારે કામ થાય નહિ. માટે તે તો દેહને આગળથી કાયદામાં રાખે તો રહે. દેહની ક્રિયામાં અને મનની ક્રિયામાં બંધાવું નહિ.
(74) જેના હૈયામાં નિષ્ઠા હોય તે બીજાને નિષ્ઠા કરાવે. તે ઉપર વરતાલનું 12મું વચનામૃત વંચાવી વાત કરી જે, અખંડાનંદસ્વામીએ કૃષ્ણજન્મ ખંડનો અભ્યાસ કર્યો, તે જીવ્યા ત્યાં સુધી હૈયામાંથી નીકળ્યું નહિ. દેવાનંદસ્વામીએ વાંકાનેરમાં રામાયણના સાત કાંડ વાંચ્યાં; તેમાં શો સમાસ થયો ? એમાંથી તો મૂળગો અસમાસ કરીને આવ્યા ને અમોઘાનંદ સ્વામી ને ગોંડળનો દેવરાજ કડિયો પણ રામાયણ વાંચતા અને સમજણ પણ એ બધાની વૈકુંઠનાથ સુધીની હતી અને થાળ તો અમારાથી દેવરાજે વધુ ખાધા હશે; તે હવે કાનમાં તંગલિયાં પહેરીને વૈકુંઠમાં બેઠા છે.
ગઢડાનું મંદિર ચણાતું હતું ત્યારે નિષ્કુળાનંદસ્વામી માથે બેલું ઉપાડી નિસરણીએ ચડીને દેવરાજ કડિયાને આપવા ગયા. ત્યાં બારના ડંકા થયા એટલે નિષ્કુળાનંદસ્વામીએ કહ્યું કે, ‘આવે છે, હું લઈ આવ્યો છું, તે માંડીને પછી ઊતરો.’ ત્યારે દેવરાજ તે બેલું હેઠે પાડી નાખી, નીચે ઊતરી ગયો. પછી મહારાજ આગળ નિષ્કુળાનંદસ્વામીએ રાવ કરી જે, ‘હું ચડીને બેલું આપવા ગયો, તે બેલું હેઠે નાખી દઈ ઊતરી ગયો.’ પછી મહારાજે તેને બોલાવી થાળ આપ્યો. ત્યારે નિષ્કુળાનંદસ્વામીએ કહ્યું કે, ‘એવાને શું થાળ આપ્યો ?’ ત્યારે મહારાજ કહે જે, ‘એવો છે તો પણ એ મંદિર કરશે, પણ તમને કે મને ચણતાં નહિ આવડે. અને તે શું મુક્તાનંદસ્વામી જેવો છે કે તેનો ધોખો કરીએ ? આને જો વઢીએ તો મૂકીને વહ્યો જાય. માટે એવાને તો થાળ આપવો જોઈએ.’
નિષ્ઠા : શ્રદ્ધા, આસ્થા, વિશ્ર્વાસ, ધારણા.
મૂળગો : તદ્ ન
તંગલિયાં : કુંડળ. (બ.વ.)
રાવ : ફરિયાદ, સહાયતા માટેની આજીજી.
ધોખો : માઠું કે ખોટું લાગે તેવું વચન.
(75) ‘સત્સંગીજીવન’ ગ્રંથ નહોતો સાંભળ્યો ત્યાં સુધી એમ રહેતું કે બહુ સારો હશે પણ તેમાં મોરલી છે. લીલાચરિત્ર આવે તે અમને તો આનંદ; પણ જેણે નથી દીઠું તેને તો ‘મહારાજ શ્રીકૃષ્ણનો અવતાર છે’ એમ ઠસી જાય. આ ગ્ંરથ નિત્યાનંદસ્વામીએ સાત દિવસ બંધ રખાવ્યો હતો. ને છેવટે મહારાજે હાર પહેરાવી તેમની ઉપાસનાનાં વખાણ કર્યાં. સર્વોપરી ઉપાસનાની વાત કોણ જાણે છે ? પણ શુકમુનિ ને દીનાનાથે તે નાખ્યું. પછી લાલોભાઈ કહે, ‘મહારાજના મહિમા ને સ્વરૂપનિષ્ઠાનાં શાસ્ત્ર તો હજુ હવે થાશે. તેમાં કડીએ કડીએ, ને શ્ર્લોકે શ્ર્લોકે મહારાજ સર્વોપરી સર્વ અવતારના ને અક્ષરના સ્વામી એમ આવશે.’
ત્યારે મનજીભાઈએ પૂછ્યું, ‘મૂર્તિયું પણ ઉપાસના માટે બીજી થાશે ?’ એટલે સ્વામીએ કહ્યું જે, ‘હા, ને મહારાજને તો પોતાની મૂર્તિમાં જ જોડવા છે, પણ અનંત પ્રકારના સત્સંગમાં મનુષ્યને તે પચ ન પડ્યું. તે બગીચામાં થોર, બાવળ ને કાંટા પણ હોય તે મોગરા, ગુલાબની રક્ષા કરે. અને મહારાજ છતાં ઘણાખરા મહારાજને મોટાપુરુષ જેવા સમજતા હતા, ભગવાન કોઈક છાના છાના કહેતા. તે મોટા મોટા અડીખમ સત્સંગના સ્થંભ કહેવાતા તે વૈકુંઠ ને ગોલોકના પતિ મહારાજને સમજતા, એ તો બહુ ભારે નિષ્ઠાવાળા ગણતીના ગણાતા. હવે એમની વાતે સત્સંગી થયા હોય તેને તેવું જ પ્રધાન થયું હોય, તેને કેમ સર્વોપરીપણું બેસે? તે બધાંને ફરી આવવું પડ્યું છે, ત્યારે જ વીસ વીસ વરસના ત્યાગી થાવા આંહીં આવે છે, તે જૂના છે; ને ગૃહસ્થમાં પણ કેટલાક રહ્યા છે, તે જેમ છે તેમ સમજી, કસર ટાળી ધામમાં ચાલ્યા જાય છે.’
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
વૈકુંઠ : શ્રી વિષ્ણુ ભગવાનનું ધામ.
કસર : ખોટ, ઉણપ.
(76) આ બ્રહ્માંડનો વૈરાટ અક્ષરધામનો કનિષ્ઠ મુક્ત હતો, તેણે સદ્આશયે આંહીં આવી કારખાનું ચલાવ્યું, પણ મૂંઝાવાથી મહારાજને પચાસ વરસને દોઢ પહોર દિવસ સુધી પ્રાર્થના કરી ત્યારે મહારાજ આંહીં મૂળ અજ્ઞાન કાઢવા પધાર્યા છે, ત્યારે નથુ પટેલે પૂછ્યું જે, ‘મૂળ અજ્ઞાન તે શું ?’ ત્યારે સ્વામી કહે જે, ‘પ્રગટ પુરુષોત્તમનારાયણ અને મૂળઅક્ષરના સ્વરૂપનું સમ્યક્ જ્ઞાન નહિ તે જ મૂળ અજ્ઞાન છે અને મૂર્તિમાન મનુષ્યાકારે જે પૃથ્વી ઉપર છે તેમના સ્વરૂપનું સાક્ષાત્ જ્ઞાન થયું એ જ મૂળ અજ્ઞાનનો નાશ થયો એમ જાણવું.’
વૈરાટ : વિરાટપુરુષ, વૈરાટનારાયણ
પહોર : પ્રહર, ત્રણ કલાક.
(77) ગઢડામાં મહારાજ હુતાશની રમ્યા ત્યારે ફગવામાં વર આપ્યા. તેમાં સૂરાખાચરે વર માગ્યો કે, ‘અમારા સીમાડામાં હરકોઈ જીવ મરે તે જમપુરીમાં ન જાય.’ ને દાદાખાચરે માગ્યું જે, ‘મહારાજ તમો રહો ત્યાં સુધી કોઈ જીવ જમપુરીમાં ન જાય.’ પછી મહારાજ કહે, ‘નવો રાજા ગાદીએ બેસે ત્યારે આગલા બંદીવાનોની જનમકેદ હોય તે પણ છૂટી જાય છે; તેમ અમે પણ આ બ્રહ્માંડમાં આજ પ્રથમ પહેલ-વહેલા આવ્યા છીએ. એટલે જમપુરીમાં જેટલા જીવ કેદી છે તેને આજ છોડી મૂકવા જોઈએ.’ પછી સ્વરૂપાનંદસ્વામીને આજ્ઞા કરી જે, ‘તમે જમપુરીમાં જાઓ.’ ત્યારે સ્વરૂપાનંદસ્વામી ધર્મરાજા પાસે ગયા, એટલે ઘણું સન્માન દઈ સ્તુતિ-આરતી કરી; ત્યારે સ્વરૂપાનંદસ્વામીએ કહ્યું જે, ‘તમારા નરકના કુંડો દેખાડો.’ ત્યારે ધર્મરાજાએ નરકના કુંડો દેખાડી વિક્તિ કરી જે, ‘આ પાપે આ કુંડમાં અને આ પાપે આ કુંડમાં પડે છે.’ પછી કુંભીપાક નરક આવ્યો, તેમાં કંઈક જીવોનો કકળાટ સાંભળી સ્વરૂપાનંદસ્વામીને દયા આવી; તેથી ‘સ્વામિનારાયણ ! સ્વામિનારાયણ !’ એમ કહેવા લાગ્યા કે, તુરત જ તે શબ્દ સાંભળીને જમપુરીના બધા નરકના કુંડમાં જેટલા જીવ હતા તે સર્વે ચતુર્ભુજરૂપ થઈ, વૈમાનમાં (વિમાનમાં) બેસી ભુમાપુરુષના લોકને પામતા હવા. તે ઉપર બોલ્યા જે,
નારાયણ પ્રબળ પ્રતાપ છે.
સર્વે નર્કના કુંડ ખાલી થયા,
ભૂખ્યા જમગણ રે, કર ઘસી પસ્તાય. નારાયણ0
(કીર્તન મુક્તાવલિ : 761)
વિક્તિ : વિગત-વિવરણ.
નરક : દોજખ, વિષ્ટા.
(78) લાલાભાઈએ સાથી રાખ્યો, પણ તે દુર્જન નીકળ્યો. પછી તેને કાઢવા માંડ્યો, ત્યારે કહે, ‘જાઉં નહિ ને કાઢો તો બારવટે નીકળીશ.’ પછી દેશકાળ, તે ચારસેં-પાંચસેં કોરી લઈ જેમ તેમ કરી વળાવ્યો, માટે દુર્જન સાથે વહેવાર ન કરવો. એવા નીચ જરૂર ભૂંડું કરે, તે કૂતરું રીઝે તો મોં ચાટે ને ખીજે તો કરડે.
પ્રકરણ 10 ની વાત 59
(79) ધોલેરાના મંદિરની વાત કરી જે, મહારાજે ક્યારે કહ્યું છે જે, વ્યાજ ખાઈ વેપાર કરવો ને ગામ ગરાસ રાખવા ? તે જેટલા મંદિરવાળા મોટેરાએ આજ્ઞા લોપી છે તેટલું સત્સંગનું ભૂંડું કર્યું છે. મંદિરનો વહેવાર તો મહારાજે કેવળ ધર્માદા ઉપર રાખ્યો છે. તે ‘અંતે લૂણી ધ્રો લઈ ગઈ.’ એમ થયું છે. આ મંદિર તો સોનાને પતરે મઢાશે ને ગાડીએ રૂપિયા ચાલ્યા આવશે અને સાધુને ધર્માદા માટે કહેવું ને માગવું નહિ પડે; પણ વહેવારિક (વ્યાવહારિક) બુદ્ધિવાળા મોટા થઈ બેઠા છે અને મહારાજની આજ્ઞા લોપે છે તે ધ્યાન, ભજન, કથાવાર્તા કરી ભગવાન પરાયણ વરતતા નથી; અને દ્રવ્યની હાયવોય કર્યા કરે છે, ને જો કોઈક કહે તો સોરી પાડે છે કે, ‘દેવમંદિરનો વહેવાર માળા ફેરવે ન ચાલે !’ પણ અમારું તો આંહીં ભગવાને કથાવાર્તાથી જ ચલાવ્યું છે.
તે પ્રથમ આ મંદિર કરવા આવ્યા ત્યારે ગોપાળાનંદસ્વામી નિરંતર વાતું જ કરતા; અને તુળસીનાં માંજર મૂર્તિ ઉપર ચડાવી શિખર કરતા. ને કોઈકે પૂછ્યું જે, ‘સ્વામી, શું કરો છો ?’ ત્યારે ગોપાળાનંદસ્વામી કહે જે, ‘મંદિરનું શિખર કરીએ છીએ !’ ત્યારે અખતરડાહ્યા કહે જે, ‘ગોપાળાનંદસ્વામી મંદિર કરવા નથી આવ્યા, પણ વાતું કરી રમત કરવા આવ્યા છે.’ પણ મોટાની ક્રિયા જીવ શું જાણી શકે ? અમે પણ પ્રથમ આંહીં આવ્યા તે વખતે પાણા ભાંગવા હથોડી પણ નહોતી, તે પાણેથી પાણો ભાંગતા અને ધર્માદા માટે કોઈને ઉપદેશ કર્યો નથી, ને આફુરડું આટલું થઈ ગયું છે અને હજુ સૌથી સર્વોપરી બધા પ્રકારે થાશે. અમે તો દુર્જનનો સંગ મુકાવી, સત્સંગ પ્રધાન કરાવી, ભગવાન પરાયણ કરીએ છીએ અને જ્યારે એવા શુદ્ધ હરિજન થાશે ત્યારે વગર ક્હ્યે સત્સંગ વગર બીજે નહિ જ વાવરે. એથી મંદિરને સમાસ છે અને જીવ અને સત્સંગ વૃદ્ધિ પામે છે. મહારાજે એમ જ કર્યું છે ત્યારે આટલું બધું થયું છે, પણ બીજી રીતે કર્યું નથી અને અમે પણ એ જ રીતે કરીએ છીએ કે, ભગવાન મુખ્ય અને વહેવાર પછી.
લોપી : ન માનવા દે, ઉલ્લંઘન કરાવે.
મૂર્તિ : સંતો.
કરો : ઘરની દિવાલ.
અખતરડાહ્યા : દોઢડાહ્યા.
પાણા : પથ્થર.
પાણો : પથ્થર.
આફુરડું : આપોઆપ, એની મેળે, સહેજે સહેજે.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
(80) આંહીં અમે મંદિરની દરેક ક્રિયા અમારા હાથમાં રાખી છે અને શણગાર આરતીનાં દર્શન કરી આવીને છાશવાળા, પાણીવાળા, રોટલાવાળા ને બીજી ક્રિયાવાળાને તેમની ક્રિયા સોંપીએ છીએ અને જો આગળથી કહીએ જે, આ કામ તમારે કરવું છે, તો ભગવાન પડ્યા મૂકીને તે ક્રિયા વહેલા ઊઠી કરવા મંડી જાય; ને કથાવાર્તામાં મન રાખે નહિ અને આ તો એમ રહે જે, સ્વામી કોણ જાણે કઈ ક્રિયા સોંપશે ? તે સૌ સભામાં આવી નિરાંતે કથાવાર્તા સાંભળે છે. તો પણ વચમાં માયા પેટ કૂટી જાય છે તેને પણ ઠોઈ રાખીએ છીએ, તે આજ વિધ્ન કરવા માયા આવી હતી તે શું ? જે, આપણે વાતું કરતા હતા તે ટાણે ઘીવાળો કોઠારે ઘી દેવા આવેલ, તેથી ત્રિકમદાસ આવી કહે જે, ‘સ્વામી, આ ઘી લેવું છે તે કોઠારે આવો.’ પછી અમે કહ્યું જે, ‘હમણાં ખમો.’ ત્યારે વળી ઘડીક વારે આવ્યા ને કહે જે, ‘સ્વામી, ઘીવાળો ઉતાવળો થાય છે ને ખમતો નથી.’ ત્યારે અમે કહ્યું જે, ‘ઉતાવળો થાતો હોય તો ભલે જાય.’ એ વાત ઘીવાળે સાંભળી, તે તુરત અમારી પાસે આવ્યો ને કહે જે, ‘સ્વામી, હું ઉતાવળો નથી થયો, એ તો કોઠારી ઉતાવળ કરે છે, મારે તો સામટું ઘી વેચાય છે તો વાર લાગે તો ફિકર નથી.’ ત્યારે આ ત્રિકમદાસનું પોગળ ઉઘાડું પડ્યું. એમ માયા પ્રવેશ કરીને કથામાં આવરણ કરવા આવે છે; માટે આગ્રહ રાખી ભગવાન મુખ્ય રાખશું ત્યારે જ મહારાજ રાજી થાશે.
ઠોઈ : રોકી.
પોગળ : ભોપાળું, ખોટો દંભ.
(81) દેહ જાળવીએ છીએ તે ધૂડ ચૂંથીએ છીએ ને કોઈની ફિકર ન રાખવી. છોકરા હોય તેમાં કોઈક ચાકર રહેશે; કોઈ ઘર જમાઈ રહેશે અને કોઈ કુટાશે અને કોઈ પીટાશે. એમ ને એમ ચાલ્યું જાશે.
(82) આ ત્યાગી મંદિરનું કામ કરે છે અને તમે ધર્મવરો કાઢો છો; વળી મંદિરની, આચાર્યની ને સાધુની સેવા કરો છો. કુસંગમાં પણ જેને જ્યાં નિષ્ઠા હશે ત્યાં તે તે ક્રિયા કરતા હશે, ને ત્યાં તે વાવરતા હશે; પણ આ સાધુનો સમાગમ કર્યા વિના પ્રગટ ભગવાનની નિષ્ઠા ન થાય. અને સદાય અપૂર્ણપણું મટતું નથી અને દેશકાળે દુ:ખિયો પણ થાય. માટે અસાધારણ મોક્ષનું કારણ આ સાધુ છે, તેમાં આત્મબુદ્ધિ કરશો અને અનુવૃત્તિ પાળશો અને જ્યારે એમ સમજશો કે જે અક્ષરધામને દેહ મૂકીને પામવા છે તે જ આ મૂર્તિમાન તમને મળ્યા છે, એમ અપરોક્ષ જ્ઞાન જ્યારે જીવમાં થાશે, ત્યારે સત્સંગ કર્યાનું ફળ મળ્યું એમ જાણવું. અને જેવા છે તેવા ભગવાન ને સાધુને જાણીશું ને પ્રગટ પ્રમાણ સર્વોપરી ઉપાસના ભક્તિ મહારાજની કરશું ત્યારે સંસૃતિથી મુક્ત થાવાશે; અને બીજી સેવા ભક્તિ છે તેથી દેહ, લોક ને દ્રવ્યની શુદ્ધિ થાય છે અને મોટા સંતની મરજી પ્રમાણે ચાલવારૂપ સેવાથી આશીર્વાદ મળે છે; તેથી કલ્યાણ થાય છે. માટે મંદિરના રોટલા ખાઈને પણ આ સાધુનો સમાગમ કરશે તેને કસર રહેશે નહિ.
કરો : ઘરની દિવાલ.
નિષ્ઠા : શ્રદ્ધા, આસ્થા, વિશ્ર્વાસ, ધારણા.
આત્મબુદ્ધિ : પોતાપણાની ભાવના, 'દેહ તે હું નહિ પણ આત્મા છું' એવી બુદ્ધિ.
અનુવૃત્તિ : મરજી.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
કસર : ખોટ, ઉણપ.
(83) પંચાળાનું 4થું વચનામૃત વંચાવીને કહ્યું જે, આવી રીતે નિશ્ર્ચયની દૃઢતા કરી હોય અને ભગવાનનું દિવ્યપણું ને મનુષ્યપણું એક જાણી રાખ્યું હોય અને સર્વે ધામ થકી અક્ષરધામનું સુખ શ્રેષ્ઠ છે એમ નક્કી કરી રાખ્યું હોય તેને વર્તમાન પાળવાં શું કઠણ પડે ? અને તેણે કેમ ચોરી થાય ? ન જ થાય. એવો ખરેખરો નિશ્ર્ચય થયો હોય તો પોતે વર્તમાન લોપવા જાય તો પણ લોપાય નહિ.
દૃઢતા : મક્કમતા, દૃઢપણું.
(84) લાલાભાઈને કહ્યું જે, તમને લાખ રૂપિયા આપીએ તો કણબીપણાનું ને સોજીત્રાપણાનું (જાણપણું) ટળે નહિ તેમ ભગવાનની કોરનું થાય ત્યારે ખરેખરો નિશ્ર્ચય કહેવાય અને આવો નિશ્ર્ચય જેને હોય તેને ભગવાન બીજે ક્યાંય રહેવા દે નહિ; માટે દિવ્યભાવ-મનુષ્યભાવ તેનું વારંવાર શ્રવણ મનન કર્યા કરવું. તે ઉપર વાત કરી જે, વશરામ સુતારને કોઈકે કહ્યું કે, ‘મહારાજ પાસે બે સ્ત્રીઓ હતી.’ ત્યારે કહે જે, ‘એમ હોય નહિ ને હોય તો પણ એ ભગવાન છે તે કાંઈ બાધ નહિ.’ પછી સામા માણસનો તો સંશય ટળી ગયો પણ વશરામ સુતારને સંશય થયો તેથી પર્વતભાઈ પાસે કહ્યું. ત્યારે પર્વતભાઈ બોલ્યા જે, ‘એમાં ભગવાનને શું બાધ ?’ એ વાત કરીને કહ્યું જે, ‘સત્સંગ ને ઉપાસના તે તો સમાગમે કરીને થાય, ત્યાગ-વૈરાગ્ય પણ સમાગમે આવે અને સત્સંગ થાય ત્યારે તેના હૈયામાં વિષય રહે જ નહિ ને બીજામાં સુખ મનાય જ નહીં.’
બાધ : દોષ.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
(85) જ્ઞાન વિના તો પોતાનો છોકરો મરી જાય કે, પોતાને વહાલું પદાર્થ નાશ પામે ત્યારે મરવા તૈયાર થાય. અને સર્વનિવાસાનંદસ્વામી મારી પાસે બોલ્યા જે, ‘ઓલ્યા દેશમાં જો રહ્યો હોત તો અસુર થઈને મરી જાત!’ અને ચૈતન્યાનંદસ્વામી પણ એમ બોલ્યા જે, ‘હું હમણાં આજ સત્સંગી થયો!’ સાંખ્ય સહિત યોગ વિના તો બહુ વાંધો રહી જાય તે ઉપર પ્રથમનું 23મું વચનામૃત વંચાવીને વાત કરી જે, આ સ્થિતિ થાય છે તે સત્સંગમાં જ થાય છે, પણ જે ગુણાતીત હોય તે જ ગુણાતીત કરે ને જે ગુણાત્મક હશે તે ગુણાત્મક જ કરશે.
(86) મહારાજનો અભિપ્રાય જેવો અસુર, ઝીણી બુદ્ધિવાળા સમજે છે તેવો આપણે પણ સમજી શકતા નથી. આ રૂગનાથરાય છે, તેણે કોઈ દિવસ આપણું મંદિર જોયું નથી અને મંદિર તો કહેતો નથી, પણ મઠ કહે છે. પરંતુ જેવો મહારાજનો સિદ્ધાંત તે જાણે છે એવો આપણે જાણવો જોઈએ; પણ જાણી શકતા નથી. તે શું? તો, એ એમ સમજે છે કે, ‘જો એના સ્વામિનારાયણ ગઢડેથી કાગળ લખી મોકલે જે, મૂર્તિયું ઠેકાણે મૂકીને તમે આંહીં આવતા રહેજો, તો એ મહારાજના સમાચાર આવ્યેથી, આપણે મૂર્તિયુંને મૂકી દઈને સવારમાં ગઢડે પહોંચીએ, એમ આપણે શ્રીજીમહારાજ સાથે બંધાણા છીએ; પણ મૂર્તિયું પધરાવવામાં બંધાણા નથી.’ પણ આવું જે રહસ્ય તે આપણામાંના સમજતા નથી, પણ એ ઘેર બેઠાં એમ સમજે છે; માટે આપણે સ્વામિનારાયણના કહેવાઈએ છીએ, પણ તેનો સિદ્ધાંત હજુ નથી સમજતા.
ઝીણી : સૂક્ષ્મ, જલદી ન સમજાય તેવી.
(87) કથાના પ્રસંગમાં સ્વામીએ વાત કરી જે, દૈત્યોએ દેવોને જ્યારે બહુ કષ્ટ દીધું ત્યારે દેવો સર્વે બ્રહ્મા પાસે ગયા; પછી બ્રહ્મા અને સર્વે દેવો ક્ષીરસાગરને વિશે જે નારાયણ છે તે નારાયણ આગળ ગયા, અને કહ્યું જે, ‘દૈત્યો બહુ કષ્ટ દે છે, માટે રક્ષા કરો.’ પછી નારાયણે પોતાના શરીરમાંથી બે કેશ તોડીને આપ્યા; તેમાં એક ધોળો અને એક કાળો હતો, અને કહ્યું જે, ‘આ બે વાળ, જે મારા મુક્ત, તે તમારી રક્ષા કરશે.’ તેમાં ધોળો કેશ તે રોહિણીના ગર્ભને વિશે આવીને બળભદ્રજી થયા ને કાળો કેશ તે દેવકીના ગર્ભને વિશે આવીને કૃષ્ણ થયા અને સર્વે દૈત્યોને મારી દેવોની રક્ષા કરી. તે ઉપર ‘શ્રીમદ્ ભાગવત’ના દ્વિતીય સ્કંધના 7મા અધ્યાયમાં 26મો શ્ર્લોક છે જે,
ભૂમેઃ સુરેતરવરૂથવિમર્દિતાયાઃ ક્લેશવ્યયાય કલયા સિતકૃષ્ણકેશઃ ।
જાતઃ કરિષ્યતિ જનાનુપલક્ષ્યમાર્ગઃ કર્માણિ ચાત્મમહિમોપનિબન્ધનાનિ ॥
(શ્રીમદ્ ભાગવત : 2/7/26)
અર્થ :- જ્યારે પૃથ્વી દૈત્ય સમૂહથી પીડિત થશે ત્યારે અને ભાર ઉતારવા માટે પોતાના શ્ર્વેત (સફેદ) અને કૃષ્ણ (કાળા) વાળ ક્રમથી બલભદ્ર અને કૃષ્ણરૂપથી કલાવતાર લઈને ભગવાન પોતાની મહિમાને પ્રગટ કરવા માટે અનેક કર્મ કરશે, તે સમયે એમનો માર્ગ મનુષ્યોની બુદ્ધિથી બહાર હશે.
દૈત્યોના ઝૂંડોથી પીડાયેલ પૃથ્વીના ભારના નાશ માટે ભૂમાપુરુષના ધોળા અને કાળા એવા બે કેશરૂપ કલાવતાર બળરામ અને શ્રીકૃષ્ણ બન્ને પોતાના મહિમાથી અલૌકિક ચમત્કારો બતાવશે તો પણ મનુષ્યો તેમને ઓળખી નહિ શકે. આવી રીતે ‘ભાગવત’માં કહ્યું છે. ‘આદિ બ્રહ્મપુરાણ’ના 74મા અધ્યાયમાં પણ તેમ જ કહ્યું છે.
હવે આપણા સંપ્રદાયનો મુખ્ય ગ્રંથ ‘સત્સંગીજીવન’ છે, તેમાં મહારાજને શ્રીકૃષ્ણ જેવા કહ્યા છે પણ અમને તો મહારાજે પંડે કહ્યું છે અને જાણીએ છીએ જે, મહારાજ તો સર્વોપરી અનંત નારાયણના પણ નારાયણ છે, અને અવતારી, અક્ષરધામના પતિ સ્વયં પુરુષોત્તમ ભગવાન છે, એમ મુખોમુખ પંડે મહારાજે કહ્યું છે, તે હવે બીજી રીતે શ્રીકૃષ્ણ જેવા કેમ કહેવાય ? જેમ શ્રીકૃષ્ણ માહાત્મ્યનું ‘ભાગવત’ શાસ્ત્ર છે તેવું બીજું પ્રમાણ નહિ, પણ તેમાં શ્રીકૃષ્ણનો વૈકુંઠનાથથી વધુ મહિમા નથી કહ્યો. અને જ્યાં જ્યાં દર્શન દીધાં છે ત્યાં ત્યાં ચતુર્ભુજ એટલે વૈકુંઠનાથરૂપે દર્શન દીધાં છે અને ગોલોકધામના પતિ ને રાધિકાને પણ મુખ્ય ભક્ત લખ્યા નથી; તો પણ શ્રીકૃષ્ણ ગોલોકધામના પતિ ને રાધિકા મુખ્ય ભક્ત છે તો આપણે સર્વે ગોલોકધામના પતિ કહીએ છીએ. માટે ‘ભાગવત’માં વૈકુંઠનાથ લખ્યા છે, તે તો તેમાં રહ્યું અને પોતે ગોલોકના પતિ હતા તો તેમ જ પ્રસિદ્ધ થયા છે. તેમ મહારાજ કહે, ‘અમને પણ ‘સત્સંગીજીવન’માં શ્રીકૃષ્ણ જેવા લખે છે તે ગ્રંથમાં જ રહેવાનું છે અને અમે એ સર્વેથી પર જેવા છીએ તેવા સત્સંગમાં પ્રસિદ્ધ થાશું.’ એમ મહારાજે નિત્યાનંદસ્વામીને કહેલ છે તે વાત સૌ જાણે છે.
આવો મહારાજનો અભિપ્રાય અને રહસ્ય જાણતા નથી ને પ્રથા પ્રથા કૂટે છે. માટે આપણે તો મહારાજ જેવા છે તેવા મહિમાવાળું શાસ્ત્ર જ મુખ્ય રાખવું. તે ‘વેદરસ’ અને જૂના ‘વચનામૃત’માં બહુ પુરુષોત્તમપણું નિરૂપણ કર્યું છે તેથી જ મહારાજના સ્વરૂપની આગળ પુષ્ટિ થાશે. જ્યારે અમે ‘સત્સંગીજીવન’ સાંભળ્યો, ત્યારે અમને વિચાર થયો જે, આ ગ્રંથમાં મહારાજનું સર્વોપરીપણું આવ્યું નહિ. પછી અમે બ્રહ્મચારી અચિંત્યાનદજી પાસે ગ્રંથ કરાવ્યો ને તેમાં મહિમા ચરિત્ર સંપૂર્ણ નંખાવ્યું. એ ગ્રંથ ‘હરિલીલાકલ્પતરુ’ કર્યો ત્યારે અમે ઘણું રાજી થયા છીએ.
(88) માયાનું બળ કહ્યું જે, સત્સંગ કરે ત્યારે ત્રીસ ગાઉ ઉપર સંબંધી હોય તે ઓશલો કૂટે એવું માયાનું બળ છે.
ગાઉ : અંતરનું એક પરિમાણ, દોઢ માઈલ, અઢી કિલોમીટર.
ઓશલો : માયાનાં બંધનનાં જ કાર્યો થાય, પછી પસ્તાઈ છાતી કૂટવાની.
(89) દેહાભિમાન અને સ્વભાવ તે જરૂર સત્સંગમાંથી કાઢી નાખે, માટે હવે તો છાતીના જ લેવા અને ચાર સારા હરિજન ને બે સારા સાધુમાં જીવ બાંધવો; ને તેવા એકાંતિકમાં આત્મબુદ્ધિ તે જ સત્સંગ સાચો છે.
આત્મબુદ્ધિ : પોતાપણાની ભાવના, 'દેહ તે હું નહિ પણ આત્મા છું' એવી બુદ્ધિ.
(90) સ્ત્રીનો પ્રસંગ હોય તો બે મહિને ઉપવાસ પડતા હોય તે મહિને મહિને પડવા માંડે. ને દરરોજ સાકરની રસોઈ ચાલતી હોય તો કજિયો થઈ પડે. તે છાવણીમાં ખાંડ ચોરાણી તેના કજિયા થયા, માટે દાળ-રોટલામાં કુટારો નહિ. માટે જેને ઉત્તમ દશાને પામવું હોય તેણે ઉત્તમ ભોગનો જોગ થાય ત્યારે તાલ ભાંગી નાખવો.
તાલ : સ્વાદમાં વધારો.
(91) જેને શુદ્ધ થાવું હોય તેણે બે પહોર જ ઊંઘવું અને આ તો કહેવા બેઠા તે કહ્યા વિના કેમ ચાલે ? વિઘ્ન કરનારાં ને દુ:ખના દેનારાં તે સ્વાદ, દેહાભિમાન ને નિદ્રા એ ત્રણ જ છે માટે તે તો જ્યારે નિયમ રાખે ને એક ટાણું જ ખાય ને બે પહોર જ સૂવે ને હાથમાં માળા રાખીને હરે, ફરે એવો જેને આદર છે તેને ક્યાં કઠણ છે ? ને ઇન્દ્રિયું રોતી રહે ને પત્તરમાં જે કાંઈ આવ્યું તે બધું એકરસ કરી મેળાવી દેવું તો સ્વાદ એકેનો ન આવે; તો લાડવા પત્તરમાં આવશે પણ નડશે નહિ, ભૂખ જેટલું જ ખવાશે. એમ જો હંમેશ કરવા માંડશે તો જીવ નિર્બળ હશે તો પણ આજ્ઞા પાળવાથી બળવાન થાશે ને આ તો જીવે ધાર્યું નથી તે પરાણે કરાવીએ છીએ. આ દેહે કરીને વિષય નથી ભોગવવા, ને આત્મા કાંઈ મરતો નથી તે એમ કરતાં કસર રહેશે તો ભોગવી લેશું, પણ આદર તો એવો રાખવો જે, મહારાજને રાજી કરવા કોઈ આજ્ઞા લોપવી નથી, તો ભગવાન દયાળુ છે તે સારા સાધુનો સંગ આપશે, તેમાં વિઘ્ન નહિ જ આવે.
પહોર : પ્રહર, ત્રણ કલાક.
કસર : ખોટ, ઉણપ.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
(92) અમારે પ્રથમ ધ્યાનની રુચિ હતી પણ મહારાજની મરજી આમ વાતું કરાવવાની દીઠી તે પછી એમ જ કરીએ છીએ. તે જેમ છે તેમ હરેક પ્રકારે જ્ઞાન કરી સમજાવી દેવું છે ને છતી દેહે બ્રહ્મરૂપ કરી મૂકવા છે. મહારાજ અને સંત આંહીં પ્રગટ પ્રમાણ છે તેવા જ અક્ષરધામમાં છે. મહારાજ સર્વોપરી સ્વંય પૂર્ણ સનાતન પરબ્રહ્મ છે અને આ મૂર્તિમાન અક્ષરબ્રહ્મ છે, એવી જેટલી નિષ્ઠા કરશે તેટલી બ્રહ્મદશાને તે પામશે; અને જેટલો મનુષ્યભાવ રહેશે તેટલો ગુણાત્મક રહેશે, એમ મહારાજ અને આ સાધુનો સિદ્ધાંત છે.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
નિષ્ઠા : શ્રદ્ધા, આસ્થા, વિશ્ર્વાસ, ધારણા.
મનુષ્યભાવ : દેહભાવ, માયિકભાવ, જેમાં ગુણાનુરાગ - ગુણાનુબુદ્ધિ પ્રવર્તે છે તેવો ભાવ.
(93) કોઈ કહેનાર ન હોય તો કલમ લખી ગયા છે તે સામી સૂરત રાખવીને તેમ જ વરતવું; ને સરાણિયાની પેઠે જોતા રહેવું. તે સુરતમાં હરિભક્તને જમાડ્યાનું બળ, તે બહુ જમાડે; પછી અમે તો દોરો ભરીને રાખતા તે જરા તણાય એટલે ઉપવાસ કરી નાખતા ને પછી પત્તરને બદલે કાચલી રાખી, તે વધુ જમાય જ નહીં. તે મોટાના શબ્દ માંહી પેઠા, તે ધન, સ્ત્રીમાં દોષ દેખાઈ ગયા છે, તે હવે ગુણ દેખાય જ નહીં. ને માનમાં, સ્વાદમાં દોષ મુકાઈ ગયા છે, પણ જેને અવળી બુદ્ધિ હોય તેને શું સમજાય ? તેને તો ઊલટું વિપરીત સમજાય છે ને કહે છે કે, ‘આવી સો સો વાતું કરીને આપણી પાસે મંદિરનું કામ કરાવવું છે.’ તે એવાના હૈયામાં તો એમનું એમ જ રહે છે ને ભૂંડા લાગે છે. ને કરે છે તે પણ શ્રદ્ધા વિનાનું. પણ ‘ અહો અહો ! ધન્ય ભાગ્ય આપણાં કે, આપણે ભગવાનની સેવામાં આવ્યા.’ એવું ક્યાં રહે છે ? ને મોરે ઘણાંક કહેતા જે, ‘પુરબિયાને પાને પડ્યા છીએ ! શું કરીએ! કર્યા વિના છૂટકો નથી.’ માટે ભીડામાં રહેવું ને ભીડામાં રહ્યા વિના દોષ જાય નહિ. ભીડામાં રહે ત્યારે તેની લાજ બંધાય, તે કારમુંક લૂગડું, ખાધાનું, પુસ્તકનું, પેટીનું મંગાય જ નહીં.
કાચલી : નાળિયેરનું ભાંગેલું કોચલું.
મોરે : અગાઉ
(94) કોઈ સારામાં જીવ બાંધવો એ પણ મોટું સાધન છે ને આ ભેળા બેઠા છીએ પણ કોઈક વેણ લાગે તો નોખું પડી જવાય. ને આ સંબંધ કેવો છે ? જે આપણે તોડશું પણ ભગવાન તોડવા નહિ દે. તે જડભરતને મૃગના દેહમાં સ્મૃતિ રહી. માટે ભગવાનને અર્થે કર્યું તે એળે જાય નહિ. અરે! આપણે તે શું કરીએ છીએ? પણ જગતમાં આપણાથી કરોડગણું કરે છે; પણ તેનું કાંઈ ફળ નથી, વેળુમાં રેડે છે અને આ તો જાણે અજાણે ગુણ લીધો હશે ને હાથ જોડી પગે લાગી જાશે, સ્વામિનારાયણ કહ્યા હશે, તેને અલૌકિક ફળ વહેલું મોડું જરૂર મળશે.
(95) જીવમાં અવગુણ તો હોય પણ ભગવાન ને ભગવાનના જનથી ઉથડક ન હોય તો એના દોષ ટળતા જાય, માટે સુહૃદપણાનો પાયો સાચો હોય, તો બીજી ફિકર નહિ. બે વાનામાંથી જીવ નોખો પડી જાય; એક પંચવિષયમાં ટોકાય ને બીજું ધાર્યું મુકાવે, તેણે કરીને ઉથડક થઈ જવાય. તેમાં જે ખપવાળો હોય તો નભે, અને ખમે ખરો અને ખપ ઊપજ્યાનો હેતુ સત્પુરુષ ને સત્શાસ્ત્ર છે, તે જો એનો સંગ રાખે તો બધા ગુણ આવે. અને સત્સંગમાં સારા સાધુ અને સારા હરિજન હોય પણ ખોળે નહિ; પોતા જેવા ખોળે ત્યારે જીવને કેમ જ્ઞાન થાય ? તે તો જ્યારે વ્યાકરણના જેમ ઘોષ કરે છે તેમ કરે ત્યારે મહાદાખડે જ્ઞાન થાય ને બીજા દોષ તો ધીરે ધીરે ટળતા જાય.
અને ભગવદી સાથે અંતરાય ન રાખવો; તે સાથે તો જેમ જગતમાં નાત-જાત આગળ નિર્માની થાવાય છે, પાઘડી ઉતારીને પગે લગાય છે, તેમ ભગવદી સાથે વરત્યું જોઈએ. તે વાંશિયાળી ગામમાં મારગી બાવણને સૌ પગે લાગ્યા, ત્યારે મામૈયે પાઘડીનો છેડો અંતરવાસ નાખીને ગધેડીને દંડવત્ કર્યા. ત્યારે ઓલ્યા કહે જે, ‘મામૈયા, આ કાણું કરતો સી ?’ એટલે મામૈયે કહ્યું જે, ‘બાવણ તારી મા અને આ ગધેડીમાં કાણું ફેર સે ? તું યાને પગે લાગતો સો તો હું આને પગે લાગતો સું.’ કામે, લોભે, માને ને સ્વાદે કરીને જીવ ઝપટાઈ ગયો હોય તો કથામાં મન વળગે નહિ, ને કોઈ અતિ પ્રવૃત્તિ કરે તો પણ કથામાં મન ચોંટે નહિ. માટે જેમ મેમણના પોઠિયા હૈયાભર તાણે છે, તેમ હૈયાભર થાવું નહિ ને વિચાર રાખવો. હરેક ક્રિયા કરવામાં ભગવાન ન ભૂલાય, એવો આગળથી ઠરાવ કરી રાખવો.
ઉથડક : ઉપરચોટિયું, બંધબેસતું કે ચોંટતું ન હોય તેવું.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
અંતરાય : અડચણ, વિઘ્ન, અવરોધ
કાણું : કેમ ? શા માટે ?
(96) પ્રથમનાં પાંચમા વચનામૃતમાં મહારાજે રાધિકાએ સહિત એવા જે, શ્રીકૃષ્ણ તેનું ધ્યાન કરવું એમ આગ્રહ કરીને કહ્યું છે તે શું ? તો મહારાજને ભક્તે સહિત ભગવાનનું ધ્યાન, ભજન કરાવવું છે.
સંવત 1919ના જેઠ સુદિ નવમીને દિવસે સ્વામીએ વાત કરી જે,
(97) ‘શિક્ષાપત્રી’ પ્રમાણે વરતાય એ અભય અને ન વરતાય એ ભય; વરતાય તે મોક્ષ અને ન વરતે તે બદ્ધ.
(98) ગોપાળાનંદસ્વામીએ બાપુ શિવરામને ‘વેદરસ’ લખાવી આપ્યો ત્યારે તે વાંચીને કહે જે, ‘જૂનાં બી પાપ, નવાં બી પાપ ! તે સ્ત્રી, ધન બેનું જ ખોદ્યું છે!’ ને સ્ત્રી છે તે નરકનું દ્વાર છે એમ શાસ્ત્રકાર લખે છે તો પણ સ્ત્રીનો વિશ્ર્વાસ કરે છે તે પશુબુદ્ધિવાળો છે.
એક કનક અરુ કામની દો લંબી તરવાર;
જાતેતેં હરિ મીલન કું, બીચમેં લીને માર.
એક કનક અરુ કામની દો હે જગ મેં શૂલ;
દેખતમેં ચલ જાયગેં, દે આંખનમેં ધુર.
(99) બ્રાહ્મણ હોય તેને બીજા વર્ણનું ખવાય નહિ તેમ નિરધાર કરવો જે, આ દેહે કરીને વિષય ભોગવાય જ નહિ; પણ જીવ છે તે દેહરૂપ થઈ ગયો છે. તે ઢેઢને નક્કી થઈ ગયું છે કે હું ઢેઢનો ઢેઢ જ છું, માટે જ્ઞાન વિના તો સર્વે આંધળા છે. જગતમાં તો આત્મા ને દેહની નોખી વિક્તિ કોઈને નથી, દેહ ને જીવ એક જ માને છે. એક ગામમાં રાઘવાનંદસ્વામીએ બ્રાહ્મણને પૂછ્યું જે, ‘શમ દમ કેને કહીએ?’ ત્યારે તેણે ઉત્તર કર્યો જે, ‘ડામ દે તે શમ, અને મરતી વખતે શ્ર્વાસ ચાલે તે દમ કહેવાય.’ એમ જગતમાં કોઈને જ્ઞાનનો લેશ નથી પછી તેમણે એક હરિજનને કહ્યું કે, ‘હવે તમે શમ દમનો અર્થ કરો.’ પછી તેણે કહ્યું જે, ‘શમ એટલે પોતાના જીવને અનર્થના કરનારા એવા શબ્દાદિક અસત્ પંચવિષયે કરીને અંત:કરણને નિયમમાં રાખવું, અને તે વિષયે કરીને અંત:કરણને ક્ષોભ ન પામવા દેવું, કહેતાં મનને વશ રાખવું તે શમ. અને દમ તે દેહને વશ રાખવા દમવું, કહેતાં તપ કરવું, અનર્થના કરનારા અસત્ પંચવિષય તે થકી ઇન્દ્રિયુંને પાછી વાળી ને નિયમમાં રાખવી તે દમ.’ ત્યારે રાઘાવાનંદસ્વામી કહે, ‘બરાબર ઉત્તર છે.’ એમ સત્સંગમાં જ્ઞાન છે અને જેને જ્ઞાન નથી તે ચિચોડામાં જેમ શેરડી પિલાય તેમ દેહ, લોક, ભોગમાં વગર સ્વાર્થના પિલાય છે.
ઢેઢ : હરિજન.
વિક્તિ : વિગત-વિવરણ.
અર્થ : ધન, સંપત્તિ.
ચિચોડામાં : શેરડી પિલવાના યંત્રમાં.
(100) એકલો પોતાના હૈયાનો ઠરાવ કામ ન આવે, શાસ્ત્ર પણ જોઈએ ને સત્પુરુષ પણ જોઈએ, તે અમારે મહારાજની નિષ્ઠા હતી ને વળી મહારાજે પણ વાત કરી જે, ‘અમે સર્વે નારાયણના નારાયણ છીએ અને સર્વોપરી છીએ.’ સમૈયો કરી પાછા વળ્યા ત્યારે ભાઈસ્વામી પાસે વાગડ ગયા અને કથાના પ્રસંગમાં મધ્યનું 9મું વચનામૃત વંચાણું તેમાં આવ્યું કે, આજ્ઞામાં ફેર હશે તો પ્રાયશ્ર્ચિત કરે છૂટકો થાશે. પણ બ્રહ્મરૂપ થઈ સર્વોપરી ઉપાસના સમજવામાં ફેરફાર હશે તો મોક્ષ નહિ થાય. ભાઈસ્વામીને ઉપાસના કરતાં આજ્ઞા ઉપર વધારે તાન હતું; પણ ચોખ્ખી માહાત્મ્યે સહિત ઉપાસનાવાળો આજ્ઞા લોપે જ નહિ, અને આજ્ઞાવાળો ઉપાસનામાં કાચો હોય તો મોક્ષમાં રખડે. વળી તેમની પ્રકૃતિ એકદમ હા પાડે તેવી હતી નહિ અને મહારાજના ભાઈ તથા મારા ગુરુ તે બીજાનું તો શેનું માને !
તેથી જે જે સ્થળે મહારાજે વાતું કરેલી અને જે ભાઈસ્વામીએ સાંભળી હોય એવી વાતું કરી, તે કચ્છમાં સુંદરજીભાઈને ત્યાં મહારાજ છાના રહેતા પણ જ્યારે જગજીવન આવ્યો ને કહે જે, ‘સ્વામિનારાયણ આંહીં છે ?’ ત્યારે સુંદરજીભાઈ કહે, ‘આંહીં નથી.’ પણ બેસવાને ઢોલિયો ઢાળી આપ્યો, તે ઉપર જગજીવન બેઠો. ત્યાં મહારાજ બહાર આવી કહે, ‘કોણ છે ? સુંદરજીભાઈ! હું તો આ રહ્યો,’ એમ કહી જગજીવન પડખે મહારાજ વિરાજ્યા. ત્યારે જગજીવને સુંદરજીભાઈને કહ્યું જે, ‘સ્વામિનારાયણ નથી એમ કહેતા હતા ને ?’ ત્યારે સુંદરજીભાઈ કહે, ‘હું તો દરબારમાં હતો, હમણાં ચાલ્યો આવું છું. મને મહારાજની ખબર નહોતી જે આવેલ છે.’
મહારાજને પગે વાગ્યું હતું તે હળદર ચોપડી હતી. જગજીવને મહારાજને પૂછ્યું જે, ‘તમે ભગવાન છો ?’ ત્યારે મહારાજ કહે, ‘હા !’ જગજીવન કહે, ‘શું ગોલોકના ધણી ને રાધિકાજી લક્ષ્મીજીના પતિ ?’ ત્યારે મહારાજ કહે, ‘સદા દિવ્ય ને સનાતન એવું અક્ષરધામ તેનો ધામી પુરુષોત્તમ અને સર્વેનો કારણ હું સહજાનંદ છું !’ એ સાંભળી જગજીવન ધખીને ચાલ્યો ગયો ને કહે જે, ‘ભગવાન હો તો બેઠો રહેજે !’ પછી સુંદરજીભાઈ કહે, ‘મહારાજ! તે દ્વેષી ને પાપી છે; તેને અવળું પડશે ને અમને દુ:ખ દેશે.’ ત્યારે મહારાજ કહે, ‘તમને કોઈક પૂછે કે કોણ છો ? તો તમો સુતાર કહો કે ઊતરતી જાતિના કહો ? તેમ અમે જેવા અનંત નારાયણના નારાયણ છીએ તેવા કહ્યા. શા સારુ ખોટું બોલીએ ?’ આ વાત ભાઈસ્વામીએ સાંભળી ને સ્મૃતિ થઈ આવી. એટલે કહે, ‘હા, એ વાત ખરી. મહારાજે એમ જ કહ્યું હતું.’
પછી વળી બીજી વાત કરી જે, મહારાજ ગઢડામાં ગંગાજળીએ કૂવે નાહતા હતા ત્યાં હરિજને મહારાજને કહ્યું જે, ‘અમારાં બહુ મોટાં ભાગ્ય જે, ગોપી ગોવાળને જે ભગવાન મળ્યા હતા તે ભગવાનનાં આજ અમને સાક્ષાત્કાર દર્શન થાય છે.’ પછી મહારાજે કહ્યું જે, ‘ગોપી ગોવાળને જે ભગવાન મળ્યા હતા તે ભગવાનને અમારાં હજુ દર્શન પણ નથી થયાં, માટે તમારાં તો બહુ મોટાં ભાગ્ય છે !’ એ સાંભળી ભાઈસ્વામી કહે, ‘હા, સાચી વાત ! મહારાજે એમ જ કહ્યું હતું, તે તો મહારાજના મોઢામોઢ સાંભળ્યું હતું.’
પછી વળી ત્રીજી વાત કરી જે, બ્રહ્માંડ બ્રહ્માંડ પ્રત્યે દશ દશ મૂર્તિયું છે, એવા સાડા ત્રણ કરોડ પ્રધાનપુરુષને રૂંવાડે છે. એવા પ્રધાનપુરુષ અસંખ્યાત છે ને મહામાયારૂપ સમુદ્રમાં અનંત લીન થાય છે ને અનંત ઊપજે છે. જેમ પ્રલયકાળના મેઘમાં અસંખ્યાત્ પરપોટા થાય છે ને નાશ થાય છે તેમ પ્રધાનપુરુષ અનંત ઊપજે છે ને લીન થાય છે. એ સાંભળીને કહે, ‘હા સાચી વાત.’
એમ કેટલીક સર્વોપરીપણાની વાતું કહી દેખાડી. તેથી ભાઈસ્વામીને પુરુષોત્તમપણું સમજાણું ને બોલ્યા જે, ‘મારો દેહ આટલો રહ્યો તે નિષ્ઠામાં ફેર હતો તે સમજવા રાખ્યો હશે, એમ આજે સમજાયું.’ અને અમને કહ્યું જે, ‘આવી સર્વોપરી વાતું ન કહી હોત તો હું રહી જાત.’ એમ મહારાજ જેવા છે તેવી નિષ્ઠાની સ્મૃતિ કરાવીને અણસમજણ મટાડી, પછી પોતાના શિષ્યને કહ્યું જે, ‘ભારેમાં ભારે થાળ કરો ને આ મારા મોક્ષ કરનારા ગુણાતીતાનંદસ્વામીને જમાડી રાજી કરો.’ પછી સૌ સાથે અમે જમવા બેઠા અને ભાઈસ્વામીના પત્તરની પ્રસાદી માગી, ત્યારે તેમણે ન આપી ને અમને કહે, ‘તમે આપો.’ એટલે ક્હ્યું કે, ‘કેમ અવળી ગંગા ?’ ત્યારે ભાઈસ્વામી કહે, ‘આજ સુધી તમારા મહિમાની ખબર નહોતી કે, આવા તમે મહારાજને સમજો છો ને મને સમજાવવા આંહીં આવ્યા. ને તમારા વિના બીજો કોઈ મને યથાર્થ સ્વરૂપનિષ્ઠા સમજાવત નહિ. આવા તમને જાણ્યા વિના પ્રસાદી આપતો, પણ હવે તો તમે મારા ગુરુ થયા, કારણ જેમ છે તેમ સર્વોપરી નિષ્ઠા કરાવી; માટે આજ તો પ્રસાદી આપો.’ પછી અમારા પત્તરની પ્રસાદી તેમણે લીધી. એ રીતે ભાઈસ્વામીને મહારાજની નિષ્ઠા સમજાવી.
નિષ્ઠા : શ્રદ્ધા, આસ્થા, વિશ્ર્વાસ, ધારણા.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
તાન : લગની, આગ્રહ, મસ્તી.
પડખે : પાસે.
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
ધખીને : સમસમીને, ખીજાઈને.
સાક્ષાત્કાર : પરમતત્ત્વ કે ભગવાનનું પ્રત્યક્ષ દર્શન કે સાક્ષાત્ અનુભવ.
(101) મહારાજ કહે, તેજને તો અમે નિરંતર દેખીએ છીએ પણ તેમાં અમને સુવાણ થાતી નથી પણ તેજના મધ્યે મૂર્તિ અને સભા તેને જ્યારે દેખીએ છીએ ત્યારે અમને અતિ આનંદ થાય છે. એ મૂર્તિ વિના અક્ષરધામમાં કે આત્મામાં પણ સુખ ન મનાય ત્યારે ખરેખરી સાકારપણાની નિષ્ઠા થઈ કહેવાય.
વચ. ગ.મ. 13
સુવાણ : સુગમ, સરળ, સહેલું. આરામ, આનંદ, હૂંફ.
મૂર્તિ : સંતો.
નિષ્ઠા : શ્રદ્ધા, આસ્થા, વિશ્ર્વાસ, ધારણા.
(102) વિચાર કરવો જે, જેમ બળદિયાને ખાણ મેલવું તે ખેડી લેવા માટે ને ડોબાને ખાણ મેલવું તે દોહવા; તેમ આ દેહનું અન્ન, પાણી ને વસ્ત્રથી પોષણ કરવું તે પ્રભુ ભજી લેવા સારુ. ને હસી હસીને વિષય ભોગવે છે પણ તેનું ફળ રોઈ રોઈને ભોગવવું પડશે, ને વિષય છે તે તો ગળાના કાપનારા છે. તે તો અંતક કહેતાં જમ કહ્યા છે, માટે આ સત્સંગ હાથ આવ્યો છે; પણ જાળવવો બહુ કઠણ છે.
અંતક : ઘાતક, કાળ, મરણ, યમ.
(103) નિષ્કામી વર્તમાન તો કોઈથી પળે જ નહિ, ને ઘણાને સત્સંગમાં ફેર પડેલ છે ને આ તો જાણે જે ભગવાં કર્યાં તે ન્યાલ થઈ ગયા ! પણ તે તો બહુ કઠણ છે; માટે જેમ રાજાના ચાકર છે તે ઢાલ, તલવાર લઈને કોઈને દરવાજામાં ગરવા દેતા નથી, તેમ જ ખબરદાર રહેશે તેનું ઠીક રહેશે. ને માથા ઉપર શત્રુ હોય ને ફડકો ન હોય તે ગાફલ કહેવાય. ને નિયમને એકધારા રાખવા પણ જેમ કોઈ લીલોતરીમાં શેવાળ ન ખાવો, સુકામાં કાંકરો ન ખાવો, એવા નિયમ લે છે, તેવા નિયમ ન રાખવા.
ફડકો : ધ્રાસકો, ભયની ધ્રુજારી.
શેવાળ : લીલ.
(104) જીવ એવો કૃતઘ્ની છે જે, જેના થકી જ્ઞાન પામ્યા, વૈરાગ્ય પામ્યા, ધર્મ પામ્યા ને પ્રગટ ભગવાનની ઓળખાણ પામ્યા તેના જ સામા સમોવડિયા થઈ લડવા તૈયાર થાય તે શિષ્યનો ધર્મ ન કહેવાય. અને પૂર્વાશ્રમમાં ઘેર કેવું દુ:ખ હતું તે ભૂલવું નહિ, અને દાતરડું ને બંધિયા ભૂલવા નહિ. તેની વાત કરી જે, એક રાજાને વંશ નહિ તે મરવા ટાણે પોતાની પાસેના રહેનારાને કહ્યું જે, ‘તમે પાંચ મળી સવારમાં ચાલજો, ને જે પહેલાં પ્રથમ સામો મળે તેને ગાદીએ બેસાડજો.’ પછી તે દિવસ કોઈ ગરીબ માણસ ખડનો ભારો વેચવા વહેલો ઊઠીને આવેલ, ને દરવાજો ઊઘડે તેની વાટ જોતો હતો. તે દરવાજો ઊઘડ્યો કે તુરત ગામમાં પેઠો, તે ઓલ્યા પાંચને સામો મળ્યો. પછી તે ગરીબને ગાદીએ બેસાડ્યો. પણ તેણે પોતાની પાસેનાં દાતરડું ને બંધિયા એક આળિયામાં રાખ્યાં. પછી તે જ્યારે કચેરીમાં જાય ત્યારે ગોખલામાં દાતરડું ને બંધિયા રાખેલ તેને પગે લાગીને જાય, ને એમ સમજે જે, આ રાજ્ય તો ભગવાનની ઇચ્છાએ મળ્યું છે પણ મારું પ્રારબ્ધ તો આ દાતરડું ને બંધિયા છે એટલે રાજાનો મદ આણ્યા વિના દીનતાથી રાજ્ય કરાય. તેમ જે ગુરુથી ગુણ આવ્યા હોય તેના સામા ન થાવું, પણ દીનતા રાખવી; ને, ‘દાસાનુદાસ છું.’ એમ નિરંતર રહેશે તો ઠીક રહેશે, ને એવું સદા રહે ત્યારે એ સાધુ થઈ રહ્યો છે.
કૃતઘ્ની : કરેલો ઉપકાર ભૂલી જાય એવો.
બંધિયા : ઘાસ બાંધવાનું કપડું.
આળિયામાં : ગોખમાં.
પ્રારબ્ધ : પૂર્વનાં કર્મફળના સંગ્રહમાંથી વર્તમાનકાળે જે દેહ છે તે સંબંધી સુખ-દુ:ખ.
(105) બહુ રૂપ, રસ અને શહેરનાં સેવન એ રૂપી ગઢ ઓળંગવા કઠણ છે અને જો સારા ઉત્તમ લક્ષણવાળા સાધુ સાથે મેળાપ ન કર્યો હોય તો દોષ બધા માંહી પેસી જાય. વળી સાધુ પણ ઓળખ્યા જોઈએ. કેમ જે, એક તો એવા હોય જે આવા સંત સમાગમમાંથી ઉપાડે ને હિંદુસ્તાનમાં લઈ જાય કાં કલકત્તે લઈ જાય, અને ત્યાં કુસંગમાં એકે નિયમનું ઠેકાણું ન રહે, અને નિષ્ઠા તો ધડથી જ ન હોય. ત્યારે જ સત્સંગમાં સાધુ સમાગમ મૂકી જ્યાં ત્યાં દર્શનને મિષે જાત્રા કરવા નીકળે; કેમ કે, આંહીં તેનો મોક્ષ કરે એવો કોઈ જડ્યો નહિ ને ? માટે સારા સાધુમાં જીવ બાંધ્યો હોય તો જ સમું રહે નીકર ન જ રહે.
તે ઉપર છેલ્લાનું 29મું વચનામૃત વંચાવ્યું જે, એવા મોટા સાથે જીવ બાંધ્યો હોય તો જ સમું રહે. તે જેમ તંબોળી પાનને સંભાળે છે તેમ તેની ખબર રાખે, ને પછી એમને એમ મોટામાં બંધાઈ રહે તો તે મોટાના આશીર્વાદ થાય ને પછી વિષયનો લીધો લેવાય નહિ. તે ઉપર મયારામ ભટ્ટની વાત કરી જે, રામાનંદસ્વામીના આશીર્વાદ હતા તે કોઈ રીતે ધન, સ્ત્રીમાં ફેર પડ્યો નહિ. ને જોગ બધા હતા ને ખાવામાં શેર ઘી જમી જાતા, પણ કોઈ વાત નડી નહિ. તે એવા મોટા ગુણ આવે તો મોટાના અનુગ્રહે કરીને આવે. એક વખતે તેમના ભત્રીજા નારાયણજીએ દર્પણ માગ્યું ત્યારે કહે, ‘ચાર દોકડા આપ તો આપું; આ તો સ્વામિનારાયણનું છે, તે મહારાજ તો આપે, તે ધણી છે.’ એવા હતા, ત્યારે જ મહારાજે પ્રથમ ધર્માદો ઉઘરાવવા ભટ્ટજીને આજ્ઞા કરી હતી.
નિષ્ઠા : શ્રદ્ધા, આસ્થા, વિશ્ર્વાસ, ધારણા.
સમું : સરખું.
(106) સત્સંગનો મમત્વ બંધાય ત્યારે જ કોઈ ભગવદીનો અવગુણ ન આવે ને મમત્વ ન હોય તો જીવ સૂકો રહે ને મન ન મળે ત્યારે વાતે વાતે ધોખો થાય ને શંકિત પ્રકૃતિ રહ્યા કરે. સત્સંગમાં કોઈને થોડું જ્ઞાન હોય ને કોઈને વધુ હોય; કોઈને મંદિરની ક્રિયારૂપ ભક્તિ કરતાં આવડે ને કોઈને ન આવડે; કોઈ આળસુ હોય ને કોઈ પ્રમાદી હોય; પણ જો આજ્ઞા ઉપાસના ચોખ્ખી હોય ને મોટા સંતનો અભાવ ન હોય ને તે જેવા તેવા હોય તો પણ અવગુણ ન લેવો. સમજણ વિના સત્સંગનું સુખ ક્યાંથી આવે ? માટે જ્ઞાન હોય તો સત્સંગમાં આવવું ગોઠે. ને જે કામ આદર્યું તેમાં બળ ન કરીએ તો એ કામ કેમ થાય ? ને સંસાર મૂક્યો છતાં મનને વશ, ઇન્દ્રિયુંને વશ, સ્વભાવને વશ ને જાવું અક્ષરધામમાં ! તે ક્યાંથી જવાશે ? માટે વિચાર કરવો. ને બીજું તો જેમ ‘ખોદવો ડુંગર ને મારવો ઉંદર.’ તેમ વહેવાર ઝાઝો કરે ને ખાવો એક રોટલો ને ક્યારે મરી જવાનું છે તેની ખબર નથી, તેમ ધારી અહંમમત્વ કરી સંસારમાં કૂટ્યા જ કરે છે ને એક ઘડી પણ ભગવાન નથી ભજતો પણ આ ક્ષણે મરી જવાશે, કાળ તો આંટા જ ખાય છે. માટે ભગવાન અને સારા સાધુનો આશરો કરી સત્સંગની સમજણ ચોખ્ખી કરવી ને પ્રગટ મહારાજની આજ્ઞા ઉપાસના કરી લેવી એ જ જીવ્યાનું ફળ છે.
પછી મધ્યનું 10મું વચનામૃત વંચાણું તેમાં વાત કરી જે, વેદ, શાસ્ત્ર, ઇતિહાસ ને પુરાણમાં સાકાર બ્રહ્મનું જ નિરૂપણ કર્યું છે, ને ‘ભાગવત’માં તે બ્રહ્મ સાકાર મૂર્તિમાન છે એમ ઉપાસનાવાળાએ પ્રતિપાદન કરેલ છે પણ તે જ બ્રહ્મને ભક્તિહીન હોય તે નિરાકાર સમજે છે, અને તેવાને જેવું સદા દિવ્ય સાકાર પ્રગટ પ્રમાણ આ બોલે છે, તેવું બ્રહ્મનું સાકાર સ્વરૂપ સમજાતું નથી. શાસ્ત્રોથી જે બ્રહ્મને નિરાકાર સમજે છે તે તો તેજ જે સચ્ચિાનંદ બ્રહ્મ તે છે અને તે મૂર્તિમાન બ્રહ્મનો પ્રકાશ છે અને પ્રકાશી જે મૂર્તિમાન બ્રહ્મ છે, તેમને જ મહારાજે ભગવાન જેવા કહ્યા છે ને તેમને જે નિરાકાર સમજે છે, કહેતાં પ્રગટ અક્ષરબ્રહ્મનું સ્વરૂપ મૂર્તિમાન છે, તેને વિશે માહાત્મ્યજ્ઞાને યુક્ત સ્નેહ નથી, તે ભક્તિ ને નિષ્ઠાહીન છે. ને,
ભક્તિ હીન ભવસિંધુ ન તરહિ.
માટે આ બોલે છે તે ઉપર તાન રાખો. અને તે જ બ્રહ્મ આ મૂર્તિમાન દર્શન દે છે; પણ મહારાજનો સિદ્ધાંત સમજાતો નથી તેથી મતિ ભ્રમી જાય છે. અને લોયાનાં 13માં વચનામૃતમાં પણ મહારાજે મર્મમાં કહ્યું છે જે, ‘ જેમ નારાયણ સર્વોપરી વરતે છે તેમ જ ધામરૂપ મૂળઅક્ષર પણ સર્વે અક્ષરમુક્તોથી સર્વોપરીપણે વરતે છે.’
ધોખો : માઠું કે ખોટું લાગે તેવું વચન.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
નિરૂપણ : બરોબર વર્ણવવું, યથાર્થ વર્ણન
નિરાકાર : પોતાને ત્રણ દેહના માયિકભાવથી રહિત અર્થાત નિરંજન ને કેવળ બ્રહ્મભાવે આત્મારૂપ માનવું.
તાન : લગની, આગ્રહ, મસ્તી.
મર્મમાં : રહસ્ય જાળવી રાખીને.
(107) જેને અર્થે સંસારમાં કુટાઈએ છીએ તેમાં કાંઈએ નીકળવાનું નથી. સર્વે સ્વાર્થીલા છે ને અર્થ ઉપર છે ને સૌને રૂપિયા સામી નજર છે, તે જો મુંબઈ જાય તો ઘરનાં રાજી થાય ને રજા આપે ને ભાતું કરી આપે, પણ જો આંહીં જૂનાગઢ આવવાનું કહે તો સર્વે ના પાડે. માટે વિવેકી ને જ્ઞાની પોતાના જીવનું કરી લે છે ને મૂરખ ચોરાશીમાં કુટાય છે. તે મૂરખના મતમાં આપણે ભળવું નહિ. જરૂર મરી જવાશે ને જીવમાં ખોટ રહી જાશે ને જીવ તો ઘરમાં બાંધ્યો છે ને આંહીં તો અધવારું છે; તેમ છે માટે જેને મોક્ષનો ખરેખરો ખપ હશે તેને આ સમાગમમાં ઠીક પડશે. વિષયમાં બંધાણા તે ભૂલ્યા છે, માટે વહેવાર છે તે ભલે રાખો; પણ જ્યારે એમ રાખશો કે જેમ બહિર્ભૂમિએ જઈએ છીએ તેનો સંકલ્પ નથી ને તેમાં રુચિ નથી, તેમ વહેવારમાં આસક્તિ રાખવી નહિ, તો નડશે નહિ. ગૃહસ્થને એમ છેટે રાખવું ને ત્યાગીને તો તેનું મૂળ કાઢી નાખવું ને મોટાની પ્રથામાં નહિ રહે તેને સુખ નહિ જ આવે. વિષયમાં તો કજિયા જ રહ્યા છે. તે ઓઝત નદીને કાંઠે શેરડીનો ભર આવ્યો તે મહારાજે સૌને આંખો મીંચીને લેવા આજ્ઞા કરી; તો પણ પાતળા સાંઠા પડ્યા રહ્યા. અને એક વાર ટીમણમાં મહારાજે સાથવો ગોળ વગર ખાધો, પછી નાજા જોગીઆ પાસે બરફીની માટલી હતી તે ફોડી નંખાવી ને લીધેલી તો ખાવા, પણ ખાવા દીધી નહિ.
અર્થ : ધન, સંપત્તિ.
અધવારું : બે સ્થળે (ગઢડા ને પંચાળા) રહેવાનું રાખવું તે.
આસક્તિ : મોહ, અતિશય સ્નેહ, લગની.
સાથવો : શેકેલા અનાજનો લોટ.
(108) કર્યા વિના કોઈ વાત થાય નહિ. રસોઈના મનસૂબા કરવા માંડશું તેથી કાંઈ રસોઈ તૈયાર ન થાય, માટે જ્યારે કરવા માંડશું ત્યારે જ થાશે. મહારાજ ને આ સાધુનો મત એ છે જે, દેહે કરીને વિષય ભોગવવા દેવા નથી તે શું ? જે, મનમાં વિષયનો સંકલ્પ થાવા દેવો નથી. પણ મને કરીને ય ભોગવવા દેવા નથી; ને ખરેખરા જે છે ને જેણે આ દેહમાં તુળસી મૂકી છે, તેની પાસે વાસીદું કઢાવો કે, મહંતાઈ હોય તે ટળી જાય, તો તેને મૂળગો હરખ થાય. એવાને બીજો સંકલ્પ શાનો હોય ? તેવો હોય તે ભગવદી પાકો છે.
મનસૂબા : સંકલ્પો, કાંઈક કરી લેવાના વિચારો
મૂળગો : તદ્ ન
(109) આજ સુધી સંસારમાં રહ્યા તેમાં તમે શું કાઢયું ? તેનું અમને ફળ બતાવો. તે હજી તેમનું તેમ જ થાય છે અને તમે કહેશો જે, અમારે અન્ન વસ્ત્ર જોઈએ; તો અન્ન વસ્ત્ર તો અમે આપીએ, પણ તમારાથી નહિ રહેવાય; કાં જે, જીવ ઘરમાં બાંધ્યો છે તેટલો આંહીં નથી બાંધ્યો. તે આવું તમને કહેનાર નહિ મળે. પછી ઊલટા જોડશે, કાં જે પદાર્થ લેવાનો સ્વાર્થ, તે ભાઈને જેમ રુચિ હશે તેમ જ કહેશે ને તમારી ગરજ રાખશે અને ધનિકની ને કુસંગીની શુશ્રૂષા કરશે અને મંદિરમાંથી દેવનો પૈસો લુંટાવશે, એવા ગુરુ અને મોટેરા થાશે. કેમ કે, આપણામાં રાહુ રાવણ જેવા પેસી ગયા છે. તે ઉથલપાથલ કરી સત્સંગ વગોવશે. પણ પાપીનું તો જ્યાં સુધી માયાનો પ્રવેશ છે ત્યાં સુધી ચાલશે, તે બધાનું રૂપ ઉઘાડું થઈ રહેશે, અને તેવા સમયમાં જે કાર્ય ભગવાનને કરવાનું હશે તે કરશે ને પછી બડવાળ કાઢવા આચાર્ય, રાજા ને મૂર્તિમાં ભગવાન પ્રેરક થઈ, જે ‘શિક્ષાપત્રી’, ‘ધર્મામૃત’ ને ‘નિષ્કામશુદ્ધિ’ પ્રમાણે વરતશે તેને સત્સંગમાં રાખશે ને બીજાને કાઢી મૂકશે અને અહિંસા અને નિષ્કામધર્મ મહારાજને વહાલો છે, તે સત્સંગમાં પળાવશે અને ધર્મ એક સ્વામિનારાયણનો રહેશે, ને રાજા એક રહેશે અને ધર્મવરો રાજાનો રક્ષણ માટે રહેશે.
ત્યારે લાલાભાઈએ કહ્યું કે, ‘આ રાજ્યમાં ભગવાન ભજવાનું તો સુખ છે, પણ હિંસક રાજા છે; ને મહારાજે ગાયનો વધ કરવા ના પાડી છે અને બ્રાહ્મણને ફાંસીએ ન ચડાવવો, એમ માલકમ સાહેબને રાજકોટમાં કહ્યું છે, તો પણ ગાયોનો વધ આ રાજ્યમાં બહુ થાય છે તેનું કેમ ચાલશે ?’ ત્યારે સ્વામી કહે, ‘હમણાં તો તેનું ચાલશે અને જ્યારે બહુ અન્યાય કરશે અને આપણા મંદિર ઉપર હાથ નાખશે ને સત્સંગનો દ્રોહ કરશે ત્યારે ભગવાન ખમી નહિ શકે અને અમારી અરજી છે કે, ગય રાજા જેવો રાજા ને રઘુવીરજી મહારાજ જેવા બે આચાર્ય કરો તો ભગવાન ભજવાનું સર્વેને સાનુકૂળ પડે, તો તેમ મહારાજને કરવું હશે ત્યારે કરશે; આપણે આપણું કરી લેવું. અત્યારે આપણે બધી વાતે સાનુકૂળ છે, માટે આ જોગ, આ દર્શન, આ વાતું ને આ દેશકાળ ફરીથી નહિ મળે; ને પછી તો રોવું પડશે, તે પણ ખપવાળાને સાંભરશે. અહો! તમારે તો આજ પૃથ્વીનું વેજું છે, પ્રગટ ભગવાન, તેમના પ્રગટ સંત જીવોનાં મોક્ષને માટે આવી આ ભેળા બેઠા છે, આવી ગમ્મત કોણ કરાવશે ? આ તો હેત તે કહેવાય છે.’
શુશ્રૂષા : સેવાચાકરી.
બડવાળ : માયાના સંબંધરૂપી મેલ, કચરો, અનીતિ.
દ્રોહ : મનથી, વાણીથી કે કર્મથી જાણી જોઈને કરેલ દોષ, ગુનો, પાપ કે અપરાધ
કરો : ઘરની દિવાલ.
(110) વિષયના લાગમાં ખરેખરા હોય તે આવે નહિ. સો કળા કરીને પણ નીકળી જાય પણ કુસંગના પેચમાં આવે નહિ અને જે વિષયી છે તેને તો વિષયને માટે બહુ પ્રયાસ કરવો પડે છે, ને તે મેળવવા યુક્તિઓ રચવી પડે છે. તે ઉપર ત્રણ પ્રકારના કુસંગની વાત કરી જે, ‘ગૃહસ્થને પરસ્ત્રીનો ઘાટ થયો તે અંતરનો કુસંગ કહેવાય, ને ત્યાગીને અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ છે તેમાં ભંગ થાવાના મનમાં સંકલ્પ થાય તે અંતરનો કુસંગ; તેમ જ અંતરમાં ભગવાન ને સંત વિશે મન કુતર્ક કરે ને એકાંતિકને વિશે અને સાધારણને વિશે સમભાવ કરાવે તે અંતરનો કુસંગ છે. અને આપણા સંપ્રદાયથી બહારલા (બહારના) સ્વામિનારાયણની નિષ્ઠા થકી પાડે તે બહારલો (બહારનો) કુસંગ અને સત્સંગમાં કુસંગ છે તે બીજા બે કરતાં વધારે દુ:ખ કરનાર છે, તે કંઠી, તિલક કરી સત્સંગી કહેવાતા હોય અને ત્યાગી પણ ભગવાં પહેરી થયા હોય અને જીવ આસુરી હોય તે સારા સાધુ હરિજનમાં ખટપટ કરાવે; ને મહારાજ અને બીજા અવતારમાં સમબુદ્ધિ કરાવે ને એકાંતિક સંતનો દ્રોહ કરે ને કરાવે, એવા હોય તે સત્સંગમાં કુસંગ છે અને આવો જે વિચાર તે ખપવાળા સાધુ સત્સંગીને રાખવાનો છે; પણ નાગો બાવો સો ઘોડે લુંટાય નહિ, તેમ લોળિયા પાડા જેવા હોય ને કુસંગી જેવા હોય તેને એ વાતની ગમ જ નથી, પણ આપણને જ ફિકર છે.’
પેચમાં : પ્રપંચમાં, જાળમાં, દાવમાં.
ઘાટ : માયિક સુખ ભોગવવાનો સંકલ્પ, વિકારનો સંકલ્પ.
નિષ્ઠા : શ્રદ્ધા, આસ્થા, વિશ્ર્વાસ, ધારણા.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
દ્રોહ : મનથી, વાણીથી કે કર્મથી જાણી જોઈને કરેલ દોષ, ગુનો, પાપ કે અપરાધ
ઘોડે : જેમ.
(111) નેત્ર ઇન્દ્રિયનું બળ કહ્યું. તે ઉપર એક જણ ભવાઈ જોવા ગયો હતો, તે મારગ જાય તે સારુ બેસી રહ્યો ને લઘુ કરવા ન ઊઠ્યો ને રાત બધી બેસી રહ્યો ને મૂત્રકચ્છ બંધાઈ ગઈ ને સવારે મરી ગયો અને દામનગરમાં એક હરિભક્ત બીજા હરિભક્તથી છાનો ઢેઢના તરગાળા જોવા ગયો. તે જોઈને ઘેર આવતાં ચોરે ઝાટકો માર્યો તે ફાંફળ પડી ગયું; તે પછી મોડો મોડો માન્યો. એવું નેત્ર વિષયનું બળ છે પણ તેવો વેગ ભગવાનમાં કરે તો મોક્ષ થાય તે મહારાજના વિરહથી સચ્ચિદાનંદસ્વામીને રૂંવાડે રૂંવાડે લોહીના ટશિયા નીકળતા, પણ બ્રહ્મજ્ઞાન નહિ; તે કરતાં પૂંજા ડોડીયાને જ્ઞાને સહિત હેત અને કૃપાનંદસ્વામીને પણ હેત વધારે ને તેમને જ્યારે મહારાજનાં દર્શન ન થાય ત્યારે હરણને ગોળી વાગે ને પડી જાય તેમ દેહ પડી જાય, તે અમે સતાપરને પાદરે નજરે દીઠું છે.
તરગાળા : ગાવા-નાચવાનો ધંધો કરનાર બહુરૂપી નટ.
(112) એક વખતે રાતે મહારાજ અક્ષર ઓરડીથી દરબારમાં હરિજનના ઓરડે દર્શન દેવા ગયેલ ને અમે જાણ્યું જે, હમણાં મહારાજ પધારશે ને દર્શન થાશે. તે વખતે ઝીણે ઝીણે ફોરે વરસાદ વરસતો હતો, તેથી નેવા હેઠે અમે ઊભા રહ્યા ને અરધા નેવાનાં પાણી અમારા અરધા શરીર ઉપર ટપકતાં હતાં, ને એક વાગ્યો હશે ત્યારે મુક્તાનંદસ્વામી લઘુ કરવા ઊઠ્યા ને અમને જોઈને કહે, ‘અત્યારે કોણ ?’ અમે કહ્યું કે, ‘એ તો હું છું.’ એટલે કહે, ‘કેમ આ ટાણે આંહીં ઊભા છો ?’ પછી અમે કહ્યું જે, ‘મહારાજ દરબારમાં પધાર્યા છે ને હમણાં પોઢવા પધારશે તે દર્શન થાશે, એ વાટ જોઈ ઊભો છું.’ પછી મુક્તાનંદસ્વામી કહે, ‘અહો ! વરસતા મેહમાં પલળતા દર્શનની રાહ જોઈ ઊભા છો ! બહુ ખપવાળા ! આવો ખપ અમારે નથી.’
(113) શુકમુનિની વાત કરી જે, તે બોલવામાં વાત કરે ત્યારે પુરુષોત્તમપણું કહે પણ લખે તેમાં મોરલી મુખ્ય આણે, એ અમને ન ગમે. પછી શુકમુનિએ કહેલ તેની વાત કરી જે, ‘વચનામૃત લખ્યાં, શોધ્યાં, પણ આજ સમજાણાં અને આ ગુણાતીતાનંદસ્વામીની વાતુંથી મહારાજની વાતું જેટલો સમાસ થાય છે.’ ‘વેદરસ’ને બહુ વખાણી વાત કરી જે, મહારાજે તેમાં પોતાનો રહસ્ય કહ્યો છે પણ પાળવો બહુ કઠણ પડે છે; જેથી તેની કથા કોઈ કરતા નથી.
(114) ગોપાળાનંદસ્વામીએ પરચા કરી વરસાદ વરસાવ્યો ઇત્યાદિક ઐશ્ર્વર્ય બતાવ્યું તે જીવોને સત્સંગમાં વાળવાને માટે અને વળી કેટલાક સાપ વીંછીના મંત્ર જંત્ર પણ કર્યા, અને ભૂત કાઢવા માટે હનુમાન પણ બેસાર્યા અને તેમાં બીજું પણ હતું જે, સારંગપુર રસ્તાનું ગામ અને સાધુની આવ-જા બહુ અને વાઘાખાચર ઘરના દૂબળા તે બહુ મૂંઝવણ રહેતી. પછી વાઘાખાચરના ભાઈ કરી હનુમાન બેસાર્યા અને તે હનુમાનની આવકમાંથી સાધુને દાળ-રોટલા આપતા. એમ ભક્તની સહાય માટે નિમિત્ત ઊભું કર્યું; પણ તેમાં કેટલાકને હનુમાનની ઉપાસના થઈ ગઈ છે માટે અમે તો એવું કાંઈ કર્યું જ નથી, અને એક મહારાજ વિના બીજે ક્યાંય જોડતા નથી.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
(115) સ્વામીએ કહ્યું જે, આપણા સાધુ રસ્તે જાતા હતા ત્યાં ઢેઢ મળ્યો. તેણે કહ્યું કે, ‘પ્રશ્ર્ન પૂછું તેનો ઉત્તર કરો.’ સાધુ કહે, ‘ઠીક પૂછ.’ પછી કહે, ‘આ સેહટી કેમ થઈ હશે ?’ ત્યારે સાધુ કહે, ‘તું જ કહેને.’ ત્યારે તે કહે જે, ‘આ સેહટી કરવી હતી ત્યારે દશરથનો રામડો વાંકો વળી રહ્યો હતો. પછી આપો પાલણ આવ્યા અને બોલ્યા ‘કાઉં વાંકો વળી રહ્યો છું ? સેહટી કર ! સેહટી કર ! ત્યારે સેહટી થઈ.’ તે રામચંદ્રજીથી આપો પાલણ સરસ થયો. તેમ આપણામાં આપા પાલણની પેઠે મહારાજથી ય સારંગપુરના હનુમાન કેટલાકને સરસ થઈ ગયા છે. તે કેટલાક સાધુ પણ માનતા કરવા સારંગપુર દોડે છે. એવાને મતે તો મહારાજની પતિવ્રતાની ભક્તિ હોય જ શેની ? એ તો ચાળા-ચૂંથણા છે. મહારાજને મૂકી બીજે દોડે છે તે હરિભક્ત જ નથી; પણ વેશધારી છે. માટે કોઈ અવતારાદિકનો ભાર રાખવો નહિ. દુ:ખ વખતે મહારાજ અને તેમના સાધુ જ સંભારવા, અને જેમ છોકરાંને કહેવું પડતું નથી કે રક્ષા કરો ! માવતર તેમની રક્ષા કરે જ છે, તેમ જો મહારાજને વળગી રહેશો અને બીજે દોડશો નહિ તો મહારાજ પોતાના આશ્રિતની રક્ષા કરનાર સર્વોપરી સમર્થ ભગવાન છે.
પ્રકરણ 11 ની વાત 114
ઢેઢ : હરિજન.
સેહટી : સૃષ્ટિ.
કરો : ઘરની દિવાલ.
(116) આપણામાં કેટલાક શ્રીકૃષ્ણને લઈને મહારાજને ભગવાન કહે છે અને જેવું ભગવાનપણું શ્રીકૃષ્ણનું નક્કી તેવું મહારાજનું નથી; તે ‘આપો પાલણ’, ને ‘ભોય વાછરા’ જેવું છે. એવાને મહારાજની પુરુષોત્તમપણાની શુદ્ધ ઉપાસના નથી, તેનું કારણ આ સાધુમાં જીવ જોડ્યો નથી અને પોતા જેવા ખોળ્યા છે અને કહેવાય સ્વામિનારાયણના !
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
(117) વળી સ્વામીએ બધા સાધુનાં રૂપ કહ્યાં અને મોટા મોટામાં પણ જે કાંઈ ખામી હતી તે મહારાજ તેમની કસર ટાળવા લાવ્યા હતા તેનાં નામ લઈને કહ્યું ને પ્રમાણ કર્યું. વળી બધાનાં નામ લીધાં તેમાં ગુણાતીતાનંદ નામના એક જ સાધુ; બીજા નામના ઘણા અને કહ્યું કે, મહારાજ અમને ભાદરાવાળા નિર્ગુણાનંદ કહીને બોલાવતા.
કસર : ખોટ, ઉણપ.
(118) પંચાળામાં મહારાજે અમારા કપાળમાં તિલક ને ચાંદલો કરી અમારું માથું ઝાલી બધાને કહે, ‘ જુઓ, અમારું તિલક ! જુઓ, આ અમારું તિલક !! આ ભગવાન ને આ સાધુ કોઈ દિવસ આવ્યા નથી ને હવે આવશે નહિ.’ એમ સૌને પ્રગટ પ્રમાણ દર્શન કરાવ્યાં હતાં તે અનાદિ અક્ષરના મુક્તો હતા, તેટલા જ સમજ્યા કે અક્ષરપુરુષોત્તમનું સાક્ષાત્ પ્રત્યક્ષ દર્શન મહારાજે સૌને કરાવ્યું.
(119) મહારાજ છતાં રામપ્રતાપભાઈ બે વખત દ્વારકા ગયા હતા ને પછી ફરીથી દ્વારકા જવા જૂનાગઢ આવ્યા ત્યારે અમે કહ્યું કે, ‘ક્યાં જાવ છો ?’ ત્યારે કહે, ‘રણછોડ ત્રિકમરાય કા દર્શન કરનેકું જાતા હૈ.’ પછી અમે કહ્યું કે, ‘આંહીં તમને દર્શન થાય તો ?’ ત્યારે કહે, ‘તબ તો બહોત અચ્છા!’ પછી રાતે મૂર્તિમાન દ્વારકામાં જે મૂર્તિઓ છે તેમનાં રામપ્રતાપભાઈને દર્શન થયાં. તેથી સવારે અમને કહે કે, ‘હમકું દર્શન હો ગયા!’ પછી અમે કહ્યું કે, ‘આપણે ત્યાં બધુંય છે. શું કામ બીજે દોડવું પડે છે ? જેને પ્રગટ ભગવાનની નિષ્ઠા નથી, તે બીજે જાય. સ્વામિનારાયણ સર્વોપરી પુરુષોત્તમનારાયણ આપણને મળ્યા છે, અને બીજા અનંત પ્રધાનપુરુષ ને અનંત અવતારો સ્વામિનારાયણનું આપ્યું ઐશ્ર્વર્ય ભોગવે છે !’ ત્યારે અમને રામપ્રતાપભાઈ કહે, ‘એસા મહિમા ઘનશ્યામ કા અબ સમજ્યા !’
(120) ગોપાળાનંદસ્વામીના કહેવાથી આ ત્રિકમદાસ અમારી સેવામાં રહ્યા છે પણ તેનો વેગી સ્વભાવ છે. તે અમને જે અક્ષર કહે તેની સાથે કજિયો કરે ને ઘણાનું અપમાન કર્યું, તે સર્વે અમે ખમી રહ્યા. પણ છેવટે જાગા ભક્તનું જ્યારે અપમાન કર્યું તે અમારાથી સહન ન થયું ને તરત બપોરે ચાર વાગે અમે કોઠારમાં દોડી ગયા, અને દિવ્યભાવમાં આવી ગયા. કોઠારમાં ત્રિકમદાસ એક જ હતા, ને બહાર હરિશંકર બેઠા હતા. તે કોઠારનું કમાડ વાસી દઈ એકદમ અકળાઈને હાથ પછાડીને કહ્યું કે, ‘જેનું તેનું અપમાન કેમ કરે છે ?’ ત્યારે ત્રિકમદાસે કહ્યું કે, ‘અરર ! મારું તો કાળજું બળી ગયું છે !’ ત્યારે અમે કહ્યું કે, ‘શું કરવા બાળે છે ?’ ત્યારે કહે જે, ‘તમને આ બધા અક્ષર કહે છે.’ પછી અમે કહ્યું જે, ‘તું પણ કહેવા લાગને! શું ભડકો જોવો છે ? ને જે અક્ષર છે તે તો આ તારી આગળ જ ઊભા છે ને આમ જ ઠીક છે, અને તારું કલ્યાણ તો હું કરીશ તો થાશે, ક્યાં તારા હાથમાં છે?’ પછી માફી માગી, પણ વેગી તે જેને તેને કહેવા લાગ્યો કે, ‘સ્વામીને અક્ષર સમજો ! નહિ તો કલ્યાણ નહિ થાય.’ તે મોટા મોટા સાધુ, કેવળાત્માનંદસ્વામી તથા વિષ્ણુવલ્લભદાસજી આદિક, સૌને કહે જે, ‘તમે તો ખીજડા જેવા છો, તે ખીજડામાં તો સાંગરીઓ થાય અને અમે તો આંબા જેવા છીએ, તે કેરીઓ થાશે.’ એમ જે અક્ષર ન સમજે તેની સાથે કજિયો કરે ને વઢે ને તેથી વળી ઘણી ઉપાધિ થઈ તે વરતાલ સુધી કકળાટ ગયો, તે અમને ન ગમ્યું.
પછી ઉપાધિ મટાડવા અમે સભામાં કહ્યું જે, ‘અમને કોઈ અક્ષર કહેશો નહિ અને એવા સમ ખાઓ.’ તેથી જેટલા અમને અક્ષર સમજતા હતા તેમને સમ ખવરાવ્યા ને પગ ઝલાવ્યા. ત્યારથી આ વેગી તે અમને અક્ષર કહેતાં આળસ્યા; પણ અમને અક્ષર સમજતા ય કેટલાક અટક્યા. પછી અમે તો વણથળી ગયા ને વીડીમાં ખડ વઢાતું હતું ત્યાં અમે કલ્યાણભાઈને કહ્યું જે, ‘આજ તો સભામાં અમને અક્ષર ન કહેવા એમ સમ ખવરાવી પગ ઝલાવ્યા છે પણ ‘અમે તો મૂળઅક્ષર છીએ’ તો તેમ ‘ન સમજવાના’ સમ નથી ખવરાવ્યા. તે સમ ખાધામાં આ બાળમુકુંદદાસ પણ હતા, હવે તો આંહીં વગડો છે. તે ગુરુના પગ ઝલાવ્યા, પણ શિષ્ય તો ગુરુના પગ ઝાલે ને ? એનું કાંઈ નહિ; માટે આજથી મૂળઅક્ષર સમજજો.’ એમ પ્રભાવ સમજાવી અક્ષર સ્વરૂપ સંબંધી જ્ઞાન સમજાવ્યું ને કહ્યું જે, ‘ખપવાળા હોય, તેને ઓળખી આ આપણી સમજણ રુચે તેને કહેવી અને જ્ઞાની થાવું; પણ એકલા પ્રેમી ને વેગી ન થાવું.’
ખીજડા : સમડાનું વૃક્ષ.
વીડીમાં : વાડીમાં.
ખડ : ઘાસ.
વગડો : ગામ બહારની નિર્જન જગ્યા.
(121) પચીસ વરસથી આવરદા વગર અમને મહારાજે રાખેલ છે. તેથી અમારે તો જેમ છે તેમ અમારું ને મહારાજનું, કહેતાં અક્ષરપુરુષોત્તમનું સ્વરૂપ ઉઘાડું કરવું છે અને માયાને માયાનું રૂપ ઉઘાડું કરવું છે તે ભગવાનને બહુ આવડે છે. તે અભિપ્રાયમાં ભળશે તેનું સમું રહેશે ને બીજા ધૂડધાણી થાશે. તે વીજળીનો ઝબકારો દેખી ગધેડીએ પાટુ મારવા માંડી તો પણ વીજળી નહિ આળસે ને ગધેડીનો પગ ભાંગી જાશે ને શ્રીકૃષ્ણે કાળીનાગને નાથ્યો તે ફેણ ઉપાડે, ને પગ મારે તે ઊંચું માથું થાવા દીધું નહિ, તેમ થાશે.
સમું : સરખું.
(122) અનંતજી દીવાન કાશીએ જાતા હતા, તેમણે અમને કહ્યું જે, ‘કાંઈ મંગાવવું છે ?’ ત્યારે અમે કહ્યું જે, ‘આવા બે સાધુ લાવજો.’ પછી બધે ફર્યા ને સાધુ ગોત્યા; પણ સ્ત્રી, ધનના ત્યાગી ન દીઠા. પછી આવ્યા ત્યારે પૂછ્યું કે, ‘સંપેતરું લાવ્યા કે ?’ ત્યારે દીવાન કહે, ‘તમારા જેવા તો બીજે નથી. એવા સાધુ તો તમારે ત્યાં જ છે.’ માટે ખબરદારી રાખશે તે જ મહારાજના સાધુ રહેશે.
(123) વાણિયાવાળી વણથળીના બેચર શ્રીમાળી બ્રાહ્મણ અમદાવાદ ગયા. તેમને સભામાં અયોધ્યાપ્રસાદજી મહારાજે કહ્યું જે, ‘સ્વામી તો બહુ વાતું કરે છે!’ ત્યારે બેચરભાઈ કહે, ‘હા, વાતું તો કરે છે, પણ તમારા બાપના જ ગુણ ગાય છે અને પુરુષોત્તમપણાનું ને બ્રહ્મરૂપ થાવાનું નિરૂપણ કરી સર્વોપરીપણાનો પ્રગટ પ્રમાણ ડંકો દે છે, તેવો મહિમા મહારાજનો કોઈ જાણતું નથી ને તેથી કહેતા પણ નથી. ને જૂનાગઢમાં તો એવી વાતુંનો સોપો પડતો જ નથી.’ ત્યારે મહાનુભાવાનંદસ્વામી કહે, ‘ડભાણના યજ્ઞમાં મૂંડ્યા હતા તે મેં દેખ્યા એ જ ને ?’
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
નિરૂપણ : બરોબર વર્ણવવું, યથાર્થ વર્ણન
(124) કેશવજીવનદાસજી અમને કહે કે, ‘આ જાગા ભક્ત અને પ્રાગજી ભક્ત તમને મૂળઅક્ષર કહે છે તે મને મનાતું નથી અને હું વિશ્ર્વાસી છું ને મારે તો તમારો જ વિશ્ર્વાસ છે. માટે તમે જેમ હોય તેમ કહો તો હું એવો નિશ્ર્ચય કરું.’ પછી ખપવાળા ને નિષ્કપટી જાણી અમે કહ્યું જે, ‘અમે એક જ મૂળઅક્ષર છીએ; તમારે સમજવું હોય તો સમજો અને અમારા વિના બીજો મૂળઅક્ષર હશે, તો તેને અને અમારે પંચાત છે. તમે તો અમને મૂળઅક્ષર સમજો.’ પછી એ વાત તુરત બેસી ગઈ અને અડગ નિશ્ર્ચય થઈ ગયો.
પછી સભામાં લાલાભાઈએ કહ્યું જે, ‘આ અક્ષરનો મનન દ્વારા સંગ કર્યા વિના અક્ષરરૂપ થાવાતું નથી ને અક્ષરરૂપ થયા વિના મહારાજની સેવામાં રહી શકાય નહિ અને જે મૂળઅક્ષર નહિ હોય તેને મૂળઅક્ષર માન્યે બ્રહ્મરૂપ નહિ થાવાય અને આવો તમારો મહિમા સાંભળી ઈર્ષાથી, બીજા નથી તેનો આગ્રહ લઈ, કેટલાક બેઠા છે, તેમાં કેટલાક સારા કુટાઈ મરે છે, તે વિશ્ર્વાસીનું કેમ થાશે ?’ ત્યારે કહ્યું જે, ‘મુક્તાનંદસ્વામી, મયારામ ભટ્ટ અને આલશી ઘાંચી આદિકનો દૃઢ ઠરાવ જે, રામાનંદસ્વામી વિના બીજો કોઈ ભગવાન જ નથી અને કોઈ બીજાને પડખે લક્ષ્મીજી ઝાંઝર પહેરી બેઠાં હોય તો પણ ભલે, પણ રામાનંદસ્વામીથી કોઈ મોટું નથી અને એ જ ભગવાન છે; એવો અડગ નિશ્ર્ચય જીવમાં કરી રાખ્યો હતો. પણ મહારાજ મળ્યા ત્યારે તે બધી નિષ્ઠા ફરી ગઈ; ને રામાનંદસ્વામીને ઉદ્ધવ કહેવા પડ્યા. કેમ કે, વસ્તુગતે રામાનંદસ્વામી ભગવાન ન હતા અને મહારાજ સર્વોપરી ભગવાન છે, તે અંતે કહેવું પડ્યું.’
તેમ જ અમને અક્ષર નહિ કહે, ને બીજાને ઠરાવશે ને અક્ષર કહેશે, તેણે કરી નહિ હોય તે થાશે નહિ, અને હશે તે મટશે નહિ. માટે જેને બ્રહ્મરૂપ થાવું હશે, તે આ સાધુ પાસે આવશે ને સમાગમથી જ્ઞાન મેળવશે; જેમ મુક્તાનંદસ્વામી, મયારામ ભટ્ટ ને આલશી ઘાંચી સમજી ગયા, તેમ જ આ મૂર્તિમાનને મૂળઅક્ષર સમજી જાશે, એવો મહારાજનો સંકલ્પ છે, તેથી આટલું મુખોમુખ કહીએ છીએ, નહિ તો અમારે જરૂર નથી કારણ કે, ન હોય ને થાવું હોય, તેને મટી જાવાની બીક હોય; પણ જેમ તમારે સોજીત્રાપણું મટવાની બીક નથી, તેમ અમારે પણ મૂળઅક્ષર મટવાની બીક નથી. અને એવા અમને પણ અક્ષર ન કહે તેનો તમારે ધોખો પણ ન કરવો, આ તો અમારામાં મહારાજ બોલે છે. અને પંચાળાનાં 7માં વચનામૃતમાં નટની માયાનું દૃષ્ટાંત દઈ, પોતાના પરમ સત્ય સ્વરૂપનું યથાર્થ જ્ઞાન આપી સમજાવી દેવું છે. તેમાં મહારાજનો રાજીપો છે માટે ભગવાનના અભિપ્રાયમાં ભળશે, તેનું પાંસરું પડશે, ને તેવાને જ આ પ્રગટ અક્ષરપુરુષોત્તમનું રૂડે પ્રકારે જ્ઞાન થાશે.
વચ. ગ.મ. 31
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
પડખે : પાસે.
નિષ્ઠા : શ્રદ્ધા, આસ્થા, વિશ્ર્વાસ, ધારણા.
ધોખો : માઠું કે ખોટું લાગે તેવું વચન.
(125) શ્રીકૃષ્ણના ભક્ત સુધન્વા ને અર્જુન બન્ને હતા, તેમાં સુધન્વા ધર્મવાળો ને નિષ્ઠામાં પણ ચડે એવો હતો; પણ શ્રીકૃષ્ણનો અભિપ્રાય ન સમજ્યો, તો પંડે શ્રીકૃષ્ણે અર્જુનની પડખે રહી સુધન્વાને મરાવ્યો, અને અર્જુનની રક્ષા કરી જિતાડ્યો માટે આપણે મહારાજનો જે અભિપ્રાય જે, અક્ષર ને પુરુષોત્તમ બેય સ્વરૂપનું પ્રગટ પ્રમાણ જ્ઞાન કરાવી, સમજાવી પ્રવર્તાવવાનો છે તેમાં ભળી જાવું અને આ મળ્યા છે તે જ અક્ષરધામમાં લઈ જાશે, તે પૃથ્વીનું વેજું છે.
પડખે : પાસે.
(126) એક દિવસ જાગા ભક્ત પોતાને આસને બેઠા બેઠા વાતું કરતા હતા ને દશ-બાર હરિજન પણ વાતું સાંભળતા હતા અને મધ્યનું 9મું વચનામૃત વંચાવીને શ્રીજીમહારાજના સ્વરૂપની સર્વોપરી નિષ્ઠા સંબંધી વાતું કરતા હતા ત્યાં સુજજ્ઞાનંદ આવ્યો. ત્યાં તો વાત સાંભળીને તે જ ઘડીએ અકળાઈને બોલ્યો જે, ‘અવતારમાત્રનું તો ખોદી કાઢયું, ને સંપ્રદાય ડહોળી નાખ્યો ને ‘શિક્ષાપત્રી’માં મહારાજે પોતે, ‘શ્રીકૃષ્ણનું ધ્યાન કરું છું.’ એમ કહ્યું છે, તેના અર્થ અવળા કરીને લોકોને કહે છે માટે જો સત્સંગમાં રહેવું હોય તો વાતું કરવી નહિ ને મૂછો મુંડાવવી નહિ ને ત્યાગીને વેશે રહેવું નહિ, એટલે કે ધોતિયું પહેરવું નહિ ને ચોરણો પહેરવો, શાથી જે તમે ઊતરતી જાતિના છો.’ એમ સુજજ્ઞાનંદે જાગા ભક્તને કહ્યું, પણ તે તો કાંઈ બોલ્યા નહિ. અને રામદાસજીએ તો તે જ વખતે સુજજ્ઞાનંદને ઝાટકી નાખ્યો ને કહ્યું જે, ‘તમે કાંઈ મંદિરના મોટેરા નથી ને જાગા ભક્તને ઓળખ્યા વગર અપરાધ કરો છો.’ પછી રામદાસજીએ અને રૂપશંકરે અમને બધી વાત કરી એટલે અમે સુજજ્ઞાનંદને કહ્યું જે, ‘જાગા ભક્ત મૂછું મુંડાવશે, ધોતિયું પહેરશે, ને ધર્મશાળામાં આવશે, ‘વચનામૃત’ વાંચશે ને વાતું કરશે, ને બધુંએ કરશે ! તમારે ન પાલવે તો ઘણાંય મંદિર છે; મંડો હાલવા !’
પછી કેટલેક વખતે સુજજ્ઞાનંદને દેહે બહુ મંદવાડ થયો તે કેમેય દેહ પડે નહિ પછી અમારી આગળ મોંમાં તરણાં લઈ કહે, ‘આ દેહ પાડો ને કાં તો સાજો કરો. મારાથી દુ:ખ ખમાતું નથી.’ પછી અમે કહ્યું જે, ‘એમ દેહ નહિ પડે. તેં ઘણાંનો અપરાધ કર્યો છે પણ જાગા ભક્તને આસને જઈ અને બીજા જેનું જેનું અપમાન કર્યું હોય તેમની માફી માગો ને પગે લાગી દીન થાઓ, તો દેહ પડે.’ પછી તેણે તેમ કર્યું, ત્યારે દેહ પડ્યો. એવા એકાંતિક ભક્તના અપરાધનું પાપ ઘણું છે. તે,
હય હરિ કી ગતિ એક હે, રહત સદા લેલીન;
બાંય ગ્રહેકું ના તજે, તજે ચક્ષુ દુ:ખ દીન.
તેમાં કહ્યું જે, ઘોડાની ને ભગવાનની રીત એક કહી છે. જેમ ઘોડો બટકું ભરે તે છોડે નહિ પણ જો ઘોડાને આંખોમાં આંગળી ઘાલે, તો બટકું લીધું હોય તે તુરત મૂકી દે તેમ જ ભગવાન પણ પોતાના ભક્તનો જો અપરાધ કરે તો તેને પણ મૂકી દે છે. તેમ જ પોતે ઊંચી જાતિના હોય એમ ધારી આ જાગા ભક્તની જાતિ સામું જોઈને તેમનો તિરસ્કાર કરે છે, પણ એ તો અમારી પેઠે જ અજન્મા છે અને અક્ષરના અનાદિ મહા સ્વતંત્ર ઉત્તમ મુક્ત છે અને એ ભક્ત તો મહારાજ ને આ સાધુ જે જે બ્રહ્માંડમાં પધારે છે ત્યાં ત્યાં ભેળા જ હોય છે અને એવા જે આ જાગા ભક્ત તેમને વિશે મનુષ્યની બુદ્ધિ કરે છે, તે નારકી થાય છે. તે ઉપર ‘મણિરત્ન પ્રશ્ર્નોત્તર સાગર’નો શ્ર્લોક બોલ્યા જે,
કો નાર્કી વૈષ્ણવજાતિબુદ્ધિ: સર્વેશકૃષ્ણે સમધીર્નરેષુ ।
અર્ચાહરૌ યસ્ય પરં શીલાધીસત્ સાધ્વસત્સાધુષુ તુલ્યબુદ્ધિ: ।।
(મણિરત્ન પ્રશ્ર્નોત્તર સાગર)
એમાં શું કહ્યું જે, હે ગુરુ ! નરકને વિશે પડ્યો એવો જે નારકી તે કોને જાણવો ? ત્યારે ગુરુ કહે છે જે, ‘વૈષ્ણવ એટલે ભગવાનનો ભક્ત તેને વિશે જાતિપણાની બુદ્ધિ કલ્પે છે તે નારકી થાય છે અને સર્વેના ઈશ્ર્વર જે શ્રીકૃષ્ણ તેને બીજા રાજા જેવા જાણે છે અને ભગવાનની પ્રતિમા ને બીજા પથ્થર તે બેને સરખા જાણે છે, અને સાધુ ને અસાધુ તે બેને સરખા જાણે છે, તે નારકી થાય છે.’
અને આ જાગા ભક્ત તો અનંત કોટિ અક્ષરના મહામુક્તમાં ઉત્તમ છે. એની આગળ સ્વરૂપાનંદસ્વામી જેવા મહાસમર્થ છે તે પણ ગણતીમાં નથી; કેમ કે, સ્વરૂપાનંદસ્વામી તો અખંડ આત્મામાં રહે તેથી બીજાને જ્ઞાનવાર્તા ન થાય. ને આ તો અનંતને પોતાના સંબંધે કરી બ્રહ્મરૂપ કરી મૂકે છે, ને સાક્ષાત્ પ્રગટ અક્ષરપુરુષોત્તમનું નિરૂપણ કરી સર્વોપરી નિષ્ઠા કરાવી, મૂળ અજ્ઞાન કાઢી નાખી છતી દેહે અક્ષરધામનું સુખ આપી, પૂર્ણકામ કરે છે અને અનંત પોતાના જેવા કરશે, એવા ઉદાર છે. અને સર્વે અમારા ગુણ તેમનામાં છે અને અમારી અનુવૃત્તિ જેવી એ પાળે છે તેવી બીજા નથી પાળતા અને તે તો અનાદિના મોટા છે અને જેમ મહારાજ અને અમારા સંબંધથી કલ્યાણ થાય, તેમ જ તેમના સંબંધથી જીવોનું કારણ શરીર ટળી જાય છે. અને જ્યાં જ્યાં જુએ છે ત્યાં ત્યાં તે મહારાજ અને અમને અખંડ દેખે છે. એવી સિદ્ધદશાવાળા છે. અમારું પરમ સત્ય સ્વરૂપ છે, અમારે ને તેમને જુદાઈ નથી; એવા એ મહા અગાધ, ગંભીર ને મોટા છે, ને તે મોટાઈ છુપાવીને સમર્થ થકા જરણા કરે છે, એ જ એની મોટાઈ છે. જેમ અમે સૌની સેવા કરી નાના થઈ અમે અક્ષર છીએ તે ધીરે ધીરે પ્રવર્તાવ્યું, તેમ જ તે પણ કરે છે ને કરશે.
આ તો તુંબડામાં દાડમ પકવેલ છે. તે એક રાજાની કચેરીમાં એક માળી તુંબડામાં દાડમ પકવેલું રાજાને ભેટ કરવા લઈ આવ્યો. ઉમરાવ અને વજીરે તિરસ્કાર કર્યો જે, ‘રાજાને તુંબડાની ભેટ હોય ?’ ત્યારે માળીએ તેમાંથી દાડમ કાઢી બે બે દાણા રાજાને તથા સભાસદને જમાડ્યા; તે ખાઈને સૌ ચકચૂર થઈ ગયા; ને સર્વેનાં શરીર શીતળ થઈ ગયાં ને આંખોનાં ચશ્માં ઠરી ગયાં. પછી તો સર્વે વખાણ કરવા લાગ્યા કે, આવું દાડમ કોઈ દિવસ અમારી આવરદામાં દીઠું નથી ને સાંભળ્યું નથી ને ખાધું ય નથી; આવું તો આજ જ ચાખ્યું. આ માળીને શું ઇનામ આપીએ? ત્યારે માળી કહે, ‘મહારાજ ! આવા બીજનું તો આખું દાડમ ભર્યું છે.’ ત્યારે તો સૌ બહુ રાજી થયા કે, આપણે તો ઉપલા દેખાવમાં ભૂલા પડ્યા. રૂપશંકરભાઈ, આ તો દૃષ્ટાંત છે ને સિદ્ધાંત તો એ છે જે, આ રાઠોડ જાતિએ દેખાય છે, પણ અક્ષરના અનાદિ મહા ઉત્તમ મુક્ત છે. એની જાતિ તો તુંબડાને ઠેકાણે છે.
વળી બોલ્યા જે,
પ્રાણ થકી મને વૈષ્ણવ વા’લા, રાત દિવસ હૃદે ભાવું રે.
ઊંચ, નીચ હું તો કાંઈ નવ જાણું, મને ભજે તે મુજ જેવા રે.
(કીર્તન મુક્તાવલિ : 740)
અધિક જનાયો આપસે, જન મહિમા રઘુવીર;
શબરી પદરજ પરસતાં, નિર્મળ થઈ ગયો નીર.
તે ઋષિઓ વનમાં રહેતા, તેમને સ્નાન કરવા જવાનો રસ્તો શબરી ભીલડી વાળે જેથી કાંકરા ન લાગે. પણ જાતિ અભિમાની ઋષિઓએ તેને વાળતાં દેખી ત્યારે કહે, ‘તું કોણ છે ?’ તો કહે, ‘ભીલ છું.’ ત્યારે તેનો તિરસ્કાર કર્યો જે, ‘શુદ્ર જાતિ ! તારું મોઢું દેખાડ મા, ને અમારા આશ્રમને ભ્રષ્ટ કર મા !’ ભીલડી તો ભક્ત હતી. તે પાપ લાગ્યું ને નદીનું જળ તે લોહી થઈ ગયું તે ઋષિ નાહી શક્યા નહિ. ને રામચંદ્રજીને પૂછ્યું, ત્યારે તેમણે કહ્યું જે, ‘અમારા ભક્તનો તમે તિરસ્કાર કર્યો હશે તે પાપથી એમ થયેલ છે.’ પછી ઋષિ કહે, ‘હા, એક ભીલડી રસ્તો વાળતી હતી તેનું અપમાન કરેલ છે.’ પછી કહે, ‘તે બાઈની આગળ હાથ જોડી માફી માગો ને તેના પગની રજ તમે માથે ચડાવો ને તેને રાજી કરો અને તે બાઈનો પગ નદીમાં બોળાવો, તો તેના સ્પર્શથી જળ નિર્મળ થઈ જાશે !’ પછી તેમ કર્યું; તો જળ નિર્મળ થયું. એમ ભક્તનો મહિમા અપાર છે.
તો આ જાગા ભક્ત તો મહારાજને અખંડ ધારી રહ્યા છે ને અમારારૂપે વરતી અનંતને જ્ઞાન આપી અક્ષરધામ પમાડે છે, તેવા ભક્તને વિશે જાતિબુદ્ધિ કેમ પરઠાય? ત્યારે રૂપશંકર કહે, ‘હા મહારાજ ! એ ભક્ત તો એવા જ છે! આવો મહિમા જાગા ભક્તનો અમે જાણતા નહોતા; તે આજે સુખિયા કરી આનંદ આપ્યો, અને અમને સમાગમ કરવાનું દ્વાર બતાવ્યું.’
પછી સ્વામી બોલ્યા જે, ‘લાધો ભકત બહુ વાતું કરે છે પણ એકદેશી છે; માટે દેશકાળે કરીને વિઘ્ન લાગે ને બુદ્ધિ ભેદાઈ જાય. તે સારુ સર્વદેશી પુરુષને ઓળખીને સંગ કરવો તો કોઈ દેશકાળે કરીને બુદ્ધિ ભેદાય નહિ.’ પછી ગામ ડાંગરાના ગરાસિયા રવાજીએ હાથ જોડીને કહ્યું જે, ‘સ્વામી, મારે બુદ્ધિ નહિ, માટે સર્વદેશી પુરુષ મને કૃપા કરીને ઓળખાવો, અને મોક્ષ મારગમાં કોઈ પ્રકારનું વિઘ્ન આવે નહિ, ને શ્રીજીમહારાજ ને તમારાથી છેટું રહેવાય નહિ.’ પછી સ્વામી બોલ્યા જે, ‘રવાજી, આ જાગા ભક્ત જેવા બીજા કોઈ સર્વદેશી પુરુષ બ્રહ્માંડમાં નથી. એ તો મોટા મોટા મુક્તોને પણ સમાગમ કરવા યોગ્ય છે અને શ્રીજીમહારાજનો ને અમારો જે હૃદ્ગત અભિપ્રાય છે તે યથાર્થ રીતે તો જાગા ભક્ત જાણે છે તેવો બીજાને જાણવો બહુ જ દુર્લભ છે; માટે તમારે જાગા ભક્તનો મન, કર્મ, વચને સંગ રાખવો, તો કોઈ કાળે મોક્ષમાં વિઘ્ન નહિ આવે અને મહારાજથી એક અણુમાત્ર પણ છેટું નહિ રહેવાય. કેમ જે, જાગા ભક્ત તો અક્ષરધામના અનાદિ મહામુક્ત છે.’
એક સમે અમે જાગા ભક્તને કહ્યું જે, ‘આંહીં રઘુવીરજી મહારાજ પધારવાના છે તે સાંખડાવદરના બીડમાં એંશી હજાર પૂળા, ખડ વાઢેલું તૈયાર પડ્યું છે, માટે ત્યાં જાશો ?’ ત્યારે જાગા ભક્તે હાથ જોડીને કહ્યું જે, ‘હા, હું જાઈશ.’ પછી જાગા ભક્ત એક જોડિયો લઈને સાંખડાવદર ગયા. તે અઢાર દિવસ ત્યાં રહ્યા ને ઓગણીસમે દિવસ જૂનાગઢ આવ્યા. ત્યારે અમે ઊગમણે દરવાજે ઊભા હતા. ત્યાં તેને હૃદયમાં ભેટીને મળ્યા. પછી બીજે દિવસ રઘુવીરજી મહારાજ જૂનાગઢથી ચાલ્યા તે સર્વે લોલ નદી સુધી વળાવા ગયા ને અમે રઘુવીરજી મહારાજની સાથે ગાડીમાં બેઠા હતા. અમે કહ્યું જે, ‘મહારાજ, આટલા દિવસ આંહીં આનંદ ઉત્સવ કર્યો, ને આ ભક્ત અમારી આજ્ઞાથી સાંખડાવદરના બીડમાં રહ્યા.’
પછી રઘુવીરજી મહારાજે કહ્યું જે, ‘એ ભક્તને બોલાવો.’ પછી અમે બોલાવ્યા. ત્યારે રઘુવીરજી મહારાજ ગાડીમાંથી ઊતરીને જાગા ભક્તને હેતથી મળ્યા અને એમ બોલ્યા જે, ‘તમે સ્વામીને બહુ રાજી કર્યા ને સ્વામી રાજી થયા તે શ્રીજીમહારાજ પોતે રાજી થઈ રહ્યા ને ગોપાળાનંદસ્વામી આદિક સર્વે અક્ષરમુક્તો પણ રાજી થઈ રહ્યા !’ એમ કહીને રઘુવીરજી મહારાજ ગાડીમાં બેઠા. ત્યારે અમે કહ્યું જે, ‘મહારાજ અઢાર દિવસ રહ્યા અને આનંદ ઉત્સવ થયો તથા જે જે કથાવાર્તા થઈ એ સર્વેને પ્રગટ પ્રમાણ સાક્ષાત્ જાગા ભક્ત સાંખડાવદરના બીડમાં રહ્યા થકા દેખતા ને સાંભળતા.’ ત્યારે રઘુવીરજી મહારાજ બોલ્યા જે, ‘સ્વામી આ જાગા ભક્ત જેવા નિરાવરણ દૃષ્ટિવાળા કેટલાક કર્યા છે ?’ પછી અમે કહ્યું જે, ‘મહારાજ એ જેવા તો એ એક જ છે! કેમ જે, એનાં અંગોઅંગને વિશે તો શ્રીજીમહારાજ પોતે પ્રગટ પ્રમાણ અખંડ વિરાજી રહ્યા છે, એવા એ અક્ષરધામના અનાદિ મહામુક્ત છે.’
નિષ્ઠા : શ્રદ્ધા, આસ્થા, વિશ્ર્વાસ, ધારણા.
અર્થ : ધન, સંપત્તિ.
કરો : ઘરની દિવાલ.
પાડો : ભેંસનું નર બચ્ચું કે તેનો નર.
દીન : લાચાર, ગરીબ, રાંક.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
કોટિ : કરોડ.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
નિરૂપણ : બરોબર વર્ણવવું, યથાર્થ વર્ણન
અનુવૃત્તિ : મરજી.
પાળે : સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જાતનો સેવક/પાર્ષદ.
ચકચૂર : આનંદથી ભરપૂર.
કાંકરા : રાઈ-મરી.
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
હૃદ્ગત : આંતરિક-વિચાર કે ભાવ.
ખડ : ઘાસ.
(127) માણાવદરના ભક્ત ભગા સગરે દેવીના સ્થાનક ઉપર ગોળી મારી, તે કાંકરી ઊડીને કપાળે વાગી; તે ફડક્યો ને કહે, ‘દેવી કોપી.’ તે ઉપાસનામાં કાચપ ને નિષ્ઠા વિના લોકવિરુદ્ધ કર્યું, તે માંદો પડ્યો.
(જુઓ પ્રકરણ 14 ની વાત 89)
કાચપ : કચાશ, કસર, ખામી.
નિષ્ઠા : શ્રદ્ધા, આસ્થા, વિશ્ર્વાસ, ધારણા.
(128) ડાહ્યાભક્તને સાકરની પ્રસાદી આપી ગીરમાં વાતું કરવા મોકલતા, તે ગીરના છોકરા કહે જે, ‘તારી ગીરનો ગુંદ બહુ ગળ્યો છે. અમારે આવો નથી.’ તેમ સાકર ખાધી પણ ગળ્યો ગુંદ છે એમ જાણીને ખાધી, તેમ કેટલાક મહારાજનું ભજન તો કરે છે; પણ બીજા અવતાર જેવા જાણીને સ્વામિનારાયણનું ભજન કરે છે ને કહે છે કે, ‘અમારી ગીરનો ગુંદ આવો ગળ્યો નથી ! તેમ બીજે અવતારે થોડું ઐશ્ર્વર્ય જણાવ્યું અને આ અવતારે બહુ ઐશ્ર્વર્ય વાપર્યું; પણ છે તો એના એ જ.’
(129) વળી બીજી વાત કરી જે, એક સમે કાળમાં કાઠીના છોકરા સાધુ ભેગા રહ્યા હતા, તે ગુજરાતમાં ગયા. ત્યાં રાણ્યું (રાયણું) ખાધામાં આવી તે જોઈને કહે જે, ‘આ છે તો લીંબોળી, પણ આંહીં આને રાણ્ય (રાયણ) ભણતા સે ?’ પછી કોઈકે કહ્યું જે, ‘લીંબોળી તો નાની હોય ને આ તો બહુ મોટી ને ગળી પણ બહુ છે.’ ત્યારે તે કહે જે, ‘એ તો ધરતી ફેરે મોટી ને ગળી હોય, પણ છે તો લીંબોળી.’ એમ મહારાજ પુરુષોત્તમ સર્વોપરી મળ્યા છે, તો પણ બીજા અવતાર જેવા જાણી ભજે છે, જેમ લીંબોળી છે એમ ધારીને ખાય છે; પણ રાણ્યની (રાયણની) જાત જ નોખી છે એમ જાણતા નથી તેમ; માટે મહારાજ તો સર્વેથી જુદા સ્વયં પુરુષોત્તમ છે એમ જાણવું.
(130) ધોરાજીના મંદિરમાં અગવડ બહુ હતી ત્યાં અમે ગયા ને મંગળજી બૂચ અમારા દર્શને આવ્યા અને અમને રોકવાની તાણ કરી. ત્યારે અમે કહ્યું જે, ‘આંહીં અમારે ત્યાગીને ક્યાં રહેવાય એવું છે ? પછવાડે ડોશીઓ ઝાડે ફરે છે; માટે જો અમને રાખવા હોય તો આમાં આ મંદિરના પછવાડાની જાયગા અમને આપો.’ તો કહે જે, ‘ભલે.’ પછી અમે કહ્યું જે, ‘અત્યારે ને અત્યારે માપો ને લેખ કરીને વંડી ચણાવીને જાઓ.’ ત્યારે કહે જે, ‘પાણા ક્યાંથી લાવશો ?’ પછી અમે વીરા કડિયાને કહ્યું જે, ‘પાણા લઈ આવો.’ ત્યારે તે પાણા લઈ આવ્યા, ને જાગા ભક્ત આદિકની મદદથી તરત વંડી ચણી લીધી. પછી મંગળજી બૂચને ઘેર જઈને પસ્તાવો થયો જે, ‘આ તે મેં શું કર્યું ? સ્વામીએ તો, મારે નહોતું કરવું ને મારી મારફત કરાવી લીધું.’ તે વાતની કોઈ હરિજનને ખબર પડવાથી અમને કહ્યું જે, ‘મંગળજી આમ બોલે છે.’ ત્યારે અમે કહ્યું જે, ‘હવે કાંઈ ફિકર નથી. અમે તો તે વખતે તેનું અંતર પકડી કામ કરાવી લીધું છે.’
પાણા : પથ્થર.
સંવત 1919ના જેઠ સુદિ પ્રતિપદાને દિવસે સ્વામીએ વાત કરી જે,
(131) સ્ત્રી કહે છે જે, ‘મારું મોઢું જોવા જેવું નથી, તે સારુ લાજ કાઢું છું ને જો મારું મોઢું જોશો તો નરકે જાશો.’ અને દ્રવ્ય કહે છે કે, ‘મને દાટો નહિ તો હું જો બહાર રહીશ તો અનેક ફેલ કરાવીશ.’ એમ એ બે વાનાં ઉપદેશ દે છે. તે સાંખ્ય જ્ઞાનવાળા સમજે છે, પણ જેને મોહ છે, તે તો વલખાં મારી ખુવાર થાય છે.
ફેલ : નીતિશાસ્ત્ર વિરૂદ્ધનું આચરણ તથા આવક કરતાં વધુ ખર્ચ કરે તેવું આચરણ.
વાનાં : વસ્તુઓ. (બ.વ.)
(132) મધ્યનું 50મું વચનામૃત વંચાવી મહારાજનો રહસ્ય કહ્યો જે, નદી સમુદ્રમાં ભળે છે ત્યારે તેનું જળ સમુદ્રના જળ ભેળું ભળીને તદ્રૂપ થાય છે અને નદીનું જળ એવું નામ મટીને સમુદ્રનું જળ કહેવાય છે, તેમ પ્રગટ ભગવાનની ઉપાસનાના બળથી ભગવાનનો ભક્ત બ્રહ્મરૂપ થાય છે ત્યારે નદી, સતી ને પતંગની પેઠે જીવસંજ્ઞાનો ત્યાગ કરીને બ્રહ્મસંજ્ઞાને પામે છે તેમાં જીવની ઉપાધિ કાંઈ રહેતી જ નથી, કેવળ અક્ષરભાવને પામે છે અને જેવા ભગવાનને સાકાર જાણ્યા છે, તેવો તે ભક્ત ભગવાનના જેવો સાકાર થઈને સેવામાં રહે છે. પછી અરજણ બાબરીએ પૂછ્યું જે, ‘મહારાજે તેમાં કહ્યું છે કે, અમે અમારા આત્માને બ્રહ્મને વિશે લીન કરી રાખ્યો છે. તે મહારાજનો આત્મા તે શું સમજવું ?’ ત્યારે સ્વામીએ કહ્યું જે, ‘અક્ષરધામને વિશે મહારાજ સ્વયં સ્વરૂપે અખંડ સ્વરાટ્ થકા વિરાજી રહ્યા છે અને મૂળઅક્ષરમાં સ્વયં સ્વરૂપે અખંડ પ્રકાશી રહ્યા છે અને એકરસ પરિપૂર્ણ એવું જે બ્રહ્મસ્વરૂપ કહેતાં તેજોમય અક્ષરધામ, તેમાં પણ પુરુષોત્તમ ભગવાન પોતાની અંતરયામી શક્તિએ કરીને વ્યાપી રહ્યા છે. માટે ભક્તજને પોતાના આત્માને અક્ષરરૂપ તેજમાં લીન કરીને, કહેતાં પોતાનો ભાવ મૂકી દઈને સાકાર અક્ષરના સાધર્મ્યપણાને પામીને, અક્ષરધામ વિશે મૂર્તિમાન એવા મહારાજ પુરુષોત્તમ ભગવાન, ને તે ભગવાનના જે ભક્ત તે સંગાથે અખંડ પ્રીતિ જોડી રાખવી. તે જુઓ,
ધર્મસ્ત્યાજ્યો ન કૈશ્ચિત્ સ્વનિગમવિહિતો વાસુદેવે ચ ભક્તિ
ર્દિવ્યાકારે વિધેયા સિતઘનમહસિ બ્રહ્મણૈક્યં નિજસ્ય ।
નિશ્ચિત્યૈવાન્યવસ્તુન્યણુમપિ ચ રતિં સમ્પરિત્યજ્ય સન્ત
સ્તનમાહાત્મ્યાય સેવ્યા ઇતિ વદતિ નિજાન્ ધાર્મિકો નીલકંઠઃ ॥
(સત્સંગિજીવન : શ્રી ધર્મનન્દનાષ્ટકમ્)
અર્થ :- ‘કોઈએ પણ પોતાના ધર્મગ્રંથોમાં કહેલા ધર્મનો ત્યાગ ન કરવો જોઈએ, ભગવાન શ્રી વાસુદેવ કૃષ્ણના દિવ્યસ્વરૂપની ભક્તિ કરવી જોઈએ. શ્ર્વેત વાદળના તેજ સમાન ઘનશ્યામ શ્રીકૃષ્ણરૂપ બ્રહ્મમાં પોતાની એકતાનો (અભેદનો) નિશ્ર્ચય કરવો અને અન્ય વસ્તુ પર સહેજ પણ પ્રેમ હોય તો તેને તજી દેવો. સંતનો મહિમા આપણને પણ પ્રાપ્ત થાય તે માટે સંતોની સેવા કરવી.’
આ પ્રમાણે ધર્મપરાયણ નીલકંઠ મુનિ પોતાના ભક્તોને ઉપદેશ આપે છે.’
એમાં પણ ભાવનું જ કહ્યું છે. માટે અક્ષરના સાધર્મ્યપણાને પામે છે ત્યારે જ જગતની કોરનો કાંઈ લોચો કહેતાં પ્રકૃતિપુરુષાદિકની અંદરના કોઈ પણ અવતારાદિક કે પુરુષાદિકનો લેશમાત્ર ભાર રહેતો નથી, એમ મહારાજ પોતાના મિષે આપણને શીખવે છે. તે મહારાજે કહ્યું છે કે, ‘અમે અમારા અંતર સામું જોઈને બીજા મોટા મોટા પરમહંસના અંતર સામું જોઈએ છીએ, ત્યારે તેમનામાં કાંઈક જગતની કોરનો લોચો જણાય પણ અમારા અંતરને વિશે તો ક્યારેય સ્વપ્નામાં પણ જગતની કોરનો ઘાટ થાતો નથી.’ તે મહારાજે તો આ મૂળઅક્ષરના સાધર્મ્યપણાને પામેલા મુક્તોની એવી સ્થિતિ કહેલ છે અને મૂળઅક્ષરના સાધર્મ્યપણાને પામીને જેને પુરુષોત્તમની ઉપાસના નથી, તેને મહારાજે લોચાવાળા કહ્યા છે.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
અર્થ : ધન, સંપત્તિ.
ઘાટ : માયિક સુખ ભોગવવાનો સંકલ્પ, વિકારનો સંકલ્પ.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
(133)
ચોર ચોરની કહત હે, સંત સંત કી બેન;
પરશુરામ કે અંતર ગતકી કહી દેત દો નેન.
એ સાખી બોલીને વાત કરી જે, ચોરે આખી રાત ખાતર પાડ્યું પણ કાંઈ વળ્યું નહિ, તેથી પાછો વળ્યો. ને બીજે ગામ ભક્તને ત્યાં ભક્ત મહેમાન થયેલ, તે આખી રાત જાગરણ કરીને ભજન કર્યું, તે પણ પાછલી રાતે ચાલી નીકળેલ, તે રસ્તામાં બન્ને સામસામા મળ્યા. ત્યારે ચોરે વિચાર્યું જે, ‘આ મારી પેઠે ફાવ્યો નથી લાગતો, એટલે ઠાલો જાય છે.’ ને ભક્તે વિચાર્યું જે, ‘આણે પણ મારી પેઠે જાગરણ કરી રાત આખી ભજન કર્યું લાગે છે, તેથી નેત્રમાં ઊંઘ ભરી છે.’ એમ પોતે જેવો હોય તેવો બીજાને જાણે.
(134) આ દેહ છે તેમાં ગુણ છે ને દોષ પણ છે, તે જો ભગવાનના કામમાં આવે તો ગુણ કહેવાય ને ન આવે તો દોષરૂપ તો છે જ.
(135) બીજા દોષ ટળે પણ કામનું બળ અતિશે કહ્યું, તે ઝાડ સર્વેમાં પણ જણાય છે ને સર્વે જીવોને વેજું તે સ્ત્રી છે. ને આ બેઠા છે તે ઘણા સારા છે; પણ સર્વેને વેજું સ્ત્રી છે. તે,
કવિ ગુની પંડિત જાન તાહી લે તહાં ડુબાયો.
વૃત્તિયું વેરાઈ ગઈ હોય તેમાં તો નથી કળાતું પણ વૃત્તિને પ્રતિલોમ કરે તો ખબર પડે. ને આ તો મહારાજે સર્વે જીવને ઉપયોગમાં આણ્યા; તેથી ભગવાનની આજ્ઞારૂપી ઔષધિ ભળી છે એટલે મહારાજના આશરાથી ગૃહસ્થનું સહકુટુંબ કલ્યાણ થાય છે.
પ્રતિલોમ : પોતા/આત્મા તરફ પાછી વાળતી વૃત્તિ, અંતરવૃત્તિ, અંતરદૃષ્ટિ કરીને આત્માનું પરમાત્મા તરફનું ઊર્ધ્વીકરણ.
(136) હવે તો મહારાજ ધામમાં પધાર્યા ને મોટા મુક્ત પણ પધાર્યા. હવે બાકી આપણે રહ્યા. તે ખબરદાર રહેશું તો ઠીક રહેશે. અને પછી આ દર્શન, આ જોગ, આ વાતું નહિ મળે. હાલ તો બધુંય છે. ભગવાન પ્રગટ છે અને તેમના સંત પણ પ્રગટ છે; માટે પોતાનું કરી લેવું. આ સાધુ વેરાગી બાવો નથી, આ તો મહારાજ આવ્યા ત્યારે જ આવ્યા; નહિ તો આવે નહિ, એવા દુર્લભ તે આજ સુગમ થયા છે. આ તો વેદ જેનું ગાન કરે છે એવા જે સચ્ચિદાનંદ બ્રહ્મ તેના પ્રકાશક મૂળઅક્ષર તે સર્વે અનાદિ મહા અક્ષરમુક્તોથી અતિ શ્રેષ્ઠ સર્વોપરી છે; પણ મનુષ્યાકૃતિ જણાય છે. તે મહારાજ જેમ વરત્યા તેમ જ અમારે વરતી, ધીરે ધીરે સૌને રૂડી પ્રકારે અમારા સ્વરૂપનું જ્ઞાન સત્સંગમાં કરાવવું છે.
(137) ગૃહસ્થ સર્વે સેવા કરવાને તૈયાર છે પણ વિવેક ને જ્ઞાન વગર ત્રણ ગાઉ બાવો હતો તેને ગામમાં લાવ્યા ને પછી ઘરમાં રાખ્યો. તે મુક્તાનંદસ્વામી અને બ્રહ્માનંદસ્વામીએ કુસંગી બાવાનાં રૂપ કરી કાવ્ય કરેલ છે અને નિષ્કુળાનંદસ્વામીએ સત્સંગી, સાધુ, હરિજનનાં રૂપ જેમ છે તેમ જોઈ, સાચું અનુભવીને કાવ્ય કર્યાં છે માટે ભગવે લૂગડે ભોળવાવું નહિ, પણ ખરેખરા આજ્ઞા ઉપાસનાવાળા શુદ્ધ હોય ને બ્રહ્મરૂપ હોય તેવાનો સંગ કરવો; ને તેવાની સેવા કરવાથી મહારાજ પોતાની સેવા કરતાં અધિક માની ફળ આપે છે. અને ફરતાં ફરતાં પોતાને ગામ આવે તો અન્ન, વસ્ત્ર યથાશક્તિ આપવું. પણ ઊતરતાનો સંગ ન કરવો. તે જેને મહારાજ સર્વોપરી સ્વયં પુરુષોત્તમ ભગવાન અને આ સાધુ તેમનું પરમ સત્ય સ્વરૂપ મૂળઅક્ષર જાણતા ન હોય, અને નિષ્ઠા પણ ન હોય ને અવતાર બધા સરખા ને સાધુ બધા સરખા, એમ કહી સર્વોપરી જ્ઞાન ઉપાસનાનું જુક્તિથી કે ઉઘાડું ખંડન કરતા હોય, તેવાનો તો છેટેથી પગે લાગી ત્યાગ કરવો. કેમ કે, એવા ગડબડિયાનું આજ્ઞામાં પણ સર્વ પ્રકારે કાચું જ હોય. તે તો મીણાહરમના ઝાડ જેવો છે; ને દેખાવમાં તાલમેલ ને દંભે કરી ભક્તિનો આડંબર પણ બહુ કરે, પણ જેમ મીણાહરમનો સારો છાંયો દેખીને જો પંખી કે મનુષ્ય આશરો કરે કે પંખી ઉપર બેસે કે ઉપરથી ઊડી જાય કે વાયરો આવે કે તરત ઝેર ચડે ને મરણ પામે; તેમ આપણામાં પણ સત્સંગમાં એવો કુસંગ છે.
ગાઉ : અંતરનું એક પરિમાણ, દોઢ માઈલ, અઢી કિલોમીટર.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
નિષ્ઠા : શ્રદ્ધા, આસ્થા, વિશ્ર્વાસ, ધારણા.
તાલમેલ : માયાના ભાવમાં આવી જઈને દેખાવ, આડંબર.
(138) ત્યાગી હોય તેણે વર્ણાશ્રમનો વિચાર કરવો કે હવે મારો આશ્રમ બદલાયો છે. બ્રાહ્મણ સંન્યાસી થયો, તે પોતાને ઘેર આવ્યો ને પોતાની ઝોળીમાંથી સીધું સામાન જે હતું, તે આપી રસોઈ કરાવીને જમ્યો. ત્યાર પછી તેની સ્ત્રીએ કહ્યું જે, ‘તમારી ઝોળીમાં બધું છે, પણ એક હું નથી; તે મારો શો વાંક ?’ પછી તો તે વાત સાંભળીને ઘેર જ રહી ગયો, માટે ત્યાગીએ પોતાનાં સગાં સંબંધીને ત્યાં અને વતનના ગામમાં જાવું નહિ અને કોઈ પ્રકારે તેમનો પ્રસંગ રાખવો નહિ. અને જો સ્નેહની લાળ રહેશે તો જરૂર વિઘ્ન લાગશે. આ તો આંહીં આવી ભરાણા, તે કોઈક વાતે અવાણું છે પણ મોક્ષનો ખપ થોડો, તેથી વિષયમાં લેવાઈ જાવાય છે. ગંગામાં લપટ્યો તે, ‘હર ગંગા ! હર ગોદાવરી ! કાંઈક શ્રદ્ધા ને કાંઈક જોરાવરી !’
(139) રેંટ ઉપર દાવડું હોય, તેમાંથી એક જો ઓછું હોય તો રેંટ ન ફરે; તેમ એક પણ અંગ જો કાચું હોય તો સત્સંગ ન રહે.
દાવડું : વાવ / કૂવામાંથી પાવઠી ઉપર પાણી ખેંચવા, રહેંટની ઘટમાળમાં વપરાતાં ડોલચાં કે ઘડાની માળા.
(140) સત્કર્મ ઘણાં કહ્યાં છે પણ સત્સંગ જેવું કોઈ સત્કર્મ ન કહેવાય; તેવો સત્સંગ આપણને મળ્યો છે. તે શું ? તો વિશલ્યકરણીના વચનામૃતમાં આત્મા ને પરમાત્મા કહેતાં, અનાદિ આત્મા જે અક્ષર, તે રૂપે થઈને પરમાત્મા જે મહારાજ તેમનો સાક્ષાત્કાર સંબંધ કરવો તે જેવું સત્કર્મ બીજું કોઈ નથી.
વચ. ગ.અં. 39
સાક્ષાત્કાર : પરમતત્ત્વ કે ભગવાનનું પ્રત્યક્ષ દર્શન કે સાક્ષાત્ અનુભવ.
(141) કોઈને ઘેર મહેમાન થાઈએ ત્યારે તે સારી પેઠે ચાકરી કરે ને સારું ગોદડું ને સારી પથારી આપે પણ ત્યાં કેટલા દિવસ રહેવાય ? તેમ આંહીં પણ મહેમાન જેવા છીએ, તે રહેવાશે તો નહિ; સાચું ઘર તો અક્ષરધામ છે તે આ સત્સંગમાં મૂર્તિમાન દર્શન દે છે, વાતું કરે છે; તેને પામ્યા તે અક્ષરધામમાં જ બેઠા છીએ, એવું જ્યારે જ્ઞાન થાશે ત્યારે પરમ શાંતિ થાશે.
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
(142) મોરે તો હરિજનને દાણા આપીને, ખેતર વાવી દઈને ને બળદ આપીને પ્રભુ ભજાવતા. તે અમે આખાના જેરામ પટેલને બળદ આપીને ખેડ ચાલુ રખાવી પરમેશ્ર્વર ભજાવ્યા. ને મોેરે એવો આગ્રહ ને એવા કારસા તે દ્વેષી છાતી ઉપર ઘંટીનું પડ મૂક્તા તો પણ પ્રભુ ભજતા તે જેતપુરનાં રામબાઈ ને દેવશી ભક્તને એવું જ દુ:ખ હતું તો પણ પ્રભુ ભજ્યા.
પ્રકરણ 9 ની વાત 204
મોરે : અગાઉ
(143) શિવલાલભાઈને કહ્યું જે, ચારની આસ્થા ને ઉપાસના છે; તે દેહ, છોકરો, બાયડી ને રૂપિયા એ ચારની જ આસ્થા ને ઉપાસના છે. તે સૌ વિચારીને જુએ તો ત્યાં જ આસ્થા છે, પણ સત્સંગ જેને જીવમાં થાય છે તેને તે બધા દેહનાં ગૂમડાં મનાય છે અને સ્વાર્થીલા જણાય છે.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
(144) અમે નાના હતા ત્યારે સૌ છોકરાઓમાં એક બ્રાહ્મણ થાઈએ અને પછી તેને બીજા પૂછીએ જે, ‘મહારાજ, આજ શું તિથિ છે ?’ પછી તે બ્રાહ્મણ કહે કે, ‘આજ અગિયારસ છે.’ ત્યારે અમે સૌ ઉપવાસ કરીએ ને રાતે જાગરણ કરીએ. તેમાં ઠીકરાનાં ઝાંઝ ને ઠીકરાનું ઢોલકું કરી વગાડી ઓચ્છવ કરીએ. પછી, ‘ચાર વાગ્યા’ એમ કહી નાહવા જઈએ; તે ધૂડને આઘી પાછી કરીને કહીએ જે, ‘લો નાહ્યા !’ પછી બારસના પારણાંનાં બ્રાહ્મણને સીધાં આપીએ; તે પણ ધૂડનો લોટ, ધૂડનો ગોળ, ઘી, દાળ, ચોખા વગેરે ધૂડનું ને ગાયનું દાન ઠીકરાનું કરીએ. તેમ મોટાની દૃષ્ટિમાં આ લોકનો ગમે તેવો સારો વહેવાર તે છોકરાંની ધૂડની રમત જેવો જ છે.
(145) ઘણાખરા રોગ તો ખાધામાંથી જ પેદા થાય છે. ખાંડમાંથી ને કેરીમાંથી મરી ગયા, પણ કોઈ જારનો રોટલો ખાઈને મરી ગયા નથી, કારણ તેમાં રોગ નથી.
(146) જગતને કેવળ સ્વાર્થની જ વાત છે, તે આપણે ઘેર મહેમાન થઈને આવેલ હોય તેને જારનો રોટલો જો થાળીમાં પીરસીએ તો ખાતો ખાતો મનમાં સો ગાળો દે. માટે સર્વ દેહનાં સંબંધી સ્વાર્થીલાં છે ને પાખંડી છે; તેમાં આપણે કોઈ વાતે લેવાવું નહિ.
(147) ગૃહસ્થને ને ત્યાગીને બન્નેને વાત કરી જે, ગૃહસ્થને અગિયાર નિયમમાં ફેર હોય તેટલો સત્સંગ ઓછો ને ત્યાગીને ત્રણ ગ્ંરથ પ્રમાણે ન વરતાય એટલો સત્સંગ ઓછો. જેમ વધુ વિષય મળે તેમ મોટી ઝાળ થાય. તે ઓણ સાલમાં રૂપિયા વધ્યા, તેમ તૃષ્ણા પણ વધી; માટે અદકે અદકી આગ લાગે. બીજું રૂપિયા વધ્યા તે કોઈક ચડાવો કરશે, કોઈક દબાવશે ને કોઈક પીડશે. માટે ધીરજ રાખવી ને માંહોમાંહી ક્લેશ ન કરવો. દેશોદેશમાંથી કાળાખરિયું આવે છે ને ફલાણા ભાઈનું આમ થયું, ને ફલાણી બાઈનું આમ થયું તે નિષ્કામી વર્તમાન તો કોઈનું રહે તેમ નથી. મા-દીકરા, બાપ-દીકરી, વહુ-સસરો ને ભાઈ-બહેનના સંબંધ થાય છે, એવું એ પાપ છે. પણ આ સત્સંગમાં જ નિષ્કામી વર્તમાન મહારાજે પ્રવર્તાવ્યું છે. તે મહારાજની અને આ સાધુની દૃષ્ટિ રહેશે ને આજ્ઞા સામી સૂરત રહેશે, ત્યાં સુધી આપણા સત્સંગીનું પણ પાંસરું રહેશે. પછી તો થાય તે ખરું ! અને ત્યાગીનું પણ જે થાય તે ખરું ! બીજે તો ગડબડાટ આજથી સંભળાય છે. એક આપણા જૂનાગઢમાં જ સારું છે. અને જો આ સાધુનો અભાવ આવશે તો આંહીં પણ પાપ ઘરશે.
ઓણ : આ વર્ષે.
(148) તેરા ગામમાં મહારાજે વાત કરી જે, રાજાએ સંધીનાં નાક કાપ્યાં. તે બધા નકટાએ આગળ જઈ ગામ વસાવ્યું. તેમને છોકરાં થયાં તે તો નાકવાળાં. તે છોકરાંએ પોતાનાં માવતરને પૂછ્વા માંડ્યું જે, ‘અમારે નાક ને તમારે નાક કેમ નહિ ?’ પછી ઓલ્યા શરમાણા; એટલે છોકરાંનાં નાક કાપી નાખ્યાં, ને બીજાં જન્મે કે તુરત નાક કાપી નાખે; એમ પોતા જેવા કરવામાં સૌને તાન છે. એમ સત્સંગમાં પાપી ભરાણા છે તે પોતે નરકમાં જાશે ને બીજાને નરકમાં નાખશે; તે કેટલાક ભૂતયોનિને પામશે. અત્યારે તો ખેલે છે અને સત્સંગ વગોવે છે, તે તેને શું? પણ આવો મહાનિર્મળ ને નિષ્કલંક ઉજ્જવળ સત્સંગ છે તેને કલંક લગાડે છે અને સારાને સંતાપે છે; પણ ‘કોયલાને ડાઘનો ભય નથી.’, માટે સારાએ સાવધાન થઈ સત્સંગ રાખવો.
તાન : લગની, આગ્રહ, મસ્તી.
(149) મતપંથરૂપી વાડા તોડીને આવ્યા છે ને પાંજરાં ભાંગીને આવ્યા છે. તે ઉપર પાટીદાર તુળસીભાઈની વાત કરી જે, એ કશીઆભાઈના ભાઈ હતા, પણ તેની મહોબત મૂકીને સત્સંગ કરી માથા સાટે રાખ્યો. અને બીજા એક પાટીદારને એવું નિયમ જે, હરકોઈ તેને ઘેર મહેમાન આવે, તેને ચાર વખત ‘સ્વામિનારાયણ’ એમ નામ લેવરાવીને ખાવા આપે. તેને ઘેર આ કશીઆભાઈ મહેમાન થયા. એટલે તે પાટીદાર મૂંઝાણા જે, આ મહાકુસંગી છે ને ઘેર આવ્યા તે ખવરાવવું તો પડશે ને મારું નિયમ જાશે. પછી તે કહે, ‘કશીઆભાઈ, માળું સ્વામિનારાયણનું તો બહુ ચાલ્યું !’ ત્યારે કશીઆભાઈ કહે, ‘હા, સ્વામિનારાયણનું તો ચાલ્યું.’ વળી ભાણે બેઠા ત્યારે વાત કરી કે, ‘સ્વામિનારાયણ પ્રતાપી બહુ.’ ત્યારે કહે, ‘હા, સ્વામિનારાયણ પ્રતાપી ખરા!’ વળી કહે, ‘સ્વામિનારાયણમાં નિષ્કામધર્મ ખરો !’ ત્યારે તે કહે, ‘સ્વામિનારાયણવાળા નિષ્કામી ધર્મવાળા તો ખરા !’ વળી કહ્યું કે, ‘સ્વામિનારાયણના સાધુ જેવા દ્રવ્ય ને સ્ત્રીના ત્યાગી એવા બીજા કોઈ નહિ.’ ત્યારે કહ્યું કે, ‘હા, સ્વામિનારાયણના સાધુ જેવા બીજા કોઈ નહિ.’ એમ નિયમ રાખ્યો.
વળી મહોબત મૂકવા ઉપર સર્વનિવાસાનંદસ્વામીની વાત કરી જે, તેમને વરતાલમાં ગોપાળાનંદસ્વામીનો સમાગમ કરવા આવવું હતું, તે તૈયાર થયા તે વખતે અયોધ્યાપ્રસાદજી મહારાજે કહ્યું જે, ‘તમે માગો તેટલાં પુસ્તક, ગાદી-તકિયા ને જોઈએ તેટલા સાધુ ને વીસ જોડ ચરણારવિંદ આપું પણ તમે આંહીં રહો.’ ત્યારે સર્વનિવાસાનંદસ્વામી કહે, ‘એ માંહેલું મારે કાંઈ જોઈતું નથી. મારે તો ગોપાળાનંદસ્વામી જોઈએ છીએ, તે જો તમારી પાસે હોય તો આંહીં રહું.’ એમ એવા મોટા આચાર્ય તથા સાધુની મહોબત તોડીને ગોપાળાનંદસ્વામીનો સમાગમ વરતાલ આવીને કર્યો.
સાટે : બદલેઅવેજમાં.
(150) તેમજ આ પ્રાગજી ભક્ત તથા મનજીભાઈ તથા કારિયાણીના નથુ પટેલ એ સર્વ ગઢડા દેશમાં રહે છે અને ગઢડાના સૌ સાધુ આંહીં અમારી પાસે આવવાની તેમને ના કહે છે તો પણ તે સર્વેની મહોબત મૂકી અમારો સમાગમ કરવા આંહીં આવે છે. અને ગઢડાના તો તેમને બંડિયા કહે છે પણ આ સાધુ તેમના ઉપર રાજી છે તો મહારાજ રાજી થઈ રહ્યા છે.
(151)
જેમ ચીલ ચડે આસ્માને રે, નજર તેની નીચી છે;
દેખી મારણને મન માને રે, અન્ય જોવા આંખ મીંચી છે.
(કીર્તન મુક્તાવલિ : 1041)
તે કેટલાક ઊંચા હાથ રાખે છે, કેટલાક સંન્યાસી થયા છે, કેટલાક ઉઘાડા ફરે છે પણ વિષય મળે ત્યારે કટ લઈને ઉપાડે છે ને પતંગિયું જેમ અગ્નિમાં પડે છે તેમ આંધળા થઈને વિષયમાં ટટકાય છે.
(152) વરતાલમાં મહારાજ પાસે પાટીદાર આવ્યા. તેમણે પૂછ્યું જે, ‘જીવમાત્રનું મન ક્યાં રહે છે ?’ તેનો ઉત્તર મહારાજે કર્યો જે, ‘સ્ત્રીને પુરુષના ને પુરુષને સ્ત્રીના અંગમાં રહે છે.’ માટે એ વિષય તો કોઈથી મુકાય એવો નથી, આ તો મહારાજે જ નિષ્કામી વર્તમાન પળાવ્યું છે. આંહીં નાગર આવ્યા, તેમણે કહ્યું જે, ‘તમારા વર્તમાને તો અમારું કાળજું કાપી નાખ્યું છે!’ એ વિષય બહુ બળવાન છે તે ઉપર વાત કરી જે, એક ગામમાં મુસલમાન ભાઈ-બાઈ રહે તે તેમને સાંધો થયો, પછી પાટિયું મૂકીને બાઈ પાસે જાય; એમ ઘણું ચાલ્યું. પછી તે બાઈને ટૂંટિયું થાવાથી દેહ મૂકી ગઈ, તે વાતની ખબર પડી; ને ભાઈ તો વિષયી તે બહુ અકળાયો, ને ઘોર પાસે ગયો, ને સ્ત્રીના મડદાને કાઢીને સંગ કર્યો. માટે આ સાધુના સંગથી જ આટલું શુદ્ધ રહેવાય છે.
(153) મહારાજે શાલિગ્રામ પૂજવા આપ્યા ત્યારે બ્રહ્માનંદસ્વામી કહે, ‘શું કામ આ પૂજાવો છો ?’ તો મહારાજ કહે, ‘સર્વેનું ભરણ પોષણ કરે છે.’ ત્યારે બ્રહ્માનંદસ્વામી કહે, ‘અમે પણ કરીએ.’ પછી મહારાજ કહે, ‘આજ વિષ્ણુને અમે ના પાડીએ છીએ, તમે કરો.’ પછી ધ્યાનમાં ઊતરી ગયા, ને સર્વે બ્રહ્માંડના જીવોને અન્ન વસ્ત્ર આપ્યાં, પણ ઓલ્યા મુસલમાનને ન આપ્યું; કેમ કે, બહુ પાપી. પછી મહારાજે કહ્યું કે, ‘કેમ, કર્યું ?’ એટલે હા કહી. પછી કહે, ‘મુસલમાનને કેમ ન આપ્યું ?’ ત્યારે કહે, ‘એવા પાપીને ન અપાય.’ ત્યારે મહારાજે કહ્યું જે, ‘તે માટે જ વિષ્ણુને સોંપ્યું છે, માટે કરો પૂજા !’
દૃષ્ટાઃ સ્પૃષ્ટા નતા વા કૃતપરિચરણા ભોજિતાઃ પૂજિતા વા
સદ્યઃ પુંસામઘૌઘં બહુજનિજનિતં ઘ્નન્તિ યે વૈ સમૂલમ્ ।
પ્રોક્તાઃ કૃષ્ણેન યે વા નિજહૃદયસમા યત્પદે તીર્થજાતમ્
તેષાં માતઃ પ્રસંગાત્ કિમિહ નનુ સતાં દુર્લભં સ્યાન્મુમુક્ષોઃ ॥
(સત્સંગિજીવન : શ્રી ધર્મનન્દનાષ્ટકમ્ -1/32/46)
અર્થ :- જે સંતોના દર્શનમાત્રથી, જેમનો સ્પર્શ કરવાથી, જેમને નમવાથી, જેમને જમાડવાથી, જેમની સેવા કરવાથી, કે જેમનું પૂજન કરવાથી, તે કરનારા પુરુષોના અનેક જન્મોના પાપ પુંજનો મૂળે સહિત તે જ ક્ષણમાં નિશ્ર્ચે નાશ થઈ જાય છે. વળી, જે સંતોને શ્રીકૃષ્ણ ભગવાન પોતાના હૃદય સમાન કહે છે અને જેમના ચરણકમળમાં સર્વ તીર્થો નિવાસ કરીને રહ્યા છે એવા સાધુઓના પ્રસંગથી આ લોકમાં મુમુક્ષુને દુર્લભ શું હોય ? કાંઈ પણ નથી.
એવા તમને મળ્યા છે.
કરો : ઘરની દિવાલ.
અર્થ : ધન, સંપત્તિ.
(154) વિષ્ટાના કીડા છે તેને તો વિષ્ટાની ગંધ આવતી નથી તેમ જીવને સંસારનાં દુ:ખ પણ કળાતાં નથી તે ઘરમાં ખાવા ન મળતું હોય ને છોકરાં સાત હોય ને મહાહેરાન થાતા હોય પણ તેનો અભાવ ન આવે. તેમ અમારે પણ કોઈ કોઈ લાંપડા જેવા આવ્યા છે તે સાચવવા પડે છે.
(155) ગૃહસ્થને બાયડી, છોકરો, રૂપિયા ને સાજું દેહ, એ પ્રભુ ભજ્યામાં ઉપયોગી છે તે બાયડી હોય તો વર્તમાન પળે ને રૂપિયા હોય તો વહેવારે સુખી રહેવાય ને સમાગમ કરવો હોય તો થાય, ને છોકરો હોય તે ઘરનું કામ કરે, ને દેહ સાજું હોય તો માળા ફરે, સારા સાધુની અનુવૃત્તિ પળે ને સમાગમ થાય. એમ ભગવાનના ભક્તને બધી વાત સવળી છે ને વિમુખને બધું અવળું છે ને બંધનકારી છે.
અનુવૃત્તિ : મરજી.
(156) ત્યાગીને તો આ દેહ સ્વસ્થ કહેતાં સ્વતંત્ર હોય તો પ્રભુ ભજાય ને ખાઈને સૂઈ રહે અને કાંઈ ક્રિયા ન થઈ શકે તેવું દેહ હોય તો સેવા થાય નહિ. વળી દેહ સારું હોય ને શિષ્ય પાસે બધું પોતાના દેહનું કરાવે તેથી પણ દેહ બગડી જાય ને પરાધીન થઈ જાવાય ને શિષ્ય ન રહે તે દિવસ દુ:ખ થાય. માટે પોતાના દેહની ક્રિયા નહાવું, ધોવું આદિક તો પોતે જ કરવી.
(157) જેને ભગવાનમાં તાન લાગે તેને વિષય ઝેર જેવા લાગે, પછી તેને ઘરમાં માલ ન જણાય ને બહુ વેગ લાગે તો ધાન પણ ન ભાવે, ને બધાં શૈલ્યમાત્ર નીકળી જાય.
તાન : લગની, આગ્રહ, મસ્તી.
(158) નિજાત્માનં બ્રહ્મરૂપં દેહત્રયવિલક્ષણમ્ । એ વાત અવશ્ય કરી લેવી; તે મૂર્તિમાન બ્રહ્મને પામી બ્રહ્મરૂપ થઈ મહારાજની સેવામાં રહેવું છે, ને જો આ સાધુની આજ્ઞા નહિ પળે ને અક્ષરરૂપ નહિ થાવાય તો મહારાજની સેવામાં નહિ રહેવાય ને બીજે ગોથાં ખવાશે. દીકરો કામ કરનારો થાય કે નાનોભાઈ કામ કરનારો થાય તો ય હાથ-પગ પછાડવા એ અજ્ઞાન છે. ઘરડાંને એમ રહે છે જે છોકરાંને કાંઈ આવડતું નથી; તે શું ? જે, પોતાને કરવાનો રાગ છે, તે કરે છે ને છોકરાંને કરવા દે નહિ. તે ઉપર ભગા શેઠની વાત કરી જે, વાસીદું પણ ઉપર ઊભા રહીને વળાવે.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
ગોથાં : નકામાં ફાંફાં, ભૂલથાપ.
(159) જ્યારે પોતાને જ્ઞાન થાશે ત્યારે જ વિષય ખોટા થાશે. તે ઉપર હીરા પારખ્યાની મામા-ભાણેજની વાત કરીને કહ્યું જે, જ્યારે પોતાને એનો અનુભવ થાશે ત્યારે ખોટાને વિશે કાંઈ સત્યતા રહેશે નહિ. વળી વાત કરી જે, રામાનંદસ્વામીએ મયારામ ભટ્ટને પરણવાની ના પાડી ને પરણ્યા. ને ગણોદના ખત્રી જમાભાઈ જતા હતા, તે જાન બાસેટી ત્યારે ભાદરને કાંઠે ફૂલવાડીમાં મહારાજ ને સંત હોવાથી, ‘જાણે દર્શન કરતો જાઉં.’ તે ગયા, પગે લાગી ઊભા રહ્યા, ને જાણે જે મહારાજ રજા આપે કે જાઓ, ત્યારે જાઉં. પણ મહારાજે તો જાઓ એમ ન કહ્યું. પછી મુક્તાનંદસ્વામીએ મહારાજને કહ્યું જે, ‘આ જમાભાઈને રજા આપો, જાન ઊભી છે.’ પછી મહારાજ કહે, ‘જાઓ, ભાઈ, જાઓ, પરમેશ્ર્વર શું ભજશો ! પરણેતર કેડે પડ્યું !’ એ સાંભળીને જમાભાઈ ખત્રીને એમ થયું જે મહારાજને ન ગમ્યું. પછી એક દીકરો થયો. ને દીકરાને છાપનું કામ આવડ્યું એટલે કહ્યું કે, ‘હવે હું છાપનું કામ નહિ કરું, મંદિરમાં બેસી માળા ફેરવીશ.’ તે દીકરો નાનો પણ ડાહ્યો તેથી કહે કે, ‘બાપા ! આજ સુધી તમે પોષણ કરી મોટો કર્યો ને હવે હું રળીને ખવરાવીશ, સુખેથી મંદિરમાં કથાવાર્તા કરી માળા ફેરવી સુખિયા રહો.’ પછી ઝુણોભાઈ ને જમાભાઈ ખત્રી ‘વચનામૃત’ લઈ ને એવી જ્ઞાનવાર્તા કરે કે, તેમાં સર્વોપરીપણું ને પ્રગટ પ્રમાણ ભગવાન ને પ્રગટ અક્ષરનું નિરૂપણ કરે, ને મહારાજનાં બધાં વચન બરાબર જેમ નિશાન પર છે તેમ જ સમજે. એમ લઈ મંડે તો જ આ અક્ષર-પુરુષોત્તમનું ખરેખરું જ્ઞાન થાશે અને બીજે ક્યાંય સુખ નહિ મનાય. બાયડી ધૂડની, છોકરાં ધૂડનાં, દેહ ધૂડનો એમ સર્વે એવું જણાશે.
કેડે : પાછળ.
રળીને : ધન કમાવાની મહેનત કરીને
નિરૂપણ : બરોબર વર્ણવવું, યથાર્થ વર્ણન
(160) ભગવાન અને અક્ષરધામ વિના ક્યાંય ઠરવાનું નથી. ને જીવ તો પોતાનું બગાડવા તૈયાર થયો છે જે, ભગવાનથી નોખો રહે, મોટા સાધુથી નોખો રહે ને કુસંગનો જોગ રાખે. તે ઉપર બોલ્યા જે,
ચાલે છે ચોરને મારગે, ખરેખરું માને છે ક્ષેમ;
જ્યાં માથાં કપાણાં સોયેસોયનાં, ત્યાં કુશળ રહીશ કેમ ?
(નિષ્કુળાનંદ કાવ્ય : વચનવિધિ-19)
વાવ્યો મોલ સારો ત્યાં લગી, જ્યાં લગી નથી ખવાણો ખડજમાં,
તેમ હરિજન સારો ત્યાં લગી, જ્યાં લગી નથી આવ્યો વિમુખની વડજમાં .
(નિષ્કુળાનંદ કાવ્ય : વચનવિધિ-17)
બહુ ભક્ષી બીજ ધતુરનાં, જાણે ખાઈ ભાંગીશ ભુખને,
પણ ઘડીક પછી ઘાંટો ઝલાઈ, મરીશ પામી બહુ દુ:ખને.
(નિષ્કુળાનંદ કાવ્ય : વચનવિધિ-19)
તારાપરના પટેલની વાત કરી જે, ગામની નાત કરતો પછી અમે કહ્યું જે, ‘અમારે રસોઈ કરવી છે.’ ત્યારે તેણે સામું પણ જોયું નહિ. ને પછી તો બધુંએ ટળી ગયું. પછી અમને મળ્યો ત્યારે ભોંઠો પડ્યો. તેમ જીવને અધિકારે ને લક્ષ્મીએ ને કોઈક માન આપે તેથી કરી મદ આવે છે.
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
(161)
સેવક સુખ ચાહે માન ભિખારી, વ્યસની ધન શુભ ગતિ વ્યભિચારી;
લોભી યશ ચહે ગુણ અભિમાની, નભ દુહી દૂધ ચહત એ પ્રાની.
એ સાખી બોલીને કહે જે, કપાળમાં નહિ ને ભૂંડી ટેવું પાડવી તે બહુ ભૂંડું છે; તે કપાળમાં નહિ ને સારું સારું ખાવા જોઈએ, ગાદલું પાથરવા જોઈએ, ગાડી જોઈએ, સારાં લૂગડાં જોઈએ. વળી આપણે આંહીં છીએ ને ગઢડે કે વરતાલે કોઈકે આપણને ગાળો દીધી તેનું દુ:ખ આંહીં બેઠાં બેઠાં હૈયામાં ઘાલવું તે પણ અજ્ઞાન છે ને અણસરજી પીડા છે ને તે સારુ જીવ રોવા બેસે, વળી તેનું ભૂંડું કરવા જુક્તિયું કરી કંઈકને અવળે ભામે ચડાવે.
(162) લાલાભાઈને છ મહિના ભેળું રહ્યાનું કહ્યું ને અરજણ બાબરીઆને અને વલ્લભજી શેઠને પણ કહ્યું. આ સાધુ ભેળા સાક્ષાત્ ભગવાન છે અને જે અમારો થાય છે તે ભગવાનનો થઈ રહ્યો. જેમ અમૃતમાં બધી ઔષધિમાત્ર આવી જાય અને ચિંતામણિમાં બધું દ્રવ્યમાત્ર આવી જાય, તેમ મહારાજનું પરમ સત્ય સ્વરૂપ છે તેમાં સર્વે સાધુ ને ભગવાન આવી ગયા કારણ કે, એક ક્ષણનો કરોડમો ભાગ પણ આ સાધુથી મહારાજ વ્યતિરેક થાતા નથી. આજ તમારે બહુ લાભ થયો છે. માટે ડાહ્યો કોણ ? તો પોતાનો મોક્ષ સાધે તે ડાહ્યો છે.
(163) સ્વાદથી ખાવાની ટેવ પડી હોય તો પૂરું મેળવાય નહિ, ને ભંડારીનો અભાવ આવે તે ભગવાનની જીભ ઉપર પગ દીધો કહેવાય. કેમ જે, મેળવ્યા વિના ખાધું તેમાં આજ્ઞા લોપાણી. પણ શિષ્ય કહે, ‘તમે મોટા ને વૃદ્ધ છો તેને કાંઈ બાધ નહિ.’ પણ અમારે મહારાજને શા માટે કુરાજી કરવા ? થોડા દિવસ રહેવું ને આજ્ઞા કોઈ દિવસ લોપી નથી ને હવે લોપવી પણ નથી; કારણ કે, અમારો વાદ લઈ બીજા પણ વાંસેથી એમ કરે, ને અમે તો બીજાની શિક્ષાને અર્થે મહારાજની આજ્ઞા પ્રમાણે જ વરતીને બીજાને વરતાવશું. શરીર દબાવવાની કે, કચરાવવાની ટેવ પાડી હોય તેમાંથી પણ ભૂંડું થાય, તે એક સાધુને કચરાવવાની ટેવ પડી તે બે જણા કચરે તો પણ કળતર મટે નહિ. ને મધ્યનું 28મું વચનામૃત વંચાવ્યું; તેમાં સેવાને મોટો ગુણ કહ્યો છે.
બાધ : દોષ.
લોપી : ન માનવા દે, ઉલ્લંઘન કરાવે.
(164) ગૃહસ્થ હોય તેને છોકરાં, સ્ત્રી, રૂપિયા ને દેહ એ જો ભગવાનના કામમાં ન આવ્યું ત્યારે હાર્યા કહેવાય; અને ત્યાગીને આ દેહ ને મન છે તે બાયડી જેવું છે ને ઇન્દ્રિયું છોકરાં જેવી છે, તે જો ભગવાનના કામમાં ન આવ્યાં તો તેમણે તો ભેખ બગાડ્યો !
ભેખ : સંન્યાસ.
(165) માંદાની સેવાથી ભાગીએ કે રોટલા ઘડવાથી ભાગીએ તે ઠીક નહિ ને આગળ તો મોટા મોટાએ સેવા માગી છે.
(166) મહારાજ પાસે એક બાઈ બધા રૂપિયા ન માની ને પાંચ હજાર માની. તે ધાડું પડ્યું તે રૂપિયા વીસ હજાર ચોર લઈ ગયા ને પાંચ હજાર રહ્યા. એમ મહારાજ પાસે પણ સાચું ન બોલી; એવું રૂપિયાનું પાપ છે.
(167) કેટલાક એમ કહે છે જે, પતિવ્રતાના અંગવાળા ભક્તે ભગવાનના જેવું હેત મોટા મોટા સાધુમાં ન કરવું. તેમાં છેલ્લાનાં 16માં વચનામૃતની શાખ આપે છે; પણ મહારાજનો તો એવો મત નથી. ને વરતાલનાં પાંચમાં વચનામૃતમાં ઉત્તમ લક્ષણવાળા જે સંત તેની પુરુષોત્તમના ભેળી સરખી સેવા કરે તો સો જન્મે શુદ્ધ થાવાનો હોય તો એક જ જન્મે શુદ્ધ થાય છે, એવો નિત્યાનંદસ્વામીના પ્રશ્ર્નનો ઉત્તર છે ને છેલ્લાનાં 26માં વચનામૃતમાં ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય જે સંત તે કહ્યા છે. માટે છેલ્લાનાં 16માં વચનામૃતમાં જે સરખું હેત કરવાની ના પાડી છે તે તો શ્રીજીમહારાજની સર્વોપરી નિષ્ઠા વગરના ને જેને અવતારાદિકનો હૈયામાં ભાર હોય એવા બીજા ધામના જે ભક્તો આંહીં આવ્યા હતા ને મોટા મોટા કહેવાતા હતા તેમની સાથે પ્રીતિ કરવાની મહારાજે ના પાડી છે. પણ મહારાજના અને અક્ષરબ્રહ્મના સ્વરૂપ જ્ઞાનને જે ભક્તોએ સિદ્ધ કર્યું છે, તે સર્વેને તો માનવા, પૂજવા અને સેવવા એવો મહારાજે અનેક વચનામૃતમાં પોતાનો મત કહ્યો છે. તે જુઓ, પ્રથમનાં 54માં વચનામૃતમાં એવા સંતના પ્રસંગ થકી મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે અને મધ્યનાં 54માં વચનામૃતમાં એવા સંત સાથે જેને દેહ, સંબંધી, દેવ ને તીર્થ જેવી બુદ્ધિ નથી તો તેને બળદિયો કહ્યો છે. અને મધ્યનાં 28માં વચનામૃતમાં મહારાજે કહ્યું જે, ‘હું તો એવા ભગવાનના ભક્તનો પણ ભક્ત છું, અને હું ભગવાનના ભક્તની ભક્તિ કરું છું; એ જ અમારે વિશે મોટો ગુણ છે.’ અને છેલ્લાનાં 7માં અને 11માં વચનામૃતમાં એવા ભક્તમાં જ આત્મબુદ્ધિ કરવાનું કહ્યું છે. વળી,
ધર્મસ્ત્યાજ્યો ન કૈશ્ચિત્ સ્વનિગમવિહિતો વાસુદેવે ચ ભક્તિ
ર્દિવ્યાકારે વિધેયા સિતઘનમહસિ બ્રહ્મણૈક્યં નિજસ્ય ।
નિશ્ચિત્યૈવાન્યવસ્તુન્યણુમપિ ચ રતિં સમ્પરિત્યજ્ય સન્ત
સ્તનમાહાત્મ્યાય સેવ્યા ઇતિ વદતિ નિજાન્ ધાર્મિકો નીલકંઠઃ ॥
(સત્સંગિજીવન : શ્રી ધર્મનન્દનાષ્ટકમ્ )
અર્થ :- ‘કોઈએ પણ પોતાના ધર્મગ્રંથોમાં કહેલા ધર્મનો ત્યાગ ન કરવો જોઈએે, ભગવાન શ્રી વાસુદેવ કૃષ્ણના દિવ્યસ્વરૂપની ભક્તિ કરવી જોઈએ. શ્ર્વેત વાદળના તેજ સમાન ઘનશ્યામ શ્રીકૃષ્ણરૂપ બ્રહ્મમાં પોતાની એકતાનો (અભેદનો) નિશ્ર્ચય કરવો અને અન્ય વસ્તુ પર સહેજ પણ પ્રેમ હોય તો તેને તજી દેવો. સંતનો મહિમા આપણને પણ પ્રાપ્ત થાય તે માટે સંતોની સેવા કરવી.’ આ પ્રમાણે ધર્મપરાયણ નીલકંઠ મુનિ પોતાના ભક્તોને ઉપદેશ આપે છે.
એમ કહ્યું. અને વરતાલના 11માં વચનામૃતમાં એમ કહ્યું જે, સત્પુરુષને વિશે દૃઢ પ્રીતિ એ જ આત્મદર્શનનું સાધન છે અને મહિમા જાણ્યાનું પણ એ જ સાધન છે અને પરમેશ્ર્વરનું સાક્ષાત્ દર્શન થાવાનું પણ એ જ સાધન છે ને સારંગપુરનાં 10માં વચનામૃતમાં કહ્યું છે જે, એવા સંતનું દર્શન સાક્ષાત્ ભગવાનનાં દર્શન તુલ્ય છે. માટે ઉત્તમ લક્ષણવાળા સંતની તો ભગવાનની પેઠે સેવા કરવી, એવો તો મહારાજનો મત છે. કેમ જે, એવા સંત તો મહારાજના સ્વરૂપમાં પતિવ્રતાની ભક્તિ દૃઢ કરાવી મુમુક્ષુને એકાંતિક ભાવે મહારાજમાં જ જોડે છે. ને મુક્તાનંદસ્વામીના કીર્તનમાં કહ્યું છે જે,
જીન નરતન ધરી સંત ન સેવ્યા, તીન નિજ જનની વિગોઈ;
(કીર્તન મુક્તાવલિ : 712)
તેથી એવા પરમ એકાંતિક ભક્તની સેવા અને પ્રસન્નતા તે સ્વયં મહારાજની જ સેવા પ્રસન્નતા છે તેથી જે એ છેલ્લાનાં 16માં વચનામૃતનો અવળો અર્થ કરે છે તેને મહારાજના વચનમાં નજર જ પડી નથી અને તે તો કેવળ પ્રાકૃત છે એમ જાણવું.
નિષ્ઠા : શ્રદ્ધા, આસ્થા, વિશ્ર્વાસ, ધારણા.
આત્મબુદ્ધિ : પોતાપણાની ભાવના, 'દેહ તે હું નહિ પણ આત્મા છું' એવી બુદ્ધિ.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
(168) આગ્રહ રાખી કથાવાર્તામાં મન રાખશે તો આજ જ આત્યંતિક જ્ઞાન સિદ્ધ થાશે, કારણ કે, મૂળ જ્ઞાન આપનારા આજ તમને હાથોહાથ મળ્યા છે.
(169) હમણાં તો કેટલાક મહારાજના મળેલ બેઠા છે કેટલાક ગોપાળાનંદસ્વામીના મળેલ બેઠા છે; તે હજુ તો મધ્યાહ્ન કાળનો સૂર્ય છે. મહારાજ પ્રગટયા તે સૂર્ય ઉદય થયો ને મૂળ અજ્ઞાનરૂપ અંધકાર કાઢી પ્રકાશ કર્યો, અને આજ સર્વે પ્રકારે શાંતિ, સુખ, સગવડતા, પુસ્તક, મંદિર, રાજા ને લોક તરફથી પણ કાંઈ ઉપાધિ નથી અને અન્ન-વસ્ત્રો પુષ્કળ છે, એમ ભગવાન ભજ્યાનો બધો સાજ મળેલ છે; અને અમને યથાર્થ સુખ આપવા મૂકી ગયા છે. તે સૌને આ સંબંધથી અક્ષરરૂપ કરી મહારાજની સેવામાં મૂકવા છે. માટે સૌ ખબરદાર રહેજો! અને જૂનાગઢ દેશને તો સર્વ વાતે સર્વોપરી કરશું. તે આજે બીજે ગોટા વાળવા મંડી પડ્યા છે, અને આંહીં મહારાજની આજ્ઞા ને ઉપાસના બરાબર પળે છે, તે આ સાધુના અનુગ્રહથી છે.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
(170) જ્ઞાન થાવું તે કાંઈ પુસ્તક પૂજે કે, લાડવા ખાધે કે, સાંઠીઓ સૂડ્યે કે, પથરા ઉપાડે કે, વાડી કર્યે કે, ખાઈને મેડા ઉપર સૂઈ રહ્યે થાશે ? સાધુ સમાગમ વિના જ્ઞાન તો કોઈ રીતે થાય જ નહિ અને આમ ગળું તાણીને કહીએ છીએ, પણ કેને એવો ઇશક છે કે વાતું કહેવી ને સાંભળવી ? એવો ઇશક તો શિવલાલને હતો. ને જ્ઞાન વિના પુસ્તક ભેળાં કરશે તેથી કાંઈ દોષ ટળશે નહિ. ત્રિકમદાસ પુસ્તક ભેળાં કરીને પટારામાં નાખે છે, તેમાં શું જ્ઞાન થાય ? આંહીંથી સંકેલ્યું, ત્યાંથી સંકેલ્યું, બધું સાચવ્યું, એમાં પણ શું જ્ઞાન થાય ? ન જ થાય. એ તો વાંચે, વિચારે, મનન કરે, ને ગુરુ કહે તે પ્રમાણે શિષ્ય થઈ વરતે તો જ્ઞાન થાય.
(171) અહો ! આ વાતું કેવી છે ! તો સૂતા રહીએ અને કોઈ મથુરાનો પેંડો મોઢામાં મૂકી જાય તેમ મોટા છે તે વાતું સંભળાવે છે માટે આપણે પણ ખપ રાખી વિચાર કરવો કે મહારાજ ને આ સાધુ આંહીં જીવનું મૂળ અજ્ઞાન કાઢવા આવ્યા છે, તેથી રાત દિવસ વાતું કરી સોપો પડવા દેતા નથી અને આપણા માટે આવ્યા, અને આપણે ગાફલાઈ રાખી સૂઈ રહીએ તે કેવું કહેવાય ! માટે આ જોગ તો એવો છે કે સત્સંગી નથી થાવું ને થઈ જવાશે.
તે ઉપર કલ્યાણભાઈની વાત કરી જે, ચણાના ખેતરમાં ચોર આવી, ફાંટ ભરી ચણા લઈ જાતા હતા ત્યાં કલ્યાણભાઈને દીઠા, તે બીના. પણ કલ્યાણભાઈએ તો બહુ સન્માન આપી કહ્યું કે, ‘ભલે લીધા, ને આવો આપણે ઓળા પાડી ખાઈએ ને બીજા ઘેર લઈ જાજો.’ પછી પોતે ઓળા પાડીને આપ્યા ને કહ્યું જે, ‘હંમેશ આવતા જાજો, ને ખેતર તમારું છે, તે જોઈએ તેટલા લઈ લેવા.’ પછી ચોરને બહુ ગુણ આવ્યો ને ચોરી કરતાં આળસ્યા અને સત્સંગી થયા; એમ સત્સંગ કરાવ્યો.
વળી બીજી વાત કરી જે વણથળીના કોઈક કણબીને કલ્યાણભાઈના શેઢાશેઢ ખેતર, પણ કલ્યાણભાઈની વાતું ન સાંભળવી એવી ટેક ને તેને એમ જે, જો વાતું સાંભળીશ તો સત્સંગી થઈ જવાશે; તેથી કલ્યાણભાઈ ભેળો ન થાય. પણ કલ્યાણભાઈએ ધાર્યું જે આને મારે સત્સંગી કરવો. પછી વાઢ વાવ્યો ને તૈયાર ઊગીને મોટો થયો ત્યારે તે પટેલને કહ્યું જે, ‘તમે આ વાઢમાં ભાગ રાખો તો ઠીક. અમારાથી ખરચે પૂગાતું નથી.’ તેણે ના કહી ને એ વાત તેની સ્ત્રી આગળ કરી. ત્યારે તે કહે જે, ‘ભાગ શું કામ મૂકો છો ? કાંઈ મહેનત કે ઝાઝું ખરચ નથી, તૈયાર જમણ જમવા જેવું છે.’ પછી ભાગની હા પાડી કહ્યું જે, ‘હું તેમાં કામ કરવા નહિ આવું.’ ત્યારે કલ્યાણભાઈ કહે, ‘કામ અમે કરશું.’ આથી કલ્યાણભાઈનો મનમાં તેને બહુ ગુણ આવ્યો. પછી પાસે બેસવા લાગ્યો ને વાતું કરે, તે ગુણ આવ્યાથી સારી લાગે ને એમ વાતું કરતાં કરતાં સત્સંગી કરી દીધો.
પછી મહારાજની મૂર્તિનાં ચિહ્ન વર્ણન તેની આગળ કહે, તેમાં એક ચિહ્ન કલ્યાણભાઈને સાંભરે નહિ જેથી વર્ણન ન કરેલ. પછી તે રાતે તેને મહારાજે દર્શન આપ્યાં ને તેને કહ્યું જે, ‘બધાં ચિહ્ન ધારો છો ને આ ચિહ્ન કેમ નથી ધારતા ?’ ત્યારે તે કહે જે, ‘કલ્યાણભાઈએ મને કહ્યું નથી.’ પછી આ વાત તેણે કલ્યાણભાઈને કરી. ત્યારે કલ્યાણભાઈ કહે, ‘અહો ! તમને મહારાજે દર્શન દીધાં ! એ તો ભારે વાત કહેવાય !’ એવો સત્સંગી કરવાનો ભારે આગ્રહ.
વળી બીજી વાત કરી કે, પોતાના ખેતરમાં રખત ખડ રાખી મૂક્યું હતું. પછી કોઈ ખડ લેવા સીમમાં જાતા હોય તેને કલ્યાણભાઈ કહે, ‘ચાલો, મારે ખેતર રખતનું બહુ સારું છે.’ એમ કહીને તેડી જાય ને પોતે પણ કાપી ખડ લેવરાવા લાગે ને વાતું કરતા જાય ને ફાંટમાં ખડ નાખતા જાય; આથી તે ખડ લેનારા ને બહુ ગુણ આવ્યો ને સત્સંગી થઈ ગયા. વળી દર વરસે કલ્યાણભાઈ સાથી રાખે તેને વાતું કરી સત્સંગી કરે ને બીજે વરસે બીજાને રાખી નવા સત્સંગી કરે. એમ મોટા એકાંતિકને સત્સંગ કરાવવાનો બહુ આગ્રહ. કારણ મહારાજનો એવો મત કે ઘણા જીવોનું કલ્યાણ કરવું. તે ઘણા જીવોનું કલ્યાણ કરે તે અતિ મોટા છે. જેમ પર્વતભાઈ બહુ મોટા હતા અને તેમની મોટાઈ સત્સંગમાં પણ બહુ. તે શાથી, જે ઘણાને સત્સંગ કરાવતા; માટે જેણે પર્વતભાઈનાં દર્શન ન કર્યાં હોય, તે આ કલ્યાણભાઈનાં દર્શન કરો, એટલે પર્વતભાઈનાં દર્શન થઈ રહ્યાં.
ધારો : રીતિરિવાજ, પ્રથા, પદ્ધતિ.
ખડ : ઘાસ.
(172) આ સત્સંગની ક્રિયા લોકના જેવી જણાય છે પણ એમાં બહુ લાભ રહ્યો છે. ને એકાંતિક ભેળું નિવાસ કરીને રહેવું તે સત્તારૂપે રહેવા કરતાં પણ અધિક છે; કાં જે, આત્મારૂપે રહે તેથી દેહ ભેળું તો ન ભળાય, પણ જ્ઞાનની વૃદ્ધિ પામવી તે તો એકાંતિકના સંગમાં છે. ને સત્તારૂપે વરતે તેમાં તો પોતે સુખિયો રહે, પણ બીજાને સત્સંગનું સુખ ન મળે. માટે એકાંતિકના સંગમાં રહ્યાથી સર્વ પ્રકારે વૃદ્ધિ પમાય છે, એવો મહિમા ‘વચનામૃત’માં કહ્યો છે; માટે એવો લાભ મળ્યો ને વિષય સારુ વલખાં થાય છે, તે અજ્ઞાન છે ને પશુબુદ્ધિ છે.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
(173) ‘શ્રીમદ્ ભાગવત’ શાસ્ત્ર છે, તેનો અર્થ યથાર્થ તો વ્યાસજી કહે, ‘હું જાણું છું, કેમ કે મેં કર્યું છે; કાં શુકજી જાણે, કારણ કે શુકજીને મેં ‘ભાગવત’ પોતે ભણાવ્યું છે. અને બીજા તો કાંઈ જાણે ને કાંઈ ન ય જાણે ! અને કોણ જાણે? તો, પ્રગટ ભગવાનનો ભક્ત હોય ને નિષ્ઠા બરાબર હોય તે જાણે અને તે વિના તો બીજો તો ભાષાએ કે ટીકાએ કરીને પણ રહસ્ય ન જાણે.’ તેમ જ મહારાજનો જે રહસ્ય તે એક મહારાજ કાં મહારાજ સાથે આ મૂળઅક્ષર આવ્યા છે તે જાણે; કાં આ સાધુને વિશે સર્વોપરી નિષ્ઠા હોય ને હેતે કરી તેનો વિશ્ર્વાસ કર્યો હોય તે જાણે; પણ બીજો તો યથાર્થ અભિપ્રાય જાણી શકે નહિ, એ સિદ્ધાંત છે.
અર્થ : ધન, સંપત્તિ.
નિષ્ઠા : શ્રદ્ધા, આસ્થા, વિશ્ર્વાસ, ધારણા.
(174) ધર્મ, અર્થ ને કામ તે સત્સંગીને ઉપયોગી થાય એમ શીખવું પણ મોહને ઘોડે ન ચડવું, તે આ દેહ રાખ્યાનું ફળ તો તત્ત્વ જિજ્ઞાસાને અર્થે છે. માટે આ દેહ, ઇન્દ્રિયું, મન એ સર્વેને ભગવાનના નિયમમાં લાવવાં, ને સાધુ સમાગમમાં લાવવાં, અને ધર્મ નિયમમાં લાવવાં. ને જગતમાં રૂપિયાવાળા હશે, તે સાકર ખાતા હશે, તેણે કરીને શું મોક્ષ થાશે ? તેણે કરીને તો મોટાં બંધન થાશે. મોક્ષ તો આવા સાધુના સંબંધથી જ થાય છે.
અર્થ : ધન, સંપત્તિ.
ઘોડે : જેમ.
સંવત 1919ના જેઠ સુદિ પૂનમને દિવસે સ્વામીએ વાત કરી જે,
(175) કૃપાનંદસ્વામી કહેતા જે, ‘અમને ઉપવાસ પડે તો દેહ પડી જાય એવા મહાશુદ્ધ, તેમાં કોઈ અપવાદ મૂકે તે કેમ મનાય જ ?’ ને કૃપાનંદસ્વામી તો સ્વામિનારાયણના શિષ્ય, પણ કેટલાકે તો સ્વામિનારાયણ પંડને માથે અપવાદ મૂક્યા ને દોષ પરઠ્યા છે ! તે ઉપર આંબા શેઠ અને ઝીણાભાઈની વાત કરી. માટે દેશકાળે બુદ્ધિ ફરી જાય છે. તે બુદ્ધિ કોની ન ફરે, તો જેણે સાત્ત્વિક સેવ્યા હોય અને યથાર્થ મહિમાએ સહિત જેણે ભગવાનને ભગવાન જાણ્યા હોય; જેમ આ લીમડાને લીમડો જાણ્યો છે, તો કોઈ ના કહે તો મનાય નહિ; તેમ ગમે તેવું મનુષ્યચરિત્ર ભગવાન કરે, તેને વિશે તેવાને નિરંતર દિવ્યભાવ રહે છે, ને આનંદમાં રહી ગાન કરે કે, ભગવાન પોતાના ભક્તના સંકલ્પ સિદ્ધ કરે છે.
આજે આ ભગવાને તો એવું કોઈ ચરિત્ર કર્યું નથી કે, અભાવ આવે; કેમ કે, અક્ષરધામમાં કોઈ પણ જાતના માયિકભાવ નથી તેથી પોતાના ધામની રીત પ્રમાણે જ વરત્યા છે ને દ્વેષી ને આસુરી તે પણ વખાણ કરે છે કે, સ્વામિનારાયણ બહુ શુદ્ધ ને ત્યાગી ! એવા બીજા કોઈ નહિ. તેમ જ અમે પણ એવી જ રીતે વરત્યા કે આપણા બધાને આંહીંના નાગરોને કહેવું પડે છે કે આ જેવા તો આ એક જ સાધુ છે ને અમે તો મૂળથી જ સાત્ત્વિક સેવ્યા છે; તે કૃપાનંદસ્વામી, મુક્તાનંદસ્વામી, ગોપાળાનંદસ્વામી, આત્માનંદસ્વામી, નિરંજનાનંદસ્વામી, કૈવલ્યાનંદસ્વામી, કૃષ્ણાનંદસ્વામી, નિષ્કુળાનંદસ્વામી, એ ભેળા જ રહીને દિવસ કાઢ્યા છે; ને અમે સેવા સારુ ભણવું મૂકી દીધું, લખવું મૂકી દીધું, ગાયન શીખવું મૂકી દીધું. તે ઉપર બોલ્યા જે,
સંત ધન્વંતર વૈદ સમ, જેસો રોગી જેહુ;
મુક્ત બતાવત તાહિકું, તેસો ઔષધ તેહુ.
(મુક્તાનંદ કાવ્ય : વિ.ચિ.- સાધુ કો સંગ -10)
સાધુ ચંદન બાવના, શીતળ છાંય વિશાળ;
મુકત કહે તેહી પરસસે, નિર્વિષ હોત વિષવ્યાલ.
(મુક્તાનંદ કાવ્ય : વિ.ચિ.-સાધુ કો સંગ -2)
આવું જ્ઞાન હોય તે કોઈ રીતે છાનું રહે એવું નથી. તે
જાકે હૃદય જ્ઞાન પ્રકાશત, તાકા સ્વભાવ રહત નહિ છાના.
પ્રકરણ 3 ની વાત 57
દિવ્યભાવ : જેમાં માયાના ત્રણ ગુણનો પ્રભાવ ન હોય તેવો અદ્ભુત ભગવદ્ભાવ.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
(176) દેશકાળ ન લાગે એવા મનુષ્ય ઝાઝા મળે નહિ. એ ઉપર પ્રાગજી ભક્તની વાત કરી જે, અમારા સ્વરૂપની પ્રવૃત્તિ કરવા ઘણી ઉપાધિ સહન કરે છે. સત્સંગમાં કુસંગીએ તેમનું બહુ અપમાન કર્યું, પણ કોઈ તિરસ્કારને ન ગણતાં ઉઘાડે છોગે અમને મૂળઅક્ષર કહ્યા. તે પવિત્રાનંદસ્વામીને પગ દાબતાં દાબતાં કાનમાં કહ્યું કે, ‘આ સ્વામીને મૂળઅક્ષર સમજી મહારાજની નિષ્ઠા કરશો તો જ અક્ષરનું સાધર્મ્યપણું આવશે ને મહારાજની સેવામાં રહેવાશે !’ આવી સાચી વાત એવા મોટેરાને બીજાથી ન કહેવાય; પણ આને તો હરેક પ્રકારે બ્રહ્મજ્ઞાન પ્રવર્તાવવાનું જ તાન. તે આ કોઠારનો ધાબો નાખતાં બોલે અને અમે પાસે ઊભા હૈઈએ, તે અમારા સામા હાથ કરી બીજાને બતાવે, ને કહે જે, ‘મહારાજના અખંડ સંબંધે,’
આની મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય;
આ વિના જાણજો રે બીજા માયિક સર્વ આકાર.
તે કેટલાકને એ ન રુચે. પણ અમારું તેમના ઉપર અપાર હેત તેથી આંહીં તો કોઈ ઉઘાડું નથી બોલતા પણ કેટલાક ધખી રહ્યા છે, પણ અમારો તેમના ઉપર બહુ રાજીપો છે. ને તે અમને સર્વે અક્ષરમુક્તોથી પર અનાદિ મૂળઅક્ષર સમજે છે, એટલે અમારાથી મોટા એક મહારાજ છે ને મહારાજનાં સગુણ નિર્ગુણ ઐશ્ર્વર્ય અમારામાં દર્શાવાય છે, ને તેથી મહારાજની કર્તુમ-અકર્તુમ્ ને અન્યથા કર્તુમ્ શક્તિ અમારામાં છે એવી જીવમાં નિષ્ઠા અમારા કહેવાથી થઈ ગઈ છે; જેથી તેમને પણ એમ છે કે સાચી વાત પ્રગટ પ્રમાણ સમજીને પ્રવર્તાવવી; તે જ પરમ એકાંતિક ભક્તિ છે, એટલે તેમને માથે ઘણા દેશકાળ આવે છે, પણ અણીશુદ્ધ રહ્યા છે ને રહેશે; કારણ કે બહુ ખપવાળા છે.
અમે તેમને વાડીમાં એક વાર કહ્યું કે, ‘મૂળઅક્ષરની તમારે પ્રવૃત્તિ કરવી.’ પછી તેમણે અમને કહ્યું જે, ‘મારો ભાર ન પડે; પણ કાંઈક ઐશ્ર્વર્ય આપો તો સૌને મારા જેવું સમજાવી દઉં.’ પછી ઓરડામાં અમારી સાથે તેમને તેડી ગયા ને કહ્યું કે, ‘કરો ધ્યાન.’ તે ધ્યાનમાં દિવ્ય તેજોમય સચ્ચિદાનંદ બ્રહ્મના પ્રકાશથી ઓરડો ભરાઈ ગયો. ને તેમાં અમે જેમ મૂર્તિમાન ઊભા હતા તેમ જ એવા પ્રકાશને મધ્યે મહારાજ સાથે અમને દીઠા. અમે કહ્યું કે, ‘કેમ છે ?’ પછી તે કહે, ‘બહુ આનંદ છે.’ તે વખતથી તેની નિરાવરણ દૃષ્ટિ થઈ ગઈ, તેથી સૌના અંતરનું જાણે છે ને કેટલાકના સંકલ્પ કહેવા માંડ્યા.
કર્તુમ-અકર્તુમ્ : સામાન્ય રીતે કરવા, ન કરવાને સમર્થ.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
(177) સાત્ત્વિક સેવ્યા વિના વિષયના અંકુર હૈયામાંથી જાય નહિ ને દેશકાળ લાગ્યા વિના રહે નહિ. તે પૂર્ણાનંદસ્વામીએ પટલાઈ વાપરી તેની વાત કરી. માટે અમે તો પગ ભાંગીને પછી ભક્તિ કરાવીએ છીએ, તે પ્રથમ દેહ, લોક, ભોગ ને વિષય ખોટા કરીને પછી જે કાંઈ કરવું હોય તે કરાવીએ છીએ.
(178) જેટલો મંદિરનો, આચાર્યનો કે મોટા સાધુનો પોતાના દેહના સુખ માટે અવગુણ આવશે એટલું દેહ મૂકવા સમે આડું આવશે કેમ કે, અધિકારી અને મોટા સાધુને તો મહારાજની યથાર્થ આજ્ઞા પળાવવાનું તાન હોય ને, ‘કોઈ ‘શિક્ષાપત્રી’, ‘ધર્મામૃત’ ને ‘નિષ્કામશુદ્ધિ’ નથી પાળતું.’ એમ તેમને ખબર પડે ત્યારે તેને સત્સંગી રાખવા દંડ દે, ઠપકો દે ને તેવી સાચી આજ્ઞા પળાવવા માટે કાંઈ કહે, તો ઊલટો અવગુણ લે, તે મહારાજનો અવગુણ લીધો એમ થયું; જેથી તે અવગુણ લેનારનું ભૂંડું થાય છે. ને આજ પણ એવા હશે તેને અંતરે સુખ નહિ હોય. જ્ઞાનની કે સાધુ સમાગમની ઉપેક્ષા રાખીએ તો કાંઈ ન થાય. શત્રુની ઉપેક્ષા પણ ન કરવી, ને શત્રુ નાનો ન જાણવો. ને હવે તો અમે ઝાઝું કાંઈ કહેતા નથી પણ જે જોડ નથી બાંધતા તે ઠીક નથી કરતા; તે કોઈ સમે નડે, માટે અમે તો કહીએ છીએ. આટલા સભામાં બેઠા છીએ તેમાં કેટલાક ભગવાનને સંભારતા હશે, તે કેમ કળાય ? તે ઉપર બોલ્યા જે,
ચંદા સૂરજ ચલતા ન દેખા ચલતી ન દેખી વેલ;
હરિજન હરિકું ભજતા ન દેખા એહિ આશ્ર્ચર્ય કો ખેલ.
નિરંજનાનંદસ્વામી એવા હતા જે, એની પાસે જઈને બેસીએ એટલામાં શાંતિ થઈ જાય ને હૈયું ટાઢું થઈ જાય.
પ્રકરણ 3 ની વાત 34
તાન : લગની, આગ્રહ, મસ્તી.
પૂનમની બપોરે વાત કરી જે,
(179) મોક્ષ ન સુધાર્યો ત્યારે શું થયું ? ને પંચવિષયની આસક્તિ છે ત્યાં સુધી કોઈ દિવસ સુખિયું ન થાવાય ને દેહાભિમાન તો દોષમાત્રને રહેવાની કોથળી છે, ને દેહને પોતાનું રૂપ ન માનવું ને ઇન્દ્રિયુંના દોરાયા ન દોરાવું; ને એમ માન્યતા કરવી જે, આ દેહ મારું રૂપ નથી, હું તો બ્રહ્મરૂપ છું, તે આ પ્રગટ બ્રહ્મના સંબંધથી થયો છું.
આસક્તિ : મોહ, અતિશય સ્નેહ, લગની.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
(180) ચાર વાતનો કજિયો ઘરોઘર છે, તે રૂપિયા, લૂગડાં, હવેલી ને ઘરેણાં. એ ચારના કજિયા વિનાનું કોઈ ઠેકાણું નથી. તે ગોંડળમાં એક સ્ત્રી હતી તેની પાસે વીસ હજાર કોરીનું ઘરેણું હતું; પણ બસેં કોરીનાં ઘરેણાં સારુ ગળે ટૂંપો ખાઈ મરી ગઈ, એવા કજિયા ઘરોઘર છે.
(181) શિવલાલ ઘરમાં રહેતા, પણ ત્યાગી હતા ને ઘરમાં રૂપિયા, સ્ત્રી, છોકરાં વગેરે હતાં પણ કોઈ વાત નડી નહિ, માટે આસક્તિ વિના ભોગવવું, તે તો જેમ તાવ આવ્યો હોય ને અન્ન ખાય તેમ ભોગવે તે કાંઈ ભોગવ્યું ન કહેવાય માટે ગુણાતીતના સંબંધથી ગુણાતીત થાશો, ત્યારે જ દોષમાત્રનાં મૂળ ઊખડી જાશે.
આસક્તિ : મોહ, અતિશય સ્નેહ, લગની.
(182) આ સત્સંગમાં જડભરત જેવા ઘણા છે ને રામચંદ્ર ને શ્રીકૃષ્ણ જેવા ને દત્તાત્રેય જેવા પણ ઘણાય છે અને દીર્ધતમા ને આગ્નિંધ્ર જેવા વિષયનાં વલખાં મારનારા પણ ઘણાં છે.
(183) આપણે જાણીએ જે લોક રૂપિયા કામે છે પણ સર્વે ધૂડ ઘાલે છે; તે સર્વે બંધન થાય છે ને લોકને કેવળ સ્વાર્થની વાત છે. ને એમ ન હોય તો ઘર વચ્ચે ખાટલો ઢાળીને સૂવે, ને પછી જો કોઈને હેત રહે તો અમને કહેજો. ને આ તો સૌનું ગમતું રાખીએ છીએ ત્યારે સૌને હેત રહે છે. તે શિવલાલે અમને કહ્યું જે, ‘મુંબઈ જાવું હોય તો ભાતું કરી દે, ને સૌ રાજી થાય; ને આંહીં જૂનાગઢ આવીએ તો સર્વે કચવાય ને ભાતું ન કરી દે.’ માટે આપણે એટલો સિદ્ધાંત કરવો જે, થોડો ઘણો આળાલુંભો રાખવો, ને સિદ્ધાંત તો મહારાજ ભજવાનો રાખવો, ને આવા સાધુ કહેનારા નહિ મળે ને મરી તો જરૂર જવાશે ને વર ઘોડે ચડ્યો હતો, લાખ રૂપિયાનો વરઘોડો શણગાર્યો હતો, પણ પાલખીમાંથી ઊતરીને લઘુ કરવા બેઠો ને સાપ કરડ્યો તે ત્યાં જ મરી ગયો. તે ગાતાં હતાં તે જ રોવા લાગ્યાં ને રાગ બદલ્યો. પતિવ્રતા શેઠાણી હતી તે તેના ધણીની સેવા કરતી હતી, ત્યાં બ્રાહ્મણ માગવા આવ્યો ને બધું જોયું પછી તે સ્ત્રી બધી સેવા કરી રહ્યા પછી લોટ આપવા ગઈ ત્યારે બ્રાહ્મણે કહ્યું કે, ‘આ બધો સામાન આપો તો મારી સ્ત્રી આગળ આવી સેવા કરાવું.’ પછી સેવા કરાવવા ગયો ત્યાં કળશિયો ભરેલ માર્યો કે, ‘આવા ચાળા ક્યાંથી શીખી લાવ્યો છો?’ તે કપાળમાં કળશિયો વાગ્યો.
ઘોડે : જેમ.
સંવત 1919ના જેઠ વદિ પ્રતિપદાને દિવસે સ્વામીએ વાત કરી જે,
(184) પંચવિષય છે તે પાંચ પર્વત છે, તેને ફોડીને વૃત્તિ નીકળે ત્યારે પર્વત કાપ્યા કહેવાય ને ભગવાનને સંભારવા જાય ત્યારે પંચવિષય તથા દેહાભિમાન તે આડાં આવીને અંતરાય કરે છે ને આ મન પણ નીલ માંકડાની પેઠે સ્થિર રહેતું નથી. અંતર સામું જુએ તો માયાના સંકલ્પ પણ ઓળખાય ને સ્વભાવ પણ ઓળખાય.
અંતરાય : અડચણ, વિઘ્ન, અવરોધ
(185) રસોઈનું ને પૂજાનું કારખાનું તો બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી ચાલશે ને હવે આપણે શું કરવાનું છે જે, અંતરમાં મંદિર કરી મહારાજને પધરાવવા.
(186) સોનું ને સ્ત્રી એ બેમાં દોષબુદ્ધિ કરવી. જેમ સંબંધીમાં જીવ બંધાય છે એમ આ સાધુમાં જીવ બાંધવો. ને આ સાધુમાંથી મન નોખું પડે તેને ભેળે રહ્યાથી પણ સમાસ નહિ; કેમ જે, તેને આ વાતું સર્વે અવળી પડે. માટે એ બે વાતું અવશ્ય શીખવાની છે. ને આત્મનિષ્ઠા ને ઉપાસના તો પછી શીખાય; પણ આ સાધુ જોડે જીવ બાંધવો એ પાયો કહેવાય, એ પાયા ઉપર કામ ચાલે. માટે એક વિષયનું તુચ્છપણું ને બીજું સાધુમાં જીવ બાંધવો એથી અંતરે સુખ રહે ને ગુરુ આગળ તો વિનય કરે ત્યારે વિદ્યા આવડે. શ્રીકૃષ્ણ પણ સાંદિપની ગુરુને પ્રસન્ન કરવા સારુ લાકડાંના ભારા લેવા ગયા હતા. તે ગુરુની અનુવૃત્તિ અને અનુગ્રહથી વિદ્યા આવડે છે. બે જણ સાથે તો જરૂર જીવ બાંધવો ને બીજું વિષયમાં વૈરાગ્ય પામવો.
આત્મનિષ્ઠા : હું તો દેહથી જુદો જે આત્મા તે છું ને મારે વિશે પ્રગટ પરબ્રહ્મ અખંડ બિરાજમાન છે. તેવી અતિ દૃઢ માનીનતા, શ્રદ્ધા, વિશ્ર્વાસ, આસ્થા.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
અનુવૃત્તિ : મરજી.
(187)
વાંકી એની વાતું રે કળ્યામાં નવ આવે;
જેને સમજાવે રે તે સર્વ તજી જાવે.
જેને આ વાતું સમજાય તેના હૈયામાં જગત રહે નહિ.
(188) રૂપિયામાંથી જીવને ઊખેડવો એ તો કામ ભારે છે. તે ઉપર મોના પંડ્યાની વાત કરી જે, તેણે કુલડાંમાં રૂપિયા દાટેલ; પણ માંદો થયો ત્યારે બોલી શકે નહિ, એટલે સાન કરી બીજાને બતાવે. પછી તેણે બતાવ્યું ત્યાં ખોદ્યું તો તેમાંથી રૂપિયાના બે કુલડાં નીકળ્યાં. પછી લાંબા હાથ કરી માગી લીધાં. અને બે પડખે એકેકો મૂક્યો ને બોલ્યો જે, ‘હે મારી માતાજી, મેં તુંને ન ખાધી ! તેં મને ખાધો !’ એમ બે ચાર વખત બોલી દેહ મૂકી દીધો.
પડખે : પાસે.
(189) જગતમાં તો વઢે છે તો પણ આંટી કોઈને પડતી નથી તે ઉપર વાત કરી જે, સુરતમાં મુક્તાનંદસ્વામી અને અમે નાહવા જાતા હતા, તે રસ્તામાં કઠિયારો અને કઠિયારી બે લડ્યાં. તે કઠિયારે તેની સ્ત્રીના માથામાં કુહાડી મારી, તે લોહી નીકળ્યું. ને તે કઠિયારો તો લાકડાં લેવા ગયો. પછી અમે નાહીને પાછા વળ્યા ત્યારે કોઈએ પૂછ્યું જે, ‘આંહીં વઢવાડ થાતી હતી તે શું થયું ?’ ત્યારે હરિજને જોયું તો બાઈ દળવા બેઠી હતી, તેને પૂછ્યું તો તે બાઈ કહે, ‘એ ગયો છે લાકડાં કાપવા; ને આવશે ત્યારે તેના મોઢા આગળ જોહવું પડશે ને ? તે સારુ દળું છું.’ તે વાત મુક્તાનંદસ્વામીને હરિજને કહી, ત્યારે મુક્તાનંદસ્વામીએ કહ્યું જે, ‘સંબંધીનું કેવું હેત છે ? એવું સત્સંગમાં હેત ક્યાં રહે છે ?’
(190) સંબંધીમાં હેત ને વિષયમાં આસક્તિ, એ બે દોષ જેને હોય તેને તો કોઈ દિવસ સુખ થાનાર નથી, તે જરા પણ મન નોખું પડ્યું તો જીવતાં નરકમાં પડી ચૂક્યા. સાધુ ભેળું રહેવું ને જીવ બંધાય નહિ ત્યારે તેને રાહુ આડો આવ્યો ને ગ્રહણ થયું કહેવાય.
(191) ભેળા રહે ને અવળા દિલાસા દે, તે ઉપર પ્રસાદાનંદ તથા દહરાનંદસ્વામીની વાત કરી. આ વાતું સમજાય ને બેપરવાઈ થઈ જાય, મન નોખું પડી જાય, તો તેના જીવનું બગડ્યું કહેવાય. તે ઉપર ‘વચનામૃત’ વંચાવ્યું ને ભગવાનના ભક્ત સાથે જીવ મેળવવામાં સાધનમાત્ર આવી જાય; કેમ જે, ત્યાં જ્ઞાન, વૈરાગ્ય, તપ ને ધર્મ હોય, માટે સાધુ સાથે જીવ બંધાય નહિ તો મોક્ષ પણ થાય નહિ, ને સત્સંગમાં પણ રહેવાય નહિ; એ મહારાજનો સિદ્ધાંત છે.
(192) કારખાનાં તો હવે થઈ રહ્યાં છે ને દેહક્રિયા તો સહેજે હોય પણ કરવાનાં તો બે વાનાં છે; તે શું ? તો, અક્ષરરૂપ થાવું ને પુરુષોત્તમમાં જોડાવું. તે અક્ષર તો એમ થાવાય જે, આ સાધુને અક્ષર જાણે તે અક્ષર થાય છે ને તેનાથી મહારાજની સેવામાં રહેવાય છે.
વાનાં : વસ્તુઓ. (બ.વ.)
(193) વાંક વિના વઢે તો મુમુક્ષુ હોય તે પણ દુ:ખાઈ જાય પણ સ્વભાવ મુકાવવા બેઠા તે વઢવું પણ પડે, તે ઉપર છેલ્લાનું 29મું વચનામૃત વંચાવ્યું.
(194) હેત બહુ હોય તો ભગવાન પાસે જવાય, પણ અક્ષરરૂપ થયા વિના ત્યાં રહેવાય નહિ. તે ઉપર રાધિકાની વાત કરી, માટે સ્વભાવ ટાળ્યા વિના તો ટળે નહિ તે ઉપર ધોળકામાં મહારાજ ગયા તે સૌ પાળા સૂઈ ગયા. પછી સાધુ પાસે ચોકી કરાવી, કેમ જે, એ પાળાને સૂઈ રહેવાનો સ્વભાવ.
પાળા : સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જાતનો સેવક/પાર્ષદ.
(195) ચુડાના કરસનજી બ્રાહ્મણને અભિનિવેશ થયો હતો તેની વાત કરી જે, કોઈકે કહ્યું જે, ‘તું તો વઢવાણ દરબાર પથાભાઈનો દીકરો છો ને ગાદીનો ધણી છો પણ તને મારી ન નાખે, માટે બ્રાહ્મણને ત્યાં રાખ્યો છે.’ તે સાંભળીને તેને લાગ્યું જે ખરી વાત છે. પછી સરકારમાં લેંગસાહેબ આગળ અરજી કરી જે, ‘હું પથાભાઈનો દીકરો છું ને મને મારી ન નાખે તે સારુ બ્રાહ્મણને ત્યાં મને રાખ્યો છે. હવે મને ગાદી અપાવો.’ પછી લેંગસાહેબે જાણ્યું જે, આને અભિનિવેશ થયો લાગે છે, તે જવાબ દીધો નહિ. પછી ગોપાળાનંદસ્વામીની આગળ આવીને તેણે કહ્યું જે, ‘મને વઢવાણની ગાદી આવે તો મારે ગોપીનાથજીને એક ગામ આપવું છે.’ ત્યારે ગોપાળાનંદસ્વામી કહે, ‘એ વાત ખોટી છે.’ ત્યારે કરસનજી કહે, ‘અરે મહારાજ ! તમે મોટા થઈને પણ એમ બોલો છો ?’ એમ જીવને અભિનિવેશ થયો છે, તે જે ખોટું છે તેને વિશે સાચાપણાની ભાવના કરી છે.
અભિનિવેશ : સત્યથી અલગ પોતાની માન્યતાનો દઢ નિશ્ર્ચય.
(196) વળી જેમ ચોર હોય અને માથાવડીએ દ્રવ્ય લાવીને પોતાનાં છોકરાંનું પોષણ કરે છે, તેમ જ આપણે પણ મહાદાખડો કરી પોષણ કરીએ છીએ; પણ તેમાંથી કાંઈ નીકળવાનું નથી. તે રાત દિવસ આવી વાતું થાય છે, પણ લાગતી નથી. તે શું ? જે, આવી વાતુંમાં મન પરોવાતું નથી, ને વિશ્ર્વાભિમાની, પ્રજ્ઞાભિમાની, તેજસાભિમાની વરતે છે; પણ ગુણાતીત ક્યાં થાવાય છે ? ને જેટલું આ સાધુનાં વચન પ્રમાણે વરતાય છે તેટલું ગુણાતીતપણું છે. માંહેલા અને બહારલા સાધુની વાત વિસ્તારીને કહી જે, અંતરમાં સાધુ છે તે કાંડું નહિ ઝાલે ! માટે બહારના સાધુનો જોગ રહેશે તો જ ઠીક રહેશે ને એમ ન હોય તો કેશવલાલ ને શિવલાલ આંહીં મહિનો એક રહી જાય અને લીંબડી, વઢવાણ સગામાં જઈ એક મહિનો રહે ! પછી જોઈએ, ક્યાં સમાસ થાય છે ? માટે સાધુનો જોગ રાખવો. એ જ સમાસ કરે છે.
માથાવડીએ : માથાભારે જોખમ ખેડીને.
(197) આ ‘વચનામૃત’ છે તે જેવો તો કોઈ ગ્રંથ જ નથી. તેમાંથી થોડું થોડું સંભળાવીએ છીએ ને થોડું થોડું કહીએ છીએ. તેમાંથી ક્યારેક ચૂંક લાગશે.
(198) કેશવલાલે પૂછ્યું જે, ‘ભૂંડા દેશકાળમાં મોટા રક્ષા કરે કે ન કરે ?’ ત્યારે કહ્યું જે, ‘રક્ષા ન કરે તો મોટા શેના કહેવાય ? તે જુઓને અખંડાનંદસ્વામીની પરદેશમાં ચાર સિંહથી રક્ષા કરી.’
(199) સીતારામે પ્રથમ ભણવા માંડ્યું ત્યારે એક આખા પાનાનો પાઠ આપ્યો, તે અકળાઈ ગયા; પછી થોડે થોડે કરવા માંડ્યું તો શાસ્ત્રી થઈ ગયા. તેમ થોડે થોડે કરે તો શું ન થાય ? નિરંતરનો આગ્રહ જોઈએ. બળદ ને ઘોડાને ધીરે ધીરે પલોટે છે, તેમ આ બ્રહ્મજ્ઞાન મારગનું પણ એમ જ છે, તે વરતાવનારામાં બધી કળાઓ જોઈએ, તો જીવના હૃદયમાં જ્ઞાન પેસે. મહારાજે ધીરે ધીરે કહ્યું અને અમે પણ એમ વરત્યા કે કોઈ કળી જ શક્યા નહિ ને બધાની સેવા કરી, હેત કરાવી ધીરે ધીરે ઘેરા ઘા કર્યા.
કળાઓ : યુક્તિઓ.
સંવત 1919ના જેઠ વદિ બીજને દિવસે સ્વામીએ વાત કરી જે,
(200) આ કર્મક્ષેત્ર છે તેમાં એક સાધન કરે ને બદરિકાશ્રમમાં સો વરસ સાધન કરે ને શ્ર્વેતદ્વીપમાં હજાર વરસ સાધન કરે તે બરાબર છે. માટે આંહીં આવા જોગમાં રહીને ભગવાનના ભક્ત સાથે સુહૃદપણું રહે એવી તો કોઈ વાત જ નથી. પણ જીવને વિષયરૂપ રોગ ભારે છે. તે ઉપર વિશાજીની તથા વણથળીની બાઈની વાત કરી જે, બેય સાંખ્ય જોગી હતાં; પણ ગૃહસ્થ થયાં છે, ને ગીરમાં જઈને રહ્યાં છે.
પ્રકરણ 6 ની વાત 242
(201) મહારાજે આપણને આ વહેવાર સોંપ્યો છે, પણ તેમાં દ્રવ્યનું ઉપાર્જન કરવા ઉપર સૌની નજર છે; ને હેત પણ સૌને તે ઉપર જ થાય છે, તે ભગવાનની માયાનો પ્રવેશ કહેવાય.
ઉપાર્જન : પ્રાપ્તિ માટેની ક્રિયા.
(202) સમૈયા ઉત્સવ થાય છે તે માંહોમાંહી સુહૃદપણું વધે તે સારુ છે અને તેથી જ મહારાજે સૌ સાધુ હરિજનને એક સ્થળે ભેળા થાવું ને કથાવાર્તા કરવી ને એકબીજાની ખોટ ટાળવી ને ‘ધર્મામૃત’, ‘નિષ્કામશુદ્ધિ’ ને ‘શિક્ષાપત્રી’માં ફેર પડેલ હોય તેને, સત્સંગમાં કુસંગ હોય તેને ઉપદેશ દઈ સુધારવા. કોઈ રીતે સત્સંગમાં નભે તેવા સારા સાધુના સમાગમમાં આવે તે માટે, અને મૂળ અજ્ઞાન જાય ને પ્રગટ ભગવાન ને પ્રગટ સાધુને વિશે નિરંતર નિર્દોષબુદ્ધિ રહે ને તેથી જીવનું પરમ કલ્યાણ થાય છે. પણ આ તો ઓલ્યો ઓલ્યાનું ખોદે છે ને ઓલ્યો ઓલ્યાનું ખોદે છે. માટે પંચવિષય ને દેહાભિમાન એ બે વાનાં આપણું સુહૃદપણું રહેવા દે એવાં નથી ને પક્ષપાત થાય છે તેનું મૂળ તો પંચવિષય છે. તેથી કોઈ રીતે અવિદ્યા જે માયા પ્રવેશ કરી જાય છે ને મહારાજ સાથે પણ કેટલાક માણસ લડ્યા હતા તેનું કારણ દેહાભિમાન, પંચવિષય ને પક્ષપાત છે. અને તેણે કરીને આ સાધુનો ને ભગવાનનો પણ અવગુણ આવે. માટે હવે લડ્યે પાર નહિ આવે, એ તો ખમ્યે જ પાર પડશે. ને ગરીબ દાવે સુખ થાશે; માટે ગરીબ થઈને સાધુ રહી ભગવાન ભજી લેવા, અને મોક્ષ સુધારી લેવો.
નિર્દોષબુદ્ધિ : જે બુદ્ધિ માયાના કોઈ પણ ગુણથી પ્રભાવિત થઈ નથી તે.
વાનાં : વસ્તુઓ. (બ.વ.)
પક્ષપાત : વગ-તરફદારી.
અવિદ્યા : માયિક સમજણ
(203) જેવું સંબંધીમાં હેત હોય છે તેવું ભગવદીમાં થાય તો પછી કાંઈ કરવું ન રહ્યું. જો ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ ને અતિ હેત હોય તેને તો સર્વે સાધન પૂરાં થઈ જાય તે ગોપીઓએ કહ્યું જે, ‘અમારું હાડકું હશે તે પણ કૃષ્ણ કૃષ્ણ કહેશે.’
આત્મબુદ્ધિ : પોતાપણાની ભાવના, 'દેહ તે હું નહિ પણ આત્મા છું' એવી બુદ્ધિ.
(204) બીજા વિષય તો મુકાય પણ માન મુકાય તેવું નથી. તે ઉપર સુકા હાડકાનું દૃષ્ટાંત દીધું કે, તેને કીડી પણ ન ચડે, તેમ બ્રહ્મરૂપે વરતે તો માન ન આવે. ને ગુણ હોય ને નિર્માની રહેવું એ તો બહુ જ કઠણ છે. તે પ્રથમનાં 56 પોલા પાણાના વચનામૃતમાં કહ્યું જે, માન ને ક્રોધ આવે ત્યારે બોલવા, ન બોલવાનો વિચાર નથી રહેતો, ને જે સર્વે કર્યું હોય તે બાળી મૂકે. ને અગિયાર કરોડ રૂદ્રે કામ બાળ્યો, પણ ક્રોધે કરીને તો અરધા હોઠ કરડી ખાધા છે. માટે આપણામાં કોઈના ઉપર કરડી નજર ન થાય ને કોઈ ઉપર મત્સર ન આવે, ત્યારે જ ભગવાન રાજી થાશે ને સાધુપણું આવશે. માટે અમને તો એમ જણાય છે જે, આવી વાતુંમાંથી જીવ વૃદ્ધિ પામશે. તે કહ્યું છે જે,
રહેશું દાસના દાસ થઈ, વૃજવાસજી.
(205) વિશ્ર્વાત્માનંદસ્વામીની વાત કરી જે, લાડવા ખાઈને વાડીમાં ઝાડ હેઠે સૂઈ રહે અને અશોષી થાય, ને અસુખ થાય, ને આમથી આમ અંબળાય, ને આમ દિલ મરોડે. પછી સંતે પૂછ્યું જે, ‘વિશ્ર્વાત્માનંદસ્વામી સૂઈ કેમ રહ્યા છો ?’ ત્યારે કહે જે, ‘તમ જેવા દેહાભિમાની છીએ ? જે, થોડુંક ખાઈને દેહને સુખિયું રાખીએ ને અમે તો આ દેહને ઝાઝું ખવરાવીને દંડ દઈએ છીએ, તે કેવું દુ:ખ આપીએ છીએ?’ બીજી વાત કરી જે, મહારાજે પૂછ્યું જે, ‘આવડી મોટી માળા કેમ રાખી છે ?’ ત્યારે તે કહે કે, ‘સાધુને કોઈ દુ:ખ દેતો હોય તો સબોડવા થાય !’ પછી મહારાજે તે માળા લઈ લીધી એટલે મોટી દશ શેર પાણી માય એવી લાકડાની કઠારી રાખી ને ગરણાની ઝોળી કરીને પાણી ભરી ટાંગે. પછી મહારાજે પૂછ્યું, ‘વિશ્ર્વાત્માનંદસ્વામી આ શું છે ?’ ત્યારે તે કહે, જે, ‘સાધુને કોઈ દુ:ખ દે તો બે હાથે કઠારી ઝાલી ફેરવીને વાંસામાં એક ફેરો સોફાવીને મારીએ તો પાર પડી જાય.’
સબોડવા : મારવા.
દશ : દિશા.
કઠારી : પાણી ભરવાનું લાકડાનું વાસણ.
સોફાવીને : વીંઝીને.
(206) નિર્માની રહેવું બહુ કઠણ છે. તે નિર્માનીપણામાં ‘ધર્મામૃત’માં ત્રણ રાજા કહ્યા છે, ને હમણાં ગણોદવાળા અભેસિંહ તથા ગોંડળના ભાણોભાઈ તથા મેંગણીના માનભા એ નિર્માની ખરા. અને આ સંપ્રદાય તો બહુ શુદ્ધ, તે જરાક હોય તે દેખાઈ આવે. ને ઘાંચીના લૂગડાંમાં ડાઘ કળાય છે ? પણ આપણામાં જરાક માન આવી જાય કે, જરાક દોષ આવી જાય તો જણાઈ જાય, માટે આ સાધુ ને આવી વાતું છે તે જ દોષમાત્ર ટાળવાનો ઉપાય છે.
(207) સોનું છે તે અગ્નિમાં શુદ્ધ થાય છે, તેમ આ જીવ છે તે સારા ઉત્તમ લક્ષણવાળા સાધુના સમાગમમાં જ સારો થાય છે.
(208) શહેરના અને ગામડાના વિષયમાં જીવતું માણસ અને મરેલ માણસ એટલો ફેર છે; ગામડાના વિષય મરેલ માણસ જેવા છે. ને ગામડામાં હોળી ટાણે હોળી, ને શહેરમાં બારે માસ હોળી. ગામડામાં વિવાહ ટાણે વિવાહ ને વારણાં, અને શહેરમાં બારે માસ વિવાહ ને વારણાં; અને એંશી વરસ થયાં હોય તો પણ ડોશી કહીને ન બોલાવાય અને કહે તો માઠું લાગે એવો રાગ છે.
(209) સત્શાસ્ત્ર, સાચા સંત ને ભગવાન એ ત્રણ વિના જીવને શુદ્ધ કરનાર કોઈ નથી.
(210) વહેવાર છે તે જેમ કરીએ તેમ વધવા માંડે ને જો નામું વાળે તો બધુંએ પૂરું થઈ રહ્યું છે. માટે હવે કરવું તે સહેજે કરવું, પણ અતિ વેગ લગાડીને ન કરવું. ને જીવના હૈયામાં સત્સંગ ઘાલવો ને ઘેર વાતું ન સંભળાય; માટે મહિનો મહિનો સાધુ પાસે રહે, ત્યારે વાતું સમજાય. ને અમે રાધારમણનો દેશ મૂકીએ ત્યારે નિર્વિકલ્પ સમાધિ થાય છે, ને આ દેશમાં સવિકલ્પ સમાધિ રહે છે; કેમ જે, આંહીં કોઈ હરિજન, સાધુનું રાખવું પડે; ને આ બધા છે તેમાં ઘણા ઓળખાય નહિ, માટે ગરીબ હોય તેની પાસે પણ વાતું સાંભળવી ને કરવી. ને કરવું તો એ જ છે જે ભેળા થઈને પ્રગટ ભગવાનમાં જોડાવું, ને તેમનું જ્ઞાન શીખવું, અને ધર્મ વૈરાગ્ય શીખવા.
નિર્વિકલ્પ : જ્ઞાતા-જ્ઞેય ઇત્યાદિક ભેદ વગરનું, જેમાં કોઈ અપવાદ કે બેપણું ન હોય તેવું.
(211) એક સાધુ વરતાલમાં છે, તે બીજબળિયા છે. તે મહારાજની આજ્ઞા લઈને આંહીં આવ્યા. પણ પંચતીર્થી કરવા બીજાને સંગે ગયા તે બે મહિને પાછા આવ્યા. પછી તો અમારે ચાલવાનું થયું માટે બીજ બળિયા હોય પણ સમાગમ વિના લૂખા રહી જાય છે; માટે સમાગમ વિના જીવ સારો રહે નહિ.
બીજબળિયા : મહારાજની ઓળખ ને ઉપાસના બળવાન છે જેની તે.
(212) દેહથી નોખું પડવું એવો ઠરાવ ડાહ્યો હોય તેણે કરવો, ને બીજાને તો સાધુ કહે તેમ કરવું. ને આ સાધુ ન હોય તો જીવ વૃદ્ધિ ન પામે. અર્થ ઉપર હોય તે તો દોષ હોય તેને પણ દેખે નહિ. આચાર્યજીને ગોપાળાનંદસ્વામીએ કહ્યું જે, ‘નરસા માણસને કાઢો.’ ત્યારે માંડ પાંચ દશ માણસ કાઢ્યાં; કેમ કે, આપણે તો આપણા અર્થ ઉપર નજર ન રાખવી. તે ગોપાળાનંદસ્વામીની વાતુંમાં કહ્યું છે જે, એક તો ધૂડથી ખાડા પૂરે ને કાંઈ પણ દેશમાંથી લાવે નહિ પણ તે ધર્મવાળો હોય, ને બીજા તો રૂપિયાથી ખાડા પૂરે પણ તે ધર્મમાં ન હોય, તો પણ તેને ન કાઢે; કારણ કે, અર્થ ઉપર નજર છે, પણ આપણે તો મહારાજની આજ્ઞાનું અનુસંધાન રાખવું.
અર્થ : ધન, સંપત્તિ.
દશ : દિશા.
(213) ‘દૂબળા ઢોરનું કુશકે મન ચળે.’ તેમ જે દૂબળા હોય તેને તો પદાર્થ આવે ત્યારે રાજીપો થાય એટલો ફેર છે. માટે વિઘ્ન ત્રણ છે, પંચવિષય, દેહાભિમાન અને પક્ષ; ને બીજા આસનના કુટારા પણ છે ને મંજુકેશાનંદસ્વામીના સેવકની વાત કરી જે, આસન ફેરવ્યાનું કહ્યું ત્યારે કજિયો કર્યો ને મંજુકેશાનંદે ગાડી સારુ કજિયો કર્યો અને એક ભણેલ પુરાણી સિગરામ હોય તો જ બેસે. તે એક વખત કહ્યું જે, ‘ગાડા ઉપર ન બેસું.’ પછી તો પગપાળો ચાલ્યો, ત્યારે એક સાધુએ કહ્યું જે, ‘પુરાણી, આવો, આવો ગાડામાં.’ ત્યારે કહે, ‘ના ઠીક છે; પગ છૂટા થાય છે.’ તે માને કરીને હેરાન થયો. ને તેના મનમાં એમ જે, જો ગાડે બેસીશ, તો સિગરામનો હક્ક જાશે; માટે પગપાળો ચાલ્યો પણ ગાડે ન બેઠો. એવા કુટારા કેટલાક અજ્ઞાનના છે.
(214) ‘વેદરસ’માં કહ્યું છે જે, ‘મોટાનો દોષ આવ્યો તે જ અસદ્વાસના છે, ને મોટાનો ગુણ આવ્યો તે જ સદ્વાસના છે.’ માટે ગુણ લેવા શીખવું તો જ સદ્વાસના વધે.
(215) મનુષ્યને રાખવાં તેમાં કેટલાકને તો ‘પાઘડી બંધાવીને માથાં કાપવા મૂકીએ’ એવાં હોય. તે ઉપર રોળાનંદની વાત કરી કે તે અસુર હતો ને જુક્તિ કરી મહારાજે ધોળાં પહેરાવી પોતાના પાળા ભેગો ભેળવીને કાઢી મૂક્યો. એક વાણિયાના ઘરમાં ચોર ચોરી કરવા ગયો. તેમાં ચોરને વાણિયે માર્યો. પછી ડાહ્યો તે વિચાર્યું અને તેની શેરીનો જમાદાર તેને બહુ હેરાન કરતો, તેથી છાનોમાનો ચાવડી પાસે તે મડદાને મૂકીને પછી ગોકીરો કર્યો અને કહે જમાદારે ચોર માર્યો. તે આડોશી પાડોશીને ખબર પડી ને દરબારમાં પણ વાત જાહેર થઈ. પછી દરબારે તે જમાદારને પાઘડી બંધાવી. તે વાતની વાણિયાની સ્ત્રીને ખબર પડી, તેથી કહ્યું કે, ‘ચોર તમે માર્યો ને પાઘડી આપણને હંમેશ દુ:ખ દે છે તે જમાદારને મળી.’ ત્યારે તે વાણિયે કહ્યું જે, ‘ધોતલીના ધોળ હવે ગવાશે ! ઉતાવળ કર મા.’ પછી તે મરનાર ચોરના ભાઈને ખબર પડી કે જમાદારે તેના ભાઈને માર્યો ને તે વેરથી જમાદારને લાગ આવે મારી નાખ્યો એટલે જમાદારને ઘેર રોકકળ થઈ તે વાત વાણિયાની વહુએ વાણિયાને કહી ત્યારે કહે, ‘ધોતલીના ધોળ ગવાણા !’ એમ પરબારું સૂડ નીકળ્યું.
તે એવાને એમ કરવું, તે શું ? તો, કેટલાક વચને કરીને સત્કાર કરીને રાખ્યા જેવા હોય, ને કેટલાક પદાર્થ આપીને રાખ્યા જેવા હોય, ને કેટલાક વઢીને રાખ્યા જેવા પણ હોય; માટે એ સર્વે વાત મોટેરાએ જાણી જોઈએ. ને સૌ કરતાં ત્યાગ, વૈરાગ્ય ને ધર્મ અધિક પાળે ને ભગવાનની અખંડ સ્મૃતિ રાખે એવો મોટેરો હોય તે સમાસ કરે. પણ સત્સંગની પુષ્ટિ એકલા ગામ ગરાસ ને દ્રવ્ય વડે થાતી નથી. તે ભજનાનંદે અમને ભરવાડ જેવા અને ચૈતન્યાનંદે અક્ષરાનંદસ્વામીને આજકાલના આવેલ ને મોટેરા કર્યાં એમ કહ્યું; પણ બધુંય આવડે એવા છે, ત્યારે મોટેરા કર્યા છે, એ મહારાજની વાત ન જાણી. તે આંહીંનું બીજા બધાં મંદિર કરતાં સર્વોપરી થયું છે. તે વાતની ખંભાતના બ્રાહ્મણ કાશીરામ જેવા હોય તેને ખબર ન પડે એ તો મૂળગા દોષ ન હોય તો ય ઊભા કરે. તે અમે એને કહ્યું હતું કે, ‘તારે ત્યાગી ન થાવું, અને થાય તો કોઠારે ન રહેવું અને રહે તો જૂનાગઢ ન આવવું અને જો જૂનાગઢ આવ્યો તો નવટાંકની ઉંદરડીને હજાર મણનો ઊભો પાટડો પડે તેમ તું છો ! તેમ છતાં પણ મનાશે નહિ ને બધું ન કરવાનું કરીશ,’ તે ખળે ખબર. એ તો જાણે છે કે કમાણી કરું છું, પણ ભોઈની પટલાઈ ને કોયલાની દલાલીમાં જેમ કાળા હાથ, તેમ ત્યાગીની પટલાઈ એવી છે.
પ્રકરણ 9 ની વાત 145
પાળા : સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જાતનો સેવક/પાર્ષદ.
ચાવડી : પોલીસચોકી/થાણું.
ગોકીરો : શોરબકોર, કોલાહલ.
ધોળ : એક પ્રકારના મહિમા-ચરિત્રનાં ગાન.
પાળે : સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જાતનો સેવક/પાર્ષદ.
(216) આ જીવને મરવું કઠણ નથી, પણ સ્વભાવ મૂકવા કઠણ જણાય છે ને આ તો પાંચ દોષ મહારાજે ખોળી કાઢ્યા, પણ આગળ તો કોઈને ખબર નહોતી; તે હજુ જગતમાં કોઈ જાણતું નથી. ધન, સ્ત્રી એ બે જ મૂળિયાં છે ને ખાધાનું પણ છે તો બળવાન, પણ કોઈક રીતે રોગે કરીને તેનો અભાવ આવે ને ઓેલ્યાં બે વાનાંનો તો કોઈને અભાવ આવે જ નહિ, માટે એ ઘાંટી છે. તે બે વાનાં તો મોટાના આશીર્વાદે ઊખેડે છે. તે મયારામ ભટ્ટ ને મૂળજી બ્રહ્મચારીને એનો ભય નહિ.
વાનાં : વસ્તુઓ. (બ.વ.)
(217) મોટા સાધુ છે તે વાતું કરીને સમજાવે ને બતાવી દે પણ કાંઈ તેને સાટે પોતે વરતી દે ? કે મારીને ભજન કરાવે ? કે ડોક મરડીને કરાવે ? એ તો જીવને જ કરવાનું છે. ને ભજન તો જ્યારે કરે ત્યારે જ થાય. ને ફરવા જાય ત્યાં એક જણ વાતું કરે. બાકી બીજા રહ્યા તેણે તો ભજન જ કરવું રહ્યું, ને ભજન ન કરે તો ડોળ થાય ને કાં તો ઝોલાં ખાય. માટે ભજન થાય તો ભજન કરવું નહિ તો ભણવું, વાંચવું, પણ નવરું ન રહેવું.
અને અમે તો એમ માન્યું છે જે ‘ધર્મામૃત’ પ્રમાણે વરતે તે જ એકાંતિક છે. ને ‘ધર્મામૃત’માં શું કઠણ પડે એવું છે ? ને ‘ધર્મામૃત’ પાળીને કોણ મરી ગયો કે માંદો પડ્યો ? મહારાજે દેહ રહે એવું કહ્યું છે, પણ કઠણ પડે એવું કહ્યું નથી. ને ખરેખરા નિયમ પાળે કે, ખરેખરી ટેક રાખે તેની રક્ષા તો ભગવાન પોતે કરે છે ને મોટા સાધુ પણ કરે છે. તે ઉપર વાત કરી જે, એક જણને વિધવાને ન અડવું એવું નિયમ હતું તે ક્યાંક ગયો હશે ત્યાં કોઈકે જાણીને ઉપવાસ પડાવ્યો પછી તે અભડાવનારને જ વિચાર થયો જે, ધૂડ પડી આપણા ખાવામાં; કાં જે, આપણે ખાધું ને એવા ખરી ટેકવાળાને ઉપવાસ કરાવ્યો. પછી તેની ચોકી સર્વેએ રાખવા માંડી જે રખે એને કોઈ અડી જાય.
સાટે : બદલેઅવેજમાં.
ડોળ : આડંબર, દેખાવ, દંભ.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
પાળે : સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જાતનો સેવક/પાર્ષદ.
(218) મોટા આગળ જીવ અક્કડતા મૂકીને નરમ થાય તો મોટામાં જે ભગવાનની નિષ્ઠા, વૈરાગ્ય, ધર્મ અને આજ્ઞા હોય તે એમાં સર્વે આવે, ને એમ ગરજુ થાય તો તેનાથી મોટાની મરજી પ્રમાણે જ વરતાય, એમાં ફેર નથી.
સંવત 1919ના જેઠ વદિ ત્રીજને દિવસે સ્વામીએ સવારે વાત કરી જે,
(219) દરિયાને તે તળાવ જેવો છે તે ઉપમા ઘટે નહિ તથા સૂર્યને અગ્નિની કે ચંદ્રની ઉપમા ઘટે નહિ. તે ઉપર વાત કરી જે, બ્રહ્માનંદસ્વામી જ્યારે,
સો સહજાનંદ રૂપ સહી !
એ સવૈયો બોલ્યા, ત્યારે મહારાજે કહ્યું, ‘એ ઉપમા તમને દેતાં ન આવડી.’ ને કહ્યું જે, ‘દરિયાને તળાવની ઉપમા ન દેવાય; એમ અમને તમે અવતાર જેવા કહ્યા, તે તો સમુદ્રને તળાવની ઉપમા દીધી એવું થયું.’
(220) સ્વરૂપનિષ્ઠા તો પ્રથમથી બેઠી તો જ બેઠી નહિ તો મિત્રાચારી હોય તો પણ ન મનાય ને ‘મહારાજ અને આ અક્ષર સર્વોપરી છે.’ એવી પ્રથમ ગાંઠ પડી જાય, તે તો કોઈ મોટાનો વિશ્ર્વાસ હોય તો પડે. તે લોધિકાવાળા અભેસિંહજી દરબારને એમ જે, અવતારમાત્ર બધા સરખા, અને અવતાર એ જ મહારાજ છે. પછી અમે તેમને કહ્યું જે, ‘મહારાજ તો અવતારી છે. તેમને અવતાર જેવા કેમ કહેવાય ?’ ને અમે તેમને ઘણી ઘણી વાતું કરી પણ મનાય નહિ ને શંકા કર્યા કરે. પછી અમે કહ્યું જે, ‘ત્રીસ લક્ષણે યુક્ત એવા સાધુ અમે ખરા કે નહિ ?’ ત્યારે કહે, ‘હા, મહારાજ !’ પછી કહ્યું જે, ‘એવા સાધુ હોય તે ખોટું બોલે ?’ તો કહે, ‘ના મહારાજ!’ પછી અમે કહ્યું જે, ‘આ અમે તમને કહીએ છીએ જે, મહારાજ સર્વોપરી છે તે અમારે વચને કરીને માનો !’ તે પ્રથમથી જ અમારી સાથે હેત, તેથી અમને હા કહી અને અમારું મનાણું.
(221) કૃપાનંદસ્વામી, વિશુદ્ધાત્માનંદસ્વામી, નિષ્કુળાનંદસ્વામી, ગોપાળાનંદસ્વામી, સ્વરૂપાનંદસ્વામી એમના ઉપર અમારે એવું હેત જે ઘડીમાત્ર નોખું ન રહેવાય; પણ તે બધાય દેહ મૂકી જાતા રહ્યા, માટે દેહનો એવો ધર્મ છે જે એ રહે જ નહીં.
(222) અખંડાનંદ બ્રહ્મચારીને પુરુષોત્તમપણાની વાત ન બેઠી, અને અમદાવાળા વાસુદેવાનંદ બ્રહ્માચારીને પણ એ વાત ન બેઠી. ને અવતાર અવતારીની વાત સભામાં કોઈએ કાઢી, ત્યારે વાસુદેવાનંદ બ્રહ્મચારીએ કહ્યું જે, ‘ભવાયો ને વેશ એમ સમજવું.’ ત્યારે અમે કહ્યું જે, ‘તારા ને ચંદ્રમા, તીર ને તીરનો નાખનાર એમ ભેદ છે.’ ને કેટલાકને તો હજુ પુરુષોત્તમપણું સમજવામાં ઉથડક છે, અને અક્ષરના સ્વરૂપનું પણ એવાને ઉથડકપણું છે. તે અમારાં વચનને વિશે વિશ્ર્વાસ નથી રાખતા તેને તો દેહ પરજંત ઉથડક મટનાર જ નથી કેમ કે, આથી બીજો સારો જોગ આગળ કોઈને આવ્યો નથી, અને હવે આવશે પણ નહિ. ને જેને ખરો નિશ્ર્ચય છે તેને તો બીજો સંકલ્પ નથી, તેવા જે અમારા એકાંતિક તેને તો પ્રગટ સર્વોપરી ભગવાનની નિષ્ઠા એવી છે કે, અનંતને બ્રહ્મરૂપ કરે છે ને કરશે.
પ્રકરણ 10 ની વાત 243
ઉથડક : ઉપરચોટિયું, બંધબેસતું કે ચોંટતું ન હોય તેવું.
પરજંત : પર્યંત, સુધ્ધાં.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
નિષ્ઠા : શ્રદ્ધા, આસ્થા, વિશ્ર્વાસ, ધારણા.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
(223) જે કામ કરવા ગયા ને થયું નહિ ત્યારે જાણવું જે ગયા જ નથી. તેમ આ દેહે કરીને તો ભગવાન ભજવા તે ન થયું તો દેહ હારી ગયા જાણજો; કેમ જે, સત્સંગ મળ્યો ને તેવા પ્રગટ ભગવાન અને પ્રગટ બ્રહ્મના સમાગમમાં આવ્યા ને ન સમજાણું તેને તો જાદવ જેવા અભાગિયા જાણવા.
(224) ભોજા ભક્તના બાપ ખીમાભાઈની વાત કરી જે, અમે ઊને હતા ને ત્યાં ખીમાભાઈ અમારે દર્શને આવ્યા. તેણે મનમાં સંકલ્પ કર્યો જે સાંજ પડી ગઈ છે તે ઘેર જાવું છે ને ઘોડી પણ નથી, તે કેમ થાશે ! પછી અમે કહ્યું જે, ‘સવારે ચાલજો. આજ નથી ચાલવું. સવારે ઘોડી આપશું ને માણસ પણ આપશું; તે છાશ પીને ચાલજો.’ પછી તે કહે જે, ‘આત્માનંદસ્વામીએ અંતરની લીધી હતી કે તમે લીધી !’
(225) નિષ્ઠા તો મોટા સંતને વિશે હેત હોય ત્યારે થાય છે તે અખંડાનંદ બ્રહ્મચારી પોતાના ગામનું નામ ન લેતા એવા ત્યાગી હતા; પણ પુરુષોત્તમપણાની વાત ન બેઠી. વિશ્ર્વરૂપાનંદસ્વામી અતિશે આકરા હતા પણ નિર્માની કરીને અમે તેનો દેહ મુકાવ્યો. ઉપાસના બીજી હશે તો બીજા ધામમાં રહેવું પડશે.
પ્રકરણ 10 ની વાત 243
નિષ્ઠા : શ્રદ્ધા, આસ્થા, વિશ્ર્વાસ, ધારણા.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
(226) પછી બીજી વાત કરી જે, વિજ્યાત્માનંદસ્વામીનું મંડળ ઉપલેટે ફરવા ગયું હતું તે શિયાળાના દિવસમાં ટાઢમાં મોજ નદીમાં નાહવા ચાર વાગે વહેલા ગયેલ તે નાહીને વળતાં બીજા સૌ સાધુ ચાલ્યા ને વિજ્યાત્માનંદસ્વામી ધોતી નીચોવતાં વાંસે રહ્યા, તે સૌની પાછળ આવતા હતા. ત્યાં ફકીરના જેવો વેશ, એવો કોઈ સામો મળ્યો. તે વિજ્યાત્માનંદસ્વામી ભજન કરતા આવતા હતા; તે સાંભળીને તે ફકીરે પૂછ્યું જે, ‘સાધુરામ, કીસ કા ભજન કરતે હો ?’ ત્યારે વિજ્યાત્માનંદસ્વામીએ કહ્યું જે, ‘કૃષ્ણ કા ભજન કરતે હૈ.’ પછી તે ફકીરે કહ્યું જે, ‘કૃષ્ણ કી તો ટોળીઆંકી ટોળીઆં હૈ, તુમ ઉસ્મેં સે કિસ કૃષ્ણ કા ભજન કરતે હો?’ ત્યારે વિજ્યાત્માનંદસ્વામીએ તે ફકીર, ‘એમ કેમ બોલ્યો ?’ એમ જાણી, પાછું વળી જોયું તો તે ફકીર અદૃશ થઈ ગયો. એ વાત આગળ સાધુ ચાલ્યા જાતા હતા તેમણે સર્વે સાંભળી. તે ફરીને આંહીં આવ્યા ત્યારે અમારી પાસે એ વાત તેમણે કરી. એમ ભગવાન તો કહી જાય, પણ મનાય નહિ.
મોજ : રાજીપાના ફળસ્વરૂપે મળેલ ઇનામ, બક્ષિસ.
વાંસે : પાછળ.
(227) આમ સવારમાં ઊઠીને કથા કરવી એવો કેને આદર છે ? ને ત્રિલોકમાં જ્યાં જ્યાં સભાઓ છે ત્યાં સર્વ ઠેકાણે વિષયની જ વાતું છે, માટે ભગવાન ભજવાનો આદર રાખવો. જેમ વિવાહ કરે છે, કાયટાં કરે છે ત્યાં કાંઈ ઘરનાં કામ મેલી દે છે ? ખેતી મૂકી દે છે ? કે, વાઢના કોસ છોડી મૂકે છે? એ તો વિવાહ થાતો જાય ને ઘરનું બીજું કામ પણ થાતું જાય, તેમ ભગવાન ભજાતા જાય ને બીજાં કામ પણ થાતાં જાય; અમે વાતું કરીએ છીએ તેમાં કેટલીય કામની ઉપેક્ષા રાખીએ છીએ ત્યારે વાતું થાય છે. માટે કથા, કીર્તન, વાર્તા અને ધ્યાન એનો કેડો મેલવો જ નહીં.
(228) અમે ત્યાગી થાવા આવ્યા ત્યારે અમારો કાકો અમને તેડવા આવ્યા ને અમે ઘેલે નાહવા ગયેલ, ત્યાં આવીને નીચેની સાખી બોલ્યા જે,
સંસારસુ સરસો રહે, ને મન મારી પાસ;
સંસારમાં લોપાય નહિ, તે જાણ મારો દાસ.
ત્યારે અમે કહ્યું જે, બે વાત એક હારે કેમ બને ?
ચિત્તકી વૃત્તિ એક હે ચાહે તહાં લગાવો;
ચાહે તો હરિકી ભક્તિ કરો ચાહે તો વિષય કમાઓ.
દો દો તોરી ચલે ન પંથા, દો દો સુઈયાં બને ન કંથા;
દો દો બાતેં બને ન આણા ઇન્દ્રિય પોષણ ને મુક્તિ જાણા.
કીડી ચોખો લે ચલી, બીચમેં આયી દાલ;
દો દો વાતું ન બને, કાં સેંથો કાં ટાલ.
એમ બન્ને વાતું ભેળી કાંઈ બને ? એમ અમે તો કહ્યું.
કરો : ઘરની દિવાલ.
(229) પાંચ વાનાં કહ્યાં જે, ભણવું, ભક્તિ, ધ્યાન, વૈરાગ્ય ને આત્માનિષ્ઠા શીખવાં જોઈએ. ધીરાનંદની પેઠે લગની વિના કર્યા કરે પણ શૂન્ય જેવું અજ્ઞાનનું ઉપશમ કહેવાય ને લગની રાખીને જે થાય તે ખરું.
(230) જેટલા સંકલ્પ થાય છે તેટલો જીવ સોરાઈ જાય છે. જેનું ભજન કરીએ છીએ તે એમ જાણીને કરવું જે, હું જેનું ભજન કરું છું તે કેવા છે ? ને હું કેનું ભજન કરું છું ? એટલી ખબર જેને નહિ, તે તો સ્મૃતિ વિનાનું ભજન કહેવાય તે કેવું ? તો જેમ ફૂલ બેસીને ખરી જાય, પણ ફળ ન થાય તેમ છે. ત્યાગી થયા છે ને ભગવાનની સ્મૃતિ નથી રાખતા તે ખડ ખાય છે. ગૃહસ્થને બાજરો કમાઈને સમાગમ કરવો, ને બાર આના આવરદા સંસારમાં વાવરવી, ને ચાર આના સત્સંગમાં વાવરવી, ને સંસારમાં બહુ તાણ હોય તો સત્સંગમાં બે આના તો વાવરવી જ; તો જ ભગવાન રાજી રહે, અને તે વિના તો જગતના જીવ કુટાઈ મરે છે ને વિષયનું કોઈ વાતે સરું આવે તેમ નથી. ધોળકાનાં કેળાં, અવલની ખાંડ, ને મહેળાવની તમાકુ ને ચોરવાડનાં નાગરવેલનાં પાન, એ સર્વે મુલકમાં ચાલ્યાં જાય છે ને સર્વે ઠેકાણે તેની જ વાતું છે; માટે લોકના ફેલમાંથી રોટલા પેદા કરીને સાધુ સમાગમ કરવા ઉપર તાન રાખવું.
ખડ : ઘાસ.
સરું : છેડો, અંત, પાર.
તાન : લગની, આગ્રહ, મસ્તી.
સંવત 1919ના જેઠ વદિ ચોથને દિવસે સ્વામીએ વાત કરી જે,
(231) પ્રથમ એક નિરધાર કરવો જે રોટલા મળો કે ન મળો, વહેવાર સુધરો કે બગડો, લોક ના પાડે કે હા પાડે, ઇન્દ્રિયુંને ગમે કે ન ગમે, પણ એ બધું ઠેલીને પ્રભુ ભજી લેવા છે ! માટે એટલાં બધાંને ન ગણે તેનાથી પ્રભુને મારગે ચલાય છે. ને કદાપિ સમૃદ્ધિ હોય, તો પણ આપણું તેમાં કાંઈ નથી. તે ઉપર બોલ્યા જે,
ચેતોહરા યુવતય: સ્વજનાનુકુલા: સદ્બાન્ધવા: પ્રણીત: નમ્રગિરશ્ચ ભૃત્યા: ।
ગર્જન્તિ દંતિનીવહાસ્તરલાસ્તુરંગા: સંમીલને નયનયોર્નહિ કિંચિદસ્તિ ।।
(કવિ માઘપુત્ર રચિત શ્ર્લોક : જ્ઞાનદીપ ભાગ-2 પાન નં.202 બી.)
અર્થ :- સુંદર યુવતીઓ હોય, સ્વજન અનુકૂલ હોય, સારા બાંધવો હોય, નોકરો આજ્ઞા ધારક અને નાજુક વાણીવાળા હોય, હાથીઓ અવાજ કરે છે અને ચપળ ઘોડાઓ છે, પણ આંખો બંધ થયા પછી કાંઈ પણ રહેતું નથી.
આપણી આંખો મીંચાશે અને અનગણ સમૃદ્ધિ હશે તો પણ આપણું તેમાં કાંઈ જ નથી. આ તો સર્વ શૂળીનાં સુખડાં છે ને કટકટ મરી જાય છે. આ જીવ છે તે બીજાં કરોડ કામ કરવા તૈયાર છે, મરવા તૈયાર છે, ભૈરવજપ ખાવા તૈયાર છે પણ પ્રભુ ભજવા નવરા નથી ! કાં જે એના કહેનારા કોઈ ન મળે. માત્ર વિષયનું જ આલોચન થાય છે. ત્યારે ઠક્કર નારણે પૂછ્યું જે, ‘કેમ કરે ત્યારે વિષયનું આલોચન ન થાય ?’ ત્યારે કહ્યું જે, ‘તે તો આ દેહમાં માલ જે, હાડકાં, પાચ, પરુ છે તેને જાણે ને વસ્તુ વિચાર કરે; તે જેમ સૂરાખાચરને કાનની સરક દેખાડી તે ઊલટી થઈ; તેમ જેને દેહ દર્શન હોય તેને દેહ સંબંધી વિષયનું આલોચન ન થાય. કેમ જે, આ દેહનું રૂપ જાણી એમ નિરધાર કરે જે, એમાં કાંઈ જ માલ નથી.’
ઠેલીને : હડસેલીને, પડતાં મૂકીને.
અર્થ : ધન, સંપત્તિ.
સુખડાં : મીઠાઈ.
આલોચન : મનન, ચિંતન.
(232) ભગવાન, સાધુ ને સત્સંગીના જોગમાં રહેવું. આ જે આપણે બેઠા છીએ તે સર્વે પ્રવૃત્તિને દબાવીને બેઠા છીએ, પણ કેટલાંક કામ બગડતાં હશે. માટે મરને ભગવાનનો દીકરો હોય, તો પણ વહેવારમાં જો જીવ ઘાલે તો કથા ન થાય; ને પ્રભુ તો ક્યાંથી જ સાંભરે ? ને છાવણી કરી ત્યારે કાંઈ ખરચ માથે ન પડ્યું; મૂળગા રૂપિયા વધ્યા, પણ તેમ હવે કથા ન થાય. ને અમારે મનસૂબો તો થાય છે જે, બધા સાધુને રાખીને વાતું કરીએ ને કથા કરાવીએ, પણ આપણે ગરીબ માણસ તે હળવે હળવે કરશું. કાં જે ફરવાનું તો છે જ, પણ મારો દેહ પડી જાય તો વાતું રહી જાય માટે બ્રહ્મચારીને રાખીને કથા કરાવીએ. તે જેમ ગયા ચોમાસામાં રઘુવીરજી મહારાજ આંહીં આવ્યા, ત્યારે ચાર માસ કથા અને વાતું જ કરી હતી.
મરને : ભલેને.
છાવણી : કથાવાર્તાની શિબિર ને તે માટે કરેલ વ્યવસ્થાની જગ્યા.
(233) મનોહરદાસ મેઘપુર ડાંગર વાઢવા ગયા તે બાર જણને સમાધિ થઈ ગઈ કેમ કે, મહારાજની મૂર્તિનાં ચિહ્ન અગર મૂર્તિનું નિરૂપણ કરે તેથી સમાધિ થાતી. અને અમે ભજન કરવા માંડ્યું તે સોળ જણને સમાધિ થઈ ગઈ. એમ પ્રતાપની વાત કરી.
અગર : મીઠું પકવવાના ક્યારા.
નિરૂપણ : બરોબર વર્ણવવું, યથાર્થ વર્ણન
(234) પુરુષોત્તમ ભગવાનનાં અસાધારણ લક્ષણ વંચાવીને તેની વાત વિસ્તારીને કરી દેખાડી. પ્રથમ મહારાજે કઈ કઈ વાતું કરી હતી, પણ તે કોઈ સમજી શક્યા જ નહિ, પણ આજે તે સમજાણી છે, માટે આ પ્રતાપની શી વાત! તે ઉપર વિધાત્રાનંદસ્વામીવાળી ‘પુરુષોત્તમપત્રી’ વંચાવીને ઘણી વાતું કરી. ને પુરુષોત્તમની પ્રાપ્તિ થઈ, તે આવી પ્રાપ્તિ આગળ આંહીંનું તો સર્વે ધૂડ જેવું છે !
(235) અમે કેટલીક વાતું ઉઘાડી કહેવા માંડી, તેમાં કેટલાક માણસને બંધબેસતું ન આવ્યું ને ડગમગાટ થાતો; તેથી કલેશ ને ઉપાધિ કરતા જે, ‘સત્સંગીજીવન’માં મહારાજને શ્રીકૃષ્ણ કહ્યા છે ને આ આમ કેમ કહે છે ? અત્યારે પણ જેમ આ પ્રાગજી ભક્ત અમને મૂળઅક્ષર કહે છે પણ કેટલાકને બંધબેસતું નથી તે જેમ હવે મહારાજનું પુરુષોત્તમપણું ઘણાને બંધબેસી ગયું છે, તેમ અમારા અક્ષરબ્રહ્મપણાનું પણ બંધબેસી જાશે; માટે પ્રથમ પહેલાં તો એમ જ થાય, માટે ધીરજ રાખી રહેશો તો કાળે કરીને સૌને સમજાય જાશે; માટે જેવા મહારાજને જાણશે તેના લોકમાં રહેવું પડશે, ને આ બે વાત જો ખરેખરી સમજાણી તો પછી કોઈનો અંતરમાં ભાર રહેશે નહિ.
(236) આ પ્રાગજી ભક્તની વાતને સાંભળીને જે કોઈ એનો દ્રોહ કરે છે, તેના ઉપર મહારાજનો કોપ થાશે ને એવાના અંતરમાં સુખ નહિ રહે, અને અતિ કલેશને પામશે.
દ્રોહ : મનથી, વાણીથી કે કર્મથી જાણી જોઈને કરેલ દોષ, ગુનો, પાપ કે અપરાધ
બપોરે વાત કરી જે,
(237) રીંગણીને જેમ પાણી વિના બીજું કાંઈ સુખદાઈ નથી, તેમ આ જીવને ભગવાન વિના બીજું કાંઈ સુખદાઈ નથી.
(238) ઉપેન્દ્રાનંદસ્વામીનો દેહ બાર મહિના સુધી પડે તેમ નહોતો, તે વાત વિસ્તારીને કહી જે, એક વખત વરતાલમાં અમારે માથે કેટલાકે ઉપાધિ કરેલ તેમાં ઉપેન્દ્રાનંદસ્વામી ભળેલ. થોડાક દિવસ પછી શરીરમાં રોગ આવ્યો, તે એવા અશક્ત થઈ ગયા, તે ઉપાડીને ખાડે તેડી જાય. તેવી રીતે સાત વરસ વહી ગયાં. પછી અમે એક વખત વરતાલ આવેલ, તે સમૈયો કરીને પાછા ચાલ્યા ત્યારે સર્વે પાળા, સાધુ, ત્યાગીમાત્ર જ્યાં સુધી વળાવવા આવતા ત્યાં સુધી આવીને પાછા વળ્યા. પણ ઉપેન્દ્રાનંદસ્વામીના શિષ્ય શ્રીકૃષ્ણદાસ તે તો અમારી આગળ ચાલ્યા. તેમને જોઈને અમે કહ્યું કે, ‘તમે ક્યાં જાઓ છો?’ ત્યારે તે કહે, ‘સ્વામી, તમને પૂછવું છે તે સારુ આવું છું.’ પછી કહ્યું જે, ‘મારા ગુરુ ઉપેન્દ્રાનંદસ્વામીને મંદવાડ બહુ છે ને તેમની ચાકરી કરી કરીને સૌ થાકી ગયા છે ને હું એક રહ્યો છું, તે પણ મનમાં થાક્યો છું. માટે હવે તમે મહારાજને કહો તો મહારાજ તેડી જાય.’ આ સાંભળી અમને થયું જે, આ સાધુને અમારો મહિમા ને અમારામાં વિશ્ર્વાસ છે; તેથી ઘડીક વિચારીને બોલ્યા જે, ‘કોઈક મોટા સાધુનો અપરાધ ઉપેન્દ્રાનંદસ્વામીએ કર્યો છે, તેથી રોગ થયો છે. પણ તમે હવે ઝટપટ પહોંચો. ત્યાં મહારાજ ને અમે આવીએ છીએ. અમે મહારાજને કહ્યું છે.’ પછી તે સંત વિશ્ર્વાસી તે તરત ઉતાવળા ચાલ્યા, ને ત્યાં જાય ત્યાં તો ઉપેન્દ્રાનંદસ્વામીએ કહ્યું જે, ‘મહારાજ ને ગુણાતીતાનંદસ્વામી ને ગોપાળાનંદસ્વામી મને તેડવા આવ્યા છે તે હું જાઉં છું,’ એમ કહી દેહ ત્યાગ કર્યો, માટે કોઈનો જો દ્રોહ થયો તો આડું આવશે, તેમાં ફેર નથી.
દ્રોહ : મનથી, વાણીથી કે કર્મથી જાણી જોઈને કરેલ દોષ, ગુનો, પાપ કે અપરાધ
(239) વરતાલનું પહેલું વચનામૃત વંચાવીને નિશ્ર્ચયના દૃઢાવ ઉપર વાત કરી જે, આ કલ્યાણભાઈને કહીએ જે, ‘તમે સાખે ઝાલાવાડિયા નહિ તે કેટલાક રૂપિયા દેતાં ટળે ?’ ને કદાપિ માર દેવા માંડ્યો હોય તો ઉપરથી તો કહે જે ના; પણ અંદરથી હા પડે નહિ; તેમ મહારાજ સર્વોપરી પુરુષોત્તમ છે અને આ સાધુ અનાદિ મૂળઅક્ષર છે, એવું નક્કી થાય, ત્યારે નિશ્ર્ચય કહેવાય. અગત્રાયમાં ધોળિયા આંબા હેઠે મહારાજે ઢેઢના છોકરાને સો વાર આત્મા કહેવરાવ્યું પણ કહે, ‘ઢેઢ છું.’ તેમ મહારાજને વિશે ભગવાનપણાની ગ્રંથિ પડી જાય ત્યારે નક્કી કહેવાય ને શુદ્ધપણે ઉપાસનાનું નક્કી તો થોડાકને છે. તે ઉપર વાત કરી જે, શ્રી વૈષ્ણવ તો કહેવાય; પણ માતાની માનતા કરે, તથા ‘ભોય વાછરા’ની, ને ‘આપા પાલણ’ ઢેઢની વાત કરી. એમ આપણામાં પણ ઉપાસનાનું એવું છે જે, અવતારને લઈને મહારાજને કહે છે.
સાખે : સંદર્ભે, સાક્ષીએ.
સંવત 1919ના જેઠ વદિ પંચમીને દિવસે સ્વામીએ વાત કરી જે,
(240) મોક્ષ ઉપર તાન છે એવાં શાસ્ત્ર છે તે પણ આજીવિકાને અર્થે વાવરે છે. તેમ જ કથા, કીર્તન ને વાતું તે જન્મ-મરણને છેદે એવાં છે, તો પણ આજીવિકાને અર્થે થાય છે; પણ મોક્ષ પરાયણ ન કરે. કોઈને બુદ્ધિ હોય, વિવેક હોય ને તે સત્સંગના કામમાં ન આવે તો તે (વીઠુબા) દીવાનના જેવી બુદ્ધિ કહેવાય, જેને મહારાજે મુશલાગ્ર કહી છે; ને નાથ ભક્તની કુશાગ્ર બુદ્ધિ કહી છે, તે દીવાન નરકે ગયો ને નાથ ભક્ત મહારાજ પાસે ગયા. રૂપિયા હોય, બુદ્ધિ હોય, કુટુંબ હોય, દેહ સાજું હોય; પણ સત્સંગના કામમાં ન આવે, તો તે બધી માયા છે. ને વઢિયારીને કાગડો ઠોલી ન શકે; છેટેથી ઇતરડી તોડી લે ને દૂબળાને ચાંચું મારી લોહી કાઢે. તેમ ખરેખરા બળિયા હોય તે ઉપર માયા ઝડપું નાખી ન શકે.
તાન : લગની, આગ્રહ, મસ્તી.
વાવરે : વાપરે, ઉપયોગમાં લે.
મુશલાગ્ર : સાંબેલાના છેડા જેવી જાડી બુદ્ધિ.
ઇતરડી : ઢોરના શરીરે વળગી લોહી ચૂસતું એક જંતુ.
(241) સુરતમાં અરદેશર શેઠે મહારાજને તેડાવ્યા ને ત્યાં મહારાજે નિષ્કુળાનંદસ્વામીને પ્રશ્ર્ન પૂછ્યો જે, ‘સત્સંગમાં મોટા કોણ ?’ તેનો ઉત્તર પોતે જ કર્યો જે, ‘આ છે એ જ ધામમાં છે એવી નિષ્ઠાથી અમારી અનુવૃત્તિ પાળે છે તે બહુ મોટા છે. અને આ સત્સંગમાં નિયમમાં જે રહ્યા છે તે પણ મોટા છે.’ ને આજ તો કેટલાક સત્સંગી જ્ઞાને કરીને જનક જેવા ને કેટલાક પ્રહ્લાદ કરતાં પણ અધિક છે, ને કેટલાક ગોલોકના, કેટલાક વૈકુંઠના, કેટલાક દેવલોકના ને કેટલાક અનંત અવતાર સત્સંગમાં આવ્યા છે. ને પ્રકૃતિપુરુષ સુધી સ્ત્રીનો વિષય છે; પણ નાના નાના સ્ત્રીને મૂકીને આંહીં ચાલ્યા આવે છે તેને તો પ્રકૃતિપુરુષ થકી પરના જાણવા. ને કૃપાનંદસ્વામી ને ભોજા ભક્ત તેમણે તો કાન જ વીંધાવ્યા નહિ. અને પાણવીના પૂંજા ડોડીઆને સત્સંગ ન હતો ત્યાંથી જ એવો આદર જે પ્રભુ મળે તો જ આ દેહ રાખવો, પછી મહારાજ મળ્યા ને સત્સંગ થયો.
અનુવૃત્તિ : મરજી.
પાળે : સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જાતનો સેવક/પાર્ષદ.
પ્રકૃતિપુરુષ : ચેતન અકર્મણ્ય પુરુષની મદદથી જડ પ્રકૃતિમાંથી સમગ્ર સૃષ્ટિની ઉત્પતિ થઈ તે
(242) અનંત ધામના મુક્તો આવ્યા છે. તેમાં કોઈ શ્ર્વેતદ્વીપના હોય કે, બદરિકાશ્રમના હોય કે, ગોલોકના હોય કે, અક્ષરધામના હોય તે કેમ ઓળખાય ?તેનો ઉત્તર મહારાજે કર્યો જે, ‘શ્ર્વેતદ્વીપના મુક્તને અંત:કરણના રાગ ટાળીને ધ્યાન મુખ્ય; બદરિકાશ્રમવાળાને દેહ નિયમમાં રાખવો ને તપ મુખ્ય; વૈકુંઠવાળાને ધર્મ મુખ્ય; ને ગોલોકવાળાને પ્રેમ મુખ્ય; ને દેવલોકવાળાને વાજાં વગાડીને ગાવણાં કરવાં તે મુખ્ય હોય.’ તે ઉપર વાત કરી જે, દેવાનંદસ્વામી માંદા હતા ત્યારે અમે તેમની સેવા કરી, ત્યારે કહે, ‘તમે મારી સેવા કરી, તે કોઈને મેં શીખવી નથી એવી ગાનવિદ્યા તમને શીખવું.’ ત્યારે અમે કહ્યું જે, ‘મહારાજની મૂર્તિ મૂકીને ‘એં, એં, એં.’ કરવું, એ અમારાથી ન થાય.’ અને અક્ષરના મુક્ત બ્રહ્મરૂપ છે અને આંહીંયાં એકાંતિક છે. તે બન્ને મુમુક્ષુને બ્રહ્મરૂપે મહારાજમાં જોડે છે. એમ સાત પ્રકારના મુક્ત કહ્યા છે. એથી લક્ષણા કરવી જે, જ્યારે બધા ધામોના મુક્ત આવ્યા હશે ત્યારે તેમનાં રૂપ કહ્યાં છે. તે જેમ જેના ઘરમાં લાખ રૂપિયા હોય તે લખેશ્રી કહેવાય ને જે કલકત્તે જઈ આવ્યો હોય તેને કલકત્તાની ખબર પડે; પણ બીજાને ન પડે, તેમ સર્વોપરી ભગવાન હોય ત્યાં જ બધાનાં રૂપ થાય.
મૂર્તિ : સંતો.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
(243) આ સર્વે વહેવાર છે તે શબ્દનો છે; ને જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ એ સર્વે શબ્દે કરીને માંહી પેસે છે ને આ સત્સંગ થયો તે પણ શબ્દે કરીને થયો છે; અને વેદ છે, ને કેટલાક નાસ્તિક મત છે, તે પણ શબ્દે કરીને છે.
(244) મહારાજ બોલ્યા હતા ને અમે સાંભળ્યું હતું જે, ‘અમારા મળેલ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી તો ધર્મ એવો ને એવો રહેશે; ને જ્યારે એ નહિ હોય ત્યારે રાજામાં પ્રવેશ કરશું તથા પ્રતિમામાં તથા કોઈ આચાર્યમાં પ્રવેશ કરશું ને ધર્મ પળાવશું.’ તે ઉપર બોલ્યા જે,
યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત ।
અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ્ ॥
(ભગવદ્ ગીતા : 4/7)
અર્થ :- હે ભારત ! જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે, ત્યારે ત્યારે હું જન્મ ધારણ કરું છું.
કેમ જે, આ સંપ્રદાય બાંધ્યો છે તે આ બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી ચાલવાનો છે. ને અમે પણ અરજી નાખી છે જે, ગય રાજા જેવો રાજા ને રઘુવીરજી જેવા બે આચાર્ય કરો તો પરમેશ્ર્વર ભજ્યાનું સુખ આવશે; નહિ તો પાપી ભગવાન ભજવા નહિ દે.
અર્થ : ધન, સંપત્તિ.
કરો : ઘરની દિવાલ.
(245) ગામ ગરાસ તો મહારાજને ગમતું નથી ને જંતર, મંતર, ભૂવા ને ડાકલાં તે પેસી જાશે. તેમાં સત્સંગનું શું બગડનારું છે ? સૌ સૌનાં રૂપ ઉઘાડાં થાશે.
(246) રઘુવીરજી મહારાજ ધામમાં પધાર્યા તો પણ એવું ને એવું ચાલ્યું જાય છે ને નિત્યાનંદસ્વામી ને ગોપાળાનંદસ્વામી ગયા ત્યારે સૌ એમ કહેતા જે, હવે કેમ થાશે ? ને વડોદરે જાવું તે એ વિના શી રીતે જાવાશે ? પણ ત્યાર પછી આચાર્ય મહારાજ પધાર્યા ને કેટલો વિજય થયો ! માટે મહારાજનો સંકલ્પ છે તે સર્વ ઠેકાણે સર્વોપરીપણું થાશે.
(247) ત્યાગી તો ઝોળી માગી ખાઈને, જ્યાં ઝાઝો વાહર હોય ત્યાં બેફિકર સૂઈ રહે ! ફિકરમાત્ર તો આચાર્ય ને સમૃદ્ધિમાં રહી છે.
વાહર : પવન, હવા, હવા ખાવી.
(248) મધ્યનું 56મું વચનામૃત વંચાવીને કહ્યું જે, મહારાજે કસુંબલ વસ્ત્ર પહેર્યાં હતાં; ને ટાટમથી જોટીંગડા સુધી ઘોડી દોડાવીને પરસેવો બહુ વળ્યો, ને લૂગડાં પહેર્યાં હતાં તે ભૂખરાં થઈ ગયાં. તે ઉપર પ્રીતિવાળાએ કસુંબલ રંગ જેવા કહ્યા છે.
સંવત 1919ના જેઠ વદિ છઠને દિવસે સ્વામીએ વાત કરી જે,
(249) પ્રભુ ભજે તેને આવરણ આડાં આવે છે. તે આવરણ તે શું ? જે, જેટલાં પદાર્થ છે તે સર્વે પ્રભુ ભજવામાં આડાં આવનારાં છે. તે ગંગાજી આડો એક કાળો પર્વત આવ્યો; પણ આ તો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ એ પાંચ પર્વત જેવાં અનંત આવરણ. તે જેટલા રમણીય સારા પદાર્થ છે તે સર્વે આવરણરૂપ છે ને સ્ત્રીરૂપ માયા તે તો ઝાડ સુધી પૂગી છે. તે સ્ત્રી કેટલાક ઝાડને જુએ તો જ ફળે ને કેટલાક ઝાડને સ્ત્રી પાટું મારે તો જ ફળે છે.
(250) કેટલાંક દુ:ખ સંજોગ-વિજોગનાં, કેટલાંક માન-અપમાનનાં પશુમાં પણ દેખાય છે. તે ઉપર ફિરંગીના ઘોડાનું દૃષ્ટાંત દીધું જે, શરીઅતમાં જે ઘોડો વાંસે રહ્યો હોય તે તોલમાં ઘટી જાય છે, ને આગળ થયો હોય તે તોલમાં વધી જાય છે અને કેટલુંક અહંવૃત્તિનું દુ:ખ છે, તે જો મનનું ધાર્યું મરડાય તો પણ દુ:ખ, ને દેશવાસનાનું પણ દુ:ખ છે. તે કેશવચરણદાસને ગુજરાતનાં ઝાડ ન દેખાય ત્યારે મન ઉચાટ થઈ જાય ને આપણે તો એક મહારાજ જ ભગવાન છે, એવો દૃઢાવ અખંડ રહે છે; તે ત્યાગ, વૈરાગ્ય ને ધર્મ તો આવ્યા ગયા રહે છે.
વાંસે : પાછળ.
(251) ચ્યવનની પેઠે ભલેને સુકાઈ જાય; પણ નિજાત્માનં બ્રહ્મરૂપં દેહત્રયવિલક્ષણમ્ । થયા વિના હૈયામાંથી એ પાપ જાય નહિ. અને
તસ્માદ્ ગુરું પ્રપદ્યેત જિજ્ઞાસુ: શ્રેય ઉત્તમમ્ ।
શાબ્દે પરે ચ નિષ્ણાતં બ્રહ્મણ્યુપશમાશ્રયમ્ ।।
(સુભાષિત)
અર્થ :- તેથી ગુરુને શરણ જવું, તે જ જિજ્ઞાસુનો ઉત્તમ શ્રેય છે. શબ્દ જ્ઞાન અને પરમ જ્ઞાનમાં નિષ્ણાત અને બ્રહ્મમાં જેણે શાંતિનો આશ્રય કર્યો છે તેવા ગુરુને શરણ જવું.
ગુરુ કેવા હોય ? તો બીજાને સુખિયા કરે. ને એવા ન હોય તેની પાસે જઈને એક જણે કહ્યું કે, ‘મારે તો ઘાટ થાય છે,’ ત્યારે કહે જે, ‘તું આવ્યો હતો શા સારુ?’ એમ ઊલટું દુ:ખ કર્યું. માટે દેહ હોય ત્યાં ઘાટ થાય, સંક્લ્પ થાય, સ્વભાવ આવે, પ્રકૃતિ આવે, પણ એ સર્વેને મૂકી દેવાં. ને જ્ઞાન વિના જલા ભક્ત ઉપદેશ કરી હરિજનનાં અઢાર ઢોર હાંકી લાવ્યા, એવું છે.
અર્થ : ધન, સંપત્તિ.
ઘાટ : માયિક સુખ ભોગવવાનો સંકલ્પ, વિકારનો સંકલ્પ.
(252) મહારાજે આદ્રેજમાં દિવાળી કરી હતી ત્યારે ઇચ્છારામ નામનો હરિભક્ત ઘોડીએ ચડીને મહારાજને દર્શને આવતો હતો. તે ઘોડી ગામ ભણી તાણે ને ઇચ્છારામને મહારાજ પાસે આવવું. તે તાણખેંચ જોઈ મહારાજે બે પાળા મોકલ્યા ને કહ્યું કે, ‘ઘોડીને મારીને આંહીં લઈ આવો.’ પછી તે લઈ આવ્યા. એમ નિદ્રા છે તે સૂવાની કોર તાણે છે ને ભગવાનના ભક્ત છે તેને મહારાજનાં દર્શન કરવાની ખેંચ રહે છે. પહોર રાતે ઊઠતા હશે તેને કાંઈ નહિ અને ત્રણ ટાણાં ખાતો હતો તેને બે ટાણાં ખાવા મળે તે કઠણ પડે; પણ જે એક ટાણું ખાતો હોય તેને કાંઈ નહિ. તેમ જે પહોર રાત સુધી જાગે તેને ઊંઘ પીડે નહિ, પણ સમી સાંજથી સૂતા હોય તેને કઠણ છે.
પાળા : સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જાતનો સેવક/પાર્ષદ.
પહોર : પ્રહર, ત્રણ કલાક.
(253)
સંત સુખી સંસારમેં, ઉદ્ધવ મેરો સંત સુખી સંસારમેં.
ઔર સબે જગ જરત નિરંતર, તીન તાપકી ઝારમેં. ઉદ્ધવ0
(કીર્તન મુક્તાવલિ:512)
એ કીર્તન બોલાવીને કહ્યું જે, આમાં કહ્યું તે પ્રમાણે વરતે તો સર્વે કરી રહ્યા છે. પછી,
સંત સુખી સંસારમેં, ઉદ્ધવ મેરો સંત સુખી સંસારમેં.
જ્ઞાન વિના દુ:ખ પાવત દુનિયા, માયા ઘોર અંધારમેં;
મુક્તાનંદ મુનિવર વિજ્ઞાની, પહોંચત તેજ અંબારમેં. ઉદ્ધવ0
(કીર્તન મુક્તાવલિ : 512)
એ બોલ્યા ને તેનો અર્થ કર્યો જે, અક્ષરરૂપ થાય ત્યારે મહારાજને વરણીય થાવાશે, ને દોષમાત્ર નહિ રહે. ભીમનાથથી તે પાવાગઢ સુધી ક્યાંય પાણા ન આવે; તેમ અક્ષરરૂપ થાવામાં દોષ કે માયાનું કાર્ય જ નથી; ને તે માયા પર કહેવાય. તે વિના નિયમ અણીશુદ્ધ ખરેખરાં પાળે, તો પણ એ આત્મારૂપ કહેવાય ને તેમાં પણ માયા પ્રવેશ ન કરે. ને સાધારણ હરિભક્ત હોય તેને પાંચ દોષ છે, તે પાંચ પર્વત જેવા છે. ને એકાંતિકને પંચવિષય સંબંધી રમણીય પદાર્થ તથા આ દેહ તે અંતરાયરૂપ છે; ને બરાબર કાયદે રાખે તો સહાયરૂપ છે.
ભગવાનના ધામમાં આઠ આવરણને ભેદે ત્યારે જવાય. તે આઠ આવરણ :- પ્રથમ પૃથ્વીનું આવરણ, ને તેની માત્રા ગંધ છે; તે બ્રહ્માંડમાં જેટલાં ગંધમાત્ર છે તેમાં વૃત્તિ ન તણાય એટલે પૃથ્વીનું આવરણ ઉલંઘાણું. બીજું આવરણ જળ, ને તેની માત્રા રસ છે; તેને આશરીને જેટલાં પદાર્થ રહ્યાં છે, તેમાં ક્યાંય ન લોભાય એટલે જળનું આવરણ ઉલંઘાણું. ત્રીજું આવરણ તેજ છે, તેની માત્રા રૂપ છે; તે બ્રહ્માંડમાં રૂપમાત્રમાં વૃત્તિ ન તણાય એટલે તે આવરણ જિતાણું. ચોથું આવરણ વાયુ છે, તેની માત્રા સ્પર્શ છે; તે બ્રહ્માંડમાં જેટલા સ્પર્શમાત્ર છે તેમાં આસક્ત ન થાય તો વાયુનું આવરણ જિતાણું. પાંચમું આવરણ આકાશ, ને તેની માત્રા શબ્દ છે; તે કોઈ શબ્દે કરી અંતર ન ભેદાય તો આકાશનું આવરણ જિતાણું. અને છઠું આવરણ અહંકાર છે, તે રજ, તમ અને સત્ત્વ એ ત્રણે ગુણ થકી પર ગુણાતીત વરતે એટલે ત્રણે ગુણમાં ન લેવાય તો અહંકારનું આવરણ ભેદ્યું કહેવાય. સાતમું આવરણ મહત્તત્ત્વ છે, તે ચિત્તને જીતે એટલે કે, ચિત્તમાં એક ભગવાન વિના પ્રકૃતિપુરુષ સુધીનો કોઈ આકારમાત્ર ન રહે ત્યારે મહત્તત્ત્વનું આવરણ ગયું જાણવું. ને આઠમું આવરણ પ્રકૃતિનું છે, તે પ્રકૃતિ તે સ્વભાવરૂપ વરતવું તે છે; તે સ્વભાવને જીતે તો પ્રકૃતિનું આવરણ જિતાણું જાણવું. એમ આ આઠેય આવરણો એકાંતિકને ભગવાનના મારગમાં વિઘ્નરૂપ છે.
અર્થ : ધન, સંપત્તિ.
પાણા : પથ્થર.
પ્રકૃતિપુરુષ : ચેતન અકર્મણ્ય પુરુષની મદદથી જડ પ્રકૃતિમાંથી સમગ્ર સૃષ્ટિની ઉત્પતિ થઈ તે
(254) મહારાજે ‘વચનામૃત’માં સાધુને સાધુરૂપે ભગવાન કહ્યા છે. ને ‘હરિગીતા’માં મહારાજે સાધુનાં ચોસઠ લક્ષણ કહ્યાં છે. તે અધ્યાય હાથમાં લો ને બોલતા આવો ને આ લક્ષણ છે કે નહિ ? ને એ લક્ષણ અમારામાં ન હોય તો પૂરાં કરી આપીએ, માટે ચોસઠ લક્ષણ જેમાં હોય તેવા સાધુને ભગવાનનું સ્વરૂપ જાણવું.
(255) એક ગુરુ, માતા, પિતા ને ગરીબને દુ:ખ થાય તો મતિ આસુરી ને શાપિત થઈ જાય એમ કહ્યું છે, પણ વૈરાગ્ય થાય ને મા-બાપને મૂકીને ત્યાગી થાય તેમાં મા-બાપ કોચવાય તો પણ એને એ નડે નહિ, અને તેને માથે કોઈ ઋણ રહેતું નથી. ને સ્ત્રી હોય તે પતિનો ત્યાગ કરે ત્યારે તેને શાસ્ત્રમાં પાતકી કહી છે પણ જો વૈરાગ્ય થાય અને ભગવાન સારુ એના ધણીનો ત્યાગ કરે, તો તેમાં તેને કોઈ દોષ લાગતો નથી. ભગવાનને અર્થે દેહ, ઇન્દ્રિયું ને મન કામમાં આવે એમ કરવું.
(256) ચેલો હોય તેને એવી શિખામણ દેવી કે, મંદિરમાં જોડાય, તથા આચાર્યમાં જોડાય, તથા મોટા સાધુમાં જોડાય તેમ કરવું; અને એમ ન કરે તો તે ચેલો એનો નથી, માટે એ ત્રણમાં જોડવા.
સંવત 1919ના જેઠ વદિ સાતમને દિવસે સ્વામીએ વાત કરી જે,
(257) મહારાજે પ્રકરણ ફેરવ્યાં તેનું એટલું જ પ્રયોજન જે, આ જીવનું ગમતું કાંઈ રહેવા દેવું નહિ એ તાન; એ સારુ પ્રકરણ ફેરવ્યાં.
(258) ‘શિક્ષાપત્રી’ના શ્ર્લોક 27, 34 ને 35માં વહેવાર મારગનાં બીજ મૂક્યાં છે; અને શ્ર્લોક 109, 110, 111, 112, 116, 193 માં ધર્મનાં બીજ મૂક્યાં છે. માટે મહારાજે વહેવાર અને આત્યંતિક મોક્ષનું જ્ઞાન સર્વેને શીખવ્યું છે; પણ જીવને તો કશી ખબર જ નથી. પણ લખેલ બરાબર સમજે તેને તો સુખિયા કરી દીધા છે. મહારાજને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ ને પ્રગટ ભગવાનના સ્વરૂપમાં જોડાવું તે શીખવવાનું ભારે તાન, તે કેટલાય આગ્રહ કર્યા ને સર્વેનાં રૂપ કળાવી દીધાં; તે જેમ મામાએ ભાણેજને હીરા ઓળખાવ્યા, તેમ,
આપી પરચા અનુપ, માયિક મતને ઉખાડીયાં જો;
જીવ માયા બ્રહ્મરૂપ, જથારથ તે દેખાડીયાં જો.
(કીર્તન મુક્તાવલિ : 786)
એમ કીર્તનમાં ગવાણું છે. શંકરાચાર્યે છ અધ્યાયની ટીકા કરી તો પણ જીવનું રૂપ ન આવડ્યું. અને મહારાજે તો ‘શિક્ષાપત્રી’માં અતિસ્પષ્ટ સૂત્રરૂપે જીવ, ઈશ્ર્વર અને માયાનાં રૂપ કરી બતાવ્યાં છે. ને કેટલેક તો મોટા મોટા કૂવા ખોદ્યા છે. ને શક્તિપંથીએ કહ્યું જે, ‘દેવી મોટી છે.’ ત્યારે પતિતપાવનાનંદસ્વામીએ કહ્યું જે, ‘દેવી તે સધવા કે વિધવા ? જો વિધવા કહો, તો ચૂડલો, ચાંદલો ને ચૂંદડી વિધવાને ન હોય; ને જો સધવા કહો તો તેના પતિની દાસી થઈ.’ પછી તે ધખીને વહ્યો ગયો અને રણકીનાં પુણ્ય આપે એવા પણ મત છે. પણ આજ મહારાજે તો બધું સુગમ કરી કેવળ મોક્ષ જ રાખ્યો છે તેને પોતાના એકાંતિક સંતની પ્રાપ્તિ કરાવી; ધર્મે સહિત પ્રગટ પ્રમાણ પોતાની ભક્તિ કરાવી. અધર્મ સર્ગ ને પાખંડ ધર્મનું મૂળ કાઢી, મૂળ જ્ઞાન આપી સુખિયા કરી દીધા છે. માટે આજ આપણે બહુ ભારે જોગ મળી ગયો છે.
ધખીને : સમસમીને, ખીજાઈને.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
(259) મહારાજ પ્રગટ થયા ત્યાંથી બુદ્ધિ આપવા માંડી ને સર્વેના દૈવત કહી દીધાં ને સર્વે વાતનાં પ્રમાણ કરી દીધાં ને સર્વે ગુરુનાં ને સર્વે આચાર્યોનાં રૂપ ઓળખાવ્યાં.
દૈવત : દિવ્ય તેજ, શક્તિ.
(260) જે ગામમાં રહ્યો હોય તે જાણે જે હું આ ગામનો જ છું. તેમ જ જાતિનું છે. અને સાધુ થયા તો પણ જીવમાં જાતિ અભિમાન રહે છે તે મોટી ખોટ કહેવાય; કેમ જે, જેવું જાતિનું નક્કી છે તેવું સાધુપણાનું નક્કી નથી માટે જેટલો સત્સંગ થયો ને બ્રહ્મરૂપ થયો તેટલું જ સારું છે, ને જેટલો કુસંગનો ભાગ છે તેટલું ભૂંડું છે. ને મનના લીધા લેવાઈએ છીએ તથા ઇન્દ્રિયુંના લીધા લેવાઈએ છીએ તેટલો સત્સંગ કાચો છે. જેમ ભૂંડું કુલક્ષણું ઘોડું હોય તેના ઉપર ચડે તેના ભૂંડા હાલ થાય, તેમ આ ઇન્દ્રિયું, અંત:કરણ ને સ્વભાવ તે ભૂંડી ઘોડીઓ છે. તે રામ ખુમાણનો હાથ ભાંગ્યો તેની વાત કરી જે, ઘોડી જઈને ઠૂંઠામાં ભરાણીને પાડ્યા ને હાથ ભાંગ્યો.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
(261) હરિજનનો અવગુણ આવે એવું કામ હોય તો તે પણ ઘોળ્યું કરવું. ને ગામતરા સારુ કોઈનો અવગુણ આવે તે પણ ઘોળ્યું કરવું; કેમ જે, ભગવદીનો અવગુણ ન આવે તો કરોડ તીર્થ કર્યાં.
ઘોળ્યું : કાર્ય કર્યું, બળ્યું, મૂઉં, જતું કરવું.
(262) મોટાના સંગથી સાધુ થાવાય છે અને બ્રહ્મરૂપ તો તે પછી. તે તો આ મૂર્તિમાન બ્રહ્મના સંબંધથી થાવાય છે. જેમ અમૃતમાં ઔષધિમાત્ર આવી જાય તેમ આ સાધુના સંબંધથી જ બ્રહ્મરૂપ થાવાય છે.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
(263) વરસાદનું પાણી તળાવ, કૂવા, નદી, ટાંકામાં રહે તે કામનું, ને દરિયામાં જાય તે પીવાના કામમાં ન આવે. હવે અમારો દેહ રહ્યો છે તે વાતું કરવા રહ્યો છે, અમારો દેહ મોરે બે વાર પડતો પડતો રહ્યો છે; તે જો પડ્યો હોત તો ઘણાને કાચપ રહી જાત, ને પ્રગટ ભગવાનની કલમ રહી જાત. તે ભગવાન, ‘ગોચર’ સદા સર્વદા રહ્યા છે; એટલે ઇન્દ્રિયું, અંત:કરણ ને અનુભવમાં દેખ્યામાં આવે. અને અખંડ ભગવાનને ધારી રાખવા ને ભગવાનરૂપ વરતવું ને બીજાને બ્રહ્મરૂપ કરવા ને અક્ષરધામ સાકાર મૂર્તિમાન છે તે જ આ છે, એવું જે સ્વામિનારાયણનું જ્ઞાન તે રહી જાત. ને મહારાજે કહ્યું જે, ‘ દેહ ધર્યાનું કોઈ કારણ ઉત્પન્ન કરીને પણ આ સાધુ ભેળું રહેવું.’ એટલે આ સાધુ દ્વારા મહારાજે ઘણાની કાચપ ટાળી છે ને આવી વાતું બીજાથી ન થાય; કેમ જે, કેટલાક વહેવાર આડા આવે ને સમજણ ને મહોબત આડી આવે. ને બીજા જાણે ખરા, પણ આવી વાતું ન થાય. ને જ્યાં રૂપિયા આવ્યા કે ખાધાનું આવ્યું કે પદાર્થ આવ્યાં ત્યાં તો વાતું કે કથા તે થાય જ નહીં. ને કલ્યાણભાઈને કહ્યું, ‘તમે ઘેર હો તો આવી વાતું સંભળાય નહિ, ને ઘેર આવો જીવ સ્થિર પણ રહે નહિ, માટે મહિનો બે મહિના અમારી પાસે રહીને વાતું સાંભળી લો.’ અને હવે તો અમારે તો બીજી ક્રિયાને ગૌણ કરીને વાતું જ કરવી છે.
મોરે : અગાઉ
કાચપ : કચાશ, કસર, ખામી.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
સંવત 1919ના જેઠ વદિ અષ્ટમીને દિવસે સ્વામીએ વાત કરી જે,
(264) કહેવું કઠણ છે ને કોઈ કહે તો ખરા, પણ રહેવું તો તેથી બહુ કઠણ છે,
કહેણી મીસરી ખાંડ હે રહેણી તાતા લોહ;
કહેણી કહે ને રહેણી રહે એસા વિરલા કોક.
કહેવું ને રહેવું તે તો કોઈ મોટા હોય તેથી જ થાય. તે અસાધારણ લક્ષણમાં કહ્યું છે જે, એની આજ્ઞામાં એવો પ્રતાપ હોય તે તેની આજ્ઞા કોઈ લોપે નહિ. તે અંગ્રેજ કોઈને ઘેર ચોકી રાખવા જાતો નથી; પણ એવો જ સક્કો પાડ્યો જે ચોર બંધ થઈ ગયા તે ગિરની નજીકમાં ખાંભા ગામ છે ત્યાં એક્કી હારે બાર જણને ફાંસીએ ચડાવ્યા ને જ્યાં લૂંટ કરી ત્યાં લૂંટનારાને ફાંસીએ ચડાવ્યા; તેથી ચોર બંધ જ થઈ ગયા ને ખૂન કરતા આળસી ગયા, માટે પુરુષ બળવાન છે.
સક્કો : રોફ, ભપકો.
(265) મોરે તો પ્રભુ ભજવામાં કેટલાંક આવરણ બહારલાં (બહારનાં) આવતાં ને કેટલાક દાખડે સત્સંગ થાતો, ને આજ તો હવે વારનાર કોઈ ન મળે, પણ પંડમાં બળ જોઈએ; માટે આવરદા વહી જાશે ને ખોટ રહી જાશે.
મોરે : અગાઉ
(266) અમારો રંતિદેવના જેવો સ્વભાવ છે તે અમારે મરને દુ:ખ થાય પણ બીજાને સુખ કરવું. તે રાતે સૌ સૂઈ રહ્યા, અને અમે ઊઠીને ચોકી સારુ આંટો દઈ આવ્યા.
મરને : ભલેને.
(267) નરસા માણસનો સંગ લીલાગર ભાંગ જેવો છે. એમ પાંચેય વિષય તે વિમુખ જ છે. માટે ભગવાન ને ભગવાનના એકાંતિક સાધુનું ગમતું કરવું ને તેમનો મહિમા જાણવો તે મહિમા તે શું ? જે, ભાદરાવાળા રત્નાભાઈના ભાણેજે સાધુને અરધો અરધો રોટલો જમાડ્યો તેથી સ્વર્ગની પ્રાપ્તિ થઈ.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
(268) આપણે આદર્યું તે પૂરું કરે છૂટકો છે. વૈકુંઠ ને ગોલોકમાં પણ અહોરાત્રિ ભગવાનની વાતું નથી ને વિષયનું ખંડન તો ત્યાં પણ નથી. ને આંહીં મહારાજના એકાંતિક સંત છે ત્યાં તો વિષયનું ખંડન થાય છે ને બ્રહ્મનિરૂપણ થાય છે. તે સો કરોડ જન્મે પણ અક્ષરરૂપ થઈને પુરુષોત્તમમાં જોડાશે ત્યારે છૂટકો છે અને તે ક્યારે થાશે ? તો અમે કહીએ છીએ તેમ સમજી ને વરતશે ત્યારે હેરાન થાતા મટશે. જેટલાં સારાં રમણીય પદાર્થ છે, તે સર્વે વિષય વધારે એવાં છે. માટે જેને એ મારગે નથી ચાલવું તે એવી વાત કેમ કરે ? અને અમારા મારગે જેને ચાલવું છે તે અમારું કહ્યું કરે છે અને અમે તો બધો બડવાળ કાઢી શુદ્ધ અક્ષરરૂપ કરી એક મહારાજમાં જ જોડશું.
વૈકુંઠ : શ્રી વિષ્ણુ ભગવાનનું ધામ.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
બડવાળ : માયાના સંબંધરૂપી મેલ, કચરો, અનીતિ.
(269) કામ, લોભ, સ્વાદ, સ્નેહ ને માન તેને ટાળ્યાની વાતું તો ભગવાનના જ્યાં ખરેખરા સાધુ હશે ત્યાં જ થાતી હશે. બદરિકાશ્રમ કે શ્ર્વેતદ્વીપમાં વિષય ખંડનની વાતું થાતી હશે પણ આ વાતું તો અક્ષરધામની છે. તે ત્રિલોકીવાળાને આ વાતું પચ પડતી નથી; કેમ જે, આ વાતું, આ દર્શન તે ક્યાંથી હોય ? જે માયાના જીવ છે તે માયામાં ગુલતાન રહે છે તેને માયા પરની વાતું ક્યાંથી સમજાય ?
બદરિકાશ્રમ : શ્રી નરનારાયણનો આશ્રમ.
સંવત 1919ના જેઠ વદિ નવમીને દિવસે સ્વામીએ વાત કરી જે,
(270) ધીણોજા બ્રાહ્મણ ટેલ નાખવા નીકળ્યા, તે ડોળીમાં એકને બેસાડી બે જણ ઉપાડે. પછી માંહે બેઠો હોય તે બોલે જે, ‘ઝવેરચંદની ડોશી છું, ભાઈ ઝવેરચંદની ડોશી છું.’ ત્યારે ઉપાડનારા કહે, ‘હોય, ભાઈ, હોય !’ એમ વરસ દિવસ સુધી ટેલ નાખી. કેટલેક દિવસ પછી ઝવેરચંદ શેઠની માએ પજુસણમાં લૂમઝૂમ ઘરેણાં પહેરેલાં; તે જોઈને તેને ઉપાડી ને ડોળીમાં નાખી ઉપાડી ચાલ્યા. પછી ડોશી કહે, ‘ઝવેરચંદની ડોશી છું.’ ત્યારે ઉપાડનારા કહે, ‘હોય, ભાઈ, હોય.’ એમ કહેતા ગયા ને ગામ બહાર લઈ ગયા. પછી ઘરેણું ઉતારી લઈ ડોશીને કાઢી મૂકી ને પોતે ભાગી ગયા.
વળી બીજે ગામ એક શેઠને ત્યાં મણ એક સોનાની મૂર્તિ હતી. પછી ધીણોજાએ તે લઈ જાવાનો વિચાર કરી, ત્યાં દર્શને જાવા માંડ્યું. વળી પુષ્પ લઈ જાવા મંડ્યા અને મૂર્તિ આગળ નાચ કરી ગાય ને બહુ પ્રેમ જણાવે ને મૂર્તિ આગળ બેસી માળા ફેરવે. ત્યારે શેઠે તેને પૂજારી તરીકે રાખ્યો ને બધી સેવા સોંપી દીધી. પછી એક વખત શેઠનો છોકરો પરણવા ગયો, ત્યારે તેને પૂજા સોંપી બધા જાનમાં ગયા. તે ધીણોજા કહે, ‘એકલો નહિ રહી શકું.‘ એટલે શેઠ કહે, ‘અમારે તમારો વિશ્ર્વાસ છે. પછી કહે, ‘કાંઈ જાય આવે તો ?’ શેઠ કહે, ‘કંઈ ફિકર નહિ.’ પછી તેના બીજા ત્રણ જણ મળી તે મૂર્તિ લઈ ગયા ને બીજી સવારે બૂમો પાડીને રોવા લાગ્યો ને ખાધું નહિ ને પછડાઈ પછડાઈને લોહી કાઢયાં.
એક માણસ શેઠને ખબર કરવા ગયું કે, ‘ખાતર પડ્યું ને મૂર્તિ લઈ ગયા. ને ઓલ્યો પૂજારી બ્રાહ્મણ પછડાઈ મરે છે ને કહે છે જે, અમારા ઠાકોરજી ગયા માટે હવે અમારે જીવીને શું કરવું છે ?’ પછી શેઠે આવીને કહ્યું જે, ‘તેમાં તમે શું કરો? તમારો વાંક નથી,’ એમ કહી ખવડાવ્યું. પછી કહે, ‘અમે નહિ રહીએ. ગામમાં શું મોઢું દેખાડીએ ?’ પછી ખરચીના રૂપિયા પાંચસેં આપી તેને રજા આપી. ત્યારે ધીણોજો બોલ્યો જે, ‘અમારા પૂર્વનાં પાપ નડ્યાં જે, અમારા નસીબમાંથી ઠાકોરજીની સેવા ગઈ !’
એ વાત કરીને કહ્યું જે, ‘જેને ભગવાનની મૂર્તિ રાખવી હોય તેણે એના જેટલો દાખડો કરવો જોઈએ ત્યારે રહે.’ તે ધીણોજાને કેટલો દાખડો કરવો પડ્યો? માટે એવા દંભીને ઓળખવા. તે આંહીં એક ધીણોજો આવ્યો હતો, તે ઠાકોરજી આગળ નાચ કરવા લાગ્યો ને કીર્તન ગાય ને પાછા પગે ચાલે ને પાછો આવે એમ પ્રેમ જણાવવા લાગ્યો. તે અમે દર્શને ગયા ત્યારે તેને દેખ્યો. પછી કહ્યું જે, ‘આ ઠગારો છે, કાઢી મૂકો.’ એમ કેટલાક ઠગવા આવે છે, તેથી છેતરાવું નહિ.
મૂર્તિ : સંતો.
(271) ઘરડા હોય તેણે વિચારવું જે, હવે આપણે વહેવાર કરી રહ્યા માટે હવે તો પ્રભુ જ ભજવા, ને પ્રભુ સામું જ વળવું. તે મનુષ્યના દેહમાં વહેવાર કર્યો, દેવતા, પશુ, પક્ષી વગેરેના દેહમાં બધે વહેવાર કર્યો. માટે હવે તો જેમ ચાર જણે મૂર્તિ લેવાનો આગ્રહ કર્યો તેમ મંડવું, ને સર્વ મૂકીને પ્રભુ ભજી લેવા ને જેના ઘરમાં લાખ રૂપિયા હોય ને જેના ઘરમાં એક પણ રૂપિયો ન હોય, તે બેઉને રોટલા ખાવા તો મળે છે ને મરે ત્યારે બેયના રાખના ઢગલા સરખા થઈ જાય. ગરીબ માણસની એક કલાકમાં રસોઈ થાય ને મોટા માણસની હાંડી ઊતરે જ નહિ ને બેઉ જણ ખાય તે ધૂડ થઈ જાય, ને મોટા માણસ ઝાઝા રસ ખાય તેથી તેને તાવ આવે, ધાધર થાય ને કેટલાક રોગ થાય. ને આ ધર્મશાળા કરી તે આગ્રહ વિના થઈ નહિ હોય ? ને આ હંમેશ વાળીએ છીએ ત્યારે ચોખ્ખું રહે છે; તેમ સમાગમ કરે ત્યારે અંતર શુદ્ધ રહે છે ને ઊભો ઊભો ઊંઘે એવો હોય તો પણ માલપૂઆ વખતે નિદ્રા ઊડી જાય છે.
એક જણને જૂનાગઢમાં કહ્યું કે, ‘તમે જાગો ને ભજનમાં બેસો,’ પણ ન માન્યું. પછી તે જ દિવસ વીંછી કરડ્યો તે રાત બધી જાગ્યો ને રાડ પાડી. અને એક જણે ઉપવાસ ન કર્યો, તે મંદવાડમાં પંદર ઉપવાસ કરાવ્યા, એવી વાતું છે. ત્યાં પોપાબાઈનું રાજ્ય નથી. ને કેટલાક તો કોઈને પગે લાગતા નથી ને માળા પણ ફેરવતા નહિ હોય; માટે સમજણ ક્યાં આવી છે ? ને સત્સંગ પણ થયો નથી ને ગુરુ પણ કર્યા નથી; માટે ગુરુ કરવા. આ ભગવાનદાસ સાધુ તે વૈરાગ્યની સીમા છે, પણ તેમને શ્ર્લોકનો અર્થ ન આવડે; કેમ કે, ભણેલ નહિ તે ક્યાંથી આવડે ? અને કોઈ પરણતાં થાકતા નથી, પણ ભગવાનદાસે ત્રણ ફેરા ફરીને બ્રાહ્મણને કહ્યું કે, ‘તું ચોથો ફેરો ફર, હું તો હવે થાક્યો.’
મૂર્તિ : સંતો.
અર્થ : ધન, સંપત્તિ.
(272) મહારાજ કહે, ‘અમે ચાર વાતથી ધરાતા નથી; તે કથા, કીર્તન, વાર્તા ને ધ્યાન.’ એ ચારથી જે ન થાકે તેનો તો ઠરાવ સાચો છે ને જે થાકે છે તેને સત્સંગ થયો જ નથી. ને સત્સંગ થાય ત્યારે કોઈ વિષયનો અંતરમાં ભાર રહે જ નહીં. ને દેહને કારસો દેવો તે મૂઆ જેવી વાત છે. શ્રીજીમહારાજ કચરાવાળા હોય તેને મળતા; કેમ કે, જ્યારે મંદિર ચણાતું ને ગોમતી ખોદતા તેમાં જે સેવા કરતા તેને જ મળતા. એક જણ શરીરે ખોટો ગારો ભૂંસીને મહારાજ આગળ ગયો, ત્યારે મહારાજ તેને મળ્યા નહિ ને કહ્યું જે, ‘છેટે ઊભો રહેજે !’ માટે દેહને કારસો દેશે તે ઉપર ભગવાન રાજી થાશે. અને જ્યારે ઘેર હોય ત્યારે ખાતર ભરે, ઉકરડા ઉથામે, પણ આંહીં આવ્યા પછી જાણે કાંઈના કાંઈ થઈ ગયા ! તે ભગવાન માટે પણ કારસો ન ખમે.
કારસો : ભીડો/ભીડામાં-કસોટીમાં લે.
ગારો : કાદવ, કીચડ, ચણતરમાં વાપરવા તૈયાર કરેલી માટી.
(273) બીજાં સાધન ઘણાં છે પણ ભગવાનના ભક્તથી નોખું ન પડાય એ જ કરવાનું છે ને બીજું આજ્ઞા ન લોપાય ને ત્રીજું મહારાજનું સ્વરૂપ સર્વોપરી અવતારી પ્રગટ પ્રમાણ ચોખ્ખું સમજાય; ને એ ત્રણ વિના તો સ્થિતિ ન રહે. ને દેહાભિમાન ને પંચવિષય તો ભગવદીથી જીવ નોખો પાડી દે છે. ભવાયા ભેળા થઈને ભૂંગળાં વગાડે છે ને રમત કરે છે, તેમ અંતરમાં પણ માયાનું ટોળું ભેગું થઈને ભવાઈ કરવા મંડી જાય છે ને જ્યાં સુધી એનું ચાલશે ત્યાં સુધી ભગવદી સાથે મેળ મળવા દેશે નહિ.
(274) ત્યાગીને તો ગ્રામ્યકથા થાય જ નહિ પણ ગૃહસ્થાશ્રમી જો ગ્રામ્યકથા કરે તો તેનો જીવ પણ ચોંટી જાય છે ને અંતર બગડી જાય છે. તે ઉપર બારપટોળીના આલા ભક્તની વાત કરી જે, કૃપાનંદસ્વામીએ તેને ત્યાગી થાવું હતું પણ ના પાડી. તે રોયો તો પણ ત્યાગી ન કર્યો. ને બે વરસ સુધી તો અમારી વાંસે ફર્યો, પણ ગ્રામ્યવાર્તા કર્યા કરે તેથી સંગ લાગ્યો નહિ ને હવે બે-ત્રણ છોકરાં થયાં તો પણ દર્શને આવતો નથી. માટે બધાં કામ બગાડીને સત્સંગ કરવો પણ કુસંગ જે ગ્રામ્યવાર્તા કરશે તો ઠેકાણું નહિ રહે.
મેં તો સર્વે સંગાથે તોડી રે સાહેલી.
એક જગના જીવન સાથે જોડી રે સાહેલી.
(કીર્તનસાર સાગર : 390)
એ કીર્તન બોલાવીને કહ્યું જે, એવી રીતે સંગમાં ને સંગમાં મરી જવાય એવી કોઈ સારી વાત નથી. ને આ લોકના કોઈ ઠરાવનું ઠેકાણું નથી; પણ મોહે કરીને સારું લાગે છે. ને આ દેહ પણ ગંધાય છે ને વહેવાર પણ બગડેલ જ છે. જેટલો સત્સંગ કરશું એ જ કામ આવશે.
વાંસે : પાછળ.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
(275) ભગવાન અને સાધુ જેણે દુભવ્યા, તેનો મોક્ષ તો થાય જ નહિ અને મોત પણ ન સુધરે તો આગળ સુખ ક્યાંથી આવશે ? માટે જેનો આદર કર્યો છે તેમાં ભંગ પડવા દેવો નહિ. ને દેહાભિમાન ને પંચવિષય પાડી દે એવાં છે. તે સત્સંગીને પણ માંહોમાંહી બનતું નથી. ને આ ત્યાગીમાં પણ કેટલાક એમ કહે છે કે, ‘કાં તો હું નહિ, કાં તે નહિ !’ પણ એ સાધુનો મારગ નહિ, એ મારગ તો ગરાસિયાનો છે; તે ઉપર ખીલી ન ખસે તેની વાત કરી. માટે ન્યાય અન્યાય પડતા મૂકીને જેમ ભગવાન કહે તેમ કરવું ને આ દેહ જ આપણું નહિ રહે તો બીજું શું રહેશે ? માટે આપણા મોક્ષમાં કોઈ વિઘ્ન પડવા દેવું નહિ.
(276) બોરડી તથા કડવા વેલાની ગાંઠું જમીનમાં ઊંડી હોય; તેમ કામના, લોભના, માનના ને સ્વાદના જેને સ્વભાવ છે, તેનાં મૂળ ઊંડાં છે તે સત્સંગમાંથી કાઢી નાખે એવાં છે.
(277) આ બ્રહ્માંડ છે તેમાં વિભૂતિયું છે ત્યારે કામ ચાલે છે તેમ જ મંડળમાં, મંદિરમાં, ગામમાં વિભૂતિ હોય ત્યારે ચાલે છે ને વિભૂતિ વિના તો વઢીને આવે. તે ઝીંઝરીમાં ગોતિતાનંદ ને સદાનંદ વઢ્યા. તે એક કહે કે, ‘ગોપાળાનંદસ્વામી મોટા,’ ને એક કહે, ‘મુક્તાનંદસ્વામી મોટા,’ તે બેયને તે બે મોટા સાધુની દિશ નહિ, તેમ જ એકેયનો સમાગમ નહિ ને મહિમા વસ્તુગતે જાણે નહિ; પણ કેવળ અહંમમત્વે વઢ્યા. માટે કહેનારામાં મોટા સાધુનો સંગ હોય તે જ સારધાર સાચો મહિમા કહી શકે છે. ને જીવમાં નિષ્ઠા છે તેથી બીજાને મનાય, પણ વિભૂતિ વિના ભાર ન પડે. મોટા હોય એને મોટા કહે તે સેવા છે અને અજાણે નાના કહે તો મોટાની મોટપ જાતી નથી. ને સાચી વાત હોય તે સમજાણી તો નિધડક રહેવું. જેમ આ પ્રાગજી ભક્ત અમને અક્ષર કહે છે; પણ તેનું કેટલાક માનતા નથી. પણ અંતર્યામીપણું આપ્યા પછી ઘણાને સમજાવ્યું છે. પણ ઉતાવળા ન થાવું, મહારાજનું પુરુષોત્તમપણું હજુ નથી સમજાણું, પણ આગળ બેય સમજાશે. પણ અસદ્ભાવ લેશે તેને તો કોટિ કલ્પે મહારાજનો રહસ્ય નહિ જડે ને નહિ સમજાય. આ મામલામાં જે બુદ્ધિશાળી ને સદ્ભાવવાળા છે તે જીતી જાશે; કેમ કે, સમાના જાણનારામાં પ્રગટની વિભૂતિ આવી એટલે તેનું પાંસરું પડે.
તે ઉપર વાત કરી જે, બાબરિયાવાડમાં એક બાબરિયે તેના છોકરાને કહ્યું જે, ‘છોકરા આ પૃથ્વીમાં, ‘સ્વામિનારાયણ ભગવાન પ્રગટ્યા છે.’ એવો ગોકીરો થયો છે. તેથી ભગવાન પ્રગટ્યા હોય તો હોય ! માટે જા, જા બે મણ દાણા, ધરમાદામાં નાખી આવ. ભગવાન હશે તો આપણા દાણાનું ફળ મળશે અને એટલા ઉપયોગમાં આવી ગયા ગણશું ! માટે જા, જા નાખી આવ; આપણે રહી જઈએ નહિ !’ એમ આજ અક્ષરનો ગોકીરો થયો છે, તે જે અમને અક્ષર સમજશે તેનો આત્યંતિક મોક્ષ થાશે અને જે નહિ સમજે તે બ્રહ્મરૂપ નહિ થાય, અને જે બુદ્ધિશાળી હશે તે તો સમજશે; કેમ કે, અગ્નિ વગર ધુમાડો હોય નહિ ને જળ વિના લીલાશ હોય નહિ. આ મૂર્તિમાન મૂળઅક્ષર છે તેથી જ સૌ કહે છે ને પ્રથમ આંહીં જ ગોકીરો થયો છે. માટે સવળી સમજણમાં પોતાનું અવળું ડહાપણ એક કોરે મૂકી અક્ષરપુરુષોત્તમનું જ્ઞાન સમજશે, તે જ મહારાજની સેવામાં રહેશે. માટે ‘સમો વરતે સાવધાન’ એમ પ્રગટ પ્રમાણ બહુ વાતું કરી. આ તો દિશમાત્ર લખી છે.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
નિષ્ઠા : શ્રદ્ધા, આસ્થા, વિશ્ર્વાસ, ધારણા.
અસદ્ભાવ : અણગમો, અરુચિ, સદ્ભાવનો અભાવ.
કોટિ : કરોડ.
ગોકીરો : શોરબકોર, કોલાહલ.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
(278) ઝીણાભાઈ જ્ઞાની હતા. તેમનું અંગ જે, ‘રખે ભગવાન વિના બીજે ચોંટી જવાય નહિ.’ અને નાજા જોગીઆ જે આ ઘનશ્યામદાસ, તેને તેમણે ધોતી જોટો આપ્યો ને કહ્યું કે, ‘મને મહારાજ આગળ ઘડી ને પળે સંભારજો, કે જેથી મારું અંત:કરણ અખંડ ભગવાનની સ્મૃતિમાં રહે ને સારું થાય.’ તેથી હરકોઈ પ્રસંગે વારે ઘડીએ ઘનશ્યામદાસ ઝીણાભાઈનાં વખાણ કરે. તેથી મહારાજે પૂછ્યું કે, ‘શું કાંઈ લાંચ આપી છે ? તે ઝીણાભાઈનાં બહુ વખાણ કરો છો ?’ ત્યારે કહે, ‘હા, મહારાજ ! આ ધોતી જોટો આપ્યો છે ને કહ્યું છે કે, મહારાજ આગળ મને સંભારજો કે મારું સારું રહે.’ પછી મહારાજ કહે, ‘સાચું, અમે તેમને સંભારીએ તો સારું થાય; તે અમે અમારા ભક્તનું ભજન એટલા માટે જ કરીએ છીએ.’
કરો : ઘરની દિવાલ.
(279) જ્યારે સૌ સાધુને ખટરસ વર્તમાન હતાં. ત્યારે ગઢડામાં દાદાખાચરના દરબારમાં ડોશીઓ સૌને ખટરસનાં વર્તમાન હતાં. પણ કોઈ મહેમાન અને પરદેશના હરિજન આવતા, તેને દાળ રોટલા આપતાં. એવી સેવા કરતાં પણ મહેમાને તેમના અવગુણ લીધા, તે પાપે કરી તેમના જીવનું ભૂંડું થયું છે; કેમ કે, પોતે કેવળ લોટ પાણી ડોઈને પીએ. ને મહેમાન માટે દાળ રોટલા આપે, એવી સેવા કોઈથી ન થાય; પણ મહેમાનને મિષ્ટાન્ન જોઈએ ને તે ન મળે, તેથી અવગુણ લે. તેમ જ આજ જે મંદિરનો અવગુણ લે છે તેનું ભૂંડું થાશે. અમે જે ખાઈએ તે ખવરાવીએ છીએ. વળી તેથી સારું ખવરાવીએ તો પણ અવગુણ લે, તેનું કેમ સારું થાય ?
(280) મયારામ ભટ્ટે ગોવિંદરામને કહ્યું જે, ‘મારે ક્યાં દીકરો છે? હું તો તારા માટે હેરાન થાઉં છું. હું તો મહારાજ પાસે જઈને ત્યાગી થઈ રહીશ. પછી ખબર પડશે.’ એથી ગોવિંદરામે તો ગોદડાંની અલફી કરીને પહેરીને ઘોડાનો પાવરો માથે મૂકી ભટ્ટજીને કહે, ‘ભાઈ, હું તો જાઉં છું. જય શ્રી સ્વામિનારાયણ ! છોકરાં તમને ભળે છે. અને તમે તો જ્યારે ઘર છોડી સાધુ થાશો ત્યારે ખરા ! પણ મારે તો વહેવાર જોઈતો નથી.’ તે જોઈ ભટ્ટજીએ આકળા થઈ કહ્યું, ‘અરે ગોવિંદરામ, આમ હોય ! આપણી લાજ જાય ! આવું થાય ?’ એમ ગોવિંદરામને ઘર મૂકવું કઠણ ન પડે ને ભટ્ટજીને વાર લાગે.
વળી એક વખત યજમાનને ત્યાં ગોવિંદરામને ભટ્ટજીએ રાંધવા મોકલ્યા. તે આ તો ઉપશમવાળા તે કીર્તનની કડી ગોઠવવામાં જ ધ્યાન રાખતા. તે ચૂરમું કરવા ઘીનું તાંસળું ભરી ઊનું કરેલ, તેને બદલે ઊનું પાણી પડખે હતું તે નાખી લાડવા વાળ્યા, તે વાળતાં ખબર પડી. ને ખીચડીમાં ને દાળમાં બધું મીઠું નાખેલું તે મોઢામાં શેનું જાય ? પછી ભટ્ટજી જમવા બેઠા ને લાડવો ભાંગવા જાય ત્યાં તાંત ચાલી. તે કહે, ‘ગોવિંદરામ, આ શું કર્યું છે ?’ ત્યારે કહે, ‘લાડવા.’ પછી પડખે ઘી પડેલ તે કહે, ‘ઘી તો આ રહ્યું ને શું નાખ્યું છે ?’ ત્યારે કહે, ‘પાણી આવી ગયું હશે ! હવે જે થયું તે ખરું, જમો. સાધુ હંમેશાં ખાય છે અને આપણે એક દિવસમાં શું થાય ?’ એમ કહી ગોવિંદરામ તો હંમેશ જમતા એટલું જમી ગયા ને ભટ્ટજીથી ન ખવાણું. એમ બેય ભાઈનાં અંગ જુદાં જુદાં હતાં.
અલફી : ટૂંકી બાંયનો લાંબો ઝભ્ભો.
આકળા : ઉતાવળા.
પડખે : પાસે.
તાંત : આંતરડામાંથી બનાવેલ પીંજારાની પીંજણની દોરી.
(281) શિવાનંદસ્વામીને ચાલવાનો ડોડ બહુ, તે કોઈને પહોંચવા ન દે. પછી એક વખત અમારી સાથે માળીઆ આવ્યા. કામ કરી લીધું ને શિવાનંદે રસોઈ કરી જમતી વખત અમને કહે, ‘આજ ચાલવું છે કે કેમ ?’ અમે કહ્યું, ‘રોકાઈએ.’ પછી દૂધ આવેલ તે અમે તો બધું શિવાનંદને આપ્યું અને તેણે બીજી પ્રસાદી પણ અમારા પત્તરની લીધી. પછી કથા કરી રહ્યા કેડે અમે કહ્યું કે, ‘કામ નથી ને શું કામ બેસી રહેવું ?’ પછી જૂનાગઢ તરફ ચાલ્યા. તે જમેલ બહુ ને તરસ પણ બહુ લાગે, ને અમે તો કડેડાટ ચાલવા માંડ્યું. તે વાંસેથી શિવાનંદ રાડ પાડે ને કહે, ‘ઊભા રહો.’ કેમ કે, અમને ન દેખે તો ઉપવાસ પડે. તે માંડમાંડ દોડતાં પૂરું કર્યું ને જૂનાગઢને પાદર આવી કહે કે, ‘હરામ ખાય, તમારી સાથે ચાલે તે !’ અમે કહ્યું કે, ‘કાં, ચાલવાના તો બહુ ડોડ છે ને કોઈને પહોંચવા તો દેતો નથી ?’
કેડે : પાછળ.
સંવત 1919ના જેઠ સુદિ દશમીને દિવસે સ્વામીએ વાત કરી જે,
(282) કદાપિ વિષયમાં શાંતિ થઈ તો પણ તે અશાંતિ જ છે; ને કદાપિ સેવા કરતાં અશાંતિ જે કઠણ પડે, તો પણ તે શાંતિ જ છે; ને કાં તો ભગવાનના વિરહે કરીને અશાંતિ થઈ જાય તો તે સારી છે. ને આ જીવને ચારે કોરે માયા છે તે ઝાલે છે ને પ્રભુ ભજવામાં અંતરાયરૂપ થાય છે. ને જ્ઞાન વિના ને વિચાર વિનાનું બોલવું તે બૂંગિયો ઢોલ વાગે એવું છે. ને વિચાર વિનાનું બોલવું તે દ્રૌપદીના એક વેણમાંથી લોહીની નદીઓ ચાલી. ને જાદવોએ સાંબને સ્ત્રીનાં લૂગડાં પહેરાવી પેટે તાંસળી બાંધીને ઋષિને કહે, ‘આ બાઈને શું અવતરશે ?’ ત્યારે ઋષિ કહે, ‘એમાંથી જે આવશે તેમાંથી કુળનો નાશ થાશે !’ માટે ઋષિની અવજ્ઞાએ કરી તે શબ્દથી જાદવાસ્થળી થઈ, એવું છે. ને વગર સમજી ક્રિયામાં કેટલાંક દુ:ખ થાય છે. તે નહુષ ઇન્દ્રાણીને વરવા ગયો, તેમાંથી સર્પ થયો. માટે સર્વેને સુખ થાય તેવું વિચારે યુક્ત બોલવું તે વિજયનો ઢોલ વાગે એવું છે. માટે સર્વેને સુખ થાય એવું બોલવું, ને સત્ય, હિત ને પ્રિય બોલવામાં ને આ પુરુષોત્તમ અને આ અક્ષરના ગુણ, મહિમા, ને પ્રતાપ કહેવો તેમાં સર્વે પ્રકારે શાંતિ છે; કેમ કે, મહારાજ ને અક્ષરધામ ને અક્ષરમુક્તો એ ત્રણ વિના બીજું પ્રકૃતિથી થયેલ, તેમાં અશાંતિ ભરેલી છે, પણ જીવમાત્રની બુદ્ધિ અવળી થઈ છે.
જો જે હો જીવ વસમું લાગે છે વા’લી વાતમાં. જો0
મતિ હો મંદ તારે તો જાવું છે ઘડી તાળમાં. જો0
મતિ હો મંદ પાયા તું નાખે છે જો પાતાળમાં. જો0
(શ્રી સ્વામિનારાયણ હજારી : 172/173-4)
માટે મોક્ષને મારગે ચાલવું તેમાં તો કેવળ વિઘ્ન જ અમે ભાળીએ છીએ.
પ્રકરણ 11 ની વાત 26
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
(283) જેમ મોરનું ગળું લવલવ થાય છે તેમ હૈયામાં સંકલ્પ ને વિષયના લવલવાટ થયા કરે છે.
લવલવાટ : લવારો, રટણ, વારેવારે યાદ કરવું, બબડાટ.
(284) આ જીવ ચામડી ચૂંથ્યામાં જ, અને દેહની ક્રિયામાં જ આવરદા ખોઈ દે છે. આ જીવ કેવો છે જે, ખાતાં, બોલતાં, ચાલતાં ને બહાર જાતાં પણ ન આવડે ને હૈયામાં સંકલ્પની ધારાઓ ચાલે છે. તે અલૈયા ભક્તને પૂછ્યું કે, ‘તમારે સંકલ્પ થાય છે ?’ ત્યારે રેતીની મુઠ્ઠી ભરી ધાર કરી કહે જે, ‘રેતીના કણ જેમ પડે છે તેટલા સંકલ્પ થાય છે.’ પછી મહારાજ કહે, ‘અમારા આશરાનું બળ છે તે કલ્યાણ થાશે.’ ને સત્સંગની પુષ્ટિ કરે તેવા કેટલાક શ્ર્લોક બોલ્યા, ને કહ્યું જે, ‘ભગવાનના એકાંતિક સાધુ ભેળું રહેવું એવી તો કોઈ વાત જ નથી, ને સંસાર મૂકવો કઠણ નથી; પણ પોતાના હૈયામાં ચોખ્ખું રાખવું તે કઠણ છે. તે જેને પ્રતિલોમ વૃત્તિ હોય તેને સૂઝે, માટે જ્ઞાની ભક્ત થાવું, ને સમાધિ કરતાં પણ આ જ્ઞાન અધિક છે.’ તે ગોવિંદરામ સમાધિ કરતો, પણ રૂપિયા માગવા મંડી પડ્યો.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
પ્રતિલોમ : પોતા/આત્મા તરફ પાછી વાળતી વૃત્તિ, અંતરવૃત્તિ, અંતરદૃષ્ટિ કરીને આત્માનું પરમાત્મા તરફનું ઊર્ધ્વીકરણ.
(285) મરને અક્ષરધામમાં ગયો હોય કે મરને અખંડ સમાધિ થાતી હોય પણ એને અમે વદતા નથી; કેમ જે, સર્વે કરતાં જ્ઞાન જ અધિક છે. તે જ્ઞાન તે શું? જે, ચોસઠ લક્ષણ આવે ત્યારે ખરેખરું જ્ઞાન કહેવાય. ને જ્ઞાન, વૈરાગ્ય, સમાગમ ને શ્રદ્ધા એટલાં વાનાં વિના વાસનાલિંગ ન ગળે; માટે એ ચાર જોઈએ. ને ભક્તિ ગમે એટલી કરો, ને કીર્તન ગમે એટલાં ગાઓ, પણ વાસનાલિંગ ન ગળે.
ઉદ્ધવ સોઈ સાચે મમ દાસ હે;
મન ઇન્દ્રિ કે કૃત્યસેં ન્યારો, એકાંતિક મન જાસ હે;
મુક્તાનંદ સો સંત કે ઉર બીચ, મેરો પ્રબળ પ્રકાશ હે. ઉદ્ધવ0
(શ્રી સ્વામિનારાયણ હજારી : 249-4/3)
એવાં કીર્તન ગાય તો જ્ઞાન આવડે. ને મનનો દોર્યો ન દોરાય ત્યારે ખરું જ્ઞાન કહેવાય. સમાધિમાંથી નીકળીને પણ કથાવાર્તા સાંભળવી, એમ કહ્યું છે. શ્રવણ વિના જ્ઞાન ન આવડે.
મરને : ભલેને.
વાનાં : વસ્તુઓ. (બ.વ.)
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
(286) ગુરુને જીવ સોંપે ત્યારે શિષ્યથી કાંઈ છાનું રાખી ગુરુ વાત કરે નહિ. જેમ બાપ હોય તે દીકરાને સર્વસ્વ આપે છે, તે અજરામર ઘડિયાળી રોટલા આંહીં ખાય છે, ને રળી રળીને ખીમલાને આપે છે.
રળીને : ધન કમાવાની મહેનત કરીને
સંવત 1919ના જેઠ વદિ એકાદશીને દિવસે સ્વામીએ વાત કરી જે,
(287) કેટલાક પૂર્વના સંસ્કારી છે. તે જેણે જેટલું કર્યું હતું, તેને તે પ્રમાણે સુખ આપ્યાં, ને તેને ઘેર ભગવાન ગયા, સંકલ્પ સત્ય કર્યા ને તેની રક્ષા કરી. એવા ભગવાન છે, તેની સામું જોઈ રહેવું; તે રક્ષા કરશે ને જેમ છે તેમ આ સાધુ અને આ ભગવાનનું સ્વરૂપ સમજાવ્યું ને બીજાનો સંગ થાવા ન દીધો, ને સત્સંગમાં જ રહેવાણું; તે મહારાજ ને આ સાધુમાં અચળ સર્વોપરી નિષ્ઠા રહી તે રક્ષા કરી, એથી બીજી કોઈ રક્ષા નથી.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
નિષ્ઠા : શ્રદ્ધા, આસ્થા, વિશ્ર્વાસ, ધારણા.
(288) પ્રકૃતિપુરુષના લોક સુધી કોઈ સુખિયા નથી ને ગૃહસ્થાશ્રમમાં ગરીબ હોય તેને એક સાંધે ત્યાં તેર તૂટે; માટે એ તો એમ જ હોય. ને એક હરિભક્ત હતો તેને સંસારનો અભાવ થયેલ પણ ત્યાગીમાં રહેવા દે નહિ અને ઘેર તેડી જાય; પણ તે જ રાતના દેહ પડી ગયો. માટે કેટલાક સંસ્કારી આવ્યા છે. તે ઉપર વાત કરી જે, પ્રથમ જે હરિજન મહારાજનાં દર્શને આવે તે હરજી ઠક્કરને ત્યાં ઊતરતા. તેમાં એક બાઈ હરિજનને સંસારનો અતિ અભાવ, પણ તેનાં સાસરિયાં રહેવા દે નહિ ને ઉપાધિ કરે. એક વખત તેનો સાસરો તેડવા આવ્યો, ને બાઈએ મહારાજને વિનંતી કરી જે, ‘મારે જાવું નથી.’ તેથી મહારાજે તેના સાસરાને સમજાવી કહ્યું, પણ માન્યું નહિ. પછી મહારાજે તે ડોશીને કહ્યું જે, ‘ધ્યાનમાં બેસો,’ ને તેના સાસરાને કહ્યું જે, ‘જીવના ધણી અમે છીએ ને તેનું દેહ તમે લઈ જાઓ.’ મહારાજ તે હરિજનના જીવને ધામમાં લઈ ગયા; પછી દેહ તેના સાસરાને સોંપી દીધું, તે બાળવું પડ્યું.
સંવત 1919ના જેઠ વદિ બારસને દિવસે સ્વામીએ વાત કરી જે,
(289) આપણે પરમેશ્ર્વર ભજવાનો આદર કર્યો છે, તેથી ભગવાને દેશકાળ રૂડા કર્યા છે માટે સમાગમ કરી લેવો, પછી આ દર્શન આ જોગ ને આ વાતું નહિ મળે.
(290) પર્વતભાઈએ મહારાજને કહ્યું કે, ‘તમે તો ઉંદરિયા પ્રાચ્છ કરાવો છો.’ તે શું ? જે, રાજાને ને કામદારને જે પહોંચી શકે નહિ તે ગરીબ રૈયતના ઓઘા બાળે; તેમ આ સાધુને,
ગાલિદાનં તાડનં ચ કૃતં કુમતિભિર્જનૈઃ ।
ક્ષન્તવ્યમેવ સર્વેષાં ચિન્તનીયં હિતં ચ તૈઃ ॥
(શિક્ષાપત્રી શ્ર્લોક : 201)
અર્થ :- બધાને ક્ષમા કરવી જોઈએ અને એમની સાથે હિતનું ચિંતન કરવું; અને તે સાધુને બ્રહ્મચારી તેમણે કોઈક કુમતિવાળા દુષ્ટજન હોય ને તે પોતાને ગાળ દે અથવા મારે તો તે સહન જ કરવું પણ તેને સામી ગાળ ન દેવી ને મારવો નહિ અને તેનું જેમ હિત થાય તેમજ મનમાં ચિંતવન કરવું પણ તેનું ભુંડુ થાય એવા સંકલ્પ ન કરવો.
એવું નિયમ આપી માર ખવરાવો છો. પછી રાજપલટો કર્યો અને આ પણ જ્યારે આપણો દ્રોહ કરશે ત્યારે તેનું ઊડી જાશે. જેમ જેમ વખત જાશે તેમ તેમ સત્સંગ વૃદ્ધિ પામશે; પણ આ ત્યાગી દળાઈ જાશે. તેમાં જે બીજ બળિયા હશે તેના તો દિવસ જાશે; પણ જે સાધારણ હશે તેને તો દિવસ જવા કઠણ છે. પણ જે સાધુ સત્શાસ્ત્રનો અભ્યાસ રાખશે ને એકાંતિક સાધુનો સંગ રાખશે તેને મહારાજ મુખ્ય રહેશે, એમ સાધુને કહ્યું. મોરે મહારાજ કથા વંચાવતા ત્યારે કાઠી ઊઠી નીકળતા ને ટીખળમાં તેમને મજા પડતી. સાધુ સમાગમ અને શાસ્ત્ર જ્ઞાન કરાવે છે. દેહના અંત સુધી આ ક્રિયાનો તો કાંઈ પાર આવે એમ નથી; માટે શેર અન્ન ખાઈને ભજન કરવું. ગાંડિયો પંડ્યો છ હજાર રૂપિયા ભેળા કરીને મરી ગયો, પણ મહારાજનું દર્શન ન કર્યું, માટે જીવ બાળક જેવા અજ્ઞાની છે.
દ્રોહ : મનથી, વાણીથી કે કર્મથી જાણી જોઈને કરેલ દોષ, ગુનો, પાપ કે અપરાધ
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
મોરે : અગાઉ
(291) છેલ્લાનું 24મું વચનામૃત વંચાવીને કહ્યું જે, શ્રવણ વિના જ્ઞાન ન થાય ને જ્ઞાન થાય ત્યારે તો સર્વે સૂઝવા માંડે જે, આ કરવા યોગ્ય ને આ કરવા યોગ્ય નથી, પણ જેને જ્ઞાન નથી તેને કાંઈ ખબર નથી. જેમ આંધળો હોય તેને ચાલ્યાની ખબર નથી; પણ જે દેખતો હોય તેને ખબર પડે ખરી, માટે જ્ઞાન વિના તો આંધળા છે.’
(292) કોઈનો દેહ રહેવાનો નથી ને આ મંદિરમાં એકસો પંદર જણ દેહ મૂકી ગયા. ને મનધાર્યું તો કોઈનું થયું નથી; તે રાજાને, શાહુકારને, કોઈને ન થાય તો ગરીબને તો મનધાર્યું ક્યાંથી થાય ?
(293) હાલતે ચાલતે ભગવાનની સ્મૃતિ નથી રહેતી એ મોટી ખોટ છે ને એ નથી થાતું, પણ નામરટણ કરવાની ટેવ પાડે તો પડે ખરી. પણ તે રટણેય પૂરું નથી થાતું ને મહારાજનાં સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખે તો રહે. અમે બે ગાઉ ચાલ્યા ત્યાં સુધી ચિચોડે રાગ બદલ્યો નહિ. ને રોટલો ઘડે છે તેમાં વૃત્તિ ન રાખે તો બળી જાય ને અક્ષર લખવામાં પણ એમ જ છે; તેમ જેટલો જીવ ઘાલ્યો હોય તેટલું થાય. તે પ્રથમનાં 18 વિષય ખંડનના વચનામૃતમાં કહ્યું છે જે, ગાફલાઈ રહે છે જે ભગવાન મળ્યા છે તે હવે કાંઈ કરવું રહ્યું નથી; પણ પ્રભુ મળ્યા પછી ઘણું બધું કરવાનું છે. જેવા છે તેવા જાણવા ને માનવા, ને જીવ સાથે જડી રાખવા, ને અનુવૃત્તિ પાળવી ને ભગવદીનો પ્રસંગ રાખવો ને આજ્ઞા પાળવી.
ગાઉ : અંતરનું એક પરિમાણ, દોઢ માઈલ, અઢી કિલોમીટર.
અનુવૃત્તિ : મરજી.
સંવત 1919ના જેઠ વદિ તેરસને દિવસે સ્વામીએ વાત કરી જે,
(294) કેટલાક જન્મનાં પુણ્ય ભેળાં થયાં હશે ત્યારે આ જોગ મળ્યો છે. પછી મધ્યનું 35મું વચનામૃત વંચાવીને વાત કરી જે, મહારાજે પણ કહ્યું છે જે, આત્માનું દર્શન તો અનંત જન્મના સત્સંસ્કારવાળો કોઈ વીરલો હોય તેને જ થાય છે. તે દર્શન તો આજ આપણને પ્રત્યક્ષ થયાં છે. પણ જેટલું બીજું સ્ફૂરે છે તે મોરે ભૂંડા પાસ બેસાર્યા છે તે સ્ફૂરે છે. ને જેમ છે તેમ મહારાજનું સ્વરૂપ સમજાતું નથી ને જીવનું ક્ષણ ક્ષણમાં પ્રકરણ ફરે છે. ને કામાદિક દોષ છે તે જીવની એક સ્થિતિ રહેવા દે તેવા નથી ને વિષય વિના તો દેવતા, ઋષિ, મનુષ્ય ને પશુ-પંખી એ કોઈ રહી શકતા નથી.
મોરે : અગાઉ
(295) જ્યારે જૂનાગઢનું આ મંદિર કરવું હતું ત્યારે મહારાજે પોતાના પગની મોજડી વતી, એક પગે ચાલી લીટો દોરી આપ્યો ને પછી કહ્યું જે, ‘ઉત્તરાદું નાગરવાડામાં મંદિર ને દક્ષિણાદિ તરફ બોરિયું એટલે વગડામાં સાધુની ધર્મશાળા કરવી કે, કોઈ રીતે રાતા લૂગડાંનું દર્શન જ ન થાય.’ એમ મહારાજને કરાવવાનો મત તેથી અમે એમ જ કરેલ છે. પણ તે કરતી વખતે કેટલાક સાધુએ કહ્યું કે, ‘મંદિર દેખાય તેમ કરો.’ પણ અમારે તો મહારાજની આજ્ઞા પ્રમાણે જ કરવું હતું, તે એમ જ કરેલ છે; કેમ કે, બીજાં મંદિરોમાં ધર્મશાળામાં બેઠા ડોશીઓનાં દિવસ આખો દર્શન થાય, એમાં તે કેમ ઠીક રહે ? માટે અમે તો મહારાજની આજ્ઞા પ્રમાણે જ ધર્મશાળા કરી છે, જેથી ત્યાગીનો ધર્મ સારી રીતે સચવાય ને બીજે બધે પરોક્ષના જેવું થઈ ગયું છે, તે જોઈ લેજો.
સંવત 1919ના જેઠ વદિ અમાવાસ્યાને દિવસે સ્વામીએ વાત કરી જે,
(296) આ દેહ હાડકાંનું છે પણ જો સમજણ હોય તો તેણે કરીને અક્ષરધામ પમાય છે. પણ એવી સમજણ વગર એવા હાડકાંના દેહ સારુ સંતનો ને હરિજનનો અવગુણ લેવાય છે.
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
(297) આ તો બધા વરણનાને પુરુષોત્તમની ઓળખાણ થઈ ને તેનો આશરો થયો, તે વાત બહુ ભારે છે. આ તો કીડીને કુંજરનો મેળાપ છે !
કિયાં જીવ કિયાં જગદીશ, જાણો જૂજવી એ જાત છે રે;
કિયાં કીડી કરી મેળાપ, ભેળો થાવા ભેરે ભેદ છે રે;
કિયાં પૂર્ણ પુરુષોત્તમ આપ, કિયાં જીવ જેને બહુ કેદ છે રે.
(કીર્તન મુક્તાવલિ : 1058)
(298) જસદણ દરબારે નાજા જોગીઆને કહ્યું જે, ‘તારા સ્વામિનારાયણ જો ભગવાન હોય તો કાલ સવારમાં દર્શન આપે તો માનું; નીકર તારાં ટાંકણ ભાંગી નાખીશ.’ પછી નાજા જોગીઆને વિચાર થયો જે, મહારાજ તો અમદાવાદ તરફ છે તે આંહીં ક્યાંથી પહોંચે ? ને સવારમાં તો મારાં ટાંકણ ભાંગશે ! એમ પશ્ર્ચાતાપમાં રાત બધી ઊંઘ આવી નહિ. પછી મહારાજ તેનું દુ:ખ ટાળવા રાતના જ ચાલી નીકળ્યા ને જસદણને સીમાડે આવી ભરવાડને મોકલ્યો જે, ‘નાજા, નાજા જોગીઆને કહી આવ જે, તારા સ્વામિનારાયણ ભગવાન આવે છે.’ પછી નાજા જોગીઆએ કહ્યું જે, ‘મારા સ્વામિનારાયણ તો કાંઈ આવતા નથી; પણ મોત આવે છે !’ ત્યાં તો મહારાજે આવીને દર્શન દીધાં ને ભક્તની રક્ષા કરી અને બીજા જેનાં ટાંકણ ભાંગ્યાં હતાં તેમને કેદમાંથી કઢાવીને પોતાનો આશરો કરાવ્યો ને રાજાને કહ્યું જે, ‘હવે કોઈ દિવસ આમ કરશો નહિ.’ ને ભક્તને કહ્યું જે, ‘આવી પ્રતિજ્ઞા હવે કરવી નહિ.’ જીવને લગારે ગરજ નથી, ભગવાનને પરાણે ક્લ્યાણ કરવું છે. નિર્વિકારાનંદનું કાંડું મહારાજે પંડે ઝાલ્યું તોય રહ્યા નહિ અને વણથળીમાં પરાણે વર્તમાન ધરાવ્યાં તે એની દયાનો પાર નથી.
ટાંકણ : ઘૂંટણ.
(299) ભગવાનના જનનો કોઈ રીતે સંગ થાય તો સોનાની હવેલી બાળીને સમાગમ કરવો એમ કહ્યું છે તે એવો સમાગમ થયો છે. પણ ગાફલાઈ રહે છે. માટે એવા અજ્ઞાનનો ત્યાગ કરીને પ્રથમ મહિમાનો વિચાર કરવો.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
(300) જેમ છે એમ કહીએ તો ઘેર જઈ શકે નહિ ને ઘેર કોઈ જાય તો ત્યાં રહેવાય નહિ. ત્યારે લાલાભાઈએ ક્હ્યું જે, ‘હે મહારાજ ! એ મરમ ન સમજાયો. તે જેમ છે તેમ શું ?’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘આમ તો લો જેમ છે તેમ કહું જે, આ સાધુને આ ભગવાન કોઈ દિવસ આ બ્રહ્માંડમાં આવ્યા નથી ને હવે આવશે નહિ અને મહારાજ અનંત ભગવાનના ભગવાન છે. અને અનંત અક્ષરકોટિ મહામુક્તો જેની નિરંતર સ્તુતિ કરે છે અને મહિમા ગાય છે તે પણ હજુ સુધી જેના મહિમાનો કોઈ પાર નથી પામ્યા, એવા ભગવાન અને આ સાધુ મૂળઅક્ષર તે પ્રગટ પ્રમાણ તમને મળ્યા છે. એમ જો જીવમાં સમજાય તો ઘેર કોઈથી જવાય નહિ ને જાય તો ત્યાં રહેવાય નહિ, એવો આનો મહિમા છે.’