(1) ભગવાન ને સાધુના મહિમાની વાતું નિરંતર કરવી ને સાંભળવી ને મહારાજ તો પોતાનું અક્ષરધામ ને પાર્ષદ ને પોતાનું સમગ્ર ઐશ્ર્વર્ય તે લઈને અહીં પધાર્યા છે. તે એવા ને એવા જ છે. ને દેહ મૂકીને જેને પામવા છે, તે આજ દેહ છતાં જ મળ્યા છે, કાંઈ બાકી નથી ને એમ ન સમજાય તેથી જીવમાં દુર્બળતા રહે છે ને એમ સમજાય ત્યારે કોઈ દિવસ જીવમાં દુર્બળતા મનાય જ નહિ ને જીવ બીજી રીતનો થઈ જાય છે. ને મહિમા સમજવા જેવું બીજું કોઈ મોટું સાધન પણ નથી ને મહિમા વિના બીજાં ગમે એટલાં સાધન કરે તો પણ જીવ બળને પામે નહીં. ને એવો મહિમા સમજવાનું કારણ તો એવા ભગવદીનો પ્રસંગ છે, પણ તે વિના એવો મહિમા સમજાતો નથી.
(વચ.ગ.પ્ર. 71)
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
(2) સાંખ્ય વિચાર કરવા શીખવો ને સાંખ્ય વિના લોભ, કામ, સ્વાદ, સ્નેહ ને માન એ પાંચ દોષ તથા અધ્યાત્મ , અધિભૂત ને અધિદૈવ એ ત્રણ તાપ, એ સર્વેનું દુ:ખ મટે નહિ ને સાંખ્ય વિના અરધો (અડધો) સત્સંગ કહેવાય; માટે સુખિયા રહેવું હોય તો સાંખ્ય વિચાર કરવા શીખવો.
(વચ.ગ.મ. 10)
(3) પ્રહ્લાદજીએ નારાયણ સાથે ઘણા દિવસ યુદ્ધ કર્યું પણ ભગવાન જિતાણા નહિ, પછી ભગવાને પ્રહ્લાદને કહ્યું જે, 'એ યુદ્ધે કરીને તો હું જિતાઉં એવો નથી ને મને જીતવાનો ઉપાય તો એ છે જે, જીભે કરીને મારું ભજન કરવું ને મનમાં મારું ચિંતવન કરવું ને નેત્રમાં પણ મારી મૂર્તિ રાખવી. એ પ્રકારે નિરંતર મારી સ્મૃતિ કરવી.'
(વચ.ગ.પ્ર. 4)
મૂર્તિ : સંતો.
(4) ભગવાનની મોટાઈ જેના અંતરમાં સમજાણી હોય તેને ગમે તેવા દેશકાળની અવળાઈ થાય, અથવા દેહમાં ગમે એવો રોગ થઈ આવે ઈત્યાદિકમાં પણ એમ સમજે જે, ‘ભગવાનના કર્યા વિનાનું પાંદડું પણ કોઈનું હલાવ્યું હલતું નથી.’ એમ સમજીને સુખી રહે ને એમ ન સમજે તેને કોઈ પ્રકારનો દેશકાળ આવે તો સત્સંગ ચૂંથાઈ જાય.
(
વચ.ગ.પ્ર. 21 ,
વચ.ગ.પ્ર. 27 ,
વચ.ગ.પ્ર. 37 ,
વચ.ગ.અં. 13 ,
વચ.ગ.અં. 25 ,
વચ.કા. 10 ,
વચ.જે. 5
)
અવળાઈ : આડાઈ, કહે તેનાથી ઊલટું કરવાની ટેવ, હઠીલાઈ.
ચૂંથાઈ : અસ્તવ્યસ્ત, રફેદફે.
(5) આ જીવ સાધન તે શું કરશે ? એ તો જેમ કોશ જોડીને વાડી કરવી તેમાં ઘણો દાખડો; કેમ જે, તેને ઢોર ખાઈ જાય, પંખી ખાઈ જાય, તેમ સાધન વડે કલ્યાણ થાવું તે એવું છે ને ભગવાનની પ્રાપ્તિ વડે કેવું થાય છે ? તો, જેમ આખી પૃથ્વીમાં વરસાદ વરસે ને દાણા પાકે છે; પછી તેને ઢોર ખાય, પંખી ખાય, ચોર લઈ જાય તો પણ ખૂટે નહીં. ને કૂવા, તળાવ, ને નદીઓ ખૂટે પણ સમુદ્ર ન ખૂટે, તેમ ભગવાન વડે કલ્યાણ તે એવું છે ને આ તો બહુ જ દુર્લભ છે પણ મહિમા સમજાતો નથી.
(6) મોટાને સેવ્યા હોય ને તેના ગુણ આવ્યા હોય તેને દેશકાળ ન લાગે, તે કેની પેઠે તો જેમ સૂર્યની આગળ અંધારું ભેળું થઈને જાય; પણ ત્યાં રહેવા પામે નહીં.
(7) ભગવાનમાં જોડાણા હોય ને ભગવાનની આજ્ઞામાં રહેતા હોય ને ભગવાનની મરજીને જાણતા હોય, એવા સાધુ સાથે પોતાના જીવને બાંધવો; તે થકી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અને મહિમા સહિત ઉપાસના એ સર્વે ગુણ પમાય પણ તે વિના ક્યાંથી પમાય ? ને જેવા સાધુને સેવે તેવા ગુણ આવે; તે મુમુક્ષુ હોય તે પણ ઘટી જાય ને પામર હોય તે વધી જાય, માટે સર્વેનું કારણ સંગ છે.
(
વચ.ગ.અં. 38 ,
વચ.લો. 6
)
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
(8) ઇન્દ્રિયારામ હોય તે દબાય પણ આત્મારામ હોય તે દબાય નહિ; કેમ જે, ઇન્દ્રિયારામને તો સેવા કરીને કે પદાર્થ આપીને પણ દબાવીએ, પણ આત્મારામ હોય તે શા સારુ દબાય ? કેમ જે, એને તો કાંઈ જોઈએ જ નહિ ને એ તો અનંતને દબાવી દે પણ પોતે દબાય નહીં.
ઇન્દ્રિયારામ : દેહ અને ઇન્દ્રિયોનાં પાલનપોષણમાં જ રાચનાર આસક્ત વ્યક્તિ.
આત્મારામ : સાંખ્ય- વિચારે કરીને 'હું તો દેહથી નોખો જે આત્મા તે છું'
(9) સંસાર મૂકીને ત્યાગી થાય તે દુ:ખમાત્રને ટાળીને સુખિયો થઈ જાય, પણ ત્યાગી થયા પછી પણ વાસનાનું દુ:ખ રહે છે. તે વાસના લોભની, કામની, સ્વાદની, સ્નેહની ને માનની છે. તે વાસના ટાળે તેમ તેમ સુખિયો થાય છે.
(
વચ.ગ.અં. 12 ,
વચ.ગ.અં. 19
)
વાસના : પૂર્વના સંસ્કારોથી મકકમ થયેલી કામના.
(10) ઇન્દ્રિયું, અંત:કરણ એ સર્વે કુસંગી છે. તે જે જે વિષયનો જોગ થાય તે તે રૂપ થઈ જાય, એવો જ જીવનો સ્વભાવ છે. એને ભગવાનના સાધુ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, મહિમા, ઉપાસના એ સર્વે ગુણ આપે છે.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
(11) રૂપવાન સ્ત્રી, ઝાઝું દ્રવ્ય ને સારી મેડી મળે તો સત્સંગીને પણ માયાનું બંધન થાય; કેમ જે, એમાંથી જીવ નીકળે નહિ, માટે એ તો જેવું તેવું સાધારણ મળે તે જ સારું છે.
(12) દોષ રહે છે ને ટળી જતા નથી એ તે કેવળ દોષ જ છે કે તેમાં કાંઈ ગુણ પણ છે ? એ પ્રશ્ર્ન છે, તેનો ઉત્તર જે, 'દોષ પીડે તેથી સત્સંગમાં દીન-આધીન રહેવાય, સત્સંગની ગરજ રહે ને ભગવાનની સ્તુતિ થાય ને દોષનો કજિયો હોય તેથી જ્ઞાન થાતું જાય, તે વિના એવી ગરજ રહે નહિ; માટે એ ગુણ છે.'
(13) દેહે કરીને ક્રિયા કરતો હોય ને પોતાનું રૂપ જુદું સમજીને ભજન કરતો હોય તો બહુ સમાસ થતો જાય, પણ ક્રિયારૂપ થઈને તેમાં ભળી જાય તો ઠીક નહીં.
(
વચ.ગ.પ્ર. 23
)
(14) કરોડ કામ બગાડીને પણ એક મોક્ષ સુધારવો ને કદાપિ કરોડ કામ સુધર્યાં ને એક મોક્ષ બગાડ્યો તો તેમાં શું કર્યું ?
(15) નવધાભક્તિ આદિક સાધને કરીને જીવ શુદ્ધ તો થાય છે, પણ વાતુંએ કરીને જેવો શુદ્ધ થાય છે એવો થાતો નથી. માટે શબ્દ જેવું તો કોઈ બળવાન નથી.
(
વચ.ગ.પ્ર. 18
)
(16) શિવજી મોહિની સ્વરૂપમાં મોહ પામીને વ્યાકુળ થઈ ગયા ને તે પછી અંતરમાં જોયું ત્યારે જાણ્યું જે, 'મારા સ્વામીની માયામાં હું મોહ પામું એમાં શું ?' એમ વિચાર કર્યો ત્યારે અંતરમાં શાંતિ થઈ ગઈ. માટે દેશકાળ લાગે તો ખરો પણ જ્ઞાને કરીને તેનું દુ:ખ ટળે.
(17) ભગવાને કહ્યું છે જે, ''જેવો હું સત્સંગે કરીને વશ થાઉં છું એવો તપ, યજ્ઞ, યોગ, વ્રત, દાનાદિક સાધને કરીને પણ વશ નથી થાતો.''
ન રોધયતિ માં યોગો ન સાંખ્યં ધર્મ એવ ચ ।
ન સ્વાધ્યાયસ્તપસ્ત્યાગો નેષ્ટાપૂર્તં ન દક્ષિણા ॥
વ્રતાનિ યજ્ઞશ્છન્દાંસિ તીર્થાનિ નિયમા યમાઃ ।
યથાવરુન્ધે સત્સંગઃ સર્વસંગાપહો હિ મામ્ ॥
(શ્રીમદ્ ભાગવત : 11/12, 1-2)
અર્થ : સર્વ સંગનિવારક સત્સંગ દ્વારા હું જેવી રીતે વશીભૂત થાઉં છું, તેવો યોગ, સાંખ્ય, ધર્મ, સ્વાધ્યાય, તપ, ત્યાગ, ઇષ્ટાપૂર્ત, દક્ષિણા, વ્રત, યજ્ઞ, વેદ, તીર્થ, યમ, નિયમ, કોઈથી પણ થતો નથી.
તે સત્સંગ શું ? જે, 'મોટા એકાંતિકને હાથ જોડવા ને તે કહે તેમ કરવું એ જ છે.'
(
વચ.ગ.મ. 54 ,
ગ.અં. 2 ,
સા. 11
)
અર્થ : ધન, સંપત્તિ.
(18) જીવ તો બહુ બળિયો છે. તે સાવજ ના દેહમાં આવે ત્યારે કેવું બળ હોય છે ? ને એનો એ જીવ જ્યારે બકરાના દેહમાં આવે ત્યારે ગરીબ થઈ જાય છે.
સાવજ : સિંહ.
(19) કરોડ રૂપિયા ખરચતાં પણ આવા સાધુ મળે નહિ ને કરોડ રૂપિયા દેતાં પણ આવી વાતું મળે નહિ ને કરોડ રૂપિયા આપતાં પણ મનુષ્યદેહ મળે નહિ ને આપણે પણ કરોડ જન્મ ધર્યા છે; પણ કોઈ વખત આવો જોગ મળ્યો નથી, નીકર શું કરવા દેહ ધરવો પડે ?
(20) મોક્ષના દાતા તો ભગવાન ને સાધુ એ બે જ છે ને વૈરાગ્ય છે તે તો વિષય સાથે વેર કરાવે પણ ભગવાનનું કામ ન કરે ને આત્મનિષ્ઠા છે તે સર્વેમાંથી પ્રીતિ તોડાવે પણ ભગવાનનું કામ ન કરે ને ધર્મ છે તેણે કરીને સુખી રહે પણ ભગવાનનું કામ ન કરે. માટે મોક્ષના દાતા તો ભગવાન ને સાધુ એ બે જ છે, માટે એમનો અવગુણ ન લેવો.
(
વચ.ગ.મ. 21
)
આત્મનિષ્ઠા : હું તો દેહથી જુદો જે આત્મા તે છું ને મારે વિશે પ્રગટ પરબ્રહ્મ અખંડ બિરાજમાન છે. તેવી અતિ દૃઢ માનીનતા, શ્રદ્ધા, વિશ્ર્વાસ, આસ્થા.
(21) આ તો ભગવાને સૌનું સામર્થ્ય ઢાંકી રાખ્યું છે, નીકર (નહિતર) તો શાપ દઈને બાળી મૂકે, નીકર ગાંડા થઈને ક્યાંયના ક્યાંય ચાલ્યા જાય, નીકર હાથે દેહ મૂકીને જતા રહે પણ આ તો કોઈનું ચાલવા દેતા નથી.
(22) ભગવાન પોતાના ભક્તની રક્ષા કરવામાં જ બેઠા છે. તે કેની પેઠે, તો જેમ પાંપણ આંખની રક્ષા કરે છે ને હાથ કંઠની રક્ષા કરે છે ને માવતર છોકરાંની રક્ષા કરે છે ને રાજા પ્રજાની રક્ષામાં છે, તેમ જ ભગવાન આપણી રક્ષામાં છે.
(23) ભગવાન કેટલાકને સમૃદ્ધિ આપે છે ને કેટલાકને નથી આપતા, તેનું કેમ સમજવું ? એ પ્રશ્ર્ન છે, તેનો ઉત્તર જે, 'ઝાઝું ધન મળે તો વધારે ફેલ કરે, માટે થોડું મળે તે ઠીક છે.'
ફેલ : નીતિશાસ્ત્ર વિરૂદ્ધનું આચરણ તથા આવક કરતાં વધુ ખર્ચ કરે તેવું આચરણ.
(24) પાંચ-દશ વાર ‘સ્વામિનારાયણ’, ‘સ્વામિનારાયણ’ નામ જાણે-અજાણે લેશે તેનું પણ આપણે કલ્યાણ કરવું પડશે ને આખા બ્રહ્માંડને સત્સંગ કરાવવો છે.
(25) જેટલું કાંઈ માયામય સુખ છે તે સર્વે દુ:ખ વિનાનું હોય નહિ, એ વાત પણ એક જાણી રાખવી.
(26) વિષયનું જે સુખ છે તે કરતાં આત્માનું સુખ બહુ અધિક છે ને તે કરતાં ભગવાનનું સુખ એ તો ચિંતામણિ છે.
ચિંતામણિ : ઇચ્છા પૂરી કરે તેવો દિવ્ય મણિ.
(27) એક જણે લાખ રૂપિયાની બુદ્ધિ લીધી, તેમ જ મોક્ષની બુદ્ધિ પણ અનેક પ્રકારની મોટા થકી શીખાય છે. (જુઓ પ્રકરણ 10ની વાત 177)
(28) હીરો છે તે કોઈ રીતે ફૂટે નહિ, પણ તે માંકડના લોહીથી ફૂટે. તેમ વાસના કોઈ રીતે ટળે નહિ, પણ મોટા કહે તેમ કરે, તેમનો ગુણ આવે ને એમની ક્રિયા ગમે તો તેથી ટળે; નીકર સાધન તો સૌભરિ આદિકનાં કેવાં? તો પણ વાસના ટળી નહીં.
(
વચ.ગ.અં. 20
જુઓ પ્રકરણ 1ની વાત 38
જુઓ પ્રકરણ 1ની વાત 203
)
(29) સત્સંગ થાય પણ સંગ વિના સત્સંગનું સુખ ન આવે, કેની પેઠે તો જેમ ખાધાનું મળે પણ ખાધા વિના સુખ ન આવે, જેમ લૂગડાં-ઘરેણાં મળે તો પણ પહેર્યા વિના તેનું સુખ ન આવે, તેમ સંગ વિના સત્સંગનું સુખ આવે નહીં.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
(30) આવા સાધુને મનમાં સંભારીએ તો મનનાં પાપ બળી જાય ને વાતું સાંભળીએ તો કાનનાં પાપ બળી જાય ને દર્શન કરીએ તો આંખનાં પાપ બળી જાય, એમ મહિમા જાણવો.
(31) આથી કરોડગણો સત્સંગ થાશે ને આથી કરોડગણાં માણસ થાશે, પણ આ વાતું ને આ કથા નહિ મળે ને વ્યવહાર પ્રધાન થઈ જાશે. માટે સહેજે સહેજે કરવું ને આ કારખાના તો બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી ચાલશે; માટે કથાવાર્તા કરવા-સાંભળવાનો અભ્યાસ રાખવો. ને આપણે તો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ એ ચારેય વાત રાખવી પણ એક જ મુખ્ય ન કરવું.
(32) ત્યાગ, વૈરાગ્ય, નિયમ ને ધર્મની કેટલીક વાતું કરીને બોલ્યા જે, ત્યાગ, વૈરાગ્યને શું કરવાં છે ? ને ગમે એવો જીવ હશે પણ ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ એ જ સત્સંગી છે ને તે વિના તો ગમે તેટલી ભક્તિ કરે તો પણ શું ? ને કૃપાએ કરીને અખંડ મૂર્તિ દેખે તો પણ શું ? માટે ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ એ જ સત્સંગ છે. તે સત્સંગ તો રાત્રિપ્રલય સુધી કરશું ત્યારે થાશે, પછી તેને દેશકાળ નહિ લાગે; એવો સત્સંગ થાશે ત્યાં સુધી કરવો છે.
(
વચ.ગ.મ. 54,
વચ.ગ.અં. 39
)
આત્મબુદ્ધિ : પોતાપણાની ભાવના, 'દેહ તે હું નહિ પણ આત્મા છું' એવી બુદ્ધિ.
મૂર્તિ : સંતો.
રાત્રિપ્રલય : અજ્ઞાનપ્રલય, પ્રકૃતિપુરુષ અને પ્રકૃતિપુરુષનું કાર્ય નજરમાં ન આવે ને ભગવાનના કર્તાહર્તાપણામાં સંપૂર્ણ નિર્દોષબુદ્ધિ એવી શુદ્ધ સમજણની સિદ્ધદશા.
(33) આ વાતુંમાંથી તો બ્રહ્મરૂપ થાવાશે ને બાળ, જોબન ને વૃદ્ધ એ ત્રણ પ્રકારની સ્ત્રીઓ ને કચરો ને કંચન એ સર્વે સરખું થઈ જાશે ને કાંઈ દીઠું નહિ ગમે એવું થાશે. ત્યારે કહેશો જે, વાતું સાંભળીએ છીએ ને કેમ થાતું નથી? તે તો આજ આંબો વાવે ને કાલે કેરીઓ કેમ થાય ? પણ એ જ આંબો દશ વરસનો થાય ત્યારે એમાં કેરીઓ થાય છે, એમ થાવાનું છે.
(
વચ.કા. 12
)
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
કંચન : શુદ્ધ સોનું.
દશ : દિશા.
(34) આપણે તપાસ કરવો જે, 'હજાર રૂપિયા મળે તેનું શું ફળ છે? ને લાખ રૂપિયા મળે તેનું શું ફળ છે ? ને કરોડ રૂપિયા મળે તેનું શું ફળ છે?' કેમ જે, રોટલાથી તો વધારે ખવાતું નથી; માટે તેનો તપાસ કરવો ને પાછું વળવા શીખવું.
(35)
આલોડ્ય સર્વશાસ્ત્રાણિ વિચાર્ય ચ પુનઃ પુનઃ ।
ઇદમેકં સુનિષ્પન્નં ધ્યેયો નારાયણો હરિઃ ॥
(લિંગપુરાણ : 7/11/2)
અર્થ : સર્વ શાસ્ત્રો વાંચીને, અનેક વાર વિચારીને આ એક જ નિશ્ર્ચય થયો કે, એક ભગવાન નારાયણ હરિનું જ ધ્યાન કરવું.
એ શ્ર્લોકમાં વ્યાસજીએ સર્વ શાસ્ત્રનો સિદ્ધાંત કહ્યો છે જે, ‘ભગવાનનો આશરો કરવો.’ તેમ જ અમે તપાસ કર્યો જે, ‘સર્વનો સિદ્ધાંત સાધુનો સંગ જ છે.’
(
વચ.ગ.પ્ર. 33
)
અર્થ : ધન, સંપત્તિ.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
(36) સર્વ કરતાં લક્ષ્મીજીની સમજણ અધિક કહી; કેમ જે, તેમને ભગવાનમાં નિર્દોષબુદ્ધિ, તો પણ તેમાં સ્ત્રીનો ભાવ ખરો. માટે તે કરતાં ઉદ્ધવજીની સમજણ અધિક છે; કેમ જે, ઉદ્ધવજી જ્ઞાની ને તેમને ભગવાનમાં નિર્દોષપણું; પણ તેમને ઘર મૂકતાં કઠણ પડ્યું. માટે તે કરતાં પણ જડભરતની ને શુકજીની સમજણ અધિક; કેમ જે, એમને સ્ત્રી-પુરુષ એવો ભાવ જ નહીં.
(37) કલ્પ આખો સુધી ભગવાનની સામું જોઈને બેસી રહે તો પણ નિષેધ કર્યા વિના વિષય તો ન ટળે ને સાધુ મળે તો ટાળે ને નિર્વિકલ્પ સમાધિ થાય તો પણ વિષય ન ટળે ને જ્ઞાનની સમાધિ થાય તો ટળે.
કલ્પ : આપણાં ચાર અબજ બત્રીશ કરોડ વર્ષનો સમય - બ્રહ્માનો એક દિવસ (પણ રાત નહિ)
નિષેધ : શાસ્ત્રવિહિત મનાઈ.
નિર્વિકલ્પ : જ્ઞાતા-જ્ઞેય ઇત્યાદિક ભેદ વગરનું, જેમાં કોઈ અપવાદ કે બેપણું ન હોય તેવું.
(38) અંત:કરણરૂપ માયાનો કજિયો બહુ ભારે છે. કેમ જે, જડભરતને કેવો વૈરાગ્ય અને કેટલું રાજ્ય મૂક્યું, તો પણ વિઘ્ન થયું ને સૌભરિ ને પરાશર આદિક કેવા ! તેમને પણ ધક્કા લાગ્યા. માટે સાધુ જ્ઞાન આપીને જન્મ આપે છે ને નિષેધ કરે છે, ત્યારે એ કજિયો મટે છે, પણ તે વિના મટતો નથી ને આખી ઉંમર ભગવાનની ભેળા રહે તો પણ જ્ઞાન વિના કસર ટળે નહીં.
નિષેધ : શાસ્ત્રવિહિત મનાઈ.
કસર : ખોટ, ઉણપ.
(39) ‘વચનામૃત’ વંચાવીને તેની વાત કરી જે, ‘કદાપિ ભગવાનની મૂર્તિમાં જોડાઈ જાય તો પણ કેટલીક ખોટ કેમ સમજાય ? માટે સર્વ કરતાં સમજણ અધિક છે; પછી નાડીઓ તણાઓ કે ન તણાઓ ને સાંખ્ય ને યોગ કરતાં પણ ભગવાનનું સર્વોપરીપણું સમજવું તે શ્રેષ્ઠ છે.’ (વચ.ગ.પ્ર.27,64)
(40) શ્રીજીમહારાજે કહ્યું હતું જે, 'અમે અલૈયા ગામમાં એક વાર દૃષ્ટિ કરીને અનંત જીવોને બ્રહ્મમહોલમાં મૂકી દીધા; પણ ત્યાં કોઈ રહ્યા નહીં.'
(41) પ્રેમીનું હેત તો ટાંકાના પાણી જેવું છે અને જ્ઞાનીનું હેત તો પાતાળના પાણી જેવું છે ને પ્રેમીનું તો ભગવાન તથા સાધુને રાખવું પડે, પણ જ્ઞાનીનું રાખવું પડે નહીં.
(42) કોઈક લોભ મૂકે, સ્વાદ મૂકે, સ્નેહ મૂકે, માન મૂકે; પણ સ્ત્રી તો હૈયામાંથી નીકળે જ નહિ ને રૂપ જેવું તો કાંઈ બળવાન નથી ને એ વિષય તો જીવમાત્રમાં રહ્યા છે. તે તો મોટા અનુગ્રહ કરે ત્યારે ટળે, પણ તે વિના ટળે નહીં.
અનુગ્રહ : કૃપા, ઉપકાર, મહેરબાની.
(43) અમે તપાસી જોયું, તો આ જીવ કોઈ દિવસ ભગવાનને મારગે ચાલ્યો નથી ને સાવ નવો આદર છે ને જીવમાત્રને ખાવું, સ્ત્રી ને ધન એ ત્રણનું જ ચિંતવન છે ને એનું જ મનન ને એની જ કથા ને એનું જ કીર્તન ને એની જ વાતું ને એનું જ ધ્યાન છે ને તેમાં પણ દ્રવ્યનું તો એક મનુષ્ય જાતિમાં જ છે; બાકી ખાવું ને સ્ત્રી એ બેનું તો જીવમાત્રને ચિંતવન છે; કેમ જે, ભગવાનની માયાનો ફેર ચડાવી મૂક્યો છે ને એનું ચિંતવન ન થાય એ તો દેવનો પણ દેવ છે; પણ એ મનુષ્ય નથી. ને ખાવું, સ્ત્રી ને ઊંઘવું એ ત્રણ વાતમાં ગુરુ કરવા પડતા નથી. જેમ નદીઓના પ્રવાહ સમુદ્ર સન્મુખ ચાલે છે, એમ જીવને વિષય સન્મુખ ચાલવાનો ઢાળ છે ને તેમાંથી પાછું વળાય એ તો સાધુનું છે.
(44) આ દેહમાં અને આ લોકમાં આપણે ચોંટશું તો ભગવાન ચોંટવા નહિ દે. જેમ રવજી સુતારને સ્ત્રી પરણાવીને સંસારનું સુખ લેવા દીધું નહિ ને પછી સંસારમાંથી તોડીને છેલ્લી વારે સાધુ કર્યો; એમ ભગવાન બંધાવા નહિ દે.
(45) દેહમાં રોગાદિક દુ:ખ આવી પડે તે તો તેના મોકલનારા ટાળે ત્યારે ટળે; પણ બીજા કોઈથી ટળે નહિ, જેમ રાજાનો મોકલેલો મોસલ આવે તે તો તેની ચિઠ્ઠી આવે ત્યારે ઊઠે, પણ ગામના માણસે ઊઠે નહિ; એમ સમજવું.
(46) વિષયનો તિરસ્કાર તો અક્ષરધામમાં, શ્ર્વેતદ્વીપમાં, બદરિકાશ્રમમાં ને આ લોકમાં મોટા એકાંતિક પાસે છે. એ ચાર ઠેકાણાં વિના બાકી સર્વે ઠેકાણે વિષયનો આદર છે.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
(47) ભગવાનનું ધામ ગુણાતીત છે ને જીવને ગુણાતીત કરવા છે ને આપણે આ જ્ઞાન સાંભળ્યું છે તે બીજે ક્યાંય બનશે નહિ ને આપણાથી બીજે ન રહેવાય ને આ મળ્યા છે તે પણ મૂકે એવા નથી; એવું એને આવડે છે ને આજનું જ્ઞાન સાંભળીને જાય છે, તેને શ્ર્વેતદ્વીપ ને તેની આણીકોરના, કોઈ પૂગતા નથી ને આ જ્ઞાન તો ફિરંગીની તોપું જેવું છે ને આની આગળ બીજાનું જ્ઞાન તો ફટાકિયા જેવું છે ને આ તો કહ્યું છે જે,
આ અવસરે રે દયાળુ બહુ દયા કરી રે,
જનના અવગુણને રે નાથ ગણતા નથી રે,
શરણે આવ્યા તેનાં શ્યામસુજાણ. આ અવ.0
(કીર્તનસાર સાગર : 201)
એવા છે. એ પ્રકારે બહુ મહિમા કહ્યો.
શ્ર્વેતદ્વીપ : શ્રી વાસુદેવ ભગવાનનું ધામ.
(48) બદરિકાશ્રમ ને શ્ર્વેતદ્વીપના મુક્તને ત્યાગ-વૈરાગ્યનું બળ છે ને ગોલોકના ને વૈકુંઠના મુક્તને પ્રેમ મુખ્ય છે ને અક્ષરધામના મુક્ત તો બ્રહ્મરૂપ છે.
બદરિકાશ્રમ : શ્રી નરનારાયણનો આશ્રમ.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
(49) ભગવાનના ભક્તને તો વિષયસુખ મળે એ જ નરક છે. તે કહ્યું છે જે,
કુંતાજી દુ:ખ માંગ કે લીનો, એહિ ભક્ત કી રીતિ વે;
વિષય આનંદ ન લહે સ્વપ્નમેં, જાહિ પ્રભુપદ પ્રીતિ વે...
એ ભક્તનું લક્ષણ છે.
(જુઓ પ્રકરણ 10ની વાત 133)
નરક : દોજખ, વિષ્ટા.
(50) આ સર્વે કામ મૂકીને આવીને, નવરા બેસીને, વાતું સાંભળીએ છીએ, તે એમ સમજવું જે, કરોડ કામ કરીએ છીએ; તે શું ? જે, ‘જમપુરી, ચોરાશી ને ગર્ભવાસ એ સર્વને માથે લીટા તાણીએ છીએ પણ નવરા બેઠા છીએ’ એમ ન સમજવું.
ચોરાશી : ચોરાશી લાખ જન્મનું ચક્ર.
ગર્ભવાસ : ગર્ભનો ઉદરમાં વાસ.
(51) આ તો બળિયા છે તે ગમે એવી વાસના હશે તો પણ અંતકાળે હીરજીની પેઠે નસ્તર મારીને દેહની ખબર રહેવા દેશે નહિ ને વાસના ટાળી નાખે એવા છે.
વાસના : પૂર્વના સંસ્કારોથી મકકમ થયેલી કામના.
નસ્તર : વાઢકાપ.
(52) મોટા શહેરનું સેવન તથા અધિકાર તથા ધનનો પ્રસંગ એ આદિક જીવને બગાડવાના હેતુ છે; માટે સમજી રાખવું.
(53) નિરંતર મંદિરનું કામ કર્યા કરે તો પણ જ્ઞાન વૃદ્ધિને પામે નહિ ને જ્ઞાન તો સાધુસમાગમથી જ થાય.
(54) શાસ્ત્રમાં ભારેભારે પ્રાયશ્ર્ચિત કહ્યાં છે, તે સર્વે આવા સાધુના સમાગમ અને દર્શને કરીને નિવૃત્ત થઈ જાય છે, એવું આ દર્શન છે.
(
વચ.ગ.પ્ર. 1
)
(55) વાછરડાને દૂધનો સ્વાદ છે અને ઇતરડીને લોહીનો સ્વાદ છે. તેમ ખાવાપીવાનું સુખ ને માન-મોટાઈનું સુખ તે લોહી જેવું છે ને, નિજાત્માનં બ્રહ્મરૂપં (શિક્ષાપત્રી : શ્ર્લોક 116) એ સુખ દૂધ જેવું છે.
અર્થ : સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ જે ત્રણ દેહ તે થકી વિલક્ષણ એવો જે પોતાનો જીવાત્મા તેને બ્રહ્મરૂપની ભાવના કરીને પછી તે બ્રહ્મરૂપે કરીને શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ જે તે સર્વ કાળને વિશે કરવી.
અર્થ : ધન, સંપત્તિ.
(56) ભગવાનની ઉપાસનાનું બળ હોય તેને મહાપ્રલય જેવું દુ:ખ આવી પડે તો પણ એમ સમજે જે, દેહ તો પડી જાશે ને આપણે ભગવાનના ધામમાં જાશું; એમ સમજીને સુખિયો રહે.
મહાપ્રલય : આપણાં ચાર અબજ બત્રીશ કરોડ વર્ષને (કલ્પને) અંતે થતો મનાતો એવો સૃષ્ટિનો સમૂળગો નાશ.
(57) આવા સાધુ ખાસડાં મારે તો પણ અક્ષરધામમાં લઈ જાય ને બીજા મશરૂનાં ગાદલામાં સુવાડી મૂકે તો પણ નરકમાં નાખે એમ સમજવું.
(58) આપણા દોષ તો મહારાજે ટાળી નાખ્યા છે ને તે દોષનું દર્શન થાય છે એ તો આપણા રૂડાને અર્થે થાય છે; નીકર જીવ તો ઉન્મત્ત થઈ જાય એવો છે અને હવે તો આપણે ભગવાન વશ કરવા છે ને તે ભગવાનના જેવું સામર્થ્ય પામવું છે તે સારુ મંડ્યા છીએ.
ઉન્મત્ત : ગર્વિષ્ઠ, ઉદ્ધત, ગાંડો, છાકટો.
(59) ‘બ્રહ્મરૂપ માનીને ભક્તિ કરવી’ એ જ સિદ્ધાંત છે; તે જેમ ઘણાં માણસ વટલે ને એક જણ નાતમાં રહે, પણ તેણે એમ સમજવું જે, ‘હું વટલ્યો નથી.’ તેમ બ્રહ્મરૂપ માનવાની સમજણ છે.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
(60) આ કર્મક્ષેત્ર છે તે અહીં એક ઉપવાસ કરે ને બદરિકાશ્રમમાં સો ઉપવાસ કરે ને શ્ર્વેતદ્વીપમાં હજાર ઉપવાસ કરે તે બરાબર થાય છે ને આ ઘડી, આ પળ અને આ સાધુ કોટિ કલ્પે પણ મળવા દુર્લભ છે; પણ મહિમા જણાતો નથી; કેમ જે, મનુષ્યાકૃતિ છે.
કોટિ : કરોડ.
(61) તમોગુણીને માન વધારે હોય ને રજોગુણીને કામ વધારે હોય અને સત્ત્વગુણીને જ્ઞાન વધારે હોય.
(62) જ્યારે દુર્યોધન ને પાંડવોને કજિયો થાવાનો આદર થયો, ત્યારે દુર્યોધન પાસે દૈત્ય સર્વે આવીને કહે જે, ‘અમે કૃપાચાર્યમાં, દ્રોણાચાર્યમાં ને ભીષ્મપિતા આદિકમાં પ્રવેશ કરશું માટે યુદ્ધ કર.’ એમ કહ્યું. તેમાં કહેવાનું શું છે ? જે, ‘આપણામાં પણ કામ, ક્રોધાદિક માંહીલા દોષ આવીને પ્રવેશ કરે ત્યારે મોટાનો અવગુણ આવે અને ત્યારે ન કરવાનું પણ થાય; ત્યારે જાણવું જે, મારામાં દૈત્યે પ્રવેશ કર્યો છે પણ હું એવો નથી એમ સમજવું.’
(જુઓ પ્રકરણ 12ની વાત 172)
દૈત્ય : અસુર, રાક્ષસ.
માંહીલા : અંદરના, સૂક્ષ્મ દેહના.
(63) કેટલીક કસર ત્યાગ-વૈરાગ્યથી ટળશે ને કેટલીક કસર જ્ઞાને કરીને ટળશે અને કેટલીક કસર ભક્તિ કરાવીને ટળાવશું, બાકી છેલ્લી વારે રોગ પ્રેરીને પણ શુદ્ધ કરવા છે પણ કસર રહેવા દેવી નથી.
કસર : ખોટ, ઉણપ.
(64) ધર્મશાળા કરવાનું કામ કરાવીએ છીએ તેમાં કહીએ છીએ જે, ‘આજ્ઞાએ કરીને આવી ધર્મશાળાઓ તો અનંત કરીએ; પણ તેમાં બંધાવું નહિ ને બંધાવું તો ભગવાન ને સાધુ એ બેમાં જ બંધાવું.’
(65) શાસ્ત્રમાં કેટલાંક વચન તો સિદ્ધાંતરૂપ હોય ને કેટલાંક વચન તો કોઈ નિમિત્ત અર્થે હોય તે સમજી રાખવું.
સિદ્ધાંતરૂપ : એ નિશ્ર્ચય કે જે સંપૂર્ણ ચર્ચા-વિચારણા પછી સાચો સાબિત થયેલ, એવો છેવટનો નક્કી કરેલ નિશ્ર્ચિત નિર્ણય કે જેને અનુસરવામાં જ માનવું પણ તેમાં કોઈ અપવાદ કે બાંધછોડ નહિ.
(66) શરદઋતુમાં આકાશ નિર્મળ જોઈને બોલ્યા જે, ‘આવું અંત:કરણ થાય ત્યારે જીવ સુખિયો થાય; તેમ સત્સંગ કરતાં કરતાં થાય છે.’
(67) મોટાનો મત એ છે જે, અનેક પ્રકારે દેહ દમન કરવું અને ટાઢ, તડકો, ભૂખ, તરસ તેનું સહન કરવું પણ કેવળ દેહનું જતન કરવું નહીં.
(68) નિરંજનાનંદસ્વામી પાસે બેસે તો અંતર ટાઢું થઈ જાય; તેમ એવા મોટા સાધુ પાસે બેસે તો સુખ આવે; તે કેને સુખ આવે ? તો જેને તેમાં હેત હોય તેને આવે. (જુઓ પ્રકરણ 3ની વાત 34)
(69) કોટિ કલ્પે આ વાત હાથ આવી છે; પણ તે સત્સંગ રાજાને, નાતીલાને અને ઘરનાં માણસને નથી ગમતો; તેમ જ દેહ, ઇન્દ્રિયું, અંત:કરણને પણ નથી ગમતો ને એક જીવને જ ગમે છે ને માયા તો પેટ કૂટે છે જે, ‘મારા હાથમાંથી ગયો.’
(
વચ.ગ.મ. 28
)
કોટિ : કરોડ.
(70) સાધન કરી કરીને મરી જાય તો પણ વાસના ટળે નહિ; એ તો મોટા અનુગ્રહ કરે ત્યારે જ ટળે છે.
(71) આપણું તો દર્શન કરશે તેનું પણ કલ્યાણ થાશે; પણ બહુ મહિમા કહીએ તો કોઈ પંચવર્તમાન પાળે નહિ ને આ તો મુક્તે દેહ ધર્યા છે ને વાસના જેવું જણાય છે તે તો દેહ ધર્યો તેનો ભાવ જણાય છે; નીકર તો દેહ રહે નહીં.
પાળે : સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જાતનો સેવક/પાર્ષદ.
વાસના : પૂર્વના સંસ્કારોથી મકકમ થયેલી કામના.
(72) શ્રીજીમહારાજની કહેલી વાત કરી જે, મહારાજ કહે જે, ''કરોડ વહાણે કરીને એક મનવાર ભરાય, એવી સો કરોડ મનવારો ભરવી છે; એટલા જીવોનું કલ્યાણ કરવું છે. તે એટલા જીવોનું કલ્યાણ કેમ થાય ? પછી અમે વિચાર કર્યો જે, અમારું દર્શન કરે તેનું કલ્યાણ. વળી એમ વિચાર કર્યો જે, અમારું દર્શન તે કેટલાક જીવોને થાશે ? માટે અમારા સાધુનું દર્શન કરે તેનું પણ કલ્યાણ. પછી વળી તેમાં પણ વિચાર થયો જે, સાધુનું દર્શન પણ કેટલાક જીવોને થાશે ? માટે અમારા સત્સંગીનું દર્શન કરે તેનું પણ કલ્યાણ ને સત્સંગીને જમાડે ને એનું જમે ને સત્સંગીને પાણી પાય ને એનું પાણી પીએ, એ સર્વેનું કલ્યાણ કરવું છે.''
મનવાર : અતિ મોટું વહાણ.
(73) ગુરુનું અંગ
ગુરુદેવ જનની જનક રૂ સંબંધિ બંધુ, પૂરન અત્યંત સુખ ગુરુહું સે પાયો હૈ;
નાસિકા બદન બૈન દિને ગુરુ દિવ્ય નૈન, શોભિત શ્રવન દે કે શબ્દ સુનાયો હૈ;
દિયે ગુરુ કરપાવ શીતલતા શિષ્યભાવ, ગુરુરાય પિંડહું મે પ્રાણ ઠહરાયો હૈ;
કહત હૈ બ્રહ્માનંદ કંદ સુખ દયા સિંધુ, ગુરુદેવ મેરો ઘાટ દૂસરો બનાયો હૈ.
(કીર્તન મુક્તાવલિ : ગુરુ કો અંગ)
બોલાવ્યું. તેમાં પ્રશ્ર્ન પૂછ્યો જે, ‘આ અંગમાં તો સર્વે વાત ગુરુ જ કરે એમ કહ્યું છે; પણ કાંઈ પુરુષપ્રયત્નનું તો કહ્યું નથી તે કેમ સમજવું ?’ ત્યારે તેનો ઉત્તર કર્યો જે, ‘સર્વે વાત ગુરુ જ કરે છે ત્યારે અહીં અવાણું છે અને હમણાં એમ જ છે જે, સર્વે દોષ ટળી જાય તો પછી સુખે સૂઈ રહે, પછી કોઈક ટોકે તો પણ ન ખમાય ને જ્ઞાન વિના તો ઉન્મત્ત થઈ જવાય, માટે સર્વ કરતાં જ્ઞાન શ્રેષ્ઠ છે.’
ઘાટ : માયિક સુખ ભોગવવાનો સંકલ્પ, વિકારનો સંકલ્પ.
ખમાય : સહન કરાય, ક્ષમા કરાય.
ઉન્મત્ત : ગર્વિષ્ઠ, ઉદ્ધત, ગાંડો, છાકટો.
(74) ભગવાન ને સાધુના મહિમાની બહુ વાતું કરી. ત્યારે પ્રશ્ર્ન પૂછ્યો જે, ‘આવો મહિમાનો સાક્ષાત્કાર કેમ થતો નથી ?’ તેનો ઉત્તર કર્યો જે, ‘સાક્ષાત્કાર થાય તો છકી જવાય, માટે ધીરે ધીરે જ્ઞાન આપે છે ને મહિમા વૃદ્ધિ પમાડે છે. જેમ ફળ, પુષ્પ વૃદ્ધિને પામે છે તેમ થાય છે. એ ભગવાનને જેમ ઘટે તેમ આવડે છે ને જેમ ઘટે તેમ કરે છે. ને ઠામૂકું આપે તો ગાંડા થઈ જવાય, માટે એ ભગવાન ઠીક જ કરે છે.’
સાક્ષાત્કાર : પરમતત્ત્વ કે ભગવાનનું પ્રત્યક્ષ દર્શન કે સાક્ષાત્ અનુભવ.
ઠામૂકું : સામટું, એક્કી સાથે.
(75) આ તો અનંત ભગવાનના ભગવાન છે એટલું જ કહીએ છીએ. એથી આઘું કેટલુંક કહીએ ? તે આપણા ઘરમાં આવીને બેઠા છે. આ તો કૂબામાં જેમ હાથી બાંધે તેમ છે.
કૂબામાં : ઘુમ્મટવાળા ઘાસના ઝૂપડામાં.
(76) આપણને તો ભગવાનનો ખપ નથી, પણ ભગવાન આવીને પરાણે આપણને વળગ્યા છે. તે મહારાજ કહે, ''ભૂત વળગે છે તે પણ નથી મૂકતું તો અમે કેમ મૂકશું ?''
(77) ભગવાન જીવના ગુન્હા સામું જોતા નથી. તે કોઈક જીવ ભગવાનની સ્તુતિ કરીને એમ બોલે જે, ‘હું ગુન્હેગાર છું.’ તો તેના ગુન્હા ભગવાન માફ કરે છે.
(78) અમને તો એક જન્મ-મરણનો રોગ ટાળતાં આવડે છે, બીજું આવડતું નથી.
(79) સર્વ પ્રકારની આસક્તિ ટળી જાય તો આ લોક ને આ દેહ તે ગમે નહિ ને આ લોકમાં રહેવું પડે તે દુ:ખ થાય, એમ બોલ્યા. તે ઉપર પ્રશ્ર્ન પૂછ્યો જે, ‘આસક્તિ રહે છે, તેનું દુ:ખ થાય છે, તેનું કેમ સમજવું ?’ પછી તેનો ઉત્તર કર્યો જે, ‘એ દુ:ખ સારું કરે છે; કેમ જે, નિર્માની રહેવાય ને ભગવાન કરતા હશે તે ઠીક કરતા હશે ને દેહનું રૂપ તો ગામ ફણેણીમાં સૂરા ખાચરને કાન દેખાડ્યો તે ભેગી ઊલટી થઈ; તેમ બીજાને દેખાય તો એવું થાય.’ (જુઓ પ્રકરણ 11ની વાત 231)
આસક્તિ : મોહ, અતિશય સ્નેહ, લગની.
(80) ‘વચનામૃત’ વંચાવીને તેની બહુ વાત કરી ને બોલ્યા જે, ‘આવું જ્ઞાન તો સંગે કરીને ને કાળે કરીને થાય; જેમ વિદ્યા ભણે છે તેમ થાય, પણ અનુગ્રહ થકી ન થાય ને અનુગ્રહ કરે તો સમાધિ થાય. તે વિજ્ઞાનદાસજીને અક્ષરધામ દેખાતું તો પણ બે ઘર કર્યાં ને સાધુએ કાઢ્યા ત્યારે નીકળ્યા; માટે જ્ઞાન શ્રેષ્ઠ છે.’(જુઓ પ્રકરણ 3ની વાત 73)
અનુગ્રહ : કૃપા, ઉપકાર, મહેરબાની.
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
(81) આ તો પ્રબંધે કરીને રાખીએ છીએ; પણ ધન ને સ્ત્રી ન જોઈએ એવા માણસ ઝાઝા જડે નહીં.
(82) ‘વચનામૃત’ની આખી પ્રતો પણ સત્સંગમાં સહાય નહિ કરે, તે તો પુસ્તક મૂકી મૂકીને પણ ચાલ્યા જાય છે; માટે સહાય તો આવા સાધુ કરશે.
(83) લોયાના 7માં વચનામૃતમાં કહ્યું છે જે, ઇન્દ્રિયું, અંત:કરણ ને અનુભવ એ ત્રણેય પૂગે (પહોંચે) ત્યારે પૂરો જ્ઞાની કહેવાય. તે ઉપર બોલ્યા જે, ‘આપણે તો સર્વે પૂગે છે ને નથી દેખાતું તે તો એની ઇચ્છાએ છે.’
પૂગે : પહોંચે.
(84) પાણીના ધરા જેવું તો શ્ર્વેતદ્વીપના મુક્તને રહે છે ને અક્ષરધામનીતો વાત જ શી કહેવાય ! ને આ લોકમાં તો કેટલાક પ્રકારના વિક્ષેપ આવે, માટે ઠોંટ મારીને મોઢું રાતું રાખવું એવું છે.
(
વચ.ગ.પ્ર. 23
)
ધરા : ધરો, નદી કે તળાવના પાણીમાંનો ઊંડો ખાડો.
ઠોંટ : ધોલ, થપાટ, થપ્પડ
(85) નંદ રાજાએ આખી પૃથ્વીનું ધન ભેળું કર્યું ને પછી છેલ્લી વારે એમાંથી મોત થયું ને ચિત્રકેતુ રાજાએ કરોડ સ્ત્રીઓ ભેળી કરી ને છેલ્લી વારે એમાંથી દુ:ખ થયું ત્યારે મૂકી; તે મારગ જ એવો છે. (જુઓ પ્રકરણ 10ની વાત 18)
(86) આપણામાં ત્યાગી થઈ જાય છે ને સંસાર મૂકી દે છે, એ તો ભગવાનમાં હેત તે તણાઈ આવે છે. એ તો જોગ છે પણ સાંખ્ય નહિ ને હેત તો આંગળી તૂટતું હોય પણ સાંખ્ય નહિ ને જેને સાંખ્ય હોય ને તે સાધુ થાવા આવે તેને કહીએ જે, ઘરનાં માણસ સર્વે ઘરમાં સૂતાં હોય ને ઘર બાળીને આવો તો સાધુ કરીએ; તો સાંખ્યવાળાને એ કઠણ ન પડે, ને જોગવાળાથી એ થાય નહીં.
(87) ચિંતામણિ કાંઈ રૂપાળી ન હોય; તેમ ભગવાન ને સાધુ પણ મનુષ્ય જેવા જ હોય; પણ એ દિવ્ય છે ને કલ્યાણકારી છે ને મનુષ્યનું દેહ ચિંતામણિ છે.
ચિંતામણિ : ઇચ્છા પૂરી કરે તેવો દિવ્ય મણિ.
(88) જો માર-માર કરતો કોઈ આવતો હોય તો એમ સમજવું જે, મારા સ્વામીનું જ કર્યું સર્વે થાય છે; પણ તે વિના કોઈનું હલાવ્યું પાંદડું પણ હલતું નથી.
(89) ‘વાંદરું વૈકુંઠમાં રહે નહિ’ એમ કહે છે, તે સારુ આપણે ભગવાન પાસે રહેવાય એવા સ્વભાવ કરવા; તે અહીં કરવા કાં શ્ર્વેતદ્વીપમાં જઈને કરવા.
(90) બ્રહ્માંડ આખું ‘સ્વામિનારાણ’નું ભજન કરશે ત્યારે સત્સંગ થયો એમ જાણવું ને ત્યાં સુધી થાવો છે ને એક એક સાધુની કેડે લાખ લાખ માણસ ફરશે, ત્યાં સુધી સત્સંગ થાવો છે.
કેડે : પાછળ.
(91) જીવને ચોંટવાનાં ઠેકાણાં બે જ છે, તે ભગવાનમાં ચોંટે, નીકર માયામાં ચોંટે; પણ આધાર વિના કેમ રહેવાય ?
(92) દોષ કેમ ટળતા નથી ? એ પ્રશ્ર્ન પૂછ્યો તેનો ઉત્તર કર્યો જે, ‘એ તો ધન્વંતર વૈદ છે, તે ખોટા કેમ થાશે ? ને જેમ અક્ષરાનંદસ્વામીને ગોળી દઈને રાફી કાઢી નાખી; તેમ જ કામ-ક્રોધાદિક ઘણી રાફીઓ છે તે કાઢી નાખશે. આપણે તો એને બાઝી પડવું, એટલું જ કરવું.’
રાફી : રાફડા આકારનો પગ થઈ જાય તેવો એકજાતનો રોગ.
(93) ગાફલાઈ ટાળવાનું કારણ તો એ છે જે, એક ખટકો રાખે તો ટળે ને બીજો ઉપાય તો કોઈક શિક્ષા કરે ત્યારે ટળે.
(94) આ તો બહુ મોટો લાભ થયો છે, પણ ઊંઘમાં જાય છે. તે શું? જે, વિષયમાં સુખ નિરંતર વરતે છે ને આ દર્શન તો પંચમહાપાપને બાળી મૂકે એવું છે, પણ મહિમા જણાતો નથી.
(95) ‘કર્મવિપાક’ નામે ગ્રંથ છે તે મહારાજે વંચાવ્યો હતો. તેમાં કહ્યું છે જે, ‘આ પાપે કરીને આ રોગ થાય.’ એ પ્રકારે તેમાં ઘણો વિસ્તાર કર્યો છે.
(96) આખી પૃથ્વીમાં એક માણસ મરે તેનો કાંઈ ખરખરો થાય છે? તેમ અક્ષરની દૃષ્ટિને જે પામે છે તેને આખા બ્રહ્માંડનો પ્રલય થાય તો પણ થડકો ન થાય; એવી પણ એક સમજણ છે.
ખરખરો : અરેરાટી, અફસોસ, શોક.
પ્રલય : વિનાશ, કલ્પને અંતે જગતનો નાશ.
થડકો : ધ્રાસકો પડે, આંચકો લાગે, ભય લાગે.
(97) સાંખ્યની દૃઢતા કેમ થાય ? એ પ્રશ્ર્નનો ઉત્તર કર્યો જે, ‘માણસ મરી જાય છે, દેહ ઘરડું થાય છે, તે જોવું ને નિત્યપ્રલય, નિમિત્તપ્રલય ને પ્રાકૃતપ્રલય તેનો વિચાર કરવો અને સાંખ્ય ને યોગ સિદ્ધ કરવાનું કારણ આ સમાગમ છે.’
(
વચ.ગ.અં. 2
)
દૃઢતા : મક્કમતા, દૃઢપણું.
નિમિત્તપ્રલય : બ્રહ્માની અહોરાત્રિ થઈને એક દિવસ થાય છે એટલે કે આપણાં આઠઅબજ ચોસઠકરોડ વર્ષ થાય, તે દિવસ દિવસ પ્રતિ ત્રિલોકીનો નાશ થાય છે, ને દિવસાંતરે પાછું ફરે છે ને તે નાશ થાય છે તેનું નામ નિમિત્તપ્રલય.
પ્રાકૃતપ્રલય : પ્રકૃતિના કાર્યમાં મને કરીને માલ ન માનવારૂપી જ્ઞાનપ્રલય - બ્રહ્મા તેમનાં સો વર્ષના અંતે દેહ મૂકે ત્યારે એ ચૌદ લોકસહિત બ્રહ્માંડનો નાશ થાય છે, ત્યારે પ્રકૃતિથી ઉપજ્યું કાર્ય તે સર્વે પ્રકૃતિમાં લય પામે છે, તેનું નામ પ્રાકૃતપ્રલય.
(98) જેમ નાતનો, નામનો ને ગામનો નિશ્ર્ચય થયો છે, તેમ જ એવો અભ્યાસ કરે જે, હું આત્મા છું, બ્રહ્મરૂપ છું, સુખરૂપ છું ને હું ભગવાનનો ભક્ત છું, પણ દેહ તે હું નહિ એમ કરે તો તે પણ થાય ને આ દેહ આપણને નિત્યે નરક ચૂંથાવે છે એથી ભૂંડું શું? પણ જ્ઞાન વિના તેની ગમ નથી.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
નરક : દોજખ, વિષ્ટા.
(99) અક્ષરધામના જેવું સુખ આંહીં વરતે છે, તેમાં પણ કેટલાક દુ:ખિયા છે. તેમાં દેહનું દુ:ખ થોડું ને મનનું દુ:ખ ઝાઝું છે.
(100) પ્રકૃતિપુરુષ સુધી ત્રણ તાપ છે ને ત્રણ ગુણ છે ને તેથી પર ગુણાતીત સુખ છે.
પ્રકૃતિપુરુષ : ચેતન અકર્મણ્ય પુરુષની મદદથી જડ પ્રકૃતિમાંથી સમગ્ર સૃષ્ટિની ઉત્પતિ થઈ તે
(101) ભગવાન અને ભગવાનના સાધુ એ બે સામું જોવું ને એ જ જોયા જેવા છે, બાકી બીજામાં કાંઈ માલ નથી.
(102) મોટાને વિશે મનુષ્યભાવ નથી રહ્યો તેનો કેમ તપાસ કરવો ? એ પ્રશ્ર્નનો ઉત્તર કર્યો જે, ‘એની કોઈ ક્રિયામાં દોષ ન આવે એ જ દિવ્યભાવ છે.’
મનુષ્યભાવ : દેહભાવ, માયિકભાવ, જેમાં ગુણાનુરાગ - ગુણાનુબુદ્ધિ પ્રવર્તે છે તેવો ભાવ.
દિવ્યભાવ : જેમાં માયાના ત્રણ ગુણનો પ્રભાવ ન હોય તેવો અદ્ભુત ભગવદ્ભાવ.
(103) ભગવાનની સ્તુતિ કરવી, પણ પોતાને પતિત ને અધમ માનવું નહિ; કેમ જે, એમ માને તો જીવમાં બળ રહે નહિ ને જીવ ગ્લાનિ પામી જાય ને આપણને તો ભગવાન મળ્યા છે માટે પતિત શા સારુ માનીએ? આપણે તો કૃતાર્થ માનવું.
પતિત : પાપી.
ગ્લાનિ : અનુત્સાહ, ગમગીની, અણગમો.
કૃતાર્થ : જેનું કાર્ય સિદ્ધ થઈ ચુકયું છે તે, ધાર્યું કાર્ય પાર પડ્યાનો આનંદ.
(104)
મન માન્યો મોહન બતિયાં સે,
મોંહામોંહ મીલે નિજ પ્રીતમ,
કો પતિયાર કરે પતિયાં સે. મન0
(કીર્તન મુક્તાવલિ : 904)
તેમાં શું કહ્યું ? જે, ‘કાગળ લખનારા મળ્યા તે પછી કાગળનું શું કામ?’ તેમ આપણને પ્રગટ સંત મળ્યા છે, હવે શું બાકી રહ્યું ?
(105) શ્રીજીમહારાજ કહે જે, ''આજ તો સૌને ભીડામાં લેવા છે ને સૌને એકાંતિક કરવા છે ને વાસના હશે તો સૂર્યના લોકમાં થઈને બાળીને લઈ જાશું.''
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
વાસના : પૂર્વના સંસ્કારોથી મકકમ થયેલી કામના.
(106) રાજાના કુંવરને ઢેઢથી મરાય નહિ, તેમ ભગવાનના ભક્તને માથે કાળ, કર્મ, માયા આદિક કોઈનો ભાર નહિ જે તેને પીડી શકે.
(107) સુલભા હતી તે સમાધિવાળી હતી ને પરકાયામાં પ્રવેશ કરતી એવી હતી; પણ વનમાં ગઈ ત્યાં સારું દેખીને એમ થયું જે, ‘કોઈ પુરુષ હોય તો રમીએ.’
(108) ધર્મશાળા હતી તે પાડીને ફરી કરી, તે હવે પ્રથમની દેખાતી નથી. એમ પ્રકૃતિનું કાર્ય સર્વે નાશ કરી નાખવું તેનું નામ સાંખ્ય કહેવાય.
(109) પોતાને જાણે બે માણસનું કામ કરે, તે કરતાં પણ મોટાની આજ્ઞાએ કરીને બેસી રહે, કાં (અથવા) કહે એટલું જ કરે એ જ શ્રેષ્ઠ છે.
(110) વિષય લોપી નાખતા હોય તેને મોટાને રાજી કર્યાનો શો ઉપાય ? એ પ્રશ્ર્નનો ઉત્તર કર્યો જે, ‘મોટાની અનુવૃત્તિ ને તે જે કહે તે તેમ જ કરવું એ જ છે.’
લોપી : ન માનવા દે, ઉલ્લંઘન કરાવે.
અનુવૃત્તિ : મરજી.
(111) મોટાને શું કરવાનું તાન છે તે કેમ સમજાય ? એ પ્રશ્ર્ન પૂછ્યો ત્યારે વરતાલનું 16મું વચનામૃત વંચાવીને બોલ્યા જે, આમાં કહ્યું છે તેમ કરાવવું છે. તે શું ? જે, ભગવાનનું ભજન કરવું ને ભગવાનના ભક્તનો સંગ, એ બે જ રહસ્ય ને અભિપ્રાય છે. તે લઈને મંડે તો રાજી થાતાં ક્યાં વાર છે ? માટે રાજી કરવા હોય તેણે આ લઈ મંડવું.’
(
વચ.ગ.મ. 41
)
તાન : લગની, આગ્રહ, મસ્તી.
(112) જ્ઞાની હોય તેને પણ ટાઢ-તડકો, ભૂખ-તરસ આદિક દેહના ભાવ સર્વે જણાય એ પણ સમજવું.
(113) પ્રિયવ્રતને છોકરાં થયાં તો પણ,
ભાગવતા: આત્મારામા: | (સુભાષિત)
અર્થ : ભગવાનના ભક્તો આત્મામાં રમણ કરનારા હોય છે.
આત્મરામ કહેવાણા; કેમ જે, ભગવાનની કથા ને ભગવાનને વહાલા એવા જે સાધુ તેના સંગનો ત્યાગ ન કરતા હવા ને જનકે કહ્યું જે, ‘મિથિલા-નગરીમાં મારું કાંઈ બળતું નથી.’ પણ છોકરાં થયાં ને ગોવર્ધનભાઈને તો સાકર ને મીઠું એ બેય સરખાં તો પણ છોકરાં થયાં; માટે ભેળા રહે તો છોકરાં થાય.
(જુઓ પ્રકરણ 5ની 302)
(જુઓ પ્રકરણ 10ની 299)
અર્થ : ધન, સંપત્તિ.
(114) ભગવાન અને મોટા સાધુને આશરે કરીને તો વાદળ જેવાં દુ:ખ આવવાનાં હોય તે પણ ટળી જાય ને સાધન કરીને તો કૂટી કૂટીને મરી જાય તો પણ ન ટળે.
(115) હૈયામાં જ્ઞાન ભર્યું છે એ તો હજી બહાર કાઢ્યું જ નથી; કેમ જે, સાંભળનારા આગળ પાત્ર ન મળે ને એ જ્ઞાન તો બ્રહ્માની આયુષ્ય પર્યંત કરીએ તો પણ ખૂટે નહિ; પણ તે કહ્યાની તો નિવૃત્તિ આવતી નથી.
પર્યંત : ત્યાં સુધી, જેટલી.
(116) ઇન્દ્રિયું-અંત:કરણનાં દુ:ખ આવતાં હોય તેનું કેમ કરવું ? એ પ્રશ્ર્નનો ઉત્તર કર્યો જે, ‘એ તો મોટા મોટાને પણ આવતાં; એ તો સ્વભાવ કહેવાય માટે તેનું સહન કરવું.’
(117) મોટા છે તે કોઈકને વધુ સુખ આપે છે ને કોઈકને થોડુંક સુખ આપે છે, તેનું કેમ સમજવું ? એ પ્રશ્ર્નનો ઉત્તર કર્યો જે, ‘મોટા તો સમુદ્ર જેવા છે, તે સમુદ્રમાં પાણીની ખોટ નથી; તેમ એ તો કોઈને ઓછું સુખ આપતા નથી; પણ પાત્રને લઈને એમ જણાય છે ને ઉપરથી તો મોટા માણસનું રાખવું પડે છે, એવું ગરીબનું ન રખાય, એ તો વહેવાર કહેવાય જે, પર્વતભાઈ જેવા વાંસે બેસે, ને મોટું માણસ હોય તે આગળ બેસે.’
વાંસે : પાછળ.
(118) શ્રીજીમહારાજના સ્વરૂપમાં વળગી રહેવું ને ગૃહસ્થને અગિયાર નિયમ પાળવા ને ત્યાગીને ત્રણ ગ્રંથ પાળવા એટલું જ કરવાનું છે; બીજું કાંઈ કરવું નથી.
(124) શ્રીજીમહારાજે કહ્યું હતું જે, ''સ્ત્રીને છોકરાં થાય તે પછી પુરુષમાં હેત ઓછું થઈ જાય.'' તેમ ભગવાનની મૂર્તિ દેખાય તે પછી પ્રગટની તાણ ઝાઝી રહેતી નથી.
મૂર્તિ : સંતો.
(125) આ લોકમાં ડાહ્યો તો કોઈ પ્રભુ ભજતો નથી ને જે ગાંડો થાય તે ભજે છે.
(126) બાજરો ખાવો ને પ્રભુ ભજવા, બીજું કાંઈ કરવું નહિ ને રોટલા તો ભગવાનને દેવા છે, સાધુને દેવા છે, તે દેશે, દેશે ને દેશે.
(127) ધર્મશાળાના કામમાં માણસે બહુ દાખડો કર્યો તે અમે રાજી થઈ ગયા, તે ભગવાન રાજી થઈ રહ્યા ને આવા સાધુનું દર્શન તો પંચમહાપાપને પણ બાળી નાખે એવું છે, પણ એવો મહિમા નથી; ને એવો મહિમા હોય તો અંતરમાંથી આનંદના ફુવારા છૂટે અને આ તે કાંઈ વાતું છે ! આ તો અક્ષરધામની વાતું છે; પણ સાંખ્ય વિના કસર રહી જાય છે ને સાંખ્યવાળાને તો આ લોક સર્વે નરક જેવું લાગે છે; પણ ક્યાંય માલ મનાય નહિ ને આ કારખાનું તો સર્વે ધૂડનું છે, માટે તેમાં માલ માનવો નહીં.
કસર : ખોટ, ઉણપ.
નરક : દોજખ, વિષ્ટા.
(128) ભગવાનમાં ને સાધુમાં હેત રહેશે તો તેના ઉપર સૌ હેત કરશે ને એથી પ્રતિકૂળ રહેશે તેને તો સૌ પ્રતિકૂળ થાશે; એ વાત સમજી રાખવી, એમાં કાંઈ સંશય નથી.
પ્રતિકૂળ : અનુકૂળ નહિ તેવું, ઊલટું, વિરુદ્ધ.
(129) દુ:ખ કોઈ માનશો નહિ ને જે જોઈએ તે આપણને મળ્યું છે ને ઝાઝા રૂપિયા આપે તો પ્રભુ ભજાય નહિ તે સારુ આપતા નથી.
(
વચ.ગ.પ્ર. 24
)
(130) મહાપ્રલયના અગ્નિમાં પણ વાસના બળી નહિ; તે વાસના તો કારણ શરીરરૂપ જે માયા તે છે. તેને ટાળવાનું કારણ તો એ છે જે, એક તો ભગવાનની ઉપાસના ને બીજી આજ્ઞા. તે ‘શિક્ષાપત્રી’માં કહ્યું છે જે, ‘નિજાત્માનં બ્રહ્મરૂપં’
એમ માનવું, એ આજ્ઞા છે. તે એ વચનમાં મહારાજે સૌને એકાંતિક કરી મૂક્યા.
વાસના : પૂર્વના સંસ્કારોથી મકકમ થયેલી કામના.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
(131) દુર્લભમાં દુર્લભ સત્સંગ ને દુર્લભમાં દુર્લભ એકાંતિકપણું ને દુર્લભમાં દુર્લભ ભગવાન, એ ત્રણ વાત આપણને મળી રહી છે.
(132) સુકાઈ જાઓ, અન્ન મૂકી દો, વનમાં જાઓ કે ઘર મૂકી દો; તે કરતાં પણ આ સાધુની વાતું સાંભળવી તે અધિક છે. અને આ વાતું તો પુરુષોત્તમનાં વચન છે ને ગુણાતીત વાતું છે ને આ વાતુંમાંથી તો અક્ષરધામ દેખાય છે ને ભગવાન અક્ષરધામને ને મુક્તને લઈને એવા ને એવા જ આહીં આવ્યા છે; તેમાં ફેર ન સમજવો ને મહિમા સમજાતો નથી તેથી જીવ દૂબળો રહે છે.
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
(133) એક દિવસે રાજ્ય દેવાય પણ વિદ્યા ન દેવાય. ને રાજાનો કુંવર હોય તેને ગમે એટલું ખવરાવો તો પણ એક દિવસે મોટો ન થાય; એ તો ધીરે ધીરે મોટો થાય. તેમ જ્ઞાન પણ સંગે કરીને ધીરે ધીરે થાય છે.
(134) જેણે મોટાને જીવ આપી દીધો હોય, તેને પણ વાસના રહે; તેને ટાળવાનું સાધન તો મહિમા ને આત્મનિષ્ઠા છે.
આત્મનિષ્ઠા : હું તો દેહથી જુદો જે આત્મા તે છું ને મારે વિશે પ્રગટ પરબ્રહ્મ અખંડ બિરાજમાન છે. તેવી અતિ દૃઢ માનીનતા, શ્રદ્ધા, વિશ્ર્વાસ, આસ્થા.
(135) વાસના ટળે તો પણ દેહનો ભાવ રહી જાય. તે ઋષભદેવ ભગવાનનો દેહ પડવાનો થયો, ત્યારે મુખમાં પાણાનો કોળિયો મૂક્યો. તે શાથી ? જે, ખાવાનો અભ્યાસ તે ટાળવા માટે, એમ વાત સમજવી.
વાસના : પૂર્વના સંસ્કારોથી મકકમ થયેલી કામના.
(136) કદાપિ રાજી થઈને માથે બે હાથ મૂકીએ તો પણ જ્ઞાન કેમ થાય ? એ તો વાતે કરીને થાય ને રાજી થાય તો બુદ્ધિ આપે એટલે વાત સમજાય.
(137) આ વાતું તો જાદુ છે, તે સાંભળે તો ગાંડો થાય. તે ગાંડો તે શું ? જે, જગત ખોટું થઈ જાય, પછી તેને કોણ ડાહ્યો કહે ?
(138) ઇન્દ્રિયું-અંત:કરણ તો મુંબઈ ને સૂરતનાં તળનાં માણસ જેવાં છે, તેને સત્સંગ થાય નહિ ને માંહીલો કજિયો તો બહુ ભારે છે, તે આડો આવે તે જાણે. એ તો મદ્રાસીના રંગની પેઠે માયાના પાસ લાગ્યા છે, તેથી વાત અડતી નથી.
(139) સાધને કરીને કદાપિ નિર્વાસનિક થાવાશે, તો પણ શું પાક્યું? ને તેણે કરીને શું ફળ છે ? એ તો ઝાડવાં જેવો છે ને ભગવાનની નિષ્ઠા છે ને વાસના છે તો પણ તેની શી ફિકર છે ? ને તેનો શો ભાર છે ? ઇત્યાદિક બહુ બળની વાતું કરી.
નિર્વાસનિક : વાસનારહિત.
નિષ્ઠા : શ્રદ્ધા, આસ્થા, વિશ્ર્વાસ, ધારણા.
વાસના : પૂર્વના સંસ્કારોથી મકકમ થયેલી કામના.
(140) ભગવાનનો આશરો થયો છે, તે જેવી તો કોઈ વાત જ નથી, તેને તો સર્વે વાત થઈ રહી છે. કાંઈ કરવું બાકી રહ્યું નથી ને ભગવાન તો અધમોદ્ધારણ છે, પતિતપાવન છે ને શરણાગતવત્સલ છે ને
જાકો કોઈ નહિ આ જગમેં, તાકે હો તુમ નાથ સહાયે.
(કીર્તન મુક્તાવલિ : 27)
જેનું કોઈ નહિ તેના ભગવાન છે ને ભગવાન તો ગરીબના નિવાજ કહાવે છે ને
પ્રગટને ભજી ભજી પાર પામ્યાં ઘણાં, ગીધ ગુણિકા (ગણિકા) કપિવૃંદ કોટી;
વ્રજતણી નાર વ્યભિચાર ભાવે તરી, પ્રગટ ઉપાસના સૌથી મોટી...
(કીર્તન મુક્તાવલિ : 65)
માટે પ્રગટના જેવી તો કોઈ વાત નથી ને પ્રગટ સૂર્ય વડે અજવાળું થાય છે, માટે પ્રગટનો આશરો થયો તેનું બળ રાખવું.
(
વચ.ગ.પ્ર. 33
)
પતિતપાવન : પાપીને પવિત્ર કરનાર.
નિવાજ : આધાર, સહાયક.
નાર : વરુની એક જાત.
ઉપાસના : ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંત:કરણની વૃત્તિ, જેથી તેમની વાત સમજી તે પ્રમાણે વર્તવું તે ને જે થકી આત્માનું આસન માયાના લોકમાંથી ઊઠીને ઉપર અક્ષરાધિપતિ સમીપે જવા પામે તે જ ઉપાસના.
(141) તપાસીને જોયું તો જીવને તો વિષયનો સંબંધ હોય ત્યારે જ પ્રભુ ભજાય; પણ તે વિના ભજાય નહિ, તે ખાધાનું-રહેવાનું આદિક સાનુકૂળ હોય તો ભજાય.
(
વચ.ગ.અં. 22
)
(142) આ જીવ તો વિષયમાંથી નોખો પડતો જ નથી, પણ આ ભજન કરાવીએ છીએ, તેણે કરીને જરાક પળ, બે પળ નોખો પડે, તો તેમાંથી નિર્ગુણભાવને પામી જાય. ને જીવને તો ‘વચનામૃત’માં લંબકર્ણ5 જેવો કહ્યો છે, પણ જે આ વર્તમાન પાળે છે, એ તો જીવ સારા હશે. ને બ્રહ્માંડમાં એવો કોઈ પુરુષ નથી જેને સ્ત્રી ન જોઈએ, ને એવી કોઈ સ્ત્રી નથી જેને પુરુષ ન જોઈએ. તેમાંથી નોખા પડવાનો તો મહારાજે એક જ શ્ર્લોક લખ્યો છે જે, નિજાત્માનં બ્રહ્મરૂપં । જેમ ગુજરાતની પૃથ્વીમાં પાતાળ સુધી ખોદીએ તો પણ પાણો ન મળે; તેમ બ્રહ્મરૂપ થવું તેમાં કોઈ દોષ જ ન મળે.
પાળે : સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જાતનો સેવક/પાર્ષદ.
પાણો : પથ્થર.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
(143) મોરે (પહેલાં) તો ભગવાનને મુમુક્ષુ ખોળતા ને આજ તો ભગવાન મુમુક્ષુને ખોળે છે.
મોરે : અગાઉ
(144) ભગવાન ભજીએ છીએ એમાંથી બહુ જ મોટો લાભ થાશે; તે એક બ્રહ્માંડ જેટલો ન કહેવાય ને સો બ્રહ્માંડ જેટલો પણ ન કહેવાય.
(145) અમારી ભેળા રહે છે ને બીજે માલ માને છે તેને ઓળખાય નહિ ને આ દર્શન થાય છે તે તો બહુ જન્મને પુણ્યે થાય છે; નીકર દર્શન થાય નહિ ને આ તો જેમ છે તેમ જણાય તો આ ઘડીએ ગાંડા થાઓ ને ગાંડા નથી થાવાતું એ તો ભગવાનની ઇચ્છા છે ને આ દર્શન તો બહુ જ દુર્લભ છે, પણ વરસાદ વરસે ત્યારે તેનું માહાત્મ્ય ન જણાય, પણ ન વરસે ત્યારે ખબર પડે ને વરસાદ ન વરસે તેનું તો દેહને દુ:ખ થાય ને આ યોગ ન થાય તેનું તો જીવમાં દુ:ખ થાય ને આ યોગ નહિ થાય તેને તો પછી રોવું પડશે.
માહાત્મ્ય : મહિમા, મહત્વ.
(146) દેહને લઈને, દેશને લઈને ને કાળને લઈને જીવ બહુ ગ્લાનિ પામી જાય છે. તે ગ્લાનિ પામવી નહિ ને એનો તો એવો સ્વભાવ છે ને કર્યું એક ભગવાનનું થાય છે, તે ગમે તે કરે. ને સ્થૂળનું દુ:ખ આવે, સૂક્ષ્મનું આવે, કારણનું દુ:ખ આવે તેને માનવું નહિ ને મહારાજે પણ મળતું રાખીને પ્રભુ ભજાવ્યા છે.
ગ્લાનિ : અનુત્સાહ, ગમગીની, અણગમો.
સ્થૂળનું : શરીરમાં મંદવાડનું/ રોગનું.
સૂક્ષ્મનું : મનની મૂંઝવણ.
કારણનું : વિષયભોગની વાસના રહ્યા જ કરે.
(147) આ કારખાનાં જો એક વરસનાં કરીએ તો બે વરસનાં ઊભાં થાય ને બે વરસનાં કરીએ તો ચાર વરસનાં ઊભાં થાય એમ છે ને સૌ મંડીએ તો જૂનાગઢથી વરતાલ સુધી સડક બાંધી દઈએ, તે છાંયડે ચાલ્યા જઈએ તે તડકો જ ન લાગે પણ વાતું કરવાનું ને સમજવાનું છે તે રહી જાય ને ભગવાન વિના તો આત્મજ્ઞાન, વૈરાગ્ય ને ધર્મ એ સર્વે અભદ્ર છે; કોઈ કલ્યાણકર્તા નથી.
સડક : પાકો રસ્તો.
અભદ્ર : અશુભ, અમંગળ, ખરાબ.
(148) ત્રીસ લક્ષણે યુક્ત સાધુરૂપ ભગવાન જાણવા ને ઓગણચાલીસ લક્ષણે યુક્ત રાજારૂપ ભગવાન જાણવા. બાકી ઐશ્ર્વર્યપણે કરીને ભગવાનપણું નથી. આ વાત પણ અવશ્ય સમજવાની છે.
(
વચ.વ. 2
)
(149) અંતરમાં ટાઢું રહ્યા કરે ને ધગી ન જાય તેના બે ઉપાય છે. એક તો ભગવાનનું ભજન કરવું ને બીજું ભગવાનને સર્વકર્તા સમજવા ને તેમાં સુખ આવે તો સુખ ભોગવી લેવું ને દુ:ખ આવે તો દુ:ખ ભોગવી લેવું. તે કહ્યું છે જે,
દાસના દુશ્મન તે હરિ કે’દિ હોય નહિ, જેમ કરશે તેમ સુખ જ થાશે.
અણસમજે અટપટું એ લાગે ખરું, પણ સમઝીને જુવે તો સત્ય ભાસે.
દાસના0
(કીર્તનસાર સંગ્રહ : દ્વિતીય ભાગ, પાન 456, પદ 3)
(150) ભગવાને મોહ શા સારુ કર્યો હશે ? એમ સંકલ્પ કર્યો ને તપાસ કરતાં જણાણું જે, એ પણ સમજીને કર્યું છે, નીકર તો બ્રહ્માંડ ચાલત નહીં.
(
વચ.ગ.પ્ર. 34
)
(151) મુક્તાનંદસ્વામીમાં હેત થાય નહિ ને ભૂંડણ જેવી ડોશી હોય તેમાં હેત થાય; કેમ જે, દેવની માયાનો મોહ જ એવો છે.
(152) મોટાને વિશે સદ્ભાવ એ જ નિર્વાસનિકપણાનો હેતુ છે ને મોટાને વિશે અસદ્ભાવ એ જ વાસનાનો હેતુ છે અને ભગવાન ઓળખાણા, સાધુ ઓળખાણા તે સમજી રહ્યા, હવે કાંઈ ધ્રોડ કરવો નહીં.
સદ્ભાવ : સ્નેહની લાગણી કે સારાપણાનો ભાવ.
અસદ્ભાવ : અણગમો, અરુચિ, સદ્ભાવનો અભાવ.
ધ્રોડ : અન્ય ભક્તિનાં કાર્યો પાછળની દોડધામ.
(153) મોક્ષને અર્થે તો ભગવાન અને સાધુ એ બે જ છે ને બીજાં સાધનનું ફળ તો ધર્મ, અર્થ ને કામ છે.
અર્થ : ધન, સંપત્તિ.
(154) સ્વામિનારાયણ નામના મંત્ર જેવો બીજો કોઈ મંત્ર આજ બહુ બળિયો નથી ને એ મંત્રે કાળા નાગનું પણ ઝેર ન ચડે ને એ મંત્રે વિષય ઊડી જાય છે, બ્રહ્મરૂપ થાવાય છે ને કાળ, કર્મ, માયાનું બંધન છૂટી જાય છે. એવો બહુ બળિયો એ મંત્ર છે, માટે નિરંતર ભજન કરવું.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
(155) લાકડાં, પાણા, ઈંટાળા, માણસ એમાં સૌને દેવની માયાનો મોહ થયો છે, પણ ભગવાનની મૂર્તિ આગળ તો સર્વે કાળનું ભક્ષ છે અને કથા છે તે ભગવાનની મૂર્તિ છે, તે થકી સમજણની દૃઢતા થાય છે; એ માટે એનો અભ્યાસ રાખવો.
મૂર્તિ : સંતો.
ભક્ષ : ખોરાક, શિકાર.
દૃઢતા : મક્કમતા, દૃઢપણું.
(156) નરનારાયણાનંદસ્વામી એ તો નરનારાયણ છે. તેમણે ત્રણ વરસ સુધી ડોશીઓની સભામાં બુરાનપુરમાં વાતું કરી. તેની મહારાજે ‘નરનારાયણ’ કહીને પૂજા કરી ને તેના દીકરા જોગાનંદસ્વામી ને કૃષ્ણાનંદસ્વામી; માટે ગૃહસ્થાશ્રમમાં રહે તો છોકરાં પણ થાય. એ તો મોટા મોટા પણ સૌ સંસારમાં રહીને આવ્યા છે.
(157) ચાર પ્રકારના સત્સંગી છે. તેમાં પ્રથમ સૌ કરતાં સરસ - આત્મા ને પરમાત્માના જ્ઞાનવાળો ને તે પછી બીજો ધ્યાન ને પ્રીતિવાળો, તેણે કરીને જોડાયો હોય તો તે પાર પડે ને તે કેડે ત્રીજો આજ્ઞાવાળો, તે આજ્ઞામાં રહીને માંડમાંડ પૂરું કરે, તે પણ પાર પડે તો તે ઠીક છે ને તે કેડે ચોથો - તે કોઈક સાધુમાં હેત થયું હોય, તેણે કરીને કોઈ રીતે નભે તો નભે. એ રીતે ચાર પ્રકારના ભક્તનાં રૂપ કહ્યાં. તે પછી હરિજને પ્રશ્ર્ન પૂછ્યો જે, ‘ચાર પ્રકારના ભક્તમાં પ્રથમ ક્હ્યો જે, જ્ઞાની તેને કોઈ પ્રકારનું વિઘ્ન આવે કે ન આવે ?’ પછી તેનો ઉત્તર કર્યો જે, ‘કોઈક ધક્કો મારે ને પછી પડી જાય ને પાછો ઊભો થાય છે તેમ ને વળી જેમ ચોમાસામાં પડે છે ને ઊભો થાય છે; તેમ વિચારે કરીને દેશકાળને ટાળી નાખે ને દેશકાળ તો આવે ખરો, એ ઉત્તર છે.’
કેડે : પાછળ.
(158) કોટિ કલ્પે પણ જ્ઞાનપ્રલય કર્યા વિના છૂટકો નથી. તે શું ? જે, ‘નિજાત્માનં બ્રહ્મરૂપં’ એ ‘શિક્ષાપત્રી’ના શ્ર્લોકમાં કહ્યું છે એમ માનવું. જેમ ગુજરાતની પૃથ્વીમાં પાણો ન આવે, તેમ હરિભક્તને તો વિષય કહેવાય નહિ, એને માથે તો આજ્ઞા છે.
કોટિ : કરોડ.
પાણો : પથ્થર.
(159) ભગવાન મળ્યા હોત પણ આ સાધુ ન મળ્યા હોત, તો આટલો દાખડો કરીને કોણ સમજાવત ? ને મહારાજના સત્સંગી કરતાં પણ આ સાધુના સત્સંગી અધિક છે.
(160) કથા વંચાવતાં વાત આવી જે, વ્યાસજીને શાંતિ ન થઈ. તે ઉપર બોલ્યા જે, ‘આપણને ભગવાન મળ્યા ને ભગવાન જેવા સાધુ મળ્યા તો પણ શાંતિ થાતી નથી તેનું કારણ એ છે જે, એક તો વિષયમાં રાગ ને બીજું ભગવાનની આજ્ઞા પ્રમાણે વરતાય નહિ ને ત્રીજું અજ્ઞાન, તેણે કરીને શાંતિ થાતી નથી.’
(161) મોટા મોટા સર્વે સાધુનો સંગ કરવો તેનું કારણ એ છે જે, કોઈકમાં એક ગુણ હોય, કોઈકમાં બે ગુણ હોય ને કોઈકમાં ત્રણ ગુણ હોય; તે સર્વેના સંગમાંથી તે તે ગુણ આવે ને સર્વે ગુણે સંપન્ન એક મળે તો તો કાંઈ વાંધો જ ન રહે; પણ એવા ઝાઝા હોય નહીં.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
(162) સૂર્યને કોની ઉપમા દેવાય ? એ તો એક જ. તેમ ભગવાન પણ એક જ અને અનંત અવતાર તે સર્વે એક ભગવાનનું દીધું કણેથું ખાય છે અને આવો સમો પૃથ્વી ઉપર આવ્યો નથી ને આવશે પણ નહિ ને આવા સાધુ આવ્યા નથી ને આવશે પણ નહિ ને આ ભગવાન પણ આવ્યા નથી ને આવશે પણ નહીં. અનંત અવતાર થઈ ગયા ને અનંત અવતાર થાશે પણ આ સાધુ ને આ ભગવાન તે આવ્યા નથી ને આવશે પણ નહીં.
(163) અક્ષરધામમાંથી મુક્ત અહીં આવે તેમાં એક તો સમર્થ હોય તે સ્વતંત્રપણે આવે ને અનંત જીવોનો મોક્ષ કરીને ચાલ્યા જાય ને બીજા મુક્ત તો આજ્ઞાએ કરીને આવે ને ત્રીજા મુક્ત શુભ વાસનાએ કરીને આવે; તે તો પ્રિયવ્રત જેવા, અંબરીષ જેવા કે જડભરત જેવા થાય.
(જુઓ પ્રકરણ 5ની વાત 59)
(164) અલભ્ય લાભ મળ્યો છે અને આત્યંતિક મુક્તિને પામ્યા છીએ અને આજ તો સત્સંગની ભરજુવાની છે ને આજે તો શેરડીના સાંઠાનો વચલો ભાગ આપણને મળ્યો છે. તેમાં રસ ઘણો છે ને સ્વાદ પણ ઘણો છે ને સુગમ પણ છે.
અલભ્ય : અપ્રાપ્ય
(165) કામ-ક્રોધાદિક દોષ છે તે તો જેમ ખીલ કે દાદર હોય એવા છે; તે તો દેહનો ભાવ છે, તે ટળી જાશે ને મોટા દૃષ્ટિ કરે તો આ ઘડીએ ટળી જાય; પણ મોટાનો અવગુણ એ તો ક્ષયરોગ જેવો છે.
(166) એક તો ભગવાનની આજ્ઞા પાળવી અને બીજું સંતનું સ્વરૂપ સમજવું અને ત્રીજું ભગવાનનું સ્વરૂપ સમજવું; એ ત્રણ વાતમાં ભગવાન રાજી રાજી ને રાજી છે ને તેને ધન્ય છે ધન્ય છે ને ધન્ય છે; એ ત્રણ વાત રાખવી.
(167) આ સત્સંગ મળ્યો છે એ તો પરમ ચિંતામણિ મળી છે. તેમાં જીવ બહુ વૃદ્ધિને પામે છે.
ચિંતામણિ : ઇચ્છા પૂરી કરે તેવો દિવ્ય મણિ.
(168) આશરાનું રૂપ કહ્યું કે, ‘કોઈક આપણા મંદિરમાં કાલનો આવેલો હોય ને તે માંદો પડે ને વીસ વરસ માંદો રહે તો પણ તેની ચાકરી આપણે કરવી પડે ને વળી; જેમ ગૃહસ્થનાં બાયડી-છોકરાંને તેનો આશરો છે તે દેશ-પરદેશમાં જઈને તેમની ખબર રાખે છે, તેમ ભગવાન પોતાના આશ્રિતની ખબર રાખે છે.’
(
વચ.ગ.પ્ર. 33
)
(169) સર્વે વાત સાધુ વડે છે, માટે તેને મુખ્ય રાખવા; પણ સાધુ ગૌણ થાય ને જ્ઞાન પ્રધાન થઈ જાય એમ ન કરવું.
(170) મહિમા સમજાય છે ને ફરી ભૂલી જવાય છે, માટે સો વાર વાંચે-સાંભળે, તો પછી ભુલાય નહિ ને મહારાજ છતાં હેત બહુ હતું ને આજ જ્ઞાન અધિક છે ને ઘણાક સંસ્કારી જીવ આવ્યા છે, માટે સાધુમાં હેત તરત થઈ જાય છે.
(171) મોટા મોટા સર્વે સાધુ હોય અને શ્ર્વેતદ્વીપ જેવું સ્થાનક હોય ને બ્રહ્માના કલ્પ પર્યંત આવરદા હોય ને સર્વેનો સંગ કરીને તેમના ગુણ શીખે તો સત્સંગ થાય ને વાસના પણ ત્યારે ટળે એવી છે અને એ કહ્યા એ સર્વેના ગુણ એકને વિશે હોય એવાનો સંગ મળે, તો તો સર્વે ગુણ આવે ને વાસના પણ ટળી જાય; તે સંગ આજ આપણને મળ્યો છે.
શ્ર્વેતદ્વીપ : શ્રી વાસુદેવ ભગવાનનું ધામ.
કલ્પ : આપણાં ચાર અબજ બત્રીશ કરોડ વર્ષનો સમય - બ્રહ્માનો એક દિવસ (પણ રાત નહિ)
પર્યંત : ત્યાં સુધી, જેટલી.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
વાસના : પૂર્વના સંસ્કારોથી મકકમ થયેલી કામના.
(172) એક તો યજ્ઞ કરે તે આખી પૃથ્વીમાં ઘોડો ફેરવે, તેમાં બહુ દાખડો; કેમ જે, કોઈક બાંધે તો યજ્ઞ અધૂરો રહે. ને એક તો ફળિયામાં ઘોડો ફેરવીને યજ્ઞ કરી લે. તેમાં શું કહ્યું ? જે, ‘ઇન્દ્રિયું-અંત:કરણ તેને વશ કરવાં એ તો પૃથ્વીમાં ઘોડો ફેરવવા જેવું છે ને પોતાને બ્રહ્મરૂપ માનવું એ તો ફળિયામાં ઘોડો ફેરવવા જેવું છે ને વળી ચોસઠ લક્ષણ સાધુનાં કહ્યાં છે તે શીખવાં એ તો પૃથ્વીમાં ઘોડો ફેરવવા જેવું કઠણ છે અને ચોસઠ લક્ષણવાળા સાધુમાં જોડાવું, એ તો ફળિયામાં ઘોડો ફેરવવા જેવું સુગમ છે.’
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
(173) તપ કરીને બળી જાય તો પણ જો ભગવાનનો આશરો ન હોય તો ભગવાન તેડવા ન આવે ને હિંડોળા-ખાટમાં સૂઈ રહે ને દૂધ-સાકર ને ચોખા જમે ને સેવાના કરનારા ને રળનારા બીજા હોય, તો પણ તેને અંત સમે વિમાનમાં બેસારીને ભગવાન તેડી જાય; જો ભગવાનનો દૃઢ આશરો હોય તો, માટે મોક્ષનું કારણ આશરો છે.
(
વચ.ગ.પ્ર. 33
)
રળનારા : ધન કમાનારા.
(174) નવરાશ હોય ત્યારે ભગવાનની મૂર્તિને લઈને બેસવું. તે મૂર્તિ તે શું? જે, ભગવાનની કથા, કીર્તન, વાર્તા અને ધ્યાન એ ભગવાનની મૂર્તિ છે ને દેહ હોય ત્યાં લોભ, કામ, ક્રોધ, સ્વાદ, સ્નેહ, માન ને નિદ્રા એ સર્વે હોય, તેને તો દેહ ભેળાં કરી રાખવાં; તે તો જેમ કોઈક અફીણનું વ્યસન રાખે છે તે સુખ જેવું જણાય છે, પણ એ તો દેહને દુ:ખ દે એવું છે એમ સમજવું.
મૂર્તિ : સંતો.
(175) આપણો તો છેલ્લો જન્મ થઈ રહ્યો છે. તે છેલ્લો જન્મ તે શું ? જે, પ્રકૃતિના કાર્યમાં મને કરીને માલ ન માનવો એ જ છેલ્લો જન્મ છે.
(176) કોઈક માણસનું કોઈકે જરાક રાખ્યું હોય તો તે પણ નથી ભૂલતું, તો ભગવાનને અર્થે આપણે કાંઈક કર્યું હોય કે કરીએ તો તે કેમ ભૂલે? એ ભગવાન તો કાંઈ ભૂલે એવા નથી ને ભગવાનની દયા તો અપાર છે ને સર્વ ઠેકાણે ત્યાંથી જ દયા આવી છે.
(177) ભગવાન મળ્યા, સાધુ મળ્યા, તે હવે હૈયામાં દુ:ખ આવવા દેવું નહિ ને પ્રારબ્ધનું આવે તો ભોગવી લેવું.
(178) જેવા શબ્દ સાંભળે તેવો જીવ થઈ જાય છે; માટે બળિયા ભગવાનના ભક્ત હોય તેના શબ્દ સાંભળીએ તો જીવમાં બળ આવે; પણ નપુંસકને સંગે બળ પમાય નહીં.
(179) આ તો મોટાની નજર પડી ગઈ છે, તેથી વિષયની તીક્ષ્ણ વૃત્તિ ઓછી થઈ ગઈ છે; નીકર તો તે વિના રહેવાય નહીં.
(180) અવિદ્યાનું પણ ભગવાન ચાલવા દે તો ચાલે, નીકર અવિદ્યાનો શો ભાર છે ? એ તો ભગવાન દૃષ્ટિ કરે તો ફાટી મરે, માટે એ વાત પણ સમજવી.
(182) સંત છે ત્યાં નિયમ છે, ધર્મ છે, જ્ઞાન છે ને સંત છે ત્યાં અનંત ગુણ છે અને ભગવાન પણ ત્યાં જ છે ને તેથી જીવ પવિત્ર થાય છે. તે ‘વચનામૃત’માં કહ્યું છે જે, તપ, ત્યાગ, યોગ, વ્રત, દાન એ આદિક સાધને કરીને... ભગવાન કહે, ‘હું એવો વશ થાતો નથી; જેવો શુદ્ધ અંત:કરણવાળા સાધુને સંગે કરીને રાજી થઉં છું.’ અને જેને આ સત્સંગ મળ્યો છે તેના પુણ્યનો પારાવાર નથી ને અજામિલ મહાપાપી હતો, પણ તેને સનકાદિક મળ્યા ને પગે લાગ્યો ને કહે જે, ‘મારાથી તો કાંઈ થાય નહીં.’ ત્યારે સાધુ તો દયાળુ છે, તે છોકરાનું નામ ‘નારાણિયો (નારાયણ)’ પડાવી મોક્ષ કર્યો.
(
વચ.ગ.મ. 54,
ગ.અં. 2
)
સનકાદિક : બ્રહ્માના ચાર માનસપુત્ર ઋષિઓ :- સનક, સનાતન, સનંદન અને સનત્કુમાર તેઓ હંમેશાં પાંચ વર્ષના બાળક જેવા જ દેખાયા છે.
(183) ભગવાનના ધામમાં સુખ છે, તેમાંથી છાંટો નાખ્યું તે પ્રકૃતિપુરુષમાં આવ્યું ને ત્યાંથી પ્રધાનપુરુષમાં આવ્યું ને ત્યાંથી વૈરાટમાં આવ્યું ને ત્યાંથી દેવતામાં આવ્યું ને ત્યાંથી આંહીં મનુષ્યમાં આવ્યું છે; તે સુખમાં જીવમાત્ર સુખિયા છે માટે સુખમાત્રનું મૂળ કારણ ભગવાન છે, તેને સુખે સુખિયા થવું.
(184) ભક્તિમાતાએ મહારાજને કહ્યું જે, 'મારો સ્ત્રીનો દેહ તે મુને ઝાઝું સમજાય નહિ, તેથી થોડાકમાં કહો.' પછી મહારાજે ચોસઠ લક્ષણ સાધુનાં કહ્યાં ને કહ્યું જે, ''એવા સાધુમાં જેણે આત્મબુદ્ધિ કરી તેને સર્વે સંપૂર્ણ થઈ રહ્યું.''
આત્મબુદ્ધિ : પોતાપણાની ભાવના, 'દેહ તે હું નહિ પણ આત્મા છું' એવી બુદ્ધિ.
(185) જેને જ્ઞાન ન હોય તેને તો એમ થાય જે, આપણે શું પામશું ને ક્યાં જાશું? અને જેને જ્ઞાન હોય તેને તો અહો ! અહો ! થયા કરે જે, આ પ્રાપ્તિ થઈ છે; હવે કાંઈ કરવું રહ્યું નથી !
(186) ‘સો જન્મનો શુદ્ધ બ્રાહ્મણ સોમવલ્લીનો પીનારો હોય તે કરતાં પણ ભગવાનનો ભક્ત શ્ર્વપચ હોય તો પણ શ્રેષ્ઠ છે.’ એમ ભગવાનના ભક્તનો મહિમા સમજવો. એમ પ્રહ્લાદનું વાક્ય છે.
શ્ર્વપચ : કૂતરા જેવા વફાદાર પ્રાણીને પણ મારીને ખાનાર માનવીની નીચ કોમ
(187) ભગવાન જ્યારે પૃથ્વી ઉપર આવે ત્યારે રાજસી, તામસી, સાત્ત્વિકી ને અધમ, તેમનો ઉદ્ધાર કરી નાખે છે. ગુણનો કાંઈ મેળ રહે નહીં.
(188) આ જીવ તો જેમ પરદેશમાંથી ભાઉડા ઝાલી લાવે એવા છે, તેને કશી ગમ નહીં. પછી તેને સાધુ જ્ઞાન દઈ દઈને મનુષ્ય કરે, ત્યારે મનુષ્ય થાય છે.
ભાઉડા : હબસી. (બ.વ.)
(189) પુરુષોત્તમની ઉપાસનાએ કરીને જીવ અક્ષર જેવો થાય છે ને મોટાને મળે તે બહુ જ મોટપને પામે છે. તે જૂ વિયાય ત્યારે લીખ આવે ને હાથણી વિયાય ત્યારે તેનું બચ્ચું બળદ જેવડું આવે. તે ઉપર વચનામૃત વંચાવ્યું જે, ‘જેવા ભગવાનને જાણે એવો પોતે થાય છે.’
(
વચ.ગ.પ્ર.24,
વચ.ગ.પ્ર.58,
વચ.ગ.મ.67,
સા.17
)
વિયાય : પ્રસૂતિ થાય.
(190) કોટિ કલ્પના પાસ લાગ્યા છે તે હમણાં ભગવાનમાં જોડાવા જઈએ છીએ પણ માયામાં જોડાઈ જવાય છે અને જ્યારે જ્ઞાન થાશે ત્યારે માયામાં જોડાવા જાશું તો પણ ભગવાનમાં જોડાઈ જવાશે ને હમણાં તો ઇન્દ્રિયું-અંત:કરણના ભાવથી મુકાઈને સાધુમાં જોડાવું ને સાધુ ભગવાનમાં જોડશે ને પોતાને બળે છૂટવા જાય તેમ વધુ બંધાશે.
કોટિ : કરોડ.
(191) દેહનો ભાવ ન જણાય એવા તો સ્વરૂપાનંદસ્વામી; કેમ જે, એ તો દેહમાં વરતે નહિ ને બીજાને તો દેહનો ભાવ જણાય છે.
(192) એક શબ્દે કરીને તો સ્વરૂપાનંદસ્વામીને જ્ઞાન થાય ને જીવને તો કરોડ શબ્દ પડે ત્યારે જ્ઞાન થાય; પણ તુરત ન સમજાય.
(193) પૂર્વે મોટા મોટા થયા તેમાં કોઈકમાં કોઈ પ્રકારનો દોષ હોય, તે દોષ કહેવાય નહિ ને તેમાંથી તો જીવ બગડી જાય ને એવી વાતમાં તો શિવજીના આચરણમાંથી ચિત્રકેતુને સંસ્કાર થયા ને ચકલીનું મોત ઢેફલે ને સત્સંગની મોટપ તો નિશ્ર્ચય વડે છે, પણ સાધને કરીને મોટપ નથી.
ઢેફલે : નાનું માટીનું ઢેફું
(194) આપણું કલ્યાણ તો પ્રત્યક્ષ ભગવાનને આશરે કરીને છે ને શાસ્ત્ર પ્રમાણે વરતવું એ તો બીજાના કલ્યાણને અર્થે છે; કેમ જે, આપણો ગુણ આવે તો તેનું પણ કલ્યાણ થાય.
(
વચ.ગ.પ્ર. 33
)
(195) કેટલાક ધર્મમાં આકરા હોય, પણ સમજણ થોડી હોય ને કેટલાક ધર્મમાં સામાન્ય હોય પણ સમજણ સારી હોય, માટે સમજણ હોય તે વૃદ્ધિને પામે.
(196) બ્રહ્મભાવ ને મહિમાની વાત ઝાઝી કહેતા નથી; કેમ જે, એમાંથી તો માણસ ગાંડા થઈ જાય છે. તે સારુ વર્તમાન ને પુરુષપ્રયત્નની વાતું કરીએ છીએ; કેમ જે, અનંત જીવોને પ્રભુ ભજાવવા છે માટે.
(197) આપણે જાણીએ છીએ જે, આપણને ભગવાનમાં હેત છે; પણ આપણા કરતાં તો આપણા ઉપર ભગવાનને અને સાધુને ઝાઝું હેત છે.
(198) જીવમાત્ર લઘુશંકાના છે, તે એનું જ ભજન કરે છે ને એ વિના તો રહેવાય જ નહિ; તે ક્યાં સુધી ? જે, વૈરાટ સુધી ન રહેવાય ને એમાંથી તો એક સનકાદિક તર્યા ને આ તો મહારાજે નવો ઉઠાવ કર્યો છે ને આપણે તો કોઈક લોકમાંથી આવ્યા હોઈશું તે અહીં બેસાય છે ને આવો જોગ મળ્યો છે, નીકર મળે નહિ ને વિષય વિના તો જીવથી રહેવાય નહિ; તે સારુ વેદે કરીને ને નિયમ બાંધીને વિષયની રજા આપી; તો પણ જીવ વેદ પ્રમાણે ચાલતા નથી, તે સારા સારા માણસ પણ નથી ચાલતા; કેમ જે, વિષયનું બહુ બળ છે. એ પ્રકારે બહુ વાત કરી.
વૈરાટ : વિરાટપુરુષ, વૈરાટનારાયણ
સનકાદિક : બ્રહ્માના ચાર માનસપુત્ર ઋષિઓ :- સનક, સનાતન, સનંદન અને સનત્કુમાર તેઓ હંમેશાં પાંચ વર્ષના બાળક જેવા જ દેખાયા છે.
તર્યા : બાજુએ અલગ થયા, ફંટાઈ ગયા.
(199) આ કારખાનામાં તો બ્રહ્માંડ જેટલો વહેવાર કરવો ને ન બંધાવું, એવા તો એક શ્રી સહજાનંદસ્વામી છે ને આ કામ તો કેવું છે ? જે, આઠ દોકડાભારની ઉંદરડીને માથે દશ હજાર મણનો પાટડો ઊભો પડે, તો ઉંદરડી ક્યાંય દેખાય નહિ એવું છે. તે મહારાજે કહ્યું છે જે, ''ગોપાળાનંદસ્વામી ને મુક્તાનંદસ્વામી તે પણ ઊતરતા જેવા રહે કે ન રહે !''
(
વચ.ગ.મ. 56,
ગ.અં. 33
)
(જુઓ પ્રક.12-વાત 54/પ્રક.14-વાત 95)
દશ : દિશા.
(200) એક એક વિષય છે તે ગિરનાર જેવા છે. તે આખી પૃથ્વીના સુતાર, લુહાર, કડિયા ભેળા કરીને પાંચસેં-હજાર વરસ સુધી ખોદે ત્યારે ખોદાય; એમ એ વાત કરી તે સમજવી.
(201) સર્વ કરતાં ભજન કરવું તે અધિક છે ને તે કરતાં સ્મૃતિ રાખવી તે અધિક છે ને તે કરતાં ધ્યાન કરવું તે અધિક છે ને તે કરતાં પોતાના આત્માને વિશે ભગવાનને ધારવા તે અધિક છે.
(202) સર્વકર્તા તો ભગવાન છે. હમણાં આપણે ઊંઘમાં જાવું હોય તો જવાય નહિ ને ઊંઘમાં ગયા હોઈએ ને પછી ચોર આવીને લૂંટી જાય, પણ આપણાથી જગાય નહિ; માટે સર્વકર્તા તો ભગવાન છે.
(203) વિષયરૂપ ફાંસલો જીવના ગળામાં નાખ્યો છે, તેનું બહુ બળ છે. તે નદીનો પ્રવાહ ચાલતો હોય ત્યાં સુધી એનું બળ ન જણાય; પણ તેને બંધ કરે ત્યારે ખબર પડે. તેમ મોટા મોટા સૌભરિ ને પરાશર આદિક દિશુંના જીતનારા ભારે ભારે, તેમને પણ પરાભવ પમાડ્યા છે. તે વાસના જે, લિંગદેહ તે તો આત્યંતિક પ્રલયમાં પણ ન બળ્યું તે આજ જ્ઞાને કરીને બળે છે ને મહારાજે તો સર્વે બારાં બંધ કરી દીધાં છે, તે જીવ શું કરે ? જેમ ધોરિયામાં સાલી તાણે છે, તેણે કરીને બારાં બંધ થઈ જાય ને પાણી ક્યાંય જાવા પામે નહિ, એમ બંધ કર્યું છે.
વાસના : પૂર્વના સંસ્કારોથી મકકમ થયેલી કામના.
(204) છેલ્લાનું 13મું વચનામૃત વંચાવ્યું. તેમાં દેશકાળનું બહુ પ્રકારે વિષમપણું થઈ જાય ત્યારે તેમાં એકાંતિકપણું કેમ રહે ? એ પ્રશ્ર્ન ઉપર વાત કરી જે, ‘નિશ્ર્ચય રહે એ જ એકાંતિકપણું છે ને એ જ રહેવાનું. તે જેમ ચિંતામણિ રહી ને બીજું સર્વે ધન ગયું પણ કાંઈ ગયું નથી ને ચિંતામણિ ગઈ ને બીજું ધન સર્વે રહ્યું તો પણ કાંઈ રહ્યું નહિ; તેમ જ એક નિશ્ર્ચય રહ્યો તો સર્વે રહ્યું ને અંતે એ જ રહેવાનું છે.’
ચિંતામણિ : ઇચ્છા પૂરી કરે તેવો દિવ્ય મણિ.
(205) છેલ્લાનાં 35માં વચનામૃતમાં કહ્યું છે જે, ‘છ લક્ષણેયુક્ત સંત હોય તેની સેવા કરે ભગવાનની સેવાનું ફળ થાય છે ને તેનો દ્રોહ કરે ભગવાનના દ્રોહનું પાપ લાગે છે.’ માટે આજ તો બહુધા આખો સત્સંગ એવો છે.
દ્રોહ : મનથી, વાણીથી કે કર્મથી જાણી જોઈને કરેલ દોષ, ગુનો, પાપ કે અપરાધ
બહુધા : મોટેભાગે-ઘણુંખરું,ખાસ કરીને
(206) ખરેખરા ભગવદી હોય તેને ગુણ ન વ્યાપે, એ તો જાણપણારૂપ દરવાજે રહીને જોયા કરે છે.
(
વચ.ગ.અં. 9
)
(207) શ્રીજીમહારાજ કહે, ''અમને એમ સંકલ્પ થાય છે જે, સર્વેને મુક્તાનંદ- સ્વામી જેવા કરી મૂકીએ પછી સાચવવા ન પડે. તે મુક્તાનંદસ્વામીને તો જ્ઞાન, તે જ્ઞાને કરીને સર્વ ટાળી નાખે ને મુક્તાનંદસ્વામીને તો, 'શબ્દ આકાશનો ભાગ છે,' એમ કાપતાં આવડે ને બીજાને તો આવું જ્ઞાન નહિ તે સારુ આ નિયમ કર્યા છે જે, જોવું નહિ, સાંભળવું નહીં. એ પ્રકારે નિયમ બાંધ્યા છે.''
(208) ‘બ્રહ્મવેત્તાને મતે તો વેદનો મારગ જે, વિધિ-નિષેધ તે પણ ગણતીમાં નથી.’ એમ જડભરતે રહૂગણને કહ્યું ને એની સમજણમાં તો, ‘આત્મા ને પરમાત્મા એ બે જ વાત રાખવી.’ એમ કહ્યું ને તે ઉપર છેલ્લાનું 39મું વચનામૃત વંચાવ્યું ને બોલ્યા જે, ‘આ વચનામૃતમાં પણ આત્મા ને પરમાત્મા એ બે વાતનો વેગ લગાડી દેવો, એમ મહારાજનો સિદ્ધાંત છે.’
(209) મારો દેહ પચીસ વરસ થયાં આવરદા વિના રહ્યો છે તે શા સારુ? જે, મુમુક્ષુના રૂડાને અર્થે રહ્યો છે ને મહારાજનું સ્વરૂપ સમજાવવું પડે, તે સારુ અમને રાખ્યા છે.
(210) હાલનો આવેલો હશે તેને અક્ષરધામનું સુખ આવતું હશે ને સ્વરૂપનિષ્ઠા વિના તો મહારાજનો મળેલો હશે ને મુક્તાનંદસ્વામીનો મળેલો હશે તેને પણ અક્ષરનું સુખ નહિ આવતું હોય, એમ સમજણમાં રહ્યું છે.
(211) આપણને જ્ઞાન તો આવડે નહિ ને વૈરાગ્ય તો છે જ નહિ; માટે ‘હું ભગવાનનો ને એ મારા’ એમ માનવું ને હેત તો પંદર આના સંસારમાં છે ને એક આનો અમારામાં છે ને કલ્યાણ તો એને શરણે ગયા એટલે એ સમર્થ છે તે કરશે, એ જ એની મોટાઈ છે.
(212) જેમ છે એમ કહીએ તો ઘેર કોઈ જઈ શકે જ નહિ ને ઘેર જાય તો ત્યાં રહેવાય નહિ; એમ કહીને બોલ્યા જે,
તાજી તીક્ષ્ણ ધાર, અડતામાં અળગું કરે;
લેશ ન રહે સંસાર, વજ્ર લાગ્યાં કોઈ વીરનાં... (સુવાક્ય)
(213) રાજાને પાણી ન પાયું તો પણ તેણે સંકલ્પ કર્યો હતો, તેથી ગામ આપ્યું ને જીવ પોતાના સ્વભાવ મૂકતા નથી, તેમ ભગવાન પણ પોતાનો સ્વભાવ મોક્ષ કરવાનો, તે મૂકતા નથી.
(214) માની હોય તેને માન આપીને જીતવો, ગરવી હોય તેની આગળ દીન થઈને જીતવો, લોભી હોય તેને પદાર્થ આપીને જીતવો ને ગરીબને દબાવીને જીતવો; એમ કેટલીક જ્ઞાનકળા શીખવી.
ગરવી : અભિમાની.
દીન : લાચાર, ગરીબ, રાંક.
(215) દિવ્યભાવ ને મનુષ્યભાવ એ બેને જે એક સમજે તે માયાને તરી રહ્યો છે ને એ જ માયા છે તે જાણવી ને એમ ન જાણે તો પ્રથમ પ્રતાપ દેખાડે ત્યારે આનંદ થાય ને રોવે ત્યારે મૂંઝવણ થાય ને દિવ્યભાવ અને મનુષ્યભાવ એક સમજે છે તેને કયું સાધન કરવાનું બાકી છે ? કાંઈ પણ બાકી નથી.
દિવ્યભાવ : જેમાં માયાના ત્રણ ગુણનો પ્રભાવ ન હોય તેવો અદ્ભુત ભગવદ્ભાવ.
મનુષ્યભાવ : દેહભાવ, માયિકભાવ, જેમાં ગુણાનુરાગ - ગુણાનુબુદ્ધિ પ્રવર્તે છે તેવો ભાવ.
(216) વણથળી (વંથલી)માં વાત કરી જે, આ વણથળી ગામ કોઈકને આપે તો તે ગાંડો થઈ જાય ને વળી વડોદરું આપે તો વાત જ શી કહેવી! ને આપણને તો કરોડ કરોડ વડોદરાં મળ્યાં છે, તે એમ પણ કહેવાય નહિ ને હવે તો દેહ રહે ત્યાં સુધી બાજરો ખાવો અને પ્રભુ ભજવા ને રોટલા તો ભગવાનને દેવા છે ને સાધુને દેવા છે તે આપશે. ને દેહ પડશે કે ભગવાન પાસે જઈને બેસવું છે. તે જેમ અંગરખું ઉતારી મૂકે તેમ દેહ પડ્યું રહેશે. એમ વાત કરી.
અંગરખું : જૂની ઢબનો કસ બાંધવાનો ડગલો.
(217) જેમ ગૃહસ્થ પોતાની મા, બહેન ને દીકરીને ઉઘાડાં દેખે તો અવળું જોઈ જાય, પણ સામું ન જુએ; તેમ ભગવાન પણ પોતાના આશ્રિતના દોષ સામું જોતા નથી.
(218) આ પૃથ્વીના સર્વ જીવપ્રાણીમાત્ર, રાજા-પ્રજા આદિક છે; પણ જો ઇન્દ્ર વરસાદ ન વરસાવે તો સર્વે મરી જાય ને તે ઇન્દ્ર છે તે તો બ્રહ્મા, વિષ્ણુ ને શિવની આગળ ગણતીમાં નથી ને એ સર્વે વૈરાટની આગળ ગણતીમાં નથી ને તે વૈરાટ પ્રધાનપુરુષની આગળ ગણતીમાં નથી ને તે પ્રધાનપુરુષ પ્રકૃતિપુરુષની આગળ ગણતીમાં નથી ને એ સર્વે અક્ષરની આગળ ગણતીમાં નથી ને તે અક્ષરથી પર એવા જે પુરુષોત્તમ તે આજ આપણને સાક્ષાત્ મળ્યા છે, માટે તેમનું બળ રાખવું.
વૈરાટ : વિરાટપુરુષ, વૈરાટનારાયણ
(219) મોટા સાધુના સમાગમથી વિષયની વાસના ટળી ગઈ છે તો પણ ન ટળ્યા જેવું જણાય છે, તેનું કારણ એ છે જે, જેમ તલવારમાં મરિયાં લાગ્યાં હોય તે સરાણે ચડાવ્યાથી મટી જાય; પણ બહુ કાટ લાગીને માંહી ઊતરી ગયાં હોય તો તે મટે નહિ ને તે તો તલવાર ગાળીને ફરીથી ઘડે ત્યારે મટે, તેમ આ દેહ મૂકીને બ્રહ્મરૂપ થાશે એટલે સર્વે વાસના ટળી જાશે. (જુઓ પ્રકરણ 5ની વાત 19)
વાસના : પૂર્વના સંસ્કારોથી મકકમ થયેલી કામના.
ગાળીને : ખોદીને.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
(220) આ સાધુ તો ભગવાનની હજૂરના રહેનારા છે ને પળમાત્ર છેટે રહે એવા નથી; તે છેટે રહે છે તે કોઈ જીવના કલ્યાણને અર્થે છે ને આ સમે એક વાત થાય છે તેવી વાત બીજા જન્મારામાં પણ કરી શકે નહિ ને કરતાં પણ આવડે નહિ ને જન્મારો અભ્યાસ કરે તો પણ એવી વાત શીખાય નહીં. (જુઓ પ્રકરણ 5ની વાત 20)
જન્મારામાં : જીવનકાળમાં
(221) ભગવાનનું ને આ સાધુનું જ્ઞાન જેને થયું છે તેને કાંઈ કરવું રહ્યું નથી; તે તો અહીં છે તો પણ અક્ષરધામમાં જ બેઠો છે, માટે પાંચ માળા વધુ-ઓછી ફરશે તેની ચિંતા નથી, તે તો સામર્થ્ય પ્રમાણે વરતવું; પણ ભગવાન ને આ સાધુ એ બેને જીવમાં રાખવા ને આપણે સાધનને બળે મોટાઈ નથી; આપણે તો ઉપાસનાના બળથી મોટાઈ છે. (જુઓ પ્રકરણ 5ની વાત 21)
(222) આજ ભગવાન અક્ષરધામ સહિત અહીં પધાર્યા છે, તેના સ્વરૂપનો પરભાવ સમજાતો નથી એ જ મોટું પાપ છે, માટે જાદવ જેવા ન થવું પણ ઉદ્ધવજી જેવા ભક્ત થવું. ને મોટા સાધુ હોય તેને બીજા જેવા કહેવા તથા બીજાથી ઊતરતા જેવા કહેવા, એથી એનો દ્રોહ થાય છે ને આજ જેવી વાતું થાય છે ને સમજાય છે, તેવી કોઈ દિવસ સમજાણી નથી.
અક્ષરધામ : જ્યાં માયામાત્રને સ્થાન નથી એવું પુરુષોત્તમભગવાનનું/ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ - બ્રહ્મમહોલ, સાકાર સ્વરૂપે અનાદિ મૂળઅક્ષર મૂર્તિ - અક્ષરબ્રહ્મ - સદ્ગુરુવર્ય શ્રી ગુણાતીતાનંદસ્વામી.
દ્રોહ : મનથી, વાણીથી કે કર્મથી જાણી જોઈને કરેલ દોષ, ગુનો, પાપ કે અપરાધ
(223) આવા ને આવા અક્ષરધામમાંથી આવ્યા છે, એવો પરભાવ અખંડ જણાય તો અહો ! અહો ! સરખું રહે; પણ જેવા સાધુ છે એવા ઓળખાતા નથી.
(224) જીવનો ને દેહનો વહેવાર નોખો સમજવો ને એમ ન સમજે તો આ પ્રાપ્તિ ભારે થઈ છે; તો પણ દુર્બળતા મનાય ને ભગવાનની આજ્ઞાથી ગૃહસ્થાશ્રમ કરે તો પણ નિર્બંધ છે.
(225) કૃપાનંદસ્વામી આદિક મોટા મોટા સાધુના જેટલું આપણામાં બળ નહિ, માટે મોટાની બરાબર સાધન કરવાનો વાદ મૂકીને અગિયાર નિયમ પાળવા; એટલે તેમના જેવું બળિયું થાવાશે. શાથી જે, આ સત્સંગમાં ઉપાસના, ધર્મ આદિક સર્વ છે; કાંઈ બાકી નથી.
(226) ભગવાનની મૂર્તિ, ભગવાનનું ધામ, ભગવાનના પાર્ષદ ને જીવ એ ચાર અવિનાશી છે, બાકી બધું નાશવંત છે. તેમાં જીવ છે તે બદ્ધ છે. જેમ કોઈકને બેડીમાં નાખે છે તે નીકળાય નહિ, તેમ પુરુષને પ્રકૃતિરૂપ સ્ત્રી અને સ્ત્રીને પુરુષ એમ બેડી છે; તે પરસ્પર બેડી છે, તે કોઈ રીતે તૂટે તેવી નથી. તે તો જ્ઞાનથી તૂટે છે. નીકર દેહે કરીને ત્યાગ કર્યે પણ તૂટતી નથી. તે ઉપર પાવૈયાનું તથા બળદનું દૃષ્ટાંત દીધું જે, એને દેહે કરીને ત્યાગ છે પણ વાસના ટળે નહીં.
પાર્ષદ : શ્રીજીમહારાજના સેવક
બેડી : કેદીને બાંધવાની સાંકળ-કડાં
વાસના : પૂર્વના સંસ્કારોથી મકકમ થયેલી કામના.
(227) કોટિ સાધન કરે પણ આમ વાતું કરવી અને સાંભળવી તેની બરાબર થાય નહિ ને બીજાથી તો આટલી પ્રવૃત્તિમાં વાતું થાય નહીં.
(228) જીવને માયાથી નિર્લેપપણું બે પ્રકારથી છે. એક જ્ઞાને કરીને તથા બીજું ભગવાનની આજ્ઞાથી નિર્લેપપણું છે. બાકી તો નિયમે કરીને છે; પણ દેશકાળે તેનો ભંગ થાય તો ગ્લાનિ પામી જાય.
ગ્લાનિ : અનુત્સાહ, ગમગીની, અણગમો.
(229) જ્ઞાને કરીને સ્થિતિ કરવી તે દેખવા કરતાં પણ અધિક છે ને પર્વતભાઈ, કૃપાનંદસ્વામી તથા મુક્તાનંદસ્વામી એમને સમાધિ નહોતી; પણ મૂર્તિને દેખતા ખરા ને પર્વતભાઈ હમણાં આપણે સમજીએ છીએ તેમ સમજતા. માટે બ્રહ્મરૂપ માનીને ભગવાન માંહી રહ્યા છે એમ માનવું એ જ્ઞાનની સ્થિતિ છે, તે અધિક છે ને તેમાં વિઘ્ન નથી. ને તે વિના તો સચ્ચિદાનંદસ્વામી સમાધિવાળાને પણ દુ:ખ આવતાં, માટે પ્રેમી ન થાવું ને જ્ઞાની થાવું ને પોતાની સમજણ છુપાવી રાખવી, કૃપાનંદસ્વામીની પેઠે (જેમ). (જુઓ પ્રકરણ 5ની વાત 164)
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
(230) પડછાયાને પહોંચાય નહિ, તેમ જ વિષયને તથા સાધનને પણ પહોંચાય નહિ ને તેનો પાર આવે તેમ નથી; માટે જ્ઞાન થાય ત્યારે સુખ થાય છે.
(231) ‘આપણે ભગવાનના છીએ, પણ માયાના નથી.’ એમ માનવું.
(232) આ વાતું તો અનંત સંશયને છેદી નાખે એવી પુરુષોત્તમ ભગવાનની છે ને દેહને પોતાનું રૂપ માને તો તેમાં બધાંય દુ:ખ રહ્યાં છે ને દેહને ન માને તો તેમાં દુ:ખ જ નહીં. ને શાસ્ત્રમાં તો બહુ પ્રકારના શબ્દ છે તે સાંભળીને ભ્રમી જાય છે ને માથું ફરી જાય છે ને બ્રહ્મરૂપ મટીને દેહરૂપ મનાઈ જાય છે અને શાસ્ત્રમાં તો બધાય શબ્દ સરખા હોય નહિ; બે આમ હોય ને બે આમ હોય, પણ એકધારા હોય નહીં. ને જ્ઞાન થયું તે કેનું નામ ? જે શાસ્ત્ર સાંભળીને તથા કોઈની વાતે કરીને તથા સંગે કરીને અંગ ફરી જાય નહિ, તે પાકું જ્ઞાન કહેવાય.
(
વચ.ગ.પ્ર. 66
)
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
(233) ભગવાનને નિર્દોષ સમજ્યાથી મોક્ષ થઈ રહ્યો છે ને દોષ ટાળવાનો અભ્યાસ કરે તો ટળી જાય, નીકર દેહ રહે ત્યાં સુધી દુ:ખ રહે. ને દોષ જણાય છે તે સર્વે તત્ત્વના દોષ છે.
(234) વહેવાર છે તે દેહે કરીને કરવો ને મને કરીને જુદા પડવું ને મનમાં ભળવા આવે તો જ્ઞાને કરીને ત્યાગ કરવો.
(235) કાં તો અષ્ટાંગયોગ ને કાં તો રોગ; તે વિના અંતરનો મેલ જાય નહીં. તે ઉપર એક ભક્તનું દૃષ્ટાંત દીધું જે, રોગ આવી ગયો તે પછી સારું થયું.
(236) જાગાભક્તે પ્રશ્ર્ન પૂછ્યો જે, ‘શૂળીએ ચડાવ્યો હોય તો પણ કેમ સમજે તો સંકલ્પ ન થાય જે, ભગવાન મુકાવે તો ઠીક, એવી શી સમજણ છે ?’ ત્યારે ઉત્તર કર્યો જે, ‘એ તો સર્વકર્તા ભગવાનને જાણે જે, ભગવાન વિના બીજા કોઈનું કર્યું થાતું નથી; એમ સમજે તેને સંક્લ્પ ન થાય ને ધીરજ રહે ને જે, એમ ન સમજે તે તો થોડાકમાં અકળાઈ જાય ને ધીરજ રહે નહીં.’
(237) આ લોકમાં તો મહારાજને પણ વગર વાંકે દુ:ખ આવતાં; તે આ લોક જ એવો છે. તેનું રૂપ જાણી રાખવું.
(238) આટલી વાત તો સો જન્મે પણ ન સમજાય, માટે આ વાત સૌ રાખજો ને બે સારા સાધુ ને ત્રણ સારા હરિભક્ત તેમની સાથે જીવ બાંધવો તો સત્સંગમાંથી ન પડાય ને કદાપિ કામ, લોભ થોડા ઘણા પણ રહી ગયા હશે તો ફિકર નથી. તે મહારાજે ‘વચનામૃત’માં કહ્યું છે જે, ''કદાપિ કામ, લોભનો સંકલ્પ નહિ હોય પણ ભગવાનના ભક્તમાં જીવ ન બંધાણો તો શું થયું ? એવાને અભાવે અસુર થાશે.'' માટે સમજવાની વાત તો સારા ભગવાનના ભક્તમાં જીવ બાંધવો એટલું જ કરવાનું છે. ને બીજી વાતું કરવી પડે છે તેનું તો એ પ્રયોજન છે જે, આ પ્રથા ચલાવવી છે ને નિયમ પળાવવા, તે સારુ કરવી પડે છે.
(
વચ.ગ.અં. 5
)
(239) નિત્યે લાખ રૂપિયા લાવે ને સત્સંગનું ઘસાતું બોલતો હોય તો તે મને ન ગમે ને સૂતો સૂતો ખાય પણ ભગવાનના ભક્તનું સારું બોલતો હોય તો તેની ચાકરી હું કરાવું, એવો અમારો સ્વભાવ છે.
(240) જો મોટાપુરુષ મળે તો તેનો સંગ કરવો, નીકર ઊતરતાનો સંગ તો કરવો જ નહીં.
(
વચ.ગ.પ્ર. 48
)
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
(241) માયાનું બહુ બળ છે. તે માયા તો વૈરાગ્યને પણ ખાઈ જાય ને આત્મનિષ્ઠાને પણ ચાવી જાય; કેમ જે, પૃથ્વીનો જીવ તે પૃથ્વીમાં ચોંટે.
(242) ભગવાન મળ્યા, સાધુ મળ્યા, તે કલ્યાણ તો થાશે; પણ જ્ઞાન વિના અંતરમાં સુખ ન થાય.
(243) જેમ કુસંગી ને સત્સંગીમાં ભેદ છે, એમ સાધારણમાં ને એકાંતિકમાં ભેદ છે. ને નવ યોગેશ્ર્વર હતા, તેમાં એકે વાત કરી તેથી બીજા આઠ ઝાંખા પડી ગયા; પછી તે સર્વે મળીને એકને મારવા તૈયાર થયા. તેમ એ તો એવી વાત છે ને જે એકાંતિક હોય તે તો નિષ્કામ હોય; તે એક ભગવાનનું જ નિરૂપણ કર્યા કરે ને બીજા હોય તે તો સકામ હોય, તે ભગવાન પાસે માગ્યા કરે.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
નિરૂપણ : બરોબર વર્ણવવું, યથાર્થ વર્ણન
(244) ભગવાનનું અને સાધુનું જેમ છે તેમ માહાત્મ્ય સમજાતું નથી; તે કોઈને બે આના ને કોઈને ચાર આના ને કોઈને આઠ આના પણ જેવું છે તેવું જણાતું નથી. ને સાંખ્ય તો મુદ્દલ નથી ને સાંખ્ય વિના કસર ટળે નહીં.
માહાત્મ્ય : મહિમા, મહત્વ.
કસર : ખોટ, ઉણપ.
(245) કેટલાકને ભગવાનના તથા સાધુના સંબંધનું સુખ આવતું હોય; તે કેની પેઠે ને કેમ સમજે તો સુખ આવે ? એ પ્રશ્ર્નનો ઉત્તર કર્યો જે, ‘એ તો સાધુતા શીખે તો આવે; તે વિના તો દોષ પીડે, તે સુખ ન આવે.’ પછી પૂછ્યું જે, ‘કેટલાકને સ્વપ્નમાં સુખ આવતું હોય તે કેમ આવે ?’ તેનો ઉત્તર કર્યો જે, ‘એનો તો નિરધાર નહિ; કેમ જે, સ્વપ્નમાં ભગવાન દેખાય ને બીજું પણ દેખાય ને જ્ઞાને કરીને થાય એ જ સાચું છે.’
(246) જેમ છે એમ કહેવાય નહિ ને કહીએ તો અરધી સભા ઊઠી જાય; પણ શાસ્ત્રમાં ક્હ્યા છે એવા ખરેખરા સાધુ મળે ને તે કહે તેમ કરે તો કોટિ જન્મે કસર ટળવાની હોય તે આજ ટાળી નાખે ને બ્રહ્મરૂપ કરી મૂકે. એ તો, ‘ગોકુળ ગામકો પીંડો હે ન્યારો !’ અને આ તો જીભ ઝાલીને બોલીએ છીએ. એમ બોલ્યા.
કોટિ : કરોડ.
કસર : ખોટ, ઉણપ.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
(247) ભગવાન જેવું તો કોઈ પદાર્થ નથી, તે આપણને મળ્યા છે ને જેણે દાંત આપ્યા છે તે કાંઈ ચાવવાનું નહિ આપે ? ને આપણા કપાળમાં કાંઈ રોટલા નહિ લખ્યા હોય ? ને આપણે કાંઈ પ્રભુ વેચી ખાધા છે ? માટે ભગવાન ભૂખ્યા ઉઠાડે છે, પણ ભૂખ્યા સુવાડતા નથી. ગમે તેવી રીતે પણ ખાવા આપે છે ને પ્રભુ ભજાય તે સારુ ગરીબ રાખ્યા છે. કદાપિ પૃથ્વીનું રાજ્ય આપ્યું હોત તો નરકમાં પડી ચૂક્યા હોત; માટે આપણને આપ્યું નથી. ને આ દેહ તો પત્રાવળાંને ઠેકાણે છે, તેમાં લાડવા જમી લેવા. તે શું ? જે, આ દેહે ભગવાનને મળી ચૂક્યા પછી દેહને ગમે તેમ થાઓ. ને
દાસના દુશ્મન તે હરિ કદી હોયે નહિ, જે કાંઈ કરશે તે સુખ જ થાશે;
અણસમજે અટપટુ એ લાગે ખરું, પણ સમજીને જુવે તો સત્ય ભાસે. દાસ0
(કીર્તનસાર સંગ્રહ : દ્વિતીય ભાગ, પાન 456, પદ 3)
ને અમને તો હેત આવે છે તે વાત કરીએ છીએ જે, ‘સ્વામિનારાયણના નામનો મંત્ર બહુ બળિયો છે, માટે ભજન કર્યા કરવું.’
(248) આ વાતુંના કરનારા દુર્લભ છે, મનુષ્યદેહ દુર્લભ છે ને દેહે સાજું રહેવું તે પણ દુર્લભ છે; એ ત્રણેય વાત દુર્લભ છે, તે માટે ભજન કરી લેજો.
(249) દત્તાત્રેયે બે જીવનું કલ્યાણ કર્યું ને કપિલે એક જીવનું કલ્યાણ કર્યું ને ઋષભદેવે સો જીવનું કલ્યાણ કર્યું અને આજ સાધુ કહે, ‘અમે દૈવી જીવનું કલ્યાણ કરીએ પણ આસુરીનાં કલ્યાણ અમારાથી થાય નહીં.’ ત્યારે ભગવાન કહે, ''આસુરીનું કલ્યાણ અમે કરશું.'' તે મુંજો સુરુ ને માનભા ને જોબનપગી ને તખોપગી, એ તો પાપના પર્વત કહેવાય; એને તો ભગવાન સત્સંગ કરાવે, પણ સાધુથી એ વળે નહીં.
(જુઓ પ્રકરણ 12ની વાત 64)
(250) દશ હજાર સૂર્યનું તેજ સુદર્શન ચક્રમાં છે. તેનો દીવા જેટલો પ્રકાશ થાય એવું ઘાટું માયાનું તમ છે, તેનો છાંટો જીવમાં નાખ્યો છે; એ સુષુપ્તિ અવસ્થા છે. તેને ટાળવા સારુ મહારાજનો અવતાર છે.
દશ : દિશા.
(251) જેનું કર્યું થાય છે તે તો જાણીએ કાંઈ જ જાણતા નથી ને વચમાંથી બીજા કેટલાક મનસૂબા કરે છે.
મનસૂબા : સંકલ્પો, કાંઈક કરી લેવાના વિચારો
(252) કોટિ કલ્પ થયાં વિષય ભોગવ્યા છે તેનો પાસ લાગ્યો છે; તેને ટાળવાનું કારણ ‘શિક્ષાપત્રી’માં નિજાત્માનં બ્રહ્મરૂપં એ એક જ શ્ર્લોક લખ્યો છે.
કોટિ : કરોડ.
કલ્પ : આપણાં ચાર અબજ બત્રીશ કરોડ વર્ષનો સમય - બ્રહ્માનો એક દિવસ (પણ રાત નહિ)
(253) શાસ્ત્રમાં ભગવાનને સમદર્શી કહ્યા છે તે ખરું નથી; કારણ કે, ભગવાન તો ભક્તના છે, પણ અભક્તના નથી માટે સમદર્શી નથી.
સમદર્શી : સૌની તરફ સરખી નજરે જોનાર, નિષ્પક્ષપાતી
(254) ભગવાન પોતાના ભક્તમાં રહે છે, તે પણ પાત્ર પ્રમાણે રહે છે. તે જેમ જેમ મોટા ભગવદી તેમ તેમ તેમાં વિશેષપણે રહે છે.
(255) ભગવાન શૂળીનું દુ:ખ કાંટે મટાડે છે એમ કરે તે કેમ જણાય? એ પ્રશ્ર્નનો ઉત્તર કર્યો જે, ‘આપણે પણ એવું કેટલુંક થાતું હોય ને બ્રહ્માંડમાં પણ થાય, તેને તપાસી જુએ તો જણાય, તે શું ? જે, કાળમાંથી સગાળ કર્યો, તેમ કેટલાક ઉપદ્રવ (ઉપાધિ/ત્રાસ) ટાળી નાખે છે.’
સગાળ : સુકાળ
(256) આ લોકમાં દેશકાળ તો લાગે ને ઓછું વરતાય કે વધુ વરતાય,પણ રુચિ સારી રાખવી; અંતે રુચિ સહાય કરે છે.
(257) આવી વાતું તો ક્યાંય પણ થાતી નથી; માટે વિષય ખોટા થઈ ગયા છે ને વાસના જેવું જણાય છે, તે તો દેહધારીને એમ હોય. તેમાં સદાશિવની હવેલીનું દૃષ્ટાંત દીધું તથા ત્યાં ભગવાનની ઇચ્છા સમજવી.
વાસના : પૂર્વના સંસ્કારોથી મકકમ થયેલી કામના.
(258) આપણે પોતાના સ્વરૂપને અક્ષર માનવું. ને તે ન મનાય તો પણ સ્થૂળ દેહને તો પોતાનું ન જ માનવું. ને મહારાજનો મત તો ત્રણ દેહને ન માનવાં ને અક્ષર માનવું. એ તો જેમ બ્રાહ્મણને ઘેર જન્મ થયો તે બ્રાહ્મણ જ, તેમ આપણને ભગવાન મળ્યા તે અક્ષર માનવું.
(259) લાકડાંની ને લોઢાની બેડી હોય તે કરતાં પણ સ્ત્રી-ધનની બેડી કઠણ છે ને મોટી છે. ને તે બેયથી મુકાય તો, પછી ઇન્દ્રિયું-અંત:કરણની બેડી મોટી છે ને એથી ન દબાય તો, એ તો માયા પરનો આવેલો હોય તે ન દબાય, બીજો તો દબાય. ને ઇન્દ્રિયું-અંત:કરણથી ન દબાય એ દેવ કે મનુષ્ય ન કહેવાય.
બેડી : કેદીને બાંધવાની સાંકળ-કડાં
(260)
શ્ર્વાન શૂકર બિલાડ ખર, તેના ટોળા માંહ્યલો જંત;
તેને મૂકે કરી સંત, જો મળે સદ્ગુરુ સંત...
એમ કહીને કહે જે, ‘વસ્તુ નહિ કોઈ સંત સમાના !’ તે આપણને મળ્યા છે.
(261) શ્રીજીમહારાજ કહેતા જે, ''નામ કેનું લઈએ, પણ આગળ તો જેવાં તેવાં કલ્યાણ કર્યાં છે ! તે પોતાના સામર્થ્ય પ્રમાણે કર્યાં છે ને કેટલેક મોટે મોટે તો કૂવા ખોદ્યા છે.''
(262) ખટ્વાંગ રાજાનું બે ઘડીમાં કલ્યાણ કર્યું. તે સાધુ તો બહુ દયાળુ છે; તે એને તો ખબર ન પડે પણ પ્રગટના સંબંધનું બળ લખે છે એમ સમજવું.
(263) મધ્યનું 9મું વચનામૃત વંચાવીને બોલ્યા જે, મહારાજને પુરુષોત્તમ જાણતો હોય ને દેશકાળે સત્સંગમાંથી નીકળી જાય તો પણ અક્ષરધામને પામે ને એમ ન જાણતો હોય ને સત્સંગમાં હોય તો પણ બીજા ધામને પામે.
(264) શ્રીજીમહારાજ કહેતા કે, ''અમારો દ્રોહ કરે છે તે પણ અમારા પક્ષમાં બોલે છે; કેમ જે, એ એમ જાણે છે જે, કોઈક એક ભગવાન છે ને આ બીજો કેમ ભગવાન થાય છે ? માટે એ અમારો દ્રોહ કરતા નથી.''
દ્રોહ : મનથી, વાણીથી કે કર્મથી જાણી જોઈને કરેલ દોષ, ગુનો, પાપ કે અપરાધ
(265) દેહ મૂકીને જેને પામવા છે તે જ આ પ્રગટ વાતું કરે છે, પણ એમ સર્વેને સમજાય નહિ અને જે ત્યાગ-વૈરાગ્યની વાતું કરીએ છીએ તે તો મારગે ચડાવવા સારુ કરીએ છીએ, પણ સમજવાનું તો આટલું જ છે.
(266) ‘વચનામૃત’ના અર્થ સમજાય એવા નથી, પણ બહુ અભ્યાસ રાખે તો પોતાની મેળે સમજાય એવો મહારાજનો વર છે અને આ જ્ઞાન મહારાજને સર્વેને આપવું છે.
અર્થ : ધન, સંપત્તિ.
(267) પ્રકૃતિપુરુષ તે કૂટસ્થ કહેવાય ને ગૃહસ્થ પણ કૂટસ્થ કહેવાય ને સાંખ્ય વિચાર ને જ્ઞાનને મતે કરીને નિર્લેપ પણ કહેવાય.
પ્રકૃતિપુરુષ : ચેતન અકર્મણ્ય પુરુષની મદદથી જડ પ્રકૃતિમાંથી સમગ્ર સૃષ્ટિની ઉત્પતિ થઈ તે
(268) આજ આપણામાંથી એકડમલ કરીને કાઢી મૂક્યો હોય તો પણ તે જગતનો પ્રભુ છે; તે આજનાનો એવો મહિમા છે.
(269) શ્રીકૃષ્ણને બાણ વાગ્યાં ને પ્રહ્લાદને ન વાગ્યાં, એ પણ ભગવાનનું કર્તવ્ય સમજવું.
(જુઓ પ્રકરણ 5ની વાત 256)
(270) દેશકાળ આવે તો સત્સંગીના ગામમાં પડ્યા રહીને ગુજરાન કરીએ; પણ મરવાની તો બીક જ ન લાગે ને કલ્યાણ તો ત્યાગી ને ગૃહસ્થ એ બેયમાં છે.
ગુજરાન : ગુજારો, નિર્વાહ
(271) હરિભક્ત આગળ વાતું કરવાની આજ્ઞા કરી કે વાતું કરજો; તે વાતું તે શું ? જે, ‘સ્વામિનારાયણ ભગવાન છે, સ્વામિનારાયણ ભગવાન છે, એમ વાતું કરજો.’
(272) ભગવાન તો ત્રીસ વરસ સત્સંગમાં રહ્યા ને હવે સાધુરૂપે દશ-વીસ પેઢી રહેશે.
(273) ''જૂનાગઢના જમાન મહારાજ બે વાર થયા છે. એક વાર વરતાલમાં ને બીજી વાર ગઢડામાં.''
એમ કહ્યું, તે ઉપર એક સંતે પૂછ્યું જે, ‘જમાન થયા તે શું સમજવું ?’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘માયાનું બંધન થાવા દે નહીં.’ પછી ફરીથી તે સંતે પૂછ્યું જે, ‘તે જમાનગરું ક્યાં સુધી રહેશે?’ ત્યારે સ્વામી બોલ્યા જે, આપણે છીએ ત્યાં સુધી તો ખરું, પણ હજી તો મહારાજનું જ જ્ઞાન છે. ને વળી મહારાજ કહે જે, ''જૂનાગઢ જાય તેની કરોડ જન્મની કસર ટાળી નાખશું.'' તે અમે ગઢડેથી આવ્યા ત્યારે એ ભાતું બંધાવ્યું હતું.
જમાન : જામીન.
કસર : ખોટ, ઉણપ.
(274) મૂંઝવણ આવે તો કેમ કરવું ? એ પ્રશ્ર્નનો ઉત્તર કર્યો જે, ‘સ્વામિનારાયણ, સ્વામિનારાયણ ભજન કરવું તેથી મૂંઝવણ ટળી જાય.’
(275) ઝીણાભાઈએ મહારાજ પાસે જૂનાગઢમાં મંદિર કરવાનું માગ્યું તે પણ પોતે જ ઉપજાવ્યું હશે; તે આંહીં મંદિર કર્યું ને તેમાં સાધુ પણ એવા જ રાખ્યા છે, તે આ મંદિરમાં ખરડો તો હજી સુધી કર્યો નથી.
ખરડો : યાદી, નોંધ કરવી, ધર્માદાની લખણી.
(276) આ લોકની સર્વ ક્રિયા તે છોકરાંની રમત જેવી સમજવી, પણ તેમાં માલ માનવો નહિ; એમ નિરંતર જોયા કરવું.
(277) શ્રીજીમહારાજ કહેતા જે, ''અમારામાં જે ગુણ ને અવગુણ છે તે કહીએ છીએ જે, અમને આખા બ્રહ્માંડના જીવ માને પણ તેનું અમને માન ન આવે, એ અમારામાં ગુણ છે. ને અમે અનેક જીવને સમાધિ કરાવીએ; પણ મુક્તાનંદસ્વામીને તથા ગોપાળાનંદસ્વામીને સમાધિ કરાવીએ નહિ, એ અમારામાં અવગુણ છે.''
(278) કોઈ ભગવાનને સંભારે તેની સેવા મારે કરાવવી ને તેનાં લૂગડાં મારે ધોવરાવવાં ને તેને મારે બેઠાં ખાવા દેવું છે.
(279) કથાવાર્તા તો બદરિકાશ્રમમાં, શ્ર્વેતદ્વીપમાં, અક્ષરધામમાં ને આ લોકમાં મોટા એકાંતિક પાસે, એ ચાર ઠેકાણે જ થાય છે; પણ બીજે ક્યાંય થાતી નથી. ને જ્યાં વિષય છે ત્યાં કથાવાર્તા નથી.
એકાંતિક : એક જ હેતુ સિદ્ધ કરવા એક જ વ્યક્તિ ને સિદ્ધાંતને વળગી રહેનાર, એકના જ અંતને પામનાર.
(280) આપણે કાંઈક કામ સારું કર્યું હોય ને તેનું આપણને માન આવતું હોય, તે સારુ મોટા કહે જે, ‘આ કામ બગાડ્યું.’ તો પણ રાજી રહેવું; કેમ જે, આપણને તો પૂર્વાપર સૂઝે નહિ ને મોટા તો દીર્ધદર્શી છે, તે તો આગળ થાવાનું દેખે છે.
પૂર્વાપર : આગળપાછળ.
દીર્ધદર્શી : અગમબુદ્ધિ, દૂરદર્શી.
(281) સાંખ્ય વિચાર કરવાની બહુ વાતું કરી, તે સાંખ્ય વિચાર તો નિત્ય નિયમ રાખીને કરવો ને સાંખ્ય વિના તો અરધો સત્સંગ કહેવાય. ને સાંખ્ય વિના સુખ થાય નહિ ને સાંખ્ય છે તે તો આંખ છે, તે આંખે કરીને સર્વે દેખાય ને દત્તાત્રેય એ સાંખ્યવાળા, તેને સુખિયા રહેતાં આવડે ને સાંખ્ય વિચાર કરવા માંડે તો ધીરે ધીરે સિદ્ધ થાય. તેમાં સાંખ્ય શું ? જે, આ લોક, ભોગ, દેહ સર્વે ખોટું છે ને આત્મા છે તે સત્ય છે ને સુખરૂપ છે ને આકાશ સરખો નિર્લેપ છે ને દેહ, ઇન્દ્રિયું, અંત:કરણ અસંગી છે.
(282) જેણે ભગવાન અર્થે કર્યું હોય તેને ભગવાન પોતાના ધામમાં તો લઈ જાય, પણ તે ભગવાનમાં ચોંટે નહિ; એ તો જેમ તલવાર સજે છે તેમ સાધુ વાતું કરી સજે, તે કેડે ભગવાનમાં ચોંટે માટે જ્ઞાન શીખવું એ જ શ્રેષ્ઠ છે.
કેડે : પાછળ.
(283) કરોડ કામ ઠેલે ત્યાર પછી ભગવાનની કથા થાય. ને કરોડ કામ ઠેલે ત્યાર પછી ભગવાનની વાતું થાય ને ધ્યાન તો વળી તે પછી થાય.
ઠેલે : દૂર કરે, પડતાં મૂકે.
(284) ભગવાનના ભક્તને ત્રણ પ્રકારમાંથી એક પ્રકારનું ધ્યાન તો રહે છે. તે નિશ્ર્ચયરૂપ ધ્યાન રહે કે, સાધુ પાસે જવું છે એમ રહે કે, હું ભગવાનનો ભક્ત છું એમ રહે; બાકી મૂર્તિમાં તેલધારાવૃત્તિ એ તો સ્વરૂપાનંદસ્વામી આદિકની વાતું છે.
(285) ‘આપણને તો ભગવાન મળ્યા છે તે પોતાને અક્ષર માનવું.’ એમ બોલ્યા. તે વાત ઉપર પ્રશ્ર્ન પૂછ્યો જે, ‘વિષય પરાભવ પમાડતા હોય ને અક્ષર કેમ માનવું ?’ ત્યારે ઉત્તર કર્યો જે, ‘વિષય તો દેહના ભાવ છે તે એક પડખે રહ્યા છે, માટે અક્ષર માનવું; પણ આત્માને નરકનો કીડો માનવો નહીં. ને આપણે તો જેમ વામનજી ભેળી લાકડી વધી તેમ વધતા જાઈએ છીએ.’
(જુઓ પ્રકરણ 10ની વાત 345)
પડખે : પાસે.
(286) સૂક્ષ્મ દેહનો કજિયો બહુ ભારે છે ને તેમાંથી સ્થૂળ દેહને ધક્કો લગાડી દે છે, તે કેમ કરવું ? એ પ્રશ્ર્નનો ઉત્તર કર્યો જે, ‘એ તો મોટા મોટાને પણ કજિયો છે ને એટલું મટે ત્યારે તો સિદ્ધ થઈ રહ્યા; પછી શું કરવાનું રહ્યું ? એટલું જ કરવું છે.’
(287) ભગવાનને જેની કસર ટાળવી હોય તેને આ લોકમાં જન્મ ધરાવીને અજ્ઞાની કરી નાખે; એટલે અતિ દીન થઈ જાય ને તેને પછી એવું થાય જે, ‘મારું કલ્યાણ શી રીતે (કઈ રીતે) થાશે ?’ એવું કરાવીને કસર ટળાવે.
કસર : ખોટ, ઉણપ.
દીન : લાચાર, ગરીબ, રાંક.
(288) એક હરિજને પૂછ્યું જે, ‘આવો જોગ ન રહે ને કસર રહી જાય તો કેમ થાશે ?’ તેનો ઉત્તર કર્યો જે, ‘જેણે આવો જોગ આપ્યો છે તેના તે જ કસર ટળાવશે.’
કસર : ખોટ, ઉણપ.
(289) વરતાલનું 3જું વચનામૃત વંચાવ્યું. તેમાં ચાર પ્રકારના મુક્તના ભેદ કહ્યા છે. તેમાં એક તો દીવા જેવા; બીજા મશાલ જેવા; ત્રીજા વીજળીના અગ્નિ જેવા ને ચોથા વડવાનળ અગ્નિ જેવા. એ વચનામૃત વંચાવીને બોલ્યા જે, ‘આજ તો સત્સંગમાં બહુધા વડવાનળ અગ્નિજેવા છે.’
બહુધા : મોટેભાગે-ઘણુંખરું,ખાસ કરીને
(290) ભગવાન ભેળા રહ્યા ને ખોટ રહી ગઈ તે શા કારણથી જે, આ સાધુના સમાગમ વિના.
(291) ભગવાન જેવા આ સાધુ છે, પણ તેની પાસે રહેવાતું નથી, એ મોટી ખોટ છે.
(292) હવે તો મહારાજ સાધુ દ્વારે દર્શન આપે છે ને વાતું કરે છે ને વળી મૂર્તિ દ્વારે દર્શન આપે છે.
મૂર્તિ : સંતો.
(293) અમે તો કોટિ કલ્પ થયાં જોઈએ છીએ, પણ પચાસ કોટિ જોજન પૃથ્વીમાં આવા સાધુ નથી.
કોટિ : કરોડ.
કલ્પ : આપણાં ચાર અબજ બત્રીશ કરોડ વર્ષનો સમય - બ્રહ્માનો એક દિવસ (પણ રાત નહિ)
(294) મોટા પરોક્ષ થાય તે પછી આજની પેઠે પોતાના આશ્રિતની ખબર રાખે કે ન રાખે ? તેનો ઉત્તર કર્યો જે, ‘એ ક્યાં પરોક્ષ થાય એવા છે ? બાકી આજની પેઠે દેખાય નહિ ને ખબર તો એમ ને એમ રાખે, તે જો ખબર ન રાખે તો બ્રહ્માંડની સ્થિતિ કેમ રહે ?’
(295) ઇન્દ્રે વિશ્ર્વરૂપને માર્યો તેની ચાર હત્યા લાગી. તેમાં તો એક તો ગુરુની, બીજી ગોરની, ત્રીજી બ્રાહ્મણની ને ચોથી બ્રહ્મવેત્તાની. પછી તેને નારદજી મળ્યા. તેમણે કહ્યું જે, ‘તારા ભાઈ વામનજી છે તે ભગવાનનો અવતાર છે માટે તેમનો તું આશરો કર.’ પછી ઇન્દ્રે વામનજીનો નિશ્ર્ચય કર્યો તેણે કરીને બ્રહ્મહત્યા ટળી ગઈ, એમ વામનજીનો આશરો કરવાથી કામ થયું; માટે પ્રગટનો આશરો મોટી વાત છે.
(296) કોટિ તપ કરીને, કોટિ જપ કરીને, કોટિ વ્રત કરીને, કોટિ દાન કરીને, કોટિ યજ્ઞ કરીને પણ જે ભગવાનને તથા જે સાધુને પામવા હતા તે આજ આપણે મળી રહ્યા છે.
કોટિ : કરોડ.
(297) સત્સંગ થાય તેને તો દુ:ખ જ રહે નહિ, તે સત્સંગ તે શું ? જે, આત્મા ને પરમાત્મા એ બે જ છે.
(298) નિરંતર માળા ફેરવે તે કરતાં પણ સમજણ અધિક છે, માટે મુખ્ય એ વાત રાખવી.
(299) ભગવાનની મૂર્તિને ચિંતામણિ કહી છે, તે એમ સમજાણું છે કે નહિ ? એ પ્રશ્ર્નનો ઉત્તર કર્યો જે, ‘ચિંતામણિ તો ખરી, પણ બાળકના હાથમાં છે.’
ચિંતામણિ : ઇચ્છા પૂરી કરે તેવો દિવ્ય મણિ.
(300) સ્વરૂપનિષ્ઠા છે ને મહિમા છે એ તો વરને ઠેકાણે છે ને બીજાં સાધન તો જાનને ઠેકાણે છે ને વળી સમજણ છે એ તો બસેં બખતરિયાને ઠેકાણે છે ને વિષય છે એ તો બહારવટિયાને ઠેકાણે છે.
(301) સત્પુરુષના સંબંધે કરીને જીવને સંસ્કાર થાય છે, તે એક જન્મે કે બે જન્મે પણ ભગવાનના ધામને પમાડે એવો પ્રગટનો પ્રતાપ છે. તેની વિક્તિ જે, એનું દર્શન થાય, એનો ગુણ લે, એનો પક્ષ લે, એ આગળ હાથ જોડે ને વળી સાધુ બહુ સારા છે એમ બોલે ને એને અન્ન-જળ આપે ઇત્યાદિક સંબંધ થાય; વળી જે ઝાડ તળે બેસે, વળી જે ઝાડનું ફળ જમે, વળી જે ઢોરનું દૂધ-દહીં જમે ઇત્યાદિક અનંત પ્રકારે જીવને સંબંધ થાય તો તે સર્વે ભગવાનના ધામને પામે; એવો પ્રગટનો સંબંધ બળવાન છે અને પરોક્ષ સંસ્કારનું ફળ એ છે જે, ખાવા મળે, દેહ સાજો રહે ને લોકમાં આબરુ-ધર્મ રહે; એ પરોક્ષના આશરાનું ફળ છે.
વિક્તિ : વિગત-વિવરણ.
(302) વિષયમાં તો વૈરાટ, પ્રધાનપુરુષ ને પ્રકૃતિપુરુષ સુધી સર્વે ગોથાં ખાય છે. એક અક્ષરધામમાં જ વિષય નથી.
પ્રકૃતિપુરુષ : ચેતન અકર્મણ્ય પુરુષની મદદથી જડ પ્રકૃતિમાંથી સમગ્ર સૃષ્ટિની ઉત્પતિ થઈ તે
ગોથાં : નકામાં ફાંફાં, ભૂલથાપ.
(303) આપણે તો અક્ષરધામમાં જાવું છે, એવો એક સંકલ્પ રાખવો.
(304) આ વાતું તો જેના ભૂંડા આશય હશે તેને દાબી દઈને પણ ઉપર નીકળશે એવી છે.
(305) આ લોકમાં અક્ષરનું સુખ તે શું ? જે, શુભ સંકલ્પ થાય ને અંતરમાં સુખ વર્ત્યા કરે એ જ છે. ને જમપુરીના જેવું દુ:ખ તે શું ? જે, અંતરમાં ભૂંડા ઘાટ થાય ને પીડા થાય એ જ છે.
ઘાટ : માયિક સુખ ભોગવવાનો સંકલ્પ, વિકારનો સંકલ્પ.
(306) કોટિ કલ્પ થયાં ભગવાન ખાવા આપે છે, તો પણ જીવને ખબર ન પડે એ અજ્ઞાન છે. તે મહારાજ કહેતા જે, ''અમને અન્નદાતા તો જાણજો ને વધારે મહિમા તો તે પછી.''
કોટિ : કરોડ.
કલ્પ : આપણાં ચાર અબજ બત્રીશ કરોડ વર્ષનો સમય - બ્રહ્માનો એક દિવસ (પણ રાત નહિ)
(307) પ્રથમનું 63મું વચનામૃત વંચાવીને મહિમાની બહુ વાત કરી જે, આ કહ્યું છે એમ સમજાય નહિ તેથી જીવ બહુ દૂબળો રહે છે; પણ કામ, લોભ, સ્વાદ, સ્નેહ ને માન તે સર્વે સમુદ્ર જેવા છે, તે ભગવાનને પ્રતાપે ગાયનાં પગલાં જેવા થઈ જાશે. માટે આવો મહિમા છે તે સારુ કોઈ દિવસ જીવમાં દુર્બળપણું આવવા દેવું નહિ ને લક્ષ્મી તથા ભગવાન તો આપણી સેવામાં છે; કેમ જે, મા-બાપ તો છોકરાંની સેવામાં જ હોય ને અમે તો જેમ કરીએ તેમ થાય, પણ જાણીને દબાવી રાખ્યું છે ને આ પ્રાપ્તિ તો મોટા ઈશ્ર્વરને પણ દુર્લભ છે.
પગલાં : મહારાજનાં પગલાંની છાપ.
(308) અક્ષરધામનું કેમ સુખ છે ? જે, જેમ રાજાનો છોકરો ગમે તેમ ફરતો ફરે પણ રાજ્યનો ધણી છે, એમ સુખ છે. ને કેટલાક મુક્ત તો નિર્વિકલ્પપણે જોડાઈ રહ્યા છે. ને કેટલાક તો વાતું-મહિમા કહે છે ને સાંભળે છે. જેમ આંહીં છે, તેમ જ ત્યાં છે ને આંહીં છે તેના તે જ ત્યાં છે, એમાં લગાર પણ ફેર નથી.
લગાર : જરાય
(309) આપણામાં વિષયની અરુચિ તો નિષ્કુળાનંદસ્વામી, કૃપાનંદસ્વામી, માવા ભક્ત તથા રણછોડજી ઉનાવાળા એવા ઘણાકને હશે. ને આપણું તો ધર્મે કરીને શોભે છે ને મોક્ષનું કારણ તો ભગવાનની નિષ્ઠા છે.
નિષ્ઠા : શ્રદ્ધા, આસ્થા, વિશ્ર્વાસ, ધારણા.
(310) ભગવાને જે જે નિરમ્યું છે તે તેમ જ થાય છે, તે ભગવાને નિરમ્યા પ્રમાણે કંચન ને સ્ત્રીમાં સૌ વધુ તણાય છે. ને મનુષ્યને મૈથુનનો નિયમ નથી ને પશુ-પક્ષીને છે; એ આદિક અનેક કળ ચડાવી મૂકી છે તે તેમ જ થાય છે.
નિરમ્યું : સર્જન, રચના, નસીબ, નક્કી કર્યું.
કંચન : શુદ્ધ સોનું.
(311) કારિયાણીનું 7મું વચનામૃત વંચાવીને વાત કરી જે, ‘નિશ્ર્ચય છે એ જ આત્યંતિક કલ્યાણ છે ને નિશ્ર્ચય છે એ જ સિદ્ધદશા છે. ને દેખવાનું કહ્યું છે તે પણ જ્ઞાને સહિત જાણવું તેને જ કહ્યું છે ને તે વિના તો દેખાય છે તો પણ ન્યૂન છે. ને વિષય ખોટા કરવા માટે તો સાંખ્ય સમજવું ને એક ભગવાન ભાસે એમ કહ્યું છે, તે પણ નિર્વિકલ્પ નિશ્ર્ચયરૂપે ભાસે એ જ છે.’
નિર્વિકલ્પ : જ્ઞાતા-જ્ઞેય ઇત્યાદિક ભેદ વગરનું, જેમાં કોઈ અપવાદ કે બેપણું ન હોય તેવું.
(312) કોઈ વાતની ચિંતા આવે તો ભગવાનને માથે મૂકી દેવી. ને આપણે તો બળિયા નહિ ને એ તો બળિયા તે એને રક્ષા કરતાં આવડે; જેમ પ્રહ્લાદની રક્ષા કરી તેમ અનેક પ્રકારે રક્ષા કરે.
(313) સાધુનો ને સાધુના સંગનો મહિમા બહુ કહ્યો ને બોલ્યા જે, ‘હવે એથી આઘી વાત નહિ ચાલે ને જેમ ભગવાનના ગુણનો પાર નહિ; તેમ સાધુના ગુણનો પણ પાર નહીં.’ એમ કહીને તે ઉપર ગુરુનું અંગ બોલાવ્યું ને પોતે ભેળા બોલ્યા.
(જુઓ પ્રકરણ 1ની વાત 73)
(314) આપણે તો સો-બસેં માણસને પાંખમાં લઈને ઊડી જઈએ એવા છીએ ને તે કરતાં આખા બ્રહ્માંડના જીવને લઈને ઊડી જઈએ એવા છીએ ને તે કરતાં અનંતકોટિ બ્રહ્માંડના જીવને પણ લઈ જઈએ એવા છીએ; પણ એવું મનાય નહિ; તે શાથી જે મનુષ્યાકૃતિ છે.
(315) જીવની અવળાઈ તે શું કહીએ, જીવ તે જીવ જ. તે કહ્યું છે જે, ‘ઊંટ તો સઘળે અંગે વાંકું.’ એવો જીવ અવળો છે, વળી લંબકર્ણ જેવો જીવ તેનું પણ ભગવાનને સારું કરવું છે.
અવળાઈ : આડાઈ, કહે તેનાથી ઊલટું કરવાની ટેવ, હઠીલાઈ.
(316) અંતરમાં ટાઢું હોય ને કોઈક વચન મારે તો ભડકો થાય ને સમાધાન કરવાનો ઉપાય જ્ઞાન છે.
(317) ભગવાનનો ને મોટા સાધુનો નિશ્ર્ચય થયો હોય તે પોતાને પૂર્ણકામ માને ને તેને બીજાના સંગની અપેક્ષા ન રહે. તેમાં દૃષ્ટાંત જે, જેના ઘરમાં સો કરોડ મણ દાણા હોય તથા સો કરોડ રૂપિયા હોય તો તેને કાળ પડે તો પણ મરવાની બીક ન લાગે. વળી બીજું દૃષ્ટાંત જે, બે હજાર બખતરિયા ભેળા હોય તેને લૂંટાવાની બીક ન લાગે. તેમ જ મહિમા સહિત નિશ્ર્ચયવાળાને બીક નહીં. (જુઓ પ્રકરણ 5ની વાત 2)
(318) પૃથ્વીનું રાજ્ય કરે ને ન બંધાય, જો જ્ઞાન થાય તો. ને તે વિના તો વનમાં જઈને રહે તો ત્યાં પણ જડભરતની પેઠે બંધાય; માટે જ્ઞાની શ્રેષ્ઠ છે.
(જુઓ પ્રકરણ 6ની વાત 43)
(જુઓ પ્રકરણ 6ની વાત 249)
(જુઓ પ્રકરણ 8ની વાત 36)
(319) નાનું છોકરું હોય તેને ભય આવે તો પોતાના માવતરની કોટે બાઝી પડે, તેમ જ આપણને હરકોઈ દુ:ખ આવે તો ભગવાનનું ભજન કરવું, સ્તુતિ કરવી, તે ભગવાન રક્ષા કરે.
કોટે : ગળે.
(320) અમારો મત તો અનેક પ્રકારની ક્રિયા કરાવીએ તો પણ ક્રિયારૂપ થાવા દઈએ નહિ ને તેમાં બંધાવા દઈએ નહિ ને તેનો નિષેધ કર્યા કરીએ. ને બીજા ક્રિયા કરાવે તે તો તેમાં જોડી દે, તે ક્રિયારૂપ થઈને ક્રિયા કરે ને ક્રિયામાંથી નિવૃત્તિ પામે તો પણ તેના મનસૂબા કરે ને અમારો મત એવો જે ક્રિયા કરવામાં પણ ક્રિયારૂપ ન થાવું ને ક્રિયા મૂકીને પણ તેના મનસૂબા ન કરવા. ને વહેવાર આવ્યો તે ક્રિયા તો કરવી પડે, પણ તેણે કરીને પૂર્ણપણું માનવું નહીં.
નિષેધ : શાસ્ત્રવિહિત મનાઈ.
મનસૂબા : સંકલ્પો, કાંઈક કરી લેવાના વિચારો
(321) પ્રથમ સાધન કાળમાં તો પૂરું જ્ઞાન થાય નહિ ત્યાં સુધી સત્સંગનું સુખ આવે નહીં. તે કેની પેઠે જે, જેમ પ્રથમ થોડો વરસાદ વરસે ત્યારે નદીમાં નવું-જૂનું પાણી ભેળું થાય તે મૂળગું (બધુંય) બગડે પછી જ્યારે ઘણો વરસાદ થાય ત્યારે સર્વે નવું પાણી થાય. તેમ બહુ સમાગમ કરતાં કરતાં સત્સંગનું સુખ આવે છે.
(322) કોઈકને ભગવાન પ્રધાન હોય ને કોઈકને વહેવાર પ્રધાન હોય; એ બેયને બરાબર ફળ ક્યાંથી મળશે ? માટે આ વાત પણ જાણી રાખવી.
(323) આજ દિવસ સુધી તો કારખાનાં કરાવ્યાં ને હવે તો જ્ઞાન દેવું છે; તે ફરે જ નહીં. ને વળી કહ્યું જે, ‘સર્વેનાં સુખ જોવાં ને સર્વેનાં રૂપ જાણવાં ને આ ભગવાન વિના બીજા કોઈ ભગવાનમાં માલ નથી, એવું જ્ઞાન શીખવું.’ ને વળી કહે જે, ‘ગિરનાર જેવડો કામ ને મેરુ જેવડું માન ને લોકાલોક જેવડી વાસના; એ સર્વેનાં મૂળ ઉખાડી નાખવાં છે, એવું જ્ઞાન આપવું છે.’
લોકાલોક : પૌરાણિક સમય પ્રમાણે એ નામનો પર્વત.
(324) આપણા દેહમાં જીવ ભેળો કોટાનકોટિ સૂર્યનો પ્રકાશ છે, પણ તે હમણાં દેખાય તો કોઈની ગણતી ન રહે. એમ મહિમા કહ્યો.
(325) મુક્તાનંદસ્વામી જેવા મોટા સાધુ વાતું કરે તો બે હજાર માણસની સભા બેઠી હોય તે સૌના સંકલ્પના ઉત્તર થાતા જાય, એમ મહારાજના સાધુ તો જાણે ને વાતું કરે.
(326) શ્રીજીમહારાજનો મત તો કથાવાર્તા, કીર્તન, ધ્યાન એ જ કરાવવું છે. ને માણસને તો સ્વભાવ પડી ગયા તે બીજું કર્યા વિના રહેવાય નહિ, ત્યારે હવે આપણે શું કરીએ ? ને આવો જોગ છે તેમાં નહિ સમજાય ને સ્વભાવ મૂકીને મોટા સાથે નહિ જોડાય, તો તે વળી મોડો ધામમાં જાશે; એમાં ભગવાનને કાંઈ ઉતાવળ નથી ને આ કારખાનાં તો દહાડે દહાડે (દિવસે દિવસે) વધતાં જાશે.
(327) આ સાધુ જેવા છે તેવા જણાય તો તેને મૂકીને છેટે ખસાય નહિ ને વળી વ્યાપકાનંદસ્વામીની પેઠે કાંઈક ચમત્કાર જણાવે તો તો બંદીખાનું થાય માટે કાંઈ નથી દેખાડતા તે પણ ઠીક છે.
(328) વ્યવહારેણ સાધુઃ (સુવાક્ય)
અર્થ : વ્યવહાર ઉપરથી સાધુ ઓળખાય છે.
તે એકબીજાને વહેવાર પડ્યાથી સાધુતાની ખબર પડે છે; પણ તે વિના સાધુપણું જણાતું નથી.
અર્થ : ધન, સંપત્તિ.
(329) આજ તો મોટાનો સંબંધ છે તે સુખ વરતે છે, પણ દેશકાળે તો આવો જોગ ન રહે તો પણ સુખ રહે એવો શો ઉપાય છે ? એ પ્રશ્ર્નનો ઉત્તર કર્યો જે, ‘મોટાના ગુણ, વિભૂતિ (વિશેષ શક્તિ), ઐશ્ર્વર્ય, પ્રતાપ, ગંભીરપણું, ધીરજપણું એ આદિક મોટાના મહિમાનો વિચાર કરીએ; તેણે કરીને મોટા હૈયામાં સ્ફુરે ને તેણે કરીને સુખ વરતે.’
(330) આ જીવને કોઈ દિવસ ઘડપણ આવતું હશે કે નહિ ? એમ કહીને વળી કહ્યું જે, જીવને તો જ્ઞાન થાય ત્યારે ઘડપણ આવે, પણ તે વિના તો જીવ ઘરડો થાય નહીં.
(331) ભગવાનને અર્થે આપણે જે જે કર્યું છે ને કરીએ છીએ, તે એ જાણે છે ને જેને ખોળે માથું મૂક્યું છે તે રક્ષા કરશે. ને આપણું તો ભગવાન બહુ માની લે છે.
(332) જ્ઞાનીને ભગવાને પોતાનો આત્મા કહ્યો છે. તે ઉદ્ધવ જ્ઞાની. ને પ્રેમીનું ભગવાન રાખે તો ખરા, પણ જ્ઞાન વિના અધૂરું. ને સચ્ચિદાનંદસ્વામીને તરસ લાગી તેથી મહારાજને તરસ છીપે નહિ; પછી સચ્ચિદાનંદસ્વામીને પાણી પાયું ત્યારે મહારાજને તરસ છીપી. તો પણ મહારાજનો મત નિજાત્માનં બ્રહ્મરૂપં માનવું એમ છે.
(જુઓ પ્રકરણ 1ની વાત 36)
(333) પુરુષને સ્ત્રીના જેવું હેત ભગવાનમાં થાય નહીં. એવું હેત તો જ્ઞાને કરીને થાય. ને, ''કૃપાનંદસ્વામીનું ને નિષ્કુળાનંદસ્વામીનું હેત સ્ત્રીના જેવું.'' (જુઓ પ્રકરણ 10ની વાત 38)
(334) જડભરત આ લોકના વહેવારમાં ક્યાંય જોડાણા નહીં. તે શા સારુ? જે, પરમેશ્ર્વર ભજવામાં બંધન થાય નહિ માટે. તે સારુ ગાંડા કહેવાણા ને બીજા આ લોકમાં લઈ મંડે તેને માણસ ડાહ્યા કહે છે; પણ પરમેશ્ર્વર ભજવાના મારગમાં ડાહ્યા નથી અને ભગવાનની કથા તો કેવી છે જે, ચોકિયાત આવીને કહે જે, ‘જાગો ! જાગો !’ પછી જાગે તેથી ચોરનો ભય ટળી જાય, તેમ કથા તો એવી છે.
(335) શિક્ષાપત્રીનો છેલ્લો શ્ર્લોક નિત્ય બોલે છે તેમાં કહ્યું છે જે,
નિજાશ્રિતાનાં સકલાર્તિહન્તા, સધર્મભક્તેરવનં વિધાતા ।
દાતા સુખાનાં મનસેપ્સિતાનાં તનોતુ કૃષ્ણોઽખિલમંગલં નઃ ॥
(શિક્ષાપત્રી : શ્ર્લોક 212)
અર્થ : પોતાના આશ્રિત જે ભક્તજન તેમની સમગ્ર પીડા તેના નાશ કરનારા એવા ને સદ્ધર્મે સહિત જે ભક્તિ કરે તેની રક્ષાના કરનારા એવા, ને પોતાના ભક્તજનને મનવાંછિત સુખના આપનારા એવા જે શ્રીકૃષ્ણ ભગવાન, તે જે તે અમારા સમગ્ર મંગળને વિસ્તારો.
અર્થ : ધન, સંપત્તિ.
(336) એક રુચિવાળા બે જ હોઈએ તે લાખો ને હજારો છીએ. ને તે વિના તો હજારો ને લાખો હોઈએ તો પણ એકલા જ છીએ એમ સમજવું.
(337) ભગવાનને પોતાના ભક્તને મારી-કૂટીને પણ બ્રહ્મરૂપ કરવા છે.
બ્રહ્મરૂપ : બ્રહ્મ ને પરબ્રહ્મના આકારે, બ્રહ્માત્મક, બ્રહ્મમય.
(338) શાસ્ત્રમાં કહ્યું છે જે, ‘શ્રેયાંસિ બહુવિઘ્નાનિ’ (સુવાક્ય) અને લોકમાં કહે છે જે, ‘સારા કામમાં સો વિઘ્નો.’ માટે પરમેશ્ર્વર ભજવામાં ને પરમેશ્ર્વરનું સ્વરૂપ સમજવામાં બહુ અંતરાય છે. તે અંતરાયને ઓળખીને ને તેથી મુકાઈને બહુ ખપવાળો હોય તે પરમેશ્ર્વર સન્મુખ ચાલે, નીકર ચલાય એવું નથી; કેમ જે, આ લોકમાં અનંત અંતરાય છે.
અંતરાય : અડચણ, વિઘ્ન, અવરોધ
(339) પૂર્વનો સંસ્કાર એવું કહેવાય છે, પણ પૂર્વનો સંસ્કાર તે પૂર્વ જન્મનું કરેલું હોય તેને જ કહેવાય એમ ન સમજવું; ત્યારે પૂર્વનો સંસ્કાર તે શું? જે, આજે જે ક્રિયમાણ કરીએ તે આવતી કાલે પૂર્વ કહેવાય એમ સમજવું, માટે આપણે મોટાનો સંગ થયો તે આજ આપણે ઘણું પૂર્વ થયું છે.
ક્રિયમાણ : વર્તમાનકાળનાં કાર્યો.
સંગ : સમાગમ, હેતુ માટેનો સંબંધ, સોબત, સહવાસ
(340) આ કીર્તનમાં કહ્યું છે એ વાત નિરંતર સંભારી રાખવી જે,
સંત સુખી સંસારમેં, ઉદ્ધવ સંત સુખી સંસારમેં.
રાજા ભી દુ:ખિયા ને રંક ભી દુ:ખિયા, ધનપતિ દુ:ખિત વિકારમેં;
વિના વિવેક ભેખ સબ દુ:ખિયા, જૂઠા તન અહંકારમેં. ઉદ્ધવ0
(કીર્તન મુક્તાવલિ : 512)
માટે સમજણવાળાને સંત કહે છે; તે અંબરીષ, પ્રહ્લાદ ને જનક આદિક રાજા હતા, પણ તે સાધુ કહેવાય છે એમ સમજવું.
ભેખ : સંન્યાસ.
(341) જ્ઞાન જ્ઞાનમાં પણ ઘણા ભેદ છે. કેની પેઠે જે, એક ગુજરાતનું ઘોડું હોય તેની સામી લાકડી ઉગામીએ તો ભાગી જાય ને એક તો કાઠિયાવાડનું પલોટેલ ઘોડું હોય તે તો તલવારો, બરછીઓ ને બંદૂકોનો વરસાદ થાતો હોય તેમાં પણ સામું ચાલે, એ રીતે જ્ઞાન જ્ઞાનમાં ભેદ છે.
પલોટેલ : તાલીમ આપી તૈયાર કરેલ.
(342) આગળ જે ભક્ત થઈ ગયા તે કોઈની ઉપમા આજના સત્સંગીને દેવાય નહિ; કેમ જે, આગળ થયા તે કોઈ અક્ષરધામના નિવાસી નહોતા ને આજ તો પુરુષોત્તમના આશ્રિત છે, તે સર્વે અક્ષરધામના અધિકારી છે.
(343) કથા કરે, કીર્તન કરે, વાતું કરે પણ જે, આ દેહ તે હું નહિ, એમ ન માને, તે માટે આઠે પહોર ભજન કરવું જે, ''હું દેહ નથી ને દેહમાં રહ્યો એવો જે હું, તે આત્મા છું, બ્રહ્મ છું, અક્ષર છું ને મારે વિશે પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ પ્રગટ પ્રમાણ અખંડ રહ્યા છે. તે કેવા છે ? તો સર્વ અવતારના અવતારી છે ને સર્વ કારણના કારણ છે ને સર્વ થકી પર છે; તે પ્રગટ આ મને મળ્યા તે છે.'' ને આ વાતમાં સાંખ્ય ને યોગ બેય આવી રહ્યા.
(
વચ.સા. ૧
)