સંવત 1918ના ભાદરવા સુદિ પડવાને દિવસે સ્વામીએ વાત કરી જે,
(1)
બુદ્ધિ ઘણી હોય ને સર્વ પ્રકારનું જ્ઞાન હોય પણ દેહમાંથી પ્રીતિ તોડ્યા વિના ભજન થાય નહિ. આ જીવ આંહીં ઘોઘલો કરીને બેઠો છે, પણ આંહીં તો નહિ રહેવાય, નહિ રહેવાય, નહિ રહેવાય, એમ ઢીંચણે તાળી દઈ ત્રણ વાર કહ્યું.
(2) લોજમાં મહારાજ પધાર્યા ત્યારે સાધુને પૂછયું જે, ‘જીવ, ઈશ્ર્વર, માયા, બ્રહ્મ ને પરબ્રહ્મ તેનાં રૂપ કરો.’ પછી મુક્તાનંદસ્વામીએ હાથ જોડીને પાંચેનાં રૂપ કર્યાં અને મુક્તાનંદસ્વામી ધ્યાનમાં બેઠા ત્યારે કૂતરી તુંબડી અભડાવવા વારેવારે આવે ને મુક્તાનંદસ્વામી વારેવારે લાકડી ઠબકારીને કાઢે, પણ પછી તો લાકડી મારી એટલે કૂતરી, ‘કાંઉ, કાંઉ’ કરતી વયી ગઈ. પછી મહારાજે પૂછ્યું જે, ‘ધ્યાન સગુણ કે નિર્ગુણ ?’ ત્યારે મુક્તાનંદસ્વામી કહે, ‘નિર્ગુણ.’ પછી મહારાજ કહે, ‘ધ્યાન કરતાં કૂતરીને લાકડી મારી, તે ગુણ આવ્યા વિના મારી ?’ ત્યારે પણ મુક્તાનંદસ્વામીએ તો ગુણ જ લીધો ને હાથ જોડીને કહે જે, ‘હાંકું તો તુંબડી અભડાવે ને સગડ મેલે નહિ; તે કેમ કરું ?’
સગુણ : માયાના ગુણથી પ્રભાવિત.
(3) દીવાનખાના ઉપર આચાર્ય મહારાજ આગળ સવારો-સવાર સ્વામીએ વાતું કરી હતી. તેમાં સાંખ્ય, યોગ, નિષ્ઠા, ઉપાસના ને બ્રહ્મભાવનાં અનેક વચનામૃતો વંચાવ્યાં હતાં ને ઘણી વાતું કરી હતી; આ તો દિશમાત્ર લખી છે. સ્વામીએ વાત કરી જે, જ્યારે પ્રકૃતિપુરુષ સુધીનાં કાર્યમાત્રને તુચ્છ, જડ, મિથ્યા, નાશવંત ને દુ:ખરૂપ સમજાશે અને અખંડ, અવિનાશી ને સનાતન અક્ષરધામ, અક્ષરમુક્તો અને પુરુષોત્તમને દિવ્ય, સાકારમૂર્તિ ને સુખમાત્રના રાશિ સમજાશે અને આ સાકાર અક્ષરબ્રહ્મના સાક્ષાત્ પ્રસંગે કરીને અક્ષરબ્રહ્મના સાધર્મ્યપણાને પામીને મહારાજને પોતાના આત્માને વિશે અખંડ ધારી રાખશે ત્યારે મુક્ત થાવાશે. મહારાજના અક્ષરધામ વિના કોઈ અવતારાદિક કે, પુરુષાદિક કે, તેમનાં સ્થાન અવિચળ મહારાજે કહ્યાં નહિ; એ બધાં આત્યંતિક પ્રલયમાં નાશ પામી જાય છે.
ત્યાં પ્રશ્ર્ન પૂછયો જે, ‘મહારાજે શ્ર્વેતદ્વીપ ને બદરિકાશ્રમને તો વખાણ્યાં છે!’ તેનો ઉત્તર કર્યો જે, ‘એ તો મહારાજને તપ વ્હાલું છે અને એ બે સ્થાનો તપપ્રધાન સ્થાનો છે એથી. આ લોકના મુમુક્ષુને માયાના કલેશ અને રાગ વળગ્યા છે, તે ટાળવા માટે તે મહાતપના સ્થાનવાળાના જેવી રુચિ રાખવી એટલું જ મહારાજને કહેવાનું તાત્પર્ય છે. બાકી એ સ્થાનો તો પુરુષ-પ્રકૃતિની અંદર નિર્ગુણ સ્થાનમાંનાં સ્થાન છે પણ જ્ઞાને કરીને સ્થિતિ થાય છે, ત્યારે તો પ્રકૃતિ ને પ્રકૃતિનું જે કાર્યમાત્ર તે કાંઈ નજરમાં આવતું નથી, માટે જ્ઞાનમાં તો અક્ષરધામ આગળ કોટિ કોટિ બ્રહ્માંડોનો પણ લેશમાત્ર હિસાબ નથી અને એ અક્ષરધામ સાકાર સ્વરૂપે મહારાજના દાસત્વભાવે વરતે છે ને ધામરૂપે પુરુષોત્તમનારાયણ અને મુક્તોને ધારી રહ્યા છે, માટે મહારાજનો મુખ્ય હેતુ એ જ છે કે અક્ષરરૂપ થઈને મહારાજની ઉપાસના કરવી તેને જ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ર્ચય કહ્યો છે અને મહારાજના સ્વરૂપમાં સર્વોપરી, સાકાર ને સર્વકર્તાનો જે નિશ્ર્ચય, તેને જ મહારાજે નિર્વિકલ્પ સમાધિ કહી છે. માટે
નિજાત્માનં બ્રહ્મરૂપં દેહત્રયવિલક્ષણમ્ ।
વિભાવ્ય તેન કર્તવ્યા ભક્તિઃ કૃષ્ણસ્ય સર્વદા ॥
(શિક્ષાપત્રી શ્ર્લોક : 116)
અર્થ :- સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ જે ત્રણ દેહ તે થકી વિલક્ષણ એવો જે પોતાનો જીવાત્મા, તેને બ્રહ્મરૂપની ભાવના કરીને પછી તે બ્રહ્મરૂપે કરીને શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ જે તે સર્વ કાળને વિશે કરવી.
બ્રહ્મભૂતઃ પ્રસન્નાત્મા ન શોચતિ ન કાંક્ષતિ ।
સમઃ સર્વેષુ ભૂતેષુ મદ્ભક્તિં લભતે પરામ્ ॥
(ભગવદ્ ગીતા : 18/54)
અર્થ :- બ્રહ્મભાવને પ્રાપ્ત થયેલો તે પ્રસન્ન ચિત્ત મનુષ્ય, કશાનો શોક કરતો નથી કે કશાની આકાંક્ષા કરતો નથી અને સર્વ ભૂતોમાં સમભાવથી રહેતો થકો મારી પરમ ભક્તિને પામે છે.
આત્મારામાશ્ચ મુનયો નિર્ગ્રન્થા અપ્યુરુક્રમે ।
કુર્વન્ત્યહૈતુકીં ભક્તિમિત્થં ભૂતગુણો હરિઃ ॥
(શ્રીમદ્ ભાગવત : 1/7/10)
અર્થ :- સૂતપુરાણી શૌનકને કહે છે : ‘મુનિઓ જો કે આત્મામાં જ આનંદ પામનારા હોય છે અને એમની અહંકારરૂપ ગાંઠ છૂટી ગઈ હોય છે છતાં તેઓ ભગવાન વિશે નિષ્કામ ભક્તિ તો કરે જ છે કેમ કે શ્રીહરિ તેવા અલૌકિક ગુણોથી યુક્ત છે.’
એમાં કહ્યું તેમ જ્યાં સુધી નથી કર્યું, ત્યાં સુધી મોટા મોટા કર્મવાદીઓ, ઐશ્ર્વર્યવાદીઓ ને શાસ્ત્રીઓ, મહંતો ને પંડિતો એ સર્વે માયાના મહાપ્રવાહમાં જ વહ્યા કરે છે. વળી આ ભરતખંડમાં આચાર્યો તો અનેક થઈ ગયા છે ને થાશે પણ તમારી મોટપ આચાર્યપદથી નથી. તમારી રહેણી, મુમુક્ષુતા ને સ્થિતિ જોઈને તમારી ઉપર મહારાજનો અતિશય રાજીપો હતો અને અમને મહારાજે પંડે કહ્યું હતું જે, ‘ધર્મકુળમાં રઘુવીરજી જેવા કોઈ નથી.’ તે એ વાત સાચી છે; કેમ જે, તમે આજે અમારાં વચનો માનીને આંહીં પધાર્યા છો; બાકી આચાર્યપદ તો બંધનકારી છે ને અનંત પ્રકારનાં માન-સન્માન, રાજવૈભવ અને ગુણમય વિષયોની પ્રાપ્તિ, એ આદિક ત્રિગુણાત્મક મોટપ તો જીવને અધોગતિએ લઈ જાય છે માટે તેમાં લેશમાત્ર સુખ નથી. આવા ગહન જ્ઞાનની પ્રાપ્તિ તો મહારાજ કે, તેમના અમે પ્રત્યક્ષ અક્ષરધામ કે, આ જાગા ભક્ત કે, બાળમુકુંદદાસ બેઠા છે તે જેવા અનાદિ મહામુક્ત દ્વારા જ થઈ શકે છે.
વેદ-વેદાંતમાં નિરાકાર જીવાત્માનું જ્ઞાન છે અને તે જ્ઞાનના અંતે પણ નિરાકાર સ્વરૂપે નિરાકાર સર્વ વ્યાપક બ્રહ્મમાં ભળી જવાનું કહ્યું છે, પરંતુ પરાત્પર સાકાર પુરુષોત્તમનારાયણ અને સાકાર અક્ષરબ્રહ્મના અદ્વિતીય સ્વરૂપનું જ્ઞાન જેવું મહારાજે કહ્યું છે, તેવું કયાંય નથી; માટે અક્ષરબ્રહ્મરૂપ થઈને મહારાજના સ્વરૂપમાં અખંડ દિવ્યભાવે જોડાવું, એ સર્વ જ્ઞાનનો સાર છે. મહારાજે પોતાની રુચિ અને ઉપાસના લોયાનાં 14માં વચનામૃતમાં કહેલ છે. તેમાં મહારાજે ત્યાગ, આત્મનિષ્ઠા અને ભક્તિને વિશે પોતાની રુચિ જણાવી છે. તે મહારાજની એ રુચિ ભેળી આપણી રુચિ ભેળવીએ તો જ સુખ થાય.
વળી આમાં મહારાજને સાકાર ઉપાસના કહેવી છે, તેથી કહે છે જે, ‘સર્વેથી પર એક મોટો તેજનો સમૂહ અધોઊર્ધ્વ તથા ચારે કોરે પ્રમાણે રહિત અને અનંત છે અને તે તેજના સમૂહના મધ્યભાગને વિશે એક મોટું સિંહાસન છે ને તેની ઉપર દિવ્યમૂર્તિ એવા જે શ્રીનારાયણ પુરુષોત્તમ ભગવાન જે શ્રી સહજાનંદસ્વામી તે વિરાજમાન છે; ને તે સિંહાસનને ચારે કોરે અનંત કોટિ મુક્તો બેઠા થકા તે શ્રીનારાયણનાં દર્શન કરે છે. એવા જે મુક્તોએ સહિત શ્રીનારાયણ તેને અમે નિરંતર દેખીએ છીએ અને તે ભગવાનને વિશે તેજનું અતિશયપણું છે તેણે કરીને જ્યારે એ સભા સહિત તે ભગવાનનાં દર્શન થતાં નથી ત્યારે અમને અતિશય કષ્ટ થાય છે અને તે તેજનો સમૂહ તો નિરંતર દેખાય છે, તો પણ એને વિશે રુચિ નથી અને ભગવાનની મૂર્તિનાં દર્શને કરીને જ અતિ સુખ થાય છે.’ આવી રીતની મહારાજે પોતાના સ્વરૂપની સાકાર ઉપાસના કહી છે. તેમાં એમ જણાવ્યું જે, વેદાંતીઓ કેવળ તેજને જ બ્રહ્મ કહે છે, તેમાં અમારી રુચિ નથી; પણ પુરુષોત્તમનારાયણ, અક્ષરબ્રહ્મ અને અક્ષરમુક્તો, એ ત્રણે દિવ્ય ને સનાતન છે અને સિંહાસન ઉપર વિરાજીત પુરુષોત્તમનારાયણના દાસભાવે અક્ષરબ્રહ્મ અને અક્ષરમુક્તો વરતે છે. તે જેમ સૂર્ય, અગ્નિ અને વરુણ સાકાર સ્વરૂપે પોતપોતાના લોકમાં રહ્યા છે; એમ પોતાના અક્ષરધામમાં સાકાર સ્વરૂપે મહારાજ મુક્તોએ સહિત સદા વિરાજમાન છે, એમ સાકારપણાની ઉપાસના મહારાજને પ્રધાનપણે પ્રતિપાદન કરવી છે.
હવે આમાં તેજનો સમૂહ કહ્યો તે શું ? તો પુરુષોત્તમ, અક્ષર અને મુક્ત એ સર્વેનું તેજ પ્રકાશપણે તો સજાતીય છે એમ લોયાનાં 15માં વચનામૃતમાં મહારાજે કહ્યું છે અને એ ત્રણેના તેજનો સમૂહ એકકળાવિચ્છિન્ન અક્ષરધામમાં દેખાય છે, પણ તેમાં પુરુષોત્તમ ભગવાન તો અક્ષરબ્રહ્મ અને મુક્તો એ સર્વથી વિલક્ષણ છે. વળી ધામરૂપ જે અક્ષર તે પુરુષોત્તમનું શરીર છે અને પુરુષોત્તમ શરીરી છે. એમ પુરુષોત્તમનારાયણ સ્વયં વ્યતિરેક મૂર્તિ છે અને તેના અતિ ઉત્તમ સેવક અક્ષરબ્રહ્મમાં સદા સર્વદા વ્યાપીને શરીરીભાવે અખંડ પ્રકાશી રહ્યા છે; છતાં દેહ-દેહીની વિલક્ષણતા સેવક-સ્વામીભાવે ટળતી નથી તેથી, ‘અક્ષરધામમાં મહારાજ વિરાજી રહ્યા છે.’ એવું જ્યાં મહારાજ કહે, ત્યાં સાકાર સ્વરૂપે અક્ષર સેવામાં હોય જ. તે મધ્યનાં 13માં વચનામૃતમાં પણ તેજરૂપ ધામને આત્મા, બ્રહ્મ અને અક્ષર કહ્યા અને મૂર્તિને આત્માનું તત્ત્વ, પરબ્રહ્મ ને પુરુષોત્તમ કહ્યા છે. અને તેમાં પણ પોતાના સ્વયં સ્વરૂપનો જ મહારાજને નિશ્ર્ચય કરાવવો છે; તેથી પોતે પોતાના મિષે અતિ ઉત્તમ મુક્તની સ્થિતિ પ્રમાણે ઉપદેશ આપે છે કેમ જે, છેવટમાં કહ્યું તેમ તે અક્ષરધામને વિશે જે પુરુષોત્તમની મૂર્તિ અખંડ વિરાજમાન છે તે જ પોતે પ્રગટ મૂર્તિ મહારાજ છે એમ સમજાવવાનો આગ્રહ છે.
વળી મધ્યનાં 50માં વચનામૃતમાં પણ એકરસ પરિપૂર્ણ એવું જે બ્રહ્મસ્વરૂપ કહેતાં અક્ષરધામ કે, જેમાં પોતાની અંતરયામી શક્તિએ કરીને પુરુષોત્તમ વ્યાપી રહ્યા છે; તે અક્ષરબ્રહ્મને વિશે મૂર્તિમાન પુરુષોત્તમ અને તે પુરુષોત્તમના જે ભક્ત તે સંગાથે અખંડ પ્રીતિ જોડી રાખી છે એમ કહ્યું. છેલ્લાનાં 31માં વચનામૃતમાં પણ એ જ રીતે કહ્યું છે અને આ લોયાનાં 14માં વચનામૃતમાં પણ સભાએ સહિત પોતે વિરાજી રહ્યા છે એમ કહ્યું છે અને અક્ષરનાં બે સ્વરૂપનું પ્રતિપાદન તો પોતે જ કર્યું છે; માટે પુરુષોત્તમનારાયણ સાથે મૂળઅક્ષરને કહ્યા હોય કે ન કહ્યા હોય; તો પણ તે સદા સર્વદા પુરુષોત્તમનારાયણની સેવામાં જ રહ્યા છે, એમ ઉત્તમ જ્ઞાની સમજે છે.
પછી બીજા જે આચાર્યો થયા તેની વાત કરીને કહ્યું જે, મહારાજે તેમાંથી જે સારું લાગ્યું તે પ્રવર્તાવ્યું છે પણ તે કોઈનો મત લઈને પોતે પ્રવર્તાવ્યો નથી. તે શું તો શંકરસ્વામીના અદ્વૈતમાં તો પોતાને રુચિ જ નથી કારણ એક બ્રહ્મ જ સર્વરૂપે થયું છે અને તે બ્રહ્મ વિના બીજું બધું મિથ્યા છે, એમ માનવામાં ઘણા ઘણા દોષ આવે છે. નિર્ગુણ અને શુદ્ધ એવું જે બ્રહ્મ તે જ અજ્ઞાનથી પરાભવ પામી માયિક ઉપાધિવાળા અનેક જીવ, ઈશ્ર્વરરૂપે બને છે અને પાછા સ્વરૂપજ્ઞાન થયે સતે તે બધા પાછા બ્રહ્મ થઈ જાય છે, એ વાત માન્ય રાખવામાં આવી નથી; વળી
એકમેવાદ્વિતિયં બ્રહ્મ ।
(છાંદોગ્ય ઉપનિષદ : 6/2/1)
અર્થ :- એક જ અદ્વિતીય બ્રહ્મ.
એનો અર્થ પણ બીજા કરે છે તે મહારાજે માન્ય નથી રાખ્યો. મહારાજે તો લોયાનાં 13માં વચનામૃતમાં ‘એ પરબ્રહ્મ નારાયણ જેવા તો એક નારાયણ જ છે કહેતાં તે જેવા થાવાને અક્ષરબ્રહ્મ પર્યંત કોઈ સમર્થ નથી, એવા એ અદ્વિતીય છે.’ એવો અર્થ કર્યો છે, પણ સંન્યાસીઓ, કૂતરાં, ગધેડાં આદિક સંસૃતિમાં સબડતા જીવોને નિર્ગુણ બ્રહ્મ માને છે અને જેમ પાણીમાં પાણી મળી જાય તેમ મર્યા પછી નિરાકાર બ્રહ્મમાં ભળી જવારૂપ મોક્ષ માને છે એવો મત મહારાજે અમાન્ય કર્યો છે. તે જેમ પરબ્રહ્મ અદ્વિતીય છે તેમ જ અક્ષરબ્રહ્મ પણ અદ્વિતીય છે વળી,
એકોડહં બહુ સ્યામ પ્રજાયેય ।
એ શ્રુતિનો અર્થ બીજા કરે છે કે, ભગવાન પોતાની ઇચ્છાથી સર્વ જીવ, ઈશ્ર્વરરૂપે થયા છે કે, પોતે કરોળિયાની પેઠે પોતાની લીલા વિસ્તારી છે, તેમ નથી. એમ મહારાજે પ્રથમનાં 41માં વચનામૃતમાં કહ્યું છે.
મહારાજનો મત તો એ છે જે, ઉત્પત્તિકાળે ઉત્પત્તિ સર્ગમાં, પુરુષોત્તમ ભગવાન પોતે અક્ષર દ્વારા અંતર્યામીરૂપે કરીને સર્વમાં પ્રવેશ કરીને ન્યૂનાધિકભાવે પ્રકાશ કરે છે, તેથી મહારાજે રામાનુજાચાર્યના વિશિષ્ટાદ્વૈત મતને માન્ય રાખ્યો છે અને તેમાં અદ્વૈત તો છે; પણ મુક્તિદશામાં મુક્ત સેવકરૂપે જુદો રહીને આંહીંની જેમ ધામમાં સેવા કરે છે, એમ એમનો મત જણાય છે, પરંતુ મહારાજનો સિદ્ધાંત તો એ છે જે, અક્ષરરૂપ થયો જે ભક્ત તેને જ પોતાની ભક્તિનો અધિકાર છે અને અક્ષરરૂપે મહારાજના પ્રગટ સ્વરૂપમાં ઇન્દ્રિયું, અંત:કરણ અને અનુભવ વડે ભગવદ્સ્વરૂપે, મહારાજના તાદાત્મ્યપણાને પામીને મહારાજ સાથે પરમ અદ્વૈતભાવ અનુભવે છે ને એ રીતે પરાત્પર પુરુષોત્તમ ભગવાન અને અક્ષરરૂપ મુક્ત, તે બન્નેની દિવ્યાકારે સાયુજ્યભાવે અખંડ ઐક્યતા કહી છે. ‘હું જુદો છું, ભગવાન જુદા છે.’ એવી ભાવના ત્યાં રહેતી નથી. પરંતુ દૃષ્ટા, દૃશ્ય અને દર્શનનો જે દશામાં વિરામ થાય છે અને જ્ઞાની, જ્ઞાન ને જ્ઞેય એકરૂપ થઈ જાય છે તેવી,
યદા પશ્ય: પશ્યતે રુક્મવર્ણં કર્તારમીશં પુરુષં બ્રહ્મયોનિમ્ ।
તદા વિદ્વાન્પુણ્યપાપે વિધૂય નિરંજન: પરમં સામ્યમુપૈતિ ।।
(મુંડક ઉપનિષદ : 3/1/3)
અર્થ :- જ્યારે દ્રષ્ટા (જીવાત્મા) સર્વના શાસક, બ્રહ્માના પણ આદિ કારણ, જગતના રચનારા દિવ્ય પ્રકાશ સ્વરૂપ પરમ પુરુષને જુએ છે ત્યારે વિદ્વાન પાપ પુણ્ય બન્નેનો નાશ કરી, નિર્મળ થઈ અત્યંત સમતાને પ્રાપ્ત થઈ જાય છે.
એવી રીતે અક્ષરરૂપ થયો જે મુક્ત તેની પુરુષોત્તમનારાયણ જે મહારાજ, તેની સાથેની પરમ અદ્વૈતતારૂપ અતિ ઉત્તમ મુક્તદશા મહારાજના ઉપદેશમાં આવે છે અને એ રીતે મહારાજે પોતાનો સ્વતંત્ર અક્ષરમત પ્રવર્તાવ્યો છે, પણ આમાં ઝાઝાની નજર પડે તેમ નથી. એવી સ્થિતિ તો અમારા સાક્ષાત્ સંબંધથી અને કૃપાથી કે, અમારા થકી એવી સ્થિતિ જેણે દેહ છતાં જ સિદ્ધ કરી હોય એવા મુક્ત થકી જ થાય છે.
એકો હંસો ભુવનસ્યાસ્ય મધ્યે સ એવાગ્નિ: સલિલે સંનિવિષ્ટ: ।
તમેવ વિદિત્વાડતિ મૃત્યુમેતિ નાન્ય: પંથા વિદ્યતેડયનાય ।।
(શ્ર્વેતાશ્ર્વતર ઉપનિષદ્ : 6/15)
અર્થ :- આ બ્રહ્માંડની વચ્ચે એક પ્રકાશ સ્વરૂપ પરમાત્મા (પરિપૂર્ણ) છે. તે (એક) જ જળમાં રહેલ અગ્નિ છે તેને જાણીને જ (માનવી) મૃત્યુરૂપી સંસાર સમુદ્રની પેલે પાર પહોંચી શકે છે. દિવ્ય પરમાત્માની પ્રાપ્તિ માટે આના સિવાય બીજો કોઈ માર્ગ જ નથી.
વેદાહમેતં પુરુષં મહાન્તમાદિત્યવર્ણં તમસ: પરસ્તાત્ ।
તમેવ વિદિત્વાડતિ મૃત્યુમેતિ નાન્ય: પંથા વિદ્યતેડયનાય ।।
(શ્ર્વેતાશ્ર્વતર ઉપનિષદ્ : 3/8)
અર્થ :- અવિદ્યારૂપ અંધકારને અતિક્રમીને રહેલા તથા સૂર્યની માફક સ્વયં પ્રકાશ સ્વરૂપ એવા મહાનપુરુષ (પરમાત્મા)ને હું જાણું છું. તેને જાણીને જ (મનુષ્ય) મૃત્યુને ઓળંગી જાય છે, (પરમપદની) પ્રાપ્તિ માટે આના સિવાય બીજો કોઈ માર્ગ જ નથી.
બીજા કોટિ સાધને એ પ્રાપ્ત થઈ શકતી નથી. આ વાતું સાંભળીને આચાર્ય મહારાજને પરમ શાંતિ અનુભવાતી હવી (હતી) અને સ્વામીને વિનયવચને બહુ રાજી કર્યા. આવી રીતે સ્વામીએ તો બહુ બહુ વાતું કરી છે પણ આ તો દિશમાત્ર જ લખી છે.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
પ્રકૃતિપુરુષ : ચેતન અકર્મણ્ય પુરુષની મદદથી જડ પ્રકૃતિમાંથી સમગ્ર સૃષ્ટિની ઉત્પતિ થઈ તે
રાશિ : ઢગલો, પૂંજ.
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
શ્ર્વેતદ્વીપ : શ્રી વાસુદેવ ભગવાનનું ધામ.
કોટિ : કરોડ.
નિર્વિકલ્પ : જ્ઞાતા-જ્ઞેય ઇત્યાદિક ભેદ વગરનું, જેમાં કોઈ અપવાદ કે બેપણું ન હોય તેવું.
અર્થ : ધન, સંપત્તિ.
નિરાકાર : પોતાને ત્રણ દેહના માયિકભાવથી રહિત અર્થાત નિરંજન ને કેવળ બ્રહ્મભાવે આત્મારૂપ માનવું.
આત્મનિષ્ઠા : હું તો દેહથી જુદો જે આત્મા તે છું ને મારે વિશે પ્રગટ પરબ્રહ્મ અખંડ બિરાજમાન છે. તેવી અતિ દૃઢ માનીનતા, શ્રદ્ધા, વિશ્ર્વાસ, આસ્થા.
અધોઊર્ધ્વ : નીચે-ઉપર.
એકકળાવિચ્છિન્ન : એકીસાથે એક જ સમયનું, સમકાલીન.
મૂર્તિ : સંતો.
પર્યંત : ત્યાં સુધી, જેટલી.
સંસૃતિમાં : જન્મમરણચક્રમાં-સંસારમાં.
વિશિષ્ટાદ્વૈત : ચિત્ અને અચિત્ સાથેનું વિશિષ્ટ બ્રહ્મ છે” એ પ્રકારનો શ્રી રામાનુજાચાર્યે પ્રવર્તાવેલો વેદાંતનો સિદ્ધાંત.
અક્ષરમત : અવિનાશી અભિપ્રાય, શ્રી અક્ષરપુરુષોત્તમ ઉપાસના ઉદ્બોધિત જ્ઞાનવિભાગ/ગુણાતીતજ્ઞાનનો સિદ્ધાંત.
(4) દેહાભિમાન મૂકીને, બ્રહ્મરૂપ થાવું તે તો લોઢા જેવું કઠણ છે, પણ આ પ્રગટની પ્રાપ્તિ થઈ છે એવો કોઈ આનંદ નથી, ને એનું ભજન નથી થાતું એવી કોઈ ખોટ નથી; બીજા મનસૂબા થાય છે પણ એ થાતું નથી. ને એમ કર્યા વિના એકાંતિક નહિ થાવાય પણ પ્રધાનપુરુષ કે મૂળપુરુષ જેવા થાવાશે. ગોપાળાનંદસ્વામીએ સૌ સંતોને પૂછયું જે, ‘તમારે જન્મ ધરવો પડે તો કેવે ઠેકાણે જન્મ ધરો ?’ ત્યારે વિશુદ્ધાત્માનંદસ્વામી બોલ્યા જે, ‘હું તો રાજા થઈને સૌને સ્વામિનારાયણનું ભજન કરાવું ને ન કરે તેને ઘાણીમાં ઘાલી પીલી નાખું.’ માવોભાઈ કહે, ‘હું તો ભગવાનનો ભાઈ થાઉં તે સુખ-દુ:ખના ધણી ભગવાન, ને હું તો બેઠો બેઠો ખાઈ-પીને ભજન કરું.’ ગોપાળાનંદસ્વામી કહે, ‘હું તો ગરીબ બ્રાહ્મણને ત્યાં જન્મ ધરું તો કોઈ કન્યા પણ ન દે, એટલે ભગવાન ભજવા તરત ચાલી નીસરાય.’ એમ સર્વેએ નોખું નોખું કહ્યું.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
મનસૂબા : સંકલ્પો, કાંઈક કરી લેવાના વિચારો
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
(5) આજ્ઞામાં આત્મનિષ્ઠા ને વૈરાગ્ય બેય આવી જાય છે. દેહધારી હોય તેમાં દોષ તો હોય માટે એ દોષ ન જોવા ને સાધુ કહે તેમ કરશે તેનો સત્સંગ રહેશે. કોઈ જમે, કોઈ ઝાઝી પથારી કરે, પણ તેનો અભાવ ન લેવો.
આત્મનિષ્ઠા : હું તો દેહથી જુદો જે આત્મા તે છું ને મારે વિશે પ્રગટ પરબ્રહ્મ અખંડ બિરાજમાન છે. તેવી અતિ દૃઢ માનીનતા, શ્રદ્ધા, વિશ્ર્વાસ, આસ્થા.
(6) દીપડિયા ગામમાં કણબી હરિજનની લાડુની રસોઈ હતી તે રસોઈ કરીને,
સખી આનંદની વાત કહું આજ રે,
(કીર્તનસાર સાગર : 245)
એ થાળ બોલીને નૈવેદ્ય ધર્યું ત્યાં રામાનંદસ્વામીને ટાઢિયો તાવ આવ્યો તે જમાણું નહિ, માટે નોતરું તો એક પ્રભુનું જ સાચું છે. બુદ્ધિમાં અર્થ રહ્યો છે તે ઘણી ઘણી બુદ્ધિ ફેરવીને સંસારમાં વાવરી, પણ એમાંથી કાંઈ નીકળ્યું નહિ. જ્ઞાન છે તે કહ્યે-સાંભળ્યે વૃદ્ધિ પામે પણ પોતામાં ને પોતામાં રાખે તો જેમ નંદ રાજાનું ધન કોઈને કામ ન આવ્યું તેમ કોઈને કામ ન આવે, માટે કહેવું ને સાંભળવું, તો જેમ બાળક વૃદ્ધિ પામે તેમ જ્ઞાન વૃદ્ધિ પામે.
પ્રકરણ 10 ની વાત 18
અર્થ : ધન, સંપત્તિ.
સંવત 1918ના ભાદરવા સુદિ ત્રીજને દિવસે સ્વામીએ વાત કરી જે,
(7) આ જીવ છે તે જોવામાં બંધાય, ખાધામાં બંધાય, આસનમાં બંધાય, ઘરમાં બંધાય એમ બધામાં બંધાય. અનેક જન્મ થયાં જીવે પાછું વાળી જોયું નથી. આ લોક તો બળી રહ્યો છે. તે શું ? જે, કામ, ક્રોધ ને લોભાદિકની હોળી બળી રહી છે.
કામ ક્રોધ ને લોભના લે’રી, એ ત્રણથી તોબાં ત્રાય;
કામ થકી તો કલંક લાગે, લોભે લક્ષણ જાય;
લોભ લક્ષણ જાય તે જાશે ને ક્રોધ થકી તો કેર જ થાશે;
કહે ગોવિંદરામ એ ત્રણ જીવના વેરી, કામ ક્રોધ લોભના લે’રી. એ ત્રણથી0
(કીર્તનાવલિ : 440-38)
એ વાતની જ્ઞાનીને ખબર પડે છે, પણ મૂરખને તો કાંઈ ખબર નથી. સૂરતનો વાણિયો મહારાજ પાસે ગામ તેરે આવતો. તેને મહારાજે બ્રાહ્મણને વેશે માગતાં માગતાં તેરે આવવું ને પાછું જાવું શીખવ્યું હતું. તે સૂરતનો સીમાડો ઊતરી બ્રાહ્મણનાં લૂગડાં પહેરી તુંબડું હાથમાં લઈ માગતો માગતો તેરેના સીમાડા સુધી આવે પછી તે લૂગડાં, તુંબડું બાંધી લે ને વાણિયાનાં લૂગડાં પહેરી ગામમાં આવે ને મહારાજ પાસે રહે ને પાછો જાય ત્યારે પણ તેમ જ કરે. તેમ જેને મોક્ષનો ખપ હોય તેનાથી શું ન થાય ?
(8) આ લોકમાંથી ઉચાળો ક્યાં છૂટશે, તેની તો ખબર જ નથી. આપણે રળી ખાવાનું પ્રારબ્ધ છે. જો રૂપિયાવાળા કરવા હોત તો કોઈ રાજા કરત નહિ ? આ તો ભોઈને રાજા થવું તે કેમ થાવાય ?
પ્રારબ્ધ : પૂર્વનાં કર્મફળના સંગ્રહમાંથી વર્તમાનકાળે જે દેહ છે તે સંબંધી સુખ-દુ:ખ.
(9) કાળની ગતિ સામું જુએ, ત્યારે પ્રભુ ભજાય. મહિમા સમજાય ત્યારે ભક્તિ થાય. જીવ તો બદ્ધ છે. સોજીત્રામાં બે ગોધલા લીધા, તે કાંઈ ખાય નહિ ને રાડ્યું નાખી નાખીને મૂઆ.
(10) કારિયાણીમાં મહારાજ વતું કરાવતા હતા, ત્યાં એક જણ હરિજન થાવા આવ્યો ને મહારાજ વતું કરાવતાં જમ્યા એટલે તેને અવગુણ આવ્યો. ત્યારે મહારાજ કહે, ‘એને મુક્તાનંદસ્વામી પાસે લઈ જાઓ.’ પછી મુક્તાનંદસ્વામીએ ઉપદેશ કરીને મહારાજનાં મનુષ્યચરિત્ર અને દિવ્યચરિત્ર એક સમજાવીને નિશ્ર્ચય કરાવ્યો માટે એમાં તો જ્ઞાન હોય તો જ પાધરું પડે.
સંવત 1918ના ભાદરવા સુદિ ચોથને દિવસે સ્વામીએ વાત કરી જે,
(11) કોઈના હૈયામાં શાંતિનો લેશ નથી. એક શાહુકારના પાડોશમાં ગરીબ માણસ રહેતો, તે રોજ જેટલું રળે તેટલું વાવરી નાખે ને સારું સારું ખાય. પછી તેની સ્ત્રીએ શેઠાણીને કહ્યું જે, ‘બળ્યા તમારા પૈસા, અમે તો થોડું રળીએ પણ ખાઈ-પીને મોજ કરીએ છીએ ને તમે તો છાશ-રોટલા ખાઓ છો, તે તમારા પૈસા શું કામના?’ પછી શેઠાણીએ શેઠને વાત કરી. ત્યારે શેઠ કહે, ‘ઠીક, કાલે જોજે તે ખાતાં આળસી જાશે.’ પછી નવાણું રૂપિયાની કોથળી શેઠે તેના ઘરમાં રાતે નાખી, તે ઊઠયા ત્યારે કોથળી જડી ને ગણતાં નવાણું રૂપિયા થયા. ત્યારે કહે, ‘આમાં એક રૂપિયો નાખીએ તો સો પૂરા થાય.’ પછી બેય માણસ ચારના ભારા વેચી ફક્ત જારનો લોટ લઈ, દરરોજ ચાર આના બચાવવા માંડયા તે ચાર દહાડે રૂપિયો થયો એટલે કોથળીમાં નાખી સોનો મેળ કરી કહે, ‘આમાંથી ખાવું નહિ, આ તો મરણમૂડી છે. હવે કમાવું તેમાંથી ખાવું ને રોજ ચાર આના બચાવવા, એટલે આવતે વરસે બીજી કોથળી રૂપિયા સોની થાય.’ એમ લોભ વધ્યો, તે ખાતાં-પીતાં આળસી ગયાં. તેમ જ્યારે નવાણુંનો ધક્કો વાગે ત્યારે હૈયામાં શાંતિ ન રહે ને કેવળ દ્રવ્ય ભેળું કરવું એવું અનુસંધાન રહે ત્યારે કોણ ધનવાન ને કોણ નિર્ધન ?
ધની ચ કો યો પરિતોષયુક્ત: ।
(સુવાક્ય)
અર્થ :- ધનવાન કોણ ? જે સંતોષ યુક્ત હોય.
જેને સંતોષ છે તે જ ખરો ધનવાન છે.
કોઈને દીકરે કરીને કે ખાધે કરીને શાંતિનો લેશ નથી. રોજ અન્નકૂટ કરે તો પણ શાંતિનો લેશ નથી. તે રાજા તથા શાહુકારને તો રાંધ્યામાં જ રાત-દિવસ જાય છે. માટે પ્રભુને ભજવા તેણે કોઈને પૂછવું નહિ ને સથવારો ગોતવા રહેવું નહિ. ભગવદીને સર્વે ભય છે. મુસલમાન કોઈથી વટલાય નહિ, તેમ વિમુખને કોઈ વાતનો વિચાર નથી. લોભ છે તે ધર્મલોપ કરવાનો કુહાડો છે, માટે લોભ જ્યાં લગી છે ત્યાં લગી બધા દોષ છે. સાધુ સત્સંગીએ બધા દોષ મૂક્યા ત્યારે દોષ રોવા બેઠા એટલે લોભ બોલ્યો જે, ‘હજી મને કાઢયો નથી; હું છું તો તમને બધાયને ધીરે ધીરે પાછા તેડાવીશ, તમે ફિકર કરશો મા; હું એક છું તો તમે બધાય છો.’
લોભાત્કોધ: પ્રભવતિ લોભાત્કામ: પ્રજાયતે ।
લોભાન્મોહશ્ચ નાશશ્ચ લોભ: પાપસ્ય કારણમ્ ।।
(હિતોપ્રદેશ-મિત્રલાભ : શ્ર્લોક-27)
અર્થ :- લોભમાંથી ક્રોધ જન્મે છે, લોભથી જ કામ ઉત્પન્ન થાય છે, લોભ વડે મોહ ને નાશ જન્મે છે. આમ લોભ જ પાપનું મૂળ છે.
બ્રહ્મજ્ઞાન રત નારી નર કરહિં ન દુસરી બાત;
કોડી ઉલાગી લોભ વશ કરહિં વિપ્ર ગુરુ ઘાત.
એમ અધર્મ સર્ગમાત્રનું મૂળ કારણ લોભ છે, તે માટે લોભ મૂકવો.
ગોવાળ હોય તે ઢોરને વાળી વાળીને નોરમાં રાખે છે તેમ ઇન્દ્રિયું ઢોર જેવી છે તેને વાળી વાળીને ભગવાનની આજ્ઞામાં રાખવી ને ભગવાનના સ્વરૂપમાં જોડી દેવી. જીવના મનસૂબા તો શેખચલ્લીના જેવા છે તેમાં કાંઈ નીકળવાનું નથી. વગર પ્રયોજને વિચાર વિનાનું બોલે તેમાંથી દુ:ખ થાય છે, માટે વિચારીને બોલવું. રાજાના કુંવરને પૂર્વાશ્રમમાં બોલવામાંથી દુ:ખ પડેલ ને જન્મ ધરવો પડ્યો, તે સ્મૃતિ રહેવાથી જન્મ્યો ત્યારથી કાંઈ બોલ્યો જ નહીં. પણ એક વખતે દરબારમાં મોર બોલ્યો તેને મારી નાખ્યો. ત્યારે કુંવર કહે, ‘કાં બોલ્યો ?’ તે બે શબ્દ કુંવરને બોલતાં સાંભળી ખવાસે હજૂરને વધામણી ખાધી જે, ‘કુંવર સાહેબ બોલ્યા.’ એટલે તેને ઇનામ આપ્યું ને સાકર વહેંચી. પછી કુંવરને બોલાવવા માંડ્યા તો કુંવર બોલ્યા નહિ, એટલે રાજાને રીસ ચડી ને કહે, ‘આપણી મશ્કરી કરી; માટે ખવાસને તોપે દ્યો.’ પછી તે ખવાસ કુંવર પાસે આવ્યો ને કહેવા લાગ્યો જે, ‘બાપુ, ભલા થઈને એક વાર બોલો, નીકર મને તોપે દેશે.’ ત્યારે કુંવર કહે, ‘કાં બોલ્યો ? મોર બોલ્યો તો મોર મૂઓ ને તું બોલ્યો તો હવે તું મરીશ ને હું બોલું તો હું ય મરું, માટે બોલતો નથી.’ પછી કુંવર બોલ્યો નહિ એટલે ખવાસને તોપે દીધો. માટે બોલવું તે વિચારીને પ્રયોજન પ્રમાણે બોલવું. આનંદ બ્રહ્મચારી તથા ત્રિવિક્રમાનંદજીએ ગરાસિયાને ઉપદેશ કર્યો, તેથી અરધી રાતે ગામમાંથી કાઢયા. સર્વે વાતે કરીને થાય છે, વાતે કરીને બ્રાહ્મણ હોય તો વટલી જાય છે.
(12) હજારો ક્રિયા કરીને મોક્ષ સુધારવો છે ને એ ઉપર જ સર્વે આદર છે. રાજા-રંક સર્વે શેખચલ્લીની પેઠે સંકલ્પરૂપી થાંભલા માંડ્યા જ કરે છે. ત્યારે કારિયાણીના નથુ પટેલે પૂછયું જે, ‘રાત-દિવસ આવા શબ્દ સંભળાય છે તો પણ જ્ઞાન કેમ નહિ થાતું હોય ?’ એટલે સ્વામીએ કહ્યું જે, ‘મહારાજનો જે સિદ્ધાંત છે તે તત્કાળ સમજાય નહિ; પણ ધીરે ધીરે થાતું જાય છે તે જુઓને, આંહીં અવાણું છે તે થોડું છે ! ઘરનો ઊમરો તો લોકાલોક જેવડો છે ! તે વળોટીને આંહીં અવાણું છે તે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થયું છે, તો અવાણું છે.’
લોકાલોક : પૌરાણિક સમય પ્રમાણે એ નામનો પર્વત.
સંવત 1918ના ભાદરવા સુદિ પંચમીને દિવસે સ્વામીએ વાત કરી જે,
(13) પૂર્વના આઘાત લાગ્યા હોય તે સાંભર સાંભર કરે છે પણ કોઈ દિવસ રૂડા સંસ્કાર લગાડયા નથી. જડભરતને આઘાત લાગ્યા હતા તો મૃગના દેહમાં પણ સ્મૃતિ રહી, ને ઊનાવાળા નાગર ગૃહસ્થ હતા પણ એવા વૈરાગ્યવાન હતા જે, લોકની ગણતી રાખી જ નહિ પણ એકે પૈસો ખાય નહિ ને લાવી લાવીને પોષણ કરે, તેને કેમ બંધન છૂટે ? માટે જેને ભગવાન ભજવા હોય તેણે જાણીને ગાંડું થાવું. વિજીતાત્માનંદસ્વામીને ત્યાગી થાવું હતું પણ માવતર થાવા દે નહિ. પછી ઘરના ઊમરા વચ્ચે કૂવો ખોદવા માંડયો ને કહે જે, ‘હું જેવો દીકરો ને મારી માને પાણી ભરવા બહાર જાવું પડે, તો હું દીકરો શા કામનો ?’ પછી માવતર જાણે આ ગાંડો થઈ ગયો છે તે ભલે વહ્યો જાય, આપણે હવે તેડવા જાવું નહિ પછી ત્યાગી થઈ ગયા.
પ્રકરણ 10 ની વાત 27
પ્રકરણ 11 ની 94
પ્રકરણ 12 ની 22
પ્રકરણ 12 ની 39
પ્રકરણ 12 ની 212
પ્રકરણ 14 ની 45
પ્રકરણ 14 ની 105
(14) મહારાજનો રહસ્ય અભિપ્રાય એ છે જે, આ દેહના ભાવથી જુદું પડવું ને જાણીને વિષયનો ત્યાગ કરવો. તે જ્યારથી પ્રગટ થયા છે ત્યારથી એક જ તાન છે પણ ઇન્દ્રિયું લડાવવાનું તાન નથી. સર્વોપરી પુરુષોત્તમની નિષ્ઠા સમજવી. નરસિંહ મહેતા, મીરાંબાઈ, સુરદાસ ને અષ્ટકવિ એ ઉપાસનાવાળા ને બીજા બધા ઉપાસના વગરના છે, એમ મહારાજે સમજાવ્યું હતું. નાગડકામાં મારગી કીર્તન ગાતાં હતાં, તે સાંભળી મહારાજે સૂરાખાચરને કહ્યું જે, ‘ઓલ્યા બહુ સારાં કીર્તન ગાય છે, તેને બોલાવો.’ ત્યારે સૂરાખાચર કહે, ‘મહારાજ એ તો મારગી છે તેને આંહીં કેમ બોલાવાય?’ ત્યારે મહારાજ કહે, ‘લો અમે ત્યાં જઈએ.’ પછી સૂરાખાચર મહારાજને કહે, ‘ત્યાં જવાય નહિ, લો આંહીં બોલાવું.’ પછી બોલાવીને કીર્તન ગવરાવ્યાં ને કીર્તન ગાઈ રહ્યાં, ત્યારે મહારાજે કહ્યું જે, ‘માગો.’ ત્યારે કહે, ‘મહારાજ અમને રોટલા, લૂગડાં તો મળે છે પણ તમે ભગવાન કહેવાઓ છો, તે અમારું ક્લ્યાણ કરો.’ પછી મહારાજ કહે, ‘તમે બે શું થાઓ છો તે ખરેખરું કહો તો તમારું કલ્યાણ કરીએ.’ ત્યારે છોકરો શરમાણો. પછી હાથ જોડી બોલ્યો જે, ‘છીએ તો ભાઈ-બહેન; પણ મારગી છીએ એટલે ભેળું ચાલે છે.’ એમ મહારાજે બહેન-ભાઈનો નાતો હતો તે ઉઘાડો કર્યો.
મહારાજે પોતાના ભાઈ કર્યા તે પણ ભવાયાની ભેંશ જેવું કર્યું. ભવાયાનો વેશ જોઈ પટેલ બહુ રાજી થયા તે ભેંશ આપી. પછી વિચાર થયો જે, ભેંશ જાશે તો છોકરાં છાશ વિના દુ:ખી થાશે. પછી બીજો વેશ આવ્યો એટલે ગામ આપ્યું ને ત્રીજા વેશે આખા મલકની બાયડીઓ આપી, ત્યારે ભવાયાએ જાણ્યું જે, પટેલ ગાંડો લાગે છે પણ ભેંશ વાળી લીધી તેની ખબર પડી નહિ. તેમ મહારાજે પ્રથમ અવતારાદિકનું પ્રતિપાદન કર્યું, પછી જેવા હતા તેવા દેખાડી દીધા ને પોતાનું સર્વોપરીપણું પ્રવર્તાવ્યું અને જેને ભાઈ કર્યા હતા તેને સેવક કર્યા, ને કેટલાક પ્રભુ થયા હતા તે પણ ટાળ્યા. એમ બધા ગોટા કાઢીને ચોખ્ખું કર્યું, માટે પ્રભુ ભજવા તેને જ્ઞાન જોઈએ.
તાન : લગની, આગ્રહ, મસ્તી.
નિષ્ઠા : શ્રદ્ધા, આસ્થા, વિશ્ર્વાસ, ધારણા.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
સંવત 1918ના ભાદરવા સુદિ છઠને દિવસે સ્વામીએ વાત કરી જે,
(15) આ જીવ જે વેગે ચડ્યો તે વેગે ચાલ્યો જાય તે જો વિધિનિષેધને મારગે ચાલ્યો કે, ફેલને મારગે ચાલ્યો કે, વિષયને મારગે ચાલ્યો તો પાછો જ વળે નહિ. અમે વડાળથી જૂનાગઢ આવતા હતા ત્યારે મજેવડીને દરવાજેથી ગામમાં જાતા હતા, ત્યાં એક છોકરો દોડતો આવતો હતો; તેને જોઈને અમે કહ્યું જે, ‘આ છોકરાને કાંઈ કામ નથી, પણ અમથો દોડ્યો આવે છે.’ પછી અમારી પાસે આવ્યો ત્યારે અમે કહ્યું જે, ‘ઊભો રહે છોકરા, ક્યાં જાય છે ?’ તો કહે, ‘ક્યાંય નહિ.’ પછી પાછો વળ્યો. એમ વિચાર્યા વિના જીવ મનના તરંગ ઉપર ફેલને મારગે ચાલ્યા જાય છે માટે મોક્ષને મારગે ચાલે તેને બહુ બહુ વિવેક રાખ્યો (રાખવો) જોઈએ. કામ્ય ક્રિયાઓ છે તેમાં કાંઈ ફળ નથી. કારેલાના વેલામાં ફળ ઘણાં થાય, પણ કડવાં તે મોંમાં ગરે નહિ, પણ જેને ભાવે તેને કામ આવે તેમ જેને વિષય ગમે તે ભોગવે, પણ જેને વિષય ઝેર જેવા થઈ ગયા હોય તે ભોગવે નહિ.
કામ્ય : કામનાની ઈચ્છાથી કરેલ.
(16) પ્રભુ ભજવા તેમાં મન-ઇન્દ્રિયું એ મોટાં વિઘ્ન છે. આ જીવ ઢોંગી છે, તે એક ગાઉ ન ચાલતો હોય પણ વાંસે ભય હોય તો દશ ગાઉની મજલ કરે. ગોપાળાનંદસ્વામીએ હરજી ઠક્કરને પૂછયું જે, ‘તમે કેટલું ચાલી શકો ?’ તો કહે, ‘બે ગાઉ ચાલી શકું.’ ત્યારે ગોપાળાનંદસ્વામી કહે, ‘વાંસે ઉઘાડી તલવાર કાઢી કોઈ મારવા આવતું હોય તો કેટલું ચાલો ?’ ત્યારે કહે, ‘તો તો અડવાણે પગે દશ-બાર ગાઉ દોડ્યો જાઉં !’ એવાં જીવનાં કૂકટ છે. મહારાજે આ સાધુ કર્યા, ધર્મ બાંધ્યો ને જે જે ક્રિયા કરી તે એક મોક્ષ સુધારવા સારુ છે. પાતાળના દેડકાને નીકળવું ને વરસાદ થાવો, ત્યારે કહે, ‘તકે તક મળી!’ તેમ આપણે પણ આ જ તકે તક બની ગઈ છે. મહારાજને પ્રગટ થાવું ને આપણને મનુષ્યનો દેહ આવ્યો; માટે પ્રભુ ભજી લેવા.
ગાઉ : અંતરનું એક પરિમાણ, દોઢ માઈલ, અઢી કિલોમીટર.
વાંસે : પાછળ.
દશ : દિશા.
સંવત 1918ના ભાદરવા સુદિ સપ્તમીને દિવસે સ્વામીએ વાત કરી જે,
(17) આ લોકના ઠરાવમાત્ર અદ્ધરિયા છે. સત્સંગી હોય તેને વહેવાર (વ્યવહાર) પ્રધાન થઈ જાય કે બીજે સર વળી જાય તો આમાં હેત રહે નહિ. એક રહેણીએ ને એક લગનીએ મરવું એ કાંઈ થોડી વાત છે ! માટે આ લગની મોળી પડવા દેવી નહિ ને સર વળવા દેવી નહિ.
(18) વહેવાર તો ટળી જાશે ને રૂપિયા જતા રહેશે માટે ખબરદાર થઈને પ્રભુ ભજી લેવા. રૂપિયાને મારગે ચાલે તો નંદ રાજાની પેઠે પાછો જ ન વળે. નંદ રાજાએ આખી પૃથ્વીનું ધન ભેળું કર્યું. પછી ધન કોની પાસે છે તે શોધવા એક દોકડે ઊંટ વેચવા કાઢ્યો. તરકડીનો છોકરો કહે, ‘મા મને દોકડે ઊંટ વેચાય છે તે લઈ દે.’ તેની મા કહે, ‘દોકડો નથી.’ છોકરો બહુ જ રોવા લાગ્યો, ત્યારે તરકડી કહે, ‘તારા બાપની ઘોરમાંથી દોકડો લઈ જા.’ તે વાતની નંદ રાજાને ખબર પડી, એટલે ઘોરું બધી ખોદાવી ને પૈસા કાઢી લીધા. નંદ રાજા પાસે વરાહનું હાડકું હતું, તેથી દરિયામાં જઈને દ્રવ્ય મૂકી આવતા.
નારદજીના મનમાં એમ થયું જે, આણે તો બહુ ભૂંડું કર્યું. પછી નંદ રાજાની સ્ત્રી પાસે ગયા ને પૂછ્યું જે, ‘નંદ રાજાને તમારા ઉપર કેવું હેત છે?’ તો કહે, ‘ઘણું હેત છે.’ નારદજી કહે, ‘જૂનીના જેવું નથી, તેનું તો હાડકું નવઘરે બાંધી રાખ્યું છે તે રોજ પૂજે છે.’ એમ કહી વહ્યા ગયા. નંદ રાજા જમવા આવ્યા ત્યારે તેણે નવઘરાનો છેડો દાબી જોયો તો સાચું થયું. પછી ચૂલામાં ભાઠો ભર્યો હતો તેમાં નાખી દીધું. નંદ રાજા જમીને ઊઠ્યા ત્યારે નવઘરાનો છેડો દાબી જોયો તો દીઠું નહિ; એટલે ફાળ પડી ને પૂછયું જે, ‘આમાંથી મારું ક્યાં ગયું ?’ તો કહે ‘શું ?’ નંદ રાજા કહે, ‘આમાં ડાબલી હતી તે ક્યાં ગઈ ?’ તો કહે, ‘ઓલી કે દિવસની મરી ગઈ છે તેનું હાડકું શા સારુ (શા માટે) રાખવું પડે ?’ નંદ રાજા કહે, ‘લાવો તો ખરાં.’ એટલે કહે, તે તો ચૂલામાં બળીને ક્યારનુંય ખાખ થઈ ગયું !’ તે સાંભળી નંદ રાજા બેભાન થઈ પડ્યા ને મરી ગયા કારણ કે, દ્રવ્યમાત્ર દરિયામાં રહ્યું ! ‘ધમ્યું સોનું ધૂડ મળ્યું’ તેના જેવું થયું. માટે ગૃહસ્થોએ સમજણ રાખવી ને વિવેક પણ રાખવો.
(19) આ જીવના તો ઠરાવમાત્ર ખોટા છે. ખરેખરા નિયમ રાખશે તેનું ઠીક રહેશે. આ જીવને ઘંટની પેઠે ફેર ચડયો છે, તે કથા, કીર્તન થાય ત્યારે અજ્ઞાન જાય ને અજ્ઞાન જાય ત્યારે ધ્યાન થાય.
(20) અતિ દેહ વધી જાય તે ઠીક નહિ. પોરબંદરનો રાજા ને રાજકોટનાં રાણીબાઈનો ધણી એ બહુ જાડા હતા ને જેતપુરનો ગની મેમણ તો તોલમાં અઢાર મણ હતો.
અતિદાનાદ્ બલિર્બદ્ધો અતિગર્વેણ રાવણ: ।
અતિરૂપાદ્ હૃતા સીતા અતિ સર્વત્ર વર્જયેત ।।
(સુભાષિત)
અર્થ :- અતિશય દાનથી બલિ બંધનમાં પડ્યો. અતિશય ગર્વના કારણે રાવણ હણાયો. અતિશય સૌન્દર્યના કારણે સીતાનું હરણ થયું. સર્વત્ર અતિશયનો ત્યાગ કરવો.
નારણદાસ ખાવા માંડે તો ખાધા જ કરે ને ઉપવાસ કરે તો ઉપરા-ઉપર કરે. જોડા પહેરે નહિ ને પહેરવાનું કહ્યું તો લોહી નીકળ્યું ને જોડા લોહીથી ભરાઈ રહ્યા તો ય કાઢયા નહિ. એક વાર તેને અમે જમનાવડ તેડી ગયા હતા. હરિજને જેટલું સીધું આપ્યું તેટલું બધું રાંધ્યું ને મીઠું પણ દાળ-ખીચડીમાં હતું તેટલું નાખ્યું. અમે જમવા બેઠા તે લાડવો તો ખાવો નહોતો, પણ દાળ ચાખી ત્યાં ખારી ઝેર લાગી, પછી ખીચડી ચાખી તો તે પણ અગર જેવી. પછી બધી પ્રસાદી નારણદાસને આપી તે ખાઈ ગયા. અમે જાણ્યું જે આને ઝાડા થાશે, એટલે પાણીનું તુંબડું ભરાવી લીધું. તે આખી વાટે ઝાડે જતા આવ્યા. પછી મજેવડીને નાકે વાવ આવે છે, ત્યાં નવરાવીને મંદિરે ગયા; માટે કોઈ વાતમાં અતિક્રમણ ન કરવું.
અર્થ : ધન, સંપત્તિ.
અગર : મીઠું પકવવાના ક્યારા.
(21) ‘સત્સંગશિરોમણિ’માંથી જુદાં જુદાં આખ્યાન કહ્યાં. તેમાં એ વાત આવી જે, કુસંગે કરીને આ જીવનું બહુ ભૂંડું થાય છે ને ભગવદીના અવગુણે કરીને પણ આ જીવનું અતિ ભૂંડું થાય છે. વનમાં ઋષિ પાસે કૂતરો રહેતો, તેને મારવા નાર આવ્યો, ત્યારે ઋષિના પડખામાં ગરી ગયો. એટલે ઋષિ કહે, ‘નાર હો જા !’ બીજે દિવસ સાવજ આવ્યો ત્યારે ઋષિ કહે, ‘સાવજ હો જા !’ એક દિવસ સરભ આવ્યો, ત્યારે કહે, ‘બચ્ચા સરભ હો જા !’ સરભ થઈને બધાનાં માંસ ખાધાં. એક દિવસ ઋષિનું માંસ ખાવાનો સંકલ્પ કર્યો જે, કેવું હશે ? ઋષિ કહે, ‘કુત્તા હો જા!’ એટલે પાછો કૂતરો થઈ ગયો. એવી રીતે પોતાનું ભલું કરનારનો પણ અપરાધ કરીને જીવ પડી જાય છે. નાનો હોય ત્યારે દોષનો વધારો ન હોય પણ જેમ મોટો થાય તેમ દોષ વધી જાય.
નાર : વરુની એક જાત.
સાવજ : સિંહ.
સરભ : પૌરાણિક કાળનું છ પગવાળું હિંસક પ્રાણી.
(22) ઊતરતાનો સંગ મળે તો ઊતરી જાય. બ્રાહ્મણે ઢેઢની સાથે સહિયારી દુકાન કરી, તે ઢેઢ વેજાં લાવે ને બ્રાહ્મણ વેચે. તેમાં બ્રાહ્મણ, અડી જાય ત્યારે ઘેર જઈને નહાય પણ બહુ પ્રસંગ થયો ત્યારે કેટલીક વાર નહાય? પછી ઘેર જાય ત્યારે કહે જે, ‘છાંટ નાખો.’ તેમ કરતાં ઉતાવળ હોય ત્યારે કહેવું ભૂલી જાય ને ખાવા બેસે ત્યારે સંભારે જે છાંટ લેવી ભૂલી ગયો. પછી તો છાંટ લેવી પણ બંધ થઈ ત્યારે નાતીલાને ખબર પડી; એટલે નાત બહાર કર્યો. ઢેઢ કહે, ‘આપણે નાકે ઘર કરી દઈએ ને વેપાર પણ ત્યાં કરીએ.’ પછી બ્રાહ્મણે તેમ કર્યું. તેમાંથી ઢેઢ ગરોડા થયા. એમ ઊતરતાને સંગે ઊતરી જવાય છે, પણ આ જીવને જો અતિશે કહીએ તો વિમુખ થાય ને પંપોળીને રાખીએ તો તેનું જ બગડે ! ધરમપુરનો રાજા દીકરો પરણાવવા ગયો હતો, તે પોતાને જ મન થયું જે આ કન્યાને તો હું જ પરણું ! ને વાંકિયાનો વૈકુંઠ ભટ્ટ તેના દીકરા વસનજીની સગાઈ કરવા ગયો હતો, પણ કન્યાને અતિ રૂપાળી ને મોટી જોઈ પોતાની સગાઈ કરી આવ્યો ! એમ જીવને સંગનો રંગ લાગી જાય છે.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
ઢેઢ : હરિજન.
વેજાં : ખાદીનું યાન, પાણકોરું, કપડું વણવા માટે ચડાવાતો ખેર.
છાંટ : ગૂણપાટનો કોથળો.
વૈકુંઠ : શ્રી વિષ્ણુ ભગવાનનું ધામ.
(23) મોટાઈમાંથી અતિ દુ:ખ આવે છે માટે લેાભ, કામ, ને માન પણ વધવા દેવું નહિ. જો માન વધે તો પંડે સુકાઈ જાય ને માન જાડું થતું જાય. તે ઉપર વાત કરી જે, એક જણ તપ કરવા બેઠો તે દિવસથી બિલાડો પણ તેની સામો આવીને બેઠો. તે થોડા દિવસ થયા ત્યાં બિલાડો જાડો થઈ ગયો. ત્યારે તપસ્વીએ પૂછયું જે, ‘તું આવો જાડો થઈ ગયો તે શું ખાવા મળે છે ?’ ત્યારે બિલાડો કહે, ‘હું તો તમારું માન છું તે તમે સુકાઈ ગયા ને તમને માન વધી ગયું તેથી હું જાડો થઈ ગયો છું.’ જેટલી ‘શિક્ષાપત્રી’ લોપાશે તેટલું દુ:ખ જરૂર આવશે.
(24) કોઈક વાતે જો સર વળી જાય તો પ્રભુ ન ભજાય ને મોહને મારગે ચડી જવાય. સમજણ હોય તો વધતાં વધતાં વધી જવાય, ને સમજણ ન હોય તો ઘટતાં ઘટતાં ઘટી જવાય માટે અતિક્રમણ જ્યાં થાય ત્યાં તો કેવળ દુ:ખ જ થાય સાધુને ખાધામાંથી દુ:ખ થયું તે વાત કરી જે, પ્રથમ પોંક ખૂબ ખાધો, પછી ખીચડી ખાધી, ત્યાર કેડે લાડવા ખાધા, પછી સર્વેનાં પેટ ચડ્યાં; તે જે થઈ છે ને માથે ! પછી તો મીઠું પાયું ત્યારે સુખ થયું.
કેડે : પાછળ.
સંવત 1918ના ભાદરવા સુદિ અષ્ટમીને દિવસે સ્વામીએ વાત કરી જે,
(25) કેટલાંક સુખ આવ્યાં, કેટલાંક દુ:ખ આવ્યાં ! પણ હવે આ સમે કાંઈ નથી. સાબરમતીમાં પાણીના ઘોડા આવે છે, તે આવતાં તાણે ને જતાં ય તાણે. તેમ બહુ સંપત્તિ મળે તો જીવ પાછો હઠે ને કાંઈક આવદાની હોય તે બંધ થાય તો પણ જીવ અધીરિયો થઈ જાય.
આવદાની : આમદાની, આવક, પ્રાપ્તિ, પેદાશ, ઉપજ.
(26) જેટલા વિષય ભોગવ્યા તે ચાલ્યા ગયા. કોઈ વાતે પૂરું થાય તેમ નથી માટે ધીરે ધીરે મોહનાં મૂળ ઉખાડી નાખવાં. પશુ-પક્ષી સર્વે પોતાનાં સંબંધીનું જ પોષણ કરે છે તે શું ? જે, જીવમાત્રને દેવની માયાનો મોહ થયો છે તે ભગવાનમાં ન જોડાય ને સંબંધીમાં જોડાઈ જાય. પણ સંબંધી તો કેવાં છે ? તો,
મિલે જો ઠગ જગમાંહિ, મિત્ર કરિ તાકું માને;
કહે હમ તુમરે શરન, વેહિ ધન હરન વિચારે,
દગાબાજ વે દર્દ ગરે મત ફાંસિ ડારે;
સબ અંધ-ધંધ પિછે ચલે કૂપ પરે કે પચિ મરે,
મુકુંદ મોહ નિશિ મેં સકલ સદ્ગુરુ બિન ભટકત ફિરે.
(મુક્તાનંદ કાવ્ય : મુકુન્દ બાવની-21)
(27) આ જોગ મળવો પણ બહુ દુર્લભ છે, તે ખેડુને ઉભેળો પડે તો ત્રીજે વરસે ઠેકાણે પડે ને આ તો દિવસ પ્રત્યે ત્રણ વાર ઉભેળો પડે છે.
(28) આ સમાગમમાં ઘડીક બેઠા હોઈએ તો તેનું ફળ કોટિ કલ્પે ય નાશ ન પામે ને સંસારમાં કોટિ કલ્પ રહેતાં નાશ થઈ જાય. હરણને ઝાંઝવાનાં જળ સાચાં મનાય છે, પણ મનુષ્યને સાચાં નથી; તેમ આપણે સર્વે ભગવાનના ભક્ત છીએ ને ભગવાનના સ્વરૂપમાં મનુષ્યભાવ નથી તો માયાને તરી જઈશું, પણ વિમુખને તો સદા અંધારું છે; તે શું ? જે, ભગવાન ને સંતને વિશે મનુષ્યભાવ કલ્પે છે.
કોટિ : કરોડ.
કલ્પ : આપણાં ચાર અબજ બત્રીશ કરોડ વર્ષનો સમય - બ્રહ્માનો એક દિવસ (પણ રાત નહિ)
મનુષ્યભાવ : દેહભાવ, માયિકભાવ, જેમાં ગુણાનુરાગ - ગુણાનુબુદ્ધિ પ્રવર્તે છે તેવો ભાવ.
સંવત 1918ના ભાદરવા સુદિ દશમને દિવસે સ્વામીએ વાત કરી જે,
(29) ધર્મ, અર્થ, કામ ને મોક્ષ એ ચાર પ્રકારની વાતું છે. તેમાં જેવા જેવા અધિકારી તેવી તેવી વાતું ને
યદા ન યોગોપચિતાસુ ચેતો માયાસુ સિદ્ધસ્ય વિષજ્જતેડડ્ગ ।
અનન્યહેતુષ્વથ મે ગતિ: સ્યાત્ આત્યંતિકો યત્ર ન મૃત્યુહાસ: ।।
(સુભાષિત)
અર્થ :- હે માતા ! જ્યારે સિદ્ધયોગીનું મન તેના યોગ બળે કરીને અન્ય કોઈ પણ કારણ વિના, ફકત તેને લલચાવવા આવેલી માયાઓમાં આસક્ત થતું નથી અથવા ફસાતું નથી ત્યારે તે યોગી મારી આત્યંતિકી એટલે સર્વશ્રેષ્ઠ ગતિ-સ્વરૂપને પામે છે પછી ત્યાં મૃત્યુનું અટ્ટહાસ્ય હોતું નથી.
એ વાત તો નોખી જાણવી.
અહો બકીયં સ્તનકાલકૂટં જિઘાંસયાપાયયદપપ્યસાધ્વી ।
લેભે ગતિં ધાત્ર્યુચિતાં તતોડન્યં કં વા દયાલું શરણં વ્રજેમ ।।
(શ્રીમદ્ ભાગવત : 3/2/23)
અર્થ :- અહો ! આ દુષ્ટ બકીએ હણવાની ઇચ્છાથી સ્તનમાં રહેલું કાલકૂટ ધરાવ્યું, છતાં તેને માતાને યોગ્ય ફળ પ્રાપ્ત થયું. તેમનાથી બીજા ક્યા દયાળુને શરણે આપણે જઈએ ? (પૂતનાએ ભગવાનને મારવાની ઇચ્છાથી દૂધરૂપી ઝેરનું સ્તનપાન કરાવ્યું, તો પણ ભગવાને જસોદાના જેવી ગતિને પમાડી; માટે એવો બીજો કોણ દયાળુ છે જે તેની શરણે જઈએ ?)
પણ જો એમ હોય તો ભગવાનના ઘરમાં જ અંધારું ઠર્યું. એમ હોય નહિ; એ તો મહિમા કહેવાય માટે ભગવાનને ભક્તિએ કરીને ને સેવાએ કરીને રાજી કરવા. ભગવાનને વેરભાવે ભજે છે તે તો દૈત્યનો રાજા થાય છે.
અર્થ : ધન, સંપત્તિ.
(30) એક જણ માંગરોળ ગયો. તેણે હરિજન આગળ કપટ કર્યું તે વસ્ત્ર પ્રસાદીનાં કહીને આપ્યાં ને પગલાં લીધાં. એક જણ તો મનમાં સંકલ્પ કરે છે જે, ‘ક્યારે ગુરુ ગુજરે ને પગલાં આવે હાથ !’ એવી સેવા ન કરવી.
પગલાં : મહારાજનાં પગલાંની છાપ.
(31) ભગવાનમાં હેત ને મહિમા અંતરમાં હોય તો જે પદાર્થ આડું આવે તેને કાપી નાખે. ઝીણાભાઈ ગઢડે આવ્યા હતા ત્યાં ઘેર તેડાવ્યાના કાગળ આવે તે બધા પથારી હેઠે ઘાલી રાખે; પણ વાંચે નહિ. કારણ કે, વાંચે તો ખેદ થાય ને ઘેર જાવાના સંકલ્પ થાય એટલે વાંચતા નહિ. પછી મહારાજ ઉપર કાગળ આવ્યો જે, ‘ઝીણાભાઈ ત્યાં છે, કે નથી ? અમે ઘણાય કાગળ લખ્યા, પણ એકેયનો જવાબ નથી તો ક્યાં છે તે લખશો.’ મહારાજે ઝીણાભાઈને પૂછયું જે, ‘તમારે ઘેરથી કાગળ આવે છે ?’ તો કહે, ‘હા મહારાજ! પણ મેં વાંચ્યા નથી. મારી પથારી હેઠે રાખી મૂકું છું.’ ત્યારે મહારાજે પૂછયું, ‘કેમ વાંચ્યા નથી ?’ તો કહે, ‘વાંચું તો ઉદ્વેગ થાય, ઘેર જાવાના સંકલ્પ થાય ને સમાગમનું સુખ આવે નહિ, તે સારુ વાંચ્યા નથી.’ એમ ઝીણાભાઈ મહારાજ પાસે રહ્યા, પણ વહેવાર સંભાર્યો નહિ.
લાડીલા ! થાને ખમા !!
એ હેતનાં કીર્તન ઝીણભાઈનાં અંગનાં છે, એમ મહારાજે કહ્યું હતું.
ભૂજવાળા દેવરામભાઈને તેમની સ્ત્રી ગુજરી ગયેલ તેનું નદીમાં સ્નાન કરાવ્યું. ત્યારે દેવરામભાઈએ કહ્યું જે, ‘બીજું હોય તો તે પણ કહો, એટલે ભેળાભેળું નહાઈ નાખીએ.’ એવી આત્મનિષ્ઠાના જ્ઞાનવાળા હતા, માટે ભગવાનમાં જોડાય તો આત્મનિષ્ઠા સહેજે આવી જાય. પીપળાવના પ્રભાશંકર પરણવા જતા હતા ને મહારાજનો કાગળ વરતાલ બોલાવ્યાનો આવ્યો એટલે જાન જાતી હતી તો પણ ગાડેથી ઊતરીને ચાલી નીકળ્યા ને મા-બાપને કહે જે, ‘જાન તો ફરીથી જોડાશે, પણ મહારાજની આવી આજ્ઞા પાળવાનું ફરીથી ન મળે.’ એમ એવા હેતવાળાને રાખ્યા વિનાની આત્મનિષ્ઠા રહે છે. તે જુઓને, તેને કાંઈ વળગ્યું જ નહીં ! માટે છેલ્લાના પહેલા વચનામૃતમાં ઝીણાભાઈ, દેવરામ ને પ્રભાશંકરને જ્ઞાનનાં અંગવાળા કહ્યા છે, પણ એ આત્મનિષ્ઠાનાં જ્ઞાનવાળા, તે ભગવાનમાં હેતનું જ્ઞાન પણ સર્વોપરી સ્વરૂપનિષ્ઠા નહિ, કેમ જે, ઝીણાભાઈ શ્ર્વેતદ્વીપમાં ગયા તે વાત ‘ભક્તચિંતામણિ’માં પ્રસિદ્ધ છે. તે જોતાં એમ જણાય છે જે, જગત મિથ્યા ને આ લોકનાં સુખ-દુ:ખમાં ન લેવાય એવા સાંખ્ય જ્ઞાનવાળા છે; પણ મહારાજના સ્વરૂપની સર્વોપરી નિષ્ઠાનું જ્ઞાન નહિ.
આત્મનિષ્ઠા : હું તો દેહથી જુદો જે આત્મા તે છું ને મારે વિશે પ્રગટ પરબ્રહ્મ અખંડ બિરાજમાન છે. તેવી અતિ દૃઢ માનીનતા, શ્રદ્ધા, વિશ્ર્વાસ, આસ્થા.
(32) પ્રથમ જ્યારે અવસ્થાનું વિવરણ કરતા ત્યારે પર્વતભાઈએ મયારામ ભટ્ટને કહ્યું જે, ‘તારી તુર્યા તો અમારે જોડે કચરાય છે માટે તું ‘તુર્યા તુર્યા’ શું કરે છે ?’ આ કાંઈ પંથ હાંક્યાની વાત નથી, આ તો ભગવાન પુરુષોત્તમની વાતું છે. એક બાવે મહારાજની ઘોડીની સરક ઝાલી પૂછ્યું જે, ‘સ્વામિનારાયણ, તમે ક્યું પંથ ચલાયા ?’ ત્યારે મહારાજ કહે, ‘અમે પંથ ચલાવ્યો નથી.’ બ્રહ્માનંદસ્વામી તરફ હાથ કરી કહ્યું જે, ‘આ જાડે બાવે ચલાવ્યો છે.’ એટલે બાવે બ્રહ્માનંદસ્વામીને પૂછ્યું જે, ‘ક્યું પંથ ચલાયા?’ ત્યારે બ્રહ્માનંદસ્વામીએ પાછળ સૂરાખાચર આવતા હતા તે તરફ આંગળી ચીંધીને કહ્યું જે, ‘ઓલ્યા મોટા પાઘડાવાળે પંથ ચલાવ્યો છે.’ પછી બાવે સૂરાખાચરની ઘોડીની સરક ઝાલીને પૂછ્યું જે, ‘ક્યું પંથ ચલાયા ?’ ત્યારે સૂરાખાચર ઘોડેથી હેઠે ઊતર્યા ને મહારાજ જરા આગળ ગયા એટલે સરક બેવડી કરી ને બાવાને મારતા જાય ને કહેતા જાય જે, ‘યું પંથ ચલાયા !’ ત્યારે બાવો કહે, ‘રામજી ! રામજી !’ એમ બે ત્રણ વાર સરક મારી. ત્યારે મહારાજે બ્રહ્માનંદસ્વામીને કહ્યું, ‘જુઓ, સૂરાખાચર પંથ ચલાવે છે.’
(33) જેટલું દેહ-ઇન્દ્રિયુંનું ગમતું થાય એટલું ભૂવો ને ભગોત જેવું છે, પણ સાચા શૂરા હોય તે કોઈના દોર્યા દોરાય નહિ. એક સગાળ નામનો કાઠી હરિભક્ત હતો તે મુક્તાનંદસ્વામી ભેળો સમાગમ કરવા માટે જાતો હતો. પછી તેની સ્ત્રીએ કોશ ઉગામીને કહ્યું જે, ‘પાછો વળ, નીકર મારુ છું.’ એટલે તુરત પાછો વળ્યો. એમ માયા જીવને બાળે છે.
સગાળ : સુકાળ
કોશ : નરાજ, ખોદવાનું લોખડનું એક ઓજાર.
(34) ગામમાં ન રહેવાય, નાતમાં ન રહેવાય ને ખરેખરું જ્ઞાન થાય તો ઇન્દ્રિયું-અંત:કરણ પણ નોખાં પડી જાય. જેવી નિષ્ઠા એવી પ્રાપ્તિ કરાવશું. લીમડે તો લીંબોળીઓ જ લાગે, તેમ જેવી નિષ્ઠા એવી પ્રાપ્તિ. માટે જેવું રૂપ છે તેવું સમે (સમયે) સ્ફુરશે. હૈયામાં વિષય ભર્યા છે તો બીજું ક્યાંથી થાશે ? હૈયે હોય તેવું હોઠે આવે. રૂના ભાવ બહુ ચડી ગયા, એટલે એક વાણિયો ગામડે રૂનું સાટું કરવા ગયો, પણ તરસ ઘણી લાગી હતી તેથી બીજા વાણિયાને ત્યાં પાણી પીવા ગયો ને કહે જે, ‘ભાઈ, રૂ પા.’ ત્યારે તે વાણિયો સમજ્યો જે, રૂના ભાવ ચડ્યા હશે તે આ લેવા આવ્યો છે. પછી તેને બેસારીને એક જણે ટાઢું પાણી પાવા માંડ્યું ને વાતે ચડાવ્યો. બીજો ગામમાં ગયો, તેણે બધું રૂ સાટવી લીધું ને વાણિયો પછી ગયો એટલે ન મળ્યું. તેમ જીવમાં જે હોય તે બહાર નીકળી આવે. જે ડુંગળી ખાય તેને એલાયચીના ઓડકાર ક્યાંથી આવશે ?
નિષ્ઠા : શ્રદ્ધા, આસ્થા, વિશ્ર્વાસ, ધારણા.
(35) આપણે બંધાણ છે તો આડું આવીને ઊભું રહે છે. તે શું ? જે, ઊંઘ્યા વિના ન ચાલે. આત્મનિષ્ઠા ને વૈરાગ્ય તો શીખે ત્યારે આવડે. આજ્ઞા ને ઉપાસના એ બે વાત રાખીને સત્સંગમાં પડ્યું રહેવું.
આત્મનિષ્ઠા : હું તો દેહથી જુદો જે આત્મા તે છું ને મારે વિશે પ્રગટ પરબ્રહ્મ અખંડ બિરાજમાન છે. તેવી અતિ દૃઢ માનીનતા, શ્રદ્ધા, વિશ્ર્વાસ, આસ્થા.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
(36) ખેતર ટોરાઈ ગયેલ હોય ત્યારે હળ ન ફાવે પણ વરસાદ થાય ત્યારે ખેતરમાં હળ લગ થાય; તેમ નિવૃત્તિએ જેવી વાતું થાય તેવી સમૈયામાં ન થાય.
સંવત 1918ના ભાદરવા સુદિ એકાદશીને દિવસે સ્વામીએ પ્રભાતમાં વાત કરી જે,
(37) મનુષ્ય નિર્વિષયી હોય પણ સર્વ ક્રિયામાં સ્મૃતિ રાખે એવા ન મળે. એવી શાળા હોય ને નિરંતર કહેનારા હોય તો વિષયની સ્મૃતિવાળાને પણ ભગવાનની સ્મૃતિ રહે, પછી આવી શાળા ઊઠી જાશે.
(38) ભગવાનની સ્મૃતિ રાખવી. કૃપાનંદસ્વામી સો સો ક્રિયાઓ હોય તો પણ સ્મૃતિ ભૂલે નહિ. આત્માનંદસ્વામીને વચનનું અંગ તેમ કૃપાનંદસ્વામીને સ્મૃતિ ને વચન એ બે, વળી ખબરદારી બહુ. મહારાજે દેહત્યાગ કર્યો, ત્યારે સૌને આજ્ઞા કરેલ જે, ‘અમારે વાંસે કોઈ દેહત્યાગ કરશો નહિ.’ પણ પૂંજા ડોડીઆને તો ગળે પાણી ઊતર્યું નહિ, તેથી દેહ ન રહ્યો, એટલે મહારાજ તેડી ગયા. પણ એવા કેને ઓળખાય ? આ સમાગમમાંથી એવું હેત થાય છે તે જે ભણ્યો હોય તે ભણાવે. સ્ત્રીના જેવું હેત પુરુષને પુરુષમાં ન થાય, પણ કૃપાનંદસ્વામીને એવું હેત મહારાજમાં હતું. બીજા નિષ્કુળાનંદસ્વામી; તેમાં કૃપાનંદસ્વામી અધિક; કાં જે, ચિકિત્સા બહુ ને બુદ્ધિ પણ બહુ. સ્વરૂપાનંદસ્વામી પણ કોઈને કળાયા નહિ, તે વશરામભાઈનો ઉત્તર કર્યો ત્યારે કળાયા. ભાદરામાં મહારાજ એક મહિના સુધી રહ્યા હતા, ત્યારે મહારાજે અમારો ધામરૂપ અક્ષરનો મહિમા ઘણો કહ્યો હતો પણ તે અમારાથી અમારું કહેવાય નહિ.
વાંસે : પાછળ.
ચિકિત્સા : ગુણ-દોષ પારખવાની શક્તિ- દોષદર્શન.
(39) ઉપાસના, હેત ને ધ્યાન આદિક જે ગુણ આવે તે સાધુમાંથી આવે. દેશકાળ પણ સાધુ ઓળખાવે. કૃપાનંદસ્વામી ક્યારેય વાંકમાં ન આવ્યા. સાધુ વિના દિશ સૂઝે નહિ ને તે વિના તો ઝોળી માગી ખાય એ અંગ કહેવાય, તેનું નામ નિવૃત્તાનંદસ્વામી. આનંદસ્વામી ને બ્રહ્માનંદસ્વામી સ્વરૂપનિષ્ઠાના અંગમાં ઊઠ્યા ત્યારે મહારાજે કહ્યું જે, ‘તમે તમારા અંગને ઓળખતા નથી.’
(40) પોતાને તેજે કરીને ભગવાનનાં દર્શન થાય તો પણ એમ જાણે જે ‘આપણા સ્વામીનું છે.’ આ તો શાળામાં આવ્યા નથી ને એ વાત કરવી નથી ને ઊંઘ આવે છે. મૂળુભાઈની આંગળી કમાડમાં પિલાઈ ગઈ પણ અરર કહ્યું નહિ! તેમ શૂરવીરપણું હોય તેના જીવમાં કાંટો આવે. સંસારમાંથી જીવ નીકળી જાય, તે શાળા વિના એવું કેમ થાય ? ભમરી ઇયળને ચટકા ભરે છે ને ઇયળ ખમે છે, તો ઇયળની ભમરી થાય છે. તેમ આમ ને આમ કરવા માંડીએ તો શું ન થાય ? સાધુ સેવન કર્યાં હોય તે કાંઈ શહેર જોવા જાય નહિ. ભરવાડ, રબારી અને ખાંટને ભણાવ્યા તો પુસ્તક વાંચે છે. એક કુંભારને સિંહાવલોકી સવૈયા અમે ભણાવ્યા, તે એક ચારણને બોલવા જ ન દીધો.
પ્રકરણ 9 ની વાત 241
(41) કોઈને રૂપિયા ગણવાનો વેગ લાગે છે તો તેને ઊંઘ આવતી નથી. અમરાજી ને અગરાજીએ ત્રાંબા-પિત્તળનાં ઠામણાં વેચી નાખ્યાં ને માટીનાં ઠામ રાખ્યાં; તે શા સારુ ? જે, મહારાજ આજ્ઞા કરે તો તુરત સાધુ થઈ જવાય, પછી મહારાજનો કાગળ આવ્યો જે સાધુ કરવા છે તે આવજો. ત્યાગી તો બેયને થાવાનો સંકલ્પ, પણ ડોશીનું શું થાય ? પછી અમરાજી કહે, ‘હું જાઉં.’ ને અગરાજી કહે, ‘હું જાઉં.’ એટલે ડોશી કહે, ‘બેય જાઓ.’ પછી બેય ચાલી નીકળ્યા. તે રસ્તામાં વીરમાને ઉપદેશ કરીને વર્તમાન ધરાવતા ગયા. એવો વેગ લાગે ત્યારે સત્સંગ થાય. ગુણવાન દીકરો હોય, ગુણવાન સ્ત્રી હોય, સારું ઘર હોય તેને મેલીને અવાય નહિ; પણ અગરાજીની પેઠે હોય તો તરત મૂકીને નીકળાય. દુ:ખ હોય તો સત્સંગમાં ન અવાય, બે ગામ હોય કે રાજા સાથે ઓળખાણ હોય તો પણ સત્સંગમાં ન અવાય. ગોંડળવાળા હઠીભાઈએ બંધિયાવાળા ડોસાભાઈને મહારાજને દર્શને જાવા દીધા ને કહ્યું જે, ‘મારું મહારાજને પૂછજો જે મારે શું કરવું ?’ પછી મહારાજને પૂછયું તો કહે, “હઠીભાઈને કહેજો જે, વીજળીના ઝબકારામાં મોતી પરોવી લેવું !”
ઠામણાં : વાસણ.
(42) અયોધ્યાપ્રસાદજી મહારાજે વણથળીવાળા બેચર શ્રીમાળી ભટ્ટને પૂછયું જે, ‘ગુણાતીતાનંદસ્વામી બહુ વાતું કરે છે ?’ ત્યારે બેચર ભટ્ટ કહે, ‘તેમાં તમને શું કઠણ પડયું ? તમારા બાપના ગુણ ગાય છે ! બીજું કાંઈ કહેતા નથી !’
પ્રકરણ 11 ની વાત 123
(43) સાંખ્યાદિકનું મધ્યનું 24મું ને છેલ્લાનું 38મું વચનામૃત બે વાર વંચાવીને અતિ રહસ્યની ઘણી જ વાતું કરીને કહ્યું,
નર એક રતિ બિન એક રતિકો.
(કીર્તન મુક્તાવલિ : નાશવંત દેહ વિશે)
પછી ભોળાનાથ ભટ્ટ કહે, ‘આ તો હવેલીની વાતું છે માટે પાત્રને જોઈને કહેવું.’ ત્યારે અમે કહ્યું જે, ‘અમારે આ વાત બધાને સમજાવવી છે, તે ઘેર ઘેર કહેવા ક્યાં જઈએ ? આંહીં ભેળા થયા છે, ઘેરા ઘા કરીએ છીએ; માટે જે સમજશે તે પાત્ર ને નહિ સમજે તે પાત્ર નહિ.’ ત્યારે રઘુવીરજી મહારાજ કહે, ‘વરસાદ વરસે તેનો મેળ રહે નહિ.’ એમ કહીને બોલ્યા જે, ‘સ્વામી ! તમે તો વરસો જ !’
(44) વરતાલવાળા ધર્મતનયદાસજીએ પૂછયું જે, ‘આવો જોગ નિરંતર ન હોય ત્યારે કેમ કરવું ?’ સ્વામી કહે, ‘ગઢડાવાળા રૂગનાથચરણદાસ સમાગમ કરવા આવ્યા. તેની પેઠે કરે તો તો કોઈ વારનાર નથી માટે વહેવાર હોય તે કરવો, બાકી તો સમાગમ જ કરવો.’ જેને કરવું હોય તેણે નામવરો, ધર્મવરો ઉઘરાવીને પછી કરવું હોય તે કરીએ; પણ ચાંદલો કરીને કોઈ વળાવે નહિ ને સ્વામીનો સમાગમ કરવા જાઓ એમ રાજી થઈને કોઈ કહે પણ નહિ. બધાય પોતાના છોકરાને પરણાવે છે, પણ ચાંદલો કરીને કોઈ આંહીં મોકલતું નથી. રાણીએ છ દીકરાને જ્ઞાન કરીને ત્યાગી કર્યાં ત્યારે રાજાએ સાતમા દીકરાને પોતાની પાસે રાખ્યો. રાણીને મનમાં એમ થયું જે, મારો દીકરો જમપુરીએ જાય તો મને ખોટ બેસે ! પછી મોટાને તેડાવ્યો ને વાત કરી જે, ‘નાનો ત્યાગી થઈ જાય ત્યાં સુધી તારે રાજ્યમાં રહેવું; પછી તુંય વહ્યો જજે.’ એટલે તેણે રાજાને કહ્યું જે, ‘ગાદીનો ધણી હું છું, નાનાને ગાદી નહિ મળે.’ તે સાંભળી રાજા રાજી થયો ને ગાદી તેને આપી.
પછી મોટાભાઈએ નાનાભાઈને પૂછ્યું જે, ‘તું માને પગે લાગવા કેમ જાતો નથી ?’ તો કહે, ‘મને જાવા દેતા નથી.’ એટલે કહે, ‘આજે જાજે, હવે કોઈ ના નહિ પાડે.’ પછી નાનો દીકરો પગે લાગવા ગયો, ત્યારે રાણીએ તેને માથે હાથ મૂક્યો, એટલે સમાધિ થઈ ગઈ ને સ્વર્ગનું સુખ દેખાડયું. પછી જમપુરીમાં મારકૂટ થાતી હતી ને કુંભીપાકમાં કાળો કળેળાટ થાતો હતો તે દેખાડ્યું. પછી દેહમાં આવ્યો ત્યારે માતાને હાથ જોડી પૂછ્યું જે, ‘આ શું?’ તો કહે, ‘રાજા અને રાજાના નોકરોને જમપુરીમાં લઈ જાય છે ને જે તપ કરે છે ને ધર્મ પાળે છે તેને પ્રથમ જોયું તે સ્વર્ગનું સુખ મળે છે; તે સુખ સારુ તારા છ ભાઈ ત્યાગી થઈ તપ કરવા વહ્યા ગયા છે ને તું જમપુરીએ જાતો હતો તેમાંથી છોડાવવા તારો મોટોભાઈ આવ્યો છે માટે હવે ઠીક લાગે તેમ કરો.’ પછી તે ત્યાગી થઈને ચાલી નીકળ્યો, એટલે મોટો દીકરો પણ વહ્યો ગયો. એમ કોઈથી થાય નહિ.
કળેળાટ : કકળાટ, દયાની માગણી કરતી ચીસો.
પાળે : સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જાતનો સેવક/પાર્ષદ.
(45) પ્રબુદ્ધ ઋષિએ વાત કરી, તે બીજા આઠેય ભાઈ ઝાંખા પડી ગયા. તે શા સારુ ? જે, આઠેયના મનમાં એમ થયું જે પ્રબુદ્ધ ઋષિ આપણાથી સરસ થઈ ગયા ને બધાય તેમાં જ તણાય છે. આપણી પાસે તો કોઈ બેસતું પણ નથી તેથી આઠેય જણા પ્રબુદ્ધ ઋષિને ગાંઠડીમાં બાંધીને કૂવામાં નાખવા ચાલ્યા. ત્યારે પ્રબુદ્ધ ઋષિ બોલ્યા જે, ‘મારા શો વાંક છે ?’ ત્યારે કહે જે, ‘તમારામાં સર્વે તણાઈ જાય છે ને અમારી પાસે કોઈ આવતું નથી, તેથી અમારું અપમાન થાય છે.’ પછી પ્રબુદ્ધ ઋષિ કહે, ‘આ એક વાર માફ કરો, હવે હું વાત નહિ કરું,’ ત્યારે જીવતા રહ્યા. એમ આ તો આપણું સૌનાથી સરસ અને જ્ઞાનમાં, ધ્યાનમાં, તપમાં ને ઉપાસનામાં કોઈ પહોંચી શકે નહિ ને ખમી પણ શકે નહિ એટલે બીજા આપણી ઈર્ષા કરે છે, પણ એમાં બીજું કાંઈ નથી.
(46) કુસંગમાંથી સત્સંગ કરવો ને એમાંથી એકાંતિકની સમજણ શીખવી તે પણ એવું જ કઠણ છે. હવે કોઈ ત્યાગે વૈરાગ્યે પહોંચે એમ નથી પણ એકાંતિક થાવું એ બાકી રહ્યું છે. આજ ક્રિયમાણ થાય છે તે સંસ્કાર બંધાય છે. કરવું હોય તેને સંગની કસર તો રહે એમ જણાતું નથી, પણ દેહે, મને વરતશું ત્યારે એ ગુણ આવશે; આ તો પાઠ લીધા જેવું છે તે ભગવદાનંદસ્વામી ગઢડામાં લિંબોયુંમાં જઈને ઘોષ કરતા ત્યારે વિદ્યા આવડી માટે કરે તો જ થાય એ સિદ્ધાંત છે.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
ક્રિયમાણ : વર્તમાનકાળનાં કાર્યો.
કસર : ખોટ, ઉણપ.
(47) ગુરુ કરવા તે,
સદ્ગુરુ શબ્દાતીત પરમ પ્રકાશ હૈ,
જાકે શરણે જાય અવિદ્યા નાશ હૈ.
હૈયામાંથી અવિદ્યા જાય ત્યારે જાણવું જે ગુરુ મળ્યા છે, માટે અવિદ્યા કાઢે એવા ગુરુ કરવા. ને તે વિના તો,
ગદો દે ગદિયાને ગા, લે જે તું ગદિયાની મા;
ગદાનાં છોકરાં પીશે છાશ, તારો હોશે વૈકુંઠ વાસ.
એવા છે. તે તો હરિજનને અભાવ કરાવીને ઓકાવે, પછી પોતે ઊહરડી લે, એવા ગુરુ કરે શું થાય ? માટે ગુરુ કરવા તે જોઈને કરવા, પણ ભગવું ભાળી ભરમાવું નહિ.
અવિદ્યા : માયિક સમજણ
વૈકુંઠ : શ્રી વિષ્ણુ ભગવાનનું ધામ.
(48) પરીક્ષિતના નવઘરામાં સોનેરી તાર હતો તેમાં કળિએ પ્રવેશ કર્યો એટલે પરીક્ષિતે ઋષિના ગળામાં સરપ નાખ્યો. તે ઋષિ તો કાંઈ બોલ્યા નહિ; પણ તેના દીકરાએ શાપ દીધો જે, ‘સરપ નાખનારનું સાત દિવસમાં મૃત્યુ થાઓ.’ ત્યારે ઋષિ બોલ્યા જે, ‘શાપ દેવો નહોતો. રાજા વિના વસતીનું રક્ષણ કોણ કરશે ? માટે જા, રાજાને શાપના ખબર કરી આવ.’ પછી તે કહી આવ્યો.
(49) જગતમાં તો એવા બ્રહ્મકોદાળ થયા છે તે મા, બહેનની તો ખબર જ નથી, એમ જીવનું માથું ફરી ગયું છે. એક જણે કહ્યું જે, ‘જીવ તો વટલેલ જ છે !’ એમ જીવ નાસ્તિક થઈ ગયા છે તે અમારી સાંભરણમાં એવાં જ્ઞાન હતાં.
(50) આજ તો છોકરો સત્સંગી થાય ત્યારે રાજી થાય. એકને મણ સાકર ખવરાવીને સત્સંગી કર્યો ને એક જણને સોપારીનું બંધાણ છોડાવ્યું. શિવલાલભાઈ સોપારીનો કટકો ખાતા હતા ને સભામાં બેસીને આત્માનંદસ્વામીની વાતું સાંભળતા હતા, ત્યારે વારે વારે કટકટ થાતું સાંભળી આત્માનંદસ્વામી કહે જે, ‘આટલામાં કોણ હાડકું કરડે છે ?’ તે સાંભળી શિવલાલભાઈ ઊભા થયા ને બહાર જઈને કટકો થૂંકી નાખ્યો ને સોપારી ન ખાવી એવું નિયમ લીધું. તેમ વઢીને કહે તો ય ગુણ લે એવા થોડા.
(51) આજ તો તમારા જેવાં ભાગ્ય કોઈનાં નથી, કોઈ જાતનો ઉપદ્રવ જ નથી, માટે પાઠ લેવો ને કીર્તન શીખવાં. અહીં સાંજે, સવારે, બપોરે ને રાતે સભા થાય છે. જગતમાં આવું કોઈએ કર્યું નથી ને કરશે પણ નહિ.
(52) ખુમાણોમાં સત્સંગ થયો, તે કૃપાનંદસ્વામી તથા ગોપાળાનંદ-સ્વામીને પુણ્યે કરીને મહા મહા દાખડે સત્સંગ થયો છે. સત્સંગ વધી બહુ જાશે, પણ આમાં જેનાથી નહિ પળે તે જાતો રહેશે. એક જણ જાવાનો થયો તે એક મહિના સુધી અમારી પાસે પેચુટી કરાવી, પછી વહ્યો ગયો. માટે કોઈ જાણી જાણીને માંદા થશો નહિ. કૃપાનંદસ્વામી અને અમે, જ્યાં જાતે સત્સંગ કરાવ્યો છે, ત્યાં હજી ડાકલું નથી પેઠું; પણ બીજે બધે ડાકલાં ને શાસ્ત્રીપાઠ પેસી ગયાં, તળ વરતાલમાં પણ ડાકલાં પેઠાં છે.
તળ : મૂળ, જન્મ સ્થાન.
(53) જગતના જીવને લોકમાં મોટાઈ થાય એ કર્તવ્ય છે, ને આપણે ગોપીઓના જેવી ભક્તિ થાય એ કર્તવ્ય છે પણ એ કર્યું થાય. બીજું, સાધુનાં લક્ષણ શીખવાં એ કર્તવ્ય છે; માટે સાધુ થવું. પરચો એ જે, નિષ્કામી વર્તમાન કોઈ રાખી શકે નહિ. એક વૈરાગી ચોરાશી વરસે બગડ્યો. તે અડવાણે પગે બધાં તીર્થ કર્યાં, પણ ઝીંઝરીમાં મારગીનાં મંદિરમાં રાત રહ્યો, ત્યાં તીર્થનાં વખાણ કર્યાં. પછી રાતે બે બાવીઓ પગ ચાંપવા આવી ને ભ્રષ્ઠ થયો. ત્યારે વૈરાગી ભણેલો હતો; તેથી સૂઝ્યું જે, ભૂંડું થયું ! પછી તો કહેવા લાગ્યો જે, ‘જગન્નાથ ડબોયા ! બદરિનાથ ડબોયા ! રામનાથ ડબોયા ! ઝીંઝરીમેં સબ ડબોયા ! હાય, હાય, ઝીંઝરી મેં મેરા સબ છીન લિયા !! હવે શું થાય ?’ પછી ગામના પટેલને વાત કરી, ત્યારે ઊલટા સૌ તેને વઢવા લાગ્યા.
પર્યોનૌ પતિતો બિન્દુ: કોટિપૂજા વિનશ્યતિ ।
જપહાનિસ્તપો હાનિર્બ્રહ્મહત્યા પદે પદે ।।
અર્થ :- અન્ય યોનિમાં એક બિન્દુ પડવાથી કોટિ પૂજાઓનો નાશ થાય છે. જપની, તપની હાનિ થાય છે અને ડગલે ને પગલે બ્રહ્મહત્યાનું પાપ લાગે છે. માટે,
પારાવાર જીતે સો દૂસરો પરમ હૈ.
એવું તો પશુ, પક્ષી, દેવ, મનુષ્યમાં ક્યાંય એ વ્રત નથી.
ચોરાશી : ચોરાશી લાખ જન્મનું ચક્ર.
અર્થ : ધન, સંપત્તિ.
કોટિ : કરોડ.
(54) આ સભાનું દર્શન કરે તો પંચમહાપાપ બળી જાય, એવું આ દર્શનનું ફળ છે પણ જીવને આ દર્શનનો મહિમા નથી. એક હરિજને સૌ સાધુને પાકનો અક્કેકો લાડવો આપ્યો ને મહારાજ ઘોડે ચડી બીજે ગામ જાવા તૈયાર થયા, ત્યારે અમે એક સાધુને કહ્યું જે, ‘તમે અમારા ભેળા મહારાજના ઘોડા સાથે દોડો તો લાડવો આપીએ.’ એટલે કહે, ‘બહુ સારું.’ પછી મહારાજના ઘોડા સાથે અમે દોડયા, તે દર્શન કરતા જઈએ ને મહારાજ મંદમંદ હસતા જાય ને અમે તો આડે મારગે ખેતરમાં દોડીએ, તે જે આડું આવે તે ટપી જઈએ, પણ દર્શનમાં ખામી આવવા ન દઈએ. એમ ઠેઠ સુધી દર્શન કર્યાં ને ઓલ્યા સાધુ પણ લાડુ સારુ ઠેઠ સુધી દોડયા. એવો દર્શનનો મહિમા હોય તો શું ખામી રહે ?
ઘોડે : જેમ.
(55) બાવીશીના બરવાળામાં એક વાણિયાને તાવ આવ્યો, એટલે અમને કહે, ‘તાવ ઉતારો.’ ત્યારે અમે કહ્યું, ‘સત્સંગી થાઓ તો તાવ ઉતારીએ.’ એટલે કહે, ‘સત્સંગી તો ન થાઉં.’ પછી અમે કહ્યું, ‘વરતાલ દર્શને આવો તો તાવ ઉતારીએ.’ એટલે કહે, ‘મારો કાકો અંબાજીએ આવે તો હું વરતાલ આવું.’ પછી તાવ ઉતાર્યો, એટલે અમારી પાસે આવ્યો ને કહે, ‘વર્તમાન ધરાવો.’ પછી અમે તેને વર્તમાન ધરાવ્યાં તો પણ વર્તમાન ન રાખ્યાં. માટે એવા પાપીનાં દર્શન થાય તો પંચમહાપાપ લાગે છે. બરવાળામાં અમને શરીરે કસર જેવું હતું ત્યારે કાળો સુતાર કહે, ‘થાકલો ખાઓ. હમણાં બીજે જાશો નહિ.’ એટલે અમે કહ્યું, ‘દશ-વીસ લાખનું સોંપ્યું હોત તો કલાકમાં કલ્યાણ કરત, પણ મહારાજે આખી પૃથ્વીનું સોંપ્યું છે ! તે એક ઠેકાણે બેસી રહ્યે કેમ ફાવે ?’
કસર : ખોટ, ઉણપ.
(56) આપણે લાભનો તો કાંઈ પાર નથી, પણ ‘શિક્ષાપત્રી’ના અક્ષર જેટલા લોપાશે તેટલું દુ:ખ જરૂર આવશે. રૂપિયા કોઈને સુખે નહિ રહેવા દે, માટે અન્નનો આગ્રહ રાખજો. ઘોડાં રાખવા શીખ્યા છે એ પણ ખોટું છે. કોઈના જમાન ન થાવું, તે સારુ કલ્યાણભાઈને નિયમ ધરાવ્યું હતું.
જમાન : જામીન.
(57) બાઈઓના પ્રસંગમાંથી ટિબકડી કપાય એવું છે.
ચંદા કું લંછન દો કિયો રાવણકુળ નાશ,
ઇન્દ્રહુ કી ઉપહાસ સુની સાધુ ભયે ઉદાસ;
સાધુ ભયે ઉદાસ દેખી ઇતિહાસ ઈનુ કી,
પરે જો ત્રીયા કે પાસ કહો રહી લાજ કીનુ કી?
દાખત મુક્તાનંદ રહે ગુરુ રાખે,
જાકુ રાવણકુળ વધ કિયો દો લંછન ચંદા કું !
નારી સેં નાગણ ભલી, ડસ્યાં મરણ એકવાર;
દુષિત ત્રિયા કે ડંક સે, જામણ મરણ અપાર.
જામણ મરણ અપાર, કેરકો પાર ન આવે;
ચતુરાસી કી ચોટ, કોટિ કલ્પાંત ભ્રમાવે.
દાખત બ્રહ્માનન્દ, ચઢે તન ઇષ્ટ સમારિ;
જગ મેં અધિકી જાણ્ય, નાગણી હુસે નારી.
(બ્રહ્માનંદ કાવ્ય : કુંડલિયા)
સુજ્ઞેષુ કિં બહુના ?
અર્થ :- ડાહ્યાને શી શીખામણ ?
માટે ચેતી જાજો !
કોટિ : કરોડ.
ઇષ્ટ : ઉપાસના/પૂજાને યોગ્ય, હિતાવહ.
અર્થ : ધન, સંપત્તિ.
(58) ડોડા ચોરવામાંથી બાવાને ઝાટકો લાગ્યો. નાઘેરમાં પહર ચારવા ગયા ત્યાં સૌને ડોડા ખાવાનો મનસૂબો થયો ત્યારે બાવો કહે, ‘લો લઈ આવું.’ પછી બાવો વાડ ઠેકીને વાડામાં પડયો ત્યારે વાડાના ધણીએ જાણ્યું જે, ચોર છે. એમ ધારી બાવાને ઝાટકો માર્યો, તે ફાંફળ પડી ગયું. માટે ચોર મારગે કરીને પેસવું નહિ ને નીસરવું પણ નહિ. ખડ, ફૂલ તથા ધૂડ સોતની ના પાડી છે.
તૃણં વા યદિ વા કાષ્ઠં પુષ્પં વા યદિ વા ફલમ્ ।
નાપૃચ્છન્ન હિ ગૃહ્યાનો હસ્તચ્છેદનમર્હતી ।।
(ધર્મશાસ્ત્રે શંખલિખિત સ્મૃતિ)
અર્થ :- ઘાસ, લાકડાં, ફૂલ કે ફળ પૂછ્યા વગર લેનારના હાથ તોડી નાખવા જોઈએ.
માટે એ લોપશે તેટલું જરૂર દુ:ખ આવશે.
અર્થ : ધન, સંપત્તિ.
(59) પીપલાણાના નરસિંહ મહેતાના દીકરે સંધી વોરાવ્યા તે દુ:ખ આવ્યું. કમીગઢના રૈયા દેસાઈએ ના કહ્યા છતાં રૂપિયા દઈને પટલાઈ લીધી તેમાંથી દુ:ખ થયું. લાલાભાઈએ સંધી રાખ્યો પછી તેને અળસાવવા માંડ્યો; તો કહે, ‘હિ જાઉં.’ પછી પાંચસેં કોરી દીધી, ત્યારે છૂટકારો થયો. એમ દુર્જન સાથે વહેવાર કે, લેણદેણ કર્યામાંથી ઘણાં દુ:ખ આવે છે માટે વહેવાર શીખવો. જેવું મનુષ્ય તે પ્રમાણે તેને કામ બતાવવું. જલા ભક્તને બજારે મોકલવા ને પુરુષોત્તમદાસને ઢોરમાં મોકલવા, તે ન આવડયું કહેવાય.
(60) ખટદર્શનનો વિશ્ર્વાસ ન કરવો. જેસંગભાઈના દીકરાને એક બાવે ગીતા ભણાવી તે બ્રહ્મકોદાળ કરી મૂક્યો. પછી ગોપાળાનંદસ્વામીએ ફરી ગીતા ભણાવીને પાછો સત્સંગી કર્યો માટે કુસંગે તો બુદ્ધિ ફરી જાય ને સત્સંગ પણ ટળી જાય.
(61) આ ભગવાન ક્યાં ને આપણે ક્યાં ? દેશે દેશમાં પંડે ભગવાન ફર્યા છે તથા આ સાધુ ફર્યા છે, એટલે મહાદાખડે સત્સંગ થયો છે. મોરે તો ભક્ત ભગવાનને ખોળતા ને આજ તો અવળી ગંગા ચાલી છે, તે ભગવાન ભક્તને ખોળે છે. અમે જાળે જાળે ભમીને સત્સંગ કરાવ્યો છે.
મોરે : અગાઉ
(62) જૂનાગઢવાળા હેમતરાય નાગરે વરતાલમાં છાપું લીધી ત્યારે ગુંસાઈજીએ ઉપાધિ કરી જે, ‘છાપવાળાને નાત બહાર કરો, કાં છાપ માથે ડામ દ્યો, કાં થોર ચોપડો.’ પછી અમને વાત કરી જે, ‘આમ કહે છે, માટે શું કરવું?’ ત્યારે અમે કહ્યું જે, ‘તેને છાપ વંચાવો ને કહેજો જે, શ્રીકૃષ્ણને ડામ દેવો હોય તો ડામ દો ને થોર દેવો હોય તો થોર દો.’ પછી છાપ વંચાવી. એટલે શ્રીકૃષ્ણનું નામ જોઈ ગુંસાઈ કહે, ‘ડામ કેમ દેવાય ? આ તો આપણે જેને માનીએ છીએ તેની છાપ છે.’ પછી કાંઈ ન કર્યું. માટે આ કળા અચરજકારી છે.
(63) ડોશીઓનો તિરસ્કાર કરીએ છીએ તો પણ તેને હેત થાય છે તે ભગવાનનું કૃત્ય છે. આપણને કથાવાર્તામાં હેત નથી પણ એક જણો તરગાળા જોવા ગયો હતો, તે લઘુ કરવા જાવાનું થયું પણ જો ઊઠે તો માગ જાતો રહે, તેથી બેસી રહ્યો. એટલે મૂત્રકચ્છની ગાંઠ બંધાઈ ગઈ ને સવારે મરી ગયો. એવો રાગ છે ! માટે બે ઘડી આ સાધુનાં દર્શન થાય ને તેની વાત સંભળાય, એ ધન્ય ભાગ્ય માનવાં.
તરગાળા : ગાવા-નાચવાનો ધંધો કરનાર બહુરૂપી નટ.
(64) જેમ સૂરજમુખી કમળ સૂરજ સામું જોઈ રહે છે, તેમ ભક્તે ભગવાન સામું જોઈ રહેવું.
(65) જગન્નાથ, ડાકોર ને ગોદાવરી જાય છે, તેને ક્યાં ઉતારો મળે છે? ભેળા કરીને કે ભેળા થઈને સિદ્ધાંત ત્યાંનું ત્યાં જ રાખી આવે છે. મહારાજે બાઈ-ભાઈની સભા નોખી કરી; માટે એ મારગમાં ખબરદાર રહેવું. આ તો પોતાનું જે અક્ષરધામ તેની રીત આંહીં પ્રગટ કરી છે.
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
સંવત 1918ના ભાદરવા સુદિ દ્વાદશીને દિવસે સવારે સ્વામીએ વાત કરી જે,
(66) ગુરુ જ્યારે સોળ આના વરતશે ત્યારે શિષ્ય બે આના વરતશે, પણ જ્યારે ગુરુ જ ખાઈ ખાઈને સૂઈ રહેશે ત્યારે ચેલા શું કરશે ? માટે ભગવાન ભજવા ને મોક્ષ સુધારવો એટલું પાધરું ને બીજું બધું વાંકું; પણ જીવ તો ભગવાન પાસે ય સેવા કરાવે એવા છે. તે પ્રાર્થના કરે તો પણ એવી જે,
તારી વાડી તું ધણી લીલી રાખે નાથ;
બળતામાંથી ઉગારજે ને આડા દેજે હાથ !
એમ પ્રભુ રાજી ન થાય.
(67) ઘરનાં મનુષ્ય, નાતીલા ને ઇન્દ્રિયું એને સત્સંગ સાથે અનાદિનું વેર છે. માટે ડાહ્યા વિવેકી હોય તેણે વડાદરા બ્રાહ્મણની પેઠે પ્રભુ ભજી લેવા. વડાદરા બ્રાહ્મણ બા, બહેન કહીને પોતાનો સ્વાર્થ સિદ્ધ કરે છે ને તે રાંધતો હોય ત્યારે કોઈ આવીને કહે જે, ‘તમારી ફલાણી બહેન મરી ગઈ.’ ત્યારે તેને કાંઈ સ્નાન કે સૂતક ન આવે, તેમ આંખોમાં આંસુ પણ ન આવે ને જીવમાં દુ:ખ પણ ન થાય; તેમ આ લોકમાં ઉપરથી વહેવાર કરવો ને ભગવાન ભજી લેવા.
વડાદરા : લોટ કે કાચુ સીધું માંગી ખાનાર બ્રાહ્મણની એક જ્ઞાતિ.
(68) ખરેખરા હશે તે દેહને કારસો દેશે ને બીજા તો જેમ લંઘી પોતે કૂટે નહિ ને બીજાને કુટાવે; તેમ પોતાને વરતવું નહિ ને બીજાને વરતવાની વાત કરે, તેમાં સમાસ ન થાય.
કારસો : ભીડો/ભીડામાં-કસોટીમાં લે.
(69) દેહમાં તો જીવને અતિશે હેત છે; તે સરપ નીકળે તો હમણાં ભગાય ને બીજાનું ભૂંડું ઇચ્છે તો જરૂર પોતાનું ભૂંડું થાય; તે શું ? જે, ભગવાન ગર્વગંજન છે, તે ઉથલાવી પાડે.
સંત સંતાપે જાત હૈ, રાજ ધર્મ અરુ વંશ;
તુલસી ત્રણે ટિલે ન દિઠા રાવણ કૌરવ ને કંસ.
(તુલસીદાસની સાખીઓ : 51)
અર્થ : અનીતિથી ધર્મ, રાજ્ય અને વંશનો નાશ થાય છે, તે પર અનુક્રમે કૌરવો, રાવણ અને કંસનાં દૃષ્ટાંતો છે. પાંડવો સાથે અન્યાય કરવાથી, કપટદ્યૂત રમવાથી, તેમનો ધર્મ્ય ભાગ ન આપવાથી અને લાક્ષાગૃહમાં તેમને બાળી નાખવાનો પ્રયત્ન કરવાથી કૌરવોએ પોતાનો ધર્મ ગુમાવ્યો. સીતાજી તરફ અધર્મનું આચરણ કરવાથી રાવણે રામને હાથે પોતાનું રાજ્ય ખોયું. સુરાપાનરૂપી અધર્મનું આચરણ કરવાથી કંસના વંશનું (અર્થાત્ યાદવોનું) નિકંદન ગયું.
અર્થ : ધન, સંપત્તિ.
(70) ચેલો હોય તે વહેલો ઊઠીને ભાગે એવો હોય તેના સારુ ભગવદીનો અવગુણ ન લેવો. મંદિર સારુ તો મમત્વ કરવો, પણ પોતાના દેહ સારુ બીજાને પીડા ન કરવી. એકને જમાડીએ ને એકને ન જમાડીએ, તો હમણાં કજિયો થાય. એક રાજા કચેરીમાં ચીભડું ખાતો હતો, પણ તેણે કોઈને જરા ય દીધું નહિ, ત્યારે તેના કામદારે જરા ધૂડની ચપટી તેમાં નાખી, ત્યારે રાજાએ તેને પૂછયું જે, ‘ધૂડ કેમ નાખી ?’ તો કહે, ‘ઝાઝા માણસમાં એકલો ખાય છે તે ધૂડ ખાય છે.’ માટે એકલા કાંઈ ન ખાવું. કૃપાનંદસ્વામી કહેતા જે, ‘પંગતમાં લાડવા જમે તે ઠીક ને એકાંતમાં પલાળેલ બાજરો ખાય તો પણ તે સારું નહિ.’ બે જણને એકાંત કરવી તે પણ ઠીક નહિ.
(71) એક સીદી હતો, તેને રસ્તે ચાલતાં અરીસો જડ્યો, તેમાં પોતાનું મોઢું કાળું શાહી જેવું દીઠું. પછી તો ક્રોધાયમાન થયો ને બોલ્યો જે, ‘તેં મારું રૂપ બગાડી દીધું.’ એમ કહી પથરામાં ફોડ્યો. તેમ સમાગમે કરીને જેવું રૂપ હોય તેવું કળાય છે.
સીદી : હબસી પુરુષો-આફ્રિકાના મૂળ વતની.
(72) મૂરખને વખાણે ત્યારે રાજી થાય ને ડાહ્યાને વઢે ત્યારે રાજી થાય.
લુબ્ધમર્થેન ગૃહ્યીયાત ક્રુદ્ધં ચાંજલિકર્મણા ।
મૂર્ખં છંદાનુવૃત્તેન યાથાતથ્યેન પણ્ડિતમ્ ।।
(હિતોપદેશ : સન્ધિ - 211)
અર્થ :- લોભીને ધનથી, અભિમાનીને પ્રણામ કરવાથી, મૂર્ખને એની ઇચ્છા મુજબ વર્તન દ્વારા અને જાણકાર (જ્ઞાની)ને યથાર્થ બોધ દ્વારા વશ કરી શકાય છે.
લોભીને દ્રવ્યે કરીને જીતવો, ક્રોધીને હાથ જોડવા, મૂરખના અભિપ્રાય પ્રમાણે વરતીને મૂરખને જીતવો ને જેવું હોય તેવું કહેવાથી પંડિત વશ થાય છે માટે મૂરખ આગળ તો છંદાનુવૃત્તિ કરવી, પણ મૂરખ ઉપર રીસ ન કરવી. કોઈ ઉપર રીસ કરીએ છીએ તે તેના હિત સારુ કરીએ છીએ ને તેના ઉપર અમારે દયા છે, તેથી રીસ થાય છે.
અર્થ : ધન, સંપત્તિ.
છંદાનુવૃત્તિ : મરજી, સ્વભાવ, પ્રમાણે સમજાવવું.
(73) પ્રથમ કેટલાંક દુ:ખ હોય ને પછી સુખ થાય. ધર્મશાળા કરી હશે ત્યારે કેટલી મહેનત પડી હશે ? વાઢ વાવે તેમાં પહેલું ખાતર નાખે ત્યારે શેર, બશેર ધૂડ તો મોઢામાં જાય, કાં જે, લાભમાં નજર હોય; તેમ ભક્તને કાંઈ વ્રત, તપ કરવાં, તેનું આગળ ફળ જોવું.
(74) આજ્ઞામાં કુશળ હોય તેનાથી વાતું થાય, બીજાથી ન થાય. આજ્ઞા લોપતલ વાત કરવા જાય તો મુખ્ય તેને જ માથે આવે. માટે સત્સંગમાં જે ધર્મવાળા હોય તેનાથી વાતું થાય ને તેને મોઢે વર્તન બોલે ને તેની વાતથી સમાસ થાય; પણ જે ધર્મમાં ન હોય તેનું મોઢુ વાત કરતાં સુકાય ને તેની વાતે સમાસ પણ ન થાય. તે જો વાત કરે તો તેને જ માથે આવે. એક જણનું દ્રવ્ય બીજે ચોરી લીધું, તેનો કજિયો રાજા પાસે આવ્યો. ત્યારે રાજા કહે, ‘ક્યાંથી તમારું દ્રવ્ય ચોરાણું ?’ તો કહે, ‘અમે સાલેવડના ઝાડ હેઠે બેઠા હતા ત્યાંથી.’ ત્યારે ચોર કહે, ‘મેં તો વડ નથી દીઠો ને ત્યાં ગયો પણ નથી.’ પછી રાજાએ હુકમ કર્યો જે, ‘સાલેવડનાં બે પાંદડાં લઈ આવો, તો ચોરને ઓળખાવીએ, પછી જેમ હશે તેમ પાંદડાં બોલશે.’ એક જણ સાલેવડનાં પાંદડાં લેવા ગયો ને ચોર ત્યાં રહ્યો. પછી થોડી વાર લાગી ત્યારે રાજા કહે, ‘કેમ હજી ન આવ્યો?’ ત્યારે તે ચોર બોલ્યો જે, ‘હજી પહોંચ્યો નહિ હોય, સાલેવડ આંહીંથી છેટો છે.’ ત્યારે રાજા કહે, ‘પાંદડાં બોલ્યાં, જે તું જ ચોર છો ! કારણ કે, પ્રથમ કહેતો હતો જે વડ દીઠો નથી ને હવે કહે છે જે છેટો છે માટે તું ત્યાં હતો ને તું જ ચોર છો.’ એમ વર્તન ન હોય ને છાનું રાખવા વાત કરે તો ઊલટું ઉઘાડું થાય છે.
લોપતલ : લોપનાર, પાલન નહિ કરનાર.
(75) નિષ્કામી વર્તમાનમાં કરોડ વાનાં જોઈએ પણ નિષ્કામી વર્તમાનના જ કજિયા છે. આચાર્ય મહારાજ ને મોટા સંત ધર્મવાળા છે એટલે તેમને અધર્મ ગમતો નથી. માટે નિષ્કામી વર્તમાનની અતિશે ખબરદારી રાખજો ! નિષ્કામી વર્તમાન છે એ ગળું છે, તે કપાય તો જીવે નહિ, એમાં ખબરદારી રાખશું તો ભગવાનની ને મોટા સંતની દૃષ્ટિ રહેશે.
વાનાં : વસ્તુઓ. (બ.વ.)
(76) સત્સંગમાં વર્તમાન લોપે તેને કોઈએ રખાય નહિ ને પક્ષ લે તો પોતાને ચેલા વાંસે જવું પડે. માટે, ‘બગ ધ્યાન મુખ રામ કોઈ કિસી કા નહિ !’ એમ રહેજો. આ તો બદરીનાથનાં શીંકાં છે, તે જે ભૂલ્યો તે ગયો. મહારાજે સિંધુડા ગવરાવીને ડોશીઓને કહ્યું જે, ‘ઘરઘી જાજો, પણ આ સૂરજ સરખી ગોદડીઓ લજાવશો નહિ!’ લખમણ સુતાર નિષ્કામી વર્તમાનમાંથી પડ્યો. તેને મહારાજે બીજે ગામ ધાડું પડવાનું હતું તેના ખબર દેવા મોકલ્યો. વળતાં રસ્તામાં સાપે ઊલળીને તેની છાતીમાં ફેણ મારી, એટલે તે પડી ગયો. પછી સાપે તેને કરડવા મોઢું ફાડયું. ત્યારે કહે જે, ‘મને કરડ તો તને સ્વામિનારાયણના સમ છે !’ ત્યારે સાપ બોલ્યો જે, ‘હું તો કાળ છું, તે મારે સ્વામિનારાયણના સમ પાળ્યા જોઈશે, પણ તેં કેમ આજ્ઞા લોપી ? માટે જા મહારાજ પાસે અને આ વાત કહેજે ને હવે ફરી આજ્ઞા લોપીશ તો કરડીશ.’ પછી તેણે મહારાજને વાત કરી ત્યારે મહારાજ કહે જે, ‘વર્તમાન નહિ પાળે તેને સાપ કરડશે. જેને સત્સંગમાં રહેવું હોય તે રહેજો; પણ સત્સંગને બટ્ટો લગાડશો નહિ, કોઈ વિના અટકે એમ નથી.’
વાંસે : પાછળ.
લોપી : ન માનવા દે, ઉલ્લંઘન કરાવે.
પાળે : સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જાતનો સેવક/પાર્ષદ.
બટ્ટો : લાંછન, કલંક.
(77) હમણાં તો મોટા મોટા સંત છે તે વિભૂતિ અવતાર છે. પછી આચાર્યમાં ને પ્રતિમામાં પ્રવેશ કરશું. આપણે કોઈ વાત અવિદ્વાન રાખી નથી, થૂંકવા સુધીનું લખી ગયા છે, પ્રાયશ્ર્ચિત લખી ગયા છે, માટે ચોખ્ખા નિયમ પાળજો ને આંહીં તો નહિ જ રહેવાય, એ નિરધાર કરજો.
(78) ચતુર્ભૂજદાસજી સો સો મનુષ્યની રસોઈ કરે ને રાત બધી ભજન કરે. પ્રથમ જૂનાગઢમાં માણસ થોડાં હતાં ને વણથળીએ કલ્યાણભાઈને કાગળ મોકલવો હતો, તેથી રામદાસજીને કહ્યું જે, ‘તમે જશો ?’ ત્યારે કહે, ‘હા, સ્વામી જઈશ.’ પછી સ્વામી કહે, ‘ભજન કરતાં જાજો ને ભજન કરતાં આવજો, વચમાં ક્યાંય આડું અવળું જોશો નહિ.’ એટલે રામદાસજીએ તેમ જ કર્યું ને પાછા મંદિરમાં આવ્યા, ત્યાં મહારાજની મૂર્તિ દેખાણી; તે અખંડ એમને એમ રહ્યું. એમાં શું કહ્યું ? જે, દેહ તો રહેવાનો નથી ને જે કરશું તે પોતાના મોઢામાં કોળિયા મેલવા જેવું છે.
પ્રકરણ 6 ની વાત 238
મૂર્તિ : સંતો.
(79) હમણાં દેશકાળ સાનુકૂળ થયા છે, પૃથ્વી સાનુકૂળ થઈ છે ને દેહ સાનુકૂળ થયું છે; એટલામાં પ્રભુ ભજી લેવા. સ્વામિનારાયણ લઈ જાવા તૈયાર થઈ રહ્યા છે, પણ કોઈ પ્રયોજન સારુ અમારો દેહ રાખ્યો છે. તે પ્રયોજન તો એ છે જે, મહારાજ પોતાના અક્ષરધામ સોતા આંહીં પધાર્યાં છે, તે બન્નેના સ્વરૂપનો દૃઢ નિશ્ર્ચય કરાવવો, એ જ પ્રયોજન સારુ અમોને રાખ્યા છે. એટલે મનજીભાઈએ પૂછયું જે, ‘બે સ્વરૂપનો નિશ્ર્ચય કરાવવો છે ત્યારે મહારાજે હરિકૃષ્ણમહારાજની તો મૂર્તિ પધરાવી છે ને ?’ એટલે સ્વામી કહે, ‘મહારાજે તો પ્રથમથી જ વાસુદેવનારાયણની બે મૂર્તિયું ગઢડામાં પધરાવી હતી ને હાલ તે ઓરડો વાસુદેવનારાયણના નામથી જ ઓળખાય છે. વરતાલમાં પણ પ્રથમ બોરડી તળે નરનારાયણની બે મૂર્તિયું પધરાવી હતી. પછી તેમાંની એક ધરગામ ને બીજી બળાંભપુર લઈ ગયા ને લક્ષ્મીજીની મૂર્તિ સાથે મંદિરમાં પધરાવીને લક્ષ્મીનારાયણ નામ પાડ્યું. તે જેમ હમણાં ભક્તે સહિત દેવનું સ્થાપન કર્યું છે.’ તેમ જ મહારાજ કહે, ‘ભક્તે સહિત ભગવાનનું કહેતાં, અક્ષર અને પુરુષોત્તમનું પ્રતિપાદન થાશે અને અમારી મૂર્તિયું જ આગળ પૂજાશે, અને અમારા ભક્તે સહિત અમારી આરતી ઊતરશે.’ માટે પોતાના અક્ષરધામમાં જેમ છે તેવી ઉપાસના ચોખ્ખી કરવા મહારાજ ભૂલ્યા નથી, પણ તે વખતે મહારાજનો ખરો સિદ્ધાંત સમજાયો નહોતો.
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
સોતા : સહિત.
મૂર્તિ : સંતો.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
(80) જેવા તેવા મનુષ્યને ઝટ લઈને વર્તમાન ધરાવશો મા. અમે તો જમાન લઈને વર્તમાન ધરાવીએ છીએ ને પુરુષોત્તમદાસ કોઠારી તો લાંપડું ભેળું કરે છે; તે પાણી ન હોય તો લીલું ખડ હાથમાં મૂકીને વર્તમાન ધરાવે છે, માટે મનુષ્ય ઓળખવા, પણ ઠાલું હૈયું પછાડવું નહિ.
જમાન : જામીન.
લાંપડું : સૂકું કે ચીમળાયેલું નાનું ઘાસ. હલકી જાતનું ઘાસ.
ખડ : ઘાસ.
ઠાલું : ખાલી.
(81) સહેજે સહેજે વાત કરવી ને સત્સંગ કરાવવો પણ ઘરડાંને ઝાઝા ચૂંથવા નહિ. ઘરડાં તો પાકલ ગલકાં કહેવાય, તેને વૈરાગ્ય થાય નહિ. રાજા, પિતા ને ગુરુ તેને શાંતિ ન પામવી ને પોતાના શિષ્યને સુધારવા. લોજમાં મહારાજ આવ્યા, ત્યારે સુખાનંદસ્વામીના પૂછવાથી મહારાજ શ્ર્લોક બોલ્યા જે,
ગુરુર્ન સ સ્યાત્સ્વજનો ન સ સ્યાત્ પિતા ન સ સ્યાજ્જનની ન સા સ્યાત્ ।
દૈવં ન તત્સ્યાન્ન પતિશ્ચ સ સ્યાન્ન મોચયેદ્ય: સમુપેતમૃત્યુમ્ ।।
(શ્રીમદ્ ભાગવત : 5/5/18)
અર્થ :- તે ગુરુ નથી, સ્વજન નથી, પિતા નથી, માતા નથી, નસીબ નથી, પતિ નથી કે જે આવેલાં મૃત્યુથી બચાવી શકે.
અર્થ : ધન, સંપત્તિ.
(82) સ્તુતિ કરતો કરતો નિંદા કરવા મંડી પડે. તે ઉપર લોયાનું 17મું વચનામૃત વંચાવી વાત કરી જે, જીવાખાચર અને તેની સ્ત્રી પ્રથમ સાધુને પગમાં કાંકરા ન વાગે તે સારુ દરરોજ પરોઢીએ ઊઠી ઘેલા સુધી રસ્તો વાળતાં, પણ જ્યારે મહારાજે દાદાખાચરનું વિશેષ રાખવા માંડયું, ત્યારે ઈર્ષા આવી ને મહારાજને જ મારી નાખવા એવો મનસૂબો કરી, રામાખાચરને કહ્યું જે, ‘મહારાજને મારી નાખો તો ખેતર-વાડી આપું.’ પછી તેણે પૂછયું જે, ‘કેવી રીતે મારું ?’ તો કહે, ‘રાતે પાયખાને જાય છે ત્યાં અંધારું થાય, ત્યારે ગરી જજે ને આવે એટલે તલવારથી માથું કાપી આવતો રહેજે.’ પછી રાતે અંધારું થયું, એટલે રામોખાચર પાયખાનામાં ઉઘાડી તલવારે ખૂણામાં સંતાઈ ગયો, એટલે મહારાજે ભગુજીને કહ્યું જે, “દીવો કરીને પાયખાનામાં જાઓ; અમારે દિશાએ જાવું છે.”
ભગુજીને મનમાં એમ થયું જે, મહારાજ કોઈ દિવસ દીવાનું કહેતા નથી ને આજ કેમ કહ્યું હશે ? પછી દીવો લઈને પાયખાનામાં ગયા, ત્યાં તો રામાખાચરને ઉઘાડી તલવાર લઈ બેઠેલો જોયો, એટલે તેને પકડી મહારાજ પાસે લઈ ગયા. મહારાજ કહે, “એનો વાંક નથી; એણે કોઈકના કહેવાથી કરેલ છે. આ તો બહુ જ સારા હરિજન છે.” પછી રામોખાચર કહે જે, ‘હા મહારાજ, એમ જ છે. મને તો જીવાખાચરે તમને મારી નાખવા બદલ બે સાંતીની જમીન ને કોહ આપવા ઠરાવ્યું છે.’ એટલે મહારાજ કહે, “જુઓ, એનો વાંક નથી, એને જવા દો.” એમ પ્રથમ સારો જણાતો હોય ને ભગવાનનો યથાર્થ નિશ્ર્ચય હોય, તો પણ જો તેને પંચવિષયને વિશે આસક્તિ હોય તો તેના વિષયનું જે ખંડન કરે તેનું માથું શસ્ત્રે કરીને મુકાવી દે એવો દ્રોહ કરે.
કાંકરા : રાઈ-મરી.
આસક્તિ : મોહ, અતિશય સ્નેહ, લગની.
દ્રોહ : મનથી, વાણીથી કે કર્મથી જાણી જોઈને કરેલ દોષ, ગુનો, પાપ કે અપરાધ
(83) ત્યાગીને બહુ રસાળ ખાવું નહિ. તેણે તો ઋષિનું અન્ન, કહેતાં માગીને ખાવું. મહેમદાવાદમાં મહારાજે ઝીણાં લૂગડાંના નિષેધ ઉપર ઘણી વાત કરી હતી. ફૂલ સાંજે કરમાઈ જાય છે તેમ પદાર્થનાં પરિણામ વિચારે તો તેમાં મન ન તણાય. જેમ વ્યાકરણ ધીરે ધીરે આવડે છે તેમ હૃદયમાં ગાંઠ બંધાણી છે ને તે ટાળ્યાનાં તો પચીસ સાધન કહ્યાં છે; તે કરે ત્યારે ધીરે ધીરે એવા શબ્દ પડતાં પડતાં એ થાય; પૂર્વના સંસ્કાર હોય તેને હમણાં થાય. પીપલાણામાં છોકરાંને સમાધિ થઈ, તેને જોઈને ભેખધારીએ સ્વામીને પૂછયું જે, ‘અમને ત્યાગીને સમાધિ નહિ ને આ છોકરાંને સમાધિ કેમ થાય છે ?’ સ્વામી કહે, ‘કોઈમાં ત્યાગ વધુ હોય, કોઈમાં ધર્મ વધુ હોય; કોઈમાં જ્ઞાન વધુ હોય ને કોઈમાં ભક્તિ વધુ હોય. એમ જેવા જેવા સંસ્કાર લગાડ્યા હોય તેવું થાય છે, તે એ છોકરાંને પૂર્વના એવા સંસ્કાર તેથી સમાધિ થાય છે ને તમારે એ સંસ્કાર નથી એટલે સમાધિ થાતી નથી.’
સાંજે વાત કરી જે,
(84) ઘેલભાઈ આત્મનિવેદી છે પણ ગૃહને અંધકૂપ કહ્યો છે. માટે કથાવાર્તા કરવી, મંદિર જવું ને દેહ તથા દેહના સંબંધીના રૂપને જાણવું. છોકરા ઘરડાંનું મનગમતું કરે નહિ, તો પણ ઘરડાં હોય તે હેતે કરીને પોતા પાસે કાંઈ હોય તે છોકરાને આપી દે ને પછી કૂટાય. એક જણે પોતાની મૂડી દેહ છતાં પોતાના દીકરાઓને વહેંચી દીધી. પછી દીકરાઓ કહે, ‘બાપાનું શું કરવું ? ને કોણ જમાડે?’ મોટો દીકરો બોલ્યો, ‘હું વસ્તારી છું, માટે તમે પાળો.’ નાનો દીકરો કહે, ‘મારા ઘરનું મનુષ્ય કલાંઠ છે, તે બાપાને રોટલો દેશે નહિ.’ પછી તો બીજાએ પણ ના પાડી ને કહ્યું જે, ‘ક્યાં મારા એકલાનો બાપ છે ? માટે સૌને ઘેર વારે જમે.’ પછી તો બબ્બે મહિનાના વારા કર્યા. તે જેને ઘેર બે મહિના સુધી રહે તેના ઘરમાં બે મહિના સુધી કળથી, મઠ ને જૂની જારના રોટલા સૌ ખાય, તે ડોસાને પણ ખાવા પડે. એમ સૌને ઘેર ડોસાને તો એનું એ જ મળે. દીકરા તો વારો ગયા પછી પોતાને મનગમતું ખાય. એમ ડોસો તો સુકાઈ ગયો ને મરવા પડયો.
એટલામાં તે ગામમાં સાધુ આવેલ તેને દર્શને ગયો ત્યારે સાધુએ પૂછયું જે, ‘ડોસા, સુકાઈ કેમ ગયા છો ?’ ડોસે દુ:ખ હતું તે કહ્યું. એટલે સાધુ કહે, ‘અમારું માનશો ?’ તો કહે, ‘હા.’ સાધુ કહે, ‘તમારી પાસે કાંઈ રૂપિયા હોય તો તેનો એક પટારો લઈને માંહી કાળા પાણા મોં સુધી ભરીને મજબૂત તાળાં વાસજો ને કૂંચીઓ પાસે રાખજો, છોકરાઓને અડવા પણ દેશો નહિ.’ પછી સૌ વિવાહે ગયાં, એટલે ડોસે સોનાનો કરડો પોતાની પાસે રહી ગયેલ તે વેચીને પટારો લીધો ને પાણા ભરી ખંભાતી તાળાં દીધાં. પછી જાન ઘેર આવી ત્યારે તેના દીકરા કહે જે, ‘બાપા આમાં શું છે ?’ તો કહે, ‘એ તો મારી મરણમૂડી છે; તમને તો ઉપરછલ્લું આપ્યું છે, પણ જે મારી ચાકરી કરશે તેને મનગમતું આપીશ.’ પછી તો ઘરમાં જઈને સૌએ વાત કરી. ત્યારે વહુઆરુએ ડોસાને મનગમતું જમાડવા માંડ્યું ને પટારો છાનામાના જઈને ખેસવી જોયો, તો હલેચલે નહિ. તેથી જાણ્યું જે નગદી માલ ખૂબ ભર્યો છે, જે છે એ તો હજી આમાં જ બાપાએ રાખ્યું છે; આપણને પૂરું દીધું નથી. માટે હવે બાપાને રાજી રાખવા. એમ ધારી સૌ કહે જે, ‘બાપા, આજ તો અમારે ત્યાં આવજો.’ પછી બાપાને તો રોજ શીરાપૂરી ચાલતી થઈ ને ડોસો તો ખાઈને પબેડા જેવો થઈ ગયો. સાધુને કહે, ‘તમે મને જીવતો રાખ્યો, નીકર હું તો મરી જાત.’
પછી ડોસો જ્યારે મરવાનો થયો, ત્યારે ડોસે પટેલિયાને બોલાવ્યા ને કહ્યું જે, ‘મારું જે છે તે આમાં છે, પણ મારું કારજ થઈ રહે ત્યાર પછી ખરચનું નામું ચૂકવી, બાકીનું દીકરાઓને તમે સરખે ભાગે વહેંચી આપજો, નીકર કજિયો કરશે. માટે આ કૂંચીઓ, ત્યાં સુધી તમારી પાસે રાખજો.’ ડોસો થોડા દિવસ પછી ગુજરી ગયો, ને કારજ બહુ જ સારું કર્યું. કારણ કે, ‘બાપાનું ખૂટે તેમ નથી.’ એમ ધારી નિ:શંક થઈને કારજ સારું ર્ક્યું. પછી પટેલિયાને કહે, ‘હવે તમે નામું ચૂકવી બાકીનું અમને વહેંચી આપો.’ ત્યારે બધા તેમને ઘેર ગયા ને તાળાં ખોલ્યાં, ત્યાં તો કાળા પથ્થર દીઠા ! એટલે ઢાંકણું દઈ પટેલિયા કહે, ‘નામાવાળાને જેટલું જોઈએ તેટલું તેને ચૂકવી દ્યો ને બાકીનું તમે તમારી મેળે લઈ લો. એમાં અમારે વહેંચવું પડે તેવું નથી.’ પછી દીકરા ઊભા થઈને પટારો ઉઘાડી દ્રવ્ય લેવા ગયા, ત્યાં તો હાથ છોલાણા. એટલે કહે જે, ‘આ શું ?’ બીજો ભાઈ કહે, ‘હેઠે હશે, આ તો માથે દબાવી રાખ્યું છે.’ ત્રીજો કહે, ‘કળથી ને મઠનો પ્રતાપ !’ પછી મનમાં સૌ સમસમી રહ્યા ને દેણું ભરવું પડ્યું. તે ‘લૂણી ધરોને તાણી ગઈ,’ તે શું ? જે, ડોસે મૂડી આપી હતી તે કરતાં કારજમાં વધારે દેવું પડ્યું. આ તો જોઈને વાત કરી છે. માટે,
જેસે બુઢે બેલ કું, ખેડુ દેબત ન ખાન;
મુક્ત કહે ત્યું વૃદ્ધ કો, સબહિ કરત અપમાન.
(મુક્તાનંદ કાવ્ય : વિ.ચિ.-કાળત્રાસકો અંગ-19)
ઘરડાંમાત્રને કહીએ છીએ જે, છોકરામાં ઝાઝું હેત કરશો નહિ; કાં જે, ઘરડાંમાત્રને છોકરા મારશે. જેને કાજે પગનું ખાસડું થઈને રહ્યા હૈઈએ તે જ અપમાન કરે. જ્યારે સ્વાર્થ ન રહે ત્યારે તેનું બોલ્યું પણ ગમે નહિ, પછી કહે જે, ‘બાપાની તો ડાગળી ખસી છે; હવે તો ટાઢી માટી થાય તો સારું !’ એમ સંસાર કેવળ સ્વાર્થમય છે. માટે છોકરાઓને વહેંચણ કરી આપો તો તેમાં પણ લખત ચોખ્ખું કરાવજો; નીકર રોટલા નહિ મળે. કેટલાક દીકરા સારુ રોવે છે ને દીકરાવાળા રોટલા સારુ રોવે છે. બેય દુ:ખિયા છે, કોઈ દુ:ખ આવે તો ઘરનાં બધાં માણસને માથે નાખવું; એ તો કુટારો એમને એમ ચાલ્યો જાય.
(85) બીજું, કેટલાક ટીલાં કાઢી છેતરવા આવશે. તેને આવડે બહુ; માટે સૌ જોઈ તપાસીને વિશ્ર્વાસ કરજો. ગોંડળના વૈદ વિઠ્ઠલજી વાલમ બ્રાહ્મણે, દામનગરમાં હરિજનને પોતાના વાંસાના મેલની ગોળી વાળી આપી, ને 60 કોરી લઈ લીધી. વૈદ કહેશે જે, ‘વાયુ બહુ થઈ ગયો છે,’ ત્યારે પ્રતીતિ આવી જાય છે; પણ ધુતા સલક્ષણા અર્થ :- ધુતારા સર્વ એકસરખા (ઠગવું-છેતરવું-કપટતા) લક્ષણવાળા હોય. માટે વિચારવું. બગસરામાં સાઠ કોરી દઈને એક જણે કીમિયો કરાવ્યો, તે ખોયું ને પછી રોયો. એટલા માટે વિચારજો.
(86) સત્સંગ વિના શું લઈ જઈએ એવું છે ? દેહમાંથી તો જરૂર નીકળવું પડશે, માટે જીવમાં ભગવાન રાખવા, પણ જેટલી આસક્તિ તેટલી સ્વપ્નામાં આવે ને દેહ તો અંગરખા જેવું છે. ધૂડનાં ઘોલકાં કરે, ગારાની ગાય કરીને દોવે ને ધૂડમાં લઘુ નાખી લાડવા કરે ને જેવો આનંદ માને; તેવો એકાંતિકની દૃષ્ટિએ આ લોકનો આનંદ છે.
વિદ્યુચ્ચલં કિં ધનયૌવનાયુર્દાનં પરં કિં ચ સુપાત્રદત્તમ્ ।
કણ્ઠંગતૈરપ્યસુભિર્ન કાર્યં કિં કિં વિધેયં મલિનં શિવાર્ચા ।।
(મણિરત્નમાલા : 30)
અર્થ :- વીજળીના સમાન ચલિત શું છે ? ધન, યૌવન અને આયુષ્ય. ઉત્તમ પ્રકારનું દાન કયું છે ? સુપાત્રને આપવામાં આવ્યું હોય તે. પ્રાણાન્તે પણ સજ્જનોએ શું ન કરવું જોઈએ ? અધોગતિમાં નાખનારું અશુભ કર્મરૂપ પાપ. અને કરવા યોગ્ય શું છે ? કલ્યાણરૂપ પરમાત્માનું પૂજન.
ભગવદી હોય તેણે એમ વિચાર કરવો જે ધન, જોબન ને આયુષ તે વીજળીના ઝબકારા જેવું છે તે ન સૂઝે, પણ કાળ મેલે એમ નથી; ઉંદરને બિલાડી ઝાલી જાય છે, તેમ કાળ પકડી જાશે.
કડાં, વેઢ, વીંટી મોતી, પહેર કાને, મહા જોર સે મૂછ મરોડતા હૈ;
ચલે દેખતા આપની છાંયડી કું, ટેઢી પાઘ બાંધી તાન તોડતા હૈ;
તન અત્તર, તેલ, ફૂલેલ લગાવત, નેહ ત્રિયા સંગ જોડતા હૈ;
બ્રહ્માનંદ કહે ખબરદાર બંદે, દેખ કાલ કિસેં નહિ છોડતા હૈ.
(કીર્તન મુક્તાવલિ : ઉપદેશ કો અંગ)
ચહુ દેશ મેં આણ ચલાવતા હે, ઘરૂ દાણ આવે વાટ ઘાટ કા હે,
અરૂ બાગ, કિલા, મહલાત બનાવત, ખેલ ત્રિયા સંગ ખાટ કા હે;
ભાત ભાત કે ભોજન થાલહુ મેં, તામેં બીશ, પચીશક વાટ કા હે,
બ્રહ્માનન્દ કહે દેખ બિચાર પ્યારે, સબે કાલકિ એક થપાટ કા હે.
(બ્રહ્માનંદ કાવ્ય : ઉપદેશકો અંગ)
માટે એટલા સારુ નિયમ પાળવા, માનસી કરવી, નિષ્કામી થાવું, નિર્લોભી થાવું ને કોઈમાં જીવ બંધાવા દેવો નહિ. શંકરાચાર્ય ભિક્ષા માગવા ગયા, ત્યાં એક બાઈ રેંટિયો ફેરવતી હતી ને રેંટિયો ‘ભું, ભું’ અવાજ કરતો હતો. ત્યારે શંકરાચાર્ય બોલ્યા,
રે રે યંત્ર મા રોદી: કં કં ન ભ્રમયન્ત્યમૂ: ।
ભ્રૂચાપોત્ક્ષેપમાત્રેણ કરાકૃષ્ટસ્ય કા કથા ।।
અર્થ :- હે યંત્ર તું રડીશ નહિ. કેવળ પોતાની ભૂરૂપી ધનુષના ફેંકવાથી કોને કોને ફેરવતા નથી ? (તો પછી) હાથથી જેને ખેંચે છે, તેની તો શું વાત?
હે રેંટિયા, રો મા, સ્ત્રીએ આંખના કટાક્ષ વડે કરીને આખા બ્રહ્માંડના જીવને ભમાવ્યા છે અને તું તો તેના હાથમાં જ આવી ગયો છે, એટલે તારે રોવું, એમાં શું કહેવું ?
માટે એથી છેટે રહેવું.
યોષિદ્ધિરણ્યાભરણામ્બરાદિદ્રવ્યેષુ માયારચિતેષુ મૂઢ: ।
પ્રલોભિતાત્મા હ્યુપભોગબુદ્ધયા પતડ્ગવન્નશ્યતિ નષ્ટદૃષ્ટિ: ।।
(શ્રીમદ્ ભાગવત : 11/8/8)
અર્થ :- સ્ત્રી, સુવર્ણ, ભૂષણ અને વસ્ત્રાદિ માયારૂપી પદાર્થોમાં જે મૂઢ ભોગબુદ્ધિથી ફસાયો છે, તે વિવેકબુદ્ધિને ખોઈને પતંગિયાની માફક નષ્ટ થઈ જાય છે.
ભગવાનની માયાએ રચેલાં એવાં જે, સ્ત્રી, દ્રવ્ય, ઘરેણાં ને લૂગડાં તેમાં મૂઢપુરુષ ભોગબુદ્ધિએ કરીને મોહ પામે છે ને તેનો લોભ રાખે છે; એટલે પતંગિયો જેમ દીવામાં પડીને મરે છે; તેમ જીવ પણ તે સારુ મરી જાય છે. માટે શાસ્ત્ર પણ એમ કહે છે જે, કામમાં, લોભમાં ક્યાંય લેવાશો નહિ. તાવ આવે ત્યારે દેહ બળે; પણ આજ્ઞા લોપાય ત્યારે તો દેહ ને જીવ બેય બળે ! આ વાતું તો ભગવદીની છે. દેહ પડવાનું કહીએ, ત્યારે મનુષ્યને વસમું લાગે; પણ એ રહે નહિ ને લોકની ઘાંટી જે, બીજે જન્મે સ્ત્રી તે સ્ત્રી, ને પુરુષ તે પુરુષ જ થાય છે; એ લોકનાં ડિંગળ છે.
આસક્તિ : મોહ, અતિશય સ્નેહ, લગની.
અર્થ : ધન, સંપત્તિ.
તાન : લગની, આગ્રહ, મસ્તી.
ફૂલેલ : ખીલેલ.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
ઘાટ : માયિક સુખ ભોગવવાનો સંકલ્પ, વિકારનો સંકલ્પ.
ડિંગળ : બનાવટી વાત, જૂઠું, બનાવટ, ગપ્પાં.
(87) લોકનું થાય તેટલું પોતાના મોક્ષનું ન થાય ને સમાગમ પણ ન થાય. સત્સંગમાં આવીને તરત ભાગવું નહિ. વિવાહમાં જવાય, કાયટામાં જવાય ને વહેવારના કામમાં બે-ત્રણ માસ ભાંગી જાય, પણ આંહીં ન રહેવાય. કેટલાક કાશી, દ્વારકામાં જઈને વાસ કરે છે, તેમ આપણે સમાગમ કરવો. ‘વચનામૃત’ પણ સમાગમે સમજાય, કુસંગે કરીને દોષ લાગ્યા હોય તે પણ સંત સમાગમે કરીને ટળે. મોટાને સેવાએ કરીને રાજી કરે ત્યારે પૂર્વના મલિન સંસ્કાર ટળે. પણ ખાવું નહિ ને ભૂખ ટાળવી એ કેમ ટળે ? ભીમનાથમાં અગણ્યોતેરામાં રાંકાંને કડછો ભરીને થૂલું આપતા; પણ રાંકાં થૂલું તૈયાર થયા મોરે માગવા આવે; ત્યારે બાવો હડસેલો મારે, તે રડતાં રડતાં નીલ નદીમાં જાય, વળી ઊઠીને પાછાં આવે; કારણ કે, બીજે ક્યાંય થૂલું મળે નહિ. એમ અપમાન થાય તો પણ મોક્ષના ખપવાળા, સંત સમાગમનો ત્યાગ કરે જ નહીં. જેમ ધોબી લૂગડાંને બાફીને તેમાંથી ડાઘ કાઢે છે, તેમ સત્પુરુષ વાતે કરીને પૂર્વના મલિન સંસ્કાર ટાળે છે તે પૂર્વના મલિન સંસ્કાર જેને કાઢતાં આવડે તેનાથી જ જાય. અંતરની લડાઈ છે તે ઘર મૂકવા કરતાં પણ કઠણ છે ને એ તો સોડમાં સાપ છે. સાધુ તથા હરિભક્તને મહારાજે પૂછ્યું જે, ‘તમારે ઘાટ થાય છે ?’ ત્યારે સાધુને કળાણું જે ઘાટ તો થાય છે ખરા. કાળ તો ઠરાવને પણ રહેવા દે નહિ.
કાલો બલીયાન્ બલિનાં ભિદ્યતે તેન બુદ્ધય: ।
કામલોભરસાસ્વાદ: સ્નેહમાનવતાં મુને ।।
(સુભાષિત)
અર્થ :- કાળ બળવાન છે, તેથી બળવાન લોકોની પણ બુદ્ધિ ફરે છે. સ્નેહ અને માનવાળાઓ કામ, લોભનો રસાસ્વાદ લે છે.
કામ, લોભ, સ્વાદ, સ્નેહ ને માન એ પાંચ માંહેલો એકેય દોષ હોય ને તેને ખોદે ત્યારે ઠા રહે નહિ; એટલે બળિયામાં બળિયો હોય તેની બુદ્ધિને પણ કાળ ભેદી નાખે છે. ત્યારે હરિજને પ્રશ્ર્ન પૂછયો જે, ‘કેવા હોય તેની બુદ્ધિ ન ભેદાય ?’ ત્યારે શ્ર્લોક બોલ્યા જે,
કામાદિભિર્વિહીના યે સાત્ત્વતાઃ ક્ષીણવાસના ।
તેષાં તુ બુદ્ધિભેદાય ક્વાપિ કાલો ન શક્નુતે ॥
(વાસુદેવ માહાત્મ્ય : 8/7)
અર્થ :- જેઓ કામાદિક દોષથી રહિત, સત્ત્વ ગુણમય અને વાસના રહિત હોય છે, તેઓની બુદ્ધિને ભેદવા માટે કદી પણ કાળ સમર્થ થઈ શકતો નથી.
ઘણો ઘણો સમાગમ કર્યો હોય ને સાત્ત્વિક સેવ્યા હોય તેને એવી સ્થિતિ રહે છે.
રાંકાં : ગરીબડાં.
મોરે : અગાઉ
ઘાટ : માયિક સુખ ભોગવવાનો સંકલ્પ, વિકારનો સંકલ્પ.
અર્થ : ધન, સંપત્તિ.
ઠા : નિરધાર, ઠેકાણું, સ્થિરતા,
માહાત્મ્ય : મહિમા, મહત્વ.
વાસના : પૂર્વના સંસ્કારોથી મકકમ થયેલી કામના.
(88) આસક્તિ હોય તો મરવા ટાણે જીવ જાય નહિ. સંસારમાં સુખ છે, એવી તો કોઈ મોટાએ કલમ મૂકી જ નથી. બ્રહ્મરૂપ થાવું તે ‘ગુજરાત દેશમાં પાણા જ નહિ’ એવું છે. પરીક્ષિત રાજાને સંશય થયો ને શુકજીને ન થયો. અક્રૂરની બુદ્ધિ ભેદાણી તે મણિ લઈને વહ્યો ગયો ને ઉદ્ધવની ન ભેદાણી. ભગવાનની નિષ્ઠા ખરેખરી થઈ હોય તો જીવમાંથી જાય નહિ.
વચ. ગ.પ્ર. 23
વચ. ગ.મ. 10
વચ. ગ.મ. 17
આસક્તિ : મોહ, અતિશય સ્નેહ, લગની.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
પાણા : પથ્થર.
નિષ્ઠા : શ્રદ્ધા, આસ્થા, વિશ્ર્વાસ, ધારણા.
સંવત 1918ના ભાદરવા સુદિ તેરસને દિવસે સ્વામીએ પ્રભાતમાં વાત કરી જે,
(89) ભીખ માગી ખાઈને પણ આ દર્શન કરવાં. કડિયાને રોજ મળે ને આ સાધુનાં દર્શન થાય એટલે કલ્યાણ પણ થાય તે એક પંથ ને દો કાજ, એવો આ સાધુના સંબંધનો પ્રતાપ છે. એક હરિજન ચાર કેરી લઈ આવ્યો ને અમને કહે, ‘આ જમો.’ પછી તેમાંથી બે ઘોળીને ગોટલી ચોખ્ખી થાય ત્યાં સુધી જમ્યા. પછી તે હરિજન કહે, ‘આ ગોટલી વાવીશ એટલે આંબો પ્રસાદીનો થાશે.’ ત્યારે અમે કહ્યું જે, ‘તેનું તો કારણ દેહ બળી ગયું.’ પણ સમજ્યો નહિ તેથી ગોટલીઓ લઈ ગયો ને વાવી, પણ એકેય ઊગી નહિ, તેમ આ સાધુને સંબંધે તો વગર સાધને કારણ દેહ બળી જાય છે પણ કોઈ સંબંધ કરતું નથી. ને ભેળા થયા છે, તો પણ એવા સંસ્કાર લગાડ્યા નથી ને તેથી ઘેર જવાશે; માટે હવે એવા સંસ્કાર લગાડવા જે ભગવાનના સામું વળાય. આ જોગમાં રહેવાય છે તે તો કેટલાક જન્મનાં પુણ્ય ભેળાં થયાં હશે ત્યારે આ જોગ મળ્યો છે. પછી મધ્યનું 35મું વચનામૃત વંચાવીને વાત કરી જે, અનંત જન્મના સત્સંસ્કારવાળો કોઈ વીરલો હોય તેને જ આ સાધુનાં દર્શન થાય છે. પણ જેટલું બીજું સ્ફુરે છે, તે મોરે ભૂંડા પાસ બેસાર્યા છે તે સ્ફુરે છે, તેથી આ સ્વરૂપનો જેમ છે તેમ મહિમા સમજાતો નથી.
રોજ : દરરોજનું મહેનતાણું/મજૂરી.
મોરે : અગાઉ
(90) ખાવું ને સ્ત્રી એ બે વિષય મોટા છે. જેટલી આસક્તિ છે તે બંધનકારી છે, જેમ દેહને અંગરખું છે તેમ જીવને સ્ત્રી છે. સો વરસ કેડે પ્રલય થાશે એ જ્ઞાન સાચું છે પણ કોણ માને છે ? જેવા શબ્દ સાંભળે તેવો જીવ થઈ જાય છે. કહ્યા વિના સમજાય નહિ. પ્રથમ તૂપની ખબર નહોતી માટે શબ્દે કરીને જ જ્ઞાન થાય છે. નાત-જાતનું જન્મ્યા પછી નક્કી થઈ ગયું છે, પણ આપણે તો આત્મા છીએ. થોડા દિવસમાં મેલવું છે; માટે કોઈને અન્ન મળતું હોય તો પ્રભુ ભજી લેવા ને હળવે રહીને મેલી દેવું, પણ આ જીવનો તો લવિયાના જેવો સ્વભાવ છે તે ગોંડળનો દરજી હતો, તેની સ્ત્રી મરી ગઈ એટલે તેની નાતમાં એક રૂપવાન ધણિયાતી સ્ત્રી હતી તેને વરવાનો ઈશક થયો. પછી લાધા રાઠોડ આગળ વાત કરી. ત્યારે તે કહે જે, ‘મહારાજના મંદિરની સંજવારી છ મહિના સુધી કાઢ તો તારું ધાર્યું સિદ્ધ થાશે.’ પછી તેણે તેમ કર્યું, એટલે છ મહિને પેલી બાયડીનો ધણી મરી ગયો. તેને ખબર પડ્યા કે તુરત જઈને માગ્યા તેટલા રૂપિયા ભરીને ઘરઘી આવ્યો. પણ તે જ વરસમાં ટૂંટિયું આવ્યું તે લવિયાને થયું; એટલે ગોપાળાનંદસ્વામી તેડવા આવ્યા. ત્યારે લવિયો કહે, ‘મેં હમણાં જ નવું ઘર કર્યું છે, તે નહિ આવું.’ પછી તો ગોપાળનંદસ્વામીએ તેની સ્ત્રીના જેવું રૂપ દેખાડ્યું ને તેને કહ્યું જે, ‘હું મહારાજ ભેળી જાઉં છું, તમે આવો છો ?’ તો કે’, ‘હા,’ એમ કહી લવિયો તરત દેહમાંથી નીકળી સ્વામી ભેળો ચાલ્યો! એમ જીવને ચોંટવાનો સ્વભાવ છે. લવિયાને તો દેહમાંથી નીકળવું નહોતું, પણ ગોપાળાનંદસ્વામીએ કળા કરીને કાઢ્યો. આવી જીવમાં વાસના રહી જાય છે. તે સારુ કેટલાક નૈમિષારણ્યમાં જઈને બેઠા છે ને કેટલાક બદરિકાશ્રમમાં જઈને બેઠા છે.
શૂરવીર હોય તે ઘાયે આવે, પણ વાણિયા હોય તે ઘાયે આવે નહિ. મડાંને ઢાલ-તલવાર બંધાવીને લડાઈમાં ઊભાં રાખે તે શું ફતેહ કરે ? તેમ જે સાધુ-સત્સંગી ઉપરથી દેખાતા હોય ને માંહેલી કોરે મડાંની પેઠે જીવન વિનાના હોય તે શું માયાની સામે ઘાયે આવે ? ને એવા હોય તે સત્સંગનું શું સારું દેખાડે ? માટે સાધુ હોય તે સાધુ કરે ને જેનાં હૈયામાંથી જગત નીકળી ગયું હોય તે જીવનાં હૈયામાંથી જગત કાઢે.
ઊંટને ગાવહુકણું ગળે રહ્યું તે રાજવૈદ્યે ઊંટનું ગળું તપાસી તેલ ચોળી પાટુ મારી, તે ગાવહુકણું ગળે ઊતરી ગયું એટલે ઊંટ જીવ્યો. પછી રાજાની ડોશીને ગળે રતવા થયો ને ગળું પાક્યું. એટલે રાજવૈદ્યને તેડાવ્યા પણ રાજવૈદ્ય તો ગામ ગયેલ એટલે તેનો ભાણેજ દરબારમાં ગયો ને જોયું તો ઊંટના જેવું દરદ દીઠું. પછી કહે, ‘આ તો હું મટાડી દઉં, એમાં મારા મામાનું કામ નથી. મારું જાણેલ-જોયેલ દરદ છે.’ એમ કહી તેલથી ગળું ચોળી પાટુ માર્યું તે ડોશી મરી ગઈ. તેમ જે દેખાદેખીથી સાધુ થાય કે, શીખીને વાત કરે તેનાથી જીવના હૈયામાંથી જગત નીકળે નહિ. એ તો ખરેખરા ધન્વંતરી મળે ત્યારે રોગ કાઢે; તેમ ખરેખરા સંત મળે તો જીવના હૈયામાંથી જગત કાઢે.
સંત ધન્વંતરી વૈદશમ, જેસો રોગી જેહુ;
મુક્ત બતાવત તાહી કું, તેસો ઓષધ તેહુ.
(મુક્તાનંદ કાવ્ય : વિ.ચિ.- સાધુકો સંગ -10)
(91) આ જોગ બહુ દુર્લભ છે પણ જીવને ખબર નથી. આવો જોગ મળ્યો ને જ્યાં ત્યાં બેસી રહ્યા ત્યારે શું કમાણા ? માટે હમણાં જ આ જોગ કરી લેવો પછી આ જોગ નહિ મળે. કોટિ કલ્પ ઊંધે માથે તપ કરીને સુકાઈ જાય તો પણ આ સાધુનું સ્વપ્નમાં ય દર્શન થાય નહિ, તે આજ પ્રગટ બેઠા વાતું કરે છે ને દર્શન દે છે. ઘેર પ્રભુ ભજાતા હોય તો નૈમિષારણ્યમાં શા સારુ જાય ? માટે જો અહીં આવ્યા તો તપ થયું, વ્રત થયું, દર્શન થયું ને જીવમાં શાંતિ પણ થઈ.
કોટિ : કરોડ.
કલ્પ : આપણાં ચાર અબજ બત્રીશ કરોડ વર્ષનો સમય - બ્રહ્માનો એક દિવસ (પણ રાત નહિ)
(92) મોરે કાઠી એકાદશી કરતા, તે માંડ માંડ કરતા. માટે સમાગમ વિના કાંઈ થાય જ નહીં. સાધુ અને ભગવાન કહે એમાં જ મોક્ષ છે, તે શું? જે, અર્જુનની પાસે ઘાણ કઢાવ્યો ને ઋષિને કહ્યું જે, પાંદડું તોડવું નહિ. માટે ભગવાન તો ગમે એમ કરે. મોરે તો ગામોગામ મારતા તે ગરીબદાસ ને કંગાલદાસ તે પણ મારતા. હવે તો માંહીલો કજિયો રહ્યો. તે શું ? જે, મન ગોટા વાળે જે, સત્સંગમાં જઈશું તો ખોટી થાશું; વળી વાવરવું પણ પડશે, એમ મન મોળપ લાવે છે.
મોરે : અગાઉ
વાવરવું : વાપરવું, ઉપયોગમાં લેવું.
(93) દિવ્યભાવ-મનુષ્યભાવ એક જાણીને નિશ્ર્ચય કર્યો હોય તો સંશય ન થાય, ને એને જ સમજણે કરીને નિશ્ર્ચય જાણવો. વીરા શેલડિયાનો મૂઢપણાનો નિશ્ર્ચય કહેવાય. તે કાઠીને કહે, ‘સોળ હજાર એકસો ને આઠ લઈ જાય ત્યાં સુધી તો આગળની રીત છે ને એથી વધારે લઈ જાય તો એથી મોટા ભગવાન ! એમાં શું ?’
(94) આ લોકની સ્થિતિ રાખવી તેમાં ભગવદીને વિચારવું જે, એ ક્યાં સુધી રહે ? ને ડોશા ડોશીનું ખરચ કરવું તેમાં પૂર્વાપરની ખબર રાખવી.
અપની પહોંચ બિચાર કે કર્ત્તવ્ય કીજે ઓર;
તેતા પાવ પસારિયે જેતી લંબી સોર.
એક સુતાર ફેર પરણ્યો, તે જીવ્યો ત્યાં સુધી રોટલો ન મળ્યો. ને રાજે પોકીએ પટલાઈ લીધી, તે કાઠીએ મારી નાખ્યો. માટે હૈયાબલ ન કરવું, પણ વિચારવું ને કોઈકનું માનવું. સાંભળીને વિચારે તે બુદ્ધિવાન કહેવાય.
(95) એક ખૂંટિયે બહુ ખાધું, તે પાડા સાથે ત્રણ મહિના સુધી લડ્યો ને એક પાડાને મારી નાખ્યો, માટે આપણે પૂર્વના હોય તેનું ખત કાઢવું ને વિચારવું જે, ઇન્દ્રિયુંનું પોષણ કરવું તે ખૂંટિયાને તેલ પાયા જેવું છે ને આપણો જીવ જવાની વાત છે. તે શું ? જે, એ આપણા પડખામાં શિંગડાં ભરાવે એવા છે. કૃપાનંદસ્વામી કહેતા જે, ‘એકબીજાને મારી નાખે એવા ખારીલા પાંચ પાડાને એક ઘરમાં પૂરીને વચ્ચે પથારી કરી સૂતો, તે કાંઈ ક્ષેમકુશળ રહેવાનો છે ?’ તેમ જે પંચવિષયનો જોગ રાખશે તેનું ઠેકાણું નહિ રહે. આગળ મોટા મોટાને ઘેર કાણ્યું બેઠી છે ને હમણાં પણ કેટલાકને ઘેર બેસે છે. માટે એ મારગે ચાલશે તેને ઘેર થોરનાં ડીંડલાં પડશે. જે વહાણ કવામાં ચાલ્યું તે જરૂર બૂડે; તેમ જો ઇન્દ્રિયુંમાં કવા વાયો તો ધર્મ, નિયમ સર્વે જાતાં રહેશે; જે તેમાં હેત કરે તેનું જ માથું કાપી નાખે.
ચંદ્ર ઠગે અરૂ ઇન્દ્ર ઠગે, વિધિ ઈશ ઠગે જેહિ જક્ત પસારો;
જોગી ઠગે અરૂ ભોગી ઠગે, બનવાસી સંન્યાસિન કો એક ધારો.
ભેખ રૂ શેખત પેશ ઠગે, સબ પંડિત જાન પ્રવિન સુચારો;
બ્રહ્મમુનિ કહે હાથ ન આવત, યા મનસો કોઉ નાહિ ઠગારો.
(બ્રહ્માનંદ કાવ્ય : માનકો અંગ)
માટે મન તથા ઇન્દ્રિયું-અંત:કરણનો વિશ્ર્વાસ કરવો નહિ, પણ સમાગમ વિના એ વાત સૂઝે નહિ.
ભેખ : સંન્યાસ.
(96) ‘બપોર મોરે ન ઊંઘ્યા હોય તે હવે થાક ખાઓ.’ એમ કહ્યું ત્યાં તો સૌ બેસી ગયા ને જમવાનું પૂછ્યું ત્યારે બાર જણે હા પાડી ને ઊઠ્યા પિસતાળીસ એવું છે.
મોરે : અગાઉ
સંવત 1918ના ભાદરવા સુદિ ચૌદશને દિવસે સ્વામીએ વાત કરી જે,
(97) ગજા વિના સ્વભાવ પાડે છે એ પણ ખરાબ થાવાના છે. ગરીબ હોય ને સાકર જોઈએ, ઢોલો જોઈએ ને સારું સારું ખાવા જોઈએ એ પણ અતિ દુ:ખ થાવાનું છે. કરજ કરીને ખાશે-પીશે તેના દુ:ખનો પાર નહિ રહે.
(98) આમાં જે ચોરી કરીને ખાતા-પીતા હશે તેના ઉપર ભગવાન કુરાજી થાશે. ભગવાન ને મોટા સંત પડદામાં રહીને જુએ છે, માટે ઠેઠ અક્ષરધામમાં પૂગવું હોય તો આજ્ઞા બરાબર પાળજો, નીકર લેણા કે દેણા નથી !
(99) ઊઠીને ભગવાન સંભારવા એ તો ન રહ્યું, પણ ખાવું ને ઊંઘવું રહ્યું. લઘુ જવાનું છેટું કર્યું, તે પણ કોઈને ગમ્યું નહિ. કારણ કે, ઊંઘ ઊડી જાય, પણ આજ્ઞા ને ઉપાસનામાં જેટલી કસર રહેશે તેટલો ફેર મટશે નહિ. જીવનો સ્વભાવ તો એવો છે જે, મોળું મેલો તો ત્રણ ટાણાં ખાય. બીજું સાકરવાળું પાણી તુંબડીમાં નાખી પીએ તેનું તો કહેવાય નહિ. ઉપાસનામાં તો આપણે પૃથ્વીનું વેજું છે, તેમાં તો કાંઈ જણાશે નહિ. કેમ કે, મહારાજ મળ્યા છે, તેનું ધ્યાન-ભજન કરવું; પણ આજ્ઞામાં કસર રહેશે તો કાળી ટીલી બેસશે. વૈરાગ્ય ને આત્મનિષ્ઠા તો કોઈકને હોય ને કોઈકને ન હોય.
કસર : ખોટ, ઉણપ.
મેલો : મરણ સમાચારની ચિઠ્ઠી, કાળાખરી, આઘાત લાગે એવા સમાચાર.
આત્મનિષ્ઠા : હું તો દેહથી જુદો જે આત્મા તે છું ને મારે વિશે પ્રગટ પરબ્રહ્મ અખંડ બિરાજમાન છે. તેવી અતિ દૃઢ માનીનતા, શ્રદ્ધા, વિશ્ર્વાસ, આસ્થા.
(100) એકાગ્ર થઈને જોડાવું તે તો આકાશમાં ઊડ્યા જેવું કઠણ છે. આંખ-કાન આદિક સર્વે ઇન્દ્રિયું ભગવાનમાં જોડી મેલવી. આજ તો ગૃહસ્થ પણ ઘણાખરા અંબરીષ જેવા છે. જુઓને, પક્ષી માળો મૂકી શકતાં નથી ને આ સર્વે ઘર મૂકીને આંહીં બેઠા ભજન કરે છે માટે અંબરીષથી ઓછા નથી. પંચાણવા કાળમાં સર્વે હરિજન મંદિરમાં દાણા નાખવા આવ્યા ને હાજો મેર તો વીંટી લઈને આવ્યો ને ગોપાળાનંદસ્વામીને આપી. પછી સગાળ થયો, ત્યારે માંડમાંડ પાછી રાખી. ભગવાનનો મહિમા અપાર છે, પણ તે તો જેવું જેની ચાંચમાં બળ તે પ્રમાણે પાણી પીએ; માટે માંહી રહીને પ્રભુ ભજી લેવા. ખરેખરા ડાહ્યા હોય, ને ખરેખરા ભક્ત હોય, તેને ભગવાનની મૂર્તિની કેડે ફરતા રહેવું; વહેવાર ગૌણ કરવો ને ભગવાન મુખ્ય કરવા.
સગાળ : સુકાળ
કેડે : પાછળ.
(101) મહારાજ જમાન લેતા ને માંહોમાંહીના તો કોઈ જમાન થતા નહિ. ‘ખરો ! ખરો !’ એમ કહે ત્યારે બીજી વાત ને ‘સારો’ એટલું જ કહે ત્યારે ય બીજી વાત.
જમાન : જામીન.
(102) કામ તો મોટાની દૃષ્ટિયે બળે છે. એક બાવો બીલખાની સીમમાં રહેતો હતો. ત્યાં કોઈક એક રોટલો દઈ જાતું હતું, પણ તે સ્ત્રીના હાથનો ઘડેલ છે ને સ્ત્રીના આંગળાં તેમાં દેખાય છે, એમ સ્ત્રીનું ચિંતવન થાવાથી નિરંતર વીર્યપાત થાતો. તે એમ ને એમ સાત વરસ સુધી રહ્યું, એવું કામનું જોર છે. પછી રામાનંદસ્વામી મળ્યા ત્યારે એ પાપ ટળ્યું. પૂર્વે પણ કામે મોટા મોટાને હેરાન કર્યા છે. એક પુરુષ દહેરામાં રહેતો ને બહાર નીકળતો નહિ, તો ય કામનો સંકલ્પ મટતો નહિ પણ રામાનંદસ્વામીની દૃષ્ટિ થઈ ત્યારે તે દોષ ટળ્યો, માટે મોટાની દૃષ્ટિ વિના એ દોષ ટળે જ નહીં. તે ‘વચનામૃત’માં કહ્યું છે જે, મોટાની દૃષ્ટિ વિના પૂર્વના સંસ્કાર ટળવા બહુ કઠણ.
(103) આજ્ઞા ને ઉપાસના બે હશે તેના ઉપર મોટાની દૃષ્ટિ થાશે. આ તો બધું મોટાની દૃષ્ટિએ ચાલ્યું જાય છે. દશ વીસ મનુષ્ય તો પડ્યું જ છે, તેને કાંઈ ખબર નથી. વિશ્ર્વંભર છે તે બીજે આપે ત્યારે આંહીં કેમ ન આપે ? આમાં રહીને દેહે દુ:ખ થાશે તો પણ તૃણનો હલાવનાર કોણ છે ?
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
દશ : દિશા.
(104) ભગવાન જે કરતા હશે તે ઠીક જ કરતા હશે. આ સમે શ્રવણ, મનન ને નિદિધ્યાસમાં જેટલી કસર રહેશે કે, ભગવાન સંભાર્યામાં કસર હશે તેને જરૂર ખોટ જાશે. મોઢે ભજન કરે છે ત્યારે ભગવાન આગળ આવીને ઊભા રહે છે. વિજયાત્માનંદસ્વામી લઘુ કરવા ઊઠ્યા ત્યારે બોલ્યા જે, ‘હે સ્વામિનારાયણ!’ ત્યારે મહારાજે હોંકારો દીધો. વિજયાત્માનંદસ્વામી કહે, ‘મારે તો એમ ભજન કર્યાના હેવા છે.’ ત્યારે મહારાજ કહે, ‘અમારે પણ હોંકારો દીધાના હેવા છે.’ એમ ભગવાન તો જ્યારે ભક્ત ભજન કરે ત્યારે ભજન સાંભળવા ઊભા રહે છે.
કસર : ખોટ, ઉણપ.
(105) પતંગ ઉડાડે તેના હાથમાં દોરી હોય, તેમ જે ભગવાનની આજ્ઞામાં હોય તેની પાસે ભગવાનની મૂર્તિ હોય. જ્યાં સુધી નિયમમાં છે ત્યાં સુધી તેના ઉપર દૃષ્ટિ રહે છે. છોકરાં ઉપર મા-બાપની નજર રહે છે, તેમ ભક્ત ઉપર ભગવાનની દૃષ્ટિ રહે છે; માટે નિયમ મોળા પડવા દેવા નહિ. ત્યાગીને ખૂબ ખાવું ને દહાડે સૂવું તે નિયમ મોળા પડ્યા કહેવાય ને ગૃહસ્થને અગિયાર નિયમ છે તેમાંથી મોળા પડે તો દૃષ્ટિ રહે નહિ. આંબાને વાડ જોઈએ પણ ખીજડા, ખેરિયા કે લીમડાને કાંઈ વાડનું કામ નહિ; તેમ સત્સંગી હોય તેને નિયમરૂપી વાડ જોઈએ.
પતંગ : પતંગિયું.
મૂર્તિ : સંતો.
સંવત 1918ના ભાદરવા સુદિ પૂનમને દિવસે સવારે સ્વામીએ વાત કરી જે,
(106)
અર્વ ખર્વ વલું ધન હે, ઉદય અસ્ત મેં રાજ;
તુલસી હરિ કી ભક્તિ બિના સબે નર્ક કો સાજ.
(તુલસીદાસની સાખીઓ : 138)
અર્થ : અર્વ-ખર્વ (હજારો-અબજો રૂપિયા) સુધી ધન મળ્યું; સૂર્ય ઊગે છે ત્યાંથી માંડીને તે આથમે છે ત્યાં સુધીનું રાજ મળ્યું, પણ હરિભજન વિના આ સઘળી સામગ્રી નરકમાં લઈ જાય છે. ગમે એટલું દેહને સાચવે પણ બળીને ભસ્મ થાશે.
આ લોકનાં સુખ લેવાં છે એવું ચિંતવન થયા કરે છે પણ ભગવાનના આકારનું ચિંતવન ક્યાં થાય છે ? આપણે જમપુરી નહિ પણ માથે જન્મમરણ તો રહ્યું, ત્યારે શું બાકી રહ્યું ?
કુંભીપાકં સમં ઘોરં નરકં નૈવ વિદ્યતે ।
પતિતોડસ્મિ પુરા તત્ર ગર્ભવાસસ્તતોડધિકમ્ ।।
(સુભાષિત)
અર્થ :- કુંભીપાક જેવું ભયાનક નરક નથી. તેમાં હું પહેલાં પડ્યો. એનાથી વધારે ગર્ભવાસ છે.
કુંભીપાક જેવું ઘોર નરક બીજું એકે નથી; પણ જ્યારે ગર્ભવાસમાં આવ્યો ત્યારે કુંભીપાક ભૂલી ગયો. પણ ગર્ભવાસની આગળ જમપુરી શી ગણતીમાં ? માટે ગર્ભવાસમાં ન આવવું પડે એમ વરતવું. ભક્તિમાર્ગ તો કહ્યો છે પણ એકલી ભક્તિ કયે દિવસ કહી છે ? ભગવાનની મૂર્તિ જેવું બીજું નિગુર્ણ શું છે ?
અર્થ : ધન, સંપત્તિ.
જમપુરી : જમરાજાની નગરી, સંયમની.
નરક : દોજખ, વિષ્ટા.
ગર્ભવાસ : ગર્ભનો ઉદરમાં વાસ.
મૂર્તિ : સંતો.
(107) ‘આનું ખમાય ને આનું ન ખમાય.’ એમ સાધુને હોય નહિ. તેનો તો સ્વભાવ જ એવો જે સૌનું ખમવું માટે અંબરીષના જેવી સાધુતા શીખવી. જિજ્ઞાસાનંદે બાળમુકુંદાનંદસ્વામીને કાનમાં ગાળ દીધી ત્યારે બાળમુકુંદાનંદસ્વામી તો સાધુતાએ યુક્ત, તે એમ બોલ્યા જે, ‘તેનાં ધનભાગ્ય ધનઘડી જે તેને તમ જેવા મહાપુરુષે અંગીકાર કરી !’ પણ બીજાને તેમાંથી દુ:ખ થાય.
ખમાય : સહન કરાય, ક્ષમા કરાય.
(108)
જહાં સુમતિ તહાં સંપત્તિ નાના;
જહાં કુમતિ તહાં વિપત્તિ નિદાના.
ત્યાગી થયા છે પણ માંહોમાંહી કજિયા કરે છે ને ગૃહસ્થને આડું અવળું સમજાવી વઢાડે છે; પછી પોતે વચમાં પડી વાંદરાના જેવો ન્યાય કરે છે. એક બ્રાહ્મણની નાતનો પટેલ સંન્યાસી થયો. કેટલેક દિવસ પછી પાછો ફરતો ફરતો પોતાના દેશમાં આવ્યો. ત્યારે તેણે વિચાર્યું જે, મને મારી પ્રથમની વિદ્યા આવડે છે કે નહિ, તેની આજ અજમાયશ કરું.
જે બ્રાહ્મણને ઘેર ઊતર્યો હતો તેના ઘરમાં ભાઈ, બહેન ને ભાઈની વહુ ત્રણ હતાં ને તે ત્રણેને સંપ અતિશે હતો. સંન્યાસીએ પ્રથમ તેની બહેનને કહ્યું જે, ‘તારો ભાઈ દારૂડિયો છે.’ બહેન કહે, ‘હોય નહિ.’ સંન્યાસી કહે, ‘રાતે સૂવે ત્યારે મોઢું સૂંઘવા જજે; જો ગંધાતું હોય તો સાચું માનજે.’ પછી તેનો ભાઈ ઘેર આવ્યો; ત્યારે સંન્યાસી કહે, ‘તારી બહેન તો ડાકણ છે.’ ભાઈ કહે, ‘હોય નહિ.’ સંન્યાસી કહે, ‘તે રોજ સૂંઘતી સૂંઘતી આવે છે, પણ લાગ આવતો નથી, માટે જાગતો રહેજે ને આજે રાતે તારું મોઢું સૂંઘવા આવે તો સાચું માનજે.’ પછી તે કામે ગયો, ને તેની સ્ત્રી આવી. તેને કહે જે, ‘તારી નણંદ ને તારો ધણી બેય ખૂટલ છે.’ ત્યારે કહે, ‘ભાઈ બહેનને એમ હોય નહિ.’ તો કહે, ‘રાતે ખબર રાખજે ને ઘર ઉઘાડું રાખજે; જો ઘરમાં જાય તો સાચું માનજે.’
રાતે ત્રણેય જણાં ખોટે ખોટે સૂઈ ગયાં. પ્રથમ બહેન ભાઈનું મોઢું સૂંઘવા ગઈ ને જેવી સૂંઘવા લાગી કે તુરત જ ભાઈ બોલ્યો જે, ‘હે રાંડ ડાકણ!’ ત્યારે બહેન કહે, ‘હે મારા પીટ્યા દારૂડિયા !’ ત્યાં વહુ બોલી, ‘હે મારાં પીટ્યાં છિનાળવાં !’ એમ પરસ્પર ખૂબ કજિયો થયો ને મારામારી થઈ. તે સાંભળી પાડોશી ભેળાં થયાં. આ બધું સંન્યાસીએ સૂતાં સૂતાં જોયું ને મનમાં રાજી થયો જે, ‘હજી મોરેની (પહેલાની) વિદ્યા આવડે છે તો ખરી !’ પછી બોલ્યો જે, ‘ભાઈ, કોઈનો વાંક નથી; એ તો મેં મારી વિદ્યા અજમાવી છે.’ તેમ સંન્યાસીની પેઠે કરે છે ને હરિજનને વઢાડે છે, તે ઠીક ન કહેવાય; માટે એમ ન કરવું.
રોજ : દરરોજનું મહેનતાણું/મજૂરી.
ખૂટલ : વિશ્ર્વાસઘાતી-અપ્રામાણિક.
(109) ભગવાન જેનામાં નિવાસ કરીને રહ્યા હોય તેને વિશે હેત એ જ સદ્વાસના ને અભાવ એ જ અસદ્વાસના છે. માટે એવા મોટાનો કોઈ રીતે અવગુણ આવશે તો ચકલી નહાઈ રહેશે ! મહાનુભાવાનંદસ્વામી કહેતા જે, ગર્વગંજન ભગવાન છે, તે ગમે તે દ્વારે અભિમાની પુરુષના અભિમાનને સારી પેઠે નાશ કરે છે. મહાવિષ્ણુને મનમાં ગર્વ આવ્યો જે, મારા ઉપર કોઈ નથી ને હું જ ભગવાન છું પણ જ્યારે તેને કાળે ગળવા માંડ્યો ને કંઠ સુધી ગળ્યો, ત્યારે બોલ્યો જે, ‘મારા ઉપર કોઈ હો તો આ કાળ થકી મારી રક્ષા કરજો !’ પછી કાળે મૂકયો. એમ ભગવાન આગળ કોઈનો ગર્વ ચાલતો નથી.
(110) ગઢડાવાળા કહે જે, ‘અમરેલી ગઢડા હેઠે,’ ને જૂનાગઢવાળા કહે, ‘અમરેલી જૂનાગઢ હેઠે.’ એ કજિયો ચાલ્યો. ત્યારે ગોપાળાનંદસ્વામી કહે, ‘અમરેલી આપી દ્યો.’ ત્યારે અમે કહ્યું જે, ‘અમરેલી નહિ આપીએ, અમરેલી જૂનાગઢ હેઠે છે. ગઢડાવાળાને અમરેલીની જરૂર હોય તો ગઢડાવાળા જૂનાગઢ આવે ને અમે ગઢડે જઈએ, અમારે અમરેલી જોઈતી નથી.’ એટલે ગઢડાવાળા કહે, ‘અમારે પણ અમરેલી જોઈતી નથી.’ એમ કળા કરી કજિયો મટાડ્યો.
(111) આજ્ઞા લોપાશે તો મહારાજ કુરાજી થાશે ને દુ:ખ આવશે. ઝોળીમાં ઔષધ રાખે તે જાણે હું સાજો રહું. અરે, ખાવા મળે તો ભગવાનને પણ પડ્યા મૂકે, તે અગણ્યોતેરા કાળમાં કાઠી સાધુ થયા હતા પણ જ્યારે વરસ સારું થયું ને રોટલા ખાવા મળ્યા, ત્યારે કહે, ‘શું અમે ભૂખે મરતા છીએ? આ તારો ભેખ ! અમારે ત્યાં તો માણકીઓ પૂંછડાં ઝાટકે છે.’ એમ કહી ચાલતા થયા તેમ જીવને તો ખાધાનું ને લૂગડાંનું જ ધ્યાન-ભજન થાય છે; પણ ઝીણાભાઈની પેઠે બીક ક્યાં રહે છે જે, રખે ભગવાન વિના મારું મન બીજે જાય નહિ. લોકેષ્ણા ને વિત્તેષ્ણાએ કરીને લોકમાં ભળી જવાય ને અહીં આવે તો માળા, માનસી, પૂજા ઉહરડી નાખે ને લોક રીઝાવે; પણ આગળ સ્વામિનારાયણ આકરા છે તે રાઈરાઈનાં લેખાં લેશે.
ઉહાં કછૂ રાજ પોપાબાઈ કો તો નાંઈ હે.
(બ્રહ્માનંદ કાવ્ય : કવિતા)
ભગવાન તો જાણે છે જ; પણ મોટા ય જાણે. આ તો ભક્તિનું આલંબન ને ભગવાનની તો સ્મૃતિ જ નહીં. તે,
અર્થી દોષાન્ ન પશ્યતિ ।
અર્થ :- લાલચુ માણસ વિષયોના દોષને જોતો નથી.
શિષ્યવર્ગનું પાપ પણ ગુરુને લાગે છે; પણ માયાનું રૂપ કળે છે કોણ ? શુકજીએ વ્યાસજીને મોઢામોઢ હુંકારો ન દીધો, પણ ઝાડ પર્વતમાં રહીને બોલ્યા; કારણ કે, સંબંધી સાથે બોલવામાં હેતરૂપ માયા રહી છે, એમ શુકજીએ માયાનું રૂપ ઓળખ્યું. નવ લાખ ને ચોરાશી સિદ્ધ થયા, તેની વાત કરી.
પ્રકરણ 10 ની વાત 265
ભેખ : સંન્યાસ.
આલંબન : આધાર, ટેકો.
અર્થ : ધન, સંપત્તિ.
ચોરાશી : ચોરાશી લાખ જન્મનું ચક્ર.
(112) ભગવાનના ભક્તનો પક્ષ દૃઢ કરીને રાખ્યો જોઈએ. તે પક્ષ રાખતાં થકાં આબરૂ વધો અથવા ઘટો, માન થાઓ કે અપમાન થાઓ, દેહ જીવો કે મરો; પણ કોઈ રીતે ભગવાન ને ભગવાનના ભક્તનો પક્ષ મૂકવો નહિ. ઝીણાભાઈએ માંગરોળથી પંચાળે આવતાં રસ્તામાં લોજને પાદર કમળશી વાંઝાના સમાચાર પૂછયા. ત્યારે લોકે કહ્યું જે, ‘તે તો માંદા છે ને બહુ જ દુ:ખી છે ને ઘરનાં કોઈ ચાકરી કરતાં નથી ને ખાવા પણ આપતાં નથી.’ તે સાંભળી ઝીણાભાઈ તેને ઘેર ગયા; કેમ કે, તે ભક્તને મહારાજની સર્વોપરી નિષ્ઠા હતી. ઝીણાભાઈએ ભક્ત પાસે જઈને પૂછ્યું જે, ‘કેમ છો ?’ એટલે કમળશી તો રોઈ પડ્યો, ને પોતાને દુ:ખ હતું તે કહ્યું. ઝીણાભાઈએ તેની વહુ તથા દીકરાને બોલાવ્યાં ને કહ્યું જે, ‘આમની ચાકરી કરો તો સારું.’ ત્યારે કહે જે, ‘ઈ તો ઈજ લાગનો છે, અમે એની ચાકરી નહિ કરીએ.’ ત્યારે ઝીણાભાઈએ પૂછ્યું જે, ‘હું મારે ઘેર તેડી જાઉં ?’ ત્યારે કહે, ‘લઈ જાઓ તો પાપ જાય !’
પછી ઝીણાભાઈએ મજૂર કર્યા, તે ત્રણ મળ્યા ને ચોથો મજૂર ન મળ્યો. એટલે ઝીણાભાઈએ કમળશીના ખાટલાનો ચોથો પાયો પોતે ઉપાડયો ને હાથમાં ઘોડીની સરક રાખીને ડેલી બહાર નીકળ્યા. ત્યાં ચોરે પટેલ બેઠા હતા તે કહે, ‘દરબાર ઉપાડે તે ઠીક નહિ. ખમો, મજૂર લાવી આપું.’ પછી મજૂર આવ્યો એટલે ઝીણાભાઈ ઘોડીએ બેઠા ને ખાટલો ઉપડાવી ઘેર ગયા. અદીબાને પૂછયું, ‘આ કમળશીભાઈ માંદા છે તેમનો ખાટલો ક્યાં રાખશું ?’ તો કહે જે, ‘આવા ને આવા ઉપાડી આવે છે ! રાખો ડેલીમાં.’ પછી ઝીણાભાઈએ પોતાના રહેવાના ઓરડામાં પોતાના ઢોલિયા પાસે ખાટલો રખાવ્યો ને પોતે સેવામાં રહ્યા. માથું દાબે, પગ દાબે, લૂગડાં ધોઈ આપે ને પોતે પાસે બેસી ખવરાવે. એમ સેવા કરવા માંડી.
તેમાં એક દિવસ કમળશીનું માથું દુ:ખતું હતું ત્યારે ઝીણાભાઈએ અદીબાને પૂછયું, ‘આપણા ઘરમાં તીખાં છે ? જો હોય તો આ કમળશીભાઈને કપાળે ચોપડવાં છે.’ પણ અદીબાને પોતાને કરવું નહિ ને મનમાં એમ જે ભાઈ કરે ને પોતે ન કરે એ ખોટું દેખાય, એમ ધારી કહે જે, ‘ઘરમાં તીખાં નથી.’ એટલે ઝીણાભાઈ કહે, ‘ઠીક.’ પછી બે દિવસ કેડે ઝીણાભાઈએ અદીબાને ખોટે ખોટે કહ્યું જે, ‘મારું માથું બહુ દુ:ખે છે, તીખાં હોય તો ચોપડીએ.’ પછી અદીબા તીખાં વાટીને લાવ્યાં. ત્યારે ઝીણાભાઈએ પૂછયું, ‘ઘરમાં તો તીખાં નહોતાં ને ઘડીકમાં ક્યાંથી લાવ્યાં ?’ એટલે અદીબા કહે, ‘થોડાંક તો ઘરમાં હતાં.’ તે સાંભળી ઝીણાભાઈએ વાટકાનો ઘા કર્યો, તે ભીંતે વાગ્યો ને ફૂટી ગયો; ને કહે જે, ‘મારા માટે તીખાં મળ્યાં ને આ હરિજન માટે એટલાં તીખાં ય ન અપાણાં ? જા આજથી તારું મોઢું જોવે તે હરામ ખાય !’ પછી અદીબાનું મોઢું જોયું નહિ.
કમળશીને ખંભે લઈ ઝીણાભાઈ પંચાળે લઈ ગયા, એવા ખબર મહારાજને મળ્યા એટલે મહારાજ પંચાળે પધાર્યા ને ઝીણાભાઈને સાત વાર મળ્યા ને કહે જે, ‘ભગવાન તો ભક્તવત્સલ છે ને તમે અમારા ભક્તની બહુ સેવા કરી તે અમે બહુ રાજી થયા.’ પછી પંચાળે હુતાશનીનો સમૈયો કર્યો, ત્યાર કેડે અદીબાએ મહારાજને કહ્યું જે, ‘ભાઈ મારી સાથે બોલતા નથી.’ ત્યારે મહારાજે પૂછયું જે, ‘કેમ બોલતા નથી ?’ તો કહે, ‘ઘરમાં તીખાં હતાં, પણ કમળશી ભક્ત માટે ભાઈએ માગ્યાં ત્યારે મેં કહ્યું જે, ઘરમાં નથી ને ભાઈને જોઈતાં હતાં ત્યારે આપ્યાં, તેથી મારી સાથે અબોલા લીધા છે.’ મહારાજે ઝીણાભાઈને કહ્યું જે, ‘હવે માફ કરો ને બોલો.’ એટલે બોલ્યા.
પછી કેટલેક દહાડે ઝીણાભાઈ દેહ મૂકવા વખતે જૂનાગઢમાં માંદા થયા, ત્યારે દીવાનખાનામાં રહેતા. તે મંદવાડના ખબર મહારાજને ગઢડે મળ્યા. એટલે પોતાનું વચન પાળવા મહારાજ ઘોડે ચડીને તાબડતોબ અરધી રાતે જૂનાગઢ પધાર્યા.ઘોડાના ડાબલા સાંભળી આસપાસનાં માણસો જાગી ઊઠયાં. ત્યાં તો સૌ કહે જે, ‘મહારાજ પધાર્યા ! મહારાજ પધાર્યા !’ પછી મહારાજ ઘોડેથી ઊતરી ઝીણાભાઈ પાસે દીવાનખાનામાં ગયા ને ખાટલાને ઓશીકે જઈ બેઠા. ઝીણાભાઈ મહારાજનાં દર્શન કરી બહુ જ રાજી થયા. મહારાજે ઝીણાભાઈને કહ્યું જે, ‘તમને કહો તો રાખી દઈએ.’ ત્યારે કહે, ‘મહારાજ ! હવે દેહ રાખવા મારે સંકલ્પ નથી.’ મહારાજ કહે, ‘હઠીસિંહની કાંઈ ભલામણ કરવી છે ?’ ત્યારે હાથ જોડીને બોલ્યા જે, ‘પ્રહ્લાદની એના બાપે ભલામણ કરી નહોતી; તેમ તમારો ભક્ત થાશે તો હું ભલામણ નહિ કરું તો ય તમે તેની ખબર રાખશો ને જો તમારો ભક્ત નહિ થાય તો હું કહીશ તો ય તમે ખબર નહિ રાખો; માટે તેનું તો કાંઈ કહેવું નથી.’
મહારાજ કહે, ‘તમારે કાંઈ માગવું છે ?’ તો કહે, ‘હા મહારાજ ! આ સોરઠ દેશના સત્સંગી કોઈ ગઢડે પહોંચશે નહિ, માટે આંહીં મંદિર કરો તો સારું.’ પછી મહારાજે કોલ દીધો ને કહ્યું જે, ‘અમે અમારે હાથે આંહીં મંદિર કરશું.’ મહારાજ કહે, ‘તમારે ક્યા ધામમાં જાવું છે ? બદરિકાશ્રમમાં, શ્ર્વેતદ્વીપમાં, વૈકુંઠલોકમાં, ગૌલોકમાં, મહાપુરુષના લોકમાં કે અક્ષરધામમાં ?’ ત્યારે ઝીણાભાઈ કહે, ‘ભગુજી, મિંયાજી ને મૂળજી બ્રહ્મચારીની પેઠે તમારી સેવામાં રાખો એ માગું છું.’ પછી મહારાજે પોતાની સેવામાં રાખવાનું વચન આપ્યું. તે સાંભળી ડોશી દિલગીર થયાં. ત્યારે મહારાજ કહે, ‘ડોશીમા, અમે તો અમથા વાતું કરીએ છીએ.’ એમ કહી જેવા મહારાજ ખાટલેથી ઊભા થયા, તેવી જ ઝીણાભાઈએ આંખ ફેરવી ને દેહ મૂકી દીધો.
ઝીણાભાઈની દેહ ક્રિયા કરવા ચાલ્યા ત્યારે મહારાજે તેમને પોતાનો ખંભો દીધો ને બહાર શેરીમાં આવ્યા. હરિજને મહારાજને ખંભેથી લઈ લીધા ને મહારાજ ભેળા ચાલ્યા. ત્યારે આ વાત મુક્તાનંદસ્વામીએ સાંભળી. તે જ્યારે મહારાજ ભેળા થયા ત્યારે મુક્તાનંદસ્વામી કહે, ‘મહારાજ, એક પ્રશ્ર્ન પૂછવો છે. તે તમે જેમ હોય તેમ ખરેખરું કહો તો પૂછું.’ ત્યારે મહારાજ કહે, ‘પૂછો, ખરેખરું કહીશું.’ એટલે મુક્તાનંદસ્વામી કહે, ‘ઇચ્છારામજીભાઈએ ગઢડામાં દેહ મૂક્યો ત્યારે તમે ત્યાં હતા, પણ તેમને તમે ખંભો દીધો નહિ ને ઝીણાભાઈને તમે ખંભે ઉપાડી ચાલ્યા, તેનું શું કારણ ?’ ત્યારે મહારાજ કહે, ‘લોજવાળા કમળશી ભક્ત માંદા હતા ત્યારે તેનો ખાટલો ઝીણાભાઈએ ખંભે લીધો હતો, તેથી કરી અમે તેમને ખંભો આપ્યો ને તે ચાલ્યા હતા તેથી અમે બમણું ચાલ્યા.’ એવા ભગવાન ભક્તવત્સલ છે ! તે સાંભળી મુક્તાનંદસ્વામી આદિક સર્વેએ ઝીણાભાઈનાં વખાણ કર્યાં, માટે આપણે પણ ભગવાનના ભક્તનો પક્ષ માથા સાટે રાખવો.
વચ. ગ.અં. 7
નિષ્ઠા : શ્રદ્ધા, આસ્થા, વિશ્ર્વાસ, ધારણા.
કરો : ઘરની દિવાલ.
તીખાં : મરી, સૂંઠ.
કેડે : પાછળ.
ઘોડે : જેમ.
સાટે : બદલેઅવેજમાં.
(113) જેતપુરને પાદર ભાદરનો દરેડો પડે છે, તેના શબ્દ જેમ અખંડ થયા કરે છે તેમ હૃદયમાં અખંડ ભજન થાય છે કે નહિ, તે તપાસવું. ને તે વિના ભગવાં કરે છે તે ‘ભાંડના પડિયા’ની પેઠે બેય બગાડે છે માટે ઘટે એટલો વહેવાર કરીને ભગવાનમાં મન રાખવું. અમે મોળું મૂકીએ તો આ બધા પુરાણી બેઠા છે તે આ ઘડીએ ગ્રામ્ય વાતું કરવા માંડે, માટે ધર્મ, જ્ઞાન ને વૈરાગ્ય હોય તો પણ જો ભગવાનમાં કે એકાંતિકમાં ન જોડાણો હોય તો તેને જેમ એક થાંભલેથી બીજા થાંભલે ભટક્યા કરે છે તેવા કરોળિયા જેવો જાણવો, માટે ભગવાન તથા એકાંતિકને આગળ રાખીને કામ કરજો ને તે વિના તો બ્રહ્મજ્ઞાન છે તે પણ અભદ્ર છે.
અભદ્ર : અશુભ, અમંગળ, ખરાબ.
(114) રજોગુણી-તમોગુણીને બુદ્ધિમાં સમજાય નહિ. એક સાધુ કહે, ‘બ્રહ્માનંદસ્વામી મોટા.’ ને બીજો કહે, ‘મુક્તાનંદસ્વામી મોટા.’ એમ બોલતાં બોલતાં ઝીંઝરીને પાદર બે સાધુ વઢયા. એક જણ ચૂલો લીંપ્યા સારુ વઢ્યો ને વાસુદેવિયા ને રાધારમણિયા સાધુને મહારાજે નોખા પાડ્યા. એટલે વળતે દિવસ વાસુદેવિયા બ્રાહ્મણ સાધુ હતા, તેમને કૂવે રાધારમણિયાનો છાંટો ઊડયો એટલે વઢ્યા. તે એક દિવસમાં એમ થયું ! આગલે દિવસ ભેળા જમ્યા હતા તે ભૂલી ગયા. માટે બીજી તાણખેંચ મેલીને મહારાજે કહ્યું છે તેમ કરવું, એ પાધરું જાણવું.
(115) સ્વરૂપ સમજાણું હોય તો ઉપરીચર વસુની પેઠે પાતાળમાં પેઠા હોઈએ તો પણ શી ફિકર છે ? વિશુદ્ધાત્માનંદસ્વામી જ્ઞાન કરવામાં ભેળા હતા પણ મેંગણીવાળા માનભા અમારી પાસે આવ્યા. તેને હોકાનું વ્યસન તેથી હોકો સાથે લાવ્યા હતા, એટલે વિશુદ્ધાત્માનંદસ્વામીએ માનભાને બહુ જ ઠપકો દીધો ત્યારે અમે કહ્યું જે, ‘બંધાણ છે, તે હોય.’ એટલે અમને કહે, ‘તમે તો એવા જ લાંચિયા છો.’ પણ પછી તેને મનમાં એમ થયું જે ખોટું કર્યું પછી ગઢડે વહ્યા ગયા. તે સરું આવી ગયું કહેવાય. માટે સ્વરૂપ વિના તો
નર એક રતિ બિન એક રતિ કો.
(કીર્તન મુક્તાવલિ : નાશવંત દેહ વિશે)
સ્વરૂપ સમજાણું હોય તો સર્વે ગુણ કેડે ચાલ્યા આવશે. માટે એક આજ્ઞા ને બીજી સ્વરૂપનિષ્ઠા એ બે વાત જ શીખવી. ગોપાળાનંદસ્વામી ત્યાગી થાવા આવ્યા ત્યારે પ્રાગજી દવેએ ગોપાળાનંદસ્વામીને કહ્યું જે, ‘પચીસ વરસની ઘેર બેઠી છે ને શા સારુ ખુવાર થાવા આવ્યો છું ?’ તે એવાનો સંગ થાય તો એમ જ સમજાવે.
(જુઓ પ્રકરણ 14 ની વાત 208)
બપોરે વાત કરી જે,
(116) અમારી એક જણ માનતા કરે છે જે, ગુણાતીતાનંદસ્વામી મરે તો રાધારમણને થાળ કરું ને કહે છે જે, ‘પાકી રસોઈ કરે નહિ તેથી સમૈયાનું સુખ આવતું નથી.’
(117) આંહીં જ્યારે ધૂડ જેવામાં લેવાય છે ત્યારે દેવલોકમાં કેમ નહિ લેવાય ? ત્યાં તો અપસરાયું છે તે લેવાશે જ. મધ્યનું 22મું વચનામૃત વંચાવીને વાત કરી જે, ઇન્દ્રિયું-અંત:કરણનું કહ્યું ન માનીએ ને એના દોરાયા ન દોરાઈએ તો એના ભૂક્કા કર્યા કહેવાય, પણ આટલો બધો જોગ કરી આપ્યો ને હવે ઇન્દ્રિયુંના દોરાયા દોરાઈએ, એ મોટી ખોટ. પૂર્વનું તો કોઈકને હશે; ઝાઝું તો ક્રિયમાણ જ નડે છે.
ક્રિયમાણ : વર્તમાનકાળનાં કાર્યો.
(118) જેમ ચડતાં ઊતરતાં પાપ છે તેમ જ પુણ્ય પણ છે. તેમાં સત્સંગ થાય એ ભારે પુણ્ય ને સત્સંગ પાર પડવો એ એથી ભારે પુણ્ય ને બહુ જન્મનાં પુણ્ય હોય ત્યારે સત્સંગ થાય ને એમાંથી જવાય એ સૌથી મોટું પાપ, એવું બીજું કોઈ પાપ મોટું નથી.
(119) ભગવાન કોઈ સાધને વશ થાતા નથી, પણ ભગવાનના ભક્તમાં જીવ જોડે ત્યારે વશ થાય છે.
(120) એક શાહુકારે તીર્થવાસી માટે રસ્તામાં સદાવ્રત બાંધ્યું હતું ત્યાં મહારાજ ગયા ને માંદા થઈ સૂતા સૂતા જોતા હતા. તે કોઈકને જારનો લોટ આપે ને કોઈકને ગાળું દઈ કાઢી મૂકે. પછી સાંજે મહારાજને કહે, ‘સાધુરામ, નીકળો.’ ત્યારે મહારાજ કહે, ‘હમ તો માંદે પડે હૈ.’ પછી તેમણે ઉપાડવા માંડ્યા તો ઊપડયા નહિ. ત્યારે એક કહે, ‘મર (ભલે) પડ્યો.’ ત્યાં તો રાતે દશ વાગ્યા ને ભરવાડણો દૂધ લાવી, તે દૂધપાક-પૂરી કરી સૌ જમ્યા ને વધ્યું, એટલે કહે, ‘ઓલ્યા માંદાને આપો.’ એક જણે મહારાજને પૂછ્યું જે, ‘સાધુરામ, જમશો?’ તો કહે, ‘હા.’ પછી તાંહળીમાં દૂધપાક આપ્યો ને કહે, ‘પાવો.’ ત્યારે મહારાજ કહે, ‘એ ક્યા કીડા પાવે ?’ પછી તો સૌએ દૂધપાકમાં કીડા દીઠા ને કઢાયુંમાં ઊનું ધગતું હતું તેમાં જોયું તો તેમાં પણ કીડા ખદબદે. ત્યારે મહારાજ કહે જે, ‘તમે નિમકહરામી છો ને સદાવ્રતનું ખાઓ છો, તે કીડા ખાઓ છો.’ પછી માફી માગી ને કહ્યું જે, ‘હવે નહિ કરીએ.’ ત્યારે સારું થયું.
દશ : દિશા.
(121) કાળ આવરદાને કાપે છે. દેહ હોય ત્યારે સુખદુ:ખ જણાય ખરું; પણ એ સર્વે પડ્યાં મેલીને પ્રભુ ભજી લેવા. ગરજ જોઈએ, ક્ષમા જોઈએ, નિર્માનીપણામાં આપણે સુખિયા છીએ.
(122) પ્રથમ ઘોડે ચડે ને પછી ઘોડું એને માથે ચડે, એ દુ:ખ કોઈને કળાય નહિ. જમનાવડવાળા દાદાભાઈને મહારાજ કહે જે, ‘ઘોડાં થોડાં રાખો.’ ત્યારે કહે, ‘અમારે ઘોડાં વગર ન ચાલે.’ પછી અગણ્યોતેરો કાળ પડ્યો, તે ઘરની સંપત્ત ખાઈને છેવટ ઘોડાં મરી ગયાં ને દુ:ખ આવ્યું. તેમ આપણે દેહાભિમાને કરીને, વિદ્યાએ કરીને તથા ગુણે કરીને જેટલું અવળું વરતાય તે સર્વે દાદાભાઈની પેઠે થાય.
ઘોડે : જેમ.
(123) એક ચોરે બળદિયો ચોર્યો ને રસ્તે જાતો હતો, ત્યાં વાણિયો સામો મળ્યો. એટલામાં તેણે વાંસે વાર આવતાં જોઈને કહે જે, ‘જરા, આ બળદિયાની રાશ ઝાલી રાખો, તો હું ઝાડે ફરી આવું.’ એમ કહીને વાણિયાના હાથમાં રાશ આપીને નહેરામાં થઈને જાતો રહ્યો. ત્યાં તો વાર આવી પૂગી ને વાણિયાને પકડીને લઈ ગયા. માટે જેટલી ‘શિક્ષાપત્રી’ લોપાશે તેટલું દુ:ખ આવશે.
વાંસે : પાછળ.
(124) બીજાને ઉપદેશ કરીએ પણ અખંડ ભજન ન થાય એટલી આપણામાં ખોટ કહેવાય; પણ તે કરીએ તો થાય. આપણે કૂવો ખોદ્યો તે લોઢા જેવો પાણો કાપ્યો. તેમ કોઈની સેવા કરવા માંડીએ તો થાય પણ વાતે ન થાય. માથું દાબીએ તો દબાય ને વેણ મારીએ તો મરાય. તેમ જે કરીએ તે થાય. બળદિયા નાથે કરીને આજ્ઞામાં વરતે છે તેમ આપણે સર્વે આજ્ઞાકારી છીએ તો ભક્તિ કરીને દેહને પછાડવા માંડીએ, ત્યારે કોણ રાજી ન થાય ? પણ પગેય ન લગાય ત્યારે રાજી કેમ થાય ?
પાણો : પથ્થર.
રાત્રે વાત કરી જે,
(125) એક વરસાદે મોલ ન પાકે, તેમ એક શબ્દે જ્ઞાન ન થાય. એક શબ્દે તો પૂંજાભાઈને થાય. તે ચૉરે ભગવાં દીઠાં, એટલે ચૉરા ઉપર આવીને તેણે પૂછયું જે, ‘આમાં ભગવાન કોણ છે ? મને આકાશવાણી થઈ છે જે, જા ઘેર, ભગવાન મળશે.’ ત્યારે કૃપાનંદસ્વામી કહે, ‘અમે ભગવાન નથી, પણ અમને ભગવાન મળ્યા છે, તે તમને મેળવશું.’ પછી અમે વાતું કરીને ભગવાનપણાની નિષ્ઠા કરાવી. એમ એક શબ્દે એવાને જ્ઞાન થાય.
નિષ્ઠા : શ્રદ્ધા, આસ્થા, વિશ્ર્વાસ, ધારણા.
(126) શહેરનાં સુખડાંની આ દેશમાં કોઈને ખબર નથી. એક ભરવાડે બજર કેળવવા સારુ ગોળ મંગાવેલ, તે ભરવાડણ દૂધ વેચીને પાછી વળી ત્યારે ગોળ લઈને ત્રાંબડીમાં નાખ્યો. ત્રાંબડી દૂધાળી ને તડકો હતો તેથી ગોળ ઓગળી ગયો ને રસ્તામાં ઊંટનાં લીંડાં પડેલ તે વીણીને ગોળની ખબર ન રહેતાં ત્રાંબડીમાં નાખ્યાં. ઘેર ત્રાંબડી મૂકી કામે ગઈ ને વાંસેથી તેનો ધણી આવ્યો. તેણે ત્રાંબડીમાં જોયું તો શહેરનું સુખડું દીઠું ને ખાવા માંડયું તે ગળ્યું લાગ્યું; પણ સ્વાદ આવ્યો નહિ. પછી ભરવાડણે આવીને પૂછ્યું જે, ‘શું ખાઓ છો ?’ ત્યારે તે કહે, ‘તું લાવી છું તે શહેરનું સુખડું જાણીને ખાઉં છું; પણ સ્વાદ આવતો નથી.’ ભરવાડણ કહે, ‘તે તો ઊંટનાં લીંડાં છે.’ તેમ સંસારનાં સુખ એવાં છે પણ તેમાં ભરવાડની પેઠે સુખ માને છે, એ જ અજ્ઞાન છે.
બજર : તમાકું, છીંકણી, તપખીર.
સુખડું : મીઠાઈ.
(127) જ્ઞાની હોય તે પૂર્વાપર દૃષ્ટિ રાખે જે, ભગવાન વિના અન્ય પદાર્થમાં જોડાવું નહિ. વ્હાલું હોય તે વરવા જોગ થાય છે, તે જડભરતને મૃગલું દેખાણું માટે સર વળવા દેવી નહિ.
પૂર્વાપર : આગળપાછળ.
(128) મહારાજે કહ્યું હતું જે, ‘કોઈના હૈયામાં રહીને તથા કુસંગીમાં રહીને પણ કહીશ.’ તે સાધુએ જ્યારે કૂવામાં ધૂબકો માર્યો ત્યારે કોહવાળો બોલ્યો જે, ‘સ્વામિનારાયણના સાધુ હોય તે ધૂબકા ન મારે !’ ત્યારે યોગેશ્ર્વરદાસજી કહે, ‘સાધુરામ, મહારાજ બોલે છે ! પણ કોહવાળો બોલતો નથી.’ માટે સાધુ થાઓ, તો લોકમાં પણ સારું દેખાય.
(129) ગંગારામ મલ્લમાં હાથી ઊભો રાખે એવું બળ હતું, પણ તેનાં વેશ્યાએ વખાણ કર્યાં એટલામાં લાજ ગઈ. સ્ત્રી છે તે ભારે વિષય છે, એવું બંધનકારી બીજું નથી. જો વિચારો તો વહવાયાંમાત્ર એને અર્થે છે.
પુંસ: સ્ત્રિયા મિથુનીભાવમેતં તયોર્મિથો હ્રદયગ્રંથિમાહુ: ।
અતો ગૃહક્ષેત્રસુતાત્પવિત્તૈર્જનસ્ય મોહોડયમહં મમેતિ ।।
(શ્રીમદ્ ભાગવત : 5/5/8)
અર્થ :- સ્ત્રી અને પુરુષ બંનેનો જે પરસ્પર દામ્પત્યભાવ છે તે જ તેમના હૃદયની દુર્ભેદ્ય ગ્રંથિ છે આ કારણથી પુરુષને ગૃહ, ક્ષેત્ર, પુત્ર, સ્વજન અને ધન વગેરેમાં ‘આ હું છું, મારું છે.’ એવો મોહ થઈ જાય છે.
સ્ત્રી-પુરુષને પરસ્પર મિથુનીભાવ છે, તેથી તેને ઋષભદેવે હૃદયગ્ંરથિ કહી છે. પણ,
બ્રહ્મભૂતઃ પ્રસન્નાત્મા ન શોચતિ ન કાંક્ષતિ ।
સમઃ સર્વેષુ ભૂતેષુ મદ્ભક્તિં લભતે પરામ્ ॥
(ભગવદ્ ગીતા : 18/54)
અર્થ :- બ્રહ્મભાવને પ્રાપ્ત થયેલો તે પ્રસન્ન ચિત્ત મનુષ્ય, કશાનો શોક કરતો નથી કે કશાની આકાંક્ષા કરતો નથી અને સર્વ ભૂતોમાં સમભાવથી રહેતો થકો મારી પરમ ભક્તિને પામે છે.
એવો થાય ત્યારે એ ગ્ંરથિ ગળે. મહારાજે તો સૂતા સાપ જગાડયા છે. તે શું? જે, લોજમાં આવતાં વેંત વાળંદના કરામાં ગોખલો હતો તે બુરાવ્યો (પુરાવ્યો). વળી કથા કરતી વખતે બાઈ ભાઈની સભા ભેળી થતી તે કથા કરતા ઉઠાડયા ને બાઈ ભાઈની સભા નોખી કરી; તો પણ મુક્તાનંદસ્વામીએ ગુણ લીધો. આ તો બાંટવા પરગણામાં ખેવડો મૂળમાંથી ખોદી નાખે છે, તેમ મહારાજે વિષયનાં મૂળ ખોદી નાખ્યાં છે; માટે ભગવાનને મૂકીને બીજામાં માલ માનવો નહિ. આજ તો એક જ વાત છે જે વિષય ક્યાંથી ભોગવશું ? આગળ શરદઋતુ આવે છે, તે તાવ આવશે ને બધું ઝેર જેવું લાગશે.
અર્થ : ધન, સંપત્તિ.
ખેવડો : એકજાતનું ઘાસ.
(130) ભૂંડકેરાળામાં હરિજન નવરા થયા ત્યાં તો સાધુ સૂઈ ગયા હતા, પણ ટાઢ બહુ હતી એટલે હરિજને મોટા મોટા સદ્ગુરુને ગોદડાં ઓઢાડ્યાં. સવારે હરિજનને પૂછ્યું એટલે કહે, ‘કોરાં છે; સ્ત્રીઓનાં સંકેલેલ હશે, પણ વાપરેલ નથી.’ પછી ત્યાંથી જૂના સાવર ગયા. ત્યાં પંક્તિ થઈ એટલે જેણે ગોદડાં ઓઢાડ્યાં હતાં તે બધાને પંગત બહાર કાઢ્યા. ડબા ને લોટા મોટેરા જ રાખશે, ત્યારે બીજા કેમ નહિ રાખે ?
(131) પોતાનાં જીવનાં કલ્યાણને અર્થે સત્સંગ કરવો તે મોરેથી જ ખબરદાર રહેવું પણ કાંડે ઝાલે ત્યારે ઠીક ન પડે, માટે બાજરો ભેળો કરીને પ્રભુ ભજવા ને દેહનું આયુષ્ય પૂરું કરવું; એટલી જ વાત છે. રૂપિયાવાળા કાંઈ સોનાની કઢી કરતા નથી, ધાડુ એને ઘેર આવે. માટે એમાં કાંઈ સુખ કે માલ નથી ને એ તો ધૂડનાં પડીકાં છે એમ સમજી રાખવું; એટલે ખોવાય તો શોક ન થાય. રૂપિયા તો સો કરોડ સુધી પણ દાટવા છે ને દાટ્યા કેડે પણ એનું જ ભજન થાશે, પણ માળા નહિ ફરે.
કેડે : પાછળ.
(132) મહારાજ કહે અમે ચાર વાતથી ધરાતા નથી. તે શું ? જે, કથા, વાતું, ભજન ને સેવા તે આપણને શીખવ્યું. પોતે ‘હરે, હરે’ કરતા; તે પણ આપણને શીખવતા જે, “તમે પણ આવી રીતે કરશો ત્યારે તમારો ઠા રહેશે.”
ઠા : નિરધાર, ઠેકાણું, સ્થિરતા,
(133)
કુંતાજી દુ:ખ માંગ કે લીનો, એહી ભક્ત કી રીતિવે;
વિષય આનંદ ન લહે સુપન મેં જાહી પ્રભુપદ પ્રીતિવે.
એવાં હતાં, પણ પાંડવોને રાજ્ય મળ્યું પછી શ્રીકૃષ્ણ મળવા ગયા ને કુંતાજીને કહેવરાવ્યું જે શ્રીકૃષ્ણ આવ્યા છે તો કહે, ‘આવું છું.’ તે બે દિવસ રહીને ચાલ્યા તોય મળવા અવાણું નહિ માટે સુખમાં ભગવાન ન ભૂલાય તો સાચું. કુંતાજીએ દુ:ખ માગી લીધું; કારણ કે, સુખમાં ભગવાન સાંભરતા નથી.
કૃષ્ણ ત્વદીય પદપંકજ પઞ્જરાન્તે અદ્યૈવ મે વિશતુ માનસરાજહંસ: ।
પ્રાણપ્રયાણસમયે કફવાતપિત્તૈ: કણ્ઠાવરોધનવિધૌ સ્મરણં કુતસ્તે ।।
(પાંડવ ગીતા : 52)
અર્થ :- હે કૃષ્ણ, મારો ચિત્તરૂપી માનસહંસ આજે જ આપના શ્રીચરણકમળરૂપી પાંજરામાં પૂરાઈ જાઓ, પણ જ્યારે આ શરીરના પ્રાણના પ્રયાણ સમયે કફ, વાત અને પિત્તથી ઘેરાઈને કંઠ રુંધાઈ જશે ત્યારે આપનું સ્મરણ ક્યાંથી થઈ શકશે ?
જેને ભગવાનમાં પ્રીતિ હોય તેને વિષય સ્વપ્નામાં પણ ન આવે. ગોધલો બોલે ત્યારે ખડવાળા સાંભરે.
અર્થ : ધન, સંપત્તિ.
ગોધલો : નાનો બળદ.
(134)
યાવત્સ્વસ્થમિદં શરીરમરુજં યાવજ્જરા દૂરતો
યાવચ્ચેન્દ્રિયશક્તિરપ્રતિહતા યાવત્ક્ષયો નાયુષ: ।
આત્મશ્રેયસિ તાવદેવ વિદુષા કાર્ય: પ્રયત્નો મહાન્
સંદીપ્તે ભવને તુ કૂપખનને પ્રત્યુદ્યમ: કિદ્રશ: ।।
(વૈરાગ્યશતકમ્ : 86)
અર્થ :- જ્યાં સુધી પોતાનું શરીર નીરોગી છે, જ્યાં સુધી વૃદ્ધાવસ્થા દૂર છે, જ્યાં સુધી ઇન્દ્રિયોની શક્તિ હણાયા વગરની છે અને જ્યાં સુધી આયુષ્યનો નાશ થયો નથી ત્યાં સુધી સમજુ મનુષ્યએ આત્મકલ્યાણ માટે પ્રયત્ન કરવો જોઈએ; કારણકે ઘર સળગ્યા પછી કૂવો ખોદવા બેસવું એના જેવો વિપરીત ઉદ્યમ બીજો ક્યો હોઈ શકે ?
ઘર સળગ્યું ને જૂનાગઢનો કૂવો ખોદવો, તેમ જરા અવસ્થા આવી ને પછી ભગવાનનું ધ્યાન કરવું, તે એવું છે. માટે દેહ સાજો છે ત્યાં જ પ્રભુ ભજી લેવા, એ જ પાધરું બીજું તો,
ભોગે રોગભયં કુલે ચ્યુતિભયં વિત્તે નૃપાલાભ્દ્રયં
માને દૈન્યભયં બલે રિપુભયં રુપે જરાયા ભયમ્ ।
શાસ્ત્રે વાદભયં ગુણે ખલભયં કાયે કૃતાન્તાદ્ ભયં
સર્વં વસ્તુ ભયાન્વિતં ભુવિ નૃણાં વૈરાગ્યમેવાભયમ્ ।।
(વૈરાગ્યશતકમ્ : 31)
અર્થ :- ભોગમાં રોગનું ભય છે, કૂળમાં અધ:પતનનું ભય છે, પૈસામાં રાજાથી ભય છે, માનમાં દીનતાનું ભય છે, બળમાં શત્રુનું ભય છે, રૂપમાં ઘડપણનું ભય છે. શાસ્ત્રમાં વિવાદનું ભય છે, ગુણમાં દુષ્ટોનું ભય છે. શરીરને યમથી ભય છે, બધી જ વસ્તુઓ આ પૃથ્વી ઉપર લોકોની ભયથી ઘેરાયેલી છે. વૈરાગ્યવાન અભય છે.
માટે સર્વમાં ભય જોઈને ભગવાન ભજી લેવા.
(135) અહીંથી જગન્નાથ જાય કે કાશી જાય પછી જગન્નાથજીમાં મરે કે કાશીમાં મરે તો પણ ભૂત અહીં થાય. સૂરતના વાણિયાની જાન જતી હતી, તે વાણિયાં વહાણમાં મરી ગયાં. પણ સૂરતમાં નવાં ઘર કરેલાં તેમાં ભૂત થઈને રહ્યાં, પછી સૂરતમાં સાધુ ગયા તે કહે, ‘જૂનું ખંડિયેર હોય તો અમે ઊતરીએ.’ ત્યારે ભૂતવાળાં ઘર બતાવ્યાં, એટલે સાધુ ત્યાં ઊતર્યા. ગોડી, આરતી, ધૂન કરી બેઠા. ત્યાં બાયડી ભાયડા આઘે ટોળું વળી બેઠેલાં તેને દીઠાં. એટલે પૂછ્યું જે, ‘તમે કોણ છો ?’ ત્યારે કહે, ‘આ અમારાં ઘર છે ને ભૂત થયાં છીએ.’ ત્યારે સાધુ કહે, ‘આ ઘર અમને આપો તો તમારો મોક્ષ કરીએ.’ એટલે ભૂત તેમના સંબંધીમાં પેઠાં ને કહે, ‘ઘર સાધુને લખી આપો, નીકર તમારા બધાયના જીવ લેશું.’ પછી ઘર સાધુને લખી આપ્યાં, એટલે સાધુએ તેમને વર્તમાન ધરાવી મોક્ષ કર્યો.
છોડવડીના ચારણની ભેંશું ચોર લઈ ગયા પછી ચારણ ગોતતો ગોતતો ગરાસિયાને ઘેર ઊતર્યો. ત્યાં તેની જ ભેંશું વાડામાં પૂરેલ તે ચારણનો અવાજ સાંભળીને રણકી. એટલે ચારણે જાણ્યું જે, ભેંશું આંહીં છે. પછી તો ભેંશુંને પણ છોડવડીનો ઝીંઝવો સાંભરી આવ્યો, તે ખડ ખાય નહિ. અરધી રાતે ચારણ સાબદો થઈને ચાલ્યો ને વાડાની ઝાંપલી ઉઘાડી બોલ્યો જે, ‘લો બા, રામરામ છે.’ એટલે ભેંશું પણ તેનો સાદ સાંભળી વાડામાંથી પાડરડાં લઈને તેની વાંસે ચાલી નીકળી. ચારણે ઘેર જઈ કહ્યું જે, ‘ખીલા સાબદા કરો; ભેંશું આવે છે.’ ત્યાં તો ભેંશું આવી, એમ પશુને પણ દેશવાસના બંધાય છે, માટે આ સૌ ભેળા થયા છીએ તે વિચારવું જે દેહ, લોક, ભોગ ને પક્ષ તેમાંથી શેનું રટણ થાય છે ?
ઝીંઝવો : એ નામનું એક પોષક ઘાસ.
ખડ : ઘાસ.
વાંસે : પાછળ.
(136) અંબરીષ રાજાને ઘેર ચક્ર મૂક્યું હતું. તેમ મહારાજે ‘શિક્ષાપત્રી’રૂપ ચક્ર ઘરોઘર મૂક્યું છે તે સવારમાં ઊઠીને જ કહેવા માંડે છે જે ચોર, પાપી, વ્યસની, પાખંડી, કામી ને કીમિયા આદિકનો સંગ ન કરવો અને સ્ત્રીઓ સાથે વિવાદ ન કરવો અને ગુરુનું અપમાન ન કરવું તથા જે અતિશે શ્રેષ્ઠ મનુષ્ય હોય તથા જે લોકને વિશે પ્રતિષ્ઠિત મનુષ્ય હોય તથા જે વિદ્યાવાન મનુષ્ય હોય તથા જે શસ્ત્રધારી મનુષ્ય હોય તે સર્વેનું અપમાન ન કરવું. આ સર્વે જે પાળે તેની બુદ્ધિ નિર્મળ થાય છે. વળી,
ભિક્ષાં સભાં વિના નૈવ ગન્તવ્યં ગૃહિણો ગૃહમ્ ।
વ્યર્થઃ કાલો ન નેતવ્યો ભક્તિં ભગવતો વિના ॥
(શિક્ષાપત્રી શ્ર્લોક : 193)
અર્થ :- ભિક્ષા તથા સભાપ્રસંગ એ બે કાર્ય વિના ગૃહસ્થના ઘર પ્રત્યે જવું નહિ અને ભગવાનની જે નવ પ્રકારની ભક્તિ તે વિના વ્યર્થ કાળ નિર્ગમવો નહિ, નિરંતર ભક્તિ કરીને જ કાળ નિર્ગમવો.
ભગવાનની ભક્તિ વિના વ્યર્થ કાળ નિર્ગમવો નહિ. જેટલા ભગવાન ભૂલાય, એ વ્યર્થ કાળ ગયો જાણવો.
પ્રકરણ 10 ની વાત 186
પ્રકરણ 13 ની 12
પાળે : સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જાતનો સેવક/પાર્ષદ.
અર્થ : ધન, સંપત્તિ.
નિર્ગમવો : વીતાવવો-ગુજારવો.
(137) આ દેહ સાજો રહે એ પુણ્ય જાણવું, આ જોગ મળી ગયો એ પણ પુણ્ય જાણવું. જડભરતનો દયાળુ સ્વભાવ તેથી વિઘ્ન આવ્યું માટે ગમે તેવું વિઘ્ન આવે તો પણ ભગવાન તો મૂકવા જ નહીં. વૈષ્ણવનો વેરો માફ કર્યો એટલે વૈષ્ણવ વધી ગયા. પછી પરીક્ષા કરવા સારુ માંહી પતકાળાં ભરી સૌને કહ્યું જે, ‘ખરેખરા વૈષ્ણવ હોય તે માંહી વારાફરતી આવો. આજે સૌનાં માથાં કાપવાં છે.’ જે માંહી જાય તેને એક કોરે બેસારી પતકાળાં ઉપર તલવારનો ઘા કરે એટલે ફડાકો બોલે, પછી બીજાને બોલાવે. એમ કરતાં ચોરાશી વૈષ્ણવ જે ખરેખરા હતા તેણે માથાં દીધાં ને બીજા બધા ભાગી ગયા; તેમ આજે ખરેખરા સત્સંગી હોય તે માથાં દે છે. બધા સત્સંગીનાં માથાંથી વાવ ભરી દઈએ તો ય આ ભગવાન મળે નહિ, એવા ભગવાન મોંઘા છે, તે આજ સોંઘા થયા છે. પણ જીવને ખબર નથી જે, ‘શિર કટે સો વાર.’ તો ય પૂર્ણ પરમાનંદ ક્યાંથી મળે ?
પતકાળાં : પીળાં કોળાં.
ચોરાશી : ચોરાશી લાખ જન્મનું ચક્ર.
સોંઘા : સસ્તા, સો સો જન્મના પુરુષાર્થે પણ ન મળે એવા ભગવાન આજ મફતમાં સામે ચાલીને મળ્યા છે.
(138) આ લોકમાં જેટલા તણાણા તેની જિંદગી એળે ગઈ. આટલા દિવસ શેરડી ખાધી તેનો આ ટાણે સ્વાદ નથી. સો મણ ઘી ને સાકર ખાધી તો પણ જીભને ડાઘ પડ્યો નથી. તેમ જ સ્ત્રીનું, તેમ જ રૂપનું ને તેમ જ હોકાનું જાણવું; પણ જેટલી વાર નામરટણ કર્યું ને સ્મૃતિ કરી તે અવિનાશી થઈ ગયું.
એળે : ફોગટ, વ્યર્થ, નિરર્થક, વૃથા.
(139) કથા, કીર્તન, ધ્યાન ને ભજન એ ચાર વાતું રાખે તેને ભગવાનની સ્મૃતિ રહે. લાખ પૂળામાં જરા અગ્નિ પડે તો બધું બળી જાય, તેમ ગ્રામ્યકથા તો એવી છે જે બધુંય બાળી દે. લાધો ઠક્કર ગ્રામ્ય વાતું બહુ કરતો, તેથી મહારાજ વઢ્યા ને કહે, “તેને પેસવા દેશો નહિ.”
(140) કેટલાંક મનુષ્ય ભૂંડી પ્રકૃતિ મૂક્તાં નથી ત્યારે આપણે સારી પ્રકૃતિ શા સારુ (શા માટે) મૂકીએ ? તેથી ભગવાનમાં હેત થાય, સાધુમાં હેત થાય ને સૌ વખાણ કરે જે, એ બહુ સારા છે. અમે રસ્તે ચાલ્યા જાતા હતા ને ખડભારિયાં જોઈને અમે તર્યા, એટલે તે કહે જે, ‘આ ગાંડો થયો છે.’
(141) શૂરવીર હોય તે વિષયનું ખંડન કરે ત્યારે રાજી થાય ને બીજા રાજી ન થાય પણ પોતાના શત્રુ તો દૂબળા જ સારા. દાદાખાચરે વિશાજીને કૂંચી આપી તે વાત કરી. તેમ જેનો સારો દેશકાળ આવવાનો હોય તેનાં મનુષ્ય ઠાવકાં જ હોય.
સંવત 1918ના ભાદરવા વદિ પડવાને દિવસે સ્વામીએ સવારે વાત કરી જે,
(142) આચાર્યજી મહારાજને ‘પકવ કરીને મિત ભોજન કરવું ને પાણીનો માગ રાખવો.’ એમ કહ્યું, એ તો સૌને આજ્ઞા છે; પણ કોઈને વઢીને કહીએ ત્યારે કહેશે જે, ‘મારે એટલું જ કલ્યાણ જોઈએ છે;’ ત્યારે તેને શું વધુ કહીએ ?
(143) દશ રૂપિયાનો મહિનો દેતાં કોઈ એકલો ન ચાલે કે, સ્ત્રી સામું ન જુએ એવો કોઈ ન જડે ! માટે ધર્મ જેવું કાંઈ કઠણ નથી. આગળ મોટામોટાને પણ અધર્મે હેરાન કર્યા છે. આજ તો કળિકાળ છે તે સારધાર રાખવું બહુ કઠણ છે. ઇન્દ્રિયું-અંત:કરણ પણ આપણું ભૂંડું કરે એવાં છે; માટે નિયમ બરાબર પાળજો.
દશ : દિશા.
(144) મહારાજે સાધુને બહુ બહુ તાવ્યા, પણ કોઈ રીતે ડગ્યા નહિ; ત્યારે મહારાજ કહે, ‘તમે અમારે અર્થે બહુ કર્યું !’ એમ કહી દિલગીર થઈ ગયા પછી ત્યાગ મોળો પાડવા સારુ મહારાજ મુક્તાનંદસ્વામીને ત્રણ વરસ સુધી વઢ્યા ત્યારે માંડમાંડ ત્યાગ મોળો પડ્યો ને ત્યાર કેડે દશ વરસે સમજણ ફેરવી; તે અવતારમાત્ર સરખા સમજતા તે નોખું પાડ્યું, માટે સમજણ ફેરવવી એવું બીજુ કઠણ જણાતું નથી.
કેડે : પાછળ.
દશ : દિશા.
(145) ભારે દુ:ખમાં દુ:ખ ને ભારે દોષમાં દોષ તો નીચ માણસનો સંગ થાય એ જ છે. ઇન્દ્રિયું-અંત:કરણ પણ નીચ છે, માટે એને અધીન થાય તેનો સત્સંગ રહેવાનો નથી. સત્સંગથી વિમુખ થયો એથી બીજી હાણ નથી.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
હાણ : નાશ, નુકશાન.
(146) બધું તે બરાબર ક્યાંથી હોય ? કરોડ જાતનાં ખાધાં, પણ આ ટાણે કાંઈ નથી.
વાસાંસિ જીર્ણાનિ યથા વિહાય
નવાનિ ગૃહ્ણાતિ નરોઽપરાણિ ।
તથા શરીરાણિ વિહાય જીર્ણા-
ન્યન્યાનિ સંયાતિ નવાનિ દેહી ॥
(ભગવદ્ ગીતા : 2/22 )
અર્થ :- જેમ મનુષ્ય જૂનાં વસ્ત્રો ત્યજી નવાં વસ્ત્રો ધારણ કરે છે, તેમ દેહધારી આત્મા, જૂનાં શરીરો ત્યજી બીજાં નવાં શરીરો પામે છે.
કાળ છે તે દેહ, લોક, ભોગને ધૂડ કરી નાખે છે; માટે દેહના સુખ સારુ સત્સંગને ઘસારો લાગવા દેવો નહિ. વહેવારમાં તો મોટો નાનાને ઘસવે છે.
અર્થ : ધન, સંપત્તિ.
(147) આ સમાગમમાં કાપ્યું વ્યાજ મળે છે. એટલે આજ સમાગમ કર્યો તેનું ફળ વળતે દિવસ મળે ને વળતે દિવસ સમાગમ કર્યો તેનું ફળ આગલા દિવસ મળે ને આગલા દિવસનું ફળ ત્રીજે દિવસ મળે છે. એમ સમાગમનું ફળ આપીને સત્સંગ વૃદ્ધિ પમાડીએ છીએ.
(148) મોટાએ ઉપેક્ષા કરી ત્યારે જાણવું જે સીમાડો આવી રહ્યો. રોજ વઢીને કહે છે ત્યાં લગી ઠીક છે ને માર્યા કરતાં ઉપેક્ષા ભૂંડી છે !
રોજ : દરરોજનું મહેનતાણું/મજૂરી.
(149) મહારાજ ગઢડામાં કોઈકને જોવા ગયા, પણ ખાટલાને પાયે દોરો ભાળ્યો એટલે પાછા વળ્યા. પછી દોરો છોડી નાખ્યો ને મહારાજને કહ્યું જે, ‘તેને ખબર નથી, કોઈકે બાંધ્યો હશે.’ એટલે મહારાજ દર્શન દેવા ગયા. જેતપુરના કણબી હરજી કાપડિયાને ટાઢિયો તાવ આવતો તે બાવે દોરો બાંધીને ઉતાર્યો. પછી તેને ડોશીએ કહ્યું જે, ‘ભાઈ તારો તાવ બાવો ગોદડામાં ઘાલીને લઈ ગયો.’ પછી હરજી બાવા વાંસે ગયો ને કહે, ‘મારો તાવ પાછો લાવ, તારો ઉતાર્યો મારે ઉતારવો નથી. મારા ભગવાન સ્વામિનારાયણ છે તે ઉતારશે.’ પછી તે બાવે ગોદડું ઓઢાડ્યું ને દોરો પાછો લીધો કે તુરત જ તાવ આવ્યો. તો પણ હરજીએ બાવાને કહ્યું જે, ‘ભલે તાવ આવ્યો; તું તારે આંહીંથી જા.’ એમ બાવાને તગડી કાઢ્યો. તે વાતની મહારાજને ખબર પડી, તેથી મહારાજ તેના ઉપર બહુ પ્રસન્ન થયા, તે જેતપુર દર્શન દેવા ગયા; એવી દૃઢતા આપણે કરવી.
વાંસે : પાછળ.
દૃઢતા : મક્કમતા, દૃઢપણું.
(150) જેતપુરના ભૂતને મહારાજે ધૂણાવીને કહ્યું જે, ‘આંહીંથી જા.’ ત્યારે તે કહે, ‘હું ક્યાં જાઉં ?’ મહારાજ કહે, ‘અમારામાં આવ.’ તો કહે, ‘ત્યાં તો ન અવાય.’ મહારાજ કહે, ‘આ સાધુમાં જા.’ તો કહે, ‘એમાં પણ મારાથી ન પેસાય; પણ તમે કહો તો આ ડોશીઓમાં કોઈકમાં જાઉં.’ પછી ડોશીઓ કહે, ‘મહારાજ અહીં મૂકશો મા, અમે હવે ચોખ્ખી રીતે વરતશું.’ માટે સત્સંગ વિના કોઈ અંત:કરણ શુદ્ધ કરે એમ નથી.
(151) કરોડો વાતુંનો ત્યાગ કરે ત્યારે બ્રહ્મચર્ય રહે. દેહના અંત સુધી આમ ને આમ ચોખ્ખું રહેવું છે, આંહીં છે તે જ ત્યાં છે તેને મોઢું શું દેખાડશું ? રાઠોડ ધાધલે કહ્યું જે, ‘પાછો હઠું ત્યારે જેતપુરની કચેરીમાં મોઢું શું દેખાડું ?’ તેમ આપણે આજ્ઞા પાળવામાં પાછું હઠવું નહિ.
(152)
કોઈ પદાર્થ ન જોઈએ ત્યારે અહિંસા ધર્મ પળે.
કરજો સત્સંગની સહાય રે સત્સંગની સહાય રે;
વ્હાલા, ધર્મ સંકટની માંહેરે, કરજો સત્સંગની સહાય રે; કરજો0
નિત્ય ઊઠીને નવલા આવે, ગાવે મહાતમ મુખ,
કોટિ ઉપાયે કેડ ન મૂકે, એ વાતનું દુ:ખ રે; કરજો0
એ તો સૌનું સરખું કહ્યું વળી કહેવાનું એક,
રસ્તાના રહેનારાની કેદી ટકશે નહિ ટેક રે; કરજો0
એ બોલ્યા. સત્સંગીની સાથે કરડી નજર કરશે તેની આંખ ફૂટી જાશે, માટે સત્સંગીને દુ:ખ ન થાય એમ વરતજો ! મહારાજ કહેતા જે, “સત્સંગીને દુ:ખ થાય એમ વરતે છે, તે તો અમારું લોહી પીએ છે.”
કોટિ : કરોડ.
(153) ભગવાનને રાજી કરવા સારુ ભોંય પથારી કરી છે. જેતલપુરમાં ધાબો ઊખડી ગયો હતો, તેથી એકલા કાંકરા દેખાતા હતા પણ અમે પાથર્યા વિના સૂતા એટલે ઊંઘ આવી નહિ. ત્યારે મુક્તાનંદસ્વામીએ અમને કહ્યું જે, ‘કટવેડો પાથરીને સૂવો.’ પછી અમે કહ્યું જે, ‘તમે પાથરો તો પાથરું.’ ત્યારે કહે, ‘મહારાજની આજ્ઞા નથી ને તમે તો નવા છો તે પાથરો.’ ત્યારે અમે કહ્યું જે, ‘તમારે મોક્ષનો ખપ છે ને અમારે નથી ?’ પછી તો કાંકરા ઉપર જ સૂતા ને અભ્યાસ પાડ્યો તે કાંઈ થયું નહિ. પણ આપણી નજર પૂગતી નથી જે, સોઢીનો ત્યાગ કરીને વડોદરું લેવું છે; એટલે કે પાપરૂપ વિષય મેલીને અક્ષરધામમાં જાવું છે.
કાંકરા : રાઈ-મરી.
(154) ખરેખરા શૂરવીર હોય તે માથું જાય તો પણ વર્તમાન લોપે નહિ. જાતિનું ફેરવવું કઠણ છે તેમ વિષયનું ફેરવવું પણ કઠણ છે, જો સમજણ આવે ને હાડ-માંસના દેહનું રૂપ જણાઈ જાય તો વાંધો નહિ.
(155) મોટે મોટે જે સમાગમ માગ્યો છે તે આજ આપણને મળ્યો છે છતાં મનુષ્યભાવ રહે છે, એ મોટી ખોટ છે. અમે તો જીવોનાં કલ્યાણને અર્થે દેહ ધર્યો છે. આખા વરતાલમાં એક રઘુવીરજી મહારાજે અમને ઓળખ્યા; તે પગે ચાલીને અમારો સમાગમ કરવા જૂનાગઢ આવ્યા છે. જેને જેટલો વૈરાગ્ય ને સમજણ છે તે સર્વે સત્સંગમાંથી આવ્યું છે, પણ નિયમ વિના ત્યાગ નહિ રહે ને નિયમ વિના માળા પણ નહિ ફરે. ગામ વાવડીમાં મહારાજે ગરાસિયા પાસે કહ્યું હતું જે, ‘આ સાધુ ને નિયમ, એ બે તો અમે અક્ષરધામમાંથી લાવ્યા છીએ.’ માટે આ સાધુનો સમાગમ કરી લેવો ને નિયમ મોળાં પડવાં દેવાં નહિ.
મનુષ્યભાવ : દેહભાવ, માયિકભાવ, જેમાં ગુણાનુરાગ - ગુણાનુબુદ્ધિ પ્રવર્તે છે તેવો ભાવ.
સ્વામીએ બપોરે વાત કરી જે,
(156) જેટલો સમાગમે કરીને સંસ્કાર થાય તેટલો વૈરાગ્ય થાય છે. તપસ્વી જોગી કહેવાય, પણ સત્સંગી ન કહેવાય.
(157) સત્સંગીની લાજ ઉપર મહારાજે વાત કરી હતી જે, ‘જેટલો આત્માનંદસ્વામીને ત્યાગ તેટલો મુક્તાનંદસ્વામીને લાજે કરીને ત્યાગ રહે છે.’ મુક્તાનંદસ્વામીને કોઈકે નહાતા દીઠા, એટલે મહારાજને કહ્યું જે, ‘મુક્તાનંદસ્વામી બહુ રૂપાળા છે.’ પછી મહારાજ મુક્તાનંદસ્વામીને વઢ્યા જે, “ઉઘાડે શરીરે કેમ નહાયા ?”
(158) આ સાધુનો સમાગમ છે તો આંહીં બેઠા છીએ. છાવણીમાં એટલો જોગ થયો તો કેટલો સમાસ થયો ! માટે આ સત્સંગ કરે તેના તો દોષમાત્ર ટળી જાય ને જ્ઞાન પણ થાય.
(159) આ તો ભેળા રહ્યા છીએ, પણ ક્યાં સારા સાધુને જીવ આપ્યો છે? આ તો મળે તે પણ ઉપરથી મળે ને હેત બહુ જણાવે, પણ જેને હેત હોય તેને તો જેમ ગામ આખાના બ્રાહ્મણ જેરામ પટેલના દીકરાનો હાથ ભાંગ્યો ને જેરામે ચીસ પાડી તેમ થાય. બે ભાઈબંધ કમાવા ચાલ્યા પણ રસ્તામાં દ્રવ્ય મળ્યું એટલે પાછા વળ્યા ને બપોર વખતે ઝાડ હેઠે વિસામો ખાતા હતા. તેમાં એક સૂઈ ગયો હતો તેને સાપ કરડવા આવ્યો. ત્યારે બીજો તલવાર લઈને આડો ઊભો રહ્યો એટલે સાપ બોલ્યો જે, ‘એ મારો શત્રુ છે, માટે મારે એના ગળાનું લોહી પીવું છે.’ પછી મિત્ર કહે, ‘તને એના ગળાનું લોહી આપું તો ?’ ત્યારે સાપ કહે, ‘તો ન કરડું.’ પછી તલવારે છરકો કરી ગળું કાપ્યું, ત્યાં તે જાગી ગયો ને જોયું તો પોતાનો મિત્ર હતો એટલે પાછી આંખો મીંચી ગયો ને મિત્રે તો લોહી પાંદડાના પડિયામાં ભરી સાપને આપ્યું, તે સાપ પીને વહ્યો ગયો. પછી મિત્રે પોતાની પાઘડી ફાડી પાટો બાંધ્યો ને જ્યારે તે ઊઠયો ત્યારે ચાલતા થયા. તે બે દિવસ થયા તો પણ પૂછ્યું નહિ. ત્યારે કહ્યું જે, ‘તારું મેં તલવારે ગળું કાપ્યું તો પણ તું કેમ પૂછતો નથી ?’ ત્યારે તે કહે જે, ‘મેં એમ જાણ્યું જે, મારો મિત્ર જે કરતો હશે તે મારું હિત જ કરતો હશે ! એમાં શું પૂછવું ?’ જેને વિશે હેત હોય તે મર (ભલે) બીજે ગામ રહેતા હોય તો પણ ભેળા થયા વિના રહે જ નહીં. નિષ્કુળાનંદસ્વામી શેખપાટથી ભાદરે સત્સંગ સારુ આવતા. એમ હેતની વાત છે પણ આ તો ગરાસિયાના જેવું હેત, તેમાં કાંઈ પાકે નહિ.
મર : ભલે.
(160) હરિપ્રસાદદાસને સમૈયે જાતાં જોડ બાંધવાનું કહ્યું. ત્યારે તે કહે જે, ‘જોડનું શું કામ ?’ એટલે અમે કહ્યું, ‘તાવ આવે તો જોડિયો હોય તે રોકાય.’ ત્યારે હરિપ્રસાદદાસ કહે, ‘મને તાવ આવે નહિ. અમે કહ્યું જે, ‘આવે તો ?’ ત્યારે કહે, ‘ન જ આવે.’ પછી તો ગઢડે ગયા, ત્યાં તાવ આવ્યો; એટલે મનાણું. ગઢડામાં એક જણે કહ્યું જે, ‘એવી જોડ બાંધી છે જે કોઈ દિવસ માંદા જ ન થઈએ.’ તે ધણી ત્રીજે દિવસ માંદો પડ્યો; માટે કોઈ વાતનો અહંકાર ન કરવો.
(161) ‘હુંથી ન થાય.’ એમ બોલે ત્યારે જાણવું જે સરું આવી રહ્યું. સાંતીવાળા મંડ્યા છે તેમ મંડવું, નીકર કાઠીના ટોરાઈ ગયેલ ખેતર જેવું થાશે. બાંટવા પરગણામાં વીઘે કળશી બાજરો થાય છે. જેમ ખેડ, ખાતર ને પાણી, તેમ જેને કલ્યાણ ઇચ્છવું હોય તેને શ્રદ્ધા, ખપ ને સમાગમ એ ત્રણે જોઈએ.
(162) દેશકાળ રૂડા છે ને કસર રહેશે ત્યારે વાંધો કયે દિવસ ભાંગશે? ખેડુ ખેતર રેઢાં મૂકે તો બગડી જાય તેમ સત્સંગ પણ રેઢો મૂકે તો બગડી જાય. મહારાજ પણ હરિજનનાં નામ લઈ પારા મૂક્તા, તે બધાનાં વખાણ કરતાં કરતાં દેવજી ભક્તનું નામ આવ્યું ત્યારે મહારાજ કહે, ‘ઈ ખરા!’ કૃપાનંદસ્વામી ને અમે ફરતાં ફરતાં દેવજી ભક્તને ગામ ગયા ત્યારે રાતે કથા થઈ રહી ને બાર વાગ્યા, તો ય દેવજી ભક્ત ઊઠયા નહિ. પછી અમે કહ્યું જે, ‘ભક્ત, તમારે ખેડનો ધંધો તે થાકી રહ્યા હશો ને ઊંઘ આવતી હશે, તે હવે સૂઈ જાઓ.’ ત્યારે તે કહે, ‘હજી તો ખેતર આંટો જઈશ, પછી ધ્યાન કરીશ ને ઊંઘ આવીને સામી છેટે ઊભી રહેશે, તેને હું કહીશ જે હવે આવ, ત્યારે ઊંઘ આવશે પણ તમે આજ ચાલીને આવ્યા છો ને થાક્યા હશો, તે ઊંઘ આવતી હોય તો સૂઈ જાઓ; લો ઊઠું.’ ત્યારે અમે કહ્યું જે, ‘ભક્ત, એ તો ભારે વાત !’ તે એવા હોય ત્યારે જ મહારાજ તેમને માળામાં ગણતા હોય.
કોઈ એવા ભગવદી ન હોય તેનું નામ કોઈ મહારાજને યાદ આપે તો મહારાજ કહેતા જે, ‘ઈ આ માળામાં ન આવે.’ પછી પાણવીવાળા ભક્ત પૂંજા ડોડિયાનું નામ દીધું. ત્યારે મહારાજ કહે, ‘ઈ ખરા !”
પેટ કટારી રે, પહેરીને સન્મુખ ચાલ્યા.
સાચા શૂરા રે, જેના વેરી ઘાવ વખાણે,
જીવિત જૂઠું રે, મરવું તે મંગળ જાણે.
(કીર્તન મુક્તાવલિ : 403)
માટે ગાફલ હશે તેને દેશકાળ લાગી જાશે. અક્રુર ભગવાનથી છાનોમાનો મણિ ચોરીને વહ્યો ગયો.
ઘટ મેં કુબુદ્ધિ કેસિ ભઈ હે હરામી નર,
અંતર કે જામી સાથ મનહું કું ચોર હે;
વિષય મેં ભૂલ ગયો હરિ કો ન નામ લહ્યો,
હાનીહુ કો પાર નાંહિ લાલચ તો થોર હે.
જેસે કોઉ કંચનકું ધૂલી મેં મીલાય દેત,
જેસે કોઉ પારસમનિ પથર સેં ફોર હે;
બ્રહ્માનન્દ કહે તોય હોય હુશિયાર નર,
સુંદર લગી હે તીર નૌક ક્યુહી બોર હે.
(બ્રહ્માનંદ કાવ્ય : કવિતા)
માટે કોઈ ભેળું નહિ આવે. સમાગમ વિના કોઈને સમજણ આવી નથી ને આવશે પણ નહિ. હજારવાળા, દશ હજારવાળા, લાખવાળા ને કરોડવાળા સર્વે મરી ગયા. અંતે જરૂર આ ઘડો ફૂટવાનો છે, પછી સૌ ઠેકડી કરશે ને જેમ રીંગણું સુકાઈ જાય તેમ કાયા સુકાઈ જાશે ને પછી છોકરા મારશે તો પણ તેનો અવગુણ નહિ આવે એવું તો ઘરોઘર સળગી ઊઠ્યું છે, માટે આ સમાગમ ન હોય તો ક્યાંયનું ક્યાંય જાતું રહેવાય. પંચાળા ને બાલાગામની સીમના ચાસટિયાની વાત કરી જે, રેલનું પાણી પાય ત્યારે મહિનો દિવસ સુધી વધ્યા કરે, તેમ રેલની પેઠે સમાગમ કરે ત્યારે એવો ને એવો સત્સંગ રહે.
કસર : ખોટ, ઉણપ.
દશ : દિશા.
(163) આચાર્ય મહારાજ આગળ વાત કરી જે, સમગ્ર શાસ્ત્રનો સાર પાંચ વાતમાં આવી જાય છે, તેમાં પ્રથમ મૂકવાની વાત, તે લોભ, કામ, રસાસ્વાદ, સ્નેહ, માન, દેહાભિમાન અને સાતમો પક્ષપાત; એ સાત દોષ જીવ જ્યારે મૂકે છે ત્યારે જ સુખિયો થાય છે. બીજી વાત જાણવાની, તે સ્થાવર જંગમ જીવપ્રાણીથી લઈને પ્રકૃતિપુરુષ પર્યંત જે નામરૂપ ને આકારમાત્ર છે તે સર્વેનો કાળ જે તે ચાર પ્રકારના પ્રલયે કરીને કાળાંતરે નાશ કરે છે, એ વાત અવશ્ય સમજીને એ માયાના સર્ગમાં લેશમાત્ર પ્રીતિ રહેવા દેવી નહિ અને એ બધાંને સો કરોડ મણ ઢૂંસાં ને રાખનાં પડીકાં જાણવાં.
ત્રીજી વાત સમજવાની, તે પુરુષ-પ્રકૃતિથી પર સદા દિવ્ય સાકાર અને અવતારમાત્રના અવતારી અક્ષરાતીત પ્રગટ પુરુષોત્તમ શ્રી સહજાનંદસ્વામી તથા તેમને રહ્યાનું જે અક્ષરધામ અને તે અક્ષરધામના સાધર્મ્યપણાને પામ્યા જે મુક્તો, તેમનાં સ્વરૂપનું યથાર્થ જ્ઞાન; અને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને માહાત્મ્ય જ્ઞાનેયુક્ત જે પ્રગટ ભગવાન શ્રી સહજાનંદસ્વામીને વિશે ભક્તિ અને એ ચારેયસહ વર્તમાન જે પરમ એકાંતિક ધર્મના ધરતલ જે પ્રગટ એકાંતિક સત્પુરુષો; અને જીવ, ઈશ્ર્વર, માયા, બ્રહ્મ ને પરબ્રહ્મના સ્વરૂપને યર્થાથપણે વર્ણવતાં સત્શાસ્ત્રોનાં પ્રમાણ વચનો, એ સર્વનાં સ્વરૂપને બરાબર સમજવાં વળી. પરોક્ષ બ્રહ્મના અને જીવ, ઈશ્ર્વર, બ્રહ્મના અભેદ વર્ણનમાં જ વેદાંતનો અંત આવી જાય છે; પણ નિજાત્માનં બ્રહ્મરૂપં દેહત્રયવિલક્ષણમ્ । કહેતાં ત્રણ દેહથી પોતાના આત્માને પૃથક્ માની, સનાતન અક્ષરબ્રહ્મ કે તેના સાધર્મ્યપણાને પામેલ પ્રગટ મૂર્તિ સાથે ઐક્યતાની ભાવના કરીને મહારાજની સર્વોપરી ઉપાસના કરવાથી જે આત્યંતિક મુક્તિ થાય છે, એવો ન ભૂતો ન ભવિષ્યતિ । અર્થ :- પહેલાં થયું નથી અને ભવિષ્યમાં થશે નહિ. અને અલૌકિક મોક્ષનો મારગ મહારાજે સ્થાપ્યો છે એ વાત સત્શાસ્ત્ર પઠનથી સમજવાની છે.
ચોથી વાત કરવાની, તે શાસ્ત્રમાં મોક્ષને અર્થે અનેક સાધનો કહ્યાં છે પણ તે સર્વેમાં અતિ શ્રેષ્ઠપણે મુખ્ય તો એકાંતિક સાધુના સંગે કરીને ભગવાનનો દૃઢ આશરો બ્રહ્મરૂપે કરવો તે છે. અને પાંચમી વાત રાખવાની, તે આત્મા પરમાત્માના સ્વરૂપના શુદ્ધ વિચારને અખંડ ધ્યાનમાં રાખવો. અને મહારાજે છેલ્લાના 30માં વચનામૃતમાં કહ્યા જે પાંચ અનુસંધાન અને જાણપણારૂપ વિચાર તે અખંડ રાખવા અને છેલ્લાના 39માં વચનામૃતમાં કહ્યો જે આત્મા પરમાત્માનો વેગ તે જે અખંડ લગાડી રાખવો અને એ બધા જ્ઞાનનાં કારણ જે ભગવાનના પરમ એકાંતિક સંત તેમની સાથે જે તે દૃઢ પ્રીતિ ને મમતા તે અખંડ રાખવી.
આવી રીતે એ પાંચેય વાનાંએ કરીને આત્યંતિક પ્રલય જે જ્ઞાનપ્રલય તેણે કરીને જે માયિક ઉપાધિનો ત્યાગ કરે છે અને અક્ષરબ્રહ્મરૂપ થઈને જે પુરુષોત્તમ-નારાયણના સ્વરૂપમાં ઉપશમને પામે છે તેને પાછી કોઈ કાળે માયિક ઉપાધિ વળગતી નથી, એ સિદ્ધાંત વાત છે.
પ્રકૃતિપુરુષ : ચેતન અકર્મણ્ય પુરુષની મદદથી જડ પ્રકૃતિમાંથી સમગ્ર સૃષ્ટિની ઉત્પતિ થઈ તે
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
માહાત્મ્ય : મહિમા, મહત્વ.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
મૂર્તિ : સંતો.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
અર્થ : ધન, સંપત્તિ.
પ્રલય : વિનાશ, કલ્પને અંતે જગતનો નાશ.
(164) ભગવાનના ભક્તનો વિશ્ર્વાસ હશે તેના દોષ ટળશે. મનુષ્યનો એવો સ્વભાવ જે બીજાની ખોટ કાઢીને પોતાને ડાહ્યો સમજે ને કહે જે, ‘ટોપીવાળાને રાજ કરતાં નથી આવડતું.’ પણ પોતાનાં ઘરમાં પાંચ માણસ સચવાતાં ન હોય; માટે પોતામાં ખોટ સમજે તો જ સમાસ થાય.
(165) તાવ નથી આવ્યો, વાળો નથી નીકળ્યો એ આદિક દુ:ખ નથી, છતાં પીડા મટે નહિ. એ શું ? વર્તમાન ધાર્યાં ત્યારે પાંચ માળાનું કહ્યું હોય ને હવે ઝાઝી માળાનું કહીએ તો ગમે નહિ ત્યારે પીડા પણ શેની (શાની) ટળે ? એક કાઠીને નિયમ ધરાવ્યા, ત્યારે ચાર નિયમ પાળવાનું કહ્યું હતું ને પછી અગિયાર કહ્યા. ત્યારે કાઠી કહે, ‘ફર્યું ફર્યું બોલ મા. પહેલાં ચાર નિયમ કહ્યાં હતાં તે હવે અગિયાર કાણા સાટું ભણતો સે ?’ અને તેને મહારાજ તેડવા ગયા ત્યારે કહે, ‘મહારાજ હમણાં તો ભેંશું દૂઝે છે.’ તે સાંભળી વાજસુર ખુમાણ આદિક હસ્યા.
(166) આપણે જે ધારીએ તે થાય, પણ જો નિરધાર કરે તો સત્સંગને પ્રતાપે બધું થાય. નાનું બાળક હોય તે પ્રથમ કાંઈ ઉપાડી શકે નહિ પણ જુવાન થાય ત્યારે ધારે તે ઉપાડી જાય. હીરાનું પારખું ઝવેરીના સંગે કરીને થાય, તેમ સત્સંગ કરતે કરતે મોહ ટળે, પ્રમાદ ટળે ને બુદ્ધિમાં પ્રકાશ થાય. કણબી નહાય નહિ, પણ સંગે કરીને રોજ નહાય છે, કાઠી ને કોળીના ઘરમાં પૂજા હોય નહિ; પણ સત્સંગે કરીને કંઠી ને પૂજા રાખે છે.
મૂકં કરોતિ વાચાલં પઙ્ગું લઙ્ઘયતે ગિરિમ્ ।
યત્કૃપા તમહં વન્દે પરમાનન્દમાધવમ્ ।।
(ભગવદ્ગીતા : શ્રીકૃષ્ણ ધ્યાન-વંદન-8)
અર્થ :- જેમની કૃપા મૂંગાને વાણી આપે છે અને પાંગળાને પર્વત ઓળંગાવે છે, તે પરમાનંદ સ્વરૂપ શ્રીમાધવને હું વંદન કરું છું.
જો કોઈ જાઈ મિલે ઉનસૂં નર, હૈ જગમાંહી બડો સત્સંગા,
દોષ કલંક સબૈ મીટ જાવત, હોત પવિત્ર લગૈ હરિ રંગા;
જ્યું જલ ઔર મલીન મહાઅતિ, નીંચહુ જાઈ જુ હોત ઉતંગા,
સુંદર શુદ્ધ કરૈ તત્કાલ જ્યું, ગંગ મીલે હુઈ જાત હિ ગંગા;
હૈ જગમાંહી બડો સત્સંગા.
વિશ્ર્વામિત્રે શેષશાયીને, ‘લવ સત્સંગનો મહિમા કેટલો ?’ એમ પૂછયું, ત્યારે શેષશાયી કહે, ‘તમારાં સર્વે પુણ્યને બળે કરીને આ પૃથ્વી ઘડીક અધ્ધર ઝાલી રાખો, તો ઉત્તર કરી દઉં.’ પછી તેમ કર્યું, પણ પૃથ્વી અદ્ધર થઈ નહિ. ત્યારે શેષશાયી બોલ્યા જે, ‘લવ સત્સંગના મહિમાએ કરીને આ પૃથ્વી અદ્ધર રહો !’ પછી પૃથ્વી અદ્ધર થઈ ! એટલે શેષશાયી કહે, ‘ઉત્તર સમજાણો કે નહિ ?’
તાત સ્વર્ગ અપવર્ગ સુખ, ધરીયે તુલાયક અંક;
તુલે ન તાહિ સકલ મીલી, જો સુખ લવ સત્સંગ;
એવો આ સત્સંગનો મહિમા છે.
રોજ : દરરોજનું મહેનતાણું/મજૂરી.
અર્થ : ધન, સંપત્તિ.
શેષશાયી : શેષનાગપર શયન કરનાર ભગવાન વિષ્ણુ.
(167) અર્જુને દૃષ્ટિનો સંકોચ કર્યો તો મચ્છ વીંધાણો, તેમ દૃષ્ટિ પાછી વાળીને ભગવાનમાં જોડે તો પછી કાંઈ દેખાય જ નહિ ને જે એવી રીતે દૃષ્ટિ સંકેલે છે તે નિશાન પાડે છે તેમ દૃષ્ટિ પાછી વાળે તો જ મૂર્તિમાં મન રહે. બીજી કલમુંમાત્ર શીખે ત્યારે આવડે ને તેનું ફળ રોટલા, લૂગડાં મળે એ જ. ને આ કલમ છે તે મોક્ષ પર છે.
પ્રકરણ 9 ની વાત 276
(168) લાધો ઠકકર કાગળ લખે ત્યારે થોડા અક્ષરમાં મુદ્દો હોય તે આણી દે, તેમ મહારાજે બધાયનું દોહન ‘શિક્ષાપત્રી’ કરી છે.
(169) સત્સંગ રાખવો તેણે અધર્મી માણસથી છેટે રહેવું. તેના સંગથી ઘણાંને કુસંગી થાતાં જોયાં, કાં જે એ મારગ જ એવો છે, તે કાંઈક ગોટો ઘાલી દે ને કાળ પણ બુદ્ધિ ફેરવી દે છે.
કાલો બલીયાન્ બલિનાં ભિદ્યતે તેન બુદ્ધય: ।
કામલોભરસાસ્વાદ: સ્નેહમાનવતાં મુને ।।
(સુભાષિત)
અર્થ :- કાળ બળવાન છે, તેથી બળવાન લોકોની પણ બુદ્ધિ ફરે છે. સ્નેહ અને માનવાળાઓ કામ, લોભનો રસાસ્વાદ લે છે.
તે બુદ્ધિ ફરે ત્યારે અવળું સૂઝે. જ્યાં વિષય આવ્યા ત્યાં એમ હોય ને આ તો ગંધ સહી રહી છે; પણ વિષય તો ઝેર જેવા છે.
મુક્તિમિચ્છસિ ચેત્તાત વિષયાન્વિષવત્ત્યજ ।
ક્ષમાર્જવદયાતોષસત્ય પીયૂષવભ્દજ ।।
અર્થ :- હે પુત્ર, તને મુક્તિની ઇચ્છા હોય તો વિષયોને વિષની જેમ ત્યાગ કર. ક્ષમા, સરળતા, દયા, સંતોષ અને શીલ આ ગુણોનો અમૃતની માફક આશ્રય કર.
માટે આપણે ઝેરની પેઠે વિષયનો ત્યાગ કરવો.
અર્થ : ધન, સંપત્તિ.
(170)
બિનુ સત્સંગ ન હરિકથા તા બિનુ મોહ ન ભાગ;
મોહ ગયે બિનુ રામપદ હોત ન દૃઢ અનુરાગ.
આજની ઘડી દુર્લભ છે. આ સંત છે તે પણ દુર્લભ છે. આમને આમ રહે નહિ, માટે જેમ ચોકડું ને સુકાન મરડ્યા કરે છે, તેમ આપણે મનને ભગવાન સામું મરડ્યા કરવું, નહિ તો બીજા કોઈ મારગે ચડી જવાય. વાણી નિયમમાં ન હોય તો પણ દુ:ખ આવે તે સીતાજીએ લક્ષ્મણજીને વચન માર્યાં જે, ‘રામ મરે તો ‘હું દેરવટું વાળું’ એ સારુ બેઠા છો ને વાંસે જાતા નથી, પણ દેરવટું નહિ વાળું ને જીભ કરડીને મરીશ.’ તે લક્ષ્મણજીએ તો રૂપેય જોયું નહોતું ને કાંઈ ઘાટ પણ નહોતો, વળી રામચંદ્રજીની આજ્ઞાથી સીતાજીની રક્ષા માટે બેઠા હતા, એવા જતિને વેણ માર્યાં, તો હરાણાં ને વનવાસ ભોગવવો પડ્યો ને મહાકષ્ટ ભોગવવું પડયું.
વાંસે : પાછળ.
ઘાટ : માયિક સુખ ભોગવવાનો સંકલ્પ, વિકારનો સંકલ્પ.
(171) વર્તમાન અણીશુદ્ધ રાખે તો ઠીક રહે, નહિ તો ઝાંખો પડી જાય. માટે આ મારગે ચલાય એટલી જ બુદ્ધિ જાણવી.
તુલસી સો હિ ચતુરતા, રામચરણ લૌલીન;
પરધન પરમન હરન કું, વેશા બડી પ્રવીન.
(તુલસીદાસની સાખીઓ : 65)
અર્થ : ભગવાન રામચંદ્રના ચરણમાં એકાગ્ર થઈ જવું તે જ ખરી ચતુરાઈ છે. બાકી પારકાનું ધન હરી લેવામાં અને પારકાના મનને જીતી લેવામાં તો વેશ્યા પણ બહુ કુશળ હોય છે, માટે ધન કમાવામાં અને બીજાના ચિત્તનું આકર્ષણ કરવામાં કશી જ ચતુરાઈ નથી, પણ સાચી ચતુરાઈ પ્રભુભક્તિમાં તલ્લીન થવામાં જ છે.
માટે ઇન્દ્રિયારામ ક્યાં ? ને આત્મારામ ક્યાં ? સત્સંગી જેવો તેવો હોય પણ મોટા પંડિતને પ્રશ્ર્ન પૂછીને ઊભો રાખે. સૂરાખાચરે એક બાવાને પ્રશ્ર્ન પૂછયો જે, ‘લઘુશંકા એટલે શું ?’ ત્યારે બાવો કહે, ‘કુછ ખાને પીને કી વસ્તુ હોયગી.’ એમ ઇન્દ્રિયારામ હોય તે કળાઈ રહે અને પીઠવડીના હરિભક્ત પૂંજા પટેલના દીકરા રામજીને નાગરે પ્રશ્ર્ન પૂછયો જે, ‘છોકરા, કાયાનું કલ્યાણ કેમ થાય ?’ ત્યારે રામજીએ નાગરને બાજરાનો રોટલો ને દૂધ જમતો જોઈ કહ્યું જે, ‘બાજરાનો રોટલો ને દૂધ ખાઈએ તો કાયાનું કલ્યાણ થાય; ને જીવના કલ્યાણની વાત જુદી છે.’ એવા જગતમાં પ્રશ્ર્ન પૂછે છે માટે સમાગમ વિના પૂછતાં પણ ન આવડે, તો ઉત્તર તો આવડે જ ક્યાંથી ? માટે જ્યારે સત્સંગ ઓળખાશે ત્યારે કુસંગનો ત્યાગ કરીને સત્સંગ કરાશે.
અર્થ : ધન, સંપત્તિ.
ઇન્દ્રિયારામ : દેહ અને ઇન્દ્રિયોનાં પાલનપોષણમાં જ રાચનાર આસક્ત વ્યક્તિ.
આત્મારામ : સાંખ્ય- વિચારે કરીને 'હું તો દેહથી નોખો જે આત્મા તે છું'
કળાઈ : કોણીથી કાંડા સુધીનો હાથ.
સંવત 1918ના ભાદરવા વદિ બીજને દિવસે સ્વામીએ સવારે વાત કરી જે,
(172) બહારગામના સત્સંગી, સાધુનાં દર્શન કરવા સારુ અહીં આવેલ છે ને અહીંના સાધુ ગિરનારનાં દર્શન કરવા ગયા છે. એક બાવો વાડીએ રહેતો ને ગામમાં જાતો નહિ. વાડીવાળા અન્ન આપે તે ખાઈને બેસી રહેતો. વાડીવાળે ગામમાં વાત કરી જે, ‘અમારી વાડીએ એક ભારે ત્યાગી આવ્યા છે તે ગામમાં તો આવતા જ નથી.’ પછી સૌ બાવાને દર્શને આવ્યાં ને ગામમાં લોકે બાવાનાં બહુ વખાણ કર્યાં, એટલે તે વાત ઠેઠ રાજા પાસે ગઈ. પછી રાજા કહે, ‘ચાલો આપણે દર્શને જઈએ,’ તે સવારી સહિત વાજતે ગાજતે ચાલ્યા. ત્યારે બાવે વાડીવાળાને પૂછયું જે, ‘આ શું વાગે છે ને ગામમાં શું છે ?’ તો કહે, ‘ગામમાં અમે તમારાં વખાણ કર્યાં છે, તેથી રાજા સવારી સોત તમારે દર્શને આવે છે.’ ત્યારે સવારી જોવા બાવો વડ ઉપર ચડયો. પછી રાજાએ વજીરને પૂછયું જે, ‘ઓલ્યા વડ ઉપર કોણ છે?’ તો કહે, ‘તમે જેનાં દર્શને જાઓ છો તે બાવો તમને જોવા વડે ચડ્યો છે.’ ત્યારે રાજા કહે, ‘આપણને જોવા ઊંચો ચડ્યો તેમાં કાંઈ નહિ હોય, માટે પાછા વળો.’ પછી સૌને બાવાનો ભાર નીકળી ગયો. તેમ આપણી વાત પ્રમાણે આપણું વર્તન નહિ હોય તો કોઈને ગુણ નહિ આવે. વાતે કરીને ગુણ આવ્યો હશે, પણ વર્તન સારું નહિ દેખે તો આપણો ભાર નીકળી જાશે. વાતું નિ:સ્વાદીની કરે ને સબડકા ભરતા હોય, દ્રવ્યનો નિષેધ કરે ને છાનાં પૈસા રાખે તેનો ગુણ કેમ આવે ? માટે વર્તન વિનાની વાતે સત્સંગમાં સમાસ નહિ થાય.
કહેણી મીસરી ખાંડ હે રહેણી તાતા લોહ;
કહેણી કહે ને રહેણી રહે એસા વિરલા કોક.
માટે આપણી સ્થિતિ જોઈને સૌને ગુણ આવે તેમ વરતવું.
સોત : સહિત.
નિષેધ : શાસ્ત્રવિહિત મનાઈ.
(173) ગજા વિના બોલવામાંથી દુ:ખ થાય છે. અમરેલીનો એક ભણેલો બ્રાહ્મણ આવ્યો, તે બ્રહ્મચારી સામું ગીર્વાણ (સંસ્કૃતમાં) બોલવા માંડ્યો. પછી અચિંત્યાનંદજી બ્રહ્મચારીએ તેને સંસ્કૃતમાં પૂછ્યું જે, ‘તમારે કયે ગામ રહેવું ?’ ત્યારે તે કહે, ‘અમરવલ્યાં.’ તે ઉપરથી અમરેલીને બદલે ગીર્વાણમાં અમરવેલ એવું ખોટું કર્યું, તેથી બ્રાહ્મણ ગાભરો થયો ને ઊઠી નીકળ્યો. માટે આવડે નહિ ને બોલવા જાય તો એમ થાય. તેમ જ ઊહ ઉઠાવીને બોલે તેમાંથી પણ દુ:ખ થાય છે, તે ભીમામાલે સોમલાખાચરને કહ્યું જે, ‘આપા દાના સામો કોઈ હાથ ઉગામે તો હાથ એમનો એમ અદ્ધર રહે.’ પછી સોમલાખાચરે આપા દાનાને સોઈ ઝાટકી ને થપાટ મારી , તે ટોપી ઊડી ગઈ. પછી સોમલોખાચર પોતાનો હાથ જોવા માંડ્યા ને કહે જે, ‘ભણે અમણા હાથને કણુયે થિયો નહિ !’ પણ તેમાંથી કલેશ થયો. માટે એવી ચર્ચા કરવી નહિ. મૂરખની આગળ પણ વિચારીને બોલવું. નિષ્કુળાનંદસ્વામી આદિક સાત જણ સમાધિવાળા ફરવા ગયા. ત્યાં કોઈ અતીત આવ્યો. તેની આગળ સમાધિની વાત કરી. ત્યારે તે કહે, ‘છ મહિના સુધી કૂવામાં રહો ને છ મહિને જીવતા નીકળો તો સમાધિની વાત ખરી માનું.’ ત્યારે તેમ કરાયું નહિ ને સમાધિની વાત સિદ્ધ થઈ નહિ, એટલે ભોંઠા પડયા. માટે બોલવું તે માણસ જોઈને દેશકાળ પ્રમાણે વિચારીને બોલવું.
અતીત : અભ્યાગત, વૈરાગીબાવો.
(174) જેવું પ્રહ્લાદને માગતાં આવડ્યું, એવું ધ્રુવને માગતાં ન આવડ્યું, પણ માલકમ સાહેબને માગતાં આવડ્યું. રાજકોટમાં મહારાજ ચાર બોરડી વચ્ચે તંબુમાં ઊતર્યા હતા તે વખતે મુંબઈના ગર્વનર માલકમ સાહેબ રાજકોટમાં આવ્યા હતા. તેમણે મહારાજને દીઠા એટલે ટોપી ઉતારી પગે પડ્યા ને વાતચીત કરી ઉતારે પધાર્યા ને મહારાજને પુછાવ્યું જે, ‘તમને અમારે બંગલે પધરાવવા છે તે સાધુની રીતે તેડાવીએ કે રાજાની રીતે તેડાવીએ ?’ મહારાજ કહે, ‘સાધુની રીતે આવશું.’ પછી સાહેબે હુકમ કર્યો કે, ‘સ્વામિનારાયણનાં જેટલાં માણસ હોય તે બધાંને આવવા દેજો.’ પછી મહારાજ, સંત ને હરિજન સહિત પધાર્યા. તે બીજા તો વાટ જોતા હતા જે, સ્વામિનારાયણને પકડી રાખશે ને શું ય કરશે, ત્યાં તો સાહેબે સન્માન કર્યું ને મહારાજને પગે લાગી પ્રાર્થના કરી જે, ‘અમારા ને અમારા શત્રુના અચ્છા કરીઓ !’ ત્યારે મહારાજે સાહેબનાં વખાણ કર્યાં.
પછી સાહેબ કહે, ‘મહારાજ તમારી કિતાબ આપશો ?’ એટલે મહારાજે ‘શિક્ષાપત્રી’ આપી, તે સાહેબે ત્રણ વાર માથે ચડાવી. પછી દાદાખાચરે સાહેબને ઘોડો ભેટ આપવા માંડ્યો, ત્યારે સાહેબે દાદાખાચરને કહ્યું જે, ‘દાદાખાચર, તમે સ્વામિનારાયણને તમારે ઘેર રાખ્યા છે, તે તમે અમને એવા હજાર ઘોડા આપ્યા, એમ અમે માનીએ છીએ. અમારે ઘોડાની જરૂર નથી.’ પછી મહારાજ ઉતારે પધાર્યા. આવી રીતે માગતાં પણ કેટલાકને આવડે નહિ. ધ્રુવે અચળ પદવી માગી પણ જ્ઞાન થયું ત્યારે પસ્તાવો થયો.
(175) સત્સંગીને વાત કરવી હોય પણ તે તો ગામમાંથી લંબકરણ જેવાને ભેળા લાવે ને આગળ બેસારે. ત્યારે તેવા સારુ જગતમાં જેટલાં ભૂંડાં દૃષ્ટાંત હોય તે સર્વે દેવાં પડે ને સત્સંગીને વાત કરવાની હોય તે કહેવાય નહિ, માટે એવાને ભેળા લાવે તેમાં લાવનારને શું સમાસ થાય ? ભાયાવદરમાં મહાપુરુષદાસજીનો બાપ ઢૂંઢિયાને ભેગા લાવ્યા. પછી અમે વિષયખંડનની વાતું કરવા માંડી તે ઘડીક તો સાંભળી રહ્યા. પછી તેમાંથી એક ઢૂંઢિયો ધખીને બોલ્યો જે, ‘ભોગ લાગ્યા જે, આંહીં આવ્યા, આંહીં આવ્યા છીએ ત્યારના મારું ને મારું જ ખોદે છે.’ એમ એવા હોય તેને આ વાતું માથે આવે એટલે ગમે નહિ, માટે મોટા સંત પાસે એકલા જવું.
ઢૂંઢિયો : એક પ્રકારના જૈન સાધુ.
ધખીને : સમસમીને, ખીજાઈને.
(176) ભગવાન મનુષ્ય જેવા જણાય છે તે ભક્તના સુખને અર્થે જણાય છે ને ભગવાનની સર્વ ક્રિયા ભક્તના સુખને અર્થે છે; પણ પોતાના સુખને અર્થે નથી. ભગવાન દેહ ધરે છે ત્યારે મનુષ્ય જેવી જ ક્રિયા કરે છે, તેને ભક્ત હોય તે ચરિત્ર જાણે ને વિમુખ હોય તે દોષ પરઠે. મહારાજે ડભાણનો યજ્ઞ કર્યો, ત્યારે યજ્ઞની રક્ષા કરવા માટે ઘોડાસરના રાજા પાસે માણસો લેવા ગયા હતા. તે વખતે સુરતના હરિજને ઘોડાસરમાં મહારાજની પૂજા કરી ને ડગલી, પાઘ, કડાં, બાજુ, વેઢ વગેરે દરેક જણે એકેકું ભારે ભારે પહેરાવીને પૂજા કરી. એમ આખાય ગામનો એક શણગાર કર્યો હતો.
તે વખતે ધરમપુરથી કુશળકુંવરબાઈએ પોતાના દીવાન ને તેની સ્ત્રી તથા નોકરો સાથે મહારાજને શિરપાવ આપવા માટે મોકલેલ, તે પણ ઘોડાસરમાં મહારાજ પાસે આવ્યા ને મહારાજનાં દર્શન કર્યાં ત્યાં ભારે શણગાર જોઈને એમ થયું જે, આ ભારે પોશાંગ ઊતરાવીને આપણો એવો નથી, તે પહેરાવવો ઠીક નહિ. પછી તો સૌને તેની કિંમત પૂછી ને જેટલા રૂપિયા થયા તેટલા મહારાજને આપી કુશળકુંવરબાઈના નામની પૂજા કરી.
તે વખતે દીવાનની સ્ત્રીને એમ થયું જે આ ભગવાન કહેવાય છે, પણ ભગવાન હશે તો તેને જમતાં આવડશે. એમ ધારીને નોતરું દીધું. ત્યારે મહારાજ કહે, ‘બહુ સારું, જમવા આવશું.’ વળતે દિવસ ભાતભાતની રસોઈ કરી મહારાજને થાળ પીરસ્યો તે પીરસવામાં જુક્તિ કરી, જે પ્રથમ જમવાનું તે પ્રથમ પીરસેલ ને અનુક્રમે ગોઠવેલ. તે બાઈ પણ જમવામાં ચતુર હતી, તેથી એવી પરીક્ષા લેવા તેણે એમ કર્યું હતું. પછી મહારાજ જમવા બેઠા, તે એની ચતુરાઈ ડૂબી જાય એવી સો ગણી સરસ ચતુરાઈ મહારાજે જમવામાં દેખાડી. તે જમે પણ હાથ બગડવા દે નહિ ને શાક વગેરે બધું વારાફરતી જમ્યા, પણ હાથે ડાઘ પડવા દીધો નહિ. ત્યારે તે બાઈને જણાણું જે, આ મોટાપુરુષ છે. પછી તેને મનમાં ખોટો સંકલ્પ થયો. પછી તેના અંતરનો એવો મલિન આશય જોઈને મહારાજે ઊલટી કરી અન્ન કાઢી નાખ્યું. પછી તે બાઈએ તેના ધણીને કહ્યું જે, ‘તમે પાલખી ઉપાડી મહારાજને ઉતારે પહોંચાડી આવો.’ એટલે તે ગયો.
પછી ડભાણનો યજ્ઞ થઈ રહ્યા પછી થોડેક દહાડે મહારાજ અમદાવાદ પધાર્યા. ત્યારે તે દીવાન ને તેની સ્ત્રી પણ ભેળાં ગયાં. ત્યાં અમદાવાદની સર્વે સાંખ્યયોગી બાઈઓએ મળી મહારાજને રસોઈ દીધી ને ડોશીઓને પણ ભેળું જમવાનું હતું, પણ રસોઈ થોડી થઈ તેથી વિચાર થયો જે, રસોઈ પૂગશે નહિ. તેથી મહારાજને કહ્યું જે, ‘રસોઈ થોડી છે, કહો તો વધારે રાંધીએ.’ ત્યારે મહારાજ કહે, ‘ઈ તો ઘણી થઈ પડશે.’
પછી સૌ ડોશીઓ સોત જમવા બેઠાં ને મહારાજ પીરસવા પધાર્યા, તે એવી શોભાયમાન મૂર્તિ ધારણ કરીને શણગાર સોતા પીરસવા માંડ્યું તે મહારાજે એક વાર પીરસ્યું તે પણ કોઈથી ખાઈ શકાણું નહિ. ને મહારાજની મૂર્તિમાં સૌના ચિત્તની વૃત્તિ ચોંટી ગઈ ને એકરૂપ થઈ ગયાં. ડોશીઓમાં દીવાનની સ્ત્રી જમવા બેઠેલ, તે પણ મહારાજની આવી મૂર્તિ જોઈને તદ્રૂપ થઈ ગયાં ને ત્યાંથી જ તેમના અંતરનો ખોટો ઘાટ ટળી ગયો. એટલે પુરુષને દેખે તો ઊલટી થાય ને પોતાના ધણીને દેખે તો પણ ઊલટી થાય. તેમ જ બીજી ડોશીઓ જે જમવામાં હતી તેમને પણ પુરુષને દેખે તો ઊલટી થઈ જાય.
એમ એકને વાસ્તે મહારાજે બધાંને એવું કરી દીધું તે લીલાનું પ્રેમાનંદસ્વામીએ કીર્તન કર્યું છે.
તેરી સાંવરી સૂરત છટાદાર; મન હરે પ્રાન હરે.
શિર જરકસી ચીરા, પહેરે પટ પીરા;
હાં રે તેરે ઉર બીચ મોતીયું દા હાર.
(કીર્તન મુક્તાવલિ : 345)
પછી રજા લઈ દીવાન અને તેની સ્ત્રી ધરમપુર ગયાં ત્યારે કુશળકુંવરબાઈએ તેમને સમાચાર પૂછ્યા એટલે અથ ઈતિ બધી વાત કહી ને પોતાને મહારાજ સાથે જે કામનો ઘાટ થયો હતો, તે ટાળવાને અર્થે મહારાજે કૃપા કરીને સામું જોયું ત્યાંથી એવો ભાવ ટળી ગયો ને પુરુષમાત્રના દેહની ગંધ આવે તો ઊલક થાય, એવું એકની ખાતર બધીને મહારાજે કરી દીધું.
તે ઉપર પ્રેમાનંદસ્વામીએ ચાર કીર્તન કર્યાં છે.
લગ ગઈ અખીયાં હમાર હરિ સું, લગ ગઈ અખીયાં હમાર,
લગ ગઈ અખીયાં સુનો મોરી સખીયાં, નીરખન ધર્મકુમાર; હરિસું0
મહારાજને તો અનંત જીવોનો મોક્ષ કરવો છે તે સારુ હળીમળીને રહે છે, નીકર તો આ બ્રહ્માંડ ઢેઢવાડા જેવું છે, તેમાં એક ઘડી પણ ન રહે. આ તો ભગવાનની દયાનું અધિકપણું છે તેથી સૌની સેવા અંગીકાર કરે છે પણ ભગવાન કોઈ સુખે સુખિયા નથી.
પાલખી : સુખપાલ, એક પ્રકારનું આરામદાયક આસન.
સોત : સહિત.
મૂર્તિ : સંતો.
સોતા : સહિત.
ઘાટ : માયિક સુખ ભોગવવાનો સંકલ્પ, વિકારનો સંકલ્પ.
ઊલક : ઊલટી.
મોરી : પશુને મોંઢે બાંધવાનું દોરડાનું ગાળિયું.
(177) આપણે ત્રણ કામ કરવાનાં છે. તે શું ? જે, પરણીને સ્ત્રી રાખવી, કમાઈને બાજરો ભેળો કરવો ને ત્યાર કેડે પ્રભુ ભજવા, પણ જીવને જો સ્ત્રી ને ખાવાનું મળે તો ભગવાનને ભૂલી જાય છે તે ઉપર વાત કરી જે, કંકુ ગાંડીએ ડાહ્યાનું ઘર માંડ્યું. પછી બે દિવસ રહીને બોલી જે, ‘ભાઈ ડાહ્યા, આ તારો સાડલો ને આ તારો ચૂડલો, હું તો મારે આ ચાલી.’ એમ સ્ત્રી મળે કે ખાવા મળે તો જીવ ભગવાન ભજે નહિ તે કંકુ ગાંડીના જેવું કહેવાય.
વાસુદેવં પરિત્યજ્ય યોડન્યદેવમુપાસતે ।
તૃષિતો જાહ્યવીતીરે કૂપં ખનતિ દુર્મતિ: ।।
(પાંડવગીતા : 17)
અર્થ :- જે મનુષ્ય ભગવાન વાસુદેવને ત્યજીને અન્ય દેવની ઉપાસના કરે છે, તે દુર્ભાગી ગંગાજીને કિનારે તરસ્યો થઈ કૂવો શોધવા ઇચ્છે છે.
તપન્તુ તાપૈ: પ્રપતન્તુ પર્વતાદટન્તુ તીર્થાનિ પઠન્તુ ચાગમાન્ ।
યજન્તુ યાગૈર્વિવિધં તુ યોગૈર્હરિં વિના નૈવ મૃત્યું તરન્તિ ।।
અર્થ :- ત્રિવિધ તાપ સહન કરો, પર્વતો પર તીર્થોમાં ફરો અને વેદોનો પાઠ કરો. અનેક પ્રકારે યાગો અને યોગો વડે યજન કરો, પણ હરિ વગર મૃત્યુને તરી શકતા નથી.
તપ કરે, પર્વત ઉપરથી પડે, તીર્થમાં ફરે, વેદ ભણે, યજ્ઞ કરે, અષ્ટાંગયોગ સાધે, પણ પ્રગટ ભગવાન વિના જન્મમરણ ન ટળે.
રહૂગણૈતત્તપસા ન યાતિ ન ચેજ્યયા નિર્વપણાદ્ ગૃહાદ્વા ।
ન ચ્છન્દસા નૈવ જલાગ્નિસૂર્યેર્વિના મહત્પાદરજોડભિષેકમ્ ।।
(શ્રીમદ્ ભાગવત : 5/12/12)
અર્થ :- હે રહૂગણ ! આ પ્રકારના જ્ઞાની મહાપુરુષોની ચરણરજને શિર પર (માથા ઉપર) ધારણ કરવા સિવાય તપ, યજ્ઞ, અન્નાદિનું દાન, ગૃહસ્થોને ઉચિત ધર્મનું પાલન, વેદનું અધ્યયન અથવા જળ, અગ્નિ અથવા સૂર્યની ઉપાસના. વગેરે કોઈ પણ સાધનથી પ્રાપ્ત થઈ શકતા નથી.
તપ કરે, યજ્ઞ કરે, ઘર મૂકી દે, વેદ ભણે કે જળ, અગ્નિ ને સૂર્યની ઉપાસના કરે, તો પણ જો મહત્પુરુષના ચરણારવિંદનું સેવન કર્યું નથી, તો કાંઈ કર્યું નથી એવો સમાગમ મળ્યો ને હજી વલોપાત થાય છે; કારણ કે, બુદ્ધિ નથી, બુદ્ધિના તો પૈસા બેસે છે. એક જણને પાંચ રૂપિયાનો મહિનો, તે દિવસ આખો દોડે કાં બેલાં ઉપાડે. ને એક જણને હજાર રૂપિયાનો મહિનો ને તેની આગળ દશ માણસ સેવામાં હોય ને માથે છત્રી ઝાલનારા જુદા; એમ બુદ્ધિમાં રહ્યું છે.
રાજાએ કુંવરને હદપાર કર્યો, ત્યારે કુંવર ને નોકર ચાલી નીકળ્યા તે ચાલતાં ચાલતાં વન આવ્યું ને સાંજ પડવાનો વખત થયો. ત્યારે કુંવરે ચાકરને કહ્યું જે, ‘ભૂખ લાગી છે, તે કાંઈક ખાવાનું લઈ આવ.’ પછી નોકર ખાવાનું લેવા ગયો, તે રાતે દશ વાગી ગયા ત્યારે ગામ આવ્યું, પણ દરવાજા બંધ હતા એટલે દરવાજા આગળ સૂતો. રાતે તે ગામનો રાજા અપુત્ર ગુજરી ગયો. તેણે કહેલ કે, ‘સવારમાં દરવાજામાં જે સામો પહેલો મળે તેને ગાદીએ બેસારવો.’ સવારે દરવાજો ઉઘાડ્યો કે તુરત જ ઓલ્યો નોકર ગામમાં ગયો, એટલે તેને ચાંદલો કરી ગાદીએ બેસારી દીધો. આનંદમાં ટીમણની વાત ભૂલી ગયો ને રાજ કરવા મંડી ગયો.
કુંવર નોકરની વાટ જોઈ થાક્યો, પછી નોકરની ગોત કરવા નીકળ્યો. ત્યાં તે ગામમાં એક દુકાનમાં ગાદી-તકિયા પાથરીને શાહુકાર બેઠેલ પણ દુકાનમાં કાંઈ નહોતું. ત્યારે કુંવરે પૂછયું જે, ‘તમારી દુકાને શું વેચાય છે?’ તો કહે, ‘બુદ્ધિ.’ ત્યારે કહે, ‘કેટલા રૂપિયાની ?’ તો કહે, ‘હજાર, દશ હજાર, લાખ ને કરોડ, જેટલા રૂપિયા આપે તેટલી બુદ્ધિ આપીએ.’ કુંવરે લાખ રૂપિયાની કિંમતનો હીરો આપી કહ્યું જે, ‘લાખ રૂપિયાની બુદ્ધિ આપો.’ પછી શાહુકાર કહે, ‘ચાકરને અધિકાર મળે ને રાજા ગરીબ સ્થિતિમાં હોય, તો રાજાએ ચાકરને બે હાથે સલામ ભરવી; પણ તે વખતે રાજાએ અખત્યાર ચલાવવો નહિ.’
પછી કુંવર આગળ ચાલ્યો, તે જાતાં જાતાં એ જ ગામમાં હાથીની અંબાડી માથે પોતાના નોકરને દીઠો ને બુદ્ધિ વેચાતી લીધેલ તે યાદ આવ્યું કે, તુરત જ કુંવરે બે હાથે સલામ ભરી. ત્યારે રાજાને શરમ આવી જે, આ કુંવર છે ને હું એનો નોકર છું; કુંવર વાસ્તે ટીમણ લેવા આવ્યો હતો, તે ટીમણ ભૂલી ગયો ને રાજ્ય કરવા મંડી પડ્યો. પણ ‘કુંવરનું શું થયું હશે ?’ તેની મેં સરત પણ કઢાવી નહિ. પછી તો સવારી પાછી વાળી ને સિપાઈને કહ્યું જે, ‘ઓલ્યા માણસને દરબારમાં લાવજે.’
સભામાં જઈને રાજાએ સર્વે સભાસદોને કહ્યું જે, ‘હું જે કરું તે થાય ?’ તો કહે, ‘હા સાહેબ.’ ‘મારાથી દાન દક્ષિણા દેવાય ?’ તો કહે, ‘હા સાહેબ.’ ‘આ રાજપાટ કોઈકને આપી દઉં તો અપાય ?’ તો કહે, ‘હા સાહેબ. તમે તો ધણી છો તે જે કરો તે થાય.’ પછી કુંવરનો હાથ ઝાલીને કહ્યું જે, ‘આ રાજા છે, તેમને હું રાજ આપું છું.’ પછી કુંવરને ગાદીએ બેસાર્યા ને કહે જે, ‘આ રાજ તમારું છે ને હું તમારો દાસ છું.’ તેમ સત્પુરુષ પાસેથી મોક્ષની બુદ્ધિ શીખવી. મોક્ષના શબ્દ હોય તે જવા દેવા નહિ. ધર્મ, અર્થ, કામ ને મોક્ષ એ ચારેય પ્રકારની બુદ્ધિ મહારાજે આપી છે, પણ બુદ્ધિ ન વાવરે તો ‘શિક્ષાપત્રી’ પાસે હોય ને હેડમાં પડવું પડે. કુંવરે બુદ્ધિ ન વાવરી (વાપરી) હોત ને નોકર તરીકે રાજાને બોલાવ્યો હોત તો રાજગાદી ન મળત. માટે ‘શિક્ષાપત્રી’નો દરરોજ પાઠ કરવો.
કેડે : પાછળ.
અર્થ : ધન, સંપત્તિ.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
(178) આવી શાળા ત્રિલોકીમાં ક્યાંય નથી, આવા સંત પણ ક્યાંય નથી; આ સંત તો દ્વિભુજ પ્રભુ છે.
કાન્તાકનકસૂત્રેણ વેષ્ટિતં સકલં જગત્ ।
તાસુ તેષુ વિરક્તેષુ દ્વિભુજ: પરમેશ્વર: ।।
(સુભાષિત)
અર્થ :- પત્ની અને પૈસા એ બે સૂત્રોથી આખું જગ ઘેરાયેલું છે. એમનામાં અને એમાં જે અનુરાગ રહિત બને છે, તે બે ભૂજા (હાથ)વાળો પરમેશ્ર્વર થાય છે.
નારી નયન શર જાહી ન લાગા, ઘોર ક્રોધ નિશીતમ સોહી જાગા;
લોભ ફાંસી જીન ગરે ન બંધાયા, સોહી તુમ સમાન રઘુરાયા.
એવા છે તો પણ આસુરીને ન ઓળખાય.
અર્થ : ધન, સંપત્તિ.
(179) ભારે દુ:ખમાં દુ:ખ તો નીચ માણસનો સંગ છે. એક રાજાના કુંવરને બ્રાહ્મણ ભણાવતો, તે ભણાવી રહ્યો ત્યારે કહે, ‘હજી બે વિદ્યા ભણાવવી રહી છે.’ એમ કહી જેરબંધ માર્યો તે લોહીની શેડ નીકળી. ત્યારે કહે, ‘નીચનો સંગ કરવો નહિ ને કરશો તો જેરબંધ ખાવા પડશે.’ પછી અગાશીમાં તડકે ઊભો રાખ્યો ને કહ્યું જે, ‘આપણને દુ:ખ થાય છે, તેમ જ બીજાને પણ થાય; માટે કોઈને દંડ દેવો તેમાં આ ધ્યાનમાં રાખવું.’ તેમ આ સંતના સમાગમમાંથી સર્વે વિદ્યાઓ શિખાય છે; પણ જે મોક્ષભાગી છે તેને આ સત્સંગ અર્થ લાગે છે. માટે નિત્ય પ્રત્યે આ સમાગમ કરવો. ‘કાનુડો કેડે ને કેડે.’ એમ આ સાધુ તો સાંજે, સવારે, બપોરે એમને એમ કેડો લઈને મંડ્યા છે.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
જેરબંધ : ચામડાનો કોરડો.
શેડ : ઝીણી ધાર.
અર્થ : ધન, સંપત્તિ.
કેડે : પાછળ.
(180) ગિરનાર જેટલો રૂપિયાનો ઢગલો હોય તો ય બાયડીના શણગારનું પૂરું ન થાય ને કોઈ વાતનું સરું ન આવે. સોના કે રૂપાનાં કડલાં પહેર્યાં હોય ને તાવ આવે ત્યારે કેટલી શાંતિ થાય ? શાંતિ તો ન થાય, પણ ભાર થાય. સાધુ કહે તેમ કરવું ને ‘શિક્ષાપત્રી’ કહે તેમ કરવું; પણ કોઈ સિદ્ધાઈ જણાવે તો તેનું ન માનવું. સિદ્ધાઈમાં એક જણને ઝેર ખાઈને મરવું પડ્યું હતું. એક સમાધિવાળો ગપ્પાં મારતો તેને પૂછયું જે, ‘મારું વસ્તુ વાનું ખોવાણું છે તે ક્યાં છે ?’ પછી તો સાંગે સાંધ્યા જેવું કર્યું. એક સાધુ શિષ્ય પાસે સમાધિ કરાવતો, તેને એક જણે પૂછ્યું જે, ‘સ્વામિ ! મારો બાપ કયા ધામમાં છે ?’ ત્યારે શિષ્યને કહે, ‘સમાધિમાં જાઓ.’ એટલે આંખો મીંચી પછી થોડી વારે આંખો ઉઘાડી કહે જે, ‘બદરિકાશ્રમમાં છે !’ એટલે હરિજન કહે, ‘બોલાવોને !’ ત્યારે સાધુ કહે, ‘બોલાવાય નહિ.’ પછી હરિજન કહે, ‘કહો તો હું બોલાવું.’ એટલે કહે, ‘બોલાવો.’ ત્યારે તેણે કહ્યું જે, ‘બાપા !’ એટલે સભામાં તેનો બાપ બેઠો હતો તેણે હોંકારો દીધો. પછી સમાધિ ખોટી પડી ને ભોંઠા પડ્યા. માટે ‘શિક્ષાપત્રી’ કહે તેમ કરવું. તે વિના તો હિંગળાના કે સોનાના અક્ષરની પત્રી લાવે તો પણ ન માનવું ને કહેવું જે, અમે ત્રણ ગ્ંરથને માનશું, બીજાને નહિ માનીએ.
સરું : છેડો, અંત, પાર.
હિંગળાના : હિંગળોક-ગંધક ને પારાની મેળવણીવાળો લાલ પદાર્થ.
પત્રી : શિક્ષાપત્રી.
(181) સર્વોપરી ભગવાન ને સર્વોપરી આ સાધુ મળ્યા તો પણ કોઈના હૈયામાં શાંતિ નથી તે મુક્તાનંદસ્વામીએ મહારાજને કહ્યું જે, ‘શાંતિ થાય એવો ઉપાય બતાવો.’ ત્યારે મહારાજે પોતાનું જન્મ કર્મ કહ્યું; પણ સમજાણું નહિ એટલે મુક્તાનંદસ્વામીએ ફેર કહ્યું જે, ‘શાંતિ થાય એવી વાત કરો.’ ત્યારે મહારાજ કહે, ‘વન, જંગલ ને પર્વતમાં ફર્યા ત્યાં પશુ, પક્ષી, સ્થાવર જંગમ સર્વે જીવોનાં કલ્યાણ કર્યાં ને હજી પણ એમ જ કરીએ છીએ. જેને ભગવાનનો સંબંધ થયો ને જે જે ઉપયોગમાં આવ્યાં તે સર્વેનો મોક્ષ કર્યો; ત્યારે તમારે તો સાક્ષાત્ સંબંધ છે ને છતી દેહે જ પરમપદને પામી રહ્યા છો, છતાં હજી અશાંતિ રહે છે ?’ પણ મુક્તાનંદસ્વામીને એ સમજાણું નહિ; કેમ જે, પોતે મનમાં ધ્યાનનું ધારી રાખેલ તે તો આવ્યું નહિ, એટલે મનમાં એમ થયું જે, ‘મહારાજ બીજે રવાડે ચડી ગયા.’ તેથી ફેર કહ્યું જે, ‘હે મહારાજ! એ તો હું જાણું છું, પણ શાંતિ થાય એવું કહો.’
ત્યારે મહારાજે ખીજીને કહ્યું, ‘જે ફરવા જાઓ.’ પછી મુક્તાનંદસ્વામી ચાલી નીકળ્યા ને નિત્યાનંદસ્વામી વળાવવા ગયા. તે રાધાવાવ આવી, ત્યારે નિત્યાનંદસ્વામીએ મુક્તાનંદસ્વામીને કહ્યું જે, ‘મહારાજ તમને ફરવા ન મોકલે છતાં મોકલ્યા, તે કાંઈ સમજ્યા ?’ તો કહે, ‘ના.’ ત્યારે કહે, ‘ભગવાનનાં જન્મ કર્મ જે ગાય કે સાંભળે તે ધામને પામે, ત્યારે શાંતિ તો થાય જ; પણ તમે મહારાજનું કહેવું સમજ્યા નહિ, તેથી ફરવા કાઢ્યા.’ એટલે મુક્તાનંદસ્વામી કહે, ‘વાત તો સાચી પણ હું સમજ્યો નહિ ! હવે શું થાય ?’ ત્યારે નિત્યાનંદસ્વામી કહે, ‘તમે અહીં બેસો ને હું મહારાજ પાસે જઈ તમને પાછા તેડાવે તેમ કરીશ.’ એમ કહી નિત્યાનંદસ્વામી મહારાજ પાસે આવ્યા ને કહે, ‘મહારાજ મુક્તાનંદસ્વામી તો બહુ દિલગીર થયા ને કહે, મહારાજે શાંતિ થયાનો ઉપાય બતાવ્યો, પણ હું તેવી રીતે સમજ્યો નહિ.’ ત્યારે મહારાજ કહે, ‘સમજ્યા ?’ તો કહે, ‘હા મહારાજ !’ ત્યારે કહે, ‘જાઓ, પાછા વાળો.’ પછી પાછા બોલાવ્યા. માટે મહારાજનાં વચન સમજાય તો એમાં શાંતિ છે. દેહ સાજો રહે કે માંદો રહે એનો તો નિરધાર નહિ.
બપોરે સ્વામીએ વાત કરી જે,
(182) જેમ રોગી હોય તે સાજો ન થાય ત્યાં સુધી તેને પંચામૃત ભોજનમાં સ્વાદ ન આવે, તેમ જીવને પંચવિષયરૂપ રોગ છે ત્યાં સુધી ભગવાનનું સુખ આવે નહિ. સો વરસ સુધી કાળ ન પડે તો પણ આ જીવ પ્રભુ ભજે નહિ. ને એવી તો કોઈને દાનત જ નથી જે, ભગવાનમાં મન રાખીએ. પણ સીસમના પટારામાં હેત થાય છે.
(183) ખાધાની, લૂગડાંની ને રૂપિયાની તૃષ્ણા મૂકીને માળા ફેરવવી. બાયડી, છોકરું ને ખાધાનું જેવું મળે તેણે કરીને સંતોષ રાખવો. ગમે તેમ કરીએ તો પણ વડોદરાનું રાજ્ય આપણને આવે એમ નથી માટે હૈયામાં શાંતિ રાખવી ને પ્રભુ ભજવા. જેવું મળનારું હતું તેવું મળી રહ્યું માટે તૃષ્ણા મેલવી. કદાપિ રૂપિયા મળ્યા તો ક્યાં શાંતિ થાવાની છે ? ને ગાદી મળે તો ગાદીમાં પણ શાંતિ નથી. ગાદીમાં શાંતિ હોય તો પૂછો આ આચાર્યજી મહારાજને ને થોડુંક અમને પૂછો ને થોડુંક અક્ષરાનંદસ્વામીને પૂછો; એમાં તો કાંઈ માલ નથી માટે ગાદી કે રૂપિયા સારુ માંહોમાંહી વેર ન કરવું. તૃષ્ણા મૂકવી, ઈર્ષા મૂકવી ને સ્પર્ધા મૂકવી એ ઝીણા દોષ છે તે હૈયું બાળ્યા કરે; માટે એનો ત્યાગ કરીને પ્રભુ ભજવા.
(184) લાઠીદડ ગામમાં પચ્છેગામનો મોચી બધાયને ચરણામૃત આપતો, તે બધાય વટલેલ છે; માટે જેમ શાસ્ત્રમાં કહ્યું છે તેમ દેહને રાખવો.
(185) રાજલક્ષ્મીવાળાને ભાગ્યશાળી નથી કહ્યા. આ પ્રાપ્તિ થઈ છે તેને ભાગ્યશાળી કહ્યા છે. આ સત્સંગ મળ્યો ને મોટાં ભાગ્ય નથી મનાતાં, મહિમા નથી સમજાતો ને મોટાનો સંગ નથી થતો, એ પણ બહુ જ મોટી ખોટ છે. કાલ કરવાનું હોય તે આજ કરી લેવું; કેમ જે, દેહનો નિરધાર નથી ને શાસ્ત્રકાર લખે છે જે,
શ્રેયાંસિ બહુ વિઘ્નાનિ ।
અર્થ :- સારા કામમાં વિઘ્નો ઘણાં (આવે છે).
માટે તત્કાળ કરી લેવું.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
અર્થ : ધન, સંપત્તિ.
(186) સત્સંગ કરતાં કોઈનું બગડ્યું નથી. જેમ અંબરીષની રક્ષામાં ચક્ર મૂક્યું હતું તે દુર્વાસા બગાડવા ગયા તો પણ બગડ્યું નહિ, તેમ જેનો આશરો કરીએ ને જેને અર્થે ક્રિયા કરીએ તે આ લોક બગડવા દે નહિ ને પરલોક પણ બગડવા દે નહિ; માટે સત્સંગ કરે તેનું તો બગડે જ નહીં. જુઓને પ્રહ્લાદની ને કુંતાજીની રક્ષા કરી, દ્રૌપદીની લાજ રાખી ને ગરુડને પણ મૂકી દીધો ને ગજને છોડાવ્યો, એમ ભગવાન રક્ષા કરે છે; પણ જેવા મોટા મળ્યા છે તેવો મહિમા આપણને જણાણો નથી. ત્રણે અવસ્થાનાં કર્મ એ ભોગવાવે ને સ્મૃતિ આપે છે; માટે એ વિના જીવ કાંઈ કરી શકે નહિ એવું જ્યાં સુધી નથી સમજાણું, ત્યાં સુધી સત્સંગ કર્યામાં કસર છે.
(187) જ્યારે વરસાદ તણાવે છે ત્યારે વરતાલના કોળી કહે છે જે, ‘મહારાજ કહી ગયા છે જે અહીં કાળ નહિ પડે.’ પણ જ્યારે સારી પેઠે પાકે ત્યારે કોઈ માળા ફેરવતા નથી ને મહારાજને સંભારતા પણ નથી. કદાપિ કાંઈ દેશકાળ આવ્યો ત્યારે પણ જાણવું જે એના હાથમાં છે. જીભની ભલામણ દાંતને કરવી પડતી નથી તેમ ભગવાનને કહેવું પડે તેમ નથી.
(188) ભગવાન મનુષ્ય જેવા થઈને સૌના ધર્મ લખી ગયા જે, આશ્રમવાળાને આમ કરવું ને વર્ણવાળાને આમ કરવું, આવી ભૂમિ વાવવી, આવા બળદ રાખવા, આવી રીતનું ખળું કરવું, આવું સાંતી રાખવું ને ભગવાનનું સ્વરૂપ કેમ સમજવું, તે પણ કહી ગયા છે.
જન્મ કર્મ ચ મે દિવ્યમેવં યો વેત્તિ તત્ત્વતઃ ।
ત્યક્ત્વા દેહં પુનર્જન્મ નૈતિ મામેતિ સોઽર્જુન ॥
(ભગવદ્ ગીતા : 4/9)
અર્થ :- હે અર્જુન ! આમ મારા દિવ્ય જન્મ તથા કર્મને જે તત્ત્વથી દિવ્ય જાણે છે, તે દેહ ત્યજીને પુનર્જન્મ પામતો નથી, (પણ) મને પામે છે.
માટે આપણા હિતને અર્થે બધું કહી ગયા છે ને આપણે ચાડ ન રાખીએ ત્યારે એ ઉપેક્ષા કરે. જ્યારે એની ઉપેક્ષા થઈ ત્યારે થઈ રહ્યું ને આપણું બગડયું જાણવું પણ જ્યારે દુ:ખ લગાડીને કહે, ત્યારે જાણવું જે આપણું રૂડું થાવાનું થયું. ને એને અર્થે મોટે મોટે રાજ્ય મેલ્યાં છે, એટલું આપણે દુ:ખ નથી; માટે આંહીં આવ્યા છીએ તે લાભ માનવો, શીખવાનું હોય તે શીખી લેવું ને મૂકવાનું હોય તે મૂકી દેવું. આખ્યાન કઢાવીને સાંભળવું, એના ગુણ કહેવરાવવા ને એટલું ય પૂછતાં ન આવડે તો ‘શિક્ષાપત્રી’નો પાઠ કરવો. ત્યાગી હોય તેણે જડભરતનું આખ્યાન કઢાવવું ને વાંચવું, એ કેમ વરતી ગયા છે તે તપાસવું ને તે પ્રમાણે હમણાં જીવતાં જ કરવું; કેમ જે, દેહનો નિરધાર ક્યાં છે ? માટે તેમ કર્યા વિના તો બીજા ધામમાં જાવું પડશે. મહારાજ તેડવા આવશે ત્યારે કેમ રાજી થાશે ? માટે સત્સંગ કર્યો ને તેની રીત ન સમજ્યા, તો શું પાક્યું ?
સાંતી : ખેતીની જમીન.
અર્થ : ધન, સંપત્તિ.
(189) દેશકાળ વિચારીને બોલે તો ભગવાન ને મોટા સંત રાજી થાય. એક વાર કારિયાણીમાં મહારાજ છાના રહેતા, ત્યાં અમે ને નિષ્કુળાનંદસ્વામી ગયા. ત્યારે ડોશી ફળી વાળતાં હતાં, પણ બોલાય નહિ, એટલે અમે તો ઊભા થઈ રહ્યા. પછી ડોશી કહે, ‘કોઈ હોય તો સાધુને કહેજો જે, ઘરમાં બારી છે ત્યાં થઈને મહારાજ પાસે જવાય છે.’ પછી અમે તો ઘર સોંસરા ગયા. ત્યાં મહારાજે અમને દીઠા, એટલે પૂછયું જે, ‘ગામમાંથી આવ્યા ?’ ત્યારે અમે કહ્યું, ‘ના મહારાજ ! નદીમાં થઈને છીંડીએથી આવ્યા.’ પછી કહે, ‘કોઈએ દીઠા નથી ?’ ત્યારે અમે કહ્યું, ‘ના મહારાજ ! કોઈએ દીઠા નથી.’ પછી રાજી થયા. તે શું મહારાજ જાણતા નહોતા ? પણ દેશકાળ જોઈ બોલ્યા તો રાજી થયા.
એક વાર મહારાજ ગઢડામાં અક્ષર ઓરડીમાં નિત્યાનંદસ્વામી પાસે ‘સૂત્રભાષ્ય’ની કથા કરાવતા હતા, પણ સાંકડ બહુ થાતી હતી, એટલે ઊઠવાનું થયું ત્યારે મહારાજે મુક્તાનંદસ્વામીને કહ્યું જે, ‘સૌને પૂછો એટલે ખબર પડે જે, કોણ કોણ સમજે છે ?’ પછી મુક્તાનંદસ્વામીએ સાધુને પૂછયું જે, ‘તમે કાંઈ સમજો છો ?’ તો કહે, ‘ના મહારાજ ! કાંઈ સમજાતું નથી.’ ત્યારે મહારાજ કહે, ‘કાલે આવશો નહિ.’ એમ દરેકને પૂછે ને ના પાડે. ત્યારે અમે વિચાર્યું જે, કથા સમજાય તો સમજીશું, પણ મહારાજનાં દર્શન તો થાય છે. પછી અમને પૂછયું એટલે અમે કહ્યું જે, ‘હા મહારાજ ! આ તો બહુ ભારે ! ન ભૂતો ન ભવિષ્યતિ । અર્થ :- પહેલાં થયું નથી અને ભવિષ્યમાં થશે નહિ. આ કથા તો સાંભળી નથી ને સાંભળશું પણ નહિ.’ ત્યારે મહારાજ કહે, ‘એ સમજે છે, કાલે તેડતા આવજો.’ એમ દેશકાળ વિચારીને બોલવું.
સાંકડ : સંકડાશ.
અર્થ : ધન, સંપત્તિ.
(190) કથામાં બીજી ક્રિયા કરે તો કથા ન સમજાય. માળા ફેરવતાં મન ભટકતું ફરે ત્યારે માળાનું સુખ આવે નહિ; માટે પાંચ માળા જ ફેરવવી, પણ ભગવાનમાં મન રાખવું.
(191) રાજકોટના રાજાને એરંડિયું ખવાય, એક ચારણને ગાડરનું દૂધ ને રોટલો જ ખવાય, વડોદરાના શાહુકાર મેરાવજીને કમોદના ચોખા ન ખવાય ને રૂગનાથરાયને તાંદળજાની ભાજી ને રોટલો જ ખવાય. એમ જીવ કર્મવશ ભોગવે છે, માટે આજ્ઞા પ્રમાણે શ્રદ્ધા સહિત વ્રત ને તપ કરવાં. ત્વચાને વાહરવી રાખીએ તો તે બગડી જાય. મહારાજ સભા કરતા ત્યારે જેમ ભાથામાં તીર ભર્યાં હોય તેમ મહારાજ આગળ સભા ભરાતી તેમાં વાહર ક્યાંથી લે ? જે વાતમાં માલ જણાય તેમાં દુ:ખ દેખાય નહિ. જનાવરને ટાઢ, તડકો ને વરસાદ માથે પડે છે, તે સર્વે કર્મવશ થઈને સહન કરે છે અને આપણને તો આજ્ઞા છે, વળી દુ:ખ પણ નથી, એમ વિચારવું.
રાજાના કુંવરે સંન્યાસીના પગ ધોયા તે કઠણ લાગ્યા ને પગમાં વાઢિયા પડેલ તેથી હાથમાં ઉઝરડા થયા ત્યારે કહે, ‘બાવા, આધા રૂપૈયા કા જૂતિયાં નહિ મિલતે?’ ત્યારે સંન્યાસી કહે, ‘અમારા ત્યાગીના તો આવા જ પગ હોય. સુંવાળા પગ ધોવા હોય તો જા નાયકાના પગ ધો !’ એમ કહી પગ ખેંચી લીધો ને વયા ગયા. તેમ વાહરમાં કે વિષયમાં શો માલ છે ? સાપ બધા વાહર ખાય છે, માટે એમાં કાંઈ માલ નથી.
પ્રકરણ 9 ની વાત 25
શાહુકાર : ધનિક.
વાહરવી : પવન, હવા, હવા ખાવી.
વાહર : પવન, હવા, હવા ખાવી.
(192) એક વરસે ઘેલામાં મોટું પૂર આવ્યું હતું, ત્યારે મહારાજે કહ્યું હતું કે, ‘હે સંતો, આ પૂરની જેમ જીવમાં કામાદિક દોષનાં પૂર આવે છે, અને એમાં રાત-દિવસ તે તણાયા કરે છે માટે એ બધા દોષથી મુક્ત થાવાનું ઠેકાણું તો આ સંત સમાગમ છે.’ એમ કહી ગામડાંના હરિભક્તોને કહ્યું જે, ‘આ તમે સર્વે અહીં આવ્યા તે મોટાં ભાગ્ય માનવાં જે, ગયા તો સાધુનાં દર્શન થયાં.’ આચાર્યજી મહારાજનાં દર્શન થયાં, એવો વિચાર જેને હોય તેને આનંદ રહે; ને એમ વિચાર ન હોય તે વઘારેલ કે, મનધાર્યું ન મળે તો દુ:ખાઈ જાય; પણ જીવે ત્યાં સુધી ઘી, સાકર મળે તો શું મોક્ષ થાય છે ? ભેખધારી માગે ત્યારે લૂગડાં ને ખાવાનું મળે; પણ બે કોસ વાડીની ભોં મળે નહિ.
(193) ભગવાનને રાજી કરવા એથી કોઈ વાત મોટી નથી, ભગવાન ભક્તાધીન છે. ઝીણાભાઈ ઘેર જાતા ત્યારે નિયમ રાખતા ને જ્યારે સાધુનો સંગ થાતો ત્યારે રાજી થાતા. ભગવાનને રાજી કરવા સારુ વીસ વરસ વગડામાં રહ્યા, ત્યાર કેડે તાવડા ચડયા છે; તેમાં ઊગરે એ ખરા ! હવે ભઠ્ઠીમાં નાખ્યા છે તે ભઠ્ઠીમાં તો પાણાય બળી જાય. બાઈ ભાઈની સભા નોખી કરી છે, તો સૌ સુખિયા છીએ; તે મહારાજની બુદ્ધિએ કરીને સૌને એમ ભાર પડ્યો છે જે, આ સાધુના જેવી ક્યાંય રીત નથી, ને ધરતીમાં એમ કોઈથી રહેવાય નહિ. આ ગામના નાગરો કહે છે જે, ‘તમારું બ્રહ્મચર્ય તો અમારાં કાળજાં વીંધી નાખે છે.’ દેહ તો ગરીબ છે, પણ રજ, તમ ને સન્નિપાતના ઘાટ થાય છે તે પૂર્વના સંસ્કાર છે; માટે સારા સંસ્કાર લગાડવા.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
કેડે : પાછળ.
ઘાટ : માયિક સુખ ભોગવવાનો સંકલ્પ, વિકારનો સંકલ્પ.
સંવત 1918ના ભાદરવા વદિ ત્રીજને દિવસે સ્વામીએ સવારે વાત કરી જે,
(194) વિષયમાં સુખ છે એવી તો કોઈએ કલમ મૂકી જ નથી. તો પણ તેને અર્થે કલ્પના કરે છે. તે આંહીં બેઠા છે અને ઘરની કલ્પના થાય છે એ જ અજ્ઞાન છે, કાંઈ અજ્ઞાનનો ઢગલો થાતો નથી. પછી અભેસિંહભાઈને કહ્યું જે, ‘લોધીકાનું કામ અહીં બેઠા નહિ થાય. લોધીકે જાશો ત્યારે થાશે; માટે સંકલ્પ મૂકી દ્યો !’ એટલે અભેસિંહભાઈ કહે, ‘હા સ્વામિ ! મને લોધીકાના જ સંકલ્પ થતા હતા.’
મયારામ ભટ્ટ એક ગાય રાખતા, ને સુખે રહેતા. પછી હાટ માંડવાનો સંકલ્પ કર્યો તેના વિચારમાં નિદ્રા ઊડી ગઈ ને પરોઢીએ કૂકડો બોલ્યો ત્યારે ભટ્ટજી કહે, ‘ગોવિંદરામ, આ શું બોલ્યો ?’ તો કહે, ‘કૂકડો બોલ્યો.’ ત્યારે ભટ્ટજી કહે, ‘હજી હાટ માંડ્યું નથી ત્યાં તો નિદ્રા ગઈ, ત્યારે માંડશું ત્યારે શું નહિ થાય ? માટે લાવ પાણી.’ એમ કહી સંકલ્પ કરી પાણી મૂક્યું જે, ‘હાટ માંડે તે હરામ ખાય.’ એમ દીર્ઘદર્શીને સૂઝે; પણ જેને જ્ઞાન નથી તેને તો કોઈ સાથે વઢવાનું સૂઝે.
(195) વિવેક વિનાનું દુ:ખ, તે શું ? જે, ઘેર ગરાસ ને અફીણિયા થઈ ગયા તે મડા જેવા થઈ ગયા. ને ભેખધારી લડે છે તે વેણે લડે છે, તેને વાક્શૈલ્ય કહ્યાં છે. પોતે તો સારો ન હોય પણ સારા સાધુને વેણે વેણે બાળીને સત્સંગમાંથી કાઢી નાખે.
આપ કો ખોવે ઓર કો ખોવે, એમ દુષ્ટ કરે ન કૌન બુરાઈ ?
સ્ત્રીમાંથી, છોકરામાંથી ને મૂરખમાંથી તો દુ:ખ જ આવે. વિચાર્યા વિનાનું જેટલું થાશે તેમાંથી તો દુ:ખ જ થાશે. ખાધામાંથી, પથારીમાંથી ને આસનમાંથી દુ:ખ થાય છે; પણ ગુરુ વિના એ કોણ શીખવે ?
તસ્માદ્ ગુરું પ્રપદ્યેત જિજ્ઞાસુ: શ્રેય ઉત્તમમ્ ।
શાબ્દે પરે ચ નિષ્ણાતં બ્રહ્મણ્યુપશમાશ્રયમ્ ।।
(શ્રીમદ્ ભાગવત : 11/3/21)
અર્થ :- તેથી ગુરુને શરણ જવું, તે જ જિજ્ઞાસુનો ઉત્તમ શ્રેય છે. શબ્દ જ્ઞાન અને પરમ જ્ઞાનમાં નિષ્ણાત અને બ્રહ્મમાં જેણે શાંતિનો આશ્રય કર્યો છે તેવા ગુરુને શરણે જવું.
પરબ્રહ્મને અપરોક્ષ અનુભવે કરીને જાણનાર, બ્રહ્મનિષ્ઠ ને શાંતિવાન એવા ગુરુને શરણે જાવું. અમારે તો મોક્ષ વિના બીજો સ્વાર્થ નથી.
કલ્પે સંપત્ત ન નિપજે કલ્પે વિપત્ત ન જાય;
તુલસી સ્વભાવ જીવનો કલ્પ્યા વિના ન રહેવાય.
ગમે તેટલા રૂપિયા થાય તો પણ કલ્પના મટે નહિ ને જેને અર્થે કલ્પના કરીએ છીએ તે દેહ તો રહેશે જ નહિ; માટે આ દેહે કામ સાધી લેવું.
અર્થ : ધન, સંપત્તિ.
(196) વિષયનાં સુખ શેલડી (શેરડી) ને કેરી જેવાં છે. તેમાં દુ:ખ નથી દેખાતું એ મોટું અજ્ઞાન છે. ગાડી-ઘોડામાં પણ દુ:ખ છે; તે કેટલાકના હાથ-પગ ભાંગ્યા છે. ગૃહસ્થને ઘેર જઈને બળદ બાંધવા, એ ગૃહસ્થનું લોહી પીધા જેવી વાત છે. ભેખધારીને ચેલામાં ને પદાર્થમાં બહુ હેત થાય છે. દાડમાવાળા નથુ મહારાજે અમને પછેડી ઓઢાડી, તે અમે તેના ડોસાને ઓઢાડી, એટલે ડોસાને અમારો ગુણ આવ્યો; પછી વર્તમાન ધરાવી તેને સત્સંગી કર્યો ને ભજનાનંદે તો પછેડી સારુ કજિયો કર્યો. આગરિયાવાળા વસ્તા ભક્ત પાસે સાધુએ જીરું માગ્યું. ત્યારે ઘેર જીરું નહોતું ને ગામમાં પણ જડ્યું નહિ, એટલે રાજુલેથી દોડતા જીરું લઈ આવ્યા, ત્યાં તો સાધુ જમી રહ્યા.
સાંખ્યજોગી ને શાસ્ત્રધારી, સન્યાસી ને સંત;
‘લાવો, લાવો, લાવો’ કરે, ફરે લેવાને અંતરે; કરજો0
માટે વગર વિચાર્યું માગવું એ ગૃહસ્થનું લોહી પીધા જેવું છે. સાધુને હરિજને કહ્યું જે, ‘સ્વામી ગામમાં શાક મળતું નથી.’ ત્યારે સાધુ કહે, ‘દાળે ચલાવશું.’ ત્યારે હરિજન કહે, ‘ઈ જ મળતું નથી, અમે દાળને જ શાક કહીએ છીએ.’ રસ્તાના ગામમાં મંડળ ગયું એટલે પાકી રસોઈ આપી; તે જમી રહ્યા ત્યાં બીજું મંડળ ગયું તેને દાળ, ભાત ને રોટલી જમાડી; ત્યાં ત્રીજું મંડળ ગયું તેને દાળ, રોટલા દીધા; ત્યાં ચોથું મંડળ ગયું તેને લોટ નહિ મળવાથી એકલી ખીચડી ખવરાવી; તે જમી રહ્યા ત્યાં પાંચમું મંડળ ગયું એટલે તેને ભડકું રાંધી દીધું; તે જમી રહ્યા ત્યાં છઠ્ઠું મંડળ ગયું તેને પોંક દીધો; ને તે ખાઈ રહ્યા ત્યાં સાતમું મંડળ ગયું એટલે તેને ગામમાંથી દાળિયા લાવી દીધા; એમ પરાણે પૂરું કર્યું.
અશન વસન વાસન વળી જે જે જોયે સમાજ;
અવશ્ય એ તો આપવું પડશે ન આપે તો ન રહે લાજ. કરજો0
એ તો સૌનું સરખું કહ્યું વળી કહેવાનું એક;
રસ્તાના રહેનારાની કેદી નહિ રહેવા દે ટેક. કરજો0
‘લાવ લાડુ ને જોડ ગાડું; પછે થાશે તાપ તો તુંને લાગશે પાપ.’ એમ કહી ગૃહસ્થને ડરાવે તે ત્યાગીનો ધર્મ નહિ. મહારાજની મરજી એમ જે રસ્તાના ગામને ઘસારો ન દેવો માટે કાંઈ ન જોઈએ તો અહિંસા ધર્મ રહે. સાઠ (સાંઈઠ) મૂર્તિ ઝીંજાવદર ગઈ તે જેઠસુરે ઠપકો દીધો; માટે હરિજન દુ:ખાય તો સ્વામિનારાયણ દુ:ખાય.
એક વાર અમારે ભાલના ગામમાં જાવું હતું, તે રસ્તામાં ગોડી, આરતી, ધૂન કરીને પાણીનાં તુંબડાં સૌએ ભરી લીધાં; કેમ જે, રાતે મંદિરમાં જઈએ તો પાણી હોય નહિ ને તે વખતે બે ગાઉથી પાણી પણ લવાય નહિ, તેથી હરિજન કચવાય. પછી અમે મોડામોડા મંદિરમાં ગયા. એટલે હરિજન કહે, ‘આમાં કોઈ જૂના છે કે બધા નવા છે ?’ ત્યારે અમે કહ્યું જે, ‘જૂના છે, ફિકર રાખશો નહિ, અત્યારે રસોઈ કરવી નથી ને પાણી ભરી લાવ્યા છીએ, તે લાવો હાંડો એટલે ભરી દઈએ ને આવો સૌ બેસો એટલે વાતું કરીએ તે સાંભળો.’ તેથી હરિજન રાજી થયા ને નવા તો જેમ મોસલના પાળા આવ્યા હોય તેમ હરિજન આગળ માગ માગ કરે, ત્યારે હરિજન કેમ રાજી થાય ? પછી
આગે સાધુ આવા નોતા.
એ કીર્તન બોલાવ્યું. મેળાવ્યાનું કહ્યું ત્યારે એક જણ કહે, ‘પેટ બાળવા ભેખ લીધો નથી.’ એવાને શું કહેવું ?
કાંઉ ઝાઝા કગોરડાં કાંઉ ઝાઝા કપૂત,
હકડી તો મહિડી ભલી હકડો ભલો સપૂત.
એક મનુષ્ય એવો હોય તે આ બધાને પ્રભુ ભજાવે ને એક એવો હોય તે બધાને વેરી નાખે.
મૂર્તિ : સંતો.
પાળા : સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જાતનો સેવક/પાર્ષદ.
ભેખ : સંન્યાસ.
(197) કોઈ મતનો મુખિયો હોય તે સાથે વાદ ન કરવો. ખોજાના પીરે ગણોદમાં જીવ માર્યો તેની વાત કરી. સૂરતના વાણિયા તાપીદાસ સાથે વિજ્ઞાનાનંદસ્વામી ચર્ચા કરવા ગયા, તેમાં તાપીદાસને રીસ ચડી એટલે વિજ્ઞાનાનંદસ્વામીને ગળે લૂગડું હતું તે ઝાલ્યું. ત્યાં તો સાધુ કહે, ‘સ્વામીનું ગળું દાબ્યું,’ એમ કહી સાધુએ તાપીદાસને માર્યો.’ ત્યારે તાપીદાસે રાડ પાડી જે, ‘સિપાઈ ! દરવાજા બંધ કરો.’ તે સાંભળી વિજ્ઞાનાનંદસ્વામી વયા ગયા. પછી તાપીદાસે ફરિયાદ કરી ને હેરાન કર્યા. સાધુએ ગામ ખોપાળામાં જઈને પાધરું બાવાનું ખોદ્યું જે,
બાવા ઉપર હુકમ ચલાવે બાવલી,
પિટયા પાટણ જાય લૈ આવ એક ડાબલી;
એક ઘાઘરા અવલ કાપડા હીર કા,
મેરે ઓઢણ લાવ દે પટોલા ચીર કા.
બાવી ઘરમેં માહંત રુ બાવા ચેલ કા,
બાવા કે શીર હુકમ ભર લા જલ હેલ કા.
સુવે ચંપાવે પાવ મંજાવે થાલીયાં.
યું કરતાં હિ બાવી બોલે ગાલીયાં,
ક્યું બે ભડુવે કામ ન ઘર કા કરત હે,
છાંણ પડયા ઘરમાંહી ખેલત ક્યું ફીરત હે.
મેરી આજ્ઞા લોપ કે ઈતઉત જાત હે.
ધીરા રહ અબ રાત્રે તેરી બાત હે.
ઉઠ છોરી કું ધોય જગા કું સાફ કર,
છોરી છાની રાખ હુકે મેં બજર ભર.
કહત હું ચોખી વાત સમજ લે મરમ મેં,
ફેલ કિયા તો ડામ દેઉંગી કરમ મેં,
આયાતા બેવકુફ લુચ્ચા ક્યા જાન કે.
મેરે રોયે ખુવાર કરી મોંય આન કે,
અબ તો તેરા કાટ કલેજા ખાઉંગી,
ઘર તેરા જલ જાય મેં તો ઉઠ જાઉંગી.
નહિ માઈકી જાત તમારા દાસ હું,
હાજર ખડા હજૂર તમારે પાસ હું,
તેરે પગ પેંજાર કરું મોય ચામ કી,
મો પાપીકી દેહ કહો કુન કામ કી ?
તુમ બૈઠો મેં કપડા લાવું ધોય કેં,
સમ તુમારી ટેલ કરું ખુશી હોય કે.
એસે ત્રીય આધીન જનમ સબ હારીયા,
દેખ ભેખ કી રીત કે સંત પોકારીયા.
આ બોલ્યા ત્યાં તો બાવો ધોકો લઈને ઊઠયો, તે સાધુને વરસતા મેહમાં ગામ બહાર કાઢ્યા. પછી તે વાત મહારાજને કરી, ત્યારે મહારાજ કહે, ‘તમને માગી ખાતાં પણ આવડતું નથી, માટે પ્રથમ ગામમાં ઝોળી માગી ખાઈ ને પછી બાવાનું બોલવું હોય તો બોલીએ. પણ પ્રથમથી ખોદે એટલે ગામમાં માગી ખાવા શેનો દે ?’ ગોવિંદરામ ભટ્ટ પણ એમ કરતા, તેમાંથી તેમને ઘણાં દુ:ખ આવતાં, મતપંથિયામાત્ર બળી ઊઠ્યા છે; માટે ખબરદાર રહેવું.
ફેલ : નીતિશાસ્ત્ર વિરૂદ્ધનું આચરણ તથા આવક કરતાં વધુ ખર્ચ કરે તેવું આચરણ.
હજૂર : ‘આપ’ અર્થનો દરબારી કે મુસ્લિમોમાં વપરાતો માનવાચક ઉદ્ગાર.
આધીન : વશ, તાબેદાર.
ભેખ : સંન્યાસ.
(198) કોઈ વાંકું બોલે તેને મહારાજ ખીજતા. નિર્વિકલ્પાનંદ ભણેલો હતો પણ પદાર્થ ભેળાં કરતો, તેથી મુક્તાનંદસ્વામી ને આત્માનંદસ્વામી તેનું ખંડન કરતા, એટલે તેણે દ્વેષભાવથી મહારાજ ઉપર ધરમપુર કાગળ લખ્યો. તેમાં મહારાજને બહુ જ સારી રીતે ઉપમા લખી ને પ્રાર્થના કરી જે, ‘મોદકાનંદ અને અનાત્માનંદ એ બેઉ મારા દ્વેષી છે તે મને બહુ દુ:ખ દે છે; માટે તે થકી મારી રક્ષા કરજો !’ પછી મહારાજે પૂછયું જે, ‘આ બે જણ કોણ છે ?’ ત્યારે આત્માનંદસ્વામીએ કહ્યું જે, ‘મોદકાનંદ તે મુક્તાનંદસ્વામીને કહે છે ને અનાત્માનંદ મને કહે છે; કારણ કે, અમે બેય તેના વિષયનું ખંડન કરીએ છીએ તે તેને ગમતું નથી.’ તે સાંભળી મહારાજ કહે, ‘તેણે અમને લાંચિયા જાણ્યા ? તે શું અમે એવા લાંચિયા છીએ ?’ એમ કહી ખીજીને કાગળ ફાડી નાખ્યો. માટે કોઈનું વાંકું બોલશું તો મહારાજ દુ:ખાઈ જાશે.
(199) વિષય ભોગવવાના સંકલ્પ કરશું તો કાં તો મળશે જ નહિ ને મળશે તો ભોગવાશે નહિ ને ભોગવાશે તો રોગ થાશે. મહેમદાવાદમાં સદાવ્રતમાંથી ત્રેવટી-દાળ મળી, ત્યારે સૌ કહે જે, ‘આજ તો દાળ મળી છે, તે સારી કરીને ખાઈએ.’ ત્યારે અમે કહ્યું જે, ‘મહારાજની આજ્ઞા નથી માટે કરવી નથી.’ તો પણ માન્યું નહિ. કુંભારને ત્યાંથી પેડો લઈ આવ્યા ને આડ ખડકીને દાળ કરી ને વાણિયાની દુકાનેથી જીરું માગી લાવેલ તે વાટીને દાળમાં નાખી તાલ કર્યો. પછી હલાવતાં હાંડલું ફાટયું, તે દાળ રાખમાં પડી, ને અરધ ઠીબડામાં રહી. પછી તો ઢોળાયેલ દાળ લઈ સારી દાળમાં નાખી તે બધી કાળી થઈ. પછી જ્યારે જમવા બેઠા ત્યારે અમે કહ્યું જે, ‘મહારાજની આજ્ઞા વિના દાળ કરી, તે મહારાજ કહે છે જે, તમે રાખ ખાઓ છો !’
વરજાંગ જાળિયામાં મોતૈયા કરવાની અમે ના પાડી તો પણ કર્યાં; તે લાડુ વળ્યા નહિ ને લાળ ચાલી એટલે ફરી ચૂલે મૂક્યું તે ચીકણું થયું ને ખવાણું નહિ. તેમ જ તડ ગામમાં પણ એમ જ થયું હતું. માટે આજ્ઞામાં રહીને વિષય ભોગવવા, પણ જે આજ્ઞા બહાર વિષય ભોગવશે તેનું ગળું ઝાલશે, આગળ સ્વામિનારાયણ આકરા છે. મહારાજ કહેતા જે, ‘બધાને છૂટી મૂકી ને તમારાં ગળાં ઝાલ્યાં છે તે કાંઈ તમે શત્રુ છો ? પણ તમારા સારા સારુ છે.’
પેડો : હાંડલી.
તાલ : સ્વાદમાં વધારો.
ઠીબડામાં : તૂટેલ માટીનાં વાસણના કઢાઈ જેવા ભાગમાં.
(200) ગાડું કે ઘોડું રાખશો તો જીવમાં તેનું જ ભજન થાશે ને જીવમાં ચોંટી જાશે. નદીને કાંઠે સૌને ધ્યાનમાં બેસાર્યા, ત્યારે ભોજભાઈએ કહ્યું જે, ‘મને ભૂતડી ઘોડી દેખાણી.’ બીજાને સ્ત્રી દેખાણી ને કોઈને કાંઈ દેખાણું માટે પદાર્થ હોય પણ માંહી મકોડાની પેઠે ચોંટવું નહિ, સહેજ સ્વભાવે રાખવું, નહિ તો કલેશ થાશે. પદાર્થનો કોઈ મેળ નહિ, એ તો આવે ને જાય; માટે ભગવાનને શું ગમે છે તેનો વિચાર કરવો. કામ, લોભ, ઈર્ષા, સ્વાદ ને માન મહારાજને ગમતાં નથી.
(201) હરિજન હોય તે દંભીને કળી કાઢે. જાળિયાવાળા હીરેભાઈએ રસોઈ આપી એટલે સાધુએ ખવાય તેટલું ખાધું ને વધ્યું તેનું ટીમણ કરી લીધું, પણ કાંઈ વધારો કે પ્રસાદી પાછી આપી નહિ. ત્યારે હીરેભાઈએ કાગળ લખ્યો જે, ‘આ મંડળથી હરિજનને સમાસ નહિ થાય; માટે ફરવા જવા દેશો મા.’ માટે દંભ કરવો નહિ, પણ જોઈતું હોય તો નિર્માની થઈને માગી લેવું. મોટેરા કરશે તેમ જ ચેલા પણ કરશે.
ઉમોભાઈ સૂરતમાં ઘી પીરસે, તે સાધુ હાં હાં કરે તો ય ઠામ ભરાય ત્યાં સુધી પીરસે. પછી રામદાસજીએ કહ્યું જે, ‘તમે નિષ્કામી તે અમારી ત્યાગીની શોભા ઘટાડો છો !’ માટે મોટેરો હોય તે ખાવા માંડે ત્યારે બીજા શેના રહેશે ? માટે પંક્તિમાં ખાવું.
પછી લોળિયા પાડાની વાત કરી જે, ભેંશનું ધણ બારવટિયે વાળ્યું, તેમણે માનતા કરી જે, હેમખેમ ધણ લઈ ઘેર જઈશું તો લોળિયો પાડો હરસત માતાને ચડાવશું. પછી તેની વાંસે કાઠી ધણ વાળવા ચડ્યા, તેમણે પણ માનતા કરી જે, ધણ પાછું વાળી આવશું તો લોળિયો પાડો આપણી ખોડિયાર દેવીને ચડાવશું. તેમાં લોળિયા પાડાનું તો બેય કોરે મોત આવ્યું. તેમ જેને કોઈ સાથે ન બન્યું તે નહિ મંદિરનો, નહિ આચાર્યજીનો ને નહિ મંડળનો તે ‘લોળિયો પાડો’ કહેવાય.
પ્રકરણ 12 ની વાત 92
ટીમણ : શિરામણ, જલપાન, નાસ્તો.
પાડો : ભેંસનું નર બચ્ચું કે તેનો નર.
વાંસે : પાછળ.
(202) કર્તવ્ય હોય તે ન કરે તે ડાહ્યો નહિ, માટે મોક્ષમાં વિઘ્ન આવવા દેવું નહિ. ને અસિધારા વ્રત કહ્યું છે તેમાં મોરેથી જ વિચાર રાખવો, નીકર કોઈક દિવસ આપણું ગળું કપાશે.
નાક કપાવી નથ પહેરવી, એતો નારી નઠારીનું કામ છે,
એથી મર રહિયે અડવાં, એવાં ભૂષણ પહેરવાં હરામ છે.
(નિષ્કુળાનંદ કાવ્ય : વચનવિધિ-11)
લૂંટાવી સર્વે લૂગડાં, પછી નાગો થઈ ભાગ્યો ઘણો,
એવું કર્યું એ અભાગિયે, હવે ડાયો કે ભોળો ગણો.
(નિષ્કુળાનંદ કાવ્ય : વચનવિધિ-36)
ચાલે છે ચોરને મારગે, ખરાખરું માને છે ક્ષેમ રે,
પણ શિશ કપાણાં જ્યાં સોયેસોયનાં, ત્યાં કુશળ રહીશ કેમ રે.
(નિષ્કુળાનંદ કાવ્ય : વચનવિધિ-19)
વાવ્યો મોલ સારો ત્યાં લગી, જ્યાં લગી નથી ખવાણો ખડજમાં,
તેમ ભક્તની ભલાઈ ત્યાં લગી, જ્યાં લગી ના’વ્યો વિમુખની વડજમાં.
(નિષ્કુળાનંદ કાવ્ય : વચનવિધિ-17)
જેસંગભાઈના દીકરાને બાવે અવળી ગીતા ભણાવી દીધી માટે વિમુખના શબ્દ તો ઘાસીનાં તીર જેવા છે. નિષ્કુળાનંદસ્વામીના શબ્દ આવા આકરા પણ મોરારચરણદાસને કાંઈ કામ ન આવ્યા ! કેમ જે, તે આસુરી સંપત્તિનો હતો.
મર : ભલે.
બપોરે વાત કરી જે,
(203) નાસ્તિક થઈ ગયા છે તેમણે તો અફીણ ખાઈને માથે તેલ પીધાં છે, તે ઊતરે જ નહિ. ને આપણે તો પ્રભુ ભજવા. તે જીવમાં તો દોષ હોય; પણ આસ્તિક થવું, સત્સંગ રાખવો, ધર્મ પાળવો, નિયમ રાખવા ને ભજન કરવું.
(204) ભગવાન ભજવાનો આદર કર્યો છે માટે ભગવાનના ભક્તના દાસાનુદાસ થઈને રહેવું ને સત્સંગ સારુ બધુંય ખમવું. સત્સંગ કરવો તે જીવનું કામ છે ને બીજું દેહનું કામ છે તેમાં તો માંહોમાંહી વેર છે ને મારામાર છે. માટે સત્સંગ કરે છે તેની બુદ્ધિ સ્થિર રહે છે. ને કહે છે જે, ‘નાતે તરીએ ને નાતે મરીએ.’ પણ નાત તો લંબકરણ જેવી છે. તે શું તારે ? માટે સત્સંગ કરવો.
(205) ત્યાગ, તપની વાત આવે ત્યારે ગૃહસ્થ સર્વે એમ સમજે છે આ તો ત્યાગીની વાત છે ને ભોગ ભોગવવાનું આવે ત્યારે જાણે જે આ આપણી વાત છે. પણ,
પુનરપિ જનનં પુનરપિ મરણં પુનરપિ જનનીજઠરે શયનમ્ ।
ઇહ સંસારે ખલુ દુસ્તારે કૃપયાપારે પાહિ મુરારે ।
ભજ ગોવિંદં ભજ ગોવિંદં ગોવિંદં ભજ મૂઢમતે ।।
(ચર્પટમંજરી : 6-કી.મુ.35/7/06)
અર્થ :- ફરી ફરી જન્મ લેવો, ફરીથી મરણ થવું, ફરીથી માતાના કૂખમાં શયન કરવું, અહીં આ સંસાર પાર કરવો ખરેખર બહુ જ કઠણ છે. હે મુરારે, તું ખૂબ કૃપા કરી મને રક્ષણ કર. હે મુરખ, તું ગોવિંદનું ભજન કર, ગોવિંદનું ભજન કર અને ગોવિંદનું ભજન કર.
એ ક્યાં સમજાય છે ? જીવમાત્ર આ લોકના ઠરાવમાં સુખ માને છે, પણ એ ક્યાં સુધી રહેશે ! માટે આ મોટાનો સંબંધ કરવો.
ન હ્યમ્મયાનિ તીર્થાનિ ન દેવા મૃચ્છિલામયા: ।
તે પુનન્ત્યુરુકાલેન દર્શનાદેવ સાધવ: ।।
(શ્રીમદ્ ભાગવત : 10/84/11)
અર્થ :- જળમય તીર્થો અને માટી અથવા પથ્થરના ભગવાન ઘણા દિવસો સુધી સેવા કરવાથી પવિત્ર કરે છે. પરંતુ સજ્જન (સાધુજન)ના દર્શનમાત્રથી કૃતાર્થ થઈ જઈએ છીએ. એવું મોટાનાં દર્શનનું ફળ છે.
સાધવો ન્યાસિન: શાંતા બ્રહ્મિષ્ઠ લોકપાવના: ।
હરન્ત્યઘં તેઙ્ઙ્ગસઙ્ગાત્ તેશ્વાસ્તે હ્યધભિદ્વરિ: ।।
(શ્રીમદ્ ભાગવત : 9/9/6)
અર્થ :- એષણાત્રયને ત્યાગવાળા, શાંત, બ્રહ્મનિષ્ઠ અને લોકોને પવિત્ર કરવાવાળા (સાધુજન) પોતાના અંગસંગથી તમારા પાપને દૂર કરી દેશે, કારણ કે એમનામાં પાપહારી શ્રીહરિ બિરાજે છે.
એવા સાધુના સમાગમને તો ગંગા ય ઇચ્છે છે. ત્યારે એક પાળાએ સ્વામીને પગે લાગીને કહ્યું જે, ‘અમે તમારો સમાગમ કરીએ છીએ તે સારુ અમને હેરાન કરીને મંદિરમાંથી કાઢવાનું કરે છે, તેનું શું કરવું ?’ સ્વામી કહે, ‘અહીં તો હું નહિ બોલું, પણ તને ધામમાં હું તેડી જાઈશ.’ એમ કહી કોલ આપ્યો. ત્યારે રવાજી કહે, ‘મને કોલ દ્યો.’ તો કહે, ‘તને તો છે જ ને.’ પછી કોલ દીધો. એટલે પૂછ્યું જે, ‘તમે ધામમાં કેમ તેડી જાશો ?’ ત્યારે કહે, ‘તું તારે ઘેર જેમ તેડી જાય છે, તેમ અમે ય અમારે ઘેર તેડી જઈએ ! એમાં શું ?’
અર્થ : ધન, સંપત્તિ.
માટી : બહાદુરી બતાવવી.
કૃતાર્થ : જેનું કાર્ય સિદ્ધ થઈ ચુકયું છે તે, ધાર્યું કાર્ય પાર પડ્યાનો આનંદ.
(206) આવા સાધુનો સમાગમ થાય ત્યારે જીવના હૈયામાં ધર્મ આવે ને સાધુના ગુણ પણ આવે, માટે આ સાધુ ને આ સ્થાનમાં જેને સદ્ભાવ થાશે તે અર્ચિ મારગે કરીને અક્ષરધામમાં જાશે અને જેને આ સાધુ ને આ સ્થાનમાં પ્રીતિ નહિ થાય તે ધૂમ્ર મારગે કરીને બીજા લોકને પામશે ને જેને અસદ્ભાવ થાશે તે ભૂતયોનિને પામશે.
શ્રીઘનશામ કહે સુન નારદ, અંતર શુદ્ધ મેરો મત ઐહે;
મો સંગ પ્યાર ઉદાર સદા મન, નામ ઉચ્ચાર અહોનિશ લૈહે;
સંત સચ્ચે જગમાંહી ફિરે, તિનકું દુ:ખ આય નિરંતર દૈહે;
બ્રહ્મમુનિ ભગવંત કહે સોય, મોય ભજત પુનિ નર્કમેં જાહે.
(કીર્તન મુક્તાવલિ : નાશવંત દેહ વિશે)
તે હરગોવિંદદાસે અમારા ઉપર બેલું નાખ્યું, પણ વાગ્યું નહિ ને પડખે પડ્યું. એટલે અમે ઊંચે જોઈ કહ્યું જે, ‘તારો માર્યો નહિ મરું.’
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
પડખે : પાસે.
(207) કોઈ જીવને પ્રભુ સાથે વેર નથી, પણ લોભ-કામાદિક શત્રુ છે તે કામ બગાડી દે છે. અક્રૂરને જ્યારે લોભ આવ્યો ત્યારે મણિ લઈને ભાગી ગયો. જબર શેઠને લોભ આવ્યો તેમાંથી ભૂંડું થયું. તે એક દિવસ દર્શને આવ્યા ત્યારે ઊનાના શેઠનો ચંદનહાર ઠાકોરજીને ધરાવેલ. તે જોઈ કહ્યું જે, ‘બ્રહ્મચારી મહારાજ, આ પ્રસાદી દો.’ એટલે બ્રહ્મચારીએ ગુલાબનો પ્રસાદીનો હાર દેવા માંડ્યો, તો કહે, ‘ઈ નહિ, ઓલ્યો હાર દો.’ પછી અમે ગયા ને કહ્યું જે, ‘તેના ધણી તો આચાર્યજી મહારાજ છે; તેને કાગળ લખી આજ પુછાવશું, ને તે કહેશે એટલે આપશું.’ ત્યારે કહે, ‘ઠીક.’ એમ કહી ઘેર ગયા ને અમે બ્રહ્મચારીને ઠપકો દીધો જે, પહેરાવવાની ના પાડી હતી તો પણ તમે આડે દિવસ પહેરાવ્યો, તો આ ફળ નીકળ્યું. પછી રૂપશંકરે કહ્યું જે, ‘એ તો અહીંનો દીવાન છે ને જબરો છે તે લીધે રહેશે; કેમ થાશે ?’ ત્યારે અમે કહ્યું જે, ‘ત્રીજે દિવસ ફળ મળશે.’ પછી ત્રીજે દિવસ તે નવાબ સાહેબના વાંકમાં આવ્યો, ને તેના ઘર ઉપર તોપું મંડાણી. એમ લોભનું ફળ મળ્યું. માટે પૂર્વે ને આજ પણ ત્યાગી, ગૃહી સર્વે લોભે કરીને પડી જાય છે.
નારદજીને જ્યારે કામ આવ્યો ત્યારે વૈકુંઠનાથ પાસે ખોટું બોલ્યા જે, ‘બીજાઓનો ગર્વ ઉતારવા મને રૂપ દ્યો.’ માટે સર્વે દોષ મોક્ષના મારગમાં વિઘ્નકારી છે. આ સંગ મળ્યો ને આ વાત ઓળખાણી; પણ તેમાં દોષ આડા આવે છે, ત્યારે સત્સંગ ટળી જાય. વર પોંખાતો હતો ત્યાં નાગા બાવા આવ્યા. તેમણે પૂછ્યું જે,‘ યે ક્યા હોતા હૈ ?’ તો કહે, ‘મહારાજ, એ તો વર પોંખાય છે.’ ત્યારે કહે, ‘ઐસા !’ એમ કહીને વરને ઠેલીને પોતે ઊભો રહ્યો ને કહે, ‘હો જાય મહાપુરુષ કા પોંખણા!’ પછી તેને સમજાવીને ઉતાર્યો, ત્યાં બીજો ચડી બેઠો ને કહે, ‘હો જાય મહાપુરુષ કા પોંખણા !’ એમ સો દોઢસો બાવા, તે સવાર સુધી વરને પોંખાવા દીધો નહિ. તેમ જીવ છે તે વરને ઠેકાણે છે ને કામાદિક દોષ છે તે નાગા બાવાને ઠેકાણે છે તે ભગવાનને વરવા દેતા નથી. માટે ગૃહી, ત્યાગી સૌને એ વાત કહીએ છીએ જે, આ સત્સંગ મળ્યો છે તે જાળવી રાખજો.
પ્રકરણ 9 ની વાત 256
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
ઠેલીને : હડસેલીને, પડતાં મૂકીને.
(208) આવો દાખડો સાધુ વિના કોણ કરે ? પોતે ત્યાગ રાખે ને બીજાનું પણ રાખે. એક વાર મુક્તાનંદસ્વામી ભંડારે ગયા, ત્યારે સાધુના હાથમાંથી રોટલા પડી ગયા. એટલે મુક્તાનંદસ્વામીને મનમાં એમ થયું જે, સાધુને તો જનની કહ્યા છે ને હું તો ભયરૂપ જણાણો હઈશ; ત્યારે રોટલા હાથમાંથી પડ્યા હશે ! પછી પોતે કહે, ‘આજ તો ભૂખ લાગી છે, તે કાંઈ હોય તો લાવો.’ પછી સૌની સાથે ખુરમો ખાવા બેઠા. તેમ જીવ ભેળા ભળીને પ્રભુ ભજાવીએ છીએ; પણ જેમ છે તેમ સ્વભાવ કહેવા માંડીએ તો રહેવાય નહિ.
(209) સત્સંગ કરવો ત્યારે દેહાભિમાનનો ત્યાગ કરવો. કેટલાક વાહર લે છે પણ ત્વચા બગડી જાશે, તો પછી સભામાં કે સંકડાશમાં નહિ બેસાય; માટે વાહરની ટેવ પાડવી નહિ. કેટલાક ગાડાં જોડાવે છે તે પદ્મનાભાનંદે અલૈયાખાચરને કહ્યું, ‘ગાડું લાવો.’ ત્યારે અલૈયો કહે, ‘બળદ સીમમાં ચરવા ગયા છે ને ગાડું વાડીએ પડ્યું છે; તે જરાક વાર લાગશે.’ ત્યારે કહે, ‘હમણાં ને હમણાં લાવો, પછે થાશે તાપ તો તમને લાગશે પાપ !’ એટલે અલૈયે કહ્યું જે, ‘તમે થાઓ ગૃહસ્થ ને હું થાઉં ત્યાગી, પછી તમારી પાસે ગાડું માગું, ત્યારે તમને ખબર પડે જે હમણાં ને હમણાં ગાડું ક્યાંથી આવે ? પણ અત્યારે સમજાય નહિ.’ કેટલાક તો કહે છે જે, સ્વામીને ગોળ ગરમ પડે છે માટે સાકરનું બૂરુ લાવજો કાં જલેબી લાવજો.
લડ્ડુ ખાંડહું કા ચહિયે લાલજી કું, ગુડ બો’ત ગરમ જનાવતા હૈ,
ધોઈ મિસરીકા બાલભોગ ચહે, દૂધ ભેંસહું કા ઘના ભાવતા હૈ;
ચહિયે ભાંગ ગાંજા મેરે લાલજી કું, ભાજી તાજિયાં ભોગ લગાવતા હૈ,
બ્રહ્માનંદ કહે ઠગી લેત પૈસા, એસા લોકકું જ્ઞાન બતાવતા હૈ.
(કીર્તન મુક્તાવલિ : ઉપદેશ કો અંગ)
એમ વલખાં કરે સુખ થાય નહિ; પણ જો દેહાભિમાન મૂકે ને સાધુ થાય તો સુખનો પાર રહે નહિ.
એક વાર મહારાજને ભાલના ગામમાં જવું હતું તેથી અમે રસ્તે ગામ આવ્યું ત્યાં માગતા આવ્યા ને સીમમાંથી છાણાં પણ વીણતા આવ્યા. પછી મહારાજ ગામમાં ઊતર્યા ને અમે બહાર ઝાડને છાંયે ઊતર્યા. ત્યાં રામાનુજાનંદસ્વામીએ બાટીઓ કરી તે અમે જમીને ભજન કરતા હતા. ત્યાં મહારાજ ગામમાં ધુમાડા ને ઘામથી મૂંઝાણા, તે ઘોડીએ ચડીને અમારી પાસે આવ્યા એટલે અમે ગોદડી પાથરી આપી તે ઉપર મહારાજ સૂતા. પછી પૂછયું, ‘તમે કાંઈ જમ્યા ?’ ત્યારે અમે કહ્યું જે, ‘ભિક્ષા માગીને બાટીઓ જમ્યા છીએ ને તમારા સારુ બે બાટીઓ ઝાડે બાંધી રાખી છે.’ પછી મહારાજ કહે, ‘લાવો જમીએ.’ તે ગરણા ઉપર મહારાજ બાટીઓ જમ્યા ને કહે જે, ‘સુખમાત્ર તો સાધુને જ આપ્યું છે પણ બીજાને સમજાતું નથી તે દેહાભિમાને કરીને રાત દિવસ લાકડાની પેઠે બળ્યા કરે છે ને ક્યારેક ધૂંધવાયા કરે છે; માટે લક્ષણ શીખવાં ને લક્ષણ આવ્યાં હોય તેને જાળવી રાખવાં.’
વાહર : પવન, હવા, હવા ખાવી.
(210) દેહધારી હોય તેને દોષ જણાય તો ખરા પણ સમાવી દેવા. ‘ઊપજી સમાવે તે સંત, ન ઊપજે તે ભગવંત.’ ચ્યવને બધાના પેશાબ બંધ કર્યા, પણ પોતાનો બંધ ન થયો, એટલે સુકન્યાને પરણ્યા; એમ સ્વભાવ સત્સંગમાંથી પાડે એવા છે. એક કાઠી આવ્યો તે કહે,‘પાવરા ભર્યાની છૂટી મેલો તો વર્તમાન ધારું.’ પણ છૂટી ન મેલી ને વર્તમાન ધરાવ્યાં. પછી ડુંડાંના પાવરા ભરતાં એક સમે ઝલાણો; એટલે રૂપિયા ચારસેં દંડ થયો ત્યારે કહે, ‘સ્વામીનું મનાણું નહિ.’ પણ પ્રથમ એમ ન જાણે જે, સાધુ અવળું બતાવે જ નહિ; તે તો સુખ થાય તેમ જ બતાવે. એને કોઈનું ભૂંડું કરતાં આવડે નહિ. માટે સત્સંગ કરે તો ધીરે ધીરે વાસના ક્ષીણ થાય છે, પણ ધન, સ્ત્રી, દેહાભિમાન ને સ્વભાવ સત્સંગમાં રહેવા દે એવાં નથી. ઊજળે ડાઘ પડે છે, પતિવ્રતાને લાંછન લાગે તેમ સત્સંગી હોય તેને સર્વે ભય છે.
પ્રકરણ 9 ની વાત 115
મેલો : મરણ સમાચારની ચિઠ્ઠી, કાળાખરી, આઘાત લાગે એવા સમાચાર.
વાસના : પૂર્વના સંસ્કારોથી મકકમ થયેલી કામના.
(211) અક્ષરધામમાં અનંત પ્રકારના મુક્તો છે. તેમાંના ચાર પ્રકારના મુક્તની સ્થિતિ ને સેવા કહીએ છીએ. તેમાં બે પ્રકારના મહામુક્ત છે ને બે પ્રકારના સામાન્ય મુક્ત છે.
તેમાં અતિ ઉત્તમ નિર્વિકલ્પ સ્થિતિવાળા જે મહામુક્ત છે તેને જ્ઞાનેયુક્ત સ્નેહનું અધિકપણું છે, તે તો શુદ્ધ અક્ષરરૂપ થઈને અતિ અપાર માહાત્મ્યેયુક્ત જે સ્નેહ તેણે કરીને પુરુષોત્તમની મૂર્તિમાં એકત્વભાવે કરીને અખંડ જોડાઈ ગયા છે અને એ સ્થિતિના બળે કરીને એક પુરુષોત્તમની મૂર્તિ વિના બીજુ પિંડ બ્રહ્માંડ કાંઈ ભાસતું નથી, માટે એ જ્યાં દૃષ્ટિ કરે ત્યાં એક પુરુષોત્તમને જ દેખે એવા જે મહામુક્ત છે તેને તો અખંડ ભગવાનની મૂર્તિમાં જોડાઈ રહેવું એ જ સેવા છે.
બીજા જે મહામુક્ત છે તેને તો સ્નેહેયુક્ત જ્ઞાનનું અધિકપણું છે અને તે પ્રથમ મુક્તની પેઠે જ જીવ, ઈશ્ર્વર, માયા, બ્રહ્મ ને પરબ્રહ્મ તેમનાં સ્વરૂપને જેવાં છે તેવાં યથાર્થ જાણે છે. બ્રહ્મ જે મૂર્તિમાન અક્ષર અને પરબ્રહ્મ જે પુરુષોત્તમ ભગવાન એ બેયના મહિમાના પારને પામવાને કોઈ સમર્થ નથી, તો પણ જે આવા અતિ ઉત્તમ જ્ઞાની મહામુક્ત છે તે પુરુષોત્તમ ભગવાનનું તથા ધામરૂપ અક્ષરનું સ્વરૂપ તત્ત્વે કરીને જેવું છે તેવું યથાર્થ જાણે છે, તેથી સ્નેહેયુક્ત જ્ઞાનની સ્થિતિએ કરીને નિર્વિકલ્પપણે પુરુષોત્તમની મૂર્તિમાં જોડાઈ રહ્યા છે. આ બે પ્રકારના મહામુક્ત છે, તે તો જે જે બ્રહ્માંડમાં પુરુષોત્તમ ભગવાન મૂળઅક્ષરે સહિત જીવોનાં આત્યંતિક કલ્યાણ કરવા સારુ મનુષ્ય દેહનું ધારણ કરીને પૃથ્વી ઉપર પધારે છે, ત્યારે તે જ્ઞાની મહામુક્ત પણ ભગવાનની ભેળા પૃથ્વી ઉપર આવે છે ને અનેક જીવોને પ્રત્યક્ષ પુરુષોત્તમ ને પ્રત્યક્ષ મૂળઅક્ષરની યથાર્થ ઓળખાણ કરાવે છે, અને ધર્મ, જ્ઞાનાદિક સર્વે શુભ ગુણ જે પોતામાં અખંડ રહ્યા છે તે પોતાના આશ્રિતને આપે છે. આવી રીતે જ્ઞાની મહામુક્ત પુરુષોત્તમ ભગવાનની સેવા કરે છે.
અને સામાન્ય હેતવાળા જે મુક્ત છે તે તો પુરુષોત્તમની મૂર્તિના સુખને ભોગવે છે ખરા પણ મહામુક્તની પેઠે પુરુષોત્તમમાં જોડાયા નથી તેથી તેમના સુખ, સામર્થી અને પ્રકાશમાં પણ ન્યૂનતા રહે છે અને કોઈક સમે ભગવાનની આજ્ઞા લઈને કે, પોતાની ઇચ્છાથી પૃથ્વી ઉપર જીવોનાં કલ્યાણ કરવા મનુષ્યદેહ ધરે છે, ત્યારે પોતાની રુચિ પ્રમાણે જીવોનાં કલ્યાણ કરે છે, ને ધર્માદિક પણ પોતાની રુચિ અનુસારે પ્રવર્તાવે છે ને જો અતિ આગ્રહથી કોઈ કાર્યમાં જોડાય તો તેમાં બંધાઈ જાય ખરા; પણ પછી બહુ દાખડો કરે તો પોતાની મેળે છૂટી શકે. કેમ જે, સામાન્ય હેતવાળા મુક્ત ભગવાનની મરજીને યથાર્થ જાણતા નથી; એટલે પોતાની રુચિ અનુસારે ભગવાનની મરજીને જાણીને પછી જે કાર્ય કરવાની પોતાને ઇચ્છા હોય તેમાં પ્રવર્તે છે અને તે એમ જાણે જે, આ પણ એક ભગવાનની સેવા છે. આવી રીતે સામાન્ય હેતવાળા મુક્ત પોતાની રુચિ પ્રમાણે ભગવાનની સેવા કરે છે.
અને બીજા સામાન્ય હેતવાળા જે કનિષ્ઠ મુક્ત છે તેને તો પુરુષોત્તમના તથા અક્ષરના જ્ઞાન સાથે પોતાના આત્માનું પ્રધાનપણું છે, માટે તે મુક્ત ભગવાનની આજ્ઞાના મિષે સૃષ્ટિ સમયમાં ઐશ્ર્વર્યના રાગે કરીને માયા સાથે જોડાય છે અને તે એમ જાણે છે જે, હું તો પુરુષોત્તમની આજ્ઞાએ કરીને આ કાર્યમાં જોડાયો છું, માટે આ તો ભગવાનની સેવા છે.
હવે પ્રથમ કહ્યા જે બે પ્રકારના મહામુક્ત તે તો એમ જાણે છે જે, પુરુષોત્તમ ભગવાન કે અક્ષર કોઈને ક્યાંય જોડતા નથી. એમને તો ભગવાનની મૂર્તિનું જ સુખ સર્વેને દેવું છે પણ પોતાને કોઈ પાસે કાંઈ ક્રિયા કરાવવી નથી. અને અનંત મૂળપુરુષાદિક પ્રવૃત્તિમાં જોડાયા છે, તે તો રાગે કરીને જોડાયા છે; પણ પુરુષોત્તમ ભગવાનની મૂર્તિમાં નિર્વિકલ્પપણે જોડાયા નથી ને તેથી ભગવાનની મૂર્તિ સંબંધી સુખમાં પણ બહુ જ ફેર છે. સર્વ સુખમાત્રનું મૂળ કારણ તો પુરુષોત્તમની મૂર્તિ છે; માટે જે મુક્ત જેવા ભગવાનની મૂર્તિમાં જોડાયા છે, તેને તેવું ભગવાનનું સુખ આવે છે.
અને સં. 1905માં ગોપાળાનંદસ્વામીએ પંડે ભાદરાવાળા વશરામભાઈ અને રત્ના ભક્ત પાસે જૂનાગઢમાં ભાદરામાં મહારાજે કહેલ અમારા અક્ષરપણાની વાતું ભરસભામાં કહેવરાવી હતી તે વાત કરીને સ્વામીએ વાત કરી જે, અક્ષરધામમાં મહારાજે એક વાર પૂછયું જે, ‘આ નવીન બ્રહ્માંડમાંથી કોઈ જીવ અહીં કેમ આવતા નથી ? માટે અહીંથી કોઈકને ત્યાં મોકલીએ.’ પછી અરૂપાનંદ જેવા મુક્ત અહીં આવ્યા પણ એ તો મૂળગા આ લોકમાં ચોંટી ગયા. વળી મહારાજ કહે જે, ‘ઓલ્યા મુકત આવ્યા નહિ ને કોઈ જીવ પણ આવ્યો નહિ ?’ ત્યારે બીજા નરહરિયાનંદ જેવા મુક્ત ગયા. તે પણ આ લોકમાં ચોંટી ગયા; કેમ જે, તે મુક્ત સામાન્ય હેત-માહાત્મ્યે યુક્ત હતા; પછી સ્વરૂપાનંદ જેવા મુક્ત બોલ્યા જે, ‘હે મહારાજ, એ લોક જ એવો છે, તે જે જે ગયા તે ચોંટી જ ગયા. માટે જીવોનાં કલ્યાણ કરવાં હોય તો તમે, અને આ તમારા મૂળઅક્ષર તે બ્રહ્માંડમાં પધારો, અને અમે પણ ભેળા આવીએ ને પછી તમારાં, તમારા ધામ અને મુક્તનાં સ્વરૂપનાં સમ્યક્ જ્ઞાનેયુક્ત નિશ્ર્ચય કરાવીએ તો અનંત જીવો તમારા ચરણારવિંદને પામે.’ આ વચનોથી મહારાજ સ્વયં સ્વરૂપે પોતાના ધામ, પાર્ષદ અને ઐશ્ર્વર્ય સહિત આ લોકમાં પધાર્યા. એ વાત પ્રથમનાં 71માં વચનામૃતમાં કહી છે.
એવી રીતે આંહીં પધાર્યા ત્યારે તેની ખબર કરવા સંતદાસજીને લોકાંતરમાં મોકલ્યા પછી બે હજાર અવતાર પૃથ્વી ઉપર આવ્યા. પણ આંહીં તો વિષયના ચિચોડા જૂત્યા છે, તેમાં હવે ઊગરે તે ખરા ! આપણે પુરુષોત્તમનું સ્વરૂપ સમજવું અને અક્ષરરૂપ થવું, તે જેમ છે તેમ થાશે ત્યારે પૂરું નહિ તો અધૂરું. તે માટે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમનારાયણની ઉપાસના કરે છે ત્યારે જ અક્ષરધામને પમાય છે, અને પરબ્રહ્મના સુખે સુખિયા થાય છે. આ લોકમાં મહારાજે અનંત વાત પ્રવર્તાવી છે. અને ધામી, ધામ ને અતિ ઉત્તમ મુક્તના સ્વરૂપના જ્ઞાનની વાત પણ યથાર્થ કરી છે. તે શું ? જે, મહારાજ, અક્ષરબ્રહ્મ અને મુક્તોના સ્વરૂપોને અહીં અમાયિક જાણી તેમની ભક્તિને પામવું અને મહારાજની મૂર્તિમાં, અનવધિકાતિશય સુખના પરમાનંદમાં પોતાના સ્વરૂપની વિસ્મૃતિ થયે સતે ભગવાન સાથે સાયુજ્ય અનુભવવું, એ તો કોઈકને જ પ્રાપ્ત થાય છે.
પ્રકરણ 11 ની વાત 39
નિર્વિકલ્પ : જ્ઞાતા-જ્ઞેય ઇત્યાદિક ભેદ વગરનું, જેમાં કોઈ અપવાદ કે બેપણું ન હોય તેવું.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
અનવધિકાતિશય : જેની અવધિ નથી એવું વિશાળ, અમર્યાદ, અપાર, અનંત.
સાયુજ્ય : એકતા (સંપૂર્ણ જોડાણ).
(212) મંદિરમાં બહુ જાતનાં મનુષ્ય ભેળાં થયાં છે પણ લોભ બળિયો શત્રુ છે તે બે દિવસ પછી એવા દિવસ આવવાના છે જે ઠા નહિ રહેવા દે, ને દેહ તો નહિ જ રહે.
ઠા : નિરધાર, ઠેકાણું, સ્થિરતા,
(213) પ્રશ્ર્ન કાંઈ હોય ને ઉત્તર કાંઈ કરે. માન ટાળવાનું પૂછે ત્યારે ઉપવાસ બતાવે તે ઘાવેડી કેવા ? તો બે તીરવા આમ કે બે તીરવા આમ. માનસિંહે લવીંગ પાડ્યું, તે ઘાવેડી કહેવાય; માટે આપણે એવા ઘાવેડી થવું જે કામ, ક્રોધ, લોભ, પ્રકૃતિ કે સ્વભાવમાં લેવાવું નહિ ! મહારાજે વેણ મારી મારીને પાધરું કર્યું છે.
વાર વાર વર માગ હું હર્ષ દેહુ શ્રીરંગ;
પદશરોજ અનુપાયનિ ભક્તિ સદા સત્સંગ.
એમ માગીએ છીએ; પણ સમો આવે ત્યારે બુદ્ધિ ફરી જાય. વિષયનો સંબંધ રાખે ને ઠીક રહે, એવી કલમ તો કોઈએ મૂકી નથી.
(214) કોઈ માળા ફેરવ્યાનું કહેતું નથી પણ લાવો રૂપિયા, ઘડાવો ઘરેણાં ને ચણાવો મેડીઓ એમ કહે છે, માટે ભગવાન ભજવા તેમાં જીવના સંત વિના કોઈ મિત્ર નથી. બીજા તો ભેંશનો વાંસો થાબડે છે તેમ સ્વાર્થમય છે. માટે વડાદરાની પેઠે પ્રભુ ભજી લેવામાં ધૂર્તવિદ્યા શીખવી. બે મહિના સૂઈ રહો તો કહેશે જે ડાગળી ખસી ગઈ છે, પણ આ તો સૌના દાસ થઈને રહ્યા છીએ ત્યારે ચાલ્યું જાય છે. સગી મા હોય તે લીમડો પાય, તેમ સાચા સાધુ હોય તે હેતનાં વચન વઢીને કહે. મનમાં તો જાણે જે કાંઈ ન કહે તો ઠીક, પણ કહ્યા વિના ન ચાલે, ને કહ્યા વિના જ્ઞાન પણ કેમ થાય ? વાણિયા છે તે છોકરાને કાંઈ વાગે ત્યારે ફૂંકે, પણ ફૂંક્યે સ્વભાવ જાય નહિ. આ જીવને ભમાવતું એવું જે મન તે પ્રભુ ભજવા દેતું નથી, માટે એનું ગમતું કરવું નહિ.
તુલસી સો હિ ચતુરતા, રામચરણ લૌલીન;
પરધન પરમન હરનકું, વેશા બડી પ્રવીન.
(તુલસીદાસની સાખીઓ : 65)
અર્થ : ભગવાન રામચંદ્રના ચરણમાં એકાગ્ર થઈ જવું તે જ ખરી ચતુરાઈ છે. બાકી પારકાનું ધન હરી લેવામાં અને પારકાના મનને જીતી લેવામાં તો વેશા પણ બહુ કુશળ હોય છે.
માટે ધન કમાવામાં અને બીજાના ચિત્તનું આકર્ષણ કરવામાં કશી જ ચતુરાઈ નથી, પણ સાચી ચતુરાઈ પ્રભુભક્તિમાં તલ્લીન થાવામાં જ છે.
અર્વ ખર્વ વલું ધન હે, ઉદય અસ્ત મેં રાજ;
તુલસી હરિ કી ભક્તિ બિના સબે નર્ક કો સાજ.
(તુલસીદાસની સાખીઓ : 138)
અર્થ : અર્વ-ખર્વ (હજારો-અબજો રૂપિયા) સુધી ધન મળ્યું; સૂર્ય ઊગે છે ત્યાંથી માંડીને તે આથમે છે ત્યાં સુધીનું રાજ મળ્યું પણ હરિભજન વિના આ સઘળી સામગ્રી નરકમાં લઈ જાય છે.
પારસમણિ અરુ કામધેન કલ્પવૃક્ષ કી વાડ;
તુલસી હરિ કી ભક્તિ બીન તાસે ભલી ઉજાડ.
(તુલસીદાસની સાખીઓ : 177)
અર્થ : માણસ પાસે લોઢાને સોનું કરે તેવો પારસમણિ હોય, સર્વ ઈચ્છાઓને પૂરનાર કામદૂધા ગાય હોય અને કલ્પવૃક્ષની વાડ હોય, પણ હરિભજન વિના આ ત્રણ વસ્તુઓ હોય, તેના કરતાં તો બધું ઉજ્જડ હોય તે વધારે સારું.
જો પોતાનું રૂડું કરવું હોય તો દાસાનુદાસ થઈ જવું ને કહે તેમ કરવું.
સંત ધન્વંતરી વૈદશમ, જેસો રોગી જેહુ;
મુક્ત બતાવત તાહીકું, તેસો ઓષધ તેહુ.
(મુક્તાનંદ કાવ્ય : વિ.ચિ.- સાધુકો સંગ -10)
ઇન્દ્રિયુંના પેચને જાણ્યાની આ શાળા છે, તે વિના કોઈ જાણી શકે નહિ. ભણ્યા વિના કાગળ વંચાય નહિ, તેમ સર્વે વાત સાધુથી શિખાય છે. ભગવાનના જેવો અધિકાર કોઈનો નથી; માટે હથેવાળો તો હરિનો સાચો છે.
અર્થ : ધન, સંપત્તિ.
પારસમણિ : સ્પર્શથી લોખંડનું સોનું કરનાર મણિ.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
સંવત 1918ના ભાદરવા વદિ ચોથને દિવસે સવારે સ્વામીએ વાત કરી જે,
(215) સત્સંગ કરવા આવ્યા છીએ પણ ભજન ઘરનું થાય છે પણ એમાંથી કાંઈ નીકળવાનું નથી ને વાંસેથી એમ કહેશે જે, મારા બાપને વહેવાર કરતાં આવડ્યો નહિ, પણ બાપાની તાણ મટે નહિ. ઉત્તર દિશનો પાર ન આવે, તેમ વિષયનું સરું ન આવે. જેમ અધિક રૂપિયા તેમ બળતરા વધારે, ને જીવ પણ જાય નહિ પછી બરવાળાના વાણિયાની પેઠે થાશે. તે અંતકાળે બોલ્યો જે, ‘જીવલા બરવાળાનો અવેજ વળ્યો ?’ એમ ઝંખના થાશે. જેટલા મોટા માણસ છે તેમને તો હૈયામાં રૂપિયાનું ભજન થાય છે, તેથી થાબડભાણાં કરીને રાખીએ છીએ. મોટા મનુષ્યને મનસૂબાય મોટા, તે સાંઢિયા લે, કાં ઘોડીઓ લે એવાં તોફાન કરે, પણ એમાંથી ડાબલો નીકળવાનો નથી. માટે ગરીબ કર્યા છે, તે ઠીક છે તે જ્યાં ત્યાંથી બાજરો ભેળો કરીને પ્રભુ ભજી લેવા; પણ હૈયામાં ઠાલા લોચા વાળવા નહિ. ઘરડા કહેશે જે, ‘દુ:ખ દે ઉંદરડા દહાડી, કહીએ કેટલું પાળો બિલાડી.’ એંશી વરસના થાય તો પણ એવી શીખામણ આપે.
સરું : છેડો, અંત, પાર.
અવેજ : કરજ
પાળો : સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જાતનો સેવક/પાર્ષદ.
(216) બે વાણિયા ભાદરા ગામમાં હતા તે દગો કરતા. પછી ટૂંટિયું આવ્યું તે મરી ગયા. તેઓ નિયમ લે તો એવાં લે જે, ‘સાડા ત્રણસેં જાતની લીલોતરી ખપે, વધુ ન ખપે.’ પછી અમે તેમને પૂછ્યું જે, ‘થોર ખપે ખરો ?’ બાટલીવાળાને બાવીસ કરોડના સાઠ કરોડ થયા તો પણ બીજા સાઠ કરોડનો મનસૂબો કરે છે. દીકરી કહે, લાવો; બહેન કહે, લાવો; બાયડી કહે, લાવો; વેવાઈ કહે, લાવો; એમ સૌ લાવો લાવો કરે છે. સાધુ વિના કડવું ઓષડ કોઈ પાનાર નથી. જ્યારે કડવું ઓષડ પીશું ત્યારે ઊલટી થાશે ને રોગ જાશે. અમારું ગળું રહી જાશે પણ સૌ ઘેર જનાર છે.
એક ડોસાને સંધ્યા વખતે ઠગ મળ્યો. તેણે પૂછયું, ‘તમારું નામ શું, ને કોને ઘેર જાવું છે ?’ ડોસાએ જવાબ આપ્યો. ત્યારે ઠગ કહે, ‘તમે તો મારા ફુઆ, લાવો પોટકું ઉપાડું.’ એમ કહી બચકો લઈ લીધો ને સાથે ચાલ્યો. થોડી વાર પછી કહે, ‘લો, હું ઉતાવળો જઈ ઘેર રંધાવું ને ખબર આપું, તમે દરવાજામાં ઘરતાં સામે ઘેર દીવો બળતો હશે ત્યાં આવજો.’ એમ કહી લૂગડાં લઈ વયો ગયો. ને ડોસો દરવાજામાં પેઠો, ત્યાં તો ઘરોઘર દીવા દીઠા. પછી મૂંઝાણો ને સૌને પૂછે જે, ‘ઘર ઘર દીવડા જલ ગયા, મેં કીસ કા ફુઆજી ?’ એમ અહીંથી ઉચાળા ભરવા પડશે ત્યારે કોણ સગું થાશે, ને કોને ઘેર જાશો ? આંખ મીંચાય એટલી વાર છે.
ભજ મન અલખ પુરુષ અવિનાશી...
સગાં, કુટુંબી સુત ને દારા, માતા, મામો, માસી;
અંતે ભેળું કોય ન આવે, અંતર દેખ તપાસી. ભ0
મારું મારું કરતો મુરખ, મેલી ધન મરી જાશી;
બ્રહ્માનન્દ કહે હજી સમરી લે, રસિક શામ સુખ રાશી. ભ0
(બ્રહ્માનંદ કાવ્ય : 2405)
છોકરાં તો આંહીં બે દિવસ સમાગમ કરવા રહે છે પણ ઘરડાના જીવ તો બહુ કઠણ થઈ ગયા છે તે રહેતા જ નથી. પછી કહેશે જે કોઈ રોટલા ઘડનાર નથી. તે શું ? જે, ઓ દુ:ખ છે ! પણ ફૂંકી ફૂંકીને કેટલા દિવસ રાખશું ? જેટલો ગોળ નાખશું તેટલું જ ગળ્યું થાશે.
(217) આ ઘડી લેખાની જાય છે, બીજું બધું ગયું નદીના પૂરમાં. કેટલાક પગે લાગવા આવતા નથી ને આસને બેઠા બેઠા બળદ પૂંછડાં ઝાટકે તેમ વીંઝણાથી માંખીઓ ઉડાડે છે. એમ કોઈ દેહની, કોઈ લોકની, કોઈ વેવાઈની, કોઈ બાયડીની ને કોઈ છોકરાંની સેવામાં બેઠા છે, પણ સાધુની સેવામાં કોઈ બેઠું નથી. ડાહ્યા હોય તે ઘેર જવા સારુ યુક્તિયું કરે, ત્યારે અમારે કહેવું પડે જે ઘેર જાઓ. તે કાઠીવાળું કરે છે. તે શું ? જે, ‘આસેં તાળો બગડતો સે, ને ઓસેં ય તાળો બગડતો સે’ એ ખોટું છે. ઓલ્યું તો બગડેલું જ છે.
(218) બજારે બેસે, ને મંદિર ન આવે તો ગ્રામ્યકથાએ કરીને અંતર બગડી જાય. મોટાં માણસ આગળ ગ્રામ્યકથા બહુ થાય, તેથી અમને મોટા માણસ પાસે બેસવું ગમે નહિ. કાં જે, આપણે ભગવાન સંભારવા, ને એને માયાના સર્ગ કાઢવા એટલે આપણને ઠીક ન પડે માટે જેટલી ગ્રામ્યકથા, જેટલી ચિંતા, જેટલો વહેવાર, એ સર્વે ભગવાનના મારગને ઉચ્છેદન કરનારાં છે. ગઢાળીના આંબા શેઠે સ્વપ્નમાં ઘરાકને સમજાવતાં નવો ચોફાળ ફાડી નાખ્યો ને કહે, ‘તમે જૂનું ઘરાક છો, તે લો, લેતા જાઓ.’ એમ કહી એક કટકો ઘરાક તરફ ફેંક્યો ને બીજો દુકાનમાં ફેંક્યો. પણ ટાઢે ઠર્યા ને જાગ્યા ત્યારે ખબર પડી. ભાલ દેશમાં પાણી મળે નહિ, તેથી દહાડે પાણી ભરી રાખેલ. તે સ્વપ્નમાં જાણે હું બળદને પાણી પાઉં છું, તે ઘડા લઈને ફળીમાં ઢોળ્યા ને ‘પો, પો’ કરતો હતો, તે સાંભળી સૌ ઊઠયાં ને પૂછયું જે, ‘આ શું કરો છો ?’ ત્યારે કહે, ‘બળદને પાણી પાઉં છું !’ એમ જીવને વેગ લાગે છે ત્યારે કાંઈ ખબર રહેતી નથી.
પ્રકરણ 12 ની વાત 68
ઉચ્છેદન : ઉચ્છેદ, જડમૂળથી ઉખેડી નાખવાપણું-નાશ.
કરો : ઘરની દિવાલ.
(219) મોહ ન રહે, કામ ન રહે ને સ્વાદની વૃત્તિ ટળી જાય ત્યારે સુખ થાય. કોઈકને માથે દેણું થઈ ગયું. તે લેણિયાત ઉઘરાણી કરવા આવે, ત્યારે મિત્રના કહેવાથી ‘હાઉ’ એમ કહે. તે લેણિયાત જાણે જે ગાંડો થઈ ગયો છે. પછી તો લેણિયાત માગતા બંધ પડ્યા પછી તેનો મિત્ર માગવા આવ્યો, ત્યારે કહે ‘હાઉ, હાઉ.’ તેમ મોતીભાઈ પણ અમને બે હાઉ કરે છે. તે શું ? જે, અમે મોતીભાઈનો વહેવાર સુધારી આપ્યો પછી અમે ધર્માદો કાઢવાનું કહ્યું તો પણ ન કાઢ્યો એ બે હાઉ કર્યા કહેવાય. ત્યાગીને કાંઈ લેણદેણ નહિ કાંઈ વહેવાર માથે નહિ ને ભગવાને સર્વે સાનુકૂળ કર્યું, તો પણ ભગવાનની સ્મૃતિ ન રાખીએ તો આપણે પણ ભગવાનને બે હાઉ કર્યા કહેવાય.
(220) વૈકુંઠાનંદ બ્રહ્મચારીને કહ્યું જે, ‘ઘડપણ માની લીધું છે, પણ દેહ ચાલે છે ત્યાં સુધી કથાવાર્તા, ધ્યાન ને ચિંતવન કરી લેવું, પણ મકર ન કરવું.’ ત્યારે હરિજને પૂછયું જે, ‘મકર એટલે શું ?’ સ્વામી કહે, ‘સંન્યાસી જમવા બેઠો, તેને સર્વે પીરસ્યું પણ પાપડ પીરસવો રહી ગયો એટલે બોલ્યો જે, ‘આજ હું નહાઈને ચાલ્યો આવતો હતો ત્યાં એક સાપ દીઠો, તેની ફેણ ઓલ્યા પાપડ જેવડી હતી !’ ત્યાં તો પીરસનારી કહે, ‘હું પાપડ પીરસવો ભૂલી ગઈ, તે લો દઉં.’ એમ કહી પાપડ પીરસ્યો તે સંન્યાસીએ મકર કરી માગી લીધું કહેવાય. તેમ આપણે પણ પદાર્થ સારુ કે ખાધા સારુ કોઈને ઉપદેશ ન કરવો.’ એક સાધુએ હરિજન આગળ વાત કરી જે, શેઠને સાધુને જમાડ્યાનો પ્રેમ બહુ, તે સાધુ જમવા બેસે ત્યારે ઉપર આવીને ઊભા રહે ને સમ દઈ મેળાવવા ન દે, દહીં-દૂધના તો મેહ વરસાવે, બે દિવસ રહેવાનું હોય તો બે મહિના રાખે ને મેવા-મીઠાઈના તો ઢગલા કરે; એવા જ હરિજન અહીંના પણ છે, એમ વાત કરી હરિજનને સંભળાવે, તે મકર કરીને માંગી લીધું કહેવાય; પણ મકર કરશો તો મહારાજ કોચવાશે.
ભોજને છાદને ચિંતા વૃથા કુર્વન્તિ વૈષ્ણવાઃ ।
યોડસો વિશ્વંભરો નામ સ્વભક્તાન્ કિમુપેક્ષતે ।।
(સુભાષિત)
અર્થ :- વૈષ્ણવ જનો અન્ન-વસ્ત્રની ચિંતા તો વ્યર્થ (ખોટી) જ કરે છે, કારણ કે જે ભગવાન વિશ્ર્વંભર આખા વિશ્ર્વનું ભરણપોષણ કરનાર છે, તે શું કદી પોતાના જ શરણે આવનાર ભક્તોની ઉપેક્ષા કરશે શું ?
વિશ્ર્વંભર આખા બ્રહ્માંડના જીવોનું પોષણ કરે છે ને પોતાના ભક્તને શું ભૂલી જાશે ? પણ જીવને સ્વભાવ પડ્યા તે મકર કર્યા વિના રહેવાય નહિ, ને જે સારુ મકર કરીએ છીએ તે દેહ તો પડી જવાનો છે. માટે જેટલી ભગવાનની સ્મૃતિ થાય, જેટલી હરિજનની સેવા થાય એટલું કમાણા. આ તો ઝાકળ જેટલી ભગવાનની વાતું કરે ને છોંતેરાના વરસાદ જેટલી ગ્રામ્યકથાઓ કરે; તેમાં શું ભગવાન રાજી થાય ? બ્રાહ્મણ કહી છૂટે ને બળદો વઈ છૂટે, એમ અમે તો કહી છૂટીએ છીએ જે, મકર કરીને ખાશે-પીશે તેનું દેહ સારું નહિ રહે, ને ભગવાન પણ રાજી નહિ થાય.
અર્થ : ધન, સંપત્તિ.
(221) છોકરાને પાળીને મોટો કર્યો હોય પણ બાયડી આવે ત્યારે બે મંત્ર કાનમાં દે એટલે એનો થઈ જાય, પછી મા-બાપનો ન રહે માટે ડાહ્યા હો તો સમજી લેજો. કોઠીંબાંની કડવાશ મીઠામાં મટી જાય છે તેમ માયાની કડવાશ છે તે જ્ઞાનના પાસ લાગશે એટલે ટળી જાશે. કેટલાકને સારા ઢોરમાં અને કૂતરામાં પણ હેત થાય છે. ખંડેરાવે કૂતરાને ખોળામાં બેસાર્યો તે કૂતરો પણ ગાદી ઉપર બેઠો કહેવાય ને કમાલદીન ખાને સાઠ સાઠ કોરીના કૂતરા લીધા; એવું માયાનું બળ છે.
(222) મહારાજે બાઈ ભાઈની સભા નોખી કરી તે કઠણ પડ્યું, રોટલા હાથે કરી ખાવાનું કહ્યું તે કઠણ પડ્યું, ભણવાનું કહ્યું તો તે પણ સંસાર મેલવા જેવું કઠણ પડ્યું.
(223) ‘હે સરી સૂરજ મહારાજ, ભેખની ટેક ને બાનાની પત રાખજો !’ એમ યોગેશ્ર્વરદાસજીના બાપ દાતણ કરીને બોલ્યા, ત્યારે અમે કહ્યું જે, ‘પટેલ ભેખની ટેક ને બાનાની પત રાખે એમાં તમારે શું ?’ એટલે પટેલ કહે, ‘એ તો આજ સમજાણું.’ એમ જગતમાં કેટલુંક સમજ્યા વગરનું ચાલ્યું જાય છે.
પત : રક્તપિત્ત.
(224) પ્રભુ ન ભજ્યા તો કાંઈ કર્યું જ નથી.
ષડઙ્ગાદિવેદો મુખે શાસ્ત્રવિદ્યા કવિત્વાદિ ગદ્યં સુપદ્યં કરોતિ ।
ગુરોરઙ્ધ્રિપદ્મે માનશ્ચેન્ન દત્તં તત: કિં તત: કિં તત: કિં તત: કિમ્ ।।
(શ્રીશંકરાચાર્ય)(કીર્તન મુક્તાવલિ : 33/ગુરુસ્તોત્ર-4-2)
અર્થ :- છ અંગો સાથે વેદ અને બધા શાસ્ત્રોની વિદ્યા મોઢે છે. કવિત્વ શક્તિ જેનામાં છે અને ઉત્તમ ગદ્ય અને પદ્ય કરી શકે છે. પણ જો ગુરુના ચરણ-કમળમાં મન ન લાગ્યું હોય તેથી શું ઉપયોગ ? શું ઉપયોગ ? શું ઉપયોગ?
અર્થ : ધન, સંપત્તિ.
(225) અમે ધામમાં જાવા સંકલ્પ કર્યો, ત્યારે આખાનાં લાડુ ડોશી સમાધિમાં મહારાજ પાસે ગયાં ને પ્રાર્થના કરી જે, ‘સ્વામીને પાંચ વરસ રાખો તો ઠીક.’ મહારાજ કહે, ‘સ્વામીએ આંબા વાવ્યા છે તે ઊછર્યા પછી તેડી જઈશું.’ ડોશીના દીકરે આવી સભામાં આ વાત કરી, ત્યારે સાધુ કહે, ‘વાડીમાં આંબા વાવ્યા છે તે કે ?’ સ્વામી કહે, ‘ના, ના, ઈ નહિ, આ હરિજનોને અમે સ્વામિનારાયણની નિષ્ઠા કરાવી છે તે અમે ન હોઈએ તો પણ ફરે નહિ, એવા પાકા તમે સૌ થાશો ત્યારે મહારાજ અમને તેડી જાશે.’
નિષ્ઠા : શ્રદ્ધા, આસ્થા, વિશ્ર્વાસ, ધારણા.
સંવત 1918ના ભાદરવા વદિ ચોથને દિવસે સ્વામીએ સવારે અગિયાર વાગે વાત કરી જે,
(226) મહારાજે કહેવામાં કસર રાખી નથી, પણ આપણે માયામાં ભળી જવાય છે, જેમ બહુ ડાહ્યો તેમ વધુ ભળે. પુસ્તક પટારામાં હોય ને પળે નહિ. એક કણબી ગામ ગયેલ ને વાંસેથી તરગાળા રમી ગયા. પછી તે પાછો આવ્યો, ત્યારે જોનારે તરગાળાનાં વખાણ કર્યાં જે, ‘બહુ સારી રમત કરી હતી પણ તમે ઘેર નહિ તે રહી ગયા.’ ત્યારે તેણે કહ્યું જે, ‘કયે ઠેકાણે રમ્યા તે મને દેખાડો.’ પછી તે ઠેકાણાની ધૂડ તેણે માથે ચડાવી ને કહે જે, ‘ધનભાગ્ય આ ધરતીનાં જે આંહીં તરગાળા રમી ગયા ને હું જોવામાં રહી ગયો !’ એવા ઇશક થાય છે પણ ભગવાન ભજવાના કે કથાવાર્તાના ઇશક થતા નથી. ઇન્દ્રિયું તો બધાયને શત્રુ છે; તે સત્સંગી કુસંગી બેયને શત્રુ છે. ભગવાન વિના જે જે કરીએ છીએ તે ખડ વાઢીએ છીએ ! માટે જેટલો વહેવાર હોય તેટલો ઘડી, બે ઘડી કરીને પછી ભજન કરવું. શિવલાલભાઈના દીકરા છગનલાલને ચાર પેઢી સુધી ખૂટે એમ નથી, પણ આંહીં ન રહેવાય, વળી ભગા શેઠ કોચવાય, માટે રૂપિયા ખાધા ખૂટે એમ ન હોય તો પણ તેના ઘઉં લઈને ભજન કરે, એવો તો કોઈ જડે જ નહીં.
કસર : ખોટ, ઉણપ.
તરગાળા : ગાવા-નાચવાનો ધંધો કરનાર બહુરૂપી નટ.
ખડ : ઘાસ.
(227) ભેળું કાંઈ નહિ આવે પણ ખોટ રહી જાશે તે ભેળી આવશે. માટે જેટલો સાધુ સમાગમ એટલો જ સત્સંગ જાણવો, પણ ઉપલ્યો ડોળ કામ નહિ આવે. તે લીલાધર સોની માતાને પણ માનતો; માટે અંતરના ગોટા જ્ઞાન વિના ને મોટાના સંગ વિના મરને વનમાં જાય તો પણ ટળે નહિ. દેહ છે તે અંગરખું છે, તે તો ફાટી જાશે.
ધરસેં કરે વિચાર બાત યું મન મેં ધારે,
હરિભક્તિ હે કઠિન કર્મ કહાં સુલભ હમારે;
ભક્તિવશ ભગવાન કર્મ સેં અધ ગતિ જાવે,
એસો કરે વિચાર ભક્તિ ઉર મેં તબ ભાવે;
ઉર ઉભે ભાંતિ સેં ઇશકો ન્યાય વિચારે નર જબે,
મુકુંદ મમતા ત્યાગિ કે હરિદાસ હોવે તબે.
(મુક્તાનંદ કાવ્ય : મુકુન્દ બાવની-35)
માટે આ લોકની મમતા મૂકી દેવી.
ડોળ : આડંબર, દેખાવ, દંભ.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
મરને : ભલેને.
અંગરખું : જૂની ઢબનો કસ બાંધવાનો ડગલો.
(228) ત્રણ વરસ સુધી અમને ઝીણી તાવલી આવતી, તે અન્ન જ ભાવે નહિ. સંબંધી ભેળા રહીએ તો પણ પ્રીતિ તો એક ભગવાનમાં જ રાખવી. એક જણે મેડીમાં કાચ ઢાળેલા, પણ મોત આવ્યું ત્યારે તેને નીચે ઉતારવા માંડ્યો, એટલે ના પાડી. પણ પછી તો મરી ગયો ત્યારે ઉતાર્યો. એમ જીવને સન્નિપાત થાય છે. એક સન્નિપાતવાળાને પૂછયું જે, ‘કેમ છે ?’ તો તે કહે, ‘હવે મને સારું છે, પણ આ ગિરનારને કૂતરાં તાણી જાય છે !’ ત્યારે તેમાં શું સારું ? એમ સૌને સંકલ્પરૂપી સન્નિપાત થયો છે, પણ મનુષ્યદેહ વારેવારે મળતો નથી. માટે વિવેક નહિ રાખે તેના કલ્યાણમાં ખોટ રહી જાશે ને આ દેહ તો કાચું હાંડલું છે; તેમાંથી નીકળતાં વાર નહિ લાગે.
કાષ્ટ ચિતા મહીં બૈઠી સતિસો, જરીકે જરીકે જરીકે જરી હૈ,
સિંહ કે અગ્ર ખડી બકરીસો, મરીકે મરીકે મરીકે મરી હૈ;
જ્યું ઘરિયાર કે પાસ કટોરી, ભરીકે ભરીકે ભરીકે ભરી હૈ.
બ્રહ્મમુનિ કહે તૈસેં હી દેહ, પરીકે પરીકે પરીકે પરી હૈ.
(કીર્તન મુક્તાવલિ : નાશવંત દેહ વિશે)
માટે વિચારીને મોક્ષના મારગે ચાલવું ને ધોળો મોવાળો ઊગ્યો, એ જાકારો દીધો એમ જાણવું. ખેડુએ ઘણી ખાંતે કરીને ખેડ કરી હોય, પણ પારવી પડે ત્યારે પાડી નાખે; તેમ ઘણી ખાંતે કરીને દેહનો તાલમેલ કર્યો છે પણ તે જરૂર મૂકવો પડશે.
ઝીણી : સૂક્ષ્મ, જલદી ન સમજાય તેવી.
સન્નિપાત : ત્રિદોષનો બકવાટ.
મોવાળો : વાળ.
પારવી : એક પ્રકારની જીવાત.
તાલમેલ : માયાના ભાવમાં આવી જઈને દેખાવ, આડંબર.
(229) સકામ ન થવું, ખરેખરા નિષ્કામ ભક્ત થવું. પણ કોઈને છોકરો જોઈએ છે, કોઈને બાયડી જોઈએ છે, કોઈને લાંબી ડોકવાળો સાંઢિયો જોઈએ છે, કોઈને મેડી જોઈએ છે, કોઈને રૂપિયાનો ઢગલો જોઈએ છે, એ સર્વે સકામપણું કહેવાય.
બપોરે સ્વામીએ વાત કરી જે,
(230) દેહ ઉપર કારસો આવે ત્યારે કાઠીના નામાવાળું થાય. તે શું ? જે, પાઈ-પૈસાનું નામું આવે, ત્યારે કહે જે, ‘કાન ઝાલી વાત !’ પણ પાંચ રૂપિયાનો ગોળ કે, પાંચ રૂપિયાનું ઘી કે, પાંચ રૂપિયા રોકડા, એવું નામું આવે ત્યારે કહે જે, ‘મોઢું સંભાળીને બોલ, જબ લીનો તબ દીનો !’ એમ જ્યારે સારું ખાધાનું મળે કે, મનગમતું પદાર્થ મળે ત્યારે રાજી થાય; પણ જ્યારે દેહે વરતવાનું આવે ત્યારે કાઠીની પેઠે ખમી શકે નહિ, ને આકળો થઈને કહે જે, ‘માહાત્મ્યની વાત તો થાતી નથી પણ લાડવા ખાઈને વાહરવું, સૂવું એ જ માહાત્મ્ય કે બીજું ?’ આ તો ખાંડણીમાં માથું મેલ્યું છે, ત્યારે હળવા હળવા ઘા મારે કેમ ઠીક પડશે ? ‘જબ લીનો તબ દીનો,’ એમ કરે ભગવાન રાજી નહિ થાય પણ મન, કર્મ, વચને પળે ત્યારે ભગવાન રાજી થાય. કોઈના છોકરાને મંત્ર કહેશું ત્યારે જેમ લાકડું છોલીને સુધારવું પડે તેમ તેને સુધારવો પડશે, માટે પોતાને નિવૃત્તિ પામીને દેહમાં તુળસી મેલીને ભગવાન પરાયણ કરી દેવું. વન આવે ત્યારે ચાલી નીકળવું. તે વન તે શું ? જે, ભગવદી એ વન કહેવાય. બાજરો હોય તો એ વાત ભૂલવી નહિ કેમ જે, એ તો મોઢામાં કોળિયા મૂક્યા જેવું છે.
કારસો : ભીડો/ભીડામાં-કસોટીમાં લે.
માહાત્મ્ય : મહિમા, મહત્વ.
(231) આવું કોઈનું ધામ નથી, આવો કોઈનો આકાર નથી; માટે એક મહારાજના જ ગુણ ગાવા.
કૌતુહળના રે ભરીયા, યોગકળાના પૂરણ દરિયા;
બ્રહ્મવિદ્યાના રે સ્વામી, આવા રૂડા પ્રેમસખી વર પામી.
દત્તાત્રેય, કપિલ, ઋષભદેવ, રામચંદ્ર ને શ્રીકૃષ્ણાદિક અનંત અવતાર તે સર્વે આ સાધુમાં આવી ગયા ને મહારાજ તો અપારના અપાર રહ્યા. ગામ અલૈયામાં અખંડાનંદસ્વામીએ મહારાજને પૂછ્યું ત્યારે મહારાજ કહે, ‘આ બ્રહ્માંડ ઉપર એક કરોડ જોજન ઊંચો ગોલોક છે અને તે ઉપર એકલું શૂન્ય છે. તે શૂન્યને વિશે મનને વેગે કરીને વૈરાટબ્રહ્માની આયુષ પર્યંત ચાલે તો પણ શૂન્ય ભેદવાને કોઈ સમર્થ નથી. એ શૂન્યને મહાશૂન્ય કહે છે, તે મહાશૂન્ય તો અસંખ્ય બ્રહ્માંડ અને તેના કારણ જે પ્રકૃતિપુરુષ તે સર્વેને આવરી રહ્યું છે. તે મહાશૂન્યથી પર અક્ષરધામ છે. તે ધામને વિશે અક્ષરબ્રહ્મ અને અક્ષરરૂપ ચૈતન્ય આકૃતિવાળા અસંખ્ય મુક્ત રહ્યા છે. તે સર્વેને એક મહારાજની જ ઉપાસના છે, અને કેવળ મહારાજના જ સુખે સુખિયા છે પણ બીજા કોઈ સુખે કરીને સુખિયા નથી.
અને અક્ષરધામ મૂર્તિમાન ને અમૂર્ત એ બે પ્રકારે છે. તેમાં જે મૂર્તિમાન છે તે તો અખંડ મહારાજની સેવામાં રહ્યા છે અને જે અમૂર્ત છે તે તો ધામરૂપે કરીને સર્વના આધારભૂત છે. એ સ્વરૂપનું પ્રત્યક્ષ જ્ઞાન તો એમ સમજવું જે, પૃથ્વી ઉપર મનુષ્યદેહ ધારણ કરીને સર્વે જનને દૃષ્ટિગોચર વરતતા એવા જે મહારાજ તે પુરુષોત્તમ છે ને આ સાધુ પોતે મૂળઅક્ષર છે. તે બેય સ્વરૂપનો દિવ્યભાવ ને મનુષ્યભાવ એક સમજવો. અક્ષરધામમાં મૂળઅક્ષર તથા અસંખ્યકોટિ મુક્ત તેમણે સદાય સેવ્યા થકા પૂર્ણ પુરુષોત્તમ વિરાજમાન છે, તેના તે જ આ પૃથ્વી ઉપર મહારાજ છે પણ આ મહારાજ ને તે ધામની મૂર્તિમાં એક રોમનો ફેર નથી, બેય એક જ છે. તેમ જ અક્ષરધામને વિશે મૂળઅક્ષર મૂર્તિમાન થકા અખંડ પુરુષોત્તમ નારાયણની સેવામાં રહ્યા છે ને ધામરૂપે કરીને અસંખ્ય કોટિ બ્રહ્માંડ તથા મુક્તે સહિત પુરુષોત્તમનારાયણને ધરી રહ્યા છે, તેના તે જ પૃથ્વી ઉપર મનુષ્યદેહ ધારણ કરીને આ સાધુરૂપે પણ મહારાજની સેવામાં રહ્યા છે. તે બે સ્વરૂપમાં એક રોમનો ફેર નથી, બેય એક જ છે. એમ જેને આત્મા-પરમાત્માના કે અક્ષરપુરુષોત્તમનાં સ્વરૂપનું અપરોક્ષ જ્ઞાન થાય, તેનું કારણ શરીર નાશ થઈ જાય છે, માટે એ બે વાતનો વેગ લગાડી દેવો ને મોટા મોટા જે મારગે ચાલ્યા છે તે મારગે ચાલવું એ સિદ્ધાંત રાખવો.
પ્રકૃતિપુરુષ : ચેતન અકર્મણ્ય પુરુષની મદદથી જડ પ્રકૃતિમાંથી સમગ્ર સૃષ્ટિની ઉત્પતિ થઈ તે
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
દિવ્યભાવ : જેમાં માયાના ત્રણ ગુણનો પ્રભાવ ન હોય તેવો અદ્ભુત ભગવદ્ભાવ.
મનુષ્યભાવ : દેહભાવ, માયિકભાવ, જેમાં ગુણાનુરાગ - ગુણાનુબુદ્ધિ પ્રવર્તે છે તેવો ભાવ.
કોટિ : કરોડ.
(232) વિષય મારગમાં કોણ નથી ચાલ્યું ? તેમાં તો સૌ હાંકોહાંક મંડ્યા છે પણ આ ભગવાન સામું ચાલવું. ભગવાન નહિ ભજાય તો કાગળ વાંચીને પોક મેલે છે, તેમ વાંસેથી રોવું પડશે ! કોઈના હાથમાં કલમનો ગોદો આવ્યો ને કોઈના હાથમાં પરોણો આવ્યો, એમાં શું ? મેહ ન વરસ્યો હોત તો પ્રભુનો વાંક પણ હવે ન ભજાય તેટલો આપણો વાંક. શરદઋતુમાં સાજા છીએ તે એની તો દયા જ છે; છતાં ભગવાન ન ભજાય એટલો આપણો વાંક છે.
હાંકોહાંક : ઊંધું ઘાલીને તેની પ્રાપ્તિમાં.
પરોણો : આરવાળી લાંબી લાકડી.
સંવત 1918ના ભાદરવા વદિ પંચમીને દિવસે સ્વામીએ વાત કરી જે,
(233) સર્વે ધૂડનો વિકાર છે, બીજાને ઉપદેશ કરીએ ને આપણે ભોગવીએ તે આપણને ય દેવની માયાનો મોહ થયો કહેવાય; માટે આપણે પણ એમ સમજવું ને તે પ્રમાણે વરતવું ત્યારે તે વાતની બીજાને અસર લાગે. દ્રવ્યની વાસના છે તે સાપનો કરડ છે ને સ્ત્રીની વાસના છે તે વીંછીનો કરડ છે. કાં જે, દ્રવ્યના સંકલ્પ કળાય નહિ ને દ્રવ્ય રાખ્યું હોય તો તે પણ કળાય નહિ. પણ સ્ત્રીનો સંકલ્પ થાય તો ઇન્દ્રિયું ચંચળ થાય એટલે જણાઈ આવે ને બહુ થાય તો જાતું રહેવાય, કાં ભ્રષ્ટ થાવાય. તે એક વાણિયાને ‘જવ લેશો કે જાર ?’ એમ થઈ ગયું. કાળા પાણાને લૂણો ન લાગે તેમ ખરેખરો વેગ લાગ્યો હોય તેને કોઈનો પાસ જ ન લાગે. જાળકાતરણી માછલું જાળમાં ન આવે ને કદાચ જાળમાં આવે તો જાળને કાપીને નીસરી જાય, તેમ ખરેખરા હોય તે માયામાં આવે જ નહીં. જળકૂકડીની પાંખને પાણી ન અડે તેમ ખરેખરા હોય તેને કોઈનો સંગ ન લાગે. કોરાળાં તારાળાં કપડામાં મન તણાય છે, પણ આ મોદમાં મન તણાતું નથી, તેમ જે વાતમાં માલ જણાય તેમાં મન તણાય.
વાસના : પૂર્વના સંસ્કારોથી મકકમ થયેલી કામના.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
કોરાળાં : કોરાં નવાં.
તારાળાં : ઝીંણાં.
(234) બુદ્ધિમાં અવકાશ વિના વાતું ન સમજાય, પણ જ્યારે સો સો વાર પાઠ કર્યા ત્યારે સર્વેનાં રૂપ જણાણાં જે, ગોલોક ને વૈકુંઠ તે આવાં છે.
વૈકુંઠ : શ્રી વિષ્ણુ ભગવાનનું ધામ.
(235) જેમ ચોર ખાતર પાડવા જાય ત્યારે પ્રથમ એક કાંકરી નીકળે ને ત્યાર પછી બેલું નીકળે ને ત્યાર પછી માંહી પેસે; તેમ અસદ્મતિ પણ થોડે થોડે વધી જાય છે. ભીષ્મપિતાને અહમ્ ભરાણો, ત્યારે ભગવાનને ચક્ર ધરાવ્યું, તેમ અહમ્ ભરાય ત્યારે મોટા આગળ પણ પોતાના મમત્વની વાત સાચી લાગે. ને જીવ તો દેહાભિમાન, પક્ષપાત ને સંન્યાસીપણું, એમાં જ કુશળ છે. પણ વચનમાં રહીને પ્રભુ ભજવા ને મૂર્તિ સામું જોઈ રહેવું, એ બે જ વાત કરવાની છે.
(236) હજી સુધી સર્વેને અધૂરું છે. આ છગનલાલને મેડી કરવી છે પણ બાપા આગળ ચાલતું નથી ને શિવલાલે ધરમશાળા કરાવી તેમાં તેનું નામ નીકળ્યું પછી તો પોતે લઈ મંડયા. ગૃહસ્થને રૂપિયા જોઈએ છીએ તે ઘરમાં બાજરો નથી એમ નથી. નરસી દવેના ભાઈ ગુજરી ગયા, એટલે નરસી દવેએ તેમની ભોજાઈ રુકમાઈને ભાગ આપ્યો નહિ. પછી રુકમાઈએ મહારાજને કહ્યું જે, ‘રસી દવે મારો ભાગ આપતા નથી.’ ત્યારે મહારાજ કહે, ‘ધર્મમાં વાપરો ને બ્રાહ્મણ જમાડી દો તો અમે અપાવીએ.’ ત્યારે રુકમાઈ કહે, ‘બહુ સારું મહારાજ, નરસી દવે પાસેથી મારો ભાગ તમે લો, તે હું તમને અર્પણ કરું છું.’ પછી મહારાજે નરસી દવેને કહ્યું જે, ‘અમારે બ્રાહ્મણ જમાડવા છે તે મોદીખાનું તમારે ત્યાં રાખશો ?’ ત્યારે કહે, ‘બહુ સારું મહારાજ, જેટલું જોઈએ તેટલું મંગાવજો.’ પછી મહારાજે સભામાં વાત કરી જે, ‘અમારે મેઘપરની ચોરાશી કરવી છે પણ બળતણ નથી.’ ત્યારે સુતાર સભામાં બેઠો હતો, તે કહે, ‘મહારાજ, બળતણ હું આપીશ.’
પછી ચોરાશીનાં નોતરાં દીધાં એટલે સુતાર મોટો જૂનો વડ હતો તે કાપી આવ્યો, ને લાકડાં પૂરતો ગયો, ને મહારાજે ઉપરા ઉપરી ચોરાશી કરીને બ્રાહ્મણોને જમાડવા માંડ્યા. ત્યારે નરસી દવે રાજી થયા જે, આપણને ખૂબ કમાણી થાશે પણ જ્યારે બ્રાહ્મણો લાડવા ખાતાં આળસ્યા ને રાંધવાની ના પાડી, ત્યારે મહારાજે બ્રાહ્મણો પાસે નરસી દવેની જય બોલાવી; એટલે નરસી દવે કહે, ‘મારી જય શેની? મેં ક્યાં જમાડયા છે ?’ ત્યારે મહારાજ કહે, ‘તમારા ભાઈનો ભાગ રુકમાઈબાઈએ અમને અર્પણ કરેલ છે, તેના ભાગમાંથી આ બ્રાહ્મણોને જમાડ્યા છે, તેથી તમારી જય બોલાવી ને તમને ન ગમતું હોય તો રુકમાઈબાઈની જય બોલીએ.’ ત્યારે નરસી દવેને મનમાં થયું જે, ‘કાળો કરસનીઓ છેતરી ગયો!’
પછી નરસી દવે મહારાજ સામું ન જોતા ને દેહ મૂકી ગયા કેડે તેનો દીકરો સમાધિમાં ગયો, ત્યારે નરસી દવેએ તેને કહ્યું જે, ‘મહારાજનો વિશ્ર્વાસ કરીશ નહિ.’ નરસી દવે લોભિયા હતા. મહારાજ નરસી દવેને ઘેર રહેતા ત્યારે રાબ ને છાશ પીતા. એવું દુ:ખ કોઈ સત્સંગીને હમણાં નથી. પ્રથમનાં દુ:ખ તો સર્વે ટળી ગયાં છે; માટે માળા ફેરવવા મંડી જાવું. જો ઝાઝા રૂપિયા થાય, તો તો ગામ-ગરાસ વેચાતાં લેવાય ને અંતે ભૂત થાવાય. માટે બહુ વહેવાર કરીને હવે કોઈમાં અહમ્ વૃત્તિ ભરાવવી નહિ. જેને સાંખ્ય ને જોગ સિદ્ધ થયા છે તેની આગળ બીજા પશુ જેવા છે. વરસાદ ન વરસે ત્યારે આપણે તો વિષયનું ખંડન થાય, પણ સર્વે સત્સંગી દુ:ખી થાય ને ઢોર પણ દુ:ખી થાય તેની દયા આવે ત્યારે શું કરીએ ? હવે વરસાદ થયો તે પોર જેઠ મહિના સુધી માળા જ ફેરવવી.
મોદીખાનું : અનાજ, ગોળ, ઘી વગેરે ખાદ્યવસ્તુ પૂરી પાડનાર તંત્ર/કોઠાર.
ચોરાશી : ચોરાશી લાખ જન્મનું ચક્ર.
કેડે : પાછળ.
પોર : ગઈ સાલ, ગયું વર્ષ.
(237) બે મહિના સુધી રસોઈ ચાલે ત્યારે આપણું ઠીક ન રહે. ગરમીવાળાને બાજરાના રોટલા ગરમ પડતા તેથી ઘઉંના રોટલા આપવા માંડયા. પછી તો ગરમીવાળા ઝાઝા થયા એટલે ગોપાળાનંદસ્વામીએ ગરમીવાળા સારુ જાર દળાવી ને જારના રોટલા આપ્યા. પછી તો ખોટા ગરમીવાળા ઓછા થઈ ગયા ને જેટલા ખરેખરા મૂળ હતા તે રહ્યા. ગરમીવાળાને ઘી ઝાઝું આપતા. ત્યારે અમે કહ્યું જે, ‘ઘીએ વિષય વધશે કે ઘટશે ?’ એટલે વળી આળસ્યા. પણ જે સારું સારું ખાય તેનો દેહ કૂતરું મરે ત્યારે સુણે એવો થાય, તે મહારાજને અને કૃપાનંદસ્વામીને ન ગમે. માટે ગમે તેમ કરીને વિષયથી છેટું રહેવું. આ તો સાલોક્ય મુક્તિ છે, તે ભેળા બેઠા છીએ; પણ સમજણ નોખી નોખી છે.
સુણે : ફૂલે.
સ્વામીએ બપોરે વાત કરી જે,
(238) ક્લ્યાણમાં સંશય ન રહ્યો, પણ તેમાં ગાફલતા રહે છે; તેથી આળસ ને ઊંઘ આવે છે. પંડે ભગવાને પાળ્યું છે, માટે ભગવાનના ભક્તે પાળવું ને વરતવું.
(239) જીવ તો ગીરનાં આંધળાંની પેઠે જ્યાં ચોંટે ત્યાંથી ઊખડે નહિ. તે એકને સોઢીમાંથી ઊખેડવો ને એકને વડોદરામાંથી ઊખેડવો, એમાં તો બહુ ફેર છે. એમાંથી તો ઘણા પડી ગયા, તેમાં ય સ્ત્રી જેવો તો કોઈ વિષય બળિયો નથી. તેને હૃદયગ્ંરથિ કહી છે, તે મૂળ ઊખેડે તો બીજા દોષનો શો ભાર છે ? માટે સ્વાદ, સ્નેહ ને લોભ મૂકે, ત્યારે એનાં મૂળ જાય. ‘ગીતા’માં કામ, ક્રોધ ને લોભ એ ત્રણને નરકનાં દ્વાર કહ્યાં છે ને ‘ધર્મામૃત’માં પાંચ નરકનાં દ્વાર કહ્યાં છે. તેમાં રસાસ્વાદ ને સ્નેહ એ બે મહારાજે મુખ્ય કહ્યાં છે. પણ જો તે કામાદિક પાંચ દોષમાં ભગવાનની આજ્ઞારૂપ ઔષધિ ભળે તો તેના તે દોષ મોક્ષને અર્થે થાય છે. પણ જ્યાં સુધી મૂળ ન જાય ત્યાં સુધી ઝાડ પડે નહિ; તેમ સ્વાદ ને લોભ ન જાય ત્યાં સુધી હૃદયગ્ંરથિ જાય નહિ. દાંતે ચોકઠું લીધે તે ઘોડું વશ ન થાય, તેમ સારાં સારાં ખાવા મંડ્યા, દ્રવ્ય રાખવા મંડ્યા ને સંબંધી સાથે સાંધા રાખવા મંડ્યા; તે દાંતે ચોકઠાં લીધાં કહેવાય.
(240) આપણામાં સારું છે પણ જિહ્વા ઇન્દ્રિય ચૂંથી નાખશે. નિત્ય વરસાદ આવે ત્યારે પલળ્યા વિના રહે નહિ. તે શહેરનાં મનુષ્ય બહુ વિષયી, તેવાં ગામડાનાં નહિ. તે શું ? જે, શહેરમાં વિષયનો સંબંધ બહુ, ને સોઢીમાં શેનો વઘાર મૂકે ? પણ કીડો કરકા વિના રહી શકે નહિ, તેમ જીવ વિષય વિના રહી શકે નહિ. ને આ તો ન મળે એટલે રહેવાય, પણ મળે તો રહેવાય નહિ; પણ જેને વિવેક હોય, વૈરાગ્ય હોય ને જ્ઞાન હોય તેને વિષયમાં ધીરજ રહે.
જિહ્વા : જીભ.
કરકા : સ્ત્રી, માદા.
(241) દ્રવ્યનો પ્રસંગ નીકળ્યો ત્યારે એમ કહ્યું જે, આપણે નરવા છીએ તે અહીં એનો સંબંધ નથી. તેમાં ત્રણસેં મનુષ્ય એ વિષય સારુ ગયા છે. બોકડાના મોઢામાં જવ ભરીને મારે છે, તેમ મન જીવને મારે છે. તે સુખાનંદસ્વામી જેવાને ડગાવી દીધા ને ખપ તો બહુ હતો અને હજી આપણામાં કેટલાકને પરદેશ જોયાનો ડોડ છે.
પ્રકરણ 9 ની વાત 301
નરવા : સ્ત્રી/ધનરૂપી રાગનો વળગાડ વિનાના, નીરોગી.
(242) જેનો જીવ લપટણો હોય તેણે કેમ કરવું ? હઠે કરીને આંકડો રાખવો. અભેસિંહજીના કોઈ ભાયાત આવ્યા હતા, તે ગપ્પાં મારવા મંડ્યા. પછી અભેસિંહજીએ ઓરડો વાસીને બે વાગ્યા સુધી ધ્યાનમાં બેસવા માંડ્યું ને પછી નિયમ કરે, ત્યાર પછી જમવા જાય, ત્યાં સાંજ પડે. એમ ભાયાતને ગ્રામ્યવાર્તા કરવાનો વખત નહિ મળવાથી મહિનો એક રહીને સૌ ભાગી ગયા. હઠે કરીને રાખવું જે, આવો શબ્દ સાંભળવો નહિ, રૂપ જોવું નહિ, એમ આંકડો રાખીને મન સાથે કજિયો કરે, ત્યારે લપટણો ન રહે.
(243) ઊમરેઠમાં ગોપાળાનંદસ્વામીને મહારાજે દર્શન દઈ કહ્યું જે, ‘મારું પુરુષોત્તમપણું જાણો છો ને પ્રગટ કેમ કરતા નથી ? માટે આજથી પુરુષોત્તમપણું પ્રગટ કરજો અને જો નહિ કરો તો આ ને આ દેહમાં હજાર વરસ સુધી રાખીશ.’ પછી ગોપાળાનંદસ્વામીએ સભામાં વાત કરી જે, ‘પૂર્વે રામ, કૃષ્ણાદિક અનંત અવતાર થઈ ગયા છે ને હવે અનંત અવતાર થાશે; એ સર્વે અવતારના અવતારી અને સર્વ કારણના પણ કારણ ને સર્વથી પર એવું જે દિવ્ય અક્ષરધામ તેના પતિ એવા જે પુરુષોત્તમ ભગવાન તે પોતે અનંત જીવોનો ઉદ્ધાર કરવા સારુ પોતાનું અક્ષરધામ ને અક્ષરધામના પાર્ષદ સોતા આ પૃથ્વી ઉપર પધાર્યા છે; એવા જે મહારાજ તે આપણને સાક્ષાત્ મળ્યા છે. માટે આપણે કોઈ દેવ, દેવી, ઈશ્ર્વર કે કોઈ અવતારાદિકનો મનમાં ભાર આવવા દેવો નહિ, શુદ્ધ પતિવ્રતાની ભક્તિ રાખવી.’ એવી રીતે સર્વોપરી પુરુષોત્તમપણાની બહુ વાતું કરી.
તે સાંભળીને અખંડાનંદ બ્રહ્મચારીને હાથધોણું થયું. પછી રઘુવીરજી મહારાજે ભોમાનંદસ્વામી પાસે કહેવરાવ્યું જે, ‘ગોપાળાનંદસ્વામી તો જોગી છે, તે કઈ કળામાં ખેલતા હશે ! પણ તમે જેમ સમજો છો તેમ મહારાજનો સિદ્ધાંત છે,’ આવી રીતે ભોમાનંદસ્વામીએ કહ્યું ત્યારે બ્રહ્મચારીને હાથધોણું બંધ થઈ ગયું. પછી રઘુવીરજી મહારાજે ગોપાળાનંદસ્વામીને કહ્યું જે, ‘સ્વામી, આવી વાતું બહુ આગ્રહથી ન કરવી, આગળ સમજાશે.’ પછી ગોપાળાનંદસ્વામીએ શિવલાલને કહ્યું જે, ‘આજ તો જેમ કાઠી ફેરે જાય તે બરછી નાખે તેમ બરછી નાખી છે.’
ભગવાન અનંત બ્રહ્માંડના પતિ છે, પણ કોઈ બે વીઘાં ભોં આપે કે, જાનવર આપે તો રાજી થાવાય છે, તે મહિમાની કસર જાણવી.
જામનગરમાં નિષ્કુળાનંદસ્વામીના કરેલા મહિમાનો ખરડો લઈને જાગાભક્ત વાંચતા હતા. તેમાં
સખી શિયો કરું ઉપાય પીયુ પરદેશડે,
એ ચરણ આવ્યું; ત્યારે સ્વામી પોઢ્યા હતા તે બેઠા થયા ને બોલ્યા જે, ‘ફેર વાંચો.’ પછી ફેર વાંચ્યું. તે સાંભળીને બોલ્યા જે, ‘આ પણ એક મારા ગુરુનું અજ્ઞાન દેખાડે છે !’ એમ કહીને વળી બોલ્યા જે, ‘જેને જ્ઞાન હોય તેને પિયુ પરદેશડે મનાય જ નહીં. એ તો એમ જાણે જે, ‘ભગવાન અખંડ મારા આત્માને વિશે વિરાજમાન છે ને જેમ દેહમાં જીવ રહ્યો છે તેમ મારા જીવમાં ભગવાન રહ્યા છે.’ એમ સારંગપુરનાં 10માં વચનામૃતમાં કહ્યું છે.’
સંવત 1886ની સાલમાં જેઠ સુદિ દશમને દિવસ મહારાજ સ્વધામ પધાર્યા એટલે વિમાનમાં પધરાવીને લક્ષ્મીવાડીએ લઈ ગયા. તે સમે કોઈને ધીરજ રહી નહિ, સર્વે રોવા લાગ્યાં. પછી ગોપાળાનંદસ્વામીએ અમને કહ્યું જે, ‘આ સર્વે તો એમના બાપને મૂઆ દેખે છે, એમ આપણે મૂઆ દેખતા નથી; માટે ઊઠો, મહારાજની દેહક્રિયા કરો.’ પછી રઘુવીરજી મહારાજને આગળ રાખીને મહારાજના દેહની સર્વે ક્રિયા અમે કરી. પછી હું બહિર્ભૂમિ જવા ગયો. ત્યાં ધોરિયાના કાંઠે ધ્રો લીલી દીઠી તેને જોઈને મને વિચાર થયો જે, આને જળનો જોગ છે તો આવી લીલી રહી છે; પણ મહારાજ સ્વધામ પધાર્યા, ને આપણે અહીં કેમ ? એમ સંકલ્પ થયો ત્યાં હાથમાંથી તુંબડી પડી ગઈ, અને હું પણ પૃથ્વી ઉપર પડી ગયો. તે સમે મહારાજ આવ્યા અને મને હાથ ઝાલીને ઊભો કર્યો પછી હૈયામાં બીડીને મળ્યા અને એમ બોલ્યા જે, ‘હું ક્યાં ગયો છું ? તમારે વિશે અખંડ રહ્યો છું ! અખંડ રહ્યો છું ! અખંડ રહ્યો છું !’ એમ ત્રણ વાર કહ્યું.’
કરો : ઘરની દિવાલ.
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
પાર્ષદ : શ્રીજીમહારાજના સેવક
સોતા : સહિત.
હાથધોણું : ઝાડા થવા, વારંવાર સંડાસ જવું પડે.
કસર : ખોટ, ઉણપ.
ખરડો : યાદી, નોંધ કરવી, ધર્માદાની લખણી.
રાત્રે વાત કરી જે,
(244) વરતાલમાં મહારાજ મુક્તાનંદસ્વામી સાથે સુતાર વાસણ ભક્તને ત્યાંથી જમીને ચાલ્યા આવતા હતા ને અમે ગોમતીથી નહાઈને સદ્ગુરુની ગોદડીઓ ધોઈને, બે ખંભા ઉપર નાખીને આવતા હતા; તે હનુમાનવાળે દરવાજે ભેળા થયા. ત્યારે મહારાજ અમારા સામું મિષોન્મિષ જોઈ રહ્યા અને અમે મહારાજ સામું જોયું, અને તે જ ઘડીએ અમે વૃતિએ કરીને મહારાજની મૂર્તિને ધારીને અંતરવૃત્તિ કરી ગયા, તે મહારાજ બે ઘડી ઊભા થઈ રહ્યા. પછી બોલ્યા જે, ‘સાધુરામ, હવે ચાલશું કે ?’ ત્યારે અમે કહ્યું જે, ‘ચાલો મહારાજ !’
પછી મહારાજે ભગુજી પાસે સભામાં ગોદડીઓ મુકાવીને કહ્યું જે, ‘જેની હશે તે લઈ જાશે.’ પછી માંદા ન હતા તેઓએ આપેલ તે લેવા આવતાં શરમાયા. પછી મહારાજ રામપ્રતાપભાઈવાળે બંગલે જઈને પોઢી ગયા. ચાર બજે (વાગ્યે) સભા થઈ, ત્યારે મુક્તાનંદસ્વામીને મહારાજ કહે જે, ‘તમારા સેવકને બોલાવો.’ ત્યારે સ્વામીએ નિર્ગુણાનંદસ્વામીને બોલાવ્યા. ત્યારે મહારાજ કહે, ‘એ નહિ; ભાદરાવાળા નિર્ગુણાનંદને બોલાવો.’ પછી અમને બોલાવ્યા. ત્યારે મહારાજ કહે, ‘તમારા ખોળામાં બેસારો.’ એટલે અમે પાસે બેઠા. પછી મહારાજ બોલ્યા જે, ‘સ્વામી, તમે આ સાધુને જાણો છો ? એ કેવા છે ?’ ત્યારે મુક્તાનંદસ્વામી કહે જે, ‘હા મહારાજ ! એ સાધુ બહુ સારા છે ને એનો તો ચડતો ને ચડતો રંગ છે ને શાસ્ત્રમાં જેવાં સાધુનાં લક્ષણ કહ્યાં છે ને જે ધર્મ, જ્ઞાનાદિક છે તે સર્વે તેમાં સંપૂર્ણ છે, કોઈ વાતની ન્યૂનતા નથી.’
ત્યારે મહારાજ કહે, ‘એ તો ઠીક, પણ એમની મોટાઈ બીજી રીતની છે. આજ અમે ગામમાંથી આવતા હતા ને એ નહાઈને આવતા હતા, તે અમારી ભેળા થયા, તે જ ઘડીએ સાણસામાં લોઢું પકડે તેમ અમને વૃત્તિએ કરીને પકડી રાખ્યા હતા. પછી અમે ઘણું ચાલવાનું કર્યું તો પણ એક ડગલું ચલાણું નહિ. પછી અમે કહ્યું જે, સાધુરામ, હવે ચાલશું કે ? ત્યારે એ અંતરવૃત્તિમાંથી બહાર આવ્યા ને હાથ જોડી બોલ્યા જે, ‘ચાલો મહારાજ !’ ત્યારે અમારાથી ચલાણું. એવા એ મોટા છે.’
ત્યારે મહાનુભવાનંદસ્વામી બોલ્યા જે, ‘બેટી કા બાપ, મહારાજ કું ક્યું દુ:ખ દેતા હૈ ?’ ત્યારે અમે કહ્યું જે, ‘હું કાંઈ જાણતો નથી.’ ત્યારે તે કહે જે, ‘હા, નહિ જાનતા હૈ ! મહારાજ કહતે હૈ કે સાણસે મેં લોહા કી માફક હમ કું પકડ્યા હૈ, તો છોડાવો !’ ત્યારે મહારાજ બોલ્યા જે, ‘સ્વામી, સમજ્યા વિના શા સારુ બોલો છો ? તમારે બળ હોય તો તમે પણ અમારી મૂર્તિને રાખોને ! અમને તો કાંઈ દુ:ખ થતું નથી. અમારે તો આ તમને સર્વેને આ સાધુના જેવા કરવા છે તે જેમ માછલાંને જળ જીવન છે, તે જળમાં જ હાલે ચાલે ને ક્રીડા કરે, પણ જળનો વિયોગ થાય તો તેની ચંચળતા ટળી જાય ને મરી જાય તેમ આ સાધુને અમે જીવન છીએ અને અમારી મૂર્તિમાં અખંડ રહીને સર્વે ક્રિયા કરે છે, અને આંખનું મટકું ભરીએ એટલી વાર પણ અમારી મૂર્તિનો એમને વિયોગ થતો નથી. તે અક્ષરધામમાં હતા ત્યારે પણ અમને દેખતા, માતાના ગર્ભમાં પણ અમને દેખતા, ગર્ભમાં આવ્યા મોરે પણ દેખતા, કહેતાં એ ગર્ભમાં આવ્યા જ નથી અને આજ પણ અમારી મૂર્તિને નિરંતર સાક્ષાત્કાર દેખે છે અને જેમ આકાશ અને શબ્દને સંબંધ છે તેમ તેને અને અમારે છે અને જેમ એમને અમારા વિના ચાલતું નથી, તેમ અમારે એમના વિના ચાલતું નથી. કેમ જે, અમારું સર્વસ્વ એ છે, ને એનું સર્વસ્વ અમે છીએ. કહેતાં એ અમારું સ્વરૂપ છે અને અમે એમના સ્વરૂપી છીએ, એટલે કે એ અમારું ધામ છે અને અમે ધામી છીએ. તેને અમે હમણાં પણ દેખીએ છીએ અને સત્સંગમાં આવ્યા મોરે પણ દેખતા અને માતાના ગર્ભમાં આવ્યા મોરે પણ દેખતા. એવી રીતે એ સાધુની મોટપ છે; પણ જેમ પોઠિયાને લાદે એમ અમે આજે એમને દીઠા, એ ઠીક નહિ.
હે સંતો, ગુણાતીત જે અમારું અક્ષરબ્રહ્મધામ જે આ સાધુ, તે રૂપે જે થાય છે તેને જ અમારી ભક્તિનો અધિકાર છે અને તેને જ સાધુ કહ્યા છે, મુક્ત કહ્યા છે, આત્મા કહ્યા છે, બ્રહ્મ કહ્યા છે. અનાદિ મૂળઅક્ષર, અનાદિ આત્મા, અનાદિ બ્રહ્મ તે તો એ એક જ છે અને અક્ષરધામમાં જે અનંત અક્ષરમુક્તો છે તે એ અક્ષરબ્રહ્મના સાધર્મ્યપણાને પામ્યા છે, તો પણ તે કોઈ મૂળઅક્ષર થાવાને સમર્થ નથી અને અમે તો મૂળઅક્ષર થકી અનંત અપાર, પર, સર્વોપરી ને સર્વ નિયંતા પરબ્રહ્મ પુરુષોત્તમનારાયણ છીએ.’
ત્યારે મુક્તાનંદસ્વામી કહે જે, ‘આવી મોટપ હું જાણતો નહોતો.’ મુક્તાનંદસ્વામીના પતરમાંથી પ્રસાદી લેવા અમે રોજ જતા, તેમ બીજે દિવસ ગયા ત્યારે મુક્તાનંદસ્વામી કહે, ‘તમે આપો, હું નહિ આપું.’ અમે પૂછ્યું, ‘કેમ અવળી ગંગા ?’ ત્યારે મુક્તાનંદસ્વામી કહે, ‘હવે સવળી થઈ ! આજ સુધી હું તમને ઓળખતો નહોતો. હવે નહિ દઉં.’ પટારામાં બે-ત્રણ કળું હોય તે બધી ઊઘડે ત્યારે પટારો ઊઘડે, તેમ સાધુ ઓળખાણા, ભગવાન ઓળખાણા ને સત્સંગ ઓળખાણો, એ કળું તો ઊઘડી, પણ મોહ ટળ્યો નહિ તો તે કળ ન ઊઘડી કહેવાય. માટે દેહ, લોક, ભોગ ને પક્ષ તેનું આદ્ય ને અંત જોવું પણ મધ્ય ન જોવું કેમ જે, મધ્યમાં જ મોહ થાય છે. બ્રાહ્મણ ઝાંઝવાનાં જળ જોઈને મનસૂબો કરતો હતો તે વાત કરી. સાચી વાત સમજાય ત્યારે મોહ ટળી જાય; પણ મૃગલાં જેવા જીવ છે તે વિષયને સાચા માનીને દોડ્યા કરે છે.
મિષોન્મિષ : એકીટશે-ટગરટગર.
મોરે : અગાઉ
સાક્ષાત્કાર : પરમતત્ત્વ કે ભગવાનનું પ્રત્યક્ષ દર્શન કે સાક્ષાત્ અનુભવ.
રોજ : દરરોજનું મહેનતાણું/મજૂરી.
સંવત 1918ના ભાદરવા વદિ છઠ ને દિવસે સ્વામીએ પ્રભાતે વાત કરી જે,
(245) શામ, દામ, ભેદ ને દંડ એ ચાર ઉપાય છે. તેમાં છેલ્લો ઉપાય થાય છે ત્યારે સૌની આંખ ઊઘડે છે. ઉત્તમ મુમુક્ષુ છે તે તો લખ્યું છે તેમાંથી સમજશે, પામર ને વિષયી છે તેને દંડ દીધા વિના નહિ ચાલે. ધર્મામૃતમાં કહેલ છે તેવાં લૂગડાં રાખવાં, પણ વધારે કિંમતનાં રાખવાં નહિ. જ્યાં ત્યાં પદાર્થ માગતા ફરવું કે, જે તે ખાતા ફરવું ને કોઈ નિયમ જ નહિ તે પાર નહિ પડે, પણ દંડ દઈએ જે કથામાં ઊંઘે તે પચાસ માળા ફેરવે ને દશ દંડવત્ કરે તો આ ઘડીએ પાધરું વરતાય. જેને ખપ હોય તે રહે ને બીજા માંડે ચાલવા; વળી બીજા બે નવા મૂંડશું. ખાધાનું પણ નિયમ નથી, માટે એક ટાણું ખાવું પણ દિવસ આખો ચાવ ચાવ ન કરવું. ગૃહસ્થ રૂપિયા લાવે તેને મહારાજ કહેતા જે, ‘નાખો કૂવામાં !’ પછી કૂવામાં રૂપિયા નખાવ્યા હતા તે જ આપણે છીએ.
સુત દારા અરુ લક્ષ્મી, પાપી કો ભી હોય;
સંત સમાગમ હરિભજન, તુલસી દુર્લભ સોય.
(તુલસીદાસની સાખીઓ : 83)
અર્થ : સંતોનો સમાગમ અને ભગવાનની કથા એ બે વસ્તુઓ બહુ દુર્લભ છે. બાકી, સ્ત્રી, પુત્ર અને ધન તો પાપીની પાસે પણ હોય છે.
આકાશમાં ઊડતો હોય તો પણ તેનો અમારે ખપ નથી. મરને ચાર જ જણ હૈઈશું, પણ ગરીબ થઈને જે થાશે તે કરશું; ને દંડ દેવા બેઠા છીએ, તે હમણાં દેશું, નહિ તો મર્યા પછી દેશું. ને ગળું ઝાલશું કાં માંદો પાડશું, પણ દંડ દીધે જ રહેવું છે. ગૃહસ્થને દંડ, જે હાથે રોટલા ઘડવા પડે. સત્સંગ તો મહારાજના હાથમાં છે. આચાર્ય આજ્ઞા નહિ પાળે તો તેણે પણ સત્સંગમાં નહિ રહેવાય ને ત્યાગી-ગૃહી જે કોઈ આજ્ઞા લોપશે તેણે સત્સંગમાં નહિ રહેવાય. તે મહારાજ મોટેરાને વઢીને કહેતા જે, ‘તમે મોટેરા થયા એટલે તમે આજ્ઞા લોપો તો ય તમને ન કહેવાય ? માટે આજ્ઞા લોપે તેને તો કહેવું, કહેવું ને કહેવું ! પછી ન માને તો ગ્રહણનું હાંડલું જાણી કાઢી મૂકવો; પણ નહિ કાઢો તો બીજાને બગાડશે ને સત્સંગનું ભૂંડું દેખાડશે.’
બૂચ્ચાં નકટાં બહુ મળી, કેનીક જાનમાં જાય,
ખોટ મોટી એ વરને નકટાંને નહિ કાંય.
(નિષ્કુળાનંદ કાવ્ય : હૃદયપ્રકાશ-પ્રસંગ 10)
તેમ નકટા હોય તેને શું ? પણ જે મહિમા જાણનારા છે, તે મહારાજના વચનમાં ટૂક ટૂક થઈ ગયા માટે જેનો મહિમા છે તેનાં જ વચન છે.
કૃપાનંદસ્વામીનો એવો મત જે ઊની કોશ ગળામાં ઘાલીએ ને દુ:ખ થાય તેટલું દુ:ખ આવે તો પણ મહારાજની આજ્ઞા લોપવી નહિ. તે એક વાર ખારા ગુંદરણની સીમમાં તલાવડીએ લૂગડાં ઉતારીને દિશાએ ગયા. ત્યાં છેટે સાખપરી ધાર ઉપર ડોશી છાણાં વીણતી હતી. તેને દીઠી. એટલે ભાગ્યા ને અમે નહાતા હતા ત્યાં શ્ર્વાસભેર આવ્યા ને કહે, ‘ભાગો ! ભાગો !’ ત્યારે અમે પૂછ્યું જે, ‘શું છે ?’ તો કહે, ‘ઓલીધાર ઉપર ડોશી છે.’ તે એવા સમર્થ થકા આજ્ઞાનો ભય રાખતા. તે શું, એને આજ્ઞા હતી ને બીજાને નથી ?
મયારામ ભટ્ટે સમ ખાધા જે, ‘સ્ત્રી ભેળા ચાલે તે હરામ ખાય.’ માટે મયારામ ભટ્ટ, નિષ્કુળાનંદસ્વામી ને કૃપાનંદસ્વામી વિષયથી બહુ બીને ચાલે. ઉપાસનાની સમજણે કરીને, વિવેકે કરીને પરાણે ભગવાનની મૂર્તિ સંભારતા, એવો આગ્રહ તો કોઈને નથી. આપણે ઝાઝા ભેળા કર્યાનું શું કામ છે ? સહેજે એની મેળે સત્સંગ થાશે.
પ્રકરણ 3 ની વાત 57
પાળે : સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જાતનો સેવક/પાર્ષદ.
કોશ : નરાજ, ખોદવાનું લોખડનું એક ઓજાર.
મૂર્તિ : સંતો.
(246) ગમે એટલા ગોટા વાળીએ તો પણ દેહમાં, તેમ જ ઘરમાં પણ નહિ રહેવાય. ને મહારાજનું વચન પાળે તેના ચરણની તો રજ છીએ, પણ જે વચન નહિ પાળે તેને ને અમારે બનશે નહિ; માટે હજાર રૂપિયા લાવે તો પણ તેવાનો લોભ અમારે નથી.
પાળે : સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જાતનો સેવક/પાર્ષદ.
(247) પૃથુ રાજાએ કહ્યું જે, ‘મારા ધનુષ થકી નીસર્યાં જે બાણ તેણે કરીને તને મારીને મારા સામર્થ્યે કરીને આ સર્વ જગતને ધારવાને હું સમર્થ છું.’ તેમાં શું કહ્યું ? જે, ‘જેમ શેઠને બળે વાણોતર ચિઠ્ઠી લખે તેમ ભગવાનને બળે ભગવાનના પરમ એકાંતિક ભક્તમાં એવું બળ હોય.’ વિષયના ખંડન સારુ મંદિરનો દ્રોહ કરશે કે, અવળો ચાલશે તેનો જીવ બળી જાશે. અમારે કોઈ પાસે સ્વાર્થ નથી, સેવાનો પણ સ્વાર્થ નથી, પણ પરમેશ્ર્વરના ભક્ત છે તેની સેવા તો કરવી.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
દ્રોહ : મનથી, વાણીથી કે કર્મથી જાણી જોઈને કરેલ દોષ, ગુનો, પાપ કે અપરાધ
(248) કુસંગમાં કોઈ વ્યભિચારનું પાપ જાણતા નથી. સત્સંગી છે તેને જ થરથરાટ થાય છે ! ખરેખરા હોય તેને કોણ લોપનાર છે ? એક હરિભક્તનું કાંડું ઝાલી વાત કરી જે, સાચાં પગલાં દેખીને સાવજ પણ ભાગે. તે ભડલીવાળા ભાણખાચરનાં દોઢસો ઘોડાંને દાદાખાચરના અગિયાર જણે ભગાવ્યાં; માટે સાચાં પગલાં જોઈએ. સૂરજ જેવી ગોદડીને કોઈ ડાઘ લગાડશો નહિ ! ચીભડાંના ચોરને કોઈ કાંધ મારતું નથી પણ મોટાં વર્તમાન લોપશે, તેણે સત્સંગમાં નહિ રહેવાય. ને ચેલો નહિ પાળે તેનું પાપ ગુરુને ભોગવવું પડશે.
થરથરાટ : કમકમાટ, ભય, ડર.
પગલાં : મહારાજનાં પગલાંની છાપ.
સાવજ : સિંહ.
પાળે : સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જાતનો સેવક/પાર્ષદ.
(249) અખોદરવાળા રાઘવજી બ્રાહ્મણ ખળે રખોપું કરતા કરતા ઊંઘી ગયા ને ચોરે દાણા બાંધ્યા ત્યાં જાગ્યા, ત્યારે કહે, ‘હું ઓળખું છું.’ પછી ચોરે પાછા વળીને મારી નાખ્યા. તે અમે સાંભળ્યું ત્યારે અમને એમ થયું જે, તલવાર ભગવદીને મારવામાં કામ આવી તે તલવાર શા કામની ? પછી તે જ સાલમાં સરકારે હથિયાર પડાવી લીધાં, તે જોતાં તો કર્યું એક ભગવાનનું જ થાય છે.
(250) હવે તો દેશકાળે જાણપણું નહિ રાખે તેનાં વર્તમાન નહિ પળે. ગૃહસ્થનો છોકરો દૂબળો પડે ત્યારે પંદર દિવસ સુધી લાડવા ખવરાવે એટલે બાર મહિના સુધી કેફ રહે ને ત્યાગીને તો નિત્ય લાડવા ખાવાના;. તેનું કેમ પાર પડશે ?
કઠણ વચન કહું છું રે, કડવાં કાંકચ્ય રૂપ;
દરદીને ગોળી દઉં છું રે, સુખ થાવા અનૂપ.
ખરે મને જે જન ખાવશે રે, આવું જે ઔષધ;
જીરણ રોગ તેનો જાવશે રે, સુખી થાશે સદ્ય.
(કીર્તન મુક્તાવલિ : 1048)
ડાહ્યા છે તે આગળથી જ ચેતીને તપ ને વ્રત કરે છે ને મૂરખ છે તે લૂંટાયા પછી ભાગે છે.
(251) સત્સંગમાં કપટ ન રહે.
કાળનેમી રાવણ ને રાહુ, એ ત્રણેયે લીધો ભેખ;
કમળાવરશું કપટે રમિયા, તેમાં ન રહ્યો એક;
તેમાં ન રહ્યો એક તે પાપી, હરિએ મસ્તક નાંખ્યાં કાપી;
કહે ગોવિંદરામ દીસંતા હાઊ, કાળનેમી રાવણ ને રાહુ-એ ત્રણેય.
(કીર્તનાવલિ 440 : 38)
માટે પાપ તો ખોરડા ઉપર ચડીને બોલશે.
પાપ છિપાયાં ના છીપે જ્યું કોઉ લશુન હિ ખાત.
(252) એક સાધુ રૂપાળો હતો તે નડિયાદમાં પધરામણીમાં સાથે ગયો. ત્યાં ડોશીઓ તેને જોઈને કહે જે, ‘આ તો આવા રૂપાળા છે, તે આપણામાં શોભે એવા છે.’ પછી તેને એમ થયું જે, ‘હું આમાં શોભું એવો છું, ને આમાં ક્યાં ભરાણો ?’ પછી તે વયો ગયો ને ખરાબ થયો, એમ એક શબ્દે થયું.
(253) જો કાંઈક વાસના રહી જાશે તો મર ભક્તિ કરતો હશે, તો પણ બીજા લોકમાં જાવું પડશે.
વાસના : પૂર્વના સંસ્કારોથી મકકમ થયેલી કામના.
મર : ભલે.
(254) સત્સંગી હોય તેનાં તો મોઢાં કળાઈ જાય. બાર મહિનામાં એક મહિનો આ સાધુનો સમાગમ કરશે તેનો સત્સંગ રહેશે ને જે સમાગમ નહિ કરે તેને ઘેર તો જરૂર ડાકલાં બેસવાનાં. જેટલા તીર્થ, ગોર છે તે જરૂર બગાડ કરશે ને અવળાં લાકડાં ભરાવશે . તળ ગઢડામાં કુસંગીનાં લાકડાં ભરાવેલ, તે સત્સંગ થાવા દીધો નહિ.
કળાઈ : કોણીથી કાંડા સુધીનો હાથ.
તળ : મૂળ, જન્મ સ્થાન.
(255) વણથળીમાં ભગવત્પ્રસાદજી મહારાજની દૃષ્ટિ નિયમમાં જોઈને મુસલમાનને ગુણ આવ્યો, તે કહે જે, ‘આ તો અલ્લા જેવા છે.’ માટે સત્સંગમાં મનુષ્ય છે એવાં દેવમાંહી નથી. અમે કલ્યાણભાઈને વાડે ગયા. ત્યાં શેરડીના છોતામાં તેમના દીકરા ડાહ્યો અને દેવજી રમતા હતા તે સામું જોઈને કહ્યું જે, ‘કલ્યાણભાઈ, સત્સંગનો મહિમા મુખથી કહેવાય એવો નથી, ને કહીએ તો કોઈ માને નહિ. કેમ જે, પૂર્વે મોટા મોટા અવતાર થઈ ગયા છે તે કરતાં તો આ છોકરાંમાં કોટિગણું અધિક દૈવત જણાય છે, ત્યારે આ સાધુનો ને મહારાજનો મહિમા તો કહેવાય જ કેમ ?’
છોતામાં : છોતરામાં.
દૈવત : દિવ્ય તેજ, શક્તિ.
(256) બુરાનપુર આવ્યા હતા તેમાંથી કેટલાકે જે કાંઈ છાનું કર્યું હશે તે મહારાજે અંતર્યામીપણે કહી દીધું. બાજરાનો રોટલો ખાઈને કેટલા મરી ગયા ? બરફી, કેરી કે એવું બીજું ખાઈને તો ઘણા મરી ગયા છે. તે કહો તો ગણાવી દઈએ.
(257) મહારાજે પંડે કહ્યું હતું જે, ‘કેવળ અમારી કૃપાએ સૌનાં કલ્યાણ કરવાં છે પણ સાધનનું બળ રહેવા દેવું નથી.’
(258) જેટલું કીડિયારું એટલું અંગ ન સુધરે; તેમ જે ખરેખરા હશે તે ટકશે. દોષમાત્ર મૂકવા, તે તમારે મૂકવા ને અમારે પણ મૂકવા. મર ગરીબ હોય, પણ ઉપાસના, આજ્ઞા ને વિશ્ર્વાસ હોય તે મોટા; ને તે વિના તો મર રાજા હોય તે પણ ખોટા.
કીડિયારું : જીવાત પડી જાય એટલી હદે સડી જવું.
મર : ભલે.
(259) બહુ આંટા ફેરા ખાવા નહિ. બહુ રસ ખાય તેનું દેહ પણ નિયમમાં ન રહે. આ તો બદરીનાથનાં શીંકાં છે, તે ધર્મ રાખશે તેણે રહેવાશે. કેમ કે, આપણો બીજાના જેવો મત નથી. આપણે આજ્ઞા લોપીને ભોગવવા જઈશું પણ ભગવાન ભોગવવા દે તો ભોગવાય; માટે આજ્ઞામાં રહીને કરવું.
(260) કૃષ્ણચરણદાસજી વચનની સીમા, ત્યાગની સીમા ને સ્વરૂપનિષ્ઠાની સીમા હતા, માટે સંત સમાગમ વિના જીવ સારો થનાર નથી.
(261) આજ જેમાં જ્ઞાન હશે, વૈરાગ્ય હશે, ભક્તિ હશે તેને આગળ સંસ્કાર હશે ત્યારે તે અહીં છે ને આજ પણ જેને સંસ્કાર લાગશે તે આગળ ઊગશે. કથા ટાણાની કોઈને ખબર નથી, પણ ભગવાનનો મહિમા, કહ્યા સાંભળ્યા વિના આવે નહિ; માટે ખાધાનું ભજન ન કરવું ને કથાવાર્તા તો કરવી. સારા કામમાં સો વિઘ્ન, ભૂંડો સ્વભાવ એ વિઘ્ન, કહેનારા સાંભળનારાના દેહનું આડું અવળું થાય એ વિઘ્ન; માટે મોક્ષને મારગે ચાલવું તેમાં વિઘ્ન આવવા દેવું નહિ.
(262) આ ટાણે વાતું થાય, પણ બજારમાં જઈએ કે કાળવે નહાવા જઈએ ત્યારે ઇન્દ્રિયું નિયમમાં ન રહે તે જેમ તૂટ્યા મેહ છાના રહે નહિ તેમ પાપ ઉઘાડું થયા વિના રહે નહિ.
(263) ‘છાશ લેવા જવી ને દોણી સંતાડવી’ તેમ ન કરવું. સત્સંગ કર્યો ત્યારે તો ઉઘાડો જ કરવો. તે શું ? જે, કોઈથી દબાવું નહિ.
સ્વામીએ બપોરે વાત કરી જે,
(264) લોભનો કીડો, કામનો કીડો ને માનનો કીડો તે ક્યાંથી પ્રભુ ભજે? પોતાના ડહાપણનો ડોડ ભારે છે. ભૂજમાં આનંદસ્વામી રહેતા, તેને અમારે વિશે બહુ હેત હતું. તે એક વાર મહારાજે દર્શન દઈ પૂછ્યું જે, ‘અમારા ભેળા આવશો?’ એટલે કહે, ‘હા મહારાજ !’ પછી મહારાજ તેમનો હાથ ઝાલી ચાલ્યા તે માયાનું તમ જે અંધારું તે સોંસરા ચાલ્યા. પછી પ્રકાશ આવ્યો એટલે હાથ મૂકી દીધો. ત્યાં એક જણ સાંતીએ બળદ જોડતો હતો તે એકને જોડે ત્યાં બીજો નીકળી જાય એવું દેખાડ્યું. એટલે આનંદસ્વામી કહે, ‘લાવ જોડી દઉં.’ એમ કહી જોડી દીધું; ત્યાં મહારાજ વયા ગયા એટલે મૂંઝાણા. પછી તો ચાલવા માંડ્યું તે અંધારામાં પ્રથમ જેમ પ્રકાશ થાતો ગયો હતો તેમ આગળ પ્રકાશ થાતો ગયો. એમ કરતાં દેહમાં આવ્યા પણ પછી મહારાજનાં દર્શન ન થયાં. તેમાં મહારાજે આનંદસ્વામીને ડહાપણનો ડોડ હતો તે ઉઘાડો કર્યો; માટે મહારાજ કે મોટા સંત તેડવા આવે તો દયાની ખાતર પણ ક્યાંય ડહાપણ કરવું નહિ, જો ડહાપણ વાપર્યું તો રહી જવાશે.
વચ. ગ.મ. 48
(265) લોભ છે તે ધર્મનો કુહાડો છે. કામમાં, લોભમાં ને દેહાભિમાનમાં સર વળી જાય તો સત્સંગ ટળી જાય માટે આ સાધુ વિના બીજે ક્યાંય સર વળવા દેવી નહિ. ગ્રામ્યકથાનો જેને સ્વભાવ પડ્યો હોય તે લબકારો લઈ લે. ગ્રામ્યકથામાંથી તો મહારાજ ઉદાસી થઈ ગયા. પછી કોઈને પાસે આવવા દીધા નહિ. સોનું કાંઈ પાણીએ ધોવાય નહિ. તે તો રસ કરીને રેડશે ત્યારે મૂર્તિ થાશે ને પછી પૂજાશે. તેમ એ વાત કર્યા વિના કેમ થાય ? ઝીણાભાઈની પેઠે ફિકર રાખવી જે રખે મારું મન ભગવાન વિના બીજે ક્યાંય બંધાઈ જાય નહિ. ઝીણાભાઈ ખાવું, પીવું આદિક સર્વે ક્રિયા નિયમસર કરતા. આગળથી વિચાર કરીને આંધળા થઈને ચાલવું, બહેરા થઈને સાંભળવું. દીનાનાથ પેટને અર્થે એટલો દાખડો કરતા, ત્યારે ભગવાન અર્થે કેમ ન થાય? જે કરીએ તે થાય. સો કળાએ કરીને કામને દબાવે, માનને દબાવે ને લોભને દબાવે, રસને દબાવે તે સાધુ દબાવે, તે ઉપર,
જીભા જોને રે, જીભા જોને, હાંરે જંપી નહિ તારી ઝાળ.
ખટરસ ખાધા તેં ખોળીને, જીભા જોને0
એ ‘હરિસ્મૃતિ’નું નિષ્કુળાનંદસ્વામીનું પદ બોલ્યા.
મૂર્તિ : સંતો.
(266) વાણિયા પરદેશમાં જાય છે ત્યાં દાઢી રાખીને મુસલમાન થાય છે પછી
નૂરના સમ ખાઈને કામ કાઢી લે છે; તેમ હરિજન હોય તેણે જે તે પ્રકારે ઇન્દ્રિયુંને છેતરીને કામ કાઢી લેવું. પેટ અર્થે વહાણમાં બેસીને કેટલાક પરદેશ જાય છે, ચોર ચોરી કરવા જાય છે, તેટલા માટે ભગવદી હોય તેણે એવો વિચાર રાખવો જે, ગમે તેમ કરીને માથા સાટે ભગવાનને રાખવા.
નૂરના : ખુદાના
સાટે : બદલેઅવેજમાં.
સ્વામીએ રાત્રે વાત કરી જે,
(267) દ્રવ્યને અર્થે દગા થાય છે, ઝેર આપે છે ને જાનથી મારી નાખે છે તે કેટલેક ઠેકાણે મારેલા તે ગણાવ્યા, માટે દ્રવ્યમાં સર્વે પાપમાત્ર રહ્યાં છે. ને ભાગવતમાં શ્ર્લોકે શ્ર્લોકે સ્ત્રી, ધનનો ત્યાગ કરવો કહ્યો છે. તે આપણે પણ એમ જ કરવું છે ને કરાવવું છે. એક જણ પચીસ વરસ સત્સંગમાં રહ્યો ત્યાર પછી એક જોડ ચરણારવિંદ વાસ્તે વિમુખ થઈને ઘેર ગયો ને બાયડી ઘરઘવાનો મનસૂબો કર્યો તે ઘરઘ્યો; પણ એક મહિના કેડે બાયડી મરી ગઈ ને ત્યાર પછી પોતે મરી ગયો. એક પાળે તો સમ ખાધા જે, સમૈયા કેડે ઘેર જવું ને બાયડી ઘરઘી ગયેલી છે તેને પાછી લાવવી; પણ તાવ આવ્યો તે દશ દિવસમાં મૂઓ ને મનસૂબો તો પાર પડ્યો નહિ, માટે ત્યાગી થઈને સ્ત્રી, ધનના મનસૂબા કરે છે તે ખડ ખાય છે.
કેડે : પાછળ.
પાળે : સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જાતનો સેવક/પાર્ષદ.
દશ : દિશા.
મનસૂબા : સંકલ્પો, કાંઈક કરી લેવાના વિચારો
ખડ : ઘાસ.
(268) તીર્થે આવવું ત્યારે કાંઈક સ્વભાવ મૂકી જવો, પછી જેના ભેળા રહેતા હોઈએ તેને કહી દેવું જે, આટલો સ્વભાવ મને હતો તે આજથી મૂક્યો. પણ
દાબોદુબો રાખીને કોઈને કહે નહિ, તેનો સ્વભાવ જાનારો નહિ. એક પાળો હતો તે ભોંતળિયે પોપડી ઊખેડતો. પછી ગાર કરીને ઉપર ભાર મૂકે, તો પણ એ કાંઈ ચોંટે? તેમ એવી રીતે કોઈ દાબોદુબો રાખશો મા.
પાળો : સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જાતનો સેવક/પાર્ષદ.
(269) આપણે આંહીં બેઠા છીએ પણ પાણી આવે ત્યારે ઉપર જઈએ ને ત્યાં પાણી આવે ત્યારે એથી ઉપર જઈએ; પણ મોભારા સુધી પાણી ફરી વળે, ત્યારે ક્યાં જઈએ ? તેમ આપણે ઝાઝે ઠેકાણે આસ્થા બાંધી છે, ત્યાં સર્વે ઠેકાણે કાળ ફરી વળશે; માટે એક ભગવાનની મૂર્તિમાં જ આસ્થા બાંધવી ને બીજા બધા લોકમાત્રમાં કાળ ફરી વળે છે, માટે જેમ બાંટવા પરગણામાં ધ્રો ખોદી નાખે છે, તેમ પાંચ દશ વરસ સમાગમ કરીને હૈયામાંથી બધી આસ્થાયું કાઢી નાખે, ત્યાર પછી કોઈની તાણ ન રહે.
દશ : દિશા.
સવંત 1918ના ભાદરવા વદિ સપ્તમીને દિવસે સ્વામીએ પ્રભાતે વાત કરી જે,
(270) કોઈ માળા ઝાઝી ફેરવે, કોઈ થોડી ફેરવે, કોઈથી અહીં અવાય ને કોઈથી અહીં ન અવાય પણ બીજી આસ્થા ન રહે એમ કરવું. એક બ્રાહ્મણે મિયાંનાં ઘર રૂપિયા બે હજારમાં વેચાતાં રાખ્યાં. પછી મિયાંએ કહ્યું જે, ‘ઘરમાં પીરનો ગોખલો છે તે અમારો છે, તેના રૂપિયા પાંચસેં ઓછા લઈશ પણ ગોખલો મારો છે.’ પછી બ્રાહ્મણે પાંચસેં રૂપિયામાં, ‘ગોખલો મિયાંનો છે.’ એમ લખી આપ્યું. થોડા દિવસ પછી બ્રાહ્મણને ઘેર શુભ પ્રસંગે બ્રાહ્મણો ભેળા થયા હતા ને નાત જમતી હતી, તે વખતે મિયાં બકરું લઈને આવ્યો ને કહે જે, ‘આજ તો મારે ઈદ છે તે પીરને ચડાવવું છે.’ પછી તે બ્રાહ્મણે કહ્યું જે, ‘બ્રાહ્મણના ઘરમાં એમ થાય નહિ.’ ત્યારે મિયાં કહે, ‘પાંચસેં શેના ઓછા લીધા છે ? આ તમારા હાથ અક્ષરનો લેખ છે. તે હું તો બકરું પીરને ચડાવીશ.’ પછી તે બ્રાહ્મણને ઘર મૂકવાં પડ્યાં. તેમ જેને બીજાની આસ્થા છે, તેને અક્ષરધામમાં નહિ રહેવાય. માટે મિયાંના ગોખલાની પેઠે બીજે ક્યાંય આસ્થા રાખવી નહિ. ભગવાન આવ્યા ત્યારે વિરાટ ઊઠયું, માટે કર્યું એક સ્વામિનારાયણનું જ થાય છે. કારિયાણીનું 10મું વચનામૃત વંચાવીને કહ્યું જે, એમ અક્ષરરૂપ થઈને નિષ્ઠા રાખે ત્યારે સર્વે રહે; માટે ગાફલાઈ રાખશો મા, દેહમાં તો નહિ જ રહેવાય.
વિરાટ : ઈશ્ર્વરનો દેહ જીવના સ્થૂળ દેહની જેમ.
નિષ્ઠા : શ્રદ્ધા, આસ્થા, વિશ્ર્વાસ, ધારણા.
(271) સર્વેનું સ્વાર્થનું હેત છે.
કાણે જાય ત્યાં અદકું રડે, આંગણે જઈને ભુહ પડે;
તે સારું લાગે તે માટે, હેત હોય તો પડે નહિ વાટે ?
કાયટું કરે ત્યારે બધા ભેળા થઈને માટી કરે જે, બાપનું કારજ વારે વારે આવતું નથી; માટે પાંચ પૈસા જોતા હોય તો લઈ જજે. પછી સાકરનાં સાટાં કરે તે અંતે દુ:ખ થાય. દુ:ખ તે શું ? જે, બોરડી વાઢ્યા કરે ને પાલો વેચીને પેટ ભરે. માટે ‘શિક્ષાપત્રી’ વિચારવી. અન્ન-દ્રવ્યનો સંગ્રહ કરવો. બે રૂપિયા હોય તે નાતીલાને ખવરાવીએ ત્યાર પછી રોવું પડશે. એક બ્રાહ્મણની મા મરી ગઈ તેનો દાડો કરવાની ત્રેવડ નહોતી. ત્યારે લાજ કહે, ‘હું તો જઈશ.’ તો કહે, ‘કાં ?’ એટલે કહે, ‘તારી માની નાત કર તો રહું.’ પછી ઘરેણું ગાંઠું વેચી નાત કરી ને લાજ રાખી. ત્યાં તેનો બાપ મરી ગયો. એટલે લાજ તો જોડા પહેરીને ચાલી ત્યારે કહે, ‘કેમ રહે ?’ તો કહે, ‘તારા બાપની નાત કર તો રહું.’ પછી ઘર વેચીને નાત કરી ને લાજ રાખી. પણ તે તો ઘડીક રહી. કેમ જે, બ્રાહ્મણ જમવા બેઠા ત્યારે કહે, ‘લો સંકલ્પનું પાણી.’ એટલે તે કહે, ‘હવે ટીપે પાણીએ શું થાય ? મારે તો મોભારા સુધી પાણી ફરી વળ્યું છે.’ પછી ખાવા કાંઈ રહ્યું નહિ, એટલે અંતે લાજ તો ઠામૂકી ગઈ; પણ આગળથી લાજને રજા આપી હોત તો ઘડીક જાત, પણ પાછી આવત ખરી, માટે પહોંચ પ્રમાણે વિચારીને કરવું.
કાણે : મરણ પાછળની રોકકળ કરવા માટે
કાયટું : મરણોતર કર્મકાંડી ક્રિયા ને જમણવાર, દસમું-અગિયારમું-બારમું : એ ત્રણ દિવસોની શ્રાદ્ધક્રિયા.
માટી : બહાદુરી બતાવવી.
કારજ : વિવાહ કે મૃત્યુસંબંધી ખર્ચનો પ્રસંગ.
ત્રેવડ : કરકસર.
ઠામૂકી : સમૂળગી.
(272) બે દિવસ પછી અહીંથી ઉચાળા ભરવા પડશે. આદર મોટો છે, પણ જો સત્સંગ રેઢો મેલશો તો બગડી જાશે. કોઈ સત્સંગની પુષ્ટિ કરે એમ નથી. રીંગણીને પાણીએ પુષ્ટિ થાય, તેમ પ્રગટ ભગવાન ને પ્રગટ સંતના મહિમાની વાતુંથી સત્સંગની પુષ્ટિ થાય; માટે મહિમાની વાતું નિરંતર કહેવી અને સાંભળવી. સ્ત્રીનો કે દ્રવ્યનો પ્રસંગ રાખશે તેનું નાક કપાશે.
નારી પીશાચા વાકી મત કરો આશા, બડે બડે કું બીગોયાવે;
કામ તજ્યા તો કહા ભયા દામ વસત ઉર માંહીવે,
જગત જાલ ઉર અંતર સાચા, તબલગ શૂરા નાંહીવે.
એ બોલીને કહ્યું જે, ‘દ્રવ્યમાં સ્ત્રી રહી છે, માટે જે દ્રવ્ય રાખશે તે જરૂર સત્સંગમાંથી જાશે.’
કરો : ઘરની દિવાલ.
(273) દક્ષિણી મોટેરો હોય તો બીજા સર્વે દક્ષિણી એની વાંસે ખોતરી ખાય ને કણબી મોટેરો હોય તો બીજા કણબીની જમીન ઉપર ચડાવો કરે, કાં કજિયા કરે પછી દરબારે ચડે એટલે દરબાર તો વાંદરાના જેવો ન્યાય કરે તે બે બિલાડી એક રોટલો વહેંચવા બેઠી ત્યારે નાના મોટા કટકા થયા. એટલે એક કહે, ‘હું મોટો લઉં,’ ને બીજી કહે, ‘હું મોટો લઉં.’ પછી વાંદરા પાસે ન્યાય કરાવવા ગઈ તે વાંદરે ત્રાજવામાં એકેકો કટકો મૂકી તોળ્યો. પછી જે મોટો કટકો હતો તેમાંથી બટકું ભર્યું. પછી રોટલો તોળ્યો તો નાનો કટકો ભારે થયો. એટલે તેમાંથી બટકું ભર્યું તો તે નાનો થયો. એમ કરતાં કરતાં બેય કટકા ખાઈ ગયો. ને કહ્યું જે, ‘જાઓ, હવે તમારો કજિયો પાર પડી ગયો !’ એવો ન્યાય દરબારે ચડશે તેને મળશે; માટે કણબી ન થવું ને દક્ષિણીની પેઠે છાનામાના રોટલા ખાઈને ભજન કરવું.
વાંસે : પાછળ.
(274) જો સારું ઇચ્છો તો રૂડા નિયમ પાળજો ને સારું ઇચ્છો તો સત્સંગમાં આવજો. આલો ભક્ત ત્રણ વરસ સુધી અમારી વાંસે ફર્યો, પણ સાધુ તેને ગામ ગયા ત્યારે ઘરમાં ઘરી ગયો.
પ્રકરણ 11 ની વાત 274
વાંસે : પાછળ.
(275) જેને ઉપાસના નહિ તેનો ધર્મ રહેવાનો નહિ, ને ઉપાસના ગઈ ત્યારે જીવ ગયો જાણવો. તે,
નર એક રતિ બિન એક રતિ કો.
(કીર્તન મુક્તાવલિ : નાશવંત દેહ વિશે)
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
(276) આખાય પીપળાણામાં ખેતર છે, તેમાં બાવીસ કળશી ડાંગર થાય છે. કેમ કે, તેમાં કાંપ જામે છે, તેમ રસે કરીને કામ જામી જાય છે. બહુ આહાર કરવો, રસભર્યું જમવું, બહુ ઊંઘવું, બહુ સંકલ્પ કરવા, બહુ હરવું ફરવું કે, બહુ જોવું તેણે કરીને વીર્યની વૃદ્ધિ થાય છે. આપણે શત્રુને હથિયાર ઘડાવી દેશું તો આપણને જ મારશે; તેમ રસની પુષ્ટિ થાશે ત્યારે આપણું જ માથું કાપશે. માટે શત્રુ તો નબળા જ સારા અને સારી પથારી હશે તો નિદ્રા વધુ આવશે ત્યારે કામ વધી જાશે તે ભૂધરદાસ કહે, ‘હું તે જાણું ભાગી જાઉં !’ પછી ઘેર ગયો. ત્યારે પ્રથમ ખેતર ગયો ને ત્યાં ઝાડ ઉપર પંખી ઉડાડવા મેડો બાંધેલ તે ઉપર ચડીને બેઠો. પછી તેની ઘરવાળી આવી તેણે પાણો મારીને કહ્યું જે, ‘મૂઆ, ભગવાં લૂગડાં લજવીને પાછો આવ્યો ? માટે ગમે ત્યાં જા !’ પછી અમદાવાદ ગયો. એટલે મહારાજે કહ્યું જે, ‘ગૃહસ્થની કોરે અમારે નિદ્રા આવે છે, પણ સાંખ્યયોગી બાઈઓ તથા ભાઈઓ એ બેયની કોરે તો નિદ્રા આવતી નથી; કેમ જે, એમને નિયમમાં રાખવાં તથા ઉપદેશ કરવો તે તો મહાકઠણ કામ છે.’ ને સાંખ્યયોગીમાં બીજો દોષ તો ન હોય, પણ સ્નેહ તો હોય. એટલે મહિનો થાય ત્યારે મોઢું જોઈ લે. તેમાં શું કહ્યું ? જે, રસે કરીને કામ ઉદય થાય છે, પછી ઇન્દ્રિયું વશ રહેતી નથી. માટે કથાવાર્તા નિરંતર કરવી ને સાવધાન રહેવું; પણ ગાફલાઈ રાખશે તે આમાં પાર નહિ પડે.
(277) સર્વે વાતનું દોહન કર્યું જે, મોટાને સેવાએ કરીને રાજી કરવા; તો એની દૃષ્ટિએ સર્વે ગુણ આવશે. કાઠીના બે દીકરા હતા તેમાં એક સેવાએ કરીને ‘આપલો’ કહેવાણો ને બીજે સેવા ન કરી તે ‘ગધનો’ કહેવાણો માટે જ્યારે કાંઈક કરશું ત્યારે રાજી થાશે; પણ આ તો જાણે કરશું તો લાજ જાશે.
(278) મોટા મોટા સાધુ ધ્રાબો કૂટતા હતા, ત્યાં અતીતની જમાત આવી તે કહે, ‘સીધાં આપો.’ પછી અમને વાતું કરવા બેસાર્યા. અમે તો વિજ્ઞાનદાસને સમાધિ કરાવી એટલે ભૂટ પડી ગયા. પછી જમાતના મનમાં એમ થયું જે, આ કામણગારો છે તે આપણને મારી નાખશે તેથી સોળેય ભાગી ગયા.
(279) ઇન્દ્રિયુંને પાટા બાંધ્યા વિના રોગ ન જાય. તે જેમ ખેતરમાંથી ધ્રો કાઢવાને રાંપોલિયું ખેતર કરે છે, એટલે વરસ ધ્રો ઉગે જ નહિ; તેમ વિષયનાં દ્વાર બંધ કરે તો ઇન્દ્રિયું જિતાય.
(280) નિયમ ધરાવ્યાં તે વખતે ‘નિયમ ન લોપવાં’ એવો ઠરાવ કર્યો નથી એટલે કામનો ઘાટ થાય છે. પણ ભટ્ટજી કહે, ‘બાયડી છોકરાં મરે તો હમણાં નવરા છીએ, તે બાળી આવીએ.’ એવા ઘાટ કોઈ દિવસ થાતા નથી ને દીકરાને પરણાવ્યાના ઘાટ તો થાય છે. તે શું ? જે, જીવને એમાં રાગ છે. તે એટલો બધો રાગ છે જે, છ મહિના સુધી સજૈયે કાપીને શૂળું શરીરમાંથી કાઢી, તો પણ છેલ્લે બાકી તેના તે ઘરમાં પેઠો ! એટલે મારી નાખ્યો; એવો કામનો વિષય બળિયો છે.
ઘાટ : માયિક સુખ ભોગવવાનો સંકલ્પ, વિકારનો સંકલ્પ.
સજૈયે : નરેણીએ, અસ્ત્રે.
બપોર વાત કરી જે,
(281) કર્તવ્ય હોય તે ન કરે તે ડાહ્યો નહિ તેમ પ્રભુ ભજવા તેણે ફેલને મારગે ચડવું નહિ તે અભેસિંહજીએ ભાયાતને મોઢું જ દીધું નહિ, એટલે વહ્યા ગયા; માટે કુસંગીને મોઢું દેવું જ નહીં. પ્રભુ ભજવા તેણે કોઈ સાથે વેર ન કરવું ને ફેલને મારગે ચાલવું નહિ ને પ્રભુ ભૂલાય એવો વહેવાર પણ ન કરવો.
પ્રકરણ 10 ની વાત 242
(282) ‘હે પરમહંસો ! પાણી છે તે હિમથી પથ્થરરૂપ થઈ જાય છે તેમ જ્યાં સુધી દ્રવ્યનો જોગ નથી થયો ત્યાં સુધી સારા છો; પણ જ્યારે દ્રવ્યનો જોગ થાશે ત્યારે થઈ રહ્યું, દ્રવ્ય તો અંતે ગળે ટૂંપો દેશે; માટે એનો જોગ રાખશો મા ને જ્યાં જાઓ ત્યાં પ્રભુ ભજજો.’
(283) ગૃહસ્થને આવા સમાગમમાંથી ઓલ્યું દુ:ખ ઘેર તાણી જાય છે, જેમ છે તેમ કહેવાય નહિ. વરસ, દોઢ વરસ ભેળો રહે ત્યારે કહેવાય; પણ જીવ મળ્યા વિના જેમ છે તેમ કહીએ તો અસમાસ થાય.
સંવત 1918ના ભાદરવા વદિ અષ્ટમીને દિવસે સ્વામીએ પ્રભાતે વાત કરી જે,
(284)
જ્યાં લગી જક્ત જંજાળ ઉરમાં ખરો, ત્યાં લગી શૂરતા ચિત્ત નાવે;
જે જે વિચારીને જુક્તિ કરવા જશે તે જ કાયરપણું નામ કા’વે.
(કીર્તન મુક્તાવલિ : 120)
માટે ભગવાનના વચનમાં જુક્તિ ન કરવી. ઉપરથી ડાહ્યો હોય, લોકમાં મોટો હોય, પણ અંતરમાં વિષયનું આલોચન થાતું હોય. માયાના સેવક તો છીએ, પણ હવે સ્વામિનારાયણના ભક્ત થાવું. નિયમ રાખવાં ને રખાવવાં, સત્સંગ રાખવો ને રખાવવો એ કરવાનું છે. ભોજા ભક્તનો બાપ અને દાડમાવાળા નથુ મહારાજનો બાપ, એ બેનો જીવ તો પવિત્ર પણ સમાગમ વિના રહી જાય.
આલોચન : મનન, ચિંતન.
(285) જેને મન ઇન્દ્રિયું વશ કરવાં તેને જડભરતને દૃષ્ટાંતે મહારાજે કહી દેખાડયું જે,
ચૌદ લોક કા ભોગ કાક વિષ્ટા તુલ્ય જાનનાં;
તે જેને એમ નથી થયું તેને તો આવી ફસ્યા એવું છે. એક વાણિયો ડોલા જોવા ગયો તેને મુસલમાનોએ કૂટતા હતા તેની વચ્ચે ઘાલી દીધો. પછી તો કૂટવું પડ્યું ને ન કૂટે તો પડખેથી ગોદા મારે. પછી કૂટતાં કૂટતાં બોલે જે, ‘આવી ફસ્યા, ભાઈ, આવી ફસ્યા !’ તેમ અહીં પણ ‘આવી ફસ્યા’ જેવું જેને વરતતું હોય, તેનાં મન-ઇન્દ્રિયું વશ થાય નહિ ને મનધાર્યું ન થાય ત્યારે સત્સંગ ટળી જાય. બાવળની શૂળ કાચી હોય ત્યાં સુધી વાળી વળે, તેમ પ્રથમથી જ મનનું ધાર્યું મૂકીને, જેમ ફેરવે તેમ ફર્યો હોય તો તેનાથી સત્સંગમાં નભાય ને પોતાનું તપાસવું જે કાંઈ નહિ લઈ જવાય ને ચામડાની કોથળી જેવું દેહ સમજાય, ત્યારે કેની જોડે કજિયો થાય ?
વિષ્ટા : નરક, મળ.
ડોલા : તાબૂત, તાજિયા.
(286) બાળક હોય તે પ્રથમ, બાલધીર્વૃદ્ધિસિદ્ધયે । અર્થ :- બુદ્ધિની સિદ્ધિ માટે બાળકોની બુદ્ધિ. એમ શીખે ને પછી તેનો તે જ પદ અન્વય કરવા માંડે, તેમ અપકવ હોય ત્યાં સુધી વિષયમાં લેવાય છે. તે ખાધાના, પીધાના, લૂગડાંના ને પથારીના જે જે વિષય મળે તે સર્વે બંધનકારી છે. કેટલાક તો ચોરીને પાથરે છે, ચોરીને ખાય છે, ચોરીને પીએ છે ને ચોરીને લૂગડાં રાખે છે. ભગવાનની અનંત કળા છે તે કંઠ ઝાલશે એટલે ગમે તેવું ખાધાનું પાસે લાવો કે, ગમે એટલા પગ દાબો કે, ગમે એટલાં ગાદલાં પાથરો કે, ગમે એટલાં ઓસડ કરો કે, ગમે એવાં ઝીણાં વસ્ત્ર પહેરો પણ શું સુખ થાય ?
હરિ કે આગે કહા દુહાઈ મન અપને કી ઘાત;
હરિ તો સબ જાનત હે રોમ રોમ કી બાત.
માટે પોતાનું તપાસવું જે આપણે શું મેલીને આવ્યા છીએ ? મોરે આપણો જીવ કેવો હતો ? હવે કેવો છે ? મોરેનાથી કેટલા વિષય વધ્યા ને કેટલા ઘટ્યા ? એમ નિત્ય પ્રત્યે તપાસ કરવો ને આજ્ઞા પ્રમાણે વરતવું; તો સુખ થાશે.
અર્થ : ધન, સંપત્તિ.
કરો : ઘરની દિવાલ.
મોરે : અગાઉ
(287) જ્ઞાન વિના બધું અધૂરું છે, છોકરું હોય તેને મા-બાપમાં પ્રીતિ હોય પણ જ્ઞાન નહિ. તેમ કોઈ હેતને લઈને સંત સાથે પ્રીતિ તો થાય, પણ વિશ્ર્વાસ નહિ. રાધિકાજીને કજિયો થયો; કારણ કે, અજ્ઞાન; પણ ગોપાળાનંદસ્વામીને તો ધોળાં પહેરાવ્યાનું કર્યું તો પણ કજિયો ન કર્યો. માટે આ જ્ઞાન છે તે સર્વથી અધિક છે. સયાજીરાવનો દીકરો થયો ને મૂળા સારુ રોવે, તેમ આશરો થયો તો પણ જ્ઞાન વિના તો કાંઈ નહિ ! બળદેવ, અક્રૂર ને સત્યભામાને કજિયો થયો ને રુક્મિણીને ન થયો; માટે જ્ઞાનીને અધિક કહ્યો.
પ્રકરણ 3 ની વાત 55
પ્રકરણ 5 ની વાત 119
(288) એક વાર મહારાજ પર્વતભાઈને ત્યાં અગત્રાય ગયા હતા. પછી ચાલવાનું થયું ત્યારે મયારામ ભટ્ટને મહારાજે કહ્યું જે, ‘ભટ્ટજી, અમારી સાથે ગઢડે સમૈયો કરવા આવશો ?’ ત્યારે ભટ્ટજી કહે, ‘બાજરો પાક્યો છે તે હમણાં આવું તો લણણી ટાણું જાય, ને વાંસેથી બાજરો બગડી જાય.’ ત્યારે મહારાજ કહે, ‘બાજરો ભેળો કરી લઈએ તો આવશો ?’ એટલે ભટ્ટજી કહે, ‘હા મહારાજ !’ પછી ગામમાંથી મહારાજે દાતરડાં મંગાવ્યાં ને ત્રીસ ચાળીસ દાતરડાં ભેળાં થયાં. એટલે સાધુ, પાળા ને કાઠી સહિત મહારાજ ખેતરે પધાર્યા ને સૌને અકેકું દાતરડું આપ્યું, તે ઘડીકમાં બાજરો કાપીને ભેળો કરી લીધો. પછી ભટ્ટજી મહારાજ ભેળા સમૈયે ગયા. પછી જાગા ભક્તે પૂછયું જે, ‘મહારાજે દાતરડું લીધું હતું ?’ ત્યારે સ્વામી કહે, ‘હા, મહારાજે લીધું હતું ને મહારાજનું ધામ જે આ મૂળઅક્ષર તેણે ય લીધું હતું.’
પાળા : સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જાતનો સેવક/પાર્ષદ.
(289) આધારાનંદસ્વામીએ ઓરડીનાં કમાડ વાસી, પુસ્તક-પાનું ને લૂગડાં જે હતું તે છકમાં બાળી નાખ્યું ત્યારે તેની ગંધ આવવાથી કોઈકે કમાડ ઉઘાડ્યું ને પૂછ્યું જે, ‘આ શું કર્યું ?’ ત્યારે કહે જે, ‘આત્યંતિક પ્રલય હુવા !’ એમ આ વાતું સમજાય તો એવો ચમત્કાર છે.
છકમાં : તોરમાં, ખોટા કેફમાં.
પ્રલય : વિનાશ, કલ્પને અંતે જગતનો નાશ.
(290) જેટલી વિભૂતિ જાણે તેટલી વિભૂતિ તો ભગવાન તેને આપે છે. તે મહારાજ કહે, ‘બીજાએ રાસ કરાવ્યા ને અમારા સાધુ રાસ તોડાવે છે.’
તુમ હો તુમ સે નાથ, ઓર ઉપમા જડ જાનિયે.
સૂરજને તારા કે ચંદ્રમાની ઉપમા ન દેવાય, તેમ મહારાજને કોઈ જેવા ન કહેવાય. મહારાજ કહે, ‘બીજા અવતાર જેવા તો અમારા સાધુ છે.’ તે મેહ વરસાવતા દીઠા છે. અજંપાનંદસ્વામી ત્રણ ત્રણ ઉપવાસ કરતા તે ત્રણ પત્તર ઘી પી જતા, ને ત્રણ પત્તર ખજૂર પણ ખાઈ જતા. ને એક વાર લાકડાના ભરવાળો મંદિરનો કુહાડો ચોરી ગયો, એટલે અજંપાનંદસ્વામીએ શિવજીને કહ્યું જે, ‘કુહાડો ખોવાણો છે ને શું બેઠા છો ? ઠાકોરજી સાથે થાળ જમો છો, તે કુહાડો ગોતી આવજો !’ પછી બીજે દિવસ ભરવાળો કુહાડો લઈને આવ્યો ને કહે, ‘રાતે તમારા શિવજી આવ્યા હતા; તે મને ખૂબ માર્યો ને કહે કાલે સવારમાં મંદિરનો કુહાડો આપી આવજે, નીકર તારા બળદ મારી નાખીશ.’ એમ કહી કુહાડો આપી વયો ગયો. પણ આવી વાતું ઉત્તમાનંદસ્વામી સાંભળે તો તુરત ચાલી નીકળે.
ને અમદાવાદવાળા વાસુદેવાનંદ બ્રહ્મચારીને તો વાગડમાં ચોખ્ખું કહેવું પડ્યું જે, ‘જેમ તીર ને તીરનો નાખનારો તેમ મહારાજ સર્વે અવતારમાત્રના અવતારી છે.’ પ્રભવાનંદસ્વામીને અંતકાળે પૂર્વની સ્મૃતિ થઈ આવી એટલે કહે, ‘આ બ્રહ્માંડની ઉત્પત્તિ મારી કરેલ છે. તમે મને સાધુ કરીને ગોળા ખવરાવ્યા ને જગતનું અપમાન સહન કરાવ્યું ?’ પછી અમે કહ્યું જે, ‘તમારા જેવા તો આ સત્સંગમાં અનંત છે, માટે ચાલ્યા જાઓ !’ એમ કહી તુરત દેહ મુકાવી દીધો. ગોપાળાનંદસ્વામીએ પાળિયામાં દૈવત મૂક્યું તે સારંગપુરમાં હજી પૂજાય છે.
અમે ખોખરીમાં પરજિયા સોનીને ત્યાં જમવા ગયા ત્યારે હરસૂરની દાદીએ અમને કહેવરાવ્યું જે, ‘ભગવાનને ઘેર શેર માટીની શું ખોટ છે જે મારા દીકરાને ઘેર દીકરો નથી ?’ ત્યારે અમે કહ્યું, ‘એમાં શું ? દીકરો જોઈતો હશે તો એકને બદલે બે-ત્રણ દીકરા ભગવાન દેશે.’ એટલે કહે, ‘દીકરા તો રીત પ્રમાણે થાય, પણ તમારો આપેલો તેની નિશાની શું ?’ એટલે કહ્યું જે, ‘તેની જીભ ઉપર શિવલિંગ હશે.’ પછી તેને દીકરો થયો તેનું નામ હરસૂર પાડ્યું. તેને હજી સુધી જીભ ઉપર શિવલિંગ છે, તે નજરે જોયેલ છે.
એક વાર પાળા સવારમાં ખડ લેવા નહિ ગયેલ તેને જોઈને અમે પૂછ્યું જે, ‘આજે ખડ લેવા કેમ ગયા નથી ?’ તો કહે, ‘અમે તો જતા હતા, પણ ગોપાળાનંદસ્વામી કહે ભેંસા ડુંગર ઉપર રીંછડિયું બેઠી છે તે જરૂર મેહ આવશે ને પલળશો માટે ખડ લેવા જશો મા, એટલે ગયા નથી.’ ત્યારે અમે કહ્યું જે, ‘ખડ વિના ઢોર ભૂખે મરે, માટે જાઓ તો સારું. ને મેહને આવવું હશે તો બપોરે આવશે.’ પછી તો મેહ ન આવ્યો ને ખડ લઈ આવ્યા. એટલે ગોપાળાનંદસ્વામીએ પાળાને કહ્યું જે, ‘મેં ના પાડી હતી ને કેમ ગયા ?’ તો કહે, ‘સ્વામીએ કહ્યું જે, જાઓ ખડ લેવા, મેહને આવવું હશે તો બપોરે આવશે.’ ત્યારે ગોપાળાનંદસ્વામી કહે, ‘ઠીક, આ તો જોગીનું કામ લાગે છે !’ પછી બપોરે મેહ થયો ત્યારે અમારી પાસે આવ્યા ને કહે, ‘આજે તો અન્યથા કર્તુમ્ કર્યું ?’ ત્યારે અમે કહ્યું જે, ‘ઠાકોરજીનાં ઢોર ભૂખ્યાં રહે ને આપણે જમીએ તે ઠીક ન કહેવાય.’
અહીં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પધરાવવી હતી. ત્યારે બ્રાહ્મણો કહે, ‘કાચી ઈંટો જોઈશે.’ તે ક્યાંય મળી નહિ, એટલે અમારી પાસે આવ્યા. ત્યારે અમે કહ્યું જે, ‘ગારો કરી માંડો પાડવા.’ બ્રાહ્મણો કહે, ‘લીલી કામ ન આવે, સૂકી જોઈએ.’ ત્યારે અમે કહ્યું જે, ‘ઠીક, ઉપર સૂર્યનારાયણ સૂકવશે ને હેઠેથી શેષશાયી ભગવાન ફૂંક મારશે તે સુકાઈ જાશે.’ પછી ગારો કરી ઈંટો માંડી પાડવા. તે બીજી ઈંટ ન પડી હોય ત્યાં પહેલી સુકાઈ જાય.
એવું કેટલુંક કહીએ ? બસેં છોકરાને અમે બ્રહ્મવિદ્યા ભણાવી છે, તે હું કલ્યાણ કરીશ એવું તો એકુકો કરશે, ત્યારે અવતારથી તો એ સરસ થયા; પણ જીવને ઓનો (ઓલ્યા અવતારોનો) મોહ, તે શું કરીએ ? માટે આપણને તો મહારાજ મળ્યા છે, તે જ અક્ષરધામમાં લઈ જાશે ને બીજાને તો,
કૃષ્ણાય નામો નમ: ।
અર્થ :- કૃષ્ણ ભગવાનને પુન: પુન: નમસ્કાર.
એથી આગળ કોઈ ચાલી શકે નહિ; પણ મહારાજે તો શીખવ્યું હતું જે,
કોટિ કૃષ્ણ તહાં જોડે હાથ, કોટિ વિષ્ણુ તહાં નમે હૈ માથ;
કોટિ બ્રહ્મા તહાં કથે જ્ઞાન, કોટિ શિવ જહાં ધરે હૈ ધ્યાન;
જહાં સદ્ગુરુ ખેલે વસંત, પરમ જ્યોતિ જહાં સાધુ સંત.
(કીર્તન મુક્તાવલિ : 735)
તથા,
વાંકી એની વાતું રે કળ્યામાં નવ આવે,
જેને સમજાવે રે તે સર્વ તજી જાવે.
માટે જેને આ ભગવાનમાં રસ આવ્યો તેને બીજામાં રસ ન આવે ને તેમાં માલ પણ ન માને; પછી આ ભગવાનનો જેવો મહિમા જાણે તેવો પોતે થાય ને ભગવાન તો અપારના અપાર રહે. માટે આપણે તો સર્વોપરી આ ભગવાન ને સર્વોપરી આ સાધુ તેના જ ગુણ ગાવા. કાલે મોટા સ્વરૂપનું વર્ણન આવ્યું તેમાં આપણું તો ચિત્ત ડોળાઈ જાય માટે આપણે તો ધર્મ, જ્ઞાન ને વૈરાગ્યે સહિત પુરુષોત્તમનારાયણની ભક્તિ કરવી.
પ્રકરણ 9 ની વાત 285
પ્રકરણ 11 ની 22
પ્રકરણ 11 ની 222
દૈવત : દિવ્ય તેજ, શક્તિ.
પાળા : સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જાતનો સેવક/પાર્ષદ.
ખડ : ઘાસ.
મૂર્તિ : સંતો.
શેષશાયી : શેષનાગપર શયન કરનાર ભગવાન વિષ્ણુ.
ગારો : કાદવ, કીચડ, ચણતરમાં વાપરવા તૈયાર કરેલી માટી.
અર્થ : ધન, સંપત્તિ.
કોટિ : કરોડ.
સ્વામીએ રાત્રે વાત કરી જે,
(291) જેટલા વિષય છે તે ભગવાનના મારગમાં અંતરાય કરનારા છે, જેમ સૂર્ય, ચંદ્ર ગ્રહણે કરીને કાળા થઈ જાય છે. રણમલજી પરણ્યા નહોતા, પણ સનડો સાંભળ્યો પછી પરણ્યા. આપણે પ્રભુ ભજવા છે ને લોકને ફેલ કરવાં છે, જ્યારે ભગવાનનું પ્રગટપણું હોય ત્યારે નરસિંહ મહેતા ને પ્રહ્લાદની પેઠે અવિદ્યાનું બળ હોય છે.
અંતરાય : અડચણ, વિઘ્ન, અવરોધ
ફેલ : નીતિશાસ્ત્ર વિરૂદ્ધનું આચરણ તથા આવક કરતાં વધુ ખર્ચ કરે તેવું આચરણ.
(292) હજાર બકરાં હોય ને હજાર ડોબાં હોય તેમાં એક પુરુષ હોય તે એમ જાણે જે, ‘હું એક મનુષ્ય છું.’ તેમ મેળામાં ઘણાં મનુષ્ય ભરાય ત્યારે કેવળ પાપ થાય છે, પણ તેમાં ધર્મવાળા હોય તે એમ જાણે જે, ‘હું જ એક ધર્મવાળો છું. બાકી બધા પશુ જેવા છે.’ પણ ઝાઝું પાપ થાય તે ભગવાન ખમી શકે નહિ, પછી કોઈક રીતે દંડ દે; ત્યારે કહે જે, ‘નરસંગ કાકોપ હુવા.’ અને
અધર્મ સર્ગ જબ કરત પ્રવેશા,
સુર, નર, મુનિ મહિં નહિ સુખ લેશા.
મોટા મોટામાં પણ અધર્મ આવ્યો. તે અક્રૂર દ્રવ્યમાંથી પડ્યા, નારદ કામમાંથી પડ્યા, દક્ષ માનમાંથી પડ્યા ને લોટિયાનું વર્ણશંકરે ભૂંડું કર્યું. જે આમાંથી નીકળે તે પણ બહુ જીવને પાડે.
પ્રકરણ 9 ની વાત 256
(293) સ્ત્રીને દેખીને ને દ્રવ્યને દેખીને બુદ્ધિ ફરી જાય છે. માટે વિવાહ, વારણાં, હોળી, દિવાળી એ ઠેકાણાં પડવાનાં છે. વીકળિયા ગામમાં એક બાઈ
ત્રાજવાં પડાવા ગઈ, ત્યાં વાઘરીએ ઘરેણાં સારુ મારી નાખી; માટે દ્રવ્યમાં પાપ રહ્યું છે.
જ્ઞાનવાર્તાશ્રુતિર્નાર્યા મુખાત્ કાર્યા ન પૂરુષૈઃ ।
ન વિવાદઃ સ્ત્રિયા કાર્યો ન રાજ્ઞા ન ચ તજ્જનૈઃ ॥
(શિક્ષાપત્રી : શ્ર્લોક - 34)
અર્થ :- અને અમારા સત્સંગી જે પુરુષમાત્ર તેમણે બાઈ માણસના મુખ થકી જ્ઞાનવાર્તા ન સાંભળવી અને સ્ત્રીઓ સાથે વિવાદ ન કરવો તથા રાજા સંગાથે તથા રાજાના માણસ સંગાથે વિવાદ ન કરવો. (તેમને સમજાવવાં ઘણાં મુશ્કેલ છે માટે યુક્તિથી કામ લેવું. તેમને મોટાં બનાવીને કામ લેવું.)
બાયડીને વેણ ન મારવું, નહિ તો ઝેર દેશે કાં તો પોતે મરશે.
અર્થ : ધન, સંપત્તિ.
(294) કોઈ દિવસ જીવે ભગવાન ભજ્યા નથી, તેથી સંસૃતિમાં પીડાય છે. કોઈને ગ્રહ કે પનોતી વળગાડી દેશે માટે આ દેશ ભોળો છે, તે ભોળપ રાખશો નહિ ને લોકમાં તો ફેલ જ છે. તે અમે નાઘેરમાં ગયા, ત્યાં કપાસ બહુ મોટો તે બહુ ઊપજ થઈ એટલે પટેલે ચારણને ઘોડી આપી.
સંસૃતિમાં : જન્મમરણચક્રમાં-સંસારમાં.
ફેલ : નીતિશાસ્ત્ર વિરૂદ્ધનું આચરણ તથા આવક કરતાં વધુ ખર્ચ કરે તેવું આચરણ.
સંવત 1918ના ભાદરવા વદિ નવમીને દિવસે સ્વામીએ વાત કરી જે,
(295) ભગવાનને વરણીય થાય છે તેનાં લક્ષણ જે આહાર શુદ્ધિ કર્યેથી અંત:કરણની શુદ્ધિ થાય, પછી ધ્રુવાનુસ્મૃતિ રહે; પણ એક સ્મૃતિ કરવી તેમાં કરોડ વાનાં જોઈએ. જીવ શૂળીએ ચડે, ઝાટકા ખાય ને ઊંચેથી પછડાય પણ ભગવાનની સ્મૃતિ ન કરે. હમણાં વૃત્તિ રાખવા માંડે તો કોટિ સાધન થઈ જાય ને પછી એવાને જો બીજો સંકલ્પ થાય તો બળબળતો ડામ દે એવું વસમું લાગે. કૃપાનંદસ્વામીને ઉપવાસ પડે તો દેહ પડી જાય, લોમષ ઋષિના આશ્રમમાં માયા ન વ્યાપે ને પ્રિયવ્રતને તેજે કરીને સૌ નમી ગયા. આ તો ભેળા રહે ને કડાકડી ઊડે છે, સત્સંગમાં કુસંગ છે તેનું તો રૂપ ઉઘાડું થાય છે. તે એક જણે એક ગામ કુસંગી કર્યું ને બીજાનો આદર છે. તે, ‘કહિયે તો મા મારી જાય, ને ન કહિયે તો બાપ કુત્તા ખાય.’
હાથમાં માળા ને હર હર કરે, માયા સારુ ધ્યાન જ ધરે;
આપે તે ઉપર રાખે મહેર, ન આપે ઈ કડવો ઝેર.
કાળનેમિ, રાવણ ને રાહુ જેવા પણ સત્સંગમાં હોય, માટે તેને ઓળખી કાઢવા.
પ્રકરણ 3 ની વાત 57
પ્રકરણ 11 ની 109
ધ્રુવાનુસ્મૃતિ : જેવી ઉત્તરધ્રુવ સામે જ સદા રહેવાની સ્થિતિ તેવી જ નિરંતર પરમાત્મા તરફની દૃષ્ટિ.
(296) દેહ હોય તે એકાદો રોગ તો હોય. આ તો ગાડે ઉચાળા છે એમ પણ એક વિચારવું. બ્રાહ્મણ વટલે, પણ મુસલમાન ન વટલે, તેમ મોટા શહેરમાં સત્સંગ ન રહે ને સત્સંગને ઘસારો છે, કાંઈ કુસંગને નથી. એક ગામમાં અમે ગયા ત્યાં પટેલ બેસવા આવ્યો. તે કહે જે, ‘અમારે ઘેર દૂધાધારી બાવો બહુ સારા છે.’ ત્યારે અમે પૂછયું જે, ‘આ ગામમાં દૂધાધારી કેટલા છે?’ પટેલ કહે, ‘બાવો એક જ છે.’ ત્યારે અમે કહ્યું જે, ‘છોકરાં, ગલૂડિયાં ને પાડરડાં એ સર્વે દૂધાધારી છે, એમાં શું ?’ ત્યારે પટેલ કહે, ‘તમે કાંઈ પરચો આપો તો માનીએ.’ ત્યારે અમે કહ્યું જે, ‘પરચો તો દૂધાધારી બાવો આપશે.’ પછી છ મહિના થયા ત્યાં દૂધાધારી બાવો પટેલની દીકરીને લઈને વયો ગયો; એમ પરચો દીધો. બ્રહ્મચર્યવ્રત રાખવું એ ઘણું કઠણ છે. અષ્ટ પ્રકારે બ્રહ્મચર્યવ્રત રાખવું, એ જ મોટો પરચો છે. સ્ત્રીરૂપ માયાનું બળ તો જુઓ ! મોટા મોટા રાજાઓ રાવણ, નહુષ આદિક શૂરવીર, દિશાઓના જીતનારને પગે કરીને કચરી નાખ્યા, તેમ સ્ત્રીએ ભૃકુટિના વિલાસે કરીને સૌને કચરી નાખ્યા છે; માટે સ્ત્રીનો સંગ કે વિશ્ર્વાસ ન કરવો.
નન્વગ્નિઃ પ્રમદા નામ ઘૃતકુમ્ભસમઃ પુમાન્ ।
સુતામપિ રહો જહ્યાદન્યદા યાવદર્થકૃત્ ॥
(શ્રીમદ્ ભાગવત : 7/12/9)
અર્થ:- ખરેખર સુંદર સ્ત્રી અગ્નિ સમાન છે અને પુરુષ ઘી ભરેલા ઘડા જેવો છે. આથી એકાંતમાં તો એણે પોતાની ક્ધયા (પુત્રી) સાથે પણ રહેવું જોઈએ નહિ તથા બીજે પણ જેટલું પ્રયોજન હોય એટલી વાર સુધી જ રહેવું.
સ્ત્રી છે તે અગ્નિ છે ને પુરુષ છે તે ઘી છે; માટે પોતાની દીકરી સાથે પણ એકાંતે ન રહેવું.
અનેકચિત્તવિભ્રાન્તા મોહજાલસમાવૃતાઃ ।
પ્રસક્તાઃ કામભોગેષુ પતન્તિ નરકેઽશુચૌ ॥
(ભગવદ્ગીતા : 16/16)
અર્થ :- અજ્ઞાનથી મોહિત થયેલા અનેક પ્રકારે ભ્રમિત ચિત્તવાળા અને મોહજાળથી ઘેરાયેલા, કામભોગમાં અત્યંત આસક્ત થયેલા તે આસુરી લોકો અપવિત્ર નરકમાં પડે છે.
જે પુરુષ કામને વિશે આસક્ત થાય છે તે અશુચિ એવા નરકમાં પડે છે.
યોષિદ્ધિરણ્યાભરણામ્બરાદિ દ્ર વ્યેષુ માયારચિતેષુ મૂઢઃ ।
પ્રલોભિતાત્મા હ્યુપભોગબુદ્ધ્યા પતઙ્ગવન્નશ્યતિ નષ્ટદૃષ્ટિઃ ॥
(શ્રીમદ્ભાગવત : 11/8/8)
અર્થ :- સ્ત્રી, સુવર્ણ, ભૂષણ અને વસ્ત્રાદિ માયારૂપી પદાર્થોમાં જે મૂઢ ભોગબુદ્ધિથી ફસાયો છે, તે વિવેકબુદ્ધિને ખોઈને પતંગિયાની માફક નષ્ટ થઈ જાય છે.
સ્ત્રીને વિશે કામે કરીને જે પુરુષનું મન લોભાણું છે, તે પતંગની પેઠે નાશ પામે છે, માટે તેનો સંગ કરવાની સર્વે શાસ્ત્ર ના પાડે છે.
ધ્યાયતો વિષયાન્પુંસઃ સઙ્ગસ્તેષૂપજાયતે ।
સઙ્ગાત્સઞ્જાયતે કામઃ કામાત્ક્રોધોઽભિજાયતે ॥
(ભગવદ્ગીતા : 2/62)
અર્થ :- વિષયોનું ચિંતન કરતા પુરુષ તેઓમાં આસક્ત થાય છે, આસક્તિથી કામના થાય છે અને કામનાથી ક્રોધ જન્મે છે.
ક્રોધાદ્ભવતિ સમ્મોહઃ સમ્મોહાત્સ્મૃતિવિભ્રમઃ ।
સ્મૃતિભ્રંશાદ્ બુદ્ધિનાશો બુદ્ધિનાશાત્પ્રણશ્યતિ ॥
(ભગવદ્ગીતા : 2/63)
અર્થ :- ક્રોધથી મૂઢતા થાય છે, મૂઢતાથી સ્મૃતિનો નાશ થાય છે, સ્મૃતિના નાશથી બુદ્ધિનો નાશ થાય છે અને બુદ્ધિના નાશથી (મનુષ્ય) સંપૂર્ણ નાશ પામે છે.
પ્રથમ વિષયનું ધ્યાન થાય; પછી વિષયનો સંગ થાવાથી કામ ઊપજે છે, કામથી ક્રોધ ઊપજે છે, ક્રોધમાંથી મોહ થાય છે, મોહમાંથી સ્મૃતિમાં વિભ્રમ થાય છે; સ્મૃતિના વિભ્રમથી બુદ્ધિનો નાશ થાય છે ને બુદ્ધિના નાશથી જીવનો નાશ થાય છે; માટે કુશળ ઇચ્છો તો સ્ત્રીનો સંગ કરશો નહિ. મોઢું જોયે વિકાર થાય, તો પ્રસંગે શું ન થાય ? સ્ત્રીને સત્સંગ કરાવ્યાની લાલચ રાખવી નહિ. ગુરુ કહે તો ય તેનો સંગ થાવા ન દેવો, સંગ થયે કોઈનો ઠા રહ્યો નથી ને રહેશે પણ નહિ. મહારાજ કહે, ‘આટલું અમારું વચન જરૂરાજરૂર માનજો, તો જાણીએ તમે અમારી સર્વે સેવા કરી, નહિ તો તમારે અને અમારે લેવા દેવા નથી.’
વચ.ગ.પ્ર.18
પ્રકરણ 11 ની વાત 282
દૂધાધારી : ફક્ત દૂધપર જીવનાર.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
અર્થ : ધન, સંપત્તિ.
ઠા : નિરધાર, ઠેકાણું, સ્થિરતા,
(297) ભગવાનની સ્મૃતિ રાખવી એ સર્વ શાસ્ત્રનો ગલિતાર્થ છે.
બર્હાપીડં નટવરવપુઃ કર્ણયોઃ કર્ણિકારં બિભ્રદ્વાસઃ કનકકપિશં વૈજયન્તીં ચ માલામ્ ।
રન્ધ્રાન્વેણોરધરસુધયાપૂરયન્ગોપવૃન્દૈર્
વૃન્દારણ્યં સ્વપદરમણં પ્રાવિશદ્ગીતકીર્તિઃ ॥
(શ્રીમદ્ભાગવત : 10/21/5)
અર્થ :- મોરમુકુટ ધારણ કરીને, કાનમાં કરેણ ફુલ લગાવીને, સુવર્ણની જેમ પ્રકાશમાન પીતામ્બર પહેરીને અને ગળામાં વૈજન્તીમાળા ધારણ કરીને, નટવર વેશધારી શ્રીકૃષ્ણએ વાંસળી (બંસરી)નાં છિદ્રને પોતાના અધરામૃત (હોઠ)થી પૂર્ણ કરીને પોતાના ચરણચિન્હોથી સુશોભિત વૃન્દાવનમાં બાળ-ગોપાલકોની સાથે, એમના મુખથી પોતાનો સુયશ સાંભળતા સાંભળતા પ્રવેશ કર્યો હશે.
આ શ્ર્લોક સાંભળીને શુકજી ધ્યાનમાંથી બહાર નીસર્યા ને ભાગવત ભણ્યા. માટે ભગવાનની મૂર્તિમાં રહેવા માટે આ સત્સંગ કરવો એ ગલિતાર્થ છે. પંચમસ્કંધનો 26મો અધ્યાય વાંચે તો હૃદયગ્ંરથિ પણ ટળે; જેમ પેટની ગાંઠ, મધ ને ચૂનો ચોપડે ત્યારે મટે તેમ.
એકાગ્રેણૈવ મનસા પત્રીલેખઃ સહેતુકઃ ।
અવધાર્યોઽયમખિલૈઃ સર્વજીવહિતાવહઃ ॥
(શિક્ષાપત્રી શ્ર્લોક : 7)
અર્થ :- આ શિક્ષાપત્રી લખ્યાનું જે કારણ છે તે સર્વે તેમણે એકાગ્ર મને કરીને ધારવું અને આ શિક્ષાપત્રી જે અમે લખી છે તે સર્વેના જીવના હિતની કરનારી છે.
એમ હોય, ત્યારે શાસ્ત્રનો ભેદ સમજાય છે. આ તો ભેળા બેઠા છીએ તે સાલોક્ય મુક્તિ છે; પણ મન દે તો સમજાય. ત્યારે ભોળાનાથે પૂછ્યું જે, ‘અહીં બેઠાં બેઠાં કાંઈ થાશે કે નહિ ?’ તો કહે, ‘થાશે પણ ધીરે ધીરે થાશે, જુઓને તમારે કાંઈ વ્યાકરણ એક દિવસમાં આવડ્યું હશે ?’
ગલિતાર્થ : પરમ સાર, સ્પષ્ટ થતો ભાવાર્થ.
અર્થ : ધન, સંપત્તિ.
(298) ઉકરડા ઉપર ઠાકોરજી ન પધરાવાય. આ મંદિર કર્યું ત્યારે હાડકાં નીકળ્યાં, તે ચોખ્ખું કરવું પડયું; તેમ સત્સંગ રાખવો ને કુસંગનો ત્યાગ કરવો. ‘અહો રે, હું કોણ ને જઈશ ક્યાં ?’ એવો વિચાર કોઈ કરતું નથી. મયારામ ભટ્ટે સાત છમકારા કર્યા, તે મહારાજ પાસે કથા વાંચતાં પ્રાગજી દવેએ ગણ્યા ને કથા થઈ રહી ત્યારે મહારાજને કહ્યું જે, ‘તમે મને સ્વાદિયો કહો છો, પણ આ ભટ્ટજીએ વઘારના સાત છમકારા દીધા. તે એ સ્વાદિયા કે હું ?’ પછી મહારાજે મયારામ ભટ્ટને પૂછયું, ત્યારે કહે, ‘હા મહારાજ, સાત વઘાર દીધા હતા.’ તે કથા વાંચતા ગણી રાખ્યું, એમ સ્વાદનું બળ જણાય. રાજાને ને આચાર્યજીને તો રોજ અન્નકોટ છે. એમાં શું ?
રોજ : દરરોજનું મહેનતાણું/મજૂરી.
સંવત 1918ના ભાદરવા વદિ દશમીને દિવસે સ્વામીએ સવારે વાત કરી જે,
(299) મહેમાન હોય તે કોઈને ઘેર ઊતરે તેમ તથા દીકરી હોય તે માવતરને ઘેર હોય પણ તેને ઘર બીજું મનાણું છે તેમ આપણે આ ઘર ન માનવું; પણ દેવની માયાનો મોહ છે. રૂપિયાનાં તો કાંઈ બટકાં ભરાતાં નથી, પણ મોહ ટળતો નથી. જેને સંસ્કાર હોય તેને આ વાત તુરત બેસી જાય છે. પણ ‘હું ને મારું, તથા દેહ ને કુટુંબ’ એ અજ્ઞાને કરીને લીલની પેઠે છવરાઈ ગયું છે; તે દડાની પેઠે ધકા ખાય છે. દેવની માયા તો જુઓ ! બાયડી ભેળો એક જ દિવસ રહે ત્યાં જીવ બંધાઈ જાય ને આટલાં આટલાં વરસ મહારાજ ભેળા રહ્યા પણ એનો જીવ ન બંધાણો. બાયડીને કહ્યે માને કાઢી મૂકી. તે ગમે એટલાં શાસ્ત્ર વાંચે પણ દેવની માયાનો મોહ છે, તે એમાં જ જીવ જાય છે, ને ભગવાન કોર વળતો નથી તે શા સારુ ? જે, કોઈ દિવસ સમાગમ કર્યો નથી. નાનો હોય ત્યારે ભાગી ભાગીને આંહીં આવે ને મોટો થાય ત્યારે તેડાવીએ તો પણ ન આવે; કેમ કે, લોકમાં, ભોગમાં ને દેહાભિમાનમાં ઘાયલ થઈ ગયો છે.
યસ્યાત્મબુદ્ધિઃ કુણપે ત્રિધાતુકે સ્વધીઃ કલત્રાદિષુ ભૌમ ઇજ્યધીઃ ।
યત્તીર્થબુદ્ધિઃ સલિલે ન કર્હિચિજ્ જનેષ્વભિજ્ઞેષુ સ એવ ગોખરઃ ॥
(શ્રીમદ્ભાગવત : 10/84/13)
અર્થ :- જે પુરુષને વાત, પિત્ત અને કફ આ ત્રણ ધાતુઓથી બનેલ આ શબ તુલ્ય શરીરમાં જ આત્મબુદ્ધિ છે, જે સ્ત્રી વગેરેને પોતાના માન્યા હોય છે, જેની કેવળ પાર્થિવ પ્રતિમાઓમાં જ દેવબુદ્ધિ અને કેવળ જળમાં જ તીર્થબુદ્ધિ છે તથા જે જ્ઞાની મહાત્માઓમાં ક્યારે પણ પૂજ્યબુદ્ધિ નથી રાખતા તે ગધેડા સમાન જ છે.
વાત, પિત્ત ને કફનો જે દેહ તેને વિશે આત્મપણાની બુદ્ધિ છે, દેહ ને દેહના સંબંધીને વિશે આત્માપણાની બુદ્ધિ છે, પ્રતિમાને વિશે પૂજ્યબુદ્ધિ છે ને જળને વિશે તીર્થની બુદ્ધિ છે પણ જો ભગવાનના સિદ્ધાંતના જાણનારા જે એકાંતિક સંત તેને વિશે આત્મબુદ્ધિ નથી, તો તે ગધેડો ને બળદિયો છે.
અનન્તં બત મે વિત્તં યસ્ય મે નાસ્તિ કિંચન ।
મિથિલાયાં પ્રદીપ્તાયાં ન મે દહ્યતિ કિંચન ।।
(શ્રીમદ્ભાગવત : જનક રાજા)
અર્થ :- હે અનન્ત, મારી પાસે કંઈ પણ ધન નથી, તેથી મિથિલા પ્રદીપ્ત થવાથી મારું કંઈ પણ દઝાતું નથી.
જનકે કહ્યું જે, ‘મિથિલાનગરી બળે છે, પણ તેમાં મારું કાંઈ બળતું નથી.’
ત્યજ ધર્મમધર્મં ચ ઉભે સત્યાનૃતે ત્યજ ।
ઉભે સત્યાનૃતે ત્યક્ત્વા યેન ત્યજસિ તત્ત્યજ ।।
(સુભાષિત)
અર્થ :- ધર્મ અને અધર્મનો ત્યાગ કર. તેમ જ સત્ય અને અનૃતનો ત્યાગ કર. સત્ય ને અનૃતનો ત્યાગ કર્યા પછી જે કંઈ છોડી શકાય તે છોડ.
એમ જ્ઞાની હોય તે તો જાણે જે જાણતા નથી એનું તો કાંઈ નહિ, પણ ભણનારા પણ ભરવાડણની પેઠે સમ ખાતા જાય છે ને પડિયા ચાટતા જાય છે.
ભરવાડણ દૂધ વેચવા જતી હતી તેની સાથે પાડોશીએ તમાકુ કેળવવા ગોળ મંગાવ્યો હતો. તે દૂધ વેચીને પાછી વળી ત્યારે ગોળ લીધો, ને રસ્તે ચાલી ત્યારે મનમાં થયું જે ગોળ કેવોક છે ? પછી તો આંગળી ભરીને ચાખ્યો, ત્યાં તો ગળ્યો લાગ્યો. પછી બીજી આંગળી ભરી, ત્રીજી આંગળી ભરી ને ચાટવા માંડયું. પછી કહે, ‘હવે ખાઉં તો હરસત માતાના સમ.’ જરા આઘે ગઈ ત્યાં જીભ ચળવળી એટલે આંગળી ભરી મોંમાં મૂક્યો. પછી કહે, ‘પારકો છે, તેને શું જવાબ દેશું ? માટે હવે ખાઉં તો ખોડિયાર માતાના સમ.’ એમ ઘેર ગઈ ત્યાં સુધી જુદા જુદા સમ ખાતી ગઈ ને ગોળ ચાટતી ગઈ તેમ ભણી જાય છે, પણ વરતાતું નથી; કેમ કે, માંહી અંકુર રહ્યા છે; તેથી મોઢેથી નિષેધ કરતા જાય છે ને ભરવાડણની પેઠે પડિયા ચાટતા જાય છે. પ્રહ્લાદ ને ઋષભદેવનું સિદ્ધાંત બીજું છે ને ભણેલાનું સિદ્ધાંત દ્રવ્ય ઉપર છે.
તુલસી સો હિ ચતુરતા, રામચરણ લૌલીન;
પરધન પરમન હરનકું, વેશ્યા બડી પ્રવીન.
(તુલસીદાસની સાખીઓ : 65)
અર્થ : ભગવાન રામચંદ્રના ચરણમાં એકાગ્ર થઈ જવું તે જ ખરી ચતુરાઈ છે. બાકી પારકાનું ધન હરી લેવામાં અને પારકાના મનને જીતી લેવામાં તો વેશા પણ બહુ કુશળ હોય છે.
માટે ધન કમાવામાં અને બીજાના ચિત્તનું આકર્ષણ કરવામાં કશી જ ચતુરાઈ નથી, પણ સાચી ચતુરાઈ પ્રભુભક્તિમાં તલ્લીન થાવામાં જ છે. બીજે બધે ડાહ્યા, પણ ત્યાં લૂગડાં ઉતારી લે. માટે રોટલા મળ્યા કે, કટ લઈને પ્રભુ ભજવા મંડી પડવું. પૃથ્વી ઠરી પણ હૈયું ઠર્યું નહિ. ટાંકાં ભરાણાં, તળાવ ભરાણાં; પણ તૃષ્ણારૂપી ટાંકું ભરાણું નહિ.
અર્થ : ધન, સંપત્તિ.
આત્મબુદ્ધિ : પોતાપણાની ભાવના, 'દેહ તે હું નહિ પણ આત્મા છું' એવી બુદ્ધિ.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
નિષેધ : શાસ્ત્રવિહિત મનાઈ.
(300) દેહ ઉપરથી સારું લાગે છે પણ કેવળ હાડકાંનું જ છે. તેને ચંદન ચડાવે ત્યારે સારું લાગે પણ મુક્તાનંદસ્વામી તો માથે ધૂડ નાખતા. દેહ ભેળું નહિ રહેવાય, કુટુંબ ભેળું નહિ રહેવાય; પણ મરવાની તો જીવને બીક જ નથી ને હૈયામાં ત્રાસ પણ નથી, માટે કહ્યા વિના જ્ઞાન થાય નહિ. વિષયનાં સુખ તો બકરીના ગળાના આંચળ જેવાં છે; તે એમાંથી દૂધ નીકળે જ નહીં.
(301) કાળનો ભય આ સાધુ ટાળે છે. આવી વાતું તો પ્રકૃતિપુરુષ સુધીમાં કયાંય નથી.
મિસરી ખરકો કાળ.
કોઈને સત્સંગ ન ગમે, સર્વે શિશ્ર્નોદરપરાયણ છે.
સર્વે બ્રહ્મવિદ ભવિષ્યન્તિ સંપ્રાપ્તે તુ કલૌ યુગે ।
તત્ર નૈવાનુતિષ્ઠન્તિ શિશ્નોદરપરાયણા: ॥
અર્થ :- પણ કળિયુગ પ્રાપ્ત થતાં બધા બ્રહ્મને જાણનારા થશે. કામસેવન અને ભોજનમાં રાચેલા લોકો યજ્ઞ વગેરેનું અનુષ્ઠાન કરશે નહિ.
વિષય છે તે લૂણા જેવા છે; માટે યુદ્ધ કરશે તેનો સત્સંગ રહેશે. ચારણ સિંધુડા કરે, પણ મરે તો ક્ષત્રી હોય તે જ. તેમ જે પાળે તેને સુખદાઈ છે; પણ આ જીવ વિષયનો કીડો છે તે નોખો ન રહે. સો કરોડ રૂપિયા હોય પણ જો ભગંદરનો રોગ થાય તો તે ન મટે. સૌ બીજી વાર જમવા ઊઠ્યા ને અમે તથા ભગવત્પ્રસાદજી ન ઊઠ્યા. ત્યારે ખળ હતા તેણે પણ કહ્યું જે, ‘એવા સાધુ ન થાવાય !’ આટલો મેહ વરસ્યો પણ જેના ઘરમાં પાણી ભરાણાં તેને દુ:ખદાઈ છે, તેમ જેને ભગવાનનો ખપ હોય તેને ભગવાન કામ આવે. આપણે મહેમાનની પેઠે આ લોકમાં રહેવું.
ધમણ ધમે તીયે ગઈ ઉડ ગયા અંગાર,
એરણ ઠણકા રહી ગયા ઉઠ ગયા લુહાર.
આ દેહ તો કેવું છે જે, સારી રસોઈ હોય પણ જો બાર વાગે તાવ આવે તો ખાધાનું ન ખવાય. ભગવાન ન ભજે તે તોતડા છે.
બર્હાયિતે તે નયને નરાણાં લિઙ્ગાનિ વિષ્ણોર્ન નિરીક્ષતો યે ।
પાદૌ નૃણાં તૌ દ્રુમજન્મભાજૌ ક્ષેત્રાણિ નાનુવ્રજતો હરેર્યૌ ॥
(શ્રીમદ્ભાગવત : 2/3/22)
અર્થ :- મનુષ્યોના તે નેત્રો મોરપંખ સમાન છે, જે ક્યારે પણ ભગવાનની પ્રતિમાઓનાં દર્શન કરતા નથી, તથા તે પગ વૃક્ષ સમાન છે, જે ક્યારે પણ ભગવાન (તીર્થસ્થાન વગેરે) પાસે જતા નથી.
ભગવાનનાં સ્વરૂપને જે પુરુષ નથી જોતો તેની આંખો મોરનાં પીછાંની આંખો જેવી છે, અને જે માણસ ભગવાનનાં તીર્થો છે ત્યાં પગે ચાલીને નથી જતો તેના પગ એરંડાના દાંડા જેવા જાણવા.
બિલે બતોરુક્રમવિક્રમાન્યે ન શૃણ્વતઃ કર્ણપુટે નરસ્ય ।
જિહ્વાસતી દાર્દુરિકેવ સૂત ન ચોપગાયત્યુરુગાયગાથાઃ ॥
(શ્રીમદ્ભાગવત : 2/3/20)
અર્થ :- હે સૂતજી ! મનુષ્યના કાન જે ક્યારે પણ ભગવાન કૃષ્ણની કથા સાંભળતા નથી, તેથી તે બિલ સમાન છે તથા જે જીભ હરિકથાનું ગાન કરતી નથી તે દેડકાની જીભ સમાન વ્યર્થ છે.
ઉરુક્રમ જે ભગવાન તેનાં પરાક્રમ, જે પુરુષ કાનરૂપી પડિયા વતે નથી સાંભળતો તેના કાન સાપના દર જેવા જાણવા અને ઉરુગાય જે ભગવાન તેના જશ જે પુરુષ નથી ગાતો તેની જિહ્વા દેડકાની જીભ જેવી જાણવી.
મનુષ્ય બોલબોલ કરે છે પણ ભગવાનની વાત તેમાં ક્યાંય આવે છે ? તે દેડકાની પેઠે બોલ્યા કરે છે. મોટાં માણસ હોય ત્યાં ગ્રામ્યકથા ઝાઝી હોય ને હાયવોય પણ ઝાઝી હોય. જેમ ભરવાડયું સૂતક હોય તે મટે નહિ, તેમ તેને કરોડ ઘાટ થાય તે કેમેય મટે નહિ.
પ્રકૃતિપુરુષ : ચેતન અકર્મણ્ય પુરુષની મદદથી જડ પ્રકૃતિમાંથી સમગ્ર સૃષ્ટિની ઉત્પતિ થઈ તે
શિશ્ર્નોદરપરાયણ : જીભના સ્વાદમાં અને કામવાસનામાં રત.
અર્થ : ધન, સંપત્તિ.
પાળે : સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જાતનો સેવક/પાર્ષદ.
જિહ્વા : જીભ.
ઘાટ : માયિક સુખ ભોગવવાનો સંકલ્પ, વિકારનો સંકલ્પ.
(302) જેવા ગુણ બ્રહ્માનંદસ્વામીએ ગાયા છે તેવા જ આ સાધુ છે તેણે આટલા જીવોનાં અંતર ઝાલ્યાં છે ને કહીએ તો સંસાર કટ લઈને મૂકી દે. ને બીજા મર ચાર શાસ્ત્ર ન ભણેલા હોય, તેને ભગવાન કહે તો પણ ન મૂકે. ઘરનો ઊમરો સાડા બાર કરોડ જોજન ઊંચો છે, તે વળોટીને જવાય એવું નથી; પણ અમે કહીએ તો તુરત મૂકી દે એવા પણ છે.
(303) સો સો વાર તપાસ્યું, પણ કામ ને લોભ ટાળ્યા વિના ને એનાં મૂળ ખોદી નાખ્યા વિના જાય એવાં નથી. આ સાધુ ઓળખાશે ત્યારે કામ ને લોભ નહિ રહે ને આ સાધુનો સમાગમ કરશું તો આફુરડું ભગવાનના ધામમાં જવાશે.
આફુરડું : આપોઆપ, એની મેળે, સહેજે સહેજે.
(304) દાદાખાચરથી ઝીણાભાઈનું અંગ નિયમમાં સરસ, પણ મહારાજને નિર્લેપ સમજવામાં દાદાખાચર સરસ ને ઝીણાભાઈને તો કૃપાનંદસ્વામીના જેવી આંટી, તે જીવાખાચરના ઘરનું પાણી ન પીધું ને સામું પણ જોયું નહિ. કશીઆભાઈથી માવાભાઈનું અંગ સરસ, પણ ભોળપ એટલું દુ:ખ આવે.
(305) ચોમલા ચાવડાની બરછી બે તસુ વાગે તો પણ જીવે નહિ, તેમ મોટાની વાતુંના શબ્દ જેને હૈયામાં પેઠા હોય તેના હૈયામાં જગત રહે નહિ.
ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ ।
ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ ॥
(ભગવદ્ગીતા : સમર્પણ - 3)
અર્થ :- હે દેવોના દેવ ! મારે માતા પણ આપ છો અને પિતા પણ આપ છો; બંધુ પણ આપ છો અને મિત્ર પણ આપ છો; વિદ્યા પણ આપ છો અને દ્રવ્ય પણ આપ છો. ટૂંકમાં હે સર્વેશ્ર્વર ! મારું તો સર્વ કાંઈ એક આપ જ છો.
તાત તું, માત તું, ભ્રાત તું ભૂધરા,
એમ સાધુને ને ભગવાનને જ જીવન કરી રાખવા.
અર્થ : ધન, સંપત્તિ.
(306) ત્રણ મોટાં દુ:ખ છે - તે એક તો ભૂખ, બીજું કોઈ મારે કે રાજા કોપે ને ત્રીજું તો ભારે કાળ પડે. બીજું તો દેહ હોય ત્યાં સર્વે દુ:ખ હોય. ભગુ ઠારે પૈડાંના આરા બેસારેલ હોય તો તે પૈડું બળી જાય ત્યારે ખસે; તેમ મોટાના ઠરાવ જીવમાં બેસારેલ હોય તો ખસે નહિ. આ દેહ આજ પડો અથવા ગમે ત્યારે પડો પણ જે મળવાના હતા તે જ મળ્યા, જેને પામવા હતા તેને દેહ છતે જ પામ્યા માટે આ ભગવાન, ને આ સાધુ એના સામું જોઈ રહેવું. પત્રાવળું સારું કરીને ગુંથે પણ ખાઈ રહ્યા પછી નાખી દે, તેમ લાડવાને ઠેકાણે ભગવાનની નિષ્ઠા થઈ અને પ્રારબ્ધ હોય ત્યાં સુધી દેહ તો રહે.
નિષ્ઠા : શ્રદ્ધા, આસ્થા, વિશ્ર્વાસ, ધારણા.
પ્રારબ્ધ : પૂર્વનાં કર્મફળના સંગ્રહમાંથી વર્તમાનકાળે જે દેહ છે તે સંબંધી સુખ-દુ:ખ.
બપોરે વાત કરી જે,
(307) દેહે કરીને, મને કરીને કે, વચને કરીને કાંઈક સેવા કરવી એટલે ભગવાન રાજી થાય તે લોકમાં પણ એમ રીત છે.
(308) ભગવાનમાં વૃત્તિ રાખવી હોય તેને જેમ તેમ બોલાય નહિ, જે તે ખવાય નહિ, હબ હબ ચલાય નહિ ને બીજું જોવું પડે તો તે કાંધ માર્યા જેવું લાગે!
(309) મોટા ઉપેક્ષા કરે તો તે ભૂંડું ને દુર્જન કી કૃપા પણ ભૂંડી જ્યારે મોળપ આવશે ત્યારે રૂપિયા ગળે ઝાલશે, કાં છોકરાં ગળે ઝાલશે પછી આ સાધુ પાસે નહિ અવાય.
સંવત 1918ના ભાદરવા વદિ એકાદશીને દિવસે સ્વામીએ સવારે વાત કરી જે,
(310) શૂરવીર હોય તે યુદ્ધની વાત થાય ત્યારે રાજી થાય, તેમ ભગવદી હોય તે ભગવાનની વાત થાય ત્યારે રાજી થાય; પણ જેમ જેતપુરનો ધરો વહ્યા કરે છે તેમ પ્રકૃતિપુરુષ સુધી સર્વે વિષયને મારગે દોડ્યા જાય છે. આ તો આશરો છે તે કલ્યાણ થાય, પણ જગતના ઘાટ ન થાય ને ભગવાનની સ્મૃતિ રહે, એ મોટાઈના તો ઢગલા પડ્યા છે; માટે જેને જોઈએ તે લો ! દીવાનજીએ તથા દેસાઈએ અમરેલીમાં સો જણને કાંટામાં બાળ્યા. તે ચાલીસ વરસ સુધી કાંટો (ડંસ) રહ્યો, પછી ન રહ્યો. તેમ આપણે જ્યારે ખટકો રાખશું; ત્યારે રહેશે ને ખટકો નહિ રહે ત્યારે,
શ્રીજી પધાર્યા સ્વધામમાં રે, મેલી પોતાના મળેલ;
તે પણ તનને ત્યાગશે રે, ત્યારે રખે પડતી જો ભેળ. શ્રીજી0
ત્યારે ભક્તિ મને કેમ ભાવશે રે, ધર્મ પર રહેશે જો દ્વેષ;
વાત વૈરાગ્યની નહિ ગમે રે, જ્ઞાનનો નહિ રહે લેશ. શ્રીજી0
ક્ષમા દયા ને આ દીનતા રે, શા સારુ રહેશે સંતોષ ?
ત્યાગ તે પણ ટકશે નહિ રે, તે તો જોઈ મૂક્યો છે જોષ. શ્રીજી0
મન માનશે તેમ મહાલશે રે, ચાલશે ચિત્ત અનુસાર;
માથેથી બીક મટી ગઈ રે, જેને કેનો નહિ રહે ભાર. શ્રીજી0
પીશોરી જોડા પેરશે રે, તેલના ભીંજેલ તૈયાર;
ચટકતી ચાલે શું ચાલશે રે, જેને કેનો નહિ રહે ભાર. શ્રીજી0
પનાળાં પોતીયાં પેરશે રે, લાલ કોરે લીંટી લગાર;
પેચે પાટલીયું પાડશે રે, જેને કેનો નહિ રહે ભાર. શ્રીજી0
અવલ પછેડીયું ઓઢશે રે, તેમાં મર હોય જો તાર લગાર;
બણી ઠણીને બેસશે રે, જેને કેનો નહિ રહે ભાર. શ્રીજી0
મન માન્યું માથે બાંધશે રે, રૂડું હીંગળે રંગદાર;
બરોબર ગમતું ગોઠવશે રે, જેને કેનો નહિ રહે ભાર. શ્રીજી0
ગાદી, તકિયા ને ગાદલાં રે, અવલ ઓશીકાં સાર;
સજ્જા સુંદર સમારશે રે, જેને કેનો નહિ રહે ભાર. શ્રીજી0
ભાવતાં ભોજન જમશે રે, જેવો હશે પોતાને પ્યાર;
સારાં સ્વાદુ શોધશે રે, જેને કેનો નહિ રહે ભાર. શ્રીજી0
ગરમ, નરમ, ગળ્યાં, ચીકણાં રે, સુંદર સુખ દેનાર;
ખટરસ ખોળીને ખાવશે રે, જેને કેનો નહિ રહે ભાર. શ્રીજી0
સારાં શાક વઘારશે રે, મેલી ઘણા ઘીનો વઘાર;
જુક્તે જુદું જુદું જમશે રે, જેને કેનો નહિ રહે ભાર. શ્રીજી0
પગે પાળા શીદ ચાલશે રે, આવે જેણે અંગે આજાર;
ઘોડા ને ગાડીયો રાખશે રે, જેને કેનો નહિ રહે ભાર. શ્રીજી0
ગામોગામથી ગાડાં જોડાવશે રે, મન ભાવ ન હોય લગાર;
થડક તેની મને નહિ રહે રે, જેને કેનો નહિ રહે ભાર. શ્રીજી0
મોટાની મોટપ ઢાંકશે રે, નાખશે પોતાનો ભાર;
વાતુંના વાયદા કરશે રે, જેને કેનો નહિ રહે ભાર. શ્રીજી0
નારી ધનને નંદશે રે, વાતમાં વારંવાર;
અંતરે અભાવ નહિ કરે રે, જેને કેનો નહિ રહે ભાર. શ્રીજી0
ફાવતા દેશમાં ફરશે રે, તત્પર થઈ તૈયાર;
ગામ ગમતાં તે ગોતશે રે, જેને કેનો નહિ રહે ભાર. શ્રીજી0
સારા શહેરને શોધશે રે, જ્યાં દુ:ખ ન હોય લગાર;
મીઠી રસોયુંને માનશે રે, જેને કેનો નહિ રહે ભાર. શ્રીજી0
છોટા છોટા શિષ્ય રાખશે રે, ચાકરી કરવા બે ચાર;
મોટાની મોબત મૂકશે રે, જેને કેનો નહિ રહે ભાર. શ્રીજી 0
ત્યાગ હોય ન હોય તનમાં રે, તેનો અતિ કરશે ઉચ્ચાર;
દંભે કરી દિન કાઢશે રે, જેને કેનો નહિ રહે ભાર. શ્રીજી 0
વૃત્તિ અંતરે નહિ વાળશે રે, બહુ બહુ વર્તશે બહાર;
લોકમાં લાજ વધારશે રે ! જેને કેનો નહિ રહે ભાર. શ્રીજી 0
સર્વે દગાનાં સ્થળ દેખાડીયાં રે, એવાં બીજાં છે જો અપાર;
તન અભિમાન તે નહિ તજે રે, જેને કેનો નહિ રહે ભાર. શ્રીજી 0
આ તો ભાખ્યું છે ભવિષ્યનું રે, સૌ સમજી ગ્રહજો સાર;
નિષ્કુળાનંદ કહે એ નહિ ફરે રે, કહ્યું મેં કરીને વિચાર. શ્રીજી 0
એ નિષ્કુળાનંદસ્વામીનું કીર્તન બોલાવીને કહ્યું જે, આમાં કહ્યું એમ હવે તો થાશે. માટે જેને ખટકો ન રહે તેને કાઢી મૂકવો; પણ જો લોભ રાખશો, તો જેમ બગડેલ પાન તથા બગડેલ કેરી બીજાને બગાડે છે, તેમ બગડેલ બીજાને બગાડશે. ‘સત્સંગમાં આવ્યા પછી જે કોઈ બાઈ અથવા ભાઈ કુપાત્રપણું રાખે તેને સત્સંગ બહાર કાઢી મૂકજો; પણ જો નહિ કાઢો તો ઝાઝું ભૂંડું થાશે; કેમ જે, જે આંગળીને સાપે કરડી હોય અથવા કીડિયારાનો રોગ થયો હોય તેનો લોભ રાખે તો ઝાઝો બગાડ થાય.’ એમ પંડે મહારાજે કહેલ છે ને અમે પણ કહીએ છીએ; માટે આગળથી ચેતજો ને એવા કુપાત્રને સત્સંગ બહાર કાઢી મેલજો ને જે કુપાત્રનો પક્ષ લે તેને વચનદ્રોહી ને ગુરુદ્રોહી જાણી તેનો પણ ત્યાગ કરજો.
કાંઉ ઝાઝા કગોરડાં કાંઉ ઝાઝા કપૂત,
હકડી તો મહિડી ભલી હકડો ભલો સપૂત.
દરિયો જેમ મડદાને કાંઠે કાઢી નાખે છે, તેમ એવાને સત્સંગ પોતે જ અળગો કરી દે છે.
પ્રકૃતિપુરુષ : ચેતન અકર્મણ્ય પુરુષની મદદથી જડ પ્રકૃતિમાંથી સમગ્ર સૃષ્ટિની ઉત્પતિ થઈ તે
ઘાટ : માયિક સુખ ભોગવવાનો સંકલ્પ, વિકારનો સંકલ્પ.
મર : ભલે.
પાળા : સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જાતનો સેવક/પાર્ષદ.
(311) સવળી સમજણ હોય તો રૂપિયા સુખદાઈ થાય, નહિ તો તે પણ બંધનકારી જ છે માટે કથા, કીર્તન ને વાતું તે સવારમાંથી જ કરવા માંડવું; કેમ જે, સવારે જે જે થાય તે સાત્ત્વિક થાય.
(312) સારી રસોઈ થઈ હોય ને સારી પેઠે ખવાય તો નાગર બ્રાહ્મણની પેઠે થાય. એક નાગર બ્રાહ્મણ બહુ જમ્યો તે ક્યાંય ચેન પડે નહિ. પછી પાણીમાં જઈને પડયો. ત્યાં માંહી એક પાડો પડેલ, તેને જાણે આ કોઈક મારી પેઠે બહુ જમ્યો છે તે પાણીમાં બેઠો છે; એમ ધારી પાડાના માથામાં આંગળી ભરાવી, તે કઠણ લાગ્યું એટલે કહે, ‘પંડ્યાજી, સ્વાર્થીલાં સગાં મળ્યાં હશે, તે તમે તો બહુ જમ્યા લાગો છો, મારું પેટ તમારા જેવું કઠણ નથી’; એમ બહુ જમ્યે સરસાઈ ન માનવી.
પાડો : ભેંસનું નર બચ્ચું કે તેનો નર.
(313) કુસંગી દેહ મૂકવાનો હોય ને પાસે સત્સંગી હોય તો કુસંગીને જમ લઈ શકે નહિ એવો આ સત્સંગનો પ્રતાપ છે; માટે આ સત્સંગ છે તે તો બ્રહ્મરૂપ ને મહાવિષ્ણુરૂપ છે.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
મહાવિષ્ણુરૂપ : ઘણો વિશાળ ને દિવ્ય, અલૌકિક.
(314) દેહરૂપ પત્રાવળી અંતે કામમાં નહિ આવે, માટે દેહ સાજું છે ત્યાં જ ભગવાન ભજી લેવા. ડાભોળીઓ વળગે તેમ જીવને આ સંસાર વળગ્યો છે.
(315) સર્વે કરતાં આશરો બળવાન ક્હ્યો છે. કીડી ઉપર કે હોલી ઉપર પાણાની કાંકરી પડે તો તે મરી જાય ને હાથીને બળથી લાકડી મારીએ તો પણ તેને કાંઈ ન જણાય; તેમ સત્સંગે કરીને પાકો થયો તેને ભારે દેશકાળ આવે તો પણ તેને કાંઈ ગણે નહિ ને બીજા તો જરાકમાં લેવાઈ જાય. વશરામ સુતારનો બાપ બે આના હરિભક્ત હતો તો પણ તેણે કહ્યું જે, ‘શેરડી ને તલના દેહ આવ્યા હશે ત્યારે પિલાણા નહિ હોઈએ ? માટે આ તો ભગવાન સારુ પિલાવું, તેમાં તો ઘણું ઠીક છે.’
(316) અહીં કસર ટાળવા આવ્યો હોય તેને અતિ દીન કરી નાંખે ને તેને એમ લાગે જે ‘મારું કલ્યાણ થાશે કે નહિ ?’ કેમ જે, અહીં જન્મ ધરાવીને અજ્ઞાની કરી મૂકે ને હૈયામાં બીક લાગે એવા સ્વભાવ કરી નાખે. પછી તેનું કલ્યાણ નહિ થાય એવા સ્વભાવ એને દેખાય, એટલે ઓશિયાળો થઈને વરતે ત્યારે કસર ટળવા માંડે.
કસર : ખોટ, ઉણપ.
દીન : લાચાર, ગરીબ, રાંક.
(317) કાંઈક મૂંઝવણ આવે ત્યારે ભગવાન સામું જોવું ને મોટા સાધુને સંભારવા.
ઠરવાનું ઠામ તમે મારું, બીજું સર્વે માયાનું લારું !
તે ઠરવાનું ઠામ ભગવાન ને એકાંતિક સાધુ એ બે જ છે.
દાસના દુશ્મન તે હરિ હોયે નહિ,
ભાઈ જે કાંઈ કરશે તે સુખ થાશે;
અણસમજે અટપટુ એ લાગે ખરું,
પણ સમઝીને જુવે તો સત્ય ભાસે. દાસ0
(કીર્તનસાર સંગ્રહ : દ્વિતીય ભાગ-પાન -456/પદ-3)
તાત તું, માત તું, ભ્રાત તું ભૂધરા,
સાધુતાની મોટપ રહેશે, પણ લોકની મોટપ નહિ રહે. કેમ જે, માયાની મોટપ તો મડું ફૂલ્યા જેવી છે. કરોડ માણસને સત્સંગ કરાવીને જો મનનો દોરાયો દોરાય, તો મંદિર, આચાર્ય, સાધુ કે સત્સંગીનો અવગુણ લઈને વિમુખ થઈ વહ્યો જાય.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
(318) લોભિયાને રૂપિયો ભાંગવો પડે ત્યારે જીવમાં ‘અરરર, અરરર’ થાય. એક પુરબિયો રૂપિયો મુઠ્ઠીમાં રાખીને બજારે કાંઈક લેવા જાતો હતો; ત્યાં હાથમાં પરસેવો વળ્યો, ત્યારે જાણ્યું જે હું બજારે લેવા જાઉં છું તેથી આ રોવે છે જે મને ક્યાંઈક દઈ દશે. પછી તે પુરબિયો રૂપિયાને ભીનો જોઈને બોલ્યો જે, ‘મત રો! મત રો ! હમ તુમ કો નહિ છોડૂંગા !’ એમ કહી કાંઈ લીધા વિના પાછો ઘેર વયો ગયો. તેમ લોભિયાથી ચમડી તૂટે પણ દમડી ન છૂટે.
પુરબિયો : ઉત્તરહિંદનો ભૈયો.
(319) વાતું સાંભળીને, લખીને કે શીખીને કોઈક પાસે કરવી તેમાંથી લોકમાં માન કે મોટાઈ વધારવી છે; પણ દોષ મેલવા નથી, માટે પોતાનું કરવું.
(320) ગૃહસ્થ લોકમાં તણાશે ને ત્યાગી દેહમાં તણાશે. દેહે માંદો થાય તો પણ જો મનમાં સાજો હોય તો તે સાજો જ છે.
(321) કામ, લોભ ને માન તો ધર્મના કુહાડા છે. ઘડપણમાં ઘરઘે તેના દુ:ખનો પાર નથી ! આ નાના બાળક મૂંડાવીને બેઠા છે, પણ જ્યારે કામનો ઘાટ થાય ત્યારે જેમ કીડા પડે એવો વલવલાટ થાય; પછી કાળજું તૂટે તો સત્સંગમાં રહેવાય નહિ.
ઘાટ : માયિક સુખ ભોગવવાનો સંકલ્પ, વિકારનો સંકલ્પ.
(322) એક હરિભક્તને બાયડી આવીને પરાણે બાઝી; માટે ગાફેલ ન રહેવું. તેના પ્રથમથી જ કાન વીંધાવે છે, માટે ચેતતા રહેજો. પાંચે વિષય એવા છે, તેનાં તો પાતાળ ફાટયાં છે. ગુજરાતમાં તો લાકડાં કઢીમાં નાખે છે ને વડોદરામાં કાંકરા વઘારે છે. ભટ્ટજીએ વાત કરી હતી જે, અન્ન, જળ ને ઘી તો બે પૈસાભાર લેવું, તેથી વધારે જે જે પેટમાં ઘાલે તે દુ:ખદાયી છે. તેમ જ તૃષ્ણાનું પૂરું થાય તેમ નથી, માટે લૂગડું, ઘરેણું, મેડી કે રૂપ કોઈનું જોઈને અંતરે કલેશ કરવો નહિ. કોઈની મેડી દેખીને કૂબો હોય તે બાળી દેવો નહિ.
કાંકરા : રાઈ-મરી.
કૂબો : ઘુમ્મટવાળું ઘાસનું ઝૂંપડું.
(323) પ્રેમીજનનું એ જ પારખું જે, ઘડી ઘડીમાં દુ:ખાઈ જાય. ખરેખરો પ્રેમ હોય તે આ સંતને અર્થે તન, ધન કુરબાન કરી નાખે. પણ એવો પ્રેમ ક્યાં છે ? સૌને અંબાવીદાસના જેવી સ્ત્રી, છોકરાંની ઉપાસના છે તેથી આ સાધુમાં પ્રેમ થાતો નથી.
પ્રકરણ 9 ની વાત 15
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
(324) આ તો બદરીનાથનાં શીંકાં છે, તે નિષ્કામી વર્તમાન નહિ રાખે, તે કોઈ આ સત્સંગમાં રહી શકે નહિ. કૂતરી સમેસુળે નહિ વિયાય તો કાંઈ ઘીનો પાડ મોંઘો થાવાનો નથી, તેમ કોઈ સત્સંગમાં નહિ આવે તેણે કરીને સત્સંગમાં કાંઈ ખાડો પડે તેમ નથી. ‘કૂકડી વિના વહાણું નહિ વાય.’ એમ નથી. સત્સંગના સ્થંભ જેવા મોટા મોટા સાધુ હતા તે અંતરધ્યાન થયા પછી પણ મહારાજના સંકલ્પે તેમના વિના ચાલ્યું જાય છે. બાવના ચંદનનું લાકડું બાળતાં બાકી રહ્યું તે વિષ્ણુ ભગવાનને ચડાવ્યું, તેમ આપણે બાયડી, છોકરાં વહેવારમાં આટલો દેહ બાળ્યો, તેમાંથી કાઢીને હવે ભગવાન અર્થે કરી દેવો. તે મન, કર્મ, વચને આ વાત કરવાની છે.
સમેસુળે : યોગ્ય સમયે.
વિયાય : પ્રસૂતિ થાય.
(325) પ્રભુ ભજવા ભેળા થયા છીએ, પણ ભગવાન મળ્યા વિના મોક્ષ ન થાય.
તપન્તુ તાપૈ: પ્રપતન્તુ પર્વતાદટન્તુ તીર્થાનિ પઠન્તુ ચાગમાન્ ।
યજન્તુ યાગૈર્વિવિધં તુ યોગૈર્હરિં વિના નૈવ મૃત્યું તરન્તિ ।।
(સુભાષિત)
અર્થ :- ત્રિવિધ તાપ સહન કરો, પર્વતો પર તીર્થોમાં ફરો અને વેદોનો પાઠ કરો. અનેક પ્રકારે યાગો અને યોગો વડે યજન કરો પણ હરિ વગર મૃત્યને તરી શકતા નથી.
પંચાગ્નિ તાપે, પર્વત ઉપરથી પડે, બધાં તીર્થમાં અડવાણે પગે ફરે, વેદ ભણે, યોગ સાધે, યજ્ઞ કરે, પણ પ્રગટ ભગવાન મળ્યા વિના મોક્ષ ન થાય.
ન હ્યમ્મયાનિ તીર્થાનિ ન દેવા મૃચ્છિલામયા: ।
તે પુનન્ત્યુરુકાલેન દર્શનાદેવ સાધવ: ।।
(શ્રીમદ્ભાગવત : 10/84/11)
અર્થ :- જળમય તીર્થો અને માટી અથવા પથ્થરના ભગવાન ઘણા દિવસો સુધી સેવા કરવાથી પવિત્ર કરે છે. પરંતુ સજ્જન (સાધુજન)નાં દર્શનમાત્રથી કૃતાર્થ થઈ જઈએ છીએ.
તીર્થ અને પ્રતિમાથી ઉરુકાળે કલ્યાણ થાય ને સાધુ પુરુષનાં દર્શનથી તુરત જ મોક્ષ થાય છે.
ષડઙ્ગાદિવેદો મુખે શાસ્ત્રવિદ્યા કવિત્વાદિ ગદ્યં સુપદ્યં કરોતિ ।
ગુરોરઙ્ધ્રિપદ્મે માનશ્ચેન્ન દત્તં તત: કિં તત: કિં તત: કિં તત: કિમ્ ।।
(શ્રીશંકરાચાર્ય)(કીર્તન મુક્તાવલિ : 33/ગુરુસ્તોત્ર-4-2)
અર્થ :- છ અંગો સાથે વેદ અને બધા શાસ્ત્રોની વિદ્યા મોઢે છે. કવિત્વશક્તિ જેનામાં છે અને ઉત્તમ ગદ્ય અને પદ્ય કરી શકે છે. પણ જો ગુરુના ચરણકમળમાં મન ન લાગ્યું હોય તેથી શું ઉપયોગ ? શું ઉપયોગ ? શું ઉપયોગ? શું ઉપયોગ ?
છ અંગે વેદ ભણી જાય, શાસ્ત્ર બધાં કંઠે હોય, કવિતા, ગદ્ય ને પદ્ય કરી જાણે એવો બુદ્ધિવાળો હોય; પણ ગુરુના ચરણમાં પ્રીતિ નથી કરી, તો શું કર્યું ? કાંઈ કર્યું નથી ! કાંઈ કર્યું નથી !
રહૂગણૈતત્તપસા ન યાતિ ન ચેજ્યયા નિર્વપણાદ્ ગૃહાદ્વા ।
ન ચ્છન્દસા નૈવ જલાગ્નિસૂર્યેર્વિના મહત્પાદરજોડભિષેકમ્ ।।
(શ્રીમદ્ભાગવત : 5/12/12)
અર્થ :- હે રહૂગણ ! આ પ્રકારના જ્ઞાની મહાપુરુષોની ચરણરજને શિર પર (માથા ઉપર) ધારણ કરવા સિવાય તપ, યજ્ઞ, અન્નાદિનું દાન, ગૃહસ્થોને ઉચિત ધર્મનું પાલન, વેદનું અધ્યયન અથવા જળ, અગ્નિ અથવા સૂર્યની ઉપાસના વગેરે કોઈ પણ સાધનથી પ્રાપ્ત થઈ શકતા નથી.
રહૂગણ રાજા કપિલ મુનિના આશ્રમે પાલખીમાં બેસી કથા સાંભળવા જતા હતા. રસ્તામાં જડભરતને પાલખીએ જોડી દીધા. કીડી-મંકોડી પગ તળે ન દબાય તેથી પગ ઊંચો-નીચો પડે એટલે પાલખી હલી જાય. ત્યારે રહૂગણ કહે, ‘સરખો ચાલ, નીકર મારીશ.’ જડભરત કહે, ‘પાર્થિવ ! પાર્થિવ ! પાલખી ધૂડની, ઉપાડનાર ધૂડના ને માંહી બેસનાર પણ ધૂડનો, તેમાં કોણ કોને મારશે?’ ત્યારે રહૂગણ જાણે રખેને કપિલ મુનિને મારી પાલખીએ જોડી દીધા ન હોય ! એમ ધારી નીચે ઊતર્યા, ને બે હાથ જોડી પગે લાગ્યા.
ત્યારે જડભરત કહે, ‘હે રહૂગણ રાજા ! તપશ્ર્ચર્યાએ કરીને શું થાવાનું છે ? યજ્ઞાદિકે કરીને પણ શું થાય ? અરે, વેદ ભણે તો ય શું ? જળ, અગ્નિ ને સૂર્યરૂપી ત્રિવિધ તાપમાં તપે તો ય શું ? માટે મહત્પુરુષના ચરણારવિંદના સેવન વિના કાંઈ જ નથી.’
અન્તનાર્ન ન દ્રષ્ટ ઇહ યેન હરિર્હિ સાક્ષાત્ કિં તર્હિ તીવ્ર તપસાપિ કૃતેન તસ્ય ।
યોગાન્તરે હરિર્દિદ્રક્ષે ચ સાક્ષાત કિં તર્હિ તીવ્રતપસાપ્યતિદુષ્કરેણ ॥
અર્થ :- જેણે અહીં પોતાના અંદર સાક્ષાત્ હરિને જોયો નથી, તેણે ખૂબ તપ કરવાથી પણ શું ફાયદો ? બીજા જન્મમાં જો હરિને સાક્ષાત્ જોવાની ઇચ્છા હોય તો પછી ખૂબ, કઠણ તપ કરવાથી શો ફાયદો ?
જે પુરુષ પ્રગટ ગુરુરૂપ હરિને પોતાના આત્માને વિશે નથી જોતો ને તીવ્ર તપ કરે છે, તો તે તપથી શું થાવાનું છે ? ચ્યવન ઋષિ રાફડો થઈ ગયા પણ ક્લ્યાણ ન થયું. માટે સાધને કલ્યાણ થાવું તે તો કીડીને કાશીએ જવું તેવું છે. ને વર્તમાન ધારીને પ્રગટ ભગવાનને શરણે જાય તો અક્ષરધામમાં જાય.
ભયો વચનમાં વાસ તેહિ વિહદ વાસા,
એવા ભક્તને ધન્ય ધન્ય માનવું. આ દેહ તો ખાસડા જેવો છે ને હાડકાંનો છે, તે હમણાં પડી જાશે; પણ પતંગિયા જેવા જીવ છે તે વિષયમાં અંજાઈ પડ્યા છે, તે મોક્ષને ભૂલી જાય છે.
અર્થ : ધન, સંપત્તિ.
કરો : ઘરની દિવાલ.
પંચાગ્નિ : ચારબાજુ ચાર ધૂણીનો ને પાંચમો માથે સૂર્યનો તાપ.
માટી : બહાદુરી બતાવવી.
કૃતાર્થ : જેનું કાર્ય સિદ્ધ થઈ ચુકયું છે તે, ધાર્યું કાર્ય પાર પડ્યાનો આનંદ.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
પાલખી : સુખપાલ, એક પ્રકારનું આરામદાયક આસન.
સ્વામીએ બપોરે વાત કરી જે,
(326) બધું વટલેલું છે માટે જેટલો ઉદ્યમ હોય તે કરવો ને પછી પ્રભુ ભજવા. લખતાં લખતાં થાક લાગે તો સૂઈ જવું, ને સૂતાં સૂતાં ભજન કરવું. વળી ઊઠીને સરસર લખવું ને સમાગમ કરવો. બે મહિના ઘેર રહેવું ને વળી આવવું. આપણું જ્ઞાન કોઈ લઈ લે એમ નથી. કોઈને કાંઈ આપવું નહિ; કાંઈ હોય તો પાસે રાખી મૂકવું. રજ, તમ હોય તો પણ ધ્યાન કરવું ને કથામાં જીવ વળગાડી દેવો ને કીર્તનમાં તો આફુરડી મૂર્તિ સાંભરે, માટે કીર્તન સાંભળવાનો અભ્યાસ રાખવો. મોટા કહેવાતા હોય, પણ જુઓ તો દ્રવ્યની જ વાત થાતી હોય. જેની ઉપાસના હશે ત્યાં જ જવાશે ને ત્યાં તો વિષયનું ખંડન નથી. અહીં જેના ભેળી સુવાણ્ય થાતી નથી, ત્યારે મરીને તેના ભેળું કેમ રહેવાશે ? માટે જેમ કોઈક ગામ ઉચાળો લઈ જવો હોય ત્યારે તે ગામના માણસ સાથે બગાડ્યું જોઈશે ? તેમ મરીને જેના ભેળું રહેવું છે, તેની સાથે આંહીં બગાડ્યું જોઈશે ? જેમ ભગવાન મળવા કઠણ છે, તેમ આ સાધુનો જોગ મળવો કઠણ છે; તેમ જ વિષય મૂકવા કઠણ છે.
જન્મ, મરણ ને ગર્ભવાસનાં દુ:ખનું જેને અનુસંધાન હોય તેને વિષય ઝેર જેવા થઈ જાય. કામદારનો દીકરો રાજાના ઘરમાં ઘર્યો હતો, તે વખતે રાજા બહારથી આવ્યા, ત્યારે કામદારનો દીકરો કહે, ‘હવે હું ક્યાં જાઉં ?’ ત્યારે રાણી કહે, ‘તને ને મને બેયને રાજા મારી નાખશે, માટે આ પાયખાનામાં પડ.’ પછી તે પાયખાનામાં પડ્યો ને સવારે ભંગિયે તેને નદીએ લઈ જઈ ધોઈને સાફ કર્યો ત્યારે તેણે પોતાના હાથનો વેઢ ભંગિયાને આપ્યો ને કહે જે, ‘તું બોલીશ મા.’ એમ કહીને ઘેર ગયો. તે હવે પાછો કોઈ દિવસ તે કામ માટે ત્યાં જાય ખરો ? બીજે દિવસ રાણીએ તેને બોલાવવા માંડ્યો, તો કહે, ‘હવે પોખરામાં પડવા નહિ આવું.’ તેમ જેને ગર્ભવાસના દુ:ખનું અનુસંધાન હોય તે ફરી ગર્ભવાસમાં જાવું પડે એવું કર્મ કરે જ નહિ; માટે મનને કહ્યે એવી કોઈ પણ ક્રિયા ન કરવી. જેવા મહારાજ છે ને જેવા આ સંત છે તેવા જણાતા નથી, એટલે સત્સંગનું સુખ આવતું નથી; માટે જેવા છે તેવા જાણવા. બીજાં જડ પદાર્થ, ઝાડ, મેડી, હવેલી, સ્ત્રી, છોકરું, ઢોર વગેરે જડને જુએ છે તે જડભાવને પામી જાય છે; તેમ ભગવાન તથા આ સાધુને જુએે છે, તે બ્રહ્મરૂપ થઈ જાય છે; માટે ભગવાન તથા આ સાધુને જ જોવા ને તેનું જ મનન કરવું.
ઉદ્યમ : યત્ન, મહેનત.
મૂર્તિ : સંતો.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
પોખરામાં : પાયખાનામાં વચલી ખુલ્લી બેઠકમાં- મળ નીચે પડે ત્યાં.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
(327) અક્ષરધામના જેવું સુખ અહીં છે પણ પંચવિષય સુખ આવવા દેતા નથી. વાતું કરીએ છીએ ત્યારે જેમ લીલ માગ દે એવું થાય છે પછી જેવું હતું તેવું ને તેવું થઈ જાય છે. ઊંટ મરી ગયો તેમાંથી વૈરાગ્ય ઊપજ્યો ને આ તો છોકરો મરે તો પણ વૈરાગ્ય થાય નહિ !
(328) જેમ ખેતરવાળા ખેતર ખેડે છે ને બારવટાવાળા બારવટું કરે છે તેમ સત્સંગ સારુ એટલો દાખડો કરે ત્યારે સત્સંગ થાય. દેશકાળ આવ્યા વિના ખબર પડે નહિ. બત્રીસ વાર ભૂલે ત્યારે બત્રીસ લક્ષણ આવે. માટે દેશકાળ આવે ત્યારે ડગવું નહિ, પણ ‘શિક્ષાપત્રી’ પાળવી.
(329) આપણને મળ્યા છે તેવા કોઈને મળ્યા નથી આ જોગ મળવો બહુ દુર્લભ છે. કેટલે દાખડે આ સત્સંગ મળે ? માટે તે સત્સંગને જતન કરીને જાળવી રાખવો.
(330) કોઈ દેશકાળ આવે ત્યારે બુદ્ધિ ફરી ન જાય તે સારુ મશાલ કરીને બેઠા છીએ; માટે કોઈ વાતે પરાભવ ન થાય, તથા કોઈનો ભાર ન આવે એમ શીખવું. કર્યું એક સ્વામિનારાયણનું જ થાશે અને આંધળે ઘા કર્યો ને કદાપિ વાગ્યો, ત્યારે શું તે ઘાવેડી કહેવાય ? તેમ કોઈનો તાવ ઉતાર્યો ઊતરતો નથી ને કદાપિ કહ્યું ને ઊતર્યો, તો તે શું ભગવાન કહેવાય ? અક્ષરધામ મૂર્તિમાન આંહીં છે.
ઘાવેડી : નિશાનબાજ, ચતુર.
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
સ્વામીએ રાત્રે વાત કરી જે,
(331) સભામાં વાત કરે કોઈને સમાસ ન થાય તે તો જ્યારે એકાંતે બેસીને પોતાના સ્વભાવ કહેશે ને કાંટા કઢાવશે તેના સ્વભાવ જાશે; ને સ્વભાવનાં મૂળ જાશે ત્યારે ભગવાનમાં જોડાવાશે. આ તો આટલાં કીર્તન ગાયાં ત્યાં સુધી વૃત્તિ રહી, ને હવે કીર્તનને ઠેકાણે કીર્તન; તે શું ? જે, ખપ નથી. રાજાના ભાઈ બારવટે નીકળ્યા. પછી મેહ વરસતો હતો. ત્યારે રાજાએ પૂછ્યું જે, ‘આ ટાણે કોઈ બહાર હશે ?’ ત્યારે ચારણ બોલ્યો જે, ‘તમારા ભાઈ બહાર છે.’ પછી રાજા કહે, ‘બોલાવો.’ પછી વાણિયા જમાન થઈને તેડી ગયા. રસ્તામાં વાણિયાનાં ઘર આવ્યાં ત્યારે પૂછયું જે, ‘આ કોનાં ઘર છે?’ ત્યારે વાણિયા કહે, ‘અમારાં ઘર છે.’ તે વખતે તેમની સ્ત્રીઓ ઉઘાડે માથે ફળીમાં બેઠી હતી તે માથે પણ ઓઢ્યું નહિ ત્યારે બારવટિયાએ જાણ્યું જે, જેની સ્ત્રીઓ આવી નિર્લજ છે તેની દરબાર પાસે શું લાજ હશે? પછી પૂછ્યું જે, ‘જમાન થઈને અમને તેડી જાઓ છો પણ અમને દરબાર કેદ કરે તો તમે શું કરો ?’ ત્યારે કહે, ‘અમે હડતાળ પાડીએ !’ ત્યારે બારવટિયે વિચાર્યું જે, હડતાળ પાડે તેમાં આપણું શું વળે ? પછી ત્યાંથી પાછા વળી ગયા.
પછી રાજાએ પોતાની પાસે રહેનારા જમાદારને મોકલ્યા. તે રસ્તે આવતાં જમાદારનાં માણસ શરમાઈને અંદર વહ્યાં ગયાં, તે જોઈને બારવટિયાએ પૂછયું જે, ‘આ કોનાં ઘર છે ?’ ત્યારે જમાદાર કહે, ‘એ અમારાં ઘર છે.’ એટલે એમણે જમાદારને પૂછ્યું જે, ‘તમે અમારા જમાન થઈને તેડી જાઓ છો પણ દરબાર અમને કેદ કરે તો તમે શું કરશો ?’ ત્યારે જમાદાર કહે, ‘પ્રથમ મારું માથું જાય, ત્યાર પછી તમને કેદ કરી શકે.’ ત્યારે કહે, ‘તો તો ઠીક;’ ને મનમાં ખાત્રી થઈ જે આ ખરા ! એવું જ્યારે શૂરવીરપણું હોય ત્યારે રાતમાં ધ્યાન, ભજનમાં બેસાય; પણ કાયરપણું આવી જાય છે ત્યારે જાણવું જે ખપ નથી. કોઈને ઘરમાં થાક લાગતો નથી ને ટોપીવાળો મારગે સડકું બંધાવે છે તેમાં થાકતો નથી ગોપાળાનંદસ્વામી અને કૃપાનંદસ્વામીનું ગમે તેટલું મનધાર્યું મુકાવે તો પણ કાંઈ નહિ ને સામા રાજી થાય. આટલી વાતું કરી તેનું સિદ્ધાંત એ છે જે, પોતામાં દોષ હોય તે ટાળીને ભગવાનમાં જોડાવું. ને કાંટા કાઢીને પગ નરવો કર્યો હોય ત્યારે ચલાય તે જેના કાંટા નીકળ્યા હોય તે પાસે કાંટા કઢાવવા.
જમાન : જામીન.
કરો : ઘરની દિવાલ.
ટોપીવાળો : અંગ્રેજ અમલદાર.
નરવો : હળવો.
સંવત 1918ના ભાદરવા વદિ તેરસને દિવસે સ્વામીએ પ્રભાતે વાત કરી જે,
(332) ગામ તેરામાં મહારાજે ઝોળી માગવી એમ કહ્યું. તેમાં ગોવિંદસ્વામીને તાણ જે ‘ન માગવી.’ એટલે મહારાજે પોતે ઝોળી માગી, પોતે ચોળ્યું ને જમ્યા, ત્યારે બીજે ચોળ્યું. ત્યાર પછી કેટલેક કાળે કહ્યું જે, ‘ડોશીઓના ઘડેલ રોટલા ન ખાવા.’ પછી પોતે ચૂલા કરાવીને રોટલા ઘડવા માંડ્યા, પણ કોઈને ગમ્યું નહિ કેમ જે, જીવને જેટલું અવળું છે તે જ ગમે છે.
(333) માન દે તે જ સારું લાગે છે, સારું ખાધાનું, સારું લૂગડું તે ઉપર સહેજે રુચિ છે, જ્યાં વિષયનો ઝાઝો જોગ ત્યાં સહુ રહે. તે ભજનાનંદસ્વામીને લાડવા આપ્યા. મંડળમાં પાંચ શેર, દશ શેર બરફી તો પડી જ હોય, તેવું મંડળ કોને ન ગમે ? ને સુરતમાં એકલા ભણવા જતા હતા.
દશ : દિશા.
(334) લોયાનું 17મું વચનામૃત વંચાવીને કહ્યું જે, મુમુક્ષુ હોય તેને આટલી જ વાત સમજવાની છે જેને પ્રભુ ભજવા હોય તેને આમાં સર્વે વાત આવી ગઈ, કાંઈ બાકી ન રહ્યું. જે જે કૃત્ય કરવાનું છે તે કરશું ત્યારે થાશે. તે શું ? જે, વિષયનું ઉન્મૂલન કરવું ને દેહ, લોક, ભોગ ખોટું કરવું; પણ બધી વાતમાં વાહ વાહ ન કરવું.
અંધેરી નગરી ગબરગંડ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજાં,
એમ સ્વામિનારાયણને ઘેર નથી. ત્યાં તો રાઈરાઈનાં લેખાં લેવાશે.
(335) વિવેકી હોય તે પ્રભુ ભજે, મૂરખ હોય તે શું ભજશે ? જેટલો ધર્મ ન પળ્યો, જેટલો સાધુમાં જીવ ન બાંધ્યો, જેટલા ભગવાન ન જાણ્યા; એટલી ખોટ આવશે. પંચવિષયનો મારગ કોઈને શીખવવો પડે એમ નથી. ને કોઈએ ‘રસિકપ્રિયા’ ગ્રંથ નહિ ભણ્યો જોઈએ ! એ તો સહેજે આવડશે. લાલાભાઈના ભાઈએ સત્સંગ ન કર્યો, કલ્યાણભાઈના ભાઈ પ્રથમ માનતા નહિ ને પછી સત્સંગ કર્યો. બધી વાતુંનું સિદ્ધાંત એ છે જે, સત્સંગ કરવો. વિષયથી કરોડ ગાઉનું છેટું કર્યું છે તો પણ વિષય હૈયામાંથી જતા નથી. કેટલાક ઘરમાં રહે છે ને વિષયનો ઘાટ થાતો નથી, એ અટપટી વાત છે.
(336) એક બ્રાહ્મણ વેરાગણ સારુ વટલ્યો, તે વેરાગણ તો ભાગી ગઈ પછી પોતાની બાયડી પાસે પણ જવાય નહિ, એટલે તોરી ગામમાં ઠાકોરદ્વારો બાંધીને રહ્યો. પછી કૂવો કરાવ્યો ને ભક્તાણી રાખી અને પછી અમે એને સોર્યો.
જોને ચીલ ચડે આસમાને રે, નજર તેની નીચી છે;
દેખી મારણને મન માને રે, અન્ય જોવા આંખ મીંચી છે.
(કીર્તન મુક્તાવલિ : 1041)
પ્રાણીમાત્રને કરકા ઉપર નજર છે, તેમાં ય લોહિયાળા ઉપર નજર જાય છે; પણ માંહી છે તે બહાર નીકળે તો ઊલટી થાય.
ઠાકોરદ્વારો : મંદિર.
કરકા : સ્ત્રી, માદા.
(337) જેણે પૂર્વે સાધુ સેવન કર્યાં હશે તેમાં કાંઈક ગુણ આવ્યા છે. આજ પણ જે સાધુ સેવન કરશે તેમાં કાંઈક ગુણ આવશે, ને સાધુનો ગુણ આવશે ત્યારે જ સંસાર ઝેર થાશે. ડુંગળીની ગંધ ગમતી નથી, તેમ સંસારની ગંધ નહિ ગમે. પછી કથા વિના અને વાતું વિના નહિ રહેવાય; માટે સાધુ સમાગમ મુખ્ય રાખવો.
(338) બાજરા વિના ન ચાલે, બાકી બીજા સર્વે વિના ચાલે. એક જણ સૂરતમાં એકલો પાઠ લેવા જાતો હતો તેની સાથે મારે તો જીવ જ મળ્યો નહિ. તેણે અમને કહ્યું, ‘તમને મોટેરા કર્યાં તે અમારાં માન ગાળવા સારુ.’ અમે ચારસેં જણને ભણાવ્યા પણ વીસ કામમાં આવ્યા ને બીજા તો માંહોમાંહી અપવાદ નાખતા. કૃપાનંદસ્વામી, આત્માનંદસ્વામી ને ગોપાળાનંદસ્વામી એ અપવાદ વિના રહ્યા. જાદરિયાના લાડવા કરાવ્યા તે અમે તો જાદરિયાનું નામ પણ જાણતા નહોતા; પછી રાઠોડ ધાધલને ઘેર મહારાજ જમ્યા, ત્યાર પછી અમે પણ થોડુંક જમ્યા. સાધુ સમાગમથી એકાંતિકપણાને પામે છે ને પુરુષોત્તમના સ્વરૂપનું જ્ઞાન તે પણ તેમાંથી થાય છે; માટે સાધુ સમાગમ સર્વકાળને વિશે કરવો.
(339) એક સાધુએ પરથારો કંઠે કર્યો હતો તે જ્યારે બોલે ત્યારે સમાધિ થઈ જાય. તેને ત્રણ વરસ સુધી દેશમાં રાખ્યો તે રુચિ ફરી ગઈ, એથી અમારી આંખોમાં આંસુ આવી ગયાં.
(340) કોઈનું શરીર ખમે ને કોઈનું ન ખમે, કોઈને વૈરાગ્ય હોય ને કોઈને ન હોય માટે આજ્ઞા ને ઉપાસના બે વાત મુખ્ય રાખવી.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
(341) ધામરૂપ અક્ષરના સાધર્મ્યપણાને પામ્યા વગર પુરુષોત્તમની ઉપાસનાના અધિકારી થાવાતું નથી. કોઈ હરિજનનો અવગુણ ન લેવો, અવગુણ નહિ લે તેનો સત્સંગ પૂનમના ચંદ્રમાની પેઠે વૃદ્ધિ પામશે ને અવગુણ લેશે તેનો જીવ અમાવાસ્યાના ચંદ્રમા જેવો થઈ જાશે.
(342) સત્સંગ કરશું તેમાંથી કાંઈક ગુણ આવશે પણ પથારી કરીને સૂઈ રહેશું તેમાંથી કાંઈ નહિ વળે. બળદિયા જોડે તો સારા રહે, ને ઘોડું ફેરવે તો સારું રહે, તેમ સમાગમ કરે તો જીવ સારો રહે.
(343) મતપંથમાત્રના આવ્યા તે સત્સંગે કરીને સુધરી ગયા જેને મરીને પામવું છે તે જ આ મળ્યા છે. મરવા જાય છે તે કોઈની વાટ જોતો નથી, તેમ ‘ફલાણો ભજે તો હું ભજું’ એમ ભજાય નહિ; માટે એ તો પોતાનું જ કરવું.
(344) વાસના છે તે ભોગવતાં ભોગવતાં સો વરસ સુધી પણ મોળી પડનારી નથી તે તો સામી વધનારી; મોળી તો સંત સમાગમે કરીને પડશે, માટે જેટલો સમાગમ થાશે તેટલી વાસના મોળી પડશે.
વાસના : પૂર્વના સંસ્કારોથી મકકમ થયેલી કામના.
(345) વામનજી વધ્યા તે ભેળી લાકડી વધી, તેમ મોટાને વિશે જોડાશે તો મોટાના ગુણ આવશે પણ સાધને કાંઈ થાતું નથી. આ સમાગમ એવો છે જે ગૃહસ્થાશ્રમમાં રહે ને સ્વરૂપાનંદસ્વામીના જેવી સ્થિતિ થાય ! આ સમાગમે તો આમ ને આમ અદ્ધર ઊડવું હોય તો ઉડાય. માટે આજ જેવું ભગવાન ભજવાનું સાનુકૂળ છે તેવું તો મહારાજ છતાં પણ નહોતું; માટે આજ જે સાવધાન થઈ જાશે તેને બહુ લાભ થાશે, પછી આ સમાગમ મળવાનો નથી. અક્ષરધામ મૂર્તિમાન અહીં છે, પણ કોઈ ઓળખતા નથી.
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
(346) ગુરુ મળ્યા ને જ્યારે જીવના દોષ ન ટળ્યા ત્યારે જાણવું જે, ખરેખરા ગુરુ મળ્યા નથી ! ખરેખરા ગુરુ મળ્યા તો પણ દોષ રહ્યા ત્યારે જાણવું જે, ગુરુને જીવ સોંપ્યો જ નથી. માટે જ્યારે જીવ સોંપે ત્યારે એકે દોષ રહે નહિ ને કોઈ જાતનો ઉદ્વેગ પણ રહે નહિ; પછી સદા આનંદમાં જ ગરકાવ રહેવાય.
(347) જેને ભગવાન ભજવા હોય તેને કોઈને વચને ક્ષોભ ન પામવું. મોટાના અવગુણનું એવું પાપ છે જે જીવ બળી જાય છે. સૂરજ જેવો હશે તે પણ જો ભગવાનના ભક્તનો અવગુણ લેશે તો કીડી જેવો થઈ જાશે. તે દહાડો તો કોઈકનો જ થયા વિના રહેશે. તે શું જે, કાંઈએ ન નીકળે, એમ અણિશુદ્ધ વરતીને તો કોઈક જ મરશે.
(348) વસ્તુ મળે ને ન લેવી તે કામ ભારે કઠણ છે ને અહીં તો એ વાતનો પરિચય જ નથી, એટલે રહેવાય છે. ખાધાનું ન મળે એટલે ત્યાગ કરે, તેમાં શું ત્યાગ કહેવાય ? એ તો ‘ બુઢ્ઢી વેશ્યા તપસ્વીની’ એવું થયું; પણ જ્યારે મળે ને મેલી દે ત્યારે ત્યાગ કહેવાય ! વશરામ ભક્ત અને વૈકુંઠદાસને દાંત નહિ, એટલે શેરડી ન ખાય, તે શેનો ત્યાગ કહેવાય ? તેમ જ બરોબરિયા ટોકે ત્યારે માનની ખબર પડે.
(349) જેને દ્રવ્યમાં સત્યતા છે તેનાથી સમાગમમાં રહેવાય નહિ; કેમ જે એને દ્રવ્યમાં હેત, ને આપણે એનો નિષેધ કરીએ ! વળી તેને સાધુ અર્થે રૂપિયો ભાંગવો પડે તો દુ:ખ થાય.
નિષેધ : શાસ્ત્રવિહિત મનાઈ.
(350) દેહ હોય ત્યાં વહેવાર હોય ને તેટલી ક્રિયા હોય, પણ કરવાનું તો કથા, કીર્તન ને ધ્યાન એ જ છે. કોઈ જાતનો વિક્ષેપ ભરાઈ જાય ત્યારે અમથી અમથી શંકા રહ્યા કરે. માટે, ત્યારે તો પૂછવું જે, ‘આનું કેમ છે ?’ કોઈ સાથે ન બને ત્યારે પોતામાં જ ખોટ સમજવી, એકાદા સાથે તો ન બને એ તો સૌ સૌની રુચિ નોખી છે. મહારાજ પોતાને હાથે શાક કરતા. તેમાં એક દિવસ વાદે ચડ્યા, તે ડોશીઓ કહે, ‘અમારું શાક સરસ.’ પછી પોતે મનુષ્યકૃતિ ધારી છે તે ઉતાવળા થઈને મુક્તાનંદસ્વામીને ચખાડ્યું ને કહે, ‘સ્વામી, કોનું શાક સરસ છે ?’ ત્યારે મુક્તાનંદસ્વામી કહે, ‘શાક તો તમારું સરસ પણ મરચાં વધારે છે ને ડોશીઓનું શાક પણ સારું છે; કેમ જે, એને તો નિત્યનો અભ્યાસ.’ ને રામપ્રતાપભાઈએ ના પાડી, ત્યારે કહે જે, ‘ભક્તિ ઊપજી છે?’ એમાં શું ક્હ્યું ? જે, મહારાજને ત્યાગની ને ભક્તિની રુચિ છે. બીજું કોઈ હરિજનનો અવગુણ પોતા પાસે કોઈ કહે ત્યારે ગમે નહિ ને ઉઘાડું કરી દેતા. તે ઝીણાભાઈની પણ એવી રુચિ હતી. બીજું, ક્ષમા કરવી એ પણ રુચિ. જ્ઞાને સહિત હેત કરવું એ ગમે ને જુવાન હોય તેને સારું સારું ખાવા ન આપે ને તેને માન દઈને ભક્તિ કરાવતા ને શામ, દામ ભેદે કરીને વાતું સંભળાવતા.
(351) ત્યાગીને સ્ત્રી-ધનનો જોગ થાય કે ઘી-ગોળનો જોગ થાય ત્યારે જાણવું જે એનું ઊતરતું પ્રારબ્ધ આવ્યું.
પ્રારબ્ધ : પૂર્વનાં કર્મફળના સંગ્રહમાંથી વર્તમાનકાળે જે દેહ છે તે સંબંધી સુખ-દુ:ખ.
(352)
વા વિંટોળે નળિયું ખસ્યું તેણે કરી શ્ર્વાન જ ભસ્યું;
બહું થયો ત્યાં શોરબકોર કોઈ કહે મેં દીઠો ચોર.
એમ કેટલાક નિમિત્ત વિનાના કજિયા થાય છે પણ અમારે કોઈ ઉપર આંટી હોય તો લો સમ ખાઈએ. અમારું હેત ઘડીકમાં ઊતરે ને ચડે એવું નથી. અમને મહારાજે બેસાર્યા છે તે વગર સમજ્યે નહિ બેસાર્યા હોય? વરદાનંદસ્વામીને કોઈ રાખે નહિ, ત્યારે અમે પણ લીધું જે, એને આપણે સત્સંગમાં દેહ મુકાવવો. સુજજ્ઞાનંદને પણ પાર પાડ્યો. ‘તું જે છો, ઈ હું નહિ.’ એવો અમારો સ્વભાવ નથી. ત્રિકમદાસને ઘી મુકાવ્યું ત્યારે એને અમારો ગુણ આવ્યો. ત્રિકમદાસને મોટપ આવી તે જાણે માલની ગાંઠડી મળી, પણ માલ તો નથી મળ્યો, ને નિષ્કુળાનંદસ્વામી કહેતા એવું મળ્યું છે પણ એને સત્સંગનો ખપ છે તો એવા ભીડામાં રહ્યા છે, નહિ તો એવે ઠેકાણે કોણ રહે?
(353) શબ્દે કરીને જીવનું માથું ફરી જાય છે ને સત્સંગ વિના બુદ્ધિ ફરી જાય છે. અમારે ભક્તિ કરાવવી કઠણ નથી, પણ જોબન અવસ્થા પાર પડાવવી કઠણ જણાય છે. મેર વિના માળાના મણકા વેરાઈ જાય, તેમ ખાધાના નિયમ વિના ધર્મ કેમ રહેશે ? જેને ખાધાના નિયમ નહિ હોય તેને કામના ઘાટ થાશે ને પછી ઉપવાસ પડવા જેવું કર્યા વિના કેમ રહેવાશે ? માટે છાતીના લેવા. તે માનસિંગ ડોડીઆનો કપાળનો ઘા મહારાજ જોવા ગયા હતા! એમ આજ્ઞા પાળવામાં શૂરવીર થાવું ને ભગવાન ભજવા.